Devendra Patel

Journalist and Author

Date: September 6, 2015 (Page 1 of 2)

શીનાની હત્યા સંપત્તિ માટે થઈ કે પછી ઓનર કિલિંગ

એેક ગ્રીક દંતકથા છે.

મીડિઆ તે કીંગ ઈતિસની દીકરી અને સૂર્યના દેવતા હેલિઓસની પૌત્રી હતી. તે જેસન નામના એક શક્તિશાળી પુરુષને પરણી હતી. જેસનથી તેને બે સંતાનો થયા હતા. મેર્મેરોજ અને ફેરેઝ. એક તબક્કે તેનો પતિ જેસન કોરિન્થની રાજકુમારી ગ્લુસને પરણી જાય છે ત્યારે ક્રોધે ભરાયેલી મીડિઆ જેસનથી થયેલા તેના બંને સંતાનોની હત્યા કરી પતિએ કરેલી દગાબાજીનો એ રીતે બદલો લે છે. ઈસુના જન્મ પહેલાંની ત્રીજી સદીમાં એપોલોનિયસ દ્વારા લખાયેલી આ દંતકથા ગ્રીક માયથોલોજીમાં એેક કલાસિક કૃતિ ગણાય છે ત્યાર પછી એ કથા યુરિપિડસે લખી હતી. આજે જે સ્ત્રી પોતાના જ સંતાનોની હત્યા કરી નાંખવાની વૃત્તિ ધરાવે છે તે મનોવિકૃતિને ‘મીડિઆ કોમ્પ્લેક્સ કહે છે. ઈન્દ્રાણી મુખરજી પણ આ જ કક્ષામાં આવે છે.

ઈન્દ્રાણી આમ તો સ્વર્ગના દેવ ઈન્દ્રની પત્નીનું નામ છે. ઈન્દ્રાસન અને ઈન્દ્રાણી તો જે ઈન્દ્ર થાય તેને વરતા હતા પરંતુ આ કળિયુગની એક ઈન્દ્રાણીની કથા છે જેને પુત્ર-પુત્રી કરતાં લખલૂંટ ધન અને ઐશ્વર્ય વહાલા હતા. દેશની એક ઈન્દ્રાણીએ ભારતીય સમાજ, ભારતીય સંસ્કૃતિ અને ભારતની અસ્મિતાને લાંછન લગાડયું છે. મિલકત માટે પોતાની કૂખે જન્મેલી પુત્રીની હત્યા કર્યા બાદ પુત્રને પણ પતાવી દેવા પ્લોટ રચનાર ઈન્દ્રાણી મુખરજી નામની એક ભારતીય મહિલાએ દેશની સંસ્કારી મહિલાઓને પણ સ્તબ્ધ કરી દીધી છે.

ઈન્દ્રાણી મુખરજીની કથા આલ્ફ્રેેડ હિચકોકના ‘સાયકો’ પિક્ચર કરતાંયે વધુ સનસનીખેજ થ્રિલર જેવી છે. એણે પહેલું લગ્ન કર્યું એ પહેલા સિદ્ધાર્થ દાસથી એને બે સંતાનો થયાં- એક પુત્રી શીના અને પુત્ર મિખાઈલ. તે પછી બીજું લગ્ન કર્યું, તે પછી એણે ત્રીજું લગ્ન કર્યું અને તે પણ એક જમાનાના સ્ટાર ઈન્ડિયાના એ સમયના સીઈઓ પીટર મુખરજી સાથે. પીટર મુખરજી કરતા ઈન્દ્રાણી ઘણી નાની છે. આ કથામાં અનેક નાટયાત્મક વળાંકો છે. મજાની વાત એ છે કે પીટર મુખરજીનો આગલી પત્નીથી થયેલો પુત્ર ઈન્દ્રાણી મુખરજીના પ્રથમ પ્રેમી થયેલી પુત્રી શીનાના પ્રેમમાં પડયો. પીટર મુખરજી તેમની આગલી પત્નીથી થયેલા પુત્ર અને પુત્રીને પોતાની સાથે રાખતા હતા, જ્યારે ઈન્દ્રાણી મુખરજી પોતાના પ્રથમ પતિથી થયેલી પુત્રી શીના અને બીજા નંબરના પતિ સંજય ખન્નાથી થયેલી પુત્રી વિધિ સાથે સંપર્ક જારી રાખ્યો પરંતુ નોંધપાત્ર વાત એ હતી કે ઈન્દ્રાણી મુખરજીએ પોતાની સગી પુત્રી શીનાની ઓળખ તેના પતિને પોતાની બહેન તરીકે આપી. આ ઘટના એટલી બધી વિચિત્ર છે કે, પીટર મુખરજીનો પુત્ર રાહુલ અને ઈન્દ્રાણી મુખરજીની પુત્રી આમ તો ઓરમાન ભાઈ-બહેન થાય પરંતુ ઈન્દ્રાણીએ છુપાવેલી વાતોના કારણે બેઉ એકબીજાના પ્રેમમાં પડયા.

ઈન્દ્રાણીના મમ્મીનું નામ દુર્ગા રાણી અને પપ્પાનું નામ ઉપેન કુમાર બોરા છે. ૧૯૬૪માં જન્મ બાદ તેણે પ્રાથમિક શિક્ષણ ગુવાહાટીમાં અને કોલેજનું શિક્ષણ મેઘાલયના શિલોંગમાં લીધું. તે ભણતી હતી એ વખતે જ સિદ્ધાર્થ દાસ સાથે પ્રેમમાં પડી હોવાનું માનવામાં આવે છે. ઈન્દ્રાણીનું અસલ નામ પોરીબોરા છે. એક ચર્ચા એ પણ છે કે કોલેજમાં ભણતી વખતે પોરી બોરા ઉર્ફે ઈન્દ્રાણીને ચિરાગ નામના બેરોજગાર યુવાન સાથે પ્રેમ થયો હતો. તેને ૧૯૮૯માં ૧૧,ફેબ્રુઆરીએ શીનાનો અને ૧૯૯૦માં મિખાઈલનો જન્મ થયો હતો. તેમના જન્મ વખતે   પિતા તરીકે પોરી બોરાએ પોતાના પિતાનું નામ અને સરનેમનો ઉપયોગ કર્યો હતો. ચિરાગ કમાતો ન હોવાથી બોરાપરિવારે તેને ગુવાહાટીમાં જ ગણેશઘુરી વિસ્તારમાં હોટેલ ખોલી આપી હતી, પણ એ ચાલી નહીં અને એથી વધુ ભણવા માટે પોરી બોરા તેના બે નાનાં સંતાનોને પિતા પાસે મૂકીને ૧૯૯૦માં કોલકાત્તા જતી રહી હતી.

જો કે વરિષ્ઠ અંગ્રેજી પત્રકાર વીર સંઘવીએ એવો દાવો કર્યો છે કે ઈન્દ્રાણી મુખરજીના પિતા તેની મમ્મીને છોડીને જતા રહ્યા ત્યારે તેની મમ્મીએ તેના દિયર ઉપેનકુમાર બોરા સાથે લગ્ન કરી લીધાં હતા. આ મેરેજ સગવડિયાં હતા અને જ્યારે ઈન્દ્રાણી યુવાન થઈ ત્યારે તેના સાવકા પિતા ઉપેન કુમારે તેના પર બળાત્કાર કર્યો હતો અને આ વાતની જાણ તેની મમ્મી દુર્ગા રાણીને પણ હતી. આ બળાત્કારની ઘટનાની પ્રેગ્નન્ટ થયેલી ઈન્દ્રાણીએ પુત્રીને જન્મ આપ્યો હતો અને તે પુત્રી શીના હતી. એથી શીનાને પણ બોરા સરનેમ મળી હતી. આમ શીનાના અસલી પિતા કોણ તે એક રહસ્ય છે.

શીના મર્ડર કેસ એક સીધો સાદો કેસ નથી પરંતુ જટીલ છે. ઈન્દ્રાણી મુખરજીએ હત્યાનો પ્લોટ રચ્યો. તેમાં તેના બીજા નંબરના પતિ સંજીવ ખન્નાએ મર્ડરમાં સાથ આપ્યો. આ પ્રકારનું નિવેદન ડ્રાઈવર શ્યામ માનવ મનોહર રાયનું છે. વાત એમ છે કે શીનાના ગુમ થયા અંગે તો કોઈ તપાસ થઈ નહોતી પરંતુ એક દિવસ કોઈએ ખાર પોલીસને જાણ કરી કે શ્યામ પાસે એક ૭.૬૫ એમ.એમ.ની એક પિસ્તોલ છે. આ બાતમીના આધારે શ્યામને પોલીસે પકડયો હતો. એ પછી શ્યામે કબૂલ કર્યું કે, હા, ઈન્દ્રાણી મુખરજીની પુત્રીની હત્યામાં હું પણ હતો.’ તેના આ નિવેદન બાદ જ ઈન્દ્રાણી પકડાઈ. ડ્રાઈવરે એમ પણ કહ્યું કે શીનાની હત્યા પહેલાં ઈન્દ્રાણી અને તેના બીજા નંબરના પતિ સંજીવ ખન્ના વચ્ચે લંબાણપૂર્વક વાત થઈ હતી. તે પછી તેણે સંજીવ ખન્નાને કોલકાત્તાથી મુંબઈ બોલાવ્યો હતો. ઈન્દ્રાણીએ મુંબઈમાં વરલી ખાતે હોટલ હિલટોપ ખાતે એક રૂમ બુક કરાવ્યો હતો. બીજા દિવસે સંજીવ ખન્ના એ રૂમમાં રોકાયો હતો. સાંજે ૭ વાગે સંજીવ ખન્ના અને ઈન્દ્રાણી બાન્દ્રા ગયા હતા. લિંકિંગ રોડ પર જોકી એકસક્લુઝિવ શોપ પાસે કાર ઊભી રખાવી હતી. શીનાને ત્યાં કોઈ કારણ આપી બોલાવવામાં આવી હતી. શીના આવી. તે પછી પહેલાં સંજીવ ખન્નાએ શીનાનું ગળું દબાવી દીધું હતું. ઈન્દ્રાણીએ તેમાં મદદ કરી હતી. એની લાશને એક કારની ડેકીમાં મૂકી દેવામાં આવી હતી ? શીનાની હત્યા રૂમમાં થઈ કે કારમાં તે અંગે શ્યામનું નિવેદન સ્પષ્ટ નથી પરંતુ તે કહે છે કે બીજા દિવસે ઈન્દ્રાણીએ નક્કી કરેલા જંગલમાં એ લાશ લઈ ગયા હતા. તા. ૨૫ એપ્રિલ ૨૦૧૨ના રોજ સવારે ૪ વાગે શીનાની લાશને એક ઝાડીમાં ફેંકી તેની પર પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવી હતી. એ આખી લાશ બળી ગઈ છે તેની ખાતરી થયા બાદ ઈન્દ્રાણી અને સંજીવ ખન્નાએ સ્થળ છોડવાનું પસંદ કર્યું હતું.

કહેવાય છે કે રૂ. ૮૦૦ કરોડની સંપત્તિ માટે ઈન્દ્રાણી પોતાની પુત્રીને અને પુત્રને વારસદાર રહેવા દેવા માગતી ન હોતી. વળી પોતાના પતિ પીટર મુખરજીના પુત્ર રાહુલ સાથેના સંબંધથી પણ તે ખુશ નહોતી. કહેવાય છે કે ઈન્દ્રાણી મુખરજીએ ખૂબ ઠંડા કલેજે પુત્રીની હત્યા માટે એક પ્લોટ રચ્યો હતો અને એ પ્લોટ અમલમાં મૂકતા પહેલાં ઈન્દ્રાણીએ પુત્રીની હત્યા કરી તેની લાશ કયાં ફેંકી દેવી તેના માટે પણ જંગલોમાં જઈ રેકી કરી હતી. પુત્રીની હત્યામાં એણે બીજા નંબરના પતિનો સાથ લીધો હતો. હત્યા કરતાં પહેલાં શીનાને ઝેરી ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. પછી ગળું દબાવી દેવાયું. તેના શબને એક શૂટકેસમાં રાખવામાં આવ્યું અને આખી રાત એ કાર પીટર મુખરજીના ગેરેજમાં રાખવામાં આવી. બીજા દિવસે લાશ રાયગઢના જંગલોમાં ફેંકી દેવાઈ શીના મૃત્યુ પામી ત્યારે તે ગર્ભવતી હતી.

આ આખીયે ઘટના બહાર આવી અને ઈન્દ્રાણી મુખરજીની ધરપકડ થઈ ત્યારે પીટર મુખરજી સ્તબ્ધ થઈ જતા કહ્યું: ‘હું સ્તબ્ધ છું. શીના મારી પત્ની ઈન્દ્રાણીની પુત્રી છે તે વાતની ખબર હજુ આટલા વર્ષ બાદ મને આજે જ પડી. અત્યાર સુધી તે શીનાની ઓળખ એની બહેન તરીકે આપતી હતી. વળી તેને મિખાઈલ નામનો એક પુત્ર છે તે પણ મેં પહેલી જ વાર જાણ્યું. અત્યાર સુધી તે મિખાઈલને પોતાનો ભાઈ બતાવતી હતી!

આ ઘટનાની આશ્ચર્યજનક વાત એ છે કે શીનાની હત્યા થયાના ત્રણ વર્ષ બાદ આખીયે ઘટના બહાર આવી. ત્રણ વર્ષ સુધી શીના ગુમ રહી એ પ્રશ્ન કદી કોઈએ કેમ ના કર્યો ? ઘણા લોકો એમ માને છે કે, ઈન્દ્રાણીએ પ્રોપર્ટી માટે પુત્રીનું મર્ડર કર્યું. ઘણા કહે છે કે, આ એક પ્રકારનું ઓનર કીલિંગ હતું. કારણ કે ઈન્દ્રાણીને પોતાની પુત્રી તેના પતિના પુત્ર સાથે પ્રેમ કરે તે પસંદ નહોતું. ત્રીજી થિયરી એ છે કે, શીના ઈન્દ્રાણીનું બ્લેકમેઈલિંગ કરતી હતી. શીના તેની માને શાયદ એવી ધમકી આપતી હતી કે તે તેની પુત્રી છે એ વાત પીટર મુખરજીને કહી દેશે. શીના રૂપાળી હતી. સારી જોબ કરતી હતી. સામાજિક જીવનમાં સક્રિય હતી. શીના પ્રેમી રાહુલે પણ શીના ગુમ થઈ છે એ વાતની જાણ પોલીસને કરી હતી પણ કોઈ જ તપાસ કેમ ના થઈ ? શીનાની હત્યા અનેક પ્રકારના રહસ્યો ધરાવે છે. તેમાં એક કરતાં અનેક વ્યક્તિઓનો હાથ હોવો જોઈએ.

શીનાની હત્યા એ કાનૂની કોયડા ઉપરાંત મનોવૈજ્ઞાાનિક કોયડો પણ છે.

PM મોદીના NDA સામે લાલુ-નીતીશનું DNA યુદ્ધ

ચીનીકમ

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આકરા પ્રહારો અને ખરાખરીનો જંગ

બિહાર વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતીશ-લાલુની સાથેસાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગેલી છે. લાલુ પ્રસાદ યાદવે તેમને જેલમાં મોકલનાર નીતીશકુમાર સાથે ગઠબંધન કરી લીધું છે. નાછૂટકે તેમ કર્યું છે. કરવું પડયું છે. લાલુની ઇચ્છા વિરુદ્ધ તેમણે બિહારના ભાવિ મુખ્યમંત્રી તરીકે નીતીશકુમારના નામને સમર્થન આપ્યું છે. તેની સામે બિહારમાં ભાજપનો કોઈ ચહેરો કદાવર ના હોઈ બિહારની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાના સહારે ભાજપે ચૂંટણી જંગમાં ઊતરવું પડયું છે. તેથી આ ચૂંટણી નીતીશકુમાર વિરુદ્ધ નરેન્દ્ર મોદી વચ્ચેની લડાઈ બની રહેશે.

પુરાણી દુશ્મની

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતીશકુમાર વચ્ચે પહેલેથી જ કડવાશ રહેલી છે. કઈ એક સમયે નીતીશકુમાર એનડીએનો એક હિસ્સો હતા, પરંતુ ૨૦૧૪ની ચૂંટણી પહેલાં એનડીએના ભાવી વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત વખતે જ નીતીશકુમારે એનડીએ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. પટણામાં મળેલી ભાજપની કારોબારી વખતે ભાજપના નેતાઓને નીતીશકુમારે જમવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ પાછળથી નરેન્દ્ર મોદીના નામનો મુદ્દો બનાવી એ આમંત્રણ રદ કરી દીધું હતું. બિહારમાં પૂરના કારણે ગુજરાત સરકારે મોકલેલા રૂ. પાંચ કરોડની સહાયના ચેકની રકમ પણ પાછી મોકલવાની નીતીશકુમારે પેરવી કરી હતી. આ બધાં ધમપછાડા છતાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી લીધી. નીતીશકુમારે પછડાટ ખાધી. એટલે સુધી કે નીતીશકુમારે થોડાક સમય માટે મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી.

ફરી મેદાની જંગ

પરંતુ ફરી એકવાર નીતીશકુમાર એક નવા જ ગઠબંધન સાથે મેદાનમાં છે. રણશિંગુ ફુંકાઈ ગયું છે. બિહારમાં ભાજપ પાસે કોઈ સ્થાનિક પ્રખર વક્તા નથી. બિહારમાં ભાજપે નરેન્દ્ર મોદીના સહારે જ વૈતરણી પાર કરવાની છે. પહેલી જ પરિવર્તન રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લલકાર કરતાં કહ્યું : “શું તમે ફરીથી બિહારમાં (નીતીશકુમારનું) જંગલ રાજ-૨ ઇચ્છો છો ? બિહારમાં ચંદનપ્રસાદ કોણ છે અને ભૂજંગ પણ કોણ છે ?” આવા તીખા પ્રવચનોનો પણ એવો જ જવાબ લાલુ પ્રસાદ યાદવ અને નીતીશકુમારે આપ્યો છે. નરેન્દ્ર મોદીના પ્રવચનના જવાબમાં લાલુ પ્રસાદે કહ્યું કે, જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નરેન્દ્ર મોદીનું માનસિક સંતુલન બગડતું જાય છે. જ્યારે નીતીશકુમારે વડા પ્રધાન પર દમન અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો. તેની સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું : “ગંગાજી વહે છે, પણ નીતીશકુમાર ઊંધો લોટો લઈને જશે તો તો એક ટીપું પાણી (કેન્દ્રીય સહાય) નહીં આવે.” એ પછી વડા પ્રધાને બિહાર માટે રૂ. ૧ લાખ ૨૫ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેની સામે પણ નીતીશકુમારે સવાલો ઉઠાવ્યા છે.

ડીએનએ ટેસ્ટ

યુદ્ધ અહીં અટકતું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રહાર કર્યો કે, બિહારને બીમાર રાજ્ય બનાવવા માટે મુખ્યમંત્રી નીતીશકુમારના ડીએનએમાં ખોટ છે. એના જવાબમાં નીતીશકુમારે કહ્યું કે, “વડા પ્રધાન પહેલી વાર બિહારમાં આવ્યા અને હવે ડીએનએ પર સવાલ ઊભો કરીને સમગ્ર બિહારીઓનું અપમાન કરી રહ્યા છે. હવે અમે ૫૦ લાખ બિહારીઓના ડીએનએના નમૂના વડા પ્રધાનને મોકલીશું.” એ જ રીતે વડા પ્રધાને લાલુ પ્રસાદની જેલયાત્રાના સંદર્ભમાં કહ્યું કે, જેલમાંથી બહાર આવતો માણસ બુરાઈઓ જ લઈને આવે છે. તો એના જવાબમાં નીતીશકુમારે સામે પ્રશ્ન પૂછયો કે, “કૃપા કરીને એ કહો કે તમારી જ પાર્ટીના પ્રમુખ અમિત શાહ કઈ કઈ બુરાઈઓ લઈને જેલમાંથી બહાર આવ્યા છે ?”

છેવટે નીતીશકુમારે ભાજપને બડકા જુઠા પાર્ટીનું ઉપનામ પણ આપી દીધું.

વાત આટલેથી અટકતી નથી. થોડા દિવસો પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગયાના ગાંધી મેદાનમાં પરિવર્તન રેલીનું આયોજન થયું તેની આગલી સાંજે જ નરેન્દ્ર મોદીની તસવીરોવાળા પોસ્ટર્સ અને ર્હોિડગ્સ જનતા દળ (યુ)ના કાર્યકર્તાઓએ ફાડી નાખ્યા. એની જગાએ નીતીશકુમારનાં પોસ્ટર્સ લગાવી દીધાં. આ ઘટના બાદ દિલ્હીમાં નીતીશકુમાર બિહાર ફાઉન્ડેશનના ઉદ્ઘાટન માટે ગયા ત્યારે તેમના કાર્યક્રમ દરમિયાન જ કેટલાક લોકોએ નીતીશકુમારનો જબરદસ્ત વિરોધ કર્યો. નીતીશકુમાર જ્યારે સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે પંદર માણસો હોલમાં ઘૂસી ગયા અને બૂમરાણ મચાવી દીધી. લોકસભા સાંસદ પપ્પુ યાદવ કે જેમને નીતીશકુમારે તેમની પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે અને તેઓ હવે એનડીએના સમર્થક છે તેમણે કહ્યું કે, “નીતીશકુમારનો વિરોધ મેં કરાવ્યો છે અને ભવિષ્યમાં પણ આવો જ વિરોધ થશે.”

રાજ્યપાલ નીમ્યા

બિહારમાં વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ જ બિહારમાં ભારતીય જનતા પાર્ટીના નેતા રામનાથ કોવિન્દની બિહારના રાજ્યપાલ તરીકે અચાનક નિમણૂક કરી દેવામાં આવી છે. આ નિમણૂક ગયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પરિવર્તન રેલીના આગલા દિવસે જ કરી દેવામાં આવી. ગવર્નરની આ નિમણૂકથી નીતીશકુમાર ભડક્યા છે. તેમણે નાખુશી જાહેર કરતાં કહ્યું કે, પ્રણાલિકા મુજબ કોઈ પણ રાજ્યમાં નવા રાજ્યપાલની નિમણૂક કરતાં પહેલાં જે તે રાજ્યના મુખ્યમંત્રીની સલાહ લેવામાં આવે છે અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવે છે, પણ બિહારની બાબતમાં આવું કાંઈ જ થયું નથી. મને તો આ ખબર મીડિયા મારફતે જ પ્રાપ્ત થઈ. સંસદમાંઅમે આ પ્રશ્ન ઉઠાવીશું.

બિહારના નવા રાજ્યપાલ રામનાથ કોવિન્દ દલિત સમાજમાંથી આવે છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના છે. તેઓ બે વાર રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. ૧૯૯૯થી ૨૦૦૨ સુધી તેઓ ભાજપના શિડયુલ્ડ કાસ્ટ મોરચાના વડા રહી ચૂક્યા છે. એનડીએ પાસે હાલ તેના ભાગરૂપે દલિત નેતા રામવિલાસ પાસવાન તો છે જ. વળી તેમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી સાથે પણ ગઠબંધન થયું છે. હવે ભાજપ બિહારના રાજ્યપાલ તરીકે એક દલિત નેતા એવા રામનાથ કોવિન્દને લાવી પક્ષે દલિત વોટ્સ હાંસલ કરવા આયોજન કરી લીધું છે.

હવે શું થશે ?

આમ બિહારની ચૂંટણી એક રસપ્રદ તબક્કામાં પ્રવેશી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓમાં ભારે ભીડ જોવા મળે છે. બીજી બાજુ નીતીશકુમાર છેલ્લાં ૧૦ વર્ષથી સત્તા પર હોઈ તેમની સામે અસંતોષ પણ છે. વળી નીતીશ-લાલુનું ગઠબંધન આખું બિહાર સ્વીકારતું નથી, પરંતુ ભાજપની મુશ્કેલી પણ એ છે કે,બિહારમાં નીતીશકુમાર અને લાલુ પ્રસાદની કક્ષાનો કોઈ સ્થાનિક નેતા તેની પાસે નથી તેથી આ ચૂંટણીનાં પરિણામો અંગે કોઈ પણ પક્ષને આત્મવિશ્વાસ નથી

આ ગરીબી માટે જવાબદાર કોણ?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
  • વિશ્વના ત્રીજા ભાગનાં ગરીબો ભારતમાં

ભારત અનેક પ્રકારના વિરોધાભાસ ધરાવતો દેશ છે. ભારત પાસે ન્યુક્લિયર શસ્ત્રો છે, પરંતુ દેશમાં ૪૦ કરોડ ગરીબોને બે ટંક ભોજન પ્રાપ્ત નથી. ભારત પાસે સેટેલાઇટ્સ છે, પરંતુ સેંકડો શાળાઓમાં શૌચાલય નથી. ભારત પાસે આઈઆઈએમ અને આઈઆઈટી જેવી શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ છે, પરંતુ દેશની હજારો શાળાઓ પાસે પૂરતા શિક્ષકો નથી. ભારત પાસે અદ્યતન વર્લ્ડક્લાસ વિમાની મથકો છે, પરંતુ હજારો ગામોમાં એસ.ટી. બસની સુવિધા નથી. દેશની ફાઇવસ્ટાર હોટલોના બારમાં રોજ ૨૦ હજારની કિંમતની બ્લૂ લેબલ વ્હિસ્કી ઉપલબ્ધ છે, પરંતુ હજારો ગામોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. મોટાં શહેરોમાં ચોવીસ કલાક વીજળીનો ઝગમગાટ છે, પરંતુ દેશનાં (ગુજરાત સિવાય)નાં હજારો ગામોમાં અંધારપટ છે. ગાંધીજી કહેતા હતા કે, સાચું ભારત દેશના ૬ લાખ ગામડાંઓમાં વસે છે.

એક તરફ શહેરોમાં ઝાકમઝોળ દેખાય છે, પરંતુ બીજી બાજુ હજારો ગામડાં હજુ વિકાસનાં લાભોથી વંચિત છે. વિકાસ લક્ષ્યો (એમડીજી) હાંસલ કરવાની બાબતમાં શાળાઓમાં વિદ્યાર્થિનીઓની ટકાવારી વધારવાની બાબતમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું, પરંતુ ગરીબીની નાબૂદી, રોજગારીની વૃદ્ધિ, માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદરની બાબતમાં નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવાની બાબતમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના વાર્ષિક અહેવાલ જારી કરવાના અવસરે જવાહરલાલ નહેરુ યુનિર્વિસટીના અર્થશાસ્ત્રનાં અધ્યાપિકા ડો. જયંતિ ઘોષનું આ તારણ છે. તેમણે જણાવ્યું છે કે, ગરીબી દૂર કરવાની બાબતમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

દુનિયાભરમાં ૨૦૧૦ના વર્ષમાં એક કરોડ વીસ લાખ લોકો અત્યંત ગરીબ હતા. તેમાંથી ૩૨.૯ ટકા અતિ ગરીબ લોકો ભારતમાં રહે છે. દુનિયાના એક તૃતીયાંશ ગરીબો એકમાત્ર ભારતમાં રહે છે. ભારતને બાદ કરી દેવામાં આવે તો દક્ષિણ એશિયાએ ગરીબી દૂર કરવાની બાબતમાં એમડીજીનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે,પરંતુ તેમાં ભારતને સામેલ કરી દેવામાં આવે તો દક્ષિણ એશિયા એક જૂથ તરીકે લક્ષ્ય હાંસલ કરવાની બાબતમાં ઘણું પાછળ રહી જાય છે.

અલ્પસંખ્યક મામલાઓનાં મંત્રી નજમા હેપતુલ્લાએ કહ્યું કે, ગરીબીની સમસ્યા આખી દુનિયાની આમ સમસ્યા છે. દેશમાં એમડીજીની દિશામાં રાજ્યવાર પ્રદર્શનમાં પણ ઘણું અંતર છે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોએ આ લક્ષ્યો લગભગ હાંસલ કરી લીધાં છે, પણ બીજાં રાજ્યો આ બાબતમાં પાછળ છે.

ડો. જયંતિ ઘોષનું કહેવું છે કે દેશની સંસદમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં એમડીજીની દિશામાં નાણાંની ફાળવણી વધારવાના બદલે ઘટાડવામાં આવી. એની સાથે સાથે એ વાત પણ જરૂરી છે કે વિકાસ એકમાત્ર સરકારનો વિષય નથી, તેમાં સામાન્ય લોકોને પણ સામેલ કરવા જોઈએ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ૨૦૦૦ની સાલમાં સંયુક્ત રાષ્ટ્રના મિલેનિયમ સંમેલનમાં ગરીબી, ભૂખમરો, સ્વાસ્થ્ય, જેન્ડર સમાનતા, શિક્ષણ અને પર્યાવરણ અંગે કેટલાક લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા. આ લક્ષ્યાંકો ૨૦૧૫ સુધીમાં હાંસલ કરવાના હતા, પરંતુ ઘણાં લક્ષ્યાંકો હાંસલ કરવાના હજુ બાકી છે. હકીકતમાં તે કોઈ મોટા મહાત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નહોતા. રોજગારીની બાબતમાં પણ ભારતનું પ્રદર્શન ઠીક રહ્યું નથી.

અર્થવ્યવસ્થાને લાગેવળગે છે ત્યાં સુધી અર્થવ્યવસ્થાની વૃદ્ધિની રફતારના મુકાબલે રોજગાર વૃદ્ધિની પ્રગતિ ધીમી રહી છે. આમ તો આવી સ્થિતિમાં શ્રમ શક્તિની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ જોવા મળે છે, પરંતુ અહીં તેમાં કમી જોવા મળે છે જે અર્થશાસ્ત્રીઓ માટે આશ્ચર્યની વાત છે.

નોંધપાત્ર વાત એ છે કે, મહિલાઓને રોજગારીની બાબતમાં જોકે સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડા અનુસાર વૃદ્ધિ જોવા મળે છે, પરંતુ રાષ્ટ્રીય આંકડા મુજબ તેમાં કમી જોવા મળે છે.

એ જ રીતે દેશમાં કુપોષણની બાબતમાં કમી આવી છે, પરંતુ દેશ નિર્ધારિત લક્ષ્યથી હજુ દૂર છે. આ જ બાબત સાથે જોડાયેલી એક બીજી સમસ્યા પણ છે. ભારતમાં બાળકો જન્મે છે ત્યારે ઘણાં ગરીબ પરિવારોમાં જન્મતાં બાળકોનું વજન હોવું જોઈએ તે કરતાં ઘણું ઓછું હોય છે. માતાના મૃત્યુદરની બાબતમાં દુનિયાના ચોથા ભાગનાં માતા મૃત્યુ ભારતમાં થાય છે. આ અંગે પણ આપણે હજી કાંઈ કરી શક્યા નથી.

એ જ રીતે પ્રાથમિક શાળાઓમાં દાખલ થતાં બાળકોની સંખ્યા વધી છે, પરંતુ સ્કૂલ છોડી દેવાના આંકડા ચિંતાજનક છે. દેશમાં સરકારી સ્કૂલોની હાલત સારી નથી. ઘણી બધી સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે. મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ કેટલાંક રાજ્યોમાં પશુઓ પણ ના ખાય તેવું હલકી કક્ષાનું ભોજન બાળકોને પીરસવામાં આવે છે. ઘણાં બાળકો એ ભોજન ખાઈને બીમાર પડી જાય છે, તો કેટલાંક બાળકો તો એ ભોજનને અડકતાં જ નથી.

ભારતમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયોજક લીઝ ગ્રાને કહ્યું છે કે, આ અહેવાલમાં એક સારા સમાચાર એ છે કે, વૈશ્વિક સ્તર પર ૧૯૯૦ના મુકાબલે અતિ ગરીબોની સંખ્યામાં કમી આવી છે.

એટલે કે વિશ્વના અતિ ગરીબ લોકોની સંખ્યા ૫૦ ટકા ઘટી છે અને વૈશ્ચિક સ્તર પર બાળકોના કુપોષણમાં પણ ગિરાવટ આવી છે. આમ છતાં વિશ્વમાં ચોથા ભાગનાં બાળકો હજુ કુપોષણનો શિકાર છે.

એ જ રીતે બીજી નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વમાં સારી વૈજ્ઞાાનિક પ્રગતિ થઈ હોવા છતાં પણ દર વર્ષે ૩૦ લાખ લોકો મેલેરિયાથી, ૬૬ લાખ લોકો એઇડ્સથી અને બે કરોડ ૨૦ લાખ લોકો ટીબીથી મૃત્યુ પામે છે. આ આંકડા વિશ્વના છે.

વિશ્વમાં નાનાં-નાનાં યુદ્ધોથી, આતંકવાદથી અને અકસ્માતોથી મરનારા લોકોની સંખ્યા પણ લાખોમાં છે.

મુદ્દો એ છે કે વિશ્વના અતિ ગરીબ લોકો પૈકી ત્રીજા ભાગના ગરીબો ભારતમાં રહેતા હોય, ભૂખમરાનો શિકાર હોય અને અત્યંત કષ્ટદાયક જીવન જીવતા હોય તો તેના માટે જવાબદાર કોણ? આઝાદીનાં ૬૦થી વધુ વર્ષ બાદ પણ દેશમાં આવી કરુણાજનક ગરીબી માટે જવાબદાર કોણ? નેતાઓ, અધિકારીઓ, વ્યવસ્થાતંત્ર કે મતદારો?

સજા એ મૌત’ કેટલી જરૂરી?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
  • ફાંસીની સજા પામેલા ૩૦ ટકા શખ્સો ઉપરની કોર્ટોમાં નિર્દોષ છૂટી જાય છે

મુંબઈ બોમ્બ ધડાકાઓના અપરાધી યાકૂબ મેમણને ફાંસી બાદ દેશમાં ફાંસીની સજા હોવી જોઈએ કે નહીં તે અંગે દેશમાં લાંબી ચર્ચા ચાલી. નેશનલ ક્રાઇમ બ્યૂરોના એક અહેવાલ પ્રમાણે પાછલાં ૧૦ વર્ષોમાં(૨૦૧૦થી ૨૦૧૩) દેશભરમાં ૧૩૦૩ લોકોને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી, પરંતુ તેમાંથી માત્ર ત્રણ જ અપરાધીઓને ફાંસી આપવામાં આવી હતી.

આ અહેવાલ અનુસાર તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૦૪ના રોજ પશ્ચિમ બંગાળની અલીપુર સેન્ટ્રલ જેલમાં ધનંજય ચેટરજી નામના એક શખ્સને તેના ૪૨મા જન્મદિવસે જ ફાંસી આપવામાં આવી. તેની પર એક બાળા પર બળાત્કાર કરી તેની હત્યા કરી દેવાનો આરોપ હતો.

તે પછી તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૨ના રોજ મોહમ્મદ અજમલ કસાબનેે ફાંસી આપવામાં આવી. તે ૨૦૦૮માં મુંબઈમાં આતંકી હુમલાનો દોષી હતો. તેને પૂણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી.

તે પછી તા. ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ મોહમ્મદ અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી. તે ૨૦૦૧માં દિલ્હી ખાતે પાર્લામેન્ટ પર હુમલાનો અપરાધી હતો. તેને દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી.

નોંધનીય બાબત એ છે કે, ગત ૧૦ વર્ષમાં ૩૭૫૧ લોકોની ફાંસીની સજા આજીવન કારાવાસમાં તબદીલ કરી દેવામાં આવી. એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલના આંકડા અનુસાર ૧૯૪૭ પછી કુલ ૧૭૦ લોકોને ફાંસીની સજા આપવામાં આવી, જેમાંથી એક જ સમુદાયના લોકો માત્ર ૧૫ જ હતા. આજકાલ કેટલાંક લોકો એવો આક્ષેપ કરે છે કે, યાકૂબ મેમણ કોઈ એક સમુદાયનો હોવાથી તેને ફાંસી આપવામાં આવી. આ આક્ષેપના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ ઉપરોક્ત આંકડો આપ્યો છે. અલબત્ત, દિલ્હીની રાષ્ટ્રીય વિધિ વિશ્વવિદ્યાલયના આંકડા અનુસાર આઝાદી પછી જે સમુદાયની ચર્ચા ચાલે છે તે સમુદાયના (ઉપનામના આધારે) ૬૦ જેટલા લોકોને ફાંસી આપવામાં આવી છે. અલબત્ત, આ અહેવાલમાં કેટલાંક રાજ્યોના આંકડા ઉપલબ્ધ થઈ શક્યા નથી, કારણ કે કેટલાંક રાજ્યોએ કહ્યું કે તેમનો રેકોર્ડ ઊધઈથી નાશ પામ્યો છે.

૨૦૦૭માં સૌથી વધુ એટલે કે ૧૮૬ જેટલા અપરાધીઓને મૃત્યુદંડ આપવામાં આવ્યા તે પછી ૨૦૦૫માં ૧૬૪ જેટલા શખ્સોને ફાંસીની સજા ફરમાવવામાં આવી, પરંતુ ૨૦૦૫માં જ સૌથી વધુ એટલે કે ૧૨૪૧ જેટલા લોકોને અપાયેલી ફાંસીની સજા આજીવન કારાવાસમાં બદલી નાખવામાં આવી. પાછલાં ૧૦ વર્ષમાં ઉત્તરપ્રદેશમાં સહુથી વધુ એટલે કે ૩૧૮ જેટલા ગુનેગારોને ફાંસીની સજા ફરમાવવામાં આવી. મહારાષ્ટ્ર ૧૦૮ના આંકડા સાથે ફાંસીની સજા માટે બીજા નંબર પર રહ્યું, તે પછી કર્ણાટકમાં ૧૦૭ અને મધ્યપ્રદેશમાં ૧૦૪ વ્યક્તિઓને ફાંસીની સજા ફરમાવવામાં આવી. ૨૦૦૪થી ૨૦૧૩ દરમિયાન દિલ્હીમાં ૨૪૬૫ જેટલી વ્યક્તિઓને થયેલી ફાંસીની સજા આજીવન કારાવાસમાં પરિર્વિતત કરી દેવામાં આવી.

આ રીતે ફાંસીની સજાને કોઈ એક સમુદાય સાથે જોડવાના બદલે તેનું વૈજ્ઞાાનિક પૃથક્કરણ કરવું જોઈએ. કોઈ એક રાજ્ય કે એક સમુદાયના વધુ લોકોને ફાંસીની સજા ફરમાવવામાં આવે છે તો તે અંગે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આ દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને તટસ્થ છે. સદ્નસીબે ફાંસી જેવી સજામાં તો છેવટનો નિર્ણય ટોચની અદાલતો સુધી જાય છે. ભારતમાં નીચલી કક્ષાએ એક ચુકાદો આવ્યો હોય તો તેને વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત સુધી જવાની તક મળે છે. છેવટે લાર્જર બેન્ચ સુધી પણ જવાની તક મળે છે, તેથી ફાંસીની સજામાં કોઈ એક ન્યાયાધીશ કે કોઈ એક કોર્ટ આખરી નથી. વળી, ભારતમાં ફાંસીની સજા’રેરેસ્ટ ઓફ રેર’ કેસમાં જ અપાય છે. કોઈ એક સમુદાયના આધારે જ નિર્ણયો થતા હોત તો હિટ એન્ડ રન કેસમાં એક સમુદાયના એક્ટરને જામીન મળ્યા ના હોત.

એવી જ રીતે ફાંસીની સજા અંગે એકેડેમિક ચર્ચા પણ થવી જોઈએ. એ વાત નોંધનીય છે કે નીચલી ટ્રાયલ કોર્ટ્સ દ્વારા અપાયેલી ફાંસીની સજાઓ પૈકી ૩૦ ટકા ફાંસીની સજાઓ પામેલી વ્યક્તિઓને ઉપરની કોર્ટો નિર્દોષ પણ જાહેર કરે છે. નેશનલ લો યુનિર્વિસટી, દિલ્હીના સેન્ટર ઓન ધ ડેથ પેનલ્ટી અને નેશનલ લિગલ સર્વિસીઝ ઓથોરિટીએ કરેલા એક અભ્યાસ અનુસાર ૨૦૦૦ની સાલ પછી નીચેની જે ટ્રાયલ કોર્ટોએ ૧૭૯૦ જેટલા શખ્સોને ફાંસીની સજા ફરમાવી,તેમાંથી માત્ર ૪.૫ ટકા લોકોને જ ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. કુલ ૧૭૯૦ વ્યક્તિઓને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા કરી હતી, તેમાંથી ૧૫૧૨ વ્યક્તિઓ અંગે હાઇકોર્ટે નિર્ણયો કર્યા હતા. ટૂંકમાં, ટ્રાયલ કોર્ટોએ કરેલી ફાંસીની સજાઓ પૈકી માત્ર ૧૫ ટકા ફાંસીની સજાઓ હાઈકોર્ટોએ માન્ય રાખી હતી. જ્યારે આતંકવાદીઓને ફાંસીની સજા કરવામાં આવે છે ત્યારે ટ્રાયલ કોર્ટના એ ચુકાદાને હાઇકોર્ટની મંજૂરી મળવી ફરજિયાત છે. આ રીતે આ દેશમાં ફાંસીની સજા ચીન કે પાકિસ્તાન કે કોરિયાની જેમ આડેધડ અપાતી નથી. રેરેસ્ટ ઓફ રેર કેસમાં અપાતી ફાંસીની સજા ભારતમાં અનેક ગળણીઓમાં ગળાઈને આગળ વધે છે. ટૂંકમાં, એક ચર્ચા એવી પણ છે કે નીચેની ટ્રાયલ કોર્ટો ડેથ પેનલ્ટીનો વધુ ઉપયોગ કરે છે કે કેમ તે વિષે પણ ચર્ચા થવી જોઈએ.

કાનૂન સાથે સંકળાયેલા કેટલાંક નિષ્ણાતોનું કહેવું છે કે, ટ્રાયલ કોર્ટો દ્વારા અપાયેલી ફાંસીની સજાઓ પૈકી ૩૦ ટકા સજાઓ હાઇકોર્ટો દ્વારા અથવા તો સર્વોચ્ચ અદાલત દ્વારા સેટ અસાઇડ થાય છે એનું કારણ શું? ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને તટસ્થ છે તેમાં કોઈ શંકા નથી, બલ્કે ગૌરવપૂર્ણ પણ છે. આ દેશના ન્યાયતંત્ર માટે કહી શકાય કે પુરાવાના અભાવે ભલે ૧૦૦ ગુનેગારો છૂટી જાય, પરંતુ એક નિર્દોષને સજા થવી ના જોઈએ. એક ખતરનાક આતંકવાદીને પણ ભારતની સુપ્રીમ કોર્ટના દરવાજા મધરાતે ખખડાવી શકે છે અને સુપ્રીમ કોર્ટના ત્રણ-ત્રણ વરિષ્ઠ ન્યાયાધીશે રાત્રે બે વાગ્યે પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલાવી કોઈની અપીલ સાંભળે છે. આવું ચીન કે પાકિસ્તાનમાં શક્ય નથી.

અલબત્ત, ભારતમાં ફાંસીની સજા હોવી જોઈએ કે નહીં તે અંગે ચર્ચા જરૂર થવી જોઈએ.

ગાંધીજીએ કેવા સ્વરાજની કલ્પના કરી હતી?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
  •  ગામડાંનો નાશ તો હિન્દુસ્તાનનો નાશ
  •  સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્તિ
  •  મારા સપનાનું સ્વરાજ તે ગરીબનું સ્વરાજ છે

તા. ૧૫મી ઓગસ્ટ ભારતનો ‘ઇન્ડિપેન્ડન્સ ડે’ છે.

દેશને સ્વતંત્રતા અપાવનાર ગાંધીજીની તો એક ભારતીયે જ હત્યા કરી નાખી હતી અને બદલાતા સમયની સાથે હવે ગાંધી વિચારો, આદર્શ અને મૂલ્યો પણ ક્રમશઃ અદૃશ્ય થઈ રહ્યાં છે. ગાંધીજી તો જ્હોન રસ્કીનના પુસ્તક ‘અન ટુ ધિસ લાસ્ટ’પુસ્તકથી પ્રભાવિત થઈ જાહેર જીવનમાં ગરીબોના વકીલ બન્યા હતા. તેમના સ્વપ્નનું પૂર્ણ સ્વરાજ કેવું હતું તે જાણી લો.

ગાંધીજીના પૂર્ણ સ્વરાજની કલ્પના તેમના જ શબ્દોમાં વાંચોઃ
ગાંધીજી અને પૂર્ણ સ્વરાજ

મારા સ્વપ્નનું સ્વરાજ એ ગરીબનું સ્વરાજ છે. રાજા અને ધનિકવર્ગ જીવનની જે જરૂરિયાતોનો ઉપયોગ કરે છે તે તેમને પણ સુલભ હોવી જોઈએ. ધનિક ભોગવતો હોય એવી જીવનની બધી સામાન્ય સગવડો ગરીબોને મળવી જોઈએ. એ બાબતમાં મને સહેજ પણ શંકા નથી કે જ્યાં સુધી સ્વરાજમાં આ સગવડોની ખાતરી આપવામાં નથી આવતી ત્યાં સુધી એ પૂર્ણ સ્વરાજ નથી. દેશપ્રેમનો ધર્મ આજે આપણને શીખવે છે કે વ્યક્તિએ કુટુંબ માટે મરવું જોઈએ. કુટુંબે ગામ માટે, ગામે પ્રાંત માટે અને પ્રાંતે દેશ માટે પોતાનો ભોગ આપવો જોઈએ. તે જ રીતે જરૂર પડયે આખા જગતના હિતાર્થે મરી શકે – પોતાનો ભોગ આપી શકે તે માટે દેશ સ્વતંત્ર હોવો જોઈએ. સાચી લોકશાહી કેન્દ્રમાં બેઠે બેઠે રાજ્યવહીવટ ચલાવનારા વીસ માણસો નથી ચલાવી શકતા, તે ઠેઠ નીચેથી દરેક ગામના લોકોએ ચલાવવી રહેશે.

ગાંધીજી અને શહેરીકરણ

આજે શહેરો ગામડાં પર સત્તા ચલાવી રહ્યાં છે. પરિણામે ગામડાં નાશ પામતાં જાય છે. જો આપણે અહિંસાની ભૂમિકા ઉપર સ્વરાજ્યની રચના કરવી હોય તો આપણે ગામડાંઓને તેમનું યોગ્ય સ્થાન પાછું આપ્યે જ છૂટકો છે.

હિન્દુસ્તાનનાં શહેરોમાં જે સંપત્તિ જોવામાં આવે છે તેથી આપણે છેતરાઈએ નહીં. તે ઈંગ્લેન્ડ કે અમેરિકાથી આવતી નથી. તે અત્યંત ગરીબ લોકોના લોહીમાંથી આવે છે.

આપણાં આજનાં દસ-પાંચ શહેરો તો આપણા પ્રજાશરીર પર બાઝેલા મેલનો પોપડો છે અને આપણાં ગામડાંનો જીવનરસ ચૂસવાનું પાપકાર્ય જ કરી રહ્યા છે. અત્યારે તો અનેક લોહી ઉકાળનારા જુલમોથી સબડતાં શહેરો ગામડાંની પ્રજાના જીવન અને સ્વાતંત્ર્યને માટે રાત-દિવસ ભયરૂપ છે.

મારી દૃષ્ટિથી શહેરો વધ્યાં છે, તે બૂરું થયું છે. એ માનવજાતની અને દુનિયાની કમનસીબી છે. શહેરોએ ગામડાંઓને ચૂસ્યાં છે. ગામડાંના લોહીની સિમેન્ટ વડે જ શહેરોની મોટી-મોટી મહેલાતો બંધાઈ છે.

મોટાં મોટાં શહેરો ઊભાં થવાં એ અર્થતંત્રના રોગની નિશાની છે.

ગાંધીજીને મતે ઉદ્યોગવાદ

આજે યંત્રોને પરિણામે લાખોની પીઠ ઉપર ખોબા જેટલા લોક સવાર થઈને બેઠા છે અને તેમને રોળવે છે, કારણ એ યંત્રો ચલાવવા પાછળ લોભ રહેલો છે,ધનતૃષ્ણા રહેલી છે, જનકલ્યાણ નથી રહેલું.

મારે સમય અને પરિશ્રમનો બચાવ જરૂર કરવો છે, પણ તે ખોબા જેટલા માણસો માટે નહીં, સમસ્ત માનવજાતિ માટે સમય અને પરિશ્રમનો બચાવ થઈ ખોબા જેટલા લોક ધનાઢય થઈને બેેસે એ મને અસહ્ય છે.

હિન્દુસ્તાનમાં ઉદ્યોગોને શહેરમાં લઈ આવવા ને મોટાં કારખાનાં મારફતે ચલાવવા એમાં ગામડાંનું અને ગામડાંની પ્રજાનું ધીમું પણ અચૂક મોત રહેલું છે.

તમે અહિંસાની રચના મિલોની સંસ્કૃતિ પર કરી શકવાના નથી, પણ એ સ્વાશ્રયી ગામડાં પર રચી શકાશે.

મને બીક છે કે ઉદ્યોગવાદ માનવજાતિને શાપરૂપ નીવડવાનો છે. એક પ્રજા બીજી પ્રજાને લૂંટે એ હંમેશને માટે ન ચાલી શકે. ઉદ્યોગવાદનો આધાર તમારી લૂંટવાની શક્તિ પર પરદેશનાં બજારો તમારે માટે ખુલ્લા થવા પર અને હરીફોના અભાવ પર છે.

ગામડાંનો નાશ

હું કહેતો આવ્યો છું કે ગામડાંનો નાશ થશે તો હિન્દુસ્તાનનો પણ નાશ થશે. પછી એ હિન્દુસ્તાન નહીં રહે. જગતમાં એનું જે વિશિષ્ટ કાર્ય છે તે લુપ્ત થઈ જશે.

આર્િથક સમાનતાનો મુદ્દો અહિંસક પૂર્ણ સ્વરાજની મુખ્ય ચાવી છે. આર્િથક સમાનતાને માટે કાર્ય કરવું એટલે મૂડી ને મજૂરી વચ્ચેના કાયમના ઝઘડાને મિટાવવો. એનો અર્થ એવો થાય છે કે એક બાજુથી જે થોડા પૈસાવાળા લોકોના હાથમાં રાષ્ટ્રની સંપત્તિનો મુખ્ય ભાગ એકઠો થયો છે, તેમની સંપત્તિ કમી કરવી અને બીજી બાજુથી અડધા ભૂખ્યાં ને નાગા રહેતા કરોડોની સંપત્તિ વધારવી. જ્યાં લગી ખોબા જેટલા પૈસાવાળા ને ભૂખ્યાં રહેતા કરોડો વચ્ચેનું બહોળું અંતર ચાલુ રહે ત્યાં લગી અહિંસાના પાયા પર ચાલતો રાજ્યવહીવટ સંભવિત નથી. સ્વતંત્ર હિન્દુસ્તાનમાં દેશના સૌથી તવંગર માણસો જેટલી સત્તા ભોગવતા હશે તેટલી જ ગરીબોની હશે. તેમાં નવી દિલ્હીના મહેલોને તેમની પડખે જ આવેલા ગરીબ મજૂર વસ્તીનાં કંગાળ બાળકો વચ્ચે જે કારમો તફાવત આજે દેખાય છે તે એક દિવસ પણ નહીં નભે. પૈસાવાળાઓ પોતાનો પૈસો અને તેને લીધે મળતી સત્તા એ બંને આપમેળે રાજીખુશીથી છોડી દઈ સર્વના કલ્યાણને માટે બધાંની સાથે મળીને વાપરવાને તૈયાર નહીં થાય તો હિંસક તેમજ ખૂનખાર ક્રાંતિ થયા વિના રહેવાની નથી એમ ચોક્કસ સમજવું.

જેના એક છેડે ભૌતિક સમૃદ્ધિ માટેની અતૃપ્ત મહત્ત્વાકાંક્ષા હોય છે તેના બીજે છેડે યુદ્ધ હોય છે.

હું એક એવા લોકતંત્રની કલ્પના કરી રહ્યો છું જ્યાં કોઈ પણ પ્રકારનો રાગ કે દ્વેષ ન હોય, જો કોઈ લોકતંત્રમાં એકબીજા પ્રત્યે દ્વેષ-રાગ હશે તો તે લોકતંત્રમાં ખાડામાં જશે. જે દેશમાં એકબીજા પ્રત્યે વેરભાવ હશે તે દેશનો નાશ તે દેશ પોતે જ કરશે. મારી દૃષ્ટિએ અહિંસાનું પાલન માત્ર એક વ્યક્તિ જ કરી શકે તેવું નથી, એક રાજ્ય પણ કરી શકે, કેમ કે આખરે રાજ્ય પણ વ્યક્તિઓથી જ તો બને છે. પ્રજાતંત્રનો અર્થ હું એ સમજું છું કે આ તંત્રમાં છેલ્લામાં છેલ્લી વ્યક્તિ અને ઊંચામાં ઊંચી વ્યક્તિ એમ બંનેને આગળ વધવાની સરખી તક મળવી જોઈએ.

જંગલ, જમીન વગેરે ઉત્પાદનનાં સાધનો જનતાના નિયંત્રણમાં રહેવાં જોઈએ. એટલે કે તેના પર જનતાનો અધિકાર રહેવો જોઈએ, ન કે સરકારનો. આ ઉત્પાદનનાં સાધનો જનતાને એવી રીતે ઉપયોગી થવાં જોઈએ જે રીતે હવા અને પાણી થઈ રહ્યાં છે. કોઈ પણ ભોગે તે બીજાના શોષણ દ્વારા ચાલતો વ્યાપાર ન બને. ઉત્પાદનનાં આ સાધનોનો એકાધિકાર અન્યાયપૂર્ણ છે.

ગરીબોની સામે આધુનિકતાની વાતો ન કરો, તેની સામે ઈશ્વરની વાત ન કરો, કેમ કે તેના માટે તો તેની રોટી જ ઈશ્વર છે. હું એવા ભારતની કલ્પના કરી રહ્યો છું જેમાં વસતી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ એ મહેસૂસ કરે આ દેશ તેનો છે. ગરીબ વ્યક્તિનો અવાજ પણ સાંભળવામાં આવે, ઊંચ-નીચનો કોઈ ભેદ ન હોય,અસ્પૃશ્યતાને સ્થાન ન હોય. મારા ભારતમાં સ્ત્રીઓને પણ એટલો જ અધિકાર મળે જેટલો પુરુષોને મળી રહ્યો છે. આપણે ન તો કોઈનું શોષણ કરીશું કે ન તો આપણું શોષણ થવા દઈશું.

સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્ત થવાનો સતત પ્રયાસ, પછી ભલે તે સરકાર પરદેશી હોય કે દેશની.

કેટલાંક લોકો અધિકારની લગામ મેળવી લે તેથી નહીં, પણ બધા લોકો એ અધિકારના દુરુપયોગની સામે થવાની શક્તિ સમાનપણે મેળવ્યાથી જ ખરું સ્વરાજ મળવાનું છે.

જો લોકો એક વાર શીખી લે કે આપણને અન્યાયી લાગે તે કાયદાને માન આપવું એ નામર્દાઈ છે, તો પછી આપણને કોઈનો જુલમ બંધન કરી શકતો નથી. તે સ્વરાજની ચાવી છે.

ગાંધીનું ગ્રામ સ્વરાજ

ગાંધીજીએ આઝાદી પહેલાંના સંજોગો અને રહેણીકરણી પ્રમાણે સાત લાખ ગામડાં (ત્યારે સાત લાખ હતાં, હવે છ લાખ છે.) કેવાં હોવાં જોઈએ તે તેમણે આ પ્રમાણે સમજાવ્યું હતું.

દરેક ગામ પોતાનું એક નાટયઘર, પોતાની નિશાળ અને સભાગૃહ નભાવશે. ગામની દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી મળે એવી જોગવાઈ કરવામાં આવશે. પૂરતી દેખરેખ નીચે નભાવવામાં આવતાં કૂવાઓ અથવા તળાવોથી આ કાર્ય પાર પડી શકશે. પાયાની કેળવણીના છેવટના ધોરણ સુધીની કેળવણી ફરજિયાત હશે. દરેક ગામમાં ગામની ફરજિયાત ચોકી માટે વારા પ્રમાણે ચોકિયાતો પસંદ કરવામાં આવશે. નિયમ પ્રમાણેની નક્કી કરવામાં આવેલા ઓછામાં ઓછી ચોક્કસ લાયકાતવાળાં ગામનાં પુખ્ત ઉંમરનાં સર્વ સ્ત્રી અને પુરુષો દર વર્ષે પાંચ જણની એક પંચાયત ચૂંટી કાઢશે અને તે ગામની સરકાર તરીકે ગામનાં બધાં જાહેર કાર્યો કરશે. આ પંચાયતને જરૂરની બધી સત્તા અને અધિકાર આપવામાં આવશે.

જાણીતા ગાંધીવાદી નાનુભાઈ નાયક ગાંધી વિચારોને આગળ ધપાવવા ગાંધી વિચારોને ગ્રંથસ્થ કરી રહ્યા છે. તેમના ‘મારા સપનાનું વિશ્વ’ પુસ્તકમાં આ વિચારોની ઝાંખી મૂકવામાં આવી છે.

ગાંધીજીની કલ્પનાનું સ્વરાજ આજે છે ખરું?

પીપલ્સ પ્રેસિડેન્ટ જેમણે રાષ્ટ્રપતિ, વૈજ્ઞાાનિક તેમજ ઉમદા ઇન્સાનની વ્યાખ્યા કરી આપી

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

ડો. એ.પી.જે. અબ્દુલ કલામે એક વિદ્યાર્થી તરીકેની, એક વૈજ્ઞાાનિક તરીકેની, એક રાષ્ટ્રપતિ તરીકેની, એક ઉમદા ઇન્સાન તરીકેની અને એક સર્વધર્મ સમભાવી વ્યક્તિ તરીકેની વ્યાખ્યા નક્કી કરી આપીને વિદાય લીધી. ડો. કલામને બાળકો તરફથી જે પ્રેમ મળ્યો તેવો પ્રેમ કદાચ જવાહરલાલ નહેરુને જ મળ્યો હતો. તેઓ ૬૩ વર્ષની વયે અવસાન પામ્યા ત્યારે પણ દેશનાં કરોડો બાળકોના પ્રિય આદર્શ, રોલમોડેલ તરીકેની અમીર છાપ છોડીને ગયા.

રાષ્ટ્રપતિ તરીકે

ભારતના રાષ્ટ્રપતિ તરીકે ડો. એ.પી.જે. કલામની પસંદગી એ વખતની એનડીએ સરકારના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હતી. ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેઓ એક સૂટકેસ લઈને જ રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશ્યા હતા અને રાષ્ટ્રપતિભવનમાંથી વિદાય લીધી ત્યારે એક સૂટકેસ લઈને જ બહાર નીકળ્યા નહોતા. રાષ્ટ્રપતિ બન્યા પછી તેઓ સૂટ પહેરવા તૈયાર નહોતા. તેમને વિનંતી કરવામાં આવી કે, કલામસાહેબ, આપ હવે આ દેશના પ્રથમ નાગરિક છો અને રાષ્ટ્રના બંધારણીય વડા છો, તેથી આપના પોશાકમાં થોડુંક પરિવર્તન કરવું પડશે. આ અનુરોધ બાદ જ તેઓ બંધ ગળાનો સૂટ પહેરવા તૈયાર થયા હતા. ડો. કલામ સાહેબે રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશ્યા બાદ ભપકા અને દેખાડો નાબૂદ કરી રાષ્ટ્રપતિભવનનો ગાર્ડન આમ લોકો માટે ખોલી નાખ્યો હતો. સહુથી નોંધનીય વાત એ છે કે, તેઓ એનડીએ સરકાર દ્વારા નિર્વાચિત રાષ્ટ્રપતિ બન્યા હોવા છતાં તેઓ ‘રબર સ્ટેમ્પ’ રાષ્ટ્રપતિ બની રહ્યા નહીં.

ગુજરાત આવ્યા

૨૦૦૨માં ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ બન્યા બાદ ડો. કલામે કેટલાંક નિર્ણયો સ્વતંત્ર રીતે લીધા. તેઓ રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. ૨૦૦૦થી વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. બે કોમો વચ્ચે ધ્રુવીકરણ થઈ ગયું હતું ત્યારે તે વખતના વડાપ્રધાન વાજપેયીજીએ ડો. અબ્દુલ કલામની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદગી કરીને માસ્ટર સ્ટોક માર્યા હતો. કોંગ્રેસને પણ ડો. કલામને ટેકો જાહેર કરવો પડયો હતો. ડો. કલામ ૯૦ ટકા જેટલા મતોથી વિજયી થયા હતા અને રાષ્ટ્રપતિ બન્યાના એક જ મહિના બાદ તેમણે ગુજરાતના દંગાપીડિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. એ મુલાકાત સામે સરકારનો વિરોધ હોવા છતાં એ વિરોધની પરવા કર્યા વિના તેમણે ગુજરાતની મુલાકાત લીધી હતી.

બિહાર અંગે વ્યથિત

ડો. કલામ રબર સ્ટેમ્પ પ્રેસિડેન્ટ નથી એવી ખાતરી એમણે આખા દેશને કરાવી હતી, પરંતુ બિહારમાં રાષ્ટ્રપતિશાસન સ્થાપના અંગેનો હતો. ૨૦૦૫માં તેઓ મોસ્કોની મુલાકાતે ગયા હતા ત્યારે એ વખતની કેન્દ્ર સરકારની કેબિનેટે બિહારમાં રાષ્ટ્રપતિશાસન સ્થાપવા ઠરાવ કર્યો હતો જેને તેમણે મંજૂરી આપી હતી. શાયદ એ નિર્ણય એમના જીવનનો એક નબળો પ્રસંગ હતો. આ નિર્ણય અંગે તેમને દુઃખ હતું અને તેમના તે વખતના સચિવે એક પુસ્તકમાં ડો. કલામની વ્યથાની આ વાત નોંધી હતી. રાષ્ટ્રપતિ તરીકેની તેમની પ્રથમ ટર્મ પૂરી થયા બાદ મોટાભાગના લોકોની ઇચ્છા હતી કે તેઓ ફરી પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી લડે, પરંતુ તેમને જ્યારે લાગ્યું કે, સર્વાનુમતિ થવાના બદલે ચૂંટણી લડવી જ પડે તેમ છે ત્યારે તેમણે તેમ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેઓ ચૂંટણી લડયા હોત તો ફરી રાષ્ટ્રપતિ બની શક્યા હોત, પણ તેમણે તેમ ના કર્યું અને શાંતિપૂર્ણ રીતે રાષ્ટ્રપતિભવનમાંથી વિદાય લઈ લીધી. તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે અને ત્યાર પછી પણ સ્કૂલના અને કોલેજના વિદ્યાર્થીઓને મળતા જ રહ્યા, તેથી જ તેઓ ‘પિપલ્સ પ્રેસિડેન્ટ’ તરીકે ઓળખાયા.

કયા પ્રેસિડેન્ટની પ્રેરણા?

તેમને એક વાર પૂછવામાં આવ્યું કે, અગાઉના કયા રાષ્ટ્રપતિથી તમે પ્રેરણા પામ્યા છો? તો એ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું: “હું માનું છું કે, મારી અગાઉના તમામ રાષ્ટ્રપતિઓએ વિભન્ન ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદાન કરેલું છે. કોઈકે રાજનીતિમાં તો કોઈકે શિક્ષણમાં. કોઈએ સમાજસેવામાં તો કોઈએ બીજા કોઈ ક્ષેત્રમાં. હું રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશ્યો ત્યારે આપણા પહેલાં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદનો એક પત્ર મારા જોવામાં આવ્યો. એ પત્ર ડો. રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિ તરીકે તે વખતના નોબેલ પ્રાઇઝ વિજેતા અને વિખ્યાત વૈજ્ઞાાનિક ડો. સી.વી. રામનને લખેલો હતો. ૧૮૫૪માં લખાયેલા એ પત્રમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ડો. સી.વી. રામનને રાષ્ટ્રપતિભવનના એક સભારંભમાં પધારી તેમને એનાયત થનાર ‘ભારતરત્ન’ એવોર્ડ લેવા આવવા આમંત્રણ આપ્યું હતું. આવો પત્ર મળ્યા બાદ કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે રાષ્ટ્રપતિભવન સમારંભમાં આવવા ઇનકાર કરે નહીં, પરંતુ મેં રાષ્ટ્રપતિના એ પત્રના જવાબમાં આવેલો ડો. સી.વી. રામનનો પત્ર પણ વાંચ્યો. ડો. સી.વી. રામને લખ્યું હતું: “પ્રિય રાષ્ટ્રપતિશ્રી, મને આટલું મોટું સન્માન આપવા બદલ હું આપનો આભાર માનું છું, પરંતુ મને એક સમસ્યા છે. હું એક વિદ્વાન વિદ્યાર્થીનો ગાઇડ છું. એ વિદ્યાર્થીએ ડિસેમ્બરમાં તેની થીસિસ રજૂ કરવાની છે. મારે તેને માર્ગદર્શન આપવાનું છે અને તેની થિસીસ પર સહી પણ કરવાની છે, તેથી હું આપનું આમંત્રણ સ્વીકારી શકતો નથી.”

ડો. કલામે કહ્યું: “આ પત્ર વાંચ્યા પછી મને લાગ્યું કે, ડો. સી.વી. રામન માટે ‘ભારતરત્ન’ના એવોર્ડ કરતાં તેમના વિદ્યાર્થીનું સંશોધન પેપર વધુ અગત્યનું હતું. અલબત્ત, ડો. સી.વી. રામનને તેમની ગેરહાજરીમાં ‘ભારતરત્ન’ એવોર્ડ એનાયત તો થયો જ હતો. હું માનું છું કે રાજેન્દ્રપ્રસાદ, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ઝાકિર હુસેન સહિત બાકીના પ્રસિડેન્ટ્સ મહાન રાષ્ટ્રપતિઓ હતા.”

પીપલ્સ પ્રેસિડેન્ટ

બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે તેઓ રાષ્ટ્રપતિ બન્યા પછી રાષ્ટ્રપતિભવનની પરંપરા પ્રમાણે તેમનાં જૂતાંની દોરી તેમના નોકરચાકરો જ બાંધી આપે તેવી પરંપરા છે, પરંતુ કલામ સાહેબે એ પરંપરા બંધ કરાવી દીધી હતી. રાષ્ટ્રપતિભવનથી વિદાય બાદ પણ તેઓ એરપોર્ટ પર સિક્યોરિટી ચેક માટે સામાન્ય લોકો સાથે કતારમાં ઊભા રહેતા હતા. તેમને લાઇનમાં ઊભા રહેતા જોઈ લોકો પણ સુખદ આશ્ચર્ય અનુભવતા હતા. તેમને પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે વીઆઈપી વિશેષાધિકારો પ્રાપ્ત હતા, પરંતુ તેમણે સ્વેચ્છાએ એ વિશેષધિકારો સ્વીકાર્યા નહોતા. તેઓ પ્રવચન કરતી વખતે કુરાન અને ભગવદગીતાને પણ ટાંકતા. તેઓ માત્ર વૈજ્ઞાાનિક નહીં, પરંતુ શ્રેષ્ઠ લેખક પણ હતા. તેઓ દેશના રાષ્ટ્રપતિભવનમાં રહી ચૂક્યા હોવા છતાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરનાર ઉતારુઓ અને પાણી માટે કલાકો સુધી કતારોમાં ઊભા રહેતા ગરીબોના જીવનને પણ નજીકથી જાણતા હતા. તેમણે દેશ માટે સહુ પ્રથમ મિસાઇલ ડિઝાઇન કરી, પરંતુ તેમના સંદેશા હાઇપ્રોફાઇલ લોકો કરતાં સ્કૂલનાં બાળકો માટે વધુ હતા. ડો. એ.પી.જે. કલામ ભારતને ચાહતા હતા અને ભારતે પણ તેમને એટલો જ પ્રેમ આપ્યો. એક વૈજ્ઞાાનિક તરીકે, એક રાષ્ટ્રપતિ તરીકે, એક લેખક તરીકે અને એક ઉમદા ઇન્સાન તરીકે તેઓ એક નવી જ ભાત પાડી ગયા.

ડો. કલામસાહેબને સલામ.

DON’T TRUST PAKISTAN

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

પાકિસ્તાન માટે એક ઉક્તિ છે કે, ‘દુનિયાના દેશો પાસે લશ્કર છે, પણ પાકિસ્તાનમાં લશ્કર પાસે દેશ છે.’ આ ઉક્તિ ફરી એક વાર સાચી પડી છે. રશિયામાં ઉફા ખાતે મળેલા બ્રિક્સ સંમેલન દરમિયાન અગાઉ ગોઠવાયેલી વ્યવસ્થા છતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે એક કલાક સુધી બેઠક થઈ. આ બેઠકના અંતે બંને દેશોના પ્રતિનિધિઓએ બેઉ નેતાઓ વચ્ચે થયેલી વાતચીતના નિષ્કર્ષની મીડિયા સમક્ષ જાહેરાત કરી. તેમાં એક મહત્ત્વનો મુદ્દો એ હતો કે ૨૬/૧૧ના મુંબઈ પરના હુમલાનો માસ્ટર માઇન્ડ લખવી કે જે આજકાલ પાકિસ્તાનમાં ખુલ્લો ફરી રહ્યો છે તેના અવાજના નમૂના પાકિસ્તાન ભારતને આપવા સંમત થયું છે. મુંબઈ પર હુમલો થયો એ વખતે લખવીએ પાકિસ્તાનમાં બેઠાં બેઠાં સેટેલાઇટ ટેલિફોન દ્વારા તેણે ભારત મોકલેલા આતંકવાદીઓ સાથે જે વાતચીત કરી હતી તેને ભારતના ગુપ્તચર ખાતાએ આંતરીને એ વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. એ અવાજ લખવીનો છે તે સાબિત કરવા માટે લખવીના અવાજના નમૂના જરૂરી છે. નવાઝ શરીફ ભારતના વડાપ્રધાન સાથે વાતચીત દરમિયાન લખવીના અવાજના નમૂના આપવા સંમત થયા હતા, પરંતુ નવાઝ શરીફ જેવા પાકિસ્તાન પહોંચ્યા તેવી જ પાકિસ્તાન સરકારે પલટી મારી અને અભી બોલા અભી ફોક જેવું સ્કૂલબોય પોલિટિક્સ કર્યું.

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પાકિસ્તાન પહોંચ્યા ત્યાં જ પાકિસ્તાનની સેના બગડી. પાકિસ્તાનના આર્મીના વડાઓએ શરીફને ખખડાવતાં કહ્યું કે,ભારતના વડાપ્રધાન સાથે મંત્રણા દરમિયાન કાશ્મીરનો મુદ્દો કેમ ચર્ચામાં ના લાવ્યા? રશિયામાં ઉફા ખાતે વાતચીત બાદ જારી કરવામાં આવેલા સંયુક્ત બયાનમાં કાશ્મીરનો ઉલ્લેખ ના થતાં નવાઝ શરીફ ઘરઆંગણે તીવ્ર વિરોધનો ભોગ બન્યા અને તે પછી પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અઝીઝે આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ આવીને જાહેર કર્યું કે, “જ્યાં સુધી કાશ્મીરનો મુદ્દો એજન્ડામાં નહીં હોય ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત કરવામાં નહીં આવે!”

પાકિસ્તાનના વડાપ્રધાનના સુરક્ષા સલાહકાર સરતાજ અઝીઝે એથીયે આગળ વધીને કહ્યું કે, “ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો વચ્ચેની એ બેઠક કોઈ ઓફિશ્યલ મિટિંગ હતી નહીં. પાકિસ્તાન પોતાની ગરિમા અને આત્મસન્માન સાથે કોઈ સમાધાન નહીં કરે.”

ટૂંકમાં, સરતાજ અઝીઝે બે દેશોના વડાઓની એ બેઠકને ચાલ્યા આવ્યા છીએ તો મળી લઈએ તેવી અનૌપચારિક બેઠક જ ગણાવી. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ભારત-પાક. વડાપ્રધાનોની એ બેઠક માત્ર ફોટોસેશન જ બની રહી. પાકિસ્તાન જેવો એક ફાલતુ દેશ ભારતને ઉલ્લુ બનાવવાની કોશિશ કરી રહ્યો છે.

આશ્ચર્યની વાત એ છે કે, નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન છે, પરંતુ તેમના સલાહકાર જાહેરમાં કહે છે કે, રશિયામાં નવાઝ શરીફ અને નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક ચાલી રહી હતી ત્યારે નવાઝ શરીફે સમજૌતા એક્સપ્રેસમાં થયેલા ધડાકા અંગેની જાણકારી પણ માગવાની જરૂર હતી. પાકિસ્તાનના વડાપ્રધાને શું બોલવું તેની સલાહ નવાઝ શરીફને ખાનગીમાં આપી શકાય, પરંતુ આ રીતે જાહેરમાં સલાહ આપવાની ઘટના દર્શાવે છે કે નવાઝ શરીફ નામના જ વડાપ્રધાન છે. અસલી રિમોટ કંટ્રોલ આર્મી, આઈએસઆઈ અને કટ્ટરપંથીઓ પાસે છે. લખવી અંગેના પાકિસ્તાનના આ યુ-ટર્નથી પાકિસ્તાનના વડાપ્રધાનની આબરૂના લીરેલીરા ઊડી ગયા છે.

જેમણે સરતાજ અઝીઝને આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ બોલતાં સાંભળ્યા છે તેમણે જોયું હશે કે, સરતાજ અઝીઝ તો પાક. વડાપ્રધાનના પણ છૂપા ‘બોસ’ હોય તેવી ભાષામાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, “જ્યાં સુધી ભારત મુંબઈ હુમલા અંગે પૂરતાં સબૂત નહીં આપે ત્યાં સુધી મુકદમો આગળ નહીં ચાલે.”

સરતાજ અઝીઝે ભારત વિરોધી ઝેર ઓકતાં કહ્યું કે, “પાકિસ્તાન ભારતીય મંત્રીઓનાં બયાનોથી ચિંતિત છે. બલુચિસ્તાનમાં ભારતના હસ્તક્ષેપ સામે અમારો વિરોધ છે. ઉ. ભારત બે વર્ષથી પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનને નજરઅંદાજ કરીને સીમા પારથી આતંકવાદ ચલાવે છે તેવો અમારી પર આરોપ લગાવે છે. તેની સામે પણ અમને વાંધો છે. ઉ. ભારત અને પાકિસ્તાન પર શાંતિ સુનિશ્ચિત કરવા અને વિકાસને આગળ વધારવાની જવાબદારી સામૂહિક છે. અમે ભારત સાથે વિલંબિત મુદ્દાઓ પર ચર્ચાઓ કરવા તૈયાર છીએ અને એમાં કાશ્મીરનો મુદ્દો અગ્ર સ્થાને છે?”

સરતાજ અઝીઝની આ વાતો સાંભળ્યા બાદ ભારતે એ વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે, પાકિસ્તાનના લશ્કર, આઈએસઆઈ અને કટ્ટરપંથીઓની એ સ્પષ્ટ માગણી છે કે તમે પહેલાં અમને કાશ્મીર આપી દો પછી લખવી તો નહીં, પરંતુ લખવીના અવાજના નમૂના આપીશું.

મ્યાનમારમાં ભારતનાં સલામતી દળોએ જે ર્સિજકલ ઓપરેશન કર્યું, તે પછી ભારતના જે મંત્રીઓએ જે બેજવાબદારીભર્યું નિવેદન આપ્યું હતું તેના જવાબમાં પાકિસ્તાને કહ્યું હતું કે, ભારત મ્યાનમાર જેવું પાકિસ્તાનમાં કરવાનું સાહસ ન કરે!

રશિયા ખાતે બે વડાપ્રધાનોની બેઠક પહેલાં જ પાકિસ્તાનના આ જ સરતાજ અઝીઝે નિવેદન કર્યું હતું કે, ભારત એ વાત ના ભૂલે કે પાકિસ્તાન એક ન્યુક્લિયર દેશ છે અને અમારા અણુબોમ્બ કોઈ શો-પીસ નથી.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સલાહકારની આ બયાનબાજીને ભારતે ગંભીરતાથી લેવાની જરૂર છે. એક વાસ્તવિકતા સમજી લેવાની જરૂર છે કે, રશિયામાં ઉફા ખાતે શરીફ અને નરેન્દ્ર મોદી વચ્ચે જો કોઈ વાતચીત થઈ હતી તે શુભ આશયથી જ થઈ હતી, પરંતુ તેનાં પરિણામોને જમીન પર ઉતારવાં મુશ્કેલ છે. ભારત અને પાકિસ્તાનના વડાઓનાં સંયુક્ત બયાનનું ભાવિ અંધકારમય ના નીવડે તે માટે ભારતના સત્તાધારી પક્ષ અને વિરોધપક્ષના રાજકારણીઓએ બોલવામાં સંયમ રાખવાની જરૂર છે. વાતચીત અનિવાર્ય છે. બંને દેશો વચ્ચે હવે યુદ્ધ દ્વારા પ્રશ્નોના ઉકેલ લાવી શકાય નહીં, કારણ કે બંને દેશો પાસે અણુબોમ્બ છે. અણુબોમ્બ પ્રતિરોધ માટે હોય છે, યુદ્ધ કરવા માટે નહીં.

સાથે સાથે એ વાત પણ સમજી લેવી જોઈએ કે, પાકિસ્તાન ભારતનું કદી મિત્ર બનવાનું નથી. એણે છેક ૧૯૪૭થી ભારત સાથે દગો કર્યો છે. ભાગલા વખતે પાકિસ્તાને ભારતના અવિભાજ્ય અંગ કાશ્મીર પર હુમલો કરી દીધો હતો અને આજે અડધું કાશ્મીર પાકિસ્તાન હસ્તક છે. ૧૯૯૯માં ભારતના તે વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બસમાં બેસી દોસ્તી માટે લાહોર ગયા હતા તે વખતે પાકિસ્તાની લશ્કરે ભારતના કારગીલમાં ઘૂસી કારગીલ પર કબજો જમાવી દીધો હતો. ૨૦૦૮માં ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવો વચ્ચે સુમેળભર્યા વાતાવરણમાં વાટાઘાટો આગળ ધપી રહી હતી, તે વખતે જ ૨૬/૧૧નો આતંકવાદી હુમલો મુંબઈમાં થયો હતો. આ હુમલો પાક. પ્રેરિત હતો કે પાકિસ્તાનમાં રહેતાં એવાં તત્ત્વો દ્વારા હતો કે જેઓ ભારત-પાક. વચ્ચે મિત્રતા ઇચ્છતાં જ નથી.

આ તત્ત્વો કોણ છે? દાઉદ ઇબ્રાહિમને પનાહ કોણ આપે છે? લખવીને આશ્રય અને સુરક્ષા કોણ બક્ષે છે?

ભારતમાં નકલી નોટોની ઘૂસણખોરી કોણ કરે છે?
ભારતમાં કમરમાં બોમ્બ બાંધી ત્રાસવાદીઓની નિકાસ કોણ કરે છે?
પાકિસ્તાનની અસલી કમાન કોની પાસે છે?

આ સ્પષ્ટ ના થાય ત્યાં સુધી વાટાઘાટો ભલે જારી રાખો, પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન પર વિશ્વાસ રાખી શકાય નહીં. જે કોઈ વડાપ્રધાનો આવે છે તેઓ ક્યાં તો લશ્કરના કે ક્યાં તો આઈએસઆઈના કે ક્યાં તો કટ્ટરપંથીઓની કઠપૂતળી જ છે. નિરાશ થવાની જરૂર નથી. પાકિસ્તાનને બરબાદ થવા દો એનાં જ કર્મોથી. પાકિસ્તાનને બરબાદ થવા દો એણે જ ઊભા કરેલા આતંકવાદ નામના ફેંકેસ્ટાઇનથી. પાકિસ્તાનને બરબાદ થવા દો ચીનને ભાડે આપેલાં બંદરો અને પોતાની ભૂમિથી. અમેરિકા પાકિસ્તાનને આર્િથક મદદ કરે છે, પણ હવે અમેરિકામાં ૯/૧૧ જેવો ફરી હુમલો થશે તો તેનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનમાં રહેનારો જ કોઈ આતંકવાદી હશે.

‘એલેક્ઝાન્ડર, ધી ગ્રેટ’ના દેશે દેવાળું કેમ ફૂંક્યું?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
ગ્રીસ.

વિશ્વનો આ અતિ પ્રાચીન દેશ એના યોદ્ધાઓ, દંતકથાઓ, વિદ્વાનો અને પ્રાચીન સાહિત્ય માટે જાણીતો છે. જેને ભારતમાં લોકો સિકંદર કહે છે તે એલેક્ઝાન્ડર ધી ગ્રેટ ગ્રીસનો હતો. ઈ.સ. પૂર્વ ૩૭૫માં માત્ર ૩૦ વર્ષની વયે એલેક્ઝાન્ડરે પ્રાચીન વિશ્વનું સહુથી મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેનું સામ્રાજ્ય માત્ર ઈરાન સુધી જ નહીં, પરંતુ છેક ભારત સુધી વિસ્તર્યું હતું. ૨૦૦૮ સુધી ગ્રીસમાં જાણે કે પૈસાનો વરસાદ થતો હતો. ૧૯૬૦થી ૧૯૮૦ના દસક સુધી ઉત્તર ભારતીયો પૈસા કમાવા ગ્રીસ દોટ લગાવતા હતા.ળહવે એ જ સિકંદરના દેશ ગ્રીસે દેવાળું ફૂંક્યું છે. વક્ત વક્ત કી બાત હૈ. અબજોનું દેવું તે ચૂકવી શકે તેમ નથી. ગ્રીસની શાખ ખત્મ થઈ ચૂકી છે. અર્થાત્ ગ્રીસની બેન્કો ડૂબી રહી છે અને તેના ચલણનો પ્રભાવ પણ ખતમ થઈ રહ્યો છે. ગ્રીસની જનતા માટે આ એક ત્રાસવાદી અનુભવ છે.

ગ્રીસને ધિરાણ આપવાવાળાઓની શરતો માનવી કે ના માનવી એ અંગે થયેલા જનમત સંગ્રહમાં ગ્રીસના લોકોએ સરકારનો સાથ આપતાં શરતો નહીં માનવાના પક્ષમાં વોટ આપ્યા. આ કારણે તે યુરોઝોનમાંથી બહાર આવી જાય તેવો ખતરો પેદા થયો છે. કોઈ કલ્પના પણ કરી શકતું નહોતું કે અતિ પ્રાચીન આ દેશ આટલો કંગાળ બની જશે. ગ્રીસ યુરોઝોનનો હિસ્સો રહેશે કે નહીં રહે અને તે પોતાના પારંપરિક ચલણ તરફ પાછો ફરશે કે કેમ તે બાબતની અટકળોનો હવે અંત આવી ગયો છે. ભારે બહુમતીથી ગ્રીસના લોકોએ કર્જ આપવાવાળાઓને કહી દીધું છે કે યુરોઝોનના માધાંતાઓ ગ્રીસને પોતાની બિરાદરીમાં રાખવું હોય તો રાખે અને ના રાખવું હોય તો ના રાખે, પરંતુ યુરોપીય દેશોએ તેના પર જે ભયંકર શરતો લાદી છે તે અમને મંજૂર નથી.

ગ્રીસના લોકો માને છે કે યુરોઝોનના મહારથીઓએ જે શરતો ગ્રીસ પર લાદી છે તેના કારણે ગ્રીસ બેહાલ થઈ શકે છે. અહીં ગ્રીસમાં ૫૦ ટકા લોકો બેરોજગાર છે. જેમની પાસે નોકરીઓ છે તેમને પણ અડધો જ પગાર મળે છે. વૃદ્ધોનું પેન્શન ઘટી રહ્યું છે. ગ્રીસમાં નિરાશાનું વાતાવરણ છે. આ પરિસ્થિતિમાં સમાજ કેવી રીતે ટકી શકે?

તેની સામે જર્મની તથા ફ્રાન્સ જેવી યુરોઝોનની મહાસત્તાઓનું કહેવું છે કે, કર્જ લઈને તેને હજમ કરી જવું તે કોઈ રીતે યોગ્ય નથી. ગ્રીસે તેના ટેક્સમાં વધારો કરીને સરકારી ખર્ચાઓમાં ઘટાડા કરીને ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ તથા યુરોપિયન કોર્મિશયલ બેન્કોમાંથી લીધેલા કર્જને અદા કરે અથવા તો પોતાની જાતને નાદાર અને દેવાળિયું જાહેર કરીને પોતાની રીતે જીવતા શીખે. જર્મની તથા ફ્રાન્સની આ ધમકી ગ્રીસથી હજમ થઈ નહીં. એ ધમકી પછી ગ્રીસના લોકોએ નક્કી કરી નાખ્યું કે, આગળ ઉપર જે થવાનું હોય તે થાય, પરંતુ અત્યારે આર્થિક સંકટોનો સામનો કરીને પણ પોતાનું આત્મસન્માન બચાવી રાખવું, જેના કારણે ગ્રીસનાં બાળકો અમીરીમાં નહીં તો છેવટે ગરીબીમાં પણ પોતાનું માથું ઊંચું રાખીને જીવી શકશે.

ગ્રીસના લોકોનું કહેવું છે કે, કર્જની ગાડીઓ, કર્જનાં ઘર, કર્જનું ર્ફિનચર વગેરે તેઓ સામેથી માગવા તો નહોતા ગયાને? ધનવાન યુરોપિયન દેશોએ પોતાની જ યોજનાના ભાગરૂપે ગ્રીસ અને કમજોર અર્થવ્યવસ્થાવાળા અન્ય દક્ષિણ યુરોપિયન દેશોને સસ્તું ધિરાણ ઉપલબ્ધ કરાવ્યું હતું, જેથી તે ધનવાન દેશો તેમનો માલસામાન વેચી શકે. આ ચમકીલી યોજનાનું નામ જ યુરોઝોન છે. એનું પરિણામ એ આવ્યું કે, પૂરી કુશળતાથી મહેનત કરવાવાળા બિચારા ગ્રીસના લોકો મોટાં મોટાં દેવાં હેઠળ ડૂબી ગયા. ગ્રીસની પ્રજા આ કર્જ ચૂકવી શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી.

ગ્રીસના આ સ્પષ્ટ જનાદેશ બાદ એક રસ્તો એ છે કે ગ્રીસને યુરોઝોનમાંથી બહાર કરી દેવું, પરંતુ જો આમ થાય તો આ દેશની મોટાભાગની બેન્કો બેસી જશે અને હવે પછીનાં ઘણાં વર્ષો સુધી તેની અર્થવ્યવસ્થાને પોતાના પુરાણા નિયમોથી ચલાવવી પડશે. આ કારણે યુરોઝોન પણ તેનું ગ્લેમર ગુમાવશે. ગ્રીસ યુરોઝોનમાંથી બહાર નીકળી જાય તો હવે પછી આર્થિક તબાહી કોણે ભોગવવી પડશે એના પર પણ અટકળો લગાવવામાં આવી રહી છે. દા.ત. ગ્રીસ પછી તેના જેવા જ હાલ બલ્ગેરિયા, રોમાનિયા, મેસેડોનિયા, સ્પેન, પોર્ટુગલ તથા ઇટલીના થઈ શકે છે. તેમને બચાવવાનો એક જ ઉપાય છે કે ગ્રીસને યુરોઝોનમાં રાખવું અને કડક શરતો હળવી કરવી, પણ એ શક્ય છે કે કેમ તે આવનારો સમય જ નક્કી કરશે.

ગ્રીસની આ હાલત કેમ થઈ તેનાં બીજાં પાસાં પણ છે. ભારતમાં એક પુરાણી કહેવત છે કે દેવું કરીને ઘી પીવું. ગ્રીસની હાલત પણ આ જ કારણથી થઈ. યુરોપના શક્તિશાળી દેશોએ મફતના દરે લોન આપીને તેમનો માલસામાન ગ્રીસમાં ઉતાર્યો, પરંતુ લોન લેવાવાળાઓએ કોઈ કચાશ રાખીશ નહીં. વળી, બીજું મહત્ત્વનું કારણ એ છે કે, ગ્રીસ સરકારનાં નાણાં વિભાગના મોટાભાગના અહેવાલ ગોટાળાવાળા હતા. અસલી નુકસાન છુપાવીને ગ્રીસ કર્જ લેતું રહ્યું અને દેશની હાલત બગડતી ગઈ. ગ્રીસની ડાબેરી સરકાર દ્વારા જનતાને મફતમાં વીજળી અને સ્કૂલોમાં ફ્રી ફૂડ કુપન્સ આપવાની સસ્તી લોકપ્રિયતાવાળી ઘોષણાઓ થતી રહી. એ કારણે આર્થિક બોજ વધ્યો. આ ઉપરાંત બીજું મહત્ત્વનું કારણ તેનું લશ્કર છે. કોઈ પણ જાતના કારણસર અથવા કારણ વગર ગ્રીસના પડોશી રાષ્ટ્રો સાથે સારા સંબંધો નથી. ગ્રીસ પાસે તેની આર્થિક ક્ષમતા કરતાં અનેકગણું મોટું લશ્કર છે જે તે નિભાવી શકે તેમ નથી. કોઈ પણ દેશે પ્રગતિ સાધવી હોય તો પડોશી રાષ્ટ્રો સાથે સંબંધો મિત્ર તરીકેના હોવા જોઈએ, જેથી અબજોના લશ્કરી ખર્ચામાંથી બચી શકાય. ભારતે પણ ગ્રીસની કટોકટીમાંથી પાઠ શીખવાની જરૂર છે.

અત્રે એ જાણી લેવું જરૂરી છે કે યુરોપિયન યુનિયનમાં ૨૮ સભ્યો છે. તેમાંથી ૧૯ દેશો હાલ યુરોઝોનમાં છે. એટલે કે આ ૧૯ દેશોમાં તેમનું ચલણ યુરો છે. તા.૧ જાન્યુઆરી, ૧૯૯૯ના રોજ યુરોઝોનનો પાયો નાખવામાં આવ્યો હતો. તેનાં બે વર્ષ બાદ એટલે કે તા. ૧ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ગ્રીસ યુરોઝોનમાં દાખલ થયું. તા. ૧લી જાન્યુઆરી ૨૦૦૨ના રોજથી યુરોઝોનના સભ્ય દેશોએ યુરોને તેમના ચલણ તરીકે સ્વીકાર્યો. યુરોપિયન યુનિયનનો એક શક્તિશાળી દેશ બ્રિટન યુરોઝોનમાં નથી. બ્રિટનમાં આજે પણ તેના ચલણ તરીકે પાઉન્ડ છે, યુરો નહીં. બ્રિટનમાં તો યુરોપિયન સંઘમાંથી બહાર નીકળી જવું જોઈએ તેમ માનનારો એક મોટો વર્ગ છે.

આ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભય એ વાતનો છે કે જો ગ્રીસ યુરોઝોનમાંથી બહાર નીકળી જાય તો સ્પેન અને પોર્ટુગલ પણ એ જ માર્ગે જઈ શકે છે. તે પછી યુરોના અવમૂલ્યનની શરૂઆત થઈ શકે છે. યુરોપિયન સેન્ટ્રલ બેન્ક તેનો વ્યાજદર વધારી શકે છે. અમેરિકાની નિકાસને નુકસાન પહોંચી શકે છે. અમેરિકા યુરોપનો બીજો સહુથી મોટો વેપારી સહભાગી છે. યુરોઝોનથી ગ્રીસ બે વાર બેલ આઉટ થઈ ચૂક્યું છે. ગ્રીસને કર્જ આપવાવાળા દેશોને ડર છે કે, ગ્રીસની દેવાળું ફૂંકવાની જાહેરાતની સાથે જ તેમના પૈસા પણ ડૂબી જશે અને તેમના રોકાણકારો બરબાદ થઈ જશે.

યુરોપિયન દેશોને ભય એ વાતનો પણ છે કે, આવનારા દિવસોમાં રશિયા ગ્રીસમાં પ્રવેશી જાય તો આ ક્ષેત્રની ભૂ-રાજકીય પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે. વ્લાદિમીર પુતિન ઘણા સમયથી ગ્રીસમાં પ્રવેશ કરવાની ફિરાકમાં છે. રશિયા, તુર્કી અને બીજા કેટલાંક દેશોએ ગ્રીસને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

આવનારા દિવસો કાફી ઊથલપાથલના હશે.

વ્યાપમં-સિરીયલ કિલર કોણ છે?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

મધ્યપ્રદેશનું વ્યાપમં કૌભાંડ દિવસેને દિવસે વધુ રહસ્યમય થતુ જાય છે. અહીં માત્ર નોકરીઓ આપવાનું આર્થિક કૌંભાડ જ થયું નથી પરંતુ આ બાબત સાથે સંકળાયેલી કોઈને કોઈ વ્યક્તિનું થોડાંથોડાં દિવસોના અંતે મોત નીપજતું જાય છે. આ હત્યાઓ કોણ કરે છે અથવા કરાવે છે તે રહસ્ય વધુ ને વધુ ઘેરૃં બનતું જાય છે. થોડાં દિવસ પહેલાં જ જવાહરલાલ નહેરુ પોલીસ ટ્રેનિંગ એકેડેમીની ૨૫ વર્ષની ટ્રેઈની અનામિકા કુશવાહાનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો તે પહેલાં ‘આજતક’ના પત્રકાર અક્ષયનું મોત નીપજયું. વ્યાપમં ગોટાળા સાથે સંકળાયેલા લોકો પૈકી ૪૮ જેટલા લોકો મોતને ભેટી ચૂક્યા છે.

વ્યાપમંનો અર્થ છે વ્યવસાયિક પરીક્ષા મંડળ. સરકારમાં ઉચ્ચ હોદાઓ પર પરીક્ષા લઈ નોકરી આપતી આ સરકારી સંસ્થા છે જેને ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન સાથે સરખાવી શકાય. આ કૌભાંડમાં મધ્યપ્રદેશના મોટા મોટા નેતાઓ અને મધ્યપ્રદેશનાં રાજયપાલનાં પુત્રનાં નામ પણ આવ્યા છે. આ કૌંભાડમાં બધા મળીને ૨૫૦૦ જેટલા આરોપીઓ છે. ૧૯૦૦ લોકો જેલમાં છે. ૫૦૦ ફરાર છે. બધાં મળીને ૫૫ જેટલા કેસ નોંધાયા છે. મોતના વણથંભ્યા સિલસિલામાં જબલપુર કોલેજના ડીન અરૂણ શર્માનું પણ મોત નીપજયું છે. આ બધી જ ઘટના એક થ્રીલર જેવી લાગે છે સિરિયલ કિલર કોણ છે તે મધ્યપ્રદેશની સરકાર કે પોલીસ શોધી શકતી નથી.

હકીકત એ છે કે વ્યાપમં કૌભાંડમાં સત્યને શોધવાનો પ્રયાસ ફરેબ સિવાય બીજું કંઇ નતી. લોકોની આખમાં ધૂળ નાખવાનો જ પ્રયાસ થઇ રહ્યો છે. મધ્યપ્રદેશ એક ઐતિહાસિક ધરોહર અને પ્રાકૃતિક સંપદાથી ભરેલો પ્રદેશ છે. આવા રાજયમાં આ કૌંભાંડે મધ્યપ્રદેશને ‘અતૂલ્ય ભારત’ નો એક વરવો નમૂનો બનાવી દીધો છે. એ રાજયમાં હત્યાઓ કોણ કરે છે તે કોઈ શોધી શકતું નથી. એક પછી એક નવયુવાનો મોતને ભેટી રહ્યા છે છતાં કોઈના પેટનું પાણી પણ હાલત નથી. આવું યુરોપ કે અમેરિકા જેવા કોઈ દેશમાં થયું હોત તો સરકારે રાજીનામું આપી દેવું પડયું હોત. સરકારના વડાએ તો અવશ્ય જ. આશ્વર્યની વાત એ છે કે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કે જેમને લોકો ‘મામા’ તરીકે ઓળખે છે તેઓ જાણે અજાણે કંસનો રોલ ભજવી રહ્યા છે.

મધ્યપ્રદેશનાં હજારો યુવાનોનાં દિલમાંથી એક ચીસ નીકળી રહી છે. મૃત્યુ પામેલાં ૪૮ જેટલા લોકોનાં પરિવારોને હજુ ખબર પડતી નથી કે, તેમના પરિવારના સભ્યને કોણે મારી નાંખ્યા, સરકાર, સીઆઈડી, ક્રાઈમ, બ્રાંચ, સીટ, સીબીઆઈ, ઈન્ટેલિજેન્સ બ્રાંચ એ બધાં જ અહીં ખતરનાક મૌન ધારણ કરીને બેઠાં છે.

મધ્યપ્રદેશના નેતાઓ એ વાત સારી રીતે જાણે છે કે, કેટલાંયે ગરીબ પરિવારોનાં માતા-પિતાઓએ તેમનાં ઘર, દુકાન કે જમીન તેમનાં સંતાનોને વ્યવસાયિક સંસ્થાનોમાં પ્રવેશ માટે વેચ્યાં હતાં. એટલા માટે કે તેમનાં સંતાનોને નોકરી મળે. આ કૌંભાડમાં સંકળાયેલા અસલી માસ્ટમાઇંડ બહાર છે, અને સંતાનોના માતા-પિતા કે વાલીઓ જેલમાં છે. કારણકે જ્યારે વ્યવસાયિક પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે એજન્ટોએ પાંચથી દસ લાખ રૂપિયા જેવી તગડી રકમ લઈ અસલ ઉમેદવારોની જગાએ નકલી ઉમેદવારોને પરીક્ષામાં બેસાડી દીધા હતા. બીજા કેસમાં નબળા ઉમેદવારોની બાજુમાં હોંશિયાર યુવક કે યુવતીને તેની બાજુમાં બેસી ઉત્તરો લખાવવામાં આવ્યા હતા. ત્રીજા કેસમાં કેટલાંક ઉમેદવારોને ઉત્તરવહી ખાલી રાખવા જણાવવામાં આવ્યું હતું અને પરીક્ષા પછી કોઈ અન્ય દ્વારા તેમાં સાચા જવાબો લખી દેવામાં આવ્યા હતા. આ બધામાં ફસાઈ ગયા છે પૈસા આપનાર ઉમેદવારો અને તેમના વાલીઓ. જે લોકોએ પૈસા લઈ લીધા છે તે બધા લોકો પૈસા લઈને છૂમંતર થઈ ગયા છે. ટૂંકમાં પૈસા આપનાર જેલમાં છે અને પૈસા લેનારા જેલની બહાર છે. હવે આ કૌંભાડનાં ટોચના લોકો પકડાય નહીં તેથી એક પછી એક કડીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે આ રહસ્યનો ભાગ મેળવવાની કોશિષ કરનાર પત્રકારોને પણ પતાવી દેવામાં આવી રહ્યા છે.

દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશ એવા ભારતના એક રાજયમાં કોઈ સરકારી કૌંભાડ સાથે સંકળાયેલા લોકોની આટલી મોટી સંખ્યામાં સિલસિલાબંધ મૃત્યુની ઘટના ઘટી તેવું ભાગ્યે જ ક્યાંય અન્યત્ર જોવા મળ્યું છે. આ ઘટના અંગે કેટલાંયે સમયથી એક તપાસ ચાલે છે પણ તે સત્ય સુધી પહોંચી નથી. એથી ઉલટુ એક તરફ તપાસ ચાલે છે તો બીજી તરફ હત્યાઓનો સીલસીલો પણ ચાલુ જ છે. અત્યાર સુધી જે તપાસ થઈ છે તે માત્ર દેખાવ ખાતર જ થઈ છે. તેમાં કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી. હા, આ ઘટના સાથે સંકળાયેલા મધ્યપ્રદેશના એક મંત્રી જેલમાં છે સહુથી મોટું રહસ્ય તો એ છે કે વ્યાપમં કૌભાંડમાં મધ્યપ્રદેશનાં રાજયપાલના પુત્રનું નામ બહાર આવ્યા બાદ તેનું પણ રહસ્યમય મોત નીપજી ચૂકયું છે. આટઆટલી ઘટનાઓ બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ સ્વંય રાજીનામું આપી દેતા કેમ નથી તે સમજાતું નથી. કૌંભાડ અને મોતનો આ સંગમ તેમની સરકારની છબી ખરાબ કરી રહ્યો છે. શિવરાજસિંહે પોતાની ઈમેજ બચાવવી હોય તો તેમણે સત્યનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. તેઓ આ બાબતમાં કશું જાણતા જ નથી તેવા ભોળા ચહેરાનો ત્યાગ કરી દેવો જોઈએ. હવે પર્દાફાશ થઈ જવાનો સમય આવી ગયો છે. વ્યાપમં કૌભાંડથી કોઈ ક્ષેત્ર અછૂતું રહ્યું નથી. વિદ્યાર્થી, શિક્ષક, સામાન્ય માનવી, રાજકારણીઓ,અધિકારીઓ અને પત્રકારો બધા જ તેના ભોગ બની ચૂક્યા છે.

હવે બાકી શું રહ્યું છે. બહુ થયું. ઇનફ ઇઝ ઇનફ.

મુખ્યમંત્રી શિવરાજસિંહ સાચા હોય તો સાબીત કરે. મીડિયાના, વિરોધપક્ષના અને છેલ્લે પોતાના જ પક્ષના નેતાઓ દ્વારા દબાણ વધતાં છેવટે શિવરાજસિંહ ચૌહાણ આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈના દ્વારા કરાવવા હાઈકોર્ટને અનુરોધ કરવા તૈયાર થયા છે પરંતુ સવાલ એ છે કે સીબીઆઈની તપાસ માટે ૪૭ લોકોનાં મોત સુધી રાહ કેમ જાઈ? કેટલા પરિવારોના માતમ પછી આ ડહાપણ સૂઝયું? હજી બીજી હત્યાઓ નહીં થાય તેની શું ખાત્રી? કોણ છે આ સીરિયલ કિલર?

ચીન આજે પણ દુશ્મન નંબર વન

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

ચીનના પ્રમુખ શી જિનપિંગ અમદાવાદ આવ્યા. રિવરફ્રન્ટના કાંઠે બેસી હીંચકે ઝૂલ્યા. ખમણ-ઢોકળાં ખાધાં. ભારતીય વસ્ત્રો પહેર્યાં. દિલ્હીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક ઇમારતના બગીચામાં ઊભા કરાયેલા સુશોભિત માંડવા હેઠળ જાતે કપમાં ચા રેડીને ચીનના પ્રેસિડેન્ટને પીવડાવી, પણ બધું જ વ્યર્થ ગયું.

ચીનના પ્રેસિડેન્ટનું એ સ્મિત છેતરામણું હતું. ચીનમાં ભારતના વડાપ્રધાન સાથેનું હસ્તધૂનન એક દગો કરવા માટેનું જ હતું. પ્રોટોકોલનો ભંગ કરીને ભારતના વડાપ્રધાનનું કરાયેલું સ્વાગત ભારતની પીઠ પર ખંજર ભોંકવા માટેનું જ હતું. મુંબઈમાં ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલાએ અનેક લોકોના જાન લીધા હતા. એ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ ઝકી ઉર-રહેમાન લખવી કે જે હાલ પાકિસ્તાનમાં છે તેને પાકિસ્તાન કાર્ટે છોડી મૂકતાં તેના વિરોધમાં ભારત સરકારે યુનાઇટેડ નેશન્સમાં વિરોધ નોંધાવ્યો હતો અને યુનાઇટેડ નેશન્સમાં પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા ભારતે માગણી કરી હતી. ચીને વીટો પાવર વાપરીને ભારતના આ પ્રસ્તાવને ફગાવી દેવામાં ખુલ્લેઆમ પાકિસ્તાનની મદદ કરી ભારત સાથે વિશ્વાસઘાત કર્યો. આ મુદ્દા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત વિરોધ કરતાં દિલ્હી ખાતે આવેલા દૂતાવાસે નરમ વલણ અપનાવીને લખવીના મુદ્દે ફેરવિચારણા કરવા ખાતરી આપી છે.

પરંતુ ચીનની આવી ખાતરી પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવી છે. ચીન પર કોઈ પણ સંજોગોમાં ભરોસો મૂકી શકાય તેમ નથી. ભારત અને ખુદ પાકિસ્તાનને પણ ખબર છે કે, મુંબઈમાં આતંકી હુમલો કરાવનાર મુખ્ય આરોપી લખવી લશ્કર-એ-તોયબાનો પ્રમુખ છે. આવા ખતરનાક આરોપીને પાકિસ્તાનની કોર્ટે જેલમાંથી છોડી દીધો તે મુદ્દા પર ચીન હવે પાકિસ્તાનની પડખે ઊભું છે તે આખા વિશ્વ માટે મોટી ઘટના છે. પાકિસ્તાનથી જે આતંકીઓ આવ્યા તેમાં અજમલ કસાબ પણ એક હતો. તેણે અનેક વિદેશી નાગરિકોને પણ મારી નાખ્યા હતા. વિશ્વના એક ખતરનાક અપરાધીના મુદ્દે ચીન ખુલ્લેઆમ પાકિસ્તાનની તરફેણ કરી રહ્યું છે, તે તેની દૂરગામી આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો જ એક ભાગ છે. કેટલાંક સમય પહેલાં ચીનના પ્રેસિડેન્ટ ભારત આવ્યા ત્યારે તેમણે આતંકવાદને નાથવાના મુદ્દે ભારત સાથે સહયોગ કરવા સંમતિ આપી હતી, પરંતુ ખંધા ચીને અભી બોલા અભી ફોક જેવી નીતિ થોડા જ મહિનાઓમાં અપનાવી.

ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ ચીનથી છેતરાયા હતા. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયી પણ ચીનથી છેતરાયા હતા. એકમાત્ર સરદાર સાહેબે જ નહેરુને ચીનથી સાવધ રહેવા જણાવ્યું હતું. તે પછી અટલજીના શાસન વખતે તે વખતના સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝે ચીનને ભારતનું દુશ્મન નંબર-૧ હોવાનું જણાવ્યું હતું. એ વખતે ભારતમાં જ જ્યોર્જના એ વિધાન અંગે વિરોધ ઊભો થયો હતો, પરંતુ અત્યારે જે થઈ રહ્યું છે તે જોતાં જ્યોર્જ ફર્નાન્ડિઝ સાચા હતા તે વાત સ્વીકારવી પડે તેમ છે.

ચીન તેનાં બેવડાં ધોરણો માટે જાણીતું છે. ચીનની ભારત વિરોધી કૂટનીતિ ન કદી બદલાઈ છે કે નથી તો ભવિષ્યમાં બદલાવાની. નહેરુએ પણ ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ જેવા નારા પોકાવરાવ્યા હતા જેની ભારે કિંમત દેશે ચૂકવવી પડી છે. હવે ચીનના પ્રેસિડેન્ટ ભારતનાં ખમણ-ઢોકળાં ખાઈને યુનોના ભારત વિરોધી વીટો વાપરી ભારતના જ પ્રસ્તાવને બ્લોક કરી પાકિસ્તાન સાથેની તેની મૈત્રીનું ઋણ ચૂકવી રહ્યું છે.

આવું પહેલી વાર જ નથી બન્યું, આ પહેલાં પણ પાકિસ્તાને ચીન મારફતે યુનાઇટેડ નેશન્સમાં ભારત તરફથી આતંકવાદના મુદ્દે ઉઠાવવામાં આવેલા અનેક મુદ્દાઓ અટકાવી દીધા હતા. લખવીના મુદ્દે ચીને આપેલો ઝાટકો એ તો બીજી વારની ઘટના છે.

ચીન વારંવાર ભારતના સ્વાભિમાનને પડકારી રહ્યું છે. ચીન વારંવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રેસિડેન્ટની ભારતની મુલાકાત વખતે ચીનના નેતાને સર-આંખો પર બિછાવી દીધા હતા, પરંતુ એ બધી જ સરભરા પાણીમાં ગઈ. ભારતના વડાપ્રધાનનો ચીન સાથેનો દોસ્તીનો પ્રયાસ ઈમાનદારીભરેલો હતો, પણ ચીને બેઈમાની દાખવી.

ભારતે એ વાસ્તવિકતા સમજી લેવાની જરૂર છે કે, ચીનની પાકિસ્તાન સાથેની દોસ્તી પહેલાં કરતાં વધુ મજબૂત બની છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચીને અનેક રસ્તા બનાવ્યા છે અને ભારે મૂડીરોકાણ કર્યું છે. ચીન પાકિસ્તાનને તેને ફાયદો થાય તેવું ગ્વાદર બંદર બાંધી આપી રહ્યું છે. ચીન પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ઈકોનોમિક કોરિડોર યોજના પણ તૈયાર કરી રહ્યું છે. ભારતે જ્યારે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચીનના મૂડીરોકાણ અંગે વિરોધ કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર પણ સ્થિતિ સ્પષ્ટ કરવા માગણી કરી ત્યારે પણ ચીને ભારતના આ વિરોધ પર આંખ આડા કાન કર્યા હતા. ચીન માત્ર રાજકીય લાભ ઉઠાવવા જ આ બધું કરી રહ્યું છે.

ચીનનાં અન્ય ષડ્યંત્રોને પણ સમજવાની જરૂર છે. ચીને સમુદ્રી સિલ્ક રૂટની પરિયોજનામાં ભારતને સામેલ કરવા પ્રસ્તાવ મૂક્યો છે. ભારત એ પ્રસ્તાવ સ્વીકારી લે તોપણ એવી કોઈ ગેરંટી નથી કે ચીન શાંત થઈને બેસી જશે. એથી ઊલટું એમ થવાથી ભારતના અમેરિકા અને જાપાન સાથેના સંબંધો પણ ગૂંચવાડામાં પડી શકે છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે સમુદ્રી સિલ્ક રૂટ દ્વારા તો ચીનને હિંદ મહાસાગરમાં આક્રમણનો મોકો મળી જશે. ચીન લાંબા સમયથી હિંદ મહાસાગરમાં પોતાની ભૂમિકા ઊભી કરવા પ્રયાસ કરી રહ્યું છે. તે ચૂપચાપ આ ખેલ પાડી દેવાની ફિરાકમાં છે. તે દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાનો પ્રભાવ વધારવા પ્રયત્ન કરી રહ્યું છે. આ પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગર વચ્ચે એક મહત્ત્વપૂર્ણ કોરિડોર છે.

ચીન ચારે તરફથી ભારતને ઘેરી રહ્યું છે. પાકિસ્તાન તેના માટે મિત્ર કરતાં પણ વધુ છે નેપાળમાં પણ તેનો એક રોલ છે. ભારતના વડાપ્રધાને ‘એક્ટ ઈસ્ટ’ નીતિ અપનાવીને બધા જ પડોશી દેશોની યાત્રા કરી એ દેશોમાં ચીનનો પ્રભાવ ઓછો કરવા કોશિશ કરી છે, પરંતુ તેથી ચીન વધુ ચિડાયું છે. ચીને પહેલેથી જ નેપાળ, માલદીવ, મ્યાનમાર, થાઇલેન્ડ અને શ્રીલંકામાં ભારે મોટું મૂડીરોકાણ કરેલું છે. પાકિસ્તાનમાં ચીને બનાવેલા ગ્વાદર બંદરથી ૩૦૦૦ કિલોમીટર લાંબી સડક દ્વારા ચીન પોતાના અશાંત શિનજિયાંગ પ્રાંતને અરબી સમુદ્ર સાથે જોડવા માંગે છે. આ માટે તેણે પોતાની હિંદ મહાસાગર યોજનાઓમાં પાકિસ્તાનને પ્રમુખ ભાગીદાર બનાવ્યું છે. એક તરફ ચીન હિંદ મહાસાગરમાં તેલ તથા ખનીજની ખોજ માટે ભારતને આમંત્રણ આપે છે, તો બીજી બાજુ દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલા વિયેતનામના ટાપુઓમાં ભારત જ્યારે તેલ સંશોધન કરવા પ્રયાસ કરે છે તો તેનો ચીન વિરોધ કરે છે. એટલું જ નહીં પરંતુ આ અંગે ચીન ભારતને ધમકીઓ આપી રહ્યું છે. ચીને શ્રીલંકામાં પણ અડ્ડો સ્થાપી દીધો છે. નાના-નાના દેશોેને આર્િથક મદદ કરી તે દોસ્તી ખરીદે છે. શ્રીલંકામાં એલટીટાઈના સફાયામાં મદદ કરવાના બદલે ચીને ત્યાં પોતાનું થાણું નાખી દીધું છે. પાકિસ્તાન પાકિસ્તાનના આતંકવાદીઓને પ્રોત્સાહિત કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્ય તરીકે લેવામાં આવે તે માટે અન્ય દેશો ભારતને સમર્થન આપી રહ્યા છે ત્યારે તેનાથી પણ ચીનને પરેશાની થાય છે. તે ભારતને યુનોની સલામતી સમિતિમાં કાયમી અને સ્થાયી સભ્ય તરીકે સ્થાન ના મળે તે માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ સંજોગોમાં ભારતે બહુ વિચારીને તેનાં પત્તાં ખેલવાં પડશે.

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén