Devendra Patel

Journalist and Author

Month: August 2013

સ્કૂલનો આખોયે સ્ટાફ મારી સામે જોઈ રહ્યો હતો

મારા અને જયદેવ વચ્ચેના સંબંધોની ખબર મારા સ્કૂલના આખાયે સ્ટાફને હતી

ભૈરવી રાજસ્થાનના એક નાનકડાં નગરની સ્કૂલમાં શિક્ષિકા છે.

એ પોતાની કથા કાંઈક આ પ્રમાણે કહે છેઃ ”સખત ગરમીના દિવસો હતા. સ્કૂલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. હવે વેકેશન શરૂ થવામાં થોડા જ દિવસોની વાર હતી. મારી સાથે જ સ્કૂલમાં ટિચરની જોબ કરતા જયદેવ સાથે મારા એફેરની સહુ કોઈને ખબર હતી. મારા અને જયદેવના સંબંધોની ચર્ચા પણ હતી. પરંતુ મને એનો કોઈ ડર નહોતો કારણ કે હું અને જયદેવ પરણવાના ના હતા. જયદેવ દૂરના એક ગામનો ખેડૂત પુત્ર હતો. એના માતા-પિતા અને મોટાભાઈએ ખૂબ દુઃખ વેઠીને એને ભણાવ્યો હતો. જયદેવ મને ગમતો હતો. કારણ કે ખૂબ જ નમ્ર અને વિવેકી હતો. એના માતા-પિતાની સામાન્ય પરિસ્થિતિ એ કદી છુપાવતો નહોતો.

સ્કૂલનો આખોયે સ્ટાફ મારી સામે જોઈ રહ્યો હતો

વેકેશન પડતાં જ એ એના ગામ ગયો. જતાં પહેલાં તે મને શાંતિથી મળ્યો હતો. માતા-પિતાની મંજૂરી લઈ ટૂંકમાં જ સાદગીથી લગ્ન કરી લેવા માટે અમે બેઉ સંમત હતાં. સ્કૂલમાં મારી સાથે કામ કરતા તમામ સ્ટાફને આ વાતની ખબર હતી. મારા જીવનની બધી જ વાતો હું મારી સાથે જ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી આસ્થાને જણાવતી હતી.

વેકેશન પૂરું થતાં જ સ્કૂલ ફરી ખૂલી.

પરંતુ અચાનક મને ખબર પડી કે જયદેવ તો ઉનાળાની રજાઓ દરમિયાન ગામડે લગ્ન કરીને પાછો આવ્યો છે. આ વાત આગની જેમ સ્કૂલમાં ફેલાઈ ગઈ. મને પણ જ્યારે આ વાતની ખબર પડી ત્યારે હું પણ અવાક રહી ગઈ. મારા માટે સ્કૂલમાં જવા પગ ઉપાડવો પણ મુશ્કેલ બની ગયો. સ્ટાફમાં ગુસપુસ શરૂ થઈ ગઈ હોવાનું મને આસ્થાએ જણાવ્યું. મને ખબર હતી કે આખોયે સ્ટાફ મારા ચહેરાના હાવભાવ જોવા આતુર હતો.

છતાં હિંમત કરી હું સ્કૂલમાં પહોંચી.
પચાસ વર્ષની વયના એક આધેડ શિક્ષકે ચશ્માની ભીતરથી મને ઝાંખતાં પૂછયું : ”હવે તમારી તબિયત કેમ છે, મીસ ભૈરવી?”

આ પ્રશ્નની ભીતર એક કટાક્ષ હતો. હું જાણે કે અંદરથી સળગી રહી હતી. મેં સંયમ જાળવવા કોશિશ કરી. સ્ટાફની નજરોથી બચવા હું સીધી જ મારા કલાસરૂમ તરફ જતી રહી. ત્યાં જ લોબીમાં મને જયદેવ દેખાયો. મારો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. થોડીવાર માટે તો થયું કે બધાંની સામે જ એને તમાચો ફટકારી દઉં. પણ આસ્થા મારી પાછળ જ હતી. એણે આ નાજુક ક્ષણને પામી જતાં મને કહ્યું: ”ભૈરવી, વિદ્યાર્થીઓ તમારી રાહ જુએ છે.”

હું ઝેરનો ઘુંટડો ગળી ગઈ. અને જયદેવ તરફ નફરતથી નજર ફેંકી મારા કલાસરૂમમાં ચાલી ગઈ.

સ્કૂલ છુટયા બાદ મારી સખી આસ્થાએ મને કહ્યું: ”હું નથી જાણતી કે હું તને જે કહેવા માગું છું તેની શું પ્રતિક્રિયા આપીશ. પરંતુ જયદેવે મારી મારફત તને કહેરાવ્યું છે કે એ તને મળવા માંગે છે.”

હું ઊછળી પડીઃ ”મને મળવાની વાત કહેવાની એની હિંમત કેવી રીતે ચાલી?”

આસ્થાએ શાંતિથી કહ્યું: જો ભૈરવી ! જયદેવે તારી સાથે જે કર્યું છે તે માટે મારા મનમાં તારાથી જરાયે ઓછો આક્રોશ નથી. પરંતુ મને લાગે છે કે તારે એક વાર તો એને મળી લેવું જ જોઈએ.”

ખૂબ સમજાવ્યા બાદ હું તૈયાર થઈ. હાઈવે પરની રેસ્ટોરામાં સાંજે સાત વાગે મળવાનું નક્કી થયું. મારા મનમાં જયદેવ માટે નફરત સિવાય કાંઈ બચ્યું નહોતું. રેસ્ટોરામાં મળી એ ગમે તેટલું રડે કે મને સમજાવે હું તેને માફ કરવા તૈયાર નહોતી. અત્યંત ક્રોધ સાથે હું હાઈવે પરની રેસ્ટોરાંમાં પહોંચી. જયદેવ પહેલેથી જ આવીને એક ટેબલ પાસેની ખુરશીમાં બેઠેલો હતો. હું ચૂપચાપ તેની સામે જઈને બેસી ગઈ. તેની નજર ઝુકેલી હતી. મારું શરીર ગુસ્સાથી કાંપી રહ્યું હતું. હું કાંઈ બોલું તે પહેલાં જયદેવે એક કવરમાંથી તસવીરો કાઢી ટેબલ પર મૂકી.

મેં જોયંુ તો તેમાંની એક તસવીર જયદેવના મોટાભાઈની હતી. તેના ભાઈની તસવીર પર ફૂલોની માળા દેખાતી હતી. મેં પૂછયું:”આ તો તમારા મોટાભાઈ છે. શું થયું તેમને ?”

જયદેવે ધીમેથી કહ્યું: ”ખેતરમાં સાપ કરડી ગયો. હવે મોટાભાઈ નથી.”
હું ક્ષણભર કંપી ગઈ, ચૂપ થઈ ગઈ.

જયદેવે શરૂ કર્યુઃ ” રજાઓમાં હું ઘેર પહોંચ્યો તેના બીજા જ દિવસે મોટાભાઈને ખેતરમાં સાપ કરડયો અને મૃત્યુ પામ્યા. અમારા ઘર પર આભ તૂટી પડયું. મારા-પિતાને સંભાળવા મુશ્કેલ બની ગયું. મારા હાથે જ ભાઈને અગ્નિદાહ દીધો. પૂરા અગિયાર દિવસ શોક ચાલ્યો. હું ઘેર જઈને આપણા લગ્ન માટેની વાત કરવાનો હતો ત્યાં જ પિતાજીએ એક વાત કરી જે સાંભળીને હું સ્તબ્ધ બની ગયો. મારા પિતાજીએ મને કહ્યું કે ભાઈ, તને ભણાવવા, કોલેજની અને હોસ્ટેલની ફી ભરવા બાજુના જ ગામના એક આગેવાન પાસેથી અમે કર્જ લીધેલું છે. પરંતુ એ કર્ર્જ આપતાં પહેલાં આગેવાને એવી શરત કરી હતી કે તેમની દીકરી સાથે મોટાભાઈ લગ્ન કરે. દીકરી શ્યામ અને જરાયે રૂપાળી નથી. ભણેલી પણ નહોતી. મોટાભાઈ પણ ભણેલા નહોતા. તેથી મેં એ શરત મંજૂર રાખી હતી.. પણ ભાઈનું મૃત્યુ થતાં ૧૨માં દિવસે જ આગેવાને કહ્યું કે, તમારો એક છોકરો મરી ગયો પણ બીજો તો છે ને?” એને કહો કે તે મારી છોકરી સાથે લગ્ન કરે અથવા મારી રકમ વ્યાજ સાથે ચૂકવી દો.

મેં પિતાજીને પૂછયું: ”કેટલી રકમ થાય છે?”
પિતાજીએ કહ્યું, ”રૂ. એક લાખ.”

મારી પાસે એટલા પૈસા નહોતા. માતા-પિતાએ કહ્યું કે હવે તું લગ્ન નહીં કરે તો અમારે આપઘાત કરવો પડશે.”

અને મેં મારું જીવન માતા-પિતા માટે દાવ પર લગાવી દીધું. પિતાની આબરુ અને તેમનું જીવન બચાવવા મેં નિર્ણય કર્યો. એમણે અને મારા મોટાભાઈએ જે કર્ર્જ લીધું હતું તે બધું જ મને ભણાવવા માટે લીધું હતું. પિતા પાસે તો માત્ર દોઢ વીઘું જમીન હતી. અને મેં કઠોર નિર્ણય કરી બાજુના ગામના આગેવાન કે ત્યાંના સરપંચ પણ છે તેમની દીકરી રમા સાથે ખૂબ સાદગીથી લગ્ન કરી લીધું.”

હું ચૂપચાપ જયદેવની વાત સાંભળતી રહી.

જયદેવ બોલતો જ રહ્યોઃ ”ભૈરવી, હું ખોટું નહીં બોલું. જે વખતે રમા જેવી કદરૂપી છોકરી સાથે મેં લગ્ન કરવા નિર્ણય કર્યો ત્યારે તું મને જરાયે યાદ આવી નહોતી. એ વખતે મને મારા માતા-પિતા અને મારા ભાઈનો મારા માટેનો ત્યાગ જ નજર સમક્ષ હતો. મને ભણાવવા માટે મારો ભાઈ એક અસુંદર છોકરીને પરણવા તૈયાર થયા હતા. તેમનું આવું મૃત્યુ થયું ના હોત તો તેમણે જ રમા સાથે લગ્ન કરી લીધું હોત. ખરેખર તો મારા ભાઈએ મને ભણાવવા એમની જિંદગી દાવ પર લગાવી દીધી.”

હું સ્તબ્ધ થઈને બધી વાત સાંભળી રહી.

અને તે બોલ્યોઃ ”ભૈરવી, હું જો રમા સાથે લગ્ન ના કરત તો રમાના પિતા મારું ઘર અને જમીન પણ લઈ લેત. મારા માતા-પિતા ઘર વિહોણા બની જાત. તેથી ખૂબ સમજી વિચારીને મેં આ લગ્ન કર્યું છે. તું એને જે સમજવું હોય તે સમજી શકે છે. મેં કોઈની સાથે દગો કર્યો છે કે મારી આ માતા-પિતા પ્રત્યેની ફરજ નિભાવી છે તે તું નક્કી કરી લે. હું તારો ગુનેગાર છું એ વાત હું કબૂલ કરું છું. મેં તને ખૂબ દુઃખ આપ્યું છે, ભૈરવી પરંતુ સંબંધો લગ્નમાં પરિણમે તેને જ પ્રેમ કહેવાય એમ હું નથી માનતો. તારી સમજ શક્તિ પર મને ભરોસો છે. એક બીજાને સમજવું તેનું નામ જ પ્રેમ છે. બસ આટલું કહેવા મેં તને આજે અહી બોલાવી હતી.”

અને હું જયદેવની આંખોમાં જોઈ રહી. એમાં નિખાલસતા હતી, સચ્ચાઈ હતી, મજબૂરી હતી, દર્દ હતું. મને લાગ્યું કે હું અહીં આવી ત્યારે અલગ હતી. અત્યારે સાવ અલગ જ હતી. મારા ભીતરમાં એક જબરદસ્ત પરિવર્તન આવતું જણાયું. જયદેવ માટે મને જે માન હતું તેમાં હજારો ગણો વધારો થતો હોય તેમ લાગ્યું. મેં કહ્યું: ”જયદેવ ! સારું થયું કે હું તમને મળવા આવી. નહીંતર આખી જિંદગી હું તમને નફરત કરતી હોત. તમને સાંભળ્યા બાદ મને તમારા માટેનો આદર અને શ્રદ્ધા વધી ગયાં છે. હું હંમેશાં એવી વ્યક્તિનો આદર કરું છું જે પોતાના સ્વાર્થથી ઉપર ઊઠીને પોતાના માતા-પિતા માટે કાંઈક કરે છે. મને તો થાય છે કે મેં એક સારું વિચારવાળી વ્યક્તિને પ્રેમ કર્યો હતો. આ વાતનું મને અભિમાન છે. હવે એક કામ કરો, જયદેવ. રમાને ગામડેથી અહીં લઈ આવો. એ રૂપાળી નથી એમાં એ બિચારીનો શું વાક ? રમાને ભણાવવાની જવાબદારી હું લઉં છું. પ્રેમનું એક આ પણ સ્વરૂપ છે, એમ નથી લાગતું તમને ?” અને અંધારું થવા આવ્યું હતું.

હું અને જયદેવ છુટાં પડયાં.

હવે થોડા જ દિવસ પછી જયદેવ રમાને લઈ આવશે અને હું પણ મારી જવાબદારી પૂરી કરીશ. આવતીકાલથી મેં મારી જિંદગીની એક નવી જ શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. હું હવે રમાના આવવાનો ઈન્તજાર કરું છું.”

-કહેતા ભૈરવી એની વાત પૂરી કરે છે.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Be careful… સેક્સ સંબંધ વિના પણ એઈડ્સ થઈ શકે છે!

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

ભારતમાં એઈડ્સના દરદીઓની સંખ્યા ૨૪ લાખ પહોંચી ગઈ હોવાનો અંદાજ છે. તેનાથી ૩૯ ટકા એટલે કે ૯ લાખથી વધુ મહિલાઓ છે. તેમાંથી સાડા ત્રણ ટકા બાળકો છે. જેમની વય ૧૫ વર્ષ કરતાં ઓછી છે. ચિંતાજનક વાત એ છે કે એઈડ્સનો ચેપ ધરાવતી વ્યક્તિઓમાં ૮૩ ટકા લોકો ૧૫થી ૪૯ વર્ષની વયના છે. અલબત્ત,નોંધપાત્ર વાત એ છે કે ૨૦૦૦ની સાલમાં પ્રતિવર્ષ ૨.૭ લાખ જેટલા એઈડ્સના નવા દરદીઓ ઉમેરાતા હતા તે સંખ્યા હવે ઘટીને પ્રતિવર્ષ ૧.૪ ટકા થઈ છે. લગભગ ૫૬ ટકાની ગિરાવટ દર્શાવે છે કે લોકો હવે એઈડ્સના ખતરા સામે જાગૃત થઈ રહ્યા છે.

Be careful... સેક્સ સંબંધ વિના પણ એઈડ્સ થઈ શકે છે!

દેશમાં લગભગ ૨૫ વર્ષ પહેલાં ચેન્નાઈમાં એચ.આઈ.વી.- એઈડ્સનો પ્રથમ કેસ નોંધાયો હતો. એ વખતે આ બીમારી વિશ્વભરમાં નવી હતી. એ કારણે વિશ્વમાં એઈડ્સ વિરુદ્ધ જાગરૂકતા જગાવવા શરૂ થયેલી ઝુંબેશના કારણે તથા એઈડ્સની દવાઓ સસ્તી બનવાના કારણે એઈડ્સની રફતાર ધીમી પડી છે. ભારતમાં એઈડ્સનો ફેલાવો સહુથી વધુ આંધ્ર,તામિલનાડુ, કર્ણાટક, કેરાલા, મહારાષ્ટ્ર અને ગોવામાં હતો. મુંબઈમાં ગ્રાંટ રોડ જેવા વિસ્તારોમાં ‘રેડલાઈટ’ એરિયા છે. અહીં વસતી રૂપજીવિનીઓ પહેલાં કરતાં હવે વધુ જાગૃત છે, પરંતુ દક્ષિણનાં રાજ્યોમાં એનું પ્રમાણ વધુ હતું. ત્યાં એઈડ્સ વિરોધી અભિયાન તેજ કરવાના કારણે આ રાજ્યોમાં એઈડ્સના દરદીઓમાં ૮૦ ટકાનો ઘટાડો થયો છે. એથી ઉલટું ઉત્તરનાં રાજ્યોમાં એઈડ્સનું પ્રમાણ ઓછું હતું ત્યાં એઈડ્સના દરદીઓ વધી રહ્યા છે. અલબત્ત, તાજા આંકડાઓ અનુસાર હજુ દર વર્ષે જે નવા ૧.૨ લાખ દરદીઓ આવે છે તે હજુ પણ મોટેભાગે દક્ષિણનાં રાજ્યો અને મહારાષ્ટ્રમાંથી જ આવે છે. આ રાજ્યોમાંથી કુલ એઈડ્સના દરદીઓના ૩૯ ટકા દરદીઓ આવે છે.

મુંબઈ, દિલ્હી અને કોલકાત્તા દેશમાં સહુથી મોટું સેક્સ વર્કર્સ બજાર ધરાવે છે. આખા દેશમાંથી ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી ગરીબ પરિવારની યુવતીઓને પ્રોસ્ટિટયુશનના વ્યવસાયમાં લાવવામાં આવે છે. તેમાં નેપાળ, તિબેટ અને ભૂતાનની યુવતીઓનું પણ એક આગવું બજાર છે. હાલ આથમી ગયેલી નેપાળી એક્ટ્રેસ મનીષા કોઈરાલાના મુંબઈમાં પદાર્પણ બાદ ફિલ્મની હિરોઈન બનવાનું ખ્વાબ લઈને સેંકડો યુવતીઓ નેપાળથી મુંબઈ આવતી થઈ હતી અને તેમનો છેવટનો મુકામ ગંદાં વેશ્યાગૃહોમાં જ થંભી જતો હતો. દિલ્હીમાં હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશથી સહુથી વધુ યુવતીઓ પેટિયું રળવા આવે છે અને છેવટે લોહીના વેપારમાં વ્યસ્ત થઈ જાય છે. દિલ્હી એ દેશનું પાટનગર અને આંતરરાષ્ટ્રીય પર્યટક સ્થળ હોવાથી ઘણાં વિદેશી સહેલાણીઓ પણ દિલ્હી આવે છે, પરંતુ તેમાં ભાંગી ગયેલા રશિયાના વિખૂટા પડેલા દેશો જેવા કે યુક્રેઈન અને ઉઝબેકિસ્તાનની પણ ઘણી યુવતીઓ દિલ્હીમાં જ રહી જઈ કોલગર્લનો વ્યવસાય સ્વીકારી લે છે. કોલકાત્તા જેવા શહેરમાં આસપાસનાં ગરીબ ગામોની યુવતીઓ આ જ ધંધામાં પનાહ લે છે. તેમાં હવે બંગલાદેશની યુવતીઓ પણ ઉમેરાતી જાય છે. જે યુવતીઓ ગરીબ પરિવારમાંથી આવે છે તેઓ ઝાઝી શિક્ષિત ના હોઈ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોતી નથી અને શ્રમજીવી વર્ગના ગ્રાહકો સાથેના સંબંધોથી એઈડ્સનો ભોગ બને છે અને એઈડ્સ ફેલાવે છે. પ્રોસ્ટિટયુશન એ આ જાતનો હજારો વર્ષ જૂનો વ્યવસાય છે. તે અટક્યો નથી અને અટકશે નહીં. પ્રાચીન ગ્રીસ, પ્રાચીન રોમ, પ્રાચીન ટ્રોય અને પ્રાચીન ભારતમાં પણ આ વ્યવસાય હતો. એ વખતે પણ સેક્સ સંબંધોથી થતા રોગો હતા. એડોલ્ફ હિટલર ખુદ સિફિલીસથી પીડાતો હતો, પરંતુ એઈડ્સ એ ૨૦મી સદીનો રોગ છે.

અમેરિકામાં ૧૯૮૧ના વર્ષમાં સહુથી પહેલો એચ.આઈ.વીનો કેસ નોંધાયો હતો. શરૂઆતમાં તેને સમલૈંગિકોના સંક્રમણથી થતો રોગ કહેવામાં આવતો હતો. તે વખતે તેને ‘ ગે રિલેટેડ ઇમ્યુન ડેફિશિયન્સી’ રોગ કહેવાતો હતો. તે પછી અન્ય લોકોમાં પણ તે પ્રસરતાં તેને એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ(એઈડ્સ) તરીકે ઓળખવામાં આવ્યો. એચ.આઈ.વી. એટલે કે ‘હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ’ એક એવો વાયરસ છે જે વિકસિત થઈને એઈડ્સનું સ્વરૂપ લે છે. કોઈ એચઆઈવી પોઝિટિવ હોય તો તેનો તે એઈડ્સ છે તેવો નથી. એચઆઈવી શરીરમાં પ્રવેશે તે પછી તે શરીરની પ્રતિરોધક શક્તિ એટલે કે રોગો સામે લડવાની શક્તિ ઘટાડી નાંખે છે અને તેથી શરીર બીજી અન્ય બીમારીઓ તથા બીજા વાઇરસની ઝપેટમાં આવી જાય છે. સામાન્ય રીતે ૧૦ વર્ષ બાદ જ એઈડ્સનાં લક્ષણો જોવા મળે છે. એઈડ્સની ઓળખ કરવા માટે કોઈ ચોક્કસ લક્ષણ નથી. શરીરની અન્ય રોગો સામે લડવાની ક્ષમતા ઘટતી જાય અને ઝડપથી વજન ઘટવા માંડે તથા વારંવાર ડાયેરિયા થઈ જવો, તાવ આવવો, સૂકી ખાંસી આવવી, રાત્રે પરસેવો થવો, જીભ અને ગળામાં સફેદ નિશાન થવાં એ લક્ષણો એઈડ્સનો નિર્દેશ કરે છે. જો કે આ લક્ષણો બીજી બીમારીઓમાં પણ જોવા મળે છે. એઈડ્સની પહેચાન કરવા માટે એઈડ્સનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. તેનો વાઇરસ છ માસ સુધી સક્રિય હોય છે. પહેલો ટેસ્ટ નેગેટિવ આવે તો છ મહિના બાદ બીજો ટેસ્ટ કરાવવો જરૂરી છે. બીજો ટેસ્ટ પણ નેગેટિવ આવે તો તમને એઈડ્સ નથી એમ સમજી શકાય.

માત્ર યૌન સંબંધોથી જ એઈડ્સ થાય છે તેવું નથી. કોઈ બીમારી દરમિયાન તમને બહારનું કોઈ લોહી ચડાવવામાં આવ્યું હોય અને તે લોહી અથવા તે સોય કોઈના ચેપથી પ્રદૂષિત હોય તો લોહી લેનાર વ્યક્તિને પણ એઈડ્સ થઈ શકે છે.

હાલ જે આંકડા ઉપલબ્ધ છે તે પ્રમાણે (૧) અસુરક્ષિત સેક્સ સંબંધોથી એચઆઈવી સંક્રમણનું કારણ ૮૭.૪ ટકા છે. (૨) મા બાપના કારણે જે બાળકોને એઈડ્સ થાય છે તેનું પ્રમાણ ૫.૪ ટકા છે. (૩) એઈડ્સ થવાનાં કારણોમાં ચેપી સોયથી આ રોગ થવાની ટકાવારી ૧.૬ ટકા છે. (૪) ચેપી લોહીથી આ રોગ થવાની ટકાવારી ૧ ટકા છે. સમલૈંગિક સંબંધોથી આ રોગો થવાની ટકાવારી ૧.૩ ટકા છે. (૫) કોઈ અજ્ઞાત કારણોથી આ રોગ થવાની ટકાવારી ૩.૩ ટકા છે. ટૂંકમાં, સેક્સ સંબંધ સિવાય પણ બીજાં કારણોસર એઈડ્સ થઈ શકે છે.

દેશમાં ૩૧૩ જેટલાં સેન્ટરો દ્વારા એચઆઈવી સંક્રમિત રોગીઓને સારવાર આપવામાં આવે છે. જેમાં ૪,૨૮,૬૩૮ જેટલા દરદીઓ સારવાર લઈ રહ્યા છે. મોટી સરકારી હોસ્પિટલોમાં એઈડ્સના દરદીઓને મફત સારવાર આપવામાં આવે છે. આ સારવાર લેનારાઓમાં ૨૫૦૭૧ જેટલાં તો બાળકો છે. ભારતમાં એઈડ્સ વિરુદ્ધ કાર્યક્રમ નેશનલ એઈડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (નાકો) દ્વારા ચલાવવામાં આવે છે. એઈડ્સની દવાઓ હવે ભારતમાં પણ બને છે. આ દવાઓ સસ્તી છે. એક દરદી દીઠ માસિક રૂપિયા ૫૦૦નું ખર્ચ આવે છે. અલબત્ત, વિશ્વમાં એઈડ્સને ડામવા હવે સેકંડ લાઈન ઉપચાર પણ શરૂ થઈ ગયો છે. નાકોએ પણ સેંકડ લાઈન ટ્રીટમેન્ટ શરૂ કરી છે પણ એ ટ્રીટમેન્ટ મોંઘી છે. તેમાં એક દરદી દીઠ ઉપચારનું ખર્ચ રૂપિયા ૨૫,૦૦૦ આવે છે. અલબત્ત, ભારતની કંપનીઓ પણ હવે એઈડ્સ માટે સેકંડ જનરેશનની દવાઓ બનાવવામાં કાર્યરત છે. લોકો એ વાતનો પણ ખ્યાલ રાખે કે ટેટુ, ઇયર પિર્યિંસગ, કાન વીંધાવવા, એક્યુપંક્ચર અને દાંતની ટ્રીટમેન્ટ લેતી વખતે પણ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે તે વખતે જે ઉપકરણ વપરાય છે તે પણ આગલી વ્યક્તિ કે ગ્રાહક કે દર્દી દ્વારા એચઆઈવીથી સંક્રમિત હોઈ શકે છે.

‘નામર્દને પણ મર્દ બનાવી દેવાની દવા મારી પાસે છે’

આસારામ બાપુ ફરી એક વાર વિવાદમાં છે.

દેશના સાધુ-સંતોવિશ્વ હિન્દુ પરિષદ અને સંઘને હિન્દુ બાળકીની વેદના સ્પર્શતી નથી

આ વખતે તેમની ઉપર મૂકવામાં આવેલો આરોપ વધુ ગંભીર છે. ૧૬ વર્ષની એક સગીર બાળાએ યૌનશોષણની ફરિયાદ કરી છે. આ ફરિયાદ દિલ્હીમાં નોંધાવવામાં આવી છે. કલમ ૩૭૬ હેઠળ નોંધાયેલી ફરિયાદ અનુસાર તો પોલીસે આરોપીની ધરપકડ કરવી જ પડે. કલમ ૩૭૬નો મતલબ છે યૌનશોષણ. કલમ ૩૪૨ પણ લગાવવામાં આવી છે. આ કલમનો મતલબ છે કન્યાને બંધક બનાવી ગોંધી રાખવી. સગીરાની આ ફરિયાદ મીડિયામાં આવતા દેશભરમાં ખળભળાટ મચી ગયો. આ ઊહાપોહ બાદ આસારામ બાપુ તેમના માટે સલામત ગણાતા ગુજરાત અને ગુજરાતના અમદાવાદ ખાતેના મોટેરા આશ્રમમાં આવી ગયા છે. ગુજરાતની પોલીસ તેમની પર હંમેશા મહેરબાન રહી છે. તેમના જ ગુરુકુલમાં રહેતાં અને ભણતા દીપક અને અભિષેક નામનાં બે બાળકોના રહસ્યમય મૃત્યુ પછી પણ પ્રશાસન તેમને સ્પર્શી શક્યું નથી.

'નામર્દને પણ મર્દ બનાવી દેવાની દવા મારી પાસે છે'
સુપર ગોડ-બાપુ!

૭૫ વર્ષની વયના વયોવૃદ્ધ બાપુ પર ૧૬ વર્ષની એક કન્યા યૌનશોષણનો આરોપ મૂકે એ એક ગંભીર બાબત હોવા છતાં દેશના સાધુ-સંતોનો સમાજ ચૂપ છે. રામમંદિર માટે ચીપિયા પછાડનારા સાધુઓને એક જીવતી જાગતી બાળકીના યૌનશોષણની વેદનામાં રસ નથી. ધર્મની આડ હેઠળ અને ભગવાં વસ્ત્રોની ભીતર રહેવાથી કાયદાકીય સુરક્ષા મળી શકે નહીં. માની લઈએ કે ૧૬ વર્ષની બાળકીનો આરોપ વજૂદ વગરનો છે, પણ આસારામ બાપુનો ભૂતકાળ આવા અનેક વિવાદોથી ભરેલો છે તે જગ જાહેર છે.ઠેર ઠેર આશ્રમો માટે જમીનો પચાવી પાડવાના આક્ષેપો થયેલા છે.તેમના શિષ્યોનાં રહસ્યમય મોત નીપજેલાં છે. વિમાની મથકો પર સલામતી અધિકારીઓ જો બાપુની તપાસ કરે તો અધિકારીઓ સાથે બાખડવાના કિસ્સા નોંધાયેલા છે. મહારાષ્ટ્ર જ્યારે ભીષણ દુષ્કાળમાં સપડાયેલું હતું ત્યારે બાપુએ લાખો લીટર પાણીથી હોળી ખેલેલી છે. પાછલી વયમાં કનૈયા બનીને સ્ટેજ પર નાચતા આસારામને લોકોએ નિહાળ્યા છે. આશ્રમની ભીતરની કુટિયાઓમાં રહી બાપુની સેવા કરતી સેવિકાઓ પણ લોકોએ નિહાળેલી છે. જાહેર પ્રવચનોમાં તેમણે કોઈ પણ નામર્દ વ્યક્તિએ મર્દ બનવું હોય તો દૂધમાં ખાખરાના પુષ્પનું ટીપું નાંખીને પીવું તેવા ઈલાજ દર્શાવેલ છે. એક વાર સત્સંગ દરમિયાન તેમણે કહ્યું હતું કે ”હું દૂધમાં સોનું નાંખીને પીવું છું અને ‘આવો’ (હાવભાવ સાથે) બની જાઉં છું. તમે પણ દૂધમાં ખાખરાના પુષ્પનું ટીપું નાંખીને પીશો તો નામર્દ હશો તો મર્દ બની જશો અને મર્દ હશો તો ઓર મજબૂત બની જશો”. આસારામ બાપુનું આ પ્રવચન અને આ બધા લક્ષણો પવિત્ર સંત અને તેમની ઉંમરને શોભે તેવાં નથી.

આ બધા જ આક્ષેપોમાં આસારામ નિર્દોષ હોઈ શકે છે પણ આસારામ હિન્દુ ધર્મની ભવ્ય સંસ્કારીતાની પરંપરાના મર્હિષ વેદવ્યાસ, ઋષિ શુકદેવજી, સંત જ્ઞાનેશ્વરજી, ડોંગરેજી મહારાજ કે કૃષ્ણશંકર શાસ્ત્રી તો નથી જ. આ બધા સંતો સામે લંપટતાના વ્યભિચારના, કામવાસનાના કે લીલાઓના આરોપો કદી થયા નથી. હરિદ્વારનો સાધુ સમાજ, અખાડાઓ, હિન્દુ ધર્મના કહેવાતા રક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ, ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માંગતો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પણ કુમળી વયની એક હિન્દુ બાળકીની પીડાથી વિચલિત નથી. એથી ઊલટુ એ બધા સંતો અને નેતાઓ આસારામ બાપુ સામે થયેલી ફરિયાદથી વિચલિત છે. તે બધાને એક બાળકીની વેદનામાં નહીં પણ બળાત્કારના આરોપીને બચાવવામાં રસ છે. હિન્દુઓના કસ્ટોડિયનો કેવા છે તેનો આ એક નમૂનો છે. દેશમાં તો ઠીક પણ ગુજરાતમાં પણ આજે એક પણ દયાનંદ સરસ્વતી નથી.

ઉમા ભારતી

સહુથી મોટું આશ્ચર્ય તો એ વાતનું છે કે, ૧૬ વર્ષની એક બાળકીએ કરેલી ફરિયાદ પછી પોલીસ કોઈ તપાસ કરે, સાક્ષીઓના નિવેદનો નોંધે, આસારામનું જે તે તારીખે લોકેશન ક્યાં હતું તે તપાસે, બાળકીના અંગનો ફોરેન્સિક લેબ.નો રિપોર્ટ આવે એ પહેલાં જ ઉમા ભારતીએ બાપુને ક્લિનચીટ આપી દીધી કે, આસારામ નિર્દોષ છે. સહુને ખબર છે કે ભગવાં વસ્ત્રોની ભીતર ઉમાભારતી રાજકારણી અને એક સામાન્ય સ્ત્રી જ છે. ઉમા ભારતી કોઈ વિચક્ષણ નારી નથી બુદ્ધિશાળી પણ નથી, પણ મહત્ત્વાકાંક્ષી છે. તેઓ પહેલાં ભાજપામાં હતા, પછી રિસાઈને ભાજપા છોડી દીધું, નવી પાર્ટીનો ર્િફયાસ્કો થયો પછી પાછાં ભાજપામાં આવી ગયા. હવે તેઓ ભાજપામાં પોતાની કોઈ જગા બનાવવા આસારામ બાપુનો બચાવ કરી આસારામના કોઈ ‘ગોડ ફાધર’ને ખુશ કરવા મથી રહ્યા છે. ઉમા ભારતી સ્વયં એક સ્ત્રી છે અને એક કુમળી વયની પીડિતાને મળ્યા બાદ તેમણે નિવેદન કર્યું હોત તો વધુ યોગ્ય હતું. તે ખુદ સ્ત્રી હોવા છતાં રાજનીતિના કારણે એક સ્ત્રીની વેદના જણાતી નથી.

સાધુ-સંતોની વોટબેંક

ચાલો ઉમાભારતી તો ઠીક પણ ભાજપાના એક રાષ્ટ્રીય પ્રવક્તા પણ ફરિયાદની તપાસ થાય તે પહેલા આસારામ બાપુના બચાવમાં આવી ગયા. ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તાએ આસારામનો બચાવ કર્યો એનો મતલબ જ એ છે કે, આસારામનો બચાવ કરવો તે પાર્ટીની લાઈન છે, અને પાર્ટીની લાઈન એ છે કે આ દેશના સાધુ-સંતો કાયદા બહારનું જે કાંઈ કરે તો પણ ભગવા વસ્ત્ર ધારણ કરનાર કોઈ પણને વોટ બેંક માટે તેઓ ખોટું કૃત્ય કરે તો પણ તેમને સમર્થન આપવું. આ દેશમાં કેટલાંક સાચા સાધુઓ પણ છે અને કેટલાંક ધનાઢય સાધુઓ છે. કેટલાંક સાચા અર્થમાં કામ, ક્રોધ, લોભ અને મોહને છોડીને બેઠેલા આસક્તિ વિહોણા સાધુઓ પણ છે, તો કેટલાંક કામુક, લંપટ, ક્રોધી અને બિઝનેસ કલાસમાં જ મુસાફરી કરતા માલદાર સાધુઓ પણ છે. કેટલાકને પ્રભુ પ્રત્યેના લગાવ સિવાય બીજા કશામાં રસ નથી, તો કેટલાક સાધુઓને રાજનીતિ સિવાય બીજા કશામાં રસ નથી. કેટલાક સાધુ સાચા અર્થમાં અકિંચન છે, તો કેટલાક ૨૦૦ કરોડથી બે લાખ કરોડની સંપત્તિના માલિક પણ છે. સાધુઓની આ ભરમાળમાં સાચા સાધુઓ,સાચા સંતો અને સાચા કથાકારો શોધવા મુશ્કેલ છે. ત્યારે દેશના સાધુ સમાજે જ હવે નક્કી કરવાનું છે કે ”શું આસારામ બાપુ શું સાધુ-સંતોના રોલ મોડેલ છે ?” જો એમ હોય તો સાધુ-સંતોએ ભેગા મળી આસારામ બાપુને ”સંત શિરોમણી” અથવા ”સંતરત્ન”ની પદવી બક્ષી ભગવાનની જગાએ આસારામ બાપુનાં જ મંદિરો બાંધી તેમની પૂજા કરવી જોઈએ. અને જે રાજકારણીઓને આવા સાધુઓના અર્ધદગ્ધ અને લાચાર અનુયાયીઓના વોટ જોઈતા હોય એ રાજકારણીઓએ તેમના ઘરની મહિલાઓને વિવાદાસ્પદ સાધુ સંતોની સેવાપૂજા માટે મોકલી આપી આશીર્વાદ પ્રાપ્ત કરી લેવા જોઈએ.

નોંધપાત્ર વાત એ છે કે, આજે મુંબઈમાં એક યુવતી પર થયેલા ગેંગરેપની ઘટના માટે જે રાજકારણીઓ દિલ્હીમાં   અને આખા દેશમાં બૂમરાણ મચાવી રહ્યા છે તેમની પાસે સોળ વર્ષની કુમળી બાળકીને આશ્વાસન આપવા જવાનો પણ ટાઈમ નથી.

હરિઓમ.

સાંસદને વર્ષે દહાડે કેટલી સુવિધાઓ મફત મળે છે ?

ગરીબીની વ્યાખ્યા નક્કી કરી રહેલા એ નેતાઓ ખરેખર કેટલા અમીર ને સ્વચ્છ?

દેશના નેતાઓ ભારતની ગરીબીની વ્યાખ્યા નક્કી કરી રહ્યા છે કે ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે તે સમજાતું નથી. એક નેતા કહે છે કે, ૧૪ રૂપિયામાં પેટ ભરી શકાય છે. બીજો નેતા કહે છે કે, પાંચ રૂપિયામાં ભોજન મળે છે. ત્રીજો નેતા કહે છે કે, એક રૂપિયામાં પણ પેટ ભરાય તેટલું ખાવાનું મળે છે. લાગે છે કે, આ દેશના રાજકારણીઓ એટલા બધા અમીર થઈ ગયા છે કે, તેમના પગ હવે ધરતી પર જ નથી અને વાસ્તવિકતાની પણ ખબર નથી. એક રૂપિયામાં ભોજન તો શું, પણ પીવાના પાણીની બોટલ પણ મળતી નથી. ભિખારી પણ એક રૂપિયાને સ્વીકારતો નથી. ખરી વાત એ છે કે, દેશના નેતાઓ હવે ફાઈવસ્ટાર કલ્ચરમાં રહેતા હોઈ તેઓ ગરીબીની વ્યાખ્યા, સમજ અને ગરીબોનું દર્દ જ ભૂલી ગયા છે.

સાંસદને વર્ષે દહાડે કેટલી સુવિધાઓ મફત મળે છે ?

ગુનેગારો ચૂંટણી જીતે છે

દેશનું લોકતંત્ર કેવા લોકોના હાથમાં સરકી રહ્યું છે તે આંકડાકીય ભાષામાં જાણવા જેવું છે, ચોંકાવનારું પણ છે. ૨૦૦૪ની ચૂંટણીઓ દરમિયાન લોકસભામાં અને દેશનાં વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં ચૂંટણી લડતાં ઉમેદવારોએ જે એફિડેવિટ્સ રજૂ કરી હતી તેના આધારે થયેલા એક સર્વેક્ષણમાં જણાયું છે કે, ગુનાઈત ભૂતકાળ ધરાવતા વધુ ને વધુ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એન્ડ નેશનલ ઇલેક્શન વોચે કરેલા અભ્યાસ દરમિયાન જણાયું છે કે, સ્વચ્છ ભૂતકાળ ધરાવતા માત્ર ૧૨ ટકા ઉમેદવારો જ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે ગંભીર ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ૨૩ ટકા લોકો આ ચૂંટણીમાં વિજયી બન્યા હતા. એવી જ રીતે બીજી નોંધપાત્ર ફળશ્રુતિ એ છે કે, ૨૦૦૪ની એ ચૂંટણીમાં કુલ ૬૨,૮૪૭ ઉમેદવારો ઊભા હતા. તેમની મિલકતની સરેરાશ કિંમત રૂ. ૧.૩૭ કરોડ હતી. તે પૈકી જીતેલા ઉમેદવારોની મિલકતોની સરેરાશ વેલ્યૂ રૂ. ૩.૮૩ કરોડ હતી. ક્રિમિનલ આક્ષેપોવાળા કેસો ધરાવતા ઉમેદવારોની સંપત્તિની સરેરાશ વેલ્યૂ રૂ. ૪.૩૦ કરોડ હતી. ખૂન, અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંપત્તિની સરેરાશ વેલ્યૂ રૂ. ૪.૩૮ કરોડ હતી. બધા જ ઉમેદવારો પૈકી ૧૮ ટકા ઉમેદવારો સામે કોઈ ને કોઈ પ્રકારના ક્રિમિનલ કેસો ચાલતા હતા. આઠ ટકા ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ કેસો હતા.

દેશના નેતાઓ લોકસભામાં જવા માટે ચૂંટણી દરમિયાન એક મતક્ષેત્ર દીઠ રૂ. પાંચથી દસ કરોડનો ખર્ચ કરીને ચૂંટણી લડતો હોય તેને સ્વાભાવિક રીતે જ ગરીબીની સમજ ના હોય. લોકસભામાં ચૂંટાઈને જતા સાંસદો કેટલા વિશેષાધિકારો અને ફાયદા પ્રાપ્ત કરે છે તે જાણવા જેવું છે. તાજેતરમાં જ એક એક્ટિવિસ્ટે આરટીઆઈ હેઠળ એક સાંસદને શું શું લાભ મળે છે તેની માહિતી માગી હતી. તેમાં આવતા નાણાકીય વર્ષ દરમિયાન તેને વિમાની, રેલવે પ્રવાસ, ટેલિફોનની સુવિધા, પાણી અને વીજળીની કેટલી સુવિધા મળે છે તેની વિસ્તૃત માહિતી તેણે હાંસલ કરી હતી.

વિમાની મુસાફરી

આ માહિતીના આધારે એક સાંસદને વર્ષ દરમિયાન કઈ કઈ સુવિધાઓ મફતમાં પ્રાપ્ત થાય છે તે જાણવા જેવું છે. એક સાંસદ એક વર્ષ દરમિયાન ૩૪ વખત કોઈપણ એક સહાયક વ્યક્તિ સાથે વિમાની મુસાફરી કરી શકે છે. ધારો કે એક વર્ષમાં ૩૪ વાર વિમાની મુસાફરી ના થઈ હોય તો તેનું બેલેન્સ બીજા વર્ષમાં વાપરી શકાય છે. એ જ રીતે સાંસદને આખા દેશમાં રેલવેમાં ફર્સ્ટ ક્લાસ એ.સી. કે એક્ઝિક્યુટિવ ક્લાસમાં ફરવાનો પાસ મળે છે.

ત્રણ ટેલિફોન

દરેક સાંસદને ત્રણ ટેલિફોન જોડાણો મળે છે. એક દિલ્હીમાં નિવાસસ્થાન માટે, એક ઓફિસ માટે અને એક પોતાના વતનમાં- એમ ત્રણ ટેલિફોન જોડાણો મળે છે. દરેક ટેલિફોન પર ૫૦ હજાર ફ્રી કોલ કરી શકે છે. જો એક વર્ષમાં એટલા ફ્રી કોલ્સ વાપરી ના શકાય તો તેનું બેલેન્સ બીજા વર્ષમાં ઉપયોગમાં લઈ શકાય છે. એ જ રીતે કોઈ એક વર્ષમાં નક્કી થયેલા ફ્રી કોલ્સ કરતાં વધુ વપરાય તો બીજા વર્ષના ક્વોટામાં તે એડજસ્ટ કરી શકાય છે. એ રીતે મોબાઈલ ફોનની પણ સુવિધા મળે છે.

પાણી અને વીજળી

દિલ્હીમાં રહેતા પ્રત્યેક સાંસદને પ્રતિવર્ષ ૪૦,૦૦૦ કે.એલ. પાણી વાપરવાની છૂટ છે. તેનો કોઈ ચાર્જ નથી. જે કોઈ સાંસદ ચૂંટાઈને દિલ્હી જાય તેને સરકાર તરફથી નિવાસસ્થાન મળે છે. તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને પ્રતિવર્ષ ૫૦,૦૦૦ યુનિટ વીજળી મફતમાં વાપરી શકે છે. આટલી વીજળી વર્ષમાં વપરાઈ ના હોય તો તેને બીજા વર્ષમાં કેરી ફોરવર્ડ કરી શકાય છે અને નિયત યુનિટ કરતાં વધુ વીજળી વપરાઈ હોય તો બીજા વર્ષના ક્વોટામાં તેને પણ એડજસ્ટ કરી શકાય છે. દરેક એમ.પી.ને જે ઘર દિલ્હીમાં મળે છે તેના સોફાનું કવર અને કર્ટેન પણ સરકારના ખર્ચે દર ત્રણ મહિને ધોઈ આપવામાં આવે છે. ડયૂરેબલ ફર્નિચર પેટે રૂ. ૬૦,૦૦૦ અને નોન ડયૂરેબલ ફર્નિચર પેટે રૂ. ૧૫,૦૦૦ સરકાર આપે છે.

કાર એલાવન્સ

દિલ્હીની આસપાસ ૩૦૦ કિલોમીટરની રેન્જમાં રહેતા સાંસદોને પ્રતિ કિલોમીટર રૂ. ૧૬ કાર એલાઉન્સ મળે છે. દરેક એમ.પી.ને પ્રતિ માસ રૂ. ૧૫૦૦નું ખર્ચ ઇન્ટરનેટ માટે મળે છે. સંસદમાં હાજરી આપનાર સાંસદને રોજના રૂ. ૨૦૦૦નું એલાઉન્સ મળે છે. એ જ રીતે રૂ. ૪૫,૦૦૦ મતક્ષેત્ર એલાઉન્સ મળે છે. દરેક સાંસદને તેની ઓફિસ ચલાવવાના ખર્ચ પેટે દર મહિને બીજા રૂ. ૪૫,૦૦૦ મળે છે. તેમાં સ્ટેશનરી-ટપાલ ખર્ચ પેટેના રૂ. ૧૫,૦૦૦ તથા સેક્રેટરી કે સહાયક રાખવાના રૂ. ૩૦,૦૦૦નો સમાવેશ થઈ જાય છે.

બોલો છે ને મજા !
આવી જાવ રાજનીતિમાં

આ સિવાય સાંસદોને તેમના મતક્ષેત્રમાં વિકાસકામ માટે ફાળવવા બીજા કરોડોની ગ્રાન્ટ મળે છે. અલબત્ત, એ નાણાં તેમના ગજવામાં જતા નથી, પરંતુ તે નાણાંની ફાળવણીની સત્તા તેમની પાસે હોઈ કેટલાક સાંસદો સામે ભૂતકાળમાં કેટલાક સંશયો પેદા થયેલા છે. એક તરફ દેશમાં ‘ગરીબી’ની વ્યાખ્યા કરવાની ચર્ચા ચાલે છે ત્યારે બીજી બાજુ રાજકારણીઓ માટે રાજનીતિ જ પોતાની ગરીબી દૂર કરવાનું એક સાધન બની ગયું છે. સ્કૂટર પર ફરનારાઓ કોઈ વ્યક્તિ રાજકીય પક્ષમાં જોડાયા બાદ કારમાં ફરવા લાગે છે. પક્ષમાં કોઈ હોદ્દો મળી જાય તો ત્રણ લાખની મોટરમાં ફરવાવાળા ૧૦ લાખની મોટરમાં ફરવા લાગે છે. ત્રણ હજારનો મોબાઈલ વાપરવાવાળા ૨૦ હજારનો સ્માર્ટ ફોન વસાવી દે છે. તે ગામડાંમાંથી આવતો હોય તો વતનમાં તો ઘર ખરું જ,પણ નજીકના શહેરમાં પણ આલિશાન ફ્લેટ કે બંગલો ખરીદી લે છે. બેંકમાં દસ હજારનું પણ બેલેન્સ નહીં ધરાવનારા રાજકારણમાં આવ્યા બાદ કરોડોના આસામી બની જાય છે. ભૂતકાળમાં લોકસભામાં પ્રશ્નો પૂછવાના પણ પૈસા લેવાતા હોવાના આક્ષેપો કેટલાક સાંસદો સામે થયેલા છે. એમાં યે જો કેન્દ્રમાં કે રાજ્યમાં મિનિસ્ટર બની જવાય તો કેટલીકવાર અબજોના માલિક બની જવાય છે. મિનિસ્ટર બની જવાય પછી તેમના પુત્રો, જમાઈઓ, ભત્રીજાઓ અને ભાણિયાઓ પણ કામે લાગી જતા હોય છે. આ કારણસર કેટલાકે દિલ્હીની ખુરશી પણ ગુમાવી છે. દિલ્હીમાં સાંસદોને મળતી સુવિધાઓની યાદી જોયા બાદ મન લલચાતું હોય તો છોડી દો બીજાં કામો અને જોડાઈ જાવ રાજનીતિમાં. ટિકિટ માંગો, ટિકિટ મળી અને જીતી ગયા તો પાસાં પોબાર છે. ૨૦૧૪ની ચૂંટણી હવે નજીકમાં જ છે. અત્યારથી જ સોગઠાં ગોઠવવા માંડો. ગોડફાધરને પકડી લો, પગે લાગો, ચરણ સ્પર્શ કરો. જે કરવું હોય તે કરો,પણ ટિકિટ લઈ આવો, પછી જેવું તમારું નસીબ !

એક નિષ્ફળ યુવા-મુખ્યમંત્રી

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
અખિલેશ સીએમ પણ સરકાર કોણ ચલાવે છે?

અખિલેશ યાદવ જ્યારે ઉત્તર પ્રદેશના અને દેશના સહુથી યુવાન મુખ્યમંત્રી બન્યા ત્યારે વૃદ્ધ રાજકારણીઓથી ત્રસ્ત દેશે એક તાજગી અનુભવી હતી, પરંતુ હવે એ તાજગી અફસોસમાં બદલાઈ ગઈ છે. તેઓ અત્યાર સુધીમાં આવેલા તેમના તમામ પૂર્વ મુખ્યમંત્રીઓની સરખામણીમાં સહુથી નિમ્ન સ્તરના રાજકારણી પુરવાર થઈ રહ્યા છે. લોકો તેમના બદલે તેમના પિતા મુલાયમસિંહને પાછા લાવવાની માંગણી કરી રહ્યા છે કે જેમણે પણ છેવટે ગુંડારાજનું સરકારીકરણ જ કરી નાંખ્યું હતું. ઘણાં તો અખિલેશ યાદવ કરતાં માયાવતીને વધુ સારાં મુખ્યમંત્રી કહી રહ્યા છે કે જેમણે ભ્રષ્ટાચારનું સરકારીકરણ કરી નાંખ્યું હતું.

એક નિષ્ફળ યુવા-મુખ્યમંત્રી

અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના એક નિષ્ફળ અને વોટબેંક રાજકારણી તરીકે જ છાપ ઊભી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશની ધુરા સંભાળ્યા પછી તેમણે પ્રદેશના વિકાસ માટે યોગ્ય અધિકારીઓની યોગ્ય જગ્યાએ નિમણૂક કરવાના બદલે માત્ર જાતભાત અને કોમવાદના ધોરણે જ નિમણૂકો કરી દીધી છે. પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ અમલદારોની નિમણૂકો સ્થાનિક ગુંડાઓના રક્ષણ માટે તેમની માંગણી મુજબ જ કરવામાં આવી હતી. આ વાતનો છેલ્લો દાખલો દુર્ગાશક્તિ નાગપાલનો છે જે એક પ્રામાણિક આઈએએસ અધિકારી હોઈ રેત માફિયાઓએ ૪૧ મિનિટમાં તેમને સસ્પેન્ડ કરાવી દીધા. દુર્ગાશક્તિ નાગપાલને સસ્પેન્ડ કરવાના આવા ઉગ્ર પ્રત્યાઘાત આખા દેશમાં પડશે તેની કલ્પના પણ અખિલેશ યાદવે કરી નહીં હોય.

અખિલેશ યાદવની મોટામાં મોટી ચિંતા તેમની મુસ્લિમ વોટબેંક છે. તેમને ડર છે કે ૨૦૧૪ની ચૂંટણીઓમાં તેમની લઘુમતી વોટબેંક સુશ્રી માયાવતી છીનવી જશે. એ કાલ્પનિક કે વાસ્તવિક ભયના કારણે તેઓ મસ્જિદની દીવાલનો મુદ્દો ઊભો કરી દુર્ગાશક્તિ નાગપાલનું સસ્પેન્શન વાજબી ઠેરવી રહ્યા છે. બીજી બાજુ મુસ્લિમ વકફ બોર્ડ પોતે જ કહે છે કે જે દીવાલ તોડવામાં આવી છે તેમાં દુર્ગાશક્તિ નાગપાલનો કોઈ જ રોલ નથી. વાસ્તવિકતા એ છે કે અખિલેશ યાદવના મુખ્યમંત્રી બન્યા બાદ ઉત્તરપ્રદેશમાં એક ડઝન જેટલા કોમી તોફાનોના બનાવો બન્યા છે, પરંતુ અખિલેશ યાદવે કોઈ જ કડક વહીવટી પગલાં ભર્યાં નથી. તોફાનો માટે જવાબદાર એક પણ નેતાને સજા થઈ નથી. એમ કરવાના બદલે અખિલેશ યાદવ એક પ્રામાણિક અધિકારીને સજા કરી રહ્યા છે.

એ વાત સાચી કે અખિલેશ યાદવ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી છે પણ યુ.પી. સરકારના અસલી રાજાઓ બીજા જ છે. અખિલેશ તો તેમના દબાણ હેઠળ જ સરકાર ચલાવે છે. આ અસલી મુખ્યમંત્રીઓને જાણી લેવાની જરૂર છે.

(૧) તેમાં એક છે તેમના પિતા મુલાયમસિંહ યાદવ. રાજ્યના તમામ મહત્ત્વના રાજકીય અને વહીવટી નિર્ણયો મુલાયમસિંહ યાદવ જ લે છે. મુલાયમસિંહ જ રાજ્યના અધિકારીઓ અને મંત્રીઓને ઘેર બોલાવે છે અને જરૂરી હુકમો આપે છે. (૨) બીજા છે મુખ્યમંત્રી અખિલેશ યાદવના કાકા અને કેબિનેટ મિનિસ્ટર શિવપાલસિંહ યાદવ. તેમની પાસે રાજ્યનાં મલાઈદાર ખાતાં છે અને અખિલેશની ગેરહાજરીમાં જનતા દરબાર ભરે છે. (૩) ત્રીજા છે રાજ્યસભાના સભ્ય પ્રો. રામગોપાલ યાદવ. અખિલેશને જ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં તેમનો મુખ્ય ફાળો હતો. મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે તેમને પૂછવામાં આવે છે. (૪) તે પછી આવે છે આઝમ ખાન. આઝમ ખાન મુસ્લિમોનાં પ્રતીક અને કેબિનેટના વરિષ્ઠ મંત્રી છે. તેઓ તીખી જબાન માટે જાણીતા છે અને ઉત્તરપ્રદેશની વિધાનસભામાં અખિલેશ યાદવના વાલી તરીકેનો રોલ અદા કરે છે. (૫) તે પછી આવે છે નરેશ અગ્રવાલ. તેઓ સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટાયેલા લોકસભાના સભ્ય છે. તેમના પુત્ર નીતિન અગ્રવાલ ઉત્તરપ્રદેશના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી છે.

શિક્ષણથી એન્જિનિયર એવા ૩૮ વર્ષના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉપરોક્ત નેતાઓની કઠપૂતળી જ છે. તેઓ ખુદ યુવાન છે અને એક પ્રામાણિક યુવાન મહિલા અધિકારીને જે રીતે અને ઝડપથી સસ્પેન્ડ કરી દીધા તે કારણે તેમની પ્રતિભા ધ્વસ્ત થઈ ગઈ છે. અખિલેશ યાદવે તેમના પિતાથી પોતાની પ્રતિભાને અલગ રીતે ઉપસાવવાની જરૂર હતી. તેમણે જે રીતે દુર્ગા નાગપાલનું સસ્પેન્શન કરી દીધું તે જોતાં તો લાગે છે કે તેઓ તેમના પિતાના પડછાયા હેઠળ જ કામ કરે છે. તેમની જ પાર્ટીના વિનોદ દુબે નામના એક નેતા કહે છે કે ઉત્તરપ્રદેશ સરકાર એક એવો રથ છે તે અનેક ઘોડાઓથી દોડી રહ્યો છે. ઉત્તરપ્રદેશના વરિષ્ઠ મંત્રીઓનાં ખાતાંઓના અખિલેશ યાદવ ખુદ મુખ્યમંત્રી હોવા છતાં દરમિયાનગીરી કરી શકતા નથી. આઝમખાન અને શિવપાલસિંહ યાદવ તો ખુદ મુખ્યમંત્રી હોય તે રીતે વર્તી રહ્યા છે. તેમાં હવે એક નરેન્દ્ર ભાટીનો ઉમેરો થયો છે. જેમણે એક સભાને સંબોધતા ભાંગરો વાટી નાંખ્યો કે ” મેં ૪૧ મિનિટમાં એસડીએમ દુર્ગા નાગપાલને સસ્પેન્ડ કરાવી દીધી. ઉત્તરપ્રદેશમાં મલ્ટિપલ પાવર સેન્ટર હોઈ બ્યુરોક્રસી પણ મૂંઝાયેલી છે. ઉત્તર પ્રદેશના સિનિયર અધિકારી કહે છે : માયાવતીના શાસન વખતે અમને એટલી તો ખબર હતી કે આદેશ એક જ અને ઉચ્ચ સ્થળેથી આવશે પણ હવે તો અનેક વ્યક્તિઓ તરફથી આવે છે અને એક જ મુદ્દા પર એક બીજાના વિરોધાભાસી ઓર્ડર્સ આવે છે. આ પરિસ્થિતિમાં કામ કરવું કેવી રીતે?

આ બધાનું મૂળ અખિલેશ યાદવની નબળી નેતાગીરી છે. સમાજવાદી પાર્ટીના બાકીના નેતાઓ ખનીજ માફિયાઓ સાથે સંકળાયેલા છે. ઉત્તરપ્રદેશનો કેટલોક ભાગ દિલ્હીને અડીને આવેલો છે. દિલ્હીની આસપાસ અને નોઈડા તથા ગ્રેટર નોઈડા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં બાંધકામ પ્રવૃત્તિ ચાલે છે. આ વિસ્તારમાં રેતીનું માઈનિંગ પણ વ્યાપક પ્રમાણમાં છે. કહેવાય છે કે આ વિસ્તારમાં રેતીનું ખોદકામ કરતી ત્રણ ડઝન જેટલી ગેંગ્સ છે અને એ આખીયે સિન્ડિકેટ પર શક્તિશાળી રાજકારણીનો અંકુશ છે. અહીં આ વિસ્તારમાં ૨૦૦૭માં રેતીના એક ડંપરનો ભાવ રૂપિયા ૯૦૦થી ૧૦૦૦ હતો જે અત્યારે રૂપિયા ૧૬,૦૦૦ થી ૨૦,૦૦૦ થઈ ગયો છે. રેતીનો આ ધંંધો છેલ્લાં ૨૦ વર્ષથી ચાલે છે. યમુના અને હિન્ડોન વિસ્તારમાં ૪૦૦ ટ્રેક્ટરો ૧૦૦ જેટલાં અર્થમૂવિંગ મશીનો તથા ૬૦૦ માણસો રેત ખોદકામની પ્રવૃત્તિ કરી રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં સિંચાઈ અને ખનીજ વિભાગે ૬૦ જેટલા રેત માફિયાઓ સામે પોલીસ ફરિયાદ કરેલી છે. ગૌતમ બુદ્ધનગર જિલ્લામાં યમુનાનો ૬૦ કિલોમીટર જેટલો કિનારો રેત માફિયાઓ માટે સોનાની ખાણ જેવો છે. તેમાં રાયપુર, કંબકશપુર, ગુલવાલી અને સેક્ટર ૧૫૦ એ રેત ખોદકામનાં મહત્ત્વનાં કેન્દ્રો છે. અહીંથી ગેરકાયદે લેવાતી રેતી નોઈડા અને ગ્રેટર નોઈડા વિસ્તારમાં ચાલતાં ૧૬૦ જેટલાં નવાં બાંધકામોને સપ્લાય કરવામાં આવી રહી છે. અહીં માત્ર ૧૫ જ લાઇસન્સવાળા કોન્ટ્રાક્ટરો છે. એ સિવાય બીજા લોકો ક્રિમિનલ સિન્ડિકેટ ચલાવે છે અને એ રેત માફિયાઓને ઉત્તરપ્રદેશની સરકારના કેટલાક તાકાતવર નેતાઓનું સંરક્ષણ છે. આ ક્રિમિનલ સિન્ડિકેટના માફિયાઓ બીજા કોન્ટ્રાક્ટરો પાસેથી ગેરકાયદે ટેક્સ અને લેવી પણ ઉઘરાવે છે. યમુના અને હિન્ડોન ખાતેથી લેવાતી રેતી ઇકો સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી રહી છે. રેતી જળને શુદ્ધ બનાવે છે અને શુદ્ધ રાખે છે પણ રેતી હટી જતાં યમુનાનાં જળ ગંદાં અને પ્રદૂષિત થઈ રહ્યાં છે પણ કોઈ એ માફિયાઓને રોકવા તૈયાર નથી. એ ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા એક યુવાન મહિલા અધિકારીએ પ્રયાસ કર્યો તો એ અધિકારીને જ સસ્પેન્ડ કરી દેવાયાં.

આવું છે ઉત્તરપ્રદેશના યુવાન મુખ્યમંત્રી અખિલેશ યાદવનું શાસન.
www.devendrapatel.in

‘મારી સામે જોઈ ના રહો હું પણ એક માનવી છું’

કભી – કભી

એસિડ એટેકનો ભોગ બનેલી લક્ષ્મી કહે છેઃ હજુ પણ મને ગાવું ગમે છેસંગીત ગમે છે

મારું નામ લક્ષ્મી છે.

મારી કહાણી વાંચો, પ્લીઝ! હું પણ તમારા જેવી જ છું. તમારા પૈકીની એક છું. હું પણ યુવાન હતી અને રૂપાળી પણ હતી. મને પણ કેટલાંક સ્વપ્નો હતાં. હું જ્યારે દિલ્હીની સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારે કલાકોના કલાકો સુધી ગીતો ગાતી હતી. મારા ગીતો રેકોર્ડ કરી કૌશલ્ય સ્પર્ધામાં ભાગ લેવા મોકલી આપતી હતી.’ઈન્ડિયન આઈડોલ’ તરફથી મને નિમંત્રણ આવે તેની રાહ જોતી હતી.

મારી સામે જોઈ ના રહો હું પણ એક માનવી છું

હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. મારા પિતા દક્ષિણ દિલ્હીના એક ઘરમાં રસોઈયા તરીકે કામ કરતા હતા. હું પડોશમાં રહેતી એક છોકરીની સખી બની ગઈ. એ છોકરીનો ભાઈ મને એકાએક- પ્રપોઝ કરવા લાગ્યો હતો. એ વખતે હું માત્ર ૧૫ વર્ષની હતી અને તે ૩૨ વર્ષનો હતો. તા. ૧૮મી એપ્રિલે એણે મને મારા મોબાઈલ પર સંદેશો મોકલ્યોઃ ”મારી સાથે લગ્ન કરી લે. હું તને ચાહું છું.”

મેં એ સંદેશા તરફ ધ્યાન ના આપ્યું. મેં એ સંદેશાની ઉપેક્ષા કરી. બીજા દિવસે એણે મને ફરી સંદેશો મોકલ્યોઃ ”મારે તાત્કાલિક જવાબ જોઈએ છે.”

ફરી એકવાર મેં એ સંદેશા તરફ ધ્યાન ના આપ્યું. એના ત્રણ દિવસ બાદ હું દિવસના સમયે ભરચક વસતીવાળા સેન્ટ્રલ દિલ્હીના એક બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતી ઊભી હતી. એ વખતે મારી સખીનો ભાઈ અચાનક મારી તરફ ધસી આવ્યો. તેની સાથે તેના ભાઈની ગર્લફ્રેન્ડ હતી. હું કાંઈ સમજી શકું તે પહેલાં એણે મને પકડી લીધી. મને ધક્કો મારી નીચે પાડી દીધી. એક બોટલમાં રાખેલો એસિડ મારા ચહેરા પર ફેંક્યો. હું ચીસો પાડવા લાગી પણ કોઈ મારી મદદે ના આવ્યું. એથી ઊલટું મને ચીસો પાડતી જોઈ લોકો બીજી દિશામાં ભાગવા લાગ્યા. મને ચહેરા પર સખત બળતરા થવા લાગી હતી. મેં મારા હાથથી બંને આંખો ઢાંકી દીધી. એ કારણે મારી દૃષ્ટિ બચી ગઈ.

એસિડ જલદ હતો. એણે મારી ત્વચાને ઓગાળવા માંડી. મેં મારો ચહેરો ગૂમાવી દીધો. મારા કાન ઓગળવા લાગ્યા. મારા બંને હાથ પણ બળીને કાળા થઈ ગયા.

એ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક રાજકારણીનો ડ્રાઈવર મારી મદદે આવ્યો. એ મને હોસ્પિટલમાં લઈ ગયો. મને ૧૦ દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી.

દસ દિવસ પછી હું ઘેર આવી. મેં દર્પણમાં મારો ચહેરો જોયો. હું પણ મારી જાતને ઓળખી શકી નહીં. એસિડે મારા ચહેરાને કદરૂપો કરી નાંખ્યો હતો. ડોક્ટરે મારા ચહેરા પરથી બળી ગયેલી ત્વચાને કાઢી નાંખી હતી. તેની ઉપર પટ્ટીઓ મારી દીધી હતી. અત્યાર સુધીમાં મારા ચહેરા પર ચાર વખત સર્જરી થઈ ચુકી છે. હવે હું પ્લાસ્ટિક સર્જરી માટે જઈ શકું છું. પણ મારી પાસે એ સર્જરી કરવાના પૈસા હશે તો!

હવે મેં શારીરિક પીડા સાથે જીવતાં શીખી લીધું છે. પણ સામાજિક પીડા હું સહન કરી શકતી નથી. લોકો મને જોઈને જે પ્રતિક્રિયા આપે છે તે મારા માટે અસહ્ય અને વધુ પીડાકારક છે. મારાં પોતાનાં સગાઓ અને મારા મિત્રોએ   મારી સામે જોવાનું બંધ કરી દીધું છે. સમાજના આ વિચિત્ર વલણના કારણે પૂરા આઠ વર્ષ હું ઘરમાં જ પૂરાઈ રહી. ક્યારેક બહાર જવાનું મન થાય ત્યારે ચહેરા પર ઘુંઘટ ઢાંકીને જ બહાર જતી, અને તે પણ જ્વલ્લે જ.

મારી પર એસિડ છાંટનારને એક મહિનામાં જ જામીન મળી ગયા. એ પછી તેનાં લગ્ન પણ થઈ ગયાં. માત્ર એક જ મહિનામાં તે સામાન્ય જીવન જીવવા લાગ્યો? પણ મારી જિંદગીનું શું ? આજે તો કોઈ મને મિત્ર બનાવવાનું પણ પસંદ કરતું નથી. ‘મારે પણ એક પ્રેમી હોય અને મારે પણ એક વર હોય’- એવી હું કલ્પના પણ કેવી રીતે કરું ?

મેં નોકરી શોધવા પ્રયત્ન કર્યો પરંતુ મને કોઈ નોકરી રાખવા તૈયાર નથી. એક વ્યક્તિએ તો મને કહ્યું: ”અમારી ઓફિસમાં તને નોકરી આપીશું તો લોકો તને જોઈને જ ગભરાઈ જશે.” બીજા કેટલાકે કહ્યું: ”અમે તમને જાણ કરીશું” પરંતુ આજ સુધી મારી પર કોઈનો ફોન આવ્યો નથી. મેં બ્યૂટીપાર્લરથી માંડીને બેંકોમાં પણ પ્રયાસ કરી જોયો પણ મને કામ આપવા કોઈ તૈયાર નથી. એસિડનો ભોગ બનેલી વ્યક્તિઓને નોકરી આપવા કોઈ તૈયાર નથી. હું એ બધાને પૂછું છું કે ‘સમાજ જન્મથી જ અંધ બનેલી વ્યક્તિને કે અપંગ વ્યક્તિને સ્વીકારી લે છે તો એસિડનો ભોગ બનેલી વ્યક્તિઓને કેમ નહીં? સાચું કહું? અમને બળાત્કારનો ભોગ બનેલી પીડિતાઓથી પણ વધુ બદતર ગણવામાં આવે છે કારણ કે, અમારા ચહેરા બળી ગયેલા છે. અમને લાગે છે કે અમે અમારી ઓળખ ગુમાવી દીધી છે.

હા, હજુ હું ગાઉં છું. મને સંગીત ગમે છે. મને પાર્ટીમાં જવું ગમે છે. હું મારા નખને પોલીશ કરું છું. હું મારા વસ્ત્રોની ડિઝાઈન પણ તૈયાર કરું છું અને તે ડિઝાઈન પ્રમાણે સીવું પણ છું. મને પણ તમારા બધાની જેવી જ ઈચ્છાઓ- ઝંખનાઓ છે, પણ લોકો મને જોઈને ડરી જાય છે.

મને જે કાંઈ સહારો મળ્યો છે તે મારા માતા-પિતા, મારા ડોક્ટર, મારા ધારાશાસ્ત્રી અપર્ણા ભટ્ટ અને મારા પિતા સાથે કામ કરતા તેમના સહકાર્યકર્તાઓ તરફથી જ મળ્યો. એ બધાંએજ મારી સર્જરીના પૈસા ભેગા કરી આપ્યા છે. હજુ પણ મને મદદ કરે છે. મારા માટે દુઃખની વાત એ હતી કે મારા પર એસિડ એટેક થયા બાદ મારા પિતા મને બધી જ મદદ કરી રહ્યા હતા. ત્યારે જ મારા ભાઈને ટી.બી. થઈ ગયો. એના થોડા સમય બાદ મારા પિતાનું પણ મૃત્યુ થઈ ગયું. એ વખતે હું ફરી વિચલિત થઈ ગઈ. મારા પિતાના અવસાન બાદ ઘર ચલાવવાની જવાબદારી મારી ઉપર આવી પડી. મારો ભાઈ બીમાર હોવાથી મારી મા એની સતત કાળજી લેવામાં વ્યસ્ત રહેતી.

ખૂબ તાકાત એકઠી કરીને હું કોર્ટમાં ગઈ. મારા વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી એસિડના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માગણી કરી. એ પછી હું એસિડનો ભોગ બનેલી બીજી યુવતીઓના પણ સંપર્કમાં આવી. એમાંથી મોટા ભાગની પીડિતાઓ અંધ બની ચૂકી હતી. કેટલીક સ્ત્રીઓ બહેરી થઈ ચૂકી હતી. અમે બધાં જ ગરીબ પરિવારના ફરજંદ હતાં. મલ્ટિપલ સર્જરી અમને પોસાય તેમ નહોતી. અમને ખબર છે કે તમે અમારા કદરૂપા થઈ ગયેલા ચહેરા જોવા માંગતા નથી પરંતુ સાચી વાત એ છે કે,અમારી પાસે નવો ચહેરો લાવવા પૈસા નથી. મિત્રો! હવે મેં નવા ફ્રેન્ડસ બનાવી દીધાં છે અને તે બધાં જ એસિડ એટેકનો ભોગ બનેલાં છે. મોટાભાગના અંધ છે. તમે અમને ટગર ટગર જોઈ રહો છો અને તમારાં બાળકો અમને જોઈને ભયભીત થઈ ના જાય એટલે તેમને પકડીને અમારાથી દૂર કરી દો છો તે અમે જાણીએ છીએ. એમ કરવાને બદલે તમે તમારી આંખો પર પટ્ટી બાંધીને કેમ જોતા નથી કે, એ પછી બધું કેટલું અંધારું છે ?

તમે એ પણ કેમ જોતા નથી કે આ દુનિયા અંદરથી કેટલી કાળી છે? કારણ કે તમે અમારી પરિસ્થિતિમાંથી કદી પસાર થયા જ નથી. તમે અમને શક્તિ આપી શક્તા ના હોવ તો ના આપો પરંતુ મારો આત્મવિશ્વાસ તોડવાનું કામ તો ના કરો. મેં તો હમણાં જ મારી તાકાત ભેગી કરી હું માંડ માંડ જીવતાં શીખવાનો પ્રયાસ કરી રહી છું.

મેં એક ઓનલાઈન અરજી તૈયાર કરી છે અને મને ખુશી છે કે તેની પર ૨૭૦૦૦ નાગરિકોએ સહી કરી છે.

 દરમિયાન નહીમખાન કે જેણે મારી પર એસિડથી હુમલો કર્યો હતો તેણે હવે ફરી એકવાર જેલમાં જવું પડયું છે. નામદાર કોર્ટે તેને સાત વર્ષની જેલની સજા કરી હતી. હવે બીજા બે વર્ષ પછી તે જેલમાંથી બહાર આવી જશે અને ફરી એકવાર સામાન્ય જીવન જીવવા માંડશે, પણ મારા જીવન પર પડેલા ઘા કદી રૂઝાશે નહીં. મારી કાનૂની લડત ચાલુ જ રહેશે. સુપ્રીમ કોર્ટે એસિડનો ભોગ બનેલી વ્યક્તિઓને રૂ. ત્રણ લાખનું વળતર આપવા સરકારને આદેશ આપ્યો છે પણ તબીબી ખર્ચનું શું ? અમારામાંથી કેટલાંકની સર્જરીનું ખર્ચ રૂ.૩૦થી ૪૦ લાખ જેટલું આવે તેમ છે. એ જ રીતે અમારી રોજીરોટીનું શું ? અમને નોકરી કોણ આપશે ? પોલીસ ક્યારે અમારા માટે સંવેદનશીલ બનશે ? એસિડ પીડિતો માટે ફાસ્ટટ્રેક કોર્ટસ ક્યારે ?

બંગલાદેશે પણ એસિડ ફેંકનારાઓ સામે કાનૂનનો ગાળીયો મજબૂત બનાવ્યો છે, તો ભારત સરકાર એવું ક્યારે કરશે ? સખત કાનૂન હોત તો અમારામાંથી ઘણાંને બચાવી શકાયાં હોત. મને મદદ જોઈએ છે સરકાર અમને પૂરતું વળતર આપે તેવી અમારી લાગણી છે. અમારામાંથી ઘણીયે વ્યક્તિઓ હજુ અસહ્ય વેદનામાંથી પસાર થઈ રહી છે.

મને પણ સ્વપ્ન છે અને મારે પણ એ સ્વપ્ન સાકાર કરી જીવવું છે.

(As told to Harinder Baveja : Source and courtesy : Hindustan times)

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

રાણીએ કહ્યું: બંને સંતોને રાત્રે મારા મહેલમાં રાખો!

નારદજી અને શુકદેવજીની પરીક્ષા કરવા રાણી સુનયનાએ પ્રસ્તાવ મૂક્યો

શ્રાવણ મહિનાનો આરંભ થઈ ચૂક્યો છે. શ્રાવણ તે તપ,વ્રત, ઉપવાસ અને કથા શ્રવણનો મહિનો છે. મહર્ષિ વેદવ્યાસે વેદો,મહાભારત, શ્રીમદ્ ભગવદ ગીતા અને શ્રીમદ્ ભાગવતની રચના કરી પરંતુ ભારતની ભૂમિ પર શ્રેષ્ઠ કથાકાર તો શુકદેવજી જ થયા. શુકદેવજીના જન્મથી કથા પણ રોચક છે. શ્રીમદ ભાગવતશાસ્ત્રની રચના પછી વેદવ્યાસને ચિંતા થઈઃ ”આ શાસ્ત્ર હું કોને આપું ?સમાજના કલ્યાણ માટે આ રચ્યું છે. કોઈ લાયક પુત્ર હોય તો તેને આ જ્ઞાન આપી દઉં જેથી તે જગતનું કલ્યાણ કરે.”

રાણીએ કહ્યું: બંને સંતોને રાત્રે મારા મહેલમાં રાખો!

આવો વિચાર આવતા વ્યાસ મહર્ષિને વૃદ્ધાવસ્થામાં પુત્રેષણા જાગી. ભગવાન શંકર વૈરાગ્યનું સ્વરૃપ છે. ભગવાન શંકર નિરપેક્ષ છે. જગતને જેની અપેક્ષા છે તેનો શિવજીએ ત્યાગ કર્યો છે. લોકોને ગુલાબનાં ફુલ ગમે છે, પણ ભગવાન શંકરને તો ધંતૂરાના ફૂલથી સંતોષ છે. મહર્ષિ વ્યાસે ભગવાન શંકરની આરાધના કરી. ભગવાન શિવપ્રગટ થયા, પ્રસન્ન થયા. વેદવ્યાસે માંગ્યું: ”સમાધિમાં જે આનંદ આપ ભોગવો છો તે આનંદ જગતને આપવા મારા ઘેર પુત્ર રૃપે પધારો.”

શિવજીએ વ્યાસ મહર્ષિની વિનંતી સ્વીકારી. શિવકૃપાથી વ્યાસ મહર્ષિના પત્ની વાટિકાજીને ગર્ભ રહ્યો. શુકદેવજીનો જન્મ થયો. શુકદેવજી શિવજીનો અવતાર હોવાથી નિર્વિકાર હતા. શુકદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય પરિપૂર્ણ હતાં. માત્ર સોળ વર્ષની વયે શુકદેવજીએ ઘરનો ત્યાગ કર્યો. જગતના અનેક જીવોના કલ્યાણ માટે શુકદેવજીએ ગૃહત્યાગ કર્યો હતો પરંતુ પુત્રવિયોગ સહન ના થતાં વ્યાસ મહર્ષિ ”હે પુત્ર! હે પુત્ર!” એમ બોલતા શુકદેવજીની પાછળ દોડવા લાગ્યા.

વૃક્ષો દ્વારા શુકદેવજીએ વ્યાસજીને જવાબ આપ્યોઃ ”હે મહર્ષિ! આપ તો જ્ઞાની છો અને પુત્રની પાછળ પડયા છો? જ્ઞાની તેને કહેવાય જે પરમાત્માની પાછળ પડે. આ જીવ અનેકવાર પિતા થયો. પુત્ર થયો. એ સંબંધો ક્યાં ગયા? આ બધો વાસનાનો ખેલ છે.”

શુકદેવજીએ વૃક્ષો દ્વારા પિતાને જ્ઞાન બોધ આપ્યોઃ ”કોણ પિતા અને કોણ પુત્ર? વાસના જ કોઈને પિતા બનાવે છે અને વાસના જ કોઈને પુત્ર. જીવનો ઈશ્વર સાથેનો જ સંબંધ સાચો છે. બીજા સંબંધો ખોટા છે.”

નારદજીને કલહ પ્રિય છે. એક વાર નારદજીએ પાર્વતીને કહ્યું: ”તમારા પતિ શિવ તપ કરે તે બહુ સારું પણ ઘણી વાતો તમારાથી છુપાવે છે. શિવજીને પૂછજો કે તમે તમારા ગળામાં મુંડમાળા પહેરો છો તે કોની છે?”

શિવજી જેવા સમાધિમાંથી જાગ્યા એટલે પાર્વતીજીએ પૂછયું: ”તમારા ગળામાં જે મુંડમાળા છે તે કોના મસ્તકની છે?”

શિવજીએ એ ના પૂછવા ખૂબ કહ્યું પણ પાર્વતીજીએ હઠ પકડતા છેવટે કહ્યું: મારા ગળામાં જે મુંડમાળા છે તે તમારા મસ્તકની છે. તમારો વિયોગ સહન ના થતાં મેં તમારા મસ્તકની મુંડમાળા ધારણ કરી છે.”

શિવ અજન્મા છે જ્યારે પાર્વતીજીના જન્મ થયા છે. પાર્વતીજીએ પૂછયું: ”મારા અનેક જન્મો થયા તેનું કારણ શું?”

શિવજીએ કહ્યું: ”હું અમર છું કારણ કે હું અમર કથા જાણું છું. મારો પ્રેમ રામ સાથે છે. એથી હું અમર છું.”

પાર્વતીજીએ કહ્યું: ”તો મને પણ અમરકથા સંભળાવો ને?”

શિવજી સંમત થયા અને બોલ્યાઃ ”આ અમર કથા મેં કોઈને કહી નથી પણ હૃદયમાં રાખી છે. આજે એ હું તમને આંખો બંધ કરીને કહીશ, એમ કરતાં કરતાં બની શકે કે અંદરથી મને ભગવાનના દર્શન થાય અને મને સમાધિ લાગી જાય. એમ થાય તો કથા અટકી જાય તેથી હું તમને રામકથા કહીશ અને તમારે હુંકારો ધરવાનો.”

પાર્વતીજીએ હા પાડી.

હિમાલયનાં શાંત શિતળ પ્રદેશમાં કૈલાસધામ ખાતે એકાંતમાં ભગવાન શિવે અમરકથા કહેવાનો આરંભ કર્યો. એ દિવ્યકથા દરમિયાન બંનેને વારાફરતી સમાધિ લાગવા માંડી. શિવજીની કથાનું પાર્વતીજી શ્રવણ કરતાં હતા તે દરમિયાન પાર્વતીજીને પણ સમાધિ લાગી ગઈ. નજીકમાં એક વટવૃક્ષ હતું. તેની ઉપર એક પોપટ બેઠો હતો. આ કથા પોપટ પણ સાંભળતો હતો. પાર્વતીજીને સમાધિ લાગી ગઈ હોઈ પોપટે તેમના બદલે હુંકારો કરવા માંડયો. શિવજીને હતું કે પાર્વતીજી કથા સાંભળે છે પણ એકક્ષણે શિવજીએ કથા અટકાવી અને તેમણે આંખ ખોલીને જોયું તો પાર્વતીજી સમાધિમાં હતા અને તેમના બદલે પોપટ હુંકારો ધરતો હતો. આ રીતે પ્રથમવાર પાર્વતીજીને સંબોધીને કહેવાયેલી કથા પોપટે સાંભળી લીધી. શિવજી પોપટ પર ક્રોધે ભરાયા. તેઓ પોપટને મારવા દોડયા. પોપટ ઉડીને સીધો મહર્ષિ વેદવ્યાસ પાસે પહોંચી ગયો.

આ તરફ વેદવ્યાસે અગાઉ શ્રીમદ્ ભાગવતની ભક્તિપ્રધાન કથાની રચના કરી દીધી હતી પરંતુ તે લોકો સુધી પહોંચાડવા આપવી કોને ? તેઓ આ બાબત પર ચિંતિત હતા. એ જ સમયે શિવજીથી ગભરાયેલો પોપટ મહર્ષિ વેદવ્યાસના ચરણમાં આવી પહોંચ્યો. તેની પાછળ શિવજી દોડતા હતા. એ વખતે વેદવ્યાસ પણ શિવજીનું સ્મરણ કરતા હતા. શિવજીના દર્શનથી વ્યાસજીને આનંદ થયો. વેદવ્યાસે પૂછયુઃ પ્રભુ! આમ દોડતા દોડતા કેમ પધાર્યા?”

ભગવાન શિવે કહ્યું: મહર્ષિ! મારા ઘરમાંથી ચોરી કરી એક ચોર તમારા આશ્રમમાં આવ્યો છે. મેં કોઈને ય ના સંભળાવી હોય તેવી અમરકથા દેવી પાર્વતીને પ્રથમવાર સંભળાવી એ કથા માત્ર પાર્વતીજી માટે હતી પણ આ કથા એ પોપટ સાંભળી ગયો છે.”

વેદવ્યાસે સ્મિત કરતાં કહ્યું: ”હે મહાદેવ! આપની કહેલી અમરકથા જે સાંભળે તે અમર થઈ જાય. હવે તો પોપટ પણ અમર થઈ ગયો. તેને કેમ મરાય?” અને ભોળા શિવ માની ગયા. એ પોપટ જ શુકદેવજી થયા. શુકદેવજી રાજા પરિક્ષીતને અમરકથા સંભળાવી અને પરિક્ષીતની મુક્તિ થઈ. કહે છે કે જે અમરકથા કહે છે અને સાંભળે છે તે મૃત્યુના ત્રાસમાંથી મુક્તિ પામે છે.

ગંગાકિનારે શુકેદવજીએ કથા કરી ત્યારે પિતા વ્યાસ મહર્ષિ પણ પોતાની લખેલી કથા પુત્રના મુખે સાંભળવા આવ્યા. શુકદેવજી ગુજરાતના નર્મદા કિનારે પણ રહ્યા છે. નર્મદા કિનારે બિરાજેલા શુકદેવજીએ મહર્ષિ વ્યાસને કહ્યું હતું: ”હું આ કિનારે બેસું છું પણ પિતાજી તમે સામે કિનારે બેસો. મને દૂરથી જુઓ, પણ ધ્યાન નારાયણનું કરો.”

શુકદેવજી પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં જ પરમાત્મામાં મળી ગયા છે પણ મહર્ષિ વ્યાસ લોકોના કલ્યાણ માટે આજે પણ બિરાજે છે. પૃથ્વી પરનાં સાત અમર વ્યક્તિઓમાં મહર્ષિ વ્યાસની ગણતરી થાય છે. અશ્વત્થામાં, કૃપાચાર્ય અને વ્યાસજી નર્મદાના કિનારે જ બિરાજે છે. પૂજ્ય ડોંગરેજી મહારાજે પ્રબોધેલી આ કથામાં તેઓ કહે છેઃ ”નર્મદામાં શિવકન્યા છે. ભગવાન શંકર એમના પિતા છે. નર્મદાનું જળ એ પાણી નથી પણ સાક્ષાત બ્રહ્મવિદ્યા છે.એવા કોઈ દેવ કે ઋષિ નથી જેમણે નર્મદાના કિનારે બેસી તપ કર્યું ના હોય. નર્મદા મોક્ષ પણ આપે છે.”

શુકદેવજીની દૃષ્ટિ દેવદૃષ્ટિ હતી, દેહદૃષ્ટિ નહીં. શુકદેવજી સ્નાન કરતી અપ્સરાઓ પાસેથી પણ પસાર થાય તો પણ તેમના મનમાં કોઈ વિકાર પેદા થતો નહીં. એક વાર સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરતી હતી ત્યારે નગ્નાવસ્થામાં શુકદેવજી પસાર થયા છતાં અપ્સરાઓએ સ્નાન કરવાનું ચાલુ રાખ્યું અને કોઈ લજ્જા અનુભવી નહીં. તે વખતે શુકદેવજીને સમજાવીને ઘેર પાછા લઈ આવવા માટે તેમના પિતા વ્યાસજી દોડયા. મહર્ષિ વેદવ્યાસ વસ્ત્રો પહેરેલાં હોવા તાં તેમને જોતાં અપ્સરાઓએ તરત જ વસ્ત્રો પહેરી લીધા. આ જોઈ વ્યાસજીને આશ્ચર્ય થયું. તેમણે કારણ પૂછયું તો અપ્સરાઓએ કહ્યું: ”આપ વૃદ્ધ છો. આપ પિતા સમાન છો. આપ પૂજ્ય છો, પરંતુ આપના મનમાં સ્ત્રી-પુરુષનો ભેદ છે. જ્યારે શુકદેવજીના મનમાં એવો કોઈ ભેદ નથી. શુકદેવજીને તો ખબર જ નથી કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે.”

એકવાર જનક મહારાજના દરબારમાં શુકદેવજી અને નારદજી વારાફરતી પધાર્યા. બંનેને સુંદર આસન આપવામાં આવ્યું. જનકરાજાએ બંનેની પૂજા કરી. તે પછી દરબારીઓએ પૂછયું: ”આ બંને સાધુઓમાંથી પ્રથમ ક્રમાંક કોને આપવો? શુકદેવજી બ્રહ્મજ્ઞાની છે અને નારદજી ભક્તિ સંપ્રદાયના આચાર્ય છે.”

જનકરાજાએ કહ્યું: ”બંને શ્રેષ્ઠ છે.”

જનકરાજાની મૂંઝવણ એ હતી કે પહેલો ક્રમાંક કોને આપવો? તેથી તેમનાં પત્ની સુનયના મહારાણીએ કહ્યું: ”મહારાજ! આ બંને સંતોને એક રાત મારા મહેલમાં રાખો. કાલે હું તમને કહી દઈશ કે પહેલો કોણ અને બીજો કોણ?”

બંને સંતોને ઉતારો મહારાણી સુનયનાના મહેલમાં આપવામાં આવ્યો. રાત્રીના સમયે બંને સંતો મહારાણીના મહેલમાં બેઠા હતા. બંને સંતો ધ્યાન કરતા હતા. મહારાણી સુનયના સુંદર શૃંગાર કરીને બંને સંતોની પાસે આવ્યાં. તેમની પાસે બેઠાં. નારદજીને ખબર પડી કે બાજુમાં જ મહારાણી સુનયના બેઠાં છે એટલે તેઓ સ્વયં મર્યાદા પાળવા દૂર ખસી ગયા. પરંતુ શુકદેવજીની બ્રહ્માકારવૃત્તિ સ્થિર રહી. તેઓ જેમ અને જ્યાં હતા તેમ જ રહ્યાં. બીજા દિવસે મહારાણી સુનયનાએ પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું: ”શુકદેવજી અને નારદજી એ બંને સંતો શ્રેષ્ઠ છે પણ પહેલો ક્રમાંક શુકદેવજીનો આવે છે. શુકદેવજી મહારાજને ખબર જ નથી કે તેમની બાજુમાં બેઠેલી વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ. એમને એ વાતનું ભાન જ નથી.નારદજી શ્રેષ્ઠ સંત છે પણ તેમને ખબર છે કે આ સ્ત્રી છે અને હું પુરુષ. તેમના મનમાં સ્ત્રી- પુરુષનો ભેદભાવ છે. શુકદેવજીની આંખમાં કે મનમાં આવો કોઈ ભેદભાવ નથી.

પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છેઃ ”આ સ્ત્રી છે અને આ પુરુષ છે, આ કાળો છે ને આ ગોરો છે- એ ભેદભાવ માનવીની આંખમાં છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે, જ્યાં ભેદ નથી ત્યાં ભય નથી. જેનામાં ભેદ છે તે ઈશ્વરથી દૂર છે. શુકદેવજી મહારાજની દૃષ્ટિમાં સ્ત્રી-પુરુષનો ભેદ રહ્યો નહોતો. તેમને તો આખું જગત બ્રહ્મરૃપ ભાસતું હતું.

આવા હતા શુકદેવજી મહારાજ.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

જેનો શિકાર બનનાર અડધોઅડધ દર્દીઓ મોતને ભેટે છે : ખતરનાક વાઇરસ MERS

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

સાઉદી અરેબિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારના રેતાળ પ્રદેશમાં દૂર દૂર આવેલા એક નિર્જન ગામમાં વિજ્ઞાનીઓની એક ટુકડી રાતનું અંધારું થવાનો ઇંતજાર કરતી હતી. રાત્રિના સમયે આ ગામનાં ત્યજી દેવાયેલાં જૂનાં ઘરોના અંધકારમાં કેટલાંક ચામાચીડિયાં પોતાનું નિવાસસ્થાન બનાવીને રહેતાં હતાં. ચામાચીડિયાં રાત્રે જ જોઈ શકે છે અને રાત્રે જ ઊડતાં હોય છે. રાત પડતાં જ વિજ્ઞાનીઓએ અંદર પ્રવેશી ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. હજારો આંખો ચમકી ઊઠી. વિજ્ઞાનીઓને આ જ જગ્યાની ખોજ હતી.

જેનો શિકાર બનનાર અડધોઅડધ દર્દીઓ મોતને ભેટે છે : ખતરનાક વાઇરસ MERS

ચામાચીડિયાંઓની ખોજ કોઈ શિકાર માટે નહોતી. આ ચામાચીડિયાંની ખોજ વિશ્વમાં અચાનક ઊભરેલા એક ખતરનાક વાઇરસના મૂળ સ્રોતની તપાસ અર્થે હતી. એક ડેડલી વાઇરસ સાઉદી અરેબિયાથી જ ઉદ્ભવ્યો છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ જીવલેણ વાઇરસે માત્ર સાઉદી અરેબિયાના જ નહીં પણ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો આ ડેડલી વાઇરસના મૂળ સ્રોતની ખોજ માટે સાઉદી અરેબિયામાં ઊતરી પડયા છે. હજુ તો ગયા વર્ષે જ આ વાઇરસ શોધી કાઢવામાં આવ્યો હતો. એણે અત્યાર સુધીમાં આઠ દેશોના ૭૭ લોકોને ઝપટમાં લઈ લીધા છે. તેમાંથી ૪૦ લોકો મૃત્યુ પામ્યા છે. આ જીવલેણ વાઇરસ બીજા દેશોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે.

આ વાઇરસથી થતી બીમારીને MERS તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ છે મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડેમ, તેનાં લક્ષણો ફ્લૂ જેવાં છે. આ વાઇરસ SARS અર્થાત્ સિવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમના ભાગરૂપે થતો હોવાનું મનાય છે. તેને એસએઆરએસનો સંબંધી કઝીન પણ કહે છે. તેનું મૂળ ઉદ્ભવસ્થાન ચીન છે. એ પછી તે આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. ૨૦૦૩થી તે આખા વિશ્વને ભરડામાં લઈ રહ્યો છે. SARSએ અત્યાર સુધીમાં ૮૦૦૦ જેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને ૮૦૦નો જાન લીધો છે. આ પ્રકારના વાઇરસને ડામવા કોઈ જ શક્તિશાળી ડ્રગ ઉપલબ્ધ નથી.

એક તરફ SARSથી થતાં મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેના ભાઈ જેવો આ નવો વાઇરસ MERS નવો જ ખતરો દુનિયા માટે પેદા કરી રહ્યો છે. એ ક્યાંથી અને કેવી રીતે પેદા થયો તેની ચોક્કસ માહિતી વૈજ્ઞાનિકો પાસે નથી. લોકો તેના સંપર્કમાં કેવી રીતે આવે છે અને હવે તે ક્યાં ઉપદ્રવ સર્જશે તેની કોઈને પણ જાણ નથી. તે SARS જેવી જ ગંભીર પરિસ્થિતિ પેદા કરી શકે તેમ છે.

હા, વૈજ્ઞાનિકો એટલા તારણ પર તો આવ્યા જ છે કે આ વાઇરસ કોઈ ને કોઈ પ્રાણીઓ સાથે સંસર્ગમાં આવેલા માનવીઓને થયો છે અને એ પ્રાણીઓ મોટેભાગે ચામાચીડિયાંમાં અથવા રાત્રે જ જોઈ શકતી ઊડતી વાગોળો હોઈ શકે છે.

આ વાઇરસનું મૂળ શોધી કાઢવાની વૈજ્ઞાનિકોને પણ ઉતાવળ છે, કારણ કે તેનો ભોગ બનેલા લોકોમાંથી અડધા મૃત્યુ પામ્યા છે. વળી જે કેસ નોંધાયા છે તેના જ આ આંકડા છે. બાકીના કેટલાયે કેસમાં તબીબોને જ આ બીમારીની જાણકારી ના હોઈ તેઓ ફ્લૂ અથવા એવી બીમારીના કારણે દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું સમજી રહ્યા છે. તબીબી જગત સાથે સંકળાયેલા લોકોને ચિંતા એ વાતની છે કે MERS વાઇરસનો ભોગ બનેલો દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તો તે બીજા દર્દીઓમાં પણ ઝડપથી આ રોગ ફેલાવી શકે છે. એનાં લક્ષણો ફ્લૂ જેવાં છે અને છેવટે ન્યુમોનિયામાં પરિર્વિતત થઈ શકે છે.

કેટલાક નિષ્ણાતો માને છે કે પૃથ્વી પર વસતીવધારો બેફામ બન્યો છે. માનવીએ વાઇલ્ડલાઇફ પર પણ આક્રમણ કર્યું છે. કેટલાંક પશુ-પક્ષીઓ ખતરનાક વાઇરસનાં વાહક છે જે આપણે કદી જોયાં જ નથી. જંગલમાં રહેતાં પ્રાણીઓ અને કૂતરાં, બિલાડાં કે ઉંદર જેવાં ઘરમાં કે ઘરની આસપાસ રહેતાં પ્રાણીઓમાં ફરક છે. આ પરિસ્થિતિમાં એ નોંધવામાં આવ્યું છે કે MERS વાઇરસનો ભોગ બનેલા દર્દીઓ સૌથી વધુ સાઉદી અરેબિયામાં જણાયા છે. આ વાઇરસનું ઉદ્ભવસ્થાન જોર્ડન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત હોવાનું મનાઈ રહ્યું છે. અહીં આવેલા વિદેશી પ્રવાસીઓ હવે આ રોગ યુકે. ઇટાલી, ફ્રાન્સ અને ટયુનિશિયા પણ લઈ ગયા છે. હવે આગામી ઓક્ટોબર માસમાં વિશ્વભરના લાખ્ખો યાત્રાળુઓ હજ પઢવા સાઉદી અરેબિયા જશે ત્યારે તેઓ પણ તેમની સાથે આ વાઇરસ પોતપોતાના દેશમાં લઈ જશે તેવો ડર આરોગ્ય નિષ્ણાતોને સતાવી રહ્યો છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર ડો. થોમસ ફિડેનના જણાવ્યા અનુસાર MERS સૌથી વધુ ઝડપથી ચેપ લગાડતો વાઇરસ છે તે એક મોટી ચિંતાની વાત છે. આ રોગનું એક વાર મૂળ શોધી કાઢવામાં આવે તે પછી જ લોકોને તેનાથી કેવી રીતે બચવું તે કહી શકાય. રાત્રે મંડરાતા ચામાચીડિયાં અને વાગોળો શંકાના દાયરામાં છે. આ જ પ્રાણીઓ SARSના પણ ભંડાર ગણાયાં છે. SARS અને MERSએ બંને વાઇરસમાં જેનેટિક સામ્યતા એક જેવી છે.

સાઉદી અરેબિયાનાં કેટલાંક નિર્જન થઈ ગયેલાં અને ઊજડી ગયેલાં ગામોનાં જૂનાં પુરાણાં મકાનોમાં આ પ્રકારનાં પ્રાણીઓ રહેતાં હોવાનું માલૂમ પડે છે. કેટલાંક મકાનો તો ૧૦૦ વર્ષ પુરાણાં છે. વૈજ્ઞાનિકોની એક ટુકડી આવા જ એક જરીપુરાણા ઘરમાં ગઈ તો એક જ અંધારા ખંડમાં ૫૦૦થી વધુ ચામાચીડિયાં જણાયાં હતાં. તેમને પકડવા વૈજ્ઞાનિકોએ એક જાળ ફેંકી હતી. સામાન્ય રીતે સાંજ ઢળતાં જ તેઓ ખોરાક માટે જીવજંતુ શોધવા બહાર નીકળતાં હોય છે. તેમાંથી કેટલાંક ચામાચીડિયાં પકડીને તેમના પર ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને નમૂના લીધા બાદ તેમને જવા દેવામાં આવ્યાં હતાં. આ ટેસ્ટની પ્રક્રિયા પંદર મિનિટ ચાલી હતી. તેમાં તેમનું વજન કરવામાં આવ્યંુ હતું. તેમની લાળના નમૂના લેવામાં આવ્યા હતા. તેમના શરીરમાંથી લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. ચામાચીડિયાના શરીર પરથી ડીએનએના ટેસ્ટ માટે તેમની ત્વચાના નમૂના પણ લેવામાં આવ્યા હતા. આ બધા જ નમૂનાને ફ્રોઝન કરી લેબોરેટરીમાં આખરી પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા હતા. એ બધા જ નમૂના કોલંબિયા ખાતે આવેલી ડો. ડબલ્યૂ ઇઆન લિપકિનની વાઇરસ અંગેની લેબોરેટરીમાં લઈ જવામાં આવ્યા છે.

વૈજ્ઞાનિકોની આ ટીમે સાઉદી અરેબિયામાંથી કેટલાંક ઘેટાં, ઊંટ, બકરાં અને ઉંદરોના પણ આ પ્રકારના જ નમૂના લીધા છે. સામાન્ય રીતે માનવી આ બધાં પ્રાણીઓના પણ સંપર્કમાં આવતો હોય છે અને આ પ્રકારના વાઇરસનો ભોગ બનતો હોય છે. પ્રાણીઓ દ્વારા ફેલાતી આ પ્રકારની બીમારીને અંગ્રેજીમાં Zoonotic diseaseજ કહે છે. પ્રાણીઓ દ્વારા ફેલાતી આ પ્રકારની બીમારી આવનારા સમયમાં માનવજાત માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

 www.devendrapatel.in

શું ક્યામતના દિવસે પણ મારા ગુનાઓનો બોજ તું ઊંચકીશ ?

હજરત મોહંમદ (સલ્લ.)ના દેહાંત બાદ હજરત અબુ બક્ર (રદિ.) પણ થોડો જ સમય ખલીફા રહ્યા અને તેમનો પણ ઈન્તિકાલ થઈ ગયો. આ ટૂંકા સમયગાળામાં પણ તેમણે આરબ દેશને ઈસ્લામનો અનુયાયી બનાવી દીધો હતો. તેમના પછી હજરત ઉમર ખલીફા બન્યા. તેઓ આરબ રાષ્ટ્રના શક્તિશાળી સમ્રાટ હતા. એક દિવસ તેઓ મસ્જિદમાં અલ્લાહની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે અધવચ્ચેથી જ તેમને રોકતાં એક બુઢિયાએ મોટા અવાજે પૂછયું: ”હે ઉમર! પહેલાં તમે મારા એક પ્રશ્નનો જવાબ આપો પછી જ હું તમારી વાત માનીશ. ગનીમતનું જે વસ્ત્ર મને મળ્યું હતું તેમાંથી મારો કુર્તો ના બની શક્યો. તમને પણ એટલું જ વસ્ત્ર પણ મળ્યું હતું તો તમારો કુર્તો કેવી રીતે બન્યો?”

શું ક્યામતના દિવસે પણ મારા ગુનાઓનો બોજ તું ઊંચકીશ ?

મસ્જિદમાં સન્નાટો છવાઈ ગયો. હજરત ઉંમરના ગુસ્સાવાળા સ્વભાવથી બધા પરિચિત હતા. લોકો ગભરાઈ ગયા કે હવે આ બુઢિયાની કત્લ જ કરી દેવાશે. પણ લોકોની ધારણાથી વિરુદ્ધ ઉમરે (રદિ.) વલણ લીધું. હવે તેઓ પહેલાંના ઉમર નહોતા. હવે તેઓ જનતાના સંરક્ષક અને વલી હતા. તેઓ શાસક હતા પણ એક એક પૈસાનો હિસાબ દેવાની જવાબદારી સમજતા હતા, અને એ જવાબ જનતાને અને પાલનકર્તાને પણ. ખૂબ જ નમ્રતાથી તેમણે કહ્યું: ”આ વૃદ્ધ મહિલાના સવાલનો જવાબ મારો પુત્ર અબ્દુલ્લા આપશે.”

હજરત અબ્દુલાહ (રદિ.) ઊભા થયા. તેઓ ધીમેથી બોલ્યાઃ ”ભાઈઓ ! ગનીમતનો જે હિસ્સો મારા પિતાજીને મળ્યો હતો તે વસ્ત્ર એક કુર્તો બનાવવા માટે પૂરતું નહોતું, તેથી મેં મારા ભાગમાં આવેલું વસ્ત્ર મારા પિતાને આપી દીધું. આમ બે હિસ્સા જોડીને મારા પિતાનો એક કુર્તો સીવડાવ્યો છે.”

મસ્જિદમાં બેઠેલા સહુ આ વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. બુઢિયા ડરી ગઈ અને ભયથી કાંપવા લાગી. માફી પણ માંગવા લાગી. પરંતુ હજરત ઉમરે એ બુઢિયાના સાહસને બિરદાવ્યું અને પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું: ”જ્યાં સુધી આ દેશમાં આવા લોકો જીવિત છે ત્યાં સુધી શાસન ભલાઈના માર્ગે ચાલશે. ભાઈઓ ! મારામાં કોઈ ભૂલ દેખાય તો મને જરૂરથી ટોકજો, જેથી હું સાચા રસ્તા પર ચાલી શકું.”

આ હતા મુસલમાનોના બીજા ખલીફા, જેના પગ નીચે અબજોનો ખજાનો હતો, પરંતુ એક પૈસો પણ તેમણે પોતાના માટે તેમાંથી ખર્ચ્યો નહોતો. ઈસ્લામની એ સુંદર શિક્ષા હતી, જેમાં રાજા અને પ્રજા વચ્ચે કોઈ જ અંતર નહોતું. આઠમી સદીના તેઓ મહાન સમ્રાટ હતા. એક દિવસ આખા નગરને સજાવવામાં આવ્યું હતું. બાળકો રંગબેરંગી વસ્ત્રો પહેરીને બજારમાં અને ગલીઓમાં ઘૂમી રહ્યા હતા. ઈદગાહમાં લોકો નમાજ પઢવા જઈ રહ્યા હતાં. એમાં ખલીફા પણ પોતાનાં બાળકો સાથે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. નગરના તમામ લોકોએ સુંદર નવાં વસ્ત્રો પહેર્યાં હતા. ત્યારે હજરત ઉમર ખલીફાનું ખમીસ જૂનું અને ફાટેલું હતું. કેટલીયે જગાએથી સાધેલું હતું. બાળકોએ પણ રોજ સ્કૂલમાં જતી વખતે પહેરવાનાં વસ્ત્રો પહેરેલાં હતા. એ સમયે ત્યાં ઊભેલી એક ગરીબ બુઢિયા કોઈ મદદ માંગવા ઈચ્છતી હતી પણ એમના દીદારને તે જોઈ જ રહી અને માંગવાનું મોકૂફ રાખ્યું. પણ એ વૃદ્ધાની તકલીફ સમજી જતાં હજરત ઉમર ખલીફાએ કહ્યું: ”બુઢ્ઢીમાં ! આપ મને ના જુઓ, હું તો આપનો સેવક છું. તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરી દેવામાં આવશે. મને ખલીફા એટલા માટે નથી બનાવાયો કે હું મારા ઐશોઆરામ માટે બધું ભેગું કરું. બોલો તમારે કઈ ચીજ વસ્તુની જરૂર છે.”

અને તરત જ ઉમર ખલીફાએ રાજ્યના ખજાનચીના નામે એક ચિઠ્ઠી લખી દીધી કે, ”આ વૃદ્ધાની તમામ જરૂરિયાતો પૂરી કરી દેવામાં આવે.”

એક અંધકારભરી રાતની વાત છે.

આઠમી સદીના મહાન સમ્રાટ હજરત ઉમર નિયમોનુસાર રાત્રીના સમયે સામાન્ય વસ્ત્રોમાં જ મદીનામાં લોકોની હાલત જોવા ચૂપચાપ નીકળ્યા હતા. તેમની સાથે તેમનો ગુલામ અસલમ પણ હતો. નગરથી થોડેક દૂર તેમણે સળગતી આગ જોઈ. તેમણે પોતાના ગુલામ અસલમને કહ્યું : ”અસલમ! લાગે છે કે, રાત્રે દૂરથી આવેલો કોઈ કાફલો અહીં આવીને રોકાઈ ગયો છે. ચાલ તેમની પાસે જઈને પુછીએ કે તેમને કોઈ ચીજની જરૂર તો નથી ને?”

ખલીફા તેમના સેવકને લઈ એ જલતી આગ તરફ ગયા. તેમણે નજીક જઈ જોયું તો એક ઔરત ત્યાં બેઠેલી હતી. ચૂલા પર હાંડી મૂકેલી હતી. ચૂલાની નીચે લાકડાં સળગતાં હતા અને એ મહિલાનાં બાળકો રડી રહ્યા હતાં.

ખલીફાએ પૂછયું: ”અહીં તમે શું કરી રહ્યાં છો?”

એ સ્ત્રીએ કહ્યું: ”અમારો કાફલો આગળ નીકળી ગયો છે. હું પાછળ રહી ગઈ છું. રાત અહીં જ રહીશ.”

ઉમર ખલીફાએ પૂછયું: ”પરંતુ આ બાળકો કેમ રડી રહ્યાં છે?”
એ મહિલાએ કહ્યું: ”બાળકો ભૂખ્યા થયા છે તેથી રડે છે.”
ઉમર ખલીફાએ પૂછયું: ”હાંડીમાં શું રંધાઈ રહ્યું છે?”

એ સ્ત્રીએ કહ્યું: ”હાંડીમાં ફક્ત પાણી જ છે. મારી પાસે અનાજ નથી.”

”તો ચૂલો કેમ સળગાવ્યો ?”

ઔરતે કહ્યું: ”કારણ કે બાળકો સળગતા ચૂલા પર હાંડી જોઈને ચૂપ થઈ જાય. રાહ જોતાં જોતાં થાકીને ઊંઘી તો જશે ને…. પણ ખુદાના ઘેર અમે જઈશું ત્યારે ઉમરથી બદલો લઈશું.”

ઉમર ખલીફાએ કહ્યું: ”પરંતુ ઉમરને કેવી રીતે ખબર કે તમારી પાસે રાંધવાનું કોઈ અનાજ નથી?”

એ સ્ત્રીએ ગુસ્સાથી કહ્યું: ”જો આટલા જ બેરહમ રહેવું હતું તો ઉમર અમારા ખલીફા કેમ બન્યા?
ઉમરે તેમના સેવક અસલમને બાજુમાં લઈ જતાં કહ્યું : ”ચાલો ભાગો અહીંથી.”

બંને જણ ભાગતા ભાગતા રાજ્યના અનાજના ગોદામ પર પહોંચ્યા. ગોદામમાંથી એક બોરી લોટ અને રસોઈનો બીજો સામાન પણ લીધો. ઉમર ખલીફાએ કહ્યું: ”અસલમ,આ ગુણ મારા માથા પર ચઢાવી દે.”

અસલમે કહ્યું: ”નહીં! અમીરુલ મોમીન, આ તો હું ઉઠાવી લઈશ.”

ઉમર બોલ્યાઃ ”અરે અસલમ! શું ક્યામતને દિવસે પણ મારા ગુનાઓનો બોજ તું ઉઠાવીશ? આ બોરી તું મારા માથા પર ચડાવી દે.”

અસલમે તે બોરી ઉમર ખલીફાના માથે ચઢાવી દીધી અને બેઉ દોડતા દોડતા નગરના છેવાડે રાત ગાળી રહેલી ઔરત પાસે પહોંચ્યાં. તેમણે લોટ અને રાંધવાના બીજા સામાનની બોરી તે મહિલાની સામે મૂકી દીધી. ઉમરે કહ્યું:”એ અલ્લાહના બંદાઓ, તમે હટી જાવ. હું જ રસોઈ પકાવી દઉં છું.” એમ કહી આગ ફૂંકવા લાગ્યા. આટો ગૂંદીને રોટી પકવવા લાગ્યા. બાળકોની માતા અને અસલમ તો આ દૃશ્ય જોઈ રહ્યાં. રસોઈ તૈયાર થઈ ગયાં બાદ તેમણે એ મહિલાને કહ્યું: ”હવે બાળકોને ખવરાવો.”

બાળકોએ નિરાંતે જમી લીધું ત્યાં સુધી તે બેઉ ત્યાં જ બેસી રહ્યા. તેઓ ઊભા થયા એટલે તે સ્ત્રી દુઆ દેતાં બોલીઃ ”અલ્લાહ,તમારું ભલું કરે. તમે જ અમીરુલ મોમીન હોવા જોઈએ. સ્વયં ખલીફા સિવાય આવું કોઈ જ કરી શકે નહીં.”

ઉમરે કહ્યું: ”કોઈ વાંધો નહીં. કાલે સવારે તમે જ્યારે અમીરુલ મોમીન પાસે આવશો ત્યારે હું પણ તમને ત્યાં જ મળીશ.”

એવું કહીને ઉમર ખલીફા તેમના સેવક સાથે રવાના થઈ ગયા. પહેલાં તેઓ પ્રજા પ્રત્યેની જવાબદારી પૂરી ના થવાથી સજાના ડરથી કાંપી રહ્યા હતા પરંતુ હવે એક મોટી જવાબદારી પૂરી કર્યાના આનંદથી સંતુષ્ઠ અને ખુશ હતા. આ હતા બે શક્તિશાળી રાજ્યો પર વિજય હાંસલ કરનાર અને સંપૂર્ણ ઈસ્લામી રાષ્ટ્રના આદર્શ સમ્રાટ હજરત ઉમર ખલીફા. આવા શાસકો આજે ક્યાં છે? આવા ખલીફા આજે ક્યાં છે? ખુદ ઈસ્લામી રાષ્ટ્રોમાં પણ આવા પ્રજાવત્સલ સત્તાધીશો ક્યાં છે? પવિત્ર કુઆર્નમાં રાજનીતિથી માંડીને દરેક વ્યક્તિનાં જીવનની આચારસંહિતા માટે સ્પષ્ટ માર્ગદર્શન આપેલું છે. કુઆર્ને હકૂમત માટે જે આચારસંહિતા તૈયાર કરી એ તેમાંથી થોડાંક દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ (૧) ”કિસી જાન કો કત્લ ના કરો, જિસકે કત્લ કો અલ્લાહને હરામ કર દિયા હૈ,સિવાએ હક કે” (બની ઈસરાઈલ ૩૩) (૨) ”અપને ધન કો આપસ મેં અવૈધ રૂપ સે મત ખાઓ.” (બકરા- ૧૮૮) (૩) ”કોઈ ગિરોહ દૂસરે ગિરોહ કા મજાકના ઉડાયે…. ઔર એક દૂસરે કા અપમાન ના કરે. ઔર ન હી બુરે નામોં સે યાદ કરે, ના કોઈ કિસી કા પીઠ પીછે બુરાઈ બયાન કરે… (હુજરાત ૧૧-૧૨) (૪) ”અપને ઘરોં કે સિવા દૂસરે ઘરોં મેં બિના આજ્ઞા દાખિલ ન હો.” (નૂર-૨૭) (૫) ”ધર્મ કે વિષય મેં કિસી પર કોઈ જબરદસ્તી નહીં.” (બકરા-૨૫૬) (૬) ”ક્યા તૂ લોંગો કે મજબૂર કરેગા કિ મોમીન હો જાએ (ઐસા મત કરના)” (યુનુસ-૯૯) (૭) ”કિસી ઐસી બાત કે પીછે ન લગ જાઓ, જિસ કા તુમ્હે જ્ઞાન નહીં હૈ.” (બની ઈસરાયેલ-૩૬) (૮) ”ઔર ઉન કે ધન મેં માંગને વાલોં કા ઔર ઉનકા હક હૈં, જો પાને સે રહ ગયે (મજબૂર અને લાચારોનો હક) (જારિયાત-૧૯)

લાગે છે કે વિશ્વની તમામ પ્રજાઓ અને તમામ કોમોને ઈસ્લામની સાચી ઓળખથી પરિચિત કરાવવા જોઈએ. કુઆર્નની વાતો ખરેખર તો માનવીને શિતલ છાયા બક્ષનારી છે.

રમઝાનના પવિત્ર દિવસોમાં ઈસ્લામની એક સુંદર કથા વાંચકોને અર્પણ છે.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

લિક્વિડ વેપન : એસિડ એટેક

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.

વડોદરામાં રઝિયા નામની એક ટીનએજ કિશોરી શહેરની એક કોન્વેન્ટમાં ભણતી હતી. તે એક શિક્ષિત પરિવારની પુત્રી હતી. બારમા ધોરણમાં આવી ત્યારે એનું રૂપ ખીલી ઊઠયું. સ્કૂલ તેના ઘરથી થોડે જ દૂર હતી. રોજ ચાલીને જ સ્કૂલે જતી હતી. રસ્તા પરથી પસાર થાય તો લોકો એને જોઈ રહેતા. રસ્તામાં મોટર સાયકલ રિપેર કરવાનું એક ગેરેજ હતું. આ ગેરેજમાં કામ કરતા એક મુસ્લિમ મિકેનિકની તેની પર નજર હતી. તે અવારનવાર રસ્તા વચ્ચે રઝિયાને રોકી તેની સાથે વાત કરવા પ્રયાસ કરતો હતો. એક વાર એણે રઝિયાને રોકી તેની સાથે બહાર ફરવા આવવા માંગણી કરી. રઝિયાએ સાફ ઇન્કાર કરી દીધો. થોડા દિવસ પછી એણે ફરી રઝિયાને રોકતાં કહ્યું : “હું તને ચાહું છું.”

લિક્વિડ વેપન : એસિડ એટેક

રઝિયાએ મોં ફેરવી લીધું. થોડા દિવસ બાદ એ યુવકે તેને કહ્યું, “તું મને પ્રેમ નહીં કરે તો હું તારી જિંદગી બગાડી નાંખીશ.”

રઝિયા તેને વશ થઈ નહીં. તે રસ્તો બદલીને સ્કૂલે જવા લાગી. મોટર મિકેનિક રોજ તેના ઘર સામે ઊભો રહેતો.રઝિયા પરેશાન થઈ ગઈ. રઝિયાએ તેનાં માતા-પિતાને વાત કરી. રઝિયાનાં માતાપિતાએ ગેરેજના માલિકને ફરિયાદ કરી. ગેરેજ માલિકે તેના મિકેનિકને સખત ઠપકો આપ્યો. તે પછી બધું શાંત થઈ ગયું. મિકેનિક હવે રઝિયાનો રસ્તો રોકતો નહોતો.

કેટલાક સમય બાદ ઉનાળામાં રાત્રે રઝિયા તેના ઘરના કંપાઉન્ડમાં તેના પરિવારના સભ્યો સાથે સૂતી હતી. અડધી રાત્રે તેને લાગ્યું કે તેના ચહેરા પર કંઈક ભીનું ભીનું છે. તે જાગી ગઈ. થોડી ક્ષણો બાદ તેને અસહ્ય બળતરા ઊપડી. એણે બૂમાબૂમ કરી મૂકી. બીજા સભ્યો પણ જાગી ગયા. એમણે જોયું તો મિકેનિક દીવાલ કૂદીને ભાગતો હતો. એણે ઊંઘતી રઝિયાના ચહેરા પર એસિડ રેડી દીધો હતો. રઝિયા હવે કદરૂપી થઈ ચૂકી હતી. એણે આંખો ગુમાવી દીધી હતી. મિકેનિક પકડાઈ ગયો અને ભરી અદાલતમાં રઝિયાએ કહ્યું : “સાહેબ, એને જેલની સજા થાય એમ હું ઇચ્છતી નથી. એણે મારી સાથે જે કર્યું તે જ હું તેની સાથે કરવા માંગું છું.”

કોર્ટમાં હાજર સહુ સ્તબ્ધ થઈ રઝિયાની વાત સાંભળી રહ્યા. કોર્ટે મિકેનિકને યોગ્ય સજા પણ કરી, પરંતુ કદરૂપી થઈ ગયેલી રઝિયા એટલું જ બોલતી રહી. મારે રૂપ નહીં, રોશની જોઈએ છે.

કમનસીબે દેશ અને દુનિયાનું કોઈ વિજ્ઞાન તેને રોશની અપાવી શક્યું નહીં અને દુઃખી હાલતમાં રઝિયાએ આ દુનિયામાંથી વિદાય લીધી.

આવી ઘટનાઓ વર્ષોથી ભારતમાં ઘટતી રહી છે. ઘણાં વર્ષો બાદ ભારતની સર્વોચ્ચ અદાલતે એસિડ ફેંકનાર ગુનેગારો સામે લાલ આંખ કરી છે. નોંધનીય વાત એ છે કે એસિડ હંમેશાં સ્ત્રીઓ તરફ જ ફેંકવામાં આવે છે. હવે એસિડ ફેંકવાની ઘટના એક ગંભીર ગુનો ગણવામાં આવશે અને આવું કૃત્ય આદરનારને ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકશે. કેટલાંક રાજ્યો તો એસિડ ફેંકવાની ઘટનાને હવે હત્યાના ગુનાની બરાબર ગણવા માંગે છે તે આવકારદાયક છે.

આ પ્રકારના ગુનાઓ વકર્યા છે. તેનું એક કારણ એ પણ છે કે બજારમાં એસિડ આસાનીથી ઉપલબ્ધ છે. માત્ર એસિડ જ નહીં પરંતુ એસિડયુક્ત સામગ્રી રોજ વ્યવહારમાં વપરાય છે. જૂની મોટરકારોનાં રેડિયેટર્સ સાફ કરવાથી માંડીને બાથરૂમની ગંદી ટાઈલ્સ પરના ડાઘ દૂર કરવા એસિડ વપરાય છે. ફેરિયાઓ લારીઓમાં એસિડની બાટલીઓ લઈ વેચવા નીકળતા હોય છે. એસિડ એક સાવ સસ્તામાં મળતું ઘાતક શસ્ત્ર છે અને તેને પણ હવે બંદૂક કે રિવોલ્વરની કક્ષામાં મૂકવું જોઈએ.

અનુ મુકરજી નામની એક યુવતીની વાત સાંભળવા જેવી છે. એ કહે છેઃ એ બાટલીમાં ભરેલા પ્રવાહીની કિંમત માત્ર રૂપિયા ૩૦ હતી, પરંતુ માત્ર ૩૦ સેકંડમાં એ પ્રવાહીએ મારી જિંદગી બરબાદ કરી દીધી.

અનુ મુકરજી દિલ્હીની એક હોટેલમાં બાર ડાન્સર હતી. તેની વય ૩૨ વર્ષની છે. તેના રૂપથી ઈર્ષ્યા પામેલા તેના જ એક સાથી અને તેના કઝીને તેની પર એસિડ છાંટી દીધો. તે કદરૂપી તો થઈ ગઈ પણ આંધળી પણ થઈ ગઈ. એકમાત્ર અનુ જ તેના ઘરનું ભરણપોષણ કરતી હતી. હવે તે ખુદ બેસહારા થઈ ગઈ છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એક કેસમાં એસિડનો ભોગ બનેલી પીડિતાને રૂપિયા ત્રણ લાખની મદદ નક્કી કરી આપી. અનુ મુકરજીના કેસમાં તેના પર હુમલો કરનારાઓને પાંચ વર્ષની જેલની સજા કરી છે અને બે લાખ રૂપિયાનો દંડ કર્યો છે. અનુ મુકરજીને વળતર પેટે રૂપિયા ૧.૪૦ લાખ મળ્યા છે, પરંતુ તેના પરની શસ્ત્રક્રિયા અને સારવારનો ખર્ચ અત્યાર સુધીમાં રૂપિયા ૧૦ લાખ જેટલો થઈ ગયો છે. અત્યાર સુધીમાં તેની પર ૧૦ ઓપરેશન્સ થઈ ગયાં છે અને બીજાં દસ બાકી છે. બીજાં ૧૦ ઓપરેશનનું બીલ રૂપિયા ૩૦ લાખ જેટલું આવનાર છે. અનુ મુકરજીએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી વધુ વળતર માટે અને તેના પર એસિડ છાંટનારાઓને જનમટીપની સજા કરવા માંગણી કરી છે.

અનુ મુકરજી જેવી કેટલીયે કરુણ કથાઓ ભારતીય સમાજમાં જોવા મળે છે. દેશમાં કેટલી સ્ત્રીઓ એસિડ એટેકનો ભોગ બને છે તેના અધિકૃત આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ એસિડ સર્વાઇવર્સ ફાઉન્ડેશન નામની એક સ્વૈચ્છિક સંસ્થાના જણાવ્યા અનુસાર ૨૦૦૬થી ૨૦૧૧ દરમિયાન એકમાત્ર પશ્ચિમ બંગાળમાં જ ૭૭ જેટલા એસિડ એટેકના બનાવો નોંધાયા હતા. કર્ણાટકમાં ૧૯૯૮થી ૨૦૦૮ સુધીમાં એસિડ એટેકના ૭૦ બનાવો નોંધાયા હતા. નેશનલ વિમેન્સ કમિશનના જણાવ્યા અનુસાર એકમાત્ર ૨૦૧૨ની સાલમાં દેશમાં એસિડ એટેકના ૧૩ કિસ્સા નોંધાયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં આઠ કિસ્સા નોંધાયા છે.

એસિડ એટેકનો ભોગ બનનાર સ્ત્રીઓનું જીવન અત્યંત દુઃખદાયક બની જાય છે. કોઈ આંખો ગુમાવે છે તો કોઈ રૂપ, કોઈ ગળું ગુમાવે છે તો કોઈ ફેફસાં. એથીયે વધુ ખરાબ તો એ વાત છે કે લોકો એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓ તરફ ટગર ટગર જોઈ રહે છે. સમાજનું આ વલણ સહુથી વધુ દુઃખદાયક છે. એસિડ એટેકનો ભોગ બનેલી પીડિતાઓની બાકીની જિંદગી હોસ્પિટલ અને અદાલતોનાં ચક્કર કાપવામાં જ પૂરી થઈ જાય છે. તેઓ નાણાકીય રીતે પણ બરબાદ થઈ જાય છે. તેમની સાથે કોઈ પરણતું નથી. પોતાના ખૌફનાક બની ગયેલા ચહેરાના કારણે તેઓ સ્વયં પોતાનો ચહેરો દર્પણમાં જોતાં ડરે છે. લોકો પણ તેમને જોઈ ભયભીત બની જાય છે. એસિડ એટેકનો ભોગ બનેલી સ્ત્રીઓ બહાર હોટેલમાં, રેસ્ટોરાંમાં કે થિયેટર્સમાં પણ જતા ક્ષોભ અનુભવે છે.

આવી પીડિતાઓના પુનર્વસન માટે ભાગ્યે જ કોઈ બહાર આવે છે. એક વાર એસિડ એટેકનો ભોગ બન્યા બાદ તેઓ જીવતા નર્ક જેવું જીવન જીવે છે. એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓને પણ બજારમાં ખરીદી કરવા જવાની ઇચ્છા હોય છે. તેમને પણ શેરીમાં જઈ ભાજીપાઉં કે ચાટ ખાવાની ઇચ્છા હોય છે પણ તેમને લઈ જાય કોણ? અને જાય તો લોકો તેમને જ જોઈ રહે છે. દુનિયાના ઘણા બધા દેશો હવે એસિડને લિક્વિડ વેપન ગણવા લાગ્યા છે. અફઘાનિસ્તાનમાં એસિડ ફેંકનારને ૧૦ વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈ કરવામાં આવી છે. જનમટીપ પણ થઈ શકે છે. બાંગલાદેશમાં એસિડ ફેંકનારને મૃત્યુ દંડની સજાની જોગવાઈ છે. આફ્રિકામાં એકમાત્ર કંબોડિયા જ એવો દેશ છે કે જ્યાં સહુથી વધુ એસિડ એટેકના કિસ્સા બને છે. કમનસીબે કંબોડિયા પાસે એસિડ એટેક અટકાવવા કોઈ ચોક્કસ કાનૂન જ નથી. હા, તેને એક ગુનો ગણવામાં આવે છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં ૧૯મી સદીમાં એસિડ એટેકના સહુથી વધુ કિસ્સા બનતા હતા, પરંતુ સામાજિક સભાનતા અને પોલીસ તથા ન્યાયતંત્રની જાગરૂકતાના કારણે હવે એસિડ એટેકના કિસ્સા એકદમ ઘટી ગયા છે. યુ.કે. ઇટાલી, અમેરિકા અને કેનેડામાં હવે માત્ર નહીંવત્ કિસ્સા જ બને છે. 

www.devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén