મીડિઆ તે કીંગ ઈતિસની દીકરી અને સૂર્યના દેવતા હેલિઓસની પૌત્રી હતી. તે જેસન નામના એક શક્તિશાળી પુરુષને પરણી હતી. જેસનથી તેને બે સંતાનો થયા હતા. મેર્મેરોજ અને ફેરેઝ. એક તબક્કે તેનો પતિ જેસન કોરિન્થની રાજકુમારી ગ્લુસને પરણી જાય છે ત્યારે ક્રોધે ભરાયેલી મીડિઆ જેસનથી થયેલા તેના બંને સંતાનોની હત્યા કરી પતિએ કરેલી દગાબાજીનો એ રીતે બદલો લે છે. ઈસુના જન્મ પહેલાંની ત્રીજી સદીમાં એપોલોનિયસ દ્વારા લખાયેલી આ દંતકથા ગ્રીક માયથોલોજીમાં એેક કલાસિક કૃતિ ગણાય છે ત્યાર પછી એ કથા યુરિપિડસે લખી હતી. આજે જે સ્ત્રી પોતાના જ સંતાનોની હત્યા કરી નાંખવાની વૃત્તિ ધરાવે છે તે મનોવિકૃતિને ‘મીડિઆ કોમ્પ્લેક્સ કહે છે. ઈન્દ્રાણી મુખરજી પણ આ જ કક્ષામાં આવે છે.
ઈન્દ્રાણી આમ તો સ્વર્ગના દેવ ઈન્દ્રની પત્નીનું નામ છે. ઈન્દ્રાસન અને ઈન્દ્રાણી તો જે ઈન્દ્ર થાય તેને વરતા હતા પરંતુ આ કળિયુગની એક ઈન્દ્રાણીની કથા છે જેને પુત્ર-પુત્રી કરતાં લખલૂંટ ધન અને ઐશ્વર્ય વહાલા હતા. દેશની એક ઈન્દ્રાણીએ ભારતીય સમાજ, ભારતીય સંસ્કૃતિ અને ભારતની અસ્મિતાને લાંછન લગાડયું છે. મિલકત માટે પોતાની કૂખે જન્મેલી પુત્રીની હત્યા કર્યા બાદ પુત્રને પણ પતાવી દેવા પ્લોટ રચનાર ઈન્દ્રાણી મુખરજી નામની એક ભારતીય મહિલાએ દેશની સંસ્કારી મહિલાઓને પણ સ્તબ્ધ કરી દીધી છે.
ઈન્દ્રાણી મુખરજીની કથા આલ્ફ્રેેડ હિચકોકના ‘સાયકો’ પિક્ચર કરતાંયે વધુ સનસનીખેજ થ્રિલર જેવી છે. એણે પહેલું લગ્ન કર્યું એ પહેલા સિદ્ધાર્થ દાસથી એને બે સંતાનો થયાં- એક પુત્રી શીના અને પુત્ર મિખાઈલ. તે પછી બીજું લગ્ન કર્યું, તે પછી એણે ત્રીજું લગ્ન કર્યું અને તે પણ એક જમાનાના સ્ટાર ઈન્ડિયાના એ સમયના સીઈઓ પીટર મુખરજી સાથે. પીટર મુખરજી કરતા ઈન્દ્રાણી ઘણી નાની છે. આ કથામાં અનેક નાટયાત્મક વળાંકો છે. મજાની વાત એ છે કે પીટર મુખરજીનો આગલી પત્નીથી થયેલો પુત્ર ઈન્દ્રાણી મુખરજીના પ્રથમ પ્રેમી થયેલી પુત્રી શીનાના પ્રેમમાં પડયો. પીટર મુખરજી તેમની આગલી પત્નીથી થયેલા પુત્ર અને પુત્રીને પોતાની સાથે રાખતા હતા, જ્યારે ઈન્દ્રાણી મુખરજી પોતાના પ્રથમ પતિથી થયેલી પુત્રી શીના અને બીજા નંબરના પતિ સંજય ખન્નાથી થયેલી પુત્રી વિધિ સાથે સંપર્ક જારી રાખ્યો પરંતુ નોંધપાત્ર વાત એ હતી કે ઈન્દ્રાણી મુખરજીએ પોતાની સગી પુત્રી શીનાની ઓળખ તેના પતિને પોતાની બહેન તરીકે આપી. આ ઘટના એટલી બધી વિચિત્ર છે કે, પીટર મુખરજીનો પુત્ર રાહુલ અને ઈન્દ્રાણી મુખરજીની પુત્રી આમ તો ઓરમાન ભાઈ-બહેન થાય પરંતુ ઈન્દ્રાણીએ છુપાવેલી વાતોના કારણે બેઉ એકબીજાના પ્રેમમાં પડયા.
ઈન્દ્રાણીના મમ્મીનું નામ દુર્ગા રાણી અને પપ્પાનું નામ ઉપેન કુમાર બોરા છે. ૧૯૬૪માં જન્મ બાદ તેણે પ્રાથમિક શિક્ષણ ગુવાહાટીમાં અને કોલેજનું શિક્ષણ મેઘાલયના શિલોંગમાં લીધું. તે ભણતી હતી એ વખતે જ સિદ્ધાર્થ દાસ સાથે પ્રેમમાં પડી હોવાનું માનવામાં આવે છે. ઈન્દ્રાણીનું અસલ નામ પોરીબોરા છે. એક ચર્ચા એ પણ છે કે કોલેજમાં ભણતી વખતે પોરી બોરા ઉર્ફે ઈન્દ્રાણીને ચિરાગ નામના બેરોજગાર યુવાન સાથે પ્રેમ થયો હતો. તેને ૧૯૮૯માં ૧૧,ફેબ્રુઆરીએ શીનાનો અને ૧૯૯૦માં મિખાઈલનો જન્મ થયો હતો. તેમના જન્મ વખતે પિતા તરીકે પોરી બોરાએ પોતાના પિતાનું નામ અને સરનેમનો ઉપયોગ કર્યો હતો. ચિરાગ કમાતો ન હોવાથી બોરાપરિવારે તેને ગુવાહાટીમાં જ ગણેશઘુરી વિસ્તારમાં હોટેલ ખોલી આપી હતી, પણ એ ચાલી નહીં અને એથી વધુ ભણવા માટે પોરી બોરા તેના બે નાનાં સંતાનોને પિતા પાસે મૂકીને ૧૯૯૦માં કોલકાત્તા જતી રહી હતી.
જો કે વરિષ્ઠ અંગ્રેજી પત્રકાર વીર સંઘવીએ એવો દાવો કર્યો છે કે ઈન્દ્રાણી મુખરજીના પિતા તેની મમ્મીને છોડીને જતા રહ્યા ત્યારે તેની મમ્મીએ તેના દિયર ઉપેનકુમાર બોરા સાથે લગ્ન કરી લીધાં હતા. આ મેરેજ સગવડિયાં હતા અને જ્યારે ઈન્દ્રાણી યુવાન થઈ ત્યારે તેના સાવકા પિતા ઉપેન કુમારે તેના પર બળાત્કાર કર્યો હતો અને આ વાતની જાણ તેની મમ્મી દુર્ગા રાણીને પણ હતી. આ બળાત્કારની ઘટનાની પ્રેગ્નન્ટ થયેલી ઈન્દ્રાણીએ પુત્રીને જન્મ આપ્યો હતો અને તે પુત્રી શીના હતી. એથી શીનાને પણ બોરા સરનેમ મળી હતી. આમ શીનાના અસલી પિતા કોણ તે એક રહસ્ય છે.
શીના મર્ડર કેસ એક સીધો સાદો કેસ નથી પરંતુ જટીલ છે. ઈન્દ્રાણી મુખરજીએ હત્યાનો પ્લોટ રચ્યો. તેમાં તેના બીજા નંબરના પતિ સંજીવ ખન્નાએ મર્ડરમાં સાથ આપ્યો. આ પ્રકારનું નિવેદન ડ્રાઈવર શ્યામ માનવ મનોહર રાયનું છે. વાત એમ છે કે શીનાના ગુમ થયા અંગે તો કોઈ તપાસ થઈ નહોતી પરંતુ એક દિવસ કોઈએ ખાર પોલીસને જાણ કરી કે શ્યામ પાસે એક ૭.૬૫ એમ.એમ.ની એક પિસ્તોલ છે. આ બાતમીના આધારે શ્યામને પોલીસે પકડયો હતો. એ પછી શ્યામે કબૂલ કર્યું કે, હા, ઈન્દ્રાણી મુખરજીની પુત્રીની હત્યામાં હું પણ હતો.’ તેના આ નિવેદન બાદ જ ઈન્દ્રાણી પકડાઈ. ડ્રાઈવરે એમ પણ કહ્યું કે શીનાની હત્યા પહેલાં ઈન્દ્રાણી અને તેના બીજા નંબરના પતિ સંજીવ ખન્ના વચ્ચે લંબાણપૂર્વક વાત થઈ હતી. તે પછી તેણે સંજીવ ખન્નાને કોલકાત્તાથી મુંબઈ બોલાવ્યો હતો. ઈન્દ્રાણીએ મુંબઈમાં વરલી ખાતે હોટલ હિલટોપ ખાતે એક રૂમ બુક કરાવ્યો હતો. બીજા દિવસે સંજીવ ખન્ના એ રૂમમાં રોકાયો હતો. સાંજે ૭ વાગે સંજીવ ખન્ના અને ઈન્દ્રાણી બાન્દ્રા ગયા હતા. લિંકિંગ રોડ પર જોકી એકસક્લુઝિવ શોપ પાસે કાર ઊભી રખાવી હતી. શીનાને ત્યાં કોઈ કારણ આપી બોલાવવામાં આવી હતી. શીના આવી. તે પછી પહેલાં સંજીવ ખન્નાએ શીનાનું ગળું દબાવી દીધું હતું. ઈન્દ્રાણીએ તેમાં મદદ કરી હતી. એની લાશને એક કારની ડેકીમાં મૂકી દેવામાં આવી હતી ? શીનાની હત્યા રૂમમાં થઈ કે કારમાં તે અંગે શ્યામનું નિવેદન સ્પષ્ટ નથી પરંતુ તે કહે છે કે બીજા દિવસે ઈન્દ્રાણીએ નક્કી કરેલા જંગલમાં એ લાશ લઈ ગયા હતા. તા. ૨૫ એપ્રિલ ૨૦૧૨ના રોજ સવારે ૪ વાગે શીનાની લાશને એક ઝાડીમાં ફેંકી તેની પર પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવી હતી. એ આખી લાશ બળી ગઈ છે તેની ખાતરી થયા બાદ ઈન્દ્રાણી અને સંજીવ ખન્નાએ સ્થળ છોડવાનું પસંદ કર્યું હતું.
કહેવાય છે કે રૂ. ૮૦૦ કરોડની સંપત્તિ માટે ઈન્દ્રાણી પોતાની પુત્રીને અને પુત્રને વારસદાર રહેવા દેવા માગતી ન હોતી. વળી પોતાના પતિ પીટર મુખરજીના પુત્ર રાહુલ સાથેના સંબંધથી પણ તે ખુશ નહોતી. કહેવાય છે કે ઈન્દ્રાણી મુખરજીએ ખૂબ ઠંડા કલેજે પુત્રીની હત્યા માટે એક પ્લોટ રચ્યો હતો અને એ પ્લોટ અમલમાં મૂકતા પહેલાં ઈન્દ્રાણીએ પુત્રીની હત્યા કરી તેની લાશ કયાં ફેંકી દેવી તેના માટે પણ જંગલોમાં જઈ રેકી કરી હતી. પુત્રીની હત્યામાં એણે બીજા નંબરના પતિનો સાથ લીધો હતો. હત્યા કરતાં પહેલાં શીનાને ઝેરી ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. પછી ગળું દબાવી દેવાયું. તેના શબને એક શૂટકેસમાં રાખવામાં આવ્યું અને આખી રાત એ કાર પીટર મુખરજીના ગેરેજમાં રાખવામાં આવી. બીજા દિવસે લાશ રાયગઢના જંગલોમાં ફેંકી દેવાઈ શીના મૃત્યુ પામી ત્યારે તે ગર્ભવતી હતી.
આ આખીયે ઘટના બહાર આવી અને ઈન્દ્રાણી મુખરજીની ધરપકડ થઈ ત્યારે પીટર મુખરજી સ્તબ્ધ થઈ જતા કહ્યું: ‘હું સ્તબ્ધ છું. શીના મારી પત્ની ઈન્દ્રાણીની પુત્રી છે તે વાતની ખબર હજુ આટલા વર્ષ બાદ મને આજે જ પડી. અત્યાર સુધી તે શીનાની ઓળખ એની બહેન તરીકે આપતી હતી. વળી તેને મિખાઈલ નામનો એક પુત્ર છે તે પણ મેં પહેલી જ વાર જાણ્યું. અત્યાર સુધી તે મિખાઈલને પોતાનો ભાઈ બતાવતી હતી!
આ ઘટનાની આશ્ચર્યજનક વાત એ છે કે શીનાની હત્યા થયાના ત્રણ વર્ષ બાદ આખીયે ઘટના બહાર આવી. ત્રણ વર્ષ સુધી શીના ગુમ રહી એ પ્રશ્ન કદી કોઈએ કેમ ના કર્યો ? ઘણા લોકો એમ માને છે કે, ઈન્દ્રાણીએ પ્રોપર્ટી માટે પુત્રીનું મર્ડર કર્યું. ઘણા કહે છે કે, આ એક પ્રકારનું ઓનર કીલિંગ હતું. કારણ કે ઈન્દ્રાણીને પોતાની પુત્રી તેના પતિના પુત્ર સાથે પ્રેમ કરે તે પસંદ નહોતું. ત્રીજી થિયરી એ છે કે, શીના ઈન્દ્રાણીનું બ્લેકમેઈલિંગ કરતી હતી. શીના તેની માને શાયદ એવી ધમકી આપતી હતી કે તે તેની પુત્રી છે એ વાત પીટર મુખરજીને કહી દેશે. શીના રૂપાળી હતી. સારી જોબ કરતી હતી. સામાજિક જીવનમાં સક્રિય હતી. શીના પ્રેમી રાહુલે પણ શીના ગુમ થઈ છે એ વાતની જાણ પોલીસને કરી હતી પણ કોઈ જ તપાસ કેમ ના થઈ ? શીનાની હત્યા અનેક પ્રકારના રહસ્યો ધરાવે છે. તેમાં એક કરતાં અનેક વ્યક્તિઓનો હાથ હોવો જોઈએ.
Comments are closed.