Devendra Patel

Journalist and Author

Month: March 2015 (Page 1 of 2)

પાંખો આવી, ફફડાવી મારે ઊડવું હતું ગગનમાં પણ -!

એ નું નામ શ્રદ્ધા છે.

તે શાયદ પન્નાલાલ પટેલના વતન માંડલી જેવા એક સાવ નાનકડાં ગામમાં જ જન્મેલી છે. ભણવાની ખૂબ તમન્ના હતી પરંતુ સંજોગોના કારણે તે માત્ર ૧૦માં ધોરણ સુધી જ ભણેલી છે. એણે યુવાની હજુ હમણાં જ વટાવી છે. હવે તે પરિણીત છે. તે પહેલાં એટલે કે કૌમાર્યાવસ્થામાં કોઈ આધેડની બૂરી નજરથી દાઝેલી છે. એના એ અનુભવે જ તેને કવયત્રી બનાવી દીધી છે. તેનાં કાવ્યો હજુ સુધી કોઈ મેગેઝિન કે પુસ્તકમાં છપાયાં નથી. એ જરૂરી નથી કે જેમની કૃતિઓ છપાય છે તે જ સાહિત્યકારો છે. આ ગ્રામ્ય કવયત્રીને પાંખો આવતાં જ ઊડવું હતું આકાશમાં પણ સમાજના થપાટાએ એની પાંખો કાપી નાંખી.

કેમ?
કેવી રીતે?
વાંચો એના જ શબ્દોમાં:

મારો જન્મ ગુજરાત નજીક રાજસ્થાનના એક નાનકડા ગામમાં થયો હતો. મારા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અમારો ઉછેર પણ સારી રીતે કરી શકતા ન હતા. મજૂરી કરીને અમને ભણાવવા તત્પર હતા. ધંધાર્થે વારંવાર બદલીથી મારા અભ્યાસ ઉપર અસર પડતી હતી. છતાં હું ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેથી શિક્ષક મિત્રોના મારા ઉપર ચાર હાથ હતા. દર વખતે પહેલા નંબરે આવી. દસમાં ધોરણ સુધી ભણી. પપ્પાને ધંધાર્થે દક્ષિણ ગુજરાતમાં આવવાનું થયું. સુરતમાં નવી સ્કૂલ તથા નવો માહોલ છતાં ફરી અભ્યાસ શરૂ કર્યો.

હવે પપ્પાની આર્થિક સ્થિતિ સારી હતી. હું ૧૯૮૫માં સ્કૂટર લઈને સ્કૂલે જતી હતી. પપ્પા મુક્ત વિચારના હોવા છતાં અકસ્માતની બીકે સ્કૂટર લઈ જવા સામે તેમનો વિરોધ હતો. એક દિવસ એવું જ બન્યું મને નાનો એવો અકસ્માત નડયો. પગમાં વાગ્યું અને સ્કૂટરને નુકસાન થયું. પપ્પા ખૂબ ગુસ્સાવાળા હોવાથી હું સ્કૂટર રિપેર કરાવી અને પગમાં પાટા-પીંડી કરાવી ઘરે પહોંચી. ‘પથ્થર વાગ્યો છે’ એવું કહી અકસ્માતની વાત મેં છુપાવી.

મારા પપ્પાના એક પરિચિત ડોક્ટરની હોસ્પિટલમાં હું પાટો બંધાવા જતી હતી. એણે સતત પંદર દિવસ ડ્રેસિંગ માટે આવવા કહ્યું. આ દરમિયાન હું સ્કૂલ જતી વખતે હંંમેશા પાટો બંધાવી આવતી. તે દરમિયાન મેં ડોક્ટરની નજર પારખી લીધી. હું સાવચેત રહેવા લાગી. મને નવાઈ લાગી કે શહેરનો હોશિયાર ડોકટર એમ.એસ.ની ડિગ્રી ધરાવતો અને બે બાળકોના પિતા આવો હોઈ શકે? મને જોયા પછી તેણે અમારા ફેમિલી રિલેશન વધારી દીધા. જ્યારે પણ મોકો મળે. મારા ખૂબ વખાણ કરી નજીક આવવાના પ્રયત્ન શરૂ કર્યા.

થોડા દિવસ પછી અમારા પરિવાર ઉપર આફત આવી. મારા મમ્મીને પેટમાં દુખાવો ઉપડયો અને એ જ લંપટ ડોક્ટરની હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન કરાવું પડયું. મમ્મીની સાથે રહેનાર કોઈ ન હોવાથી, ભાભી ઘરે કામ કરે, તેથી હું મમ્મી સાથે રહેવા લાગી. ફરી ડોક્ટર મોકાની રાહ જોવા લાગ્યો. ઓપરેશન પછી પણ મમ્મી જલ્દી સાજી થતી ન હતી તેથી પપ્પા ટેન્શનમાં હતા. મમ્મી- પપ્પાને કહેવાનું મને ઠીક ન લાગ્યું. ડરી ડરીને મેં દવાખાનામાં અને સ્કૂલે આવવાજવામાં દશ દિવસ કાઢયા. મમ્મીને ઘરે લાવવાનો સમય આવ્યો.ડોક્ટરે દવા લખવાના બ્હાને મને અંદર બોલાવી. મેં કમ્પાઉન્ડરને ઈશારો કર્યો. એ મારી સાથે અંદર આવ્યો પરંતુ તેને અંદર ન આવવા દેવાનું પણ ડોક્ટરના હાથમાં હતું. મને ખૂબ પ્રેમથી ડોક્ટર સમજાવવા લાગ્યો. ન શોભે એવા અડપલા શરૂ કર્યા. હું ગુસ્સે થઈ ગઈ. મારો હાથ પકડી કહેવા લાગ્યોઃ ”હું તને આજથી દવાખાનામાં સારા પગારથી નોકરી આપીશ.” મેં હાથ છોડાવી એક લાફો ઝીંકી દીધો. મેં બુમાબુમ કરતાં એ ગભરાઈ ગયો. તમાશો થશે એ બીકે માત્ર એટલું બોલ્યો, ” આનું પરિણામ સારું નહીં આવે.” મેં કહ્યું ”હું તને ખુલ્લો પાડી દઈશ. બજારમાં તારા આવા કરતૂતના પોસ્ટર લગાવી દઈશ. તારી પ્રેક્ટિસ ધૂળમાં મળી જશે.” તેણે મને લાલ આંખ કરી કહ્યું: ”એ પહેલાં હું તને પીંખી નાંખીશ તને ક્યાંયની નહીં રહેવા દઉં.” હું સાંભળ્યું ન સાંભળ્યું કરી સડસડાટ ચાલી ગઈ.

મમ્મીને લઈ અમે ઘરે આવી ગયા. મમ્મી બીમાર હોવાથી તેને આ વાતની જાણ કરવાનું ઠીક ન લાગ્યું. એકલી પહોંચી વળીશ એવી મનમાં ગાંઠ વાળી. છતાં ખૂબ ડરી ગઈ હતી. રાત્રે ઊંઘ આવતી ન હતી. અભ્યાસમાં મન લાગતું ન હતું. એ નાલાયકને ખુલ્લો પાડી દેવા મન કહી રહ્યું હતું. જો એમ કરીશ તો ઘણી બધી બેન-દીકરીની આબરૂ બચશે. પોલીસ ફરિયાદ કરવામાં સંકોચ થતો હતો. વિચારમાંને વિચારમાં આઠ દિવસ નીકળી ગયા. નવમા દિવસે સમાચાર મળ્યા કે એ જ ડોક્ટર પોતાની પત્ની અને બાળકોને રઝળતા મૂકીને પોતાની હોસ્પિટલમાં કામ કરતી તેની જ નર્સ સાથે ભાગી ગયો. અને બે મહિના પછી જાણવા મળ્યું કે બંને અમેરિકા ચાલ્યા ગયાં છે.

મારે એની સાથે બદલો લેવો હતો. એણે મારી લાગણીઓ પર ઘા કર્યો હતો. બે મહિના સુધી હું અંદરથી બળતી રહી. સમસમીને બેસી રહી. એણે મને પીંખી નાંખવાની વાત કરી હતી. એ એમ કરે તે પહેલાં હું તેને સમાજમાં ઉઘાડો પાડી દેવા માગતી હતી. મારા મનમાં પ્રજ્વેલીએ આગના કારણે ભણવામાં મારું ચિત્ત ચોંટયું નહીં. એ તો મને વિચલીત કરીને જતો રહ્યો. મારા દિલોદિમાગમાં એક ઝંઝાવાત પેદા કરીને જતો રહ્યો અને હું અત્યંત સંવેદનશીલ હોવાના કારણે આઘાતમાં સરી પડી અને આગળ ભણી ના શકી. એ બે મહિના મારામાં વેરની આગનો ભડકો બળતો રહ્યો. અભ્યાસમાં મન ન લાગ્યું. હવે મને ન ભણવાનો ખૂબ પસ્તાવો થાય છે. હું એનું કશું જ બગાડી ન શકી અને કારકિર્દી વેર-વિખેર થઈ ગઈ. હવે કારકિર્દી બનાવવાના દિવસો હાથમાંથી જતા રહ્યા છે. મનમાં ગુસ્સો હોવા છતાં મન વાળી લઉં છું કે સમાજમાંથી એક કાળમીંઢ પથ્થર હટી ગયો.

આ એક ઉદાહરણથી બધા ડોક્ટરોને દોષ દેવો યોગ્ય નથી. દરેક પુરુષમાં શંકા કરવી એ પણ બરાબર નથી. વાત નાની છે પરંતુ મેં ઘણું બધું ખોઈ નાખ્યું છે. ભણવા સિવાય મારામાં ખૂબ ટેલેન્ટ છે. હું હાલ સુરતમાં જ રહું છું. છતાં ઘણી પ્રવૃત્તિઓમાં રસ લઉં છું. કવિતાઓ પણ લખું છું. જાતે નાટકોે બનાવી અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કરું છું.   હું આવા જ એક વિશાળ કુટુંબનો હિસ્સો છું. ઘરકામ સિવાય અન્ય પ્રવૃત્તિઓેમાં ભાગ લેવા સામે પરિવારનો સખત વિરોધ છે. એક માત્ર મારા પતિનો સપોર્ટ છે. એ પણ સંયુક્ત કુટુંબમાં રહીને મજબુર છે. મા-બાપની મર્યાદા તોડી અલગ થવું ઠીક નથી લાગતું. આર્થિક રીતે સદ્ધર છીએ. પરંતુ માનસિક અને શારીરિક રીતે દુઃખી છીએ. હું હીઝરાયેલી છું. કૌમાર્યવસ્થામાં છેડછાડનો ભોગ બનેલી છું.   એક આધેડ દ્વારા અપમાનિત થયેલી છું. આ સંજોગોની વચ્ચે હું મારા લેખન અને વાંચનના શોખને આગળ લઈ જઈ શક્તી નથી. આટલા વર્ષો મેં બાળકોના ઉછેર અને અભ્યાસ પાછળ ખર્ચી નાખ્યા. મારા બાળકો ખૂબ હોશિયાર છે. બાળકો અને મારા પતિ   તેમજ તેમના મિત્રો મને નવું લખવા માટે પ્રેરે છે. પરંતુ સમયના અભાવે કંઈ જ થતું નથી. કામના બોજના કારણે શરીર પણ સાથ નહીં આપતું. મારી ઉંમર ૪૫ વર્ષ છે. દશમાં સુધી ભણી છું. આ લખવા પાછળનો ખાસ હેતુ માત્ર મારા મનને સંતોષ થાય કે એક અખબારને મારી મનોવ્યથા જણાવું છું.

”પાંખો આવી, ફફડાવી

ઊડવું હતું ગગનમાં
ત્યાં જ પાંખો વીંધાઈ

ઘવાઈ, મૂરઝાઈ,

પડી રહી હું જળની પ્યાસી
કોઈ સવારે ઘાવ આવી
ત્યાં તો વાગી
અંત સમયની શહનાઈ.”

– અને શ્રદ્ધા તેણે જ લખેલી કાવ્યપંક્તિઓ દ્વારા તેની વાત પુરી કરે છે.

– દેવેન્દ્ર પટેલ

સ્કૂલનો શાંત વિદ્યાર્થી વિશ્વનો ખતરનાક ટેરરિસ્ટ કેમ બન્યો

આતંકવાદનો એક ડરામણો ચહેરો દુનિયાને ધ્રુજાવી રહ્યો છે, અને તેનું નામ છેઃ ”જેહાદી જ્હોન”

સૌથી પહેલાં ગયા ઓગસ્ટમાં અમેરિકન પત્રકાર જેમ્સ કોલીને બંધક બનાવી તેનું માથું કાપતો વીડિયો જારી કર્યો. તે પછી બીજા અમેરિકન પત્રકાર સ્ટીવન જે. સોટલોફ, અને બ્રિટિશ એઈડ વર્કર ડેવીડ કોથોન તથા બ્રિટિશ ટેક્સી ડ્રાઈવર એલન હેનિંગના ગળા કાપતો વીડિયો જારી કરી પશ્ચિમના દેશોને ડરાવી દીધા. ગયા મહિને તેણે બે જાપાનીઓેના ગળા કાપી નાખ્યા. તે પછી બીજા ૩૦ જણાના ગળા કાપી નાંખ્યા. એ સિલસિલો હજુ જારી જ છે.

અત્યાર સુધી પેદા થયેલા આતંકવાદીઓમાં બંધકોના માથાં કાપી તેની વીડિયોને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેનાર આઈએસના આ ખતરનાક આતંકવાદી જેહાદી જ્હોને યુરોપ- અમેરિકા સહિત સમગ્ર વિશ્વને સહુથી વધુ ભયભીત કરી દીધું છે. જેહાદી જ્હોન તેના ચહેરા ઉપર કાળો નકાબપોશ પહેરી રાખે છે. શરીર પર કાળાં વસ્ત્રો પહેરે છે. તેના હાથમાં ધારદાર ચાકુ અને ડોક સહેજ નમેલી હોય છે. પશ્ચિમી હાવભાવ અને ઉચ્ચારણોના કારણે તે જેહાદ્દી જહોન તરીકે ઓળખાય છે. તેનું સાચું નામ મોહમ્મદ એમવાઝી છે.

મોહમ્મદ એમવાઝી હાલ ૨૬ વર્ષની વયનો છે. તેનો જન્મ કુવૈતમાં થયો હતો. તેના પિતા જાસેન (૫૧) અને માતા ધાનેવા (૪૭) ૧૯૯૩માં લંડન આવ્યા હતા. પહેલાં ગલ્ફ વોર બાદ તેમણે કુવૈત છોડી દીધું હતું. એ વખતે મોહમ્મદ એમવાઝી માત્ર છ વર્ષની વયનો હતો. એમવાઝી એક અસામાન્ય નામ છે. યુ.કે. માં આ એક જ આવું નામ છે. મોહમ્મહ એમવાઝીનો ઉછેર પશ્ચિમ લંડન પાસે આવેલા ક્વીન્સ પાર્ક વિસ્તારમાં થયો હતો. તેણે યુનિર્વિસટી ઓફ વેસ્ટ મિન્સ્ટર દ્વારા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રી લીધેલી છે. તેના પિતા જાસેન ટેક્સીઓ ચલાવવાની કંપની ધરાવે છે જ્યારે માતા બાળકોનો ઉછેર કરવામાં વ્યસ્ત રહેતી હતી. બધા મળીને તેને છ સંતાનો છે.

૧૯૯૬-૯૭ સુધી મોહમ્મદ એમવાઝીનું પરિવાર ત્રણ બેડરૂમના ફલેટમાં રહેતું હતું. ત્યારપછી તેઓ ડેસબરો ક્લોઝ વિસ્તારના એક મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતા. એ નાનકડા ઘરમાં તેઓ ચાર વર્ષ રહ્યા પરંતુ તેમને પડોશીઓ પણ બરાબર જાણતા નહોતા. તે પછી તેઓ સ્થાનિક સ્કૂલમાં ભણવા ગયા હતા. મોહમ્મદ એમવાઝીની બહેન આસરાને સ્કૂલમાં ૨૦૦ પાઉન્ડનું ઈનામ પણ મળ્યું હતું. મોહમ્મદ એમવાઝી જ્યારે નાનો હતો ત્યારે એક શરમાળ છોકરો હતો. નમ્ર અને વિવેકી પણ હતો. તેને ફૂટબોલની રમત ગમતી હતી. તે બધાની સાથે મૈત્રી કેળવવા કોશિશ કરતો હતો. સ્કૂલમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ, પાકિસ્તાની વિદ્યાર્થીઓ અને વિવિધ ધર્મોના વિદ્યાર્થીઓ સાથે પણ ભળતો હતો અને એ વખતે કોઈ ર્ધાિમક કટ્ટરતા તેનામાં દેખાતી નહોતી. એક શાંત અને ડાહ્યા વિદ્યાર્થી તરીકે તેનામાં જે ગુણ હોવા જોઈએ એ બધા જ તેનામાં હતા.

ક્વીન ટીન કિન્સ્ટન સ્કૂલમાં તેની સાથે ભણનાર એક પૂર્વ વિદ્યાર્થીએ પોતાનું નામ ના આપવાની શરતે કહ્યું: ” આ છોકરો અનેક લોકોના માથા વાઢી નાંખતો હશે તે જાણીને હું ધ્રુજી ઊઠું છું. એ અમારી સાથે ભણતાો હતો ત્યારે તો તે આવો ખતરનાક આતંકવાદી બની જશે એવી કોઈ કલ્પના પણ નહોતી. હા, મને એટલી ખબર છે કે તે   અવારનવાર નજીકની એક મસ્જિદમાં જતો હતો અને નમાઝ પઢતો હતો. પરંતુ એવું તો બીજા બાળકો પણ કરતાં હતા. એ સ્કૂલમાં હતો ત્યારે એનામાં હિંસકવૃત્તિ દેખાતી ન હોતી.તે શાંત અને શરમાળ વિદ્યાર્થી હતો.”

મોહમ્મદ એમવાઝી એ સ્કૂલમાં ભણતો હતો તે દરમિયાન જ એમવાની પરિવારે ફરી એકવાર ઘર બદલ્યું હવે એ પરિવાર લોર્ડઝ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકના એક આધુનિક એપાર્ટમેન્ટમાં રહેવા ગયું. અહીં રહેતા તેમના પડોશીઓ કહે છેઃ ”એમવાઝી  પરિવાર અન્ય પરિવારો સાથે બહુ ભળતું નહોતું. એ લોકો ભાગ્યે જ કોઈની સાથે વાત કરતા.

એ પછી ફરી એક વાર એમવાઝી પરિવારે ઘર બદલ્યું હવે તેઓ એડર્વાિડયન મેેન્શન બ્લોક કે જે બ્લુમફીલ્ડ હાઉસ તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં રહેવા ચાલ્યા ગયા. આ વિસ્તારના રહીશો એ જાણીને સ્તબ્ધ થઈ ગયા છે કે અનેક લોકોના ગળા કાપનાર જેહાદી જ્હોન ૨૦૦૮ સુધી તેમનો પડોશી હતો.

૨૦૦૬માં મોહમ્મદ એમવાઝીએ ‘એ’ લેવલ પ્રાપ્ત કરીને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કોર્સ માટે યુનિર્વિસટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પ્રવેશ મેળવ્યો. એ વખતે આ યુનિર્વિસટીના ધ્યાન પર એ વાત આવી કે વિદ્યાર્થી યુનિયન અને કેટલાક કટ્ટરવાદીઓ વચ્ચે સાંઠગાંઠ છે. દા.ત. ૨૦૧૧માં યુનિર્વિસટીનો એક વિદ્યાર્થી કે જે ”હિઝબ ઉર- તહેરીર” નામના ઉદ્દામવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો તે યુનિર્વિસટી ઓફ વેસ્ટમિન્સ્ટરના વિદ્યાર્થી યુનિયનના પ્રમુખ તરીકે ચૂંટાયો. બ્રિટનની ગુપ્તચર એજન્સીઓ એ વાતની તપાસ કરી રહી છે કે, શાયદ આ કોલેજ કાળમાં જ મોહમ્મદ એમવાઝી કેટલાક કટ્ટરવાદી તત્ત્વોના સંપર્કમાં આવ્યો હોવો જોઈએ.

યુનિર્વિસટીના પ્રવક્તાએ હવે એવો ખુલાસો કર્યો છે કે મોહમ્મદ એમવાઝી છ વર્ષ પહેલાં યુનિર્વિસટી છોડી ગયો છે અને હવે અમારી જ કોલેજનો વિદ્યાર્થી જેહાદ્દી જ્હોન હોય તો તે આઘાતજનક વાત છે. અમને આ જાણીને દુઃખ થયું છે. અમારી લાગણી જેહાદી જ્હોનના ભોગ બનેલા તમામ લોકો સાથે છે.”

”ધી વોશિંગ્ટન પોસ્ટ” અખબારના જણાવ્યા અનુસાર મોહમ્મદ એમવાઝી ગ્રીનવીટ ખાતે આવેલી એક મસ્જિદમાં અવારનવાર જ જતો હતો. અલબત્ત, એ વિસ્તારના લોકોને મોહમ્મદ એમવાઝી વિશે કશું યાદ નથી. ૨૦ વર્ષની વય પછી તે ગ્રેજ્યુએટ થયો અને કોલેજમાં જે મિત્રો તેને જાણતા હતા તેઓ કહે છેઃ મોહમ્મદ એમવાઝી એક નમ્ર યુવાન હતો. તેને પાશ્ચાત વસ્ત્રો પહેરવાનો શોખ હતો. અલબત્ત, એ પછી તેની ઈસ્લામમાં આસ્થા વધતી ગઈ હતી. તેણે દાઢી વધારવાની શરૂઆત કરી હતી. તે પછી કોઈ પણ સ્ત્રી સાથે ખૂબ વિચારીને આંખ મીલાવતો હતો. પાછળથી તે બદલાતો હોય એમ લાગતું હતું.”

એ પછી તે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે બે મિત્રો સાથે તાન્ઝાનિયા ગયો હતો. જેમાં એક જર્મન વિદ્યાર્થી હતો. તેણે ધર્મ પરિવર્તન કરી પોતાનું નામ ઓમર રાખ્યું હતું. બીજા વિદ્યાર્થીનંુ નામ અબુ તાલિબ હતું.

આવો એક સામાન્ય સ્કૂલનો સામાન્ય વિદ્યાર્થી વિશ્વનો સૌથી વધુ ટેરરિસ્ટ બની જશે તેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય, તેના માતા-પિતાએ પણ નહીં.

સ્કૂલ અને કોલેજમાં બાળક શું ભણે છે તેની સાથે તેના મિત્રો કોણ છે ? તે ક્યાં જાય છે, તે કોની અસર નીચે છે તે જાણવાની કોશિશ દરેક માતા-પિતાએ કરવી જોઈએ.

મોહમ્મદ એમવાઝી લંડનથી ક્યારે સિરિયા ભાગી ગયો ક્યારે ખતરનાક આતંકવાદી બની ગયો અને જે પાશ્ચાત સંસ્કૃતિમાં તે ભણ્યો હતો તે જ સંસ્કૃતિના લોકોના માથા વાઢનાર કેમ બની ગયો તે એક સામાજિક, રાજકીય તથા મનોવૈજ્ઞાાનિક કોયડો છે.

– દેવેન્દ્ર પટેલ

બળાત્કાર કર્યા પછી પણ હેવાનનું ક્રૂર અટ્ટહાસ્ય !

બીબીસી-ચેનલ-૪ના મહિલા પત્રકાર લેસ્લી ઉડવીને દિલ્હીની તિહાડ જેલમાં જઈને નિર્ભયા પર બળાત્કાર કરનાર એક આરોપી બસ ડ્રાઈવર મુકેશ સિંહની મુલાકાત લઈ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી,જેનું શીર્ષક છે : ‘ઇન્ડિયાઝ ડોટર.’ એ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવતાં પહેલાં મહિલા પત્રકારે તમામ જરૂરી મંજૂરીઓ લીધી હતી. આ ડોક્યુમેન્ટરીમાં આરોપી મુકેશ સિંહે જે વિધાનો કર્યાં છે તેના કારણે દેશભરમાં બબાલ મચી ગઈ છે. કેન્દ્ર સરકારે એ ડોક્યુમેન્ટરી ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી દીધો છે. ફિલ્મ બનાવનાર સામે કાનૂની કાર્યવાહી પણ હાથ ધરી છે. એ બધાની પરવા કર્યા વિના બીબીસી ચેનલ-ફોરે એ ફિલ્મ ટેલિવિઝન પર પ્રસારિત કરી દીધી. આ ફિલ્મના પ્રસારણની વિરોધમાં અને તરફેણમાં એમ બંને બાજુનાં મંતવ્યો આવી રહ્યાં છે.

મુકેશે શું કહ્યું?

બીબીસીની મહિલા પત્રકાર સાથેના ઈન્ટરવ્યૂમાં આરોપી મુકેશ સિંહે કહ્યું હતું કે, “રાતના સમયે ઘરેથી બહાર નીકળતી મહિલાઓ પર અગર છેડતી કરવાવાળા પુરુષોનું ધ્યાન જાય છે તો તેના માટે માત્ર અને માત્ર મહિલાઓ જ જવાબદાર છે. બળાત્કાર માટે એક પુરુષ કરતાં છોકરી જ વધુ જવાબદાર છે. નિર્ભયા પર બળાત્કાર થઈ રહ્યો હતો ત્યારે જો એ છોકરી અને તેના મિત્રએ સામનો કર્યો ના હોત તો બળાત્કાર કરવાવાળાઓએ તેની બેરહમીથી પીટાઈ કરી ન હોત અને તેનું મૃત્યુ નીપજ્યું ના હોત. જ્યારે તેની પર બળાત્કાર થઈ રહ્યો હતો ત્યારે તેણે તેનો વિરોધ કરવાની જરૂર નહોતી. એ વખતે એણે મૌન રહેવાની જરૂર હતી અને બળાત્કાર થવા દેવો જોઈતો હતો. એમ થયું હોત તો તે પછી એ છોકરીને આગળ ક્યાંક બસમાંથી ઉતારી દીધી હોત અને મોતમાંથી બચી ગઈ હોત.”

ક્રૂર અટ્ટહાસ્ય

એક હેવાનનું આ વિધાન હેવાનિયત પછીના ક્રૂર અટ્ટહાસ્ય જેવું લાગે છે. મુકેશ સિંહના બીબીસી પરના આ બયાન બાદ પીડિતાની માતાએ કહ્યું છે કે, “મારી પુત્રીના ગુનેગાર મુકેશનું આ બયાન બેહદ શરમજનક અને કાનૂનની મજાક ઉડાવનારું છે.આ તો કાયદામાં રહેલી નબળાઈનું પરિણામ છે કે જે ગુનેગાર જેલમાં બંધ છે તે માણસ જેલમાં રહીને પણ પોતાની અધમ હરકતને વાજબી ઠેરવવા કોશિશ કરે છે. અમારી દીકરી પર બળાત્કાર કરનાર આરોપીઓને કરવામાં આવેલી સજાનો તરત જ અમલ થયો હોત તો મુકેશ આવી વાત કરવાની હિંમત કરી શક્યો ના હોત.”

આ ફિલ્મ અંગે બળાત્કારનો ભોગ બન્યા પછી મૃત્યુ પામનાર નિર્ભયાના પિતાએ કહ્યું છે : “દરેકે આ ફિલ્મ જોવી જોઈએ જેથી બધાને એ વાતની ખબર પડે કે, એક માણસ જેલમાં હોવા છતાં આવું બોલી શકે છે, તે બહાર હોય તો શું બોલત ?”

હેવાનો થંભ્યા નથી

એ વાત ફરી સમજી લેવાની જરૂર છે કે, દિલ્હીમાં એ રાત્રે નિર્ભયા જે બહાદુરીથી બળાત્કારીઓનો મુકાબલો કરતી રહી, મોતની આગોશમાં જતાં પહેલાં જે રીતે તે જીવન માટે સંઘર્ષ કરતી રહી, મોત પછી સમગ્ર દેશમાં નિર્ભયાના મામલે જે રીતે પ્રતિરોધ વધતો ગયો, એ જ રીતે બળાત્કારીની પણ હેવાનિયત વધતી રહી છે. નિર્ભયા સાથેના હિંસક વ્યવહારની વાતો સાંભળીને લોકોના આત્મા કાંપી ઊઠયા, પણ હેવાનો આજ સુધી થંભ્યા નહીં. સમાજમાં આવી પ્રવૃત્તિ એટલી હદે વધી રહી છે કે, હવે તેમને ના તો કાનૂનનો ડર છે કે ના તો સમાજનો. નિર્ભયા પરના બળાત્કાર બાદ કાનૂનમાં સખ્તી લાવ્યા છતાં દેશમાં બળાત્કારની ઘટનાઓ વધતી રહી છે. વળી આવા દુષ્કૃત્યો કરનારાઓમાં દરેક વર્ગના લોકોના નામ સામે આવી રહ્યાં છે. આશ્ચર્યની વાત એ છે કે,નિર્ભયા પરના બળાત્કારના આરોપી મુકેશે બીબીસી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું છે કે, “બળાત્કાર કરનારને મોતની સજાના કારણે છોકરીઓ પર જોખમ વધી જશે. હવે કોઈ બળાત્કાર કરશે તો બળાત્કાર કરનાર પુરુષ તે છોકરીને જીવતી છોડશે નહીં, જે અમે કર્યું હતું.”

આરોપી મુકેશની આ વાતો સાંભળ્યા પછી તો એમ લાગે છે કે, મુકેશને પોતે કરેલ કૃત્યનો કોઈ પસ્તાવો નથી. મુકેશના વિધાનો પરથી એ સમજાય છે કે, આપણી કાનૂની વ્યવસ્થા, તેનો અમલ અને ન્યાય પ્રણાલીમાં ક્યાંક કમજોરી છે. આવા હવસખોર દરિંદાઓને કાનૂનનો પણ ભય નથી. કાનૂન માત્ર કાગળ પર જ હોય તેવું તેનું વિધાન છે. અપરાધીને ત્વરિત ગતિએ સજા કરવામાં અને તમામ પ્રક્રિયાઓ ઝડપથી પાર પાડવામાં આપણી વ્યવસ્થા અસફળ રહી છે. એક વાર બળાત્કારીને ઝડપથી સજા મળે તો બીજાઓ પણ તેમાંથી સબક લે, પણ ગમે તે કારણે તેમ થયું નથી. ભારતમાં ન્યાય પ્રણાલી મજબૂત અને ગૌરવપૂર્ણ છે પણ ન્યાયપ્રક્રિયા ધીમી છે.

બીબીસીની ફિલ્મ

નિર્ભયા પર બળાત્કારના આરોપી મુકેશનો ઇન્ટરવ્યૂ કરનાર બીબીસીની ફિલ્મ જેમણે જોઈ છે તે બધા એક વાત સાથે તો સંમત છે કે ફિલ્મમાં અસલ ઇન્ટરવ્યૂ જેમને તેમ દર્શાવવામાં આવ્યો છે. અલબત્ત, ફિલ્મ અંગે પણ મતમતાંતર છે. કોંગ્રેસ પાર્ટીના સાંસદ રંજીતા રંજને કહ્યું છે કે, “હર હાલમાં આ ઇન્ટરવ્યૂનું પ્રસારણ અટકાવવું જોઈએ. બીબીસીએ એક અપરાધીનો ઇન્ટરવ્યૂ લીધો તે દુઃખદ છે અને આરોપીની વાત એણે એ રીતે રજૂ કરી છે કે જેથી આવી હેવાનિયત કરનારાઓને પ્રોત્સાહન મળશે.

સત્ય સામે આંખો બંધ કેમ ?

આ વિધાનની સામે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ ટી. એ. સીમાએ કહ્યું છે કે, “હા, સચ્ચાઈ એ છે કે, એ અપરાધીએ ઈન્ટરવ્યૂમાં જે કહ્યું છે તે ભારતના કેટલાયે પુરુષોની માનસિકતા છતી કરે છે. આપણે સત્યથી આંખો કેમ બંધ કરી દઈએ છીએ?”

રાજ્યસભાના સાંસદ જાવેદ અખ્તરે કહ્યું છે કે, “એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પર પ્રતિબંધ લાવવાથી શું થશે ? કારણ કે મહિલાઓની બાબતમાં પુરુષોની માનસિકતા આવી જ છે. આ માનસિકતા બદલવાની જરૂર છે. સારી વાત એ છે કે, આ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી, જેના કારણે આપણી આસપાસના એવા કેટલાય લોકોને એ વાતની તો ખબર પડી જ હશે કે તેઓ પણ બળાત્કારીઓ જેવી જ વિચારધારા ધરાવે છે !”

સુપ્રસિદ્ધ બ્રિટિશ લેખક જેફ્રી આર્ચર આજકાલ ભારતમાં છે. તેમણે કહ્યું છે કે, “લોકતાંત્રિક દેશમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ પરનો પ્રતિબંધ યોગ્ય નથી. હવે ઘણું બધું બદલાઈ ચૂક્યું છે.”

(ચિત્ર પ્રતીકાત્મક છે)

બીબીસી-ફોરની ડોક્યુમેન્ટરી ફિલ્મે દેશના પુરુષોની માનસિકતા છતી કરી કે બીજું કંઈ ?

ધર્મયુદ્ધ નહીં, પરંતુ ધર્મના નામે યુદ્ધ વિનાશ નોંતરશે

એકવાર હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ પાસે એક મહિલા પોતાના બાળકને લઈને ગઈ. મહિલાએ કહ્યું : “મારા દીકરાને ગોળ ખાવાની ટેવ પડી ગઈ છે. તે સતત બીમાર રહે છે. હકીમનું કહેવું છે કે, ગળપણ જ તેની બીમારીનું કારણ છે. એને ગોળ ખાવાનું બંધ કરાવી દો. હું એને આપની પાસે લઈને આવી છું. આપ જ એનો કોઈ ઉપાય કરો.”

હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ થોડીક ક્ષણો માટે વિચારમાં પડી ગયા. થોડી વાર પછી બોલ્યા : “એક કામ કરો, બહેન ! એક અઠવાડિયા પછી આવજો.”

મહિલા પોતાના બાળકને લઈ પાછી ઘરે જતી રહી. તેનો પુત્ર સતત બીમાર રહેતો હતો તેથી તે ભારે ચિંતામાં રહેતી. એક અઠવાડિયા પછી તે મહિલા ફરી તેના દીકરાને લઈને હઝરત મોહંમદ પયગંબર સાહેબ પાસે ગઈ. હઝરત મોહંમદ પયગંબર સાહેબે એ બાળકના માથા પર હાથ મૂકતાં કહ્યું : “બેટા ! આજથી તું ગોળ ખાવાનું બંધ કરી દેજે. તું સાજો થઈ જઈશ.”

તે પછી એમણે મહિલાને કહ્યું : “બહેન ! તમે એને ઘરે લઈ જાવ. તમારો પુત્ર ઠીક થઈ જશે.”

મહિલા વિચારમાં પડી ગઈ. એણે હઝરત મોહંમદ પયગંબર સાહેબને પૂછયું : “આટલી જ વાત હતી તો એક અઠવાડિયા સુધી મને રાહ કેમ જોવડાવી ?”

હઝરત મોહંમદ પયગંબર સાહેબે કહ્યું : “સાચી વાત એ છે કે, મને જ ગોળ ખાવાની ટેવ હતી. પહેલાં હું ગોળ ખાવાની ટેવ છોડી ના દઉં ત્યાં સુધી બીજાને કેવી રીતે કહી શકું. આદત છોડવી મુશ્કેલ છે. મેં એ મુશ્કેલીનો અનુભવ કર્યો. મેં ગોળ ખાવાની આદત એ જ દિવસથી છોડી દીધી જે દિવસે તમે તમારા પુત્રને લઈને આવ્યાં હતાં. હવે હું તેને કહી શકું તે પરિસ્થિતિમાં આવતાં તેને સલાહ અને આશીર્વાદ આપ્યા છે.”

મહિલા રાજી થઈને પોતાના સંતાન સાથે ઘરે ગઈ.
આજના ઉપદેશકો

આ બોધકથા અહીં એટલા માટે પ્રસ્તુત કરાઈ છે કે, આખા દેશમાં ઠેરઠેર ઉપદેશક કેટલાક સાધુ-સંતો, કેટલાક કટ્ટરપંથીઓ, બાવા,બાપુઓ અને કથાકારોની એક ભીડ લાગી ગઈ છે, પરંતુ તેમના ઉપદેશની કોઈ જ અસર સમાજ પર થતી નથી. ગલી ગલીમાં,નગર નગરમાં ઉપદેશકો છે, પણ બીજાને ઉપદેશ આપનારાઓનું સ્વયં જીવન સદાચારથી ભરેલું નથી. ઉપદેશકો જે સિદ્ધાંતોનો મહિમા ભાવપૂર્વક કહે છે તે સિદ્ધાંતોની સુગંધ તેમના જ જીવનમાંથી ગાયબ છે.   કેટલાક સાધુ-સાધ્વીઓ તથા ભગવાં વસ્ત્રધારી નેતાઓ હિંદુ સ્ત્રીઓને ચાર ચાર બાળકો પેદા કરવાની સલાહ આપે છે. સ્ત્રીઓને તેઓ બાળકો પેદા કરવાની ફેક્ટરી સમજે છે. શું ભારતની વસતી ૫૦૦ કરોડ સુધી લઈ જવી છે ? તેમના માટે અન્ન-પાણી લાવશે કોણ ? બાળકો કેટલાં પેદા કરવા તે જે તે સ્ત્રીની ઇચ્છાની વાત અને સ્ત્રીનો અધિકાર છે. જેમણે પોતે જ સંસાર છોડીને સંન્યાસ લેવાનું પસંદ કર્યું છે તેઓ સંસારીઓને સાંસારિક ઉપદેશ આપે છે.

કેવું વિચિત્ર ?
કથાકારોની ભીડ

તે પછી હવે કથાકારોની વાત. ભગવાનની કથા કરનારા કેટલાક કથાકારો ધનવાનોના કથાકારો હોય તેવા લાગે છે. ૫૦ લાખથી ઓછી રકમ હોય તો તેમની કથાઓનું આયોજન શક્ય નથી. ભગવાન શ્રી વેદવ્યાસના પુત્ર શુકદેવજી વનમાં એક સાદા આસન પર બેસી કથા કરતા હતા અને રાજા પરીક્ષિત તથા બીજા ઋષિમુનિઓ તેમની સામે નીચે બેસી કથા સાંભળતા હતા. કેટલાક કથાકારો સ્ટેજ પર નાચતા જોવા મળે છે, સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હોય તે રીતે માથે મુગુટ પહેરી સ્ટેજ પર ભાતભાતનાં નખરાં કરતાં જોવા મળે છે યા સ્ત્રીઓ પર ફૂલો ફેંકતા જોવા મળે છે. પસંદ પડેલી સ્ત્રીને રાત્રે પોતાની કુટિયામાં સેવા કરવા બોલાવતા નજરે પડે છે. સગીરાઓનું શિયળ લૂંટી ધન્યતા બક્ષતા હોવાનો દાવો કરતાં નજરે પડે છે. અબજોના આશ્રમો ઊભા કરતાં જોવા મળે છે. છેવટે જેલમાં પહોંચી ગયેલા જોવા મળે છે. કેટલાક સંતો પોલીસ સામે યુદ્ધ કરવા પ્રાઈવેટ કમાન્ડો રાખતા જોવા મળે છે. આશ્રમોના ભવ્ય મહેલો બાંધતા જોવા મળે છે. આશ્રમમાંથી લાઠીઓ અને બંદૂકો રાખતાં જોવા મળે છે.

જો આવા જ ઉપદેશકો હોય તો સમાજ પર તેની અસર ક્યાંથી થાય ?
૨૦૦૦ કરોડના બાબા

કેટલાક બાબાઓ તો માત્ર સાધુના ભગવાં વસ્ત્રો જ પહેરે છે, પરંતુ ભીતરથી રાજકારણીઓ છે. જે વ્યક્તિ સંસારની તમામ ભૌતિક ચીજવસ્તુઓનો ત્યાગ કરે તે સાધુ, પરંતુ સ્કોટલેન્ડમાં અબજોનો ટાપુ ધરાવે તેને ત્યાગી સાધુ કેવી રીતે કહી શકાય ? એ બાબાની કંપનીઓ પાસે ૨૦૦૦ કરોડની સંપત્તિ છે. ટેલિવિઝન ચેનલનો માલિક હોય તેને સાધુ કહેવો કે કોર્પોરેટ કંપનીનો માલિક? ચૂંટણી પહેલાં ‘કાલા ધન’ લાવવાનાં પ્રવચનો કરતો અને ચૂંટણી પછી મૌન થઈ જનાર સાધુને સાધુ કહેવો કે રાજકારણી ? સરકારી જમીનો પચાવી પાડનારને સાધુ કહેવો કે માફિયા ? આ વાત માત્ર કેટલાક હિંદુ સંતોને લાગુ પડે છે તેવું નથી. ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના કેટલાક ઉપદેશકોને પણ લાગુ પડે છે. વિદેશમાંથી અબજોનું ધન લાવી, લોકોને લલચાવી, પૈસા આપી જેઓ ધર્માંતરણ કરાવે છે તેઓ પણ સાધુ ઓછા અને ચળવળિયા-એક્ટિવિસ્ટ વધુ છે.

કટ્ટરપંથીઓ

એવું જ કટ્ટરપંથીઓનું છે. સિરિયામાં કાર્યરત આઈએસના આતંકવાદી સંગઠને યેઝદી ધર્મની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવાની બાબતને યોગ્ય ઠેરવી લોકોને ગુમરાહ કર્યા છે. એ લોકો ખ્રિસ્તીઓના ગળા કાપી નાખે છે. એમના સંગઠનમાં જોડાયેલી મહિલાઓને અને આતંકવાદીઓની શૈયા સંગિની બનાવવા ફરજ પાડે છે અને આ બધું જ ધર્મના નામે. તાલિબાનો પણ ધર્મના નામે દીકરીઓને સ્કૂલમાં ભણવા જવા પર પ્રતિબંધ મૂકે છે. કોઈ વિરોધ કરે તો મલાલા જેવી કન્યા પર ગોળીઓ ચલાવે છે અને તે પણ બધું જ ધર્મના નામે. જે આતંકવાદીઓ પોતાના જ ધર્મનાં નિર્દોષ બાળકોના માથામાં ગોળીઓ મારી બાળસંહાર આચરે છે તેઓ શયતાન છે, ધર્મગુરુઓ નહીં. ત્રાસવાદીઓને કોઈ ધર્મ હોતો નથી. ત્રાસવાદ એ આજના સમયની મનોવિકૃતિ છે. મોહંમદ પયગંબર સાહેબે કદીયે કોઈનું વેર લેવા કે બાળકોની હત્યા કરવાનું કહ્યું નથી. અન્ય ધર્મની સ્ત્રીને ભોગવવાનું અને તે શરણે ના આવે તો તે બધી સ્ત્રીઓની સામૂહિક હત્યા કરવાનું કોઈ ધર્મમાં કહેવામાં આવ્યું નથી.

ધર્મ અને જેહાદના નામે વિશ્વમાં જે પ્રવૃત્તિ ચાલી રહી છે તે ભયાનક પરિણામો લાવી શકે છે. લાગે છે કે, વિશ્વના કેટલાક ધર્મોના ધર્મગુરુઓ, બાવા, બાપુ, તાલિબાનો અને કટ્ટરપંથી આતંકવાદીઓ નિર્દોષ લોકોને ગુમરાહ કરી રહ્યા છે. વિશ્વ એક જ્વાળામુખી પર બેઠું છે અને રાજકારણીઓ વોટબેંક ખાતર તેમાં પેટ્રોલ છાંટવાનું કામ કરી રહ્યાં છે.

બધા જ ધર્મોના ઉપદેશકોનું સ્વયં જીવન તેમના ઉપદેશો અનુસાર જણાતું નથી

આઇએસ હવે ઐયાશ બને છે

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

આતંકવાદ હવે માત્ર આતંકવાદ રહ્યો નથી, બલકે તે વિકૃત સ્વરૂપ ધારણ કરતો જાય છે. જર્મન મનોવૈજ્ઞાાનિક ડો.સિગમંડ ફ્રોઈડે કહ્યું છે કે, “માનવીની બધી જ પ્રવૃત્તિઓનાં મૂળમાં સેક્સ છે.” ડો.ફ્રોઈડની આ થિયરી પર અનેક મીમાંસાઓ થયેલી છે. આમ છતાં તેઓ મનોવિજ્ઞાાનના પિતા ગણાય છે. ઈસ્લામિક સ્ટેટ અર્થાત્’આઈએસ’ના નામે સીરિયા અને ઈરાકમાં એ ખતરનાક સંગઠન દ્વારા જે કંઈ કૃત્યો આચરવામાં આવી રહ્યાં છે, તેણે ઓસામા બિન લાદેન,ઓમર મુલ્લા અને અલ ઝવાહિરીને પણ પાછળ પાડી દીધા છે. કાળો બુરખો ઓઢીને અન્ય ધર્મીઓનાં ગળાં કાપતાં આઈએસના આતંકવાદીઓ હવે સેક્સ મેનિયાક પણ બની રહ્યા છે. એ સંગઠનમાં જોડાઈ રહેલી મહિલાઓ સાથે જે વર્તન કરે છે તે કોઈ પણ સભ્ય સમાજને સ્વીકાર્ય નહીં હોય.

આઈએસ નામનું આ સંગઠન આખા વિશ્વમાં ભય ફેલાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર સ્ત્રીઓને જન્નતમાં લઈ જવાની લાલચો આપી સ્ત્રીઓને આઈએસમાં જોડાવા નિમંત્રણ આપે છે. આ કામ ઈંગ્લેન્ડ અને યુરોપના દેશોમાં રહેતા આઈએસના સમર્થક લોકો જ કરી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ પ્રકારની લાલચથી કેટલીક મુસ્લિમ યુવતીઓ ઈંગ્લેન્ડ છોડી સીરિયા કે ઈરાક ગઈ હતી. એક વાર ત્યાં ગયા પછી જે કડવા અનુભવોને લઈ તે પાછી ફરી તે દરેકની પાસે કહેવા માટે કોઈ ને કોઈ હોરર સ્ટોરી છે. આઈએસની જાળમાં ફસાયા બાદ છટકીને પાછી ફરેલી કેટલીક મહિલાઓ ગર્ભવતી હતી. આઈએસએ દુનિયાભરમાંથી મહિલાઓની ભરતી માટે અભિયાન ચલાવેલું છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર અપાયેલી લાલચોથી આર્કિષત થઈને બ્રિટનની ત્રણ યુવતીઓ તુર્કીના રસ્તે થઈ સીરિયા પહોંચી ગઈ હોવાના ખબર છે.

બ્રિટનની પોલીસના અહેવાલ મુજબ ૧૫ વર્ષની શમીમા બેગમ અને અમીરા અબેસ તેની ૧૬ વર્ષની સખી ખદીજા સુલતાનાની સાથે લંડનથી તુર્કી જવા નીકળી ગઈ છે. એમણે બહાર નીકળતાં પહેલાં તેમના પરિવારજનોને એમ કહ્યું હતું કે, તેઓ એક દિવસ માટે એક સખીના ઘરે રહેવા જઈ રહ્યાં છે, પરંતુ બીજા દિવસે તે પાછી ઘરે આવી જ નહીં. ઘરવાળાઓએ પોલીસને તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. બ્રિટિશ પોલીસને તપાસના આધારે માલૂમ પડયું કે આ ત્રણેય છોકરીઓ તુર્કીના માર્ગે સીરિયાની સીમામાં દાખલ થઈ આતંકવાદી સંગઠન- આઈએસમાં સામેલ થઈ ગઈ છે.

શમીમા બેગમના પરિવારે પોતાની દીકરીને અપીલ કરતાં જણાવ્યું છે કે, “બેટા, સીરિયા ખતરનાક જગ્યા છે. તું ત્યાં જાય તેવું અમે ઇચ્છતાં નથી. તું જલદી પાછી આવી જા. તું પાછી આવીશ તો તને કોઈ ેલડશે નહીં.”

બ્રિટનમાં રહેલી ટીનેજ કિશોરીઓ એકલવાયા જીવન અને અસમાનતાને કારણે આઈએસ પ્રત્યે આર્કિષત થઈ રહી છે. કેટલીક વખતે ખતરનાક આતંકવાદીઓ તેમને ‘હીરો’ જેવા ભાસે છે. તેમની સાથે રોમાન્સ કરવાની છૂપી લાગણીથી પણ તે કિશોરીઓ અબુધ અવસ્થામાં આઈએસ પ્રત્યે આકર્ષાઈ રહી છે. કેટલીક યુવતીઓને આસપાસના વાતાવરણમાં અસમાનતા જોઈ જેહાદી જૂથમાં સામેલ થઈ જવાની ઇચ્છા પ્રગટે છે. કેટલીક યુવતીઓને ‘થ્રિલ’ જોઈએ છે. સોશિયલ મીડિયા દ્વારા આતંકી સંગઠન તેમનો ઓનલાઈન સંપર્ક કરે છે. ફેસબુક પર તેઓ આતંકવાદીની ફેન બની જાય છે તે પછી આતંકવાદી તેની સાથે લગ્ન કરવાની ઓફર કરે છે. આવી ઓફર મળતાં જ કેટલીક નિર્દોષ છોકરીઓ રોમાંચ અનુભવે છે. કેટલીક યુવતીઓ પોતાનો એક દેશ બને તેવી ઇચ્છાથી આઈએસમાં જોડાઈ રહી છે. તેમને કહેવામાં આવે છે કે વિશ્વમાં એક ઈસ્લામિક રાષ્ટ્ર બને તે માટે મહિલાઓએ પણ પોતાનું યોગદાન દેવું જોઈએ.

આઈએસ સંગઠનમાં ગળાં કાપવા માટે જે આતંકવાદી કુખ્યાત છે તેનું નામ જ્હોન છે. તે મૂળ બ્રિટનનો રહેવાસી છે. તે મુસ્લિમ છે અને જ્હોન તેનું ઉપનામ છે. તેણે સીરિયા તથા ઈરાકમાં યઝદી સમુદાયના લોકોની ઠંડા કલેજે કત્લ કરી છે. કેટલીયે યઝદી સ્ત્રીઓનાં અપહરણ કરાવ્યાં છે. અપહૃત સ્ત્રીઓ પર આઈએસના આતંકવાદીઓએ સામૂહિક બળાત્કાર કર્યા છે. સામૂહિક બળાત્કાર કર્યા બાદ તે સ્ત્રીઓની હત્યા કરી નાંખી છે. આ બધામાં નોંધપાત્ર વાત એ છે કે આઈએસના આતંકવાદીઓએ સ્ત્રીઓના સેક્સુઅલ એક્સપ્લોઇટેશન માટે એક જેહાદ શરૂ કરી છે અને તેને ‘જેહાદ-અલ-નિકાહ’ એવું નામ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે, આઈએસની એક શાખા- ‘અલ ફારુક’ને આઈએસના આતંકવાદીઓને સેક્સ માણવા માટે સ્ત્રીઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ કામ માટે તેમણે ધર્મની આડ લીધી છે. તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોઈ મહિલા વિવાહિત હોય, પરંતુ તે જો કોઈ જેહાદી સાથે શારીરિક સંબંધ બાંધે છે તો તે વાજબી છે અગર તે નિકાહ વગર પણ કોઈ જેહાદી સાથે સંબંધ બાંધે છે તો તે પણ વાજબી છે. તેને ‘જેહાદ-અલ-નિકાહ’ એવું નામ આપવામાં આવ્યું છે. આ સંગઠન આવી મહિલાઓને મુજાહિદ કહીને આમંત્રણ આપે છે.

આવા આમંત્રણથી આર્કિષત થઈને ટયુનિશિયા સહિત કેટલાંયે આફ્રિકી દેશો, એશિયાઈ દેશો તથા યુરોપના દેશોમાંથી કેટલીયે મહિલાઓ આઈએસની જાળમાં ફસાઈને સીરિયા પહોંચી. સીરિયા પહોંચીને ચોવીસ જ કલાકમાં તે સ્ત્રીઓને આઈએસના લડવૈયાઓ સાથે શારીરિક સંબંધો બાંધવાનું કહેવામાં આવ્યું. તેમના માટે એક સમયપત્રક બનાવી દેવામાં આવ્યું કે કઈ યુવતીએ કયા આતંકી સાથે કેટલો સમય વિતાવવાનો. આ મહિલાઓ સાથે ૨૦થી ૧૦૦ વખત આતંકીઓએ દુષ્કર્મ કર્યું. જે મહિલાઓએ વિરોધ કર્યો તેમની હત્યા કરી દેવામાં આવી. દુષ્કર્મ બાદ કેટલીક સ્ત્રીઓને વેચી દેવામાં આવી. કેટલીકને તેમના દેશ પાછા ભાગી જવાની તક મળી. જેઓ પાછી ફરી તેમાંથી મોટાભાગની યુવતીઓ ગર્ભવતી હતી.

આઈએસની આ જેહાદ-અલ-નિકાહમાં સહુથી વધુ સ્ત્રીઓ ટયુનિશિયાની છે. ટયુનિશિયામાં ગરીબી વધુ છે. આ બધી સ્ત્રીઓ સોશિયલ મીડિયા પર આઈએસ સંગઠને ફેલાવેલી જાળનો ભોગ બની હતી. તેમને બહેતર જીવનની લાલચ આપવામાં આવી હતી. અલબત્ત, કેટલીક મહિલાઓ ખુશ થઈને પણ આઈએસને મદદ કરી રહી છે. તે યુવતીઓ સીરિયાની બહારના દેશોમાં જઈ વિવિધ દેશોની યુનિર્વિસટીઓમાં જાય છે. યુનિર્વિસટીમાં ભણતી યુવતીઓને ભોળવી તેમને બહેતર જિંદગી માટે આઈએસમાં જોડાવા અને સીરિયા જવા લલચાવે છે. જે છોકરીઓ સીરિયા જવા તૈયાર થઈ જાય છે તેમને સીરિયા પહોંચાડવાનો ઇંતજામ પણ કરે છે. આઈએસની આ પ્રવૃત્તિ જોઈ ટયુનિશિયન સરકાર પણ ચોંકી ઊઠી છે. ટયુનિશિયાની સરકાર જેહાદ-અલ-નિકાહના સંદર્ભમાં સીરિયા ભાગી જવા માંગતી યુવતીઓને રોકવા યોજના બનાવી રહી છે.

આતંકવાદીઓનું આ સેક્સ કનેક્શન મહિલાઓ માટે અને વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે’- એવા ભારતમાં હજ્જારો બાળકીઓની હત્યા કેમ?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
આજે મહિલા દિન છે.

ભારતીય સંસ્કૃતિનું એ સુપ્રસિદ્ધ વિધાન છેઃ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ

વિશ્વની કોઈ પણ સભ્યતા કે સંસ્કૃતિમાં સ્ત્રીને આવું સ્થાન આપવામાં આવ્યું નથી કે, જ્યાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ પણ રમણ કરે છે, પ્રસન્ન થાય છે. તે શ્લોક પછીના ભાગમાં કહેવામાં આવ્યું છેઃ યત્રૈ તાસ્તુ ન પૂ્જ્યન્તે સર્વાસ્ત્રા ફલાક ક્રિયાઃ અર્થાત્ જ્યાં સ્ત્રીઓનું સન્માન થતું નથી ત્યાં યજ્ઞાયાગ વગેરે સર્વ કર્મક્રિયાઓ નિષ્ફળ જાય છે.

આ વાતનું સૌથી મોટું પ્રમાણ શિવપુરાણમાં છે. એક વાર શિવ અને પાર્વતીજી બેઠેલાં હતાં. એ વખતે આકાશમાં વિમાનો ઊડતાં દેખાયાં. પાર્વતીજીએ શિવને પૂછયું: “આટલા બધા દેવતાઓ ક્યાં જઈ રહ્યા છે?”

વારંવાર પૂછતાં છેવટે શંકર ભગવાને કહ્યું, “સતી! તમારા પિતા દક્ષરાજે એક મોટા યજ્ઞાનું આયોજન કર્યું છે અને બ્રહ્માજીને પ્રજાપતિ નાયક બનાવ્યા છે. આ બધા દેવતા ત્યાં જઈ રહ્યાં છે. મને અને તમને નિમંત્રણ નથી.”

પાર્વતીજીએ કહ્યું:”ભલે નિમંત્રણ ન હોય પણ એ યજ્ઞા તો મારા પિતાએ યોજ્યો છે. પિતાના ઘરે જવા નિમંત્રણની જરૂર હોતી નથી.”

શિવની ના છતાં સતીએ હઠ પકડી. તેઓ પિતાના ઘર તરફ જવા નીકળ્યાં. આ તરફ દક્ષરાજાએ પહેરગીરોને કડક સૂચના આપી હતી કે,”મેં શંકરને આમંત્રણ આપ્યું નથી, તેથી તેઓ નહીં આવે, પરંતુ મારી પુત્રી આવે તો તેનું સન્માન કરવું નહીં.”

સતી પિતાના મહેલના દ્વાર પાસે પહોંચ્યાં. બધાએ તેમને જોઈ મોં ફેરવી લીધું. બહેનો પણ સતીનો વ્યંગ કરવા લાગી. એકમાત્ર માતાએ પુત્રીને આશ્વાસન આપ્યું. પિતા દક્ષરાજા તો અભિમાનથી બેઠા હતા. ઋષિમુનિઓ યજ્ઞામાં આહુતિ આપતા હતા. પાર્વતીજીએ જોયું તો યજ્ઞાશાળામાં પતિ માટે કોઈ સ્થાન, આસન કે ભાગ નહોતાં. શિવભાગ કાઢયા વિના વૈદિક નિયમ મુજબ કોઈ યજ્ઞા થઈ શકે નહીં, પરંતુ ઋષિઓ કંઈ બોલ્યા નહીં. પતિ શિવનું આવડું મોટું અપમાન જોઈ સતીને ક્રોધ થયો અને તેઓ બોલ્યાં: ” જે લોકોએ શિવની નિંદા કરી છે અને સાંભળી છે તેનું ફળ તેમને તરત જ મળશે. મારાં માતા-પિતાને પણ પશ્ચાતાપ થશે. મારા પિતા જગતપતિ એવા શિવનું અપમાન કરે છે તેથી દક્ષની પુત્રી તરીકે હું મારો દેહ ટકાવી રાખવા માંગતી નથી. હું ચન્દ્રમૌલેશ્વર ભગવાન શંકરને મારા હૃદયમાં ધરીને આ શરીરનો ત્યાગ કરું છું.”

એમ કહી સતીએ પોતાના જમણા પગના અંગૂઠામાં યોગથી અગ્નિ પ્રગટ કરી પોતાના દેહને અગ્નિમાં ભસ્મીભૂત કરી દીધો. યજ્ઞામંડપમાં હાહાકાર મચી ગયો. સતીના અગ્નિસ્નાનની ખબર પડતાં જ ભગવાન શંકરને ક્રોધ ચડયો. તેમણે તાંડવ કર્યું. તેમના મુખ્ય ગણ વીરભદ્રને યજ્ઞાભૂમિ પર મોકલ્યો અને તેણે યજ્ઞાનો નાશ કર્યો. દક્ષરાજની દુર્ગતિ થઈ.

આ તો સુપ્રસિદ્ધ પુરાણકથા છે. પ્રાચીનકાળથી ભારતભૂમિ પર જન્મેલી સ્ત્રીઓ પ્રતાડિત થતી આવી છે. અપમાનિત થતી આવી છે,ઉપેક્ષિત થતી આવી છે. પ્રાચીનકાળના દક્ષરાજા જેવા એક પિતાએ પુત્રી અને જમાઈ બેઉને અપમાનિત કર્યાં હતાં. મહાભારતમાં દ્રૌપદીની પણ એ જ હાલત થઈ હતી. પાંડવોએ પોતાની પત્નીને જ જુગારમાં મૂકી દીધી હતી તે એક સ્ત્રીનું પહેલું અપમાન હતું. તે પછી ભરીસભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું તે બીજું અપમાન હતું. કુળવધૂનાં ચીર ખેંચાતાં હતાં ત્યારે ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર,દ્રોણાચાર્ય જેવા વડીલો ચૂપ બેસી રહ્યા હતા. એકમાત્ર વિદુરજી જ કંઈક બોલ્યા હતા. છેવટે દ્રૌપદીએ કૃષ્ણને યાદ કર્યા હતા અને ભગવાન કૃષ્ણએ દ્રૌપદીની લાજ બચાવી હતી. પાંચેય પતિઓ અને પિતામહો એક સ્ત્રીના અપમાન વખતે મૌન હતા. રામાયણમાં પણ લંકાવિજય પછી પાછા આવેલાં ભગવાન રામ-સીતા અને લક્ષ્મણને અયોધ્યામાં આવકારવામાં આવ્યાં હતાં, પરંતુ એક સામાન્ય માનવીએ સીતા સતીના વિશે શંકા-કુશંકા કરી સતીનું અપમાન કર્યું હતું અને સીતાએ પોતાના સતીત્વનું પ્રમાણ આપવા મા પૃથ્વીને વિનંતી કરવી પડી હતી કે, “હું પવિત્ર હોઉં તો મને માર્ગ આપ અને તારામાં સમાવી લે.” છેવટે પૃથ્વીએ એક મોટી તિરાડ ઊભી કરી ને સતી સીતા તેમાં સમાઈ ગયાં.

ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓને અપમાનિત કરવાનો સિલસિલો પુરાણો છે. તત્કાલીન કાળના પિતાઓએ પુત્રીને અપમાનિત કરી છે. પિતામહો કુળવધૂને અપમાનિત થતાં જોઈ રહ્યાં છે. અયોધ્યાના સામાન્ય માનવીએ પણ સતી સીતાને અપમાનિત કરવાનું કામ કર્યું છે. સ્ત્રીઓને અપમાનિત કરવાનાં ફળ એમણે ભોગવવાં પણ પડયાં છે. પાર્વતીજીને અપમાનિત કરવાથી દક્ષ રાજાનો નાશ થયો. દ્રૌપદીનું અપમાન કર્યાં બાદ મહાભારતનું યુદ્ધ થયું અને કૌરવોનો નાશ થયો. સીતાજીને ઉપાડી જનાર રાવણનો અંત આવ્યો. છેવટે તો ધર્મ અને નીતિનો જ વિજય થયો છે.

ભારતીય સંસ્કૃતિમાં નારીશક્તિનું જે મહત્ત્વપૂર્ણ સ્થાન છે તેવું બીજી કોઈ સંસ્કૃતિમાં નથી. મહાભારતમાં પાંડવોની માતા કુંતીનું પણ એક આગવું મહત્ત્વ હતું. ભીષ્મ પિતામહ હંમેશાં ગંગાપુત્ર તરીકે જ ઓળખાયા. બાલકૃષ્ણ હંમેશાં તેમનાં પાલક માતા જશોદાજીના નામે જશોદાનંદન તરીકે ઓળખાયા. ભગવાન શ્રી રામને વનમાં જવું પડયું ત્યારે સીતાજીએ પણ મહેલનો ત્યાગ કરી પતિ સાથે વનમાં જવાનું પસંદ કર્યું. જેના નામથી આ દેશનું નામ ‘ભારત’ પડયું તે રાજા ભરત પણ સ્વર્ગની અપ્સરા મેનકાની પુત્રી શકુન્તલાનો પુત્ર હતો. શકુન્તલાના પિતા વિશ્વામિત્ર હતા. શકુન્તલાની કથા પરથી મહાકવિ કાલિદાસે ‘શાકુન્તલમ્’ ની રચના કરી.

પ્રાચીનકાળથી આજ દિન સુધી ભારતીય સમાજ, સંસ્કૃતિ અને સભ્યતામાં સ્ત્રી હંમેશાં કેન્દ્રસ્થાને રહી છે. અલબત્ત, દરેક વખતે સ્ત્રીઓનું સન્માન થયું છે તેવું નથી બન્યું. ભારતીય સંસ્કૃતિમાં એક કાળે સતીપ્રથા જેવા કુરિવાજો પણ હતા. પતિ મૃત્યુ પામે એટલે સ્ત્રીએ પણ જીવતેજીવત ચિતા પર ચઢી જવું પડતું. હવે એ પ્રથાનો અંત આવ્યો છે. આજે પણ કેટલાંક સમાજમાં વિધવા સ્ત્રીઓનાં પુનર્લગ્ન પર પ્રતિબંધ છે. કાશીમાં હજારો વિધવા નારીઓ દુઃખદાયક જીવન જીવી રહી છે. એક જમાનામાં બાળકીને જન્મતાં સાથે તેને દૂધ પીતી કરી દેવાતી, અર્થાત્ દૂધના મોટા પાત્રમાં ડુબાડી દેવાતી કે પછી નદીમાં ફેંકી દેવાતી. આજે જન્મ પહેલાં જ બાળકીની ઉદરમાં હત્યા કરી દેવાય છે. આ દેશમાં એક સમયે દેવદાસી પ્રણાલિકા પણ હતી. યુવાન સ્ત્રીઓને દેવદાસી બનાવી મંદિરોના પૂજારીઓની દયા પર છોડી દેવામાં આવતી. એક કાળે બહુપત્નીત્વ પણ હતું. પુરુષો એક કરતાં વધુ પત્નીઓ રાખતા. આજે પણ કહેવાતા સુધરેલા સમાજમાં દહેજપ્રથા છે. કન્યાવિક્રય થાય છે. એક યુવતી બીજી જ્ઞાાતિમાં પરણે તો તેનો સામાજિક બહિષ્કાર થાય છે, સજા કરવામાં આવે છે. એવી યુવતીઓની હત્યા કરી દેવામાં આવે છે. એક જમાનામાં ‘બૂધેમાર સીધી’ જેવી સ્ત્રીઓને અપમાનિત કરનારી કહેવતો પ્રચલિત હતી. ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી’ એ પણ સ્ત્રીના ગૌરવનું અપમાન કરનારી કહેવત છે. દેશ ૨૧મી સદીમાં પ્રવેશ્યો પણ જે દેશમાં એક મહિલા વડાપ્રધાન બન્યાં, જે દેશમાં એક મહિલા રાષ્ટ્રપતિ બન્યાં, જે દેશમાં અનેક મહિલાઓ મુખ્યમંત્રી બની, જે દેશની માતાઓએ છત્રપતિ શિવાજી, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ,સરદાર પટેલ જેવી વિભૂતિઓ આપી તેની જ રોજ ભ્રૂણહત્યા થાય છે, દેશમાં છાશવારે સ્ત્રીઓ પર બળાત્કાર થાય, દહેજને કારણે સ્ત્રીની હત્યા થાય કે સ્ત્રીઓ અપમાનિત થાય તે કેવું?

શું ભારતમાં સ્ત્રીઓનો આદર થાય છે ખરો?
ભારતીય સ્ત્રીઓ સુરક્ષિત છે ખરી?
જવાબ તમારી આસપાસ જ છે.

એક કાળી ઘનઘોર રાત્રે જ્યારે વડા પ્રધાનનું વિમાન તૂટી પડયું

તા.૨૯ ફેબ્રુઆરીએ પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનો જન્મ દિવસ છે. આ તારીખ ચાર વર્ષે એક જ વાર આવે છે. એક ગુજરાતી અને અનેક લાક્ષણિકતાઓ ધરાવતા પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈના જીવનનો આ પ્રસંગ છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પહેલાં કોઈ ગુજરાતીને દેશના વડા પ્રધાન બનવાનું માન પ્રાપ્ત થયું હોય તો તે મોરારજીભાઈ દેસાઈ હતા. એ વખતે તેમના અંગત સચિવ તરીકે ગુજરાતના બાહોશ અધિકારી હસમુખ શાહ હતા. ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા તરીકે જ્હોન લોબો હતા. વડા પ્રધાન બન્યા પછી અરુણાચલ, મણિપુર અને સિક્કિમના પ્રવાસનો કાર્યક્રમ ગોઠવાયો હતો.

તા. ૪થી નવેમ્બર, ૧૯૭૭ના રોજ નવી દિલ્હીથી એરફોર્સના વિમાનમાં વડા પ્રધાનનો કાફલો ઊપડયો. ઉત્તર-પૂર્વનાં રાજ્યો તરફ જતાં પહેલાં હવામાનની બરાબર ખાતરી કરી લેવી પડતી. વડા પ્રધાન વિમાને જોરહાટ એરપોર્ટ પર ઊતરવાનું હતું. હવામાન બગડે તો વિમાનને કોલકાતા કે તેજપુર વાળવા નક્કી થયું હતું. વિમાનમાં વડા પ્રધાન મોરારજી દેસાઈ ઉપરાંત નારાયણભાઈ દેસાઈ, અંગત સચિવ હસમુખ શાહ અને અરુણાચલના મુખ્યમંત્રી ઉપરાંત બીજા બે-ત્રણ જણ હતા. વિમાન ઊપડયા પછીની ઘટનાનું વર્ણન વડા પ્રધાનના એ વખતના સેક્રેટરી હસમુખ શાહના શબ્દોમાં જ વાંચો :

ચોથી તારીખે સાંજે અરુણાચલ પ્રદેશ, મણિપુર અને સિક્કિમના પાંચ દિવસના પ્રવાસે જવા અમે નીકળ્યા, સાંજે પાંચ વાગે પાલમથી ઊપડયા. હવાઈદળના રશિયન ટીયુ-૫૪ વિમાનમાં અમારો ૧૧ જણાનો કાફલો ઊપડયો. દસ વિમાનચાલકોનો કાફલો હતો. વિમાન આકાશમાં ચડે તે પહેલાં જ કેટલીક ફાઈલો અને કાગળો મેં મોરારજીભાઈને જોવા માટે આપ્યા. હું પાછળની કેબિનમાં જઈને કામ કરતો રહ્યો. આ વિમાનમાં ત્રણ કેબિનો હતી. કોકપીટ પછીની પહેલી વડા પ્રધાનની, બીજી આઠ જણ માટે,છેલ્લી બાકીના સૌ માટે. ૭ ક્યારે વાગ્યા તેની ખબર ન પડી. ૭ વાગે હું મોરારજીભાઈ પાસે જઈને કાગળો લઈ આવ્યો અને બધાં કાગળો મારી બાજુની સીટ પર મૂકીને થોડી વાર આંખ બંધ કરીને ઝોકું ખાઈ લીધું, કારણ કે જોરહાટ પહોંચવાને હજી પોણા કલાકની વાર હતી.

પહોંચવાની દસેક મિનિટ અગાઉ આંખ ખૂલી અને વિમાન ઊતરવાની રાહ જોતો હતો. પોણા આઠે વિમાને જોરહાટ અરોડ્રોમ પર ચક્કર લગાવીને નીચે ઊતરવા પ્રયાસ કર્યો, પરંતુ પાઈલટને બરાબર ઊતરાણ થશે કે નહીં તેની ખાતરી ન થઈ તેથી એણે વિમાનને પાછું ઉપાડયું અને બીજું ચક્કર મારીને પાછો આવું છું એમ કંટ્રોલ ટાવરને કહ્યું. ત્યાર પછી એક મિનિટની અંદર જ વિમાનને પાછું વાળતાં એણે કાબૂ ગુમાવ્યો અને વિમાનનું ઊતરાણ હાથ બહાર ગયું. ત્યાર પછી એમ જણાય છે કે બધો પ્રયત્ન કરીને વિમાનને સીધું રાખ્યું અને ડાંગરના ખેતરમાં એ ઊતરે એવા પ્રયત્નો કર્યા. વિમાન ખેતરમાં પટકાયું. ખેતરમાં સોપારીના ઝાડ થોડે થોડે અંતરે હતાં. વિમાન જમીનને અડકે ત્યાં સુધીમાં ૧૩૦ સોપારીના ઝાડને કાપતું કાપતું ઊતર્યું. વિમાન ઊતરતાં જ પહેલો આંચકો પાયલોટની કેબિનને વાગ્યો અને સાથે સાથે અમને પણ હચમચાવી મૂક્યા. ત્યાર પછીની બે પાંચ સેકંડોમાં વિમાન લગભગ દોઢસો મીટર ઘસડાયું અને એ દરમિયાન અમે હાલકડોલક થઈ ગયા. કેટલીક વસ્તુઓ અમારા ઉપર પડી, ત્રણ જણાનાં હાડકાં ભાંગ્યાં, કોઈને મૂઢ માર વાગ્યો, કોઈને મામૂલી ઇજા થઈ. ઇજા ન પામનાર બે કે ત્રણ જણામાંનો એક હું હતો. વિમાન પહેલું જમીનને અડયું તે જ ઘડીએ વીજળી જતી રહી અને ઘોર અંધકાર વ્યાપી રહ્યો. ત્યાર પછી એકબીજાના નામ બોલીને કોણ ક્યાં છે તેનો અંદાજ મેળવ્યો. કોઈએ કહ્યું ગભરાશો નહીં, કોઈએ કહ્યું દિવાસળી ન સળગાવશો, કોઈએ કહ્યું વડા પ્રધાન ક્યાં છે ?આ બધું બે-ચાર સેકંડોમાં બન્યું. વિમાન જ્યારે જમીન સાથે પહેલી વખત અથડાયું ત્યારે તેની ડાબી પાંખ તૂટીને પાછળ પડી ગઈ. જેને કારણે વિમાન એક બાજુ નમીને ઊભું રહ્યું. તેથી બીજી પાંખ અને તે સાથેની પેટ્રોલની ટાંકી ઊંચી થઈ ગઈ જેથી આગની સંભાવના ઓછી થઈ ગઈ. વિમાન એક બાજુ ઢળ્યું એટલે પાછળનો દરવાજો લગભગ જમીનની લગોલગ આવી ગયો. એ ઘોર અંધકારમાં મેં પહેલો પગ બહાર મૂક્યો તો નીચે પાણીવાળી પોચી જમીન અને ઘાસ જણાયાં. આગિયા ઊડતાં જોયા, ક્યાં હતા તેની કશી જાણ ન હતી, પરંતુ અમારા બધામાંથી કોઈ પણ નર્વસ ન થયું. ગભરામણ ન થઈ અને ઝડપથી સૌ બધાને બહાર લાવવાના કામમાં લાગી ગયા. મોરારજીભાઈ તેમની સીટનો પટ્ટો ખોલી ઊભા થયા હતા. તેમની નસકોરી ફૂટી હતી, ચોક્ઠું તૂટી ગયું હતું અને ચશ્મા ફેંકાઈ ગયા હતા. એમને થોડી મદદ આપીને નીચે લાવ્યા. આટલી વારમાં હું લગભગ ૧૦૦ વાર જેટલું નાકની લીટીએ સીધું દોડીને પ્રમાણમાં કોરી જગ્યા શોધી આવેલો. પછી જેમને ટેકાની જરૂર હતી તેમને ટેકો આપીને ત્યાં લઈ ગયા.

અંધારું ઘોર હતું. મેઘલી રાત હતી અને આગિયા ઊડતાં હતાં. દસેક મિનિટમાં આજુબાજુના કોઈ ગામનો માણસ ટોર્ચ લઈને આવ્યો. એની મદદથી બધાની ઇજાઓ જોઈ. બને એટલી પ્રાથમિક સારવાર આપી. થોડી વારમાં બીજો માણસ આવ્યો. એણે કહ્યું કે, કોઈ માણસ દૂર પડેલો છે. પછી બીજા માણસો પણ ટોર્ચ લઈને આવતા ગયા. ટોર્ચની મદદથી અમે જોયું તો પાઈલટ અને એના સાથીદારો રસ્તામાં ફેંકાયેલા પડયા હતા. બેમાં થોડોક પ્રાણ હતો. એમને ગરમી આપવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ. એ સૌને ઉપાડીને બધાને પાસે લાવ્યા. અમને ત્રણ જણ (એમ. એસ. કંપાણી, જ્હોન લોબો અને હું)ને જ ઇજા થઈ ન હતી. એટલે આ બધું કામ એ કાદવની વચ્ચે અમે કરતાં રહ્યા. એટલી બધી શક્તિ, સૂઝ અને ગતિ એ બધું કઈ રીતે આવ્યું એની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ આ રીતે બધાને ગોઠવ્યા. કંઈક વ્યવસ્થિત થયા ત્યાં ગામડાંના થોડા વધારે લોકો આવ્યા. એમની પાસે ખાટલા મગાવ્યા. દરમિયાનમાં હું ને જ્હોન લોબો વિમાનની ફરતે ફરી વળ્યા અને બીજું કોઈ રહી ગયું હોય તો તેની શોધ કરતા રહ્યા. કોઈ પેટ્રોમેક્સ લઈને આવ્યું. ગામ કેટલું દૂર છે, નજીકનું મકાન ક્યાં છે તેની તપાસ કરી બે જણને સાઈકલ પર જોરહાટ જવા માટે સૂચના આપી. આમ બધું સ્વસ્થતાથી અને ઝડપથી ચાલતું રહ્યું. ખાટલા તો નહીં, પણ બાંકડા આવ્યા. એની પર ઇજા પામેલાઓને સૂવાડીને લઈ ગયા. ત્યાર પછી વડા પ્રધાનને નજીકના ઝૂંપડામાં અર્ધો કિલોમીટરે પાણીવાળી પોચી જમીનમાં ખૂંચતા ખૂંચતા ચાલીને લઈ ગયા.

મેં કહ્યું કે, મૃતદેહોની પાસે ખેતરમાં હું રહીશ, કારણ કે અમારા એક સાથી કંપાણી આસામી ભાષા જાણતા હોવાથી એ ગામમાં ઉપયોગી થઈ શકે. લોબો સંદેશો પહોંચાડવામાં ઉપયોગી થાય, પરંતુ પછી કંપાણી મૃતદેહો સાથે ખેતરમાં રહે, મારે વડા પ્રધાન અને ઘવાયેલાઓની સારવારમાં રહેવું અને લોબો કોઈ પણ નજીકના સ્થળેથી જોરહાટ સાથે સંપર્ક સાધે એમ નક્કી થયું. ત્યાર પછી હું ઝૂંપડામાં ગયો. મોરારજીભાઈના મોં પર રેલાયેલું લોહી વહેતું હતું. એમને એક પાંસળીમાં તિરાડ પડેલી એ કારણે છાતીમાં દુઃખતું પણ હતું. કાંતિભાઈ એક બાંકડા પર કણસતા હતા. અરુણાચલના મુખ્યપ્રધાન એક બીજા બાંકડા પર મન મક્કમ કરીને વેદના સહન કરતા હતા. નારાયણભાઈની પાટાપિંડી કરી. ઝૂંપડું નાનું, માણસો અનેક. સૌની આંખોમાં ચિંતા અને આતુરતા અને મદદરૂપ થવાની વૃત્તિ. એમની પાસે જે કંઈ હતું તે અમારી સમક્ષ ધરી દેવામાં જરા પણ ખચકાટ નહીં. ચારે બાજુ માનવતા પાંગરી ઊઠેલી. પણ વાતો તો અકસ્માતની જ ચાલે. સૌથી વધુ ઇજા થયેલી નારાયણ દેસાઈને. એમની વેદનાનો પાર નહીં, પણ હસતું મોઢું અને કોઈને પણ બોજારૂપ થવાની ઇચ્છા નહીં. એ કહે, આ ગામડાંના લોકોને આપણે કહીએ કે, એમનું આસામી ભાષામાં ભજન સંભળાવે. પણ બધાની સારવારનું કંઈ ને કંઈ કામ ચાલતું રહ્યું.

લગભગ દસ વાગે શોધખોળ કરતી પહેલી ટુકડી અમારા ઝૂંપડે પહોંચી. એ પહેલાં અમારી સાથે આવેલા રેડિયો અને સરકારી સમાચાર માધ્યમના પ્રતિનિધિને પગપાળા દોડાવ્યા અને શું સંદેશો આપવો તે લખી આપ્યું. એમની રીતે તેથી મેં સંદેશો લખી આપ્યો જે સદ્ભાગ્યે રાતના અગિયાર વાગ્યાના સમાચારમાં વંચાયો અને દેશમાં સૌને રાહતની લાગણી થઈ. અમને ઝૂંપડેથી જોરહાટ હોસ્પિટલમાં પહોંચતાં લગભગ દોઢ કલાક થયો અને બાર વાગતાંની દસ મિનિટ પહેલાં ત્યાં પહોંચ્યા. હું નારાયણભાઈ અને કાંતિભાઈની સાથે એમ્બ્યુલન્સમાં હતો. જોરહાટમાં એરફોર્સની મોટી હોસ્પિટલ છે જ્યાં એમણે ખૂબ પ્રેમ અને આદરથી સૌની સુશ્રુતા કરી. હું લગભગ આખી રાત બધાની દેખભાળ લેતો રહ્યો, કારણ કે લોબોને થોડું વાગેલું અને કંપાણી પણ થાકી ગયા હતા. દવાખાનાનાં કપડાં પહેરીને અમે રાત વિતાવી. સવારના એ લોકોએ કાળજીપૂર્વક અમારે માટે બજારમાંથી ટુવાલ, સાબુ, દાંતિયો,કફની-લેંઘા મગાવી રાખેલું. એટલે સવારે સાત વાગે નાહીને તૈયાર થયા. સાડા સાતે જોરહાટની નિશાળનાં બસો છોકરાંઓ હાથમાં ફૂલોના ગુચ્છા લઈને આવી પહોંચ્યા. એમાં જે ભાવના અને પ્રેમ હતાં તે ભાગ્યે જ ક્યાંય મળે.

આ આખીયે દિલધડક ઘટનાનું વિસ્તૃત વર્ણન હસમુખ શાહે ‘દીઠું મેં…’ પુસ્તકમાં કર્યું છે.

આસમનાં કેતરોમાં કાળી ઘનઘોર રાત્રે વિમાન તૂટી પડયું હોવા છતાં એ વખતના વડા પ્રધાન મોરારજી દેસાઈની સ્વસ્થતા ગજબની હતી. માનવીની હિંમતની કસોટી આપત્તિમાં જ થતી હોય છે.

સુમિત્રાના શોને નિહાળવા માટે નહેરુ પણ આવ્યા હતા

સુમિત્રા ચરતરામ.

પર્ફોમિંગ  આર્ટની દુનિયાના લોકો માટે આ નામ જાણીતું અને આમ જનતા માટે અજાણ્યું છે. વીતેલા જમાનાનાં એ સન્નારી હતાં. સુમિત્રા ચરતરામનો જન્મ ઉત્તર પ્રદેશના એક જાણીતા પરિવારમાં ૧૯૧૪ના વર્ષે દિવાળીના દિવસે થયો હતો. તેમના પિતા રાજા જ્વાલાપ્રસાદ બિજનૌરના ભારતના પ્રથમ ચીફ એન્જિનિયર હતા. તેમના મોટા ભાઈ ધરમવીર ભારત આઝાદ થયા પછી ભારત સરકારના પ્રથમ કેબિનેટ સેક્રેટરી હતા. તેમના પિતા બનારસ હિંદુ યુનિર્વિસટીના સ્થાપકો પૈકીના એક હતા. તેમણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિશ્નના અંગત સચિવ તરીકે પણ સેવાઓ આપી હતી.

સુમિત્રા આઝાદી પહેલાં જન્મ્યાં હતાં અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરનાં તેઓ શિષ્યા પણ હતાં. તેમનો ઉછેર સર્વપલ્લી રાધાક્રિશ્નન, મદન મોહન માલવિયા, મહાદેવી વર્મા, હરિશંકર ઔધ જેવાઓના સાંનિધ્યમાં થયો હતો. બનારસ હિંદુ યુનિર્વિસટીમાં અભ્યાસકાર્ય દરમિયાન સુમિત્રા રોજ વહેલી સવારે ઊઠી જતાં અને વિખ્યાત શહેનાઈવાદક ઉસ્તાદ બિસમિલ્લાહ ખાનનું શહેનાઈવાદન સાંભળતાં.

૧૯૪૧ની સાલમાં તેઓ દિલ્હી ક્લોથ મિલના માલિક શ્રીરામના પુત્ર ચરતરામ સાથે પરણ્યાં હતાં. તે પછી તેઓ દીપક, શોભા,સિદ્ધાર્થ અને ગૌરી એમ ચાર બાળકોનાં માતા બન્યાં હતાં. તે તમામ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવ્યું હતું.

તા. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ એટલે કે ભારતના સ્વાતંત્ર્ય દિને સુમિત્રાએ શ્રેષ્ઠ સંગીતના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે તેમણે શ્રેષ્ઠ હિંદુસ્તાની સંગીતનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો. નવી દિલ્હીમાં ૨૦, કર્ઝન રોડ ખાતે આવેલા ‘શ્રીરામ હાઉસ’ ખાતે યોજાયેલી આ સંગીત સંધ્યામાં ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન, ઉસ્તાદ વિલાયત ખાન, પંડિત રવિશંકર,ઉસ્તાદ હાફિઝ અલી ખાન વગેરેએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમની સફળતા બાદ સુમિત્રાએ ગીત-સંગીતની દુનિયાના કલાકારોને એકત્ર કરી ઝંકાર મ્યુઝિક સર્કલ ઊભું કર્યું હતું. ધીમેધીમે તે શ્રીરામ શંકરલાલ મ્યુઝિક ફેસ્ટિવલનું ર્વાિષક આયોજન કરનારું વૃંદ બની ગયું હતું. ૧૯૫૨માં ઝંકાર મ્યુઝિકલ સર્કલનું ભારતીય કલા કેન્દ્ર તરીકે પહેલી જ વાર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ કલા કેન્દ્રનું ધ્યેય એ હતું કે, ભારતીય ગીત-સંગીત, નૃત્ય અને સંસ્કૃતિના ભવ્ય વારસાનું જતન કરવું અને તેને પ્રોત્સાહન આપવું.

ભારતીય કલાકેન્દ્રનો જન્મ અને સ્થાપના તે એકમાત્ર સુમિત્રા ચરતરામનું જ સ્વપ્ન હતું. આજે આખા દેશમાં ‘કથક’ નૃત્ય જાણીતું છે, પરંતુ તેને ભારતીય કલાના જગતમાં સન્માન અપાવનાર સુમિત્રા ચરતરામ હતાં. ધીમેધીમે સુમિત્રા આખા દેશમાં જાણીતાં બની ગયાં. તેમના એ પ્રયાસોને સફળતા મળતાં સંસ્થાએ જે નવા કલાકારોને જન્મ આપ્યો હતો તે શંભુ મહારાજ, બિરજુ મહારાજ અને સુંદર પ્રસાદ હતા. તેમણે ગુજરાતનાં સુપ્રસિદ્ધ કથક કલાકાર કુમુદિની લાખિયા સહિત ઉષા શર્મા, કેશવ કોઠારી, રશ્મિ જૈન જેવાઓને પણ કથકની તાલીમ આપી.

એ સિવાય દિલ્હીના ભારતીય કલાકેન્દ્રએ દેશનાં બીજાં જે શ્રેષ્ઠ કલાકારો તયાર કર્યાં તેમાં વિદુષી સિદ્ધેશ્વરી દેવી, ડાગર બંધુઓ, પ્રો. દિલીપચંદ્ર વેદી, ઉસ્તાદ અમજદ અલી ખાન, પંડિત દુર્ગાલાલ, લીલા સેમસન, ગુરુ કૃષ્ણચંદ્ર અને બીજાઓનો સમાવેશ થાય છે.

ભારતના સુપ્રસિદ્ધ મહાકાવ્ય ‘રામાયણ’ને પણ સ્ટેજ પર લાવવાનું કામ સુમિત્રા ચરતરામે કર્યું. સુમિત્રા જ્યારે સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે બનારસના મહારાજાના મહેલમાં રામાયણને ભજવવાનું નિહાળતાં હતાં. બસ, એ જ સમયથી જ તેમણે એક સ્વપ્ન નિહાળ્યું હતું કે, તેઓ પણ એક દિવસ ‘રામાયણ’ને પોતાની રીતે સ્ટેજ પર લાવશે. પોતાના નિર્ણયમાં હંમેશાં મક્કમ રહેનારા સુમિત્રા ચરતરામે ૧૯૫૭માં રામાયણને સ્ટેજ પર લાવવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું.

નોંધપાત્ર વાત એ છે કે, સુમિત્રા ચરતરામ સંચાલિત શ્રીરામ ભારતીય કલાકેન્દ્રના આ પ્રથમ શોને નિહાળવા જે મહાનુભાવો હાજર હતા તેમાં તે વખતના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પણ એક હતા. એ શો ભજવાયા પછીના ૫૮ વર્ષ સુધી ‘રામાયણ’ એ ભારતીય કલાકેન્દ્રની એક ઓળખ બની રહી.

સુમિત્રા ચરતરામ ભારતની લોકસંસ્કૃતિ, લોકનૃત્ય અને પ્રણાલિકાગત શાસ્ત્રીય સંગીતનો જ ઉપયોગ કરતાં હતાં. તેમણે ભારતીય કલાકેન્દ્રમાં ભારતીય સંસ્કૃતિના પરંપરાગત કળા એવી કઠપૂતળીની કળા માટે એક આગવું ડિપાર્ટમેન્ટ ઊભું કર્યું હતું. આ ડિપાર્ટમેન્ટે તૈયાર કરેલા ઝાંસીની રાણી અને ઢોલા મારુનો શો અત્યંત જાણીતા શો બની રહ્યા. એ માટે પંડિત બિરજ મહારાજે સંવાદો લખ્યા હતા જ્યારે ઉસ્તાદ અમજદ અલી ખાને ડિપાર્ટમેન્ટના શો માટે સરોદ વગાડયું હતું.

તે પછી સુમિત્રા અમેરિકા ગયાં. અમેરિકાના પ્રવાસ દરમિયાન તેઓ ન્યૂયોર્કના લિંકન સેન્ટર અને કાર્નેજી હોલથી કાફી પ્રભાવિત થયાં. તેમાંથી પ્રેરણા લઈને પાછાં આવ્યાં અને તેના ફળ સ્વરૂપે તેમણે ૧૯૭૧માં તેમણે દિલ્હીમાં કામાણી ઓડિટોરિયમ ઊભું કર્યું,જેનું ઉદ્ઘાટન તે વખતના રાષ્ટ્રપતિ વી. વી. ગીરીએ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન એમ. એસ. શુભલક્ષ્મીએ પર્ફોર્મન્સ આપ્યું હતું. એ રીતે ભારતમાં પહેલી જ વાર પ્રોફેશનલ થિયેટરનો આરંભ થયો. આજે પણ એ થિયેટર ‘ધ્વનિ’ એકોસ્ટિક્સ, લાઈટ્સ,કર્ટેન્સ અને વિંગ્સની બાબતમાં એક શ્રેષ્ઠ થિયેટર ગણાય છે.

હિંદુસ્તાની ગીત, સંગીત અને કળાના ક્ષેત્રમાં સુમિત્રાના શ્રેષ્ઠ યોગદાનનાં ઉપલક્ષ્યમાં ૧૯૬૩માં ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્વારા તેમને ‘પદ્મશ્રી’નો એવોર્ડ એનાયત થયો હતો. ભારતીય કળાઓ વર્ષોથી જાણીતી હતી, પરંતુ તેમાં નવો ઉજાસ પાથરવાની બાબતમાં સુમિત્રા ચરતરામ ‘રેનેસાં વુમન’ તરીકે ઓળખાયાં. ભારતીય કળાનો ખરો ઉદય તેમની સંસ્થાની સ્થાપના પછી જ થયો. નવી દિલ્હી માટે તેઓ અત્યંત જાણીતા સેલિબ્રિટી બની ગયાં. આઝાદી બાદ પર્ફોમિંગ  આર્ટની દુનિયામાં સુમિત્રા ચરતરામથી ઊંચું નામ બીજું કોઈ નથી.

છેલ્લાં ૬૫ વર્ષ દરમિયાન સુમિત્રા ચરતરામ દ્વારા સ્થાપિત ભારતીય કલાકેન્દ્રએ જે વિદ્યાર્થીઓ અને કલાકારો દેશને બક્ષ્યા છે તે બધા તેમના ક્ષેત્રમાં ગ્લોબલ લેજન્ડ્સ બની ચૂક્યા છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, તે બધા જ કલાકારો-વિદ્યાર્થીઓ ભારતીય કલાકેન્દ્રના એમ્બેસેડર્સ છે.

સુમિત્રા ચરતરામે તેમની સફળતાનો વારસો તેમની મોટી દીકરી શોભાને બક્ષ્યો છે. ભારતીય કલાકેન્દ્રનું સંચાલન હવે શોભા દીપક સિંઘ કરે છે.

૨૦૦૭માં તેમના પતિ ડો. ચરતરામનું અવસાન થતાં સુમિત્રા ચરતરામની જીવવાની ઇચ્છા પણ જાણે કે સમાપ્ત થઈ ગઈ. ૨૦૧૧માં સુમિત્રા ચરતરામનું પણ અવસાન થયું.

૨૦૧૪નું વર્ષ સુમિત્રા ચરતરામની ૧૦૦મી જન્મજયંતી વર્ષ છે.
– દેવેન્દ્ર પટેલ

દેશના સહુથી વધુ ગરીબ મુખ્યમંત્રી માણિક સરકાર

ગાંધીજી હવે દીવાલોની જ શોભા બની તસવીરો ટીંગાડવાનું સાધન માત્ર રહ્યા છે. દેશના જાહેર જીવનમાંથી ગાંધીજીને પ્રિય સાદગી,ખાદી, ગૃહઉદ્યોગ અને ગ્રામ સ્વરાજ અદૃશ્ય થતાં જાય છે. ભારતીય ચલણી નોટો પર ગાંધીજીની છબી છે, પણ એ નોટો કાળાં ધનના સ્વરૂપમાં ધનવાનો, કરચોરો, નેતાઓ અને અધિકારીઓ તેમનાં ગુપ્ત ખાનાં અને ખાતાંઓમાં કેદ કરીને બેઠા છે. ગાંધીજીને ફૂલહાર પસંદ નહોતા. તેઓ સૂતરની આંટી જ સ્વીકારતા હતા. આજે નેતાઓ એક મણ વજનનો હાર કે એક કરોડ રૂપિયાની ચલણી નોટોનો હાર પહેરી તેની તસવીરો પડાવે છે. ગાંધીજીએ કદી કહ્યું નહોતું કે, ‘મારી પ્રતિમા મૂકજો,’ પણ ગાંધીજીના હત્યારા નથ્થુરામ ગોડસેની પ્રતિમા મૂકવા કેટલાક લોકો ઘાંઘા થઈ ગયા છે.

સુશીલ કોઈરાલા

લાગે છે કે, ગાંધીજીની સાદગી ભારતમાંથી ઊડીને નેપાળ ચાલી ગઈ છે. નેપાળમાં આજે રાજકીય રીતે સૌથી શક્તિશાળી વ્યક્તિ નેપાળના વડા પ્રધાન સુશીલ કોઈરાલા છે, પરંતુ સત્તાની કોઈ અસર તેમના વ્યક્તિગત જીવન પર થઈ નથી. નેપાળના વડા પ્રધાન સુશીલ કોઈરાલાની કેટલી સંપત્તિ છે તેની વિગતો તાજેતરમાં જ જાહેર થઈ છે. નેપાળ સરકારે વડા પ્રધાન તથા તેમના મંત્રીમંડળના સભ્યોની મિલકતો જાહેર કરવા માટે એક સૂચના આપી હતી. એ અહેવાલ પ્રમાણે નેપાળના વડા પ્રધાન પાસે સ્થાયી અને અસ્થાયી મિલકતોમાં માત્ર ત્રણ મોબાઈલ ફોન જ છે. તે સિવાય તેમની પાસે પોતાનું કોઈ ઘર નથી, કોઈ જમીન-જાયદાદ નથી. કોઈ મોટરકાર કે કોઈ બેંક બેલેન્સ નથી. શેર પણ નથી. સોનું-ચાંદી કે દાગીના પણ નથી. ૭૪ વર્ષની વયના આ વડા પ્રધાન તેમની સાદગી અને સરળ જીવન માટે જાણીતા છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી જાહેર જીવનમાં છે, પરંતુ વિશ્વના વિવિધ દેશોના જે વડાઓ આજે છે તેમાં સૌથી ગરીબ વડા પ્રધાન છે.

પહેલો ચેક આવ્યો ત્યારે

સુશીલ કોઈરાલા નેપાળના ૩૭મા વડા પ્રધાન છે. તેઓ પહેલી જ વાર વડા પ્રધાન બન્યા અને વડા પ્રધાન તરીકેના તેમના વેતનનો પહેલો ચેક આવ્યો ત્યારે સુશીલ કોઈરાલા પાસે કોઈ જ બેંક એકાઉન્ટ ના હોવાથી અધિકારીઓ મૂંઝાયા હતા કે ચેક કયા ખાતામાં જમા કરાવવો. અલબત્ત, એ પછી પણ એમણે બેંકમાં ખાતું ખોલાવ્યું છે કે, કેમ તે કોઈ જાણતું નથી. હા, તેમની પાસે એક કાંડા ઘડિયાળ અને આંગળી પર એક વીંટી છે, પરંતુ તે વીંટી સોનાની છે કે ચાંદીની તેની તેમને ખબર નથી. એથી ઊલટું ગાંધીજીના ઇન્ડિયામાં છે. ભારતના કેટલાક નેતાઓના પુત્રો પાસે હાથમાં ૨૦ લાખની ઘડિયાળ, એક લાખનો મોબાઈલ અને એક કરોડની કાર જોઈ શકાય છે. ભારતનાં મહિલા નેતાઓ પણ બાકાત નથી. એક મહિલા નેતાના વોર્ડરોબમાં ૧૦ હજાર સાડીઓ અને સેંકડો જૂતાં છે. બીજાં એક મહિલા નેતાના સેન્ડલ ખરીદવા એક હેલિકોપ્ટર દ્વારા રાજ્યની રાજધાનીથી મુંબઈ જાય છે.

મમતા બેનરજી

હા, ભારતનાં બધાં જ નેતાઓ એવા નથી. બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી આજે પણ એક સામાન્ય ઘરમાં રહે છે. સ્લીપર પહેરીને ઓફિસે જાય છે. સાદી સાડી પહેરે છે. કોઈ વાર સચિવાલયની કેન્ટિનમાં જમી લે છે અને તેનું બિલ પણ ચૂકવી દે છે. તેમની પાસે કોઈ મિલકત નથી સગાં-સંબંધીઓના નામે પણ નહીં. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કેબિનેટના મંત્રી મોહન પરિકર પણ એમની સાદગી માટે જાણીતા છે. ભારતના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ સાદગી માટે જાણીતા છે. ભાજપના પૂર્વ પ્રમુખ કુશાભાઉ ઠાકરે જાતે જ પોતાનાં વસ્ત્રો ધોઈ નાખતા હતા.

માણિક સરકાર

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકાર પણ તેમની સાદગી માટે જાણીતા છે. તેઓ કોઈ મોબાઈલનો ઉપયોગ કરતાં નથી. ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે ત્રણ ટર્મ પૂરી કરી ચૂકેલા માણિક સરકાર પોતાનું કોઈ ઇ-મેલ એકાઉન્ટ પણ ધરાવતાં નથી. ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓમાં તેઓ સૌથી ગરીબ મુખ્યમંત્રી છે. વિધાનસભાની ચૂંટણી લડતી વખતે તેમણે પોતાની સંપત્તિની જાહેરાત કરતાં એફિડેવિટમાં લખ્યું હતું કે, તેમની પાસે રૂ. ૯૭૨૦નું બેંક બેલેન્સ છે. રૂ. ૧૦૮૦ રોકડા છે. એ સિવાય તેમની પાસે કોઈ સ્થાવર મિલકત નથી. તેમનાં પત્ની પલ્લવી કે જેઓ નિવૃત્ત સરકારી કર્મચારી છે. તેમની પાસે રૂ. ૨૪ લાખની ફિક્સ્ડ ડિપોઝિટ છે. ૨૦ ગ્રામ સોનું છે. તેમની પાસે કોઈ અંગત મોટરકાર ના હોવાથી મુખ્યમંત્રીનાં પત્ની ઓટોરિક્ષામાં ફરે છે. કોઈ આઈપીએસ અધિકારી કે આઈએએસ અધિકારી કે આરએન્ડબીના અધિકારીની કાર પણ વાપરતાં નથી.

પગાર પક્ષને આપે છે

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)ના સભ્ય માણિક સરકાર સુતરાઉ લેંઘો-ઝભ્ભો પહેરે છે. પોતાનાં વસ્ત્રો જાતે જ ધૂએ છે. તેમની માતાએ વારસામાં આપેલું ૪૩૨ સ્ક્વેર ફૂટના મકાન સિવાય તેમની પાસે કોઈ મિલકત નથી. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી. તેમના વિરોધીઓ પણ તેમની પ્રામાણિકતાની પ્રશંસા કરે છે. મુખ્યમંત્રી તરીકે તેમને મળતું તમામ વેતન તેઓ પોતાની પાર્ટીમાં જમા કરાવી દે છે. તેના બદલામાં તેમની પાર્ટી તેમને એલાઉન્સના પાંચ હજાર રૂપિયા આપે છે. તેમની પત્ની નોકરી કરતાં હતાં તેથી તેમાંથી મળતા પેન્શનમાંથી તેઓ જીવનનિર્વાહ કરે છે. તેમનાં પત્ની પર તેમના નોકરીકાળ દરમિયાન રિક્ષામાં બેસીને જતાં હતાં. માણિક સરકાર દરરોજ ૧૦ વાગે તેમની ઓફિસે પહોંચી જાય છે. ગાંધીજીએ દર્શાવેલ ટ્રસ્ટીશિપના સિદ્ધાંત પ્રમાણે માણિક સરકારે ત્રિપુરાના મુખ્યમંત્રી હોવા છતાં રાજ્યના એક ટ્રસ્ટી તરીકે કામ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી તરીકે મળતું તેમનું વેતન તેઓ પોતાની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જમા કરાવે છે

રાજનીતિની જાણીતી મહિલાઓ અને ઓછા જાણીતા પતિદેવો

દેશની રાજનીતિમાં મહાત્મા ગાંધીજીને બાદ કરતા બહુ ઓછા એવા રાજકારણીઓ રહ્યા છે જેમણે તેમના જીવનસાથીઓને પણ જાહેર જીવનનો એક ભાગ બનાવ્યો હોય. ખુદ જવાહરલાલ નહેરુનાં પત્ની જાહેર જીવનમાં નહોતાં. હા, લાલ બહાદુર શાસ્ત્રીનાં પત્ની લલિતાદેવીનું જાહેર જીવનમાં યોગદાન હતું. મોરારજી દેસાઈનાં પત્ની જાહેર જીવનમાં નહોતાં. ઇન્દિરા ગાંધીના પતિ ફિરોજ ગાંધી જાહેર જીવનમાં હતા. મુલાયમસિંહ યાદવનાં પત્ની જાહેર જીવનમાં નથી. હા, લાલુ પ્રસાદ યાદવનાં પત્ની રાબડીદેવી પતિદેવની કૃપાથી મુખ્યમંત્રી બની ચૂક્યાં છે. ગુજરાતમાં હિતેન્દ્ર દેસાઈ સિવાયના મુખ્યમંત્રીઓએ તેમનાં પત્નીઓને લોકદર્શનથી દૂર રાખ્યાં છે.

આજે એવી મહિલા રાજકારણીઓની વાત છે જેમને લોકો જાણે છે,પરંતુ તેમનાં પતિઓ વિશે પ્રજા બહુ જાણતી નથી.

સ્મૃતિ ઈરાની-ઝુબીન ઈરાની

સ્મૃતિ ઈરાની દેશનાં માનવ સંસાધન મંત્રી છે. એક જમાનામાં તેઓ ટેલિવિઝનના પરદા પર છવાયેલાં અભિનેત્રી રહી ચૂક્યાં હોઈ દેશની તમામ સ્ત્રીઓ તેમના ચહેરાને ઓળખે છે, પરંતુ તેમના પતિ ઝુબીન ઈરાનીને બહુ ઓછા લોકો ઓળખે છે. ઝુબીન ઈરાની એક લો પ્રોફાઈલ વ્યક્તિ છે. તેઓ પ્લાસ્ટિકના બિઝનેસમાં છે અને મુંબઈ ખાતે એક ફળવાડી ધરાવે છે. તેઓ કોઈક વાર જ ટ્વિટર પર આવે છે. મોટે ભાગે તેઓ પત્નીનાં ટ્વિટરને રિટ્વીટ કરે છે. તેઓ કહે છે : “હું નોર્મલ પર્સન છું.”

કિરણ બેદી-બ્રિજ બેદી

દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજનીતિમાં પ્રવેશતાં કિરણ બેદી પૂર્વ આઈપીએસ અધિકારી છે. તેમના પતિનું નામ બ્રિજ બેદી છે. બ્રીજ બેદી મોટા ભાગે અમૃતસરમાં રહે છે, જ્યારે કિરણ બેદી દિલ્હીમાં રહે છે. બ્રિજ બેદી કહે છે : “અમે શહેરોની દૃષ્ટિએ દૂર દૂર રહીએ છીએ તેનો મતલબ એ નથી કે, અમારી વચ્ચે કોઈ મતભેદો છે. મેં હમણાં જ કિરણને કહ્યું હતું કે, હું ચૂંટણીમાં તને બહુ મદદ કરી શકીશ નહીં.” પરંતુ કિરણે મને કહ્યું હતું કે, “તમે મને માત્ર આશીર્વાદ જ આપો.” બ્રિજ બેદી તેમનાં પત્નીની ચૂંટણીમાં મદદ કરવા માગતા હતા, પરંતુ હવે ૭૦ વર્ષની વય થઈ જવાના કારણે તેઓ દોડધામ કરી શકે તેટલી ઊર્જા તેમનામાં રહી નથી તેમ તેઓ કહે છે. તેમણે કહ્યું હતું : “કિરણ પીઢ અને પરિપક્વ છે અને સુશાસનમાં માને છે. તે પૈસા બનાવવા માટે જાહેર જીવનમાં પ્રવેશ્યાં નથી. કિરણની ઉંમર ૬૫ વર્ષની છે અને તે હજી સખત પરિશ્રમ કરી શકે તેમ છે.” જો કે પતિની શુભેચ્છા છતાં કિરણ બેદી હારી ગયાં. પોતે ડૂબ્યાં અને ભાજપને પણ ડૂબાડયું.

કિરણ બેદીના પતિ બ્રિજ બેદીએ સમજણપૂર્વક જ પોતાની જાતને રાજનીતિથી અલગ રાખી છે. હા, તેઓ એક સામાજિક કાર્યકર્તા જરૂર છે. રસપ્રદ વાત એ છે કે, ૧૯૭૦ની સાલમાં તેઓ અમૃતસરની એક ર્સિવસ ક્લબમાં ટેનિસ કોર્ટમાં મળ્યાં હતાં. જ્યારે બ્રિજ એક ટેક્સટાઈલ એન્જિનિયર હતા અને કિરણ એક અગ્રગણ્ય ટેનિસ પ્લેયર હતાં.

મીનાક્ષી લેખી-અમન લેખી


મીનાક્ષી લેખીએ દિલ્હી ભાજપાનો જાણીતો ચહેરો છે. તેઓ છટાદાર અંગ્રેજી અને આક્રમક શૈલીનાં પ્રવકતા તરીકે જાણીતાં બની ચૂક્યાં છે. મીનાક્ષી લેખીના પતિનું નામ અમન લેખી છે. અમન લેખી સુપ્રીમ કોર્ટના ટોચના ધારાશાસ્ત્રી છે. મીનાક્ષી લેખી સાંસદ પણ છે. મીનાક્ષી લેખી એ સ્ત્રીઓના હકો માટે લડનારાં ફેમિનિસ્ટ મહિલા અગ્રણી તરીકે જાણીતાં છે. મીનાક્ષી લેખીના પતિ અમન લેખીના પિતા પ્રાણનાથ લેખી પણ એક જાણીતા ધારાશાસ્ત્રી છે. પ્રાણનાથ લેખીએ ઈન્દિરા ગાંધીના હત્યારા સતવંત સિંઘના બચાવ પક્ષના ધારાશાસ્ત્રી તરીકે કામગીરી બજાવી હતી. તેઓ જનસંઘ તરફી ઝુકાવ ધરાવતા હતા. મીનાક્ષી લેખીના પતિ અમન લેખી કહે છે : “કાયદાશાસ્ત્ર પ્રત્યેની મારી સંપૂર્ણ પ્રતિબદ્ધતાના કારણે મેં મારી જાતને રાજનીતિથી દૂર રાખી છે. સમાજે મને જે આપ્યું છે તે સમાજને પાછું આપવા ભવિષ્યમાં હું કદાચ રાજનીતિમાં જોડાઈ શકું છું.”

નિર્મલા-પ્રભાકર

નિર્મલા સીતારામન એક સમયે ભાજપાનાં પ્રવકતા હતાં. તેઓ અત્યંત સુંદર અંગ્રેજી બોલી શકે છે. તેઓ લંડનમાં પણ રહી ચૂક્યાં છે. તેઓ હવે કેન્દ્રમાં મંત્રી છે. તેમના પતિનું નામ પરકલા પ્રભાકર છે. નોંધપાત્ર વાત એ છે કે, નિર્મલા સીતારામન કેન્દ્રમાં ભાજપાની સરકારનાં મંત્રી છે, પરંતુ તેમના પતિ પ્રભાકર આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ્ સરકારમાં કેબિનેટ કક્ષાનો હોદ્દો ધરાવતા કોમ્યુનિકેશન્સ એડવાઈઝર છે. પ્રભાકર એ સામ્યવાદી વિચારધારા ધરાવતા અને કોંગ્રેસના સમર્થક પરિવારમાંથી આવે છે, પરંતુ તેમનાં પત્ની નિર્મલા ભાજપાના નેતા તરીકે વધુ ઊપસી આવ્યાં છે. નિર્મલાના પતિ પ્રભાકર લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા પીએચ.ડી. થયેલા છે. તેઓ એક જમાનામાં પ્રજા રાજ્યમ્ પાર્ટીના પ્રવકતા પણ હતા. એ પક્ષ કોંગ્રેસમાં ભળી ગયો તે પછી તેમણે પક્ષ અને હોદ્દાઓ પણ છોડી દીધા હતા. પ્રભાકર આજકાલ ચંદ્રાબાબુ નાયડુના મીડિયા સ્ટ્રેટેજિસ્ટ પણ છે. તેમણે ચંદ્રાબાબુ નાયડુને બાહ્ય શૈલી કરતાં કામ પર ભાર મૂકવા સલાહ આપેલી છે.

જાહેર જીવનમાં પતિ કરતાં પત્ની આગળ હોય તે ઘણા પતિઓને ગમતું હોતું નથી, પરંતુ તેઓ જાહેરમાં એ વેદના વ્યક્ત પણ કરી શકતા નથી, એવું પણ બને.

સ્મૃતિ ઈરાનીકિરણ બેદીમીનાક્ષી લેખી,નિર્મલા સીતારામનના પતિદેવો શું કરે છે ?

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén