Devendra Patel

Journalist and Author

Month: October 2014 (Page 1 of 2)

ઈશ્વર એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો ખોલી દે છે ! (કભી કભી)

એરિક વિહેનમેયર.

અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં જન્મેલા એક બાળકની આ કહાણી છે. જ્યારે તે બે વર્ષનો થયો ત્યારે તેનાં માતા-પિતાને લાગ્યું કે,નાનકડા એરિકની આંખોમાં કોઈ તકલીફ છે. બચપણમાં જ નીચે પડેલી કોઈ ચીજવસ્તુઓને હાથમાં પકડતાં તેને મથામણ કરવી પડતી હતી. ફાંફાં મારવા પડતા હતાં. એરિકને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. શરૂઆતમાં ડોક્ટરો પણ સમજી શક્યા નહીં, પરંતુ એરિક જ્યારે ચાર વર્ષની વયનો થયો ત્યારે જ નિદાન થયું કે,બાળકને નાઈલાજ આંખની બીમારી છે અને એ બીમારીનું નામ જુવેનાઈલ રેટિનોશોસિસ છે.

માતા-પિતા એરિકને આંખના મોટા ડોક્ટરો પાસે લઈ ગયા. એમણે પણ ઈલાજ કર્યો, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. ડોક્ટરોએ સાફ શબ્દોમાં કહી દીધું કે, ”હવે અમે કાંઈ કરી શકીએ તેમ નથી.”

સમય વહેતો રહ્યો અને નાનકડા એરિકની આંખોની રોશની ઓછી થતી રહી. એ કારણે એરિકનું બચપણ પણ બીજાં બાળકો જેવું રહ્યું નહીં, બીજાં બાળકોની જેમ તે દોડાદોડી કરી શક્તો નહોતો. માતા-પિતા એને ધૂળ અને ધૂપથી બચાવવા પ્રયાસ કરતા હતા. હા, શરૂઆતમાં સ્કૂલના દિવસોમાં એરિક કુસ્તી કરી લેતો હતો. તેમાં તે ચેમ્પિયન પણ બન્યો. એને બાસ્કેટ બોલનો શોખ હતો, પરંતુ બોલ તેના હાથમાંથી છટકી જતો હતો. અન્ય બાળકો તેની મજાક ઉડાવતાં, પણ એને ખરાબ લાગતું નહોતું. બીજાં બાળકોની જેમ હવે તે સાઈકલિંગ કરી શક્તો નહોતો. ખેલવા-કૂદવાનો મોકો જ ના મળ્યો. માતા-પિતા તો જાણતા જ હતા કે, એક દિવસ એરિક તેની આંખોની રોશની સંપૂર્ણપણે ગુમાવી દેશે, છતાંય તેમને ઊંડે ઊંડે એવી આશા હતી કે, કદાચ કોઈ ચમત્કાર થઈ જશે. પણ એવું કાંઈ જ ના થયું.

હવે તેની ઉંમર ૧૩ વર્ષની થઈ. એક દિવસ એરિકને લાગ્યું કે એને બિલકુલ દેખાતું નથી. જે કાંઈ ધૂંધળું દેખાતું હતું, તે પણ હવે દેખાતું બંધ થઈ ગયું. તે આંખોની રોશની સંપૂર્ણપણે ગુમાવી ચુક્યો હતો. માતા-પિતાને તો ખબર જ હતી કે, એરિક એક દિવસ સંપૂર્ણ રીતે અંધ બની જશે. કોઈ દવા, કોઈ ઉપચાર કામ ના આવ્યાં. કોઈ ચમત્કાર ના થયો. આમ છતાં દીકરાને તેમણે ભાંગી પડવા ના દીધો. એવામાં એરિકની માતાનું અચાનક મૃત્યુ થઈ ગયું. પરિવાર માટે આ બીજો આંચકો હતો. એરિક થોડુંઘણું સમજતો હતો. એ બોલ્યોઃ ”ડેડ ! હવે બધું સમાપ્ત થઈ ગયું.”

પિતાએ કહ્યું: ”બેટા! એવું નથી. એક રસ્તો બંધ થઈ જાય છે, તો ભગવાન બીજો રસ્તો ખોલી દે છે.”

પિતાએ હવે એરિક માટે મા અને પિતા- એમ બેઉ પ્રકારની જવાબદારી ઉપાડી લીધી. નાનકડા એરિકને સવારે ઉઠાડી, તેને નવરાવી, ધોવરાવી, નાસ્તો કરાવી સ્કૂલે મૂકવા જતા, લેવા જતા. રાત્રે જમાડી, ભણાવી તેને ઊંઘાડી દેતા. ધીમે ધીમે એરિકે આંખોમાં રોશની વિના જ જીવતાં શીખી લીધું. એરિક હવે અંધ બાળકો માટેની સ્કૂલમાં ભણતો હતો. હવે તેણે ભણવામાં ધ્યાન પરોવ્યું. ભણતાંભણતાં તેણે રેસિંગ, સ્વિમિંગ, પર્વતારોહણ તથા સ્કીઈંગ પણ શીખવા માંડયું. પ્રજ્ઞાાચક્ષુ બાળકો માટે આ બધી પ્રવૃત્તિઓની પણ ખાસ પ્રકારની તાલીમ અપાતી હોય છે. એરિકને સહુથી વધુ મજા પર્વતારોહણમાં આવી. તેણે અંધ હોવા છતાં પહાડો પર ચઢવાનું કૌશલ્ય શીખી લીધું!

સ્કૂલમાં ભણી લીધા બાદ તે બોસ્ટન યુનિર્વિસટીમાં આગળનું ભણવા દાખલ થયો. અહીંથી તેણે સ્નાતકની ડિગ્રી હાંસલ કરી. ઉનાળાની રજાઓમાં એેણે પાર્ટ ટાઈમ નોકરી કરવા વિચાર્યું. કેટલીયે જગ્યાએ એણે અરજી કરી, પરંતુ તે અંધ હોઈ કોઈ તેને નોકરીમાં રાખવા માંગતું નહોતું. છેવટે તેણે એક હોટલમાં વાસણ ધોવાની નોકરી માટે અરજી કરી પરંતુ ઈન્ટરવ્યૂ વખતે જ તે અંધ હોવાની ખબર પડતાં તેને નોકરી આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો. એરિક કહે છેઃ ”એક તબક્કે મને લાગ્યું કે મારા માટે બધા જ રસ્તા બંધ થઈ ગયા છે. અગર કોઈ મને તક આપવા માગતું હતું તો મારો અંધાપો મને નડતો હતો.”

પરંતુ એરિક નિરાશ ના થયો. એણે હવે ટીચિંગની વિશેષ તાલીમ લીધી. તાલીમ લીધા બાદ તે વિકલાંગ બાળકોને ભણાવવા લાગ્યો. એરિક શારીરિકરૂપે કમજોર બાળકોને મદદ કરવા લાગ્યો અને તેમનો જુસ્સો વધારવા લાગ્યો. હવે તેના મનમાં કાંઈક નવું કરી બતાવવાની ઈચ્છા જાગૃત થઈ. સ્કૂલના દિવસોમાં તેણે પહાડો પર ચઢવાની તાલીમ લીધી હતી. એણે મનોમન નક્કી કરી લીધું કે, ”હું ભલે અંધ છું, પરંતુ એક દિવસ આખી દુનિયાને બતાવી દઈશ કે એક અંધ માણસ પણ કાંઈક અસાધારણ કરી શકે છે.”

એરિકે વિશ્વના સહુથી ઊંચા શિખર એવરેસ્ટ પર ચડવા નિર્ણય જાહેર કર્યો ત્યારે ઘણાએ તેને તેવું દુઃસાહસ ના કરવા સમજાવ્યો. અમેરિકાના પીઢ પર્વતારોહકે પણ કહ્યું કે, ”એરિક અંધ છે તેથી માઉન્ટ એવરેસ્ટ ચઢવું તેના માટે શક્ય નથી.” બીજા અનેક શુભચિંતકોએ પણ એરિકને એવું જોખમ ના લેવા સલાહ આપી. પરંતુ એરિક માન્યો નહીં. એણે ફરી પર્વતારોહણની વિશેષ તાલીમ લીધી. અત્યંત પરિશ્રમ કર્યો. પર્વતારોહણની ઝીણામાં ઝીણી બાબતોનો એણે વ્યવહારિક અનુભવ લીધો અને એક દિવસ નીકળી પડયો એવરેસ્ટ ચઢવા.

એરિક હિમાલયની તળેટીમાં આવ્યો. જરૂરી બધો જ સામાન એણે લઈ લીધો. પ્રજ્ઞાાચક્ષુ હોવાથી અનેક લોકો તેની સામે જોઈ રહ્યા. ઘણાને સંદેહ પણ થયો કે એેરિક પાછો આવશે કે કેમ ? પરંતુ એરિકે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ શરૂ કરી. તે આગળ ને આગળ ચઢતો ગયો. ર્બિફલી હવા અને બેરહમ મૌસમ સામે ઝઝૂમતો રહ્યો, તે ડર્યા વગર આગળને આગળ વધતો રહ્યો. તેને સહુથી વધુ તકલીફ આંખોમાં થતી હતી. આંખોમાં કોઈ ચંૂટીઓ ખણતું હોય તેવી પીડા થતી હતી પરંતુ તે અટક્યો નહીં અને તા. ૨૫મીએ ૨૦૦૧ના રોજ એણે એક નવો જ વિશ્વવિક્રમ સ્થાપી લીધો. એરિક માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયો અને એવરેસ્ટની ટોચ પર પહોંચનારો વિશ્વનો સહુ પ્રથમ નેત્રહીન પર્વતારોહક બની ગયો.

એરિક ખૂબ જ આનંદ સાથે એવરેસ્ટ પરથી નીચે આવ્યો. તે પછી સપ્ટેમ્બર ૨૦૦૨માં દુનિયાના સાત મહાદ્વીપની સહુથી વધુ ઊંચાઈ ધરાવતી પહાડીઓની ટોચ પર ચડવાનો પણ તેણે રેકોર્ડ બનાવ્યો. દુનિયાનો એક પણ એવો ઊંચો પર્વત નથી જેની ઉપર એરિક ચડયો ના હોય. તે પર્વતોના ઊંચા શિખરો પર જ પહોંચ્યો.

એરિકના આ વર્લ્ડ રેકોર્ડથી પ્રભાવિત અમેરિકાના પ્રતિષ્ઠિત ”ટાઈમ”મેગેઝિને એરિકની તસવીર સાથે કવરપેજ સ્ટોરી પ્રગટ કરી. તે પછી એરિકે પોતાના પર્વતારોહણના અનુભવો અને જીવન વિશે પણ કેટલાંયે પુસ્તકો લખ્યા. તે પૈકી તેમણે લખેલું પુસ્તકઃ”ટચ ધી ટોપ ઓફ ધી વર્લ્ડ” સહુથી વધુ મશહૂર છે.

એરિક વિહેનમેયર હવે એક સેલિબ્રિટી પણ છે. તેઓ અચ્છા વક્તા પણ છે. લોકો તેમનાં પ્રેરક પ્રવચનો સાંભળવા બેતાબ રહે છે. એરિક વ્હેન મેયરને પોતાની જિંદગી અંગે કોઈ ફરિયાદ નથી. તેઓ કહે છેઃ ”અગર મારી આંખોમાં રોશની હોત તો ચોક્કસપણે મારું જીવન સહજ હોત, પણ એ વખતે મને એેટલો સંતોષ ના હોત, જેટલો આજે હું ‘મહેસૂસ કરું છું.”

એરિક વિહેનમેયરની વાત સાવ સાચી છે. તેઓ જન્મ પછી અંધ બની ગયા ના હોત તો તેમને નવો રસ્તો શોધવાની ઈચ્છા જ થઈ ના હોત અને માઉન્ટ એવરેસ્ટ ચડવાનો વિચાર જ આવ્યો ના હોત. તેમનું જીવન બીજા અનેક સામાન્ય લોકો જેવું જ હોત. એરિકની વાત સાચી છે કે ઈશ્વર એક રસ્તો બંધ કરી દે છે તો બીજા અનેક રસ્તા ખોલી પણ આપે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

દીપાવલીઃ મનના અંધકારને દૂર કરવાનું પર્વ તમસો મા જ્યોતિર્ગમય

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

દીપાવલીના તહેવારોનો આરંભ થઇ રહ્યો છે ત્યારે દીપક, રંગોળી અને લક્ષ્મીપૂજનનું મહત્ત્વ સમજીએ

દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે. હિન્દુ સમાજનો આ મોટામાં મોટો તહેવાર છે. ગરીબ અને તવંગર એ સૌ કોઈ દીપાવલીના તહેવારને આનંદ અને ઉલ્લાસથી મનાવે છે. દીપાવલી એ પ્રકાશનો તહેવાર છે. ઝૂંપડું હોય, નાનું ઘર હોય, મોટી હવેલી કે બંગલો હોય,પરંતુ આ દિવસોમાં ઘરે ઘરે દીવડાં પ્રગટાવવામાં આવે છે.

દીપકને જીવનની પરંપરા તથા તમસો મા જ્યોતિર્ગમયને આકાંક્ષાનો આધાર માનવામાં આવે છે. ઋગ્વેદ અનુસાર દીપકની ઉત્પત્તિ સૂર્ય દ્વારા થઈ છે. હિન્દુ શાસ્ત્રોમાં નવ પ્રકારની પૂજા અર્ચનાનું વિધાન છે, જેમાં દીપ પૂજા તથા દીપદાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.

ઘણી બધી સદીઓથી દીપાવલી પર્વની કેટલીક પરંપરાઓ ચાલી આવી છે. દિવાળી પહેલાં સાફસફાઈ, રંગાઈ, સાજસજાવટ અને અર્ચનાનાં ભવ્ય રૂપ-એ બધી માન્યતાઓ અને રિવાજને સમજવાની જરૂર છે. દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઈ કરી ઘરને રંગવાથી ઘરની અંદરની નકારાત્મક ઊર્જા બહાર નીકળી જાય છે અને સકારાત્મક ઊર્જા અંદર આવતાં ભાગ્યોદય થાય છે એમ મનાય છે. વૈજ્ઞાાનિક રીતે પણ ચોમાસાની ઋતુથી ઘરમાં પેદા થયેલાં બેક્ટેરિયા મરી જવાથી ઘર કીટાણુરહિત થઈ જાય છે.

દીપક શા માટે પ્રજ્વલિત કરવામાં આવે છે, તેનું પણ એક મહત્વ છે. દીપક મન અને તન બંનેના અંધકારને દૂર કરે છે. દીપક શુભનું પ્રતીક છે. દીપક માત્ર અજવાળું આપે છે તેવું નથી, પરંતુ અંધકાર સામે લડવાની પ્રેરણા પણ આપે છે. દીપકથી જીવનમાં એક સુખદ અનુભૂતિ થાય છે.

ગણપતિ તથા લક્ષ્મીપૂજા શા માટે કરવામાં આવે છે? આમ તો બધા જ ભગવાન શુભ પ્રદાતા છે, પરંતુ દિવાળી પર ખાસ કરીને ગણપતિની પૂજા કરવાનું માહાત્મ્ય એ છે કે ગણપતિ પ્રથમ પૂજ્ય હોવાની સાથેસાથે રિદ્ધિસિદ્ધિ અને શુભ-લાભના દેવતા પણ છે. ગણપતિ પધારતાં જ બધાં સુખ આપોઆપ આવે છે. લક્ષ્મીજીની કૃપાથી ધનનું સુખ પ્રાપ્ત થાય છે. દીપાવલીના દિવસોમાં લક્ષ્મીજીના પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આખરે દુનિયાનું દરેક સુખ લક્ષ્મીજીની સાથે જ જોડાયેલું છે. લક્ષ્મીજીનાં અનેક રૂપ છે. ધન-ધાન્યનાં દેવી, સંસારનાં પાલનહારી, સદૈવ ભગવાન વિષ્ણુની નિકટ નિવાસ કરનારાં દેવી મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુનાં અર્ધાંગિની પણ છે. તેમને બધાં જ સુખો અને ઐશ્વર્યોનાં સ્વામિની પણ માનવામાં આવે છે. દીપાવલીની રાત્રે ધૂમધામ પછી વ્યાપક વિધિ-વિધાન દ્વારા સૌ પ્રથમ વિનાયક ગણપતિનું પૂજન થાય છે અને તેની સાથે સાથે જ લક્ષ્મી અને સરસ્વતીની પૂજાનું પણ વિધાન છે. લક્ષ્મીજીનું બીજું નામ સ્ત્રી પણ છે. જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી, ઝઘડા અને કલહ છે તે ઘરમાં લક્ષ્મીજી રહેવાનું પસંદ કરતાં નથી. અહીં પતિ-પત્નીના ઝઘડા, સાસુ-વહુના ઝઘડા, નણંદ-ભોજાઈના ઝઘડાઓ બધું જ અભિપ્રેત છે. દીપાવલી પહેલાં આ કલહ દૂર કરવો જરૂરી છે. જ્યાં ભ્રૂણહત્યા થાય છે ત્યાં લક્ષ્મીજીનો જ અનાદર છે. બહેનનું અપમાન તે પણ લક્ષ્મીજીનું જ અપમાન છે.

માર્કન્ડેય પુરાણમાં સમસ્ત સૃષ્ટિની મૂળભૂત આધારશક્તિ મહાલક્ષ્મીને માનવામાં આવ્યાં છે. આધારશક્તિ એટલા માટે કે એમને સત્ત્વ, રજ અને તમો એ ત્રણેય ગુણોનાં મૂળ માનવામાં આવ્યાં છે. લક્ષ્મીજી વિષ્ણુપ્રિયા પણ છે. જે ઘરમાં નારાયણની પૂજા થતી નથી તે ઘરમાં લક્ષ્મીજી રહેતાં નથી. ભગવાન નારાયણને લક્ષ્મીજી વગર ફાવે છે, પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ફાવતું નથી. લક્ષ્મીજીને મહેલોમાં કે તિજોરીઓમાં કેદ કરનારાં પણ ચોર અને લુંટારુંઓ જ છે. સમાજે તમને કંઈ આપ્યું હોય તો તે સમાજને પાછું આપવું તે લક્ષ્મીજીનેે પસંદ છે. લક્ષ્મીજીનો સંગ્રહ કરવો અને તેનો સદુપયોગ ન કરવો એ કામ અભાગિયાઓ જ કરે છે.

લક્ષ્મીજીના આકાંક્ષી આપણે જ ઘણી વાર ભૂલી જઈએ છીએ કે જે લક્ષ્મીથી તમે ભવ્ય બંગલા અને આલીશાન આશિયાના બનાવો છો તે લક્ષ્મી ખુદ કદી ભૌતિક ચીજો પાછળ નહીં, પરંતુ ભગવાન વિષ્ણુની પાછળ દોડે છે. ક્ષીરસાગરમાં બિલકુલ શાંત ચિત્તે સૂતેલા ભગવાન વિષ્ણુ જ સમૃદ્ધિનું અસલ પ્રતીક છે. જો તમારી પાસે લક્ષ્મી ને વૈભવ છે તો તમે શ્રેષ્ઠ દાતા બનો. તમારી પાસે કોઈ સુખ સમૃદ્ધિ છે તો તેને વહેંચો. દરરોજ એક અજાણી વ્યક્તિના ચહેરા પર ખુશી લાવો, તમારી ભીતરની સમૃદ્ધિ ઔર વધશે.

યાદ રહે કે સમુદ્રમંથન દરમિયાન પ્રાપ્ત થયેલાં ૧૪ રત્નો પૈકી એક વિશિષ્ટ રત્ન છે – ‘લક્ષ્મી’. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી, તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવંદના, શુભા અને ક્ષમાદાયી છે. ભગવાન વિષ્ણુએ આ અનુપમાનો પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો. આ પ્રકાશમયી દેવી અમાવસ્યાની રાત્રિના અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરતી સમુદ્રમાંથી પ્રગટ થઈ હતી અને સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય બનાવ્યું હતું. આ કાળી અમાવસ્યાને આ કારણથી જ આપણે પ્રતિવર્ષ દીવડાંઓ પ્રગટાવી લક્ષ્મીજીનું સ્વાગત અને પૂજન કરીએ છીએ. કહેવાય છે કે સાત્ત્વિક ધન હોય તે જ લાંબું ટકે છે. જે દાન કરે છે તેનું ધન ટકે પણ છે અને વધે પણ છે. જે લોકો ખોટાં કૃત્યો કરી, દગો-ફટકો કરી, છેતરપિંડી કરી, અનૈતિક રીતરસમો અપનાવી ધન કમાય છે તેને તામસી ધન કહે છે. એવા પરિવારો પાસે ધન હોય તો પણ ઘરમાં ઝઘડા અને ક્લેશ વધે છે, પરિવાર તૂટે છે.

આમ, લક્ષ્મીપૂજન ઉપરાંત દીપાવલીના દિવસે આંખમાં કાજળ કરવાની પણ પરંપરા છે. ધાતુના પાત્રની પાછળ ઘી લગાડી તેને દીવા પર રાખી તેની પર વળતી કાળી મેશથી આંખ આંજવાની પણ એક પરંપરા છે. આ પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવે છે. ભગવાન શ્રીરામ વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા આવ્યા ત્યારે માતા કૌશલ્યાએ પુત્ર શ્રીરામની આંખમાં કાજળ આંજ્યું હતું. માન્યતા એવી છે કે દીપાવલીની રાતે આંખમાં કાજળ આંજવાથી આખું વર્ષ કોઈની બૂરી નજર લાગતી નથી. એ ઉપરાંત આંખની રોશની પણ વધે છે.

દીપાવલીના દિવસોમાં રંગોળીનું પણ એક મહત્ત્વ છે. ઘરના પ્રવેશદ્વાર પાસે રંગોળી દ્વારા લક્ષ્મીજીનાં ચરણ બનાવવાનું પ્રાવધાન છે. તેમાં લાલ, ગુલાબી, પીળો, લીલો અને સફેદ રંગ વપરાય છે. આ બધા જ રંગ સકારાત્મક ઊર્જા લાવે છે તેમાં વાદળી, કાળો, અને રાખોડી રંગ વપરાતો નથી, કારણ કે આ રંગો નકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે રંગોળી એ ખુશી અને ઉત્સવનું પ્રતીક છે.

દિવાળીના તહેવારોમાં આતશબાજી એટલે કે ફટાકડા ફોડવાનું પણ એક માહાત્મ્ય છે. આમ તો ભગવાન શ્રીરામના શુભ આગમન પર અયોધ્યાવાસીઓએ હજારો દીવડાં પ્રગટાવી ફટાકડા ફોડી પોતાની અપ્રતીમ ખુશી વ્યક્ત કરી હતી. રામાયણમાં પણ તેનું વર્ણન છે. એ દિવસની યાદમાં હજારો વર્ષ બાદ આજે પણ ભારતવર્ષમાં આતશબાજી કરવામાં આવે છે. વૈજ્ઞાાનિક રીતે જોઈએ તો ફટાકડાથી ઉત્સાહ વધે છે. રંગીન આતશબાજીથી મનની નિરાશા દૂર થાય છે અને પ્રસન્નતા વધે છે. વીતેલા ચોમાસાના કારણે વાતાવરણમાં રહેલાં જીવજંતુનો નાશ થાય છે. અલબત્ત, ફટાકડા વિવેકસર ફોડવામાં ન આવે તો પ્રદૂષણ પણ વધે છે.

ચાલો, આવતીકાલથી દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે ફરી એક વાર લક્ષ્મીજીનું પૂજન કરવાની સાથે સાથે આપણી વિચારધારા પણ બદલીએ. ધનલક્ષ્મીનો મતલબ એ દેવી નથી જે માત્ર ધન આપે છે. લક્ષ્મીનો મતલબ માત્ર સંપત્તિ જ ન કરીએ. લક્ષ્મીજીને વ્યાપક અર્થમાં સમજીએ. લક્ષ્મી એટલે લક્ષ્ય સિદ્ધ કરવાવાળાં દેવી. તમે સારા શિક્ષક છો તો પણ તમારી પર લક્ષ્મીની કૃપા છે તેમ સમજીએ. તમે સારા વિજ્ઞાાની, ડોક્ટર, અધ્યાપક, ધારાશાસ્ત્રી કે સારા રાજનેતા છો તો પણ તમારું લક્ષ્ય સિદ્ધ થયું છે અને વશિષ્ઠ, વાલ્મીકિ, તુલસીદાસ, વેદવ્યાસ, નારદ, સુદામા, અર્જુન, વિદુરજી કે સાંદિપની બનીને પણ જે તે ક્ષેત્રની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને સમૃદ્ધ બની શકાય છે. એ જ સાચી લક્ષ્મી છે. મનનો અંધકાર દૂર કરવો તે જ સાચી સમૃદ્ધિ છે. તે જ સાચી દીપાવલી છે. શુભ દીપાવલી.

લક્ષ્મીજીની તમારી પર કૃપા છે એમ સમજો. લક્ષ્મીને ભૌતિક સંપત્તિ સમજવાના બદલે આધ્યાત્મિક, સામાજિક, નૈતિક, જ્ઞાાન અને વૈરાગ્યની સંપત્તિ પણ સમજવી તે શ્રેષ્ઠ વિચારધારા છે. તમે શ્રેષ્ઠ જ્ઞાાની છો તો પણ તમે સમૃદ્ધ છો અને તમે શ્રેષ્ઠ સાધુ છો તો પણ સમૃદ્ધ છો તેમ સમજો. આ પૃથ્વી પર બધા જ કુબેરભંડારી થઈ શકે નહીં.

www. devendrapatel.in

ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે, ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે

જનક રાજાનો મહેલ.

મહેલની બહાર સૈનિકો અને પહેરેગીરો તહેનાત હતા. રાજા અંદરના એક વિશાળ સભાખંડમાં દરબાર ભરીને બેઠા હતા. સભામાં વિદ્વાનો, પ્રકાંડ પંડિતો, પ્રતિષ્ઠિત નાગરિકો અને નગરજનો બેઠા હતા. એ સમયે એક છોકરો મહેલના દરવાજે આવીને ઊભો રહ્યો. એનો દેખાવ પણ વિચિત્ર હતો. તેના શરીરનાં આઠેય અંગ વાંકાં હતાં. સૈનિકો પણ તેને જોઈને હસવા લાગ્યા. દ્વારપાળે એ બાળકને પૂછયું, “હે બાલકિશોર! તું કોણ છે? તારું નામ શું છે? અહીં શા માટે આવ્યો છે?”

કિશોરે કહ્યું, “હું ઉદ્દાલક ઋષિનાં પુત્રી સુજાતા અને કહોલ ઋષિનો પુત્ર અષ્ટાવક્ર છું. જનક રાજાએ મારા પિતાને કેદ કર્યા છે. મારા પિતા વાદવિવાદમાં હારી જતાં શરત અનુસાર કેદ થયા છે. મારી માતાની સૂચનાથી હું મારા પિતાને મુક્ત કરાવવા રાજા જનકને મળવા માગું છું.”

દ્વારપાળ પણ બાર વર્ષના બાળકને જોઈ વિચારમાં પડી ગયા કે, આટલો નાનો કિશોર તેના પિતાને કેદમાંથી કેવી રીતે મુક્ત કરાવશે? તેમણે અષ્ટાવક્રને પાછા ઘરે જતા રહેવા સલાહ આપી, પરંતુ ઋષિપુત્ર ટસનો મસ ન થયો. બાળકની મક્કમતા જોઈ રાજા જનકને ખબર આપવામાં આવ્યા. જનક રાજાએ બાળકને અંદર આવવા દેવા અનુમતી આપી.

નાનકડો અષ્ટાવક્ર જનક રાજાના ભરચક દરબારમાં પ્રવેશ્યો. તેનાં આઠેય અંગ વાંકાં હોઈ તે અપંગની જેમ વાંકોચૂકો ચાલતો હતો. એની કઢંગી વક્રચાલ જોઈ વિદ્વાનો, પંડિતો અને નગરજનો હસવા લાગ્યા. જનક રાજા પણ આશ્ચર્યથી એ બાળકને જોઈ રહ્યા. એમણે પૂછયું, “હે બાળક! તું કોણ છે?”

અષ્ટાવક્રએ કહ્યું, “હે રાજન! હું આપના દરબારના બંદી ઋષિની સાથે શાસ્ત્રાર્થમાં હારી ગયેલા કહોલ ઋષિનો પુત્ર અષ્ટાવક્ર છું. મારા પિતા હારી જતાં શરત મુજબ આપે તેમને કેદ કર્યા છે. હું મારા પિતાને કેદમાં નખાવનાર બંદી ઋષિ સાથે શાસ્ત્રાર્થ કરી,તેમને હરાવીને મારા પિતાને મુક્ત કરાવવા આવ્યો છું.”

જનક રાજા બાળકની હિંમતને જોઈ રહ્યા અને વિદ્વાનો તથા પંડિતો ફરી હસવા લાગ્યા. જનક રાજાએ કહ્યું, “બાળક! તું મારી સભાના મહાન પંડિત બંદી ઋષિ સાથે શાસ્ત્રાર્થ કરીશ? તને ખબર છે કે એ કેટલા મોટા વિદ્વાન-પંડિત છે?”

અષ્ટાવક્ર બોલ્યો, “રાજન! આપની સભાને હું પંડિતોની સભા સમજીને આવ્યો હતો, પરંતુ આપની સભામાં બિરાજેલા વિદ્વાનો અને પંડિતો પણ મને ભીતરથી જોવાને બદલે મારા શરીરને જોઈ હસ્યા. તેમણે મને ભીતરથી ઓળખવા પ્રયાસ જ ન કર્યો. મારાં અંગોને જોઈ હસનાર લોકોની દૃષ્ટિ અને ચમારની દૃષ્ટિમાં કોઈ જ ફરક ન રહ્યો. મૃત પશુના દેહ પરથી ચામડી ઉતારવાનું કામ કરનાર ચમારની નજર મૃત પશુનાં હાડ-માંસ અને ચામડાં પર જ હોય છે. મારામાં રહેલાં આત્મા કે જ્ઞાાનને જોવા એમણે કોઈ પ્રયત્ન જ ન કર્યો.”

જનક રાજા નાનકડા બાળકની વાત સાંભળી પ્રભાવિત થયા. સભા પણ શરમાઈ ગઈ. પંડિતો મનોમન આત્મખોજ કરવા લાગ્યા. જનક રાજાએ કહ્યું, “બાળક! હું તને બંદી ઋષિ સાથે શાસ્ત્રાર્થ કરવા અનુમતી આપું છું. તારે તારા પિતાને કેદમાંથી મુક્ત કરાવવા હોય તો તારે જાહેરમાં જ બંદી ઋષિને શાસ્ત્રાર્થમાં હરાવવા પડશે. તું જીતી જઈશ તો તારા પિતાને હું તને સોંપીશ.”

અષ્ટાવક્રએ કહ્યું, “હે રાજન! બંદી ઋષિએ મારા પિતાને શાસ્ત્રાર્થમાં હરાવી પાતાળ લોકમાં મોકલી આપ્યા છે. બંદી ઋષિ મારી સાથે હારી જશે તો એમણે અગ્નિ લોકમાં પ્રવેશ કરવો પડશે.”

બંદી ઋષિએ શરત મંજૂર રાખી. જાહેર સભામાં જ એક પ્રકાંડ પંડિત ઋષિ અને એક નાનકડા બાળક વચ્ચે શાસ્ત્રાર્થ શરૂ થયોઃ

બંદીઃ “હે અષ્ટાવક્ર! આ પૃથ્વી શામાં ઓતપ્રોત છે?”

અષ્ટાવક્રઃ “જળમાં.”

બંદીઃ “અને જળ?”

અષ્ટાવક્રઃ “જળ વાયુમાં.”

બંદીઃ “વાયુ શામાં ઓતપ્રોત છે?”

અષ્ટાવક્રઃ “અંતરિક્ષલોકમાં.”

બંદીઃ “અંતરિક્ષ શામાં ઓતપ્રોત છે?”

અષ્ટાવક્રઃ “ગંધર્વલોકમાં.”

બંદીઃ “ગંધર્વ લોક શામાં ઓતપ્રોત છે?”

અષ્ટાવક્રઃ “ચંદ્રલોકમાં.”

બંદીઃ “ચંદ્રલોક શામાં ઓતપ્રોત છે?”

અષ્ટાવક્રઃ “નક્ષત્રલોકમાં.”

બંદીઃ “નક્ષત્ર લોક શામાં ઓતપ્રોત છે?”

અષ્ટાવક્રઃ “દેવલોકમાં”

બંદી, “દેવલોક શામાં ઓતપ્રોત છે?”

અષ્ટાવક્ર, “ઇન્દ્રલોકમાં”

બંદી, “ઇન્દ્રલોક શામાં ઓતપ્રોત છે?”

અષ્ટાવક્ર, “પ્રજાપતિલોકમાં.”

બંદી, “પ્રજાપતિલોક શામાં ઓતપ્રોત છે?”

અષ્ટાવક્ર, “બ્રહ્મલોકમાં.”

બંદી, “અને બ્રહ્મલોક શામાં ઓતપ્રોત છે?”

અષ્ટાવક્ર : હે મૂર્ખ બંદી! બ્રહ્મલોક સર્વોપરી છે. તે કોઈનામાં ઓતપ્રોત નથી. એનામાં સહુ ઓતપ્રોત છે.”

અષ્ટાવક્ર સાથેની પ્રશ્નોત્તરી અને શાસ્ત્રાર્થથી વરુણપુત્ર બંદી પ્રસન્ન થયા. તેમણે અષ્ટાવક્રની શાસ્ત્રાર્થમાં સર્વોપરિતા કબૂલ કરી. જનક રાજાના દરબારમાં સહુને હરાવનાર બંદી ઋષિને હરાવનાર અષ્ટાવક્રને સહુ બ્રાહ્મણો અને વિદ્વાનો મળ્યા અને તેમણે પણ પ્રસન્નતા વ્યક્ત કરી અને અષ્ટાવક્રનાં આઠ અંગોની વક્રતા જોઈને હસવા બદલ એ સહુએ દુઃખ અને પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો. શરત મુજબ અષ્ટાવક્રના પિતાને પાતાળ-વરુણલોકમાંથી મુક્ત કરવામાં આવ્યા, પરંતુ જનક રાજાએ અને બીજા વિદ્વાનોએ પણ બહુ જ નમ્રતાથી પૂછયું, “હે બાળક! તારાં આ આઠ અંગોની વિકૃતિનું કારણ શું છે?”

અષ્ટાવક્રે પોતાનાં આઠ અંગોની વિકૃતિ અંગે જે સ્પષ્ટતા કરી તે આમ હતીઃ અષ્ટાવક્રના પિતા બડા પંડિત હતા. અષ્ટાવક્ર જ્યારે તેમની માતાના ઉદરમાં હતા તે વખતે તેમના પિતા રોજ વેદના પાઠ કરતા હતા અને અષ્ટાવક્ર માતાના ગર્ભમાં સાંભળતા હતા. એક દિવસ માતાના ગર્ભમાંથી અવાજ આવ્યો, “પિતાજી, થોભી જાવ. આ બધું ખોટું છે. તેમાં કોઈ જ્ઞાાન નથી. તમે જે પાઠ કરો છો તે તો માત્ર શબ્દોનો સંગ્રહ છે. શાસ્ત્રમાં જ્ઞાાન ક્યાં છે? જ્ઞાાન સ્વયંમાં છે. શબ્દમાં સત્ય ક્યાં છે? સત્ય સ્વયંમાં છે.”

આ સાંભળી પિતાનો પિત્તો ગયો. પુત્ર હજુ ગર્ભમાં જ હતો. વેદ ભણવા માટે તેણે દ્વિજ સંસ્કાર હજુ મેળવ્યા નહોતા. એ પહેલાં જ એણે મારી ભૂલો શોધવા માંડી. હું એક પંડિત છું, એવા અહંકારથી ક્રોધિત થયેલા પિતાએ પુત્રને શાપ આપી દીધો, “જા, તું આઠ વાંકાં અંગ સાથે જન્મીશ.”

પિતા વિદ્વાન હતા, શાસ્ત્રાર્થી હતા, પંડિત હતા. તેમનો અહંકાર ઘવાતાં તેમણે આપેલા અભિશાપના કારણે પુત્ર આઠ વાંકાં અંગ સાથે જન્મ્યો તેથી તેનું નામ અષ્ટાવક્ર પડયું.

આવા અષ્ટાવક્રના જીવન વિશે બહુ લખાયું નથી, પરંતુ જનક રાજાએ અષ્ટાવક્રને પગે લાગી પોતાના મહેલમાં એક ઊંચા આસન પર સ્થાન આપ્યું અને જીવનમૃત્યુના મર્મ અંગે પોતાના સંશયો દૂર કરવા પ્રશ્નોત્તરી કરી. અષ્ટાવક્રએ આપેલું જ્ઞાાન’અષ્ટાવક્રગીતા’ તરીકે ઓળખાય છે. કેટલાક તેને ‘અષ્ટાવક્રસંહિતા’ તરીકે પણ ઓળખાવે છે.

જનક રાજાનો પહેલો પ્રશ્ન હતો, “હે પ્રભુ! જ્ઞાાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? મુક્તિ કેવી રીતે મળે? વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય?”

અષ્ટાવક્રએ કહ્યું, “હે રાજન! શાસ્ત્રોને કંઠસ્થ કરી લેવાં તે જ્ઞાાન નથી. જેને તમે જ્ઞાાન કહો છો તે તો માનવીને બાંધી લે છે. જ્ઞાાન તો એ છે જે મુક્ત કરે. હે રાજન! જો મુક્તિ ચાહતા હો તો વિષયોને વિષની જેમ છોડી દો. વિષયોના બદલે ક્ષમા, આર્જવ, દયા,સંતોષ અને સત્યને અમૃત સમજી તેનું સેવન કરો. વિષયો ઝેર છે. તેને ખાઈ ખાઈને આપણે રોજ રોજ મરીએ છીએ. ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે. કુટિલતા વિષ છે, સરળતા-આર્જવ અમૃત છે. ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે. અસંતોષ વિષ છે, સંતોષ અમૃત છે. સંતોષ અને સત્યને અમૃત માની તેનું સેવન કરો.”

અષ્ટાવક્ર કહે છે, “પ્રામાણિકતા અને સત્યથી જ તમે પરમાત્મા સાથે જોડાઈ શકો છો. પરમાત્માથી અલગ થવું હોય તો અસત્યનાં વાદળો ઊભાં કરો. જેટલા તમે અસત્યની નજીક જશો એટલા તમે પરમાત્માથી દૂર જશો.”

અષ્ટાવક્ર એથીયે આગળ વધીને કહે છે, “તું ન તો પૃથ્વી છે, ન તો જળ છે, ન તો આકાશ છે. મુક્તિ માટે આત્માને, પોતાની જાતને આ બધાંનો સાક્ષી, ચૈતન્ય જાણ. સાક્ષી બનવાથી જ જ્ઞાાન પ્રાપ્ત થશે. એનાથી જ વૈરાગ્યની પ્રાપ્તિ થશે. એનાથી જ મુક્તિ મળશે. તું તારા દેહને પોતાની જાતથી અલગ કરીને ચૈતન્યમાં વિશ્રામ કરીશ તો તું અત્યારે જ સુખી, શાંત અને બંધનમુક્ત થઈ જઈશ. જે ક્ષણે તને એ વાતની અનુભૂતિ થશે કે હું દેહ નથી, હું કર્તા નથી, હું ભોક્તા નથી અને જે જોવાવાળો છે તે તો ભીતરમાં છુપાયેલો છે અને તે બધું જ જુએ છે એ ક્ષણે તું જ્ઞાાન-વૈરાગ્ય અને મુક્તિને પામી જઈશ. ટૂંકમાં, તું ચૈતન્યમાં વિશ્રામ કર.”

ધ્યાનનો આત્યંતિક અર્થ વિશ્રામ છે. તમને જેની ખોજ છે તે તો તમને પ્રાપ્ત થયેલું જ છે. પરમાત્મા દોડવાથી નથી મળતા, કારણ કે પરમાત્મા દોડવાવાળાની ભીતર જ છુપાયેલા છે. અષ્ટાવક્રનાં વચનો ક્રાંતિકારી છે. તેઓ કહે છે, “ન તો તું કોઈ બ્રાહ્મણ છે કે ન તો શૂદ્ર છે. ન કોઈ ક્ષત્રિય કે ન કોઈ વૈશ્ય. આ બધું બકવાસ છે. તું ન તો કોઈ આશ્રમવાળો છે, ન બ્રહ્મચર્ય આશ્રમ, ન ગૃહસ્થાશ્રમ, ન વાનપ્રસ્થ કે ન સંન્યસ્ત આશ્રમવાળો છે. તું તો આ બધાં સ્થાનોમાંથી જ પસાર થનાર એક દ્રષ્ટા જ છે, એક સાક્ષી જ છે.”

અષ્ટાવક્રના આવા ક્રાંતિકારી વિચારોના કારણે અષ્ટાવક્રની ગીતા સર્વ કોમોની ગીતા ગણાઈ છે. એમના સમયમાં મુસલમાનો કે ખ્રિસ્તીઓ હોત તો અષ્ટાવક્ર એમ જ કહેત કે, “ન તો તું હિન્દુ છે, ન તો તું મુસલમાન છે અને ન તો ઈસાઈ છે.”

અને એ જ કારણે અષ્ટાવક્રની ગીતાનું જ્ઞાાન કપરું છે, વ્યવહારુ નથી. બધાં જ ધર્મશાસ્ત્રોમાં અષ્ટાવક્ર ગીતા એક અનોખી ગીતા છે. હિન્દુ સમાજ પર ભગવાન શ્રીકૃષ્ણની ગીતાનો જબરદસ્ત પ્રભાવ છે, કારણ કે કૃષ્ણની ગીતા સમન્વયની ગીતા છે. તેમાં ક્યારેક સત્યનો આગ્રહ ઓછો અને સમન્વયનો આગ્રહ વધુ છે. ‘અશ્વત્થામા મરાયો’, એ વચનમાં અસલી સત્ય છુપાવવામાં આવ્યું હતું. અષ્ટાવક્ર સત્યની બાબતમાં જરાયે સમાધાનકારી નથી. તેમણે સત્ય જેવું છે તેવું જ કહ્યું છે. સાંભળવાવાળાને એ ગમશે કે નહીં તેની ચિંતા અષ્ટાવક્ર કરતા નથી. તેની સામે ભગવાન શ્રીકૃષ્ણની ગીતા લોકપ્રિય છે, કારણ કે તેમાંથી સહુ કોઈ પોતાને અનુકૂળ આવે એવો અર્થ કાઢી શકે છે. કેટલાક વિવેચકો કહે છે કે, “કૃષ્ણની ગીતા કાવ્યાત્મક છે. તેમાં બે વત્તા બે પાંચ પણ થઈ શકે છે અને બે વત્તા બે ત્રણ પણ થઈ શકે છે. અષ્ટાવક્રની ગીતામાં આવો કોઈ ખેલ શક્ય નથી. અષ્ટાવક્રની ગીતામાં બે વત્તા બે એટલે ચાર જ થાય. કૃષ્ણની ગીતા વાંચીને ભક્ત પોતપોતાનો અર્થ કાઢી શકે છે, કારણ કે કૃષ્ણે ભક્તિની વાત કહી છે. ભક્તિમાર્ગી પોતાનો અર્થ શોધી શકે છે. કર્મયોગી પોતાનો અર્થ શોધી શકે છે, કારણ કે કૃષ્ણે કર્મયોગની વાત પણ કહી છે. જ્ઞાાની પોતાનો અર્થ કાઢી શકે છે, કારણ કે કૃષ્ણે પરમાત્માને પામવા જ્ઞાાનયોગની વાત પણ કહી છે. કૃષ્ણ ક્યારેક ભક્તિને સર્વશ્રેષ્ઠ કહે છે, ક્યારેક કર્મયોગને સર્વશ્રેષ્ઠ કહે છે, ક્યારેક જ્ઞાાનને સર્વશ્રેષ્ઠ કહે છે.”

આ કારણથી ઘણા ટીકાકારો કૃષ્ણના વક્તવ્યને રાજનૈતિક વક્તવ્ય કહે છે. કૃષ્ણને તેઓ કુશળ રાજનેતા માને છે. કૃષ્ણને કેટલાક રાજનીતિજ્ઞા માને છે. કૃષ્ણની ગીતામાં સહુ કોઈનું ધ્યાન રાખવામાં આવ્યું હોઈ તે સહુને પ્રિય છે. એ કારણથી કૃષ્ણની ગીતા પર હજારો ટીકાઓ, વિવેચનો લખાયાં છે, જ્યારે અષ્ટાવક્રની ગીતાના વક્તવ્યમાં સત્ય સાથે સમાધાનની કોઈ વાત નથી. એ કારણથી અષ્ટાવક્રની ગીતા પર કોઈ વિવેચનો લખાયાં નથી અને એ કારણે જનક રાજાએ પણ જેમની પાસેથી જ્ઞાાન પ્રાપ્ત કર્યું એવા મહાન ઋષિ અષ્ટાવક્રનું આજે ક્યાંયે મંદિર નથી.

અષ્ટાવક્ર કહે છે, “હે વ્યાપક! હે વિભાયાન! હે વિભૂતિસંપન્ન! ધર્મ-અધર્મ, સુખ અને દુઃખ એ મનની પેદાશ છે. એ બધા મનના તરંગો છે. એ બધું તારા માટે નથી. તું ન તો કર્તા છે, ન તો ભોક્તા છે. તું તો સર્વદા મુક્ત છે. તું થઈ જા સુખી, તારી ભીતર વાસના નથી તો જે શેષ રહી જાય છે તેનું નામ છે ધ્યાન. આનંદ સત્યની પરિભાષા છે. જ્યાંથી આનંદ મળે એ જ સત્ય છે. એટલે જ પરમાત્માને ‘સચ્ચિદાનંદ’ કહેવામાં આવે છે. આનંદ તેની આખરી પરિભાષા છે. આનંદને સત્યની ઉપર, ચિત્તની ઉપર રાખવામાં આવ્યો છે. પરમાત્માને સચ્ચિદાનંદ એટલે જ કહેવાયા છે. પરમાત્મા તમારી ભીતર વસેલા છે. તમે એને બહાર જઈ શોધો છો, ભોગથી કે યોગથી. એ બધું વ્યર્થ છે. કસ્તૂરી મૃગની નાભિ જ્યારે ફૂટે છે ત્યારે તેની માદક સુગંધથી કસ્તૂરી મૃગ પાગલ થઈને ભાગે છે. એ જાણવા માગે છે કે આ ખુશબૂ ક્યાંથી આવી? એને બિચારાને ખબર જ નથી કે એ મહેક તો તેના દેહની ભીતરમાં રહેલી નાભિમાંથી આવી રહી છે. બસ, આવું જ છે પરમાત્માનું. પરમાત્મા તમારી ભીતર જ નિવાસ કરે છે. તેને યોગ કે ભોગથી શોધવા બહાર જવાની જરૂર નથી.”

આવું અદ્ભુત જ્ઞાાન અષ્ટાવક્રએ જગતને આપ્યું છે. વિચારકો માને છે કે અષ્ટાવક્ર કોઈ દાર્શનિક નથી. અષ્ટાવક્ર કોઈ વિચારક નથી. અષ્ટાવક્ર તો એક સંદેશવાહક છે, ચૈતન્યના સાક્ષીના. તેઓ એટલું જ કહે છે, “દુઃખ હોય તો દુઃખને જુઓ. સુખ હોય તો સુખને પણ જુઓ. દુઃખ વખતે એમ ન કહો કે હું દુઃખી થઈ ગયો. સુખ વખતે એમ ન કહો કે હું સુખી થઈ ગયો. બંનેને આવવા દો. રાત્રિ આવે તો રાત્રિ નિહાળો. દિવસ આવે તો દિવસને જુઓ. રાત્રિને ન કહો કે હું રાત્રિ થઈ ગયો. દિવસને ન કહો કે હું દિવસ થઈ ગયો. બસ, તમે એક જ વાત સાથે તાદાત્મ્ય રાખો કે તમે માત્ર ને માત્ર દ્રષ્ટા છો, સાક્ષી છો.”

મૃત્યુ પછી જીવનું શું થાય છે? મૃત્યુ પર વિજય કેવી રીતે મળે?

અરુણ એક મર્હિષ હતા. તેઓ અન્નદાન ખૂબ કરતા. તેમને ઉદ્દાલક નામનો પુત્ર હતો. મર્હિષ અરુણના પુત્ર ઉદ્દાલકે એક વખત વિશ્વજિત નામના યજ્ઞાનું આયોજન કર્યું. યજ્ઞા સંપન્ન થયા પછી તેમણે બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે ગાયો મગાવી, પરંતુ એ ગાયો અત્યંત દુર્બળ અને વૃદ્ધ હતી. કેટલીક તો સાવ હાડપિંજર જેવી થઈ ગયેલી હતી. એવી નિર્બળ ગાયોને જોઈ ઉદ્દાલકના નાનકડા પુત્ર નચિકેતાએ કહ્યું, “પિતાજી! દાન આપવાની ચીજ તો ઉત્તમ હોવી જોઈએ, તો તમે કનિષ્ઠ વસ્તુનું દાન કેમ આપવા માગો છો?”

ઉદ્દાલકે પૂછયું, “તો શાનું દાન આપવું જોઈએ?”

નાનકડા નચિકેતાએ કહ્યું, “જે વસ્તુ તમને સહુથી પ્રિય હોય તેનું દાન આપવું જોઈએ. એ જ દાન શ્રેષ્ઠ ગણાય.”

નચિકેતાની ઉંમર નાની હોવા છતાં પોતાને સલાહ આપતો હોઈ પિતાનો અહં ઘવાયો. એમણે કહ્યું, “એમ તો તું મારો પુત્ર હોઈ તું જ મને સૌથી વધુ પ્રિય છે.”

નચિકેતા બોલ્યો, “તમારી પ્રિય વસ્તુ હું છું, તો તમે મને કોને દાનમાં આપવાનો વિચાર કર્યો છે?”

પિતાથી પુત્રનું આ ડહાપણ સહન ન થયું. પિતા ઉદ્દાલક પણ એક ઋષિ હતા, પણ આવેશમાં આવી જઈને તેમણે કહ્યું, “જા, હું તને મૃત્યુના દેવ યમદેવતાને દાનમાં આપું છું.”

નાનકડો નચિકેતા સ્થિર રહ્યો. એ સીધો જ યમદેવતાના ભવન પર પહોંચી ગયો. એ ત્યાં પહોંચ્યો ત્યારે યમદેવતા ઘરે નહોતા. નચિકેતા યમદેવતાના ઘરની બહાર ત્રણ દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો બેસી રહ્યો. ત્રણ દિવસ પછી યમદેવતા ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું તો એક નાનકડો બાળક ત્રણ દિવસથી ભૂખ્યો-તરસ્યો તેમના ઘરની બહાર બેસી રહ્યો હતો. તેમને અપાર દુઃખ થયું. તેમણે કહ્યું, “તું કોણ છે?”

“હું નચિકેતા, ઋષિ ઉદ્દાલકનો પુત્ર છું. તેમણે મને તમારી પાસે દાનરૂપે મોકલી આપ્યો છે.” નચિકેતા બોલ્યો.

યમદેવતાએ કહ્યું, “નચિકેતા! તું ત્રણ દિવસથી ભૂખ્યો છે. તેં પાણી પણ પીધું નથી. તું મારી પાસેથી ત્રણ વરદાન માગી લે. તારા જેવા પવિત્ર બાળકની ઇચ્છા સંતોષવાથી મને શાંતિ પ્રાપ્ત થશે.”

નચિકેતાએ કહ્યું, “યમદેવતા! હું તમારા ઘરે આવવા નીકળ્યો ત્યારે મારા પિતા ક્રોધે ભરાયેલા હતા. હું ઘરે પાછો જાઉં ત્યારે તેઓ મને બહુ જ પ્રેમ આપે અને શાંત થઈ જાય એવું કરો.”

“નચિકેતા, તારી ઇચ્છા પ્રમાણે જ થશે. હવે બીજું વરદાન માગ.”

નચિકેતાએ બીજું વરદાન માગતાં કહ્યું, “હે યમદેવતા! મેં સાંભળ્યું છે કે સ્વર્ગલોકમાં વસતા જીવોને ભય, વ્યાધિ, ભૂખ, તરસ કે વૃદ્ધત્વની અસર થતી નથી. સ્વર્ગલોકમાં રાત-દિવસ સુખ અને શાંતિ હોય છે. મને એ કહો કે, સ્વર્ગલોકની પ્રાપ્તિ કેવી રીતે થાય?”

નચિકેતાના બીજા વરદાનના પ્રતિભાવમાં યમદેવતાએ નચિકેતાને વિશેષ પ્રકારે યજ્ઞાનું વિધાન દર્શાવ્યું. તે પછી બોલ્યા, “હવે ત્રીજું વરદાન માગ.”

નાનકડા નચિકેતાએ ત્રીજા વરદાન રૂપે એક જિજ્ઞાાસા વ્યક્ત કરી. તે બોલ્યો, “હે યમદેવતા! મારે મૃત્યુ વિશે જાણવું છે. મૃત્યુ પછી જીવનું શું થાય છે? કોઈ કહે છે કે, મૃત્યુ પછી જીવ રહેતો નથી, તો કોઈ કહે છે કે, મૃત્યુ પછી જીવ રહે છે. એવો કોઈ માર્ગ છે કે જેથી અમરત્વ પ્રાપ્ત થાય? એવો કોઈ રસ્તો છે કે, મૃત્યુ પર વિજય પ્રાપ્ત થાય?”

એક નાનકડા બાળકના મુખેથી પુછાયેલા અઘરા પ્રશ્નથી યમદેવતા પણ મૂંઝાયા. આમેય યમદેવતા કોઈને પણ મૃત્યુ પરના વિજયનું રહસ્ય બતાવવા ઇચ્છતા નહોતા. તેમણે નચિકેતાને કહ્યું, “નચિકેતા! તને જે વિષયની જિજ્ઞાાસા છે તે ઘણો ગૂઢ છે. મારા સિવાય એ રહસ્ય કોઈ જાણતું નથી. દેવો પણ આ રહસ્ય જાણવાની ઇચ્છા ધરાવે છે. તું એ વિષય પર જાણવાનો આગ્રહ છોડી દે અને બીજું કોઈ વરદાન માગી લે.”

નચિકેતા બોલ્યો, “જો દેવો પણ અમરત્વનું રહસ્ય જાણવા માંગતા હોય તો એનો અર્થ એ છે કે, એ વિષય જ મહત્ત્વનો છે. વળી આ વિષયમાં મને તમારાથી વધુ વિદ્વાન કોઈ વ્યક્તિ મળે તેમ નથી. મારે બીજું વરદાન નથી માગવું. મને તો આ વિષય પર જ જ્ઞાાન આપો.”

નચિકેતાની દૃઢતા જોઈ યમદેવતા પ્રસન્ન થયા, પણ હજુ તેઓ જ્ઞાાન મેળવવા માગતા બાળકની લાયકાતની વધુ કસોટી કરવા ઇચ્છતા હતા. તેમણે નચિકેતાને પ્રલોભન આપતાં કહ્યું, “નચિકેતા! તારી ઇચ્છા હોય તો સો-સો વર્ષના આયુષ્યવાળા પુત્રો અને પૌત્રોની માગણી કર. તને જોઈએ તેટલું સોનું, હાથી, ઘોડા અને સામ્રાજ્ય આપું. તું વિપુલ ધન અને પૃથ્વીના સમ્રાટ થવાનું માગ. પૃથ્વી પરના શ્રેષ્ઠ રથમાં વાજિંત્રોવાળી સુંદર સ્ત્રીઓ આપું, પણ મૃત્યુના રહસ્યના જ્ઞાાનની ઇચ્છા છોડી દે.”

નચિકેતાએ અત્યંત વિવેકપૂર્ણ સ્વરે કહ્યું, “હે યમદેવતા! તમે જે પદાર્થો અને વિષયો કહ્યા તે બધા નાશવંત છે. ઇન્દ્રિયોનું તેજ અને સામર્થ્યનો તે નાશ કરે છે. ક્ષણિક ચમકારા જેવા ટૂંકા જીવનમાં માણસ વિલાસ, વૈભવ અને ઇન્દ્રિયોના ભોગ પાછળ સમય બગાડે તો જીવનનો વિકાસ તે ક્યારે કરે? મને સુંદર સ્ત્રીઓ, ધન કે સંપત્તિ જોઈતાં નથી, ડાહ્યા માણસોએ તો તેમનો સઘળો સમય આત્માની ઉન્નતિ માટે જ વાપરવો જોઈએ. હે યમદેવ! સંપત્તિથી માનવીને શાંતિ મળતી નથી. સંપત્તિથી બહુ બહુ તો સાંસારિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે, પણ અમરત્વ પ્રાપ્ત થતું નથી. સંપત્તિથી જન્મ-મરણનાં રહસ્યનો ઉકેલ આવતો નથી. મને તો મૃત્યુ પછી જીવના વિશે જે સંશય થયો છે તેના નિવારણનું જ જ્ઞાાન આપો. મેં જે વરદાન માગ્યું છે તે જ મને આપો. મારે બીજું કાંઈ જોઈતું નથી.”

એક નાનકડો બાળક સાંસારિક સુખોનાં કોઈ પ્રલોભન આગળ ઝૂક્યો નહીં. તેની અડગતા જોઈ યમદેવતાને લાગ્યું કે નચિકેતાની જ્ઞાાનપ્રાપ્તિ માટેની યોગ્યતા બરાબર છે.

યમદેવતાએ કહ્યું, “નચિકેતા! સંસારના પ્રિય પદાર્થો અને ઉપભોગોની ઇચ્છા ત્યજીને તું ધન કે સંપત્તિની લાલસાથી અંજાયો નથી. તને કેવળ સત્ય જ્ઞાાનની ભૂખ છે. ઘણાં બુદ્ધિમાનો પણ સાંસારિક પદાર્થોના મોહમાં અંધ બની જાય છે. તારી વય નાની હોવા છતાં તારી માગણીમાં તું અડગ રહ્યો છે. ખરેખર તારા જેવો જિજ્ઞાાસુ મને કોઈ નહીં મળે.”

એ પછી ફરી યમદેવતાએ નચિકેતાને સહુથી પહેલાં શ્રેય અને પ્રેય વિશે જ્ઞાાન આપતાં કહ્યું, “શ્રેય એટલે આત્મકલ્યાણ અને પ્રેય એટલે સંસારના પ્રિય લાગતા પદાર્થો. દરેકના જીવનમાં એક તબક્કો એવો આવે છે જ્યારે આત્મકલ્યાણનો માર્ગ અથવા તો સંસારના ભોગોનો માર્ગ, એ બેમાંથી એકની પસંદગી કરવાની આવે છે. સુખી થવાનો માર્ગ આત્મોન્નતિનો છે, સાંસારિક ભોગોનો નહીં. અલબત્ત, એનો અર્થ એ નથી કે શ્રેય અને પ્રેય એકબીજાના વિરોધી છે. હકીકતમાં બંને સાવકી માતાનાં બે સંતાનો જ છે. બંને માર્ગો એકબીજાના વિરોધી નથી. જીવનમાં બંનેની વત્તેઓછે અંશે જરૂર રહે છે. માણસને જીવનને સુખી, સમૃદ્ધ અને સુશોભિત રાખવા પ્રેયની પણ જરૂર રહે છે તેમ આત્મોન્નતિ માટે શ્રેયની પણ જરૂર રહે છે. એકબીજા તરફ સૂગ રાખવાની જરૂર નથી.”

તે પછી આત્મજ્ઞાાન આપતાં યમદેવતાએ કહ્યું, “આત્મા અમર છે. શરીરમાં તેની ઉપસ્થિતિથી જ તે કામ કરે છે. જીવન આટલું જ છે અને તે પછી કંઈ જ નથી તેમ માનવું ખોટું છે. આ જીવન પૂરું થયા પછી બીજું અનંત જીવન બાકી રહે છે, એમ જે જાણે છે તે જ સાચા અર્થમાં જ્ઞાાની છે. આત્મા અત્યંત ગૂઢ છે, સૌથી જૂનો અને પ્રાચીન છે. તે જ્ઞાાન અને યોગથી જાણી શકાય છે. આત્માનું જ્ઞાાન મેળવ્યા બાદ માનવી આનંદમય બની જાય છે. તું તેમાં પ્રવેશ કરવા માટે યોગ્ય છે, નચિકેતા.”

યમદેવતાએ કહ્યું, “આત્મા એ જ પરમાત્મા છે. તેને બ્રહ્મ પણ કહે છે. તે પરમપદ અને પરમતત્ત્વ પણ છે. તેને પ્રાપ્ત કરવા તપસ્વીઓ તપ કરે છે. તે અવિનાશી છે. તેને જાણી લેવાથી માનવી જે જે વસ્તુની ઇચ્છા કરે છે તે તેને મળી રહે છે. જે તેને જાણી લે છે તે સંસારમાં મહાન બની જાય છે અને પોતાની પ્રતિભાથી સર્વત્ર પૂજાય છે. આત્મા કદી જન્મતો નથી, કદી મરતો નથી. તે જન્મરહિત, નિત્ય, સનાતન અને સહુથી પુરાતન છે. આત્મા કદી કોઈથી હણાતો નથી. આત્મા કોઈને હણતો નથી. આત્મા હૃદયરૂપી ગુફામાં બિરાજમાન છે. તેનું દર્શન દરેકને થતું નથી. મનને નિર્મળ કરવાથી, કામના તથા શોકથી રહિત થવાથી, તેનો અનુભવ થઈ શકે છે. આત્માને વ્યાપક રૂપે જાણીને વિવેકી વ્યક્તિ શોક અને મોહથી મુક્તિ મેળવે છે.”

યમદેવતાએ કહ્યું, “વેદોનો અભ્યાસ કરવાથી કે તેના પાઠમાં પ્રવીણ થવાથી આત્માની પ્રાપ્તિ થતી નથી. બહુ વિશાળ કે ઊંડી બુદ્ધિ દ્વારા શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરવો પણ જરૂરી નથી. માણસ ભલે નિરક્ષર હોય, વેદનો અક્ષર પણ જાણતો ન હોય, છતાં આત્માને ઓળખવાનું વ્રત લે, આત્માના અનુભવનો દૃઢ સંકલ્પ કરે, તેની જ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે તો તેની પ્રાપ્તિ થાય છે. જેનું મન અતિશય ચંચળ છે અને પોતાની ઇન્દ્રિયો તથા મન પર કાબૂ નથી તથા જેનું જીવન દુરાચાર, અનીતિ અને અધર્મથી ભરેલું છે તેને પરમાત્માનું દર્શન કદી થતું નથી. શરીર એક રથ છે, આત્મા તેમાં બેઠેલો યોદ્ધા છે. બુદ્ધિ સારથિ છે, મન તેની લગામ છે, ઇન્દ્રિયો રથના ઘોડા છે. વિષયો તેમના ભોગસ્થાન અને રસ્તા છે. શરીર, મન તેમજ ઇન્દ્રિયો સાથે સંબંધમાં આવી જઈને જે આત્મા વિષયોને ભોગવે છે તે ભોક્તા છે. ઘોડા તોફાની હોય તો સારથિના કાબૂમાં રહેતા નથી. ચંચળ મન અને અજ્ઞાાની માણસોની ઇન્દ્રિયો તેના વશમાં રહેતી નથી. સારા અને શાંત ઘોડા જ સારથિના કાબૂમાં રહે છે, તેમ સ્થિર મનના વિવેકી માણસની ઇન્દ્રિયો સદા તેના નિયંત્રણમાં રહે છે. પરમાત્માની પ્રાપ્તિ બાદ ફરી જન્મવાનું રહેતું નથી. માર્ગ વિકટ છે, મુશ્કેલી અને મૂંઝવણથી ભરેલો છે. તે પાર કરવા ખૂબ ધીરજ, હિંમત, વિવેક અને સાવધાની જરૂરી છે, પરંતુ સાધકે ડરવાની જરૂર નથી. જે વ્યક્તિ એ મુશ્કેલીઓ, ભયસ્થાનો અને પ્રલોભનોને સરળતાથી પાર કરી જશે તેને પરમાત્માનો સાક્ષાત્કાર જરૂર થશે.”

યમદેવતાએ નચિકેતાને કહ્યું, “પરમાત્મા સૌના આદિ છે. તેમનાથી જ આ સંસારની ઉત્પત્તિ થાય છે. સૌનાં હૃદયમાં તે બિરાજમાન છે. તે આત્મા પણ કહેવાય છે. બંનેનું સ્વરૂપ સરખું જ છે. તેમાં જે ભેદ જુએ છે તે અજ્ઞાાની છે. જે તેને જાણતો નથી તે માનવી વારંવાર જન્મ અને મરણના ચક્રમાં ફર્યા કરે છે. જે સાધક આત્માનો અનુભવ કરી લે છે તેનો આત્મા પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય છે અને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિને પામે છે.”

યમદેવતા કહે છે, “કેટલાક માનવીઓ મૃત્યુ પછી શરીર પામવા જુદી જુદી યોનિઓમાં પ્રવેશ કરે છે. કેટલાંક વૃક્ષ, વેલ, છોડ અથવા બીજા સ્થાવરપણાને પામે છે. મૃત્યુ પછી ખરેખર તે કેવી જાતનો જન્મ લેશે તે નક્કી નથી. દરેકના જ્ઞાાન અને કર્મ પ્રમાણે બીજો જન્મ થાય છે. કોઈ પણ જીવ પરમાત્માને ઓળખ્યા વિના જન્મ અને મરણના ચક્રમાંથી છૂટતો નથી. પરમાત્માને જાણવાથી માનવી સાચા અર્થમાં સુખી, શાંતિમય અને અમર બની શકે છે. અગ્નિ જેવી રીતે એક છે પણ જુદી જુદી વસ્તુઓમાં પ્રવેશીને જુદા જુદા આકાર ધારણ કરે છે, તેવી રીતે સર્વ પ્રાણીઓના અંતરાત્મા રૂપે રહેલા પરમાત્મા જુદા જુદા આકાર પ્રમાણે જુદાં જુદાં રૂપ ધારણ કરે છે.

 સૂર્ય જગતને પ્રકાશ આપનાર અલૌકિક આંખ જેવો છે. તે બહારની આંખોના દોષોથી દૂષિત થતો નથી તે રીતે સહુના પરમાત્મા સંસારનાં દુઃખોથી લેપાતા નથી. પરમાત્મા સૂર્ય, ચન્દ્ર, અગ્નિ કે તારાના પ્રકાશથી દેખાતા નથી. ખરેખર તો સૂર્ય, ચન્દ્ર, તારા અને અગ્નિ પણ તેમના જ પ્રકાશે પ્રકાશશીલ છે. સમગ્ર બ્રહ્માંડ પણ તેમના જ પ્રકાશે તેજોમય છે. આવા પરમાત્માને જે જાણી લે છે અને અંદરથી તથા બહારથી અનુભવી લે છે, તે જ પરમ શાંતિ અને પરમ સુખને પામે છે. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને શાંત અને સ્થિર કરવાથી પરમાત્માની અનુભૂતિ થાય છે અને પરમપદ કે પરમગતિ પણ તેને જ કહેવાય છે.

યમદેવતા કહે છે, “પરમાત્મા વિશે બુદ્ધિથી જાણ્યા બાદ સાધના વિના પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી. પરમાત્માના પ્રત્યક્ષ અનુભવ, પરિચય અને મેળાપને યોગ કહે છે. તેનાથી જ મન અને ઇન્દ્રિયો શાંત થાય છે, જ્ઞાાનની પ્રાપ્તિ થાય છે અને અજ્ઞાાનતાનો નાશ થાય છે. યોગ અનુભવ અને આચારનું શાસ્ત્ર છે. હૃદયની એકસો ને એક નાડી છે. તેમાંની એક નાડીનું નામ સુષુમ્ણા છે. તે નાડી બ્રહ્મરંધ્ર તરફ જાય છે. જે વ્યક્તિ યોગ કે પ્રાણાયામની સાધનામાં કુશળ બનીને તે નાડી દ્વારા મૃત્યુ વખતે ઉપર ગતિ કરે છે તે અમર બની જાય છે. તે સિવાયની બીજી બધી નાડીઓ જીવાત્માને જુદા જુદા માર્ગે લઈ જાય છે, એટલે કે મૃત્યુ વખતે બીજી નાડીઓ દ્વારા જેનો પ્રાણ બહાર જાય છે તે માણસને બીજી અને જુદી જુદી ગતિની પ્રાપ્તિ થાય છે. હૃદયમાં રહેલા અંતરાત્માને શરીરથી અલગ જાણવાની કળામાં કુશળ થવું જરૂરી છે.”

અને એ રીતે યમદેવતાએ નાનકડા નચિકેતાને મૃત્યુ પછી જીવનું શું થાય છે અને અમરત્વ કેવી રીતે મળે તે માર્ગ બતાવી દીધો.

આ જ્ઞાાન કઠોપનિષદનું છે. કઠોપનિષદની આ કથાનો સાર એટલો જ છે કે માનવીએ પરમાત્માને જાણવા-ઓળખવા, તેમ કરવાથી જ મૃત્યુ પર વિજય મેળવી શકાય છે અને શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. તમામ ઉપનિષદોમાં કઠોપનિષદ સૌથી વધુ ખ્યાતિ પ્રાપ્ત છે. વેદકાલીન ઉપનિષદો એ ભારતીય સંસ્કૃતિનો અને જ્ઞાાનનો અમૂલ્ય વારસો છે. ‘ઉપ’ એટલે પાસે અને ‘નિષદ’એટલે બેસવું એવો અર્થ થાય છે. જ્ઞાાની મહાપુરુષો પાસે બેસીને જ્ઞાાન મેળવવું તે જ્ઞાાનના સંગ્રહને ઉપનિષદ કહે છે. બધાં જ ઉપનિષદો સંસ્કૃત ભાષામાં લખાયેલાં છે. એ બધાંમાં કઠોપનિષદ તેની સરળતા, પ્રાસાદિકતા અને તેમાં રહેલા જ્ઞાાનની સામગ્રીના લીધે વધુ લોકપ્રિય છે. ‘કઠોપનિષદ’ની પૂર્ણાહુતિ પણ શાંતિપાઠથી કરવામાં આવી છે. તે શ્લોક જાણીતો છે.

ૐ સહનાવવતુ, સહનૌ ભુનક્તુ, સહવીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ.ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ

આ શ્લોકનો અર્થ છે, ‘અમે સાથે સાથે વિકાસ કરીએ. પરમાત્મા અમારું સાથે રક્ષણ કરો. અમારું સાથેસાથે પાલન કરો. અમે સહુ સાથેસાથે સામર્થ્ય મેળવીએ. અમારું જ્ઞાાન તેજસ્વી બનો. અમે કોઈનો દ્વેષ ન કરીએ અને સહુના પર પ્રેમ રાખીએ.ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ’

રાજનીતિમાં ‘બે ગુજરાતી’ની પરફેક્ટ પોલિટિકલ કેમિસ્ટ્રી

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના સાડા ચાર મહિના બાદ થયેલી બે રાજ્યો મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પર બધાની નજર હતી. આ સમયગાળા દરમિયાન ‘મોદી વેવ’ યથાવત્ છે, વધ્યો છે કે ઘટયો છે તે જાણવા સહુ આતુર હતા. મહારાષ્ટ્ર અને હરિયાણાના ચૂંટણી પરિણામોએ એ વાત તો સાબિત કરી જ દીધી છે કે, મોદીની લોકપ્રિયતા હજુ અકબંધ છે. બીજી એ વાત પણ સિદ્ધ થઈ કે, આજે પણ એક માત્ર નરેન્દ્ર મોદી જ એકલા હાથે ભાજપાને ઊચકીને તારી શકે છે. ત્રીજી વાત એ પ્રતિપાદિત થઈ કે, મહારાષ્ટ્રમાં નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડનવીસ તથા પંકજ મુંડેએ પ્રચાર કર્યો, પરંતુ તેઓ કદીયે ભાજપાનો ચહેરો બની શક્યા નહીં, બંને રાજ્યોમાં ભાજપાનો ચહેરો મોદી જ રહ્યા. ચોથી એ વાત પણ નજરમાં આવી કે,ગોપીનાથ મૂંડેની ગેરહાજરીનો પ્રશ્ન મોદીના કારણે ભાજપાને નડયો જ નહીં. મહારાષ્ટ્રના પરિણામો એ રાજ્યોના નેતાઓનો ભાજપાનો કે આર.એસ.એસ.નો નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ વિજય ગણાશે.

માત્ર સવર્ણો જ નહીં

સહુથી વધુ નોંધપાત્ર વાત એ હતી કે, ભાજપા અત્યાર સુધી સવર્ણોની જ પાર્ટી ગણાતી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ પછી કોંગ્રેસની વોટબેંક ગણાતા મરાઠા મતો, દલીતો અને પછાત વર્ગો પણ ભાજપા સાથે આવી ગયા. હરિયાણા જેવા પ્રદેશમાં જાટ અને ચૌધરી રાજનીતિ પર આધારિત મતદાન થતું હોય છે. પરંતુ આ વખતે એ સમીકરણ પણ ચાલ્યું નહીં, તમામ જ્ઞાાતિઓના યુવાનોએ નરેન્દ્ર મોદીના કારણે ભાજપાને જ મત આપ્યા. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીય અને મરાઠા મતોમાં પણ નરેન્દ્ર મોદીએ ગાબડું પાડયું. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયન મરાઠાઓ અને ગુજરાતીઓ વચ્ચે ભેદભાવ ઊભા કરવા પ્રયાસ થયા, પરંતુ એ પ્રયાસને નિષ્ફળતા સાંપડી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ-એ બંને ગુજરાતી હોઈ કેટલાકે આવોે પ્રયત્ન કરી જોયો. શરદ પવાર પણ એક મજબૂત મરાઠા નેતા ગણાતા હતા, પરંતુ મોદીના મેજિક હેઠળ તેઓ પણ નબળા પડયા.

ગુજરાતની ધાક

આ ચૂંટણીમાં અનેક નેતાઓની તાકાતની પરીક્ષા લેવાઈ ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને રાજ્યોમાં થઈને કુલ ૩૭ સભાઓ સંબોધી હતી. ભાજપાના બીજા તમામ નેતાઓ તેમની આગળ વામણા લાગ્યા. નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ ભાજપાને શક્તિશાળી પાર્ટી બનાવી દીધી.  અત્યાર સુધી દિલ્હીમાં ગુજરાતી નેતાઓની હાલત આટલી કદાવર નહોતી. સૌથી મોટી નોંધપાત્ર વાત એ છે કે ભાજપાની રાષ્ટ્રીય રાજનીતિમાં હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહ હાઈકમાન્ડ છે. બંને ગુજરાતી છે અને હવે ગુજરાતનું જ દેશની રાજનીતિ પર વર્ચસ્વ છે. નરેન્દ્ર મોદી- અમિત શાહની પોલિટિકલ કેમિસ્ટ્રી પરફેક્ટ બેસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શું જોઈએ છે તે અમિત શાહ ડિલીવર કરી શકે છે. અમિત શાહ એક ભૂમિગત નેતા છે અને જે તે પ્રદેશની ભૂમિ પર પગ મૂકતાં જ ત્યાંના પ્રશ્નો, સ્થાનિક રાજનીતિ, વિખવાદ, તેના ઉપાય એ બધું સમજીને એક રણનીતિ બનાવે છે. તેઓ જે રણનીતિ બનાવે છે તેની પર નરેન્દ્ર મોદી પૂરેપૂરો ભરોસો રાખે છે. દા.ત. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપા અને શિવસેના વચ્ચે જોડાણ હતું. અમિત શાહ શિવસેનાની દાદાગીરીને વશ ના થયા અને એક ઝાટકે એ મૈત્રીનો અંત લાવી દીધો. અમિત શાહ ગુજરાતના વણિક છે અને તેમની વાણિયા બુદ્ધિએ મહારાષ્ટ્રમાં ભાજપાને મજબૂત બનાવી શિવસેનાથી આગળ મૂકી દીધું. આ પરિણામોના કારણે નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહનું પણ કદ વધ્યું. ચૂંટણી સભાઓ માટે એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, અરૂણ જેટલી,રાજનાથસિંઘ. વેંકૈયા નાયડુ કે સુષ્મા સ્વરાજની કોઈ ડિમાન્ડ જ નહોતી.

ઉદ્ધવ ઠાકરે- રાજ ઠાકરે

શિવસેનાને લાગેવળગે છે ત્યાં સુધી એ પક્ષને બાલાસાહેબ ઠાકરેની ગેરહાજરી સાલી. બાલાસાહેબ ઠાકરેનું સ્થાન ઉદ્ધવ ઠાકરે લઈ ના શક્યા. બાલા સાહેબ ઠાકરેએ સાચા અર્થમાં સિંહ હતા. ઉદ્ધવ ઠાકરેએ ‘સામના’ અખબાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અફઝલખાન જેવા શબ્દો વાપર્યા, પરંતુ તેઓ એક વિહવળ, હતાશ અને નરમ નેતા જ સાબિત થયા. બાલા સાહેબ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે તાત્ત્વિક ફરક એ હતો કે બાલાસાહેબે કદી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન જોયું નહીં. જ્યારે ઉદ્ધવ ઠાકરે આ વખતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા અધીરા થયેલા દેખાયા. તેમની એ મહત્ત્વાકાંક્ષા જ તેમને નડી ગઈ. રાજનીતિમાં એવો દાવો કરવોે એ ગુનોે નથી, પરંતુ બાલા સાહેબની ગેરહાજરી અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આગળ તેઓ ઝાંખા પડી ગયા. બાકી તેમના કાકાના દીકરા રાજ ઠાકરે કે તેમની પાર્ટીએ ગઈ લોકસભાની ચૂંટણીમાં તમામ ૧૦ બેઠકો પર ડિપોઝિટ ગુમાવી હતી. તેઓ પણ આ વખતે કાંઈ ઉકાળી શક્યા નહીં. રાજ ઠાકરે મીડિયા સાથે કે કાર્યકરો સાથે તેમની તોછડાઈ માટે જાણીતા છે. તેઓ કદીયે બાલા સાહેબ ઠાકરેના વિકલ્પ બની શકશે નહીં. થોડા જ સમયમાં તેઓ આઉટ ઓફ ડેઈટ થઈ જશે.

કોંગ્રેસ- એનસીપી

ભાજપા- શિવસેનાની જેમ કોંગ્રેસ અને એનસીપીની યુતિ પણ આ વખતે તૂટી ગઈ. શરદ પવારને હતું કે કોંગ્રેસની સાથે રહેવાથી નુકસાન થશે. નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય ફલક પર ઉદય બાદ દેશનાં તમામ રાજ્યોની સ્થાનિક પાર્ટીઓના પણ સમીકરણો બદલાઈ ગયા છે. યુ.પી.ની પેટાચૂંટણીઓમાં ભાજપા સામે વિપક્ષો એક થઈ લડયા તો પરિણામો હાંસલ કરી શક્યા. અહીં એથી ઊલટું થયું. બધી જ પાર્ટીઓ વેરવિખેર થઈ ગઈ. એનો સીધો ફાયદો ભાજપાને મળ્યો. વળી આમેય છેલ્લા ૧૫ વર્ષથી મહારાષ્ટ્રમાં અને ૧૦ વર્ષથી હરિયાણામાં કોગ્રેસના નેતૃત્વવાળી સરકાર હતી. સ્વાભાવિક રીતે જ આ બંને રાજ્યોમાં સરકાર વિરોધી લહેર હતી. એનો ફાયદો પણ ભાજપાને મળ્યો. કોંગ્રેસના પૃથ્વીરાજ ચૌહાણે છેલ્લા કેટલાક મહિનાઓે દરમિયાન પક્ષને મજબૂત બનાવવા ઘણો સંઘર્ષ કર્યો. પક્ષની અંદર તથા એનસીપી સાથે પણ સંઘર્ષ કરવો પડયો. તેમની છબી એક સ્વચ્છ વહીવટકર્તાની રહી, પરંતુ નિર્ણયો લેવામાં તેમની ગતિ ધીમી રહી. તેમના આગમન પહેલાંના કેટલાંક કૌભાંડોથી પક્ષે ભારે ટીકાઓનો અને વિરોધનો સામનો કરવો પડયો. વળી નરેન્દ્ર મોદીની પ્રચાર રેલીઓ જેટલી આક્રમક હતી. તેટલી આક્રમક રેલીઓ રાહુલ ગાંધીની ના થઈ. કોંગ્રેસે ચૂંટણી પહેલાં જ હાર સ્વીકારી લીધી હોય તે રીતે ચૂંટણી લડી. કોંગ્રેસ આટલી હતાશ અગાઉ કદી નહોતી. ભાજપા પાસે કાર્યકરોની ફોજ, માઈક્રોપ્લાનિંગ રણનીતિ, પ્રચારતંત્ર તથા નાણાકીય ક્ષમતા હતા તેની સામે કોંગ્રેસ પાસે કાર્યકરો જ નહોતા. કોઈ ેપ્લાનિંગ પણ નહોતું. લાગે છે કે કોંગ્રેસને પૈસાની પણ ખેંચ હતી. બહુ ટૂંકમાં એમ કહી શકાય કે લોકસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીની વોટબેંક અકબંધ છે, જ્યારે વિપક્ષો વેરવિખેર છે.

સમીકરણો બદલાશે

મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે પરંતુ તેને સ્પષ્ટ બહુમતી નથી. આમ છતાં ભાજપને કોઈ જ તકલીફ નહીં પડે. શિવસેના અને એનસીપી એ બંને પક્ષો ભાજપને ટેકો આપવા માંગે છે. શિવસેના પોતાની શરતો મંજૂર કરાવીને આગળ વધવા માંગે છે. શિવસેનાના ટેકાથી જ સરકાર રચવા માટે આર.એસ.એસ.નું પણ દબાણ છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહ શિવસેનાની કોઈ જ દાદાગીરીને વશ થવા માંગતા નથી. ભાજપના બેઉ હાથમાં લાડુ છે તેથી તે પોતાની શરતે જ શિવસેના અથવા તો એનસીપીના ટેકાથી સરકાર રચવા માંગે છે. મહારાષ્ટ્રમાં રાજનીતિના સમીકરણો બદલાઈ શકે છે. સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે મુંબઈ શહેરમાંથી જ કોેંગ્રેસની સ્થાપના થઈ હતી અને એ જ મુંબઈમાં કોંગ્રેસ   મોટી પછડાટ ખાધી છે. આ વાત કોંગ્રેસ માટે ચિંતા અને આત્મચિંતન કરવા જેવી બાબત છે.

મહારાષ્ટ્ર અને હરિયાણાનાં ચૂંટણી પરિણામોનું રાજનૈતિક વિશ્લેષણ !

આર.ટી.ઓ.-ટ્રાફિક પોલીસ ભ્રષ્ટાચારનાં જાહેર પ્રતીક !

રામગોપાલ એક ટ્રક ડ્રાઈવર છે. એ ઉત્તર પ્રદેશના દૂરદૂરના નાનાકડા ગામનો રહેવાસી છે. મુંબઈથી દિલ્હી સુધીના લાંબા અંતરની ટ્રક ચલાવે છે. પંદરથી વીસ દિવસે અથવા તો ક્યારેક એક મહિને તે તેના પરિવારને મળે છે. બે રાત ગુજારી ના ગુજારી અને ફરીથી ટ્રક લઈને લાંબી દડમજલ માટે નીકળી પડે છે. દિવસો સુધી બહાર રહે છે. મોડી રાત્રે કોઈ ઢાબા પાસે ગાડી ઊભી રાખી ટ્રકમાં ડ્રાઈવરની સીટ પર જ નીંદર ખેંચી નાખે છે. ફરી હાથપગ મોં ધોઈ ઢાબાની હોટેલ પર ચા પી ટ્રક લઈ નીકળી પડે છે. જેવો તે દિલ્હીથી ઉત્તર પ્રદેશની, હરિયાણાની કે ગુજરાતની સરહદમાં પ્રવેશે છે તેણે આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે ટ્રક થોભાવી દેવી પડે છે. કાગળિયાં તપાસવામાં આવે છે. દરેક બોર્ડર પર તેણે ટ્રકદીઠ ૧૦૦ રૂપિયાની નોટ આરટીઓના ડમી માણસને આપી દેવી પડે છે.

પરરાજ્યની ટ્રકો

હરિયાણાની બોર્ડરમાં પ્રવેશતી વખતે હરિયાણાની ટ્રક હોય તો તેને જવા દેવામાં આવે છે. રાજસ્થાનમાં રાજસ્થાનની ટ્રક હોય તો તેને જવા દેવામાં આવે છે. ગુજરાતની બોર્ડરમાં પ્રવેશતી ગુજરાતના નંબરવાળી ટ્રક હોય તો તેને જવા દેવામાં આવે છે. બાકીનાં તમામ રાજ્યોની ટ્રકોએ આર.ટી.ઓ. ચેકપોસ્ટ પર ૧૦૦ની લાંચ આપવી પડે છે. વાપી-વલસાડથી માંડીને રતનપુર-શામળાજીની ચેકપોસ્ટ પરના આ વરવાં દૃશ્યો અને થાકેલા ડ્રાઈવરની લાચારીભરી સ્થિતિ જોઈને લોહી ઊકળી આવે છે. આવી પ્રત્યેક ચેકપોસ્ટ સાંજ પડે એક લાખથી પાંચ લાખ સુધીનું ઉઘરાણું કરી લે છે. એ રકમ મહિને દહાડે કરોડોમાં થાય છે. ભારત એક સમવાયી તંત્ર ધરાવતો દેશ છે, પરંતુ એક રાજ્યનો આર.ટી.ઓ. અધિકારી બીજા રાજ્યમાંથી આવતી ટ્રકના ડ્રાઈવર પાસેથી લાંચ પડાવે છે તે માત્ર કાનૂનભંગ જ નથી, પરંતુ દેશના સમવાયી તંત્રને નુકસાન કરનારી બાબત છે.

બંધ કન્ટેનર્સ ક્યારે ?

દુનિયાના કોઈ દેશમાં આર.ટી.ઓ.ના નામનો ભ્રષ્ટાચાર નથી. અમેરિકા તો ભૌગોલિક રીતે ઘણો વિશાળ દેશ છે. લોસ એન્જલિસથી ઊપડેલી ટ્રકને ન્યૂયોર્ક પહોંચવામાં દિવસોના દિવસો લાગે છે, પરંતુ રસ્તામાં ક્યાંયે આર.ટી.ઓ. નામની ચેકપોસ્ટ જ નથી. હા, ટ્રાફિકરૂલનો કે સ્પીડ મર્યાદાનો ભંગ કરો તો તરત જ પકડાઈ જવાય તેવી રડાર સિસ્ટમ છે. એ જ રીતે ભારે માલ વહન કરતાં ટ્રક્સ માટે કડક નિયમો છે. કોઈપણ ટ્રક તેનો સામાન ખુલ્લો લઈ જઈ શકતો નથી. અહીં તો શાકભાજીથી માંડી ગ્રીટ મેટલ કપચી અને લોકોની આંખમાં ઘૂસી જાય તેવા ખુલ્લા સળિયા સાથે ટ્રકો દોડતી દેખાય છે. ખુલ્લા સળિયા સાથે દોડતી ટ્રકો દેખાય પણ નહીં એવું લાલ કપડું માત્ર ભરાવવા ખાતર ભરાવે છે. આ અંગ્રેજોના જમાનાની આઉટ ઓફ ડેટ સિસ્ટમ છે. થોડાક પછાત દેશોને બાદ કરતાં દુનિયાના તમામ દેશોમાં કોઈપણ સામાન બંધ કન્ટેનર્સમાં લઈ જવામાં આવે છે. ટ્રકો માટે નિર્ધારિત કરેલા નિયમોનું ક્યાંય પણ ઉલ્લંઘન જોવા મળતું નથી. ટ્રકચાલકોને સરકારી અમલદારો તરફથી કોઈ પરેશાની પણ નથી.

ભ્રષ્ટાચારનાં કેન્દ્રો

ભારત સરકારના પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આર.ટી.ઓ.ને ખતમ કરી દેવાની વાત કરી છે તે આવકારદાયક છે. ભારતમાં આર.ટી.ઓ. કચેરીઓ અને તેનું તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે. અહીં કેવળ નિયમોની ધજ્જીયાં જ ઉડાવવામાં આવતી નથી, પરંતુ ડ્રાઇવિંગ લાઈસન્સ બનાવવાથી માંડીને વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવામાં અને ફિટનેસ ર્સિટફિકેટ લેવાનું કામ લાંચ આપ્યા વગર થતું નથી. દેશમાં આર.ટી.ઓ.ના દરેક કાર્યાલયની બહાર અનેક દલાલો સક્રિય હોય છે. આ દલાલો આર.ટી.ઓ. અધિકારીઓ વતી જ કામ કરે છે. કેટલાયે રાજ્યોનાં આર.ટી.ઓ. કાર્યાલયોમાં કરોડોના રોડ ટેક્સ ગોટાળા બહાર આવ્યા છે. કેટલાક કેસોમાં તો અધિકારીઓ ખુદ પૈસા ખાઈ જાય છે અને નકલી ડીડીનો ઉપયોગ કરી ટેક્સ પૂરેપૂરો જમા થઈ ગયો હોવાનું દર્શાવાય છે.

કલાકમાં લાઈસન્સ

ભારતમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ વાહન ચલાવવાનું લાઈસન્સ આપવાની પદ્ધતિમાં છે. વિદેશોમાં લાઈસન્સ આપવાની પદ્ધતિ સરળ છે, પરંતુ પરીક્ષા કઠિન છે. કાર ચલાવવાનું લાઈસન્સ આપવાની બાબતમાં પાશ્ચાત્ દેશોમાં કોઈ લાંચ લેવાતી નથી. કેટલીકવાર તો પાંચ પાંચ વાર ટેસ્ટ આપ્યા બાદ જ ડ્રાઇવિંગ લાઈસન્સ મળે છે. અમેરિકામાં કોઈ નાગરિકને ડ્રાઈવિંગ લાઈસન્સ મળે તો તેની ખુશીમાં તે મિત્રોને પાર્ટી આપે છે. એથી ઊલટું ભારતમાં માત્ર એક કલાકમાં લાઈસન્સ મળી જાય છે. બસ નોટ આપવાની જ જરૂર રહે છે. ટ્રકો, મિનિ ટ્રકો ચલાવનારા હાઈવે પર બેફામ વાહનો દોડાવે છે. તેની પર કોઈ ધ્યાન અપાતું નથી. ટ્રક ચલાવવી તે અભણ માણસોનો ધંધો થઈ પડયો છે. પૈસાદારોના પુત્રો તો તેમને મળતું લાઈસન્સ તે ‘લાઈસન્સ ટુ કીલ ‘ છે તેમ સમજે છે ભારતના તમામ રાજ્યોના આર.ટી.ઓ. કાર્યાલયમાં માત્ર અને માત્ર પૈસાનો જ ખેલ દેખાય છે. કેટલાક આર.ટી.ઓ. અધિકારીઓના કબાટમાં પૈસા મૂકવા જગા નાની પડે છે. આડેધડ અપાતા ડ્રાઈવિંગ લાઈસન્સના કારણે ભારતમાં અકસ્માતો અને મોતની ઘટનાઓ પણ અધિકતમ છે.

વિદેશોમાં પોલીસ ક્યાં ?

અમેરિકા, ઇટાલી, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, બ્રિટન, નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ, સ્વિત્ઝરલેન્ડથી માંડીને સિંગાપોરથી માંડીને હોંગકોંગમાં સડકો પર ક્યાંય પણ ટ્રાફિક પોલીસ જોવા મળતી નથી. છતાં લોકો ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન કરે છે. દરેક જગાએ સાઈન બોર્ડ લાગેલાં હોય છે. લોકો લેન બદલતાં પણ સિગ્નલ આપે છે. ધીમે ચાલતા વાહનો સ્લો લેઈનમાં દોડે છે. ઝડપથી દોડતાં વાહનો ફાસ્ટ લેનમાં જ દોડે છે. ભારતમાં જરૂર કરતાં વધુ વજન ભરેલી ટ્રકો ધીમી ચાલતી હોય તો પણ ફાસ્ટ લેન છોડતી નથી અને ઝડપથી દોડતી ગાડીઓ સ્લો લેનમાં દોડતી જણાય છે. દુનિયાભરના દેશોમાં બધા જ રસ્તાઓ રડાર,સીસીટીવી કેમેરાઝ અને સેટેલાઈટથી મોનિટર થાય છે. અહીં તો ટ્રાફિક પોલીસ રસ્તા પર ટ્રાફિક નિયંત્રણ કરવાનું છોડી એકાદ ટ્રકવાળાને કે મિનિ ટ્રકને રોકી રોકડી કરવા માટે તોડ કરવામાં સમય બરબાદ કરતો જણાય છે. પાશ્ચાત્ દેશોમાં કોઈ કાર કે ટ્રક ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો ઇ-મેલ દ્વારા જ દંડ ભરવાની સૂચના તેના ઘરે પહોંચી જાય છે. નાનામાં નાના ટ્રાફિક નિયમ ભંગ માટે મોટી રકમનો દંડ ભરવો પડે છે. અહીં દંડની જે રકમ સરકારની તિજોરીમાં જવી જોઈએ તે રકમ ટ્રાફિક પોલીસ દ્વારા ઉપરી અધિકારીઓના ખિસ્સામાં જાય છે.

સખત દંડ કરો

ભારતને બદલવાની જરૂર છે. સૌથી પહેલાં તો તંત્રને બદલવું પડશે. તે પછી લોકોએ બદલાવું પડશે. ભારતને વર્લ્ડ ક્લાસ દેશ બનાવવો હોય તો માત્ર આજની આર.ટી.ઓ. પ્રથા આજની ટ્રાફિક પોલીસ અને આજની સિસ્ટમ નહીં ચાલે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારનાં વાહનો જપ્ત કરી લો, રૂ. ૧૦થી ૧૫ હજારનો દંડ ભરાય પછી જ વાહન મુક્ત કરો અને વાહનચાલક પાસેથી લાંચની રકમ લેનારાઓને દસ-પંદર વર્ષની સજા કરો. એમ નહીં થાય તો મધ્યપ્રદેશમાં જે રીતે ગેરકાનૂની આર.ટી.ઓ.ના સંચાલન માટે મોટો ગોટાળો બહાર આવ્યો તેથી અનેક કૌભાંડો બહાર આવતાં રહેશે. ટ્રાફિક સિગ્નલ તોડનારનો પાંચ હજારનો દંડ થશે અને તેમાં કોઈ લાગવગ નહીં ચાલે એવી પ્રતીતિ તંત્રને અને પ્રજાને કરાવવી જરૂરી છે.

Fear is the key.

વિદેશોમાં ડ્રાઈવિંગ લાઈસન્સની પ્રક્રિયા સરળ છે, પરંતુ તેની પરીક્ષા અઘરી છે

લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે સ્વીકારો ! (કભી કભી)

દીપાવલિના તહેવારોનો આરંભ થઈ રહ્યો છે.

દીપાવલિનો દિવસ લક્ષ્મીપૂજન માટે મહત્ત્વનો છે. સમૂદ્રમંથન દરમિયાન દરિયામાંથી જે ૧૯ રત્નો બહાર નીકળ્યાં, તેમાં સૌથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી હતાં. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી,તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદના, શુભા અને ક્ષમાશીલ એવાં લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યાં હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપૂંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈ સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય કરી દીધું હતું. આ કાળી રાત્રીએ જ આપણે પ્રતિવર્ષ સમગ્ર વાતાવરણને દીપમાળાઓથી પ્રજ્વલિત કરીને મહાલક્ષ્મીનું સ્વાગત કરીએ છીએ. લક્ષ્મીપૂજનના આ પર્વમાં લોકો મહાલક્ષ્મીનું તો પૂજન કરે છે, પરંતુ ઘણીવાર અતિધન પ્રાપ્ત કરવાની લાલસામાં લોકો લક્ષ્મીજીના પતિ નારાયણ અર્થાત્ ભગવાન વિષ્ણુને ભૂલી જાય છે. આ સંદર્ભમાં વામન અવતારમાં આવતી એક સુંદર પૌરાણિક કથા પ્રસ્તુત છે.

બલિરાજા દાનેશ્વરી હતો, પરંતુ તે બાબતનું પણ સૂક્ષ્મ અભિમાન હતું.

નર્મદાનો કિનારો છે. સુંદર યજ્ઞામંડપ બાંધ્યો છે. યજ્ઞા બલિરાજા કરાવી રહ્યા છે. ભગવાન ખુદ ત્યાં વામનજીના રૂપમાં પ્રવેશ્યા. વામનજી મહારાજ સાત જ વર્ષના છે. વામનજીને સુંદર આસન આપવામાં આવ્યું છે. બલિરાજાએ તેમનું સ્વાગત કર્યું. બલિરાજાનાં પત્નીનું નામ વિંધ્યાવલી રાણી છે. રાણીએ અને બલિરાજાએ બ્રહ્મચારી વામનજીની પૂજા કરી બલિરાજા બોલ્યા ઃ “આપના દર્શન કરીને મને બહુ આનંદ થયો. મને થાય છે કે, હું બધું જ રાજ તમને અર્પણ કરું. તમારે જે જોઈએ તે માગો. ગાયો જોઈએ તો ગાયો આપું. લક્ષ્મી જોઈએ તો લક્ષ્મી આપું, ભૂમિ જોઈએ તો ભૂમિ આપું, કન્યા જોઈએ તો કન્યાદાન કરું. તમે જે માગશો તે આપીશ.”

બલિરાજા ભક્ત પ્રહ્લાદના પૌત્ર હતા.

વામનજીએ કહ્યું : “રાજા, હું સંતોષી છું. બ્રાહ્મણ છું. હું વધારે કાંઈ લેવા આવ્યો નથી. મારા પગથી માપીને ત્રણ ડગલાં પૃથ્વીનું દાન લેવા આવ્યો છું. એટલું આપ તો તારું કલ્યાણ થશે.”

બલિરાજાને લાગ્યું કે, આ વામનજી હજી તેમની ઉંમર પ્રમાણે બાળક બુદ્ધિના છે. એમને માગતા જ નથી આવડતું. બલિરાજાએ કહ્યું ઃ “મહારાજ, હજી તમે નાના છો. મોટા થશો એટલે લગ્ન થશે. બાળકો થશે. કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરશો.”

વામનજીએ કહ્યું : “રાજા ! તમે તો મને બધું આપવા તૈયાર છો, પરંતુ માગતા મારે વિચાર કરવો પડે. અતિસંગ્રહ કરવું તે પાપ છે. હું સંતોષી બ્રાહ્મણ છું. મારે તો સંધ્યા-પૂજા કરવા ત્રણ પગલાં જેટલી જ બેસવા જેટલી જ જગા જોઈએ છે.”

બલિરાજાએ કહ્યું : “ઠીક છે, આજે તો હું તમને ઇચ્છાનુસાર ત્રણ ડગલાં પૃથ્વીનું દાન આપું છું, પરંતુ ફરીથી કોઈ ચીજની જરૂર પડે તો મને કહેજો.”

સભામાં બેઠેલા શુક્રાચાર્ય ભગવાનને ઓળખી ગયા હતા. તેમણે બલિરાજાને કહ્યું ઃ “રાજન ! દાન આપતાં વિચાર કરજો. આ બ્રહ્મચારીનાં પગલાં કેવાં છે તે તમે જાણતા નથી. એ સાક્ષાત્ પરમાત્મા જ છે. તેમનાં બે પગલાંમાં આખી પૃથ્વી સમાઈ જશે. ત્રીજું પગલું મૂકવાની જગા જ નહીં રહે.”

બલિરાજા માન્યા નહીં. તેમણે દાન આપવાની તૈયારી કરી.

– અને વામનજીએ તરત જ હજાર હાથવાળું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. તેઓ તો સાક્ષાત્ ભગવાન વિષ્ણુ હતા. તેઓએ એક ડગલું ભર્યું તેમાં આખી પૃથ્વી આવી ગઈ. બીજો પગ બ્રહ્મલોકમાં લઈ ગયા. બે પગલાંમાં બલિરાજાનું બધું રાજ આવી ગયું. ત્રીજું પગલું મૂકવાની જગા રહી નથી એટલે વામનજીએ બલિરાજાને કહ્યું ઃ “રાજન, તમે ત્રણ પગલાંનું પૃથ્વીનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. જે સંકલ્પનું પાલન કરતો નથી તેની દુર્ગતિ થાય છે. મારું એક પગલું હજુ બાકી છે.”

બલિરાજા ગભરાયા. વામનજીએ દાન માગ્યું ત્યારે સાત વર્ષના નાના બાળક હતા. હવે દાન સ્વીકારતી વખતે તેમણે વિરાટ સ્વરૂપ પ્રગટ કરી દીધું. બલિને સૂક્ષ્મ અભિમાન હતું કે, મારા જેવો કોઈ દાનેશ્વરી જ નથી. તેમણે પરમાત્માને મન આપ્યું. ધન આપ્યું,પણ અભિમાન આપ્યું નહોતું. વામનજી ભગવાને હુકમ કર્યો ઃ “બલિને બાંધો.”

બલિરાજાનાં પત્ની વિંધ્યાવલી રાણી ભક્તિભાવવાળાં અને ડાહ્યાં પણ હતાં. તેઓ ભગવાનના પગે પડયાં, કરગર્યાં. પતિના બોલવા વિશે તેમણે માફી માગી ઃ હે ભગવાન, મારા પતિએ તમારું જ તમને અર્પણ કર્યું છે. તેમની ભૂલ થઈ છે. તેમને બાંધશો નહીં. બલિરાજા ગભરાયેલા હતા.

વિંધ્યાવલી રાણીએ પતિને કહ્યું ઃ ભગવાનના જમણા ચરણમાં તમે વંદન કરો. ડાબા ચરણમાં હું વંદન કરું છું. તે પછી ભગવાનને કહો કે તમારો એક પગ બાકી છે તે મારા માથા પર મૂકો. આટલું જ હવે મારી પાસે છે, તેમ કહો.”

રાણી વિંધ્યાવલીના સત્સંગમાં બલિરાજાનું અભિમાન ઊતરી ગયું. બલિરાજાએ કહ્યું, “પ્રભુ હું કેવળ વંદન કરું છે. આપ જગતમાં જે કાંઈ છે તેના માલિક આપ છો. આપને કોઈ દાન આપી શકે ? મારી ભૂલ થઈ. હવે એક પગલું બાકી છે તે મારા માથા પર પધરાવો.”ળ

ભગવાન વામનજીએ બલિરાજાના મસ્તક પર પગલું મૂક્યું. ભગવાન રાજી થયા. રાજા હવે દીન-ગરીબ થઈ ગયો હતો. ભગવાને કહ્યું, “હે રાજન, સ્વર્ગનું રાજ મેં દેવોને આપ્યું છે. પાતાળનું રાજ હું તમને આપું છું. તમે પાતાળમાં રાજ કરો. તમે મને તમારું સર્વસ્વ આપ્યું છે. બીજું શું જોઈએ છે ?”

બલિરાજાએ કહ્યું, “પ્રભુ, આપે મારે ઘરે દ્વારપાળ બનવું પડશે.” ભગવાને હસીને હા પાડી.

બલિરાજા પાતાળમાં ગયા. ભગવાને તેમના દ્વાર પર સૈનિક બની પહેરો ભરવા માંડયો. બલિરાજા હવે પ્રત્યેક દ્વારમાં ભગવાન ચતુર્ભુજનાં દર્શન કરવા લાગ્યા. વૈકુંઠમાં લક્ષ્મીજી હવે એકલા પડયાં. ઘણાં દિવસથી નારાયણને તેમણે જોયા નહીં એટલે નારદને પૂછયું ત્યારે ખબર પડી કે ભગવાન તો બલિરાજાને ત્યાં દાન લેવા ગયા હતા અને ખુદ બંધનમાં આવી જઈ બલિરાજાના દ્વારે પહેરો ભરે છે. બલિરાજા તેમને રજા આપે તો જ તેઓ ઘરે પાછા પધારશે.”

માતા મહાલક્ષ્મીએ લીલા કરી. તેમને ભગવાન વગર જરાયે ગમતું નહોતું. તેમણે બ્રાહ્મણની પત્નીનો વેશ ધારણ કર્યો. બહુ સાદો શૃંગાર કર્યો. લક્ષ્મીજી બલિના દરબારમાં આવ્યાં. બલિરાજા લક્ષ્મીજીને ઓળખી શક્યા નહીં. તેમણે વિનયથી પૂછયું, “તમે કોણ છો? કેમ આવ્યાં છો ?”

લક્ષ્મીજીએ બ્રાહ્મણ મહિલાના સ્વાંગમાં કહ્યું, “હે રાજન ! હું બ્રાહ્મણની પત્ની છું. મારે માતા-પિતા નથી, ભાઈ નથી. પિયરમાં જવાની ઇચ્છા થાય છે, પણ ક્યાં જાઉં ? મેં સાંભળ્યું છે કે, બલિરાજાને કોઈ બહેન નથી. હું તમારી ધર્મની બહેન થવા આવી છું. તમે મારા ધર્મના ભાઈ થાવ.”

બલિરાજાએ તરત જ વંદન કરીને કહ્યું, “આજથી તમે મારાં મોટાં બહેન અને હું તમારો નાનો ભાઈ. બસ, મારા ઘરને તમે પિયર સમજો. તમે ઇચ્છા થાય ત્યાં સુધી અહીં રહેજો.”

લક્ષ્મીજી બલિરાજાના રાજમાં રહેવા આવ્યાં. આખું ગામ સુખી થઈ ગયું. કોઈ ગરીબ રહ્યું જ નહીં. કોઈ રોગી પણ ના રહ્યું. ઝઘડા પણ ખતમ. બલિરાજાને થયું કે આ મોટીબહેન આવ્યાં ત્યારથી હું સુખી થયો. મારા ગામમાં બધા જ લોકો સુખી થઈ ગયા. બધાના ચહેરા પર આનંદ છે, પરંતુ આ બહેનના ચહેરા પર આનંદ નથી. શ્રાવણની ર્પૂિણમા હતી. લક્ષ્મીજીએ બલિરાજાને કહ્યું, “ભાઈ, આજે રક્ષાબંધન છે. હું તમને રાખડી બાંધીશ.”

બલિરાજાએ ખુશ થઈ રાખડી બંધાવી. બલિરાજાએ કહ્યું, “બહેન ! તમે અહીં આવ્યાં તે પછી મારું આખું ગામ સુખી થયું છે. બધાના ચહેરા પર આનંદ છે. તમારા ઘરમાં જે કાંઈ ખૂટતું હોય તે માગો.”

લક્ષ્મીજીએ કહ્યું, “મારા ઘરમાં બધું છે પણ એક નથી.”

“શું ?”

“ભાઈ, તમારા દ્વાર પર જે પહેરો ભરે છે તેમને કાયમી રજા આપો.”

બલિરાજાએ પૂછયું, “બહેન, મારા દ્વારે પહેરો ભરે છે તે તમારા કોઈ સગાં થાય છે ? ચાલો ઠીક ! મેં વચન આપ્યું છે માટે હું મુક્ત તો કરી જ દઈશ.”

અને તરત જ સાક્ષાત્ ચતુર્ભુજ દેવ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. બલિરાજાને પણ આનંદ થયો અને લક્ષ્મીજીએ પોતાનું અસલી રૂપ પ્રગટ કરી ભગવાનની પૂજા કરી. તે પછી ભગવાને બલિરાજાના બંધનમાંથી મુક્ત કરાવી વૈકુંઠધામમાં લઈ ગયા.

ભગવાનના વામન અવતારની અનેક કથાઓ પૈકીની આ કથા હૃદયંગમ છે. ભગવાનને લક્ષ્મીજી વગર ચાલતું હતું, પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ચાલતું નહોતું. દીપોત્સવીના આ દિવસે લક્ષ્મીપૂજનના પણ દિવસો છે ત્યારે એક વાત યાદ રાખજો કે જે લોકો ધનવાન છે અને મનમાં “હું બહુ મોટો છું તેવું અભિમાન કરે છે તેને ભગવાન માફ કરતા નથી.લક્ષ્મી મારી નથી, પરંતુ તે લક્ષ્મીનારાયણની છે.” તેવો ભાવ રાખનારને લક્ષ્મીજી કોઈ દિવસ નારાયણની ગોદમાં પણ બેસાડે છે. લક્ષ્મીના માલિક થવાના બદલે તેને માતા તરીકે સ્વીકારો અને સૂક્ષ્મ અભિમાનનો ત્યાગ કરો. એ વાત સાચી છે કે, દુનિયાનું દરેક સુખ લક્ષ્મીની સાથે જ જોડાયેલું છે, પરંતુ લક્ષ્મીનાં અનેક સ્વરૂપ છે. લક્ષ્મી ધનધાન્યની દેવી, સંસારની પાલનહારી સદૈવ ભગવાન વિષ્ણુની નિકટ નિવાસ કરનાર નારાયણનાં અર્ધાંગિની પણ છે. લક્ષ્મીનું બીજું નામ સ્ત્રી પણ છે. લક્ષ્મીનો સહજ અર્થ છે સુલક્ષણવાળી. દીપાવલિના દિવસોમાં મહાલક્ષ્મીના પૂજનની સાથે સાથે તમારા ઘરમાં જે સાક્ષાત્ લક્ષ્મી છે તેનું   સન્માન કરો. કજિયાવાળા ઘરમાં દેવી મહાલક્ષ્મી ટકતાં નથી.

સૌને દીપાવલિની શુભકામના.
– દેવેન્દ્ર પટેલ

In the https://justdomyhomework.com/ age of viral videos and mark zuckerberg, it`s easy to see instant success stories and overlook all the years of sweat behind them.

દેવતા Zeusએ Heraને જોઇ અને કોયલ બની શયનખંડમાં ગયા (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

આ એક અતિ પ્રાચીન ગ્રીક દંતકથા છે.

પ્રાચીન ગ્રીક પ્રજાના એક દેવતા ZEUS (જ્યૂસ) છે. તેઓ દેવતાઓના અને માનવીઓના પિતા પણ ગણાતા હતા. જ્યૂસ માઉન્ટ ઓલમ્પસના ઓલિમ્પિયન્સ લોકો પર શાસન કરતા હતા. તેઓ આકાશ અને વીજળીના દેવતા પણ ગણાતા રહ્યા છે. જ્યૂસ ક્રોનસ અને રિયાના પુત્ર હતા. તેઓ હેરા નામની સ્ત્રી સાથે પરણ્યા હતા. તેઓ દેવી એફ્રોદિતિના પણ પિતા ગણાયા છે. ગ્રીક માઇથોલોજી પ્રમાણે તેઓ ગ્રીક દેવતાઓના પિતા ગણાય છે.

 

જ્યૂસના પિતા ક્રોનસને કોઈએ એવી ભવિષ્યવાણી સંભળાવી હતી કે તેમનો જ પુત્ર તેમને સિંહાસન પરથી ઊથલાવી દેશે. આ કારણથી તે રિયાથી થયેલાં કેટલાંક સંતાનોને ગળી ગયો હતો, પરંતુ રિયાએ જ્યૂસને જન્મતાં જ છુપાવી દીધા હતા અને એક કપડામાં પથ્થરનો ટુકડો મૂકી આ તાજું જન્મેલું બાળક છે એમ કહી ક્રોનસને સોંપ્યું હતું, જેને ક્રોનસ ગળી ગયો હતો. તે પછી અસલી બાળક જ્યૂસને એક ગુફામાં છુપાવી દેવાયા હતા. તેમનો ઉછેર અમેલ્થિયા નામની એક બકરીએ કર્યો હતો. બીજી એક કથા પ્રમાણે તેમનો ઉછેર સિનોસુરા નામની એક કમનીય સ્ત્રીએ કર્યો હતો. એના બદલામાં જ્યૂસે તેને આકાશમાં તારાનું સ્થાન આપ્યું હતું.

વયસ્ક થયા બાદ જ્યૂસે તેના પિતાના પેટમાં રહેલા તેનાં ભાઈ-બહેનોને પેટ ચીરીને બહાર કાઢયાં હતાં. તે પછી તેણે ટાઇટન્સ સાથે યુદ્ધ કરી વિશ્વની સત્તા હાંસલ કરી હતી. તેણે આકાશ અને હવા પોતાની પાસે રાખ્યાં જ્યારે તેના ભાઈ પોસાઇડોનને સમુદ્ર-પાણી અને હેડ્સને અંડરવર્લ્ડ (ધી વર્લ્ડ ઓફ ડેડ) આપ્યાં હતાં.

જ્યૂસના પિતા ક્રોનસ અને માતા રિયાથી થયેલી સૌથી મોટી પુત્રીનું નામ હેરા હતું. હેરા જ્યૂસની બહેન હતી પણ તેનો ઉછેર અલગ જગાએ થયો હતો. કહેવાય છે કે ક્રોનસ બીજાં બાળકોની જેમ હેરાને પણ ગળી ગયો હતો, પરંતુ પાછળથી પિતાના પેટમાંથી તેને પણ મુક્ત કરાવવામાં આવી હતી. હેરાને ગ્રીક લોકો સ્ત્રીઓ અને લગ્નની દેવી માનતા હતા. કુંવારિકાઓ પણ તેની પૂજા કરતી હતી.

દેવતાઓના દેવ ગણાતા જ્યૂસે પોતાની સગી બહેન હેરા સાથે લગ્ન કર્યું હતું. એક દિવસ જ્યૂસ હેસ્પેરાઇડ્સના બગીચામાં લટાર મારી રહ્યા હતા ત્યારે તેમણે અચાનક હેરાને જોઈ. હેરાને જોતાં જ જ્યૂસ તેમના પ્રેમમાં પડી ગયા. હેરા સુધી પહોંચવા માટે જ્યૂસે પોતાની જાતને કોયલમાં રૂપાંતરિત કરી નાખી અને તેઓ હેરાના શયનખંડની બારીમાં જઈ બેસી ગયા. દેખાવ એવો કર્યો કે બહાર ખૂબ ઠંડી હોવાથી તે કોયલ ઠૂંઠવાઈ ગઈ છે. હેરાએ ઠંડીથી ઠરી ગયેલા પક્ષીને જોયું અને દયા આવતાં એણે એ પક્ષીને હાથમાં પકડી અંદરના ખંડમાં લઈ આવી. એક વાર અંદર આવી ગયા બાદ જ્યૂસ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા અને હેરા સાથે પ્રણયક્રીડા આદરી. હેરાને આલિંગન આપી, તેને બાથમાં પકડી એક પર્વત પર લઈ આવ્યા. અહીં તેમણે હેરાને કાયદેસર પત્ની બનાવી દીધી જેથી હેરાને શરમિંદગી અનુભવવી ન પડે. જ્યૂસ અને હેરાનું લગ્ન પણ ગાર્ડન ઓફ હેસ્પેરાઇડ્સ ખાતે જ થયું. આ લગ્નની ઉજવણી ભવ્ય રીતે કરાઈ. કેટલાંયે બલિદાનો કરાયાં. હેરાને ભવ્ય પોશાક ભેટ અપાયો અને જ્યૂસની બાજુમાં જ સોનાના સિંહાસન પર સ્થાન અપાયું. દરેક દેવી-દેવતાએ કોઈ ને કોઈ ભેટસોગાદો આપી. પૃથ્વીની દેવી ગણાતી ગાઈએ હેરાને સોનાનાં સફરજન આપતું વૃક્ષ ભેટ આપ્યું. હેરા ખુશ થઈ અને તે વૃક્ષ સમુદ્રકિનારે તેના બગીચામાં રોપ્યું.

લગ્ન બાદ હેરા અને જ્યૂસ સમોસ નામના ગ્રીક ટાપુ પર હનીમૂન માટે ગયાં. આ હનીમૂન ૩૦૦ વર્ષ ચાલ્યું. અલબત્ત, હેરા તેના ઈર્ષાળુ અને બદલાની ભાવનાવાળી પ્રકૃતિ માટે જાણીતી હતી. ખાસ કરીને જ્યૂસ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં પડે તો તેને ગમતું નહીં.

હેરાને સ્ત્રીઓ અને લગ્નની દેવી ઉપરાંત ‘ઓલિમ્પિયન ક્વીન ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ’ પણ કહેવાય છે. તેને આકાશ અને સ્વર્ગની દેવી તરીકે પણ ઓળખવામાં આવતી હતી. તે અત્યંત સુંદર હતી. તેના વિશે બીજી ઘણી દંતકથાઓ પણ છે. સૃષ્ટિની સહુથી વધુ સુંદર દેવીઓની સ્પર્ધામાં તેણે દેવી એફ્રોદિતિ અને એથેના સાથે સ્પર્ધા કરી હતી. તેમાં એફ્રોદિતિ વિજયી બનતાં એ ચુકાદો આપનાર પેરિસ સાથે બદલો લેવા તેણે પેરિસ અને તેના પિતા સામેના ગ્રીકોના યુદ્ધમાં ગ્રીકોને મદદ કરી હતી અને ટ્રોયનું પતન થયું હતું. ગ્રીસના અર્ગોસ અને સમોસ પ્રાંતમાં તેની પૂજા થતી હતી.

હેરા માટે જ દંતકથાઓ જાણીતી છે તેમાં એક દંતકથા એવી છે કે હેરાના રથને મોર ખેંચતા હતા. મહાકવિ હોમરે તેને ‘Coe-eyes’સ્ત્રી તરીકે વર્ણવી છે. તે આમ તો લગ્નની દેવી ગણાતી હતી, પરંતુ તે સ્વયં એક નોંધપાત્ર અને સારી માતા ગણાઈ નથી. તેણે જ્યૂસથી જે સંતાનો આપ્યાં તેમાં ‘એરેસ’ નામનો પુત્ર યુદ્ધનો દેવતા ગણાયો છે. ‘હેલી’ નામની પુત્રી યૌવનની દેવી ગણાઈ છે. જ્યારે એરિસ નામની પુત્રી કુસંપ અને વેરઝેરની દેવી ગણાઈ છે. ‘એલિથિયા નામની પુત્રી બાળકોના જન્મની દેવી ગણવામાં આવી છે. આ સિવાય હેરાએ બીજાઓથી થયેલાં સંતાનોને પણ જન્મ આપ્યો હતો. જે રીતે તેના પતિ જ્યૂસે બીજી દેવીથી એથેનાને જન્મ આપ્યો હતો તેથી ઈર્ષા અનુભવી દેવી હેરાએ પણ જ્યૂસથી નહીં એવા ‘હેફેસ્ટ્સ’ નામના અપંગ અને કદરૂપા પુત્રને જન્મ આપ્યો હતો. જન્મેલું બાળક કઢંગું હોઈ હેરાએ તેને માઉન્ટ ઓલમ્પસ પરથી નીચે ફેંકી દીધો હતો. આ વાતનો બદલો પાછળથી તેના કદરૂપા પુત્રએ લીધો હતો. હેરા જે જાદુઈ સિંહાસન પર બેસતી હતી ત્યાંથી તે ઊભી જ ન થઈ શકે તેવી સજા કરી હતી. બીજાં દેવી-દેવતાઓએ દરમિયાનગીરી કરવી પડી હતી. વિકૃત દેહવાળા હેફેસ્ટ્સને દેવી એફ્રોદિતિ પત્ની તરીકે આપવામાં આવી તે પછી જ તેણે તેની માતા હેરાને મુક્ત કરી હતી.

હેરા હેરાક્લિસ નામના પુત્રની ઓરમાન માતા પણ હતી. એ જમાનાની ગ્રીક ઓલિમ્પિકનો તે હીરો હતો. એલ્કેમની નામની સ્ત્રીના ઉદરમાં હેરાકલ્સ હતો ત્યારે તેના જન્મને રોકી રાખવા હેરાએ હેરાક્લિસની માતાના બે પગ બાંધી દીધા હતા. અલબત્ત, એક દાસીએ હેરાના એ કાવતરાને નિષ્ફળ બનાવતાં હેરાએ તેને શાપ આપી પ્રાણીમાં રૂપાંતરિત કરી દીધી હતી. હેરાક્લિસ હજુ નાનો બાળક હતો ત્યારે પણ હેરાએ બે સાપ તેના પલંગમાં મુકાવી દીધા હતા. બાળક બંને સાપ હાથમાં પકડી સર્પો સાથે રમવા માંડયું હતું. એક દાસી આ દૃશ્ય જોઈ ગઈ હતી, પણ બાળક દૈવી હોઈ તેને કંઈ થયું નહોતું. આ દૃશ્યનાં અનેક પેઇન્ટિંગ્સ પાછળથી દોરવામાં આવ્યાં હતાં. હેરાક્લિસને ખતમ કરવા હેરાએ બીજાં અનેક ષડ્યંત્રો રચ્યાં હતાં, પરંતુ હેરાક્લિસ વધુ ને વધુ શક્તિશાળી બનીને બહાર આવ્યો હતો. અલબત્ત, પાછળથી એક સમયે ર્પોિફરિયોન નામના રાક્ષસી વ્યક્તિએ હેરા પર બળાત્કાર કરવાની કોશિશ કરી ત્યારે હેરાક્લિસે જ તેને બચાવી હતી. તે પછી બંને મિત્રો બની ગયાં હતાં અને તેના બદલામાં હેરાએ ‘હેલી’ નામની પુત્રી હેરાક્લિસને તેની પત્ની તરીકે આપી હતી.

ગ્રીસની પ્રાચીન સંસ્કૃતિમાં આવતાં દેવી-દેવતાઓનું પૌરાણિક સાહિત્યમાં એક આગવું સ્થાન છે અને વિશ્વભરના સાહિત્યકારોએ દરેક દેવી-દેવતાઓ પર વિસ્તૃત સંશોધનો કરેલાં છે.

મહાકવિ હોમરે હેરાને ઈર્ષાળુ અને ઝઘડાખોર સ્ત્રી તરીકે વધુ વર્ણવી છે. જ્યૂસ અને હેરા વચ્ચે પણ અનેક વાર ઝઘડા થતા હતા. જ્યૂસે કેટલીક વાર તેને માર પણ માર્યો હતો અને તેના હાથમાં સાંકળો બાંધીને વાદળોમાં લટકાવી પણ દીધી હતી. જ્યૂસ ગુસ્સામાં હોય ત્યારે હેરા તેના શરણે થઈ જતી અને ક્યારેક કાવતરાં પણ કરતી. અલબત્ત, જ્યૂસને પ્રણયમસ્ત કરવા ક્યારેક તેના રૂપ અને સૌંદર્યનો ભરપૂર ઉપયોગ કરી. જ્યૂસના કારણે તે ત્રણ સંતાનોની માતા પણ બની હતી. પૃથ્વી પર તેનાં પ્રિય સ્થળો આર્ગોસ, સ્પાર્ટા અને મિસેનાઈ હતાં. મહાકાવ્ય ‘ઇલિયડ’માં તે ગ્રીકોની સમર્થક હતી જ્યારે ‘ઓડિસી’માં તે જેસનની સમર્થક હતી. ગ્રીકમાં હેરાનાં ઘણાં મંદિરો હતાં અને પ્રાચીન ગ્રીકના લોકો તેની પૂજા પણ કરતા હતા. ગ્રીસમાં ઘણી જગાએ હેરાનાં પુરાણા મંદિરના અવશેષો છે. હેરા હંમેશાં તેના મસ્તક પર તાજ પહેરતી. ઘણાં તેને તારાઓની દેવી પણ કહે છે. કેટલાક તેને ચંદ્રમાની દેવી પણ કહે છે. આધુનિક લેખકો તેને પ્રકૃતિની દેવી કહે છે.

હેરા એના સુંદર કપાળ અને વિસ્ફારિત વિશાળ આંખો માટે જાણીતી હતી. ગ્રીસમાં અનેક સ્થળે હેરાના મસ્તકનાં બાવલાં આજે પણ જોવા મળે છે. હેરાનું એક મંદિર ઈ.સ. પૂર્વે ૮૦૦માં ગ્રીસના સમોસ ખાતે બાંધવામાં આવ્યું હતું. તેના અવશેષો વિશાળ થાંભલા રૂપે આજે પણ ગ્રીસમાં મોજૂદ છે.

You are what you eat the dissertation writing help freshman fifteen.

તમારો પુત્ર પિતાની હત્યા કરશે અને માતા સાથે લગ્ન કરશે

ઇડિપસ એક ગ્રીક માયથોલોજી છે. પૌરાણિક ગ્રીક રાજાના જીવનની કરુણતમ ઘટનાની કહાણી છે. આ ટ્રેજેડી સોફોક્લિસ નામના ગ્રીક લેખકની નાટયકૃતિ છે. કથાનો મુખ્ય નાયક ઇડિપસ છે. ‘ઇડિપસ’નો અર્થ ‘સૂજી ગયેલા પગ’.’ઇડિપસ’ થીબ્સ નામના એક ગ્રીક રાજ્યના રાજા લાયસ અને ક્વીન જોકાસ્ટાનો પુત્ર હતો. લાયસ-જોકાસ્ટાનાં લગ્નના ઘણા સમય સુધી સંતાનપ્રાપ્તિ થઈ નહોતી. રાજા લાયસે એપોલો મંદિરના એક ભવિષ્યવેત્તાને સંતાનપ્રાપ્તિ માટે પૂછપરછ કરી. ભવિષ્યવેત્તાએ કહ્યું, “તમારાં રાણીને જે સંતાન થશે તે તેના પિતાની એટલે કે તમારી હત્યા કરી નાખશે અને તેની માતા સાથે લગ્ન કરશે.”આ ભવિષ્યવાણીને ખોટી પાડવા રાણીએ સગર્ભા બનવાનું અને બાળકને જન્મ આપવાનું પસંદ કર્યું. બાળકનો જન્મ થતાં જ તેના બંને પગ સખત રીતે બાંધી દેવામાં આવ્યા, જેથી બાળક બે હાથ અને બે પગે ચાલી જ શકે નહીં. એ પછી એ તાજા જન્મેલા બાળકને નજીકના પર્વત પર ત્યજી દેવાનું કામ મહેલના એક સેવકને સોંપવામાં આવ્યું. રાજાને હતું કે, બાળકના બંને ઘૂંટણ સખતાઈપૂર્વક બાંધેલા હોઈ તે ચાલી શકશે નહીં અને મૃત્યુ પામશે. નોકરને દયા આવતાં બાળક પર્વત પર ત્યજી દેવાને બદલે તેણે કોરિન્થ નામના બીજા એક ગ્રીક રાજ્યમાં રહેતા ભરવાડને આપી દીધું. એ ભરવાડે એ બાળક બીજા એક ભરવાડને આપ્યું. એમ કરતાં કરતાં બાળક કોરિન્થના રાજા પોલિબસ અને ક્વીન મેરોયી પાસે પહોંચ્યું. કોરિન્થનો આ રાજા નિઃસંતાન હતો. તેણે આ નાનકડા બાળકને દત્તક લીધું. બાળકના બંને પગ સખતાઈપૂર્વક બાંધી દેવાયેલા હોઈ તેના બંને પગ સૂજી ગયા હતા, તેથી બાળકને ‘ઇડિપસ’ નામ અપાયું.

ઇડિપસ હવે કોરિન્થ રાજ્યના રાજકુમાર તરીકે મોટો થવા લાગ્યો. એક વાર તેના એક મિત્રએ શરાબના નશામાં તેને કહી દીધું, “તું કોરિન્થના રાજા અને રાણીનો પુત્ર છે જ નહીં. તું તો દત્તક લેવાયેલો પુત્ર છે.” આ સાંભળ્યા બાદ ઇડિપસ વિક્ષુબ્ધ થઈ ગયો. તે સીધો જ કોરિન્થના રાજા પોલિબસ પાસે ગયો અને પૂછયું, “શું એ વાત સાચી છે કે તમે મારાં અસલી માતા-પિતા નથી?”

રાજા પોલિબસ અને ક્વીન મેરોયીએ કહ્યું, “તને જે કોઈએ આ વાત કહી છે તે ખોટી છે. તું અમારું જ સંતાન છે.” પણ ઇડિપસને એમના ખુલાસાથી સંતોષ ન થયો. ઇડિપસે હવે ડેલ્ફીના એપોલો મંદિરના એ જ ભવિષ્યવેત્તાનો સંપર્ક સાધ્યો. એ ભવિષ્યવેત્તાનું નામ ટાયરેસિયસ હતું. ટાયરેસિયસ અંધ હતો. તેણે ઇડિપસને એટલું જણાવ્યું કે, “તારા નસીબમાં તારા જ હાથે પિતાનું મૃત્યુ લખાયું છે અને તે પછી તું તારી માતા સાથે લગ્ન કરીશ એમ પણ લખાયું છે.”

આ ભવિષ્યવાણી ખોટી પાડવા ઇડિપસે કોરિન્થ પાછા જવાનું માંડી વાળ્યું, કારણ કે હજુ તેના મનમાં એ જ હતું કે કોરિન્થના રાજા અને રાણી જ તેનાં પિતા અને માતા છે. ભૂલથી પણ તેમની હત્યા થઈ જાય તો! એ વિચાર સાથે ઇડિપસ તેનો રથ લઈ ડેલ્ફી રાજ્યની નજીક આવેલા થીબ્સ તરફ જવા રવાના થયો. રસ્તામાં એક સ્થળે ત્રણ રસ્તા આવતા હતા. એક તરફથી એક વ્યક્તિ રથ લઈને એ જ રસ્તે જવા માગતી હતી. એ વખતે પહેલા કોનો રથ આગળના રસ્તે જાય તે મુદ્દા પર બેઉ વચ્ચે ઝઘડો થયો અને યુવાન ઇડિપસે બીજા રથ પર સવાર થયેલી વ્યક્તિની સ્વરક્ષણ માટે હત્યા કરી નાખી. ઇડિપસને એ વખતે ખબર નહોતી કે અજાણતાં જ તેણે જેની હત્યા કરી છે, તે અસલમાં તેના પિતા અને થીબ્સના રાજા લાયસ હતા. આ ઘટનાનો સાક્ષી રાજા લાયસનો એકમાત્ર વફાદાર ગુલામ હતો અને તે ગભરાઈને ત્યાંથી ભાગી ગયો. ભવિષ્યવેત્તાની પહેલી ભવિષ્યવાણી સાચી પડી, પરંતુ ઇડિપસ એનાથી અજાણ હતો.

આ ઘટના બાદ ઇડિપસે રથમાં જ તેનો થીબ્સ જવાનો પ્રયાસ જારી રાખ્યો. રસ્તામાં સ્ફિન્ક્સ તરીકે ઓળખાતું એક પ્રાણી રહેતું હતું અને તે તમામ વટેમાર્ગુ ને પ્રવાસીઓને હેરાન કરતું હતું. સ્ફિન્ક્સ એક પ્રકારનું રાક્ષસી પ્રાણી હતું, જેનો ચહેરો સ્ત્રી જેવો પણ બાકીનો દેહ સિંહનો હતો. આ રસ્તા પરથી પસાર થતી દરેક વ્યક્તિને તે ઉખાણું પૂછતું અને જે તેનો જવાબ આપી ન શકે તેને મારીને તે ખાઈ જતું. જે સાચો જવાબ આપે તેને તે જવા દેતું. સ્ફિન્ક્સે ઇડિપસને રોક્યો અને એક ઉખાણું પૂછયું, “એવું કયું પ્રાણી છે, જે સવારે ચાર પગે ચાલે છે, બપોરે બે પગે ચાલે છે અને સાંજે ત્રણ પગે ચાલે છે?”

ઇડિપસે તરત જ જવાબ આપ્યો, “માણસ, જે જન્મે છે ત્યારે શરૂઆતમાં બે હાથ અને બે પગથી ફર્શ પર ચાલે છે. યુવાનીમાં તે બે પગે ચાલે છે અને વૃદ્ધ થાય છે ત્યારે લાકડીનો સહારો લે છે, તેથી જીવનની સાંજે ત્રણ પગે ચાલે છે.”

આ જવાબ સાંભળી સ્ફિન્ક્સે સંતોષ વ્યક્ત કર્યો પછી તેણે દરિયામાં ડૂબી જઈને આત્મહત્યા કરી લીધી અને એ રીતે થીબ્સના લોકોને સ્ફિન્ક્સના ત્રાસમાંથી મુક્તિ મળી. એ વખતે થીબ્સના મૃત્યુ પામેલા રાજાની પત્નીના ભાઈ ક્રિયોને એવી જાહેરાત કરેલી હતી કે, “જે કોઈ વ્યક્તિ થીબ્સના લોકોને સ્ફિન્ક્સના ત્રાસમાંથી મુક્તિ અપાવશે તેને થીબ્સનો રાજા ઘોષિત કરાશે અને હમણાં જ વિધવા થયેલાં રાણી જોકાસ્ટાનો હાથ પણ તેને સોંપાશે.” એટલે થીબ્સના લોકોએ સ્ફિન્ક્સના ત્રાસમાંથી મુક્તિ અપાવનાર ઇડિપસને થીબ્સનો રાજા ઘોષિત કરી દીધો અને વિધવા થયેલી ક્વીન જોકાસ્ટાને ઇડિપસ સાથે પરણાવી દીધી. ઇડિપસ અજાણતાં જ તેની માતાને પરણ્યો. આ રીતે ભવિષ્યવેત્તાની બીજી ભવિષ્યવાણી પણ સાચી પડી.

ઇડિપસ અને જોકાસ્ટાનાં લગ્નનાં ઘણાં વર્ષો બાદ થીબ્સ પર આફતના ઓળા ઊતર્યા. ભયંકર દુષ્કાળ પડયો. ખેતરોમાં અનાજ ઊગવાનું બંધ થઈ ગયું. વૃક્ષોએ નવાં પર્ણો આપવાનું બંધ કરી દીધું. સ્ત્રીઓ ગર્ભવતી થતી બંધ થઈ ગઈ. થીબ્સમાં ‘પ્લેગ ઓફ ઇર્ન્ફિટલિટી’ની આપત્તિ ઊભી થઈ. પશુઓએ પણ વાછરડાં કે બચ્ચાં આપવાનું બંધ કરી દીધું. થીબ્સનો રાજા બનેલો ઇડિપસ ચિંતામાં પડયો. એણે ક્વીન જોકાસ્ટાના ભાઈ ક્રિયોનને ડેલ્ફીના એપોલો મંદિરના પૂજારી પાસે આ ભયંકર આફતનું કારણ જાણવા મોકલ્યો. ક્રિયોને પાછા આવીને કહ્યું કે થીબ્સના અગાઉના રાજા લાયસની હત્યા કરનાર વ્યક્તિને પાઠ ભણાવવા કુદરત આમ કરી હતી છે. ઇડિપસે તેની પત્ની અર્થાત્ તેની માતા જોકાસ્ટાને કહ્યું, “રાજા લાયસનો હત્યારો જે દિવસે મળી આવશે તે જ દિવસે તેને હું દેશનિકાલ કરી દઈશ.”

ઇડિપસે હવે સચોટ આગાહી કરવા માટે જાણીતા અંધ મહાત્મા ટાઇરેસિઅસની શોધ આદરી. ક્રિયોને ટાઇરેસિઅસને શોધી કાઢયો. ટાઇરેસિઅસે રાજા લાયસના હત્યારાની શોધ નહીં કરવા ચેતવણી આપી. ક્રિયોન અને ભવિષ્યવેત્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા ટાઇરેસિઅસે કહી દીધું, “તારે જાણવું જ છે તે! તો જાણી લે કે થીબ્સના રાજા કિંગ લાયસનો હત્યારો ખુદ ઇડિપસ છે અને ઇડિપસ ખુદ તેનાં માતા-પિતા કોણ છે તે જાણતો નથી અને શરમજનક જિંદગી જીવી રહ્યો છે.”

ક્રિયોને આ વાત રાજા ઇડિપસને કરી તો ઇડિપસ ખિજાયો અને કહ્યું, “તું ખોટી રીતે મારી પર રાજા લાયસની હત્યાનો આરોપ મૂકી રહ્યો છે.”

આ ઉગ્ર ચર્ચા વખતે જ રાણી જોકાસ્ટાએ પ્રવેશ કર્યો અને ઇડિપસને શાંત પાડતાં કહ્યું, “મારે જે પહેલું સંતાન અવતર્યું હતું તેેને અમે મારી નાખવા માટે પગ બાંધીને પર્વત પર છોડી દીધું હતું.”

આ વાત સાંભળી ઇડિપસ ઢીલો પડી ગયો. એને લાગ્યું કે, “રાજા લાયસની હત્યા કદાચ મારા હાથે જ થઈ હોવી જોઈએ.” એવામાં સમાચાર આવ્યા કે કોરિન્થના રાજા પોલિબસનું મૃત્યુ થયું છે. જોકે, ઇડિપસ હજુ રાજા પોલિબસને જ પોતાના પિતા સમજતો હતો. રાજા પોલિબસનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાથી ભવિષ્યવાણી ખોટી પડી રહી છે એવો પણ ખ્યાલ તેને આવ્યો. ઇડિપસે રાજા પોલિબસના અંતિમ સંસ્કારની વિધિ વખતે હાજરી આપવા ઇન્કાર કર્યો ત્યારે કોરિન્થથી આવેલા સંદેશવાહકે સ્પષ્ટતા કરી, “રાજા ઇડિપસ! સાચી વાત એ છે કે તમે રાજા પોલિબસના અસલી નહીં દત્તક પુત્ર છો. તમે તો એક પર્વત પરથી મળી આવેલા અનાથ બાળક હતા.”

રાણી જોકાસ્ટાને ખ્યાલ આવી ગયો કે, ઇડિપસ કે જે હાલ તેનો પતિ છે તે હકીકતમાં તેનું જ સંતાન છે. રાણી જોકાસ્ટાએ ઇડિપસને રાજા લાયસના હત્યારાની શોધ ન કરવા જણાવ્યું. છતાં ઇડિપસે એ વ્યક્તિને બોલાવી જેને પોતાને નાની વયમાં જ પર્વત પર મૂકી આવવાની જવાબદારી સોંપી હતી. મહેલના ગુલામે બધી વાત ઉઘાડી કરી નાખી. રાણી જોકાસ્ટાને ખ્યાલ આવી ગયો કે જેને તે પરણી છે અને જેનાથી તે ત્રણ સંતાનોની માતા બની છે તે ઇડિપસ તેનો જ પુત્ર છે. આ આઘાત સહન ન થતાં ક્વીન જોકાસ્ટાએ પોતાના શયનખંડમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

રાજા ઇડિપસને ખ્યાલ આવી ગયો કે અજાણતાં જ એણે પિતાની હત્યા કરી હતી અને ખુદની જ માતા સાથે પરણ્યો હતો. આ ભયંકર અપરાધના કારણે જ ઈશ્વર થીબ્સ પર રૂઠયો હતો અને થીબ્સ પર ભયંકર આફતના ઓળા ઊતર્યા હતા.

ઇડિપસ રાણી જોકાસ્ટાને મળવા ગયો પણ રાણીએ આત્મહત્યા કરી લીધી હતી. ઇડિપસે રાણી જોકાસ્ટાનાં વસ્ત્રોમાંથી એક અણીદાર પીન ખેંચી કાઢી અને એ પીન પોતાની આંખોમાં ઘોંચી જાતે જ પોતાની આંખો ફોડી નાખી. પશ્ચાત્તાપ માટે એણે પીડા ભોગવવાનું નક્કી કરી લીધું. આંખો ફોડી નાખ્યા બાદ એણે જાતે જ પોતાની જાતને દેશનિકાલ કરી દીધી. એણે અગાઉ પણ કહ્યું હતું કે, “રાજા લાયસની હત્યા કરનારને તે દેશનિકાલ કરી દેશે.”

અંધ બની ગયા બાદ ઇડિપસ તેની પુત્રી એન્ટીગોનના ખભે હાથ મૂકી ઠેરઠેર ભટકવા લાગ્યો. ભારે પશ્ચાત્તાપ સાથે દુઃખ અનુભવતો ઇડિપસ પુત્રીના સહારે એથેન્સ પહોંચ્યો. એથેન્સના રાજા થેલિયસે તેને આશ્રય આપ્યો, પરંતુ ખૂબ જ દુઃખી હાલતમાં તે મૃત્યુ પામ્યો. તેના કેટલાક સમય બાદ ઇડિપસના બે પુત્રોએ થીબ્સ પર રાજ કરવા માટે નક્કી થયેલી શરતોનો ભંગ થતાં લડાઈ કરી અને લોહિયાળ જંગમાં બંને ભાઈઓએ એકબીજાની હત્યા કરી નાખી.

અલબત્ત, દંતકથા એવી છે કે ઇડિપસ મૃત્યુ પામ્યો ત્યારે થીબ્સના અંદરોઅંદર લડતા લોકો ઇડિપસને થીબ્સમાં લાવવા માગતા હતા. તેઓ માનતા હતા કે, ઇડિપસ પાછો ફરશે તો થીબ્સનું નસીબ પણ પાછું આવશે. પણ તેમ ન થયું.

ઇડિપસ એથેન્સમાં કોલોનસ નામનાં વૃક્ષોના જંગલમાં મૃત્યુ પામ્યો. આ જંગલમાં જ ક્યાંક તેની કબર હોવાનું મનાય છે અને એમ પણ કહેવાય છે કે ઇડિપસના આગમન પછી એથેન્સનું નસીબ પાછું ફર્યું. ઇડિપસ એથેન્સમાં મૃત્યુ પામ્યો તે પછી એથેન્સની પ્રગતિનો ઉદય થયો.

‘ઇડિપસ’ની આ દંતકથા અનેક વાર કહેવાઈ છે. અનેક વાર લખાઈ છે. ઇડિપસ લેટિન સાહિત્યની એક યાદકાર કૃતિ-ટ્રેજેડી છે. ઇજિપ્તના પિરામિડોમાં એક વિશાળ ‘સ્ફિન્ક્સ’ પણ જોવા મળે છે. અલબત્ત, ‘ઇડિપસ’ની આ કથા ગ્રીક કવિ અને નાટયલેખક સોફોક્લિસની કૃતિ પર આધારિત છે. સોફોક્લિસ ઈસુના જન્મ પૂર્વ ૪૦૬ની સાલની આસપાસ થઈ ગયા. તેમણે કુલ સાત કરુણાંતિકાઓ લખી હતી. તેમાંથી આજે જે કૃતિઓ વિશ્વ પાસે બચી છે તેમાં (૧) Ajax. (૨) Odepus Rex. (૩) Antigone અને (૪) Odeipus at Cononus છે.

સોફોલિક્સ શબ્દ બે શબ્દોમાંથી બનેલો છે. ‘Sofo’નો અર્થ છે Wise અને ‘Cles’નો અર્થ છે Glorius-famous. Famous for wisdom અર્થાત્ ડહાપણ માટે જે વ્યક્તિ જાણીતી હતી તે.

‘ઇડિપસ’ની આ કથા અને તેમાં અભિપ્રેત ભાવના આધારે ઘણાં વર્ષો પછી આધુનિક મનોવિજ્ઞાાનના પિતા એવા જર્મનીના મનોવૈજ્ઞાાનિક ડો. સિગ્મંડ ફ્રોઇડે ‘ઇડિપસ’ના નામના આધારે માનવીના કેટલાંક વર્તન માટે ‘ઇડિપસ કોમ્પ્લેક્સ’ એવું નામ આપ્યું હતું. આવી ગ્રંથિથી પીડાતાં બાળકો માતાને પ્રેમ કરતા તેના પિતાથી પણ ઈર્ષા અનુભવતા હોય છે. આ ગ્રંથિની તીવ્રતા પરાકાષ્ઠાએ હોય ત્યારે બાળક અજાણતાં જ તેના પિતાનું મૃત્યુ ઇચ્છતું હોય છે. આવી મનોવિકૃતિ ધરાવનાર બાળકો કે વ્યક્તિઓ ‘ઇડિપસ કોમ્પ્લેક્સ’થી પીડાય છે તેમ કહેવાય છે. અલબત્ત, ગ્રીક લેખકની દંતકથાનો નાયક ઇડિપસ સ્વયં આવી કોઈ માનસિક બીમારીનો રોગી નહોતો. એણે તો અજાણતાં જ માતા સાથે લગ્ન કર્યું હતું અને અજાણતાં જ પિતાની હત્યા કરી નાખી હતી.


Produktdetails isbn 978-3-411-86196-5 erscheinungsjahr 2010 format 17,0 x 24,0 cm marke cornelsen scriptor ähnliche produkte im shop sms bachelorarbeit schreiben lassen auf englisch deutsch – aufsatz 5.

NAMO ,THE CONQUEROR (રેડ રોઝ) Oct 12, 2014 01:43

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ૧૯૪૯ના ગ્રીષ્મમાં એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સૌપ્રથમ વાર તેમના જીવનમાં અમેરિકાની યાત્રા કરી હતી. એ વખતના રાજદૂતોએ એ યાત્રાને સૌજન્યયાત્રા કહી હતી. એ વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ હેરી એસ. ટ્રુુમેનને જવાહરલાલ નહેરુ અકળાવનારી વ્યક્તિ લાગી હતી. તેમના મતે ભારતનું કોઈ ખાસ મહત્ત્વ નહોતું. વર્ષો સુધી ભારત એ મદારીઓનો અને ગંગામાં સ્નાન કરવા માટે જાણીતો દેશ હતો. આઝાદી પછી જવાહરલાલ નહેરુ રશિયાથી પ્રભાવિત હતા. નહેરુ યુગમાં ભારત અમેરિકા વિરોધી રશિયાના મિત્ર તરીકે ઓળખાતું રહ્યું.આ વાતને વર્ષો થઈ ગયાં. સમય બદલાતો રહ્યો. પાકિસ્તાનના ભારત પરના આક્રમણ વેળા રશિયા ભારત સાથે રહ્યું. ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે અમેરિકાએ ભારતને મદદ કરી. અમેરિકા-રશિયા વચ્ચેનું શીતયુદ્ધ ખતમ થઈ ગયું. પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને રાજીવ ગાંધીના વલણમાં પણ ફરક આવ્યો. એવા સમયે ભારતનો એક યુવાન કોઈ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં માત્ર યુવક તરીકે જ હાજર રહેવા ગયો હતો. એણે ન્યૂ યોર્કનું મેનહટન જોયું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોયું. વોશિંગ્ટનમાં દૂરથી વ્હાઈટ હાઉસ જોયું અને એક રેલિંગની પેલે પાર ઊભા રહી વ્હાઈટ હાઉસને નિહાળ્યાં કર્યું. એ યુવાને એ જ સમયે અમેરિકાનાં ૫૦માંથી ૨૯ જેટલાં રાજ્યો ખૂંદી કાઢયાં હતાં. અલબત્ત, એ યુવાન પાસે ખિસ્સામાં બહુ પૈસા નહોતા. સસ્તી ટિકિટ લેવા માટે એણે સસ્તી એરલાઇન્સ શોધી કાઢી. હોટલનાં બિલ બચાવવા લેઈટ નાઇટ ફલાઈટ્સ લીધી. સવારે કોઈ શહેરમાં પહોંચાય જેથી હોટલનું ભાડું બચી જાય. અમેરિકામાં આને ‘રેડ આઈ’ ફલાઈટ્સ કહે છે, કારણ કે આખી રાત પ્લેનમાં ઊંઘ ન આવે તેથી સવારે આંખ લાલ થઈ ગઈ હોય. એ બધાં ખર્ચ માટે એ યુવાને ૫૦૦ ડોલર બચાવી રાખ્યા હતા. એ વખતે એ બહુ મોટી રકમ હતી અને એ રકમમાં એણે અમેરિકાનાં ૨૯ રાજ્યોને જોઈ નાંખ્યાં.

એ યુવાન નરેન્દ્ર મોદી હતા. ૨૦ વર્ષ પહેલાં વોશિંગ્ટનમાં એક રેલિંગ પાસે ઊભા રહી વ્હાઈટ હાઉસ નિહાળનાર એ યુવાનને ખબર નહોતી કે આ જ વ્હાઈટ હાઉસમાં વિશ્વનો સૌથી શક્તિશાળી પ્રેસિડેન્ટ તેમનું રેડ કાર્પેટથી સ્વાગત કરશે. ૧૧ વર્ષ સુધી અમેરિકામાં પ્રવેશવાના વિઝા ન આપનાર અમેરિકાની સરકાર તેમનું ભવ્ય સ્વાગત કરશે. ખુદ ભારતીય અમેરિકનોને પણ ખબર નહોતી કે ભારતીય મૂળ ધરાવતા અમેરિકનોને ભારતમાં પ્રવેશવાના લાઇફટાઇમ વિઝા અને અમેરિકન નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ મળી જશે.

વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા અને એક જ પ્રવચનથી અમેરિકનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એ ઘટનાનું ઘણાં વર્ષો બાદ અમેરિકાની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનરાવર્તન કર્યું. બંને વચ્ચે સામ્ય એ છે કે બંનેનું નામ ‘નરેન્દ્ર’ છે. તફાવત એ છે કે સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક પ્રતિભા હતા. નરેન્દ્ર મોદી રાજનૈતિક પ્રતિભા છે.

ન્યૂ યોર્કના મેડિસન સ્કવેર ગાર્ડનમાં સર્જાયેલાં દૃશ્યો બે બાબતો પ્રતિપાદિત કરતાં હતાં. એક તો નરેન્દ્ર મોદીની ૩૬૦ ડિગ્રી-શ્રેષ્ઠ વક્તૃત્વ કળા અને પ્રજાનો પણ ૩૬૦ ડિગ્રી શ્રેષ્ઠ પ્રતિભાવ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રત્યેક વાક્યે ૧૮૦૦૦ શ્રોતાઓની તાળીઓની ગુંજ સંભળાતી હતી. પ્રાચીન રોમન એરેનામાં ગ્લેડિયેટર્સના યુદ્ધ પછી વિજેતા બનેલા ગ્લેડિયેટર માટે જે ગુંજ સંભળાતી હતી તેવી જ લોકગર્જના મેડિસન સ્કવેર ગાર્ડનમાં સંભળાતી હતી. આટલું સ્ટેન્ડિંગ ઓવેશન આજ સુધી કોઈ ભારતીય નેતાને મળ્યું નથી. લોકો હર પળ ‘મોદી-મોદી-મોદી’ પોકારતા હતા! આ એક પ્રકારની વિજય રેલી હતી. જે અમેરિકાએ નરેન્દ્ર મોદીને ૧૧ વર્ષ સુધી વિઝા આપવા ઈન્કાર કર્યો એ જ વ્યક્તિને અમેરિકાએ ઝૂકી જઈને આમંત્રણ પાઠવવું પડયું તેનો પ્રતિઘોષ મેડિસન સ્કવેર ગાર્ડનમાં જોવા મળતો નહોતો. આજ સુધીમાં કોઈ પણ ભારતીય નેતા અમેરિકા પ્રજાનાં હૃદય, દિલો-દિમાગ સાથે આટલા કનેક્ટ થયા નથી. મેડિસન સ્કવેર ગાર્ડનમાં નરેન્દ્ર મોદી એક રોકસ્ટારની જેમ આવ્યા, પરફોર્મ કર્યું અને લોકોને મંત્રમુગ્ધ કરી એક વિજેતાની જેમ જતા રહ્યા.

અલબત્ત, અત્રે એ વાત નોંધવી જોઈએ કે, અમેરિકામાં રહેતી ભારતીય મૂળની પ્રજાએ કરેલા આ ભવ્ય અભિવાદન પાછળ તેમની અગણિત આશાઓ અને અપેક્ષાઓ પણ છે. માતૃભૂમિથી હજ્જારો માઈલ દૂર રહેતા ભારતીયો તેમના દેશને ભૂલ્યા નથી. ભલે કારકિર્ર્દી બનાવવા તેઓ સાત સમંદર પાર ગયા હોય, પરંતુ એક દિવસ તો તે બધાની વતન પાછા આવવાની ઇચ્છા હોય છે જ. અમેરિકા તેમની કર્મભૂમિ છે, પરંતુ ભારત તેમની માતૃભૂમિ છે. તેઓ ભારતને એક તાકાતવર દેશ તરીકે જોવા માગે છે. ભારતની ગરીબી દૂર થાય તેવી તેમની ઇચ્છા છે. બેરોજગારીની સમસ્યા હલ થાય તેમ તેઓ ઇચ્છે છે. ભ્રષ્ટાચાર દૂર થાય તેમ તેઓ ઇચ્છે છે. ગંગા અને બીજી બધી જ નદીઓ સ્વચ્છ થાય તેમ તેઓ ઇચ્છે છે. જડ અમલદારશાહી દૂર થાય તેમ તેઓ ઇચ્છે છે. રેલવે સ્ટેશનો સ્વચ્છ હોય એમ તેઓ ઇચ્છે છે. રીક્ષાવાળો કે ટેક્સીવાળો તેમને લૂંટે નહીં તેમ તેઓ ઇચ્છે છે. ભારતમાં નવા ઉદ્યોગો સ્થપાય અને રેડટેપિઝમ દૂર થાય તેમ તેઓ ઇચ્છે છે. આ બધી જ લાગણીઓ અને ઉમ્મીદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અસાધારણ સ્વાગતની ભીતર અભિપ્રેત હતી. એ અપેક્ષાઓ સંતોષવાની ક્ષમતા લોકોએ વડાપ્રધાનમાં નિહાળી છે. વડાપ્રધાન હવે અમેરિકાની પ્રજાને પ્રભાવિત કરીને પાછા આવી જ ગયા છે ત્યારે તેમની જવાબદારી વધી જાય છે અને એ જવાબદારીઓ પરિપૂર્ણ કરવા માટે વડાપ્રધાને ઓવરટાઈમ કામ કરવું પડશે.

એ વાતમાં કોઈ શક નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નસીબદાર વ્યક્તિ છે. તેમના તમામ દુશ્મનો અને હરીફો પરાસ્ત થતા જાય છે. કુદરત પણ તેમને મદદ કરે છે. અમેરિકી યાત્રાના થોડા દિવસ પહેલાં જ ૧૧ મહિના પહેલાં છોડવામાં આવેલું ‘મંગળયાન’ મંગળ સુધી પહોંચી ગયું અને એ જ ટાણે વડાપ્રધાને અમેરિકાની ધરતી પર ગર્વભેર પગ મૂક્યો. આડકતરી રીતે અમેરિકન વિજ્ઞાાનીઓ માટે પણ એ સંદેશ હતો કે ભારત હવે મદારીઓનો દેશ નથી. આજે અમે મંગળ સુધી પહોંચી શક્યા છીએ. આવતી કાલે અમારી ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ જરૂર પડે દુનિયાના કોઈ પણ દેશ સુધી પહોંચવા સક્ષમ છે.

અલબત્ત, મંગળયાનની સફળતા બાદ વડાપ્રધાનની એ જવાબદારી પણ વધી જાય છે કે દેશના કરોડો પરિવારોને વીજળી મળે, પાણી મળે, ઘર મળે, શૌચાલય પણ મળે. સ્કૂલ મળે અને ઉત્કૃષ્ટ શિક્ષણ પણ મળે. આ અપેક્ષા ભારતમાં વસતા ભારતીયોની અને વિશ્વભરમાં વસતા મૂળ ભારતીયોની છે.

એક અંગ્રેજ કવિ રૂડયાર્ડ કિપલિંગે કહ્યું છે કે, “પૂર્વ, પૂર્વ છે અને પશ્ચિમ, પશ્ચિમ છે. આ બંનેનું મિલન કદી શક્ય નથી.”- પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉક્તિ ખોટી પાડી છે. અમેરિકા પાસે હાર્ડવેર છે, ભારત પાસે સોફટવેર છે. અમેરિકા એક શક્તિશાળી લોકતાંત્રિક દેશ છે. ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો લોકતાંત્રિક દેશ છે. અમેરિકા અને ભારતને પોતપોતાની આગવી અને કેટલીક એકસમાન સમસ્યાઓ છે. આતંકવાદ એ બંને દેશોની એકસમાન સમસ્યા છે. આર્િથક મંદી એ અમેરિકાની સમસ્યા છે, ગરીબી એ ભારતની સમસ્યા છે. આર્િથક મંદી દૂર કરવા અમેરિકાને મોટું બજાર જોઈએ છે. ભારત સ્વયં મોટું ગ્રાહક બજાર છે. ભારત ચારે તરફ દુશ્મનોથી ઘેરાયેલો દેશ છે અને તેણે સંરક્ષણ, શસ્ત્ર-સરંજામ આધુનિક બનાવવાં જરૂરી છે. અમેરિકા આ ક્ષેત્રમાં ભારતનું સહયોગી બની શકે છે. વીજ ઉત્પાદનમાં ભારતનું સહયોગી બની શકે છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ચીન અને પાકિસ્તાનને ઠેકાણે રાખવા તે ભારત પર ભરોસો કરી શકે છે. આ બધી કૂટનીતિમાં ભારત અને અમેરિકાને એકબીજાની નજીક લાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ રહ્યા છે. બંને દેશોના નેતાઓની બોડી લેંગ્વેજ અને કેમિસ્ટ્રી પણ સાનુકૂળ હતી. આ સાનુકૂળ વાતાવરણનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે નરેન્દ્ર મોદી સક્ષમ છે. અમેરિકાએ અગાઉ તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દાખવેલા વલણની કટુતાને ભૂલી જઈને તેમણે અમેરિકી નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની જાહેરાત કરી તે તેમની ઉદારતા અને ઉત્કૃષ્ટ કૂટનીતિનો દાખલો છે. ખુદ અમેરિકાને જ શરમાવું પડે તેવી પરિસ્થિતિ તેમણે પેદા કરી દીધી. ખુદ અમેરિકા પણ નરેન્દ્ર મોદીના બેમિસાલ નેતૃત્વની ખૂબીઓને ધ્યાનપૂર્વક નિહાળી રહ્યું છે. જેથી બધા જ પ્રશ્નો હલ થાય. મોદી દરેક કાર્ય નિર્ધારિત સમયમર્યાદામાં પૂરું કરવા માટે જાણીતા છે અને તે માટે રાજનૈતિક સહમતી જરૂરી હોય છે. કામ એમણે કરી દીધું છે. ડિફેન્સના ક્ષેત્રમાં તેમણે એફડીઆઈની મર્યાદા ૪૯ ટકા કરી દીધી છે. ભારતને ડિફેન્સનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા બધી જ સાનુકૂળતાઓ ઊભી કરી આપી છે. ભારત આ ક્ષેત્રમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બની જશે તો લાખ્ખો યુવાનોને નોકરીઓ પ્રાપ્ત થશે. ભારત સરકારના આ નિર્ણયથી અમેરિકા ખુશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિયાન સફળ થાય તે જરૂરી છે. તેમની અમેરિકાની યાત્રા દરમિયાન અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો તેથી હવે એ બધી અપેક્ષાઓમાં પરિર્વિતત કરવી એ વડાપ્રધાન માટે એક ભગીરથ કાર્ય હશે.

ઓલ ધી બેસ્ટ મિ.પ્રાઈમ મિનિસ્ટર!

www. devendrapatel.in
Share This

Spouses, children, and parents or other relatives of u cheap essay writing service.

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén