રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
  • વિશ્વના ત્રીજા ભાગનાં ગરીબો ભારતમાં

ભારત અનેક પ્રકારના વિરોધાભાસ ધરાવતો દેશ છે. ભારત પાસે ન્યુક્લિયર શસ્ત્રો છે, પરંતુ દેશમાં ૪૦ કરોડ ગરીબોને બે ટંક ભોજન પ્રાપ્ત નથી. ભારત પાસે સેટેલાઇટ્સ છે, પરંતુ સેંકડો શાળાઓમાં શૌચાલય નથી. ભારત પાસે આઈઆઈએમ અને આઈઆઈટી જેવી શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ છે, પરંતુ દેશની હજારો શાળાઓ પાસે પૂરતા શિક્ષકો નથી. ભારત પાસે અદ્યતન વર્લ્ડક્લાસ વિમાની મથકો છે, પરંતુ હજારો ગામોમાં એસ.ટી. બસની સુવિધા નથી. દેશની ફાઇવસ્ટાર હોટલોના બારમાં રોજ ૨૦ હજારની કિંમતની બ્લૂ લેબલ વ્હિસ્કી ઉપલબ્ધ છે, પરંતુ હજારો ગામોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. મોટાં શહેરોમાં ચોવીસ કલાક વીજળીનો ઝગમગાટ છે, પરંતુ દેશનાં (ગુજરાત સિવાય)નાં હજારો ગામોમાં અંધારપટ છે. ગાંધીજી કહેતા હતા કે, સાચું ભારત દેશના ૬ લાખ ગામડાંઓમાં વસે છે.

એક તરફ શહેરોમાં ઝાકમઝોળ દેખાય છે, પરંતુ બીજી બાજુ હજારો ગામડાં હજુ વિકાસનાં લાભોથી વંચિત છે. વિકાસ લક્ષ્યો (એમડીજી) હાંસલ કરવાની બાબતમાં શાળાઓમાં વિદ્યાર્થિનીઓની ટકાવારી વધારવાની બાબતમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું, પરંતુ ગરીબીની નાબૂદી, રોજગારીની વૃદ્ધિ, માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદરની બાબતમાં નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવાની બાબતમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના વાર્ષિક અહેવાલ જારી કરવાના અવસરે જવાહરલાલ નહેરુ યુનિર્વિસટીના અર્થશાસ્ત્રનાં અધ્યાપિકા ડો. જયંતિ ઘોષનું આ તારણ છે. તેમણે જણાવ્યું છે કે, ગરીબી દૂર કરવાની બાબતમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

દુનિયાભરમાં ૨૦૧૦ના વર્ષમાં એક કરોડ વીસ લાખ લોકો અત્યંત ગરીબ હતા. તેમાંથી ૩૨.૯ ટકા અતિ ગરીબ લોકો ભારતમાં રહે છે. દુનિયાના એક તૃતીયાંશ ગરીબો એકમાત્ર ભારતમાં રહે છે. ભારતને બાદ કરી દેવામાં આવે તો દક્ષિણ એશિયાએ ગરીબી દૂર કરવાની બાબતમાં એમડીજીનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે,પરંતુ તેમાં ભારતને સામેલ કરી દેવામાં આવે તો દક્ષિણ એશિયા એક જૂથ તરીકે લક્ષ્ય હાંસલ કરવાની બાબતમાં ઘણું પાછળ રહી જાય છે.

અલ્પસંખ્યક મામલાઓનાં મંત્રી નજમા હેપતુલ્લાએ કહ્યું કે, ગરીબીની સમસ્યા આખી દુનિયાની આમ સમસ્યા છે. દેશમાં એમડીજીની દિશામાં રાજ્યવાર પ્રદર્શનમાં પણ ઘણું અંતર છે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોએ આ લક્ષ્યો લગભગ હાંસલ કરી લીધાં છે, પણ બીજાં રાજ્યો આ બાબતમાં પાછળ છે.

ડો. જયંતિ ઘોષનું કહેવું છે કે દેશની સંસદમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં એમડીજીની દિશામાં નાણાંની ફાળવણી વધારવાના બદલે ઘટાડવામાં આવી. એની સાથે સાથે એ વાત પણ જરૂરી છે કે વિકાસ એકમાત્ર સરકારનો વિષય નથી, તેમાં સામાન્ય લોકોને પણ સામેલ કરવા જોઈએ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ૨૦૦૦ની સાલમાં સંયુક્ત રાષ્ટ્રના મિલેનિયમ સંમેલનમાં ગરીબી, ભૂખમરો, સ્વાસ્થ્ય, જેન્ડર સમાનતા, શિક્ષણ અને પર્યાવરણ અંગે કેટલાક લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા. આ લક્ષ્યાંકો ૨૦૧૫ સુધીમાં હાંસલ કરવાના હતા, પરંતુ ઘણાં લક્ષ્યાંકો હાંસલ કરવાના હજુ બાકી છે. હકીકતમાં તે કોઈ મોટા મહાત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નહોતા. રોજગારીની બાબતમાં પણ ભારતનું પ્રદર્શન ઠીક રહ્યું નથી.

અર્થવ્યવસ્થાને લાગેવળગે છે ત્યાં સુધી અર્થવ્યવસ્થાની વૃદ્ધિની રફતારના મુકાબલે રોજગાર વૃદ્ધિની પ્રગતિ ધીમી રહી છે. આમ તો આવી સ્થિતિમાં શ્રમ શક્તિની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ જોવા મળે છે, પરંતુ અહીં તેમાં કમી જોવા મળે છે જે અર્થશાસ્ત્રીઓ માટે આશ્ચર્યની વાત છે.

નોંધપાત્ર વાત એ છે કે, મહિલાઓને રોજગારીની બાબતમાં જોકે સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડા અનુસાર વૃદ્ધિ જોવા મળે છે, પરંતુ રાષ્ટ્રીય આંકડા મુજબ તેમાં કમી જોવા મળે છે.

એ જ રીતે દેશમાં કુપોષણની બાબતમાં કમી આવી છે, પરંતુ દેશ નિર્ધારિત લક્ષ્યથી હજુ દૂર છે. આ જ બાબત સાથે જોડાયેલી એક બીજી સમસ્યા પણ છે. ભારતમાં બાળકો જન્મે છે ત્યારે ઘણાં ગરીબ પરિવારોમાં જન્મતાં બાળકોનું વજન હોવું જોઈએ તે કરતાં ઘણું ઓછું હોય છે. માતાના મૃત્યુદરની બાબતમાં દુનિયાના ચોથા ભાગનાં માતા મૃત્યુ ભારતમાં થાય છે. આ અંગે પણ આપણે હજી કાંઈ કરી શક્યા નથી.

એ જ રીતે પ્રાથમિક શાળાઓમાં દાખલ થતાં બાળકોની સંખ્યા વધી છે, પરંતુ સ્કૂલ છોડી દેવાના આંકડા ચિંતાજનક છે. દેશમાં સરકારી સ્કૂલોની હાલત સારી નથી. ઘણી બધી સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે. મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ કેટલાંક રાજ્યોમાં પશુઓ પણ ના ખાય તેવું હલકી કક્ષાનું ભોજન બાળકોને પીરસવામાં આવે છે. ઘણાં બાળકો એ ભોજન ખાઈને બીમાર પડી જાય છે, તો કેટલાંક બાળકો તો એ ભોજનને અડકતાં જ નથી.

ભારતમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયોજક લીઝ ગ્રાને કહ્યું છે કે, આ અહેવાલમાં એક સારા સમાચાર એ છે કે, વૈશ્વિક સ્તર પર ૧૯૯૦ના મુકાબલે અતિ ગરીબોની સંખ્યામાં કમી આવી છે.

એટલે કે વિશ્વના અતિ ગરીબ લોકોની સંખ્યા ૫૦ ટકા ઘટી છે અને વૈશ્ચિક સ્તર પર બાળકોના કુપોષણમાં પણ ગિરાવટ આવી છે. આમ છતાં વિશ્વમાં ચોથા ભાગનાં બાળકો હજુ કુપોષણનો શિકાર છે.

એ જ રીતે બીજી નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વમાં સારી વૈજ્ઞાાનિક પ્રગતિ થઈ હોવા છતાં પણ દર વર્ષે ૩૦ લાખ લોકો મેલેરિયાથી, ૬૬ લાખ લોકો એઇડ્સથી અને બે કરોડ ૨૦ લાખ લોકો ટીબીથી મૃત્યુ પામે છે. આ આંકડા વિશ્વના છે.

વિશ્વમાં નાનાં-નાનાં યુદ્ધોથી, આતંકવાદથી અને અકસ્માતોથી મરનારા લોકોની સંખ્યા પણ લાખોમાં છે.

મુદ્દો એ છે કે વિશ્વના અતિ ગરીબ લોકો પૈકી ત્રીજા ભાગના ગરીબો ભારતમાં રહેતા હોય, ભૂખમરાનો શિકાર હોય અને અત્યંત કષ્ટદાયક જીવન જીવતા હોય તો તેના માટે જવાબદાર કોણ? આઝાદીનાં ૬૦થી વધુ વર્ષ બાદ પણ દેશમાં આવી કરુણાજનક ગરીબી માટે જવાબદાર કોણ? નેતાઓ, અધિકારીઓ, વ્યવસ્થાતંત્ર કે મતદારો?