Devendra Patel

Journalist and Author

Month: December 2014

હું નાગણ બની ચૂકી છું ઘરમાં જ ફરતી હોઈશ!

રચના.

ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ માંગરૌલીમાં રહેતા હાકિમસિંહની તે પુત્રી છે. દેખાવમાં ખૂબસૂરત અને સ્વભાવથી ચંચળ. હાકિમસિંહની પડોશમાં રામસિંહ રહેતો હતો. બંને એક જ જ્ઞાાતિના હતા. એક દિવસ રામસિંહના સાળાનો પુત્ર રામેશ્વર ત્યાં આવેલો હતો. તે પણ દેખાવડો હતો. એણે બાજુના જ ઘરમાં રહેતી રચનાને જોઈ અને તે તેનાથી આર્કિષત થઈ ગયો. એ જ રીતે રચના પણ રામેશ્વરનું ઊંચું કદ અને મજબૂત કાઠી જોઈ પ્રભાવિત થઈ. બંને વચ્ચે પરિચય થયો અને તે પ્રણયમાં પરિર્વિતત થઈ ગયો.

એ પછી રામેશ્વર અવારનવાર માંગરૌલી આવવા લાગ્યો. રચના પણ એને ચૂપચાપ મળવા લાગી. બંને હવે એકબીજા વગર રહી શકતા નહોતા. રચનાના માતા-પિતાને શંકા જતાં તેમણે રચનાને ઠપકો આપ્યો છતાં તે રામેશ્વરને મળતી જ રહી. રચનાને રામેશ્વરથી દૂર કરવા તેના પિતાએ દૂરના ગામનો એક પોતાની જ બિરાદરીનો બિહારી નામનો એક યુવાન શોધી કાઢયો. રચનાની સગાઈ બિહારી સાથે કરી દેવામાં આવી.

રચનાએ ઘરની બહાર જઈ ચૂપચાપ તેના પ્રેમ રામેશ્વરને જાણ કરીઃ ”રામેશ્વર! મારી સગાઈ બિહારી નામના કોઈ માણસ સાથે કરી દેવાઈ છે.”

રામેશ્વરે કહ્યું: ”ડોન્ટ વરી રચના! મને પણ આ વાતની ખબર પડી છે. એક બિહારી યુવાન છે પણ મારો સગો મામો થાય છે. તું એની સાથે લગ્ન કરી લે. આપણે પહેલાંની જેમ જ મળતાં રહીશું.” રચનાને રામેશ્વરની વાત ગમી નહીં. એ તો રામેશ્વર સાથે જ લગ્ન કરવા માંગતી હતી. છતાં રામેશ્વરે રચનાને બિહારીમામા સાથે જ પરણી જવા સલાહ આપી. રચનાએ પણ વિચાર્યું કે લગ્ન પહેલાં જ રામેશ્વર આવું કરે છે તો લગ્ન પછી મને શું સાચવશે? રચનાએ બિહારી સાથે લગ્ન કરવા હા પાડી દીધી.

લગ્ન બાદ રચના પતિગૃહે આવી. રામેશ્વર માટે તેની પ્રેયસી હવે મામી બનીને આવી હતી. રામેશ્વર ખુદ મામાના લગ્નમાં આવ્યો હતો. એણે મોકો જોઈ રચના સાથે વાત કરવા પ્રયત્ન કરી જોયો. પણ રચના ગુસ્સામાં હતી. તેણે મોં ફેરવી લીધું. રામેશ્વર હવે મૂંઝાયો. ફરી તેનું મન રચનામાં પરોવાયું. રચના તેની સાથે વાત પણ કરવા માગતી નહોતી. રામેશ્વરે વિચાર્યું કે, ”જરૂર પડશે તો હું રચનાને ભગાડીને પણ લઈ જઈશ.”

એક દિવસ મોકો જોઈને તે બિહારીમામાના ઘેર ગયો. રચના એકલી હતી. રામેશ્વર રચનાને બે હાથ જોડી વિનંતી કરીઃ ” રચના! હું આજે પણ ચાહું છું. હું બીજી કોઈ પણ છોકરી સાથે લગ્ન નહીં કરું.”

” તો પહેલાં જ મને લઈ જવી હતી ને?” રચના બોલી.

બેઉ વચ્ચે મૌન છવાયું.

કેટલીક વાતો થઈ અને તે પછી રામેશ્વર ત્યાંથી ચાલ્યો ગયો.

આ વાતને થોડા દિવસો વીત્યા. એક દિવસ રચનાએ તેેની સાસુને કહ્યું, ” મમ્મી! આજકાલ મને રાતના સમયે સ્વપ્નમાં એક નાગ આવે છે. તે કહે છે કે ગયા જન્મમાં હું નાગણ હતી. મારે તેની સાથે નાગ-નાગણનો સંબંધ હતો. તે નાગ મને તેની સાથે સર્પ લોકની દુનિયામાં લઈ જવા માંગે છે.”

રચનાની સાસુએ પુત્રવધૂની વાતને હસી કાઢી. સાસુએ કહ્યું: ”બેટા ! સપનાં સપના હોય છે. તે માત્ર દેખાય છે. સપનાં સાચા હોતાં નથી.”

આમ છતાં થોડા દિવસ પછી રચનાએ ફરી એના સાસુને કહ્યું: ” મને ફરી સ્વપ્નમાં એનો એ નાગ દેખાયો. તે કહેતો મને છોડશે નહીં.” રચનાની વાતો સાંભળી તેની સાસરીવાળા પરેશાન થઈ ગયા. તેમણે એ વાત રચનાના માતા-પિતાને પણ કરી, રચનાને તેમણે થોડા દિવસ માટે પિયર બોલાવી લીધી. ભુવા, તાંત્રિકોને બોલાવી ઝાડ કૂંંક ેપણ કરવામાં આવી. કેટલાક દિવસો સુધી પિયરમાં રોકાઈને રચના ફરી તેના પતિના ઘેર આવી. બધાને લાગ્યું કે રચના હવે ઠીક થઈ ગઈ છે. તેના ગળામાં મંત્રેલું માદળીયું અને હાથમાં કાળો દોરો બાંધેલો છે.

એ રાત્રે આખુંય પરિવાર રાત્રે જમી પરવારીને સૂઈ ગયું. બીજા દિવસે બિહારી સવારે ઉઠયો ત્યારે પલંગમાં રચના નહોતી. તેણે તપાસ કરી તો રચના બાથરૂમમાં પણ નહોતી. આખા ઘરમાં તપાસ કરી તો તે ઘરમાં યે ક્યાંય નહોતી. પલંગમાં રચનાએ રાત્રે જે વસ્ત્રો પહેર્યાં હતા તે વસ્ત્રો, બંગડીઓ અને મંગલસૂત્ર પડયા હતા. રચનાના બધાં જ વસ્ત્રો ઊતારી નાંખેલા હતા. તેની બાજુમાં એક ચિઠ્ઠી પડી હતી.

બિહારીએ તેે ચિઠ્ઠી ખોલી. રચનાએ એમાં લખ્યંુ હતું: ”હું નાગણ બની ચુકી છું. તમારા ઘરમાં જ ફરતી હોઈશ. સવારમાં હું જે હાલતમાં મળું તે જ હાલતમાં મને પકડી જંગલમાં મૂકી દેજો.!!

ચિઠ્ઠી વાંચી બિહારી સ્તબ્ધ થઈ ગયો. એણે એના સૂવાના ઓરડામાં જ આમ તેમ જોવા માંડયું. રૂમના એક ખૂણામાં એક કાળી નાગણ દેખાઈ. એ ચીસ પાડી ઊઠયો. ઘરનાં સભ્યો દોડીને આવી ગયા. નાગણ જોઈ રૂમ બંધ કરી દીધો. બિહારીએ રચનાની ચિઠ્ઠી બધાને બતાવી. થોડી જ વારમાં આખા ગામમાં ખબર પડી ગઈ કે બિહારીની પત્ની નાગણ બની ગઈ છે. આ નાગણને જોવા આસપાસના લોકો પણ દોડી આવ્યા. ઉત્સુકતાવશ લોકો એક મદારીને પકડી લાવ્યા. મદારીએ નાગણને જોઈને કહ્યું: ”આ નાગણ નથી પરંતુ નાગ છે. એના મોંમાંથી ઝેરની કોથળી કાઢી લેવામાં આવેલી છે. તે કોઈને કરડશે નહીં.

બિહારીના પરિવાર માટે આ બીજુ આશ્ચર્ય હતું. હવે તો રચનાના માતાપિતા પણ આવી ગયા હતા. તેમને સૌથી પહેલી શંકા રચનાના સાસરિયાં પર જ ગઈ. એમણે તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે રચનાની સાસરિયાવાળાઓએ મારી દીકરીની હત્યા કરી લાશ ક્યાંક ફેંકી દીધી છે અને ઘરમાં નાગ ગોઠવવાનું ષડયંત્ર રચ્યું છે.”

પોલીસ પણ આવોે વિચિત્ર કેસ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. પોલીસ તપાસ શરૂ કરી બિહારીના ઘરમાંથી કાંઈ મળ્યું નહીં. પોલીસે હવે ગામમાં તપાસ શરૂ કરી પોલીસને એવી બાતમી મળી કે, જે દિવસથી રચના ગુમ છે તે જ દિવસથી બિહારીનો ભાણેજ રામેશ્વર પણ ગુમ છે.

પોલીસે રામેશ્વરના મોબાઈલ ફોનને સર્વેલન્સ પર મૂકી દીધો. એ પરથી માલુમ પડયું કે રામેશ્વર રોજ તેના ઘરવાળાઓ સાથે વાત કરતો હતો. ફોનનું ટ્રેકિંગ કરતાં ખબર પડી કે રામેશ્વર ભોપાલમાં છે. પોલીસે રામેશ્વરના બે ભાઈઓને જ હિરાસતમાં લઈ લીધા. તેઓ રોજ રામેશ્વર સાથે ફોન પર વાત કરતા હતા. પોલીસ તેમને લઈ ભોપાલ પહોંચી. તેઓ રામેશ્વર કયાં છે તે જાણતા હતા. પોલીસે રાત્રે જ એના ભાઈઓએ આપેલી માહિતી પ્રમાણે એક મકાન પર છાપો માર્યો રચના અને રામેશ્વર બેઉ અંદર જ હતા. પોલીસે બંનેને પકડી લીધા.

રચનાએ કબૂલ કર્યું: ”હું રામેશ્વરને પ્રેમ કરતી હતી. મારી ઈચ્છા વિરુદ્ધ બિહારી સાથે મને પરણાવી દેવામાં આવી હતી. લગ્ન પછી રામેશ્વર પર મારો ગુસ્સોે હતો પણ તેણે મને ભગાડી જવાની હા પાડતાં અમે નાગ-નાગણના સ્વપ્નની બનાવટી વાત ઘરમાં બધાને કરી હતી. હું ઘરમાંથી ભાગી ગઈ એના આટલા દિવસેે જ મારો પ્રેમી રામેશ્વર એક મદારી પાસેથી પાળેલો નાગ લઈ આવ્યો હતો અને એ થેલીમાં સંતાડી એ મને આપી ગયો હતો. રાત્રે મેં મારા વસ્ત્રો બદલી નાંખ્યા. અને નાગને થેલીમાંથી બહાર કાઢી રૂમમાં છુટો મૂકી હું ભાગી ગઈ હતી. નક્કી કરેલા સ્થળે રામેશ્વર મારી રાહ જોઈને ઊભો હતો અને તે પછી એ રાત્રે જ અમે ત્યાંથી ભાગી બસમાં બેસી ભોપાલ આવ્યા.”

પોલીસ આખીયે કથા સાંભળી સ્તબ્ધ થઈ. મામલો અદાલતમાં ગયો. પરંતુ નાગ-નાગણનો ડ્રામા કોઈ મોટો ગુનો બનતો ના હોઈ મેજિસ્ટ્રેટે રચનાને તેની સાસરીમાં પાછા જવા સલાહ આપી અને કોઈની પુત્રવધૂને ભગાડી જવાના મુદ્દે રામેશ્વર સામે આગળની કાર્યવાહી જારી કરી.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

હું મુંબઈનો ખતરનાક ડોન ‘ભાઈ’ બનવા માગતો હતો

અખિલેશ પોલ.

એ કહે છે : “એ દિવસોમાં હું આખો દિવસ મોજમસ્તીમાં પસાર કરી દેતો હતો. એ વખતે હું ફક્ત ૧૪ વર્ષનો હતો. અમે નાગપુરની એક ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. મારાં માતા-પિતા આખો દિવસ મજૂરી કરીને ઘર ચલાવતાં હતાં. જ્યારે હું મહોલ્લાના છોકરાઓ સાથે અહીં-તહીં રખડયા કરતો હતો. અમારી વસતીમાં બાળકો સ્કૂલમાં જતાં જ નહોતાં. એ બધાં તેમનાં માતા-પિતા સાથે ક્યાં તો મજૂરી કરવા જતાં અગર તો મારી જેમ આવારાગર્દી કરતાં. મારા ઘણા બધા મિત્રો નશો કરતાં થઈ ગયા હતા. બીજાઓને ડરાવવામાં અને રોફ મારવામાં એમને મજા આવતી હતી. અમે બધા મુંબઈયા ફિલ્મો જોયા કરતા હતા. ફિલ્મોના પરદે સિગારેટના ધૂમાડા કાઢતા ડોન જોવામાં મજા આવતી હતી.

અમારી વસતીની બહાર એક કોલેજ હતી. કોલેજની સામેની સડક પર અમારો અડ્ડો હતો. બધા જ ભાઈબંધો ત્યાં એકઠા થતા હતા. અમારી આદતો ખરાબ થઈ ચૂકી હતી. અમે બીજાઓને ડરાવીને પૈસા વસૂલવાનું કામ શરૂ કર્યું અને તે પૈસાથી નશો કરવા લાગ્યા હતા. મારા મનમાં હવે મુંબઈના ડોનની જેમ ‘ભાઈ’ બનવાની આશા પેદા થઈ હતી. આ દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અમારી વિરુદ્ધ નાનાં-મોટાં ગુના નોંધાઈ ચૂક્યા હતા. અલબત્તે, હજુ સુધી અમે એક પણ વાર જેલમાં ગયા નહોતા.

એક દિવસ અમે અડ્ડા પર બેસી ગપ્પાં મારી રહ્યા હતા તે વખતે કોલેજમાંથી એક માણસ અમારી પાસે આવ્યો. એણે અમને કહ્યું : “તમને અમારા સર બોલાવે છે.”

અમે ચોંકી જતાં પૂછયું : “સર ! કયા સર ?”

એણે કહ્યું : “અમારા એક સર કોલેજનાં છોકરાઓને રમત શીખવે છે એ તમને બોલાવે છે.”

અમે બધા કોલેજના સર પાસે ગયા. એમનું નામ હતું વિજય વારસે. એમણે અમને પૂછયું : “તમે લોકો ફૂટબોલ રમશો ?”

અમને એમની વાત અજબ લાગી. મારા એક મિત્રએ કહ્યું : “ક્યા પાગલ હો ગયે હો પ્રોફેસર ? તુમ કો પતા હી નહીં હૈં અપુન કૌન લોગ હૈ ?”

એ સમયમાં અમે બધા અમારી જાતને ‘ભાઈ’ સમજવા લાગ્યા હતા. અમે એવું માનવા લાગ્યા હતા કે અમે ખતરનાક માણસો છીએ અને આસપાસના લોકો અમારા ખૌફથી ડરવા લાગ્યા હતા.

ખેર ! અમને બધાને અસમંજસમાં જોઈને પ્રોફેસરે અમને ફૂટબોલ આપતાં કહ્યું : “શું તમે આ બોલ રમશો ?”

અમે ભાવ ખાતાં કહ્યું : “એ તો ઠીક છે, પણ પૈસા કેટલા આપશો ?”

પ્રોફેસરે કહ્યું : “રોજના પાંચ રૂપિયા.”

હવે અમારા ચહેરા પર મુસ્કાન હતી. અમે પાંચ સાથીઓ હતા. અમે પ્રોફેસરના હાથમાંથી ફરી ફૂટબોલ લઈ હા પાડી. પ્રોફેસર અમને મેદાન પર લઈ ગયા. અમે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. દોઢ કલાક રમ્યા પછી અમે પ્રોફેસરની પાસે ગયા. એમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અમને પાંચ-પાંચ રૂપિયા આપી દીધા. પૈસા લઈને અમે ચાલવા માંડયું. પ્રોફેસરે કહ્યું : “કાલે ફરી આવજો.” એ દિવસે અમને સારું લાગ્યું. કોઈને ય ડરાવ્યા-ધમકાવ્યા વિના અમે થોડા પૈસા કમાયા હતા. એ એક સારો અનુભવ હતો.

બીજા દિવસે અમે ફરી રમતના મેદાન પર પહોંચી ગયા. હવે અમને ફૂટબોલ રમવામાં મજા પડવા લાગી. અમે રોજ ફૂટબોલ રમવા લાગ્યા. રોજ પાંચ-પાંચ રૂપિયા મળતા હતા. આમ ને આમ પંદર દિવસ વીતી ગયા, પરંતુ પંદર દિવસ બાદ અમે કોલેજ પહોંચ્યા તો પ્રોફેસર સાહેબે અમને ના પાડતાં કહ્યું : “આજે આપણે ફૂટબોલની ગેમ રમવાની નથી !”

અમે પૂછયું : “કેમ ?”

એમણે કહ્યું : “આજે મારી પાસે પૈસા નથી.”

અમે પાછા જવા લાગ્યા એ દરમિયાન મારા એક મિત્રએ કહ્યું : “સર, પૈસા ના હોય તો કોઈ વાંધો નથી. કમ સે કમ અમને ફૂટબોલ તો રમવા દો. અમને રમવાનું મન છે.”

એમણે કહ્યું : “ઠીક છે. બોલ લઈ લો અને રમી લીધા પછી બોલ પાછો આપતા જજો.”

એ રીતે કેટલાક દિવસો સુધી અમે પૈસા લીધા વગર જ કોલેજના મેદાન પર જઈ ફૂટબોલ રમતા રહ્યા. એ પછી એક દિવસ પ્રોફેસરે અમને બોલ આપવાનો જ ઇનકાર કરી દીધો.

અમે અમારા અડ્ડા પર પાછા આવી ગયા. અમે ફરી લોકોને ડરાવવાનું, ધમકાવવાનું કામ શરૂ કરી દીધું. એક દિવસ મને એક પ્રોપર્ટી ખાલી કરાવવાનું કામ મળ્યું. હું પ્રોપર્ટી ખાલી કરાવવા ગયો. ત્યાં સામેવાળી પાર્ટીએ પણ અમારા જેવા દબંગ છોકરા તૈયાર રાખ્યા હતા. અમારી વચ્ચે ઝઘડો થયો. એ લોકો મારી પર તૂટી પડયા. મને બહુ ખરાબ રીતે મારવા લાગ્યા. એમની પાસે લાકડીઓ હતી. લાકડીઓ અને પથ્થરથી મને લોહીલુહાણ કરી દીધો. એ લોકોએ મારો પીછો કરવા માંડયો. હું ભાગી રહ્યો હતો. એક ચાલતી બસમાં હું ચડી ગયો. મારી પાસે એ ગુંડાઓનો સામનો કરવાની તાકાત નહોતી. હું પોલીસને ફરિયાદ કરવા પણ જઈ શકું તેમ નહોતો. પોલીસ સ્ટેશનમાં આમેય મારી સામે કેટલાક ગુના નોંધાયેલા હતા. મને સમજાતું નહોતું કે હું ક્યાં જાઉં ? ક્યાં છુપાઈ જાઉં ? મનમાં વિચાર આવ્યો કે કબ્રસ્તાનમાં જઈ સંતાઈ જાઉં. છેવટે હું કબ્રસ્તાનમાં જઈ છુપાઈ ગયો. કેટલાયે દિવસ કબ્રસ્તાનમાં જ છુપાયેલો રહ્યો. ભૂખ લાગતી ત્યારે બાજુમાં આવેલા એક મંદિરની બહાર ભિખારીઓની સાથે બેસી જતો અને ભક્તોનું વહેંચેલું અન્ન ખાઈ લેતો.

એ દરમિયાન એક વ્યક્તિની મારી પર નજર પડી. એ મને ઓળખતા હતા. તેઓ મને એક વકીલ પાસે લઈ ગયા. વકીલે કહ્યું : “તારે જેલમાં જવું પડશે. આ ભાઈ તને મદદ કરવા માગે છે.”

મેં કહ્યું : “આ કેવી મદદ ? મારે જેલમાં જવું પડે તે કોઈ મદદ થઈ ?”

વકીલે કહ્યું : “જો અખિલેશ ! આ રસ્તો મુશ્કેલ છે, પણ સાચો છે. તારી સામે કેટલાક ગુના નોંધાયેલા છે. તને જામીન મળી શકે તેમ છે. તે પછી તું સુંદર જિંદગી જીવી શકે તેમ છે.”

હવે મને પણ ખ્યાલ આવી ગયો કે ‘ભાઈ’ બનવાનો રસ્તો કઠિન છે. હું પોલીસ સ્ટેશને ગયો. મેં મારી જાતને સરેન્ડર કરી. હું જેલમાં ગયો. થોડા દિવસ બાદ મને જામીન પર મુક્ત કરવામાં આવ્યો.

એક દિવસ મેં બે બાળકોને સાઈકલ પર જતાં જોયાં. તેમાંથી એકની પાસે ફૂટબોલ હતો. હું તેમની પાછળ પાછળ ગયો. તેઓ સામેના મેદાન પર ફૂટબોલ રમવા લાગ્યા. હું તેમને ધ્યાનથી જોઈ રહ્યો હતો ત્યાં જ અમને ફૂટબોલની ગેમ શીખવનાર પ્રોફેસર વારસે સાહેબ આવ્યા. તેમણે મને પૂછયું : “કેમ છે ?”

મેં કહ્યું : “સર ! બધું બરાબર નથી.”

એમણે કહ્યું : “ચાલો ઠીક છે. જ્યારે મન થાય ત્યારે તું અહીં ફરીથી ફૂટબોલ રમવા આવી શકે છે.”

હવે ફરીથી હું કોલેજના મેદાન પર જવા લાગ્યો. થોડા જ દિવસોમાં હું સારું રમવા લાગ્યો. ‘ભાઈ’ બનવાની મારી ઇચ્છા ખતમ થઈ ગઈ હતી. હવે ફૂટબોલ સિવાય મને બીજા કશામાં રસ નહોતો. પ્રોફેસર વિજય વારસેએ મને વિધિવત તાલીમ આપવાનું શરૂ કર્યું. ગેમની તરકીબો શીખવી. તેઓ મારી રમતથી ખુશ હતા. તેમણે મને જિલ્લા સ્તરની ફૂટબોલ ટીમમાં સામેલ કરી દીધો. દરઅસલ એ બેસહારા અને ગરીબ બાળકોને રમતગમત પ્રત્યે આર્કિષત કરવાની યોજના હતી. એ યોજના પાછળ પ્રોફેસર વારસેનું જ દિમાગ હતું. ફૂટબોલ પ્રત્યે મારી દિલચશ્પી વધવા લાગી. જિલ્લા પછી મને રાજ્યની ટીમમાં સામેલ કરવામાં આવ્યો. રાજ્યની ટીમ પછી મને રાષ્ટ્રીય ટીમમાં દાખલ કરવામાં આવ્યો. ફૂટબોલમાં મારું બહેતરીન પ્રદર્શન જોઈ આયોજકોએ મને રાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. ૨૦૧૦માં બ્રાઝિલ હોમલેસ ફૂટબોલ વર્લ્ડકપમાં હું ભારતીય ટીમનો કેપ્ટન હતો.

હું કાંઈ જ ભણેલો ન હોવા છતાં લોકો મને ‘સર’ કહે છે તે મને સારું લાગે છે અને આજે હું ગરીબોની વસતીમાં તમામ બેસહારા બાળકોને કોઈપણ ફી લીધા વિના જ ફૂટબોલની તાલીમ આપું છું, જેથી કોઈ પણ બાળકના મનમાં ‘ભાઈ’ બનવાની ઇચ્છા પેદા ના થાય.”

અને અખિલેશ પોલ તેમની વાત પૂરી કરે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

એ બાળકો જાય છે કયાં ? ક્યાં ગુમ થઈ ગઈ એ દીકરી?

એ નું નામ સવિતા એહારવર.તે ૧૪ વર્ષની હતી. સવિતા તેનાં માતા-પિતા સાથે દિલ્હી નજીક ગુડગાંવમાં રહેતી હતી. ગઈ તા. ૧૬મી નવેમ્બરે, ૨૦૧૪ના રોજ તે ગુમ થઈ ગઈ. તેની માતાનું નામ ઉમિદા છે. તે ૪૮ વર્ષની વયની છે. તેની દીકરી સવિતા ટયૂશનમાં જતી હતી. એ દિવસે તે ટયૂશનમાં ગઈ પછી ઘેર જ ના આવી. તે સીધી ટયૂશનવાળી શિક્ષિકાને મળવા ગઈ. એને કહેવામાં આવ્યું કે સવિતા આજે ટયૂશન માટે આવી જ નથી.

ઉમિદા સીધી ગુડગાવ, પ્લોટ નં. ૮૦, ઈન્દ્ર કોલોની ખાતે આવેલા તેના એક રૂમના ભાડાના મકાનમાં પહોંચી. સવિતા સવારના આઠ વાગ્યાથી ગુમ હતી. સવારે આઠ વાગે નાનકડી સવિતા બાજુના ઘરમાં રહેતી આન્ટી દેવયાની સાથે બહાર ગઈ હતી, ત્યાંથી તે સીધી ટયૂશનમાં જવાની હતી.

તે દિવસ પછી આજ સુધી ૧૪ વર્ષની સવિતાનો પતો નથી. પુત્રીના ગુમ થઈ ગયા બાદ તેની મા ઉમિદાએ આજ સુધી પેટ ભરીને ખાધું નથી. તે કહે છેઃ ”સબ લોગ કહેતે હૈ કિ વહ વાપસ કભી નહીં આયેગી. કુછ લોગ કહેતે હે કિ વહ ભાગ ગઈ ઔર હરિદ્વારમાં મોજમસ્તી કર રહી હૈ.” પણ એ બધી વાતો ખોટી છે. મને ખબર છે કે મારી દીકરીનું અપહરણ થયું છે. તેને લોહીનો વેપાર કરનારી ગેંગને વેચી દેવામાં આવી છે. મને લાગે છે કે રોજ રાત્રે એને કોઈ ગ્રાહકને ખુશ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. મારી કમનસીબી એ છે કે, હું તેને કોઈ મદદ કરી શકતી નથી. મારી દીકરી નર્કાગાર જેવી જિંદગી જીવી રહી હશે. આવું બોલતા ઉમિદા દિલ્હી- ગુડગાંવમાં દર દર ભટકી રહી છે.

પુત્રીના ગુમ થયા બાદ તેની માતા ઉમિદા ભાગી પડી છે. ટીનએજ પુત્રીની ખોજ માટે તે કોઈ પણ મોટા અધિકારીને મળવા તૈયાર છે. તે કહે છેઃ ” મારી દીકરીને મારી પાસેથી ખૂંચવી લઈ તેને કોઈ ગંદા ધંધામાં નાખી દેવામાં આવી હોય ત્યારે હું ઊંઘી કેવી રીતે શકું ? મારી દીકરીને લઈ જનારા ઐશ કરે છે. મારી ગરીબ દીકરીને શોધવામાં મને કોઈ મદદ કરતું નથી. એથી ઊલટું મારી દીકરી ગુમ થવા પાછળ કેટલાક લોકો મને જ દોષ દે છે. મારા પડોસીઓે કહે છે કે હું મારી દીકરીને પૂરતું ખાવાનું આપતી નહોતી અને એને રોજ મારતી હતી. મારા પતિ બીમારીના કારણે છ માસ પહેલા જ મૃત્યુ પામ્યા છે. તેમના ગયા પછી હું અને મારી દીકરી બે એક જ ભાડાના એક ઓરડામાં રહેતા હતા. હું આસપાસના ઘરોમાં ઘરકામ કરીને મારી એકની એક દીકરીને ભણાવતી હતી.

ઉમિદા કહે છેઃ ”મારી દીકરીને ગુમ કરવા પાછળ મારી પડોશમાં રહેતી દેવયાની અને તેના પતિનો જ હાથ છે. એ લોકો છોકરીઓને વેચતી ગેંગ સાથે સંકળાયેલા છે. એ દિવસે મારી દીકરી ટયૂશન માટે જવા નીકળી ત્યારે મારી પડોસણ દેવયાનીને કેટલાક લોકોએ તેની સાથે જતાં જોઈ હતી. પહેલાં તો તેણે ના પાડી કે સવિતા તેની સાથે નહોતી પરંતુ મેં જ્યારે પોલીસ સ્ટેશનમાં દેવયાનીનું નામ આપ્યું અને પોલીસે સખ્તાઈથી પૂછયું ત્યારે તેણે કબૂલ કર્યું કે, તે મારી દીકરીને સાથે ફરવા લઈ ગઈ હતી. પોલીસે વધુ કડકાઈથી પૂછયું ત્યારે દેવયાનીએ કહ્યું કે, હા, હું અને સવિતા ઓટોરિક્ષામાં બેસી સદર બજાર ગયા હતા. સવિતાને ત્યાં ઉતારી દેવામાં આવી હતી. હું એ પૂછું છું કે, દેવયાની મારા પરિવારને જાણતી જ નહોતી તો મારી દીકરીને ઓટોમાં બેસાડીને લઈ ગઈ જ કેમ ? એને ઊતારી ? કોને સોંપી દીધી, તે પછી શું થયું તે જુઓ ! તા. ૧૭મી સપ્ટેમ્બરે પોલીસે દેવયાનીને પુરાવાના અભાવે જ છોડી દીધી. હકીકતમાં નજરે જોનાર એક બીજી સ્ત્રીએ પોલીસને જણાવ્યું કે, સવિતા ઘેરથી નીકળી ત્યારે એણે જે વસ્ત્રો પહેર્યા હતા તે કરતાં જુદાં વસ્ત્રોમાં તેણે સવિતાને દેવયાની સાથે ઓટોમાં બેઠેલી જોઈ હતી. આમ કેમ ? દેવયાની સાથે ઓટોના બેસતાં પહેલાં એના વસ્ત્રો કોણે બદલાવ્યા ? કેમ ? આ બધા સવાલોના જવાબ મેળવવાના બદલે પોલીસે દેવયાનીને છોડી મૂકી. એ પછી હું ફરી મારી પડોસણ દેવયાની પાસે ગઈ. મેં પૂછયું: ”મારી દીકરી કયાં છે?”

તો એણે જવાબ આપ્યો : ”હું મહિપાલપુર ખાતે મારા સગાને મળવા ગઈ હતી અને એ વખતે સવિતાને કંપની માટે સાથે લઈ ગઈ હતી.” હું પૂછું છું કે એક મોટી ઉંમરની સ્ત્રીને ૧૫ વર્ષની છોકરી શું કંપની આપવાની ? આ બધું એક રહસ્ય છે. દેવયાનીએ રાત્રે મહિપાલપુર ખાતે તેના સગાના ઘરે રોકાઈ હતી.   તે પછીની વાત કરવા તે ઈન્કાર કરે છે.

દેવયાનીની આ વાત સાંભળ્યા બાદ હું તેના મહિપાલપુર ખાતેના સગાના ઘેર ગઈ. તેના સગાએ કહ્યું: ”હા, દેવયાની અને સવિતા તો રાત્રે મારા ઘરે આવ્યા હતા પરંતુ મેં તેમને મારા ઘેર રોકાવા દેવાનો ઈન્કાર કરી દીધો હતો.”

ટૂંકમાં પડોસણ દેવયાની સવિતાને લઈને મહિપાલપુર ગઈ હતી, તે વાત સાબિત થાય છે. તે પછીની આગળની કડી મળતી નથી. તે દિવસથી આજ સુધી ઉમિદા ગુડગાંવ, સદરબજાર, વઝીરાબાદ અને મહિપાલપુર વિસ્તારોમાં દીકરીને શોધવા દિનરાત ભટકી રહી છે પણ સવિતાનો કોઈ જ પતો નથી. તે કહે છેઃ ”હવે તો ઘણું મોડું થઈ ગયું છે. અત્યાર સુધીમાં તો મારી દીકરીનું જીવન નર્કાગાર બની ગયું હશે મારી દીકરીના ગુમ થવા પાછળ મારી પડોસણ દેવયાની જ છે, પરંતુ પોલીસને તેને બોલાવી આખી ગેંગ પકડવામાં કોઈ જ રસ નથી.

આજે સવિતાની માતા- ઉમિદા પુત્રીની ખોજ માટે ભટકી રહી છે.

આ તો એક જ ઉદાહરણ છે. નેશનલ ક્રાઈમ રિસર્ચ બ્યૂરોના આંકડા અનુસાર એક માત્ર ૨૦૧૨માં જ દેશમાં ૩૮,૧૭૨ જેટલા બાળકો સાથે ગુના થયા છે. તેમાંથી એક માત્ર હરિયાણામાં જ ૨.૬૬ ટકા ગુના નોંધાયા છે. એ વર્ષમાં હરિયાણામાં જ ૫૩૫ બાળકોનાં અપહરણ થયા હતા એ બધા ટીનએજ બાળકો ક્યાં ગુમ થઈ ગયા તે કોઈ જાણતું નથી ? આ એક ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. એક માત્ર દિલ્હીમાં રોજ ૧૮ બાળકો ગુમ થયા છે. સરકારને પણ આ વિષય પર ઓછી ચિંતા હોય કે હોય જ નહીં એમ લાગે છે. આવા બધા બાળકોનું અપહરણ કરવું, તેમને વેચી દેવા, તેમના અંગો કાપીને તેમને ભિખારી બનાવી દેવા,સેક્સના ધંધામાં પરોવી દેવા અને આરબ રાષ્ટ્રોના વિકૃત આરબોને વિકૃત સેક્સના આનંદ માટે કુમળા બાળકોને વેચી દેવાનો એક જબરદસ્ત ધંધો આ દેશમાં ફૂલ્યો ફાલ્યો છે પણ કોઈને એની ચિંતા નથી. પ્રશાસન અને પોલીસને નેતાઓના રક્ષણમાં અને નેતાઓને જ સલામ મારવામાં રસ છે.

એક દિવસ કોઈ એક નેતાના નાનકડા પુત્ર કે પુત્રીને ગુમ થવા દો, પછી જ એમને ખબર પડશે કે ગુમ થયેલા નાનકડા સંતાનની માતા અને પિતાની વેદના કેવી હોય છે !

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

જ્યાં પુરુષોની વોલિબોલ મેચ જોવી યુવતીઓ માટે ગુનો છે

ઘવામી ધોનચેહ” એક ર્પિસયન નામ છે.

તે એક સુશિક્ષિત યુવતી છે. તે કહે છે : “મારો ઉછેર બ્રિટનમાં થયો છે. મારાં માતા-પિતા ઈરાનથી આવેલા છે. મારી પાસે ઈરાન અને બ્રિટન એ બંને દેશોનું નાગરિકત્વ છે. બચપમાં મેં મારાં મમ્મી-પપ્પા પાસેથી ઈરાન વિશે ઘણું બધું સાંભળ્યું હતું. મારા પપ્પા અવારનવાર તેમના દેશ ઈરાનને યાદ કરતા હતા. એ જ વખતે મેં નક્કી કરી લીધું હતું કે, ભણવાનું પૂરું કરીને હું મારા દેશ પાછી જઈશ. લંડન યુનિર્વિસટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ પૂરો કર્યા બાદ હું ઈરાન ગઈ. મને વતન પાછા ફરવાનું બહુ જ ગમ્યું. જૂના રિશ્તેદારોને અને નજીકના સ્વજનોને મળતા એમ લાગ્યું કે, હું મારા ઘરે પાછી ફરી છું. મેં પહેલી જ વાર ઈરાનની આબોહવાને અનુભવી.

પોતાના સ્વજનો વચ્ચે રહેવું અને તેમને મળવું તે એક સુખદ અનુભવ હતો, પરંતુ એ અહેસાસ જલદી ફિક્કો પડવા લાગ્યો. મેં જોયું કે બ્રિટનમાં જે રીતે યુવતીઓને ભણવાની, ફરવાની અને વસ્ત્રો પહેરવાની આઝાદી છે, તેવી આઝાદી ઇરાનની યુવતીઓ માટે નહોતી. લંડનમાં મોડી સાંજ સુધી છોકરીઓ હરીફરી શકે છે. પોતાના પુરુષ મિત્રો સાથે રેસ્ટોરાંમાં જમવા જઈ શકે છે, ફિલ્મો જોવા જઈ શકે છે અથવા તો નાઈટ શિફ્ટમાં કામ કરી શકે છે. તેવું અહીં કાંઈ જ નથી.  ઈરાનમાં આવી આઝાદીની કલ્પના પણ કરી શકાય તેમ નથી. આશ્ચર્યની વાત તો એ હતી કે, આવી સ્વતંત્રતાને અહીં કોઈ મહત્ત્વ જ આપતું નહોતું. ઈરાનની યુવતીઓ પણ આવા પ્રતિબંધોનો કોઈ વિરોધ કરતી નથી. જાણે કે આ બધી બંદીશોને એમણે પોતાનું કિસ્મત માની લીધું હતું.

આ બધા વાતાવરણમાં પણ હું એક શૈક્ષણિક મિશનમાં જોડાઈ ગઈ. ઈરાન આવતા પહેલાં મેં નક્કી કરી લીધું હતું કે, હું મારા દેશમાં બાળકો માટે કામ કરીશ. મારા અંતરથી એ ઈચ્છા રહી છે કે, ઈરાનનું પ્રત્યેક બાળક સ્કૂલમાં જાય અને છોકરો હોય કે છોકરી એ બંનેને ભણવાનો પૂરો અધિકાર મળે.

એક દિવસ મને કોઈએ કહ્યું કે, તહેરાનના આઝાદી મેદાનમાં વોલિબોલની મેચ યોજાવાની છે. વોલિબોલ મારી પસંદગીની રમત છે. મેં મેચ જોવાનો નિર્ણય કર્યો, પરંતુ મારી એક સહેલીએ કહ્યું : “તું ત્યાં જઈ શકીશ નહીં.”

મેં પૂછયું : “કેમ?”

એણે કહ્યું : “કારણ કે આ પુરુષોની વોલિબોલ મેચ છે અને ઇરાનમાં યુવતીઓ પુરુષોની મેચ જોઈ શકે નહીં.”

આ સાંભળીને મને આશ્ચર્ય અને આઘાતની લાગણી થઈ. મેં વિચાર્યું કે, આ તો ગેમ છે. એ જોવા પર ઇરાનમાં યુવતીઓ પર પ્રતિબંધનું કારણ શું? મેં નક્કી કરી લીધું કે, જે થવાનું હોય તે થાય, પરંતુ હું તો મેચ જોવા જઈશ જ. મારા પરિવારનાં સભ્યોએ મને   મારી જિદ્દ છોડી દેવા સમજાવી. એમને ડર હતો કે, મારી જિદ્દ મારા જીવન પર ક્યાંક ભારે પડી ના જાય ! એમનો ડર વાજબી હતો. આજ સુધી ઈરાનમાં આવા પ્રતિબંધનો કોઈએ વિરોધ કર્યો નહોતો, પણ હું અડગ રહી. મેં કહ્યું : “હું મેચ જોવા જરૂરથી જઈશ.”

શરૂઆતમાં તો બધા મને ના પાડતાં રહ્યા, પરંતુ પાછળથી કેટલીક યુવતીઓ મારી સાથે મેચ જોવા આવવા સંમત થઈ. અમે બધાં ઇરાનની રાજધાની તહેરાનના આઝાદી ઇનડોર સ્ટેડિયમ પહોંચ્યાં. જૂન, ૨૦૧૪ના દિવસોની આ વાત છે. અમે મેચની ટિકિટો ખરીદી લીધી હતી. સ્ટેડિયમના ગેટની બહાર અમને છોકરીઓને ઊભેલી જોઈ પુરુષ પ્રેક્ષકો વિચારમાં પડી ગયા. એ વાત સાચી કે આજ સુધી પુરુષોની રમતોમાં ઇરાનમાં કોઈ મહિલા દર્શકો જોવા મળી નહોતી. બધાં અમને ધારી ધારીને જોઈ રહ્યા હતા. અમે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ગેટ પર પહોંચ્યા, પરંતુ સુરક્ષા કર્મીઓએ અમને રોકી દીધી. તેમણે કહ્યું : “મહિલાઓને અંદર પ્રવેશવાની મનાઈ છે. સ્ત્રીઓને પુરુષોની મેચ જોવાની પરવાનગી નથી.”

અમે જિદ્દ કરી કે અમને અંદર જવા દો, મારી સાથે આવેલી બીજી છોકરીઓ ગભરાઈ ગઈ. એ બધી બોલી : “ચાલો પાછાં જઈએ.”

પણ હું મક્કમ રહી.

ખાસ વાત એ હતી કે, અમે બધી યુવતીઓએ માથા પર સફેદ રંગનો સ્કાર્ફ બાંધી રાખ્યો હતો. ઇરાનમાં નિયમ એવો હતો કે,મહિલાઓએ ગહેરા રંગનો જ સ્કાર્ફ પહેરવો. અમારી નાફરમાનીથી પોલીસ ગુસ્સે થઈ ગઈ. પોલીસે મારી સાથે બદસલૂકી કરી. એક પોલીસ કર્મીએ મને ગાલ પર થપ્પડ મારી. બીજાએ મારા ખભા પર માર માર્યો. એ પછી મારી ધરપકડ કરવામાં આવી. મારો મોબાઈલ ફોન અને મારું પર્સ જપ્ત કરી લીધાં. કેટલાયે કલાકો સુધી મને કોટડીમાં પૂરી રાખવામાં આવી. આ દરમિયાન મારી સાથે આવેલી યુવતીઓએ મારી ગિરફ્તારીનો જબરદસ્ત વિરોધ કર્યો.

મને જામીન પર મુક્ત કરવામાં આવી. આ ઘટના આખા ઇરાનમાં ચર્ચાનો વિષય બની ગઈ, પણ કોઈએ સ્પષ્ટપણે મને સાથ આપ્યો નહીં.

આ ઘટનાના એક અઠવાડિયા બાદ હું મારો સામાન લેવા પોલીસ સ્ટેશને પહોંચી. મેં મારો મોબાઈલ અને પર્સ માગ્યા. હું કંઈ સમજું એ પહેલાં પોલીસે મને ફરીથી ગિરફ્તાર કરી લીધી. મને જેલમાં પૂરી દેવામાં આવી. જેલમાં પણ મને એક દૂરની કોટડીમાં સાવ એકલી જ રાખવામાં આવી. મેં પૂછયું કે, મને ફરીથી શા માટે જેલમાં પૂરી દેવામાં આવી છે ? તો કોઈએ કોઈ જ કારણ આપ્યું નહીં. હું એકાકી બની ગઈ. આવી એકાકી બેેરેકમાં સામાન્ય રીતે ખતરનાક ગુનેગારોને રાખવામાં આવે છે. મને એ વાત હજી સમજાતી નહોતી કે, મેં એવો કયો કુખ્યાત અપરાધ કર્યો છે ?

થોડા દિવસો બાદ એ લોકોએ મારી પર ઇરાનની સરકારની વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો આરોપ મૂક્યો. મને કહેવામાં આવ્યું કે, મારે એક વર્ષ સુધી કેદમાં જ રહેવું પડશે.

એ લોકોને લાગે છે કે, હું સરકારની વિરુદ્ધ વિદ્રોહ કરી રહી છું. એમને લાગે છે કે, હું સરકાર વિરુદ્ધ બગાવત કરી રહી છું. અરે ભાઈ, કોઈ મહિલા વોલિબોલની મેચ જોવા જાય તે શું સરકાર વિરોધી બગાવત છે ? આખરે મહિલાઓ પર આવી બંદીશ શા માટે? આ સવાલ ઉઠાવવાનો મારો હક છે, પરંતુ જેલમાં મારી વાત સાંભળવાવાળું છે જ નહીં. છેવટે વિરોધ કરવા માટે મેં જમવાનું બંધ કરી દીધું. મેં ભૂખ હડતાળ શરૂ કરી, પણ મારી ભૂખ હડતાળની સરકારને શું ચિંતા ? એ બધાં ભેગા થઈ મને શક્તિહીન બનાવવા પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે. મને મારા વકીલ સાથે મળવાની પણ છૂટ નથી. એ લોકોને એવી વાતો કરતાં પણ સાંભળ્યા છે કે, હું શાયદ જ આ જેલમાંથી જીવતી બહાર નીકળીશ !

મારા પરિવારના લોકો બહુ ચિંતામાં છે. ઇરાનની કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. છેલ્લી સુનાવણી વખતે કોર્ટમાં મારી મમ્મી અને મારા દાદાજી પણ આવ્યા હતા. એમને મળવાની તક મને મળી હતી, પણ એ મુલાકાત માત્ર થોડીક ક્ષણો માટે પણ હતી. મમ્મી મને ગળે લગાવતી વખતે ભાવુક થઈ ગઈ હતી. હું એનું દર્દ સમજી શકું છું. મને જેલમાંથી મુક્ત કરાવવા મારો ભાઈ ખૂબ દોડાદોડ કરે છે. મેં સાંભળ્યું છે કે, સેંકડો લોકોએ મારી મુક્તિ માટે ઓન લાઈન એક અભિયાન છેડયું છે. હું ઉમ્મીદ કરું છું કે, આ ચળવળ ઇરાનની મહિલાઓના જીવનમાં એક નવી દિશા દર્શાવશે.”

એટલી વાત કરી તે ફરીથી જેલમાં જતી રહી.

૨૧મી સદીના ઇરાનમાં પુરુષની વોલિબોલ મેચ જેવી એ સ્ત્રીઓ માટે અપરાધ ગણાય છે. કેવો દેશ ? કેવું શિક્ષણ ? કેવી સંસ્કૃતિ ? કેવો ઉપદેશ?

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

લોભી, લંપટ અને અપરાધી બાબા, બાપુઓ અને સંતો

આખરે બાબા રામપાલ જેલભેગા થયા.

હરિયાણાના હિસ્સાર ખાતે ૧૨ એકરની વિશાળ જમીન પર મોટા મહેલ જેવા આશ્રમમાં છુપાયેલા સંત રામપાલે પોલીસના હાથે પકડાતાં પહેલાં આખાયે પ્રશાસન અને પોલીસ સામે જે રીતે યુદ્ધ આદર્યું તે જોઈને લોકોને કોઈ યુદ્ધ ફિલ્મની યાદ આવી ગઈ. બાબા રામપાલની ધરપકડ પહેલાં હિસારની ભૂમિ પર જે સ્ટંટ ખેલાયો તે કહેવાતા એક સંત માટે તો શરમજનક છે, પરંતુ હરિયાણાની સરકાર માટે વધુ શરમજનક છે.

૩૦ હજાર પોલીસ

હરિયાણાના આ કહેવાતા સંત સામે ખૂનથી માંડીને બીજા અનેક આક્ષેપો છે. એક ઢોંગી માણસને પકડવા માટે અદાલતે ૪૪ વખત આદેશ આપવો પડે એ હરિયાણાની સરકાર માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી બાબત છે. પોલીસે વધુ વિલંબ કર્યો તેથી બાબા રામપાલને પોતાની સુરક્ષાઘેરો વધારવાનો સમય મળ્યો. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે પોલીસે જ સંત રામપાલને જાણીબૂજીને મોકો આપ્યો. અદાલતના કડક આદેશ બાદ જ હરિયાણાની સરકાર હરકતમાં આવી અને જે ગુનેગાર આસાનીથી પકડી શકાય તેમ હતો તેને પકડવા ૩૦,૦૦૦નું પોલીસ સૈન્ય મેદાનમાં ઉતારવું પડયું. ૩૦૦થી વધુ બસો પોલીસની હેરાફેરી માટે રોકવી પડી. ગોળીબાર અને ટિયરગેસના પ્રયોગો કરવા પડયા. સંત રામપાલને પકડવાનું હરિયાણા સરકારને રૂ. ૩૦ કરોડનું બિલ આવ્યું. હરિયાણા સરકારની મૂર્ખતા અને સંત રામપાલનો ડ્રામા આખા દેશે ટેલિવિઝન પર નિહાળ્યો. નવી રચાયેલી હરિયાણાની સરકાર પહેલા જ ટેસ્ટમાં ધરાર નાપાસ થઈ. ૧૦૦માંથી ઝીરો માર્ક આપવા પડે.

સંત રામપાલ કોણ છે ?

સંત રામપાલ હરિયાણાના ધનાના ગામમાં તા. ૮ સપ્ટેમ્બર, ૧૯૫૧ના રોજ જન્મેલો છે. તે ખેડૂતના ઘરે જન્મેલો છે. તેનું મૂળ નામ રામપાલ સિંહ જતીન છે. હરિયાણા સરકારના સિંચાઈ વિભાગમાં તે જુનિયર એન્જિનિયર તરીકે જોડાયો હતો. ૨૦૦૦ની સાલમાં સ્વામી રામદેવાનંદના પરિચયમાં આવ્યા બાદ તેણે સરકારી નોકરી છોડી દીધી હતી. તે પછી એક તબક્કે તેણે પોતાની જાતને સંત કબીરના અવતાર તરીકે જાહેર કરી દીધી હતી. ૧૯૯૯માં હરિયાણામાં તેણે રોહતક પાસે કરોન્થા ગામ ખાતે સતલોક આશ્રમ શરૂ કર્યો હતો. સંત રામપાલ ટેક્નોસેવી અને સોશિયલ મીડિયા સેવી છે. તેની ફેસબુક પેજ પર ૪૦૦૦ લાઈક્સ જોવા મળે છે. બાબા રામપાલનો સત્સંગ વેબ ઉપર ઉપલબ્ધ છે. તેણે બીજા દેવી-દેવતાઓની પૂજા કરવા તેના અનુયાયીઓ પર પ્રતિબંધ મૂકેલો છે.

આર્યસમાજ સાથે સંઘર્ષ

૨૦૦૬ની સાલમાં તેણે આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી વિશે અભદ્ર ટીકાઓ કરી હતી. એ પછી સંત રામપાલના અનુયાયીઓ અને આર્ય સમાજના સભ્યો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ લડાઈના સંદર્ભમાં પોલીસે સંત રામપાલની ધરપકડ કરી હતી. તેની સાથે બીજા ૧૪ જણાને પણ પકડવામાં આવ્યા હતા, પરંતુ તે તમામને જ જામીન મળી ગયા હતા. સંત રામપાલ સામે તા. ૧૯ જૂન,૨૦૦૬, તા. ૨૧ જુલાઈ, ૨૦૦૬, તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૦૯ અને તા. ૧૩ મે, ૨૦૧૩ના રોજ હુમલાઓ કરવાના, હત્યાના તથા સત લોકઆશ્રમમાંથી ગોળીબાર કરી એક મહિલાની હત્યાના એમ અનેક ગુના નોંધાયેલા છે. ૨૦૦૬ની સાલમાં થયેલી હત્યાનો કેસ હિસ્સારની કોર્ટમાં ચાલતો હતો ત્યારે જુલાઈ,૨૦૧૦માં સંત રામપાલના અનુયાયીઓએ કોર્ટમાં પણ હુમલો કર્યો હતો અને સુનાવણીને ખોરવી નાખવા પ્રયાસ કર્યો હતો. ૨૦૦૮માં સંત રામપાલ જામીન પર છૂટયો તે પછી કોર્ટમાં હાજર થયો નહોતો. તેની સામે હવે હત્યા, ગોળીબાર, કોર્ટનો તિરસ્કાર અને રાષ્ટ્રદ્રોહનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સંત રામપાલ અગાઉ ૧૮ મહિના જેલમાં રહી આવ્યો છે.

સમાજનું વિભાજન

સંત રામપાલની પ્રોફાઈલ નેટ પર ઉપલબ્ધ છે. તેની અધિકૃત વેબસાઈટ દ્ધટ્વખ્તટ્વંખ્તેિેટ્વિદ્બૅટ્વઙ્મદ્ધૈ.ર્ખ્તિ છે. તે કેટલાક હિન્દુ દેવી-દેવતાઓના અસ્તિત્વ સામે જ પડકાર ફેંકે છે. તેના અનુયાયી સમક્ષ પ્રવચન કરતી વખતે આક્રમક ભાષા વાપરે છે. તેનો એવો દાવો છે કે, અત્યારે જે ગુરુઓ પ્રવચન કરે છે તે ઘણું બધું સત્ય છૂપાવે છે. સંત રામપાલના અનુયાયીઓ મોટેભાગે મધ્યમ વર્ગમાંથી આવતા અભણ લોકો છેે. તે કાળા રંગનો યુનિફોર્મ પહેરેલા સશસ્ત્ર પ્રાઈવેટ કમાન્ડોઝ પણ રાખે છે. જાતે જ બની બેઠેલો આ સંત-ગોડમેન સમાજને વિભાજિત કરનાર ‘સંત’ કહેવાય છે. તેના અનુયાયીઓને પેટ્રોલ બોમ્બ કે એસિડ બોમ્બ વાપરવા માટે પણ ઉશ્કેરે છે. તેમના આશ્રમમાંથી ૪૦,૦૦૦ લાઠીઓ, એસિડ અને શસ્ત્રો મળ્યા છે.

સમાંતર સરકાર ?

આવા ખતરનાક સંત રામપાલને પકડવા પહેલાં બાબાના અનુયાયીઓ અને લોકતાંત્રિક દેશની પ્રશાસનિક સંસ્થાઓ વચ્ચે જે ખુલ્લો ટકરાવ જોવા મળ્યો તે અપ્રત્યાશિત અને વરવો જ હતો. ગયા વર્ષે આસારામ બાપુની ધરપકડ વખતે પણ આવો જ ખેલ થયો હતો. આસારામ બાપુ, સંત રામપાલ, નારાયણ સાંઈ કે સ્વામી નિત્યાનંદ જેવા લોકો પોતાને આધ્યાત્મિક ગુરુ કહેવડાવે છે,પણ તેમનું અને તેમના અનુયાયીઓનું આચરણ ધર્મ કે અધ્યાત્મને અનુરૂપ નથી. બાબાઓ, બાપુઓ અને કેટલાક સંતો હત્યાઓ,બળાત્કાર અને જમીનો કબજે કરવાના આક્ષેપો ધરાવે છે. ધર્મના નામે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતાં આવા લોકો હિંદુ ધર્મને કલંક લગાડી રહ્યા છે. ધર્મના નામે ભોળી પ્રજાને છેતરી રહ્યા છે. ર્ધાિમક સંસ્થાનો પાસે બેસુમાર સંપત્તિ અને હવે પ્રાઈવેટ આર્મી પણ છે તેઓ ભારતીય કાનૂનને માનતા નથી. તેઓ ઝડપથી પકડાતા નથી. તેનું એક કારણ આવા ઢોંગી, ધૂતારા અને ગુનેગાર બાબાઓને રાજનેતાઓનું પણ રક્ષણ હોય છે. રાજકારણીઓને આવા ખતરનાક બાબા-સંતોમાં વોટબેંક દેખાય છે, પરંતુ ‘અપરાધ’ દેખાતો નથી. હવે એ જરૂરી છે કે, દેશના તમામ ધર્મોના સંસ્થાનો, ગુરુઓ, ગાદીપતિઓ અને તેમની સંપત્તિને કાનૂનના દાયરામાં લાવી તેઓ ગુનેગાર જણાય તો કડક હાથે કામ લેવું જોઈએ. ધર્મના નામે જાહેર રાજમાર્ગો પર સરઘસો કાઢી ટ્રાફિક જામ કરનારા, મોટાં લાઉડ સ્પીકરો વગાડી અવાજનું પ્રદૂષણ કરનારા, જમીનો હડપનારા, હત્યાઓ કરનારા અને આશ્રમોમાંથી ગોળીઓ ચલાવનારાઓને ભારતીય ગણતંત્રમાં સમાંતર સરકાર ચલાવવાનો કોઈ હક નથી.

એમને પાઠ ભણાવવો.

ઢોંગી સંત રામપાલને પકડવામાં વિલંબ કરનાર પ્રશાસન પણ નબળું સાબિત થયું

ક્લિયોપેટ્રા : જેણે જુલિયસ સિઝર અને માર્ક એન્ટનીને બરબાદ કર્યા (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

ઈસુના જન્મનાં અડતાલીસ વર્ષ પહેલાંની વાત છે. મિસર એટલે કે આજના ઇજિપ્તના રાજા એવિલ્ટીઝનો દેહાંત થયો. સિંહાસન પ્રાપ્ત કરવા માટે બે સગાં ભાઈ-બહેન વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ. ભાઈ તેર જ વર્ષનો હતો. તેનું નામ ટોલોમી. બહેન વીસ વર્ષની હતી,તેનું નામ ક્લિયોપેટ્રા.

મિસરના દરબારીઓ એક સ્ત્રીના હાથમાં સત્તાનું સુકાન સોંપવાના પક્ષમાં નહોતા, એટલે ક્લિયોપેટ્રા રાણી બની ન શકી, પરંતુ તે હાર સ્વીકારવા તૈયાર નહોતી. ક્લિયોપેટ્રા બેહદ સુંદર હતી. દરબારીઓએ તેર વર્ષના ટોલોમીને રાજા ઘોષિત કરી દઈ ક્લિયોપેટ્રાને દેશનિકાલ કરી દીધી. તે સીરિયા ચાલી ગઈ. ત્યાં પણ તે પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવાની તરકીબો શોધતી રહી. તેણે વફાદાર સૈનિકોની એક ફોજ પણ બનાવી લીધી. અલબત્ત, એક સમય એવો આવ્યો કે તેણે મિસરના શાસક બનવા ફોજનો ઉપયોગ કરવો જ પડયો. એને પોતાના સૌંદર્યનો ઉપયોગ કરવાની તક મળી ગઈ.

વાત એમ બની કે રોમન સામ્રાજ્યનો મહાન શાસક જુલિયસ સિઝર એક પછી એક રાજ્યોને જીતતો મિસર પહોંચ્યો. એ વખતે મિસરની રાજધાની એલેક્ઝાંડ્રિયા હતી. જુલિયસ સિઝરના સૈન્યની તાકાત જોઈને મિસરના યુવાન રાજા ટોલોમીએ તેની સામે હથિયાર ઉઠાવવાને બદલે સિઝરનું ભવ્ય સ્વાગત કર્યું. રાજા ટોલોમી ખુદ સિઝરના સ્વાગત માટે નગરના દ્વારે ગયો. મહેલને સજાવવામાં આવ્યો. સિઝરને તેના ભવ્ય મહેલમાં ઉતારો આપવામાં આવ્યો. ભાતભાતનો શરાબ પીરસવામાં આવ્યો. કેટલાયે દિવસો સુધી આનંદપ્રમોદ ચાલ્યો.

એક રાત્રે જુલિયસ તેના ખંડમાં અંગત સાથીઓ સાથે ચર્ચા કરતો હતો ત્યારે નજીકની નહેરમાં એક નાનકડા તરાપામાં બેઠેલો એક કદાવર માણસ કાર્પેટમાં વીંટાળેલી કોઈ ચીજ સાથે જુલિયસ સિઝર સમક્ષ ઉપસ્થિત થયો. એણે કહ્યું, “મારી કાર્પેટમાં જે ચીજ છે તે માત્ર સિઝરની આંખો માટે છે.”

સિઝરે તેમના સેનાપતિ અને બીજા સાથીઓને રવાના કર્યા. કદાવર માણસે ફર્સ પર કાર્પેટ મૂકી. કાર્પેટને રગડાવી તો તેમાંથી એક અત્યંત નાજુક સ્ત્રી બહાર આવી. એ સ્ત્રીના સૌંદર્યને જોઈ સિઝર સ્તબ્ધ થઈ ગયો. કદાવર વ્યક્તિએ કહ્યું, “શહેનશાહ! આ નજરાણું આપના માટે છે.”

સિઝેર પૂછયું, “આ સ્ત્રી કોણ છે?”

એણે કહ્યું, “ક્લિયોપેટ્રા. મિસરના રાજા ટોલોમીની બહેન.”

સિઝર ક્લિયોપેટ્રાના સૌંદર્ય પર મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ક્લિયોપેટ્રા ચાલાક પણ હતી. એણે વાક્ચાતુર્યથી સિઝરનું મન જીતી લીધું. સિઝરને એણે બધી જ રીતે જીતી લીધો. થોડાક જ દિવસોમાં એણે તેનો ભાઈ ટોલોમી તેની હત્યા કરવા માગે છે તેવો આરોપ મૂકી સિઝર દ્વારા ક્લિયોપેટ્રાએ સગા ભાઈ ટોલોમીની હત્યા કરી દેવડાવી. સિઝરે ક્લિયોપેટ્રાને મિસરના સિંહાસન પર બેસાડી દીધી.

અલબત્ત, ક્લિયોપેટ્રાની મહત્ત્વાકાંક્ષા મિસરના શાસક બનવા પૂરતી સીમિત નહોતી. તે આખા સંસારની સમ્રાજ્ઞાી બનવા માગતી હતી. ધીમે ધીમે એણે સિઝરને પૂરેપૂરો વશ કરી લીધો. જુલિયસ સિઝરની વય એ વખતે પચાસ વર્ષની હતી, જ્યારે તે પોતે માત્ર વીસ વર્ષની હતી. છતાંયે એણે સિઝરના બાળકની મા બનવાની યોજના અમલમાં મૂકી. સિઝર તો એના સૌંદર્યથી પ્રભાવિત હતો જ. ક્લિયોપેટ્રા સિઝરથી ગર્ભવતી બની. બીજી બાજુ ક્લિયોપેટ્રા અને સિઝરના પ્રેમની ચર્ચાઓ હવે છેક રોમ સુધી પહોંચી. સિઝર આમેય પરિણીત હતો. રોમમાં તેને એક પુત્ર પણ હતો. રોમને પોતાની સેનેટ હતી. જુલિયસ સિઝર ભલે શાસક હતો, પરંતુ સેનેટનો પણ તેની પર અંકુશ હતો. વિશ્વવિજય કરવા નીકળેલો જુલિયસ સિઝર એક સ્ત્રીના સૌંદર્યનો દીવાનો બનીને વિશાળ સૈન્ય સાથે મિસરમાં પડયો રહે તે વાત કેટલાક સેનેટરોને ન ગમી.

આ પરિસ્થિતિમાં ક્લિયોપેટ્રાએ સિઝરને સમજાવી એશિયા માઇનોરના પાંટ્સ નામના રાજ્ય પર આક્રમણ કરાવ્યું. એ રાજ્ય જીતી લીધા બાદ સિઝરે એ પ્રાંત ક્લિયોપેટ્રાને ભેટ આપી દીધું અને મિસરની સીમા વધારી આપી.

ક્લિયોપેટ્રાએ રોમ જવાની ઇચ્છા વ્યક્ત કરી. સિઝરે હા પાડી, પરંતુ ક્લિયોપેટ્રાએ ચાલ ચાલી. તે બોલી, “હું એક દિવસ રોમ તો આવીશ, પરંતુ સિઝરની પ્રેયસી તરીકે નહીં, હું મહારાણી તરીકે જ આવવા માગું છું.”

સિઝરે ક્લિયોપેટ્રાને પત્ની અને સામ્રાજ્ઞાીનો દરજ્જો આપ્યો. ક્લિયોપેટ્રાએ કહ્યું, “આખા વિશ્વનું સામ્રાજ્ય એક છત્ર નીચે હશે. પૂર્વની રાજધાની એલેક્ઝાંડ્રિયામાં અને પશ્ચિમની રાજધાની રોમમાં.”

સિઝરે ક્લિયોપેટ્રાને વિશ્વની સમ્રાજ્ઞાી બનાવવાનું વચન આપ્યું.

એ પછી ક્લિયોપેટ્રા તેની યોજના મુજબ સિઝરના બાળકની માતા પણ બની. ક્લિયોપેટ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. આ વાત રોમ સુધી પહોંચી. લાંબો સમય મિસરમાં રહ્યા બાદ સિઝર તેનું સૈન્ય લઈ રોમ પાછો ફર્યો. રોમના લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું, પરંતુ કેટલાક સેનેટરો મિસરની રાણી ક્લિયોપેટ્રા સાથે તેના સંબંધથી અને ક્લિયોપેટ્રાના સિઝરથી થયેલા પુત્રની ઘટનાથી ખુશ નહોતા.

કેટલોક સમય વીત્યા બાદ જુલિયસ સિઝરે રાણી ક્લિયોપેટ્રાને પોતાનાથી થયેલા પુત્ર સાથે રોમ આવવા નિમંત્રણ આપ્યું. ક્લિયોપેટ્રા તેના પુત્ર સાથે રોમ આવી ત્યારે આ બેહદ સુંદર રાણીને જોવા રાજમાર્ગો પર આખું રોમ ઊમટી પડયું. ભવ્ય સ્વાગત વખતે સિઝરની પત્ની અને રોમના સેનેટરો પણ હાજર રહ્યાં. સિઝરે એ જ વખતે જાહેર કર્યું કે, “હવે ક્લિયોપેટ્રા જ રોમની મહારાણી છે.”

સિઝરે ક્લિયોપેટ્રા માટે રોમમાં જ એક અલગ ભવ્ય મહેલ બંધાવી આપ્યો. લોકોને લાગ્યું કે સિઝર હવે રોમમાંથી પ્રજાતંત્રની સમાપ્તિ કરી દેવા માગે છે. એક વિદેશી રાણીને સમ્રાજ્ઞાીનો દરજ્જો આપવાથી કેટલાક સેનેટરો સખત નારાજ હતા. એ વખતે માર્ક એન્ટની સિઝરનો વફાદાર સેનાપતિ હતો, જ્યારે બ્રુટ્સ તેનો વફાદાર સાથી અને મિત્ર સેનેટર હતો. કેટલાક સેનેટરોને લાગ્યું કે, સિઝરને જીવતો રાખીશું તો તે કાયમ માટે સરમુખત્યાર બની જશે અને ભવિષ્યમાં ક્લિયોપેટ્રાનો પુત્ર જ રોમનો શાસક હશે. એ સેનેટરોએ સિઝરના વફાદાર સાથી બ્રુટ્સને વિશ્વાસમાં લઈ સિઝરની સેનેટમાં જ હત્યા કરી નાખવા યોજના બનાવી. સિઝર ખુદ લશ્કરી યોદ્ધો અને પડછંદ કાયા ધરાવતો પ્રતિભાશાળી રાજા હતો. એક વ્યક્તિના હુમલાથી તે ધ્વસ્ત થાય તેમ નહોતો, તેથી બીજા ચાર-પાંચ સેનેટરો વારાફરતી તેને ખંજર ભોંકે તેવી સાજિશ રચવામાં આવી. આ સાજિશમાં બ્રુટ્સ પણ સામેલ હતો, પરંતુ બીજા દિવસે જ પોતાના વફાદાર મિત્રની હત્યામાં તેણે સામેલ થવાનું હોઈ તે ખિન્ન હતો. એ રાત્રે તે તેના મહેલમાં શૂન્યમનસ્ક હતો. એની પત્નીએ તેને કેટલાક પ્રશ્નો પૂછયા, પણ બ્રુટ્સ કંઈ બોલ્યો નહીં. એટલે બ્રુટ્સની પત્નીએ તેની સાથળ પરનું વસ્ત્ર ઊંચકીને એક ખંજરથી પોતાની સાથળ ચીરી નાખી. બ્રુટ્સે આશ્ચર્યચકિત થઈ પૂછયું, “તેં આ શું કર્યું?”

ત્યારે બ્રુટ્સની પત્ની બોલી, “હું આ પીડા સહન કરી શકું છું, પણ તારું મૌન સહન કરી શકતી નથી.”

બીજા દિવસે જુલિયસ સિઝર સેનેટ હોલમાં જવા નીકળ્યો ત્યારે તેને ત્યાં ન જવા એક સ્ત્રીએ ચેતવ્યો, પણ એ ચેતવણીની પરવા કર્યા વિના સિઝર સેનેટ હોલમાં ગયો. અગાઉની યોજના પ્રમાણે તેના વફાદાર સેનાપતિ માર્ક એન્ટનીને વાતચીત કરવાના બહાને સિઝરથી દૂર ખસેડી દેવામાં આવ્યો અને સેનેટ હોલમાં જ ચારથી પાંચ સેનેટરોએ વારાફરતી સિઝરના શરીરમાં ખંજર ભોંકી દીધાં. છેલ્લે બ્રુટ્સે પણ ખંજર ભોંક્યું ત્યારે લોહીલુહાણ સિઝરે પૂૂછયું, “બ્રુટ્સ, તું પણ…?”

અને સિઝર પડી ગયો.

સિઝરની હત્યા બાદ માર્ક એન્ટનીએ એ રાત્રે જ ક્લિયોપેટ્રાને અને તેના પુત્રને ચૂપચાપ મિસર રવાના કરી દીધાં. બીજી બાજુ રોમમાં ગૃહયુદ્ધ છેડાઈ ગયું. એક બાજુ માર્ક એન્ટનીનું જૂથ હતું, બીજી બાજુ વિરોધીઓનું. માર્ક એન્ટની જુવાન હતો, મહત્ત્વાકાંક્ષી પણ હતો. તે પોતાનું લશ્કર લઈ બીજા પ્રદેશો જીતવા નીકળી પડયો. મિસરની સીમા પર પહોંચી એણે રાણી ક્લિયોપેટ્રાને સંદેશો મોકલ્યો કે તે રાણી ક્લિયોપેટ્રાને મળવા માગે છે. ક્લિયોપેટ્રા તો પહેલેથી જ આ મુલાકાત માટે બેચેન હતી. સમ્રાજ્ઞાી બની રહેવાની તેની મહત્ત્વાકાંક્ષા યથાવત્ હતી. માર્ક એન્ટનીની નબળાઈ તે જાણતી હતી. એન્ટનીના માનમાં મિજબાની, નૃત્ય અને ઉત્કૃષ્ટ શરાબની વ્યવસ્થા કરવામાં આવી. શરાબના નશામાં મસ્ત માર્ક એન્ટની પણ ક્લિયોપેટ્રા પર મોહી પડયો. ક્લિયોપેટ્રાએ તેની યોજના મુજબ જ પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા પાર પાડવા માર્ક એન્ટનીને પ્રણયપાશમાં લપેટી લીધો. માર્ક એન્ટની પણ જુલિયસ સિઝરની જેમ હવે મિસરમાં જ રોકાઈ ગયો. માર્ક એન્ટની ક્લિયોપેટ્રાની જાળમાં ફસાઈ ચૂક્યો હતો.

માર્ક એન્ટની અને ક્લિયોપેટ્રાના પ્રણયની વાત હવે રોમ સુધી પહોંચી. એ વખતે રોમની ધુરા ઓક્ટેવિયસ પાસે હતી. એન્ટની ઓક્ટેવિયસનો બનેવી પણ હતો. એનાથી આ સહન ન થયું. માર્ક એન્ટનીએ એની પત્નીને મળવા ઇન્કાર કરી દીધો. માર્ક એન્ટનીની પત્નીનું નામ ઓક્ટેવિયા હતું. પતિને મળવા ગયેલી ઓક્ટેવિયા નિરાશ થઈ રોમ પાછી ફરી. આ ઘટનાથી ઓક્ટેવિયસ ક્રોધે ભરાયો. રોમનો પણ અપમાન મહેસૂસ કરવા લાગ્યા.

આ તરફ માર્ક એન્ટનીની મદદથી ક્લિયોપેટ્રાએ પોતાની નૌસેના મજબૂત કરી લીધી. એન્ટની પૂર્વના દેશો પર આક્રમણ કરતો રહ્યો અને તેનો લાભ ક્લિયોપેટ્રાને મળતો રહ્યો. મિસરની સીમાઓ વધતી જ રહી. ક્લિયોપેટ્રાના કહેવાથી માર્ક એન્ટનીએ તેની પત્ની ઓક્ટેવિયાને છૂટાછેડા પણ આપી દીધા. એન્ટનીના આ વ્યવહારથી ઓક્ટેવિયસે રોમનોને માર્ક એન્ટનીનો વિરોધ કરવા ભડકાવ્યા અને હવે રોમનું શાસન સંપૂર્ણતયા ઓક્ટોવિયસના હાથમાં હતું.

એ જ રીતે ક્લિયોપેટ્રાએ ઓક્ટોવિયસની તાકાતને ખતમ કરી દેવા માર્ક એન્ટનીને ઉકસાવ્યો. માર્ક એન્ટનીએ યુનાન પર પણ આક્રમણ કરી દીધું, પરંતુ એક્ટિયમ નામના સ્થળે તેમની સેના હારી ગઈ. પરાજય બાદ ક્લિયોપેટ્રા અને એન્ટની એલેક્ઝાંડ્રિયા રવાના થઈ ગયાં.

હવે ક્લિયોપેટ્રાના મિસર પર હુમલો કરવા રોમની સેનાઓ સજ્જ હતી. ઓક્ટેવિયસે મોટી સેના સાથે મિસર પર હુમલો કર્યો. ક્લિયોપેટ્રાના કારણે તેના રાજ્યમાં પણ પ્રજા વિદ્રોહી બની ગઈ હતી. તેનું સૈન્ય પણ હવે વેરવિખેર હતું. ઓક્ટેવિયસ હવે એલેક્ઝાંડ્રિયામાં પ્રવેશી ચૂક્યો હતો. ક્લિયોપેટ્રા કે એન્ટની પાસે હવે કોઈ લશ્કર જ નહોતું. માર્ક એન્ટનીએ કેદી બનીને પાછા રોમ જવાને બદલે આત્મહત્યા કરી લેવાનંુ પસંદ કર્યું. એણે જાતે જ પોતાના શરીરમાં તલવાર ભોંકી દીધી. ક્લિયોપેટ્રા પણ કેદી બનીને રોમ જવા માગતી નહોતી. જોકે, ઓક્ટેવિયસે ક્લિયોપેટ્રા આત્મહત્યા ન કરે તે માટે ખૂબ સાવધાની રાખી, પરંતુ એ રાત્રે ક્લિયોપેટ્રાએ સુંદર વસ્ત્રો ધારણ કર્યાં બાદ તેની વફાદાર દાસીને બોલાવી. એને માટીનો સાચવી રાખેલો ઘડો લાવવા કહ્યું. એ ઘડામાં ઝેરી સાપ હતો. ક્લિયોપેટ્રાએ એક સમ્રાજ્ઞાીના જ પરિવેષમાં સજ્જ થઈને એ ઘડામાં હાથ નાખી દીધો. સર્પે દંશ માર્યો અને થોડીક ક્ષણોમાં તે મૃત્યુ પામી. ઓક્ટેવિયસ ક્લિયોપેટ્રાના ખંડમાં આવ્યો ત્યારે મિસરની મહારાણીનો મૃતદેહ જ તેને મળ્યો. એેણે નજીકમાંથી જ એક સર્પને સરકતો જોયો. ક્લિયોપેટ્રાને રોમ લઈ જવાની ઓક્ટેવિયસની મહેચ્છા અધૂરી જ રહી.- આ છે ક્લિયોપેટ્રાની કહાણી.

એક સ્ત્રીની અસાધારણ સત્તાભૂખ અને અસાધારણ મહત્ત્વાકાંક્ષાએ તેને તો ખતમ કરી જ દીધી, પરંતુ રોમના મહાન શાસક જુલિયસ સિઝર અને સેનાપતિ માર્ક એન્ટનીને પણ બરબાદ કરી નાખ્યા. સ્ત્રી, સૌંદર્ય અને સત્તાનું કોકટેલ કેટલું ડેન્જરસ છે તેનું આ ઉદાહરણ છે.            

Powered by WordPress & Theme by Anders Norén