Devendra Patel

Journalist and Author

સ્વર્ગમાં ગંગાજી નથી અને સ્વર્ગમાં નર્મદાજી પણ નથી

સ્વર્ગમાં ગંગાજી નથી અને સ્વર્ગમાં નર્મદાજી પણ નથી

સંત પૂજ્ય રામચંદ્ર ડોંગરેજી મહારાજ સાક્ષાત્ શુકદેવજીના અવતાર જ હતા

૧૯૪૮ની સાલ.

વડોદરામાં લક્ષ્મણ મહારાજના જંબુબેટ મઠમાં એક કથાકારે જીવનની પહેલી કથા કરી. શ્રીકૃષ્ણ કથા પરનું તેમનું વક્તવ્ય શ્રોતાઓને ઝંકૃત કરી ગયું. કથાકારનું નામ : રામચંદ્ર કેશવ ડોંગરે. માતાનું નામ : કમલા તાઈ. પિતાનું નામ : કેશવ ગણેશ ડોંગરે. અહલ્યાબાઈ હોલકરની પુણ્યનગરી ઇન્દોરમાં ફાગણ સુદ ત્રીજને તા. ૧૫-૨-૧૯૨૬ના રોજ મોસાળમાં જન્મેલા રામચંદ્ર કેશવ ડોંગરેના પિતા સ્વયં વેદ-શાસ્ત્રના પંડિત હતા. પિતા જ પ્રથમ ગુરુ. વેદ-પુરાણ, ન્યાય, તર્ક, દર્શન ઇત્યાદિનો અભ્યાસ તેમણે વારાણસીમાં કર્યો. અમદાવાદના સંન્યાસ આશ્રમમાં અને પૂનામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો.

વારાણસીમાં પવિત્ર ગંગાતટે શાસ્ત્રાભ્યાસ દરમિયાન જ મનમાં વૈરાગ્ય પેદા થયો. આમ છતાં માતાના આગ્રહથી શાલિનીબાઈ સાથે વિવાહ કર્યા. ૨૪ વર્ષના પ્રસન્ન દાંપત્ય બાદ પત્નીએ અલગ નિવાસ કર્યો. વારાણસીમાં જ શ્રી નરસિંહ મહારાજે તેમને શ્રીમદ્ ભાગવતનું અમૃતપાન કરાવવાની દીક્ષા-પ્રેરણા આપી. એ કથાકાર ડોંગરેજી મહારાજના નામે આખા દેશમાં પ્રચલિત થયા. ભારતભરમાં તેમણે ૧૧૦૦થી વધુ ભાગવત કથાઓ કરી, પરંતુ કથામાંથી પ્રાપ્ત થતું ધન એમણે કદી સ્વીકાર્યું નહીં. જે ભંડોળ આવ્યું તે ગૌશાળા, મહાવિદ્યાલય, હોસ્પિટલ, અન્નક્ષેત્ર, મંદિરોનો જિર્ણોદ્ધાર, અનાથાશ્રમ અને કુદરતી સંકટો વખતે આફતમાં સપડાયેલા લોકો માટે વપરાયાં.

પૂજ્ય ડોંગરેજી મહારાજ અંતર્મુખી સંત હતા. કથા કરતી વખતે હંમેશાં આંખો નીચી જ રાખતા. સ્વયં સાદગીપૂર્ણ જીવન જીવ્યા. “કથા એ આનંદ કે મનોરંજન માટે નથી” એમ કહી સૌને સાવધાન કરતા. તેમની કથામાં આત્મબળ, શાસ્ત્રજ્ઞાન અને અનુભવનો રણકો રહેતો. તેઓ જે કહે તેનું પહેલાં આચરણ કરતા, પછી જ ઉપદેશ આપતા. જિંદગીભર પોતે કોઈનાય ગુરુ થયા નહીં. સદા ઈશ્વરને જ ગુરુ કહેતા. તેમની કથાથી એકત્ર થયેલા ભંડોળમાંથી મંદિરનું નિર્માણ થાય તો પણ પોતાના હાથે ર્મૂિત પ્રતિષ્ઠા થવા દેતા નહીં. “ર્મૂિત પ્રતિષ્ઠા પછી નિત્ય દેવપૂજા ના થાય, ભગવાનને થાળ ના ધરાવાય, મંદિરમાં પૂજારીની વ્યવસ્થા ના થાય તો ર્મૂિત પ્રતિષ્ઠા કરનારને પાપ લાગે”- તેમ તેઓ કહેતા.

પૂજ્ય ડોંગરેજી મહારાજની જીવનશૈલી સરળ હતી. સદા જપ કરે, મૌન રહે, ખપ પૂરતું જ બોલે. એમનાં કે એમની કથાનાં કોઈ વખાણ કરે તો તેમને ગમતું નહીં. તેઓ કહેતા : “સિદ્ધિ-પ્રસિદ્ધિ પતન છે.”

તેઓ કહેતા : “ભગવાને જ વિના કારણે મારી યોગ્યતા કરતાં વધુ માન મને આપ્યું હોઈ હવે માન-સન્માનમાં ફસાવું નથી”- એમ કહી તેઓ પોતાનું બહુમાન થવા જ દેતા નહીં. તીર્થયાત્રા વખતે નિયમ પ્રમાણે વ્રત-ઉપવાસ અને દેવપૂજા કરતા. કથાના આગલા દિવસે સ્થળ પર પહોંચી જતા. કથા એક જ પક્ષમાં પૂરી થાય તે રીતે કરતા. કથા માટે યજમાન જ તેમને લઈ આવે અને મૂકી આવે તેવી વ્યવસ્થા ગોઠવતા. પોતાની સાથે એક જ અનુકૂળ બ્રાહ્મણ રાખતા.

પોતાના નામની કે ફોટાની પ્રસિદ્ધિ થવા દેતા નહીં. પોતાની કથાઓથી એકઠી થયેલી ધનરાશિમાંથી દાન કરવા છતાં પોતાનું નામ ક્યાંય આવવા દેતા નહીં. દાન-સખાવત, ટ્રસ્ટ એવું કોઈ માળખું તેમણે ઊભું કર્યું નહીં, યાદી પણ કરી નહીં. બધું જ પરમાત્માએ કર્યું અને પરમાત્મા જ કરાવે છે એવી ભાવનાથી કર્યું. સાદું સંત જીવન જી વ્યા. ઇચ્છાઓ ઊઠવા જ દીધી નહીં. સંકલ્પો કર્યા જ નહીં, કોઈ સ્પૃહા રાખી જ નહીં. દેહ, ત્રેહ, પત્ની, પરિવારની આસક્તિ પણ ના રાખી. કોઈ વિશેષ સ્થળ પસંદ કરી ત્યાં જ રહેવું એવું તેમને પસંદ નહોતું. પોતે પૂજાય અને તેમનો પ્રચાર થાય તેવું તેમણે કદીયે ઇચ્છયું નહીં.

બહોળો શિષ્ય સમુદાય હોવા છતાં તેઓ સ્વયં પાકી રહ્યા. પોતાની રસોઈ પોતે જ બનાવી લેતા અને તે પણ ખીચડી કે બીજું સાદું ભોજન. ભોજનમાં પણ બે જ વસ્તુ લેતા. પોતાનું કાર્ય જાતે જ કરી લેતા. તબિયત સારી ના હોય તો પણ કોઈ તેમનું માથું દબાવે કે પગ દબાવે તેવું થવા દેતા નહીં. સીવ્યા વગરનાં બે વસ્ત્રો- ધોતી, ઉપવસ્ત્ર, ટૂંકાં વસ્ત્રો- લંગોટી- આથી વધુ વસ્ત્રો રાખતા નહીં. સંગ્રહથી દૂર હતા. વસ્ત્ર જીર્ણ થઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરતા. જીવનભર કથા કરવા કે તીર્થયાત્રા કરતાં ભ્રમણ કરતા રહ્યા, પરંતુ પોતાનું કોઈ કાયમી સરનામું રાખ્યું નહીં. કોઈનીયે સાથે પત્રવ્યવહાર કર્યો નહીં. પત્રવાંચનથી પણ દૂર રહ્યા. તેઓ જ્યાં પણ કથા કરે ત્યાં તેમની કથાના વિસ્તૃત અહેવાલો સ્થાનિક અખબારોમાં પ્રગટ થતાં, પરંતુ સ્વયં અખબાર વાંચનથી દૂર રહ્યા. એકમાત્ર ‘કલ્યાણ’ના અંકો તેઓ વાંચતા. વ્યક્તિગત વખાણથી દૂર રહ્યા. “વખાણવા યોગ્ય તો ભગવાન જ છે”- તેમ તેઓ કહેતા. કોઈનેય સહી કે હસ્તાક્ષર ભાગ્યે જ આપતા.

કથા કરતી વખતે કોઈ તસવીરકાર તેમને વ્યવસ્થિત થવા કે સામે જોવાનું કહે તો તેમ થવા દેતા નહીં. વ્યાસપીઠ પર બેઠા પછી કોઈ તસવીરકારને જોતાં જ તેઓ નીચું જોઈ જતા. ચાલુ કથાએ કોઈ તસવીરકારને ફરકવા દેતા નહીં, ટેપ કે વીડિયોગ્રાફી પણ થવા દેતા નહીં. કોઈ તેમની મુલાકાત લે, તેમની સાથે પ્રશ્નોત્તરી કરે, જીવનની વિગતો પૂછે, કોઈ નોંધ કરતું હોય તો તેઓ સાવધાન થઈ જતા. વાત બંધ કરી દેતા. તે વાત અખબારમાં ના આપવા કહેતા. કોઈપણ વ્યક્તિ કોઈપણ વિષય પર તેમનો અભિપ્રાય પૂછે તો તેઓ તેનાથી દૂર થઈ જતા. પોતાનાં વખાણ થવા દે નહીં અને અન્યનાં વખાણ પોતે કરતા નહીં. કોઈનો સેવાભાવ કે ભક્તિભાવ કે કર્મઠતા જુઓ તો તેના વિશે સારા શબ્દો વાપરે પણ કોઈની પ્રશંસા કરવાથી પોતાની પર અને બીજાની પર માઠી અસર થાય છે તેમ તેઓ માનતા. કોઈનોય વિશેષ પરિચય કરાવતા નહીં અને કોઈનેય વિશેષ સગવડ આપવાની ભલામણ કરતા નહીં.

દિવસે આરામ નહીં. પ્રાતઃકાળથી સાયંકાળ સુધીના નિત્યક્રમ- ત્રિકાલ સંધ્યા પડે નહીં તેનો ખ્યાલ રાખતા. ઘરનાં દ્વાર સદા ખુલ્લાં રાખતા. કઠોર દિનચર્યાવાળું જીવન જીવ્યા. પ્રભુની સન્મુખ રહેવામાં દિવસ પસાર કરતા. ખુલ્લી કિતાબ જેવું જીવન જીવ્યા. ખૂબ પૂજાયા અને અત્યંત લોકપ્રિય થયા, પરંતુ તેમની વિનમ્રતા અદ્વિતીય રહી. કંચન અને કામિનીથી જીવનભર દૂર રહ્યા. વિદેશ પ્રવાસ પણ તેમને શાસ્ત્ર-ધર્મ વિરુદ્ધ લાગતો. એકવાર બનારસના સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય, ગુજરાત યુનિર્વિસટી, સરદાર પટેલ યુનિર્વિસટી અને ઉત્તર ગુજરાત યુનિર્વિસટીના કુલપતિઓ અને સંતો-વિદ્વાનોની વચ્ચે તેમને ‘મહા મહોપાધ્યાય’ની ઉપાધિ આપવામાં આવી ત્યારે તે વખતે તેઓ સંસ્કૃતમાં પ્રતિભાવ આપવાના હતા અને પોતાની અલ્પતા- વિનમ્રતા વ્યક્ત કરવાના હતા, પરંતુ સન્માનથી સંકોચ અનુભવતા લાખો શ્રોતાઓ વચ્ચે માત્ર ગદગદિત જ બન્યા, બોલ્યા જ નહીં. એ જ એમની સાચી વિનમ્રતા હતી. એ જ એમનો સાચુકલો સંકોચ હતો. પૂજ્ય ડોંગરેજી મહારાજની વાણી પણ અમૃતમય હતી. તેઓ કહેતા : “શ્રીકૃષ્ણનાં દર્શન કરવાથી માનવજન્મ સફળ થાય છે. પરમાત્માએ માનવીને જ એવી શક્તિ આપી છે, એવી બુદ્ધિ આપી છે કે માનવી તેનો સદુપયોગ કરે, ભગવાન માટે કરે તો મૃત્યુ પહેલાં એને પરમાત્માનાં દર્શન થાય છે. ઘણાં લોકો બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે અને શક્તિનો ઉપયોગ ભોગ માટે કરે છે. તેથી અંત કાળમાં તે બહુ જ પસ્તાય છે. શક્તિ અને બુદ્ધિ પરમાત્મા માટે છે. આ દુર્લભ માનવ શરીર પામીને પરમાત્માના દર્શન માટે જે પ્રયત્ન કરતો નથી તે જીવ પોતાની જ હિંસા કરે છે. આવા માણસને ઋષિઓએ આત્મહત્યારો કહ્યો છે.”

તેઓ કહે છે : “માનવી સિવાય કોઈનેય ભગવાનના દર્શન થતાં નથી. સ્વર્ગમાં રહેલા દેવોને પણ ભગવાનનાં દર્શન થતાં નથી. સ્વર્ગમાં રહેલા દેવો અતિ સુખી છે, પણ તેમના સુખનો પણ અંત આવે છે. સંસારનો નિયમ છે કે, જ્યાં સુખ છે ત્યાં દુઃખ પણ છે. જે કોઈ મર્યાદા છોડીને સુખ ભોગવે છે એની ઇચ્છા હોય કે ના હોય, તેણે દુઃખ ભોગવવું જ પડે છે. સ્વર્ગના દેવો આપણા કરતાં વધુ સુખ ભોગવતા હોવા છતાં તેમને શાંતિ નથી. શાંતિ તો પરમાત્માના દર્શનથી જ પ્રાપ્ત થાય છે. તેથી દેવો પણ એવી ઇચ્છા રાખે છે કે, એમને ભારત વર્ષમાં જન્મ મળે. ભારત એ ભક્તિની ભૂમિ છે. સ્વર્ગમાં નર્મદાજી નથી. સ્વર્ગમાં ગંગાજી નથી. સ્વર્ગમાં સાધુ-સંન્યાસી નથી. સ્વર્ગમાં બધા ભોગી જીવો જ છે. સ્વર્ગ એ ભોગ ભૂમિ છે. જેણે બહુ પુણ્ય કર્યું હોય તે સુખ ભોગવવા સ્વર્ગમાં જાય છે, પરંતુ સ્વર્ગ કરતાં ભારતની ભૂમિ વધુ શ્રેષ્ઠ છે. કારણ કે દેવો ભક્તિ કરી શકતા નથી. ભક્તિ કરવા માટે માનવદેહ જોઈએ. પાપ છોડીને માનવી ભક્તિ કરે તો મૃત્યુ પહેલાં ભગવાનના દર્શન થાય છે. આજે ઘણા લોકો કહે છે કે, “હું મંદિરમાં જઈ ત્રણવાર દર્શન કરું છું.” પણ ભગવાન કહે છે : “વત્સ ! તું મંદિરમાં જઈ ત્રણવાર મારાં દર્શન કરે છે, પરંતુ તને ખબર નથી કે હું ચોવીસે કલાક તારાં દર્શન કરું છું.” ભગવાન આખો દિવસ સર્વેને જુએ છે.”

તેઓ કહે છે : “તમે કોઈનું અપમાન કરશો તો જગતમાં તમારું અપમાન થશે. તમે કોઈની સાથે કપટ કરશો તો તમને છેતરનાર જગતમાં પેદા થશે. આ સંસાર કર્મભૂમિ છે. જેવાં કર્મ કરશો તેવાં જ ફળ મળશે. આજથી એવો નિશ્ચય કરો : “આ જગતમાં મારું કોઈએ બગાડયું નથી. કોઈએ પણ મને દુઃખ આપ્યું નથી. મારા દુઃખનું કારણ મારું પાપ છે. તમારો શત્રુ જગતમાં નથી. તમારો શત્રુ તમારા મનમાં છૂપાયેલો છે. મનમાં રહેલો કામ એ જ તમારો શત્રુ છે. મનમાં રહેલું અભિમાન એ જ તમારો શત્રુ છે. બહારના એક શત્રુને મારશો તો બીજા દસ ઊભા થશે. તમારી અંદર રહેલા શત્રુને મારશો તો જગતમાં તમારો કોઈ શત્રુ રહેશે નહીં.”

આવું અદ્વિતીય જ્ઞાન બક્ષનારા પૂજ્ય ડોંગરેજી મહારાજ તા. ૮-૧૦-૧૯૯૦ના રોજ બ્રહ્મલીન થયા. એ જ દિવસે માલસર ખાતે નર્મદાજીના પ્રવાહમાં સાંજે તેમને જળસમાધિ આપવામાં આવી. આજે માનવદેહ રૂપે આપણી સમક્ષ પૂજ્ય ડોંગરેજી મહારાજ હયાત નથી, પરંતુ જેમણે તેમને સદેહે જોયા છે અને સાંભળ્યા છે એ તમામને તેમનો કૃષ્ણપ્રેમ, શક્તિનું બ્રહ્મતેજ અને તેમની તેજસ્વી લલાટનું સ્મરણ છે, જાણે કે પૃથ્વી પર સાક્ષાત્ સૂર્યનારાયણ ઊતરી આવ્યા ના હોય ! આજે ડોંગરેજી મહારાજનાં એકમાત્ર કૃપાપાત્રી કથાકાર સંધ્યાબહેન ત્રિપાઠી છે. તેઓ સ્વયં રાત્રે ત્રણ વાગે ઊઠે છે. પરોઢિયે ભગવાનને કથા સંભળાવે છે તે પછી જ સત્સંગીઓને કથા સંભળાવે છે. પોતાની રસોઈ પોતે જ બનાવી લે છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતાં અને ડોંગરેજી મહારાજે તેમને આપેલી પોથી લઈ કથા કરતાં સંધ્યાબહેન એક શ્રેષ્ઠ કથાકાર છે. સિદ્ધિ, પ્રસિદ્ધિ અને કેમેરાથી દૂર રહી, આંખો બંધ કરીને કથા કરતાં સંધ્યાબહેન ત્રિપાઠી ડોંગરેજી મહારાજની કથાની યાદ અપાવી દે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Previous

મોરારિ બાપુ ને ભાઈશ્રી સત્તાની ગેમ કેમ રમ્યા?

Next

જિનિયસ પ્રતિભાઓનો આઇ ક્યૂ કેટલો?

5 Comments

  1. Vishal

    Thanks for sharing such kind of information about shri Dongreji Maharaj I just heard the name from my father and Grand father but today i read your article its really nice what he was doing at that time while reading the katha our Kathakar now a days doing exactly opposite to him now a days Dharma is also coming in a proffessional Business feel so shame that where we were and where we are now…

  2. Bhagyesh Nayak

    Jai Sri Kirshna ,

    Sir tamara charno ma mara vandan swikar karo . Krupa karine Sandhya Ben Tripathi nu sarnamu aapo jethi karine emni bhagvat katha mara kutumb ne sambhalva male . Mara mata pita and mane Sri Bhagvat katha ati priya che> Sri Dongreji Maharaj ne me mara Sadguru manya che.

  3. Pareh Pattani

    Very nice article about Dongreji maharaj.Thanks a lot.
    Can U help for further information about bapu,like literature, katha cd/dvd etc? shall be highly greatful if I could get the information on my mail id. thanks.

  4. Jayesh Vasudevbhai Jhadakia

    Shriman Devendrabhai ,

    Congrates for this article especially you focus about actual spiritual life of Shri Dongreji Maharaj we would like to know more Saints in current era who live like SHRI DONGREJI MAHARAJ SO also provide addresses of those Saints.

    Also give details and oblige soon I hope everyday you send your each and every article to my email id for current topics too and oblige

  5. nilehs pandya

    shri dongreji maharaj nijay

Leave a Reply

Powered by WordPress & Theme by Anders Norén