Devendra Patel

Journalist and Author

Category: ચીની કમ (Page 1 of 12)

ખુશામત કરવી નહીં અને ડરવું નહીં તે જ મારો ધર્મ

મોરારજી દેસાઈ પ્રાંત ઓફિસર હતા ત્યારે ઘોડા પર મુસાફરી કરતા હતા

દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ તા. ૨૯મી ફેબ્રુઆરીએ જન્મ્યા હતા. તેમની જન્મ તારીખ દર ચાર વર્ષે એક જ વાર આવે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ૨૯મી તારીખ લીપ યરમાં જ જન્મેલા મોરારજી દેસાઈના જીવનમાં કેટલાંક રસપ્રદ પાસાં જાણવા જેવાં છે.

ગુજરાતના એક રાજનીતિજ્ઞા મોરારજી દેસાઈ કે જેમનું વ્યક્તિત્વ અનેક પ્રકારની લાક્ષણિકતાઓથી ભરેલું હોઈ, તેઓ અનેક વાર વિવાદાસ્પદ રહ્યા અને ગુજરાતે તેમની જેટલી કદર કરવી જોઈએ તેટલી કરી નથી. બહુ ઓછા લોકોને ખબર છે કે, મોરારજીભાઈ દેશના વડા પ્રધાન પદે પહોંચ્યા તે પહેલાં બ્રિટિશ રાજ્યમાં સનદી અધિકારી હતા. તેમના જીવનનો એક રસપ્રદ ફ્લેશબેક અહીં પ્રસ્તુત છે જે તેમણે નવજીવન દ્વારા પ્રકાશિત’મારું જીવન વૃત્તાંત’માં આલેખ્યો છે :

ઈ.સ. ૧૯૧૮માં તેઓ બોમ્બે પ્રોવિન્શિયલ સવર્સિમાં પ્રોબેશનરી ડેપ્યુટી કલેક્ટર તરીકે જોડાયા હતા. ૧૯૧૯માં તેઓ ખેડા જિલ્લાના પ્રાંત ઓફિસર તરીકે હતા ત્યારે પ્રાંતિજ તાલુકાનો પણ પ્રાંત ઓફિસર તરીકેનો ચાર્જ તેમને સોંપવામાં આવ્યો હતો. એ વખતે તેઓ કોઈ કામે તલોદ નજીકના એક ગામે લોકોની ફરિયાદો સાંભળવા ગયા હતા. ત્યાં તંબુ ઊભો કરવામાં આવ્યો હતો. તેમના ઉપર એટલે કે કલેક્ટર મિ. ચેસ્ટફિલ્ડનો મુકામ પણ તે સ્થળથી છ માઈલ દૂર હતો. બ્રિટિશ રાજ વખતે અંગ્રેજ કલેક્ટરો રહેતા.

મોરારજી દેસાઈએ સનદી અધિકારી તરીકે તેમના અનુભવોનું જે વર્ણન કર્યું છે તે તેમના જ શબ્દોમાં વાંચો : “જે ગામે મારો મુકામ હતો ત્યાં કલેક્ટર ચેસ્ટફિલ્ડ પણ જોવા આવેલા. જ્યારે એ લોકોની સાથે વાતો કરતા હતા ત્યારે એમની હિંદુસ્તાની ભાષા લોકો સમજતા ન હતા અને લોકોની ગુજરાતી ભાષા કલેક્ટર સમજતા ન હતા. એટલે ઉપયોગી થવાના હેતુથી મેં કલેક્ટરને અને લોકોને એકબીજાનું મંતવ્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો. કલેક્ટરને મારી એ દખલ લાગી અને એમણે મને વચ્ચે પડવાની ના પાડી. તે જમાનામાં મારો સ્વભાવ ઉગ્ર હતો અને ખૂબ જ સંવેદનશીલ હતો. કલેક્ટરની આ વર્તણૂક મને ઘણી કઠી અને મેં તરત જ એમને કહી દીધું કે, મારી જરૂર ન હોય તો હું મારા મુકામ પર જાઉં છું. એમ કહીને મારો મુકામ એ જ ગામમાં તંબુમાં હતો ત્યાં હું ચાલ્યો ગયો. થોડી વાર પછી કલેક્ટરે મને બોલાવવા માણસને મોકલ્યો. હું ત્યાં ગયો અને મારી સાથે કલેક્ટર મારા તંબુ પર આવ્યા. મને સીધી વાત પૂછવા માટે કોઈ વાતનો સંકોચ કદી રહ્યો નથી. એટલે મેં કલેક્ટરને ગુસ્સે થવાનું કારણ પૂછયું. એમણે મને કહ્યું કે, “મારા કહ્યા વગર તમારે દરમિયાનગીરી કરવી જોઈતી ન હતી.”

મેં એમને તરત જ કહ્યું કે, “મેં કોઈ દરમિયાનગીરી કરી નહોતી, પરંતુ તમે લોકોની વાત સમજતા ન હતા. એથી ઘણી ગેરસમજ થતી મેં જોઈ એટલે એ દૂર કરવા તમારી વાત એમને સમજાવવાની મેં કોશિશ કરી. એ રીતે ઉપયોગી થવાનો મેં પ્રયાસ કર્યો કે જે મારી ફરજ હતી.” કલેક્ટર પોતાની ભૂલ મોંએથી કબૂલ કરવા રાજી ન હતા, પણ પોતાની ભૂલ સમજી ગયા અને તેથી હસીને મને કહ્યું કે, “યંગ મેન ફરગેટ ધીસ, આઈ ડિડ નોટ ટેઈક ઈટ ઈલ.” એ વાત ત્યાંથી પતી.

એ જમાનામાં જે શિરસ્તો હતો તે પ્રમાણે મારી વર્તણૂક ઉપરી અધિકારીને ધૃષ્ટતાભરેલી લાગે એવું ખુશામતનું વાતાવરણ ચાલતું હતું. હું આ વાતાવરણથી રંગાવા માગતો ન હતો. શરૂઆતથી જ ખુશામત ન કરવી, ખોટું ન બોલવું કે કરવું અને કોઈથી ગભરાવું કે ડરવું નહીં એ મારો સંકલ્પ હતો અને એ સંકલ્પ પાળવાને માટે નોકરી જાય તો ભલે જાય એવી મનમાં નિરાંત રાખી હતી. એટલે જ કલેક્ટરને અને તે પણ એક સિનિયર કલેક્ટરને હું મારા પ્રોબેશન કાળ દરમિયાન પણ સીધી વાત વિના સંકોચે કરી શક્યો હતો. મારા સહઅધિકારીઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ અજાયબી પામ્યા અને મને કહેવા લાગ્યા કે, મારે આવી ભૂલ ન કરવી જોઈએ. મેં એમને કહેલું કે, મારી એ ભૂલ નહોતી, પણ મારો એ ધર્મ હતો અને ધર્મ છોડીને હું કોઈ પણ લાભ માટે ખોટું કામ કરવા ઇચ્છતો નથી અને કોઈની પણ ખોટી શરમ કે ભીતિ રાખવામાં માનતો નથી.

અમદાવાદમાં એ વખતે એક એડિશનલ સેશન્સ જજ વાસુદેવ કરીને હતા, એમણે ડેપ્યુટી કલેક્ટર તરીકે શરૂઆત કરેલી, પણ તેઓ ઘણા વગવાળા માણસ હતા એટલે તરત જ જ્યુડિશિયલ લાઈનમાં ગયા અને એડિશનલ સેશન્સ જજ થયા. એમની સાથે મારે સારી મૈત્રી થઈ હતી અને એમને ત્યાં હું વારંવાર જતો હતો.

એક વખત મારી પાસે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ તરીકે એક છોકરાના ખૂનનો કેસ આવ્યો. એ ખૂન આકસ્મિક હતું. ખૂન કરવાને માટે ઈજા થયેલી ન હતી એવી મારી ખાતરી થઈ. મારી પાસે આ કેસ ચાલ્યો ત્યારે સામાન્ય રીતે ખૂનના કેસ તરીકે એ કેસ સેશન્સ કમિટ થાય એવો નિયમ હતો, પણ જ્યારે મેં સાક્ષીઓને તપાસ્યા ત્યારે મને સાફ સમજાયું કે, આ કેસ સાદી ઈજાનો છે- ખૂનનો નથી અને એ જાતનો કોઈ પણ ઈરાદો આરોપીનો હતો નહીં- હોઈ શકે નહીં. એટલે મેં સાદી ઈજાનું તહોમતનામું ઘડી કાઢયું અને એ માણસને ત્રણ મહિનાની સજા કરી. વાસુદેવને આ કેસની ખબર પડી ત્યારે એમને મને કહ્યું કે, તમારે આ કેસને સેશન્સ કમિટ જ કરવો જોઈતો હતો અને ખૂનનું તહોમતનામું જ ફરમાવવું જોઈતું હતું. મેં એમને તરત જ કહ્યું કે, મેં ખોટો ન્યાય કર્યો છે એવું જો તમને લાગે તો જરૂર તમે એ કેસને પાછો મગાવી શકો છો અને તમારા અધિકારની રૂએ હાઈકોર્ટને મારું જજમેન્ટ ફેરવવા અને કેસ ફરી ચલાવવા રિમાન્ડ કરવાને લખી શકો છો. એમણે મારું જજમેન્ટ જોયું અને કેસને હાઈકોર્ટમાં રિફર કરવાનું મન એમને ન થયું અને મારો ચુકાદો બહાલ રહ્યો હતો.”

૧૯૧૯માં મોરારજી દેસાઈ અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટર હતા. તે વખતે રોલેક્ટ એક્ટની વિરુદ્ધ દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. અંગ્રેજ સરકારે ગાંધીજીને પંજાબ જતા રોક્યા હતા. એના કારણે અમદાવાદમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. ભદ્રના કિલ્લામાં તેમની ઓફિસ હતી. તોફાનોના ખબર મળતા જ ડેપ્યુટી કલેક્ટર મોરારજી દેસાઈ સાઈકલ લઈ તોફાનોને કાબૂમાં લેવા શહેરમાં નીકળી પડયા હતા. ધોળકાના અંગ્રેજ આસિ. કલેક્ટર તો ભાગીને છૂપાઈ ગયા હતા. ભદ્રમાં મેટ્રિકની પરીક્ષા માટે બાંધવામાં આવેલો મંડપ પણ લોકોએ બાળી મૂકયો હતો. એ વખતે મેટ્રિકની પરીક્ષા આપનારાઓમાં ઠાકોરભાઈ દેસાઈ પણ એક હતા. વિરમગામમાં એક સરકારી અધિકારીને જીવતો સળગાવી દીધો હતો. સરદાર સાહેબના પ્રયાસો બાદ અંગ્રેજો વિરુદ્ધનાં એ તોફાનો શાંત થયાં હતાં. મોરારજી દેસાઈ થાણાના પ્રાંત ઓફિસર હતા ત્યારે ઘોડા પર જ મુસાફરી કરતા. એ વખતે થાણામાં એક ડાકુ હતો. એ કારણે તેમણે એક ડાકુનો સામનો થઈ જાય અને જરૂર પડે તે માટે એક પિસ્તોલ પણ રાખી હતી. અલબત્ત, તેમનો ડાકુ સાથે કદી ભેટો થયો નહીં અને પિસ્તોલનો પણ ઉપયોગ કરવો પડયો નહોતો.

દેશના ઝડપી વિકાસ માટે ભ્રષ્ટાચાર પણ જરૂરી છે ?

જ્યારે નટવર સિંહ, શશિ થરુર, અશોક ચવાણ, સુબોધકાંત સહાયને રાજીનામું આપવું પડયું હતું

આજે પ્રજાસત્તાક દિન છે. ભારતને પ્રજાસત્તાક થયે છથી વધુ દાયકા થયા. દિલ્હીમાં આજે ભવ્ય પરેડ થશે. એ પરેડ માટે સૌ કોઈને ગર્વ અને ગૌરવ થાય તેવો સ્પેક્ટેક્યુલર શો હશે, પરંતુ બીજી બાજુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે, આઝાદીનાં આટલાં વર્ષો બાદ ભારતે હજુ ગરીબીમાંથી આઝાદી મેળવવાની બાકી છે, ભારતે હજુ કોમવાદ અને જ્ઞાતિવાદથી આઝાદી મેળવવાની બાકી છે. ભારતે હજી બેરોજગારીમાંથી આઝાદી મેળવવાની બાકી છે અને સૌથી મોટી વાત એ કે ભારતે હજુ ભ્રષ્ટાચારમાંથી આઝાદી મેળવવાની બાકી છે.

ભ્રષ્ટાચાર અને વિકાસ

એક અમેરિકન અર્થશાસ્ત્રીએ એક વિવાદાસ્પદ વિધાન કરેલું છે કે, કોઈ પણ દેશના ઝડપી આર્થિક વિકાસ માટે ભ્રષ્ટાચાર પણ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. જોકે બધા લોકો આ વિધાન સાથે સંમત નહીં થાય, પરંતુ એક વાત સ્વીકારવી પડે કે, લોકતંત્ર એ ધીમી પ્રક્રિયાવાળી વહીવટી પદ્ધતિ ધરાવે છે. તમારે એક એરપોર્ટ બનાવવું છે તો તે અંગેના પ્લાન્સ બનાવવાથી માંડી, અધિકારીઓની ટેબલે ટેબલે ફરીને લેવી પડતી મંજૂરી, મંત્રીની મંજૂરી, નાણાં વિભાગની મંજૂરી, વહીવટી મંજૂરી, ટેન્ડર પ્રક્રિયાથી માંડીને વર્ક ઓર્ડરની પ્રક્રિયા મહિનાઓ લઈ શકે છે. હવે તમે દરેક ટેબલ પર ‘વ્યવહાર’ કરી દો તો એ કામ કેટલું ઝડપી પૂરું થાય ? જે તે શહેરને કેટલું વહેલું એરપોર્ટ મળે? થઈ શકે ને ઝડપી વિકાસ ?

પાછલાં પ્રકરણો

ભારતમાં આજ સુધી આવેલી એક પણ સરકાર એવી નથી કે જેમાં કોઈ ને કોઈ મંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ થયો ન હોય. જવાહરલાલ નહેરુના સમયમાં પણ એ વખતના સંરક્ષણ મંત્રી વી. કે. કૃષ્ણમેનન પર ઇંગ્લેન્ડથી લશ્કર માટે જીપો ખરીદવાના પ્રકરણમાં ભ્રષ્ટાચારના આરોપો થયા હતા. નહેરુ એમાં જવાબદાર નહોતા, પણ કૃષ્ણમેનને તેમને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દીધા હતા. એ પછી મુંદ્રા અને ધર્મ તેજા પ્રકરણ ઊછળ્યું હતું. વાજપેયીજીની સરકાર વખતે કારગિલના યુદ્ધ વખતે કોફિન પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. યુપીએની સરકાર વખતે ટુજી સ્પેક્ટ્રમ પ્રકરણ ચમક્યું હતું. લાલુ પ્રસાદ પર ઘાસચારા કૌભાંડનો આરોપ હતો. તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતા પર આવક કરતાં વધુ સંપત્તિના આરોપો મૂકાયા હતા. મુલાયમસિંહ પણ આવા આરોપોથી બાકાત નથી. મહારાષ્ટ્રમાં આદર્શ હાઉસિંગનું કૌભાંડ બહાર આવ્યું હતું. હાલ મધ્ય પ્રદેશમાં વ્યાપમં કૌભાંડ પણ ચર્ચામાં રહ્યું. તે પછી લલિત મોદી પ્રકરણ બજારમાં આવ્યું. દિલ્હીમાં કેજરીવાલની સરકારના એક મંત્રી દ્વારા ઓટો પરમિટનું પ્રકરણ વિવાદમાં આવ્યું. કેજરીવાલે કેન્દ્રના નાણામંત્રી અરુણ જેટલી પર ભ્રષ્ટાચારના આરોપો મૂકી તેમના રાજીનામાંની માગણી કરી છે.

આજે દેશમાં અને દિલ્હીમાં જે થઈ રહ્યું છે એમાં ફરક એટલો જ છે કે, યુપીએ સરકાર વખતે આરોપો મૂકનારા બચાવની સ્થિતિમાં છે અને એ વખતે બચાવ કરનારા આજે આરોપો મૂકી રહ્યા છે. યુપીએ સરકારના ૧૦ વર્ષના વહીવટ દરમિયાન વિરોધ પક્ષના દબાણના કારણે છ જેટલા મંત્રીઓએ અને એક મુખ્યમંત્રીએ રાજીનામાં આપી દેવા પડયા હતા.

નટવર સિંહ

તા. ૬ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ કેન્દ્રના વિદેશમંત્રી નટવર સિંહે યુએનના ઇરાક ખાતેના ઓઈલ ફોર ફૂડ પ્રોગ્રામ હેઠળ ગેરકાયદે કેટલોક ફાયદો ઉઠાવ્યાના આરોપ હેઠળ મંત્રીપદેથી રાજીનામું આપી દેવું પડયું હતું. એ વખતે નટવર સિંહે કહ્યું હતું કે, “મારા કારણે સંસદ ચાલે જ નહીં એમ હું થવા દેવા માગતો નથી. તેથી હું રાજીનામું આપી દઉ છું.” પરંતુ સાચું કારણ એ હતું કે, પક્ષમાંથી જ ઉપરથી આવેલા દબાણના કારણે રાજીનામું આપવાની ફરજ પડી હતી.

શશિ થરુર

તા. ૧૯ એપ્રિલ, ૨૦૧૦ના રોજ કેન્દ્ર સરકારના જુનિયર વિદેશમંત્રી શશિ થરુરે પણ એવા જ બીજા એક કારણસર રાજીનામું આપી દીધું હતું. તેમની પર આઈપીએલમાં કોચી ફ્રેન્ચાઈઝ અંગે ખોટી રીતે મદદરૂપ થવાનો આરોપ હતો. તેમનાં પત્ની સુનંદા થરુર એ કોર્ન્સોિટયમનાં સભ્ય હતાં. જોકે, આ અંગે કોઈ જ કેસ કરવામાં આવ્યો નહોતો. એ વખતે સંસદમાં નાણાં બિલ અટવાઈ પડે તેમ લાગતા ઉપરના દબાણના કારણે તેમને રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. એ પછી કેટલાક સમય બાદ તેમનાં પત્ની સુનંદા થરુરનું એક હોટલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ ગયું.

અશોક ચવાણ

મહારાષ્ટ્રના એ વખતના મુખ્યમંત્રી અશોક ચવાણે પણ તા. ૯ નવેમ્બર, ૨૦૧૦ના રોજ ભ્રષ્ટાચારના આરોપસર રાજીનામું આપી દીધું હતું. તેમની પર આરોપ હતો કે, આદર્શ હાઉસિંગ સોસાયટીમાં તેમણે ગેરકાયદે વધારાના ફ્લોરની મંજૂરી આપી હતી. આ કેસ અંગે ચાર્જશીટ થયેલી છે. હજુ કેસનો કોઈ નિકાલ આવ્યો નથી.

સુબોધકાંત સહાય

તા. ૨૭ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ કેન્દ્રના પ્રવાસન ખાતાના મંત્રી સુબોધકાંત સહાયને પણ ભ્રષ્ટાચારના મુદ્દે રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. તેમની પર વિરોધ પક્ષનો આરોપ હતો કે, તેમણે તેમના ભાઈ જે ખાનગી કંપનીમાં ડાયરેક્ટર હતા તે કંપનીને કોલ બ્લોક આપવાની ભલામણ કરી હતી. સીબીઆઈએ એ કેસમાં સુબોધકાંત સહાય કે તેમના ભાઈના નામનો એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો નથી.

અશ્વિની કુમાર

તા. ૧૦ મે, ૨૦૧૩ના રોજ કેન્દ્રના કાયદામંત્રી અશ્વિની કુમારને પણ રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. તેમની પર આરોપ હતો કે જે કેસ સુપ્રીમ કોર્ટની નિગરાની હેઠળ હતો તેવા કોલગેટની તપાસને તેમણે પ્રભાવિત કરવા પ્રયાસ કર્યો હતો. તેમની સામે કોઈ કેસ થયો નથી.

પવનકુમાર બંસલ

એવી જ રીતે યુપીએ સરકારના એ વખતના રેલવેમંત્રી પવનકુમાર બંસલે પણ ભ્રષ્ટાચારના આરોપોના કારણે રાજીનામું આપી દીધું હતું. તેમની સામે આરોપ હતો કે, રેલવેના અધિકારીઓની બઢતી માટે તેમના એક ભત્રીજાએ લાંચ લીધી હતી. આ પ્રકરણ અંગે સીબીઆઈએ કેસ કરેલો છે જેમાં તેમની ભત્રીજો એક આરોપી છે.

આ બધાં તો ભૂતકાળનાં પ્રકરણો છે. હવે એ વખતે જે સત્તા પક્ષ હતો તેઓ સુષમા સ્વરાજ, વસુંધરા રાજે, શિવરાજસિંહ ચૌહાણને પણ લક્ષ્ય બનાવી રહ્યો છે. ભાજપના જ નેતા ર્કીિત આઝાદ ભાજપના જ એક મંત્રી પર ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રહ્યા છે. ભ્રષ્ટાચારના મુદ્દે દિલ્હીમાં જંતરમંતર પર ધરણાં કરનાર અણ્ણા હઝારે ચૂપ છે. બાબા રામદેવ ચૂપ છે. કિરણ બેદી ચૂપ છે. લાગે છે કે, તેઓ પણ અમેરિકાના અર્થશાસ્ત્રીની એ વિવાદાસ્પદ વાત સંમત છે કે, દેશના ઝડપી વિકાસ માટે ભ્રષ્ટાચાર જરૂરી છે.

ભ્રષ્ટાચારથી દેશનો વિકાસ કરી શકાય એ વિચાર સાથે અમે સંમત નથી.

રસિકભાઈ,આગ બુઝાવવાની કોઈ તાલીમ લીધી છે ખરી ?

કુદરતી હોનારતો અને અકસ્માતોની ઘટનાઓ વખતે મંત્રીઓના હવાઈ નિરીક્ષણથી શું ફાયદો

એક ક્લાસિક કિસ્સો અત્રે પ્રસ્તુત છે. આ ઘટના વર્ષો પહેલાંની છે. ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા અને તેમના મંત્રીમંડળમાં રસિકભાઈ પરીખ રાજ્યના ગૃહમંત્રી હતા. એમના શાસનકાળ દરમિયાન રસિકભાઈ પરીખના મતવિસ્તાર લીંબડી ખાતે એક જીનિંગ પ્રેસમાં ભયંકર આગ લાગી. આગ એટલી તો વિકરાળ હતી કે આખા સૌરાષ્ટ્રભરમાંથી ફાયર ફાઈટર્સને લીંબડી મોકલવા પડયા. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર, પોલીસ વડા અને આખું જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું હતું. આ ઘટનાની ખબર પડતાં રાજ્યના ગૃહમંત્રી રસિકભાઈ પરીખે લીંબડી એ પોતાનો મતવિસ્તાર હોવાના કારણે ઘટનાસ્થળે જવાનું નક્કી કર્યું. લીંબડી જતાં પહેલાં માત્ર ઔપચારિકતા ખાતર તેઓ એ વખતના મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના કાને એ વાત નાખવા ગયા કે, “લીંબડીમાં આગ લાગી હોઈ હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું.”

ગૃહમંત્રી રસિકભાઈ પરીખની વાત સાંભળ્યા બાદ એ વખતના મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ પ્રશ્ન કર્યો : “રસિકભાઈ, તમે આગ બુઝાવવાની કોઈ ટ્રેનિંગ લીધી છે ખરી ? તમે આગ ઠારવાના કોઈ નિષ્ણાત છો ? તમે ફાયર ફાઈટિંગ વિશે કંઈ જાણો છો ખરા ?”

રસિકભાઈ પરીખ મૌન થઈ ગયા.

તે પછી ફરી ડો. જીવરાજ મહેતાએ કહ્યું, “રસિકભાઈ તમે રાજ્યના ગૃહમંત્રી છો. તમે ત્યાં જશો એટલે પ્રશાસનિક વહીવટી તંત્રે તમારી આસપાસ તમારી જ સારસંભાળ રાખવામાં કામે લાગી જવું પડશે. તમારે ત્યાં જવાની જરૂર નથી. તમે એક કામ કરો. રાજ્યના કંટ્રોલ રૂમમાં બેસીને જિલ્લાના વહીવટી અધિકારીઓને ગૃહમંત્રી તરીકે યોગ્ય માર્ગદર્શન આપો અને તેમને બીજી જે સુવિધાઓ જોઈતી હોય તે મોકલી આપો.”

અને રસિકભાઈએ ડો. જીવરાજ મહેતાની વાત સ્વીકારી લીંબડી જવાનું મોકૂફ રાખ્યું. આ ઘટના કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ એક દિવસ એક વખતના પૂર્વ ગૃહમંત્રી ખુદ રસિકભાઈ પરીખે જાણીતા વરિષ્ઠ સમાજસેવક શશીકાંત દવે (જૂનાગઢ)ના તેમના ઘરે ભોજનના ટેબલ પર કહી હતી. એ વખતે રતુભાઈ અદાણી અને પૂર્વ કાયદામંત્રી દિવ્યકાંત નાણાવટી પણ હાજર હતા. થેલિસિમિયા તબીબી ક્ષેત્રે મહામહિમ રાજ્યપાલ દ્વારા સન્માનિત શશીકાંત દવેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી અકસ્માતો અને હોનારતો વખતે મંત્રીઓના જે તે સ્થળે દોડી જવા પ્રતિબંધ મૂકવા માગણી કરી છે.

હવાઈ નિરીક્ષણ શા માટે ?

ક્યાંક કુદરતી હોનારત સર્જાય છે અને નેતાઓ હેલિકોપ્ટર લઈ હવાઈ નિરીક્ષણ કરવા દોડી જાય છે. ક્યાંક મોટો અકસ્માત સર્જાય છે અને મંત્રીઓ જાતે જ ઘટનાસ્થળ પર દોડી જાય છે. તેમની સાથે ન્યૂઝ ચેનલવાળા પણ દોડે છે. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ પણ દોડે છે. આખું વહીવટી તંત્ર મંત્રીઓની સુરક્ષામાં લાગી જાય છે. આવું આજે જ થાય છે તેવું નથી. વર્ષોથી ચાલ્યું આવે છે. પરિણામ એ આવે છે કે,ઘવાયેલાઓને જે તાત્કાલિક સારવારની જરૂર હોય છે તે બાજુએ રહી જાય છે. એમ્બ્યુલન્સ અને તબીબો બાજુમાં રહી જાય છે. પરિણામે ઘવાયેલાઓના જાન બચાવવાની કામગીરીમાં મંત્રીઓની મુલાકાત દખલરૂપ સાબિત થાય છે. તાજેતરમાં જ બીએસએફના અધિકારીઓને લઈ જતું એક વિમાન તૂટી પડયું અને ૧૦ અધિકારીઓનાં મોત નીપજ્યા જે એક કમનસીબ ઘટના હતી. આ વખતે પણ કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહ ઘટનાસ્થળે દોડી ગયા. રાજનાથસિંહ એક કાર્યક્ષમ મંત્રી છે, પરંતુ રાષ્ટ્રમાં કે રાજ્યમાં થતાં અકસ્માતો વખતે જે તે સ્થળે મંત્રીઓના દોડી જવા પર હવે સંયમ રાખવાની જરૂર છે.

વિપક્ષો પણ સંયમ રાખે

એ વાત સાચી પણ છે કે જ્યારે કોઈ સ્થળે મોટી અકસ્માતની ઘટના બને છે ત્યારે મંત્રી ત્યાં ના જાય તો વિપક્ષોના નેતાઓ પણ પહોંચી જાય છે અને લોકોની લાગણીઓને ખિસ્સામાં કરી તેનો રાજકીય લાભ ઉઠાવવાની કોશિશ કરે છે. જે તે ક્ષેત્રના મંત્રી ઘટનાસ્થળે ના પહોંચે તો વિપક્ષના નેતાઓ જે તે મંત્રીને લોકોની પરવા નથી એવી ટીકા પણ કરે છે. વિપક્ષોએ પણ લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેનો રાજકીય લાભ ખાટવાની પ્રવૃત્તિથી બચવું જોઈએ. મંત્રી હોય કે વિપક્ષનો નેતા તેણે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે, મોટા અકસ્માતો વખતે ભારે ખુવારી થતી હોય છે. તે વખતે સ્થાનિક પ્રશાસન કલેક્ટરથી માંડીને ક્લાર્ક સહિત અને પોલીસ સહિત સૌ કોઈ જાનમાલને થયેલા નુકસાનનો અંદાજ કાઢવામાં, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં, અકસ્માતનો ભોગ બનેલા નાગરિકોની કીમતી ચીજવસ્તુઓ કોઈ ચોરી ના જાય તેની સુરક્ષા ગોઠવવામાં વ્યસ્ત હોય છે. મોટી હોનારત વખતે પોલીસ અને લશ્કરના જવાનો પણ બચાવ કામગીરીમાં વ્યસ્ત હોય છે ત્યારે મંત્રીઓ હેલિકોપ્ટરમાં ત્યાં જઈ તેમને મદદરૂપ થવાના બદલે અગવડરૂપ વધારે થતાં હોય છે.

હા, તેમણે કાંઈક કરવું જ હોય તો ભૂતકાળમાં પૂર્વ રેલવેમંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ કર્યું તેમ કરવું જોઈએ. આજથી છ દાયકા પૂર્વે એ વખતના વડા પ્રધાન જવાહરાલ નહેરુના મંત્રીમંડળમાં લાલબહાદુર શાસ્ત્રી રેલવેમંત્રી હતા. ૧૯૫૬માં તામિલનાડુમાં એક મોટો રેલવે અકસ્માત થયો હતો, જેમાં ૧૨૦ જેટલા લોકોનાં મોત નીપજ્યાં હતાં. એ અકસ્માતની નૈતિક જવાબદારી પોતે સ્વીકારી લીધી હતી અને લાલબહાદુર શાસ્ત્રીએ રેલવેમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું.

આજે આ શક્ય છે ખરું ?

દર મિનિટે એક અકસ્માત

અકસ્માતો એ હવે આ દેશનો એક હિસ્સો બની ગયો છે. દેશમાં થતાં અકસ્માતોના આંકડા ગોઝારા છે. ભારતમાં રોજ ૧૨૧૯ વાહન અકસ્માતો થાય છે. દર વર્ષે ભારતમાં રોડ અકસ્માતોમાં ૧,૩૭,૦૦૦ માણસો મૃત્યુ પામે છે. આ આંકડો ૨૦૧૩નો છે. દ્વિચક્રી વાહનો ચલાવનારાઓના જે અકસ્માતો થાય છે તે પૈકી ૨૫ ટકા વાહનચાલકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજે છે. દર વર્ષે રોડ અકસ્માતના કારણે ૧૯ વર્ષથી ઓછી વયનાં ૨૦ બાળકો રોજ મૃત્યુ પામે છે. રોજ ૩૭૭ લોકો બેફામ વાહન ચલાવવાના કારણે મૃત્યુ પામે છે. દેશમાં દર એક મિનિટે ગંભીર રોડ અકસ્માત થાય છે. સૌથી વધુ અકસ્માતો દિલ્હીમાં થાય છે. તે પછી ચેન્નાઈ, જયપુર, બેંગલુરુ, મુંબઈ, કાનપુર, લખનૌ, આગ્રા, હૈદરાબાદ અને પૂણે આવે છે.

ગુજરાતમાં રોડ અકસ્માતથી રોજ ૨૩ લોકોનાં મૃત્યુ નીપજે છે.

નાગરિકો કાળજી રાખે અને મંત્રીઓ સંયમ રાખે.

ટ્રાફિકની અંધાધૂંધી માટે આખરે કોણ જવાબદાર ?

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ મોટી ઈમારતોમાં પાર્કિંગની જગા બતાવે તો સારું

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જ નહીં પરંતુ નડિયાદ, કપડવંજ, મોડાસા, ધનસુરા, દહેગામ અને મોરબી જેવા નાના નગરો પણ હવે ટ્રાફિકની અરાજક્તામાં ફસાયેલા જણાય છે. મોટા શહેરોમાં તો સવારનો અને સાંજનો પિક અવર્સનો સમય જાહેર રસ્તાઓ પર અંધાધૂંધીથી ભરેલો જણાય છે. આ બધાં શહેરોમાં ટ્રાફિકજામ એ રોજનો માથાનો દુઃખાવો બની ગયો છે. જે રસ્તો કાપતા અગાઉ ૧૫ મિનિટ લાગતી તે અંતર કાપતા હવે એક કલાકનો સમય લાગે છે.

૪૦થી વધુ જામ

તાજેતરમાં અમદાવાદ શહેરમાં વીઆઈપીઓની મૂવમેન્ટના લીધે ૪૦થી વધુ સ્થળે કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળ્યા. શહેરમાં આ પરિસ્થિતિને કારણે કોઈ ગંભીર બીમાર વ્યક્તિને લઈ જતી એમ્બ્યુલન્સ વાનો ફસાઈ જતી જોવા મળે છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશને પહોંચવા માટે હવે સાંજના સમયે લોકોએ બે કલાક અગાઉથી નીકળવું પડે છે. આ ભયંકર પરિસ્થિતિનો ઉકેલ લાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરની ટ્રાફિક પોલીસ પાસે કોઈ જ દૃષ્ટિ કે ઈરાદો હોય તેમ લાગતો નથી. સ્થાનિક પ્રશાસન ધૃતરાષ્ટ્રની માફક રોજ લાખ્ખો વાહનચાલકોની પરેશાની જોઈ રહ્યું હોય તેમ લાગે છે.

મ્યુનિ. કોર્પોરેશન જવાબદાર

અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ જેવા શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે. ટ્રાફિકની આજની વિકરાળ પરિસ્થિતિ માટે કોઈ સૌ પ્રથમ જવાબદાર હોય તો તે મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો છે. શહેરમાં ક્યાંય પણ બાંધકામ કરવું હોય તો બાંધકામની પરવાનગી લેવી પડે છે. બિલ્ડર્સ તેમના કમર્શિયલ બાંધકામોના પ્લાન્સ મૂકે છે ત્યારે ઈમારતના વ્યાપ પ્રમાણે પાર્કિંગ બતાવવું પડે છે. ભ્રષ્ટ અધિકારીઓ પૈસા ખાઈ ઈમારતને મંજૂરી આપી દે છે અને એક વાર મંજૂરી મળી જાય તે પછી બિલ્ડરો પાર્કિંગમાં દુકાનો બનાવી વેચી દે છે. બિલ્ડરો પાર્કિંગમાં ગેરકાયદે દુકાનો અને બીજા ગેરકાયદેસર બાંધકામો કરી લે છે અને તેમાં તો પૈસા ખવાય છે પરંતુ એ તમામ ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા ઈમ્પેક્ટ ફી જેવા ઓથા હેઠળ તેને મંજૂરી આપવાની યોજના બનાવે છે અને તેમાં પણ પૈસા ખવાય છે. શહેરના દરેક વિસ્તારમાં એક એક મ્યુનિસિપલ ઈન્સ્પેક્ટર હોય છે. બિલ્ડરે પાર્કિંગની જગા રાખી છે કે નહીં તે જોવાની જવાબદારી તેની હોય છે પરંતુ મોટાભાગના ઈન્સ્પેક્ટરો લાંચ લઈ આંખ આડા કાન કરી દે છે. આ કારણે શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા કમર્શિયલ સેન્ટરોમાંથી પાર્કિંગ અદૃશ્ય જણાય છે અને લોકો જાહેર રસ્તા પર જ જે તે કમર્શિયલ સેન્ટરની બહાર અડધો રસ્તો રોકીને આડેધડ ગાડીઓ તથા સ્કૂટર્સ પાર્ક કરી દે છે. ઘણીવાર તો જાહેર રસ્તાઓ પર બે- બે ગાડીઓ રસ્તા વચ્ચે મૂકી દઈ રસ્તો સાંકડો કરી દેવામાં આવે છે. જે જે ઈમારતોમાં પાર્કિંગ ગુમ છે તે તમામ ઈમારતોને સીલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સાંજે નીકળેલો માણસ સવારે ઘેર પહોંચશે. કેટલાક મ્યુનિ. કોર્પોરેટરો તેમના વિસ્તારના બિલ્ડર્સના પીઆરઓની જેમ કામ કરતા હોવાનું જણાય છે.કેટલાક કોર્પોરેટરો પહેલાં કોઈનું બિલ્ડિંગ સીલ કરાવે છે અને થોડા દિવસ પછી સીલ ખોલી નંખાવે છે. આ બે ઘટનાઓ વચ્ચે શું રંધાય છે તે તેઓ જ કહી શકે. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ નવા જ ચૂંટાયેલા કોર્પોરેટરોને આ બાબતે ચીમકી આપવી પડી હતી.

લારી-ગલ્લાનાં દબાણ

મોટાં શહેરોમાં અને દહેગામ, મોડાસા જેવા નાના શહેરોમાં મુખ્ય રાજમાર્ગો પર રસ્તાના પોણા ભાગના વિસ્તાર પર શાકભાજીની લારીઓ,આડેધડ પાર્ક કરેલા વાહનો અને દુકાનદારોએ રોડ પર જ ગોઠવેલો તેમનો વેચવાનો સામાન જોવા મળે છે. એ કારણે રસ્તાની જેટલી પહોળાઈ હોય છે તેનો પા ભાગ જ મોટરગાડીઓ કે દ્વિચક્રી વાહનોને જવા માટે ખુલ્લો રહે છે. લારી-ગલ્લાવાળાઓ પાસેથી સ્થાનિક સત્તાવાળાઓ તથા પોલીસ રોજ સાંજે હપ્તો લઈ ચાલી જાય છે અને આખો દિવસ વાહનચાલકોને પરેશાન કરવાની પરિસ્થિતિ ઊભી કરી દે છે. લારી-ગલ્લાઓનાં આ દબાણો દૂર કરવામાં કોઈને રસ નથી, ઈરાદો નથી. દબાણો દૂર કરવા માટે કોઈ નેતાઓને કે અધિકારીઓને કોઈ લેટેસ્ટ ટેક્નોલોજીની તો જરૂર નથી. જેમને ધંધો કરવો છે તેમને કોઈ એક ચોક્કસ સ્થળ ફાળવી આપો પણ રસ્તા રોકી તેની પર ધંધો કરવો તે એક પ્રકારની દાદાગીરી છે.

અંધ અને અજ્ઞાની નેતાઓ

બીજી સૌથી મોટી મુશ્કેલી એ છે કે જ્યારે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન્સની કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે ભણેલા-ગણેલા કે શહેરી પ્રશ્નોના ઉકેલના જાણકાર વ્યક્તિઓને ઉમેદવાર તરીકે પસંદ કરવાના બદલે ક્યા વિસ્તારમાં કઈ જ્ઞાતિનો અને કોઈ કોમનો ઉમેદવાર ચાલશે એ લાયકાતને લક્ષમાં લેવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ચૂંટાતા ઘણા નેતાઓને વિશ્વભરમાં ટ્રાફિકની સિસ્ટમ અને ટ્રાફિક સાયન્સનું જ્ઞાન જ નથી. અમદાવાદ જેવા શહેરોમાં ભૂતકાળમાં ઘણા મેયરો એવા ચૂંટાયા છે કે જેઓે પોતાના મત વિસ્તારમાં ખાડાઓ પૂરી શક્યા નથી. ઘણા કોર્પોરેટરો એવા ચૂંટાયા છે જેઓ પોતાના વિસ્તારમાં લોકોને પીવાના પાણીની સુવિધા આપી શક્યા નથી. શહેરના ઘણા ભાગોમાં માત્ર બે ઈંચ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે. આવા નેતાઓ પાસેથી વર્લ્ડ કલાસ અર્બન ડેવલપમેન્ટની આશા રાખવાનો કોઈ અર્થ નથી. ભૂતકાળમાં અનેક મેયરો શહેરની પ્રજાના પૈસે વિશ્વમાં ઘૂમી આવ્યા છે. ત્યાં જઈ કાંઈ શીખીને આવવાના બદલે માત્ર પિકનિક કે સહેલગાહ કરીને જ પાછા આવ્યા હોય તેમ લાગે છે. શું આ નેતાઓએ જોયું નહીં હોય કે સિંગાપોર,હોંગકોંગ, લંડન, પેરિસ, ન્યૂયોર્ક કે રોમ જેવા શહેરોમાં નાનામાં નાના ક્રોસ રોડ પર ટ્રાફિક સિગ્નલ્સ છે. આજથી ૫૦ વર્ષ પહેલાં મોસ્કો જેવા શહેરમાં જ્યારે ટ્રાફિક ઘણો ઓછો હતો ત્યારે રાતના બે વાગે રસ્તા સૂમસામ હોય ત્યારે પણ વાહનચાલક ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ હોય ત્યારે ઊભો રહેતો. ચાર રસ્તા પર તેના સિવાય એેક પણ કાર ના હોય તો પણ જ્યાં સુધી ગ્રીન લાઈટ ના થાય ત્યાં સુધી સૂમસામ રસ્તા પર તે લીલી લાઈટનો ઈન્તજાર કરતો.

ટ્રાફિક સિગ્નલો જ ગુમ!

ગુજરાતના મોટા શહેરોમાં ચાર રસ્તાઓ પર ક્યાંક ટ્રાફિક સિગ્નલ્સ દેખાય છે તો ક્યાંક છે જ નહીં અને જ્યાં ટ્રાફિક સિગ્નલ્સ છે તો ક્યારેક બંધ હોય છે અને ક્યારેક ચાલુ અને જો ચાલુ હોય છે તો ટ્રાફિકની ગીચતાનો સર્વે કર્યા વગર તેમના ટાઈમિંગ ગોઠવ્યા હોવાના કારણે એક કાર દસ ફૂટ ખસે તે પહેલાં લાલ ટાઈટ થઈ જાય છે. ઘણીવાર પિક અવર્સમાં એક ટ્રાફિક સિગ્નલ વટાવતાં ૨૦ મિનિટ સુધી વાહનચાલકે ઈન્તજાર કરવો પડે છે.

બળતણનો ધુમાડો

ટ્રાફિક જામના કારણે મોટાં શહેરોમાં રોજ લાખો વાહનો ચાર રસ્તાઓ પર અટવાયેલા જણાય છે એમને ખબર નથી કે ક્યારે તેમને આગળ જવા દેવામાં આવશે એ કારણે એવા વાહનચાલકો તેમના વાહનનાં એન્જિન ચાલુ રાખે છે આ કારણે રોજ કરોડોનું બળતણ વેડફાય છે. આ નેશનલ લોસ છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું ૮૦ ટકા બળતણ આયાત કરે છે. જે વિદેશી હૂંડિયામણને ભરખી જાય છે. દેશમાં માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી જ એક હાઈવે પર બે કલાક ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. આથી વધુ બદતર પરિસ્થિતિ બીજી શું હોઈ શકે?

‘મેડમ, હમારા ભી ચલાન કાટ દો’ : આ કેવી મજાક

દિલ્હીમાં નિર્ભયા કાંડની ઘટનાને ત્રણ વર્ષ પૂરાં થયાં. અગાઉના કાનૂનની મર્યાદાનો લાભ લઈ સગીર અપરાધી છૂટી ગયો. હવે સગીરની વયમર્યાદા બદલાઈ ગઈ. હવે દુષ્કર્મ કરનારાઓ સામેનો કાનૂન કડક બનાવાયો છે. તે અગાઉ કેટલાક સમય પહેલાં સરઘસો નીકળ્યા. મહિલાઓએ મીણબત્તીઓ સળગાવી. મીડિયામાં ખૂબ ચર્ચાઓ થઈ. મેકઅપ અને લિપસ્ટિક લગાવીને આવેલી એક્ટિવિસ્ટ મહિલાઓએ ડાહી-ડાહી વાતો કરી. આ બધું સાચું પણ તે પછી દેશની હાલત શું છે ?

સેક્સ ક્રાઈમ કેટલા ?

લ્યો આ રહ્યા આંકડા. આ રહી કડવી લાગે તેવી હકીકત. નિર્ભયા-કાંડ પછી આજે પણ દેશના પાટનગર દિલ્હીમાં રોજ યુવતીઓ સાથે દુષ્કર્મની કે છેડતીની ૨૬ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે. અર્થાત્ દિલ્હીમાં રોજ દર ચાર કલાકે એક બળાત્કારની ઘટના બને છે. આ આંકડા ચોંકાવનારા છે. સાંજ પડયા પછી દિલ્હી આજે પણ સ્ત્રીઓ માટે અસલામત છે. દિલ્હીના આંકડા કહે છે કે પાછલા બે દાયકામાં ગુનાખોરી આજના કરતાં ઓછી હતી. ૧૯૯૮માં દિલ્હીમાં વિવિધ પ્રકારના કુલ ૬૪,૮૮૨ ગુનાઓ નોંધાયા હતા. ૨૦૦૧ આ આંકડો ઘટીને ૫૪,૩૮૪ જેટલો થયો હતો. ૨૦૧૧માં આ આંકડો ઘટીને ૫૩,૩૫૩ જેટલો થઈ ગયો હતો. એ વખતે સ્ત્રીઓ સાથેના ગુના ઓછા હતા.

૨૫૦ ટકાનો વધારો

તા.૧૬ ડિસેમ્બરની નિર્ભયાકાંડની ઘટના બાદ પોલીસને એવી સૂચના આપવામાં આવી કે સ્ત્રીઓ સામેના તમામ ગુનાઓ એફઆઈઆરમાં તબદીલ કરી દેવા.

પરિણામ શું આવ્યું ?

૨૦૧૧થી ૨૦૧૫ દરમિયાન દુષ્કર્મના કેસોમાં ૨૫૦ ટકાનો વધારો થયો. જ્યારે છેડતી વગેરેના કેસોમાં ૭૦૦ ટકાનો વધારો થયો. ૨૦૧૧માં ૫૭૨ દુષ્કર્મના કેસો અને ૬૫૭ છેડતીના કેસો નોંધાયા. આ વર્ષને લાગેવળગે છે ત્યાં સુધી તા.૨જી ડિસેમ્બર સુધીમાં ૨૦૧૭ દુષ્કર્મના અને ૫૦૪૯ કેસો છેડતીના નોંધાયા. દિલ્હીના ગોવિંદપુરી, માલવિયાનગર, ભાલાસવા ડેરી, વસંત વિહાર, મહેરોલી વિસ્તારોમાં આ પ્રકારના કેસોનું પ્રમાણ વધુ છે.

કારણ શું?

નિષ્ણાતો કહે છે કે, જ્યાં વસ્તીની ઘનતા વધુ છે ત્યાં આ પ્રકારના કેસોનું પ્રમાણ વધુ છે. ખાસ કરીને જે વિસ્તારોમાં પાણી, ગટર,શિક્ષણની પાયાની સવલતો ઓછી છે અને જ્યાં બેકારીનું પ્રમાણ વધુ છે ત્યાં આવા ગુના વધુ નોંધાયા છે. આ ઉપરાંત હવે મોબાઈલ પર પણ પોર્નોગ્રાફી મટીરિયલ સરળતાથી ઉપલબ્ધ છે, જ્યાં સસ્તા દારૂ સરળતાથી ઉપલબ્ધ છે, જ્યાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ છે ત્યાં યુવાનોમાં સેક્સુઅલ ક્રાઈમનું પ્રમાણ વધુ છે. કેટલાક વિસ્તારોના દબંગ કિશોરોને તથા યુવાનોને દુષ્કર્મ સામેના કડક કાનૂનનું જ્ઞાાન પણ નથી અને જાગૃતિ પણ નથી. યોગ્ય શિક્ષણનો અભાવ તે સૌથી મોટું કારણ છે. દિલ્હીમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડવાના વચનો રાજનેતાઓ આપતા રહ્યા છે પરંતુ તેવું શક્યું નથી.

મહિલા પોલીસની તંગી

નિર્ભયા સાથેની કમનસીબ ઘટના બાદ એવી જાહેરાત થઈ હતી કે, દિલ્હીમાં મહિલાઓ સાથેના દુરાચારના કેસોની તપાસ હવે માત્ર મહિલા પોલીસ કરશે. આ વાતનો અમલ શરૂ થયો છે પરંતુ જેટલા પ્રમાણમાં મહિલા પોલીસ હોવી જોઈએ તેટલી સંખ્યા દિલ્હી પોલીસ પાસે નથી. દિલ્હીની પોલીસની કુલ સંખ્યાનો નવ ટકા હિસ્સો જ મહિલા પોલીસનો છે અને તેમાંથી પણ માત્ર ૮૦૦ જેટલી મહિલા પોલીસ એવા કેસોની તપાસ કરવાની લાયકાત ધરાવે છે અને દિલ્હીમાં બળાત્કારના કેસોમાં ૨૫૦ ટકાનો વધારો થયો છે. ત્યારે તે બધા કેસોની તપાસ માટે આ સંખ્યા પૂરતી નથી. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે, પોલીસની એક મહિલા ઈન્વેસ્ટિગેશન ઓફિસર પાસે આ પ્રકારના સેક્સુઅલ ક્રાઈમના ૧૫થી ૨૦ કેસો છે. આ સિવાયના બીજા પ્રકારના ગુનાઓની તપાસના કેસો અલગ, જેમાં ચોરી, લૂંટ, ચેઈન સ્નેચિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ મહિલા ઓફિસરોએ ટ્રાફિક નિયમનની કામગીરી પણ બજાવવાની હોય છે. બીજો નોંધપાત્ર આંકડો એ છે કે દિલ્હી પોલીસ વિભાગ આમે ય ૨૦,૦૦૦ પોલીસમેનોની તંગી છે. વળી પોલીસ સ્ટેશનો પર મહિલા પોલીસ માટે જે પાયાની સુવિધાઓ જોઈએ તે પણ બધે ઉપલબ્ધ નથી. પોલીસ ટ્રેનિંગ કોલેજો ઉપલબ્ધ નથી.પોલીસ ટ્રેનિંગ કોલેજો અને સ્કૂલોની પણ તંગી છે.

પોલીસની પણ છેડતી ?

દિલ્હીના ઠગો મહિલા પોલીસને પણ છોડતા નથી. દિલ્હીથી પ્રગટ થતા અંગ્રેજી અખબાર ‘હિંદુસ્તાન ટાઈમ્સ’એ એક કિસ્સો નોંધ્યો છે આ અહેવાલ અનુસાન એક મહિલા પોલીસ અધિકારી છેલ્લા ૨૦ વર્ષથી દિલ્હી પોલીસમાં ફરજ બજાવે છે. તેમને દિલ્હી ટ્રાફિક નિયમન માટે એક પોઈન્ટ પર જવાબદારી સોંપવામાં આવી હતી. આ મહિલા પોલીસ અધિકારી કહે છે : ‘હું રસ્તા પર ટ્રાફિક નિયમન કરતી હોઉં ત્યારે રસ્તા પર જાહેરમાં જ કેટલાક લોકો મને પરેશાન કરે છે. કેટલાક મારી મજાક ઉડાવે છે. એક વાર મારી સેન્ટ્રલ દિલ્હી ખાતે ટ્રાફિક નિયમન માટે નિમણૂક થઈ હતી. જે લોકો ટ્રાફિકના નિયમનો ભંગ કરતા હતા તેમને હું પકડતી હતી અને ચલાન આપતી હતી. એક મોટરકારવાળાએ સિગ્નલનો ભંગ કર્યો. મેં એને રોકયો અને હું એ કાર ચાલકને દંડ ભરવાનું ચલાન આપી રહી હતી તે વખતે એક મોટરબાઈક અચાનક જમ્પ કરીને મારી પાસે આવી અને મારી પાછળ ઊભી રહી. મોટરબાઈક બે સવાર હતા. મોટરબાઈકની પાછળ બેઠેલા એક માણસે મોટા અવાજે મને કહ્યું: ‘મેડમ, હમારા ભી ચલાન કાટ દિજીયે.’ એ માણસની વાત સાંભળી હું ક્ષોભજનક પરિસ્થિતિમાં આવી ગઈ. હું યુનિફોર્મમાં હોવા છતાં તે માણસે મારી મજાક કરવા પ્રયાસ કર્યો હતો કારણ કે હું મહિલા હતી. એ મારી મજાક ઉડાવીને ભાગી ગયો. ‘હું કાંઈ જ કરી ના શકી. હું આઘાતમાં હતી.’

છેવટે એ મહિલા પોલીસ ઓફિસરને રોડ પરથી બદલીને ઓફિસમાં કામગીરી સોંપવામાં આવી.

દિલ્હીના બદમાશો મહિલા પોલીસને પણ છોડતા નથી તો આ દેશમાં અન્ય સ્ત્રીઓની હાલત કેવી હશે ?

એક ડોનની રક્ષા પાકિસ્તાન કરે છે તો બીજા ડોનની હિન્દુસ્તાન

વાડોન બનવાના કેટલાક ફાયદા પણ છે. એક ડોન કે જે પાકિસ્તાનમાં છે તેની સુરક્ષા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઈ કરે છે અને બીજો ડોન કે જે દિલ્હીની તિહાડ જેલમાં છે તેની સુરક્ષા ભારત સરકાર કરી રહી છે.

ડોન દાઉદ ઈબ્રાહીમ આમ તો કરાચીના પોશ એવા કિલફટન એરિયાના બંગલોમાં રહે છે પણ ડોન છોટા રાજન પકડાઈ ગયા બાદ આઈએસઆઈ તેને કોઈ સુરક્ષિત સ્થળે લઈ ગઈ છે. પાકિસ્તાનના પ્રધાનને મળવું સરળ છે પરંતુ ડોન દાઉદ ઈબ્રાહીમને મળવું મુશ્કેલ છે કારણ કે તેને પાકિસ્તાન લશ્કરના નિવૃત્ત સૈનિકો ઉપરાંત ઉચ્ચ તાલીમ પામેલા ગાર્ડસના સુરક્ષા ઘેરા હેઠળ સલામત રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન માટે ડોન દાઉદ કોઈ ગુનેગાર નહીં પરંતુ ભારતથી ભાગી ગયેલો એક વીઆઈપી અતિથિ છે. મુંબઈ જેવા શહેરના અંડરવર્લ્ડમાં આજે પણ ડોન દાઉદની હાક છે. મુંબઈમાં ડોન દાઉદની પ્રોપર્ટી ખરીદવા માંગતા પત્રકારને તે પાકિસ્તાનમાં બેઠા બેઠાં ધમકી આપી શકે છે. ખુદ છોટા રાજને કહ્યું છે કે,મુંબઈની પોલીસના કેટલાક અધિકારીઓ આજે પણ દાઉદ ઈબ્રાહીમના પે-રોલ પર છે. આમ પાકિસ્તાન માટે દાઉદ ઈબ્રાહીમ એક એસેટ છે. મુંબઈ જેવા શહેરોમાં બોંબધડાકા કરાવવા માટે પાકિસ્તાન ડોન દાઉદનો ઉપયોગ કરી ચૂક્યું છે.

ડોન છોટા રાજન

ડોન છોટા રાજનને ભારત લાવ્યા બાદ તેને મુંબઈની જેલમાં રાખવાના બદલે દિલ્હીની તિહાડ જેલમાં રાખવામાં આવ્યો છે પરંતુ તિહાડ જેલમાં તે એક સેલિબ્રિટી હોય તેવી સુરક્ષા ભોગવે છે તે જ્યારે તેના સેલમાંથી બહાર નીકળે છે ત્યારે એક ડઝન પોલીસ ગાર્ડસ તેની આસપાસ ચાલે છે. તે બેઠો બેઠો યોગ કરે છે અને ઊંડા શ્વાસ લઈ શ્વાસ બહાર કાઢે છે ત્યારે પોલીસ કર્મીઓનો શ્વાસ અદ્ધર રહે છે. દિલ્હીની તિહાડ જેલ એશિયાની સૌથી મોટી જેલ છે. આ જેલમાં તેને લાવવામાં આવ્યો ત્યારથી દિલ્હી પોલીસના શ્વાસ અદ્ધર છે. ખુદ છોટા રાજનને પણ ડર છે કે પાકિસ્તાનમાં બેઠેલો ડોન દાઉદ ઈબ્રાહીમ તેને અન્ય કોઈ કેદી મારફતે તિહાડ જેલમાં તો પતાવી નહીં દેને? ભારતની પોલીસને ડોન છોટા રાજનને સુરક્ષિત રાખવો જરૂરી છે કારણ કે તે એક સમયે ડોન દાઉદ ઈબ્રાહીમનો ખાસ માણસ હતો. તે દાઉદ ઇબ્રાહીમ વિષે ઘણી બધી વાતો જાણે પણ છે. અલબત, ભારતની ગુપ્તચર એજન્સીઓ પાસે જે જાણકારી છે તે કરતાં છોટા રાજન વધુ શું જાણે છે તે એક પ્રશ્ન છે. આ કારણથી છોટા રાજન સવારે ર્મોિનગ વોક નીકળે છે ત્યારે એક ડઝન સુરક્ષા ગાર્ડસ તેને એસ્કોર્ટ કરે છે.

બાર ગનમેન

ડોન છોટા રાજનને જે સુરક્ષા આપવામાં આવી છે તેવી સુરક્ષા આજ સુધી કોઈ ગુનેગારને આપવામાં આવી નથી. ડોન છોટા રાજનની સામે ૭૧ જેટલા ગુના નોંધાયેલા છે. આમ છતાં ૧૨ જેટલા બંદૂકધારી પોલીસ ગાર્ડસ તેની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. છોટા રાજન સામે હત્યા, અપહરણ અને ખંડણી જેવા ગંભીર અપરાધોના આરોપો છે. તિહાડ જેલના સૂત્રોના કહેવા પ્રમાણે છોટા રાજન રોજ સવારે વહેલો ઊઠે છે. તે શારીરિક રીતે ફિટ રહેવા કસરત કરે છે તેને ત્રણ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. છોટા રાજનને તિહાડ જેલની જે નં.૨માં પાંચ ફૂટ બાય ૧૦ ફૂટનો સેલમાં રાખવામાં આવ્યો છે તેની સુરક્ષાની જવાબદારી ૧૦ વોર્ડન્સ, એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ અને બે આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટસને સોંપવામાં આવી છે. ખુદ છોટા રાજન તિહાડ જેલ છોડી મુંબઈની જેલમાં જવા માંગતો નથી. તેને મુંબઈની જેલ કરતાં દિલ્હીની તિહાડ જેલ વધુ સુરક્ષિત લાગે છે.

સરપ્રાઈઝ ચેકિંગ

દિલ્હીની તિહાડ જેલમાં બંધ છોટા રાજન શું કરે છે તે જાણવા ઘણાને ઉત્સુકતા છે. જેલ નંબર-૩ના કેટલાક કેદીઓનું માનવું છે કે, છોટા રાજનનો જે જેલમાં રાખવામાં આવ્યો છે તેના ગેટની આસપાસ કોઈનેય ઊભા રહેવા દેવામાં આવતા નથી. અંદરથી કોઈ ફોર વ્હીલર વાહન ઝડપથી બહાર નીકળે તો લોકોને લાગે છે કે તેમાં છોટા રાજન હશે. તિહાડ જેલની બહાર નજીકના રહેતા કેટલાક લોકો તેમના મકાનોની છત પર રહીને છોટા રાજનને જોવા નિષ્ફળ પ્રયાસ કરે પણ છે. એ જ રીતે તિહાડ જેલમાં પ્રવેશતી દરક વ્યક્તિની ઝીણવટપૂર્વક તપાસ કરવા મેઈન ગેટ પર આઈટીબીપી સહિત કેટલાયે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમુક અમુક અંતરે સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવે છે. જેલની અંદર મોબાઈલ અને સીમ કાર્ડ ઘણી વખત પ્રવેશી જતાં હોય છે તેથી પોલીસને ડર છે કે કોઈ કેદી આવો મોબાઈલ પ્રાપ્ત કરી જેલની અંદરની છોટા રાજનની ગતિવિધિ મોબાઈલ દ્વારા બહાર પણ મોકલી શકે છે. આ કારણથી કેદીઓનું પણ સરપ્રાઈઝ ચેકિંગ થાય છે. એ જ રીતે જેલમાંથી કોઈ વાત કરે તો ફોન ટ્રેક કરવામાં ઉપકરણો પણ દૂરસ્ત કરી દેવામાં આવ્યાં છે. તેના કંટ્રોલ રૂમમાં ૨૪ કલાક કોઈને કોઈ અધિકારીને હાજર રહેવું પડે છે. આ ઉપરાંત જેલની અંદર લગાડેલા સીસીટીવી કેમેરાના કંટ્રોલરૂમમાં પણ ચોવીસે કલાક ટીવી સ્ક્રીન પર નજર રાખવામાં આવે છે. છોટા રાજનને સુરક્ષીત રાખવો જરૂરી છે કારણકે ડોન દાઉદના માણસો ગમે ત્યારે તેની હત્યા કરી શકે છે. ડોન દાઉદ જીવતો રહે તે પાકિસ્તાન માટે જરૂરી છે તો ડોન છોટા રાજન જીવતો રહે તે હિન્દુસ્તાન માટે જરૂરી છે.

ડોનનો બ્રેકફાસ્ટ

૫૫ વર્ષની ઉંમરનો છોટા રાજન બાલીમાંથી પકડાયો ત્યારે ભારતીય એજન્સીઓ સાથે એવી સમજણ થઈ હોવાનું મનાય છે કે તેને ભારતમાં સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ડોન છોટા રાજને સવારે બ્રેકફાસ્ટમાં વેજીમાઈટ સ્પ્રેડ, બેક્ડ એગ્સ, ચીઝ, બર્ગર અને દૂધ સાથે કોર્નફલેકસ ભાવે છે અને તેને જ બ્રેકફાસ્ટનો આગ્રહ રાખ્યો હતો. વર્ષો સુધી ભારતની બહાર અને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં રહેવાના કારણે તેને પાશ્ચાત ભોજનની આદત પડી ગઈ છે. છોટા રાજન લગભગ બે દાયકા ઓસ્ટ્રેલિયા, બેંગકોક, ઇન્ડોનેશિયા અને કેટલાક પશ્ચિમી દેશોમાં રહ્યો છે પરંતુ જેલના સત્તાવાળાઓએ તેને જણાવ્યું હતું કે, જેલમાં આ પ્રકારનો બ્રેકફાસ્ટ આપવો શક્ય નથી. આમ છતાં તેનો મતલબ એ નથી કે તેને બીજી લકઝરીઝ મળતી નથી. તેને ડાયાબિટીસ છે અને કિડનીની તકલીફ છે તેથી તેને તેની પસંદગીની ઈડલી, ઉત્તપમ, દૂધ અને બ્રેડ આપવામાં આવે છે. બીજા કેદીઓને દાળ, રોટલી અને સબજીથી સંતોષ માણવો પડે છો. છોટા રાજનને જેલમાં નરમ ગાદલાવાળો પલંગ અને તેના સેલમાં એક ટીવી પણ આપવામાં આવ્યું છે. બીજા કેદીઓએ ભોંય પર સૂવું પડે છે અને તેમને એક બ્લંકેટ જ આપવામાં આવે છે.

બોલો, છે ને ડોન બનવામાં મજા!

ફિલ્મ ‘ગુલતાન’ના સેટ પર ભાઈજાનનો ઈન્તજાર

ફિલ્મ ‘ગુલતાન’ ના સેટ પર પ્રોડક્શન યુનિટ કોઈના આવવાનો ઈન્તજાર કરી રહ્યું છે. કેમેરામેન તૈયાર છે. સાઉન્ડ રેર્કોિડસ્ટ તૈયાર છે. મેકઅપમેન તૈયાર છે. સ્પોટ બોયસ તૈયાર છે. દિગ્દર્શક તૈયાર છે. હીરોઈન તૈયાર છે પણ હીરોનો ઈન્તજાર છે.

એવામાં એક સ્પોટ બોય દોડતો દોડતો આવે છે. તે મોટેથી બોલે છેઃ ‘આ ગયે. આ ગયે. ભાઈ આ ગયે.’

દિગ્દર્શક પૂછે છેઃ ‘કૌન દાઉદભાઈ આ ગયે ?’

સહદિગ્દર્શક પૂછે છેઃ ‘દાઉદભાઈ કૌન?’

‘અરે, અપુન કી ફિલ્મ કે ફાઈનાન્સર હૈ.’

સ્પોટ બોય કહે છેઃ નહીં સર, બોલે તો અપુન કે અસલી ભાઈજાન હૈ. ખાન સાહબ હૈ.

”કૌન જમાલખાન ?” ડાયરેક્ટર પૂછે છે.

સહ દિગ્દર્શક પૂછે છેઃ ‘યે જમાલખાન કૌન?’

દિગ્દર્શક કહે છેઃ ‘જમાલખાન કો નહીં પહેચાનતે ? ભાઈ કે દોસ્ત, ફોરીન મેં રહેતે હૈ.એક્સીડન્ટ કે બાદ વાપસ નહીં આયે. ઓવરસીઝ રાઈટ્સ ઉન કો દીયેલે હૈ. ભાઈજાન જબભી ગાડી ચલાતે હૈ તો ઈન્ડિયા મેં વહી તો ઉન કે સાથ હોતે હૈ ફિર ગૂમ હો જાતે હૈઃ .

સ્પોટ બોય કહે છે : ‘અરે, યે તો અપને ખાન સાબ હૈ. મીડિયાવાલોં કો ઈન્ટરવ્યૂ દે રહે હૈ’

‘અચ્છા, અપુન કી ફિલ્મ કા પ્રમોશન કર રહે હૈં?’

સ્પોટ બોય : ‘નહીં સાબ. વહ તો કહ રહે થે કે, મુઝે ગરીબો સે બહોત હમદર્દી હૈં ?’

સહદિગ્દર્શક પૂછે છે : ‘અચ્છા, ભાઈ ફૂટપાથ પર સોને વાલો કી ફિકર કરતે હોંગે.’

સ્પોટ બોયઃ ‘ નહીં, સર, વહ તો હ્યુમન હ્યુમન ઐસા કુછ બોલ કર છોટે છોટે બચ્ચો કો હેલ્પ કરને કી બાત કરતે હૈં’

દિગ્દર્શક પૂછે છેઃ ‘અચ્છા, વહ ફૂટપાથ પર મર જાનેવાલેં નુરુલ્લા કે બચ્ચોં કી બાત કરતે હોંગે?’

સ્પોટ બોયઃ ‘નહીં સા’બ, બોલે તો અબ વહ મહિલાઓ કો ન્યાય દીલાને કી બાત કરતે હૈં?’

સહદિગ્દર્શકઃ ‘અચ્છા, ઐશ્વર્યા કે પિતાને એક કમ્પલેન કી થી કી ઉન કી બેટી કો એક દબંગ પરેશાન કર રહા હૈ ઉસકો મદદ કરને કી બાત કરતે હોંગે?’

દિગ્દર્શક તેમના સહ દિગ્દર્શકને ખખડાવે છેઃ ‘ચૂપ બે. ઐશ્વર્યા હમારે ફિલ્મ કી હીરોઈન નહીં હૈ.’

સહ દિગ્દર્શક પૂછે છેઃ ‘તો ફિર માધુરી કી બાત કરતે હોંગે.’

‘બોલ મત. ભાઈ કો માધુરી સે અનબન હૈંૈ.’

સહ દિગ્દર્શક : ‘તો ફિર કેટરીના કી બાત કરતે હોંગે.’

‘બોલા ની, ભાઈ કેટરિના પર ગુસ્સે મેં હૈં. કેટરિના સે કિસી ઓર સે દોસ્તી સે ભાઈજાન બીગડેલે હૈં. ઉસ કા નામ ભી મત લેના વરના ભાઈ તુમ્હે ભી નિકાલ દેંગે.’

‘લેકિન ડાયરેક્ટર તો આપ હૈ. વહ મુઝે કૈસે નિકાલેંગે ?’

‘બોલાની કિ વહ ભાઈ હૈં. વહ મુઝે ભી નિકાલ સકતે હૈ : કહેતાં દિગ્દર્શક સ્પોટ બોયને પૂછે છે : ‘અરે દેખ તો સહી. ભાઈજાન આ રહે હૈં કિ નહીં ?’

સ્પોટ બોય રનિંગ કોમેન્ટ્રી આપતાં કહે છે : ‘ભાઈ પુલીસવાલોં સે મીઠાઈ લે રહે હૈં.’

‘કયું?’

સ્પોટ બોય કહે છે : ‘બોલે તો પુલીસ વાલે કહેતે હૈં કિ ભાઈ મુંબઈ મેં આપ કી બહોત ચલતી હૈં. પુલીસ આપકે ઈશારોં પે ચલતી હૈં. આપ કિસી કા ભી ટ્રાન્સફર કરવા શક્તે હૈં.

‘ઔર…’

સ્પોટ બોય કહે છે : ‘ભાઈ કો પુલીસ કહ રહી હૈ, કિ ભાઈ હમે સંભાલના. હમારા હાલ પુલીસ કોન્સ્ટેબલ જૈસા મત હોને દેના. વહ તો આપકા બોડીગાર્ડ થા ઔર એક્સિડન્ટ કી કંમ્પલેન કરને કે બાદ વૌ ખુદ મર ગયા. વહ બિચારા કૈસે મર ગયા કિસી કો પત્તા નહીં…’

દિગ્દર્શક પૂછે છેઃ ‘અરે દેખ યાર, અબ કયા હો રહા હૈં?’

સ્પોટ બોય કહે છેઃ ‘કોરટ કે લોગ ભાઈ કે પાસ ખડે હોકર તસવીર નીકલવા રહે હૈં.’

‘વહ ક્યું?’

કોરટ કા કલાર્ક કહ રહેલા હૈં ભાઈ કોઈ બી નકલ ચાહિયે તો મુઝે બોલ દેના. દસ મિનિટ મેં નીકલવા દૂંગા.’

દિગ્દર્શક પૂછે છેઃ ‘અબ તો ભાઈ ફ્રી હો ગયે કિ નહીં ?’

સ્પોટ બોય કહે છેઃ ‘અભી રાજસ્થાનકા કોઈ પત્રકાર ભાઈ સે ઈન્ટરવ્યૂ ચલ રહા હૈ…’

‘રાજસ્થાન કા ક્યું? જયપુર- જોધપુર મેં તો હમારા કોઈ શૂટિંગ હૈં નહીં.’

સ્પોટ બોય કહે છેઃ ‘નહીં નહીં સર, બોલે તો ભાઈજાન બોલ રહે હૈં કિ ઉનકો એનિમલ સે બહોત હમદર્દી હૈં. સર, યે એનિમલ કયા ચીજ હૈ?’

દિગ્દર્શક કહે છે : ‘ભાઈજાન કે લિયે મેં ઔર તું એનિમલ હૈં. બસ, જ્યાદા મત પૂછ. ઈતને મેં સમજ લે. ભાઈ કે સામને કાલા હીરન શબ્દ બોલના ભી મત, વરના તું તો ગયા. ભાઈ કો શિકાર કા બહોત શોંખ હૈં, તું દીખતા ભી હૈં કાલા, હીરન જૈસા?’

‘નહીં બોલુંગા સર, મુઝે મેરી જાન પ્યારી હૈં.’
‘અબ કિતની દૈર હૈં?’

સ્પોટ બોય કહે છેઃ ‘સર, બોલે તો અબ તો ભાઈજાન કા આના મુશ્કીલ લગતા હૈ’.

‘કયું’ બે, કયા હુઆ?’
‘સર, બોલે તો ભાઈજાન કે ફેન્સ આ ગયે. ભાઈજાન કો ઘેર લિયા હૈં. મૈં મદદ કરને જાઉં ? ભાઈ તકલીફ મેં આ જાયેગેં.’

‘બેવકૂફ, ભાઈ કો કિસી સે કભી કોઈ તકલીફ નહીં. તકલીફ તો ભાઈજાન સે દૂસરો કો હોતી હૈં. પૂછ માધુરી કો, પૂછ ઐશ્વર્યા કો, પૂછ નુરુલ્લા ઔર પૂછ કાલે હીરન કો. પૂછ ફૂટપાથ પર સોને વાલે કો. ભાઈ કે પાસ બાઉન્સર હૈં. ભાઈ કે પાસ બોડી હૈ. ભાઈ કે પાસ પૈસા હૈ, ભાઈ કે પાસ જમાલ ખાન હૈં. ભાઈ કે પાસ પુલીસ હૈ. ભાઈ કે પાસ બડે બડે બકીલ હૈ. ભાઈ કે પાસ ગફાર જાફરવાલા હૈં.’

‘સર, આપને નામ કોઈ ઊલટા નામ બોલ દીયા. યે ગફાર જાફરવાલા કૌન હૈં?’

‘બસ, સમજ લે કે અપુન કે ગુલતાન કે તાકાતવર દોસ્ત હૈં?’

સ્પોટ બોય પૂછે છે : કોઈ અંડરવર્લ્ડ આદમી હૈ ? કોઈ બડા આદમી હોગા?’

દિગ્દર્શક કહે છેઃ ‘આજ પૂરે મુંબઈ મેં અપુન કે ભાઈજાન સે બડા કોઈ નહીં. પુલીસ ભી નહીં ઔર કાનૂન ભી નહીં. સમજા ?’

એટલામાં બીજો સ્પોટ બોય દોડતો આવે છે : સર, ગરબડ જાલા’

દિગ્દર્શક પૂછે છે : ‘કાય ગરબડ જાલા ?’

‘સર, કોઈ નઈ લડકી આયી. બડી ખૂબ સૂરત લગતી થી. કહેતે હૈં લુલિયા ઉસ કા નામ હૈં. ભાઈજાન ઉસ કી ગાડી મેં બૈઠ કર ચલે ગયે’ સ્પોટ બોયે કહ્યું.

ચાર કલાકથી મેકઅપ કરીને બેઠેલી હીરોઈને પૂછયું: ‘સર, યે લુલિયા કૌન હૈ?’

‘લુલિયા એક રોમાનિયન હીરોઈન હૈ, સુના હૈં ભાઈજાન કે સાથ આજકલ ઉસ કી અચ્છી દોસ્તી ચલ રહી હૈં.’

‘તો મેરા ક્યા હોગા?: હીરોઈન પૂછે છેઃ
‘તું ભી અબ ગઈ સમજ.’

‘ઓહ માય ગોડ! પ્લીઝ હેલ્પ મી’ હીરોઈન બબડે છે.

સ્ટંટ ડાયરેક્ટર ધીમેથી બોલે છે : ‘તેરા હાલ ફૂટપાથ વાલે સોનેવાલોં જૈસા તો નહીં હુઆ ન. ઘર જાઓ ઔર દુઆ કર.’

દિગ્દર્શક કહે છે : ‘ચલો આજ કા શૂટિંગ બંધ. પેક અપ.’

તેઓ મુસ્લિમ છે, સંસ્કૃત ભણાવે છે અને એપ્સ પણ બનાવે છે !

ઈમરાન, મરિયમ, ડો. એ.પી.જે. કલામ ને હુસેનભાઈ મીરમાં સાચું ભારત વસે છે

વાત ઈમરાનની છે.

ભારતના ઈમરાનની, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને હવે પોલિટિશિયન એવા ઈમરાન ખાનની નહીં. અલવર જિલ્લાના ખારેડા ગામમાં રહેતો ઈમરાન રાતોરાત પૂરા વિશ્વમાં છવાઈ ગયો. બ્રિટનના પ્રવાસ દરમિયાન લંડનના વેબિલી સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૬૦ હજાર લોકોની માનવભીડ વચ્ચે ઈમરાનની તારીફ કરી અને ઈમરાન કોણ છે તે જાણવા આખા દેશમાં ઉત્સુકતા વધી ગઈ.

ઈમરાન કોણ છે ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના વેબિલી સ્ટેડિયમમાં પ્રવચન કરતી વખતે કહ્યું કે, અલવરના ઈમરાનમાં પૂરું હિંદુસ્તાન વસે છે. ઈમરાન ધર્મથી મુસ્લિમ છે, પરંતુ સંસ્કૃતનો શિક્ષક છે. તેની પાસે કોમ્પ્યુટર કે સોફ્ટવેરની કોઈ ડિગ્રી નથી. આ અંગે તેણે કોઈ તાલીમ પણ લીધી નથી. આમ છતાં પુસ્તકો વાંચીને જ્ઞાન પ્રાપ્ત કરનાર ઈમરાન શિક્ષણમાં ઉપયોગ થઈ શકે તેવાં બાવન એપ્સ બનાવી ચૂક્યો છે.

અભિનંદન વર્ષા

લંડનના એ પ્રવચનનું દેશની તમામ ન્યૂઝ ચેનલોએ જીવંત પ્રસારણ કર્યું અને રાતોરાત ઈમરાન જાણીતો બની ગયો. કેન્દ્રિય મંત્રીઓથી માંડીને બીજા અનેક નેતાઓ દ્વારા ઈમરાનને અભિનંદન આપવા લાઈન લાગી ગઈ. ઈમરાન સ્કૂલમાં ભણતો હતો ત્યારે ગણિત અને વિજ્ઞાનમાં ઊલઝેલો રહેતો હતો. ઈમરાન કહે છે કે તે વૈજ્ઞાનિક બનવા માગતો હતો, પરંતુ વિદ્યાર્થી જીવનમાં ઉચિત અવસર ના મળતાં તેની એ મહત્ત્વાકાંક્ષા પૂરી થઈ નહોતી. તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. ગામમાં વીજળી પણ નહોતી. ફાનસના અજવાળે જ ભણીને તેણે શિક્ષણ લીધું. એ પછી સંસ્કૃતનો શિક્ષક બની ગયો. હાલ તે સંસ્કૃત માધ્યમિક વિદ્યાલયમાં સંસ્કૃત ભણાવે છે. વડા પ્રધાન દ્વારા લંડનમાં ઈમરાનના ઉલ્લેખ બાદ અલવર જિલ્લાના કલેક્ટરે પણ ઈમરાનને પોતાના ઘરે સન્માનિત કર્યો.ળ૩૦ લાખ ડાઉનલોડ

ઈમરાને જે બાવન એપ્સ બનાવવામાં આવ્યાં છે તેને દેશના ૩૦ લાખ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, પરંતુ ૩ કરોડથી વધુ લોકો આ એપ્સ વિઝિટ કરે છે. ઈમરાન આ એપ્સ પર ૨૦૧૨થી કામ કરી રહ્યો છે. ઈમરાને દેશ અને સમાજના હિતમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન કરતાં વિજ્ઞાન અને ગણિત જ નહીં, પરંતુ સામાન્ય જ્ઞાન અને હિંદી જેવા વિષયોમાં પણ દેશ અને દુનિયાના લોકો માટે એપ્સ ઉપલબ્ધ કરાવરાવ્યાં છે. ઈમરાન દ્વારા આ એપ્સ પર કામ કરવામાં તેમની પુત્રી સાનિયા પણ ખૂબ જ સહાય કરી રહી છે. શરૂઆમાં સાનિયા તેના પિતાના કામથી પરેશાન થતી હોવાની લાગણી અનુભવતી હતી, પરંતુ હવે તેને મજા પડવા લાગી છે. હવે તે ખુદ એપ્સ ડિઝાઈન કરી રહી છે. ઈમરાનની પુત્રી સાનિયા આજે ૧૦મા ધોરણમાં ભણી રહી છે. ઈમરાનના આ કામથી ખુશ થઈને બીએસએનએલએ ઈમરાનના ઘર સુધી ઓપ્ટિકલ ફાઈબર બિછાવી દઈ ઈમરાનને જિંદગીભર વિનામૂલ્યે ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.

વિજ્ઞાન ભવનમાં પહોંચ્યા

ઈમરાને એપ્સ બનાવતા પહેલાં એક વેબસાઈટ દ્વારા વિદ્યાર્થીઓને મદદ કરવાનું શરૂ કર્યું હતું. વેબસાઈટ જીકે ટોંક પર તેમણે સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોને ઓનલાઈન કર્યા. આ દરમિયાન જિલ્લા કલેક્ટર આશુતોષ પેડણેકરે તેમને પોતાની ઓફિસમાં બોલાવ્યા. ઈમરાન ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે તેમની વેબસાઈટ અંગે કોઈએ ફરિયાદ કરી હશે. ૧૯૯૯માં ઈમરાનની પસંદગી સરકારી સેવામાં થઈ. પહેલી જ વાર તેમણે રાજસ્થાનના કોટામાં સેવા આપવાની શરૂઆત કરી. તે પછી તેમની બદલી અલવર જિલ્લાના ખારેડા ગામની સ્કૂલમાં થઈ. જિલ્લા કલેક્ટરે ઈમરાન ખાનને શિક્ષણમાં સંશોધન માટેના એક પ્રોજેક્ટમાં સામેલ કર્યા. હવે તેઓ સંસ્કૃતના શિક્ષક ઉપરાંત અલવરની પ્રોજેક્ટ એક્તા ટીમના સભ્ય પણ છે. આ ટીમે થોડા વખત પહેલાં જ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત આઈટી સંમેલનમાં હાજર રહેતાં એ ટીમ પ્રકાશમાં આવી. કેન્દ્રિય સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભાખંડમાં ઈમરાનને ઊભા કરીને સૌને તેમનો પરિચય કરાવ્યો હતો અને અભિનંદન આપ્યાં હતાં.

ઈમરાન શું કહે છે ?

ઈમરાન કહે છે : “શિક્ષકની ભૂમિકા જ્ઞાન આપવાની છે. હું એ કામમાં જ જોતરાયેલો છું. વડા પ્રધાને આટલા મોટા મંચ પરથી મારા નામનો ઉલ્લેખ કર્યો તે મારા માટે ઇદથી વધુ મોટી ખુશી છે. હવેનો યુગ એ ટેક્નોલોજીનો યુગ છે અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેળવણીના ક્ષેત્રમાં થવો જોઈએ. ઓછામાં ઓછા ખર્ચે વધુ ને વધુ લાભ પહોંચાડનારું આ માધ્યમ છે.”

ઈમરાન મુસ્લિમ હોવા છતાં સંસ્કૃત ભણાવે છે તે આશ્ચર્ય અને આનંદની વાત છે. મુંબઈની ૧૩ વર્ષની નાનકડી મરિયમ સિદ્દીકી ભગવદ્ ગીતાના જ્ઞાનની સ્પર્ધામાં ચેમ્પિયન બને છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામ કે જેઓ મિસાઈલ મેન તરીકે જાણીતા હતા તેમના ભારત માટેના યોગદાનને રાષ્ટ્ર હંમેશ યાદ રાખશે. બી. આર. ચોપરા દ્વારા બનાવેલ ‘મહાભારત’ ટી.વી. સિરીયલના સંવાદો ડો. રાહી માસૂમ રઝાએ લખ્યા હતા. આકરુંદ જેવા એક નાનકડા ગામમાં ભગવાન શ્રીરામના મંદિરમાં હુસેનભાઈ મીર નામના એક મુસ્લિમ ટપાલ કર્મચારી હાર્મોનિયમની ધૂન સાથે કદી રામનાં ભજનો ગાતા હતા અને તેઓ ભજન મંડળીના અગ્રેસર હતા. સમાજમાં ઘૃણા ફેલાવનારા એ વાત યાદ રાખે કે ભારતમાં શાંતિપ્રિય, તમામ ધર્મો પ્રત્યે આદર રાખનારા સજ્જન મુસ્લિમ નાગરિકો પણ વસે છે. આ જ છે સાચું ભારત.

ઈમરાન, મરિયમ ડો. એપીજે કલામ અને એક નાનકડા ટપાલ કર્મચારી હુસેનભાઈ મીરમાં જ સાચું ભારત વસે છે.

દેશમાં અબજો કમાયા પછી દેશ છોડવાનું કેમ સૂઝયું ?

દેશમાં અબજો કમાયા પછી દેશ છોડવાનું કેમ સૂઝયું ?આમિર ખાન સ્ક્રીન પર બોલે છે તે એક્ટિંગ છે પણ એવોર્ડ ફંક્શનમાં બોલ્યા તે અસલિયત છે

જેએક્ટરને આ દેશે સુપરસ્ટાર બનાવ્યો તે તેની પત્નીનો હવાલો આપીને કહે છે કે, આ દેશ રહેવાને લાયક નથી.

નોનસેન્સ.

આમિર ખાનની આ વાત માત્ર બેબુનિયાદ જ નહીં, પરંતુ નોનસેન્સ છે. તેમાં કોઈ જ સેન્સ સમાયેલી નથી. તાજેતરમાં બોલિવૂડ એક્ટર આમિર ખાને ‘એવોર્ડ વાપસી’ને આડકતરી રીતે અનુમોદન આપતાં કહ્યું કે, “એક દિવસ મારી પત્ની કિરણે એક જબરદસ્ત સ્ટેટમેન્ટ કર્યું કે, આ દેશમાં મને હવે ડર લાગે છે. આ દેશમાં મને આપણાં બાળકોની સલામતીની ચિંતા થાય છે.”

બોમ્બ ધડાકા વખતે ?

બહેન કિરણ, તમને પૂછવાનું મન થાય છે કે, પાકિસ્તાનમાં વસતા ડોન દાઉદ ઇબ્રાહિમના ઇશારે મુંબઈમાં બોમ્બ ધડાકા થયા ત્યારે તમને અસલામતી લાગી નહોતી ? કરાંચી બંદરથી બોટમાં આવેલા કસાબે મુંબઈમાં અનેક લોકોની હત્યા કરી નાખી ત્યારે તમને અસલામતી લાગી નહોતી ? અમદાવાદમાં બોમ્બ ધડાકા થયા ત્યારે તમને અસલામતી લાગી નહોતી ? ગાંધીનગરના અક્ષરધામમાં આતંકવાદીઓએ લોહીના ફુવારા ઉડાડયા ત્યારે તમને અસલામતી લાગી નહોતી ? કાશ્મીરમાં રહેતા ૨૦,૦૦૦ કાશ્મીરી પંડિતોના ઘર સળગાવી દેવામાં આવ્યા ત્યારે તમને આ દેશથી કોઈ ડર લાગ્યો ન હતો ? તમે હિંદુ હોવા છતાં એક મુસલમાનને પરણ્યાં છો અને આખો દેશ તમને સન્માન આપે છે તે શું સહિષ્ણુતા નથી ? શાહરુખ પણ એક હિંદુ યુવતી-ગૌરીને પરણ્યા છે અને છતાં મુંબઈના લેન્ડ એન્ડસ ખાતે આવેલા શાહરુખ ખાનના’મન્નત’ બંગલોની બહાર તમામ ધર્મનાં યુવક-યુવતીઓ બંગલા પાસે ઊભા રહી તસવીરો પડાવે છે તે શું અસહિષ્ણુતા છે ? એક્ટર સલમાન ખાના પિતા સલિમ ખાન એક હિંદુ સ્ત્રીને પરણ્યા છે છતાં આખો દેશ એક હિંદુ સ્ત્રી અને મુસલમાન પિતાથી પેશ થયેલા સલમાન ખાનનો ફેન છે તે શું અસહિષ્ણુતા છે ? હિંદુ બહુમતીવાળા દેશમાં ત્રણ ખાન આજે સુપરસ્ટાર છે તે શું અસહિષ્ણુતા છે ?

અબજો ક્યાંથી કમાયા ?

કિરણ અને તેમના પત્ની આમિર ખાન એ વાત ભૂલી જાય છે કે, શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન આજે અબજોની સંપત્તિમાં આળોટે છે તો તે સંપત્તિ તમે ભારતમાં જ કમાયા છો. આમિર ખાન એ વાત ભૂલી જાય છે કે, તેમની પાસે જે કિંમતની મોટરકારો છે અને જેટલા સુરક્ષા કમાન્ડો છે એટલી સુખ-સુવિધા અને સુરક્ષા આ દેશના એક ટકા લોકો પાસે પણ નથી. મુંબઈના ડોંગરી કે ધારાવીમાં જઈ જોઈ આવો કે એક ગરીબ હિંદુ અને એક ગરીબ મુસલમાન કેવા ભાઈચારાથી જીવે છે. આમિર ખાન એક ઉત્કૃષ્ટ એક્ટર છે. તેમની કેટલીક ફિલ્મો સુંદર સંદેશો લઈને આવે છે. ‘તારે જમીન પર’ કે ‘લગાન’થી તેઓ નામ કમાયા છે, પરંતુ એક એવોર્ડ ફંક્શનમાં તેઓ જે બોલ્યા તે પરથી તો એમ જ લાગે છે તેઓ એક સ્ક્રીન પર જ એક સારા એક્ટર છે, અંદરના વ્યક્તિત્વનું પોત તેમણે અનાયાસે જ પ્રગટ કરી દીધું. ‘રાજા હિંદુસ્તાની’ માત્ર સ્ક્રીન પર જ છે. ભીતરથી તેઓ ભારતને રહેવા લાયક દેશ નથી એમ કહીને તેઓ બીજાઓને ડરાવે પણ છે. તેમનું’સત્યમેવ જયતે’ માત્ર સ્ક્રીન પર સમાજસેવક તરીકે પોતાનું માર્કેટિંગ કરવા માટે જ છે. ભીતરનું સત્ય કાંઈક બીજું જ છે. અમેરિકાના રાજદૂતે જે દિવસે એમ કહ્યું કે, ભારત સૌને સમાવિષ્ટ કરનારો દેશ છે તે જ દિવસે આમિર ખાન બોલ્યા કે ભારત રહેવા લાયક દેશ નથી. આમ કહીને તેમણે દેશની સેવા કરી કે દેશની કુસેવા કરી? આમિર ખાનનો આ સંદેશ પછી ભારતને બહારના પ્રવાસીઓ મળશે કે ભારત પ્રવાસીઓ ગુમાવશે ? આમિર ખાનના આ વિધાનથી ભારતમાં બહારનું મૂડીરોકાણ વધશે કે ભારત એ તક ગુમાવશે ?

તમે ક્યાં જશો ?

આમિર ખાન કહે છે કે, મારી પત્ની કિરણ કહે છે કે, આપણાં બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે આપણે બીજા કોઈ દેશમાં ચાલ્યા જઈએ.

બહેન કિરણ, જઈ જઈને ક્યાં જશો ? પાકિસ્તાન જશો કે જ્યાં બાળકીઓને ભણાવવાની તરફેણ કરતી મલાલા નામની મુસ્લિમ બાળાના ચહેરા પર ગોળી મારી દેવામાં આવે છે ? પાકિસ્તાનની જ એક મિશનરી સ્કૂલમાં બાળકો પર ગોળીબાર કરી દેવામાં આવે છે. લોકોના મતથી ચૂંટાયેલા જે દેશમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને એક સરમુખત્યાર ફાંસીએ ચડાવી દે છે તે પાકિસ્તાનમાં એક વાર પનાહ લો તો તમને ખબર પડે કે, સલામતી ક્યાં છે ? તમારા માટે બીજો દેશ છે અફઘાનિસ્તાન, જ્યાં તાલિબાનોએ ગીત-સંગીત રેડિયો અને ટેલિવિઝન પર પ્રતિબંધ મૂક્યો છે. એ દેશમાં જઈ આમિર ખાન તેમની એક્ટિંગ અને નાચગાનના કરતબ બતાવે તો ખરા ? હિંદુસ્તાન તમને ભયજનક લાગતું હોય તો તમે સિરિયા અને ઇરાક જાવ, જ્યાં બુરખો ના પહેરનારની કતલ કરી દેવાય છે. એટલું જ નહીં, પરંતુ ત્યાં એક જ ધર્મના લોકો પોતાના જ ધર્મની અન્ય સ્ત્રીઓ પરના બળાત્કારને અધિકાર સમજે છે. ત્યાં ના જવું હોય તો ચીન, રશિયા, જાપાન, યુરોપ કે અમેરિકા જાવ એટલે તમેન ખબર પડે કે, ત્યાં તમારી કેટલી કદર થાય છે !

નીંદનીય ઘટનાઓ

અલબત્ત, અત્રે એક વાત નોંધવી જોઈએ કે છેલ્લા કેટલાક સમય દરમિયાન દેશમાં જે ઘટનાઓ ઘટી છે તે નીંદનીય છે. દાદરીમાં એક ગરીબ મુસલમાને બીફ ખાધું છે તેવી અફવાના કારણે એ મુસલમાનને મારી નાખવામાં આવ્યો તે ઘટના અત્યંત ઘૃણાસ્પદ હતી. એક કન્નડ લેખકની અને મંત્રતંત્રનો વિરોધ કરનાર એક રેશનાલિસ્ટની પૂનામાં હત્યા કરી દેવામાં આવી તે ઘટના તિરસ્કારને પાત્ર હતી. પાકિસ્તાનના ગઝલ ગાયક ગુલામ અલીને મુંબઈમાં કાર્યક્રમ યોજવા દેવામાં ના આવ્યા તે ઘટના અયોગ્ય હતી. પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રીના પુસ્તકના લોકાર્પણનો કાર્યક્રમ યોજનાર સુધીન્દ્ર કુલકર્ણીના ચહેરા પર કાળી શાહી લગાડવામાં આવી તે ઘટના પણ નીંદનીય હતી. આ ઘટનાઓ અંગે બેજવાબદારીપૂર્વક નિવેદનો કરનાર સાધ્વી પ્રાચી, યોગી આદિત્યનાથ કે શિવસેનાના પ્રવક્તા એ આ દેશની આમ પ્રજાના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતાં નથી. એવી જ રીતે સમય આવે એવોર્ડ પાછો આપી દઈશ એવું કહેનાર શાહરુખ ખાન અને મારાં બાળકો સલામત નથી એવું કહેનાર કિરણ આમિર ખાન પણ આ દેશની ૧૨૫ કરોડની જનતાનું પ્રતિનિધિત્વ કરતાં નથી. જેવી રીતે આમિર ખાને કે શાહરુખ ખાને પોતાની જીભ પર કાબૂ રાખવાની જરૂર છે તે રીતે ભાજપના કટ્ટરવાદી નેતાઓએ પણ પોતાની જીભ પર લગામ રાખવાની જરૂર છે. કેટલાક નેતાઓ અને કેટલાક એક્ટર્સ આ દેશની છબીને ખરાબ કરી રહ્યા છે.

ભારત સહિષ્ણુ છે

યાદ રહે કે ભારત એક ભૂમિ છે કે જેણે પહેલાં આર્યોને સ્વીકાર્યા, ત્યાર પછી હૂણ, તાતાર અને મોગલોને પણ સ્વીકાર્યા. એ પછી ખ્રિસ્તીઓ,પારસીઓ અને ફિરંગીઓને પણ સ્વીકાર્યા. મોહંમદ ગઝનીએ તો અનેકવાર હિંદુ મંદિરો લૂંટયા છતાં આ દેશની ધરતી મુસલમાનોની પણ માતૃભૂમિ બની રહી છે. એ વાત યાદ રહે કે, આ દેશના લોકો શહેનશાહ અકબરના શાસનને યાદ કરે છે. શાહજહાંએ બનાવેલા તાજમહાલને જોતી વખતે એક હિંદુ એમ નથી વિચારતો કે આ કોઈ મુસલમાન બેગમની કબર છે. અજમેરની દરગાહ પર હિંદુઓ પણ મસ્તક ઝૂકાવે છે. મોહંમદ રફી, દિલીપ કુમાર, નરગીસ, મુબારક બેગમ, તલત મહેમૂદ,શમશાદ બેગમ અને એ.આર. રહેમાન આજે પણ કરોડો હિંદુઓના હૃદયમાં આદરપૂર્વકનું સ્થાન ધરાવે છે. ડો. એ.પી.જે. કલામ અને મૌલાના અબ્બુલ કલામ આઝાદ આજે પણ દેશના કરોડો લોકોના સન્માનનાં પ્રતીક છે ત્યારે મિ. આમિર ખાન તમે ‘ગજની’ બનવાનો પ્રયાસ ના કરો.

અમે તમારું એક સારા એક્ટર તરીકે સન્માન કરીએ છીએ પણ હવે એક સારા ભારતીય તરીકે પણ તમારું સન્માન કરીએ તેવું બોલો અને કરો.

ભાજપ માટે શિવસેના સાથી કે પછી ‘એનિમી વિધીન’ !

ચીનીકમ

‘રાજનીતિમાં કોઈ કોઈનું કાયમી મિત્ર નથી અને કોઈ કોઈનું કાયમી દુશ્મન હોતું નથી. એક જમાનામાં લાલુ પ્રસાદ યાદવ અને નીતીશકુમાર એકબીજાના શત્રુ હતા,પણ બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે એક થઈ ગયા. એક જમાનામાં ભાજપ અને શિવસેના એકબીજાનાં સહોદર હતા આજે તેમનો સંબંધ બહારથી સાથી જેવો પણ ભીતરથી શત્રુ જેવો છે. અંગ્રેજીમાં તેને ‘એનિમી વિધીન’ કહે છે. દરેક પોલિટિકલ પાર્ટીમાં આવું હોય છે જ. કોંગ્રેસની ભીતર પણ આવું છે અને ભાજપની ભીતર પણ આવું જ છે.

શીતયુદ્ધ !

એક જમાનાના કાર્ટૂનિસ્ટ બાળાસાહેબ ઠાકરે શિવસેનાના સ્થાપક અને સુપ્રીમો હતા. તેમના અવસાન પછી તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે શિવસેનાના આજે સર્વેસર્વા છે. શિવસેના આજે એનડીએનો એક હિસ્સો છે. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં તે ભાજપના સહયોગી પક્ષ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શિવસેના અને ભાજપ વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. શિવસેનાએ તાજેતરમાં પાકિસ્તાની ગાયક ગુલામ અલીનો કાર્યક્રમ થવા ના દીધો. તે પછી પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી કસૂરીના પુસ્તક વિમોચનના કાર્યક્રમના આયોજક સુધીન્દ્ર કુલકર્ણીના મોં પર કાળો રંગ લગાવી જે તાયફો કર્યો તેથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. દેખીતી રીતે જ આવી ઘટનાઓથી ભારતીય સમાજની અસહિષ્ણુતાનો ખરાબ સંદેશ દુનિયાભરમાં જાય તો તેથી ભારતની છબી બગડે તે સ્વાભાવિક છે. શિવસેનાનાં આ કૃત્યોથી મહારાષ્ટ્રની ભાજપ સરકારે અને કેન્દ્ર સરકારે અંતર જાહેર કર્યું.

તણખા !

એ પછી એમ લાગતું હતું કે, શિવસેના હવે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર સાથે અને કેન્દ્રની એનડીએ સરકાર સાથેનો છેડો ફાડી નાખશે, પણ તેમ ના થયું. તાજેતરમાં જ દશેરાના દિવસે મુંબઈમાં યોજાયેલી એક વિશાળ રેલીને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું : “અમે મહારાષ્ટ્રની સરકાર કે કેન્દ્રની સરકારથી અલગ થવાના નથી, પરંતુ એમની સાથે ક્યાં સુધી રહેવું તે ભવિષ્યમાં નક્કી કરીશું”, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ જે ભાષણ આપ્યું તેથી ભારતીય જનતા પાર્ટીને અંદરથી રાહત થાય એમ લાગતું નથી. ઉદ્ધવ ઠાકરે ૪૫ મિનિટના પ્રવચનમાં તેમણે તે તણખા વેર્યા તે જોતાં લાગે છે કે, તેઓ અંદર ભાજપ માટે કાંટો બનીને રહેશે. ઉદ્ધવ ઠાકરેનું પ્રવચન સહયોગી સાથી તરીકે ઓછું અને અંદર જ બેઠેલા વિરોધ પક્ષ તરીકે વધુ હતું.

દાળને સલામતી આપે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું : “આ બધા ગાય જેવા વિષય પર શું બોલ્યા કરે છે ? દેશમાં વધી રહેલી મોંઘવારી પર કેમ બોલતા નથી ? મહારાષ્ટ્રના ભાજપના વડા રાવસાહેબે કહે છે કે, અમે પાકિસ્તાની ક્રિકેટર્સ અને એક્ટર્સને સલામતી પૂરી પાડીશું. બીજા દિવસે મેં અખબારોમાં વાંચ્યું કે, નાગપુરમાં તુવેરની દાળની ચોરી થઈ. મહારાષ્ટ્ર સરકાર તુવેરની દાળને સલામતી કેમ પૂરી પાડતી નથી ?”

ઉદ્ધવ ઠાકરેના આ ચાબખા સાંભળી શ્રોતાઓ જબરદસ્ત પ્રતિભાવ આપતા હતા. એ જ રીતે ઉદ્ધવ ઠાકરેએ દેશમાં વધી રહેલી મુસ્લિમોની સંખ્યા અંગે પણ કહ્યું : “આ લોકોની વસતી આમ જ વધતી રહેશે તો હિંદુસ્તાન અને હિંદુઓનું શું રહેશે ?”

દેખીતી રીતે જ આ ઉશ્કેરણીજનક પ્રવચન હતું.

ઉદ્ધવ ઠાકરે બોલ્યા : “પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રીને ભારત બોલાવનાર સુધીન્દ્ર કુલકર્ણી રેડ મંકી જેવા છે. સુધીન્દ્ર કુલકર્ણીનું મોં કાળું કરવા બદલ અમને કોઈ ક્ષોભ નથી.” આ વિધાનમાં બીજું વિધાન ઉમેરતાં તેઓ રાજ ઠાકરે પર આડકતરો પ્રહાર કરતા બોલ્યા કે, “આ સિવાય બીજા ઘણા લાલ વાનરો અહીંતહીં ફરતા હશે. આ રેલી થાય જ નહીં તે માટે આટલામાં જ આંટા મારતા હશે.”

વાત એમ હતી કે ઉદ્ધવ ઠાકરેની રેલી શિવાજી પાર્કમાં હતી અને શિવસેનાથી છૂટા પડેલા રાજ ઠાકરે શિવાજી પાર્ક વિસ્તારમાં જ રહે છે.

મંદિર ક્યારે ?

એથી આગળ વધીને ઉદ્ધવ ઠાકરેએ વધુ સ્પષ્ટ થઈ કહ્યું : “લોકોના ઘરમાં ગાયનું માંસ શોધવાના બદલે ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરો. એ લોકો (ભાજપ) કહે છે કે મંદિર (રામમંદિર) વહીં બનાયેંગે લેકિન કબ વહ બતાતે નહીં હૈં. ગાય પર જ બહસ શા માટે ? દેશમાં વધતી મોંઘવારી, ભાવવધારો અને ફુગાવા વિશે બોલે ને !”

શિવાજી પાર્કની એ સભામાં ઉદ્ધવ ઠાકરે માટે એક અલગ માઈક્રોફોનની સુવિધા રાખવામાં આવી હતી. છેલ્લી ઘડીએ તે કાર્યક્રમ ના થતાં બીજું માઈક્રોફોન લાવવું પડયું. આ ઘટના પર પણ વાર કરતાં શિવસેનાના સુપ્રીમોએ કહ્યું : “બે માઈક્રોફોન એકસાથે કામ કરતાં નથી. સ્પષ્ટ છે કે, અમે શિવસેનામાં ‘ડબલ સ્પીક’માં માનતા નથી.

લવ એન્ડ હેટ

ઉદ્ધવ ઠાકરેના આ બધા જ પ્રહાર ભાજપ અને શિવસેના વચ્ચેના ભીતરી અજંપાના દ્યોતક છે. ઉદ્ધવ ઠાકરેએ દાદરીની ઘટનાથી માંડીને દલિતોની હત્યા અંગે પણ સરકાર પર પ્રહારો કર્યા જેમાં સરકારમાં તે ખુદ ભાગીદાર છે. તેમણે દેશમાં એક સમાન નાગરિક ધારો લાવવાનો વાયદો પણ યાદ અપાવ્યો. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે શિવસેનાએ તેના મોટા ભાઈ જેવા ભાજપને ઘણું નુકસાન કરવા પ્રયાસ કર્યો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વર્ષો પહેલાંની એક તસવીરવાળું હોર્ડીગ રસ્તા પર મૂક્યું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બાળાસાહેબ ઠાકરે આગળ નમીને પ્રણામ કરતાં દેખાડવામાં આવ્યા. દેખીતી રીતે જ શિવસેનાની આ અયોગ્ય પ્રયુક્તિ વડા પ્રધાનને નીચા દેખાડવાની હતી. બગડેલા સબંધોની આ પરાકાષ્ઠા છે. ભૂતકાળમાં પણ ભાજપ અને શિવસેના વચ્ચે આવા લવ એન્ડ હેટના પ્રસંગો ઊભા થયા હતા, પરંતુ ગોપીનાથ મુંડે જેવા નેતાઓ બાળાસાહેબ ઠાકરે અને ભાજપ વચ્ચે સેતુ બનવાની ક્ષમતા ધરાવતા હતા. આજે એમની ખોટ વર્તાય છે.

શિવસેના અને ભાજપ વચ્ચેની આ રસ્સીખેંચની લડાઈ ૨૦૧૭ સુધી ચાલુ રહી શકે છે.

આને કહે છે ‘એનિમી વિધીન.’

Page 1 of 12

Powered by WordPress & Theme by Anders Norén