Devendra Patel

Journalist and Author

Month: December 2013

તમે અમને ગાંધી આપ્યા હતા અમે તમને ‘મહાત્મા’ આપ્યા

કભી કભી – દેવેન્દ્ર પટેલ

‘તમે અમને ગાંધી આપ્યા, અમે તમને મહાત્મા આપ્યા” નેલ્સન મંડેલાએ આ એક જ વાતમાં મહાત્મા ગાંધી માટે ઘણું બધું કહી દીધું હતું. મોહનદાસ કરમચંદ ગાંધી વિલાયતમાં બેરિસ્ટર થઈને દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવા ગયા હતા. ટ્રેનમાં તેમની પાસે ફર્સ્ટ કલાસની ટિકિટ હતી છતાં તેમને રંગભેદની નીતિમાં માનતા ગોરાઓએ ટ્રેનના ડબામાંથી બહાર ફેંકી દીધા. એ ઘટના બાદ મોહનદાસ કરમચંદ ગાંધીએ ગોરાઓની ભેદભાવભરી નીતિ સામે લડવા નિર્ણય કર્યો અને એક દિવસ ‘મહાત્મા’ બનીને ગાંધીજી ભારત આવ્યા. એમાંથી જ ”સત્યાગ્રહ” અને ”અહિંસા”ના અમોઘ શસ્ત્રનો જન્મ થયો. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ના હોત તો ભારતને શાયદ જ ‘મહાત્મા’ મળત.

તમે અમને ગાંધી આપ્યા હતા અમે તમને 'મહાત્મા' આપ્યા

જવાહરલાલ નહેરુની રાજકીય કારકિર્દીને પણ દક્ષિણ આફ્રિકા સાથે સંબંધ છે. ઈંગ્લેન્ડમાં વકીલાતની ડિગ્રી હાંસલ કર્યા બાદ જવાહરલાલ નહેરુ ૧૯૧૨માં અલ્હાબાદ આવ્યા હતા અને અલ્હાબાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસની શરૃઆત કરી હતી. તેમને વકીલાતના વ્યવસાયમાં મજા ના આવી અને તેમણે કોંગ્રેસ માટે કામ કરવાનો નિર્ણય કર્યો હતો. એ વખતે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં જે ચળવળ ચલાવતા હતા તે ચળવળ માટે ફંડ એકત્ર કરવાનું કામ જવાહરલાલ નહેરુને સોંપવામાં આવ્યું હતું.

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા છોડયું તેના ચાર વર્ષ પછી એટલે કે ૧૯૧૮માં નેલ્સન મંડેલાનો જન્મ થયો હતો. મંડેલા કદી ગાંધીજીને મળી શક્યા નહીં. પરંતુ યુવાનીમાં તેમણે ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં કરેલી કામગીરી વિશે ઘણું બધું સાંભળ્યું હતું. એ વખતે દક્ષિણ આફ્રિકામાં ગોરાઓની રંગભેદી સરકાર હતી. નેલ્સન મંડેલાનો જન્મ તા. ૧૮ જુલાઈ, ૧૯૧૮ના રોજ દક્ષિણ આફ્રિકામાં બાસા નદીના કિનારે ટ્રાંસ્કીના મવેજો ગામમાં થયો હતો. તેમના પિતાએ તેમને ”રોહિલ્હાલા” એવું નામ આપ્યું હતું. પરંતુ તેમની પ્રાથમિક શાળાના શિક્ષિકા મીસ મીડીગ્નેને તેમને ”નેલ્સન” એવું ઈંગ્લિશ નામ આપ્યું હતું. તેઓ ૧૨ વર્ષની વયના હતા ત્યારે જ તેમના પિતા ગુજરી ગયા. તેમણે કલાર્ક બેરી મિશનરી સ્કૂલ દ્વારા પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. પરંતુ બીજા ગોરા વિદ્યાર્થીઓ દ્વારા તેમને રોજ યાદ કરાવવામાં આવતું હતું કે તેઓ અશ્વેત છે. એ વખતે અશ્વેત હોવું તે અપરાધ ગણાતો. આ અન્યાયે તેમનામાં અસંતોષ પેદા કર્યો. તેમણે હેલ્ડટાઉન સ્કૂલ દ્વારા હાઈસ્કૂલ પાસ કરી લીધી અને એ દરમિયાન તેમની મુલાકાત ઓલિવર ટોમ્બો સાથે થઈ, જે જીવનભર તેમના સાથી બની ગયા. ૧૯૪૦ સુધી મંડેલા અને ટોમ્બોએ પોતાના રાજકીય વિચારો અને કામોથી લોકપ્રિયતા હાંસલ કરી પરંતુ એ જ કારણોસર તેમને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા.

એ પછી નેલ્સન મંડેલા પાછા ટ્રાંસ્કી આવ્યા. મંડેલાના ક્રાંતિકારી વિચારો જોઈ તેમનો પરિવાર પરેશાન હતો. એમાંથી બહાર લાવવા તેમના પરિવારે મંડેલાને પરણાવી દેવા નિર્ણય કર્યો. આ વાત જાણ્યા બાદ મંડેલા ઘેરથી ભાગીને જોહાનિસબર્ગ ચાલ્યા ગયા. અહીં તેમની મુલાકાત વોલ્ટર સિસુલુ અને વોલ્ટર એલ્બર્ટાઈન સાથે થઈ. આ બંનેએ મંડેલાના રાજકીય જીવનને બહુ જ પ્રભાવિત કર્યું.

૧૯૪૪માં નેલ્સન મંડેલાની જિંદગીમાં એલ્વિન મેસ નામની સ્ત્રીનો પ્રવેશ થયો. એ બંને પરણી ગયાં. એ જ વર્ષે તેઓ આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં પ્રવેશી ગયા. કેટલાક સાથીઓના સહયોગથી તેમણે આફ્રિકન નેશનલ કોંગ્રેસની યુથ વિંગ બનાવી. ૧૯૫૧માં તેઓ યુથવિંગના પ્રમુખ બની ગયાં. પરંતુ ગોરાઓની સરકારને તેમની લોકપ્રિયતા ના ગમી. તેમની પર પ્રતિબંધ લગાવીને વર્ગભેદના આરોપો સર જોહાનિસબર્ગની બહાર ધકેલી દીધા.

બીજી તરફ તેમણે આંદોલનની સક્રિયતામાં વધારો કર્યો. એ કારણસર તેમની પત્ની એલ્વિન સાથે સંબંધો બગડયા. છેવટે એલ્વિને તેમનો સાથ છોડી દીધો. નેલ્સન મંડેલાનો એક જ નારો હતો ”પોતાના લોકોને થતો અન્યાય તથા રંગભેદની નીતિ દૂર કરો અને દક્ષિણ આફ્રિકાને આઝાદ કરો.” મંડેલા અને તેમના સાથીઓ સામે દેશદ્રોહનો અને દેશ સામે ગૃહયુદ્ધ છેડવાનો આક્ષેપ મૂકી મુકદૃમો ચલાવવામાં આવ્યો. ૧૯૬૧માં મંડેલા અને એમના ૨૯ સાથીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. તે પછી તેમની મુલાકાત વિની મેડીકિલાન નામની સ્ત્રી સાથે થઈ. જે ટૂંક સમયમાં તેમના બીજી જીવનસંગિની બની ગઈ.

એ પછી ગોરાઓ સામે લડવા રચાયેલાં આફ્રિકન નેશનલ કોંગ્રેસના જૂથનું નામ ”સ્પિયર ઓફ નેશન” રાખવામાં આવ્યું. મંડેલા તેના અધ્યક્ષ બન્યા. સરકારે તેની પર પ્રતિબંધ લગાવી દીધો. પૂરી દુનિયામાં દક્ષિણ આફ્રિકાની સરકારની આલોચના થઈ રહી હતી પરંતુ સરકાર મંડેલાને ગિરફતાર કરી તેમનું સંગઠન ખત્મ કરી દેવા માંગતી હતી અને ગિરફતારીથી બચવા તેઓ દેશ છોડી ગયા. લંડનમાં વિપક્ષી દળો સાથે તેમણે મુલાકાત કરી અને પોતાનો પક્ષ આખી દુનિયા સમક્ષ મૂક્યો. એ પછી તેઓ ફરી એકવાર દક્ષિણ આફ્રિકા ગયા અને ત્યાં તેમની ધરપકડ કરી લેવામાં આવી.

નેલ્સન મંડેલાને સજા સંભળાવી રોબેન દ્વીપ પર મોકલી દેવામાં આવ્યા એને દક્ષિણ આફ્રિકાની જન્મટીપ અથવા તો કાલાપાનીની સજા માનવામાં આવે છે. ભારતમાં અંગ્રેજો દેશની આઝાદીની લડત ચલાવનાર કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓને આંદામાન-નીકોબાર મોકલી દેતી હતી. ”કન્વર્સેશન ઓફ માયસેલ્ફ” નામના પુસ્તકમાં નેલ્સન મંડેલાએ તેમની બે દીકરીઓને લખેલા પત્ર સામેલ છે. મંડેલાએ તેમની ૨૭ વર્ષની કાલાપાનીની કેદ દરમિયાન આ પત્ર લખ્યા હતા. એ પત્રમાં તેમની વેદનાનું વર્ણન કરતા લખ્યું હતું કે,” તમારા માને ફરી એક વાર ગિરફતાર કરી લેવામાં આવી છે, અને તમારા માતા-પિતા બંને જેલમાં છે. લાંબો સમય સુધી તમારે અનાથની જેમ પોતાના ઘર- પરિવારથી દૂર રહેવું પડશે, તમને માતા-પિતાનો પ્રેમ મળી શકશે નહીં. હવે ક્રિસમસના સમયે તમારા ઘેર કોઈ પાર્ટી થઈ શકશે નહીં. તમારા જન્મ દિવસે કોઈ પાર્ટી થઈ શકશે નહીં, નહીં તો તમને કોઈ ઉપહાર મળશે, ના કપડાં, ના જૂતાં કે ના રમકડાં. અમને બેહદ ક્ષોભ છે કે અમે તમારી કોઈ મદદ કરી શક્તા નથી.”

છેવટે ઈ.સ. ૧૯૮૯માં દક્ષિણ આફ્રિકામાં સત્તાપરિવર્તન થયું, અને ઉદાર અંગ્રેજ એફ.ડબલ્યુ.કલાર્ક દેશના વડા બન્યા. તેઓ ગોરા હતા છતાં બધા જ રાજદ્વારી કેદીઓને મુક્ત કર્યા. તેમાં નેલ્સન મંડેલા પણ એક હતા. તા. ૧૧ ફેબ્રુઆરી, ૧૯૯૦ના રોજ તેઓ જેલની બહાર આવ્યા. એ પછી તે એક દિવસ તો ખુદ દક્ષિણ આફ્રિકાના પ્રમુખ બની ગયા. નેલ્સન મંડેલા અને તેમને મુક્ત કરનાર પ્રેસિડેન્ટ એફ.ડબલ્યુ. કલાર્ક એ બેઉને નોબેલ પ્રાઈઝ મળ્યું.

તા.૬ જૂન, ૧૯૯૩ના રોજ દક્ષિણ આફ્રિકામાં ગાંધી સ્મારકનું અનાવરણ કરતાં નેલ્સન મંડેલાએ કહ્યું હતું: ”આજે આપણે આ દેશના લોકતાંત્રિક ચૂંટણી માટે સંઘર્ષ કરી રહ્યા છીએ ત્યારે ગાંધીજીની વિરાસત અધિક પ્રાસાંગિક થઈ જાય છે. ગાંધીજી હંમેશાં અહિંસા પ્રતિ સર્મિપત હતા. તેમનો એ જ સિદ્ધાંત ૧૯૫૨ના અસહકારના આંદોલનમાં લાખો આફ્રિકન લોકોને એક સાથે લાવવામાં સફળ રહ્યો.”

દક્ષિણ આફ્રિકાને રંગભેદની કાળી છાયામાંથી બહાર કાઢી લોકતંત્રની રાહ પર લાવવાવાળા નેલ્સન મંડેલાનું માનવું હતું કે, ”દરેક માનવીએ હક માટે લડવું જોઈએ પરંતુ બીજાના અધિકારનું ઉલ્લંઘન કરવું ના જોઈએ.” વૈચારિક રૃપથી તેઓ ગાંધીજીની વધુ નજીક હતા. એ પ્રભાવ તેમના આંદોલનમાં પણ જોવા મળ્યો. આવા મંડેલાને જનતાએ ‘મદીબા’ એટલે કે પિતાનો દરજ્જો આપ્યો હતો. જે રીતે ભારતની પ્રજાએ ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’નો દરજ્જો આપ્યો હતો.

૨૦૦૨માં બીબીસીને આપેલી મુલાકાત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે, ”રોબેન દ્વીપના જેલવાસ દરમિયાન તમારામાં શું બદલાવ આવ્યો ?” એ પ્રશ્નના જવાબમાં તેઓ બોલ્યા હતા : ”અહીં એકલા રહેતાં રહેતાં અને એકલા જ વિચારતાં વિચારતાં મેં મારી જાતને કહ્યું કે, હું જો જેલની બહાર જઈશ તો મને આશા છે કે હું બધાને માફ કરી દઈશ.”

કેવી ઊંચી સોચ ?

કિન્નાખોરી અને બદલો લેવા માટે સતત તરસ્યા દેશ અને દુનિયાના રાજકારણીઓ નેલ્સન મંડેલા પાસેથી શીખે, જેઓ ખુદ ગાંધીજી પાસેથી શીખ્યા હતા. પાછલા વર્ષોમાં મંડેલા જ એક એવા નેતા હતા જેમણે એ સાબિત કરી દીધું કે, રાજનીતિ માત્ર વ્યાવહારિક જ નહીં, નૈતિક કર્મ પણ છે અને સત્ય, ઉદારતા, સહિષ્ણુતા માત્ર પુસ્તકમાં રહેલાં મૂલ્યો નથી, બલ્કે વાસ્તવમાં તેનો ઉપયોગ સમાજ માટે ફાયદાકારક પણ છે.

Ÿ         ”મને આશા છે કે જેલની બહાર નીકળ્યા બાદ હું બધાને માફ કરી દઈશ !”: મંડેલા

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

‘હવે અમે એકબીજા માટે જ જિંદગી જીવીએ છીએ’

કભી કભી- દેવેન્દ્ર પટેલ

Ÿ         બ્યૂટીક્વીન સાયરાબાનુ તેમના પતિ વિશે કહે છે : “ઐસે હૈ મેરે સાહબ !”

તા. ૧૧મી ડિસેમ્બર એક્ટર દિલીપકુમારનો જન્મદિવસ છે. આ દિવસે તેઓ ૯૦ વર્ષના થશે. સાયરાબાનુ ૬૮ વર્ષનાં છે. પાછલું વર્ષ દિલીપ સાહેબ માટે અનેક મિત્રો ગુમાવવાના કારણે દુઃખભર્યું વર્ષ રહ્યું. એ કારણે દિલીપ સાહેબનો આવી રહેલો જન્મ દિવસ એક નાનું જ ઉજવણી પર્વ હશે. દિલીપ સાહેબે ગુમાવેલા મિત્રોમાં શિવસેનાના બાલ ઠાકરે, પૂર્વ મંત્રી એન.પી.કે. સાલ્વે, ફિલ્મ મેકર યશ ચોપરા, રાજેશ ખન્ના અને દારા સિંગનો સમાવેશ થાય છે.

'હવે અમે એકબીજા માટે જ જિંદગી જીવીએ છીએ'

ટ્રેજેડીકિંગ દિલીપકુમાર માટે અંગ્રેજીમાં ‘થેસ્પીઅન’ શબ્દ વપરાય છે. દિલીપકુમાર બોલિવૂડના એક્ટર્સના એક્ટર છે. અભિનયમાં માઉન્ટ એવરેસ્ટ જેવી ઊંચાઈ ધરાવતા દિલીપકુમાર સાથે કોઈની યે સરખામણી થઈ શકે નહીં. એમના સમયમાં તેઓ વર્ષમાં એક જ પસંદગીની ફિલ્મ જ કરતા અને શ્રેષ્ઠ ફિલ્મો જ કરતા. આજના અભિનેતાઓ માટે એક્ટિંગની ભાષા, લિપિ, વ્યાકરણ અને વ્યુત્પત્તિ એ બધું માત્ર દિલીપકુમાર પાસેથી જ શીખી શકાય. એક્ટિંગમાં દિલીપકુમારે જે પ્રમાણ આપ્યાં છે તેને આજ સુધી એક પણ એક્ટર વટાવી શક્યો નથી.

દિલીપકુમાર વિશે બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, તેઓ અદ્ભુત વક્તા પણ છે. હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજી એ ત્રણેય ભાષાઓ પર તેમનો જબરદસ્ત કાબૂ છે. જેમણે સ્ટેજ પર દિલીપકુમારને સાંભળ્યા છે તેઓ તેમના વાકતૃત્વથી પ્રભાવિત થયા વિના રહી શક્યા નથી.

એ વાત જાણીતી છે કે, એક જમાનામાં દિલીપકુમાર અને મધુબાલા એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ મધુબાલાના પિતા તેમની દીકરીને પૈસા કમાવાનું સાધન સમજતા હોઈ મધુબાલા અને દિલીપકુમારનાં પ્રણયને આગળ વધવા દીધો નહોતો. તે પછી દિલીપકુમાર તેમના કરતાં અડધી ઉંમરનાં સાયરાબાનુ સાથે પરણી ગયા હતા. દિલીપકુમાર ૪૪ વર્ષના હતા ત્યારે સાયરાબાનુ ૨૨ વર્ષનાં હતાં. આજે આ દંપતી શાંતિપૂર્ણ અને અત્યંત પ્રાઈવેટ લાઈફ જીવી રહ્યું છે. દિલીપકુમાર પોતાની પ્રાઈવસી માટે અત્યંત સજાગ છે. દિલીપકુમાર બહુધા ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. આટલાં વર્ષો બાદ પણ દિલીપકુમારનું વ્યક્તિત્વ પ્રભાવશાળી અને સાયરાબાનુ ચાર્મિંગ લાગે છે. સાયરાબાનુ અને દિલીપકુમારના લગ્નજીવનને ૪૬ વર્ષનાં વહાણાં વાયાં છે. સાયરાબાનુ કહે છે : “હું જ્યારે ૧૨ વર્ષની હતી ત્યારે દિલીપ સાહેબના પ્રેમમાં પડી ગઈ હતી. તેમની સાથેના રોમાંસ પછી વાસ્તવિક જિંદગીમાં મારે બીજું કાંઈ જોવું જ પડયું નથી. જે દિવસે દિલીપ સાહેબે મને પ્રપોઝ કર્યું તે એક મહાન ક્ષણ હતી. મારી જિંદગીમાં તેઓ સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ છે. જાહેરમાં તેમણે મને કદીયે તેમનો હાથ પકડવા દીધો નથી, પરંતુ ૪૬ વર્ષના અમારા દાંપત્યજીવને ઘણું બધું બદલી નાખ્યું છે. હવે અમે એકબીજા માટે જ જીવીએ છીએ. તેઓ મારા સરતાજ છે. ભગવાને તેમને એક સુવર્ણમય વ્યક્તિ તરીકે જ જન્મ આપ્યો છે. તમે બધા જે કહો છો તેમ તેઓ મારા માટે મારા પતિ પરમેશ્વર છે.

સાયરાબાનુ દિલીપકુમારને ‘સાહબ’ કહીને સંબોધે છે. સાયરાબાનુ પાસે પુરાણા ફોટોગ્રાફ્સનું એક આલબમ છે. સાયરાબાનુ કહે છે : “સાહબ” કે જેમણે મોહંમદ રફીના અવિસ્મરણીય ગીતો માટે સ્ક્રિન પર પોતાનો ચહેરો આપ્યો છે તે મારા ‘સાહબ’ સ્વયં એક સુંદર ગાયક છે. ‘ગોપી’ ફિલ્મમાં તેમણે સ્ક્રિન પર ‘સુખ કે સબ સાથી’ ભજન ગાયું છે, પરંતુ ‘સાહબ પોતે પણ મોહંમદ રફીના ગાયેલા એ ગીતને એમના અદ્ભુત સ્વરમાં ગાઈ શકે છે. એ જ રીતે કલ્યાણજી આણંદજી જ્યારે કોઈ ગીતની ધૂન બનાવતા હોય ત્યારે દિલીપ સાહેબ ખુદ હાર્મોનિયમ પર તૈયાર થતી રચનામાં પોતે ગાઈને સાથ આપતા હતા. રફી સાહેબે ગાયેલા પ્રણયગીતો આજે પણ અમારા ઘરમાં ગૂંજે છે.”

સાયરાબાનુ કહે છે : “અંતાક્ષરીમાં તો દિલીપ સાહેબને પરાજિત કરી શકો નહીં એટલાં બધાં જૂનાં ગીતો તેમને કંઠસ્થ છે એટલું જ નહીં, પણ ક્યાંય પણ કોઈ પણ પ્રસંગે તેઓ ઉચ્ચારી શકે તેવી કાવ્ય પંક્તિઓ તેમને યાદ છે. સાહેબના હોઠ પર કેટલાયે ઊર્દૂ અને ર્પિશયન કાવ્યો પણ રમતાં રહે છે. તેઓ જ્યારે એ કાવ્યોની પંક્તિઓ ગણગણે છે ત્યારે સાંભળનારને તેમના અવાજ અને શબ્દોમાં એક પ્રકારની સ્વર્ગીય અનુભૂતિ થતી હોય છે.”

સાયરાબાનુ કહે છે : “મારા હસબન્ડ જ્યારે જ્યારે પણ વિદેશ ગયા ત્યારે સામે બેઠેલા શ્રોતાઓને મુગ્ધ કરી દેતા હતા અને તે પ્રસંગોની વિડિયોઝ આજે પણ મારી પાસે ઉપલબ્ધ છે. તેઓ હિન્દી અને અંગ્રેજી એમ બેઉ ભાષામાં મૌલિક રીતે બોલી શકતા હતા. એ વક્તવ્ય વખતે તેઓ ડાયલોગ ડિલિવરી કરતા હોય તેમ લાગતું હતું.”

તેઓ કહે છે : “તેઓ બહારથી ગંભીર પુરુષ લાગે છે, પરંતુ તેમની જાણીતી આ ઇમેજની વિરુદ્ધ તેઓ મસ્તીલા-મોજીલા અને રમૂજ ઉછાળતા વ્યક્તિ છે. તેઓ જ્યારે પણ મિત્રો કે પરિવાર સાથે બેઠા હોય ત્યારે જુદા જુદા ઉદાહરણો ટાંકી બધાને હસાવતા પણ રહ્યા છે અને તેમની બુદ્ધિની તેજસ્વિતાથી બધાને પ્રભાવિત પણ કરતાં રહ્યા છે. સામાન્ય વાત કરતી વખતે પણ તેઓ આંખો દ્વારા સંવેદનાના ઊભરા લાવતા હોય છે.”

સાયરાબાનુ કહે છે : “આટલી ઉંમરે પણ તેઓ હૃદયથી બાળક જેવા છે. તેઓ જીવનની દરેક ક્ષણ માણી લેવા માગે છે. તેમની સાથે આઉટડોર શૂટિંગમાં કામ કરવું તે એક લહાવો રહ્યો છે. હું જ્યારે તેમની સાથે બહારી દૃશ્યોમાં કામ કરતી હતી ત્યારે તેઓ મારી જ નહીં, પરંતુ પૂરા યુનિટની કાળજી રાખતા હતા.”

સાયરાબાનુ કહે છે : “ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, દિલીપ સાહેબને ક્રિકેટનું બહુ જ ઘેલું છે. તેઓ ક્રિકેટ મેચ જોવાના જ શોખીન છે એવું નથી, તેઓ ખુદ એક અચ્છા ક્રિકેટર છે. મનસુર અલી ખાન પટૌડી જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા ત્યારે એ દિવસોમાં ક્રિકેટના ખેલાડીઓ અને ફિલ્મ સ્ટાર્સ વચ્ચે ગજબની દોસ્તી રહેતી. કેટલીયે વાર તેમની વચ્ચે મેચ યોજાતી. ખાસ કરીને ચેરિટી માટે આવી મેચ યોજાતી. મનસુર અલી ખાન પટૌડીના વક્તવ્યવાળી એક ટેપ મારી પાસે મોજૂદ છે. તેમાં પટૌડી કહે છે કે, બ્રેબ્રોર્ન સ્ટેડિયમ પર એકવાર દિલીપ સાહેબ બેટ હાથમાં લે તે પછી તેમને આઉટ કરવા ફર્સ્ટ ક્લાસ બોલર માટે પણ મુશ્કેલ બની જતું. ફર્સ્ટ ક્લાસ બોલરની બોલિંગ સામે દિલીપ સાહેબ છગ્ગો ફટકારી શકતા.”

તેઓ કહે છે : “કોઈપણ ક્ષેત્રમાં નિપૂણતા લાવવા તેમની ચાહત રહેતી. ફિલ્મ ‘કોહિનૂર’ના સુપ્રસિદ્ધ ગીત ‘મધુબન મેં રાધિકા નાચે રે’ ગીત વખતે સ્ક્રિન પર દિલીપ સાહેબ સિતાર વગાડે છે, પરંતુ આ દૃશ્ય માટે દિલીપ સાહેબે સિતાર પણ શીખી લીધી હતી. એ જ રીતે બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, દિલીપ સાહેબ ટ્રમ્પેટ પણ સારું વગાડી શકે છે. ચાલો એક બીજી વાત. અમારા પરિવારમાં કોઈ ઉજવણી હોય ત્યારે ગીત-સંગીતની ધૂન વખતે સાહેબ સુંદર ડાન્સ પણ કરી શકતા. તેમની કેટલીક મુદ્રાઓ શમ્મી કપૂર અને હેલનને પણ ઇર્ષા કરાવે તેવી રહેતી.”

એક જમાનામાં ‘બ્યૂટીક્વીન’ તરીકે જાણીતાં બનેલાં સાયરાબાનુ પાસે આવી ઘણી કહાણીઓ અને તસવીરો છે દિલીપકુમાર વર્ષો સુધી મુંબઈના નેશનલ એસોસિયેશન ફોર બ્લાઈન્ડ સાથે સંકળાયેલા રહ્યા. આ સંસ્થા માટે ફંડ એકત્ર કરવાનો ર્વાિષક સમારંભ યોજાતો ત્યારે એ કાર્યક્રમમાં સાહેબ અચૂક હાજરી આપતા રહ્યા.

સાયરાબાનુ કહે છે : “અનેક કંપનીઓની જાણીતી બ્રાન્ડ માટે વિજ્ઞાાપન કરવા દિલીપ સાહેબ પાસે અઢળક નાણાંની ઓફરો આવી, પરંતુ તેમણે તે બધી જ ઓફર્સ નકારી કાઢી. તેમણે કદીયે કોઈના માટે મોડેલિંગ કર્યું નહીં. તેઓ હંમેશાં માનતા રહ્યા છે કે, આ રીતે પૈસા બનાવવાનો કોઈ અર્થ નથી.”

સાયરા કહે છે : “આટલાં વર્ષો બાદ અને નબળા સ્વાસ્થ્ય છતાં તેમના ચહેરા પરનું સ્મિત પસાર થયેલો સમય નિસ્તેજ બનાવી શક્યો નથી. તેમણે મારો હાથ પકડયો અને મારી પીઠ થાબડી તે દિવસથી સમય હંમેશાં મારી સાથે રહ્યા છે. એમનું લાંબુ મૌન પણ મેં અનુભવ્યું છે, પરંતુ તોલી તોલીને બોલાયેલા એમના શબ્દો મારા માટે સુવર્ણથી વધુ વજનદાર રહ્યા છે.”

દિલીપકુમારને અનેક એવોર્ડ્સ મળી ચૂક્યા છે અને સૌથી વધુ એવોર્ડ મેળવનાર હયાત ભારતીય એક્ટર તરીકે ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે તેમનું નામ છે. દિલીપકુમાર પેશાવર (પાકિસ્તાન)માં જન્મેલા છે. તેમના જન્મદિવસની ઉજવણી પેશાવરથી માંડીને લંડન સહિત વિશ્વના અનેક ભાગોમાં થશે.

હેપી બર્થ ડે, દિલીપસાબ!”

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

કેજરીવાલ સાહેબ! દિલ્હી અભી દૂર હૈ!

પી.એમ. પદ કબજે કરવા માટે મોદીની લોકપ્રિયતાનો મુકાબલો આસાન નથી

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ દેશની તમામ નાની અને મોટી પોલિટિકલ પાર્ટીઓના દિગ્ગજોની ઊંઘ હરામ કરી નાખી છે. દિલ્હીમાં સરકાર બનશે કે રાષ્ટ્રપતિશાસન આવશે એ અગત્યનું નથી. નોંધપાત્ર વાત એ છે કે, દેશની રાષ્ટ્રીયપાર્ટીઓ પહેલી જ વાર દિલ્હીમાં સરકાર બનાવવાના બદલે સરકાર નહીં બનાવવાની હોડમાં લાગી ગઈ. દિલ્હી વિધાનસભાની કુલ ૭૦ બેઠકો પૈકી ભાજપા પાસે ૩૨ બેઠકો છે. બહુમતીમાં નજીવી બેઠકો જ ખૂટે છે, જે તે મેનેજ કરી શકે તેમ છે અથવા તો આમઆદમી પાર્ટી વોટિંગ વખતે ગેરહાજર રહીને ભાજપાની સરકારને બચાવી શકે તેમ હોવા છતાં ભાજપા દિલ્હીમાં સરકાર રચવાથી દૂર ભાગી. એ જ રીતે અરવિંદ કેજરીવાલ પાસે પણ ૨૮ બેઠકો છે અને કોંગ્રેસ તેના આઠ સભ્યોનો વિના શરતે ટેકો આપવા તૈયાર હોવા છતાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સામે આકરી શરતો મૂકીને દિલ્હીમાં સરકાર ના રચવાનો જ ઇરાદો વ્યક્ત કર્યો. એ શરતો અંગે પણ કોંગ્રેસ સહમતી આપવા તૈયાર છે, પરંતુ કેજરીવાલ ના માને તો હવે રાષ્ટ્રપતિશાસન સિવાય કોઈ વિકલ્પ નથી.

કેજરીવાલ સાહેબ! દિલ્હી અભી દૂર હૈ!

રાજનીતિ જટિલ છે

આ ઘટનાના બે અર્થ નીકાળી શકાય તેમ છે. એક તો અરવિંદ કેજરીવાલની પાર્ટી સત્તાભૂખી નથી તે પ્રકારનો એક સંદેશ આખા દેશને મોકલવા માગે છે અને બીજો અર્થ એ છે કે, દિલ્હી વિધાનસભામાં પહેલી જ વાર ચૂંટણી લડીને ૨૮ બેઠકો હાંસલ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધી ગયો છે અને હવે કેજરીવાલની નજર દિલ્હીના સિંહાસન પર છે. દિલ્હીનાં પરિણામો બાદ કેજરીવાલ આખા દેશમાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ માટે વધુ ને વધુ ઉમેદવારો ઊભા રાખવા માગે છે. અલબત્ત, રાજકીય નિષ્ણાતો માને છે કે, આમઆદમી પાર્ટીએ દિલ્હીમાં જે ચમત્કાર કર્યો તે દેશના અન્ય ભાગોમાં કરવો મુશ્કેલ છે. ભારતની રાજનીતિ અત્યંત જટિલ છે. દેશનો ઘણો મોટો વર્ગ હજુ જ્ઞાતિ અને કોમ આધારિત મતદાન કરે છે. દિલ્હી એ દેશનું પાટનગર છે, પરંતુ દિલ્હી એ જ આખો દેશ નથી. ઉત્તરપ્રદેશ અને બિહારના ગ્રામ્ય વિસ્તારો, ઝારખંડના આદિવાસી વિસ્તારો, દક્ષિણનાં રાજ્યો અને નોર્થ-ઇસ્ટનાં રાજ્યોની પણ અલગ અલગ મિજાજ, અલગ અલગ પ્રશ્નો અને અલગ અલગ ભાત ધરાવે છે. તે બધાં જ દિલ્હીના મતદારો જેવું જ મતદાન કરે તે જરૂરી નથી.

નવી પરિભાષા

એ જે હોય તે, પરંતુ અરવિંદ કેજરીવાલે સત્તાથી દૂર રહીને અને ભાજપા જેવા પક્ષને પણ સત્તાથી દૂર રહેવાની ફરજ પાડીને દેશની રાજનીતિને એક નવી પરિભાષા આપી છે. મોટી મોટી રેલીઓ કરવાના બદલે કેજરીવાલે ઘરે ઘરે જઈ પ્રચાર કરી પરિણામો હાંસલ કર્યાં છે. સામાન્ય વસ્ત્રો પહેરીને પણ લોકો સાથે તાદાત્મ્ય સાધ્યું છે. વ્યક્તિગત આક્ષેપો કરવાના બદલે ઝૂંપડપટ્ટીનાં કપાયેલ વીજ કનેક્શન જોડવાનો પ્રયાસ કરીને ગરીબોના દિલ જીતી લીધાં છે. વિમાનો અને હેલિકોપ્ટરોમાં ઊડવાના બદલે નાની કારમાં જ ફરીને લોકસંપર્ક કર્યો છે. જ્ઞાતિ, જાતિ કે ધર્મના મુદ્દાને અલગ રાખીને સામાન્ય લોકોના પ્રશ્નો લઈને જ પ્રચાર કર્યો છે. ના તો તેમણે મંદિર બાંધવાની વાત કરી છે કે ના તો મસ્જિદ બાંધવાની. એ કારણે ગરીબ અને સામાન્ય પરિવારોમાંથી આવતા હિન્દુઓ અને મુસલમાનો તેમની સાથે રહ્યા છે. કેજરીવાલની સાદગી અને ભ્રષ્ટાચાર વિરોધી વિચારધારાથી દિલ્હીનો યુવાવર્ગ, મધ્યમવર્ગ અને બુદ્ધિજીવીઓ પણ તેમનાથી પ્રભાવિત છે. દેશની રાજનીતિને તેમણે ૩૬૦ ડિગ્રી પર લાવી દીધી છે. દેશના સત્તાભૂખ્યા નેતાઓને કેજરીવાલે એક પ્રકારનો સબક શીખવ્યો છે. જોડતોડની રાજનીતિ કરનારાઓને કેજરીવાલે પદાર્થપાઠ આપ્યો છે.

સભ્ય બનવા લાઈન

આ પરિણામો બાદ લોકપાલને મુદ્દો બનાવીને અણ્ણા હઝારે અને અરવિંજ કેજરીવાલ વચ્ચે અંતર પડી ગયું છે. ગુરુ કરતાં ચેલો સવાયો પાકે તે દૃશ્યો લોકોએ ભાજપમાં જોયાં છે. એ જ જોવાનો વારો હવે અણ્ણા હઝારેનો આવ્યો છે. દેશમાં પ્રામાણિક અને સ્વચ્છ રહીને પણ રાજનીતિ કરી શકાય છે તે અરવિંદ કેજરીવાલે સાબિત કરી આપ્યું છે. કેજરીવાલની આ સફળતાના કારણે દિલ્હીમાં તો આમઆદમી પાર્ટીમાં સભ્ય થવા માટે લાઈન લાગી છે. બીજી રાજકીય પાર્ટીઓમાં તો પરાણે કે બોગસ સભ્યો બનાવવા પડે છે અને પ્રમુખે જ બીજાઓના નામે પૈસા ભરી રકમ અને બોગસ યાદી પ્રદેશ સમિતિને મોકલી આપવી પડે છે, પરંતુ આમઆદમી પાર્ટીમાં એથી ઊંધું છે. છેલ્લા સપ્તાહમાં દેશભરમાંથી દોઢ લાખ લોકો સ્વેચ્છાએ આમઆદમી પાર્ટીના સભ્યો બની ગયા છે.

ફંડ કોણે આપ્યું ?

ચૂંટણીફંડને લાગેવળગે છે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ પાસે આજે તો અદાણી, અંબાણી, એસ્સાર, તાતા, બિરલા કે મિત્તલનો ટેકો નથી. પાર્ટીના નેતાઓના કહેવા પ્રમાણે “શરૂઆતમાં લોકો અમને ચૂંટણીફંડ આપતા ડરતા હતા, કારણ કે અમને જે કોઈ લોકો દાન આપતા હતા તેમના નામ અને રકમ અમારી વેબસાઈટ પર મૂકવામાં આવે છે. એ કારણે વેપારી વર્ગ વધુ ડરતો હતો, પરંતુ હવે તેમને પણ ખ્યાલ આવી ગયો છે કે, અમને લોકોએ મેન્ડેટ આપ્યો છે તેથી તેમણે ડરવાની જરૂર નથી.” પક્ષના નેતાઓના દાવા પ્રમાણે આમઆદમી પાર્ટી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ નિશ્ચિતપણે લડશે. અત્યારે તેમની પાસે દેશભરમાં ૮૮,૦૦૦ સભ્ય સંખ્યા હતી, જે હવે વધી ગઈ છે. આમઆદમી પાર્ટીના નેતાઓ કહે છે : “અમને ૭૧,૬૬૬ જેટલા લોકો તરફથી કુલ ૨૦ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે. અમે દિલ્હીની ચૂંટણીઓ દરમિયાન રૂ. ૧૮.૨૫ કરોડ ખર્ચ્યા છે. અમારી પાસે રૂ. ૧.૭૫ કરોડની રકમ વધી છે. વિદેશથી આવેલા નાણાં અંગે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે અમને એક પ્રશ્નોત્તરી મોકલી હતી, એમાં ૩૦ પ્રશ્નો હતા. એ બધાનો જ જવાબ અમે મોકલી આપ્યો છે.” યાદ રહે કે, અરવિંદ કેજરીવાલ ખુદ એક જમાનામાં ઇન્કમટેક્સ કમિશનર હતા. તે પછી એક્ટિવિસ્ટ બન્યા અને હવે રાજકારણી છે.

દિલ્હી આસાન નથી

અલબત્ત, તેમણે અપનાવેલો રાજનીતિનો માર્ગ તેઓ ધારે છે તેટલો આસાન નહીં હોય. લોકોનો મિજાજ બદલાતાં વાર નથી લાગતી. રાજનીતિ સારા માણસને પણ બગાડે છે. રાજનીતિમાં રહેવું અને ઇમાનદાર રહેવું મુશ્કેલ છે. તમે ખુદ ઇમાનદાર હોઈ શકો છો, પરંતુ તમારા સાથીઓ પણ ઇમાનદાર હોય તે જરૂરી નથી, જેનું જીવતું જાગતું ઉદાહરણ ડો. મનમોહનસિંહ છે. સાથે સાથે કેજરીવાલ યાદ રાખે કે તેમની પાર્ટી હજુ પ્રાદેશિક પાર્ટી જ છે, શાયદ દિલ્હીની જ પાર્ટી છે. વળી એક તરફ નહેરુ-ગાંધી પરિવારે વર્ષો સુધી તેનો દબદબો જાળવી રાખ્યો છે. હાલ કોંગ્રેસ ભલે નબળી પડી હોય, પરંતુ નિયમિત વેકેશન બાદ નહેરુ-ગાંધી પરિવારને જ લોકો સત્તા સોંપતા આવ્યા છે. તેવી જ રીતે દેશમાં હાલ મોદી મેજિક પણ જાદુ કરી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ માટે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો મુકાબલો કરવો મુશ્કેલ વાત હશે. કેજરીવાલે એ વાત પણ સમજી લેવાની જરૂર છે કે, તેઓ ભલે નમ્ર અને પારદર્શી હોય, પરંતુ કુમાર વિશ્વાસ જેવા તેમના સાથી જરૂર કરતાં વધુ પડતું બોલે છે. દિલ્હીની ગાદી અત્યારે જ તેમના હાથમાં આવી ગઈ હોય તેવું ઘમંડ તેમની ભાષામાં છલકાય છે. તેમની સામે સ્ટિંગ પણ થયેલું છે અને માત્ર બિઝનેસ ક્લાસમાં જ મુસાફરીનો આગ્રહ રાખવાનો તેમની પર આક્ષેપ થયો છે. કેજરીવાલના એક સાથીને તાજેતરમાં જ ઉપવાસ સ્થળે રાજનીતિ કરવા બદલ અણ્ણા હઝારેએ રાલેગાંવ સિદ્ધિમાંથી કાઢી મૂક્યા હતા. ‘હવેલી લેતાં ગુજરાત ખોઈ’ તેવી પરિસ્થિતિ પેદા ના થાય તેની કેજરીવાલે કાળજી લેવી પડશે.

કેજરીવાલ સાહેબ, દિલ્હી અભી દૂર હૈ !

‘સાહેબ’ અને ‘શાહજાદા’ માટે ડેન્જરસ આમઆદમી

દિલ્હીમાં શીલા દીક્ષિત એકલાં પડી ગયાં ભાજપ માટે નરેન્દ્ર મોદી જ તારણહાર

૨૦૧૪માં આવનારી લોકસભાની ચૂંટણીઓ પૂર્વે પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓ પર સમગ્ર દેશનું ધ્યાન હતું. થોડા વખત બાદ ૭૦ એમ.એમ.માં આવનારી કોઈ સ્પેક્ટેક્યુલર ફિલ્મના ટ્રેલર જેવી આ ચૂંટણીઓ હતી. જે જે પાંચ રાજ્યોમાં આ ચૂંટણીઓ યોજાઈ તે રાજ્યોમાં જે રીતે વિક્રમજનક મતદાન થયું તે જોતાં લાગે છે કે, એ ચૂંટણીઓ એક મહાપર્વ બની ગઈ.

'સાહેબ' અને 'શાહજાદા' માટે ડેન્જરસ આમઆદમી

દિલ્હી અને આન્ટી

આ પાંચ રાજ્યો પૈકી સૌની નજર દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પર મંડાયેલી હતી. દિલ્હી સિવાય બીજાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી. દિલ્હીમાં છેલ્લાં ૧૫ વર્ષથી શીલા દીક્ષિતના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર હતી. શીલા દીક્ષિત દિલ્હીમાં ‘આન્ટી’ તરીકે જાણીતાં છે, પરંતુ ૧૫ વર્ષના શાસનના કારણે શાસન વિરોધી લહેરમાં કોંગ્રેસ પરાસ્ત થઈ છે અને અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટી હવે એક ત્રીજા પરિબળ તરીકે ઉપસી છે. શીલા દીક્ષિત એક સરળ વ્યક્તિત્વ ધરાવતાં નમ્ર મહિલા છે. છેલ્લાં ૧૫ વર્ષમાં તેમણે વર્લ્ડક્લાસ મેટ્રો,અનેક ફ્લાયઓવર્સ અને ભવ્ય સ્ટેડિયમ્સ દ્વારા દિલ્હી અને એનસીઆરની સીકલ બદલી નાખી હોવા છતાં કોમનવેલ્થ ગોટાળા, ટુ-જી સ્પેક્ટ્રમ, કોલસા કૌભાંડ, મોંઘવારી, ડુંગળીનો ભાવવધારો અને અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને શીલા સરકારના વિકાસકાર્યોને દબાવી દીધાં. સતત ત્રણ ટર્મથી શીલા દીક્ષિત ચૂંટાતાં હતાં. તેથી સ્વાભાવિક રીતે જ દિલ્હીમાં સરકાર વિરોધી લહેર હતી. જેને ખાળવી મુશ્કેલ હતી. વળી દિલ્હીની ચૂંટણી શીલા દીક્ષિતે એકલા હાથે જ લડવી પડી. કોંગ્રેસના મોટાભાગના સિનિયર નેતાઓ મેદાનમાં ઊતર્યા નહીં. મીટિંગોમાં ભીડ લાવવી પડે છે, પણ શીલા દીક્ષિતને કોઈએ મદદ કરી નહીં.

રાજસ્થાન

રાજસ્થાનને લાગેવળગે છે ત્યાં સુધી આ રાજ્યની એ પરંપરા રહી છે કે, દર પાંચ વર્ષે રાજસ્થાનની પ્રજા શાસકો બદલી નાખે છે. અગાઉ વસુંધરા રાજેની સરકારને પરાસ્ત કરીને રાજસ્થાનની પ્રજાએ અશોક ગેહલોતની સરકારને તક આપી હતી. હવે રાજસ્થાનની પ્રજાએ ફરી વસુંધરા રાજેના નેતૃત્વવાળી ભાજપાની સરકાર પસંદ કરી છે. અશોક ગેહલોતે રાજસ્થાનમાં ઘણી લોકપ્રિય યોજનાઓ અમલમાં મૂકી હતી, પરંતુ બીજાં રાજ્યોની જેમ રાજસ્થાનમાં કોંગ્રેસમાં જૂથબંધી પરાકાષ્ટાએ હતી. એક તરફ અશોક ગેહલોતનું જૂથ હતું તો બીજી બાજુ સી. પી. જોષીનું જૂથ હતું. ટિકિટોની વહેંચણીમાં પણ ભારે ખેંચતાણ થઈ હતી. એ જ રીતે ભંવરીદેવીની હત્યા પ્રકરણમાં સંડોવાયેલા કોંગ્રેસના જ કેટલાક નેતાઓના કારણે સત્તાધારી પક્ષની છબીને નુકસાન થયું હતું. વળી જે દિવસે ચૂંટણી હતી તે જ દિવસે ડિઝલના ભાવમાં કરાયેલા વધારાની સીધી અસર મતદારો પર થઈ હતી. વસુંધરા રાજેના અગાઉના શાસન વખતે દારૂના ઠેકાઓની હાટડીઓ ઠેરઠેર ખૂલી ગઈ હતી, પરંતુ મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ સામે એ બધું જ ભૂલાઈ ગયું અને ફરી એકવાર રાજસ્થાનમાં ભાજપાની વિજય પતાકા લહેરાઈ ગઈ.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળની સરકારને ત્રીજી વખત જીત મળતાં વિજયની ‘હેટ્રિક’ થઈ છે. શિવરાજસિંહ ચૌહાણ સ્વયં એક લો પ્રોફાઈલ અને લોકપ્રિય નેતા છે. તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. કેટલાંક વર્ષો પહેલાં મધ્યપ્રદેશની જે હાલત હતી તેમાં તેમણે ઘણો સુધારો કર્યો છે. તેમની સરકારની ‘લાડલી લક્ષ્મી યોજના’ કન્યાદાન યોજના અને જનની સુરક્ષા યોજનાના કારણે રાજ્યની મહિલાઓમાં ‘મામાજી’ તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશની જનતામાં શિવરાજસિંહ એક નિરાભિમાની અને સરળ વ્યક્તિ લેખાય છે. તેઓ ક્યારેક સાઈકલ લઈને ગામોમાં ફરવા નીકળી પડે છે. મુસ્લિમોના તહેવાર વખતે તેમને મુસ્લિમ ટોપી પહેરવા સામે કોઈ જ પરહેજ નથી. ચૂંટણી વખતે તેમનાં પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ મૂક્યા હતા તેમાં નીચે લખેલી લાઈન સૌનું ધ્યાન ખેંચતી હતી. શિવરાજસિંહ ચૌહાણની તસવીરની નીચે ‘શાસક નહીં, સેવક’ એવી લાઈન મૂકવામાં આવી હતી. તેમણે મધ્યપ્રદેશમાં લોકાયુક્તની પણ નિમણૂક કરી હતી અને એક ડઝન મંત્રીઓના કહેવાતા ભ્રષ્ટાચાર સામે લોકાયુક્ત દ્વારા તપાસ પણ કરાવી હતી. મધ્યપ્રદેશની પ્રજામાં શિવરાજસિંહ ચૌહાણની ઇમેજ ‘લાર્જર ધેન લાઈફ’ જેવી ગણાય છે. તેમની સામે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ તેમનાં બેફામ વિધાનોના કારણે કોંગ્રેસને જ નુકસાન કરતાં રહ્યા. હા, કોંગ્રેસે મધ્યપ્રદેશમાં જે કાંઈ સારો દેખાવ કર્યો તે માત્ર અને માત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાના કારણે.

મોદી ઇફેક્ટ

મિઝોરમને છોડીને બાકીનાં ચારેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી-ઓમાં જ્યાં જ્યાં નરેન્દ્ર મોદી ગયા ત્યાં ત્યાં જબરદસ્ત માનવભીડ જોવા મળી. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીએ વધુ મત હાંસલ કર્યા છે ત્યાં ત્યાં મોદી ફેક્ટર પણ કામ કરી ગયું છે. નરેન્દ્ર મોદીની જાહેર સભાઓમાં લોકોનો જે ઉત્સાહ અને પ્રતિભાવ જોવા મળતો હતો તેવો બીજા એક પણ નેતાની જાહેર સભામાં જોવા મળ્યો નથી. નરેન્દ્ર મોદીના એકલાના જ માથે આ ચારેય રાજ્યોની ચૂંટણી સભાઓને ગજવવાની જવાબદારી આવી પડી હોય તેમ લાગ્યું. નરેન્દ્ર મોદીએ તેમના જ પક્ષના અડવાણી, રાજનાથસિંહ, અરુણ જેટલી સહિતના તમામ નેતાઓને આઉટ કરી દીધા હતા. આ ચૂંટણીમાં મોદી એક જ સુપરસ્ટાર પ્રચારક રહ્યા. ફિલ્મ અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ મોદી જેટલું આકર્ષણ જમાવી શક્યા નહીં. એમ કહી શકાય કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી અને છત્તીસગઢમાં ભાજપાને જે મત મળ્યા તેમાં સ્થાનિક પરિબળો ઉપરાંત મોદી ફેક્ટરે વધારાના મત ભાજપાને અપાવ્યા. ભાજપાના બીજા તમામ સિનિયર નેતાઓ કરતાં નરેન્દ્ર મોદીએ ભાજપાની રેલીઓ માટે વધુ સમય ફાળવ્યો. ઉમેદવારો તરફથી પણ મોદીની રેલી માટે વધુ ને વધુ માગ આવતી રહી. એમ કહી શકાય કે મોદીએ લોકોમાં રહેલા કોંગ્રેસ વિરોધી મોજાને આકરા પ્રહારોથી વધુ મજબૂત બનાવ્યું. લોકોની કેમિસ્ટ્રી અને મૂડને બદલવાનું કામ મોદીએ કર્યું. મોદીના તેમની પાર્ટીમાં જ રહેલા વિરોધીઓ આ રાજ્યોની ચૂંટણીઓ સુધી મોદીને ભાજપાના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકેની જાહેરાત રોકી રાખવા માગતા હતા. તેમને એમ હતું કે મોદીની ભાવિ વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકેની જાહેરાતથી તે રાજ્યોમાં ભાજપાને નુકસાન થશે, પરંતુ મોદીના કારણે ભાજપાને ફાયદો થયો છે તે હવે સ્પષ્ટ દેખાય છે. આગામી ચૂંટણીમાં મોદી ભાજપા માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

નવો સિતારો કેજરીવાલ

આ ચૂંટણીઓનું ધ્યાન ખેંચતું મહત્ત્વનું પાસું એ છે કે, દિલ્હીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી એક નવા વિકલ્પ તરીકે ઊભરી છે. લોકો મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત હતા. એ લોકોએ કોંગ્રેસનો વિકલ્પ શોધતા હતા. જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો મળ્યા ત્યાં આમ આદમી પાર્ટી તરફ નજર દોડાવી અને બાકીનાં ત્રણ રાજ્યોમાં આમ આદમી પાર્ટી ના હોઈ ત્યાં ભાજપાને જ વિકલ્પ તરીકે સ્વીકાર્યો. દિલ્હીનાં પરિણામો કોંગ્રેસ અને ભાજપા એ બેઉ માટે ખતરાની ઘંટી છે. આમ આદમી પાર્ટીના સાવ અજાણ્યા ઉમેદવારોએ કોંગ્રેસના દિગ્ગજોને હરાવ્યા છે. બીજું નોંધપાત્ર પાસું એ છે કે, દિલ્હીમાં મોદીએ મોટી રેલીઓ સંબોધી હતી, પરંતુ દિલ્હીની જનતાએ કટ્ટર હિન્દુત્વના કે લઘુમતીને ખુશ રાખવાના અન્ય પક્ષોના એજન્ડાની સામે આમ આદમીને ૨૮ બેઠકો આપી દીધી છે. હવે આમ આદમી પાર્ટી બીજાં મોટાં શહેરો અને નાનકડાં નગરોમાં તેમના ઉમેદવારો ઊભા રાખે તે માત્ર કોંગ્રેસને જ નહીં, પરંતુ ભાજપાને પણ નુકસાન પહોંચાડી શકે તેમ છે. આ ચૂંટણીમાં નથી તો મનરેગા કામ આવ્યું કે નથી તો લેપટોપ. દિલ્હીમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન જ કામ આવ્યું છે.

બી કેરફૂલ મોદીજી એન્ડ રાહુલજી !

સંસદ-વિધાનસભામાં કેટલા ગુનેગારો?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. ધર્મમાં જેમ અપરાધીઓ ઘૂસી ગયા છે, તે રીતે રાજકારણ પણ કેટલાક ગુનેગારોનું આશ્રયસ્થાન બની ગયું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાંથી તો ખૂન, બળાત્કાર, ખંડણી અને અપહરણ કરનારાઓ પણ વિધાન સભાઓમાં અને લોકસભામાં પ્રવેશી જાય છે.

સંસદ-વિધાનસભામાં કેટલા ગુનેગારો?

ભલામણ ફગાવી

રાજનીતિમાં ગુનેગારોને રોકવા માટે ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશને ગંભીરતાથી લેવામાં આવી હોત તો આજે દેશની રાજનીતિનો ચહેરો કાંઈક અલગ જ હોત. આ દેશની લોકશાહી પદ્ધતિની મોટામાં મોટી નબળાઈ એ છે કે અનેક લોકોની હત્યા કરનાર ડાકુરાણી ફૂલનદેવી પણ ચૂંટાઈને લોકસભામાં આવી જતાં હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક સમયે ડોન લતીફ પણ પાંચ પાંચ જગ્યાએથી ચૂંટાઈને આવ્યો હતો.

તા. ૨૭ ઓક્ટોબર, ૨૦૦૬ના રોજ તે વખતના મુખ્ય ચૂંટણી કમિશનર એન.ગોપાલસ્વામીએ વડાપ્રધાનને પત્ર લખી જણાવ્યું હતું કે જનપ્રતિનિધિત્વ કાનૂનમાં જો સંશોધન કરવામાં નહીં આવે તો અબુ સાલેમ અને દાઉદ ઇબ્રાહીમ જેવા પણ લોકસભામાં કે વિધાનસભામાં બેઠેલા જોવા મળી શકશે.

એ વખતે ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ કાનૂનમાં અનુચ્છેદ ૮-બી જોડવાની ભલામણ કરી હતી. જેથી પાંચ વર્ષની સજા પામવાવાળા ગુનાઓમાં જો કોઈ ઉમેદવાર સામે અદાલતમાં આરોપ મૂકવામાં આવે તો એને ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણવામાં આવે. ચૂંટણી પંચના આ પત્રને વડાપ્રધાને તે વખતના કાયદામંત્રી હંસરાજ ભારદ્વાજને મોકલ્યો હતો. કાયદામંત્રીએ એ પત્ર કાયદા મંત્રાલય સંબંધી રાજ્યસભાની સંસદીય સમિતિને સોંપ્યો હતો. સંસદીય સમિતિમાં બધા જ પક્ષોના સાંસદો હોય છે, પરંતુ એક પણ સભ્ય ચૂંટણી પંચના આ ગાળિયાને પોતાના ગળામાં નાખવા તૈયાર નહોતો એટલે એ સંસદીય સમિતિએ સર્વાનુમતે ચૂંટણી પંચની એ ભલામણને ફગાવી દીધી હતી.

ખતરનાક ગુનેગારો

ચૂંટણી પંચનો એ તર્ક હતો કે આ દેશમાં કાનૂની પ્રક્રિયા લાંબી હોય છે. સજા થવામાં વર્ષો લાગી જાય છે. તેથી જે ગુનાઓમાં પાંચ વર્ષ કે તેથી વધુ સજા થઈ શકે છે તેવા મામલાઓમાં કોઈ વ્યક્તિ પર એ પ્રકારનો આરોપ નક્કી થઈ જાય તો તેવી વ્યક્તિને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવી, પરંતુ સંસદીય સમિતિએ એવું માન્યું કે આરોપ નક્કી કરવાની પ્રક્રિયા એ પોલીસવિધિ જ છે. જેમાં પોલીસ જ આરોપો ઘડે છે અને એ વખતે આરોપીને બચાવ કરવાનો મોકો મળતો નથી. ચૂંટણી પંચના એ પ્રસ્તાવ મુજબ ૮-બીના ગંભીર અપરાધો ઉપરાંત બીજા ગુનાઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા જેથી એવા આરોપો નક્કી થાય તો જે તે વ્યક્તિને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી શકાય.

જેમ કલમ ૧૫૩-એ મુજબ બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવું, ૧૭૧-ઈ મુજબ લાંચ લેવી, ૧૭૧-એફ મુજબ ચૂંટણીને પ્રભાવિત કરવી, ૧૭૧-એચ મુજબ ચૂંટણી દરમિયાન ગેરકાયદે પૈસા વહેંચવા, ૧૭૧-જી મુજબ ચૂંટણી બાબતે ખોટું સોગંદનામું રજૂ કરવું, ૧૭૧-આઈ મુજબ ચૂંટણી ખર્ચનો હિસાબ ન રાખવો વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત અનલોકલ પ્રિવેન્સ એક્ટ-૧૯૬૭ની કલમ ૧૦ તથા ૧૨ મુજબ દાખલ થયેલા ગુનાઓ, એનડીપીએસ એક્ટ હેઠળના અપરાધો, બળાત્કાર કે એવો કોઈ ગુનો કે જેમાં આજીવન કેદ કે ફાંસી થઈ શકે છે તેવા કિસ્સાઓમાં જેની સામે આરોપનામું ઘડાયું હોય તેવા આરોપીઓને ચૂંટણી લડતા રોકી શકાયા હોત, પરંતુ એ ભલામણો ન સ્વીકારાતાં હજુ વિધાનસભાઓ અને લોકસભાનાં દ્વાર સજા ન થાય ત્યાં સુધી એવા ખતરનાક આરોપીઓ માટે ખુલ્લાં રહેશે.

૧૪૬૦ સામે કેસ

આંકડાકીય રીતે જોઈએ તો દેશની સંસદમાં અને રાજ્યોની વિધાનસભાઓમાં કુલ ૪૮૦૭ સાંસદો અને ધારાસભ્યો છે. તે પૈકી ૧૪૬૦ સભ્યોએ પોતાની વિરુદ્ધ કેસો હોવાની જાહેરાત કરેલી છે. તેમાંથી ૬૮૮ સભ્યો વિરુદ્ધ ગંભીર ગુનાઓની ફરિયાદો થયેલી છે. તેમાંથી ૨૪ સંસદસભ્યો અને વિધાનસભ્યોએ એવી જાહેરાત કરી છે કે તેમને સજા સંભળાવવામાં આવેલી છે તે પૈકી ૦.૫ ટકા સભ્યોએ ઉપરી અદાલતોમાં અરજી કરી રાજનીતિ ચાલુ રાખી છે. લોકસભામાં કુલ ૫૪૩ સભ્યો છે, તે પૈકી ૧૬૨ સાંસદો વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે, તેમાંથી ૭૦થી ૭૨ ટકા કેસોમાં આરોપનામાં ઘડાઈ ચૂક્યાં છે અને તેમને પાંચ વર્ષ કરતાં વધુ સજા થઈ શકે તેમ છે. ૨૦૦૫ની ચૂંટણીઓમાં એકમાત્ર બિહાર વિધાનસભામાં ૧૧૭ ધારાસભ્યો એવા ચૂંટાયા હતા જેમની સામે ગંભીર ગુનાઓના કેસ ચાલી રહ્યા હતા. ૨૦૧૦ની ચૂંટણીમાં બિહાર વિધાનસભામાં ૧૪૧ દાગી ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા.

વિદેશોમાં શું છે?

બ્રિટનમાં મતદાન શરૂ થવાના દિવસથી પાંચ વર્ષ પહેલાં સુધીની અવધિ સુધીમાં ત્રણ મહિના કે તેથી વધુ સજા પામનાર વ્યક્તિ બ્રિટનની પાર્લામેન્ટની ચૂંટણી લડી શકતી નથી. ચીનમાં દેશદ્રોહ, ભ્રષ્ટાચાર અને સંગઠિત અપરાધના કાનૂન હેઠળના અપરાધમાં સજા પામેલી, ફાંસી કે આજીવન કેદની સજા પામેલી કે દસ વર્ષથી વધુ સમયની સજા પામેલી વ્યક્તિ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિથી લઈને કોઈ પણ સ્તરની ચૂંટણી લડી શકતી નથી. ઓસ્ટ્રેલિયામાં ૧૨ મહિના કે તેથી વધુ સમય માટે સજાની જોગવાઈ હેઠળના ગુનામાં સંડોવાયેલી વ્યક્તિ, ભલે સજા ન સંભળાવવામાં આવી હોય તોપણ સેનેટની ચૂંટણી લડી શકતી નથી. પાકિસ્તાનમાં જેલની સજા ભોગવીને બહાર આવ્યા બાદ એવી વ્યક્તિ પાંચ વર્ષ સુધી પાર્લામેન્ટની ચૂંટણી લડી શકતી નથી. અલબત્ત, આ સજા પાકિસ્તાનની કોઈ પણ સક્ષમ અદાલત દ્વારા દેશની વિરુદ્ધ ઝુંબેશ, દેશની સંપ્રભુતા, એકતા, સુરક્ષા પ્રત્યે ખતરો, દેશમાં શાંતિ તથા ન્યાયાલયની સ્વતંત્રતાનો ભંગ કરવા જેવા અપરાધોમાં સંભળાવવામાં આવેલી હોવી જોઈએ. બંગલાદેશમાં બે વર્ષથી ઓછી સજા પામેલી વ્યક્તિ ત્યારે જ ચૂંટણી લડી શકે છે જ્યારે તેની સજા મતદાનના દિવસે પૂરાં પાંચ વર્ષે પૂરી થઈ ગઈ હોય. જ્યારે બે વર્ષથી વધુ સજા પામેલી વ્યક્તિને કોઈ પણ ચૂંટણી લડવાની પરવાનગી નથી. એ સિવાય ચૂંટણી સંબંધિત કોઈ પણ કાયદાનો ભંગ કરનાર વ્યક્તિ પણ ચૂંટણી લડી શકતી નથી.

www.devendrapatel.in

અલંકૃત ભાષાનો સ્વામી તરુણ અબજોપતિ કેવી રીતે બન્યો ?

તરુણ તેજપાલની કંપનીઓમાં શરાબ માફિયા રિયલ એસ્ટેટ અને સુગરકિંગના નાણાં ?

તરુણ તેજપાલ.

જેના નામ માત્રથી દિલ્હીના બડાબડા નેતાઓ ડરતા હતા તે ખુદ આજે ડરી ગયેલો માણસ છે. જેના કારણે લક્ષ્મણ બંગારુને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવું પડયું તે ખુદ હવે ‘તહેલકા’થી ફારગતી પામ્યો છે. જે ફાઈવસ્ટાર હોટલના રોજના ૨૫૦૦૦ રૂપિયાના ભાડાનું સ્વીટ રૂમમાં જ એશઆરામ કરતો હતો તે હવે કાચબા પકડનારા શિકારીઓની સાથે જેલની બંધ કોટડીમાં પુરાયેલો છે. એ કોટડીમાં પંખો પણ નથી. અચ્છા અચ્છા નેતાઓને નાગા ઉઘાડા કરી દેનાર તેજપાલની અસલિયત હવે લોકોની સામે છે. ગુજરાતીમાં કહેવત છે કે, ”બહુ કરે તે થોડા માટે.”

વિચારક કે વેપારી?

અલંકૃત ભાષાનો સ્વામી તરુણ અબજોપતિ કેવી રીતે બન્યો ?

તરુણ તેજપાલ કોણ છે ? એક પત્રકાર છે, વિચારક છે કે માત્ર અને માત્ર બિઝનેસમેન? તરુણ તેજપાલ એક આર્મી ઓફિસરનો પુત્ર છે અને તેણે ‘ઈન્ડિન એક્સપ્રેસ’ની ચંદીગઢની આવૃત્તિથી કારકિર્દીની શરૂઆત કરી હતી. અનેક મેગેઝિનો બદલ્યા બાદ તહેલકા ડોટ કોમ શરૂ કર્યું હતું. લક્ષ્મણ બાંગારું પછી ઓપરેશન વેસ્ટ એમના સ્ટિંગ બાદ તે વખતના સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝે રાજીનામું આપી દેવુ પડયું હતું. આવાં સ્ટિંગ ઓપરેશનો માટે રૂપજીવીનીઓના ઉપયોગ અંગે પણ વિવાદ થયો હતો. અલંકૃત શબ્દોથી ભરેલી ભાષા બોલવાવાળા તરુણ તેજપાલના દોસ્તોમાં આમીરખાનથી માંડીને ટીના બ્રાઉન પણ છે. સફળતાના કારણે ‘સેલિબ્રિટી’ બની ગયેલા તરુણ તેજપાલ ભલે સુપરસ્ટાર હોય પરંતુ ભીતરથી પોતાની જ વિકૃત માનસિક્તાના ભોગ બની હવે જેલના સળીયા ગણી રહ્યા છે. તરુણ તેજપાલને લોકો આજ સુધી ‘તહેલકા’ના નીડર અને પ્રામાણિક પત્રકાર તરીકે જ લોકો ઓળખતા હતા, અસલમાં તે આઠ કંપનીઓનું વિશાળ આર્થિક સામ્રાજ્ય ધરાવતો ‘બિગ બિઝનેસમેન’ છે. ગોવાથી માંડીને દિલ્હી અને નૈનિતાલમાં તેનાં ભવ્ય રિસોર્ટસ છે. બધી જ કંપનીઓ કાગળ પર ખોટ કરતી હોવા છતાં તરુણ તેજપાલ અબજોપતિ કેવી રીતે બની ગયો તે એક રહસ્ય છે. તરુણ તેજપાલ અનંત મીડિયા પ્રા.લિ.ના નેતા હેઠળ ‘તહેલકા’ નામનું સાપ્તાહિક મેગેઝિન બહાર પાડતો હતો. ૨૦૧૧-૧૨ના વર્ષ દરમિયાન આ મેગેઝિને રૂ.૧૩ કરોડની ખોટ કરી હતી. આમ છતાં એ જ વર્ષે થ્રાઈવિંગ આર્ટ પ્રા.લિ. નામની બીજી કંપની ઊભી કરી હતી. આ કંપની ગ્રેટર કૈલાસ નવી દિલ્હી ખાતે એલાઈટ થિંક ટેન્ક પ્રુફ્રોક ચલાવે છે. એક માત્ર તેની ”થિંક વર્કસ પ્રા.લિ.એ કંપનીએ ગોવામાં થિંક ફેસ્ટિવલ કરીને રૂ. ૧.૯૯ કરોડનો નફો કર્યો હતો. આ બધું જ રહસ્યમય છે.

૬૬ કરોડનું નુકસાન છતાં

તરુણ તેજપાલની કંપની ગોવાની એક ફાઈવસ્ટાર હોટલમાં સમાજના સ્ત્રીઓના અને મીડિયાના વિષયો પર ચર્ચા સભાઓ યોજતો, પરંતુ તેમાં ખાણીપીણીનું જ મહત્ત્વ રહેતું. તેજપાલનો પ્રભાવ એવો હતો કે, આવા કહેવાતા વૈચારિક ફાઈવસ્ટાર ફેસ્ટિવલમાં હોલિવૂડના સ્ટાર રોબર્ટ ડી ડી નીરો, પૂર્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવ, વી.એસ.નાયપોલ, અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર, ફારુખ અબ્દુલ્લા, નંદન નિલેકાની, વિનોદ રાય, મેધા પાટકર પણ હાજરી આપતાં. તાલિબાનના સ્થાપક સભ્ય અબ્દુલ સલામ ઝઈફ પણ આ ફેસ્ટિવલના મહેમાન હતા. આટલી મોટી હસ્તીઓને ગોવામાં લાવવા અને ત્રણ દિવસ સુધી ફાઈવસ્ટાર હોટલમાં રાખવાનું ખર્ચ નાનું ના હોય. જે મેગેઝિન વર્ષે દહાડે રૂ.૧૩ કરોડની ખોટ કરતું હોય તે મેગેઝિનના માલિકને કરોડોનું આ ખર્ચ કેવી રીતે પોસાય ? કોણ આપતાં હતા પૈસા ? કોણ હતા તેના સ્પોન્સર્સ ? તહેલકા અત્યાર સુધીમાં કુલ રૂ.૬૬ કરોડનું નુકસાન કરી ચૂક્યું છે, તો તેજપાલ અબજોપતિ કેવી રીતે થયો ?

બિઝનેસ પ્લાન

થિંક વર્કસ પ્રા.લિ. કંપની કે જેણે ગોવામાં આ ફાઈવસ્ટાર વૈચારિક ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું, તેનું રજિસ્ટ્રેશન ફેબ્રુઆરી ૨૦૧૦માં ”બેબ્લર બુક્સ” ના નામે થયું હતું. તેની માલિકો તરીકે તરુણ તેજપાલ, તેની બહેન નીના શર્મા અને શોમા ચૌધરી છે, તેજપાલ કંપનીના, ૪૦,૦૦૦ શેર એટલે કે ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે નીના શર્મા અને શોમા ચૌધરી બંને ૧૦-૧૦ ટકા હિસ્સો ધરાવે છે. પહેલા ફેસ્ટિવલમાં આ કંપનીએ નફો કર્યો નહોતો, પરંતુ ૨૦૧૧-૧૨માં તેણે આવો જ ફેસ્ટિવલ યોજી રૂ.૧૪.૨૬ કરોડની કુલ આવકમાં રૂ.૧.૯૯ કરોડનો નફો કાગળ પર બતાવ્યો હતો. આ ફેસ્ટિવલ માટે દેશની કોર્પોરેટ કંપનીઓ તેને સ્પોન્સરશિપ આપતી હતી. ૩૪ જેટલા કોર્પોરેશન્સ તેનાં સ્પોન્સર હતાં. ૨૦૧૩ની ગોવાની આ વૈચારિક મહેફિલના સ્પોન્સર તરીકે ભારતી એરટેલ, એસ્સાર, ડી.એલ.એફ., કોકાકોલા, યુનિટેક, વેવ, ટોયોટા, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ, ઈન્દુસ બેંક તથા ગોવા ટૂરીઝમ વગેરે હતાં. આ વાતને હવે બીજી રીતે જોઈએ. જે કંપનીનો માલિક તરુણ તેજપાલ હતો તે નફો કરતી હતી અને જે કંપનીમાં તેજપાલનો હિસ્સો ઓછો છે તે ‘તહેલકા’ મેગેઝિન ખોટ કરતું હતું. ‘તહેલકા મેગેઝિન અનંત મીડિયા પ્રા.લિ.ના નેજા હેઠળ પ્રગટ થાય છે. અનંત મીડિયામાં મોટો હિસ્સો તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કે.ડી.સિંહનો છે. આમાં ચતુરાઈ એ હતી કે થિંક ઈવેન્ટ માટે ‘તહેલકા’ બ્રાન્ડ ઈક્વિટી અને મેનપાવર પૂરાં પાડતું હતું. જે મહિલા પત્રકારે તરુણ તેજપાલ સામે યૌન ઉત્પીડનનો આક્ષેપ કર્યો છે તે યુવતીને ફિલ્મ એક્ટર રોબર્ટ ડી નીરો અને તેમની દીકરીની દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

બુદ્ધિજીવીઓનું સ્વર્ગ

થિંક વર્કસ દ્વારા ગોવામાં યોજાયેલા ફેસ્ટિવલને જે સફળતા મળી તેમાંથી જ તરુણ તેજપાલને દિલ્હીમાં પણ કહેવાતા અબજોપતિ, બુદ્ધિજીવીઓ માટે સ્વર્ગસમી એક ફાઈવસ્ટાર કલબ ઊભી કરવાનો આઈડિયા આવ્યો હતો અને તેના ભાગરૂપે જ ‘પ્રુફ્રોક’ નામની કલબનો જન્મ થયો હતો, ‘પ્રુફ્રોક- ધી આર્ટસ એન્ડ ડાઈનર્સ કલબ’ પણ તરુણ તેજપાલના જ ભેજાની પેદાશ છે. તે એક પ્રકારની પ્રાઈવેટ મેમ્બરશિપ કલબ છે. તે દિલ્હીના ઉન્નત વર્ગના લોકો માટેની કલ્પરસ અને ઈન્ટેલિક્ચુઅલ કલબ ગણાય છે. કલબ દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાસ- ૨ના માર્કેટમાં આવેલી છે. એ કલબ ત્રણ માળમાં વહેંચાયેલી છે. દરેક માળનો આગવો અભિગમ છે. ફાઈવસ્ટાર હોટલ્સના સેલિબ્રિટી શેફ- રસોઈયાઓ દ્વારા બનાવેલ ભોજન અને બ્લૂ લેબલ વ્હીસ્કીના પેગ ગટગટાવતાં દિલ્હીના જાણીતા લોકો નવા વિશ્વના સર્જન માટે શું કરવું જોઈએ તેની ચર્ચા અહીં કરતા હોય છે. ”પ્રુફ્રોક” તે થ્રાઈવિંગ આર્ટસ નામની કંપનીની પ્રોપર્ટી છે. તરુણ તેજપાલનો કંપનીમાં ૮૦ ટકા અને તેની બહેનનો ૨૦ ટકા હિસ્સાથી આ કંપની શરૂ કરવામાં આવી હતી. તે વખતે તેજપાલે માત્ર રૂ. ૯ લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ ચડ્ડા હોલ્ડિંગે તે કંપનીના ૧૧,૧૧૧ શેર ખરીદીને રૂ. બે કરોડનું રોકાણ કર્યું હતું. આ બધા જ શેર પ્રતિશેર રૂ.૧,૭૯૦ જેવું પ્રીમિયમ ચૂકવીને ખરીદવામાં આવ્યા હતા. ચડ્ડા હોલ્ડિંગ્સ કોણ છે તે પણ જાણવા જેવું છે. ચડ્ડા હોલ્ડિંગ્સ મૂળ તો વેવ ગ્રૂપની કંપની છે. વેવ ગ્રૂપ કોનું છે તે પણ જાણવા જેવું છે. વેવ ગ્રૂપ લિકર બેરન એટલે કે શરાબના કિંગ પોન્ટી ચડ્ડાની કંપની છે અને પોન્ટી ચડ્ડા એટલે જેની નવેમ્બર ૨૦૧૨માં તેના જ પરિવારના એક સભ્ય દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. આમ તરુણ તેજપાલની ‘પ્રુફ્રોક’ કલબમાં દારૂ રિઅલ એસ્ટેટ અને સુગર કિંગ્સના નાણાં રોકાયેલા છે.આ સિવાય તરુણ તેજપાલે કરેલાં કહેવાતાં બ્લેકમેઈલિંગ અને ભ્રષ્ટાચારની સ્ટોરી દબાવી દીધાની લાંબી યાદી છે

હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી

કભી કભી – દેવેન્દ્ર પટેલ
  • લખનૌની એક વિશિષ્ઠ-પ્રાયોગિક જેલ કે જ્યાં કેદીઓનું જીવન બદલાઇ રહ્યું છે

મોજીલું લખનૌ શહેર. લગ્નોની મોસમ છે. આજે લખનૌમાં પણ એક વરઘોડો નીકળ્યો છે. વરરાજા સજીધજીને શણગારેલા ઘોડા પર બેઠા છે. આજુબાજુમાં જાનૈયાઓ નાચી રહ્યા છે. પાછળ જાનડીઓ લગ્ન ગીતો ગાઇ રહી છે. સહુથી આગળ બેન્ડવાજાં વાગી રહ્યા છે.

હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી

બેન્ડવાજાના કલાકારોએ રાજા-મહારાજા જેવો યુનિફોર્મ પહેર્યો છે. બેન્ડ-વાજા પર લેટેસ્ટ ફિલ્મી ગીતોની ધૂન બજી રહી છે. એ ધૂન આખી જાનને મસ્તીમાં ડોલાવી રહી છે. બેન્ડના માસ્ટર ટ્રમ્પેટ બજાવી રહ્યા છે. બાકીના બાર કલાકારો જુદાં જુદાં ઇન્સ્ટ્રુમેન્ટસ વગાડી રહ્યા છે. દરેક કલાકારના ચહેરા પર સ્મિત છે. લોકો કહે છે કે આખા લખનૌમાં આ બેન્ડની સહુથી વધુ માંગ છે.

 લાંબો રસ્તો કાપ્યા બાદ બેન્ડવાજાથી દોરાતી જાન કન્યાના દરવાજે પહોંચે છે. એ વખતે બેન્ડ પર ‘યે દેશ હૈં વીર જવાનો કા’ ની ધૂન પરાકાષ્ટાએ પહોંચે છે. કન્યા પક્ષ તરફથી જાનમાં આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત થાય છે. વરરાજાનાં પોંખણાં થાય છે. વરરાજા માંડવામાં પ્રવેશે છે અને તે પછી બેન્ડવાજાવાળા વિરામ લે છે. તેમના ઇન્સ્ટ્રુમેન્ટસ બાજુએ મૂકી કોઇ બીડી ફૂંકે છે. હળવો નાસ્તો કરી બેન્ડવાજાવાળા તેમની કામગીરી પૂરી થતાં પોતપોતાની સાઇકલ લઇ ઘેર જવાના બદલે લખનૌની જેલના દરવાજે પહોંચે છે. જેલનો દરવાજો ખૂલે છે.બધાં જ અંદર પ્રવેશે છે. સહુ પોતપોતાની ખોલીમાં જઇ પોતાનો યુનિફોર્મ ખીંટી પર લટકાવી દે છે અને કેદીનાં વસ્ત્રો પહેરે છે.

જાનની આગળ બેન્ડ વગાડતા તમામ લોકો હકીકતમાં લખનૌની જેલના કેદીઓ છે. તે બધા જ સજા પામેલા લોકો છે. કોઇ ખૂની હતા, કોઇ હુમલાખોર હતા, કોઇ ચોર હતા. કોઇએ અગાઉ છેતરપિંડી કરી હતી. તે પૈકીના બાદલ અને ડ્રમ વગાડનાર રાજકુમાર રસ્તોગી છેલ્લા પાંચ વર્ષથી લખનૌની જેલના કેદી છે. બીજા બે ટ્રમ્પેટ વગાડનાર નિશાન અલી અને ઉત્તમકુમાર નામના બે કેદીઓ છેલ્લા ૧૦ વર્ષથી લખનૌની જેલમાં છે. બાકીના ચાર જણ આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે.

આજે જેલ એટલે ખતરનાક લોકોથી ભરેલું સંકુલ એવી સામાન્ય છાપ છે. જેલોમાં રહીને પણ કેટલાક અસામાજિક તત્વો રિમોટથી બહાર ગુનાખોરી આચરે છે એવી પણ એક છાપ છે, પરંતુ લખનૌની આ જેલ સહેજ અલગ છે. અહીં ‘જેલ સુધારણા’ માત્ર કાગળ પર જ નથી. જેલના કેદીઓના પુનર્વસનનું અનોખું કામ આ જેલમાં થઇ રહ્યું છે. સામાન્ય રીતે દેશની બીજી જેલોમાં કેદીઓ સુધરવાના બદલે નવી ગુનાખોરી અને પ્રવૃત્તિઓ શીખતા હોય છે. કેટલીક જેલો નવી નવી ગુનાખોરી શીખવાની યુનિર્વિસટીઓ બની જતી હોય છે, પરંતુ અહીં એ બધાથી ઊંધું છે. લખનૌની જેલમાં એવી કોઇ સમસ્યાઓ નથી. અન્ય જેલોમાં જે કેદીઓ સારી ચાલચલગત ધરાવતા હોય તેમને અહીં ટ્રાન્સફર આપવામાં આવે છે. એ તમામ કેદીઓને લખનૌની આ વિશિષ્ઠ જેલમાં ચાલતા અભિનવ પ્રયોગમાં સામેલ કરવામાં આવે છે.

લખનૌની આ વિશિષ્ઠ જેલનું વાતાવરણ જોવા જેવું છે. આ જેલમાં રાખવામાં આવતા ૧૦૦ જેટલા કેદીઓને રોજ સવારે લાઇનબંધ બહાર લાવવામાં આવે છે. તે પછી દરેક કેદી પોતપોતાની સાઇકલ પર કોઇને કોઇ કામે જવા નીકળે છે. આ બધા જ કેદીઓ બેન્ડવાળા નથી, કેટલાક જ બેન્ડવાળા છે. કેટલાક કડિયા કામ જાણે છે. કેટલાક સુથારી કામ જાણે છે, કેટલાક પ્લમ્બર છે. કેટલાક હાથશાળ પર કામ કરવા જાય છે. કેટલાક હેરકટીંગ સલુનમાં નાઇનું કામ કરવા જાય છે. કેટલાક લોકો દુકાન પર નોકર તરીકે કામગીરી બજાવે છે. કેટલાક ખેતીકામ કરવા જાય છે. એ બધાને એમના કામનું મહેનતાણું મળે છે. કેટલાક કેદીઓ જેલમાં રસોઇ બનાવે છે. બીજા કેટલાક જેલમાં જાળવણી અને સફાઇનું કામ કરે છે.

જેલર સુરેશચંદ્ર કહે છે : ‘અમારી જેલમાં રહેતા કેદીઓને સુધારવા અને એમના જીવનમાં પરિવર્તન લાવવા માટે અમે તેમને કોઇને કોઇ કામની તાલીમ આપીએ છીએ. તેમના આર્થિક અને સામાજિક પાસાં પર પણ ધ્યાન આપીએ છીએ. આ કેદીઓને મળતા મહેનતાણાનો નાનકડો હિસ્સો જેલની તિજોરીમાં જાય છે. બાકીના પૈસા જે તે કેદી પાસે રહે છે. તેઓ તે રકમ તેમના ખાતામાં જમા કરાવી શકે છે. તેઓ ઇચ્છે તો તે રકમ, તેઓ તેમના પરિવારને મોકલાવી શકે છે.’

સામાન્ય રીતે જેલને કોન્ક્રીટ જંગલ કહે છે. પુરુષો પુરુષો સાથે રહે છે. સ્ત્રીઓ અલગ હોય છે. સજા પામેલા કેદીઓ જેલમાં હોઇ તેમનું લગ્નજીવન માણી શકતા નથી. ભારતની જેલો હજુ અંગ્રેજોના સમયમાં બનેલા જૂના કાયદાકાનૂન પ્રમાણે ચાલે છે. આ નિયમ મુજબ કેદીઓને લગ્ન જીવનના હક્કો મળતા નથી. કાયદામાં એવી કોઇ જોગવાઇ જ નથી. પરંતુ લખનૌની આ વિશિષ્ઠ જેલે આ દીશામાં એક નવી જ પહેલ કરી છે. લખનૌની આ જેલમાં રહેતા પુરુષ કેદીઓ જો પરણેલા હોય તો કેટલાક સમયના અંતરે તેમની પત્ની સાથે એકાંત ગાળી શકે તેવી સુવિધા કરવામાં આવી છે. કેદીઓ માટેની કાનૂની પરિભાષામાં આને ‘કોન્જૂયુગલ વિઝીટસ’ કહે છે. આ સુવિધા એવા કેદીઓ માટે છે જેમનું કુટુંબ લખનૌમાં જ વસે છે. વળી જે કેદીઓને કામ માટે બહાર જવાની છૂટ છે એવા કેદીઓને આ સુવિધા અપાય છે. કેદીઓને જેલની બહારના લોકો સાથે હળવા મળવાની છૂટ હોવાથી એક નાઇ કેદી એક છોકરીના પ્રેમમાં પડી ગયો હતો અને બેઉએ લગ્ન કરી લેવાની ઇચ્છા જેલના સત્તાવાળાઓ સમક્ષ વ્યક્ત કરી હતી. જેલના સત્તાવાળાઓએ એ લગ્નને મંજૂરી પણ આપી. જેલમાં જ તેમના લગ્ન થયાં. ૧૦૦ થી વધુ કેદીઓએ આ લગ્નમાં હાજરી આપી. જેલના અધિકારીઓ તો ખરાજ. એ બધાની હાજરીમાં જેલના સંકુલમાં જ એમના ફેરા થયા. એ દૃશ્ય અનોખુ ંહતું. હોલિવૂડની કોઇ ઇટાલિયન ફિલ્મના દૃશ્ય જેવો સીન હતો. માફિયાના લગ્નમાં ગેંગસ્ટરો હાજરી આપે તેમ અહીં બધા સજા પામેલાઓ જ લગ્નમાં હાજર હતા. જેલમાં બેન્ડવાજાવાળા તો હતા જ.

તા.૨૬ જાન્યુઆરી, ૧૯૯૨ના રોજ એટલે કે ભારતના પ્રજાસત્તાક દિને જ લખનૌની આ વિશિષ્ઠ જેલના પ્રાંગણમાં આ ‘જેલ બેન્ડ’નું ઉદ્ઘાટન થયું હતું. તેમાંથી કેટલાક બદલાતા રહ્યા છે કેટલાક નવા ઉમેરાતા રહ્યા છે. આ કેદીઓ તેમની સજા પૂરી થતાં જેલમાંથી જ્યારે બહાર નીકળશે ત્યારે તેમણે કામ શોધવા જવું નહીં પડે. કામ તેને શોધતું આવશે. કારણકે તે બધા જ હવે કુશળ કલાકારો છે.

આશ્ચર્યની વાત એ છે કે લખનૌની આ જેલમાંથી રોજ અનેક કેદીઓ કોઇને કોઇ કામે બહાર જાય છે અને સાંજે પાછા ફરે છે. આજ સુધી એક પણ કેદી ભાગી ગયો નથી. લખનૌની આ વિશિષ્ઠ જેલને આ અભિનવ પ્રયોગમાં સો એ સો ટકા સફળતા મળી છે. આજ સુધી એક પણ કેદીએ ભાગી જવા પ્રયાસ કર્યો નથી. ગુજરાતમાં અમદાવાદની સેન્ટ્રલ જેલમાં પણ ગુજરાતની જેલોના વડા પી.સી.ઠાકુરના માર્ગદર્શન હેઠળ કેદીઓની સુધારણાના સુંદર પ્રયોગો શરૃ થયા છે. તેના ફળદાયી પરિણામો પણ મળી રહ્યાં છે. સજા પામેલા કેદીને જેલમાં વધુ સજા કરવી તે કરતા તેના જીવનનું પુનર્વસન કરવું તે વધુ મહત્ત્વનું છે.

લખનૌની આ વિશિષ્ઠ જેલમાં રોજ સાંજે બધા કેદીઓ જેલમાં પાછા પ્રવેશ કરતી વખતે જે રીતે કતારમાં ઊભા રહે છે તે દૃશ્ય જોવા જેવું હોય છે. લાગે છે કે, આ બધા જ કેદીઓને તેમણે આચરેલા ગુનાઓનો હવે પસ્તાવો છે. કવિતાની પેલી પંક્તિ ફરી ગણગણવા જેવી છે.’

‘હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી ખાઇને પુણ્યશાળી બને છે.’

(દૂરદર્શન પર પ્રસારીત થયેલી એવોર્ડ વિજેતા શ્રેણી ‘કિરણ’ પર આધારીત ઉમેશ અગ્રવાલના પુસ્તક ‘જીના ઇસી કા નામ હૈ’ના સૌજન્યથી)

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

 

ચૂંટણીસભાઓમાં નેતાઓ દ્વારા ભાષાનો વ્યભિચાર !

મસાલેદાર પ્રવચનોની સ્પર્ધામાં દેશની સમસ્યાઓના અસલી મુદ્દા ગુમ થયા !

૨૦૧૪ની લોકસભાની આવી રહેલી ચૂંટણીઓનું ગ્રાન્ડ રિહર્સલ ભજવાઈ રહ્યું છે. સામાન્ય રીતે મેરેથોન દોડમાં શરૂઆતમાં ધીમે દોડવાનું હોય છે અને છેલ્લે ફાસ્ટ દોડવાનું હોય છે, પરંતુ ભાજપા-એનડીએના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શરૂઆતથી જ ખૂબ ઝડપથી અને બીજા પક્ષો ધીમેથી દોડી રહ્યા છે. લોકસભાની ચૂંટણીઓ પૂર્વે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હીમાં નરેન્દ્ર મોદી રેલીઓ ગજવી, અને એનો થાક તેમના ચહેરા અને સ્વર પર વર્તાય છે. જ્યારે દિલ્હીમાં શીલા દીક્ષિતની સભાઓમાં પાંખી હાજરીની ચિંતા કોંગ્રેસી નેતાઓના ચહેરા પર વર્તાય છે. દિલ્હીમાં આમઆદમીની પાર્ટીમાં ‘બચના ઓ હસીના..’ જેવાં નિમ્ન કક્ષાના ગીતો પીરસવામાં આવે છે.

નિમ્ન સ્તરની ભાષા
ચૂંટણીસભાઓમાં નેતાઓ દ્વારા ભાષાનો વ્યભિચાર !

૨૦૧૪ની ચૂંટણીઓ પૂર્વેની કેટલીક વિધાનસભાની ચૂંટણીઓમાં નેતાઓ તરફથી જે પ્રવચનો થઈ રહ્યાં છે તે જોતાં લાગે છે કે, રાજનીતિ અને પ્રવચનોનું સ્તર તથા ગરિમા નીચે આવી રહ્યાં છે. સમાજવાદી પક્ષના એક નેતા નરેશ અગ્રવાલે નરેન્દ્ર મોદીને ચા વેચવાવાળા વ્યક્તિ કહ્યા. કોઈએ તેમને હિટલર કહ્યા, તો કોઈએ તેમને ફાસીસ્ટ કહ્યા. રાહુલ ગાંધીએ ભાજપને ચોરોની પાર્ટીની ઉપમા આપી. તેની સામે મોદીએ સોનિયા ગાંધીને બીમાર અને કોંગ્રેસને ખૂની પંજો કહ્યા. મોદી કોંગ્રેસને ઇનડોર પાર્ટી કહે છે અને ભાજપાને આઉટડોર પાર્ટી કહે છે. મોદી રાહુલ ગાંધીને શાહજાદા કહે છે તો કોંગ્રેસ મોદીને સાહેબજાદા કહે છે. આ બધામાં બિહારમાં નીતીશકુમાર પણ બાકાત નથી. નીતીશકુમારે એવું હાસ્યાસ્પદ નિવેદન કર્યું કે, પટણામાં આતંકવાદીઓએ બોમ્બ ધડાકા કર્યા ના હોત તો મોદીની રેલી ફ્લોપ હતી. લાગે છે કે, આવનારા દિવસોમાં નેતાઓની ભાષાનું સ્તર હજુ નીચે જશે.

અસલી મુદ્દા ગુમ !

પ્રવચનો કરવાની ઉતાવળમાં મોટા મોટા નેતાઓ પણ ભૂલો કરી બેસ છે. કોઈ કહે છે કે, નરેન્દ્ર મોદીને ઇતિહાસ, ભૂગોળનું જ્ઞાન જ નથી. જનતાદળ (યુ)ના નેતા શિવાનંદ તિવારીએ એવું નિવેદન કર્યું હતું કે, “મોદી બૌદ્ધિક રૂપથી દરિદ્ર છે અને તેમની બૌદ્ધિક સંપન્નતાનો પરિચય આપે છે.” તેની સામે ભાજપાના એક પ્રવકતાએ કહ્યું કે, “શિવાનંદ તિવારી સ્વયં ગ્રેજ્યુએટ પણ નથી અને નીકળી પડયા છે ઇતિહાસ-ભૂગોળની વાત કરવા. ડિગ્રી વગરના આવા નેતાના દિમાગ પર સંશોધન થવું જોઈએ.” જેમના પતિ જેલમાં છે તેવા લાલુ યાદવનાં ધર્મપત્ની રાબડીદેવીએ ભાજપાને ‘રાવણ’ અને જનતાદળને ‘કંસ’ કહ્યા. એ જ રીતે કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજયસિંહે મોદીને ફેંકુ નં. ૧ અને શિવરાજસિંહને ફેંકુ નં. ૨ કહ્યા. તેની સામે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે, “ખુદ તેમની પાર્ટી પણ દિગ્વિજયસિંહને ગંભીરતાથી લેતી નથી.” નેતાઓની આ બયાનબાજી જોતાં લાગે છે કે, દેશની કરોડની જનતાના પ્રશ્નોના અસલી મુદ્દા ભૂલાઈ ગયા છે અને નેતાઓ સ્ટંટ, કોમેડી અને થ્રીલથી ભરપૂર મસાલાવાળી ફિલ્મનું મનોરંજન દેશને પૂરું પાડી રહ્યા છે. આખો દેશ પેટ્રોલ-ડિઝલના ભાવવધારાથી, શાકભાજીના ભાવવધારાથી, વસતીવધારાથી, બેરોજગારીથી, મંદીથી બળાત્કાર-હિંસા અને હત્યાઓથી તથા આંતરરાષ્ટ્રીય સમસ્યાઓથી ત્રસ્ત છે, પરંતુ એક પણ નેતા પાસે આ પ્રશ્નો હલ કરવા તેમની પાસે શું યોજના છે તેની વાત કોઈ કરતું નથી. આતંકવાદ તો એથીય મોટી સમસ્યા છે, પરંતુ તે વિશે કોઈ બોલતું જ નથી. પબ્લિક પણ હૈસા ભેગો હૈસો કરી રહી છે. એમ પણ લાગે છે કે, આ દેશમાંથી ‘મધર ઇન્ડિયા’નું ઓડિયન્સ અલોપ અને ‘દબંગ’નું ઓડિયન્સ પેદા થઈ રહ્યું છે.

કલ્ચરનાં મૂળ

જો કે આવાં સૂત્રો અને નારાનું કલ્ચર રાતોરાત પ્રગટ થયું નથી. એની શરૂઆત તો છેક ૧૯૭૧થી જ થઈ ચૂકી હતી. ૧૯૭૧માં લોકસભાની ચૂંટણી પૂર્વે ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું હતું અને તેમના પુત્ર સંજય ગાંધી એ વખતે દેશમાં મારુતિ કાર બનાવવાની ઝુંબેશ ચલાવી રહ્યા હતા ત્યારે ચૂંટણી વખતે જનસંઘે એક સૂત્ર ઉચ્ચાર્યું હતું : “બેટા કાર બનાતા હૈ ઔર માં બેકાર બનાતી હૈ.” જો કે કોંગ્રેસ પાર્ટીએ એ નારાનો કોઈ નિષેધાત્મક જવાબ આપ્યો નહીં, એના બદલે ઇન્દિરા ગાંધીએ એક બીજું જ સૂત્ર આપ્યું : “વહ કહેતે હૈ ઇન્દિરા હટાવ, હમ કહેતે હૈ ગરીબી હટાવ.” એ પછી કોંગ્રેસની લોકસભામાં પણ બહુમતી આવી. જો કે તે પછી સ્વતંત્ર પાર્ટીના નેતા પીલુ મોદીએ દિલ્હીની એક સભામાં કહ્યું : “ઇન્દિરાજીને ચાર સાલ પહલે કહા થા ગરીબી હટાવ મગર ગરીબી તો હટી નહીં સિર્ફ ગરીબ હટ ગયા.” એ વખતે મંચ પર એ વખતના જનસંઘના નેતા અટલ બિહારી વાજપેયી બેઠેલા હતા. તેઓ પણ હસી પડયા હતા અને તે પછીની તમામ સભાઓમાં વાજપેયીજીએ પીલુ મોદીના એ વિધાનનો પોતાના પ્રવચનમાં ઉપયોગ કર્યો.

દુર્ગુણાજી

કેટલાંક વર્ષો પહેલાં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની ભીતર વિદ્રોહ થતાં ઇન્દિરા ગાંધીએ કમલાપતિ ત્રિપાઠીને દિલ્હી બોલાવી પોતાના મંત્રીમંડળમાં સામેલ કરી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે હેમવતીનંદન બહુગુણાની પસંદગી કરી દીધી હતી. એ પછી ચૂંટણીઓ આવી ત્યારે જનસંઘે બહુગુણાને ‘દુર્ગુણાજી’ કહેવા સિવાય બીજા કોઈ મુદ્દાઓ પર ભાષણો કર્યા નહીં. ઉત્તરપ્રદેશમાં મુલાયમસિંહ યાદવે મુસ્લિમ વોટબેંકને અંકે કરવા ભૂતકાળમાં કોશિશ કરી તો કેટલાકે તેમને ‘મૌલવી મુલાયમ’ કહ્યા. તેમના જ એક સાથી અને તેમની સ્ત્રી-મિત્ર અને પૂર્વ ફિલ્મ એક્ટ્રેસના સંબંધો માટે અહીં પ્રયોજી ના શકાય તેવા શબ્દનો ઉપયોગ થયો. કોંગ્રેસના નેતા શશિ થરુર અને તેમનાં પત્ની માટે પણ પતિ-પત્નીની ગરિમાને ધ્વસ્ત કરે તેવા ‘ગર્લફ્રેન્ડ’ શબ્દનો પ્રયોગ થયો. આ સિલસિલો આજે પણ અટક્યો નથી. નરેન્દ્ર મોદીના એક બયાન પછી એક કોંગ્રેસી નેતાએ કહ્યું : “ભાજપાનું કલ્ચર જ કુંવારાઓનું છે. તેમને ‘ફેમિલી’ શું છે તેની શું સમજ પડે ?” ભૂતકાળમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી માટે પણ અશોભનીય શબ્દોનો પ્રયોગ થયો હતો.

વેપારી નેતાઓ

ભૂતકાળમાં હાર-જીતના મુદ્દા વિવિધ પક્ષોની નીતિઓમાંથી પ્રગટ થતાં હતા. હવે જાતિ, વર્ગ, વર્ણ, સંપ્રદાય અને કોમ પર આધારિત ચૂંટણીઓ થઈ રહી છે. લગભગ તમામ પક્ષોએ તેમના મૂળ સિદ્ધાંતોને તિલાંજલિ આપી છે. દેશની રાજનીતિ હવે વેપારમાં તબદિલ થઈ ગઈ છે. કેટલાક નેતાઓ રાજકારણને એક ધંધો જ સમજે છે. રાજનીતિ હવે સ્વયં એક બજાર છે. આજે ડાબેરીઓને બાદ કરતાં તમામ પક્ષોના ૮૦ ટકા નેતાઓ પ્રોપર્ટી ડિલર છે. આવા વેપારીઓના ખભા પર ઊભી થયેલી પોલિટિકલ પાર્ટીઓના નેતાઓ પાસેથી આપણે કેવી રીતે ગરિમાપૂર્વક ભાષાની અપેક્ષા રાખી શકીએ ?

રાજનીતિ : A Family Business

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
પત્ની, ભાઈ, ભત્રીજા, પુત્ર-પુત્રી, પૌત્રીઓને ટિકિટ

ભારતની રાજનીતિમાં નહેરુ-ગાંધી પરિવાર પર પરિવાદના નામે વિપક્ષો આક્ષેપ કરે છે, પરંતુ ભૂમિગત હકીકત એ છે કે દેશના તમામ પક્ષોમાં પરિવાદનું અસ્તિત્વ છે અને દેશની પ્રજાએ વંશવાદને સ્વીકાર્યો છે. ગુજરાતથી શરૂઆત કરીએ તો માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા, આજે તેમના પુત્ર ભરતસિંહ સોલંકી જેટલી વાર લોકસભાની ચૂંટણી લડયા છે, તે તમામ વાર જીતતા આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી પણ સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા વિઠ્ઠલ રાદડિયા સંસદમાં અને તેમના પુત્ર જયેશ રાદડિયા વિધાનસભામાં ચૂંટાયા છે અને હવે મંત્રી બન્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ પણ અગાઉ વિધાનસભામાં ચૂંટાઈ ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા એ બંને ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા છે.

રાજનીતિ : AFamily Business
રાષ્ટ્રીય કક્ષાએ

મહારાષ્ટ્રમાં શિવસેનાના સુપ્રીમો સ્વ. બાલ ઠાકરેએ શિવસેનાના વારસદાર તરીકે તેમના જ પુત્ર ઉદ્ધવ ઠાકરેને નીમી દીધા અને એ વારસો ન મળતાં બાલ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરેએ અલગ પાર્ટી ઊભી કરી છે. મહારાષ્ટ્રમાં એનસીપીના વડા શરદ પવાર સ્વયં કેન્દ્રીય મંત્રી છે. અને તેમનાં પુત્રી સુપ્રિયા પણ સાંસદ છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ સુનીલ દત્તનાં પુત્રી પ્રિયા દત્ત પણ સાંસદ છે. તામિલનાડુમાં ડીએમકેના સુપ્રીમો કરુણાનિધિનાં પુત્રી કનિમોઝી સાંસદ છે. કરુણાનિધિના પરિવારના જ દયાનિધિ મારન પણ સાંસદ છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ અને તેમનાં પત્ની રાબડી દેવી બંને મુખ્યમંત્રી પદ ભોગવી ચૂક્યાં છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના પુત્ર હાલ યુપીના મુખ્યમંત્રી છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લા હાલ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી છે. ડાબેરીઓના પ્રકાશ કરાત અને તેમનાં પત્ની વૃંદા કરાત બેઉ રાજનીતિમાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજેશ પાઇલટના પુત્ર પણ સાંસદ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી દેવરાના પુત્ર મિલિન્દ દેવરા પણ આજે કેન્દ્રીય મંત્રી છે.

આખો સિંધિયા પરિવાર

મધ્યપ્રદેશનાં પૂર્વ રાજમાતા વિજયારાજે સિંધિયા કે જેઓ ભાજપની સ્થાપનાનાં મુખ્ય સ્તંભ હતાં. તેમનો આખો પરિવાર રાજનીતિમાં છે. રાજમાતા વિજયારાજે સિંધિયાના પુત્ર સ્વ. માધવરાવ સિંધિયા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી પદે રહી ચૂક્યા હતા. તેમના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે કેન્દ્રીય મંત્રી છે. રાજમાતા વિજયારાજે સિંધિયાનાં પુત્રી વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનમાં ભાજપનાં મોવડી છે અને રાજ્યનાં મુખ્યમંત્રી પણ રહી ચૂક્યાં છે. હવે ફરી રાજસ્થાનમાં સત્તા કબજે કરવા પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ નેતા સંજય ગાંધીનાં પત્ની મેનકા ગાંધી અને તેમનો પુત્ર વરુણ ગાંધી બંને ભાજપમાં સક્રિય છે અને સાંસદ પણ છે. પંજાબમાં આખો બાદલ પરિવાર વંશવાદનો પ્રતીક છે. એક બાદલ મુખ્યમંત્રી છે, બીજા બાદલ ઉપમુખ્યમંત્રી છે અને એક પુત્રવધૂ સાંસદ છે. આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી એન.ટી. રામારાવના જમાઈ ચન્દ્રાબાબુ નાયડુ પણ આંધ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બીજુ પટનાયકના પુત્ર નવીન પટનાયક આજકાલ ઓડિશાના મુખ્યમંત્રી છે.

રાજવંશના ઠેકેદારો

રાજસ્થાનમાં સિંધિયા પરિવાર તો આખો રાજનીતિમાં છે પરંતુ બીજા રાજવી પરિવારોનાં દૃષ્ટાંતો પણ જોવા જેવાં છે. બિકાનેર રાજવી પરિવારનાં સિદ્ધિ કુમારી હાલ ભાજપ તરફથી વિધાનસભામાં છે, તેમના દાદા કરણસિંહ પણ સાંસદ હતા. ભિન્ડરના રાજવી પરિવારના રણધીરસિંહ ભિન્ડર અગાઉ અપક્ષ તરીકે ચૂંટણી લડી વિધાનસભામાં ચૂંટાયા હતા. દેવગઢ રાજઘરાનાના સભ્ય રણધીરસિંહ ભિન્ડર અપક્ષ તરીકે ચૂંટણી લડી વિધાનસભામાં ચૂંટાયા હતા. દેવગઢના રાજવી પરિવારના સભ્ય કૌશલેન્દ્રસિંહ વિધાનસભામાં ચૂંટાયા હતા. તેમના પિતા માંધાતા સિંહ કેન્દ્રમાં મંત્રી હતા.

રાજસ્થાનના કુંદનપુરના રાજવી પરિવારના સભ્ય ભરતસિંહ કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભામાં ચૂંટાયા હતા. તેમના પિતા જુંઝારસિંહ અગાઉ કેન્દ્રમાં મંત્રી હતા. જયપુરના રાજવી પરિવારનાં સભ્ય દિયા કુમારી ભાજપની ટિકિટ પર રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે. તેમનાં દાદી ગાયત્રીદેવી અને તેમના કાકા પૃથ્વીરાજસિંહ સંસદમાં ચૂંટાયાં હતાં. તેમના પિતા ભવાનીસિંહ પણ લોકસભાની ચૂંટણી લડયા હતા. ભરતપુર રાજવી પરિવારના વિશ્વેન્દ્રસિંહ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના કાકા માનસિંહ અગાઉ ધારાસભ્ય અને કાકાના પુત્ર અરુણસિંહ પણ રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા છે. શાહપુર (જયપુર) પરિવારના રાવ રાજેન્દ્રસિંહ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમના પિતા રાવ ધીરસિંહ રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમનાં માતા ગુણવંત કંવર પણ ધારાસભ્ય રહી ચૂક્યાં છે.

રાજાશાહીનું નવું સ્વરૂપ

દેશના દરેક રાજકીય પક્ષો એવા જ ઉમેદવારોને ટિકિટ આપે છે કે જેઓ આસાનીથી જીતી શકે. આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ પ્રજામાં એક એવો વર્ગ છે કે જે પૂર્વ રાજાઓને અને તેમના પરિવાર પ્રત્યે જબરદસ્ત આદર ધરાવે છે. ગુજરાતમાંથી વડોદરાના પૂર્વ મહારાજા ફતેસિંહ રાવ ગુજરાતમાં મંત્રી રહી ચૂક્યા હતા. રાજકોટના રાજવી પરિવારના મનોહરસિંહજી પણ રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા છે. રાજવી પરિવારોની લોકપ્રિયતા જોતાં દરેક રાજકીય પક્ષની એ મજબૂરી બની ગઈ છે કે તેઓ વધુ ને વધુ પૂર્વ રાજાઓના પરિવારના કોઈ ને કોઈ સભ્યને ચૂંટણીના મેદાનમાં ઉતારે છે. આ એક પ્રકારની નવી જ રાજાશાહી છે. રાજસ્થાનમાં રાજકીય પરિવારોની પ્રજા પર પકડ વધુ હોઈ જયપુર, જોધપુર, કોટા, બિકાનેર, ભરતપુર, અલવર, ધૌલપુર, ભીલવાડા, કરૌલી, નાગૌર અને ડુંગરપુર જેવા જિલ્લાઓમાં પૂર્વ રાજવી પરિવારોના સભ્યો કોઈ ને કોઈ રૂપે રાજનીતિમાં સક્રિય છે. આ વખતે પણ બધા જ રાજકીય પક્ષોએ એ રાજવી પરિવારોના કોઈ ને કોઈ સભ્યને ટિકિટો આપી છે. આ અંગે એક મત એવો પણ છે કે રાજવી પરિવારોને ટિકિટો આપવાથી કેડર આધારિત સંગઠન નબળું પડે છે. આમ કરવાથી રાજવી પરિવારોના સભ્યો રાજઘરાનાઓના જ પરિવારોનાં હિતો જુએ છે એમ કેટલાકને લાગે છે. રાજસ્થાનનાં વસુંધરા રાજે સિંધિયાના સમયગાળામાં રાજસ્થાનનો વિકાસ રસ્તા અને વીજળી વ્યવસ્થા ખાડે ગયાં હતાં. એ પછી અશોક ગેહલોતની સરકારે તેમાં ઘણો સુધારો કર્યો હોવા છતાં વસુંધરા રાજે ફરી મુખ્યમંત્રી બને તેમ લાગે છે. તેઓ સ્વયં રાજમાતાનાં પુત્રી છે. ધૌલપુર રાજવી પરિવારનાં સભ્ય છે અને તેમના પુત્ર પણ સાંસદ છે. રાજસ્થાનમાં તો રાજાશાહી પાછી આવી ગઈ હોય તેમ લાગે છે.

દાગી પરિવારો પણ

રાજસ્થાનમાં કેટલાક રાજનેતાઓની છબી બગડેલી છે અને કેટલાક જેલમાં છે, છતાં તેમના પરિવારોને ટિકિટો આપવામાં આવી છે. દા.ત. ભંવરી દેવી પ્રકરણમાં જેલમાં ગયેલા મહિપાલ મદેરણાને કોંગ્રેસે ટિકિટ આપી છે. આ જ પ્રકરણમાં જેલ ભોગવી રહેલા બીજા નેતા મલખાન સિંહનાં માતા અમરી દેવીને કોંગ્રેસે ટિકિટ આપી છે. બળાત્કાર કેસના આરોપી બાબુલાલ નાગરના ભાઈ હજારીલાલ નાગર પણ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડી રહ્યા છે.

એ જ રીતે રાજસ્થાનમાં પરિવારવાદની વાત કરીએ તો રાજસ્થાન વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રામનિવાસ મિશ્રાના પુત્ર હરેન્દ્ર મિશ્રા અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ મંત્રી ગંગારામ ચૌધરીની પૌત્રી ડો. પ્રિયંકા ચૌધરી ભાજપની ટિકિટ પર બાડમેરમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. ગંગારામ ચૌધરી આઠ વખત ધારાસભામાં રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી લાલચંદ કટારિયાએ તેમના ભાઈની પત્નીને ટિકિટ અપાવી છે. પૂર્વે સાંસદ અબરાર એહમદના પુત્ર પણ ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નવલકિશોર શર્માના પુત્ર વ્રજકિશોર શર્મા પણ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી નટવરસિંહના પુત્ર જગતસિંહ ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે રાજસ્થાનમાં ગોગુંદ, સાગવાડા, ચૌરાસી, ખાનપુર, છબડા, બાડમેર, ફત્તેહપુર, શ્રી માધોપુર, સાદુલપુર,સૂરતગઢ, સંગરિયા અને ભાદરાની બેઠકો પર પરિવારવાદના આધારે જ ઉમેદવારો ઊભા રાખ્યા છે. આખો દેશ પરિવારવાદ પર ચાલતો હોય તો નહેરુ-ગાંધી પરિવાર પર જ આરોપ કેમ?

(પૂરક માહિતી : રાજસ્થાન પત્રિકા)

www. devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén