Devendra Patel

Journalist and Author

Month: February 2016

ખુશામત કરવી નહીં અને ડરવું નહીં તે જ મારો ધર્મ

મોરારજી દેસાઈ પ્રાંત ઓફિસર હતા ત્યારે ઘોડા પર મુસાફરી કરતા હતા

દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ તા. ૨૯મી ફેબ્રુઆરીએ જન્મ્યા હતા. તેમની જન્મ તારીખ દર ચાર વર્ષે એક જ વાર આવે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ૨૯મી તારીખ લીપ યરમાં જ જન્મેલા મોરારજી દેસાઈના જીવનમાં કેટલાંક રસપ્રદ પાસાં જાણવા જેવાં છે.

ગુજરાતના એક રાજનીતિજ્ઞા મોરારજી દેસાઈ કે જેમનું વ્યક્તિત્વ અનેક પ્રકારની લાક્ષણિકતાઓથી ભરેલું હોઈ, તેઓ અનેક વાર વિવાદાસ્પદ રહ્યા અને ગુજરાતે તેમની જેટલી કદર કરવી જોઈએ તેટલી કરી નથી. બહુ ઓછા લોકોને ખબર છે કે, મોરારજીભાઈ દેશના વડા પ્રધાન પદે પહોંચ્યા તે પહેલાં બ્રિટિશ રાજ્યમાં સનદી અધિકારી હતા. તેમના જીવનનો એક રસપ્રદ ફ્લેશબેક અહીં પ્રસ્તુત છે જે તેમણે નવજીવન દ્વારા પ્રકાશિત’મારું જીવન વૃત્તાંત’માં આલેખ્યો છે :

ઈ.સ. ૧૯૧૮માં તેઓ બોમ્બે પ્રોવિન્શિયલ સવર્સિમાં પ્રોબેશનરી ડેપ્યુટી કલેક્ટર તરીકે જોડાયા હતા. ૧૯૧૯માં તેઓ ખેડા જિલ્લાના પ્રાંત ઓફિસર તરીકે હતા ત્યારે પ્રાંતિજ તાલુકાનો પણ પ્રાંત ઓફિસર તરીકેનો ચાર્જ તેમને સોંપવામાં આવ્યો હતો. એ વખતે તેઓ કોઈ કામે તલોદ નજીકના એક ગામે લોકોની ફરિયાદો સાંભળવા ગયા હતા. ત્યાં તંબુ ઊભો કરવામાં આવ્યો હતો. તેમના ઉપર એટલે કે કલેક્ટર મિ. ચેસ્ટફિલ્ડનો મુકામ પણ તે સ્થળથી છ માઈલ દૂર હતો. બ્રિટિશ રાજ વખતે અંગ્રેજ કલેક્ટરો રહેતા.

મોરારજી દેસાઈએ સનદી અધિકારી તરીકે તેમના અનુભવોનું જે વર્ણન કર્યું છે તે તેમના જ શબ્દોમાં વાંચો : “જે ગામે મારો મુકામ હતો ત્યાં કલેક્ટર ચેસ્ટફિલ્ડ પણ જોવા આવેલા. જ્યારે એ લોકોની સાથે વાતો કરતા હતા ત્યારે એમની હિંદુસ્તાની ભાષા લોકો સમજતા ન હતા અને લોકોની ગુજરાતી ભાષા કલેક્ટર સમજતા ન હતા. એટલે ઉપયોગી થવાના હેતુથી મેં કલેક્ટરને અને લોકોને એકબીજાનું મંતવ્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો. કલેક્ટરને મારી એ દખલ લાગી અને એમણે મને વચ્ચે પડવાની ના પાડી. તે જમાનામાં મારો સ્વભાવ ઉગ્ર હતો અને ખૂબ જ સંવેદનશીલ હતો. કલેક્ટરની આ વર્તણૂક મને ઘણી કઠી અને મેં તરત જ એમને કહી દીધું કે, મારી જરૂર ન હોય તો હું મારા મુકામ પર જાઉં છું. એમ કહીને મારો મુકામ એ જ ગામમાં તંબુમાં હતો ત્યાં હું ચાલ્યો ગયો. થોડી વાર પછી કલેક્ટરે મને બોલાવવા માણસને મોકલ્યો. હું ત્યાં ગયો અને મારી સાથે કલેક્ટર મારા તંબુ પર આવ્યા. મને સીધી વાત પૂછવા માટે કોઈ વાતનો સંકોચ કદી રહ્યો નથી. એટલે મેં કલેક્ટરને ગુસ્સે થવાનું કારણ પૂછયું. એમણે મને કહ્યું કે, “મારા કહ્યા વગર તમારે દરમિયાનગીરી કરવી જોઈતી ન હતી.”

મેં એમને તરત જ કહ્યું કે, “મેં કોઈ દરમિયાનગીરી કરી નહોતી, પરંતુ તમે લોકોની વાત સમજતા ન હતા. એથી ઘણી ગેરસમજ થતી મેં જોઈ એટલે એ દૂર કરવા તમારી વાત એમને સમજાવવાની મેં કોશિશ કરી. એ રીતે ઉપયોગી થવાનો મેં પ્રયાસ કર્યો કે જે મારી ફરજ હતી.” કલેક્ટર પોતાની ભૂલ મોંએથી કબૂલ કરવા રાજી ન હતા, પણ પોતાની ભૂલ સમજી ગયા અને તેથી હસીને મને કહ્યું કે, “યંગ મેન ફરગેટ ધીસ, આઈ ડિડ નોટ ટેઈક ઈટ ઈલ.” એ વાત ત્યાંથી પતી.

એ જમાનામાં જે શિરસ્તો હતો તે પ્રમાણે મારી વર્તણૂક ઉપરી અધિકારીને ધૃષ્ટતાભરેલી લાગે એવું ખુશામતનું વાતાવરણ ચાલતું હતું. હું આ વાતાવરણથી રંગાવા માગતો ન હતો. શરૂઆતથી જ ખુશામત ન કરવી, ખોટું ન બોલવું કે કરવું અને કોઈથી ગભરાવું કે ડરવું નહીં એ મારો સંકલ્પ હતો અને એ સંકલ્પ પાળવાને માટે નોકરી જાય તો ભલે જાય એવી મનમાં નિરાંત રાખી હતી. એટલે જ કલેક્ટરને અને તે પણ એક સિનિયર કલેક્ટરને હું મારા પ્રોબેશન કાળ દરમિયાન પણ સીધી વાત વિના સંકોચે કરી શક્યો હતો. મારા સહઅધિકારીઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ અજાયબી પામ્યા અને મને કહેવા લાગ્યા કે, મારે આવી ભૂલ ન કરવી જોઈએ. મેં એમને કહેલું કે, મારી એ ભૂલ નહોતી, પણ મારો એ ધર્મ હતો અને ધર્મ છોડીને હું કોઈ પણ લાભ માટે ખોટું કામ કરવા ઇચ્છતો નથી અને કોઈની પણ ખોટી શરમ કે ભીતિ રાખવામાં માનતો નથી.

અમદાવાદમાં એ વખતે એક એડિશનલ સેશન્સ જજ વાસુદેવ કરીને હતા, એમણે ડેપ્યુટી કલેક્ટર તરીકે શરૂઆત કરેલી, પણ તેઓ ઘણા વગવાળા માણસ હતા એટલે તરત જ જ્યુડિશિયલ લાઈનમાં ગયા અને એડિશનલ સેશન્સ જજ થયા. એમની સાથે મારે સારી મૈત્રી થઈ હતી અને એમને ત્યાં હું વારંવાર જતો હતો.

એક વખત મારી પાસે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ તરીકે એક છોકરાના ખૂનનો કેસ આવ્યો. એ ખૂન આકસ્મિક હતું. ખૂન કરવાને માટે ઈજા થયેલી ન હતી એવી મારી ખાતરી થઈ. મારી પાસે આ કેસ ચાલ્યો ત્યારે સામાન્ય રીતે ખૂનના કેસ તરીકે એ કેસ સેશન્સ કમિટ થાય એવો નિયમ હતો, પણ જ્યારે મેં સાક્ષીઓને તપાસ્યા ત્યારે મને સાફ સમજાયું કે, આ કેસ સાદી ઈજાનો છે- ખૂનનો નથી અને એ જાતનો કોઈ પણ ઈરાદો આરોપીનો હતો નહીં- હોઈ શકે નહીં. એટલે મેં સાદી ઈજાનું તહોમતનામું ઘડી કાઢયું અને એ માણસને ત્રણ મહિનાની સજા કરી. વાસુદેવને આ કેસની ખબર પડી ત્યારે એમને મને કહ્યું કે, તમારે આ કેસને સેશન્સ કમિટ જ કરવો જોઈતો હતો અને ખૂનનું તહોમતનામું જ ફરમાવવું જોઈતું હતું. મેં એમને તરત જ કહ્યું કે, મેં ખોટો ન્યાય કર્યો છે એવું જો તમને લાગે તો જરૂર તમે એ કેસને પાછો મગાવી શકો છો અને તમારા અધિકારની રૂએ હાઈકોર્ટને મારું જજમેન્ટ ફેરવવા અને કેસ ફરી ચલાવવા રિમાન્ડ કરવાને લખી શકો છો. એમણે મારું જજમેન્ટ જોયું અને કેસને હાઈકોર્ટમાં રિફર કરવાનું મન એમને ન થયું અને મારો ચુકાદો બહાલ રહ્યો હતો.”

૧૯૧૯માં મોરારજી દેસાઈ અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટર હતા. તે વખતે રોલેક્ટ એક્ટની વિરુદ્ધ દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. અંગ્રેજ સરકારે ગાંધીજીને પંજાબ જતા રોક્યા હતા. એના કારણે અમદાવાદમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. ભદ્રના કિલ્લામાં તેમની ઓફિસ હતી. તોફાનોના ખબર મળતા જ ડેપ્યુટી કલેક્ટર મોરારજી દેસાઈ સાઈકલ લઈ તોફાનોને કાબૂમાં લેવા શહેરમાં નીકળી પડયા હતા. ધોળકાના અંગ્રેજ આસિ. કલેક્ટર તો ભાગીને છૂપાઈ ગયા હતા. ભદ્રમાં મેટ્રિકની પરીક્ષા માટે બાંધવામાં આવેલો મંડપ પણ લોકોએ બાળી મૂકયો હતો. એ વખતે મેટ્રિકની પરીક્ષા આપનારાઓમાં ઠાકોરભાઈ દેસાઈ પણ એક હતા. વિરમગામમાં એક સરકારી અધિકારીને જીવતો સળગાવી દીધો હતો. સરદાર સાહેબના પ્રયાસો બાદ અંગ્રેજો વિરુદ્ધનાં એ તોફાનો શાંત થયાં હતાં. મોરારજી દેસાઈ થાણાના પ્રાંત ઓફિસર હતા ત્યારે ઘોડા પર જ મુસાફરી કરતા. એ વખતે થાણામાં એક ડાકુ હતો. એ કારણે તેમણે એક ડાકુનો સામનો થઈ જાય અને જરૂર પડે તે માટે એક પિસ્તોલ પણ રાખી હતી. અલબત્ત, તેમનો ડાકુ સાથે કદી ભેટો થયો નહીં અને પિસ્તોલનો પણ ઉપયોગ કરવો પડયો નહોતો.

દેખતી હી રહો આજ દર્પણ ના તુમ, પ્યાર કા મુહૂરત..

ફિલ્મ ‘મેરા નામ જોકર’નું ‘એ ભાઈ જરા દેખ કે ચલો’ ગીત તો યાદ છે ને ?

આ ગીત આજે પણ ગુનગુનાવવાનું મન થાય છે. આ ગીતના લેખક છે નીરજ. તેમનું આખું નામ ગોપાલદાસ સક્સેના છે. ‘નીરજ’ તેમનું તખલ્લુસ છે. તેઓ ૯૨ વર્ષના થયા. તા. ૪ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ તેમનો જન્મ ઈટાવા નજીકના પુરાવલી ગામે થયો હતો. તેઓ માત્ર છ વર્ષની વયના હતા ત્યારે જ તેમના પિતા ગુજરી ગયા. ૧૯૪૨માં તેમણે એટા માં હાઈસ્કૂલની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં પાસ કરી. શરૂઆતમાં તેમણે ટાઈપિસ્ટની નોકરી સ્વીકારી. તે પછી એક સિનેમાઘરની ચાની દુકાન પર નોકરી કરી. લાંબો સમય બેકાર રહ્યા બાદ દિલ્હી જઈ સફાઈ વિભાગમાં ફરી ટાઈપિસ્ટની નોકરી કરી. ૧૯૫૩માં તેમણે હિંદી સાહિત્યમાં તેમણે પ્રથમ શ્રેણીમાં એમ.એ. કર્યું. મેરઠની કોલેજમાં હિંદી ભાષાના અધ્યાપક તરીકે નોકરી કરી, પરંતુ કોલેજના સંચાલકોએ તેમની પર રોમાંસ કરવાનો આરોપ મૂક્યો. આથી ક્રોધિત થઈ તેમણે અધ્યાપક તરીકેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તે પછી અલીગઢની કોલેજમાં હિંદીના પ્રાધ્પાયક બન્યા.

ત્યાર બાદ તેઓ કવિ સંમેલનોમાં જવા લાગ્યા. તેમની લોકપ્રિયતા જોઈ મુંબઈના ફિલ્મ નિર્દેશકોએ તેમને ‘નઈ ઉમર કે નઈ ફસલ’ માટે ગીતો લખવા આમંત્રણ આપ્યું. તેમનું ગીત ‘કારવાં ગુજર ગયા ગુબાર દેખતે રહે’ બેહદ લોકપ્રિય થયું. તે પછી તેમણે લખેલું ગીત : ‘દેખતી હી રહો આજ દર્પણ ના તુમ, પ્યાર કા મુહૂરત નિકલ જાયેગા’ એટલું જ લોકપ્રિય થયું. આ સિવાય ‘ધીરે સે જાના બગિયા મહેંકેગી’, ‘મૈંને કસમ લી’, ‘મેઘા છાયે આધી રાત’, ‘મેરા મન તેરા પ્યાસા’, ‘ઓ મેરી, ઓ મેરી ઓ મેરી શર્મિલી આઓ ના’, ‘ફૂલોં કે રંગ સે દિલ કી કલમ સે’, ‘રંગીલા રે’, ‘રાધા ને માલા જપી શ્યામ કી’ આજે પણ એટલાં જ લોકપ્રિય છે.

કવિ નીરજે સેંકડો ગીતો લખ્યાં છે. તેમનાં જે ગીતો આજે પણ સદાબહાર છે તેમાં (૧) કારવાં ગુજર ગયા, ગુબાર દેખતે રહે (૨) શોખિયોં મેં ઘોલા જાયે ફૂલોં કા શબાબ (૩) બસ યહી અપરાધ મૈં હર બાર કરતા હું… આદમી હૂં આદમી સે પ્યાર કરતા હૂં વગેરેનો સમાવેશ થાય છે.

૧૯૭૨માં ફિલ્મ ‘મેરા નામ જોકર’ના ગીત ‘એ ભાઈ જરા દેખ કે ચલો’ માટે નીરજને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જ્યારે ફિલ્મ ‘પહેચાન’ના ગીત ‘બસ યહી અપરાધ મૈં હર બાર કરતા હું’ માટે ૧૯૭૧માં તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો.

૧૯૯૧માં તેમને ‘પદ્મ શ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ૧૯૯૪માં તેમને યશ ભારતી સન્માન પ્રાપ્ત થયું. ૨૦૦૭માં તેમને ‘પદ્મ ભૂષણ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે અનેક ફિલ્મો માટે ગીતો લખ્યાં જેમાં શર્મિલી, મેરા નામ જોકર અને પ્રેમપૂજારી મુખ્ય છે.

કોણ જાણે કેમ પણ એક દિવસ મુંબઈની જિંદગીથી તેમનું મન ઊઠી ગયું. તેઓ ફિલ્મ નગરીને અલવિદા કહી ફરી અલીગઢ પાછા આવ્યા. તે પછી શરાબ, બીડી અને શાયરી તેમના જીવનનાં અભિન્ન સહચારી બની રહ્યા. આજે ૯૨ વર્ષની વયે તેઓ લખનૌના ગોમતીનગર સ્થિત મંત્રી આવાસના ફ્લેટ નં. ૧૫માં નિવાસ કરે છે. તેમણે ઉર્દૂ અને હિંદી બેઉ ભાષાઓમાં ગીતો અને કવિતાઓ લખી છે. હાલ તેઓ ઉત્તર પ્રદેશના ભાષા સંસ્થાનના અધ્યક્ષ છે.

તેમની શાયરીઓ પણ લોકપ્રિય છે. નીરજને રોજ અનેક પત્રો મળે છે જેમાં ૯૨ વર્ષના આ શાયરની શાયરીઓ પર આફરીન કોલેજ ગર્લ્સના પત્રોનો પણ સમાવેશ થાય છે. નીરજને મળવા આવનાર મુલાકાતીઓમાં ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપરાંત શહેરના યુવાન ફિલ્મ કલાકારોનો પણ સમાવેશ થાય છે. એ બધાંની સમક્ષ તેઓ સહજતાથી જ પેશ આવે છે. તેમના ચહેરા પર ચંચળતા, ચપળતા અને ચમકને બરકરાર રાખ્યાં છે. આજના યુ-ટયૂબ, ફેસબુક, વોટ્સએપ અને ઈ-કવિતાના જમાનામાં પણ કવિ નીરજ આઉટ ઓફ ડેટ થયા નથી.

આટલી ઉંમરે પહોંચ્યા બાદ પણ રોજ સવારે ૮ વાગે ઊઠે છે. દિવસ દરમિયાન તેઓ લોકોને મળતા રહે છે. ફોન પર વાતો કરતા રહે છે. લોકોનો કોલાહલ તેમને ગમે છે. લોકો તેમની પાસે કવિતાઓ સાંભળવા આવે છે. અઠવાડિયામાં ચાર દિવસ તો તેઓ કવિ સંમેલનના મંચ પર નજર આવે છે. ક્યારેક ફૈઝાબાદ, ક્યારેક લખનૌ, ક્યારેક અન્ય કોઈ શહેરમાં કેટલાક મિત્રો તેમને કહે છે : “થોડોક વિશ્રામ તો કરો.” તો નીરજ તેમને કહે છે : “અગર બેઠા તો બેઠ જાઉંગા, ઈસ લિયે બસ ચલને દો. જબ તક મન મેં ઊર્જા હૈં તબ તક ચલને દો.”

સાહિત્યિક પરિભાષામાં કવિ નીરજ શૃંગારના કવિ છે. નીરજની કવિતાઓમાં શૃંગાર રસ ખીલી ઊઠે છે. ક્યારે રિસાવાની વાત હોય તો ક્યારેક મનાવવાની. ક્યારેક ગોરીના રૂપની પ્રશંસા તો ક્યારેક પ્રણયની મહેંક. આ બધી સંવેદનાઓના કારણે નીરજને આ સદીના મહાન શૃંગાર કવિઓ પૈકીના એક માનવામાં આવે છે, પરંતુ કવિ નીરજ સાહિત્યકારોની આ પદવીનો સ્વીકાર કરતો નથી. તેઓ કહે છે કે, “હું શૃંગારનો નહીં, પરંતુ દર્શનનો કવિ છું. એ વાત સાચી છે કે, મારી પ્રેમ કવિતાઓને વધુ લોકપ્રિયતા મળી છે, પરંતુ એ સિવાય પણ મેં ઘણું લખ્યું છે. મેં શૃંગારના પ્રતીકને લઈને દર્શન લખ્યું છે. લો આ રહી તેમની કેટલીક પંક્તિઓ :

“ચલ ચલે જાયેંગે લૌટ કે સાવન કી તરહ…

યાદ આયેંગે પ્રથમ પ્યાર કે ચુંબન કી તરહ..

જિક્ર જિસ દમ ભી છોડા ઉન કી ગલી મેં મેરા…

જાને શરમાએ ક્યાં યહ

ગાંવ કી દુલ્હન કી તરહ…

ઉંમરના કારણે નીરજ બીમાર રહે છે. દવાઓ ખાતાં રહે છે. તેઓ કહે છે : “મૈં તો બીમાર હી પૈદા હુઆ થા, ઈસ લિયે આજ ભી બીમાર હું…. મૈં તન સે ભોગી ઔર મન સે યોગી હૂં. ઈસ લિયે તન સે કષ્ટ હૈ લેકિન મન મુક્ત હૈં.”

તેઓ તેમની યાદગાર સ્મૃતિઓ વિશે પૂછવામાં આવે તો તેઓ કહે છે : “મને મારી પહેલી પત્ની યાદ આવે છે. તેનો હાસ્ય-પરિહાસવાળો સ્વભાવ મને યાદ આવે છે.”

અને ક્યારેક પૂછવામાં આવે તો તેમના પ્રેમ સંબંધોને પણ યાદ કરે છે. ખાસ કરીને તેમનો એક પહેલો પ્રેમ… ! અલબત્ત, પ્રેમની પરિભાષા કરતા તેઓ સ્પષ્ટ કહે છે : “પ્રેમ વાસના સે શુરૂ હોતા હૈં. હમારે શાસ્ત્રો મેં કામ ઔર કામાયની હૈં. પ્રેમ કહીં નહીં લિખા હૈં.”

આવું કહેવાની કોઈની હિંમત છે ખરી ?

એટલા જ માટે નીરજ એ નીરજ છે.

નીરજ માટે ખૂબીની વાત એ છે કે, ૯૨ વર્ષની વયે પણ તેમનું દિમાગ સ્વયં એક મોબાઈલ ડિરેક્ટરી છે. તેમને કમ સે કમ ૧૨૦૦ લોકોના ટેલિફોન નંબર યાદ છે. સેંકડો ફિલ્મી ગીત અને અગણિત કવિતાઓ લખ્યા બાદ પણ તેઓ કહે છે કે, મૈંને અભી અપની કાલજયી કી રચના નહીં લિખી. બસ, અબ યે શરીર થોડા સાથ દે દે તો અપની કાલજયી રચના લિખ લૂં.

આવી છે કવિ નીરજની વાતો.

– દેવેન્દ્ર પટેલ

Powered by WordPress & Theme by Anders Norén