Devendra Patel

Journalist and Author

Month: June 2015

જે રસ્તે મા ગઈ હતી તે જ રસ્તે હવે દીકરી પણ ગઈ !

જે રસ્તે મા ગઈ હતી તે જ રસ્તે હવે દીકરી પણ ગઈશિવાની હવે ૨૦ વર્ષની થઈ ગઈ હતી. તે શિવમ ત્રિપાઠી નામના યુવાનને ચાહતી હતી. પિતાનો સખ્ત વિરોધ હતો પણ શિવાની શિવમ ત્રિપાઠી સાથે છેવટે ભાગીને લગ્ન કરવા માગતી હતી.

શિવાની કોણ હતી?

દરઅસલ તે પોસ્ટ વિભાગમાં કામ કરતા મનોહર ખન્નાની દીકરી હતી. મનોહર પોસ્ટમેન હતો. તેના લગ્ન મંજુ નામની યુવતી સાથે થયા હતા. મંજુ ચંચળ હતી. મનોહર સાંજે ઘેર આવતો અને રોજ રાત્રે મિત્રો સાથે ઘરમાં જ મહેફિલ જમાવતો. એને શરાબની લત હતી. તેના મિત્રોમાં એક નારાયણ પણ હતો. પાર્ટી પતી ગયા પછી પણ તે ઘરમાં બેસી રહેતો અને મનોહરની પત્ની સાથે મોડી રાત સુધી વાતો કર્યા કરતો.

એક દિવસ તબિયત બગડતા મનોહર રજા મૂકી અચાનક બપોરના સમયે ઘેર આવી ગયો. બારણું બંધ હતું. મનોહરે ડોર બેલનું બટન દબાવ્યું. એણે જોયું તો પત્ની મંજુ અને નારાયણ ઘરમાં એકલાં જ હતા. તેમના વસ્ત્રો પણ અસ્તવ્યસ્ત હતા. મનોહર સમજી ગયો. એણે નારાયણને ગાળો બોલી ઘરમાંથી ભગાડી મૂક્યો અને પત્ની મંજુને તમાચો ફટકારી દીધો. મનોહરને હતું કે, થોડા દિવસોમાં મંજુ સુધરી જશે. પણ તેમ થયું નહીં. મંજુ બે બાળકોની માતા બની ચૂકી હતી. એક પુત્રીનું નામ શિવાની અને પુત્રનું નામ શુભમ.

એક વાર પકડાઈ ગયા બાદ પણ મંજુ ખાનગીમાં નારાયણને બહાર મળતી રહી. એક દિવસ તે પતિ તથા બંને બાળકોને મૂકીને નારાયણ સાથે ભાગી ગઈ. મનોહરે પણ આવી બદચલન પત્નીને શોધવા કોઈ કોશિશ ના કરી. ઊલટું એણે ચારિત્ર્યહીન પત્નીથી છુટકારો પામ્યાની હાશ અનુભવી. મનોહર હવે તેની બદલી કરાવીને બરેલી પાસે આવેલા તેના ગામ જતો રહ્યો. એ વખતે શિવાની પાંચ વર્ષની અને શુભમ પણ ત્રણ વર્ષનો હતો. તે હવે ગામમાં જ રહેવા લાગ્યો. શિવાની અને શુભમે પિતાને પૂછયું:”પપ્પા, મમ્મી ક્યાં છે?”

મનોહરે કહ્યું: ”એક અકસ્માતમાં મમ્મી મૃત્યુ પામી છે.’

હકીકતમાં મનોહર તેના બાળકોને એ કહેવા માંગતો નહોતો કે તેમની મા બદચલન હતી.

મનોહર બે બાળકો સાથે એક નાના ઘરમાં રહેતો હતો. આખો દિવસ નોકરી કરી સાંજે ઘેર પહોંચતો, બાળકોએ કેટલું વાંચ્યું તે અંગે પૂછપરછ કરતો. તે બાળકો પર પૂરતું ધ્યાન આપતો હતો, પરંતુ શિવાનીને ભણવામાં બહુ રસ નહોતો. આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહેતી. ટી.વી. જોયા કરતી. પિતાએ તેને સખ્ત ઠપકો આપ્યો, પરંતુ તેણે ભણવામાં રસ લીધો નહીં. જેમ જેમ તે મોટી થઈ ગઈ તેમ તેને વધુ બિનધાસ્ત થતી રહી. જે ઘરમાં મા ના હોય ત્યાં દીકરી પર નિયંત્રણો રહેતાં નથી.

શિવાની હવે યુવાનીના ઉંબરે ઊભી હતી. એક દિવસ તે ઘેર ડીવીડી પર કોઈ ફિલ્મ જોવા બજારમાં ડીવીડીની દુકાને ગઈ. એ દુકાન શિવમ ત્રિપાઠી નામનો એક યુવક ચલાવતો હતો. તેના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા. શિવમ ત્રિપાઠીને પહેલી નજરે જ શિવાની ગમી ગઈ. શિવમે કહ્યું: ”હાલ તો તમારે જે સીડી જોઈએ છે તે હાલ મારી પાસે નથી. હું સાંજે તમારા ઘેર આપી જઈશ. તમારું સરનામું આપો.”

શિવાનીને શિવમનું સ્મિત ગમ્યું. એણે પોતાનું સરનામું આપ્યું. એ સાંજે જ શિવમ બજારમાંથી શિવાનીને જોઈતી સીડી લઈ એના ઘેર પહોંચ્યો. શિવાનીએ તેને ચા પીવરાવી. તે પછી શિવમ ચાલ્યો ગયો. એ પછી તેઓ નિયમિત મળતા રહ્યા. ખૂબ વાતો કરતાં સમય જતાં બેઉ એકબીજાના પ્રેમમાં પડી ગયા. શિવાની અઢાર વર્ષની થઈ ગઈ હતી. હવે તેણે ભણવાનું પણ છોડી દીધું હતું. પિતા અને ભાઈ ઘરમાં ન હોય ત્યારે શિવાની તેના મિત્ર શિવમ ત્રિપાઠીને ઘેર બોલાવી લેતી. ફરી એક વાર તેના પિતા મનોહર અચાનક બપોરના સમયે ઘેર આવી ગયા. ઘરનું બારણું બંધ હતું. તેમણે દરવાજો ખટખટાવ્યો. શિવાનીએ બારણું ખોલ્યું. એમણે જોયું તો પુત્રી શિવાની કોઈ અજાણ્યા યુવક સાથે ઘરનું બારણું બંધ કરીને અંદર સંદેહપૂર્ણ હાલતમાં હતી. મનોહર આ રીતે જ તેની પત્ની મંજુને ગુમાવી ચૂક્યો હતો. હવે તે એજ રીતે પુત્રી ગુમાવવા માંગતો નહોતો.

મનોહરે સખ્તાઈથી શિવાનીને પૂછપરછ કરીઃ ‘આ છોકરો કોણ છે?’
શિવાની જુઠું બોલીઃ ‘ભાઈ શુભમનો મિત્ર છે. તે શુભમને મળવા આવ્યો હતો.’

મનોહરે શંકાનો લાભ આપી શિવમ ત્રિપાઠીને જવા દીધો. સાંજે પુત્ર શુભમ ઘેર આવ્યો અને પિતાએ તેને તેના મિત્ર શિવમ ત્રિપાઠી વિશે પૂછપરછ કરી તો શુભમે કહ્યું: ‘મારે શિવમ ત્રિપાઠી નામનો કોઈ દોસ્ત જ નથી!’ પિતાને ખબર પડી ગઈ કે કાંઈક ગરબડ છે. પુત્રી શિવાની જૂઠું બોલી હતી તે વાતની તેમને સમજણ પડી ગઈ. તેમણે શિવાનીને એેક તમાચો ફટકારી દીધો. શિવાની બીજા રૂમમાં ચાલી ગઈ. આ ઘટના બાદ મનોહરે વિચાર્યું કે શિવાનીને હવે જલ્દી પરણાવી દેવી જોઈએ. એમ કરતાં કરતાં બીજું એક વર્ષ વીતી ગયું. સમય વહેતો ગયો તેમ તેમ શિવાની અને શિવમ બેખોફથી એકબીજાને મળતા રહ્યા. હવે તે વધુ આઝાદ વિચારોની થતી ગઈ. મનોહર તો આખો દિવસ નોકરી કરી ઘેર આવતો અને રાત્રે દારૂ- પી- જમી સૂઈ જતો. બીજી તરફ શિવાની અને શિવમ ત્રિપાઠી બહારની હોટલમાં મળતા. આ વાતની પણ ખબર પડી જતાં મનોહરે ફરી એક વાર લાફો ઝીંકી દીધો પણ શિવાની હવે બળવાના મૂડમાં હતી. એણે કહ્યું: ‘હું શિવમ સાથે લગ્ન કરવા માંગુ છું!’

મનોહરે કહ્યું: ‘મેં તપાસ કરી છે. તે એક રખડેલ છોકરો છે. હવે તે અહીં આવશે તો હું તેને મારી નાખીશ!’

શિવાની ડરી ગઈ.

હવે મનોહર અને શુભમ બહાર જાય તો શિવાનીને ઘરમાં પૂરી બહારથી તાળું મારીને જતા. શિવાની હવે ઘરમાં કેદ થઈ ગઈ. અલબત્ત, તે મોબાઈલથી શિવમ ત્રિપાઠીના સંપર્કમાં રહેવા લાગી. એણે કહી દીધું: ‘શિવમ હું મારા પપ્પા સાથે એક દિવસ પણ રહેવા માંગતી નથી. તું મને અહીંથી લઈ જા!’

શિવાનીને ઘરમાં જ કેદ કરવામાં આવી હોવાથી તેને હવે તેના પિતા માટેની નફરત આસમાને હતી. એક દિવસ મનોહરે વિચાર્યું કે ઘર બદલી નાંખીએ તો આ છોકરી પેલા રખડેલ છોકરાથી દૂર રહેશે. શિવાનીને ખબર પડી કે પિતા ઘર બદલવાની તજવીજ કરી રહ્યા છે એટલે શિવાનીએ કહ્યું: ‘પપ્પા, તમે આ ઘર બદલી નહીં શકો.’

‘કેમ?’
‘બસ એમ જ. હું બીજા ઘરમાં નહીં આવું.’

પુત્રીની આ વાત સાંભળી પિતાએ ફરી તેને ફટકારી. શિવાની ઠંડા કલેજે બોલીઃ ‘પપ્પા, મને લાગે છે કે હવે તમને તમારી જિંદગી વહાલી નથી?

મનોહર કાંઈ સમજી શક્યો નહીં.
શિવાની બીજા રૂમમાં જતી રહી.

આ વાતને થોડા દિવસો વીત્યા. એક દિવસ સાંજે મનોહર ડયૂટી બજાવીને સાંજે ઘેર આવ્યો. રોજની જેમ આજે પણ એેણે દારૂ પીધો એણે પુત્રી શિવાની સાથે થોડી વાતો કરી. શિવાની હવે પિતા સાથે નમ્રતાથી વાતો કરતી હતી. શિવાની અંદરના રૂમમાં ગઈ. એણે ટીવીનો અવાજ એકદમ વધારી દીધો હતો. એણે મોબાઈલ ફોન પરથી એક મેસેજ મોકલ્યો. અગાઉની યોજના મુજબ બહાર અંધારામાં ઊભેલા શિવાનીનો પ્રેમી શિવમ ત્રિપાઠી અંદર આવ્યો. તેના હાથમાં લોખંડનો રોડ હતો. મનોહર કાંઈ વિચારે તે પહેલાં શિવમે શિવાનીના પિતા મનોહરના માથામાં લોખંડનો રોડ ફટકાર્યો. શિવાની પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી. તે પણ પિતા પર તૂટી પડી. મનોહર લોહી લુહાણ થઈ ગયો. તે જીવ બચાવવા ચીસો પાડવા લાગ્યો. ટીવીનો અવાજ તેજ હતો. છતાં એની ચીસો સાંભળી બહારથી કેટલાક લોકો દોડી આવ્યા. અવાજ સાંભળી શિવાનીનો ભાઈ શુભમ બીજા રૂમમાંથી દોડી આવ્યો. શિવમે શુભમના માથા પર પણ લોખંડનો રોડ ફટકારી દીધો. લોકો ગભરાઈ ગયા, આ દરમિયાન શિવાની એક બેગ ઉઠાવી શિવમ સાથે ભાગી ગઈ. અલબત્ત હાલ તો શિવાનીના પિતા મનોહરને બચાવવો તે મહત્ત્વનું હતું. લોકોએ પોલીસને જાણ કરી. એમ્બ્યુલન્સ આવી. મનોહરે હોસ્પિટલમાં જ દમ તોડી દીધો.

થોડા દિવસ બાદ શિવાની અને શિવમ ત્રિપાઠી પકડાઈ ગયા. પિતાની હત્યા માટે શિવાની અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી.

પણ આ કહાણીમાં ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો જ્યારે તેમના જામીન થવા મંજુ નામની એક મહિલા આવી. મંજુ એટલે બીજું કોઈ નહીં પરંતુ શિવાની અને શુભમની મમ્મી, જેના નારાયણ સાથેના અનૈતિક સંબંધો હતા અને પ્રેમી સાથે ૨૦ વર્ષ પહેલાં ભાગી ગઈ હતી. શિવાની અને શુભમ એમ માનતા હતા કે તેમની મા મૃત્યુ પામી છે, પણ આજે તે શિવાનીની જમાનત માટે આવી હતી. મનોહરે જે કલંકને પોતાના બાળકોથી છુપાવ્યું હતું તે તેના મોત બાદ બાળકોની સામે આવી ગયું.

જે રસ્તે મા ગઈ હતી, તે રસ્તે જ તેની દીકરી પણ ગઈ.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ગણિતમાં હું કાચો છું, કદી મેનેજમેન્ટ ભણ્યો નથી છતાં

ગણિતમાં હું કાચો છું, કદી મેનેજમેન્ટ ભણ્યો નથી છતાંએમનું નામ છે જેક મા.

તેઓ થોડા જ વખતમાં વિશ્વભરમાં જાણીતી બની ગયેલી અલીબાબા કંપનીના સંસ્થાપક છે. થોડાક જ સમયમાં તેઓ બેસુમાર દોલત કમાયા છે.

તેઓ ચીનમાં જન્મેલા છે. ચીનના હાંગઝુ વિસ્તારમાં જેક માનું બચપણ વીત્યું હતું. એ મુશ્કેલીઓ ભરેલા દિવસો હતા. તેમના પરિવારમાં એક નાની બહેન અને મોટાભાઈ હતા. પરિવાર આર્થિક સંકટોમાં ઘેરાયેલું હતું. એ કારણે તેમને મર્યાદિત સુવિધાઓ અને સાધનો વચ્ચે જ જીવન જીવતાં શીખવ્યું.

સ્કૂલમાં ભણવામાં તેઓ એક સરેરાશ વિદ્યાર્થી હતા. ગણિત અને વિજ્ઞાાનમાં તો જેકને સમજ જ પડતી નહોતી. ૧૩ વર્ષની વયે જેકને એક વાતની સમજ પડી ગઈ કે અંગ્રેજી ભાષા શીખવી અત્યંત જરૂરી છે. એકવાર અંગ્રેજી ભાષા આવડી જાય તો બેડો પાર થઈ જાય. મુશ્કેલી એ હતી કે એમની આસપાસ અંગ્રેજી શીખવનાર કોઈ નહોતું. અંગ્રેજી શીખવા તેમણે એક યુક્તિ શોધી કાઢી. રોજ સવારે વહેલાં ઊઠીને સવારના પાંચ વાગ્યા સુધીમાં તો જેક તેમના શહેરની એક પાંચ સિતારા હોટેલની સામે પહોંચી જવા લાગ્યા. આ હોટેલમાં વિદેશી પર્યટકો ઊતરતા હતા. તેમણે વિદેશી સહેલાણીઓ સાથે હળવા- મળવાનું ચાલુ કર્યું. તેમની સાથે વાતો કરીને અંગ્રેજી શીખી લેવાનું શરૂ કર્યું. તેઓ ગાઈડ બનીને વિદેશી પ્રવાસીઓને શહેર બતાવવા લાગ્યા. તેમની સાથે અંગ્રેજીમાં વાતો કરવાની કોશિશ કરવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે કેટલાક દિવસોમાં તેઓ વિદેશી શૈલીથી અંગ્રેજી બોલવા લાગ્યા. મજાની વાત એ હતી કે એમ કરવાના લીધે તેમને પોકેટ મની પણ મળી જતા. આ ઉપરાંત તેમણે પશ્ચિમી દેશોના લોકોની રીતભાત પણ શીખી લીધી.

શાળાના દિવસોમાં તેઓ તેમના સહાધ્યાયીઓ સાથે આક્રમક રહેતા. સ્કૂલમાં તેઓે તેમના વિરોધીઓથી કદી ડરતા નહીં. તેમનાથી વધુ મજબૂત અને સશક્ત વિદ્યાર્થીઓ સાથે પણ તેઓ સંઘર્ષમાં ઊતરતા.

કોલેજની પ્રવેશ પરીક્ષામાં તેઓ બે વાર નાપાસ થયા. ત્રીજા પ્રયત્નમાં જેકને હાંગઝ ટીચર્સ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો. ૧૯૮૮માં તેઓ ગ્રેજ્યુએટ થયા. એ પછી તેમણે નોકરીની શોધ શરૂ કરી. ૧૨ જેટલી કંપનીઓમાં નોેકરી માટે વારાફરતી અરજીઓ કરી. બધે જ નિષ્ફળતા મળી. ખૂબ પ્રયાસ બાદ છેવટે એક સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે નોકરી મળી. બાળકો સાથે તેમને ખૂબ ફાવતું,પરંતુ તેમના દિલમાં કાંઈક કરી બતાવવાની ઈચ્છા હતી. તેઓ શિક્ષક તરીકેની નોકરી બહુ લાંબા સમય માટે કરી શક્યા નહીં.

શિક્ષક તરીકેની નોકરી છોડી દીધા બાદ તેમણે અનુવાદની કંપની બનાવી. ૧૯૯૪માં તેઓ પોતાના ધંધાના કામે અમેરિકા ગયા. અહીં પહેલી જ વાર તેમને ઈન્ટરનેટ વિશે માહિતી મળી. ઈન્ટરનેટની દુનિયા તેમને ચમત્કારિક લાગી. અમેરિકન લોકો તેમના ઘરોમાં બેસીને એકબીજાનો સંપર્ક કરતા હતા. તેમણે જોયું તો અમેરિકનો શોપિંગ અને ભણવાનું કામ પણ ઈન્ટરનેટના માધ્યમથી કરતા હતા. જેક માટે આ એક મોટું આશ્ચર્ય હતું. એ સમયગાળા દરમિયાન ચીનમાં ઈન્ટરનેટ અંગે કોઈ ખાસ જાગૃતિ નહોતી. જેકને ઈન્ટરનેટમાં રસ પડયો. તેમણે ઈન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખી લીધું. તેઓ એક મજબૂત ઈરાદા સાથે ચીન પાછા આવ્યા.

ચીન પહોંચતા જ તેમણે ઈન્ટરનેટ પર ‘ચાઈના પેજ’ લોંચ કર્યું. એ ચીનની પહેલી ઓનલાઈન ડિરેક્ટરી હતી. ચીનમાં તેની ખૂબ ચર્ચા થઈ. એમાં સફળતા મળવાના કારણે જેક ચીનમાં ‘મિસ્ટર ઈન્ટરનેટ’ના નામ જાણીતા બની ગયા, પરંતુ મુશ્કેલીઓની શરૂઆત હજુ તો હવે થવાની હતી.   એ દિવસોમાં ચીનમાં બહુ ઓછા લોકોના ઘરોમાં કંમ્પ્યુટર્સ હતા. એ કારણે ‘ચાઈના પેજ’ બધા જ લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી હતી. પરિણામે ‘ચાઈના પેજ’ બંધ કરવું પડયું.

જેક નિરાશ થઈ ગયા.

જીવન નિર્વાહ ચલાવવા માટે ચીનના વાણિજ્ય મંત્રાલયમાં નોકરી કરવા લાગ્યા, પણ એ નોકરીમાં તેમનું મન લાગ્યું નહીં. થોડા દિવસો બાદ તેમણે કેટલાક મિત્રોને ઘેર બોલાવ્યા. એમની સંખ્યા ૧૭ જેટલી હતી. તેમની સામે ઓનલાઈન ખરીદી માટે એક કંપની બનાવવાનો વિચાર રજૂ કર્યો. આઈડિયા ગજબનો હતો. મિત્રોને પસંદ આવ્યો. મિત્રો જેકની ઓનલાઈન ખરીદી માટેની કંપનીમાં પૈસા રોકવા રાજી થઈ ગયા. કંપનીને ‘અલીબાબા’ એવું નામ આપવામાં આવ્યું. એક નાનકડા ઓરડામાં કંપની શરૂ કરવામાં આવી. જેકએ એક વેબસાઈટ શરૂ કરી. આ વેબસાઈટ દ્વારા કંપનીના સામાનને ગ્રાહકો સમક્ષ પેશ કરવામાં આવ્યો. તેમણે એક વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે, ગ્રાહકો ને લોકો સુરક્ષિત અને સસ્તી ચીજવસ્તુઓ ખરીદી શકે.

શરૂઆત શાનદાર રહી. ધંધો વધારવા ફરી વધુ મૂડીની જરૂર પડી. જેકએ એક જાપાનની સોફટવેર કંપની સોફટ બેંક દ્વારા ધિરાણ મેળવવામાં સફળ રહ્યા. એ બેંકે ‘અલીબાબા’ કંપનીને લોન આપી. ‘અલીબાબા’ કંપનીમાં મૂડી રોકાણ કરનાર એક નિવેશક વુ ચિંગ કહે છેઃ ‘એક જૂનું જેકેટ અને હાથમાં કાગળ લઈને જેક અમારી પાસે આવ્યા હતા. માત્ર છ જ મિનિટમાં તેમણે અમારામાં વિશ્વાસ જગાડયો કે અમે બધાએ તેમના બે કરોડ ડોલરની લોન આપવા તૈયાર થઈ ગયા.

ધંધો કરવા માટે માત્ર લોકોનો વિશ્વાસ જ જીતવો પૂરતો નથી. ચીનમાં સૌથી મોટી મુશ્કેલી સરકારને પણ વિશ્વાસમાં લેવી. જેક ચીનના નેતાઓને મળ્યા અને તેમને ખાતરી આપી કે તેમની કંપની કોઈ પણ રાજકીય પાર્ટી કે સરકારની વિરુદ્ધ નથી. ચીનની સરકારને પણ જેકની વાતમાં ભરોસો બેઠો.

કંપનીએ પૂરજોશમાં કામ શરૂ કર્યું. ધંધો વધવા લાગ્યો. આ બધામાં રસપ્રદ વાત એ હતી કે અબજોનો ધંધો શરૂ કરનાર જેક માએ કદીયે મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો નહોતો. એ જ રીતે તેમણે કદીયે કોઈ ધંધાની તાલીમ લીધી નહોતી. આમ છતાં તેમણે તેમની કંપનીનું મેનેજમેન્ટ કુશળતાથી નિભાવ્યું. એ તેમની કોઠાસૂઝ હતી.

જેક કહે છેઃ ‘હું ગણિતમાં કાચો છું, મેં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો નથી. મને એકાઉન્ટસના રિપોર્ટ જરા પણ સમજમાં આવતા નથી. પણ કંપની ચલાવતા શીખી ગયો.’

જોતજોતામાં ‘અલીબાબા’ કંપની આગળ નીકળી ગઈ અને જેક મા એશિયાના બીજા નંબરના ધનવાન બિઝનેસમેન બની ગયા. ચીનની સોશિયલ નેટવર્કિંગ સાઈટ ‘વિબો’ પર તેમને ૧.૫ કરોડથી વધુ ફોલોઅર છે. આજે ‘અલીબાબા’ દુનિયાના ઈ-કોમર્સ બજારની મોટી કંપનીઓ પૈકીની એક ગણાય છે.

‘અલીબાબા’ કંપનીના સંસ્થાપક જેક મા ચીનના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે જાહેર થયા છે. આ ઘોષણા બાદ જેક માએ કહ્યું કે, ‘મેં તો કાંઈ કરી બતાવવા માટે કંપની બનાવી હતી, પણ દોલત કમાયા બાદ જ મને માલૂમ પડયું કે અમીર બન્યા પછી જીવવું કેટલું મુશ્કેલ છે, જ્યારે તમે શ્રીમંત બની જાવ છો ત્યારે લોકો તમારી સાથે માત્ર પૈસા માટે જોડાય છે. આ બરાબર નથી. હું ઈચ્છું છું કે, લોકો મને એક ઉદ્યમીના રૂપમાં ઓળખે, એક દૌલતમંદ વ્યક્તિના રૂપમાં નહીં?’

ગણિત કાચું હોય તો ચિંતા કરશો નહીં તમે પણ એક દિવસ જેક માની જેમ પૈસાદાર બની શકો છો.

– દેવેન્દ્ર પટેલ

આઈન્સ્ટાઈનને ટેક્નિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો નહતો

આઈન્સ્ટાઈનને ટેક્નિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો નહતો આલ્બર્ટ આઈન્સ્ટાઈન.

તેઓ ગઈ સદીના વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક હતા. થિયરી ઓફ રિલેટિવિટી અર્થાત્ સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધનાર આ મહાન વિજ્ઞાનીની થિયરી પર જ અન્ય વિજ્ઞાનીઓએ અણુબોમ્બ બનાવ્યો.અલબત્ત, આઈન્સ્ટાઈન ખુદ અત્યંત શાંતિપ્રિય માનવી હતા. તેમને ખુદને ખબર નહોતી કે, તેમણે શોધેલી થિયરીનો ઉપયોગ માનવસંહાર કરવા અણુબોમ્બ બનાવવા માટે થશે.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન યહૂદી પરિવારમાં તા. ૧૪ માર્ચ, ૧૮૭૯ના રોજ જર્મનીમાં જન્મ્યા હતા. વિશ્વમાં આઈન્સ્ટાઈન જેવો કોઈ તીવ્ર બુદ્ધિશાળી વૈજ્ઞાનિક શોધવો મુશ્કેલ છે ત્યારે જાણવા જેવી વાત એ છે કે, તેઓ ત્રણથી ચાર વર્ષના થયા ત્યાં સુધી બોલી શક્તા નહોતા. તેઓ સાત વર્ષના થયા ત્યાં સુધી તેમને વાંચતાં આવડતું નહોતું. તેઓ નીચું મોં રાખીને એક આળસુની જેમ સ્કૂલમાં જતા હતા. સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને તેમના ઘરનું સરનામું પણ યાદ રહેતું નહોતું.

આ જ આઈન્સ્ટાઈન એક દિવસ વિશ્વના સૌથી વિખ્યાત ભૌતિકશાસ્ત્રી તરીકે નામના પામ્યા. ૧૮૯૮માં તેઓ મિલેવા મેરિક નામની યુવતીના પ્રેમમાં પડયા. તેઓ લિસર્લ નામની દીકરીના પિતા બન્યા. ૧૯૦૨માં તેમણે સ્વિસ પેટન્ટ ઓફિસમાં કામ શરૂ કર્યું. ૧૯૦૫માં તેમની થિયરી ઓફ રિલેટિવિટી પ્રગટ થઈ. ૧૯૧૪માં જર્મનીની યુનિવર્સિટી ઓફ બર્લિનમાં પ્રોફેસર બન્યા. પત્ની મિલેવા સાથેના લગ્નજીવનનો અંત આવ્યો. ૧૯૧૫માં તેમની થિયરી ઓફ રિલેટિવિટી પૂર્ણ કરી.

૧૯૧૭માં આઈન્સ્ટાઈન અચાનક મૂર્છિત થઈ પડી ગયા. તેઓ મૃત્યુની નજીક હતા. એ વખતે તેમની કઝીન એલ્સાએ તેમની દેખરેખ રાખી અને તેમને સ્વસ્થ કર્યા. ૧૯૧૯માં તેઓે એલ્સા સાથે પરણ્યા. ૧૯૨૨માં આઈન્સ્ટાઈનને ફિઝિક્સમાં તેમના સંશોધન માટે નોબેલ પ્રાઈઝ મળ્યું. એ સમયે જર્મનીમાં નાઝીઓ દ્વારા યહૂદીઓને ભારે સતામણી થતી હતી. એ કારણે ૧૯૩૩માં તેઓ પત્ની એલ્સા સાથે અમેરિકા હિઝરત કરી ગયા. અમેરિકામાં ન્યૂજર્સીના પ્રિન્સ્ટન વિસ્તારમાં તેઓ રહેવા લાગ્યા. ૧૯૩૬માં એલ્સાનું મૃત્યુ થયું. ૧૯૩૯માં તેમણે એ વખતના અમેરિકના પ્રેસિડેન્ટ ફેંકલીન ડી.રુઝવેલ્ટને પત્ર લખી ચેતવણી આપી કે જર્મની અણુબોમ્બ બનાવી રહ્યું છે, તેઓ અમેરિકામાં રહેતા હતા, પરંતુ તેમનું સ્વિસ નાગરિકત્વ જાળવી રાખ્યું.

કહેવાય છે કે આ વિશ્વવિખ્યાત માનવી એબસન્ટમાઈન્ડેડ પણ હતા. તેમના જીવનની કેટલીક વાતો અજીબોગરીબ છે. તેઓ ચાર વર્ષની વય સુધી બોલતા જ નહોતા અને એ કારણે તેમના માતા-પિતાને ચિંતા થતી હતી પરંતુ એક સાંજે બધાં જમવા બેઠા હતા ત્યારે આલ્બર્ટ પહેલી જ વારે પોતાની જીભ ઉઘાડતાં કહ્યું: ”સૂપ બહુ જ ગરમ છે.”

આ પહેલાં તેઓ એક શબ્દ બોલ્યા નહોતા. પુત્રને પહેલી જ વાર બોલતો જોઈ માતા-પિતાને રાહત થઈ હતી. અલબત્ત એ વખતે તેમના માતા-પિતાએ પુત્રને પૂછયું: ”બેટા, અત્યાર સુધી તું કેમ બોલતો નહોતો?”

નાનકડા આલ્બર્ટે જવાબ આપ્યો હતો : ”કારણ કે અત્યાર સુધી બધું વ્યવસ્થિત હતું.”

આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશેની અનેક રસપ્રદ વાતો છે. ૧૯૬૫માં તેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ગયા. કોઈએ તેમને પૂછયું: ”તમને અભ્યાસ માટે કોઈ ચીજવસ્તુની જરૂર છે?”

આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું: ”એક ટેબલ, થોડાંક પેડ, એક પેન્સિલ અને બહુ મોટી કચરાપેટી, જેથી હું મારી ઘણી બધી ભૂલો તેમાં નાંખી શકું.”

એક વાર એક પંદર વર્ષની વિદ્યાર્થિનીએ ગણિતમાં મદદરૂપ થવા તેમને વિનંતી કરતો પત્ર લખ્યો. આઈન્સ્ટાઈને તે વિદ્યાર્થિનીને એક આખું પાનું ડાયાગ્રામથી ભરીને મોકલ્યું અને જણાવ્યું કે, ”ગણિતમાં તને જે મુશ્કેલીઓ પડે છે તેની ચિંતા કરીશ નહીં. ગણિતમાં તારા કરતાં મને વધુ મુશ્કેલીઓ પડે છે.”

ન્યુયોર્કના મેનહટન વિસ્તારમાં આવેલા એક ચર્ચમાં એ વખતના વિદ્વાન આઠ મોટા વિજ્ઞાનીઓની પ્રતિમાઓ મૂકવાનો નિર્ણય થયો. તેમાં આઈન્સટાઈનની પ્રતિમા પણ મૂકવામાં આવી હતી. આ અંગે આઈન્સ્ટાઈનને પૂછવામાંઆવ્યું કે, ”તમે હવે અમર થઈ જશો. આ અંગે તમારી શું પ્રતિક્રિયા છે?”

આઈન્સ્ટાઈને કહ્યું: ”હવે આજથી હું જીવું ત્યાં સુધી હું કોઈ કૌભાંડ ના કરું તેની મારે કાળજી રાખવી પડશે.”

એકવાર સોરબોર્ન ખાતે પ્રવચન આપતાં આઈન્સ્ટાઈને કહ્યું કે, ” જો મારી રિલેટિવિટીની થિયરી સાચી ઠરશે તો જર્મની મને જર્મન જાહેર કરશે, અને ફ્રાન્સ મને ‘વિશ્વ નાગરિક’ કહેશે, પરંતુ મારી આ થિયરી ખોટી સાબિત થશે તો ફ્રાન્સ કહેશે કે હું જર્મન છું અને જર્મની કહેશે કે હું યહૂદી છું.”

એક મેળાવડા દરમિયાન તેમની હોસ્ટેસે આઈન્સ્ટાઈનને તેમની થિયરી ઓફ રિલેટિવિટી સમજાવવા કહ્યું. એ પછી આઈન્સ્ટાઈને કહ્યું: ”મેડમ! એક વાર કોઈ એક દેશમાં હું મારા એક અંધ મિત્ર સાથે ગરમીમાં ચાલવા નીકળ્યો હતો. મેં મારા મિત્રને કહ્યું: મારે દૂધનું પીણું પણ પીવું છે.”

મારા મિત્રએ કહ્યું: ”પીણું એ તો હું સમજ્યો, પણ દૂધ શું છે?”

મેં કહ્યું: ”સફેદ પ્રવાહી.”
એણે પૂછયું: ”પ્રવાહી હું જાણું છું પરંતુ સફેદ શું છે?”
મેં કહ્યું: ” બગલાની પાંખોનો જે રંગ હોય છે તે.”
મિત્રએ કહ્યું: ”પાંખો હું જાણું છું પણ બગલો શું છે?”
મેં કહ્યું: ”જે પક્ષીને ખંધી ડોક હોય છે તે.”
મિત્રએ પૂછયું: ”ડોક હું જાણું છું પણ ખંધું એટલે શું?”

આટલું સાંભળ્યા બાદ મેં મારી ધીરજ ગૂમાવી. મેં એનો હાથ પકડી મચકોડી નાંખ્યો, તે પછી સીધો કર્યો એટલું કર્યા પછી મેં કહ્યું:”આનું નામ ખંધો.”

તે પછી મારો પ્રજ્ઞાચક્ષુ મિત્ર બોલ્યોઃ ”ઓહ! હવે મને સમજાયું કે દૂધ એટલે શું?”

આલ્બર્ટ આઈન્સ્ટાઈન પ્રિન્સ્ટનમાં પ્રોફેસર હતા તે દરમિયાન પરીક્ષા બાદ એક વિદ્યાર્થી તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ”પ્રોફેસર! આ વખતની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નો ગયા વર્ષની પરીક્ષાની જેમ જ સાવ સરળ હતા.”

આઈન્સ્ટાઈને કહ્યું: ”હા, સાચી વાત છે, પણ આ વર્ષે બધા જ જવાબો મુશ્કેલ હશે.”

એક વાર કોઈએ આઈન્સ્ટાઈનના પત્નીને પૂછયું: ”શું તમને તમારા પતિની થિયરી ઓફ રિલેટિવિટીમાં સમજ પડે છે?”

પત્નીએ કહ્યું: ”ના. પરંતુ હું મારા પતિને બરાબર જાણું છું. તમે તેમની પર વિશ્વાસ મૂકી શકો છો.”

૧૯૩૧માં ચાર્લી ચેપ્લીન અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોલીવુડમાં ચેપ્લીનની નવી ફિલ્મ ‘સિટી લાઈટસ’ના પ્રાઈવેટ સ્ક્રીનિંગમાં હાજરી આપવા સાથે ગયા અને સાથે ચાલતા હતા. તેમને જે જે લોકો જોતા હતા તેઓ ચિચિયારીઓ પાડીને તેમનું અભિવાદન કરતા હતા. આ દૃશ્ય જોયા પછી આઈન્સ્ટાઈને પૂછયું:”આ બધા લોકો આપણને જોઈને આટલી બધી તાળીઓ કેમ પાડે છે?”

 ચાર્લી ચેપ્લીને આલ્બર્ટ આઈન્સ્ટાઈનને કહ્યું: ”લોકો તમને જોઈને તાળીઓ એટલા માટે પાડે છે કે કોઈ તમને (તમારી થિયરીને) સમજી શક્તું નથી અને મને જોઈને તાળીઓ એટલા માટે પાડે છે કે એ બધાં મને સમજી શકે છે.”

આ બધી સુંદર કથાઓ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના જીવનની છે. સૌથી મોટી જાણવા જેવી વાત એે છે કે, આલ્બર્ટ આઈન્સ્ટાઈન જ્યારે નાના હતા અને જર્મનીની મ્યુનિક ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટમાં પ્રવેશ લેવા ગયા ત્યારે ઈન્સ્ટિટયૂટે તેમને એડમિશન આપવાનો ઈન્કાર કરતાં કહ્યું હતું: ”એક વિદ્યાર્થી તરીકે તમે આશાસ્પદ કે તેજસ્વી નથી.”

એ જ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ૧૯૦૫માં વિશ્વને થિયરી ઓફ રિલેટિવિટી આપી અને નોબેલ પ્રાઈઝના હકદાર પણ બન્યા.

સ્કૂલો- કોલેજો શરૂ થઈ રહી છે ત્યારે તમારું બાળક શરૂઆતમાં સ્કૂલમાં તેજસ્વી ના જણાય તો તેને હડધૂત કરશો નહીં. કોઈવાર આવાં જ બાળકો વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક પણ બની શકે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

જે તસવીરથી હું છૂટવા માગતી હતી, તેણે મારી જિંદગી બદલી

આજે તા. ૮ જૂન, ૨૦૧૫.

આજથી બરાબર ૪૩ વર્ષ પૂર્વે એટલે કે તા. ૮ જૂન, ૧૯૭૨ના રોજ આ વિશ્વ પ્રસિદ્ધ તસવીર લેવામાં આવી હતી. ૨૦મી સદીની આ સહુથી વધુ જાણીતી અને યુદ્ધનો ઈતિહાસ બદલી દેનાર તસવીર ગણવામાં આવે છે. આ તસવીર વિયેતનામની પૃષ્ઠભૂમિમાં લેવામાં આવી હતી.આ તસવીર ક્લિક કરનાર ફોટોગ્રાફરને પત્રકારત્વના જગતનું શ્રેષ્ઠ પુલિત્ઝર પ્રાઈઝ પણ મળ્યું. એ વખતે ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ વચ્ચે લોહિયાળ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આ યુદ્ધમાં અમેરિકા ખલનાયક હતું. અમેરિકાના સૈનિકો આ યુદ્ધમાં ભૂંડો રોલ ભજવતા હતા. અમેરિકન સૈનિકો વિયેતનામની સ્ત્રીઓ પર બળાત્કાર પણ ગુજારતા હતા. આ યુદ્ધમાં અમેરિકન શસ્ત્રો અને દારૂગોળો જ વપરાતા હતા. લાખો નિર્દોષ નાગરિકો મૃત્યુ પામતા હતા.

વાત હવે આ ચોંકાવનારી તસવીરની. તા. ૮ જૂન, ૧૯૭૨ના દિવસની વાત છે. દક્ષિણ વિયેતનામમાં ટ્રેંગબેંગ નામનું એક ગામ આવેલું છે. રોજેરોજ આ ગામ પર યુદ્ધ વિમાનો ઉડીને બોમ્બ ફેંકતા હતા. એ વખતે પ્રતિબંધિત હોવા છતાં નેપામ બોમ્બ ફેંકવામાં આવતા હતા. નેપામ બોમ્બ ચારે તરફ ભયાનક આગ લગાવી દેનારો બોમ્બ છે. આ ગામનો કબજો ઉત્તર વિયેતનામના લશ્કરે લઈ લીધો હતો. દક્ષિણ વિયેતનામના યુદ્ધ વિમાનો તે ગામનો કબજો પાછો લેવા માગતા હતા.

ગામમાં નવ વર્ષની કિમ ફૂક નામની એક બાળકી પણ એના માતા-પિતા સાથે રહેતી હતી. ગામમાં એક મંદિર હતું. બોમ્બમારાથી બચવા કિમ ફૂક તેનાં પરિવારે આ મંદિરમાં આશ્રય લીધો હતો. ગામનો કબજો લેનાર સૈનિકો પણ તેમાં હતા. એવામાં મંદિરના પાછળના ભાગમાં યુદ્ધ વિમાનોેએ નેપામ બોમ્બ ઝીંકી દીધો. બોમ્બ ધડાકાથી પાછળ કાળા વાદળો છવાઈ ગયા. હકીકતમાં દક્ષિણ વિયેતનામના વિમાન પાઈલટની એ ભૂલ હતી અને ભૂલથી જ એણે સૈનિકોની છાવણીના બદલે માનવવસ્તી પર બોમ્બ ઝીંકી દીધો. એ બોમ્બમારામાં નાનકડી કિમ ફૂકના બે પિત્રાઈ ભાઈ માર્યા ગયા. નવ વર્ષની કિમ ફૂકને પણ ઈજા પામી. તે શરીરના અનેક ભાગોમાં દાઝી ગઈ. કપડાં સળગતાં હોઈ તેણે પોતાના વસ્ત્રો કાઢી નાખ્યા અને નિર્વસ્ત્ર થઈ જીવ બચાવવા બીજા બાળકો સાથે દોડવા લાગી.

એ વખતે એસોસિયેટેડ પ્રેસનો એક ફોટોગ્રાફર યુદ્ધનું કવરેજ કરી રહ્યો હતો એનું નામ નીક ઉત. તેણે જોયું તો એક નાનકડી બાળકી વસ્ત્રવિહિન દશામાં રડતી રડતી પોતાની તરફ દોડી રહી છે એણે એ તસવીર ક્લિક કરી લીધી.

એ બાળકી ચીસો પાડતી હતીઃ ‘આઈ એમ ડાઈંગ… આઈ એમ ડાઈંગ, મને પાણી આપો. પાણી આપો.’

ફોટોગ્રાફર નીક ઉત દોડયો અને ક્યાંકથી પાણી લઈ આવ્યો અને દાઝી ગયેલી બાળકીના શરીર પર પાણી રેડયું. તસવીરકાર એ દૃશ્યથી એટલો તો હતપ્રભ થઈ ગયો હતો કે એ બોલ્યો : ‘હવેે મારે વધુ તસવીરો લેવી નથી?’

એ વખતે એસોસિયેટેડ પ્રેસનાં તસવીરકારે નીક ઉત માત્ર ૨૧ વર્ષનો હતો. એણે એ બાળકીને તથા બીજા ઘવાયેલાઓને હોસ્પિટલમાં દાખલ કર્યા. અલબત્ત નીક ઉતને એ વખતે ખબર નહોતી કે તેની એક તસવીર આખા વિશ્વને ચોંકાવી દેશે. ખાસ કરીને અમેરિકાને.

એસોસિએટેડ પ્રેસે આ તસવીર અમેરિકાના જાણીતા અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ને મોકલી. ન્યૂયોર્ક ટાઈમ્સના તંત્રીઓ તસવીરમાં બાળકી નગ્ન દેખાતી હોઈ સહુથી પહેલાં તો આ તસવીર અખબારમાં મૂકતાં ખચકાતાં હતા. પરંતુ આ તસવીર યુદ્ધની ભયાનક્તા દર્શાવાતી હોવાથી તેમણે છેવટે એ તસ્વીર પ્રગટ કરવા નિર્ણય કર્યો. નવ વર્ષની કિમ ફૂકની વસ્ત્રવિહિન દશામાં દોડતી આ તસવીર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ના પહેલા પાને પ્રગટ થઈ. આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું. અમેરિકન સરકાર શરમાઈ ગઈ. એ વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે રિચાર્ડ નિકસન હતા. તેમણે તો આ તસવીર સાચી છે કે કેમ તેવી શંકા વ્યક્ત કરી પરંતુ તસવીર એટલી જ સત્ય હતી જેટલું વિયેતનામ યુદ્ધ. આ તસવીર પ્રગટ થયા બાદ આખા વિશ્વનું અમેરિકા પર દબાણ વધ્યું અને યુદ્ધનો લગભગ અંત આવી ગયો.

નીક ઉતની આ તસવીરના કારણે તેમને ૧૯૭૨ની વિશ્વનો શ્રેષ્ઠ પત્રકારત્વની તસવીર ગણી નીક ઉતને પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું.

એ પછી નાનકડી કિમ ફૂક ‘નેપામ ગર્લ’ તરીકે આખા વિશ્વમાં જાણીતી બની ગઈ. કારણ કે તે પછી એ તસવીર આખા વિશ્વના તમામ પ્રમુખ અખબારો અને મેગઝિનમાં પ્રગટ થઈ. આ તસવીરના કારણે જ યુદ્ધની ભયાનક્તાનો લોકોને અહેસાસ થયો.

કિમ ફૂકની એે તસવીર લીધા બાદ ફોટોગ્રાફર નીક ઉત જ કિમ અને બીજાં બાળકોને સાઈગોનની બાર્સ્કી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. કિમના શરીરનો ૩૦ ટકા હિસ્સો દાઝી ગયો હતો. ડોક્ટરોને આશા નહોતી કે તે બચશે. નાનકડી બાળકીને ૧૪ માસ હોસ્પિટલમાં રહેવું પડયું. તેની પર ૧૭ વખત શસ્ત્રક્રિયા કરવી પડી. તેના શરીર પર સ્કીન ટ્રાન્સપ્લાન્ટની શસ્ત્રક્રિયા પણ થઈ. સ્કીન ટ્રાન્સપ્લાન્ટ ફિનલેન્ડના ડો. આર્નેરિન્તાલાએ કર્યું અને એક દિવસ તે સાજી થઈને ઘેર ગઈ. એ પછી ફોટોગ્રાફર નીક ઉત નિયમિત રીતે તેની ફોટોસ્ટોરીના સંવેદનશીલપાત્ર એવી કિમની મુલાકાત લેતો રહ્યો.

ઉપર તસવીરમાં દેખાતી એ ભયભીત બાળકી આજે હયાત છે એ તસવીરે કિમ અને તસવીરકાર નીક બેઉની જિંદગી બદલી નાંખી હતી. એ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તે પોતાની એ નગ્ન તસવીર જોઈ ક્ષોભ અનુભવવા લાગી હતી પરંતુ સમય જતાં એણે એ તસવીરને જ યુદ્ધ વિરોધી સંદેશ માટેનું એક નિમિત્ત અને મિશન બનાવી દીધું. કિમ ફૂક કહે છેઃ ‘મેં જે વ્યથા સહન કરી છે તેવી જ વ્યથા દુનિયાભરના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં અનેક લોકો ભોગવી રહ્યા છે. મારી એ વ્યથાની તસવીર દ્વારા હું એ બધાંને મદદ કરવા માગુ છું!

અલબત્ત, એ પછી પણ કિમ ફૂકના જીવનમાં નાટયાત્મક ઘટનાઓ ઘટી, એ તસવીર પ્રગટ થયા બાદ કિમ તો એના ગામમાં બાળકી બની રહેવા માગતી હતી પણ વિશ્વભરના તસવીરકારો, પત્રકારો તેમની મુલાકાત લેતા રહ્યા. તા.૩૦મી એપ્રિલ ૧૯૭૫ના રોજ ઉત્તર કોરિયાના સૈન્યે દક્ષિણ કોરિયાના એ ભાગોનો કબજો લઈ લીધો. કિમ હજુ પેઈન કિલર્સ લઈને જીવતી હતી. તેને ડોક્ટર બનવું હતું. પણ નવા કોમ્યુનિસ્ટ લીડરને કિમ ‘નેપામ ગર્લ’ તરીકે દુશ્મનોના પ્રચારનું સાધન બની જાય તે પસંદ નહોતું. તેને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવી. તે ફરી તેના ગામ ગઈ. વિદેશી પત્રકારોને મળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કોઈ મળે તો તેણે શું બોલવું તે કમ્યુનિસ્ટ સરકાર નક્કી કરતી. તે હસતી રહી. એનો રોલ ભજવતી રહી.

એક દિવસ લાઈબ્રેરીમાં તેની નજર બાઈબલ પર પડી. તેને એમાં શ્રદ્ધા બેસી. જે તસવીરથી તે વ્યથા અનુભવતી હતી તે તસવીરેે જ તેને એક નવી તક પૂરી પાડી. વિદેશી પત્રકારો સાથે ૧૯૮૨માં તે તબીબી સારવાર માટે પશ્ચિમ જર્મની ગઈ. પાછળથી વિયેતનામના વડા પ્રધાનને પણ કિમની સ્ટોરીથી અનુકંપા થઈ. તેમણે ક્યૂબામાં કિમને ભણવાની સગવડ કરી આપી. ફોટોગ્રાફર નીક ઉત કે જે એસોસિયેટેડ પ્રેસ માટે હજુ લોસ એન્જેલસમાં કામ કરતો હતો તે ૧૯૮૯માં કિમને મળવા ક્યૂબા ગયો પણ તે બંનેને એકલાં મળવાની તક ના મળી. કિમને હજુ નીકની મદદની જરૂર હતી.

કિમ જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે તે વિયેતનામના એક યુવાનના પરિચયમાં આવી હતી. કિમને તેના દાઝી ગયેલા શરીર અને તેના ડાઘના કારણે તેની સાથે કોઈ પરણશે તેવી આશા નહોતી. પરંતુ તેનો બચપણનો દોસ્ત બુઈ હયૂ તોઓન તેની સાથે પરણવા તૈયાર થયો. ૧૯૯૨માં બેઉ પરણી ગયા. હનીમૂન માટે તેઓ મોસ્કો ગયા. તેઓ મોસ્કોથી ક્યૂબા પાછા ફરી રહ્યા હતા પરંતુ વિમાન કેનેડા બળતણ લેવા ઊભું રહ્યું ત્યારે ક્યૂબા જતા વિમાનમાં પાછાં બેઠા જ નહીં તેઓ ફરી કોઈ કમ્યુનિસ્ટ કન્ટ્રીમાં પાછા જવા માગતા જ નહોતા. હવે તેઓ કેનેડામાં જ રોકાઈ ગયા. કિમ હવે મુક્ત હતી.

તસવીરકાર નીક ઉતે ફરી કિમનોે સંપર્ક કરી તેની સ્ટોરી આખા વિશ્વને કહેવા સૂચન કર્યું. પરંતુ તે હવે તેના પતિ સાથે નોર્મલ લાઈફ જીવવા માગતી હતી. પરંતુ મીડિયાએ શોધી કાઢયું કે જગપ્રસિદ્ધ નેપામ ગર્લ હવે એક યુવતી તરીકે કેનેડાના ટોરેન્ટોમાં રહે છે. પત્રકારો તેને મળવા લાગ્યા. કિમે હવે તેની સ્ટોરી દુનિયાને કહેવા નિર્ણય કર્યો. ૧૯૯૯માં એક પુસ્તક બહાર પડયું. તે પછી દસ્તાવેજી ફિલ્મ પણ બની.

 એ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘે કિમ ફૂકને સંયુક્ત રાષ્ટ્રસંઘના ગુડવીલ એમ્બેસેડર બનવા કહ્યું. તે પછી કિમ અને તસવીરકાર નીક અનેકવાર મળ્યા અને દુનિયાને યુદ્ધની હોરર સ્ટોરીથી વાકેફ કર્યા. તેઓ લંડન ગયા અને યુ.કે.ના મહારાણી ક્વીન એલિઝાબેથને પણ મળ્યા.

કિમ ફૂક કહે છેઃ ‘હું એ તસવીરથી મારો પીછો છોડાવવા માગતી હતી. હું નેપામ બોમ્બથી દાઝી ગઈ હતી. હું યુદ્ધની ભયાનક્તાનો શિકાર બની હતી પરંતુ મોટી થયા બાદ હું અલગ જ વ્યક્તિત્વ ધરાવતી બની ગઈ!’

એસોસિયેટેડ પ્રેસના તસવીરકાર નીક ઉત કહે છેઃ ‘મેં કિમને મદદ કરી તેનો મને આનંદ છે. મારા માટે તે મારી દીકરી છે!’

કિમ ફૂક આજે લગભગ ૫૨ વર્ષની વયની છે અને સુખી લગ્નજીવન જીવી રહી છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

અલ્યા, તું કાગડો, ને આવી રૂપાળી ભાભી ક્યાંથી લાવ્યો

અલ્યા, તું કાગડો, ને આવી રૂપાળી ભાભી ક્યાંથી લાવ્યો‘એનું નામ માહી હતું. એ મારી પત્ની હતી. હું તેને બહુ જ ચાહતો હતો. ચંદન જેવું લીસું શરીર અને કમનીય કાયા.’

 વ્યારા વિસ્તારના એક ગામમાં રહેતા અમર નામના એક શિક્ષક તેમના જીવવની આપવીતીની વાત આ રીતે શરૂ કરે છે. તેઓ કહે છેઃ ”હું માહીને પરણીને ગામમાં લઈ આવ્યો ત્યારે આખું ગામ માહીને જોવા હિલોળે ચડયું હતું.” મારા મિત્રોએ મજાક કરી હતી કે ” અલ્યા, અમરા, તું કાગડો, આ દહીંથરું ક્યાંથી લઈ આવ્યો? આ રૂપાળી ભાભી ક્યાં અને તું ક્યાં?”

આખા ગામના લોકો મારી ઈર્ષા કરતા. માહીને પરણીને લાવ્યા બાદ મારા ભાઈબંધો પણ વધી ગયા હતા. મોડી રાત સુધી મારા ઘેર બેસી રહેતા. કોઈ ને કોઈ રીતે મારી પત્ની સાથે વાતો કરતા રહેતા.

વાત જાણે કે એમ હતી કે , ‘અમારા ઘરની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી એટલે અમારા ઘરમાં દીકરી નાખતાં સગો સો વાર વિચાર કરે. અને બીજી બાજુ સમાજમાં કન્યાઓની અછત. સમાજમાં સાટા પદ્ધતિ હતી. ૨૮ વર્ષ વીતવા છતાં મારું સગપણ થઈ શક્યું નો’તું. મારી ઉંમર દિવસે દિવસે વધતી જતી હતી પણ સાટુ લાવવું ક્યાંથી? મારાથી મોટાભાઈ પણ સમાજ બહારથી કન્યા લાવ્યા હતા. યુવાનીનાં દિવસો વીતતા જતા હતા. મારા ગામમાં મારાથી ઉંમરનું પરણવામાં લગભગ જ કોઈ બાકી હતું. મારાથી નાની ઉંમરનાને પરણતા જોવું ત્યારે મારા મનમાંય કેટલાય સ્વપ્નો આકાર લેતાં… અને એ સ્વપ્નો સ્વપ્ન બનીને જ રહી જતા. મારા કુટુંબીજનોને પણ મારા સગપણ ન થવાની વાત ખટકતી. એટલે વડીલોએ નક્કી કર્યું. બહારના સમાજની કન્યા લાવીને પણ મને પરણાવવો. કુટુંબીઓની કંઈ કેટલીય રઝળપાટો પછી એક કન્યા શોધી કાઢી નામ એનું માહી. એનું નામ એવું જ રૂપ… ચંદન જેવું લીસું અને ઘાટીલું શરીર… અણિયારી આંખો… અને ગુલાબની પાંદડી જેવા હોઠ. લગ્ન કરવાની કોઈ સગવડ ન હતી એમ છતાં દેવું કરીને પણ ઘડિયા લગ્ન લીધા.

મારી પત્નીના મારા ઘરમાં આવવાથી તો જાણે મારું જીવન જ પલટાઈ ગયું. આખો દિવસ માહીને જોયા કરવાનું મન થતું. એનો સહવાસ કેમેય કરીને છોડવો ગમતો નહીં. હવે, મને સમજાયું કે લોકો વહુ ઘેલા કેમ થતા હશે!

માહીએ મને મજાકમાં કહ્યું પણ ખરું: ”આ લોકો તમને વહુ ઘેલા કે છે તે ગમે છે? તમે આમ પાસે ક્યાં સુધી બેસી રહેશો… લગ્નનું દેવું પણ કેટલું છે? નોકરી સાથે ટયૂશન પણ કરો ને?” માહીનું કહેલું વેણ હું કેમ કરી ટાળી શકું! તરત જ બાજુવાળાની સાઈકલ માંગી હું તો નીકળ્યો ટયૂશન શોધવા… બાજુમાં બે ગામોમાં ટયૂશન શોધી કાઢયા. સવારે સાઈકલ લઈને જાઉં. માહી ટિફિન કરી આપે, સાંજે આવી માહીના આગોશમાં છુપાઈ જાઉં… એટલે થાક છુમંતર. મહિનાનો જે કંઈ પગાર મળતો એ સીધો માહીના હાથમાં દઈ દેતો અને માહી એમાંથી ઘર ચલાવે.

નોકરી ઉપરાંત ટયૂશન આપવામાં મારી ધગશ જોઈ વાલીઓએ ફી પણ વધારી આપી. સમય જતાં માહીએ એક દીકરીને જન્મ આપ્યો. ઘરમાં આનંદ સમાતો નહોતો. ઘરમાં લક્ષ્મી આવીને અમારા સીતારા બદલાયા. મારા કામથી આચાર્ય ને સંસ્થાના વડા પણ ખુબ આફરીન હતા. એમને મને થોડી મદદ કરી અને થોડી બચત મારી હતી એમાંથી ટ્રેક્ટર ખરીદ્યું. હવે તો બચત પણ સારી એવી થવા લાગી હતી અને બધી જ બચત હું માહીના હાથમાં મૂકતો. માહી પણ ખુબ ખુશ રહેતી.. હવે તો માહીને કહી જ રાખ્યું’તું ખુબ દુઃખ વેઠયું, પણ હવે તો લ્હેરથી જ જીવવું છે દર મહિનાના પગારમાંથી માહી માટે હું નવી સાડી અચૂક લઈ આવતો. માહીને ખુશ જોવી એ જ મારે મન મોટી ખુશી હતી.

એકાંતની પળોમાં માહીને હરખાતી જોઉ એટલે જાણે સ્વર્ગમાં મહાલતો હોઉં એવું લાગતું. માહી પણ મને પ્રેમથી તરબર કરી દેતી. કામ પરથી હું આવું ત્યારે મારી સામે પાણીનો પ્યાલો નહીં, પ્રેમનો પ્યાલો ભરીને ઊભી હોય! જેમ જેમ પીતો જોઉં તેમ તેમ દિવસ ભરનો થાક ગરી જતો.

માતાજીની કૃપાથી સૌ સારાવાના હતા. એક શેર માટીની ખોટ હતી એ પણ માતાજીએ પૂરી કરી માહીએ મને પુત્રરત્ન આપ્યો.   સાવ સૂકા રણ જેવા મારા જીવનમાં માહી મીઠી વીરડી બનીને આવી અને મારા જીવનને મઘમઘતું ઉપવન બનાવી દીધું. માહીએ મને કંઈ કેટલું આપ્યું! એટલે મેંં પણ માહીને સોને મઢવાનું નક્કી કર્યું. એને જોઈતા તમામ ઘરેણા મેં બનાવી આપ્યા. હજું કંઈક ઓછું લાગતું હોય એમ સરસ મજાનો એક મોબાઈલ પણ લાવી આપ્યો. હવે હું કામ પર હોઉં ત્યારે પણ જ્યારે મન થતું ત્યારે માહીનો અવાજ સાંભળી લેતો.

આખા ગામમાં સુખી લોકોમાં હવે મારી ગણના પણ થવા લાગી હતી. રહેવા માટે સરસ મજાનું ઘર હતું અને જમીન પણ વસાવી હતી. સ્કૂલના સંચાલકને હવે બીજી સ્કૂલ શરૂ કરવા બહાર જવું પડે તેમ હતું. તેથી તેમણે આ સ્કૂલની જવાબદારી મારે માથે નાખી.’હવે મારે પૂરેપૂરો સમય સ્કૂલ માટે આપવો પડતો. હું સવારે અને સાંજે જમવા માટે જ ઘરે જતો ક્યારેક તો ટિફિન પણ મંગાવી લેતો અને સ્કૂલ ઉપર જ ધ્યાન આપતો… વચ્ચે વચ્ચે ક્યારેક સમય મળે ત્યારે માહીને ફોન અચૂક કરી લેતો અને કહેતો કે માહી આ શેઠનું ઋણ ચૂકવવાનો અવસર છે. તને પૂરતો સમય આપી શકતો નથી મને માફ કરજેઃ મારી મારે પણ સંસ્થાના માલિકની જેમ ખૂબ પૈસા કમાવવા છે. એ પણ તારા માટે, આપણા બે સંતાનો માટે જે દિવસો મેં જોયા છે, જે અછત મેં વેઠી છે એવી કોઈ અછત મારા સંતાનોને વર્તવા દઉં.’

સ્કૂલ ઉપર વધુ સમય રહેવાથી માહી થોડી અપસેટ જણાતી હતી. ફોન પર પણ પહેલાના જેવી વાતો નો’તી કરતી પણ જ્યારે ઘરે જતો ત્યારે માહીને જોઈને લાગે જ નહીં કે લગ્નને દસ વર્ષ વીત્યાં હશે…માહીની યુવાની દિવસે દિવસે ખીલી રહી હતી. એકાંત પળોમાં એ મારકણી બની જતી અને થોડા સમય બાદ સૂનમૂન બનીને બેસી રહેતી. હું સ્કૂલ પર હતો અને માહીના પિતાના અવસાનના સમાચાર મળ્યા. અમે તરત માહીના પિયર જવા નીકળ્યા. માહીને ત્યાં મૂકી હું પાછો આવતો રહ્યો અને તેરમા દિવસે પાછો ગયો. ત્યાં ઘરમાં બીજું કોઈ નો’તું. માહીની માની ઉંમર પણ વધુ હતી. વિધિ પતાવ્યા બાદ હું ઘરે આવવા નીકળ્યો. પણ માહીને હજુ ત્યાં રોકાવાની ઈચ્છા હતી. માહીની ઈચ્છા એ મારી ઈચ્છા. હું કામ પર ધ્યાન આપવા લાગ્યો. પણ હવે એક પરિવર્તન દેખાયું, હું માહી સાથે ફોન પર વાત કરું તો તે પહેલાની જેમ હવે વાત કરતી નો’તી. પૂરા બે અઠવાડિયા પછી મારા મોટાભાઈ માહીને તેડી લાવ્યા. પિયર જઈ આવ્યા પછી તેના વર્તનમાં ખાસ્સો ફરક પડી ગયો હતો. મને એમ થતું કે એને એની માની ચિંતા સતાવ્યા કરતી હશે? એક વાર મેં એને કહ્યું પણ કે ‘માહી તું આમ બેચેન રહે છે એ મને ગમતું. તારું હસતું મોઢું જોવાયેલી મારી આંખોને તારો આ ચહેરો મને દુઃખી કરે છે. જો તંુ તારી બાની ચિંતા કરતી હોય તો આપણે બાને અહીં તેડી લાવીએ… એ આપણી સાથે ભલેને રહેતા….’

પણ એ દિવસે માહી તબિયત સારી ન હોવાનું કહી પડખું ફેરવીને સૂઈ ગઈ. માહીનું આ દુઃખ હું સમજી શક્તો ન હતો અને સહી શક્તો પણ ન હતો. શું કરું તો માહી પહેલાની જેમ હરખાય? અઠવાડિયા પછી પુત્રની પ્રથમ વર્ષગાંઠ હતી અને અમારા લગ્નની બારમી વર્ષગાંઠ પણ. મેં વિચાર્યું આ દિવસે માહીને કંઈક સરપ્રાઈઝ આપું અને ખુશ કરી દઉં. બારમી એનિવર્સરીનો દિવસ આવી પહોંચ્યો. હું નવી કાર હંકારી ઘર તરફ આવી રહ્યો હતો. મનમાં બસ એક જ વિચાર રમતો કે કાર જોઈ માહી ખુશ થશે. જીવનનું એક સ્વપ્ન હતું કે પોતાની એક કાર હોય. આજે એ સ્વપ્ન સાકાર થયાનો આનંદ કંઈક જુદો હતો. વિચારોને વિચારોમાં ઘર સુધીનો રસ્તો ક્યાં કપાઈ ગયો તેનું ભાન જ ન રહ્યું.

… પણ આ શું ? ઘરે આવીને જોયું તો ઘરનું બધું જ વેરવિખેર… તિજોરી પણ ખુલ્લી…. અંદર દાગીના કે પૈસા કંઈ ન મળે. બધું જ સાફ.હું બેડરૂમમાં ગયો ત્યાં નાનાં બાળકો ઘસઘસાટ સૂતાં હતા. માહી- માહી ની હું બુમો પાડતો રહ્યો. પણ મારો અવાજ કોણ સાંભળે? મેં જોયું તો ઓશિકા નીચે પડેલી એક ચિઠ્ઠી હાથમાં આવી. અને બીજું ઘેનની ગોળીઓ હતી. જે થોડી બાળકોને દૂધ સાથે પિવડાવી દીધી હતી. બાળકોને ઘેનની ગોળીથી ઊંઘાડી દીધા હતા.

ચિઠ્ઠીમાં લખ્યું હતું :

‘અમર,

તારી સાથે બાર બાર વર્ષ મેં ઘર સંસાર માંડયો એ મારી એક મજબૂરી હતી.તું માત્ર શરીર ચૂંથતો રહ્યો. હું મનથી તો બાર વર્ષ પહેલાં મારા ગામના કાનાને વરી ચૂકી છું. પણ મારા પિતાના ઉગ્ર સ્વભાવથી હું ડરતી હતી. મારા પિતાના ડરના કારણે જ મારે બાર વર્ષ તારી સાથે રહેવું પડયું, એ મારી મજબૂરી હતી. હવે પિતાના અવસાન બાદ મને કોઈનોય ડર નથી. બાર બાર વરસથી કાનો મારી રાહ જોઈ રહ્યો છે. આ તારા દીકરા અને દીકરીમાં મને કોઈ રસ નથી. તારાથી સચવાય તો સાચવજે નહીં તો… અનાથ આશ્રમમાં મૂકી આવજે. હવે કાના અને મને કોઈ જુદા નહીં કરી શકે. અમને શોધવાની મહેરબાની કરીને કોશિશ પણ ન કરતો.

લી. કાનાની માહી.

 આ ચિઠ્ઠી વાંચતાં જ મારા પગ નીચેની જમીન સરકી ગઈ. મને ભાન આવ્યું ત્યારે હું હોસ્પિટલમાં હતો.

અને વાત પુરી કરતા અમર કહે છેઃ ‘હું તો કદાચ મરવાના વાંકે જીવી જઈશ. પણ આ બાળકોનું શું? માહી આજે ય હું તને ચાહું છું. જ્યાં હોય ત્યાંથી પાછી ફર, પાછી ફર.’

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

પરાજયે મને ખૂબ શીખવ્યું પછી હું ‘ગોલ્ડન ગર્લ’ બની

પરાજયે મને ખૂબ શીખવ્યું પછી હું 'ગોલ્ડન ગર્લ' બની (કભી કભી)એનું નામ છે પી.ટી. ઉષા.

દેશની ઉડતી પરી તરીકે જાણીતી બનેલી પી.ટી. ઉષાની જિંદગીની કહાણી દેશનાં કરોડો યુવક-યુવતીઓ માટે પ્રેરણાદાયી છે.

તે ચોથા ધોરણમાં ભણતી હતી. બીજાં બાળકોની જેમ તેને દોડવું- ભાગવું ગમતું હતું. એક દિવસ સ્કૂલમાં એના રમતગમત શિક્ષકે તેને સાતમા ધોરણના છોકરાની સામે ઊભી કરી દીધી. તે છોકરો દોડવામાં ચેમ્પિયન હતો. ટીચરે કહ્યું: ”એની સાથે દોડો અને જીતીને આવો.”

આ વાત સાંભળતાં જ તે ગભરાઈ ગઈ, પરંતુ શિક્ષકનો આદેશ હતો તેથી દોડવું જરૂરી હતું. તે મેદાન પર ગઈ, ખૂબ ઝડપથી દોડી અને ચેમ્પિયન હારી ગયો. તે સાતમાં ધોરણમાં આવી, એ વખતે તે જિલ્લા ચેમ્પિયન બની ગઈ. તે પછી જીતવાનો સિલસિલો જ ચાલુ થઈ ગયો. ૧૯૮૪માં તે દોડમાં ઓલિમ્પિક ફાઈનલમાં પહોંચવાવાળી પહેલી મહિલા બની ગઈ. ૧૯૮૫માં એણે એશિયન ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા. એ પછી એણે અર્જુન એવોર્ડ અને પદ્મ શ્રી એવોર્ડ પણ એનાયત થયા.

કેરલના કોઝીકોટી જિલ્લાના કોથલી ગામમાં જન્મેલી પી.ટી. ઉષા બચપણમાં અકસર બીમાર રહેતી હતી. માતા-પિતા તેના સ્વાસ્થ્ય અંગે સતત ચિંતામાં રહેતા હતાં. બધાને ચિંતા હતી કે આ છોકરીનું શું થશે? સહેજ મોટી થતાં તે સ્કૂલ જવા લાગી. વારંવાર બીમાર પડી જતી હોવાથી એને અનેક વાર સ્કૂલમાંથી રજા લેવી પડતી. એના પિતા ગામમાં કાપડની એક નાનકડી દુકાન ચલાવતા હતા. પી.ટી. ઉષા અને એ બધા મળીને છ ભાઈ-બહેન હતા. આટલા બધાની પરવરીશ કરવી તે એક મોટી સમસ્યા હતી. પિતા શિક્ષણનું મહત્ત્વ સમજતા હતા. અનેક મુશ્કેલીઓ છતાં બાળકોના શિક્ષણને તેમણે નજરઅંદાજ ના કર્યું.

ઉષાનું મન ભણવાની સાથેસાથે ખેલકૂદમાં પણ લાગેલું હતું . સમયની સાથે એની સક્રિયતા પણ વધી ગઈ. રમતના મેદાનમાં ભાગતા- દોડતા ખેલાડીઓને જોવામાં એને મજા આવતી હતી. એ વખતે તેના મનમાં થતું કે કાશ હું પણ આ રીતે દોડી શક્તી!

એ વખતે તે દસ વર્ષની હતી. સ્કૂલમાં રમતોની સ્પર્ધા શરૂ થવાની હતી. ખેલાડીઓની પસંદગી થઈ રહી હતી. ઉષા પણ રમતના મેદાન પર એક ખૂણામાં ઊભેલી હતી. ત્યાં જ એનાં શિક્ષકે ઉષાને ઈશારો કરી પોતાની પાસે બોલાવી. શિક્ષકે તેને કહ્યું: ”ચાલો, આ છોકરો કે જે દોડવામાં ચેમ્પિયન છે તેને હરાવો.” એ વખતે તે છોકરો સાતમા ધોરણમાં હતો જ્યારે ઉષા ચોથા ધોરણમાં હતી. એ પહેલાં ઉષાએ કદીએ દોડમાં ભાગ લીધો નહોતો. શિક્ષકનો આદેશ હતો તેથી ઉષા પાસે દોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

શિક્ષકે સિટી મારી.

ઉષા અને ચેમ્પિયન બોય દોડવા લાગ્યા. શરૂઆતમાં ઉષાની રફતાર ધીમી હતી, પણ થોડી જ ક્ષણો બાદ ઉષા જાણે કે હવામાં ઊડવા લાગી. રમતના મેદાન પર ઊભેલા છોકરાઓ ચેમ્પિયન છોકરાના નામના નારા લગાવી રહ્યા હતા, પણ ઉષા જાણે કે એ સાંભળતી જ ના હોય તે રીતે બડી તેજ રફતારથી દોડી રહી હતી. એટલું ઝડપથી દોડી કે ચેમ્પિયન છોકરો હારી ગયો.

એ વિજયે ઉષા માટે નવો રસ્તો ખોલી દીધો. ઉષા કહે છેઃ ”મારા માતા-પિતા રમતગમત અંગે કાંઈ જ જાણતા નહોતા. મેં પણ કદી વિચાર્યું નહોતું કે હું કરી એથ્લેટ બનીશ. મેં એટલું જ વિચાર્યું હતું કે ભવિષ્યમાં બહુ બહુ તો હું પી.ટી. ટીચર બની જઈશ.”ળ

અને તે દિવસ બાદ ઉષા સ્કૂલની ટીમનો એક હિસ્સો બની ગઈ. ૧૯૭૬માં કેરળ સરકારે કુન્નૂરમાં મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન માટે એક શિબિરનું આયોજન કર્યું હતું. આ તાલીમ શિબિરમાં કોચ ઓ.એમ. નમ્બિયારની દેખરેખમાં ચાલીસ વિર્દ્યાિથનીઓની તાલીમ શરૂ થઈ. તેમાં પી.ટી. ઉષા પણ સામેલ હતી. ૧૯૭૯માં ઉષાને નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભાગ લેવાનો મોકો મળ્યો. આ સ્પર્ધામાં તે ચેમ્પિયન બની અને મીડિયામાં છવાઈ ગઈ. ૧૯૮૦માં તે પાકિસ્તાન ઓપન નેશનલ મીટમાં ભાગ લેવા કરાંચી ગઈ. આ તેનો પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હતો.

ઉષાની ખેલ કારકિર્દીમાં કાફી ઉતારચડાવ આવ્યા પણ ઉષાએ હાર કદી ના સ્વીકારી. તે કદી હતાશ- નિરાશ ના થઈ. ૧૯૮૪માં તેની રમતગમત કારકિર્દીનો પ્રથમ મહત્ત્વપૂર્ણ મુકામ આવ્યો. ઉષાએ લોસ એન્જેલસમાં આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો. એ વખતે તે ૨૦ વર્ષની હતી. આખા દેશને તેના પદક માટે આશા હતી અને તે ઓલિમ્પિકમાં ફાઈનલ રાઉન્ડમાં પહોંચવાવાળી પહેલી ભારતીય એથ્લેટ બની ગઈ, પરંતુ ચંદ્રક મેળવવા માટે થોડાક પોઈન્ટસ ખૂટયા. આ બાબતે તેને જ નહીં પરંતુ આખા દેશને મોટો ઝાટકો લાગ્યો. ઉષા કહે છેઃ ”એ પરાજયે મને બહુ જ રડાવી દીધી. આટલી નિરાશ હું અગાઉ કદી થઈ નહોતી. હું ખૂબ રડી. પણ એ પરાજયે મારામાં એક નવું જ જોમ ભરી દીધું એ પછી જ હું ગોલ્ડન ગર્લ બની ગઈ.”

ઓલિમ્પિકમાં પરાજયે ઉષાને બહુ જ નિરાશ કરી દીધી હોવા છતાં લોસ એન્જલસથી પાછા ફર્યા બાદ દેશમાં ઉષાનું શાનદાર સ્વાગત થયું. એ વખતે તેને અહેસાસ થયો કે દેશના લોકો તેને કેટલું બધું ચાહે છે. ઉષા કહે છેઃ ”ઓલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ ઠેર ઠેર લોકો મારું સ્વાગત કરવા એકત્ર થઈ ગયા. કેટલાયે એવોર્ડ મળ્યા. પુરસ્કારના રૂપમાં મને નવું ઘર અને નવી મોટરકાર ભેટમાં મળી. મેં કદીયે વિચાર્યું નહોતું કે મને કદીક આટલો પ્રેમ અને સન્માન મળશે.”

ઓલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ ઉષાને અહેસાસ થયો કે આખો દેશ તેની પર કેટલી બધી ઉમ્મીદો લગાવીને બેઠો છે. તે હારી ગઈ છે એ વાત ભૂલીને સિયોલમાં યોજાનાર ૧૦મી એશિયન ગેમ્સની પ્રતિયોગીતાની તૈયારીઓમાં લાગી ગઈ.

તે પછી આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ભાગ લેવા તે સિયોલ ગઈ.

સિયોલમાં તે ચાર ગોલ્ડ મેડલ જીતીને ભારત આવી. એ હવે ગોલ્ડન ગર્લ બની ગઈ. લોકો તેને ‘ગોલ્ડન ગર્લ’ કહીને બોલાવવા લાગ્યા.

૧૯૯૧માં તેણે તેના મિત્ર પી.શ્રીનિવાસન સાથે લગ્ન કરી લીધું. એક વર્ષ બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો. રમતના મેદાનમાં હવા સાથે ઊડવાવાળી પી.ટી. ઉષાએ પારિવારિક જવાબદારીઓ પણ ગંભીરતાથી નિભાવી. કેટલાક લોકોને લાગ્યું કે, પારિવારિક જીવન તેની ખેલાડી તરીકેની કારકિર્દીને ખતમ કરી દેશે, પણ એમ ના થયું. સાત વર્ષ બાદ ૧૯૯૮માં જાપાનમાં આયોજિત એશિયન ટ્રેક ફેડરેશન મીટમાં તેણે ભાગ લીધો અને બ્રોન્ઝ મેડલ સાથે એણે શાનદાર પુનરાગમન કર્યું.

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને તેને સદીની મહાન ખેલાડી તરીકે સન્માન બક્ષ્યું. ૨૦૦૦ની સાલમાં તેણે રમતગમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. હવે તે કેરલના કોઝીકોટ જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ ચલાવે છે. અહીં દેશભરના બાળકો તાલીમ માટે આવે છે. પી.ટી. ઉષાનું હવે એક જ લક્ષ્ય છેઃ ”દેશ માટે સુંદર ખેલાડી તૈયાર કરવા.”

– દેવેન્દ્ર પટેલ

હું જીવી પણ શકતી નથી ને મરી પણ શક્તી નથી (કભી કભી)

હું જીવી પણ શકતી નથી ને મરી પણ શક્તી નથીમુંબઈથી એક ગુજરાતી યુવતીનો પત્ર છે.

 મારું નામ અપેક્ષા છે

હું મુંબઈ, વિલે પાર્લામાં રહું છું. મારા પપ્પાને બે દુકાન છે. અમે પૈસે ટકે સુખી છીએ. ઘરમાં અમે કુલ બે બહેનો છીએ.

મારી વાત હવે અહીંથી શરૂ કરું છું. મને યાદ છે ત્યાં સુધી હું સમજણી થઈ ત્યારથી મેં મારી જિંદગીમાં નફરત જ જોઈ છે. પ્રેમ તો મેં જોયો જ નથી. પહેલેથી જ મારો ઉછેર મમ્મી- પપ્પાએ બધા કરતા જુદો કર્યો છે. તેમણે મને ઘણા બધા સુખોથી વંચિત રાખી છે. મારા મગજમાં એમણે પહેલેથી જ એવું ઠસાવી દીધું કે ‘તું હોંશિયાર નથી, તું નમાલી છે, ડફોળ છે. માટે તારે અમે કહીએ એમ કરવાનું’ તેમણે મને તેમના મન વગર ભણાવી તેથી મારી બુદ્ધિનો વિકાસ ઘણો સામાન્ય રહ્યો છે. મારા ભણતર પાછળ તેમણે ક્યારેય એક રૂપિયાનો વધારાનોે ખર્ચ કર્યો નથી. આમ મારી સ્વમહેનતે ભણતા મે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. જ્યારે બીજી બાજુ મારી બહેનને ઉછેર તેમણે પહેલેથી સ્વતંત્ર રીતે જ કર્યો છે. તેથી તે મોર્ડન અને સ્વતંત્ર બની. તેના ભણતર પાછળ પપ્પાએ ઘણું ધ્યાન આપ્યું તે આજે સારી ફેકલ્ટીમાં પાસ થઈ છે. તેને પપ્પાએ એમ.એ. સુધી ઉચ્ચ અભ્યાસ કરાવ્યો છે. તે આજે પોતાના પગભર ઊભી રહી શકે છે. અત્યારે તે નોકરી કરે છે. આમ તેને પહેલેથી મમ્મી પપ્પાનોે સાથ, સહકાર, પ્રેમ અને મદદ મળવાથી તે ઘણી આગળ આવી છે. તે અત્યારના જનરેશન પ્રમાણે મોર્ડન બની ગઈ છે. તેને ઘણા બધા બોય ફ્રેન્ડ છે. તેમની સાથે તે તેની જિંદગી એન્જોય કરે છે. હરે છે, ફરે છે, કલાકો સુધી બેસીને વાતો કરે છે. તેને તેના બોય ફ્રેન્ડ ઘરે આવે જાય તેની છૂટ પણ મળી છે. તેને કોઈ જ રોકટોક કે બંધન નથી. માટે તે મારા કરતા ઘણી હોશિયાર અને આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ બની છે. જ્યારે મને મમ્મી પપ્પાએ આ બધાથી દૂર રાખી છે.

તેથી આજે હું સમાજમાં એકલી ક્યાંય ઊભી રહી શકતી નથી. મને પુરુષોનો ડર લાગે છે. મારો આત્મવિશ્વાસ પણ એટલો બધો ડગમગી ગયેલો છે કે હું કંઈ જ કરી શકવાની હિંમત ધરાવતી નથી. આમેય પહેલેથી હું પપ્પાથી ડરી ડરીને જીવું છું. એટલે મારામાં ડર પેસી ગયો છે. ક્યારેય પપ્પાએ મને પ્રેમથી બોલાવીને પૂછયું નથી કે ‘બેટા તારી શું બનવાની ઈચ્છા છે, તને ક્યા વિષયમાં રસ છે, તારી ના-પસંદ શું છે.’ મારા પર પહેલેથી જ એટલા બધા બંધનો લગાવી દીધા છે કે હું ક્યાંય બહારની દુનિયામાં જઈ શકી નથી. ખબર નહીં પણ કેમ પહેલેથી જ મમ્મી-પપ્પા એ બે છોકરીઓ વચ્ચે અંતર રાખ્યું છે. હું ક્યારેય મારી ઈચ્છા તેમની સામે દર્શાવી શકતી નથી. મને ખબર હોય છે કે મારી ઈચ્છા તેઓ પૂરી કરવાના નથી. ઉપરથી મારે ગાળો ખાવી પડશે. મારા પર મમ્મીએ નાનપણથી જ કામનો બોજ નાંખી દીધો છે. મારું મગજ જ કંઈ વિચારી શકવાની ક્ષમતા ધરાવતું નથી. મને શાયદ તેમણે ઘરની કામવાળી બનાવી દીધી છે.

હું મુક્ત પંખીની જેમ આકાશમાં ઊડી શક્તી નથી. મારી પાંખો જ કાપી નાંખવામાં આવી છે. પપ્પા એટલા બધા કડક છે મારા પ્રત્યે કે ન પૂછો વાત તેમનો પડયો બોલ ઝીલવામાં ન આવે તો માર ખાવો પડે છે. મને લાગે છે કે ખરેખર આ મારા પપ્પા નથી,ગયા જન્મના કોઈ પાપ કર્યા હશે ત્યારે આવા પપ્પા મળ્યા. પપ્પાની સાથે સાથે મમ્મીનો વર્તાવ પણ મારી સાથે એવો છે. તેણે પહેલેથી જ મને તેના પ્રેમથી વંચિત રાખી છે. કોણ જાણે હું તેની ઓરમાન દીકરી ન હોવ? તેણે ક્યારેય મારી સાથે સરખી વાત નથી કરી. કાયમ તોછડાપણું જ તેની વાતમાં હોય છે. જ્યારે મારી બહેનને તે હાથમાંને હાથમાં રાખે છે. પહેલેથી જ તે તેના જમવાની બાબતથી માંડીને તેની બધી બાબતોનું ધ્યાન રાખે છે. ક્યારેક તો તેને ગરમગરમ રસોઈ બનાવી ને પ્રેમથી જમાડે છે. કોઈ વસ્તુુ તેને ન ભાવતી હોય તો તાત્કાલિક તેને ભાવતી વસ્તુ મમ્મી બનાવીને હાજર કરે છે. તેની સાથે સદાય હસતી હોય છે. ઘરની બધી ચર્ચાઓ પણ તેની સાથે કરે છે. જ્યારે હું આ વખતે એકલી બેઠી બેઠી રડયા કરું છું. મને મનમાં થાય છે કે મારી સાથે જ મમ્મીનું આવું વર્તન કેમ છે. પપ્પા તો ખરાબ વર્તન કરે જ છે. સાથે સાથે મમ્મી પણ આવું કરે છે.

હવે વાત મારા લગ્નની કરું છું. મારી વય લગ્ન કરવા જેવી થઈ એટલે મારા પર પપ્પાનો અધિકાર તેમણે જમાવ્યો. મારી પસંદ-નાપસંદ તો તેમણે પૂછવાનું વિચાર્યું જ નથી. તે લોકો તેમની પસંદગીનો છોકરો શોધવા લાગ્યા. આમ તેમણે મને મારા લગ્નની વાત કર્યા વગર જ તેમની જાતે તે લોકો છોકરાઓ જોવા લાગ્યા તેથી ઘરે લગભગ મને જોવા ૧૦થી ૧૫ છોકરા આવી ગયા. તેમણે પહેલેથી જ નક્કી કર્યું હતું કે જે છોકરાવાળા હા પાડે તેની સાથે મારું લગ્ન નક્કી કરી દેવું. તે લોકો તેમની જવાબદારી પૂરી કરવા માંગતા હતા. આ ૧૦થી ૧૫ છોકરામાંથી તો મને એક પણ છોકરો ગમ્યો ન હતો. પણ મને બીક હતી કે આમાંથી કોઈ પણ એક જોડે મને જબરદસ્તીથી મમ્મી- પપ્પા પરણાવી દેશે. પણ શાયદ ભગવાનને મારી પર દયા ખાધી કે આમાંથી એક પણ છોકરાનો જવાબ હા માં ન આવ્યો. હવે પપ્પા મારી પર વધારે ગુસ્સે થવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે ‘તું બુદ્ધિ વગરની છે તારામાં કઈ છે નહીં તેથી આમાંથી એક પણ છોકરાએ તને પસંદ ન કરી. આ બધા મ્હેણાં-ટોણાં સાંભળીને પણ હું કશું પપ્પા સામે બોલી શક્તી ન હતી. બસ ચૂપચાપ રાત્રે રડી લેતી હતી. મને એમ કે ક્યારેક તો પપ્પા મને સમજશેને!

પપ્પાની સાથે સાથે મમ્મી પણ મને મ્હેણાંટોણા મારવા લાગ્યા. મમ્મી પપ્પા મને હવે રીતસર ઘરમાંથી જલ્દી કાઢી મૂકવા માંગે છે. મમ્મી કહે છે કે હવે આ બલા ઘરમાંથી જાય તો સારું. ઘણીવાર કહે છે કે ક્યાં સુધી અમારા ઘરના રોટલા ખાવા છે. હવે તો તું જા. પણ હું વિચારું છું કે ક્યાં જાઉં? શું મમ્મી પપ્પા સગી છોકરીને આવું કહી શકે છે. હું એટલી બધી હવે તો કંટાળી ગઈ છું કે હું શું કરું તેની જ મને ખબર પડતી નથી. હું જીવી શકતી પણ નથી કે મરી શકતી પણ નથી. હું વિચારું છું કે શા માટે ભગવાને મને ધરતી પર મોકલી? મારો આત્મા મને કાયમ એક જ સવાલ કર્યા કરે છે કે સગા મા-બાપ થઈને પોતાની છોકરી જોડે આવું વલણ દાખવી શકે. બે છોકરીઓ વચ્ચે ભેદભાવ રાખી શકે છે! મમ્મી-પપ્પાની મેં એટલી બધી નફરત જોઈ છે કે સપનામાં પણ હું ક્યારેય તેમનો ચહેરો મને બહુ ભયાનક લાગે છે. પપ્પાની સાથે સાથે મમ્મી પણ તેની એક મા તરીકેની ફરજ ભૂલીને મારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કરે છે. તેની હાજરીમાં તો હું શાંતિથી ખાઈ પણ શક્તી નથી. માટે ઘણીવાર તો છુપાઈ છુપાઈને ખાવું પડે છે. ઘરમાં કોઈ સારી ચીજવસ્તુ લાવ્યા હોય તો હું તો તે ખાઈ જ ના શકું. મને હવે આ ઘરનું ખાતા પણ બીક લાગે છે. આમેય તે લોકોને હું તેમના રોટલા ખાઉં એ ગમતું નથી. ઘણીવાર તો માટે ભૂખ્યા દિવસો કાઢવા પડે છે. ઘણી રાતો મેં ઊંઘની ગોળીઓ લઈને વીતાવી છે. હું માનસિક રીતે એટલી બધી પડી ભાગી છું કે હવે મને ખુશી મળશે તો પણ મને તે છીનવાઈ જવાની બીક લાગશે. મારી આજુબાજુ ઘરમાં છોકરીઓ રહે છે. તેમના મમ્મી પપ્પા તેમની છોકરીને પ્રેમ કરતા હોય ત્યારે મારી નજર પડે તો મારી આંખમાં આસુંઓ આવી જાય છે ત્યારે મને મારા નસીબ પર ખરેખર નફરત થાય છે. ભગવાનને પણ ફરિયાદ કરવાનું મન થાય છે કે હે ભગવાન શા માટે તે મને તારી આ સ્વાર્થી દુનિયામાં જન્મ આપ્યો. ઉદાસીના બોજથી લાચારીવશ જિંદગીના શ્વાસોચ્છ્વાસ ખેંચીને દિવસો કાઢું છું. મારું ભાવિ તો મને અંધકારમય જ લાગે છે. જ્યાં સુધી જીવાશે ત્યાં સુધી જીવીશ. સહનશક્તિની હદ પૂરી થતા હું આ દુનિયા છોડીને જતી રહીશ.

મારી જિંદગીના ચહેરા પર સતત પડતી રહેલી સમયની સખત થાપડો એ મને સવાલ પૂછવાનું મન કર્યું છે કે શું ભગવાને ખરેખર’મા’ને દેવીની ઉપમા આપીને મહાન કહી છે? આ જગતની બધી જનેતાને મારો સંદેશો છે કે ક્યારેય પોતાની છોકરીને માની ખોટ ન સાલવા દો. ક્યારેય મનમાં પ્રશ્ન ન થાય કે કયા છે ‘મા’ કે જેને ભગવાને પોતાના રૂપમાં ધરતી પર પોતાના બાળકોનું ધ્યાન રાખવા માટે મોકલી છે. તમે ખરેખર મા છો તો ‘મા’ શબ્દને સાર્થક કરી બતાવજો કે જેથી કરીને બાળકો પોતાની ‘મા’ના અસ્તિત્ત્વનું ગૌરવ લઈ શકે. બાળકને ક્યારેય પોતાના પ્રેમથી વંચિત ન રાખશો. આમેય છોકરીઓ તો પારકી થાપણ હોય છે તો પછી છોકરી પ્રત્યે આટલું ક્રૂર વલણ ન દાખવશો કે જેથી કરીને તેને પોતાનું હૃદય ‘મા’ ને ધિક્કારવા મજબુર બને. મારા જેવી તો શાયદ કોઈ અભાગી છોકરી નહીં હોય કે જેને આટઆટલા દુઃખ આવવા છતાં પણ જિંદગીના દિવસો પૂરા કરવા પડે છે. મારા નામનો અર્થ ખરેખર ‘ઈચ્છા’ થાય છે પણ મારી ઈચ્છા બધી મરી પરવારી છે. મને તો ખરેખર જીવવાની ઈચ્છા જ નથી રહી. હું એવું ઈચ્છું છું કે મારા જેવું દુઃખ દુનિયાની કોઈ છોકરીને સહન ન કરવું પડે. ક્યારેય છોકરી એવું ન વિચારે કે તે તેના મા-બાપ પર બોજ બનીને રહે છે. દરેક છોકરીના ચહેરા પર સદાય સ્મિત ફરકતું રહે. ખુશ રહે એવી મારી ભગવાનને પ્રાર્થના!

અને અપેક્ષાનો પત્ર પૂરો થાય છે.

‘મધર્સ ડે’ નિમિત્તે એક હિઝરાયેલી દીકરીની લાગણી બધી જ માતાઓ સમજે એવી અપેક્ષાની અપેક્ષા છે.

– દેવેન્દ્ર પટેલ

હવે ના મારું પિયર છે કે ના સસુરાલ, કયાં જાઉં

કાલિંદી અને દિલીપ કૌશિકનાં લગ્ન ૨૦૦૫માં થયા હતા. પતિ શારીરિક રીતે કમજોર અને વાઈના રોગથી પીડાતો હતો. કાલિંદી ૧૮ વર્ષની હતી ત્યારે જ તેને પરણાવી દેવામાં આવી હોઈ તેના પતિ અંગે ઝાઝી તપાસ કરવામાં આવી નહોતી. લગ્ન બાદ જ કાલિંદીને ખબર પડી કે પતિ શારીરિક રીતે નબળો છે. એક વાર તો પગથિયાં ચડતાં જ વાઈ આવતાં તે પડી ગયો. બે મહિના સુધી પતિના પગે પ્લાસ્ટર રહ્યું. દિલીપ હવે નોકરી પર જઈ શક્તો નહોતો. કાલિંદીએ નક્કી કરી નાંખ્યું કે પતિના બદલે તે નોકરી જશે. એણેે નજીકમાં જ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ શોધી કાઢયું. કાલિંદી છેક સાંજે ઘેર આવતી.

કાલિંદી જ્યાં કામ કરતી હતી તે સાઈટ પર બીજી અનેક સ્ત્રીઓ પણ કામે આવતી તેમાં એક ચાંદની પણ હતી. ચાંદની અને કાલિંદી સખીઓ બની ગઈ. ધીમે ધીમે ચાંદનીને કાલિંદીના કમજોર પતિની વાતની જાણકારી થઈ. એક દિવસ ચાંદનીએ કહ્યું: ‘જો કાલિંદી, સ્ત્રી માટે જેટલી પેટ ભરવાની જરૂર છે એટલી જ પ્રેમની જરૂર છે. તું એક સારો પુરુષ શોધી લે.’

કાલિંદીને શરૂઆતમાં ચાંદનીની વાત ગમી નહીં પરંતુ ધીમે ધીમે તેની વાત એને સાચી લાગવા માંડી. કાલિંદીએ પૂછયું: ‘હું કેવી રીતે કોઈને શોધું? હું તો પરણેલી છું?

ચાંદની બોલીઃ ‘જો કાલિંદી, આપણો સુપરવાઈઝર રામકુમાર છે ને! મેં એની આંખોની ભાષા જાણી લીધી છે. તે તને એકીટસે જોયા કરે છે?’

‘એ પરણેલો છે?’

‘હા’: ચાંદની બોલીઃ ‘પરણેલા માણસોમાં દુનિયાદારીની સમજ વધુ હોય છે. તે તારી ઈજ્જત અને પોતાની ઈજ્જત બને સાચવશે.’

ચાંદનીની આ વાત સાંભળ્યા બાદ કાલિંદી રામકુમાર તરફ આર્કિષત થઈ. તે રામકુમાર સાથે વધુ ને વધુ વાતો કરવા લાગી. રામકુમાર પણ સમજી ગયો કે કાલિંદી તેના તરફ ખેંચાઈ રહી છે. થોડા જ દિવસોમાં તે રામકુમારની પ્રિય બની તેના સાનિધ્યમાં જતી રહી.

રામકુમાર નજીકમાં જ રહેતો હતો. તેની પત્નીનું નામ પૂનમ હતું. બે બાળકોનો પિતા પણ હતો. રામકુમાર સાથે સંબંધ વધતાં ધીમે ધીમે કાલિંદીએ તેના પ્રેમી રામકુમારને પોતાના ઘેર જ બોલાવવા માંડયો. રામકુમાર સાથે કાલિંદીના વર્તાવને જોઈ પતિ દિલીપ કૌશિક પણ સમજી ગયો કે કાંઈક ગરબડ છે, પણ તે બીમાર હોઈ નિઃસહાય હતો. કાલિંદીએ હવે તમામ મર્યાદાઓ તોડી નાંખી હતી.ઘરમાં દિલીપની હાજરીમાં જ તે રામકુમાર સાથે નિર્લજ્જ વર્તન કરતી. દિલીપ દુઃખી થઈ ઘરની બહાર નીકળી જતો. એક દિવસ પતિ દિલીપે કાલિંદીને કહી દીધું: ‘હવે મારાથી સહન થતું નથી, રામકુમારને કહી દે કે ને આપણા ઘેર ના આવે?

કાલિંદીએ કહ્યું: ‘એ આવશે અને જરૂર આવશે. આ ઘર પર જેટલો તમારો હક છે એટલો જ મારો છે. એ ના ભૂલો કે તમે અશક્ત છો. આ ઘર મારી કમાઈથી ચાલે છે?

અને એક દિવસ બેઉ વચ્ચે ભારે મોટો ઝઘડો થઈ ગયો. એ દિવસે રામકુમાર હાજર હતો. મામલો બીચકતો જોઈ તે ચૂપચાપ જતો રહ્યો. ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. પતિ- પત્ની વચ્ચે મારામારી પણ થઈ. પડોશીઓ વચ્ચે પડયા. બે માંથી કોઈ માનવા તૈયાર નહોતું. બેઉ વચ્ચે મારામારી ચાલુ રહેતાં કોઈએ પોલીસને જાણ કરી, પોલીસ આવી ગઈ. પોલીસ દિલીપ અને તેની પત્ની કાલિંદીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. દિલીપે કહ્યું: ‘મારી પત્ની મારી હાજરીમાં જ પરપુરુષ સાથે રંગરેલીયાં મનાવે છે અને તે પરપુરુષનું નામ છે રામકુમાર?’

પોલીસે રામકુમારને પોલીસ સ્ટેશને બોલાવ્યો. ઝુકાવેલા સ્વરે રામકુમારે કબૂલ કર્યું કે તેની અને કાલિંદીની વચ્ચે શારીરિક સંબંધ છે. જ્યારે કાલિંદીને પત્ની તરીકે સ્વીકારવાની વાત થઈ ત્યારે તેણે સ્પષ્ટ કહ્યું કે, ‘હું સ્વયં પરિણીત છું. આમ છતાં કાલિંદીના છૂટાછેડા ના થાય ત્યાં સુધી હું કાંઈ કરી શકું નહીં ?

કાલિંદીએ કહ્યું: ‘હું આજે જ દિલીપને છોડી દેવા તૈયાર છું.’

તેના બદલામાં દિલીપે પૈસા માંગતા કહ્યું: ‘મારા ભરણપોષણ માટે આ બે જણ ૫૦ હજાર આપતાં હોય તો હું કાલિંદીને છોડી દેવા તૈયાર છું.’

તે પછી પોલીસે પતિ-પત્ની વચ્ચેના વિવાદનો મામલો નોંધીને એ તમામને સમજાવી ઘેર મોકલ્યા.

આ મામલાની ખબર રામકુમારની પત્ની પૂનમને પડી. તે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. તે સીધી કાલિંદીના ઘેર પહોંચી ગઈ. તેણે જાહેરમાં જ કાલિંદી સાથે ખૂબ ઝઘડો કરી પોતાના પતિને છોડી દેવા કહ્યું. લોકો પણ આ તમાશો જોઈ રહ્યા.

એ વખતે તો કાલિંદી પણ કડવો ઘૂંટડો ગળી ગઈ પરંતુ બીજા દિવસે તે સીધી જ રામકુમારના ઘેર પહોંચી. એણે રામકુમારની પત્ની પૂનમને સાફસાફ સંભળાવી દીધું: ‘રામકુમાર તારો પતિ જ્યારે હતો ત્યારે હતો, આજે તે મારો પણ પતિ છે. હું મારું તન-મન રામકુમારને સોંપી ચૂકી છું. મેં મારા પતિ દિલીપને છોડી દીધો છે.’ એ પછી ફરી કાલિંદી અને પૂનમ વચ્ચે મોટો ઝઘડો થયો. એ વખતે રામકુમાર પણ હાજર હતો. એને પોતાના જ ઘરમાં મોટો તમાશો થાય તે ઠીક ના લાગ્યું. એણે કાલિંદીને કહ્યું: ‘તારે જે કહેવું હોય તે કહે પણ અહીં નહીં, ચાલ બહાર જઈએ.’

કાલિંદી તૈયાર થઈ ગઈ. રામકુમાર કાલિંદીને પોતાની મોટરસાઈકલ બાઈક પર બેસાડી એક રેસ્ટોરાંમાં લઈ ગયો. રામકુમારે કાલિંદીને કહ્યું: ‘હવે તું મારી વાત ધ્યાનથી સાંભળ. તું એક અઠવાડિયા માટે તારી મા પાસે જતી રહે. એ દરમિયાન તારો અહીં રહેવા માટે કોઈ બંદોબસ્ત હું કરી દઈશ.’

રામકુમારે સમજાવીને કાલિંદીને તેના પિયરમાં જવા માટે રાજી કરી લીધી. એણે બસની ટિકિટ અને રસ્તામાં હાથખર્ચી માટે પાંચસો રૂપિયા પણ આપ્યા. તે કાલિંદીને દુર્ગ સ્ટેશને મૂકી આવ્યો. ત્યાંથી તે પાછો ફર્યો. રાત્રે ૧૦ વાગે તે ઘેર પહોંચ્યો ત્યારે પૂનમનો મિજાજ ગરમ હતો. તે કાંઈ પણ બોલ્યા- ચાલ્યા કે ખાધા-પીધા વગર ચૂપચાપ સૂઈ ગયો.

આ વાતને બે દિવસ વીતી ગયા.

સ્થાનિક પોલીસ સ્ટેશન પર કોઈએ ખબર આપી કે નજીકના ગામના એક નાળા પાસે એક સ્ત્રીની લાશ પડી છે. પોલીસે નાળા પાસે જઈ લાશનો કબજો લીધો. લાશ ઓળખી શકાય તેમ નહોતી. લાશની તસવીરો લેવામાં આવી. તે પછી લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી. અલબત્ત લાશ નજીક કીચડમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો. દરમિયાન રજા પર ગયેલો એક કોન્સ્ટેબલ ફરજ પર હાજર થયો અને લાશની તસવીર જોઈ એ ઓળખી ગયોઃ ‘આ મહિલા તો ત્રણ ચાર દિવસ પહેલાં જ રામકુમાર અને દિલીપ કૌશિક સાથે પોલીસ સ્ટેશન આવી હતી. પોલીસને ખ્યાલ આવી ગયો કે લાશ કાલિંદીની છે. પોલીસે મામલો ખોલ્યો.

પોલીસે રામકુમારને ફોન લગાવ્યોઃ ”રામકુમાર, દિલીપ કૌશિક અને તેની પત્ની કાલિંદી પોલીસ સ્ટેશનમાં બેઠાં છે. આ લોકોનું કહેવું છે કે તમો તેમને ધમકી આપી છે. તમે તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી જાવ.

રામકુમાર ચોંકી ગયો.

તે દોડતો પોલીસ સ્ટેશન પર આવ્યો. પોલીસ સ્ટેશન પર નહોતી કાલિંદી કે નહોેતો દિલીપ. પોલીસે રામકુમારને કાલિંદીની લાશની તસવીર દર્શાવી. પોલીસે સખ્તાઈથી પૂછપરછ શરૂ કરી તો રામકુમારે કબૂલી લીધું: ”એ સાંજે હું કાલિંદીને બસમાં બેસાડી મારા ઘેર આવવા નીકળ્યો હતો. કાલિંદી તેના પિયર જવા નીકળી તેના અડધા કલાકમાં જ તેનો મારા મોબાઈલ પર ફોન આવ્યો. એણે કહ્યું કે, તે પિયર જવાના બદલે રસ્તામાં ઊતરી ગઈ છે અને પાછી તેના ઘેર આવી રહી છે. એની આ વાત સાંભળી હું ચોંકી ગયો. મેં રસ્તામાં હીરાપુર ખાતે ઊભા રહેવા કહ્યું. રાત પડી ગઈ હતી. હું મોટરબાઈક લઈ હીરાપુર પહોંચ્યો. મેં તેને પાછા આવવાનું કારણ પૂછયું તો એણે કહ્યું કે, ‘મારા પિયરમાં અને બધાં જ સગાંસંબંધીઓને ખબર પડી ગઈ છે તેથી હું ત્યાં જઈ શકું તેમ નથી,’ એ મારા ઘેર આવવા માગતી હતી. તેની આ હરકતથી મને ખૂબ ગુસ્સો આવ્યો પણ ચૂપ રહ્યો. રાત પડી ગઈ હતી. હું હીરાપુર પહોંચ્યો ના હોત તો તે મારા ઘેર આવી જાત. મેં તેને મોટરબાઈક પર બેસાડી. હું નાળા પાસે પહોંચ્યો. નાળા પાસે મેં તેને ઉતારી. મેં તેને કહ્યું: ‘મેં તને સમજાવી હતી છતાં તુંં તારા પિયર કેમ ના ગઈ?’ તે બોલી, ‘હવે મારું ના તો કોઈ પિયર છે કે ના સસુરાલ? હું કયાં જાઉં? બોલો-‘ મેં કહ્યું: ‘જહન્નમાં’ અને તે બોલીઃ ‘તમે મને જહન્નમમાં મોકલવા માગતા હોવ તો અત્યારે જ મોકલી દો.’ કહેતાં એણે મારા હાથ પકડી તેના ગળા પર દબાવ્યા. મને ક્રોધ તો હતો જ અને એ ક્રોધમાં ને ક્રોધમાં મેં તેનું ગળું દબાવી રાખ્યું, એના શ્વાસ રુંધાઈ ગયા. એ મૃત્યુ પામી. મેં તેની લાશને નાળામાં ફેંકી દીધી અને રાતના ૧૦ વાગે હું ઘેર જઈ ચૂપચાપ સૂઈ ગયો.’

પોલીસ રામકુમારનું બ્યાન સાંભળી દંગ રહી. રામકુમારની ધરપકડ કરવામાં આવી. કાલિંદી હવે આ જગતમાં નથી.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén