Devendra Patel

Journalist and Author

Month: April 2015 (Page 1 of 2)

કામિનીએ પ્રેમીની હત્યાનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું

રાજસ્થાનના ઉદયપુર શહેરથી દૂર એક નાનકડા ગામમાં જન્મેલી કામિની બચપણમાં જ માતા-પિતા ગુમાવી બેઠી હતી. તેના કોઈ સગા-સંબંધી ના હોવાથી ઉદયપુરના એક બાળસંરક્ષણ ગૃહમાં તેનો ઉછેર થયો. અહીં જ તે ભણી, અહીં તેણે નૃત્યની પણ તાલીમ લીધી. ટેલિવિઝન પર તે રોજ જુદા જુદા કાર્યક્રમો જોતી. એણે એક ટીવી ચેનલની નૃત્ય સ્પર્ધાના કાર્યક્રમમાં ભાગ લેવા અરજી કરી. કામિની દેખાવમાં સુંદર અને આકર્ષક તો હતી જ. સ્વભાવથી ચંચળ હતી હવે તે અઢાર વર્ષની સોહામણી કન્યા હતી.

ડાન્સ સ્પર્ધામાં ભાગ લેવા તે મુંબઈ પહોંચી. તે ડાન્સ સ્પર્ધામાં પ્રથમ આવી. તેને જે પૈસા મળ્યા હતા તે થોડા વખતમાં ખતમ થઈ ગયા. હવે તે મુંબઈમાં જ કામ શોધવા લાગી. કામ ના મળતા તે ઉદયપુર પાછી આવી ગઈ. હવે તે કિશોરી નહીં હોવાથી બાળસંરક્ષણ ગૃહમાં તે રહી શકે તેમ નહોતી. એણે ઉદયપુરમાં જ એક નાનકડું ઘર ભાડે રાખી લીધું. તે હવે તે મકાનના એક રૂમમાં છોકરીઓેને નૃત્ય શીખવવા લાગી. એનાથી તેની આવક શરૂ થઈ.

કામિની હવે યુવાન થઈ ચૂકી હતી પણ તેને એકલવાયું લાગતું હતું. એ દરમિયાન તેનો પરિચય સમશેરસિંહ નામના એક યુવાન સાથે થયો. સમશેરસિંહ એક સજ્જન વ્યક્તિ હતો. તેણે કામિની સાથે લગ્ન કરી લીધું પરંતુ એમનું દાંપત્ય જીવન લાંબંુ ચાલ્યું નહીં. કામિનીને લક્ઝુરિયસ જિંદગી જીવવી હતી. તે બેફામ ખર્ચાળ હતી. તેની મહત્ત્વાકાંક્ષાઓ ઊંચી હતી. તે થોડો સમયમાં જ સમશેરસિંહથી અલગ થઈ ગઈ.

કામિની હવે આઝાદ હતી. હવે તે મોટામોટા મોલમાં જવા લાગી. મોટા ઘરના યુવાનો સાથે ‘હાય-હલ્લો’ કહી દોસ્તી કરવા લાગી. અવળા માર્ગે પૈસા કમાવા લાગી. ધીમેધીમે તે હાઈપ્રોફાઈલ કોલગર્લ બની ગઈ. એણે પોશ વિસ્તારમાં એક લક્ઝુરિયસ ફલેટ પણ લઈ લીધો. ફલેટ પર રોજ અજાણ્યા લોકો આવવા લાગ્યા. પડોશીઓ બારીકાઈથી બધું જોતા હતા. કામિનીને થયું કે આ બહું લાબું નહીં ચાલે. કોઈ દિવસ મુશ્કેલી આવી શકે છે તેથી લોકોને દેખાડવા તેણે કોઈ જીવનસાથીને સાથે રાખવો જરૂરી છે તેમ વિચાર્યું. આ દરમિયાન કિશોર નામનો એક માણસ તેને મળી ગયો. એણે કિશોરને બનાવટી પતિ બનાવી ઘેર રાખી લીધો. કામિની હવે મુક્ત હતી. એણે એક પળમાં નોકરી શોધી કાઢી. અહીં તેને ગ્રાહકો મળી જતા હતા. એ દરમિયાન તેની મનોહર ડુંગરપુર નામના વ્યક્તિ સાથે પરિચય થયો. મનોહર શરાબ અને શબાબનો શોખીન હતો. બંને દોસ્ત બની ગયા. મનોહર હવે નિયમિત કામિનીના ફલેટ પર જવા લાગ્યો. કામિની તેને શરાબ પીરસતી.

મનોહર મૂળ બિકાનેરનો રહેવાસી હતો. તે સ્મિતા નામની યુવતી સાથે પરણેલો હતો અને એ જ શહેરમાં રહેતો હતો. તેને એક મોટર વ્હિકલ- ડીલરની ઓફિસમાં નોકરી મળી ગઈ હતી. મનોહર ડુંગરપુર કામિનીની રૂપજાળમાં ફસાઈ ચૂક્યો હતો. તે હવે રોજ કામિનીના ફલેટ પર આવવા લાગ્યો પરંતુ આ વાત કામિનીના સાથી અને દેખાવ ખાતરના પતિ કિશોરને બહુ ગમી નહીં. રોજની સાંજ મનોહર તેના જ ફલેટ પર કામિની સાથે જ પસાર કરતો. કામિનાના બનાવટી પતિને હવે મનોહર ખૂંચવા લાગ્યો હતો. તેને સંદેહ હતો કે સોનાના ઈંડા આપતી કામિની જેવી મુરઘી કદાચ કાયમ માટે તેના હાથમાંથી નીકળી મનોહર પાસે જતી રહેશે તો?વળી કિશોર હવે કામિની સાથે કાયદેસરના લગ્ન પણ કરી લેવા માગતો હતો.

બીજી બાજુ કામિનીને પણ ખબર પડી કે કિશોર કે જે તેની સાથે લગ્ન કરી લેવાની વાત કરે છે તે ખુદ પરણેલો છે અને ત્રણ સંતાનોનો પિતા પણ છે.આવા પરણેલા માણસ સાથે લગ્ન કેવી રીતે કરી શકાય. કિશોર તેના ઘેર બહારગામ કામ છે તેમ જણાવી કામિની સાથે રહેતો હતો. કામિની હવે કામચલાઉ પતિ કિશોરથી છુટકારો મેળવવા માગતી હતી કારણ કે કિશોર તેના બધા જ રહસ્યો અને ધંધા જાણતો હતો.

આ તરફ તેણે કામિનીને મનોહર ડુંગરપુરથી દૂર રહેવા સમજાવી પણ કામિની મનોહરને છોડવા તૈયાર નહોતી. કિશોરે ખૂબ વિચાર્યા બાદ એક યોજના બનાવી. એણે મનોહર ડુંગરપુરની હત્યાનો પ્લાન બનાવ્યો, આ કામમાં તેણે કામિનીની જ મદદ લેવાની યોજના ઘડી કાઢી. આ અપરાધમાં કામિની પણ કિશોરને મદદ કરવા તૈયાર થઈ ગઈ. કામિનીની યોજના એવી હતી કે,કિશોર જો મનોહર ડુંગરપુરની હત્યા કરી દેશે તો એ અપરાધમાં કિશોરને જેલ થશે અને તે કિશોરથી પણ છુટકારો મેળવશે. તે પછી તો બધી જ આઝાદી છે જ. બંનેને સાથે મળીને મનોહર ડુંગરપુરની હત્યાની યોજના બનાવી દીધી.

આ યોજના અનુસાર કામિનીએ એક સાંજે ફોન કરીને મનોહર ડુંગરપુરને પોતાના ફલેટ પર બોલાવ્યો. મનોહર ખુશ થતો કામિનીના ફલેટ પર પહોંચ્યો. કામિનીએ પહેેલેથી જ વ્હિસ્કીની બોતલ તૈયાર રાખી હતી. ટ્રિપોય પર સ્નેકસ પણ મૂકી દીધા. અલબત્ત, કામિનીના ફલેટ પર આવતા પહેલા મનોહર ડુંગરપુરે તેની પત્ની સ્મિતાને કહ્યંુ હતું કે, ”આજે ઓફિસમાં અગત્યની મિટિંગ છે તેથી રાત્રે મોડું થશે. તમે બધા જમીને સૂઈ જજો.”

આ તરફ મનોહર હવે કામિનીના ફલેટ પર શરાબ પીવા લાગ્યો. એમાં કિશોર પણ સામેલ હતો. કામિનીએ મનોહરને કહી રાખ્યું હતું કે કિશોર તેનો દૂરનો ભાઈ થાય છે, પણ તેને આપણા સંબંધોનો વાંધો નથી. શરાબનો નશો ચડતાં જ મનોહર કામિની સાથે છેડછાડ કરવા લાગ્યો. કિશોરને આ ગમતું નહોતું. બેઉ શરાબના જામ પર જામ ખાલી કરી રહ્યા હતા. મનોહર હવે લડખડાવા માંડયો હતો. એણે કામિનીને ખેંચીને અંદરના ખંડમાં લઈ જવા પ્રયાસ કર્યો. એ અંદરના બેડરૂમમાં ગયો પણ તે અર્ધબેભાન જેવો હતો. બરાબર તે જ વખતે કિશોરે પાયજામાના નાડાથી મનોહરના ગળાને ભીંસમાં લઈ લીધું. એ નાડાથી એના ગળાને એટલીવાર કસી રાખ્યું કે મનોહરનો શ્વાસ રૃંધાઈ ગયા. તે મૃત્યુ પામ્યો.

આ તરફ કિશોર મનોેહરના ગળાને ભીંસમાં લઈ રહ્યો હતો ત્યારે કામિની તેના મોબાઈલથી એ દૃશ્યનું વીડિયો રેકોર્ડિંગ કરી રહી હતી. સાજિશની ભીતરની આ સાજિશ હતી. કામિની મોતની એ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ એટલા માટે કરી હતી કે એ વીડિયો રેકોર્ડિંગ તે પાછળથી પોલીસને સુપરત કરી કિશોરને જેલમાં મોકલી શકે. મનોહરનું હવે મોત નીપજી ગયું. મનોહરના મોત બાદ કિશોર જ તેની લાશને ઠેકાણે પાડવા મૃતદેહ પર ચાદર ઓઢાડી દીધી. તેની પર દોરી બાંધી દીધી. બહાર અંધારું હતું. રાત આગળ વધતી હતી. ચૂપચાપ તે લાશને ઊંચકીને નીચે આવ્યો. એ લાશ તેણે પોતાની કારની ડેકીમાં ગોઠવી દીધી. કાર લઈ કિશોર અને કામિની લાશ ફેંકવા આગળ વધ્યા.

એક ટોલનાકું પસાર કર્યા બાદ જંગલના રસ્તે દૂરના એક નિર્જન વિસ્તારમાં પહોંચ્યા. રસ્તાની બાજુમાં લાશ ફેંકી બેઉ પાછા આવ્યા.

બીજા દિવસે મનોહર ડુંગરપુર તેના ઘેર ના પહોંચતા તેની પત્નીએ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી. તે જ દિવસે ટોલનાકાથી સહેજ આગળના રસ્તેથી મનોહરની લાશ મળી. પોલીસે ટોલનાકા પરથી પસાર થયેલા વાહનોની નંબર પ્લેટ ચેક કરી તેમાં કામિનીની કારનો નંબર પણ હતો. મનોહર ડુંગર પરના મોબાઈલ નંબર પર એ જ સાંજે કામિનીનો ફોન આવેેલો હતો. પોલીસે કારની નંબરપ્લેટના આધારે કામિનીને પકડી. કામિનીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા બાદ પોલીસે સખ્તાઈથી પૂછપરછ કરી. કામિનીએ કહ્યું, “આ હત્યા કિશોરે કરી છે.”

તે પછી કામિનીએ મનોહરની હત્યાની વીડિયો સીડી પોલીસને સુપરત કરી દીધી. કામિનીએ આપેલી માહિતીના આધારે પોલીસે કિશોરની પણ ધરપકડ કરી. મનોહર ડુંગરપુરની હત્યા કરવા માટે કિશોરની અને હત્યામાં સાથ આપવા માટે કામિની સામે કેસ દાખલ કરવામાં આવ્યો.

બેઉ હવે જેલમાં છે.

એક સ્ત્રી હત્યા પણ કરાવે અને હત્યારાને જેલમાં મોકલવા માટેની સાજિશ પણ રચી શકે છે, પણ છેવટે તેણે પણ સળિયા પાછળ જવું પડશે તે વાતની તેને ખબર નહોતી.

– દેવેન્દ્ર પટેલ

ચીનનાં સિક્રેટ સ્પેસ મિશન

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

પોતાનું સ્પેસ સ્ટેશન અને મંગળ પર ઉતરાણની યોજનાઓ

વર્ષો પહેલાં રશિયાએ સ્પુતનિક ઉપગ્રહ અંતરીક્ષમાં તરતો મૂૂક્યો ત્યારે અમેરિકા સહિત દુનિયા દંગ રહી ગઈ હતી. તે પછી અમેરિકા મેદાનમાં આવ્યું અને ‘નાસા’એ મોકલેલું અંતરીક્ષયાન ચંદ્ર પર ઊતર્યું અને માનવીએ પહેલી જ વાર ચંદ્ર પર પગલાં પાડયાં, તે ઘટના સમગ્ર વિશ્વ માટે સુખદ આશ્ચર્ય હતી. હવે અંતરીક્ષ વિજ્ઞાાન કોઈ એક દેશનો ઇજારો રહ્યું નથી. ભારત અને ચીન પણ મેદાનમાં છે. નોંધપાત્ર વાત એ છે કે નાસાની સરખામણીમાં ભારતનાં અંતરીક્ષયાનો ઓછાં ખર્ચાળ છે. ભારતે માત્ર ૭૦ મિલિયન ડોલરના ખર્ચે મંગળ પર અંતરીક્ષયાન મોકલ્યું. તેની સામે નાસાના એ જ પ્રકારના પ્રોજેક્ટનો ખર્ચ ૬૭૦ મિલિયન ડોલર છે.

આંતરરાષ્ટ્રીય સમીક્ષકો પણ હવે એ વાત સ્વીકારવા માંડયા છે કે, અત્યાર સુધી અમેરિકા અને રશિયાના અવકાશ-વિજ્ઞાાન કાર્યક્રમોની જબરદસ્ત ઝાકમઝોળ હેઠળ ભારત અને ચીનના અંતરીક્ષ-કાર્યક્રમો દબાઈ ગયા હતા, પરંતુ ૨૦૦૩માં ચીનમાં સૌપ્રથમ વાર માનવી સહિતનું સ્પેસ મિશન અંતરીક્ષમાં મોકલ્યું તે પછી બધું બદલાઈ ગયું છે.

ભારતે આ સ્પર્ધામાં ગંભીરતાથી નોંધ લેવાની જરૂર છે કે ચીન હવે અંતરીક્ષમાં એક કાયમી સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવા માગે છે. બીજું, તે ચંદ્ર પર માનવીનું ઉતરાણ કરાવવા માગે છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે ચીન ગુપ્ત રીતે ૨૦૪૦ કે ૨૦૬૦ સુધીમાં મંગળ પર માનવીનું ઉતરાણ કરાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. મંગળ પર આજ સુધી કોઈ માનવીએ પગ મૂક્યો નથી.

ગયા વર્ષે ચીને એક માનવ રહિત અંતરીક્ષયાન ચંદ્ર પર મોકલ્યું હતું અને ચંદ્રની આસપાસ ચક્કર લગાવી એ યાનને સફળતાપૂર્વક ચીનના મોંગોલિયા વિસ્તારમાં ઉતાર્યું હતું. ભવિષ્યમાં આવું જ એક યાન મંગળ પર મોકલ્યા બાદ માનવીને મંગળ પર પગરણ કરાવી તેને પૃથ્વી પર પાછા લાવવાના પ્રયોગનો જ તે એક પ્રારંભિક હિસ્સો હતો. એવું માનવામાં આવે છે કે, એ કેપ્સુલમાં સાત સ્તરનું થર્મલ સંરક્ષણ કવચ ગોઠવવામાં આવ્યું હતું. તેને ચીન રોબોટિક લ્યુનર સેમ્પલ રિટર્ન મિશન તરીકે પણ ઓળખે છે. ૨૦૧૭માં ચીન ફરી એક વાર દક્ષિણ ચીનના હૈનાન ટાપુ પરના વેન્ચાંગ ખાતે આવેલા સ્પેસ સેન્ટરથી આવું રિટર્ન મિશન મોકલશે. ચીન જે રીતે ચંદ્ર અને ધરતી પરની ચીજવસ્તુઓની ખોજ માટે આગળ વધી રહ્યું છે તેની પર હવે ‘નાસા’ની પણ નજર છે. ચીને ચંદ્ર સુધી પહોંચવાની ચંદ્રની આસપાસ ચક્કર લગાવવાની, ચંદ્રની સપાટી પર ઊતરવાની, ચંદ્રની સપાટી પર ફરી શકે તેવા રોવરની અને ચંદ્રની સપાટી પર માનવીને ઉતાર્યા બાદ તેની પૃથ્વી પર પાછા લાવવાની ક્ષમતા હાંસલ કરી લીધી છે તેમ નાસાના વૈજ્ઞાાનિકો માને છે. ચીન ગમે ત્યારે દુનિયાને ચોંકાવી દઈ શકે છે. અંતરીક્ષમાં દૂર ઊંડે જઈને કામ કરવાની ડીપ સ્પેસ ટેક્નોલોજી ચીને હાંસલ કરી લીધી છે. ચીને સમયસર મિશન પાર પાડવાની ક્ષમતા પણ હાંસલ કરી લીધી છે.

સરખામણી કરનારાઓ કહે છે કે, અમેરિકી સંસ્થા ‘નાસા’ આર્િથક સંકડામણમાં છે. બીજું એ કે છેલ્લા દાયકાથી તે શું કરવું તેની મૂંઝવણમાં છે. અત્યારે અંતરીક્ષમાં જે ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’ છે તે જૂનું અને ઘરડું થઈ ગયું છે. તેનું સંચાલન અને જાળવણી અત્યંત ખર્ચાળ છે. આ સ્પેસ સ્ટેશનના તમામ આંતરરાષ્ટ્રીય ભાગીદારો તરીકે યુરોપના દેશો, અમેરિકા, રશિયા અને જાપાન પણ આર્િથક સંકડામણ અનુભવી રહ્યા છે. તે તમામને બજેટના પ્રશ્નો છે.

નિષ્ણાતો પણ સ્વીકારે છે કે, ‘નાસા’ તો ભવિષ્યમાં શું કરવું તે બાબતમાં મૂંઝવણ અનુભવે છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનનો જીવનકાળ સમાપ્ત થઈ જાય તે પછી શું કરવું તેની મૂંઝવણમાં છે. હજુ ગયા વર્ષે જ


અમેરિકન સરકારે માંડ માંડ એ સ્પેસ સ્ટેશનનો જીવનકાર્ય લંબાવવા ‘નાસા’એ કરેલી વિનંતી અનુસાર ૧૦૦ બિલિયન ડોલરની રકમ મંજૂર કરી છે. આ કારણે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન અંતરીક્ષમાં ૨૦૨૪ સુધી કાર્યરત રહી શકશે. આ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન આજે ૮૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારને કવર કરે છે. દર કલાકે તે ૨૮,૦૦૦ કિલોમીટરની ઝડપે મુસાફરી કરે છે. આ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી ૪૨૦ કિલોમીટરની ઊંચાઈ પર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માને છે કે, આ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની જીવનલીલા સમાપ્ત થતાં પહેલાં જ ચીનનું આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન અંતરીક્ષમાં ઊભું થઈ જશે. ૨૦૨૦ કે ૨૦૨૧ સુધીમાં તે અંતરીક્ષમાં કાર્યરત હશે. કેટલાંક એવું પણ માને છે કે, આગામી બે દાયકા દરમિયાન ચીન જ અંતરીક્ષ વિજ્ઞાાનમાં સમગ્ર દુનિયામાં અગ્રેસર હશે.

ઓસ્ટ્રેલિયાના બ્રાયન હાર્વે નામના એક લેખકે ‘ચાઇના ઇન સ્પેસઃ ધી ગ્રેટ લીપ ફોરવર્ડ’ નામનું એક પુસ્તક લખ્યું છે. તેમાં એમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, અંતરીક્ષ વિજ્ઞાાનના ક્ષેત્રમાં પશ્ચિમના દેશોનું વલણ ચીનની ઉપેક્ષા કરવાનું રહ્યું છે, પરંતુ સ્પેસ સાયન્સની બાબતમાં ચીનની ઉપેક્ષા હવે કરી શકાય તેમ નથી. ચીન હવે અંતરીક્ષ વિજ્ઞાાનના કાર્યક્રમોમાં વિશ્વનો ત્રીજા નંબરનો દેશ છે. જે રીતે ચીને ગયા વર્ષે જેટલી સંખ્યામાં અંતરીક્ષ યાનો અંતરીક્ષમાં મોકલ્યાં તે જોતાં આ બાબતમાં તેનો નંબર ત્રીજો આવે છે. અમેરિકા દ્વારા થતી તેની ઉપેક્ષાનો તે આ રીતે જવાબ આપે છે. અંતરીક્ષના ઇન્ટરેસ્ટની બાબતમાં અમેરિકા અને ચીન વચ્ચેની દુશ્મનાવટ જાણીતી છે. આ દુશ્મનાવટ પાછળ અમેરિકાની રાજનીતિ જવાબદાર છે. એથી કહેવાય છે કે, અમેરિકાના રાજકારણીઓ સ્પેસ વિજ્ઞાાનની સ્પર્ધામાં ચીનને દુશ્મન સમજે છે, પણ નાસાના વૈજ્ઞાાનિકોને ચીનના વૈજ્ઞાાનિકો માટે માનની લાગણી છે. ચીને (૧) શેન્ઝાઉ-૯ અને (૨) શેન્ઝાઉ-૧૦ નામનાં બે માનવ સહિતનાં અંતરીક્ષયાન ૨૦૧૨ અને ૨૦૧૩માં છોડયાં હતાં. હવે ૨૦૧૫માં પણ તે આવું વધુ એક સમાનવ અંતરીક્ષયાન અંતરીક્ષમાં છોડવા માગે છે. ચીન આ બધું જ બહુ કોલાહલ વગર ચૂપચાપ અને શાંતિથી કરી રહ્યું છે.

ચીનને મોટામાં મોટો ફાયદો એ છે કે ચીનના રાજકારણીઓ ચીનના અંતરીક્ષ વિજ્ઞાાન કાર્યક્રમોને ભરપૂર ટેકો આપી રહ્યા છે. પૂરતું બજેટ પણ ફાળવી રહ્યા છે. તેની સામે અમેરિકાના સેનેટરો નાસાની પ્રવૃત્તિઓ પર રોક લગાવી તેનું બજેટ સીમિત કરી રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે અમેરિકા હવે તેના સ્પેસ શટલમાં અંતરીક્ષયાત્રીઓને મોકલવાના બદલે રશિયન અંતરીક્ષયાનોનો ઉપયોગ કરે છે અને પોતાના અંતરીક્ષયાત્રીઓને રશિયાનાં સેમ્યુઝ વેરિકલ્સ દ્વારા સ્પેસ સ્ટેશન પર મોકલે છે. આ કારણસર હાલ જે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન કાર્યરત છે. તેનું ભાવિ અધ્ધરતાલ છે. ૨૦૨૪ પછી તેનાં શટર પડી જશે એમ લાગે છે. બીજા સમાચાર એવા છે કે રશિયા પોતે પણ ૨૦૧૭ સુધીમાં હાઈ-ઓલ્ટિટયૂડ ઓર્બિટલ સ્પેસ સ્ટેશન બાંધવા માગે છે. ટૂંકમાં, રશિયા પણ હાલના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનને છોડી દેવા માગે છે.

આ પરિપ્રેક્ષ્યમાં સૌની નજર ચીનના ભાવિ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર છે.

ટીકાકારોની પરવા કર્યા વિના પોતાનાં કામ પર ધ્યાન આપો

ટિમ કુક. તેઓ વિશ્વ વિખ્યાત ‘એપલ’ કંપનીના સીઈઓ છે.

હમણાં જ તેમણે પોતાની તમામ સંપત્તિનું દાન કરવાની જાહેરાત કરી. આ સંપત્તિ અબજોમાં છે. ટિમ કુક ‘એપલ’ કંપનીમાં તેના શેરો સહિત કુલ ૬૬૫ મિલિયન ડોલરની સંપત્તિના માલિક છે. તેમાંથી તેમના નાનકડા ભત્રીજાને ભણાવવાના ખર્ચની રકમ બાદ કરતાં બાકીની તમામ સંપત્તિનું શિક્ષણ તથા સમાજના બીજા ક્ષેત્રો માટે દાન કરી દીધું છે.

ટિમ કુકનું પૂરું નામ છેઃ ટીમોથી ડોનાલ્ડ. અમેરિકાના એક સામાન્ય પરિવારમાં જન્મેલા ટિમ કુક બચપણથી જ ભણવામાં હોશિયાર હતા. સ્કૂલમાં તેમની ગણતરી ખૂબ વાંચતા- લખતા વિદ્યાર્થી તરીકે થતી હતી. તેમના પિતા એક જહાજ કંપનીમાં સાધારણ કર્મચારી હતા. માતા એક ફાર્મસી કંપનીમાં કામ કરતી હતી. પરિવારમાં કુલ પાંચ સભ્યો હતો. ત્રણ ભાઈ, માતા અને પિતા તમામ મુશ્કેલીઓ છતાં માતા-પિતા તેમના ત્રણેય સંતાનોની કેળવણી માટે પૂરેપૂરો ખ્યાલ રાખતાં હતા.

અમેરિકાની રોબર્ટસડેલ હાઈસ્કૂલમાં શરૂઆતનો અભ્યાસ પૂરો કર્યા બાદ ૧૯૮૨માં તેઓ વધુ અભ્યાસ માટે ઓબર્સ યુનિર્વિસટીમાં ભણવા ગયા અને ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં તેમણે સ્નાતકની ડિગ્રી હાંસલ કરી. કેટલાંયે લોકોએ તેમને એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા સલાહ આપી, પરંતુ તેમને બિઝનેસમાં રસ હતો. એ કારણે તેમણે એમબીએ કરવાનો નિર્ણય લીધો. ૧૯૮૮માં ડયૂક યુનિર્વિસટી દ્વારા એમબીએ કર્યા બાદ તેઓ એક આઈટી કંપની આઈબીએમમાં જોડાયા.

ટિમ કુકે એ કંપનીમાં ૧૨ વર્ષ સુધી કામ કર્યું. આ દરમિયાન એ કંપનીએ તેમને ઉત્તરી અમેરિકાના ડિવિઝનમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી.

હવે તેઓ પરિવર્તન ઈચ્છતા હતા. તેમણે આઈબીએમ કંપની છોડી દીધી. તે પછી તેઓ કોમ્પેક કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે જોડાયા. અહીં કામ શરૂ કર્યાને હજુ છ મહિના જ થયા હતા ત્યાં તેમના જીવનમાં એક દિલચશ્પ ઘટના ઘટી. એક પ્રસંગે ટિમ કુકને’એપલ’ના સ્થાપક સ્ટીવ જોબ્સને મળવાની તક હાંસલ થઈ. આ નાનકડી મુલાકાતે ટિમ કુકુનું જીવન જ બદલી નાંખ્યું. ટિમ કુકની સ્ટીવ જોબ્સ સાથેની પાંચ જ મિનિટની મુલાકાત દરમિયાન તેમણે ફેંસલો કરી નાખ્યો કે હવે મારે સ્ટીવ જોબ્સ સાથે જ કામ કરવું છે? અને તેઓ સ્ટીવ જોબ્સની ‘એપલ’ કંપનીમાં જોડાઈ ગયા.

માર્ચ ૧૯૯૮માં તેઓ એપલ કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ બની ગયા. તેમને સપ્લાય ચેનની જવાબદારી સોંપવામાં આવી. તેમના નેતૃત્વમાં કંપનીએ પોતાનાં ઉત્પાદનોની કિંમત નીચી રાખી અને પેદાશોની ગુણવત્તા ઊંચી રાખી. થોડા જ દિવસોમાં એપલ કંપની દુનિયાભરમાં છવાઈ ગઈ. તેમના આ નિર્ણયથી કંપનીને ભારે મોટો નફો થયો. સ્ટીવ જોબ્સને ટિમ કુકુની કામ કરવાની શૈલી ખૂબ જ પસંદ આવી. હવે તેઓ સ્ટીવ જોબ્સના અંતરંગ વર્તુળમાં સામેલ થઈ ગયા. જાન્યુઆરી ૨૦૦૭માં ટિમ કુકને ટિમ કુક ‘એપલ’ કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર બનાવી દેવાયા.

આ દરમિયાન સ્ટીવ જોબ્સની તબિયત બગડવા લાગી. ૨૦૦૮ અને ૨૦૦૯માં તબીબ સારવાર માટે રજા પર ગયેલા સ્ટીવ જોબ્સે કંપનીના કાર્યકારી સીઈઓ તરીકેની જવાબદારી ટીમ કુકને સોંપી. સ્ટીવ જોબ્સને ખાતરી હતી કે ટિમ કુકના નેતૃત્વમાં કંપની પ્રગતિ કરશે. સ્ટીવ જોબ્સને કેન્સર હતું. હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા તેમના લીવર ટ્રાન્સપ્લાન્ટની વાતચીત ચાલી રહી હતી ત્યારે ટિમ કુકે પોતાનું લીવર સ્ટીવને દાનમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ સ્ટીવ જોબ્સે સવિનય ઈન્કાર કર્યો. સાચી વાચ એ હતી કે સ્ટીવ જોબ્સ અને ટિમ કુક વચ્ચે ભાવુક સંબંધો હતા. આવા નાજુક સમય દરમિયાન ટિમ કુક સ્ટીવની ગેરહાજરીમાં પૂરી ગંભીરતાથી કંપનીની જવાબદારી નિભાવતા રહ્યા.

તા.૨૪ ઓગસ્ટ,૨૦૧૨ના રોજ ‘એપલ’ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ કેન્સર સામે જંગ હારી ગયા અને તેમનું મૃત્યુ થઈ ગયું.

સ્ટીવ જોબ્સના અવસાન બાદ ટિમ કુક ‘એપલ’ કંપનીના સીઈઓ બની ગયા. સીઈઓ બનતા જ પોતાની કાર્યશૈલીના લીધે તેઓ જાણીતા બન્યા. તેઓ કંપનીમાં અને અંગત જીવનમાં શિસ્તના આગ્રહી હતા. વ્યક્તિગત જીવનમાં તેમને સાદગી પસંદ હતી.

રોજ સવારે સાડા ચાર વાગે તેઓ પોતાના સહયોગીઓને ઈ-મેલ મોકલતા હતા. દર રવિવારે સાંજે ફોન દ્વારા પોતાના સહયોગીઓ સાથે વાત કરી આગલા સપ્તાહનો એજન્ડા નક્કી કરતા હતા. રજાના દિવસે તેઓ જાતે બજારમાં જઈ શાકભાજી ખરીદતા, કોફી બારમાં કોફી પીતા. વર્કશોપમાં જઈ પોતાની કાર ધોવરાવતા.

ઓફિસમાં ‘બોસ’ની જેમ વર્તવાનું- રહેવાનું તેમને ફાવતું નહોતું. તેઓ કંપનીના કર્મચારીઓ સાથે હળીમળી જવાનું પસંદ કરતા હતા. અલબત્ત શરૂઆતમાં તેમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. દરેક બાબતમાં તેમની સરખામણી સ્ટીવ જોબ્સ સાથે કરાતી, એવા સવાલ પણ ઊઠતા હતા કે શું ટિમ કુકમાં સ્ટીવ જોબ્સ જેટલી કાબેલિયત છે ? શું તેઓ એપલ કંપનીને એટલી ઊંચાઈ પર લઈ જશે, જ્યાં સ્ટીવ જોબ્સ કંપનીને લઈ ગયા હતા? આ બાબતમાં ખુદ ટિમ કુક કહે છેઃ ‘સ્ટીવના અવસાન બાદ મને પહેલી જ વાર અહેસાસ થયો કે, હું આ કંપની માટે કેટલું બધું મહત્ત્વ ધરાવું.’

અલબત્ત, ટિમ કુકમાં તમામ પડકારોને ઝીલવાની અદ્ભુત ક્ષમતા હતી. મશ્કેલમાં મુશ્કેલ કામ તેઓ આસાનીથી હલ કરી નાંખતા હતા.

‘એપલ’ જેવી કંપનીને સંભાળવી તે સ્વયં એક પડકાર હતો. ઘણા બધા આલોચકો ટિમ કુકની ક્ષમતા પર સવાલ કરતા હતા પરંતુ તે કોઈનીયે પરવા કર્યા વિના ટિમ કુકે પોતાના કામ પર ધ્યાન આપ્યું અને કંપનીને એક વિક્રમજનક ઊંચાઈ પર લઈ ગયા.

ટિમ કુક કહે છેઃ ‘મેં કદી મારા ટીકાકારોની ટીકા પર ધ્યાન આપ્યું નહીં. મેં એ જ કર્યું, જે મને યોગ્ય લાગ્યું. બીજાઓ શું કહે છે તેની પરવા કર્યા વિના પોતાના જ કામ પર ધ્યાન કેન્દ્રીત કરો જ. બસ, આ જ મારો જીવનમંત્ર છે, આ જ મારો જીવન સિદ્ધાંત છે.”

અને સ્ટીવ જોબ્સના અવસાન પછી ટિમ કુક કંપનીને એથીયે આગળ લઈ ગયા.

ટિમ કુક બે હદ પરોપકાર ઈન્સાન છે. તેમણે પર્યાવરણ, ગરીબી અને શિક્ષણક્ષેત્ર માટે પુષ્કળ દાન આપ્યા. પરંતુ તાજેતરમાં તેમણે પોતાની તમામ સંપત્તિનું સમાજ માટે દાન આપી દીધું.

ટિમ કુક કહે છેઃ ‘ મેં હમેશા મારા દિલની વાત સાંભળી છે. મારી તમામ સંપત્તિનું દાન કરવાનો નિર્ણય પણ મારા દિલ સાથે જોડાયેલો છે. સમાજમાં પરિવર્તન લાવવા માટે મારી તરફથી આ નાનકડું યોગદાન છે. હું સ્પષ્ટ પણે માનું છું કે, સફળ વ્યક્તિ તો એ છે કે જે બીજાઓની બાબતમાં પણ વિચારે છે. જેઓ સક્ષમ છે અને શક્તિશાળી છે તેઓ તેમનાથી નબળા લોકોને મદદ કરવા આગળ આવે ?

આવી છે વિશ્વ વિખ્યાત ‘એપલ’ કંપનીના સીઈઓ ટિમ કુકની વિચારધારા દેશ અને દુનિયામાં એવા કેટલા ધનવાનો છે, જે પોતાની તમામ સંપત્તિ સમાજને દાનમાં આપી દે ?

દેશમાં સંઘ સશક્ત બન્યો પણ બિહાર અંગે ચિંતિત !

ગુજરાત માટે હવે આવનારા મહિનાઓથી માંડીને ૨૦૧૭ સુધી ચૂંટણી પર્વ છે. આવનારા દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડીને ગુજરાતની તાલુકા પંચાયતો તથા જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, હવે આનંદીબેન પટેલ છે. હવે મ્યુનિ. કોર્પોરેશનો તથા તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં જે પરિણામો આવશે તે આનંદીબેન પટેલની સરકારનું મૂલ્યાંકન હશે.

આ બધી ચૂંટણીઓ કરતાં સહુથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી બિહાર વિધાનસભાની હશે, જે વર્ષના અંતમાં આવી રહી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી માત્ર લાલુ- મુલાયમ- નીતિશકુમારના ગઠબંધનનું જ નહીં પરંતુ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીનું પણ મૂલ્યાંકન હશે. તેથી સહુની નજર બિહાર વિધાનસભાની આવનારી ચૂંટણી પર છે. એક જમાનામાં લગ્નો એ રાજનીતિનો એક ભાગ હતો. ગ્રીસના રાજાઓ પ્રતિસ્પર્ધી દેશોના રાજાની પુત્રીને પરણીને સાથીઓ વધારતા. બિહારના લાલુપ્રસાદે પણ ઉત્તર પ્રદેશના સુપ્રીમો મુલાયમસિંહના વેવાઈ બનાવીને મુલાયમસિંહના બિહારના યાદવ મતો પરના પ્રભાવનો લાભ લેવા પ્રયાસ કર્યો છે. બીજી બાજુ તેમના કટ્ટર વિરોધી એવા નીતીશકુમાર સાથે દોસ્તી કરી લીધી છે. આ બધું નરેન્દ્ર મોદીના વિજય રથને રોકવા માટે છે. અલબત્ત નરેન્દ્ર મોદી સામે રચાયેલા આ મોરચામાં નીતીશકુમારના જ પૂર્વ સાથી અને પૂર્વ મુખ્યમંત્રી એવા જીતનરામ માંઝી પંચર પાડી શકે તેમ છે. જિતનરામ માંજિએ નારાજ થઈ નવી પાર્ટી ઊભી કરી છે. પોતાની તાકાતના પ્રદર્શન માટે પટનામાં મહારેલીનું આયોજન કરી રહ્યા છે. હવે બિહાર પણ ભાજપા માટે એક ચિંતાનું કારણ છે. તેથી સંઘ અત્યારથી જ સાવધાનીપૂર્વક વર્તી રહ્યો છે. બિહારમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપા માટે સારી વાત એ છે કે, બિહારના હાલના મુખ્યમંત્રી નીતીશકુમારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે અને લાલુ સાથેનું તેમનું ગઠબંધન તથા જીતનરામ માંઝીની હકાલપટ્ટી નીતીશકુમારને ભારે પડી શકે છે. આ બધું હોવા છતાં સંઘના નેતાઓ માને છે કે સૈદ્ધાંતિક વિચારધારા સાથે સમાધાન ભાજપાનેનુકસાન પણ કરી શકે છે. આ સલાહ સંઘની ભાજપના નેતાઓને છે.

સંઘ ચિંતામાં છે

આ બધી જ પરિસ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બારીકાઈથી નજર રાખી રહ્યો છે. બિહારમાં કોઈ પણ સંજોગોમાં ભાજપાનો ભગવો ઝંડો લહેરાય તે જોવાની તેની તીવ્ર ઈચ્છા છે. દિલ્હીની ચૂંટણીઓ પૂર્વે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર સંઘે પૂરો વિશ્વાસ મૂક્યો હતો. અમિત શાહ ચૂંટણીની વ્યૂહરચનાના ચાણક્ય મનાય છે, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ બાદ સંઘ ચિંતામાં છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની વ્યૂહરચના વિફલ સાબિત થઈ. ભાજપાએ કદી વિચાર્યું નહોતું કે નરેન્દ્ર મોદી જેવા લોકપ્રિય નેતાનો વિજયરથ દિલ્હીમાં જ રોકાઈ જશે અને ૭૦માંથી માત્ર ત્રણ બેઠકો મળશે. આ પરિણામો સંઘને ગમ્યાં નથી. એજ રીતે જમ્મુ અને કાશ્મીરમાં પક્ષની મૂળ વિચારધારાને બાજુમાં રાખીને ભાજપાએ અલગતવાદી પક્ષ- પીડીપી સાથે જે ગઠબંધન કર્યું તે પણ સંઘમાં કેટલાંકને પચ્યું નથી. કારણ કે સરકારની રચનાના બીજા જ દિવસે એક ખતરનાક ગુનેગારને મુફતી- સરકારે મુક્ત કરી દીધો. સંઘના સામાન્ય કાર્યકર્તાઓને પણ આ ગમ્યું નથી. અલબત્ત, અમિત શાહ ચતુર રાજનીતિજ્ઞા છે,કુશળ અને વ્યવહારુ પણ છે. દિલ્હીની ચંૂટણીના પરિણામો ઊંધા આવ્યા તેનું એક કારણ દિલ્હીના ભાવી મુખ્યમંત્રી તરીકે કિરણ બેદીની પસંદગી જ હતી. કિરણ બેદીની અહંકારી ભાષા દિલ્હીવાસીઓને પસંદ આવી નહોતી. વળી કિરણ બેદીની પસંદગીમાં હાલ કેન્દ્રીય કેબિનેટમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા દિલ્હીના જ એક નેતાનો મહત્ત્વપૂર્ણ રોલ હતો. કિરણ બેદીની પસંદગી જેણે પણ કરી પણ તે પસંદગી પક્ષ માટે બૂમરેંગ સાબિત થઈ. વળી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ ફેકટર એક મહત્ત્વનું પરિબળ હતું. નિષ્ણાતો માને છે કે અરવિંદ કેજરીવાલ એક શહેરના જ નેતા છે, આખા દેશના નહીં. રાષ્ટ્રીય નેતા બનવાની તેમનામાં ક્ષમતા નથી. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ અનુસાર આજે દિલ્હીમાં ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટી કરતાં ભાજપાને વધુ મત મળી શકે છે, જો એ સર્વેક્ષણ સાચો હોય તો !

સંઘ સતર્ક બન્યું

ઉદારીકરણના સમયમાં ભાજપની સહુથી મોટી મૂંઝવણ એ હતી કે, નીતિગત બાબતોમાં તે કોેગ્રેસથી અલગ તેવી રીતે દેખાય. સંસદીય લોકતંત્રમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે રાષ્ટ્રીય નીતિ અને બહુ આયામી નીતિઓની બાબતમાં બહુ અંતર હોતું નથી. સંઘ આ વિષય પરત્વે પણ સતર્ક છે. સંઘ અને ભાજપા માટે પ્રિય અને મુખ્ય મુદ્દો રાષ્ટ્રવાદ છે, તેની સાથે હિન્દુવાદ સ્વતઃ એકાકાર થતો જાય છે. જમ્મુ- કાશ્મીરમાં પીડીપી સાથેના ગઠબંધન બાદ મુફતી સરકાર ભાજપા તથા સંઘને ન ગમે તેવા નિર્ણયો લઈ રહી છે. સંઘનો એક વર્ગ માને છે કે પક્ષના નેતાઓનો સંઘ અને પક્ષના કાર્યકર્તાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો તે પણ દિલ્હીમાં હારનું એક કારણ હતું.

અત્રે એ નોંધવું જોઈએ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફરી એકવાર મજબૂત થઈ રહ્યો છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર પ્રસ્થાપિત થયા બાદ સંઘમાં જોડાવા માગતા યુવાનોની સંખ્યા વધી રહી છે. છેક સ્થાપનાના સમયથી સંઘનું હેડક્વાર્ટર જે નાગપુરમાં રહ્યું છે તેને દિલ્હીમાં ખસેડવા ચક્રો ગતિમાન થયા છે. દિલ્હીમાં ‘કેશવ કુંજ’ નામનું સંઘનું હાલ જે મકાન છે તેને તોડીને ત્યાં અદ્યતન બે ઊંચા ટાવર ઊભા કરવાની યોજના છે. દેશમાં એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે કે જેનો અસલી સ્ત્રોત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંઘના જ પ્રચારક હતા અને સંઘે તેમને ભાજપામાં પ્રક્ષેપિત કર્યા હતા. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી સંઘ પ્રભાવિત અને રાજી છે પણ આખી સરકાર અને પક્ષને લાગે વળગે   ત્યાં સુધી સંઘના નેતાઓએ ભવાં ચઢાવ્યા પણ છે.

સંઘ જ ‘બોસ’

ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જ્યારે પણ આંતરિક ગૃહયુદ્ધ થયું ત્યારે ત્યારે સંઘે વટહુકમ બહાર પાડેલો જ છે. ૨૦૧૪ની ચૂંટણી પહેલાં એલ. કે. અડવાણી એક યાત્રા કાઢી પોતાની જાતને ભાવી વડા પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવા માગતા હતા. ત્યારે સંઘે સ્પષ્ટ આદેશ કર્યો કે યાત્રા કાઢો પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નહીં. સંઘે એ વખતે મેજર શસ્ત્રક્રિયા કરીને ભાવી વડા પ્રધાનપદ માટે પોતાના આશીર્વાદ નરેન્દ્ર મોદીને આપી દીધા હતા. ભૂતકાળમાં પણ જનસંઘના જમાનામાં બલરાજ મધોક અને અટલબિહારી વાજપેયી વચ્ચે આંતરિક સંઘર્ષ શરૂ થયો હતો ત્યારે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બલરાજ મધોકને રણભૂમિમાંથી બહાર નીકળી જવા આદેશ કર્યો હતો અને અટલજીને વિજેતા જાહેર કર્યા હતા અને ઈન્દિરા ગાંધીના સમયગાળા દરમિયાન જનસંઘની કમાન સંભાળવા માટે અટલજી ને જ સર્વશક્તિમાન સેનાપતિ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. ભાજપામાં આજે પણ ‘સંઘ’ બોસ છે. બિહારમાં પરિણામો ઊંધાચત્તા આવે તો ‘બોસ’ ઘણા બધાં પર બગડી શકે છે.

ગુજરાતની અસ્મિતાના લીરા ઉડાવતાં અશ્લીલ નાટકોને મંજૂરી કોણે આપી?

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ધંધાદારી નાટકોના નિર્માતાઓ અને આયોજકો દ્વારા અગાઉ કદી ના ભજવાયાં હોય એવા ગંદા, બીભત્સ અને સુરુચિનો ભંગ કરતાં નાટકોનો રાફડો ફાટતાં અમદાવાદના ભદ્ર સમાજ અને શહેરની સુસંસ્કૃત પ્રજામાં રોષની લાગણી પ્રગટી છે. આ નાટકો માત્ર અશ્લીલ જ નહીં, પરંતુ અશ્લીલ ચેષ્ટાઓથી ભરપૂર હોઈ પરિવાર સાથે માણી શકાય તેમ ના હોવાનું જણાયું છે. કેટલાક નાટકોમાં તો સ્ત્રી ગૌરવનું હળાહળ અપમાન કરતા સંવાદોથી ગુજરાતનો ભદ્ર અને મહિલા વર્ગ ચોંકી ઊઠયો છે. ગુજરાતની બહેન-દીકરીઓના સન્માન અને સમાજની મર્યાદાનો ભંગ કરતાં કેટલાંક નાટકો સામે ચોમેરથી પ્રચંડ વિરોધ પ્રગટયો છે.

અસ્મિતાનું અપમાન

ગુજરાત કે જયાં એક સન્માનનીય મહિલા મુખ્યમંત્રી છે અને અત્યારે સ્ત્રી-શિક્ષણ, સ્ત્રી સુરક્ષા અને મહિલા સશક્તિકરણની વાતો થાય છે ત્યારે તે જ ગુજરાતમાં મુખ્યમંત્રીના ધ્યાન બહાર ગુજરાત રાજ્ય સરકારના સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડ અને તેના નીમાયેલા સભ્યો દ્વારા આવા બીભત્સ નાટકો સામે કોઈ રહસ્યમય કારણસર આંખ આડા કાન થઈ રહ્યા છે. માત્ર રૂપિયાની ટંકશાળ પાડવા માટે રજૂ થતાં આ નાટકો ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડની મહેરબાનીથી ગુજરાતની અસ્મિતાના લીરેલીરા ઉડાવી રહ્યાં છે. આ નાટકો દ્વિઅર્થી સંવાદોવાળાં, ઓછાં વસ્ત્રોવાળાં અને સેક્સનું બેફામ પ્રદર્શન કરતાં હોવાનું જોઈ પ્રેક્ષકો ચોંકી ઉઠે છે. સ્ત્રીઓને સેક્સના સાધન તરીકે રજૂ કરતા આવાં કેટલાક અશ્લીલ નાટકોને સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડ દ્વારા અપાતી મંજૂરી દર્શાવે છે કે, બોર્ડના કેટલાક અધિકારીઓ અને નાટકોના આયોજકો-નિર્માતાઓ વચ્ચે કોઈ સાંઠગાંઠ છે. સમાજ અને સરકાર બેઉની આબરૂને ધક્કો પહોંચાડાંતા કેટલાક નાટકો પિતા-પુત્ર કે પિતા-પુત્રી સાથે બેસીને જોઈ શકે તેમ નથી. પ્રમાણપત્ર બોર્ડના અધિકારીઓ પણ તેમની પુત્રી સાથે આ નાટક જોઈ ના શકે તેવા બીભત્સ સંવાદોને અને ચેષ્ટાઓને કોણે અને કેમ પરવાનગી આપવામાં આવી તેની તપાસ થવી જરૂરી છે.

બિભત્સ જાહેરાતો

ચોંકાવનારી વાત તો એ છે કે આવાં નાટકો ભજવાય તે પહેલાં તેની અશ્લીલ જાહેરાતો અને વિજ્ઞાાપનો પણ આપવામાં આવે છે. આ જાહેરાતો સ્વયં અશ્લીલ હોય છે. અમદાવાદમાં ભજવાતા નાટકોમાં લખાતા કેટલાક વાક્યો કેટલા ગંદા અને અશ્લીલ તેનો ઉલ્લેખ કરતાં અમને પણ ક્ષોભ થાય છે પરંતુ ગુજરાતની અસ્મિતાના હિતમાં અને ગુજરાતની પ્રજા અને રાજ્ય સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડ આંખ ઉઘાડવા અમે એક અખબારી ધર્મ તરીકે એ નાટકોના આયોજકો દ્વારા જાહેરાતોમાં છપાયેલી કેટલીક જાહેરાતોના નમૂના અત્રે રજૂ કરીએ છીએ. દા.ત. એક નાટકની જાહેરાતમાં લખવામાં આવે છે કે “સની લિઓન હોય કે સવિતા… આંખ બંધ કરો એટલે બધા સરખા.” એ જ નાટકની જાહેરાતમાં લખવામાં આવે છે કે “શરીરના દરેક અંગને પલાળી નાંખતું નાટક.” એક નાટકની જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે “દોડો ધોતિયા પોતિયા બાંધીને.” એ પછી એક નાટકની જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે “મફત પાસ માંગનારા ઘેર બેઠા બેઠા મુઠિયા ખાય.” બીજા એક નાટકની જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે, “સાળીની જુવાનીની ચઢતા પતંગ પર પોતાનું લંગર નાખતા બનેવીની બબાલ.”

આ નાટકોને કોણે મંજૂરી આપી? આ પ્રકારની જાહેરાતોને કોણે મંજૂરી આપી? જેમણે મંજૂરી આપી તેમણે કયો ‘વ્યવહાર’ સ્વીકારી મંજૂરી આપી? આનાથી વધુ બીભત્સ જાહેરાતો બીજી કઈ હોઈ શકે? શું ગુજરાત સરકારના એકપણ મંત્રી આ નાટક પોતાની પત્ની, બહેન કે દીકરી સાથે જોવા ગયા છે ખરા? જોઈ શકે તેમ છે, ખરા? ભારતીય સંસ્કૃતિની દુહાઈ દેતા રાષ્ટ્રીય સ્વયંસેવકના મોવડીઓએ પણ આ નાટકોની ગંદી જાહેરાતો અને રજૂ થતાં અશ્લીલ નાટકો સામે કોઈ જ લાલ આંખ કરી નથી તે પણ એક આશ્ચર્યજનક વાત છે.

નિયમોનો ભંગ

સૌથી વધુ નોંધપાત્ર વાત એ છે કે નાટકો ભજવાય તે પહેલાં નાટકોના નિર્માતા-આયોજકોએ રાજ્યના સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડની મંજૂરી લેવી પડે છે અને તે માટે કેટલાક સખ્ત નિયમોનું પાલન કરવું પડે છે. અમદાવાદમાં ભજવાતાં કેટલાંક નાટકોના આયોજકો-નિર્માતાઓ આ નિયમોનો સરિયામ ભંગ કરી ગુજરાત સરકારની ઐસી કી તૈસી કરી રહ્યા છે. દા.ત. પ્રમાણપત્ર બોર્ડનો એક નિયમ છે કે “કાર્યક્રમના આયોજકે કાર્યક્રમની પ્રસિદ્ધિ માટે વર્તમાનપત્રો, બેનરો બોર્ડ કે ચોપાનિયા દ્વારા સુરુચિનો ભંગ કરતી કે અશ્લીલ જાહેરખબરો છપાવવી નહીં.”… પરંતુ નાટય આયોજકો લોકોને ગલગલિયા થાય તેવી બીભત્સ જાહેરાતો ખુલ્લેઆમ આપીને ગુજરાત સરકારના નિયમોનો સરિયામ ભંગ કરી રહ્યા છે. આમ છતાં તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી.

રાજ્ય સરકારના સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડ દ્વારા નક્કી કરાયેલા બીજો એક નિયમ છે કે “અરજદાર દ્વારા કાર્યક્રમની પ્રસિદ્ધિ માટે કરવામાં આવતી જાહેરાત અને ટિકિટમાં પ્રસ્તુત કાર્યક્રમને બોર્ડ દ્વારા મંજૂરી મળેલ યોગ્યતા પ્રમાણપત્ર નંબર અને તારીખ લખવાની રહેશે.” કેટલાક નાટય આયોજકો આ શરતનો પણ સરિયામ ભંગ કરતાં હોવા છતાં ગુજરાતના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર તથા પ્રમાણપત્ર બોર્ડ ભેદી મૌન સેવી રહ્યા છે અને આ કાનૂનભંગ સામે આંખ આડા કાન કરીરહ્યા છે.

એ જ રીતે પ્રમાણપત્ર બોર્ડના એક નિયમમાં લખવામાં આવ્યંુ છે કે, “નાટકના શો ના આયોજન કરતી વખતે અરજદાર,આયોજક કે સંસ્થાએ ભજવણી સ્થળ પર કચેરી દ્વારા મંજૂર થયેલી સ્ક્રિપ્ટ તથા અસલ પ્રમાણપત્ર સ્થળ પર રાખવાના રહેશે અને ભજવતી વખતે યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના કમિશનર કે નિયુક્ત તજજ્ઞા નાટકની સ્ક્રીપ્ટ માંગે ત્યારે મંજૂર થયેલી સ્ક્રીપ્ટ આપવાની રહેશે.”….. લાગે છે કે હજુ સુધી સરકારના સાંસ્કૃતિક વિભાગના કમિશનરે કે પ્રમાણપત્ર બોર્ડના સભ્યએ આવી સ્ક્રિપ્ટની માંગણી કરી હોય તેમ જણાતું નથી અથવા તેમને ગમે તેવા ગંદા નાટકો ભજવાય તેની સામે વાંધો નથી.


બોર્ડમાં કોણ સભ્યો છે?

એ જાણવું રસપ્રદ થઈ પડશે કે કોઈપણ નિર્માતા કે આયોજક તેના નાટકની સ્ક્રિપ્ટને મંજૂરી માટે સરકાર સમક્ષ રજૂ કરે છે ત્યારે તે સ્ક્રીપ્ટ વાંચીને તેને મંજૂરી માટેનો અભિપ્રાય આપવા માટે રાજ્ય સરકારે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડની રચના કરી છે. હાલ આ બોર્ડમાં સરકારે સભ્યો (તજજ્ઞાો)માં (૧) રજનીકુમાર પંડયા (૨) ચીનુભાઈ મોદી (૩) શ્રીકાંત વિદાણી (૪) પી. ખરસાણી (૫) રઘુવીર ચૌધરી (૬) જીતેન્દ્રકુમાર ઠક્કર (૭) નિકુંજ દવેનો અમદાવાદમાંથી સમાવેશ થાય છે. આ બોર્ડમાં (૧) પ્રકાશ લાલા (૨) ભાનુપ્રસાદ ત્રિવેદી (૩) ડો. મીનાબેન પંડયાનો ગાંધીનગરમાંથી સમાવેશ થાય છે. જ્યારે (૧) માર્કંડ ભટ્ટ (૨) પ્રભાકર દાવડે (૪) પી.એલ.ચારીનો વડોદરામાંથી સમાવેશ થાય છે. બોર્ડના સભ્યો તરીકે સુરતમાંથી (૧) યઝદી કરંજિયા (૨) હરનીશ દેસાઈ (૩) જયંતીભાઈ વૈદ્યનો સુરતમાંથી સમાવેશ થાય છે. રાજકોટમાંથી (૧) હીરાલાલ ત્રિવેદી (૨) હસમુખ રાવલનો સમાવેશ થાય છે. ભાવનગરમાંથી (૧) વિનોદ જોશી (૨) જયેન્દ્ર દવેનો સમાવેશ થાય છે. મહેસાણામાંથી દિનકર ભોજક, અમરેલીમાંથી વસંત પરીખ, ભરૂચમાંથી ડો. નરોત્તમ વાણંદ, સુરેન્દ્રનગરમાંથી ડો. ચંદ્રકાન્ત જોશી, જૂનાગઢમાંથી જયકર ધોળકિયા અને પંચમહાલમાંથી પ્રવીણ દરજીનો સમાવેશ થાય છે.

સભ્યો તેમની દીકરી ને નાટક બતાવે

આ કહેવાતા સાક્ષરો, વિદ્વાનો અને સમાજ શ્રેષ્ઠીઓએ આવા દ્વિઅર્થી સંવાદોવાળા બીભત્સ નાટકોની સ્ક્રિપ્ટની મંજૂરી કેવી રીતે આપી તે એક પ્રશ્ન છે. શું તેમણે આ નાટકોની સ્ક્રિપ્ટ ખરેખર વાંચી હતી કે તેઓએ સ્ક્રીપ્ટ વાંચીને સમજણપૂર્વક મંજૂરી આપી છે તે સ્પષ્ટતા થાય તે જરૂરી છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી, ઉમાશંકર જોશી અને નરસિંહ મહેતા જેવા સાક્ષરોની ભૂમિ પર સ્ત્રીઓના સન્માનની છેડતી કરતા આ નાટકો મંજૂરી આપીને આ સભ્યોએ ગુજરાતની અસ્મિતાની કઈ સેવા કરી છે તે અંગે તેઓ જ ખુલાસો કરે. આ તજજ્ઞાો તેમની પુત્રી, બહેન કે માતાને લઈ આ અશ્લીલ નાટકો જોવા જાય અને એ નાટકોની બીભત્સતાને માણતી તસવીરો અમને મોકલી આપે તો અમે એમની ગલપચીવાળા હાસ્યની તસ્વીરો જરૂર છાપીશું. હા, નાટકોમાં આવતી જાહેરાત પ્રમાણે તેમણે તેમના શરીરના દરેક અંગને પલળી જવાની તૈયારી રાખવી પડશે. જે તે નાટકની જાહેરાતમાં આવતી લાઈન પ્રમાણે તેમણે ધોતિયા પોતિયા બાંધીને જવું પડશે. નાટકની જાહેરાત પ્રમાણ સની લિયોન હોય કે સવિતા આંખ બંધ કરીને નાટક જોવું પડશે. બોર્ડના સાક્ષરોને એ નાટકો ગમે તો તેમનો અભિપ્રાય પણ મોકલે જે એમના નામ સાથે જરૂર છાપીશું ગુજરાતની અસ્મિતાના આ કહેવાતા ક્સ્ટોડિયનો મહેરબાની કરીને ગુજરાતની સંસ્કૃતિના રખેવાળ હોવાનો ઢોંગ બંધ કરે અને ગુજરાતની અસ્મિતાને શોભે એવા શુદ્ધ, સંસ્કારી અને સપરિવાર માણી શકાય તેવા નાટકોને જ મંજૂરી આપે.

યમનની ભૂમિ લોહિયાળ કેમ બની?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

યમન આંતરવિગ્રહની આગમાં લપેટાયું છે.

હજારો લોકો આ યુદ્ધથી ત્રસ્ત છે. રોજી રળવા ગયેલા સેંકડો ભારતીયોને સહીસલામત પાછા લાવવા ભારત સરકાર જબરદસ્ત પ્રયાસ કર્યો છે. પાછા ફરેલા લોકો કહે છેઃ “દર એક મિનિટે કાન ફાડી નાખે તેવો બોમ્બ ધડાકો સંભળાય છે.” યમનની સરહદે અરબી સમુદ્ર આવેલો છે. તેના પાડોશી દેશોમાં સાઉદી અરેબિયા, ઓમાન તથા સંયુક્ત આરબ અમીરાત વગેરે આવેલા છે. યમનમાં ભારતીયો ઉપરાંત અન્ય દેશોના નાગરિકો પણ ફસાયેલા છે. જેમાં બહેરીન, બાંગ્લાદેશ, ક્યૂબા, ચેક રિપબ્લિક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇરાક, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, લેબેનોન, મલેશિયા, માલદીવ્સ, નેપાળ, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, રોમાનિયા, શ્રીલંકા, સ્વિડન, ટર્કી અને અમેરિકા પણ તેના ફસાયેલા નાગરિકોને સહીસલામત બહાર લાવવા ભારતીય નૌકાદળની સહાય માગી રહ્યા છે.

યમનની ભીતર પરિસ્થિતિ ખરાબ છે. અનાજ અને પાણીની તંગી પેદા થઈ છે. હોસ્પિટલો છે પણ દવા નથી. પેટ્રોલપંપો છે, પણ પેટ્રાલ-ડીઝલ નથી. મોટા ભાગની શેરીઓ પથ્થરોથી ઉભરાઈ ગઈ છે. યમનની હોસ્પિટલોમાં સેંકડો ભારતીયો કામ કરી રહ્યા છે. સત્તાવાળાઓએ તેમને હોસ્પિટલોમાં જ રહેવા અપીલ કરી છે, પરંતુ તેમની સલામતીની જવાબદારી લેવા તેઓ તૈયાર નથી.

યમન ભીતરથી બે જૂથો વચ્ચે વહેંચાઈ ગયું છે. બંને જૂથો આંતરરાષ્ટ્રીય રાજનીતિથી પ્રભાવિત છે. એક જૂથને સુન્ની સાઉદી અરેબિયાનું સમર્થન છે જ્યારે બીજા જૂથને શિયા ઈરાનનું સમર્થન છે. ભારતે આ આંતરવિગ્રહથી ભરેલી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં તટસ્થ વલણ અપનાવ્યું હોઈ એ બંને જૂથો ભારતનું સન્માન કરી રહ્યાં છે. આ કારણે હજુ સુધી કોઈ ભારતીયને ઈજા પહોંચાડવા કોશિશ થઈ નથી.

યમનના આ લોહિયાળ આંતરવિગ્રહમાં અત્યાર સુધીમાં ૧૦૦ નાગરિકો માર્યા ગયા છે. ૩૦૦ ઘવાયા છે. સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ તેના સાથી દેશોનાં યુદ્ધવિમાનો યમનનાં શહેરો પર બોમ્બ વરસાવી રહ્યાં છે. આ કારણે અત્યાર સુધીમાં ૬૦થી વધુ બાળકો માર્યાં ગયાં હોવાનું મનાય છે. આ પરિસ્થિતિમાં પણ ૪૦૦થી વધુ ભારતીયોને સહીસલામત બચાવી યમનની બહાર કાઢી લેવામાં આવ્યા છે.

અખાતના દેશોમાં કેટલાયે સમયથી આંતરવિગ્રહ જોવા મળે છે. છેલ્લાં ચાર વર્ષમાં એકમાત્ર સીરિયામાં જ ૨,૧૦,૦૬૦ જેટલા લોકો માર્યા ગયા છે. તેમાં અડધોઅડધ તો નાગરિકો હતા. માર્યા ગયેલાઓમાં ૧૦,૦૦૦ બાળકો અને ૬૦૦૦ સ્ત્રીઓ હતી. ખતરનાક આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ દ્વારા છેલ્લા આઠ મહિનામાં ૨૪,૦૦૦ નાગરિકો માર્યા ગયા છે. આ કારણે ૧૮ લાખ ઇરાકી નાગરિકોને હિજરત કરવી પડી છે.

યમનના આંતરવિગ્રહમાં કોણ કોની સાથે છે તે સમજવા જેવું છે. એક તરફ સાઉદી અરેબિયાનું જૂથ છે. તેના સાથી દેશોમાં સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, ઇજિપ્ત અને જોર્ડન છે, જ્યારે બીજા જૂથમાં ઈરાન છે. ઈરાનના સાથી દેશોમાં ઇરાક અને સીરિયા છે. આ વાતને બીજા શબ્દોમાં કહેવી હોય તો એમ કહી શકાય કે, એક તરફ સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ છે,તો તેમની સામે ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખોમેની છે.

આ લોહિયાળ યુદ્ધ શા માટે છે, તે પણ સમજી લેવું જોઈએ. પશ્ચિમ એશિયામાં પોતાની સર્વોપરિતા સ્થાપિત કરવા છેલ્લાં કેટલાંક વર્ષોથી જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની છેલ્લી રણભૂમિ યમન છે. આ સર્વોપરિતા સાબિત કરવા સાઉદી અરેબિયા મરણિયું થયું છે. તેણે ઈરાન સમર્થક બળવાખોરોને કચડી નાખવા પોતાની તમામ તાકાત યુદ્ધભૂમિમાં ઝીંકી દીધી છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે,ઈરાનના સમર્થનવાળા બળવાખોરોએ યમનનો ઉત્તરીય અને મધ્ય હિસ્સો કબજે કરી લીધો છે. સાઉદી અરેબિયાનાં નાણાં પર જે દેશો નભે છે તેવા પાકિસ્તાન, ઇજિપ્ત તથા મોરોક્કોએ પણ સાઉદી અરેબિયાના મિશન માટે પોતાનાં યુદ્ધવિમાનો તથા સૈનિકો મોકલવાની ખાતરી આપી છે. સાઉદીના રાજાને પોતાનું શાસન બચાવવા આ કવાયત કરવી પડી છે.

સાઉદી અરેબિયાને ટેકો આપી રહેલા સુન્ની દેશો એક બીજી રમત પણ રમી રહ્યા છે. તેઓ ખાનગીમાં ઇસ્લામિક સ્ટેટ નામના આતંકવાદી સંગઠનને પણ ખાનગીમાં મદદ કરી રહ્યા છે, જેથી ઈરાનને દૂર રાખી શકાય. ક્રૂડના ભાવમાં ઘટાડો પણ એ જ આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો એક ભાગ છે, જેથી તહેરાનની તિજોરી ખાલી રાખી શકાય. રિયાધે સેબેનીઝ આર્મીને ત્રણ બિલિયન ડોલરની સહાય કરીને શિયા મિલિટરી તાકાત હજબુલ્લાને દૂર કરવા રમત ખેલેલી છે. તેમને હજી એવી આશા છે કે એક દિવસ ઇઝરાયેલ ઈરાનનાં અણુમથકો પર બોમ્બ વરસાવશે. કૈરો, દમાસ્કસ અને ઇસ્લામાબાદને સાઉદીએ એટલી બધી નાણાકીય સહાય કરી છે કે તેઓ રિયાધની તમામ સૂચનાઓ ઝીલવા તત્પર છે. નવા કિંગ સલમાન અલ સાઉદ તેમના હેતુઓ પાર પાડવા તેમની તમામ લશ્કરી તાકાતનો ઉપયોગ કરવાની માનસિકતા ધરાવે છે.

પશ્ચિમ એશિયાની ભીતર સુપ્રીમસી માટેની આ પાવર ગેઇમમાં સહુથી મોટા અને જાણીતા પ્લેયર અમેરિકાની આ વખતે સૂચક ગેરહાજરી છે. વિશ્વમાં ક્યાંય પણ છમકલું થાય તો તેમાં હંમેશાં અમેરિકાનો એક રોલ હોય છે, પરંતુ યમનમાં ચાલી રહેલા યુદ્ધમાં આ એક્શન-હીરોની હાજરી નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા માને છે કે જે તે વિસ્તારોમાં જ્યારે જ્યારે પણ સંઘર્ષ થાય ત્યારે ત્યારે રિજિયોનલ પાવર્સને તેમની સમસ્યાઓ તેમની રીતે જ હલ કરવા દેવી જોઈએ. યમનમાં જેવું આંતરિક યુદ્ધ શરૂ થયું તેવું જ અમેરિકા યમનમાંથી હટી ગયું. અમેરિકન સૈનિકો યમનમાંથી બહાર નીકળી ગયા. હા, અમેરિકા સીરિયા અને ઇરાકમાં કાર્યરત આઈએસ પર બોમ્બમારો કરે છે, પરંતુ તે પણ મર્યાદિત ક્ષેત્રમાં જ. દરેક યુદ્ધમાં સામેલ નહીં થવું એ અમેરિકાની નવી સમજણ અને કૂટનીતિ છે. સીરિયા અને લિબિયામાંથી પણ તેણે પોતાના હાથ ધોઈ નાખ્યા છે. એ જ રીતે તુર્કી અને કતાર એ સુન્ની દેશ હોવા છતાં તેઓ વિદેશનીતિની બાબતમાં સ્વતંત્ર રહ્યા છે. તેઓ સાઉદીની એક તરફી લાઇનમાં જોડાવાને બદલે મુસ્લિમ બિરાદરીની હિમાયત કરી રહ્યા છે.

આ યુદ્ધમાં સાઉદી અરેબિયાના દાવા પ્રમાણે તેણે વિવિધ સુન્ની દેશોમાંથી આણેલા ૧,૫૦,૦૦૦ સૈનિકોને યમનના યુદ્ધમાં ઉતાર્યા છે. કહેવાય છે કે અમેરિકા સાઉદીને પોતાના સૈનિકો દ્વારા નહીં, પરંતુ અમેરિકન ઇન્ટેલિજન્સ દ્વારા ક્યાં બોમ્બમારો કરવો તે અંગેની મદદ પૂરી પાડી રહ્યું છે, જેથી ઈરાનના સમર્થનવાળા બળવાખોરોને મહાત કરી શકાય. યમન તો મુખ્યત્વે રણપ્રદેશ છે,પર્વતો પણ છે. આવી ભૂમિ પર સાઉદી અરેબિયા અને ઈરાન તેમનાં નાણાં દ્વારા આ ભૂમિને લોહિયાળ બનાવી રહ્યા છે.

તેમને મારા હૃદયમાંથી ભૂલતાં મને વર્ષો લાગ્યાં

નાતાલિયા રિવોલ્ટા કલ્યૂઝનું ૮૯ વર્ષની વયે અવસાન થયું. નાતાલિયાનું ટૂંકું નામ ‘નેટી’ હતું, તે ક્યૂબાના લેજન્ડરી સરમુખત્યાર ફિડલ કાસ્ટ્રોની મિસ્ટ્રેસ હતી. નેટી ક્યૂબાની હાઈ સોસાયટીમાં અત્યંત સુંદર સ્ત્રી તરીકે ખ્યાતિપ્રાપ્ય મહિલા હતી.

નેટીના જીવન વિશે જાણતા પહેલાં તે   જેમની પ્રેયસી હતી તે રાજનેતા ફિડલ કાસ્ટ્રો વિશે જાણી લેવું જરૂરી છે. ફિડલ કાસ્ટ્રો કયૂબાના વર્ષો સુધી લોકપ્રિય સરમુખત્યાર રહી ચૂક્યા છે. અમેરિકાએ કાસ્ટ્રોને મારી નાંખવા અનેકવાર નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. શીતયુદ્ધ વખતે ફિડલ કાસ્ટ્રોની મૈત્રી રશિયા સાથે હતી અને ક્યૂબા અમેરિકાને ગાઠતું ના હોઈ એક તબક્કે અમેરિકા અને રશિયા વચ્ચે અણુયદ્ધ ફાટી નીકળવાની અણી પર હતું. આજનું જે ક્યૂબા છે તે ફિડલ કાસ્ટ્રોની કલ્પનાનું ક્યૂબા છે. હવાના તેની મુખ્ય નગરી છે.

આવા ફિડલ કાસ્ટ્રો જ્યારે બહુ જ ઓછા જાણીતા હતા ત્યારે નેટી તેમના પ્રેમમાં પડી ગઈ હતી. પરિણીત હતી અને ફિડલ કાસ્ટ્રો પણ પરિણીત હતા. નેટી રિવોલ્ટાનો જન્મ તા. ૬ ડિસેમ્બર, ૧૯૨૫ના રોજ થયો હતો. તેના માતા-પિતાના છુટાછેડા થઈ ગયા બાદ તે ૧૦ વર્ષની હતી ત્યારે તેની માતાએ બીજું લગ્ન કર્યું હતું. નેટીએ હવાનામાં આવેલી અમેરિકન સંસ્થા- રસ્ટન એકેડેમી અને ત્યારપછી અમેરિકામાં સેન્ટ જોસેફ એકડેમીમાં શિક્ષણ લીધું હતું. ત્યાર પછી વોશિંગ્ટનની કોલેજમાં અભ્યાસ કર્યા બાદ ૧૯ વર્ષની વયે તે ક્યૂબા પાછી ફરી હતી. કારકિર્દીની શરૂઆત તેણે હવાનામાં આવેલા અમેરિકી દૂતાવાસમાં નોકરીથી કરી હતી.

નેટી ૨૨ વર્ષની હતી ત્યારે આર્લેન્ડો ફર્નાન્ડીઝ નામના એક સર્જન સાથે પરણી હતી. તેના પતિ તેના કરતાં ૨૦ વર્ષ મોટા હતા. તેમનાથી તે નીના નામની એક બાળકીની માતા બની હતી. પતિ અતિ પ્રતિષ્ઠિત હોવાના કારણે હવાનાના ભદ્ર સમાજમાં તેની ઓળખ વધી હતી. હવાનાની કંટ્રી કલબમાં દર શનિ- રવિવારે ટેનિસ રમવા જતી અને દરિયામાં તરતી લકઝુરિયસ યાચમાં લંચ લેતી, ભૂરી નીલી આંખો, વિશાળ બદન, ઉન્નત વક્ષઃસ્થળ અને સ્વરૂપવાન દેહના કારણે અનેક લોકોના આકર્ષણનું તે કેન્દ્ર બની હતી એના ભરાવદાર તનબદનના કારણે ઘણા તેને ‘ગેરિલા પ્રિન્સ’ કહેતા.

મુશ્કેલી એ હતી કે તેના પતિ એક તબીબ હોવાને કારણે અત્યંત વ્યસ્ત રહેતા. મોડી રાત સુધી તેઓ ઘેર જ ના આવતા. એ કારણે નેટી એક કોકટેલ પાર્ટીથી બીજી કોકટેલ પાર્ટીમાં વિહરતી રહેતી. એ વખતે ક્યૂબામાં રાજકીય અસ્થિરતા હતી. સરકાર ભ્રષ્ટાચારમાં લથપથ હતી. એ વખતે ‘ઓર્થોડોક્સ પાર્ટી’ સરકારના ભ્રષ્ટાચારની વિરુદ્ધ એક ચળવળ ચલાવી રહી હતી.

આ સમયગાળા દરમિયાન ૧૯૫૨માં એક ચાંદની રાતે યુનિર્વિસટી ઓફ હવાનાના પગથિયાંમાં એક જોશીલા પણ સરકાર સામે ચળવળ ચલાવતા એક યુવાન સાથે નેટીની મુલાકાત થઈ. એ યુવાન ફિડલ કાસ્ટ્રો હતો. એ વખતે નેટી માત્ર ૨૬ વર્ષની હતી અને ફિડલ કાસ્ટ્રો મિર્તા ડિયાઝ- બાલાઝ નામની મહિલા સાથે પરિણીત હતા. આ એક પ્રાથમિક અને ઔપચારિક મુલાકાત હતી. એ વખતે કેટલાક સ્પેનિશ સૈનિકો દ્વારા ક્યૂબાની આઝાદી માટે લડત ચલાવતા કેટલાક તબીબી વિદ્યાર્થીઓી હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાની વાર્ષિક તિથિ નિમિત્તે યોજાયેલા એક વિરોધ કાર્યક્રમમાં તે ફિડલ કાસ્ટ્રો સાથે જોડાઈ. ફિડલ કાસ્ટ્રો પણ તે વખતની ભ્રષ્ટ ક્યૂબન સરકાર વિરુદ્ધ ચળવળ ચલાવતા હતા.

કાસ્ટ્રોએ એક મિત્ર દ્વારા નેટી અને તેના પતિ સાથે સંબંધો કેળવવા ઓફર મોકલી. નેટીએ કાસ્ટ્રોને સાંજના પાંચ વાગ્યા પછી ઘેર આવવા કહ્યું. ફિડલ કાસ્ટ્રોના ઘરમાં આગમન પછી નેટીને લાગ્યંું કે, આ એક એવો પુરુષ છે જેની ઉપેક્ષા કરવી શક્ય નથી.બંને વચ્ચે મૈત્રી કેળવાઈ. પતિની જાણ બહાર જ નેટી તેના ઘરમાં સરકાર વિરોધી લડતના આયોજનનો બેઝ બનાવી ચૂકી હતી. આ ઘરમાંથી સરકાર સામે ક્યા ક્યા સ્થળે હુમલા કરવા છે તેનું આયોજન થતું. નેટી રિવોલ્ટાએ ઝુંબેશમાં કામ કરતા સ્વાતંત્ર્ય સૈનિકો માટેના યુનિફોર્મ પણ સીવવા લાગી. આઝાદીની લડાઈ માટેની પત્રિકાઓ વહેંચવા લાગી. એટલું જ નહીં પરંતુ તેની પાસે જે બચત હતી તે નાણાં તેના ડાયમંડસ અને ઝવેરાત પણ સ્વતંત્રતાની લડાઈ માટે આપી દીધા. બંને વચ્ચે પ્રેમ પણ પાંગર્યો.

આ લડત દરમિયાન એક હુમલામાં નિષ્ફળતા મળતા યુવાન ફિડલ કાસ્ટ્રો પકડાઈ ગયા. તેમની ધરપકડ થઈ. તેમને જેલમાં પુરવામાં આવ્યા. એ દરમિયાન નેટી તેના પ્રેમી ફિડલ કાસ્ટ્રોને જેલમાં પુસ્તકો, કવિતાઓ અને તેનાં પોતાના ચિત્રો મોકલતી રહી. એકવાર તો એણે એક પરબીડિયામાં દરિયાની રેતી મોકલીને બીચ પર તેમણે ગાળેલા સમયની યાદ અપાવી. તેણે તેમાં લખ્યું: ”તમે ઘણા દૂર છો, છતાં તમે એક સારા સાથી છો- યુ આર અ ગુડ કંપની.”

એ પત્રના જવાબમાં ફિડલ કાસ્ટ્રો પણ પત્રો લખતા તેઓ લખતાઃ ”તું પત્રો લખતી રહેજે. તારા પત્રો સિવાય હું રહી શક્તો નથી, આઈ લવ યુ વેરી મચ.”

એક વાર તેમણે લખ્યું હતું: ”તું ટાઈપ રાઈટર પર લખેલા પત્રો મોકલીશ નહીં. તારા હાથે લખેલા પત્રો જ મોકલ. તારા હાથ નાજુક, કોમળ અને ક્ષતિરહિત છે.”

એ વખતે ફિડલ કાસ્ટ્રો તેમના પત્નીને પણ પત્રો લખતા. એ તમામ પત્રો સેન્સર થતા. એક વખત જેલના અધિકારીઓએ જાણીબુઝીને પત્નીને લખેલો પત્ર નેટીને મોકલી આપ્યો અને પ્રેયસીને લખેલો પત્ર કાસ્ટ્રોની પત્નીને મોકલી આપ્યો.

૧૯૫૫માં ફિડલ કાસ્ટ્રો જેલમાંથી છૂટયા. ફિડલ કાસ્ટ્રોની પત્નીએ પતિને છુટાછેડા આપી દીધા. કારણ કે પત્રોની અદલાબદલીથી પત્નીને પતિના નેટી સાથેના સંબંધોનો ખ્યાલ આવી ગયો હતો. કેટલાક મહિનાઓ સુધી કાસ્ટ્રો અને નેટી પ્રેમીઓ તરીકે સાથે રહ્યા. તે પછી કાસ્ટ્રો ક્યૂબાની સરકાર સામે ક્રાંતિ કરવાનો પ્લોટ રચવા મેક્સિકો ચાલ્યા ગયા. એ વખતે નેટી તેના પ્રેમી કાસ્ટ્રોથી ગર્ભવતી હતી. અલબત્ત કાસ્ટ્રો આ વાત જાણતા નહોતા. મેકિસકો ગયા પછી કાસ્ટ્રોએ નેટીને મેક્સિકો આવવા આમંત્રણ આપ્યું. તેઓ નેટી સાથે લગ્ન પણ કરી લેવા માંગતા હતા પરંતુ આ હિંસક ક્રાંતિમાં કાસ્ટ્રો માર્યા જશે એવા ભયથી તે મેકિસકો ના ગઈ.

તે પછી ૧૯૫૬માં નેટીએ એલિના નામની બાળકીનોે જન્મ આપ્યો જે હકીકતમાં કાસ્ટ્રોથી થયેલી બાળકી હતી. એ પછી કયૂબાની સરકારને ઉથલાવવામાં કાસ્ટ્રો વ્યસ્ત થઈ ગયા. આ લડત બીજાં ત્રણ વર્ષ સુધી ચાલી. આ દરમિયાન એકવાર કાસ્ટ્રો તેમની પ્રેયસી નેટીને મળવા તેના ઘરે ગયા. તેમણે પહેલી જ વાર પુત્રી એલિનાને જોઈ પણ તેઓ ઓળખી શક્યા નહીં. એ દરમિયાન નેટીના પતિએ એલિનાને પોતાની અટક આપી. આ સમયગાળા દરમિયાન નેટી પણ બદલાઈ ચૂકી હતી. તેને હજુ ભૌતિક દુનિયામાં રસ હતો જ્યારે કાસ્ટ્રો ગરીબોના મસીહા તરીકે ઉપસી રહ્યા હતા. કાસ્ટ્રો ક્યૂબન સરકાર વિરુદ્ધ યુદ્ધે ચઢેલા સ્વાતંત્ર્ય સૈનિકોના નેતા અને તેમના સરસેનાપતિ હતા. તેમણે ક્યૂબાની સરકાર ઉથલાવી દીધી. હવે તેઓ ખુદ નવી કમ્યુનિસ્ટ કયૂબન સરકારના પ્રેસિડેન્ટ બની ગયા. પ્રેમીને ક્યુબાના શાસક બનેલા જોઈ નેટીને હવે કાસ્ટ્રો સાથે લગ્ન કરી ક્યૂબાની ‘ફર્સ્ટ લેડી’ બનવાની મહેચ્છા પ્રગટ થઈ, પરંતુ ફિડલ કાસ્ટ્રોએ હવે એ મોભો આપવા ઈન્કાર કરી દીધો. એટલું જ નહીં પરંતુ નેટી સાથે એક અંતર પણ રાખ્યું.

૧૯૫૯માં નેટી અને તેના પતિના છૂટાછેડા થઈ ગયા. તે પછી નેટી કદી પરણી નહીં. કયૂબાની તમામ સંપત્તિનું રાષ્ટ્રીયકરણ થતાં તેણે પોતાનું ભવ્ય નિવાસસ્થાન પણ ગૂમાવ્યું.

આ તરફ કાસ્ટ્રોથી થયેલી પુત્રી એલિના ૧૯૯૭માં કોઈ સ્પેનીશ ટૂરિસ્ટ સાથે ભાગી ગઈ. કાસ્ટ્રો કમ્યુનિસ્ટ વિચારસરણીવાળા નેતા હતા. બહારથી એવા સમાચાર મળતા જ રહ્યા કે એલિના ક્યૂબાની સામ્યવાદી સરકારની વિરુદ્ધમાં ક્યાંક લેખો લખતી રહે છે, જે સ્વયં ક્યૂબાના કમ્યુનિસ્ટ શાસક કાસ્ટ્રોથી પેદા થયેલી પુત્રી હતી.

વર્ષો વીતતા રહ્યા. નેટી ઉર્ફે નાતાલિયા એકાકી જીવન જીવતાં રહ્યા. કાસ્ટ્રો સાથે હવે તેમનો કોઈ સંપર્ક રહ્યો નહોતો. તે હજુ હવાનાના કોકટેલ પાર્ટીમાં ક્યારેક દેખાતા, સિગારેટ ફૂંક્યા કરતા. મૃત્યુ પર્યંત તેઓ માનતા રહ્યા કે ”કાસ્ટ્રોએ ક્યૂબાની ક્રાંતિ માટે પોતાની અંગત જિંદગીને બાજુમાં મૂકી દીધી હતી. કાસ્ટ્રોને મારા હૃદયમાંથી ભૂલતા મને વર્ષો લાગ્યા.”

આવી છે ફિડલ કાસ્ટ્રોના પ્રેયસીની કથા. ફિડલ કાસ્ટ્રો એ ઉંમરના કારણે પ્રમુખપદ અન્યને સોંપી દીધું છે અને હવે તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.

ભાભી, તમે ચાર બાળકોની મા હોય તેવાં લાગતાં નથી

નિશા.

એક નાનકડા ગામના જમીનદારની પુત્રી. તેનું લગ્ન પોતાની જ્ઞાાતિના ચંદ્રભાણ નામના એક યુવક સાથે કરવામાં આવ્યું. લગ્નની લાલ સાડીમાં લપટાયેલી નિશા નવવધૂ બની સાસરીમાં પહોંચી અને તેણે ઘૂંઘટ ઉતાર્યો ત્યારે તેના સુંદર ચહેરાને જોઈને સહુ પ્રભાવિત થઈ ગયા. સુહાગરાતે એનો પતિ ચંદ્રભાણ તો અપલક બની તેની ખૂબસૂરતીને જ જોઈ રહ્યો.

લગ્ન પછીના પાંચ વર્ષ દરમિયાન નિશા ચાર બાળકોની માતા બની ગઈ. સ્વરૂપનું બીજું નામ સુખ નથી. વાસ્તવિક જીવન અનેક કડવી સચ્ચાઈઓથી ભરેલું હોય છે. નિશા હવે ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ. તેના સાસરિયા નિશા પાસેથી સખ્ત કામ લેવા માંડયાં. સાસુ હંમેશા મ્હેણાં-ટોણાં મારતી. પતિ પણ નિશાની ઈચ્છાઓ પર પૂરતું ધ્યાન આપી શક્તો નહોતો. ચંદ્રભાણ ખેતીકામમાં વ્યસ્ત રહેતો હતો.

નિશાની મોટી બેન ગીતાનું લગ્ન નજીકના એક ગામમાં હુકમસિંહ સાથે કરવામાં આવેલું હતું. એક દિવસ નિશા તેની બેનના ઘેર થોડા દિવસ રહેવા માટે ગઈ. અહીં તેનો પરિચય અરવિંદ નામના યુવક સાથે થયો. અરવિંદ એ જ મહોલ્લામાં રહેતો હતો. કુંવારો હતો, દેખાવડો હતો. અવારનવાર ગીતાના ઘેર આવતો હતો. પહેલી જ મુલાકાતમાં તે ગીતાની પરિણીત બહેન નિશાનો દીવાનો થઈ ગયો. બેઉ વચ્ચે પ્રાથમિક પરિચય થયો. એક દિવસ તેણે નિશાને કહ્યું: ”ભાભી! તમને જોઈને લાગતું નથી કે તમે ચાર બાળકોની મા છો. સ્કૂલની છોકરી જેવા જ લાગો છો.”

અરવિંદે કરેલી આ તારીફ પર નિશા ખુશ થઈ ગઈ. બેઉ વચ્ચે આત્મીયતા વધી. કેટલાક દિવસો બાદ નિશા ફરી તેની બહેનના ઘેર આવી. ફરી અરવિંદ તેને મળવા આવ્યો. આ વખતે તો અરવિંદે પૂછી જ લીધું : ”ભાભી, તમારા પતિ ચંદ્રભાણ તમારો ખ્યાલ રાખતા હોય તેમ લાગતું નથી. આ વખતે તમે સહેજ સુકાયેલાં હોય તેમ લાગે છો.”

અરવિંદે નિશાની દુખતી રગ પર હાથ મૂકી દીધો. નિશાએ કોઈ જવાબ આપ્યો નહીં. એની આંખ રડુ રડુ થઈ રહી. અરવિંદે નિશાની આંખોમાં કોઈ છૂપી વેદના જોઈ લીધી. એ વખતે ઘરમાં કોઈ નહોતું. અરવિંદે નિશાનો હાથ પકડી પોતાના હાથમાં લેતાં કહ્યું: ”આજથી હું તમારો ખ્યાલ રાખીશ.” નિશા અરવિંદની કરીબ સરકી. બેઉ વચ્ચે લાગણીના સંબંધો બંધાયા.

એ પછી અરવિંદે નિશાના પતિ ચંદ્રભાણ સાથે દોસ્તી કરી લીધી. અવારનવાર તે ચંદ્રભાણને મળવાના બહાને નિશાના ઘેર જવા લાગ્યો. ચંદ્રભાણને શરાબની આદત હતી, અરવિંદ વ્હિસ્કીની બોતલ લઈને જતો હતો. એક દિવસ તે બપોરના સમયે નિશાના ઘેર પહોંચી ગયો. ચંદ્રભાણ તથા તેના સાસુ- સસરા ખેતરમાં ગયેલા હતા, બાળકો સ્કૂલમાં ગયેલા હતા. નિશા એકલી હતી. એ વખતે તે સ્નાન કરી રહી હતી. સ્નાન કરતી નિશાને જોતાં જ અરવિંદે કહ્યું: ”આજ તો ક્યામત આવી જશે.”

પોતાની તારીફ સાંભળી નિશા પુલક્તિ થઈ ઊઠી. એણે બાથરૂમનું બારણું પહેલાથી જ અડધું ખુલ્લું રાખ્યું હતું. એ ટોવેલ વીંટાળીને ભીના શરીરે જ બહાર આવી. મર્યાદા સમાપ્ત થઈ ગઈ. અને તે દિવસ પછી આ સિલસિલો ચાલુ રહ્યો. એ દિવસ પછી અરવિંદ દર બે ત્રણ દિવસે નિશાને મળવા બપોરના સમયે આવી જતો. એ વખતે ઘરના સભ્યો ખેતરમાં જ કામ કરતા રહેતાં. પરંતુ પડોશીઓના ધ્યાન પર આ વાત આવી ગઈ. કેટલાકે ચંદ્રભાણને સાવચેત કર્યો. પત્નીના અરવિંદ સાથેના આડા સંબંધોની જાણકારી મળતાં ચંદ્રભાણ વ્યાકુળ થઈ ગયો. એણે ઘેર આવી નિશા સાથે પૂછપરછ કરી. નિશાએ અરવિંદ સાથે એવા કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો. છતાં ચંદ્રભાણે નિશાને સખ્ત શબ્દોમાં ચેતવણી આપી દીધી. નિશાએ કહ્યું: ”હવે હું અરવિંદને ઘરમાં જ પેસવા નહીં દઉં.”

ચંદ્રભાણે એ સમયે તો ઝઘડો અટકાવી દીધો. પરંતુ તેનો શક યથાવત્ રહ્યો. એણે નિશા પર નજર રાખવાની વ્યવસ્થા ગોઠવી દીધી. બપોરના સમયે અરવિંદ તેના ઘરમાં આવે તો તેને ખેતરમાં જાણકારી આપવાની વ્યવસ્થા પણ કરી દીધી.

એક દિવસ ફરી એક વાર બપોરના સમયે અરવિંદ નિશાને મળવા તેના ઘેર આવી ગયો. તે નિશા વગર રહી શક્તો નહોતો અને નિશા પણ તેના વગર રહી શકતી નહોતી. તે ઘરમાં પ્રવેશ્યો અને નિશાએ બારણું બંધ કરી દીધું. અગાઉથી કરાયેલી ગોઠવણ પ્રમાણે કોઈકે ખેતરમાં જઈ ચંદ્રભાણને જાણ કરી દીધી. ચંદ્રભાણ ખેતરનું તમામ કામ છોડીને ચૂપચાપ ઘેર આવ્યો. બારણું ખટખટાવ્યું. ડરી ગયેલી નિશાએ બારણું ખોલ્યું. ચંદ્રભાણ ધસમસતો અંદર પ્રવેશ્યો. અરવિંદ તેના ઘરની અંદર જ હતો. બારણું અંદરથી બંધ હતું. તે પરિસ્થિતિ પામી ગયો. ચંદ્રભાણે નિશા અને અરવિંદને ફટકાર્યા. અરવિંદે બે હાથ જોડી માફી માંગી ”હવે ફરી કદી નહીં આવું.”

ચંદ્રભાણે વિચાર્યું કે વધુ મારઝૂડ કરવાથી સમાજમાં તમાશો થશે. એના હાથમાં કુહાડી હતી છતાં એણે કુહાડી ફેેંકી દેતાં કહ્યું: ”આ છેલ્લી તક છે. હવે આવું થશે તો બંનેને કાપી નાંખીશ.”

એ પછી અરવિંદ ત્યાંથી ભાગી ગયો. ચંદ્રભાણની ધમકીથી નિશા અને અરવિંદ એટલા ડરી ગયા હતા કે, મહિનાઓ સુધી અરવિંદ આ તરફ ફરક્યો જ નહીં. પરંતુ પ્રેમ અને વાસના આંધળા હોય છે. ફરીથી નિશા અને અરવિંદ ચોરી છૂપીથી મળવા લાગ્યા. હવે તેઓે ઘરની બહાર નદી કિનારે કોતરોમાં મળવા લાગ્યા. ફરી ચંદ્રભાણને આ વાતની ખબર પડી ગઈ. હવે તેણે મનોમન નિશા અને અરવિંદનો ખેલ ખતમ કરી નાખવાનો નિર્ણય કર્યો. એણે એક નાટક કર્યું. એણે નિશાને જ કહ્યું: ”નિશા! મે ં કારણ વગર તારા અને અરવિંદ પર શક કર્યો. ખરેખર તો તમે બંને નિર્દોષ છો. લોકોએ મારા મનમાં ખોટી ગેરસમજ પેદા કરી હતી. મારી ઈચ્છા છે કે આજે બા- બાપુ બહારગામ ગયાં છે. અરવિંદને બોલાવીએ. હું તેને દારૂ પિવરાવું. તેની માફી માંગું.”

નિશાને પતિના વિચારોમાં આવેલું પરિવર્તન ના સમજાયું. પણ પતિના કહેવાથી નિશાએ મોબાઈલ પર ફોન કરી અરવિંદને રાત્રે ઘેર આવવા આમંત્રણ આપ્યું. ચંદ્રભાણે આગલા દિવસથી જ કુહાડી ઘરમાં લાવી સંતાડી રાખી હતી. નિશાએ અરવિંદને ફોન કરીને કહ્યું: ”આજે રાત્રે આવી જાવ. મારા ઘેર પાર્ટી છે. મારા પતિને તેમની ભૂલ સમજાઈ છે. તેઓ તમને પાર્ટી આપી માફી માંગવા માંગે છે.”

અરવિંદને શક પડયો છતાં તે આવ્યો.

ચંદ્રભાણે એ રાત્રે જ અરવિંદને ખૂબ દારૂ પિવરાવી અરવિંદ અને નિશાની હત્યા કરી દેવાની યોજના બનાવી હતી. પાર્ટી ચાલુ થઈ. દારૂના જામ પર જામ ખાલી થવા લાગ્યા. બત્તી ધીમી થઈ ગઈ. ચંદ્રભાણ ઓછું પીતો હતો અને અરવિંદને વધુ પિવરાવતો હતો. રાત આગળ વધતી હતી. જમવાનું પણ બાકી હતું. ચંદ્રભાણે નિશાને કહ્યું: ”રસોડામાં જઈ જમવાનું કાઢ.”

નિશા રસોડામાં ગઈ.

ચંદ્રભાણ બીજા રૂમમાં છુપાયેલી કુહાડી લેવા ગયો. એણે જોયું તો કુહાડી નહોતી. એણે આખો રૂમ ફેંદી નાખ્યો. એણે બૂમ પાડીઃ”કુહાડી કયાં ગઈ?”

નિશા તેના હાથમાં કુહાડી સાથે ઊભી હતી. તે કોઈ પણ સંજોગોમાં તેના પ્રેમી અરવિંદને ગુમાવવા માગતી નહોતી. દિવસ દરમિયાન નિશાએ ઘરમાં છુપાવવામાં આવેલી કુહાડી જોઈ ગઈ હતી.પતિના ષડયંત્રનો અમલ થાય તે પહેલાં તેણે પોતાની યોજના બનાવી દીધી હતી અને રાત થાય તે પહેલા નિશાએ કુહાડી અન્યત્ર છુપાવી દીધી હતી. રાત્રે દારૂની પાર્ટી બાદ ચંદ્રભાણ હુમલો કરે તે પહેલા પતિ ચંદ્રભાણનો જ ખેલ ખત્મ કરી દેવા નિશાએ પ્લાન બનાવી રાખ્યો હતો. આ યોજના તેણે અરવિંદથી પણ છુપાવી હતી અને નિશાએ પતિના માથામાં કુહાડી ઝીંકી દીધી.

ચંદ્રભાણ તરફડિયા મારીને મૃત્યુ પામ્યો. પતિની યોજના પહેલાં પત્નીની ખતરનાક યોજના કામ કરી ગઈ. ઘરમાં હવે લોહીનું ખાબોચીયું હતું.

અરવિંદ પણ આ દૃશ્ય જોઈને આભો બની ગયો. આ દૃશ્ય જોયા બાદ તે પણ નિશાને ત્યાં જ મૂકી ભાગી ગયો.

સમયાંતરે નિશાની ધરપકડ થઈ. આ ષડયંત્રમાં અરવિંદને સામેલ ગણવો કે કેમ તે અંગે પોલીસ દ્વિધામાં છે.

મારું કોઈ ઈંટ કે ચૂનાનું સ્મારક બનાવશો નહીં

તા. ૪ સપ્ટેમ્બર, ૧૮૯૮.

આ દિવસે વડોદરા જિલ્લાના સાવલી ગામે એક બાળકનો જન્મ થયો. નામ ચુનીલાલ. આખું નામ ચુનીલાલ આશારામ ભગત. પિતા વ્યવસાયે રંગરેજ હતા. ભજનો ગાતાં. ગરીબાઈ છતાં બાળકને ગુજરાતી નિશાળમાં ભણવા મૂક્યો. આખું પરિવાર કાલોલમાં એક ઓરડામાં રહે. આગળ પરસાળ. પિતાને હુક્કો અને અફીણની ટેવ. રોજ રાતે ઘર પાસે ઓટલા નજીક છાણાંથી દેવતા જીવતા રાખે. તેમાંથી દેવતા લઈ હુક્કો પીવે. રાત્રે રોન ફરનારા સિપાઈઓ પણ ત્યાં આવે અને ચુનીલાલના પિતા સાથે બેસી હુક્કો પીએ.

એક દિવસે ઘરે મહેમાન આવ્યા હતા. તેમને બહાર ખાટલો પાથરી રાત્રે સૂવાડયા હતા. રાત્રે રોન ફરનારા બે સિપાઈ આવ્યા. તેમાંના એક સિપાઈએ પૂછયું, “અલ્યા ભગત !આ કોણ સૂતું છે ?”

ભગતે જવાબ આપ્યો, “મહેમાન છે.”

પેલા સિપાઈએ કહ્યું : “તો પછી પોલીસ ચોકીએ ખબર કેમ નથી આપી ?”

ભગતે જવાબ આપ્યો : “એવી ખબર અમારે આપવાની ના હોય.”

આ સાંભળતાં જ સિપાઈનો પિત્તો ગયો. એણે ચુનીલાલના પિતાને ફટકાર્યા અને મારતાં મારતાં પોલીસ ચોકી લઈ ગયો. આ કારમું દૃશ્ય સ્કૂલમાં ભણતાં નાનકડા બાળક ચુનીલાલથી જોઈ શકાયું નહીં. તે દોડતો દોડતો નાગરવાડામાં ગયો અને એક પ્રતિષ્ઠિત વ્યક્તિને બોલાવી લાવ્યો. તેમણે ચુનીલાલના પિતાને છોડાવ્યા. આ ઘટનાએ નાનકડા બાળકને વિચારતો કરી મૂક્યો. એને લાગ્યું કે, “ગરીબને આ સંસારમાં સૌ કોઈ હડધૂત કરે છે, અપમાનિત કરે છે. આપણે ગરીબ ભલે હોઈએ, પણ કોઈ આવી અહવેલના ના કરે તે માટે શું કરવું જોઈએ ?”

મનમાં વિચાર તો ઝબક્યો, પરંતુ ગરીબી તો હજુ યથાવત્ જ હતી. કાલોલમાં નવી અંગ્રેજી શાળા શરૂ થયેલી. બાળકને તેમાં ભણવું હતું, પરંતુ ફી ભરવાના પૈસા નહોતા તેથી એણે આખી નિશાળનું મકાન વાળવાનું માથે લીધું. તેના બદલે મહિને દોઢ રૂપિયો મહેનતાણું મળે. એ રકમમાંથી બાળક ભણ્યો, પણ ગરીબીના કારણે પેદા થયેલી ભાવનાનો પ્રચંડ અગ્નિ તેના હૃદયમાં પ્રજ્વલિત થઈ ચૂક્યો હતો. બચપણમાં જ ગામના એક અનાજના વેપારીને ત્યાં નોકરી શરૂ કરી. વેપારીએ ખેડૂતો પાસેથી લેવાતા તોલમાપમાં ચાલાકી કરી વધુ માલ પડાવવાની તરકીબ શીખવી. બાળકે ખેડૂતોના અનાજનું પૂરેપૂરું તોલમાપ બરાબર કર્યું. એણે શેઠની તરકીબનો ઉપયોગ ના કર્યો. શેઠને આ વાતની ખબર પડતાં ચુનીલાલે નોકરી છોડવી પડી.

જેમતેમ કરીને ૧૯૧૯માં ઊંચા માર્ક્સે તે બાળક મેટ્રિક થયો. વડોદરાની કોલેજમાં ભણવાનું શરૂ કર્યું. ફૂટપાથ પર જઈ બેસીને વાંચવાનું. એ પછી કિશોર ગાંધીજીની સ્વતંત્રતાની લડતના રંગે રંગાયો. કોલેજ છોડી દીધી. નવી શરૂ થયેલી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા વિચાર્યું, પણ પૈસા ક્યાંથી લાવવા ? દર અઠવાડિયે ‘નવજીવન’ વેચીને ચલાવ્યું. એક નકલે એક પૈસો મળતો. ઇન્દુલાલ યાજ્ઞિાક સાથે કામ કર્યું. દરમિયાન ફેફરું (એપિલપ્સી) નામનો રોગ થયો. આરામ કરવા નર્મદા કાંઠે જવાનું થયું. અહીં એક સાધુ મહારાજે કહ્યું : “એક વર્ષ પછી તને કોઈ સદ્ગુરુ મળશે.”

એક તરફ દેશની સેવાની ધૂન અને બીજી તરફ ગરીબાઈ. યુવાને કંટાળીને નર્મદા નદીમાં ઝંપલાવીને જીવનનો અંત લાવવા નિર્ણય કર્યો. ગરુડેશ્વરથી આગળ જતાં ઊંચી ભેખડ પરથી નર્મદા મૈયામાં ઝંપલાવ્યું. નર્મદા મૈયાના મૃદુ, કોમળ અને શીતળ જળનો સ્પર્શ થતાં જ પાણીના પ્રવાહમાં પ્રચંડ વંટોળ સર્જાયો. તે શરીરે યુવાનના શરીરને ઉછાળીને ભેખડ પર પાછું ફેંકી દીધું. એ અલૌકિક દૃશ્ય હતું. બચી ગયા પછી લાગ્યું કે, “ઈશ્વરે મને કોઈ હેતુ માટે જ મોકલ્યો છે.”

એ દેહ તે પછી ‘પૂજ્ય શ્રી મોટા’ તરીકે દેશભરમાં પ્રચલિત બન્યો.

એ પછીની ઘટનાઓ લાંબી, ચમત્કારિક, અલૌકિક અને અદ્ભુત છે. પૂજ્ય મોટાને સાપ કરડયો, તેઓ દિવસોના દિવસો સુધી ખાધા-પીધા વિના ગુફામાં રહ્યા જેવી અનેક ઘટનાઓ તેમના જીવનમાં ઘટી. તા. ૨૯મી માર્ચ, ૧૯૩૯ના દિવસે કાશીમાં તેમને નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો. તેમને પોતાના સાચા સ્વરૂપનો, જીવનમાં સત્યનો અને જન્મના હેતુનો સાક્ષાત્કાર થયો. આથી જ રામનવમી પૂજ્ય શ્રી મોટાના સાક્ષાત્કાર દિન તરીકે ઓળખાય છે.

એક વાર તેઓ બનારસ ગયા હતા. બનારસ સાક્ષર નરસિંહરાવ દીવેટિયાની બે દોહિત્રીઓના વાલી-પિતાની ફરજ બજાવવા તેઓ ગયા હતા. બંને બહેનો બનારસ પરીક્ષા આપવા ગઈ હતી. એ બંને બહેનો બહાર ફરવા જાય ત્યારે ઘરેણાં પહેરે અને પાછી આવે ત્યારે પૂજ્ય શ્રી મોટાને ઘરેણાં સાચવવા પાછું આપી દે. પૂજ્ય શ્રી મોટા એ ઘરેણાં પહેરણના ખિસ્સામાં સાચવે, પણ વિશ્વનાથના મંદિરે દર્શન કરતી વખતે ભીડમાં કોઈએ તેમનું ખિસ્સું કાપી ઘરેણું ચોરી લીધું. બીજા દિવસે ગંગામાં નૌકા વિહાર દરમિયાન ખબર પડી કે, ખિસ્સું કપાઈ ગયું છે. તે ઘરેણું ચોરાઈ ગયું છે. બહેનોએ તે ઘટનાને નજીવી હકીકત કહી, પરંતુ પૂજ્ય શ્રી મોટાને લાગી આવ્યું. નૌકામાં બંને બહેનો ભજનો ગાતી હતી. એ ભજનો સાંભળતાં જ પૂજ્ય શ્રી મોટાના હૃદયમાં ભાવાવેશ પ્રગટયો. શરીરની સ્થિતિ બાહ્ય ભાનરહિત થઈ ગઈ. ભાવાવેશમાં આવી અલૌકિક ધ્યાનમાં પ્રવેશેલા તેમનાથી કોઈ માણસ-ચોર દેખાયો. તેઓ બોલ્યા, “અલ્યા ! આ ઘરેણાં મારાં નથી. કોઈએ મને સાચવવા આપ્યા હતા. હું તો ગરીબ માણસ છું. હું ભરપાઈ કરી શકું તેમ નથી. એ ઘરેણું તારાથી જીરવી શકાશે નહીં. તું મને પાછું આપી જા.”

બીજા જ દિવસે એક માણસ દોડતો આવ્યો. એણે પૂજ્ય શ્રી મોટાને કહ્યું : “આ ઘરેણાં તમે પાછા લઈ લો. હું આખા શરીરે દાઝી રહ્યો છું. મને દાહ મટાડી દો.”

પૂજ્ય શ્રી મોટાએ કહ્યું : “ભાઈ ! તું એક વ્રત લે. આજથી કોઈ પણ મંદિરમાં દર્શને આવનારનું ખિસ્સું તું કાપીશ નહીં. પ્રભુકૃપાથી દાહ મટી જશે.”

આવનાર માણસે પ્રતિજ્ઞાા લીધી : “હું ભૂખે મરીશ, પણ કદી કોઈનું ખિસ્સું કાપીશ નહીં.” અને થોડી જ ક્ષણોમાં તેનો દાહ શાંત થઈ ગયો.

પૂજ્ય શ્રી મોટાનું જીવન આવી અનેક અલૌકિક ઘટનાઓથી ભરેલું છે, પરંતુ તેમનું સૌથી મોટું યોગદાન તો સમાજસેવાનું હતું. તેઓ કહેતા : “મારે સમાજને બેઠો કરવો છે.”

પૂજ્ય શ્રી મોટાએ મોટાં મંદિરો બંધાવી ર્ધાિમક સંત હોવાનો દાવો કદી કર્યો નહોતો. તેમણે આત્મોન્નતિ માટે આશ્રમો ઊભાં કરી’મૌન-મંદિરો’ની રચના કરી. તેઓ એક ક્રાંતિકારી પ્રતિભા હતા. તેઓ સામાજિક અને આધ્યાત્મિક ક્રાંતિના પ્રણેતા હતા. તેમણે સમાજને બેઠો કરવા ટહેલ નાખી. લોકોએ ધનથી તેમની ઝોળી છલકાવી દીધી. એ ધનનો ઉપયોગ તેમણે ગુજરાતમાં અનેક ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડા બંધાવવા માટે કર્યો. પૂજ્ય શ્રી મોટાએ ઊભા કરેલા આશ્રમો હરિઃ ઁ આશ્રમોના નામે ઓળખાયા જ્યાં તરણ સ્પર્ધા, સાહસ પ્રવૃત્તિ તથા વૈજ્ઞાાનિક સંશોધનો જેવી પ્રવૃત્તિઓ આજે પણ ચાલે છે. ખૂબી એ છે કે, ક્યાંયે પૂજ્ય શ્રી મોટાનું નામ નથી. નામ છે માત્ર હરિ ઁ આશ્રમનું. પૂજ્ય શ્રી મોટાને એક સમયે એવો વિચાર આવ્યો કે, અંગ્રેજીમાં ‘એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ જેવાં વિશ્વકોષ જ્ઞાાન સંગ્રહનાં પુસ્તકો છે તેવાં ગુજરાતી ભાષામાં પણ હોવા જોઈએ. આ હેતુથી તેમણે ગુજરાત યુનિર્વિસટીને લાખો રૂપિયાનું દાન આપ્યું. તેઓ માનતા હતા કે સમાજમાં વીરતા, ખમીર અને સાહસનાં ગુણો પ્રગટ થવા જોઈએ. હું મારા માટે નહીં, પણ સમાજના માટે ભીખ માગી રહ્યો છું. એટલું બોલતાં તો એમની આંખો સજળ બની જતી. સમાજના ઉત્થાન માટે તેઓ આટલા બધા ભાવુક હતા.

પૂજ્ય શ્રી મોટાના જીવન કરતાં તેમના જીવનનો અંત વધુ રોમાંચક છે. તેમણે અગાઉથી જાહેર કરી દીધું કે, “ફલાણા દિવસે હું સ્વેચ્છાએ શરીર છોડી દઈશ.”

અને તેમ જ થયું.

આજે કેટલાક મોટા સાધુ-સંતોના દેહાંત બાદ ભવ્ય સ્મશાનયાત્રાઓ નીકળે છે. હજારોની ભીડ થાય છે. પણ શ્રી મોટાએ તેમ ના થવા દીધું. તેમના સ્વેચ્છા મૃત્યુ વખતે પાંચ-છ વ્યક્તિઓએ હાજર રહેવું તેવી તેમની સૂચના હતી. બીજા કોઈને ખબર આપવા તેમણે મનાઈ ફરમાવી હતી. તા. ૨૩-૧-૧૯૭૬ના રોજ પાંચ-છ જણાની હાજરીમાં પોતાની ઇચ્છાથી જ દેહ છોડયો. ફાજલપુર મુકામે મહી નદીમાં તેમની ભસ્મ વહાવી દીધા બાદ જ લોકોને જાણ થઈ. અંતકાળે તેમણે એક વસિયત લખી નાખી હતી : “મારા દેહાંત વખતે લોકો પ્રેમથી જે કાંઈ પૈસા આપે તેનો ઉપયોગ શાળાના ઓરડા બાંધવા કરજો. મારું કોઈ ઇંટ-ચૂનાનું સ્મારક બનાવશો નહીં.”

આજે કરોડોના ખર્ચે ભવ્યાતિભવ્ય મંદિરો બાંધવાની સ્પર્ધા ચાલી રહી છે ત્યારે પૂજ્ય મોટાનું જીવન અને મૃત્યુ બેઉ એક ક્રાંતિકારી પ્રભાવ છોડી જાય છે.

– દેવેન્દ્ર પટેલ

હું એકલી છું, તડપું છું મને સહારાની જરૂર છે

દિલ્હી.

પશ્ચિમી દિલ્હીના માદીપુર વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષનો મહેતાબ- પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો. એક દિવસે તે ઘેરથી નીકળ્યો અને સાંજ સુધી પાછો જ ના આવ્યો. પરિવારજનોએ બીજા દિવસે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પૂરા એક મહિના સુધી તેનો પત્તો લાગ્યો નહીં. પાછળથી પોલીસે એક ખાસ ટીમ બનાવી. મહેતાબના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ્સ કાઢતાં માલૂમ પડયું કે તે જે દિવસે ગાયબ થયો તે દિવસે તેના મોબાઈલ પર કોઈ એક નંબર પરથી ૧૦ કોલ આવ્યા હતા. એ અજાણ્યા ફોન નંબરનું પગેરું છેક દિલ્હીના વજિરાબાદમાં નીકળ્યું. એ સીમ કાર્ડ આસિફખાનના નામે લેવામાં આવ્યું હતું.

આસિફખાનને પોલીસે પકડયો. થર્ડ ડિગ્રીના અમલ સાથે જ એણે કહ્યું: ”હા, મેં જ મહેતાબની હત્યા કરી લાશને ગંગા નહેરમાં ફેંકી દીધી છે.”

કેમ?

વાત કાંઈક આમ હતી. આસિફખાનનો એક ભત્રીજો મહેતાબની બહેન મુમતાઝને લઈને ભાગી ગયો હતો. તેનો બદલો લેવા મહેતાબ અને તેના ભાઈઓએ મહોલ્લામાં જ આસિફખાનને ફટકાર્યો હતો.આસિફખાનને આ ઘટના અપમાનજનક લાગી હતી. એણે બદલો લેવા નિર્ણય કરી લીધો હતો.

એક દિવસની વાત છે. આસિફખાન સાંજના સમયે ખજૂરી ખાસથી પોતાની કાર દ્વારા ઘેર આવી રહ્યો હતો. એણે વજિરાબાદ પુલ પાસે યમુના ઘાટ પર એક મહિલાને બેઠેલી જોઈ. ૨૮-૩૦ વર્ષની એ મહિલા એકદમ ખૂબસૂરત હતી પણ એકલી જ બેઠેલી હતી. એને જોઈ આસિફખાન અટકી ગયો. કારને સડકની બાજુમાં ઊભી રાખી ને તે ઊભો રહી વિચારવા લાગ્યો કે, આટલી સ્વરૂપવાન મહિલા નદીના ઘાટ પર એકલી શા માટે બેઠી હશે ?

કેટલીક વાર પછી તે એ મહિલા પાસે ગયો. એને જોયા બાદ મહિલા ગભરાઈ તો નહીં, પરંતુ પાણી તરફ જોવા લાગી. આસિફે તેને પૂછયું: ”મેડમ! ઘણીવારથી જોઈ રહ્યો છું કે, તમે આવી સૂમસામ જગાએ એકલા કેમ બેઠા છો?”

એ મહિલા બોલીઃ ”હું બહુ જ દુઃખી છું. આ દુનિયાથી કંટાળી ગઈ છું. તેથી આત્મહત્યા કરવા આવી છું.”

આસિફખાને તેને સાંત્વન્ના આપતાં કહ્યું: ‘મેડમ! આત્મહત્યા કરવાથી કોઈ પ્રશ્ન હલ થતો નથી. તમને કોઈ સમસ્યા હોય તો મને કહો, શાયદ હું તમને કાંઈ મદદ કરી શકું.”

આસિફના આ વિધાનના પ્રત્યુત્તરમાં તે મહિલા બોલીઃ ”મારું નામ પરવીન છે. ત્રણ મહિના પહેલાં મારા પતિનું મૃત્યુ થઈ ગયું. મારે એક દીકરી અને એક દીકરો છે. મારી પાસે ઘર ચલાવવા પૈસા નથી. હું મારા બાળકોનું પેટ ભરી શકતી નથી. અમે ભૂખે મરીએ છીએ તેથી હું મરવા આવી છું.”

પરવીનની વાત સાંભળ્યા બાદ આસિફખાને તેને આત્મહત્યા ના કરવા સમજાવી અને મદદરૂપ થવાનું કહી તે એને પોતાની કારમાં બેસાડી તેના ઘેર લઈ આવ્યો. પતિની સાથે આવેલી એક અજનબી મહિલાને જોઈ આસિફની પત્ની ચોકી ઊઠી. એણે પતિને પૂછયું: ”આ મહિલા કોણ છે?” એ પ્રશ્નના જવાબમાં આસિફખાને સચ્ચાઈ બતાવી દીધી.

તે પછી આસિફખાને પરવીનને જમવાનું આપ્યું જમાડયા પછી તે પોતાની કારમાં જ પરવીનને તે જ્યાં રહેતી હતી તે ભોજપુરી ખાતે મૂકી આવ્યો. એ વખતે તેણે પરવીનને ખર્ચ માટે એક હજાર રૂપિયા પણ આપ્યા. પરવીન તો જીવનલીલા સમાપ્ત કરવા ગઈ હતી પરંતુ એ અજાણ્યા આદમીએ તેને બચાવી નવી જિંદગીની ઉમ્મીદ બક્ષી. તે આસિફની દરિયાદિલી પર ખુશ થઈ ગઈ. આસિફને પરવીન માટે હમદર્દી તો હતી પરંતુ પરવીનની ખૂબસૂરતી પર તે આફરીન થઈ ગયો હતો.

આસિફે હવે પરવીનનું રહેવાનું સ્થળ પણ જોઈ લીધું હતું. તે નજદીકિયાં બનાવવા માગતો હતો. કેટલાક દિવસ બાદ તે ફરી પરવીનને મદદ કરવાના બહાને તેના ઘેર ગયો. પરવીને તેનો સત્કાર કર્યો. આમેય તે બેસહારા હતા. તે પછી આસિફ અવારનવાર પરવીનને મળવા લાગ્યો. પરિણામ એ આવ્યંુ કે, બેઉ વચ્ચે સંબંધ બ્ પણ બંધાયો. આસિફ પરવીનને આર્િથક મદદ કરતો હતો. પરવીન અને તેનાં બે સંતાનો માટે એણે શાસ્ત્રીપાર્કની ગલીમાં એક વધુ સારો કમરો ભાડે   અપાવી દીધો. ઘરનો ખર્ચ પણ હવે આસિફ જ ઉઠાવતો હતો.

આસિફખાનને માદીપુરથી વજિરાબાદ આવ્યે ત્રણ વર્ષ વીતી ચૂક્યાં હતા પરંતુ મહેતાબ અને તેના ભાઈઓએ મહોલ્લામાં જ અને જાહેરમાં તેને જે માર માર્યો હતો તે હજુ સુધી ભૂલ્યો નહોતો. બદલો લેવાની તીવ્ર ઈચ્છા હજુ પ્રજ્વલિત હતી, મહેતાબને પોતાની પસંદગીની જગાએ બોલાવી તે મહેતાબને ખત્મ કરી નાખવા માગતો હતો.

આ કામ માટે તેને પરવીન જ યોગ્ય લાગી. મહેતાબ સાથે બદલો લેવા એણે પરવીનનો ઉપયોગ કરવાનું વિચાર્યું. વળી તેને ખાતરી હતી કે, પરવીન તેને કોઈ કામ માટે ના નહીં પાડે.

એક સાંજે આસિફખાને પરવીનને કહ્યું: ”પરવીન! મહેતાબે મને જાહેરમાં માર્યો છે, મારે તેની સાથે બદલો લેવો છે, બોલ, તું મદદ કરીશ.”

પરવીન તો આસિફ માટે મરવા પણ તૈયાર હતી એણે હા પાડી. પરવીનની વાત સાંભળ્યા બાદ આસિફખાને એક યોજના બનાવી. યોજના અનુસાર એણે બિહારના તૌહારના નામનું એક નકલી વોટર આઈકાર્ડ બનાવ્યું. તેના આધારે એક સીમકાર્ડ ખરીદ્યું. એ કાર્ડ પોતાના મોબાઈલ ફોનમાં નાંખી તે ફોન પરવીનને આપ્યો અને મહેતાબનોે આપી એણે કહ્યું: ”પરવીન! તું કોઈ પણ રીતે મહેતાબને તારા હુશ્નની મોહજાળમાં ફસાવી દે.” આ કામ માટે એણે પરવીનને પાંચ હજાર રૂપિયા આપ્યા.

બીજા જ દિવસે પરવીને મહેતાબને મિસ કોલ આપ્યો, મહેતાબે વળતો ફોન કર્યો. મહેતાબને પરવીનની વાતો દિલચશ્પ લાગી. બીજા દિવસે પરવીને ફરી મહેતાબને ફોન કર્યો. બંને વચ્ચે ફરી વાતચીત થઈ. પરવીને કહ્યું: ”હું એકલી છું, ભૂખી છું. તડપી રહી છું. એક મિત્ર પાસેથી તમારો નંબર મળ્યો છે. લોકો કહે છે કે તમે બહુ ઉદાર છો. હું કોઈનો સહારો ઈચ્છું છું.”

મહેતાબને ફસાવવા માટે આટલા શબ્દો કાફી હતા. બેઉને મળવાનું નક્કી કર્યું. મહેતાબ હજુ અપરિણીત હતો. મહેતાબે પહેલી જ વાર પરવીનને જોઈ અને તેના હુશ્નનો દિવાનો થઈ ગયો. બેઉ પહેલીવાર એક રેસ્ટોરાંમાં ગયા. મહેતાબે પરવીનની ખૂબ ખાતિરદારી કરી. બેઉ જણે ખૂબ વાતો કરી. પરવીને કહ્યું: ‘મારા પતિનું મૃત્યુ થઈ ચુક્યું છે. બાળકોને ખવરાવવા પૈસા નથી.”

મહેતાબે તેને મદદ કરવાનું વચન આપ્યું. બેઉ છૂટા પડયા. પરંતુ તે દિવસ પછી મહેતાબ રોજ પરવીનને ફોન કરવા લાગ્યો. બેઉ જણ લાંબી લાંબી વાતો કરવા લાગ્યા. હવે તેઓ એકાંત શોધવા લાગ્યા. એકાંત મળતાં યોજના પ્રમાણે પરવીને મહેતાબ સાથે સંબંધ પણ બાંધ્યો. પરવીને નકલી પ્રેમી મહેતાબને હવે પોતાની જાળમાં બરાબર ફસાવી દીધો હતો. થોડા દિવસ પછી પરવીને તેના અસલી પ્રેમી આસિફખાનને ફોન કર્યોઃ ”મછલી જાળમાં ફસાઈ ગઈ છે.”

આસિફખાને પરવીનને કહ્યું: ‘એક કામ કર. આગલા રવિવારે તું એને રાતના નવ વાગ્યે શાસ્ત્રીપાર્ક, મેટ્રો સ્ટેશન પાસે લઈ આવજે.હું મારા મિત્રો સાથે ત્યાં આવી જઈશ. ત્યાંથી અમે તેનું અપહરણ કરી બીજે લઈ કામ સમાપ્ત કરી દઈશું.”

આસિફખાન મહેતાબ સાથેનો બદલો લેવાની પૂરી યોજના બનાવી ચૂક્યો હતો. એણે તેના બે મિત્રોને પણ આ યોજનામાં સામેલ કરી દીધા.એ યોજના અનુસાર પરવીને રવિવારે મહેતાબને ફોન કર્યોઃ ”ચાલને આજે ફરવા જઈએ. આજે રાત્રે ૯ વાગે શાસ્ત્રીપાર્ક મેટ્રો સ્ટેશન મળજે.”

મહેતાબ તો પરવીનની પાછળ પાગલ હતો. રવિવારની રાત્રે નિયત સ્થળે પહોંચ્યો. આસિફખાન તેની સેન્ટ્રો કારમાં તેના બે મિત્રો દોરડું અને તમંચાથી સજ્જ થઈને બેઠા હતા. પરવીન અલગથી શાસ્ત્રીપાર્ક મેટ્રો સ્ટેશન નજીક પહોંચી. મહેતાબ પણ આવી ગયો તે રાતના અંધારામાં પરવીન સાથે વાતો કરવા લાગ્યો. વાતો કરતાં કરતાં પરવીન મહેતાબને દૂર જવાં આસિફખાનની કાર ઊભી હતી ત્યાં સુધી લઈ ગઈ. મહેતાબ જેવા એ કાર પાસે પહોંચ્યા તેવા જ ત્રણ જણ કારમાંથી બહાર આવ્યા. એ ત્રણે જણે મહેતાબને ખેંચી કારમાં નાંખ્યો. એક જણે એનું મોં દબાવી દીધું. બીજાએ પગ પકડી રાખ્યા. આસિફખાને મહેતાબના લમણામાં તમંચો ધરી ચૂપ રહેવા કહ્યું. મહેતાબ ગભરાઈ ગયો. એ બોલી શક્યો જ નહીં. તે પછી આસિફના એક મિત્રએ કાર દોડાવી દીધી. પરવીન ટ્રેનમાં બેસી પાછી જતી રહી. કાર હવે મેરઠ તરફ દોડતી હતી. દૂર એકાંત આવતાં કારને એક એપ્રોચ રોડ તરફ વાળવામાં આવી. તમંચાની અણીએ મહેતાબના ગળામાં રસ્સી વીંટાળી તેનું ગળું ટૂંપાવી દીધું. થોડીવારમાં જ મહેતાબના શ્વાસ બંધ થઈ ગયા. તેના હાથ-પગ પણ તડપતા બંધ થઈ ગયા. હત્યા કરી દીધા બાદ તેની લાશને એક નહેરમાં ફેંકી દેવામાં આવી. લાશને ઠેકાણે પાડીને બધા ઘેર આવી ચૂપચાપ સુઈ ગયા.

મહેતાબ ગૂમ થઈ ગયાની ફરિયાદના એક મહિના બાદ મહેતાબના મોબાઈલ ફોન પર આવેલા છેલ્લા ફોન કોલ્સના આધારે પોલીસે છેવટે ફોન નંબર અને આઈએમઆઈ નંબરના આધારે આસિફખાન સુધી પહોંચી શકી. પોલીસે આસિફખાન, તેના બે મિત્રો તથા હત્યાના ષડયંત્રમાં મદદરૂપ થનાર પરવીનની ધરપકડ કરી.

બધા જ આરોપીઓ હવે જેલમાં છે.

એક સ્ત્રીના હુશ્ન પર કેટલો ભરોસો રાખશો?

– દેવેન્દ્ર પટેલ

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén