Devendra Patel

Journalist and Author

Month: January 2014 (Page 1 of 2)

બોલવામાં વિવેકને બાજુએ રાખતાં બદતમીઝ નેતાઓ

મેનકા, મણિશંકર ઐય્યર અને કુમાર વિશ્વાસે દેશની રાજનીતિને નિમ્નસ્તરે લાવી દીધી છે

લોકસભાની ચૂંટણી આવે તે પહેલાંની રાજનીતિમાં રીતસરનું વાક્યુદ્ધ ફાટી નીકળ્યું છે. દેશના નેતાઓએ હવે ગાળાગાળી કરવાની જ બાકી રાખી છે. મેનકા ગાંધી, મણિશંકર ઐય્યર અને કુમાર વિશ્વાસનાં ઉચ્ચારણોએ તમામ મર્યાદા નેવે મૂકી દીધી છે.

બોલવામાં વિવેકને બાજુએ રાખતાં બદતમીઝ નેતાઓ

મેનકા ગાંધી

મેનકા ગાંધી છે નહેરૂ- ગાંધી પરિવારનાં, પરંતુ સોનિયા ગાંધી કરતાં વધુ હતાશ લાગે છે. પુત્ર વરૂણને પ્રોજેક્ટ કરવા માટે, અથવા ભાજપના રાષ્ટ્રીય એકમમાં પુત્રને કોઈ મોટો હોદ્દો અપાવવા માટે તાજેતરમાં બોલ્યાં કે, ”રાહુલ ગાંધી ‘ચીડિયા’ છે (પક્ષી) છે. પ્રિયંકા ગાંધીનો કોઈ કરિશ્મા કે ગ્લેમર ચાલવાનાં નથી. ૪૦ ચોરોના અધ્યક્ષ બનવાથી કોંગ્રેસને બચાવી શકાશે નહીં.”

એ વાત સાચી કે કોંગ્રેસ અત્યારે એના સમયકાળની સહુથી વધુ કમજોર પરિસ્થિતિમાં છે, અને ૧૨૫ વર્ષ જૂની પાર્ટી એના અસ્તિત્વની લડાઈ લડી રહી છે, પરંતુ મેનકા ગાંધીએ પહેલી જ વાર એક પારિવારિક મર્યાદા તોડી છે. બીજા નેતાઓ તો ગમે તે બોલે પરંતુ મેનકા ગાંધીએ પોતાના સગા ભત્રીજા, પોતાની સગી ભત્રીજી અને ભાભી માટે જે શબ્દો વાપર્યા છે તે દર્શાવે છે કે ,મેનકા ગાંધીને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું કોઈ જ શિક્ષણ મળ્યું નથી. ભૂતકાળમાં મેનકા ગાંધીના પુત્ર વરૂણે એક કોમના હાથ કાપી નાંખવાની હિંસક વાત કરી હતી, તેમ છતાં તેમને આજ સુધી ભાજપામાં તેને મહત્ત્વનું સ્થાન મળ્યું નથી. બીજી બાજુ આજ સુધી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીએ કેટલાક નેતાઓ દ્વારા તેમની પર થયેલા વ્યક્તિગત આક્ષેપોનો કોઈને પણ જવાબ આપ્યો નથી. મેનકા ગાંધીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે ‘મા-બેટા’ શબ્દ વાપર્યો, પરંતુ ભારતમાં જન્મેલા મેનકા ગાંધી શું એ વાત ભૂલી જાય છે કે, પોતાના પુત્ર વરૂણ, પોતાના જ ભત્રીજા રાહુલ અને પ્રિયંકાના શરીરમાં એક જ રક્ત વહે છે. વળી તેઓ સ્વયં તેમના કાકી છે. પોતાના પુત્ર કે પુત્રી સમાન સંતાનો માટે ‘ચીડિયા’ અને ‘ગ્લેમર’ જેવા શબ્દો વાપરીને તેમણે રાજનીતિને નિમ્ન કક્ષાએ લાવી દીધી છે. લાગે છે કે, મેનકા ગાંધીએ વર્ષો પહેલાં બનેલી ફિલ્મ ‘ઊંચે લોગ’ જોઈ લેવી જોઈએ. પોતાના ભત્રીજા કે ભત્રીજી માટે ‘ચીડિયા’ કે ‘ગ્લેમર’ શબ્દ પ્રયોજવાના બદલે તેમની નીતિઓની ટીકા કરી હોત તો વધુ બહેતર હતું.

મણિશંકર ઐય્યર

ભારતીય જનતા પાર્ટીએ ગાંધી પરિવારનાં જ વહુના મોઢે ગાંધી પરિવાર સામે બકવાસ કરાવ્યા બાદ કોંગ્રેસે તેનો જવાબ મણિશંકર ઐય્યર મારફતે અપાવ્યો. દિલ્હીમાં કોંગ્રેસ મહાસમિતિની બેઠક વખતે મણિશંકર ઐય્યર એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં બોલ્યા કે ”નરેન્દ્ર મોદી એ ચા વેચવી હોય તો અહીં આવે, અમે તેમને સગવડ કરી આપીશું. મોદી ૨૧મી સદીમાં તો પી.એમ. કદી બની શકશે નહીં.” મણિશંકર ઐય્યરનું આ વિધાન સિનિયર રાજનીતિજ્ઞાના મોંઢે શોભે તેવું જરા પણ નહોતું. મોદી એમની કિશોરાવસ્થામાં ચા વેચતા હતા અને મહેનત કરીને રોજી કમાતા હતા, કોઈ ચોરી તો કરતા નહોતા ને ! કોઈ સામાન્ય પરિવારના પુત્રના શ્રમ અને સંઘર્ષનો મહિમા કરવો જોઈએ તેના બદલે આવી ટીકા કરીને મણિશંકર ઐય્યરે પોતાનું જ કદ ઘટાડયું છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી બોલતી વખતે હંમેશા ભાષાનો વિવેક રાખે છે, પરંતુ કેટલાંક ખુશામતીયા નેતાઓ ગાંધી પરિવારને ખુશ રાખવા ગમે તે વિધાનો કરે છે.

ક્યાં છે કવિની તમીઝ?

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પ્રિય સાથી કુમાર વિશ્વાસ એક કવિ છે, પરંતુ અમેઠીમાં જઈ જે ભાષા બોલી રહ્યા છે તે ભાષા કોઈ શિષ્ઠ સાહિત્યકારની કે કવિની નથી. કુમાર વિશ્વાસની ભાષા કોઈ બુદ્ધિમાન રાજનીતિજ્ઞાની પણ નથી. દિલ્હીના પરિણામોથી ગુમાનમાં આવી ગયેલા કુમાર વિશ્વાસને તેમની પાર્ટીએ અમેઠી જઈ રાહુલ ગાંધી સામે ચૂંટણી લડવા મોકલી આપ્યા છે. લોકતંત્રમાં કોઈ ઉમેદવારને ક્યાંયથી પણ ચૂંટણી લડવાનો અધિકાર છે. વર્ષો પહેલા રાજનારાયણસિંહ નામના એક ઉમેદવાર સતત ઈન્દિરા ગાંધી સામે જ ચૂંટણી લડતા હતા, પરંતુ ઈન્દિરા ગાંધી તેમની વિરૂદ્ધ એક હરફ પણ ઉચ્ચારતાં નહોતા. એ રીતે ધરતીપકડ નામના એક મહાશય કાયમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝંપલાવતા હતા અને હારતા હતા. ઘણાનો ઈરાદો પ્રસિદ્ધિમાં રહેવાનો હોય છે, અને તે માટે તેઓ ગમે તે બોલવા તૈયાર હોય છે. કુમાર વિશ્વાસે અમેઠીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે એક ફિલ્મના નીમ્ન ટાઈટલનો ઉપયોગ કર્યો. કુમાર વિશ્વાસ ક્યા કલ્ચરમાંથી આવે છે એની તો ખબર નથી, પરંતુ કોંગ્રેસના કટ્ટર વિરોધી અટલ બિહારી વાજપેયીએ ભાષાની શાલીનતા કદી ત્યજી નહોતી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ટીકા કરવા માટે ઘણા મુદ્દાઓ હોઈ શકે છે, પરંતુ મુંબઈની ફિલ્મોમાં બોલાતી ભાષાનો પ્રયોગ કરતા કુમાર વિશ્વાસ કેજરીવાલને જ વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે.

પહેલેથી જ વિવાદોમાં

 કુમાર વિશ્વાસ પહેલેથી જ વિવાદોમાં ઘેરાયેલા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક સ્ટિંગમાં ઝડપાયા હતા. એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે વિમાનમાં બિઝનેસ કલાસની જ ટિકિટ આપવા માગણી કરી હોવાનો તેમની પર આક્ષેપ થયો હતો. એ આક્ષેપ સાચો હોય તો તેઓ ધરાર આમઆદમી નથી. એ વાત જાણીતી છે કે કુમાર વિશ્વાસ કવિ સંમેલનોમાં જાય છે. ૨૦૦૯માં અમદાવાદમાં યોજાયેલા એક કવિ સંમેલનમાં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ‘નીલકંઠ’ તરીકે સંબોધી તેમની પ્રશંસા કરી હતી, અને હવે તેઓ જ મોદીમાં હિંમત હોય તો અમેઠી આવી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડે- એવું આહ્વાન આપી રહ્યા છે. તેમનું આ બેવડું વલણ પણ આમઆદમી પાર્ટીની નીતિ સાથે સુસંગત નથી. ખબર પડતી નથી કે કેજરીવાલની એવી તે શું મજબૂરી છે કે, કુમાર વિશ્વાસને પોતાના વિશ્વાસુ સાથી બનાવ્યા છે ? કુમાર વિશ્વાસ કેજરીવાલને ફાયદો કરાવી રહ્યા છે કે નુકસાન તે કેજરીવાલે નક્કી કરી નાંખવાનું છે.

રાજનીતિઃ ગંભીર વિષય

કુમાર વિશ્વાસ અગાઉ પણ લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવું બોલી ચૂક્યાં છે. તે માટે તેમને માફી પણ માંગવી પડી હતી, પણ લોકો એમના શબ્દો ભૂલ્યા નથી. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા અમેઠીના મેદાનમાં પહોંચી ગયેલા કુમાર વિશ્વાસ પર ઈંડાં ફેંકાયા છે. તેમની મોટરકાર પર કાળી શાહી ફેંકાઈ છે, છતાં તેમણે ફેંકાફેંકી ચાલુ રાખી છે. કુમાર વિશ્વાસ એ વાત સમજી લે કે, રાજનીતિ એ પુરસ્કાર લઈ શેર શાયરી સંભળાવતા કવિઓનો મંચ નથી. રાજનીતિ એ જનતાના દુઃખ દર્દ સમજવાનો મંચ છે, રાજનીતિ એ લોકોની અપેક્ષાઓ અભિવ્યક્ત કરવાનો મંચ છે. રાજનીતિ એ લોકોની માગણીઓને વાચા આપવાનો અને સત્તા મળે તો એ માંગણીઓ પૂરી કરવાનો મંચ છે. કુમાર વિશ્વાસે લોકસભામાં જવું હોય તો રાષ્ટ્રની સમસ્યાઓને સમજવી પડશે અને તેના ક્યા ઉકેલ તેમની પાસે છે તે વાત લોકોને સમજાવવી પડશે. રાજનીતિમાં શાસકનું પ્રજા પ્રત્યેનું ઉત્તરદાયિત્વ પણ હોય છે. રાજનીતિ એક ગંભીર વિષય છે. રાજનીતિ લોકોને એન્ટરટેઈન કરવાનો વિષય નથી. એન્ટરટેઈન કરવા માટે સલમાનખાન, શાહરૂખખાન, આમીરખાન અને અમિતાભ બચ્ચન છે. કેટરીના કેફ અને માધુરી દીક્ષિત પણ છે. ફિલ્મોમાં ‘દબંગ’ અને રાઉડી રાઠોડ ચાલે, પણ પાર્લામેન્ટમાં નહીં. કુમાર વિશ્વાસે લોકસભામાં જવું હોય તો તેઓ પહેલાં લોકો વચ્ચે ફરે, ક્યાં નાળું બનાવવાની જરૂર છે, ક્યાં રસ્તો બનાવવાની જરૂર છે, કયાં સ્કૂલો બનાવવાની જરૂર છે, કયાં ઉદ્યોગો સ્થાપવાની જરૂર છે, ક્યાં હોસ્પિટલો ઊભી કરવાની જરૂર છે- તેનો પહેલાં અભ્યાસ કરે. તે પછી એ બધા પ્રશ્નો હલ કરવા તેમની પાસે કઈ યોજનાઓ છે, પૈસા ક્યાંથી લાવશે- વગેરે બાબતો લોકોને સમજાવે, કવિતાઓ ગાવાથી લોકોને નાળાં, પુલ, રસ્તા, હોસ્પિટલો, સ્કૂલ કે ઉદ્યોગો મળવાનાં નથી. પરંતુ કવિતામાં મગ્ન આ નવા મસીહાઓને કોણ સમજાવે કે, ‘સિતારોં સૈ આગે આસમાં ઔર ભી હૈ.’

ગુજરાત ગુંડાઓને હવાલે પોલીસ નેતાઓને હવાલે

દિલ્હી ગેંગરેપનું શહેર, તો અમદાવાદ હવે લૂંટ અને હત્યાનું ક્રાઈમ કેપિટલ

અમેરિકાનું શિકાગો શહેર એક જમાનામાં ગુનેગારોનું ક્રાઈમ કેપિટલ ગણાતું હતું. અમેરિકાના અંડરવર્લ્ડના માફિયાઓનો તે અડ્ડો હતું. તે પછી ન્યૂયોર્ક ગુનાખોરીનું શહેર બની ગયું. ધોળે દિવસે લોકોને રિવોલ્વરની અણીએ લૂંટી લેવાતા. દસ ડોલર માટે ગોળી મારી દેવાતી. ન્યૂયોર્કની ૪૨મી સ્ટ્રિટ નોટોરિયસ સ્ટ્રિટ ગણાતી, પણ હવે એ બધી ભૂતકાળની વાતો બની ગઈ છે. આજે દેશના વિકાસ મોડેલ તરીકે પેશ થઈ રહેલા ગુજરાતના આર્થિક પાટનગર સમં અમદાવાદ દેશનું નોટોરિયસ ક્રાઈમ કેપિટલ બની રહ્યું છે. દિલ્હી ગેંગરેપ માટે કુખ્યાત છે, તો અમદાવાદ ચોરી, લૂંટફાટ, મર્ડર , દારૂ અને જુગારના અડ્ડા માટે કુખ્યાત છે. અમદાવાદ શહેરમાં રોજ ચારથી પાંચ ઘરફોડ ચોરીઓ થાય છે. દર મહિને એક આંગડિયો લૂંટાય છે. બેંકમાંથી કેશ લઈને બહાર નીકળતો નાગરિક લૂંટાય છે. ઝવેરીઓને ધોળે દહાડે ગોળીથી ઠાર કરી દેવામાં આવે છે.અમદાવાદ જેવા શહેરમાં રોજેરોજ મહિલાઓના દોરા ખેંચાય છે. નાના બાળકોને ઉપાડી જવામાં આવે છે. શહેરમાં રોડ અકસ્માતથી રોજ એક મૃત્યુ નીપજે છે, છતાં રાજ્ય સરકારનું ગૃહખાતું અને ગુજરાતની પોલીસ કંભકર્ણની નીંદર માણે છે.

ગુજરાત ગુંડાઓને હવાલે પોલીસ નેતાઓને હવાલે

આબરુના લીરેલીરા

શહેરના પોશ ગણાતો સેટેલાઈટ વિસ્તાર લૂંટારાઓનું સ્વર્ગ બની ગયો છે. શિવરંજની ચાર રસ્તા પાસે દિવસના સમયે હિતેશ ઝવેરી નામના એક વેપારીની હત્યા કરી દેવાઈ અને રૂ.૧ કરોડ ૯ લાખની રકમ લૂંટી મોટરબાઈક પર આવેલા લુંટારા ભાગી ગયા. આ ઘટનાએ ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની આબરૂના લીરેલીરા ઉડાડી દીધા છે. ગુજરાતની પોલીસની આબરૂ ચીંથરેહાલ કરી નાંખી છે. શહેરીજનો અને ખાસ કરીને વેપારીઓ ભયથી થરથર કાંપી રહ્યા છે. થોડા દિવસો પૂર્વે શહેરમાં લાડ સોસાયટી પાસે એક પોઈન્ટબ્લેંક ફાયરિંગ કરી પ્રકાશ સોની નામના એક વેપારીને લુંટારાઓએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. તે પહેલાં તા. ૧૦મી ડિસેમ્બર ઘાટલોડિયામાં એક જ્વેલરની હત્યા કરી તેને લૂંટી લેવાયો હતો. તા. ૨ ઓક્ટોબરના રોજ સોલા બ્રિજ પર એક જ્વેલર પર ગોળીબાર કરી લૂંટ ચલાવવામાં આવી હતી. તા. ૧૨ નવેમ્બરના રોજ પ્રહલાદનગર ગાર્ડન પાસે એક યુવાનની ગોળી મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી. તા. ૩ ડિસેમ્બરના રોજ મોટેરા સ્ટેડિયમ પાસે એક વેપારી પર ફાયરિંગ કરી હત્યા કરી દેવામાં આવી હતી. આનંદનગર પાસેથી ગૂમ થયેલી એક બાળકીનો આજ સુધી કોઈ પત્તો નથી. દિપેશ- અભિષેકના મૃત્યુનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. શહેરમાં નોંધાયેલા ગંભીર ગુનાઓની યાદી લાંબી છે.

નેતાઓની સેવામાં

અમદાવાદ શહેર એક જમાનામાં વેપાર- ઉદ્યોગ અને રહેવા માટે સલામત શહેર ગણાતું હતું. રાત્રે ૧૨ વાગે પણ યુવતી એકલી ફરી શકતી હતી. હવે આ જ અમદાવાદ લોહીથી લથપથ છે.પોલીસ પાસે બે જ કામ છેઃ એક તો દારૂ- જુગારના અડ્ડાઓ પાસેથી હપ્તાઓ ઉઘરાવવા અને છેક ‘ઉપર’ સુધી પહોંચાડવા, અને બીજું કામ છે મોટા અધિકારીઓની તથા નેતાઓને સલામો મારવી અને તેમની જ સલામતીમાં વ્યસ્ત રહેવું. તાજેતરમાં જ રાજ્યના ગૃહખાતાના એક ઉચ્ચ અધિકારીને છાતીમાં દુઃખવાની તકલીફ થતા તેમને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે વખતે પોલીસનો જબરદસ્ત મોટો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો અને મોટા અધિકારીની ખુશામત માટે આખી હોસ્પિટલને પોલીસછાવણીમાં ફેરવી નાંખી હતી. માત્ર સાહેબને ખુશ કરવા આવેલી પોલીસથી હોસ્પિટલના સત્તાવાળા પણ ત્રાસી ગયા હતા. ગુજરાતમાં આજે તો પરિસ્થિતિ એવી છે કે મોટા નેતાઓ અને બડાબડા અધિકારીઓ જ સલામત છે, અને પ્રજા ભગવાન ભરોસે છે.

લોકો જાતે રક્ષણ કરે

અમદાવાદ શહેરની તાજેતરની ઘટનાઓ જોતાં તો એમ લાગે છે કે પ્રજાએ હવે જાતે જ તેમનું રક્ષણ કરવું પડશે. પ્રજાના રક્ષણની જવાબદારી લેવા પોલીસ તૈયાર નથી. કેટલાંક કિસ્સાઓમાં તો પોલીસ ફરિયાદ લેવાની પણ આનાકાની કરે છે. રાત્રીના સમયે પોલીસ ઊંઘતી જણાય છે. જ્યારે પણ પૂછો કે, ઈન્સ્પેક્ટર સાહેબ ક્યાં છે ? તો જવાબ મળે છે કે પેટ્રોલિંગમાં ગયા છે. દિવસના સમયે ‘વહીવટદાર’ ઉઘરાણા માટે ફરે છે. બાકીનાઓ તેમના ઉપરી અમલદારની વરધીઓ પૂરી કરવા માટે ફરે છે. દુનિયાના વિકસીત દેશોમાં, અરે, સિંગાપોર કે બેંગકોક જેવા શહેરમાં પણ કોઈ ઘટના બને ત્રણ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જાય છે. અહીં શિવરંજની ખાતે થયેલી એક કરોડની લૂંટ અને હત્યાના કેસમાં પોલીસને જાણ કર્યા પછી ઘટના સ્થળે પહોંચતા ૨૦ મિનિટ લાગી. તે પછી નાકાબંધી કરતાં દોઢ કલાક લાગ્યો. ત્યાં સુધીમાં તો લુંટારુંઓ સલામત સ્થળે પહોંચી ગયા હતા. શિવરંજની અને નજીકના પોલીસસ્ટેશન વચ્ચે માત્ર બે જ મિનિટનું અંતર છે. આવી ઘટનાઓમાં પોલીસની જવાબદારી ફિક્સ નહીં થાય તો આવી ઘટનાઓ રોજની થઈ પડશે. લુંટારુંઓને ખબર છે કે પોલીસ કશું કરી શકવાની નથી. ગુનેગારોને પકડવાની અને ગુનાઓ ઉકેલવાની કામગીરી પર જ જાણે કે તાળાં લાગી ગયાં છે.

હોસ્પિટલ કે કસાઈખાનું ?

સહુથી દુઃખદ વાત તો એ હતી કે હિતેશ ઝવેરીને બચાવવા લોકોએ મેદાનમાં આવવું પડયું અને તેમ કરવા જતાં લુંટારુંઓના ગોળીબારથી ઘવાયેલા બે નાગરિકોને લોહીલુહાણ હાલતમાં મેડિલિંક નામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે હોસ્પિટલના સત્તાવાળાઓએ તેમને પહેલાં ૮૦ હજાર રૂપિયા ભરી દેવા કહ્યું. ગુજરાતની પ્રાઈવેટ હોસ્પિટલો હવે કસાઈખાના બની ગઈ છે. અમેરિકા કે યુરોપ જેવા દેશોમાં પ્રાઈવેટ હોસ્પિટલોની સારવાર અત્યંત મોંઘી છે, પરંતુ કોઈ પણ નાગરિકને કટોકટીભરી હાલતમાં દાખલ કરવામાં આવે તો તેની તાત્કાલિક સારવાર આપવી અને દર્દીનું જીવન બચાવવું તે તેની પહેલી ફરજ ગણવામાં આવે છે. આવી હાલતમાં દાખલ કરાતા દર્દી પાસેથી વિશ્વની પ્રાઈવેટ હોસ્પિટલો ગંભીર હાલતમાં આવેલા વ્યક્તિ પાસે પહેલાં પૈસા માંગતી નથી. ગુજરાતની પ્રાઈવેટ હોસ્પિટલોને કાનૂનના સખ્ત સકંજામાં લાવવાની જરૂર છે. કટોકટીભરી પરિસ્થિતિમાં આવેલા દર્દીની સારવાર કરતાં પહેલાં પૈસા માંગતી હોસ્પિટલોના લાઈસન્સ રદ કરી તેના માલિકોની ધરપકડ કરવી જોઈએ.

કમિશનર રજા પર કેમ ?
ખેર !

આશ્ચર્યની વાત એ છે કે શિવરંજની ખાતે એક કરોડની લૂંટ અને વેપારીની હત્યા બાદ શહેરના પોલીસ કમિશનર શિવાનંદ ઝા અચાનક રજા પર ઉતરી ગયા છે. અત્યારે શહેરને એક મજબૂત પોલીસ નેતૃત્વની જરૂર છે ત્યારે એક ઉચ્ચ અધિકારીનું અચાનક રજા પર ઉતરી જવું તે રહસ્યમય છે. પોલીસ ધારે તો એક રાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં લઈ શકે છે. અનામત આંદોલન વખતે એક વર્ષથી ગુજરાતમાં રોજ ખંજરબાજી થતી હતી. ગુજરાતની પોલીસ તે ખાળવા નાકામયાબ હતી. દિલ્હીથી તે વખતના વડાપ્રધાન રાજીવ ગાંધીએ સુપરકોપ જુલિયો રિબેરોને ગુજરાત મોકલી આપ્યા હતા. જુલિયો રિબેરોએ એક જ રાતમાં ૫૦થી વધુ ખતરનાક ગુનેગારોને ઝડપી લઈ તે તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને બીજા જ દિવસથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બની ગઈ હતી. અમદાવાદમાં ગુનાખોરી વધવાનું કારણ પરપ્રાંતથી આવેલા કેટલાક ખતરનાક ગુનેગારો છે. તે બધા ક્યાં વસે છે તેની પોલીસને ખબર છે, પણ ગુજરાતને સલામતી બક્ષવાની પોલીસની ઈચ્છાશક્તિ જ ખતમ થઈ ગઈ છે. પોલીસ જાણે છે કે ”અખબારોને જે લખવું હોય તે લખે, આપણે સાહેબોને અને મંત્રીઓને ખુશ રાખીએ એટલે પત્યું, પછી પ્રજા જાય તેલ લેવા! પ્રજાને મરવું હોય તો મરે, પણ સાહેબોને કાંઈ થવું ના જોઈએ.”

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશ સમક્ષ ગુજરાતને એક આદર્શ મોડેલ તરીકે પેશ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતનું ગૃહખાતું અને ગુજરાતની પોલીસ મુખ્યમંત્રીને બદનામી મળે તે રીતે ગુજરાતમાં વધતી ગુનાખોરી પ્રત્યે ગંભીર બેજવાબદારી દાખવી રહી છે. મુખ્યમંત્રીએ જાતે જ ગુજરાતમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં લેવા પહેલાં તો ઉચ્ચ પોલીસઅધિકારીઓ સામે જ સખ્ત પગલાં ભરવાની જરૂર છે. ગુજરાતમાં જ્યાં પણ ગંભીર ગુના બને છે ત્યાં પોલીસ અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવાની જરૂર છે. એમ નહીં થાય તો પોલીસની નિષ્કાળજીના કારણે ગુજરાત ગુંડાઓનું ગુજરાત બની જશે.

સ્ટિંગ : ડેન્જરસ વેપન

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

‘Dial ‘M’ for murder’ વર્ષો પહેલાં આલ્ફ્રેડ હિચકોકની આ ટાઈટલ હેઠળ એક ફિલ્મ આવી હતી, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટેલિફોન નંબર દિલ્હીની જનતાને આપ્યો છે. ‘Dial 27357169 for curruption’ અર્થાત્ કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માંગે તો આ નંબર પર ફોન કરો. કેજરીવાલે એથીયે આગળ વધીને લોકોને જલદી યાદ રહી જાય તેવો ચાર જ આંકડાવાળો નંબર ૧૦૩૧ પણ ભ્રષ્ટાચારીઓને પકડાવવા માટે આપ્યો છે. આ નંબર આપ્યાના પહેલા જ ૩૬ કલાકમાં ૨૩૫૦૦ લોકોએ ફરિયાદ નોંધાવી. દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઈન પબ્લિક માટે પહેલી જ વાર શરૂ કરાઈ છે, પરંતુ સ્ટિંગ થવાના ડરથી અધિકારીઓએ હવે સીધા પૈસા લેવાના બદલે ઓફિસની બહાર દલાલો ઊભા રાખી લાંચ લેવાનું શરૂ કર્યું છે. કરપ્શનની આ જૂની પ્રયુક્તિ છે. આર.ટી.ઓ . ચેકપોસ્ટો પર ખુલ્લેઆમ પૈસા લેવાય છે, પરંતુ વર્ષોથી એ કામ બિનસરકારી દલાલોને ઊભા રાખી ટ્રક ચાલકો પાસેથી રોજ લાખ્ખો રૂપિયા ઉઘરાવવામાં આવે છે.

સ્ટિંગ : ડેન્જરસ વેપન

ખેર, કેજરીવાલે લોકોને જ સ્ટિંગ ઓપરેશન કરવાની સલાહ આપતાં સ્પાય કેમેરા વેચતા દિલ્હીના પાલિકા બજારમાં એકાએક પેનમાં છુપાવવામાં આવેલા જાસૂસી કેમેરાનું એકાએક વેચાણ વધી ગયું છે. દિલ્હીના કોનોટ પ્લેસ વિસ્તારમાં આવેલું પાલિકા બજાર ચીનમાં બનેલાં સસ્તાં ઇલેક્ટ્રોનિક્સ સાધનોના વેચાણ માટે જાણીતું છે. એક દુકાનદારના કહેવા પ્રમાણે આમ આદમીની ટોપી પહેરીને આવેલો એક માણસ એક સાથે ૧૦૦ સ્પાય કેમેરા ખરીદી ગયો. બીજા એક દુકાનદારને ત્યાં ૧૫૦ માણસોએ સ્પાય કેમેરા અને વોઈસ રેકોર્ડરની પૂછપરછ કરી. દેખીતી રીતે જ આ કેજરીવાલની અસર છે.

દિલ્હીમાં વેચાતા પીનહોલ કેમેરા પેન, કિચેઈન, પેન ડ્રાઈવ, કાંડા ઘડિયાળ અને ચશ્માંની અંદર છુપાવેલા હોય છે. ખિસ્સામાં ભરાવેલી પેનની ભીતરનું છીદ્ર સામી વ્યક્તિની વાત અને દૃશ્યને રેર્કોિડગ કરી શકે છે. આવી જાસૂસી પેનની કિંમત અંદાજે ૫૦૦ રૂપિયા છે. કિચેઈન ૬૦૦ રૂપિયામાં મળે છે. પેનડ્રાઈવ ૬૦૦ રૂપિયામાં મળે છે. જાસૂસી માટે વપરાતી કાંડા ઘડિયાળની કિંમત રૂપિયા ૬૦૦ છે. જ્યારે જાસૂસી માટેનાં ચશ્માંની કિંમત રૂપિયા ૩૨૦૦ છે. કેજરીવાલના કારણે આ સ્પાય ગેજેટ્સનું માર્કેટ ધમધમવા લાગ્યું છે. કેજરીવાલ કહે છે દિલ્હીનો દરેક નાગરિક હવે ભ્રષ્ટાચાર વિરોધી જેહાદી છે.

નોંધનીય વાત એ છે કે અત્યાર સુધી બેવફા પતિ માટે પત્ની અને બેવફા પત્ની માટે પતિ આ પ્રકારનાં જાસૂસી ઉપકરણો ખરીદતો હતો પણ હવે ભ્રષ્ટાચારીઓને પકડાવવા લોકો ખરીદી કરી રહ્યા છે. અલબત્ત, કેટલાક ધારાશાસ્ત્રીઓ અને પોલીસ અધિકારીઓ માને છે કે આવાં જાસૂસી ઉપકરણોનો દુરુપયોગ પણ થઈ શકે છે. કોઈને બ્લેક મેઈલિંગ કરવા પણ તેનો ઉપયોગ થઈ શકે છે. દિલ્હી, મુંબઈ, કોલકાત્તા, ચેન્નાઈ કે હૈદરાબાદ જેવાં શહેરોમાં કોઈ કોલગર્લને તમે બોલાવી હોય તો તે પણ તમારી જ ફિલ્મ ઉતારી તમને બ્લેકમેઈલિંગ કરી શકે છે. લોકો ભ્રષ્ટ અધિકારીની પૈસા લેતી ફિલ્મ ઉતારી તેની પાસેથી જ પૈસા પડાવી શકે છે. કમનસીબે ભારતમાં ખુલ્લા બજારમાં વેચાતાં જાસૂસી ઉપકરણોને નિયંત્રિત કરવાની કોઈ જ કાયદાકીય જોગવાઈ નથી. આવાં જાસૂસી ઉપકરણો કોઈની અંગત જિંદગીને વિચલિત કરી શકે છે. કેજરીવાલનો ઉદ્દેશ સારો છે પણ લોકોને સ્ટિંગ કરી દેતા કરવા તે બેધારી તલવાર જેવી પરિસ્થિતિ છે. સ્પાય ઉપકરણો પ્રશ્નો હલ કરવાના બદલે સરકારની રોજેરોજની કામગીરીમાં અડચણો પણ સર્જી શકે છે. સામેવાળી વ્યક્તિની મંજૂરી વિના વાંધાજનક તસવીરો લેવા બદલ ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ છે, પરંતુ જાસૂસી ઉપકરણો વેચવાની બાબતમાં ભારતનો કાયદો મૌન છે.

એમાં કોઈ શંકા નથી કે અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશથી આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે. દેશની ચીલાચાલુ રાજકીય પાર્ટીઓ સામે આમ આદમી પાર્ટીએ એક નવી તાજગી બક્ષી ર્છ, પરંતુ આમ આદમી પાર્ટી એ માત્ર ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ ચલાવનાર આંદોલનકારી ટુકડી નથી, બલકે તે હવે એક રાજકીય પાર્ટી પણ છે. દિલ્હી જેવા મહત્ત્વપૂર્ણ રાજ્યમાં તેમની સરકાર છે તેથી આખા દેશની તેમની પર નજર છે. તેની નીતિઓ અને વહીવટને બારીકાઈથી જોવામાં આવી રહ્યું છે. સવાલ એ છે કે સરકારી કર્મચારીઓનાં રોજેરોજ સ્ટિંગ ઓપરેશન કરવા જનતાને પ્રોત્સાહિત કરવાથી છેવટે તો સરકારનું કામ જ ઠપ થઈ જશે. અધિકારી વર્ગ પૈસા પણ નહીં લે અને કામ પણ નહીં કરે, અથવા તો કામ એટલી ધીમી ગતિએ કરશે કે દરદી મૃત્યુ પામે ત્યાં સુધી સરકારી દવાખાનામાં દવાઓ જ નહીં પહોંચે. દિલ્હીના મંત્રીઓએ જ પોતાના વહીવટી તંત્ર સામે જંગે ચડવા જેવી આ પરિસ્થિતિના કારણે છેવટે પ્રજાએ જ પાણી, સ્કૂલો કે રસ્તા માટે ટળવળવું પડશે.

સ્ટિંગ ઓપરેશન આધુનિક ટેક્નિક અને મીડિયાનું એક સનસનાટીપૂર્ણ સ્વરૂપ છે, પરંતુ અત્યાર સુધી તો તેની પણ નૈતિકતા સંદેહપૂર્ણ છે. સ્ટિંગ ઓપરેશનનો ઉપયોગ કેટલીક વાર સત્યને સામે લાવવા જેટલો જ સામી વ્યક્તિને બ્લેકમેઇલ કરવા માટે પણ થતો હોવાનું જણાયું છે. સ્ટિંગ ઓપરેશન વિશ્વસનીય વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા થાય તે પણ જરૂરી છે. એ વાત સાચી છે કે રાજ્યોના કે કેન્દ્રના એન્ટિ કરપ્શન બ્યૂરો કરવા ખાતર એક બે છટકાં ગોઠવે છે. ભ્રષ્ટાચારને ડામવા એ બ્યૂરો નિષ્ફળ ગયા હોઈ લોકોએ સ્ટિંગની લાકડી હાથમાં લેવી પડી છે, પરંતુ તે તેનો કાયમી ઉપાય નથી. ખુદ આમ આદમી પાર્ટીના નેતાઓ જ ચૂંટણી પહેલાં સ્ટિંગમાં ઝડપાયા હતા. તેથી સ્ટિંગ જેવું ખતરનાક અને નૈતિક રૂપે સંદેહપૂર્ણ શસ્ત્ર આમ આદમીના હાથમાં મૂકી દેવું એ આગ સાથે રમત રમવા જેવું છે. લોકોના સ્ટિંગથી ૧૦-૧૫ અધિકારીઓ પકડાશે પણ ખરા, પરંતુ આ રમતથી આખુંયે વહીવટીતંત્ર ઠપ પણ થઈ જઈ શકે છે.

કેજરીવાલે એ વાત સમજી લેવાની જરૂર છે કે લોકોને સ્ટિંગ કરવાનું કહેવું તે એક પ્રકારની લોકરંજક શૈલીની રાજનીતિ છે, પરંતુ તેથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે એમ માનવું ગલત છે, કારણ કે જીવનના હરકદમ પર ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર દૂર કરવા માટે તેનાં લક્ષણો દૂર કરવાના બદલે તેનાં કારણો દૂર કરવાની જરૂર છે. ભ્રષ્ટાચારનું કારણ દેશની ખોટી વહીવટી પ્રણાલિકામાં છે. રેશનકાર્ડ લેવા માટેની જ પ્રક્રિયા એટલી લાંબી અને જટિલ છે કે સામાન્ય માણસ ૧૦ ધક્કા ખાવા તે કરતાં ૫૦૦ રૂપિયા આપી દેવાનું વધુ પસંદ કરે છે. કેજરીવાલે એ વાત પણ સમજી લેવાની જરૂર છે કે સરકારી કર્મચારી પણ એ જ વર્ગમાંથી આવે છે જે વર્ગમાંથી આમ આદમી પાર્ટીના લોકો આવે છે. સરકારી કર્મચારીઓ કોઈ ફિલ્મના ખલનાયકો નથી. સરકારે કેટલાક કાયદા જ એવા બનાવ્યા છે કે લોકોને ચોરી કરવાનં મન થાય અને વહીવટી પ્રક્રિયાઓ જ એવી બનાવી છે કે તેમાંથી બહાર નીકળવા રુશવત આપવાનું સરળ પડે છે. ભ્રષ્ટાચાર જડમૂળમાંથી દૂર કરવો હોય તો વહીવટને સરળ, ઝડપી અને પારદર્શી બનાવવો પડશે. વહીવટી સુધારણા વિના ભ્રષ્ટાચાર દૂર કરવો સરળ નથી.  

www.devendrapatel.in

ઈશ્વરે જેટલા શ્વાસ આપ્યા છે તે ભરપૂર જીવી લેવા માગું છું

કભી કભી – દેવેન્દ્ર પટેલ

પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની ગંભીર બીમારીથી પીડાતી આયશા ચૌધરીની કથા

‘હું મારી બીમારી માટે ઇશ્વરને જવાબદાર માનતી નથી. ભગવાનનો હું આભાર માનું છું કે, તેમણે મને એક સુંદર પરિવાર આપ્યો છે, જે મારી દેખરેખ ખૂબ સારી રીતે રાખે છે. મને ખબર નથી કે હું કેટલું જીવી શકીશ, પરંતુ મારી પાસે જેટલું પણ જીવન છે, તેને હું ખુશીથી જીવવા માંગું છું.’

ઈશ્વરે જેટલા શ્વાસ આપ્યા છે તે ભરપૂર જીવી લેવા માગું છું

આ શબ્દો છે એક ટીનએજ કન્યા આયેશાના. બીજા બાળકોની જેમ આયશાને ભણવાનો, રમવાનો, ફરવાનો, નૃત્ય કરવાનો અને પેઇન્ટિગનો શોખ હતો, પરંતુ આયશા માટે જીવનની ડગર એટલી આસાન ના રહી. એને જન્મથી જ પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની બીમારી છે. એમ છતાં પણ દૃઢ ઇચ્છાશક્તિ અને ખુશમિજાજ સ્વભાવના કારણે એણે બીજા લોકો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડયું છે.

અનેક શ્રોતાઓની સમક્ષ એક હોલમાં આયશાએ અભિવ્યક્ત કરેલી કહાણી એના જ શબ્દોમાં : “મારું નામ આયશા ચૌધરી છે. મારી વય ૧૭ વર્ષની છે. મારી કહાણી બીજાઓ કરતાં અલગ છે. જ્યારે હું છ મહિનાની હતી, ત્યારે મને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. એ વખતે ડોકટરોએ કહ્યું હતું કે, શાયદ હું માંડ એક વર્ષ સુધી પણ જીવીશ નહીં, પરંતુ આજે હું તમારી સામે ઊભી છું, અને તમારી સાથે વાત કરી રહી છું. ખરેખર, આ બધું મને એક ચમત્કાર જેવું લાગે છે. મારા ફેફસામાં સંક્રમણની ગંભીર બીમારી છે. એક-એક શ્વાસ લેવામાં જ્યારે સંઘર્ષ કરવો પડે ત્યારે જીવન જીવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. સંક્રમણના કારણે મારાં ફેફસાં બહુ જ નબળાં થઇ ગયાં છે. ગયા વર્ષે નવેમ્બર માસમાં હું એટલી તો બીમાર પડી ગઇ કે કેટલાય મહિનાઓ સુધી હું પલંગમાં સૂતેલી જ રહી. મારું હલનચલન પણ બંધ થઇ ગયું હતું. હું કોઇની યે સાથે વાત કરી શકતી નહોતી. મને લાગતું હતું કે હું કદીયે બેઠી થઇ શકીશ નહીં. સાચે જ એ બહુ જ મુશ્કેલ સમય હતો.

એ વખતે મને લાગતું હતું કે મારો સમય હવે પૂરો થવા આવ્યો છે. પથારીમાં સૂતાં સૂતાં મને ભાતભાતના વિચારો આવતા હતા. મને લાગતું હતું કે હવે મારું મૃત્યુ નજીક છે, અને જલ્દીથી આ દુનિયા છોડી જઇશ. હું અંદરથી ભાંગી પડી હતી. એ વખતે મને એક વિચાર આવ્યો કે મરવાનું તો દરેકને છે. કોઇ પહેલાં જશે, કોઇ મોડેથી, જો મૃત્યુ નિશ્ચિત છે તો તેનાથી ગભરાવાનું શા માટે? એ જ ક્ષણે મેં નિશ્ચય કરી લીધો કે, મારી પાસે જેટલું પણ જીવન છે અને જેટલા પણ દિવસો બાકી છે, હું એ સમય ખુશીથી વીતાવીશ.

મને લાગે છે કે ખુશ રહેવું એક આદત છે. આપણે ઇચ્છીએ તો દરેક પરિસ્થિતિમાં આપણે ખુશીનો મોકો શોધી શકીએ તેમ છીએ. કેટલાક લોકોની પાસે બધું જ હોવા છતાં પરેશાન જ રહે છે. જ્યારે કેટલાક લોકો એવા હોય છે જેઓ મુશ્કેલીઓની વચ્ચે પણ હસતા રહે છે. હવે એ તો તમારે જ નક્કી કરી લેવાનું કે તમે ખુશીથી જીવવા માંગો છો કે દુઃખી થઇને જીવવા માંગો છો. હું જાણું છું કે, મારા માટે જીવન એક સમસ્યા છે, પરંતુ હું સદાયે હસતી રહેવા માંગું છું.

બીમારીના કારણે મારે અવારનવાર મેડિકલ ટેસ્ટ કરાવવા બહાર જવું પડે છે. હોસ્પિટલ અને ડોકટરોના ક્લિનિક પર મારે આંટા મારવા પડે છે. જ્યારે મારી બીમારીની ચર્ચા થાય છે, ત્યારે હું ઉદાસ થઇ જાઉં છું. ગયા વર્ષે હું મારા પરિવાર સાથે મેડિકલ ટેસ્ટ માટે બ્રિટન ગઇ હતી. ત્યાં કલાકો સુધી મારું તબીબી પરીક્ષણ ચાલ્યું. મારા માતા-પિતા ડોકટરો સાથે કલાકો સુધી વ્યસ્ત રહ્યાં. એ બધુ જોઇ હું ઉદાસ થઇ ગઇ. મેં ફરી નિર્ણય કર્યો કે, દુઃખી થવા કરવાં બહેત છે કે, બાકી રહેલી ક્ષણોને હું ખુશીથી જીવી લઉં. કારણકે જીવનની દરેક પળ કિંમતી છે. ખબર નથી આગળ શું થશે?

મને પેઇન્ટિગ કરવું ગમે છે. રંગો મને પસંદ છે. મને બહાર જવાની છૂટ નથી, તેથી હું ઘરમાં જ પેઇન્ટિગ કરું છું. પેટીંગ દ્વારા તમે તમારા મનના ભાવ આસાનીથી અભિવ્યક્ત કરી શકો છો. મારો આ શોખ મારા મનને સાંત્વના બક્ષે છે. મારા ઘરમાં બે નાના ગલુડીયાં છે. મને એમની હરકતો બહુ જ ગમે છે. એમની સાથે રમવાનું મને ગમે છે. હું તેમના વર્તનને ધ્યાનથી જોઉં છું, અને એ બધું કેન્વાસ પર ઉતારી દઉં છું. એ ડોગી મારા પેઇન્ટિગને જોઇ રહે છે એ દૃશ્ય મને બહુ જ ગમે છે. અગર તમને પણ કોઇ શોખ હોય તો જરૃર પૂરો કરો. એ દ્વારા તમે તમારી પોતાની ચિંતાઓથી મુક્ત થઇ શકશો. આમે ચિંતા કરવાથી કોઇ પ્રશ્ન હલ થતો નથી. જે તમારા વશમાં નથી તેનાથી પરેશાન થવાની શું જરૃર?

પહેલાં હુ મારી બીમારીના કારણે બહુ જ પરેશાન રહેતી હતી. હું વિચારતી હતી કે, ઇશ્વરે મને આવું દુઃખ કેમ આપ્યું? મને લાગતું હતું કે, ઇશ્વરે મને સજા કરી છે. હું વિચારતી હતી કે, ઇશ્વરે મારી સાથે જ આમ કેમ કર્યું? પરંતુ આ વિષયની એક બીજી બાજુ પણ છે. ઇશ્વરે મને એક સારો પરિવાર આપ્યો છે. મારા જીવનમાં એવા લોકો પણ છે જે મારી પરવા કરે છે. ખૂબ જ સારી રીતે મારી દેખરેખ રાખે છે. મારા માટે ઇલાજની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપે છે. હું એમ પણ વિચારું છું કે, મારો જન્મ કોઇ એવા પરિવારમાં થયો હોત કે જેની પાસે આવી સુવિધાઓ ઉપલબ્ધ ના હોત તો? એ સમયે મારું જીવન કેટલું બધું મુશ્કેલ બની જાત? આપણા દેશમાં એવા લાખ્ખો બાળકો છે, જેમની પાસે સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે આવી સુવિધાઓ જ નથી. આપણે એ બધાં માટે પણ વિચારવું જોઇએ. એ બધાની મદદ માટે આગળ આવવું જોઇએ.

સહુથી અગત્યની વાત એ છે કે આપણે આપણા જીવનની સચ્ચાઇને સ્વીકારવી જોઇએ. જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઇએ. મને ગંભીર બીમારી છે અને તે હકીકતનો મેં સંપૂર્ણપણે સ્વીકાર કરી લીધો છે. મેં મારી જાતને સમજાવ્યું છે કે, આ બીમારીમાં મારો કોઇ હાથ નથી. બસ હું તો જીવવા માટે સંઘર્ષ કરી શકું છું. કારણકે સંઘર્ષ કરવામાં જ મારો કાબૂ છે. સંઘર્ષ જ મારા હાથમાં છે. જો આ સત્ય સ્વીકારી લેવામાં આવે તો જીવન જીવવું આસાન થઇ જશે. પહેલા તમે જે પરિસ્થિતિ છે તેનો સ્વીકાર કરી લો, પછી વિચારો કે એ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ શું છે?

હું જાણું છું કે દરેક એક દિવસ મરવાનું છે. આપ આગલા સો વર્ષનો વિચાર કરો, મારી સામે આ હોલમાં જે કોઇ મારી સામે બેઠા છે તેમાંથી સો વર્ષ પછી એક પણ જીવીત નહીં હોય તો પછી હું મારા જીવનની ચિંતા શા માટે કરું? મારી પાછળ તમારે પણ આવવાનુ જ છે. મને ખબર નથી કે, હવે કેટલો સમય હું જીવી શકીશ? પરંતુ ઇશ્વરે મને શ્વાસોશ્વાસ આપ્યો છે. ઇશ્વરે મને જેટલા પણ શ્વાસ આપ્યા છે, તેને હું ભરપૂર જીવી લેવા માંગું છું. સાચું કહું, હવે તો મને મોતનો બિલકુલ ડર લાગતો નથી.’

– અને આયશા ચૌધરીની વાત પૂરી થાય છે. ગંભીર બીમારીઓ અને બીજી તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહેલા સહુ કોઇ દુઃખીયારા ભાઇ-બહેનોને આયશા-ચૌધરીએ એક સભાખંડમાં વર્ણવેલી આ કથા અર્પણ છે.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

બાબા, મેરા પતિ જલદી મર જાય ઐસા કુછ કરો

કભી કભી – દેવેન્દ્ર પટેલ

Ÿ         પ્રેમીને પામવા કલાવતી એક તાંત્રિક પાસે ગઈ તાંત્રિકે કહ્યું : “તેરા કામ હો જાયેગા, બેટા”

મથુરા પાસે ગાજીપુર નામનું ગામ છે. આ ગામમાં કેવલ પટવારી તેની પત્ની કલાવતી સાથે રહેતો હતો. કલાવતી બે બાળકોની માતા છે. કેવલ પટવારીનો એક દોસ્ત હતો, તેનું નામ બિરબલ. બિરબલ અપરિણીત હતો. બિરબલ અવારનવાર કેવલ પટવારીના ઘરે આવતો. ઘણા વખતથી તેની નજર મિત્રની પત્ની કલાવતી પર હતી. કલાવતી પણ બિરબલ જ્યારે પણ આવે ત્યારે તેને પ્રેમથી ચા-નાસ્તો કરાવતી.

એક દિવસ અચાનક જ બપોરના સમયે બિરબલ આવી પહોંચ્યો. એ વખતે કલાવતી એકલી ઘરે હતી. કલાવતી બોલી :

બાબા, મેરા પતિ જલદી મર જાય ઐસા કુછ કરો

“અરે દેવરજી, અત્યારે ?”

બિરબલે તેના હાથમાં રાખેલું એક બોક્સ આપ્યું. કલાવતીએ પૂછયું : “આમાં શું છે ?”

“સાડી… તમારા માટે.”

કલાવતીએ બોક્સ ખોલી સાડી જોઈ તે ખુશ થઈ ગઈ. એ બોલી : “દેવરજી, તમે બહુ સારા છો. મારો કેટલો બધો ખ્યાલ રાખો છો?”

“પણ તમે મારો ખ્યાલ ક્યાં રાખો છો ?” બિરબલ બોલ્યો.

કલાવતીએ કહ્યું : “હું તો તમારો બધો જ ખ્યાલ રાખવા તૈયાર છું. તમારી નજર જ મારા પર ક્યાં પડે છે ?”

અને બિરબલે કલાવતીના ગળામાં બે હાથ પ્રસરાવતાં પોતાની તરફ ખેંચી. તે બોલ્યો : “લ્યો… બસ… ?”

કલાવતી બિરબલના સ્પર્શથી રોમાંચિત થઈ ગઈ. કેવલ ઘરે ન હોય ત્યારે બિરબલને રાત્રે જ પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું. એક દિવસ તેનો પતિ બહારગામ ગયો ત્યારે કલાવતીએ બિરબલને રાત્રે ઘરે બોલાવી દીધો. એ પછી કેવલ પટવારી બપોરના સમયે દુકાન પર હોય ત્યારે પણ બિરબલ કલાવતીના ઘરે પહોંચી જતો. કોઈ કોઈવાર કલાવતી બિરબલ સાથે મથુરા ફરવા જતી. બેઉ સાથે જ પિક્ચર જોતાં. બગીચામાં ફરતાં. એક દિવસ બિરબલ બપોરના સમયે કલાવતીના ઘરમાં હતો તે વખતે જ કોઈ કામસર કલાવતીનો પતિ કેવલ પટવારી ઘરે આવી ગયો. એણે બારણું ખટખટાવ્યું. અંદર કલાવતી અને બિરબલ એકલાં જ હતાં. તેમનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતાં. બિરબલ તો ભાગી ગયો, પણ કેવલે કલાવતીને બહુ જ ફટકારી. કલાવતી પતિના પગે પડી ગઈ. માફી માગવા લાગી : “હવે આવી ભૂલ ફરી નહીં કરું.”

પતિએ એ વખતે તો ગામમાં ભવાડો ના થાય એ હેતુથી કલાવતીને ચેતવણી આપી માફ કરી દીધી, પરંતુ ભીતરથી તે બિરબલને મળવા તડપતી રહી. થોડા દિવસ બાદ તે ફરીથી ચોરીછૂપીથી ઘરની બહાર બિરબલને મળવા લાગી. શાકભાજી લેવાના બહાને પણ તે બિરબલ પાસે પહોંચી જતી. એક દિવસ કલાવતીએ કહી જ દીધું : “મારા ઘરમાં રોજેરોજ ઝઘડા થાય છે. હું તારા વગર રહી શકતી નથી. આપણે કાયમ સાથે રહીએ તેવો કોઈ ઉપાય કર. હવે મારો વર મને તારી સાથે જોઈ જશે તો મને મારી જ નાખશે.”

બિરબલે કહ્યું : “હું કોઈ ઉપાય વિચારું છું. હું એક તાંત્રિકને જાણું છું.”

બીજા જ દિવસે બિરબલ પ્રેમ સરોવરમાં રહેતા તાંત્રિક રઘુનાથ પાસે પહોંચી ગયો અને કલાવતી તેની સાથે કાયમ રહે તેવો કોઈ ઉપાય કરવા વિનંતી કરી. તાંત્રિક રઘુનાથે બિરબલને કલાવતીને સાથે લઈ આવવા જણાવ્યું. બે દિવસ પછી બિરબલ કલાવતીને લઈ તાંત્રિક પાસે પહોંચી ગયો. તાંત્રિકે કહ્યું : “તુમ્હારા કામ હો જાયેગા, લેકિન મુજે કુછ વિધિ કરની પડેગી.” એમ કહી પૂજાનો સામાન લાવવા તાંત્રિકે પૈસા માગ્યા. કલાવતીએ તેના પર્સમાંથી હજાર રૂપિયા કાઢી તાંત્રિકને આપી દીધા. તાંત્રિકે કહ્યું : “ચિંતા મત કરો બેટા, કાલી મા કી કૃપા સે તુમ્હારા કામ હો જાયેગા.”

એ પછી તાંત્રિક અવારનવાર કલાવતી પાસે પૈસા ખંખેરતો રહ્યો. બિરબલ તો કાંઈ કમાતો નહોતો, પણ કલાવતી તેની પાછળ પાગલ હતી. એક દિવસ તાંત્રિકે કલાવતી પાસે અઢી લાખ રૂપિયાની માગણી કરતાં કહ્યું : “મુજે બડા મહાયજ્ઞા કરના પડેગા.”

બિરબલ પાસે તો પૈસા નહોતા. એણે કલાવતી સામે જોયું. કલાવતીને ખબર હતી કે તેના પતિએ હમણાં જ ગામના છેવાડે આવેલી જમીન વેચી હતી. તેના અઢી લાખ રૂપિયા આવ્યા હતા અને પતિએ ઘરના કબાટની તિજોરીમાં મૂક્યા હતા. કલાવતીએ એ રૂપિયાની ચોરી કરી તાંત્રિકને આપવા નિર્ણય કર્યો, પણ તિજોરીની ચાવી તેના પતિ પાસે રહેતી હતી. એક દિવસ તેનો પતિ બાથરૂમમાં નહાતો હતો તે વખતે જ પતિની બંડીના ખિસ્સામાંથી ચાવી કાઢી તિજોરીમાંથી અઢી લાખ રૂપિયા કાઢી બીજે સંતાડી દીધાં. સાંજે જ કલાવતી અને બિરબલ અઢી લાખ રૂપિયા લઈ તાંત્રિક પાસે પહોંચી ગયાં. તાંત્રિક ખુસ થઈ ગયો. કલાવતી બોલી : “બાબા, જલદી સે જો કરના હો વહ કરો. મેરા પતિ હી મર જાય ઐસા કરો.”

તાંત્રિકે કહ્યું : “ઠીક હૈં, મૈં કલ હી ઉજ્જૈન જાતા હું. વહાં તુમ્હારે લિયે મહાયજ્ઞા કરુંગા. દસ દિન મેં તુમ્હારા પતિ મર જાયેગા. ફિર તુમ આઝાદ હો.”

એ પછી તાંત્રિક ગુમ થઈ ગયો. પૂરા એક મહિના પછી પાછો આવ્યો. કલાવતી અને બિરબલ વિહ્વળ હતાં. તાંત્રિક વિધિની કોઈ અસર કલાવતીના પતિ પર થઈ નહોતી. એથી ઊલટું ઘરમાં પૈસા ગુમ થવાથી કેવલ પટવારીએ કલાવતીને સખત માર માર્યો હતો. અલબત્ત, કલાવતીએ એ પૈસાની ચોરી કરી છે એ વાત ના સ્વીકારી તે ના જ સ્વીકારી. રોજ માર ખાતી રહી. કલાવતીએ તાંત્રિક સાથે ઝઘડો કર્યો : “મેરા પતિ અબતક જિંદા ક્યોં હૈં ?”

તાંત્રિકે કહ્યું : “ઇતની હી જલદી હૈં તો ઝહર દે કે માર ક્યોં નહીં ડાલતી ?”

કલાવતી બોલી : “મેરે મેં હિંમત નહીં હૈ.”

તાંત્રિક બોલ્યો : “મૈં તો સબકુછ કર રહા હું. લેકિન લગતા હૈ કિ મા કુછ ઔર માગ રહી હૈ.”

“ક્યા ?”
“બલી.”
“કિસ કી ?”

“એક બચ્ચે કી.”

કલાવતી બોલી : “યે ક્યા કહ રહે હો, બાબા ? બચ્ચા હમ કહાં સે લાયેંગે ?”

તાંત્રિક બોલ્યો : “અગર તુમ કોઈ બચ્ચે કા બલી દે સકતી હો તો તુમ્હારા પતિ ભી મર જાયેગા ઔર મા કી કૃપા સે તુમ માલામાલ હો જાઓગી. બચ્ચે કા બલી દેને સે તુમ્હારે સર પર રૂપયોં કી બારીશ હોગી.”

કલાવતી રૂપિયાના વરસાદની વાત સાંભળી રોમાંચિત થઈ ગઈ. એ બોલી : “ઠીક હૈ, મૈં કુછ કરતી હું.”

કલાવતી અને બિરબલ તાંત્રિકના કહેવા પ્રમાણે હવે પાંચ વર્ષના બાળકની શોધ કરવા લાગ્યાં. ગામમાં ગૌરવ શર્મા તેની પત્ની સાથે દૂરના કસબામાં રહેતા હતા. તેમનો પાંચ વર્ષનો હેમંત નામનો પુત્ર હતો. બિરબલ અને કલાવતીએ હેમંતને ઉઠાવવાનો નિર્ણય કર્યો. એક સાંજે એક દિવસ અંધારું થવાના સમયે નાનકડો હેમંત ઘરની બહાર રમતો હતો ત્યારે બિરબલ તેની પાસે પહોંચી ગયો. હેમંતને ચોકલેટ્સ ખવડાવી તે પછી બીજી ચોકલેટ્સ આપવાની લાલચ આપી બિરબલ નાનકડા બાળકને દૂર દૂર લઈ ગયો. રસ્તામાંથી તેણે કલાવતીને ફોન કરી બોલાવી લીધી. રિક્ષા કરી બેઉ જણ નાનકડા હેમંતને લઈ તાંત્રિકની કુટિયા પર પહોંચ્યા. એ વખતે રાત પડી ગઈ હતી. તાંત્રિક ધૂણી ધખાવીને બેઠો હતો. બાળકને જોતાં જ તેની આંખોમાં ચમક આવી ગઈ. એણે નાનકડા હેમંતને પાસે બોલાવ્યો. તેના ગળામાં લાલ કપડું વીંટાળ્યું. એ કપડાંના ગાળો ફાંસીની જેમ ભીડાવી દીધો. નાનકડો હેમંત રડવા લાગ્યો, પણ તાંત્રિકે એ કપડાંને કસીને તેનું ગળું રુંધાઈ જાય તે રીતે ખેંચ્યું. થોડી જ વારમાં નાનકડો હેમંત તરફડિયા મારી મૃત્યુ પામ્યો.

તાંત્રિકે કહ્યું : “જાઓ, અબ યે બચ્ચે કી લાશ કો સ્મશાન મેં જા કર દફના દો.”

કલાવતી અને બિરબલ રાતના અંધારામાં જ બાળકની લાશને સ્મશાનમાં દફનાવી ઘરે જતાં રહ્યાં. આ તરફ બાળક હેમંતના ઘરે દોડધામ મચી ગઈ. આખી રાત બાળકની તલાશ જારી રહી. બીજા દિવસે હેમંતના પિતાને કોઈકે કહ્યું : “રાત્રે બિરબલ સાથે તમારા હેમંતને વાત કરતાં જોયો હતો.”

હેમંતના પિતાએ પોલીસને જાણ કરી. પોલીસે બિરબલને બોલાવ્યો. થર્ડ ડિગ્રીનો અમલ થતાં તેણે કહ્યું : “મેં નહીં, પણ કલાવતીએ આ કૃત્ય કરવા મને કહ્યું હતું.”

પોલીસે કલાવતીને બોલાવી. કલાવતી પોલીસની કડકાઈ સામે ટકી શકી નહીં. એ બધું સાચું બોલી ગઈ. એણે કહ્યું : “અમે હેમંતને તાંત્રિક પાસે લઈ ગયા હતા, પણ તેને અમે માર્યો નથી. હેમંતનું ગળું તો તાંત્રિક રઘુનાથે દાબી દીધું હતું.”

પોલીસ તાંત્રિક રઘુનાથની કુટિયા પર પહોંચી ગઈ, પણ તાંત્રિક કુટિયામાં નહોતો. પોલીસે કલાવતી અને બિરબલને બાળકની હત્યાની સાજીશ રચવા માટે જેલભેગાં કરી દીધાં. થોડા દિવસ પછી તાંત્રિક રઘુનાથ પણ પકડાઈ ગયો. તે પણ હવે જેલની હવા ખાઈ રહ્યો છે. હવે એકમાત્ર હેમંતના ઘરમાં શોકની કાલિમા છે. પ્રેમીને પામવા એક સ્ત્રી આટલી હદે પણ જઈ શકે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ટ્રાફિક જામ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
મહાનગરો અને શહેરોની વિકરાળ સમસ્યા

આદેશની મોટામાં મોટી સમસ્યા વસ્તીવધારો અને ટ્રાફિક જામ છે. એક સમયે એક સ્થળેથી બીજા સ્થળે જવા ૧૫ મિનિટમાં પહોંચાતું હતું, હવે ત્યાં પહોંચવામાં ૪૫ મિનિટ લાગે છે. આવનારાં વર્ષમાં એ જ અંતર કાપતાં એક કલાક લાગશે અને બે પાંચ વર્ષમાં ઓફિસમાંથી સાંજે નીકળેલો માણસ અડધી રાત્રે કે પરોઢિયે ઘરે પહોંચશે. શહેરોને વર્લ્ડ ક્લાસ બનાવવાની વાતો વાતો જ રહેશે અને ટ્રાફિક જામમાં જ માનવીનું રોજિંદું જીવન ગૂંગળાતું રહેશે. જો સમયસર ટ્રાફિક નિયંત્રણ માટે વૈજ્ઞાનિક પગલાં નહીં લેવાય તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ,ચેન્નાઈ જેવાં તમામ શહેરોમાં ટ્રાફિકની બાબતમાં જબરદસ્ત અરાજકતા પેદા થશે.

ટ્રાફિક જામ

પાછલા બે દાયકાઓમાં શહેરોનો જબરદસ્ત વિકાસ થયો છે. મહાનગરોની વસતી ખૂબ ઝડપથી વધી છે. છેલ્લા બે દાયકામાં અમદાવાદમાં ૧૯ લાખ વાહનો ઉમેરાયાં છે. જે લોકો સાઇકલ પર જતા હતા તે હવે સ્કૂટર કે બાઈક પર જાય છે. જે બાઈક પર જતા હતા તે મોટરકારમાં જાય છે. જેમની પાસે એક મોટરકાર હતી તેમની પાસે હવે એકથી વધુ મોટરકાર છે. એક અહેવાલ મુજબ ૨૦૦૮માં શહેરોમાં વસતા લોકોની સંખ્યા ૩૪ કરોડ હતી તે ૨૦૩૦ સુધીમાં ૫૯ કરોડ થઈ જશે. ફક્ત દિલ્હીની વાત કરીએ તો પાછલા એક દાયકામાં તેની વસતીમાં ૨૧ ટકા વધારો થયો છે. અમદાવાદની વસતી ૨૦૦૧થી ૨૦૧૧ સુધીમાં ૪૦ ટકા વધી છે. શહેરોમાં જે ઝડપથી વસતી વધી છે તે ઝડપથી તેના રસ્તા, ફૂટપાથો, માર્ગ, વીજળી, પાણી, ગટરની વ્યવસ્થા થઈ જ નથી. પૂરતાં ટ્રાફિક સિગ્નલો પણ નથી. ટ્રાફિક સિગ્નલો ક્યાંક છે, તો બંધ છે. ટ્રાફિક નિયમન માટે પોલીસની પૂરતી સંખ્યા નથી. રોજેરોજના ટ્રાફિક જામથી વાહનચાલકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. અમદાવાદ જેવાં શહેરોમાં બીઆરટીએસ છે પણ શહેરના એક ટકા લોકો પણ તેની મર્યાદાઓને કારણે ઉપયોગ કરી શકતા નથી.

અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ જેવાં શહેરોમાં જેટલા ફ્લાયઓવર્સ હોવા જોઈએ એટલા ફ્લાયઓવર્સ નથી. આ શહેરો પાસે મુંબઈની સબર્બ કે દિલ્હીની મેટ્રો ટ્રેન જેવી સુવિધા પણ નથી. વળી, અમદાવાદ જેવાં શહેરોમાં ડ્રાઇવ-ઇન કે સેટેલાઇટ જેવા રોડ પર જે ફ્લાયઓવર્સ બાંધ્યા છે તે ખોટી દિશામાં બાંધ્યા છે. સામાન્ય રીતે આ માર્ગો પર પૂર્વ અમદાવાદથી પશ્ચિમ અમદાવાદ તરફ સહુથી વધુ ટ્રાફિકની અવરજવર હોય છે તે મુજબ ફ્લાયઓવર્સ બાંધવાને બદલે ઉત્તર દક્ષિણ ફ્લાયઓવર્સ બાંધવામાં આવ્યા છે. શહેરના અણઘડ આયોજકોએ ખોટી દિશામાં ફ્લાયઓવર્સ બાંધીને સવાર-સાંજ ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરાવી દીધી છે.

અમદાવાદ જેવાં શહેરોના ડ્રાઈવઇન રોડ પર હેલ્મેટ સર્કલથી હિમાલયા મોલ સુધી એક કિલોમીટર સુધી મોટરકારની લાઈન લાગી જાય છે. ટ્રાફિક સિગ્નલ માંડ ૩૦ સેકંડ કે એક મિનિટ માટે ખૂલે છે. એક ટ્રાફિક સિગ્નલ પાર કરવા માટે ૧૦થી ૧૫ મિનિટ રાહ જોવી પડે છે. એ જ પરિસ્થિતિ થલતેજ ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા અને નહેરુનગર સર્કલ પાસે છે.

મોટાં મહાનગરોમાં પરિસ્થિતિ હવે એવી આવી છે કે જે લોકો પાસે મોટી ગાડીઓ છે તેઓ શહેરની અંદર ફરવા નાની ગાડીઓ પસંદ કરે છે. માત્ર ટ્રાફિકજામ જ નહીં પાર્કિંગની પણ એટલી જ મોટી સમસ્યા છે. ટ્રાફિક સર્કલ પર કેટલાક બેજવાબદાર વાહનચાલકો ટ્રાફિક પોલીસ સાથે પણ મારામારી કરવા લાગ્યા છે. બીજી બાજુ બીએમડબલ્યુ કે ઓડી જેવા લક્ઝુરિયસ મોટરકારો ચલાવનારા કેટલાક લોકો રોજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી કાયદા કાનૂનની ઠેકડી ઉડાવવા લાગ્યા છે. દિલ્હીમાં નોકરી કરતી મહિલાઓ કહે છે કે દિલ્હીની સડકો પર ગાડી ચલાવવી હવે અસંભવ છે.

કોલકાત્તા, બેંગલુરુ અને દિલ્હીમાં મેટ્રો ટ્રેન દ્વારા સાર્વજનિક પરિવહનને બહેતર બનાવવા કોશિશ કરવામાં આવી છે, પરંતુ દેશનાં બાકીનાં શહેરોમાં સાર્વજનિક પરિવહન પર્યાપ્ત નથી. લોકોની આવક વધવાની સાથે અમદાવાદ, પૂણે, હૈદરાબાદ જેવાં શહેરોમાં મોટરકારોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. જેના કારણે નાના નાના રસ્તાઓ અને ગલીઓમાં પણ ટ્રાફિકજામ થાય છે. આવાં નાનાં શહેરોમાં રહેતા ૪૩ ટકા લોકોનું કહેવું છે કે ટ્રાફિકજામના કારણે તેમનો રોજનો એક કલાક જેટલો સમય બરબાદ થઈ જાય છે.

નિષ્ણાતોનું મંતવ્ય છે કે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરોનું નવીનીકરણ કરવું જરૂરી છે. દરેક શહેરમાં આધુનિક ટ્રાફિક સિસ્ટમ, સાર્વજનિક પરિવહન પ્રણાલીમાં સુધારો, બસ માટે કોરિડોર અને મેટ્રો સેવાઓ દ્વારા જ આ સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ છે.

પૂરતી પાર્કિંગ વ્યવસ્થા કર્યા બાદ તંત્રએ આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો સાથે દંડાત્મક કાર્યવાહી કરવાની જરૂર છે. આજે પણ અમદાવાદ જેવાં શહેરોની વચ્ચે થઈ કેટલીક ટ્રેનો પસાર થાય છે અને ૨૧મી સદીમાં પણ શહેરમાં એવાં કેટલાંયે રેલવે ક્રોસિંગ છે જ્યાં તેની ઉપર ઓવરબ્રીજ ન હોવાને કારણે દિવસમાં અનેક વાર વાહનચાલકોની લાંબી કતારો રેલવે ક્રોસિંગના કારણે લાગી જતી હોય છે. એક સર્વેક્ષણ અનુસાર મહાનગરોમાં જે ઝડપથી ખાનગી વાહનો વધી રહ્યાં છે તેના કારણે આવાં શહેરોમાં ટ્રાફિકની ઝડપ કલાકના ૧૭ કિલોમીટર થઈ ગઈ છે. એના કારણે લોકોની કાર્યક્ષમતા પણ ઘટી રહી છે. જે ઝડપથી વસતી વધી છે તે રીતે ટાઉન પ્લાનરોએ શહેરના વિકાસનું આયોજન કર્યું નથી. કોઇ પણ શહેરની વાહનક્ષમતા કેટલી છે, કેટલાં વાહનોનું વેચાણ થવું જોઈએ અને વાહનોના પાર્કિંગમાં કેટલી જગ્યાઓ રાખવી જોઈએ તે તરફ કોઈએ ધ્યાન જ આપ્યું નથી. આધુનિક જીવનશૈલીમાં દરેક શહેરને સારી સ્કૂલો અને બગીચાઓ માટે ખુલ્લી જગ્યા જોઈએ તે રીતે પાર્કિંગ માટે પણ ખુલ્લી જગ્યાઓ હોવી જોઈએ. તે તરફ નગર આયોજકોએ ધ્યાન જ આપ્યું નથી.

નિષ્ણાતોની એવી ચેતવણી છે કે બે દસકા બાદ મહાનગરો અને મોટાં શહેરો વસવાટને લાયક નહીં હોય. હાલ જ દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ જેવાં મહાનગરોમાં તેની ક્ષમતા કરતાં ત્રણ ગણાં વધુ વાહનો છે. દિલ્હીમાં ૯૦ ટકા વાહનમાલિકો પાસે પોતાની પાર્કિંગની જગ્યા નથી.

આરએફઆરટીના કન્વીનર એસ.પી. સિંહનું કહેવું છે કે હવે એ સમય આવી ગયો છે કે મહાનગરોમાં સરકારી અને ખાનગી વાહનોનું રજિસ્ટ્રેશન બંધ કરી દેવું જોઈએ. ખાનગી વાહન એ લોકો જ ખરીદી શકે કે જેમની પાસે પોતાની પાર્કિંગની જગ્યા હોય. પાર્કિંગના દર પણ વધારવા જોઈએ. ખાનગી લકઝરી બસોનો ધીકતો ધંધો ચાલે છે, પરંતુ તેમના પોતાના ખાનગી બસ ડેપો નથી, તેથી સવાર સાંજ જાહેર રસ્તાઓ ઉપર જ તેઓ ખાનગી બસોનો કાફલો ખડો કરી દે છે અને બીજા વાહનચાલકોને પરેશાન કરી મૂકે છે. સાથે સાથે સ્વચ્છ અને આરામદાયક સાર્વજનિક પરિવહનની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જે સુવિધાજનક પણ હોય અને સસ્તી પણ હોય. દિલ્હી અને મુંબઈની મેટ્રો અને લોકલ ટ્રેન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ જ રીતે મીની બસો પણ દોડાવવી જોઈએ. લાંબા અંતરનાં ટ્રાન્સપોર્ટ વાહનો શહેરોની વચ્ચેથી પસાર થતાં હોય છે જે અત્યંત લાંબા અને ઓવરલોડેડ હોય છે. આ સમસ્યા હલ કરવા વધુ બાયપાસ અથવા પેરિફરલ એક્સપ્રેસ વે બનાવવા જોઈએ. અમદાવાદ શહેરની ફરતે નવો બનેલો સરદાર પટેલ રીંગરોડ પણ હવે વ્યસ્ત માર્ગ બની ગયો છે. તેના પરનું ભારણ હળવું કરવા વધુ એક રીંગરોડની જરૂર છે. 

www.devendrapatel.in

ટ્રિકી વિકેટ, ડર્ટી ગેઇમ, ક્લીન કેપ્ટન

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
ટ્રિકી વિકેટ, ડર્ટી ગેઇમ, ક્લીન કેપ્ટન

દિલ્હીનું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું છે. રાત્રે વરસાદ થયેલો છે. પીચ ભીની છે. વિકેટ ટ્રિકી છે. કેટલાક સાથીઓ કેચ છોડીને ગમે ત્યારે કેપ્ટનને દગો કરે તેમ છે. ગેઇમ ડર્ટી છે. મેચ ફિક્સ છે. એકમાત્ર કેપ્ટન જ ક્લીન છે. આવી હાલત દિલ્હીના મુખ્યમંત્રી બનેલા અરવિંદ કેજરીવાલની છે. દિલ્હીમાં કેજરીવાલની સરકારનું આયુષ્ય અલ્પ છે પણ સરકાર ટકે કે ન ટકે દિલ્હીમાં તો ફાયદો કેજરીવાલને જ છે. સરકાર ટકે તો લોકોને કરેલા વાયદાઓ પૂરા કરવાની તક મળશે. સરકાર ન ટકે તો તે માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત કરશે. દિલ્હીનો આ તમાશો જોઈ રહેલો ભાજપ પણ કેજરીવાલ નિષ્ફળ થઈ જાય તે જોવા આતુર છે. કોંગ્રેસ અને કેજરીવાલ એ બેઉ એકબીજા સાથે જ્ઞાનતંતુનું યુદ્ધ લડી રહ્યાં છે. કોંગ્રેસે કેજરીવાલને ટેકો આપી ભાજપને સત્તા પર આવતા રોકી છે. કેજરીવાલને મુખ્યમંત્રી બનાવ્યા છે પણ તેઓ કેટલાંક વચનો પૂરાં ન કરી શકે તેવી તેની યોજના છે. દિલ્હી વિધાનસભાના ફ્લોર પરની આખીયે ગેઇમ ડર્ટી છે. ખુદ કેજરીવાલ પણ શહાદત વહોરી દિલ્હીમાં ફરી ચૂંટણીઓ થાય તો વધુ ને વધુ બેઠકો હાંસલ કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે.

આમ આદમીની નજર હવે લાલ કિલ્લા પર પણ છે. વીતેલા વર્ષની આથમતી સંધ્યાએ રાષ્ટ્રની રાજનીતિનાં ઘણાં સમીકરણો બદલાતાં નિહાળ્યાં. ૧૨૮ વર્ષ પુરાણી કોંગ્રેસે પાટનગર દિલ્હીમાં જ ત્રણ ટર્મ ભોગવી ચૂકેલાં શીલા દીક્ષિતની કારમી હાર નિહાળી. પોતાના જ શિષ્ય એવા નરેન્દ્ર મોદી સામે ગુરુ લાલકૃષ્ણ અડવાણી શિકસ્ત પામ્યા. એવા જ બીજા એક ગુરુ અણ્ણા હજારેના ચેલા અરવિંદ કેજરીવાલે ગુરુનો ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દો છીનવી લીધો અને દેશની પ્રજાની આંખનો તારો બની ગયા. નરેન્દ્ર મોદીને ભાવિ વડાપ્રધાન તરીકે પેશ કરવાના વિરોધમાં એનડીએ સાથે છેડો ફાડી નાંખનાર બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો પારો જોઈ પસ્તાવાનો વારો આવ્યો. ૨૦૧૩ના ડૂબતા સૂરજે અને ૨૦૧૪ના ઊગતા પ્રભાતે દેશની રાજનીતિમાં એક નવી જ ક્રાંતિનો દેદીપ્યમાન પ્રકાશપુંજ નિહાળ્યો.

સમયનું ચક્ર ઝડપથી બદલાશે એવું કોઈએ કલ્પ્યું નહોતું. રાજનીતિ અત્યંત પરિવર્તનશીલ છે.

૧૨૮ વર્ષ જૂની કોંગ્રેસ અને હવે અનેક આટાપાટા ખેલીને પીઢ બની ગયેલી ભારતીય જનતા પાર્ટીને ૧૩ મહિના પહેલાં જ જન્મેલી એક નવજાત શિશુ જેવી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પરિણામો દ્વારા સ્તબ્ધ કરી દીધી છે. દિલ્હીમાં શીલા દીક્ષિતે અત્યંત સુંદર કામો કર્યાં હોવા છતાં આન્ટીની જ હાર થઈ. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો રથ બધે ચાલ્યો પણ દિલ્હી આવીને અટકી ગયો અને તે પણ એક સામાન્ય માનવી દ્વારા. અરવિંદ કેજરીવાલ કોઈ રાજનીતિજ્ઞા પરિવારનું ફરજંદ નથી. કોઈ રાજવી પરિવારમાંથી આવતા નથી. કોર્પોરેટ વર્લ્ડના પ્રિય પાત્ર નથી. સંઘ જેવી સખ્ત વિચારધારાનો તેમને સહારો નથી. તેઓ નથી તો માત્ર હિન્દુઓના નેતા કે નથી તો માત્ર મુસ્લિમોના નેતા. તેઓ નથી તો માત્ર સવર્ણોના નેતા કે નથી તો માત્ર પછાતોના નેતા. નથી તો તેમને મંદિર જોઈતું કે નથી તો તેમને મસ્જિદ. નથી તો તેમને જોઈતી મોટરકાર કે નથી જોઈતી લાલબત્તી. નથી તો જોઈતો બંગલો કે નથી તો પોલીસ. નથી તો તેમને કોઈ ઘમંડ કે નથી તો વેર વાળવાની વૃત્તિ. નથી તો તેમનું વૈભવી જીવન કે નથી તો કોઈ ભપકો. ન ગાળાગાળી કે ન કોઈ વ્યક્તિગત આક્ષેપ. દિલ્હીમાં કોંગ્રેસના ટેકાથી રચેલી સરકાર કેટલું ટકશે એ એક પ્રશ્ન છે,પરંતુ એક વાત નક્કી છે કે અરવિંદ કેજરીવાલે રાજનીતિના તમામ નિયમો બદલી નાંખ્યા છે. પોલિટિકલ ગેઇમની ફેસબુક તેમણે બદલી નાંખી છે.

દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ કેજરીવાલે કરેલું પ્રવચન સરળ અને હૃદયસ્પર્શી હતું એ સીધું તેમના દિલમાં જ પ્રગટેલી એક વાસ્તવિકતા હતી. એમના પ્રવચનમાં લોકોની અપેક્ષાઓનો રણકો હતો. એમના વક્તૃત્વમાં કોઈ નાટયાત્મક શૈલી નહોતી, ભાષાનો વ્યભિચાર નહોતો. ઘમંડનો કોઈ અણસાર નહોતો. સત્તાની કોઈ લાલસા નહોતી. હા,પરંપરાગત રાજનીતિ અને જ્ઞાતિ તથા કોમવાદના સહારે ચૂંટણી જીતવા માગતા રાજકારણીઓથી અલગ થવાનો પ્રયાસ હતો. દિલ્હીના રામલીલા મેદાને જયપ્રકાશ નારાયણથી માંડીને અણ્ણા હજારે જેવા અનેક લોકનાયકોને પ્લેટફોર્મ પૂરું પાડયું છે, પરંતુ અરવિંદ કેજરીવાલની શપથવિધિ વખતે રામલીલા મેદાન પર સફેદ ટોપીઓનો જે મહાસાગર ઉમટયો હતો તે ફરી વાર ગાંધી ટોપીના જમાનાની યાદ અપાવી દે તેવો હતો. આઉટ ઓફ ડેટ થઈ ગયેલી ગાંધી ટોપીને દિલ્હીની આમ આદમી પાર્ટીએ ફરી લોકપ્રિય બનાવી દીધી છે. નરેન્દ્ર મોદીના અડધી બાંયના ઝભ્ભા અને પંડિત જવાહરલાલ નહેરુની બંડીની જેમ આવનારા દિવસોમાં દેશના લાખો બેકાર અને સંઘર્ષ કરી રહેલા યુવાનોમાં ફરી એક વાર નવા અવતારવાળી ગાંધી- આમ આદમી ટોપી લોકપ્રિય થઈ જાય તો નવાઈ નહીં.

સામાન્ય રીતે માનવભીડ એ નેતાઓની લોકપ્રિયતાની પારાશીશી ગણાય છે. શરૂઆતમાં લોકો સ્વયંભૂ આવતા હતા, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી લોકોની ભીડ એકત્ર કરવા બસો મૂકવી પડે છે. ખાસ ટ્રેનો દોડાવવી પડે છે, તૈયાર ભોજન પીરસવું પડે છે અને આ બધા પાછળ કરોડોનો ખર્ચ આવે છે, પરંતુ રામલીલા મેદાનમાં કેજરીવાલની શપથવિધિ વખતે આવેલી માનવભીડ સ્વયંભૂ હતી. એ માનવસમૂહમાં એક બે સૂત્રો ધ્યાન ખેંચે તેવાં હતાં. તેમાં લખ્યું હતું કે ‘આજ કા સીએમ કલ કા પીએમ.’ દેખીતી રીતે જ આમ આદમી પાર્ટીની નજર હવે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ પર છે. રામલીલા મેદાન પર બેઠેલા આમ આદમીની નજર પણ હવે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાની છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સફળતાએ આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ વધાર્યો છે. અલબત્ત, આ દેશનું રાજકારણ અત્યંત જટિલ છે. માત્ર દિલ્હી એ દેશ નથી અને આખો દેશ એ માત્ર દિલ્હી નથી. દિલ્હીમાં જે કારણસર અને જે પેટર્નથી લોકો મતદાન કરે છે એ પેટર્ન પર દક્ષિણનાં રાજ્યો કે નોર્થ ઈસ્ટનાં રાજ્યો કે ગ્રામ્ય વિસ્તારો મતદાન કરતાં નથી. આમ આદમી પાર્ટી હજુ શહેરો અને ઉપનગરોની જ પાર્ટી બની શકી છે તે એની મર્યાદા હશે.હા, તે ગેઇમ ચેન્જર જરૂર બની શકે છે. દેશની ચીલાચાલુ ૧૧ જેટલી રાષ્ટ્રીય અને બીજી ૧૦૦ જેટલી નાની અને પ્રાદેશિક પાર્ટીઓનો વિકલ્પ જરૂર બની શકે છે. આ દેશને માત્ર હિન્દુઓની, માત્ર સવર્ણોની, માત્ર લઘુમતીઓની કે માત્ર પછાત વર્ગોની પાર્ટીની જરૂર નથી. આમ આદમીમાં બધાં જ આવી જાય છે. હિન્દુઓમાં પણ ગરીબી છે. મુસલમાનોમાં પણ ગરીબી છે. સવર્ણોમાં પણ ગરીબી છે અને પછાત વર્ગોમાં પણ ગરીબી છે. એ બધાં જ બેકારી અને ભ્રષ્ટાચારનો ભોગ બનેલા છે. બધાંને મોંઘવારી નડે છે. મોંઘીદાટ વીજળી અને પેટ્રોલ પરવડતાં નથી. થોડાક ધનાઢયો અને અમીરોના પ્રતિનિધિ તરીકે લોકસભામાં કે વિધાન સભામાં બિરાજતા રાજકારણીઓની હવે જરૂર નથી. લોકોને દેશમાં અમીર આદમીની પાર્ટીઓ નહીં, પરંતુ આમ આદમીની પાર્ટીની જરૂર છે. એ અપેક્ષાએ જ દિલ્હીની જનતાએ એક આમ આદમી પર ભરોસો મૂક્યો છે. એ વાત સાચી કે એક અરવિંદ કેજરીવાલ આવનારા દિવસોમાં હજારો કેજરીવાલ પેદા કરશે. આવનારા દિવસોમાં એક જબરદસ્ત રાજકીય ક્રાંતિ જોવા મળશે, પરંતુ એ યાદ રહે કે અરવિંદ કેજરીવાલનો માર્ગ કઠિન છે. રસ્તામાં અનેક કાંટા અને પથ્થરો છે. તેમણે આપેલાં વચનોમાં વાસ્તવિકતા ઓછી અને સ્વપ્નાંઓ વધુ છે. એ સ્વપ્નાંઓ પૂરાં કરવાનું કામ અત્યંત મુશ્કેલ છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી. દિલ્હીના મુખ્યમંત્રીઓ પાસે પોલીસ કે ગૃહખાતું નથી. દિલ્હીની જમીનો પણ તેમને હસ્તક નથી. પાઈ પાઈ માટે તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ જવું પડશે.વીજળી પેદા કરતી પ્રાઈવેટ કંપનીઓના માલિકોનો તેમને સાથ નહીં હોય. દિલ્હીમાં પાણીનું વિતરણ જલ માફિયાઓના હાથમાં છે. વળી કોંગ્રેસે માત્ર વ્યૂહાત્મક ટેકો જ આપ્યો છે. ભાજપ કે કોંગ્રેસ એમ બેઉ રાજકીય પક્ષો માટે અરવિંદ કેજરીવાલ એક આડખીલી છે. એ બંને તેમને નિષ્ફળ બનાવવા પ્રયાસ કરશે. એ જ રીતે કેજરીવાલના બધા જ સાથીઓ કેજરીવાલ જેવા સ્વચ્છ રહેશે કે કેમ તેની ખબર નથી. કુમાર વિશ્વાસે તો અત્યારથી જ રાહુલ ગાંધીને હરાવી દીધા હોય તેવા મિજાજથી વાતો કરે છે. કોંગ્રેસ ભલે અત્યારે બેકફૂટ પર હોય પરંતુ નહેરુ-ગાંધી પરિવારનો પણ એક ચાહકવર્ગ છે. રાજનીતિમાં કોંગ્રેસ એક પીઢ અને ઓલ્ડ પ્લેયર છે. નરેન્દ્ર મોદી એટલા જ મોટા ખેલાડી છે, એટલે કેજરીવાલના સહયોગીઓએ ઉન્માદમાં આવી જવાના બદલે લોકોને આપેલાં વચનો પૂરાં કરવા ભગીરથ કામગીરી શરૂ કરવી પડશે. ૨૦ મિનિટની મુલાકાત બદલ લાખોની ફી વસૂલતા ધારાશાસ્ત્રીઓથી દૂર રહેવું પડશે.

હા, એટલું તો કહી શકાય કે ૨૦૧૪ના પ્રભાતે દૂર ક્ષિતિજમાં એક નવો તારો જરૂર જન્મ્યો છે. 

www.devendrapatel.in

મોદી, રાહુલ, કેજરીવાલના કાપાકાપીથી ભરેલા દાવપેચ

મોદી, રાહુલ, કેજરીવાલના કાપાકાપીથી ભરેલા દાવપેચ

આજે મકરસંક્રાતિ છે.

આગામી ત્રણથી ચાર મહિના સુધી ચાલનારી નેતાઓની પતંગ સ્પર્ધા અને પેચ કેવા હશે ?

આમ જનતા માટે તો આજે ઉત્તરાયણ અને કાલે વાસી ઉત્તરાયણ છે, પરંતુ દેશના રાજકીય નેતાઓ માટે એપ્રિલ અને મે મહિના સુધી રાજકીય પેચ લડાવવા માટેનો પતંગોત્સવ છે. કોઈની પાસે સાંકળ આઠ દોરી છે, તો કોઈની પાસે ખતરનાક ચાઈનીઝ દોરી છે. કોઈની પાસે ભગવો પતંગ છે, તો કોઈની પાસે લીલો પતંગ છે. કોઈની પાસે ટુક્કલ છે, તો કોઈની પાસે લંગરિયું છે. દરેકની પાસે ફિરકી પકડનારા અને કપાયેલો પતંગ લૂંટનારાઓેની ફોજ પણ છે. આગામી ત્રણ ચાર મહિના રાજકીય પતંગોની કાપાકાપીથી ભરપૂર હશે.

રાહુલનો પતંગ

કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી છેલ્લા ૧૦ વર્ષથી આકાશમાં સ્થિર થયેલો ડો. મનમોહનસિંહનો પતંગ હવે તેઓ ખુદ ઉતારી લેવાના મૂડમાં છે. દિગ્વિજયસિંહ, જનાર્દન દ્વિવેદી અને મધુસૂદન મિસ્ત્રી રાહુલ ગાંધીનો પતંગ ચગાવવા મથી રહ્યા છે. કોઈ કહે છે કે રાહુલ ગાંધી કરતાં પ્રિયંકા ગાંધીનો પતંગ જલ્દી ચડશે . અલબત્ત, પ્રિયંકાને ભાઈનો જ પતંગ ચડે તેમાં રસ છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધીની ફિરકી પકડવા માંગતા નેતાઓ દરેક રાજ્યોમાં અલગ અલગ ચોકો જમાવી અંદરોઅંદર લડી રહ્યા છે.કોંગ્રેસને લાગે છે કે હાલ તેમને અનુકૂળ પવન નથી, છતાં ચૂંટણી પહેલાં કોઈ મોટો દાવ ખેલી શકે છે. રાહુલે નિષ્ફળ નેતાઓને સલાહકાર તરીકે રાખીને મોટી ભૂલ કરી છે એમ કેટલાંકને લાગે છે, પરંતુ રાહુલને એ સત્ય વાત કોઈ કહી શક્તું નથી એ એમની કબનસીબી છે.

મોદીનો પેચ

ભાજપાને લાગે વળગે છે ત્યાં સુધી નરેન્દ્ર મોદી હાલ તો લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, ડો. મુરલી મનોહર જોશી, રાજનાથસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, નીતિન ગડકરી અને અરુણ જેટલી જેવા અનેક સાથીઓના જ પતંગ કાપીને પોતાનો પતંગ મધ્ય આકાશમાં સ્થિર કરી ચૂક્યા છે. તેમણે પોતાની ફિરકી રાજનાથસિંહ, નીતિન ગડકરી અને અરુણ જેટલીને પકડાવી દીધી છે. મોદી જ્યારે પણ કોઈનો પતંગ કાપે છે ત્યારે સ્મૃતિ ઈરાની અને મીનાક્ષી લેખી તમામ તબક્કે તાળીઓ પાડવા અને મોદીના પતંગો સાથે કોઈ પેચ લડાવે ત્યારે વાંધા ઉઠાવવા ધાબા પર હાજર જ છે. મોદી અનેકના પતંગ કાપી રહ્યા છે, પરંતુ સુષ્મા સ્વરાજ અને અડવાણી તાળીઓ પાડવા તૈયાર નથી. હમણાં હમણાં રાજ ઠાકરે લંગસિયું નાંખવા પ્રયાસ કરી રહ્યા છે.

આમ પતંગ

મોદીનો પતંગ મધ્ય આકાશે લહેરાઈ રહ્યો હતો ત્યાં જ અરવિંદ કેજરીવાલનો ‘આમ પતંગ’ દિલ્હીના આકાશ પર લહેરાઈ રહ્યો છે. મોદી તેમના ધાબા પરથી રાહુલના પતંગ પર ગોથા ખવરાવે છે, પરંતુ આમ આદમીના પતંગ સાથે પેચ લડાવતા સાવધાની રાખે છે. કેજરીવાલના પતંગને મીડિયાવાળા વધુ દર્શાવતા હોઈ, મોદીએ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. આમ આદમીનો પતંગ પ્રમાણમાં નાનો છે અને સાદો છે, પરંતુ તેની સાથે પેચ લડાવવાથી દૂર રહેવાની કૂટનીતિ મોદીએ અપનાવી છે. કેજરીવાલ પણ ઉસ્તાદ પતંગબાજ લાગે છે. ટોપી પહેરે છે, મફલર કાઢતા નથી, ખાંસતા જાય છે, અને સત્તા જોઈતી નથી એમ કહીને પણ રહસ્યમય રીતે સત્તા હાંસલ કરતા જાય છે. ઘણા તેમને માસ્ટર ટેક્નિશિયન કહે છે. તો પણ તેમને ‘ડોન્ટ કેર માસ્ટર’ કહે છે. મોદીનો પતંગ હાઈપ્રોફાઈલ છે, પણ કેજરીવાલનો પતંગ લો પ્રોફાઈલ છે. મોદીએ વડાપ્રધાન પદના પોતે જ ઉમેદવાર છે તેવી જાહેરાત પક્ષ પાસે કરાવી દીધી, પરંતુ કેજરીવાલ ખુદ પીએમ પદના ઉમેદવાર હોવા છતાં લોકો તેમની પર દબાણ કરે તેવા ખેલ ખેલી રહ્યા છે. રાહુલ ગાંધી અને મોદીના એમ બંનેના પતંગોએ કેજરીવાલના સામ્યવાદી મોડેલના પતંગથી સાવચેતી રાખવાની જરૂર છે.

અણ્ણાનો અસલી રંગ

રાલેગાંવ સિદ્ધી ખાતે બેઠેલા અણ્ણા હઝારે પણ આ પતંગસ્પર્ધામાં રસ લઈ રહ્યા છે. તેમની જ ટીમના પૂર્વ સદસ્ય કેજરીવાલનો પતંગ ચડેલો જોઈ અણ્ણાએ પણ હવે કિરણ બેદીને મોદીના પતંગની ફિરકી પકડવા મોકલી આપ્યાં છે. ઘણા વખતથી કહેવાતું હતું કે અણ્ણા ભાજપના સમર્થક છે, તે હવે તેમણે કિરણ બેદીના ભાજપમાં મોકલી સિદ્ધ કરી દીધું છે. અણ્ણા સફેદ ટોપી પહેરે છે પરંતુ તેની ભીતરનો અસલી રંગ ભગવો છે. કેજરીવાલના શાયર સાથી કુમાર વિશ્વાસ રાહુલ ગાંધી તો પતંગ કાપવા અત્યારથી જ ઠુમકા મારી રહ્યા છે, અલબત, તેમને કોણ કહે કે, માત્ર કવિતાઓ કે શેરો શાયરી બોલવાથી રાજકીય પતંગ ના ચગે. કુમાર વિશ્વાસની ભાષામાં દિલ્હીના પરિણામોનું ગુમાન વધુ અને નમ્રતા ઓછી છે. તેમને આજે નહીં સમજાય કે રાજનીતિ કેટલી અનિર્ણાયકતાથી ભરપૂર છે.

કોંગ્રેસના દાવપેચ

આ પતંગોત્સવમાં બહારથી હતાશ દેખાતી કોંગ્રેસ પાસે અંદરથી ગજબના વ્યૂહરચના ખેલી રહ્યા છે. દિલ્હીમાં જેમ તેણે ભાજપાને સત્તા પર આવતાં રોકવા પોતાને જ ગાળો દેનાર આમ આદમી પાર્ટીને ટેકો આપી દીધો, તે રીતે નરેન્દ્ર મોદીને સત્તા પર આવતાં રોકવાની રણનીતિ બનાવી લીધી છે. નરેન્દ્ર મોદીનો પતંગ કાપવા કોંગ્રેસે તામિલનાડુના જયલલિથા, પશ્ચિમ બંગાળના મમતા બેનરજી અને ઉત્તરપ્રદેશના માયાવતીને તેમનો પતંગ ચગાવવા દોરી અને ફિરકી બધું જ બક્ષવાની ઓફર કરી છે. મમતા દીદી,બહેન માયાવતી અને અમ્મા જયલલીથા એ બધાં જ વડાપ્રધાન બનવા માંગે છે. કોગ્રેસને પોતાનો પતંગ ના ચગે તો પોતાની પાસે વધેલી દોરી આ ત્રણેય જણને આપવા ગોઠવણ કરવા માંડી છે. કહેવાય છે કે બુટાસિંહ, ગુલામનબી આઝાદ અને અહેમદ પટેલ પહેલાંથી જ આ એજન્ડા પર કામ કરી રહ્યા છે. ગુલામનબી આઝાદ અને અહેમદ પટેલ મમતાના સંપર્કમાં છે. અને માયાવતીના પણ સંપર્કમાં છે. તે બધાં જયલલીથા સાથે પણ બેક ચેનલ વાતચીત કરી રહ્યા હોવાનું કહેવાય છે. આ ત્રણેય સન્નારીઓ ભાજપાને સમર્થન ના કરે અને તેઓ કોંગ્રેસના સમર્થનથી ‘સામ્રાજ્ઞાી’ બની શકે છે તેવું તેમને સમજાવવામાં આવી રહ્યું છે. ત્રણેય મહિલાઓ મહત્ત્વાકાંક્ષી છે. મે- મહિનામાં કોનો પતંગ સ્થિર થાય છે તે જોવું રહ્યું.

બાકી, બિહારમાં નીતિશકુમારનો પતંગ ગોથા ખાઈ રહ્યો છે. લાલુનો પતંગ ચગશે ખરો પણ એટલો ઊંચે નહીં. ઉત્તરપ્રદેશમાં અખિલેશ અને મુલાયમનો પતંગ ચગેલો ગોથાં ખાય છે અને તે ગમે ત્યારે નીચે આવી જશે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં મોદીનો પતંગ ચગશે, પણ કેજરીવાલ, માયા, મમતા અને જયલલીથાના પતંગોથી તેમણે કાળજી લેવી પડશે.

બાકી, આજના અને કાલના પતંગપર્વ કરતાં મોટું અને રાજનીતિના દાવપેચથી ભરપૂર પતંગપર્વ ત્રણ- ચાર મહિના ચાલવાનું છે.

એન્જોય ઈટ.

મહિલા સફાઈ કર્મચારીની પુત્રી દિલ્હીમાં મંત્રી બની

કભી કભી – દેવેન્દ્ર પટેલ
  • મારું ઘર ચોવીસે કલાક દિલ્હીની જનતા માટે હંમેશા ખુલ્લું રહેશે
  • રાખી બિરલાને તેમનાં માતા-પિતા આ દુનિયામાં લાવવા માગતાં નહોતાં

નામ છે રાખી બિરલા, પરંતુ રાખી દેશના એ જાણીતા ઔદ્યોગિક પરિવારનું ફરજંદ નથી. રાખી એક દલિતની દીકરી છે. ૨૬ વર્ષની જ છે. રાખી અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટીની સક્રિય સભ્ય છે અને દિલ્હી વિધાનસભામાં ચાર ટર્મથી ચૂંટાતા અને શીલા દીક્ષિત સરકારના જાહેર બાંધકામ ખાતાના મંત્રી રાજકુમાર ચૌહાણને ૧૦,૦૦૦ મતોની સરસાઈથી હરાવીને ચૂંટાઈ આવી છે.

મહિલા સફાઈ કર્મચારીની પુત્રી દિલ્હીમાં મંત્રી બની

રાખીની અટક ‘બિરલા’ કેમ થઈ ગઈ તે પણ જાણવા જેવું છે. રાખી દિલ્હીની એક સામાન્ય સ્કૂલમાં ભણતી હતી. તેના પિતાનું નામ ભૂપેન્દ્રસિંહ બિધલાન છે, પરંતુ ધોરણ-૧૦ના ર્સિટફિકેટમાં શાળાના શિક્ષકે રાખી બિધવાન લખવાના બદલે ભૂલથી રાખી બિરલા લખી નાખ્યું અને તે પછી તે રાખી બિધલાનના બદલે રાખી બિરલા બની ગઈ.

રાખી બિરલા હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મંત્રીમંડળની સૌથી યુવાન સભ્ય છે. તે પણ એક ચમત્કાર છે. રાખીનો પરિવાર દિલ્હીના મંગોલપુરી વિસ્તારના એક સામાન્ય મકાનમાં રહે છે. તેમાં એરકન્ડિશનર જેવી કોઈ સુખ-સુવિધાઓ નથી. ઘર પણ સામાન્ય રંગથી રંગાયેલું છે. રાખીના મંત્રી બનવાથી આખો મહોલ્લો ખુશ છે. એના ઘર સુધી પહોંચવા સાંકડી ગલીઓમાં થઈ પસાર થવું પડે છે. આમઆદમી પાર્ટીના મંત્રીઓ સરકારી મોટરકાર વાપરવાના નથી અને આમેય રાખીના ઘર આગળ મોટરકાર મૂકવા જગા નથી. રાખીની માતા પણ સામાન્ય વસ્ત્રો જ પહેરે છે અને સામાન્ય જીવન જીવે છે.

નોંધનીય વાત એ છે કે, રાખી બિરલાના માતા-પિતા રાખીને આ દુનિયામાં લાવવા માંગતા જ નહોતા. તેના પિતા ભૂપેન્દ્રસિંહ બિધલાન કહે છે : “અમારે ત્રણ સંતાનો તો હતાં જ. એ પછી રાખીની મમ્મી ગર્ભવતી થઈ, પરંતુ તે અમારું આયોજન બહારનું બાળક હતું. અમારી આર્થિક હાલત સારી ના હોઈ અમે ચોથું સંતાન લાવવા માગતા નહોતા. એ પછી ગર્ભપાત કરાવવા અમે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે રાખીની મમ્મીને કોઈ દવા લખી આપી. એ દવા લીધા પછી પણ તેની કોઈ જ અસર ના થઈ. ડોક્ટરે ઓપરેશન કરી ગર્ભપાત કરાવવા કહ્યું, પરંતુ દવા પછી પણ ગર્ભપાત ના થતાં નાના બાળકનો ગર્ભપાત કરાવવાનો નિર્ણય અમે ટાળી દીધો અને તે પછી જે બાળકી જન્મી તે રાખી. રાખીનો જન્મ જ તેની મજબૂત ઇચ્છાશક્તિનું પ્રતીક છે. અમારે હવે જે ચાર સંતાનો છે, તેમાં મોટી દીકરીનું નામ સોનુ છે. એ પછીના પુત્રોના નામ વીરેન્દ્રસિંહ અને વિક્રમસિંહ છે. હવે ચોથી દીકરી રાખી સૌથી નાની છે.

દલિત પરિવારમાં જન્મેલી રાખીના પિતા ભૂપેન્દ્રસિંહ પણ સામાજિક કાર્યકર હતા. જ્યારે તેની માતા એક સરકારી શાળામાં સફાઈ કામદાર હતી. રાખી પણ એની માતા જે સ્કૂલની સાફસફાઈનું કામ કરતી હતી તે જ સ્કૂલમાં ધોરણ-૧૨મા સુધી ભણી. આ આખો પરિવાર રાધાસ્વામીનું અનુયાયી છે. રાખીના પિતાને એકવાર કામ કરતાં કરતાં ઇલેક્ટ્રિકનો શોક લાગી જતાં તેઓ કામ કરવાને યોગ્ય રહ્યા નહીં તેથી રાખીની માતાની આવક પર જ આખું ઘર નભતું હતું. રાખીની માતા ત્રણ-ચાર હજાર રૂપિયા જ મહિને કમાતી હતી અને તે આવક પર પરિવારનું પોષણ થતું હતું.

રાખીની માતા શીલા બિધવાન કહે છે : “મને મારી જ્ઞાતિ કે આર્થિક હાલત માટે કોઈ શરમ નહોતી અને એ કારણે અમને અમારા મોટા સ્વપ્નોમાં કોઈ જ વિઘ્ન નડયું નહોતું. હું તો મારી દીકરીને ભણાવવા જ માગતી હતી.”

દિલ્હીની સરકારી શાળામાં જ ૧૨મું ધોરણ પાસ કર્યા બાદ રાખી દિલ્હી યુનિર્વિસટી સંલગ્ન શિવાજી કોલેજમાં દાખલ થઈ અને તે પછી પત્રકારત્વના વિષયમાં હિસ્સાર યુનિર્વિસટી સાથે સંકળાયેલી એક ઇન્સ્ટિટયૂટ દ્વારા માસ્ટર ડિગ્રી હાંસલ કરી. પત્રકારત્વની ડિગ્રી હાંસલ કર્યા બાદ તેઓ દિલ્હીની એક સ્થાનિક ન્યૂઝ ચેનલમાં તાલીમીપત્રકાર તરીકેની કામગીરી શરૂ કરી. આ કામગીરી દરમિયાન તેને બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓનું કવરેજ કરવાનું કામ સોંપવામાં આવ્યું. એ વખતે દિલ્હીમાં જંતરમંતર ખાતે અણ્ણા હઝારે ઇન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન ઝુંબેશ ચલાવતા હતા, જેમાં અરવિંદ કેજરીવાલ પણ સહભાગી હતા. અણ્ણા હઝારે અને કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનની તેના માનસપટ પર ગહેરી અસર થઈ. તે પછી દિલ્હીમાં નિર્ભયા પર સામૂહિક બળાત્કારની ઘટનાનું કવરેજ તેને સોંપવામાં આવ્યું. આ ઘટનાની સંવેદના પણ તેને સ્પર્શી ગઈ અને એ પછી એણે ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ અને સ્ત્રીઓની સલામતી માટે કામ કરવાનો નિર્ણય કર્યો. એ ઘટનાઓનું રિર્પોર્ટિંગ કરતાં કરતાં જ તેના વ્યક્તિત્વમાં પરિવર્તન આવી ગયું અને તેણે જાહેર જીવનમાં જોડાવાનું નક્કી કરી લીધું.

રાખી બિરલા કહે છે : “તમારે સમાજ જીવનમાં પરિવર્તન લાવવું હોય તો તેના ભાગરૂપી બની તેની પ્રક્રિયામાં ભાગ લેવો જ પડે. માતા-પિતા પણ સામાજિક કાર્યકર હતા અને મારા દાદા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા. કદાચ એ સંસ્કારના કારણે જ મેં અણ્ણા હજારેના આંદોલનમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.”

અત્રે નોંધવા જેવી એક વાત એ છે કે, તે સફળ પત્રકાર બનવા માગતી હતી ત્યારે એક અહેવાલ પ્રમાણે રાખી બિરલાએ પત્રકારત્વની તાલીમ દરમિયાન પ્રાઈવેટ ચેનલ પાસે મોબાઈલ ફોનના એલાઉન્સ માટે રૂ. ૩૦૦ની માગણી કરી, પરંતુ ચેનલના સંચાલકે રાખીને એ એલાઉન્સ આપવાનો ઇનકાર કરી દેતાં રાખી બિરલાએ નોકરી છોડી દીધી અને તે પછી તે અણ્ણા-કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો એક અભિન્ન હિસ્સો બની ગઈ હતી.

અને હવે તે દિલ્હી વિધાનસભામાં કેજરીવાલના મંત્રીમંડળની એક સભ્ય છે.

કેજરીવાલ મંત્રીમંડળમાં મંત્રી બન્યા બાદ તેના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. તે કહે છે : “અમે રાજનીતિ અને તંત્રમાં પરિવર્તન લાવવા માગીએ છીએ.”

“શું તમારી ઓછી વયના કારણે બડા બડા બાબુઓ તમને રિર્પોર્ટિંગ કરશે ખરા ?” એ પ્રશ્નના જવાબમાં રાખી બિરલા કહે છે : “જો તમે પ્રામાણિક હોવ અને તમને તમારી જાતમાં આત્મવિશ્વાસ હોય તો કોઈની તાકાત નથી કે કોઈ તમને બાળક સમજે.”

રાખી કહે છે : “હું મંત્રી ભલે બની, પરંતુ આજે પણ પાર્ટીની સ્વયંસેવિકા જ છું. મારું ઘર ૨૪ કલાક જનતા માટે ખુલ્લું રહેશે. કોઈપણ વ્યક્તિ તેની સમસ્યાને લઈ મારી પાસે આવી શકે છે. હું જાણું છું કે, ખાનગી સ્કૂલોની સરખામણીમાં સરકારી સ્કૂલોનું શિક્ષણ સ્તર નીચું છે. આ સ્તર સુધારવા અમે એક યોજના બનાવી છે. એ જ રીતે દિલ્હીમાં મહિલાઓની સલામતી માટે કમાન્ડો ફોર્સ બનાવવામાં આવશે, તેમાં નિવૃત્ત લશ્કરી અધિકારીઓની ભરતી કરાશે અને એ ફોર્સ તમામ વોર્ડોમાં તૈનાત કરાશે.

રાખી બિરલાએ ચૂંટણી લડતાં પહેલાં તેની સંપત્તિ જાહેર કરી છે જેનો આંકડો છે માત્ર રૂ. ૫૧ હજાર. આજે તો ઘણાં રાજ્યોના મંત્રીઓ પાસે રૂ. ૨૦-૨૦ હજાર કરોડની સંપત્તિ છે ત્યારે રાખી બિરલાની સંપત્તિની રકમ તો ગરીબની વ્યાખ્યામાં જ આવે. લાગે છે કે, દેશની રાજનીતિમાં એક જબરદસ્ત પરિવર્તનની હવા ફુંકાઈ રહી છે.

ઓલ ધી બેસ્ટ, રાખી.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

એ છાપરાની અંદર કન્યા ભડભડ બળી રહી હતી !

કભી કભી – દેવેન્દ્ર પટેલ
  • ‘એ લોકોએ મારી દીકરીના બદલે મને જ સળગાવી દીધી હોત તો સારું હતું’

તા. ૧૬ ડિસેમ્બરના રોજ દિલ્હીમાં થયેલી સામૂહિક બળાત્કારની ઘટના બાદ તેના એક વર્ષ પછી પણ દિલ્હીમાં જ બળાત્કારની ઘટનાઓમાં ૬.૪ ટકાનો વધારો થયો છે. ઉત્તરનાં રાજ્યોમાં ૧૫ જેટલા ઘાતકી બળાત્કાર થયા છે, તેમાંથી પાંચ ઘટનાઓ નોર્થ ઈસ્ટની છે. ૧૬મી ડિસેમ્બરના એક વર્ષ પછી ઓરિસ્સામાં બે અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં ૭ જેટલા સામૂહિક બળાત્કારના કિસ્સા નોંધાયા છે.૨૦૧૨ પછી છેડતીના કેસોમાં ૧૭ ટકાનો વધારો થયો છે.

એ છાપરાની અંદર કન્યા ભડભડ બળી રહી હતી ! નિર્ભયા પર બળાત્કારની ઘટના બાદ બળાત્કાર પછી હત્યા કરી દેવાના પાંચ કેસ દિલ્હીમાં નોંધાયા છે. નિર્ભયા પર બળાત્કાર અને તેના મૃત્યુને ૧૨ મહિના થયા તે પછી આજે પણ તેની માતા આશાદેવી રાત્રે ઊંઘી શક્તી નથી. તે રાતે આંખ બંધ કરીને સૂઈ જાય છે, પણ માંડ બે કલાક તે ઊંઘી શકે છે. પોતાની દીકરી સાથે જે ભયંકર ઘટના ઘટી તેની પીડામાંથી તે આજે પણ બહાર આવી શકતી નથી. તેઓ કહે છેઃ ”મારે સરકાર પાસેથી કાંઈ જોઈતું નથી. ના પૈસા કે ના બીજું કાંઈ. કોર્ટનો જે ચુકાદો આવ્યો છે તેથી હું ખુશ છું. લોકો અમને મદદ કરી રહ્યા છે તેથી પણ હું ખુશ છું, પરંતુ અમારું દુઃખ કોઈ દૂર કરી શકે તેમ નથી. મારી દીકરીને કોઈ પાછી લાવી શકે તેમ નથી. અમારી જિંદગી પહેલાં જેવી હતી તેવી ફરી કદી પાછી આવી શકે નહીં!

નિર્ભયાની માતા આશા દેવી બાવન વર્ષની વયની એક દુઃખીયારી માતા છે. ઉત્તર પ્રદેશ બલિયાથી થોડાક જ કિલોમીટર દૂર આશા દેવી દીકરીની યાદમાં ઝુરી રહી છે ત્યારે એજ ગામથી થોડાક કિલોમીટર દૂર બીજી એક માતા પણ એવા દુઃખમાંથી પસાર થઈ રહી છે. ઉત્તર પ્રદેશના તિલકારી નામના ગામની એક માતા તેની ૧૩ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીઓને પકડી તેમને જેલ ભેગા કરવા માંગ કરી રહી છે. સગીરવયનાં પાંચ છોકરાઓ એ ૧૩ વર્ષની બાળકીને ખેતરમાં ખેંચી ગયા હતા અને તેની પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ તેને સળગાવી દીધી હતી. એક શેડમાં તે ભડભડ બળી રહી હતી ત્યારે છાપરાની ઉપર ઉડતા ધૂમાડા જોઈ કેટલાક લોકોને આશ્ચર્ય થયું હતું. લોકોએ છોકરાઓને પૂછયું કે છાપરાની અંદર શું સળગી રહ્યું છે, ત્યારે બળાત્કાર ગુજારનાર છોકરાઓએ કહ્યું કે, છાપરાની અંદર સુકા પાંદડાં સળગાવવામાં આવ્યા છે. હકીકતમાં અંદર ૧૩ વર્ષની બાળકી સળગી રહી હતી. છાપરા પરથી નીકળતા ધૂમાડાની ઘટનાના ચાર કલાક બાદ ગામના વડીલોને કુતૂહલ થતાં તેમણે છોકરાઓને ખેતરના છાપરાના બારણાં ઉઘાડવા ફરજ પાડી. ના છૂટકે એ બળાત્કારીઓએ છાપરાનું બારણું ખોલ્યું ત્યારે જ ખબર પડી કે ૧૩ વર્ષની એ બાળકીનો સળગી ગયેલો મૃતદેહ જ અંદર પડયો હતો.

એ બાળકીની માતા કહે છેઃ ”મારી દીકરી ખૂબ સુંદર અને રમતિયાળ હતી. એ દિવસે કલાકો સુધી એ ઘરે ના આવી તેથી અમને ચિંતા થતી હતી. એ દરમિયાન જ ગામના સરપંચે અમને બોલાવ્યા અને ખેતરના છાપરામાં સળગી ગયેલા મૃતદેહને જોઈ ઓળખવા કહ્યું. અમને લાગ્યું કે, સરપંચ અમારી ક્રૂર મશ્કરી કરી રહ્યા છે. છતાં અમે ઘટના સ્થળે પહોંચ્યા. અંદર જઈને એ પહેલાં તો આ પાંચેય છોકરાઓએ ગુનો કબૂલ કરી લીધો હતો કે, ”હા, એ તમારી જ દીકરી છે. તેની ઉપર બળાત્કાર કરી અમે જ તેને સળગાવી દીધી છે. અમારે હવે ઓળખવિધિ કરવા જેવું કાંઈ બાકી રહ્યું નહોતું. અમારી બાળકીના શરીરની રાખ થઈ ગઈ હતી. તેનો મોટા ભાગનો દેહ બળીને ખાખ થઈ ગયો હતો. તેની અંતિમક્રિયા કરવા જેવું કાંઈ બચ્યું નહોતું.”

પીડિતાની માતા કહે છેઃ ”આ ઘટનાથી દ્રવિત થઈ ગયેલા બાળકીના પિતા ગામ છોડીને જતા રહ્યા. હવે હું એકલી જ આ ગામમાં રહીને મારી મૃત દીકરી માટે લડી રહી છું. મારી દીકરીના બદલે એ લોકોએ મને જ જીવતી સળગાવી દીધી હોત તો વધુ સારું.”

દીકરીની માતાનું નામ નીરુપમા ગુહા છે. તેઓ કહે છેઃ ”૧૪ મહિના પહેલાં દિલ્હીમાં ગેંગ રેપના કેસનો ભોગ બનેલી નિર્ભયા માટે દિલ્હી અને આખા દેશે જે ઝુંબેશ ઉપાડી લીધી તેવી જ ઝુંબેશ દેશના લોકો મારી દીકરી માટે પણ ઉપાડી લે.”

દિલ્હીમાં નિર્ભયા પરના સામૂહિક બળાત્કારની ઘટના બાદ દેશમાં બળાત્કારના કેસ વધ્યા છે અને બળાત્કાર સાથે હત્યા અને હિંસાની ઘટનાઓ પણ વધી છે. ૧૦ વર્ષથી નાની વયની દીકરીઓ પર પણ બળાત્કારની ઘટનાઓ વધી છે. દિલ્હીની સફદરગંજ હોસ્પિટલના તબીબ ડો. બી.ડી. અથાની કહે છેઃ ”૨૩ વર્ષની નિર્ભયા પર બળાત્કાર એટલી ઘાતકી રીતે કરવામાં આવ્યો હતો કે જેનું વર્ણન હું કરી શકું તેમ નથી. પરંતુ મને આઘાત એ વાતનો છે કે, એપ્રિલ, ૨૦૧૩ અને સપ્ટેમ્બર, ૨૦૧૩માં મારી પાસે બીજા બે બળાત્કારના કેસ આવ્યા તે કેસો ૧૦ વર્ષથી નાની કન્યાઓના હતા અને અમે એમની હાલત જોઈ આઘાતમાં સરી ગયા હતા કારણ કે એ પીડિતાઓ પર શસ્ત્રક્રિયા કરવી પણ મુશ્કેલ હતી. તેમાંથી હરિયાણાની આઠ વર્ષની એક બાળકીને અમે બચાવી શક્યા નહીં, પરંતુ ૧૦ વર્ષની બીજી બાળકીની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં એ બાળકી પર ૨૧ વખત શસ્ત્રક્રિયા થઈ ચુકી છે.”

આઠ વર્ષની એ બાળકી મોરાદાબાદની હતી. સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તેના જ કાકા દ્વારા એ બાળકી પર ઘાતકી રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તે બેભાન થઈ જાય એટલી હદે તેને લોહીલુહાણ કરી દેવામાં આવી હતી. હકીકત એવી હતી કે એ બાળકીના કાકા કેટલાયે દિવસથી એ બાળકીને સતાવતા હતા. એક વાર બળાત્કાર કર્યા બાદ તે લોહીલુહાણ થઈ ગઈ હતી. એ પછી પણ એણે બાળકી પર અકુદરતી સેક્સ માણ્યું હતું. દીકરી ઘરે ના આવતાં તેના માતા-પિતાએ દીકરીની શોધ શરૂ કરી હતી. છેક સાંજે નવી બની રહેલા ફલેટોની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી તેમની દીકરી નગ્ન હાલતમાં મળી આવી હતી. તેનો દેહ ક્ષત-વિક્ષત થઈ ગયેલો હતો. શરીરમાંથી અને મોંમાંથી લોહી બહાર આવતું હતું. બાળકીની યોનિને બળાત્કાર કરનાર એના કાકાએ વ્યક્તિએ સેફટી પીનથી સાંધી લીધી હતી. એ બેભાન હતી. તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને હોસ્પિટલમાં દાખલ કરાયાના ૪૮ કલાક બાદ તે મૃત્યુ પામી. એની પર બળાત્કાર ગુજારનાર તેનો સગો કાકો ભાગી ગયો છે.

નેશનલ ક્રાઈમ બ્યૂરોના આંકડા અનુસાર ૨૦૧૧-૨૦૧૩ દરમિયાન ૧૦ વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકો સાથેની હિંસાની ઘટનાઓમાં એકાએક વધારો થયો છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસ્સા જેવાં રાજ્યોમાં ૧૦ વર્ષથી ઓછી વયની બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓમાં ૩૨ ટકાનો વધારો થયો છે. દેશના ઉત્તરી વિસ્તારોમાં દર બે દિવસે એક સગીર બાળકી પર બળાત્કાર થાય છે. તે પૈકી બાવન ટકા કેસો તો પોલીસ સુધી જતા જ નથી. લોકો એટલા ગરીબ, અશિક્ષિત અને પછાત છે કે તેઓ પોલીસસ્ટેશને ફરિયાદ કરવા જતા જ નથી.

એપ્રિલ ૨૦૧૩માં દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની એક બાળકીને તાબડતોબ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે છેલ્લા શ્વાસ લઈ રહી હતી. આ બાળકીને ૨૫ વર્ષની વયના એક માણસે અને તેના મિત્રએ એક રૂમમાં ત્રણ દિવસ સુધી પૂરી રાખી હતી. ઘટના એવી હતી કે મનોજ શાહ નામના એક યુવકે આ કન્યા તેના ઘરની બહાર રમતી હતી ત્યારે તેનું અપહરણ કર્યું હતું અને તેમના ફલેટમાં રાખી મનોજ શાહ અને તેના મિત્રએ તે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. તે પછી એ બાળકીના અંગમાંથી વહેતા લોહીના સ્ત્રાવને બંધ કરવા ૧૦૦ એમએલ માથામાં નાંખવાનું હેરઓઈલ રેડયું હતું અને મીણબત્તીના મીણથી એ રક્તસ્ત્રાવ બંધ કરવા કોશિશ કરી હતી. એ પછી એ બંને મિત્રો ભાગી ગયા હતા. પડોશીઓને શંકા જતાં એમણે અંદરથી આવતા દર્દનાક અવાજો સાંભળી બારણું તોડી નાંખ્યું હતું અને બાળકીની હાલત જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. બાળકીને ગંભીર હાલતમાં એઈમ્સ- હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોએ તેના શરીર પર અનેકવાર શસ્ત્રક્રિયા કરી હતી. તેના પ્રાઈવેટ પાર્ટ પર ૧૧ વખત શસ્ત્રક્રિયા કરવી પડી હતી. ડોક્ટરોને હતું કે એ દીકરી કુદરતી માર્ગે કદી પણ યુરિન કરી શકશે નહીં. તે માટે પણ ફરી શસ્ત્રક્રિયા કરી દેવામાં આવી. હવે તેને ઠીક છે અને નાનકડી ગુડિયાને તેના માતા-પિતા સાથે ઘેર જવા રજા આપવામાં આવી છે. એક માત્ર દિલ્હીમાં જ ૬૪૦૦ જેટલા બળાત્કારના અને યુવતીઓ સાથે છેડતીના કેસ અત્યાર સુધીમાં નોંધાયેલા છે. નિર્ભયા પરના બળાત્કારની ઘટના અને એક મજબૂત ચુકાદા બાદ બળાત્કારીઓ હવે પીડિતાઓની હત્યા પણ કરી દે છે. એમને કાનૂનનો કોઈ ડર રહ્યો નથી.

આ રાષ્ટ્રીય શરમ નથી તો બીજું શું છે ?

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén