Devendra Patel

Journalist and Author

Month: February 2014 (Page 1 of 2)

‘અમારી દીકરી અમારી આશા ને તાકાત હતી’

કભી કભી – દેવેન્દ્ર પટેલ

નિર્ભયા પહેલાં દિલ્હીમાં જ કોમલ સાથે ઘટેલી ઘટનાની સમાજે અને મીડિયાએ ઉપેક્ષા કરી

નવી દિલ્હીમાં જંતરમંતર ખાતે કેટલાંક માણસો એકઠાં થયાં હતા. તેમના હાથમાં સૂત્રો લખેલા પ્લેકાર્ડસ હતા. કેટલાક માતા-પિતા તેમની દીકરીઓ સાથે થયેલા અત્યાચારો માટે ન્યાય માગી રહ્યા હતા. તેમાં એક બળાત્કારનો ભોગ બનેલી એક અણજાણ પીડિતાના પિતા પણ હતા. એક ફૂટપાથ પર નત મસ્તકે બેઠેલા હતા. હરિયાણાના એક ગામમાં તેમની સૌથી મોટી દીકરી પર રાયડાના ખેતરમાં બળાત્કાર થયો હતો.

'અમારી દીકરી અમારી આશા ને તાકાત હતી'

તા.૯ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ તેઓ આગરામાં હતા. એ દિવસની ઘટનાએ તેમના પરિવારમાં ઝંઝાવાત લાવી દીધો. તેમની ૧૯ વર્ષની દીકરી કોમલ એના માતા-પિતા સાથે પશ્ચિમ દિલ્હીના કુતુબ વિહાર ફેઝ-૨ ખાતે રહેતી હતી. એ સાંજે બીજી ત્રણ મહિલાઓ કામ પરથી એક બસ દ્વારા ઘરે આવી રહી હતી. રાત્રે ૮-૩૦ વાગે તે બસમાંથી ઉતરી. અહીં ચાલીને થોડેક દૂર એક આછા અજવાળાવાળી ગલીમાં તેના ઘરે પહોંચવાનું હતું. તેઓ ચાલતાં ચાલતાં હનુમાન ચોક પહોંચ્યા. એ દરમિયાન પાછળથી એક લાલ રંગની ઈન્ડિકા કાર આવી. એમાંથી ત્રણ યુવકો બહાર આવ્યા અને રસ્તા પર જ તેમની સાથે છેડતી કરવા લાગ્યા. તમામ છોકરીઓ ચીસો પાડવા લાગી. પરંતુ કોઈ તેમની મદદે આવ્યું નહીં. એ બદમાશોએ કોમલને પકડી લીધી અને ઘસડીને કારમાં ફેંકી. કારના દરવાજા બંધ કરી દઈ કાર અંધારામાં દોડાવી મૂકી.

બાકીની છોકરીઓએ કોમલના ઘરે જઈ આ ઘટનાની જાણ કરી. તે વખતે કોમલના પિતા આગરામાં હતા, તેમને ફોનથી જાણ કરવામાં આવી. આ તરફ પડોશીઓએ પોલીસને જાણ કરી. પોલીસ કલાકો પછી આવી. પડોશીઓએ પોલીસ કારનો પીછો કરવા અને નાકાબંધી કરવા કહ્યું. પોલીસે લોકોને કહ્યું: ”તમે અમને મોટરકાર આપો તો અમે એનો પીછો કરીએ.”

પોલીસના આવા બેજવાબદારી ભર્યા જવાબથી લોકો ઉશ્કેરાયા. જોતજોતામાં ૩૦૦ લોકો ભેગા થઈ ગયા અને નજીકમાં આવેલા છાવલા પોલીસ મથકે જઈ દેખાવો અને ધરણાં શરૃ કર્યા. પોલીસે અપહરણકારોને પકડવાની કામગીરી કરવાના બદલે ધરણાં કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો. પરંતુ લોકો ત્રણ દિવસ સુધી પોલીસ મથક સામેથી હટયા નહીં એ પછી જ પોલીસ સક્રિય થઈ. ત્રણ દિવસ બાદ પોલીસે તપાસ શરૃ કરી અને કેટલીક બાતમીના અને કારના કલરના આધારે એ જ વસ્તીમાં રહેતા રાહુલ,વિનોદ અને રવી નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી. આ ત્રણેય યુવક અગાઉ એક ચોરીના કિસ્સામાં પણ પકડાયા હતા, અને દિલ્હીની તિહાડ જેલમાં હતા પરંતુ જામીન પર છૂટી ગયાના થોડા દિવસ બાદ જ તેમણે કોમલનું અપહરણ કર્યું હતું.

આ ત્રણેય શખ્સોને પકડીને પોલીસ સ્ટેશને લાવ્યા બાદ તેમની પર થર્ડ ડિગ્રીનો અમલ થતાં તેમણે કરેલી કબૂલાતો શરીરના રુંવાટા ઊભાં કરી દે તેવી હતી. એ ત્રણેય યુવાનોએ રાત્રે એ બસ સ્ટોપ નજીકથી જ કોમલને ઉપાડીને દૂર આવેલા રાયડાના ખેતરમાં લઈ ગયા હતા. એ ખેતરમાં એ ત્રણેય જણે વારાફરતી કોમલ પર બળાત્કાર   કર્યો હતો.

પોલીસે એ યુવાનોની કેફિયત બાદ દૂર આવેલા ખેતરમાંથી જઈ કોમલની શોધ શરૃ કરી હતી. ખેતરમાંથી ૧૯ વર્ષની કોમલનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્રણેય જણે સામુહિક અત્યાચાર બાદ કોમલને ગંભીર રીતે ઘાયલ કરી નાખી હતી, ક્રૂરતા તો એ હતી કે,ત્રણેય જણે એ છોકરી પર બળાત્કાર કર્યા બાદ કોમલની આંખોમાં એસિડ નાખી તેની આંખો બાળી નાખી હતી. શરાબ પીને એમણે બળાત્કાર કર્યો હતો. એ જ બોટલને એક પથ્થર પર તોડી નાખી અણિયારા કાચવાળી બોટલ એ કિશોરીના પ્રાઈવેટ પાર્ટમાં ઈનસર્ટ કરી હતી. એને લોહીલુહાણ હાલતમાં છોડી દઈ એ ત્રણેય જણ રાતના અંધકારમાં ભાગી ગયા હતા. નોંધપાત્ર વાત એ હતી કે ભયંકર ઈજા પામેલી કોમલ ત્રણ દિવસ સુધી લોહીલુહાણ હાલતમાં ખેતરમાં જ બેભાન હાલતમાં પડી રહી હતી. તેનાથી ઊભા થઈ શકાય તેમ નહોતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે પોલીસે તેનો મૃતદેહ કબજે કર્યો તેના થોડા સમય પહેલાં જ તે મૃત્યુ પામી હતી. પોલીસે એ રાત્રે જ કોમલની ખોજ શરૃ કરી હોત તો તે જીવી જાત, પરંતુ પોલીસે સક્રિય થવામાં ત્રણ દિવસ લીધા અને ત્રણ દિવસ સુધી કોમલના શરીરમાંથી વહી જતા લોહીના કારણ મોત સામે ઝઝૂમતી રહી.

આ ઘટનાને બે વર્ષ વીતી ગયા પરંતુ પીડિતાનું પરિવાર ન્યાયનો ઈન્તજાર કરતું રહ્યું. કોમલ પર અત્યાચારનો કેસ ત્રણવાર વિવિધ કોર્ટોમાં બદલાતો રહ્યો. હવે તેને નવી દિલ્હી દ્વારકાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવામાં આવ્યો. કોમલના પિતા કહે છેઃ ઘટનાના છ માસ સુધી તો કાગળો તૈયાર કરવામાં છ મહિના લાગ્યા. હું કોર્ટની કચેરીની બહાર રોજ ત્યાં જઈને ઊભો રહેતો. હું પોલીસ સ્ટેશન અને વકીલોની ઓફિસે ચક્કરો મારી મારીને થાકી ગયો. આ શારીરિક અને માનસિક થાકના કારણે હું બીમાર પડી ગયો. હું દ્વારકાની એક શૈક્ષણિક સંસ્થામાં મહિને રૃ.૭,૦૦૦ના પગારે પટાવાળાની નોકરી કરતો હતો. મારી બીમારીના કારણે રજાઓ પડી અને મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો.

તેઓ કહે છેઃ ”મારી દીકરી ગુડગાંવના સાયબર સિટીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતી હતી. મારા ઘરમાં મારી દીકરી કોમલ સિવાય બીજાં બે નાના સંતાનો પણ છે. એકની વય ૧૪ વર્ષ અને બીજાની વય ૧૧ વર્ષની છે. કોમલની થોડી ઘણી આવક અમને મદદરૃપ થતી હતી. હવે કોમલ પણ નથી અને મારી નોકરી પણ છૂટી ગઈ. હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. દેવું પણ કર્યું છે. હવે મારી આખી જિંદગીની બચત પણ પૂરી થઈ જવા આવી છે. મારું ઘર એક રૃમ ટેનામેન્ટ છે. તેનો અડધો પ્લોટ વેચવા કાઢયો છે.

પીડિતાના પિતા મૂળ ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના ગામથી ૧૪ વર્ષની વયે રોજીની શોધમાં દિલ્હી આવ્યા હતા. દિલ્હી આવ્યાના કેટલાંક વર્ષો બાદ તેમની જ્ઞાતિની એક સ્ત્રી સાથે પરણ્યા હતા. દિલ્હીમાં પૂરતી આવક ના હોવાના કારણે અવારનવાર પોતાના ગામ પાછા ફર્યા હતા, પરંતુ બાળકો થતાં તેમને ભણાવવા એ યુગલ દિલ્હી પાછું ફર્યું હતું. તેઓ તેમના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માગતા હતા. ગણેશદેવી કહે છેઃ ”અમારી પહેલી દીકરી કોમલનો જન્મ થયો ત્યારે અમે ખુશ થયાં હતાં. અમે વિચાર્યું હતું કે આપણે ભલે ગરીબ છીએ પરંતુ આપણી દીકરીનું જીવન સારું જાય તે માટે તેને શ્રેષ્ઠ શિક્ષણ આપીશું.”

એ પરિવારે એમના બાળકોને ભણાવવા પોતે જ સખત પરિશ્રમ કર્યો. કોમલ પોતે પણ એક શિક્ષિકા બનવા માગતી હતી. કોમલની મમ્મી કહે છેઃ ”કોમલ દ્વારકાની એક કોલેજમાં ભણી રહી હતી તેની સાથે સાથે જ એણે ડેટા એન્ટ્રી ઓપરેટરનું કામ શીખી લઈ સાંજના સમયની નોકરી શરૃ કરી હતી. તેને જે આવક થતી હતી તેમાંથી બચત કરીને તે તેના નાનાભાઈ અને બહેનને એક પ્રાઈવેટ સ્કૂલમાં દાખલ કરાવી તેમની ફી ભરતી હતી. અમારી દીકરી અમારા ભવિષ્યની આશા અને અમારી શક્તિ હતી. કોમલ અમારી ખૂબ કાળજી રાખતી હતી. અમારા ટેનામેન્ટની બાજુના નાનકડા પ્લોટમાં એક રૃમ બનાવવા માગતી હતી જેથી એના નાના ભાઈ-બહેન કોઈનીયે ખલેલ વિના ભણી શકે. પણ હવે અમારી દીકરી જ નથી. અમે અત્યંત ગરીબ છીએ. ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ દિલ્હીની નિર્ભંયા સાથે સામૂહિક બળાત્કારની ઘટના બાદ દિલ્હીમાં હજારો લોકોએ જ દેખાવો કર્યા તેથી અમને પણ ન્યાય મળશે તેવી આશા જન્મી હતી. અમારી દીકરીએ પણ નિર્ભયા જેટલી જ ઘાતકી યાતના સહન કરી છે, પરંતુ અમારા માટે દિલ્હીમાં કે દેશમાં કોઈ શેરીઓમાં બહાર આવ્યું નહીં.”

પીડિતાના પિતાએ તેમની પુત્રીની કરુણ કથાને એક કાગળ પર લખી દિલ્હીના જંતરમંતર પાસેની એક ફૂટપાથના ખૂણામાં એક પોસ્ટર પર ચોંટાડીને મૂકી હતી. અહીં ફરવા આવતા લોકો કુતૂહલતાથી થોભીને એ ઘટના વાંચીને જતા રહેતા. એક દિવસ નવી દિલ્હી સ્થિત ‘સંજીવની’ નામની એક સંસ્થાએ તેમનો કેસ હાથ ધર્યો. આ સંસ્થાનાં વડા અનિતા ગુપ્તાએ નેગી પરિવારની દીકરીને ન્યાય અપાવવા દિલ્હીમાં ઝુંબેશ ચલાવવાની જવાબદારી ઉપાડી લીધી હતી. અનિતા ગુપ્તાની વય ૧૦ વર્ષની હતી ત્યારે તેમને ભણાવતાં એક મહિલા શિક્ષિકા પર બળાત્કાર થયો હતો અને તેમની હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાની ઘેરી અસર અનિતા ગુપ્તા પર થઈ હતી. એ પછી તેમણે મહિલાઓ પર થતી હિંસા અને બળાત્કારનો વિરોધ કરવા ચળવળ ઉપાડી છે. કોમલની મમ્મી સૌને પૂછે છે : ”શું મારી દીકરી આવા કરુણ અને કષ્ટદાયક મોત માટે જન્મી હતી ?”

દિલ્હીની નિર્ભયા પર સામૂહિક બળાત્કાર થયો ત્યારે આખા દેશમાં હજારો લોકોએ મીણબત્તીઓ જલાવી દેખાવો   કર્યા પરંતુ નિર્ભયા પહેલાંની કોમલ સાથે ઘટેલી ઘટનાની સમાજે અને મીડિયાએ ઉપેક્ષા જ કરી. હવે બે દિવસ પહેલાં જ દિલ્હીની ફાસ્ટટ્રેક કોર્ટે કોમલ પરના બળાત્કાર અને હત્યાના કેસને રેરેસ્ટ ઓફ રેર ગણીને ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફરમાવી છે.

(નામ પરિર્વિતત છે)
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ફાતિમાનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતાં, પણ પતિ મૌન રહ્યો !

કભી કભી – દેવેન્દ્ર પટેલ

નબી મોહંમદ મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ગજરૌલા ગામનો રહેવાસી હતો. તેની શાદી નૂર ફાતિમા સાથે થઈ હતી. કામની તલાશમાં તે દિલ્હીના નોઈડા વિસ્તારમાં આવ્યો હતો. અહીં તેનો ઈરફાન નામનો મિત્ર રહેતો હતો. ઈરફાન મકાનો રંગવાના કોન્ટ્રાક્ટ લેતો હતો. નબી મોહમ્મદને ઈરફાને કલર કામ કરવા માટે રાખી લીધો. નબી મોહમ્મદ એકરૃમ ભાડે લઈ ફાતિમા સાથે રહેવા લાગ્યો.

ફાતિમાનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતાં, પણ પતિ મૌન રહ્યો !

ઈરફાન પરણેલો હતો. કલર કામના કોન્ટ્રાક્ટની સાથે સાથે તે પ્રોપર્ટી ડિલિંગનું કામ પણ કરી સારું કમાઈ લેતો હતો. એક વાર તેણે નબી મોહમ્મદને ઘેર જમવા બોલાવ્યો. ઈરફાને નબી મોહમ્મદની પત્ની ફાતિમાને પહેલી જ વાર જોઈ. ફાતિમા ખૂબસુરત હતી. તેને ફાતિમા પસંદ આવી ગઈ. બીજી બાજુ ઈરફાનનો ઠાઠમાઠ જોઈ ફાતિમા પણ પ્રભાવિત થઈ. ફાતિમા મહત્ત્વાકાંક્ષી હતી. તેનું તો ઘર પણ બરાબર ચાલે એટલી આવક નહોતી. બંનેની આંખ મળી. આંખોના પલકારામાં ઘણી બધી વાતો થઈ ગઈ. ફાતિમા જાણે કે ઈરફાનને આમંત્રણ આપતી હતી,

એક દિવસ બપોરના સમયે ઈરફાન નબી મોહમ્મદના ઘેર પહોંચી ગયો. ફાતિમા એકલી જ ઘેર હતી. બેઉના જીવ મળી ગયા હતા. બેઉ વચ્ચે સંબંધ પણ બંધાયો. તે પછી ઈરફાન બપોરના સમયે નિયમિત ફાતિમાને મળવા આવવા લાગ્યો. ફાતિમાએ પોતાનું બધું જ ઈરફાનને સોંપી દીધું હતું. બદલામાં ઈરફાન તેને આર્થિક મદદ કરતો હતો. તે હવે નબી મોહમ્મદને શરાબ પીવા પણ પૈસા આપવા લાગ્યો. અલબત્ત, નબી મોહમ્મદને તેની પત્ની ફાતિમા અને ઈરફાન વચ્ચેના અવૈધ સંબંધોની જાણકારી નહોતી.

એક દિવસ બપોરના સમયે કાંઈક કામથી નબી મોહમ્મદ અચાનક ઘેર આવી ગયો. બારણું અંદરથી બંધ હતું. ફાતિમાએ બારણું ખોલ્યું. તેનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતા. અપૂરતા વસ્ત્રોમાં ઈરફાન આડો પડેલો હતો. નબી મોહમ્મદ સમજી ગયો. એને જોતાં જ ફાતિમા અને ઈરફાનના ચેહરાના રંગ ઊડી ગયા. ઈરફાન વસ્ત્રો પહેરી કાંઈ પણ બોલ્યા વિના બહાર નીકળી ગયો. ફાતિમાએ પણ પોતાના વસ્ત્રો સરખા કરી લીધા. આશ્ચર્યની વાત એ હતી કે પત્નીને ગેરમર્દની બાહોમાં જોયા બાદ નબી મોહમ્મદનું લોહી ઉકળી જવાના બદલે તે મૌન રહ્યો. એણે ના તો ઈરફાનને કાંઈ કહ્યું કે ના તો ફાતિમાને. ફાતિમા પણ પતિના રહસ્યમય મૌનને સમજી શકી નહીં.

ફાતિમા ચુપચાપ કામ કરવા લાગી. એ રાત્રે બત્તી બુઝાવી દીધા બાદ નબી મોહમ્મદે તેની પત્ની ફાતિમાને કહ્યું: ”ઈરફાન તારી સાથે જે કાંઈ કરી રહ્યો છે તે હું મફતમાં નહીં થવા દઉં. એણે મને રોજેરોજનું ખર્ચ આપવું પડશે.”

પતિની વાત સાંભળી ફાતિમા ખુશ થઈ ગઈ.

આમેય ઈરફાન તેને તો થોડી ઘણી મદદ કરતો જ હતો. હવે થોડું વધુ ખર્ચ ઉઠાવશે તો એના બદલામાં તેને પણ ઈરફાન સાથે ખુલ્લેઆમ મોજમસ્તી કરવા મળશે એવી દરખાસ્તથી તે ખુશ થઈ ગઈ. બીજા દિવસે ફાતિમાએ તેના પતિ દ્વારા મૂકવામાં આવેલી અશોભનીય પણ ફાયદાકારક દરખાસ્તની વાત કરી. ઈરફાનને એ સોદો મંજૂર હતો. ઈરફાન ફાતિમાનો ઉપભોગ કરવાના બદલ તેનું ઘર ખર્ચ ઉઠાવવા રાજી થઈ ગયો. હવે કોઈ ડર નહોતો. તે રોજેરોજ બલ્કે રાત્રે પણ ફાતિમાને મળવા ખુલ્લેઆમ આવવા લાગ્યો. ફાતિમાના પતિને એ બંનેના સંબંધો પર કોઈ એતરાજ નહોતો.

ઈરફાન અને નબી મોહમ્મદની પત્ની ફાતિમાને સંબંધ છે એ વાતની ખબર ઈરફાનની પત્નીને નહોતી. ઈરફાન તેની પત્નીને અંધારામાં રાખીને જ ફાતિમાને મળવા આવતો હતો. હવે તે ફાતિમાને ખાનગીમાં મળવવા આવવાના બદલે ફાતિમા સાથે નિકાહ કરી લેવાનું પણ વિચારવા લાગ્યો. થોડા દિવસ બાદ તેણે પોતાનો એ વિચાર ફાતિમા સમક્ષ અને તે પછી ફાતિમાએ એ દરખાસ્ત નબી મોહમ્મદ સમક્ષ મૂક્યા.

નબી મોહમ્મદે એ બેઉને શાદી કરી લેવા પર સંમત્તી આપી.

તે પછી એક દિવસે ઈરફાને ફાતિમા સાથે નિકાહ કરી લીધા. ફાતિમાએ ઈરફાન સાથે નિકાહ તો કરી લીધા, પરંતુ હજુ તે નબી મોહમ્મદ સાથે જ રહેતી હતી. ઈરફાન દર આંતરા દિવસે ફાતિમા પાસે આવી જતો હતો. તે હજુ તેની પત્નીને આ બીજાં લગ્નની વાત કરતા ડરતો હતો.

સમય વહેતો ગયો.

આ તરફ ફાતિમાના પતિ નબી મોહમ્મદનો સ્વભાવ હવે બદલાવા લાગ્યો. તે વાતવાતમાં ગુસ્સો પણ કરવા લાગ્યો હતો. પડોશીઓ પણ પતિ દ્વારા પત્નીને અપાયેલા ખુલ્લા વ્યાભિચારની છૂટથી નારાજ હતા. લોકો નબી મોહમ્મદને મહેણાં ટોણાં મારવા લાગ્યા હતા. તે રોજ વધુ ને વધુ શરાબ પીવા લાગ્યો હતો. એને લાગતું હતું કે, એણે એની ખૂબસુરત પત્ની એના દોસ્ત ઈરફાનને સોંપી દીધી છે, પરંતુ બદલામાં ઈરફાન તેને ઘણું ઓછું વળતર આપે છે. તે વધુ પૈસા માંગવા લાગ્યો. કારની પણ માંગણી કરી. ઈરફાને વધુ પડતી માગણીઓ સ્વીકારવા ઈન્કાર કર્યો. ત્યારે નબી મોહમ્મદે ઈરફાનને ધમકી આપી કે, ”હું તારી બીબીને બધું કહી દઈશ.”

ઈરફાન તેની પત્નીથી ડરતો હતો. મજબૂરીના કારણે તે નબી મોહમ્મદની બધી જ માગણીઓ પૂરી કરવા લાગ્યો. ઈરફાનની આ કમજોરીનો નબી મોહમ્મદ ફાયદો ઉઠાવતો રહ્યો. આ બ્લેક મેઈલિંગથી તે આર્થિક રીતે ઘસાવા લાગ્યો. એણે કેટલીયે વાર નબી મોહમ્મદને વધુ પડતી માગણીઓ ના કરવા સમજાવ્યો, પરંતુ નબી મોહમ્મદ પત્નીના બદલામાં પોતાની માગણીઓ પર સખ્ત થતો ગયો. એક દિવસ તો નબી મોહમ્મદે કહી દીધું: ”મારે કાલે જ પાંચ લાખ રૃપિયા જોઈએ છે. કાલે મને પૈસા નહીં મળે તો હું તારી બીબી પાસે જઈશ અને તારી અને ફાતિમાની વાત કહી દઈશ.”

એ વાત સાંભળ્યા બાદ એ જ ક્ષણે ઈરફાને નબી મોહમ્મદના એ ડરને હંમેશાં માટે ખત્મ કરી દેવા નિર્ણય લીધો. એણે એક ખતરનાક ફેંસલો લઈ લીધો. એણે નબી મોહમ્મદનું મોં કાયમ માટે બંધ કરી દેવાની યોજનાની વાતથી ફાતિમાને અંધારામાં રાખી. એ કામને તે એકલો જ અંજામ આપવા માંગતો હતો. નબી મોહમ્મદને પતાવી દેવા માટે ઈરફાને તેની સાથે કામ કરતા રાકેશ અને સુરજ હાશમી નામના બે મિત્રોને વાત કરી, એ બંને પણ દિલ્હીની કચ્ચી કોલોની, મદનપુર વિસ્તારમાં રહેતા હતા.

યોજના અનુસાર તા. ૯મી ડિસેમ્બરે ઈરફાને નબી મોહમ્મદને ફોન કરી દિલ્હીના જૈતપુર ખાતેના એક ઠેકા પર સાંજે દારૃ પીવા બોલાવ્યો. નબી મોહમ્મદે કહ્યું: ”ઠીક છે, હું આવું છું.”

નબી મોહમ્મદ શરાબના ઠેકા પર પહોંચ્યો ત્યાં તેને ચિક્કાર દારૃ પીવરાવવામાં આવ્યો. હવે તે ચાલી પણ શકે તેમ નહોતો. ઈરફાન, રાકેશ અને સુરજ હાશમીએ તેને ઊંચકીને સેન્ટ્રો કારમાં બેસાડયો. કારને હાઈવેથી દૂર એક નિર્જન રસ્તા પર લઈ જવામાં આવી. રાતના અંધારામાં જ ઈરફાન અને તેના મિત્રોએ નબી મોહમ્મદનું ગળું દબાવી દીધું. નબી મોહમ્મદના શ્વાસ થંભી ગયા. તે તરફડીને મૃત્યુ પામ્યો. તે પછી તેના મૃતદેહને કારની બહાર કાઢી જમીન પર ફેંકી દેવાયો. કોઈ તેને ઓળખી શકે નહીં, તે માટે ઈંટોથી તેનું માથું અને ચહેરો છુંદી નાંખ્યો. ભૂલથી યે તે જીવતો ન રહે તે માટે તેનું ગળું પણ ચાકુથી કાપી નાંખવામાં આવ્યું. એ પછી એના ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢી લઈ લાશને યમુના નદી પાસેની ઝાડીમાં ફેંકી દેવામાં આવી. કામ પૂરું થઈ ગયા બાદ એ ત્રણેય એ સ્થળેથી નીકળી ગયા.

મોડી રાત્રે ઈરફાન ઘેર પહોંચ્યો ત્યારે ઘરમાં અંધારું હતું. એણે બત્તી સળગાવી. એના ઘરનું દૃશ્ય જોઈ તે સ્તબ્ધ થઈ ગયો. પંખા પર તેની જ પત્નીની લાશ લટકતી હતી. નીચે ચિઠ્ઠી પડી હતીઃ ”આજે સાંજે નબી મોહમ્મદ આપણા ઘેર આવ્યો હતો. તેણે તમારા અને ફાતિમાના સંબંધોની વાત મને કહી દીધી છે. હું તમને વફાદાર રહી, પરંતુ તમે મારી સાથે દગો કર્યો છે. હું જિંદગીનો અંત લાવી રહી છું.”

એ પત્ર વાંચી ઈરફાન ભાંગી પડયો.

એ જ ક્ષણે એ નજીકના પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો અને નબી મોહમ્મદની હત્યાનો ગુનો કબૂલી લીધો.

માત્ર પૈસા માટે જ બીજાની પત્ની બનનાર ફાતિમા હવે એકલી છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

લગ્ને લગ્ને કુંવારી ડોશીઓનો એ સંઘ કાશીએ પહોંચશે ખરો?

થર્ડ ફ્રન્ટ સર્કસના પ્લેયર્સ જે હોય તે પણ તેની અસલી રિંગ માસ્ટર કોંગ્રેસ

લોકસભાની ચૂંટણી આવે તે પહેલાં અત્યાર સુધી યુપીએ અને એનડીએ વચ્ચે જ મુખ્ય સ્પર્ધા હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટી મેદાનમાં આવી ગઈ. કેજરીવાલ એન્ડ કું. તેમના પક્ષ સિવાયના બીજા તમામ પક્ષોના નેતાઓને બેઇમાન સમજે છે. હવે, દિલ્હીમાં સત્તા કબજે કરવા માટે બિનકોંગ્રેસી અને બિનભાજપાવાળા કેટલાક પક્ષો ત્રીજા મોરચાના છત્ર હેઠળ એકત્ર થવા પ્રયાસ કરી રહ્યા છે. થર્ડ ફ્રન્ટના આ મોરચા અંગે કોંગ્રેસે વ્યૂહાત્મક મૌન ધારણ કર્યું છે, પરંતુ ભાજપાના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આક્રમક પ્રહાર કરતાં કહ્યું છે કે, “થર્ડ ફ્રંટની સરકાર આવશે તો તે દેશને થર્ડ રેટ બનાવી દેશે.”

લગ્ને લગ્ને કુંવારી ડોશીઓનો એ સંઘ કાશીએ પહોંચશે ખરો?

થર્ડ ફ્રંટ-ઇલેવન

દેશના ડાબેરીઓ સહિત કુલ ૧૧ બિનકોંગ્રેસી અને બિનભાજપાવાળી રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પહેલાં ગઠબંધન કરવા પહેલા મિટિંગનું આયોજન કર્યું. શરૂઆત લોકસભામાં પ્રજાના પ્રશ્નો અંગે એકસાથે મળીને કામ કરવાથી કરી. આ પ્રથમ બેઠકમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, ફોરવર્ડ બ્લોક રિવોલ્યુશનરી પાર્ટી, સમાજવાદી પાર્ટી, જનતા દળ (યુ), બીજુ જનતાદળ, અન્ના ડીએમકે, ઝારખંડ વિકાસ મોરચો, આસામ ગણપરિષદ વગેરેનો સમાવેશ થાય છે. બેઠક બાદ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચૂરીએ કહ્યું કે, ત્રીજા મોરચા અંગે કોઈ અવિશ્વાસ રાખવાની જરૂર નથી. કોંગ્રેસ અને ભાજપાની ધ્રુવીકરણની રાજનીતિનો અમે મુકાબલો કરીશું. આર્થિક ઉદારીકરણનો પણ વિરોધ કરીશું. ભ્રષ્ટાચારીઓનો પણ વિરોધ કરીશું.

ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર સામે

ચાલો, દેશમાં ચાલી રહેલા મહાયુદ્ધમાં હવે એક ત્રીજી સેના પણ જોડાઈ ગઈ છે. ચૂંટણી જંગ હવે ત્રિકોણીય થશે, પરંતુ ભ્રષ્ટાચાર અને બીજા કેટલાક મુદ્દાઓની વાત કરી રહેલા ત્રીજા મોરચાના નેતાઓની વાત સાંભળી પેલી કહેવત યાદ આવી જાય છે : ‘સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી.’ પૂરાં પાંચ વર્ષ સુધી પોતપોતાના રાજકીય ફાયદા ઢુંઢતી રહેલી ૧૧ રાજનૈતિક પાર્ટીઓ લોકસભાની ચૂંટણી પહેલાં એક મંચ બનાવવાની વાત કરે છે, તે હાસ્યાસ્પદ અને તકવાદી જોડાણ જ લાગે છે. કોંગ્રેસ અને ભાજપાની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવાવાળી આ રાજકીય પાર્ટીઓ હકીકતમાં ભૂતકાળમાં કોંગ્રેસ અને ભાજપાના નેતૃત્વ હેઠળની સરકારો ચલાવવા માટે સીધી યા આડકતરી રીતે પરદા પાછળ એ બંને પક્ષોની સરકારોને ટેકો આપતી જ આવી રહી છે. એમાંયે મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટી તો આજે પણ યુપીએ સરકારને જ ટકાવવામાં મદદરૂપ થયેલી છે. સમાજવાદી પાર્ટી ખસી ગઈ હોય તો ક્યારનીયે યુપીએ-૨ની સરકાર ઊથલી પડી હોત. એ જ સમાજવાદી પાર્ટી કોંગ્રેસને ભ્રષ્ટાચારની જનની કહી રહી છે ત્યારે સૌથી વધુ આશ્ચર્ય થાય છે, કારણ કે મુલાયમસિંહ વિરુદ્ધ જ આવક કરતાં વધુ સંપત્તિના કેસ ચાલે છે.

નીતીશકુમારનો દંભ

એ જ રીતે ભારતીય જનતા પાર્ટીને સાંપ્રદાયિક કહેવાવાળી પાર્ટી- જનતાદળ (યુ) હજુ હમણાં સુધી એનડીએનો એક હિસ્સો હતી. નીતીશકુમારની આ જ પાર્ટી દસ વર્ષ સુધી ભાજપાની સાથે જ કેન્દ્રમાં અને બિહારમાં સત્તાનો સ્વાદ ચાખતી રહી હતી. નરેન્દ્ર મોદીના વડા પ્રધાનપદના ઉમેદવારની ઘોષણા થતાં જ માત્ર વ્યક્તિગત અહમ્ અને મહત્ત્વાકાંક્ષાના કારણે એણે એનડીએનો સાથ છોડી દીધો છે એવા જનતાદળ (યુ) પર જનતા કેવી રીતે ભરોસો કરશે ? ચૂંટણી પછી ભાજપાને પૂર્ણ બહુમતી ના મળે અને નરેન્દ્ર મોદીના નામ માટે સર્વસંમતિ ના થાય અને એલ. કે. અડવાણીને વડા પ્રધાન બનાવવા સહમતી સધાય તો એવી કોઈ ખાતરી છે કે, જનતાદળ (યુ) ફરી એકવાર એનડીએના સમર્થનમાં નહીં આવે ? વળી એ વાત છૂપી નથી કે નીતીશકુમાર ખુદ વડા પ્રધાન બનવાની છૂપી ખ્વાહિશ ધરાવે છે. પરંતુ આજકાલ તેમના ભાવ ડાઉન છે. તેઓ બિહારમાં જ સરકાર વિરોધી લહેરનો સામનો કરી રહ્યા છે. વળી તેમના જ મંત્રીમંડળના એક મુસ્લિમ મહિલા મંત્રી પક્ષમાંથી રાજીનામું આપી આમઆદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે. આ તેમના માટે આંચકારૂપ સમાચાર છે. ત્રીજા મોરચામાં જોડાઈ રહેલા તમિળનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાએ જ્યારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં ત્યારે તેમણે એકમાત્ર ગુજરાતના જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કર્યા હતા અને હવે તે જ જયલલિતા ભાજપા તથા કોંગ્રેસ વિરોધી ત્રીજા મોરચામાં જોડાઈ રહ્યાં છે, એને શું સમજવું ?

ત્રીજા મોરચાનો ભૂતકાળ

હકીકત એ છે કે, ગુજરાત અને દેશના ઇતિહાસ પર નજર નાખીશું તો માલૂમ પડશે કે, ત્રીજા મોરચાએ કદી પ્રભાવશાળી ભૂમિકા નિભાવી નથી. ત્રીજો મોરચો હંમેશાં શંભુમેળા જેવો જ રહ્યો છે. ભૂતકાળમાં લોકસભાની ચૂંટણીઓનાં પરિણામો બાદ ઉપલબ્ધ ગણિતના કારણે વિશ્વનાથ પ્રતાપસિંહ, ચંદ્રશેખર, એચ. ડી. દેવેગૌડા તથા આઈ. કે. ગુજરાલ જેવાઓને થોડાક મહિનાઓ માટે દેશના વડા પ્રધાન બનવા માટે તક આપી, પણ તે સરકારોનું આયુષ્ય લાંબુ રહ્યું નહીં. ત્રીજા કે ચોથા મોરચાની સરકારો લાંબુ નહીં ચાલવાનું કારણ એક તો તેમની નીતિઓમાં મતભેદ હતો અને બીજું કારણ તે ઘટક પક્ષોના નેતાઓની મહત્ત્વાકાંક્ષા. છેલ્લા દસ વર્ષથી દેશમાં યુપીએની ડો. મનમોહનસિંહની સરકાર ચાલી રહી છે. તે દરમિયાન અનેક અવસર આવ્યા જ્યારે બિનકોંગ્રેસી અને બિનભાજપાવાળી ત્રીજા મોરચાની સરકારનો વિકલ્પ આપી શકાયો હોત, પરંતુ માંહેમાંહેની તકરારના કારણે એમ કદી શક્ય ના બન્યું. બહેતર એ હશે કે ત્રીજો મોરચો રચવાવાળા નેતાઓ પહેલાં એક કોમન મિનિમમ એજન્ડા નક્કી કરે અને ત્રીજા મોરચાનો એક નેતા નક્કી કરે, એ વાત પણ સ્પષ્ટ કરે કે ત્રીજા મોરચાની સરકાર રચાશે તો સરકારનું નેતૃત્વ કોણ કરશે ?

કોંગ્રેસની ગેમ

વાત અહીં જ પૂરી થઈ જશે, કારણ કે ત્રીજા મોરચામાં જોડાઈ રહેલા નેતાઓમાં કોંગ્રેસ અને ભાજપાનો વિકલ્પ આપવાના બદલે’વડા પ્રધાનપદ’ની મહત્ત્વાકાંક્ષાનો મુદ્દો વધુ અગ્રેસર છે, કારણ કે સંભવત- ત્રીજા મોરચામાં મુલાયમસિંહ યાદવ, જયલલિતા,નીતીશકુમાર જેવા અનેક નેતાઓ આજેય વડા પ્રધાનપદ હાંસલ કરવા તલપાપડ છે. માયાવતી થર્ડ ફ્રન્ટમાં જોડાયાં નથી, પરંતુ તેઓ ચૂંટણી પછી કોંગ્રેસ અથવા ભાજપના સહકારથી વડાં પ્રધાન બનવાની ખેવના ધરાવે છે. મમતા બેનરજીનું પણ એવું જ છે. તેઓ યુ.પી.એ. અને એન.ડી.એ. બંને સાથે તેમની સરકારોમાં રહી ચૂક્યા છે. એ જ રીતે ભાજપે નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના જાહેર કર્યા હોવા છતાં એલ. કે. અડવાણી, રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ અને નીતિન ગડકરી પણ વડા પ્રધાન બનવા માગે છે. જો કે હવે થર્ડ ફ્રન્ટ રચાઈ જ ગયો છે ત્યારે જૂની કહેવત પ્રમાણે લગ્ને લગ્ને કુંવારી ડોશીઓનો સંઘ કાશીએ પહોંચે છે કે કેમ તે જોવાનું રહ્યું.

એ યાદ રહે કે, અહીં કોંગ્રેસ પણ ગહેરી ચાલ ખેલી રહી છે. ઓપિનિયન પોલ્સના સર્વેક્ષણો મુજબ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ.ની સરકાર રચાવાની ૨૦૧૪માં શક્યતા નથી તેથી કોંગ્રેસે કેન્દ્રમાં સરકાર રચવાનો ‘પ્લાન-એ’ પડતો મૂકીને ‘પ્લાન-બી’ અમલમાં મૂક્યો છે. ‘પ્લાન-બી’ એટલે કેન્દ્રમાં કોઈપણ સંજોગોમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએની સરકારની રચના થવા ન દેવી અને ‘પ્લાન-બી’નો પહેલો પાસો છે- ‘થર્ડ ફ્રન્ટ.’ બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, નેશનલ સર્કસમાં કોંગ્રેસ રિંગ માસ્ટર છે અને મુલાયમ, નીતીશ અને જયલલિતા, પ્રકાશ કરાત અને નવીન પટનાયક વગેરે રિંગની અંદરના પ્લેયર્સ છે.

૭, રેસકોર્સ રોડ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
ડો. મનમોહનસિંહ માટે નવા ધરની ખોજ

૭,રેસકોર્સ રોડ, નવી દિલ્હી. આ દેશના વડાપ્રધાન ડો. મનમોહનસિંહનું સત્તાવાર નિવાસસ્થાન છે. ૪૮,૫૬૨ ચોરસ મીટરમાં પથરાયેલું આ સંકુલ વડાપ્રધાનનું માત્ર નિવાસસ્થાન જ નહીં, પરંતુ તેમાં તેમની ઓફિસ પણ આવેલી છે. આ સંકુલને અત્યંત ચુસ્ત સલામતી બક્ષવામાં આવેલી છે. કોઈ પણ મુલાકાતીએ વડાપ્રધાનના ઘરે મળવું હોય તો અગાઉથી પોતાનું નામ અને કાર નંબર આપવાં પડે છે.

૭, રેસકોર્સ રોડમુખ્ય ગેટમાં પ્રવેશતાં જ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપની પહેલી ટુકડી મુલાકાતીઓનાં નામ અને કાર નંબરની યાદી સાથે ઊભી હોય છે. એ પહેલાં સુરક્ષાકવચને પસાર કર્યા બાદ થોડાક મીટરના અંતરે બીજું સુરક્ષાકવચ છે. પ્રાઈવેટ કાર અહીં થોભાવી દેવી પડે છે. એસપીજીના અધિકારીઓ કારમાંથી બહાર આવી મુલાકાતીઓનાં આઈકાર્ડ તપાસે છે. એ આઈકાર્ડ સરકારી એટલે કે મોટરવાહન ચલાવવાનું લાઇસન્સ કે ચૂંટણી ઓળખકાર્ડ કે પાસપોર્ટ જેવું અધિકૃત હોવું જોઈએ. પ્રાઈવેટ કંપનીએ આપેલાં આઈકાર્ડ માન્ય નથી. એ બીજી ટુકડી પાસે પણ મુલાકાતીઓનાં મંજૂર થયેલાં નામોની યાદી હોય છે. તેમને એક રિસેપ્શન હોલમાં લઈ જવામાં આવે છે. અંદરથી ફરી મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડે છે. મોબાઈલ જમા કરાવી દેવા પડે છે. આ સુરક્ષાકવચ પસાર થયા બાદ રિસેપ્શન કમરાના પાછલા દરવાજામાંથી મુલાકાતીને બહાર લાવવામાં આવે છે. બહાર વડાપ્રધાનની કચેરીની કાર અને ડ્રાઈવર તૈયાર હોય છે. એ કારમાં તમને કેટલાંક મીટર દૂર આવેલ પીએમના નિવાસસ્થાને લઈ જવામાં આવે છે. બહાર ઊભેલા અધિકારીઓ મુલાકાતીને અંદર એક ડ્રોઈંગરૂમમાં લઈ જાય છે. તેને અડીને બીજો એક ડ્રોઈંગરૂમ છે, જેની અંદર વડાપ્રધાન બેઠા હોય છે. અગાઉના મુલાકાતી બહાર નીકળે એટલે અધિકારી તમને પીએમ જ્યાં બેઠા હોય ત્યાં લઈ જાય છે. વડાપ્રધાનનો ડ્રોઈંગ રૂમ અત્યંત સાદગીભર્યો અને ભભકા વગરનો છે. વડાપ્રધાન વાતચીત કરતા હોય ત્યારે પીએમ હાઉસનો કર્મચારી ચોક્કસ ગણવેશમાં પહેલાં પકોડા કે રિંગ રોલ જેવો હળવો નાસ્તો અને તે પછી ચા કે કોફી લઈને આવે છે. વડાપ્રધાન આગળ કોઈ રજૂઆત કરી હોય તો એ ખંડની બહાર નીકળતા જ પીએમ ઓફિસના ઉચ્ચ અધિકારી પીએમ ઓફિસમાં તેમના સચિવને કેટલા વાગ્યે મળવાનું છે તેનો સમય એ વખતે જ આપી દે છે. ફરી પીએમ નિવાસસ્થાનની કાર તમને રિસેપ્શન સુધી મૂકવા આવે છે.

આવું અત્યંત સુરક્ષિત, અત્યંત શક્તિશાળી નિવાસસ્થાન ૭, રેસકોર્સ રોડ છોડવા ડો. મનમોહનસિંહે મન બનાવી લીધું છે. આ તેમની છેલ્લી ટર્મ છે. તે એમણે અગાઉ જાહેર કરી દીધું છે. આજ સુધી બીજા એક પણ વડાપ્રધાને ભૂતકાળમાં અગાઉથી પોતાની નિવૃત્તિ જાહેર કરી નથી. ડો. મનમોહનસિંહે અગાઉથી નિવૃત્તિ જાહેર કરી હોઈ દિલ્હીનું વહીવટી તંત્ર ડો. મનમોહનસિંહ માટે નિવૃત્તિ પછી રહેવાના નિવાસસ્થાનની શોધ કરી રહ્યું છે.

આમ તો રાજીવ ગાંધીના સમયથી ૭, રેસકોર્સ રોડ વડાપ્રધાનનું સત્તાવાર નિવાસ સ્થાન અને ઓફિસ એમ બેઉ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. નિયમ એવો છે કે ટર્મ પૂરી થાય તે પછી એક મહિના સુધી બીજા સાંસદોની જેમ વડાપ્રધાન પણ તેમને જે નિવાસસ્થાન ફાળવ્યું હોય તેમાં રહી શકે છે. અલબત્ત, ૧૯૮૯માં વીપી સિંહ સામેના પરાજય બાદ રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકેનું તેમનું નિવાસસ્થાન તાત્કાલિક ખાલી કરી દીધું હતું અને તેઓ ૧૦, જનપથ ખાતે રહેવા જતા રહ્યા હતા.

એ વખતે એ ઘર સજ્જ નહોતું અને તેનું રિનોવેશન પણ બાકી હતું.

રાજીવ ગાંધી ૧૦, જનપથ ખાતે રહેવા ગયા ત્યારે જાહેર બાંધકામ ખાતાના એક અધિકારીએ તેમને ચેતવ્યા હતા કે આ ઘરમાં એક ભૂત રહે છે, તમે સાચવજો. એ અધિકારીની વાત સાંભળ્યા બાદ રાજીવ ગાંધીએ જોરદાર હસીને કહ્યું હતું, જબ વહ ભૂત ઈસ ભૂત કો (એટલે કે મને) દેખેગા તો ભાગ જાયેંગા.

દેશના બધા જ પૂર્વ વડાપ્રધાનોને ઉચ્ચ શ્રેણીમાં આવતા ટાઈપ -૮ બંગલો આપવામાં આવે છે. ડો. મનમોહનસિંહ પણ હવે નિવૃત્ત થઈ રહ્યા હોઈ તેમના માટે વિવિધ બંગલાઓ તપાસવામાં આવી રહ્યા છે. નિવૃત્તિ બાદ પણ ડો. મનમોહનસિંહને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપનું સુરક્ષાકવચ મળશે.

તેમના માટે જે એક બંગલો પસંદ કરવામાં આવ્યો છે તે અગાઉ પૂર્વ વડાપ્રધાન આઈ.કે. ગુજરાલને ફાળવવામાં આવ્યો હતો. આઈ.કે. ગુજરાલ ગત. તા. ૩૦મી નવેમ્બર, ૨૦૧૨ના રોજ મૃત્યુ પામ્યા અને તે પછી તેમનાં પત્ની શીલાનું પણ અવસાન થતાં તે બંગલો હાલ ખાલી છે. તેના સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી ફેરફાર કરવા પડશે. અલબત્ત, આ સિવાય પણ કેટલાંક બીજાં નિવાસસ્થાનોની યાદી શોર્ટ લીસ્ટમાં કરવામાં આવી છે.

રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે ૭, રેસકોર્સ રોડ ખાતે રહેવા આવ્યા ત્યારપછી એ જ નિવાસસ્થાનને વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન બનાવી દેવામાં આવ્યું છે. એ અગાઉ તેઓ તેમનાં માતા ઇન્દિરા ગાંધીના ૧, સફદરજંગ ખાતેના નિવાસસ્થાને રહેતાં હતાં. ઇન્દિરા ગાંધી અકબર રોડ અને ૧, સફદરજંગ એમ બે બંગલાઓમાં બનેલા સંકુલમાં રહેતાં હતાં. એકમાં તેમનું નિવાસસ્થાન હતું જ્યારે બીજામાં તેમનું કાર્યાલય હતું. તા. ૩૧ ઓક્ટોબર,૧૯૮૪ના રોજ તેમની હત્યા થઈ ગઈ તે પછી તે નિવાસસ્થાનને ઇન્દિરા ગાંધી મેમોરિયલમાં પરિર્વિતત કરી દેવામાં આવ્યું છે. ૧૯૮૯થી ગાંધી પરિવાર ૧૦, જનપથ ખાતે રહે છે. તે અંગે કેટલીક વાતો પણ ચાલે છે કે અહીં રહેલી કોઈ વિચિત્ર તાકાતને કારણે વડાપ્રધાનો પૈકી કોઈના કોઈનું અકાળે મૃત્યુ થયું છે અથવા તો રાજકીય પીછેહઠ થઈ છે.

પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી પણ એ બંગલામાં જ રહેતા હતા અને રશિયામાં તાશ્કંદ ખાતે તેમનું અચાનક જ અવસાન થયું. તે પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર એલ. કે. ઝા અહીં રહેવા આવ્યા હતા. તેઓ રાજ્યસભામાં પ્રવેશ્યા અને તેમની ટર્મ પૂરી થાય તે પહેલાં તેમનું મૃત્યુ થયું.

ચન્દ્રશેખર એક જ એવા વડાપ્રધાન હતા જેઓ ૭, રેસકોર્સ રોડ ખાતે રહેવા ન ગયા. તેમણે તેમનું કાર્યાલય આ સરનામે ચાલુ રાખ્યું હતું, પરંતુ તેઓ રહેતા હતા ૩, સાઉથ એવન્યૂ બંગલો ખાતે. તેમની સરકાર સાત જ મહિના ચાલી હતી.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈના નેતૃત્વ હેઠળના એનડીએનો પરાજય થયો ત્યારે દિલ્હીનું વહીવટી તંત્ર અટલ બિહારી વાજપેઈ માટે નવું ઘર અગાઉથી શોધવા સજ્જ નહોતું. વડાપ્રધાન માટે મકાનો શોધવાનું કામ કેન્દ્ર સરકારનું શહેરી વિકાસ મંત્રાલય કરે છે. વાજપેઈજીના નેતૃત્વવાળું એનડીએ ચૂંટણી જીતી જશે એવા ખ્યાલથી તેમના માટે નિવાસસ્થાન શોધવાનું કામ કોઈએ કર્યું જ નહીં. એનડીએની સરકાર ગયાના છ મહિના બાદ ૬-એ, ક્રિશ્ન મેનન માર્ગનું મકાન તૈયાર પછી જ તેઓ આ નવા નિવાસસ્થાને રહેવા ગયા હતા. ત્યાં સુધી ડો. મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા પછી પણ તેમને રાજ્યસભાના સભ્ય તરીકે મળેલા ૧૯, સફદરજંગ માર્ગ ખાતેના નિવાસસ્થાનમાં રહ્યા હતા અને ૭, રેસકોર્સ રોડ ખાતેની વડાપ્રધાનની કચેરીનો જ ઉપયોગ કરતા હતા. ડો. મનમોહનસિંહ તો હવે નિવૃત્ત થઈ રહ્યા છે, પરંતુ ૭, રેસકોર્સ રોડ હવે નવા વડાપ્રધાનનો ઇંતજાર કરી રહ્યું છે.

www.devendrapatel.in

ફર્ટિલિટી ક્લિનિક્સની હોરર કથાઓ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

તબીબી અને શિક્ષણ એ પવિત્ર વ્યવસાય છે, પરંતુ પૈસા કમાવાની લાલચમાં આ બંને વ્યવસાય ધંધો બની ગયા છે. અંગ્રેજી મીડિયમના નામે ઠેરઠેર હાટડીઓ ખૂલી ગઈ છે. એ જ રીતે દેશની કેટલીક કોર્પોરેટ ખાનગી હોસ્પિટલો પૈસા કમાવાનાં કારખાનાં બની ગઈ છે. જેને જરૂર જ હોતી નથી એવી વ્યક્તિઓને ડરાવીને બાયપાસ સર્જરી કરી દેવામાં આવે છે. જેની જરૂર જ હોતી નથી એવા કેટલાયે ટેસ્ટ કરાવવા દરદીને ફરજ પાડવામાં આવે છે. સરકારી અને સાર્વજનિક હોસ્પિટલોનું તંત્ર ખાડે જતાં ખાનગી હોસ્પિટલો દરદીઓને બેફામ લૂંટી રહી છે.

ફર્ટિલિટી ક્લિનિક્સની હોરર કથાઓ

આજે વાત છે ફર્ટિલિટી ક્લિનિક્સની. નિઃસંતાન દંપતી બિચારા ખોળાના ખૂંદનારની અપેક્ષાએ ફર્ટિલિટી ક્લિનિક્સમાં જાય છે. બાળક માટે લાખો રૂપિયા ખર્ચી નાંખે છે, પરંતુ એક અભ્યાસમાં જણાયું છે કે બિલાડીના ટોપની જેમ ઊગી નીકળેલી કેટલીયે ફર્ટિલિટી ક્લિનિક્સમાં જે સાધનો અને ઉપકરણો હોવાં જોઈએ તે હોતાં નથી. જે લાયકાતવાળો સ્ટાફ હોવો જોઈએ તે હોતો નથી. એ કારણે કેટલાંક દરદીઓનાં મોત પણ નીપજ્યાં છે. આ એક ગંભીર બાબત છે. કોલકાત્તાથી પ્રગટ થતા ‘ધ ટેલિગ્રાફ’ ના એક અહેવાલ અનુસાર એમ. હરિનાટ્ચીને બાળક જોઈતું હતું. તે ઇજનેરીના વિષયમાં ગ્રેજ્યુએટ થયેલી યુવતી હતી. લગ્નને દોઢ વર્ષ થયાં છતાં સંતાન ન થતાં તે ચેન્નાઈની એક ફર્ટિલિટી ક્લિનિકમાં ગઈ. ગત તા.૨૬મી ઓક્ટોબરના રોજ ફર્ટિલિટી ટેસ્ટ માટે તેને એનેસ્થેસિયા આપવામાં આવ્યો અને ૨૭ વર્ષની એ યુવતી તત્ક્ષણ મૃત્યુ પામી. એનાં માતા ભાગ્યમ મૃગેશ કહે છેઃ “હું તેને ફર્ટિલિટી ક્લિનિક પર લઈ જ ન ગઈ હોત તો સારું. બાળકની ઝંખનામાં મેં મારી દીકરી ગુમાવી દીધી.”

આ યુવતીનું મોત તે કોઈ એકલદોકલ કિસ્સો નથી. આખા દેશમાં આવાં ફર્ટિલિટી ક્લિનિક્સ અનિયંત્રિત સ્વરૂપે ઊગી નીકળ્યાં છે. તેમાંથી કેટલાંક સુયોગ્ય પણ છે, પરંતુ તબીબી નિષ્કાળજીના કારણે દરદીઓનાં મોત પણ નીપજી રહ્યાં હોવાની ફરિયાદો પણ ઊઠવા પામી છે. આવો જ બીજો એક કિસ્સો કોચીનો છે. ૪૪ વર્ષની શીની વિનર નામની એક મહિલાની ફર્ટિલિટી ક્લિનિકમાં સર્જરી કરવામાં આવી. તે પછી તેમાં કેટલીક ગરબડો ઊભી થતાં તે હોસ્પિટલમાં જ મૃત્યુ પામી. તા. ૬ ઓક્ટોબરે જલંધરમાં અંગ્રેજી ભણાવતી રાશિ શર્મા નામની એક મહિલા લેક્ચરર અહીંની સ્થાનિક ફર્ટિલિટી ક્લિનિકમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી. ૩૬ વર્ષની રાશિ શર્માનાં લગ્ન સ્થાનિક એડવોકેટ સાથે થયાં હતાં. લગ્નજીવનનાં ૧૨ વર્ષ બાદ પણ તેને બાળક ન થતાં તેઓ જલંધરના એક ફર્ટિલિટી ક્લિનિક પર ગયાં હતાં. તેની પર કેટલીક શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. તેને બાળક તો ન મળ્યું પરંતુ હોસ્પિટલમાં જ તે મૃત્યુ પામી હતી. જે વ્યક્તિએ તેની સારવાર કરી હતી તે વ્યક્તિ ડોક્ટર જ નહોતો.

આ વાત એણે શર્મા દંપતીથી છુપાવી હતી.

આખા દેશમાં ઠેરઠેર આવાં બોગસ ફર્ટિલિટી ક્લિનિક્સની હાટડીઓ શરૂ થઈ ગઈ છે. તેમાંથી ઘણાંની પાસે વ્યાવસાયિક લાયકાતો કે પૂરતાં ઉપકરણો જ નથી.

આ બધાંની ઉપર નજર રાખવાની તંત્ર પાસે કોઈ વ્યવસ્થા જ નથી. હવે સરકારમાં તો નહીં પરંતુ લોકોમાં જાગૃતિ આવી ગઈ છે અને ઇન્દૌર અને પૂણેમાં હેલ્થ એક્ટિવિસ્ટ ગ્રૂપ શરૂ થઈ ગયું છે. આવાં એક હેલ્થ એક્ટિવિસ્ટ અમૂલ્યા નિધિ કહે છે દેશમાં બેબી મેકિંગ ઇન્ડસ્ટ્રી વિકસી રહી છે ત્યારે તેની પર નજર રાખવાની જરૂર છે. આવા હેલ્થ એક્ટિવિસ્ટ ગ્રૂપે બોગસ ડોક્ટરો અને પૂરતી લાયકાત અને સુવિધા વિના ચલાવાતાં ફર્ટિલિટી ક્લિનિક્સની સામે પગલાં લેવા ‘સ્વાસ્થ્ય અધિકાર મંચ’ની રચના કરી છે. વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજનાં વડા ડો. આલેયમ્મા ટીકે કહે છે કે દેશમાં ઠેરઠેર શરૂ થયેલાં ફર્ટિલિટી ક્લિનિક્સની યોગ્યતા વિશે તપાસ કરવાની જરૂર છે.

આ સમસ્યાનું બીજું પણ એક પાસું છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં નિઃસંતાનત્વનું પ્રમાણ વધી રહ્યું છે. જે રીતે કેન્સરના દરદીઓનું પ્રમાણ વધી રહ્યું છે તે જ રીતે ઇર્ન્ફિટલિટીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એક ફાર્માસ્યુટિકલ કંપનીએ સપ્ટેમ્બર ૨૦૧૩માં દેશનાં નવ શહેરોમાં એક મોજણી કરાવી હતી. આ સર્વે કુલ ૨૫૬૨ લોકો પર કરવામાં આવ્યો હતો. કોલકાત્તા, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોચી, આગ્રા, હૈદરાબાદ અને અમદાવાદમાં કરાયેલા આ સર્વેક્ષણ દરમિયાન ૩૧થી ૪૦ વર્ષની વયનાં ૪૬ ટકા દંપતી નિઃસંતાનત્વની તકલીફ ભોગવી રહ્યાં હતાં.

નિઃસંતાનત્વ એ એકમાત્ર તબીબી સમસ્યા નથી, તે એક સામાજિક સમસ્યા પણ છે. લગ્નનાં અમુક વર્ષ બાદ કોઈ સ્ત્રી સગર્ભા ન બને તો તેણે અનેક મહેણાં ટોણાંનો ભોગ બનવું પડે છે. સાસરિયાં તરફથી તિરસ્કારનો ભોગ બનવું પડે છે. કોઈ સ્ત્રી સગર્ભા ન બને તો કેટલીક વાર સ્ત્રીને જ જવાબદાર ગણવામાં આવે છે, પરંતુ કોઈ સ્ત્રી પ્રસૂતા ન બને તો તેના માટે પુરુષ પણ જવાબદાર હોઈ શકે છે. સમાજનો ઘણો મોટો ભાગ આ વાત સમજવા કે સ્વીકારવા તૈયાર હોતો નથી. બાળક ન થાય તો ઘણી વાર છૂટાછેડા અથવા પતિ દ્વારા બીજાં લગ્ન કરવાની ઘટનાઓ પણ બને છે. આજે પણ પુરુષપ્રધાન સમાજ નિઃસંતાનત્વ માટે હંમેશાં સ્ત્રીને જ જવાબદાર ગણે છે અને સ્ત્રીઓને અન્યાય કરે છે. નિઃસંતાનત્વ કેટલાય પરિવારોના ઝઘડા અને કંકાસનું કારણ બની જાય છે.

આ કારણથી ખાસ કરીને સ્ત્રીઓ ફર્ટિલિટી ક્લિનિકનો સહારો લે છે. ચેન્નાઈનાં ગાયનેકોલોજિસ્ટ અને રિપ્રોડક્ટિવ મેડિસિન નિષ્ણાત ડો. ગીતા હરિપ્રિયા કહે છેઃ દર મહિને મારા ક્લિનિક પર ૪૦૦થી ૫૦૦ આવા નવા દરદીઓ આવે છે.

આવાં કેટલાંક ક્લિનિક્સ માટે ફર્ટિલિટી ક્લિનિક્સ ઝડપથી પૈસા બનાવવાનો વ્યવસાય બની જાય છે. નિઃસંતાનત્વ દૂર કરવાની સારવારની ફી રૂપિયા એક લાખથી રૂપિયા ચાર લાખ જેટલી હોય છે. અલબત્ત, એ વાત પણ અહીં નોંધવી જોઈએ કે ઘણાં સુયોગ્ય ક્લિનિક્સમાં સારવાર લઈને ઘણાં દંપતીને સંતાનસુખ પ્રાપ્ત પણ થયું છે અને આવાં ઘણાં દંપતીના જીવનબાગમાં નવાં પુષ્પો પણ ખીલ્યાં છે.

ધી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના કહેવા પ્રમાણે દેશમાં ૧૨૦૦ જેટલાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (એઆરટી) ક્લિનિક્સ છે, તે પૈકી માત્ર ૭૭૭ જેટલાં જ અમારી સાથે રજિસ્ટર્ડ થયાં છે. આ ક્લિનિક્સ બે પ્રકારનાં છે. કેટલાંકની પાસે ટોચની ગુણવત્તા ધરાવતી સુવિધાઓ છે જ્યારે બીજા કેટલાંક પાસે સાવ નક્કામી સુવિધાઓ છે અને ટેકનિકલ નિષ્ણાતોનો અભાવ છે.

ફર્ટિલિટી ક્લિનિક્સના ગોરખધંધાનો કે નિષ્કાળજીનો ભોગ બનેલા કેટલાંક દરદીઓએ પોલીસ અને અદાલતોનો પણ સહારો લીધેલો છે. ૨૦૦૪માં અનીતા જયદેવને કેરળની એક ફર્ટિલિટી ક્લિનિક્સ સામે કેસ કરીને એવી ફરિયાદ નોંધાવી છે કે તેનો પતિ નથી એવા એક બીજા પુરુષને ડોનર બનાવી તેને સગર્ભા બનાવવામાં આવી હતી. જોકે, ડોક્ટરે એવો બચાવ કર્યો છે કે ડોનરના સ્પર્મનો ઉપયોગ કરવા દંપતીએ મૌખિક સંમતિ આપી હતી. તે પછી અનીતા જયદેવને એક પુસ્તક લખ્યું છે – Malacious Medicine : My Experience with Fraud and Falsehood in Infertility Clinics.

(આ માહિતી અને આંકડા ‘ધ ટેલિગ્રાફ’ના વૃતાંત પર આધારિત છે.)
www.devendrapatel.in

મને અત્યંત ગર્વ છે, હું હિન્દુસ્તાનમાં જન્મ્યો છું

કભી કભી – દેવેન્દ્ર પટેલ
  • હિમાલયની ર્બિફલી પહાડી પર ખેલાયેલા જંગની કથા
  • એલઓસી કારગિલ‘ અને લક્ષ્ય‘ ફિલ્મની કથાનો અસલી હીરો યોગેન્દ્રસિંહ યાદવ

ભારતવર્ષના લોકો ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી. દેશના નેતાઓ ભવ્ય બંગલા,લાલબત્તીવાળી મોટરકાર,કમાન્ડોઝની સુરક્ષા અને પોલીસની સલામોના વૈભવમાં ડૂબેલા છે ત્યારે અહીં એક એવા જવાનની કહાણી પ્રસ્તુત છે, જેણે માઈનસ ૨૦ ડિગ્રીમાં ગરકાવ ર્બિફલી પહાડીઓની વચ્ચે દુશ્મન સૈન્ય અને પોતાની જિંદગી સાથે એક જબરદસ્ત લડાઈ લડી.

ભારતીય લશ્કરના એ જવાનનું નામ છે : નાયબ સૂબેદાર યોગેન્દ્રસિંહ યાદવ.

એ જવાનની કથા એમના જ શબ્દોમાં સાંભળોઃ ”ઈશ્વર દરેક માનવીને જિંદગીમાં એક વાર કોઈને કોઈ ખાસ કામ કરવાની તક આપે છે. મારા જીવનમાં પણ આવો જ એક મોકો આવ્યો. વાત ૧૯૯૯ની સાલની છે, હું મારા જીવનની શરૃઆત કરી રહ્યો હતો. તા. ૫મી મે, ૧૯૯૯ના રોજ મારું લગ્ન હતું. હું લગ્ન માટે મારા ગામ ગયો હતો. લગ્ન કરી લીધા બાદ તા. ૨૦મી મેના રોજ હું જમ્મુ પાછો આવ્યો, ત્યારે ખબર પડી કે મારી બટાલિયન કારગિલ કૂચ કરી ગઈ છે. કારગિલ પર પાકિસ્તાનના સૈનિકોએ આક્રમણ કરી દીધું હતું. મારા જીવન માટે આ જ એક સુવર્ણપળ હતી, આ જ એ સોનેરી ક્ષણ હતી, જેણે મને મારા દેશની સેવા કરવાની તક આપી. મને ગર્વ છે કે હું હિન્દુસ્તાનમાં જન્મ્યો છું. મને ગર્વ છે મારા માતા-પિતા પર, જેમણે મને દેશની સેવા માટે પ્રેરિત કર્યો.

યુદ્ધના મેદાનમાંથી અમને સમાચાર મળી રહ્યા હતા કે, આપણા કેટલાય જવાનો શહીદ થઈ ગયા હતા. કારગિલ ક્ષેત્રમાં એક ”ટાઈગર હિલ” છે, તેની પર દુશ્મનોએ કબજો લઈ લીધો હતો. એ ટાઈગર હિલ પર ફરી વિજય મેળવવા માટે ભારતીય લશ્કરે એક સ્ટ્રાઈકિંગ ફોર્સ અર્થાત્ ઘાતક ટુકડી તૈયાર કરી હતી. મને એ ટુકડીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તા. ૨જી જુલાઈના રોજ અમે ટાઈગરહિલ પર ચઢાઈ શરૃ કરી. ખુશી એ વાતની હતી કે, મને એ ટુકડીમાં સહુથી આગળ ચાલવાની તક મળી હતી. તા.૫મી જુલાઈ સુધીમાં અમે ટાઈગરહિલ ચડી ગયા. રસ્તો અત્યંત મુશ્કેલ હતો. બરફનું તોફાન ચાલુ હતું, પરંતુ અમારો જુસ્સો બુલંદ હતો. અમે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા સજ્જ હતા. અમે બધા કદમથી કદમ મીલાવીને આગળ વધી રહ્યા હતા.

મને અત્યંત ગર્વ છે, હું હિન્દુસ્તાનમાં જન્મ્યો છું

અમે આગળ વધી રહ્યા હતા, ત્યાં જ અચાનક દુશ્મનોએ અમારી પર ફાયરિંગ શરૃ કરી દીધું. અમે પણ વળતું ફાયરિંગ શરૃ કર્યું. બંને તરફથી ગોળીઓ છૂટવા લાગી. દુશ્મન સેનાના આઠ સૈનિકો માર્યા ગયા. તેની આમે અમે માત્ર સાત જ જવાન હતા, પણ એ વખતે એમને લાગ્યું કે અમે સાત નહીં પણ ૭૦૦ છીએ.આ દરમિયાન દુશ્મન સૈનિકોની ટુકડી નજીક આવી ત્યારે જ એમને ખબર પડી કે, અમે ફક્ત સાત જ જવાન છીએ. એ લોકોએ પાછા જઈને એમના કમાન્ડરને જાણ કરી.

દુશ્મનોએ એમની રણનીતિ બદલી. અડધા કલાક બાદ પાકિસ્તાનના સૈનિકોએ નારાબાજી શરૃ કરી. તેની સામે અમે નક્કી કર્યું કે,એ લોકો વધુ કરીબ આવે તે પછી જ ફાયરિંગ શરૃ કરવું. અમારી પાસે દારૃગોળો ઓછો થવા લાગ્યો હતો. નીચેથી જ અમને સપ્લાય થતો નહોતો. દુશ્મન ટુકડી નજીક આવતાં જ અમે ફાયરિંગ શરૃ કર્યું. સામેથી દુશ્મનોએ પણ ફાયરિંગ શરૃ કર્યું. આ લોહિયાળ સંઘર્ષમાં અમારી ટુકડીના છ જવાન શહીદ થઈ ગયા. પરંતુ શહીદ થતા પહેલાં એમણે દુશ્મન સૈન્યના ૩૫ જવાનોને ઢાળી દીધા હતા.

ભારતીય સૈન્યની ટુકડીના સાત પૈકી એક માત્ર હું જ જીવીત હતો, પરંતુ હું પણ ગંભીર રીતે ઘવાયો હતો. મારા શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. એ વખતે પણ મારો જુસ્સો યથાવત હતો. મારું શરીર લોહીલુહાણ હોવા છતાં મને જરા પણ દર્દનો અહેસાસ થતો નહોતો. મારા દિલોદિમાગમાં સિર્ફ ભારતનો ત્રિરંગો લહેરાઈ રહ્યો હતો. યુદ્ધ ભૂમિ પર મારા સાથીઓના શબ પડયા હતા. હું અર્ધ બેહોશ હતો. એટલામાં દુશ્મન સૈનિકો આવી પહોંચ્યા. આપણા શહીદોના શબ પર ફરી ગોળીઓ છોડવા લાગ્યા. આપણા શહીદોના મૃતદેહને બુટથી લાતો મારવા લાગ્યા. એ લોકો અમને ગાળો પણ દેતા હતા. હું એ લોકો જોઈ ના શકે તે રીતે દૂરની એક શીલાની પાછળ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. હું એમની વાતો સાંભળી રહ્યો હતો. એમના અફસરે અમારી નીચેની ચોકી નષ્ટ કરી દેવા હુકમ કર્યો. હું ચૂપચાપ પડયો જ રહ્યો. એક જણે મને જોઈ લીધો, પણ એ બધાંને લાગ્યું કે હું જીવંત નથી. મારી હાલત ગંભીર હતી. મેં ઈશ્વરને પ્રાર્થના કરી કે, ”હે ભગવાન! મને થોડીવાર માટે પણ જીવીત રાખો, જેથી હું નીચે મારી ચોકી પર જઈ મારા સાથીઓને દુશ્મનના ઈરાદાથી વાકેફ કરી શકું.”

આ દરમિયાન દુશ્મનોના અફસરે એના સાથીઓને કહ્યું, શબો પાસે જે રાઈફલો પડી છે, તે બધી ઉઠાવી લાવોે. એમણે અમારી રાઈફલો લઈ લીધી અને ફરીવાર શબો પર ગોળીઓ છોડવા લાગ્યા. એમણે મારા પર પણ ગોળી ચલાવી. એમણે મારી છાતી પર ગોળી મારી, પરંતુ મારા શર્ટના ઉપરના ખિસ્સામાં પાકિટ હતું. પાકિટમાં છુટ્ટા ચલણી સિક્કા હતા. દુશ્મનની ગોળી એ સિક્કા સાથે અથડાઈને પાછી ચાલી ગઈ.

હું બચી ગયો.

શાયદ ઈશ્વરની એ જ મરજી હતી. ઈશ્વર જ મને બચાવવા માંગતો હતો. દુશ્મનો અમારી રાઈફલો લઈને ભાગ્યા. મારી પાસે ખિસ્સામાં એક હેન્ડગ્રેનેડ જ બચ્યો હતો. મેં પૂરી તાકાતથી એ હેન્ડગ્રેનેડ દુશ્મનોની ભાગતી ટુકડી પર ફેંક્યો. પુષ્કળ અવાજ સાથે એ ફાટયો. એ ફાટતાં જ દુશ્મન ટુકડીમાં ગભરાટ ફેલાયો, એમને લાગ્યું કે ભારતીય ફોજ નીચેથી આવી ગઈ છે. જો કે એક જણે કહ્યું કે, ‘સાતમાંથી કોઈ એકાદ જવાન જીવતો લાગે છે.’

એ જ વખતે મેં મારી પાસે પડેલી એક રાઈફલ જોઈ. મારો એક હાથ બેકાર થઈ ગયો હતો. મેં બીજા હાથે રાઈફલ ઉઠાવી. અને દુશ્મનોના ચાર જવાનોને પાડી દીધા. મેં ઊભા થવા કોશિશ કરી અને ચારે તરફ મેં અંધાધૂંધ ફાયરિંગ શરૃ કરી દીધું. એ લોકોને હવે લાગ્યું કે સાચે જ ભારતીય ફોજ નીચેથી ઉપર આવી ગઈ છે. એ લોકો તેમનો જાન બચાવવા ભાગ્યા. કેટલાકને તો મેં લોહીલુહાણ કરી દીધા હતા.

એ લોકોના ભાગી ગયા બાદ મેં શાંતિથી મારા સાથીઓના શબ જોયાં, કદાચ કોઈ જીવીત હોય ! પરંતુ તે બધા જ શહીદ થઈ ચુક્યા હતા. મેં નીચે ભારતીય ચોકી તરફ જવા નિર્ણય કર્યો, જેથી દુશ્મનોની યોજનાને વિફલ બનાવી શકું. મેં માંડ માંડ ઊભા થઈ ચાલવાનું શરૃ કર્યું. એક નાળાના સહારે લથડીયા ખાતા ખાતા હું નીચે પહોંચ્યો. નીચે આવતાં જ મેં મારા કેટલાક સાથીઓને જોયા. મેં કમાન્ડરને બૂમ પાડી. મારો એક હાથ તૂટી ગયો હતો. આખો યુનિફોર્મ ચીંથરેહાલ અને લોહીથી તરબતર હતો. મારી હાલત જોઈ એમને લાગ્યું કે હું બચી શકીશ નહીં. મેં સાથીઓને કહ્યું: ”અહીં દુશ્મનો હુમલો કરવાના છે.”

એમણે તરત જ કમાન્ડિંગ ઓફિસરને સૂચના આપી. મને પણ તાત્કાલિક સારવાર આપવામાં આવી. પણ લોહી વહેવાનું ચાલુ હતું. અફસર સુધી પહોંચતાં સાંજના સાત વાગી ચુક્યા હતા. એ વખતે હું થોડું થોડું બોલી શક્તો હતો, પણ આંખે બરાબર દેખાતું નહોતું. હું મારા અધિકારીને બરાબર ઓળખી શક્યો નહીં, છતાં મેં ઉપર પહાડી પર બનેલી આખી ઘટનાથી તેમને વાકેફ કર્યા. એ વાત સાંભળ્યા બાદ તેમણે એક રણનીતિ બનાવી. તેના આધારે જવાનોની એક ટુકડી ફરી તૈયાર કરી અને પાકિસ્તાની ટુકડી સવારે અમારી ચોકી પર ત્રાટકે તે પહેલાં જ રાત્રે અમે દુશ્મનોને ઠાર કરી ટાઈગર હિલ પર ત્રિરંગો ફરકાવી દીધો.”

-નાયબ સૂબેદાર યોગેન્દ્રસિંહ યાદવની વાત અહીં પૂરી થાય છે. ભારતીય ફોજના જવાન યોગેન્દ્ર સિંહને કારગિલ યુદ્ધમાં તેમની શાનદાર બહાદુરી માટે દેશના પ્રતિષ્ઠિત સૈન્ય સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. બોલિવૂડની ફિલ્મો ”લક્ષ્ય” અને ”એલઓસી” કારગિલમાં યોગેન્દ્રસિંહ યાદવની દાસ્તાનને બખૂબીથી દર્શાવવામાં આવી છે.

ભારતીય ફોજના જવાનોને સલામ.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ટોપી પહેરાવવામાં ઉસ્તાદ નેતાઓ ટોપીના શરણે

જનસંઘની ભગવી ટોપી, પ્રસોપાની લાલ ટોપી, કોંગ્રેસની ગાંધી ટોપી, કેજરીવાલની આમ ટોપી

અમદાવાદમાં એક જૂની લોન્ડ્રી છે- વિક્ટોરિયા વોશિંગ કાં. તેની દુકાનમાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે : “એક જમાનામાં અમે રોજ ૧૦૦૦ ટોપીઓ ધોતાં હતાં.” લાગે છે કે, એ જમાનો ફરી આવશે. ચૂંટણીની ખીલી રહેલી મોસમમાં ટોપીઓના ધંધામાં ફરી બહાર આવી રહી છે. થેંક્સ ટુ કેજરીવાલ.

કોંગ્રેસની ગાંધી ટોપી

હા, જૂની પેઢીના ઘણા લોકોને યાદ હશે કે, ગાંધી ટોપી એ કોંગ્રેસીઓનું પ્રતીક હતું. ગાંધીજીએ તો પાછલી વયમાં ટોપી પહેરવાનું છોડી દીધું હતું, પરંતુ પંડિત જવાહરલાલ નહેરુએ ખાદીની ધારદાર સફેદ ટોપી પહેરવાનું ચાલુ રાખ્યું હતું. ટોપી એ કોંગ્રેસીઓની ઓળખ બની ગઈ હતી. કોંગ્રેસીઓ પર પ્રજાની નારાજગી હોય ત્યારે લોકો ટોપીને જ નિશાન બનાવતા. દા.ત. ૧૯૫૬ના ગાળામાં મોરારજી દેસાઈના દુરાગ્રહથી ગુજરાત-મહારાષ્ટ્રનું એક એવું દ્વિભાષી રાજ્ય બનાવવામાં આવ્યું હતું. તે પછી ગુજરાતમાં મોરારજી દેસાઈના એ હઠાગ્રહના વિરોધમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. મહાગુજરાતના એ આંદોલન વખતે ગુજરાતના ગામો અને શહેરોના વિદ્યાર્થીઓએ કોંગ્રેસીઓ વિરોધી એક નારો ગજવ્યો હતો : “એક દો, ધોળી ટોપી ફેંક દો.” અને વિદ્યાર્થીઓએ કેટલાયે નેતાઓની ટોપી ઊતરાવી હતી.

ટોપી પહેરાવવામાં ઉસ્તાદ નેતાઓ ટોપીના શરણે

દરજીઓનો ધંધો વધ્યો

સમય બદલાતાં ટોપી આઉટ ઓફ ડેટ થઈ ગઈ. નેતાઓની નવી પેઢીએ ધોળી ટોપીને વિદાય આપી દીધી. ભારતભરમાંથી ટોપીઓ સીવવાવાળા દરજી ગાયબ થઈ ગયા, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટીએ દરજીઓને રોજગારનો નવો રસ્તો ખોલી આપ્યો છે. આમઆદમી પાર્ટીએ દેશના બડા બડા રાજકીય પક્ષોને કેટલીયે બાબતોમાં પોતાની નકલ કરતાં કરી દીધા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં દિલ્હીના તખ્તા પર સત્તા હાંસલ કરવા માગતી ભારતીય જનતા પાર્ટીને પણ કેસરિયા કે ભગવા રંગની ટોપી પહેરતી કરી દીધી છે. આમઆદમી પાર્ટીની નકલ કરી રહેલા નેતાઓની એ નવી શૈલીને બદલાતા સમયની મજબૂરી ગણવી કે હાસ્યાસ્પદ હરકત એ વાચકોએ નક્કી કરી લેવાનું છે. એક જમાનાના એક ન્યૂઝ ચેનલના એન્કર આશુતોષ અને ભાજપના દિલ્હીના નેતા ડો. હર્ષવર્ધનને ટોપી પહેરેલા જોઈ કોઈને પણ હસવું આવશે.

ટોપીથી અધિકારીઓ ડરતા

એ વાત સુવિદિત છે કે, આ દેશમાં ગાંધી ટોપી એ ભારતીયતાની નિશાની હતી. એ સફેદ ટોપી કોંગ્રેસીઓના શિરની શાન હતી. કોઈપણ સરકારી કચેરીમાં સફેદ ટોપીવાળો નેતા પ્રવેશે એટલે અધિકારીઓ તેને માન આપતા, પરંતુ રાજનીતિએ એક કરવટ બદલી કે, સ્વતંત્રતા બાદ ભારતમાં ખુરશીની દોડમાં કોઈ નેતાઓ એકબીજાને ટોપી પહેરાવવા લાગ્યા અને કોઈ બીજાની ટોપી ઉતારવા લાગ્યા. છેલ્લે છેલ્લે કોંગ્રેસના મોરારજી દેસાઈ પ્રભાવશાળી ટોપી પહેરતા હતા, પરંતુ પહેલાં પંડિત જવાહરલાલ નહેરુએ અને ત્યાર બાદ ઇન્દિરા ગાંધીએ મોરારજીભાઈની ટોપી ઉડાવી દીધી હતી. મોરરાજી દેસાઈ એક પ્રામાણિક નેતા હોવા છતાં તેમના નામનો બ્રિજ કે રસ્તો શોધવો મુશ્કેલ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા, હિતેન્દ્ર દેસાઈ ગાંધીટોપી પહેરતા હતા, પણ બાબુભાઈ જસભાઈ પટેલ, ઘનશ્યામ ઓઝા, ચીમનભાઈ પટેલ અને છબીલદાસ મહેતાએ ટોપી ના પહેરી.

જનસંઘની ભગવી ટોપી

ટોપી માત્ર કોંગ્રેસીઓનું જ પ્રતીક રહી છે એવું નથી. ૧૯૬૨માં જ્યારે જનસંઘનો ઉદય થયો ત્યારે એ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ ભગવા રંગની ટોપી પહેરવા લાગ્યા હતા. એ વખતે જનસંઘનું ચૂંટણી પ્રતીક દીપક હતું. ભગવા રંગની ટોપી પહેરતા જનસંઘના કાર્યકર્તાઓ ૧૯૬૯માં ઉત્તર ભારતના કેટલાક ક્ષેત્રોમાં ગામેગામ ફરતા અને નારો પોકારતા : “હર હાથ કો કામ, હર ખેત કો પાની, ઘર ઘર મેં દીપક જનસંઘ કી નિશાની.” અટલ બિહારી વાજપેયી અને એલ. કે. અડવાણીનું ગોત્ર પણ જનસંઘ જ છે. બલરાજ મધોક જનસંઘના લોકપ્રિય નેતા હતા, પરંતુ કટ્ટરવાદના કારણે એ પક્ષ ના ચાલ્યો અને કેટલાય સમય બાદ’ભારતીય જનતા પાર્ટી’ના નવા નામે અવતરીત થયો. એટલે હવે ભાજપાના નેતાઓ અને કાર્યકર્તાઓ ભગવી ટોપી પહેરે તો તેમણે તેમના પુરોગામીઓનું જ અનુસરણ કર્યું તેમ તેઓ કહી શકશે, ભલે તેની પર કેજરીવાલ-ઇફેક્ટ હોય !

અત્રે એ નોંધવું પણ જરૃરી છે કે, જનસંઘ જ્યારે ઉદય પામી રહ્યો હતો ત્યારે ખભા ઉપર હળ સાથેના કિસાનના ચૂંટણી પ્રતીક સાથે ‘ભારતીય ક્રાંતિદળ’ નામનો પક્ષ પેદા થયો. તેના નેતા ચૌધરી ચરણસિંહ હતા. તેમણે એવો તર્ક આપ્યો કે, વીજળીના જમાનામાં જનસંઘનો દીપક કેવી રીતે રોશની આપી શકશે ? સમય જતાં જનસંઘના દીપકની જ્યોત મંદ થઈ અને ચરણસિંહ ચૌધરીએ સફેદ ગાંધીટોપી પહેરીને ખેડૂતોને સડક પર ઉતાર્યા. પરિણામે જનસંઘની ભગવી ટોપી અદૃશ્ય થઈ ગઈ.

સમાજવાદીઓની લાલ ટોપી

આ જ સમયગાળા દરમિયાન ડો. રામમનોહર લોહિયાએ ‘સંસોપા’ અર્થાત્ સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી અને આચાર્ય નરેન્દ્ર દેવે ‘પ્રસોપા’ એટલે કે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી શરૃ કરી. ડો. રામમનોહર લોહિયાએ ટોપીને મહત્ત્વ ના આપ્યું. તેમણે કહ્યું : “દિલથી સમાજવાદ લાવો.” પરંતુ પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના આચાર્ય નરેન્દ્ર દેવે લાલ રંગની ટોપીને તેમના પક્ષના નેતાઓની પહેચાન બનાવી. એ જમાનામાં નાનાં નાનાં ગામોમાં પણ પ્રસોપાના લાલ રંગની ટોપી પહેરતા એક-બે નેતાઓ મળી આવતા. બિહારના લાલુ પ્રસાદ યાદવ, નીતીશકુમાર અને ઉત્તર પ્રદેશના મુલાયમસિંહ યાદવ ડો. રામમનોહર લોહિયાના જ શિષ્યો છે, પરંતુ પાછળથી તેમણે સ્વતંત્ર પક્ષો ઊભા કર્યા. લાલુ અને નીતીશકુમારે ટોપી ફગાવી દીધી, પરંતુ મુલાયમસિંહ યાદવ ક્યારેક લાલ રંગની ટોપી પહેરતા દેખાય છે. નીતીશકુમાર સિવાય બાકીના નેતાઓ ડો. લોહિયાના સિદ્ધાંતોથી વિમુખ થયેલા જણાય છે.

ભૂરી ટોપી

એ સમયગાળા દરમિયાન બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે સમાંતર એવી રિપબ્લિકન પાર્ટીની સ્થાપના કરી હતી. એમણે તેમના નેતાઓ અને કાર્યકર્તાઓને ભૂરી ટોપી અને હાથીનું નિશાન આપ્યાં. એ વખતે કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક બે બળદની જોડી હતું. એ જોડીને ભગાવવા બાબાસાહેબ આંબેડકરે ઝુંબેશ ચલાવી હતી. એ વખતે ચૂંટણી મેદાનમાં ટોપીઓના રંગથી જ સમજી જતા હતા કે, બહાર કઈ પાર્ટીની હવા ચાલી રહી છે. હવે માયાવતીની બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ પણ ભૂરી ટોપી પહેરવા લાગ્યા છે.ળઇન્દિરાજીએ ટોપી હટાવી

ખરી રમત તો ૧૯૬૯માં જોવા મળી. ૧૯૬૯માં ઇન્દિરા ગાંધીએ પહેલી જ વાર કોંગ્રેસનું વિભાજન કરીને ‘કોંગ્રેસ-ઇ’ અર્થાત્ ઇન્ડિકેટ બનાવી ત્યારે માત્ર ‘કોંગ્રેસ-ઓ’ અર્થાત્ સિન્ડિકેટના નેતાઓ સહિત બીજી બધી જ પાર્ટીઓના નેતાઓના માથા પરથી ટોપીઓ ઊડી ગઈ. જનસંઘ, પ્રસોપા, સંસોપા, ભારતીય ક્રાંતિદળ અને મોરારજી દેસાઈની સંસ્થા કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓને ઇન્દિરા ગાંધીએ ભારે શિકસ્ત આપી અને ટોપી વગરના અજાણ્યા ચહેરા લોકસભામાં પ્રવેશ્યા. મોટા સાફા, પાઘડીઓ અને ભવ્ય મુગુટ પહેરતા રાજા-મહારાજાઓના ટોપી વગરના નોકરચાકરોને ચૂંટણીમાં જીત મળી અને એવા લોકોને લોકસભામાં સ્થાન મળ્યું. એ સમયથી જ કોંગ્રેસીઓના માથાં પરથી ટોપીઓ ગાયબ થઈ ગઈ. ટોપી વગરના નેતાઓ ‘ઇન્દિરા ગાંધી કી જય’ પોકારી સરકાર ચલાવવા લાગ્યા. એ વખતે ટોપી વગર રાજનીતિ કરવાવાળા સ્વતંત્ર પાર્ટીની જેમ બીજી બધી પાર્ટીઓએ પણ ટોપીને વિદાય આપી દીધી.

પણ હવે ફરી ટોપી મેદાનમાં આવી ગઈ છે. કેજરીવાલે ભાજપને તો તેની અસલી ભગવી ટોપી પહેરાવી, મુલાયમને લાલ ટોપી પહેરી અને માયાવતીને ભૂરી ટોપી પહેરાવી દીધી, પણ કોંગ્રેસ તેની ગાંધીટોપી ક્યારે અપનાવે છે તેની રાહ જોવી રહી. વર્ષો જૂની પાર્ટીઓએ કેજરીવાલની નકલ કરવી પડે તે પણ આશ્ચર્યની વાત છે.

એલ. કે. અડવાણી હંમેશાં ‘P.M. ઈન વેઈટિંગ’ રહેશે

સત્તાના પાયા પર રચાયેલા બંગલાઓની ઊંચી દીવાલોની બહાર નીકળવા કોઈ તૈયાર નથી

ફિલ્મનું એ ટાઈટલ જાણીતું છે- ‘દિલ હૈ કિ માનતા નહીં હૈં.’ બસ,આવું જ કાંઈ ભારતીય જનતા પાર્ટીના વયોવૃદ્ધ નેતા એલ. કે. અડવાણીનું છે. અડવાણી દાદા ૯૦ની નજીક સરકી રહ્યા છે, પરંતુ પોતાની ઉંમરનો રોલ ભજવવા તૈયાર નથી. આમ તો એમણે રાજનીતિમાંથી નિવૃત્ત થઈ, પક્ષના મોભી અને માર્ગદર્શક બની રહેવું જોઈએ, પરંતુ ભાજપાને સ્પષ્ટ બહુમતી ના મળે અને નરેન્દ્ર મોદીના નામને બીજા ઘટક પક્ષોનું સમર્થન ના મળે તો પોતે જ વડા પ્રધાનપદે આરુઢ થવાના અભરખાંમાંથી તેઓ હજુ બહાર આવ્યા નથી. તેમની વય અને બીજી મર્યાદાઓને કારણે અડવાણીને માનભેર રાજ્યસભામાં મોકલવા વિચારવામાં આવ્યું હતું, પરંતુ તેમણે એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો, અને જાહેરાત કરી દીધી કે, “હું તો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી જ લડીશ. મારે રાજ્યસભામાં જવું હોત તો ઘણાં પહેલાં જ જતો રહ્યો હોત.”

એલ. કે. અડવાણી હંમેશાં ‘P.M. ઈન વેઈટિંગ' રહેશે

અડવાણીનું ગણિત

એ વાત સાચી છે કે, જેઓ જાહેર જીવનમાં રહેવા માગે છે તેઓ હંમેશાં જનતાથી સીધા જોડાયેલા રહેવાનું પસંદ કરે છે, પરંતુ અહીં અડવાણીજીનું ગણિત જનતા સાથે જોડાયેલા રહેવાનું ઓછું અને વડા પ્રધાનપદ પ્રાપ્ત કરવાનું વધુ લાગે છે. લોકસભાની ચૂંટણીઓ પછી મોદીને સમર્થન આપવામાં કોઈ ડખો પડે તો તેઓ પોતે લોકો દ્વારા ચૂંટાયેલા સ્વીકાર્ય નેતા છે, તેમ કહી વડા પ્રધાનપદ માટે પોતાનો દાવો રજૂ કરવા માગે છે. એમાં કોઈ સંદેહ નથી કે, ભારતીય જનતા પાર્ટીને દેશની એક મહત્ત્વપૂર્ણ પાર્ટી બનાવવામાં તેમનું યોગદાન સર્વોપરી છે. ભાજપામાં અટલબિહારી વાજપેયીની સાથે જે જે વ્યક્તિઓનાં નામો પાર્ટીને રાષ્ટ્રીય સ્તર પર લાવવાનું શ્રેય જાય છે, તેમાં સૌથી આગળની પંક્તિનું નામ લાલકૃષ્ણ અડવાણીનું પણ છે. તેઓ વડાપ્રધાનપદના પ્રાકૃતિક દાવેદાર રહ્યા છે. એ તેમનો અધિકાર છે, પરંતુ કરાચીમાં મોહંમદ અલી ઝીણાની કબર પર મસ્તક નમાવ્યા બાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુડ બુકમાં રહ્યા નથી. લાખોની ભીડ એકત્ર કરી શકે તેવો કોઈ કરિશ્મા તેમની પાસે નથી. ઉંમરનો તેમને સાથ નથી. કોર્પોરેટ વર્લ્ડનો તેમને સાથ નથી. હા, થોડાક ઘટક પક્ષોનો તેમને ટેકો મળી શકે તેમ છે,પરંતુ મોદીની લોકપ્રિયતા વગર ભાજપાની નૈયા પાર પડે તેમ નથી, અને આ વાસ્તવિકતા સ્વીકારવા અડવાણી તૈયાર નથી.

સત્તા અને સેવા

‘રાજનીતિ’ શબ્દ જ એવો છે કે, તેમાં તેની સાથે જ ‘મહત્ત્વાકાંક્ષા’ અભિપ્રેત છે. સત્તા અને પદની લાલચ નથી- એવું સાચા દિલથી એક પણ નેતા કહેવા તૈયાર નથી. કોઈ નેતા એમ કહે કે, “મને સત્તાની પરવા નથી, હું તો લોકોની સેવા જ કરવા માટે રાજનીતિમાં છું.” આવા નિવેદન જેવું કોઈ ગપ્પું નથી. દેશના સર્વોચ્ચ એવા વડાપ્રધાનપદને હાંસલ કરવાની મહત્ત્વાકાંક્ષા રાખવાનો કોઈને પણ અધિકાર છે. એ વાત પણ સાચી છે કે, અડવાણી રાજનીતિ અને પ્રગતિના સ્થાન પર ધર્મચિહ્નોનો પ્રયોગ કરી શિખર સુધી પહોંચવામાં કામિયાબ નીવડયા હતા. તેથી તેમને સ્વપ્નમાં પણ સત્તા સુખ દેખાય તે સ્વાભાવિક છે. મોરારજી દેસાઈને પણ આવો જ અભરખો હતો. ૮૨ વર્ષની વયે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે જ તેમને શાંતિ થઈ હતી. અલબત્ત, તેઓ અલ્પ સમય માટે જ વડા પ્રધાનપદે રહ્યા હતા અને જેટલો પણ સમય રહ્યા તેટલો સમય દેશનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. એ રીતે આ દેશમાં વૃદ્ધોની સત્તાલક્ષી મહત્ત્વાકાંક્ષાઓ એ કોઈ નવી વાત નથી. હા, સેવા કરવા કોઈ વડાપ્રધાનપદે બેસવા માગતું હોય તો તે વાતમાં કોઈ માલ નથી. સેવા કરવી જ હોય તો રક્તપિત્તિયાની હોસ્પિટલોમાં જઈ સેવા કરી શકાય છે. ગરીબ પરિવારના બાળકોને ભણવા પુસ્તકો અને ફી આપી સેવા કરી શકાય છે. ભૂખ્યા લોકોને અન્ન આપી સેવા કરી શકાય છે. કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂતેલા દરિદ્રનારાયણોના દેહ પર ધાબળો ઓઢાડી સેવા કરી શકાય છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે, આવી સેવા કરવા માટે આજે કોઈપણ વ્યક્તિ ‘રાજનીતિ’માં નથી. દરેકને સત્તા જોઈએ અને તે પણ અસાધારણ સત્તા. આ તેમની માનસિક ભૂખ છે અને એ સત્તાભૂખ્યાઓની ટોળીમાં અડવાણીજી પણ આવી જાય છે.

ર્ધાિમક ભાવનાનું શોષણ

અસાધારણ સત્તા હાંસલ કરવા અડવાણી તમામ પ્રયોગ કરી ચૂક્યા છે. તેઓ યાત્રાઓ કાઢી ચૂક્યા છે. રામ રથયાત્રા પણ કાઢી ચૂક્યા છે. એકતા અને ચેતના યાત્રા પણ કાઢી ચૂક્યા છે. રામમંદિરના નિર્માણના નામ પર તેમણે દેશની જનતાની ર્ધાિમક ભાવનાઓનું શોષણ કરવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી. હા, રામમંદિરના નિર્માણના નામે અડવાણીજી સફળ નીવડયા હોત તો તે સફળતા ભગવાન શ્રીરામની હોત, અડવાણીની નહીં. રામના નામે તેમને સત્તા તો મળી હતી, પરંતુ સત્તા પર આવતાં જ તેઓ રામને ભૂલી ગયા, ધારા ૩૭૦ ભૂલી ગયા, કોમન સિવિલ કોડનું વચન ભૂલી ગયા. એ તો ઠીક, પણ ભારતના બે ટુકડા કરાવનાર મોહંમદ અલી ઝીણાને તેમણે ‘ધર્મનિરપેક્ષ’ કહ્યા. હકીકતમાં મોહંમદ અલી ઝીણા જ એવા વ્યક્તિ હતા જેમણે નિર્દોષ નાગરિકોની ર્ધાિમક લાગણીઓ ભડકાવીને પાકિસ્તાનનું સર્જન કર્યું હતું. અટલબિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે પણ અડવાણીજીની વડા પ્રધાન બનવાની છૂપી કહાણી છૂપી નથી. એ વખતે નાયબ વડા પ્રધાન બનીને જ એમણે સંતોષ માનવો પડયો હતો. તેમના માટે વડા પ્રધાન બનવાનો વારો આવ્યો ત્યારે દેશની જનતાએ ‘ઇન્ડિયા શાઈનિંગ’ના નારાઓને ફગાવી દીધા અને અડવાણીજી ‘પ્રાઈમ મિનિસ્ટર ઇન વેઈટિંગ’ જ રહી ગયા. એ ચૂંટણીઓમાં પરાજય બાદ પણ અડવાણીજી પોતાના અયથાર્થતા સ્વીકારવા તૈયાર નથી. સમય હંમેશાં એક સરખો રહેતો નથી. પ્રકૃતિ પણ સમય સમય પર પોતાનાં અલગ અલગ સ્વરૂપ દેખાડે છે. સચિન તેંડુલકર ‘મહાન ક્રિકેટર’ છે, પરંતુ ઘણાંને એમ લાગે છે કે, છેલ્લે છેલ્લે જરૂર કરતાં વધુ મેચ રમી ગયા. તે પછી એક સમય એવો આવ્યો કે, તેમને ક્રિકેટમાંથી સંન્યાસ લેવો પડયો. હા, ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કેટલાક સમય પહેલાં લીધો હોત તો ક્રિકેટપ્રેમીઓના દિલોમાં તેમના માટેનું સન્માન વધી જાત.

બંગલા બહારનો ખૌફ

બસ, અડવાણીજીનું પણ કાંઈક આવું જ છે. સત્તાની મહત્ત્વાકાંક્ષા અને રાજનીતિ એક એવું વિષચક્ર છે, જેમાંથી બહાર આવવું મુશ્કેલ છે. સત્તા ના મળે ત્યાં સુધી લાલસાનો અંત આવતો નથી. ભારતીય રાજનીતિમાં અનેક ઊંચા સ્થાન પ્રાપ્ત કરવાવાળા અડવાણીજી સત્તાના પાયા પર રચાયેલી ઊંચી દીવાલોવાળા બંગલાની બહાર આવવા તૈયાર નથી. દિલ્હીની એ કોઠીઓ છોડવી કોઈને ગમતી નથી. દિલ્હીના એ વિશાળ બંગલાઓની બહાર રહેલી લોકોની અસ્વીકાર્યતાનો ખૌફ સૌને ડરાવે છે, અડવાણીજીને પણ.

પ્રકૃતિનો નિયમ છે, Every good thing has to come to end one day.

લાગે છે કે, અડવાણીજીનું વડા પ્રધાન બનવાનું સપનું સપનું જ રહેશે, અને તેઓ કાયમ માટે ‘પી.એમ. ઈન વેઈટિંગ’ જ રહેશે.

પીએમ પદનાં ડાર્ક હોર્સ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

રાહુલ ગાંધીનરેન્દ્ર મોદી સિવાય શરદ પવારમમતા બેનરજીજયલલિતારાજનાથસિંહનીતિન ગડકરી અને એલ. કે. અડવાણી પણ મેદાનમાં

૨૦૧૪ની લોકસભાની આવી રહેલી ચૂંટણીઓમાં કયો પક્ષ વિજયી બનશે એ કરતાં વડાપ્રધાન કોણ બનશે, તે જાણવામાં દેશની આમ જનતાથી માંડીને સટોડિયાઓને અને કોર્પોરેટ વર્લ્ડથી માંડીને ભારતના પાડોશી દેશોને પણ રસ છે. કોંગ્રેસ અને ભાજપ આમ તો આમનેસામને છે, પરંતુ ભીતરથી બેઉ પક્ષો મૂડીવાદના સમર્થક છે. બેઉ પક્ષો અમેરિકાતરફી છે. એકમાત્ર ડાબેરીઓ અને મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી જ મૂડીવાદ અને જમણેરીઓ તરફી નથી. વ્યક્તિગત રીતે જોઈએ તો દિલ્હીનાં પરિણામો બાદ અરવિંદ કેજરીવાલ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ દિલ્હીમાં તેમણે જે રીતે અરાજકતા સર્જી તે પછી તેઓ એ રેસમાંથી પહેલા દાવમાં જ આઉટ થઈ ગયા છે, પરંતુ બે મોટા ખેલાડીઓ પછી જે આઉટ નથી થયાં તેમાં મમતા બેનરજી, જયલલિતા, માયાવતી, શરદ પવાર, નીતીશકુમાર અને મુલાયમસિંહ પણ મેદાનમાં છે. જેમાં નીતીશકુમાર અને મુલાયમસિંહ તો ઘરઆંગણે જ પ્રજાના વિરોધનો સામનો કરી રહ્યાં હોઈ વડાપ્રધાન બનવાની તેમની મહેચ્છા ફળે તેમ લાગતું નથી.

પીએમ પદનાં ડાર્ક હોર્સ

શરદ પવારની ગેઇમ

શરદ પવારને લાગેવળગે છે ત્યાં સુધી તેમણે થોડા દિવસથી નરેન્દ્ર મોદી માટે કૂણું વલણ અપનાવ્યું છે. પહેલા પ્રફુલ્લ પટેલ અને તેમના પછી શરદ પવાર બોલ્યા કે ૨૦૦૨ની ઘટનાઓ અંગે કોર્ટ નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપી દીધી હોઈ એ વિવાદને હવે સમાપ્ત કરી દેવો જોઈએ. કોંગ્રેસ માટે આ આંચકારૂપ નિવેદન છે, પરંતુ આવા વિધાન પાછળ શરદ પવારની ઊંડી સમજ છે. વડાપ્રધાન બનવાનું તેમનું સ્વપ્ન હજુ અધૂરું છે. અત્યારે તો તેઓ કોંગ્રેસ સાથે બેઠકો અંગેની સમજૂતી કરી લેશે, પરંતુ ચૂંટણી પછી એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે તો તેઓ ગમે ત્યાં જઈ શકે છે અથવા તો ગમે તેનો ટેકો લઈ ખુદ વડાપ્રધાન બની જવાની ઇચ્છા રાખે છે. શરદ પવાર સત્તા વગર રહી શકતા નથી. સોનિયા ગાંધીના વિદેશી કુળના મુદ્દે કોંગ્રેસ છોડી ગયા બાદ છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારના ભાગીદાર છે. હવે તેઓ નરેન્દ્ર મોદીની સરકાર બને તો તેમાં પણ ભાગીદાર બનવા માગે છે અથવા તો નરેન્દ્ર મોદી માટે સાર્વત્રિક સમર્થન ન મળે તો મોદીનો ટેકો લઈ ખુદ વડાપ્રધાન બની જવાની ફિરાકમાં છે.

જયલલિતા પણ

એવી જ રીતે નરેન્દ્ર મોદીનાં કરીબી ગણાતાં તામિલનાડુનાં જયલલિતા ભલે મોદીનાં રાજકીય મિત્ર ગણાતાં હોય પરંતુ તેમની રમત પણ શરદ પવાર જેવી જ છે. ચૂંટણી પરિણામો બાદ એક પણ પક્ષને બહુમતી ન મળે તો તેઓ નરેન્દ્ર મોદીને સમર્થન આપી પણ શકે છે અને મોદીના નામ માટે સહમતી ન સધાય તો તેમના ટેકાથી ખુદ વડાપ્રધાન બની જવાની ખેવના ધરાવે છે. તેમની આ ઇચ્છા હવે અપ્રગટ નથી. છેલ્લા પ્રવચન દરમિયાન તેમણે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ઇચ્છા સ્પષ્ટરૂપે જાહેર કરી જ દીધી છે. અલબત્ત, તેમની મુશ્કેલી એ છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ચેન્નાઈની મેટ્રોપોલિટન કોર્ટને આદેશ આપ્યો છે કે મુખ્યમંત્રી જયલલિતા સામે ચાલતા કેસો ચાર મહિનામાં પૂરા કરી દેવા. મુખ્યમંત્રી જયલલિતા પર ૧૯૯૧-૯૨, ૧૯૯૨-૯૩ અને ૧૯૯૩-૯૪માં આવકવેરાના રિટર્ન નહીં ભરવાનો આરોપ છે. તેમની પર ૧૯૯૧થી ૧૯૯૬ વચ્ચે મુખ્યમંત્રી પદ દરમિયાન રૂપિયા ૬૬.૬૬ કરોડની આવક કરતાં વધુ સંપત્તિ રાખવાનો પણ કેસ છે. જેની સુનાવણી બેંગલુરુની કોર્ટમાં ચાલે છે. ૧૯૯૭માં તેમના ઘરે દરોડા પડયા ત્યારે ૨૮ કિલો સોનું, ૩૦૦ કિલો ચાંદી, ૧૦૫૦૦ સાડીઓ અને ૭૫૦ જોડ સેન્ડલ્સ મળી આવ્યાં હતાં. તેમની સામે વિદેશમાં રૂપિયા ૨૮૦ કરોડની બે આલીશાન હોટેલો હોવાનો પણ આરોપ છે. જયલલિતાનાં નિકટનાં સ્ત્રીમિત્ર શશીકલાએ શશી એન્ટરપ્રાઈઝ નામની એક કંપની ઊભી કરી હતી, પરંતુ ન તો શશીકલાએ કે ન તો જયલલિતાએ ૧૯૯૧-૯૨,૧૯૯૨-૯૩ કે ૧૯૯૩-૯૪માં તેના આવકવેરા રિટર્ન ભર્યાં.

નવ ગુનાઓના કેસ

વાત આટલેથી અટકતી નથી. ૨૦૧૧ની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જયલલિતાએ તેમના સોગંદનામામાં પોતાની કુલ સંપત્તિ રૂપિયા ૫૧ કરોડ અને ૪૦ લાખ હોવાનું જાહેર કર્યું હતું. સોગંદનામામાં દર્શાવ્યા પ્રમાણે તેમની સામે નવ અપરાધિક કેસ ચાલી રહ્યા છે. એ જ રીતે તા. ૨૩ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ તેમની પર ન્યૂયોર્કની એક પેઢી દ્વારા ત્રણ લાખ ડોલરનો ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વીકારવાનો પણ આરોપ છે.

બીજો એક આરોપ એવો છે કે ૧૯૯૨માં તેઓ મુખ્યમંત્રી હતાં ત્યારે તેમના જન્મદિને બે કરોડ રૂપિયા કરતાં વધુ રકમના ૮૯ ડિમાન્ડ ડ્રાફ્ટ અને રૂપિયા ૧૫ લાખની રોકડ રકમ તેમણે સ્વીકારી હતી. જોકે, આ કેસોમાં સીબીઆઈને કોઈ પુરાવા મળ્યા નથી. આ સિવાય જયલલિતા પર એસપીઆઈ વિનિવેશ મામલો, કોલસા આયાત ડીલ, કલર ટીવી કેસ અને એક ઓડિટરને સેન્ડલો મારવાનો કેસ પણ ચાલ્યો હતો. તા. ૭ ડિસેમ્બર, ૧૯૯૬ના રોજ કલર ટીવી કેસમાં તેમની ધરપકડ પણ થઈ હતી. આ બધું હોવા છતાં તેઓ વડાપ્રધાન બનવા માગે છે.

મમતા બેનરજી પણ

ચાલો, હવે પશ્ચિમ બંગાળનાં દીદી મમતા બેનરજીની વાત. તાજેતરમાં જ કોલકાત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક જંગી રેલીને સંબોધન કર્યું. આ રેલીને સંબોધતાં તેમણે કોંગ્રેસ અને ભાજપ એમ બેઉ પર ભારે પ્રહારો કર્યા. દેખીતી રીતે જ એમના એ પ્રહારોનો અર્થ એ હતો કે તેઓ પણ હવે વડાપ્રધાન બનવાના કોરસમાં સામેલ થઈ ગયા છે. તેમણે સ્પષ્ટપણે જાહેર કરી દીધું કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે અને દિલ્હીની ગાદી સર કરવા માટે દેશમાં ફેડરલ ફ્રંટની રચના માટે નેતૃત્વ લેશે.

પશ્ચિમ બંગાળનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર મહાશ્વેતા દેવીએ પણ પ્રવચન દરમિયાન કહ્યું કે દેશના વડાપ્રધાન થવા માટે એકમાત્ર મમતા બેનરજી જ યોગ્ય ઉમેદવાર છે. કોલકાત્તાની ટીપુ સુલતાન મસ્જિદના શાહી ઈમામે પણ કહ્યું કે દેશને તેમની જરૂર છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળનું નેતૃત્વ કર્યું છે અને હવે દેશનું પણ નેતૃત્વ કરશે. કોલકાત્તાની એ મહા રેલીમાં મમતા બેનરજીએ ૪૫ મિનિટ સુધી લાગણીશીલ પ્રવચન કર્યું અને પશ્ચિમ બંગાળની પ્રજાને દિલ્હીમાં સત્તાપરિવર્તન લાવવામાં મદદ કરવા હાકલ કરી. તેમણે ‘ચલો દિલ્હી’નું સૂત્ર પણ આપ્યું. તેઓ બંગાળીમાં બોલ્યાં : “દિલ્હી ચલો, ભારત ગોરો” અર્થાત્ આપણે દિલ્હી જઈએ અને નયા ભારતનું નિર્માણ કરીએ. તેમણે રેલીમાં ઉપરોક્ત લાખોની જનમેદનીને સંબોધતાં પૂછયું : શું તમે દિલ્હીમાં પરિવર્તન ઇચ્છો છો? તો લાખ્ખો લોકોએ ગર્જના કરી, “હા”.

આ રેલીમાં કોંગ્રેસની અને નરેન્દ્ર મોદીની ટીકા કરતાં તેઓ બોલ્યાં : આપણને એવી સરકાર નથી જોઈતી જે બળતણમાં ભાવવધારો કર્યા કરે અને જે કોમી તોફાનો જ કરાવે. તેથી દેશમાં હવે તૃણમૂલ કોંગ્રેસ જ એકમાત્ર વિકલ્પ છે.

ભાજપનાં ડાર્ક હોર્સ

ટૂંકમાં, મમતા બેનરજી પણ પીએમ પદની રેસમાં ખુલ્લા મેદાનમાં આવી ગયાં છે, પરંતુ એ સિવાય ખુદ ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલાંક ડાર્ક હોર્સ છે. કોઈ જાણીતાં નામની સંમતિ ન થાય તો બહુ લો પ્રોફાઈલ પર રહેનારી વ્યક્તિને પદ સોંપી દેવાનો વચલો રસ્તો કાઢવામાં આવે છે અને સમાધાનથી અનાયાસે જ જેનું નામ આવે તેને રાજનીતિશાસ્ત્રોમાં ‘ડાર્ક હોર્સ’ કહે છે. ભાજપમાં નરેન્દ્ર મોદીના ટેકામાં બીજા ઘટક પક્ષો સંમત ન થાય તો ખુદ ભાજપમાં જ રાજનાથસિંહ, નીતિન ગડકરી, સુષમા સ્વરાજ અને એલ કે. અડવાણી પણ વડાપ્રધાન પદની મહેચ્છા રાખી રહ્યાં છે.

ચાલો, થોભો અને રાહ જુઓ.
www.devendrapatel.in

પ્રેસિડન્ટની પ્રાઈવેટ લાઈફ અગત્યની કે પબ્લિક લાઈફ

ફ્રાન્સના પ્રેસિડન્ટ હોલાન્દે ને ફ્રેન્ચ અભિનેત્રી જુલી ગાયેતના પ્રણય સંબંધની રસપ્રદ કહાણી

રાજનીતિ આમ તો શુષ્ક છે, પરંતુ તેમાં પ્રણયનો રંગ ઉમેરાય છે ત્યારે આમ આદમીને પણ તેમાં રસ પડે છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ જ્હોન એફ. કેનેડી એ જમાનાની મશહૂર અભિનેત્રી મેરિલિન મનરોના પ્રેમમાં પડયા ત્યારે આખી દુનિયાને રસ પડી ગયો હતો. એ જ રીતે એ જ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિંટન મોનિકા લેવિન્સ્કિીના પ્રેમમાં પડયા ત્યારે આખા અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો. એડોલ્ફ હિટલર એક ક્રૂર સરમુખત્યાર હતો, પરંતુ ઈવા બ્રાઉન નામની એક સ્ત્રીના પ્રેમમાં હતો. ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેક્સ ચિરાકને સંખ્યાબંધ લગ્ન બાહ્ય સંબંધો હતા. ફ્રાન્સના પૂર્વપ્રમુખ ફ્રાન્કોઈસ મિત્તરાંએ તેમની મિસ્ટ્રેસ અને તેમનાથી થયેલી પુત્રીને વર્ષો સુધી એક ગુપ્ત મહેલમાં રાખ્યાં હતાં. તેઓ નિવૃત્ત થવાના હતાં તે વખતે એટલે કે છેક ૧૪ વર્ષ બાદ જ ફ્રાન્સની પ્રજા એ રહસ્ય જાણી શકી હતી.

પ્રેસિડન્ટની પ્રાઈવેટ લાઈફ અગત્યની કે પબ્લિક લાઈફ

રાજકારણીઓની આ પ્રણય ગાથાઓમાં એેક નવી જ આવૃત્તિનો ઉમેરો થયો છે, અને તે પણ ફ્રાન્સના જ પ્રમુખ ફ્રાંકોઇસ હોલાન્દે છે. ”ક્લોઝર” નામના એક ગ્લોસી મેગેઝિને તાજેતરમાં જ એક અહેવાલ પ્રગટ કરી એવો રહસ્ય સ્ફોટ કર્યો છે કે, પ્રેસિડન્ટ હોલાન્દે જુલી ગાયેત નામની એક ફિલ્મ અભિનેત્રીના પ્રેમમાં છે. પ્રેસિડન્ટ હોલાન્દે પરણેલા છે અને તેમનાં પત્નીનું નામ વેેલેરી ટ્રાયરવિલર છે. ‘ક્લોઝર’ મેગેઝિનમાં સાત પાનાં ભરીને છપાયેલી આ ન્યૂઝ સ્ટોરીએ પ્રેસિડન્ટના દામ્પત્ય જીવનને ખરાબે ચડાવી દીધું છે.’ક્લોઝર’ મેગેઝિને પ્રેસિડન્ટ હોલાન્દે અને એક્ટ્રેસ જુલી ગાયેતને ખાનગીમાં મળતા તસ્વીરોમાં દર્શાવ્યા છે.

હોલાન્દે સમાજવાદી છે, અને ફ્રાન્સના પ્રમુખ બન્યા ત્યારે તેમણે પ્રજાને એવી ખાતરી આપી હતી કે, તેમની અંગત જિંદગીને અખબારોની હેડલાઈન્સથી દૂર રાખશે, પરંતુ એવું રહ્યું નથી. હવે તેમના અંગત જીવનને એક મેગેઝિને ખુલ્લું કરી નાખ્યું છે. તેની સામે પ્રેસિડન્ટની ઓફિસે પ્રમુખની અંગત જિંદગીમાં પ્રવેશ કરવાની હરક્તની સખ્ત ટીકા કરી છે.

જે મેગેઝિને ફ્રાન્સના પ્રેસિડન્ટની ઊંઘ હરામ કરી નાખી છે તે મેેગેઝિને ગયા વર્ષે ડચેઝ ઓફ કેમ્બ્રીજ કેટની ટોપ લેસ તસવીર પ્રગટ કરીને હોબાળો મચાવી દીધો હતો. હવે એ જ મેગેઝિને ૫૯ વર્ષના પ્રેસિડન્ટ હોલાન્દે અને ૪૧ વર્ષની જુલી ગાયેત વચ્ચેના પ્રેમસંબંધોની કહાણી તસવીરો સાથે પ્રગટ કરી છે. ‘ક્લોઝર’ મેગેઝિને જે તસ્વીરો છાપી છે તેમાં એક તસવીર તા. ૩૦મી ડિસેમ્બરના રોજ રાત્રે ૧૦-૪૮ વાગે જુલી ગાયેત પેરિસના એક ફલેટમાં પ્રવેશી રહી હોવાનું દર્શાવાયું છે. તેની ૩૬ મિનિટ બાદ બીજી એક વ્યક્તિ એ જ ફલેટમાં પ્રવેશે છે, જે પ્રેસિડન્ટનો સિક્યોરિટી ગાર્ડ હોવાનું દર્શાવાયું છે અને સલામતી ગાર્ડ ફલેટમાં બીજો કોઈ અજાણ્યો માણસ છે કે કેમ તે માટે પ્રવેશ દ્વારનો વિસ્તાર તપાસતો જણાય છે. તેની બરાબર એક જ મિનિટ પછી એ ઈમારતની બહાર એક મોટરસાઈકલ આવતી હોવાની તસવીર પ્રગટ કરવામાં આવી. એ મોટરસાઈકલ પર આવેલો માણસ બીજો કોઈ નહીં, પરંતુ પ્રેસિડન્ટ હોલાન્દે છે, જેમણે હેલ્મેટની અંદર ચહેરો છૂપાવેલો છે.- એ તસવીર પણ મેઝેઝિને પ્રગટ કરી છે. ક્લોઝર મેગેઝિને ચોથી એક તસ્વીર પ્રગટ કરી છે, જે બીજા દિવસે સવારે ૮-૦૩ વાગે લેવાયેલી છે. તેમાં એક સલામતી ગાર્ડ એક બેગ લઈને ફલેટમાં પ્રવેશતો જણાય છે. એ બેગમાં પ્રેસિડન્ટ હોલાન્દે અને જુલી માટેના કેટલાંક વસ્ત્રો હોવાનું કહેવાયું છે. પ્રેસિડન્ટ હોલાન્દે અને એક્ટ્રેસ જુલી ગાયેત વચ્ચેના પ્રણય સંબંધોની અફવા ઘણા મહિનાઓથી પેરિસમાં ચર્ચાતી હતી. ‘ક્લોઝર’ મેેગેઝિને જે ફ્લેટની અંદર પ્રેસિડન્ટ અને એક્ટ્રેસને અંદર રાત ગાળતા દર્શાવ્યાં છે તે ફલેટ પેરિસમાં પ્રેસિડન્ટના પેલેસની નજીક જ આવેલો છે.

ગયા વર્ષે જ ફ્રાન્સમાં પ્રમુખપદ માટે ચૂંટણી થઈ હતી. ચૂંટણી ઝુંબેશ વખતે એક્ટ્રેસ જુલી ગાયેતે જાહેરમાં હોલાન્દેને નમ્ર અને સમજદાર વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા. એ વખતે જ જુલી ગાયેત પર હોલાન્દે સાથે સંબંધની એક ન્યૂઝ સ્ટોરી સ્થાનિક અખબારોમાં પ્રગટ થઈ હતી, પરંતુ જુલી ગાયેતે તેની અંગત જિંદગી પર આક્રમણ કરવા બદલ એ અખબારો સામે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી હતી, પરંતુ હવે ‘ક્લોઝર’ના અહેવાલ બાદ એ પ્રણય ગાથા એક કદમ આગળ વધી છે.

જે રીતે પ્રેસિડન્ટ હોલાન્દે ખુદ પરણેલા છે તે રીતે એક્ટ્રેસ જુલી ગાયેત પણ બે બાળકોની માતા છે. જુલીના પતિ સેન્ટિઆગો આર્જેન્ટિનાના ફિલ્મ ડાયરેક્ટર છે, એજ રીતે હોલાન્દે પણ ચાર સંતાનોના પિતા છે. અલબત્ત, એ ચાર બાળકો તેમનાં આગલાં પત્ની સેગોલિની રોયલથી થયેલાં છે, જેઓ હોલાન્દેની જેમ જ સોશિયાલિસ્ટ પોલિટિશયન હતાં. આજથી સાત વર્ષ અગાઉ તેમનાં છુટાછેડા થઈ ગયા હતા અને હોલાન્દેએ વેલેરી ટ્રાયરવિલર સાથે લગ્ન કર્યું હતું. વેલેરીની વય ૪૮ વર્ષની છે. ‘ક્લોઝર’મેગેઝિનમાં પ્રેસિડન્ટના આ પ્રણય સંબંધની સ્ટોરી પ્રગટ થયા બાદ ફ્રાન્સના ફર્સ્ટ લેડી વેલેરીએ પ્રેસિડન્ટની વેટિકનની મુલાકાત વખતે સાથે જવા ઈનકાર કરી દીધો છે.

કેટલાક સમય પહેલાં પેરિસના એક ટેલિવિઝન શો દરમિયાન એક એન્કરે જુલીને પૂછયું હતું કે, ”તમારે હોલાન્દે સાથે કેવું છે?” એ વખતથી જ આ વાત ચર્ચામાં આવી ગઈ હતી. જો કે હવે ‘ક્લોઝર’ મેગેઝિનના રિપોર્ટ બાદ ફરી એક વાર ફ્રાન્સમાં જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે. એક જમાનામાં ફ્રાન્સના પ્રેસિડન્ટની પ્રાઈવેટ લાઈફને મીડિયાથી સુરક્ષિત રાખવામાં આવતી હતી, હવે એવું રહ્યું નથી. ‘ક્લોઝર’ના એ અહેવાલ બાદ ફ્રાન્સના મુખ્ય અખબાર ‘લા ફિગારો’થી માંડીને ફ્રાન્સની બધી જ ન્યૂઝ ચેન્લસ અને ફ્રાન્સના રેડિયો સ્ટેશન પર આ ન્યૂઝ સ્ટોરી ટોપ ન્યૂઝમાં જ રહી છે. અગાઉના પ્રમુખોને આટલી બધી ક્ષોભજનક પરિસ્થિતિમાં કદી મુકાવું પડયું નથી. ૧૯૭૦માં રાજ્યના વડા વેલેરી ગિસ્કાર્ડ દૂધના એક વાહનમાં એક એક્ટ્રેસ સાથે મજા માણતા ઝડપાયા હતા. ત્યાર પછી તસવીરો સાથેનો અહેવાલ પ્રગટ થયો હોય તો તે હાલના પ્રેસિડન્ટ હોલાન્દેનો છે.

આ ઘટના બાદ પ્રેસિડન્ટ હોલાન્દેએ ‘ક્લોઝર’ મેગેઝિન સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ફ્રાન્સના પ્રેસિડન્ટ હોલાન્દેના પત્ની અને ફ્રાન્સનાં ફર્સ્ટ લેડી વેલેરી અત્યંત ઈર્ષાળુ પણ છે. પ્રેસિડન્ટની ઓફિસમાંથી એટલી જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ”પ્રેસિડન્ટને ફ્રાન્સના બીજા કોઈ પણ નાગરિક જેટલી જ પ્રાઈવેસીનો અધિકાર છે” અલબત્ત, પ્રેસિડન્ટના એક્ટ્રેસ સાથેના સંબંધો ઈનકારવામાં આવ્યા નથી.

ફ્રાન્સના પ્રેસિડન્ટ હોલાન્દેએ એક નિવેદનમાં કહ્યું છે કે, આ મારો અંગત મામલો છે. જાહેર મામલો નથી. ‘‘This was a personal than a public matter.’’

‘ક્લોઝર’ મેગેઝિનના તંત્રી લોરેન્સ પાઈઝએ પણ કહ્યું છે કે, ”પ્રેસિડન્ટ એક નોર્મલ વ્યક્તિ છે. લોકપ્રિય છે પરંતુ તસવીરો નાટયાત્મક નથી.”

પ્રેસિડન્ટ હોલાન્દે યુરોઝોનના અર્થતંત્રને સરખું કરવા સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે તેમના અંગત જીવનની તસવીરો ફ્રાન્સ માટે કેટલી મહત્ત્વની? કોઇ એક નેતાનું અંગત જીવન રંગીન હોય પણ તે પ્રજામાં કલ્યાણના કામો કરતો હોય અને બીજા કોઇ નેતાનુ અંગત જીવન સ્વચ્છ હોય પણ પ્રજાના કામો કરતો જ ના હોેય તો તમે કોને પસંદ કરશો?ઈસુના જન્મ પહેલા થઈ ગયેલા ઈઝરાયલના રાજા કિંગ સોલોમનને અનેક પત્નીઓ હતી, પરંતુ તે ડાહ્યો, ન્યાયપ્રિય અને પ્રજાભિમુખ રાજા કહેવાયો. રોમના શાસક જુલિયસ સિઝર પરણિત હોવા છતાં તેમનાં કરતાં અડધી ઉંમરની ક્લિયોપેટ્રાના પ્રેમમાં પડયા હતા, પણ એ જ સિઝરે આખા વિશ્વમાં રોમને એક શક્તિશાળી રાષ્ટ્ર બનાવ્યું હતું. એક નેતા પ્રજા માટે કેવો છે તે અગત્યનું છે કે તેનું અંગત જીવન અગત્યનું છે તે બદલાતા સમયની ચર્ચાનો વિષય છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén