Devendra Patel

Journalist and Author

Month: February 2013

મંત્રીઓ ને પોલીસ પણ હવે ધનવાનોના ગુલામ

અમદાવાદ જેવાં મેટ્રો શહેરો શિકાગો જેવાં ખતરનાક ક્રાઈમ કેપિટલ બન્યાં

અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલાં એક ધનવાન તબીબના પુત્રે રૂ. એ કરોડની બીએમડબલ્યુ કારને ૧૫૦ કિલોમીટરની ઝડપે ચલાવીને મધ્યમવર્ગના પરિવારના બે સંતાનોને જાહેરમાં કચડી નાખ્યા. એક ભયાનક અકસ્માત સર્જીને તબીબનો પુત્ર કોઈ રહસ્યમય યુવતીની કારમાં બેસીને પલાયન થઈ ગયો. કારનો ભુક્કો થઈ ગયો. જે બે યુવાન મૃત્યુ પામ્યા છે તેમનાં માતા-પિતાની હાલત અત્યંત દયાજનક છે. પિતાએ ન્યાય માગવા ઉપવાસ પર ઊતરવું પડયું. છતાં પોલીસ ગાંધીનગરના ઈશારે આ ઘટના અંગે ધીમી ગતિએ આગળ વધતી રહી. એ વાતથી સમગ્ર જનસમાજમાં સરકાર અને તંત્ર પ્રત્યે ભયંકર રોષ ભભૂકી ઊઠયો છે.

પોલીસ જ વિસ્મયજનક

કારચાલક વિસ્મય શાહ હતો. તેના પિતા ડો. અમિત શાહ આંખના સર્જન છે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારમાં મોટી વગ ધરાવે છે. ડો. અમિત શાહનો પુત્ર રંગીન તબિયતનો હોવાનું તેના મિત્રો કહી રહ્યા છે. તે કદીયે ૧૦૦ કિલોમીટર કરતાં ઓછી ઝડપે કાર ચલાવતો નથી. તેની પાસે જે કાર હતી તે પણ ચંદીગઢનું પાસિંગ છે. ગુજરાતમાં કેટલાય વખતથી તે ફરતી હોવા છતાં ગુજરાત આરટીઓમાં તેનું રજિસ્ટ્રેશન થયું નથી. સાઈકલના ચોરને ટીપી નાખતી પોલીસ આ ભયંકર ઘટના અંગે ડો. અમિત શાહના ઘરે જઈ વિલા મોંઢે પાછી ફરતી રહી અને સમય પસાર કરતી રહી. રવિવારની રાત્રે અકસ્માત થયો, પરંતુ બે દિવસ વીતવા છતાં પોલીસે રહસ્યમય ચૂપકીદી સેવી. મીડિયાના ભારે દબાણ અને મૃતકના પિતાની ઉપવાસની ધમકી બાદ જ અકસ્માત સર્જનાર વિસ્મય શાહને પોલીસ સ્ટેશનમાં હાજર કરવો પડયો. ઘટનાને બે દિવસ વીતી ગયા હોઈ વિસ્મય શાહે દારૂ પીધો હતો કે કેમ તે સાબિત કરવું હવે મુશ્કેલ બની ગયું છે. આ દરમિયાન મોટરકાર વિસ્મય શાહ નહીં, પરંતુ કોઈ ડ્રાઈવર ચલાવતો હતો તેવા બનાવટી પુરાવા ઊભા કરવા સાજીશ થઈ. પોલીસ બધું જ જાણતી હોવા છતાં કોઈકના ઇશારે મૌન રહી. પોલીસનું આ રહસ્યમય વલણ ગુજરાત સરકારનું તંત્ર કેવા લોકોના હાથમાં છે તેનો નમૂનો છે. વિસ્મયના પિતા ડો. અમિત શાહનો ભૂતકાળ પણ ગુનાઈત અને કૌભાંડોથી ભરેલો છે. તેમની સામે અનેક ફરિયાદો પણ થયેલી છે. આવા લોકોને બચાવવા તંત્ર મેદાનમાં આવે તેથી વધુ વિસ્મયજનક બીજું શું હોઈ શકે ?

આ છે ગુજરાત

ચૂંટણી વખતે ગુજરાતના લોકોએ ભાજપાને ખોબલે ખોબલે મત આપ્યા છે. રાજકારણીઓની મુશ્કેલી જ એ છે કે, એકવાર સત્તા પર આવ્યા બાદ જલદીથી લોકોને ભૂલી જાય છે. ગુજરાતની જનતા પારાવાર વેદનાઓમાંથી પસાર થઈ રહી છે. ચોરલુટારા, બળાત્કારીઓ, ચેઈનસ્નેચરો અને છેતરપિંડી કરનારા ઠગો છડેચોક ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના તંત્રની આબરુના લીરેલીરા ઉડાવી રહ્યા છે. જાહેરમાં ફાયરિંગ થાય છે. રોજ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ધોળેદહાડે ઘરફોડ ચોરીઓ થાય છે. રોજ આંગડિયા લુંટાય છે. રોજ એક મંદિરમાં ચોરી થાય છે. રોજ કોઈ મહિલાના ગળામાંથી ચેન ખેંચી લેવામાં આવે છે. દર થોડા થોડા દિવસે બળાત્કાર થાય છે. રોજ એક બાળક ગુમ થાય છે. ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી છે તેની ખબર આ આંકડા પરથી પડશે. અમદાવાદ શહેરમાં દર મહિને પાંચ મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. જાન્યુઆરી, ૨૦૧૨થી ૨૭ જાન્યુઆરી, ૨૦૧૩ સુધીમાં શહેરમાં લૂંટ અને ધાડના ૨૯૪ બનાવો, બળાત્કારના ૬૬ બનાવો, ચોરીના ૩૮૯૫ બનાવો, ચેઈન ખેંચી જવાના ૩૬૯ બનાવો નોંધાયા છે. બે વર્ષમાં ૬૦ મંદિરોમાંથી ચોરી થઈ છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આટલી ખરાબ કદી નહોતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવાં શહેરો ક્રાઈમ કેપિટલ્સ બની રહ્યાં છે. એક જમાનામાં ન્યૂયોર્ક કે શિકાગોની આવી પરિસ્થિતિ હતી. અમદાવાદ જેવાં શહેરમાં તો ગુંડાઓનું જ રાજ છે. કોઈ દિવસ એક સાથે દસ દસ ગાડીઓના કાચ તોડી નાખવામાં આવે છે તો બીજા દિવસે ૮થી ૧૦ બાઈક્સ સળગાવી દેવામાં આવે છે,પરંતુ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.

ક્યાં છે પોલીસ ?

પ્રજા પૂછી રહી છે ક્યાં છે પોલીસ ? ક્યાં છે પ્રજાને સલામતીની અને સુરક્ષાની ખાતરી આપનારા નેતાઓ ? ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ પોલીસની સલામો ઝીલવામાં પડી ગયા છે. પોલીસ પણ લોકોના બદલે મંત્રીઓની સલામતીમાં જ વ્યસ્ત છે. રોજ સવાર-સાંજ પીક-અવર્સ દરમિયાન ટ્રાફિકની અંધાધૂંધી સર્જાય છે, પણ રાજ્યનું ગૃહખાતું ગુજરાતની કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કુંભકર્ણની નિદ્રા માણી રહ્યું છે. સત્તાની પ્રાપ્તિ બાદ મંત્રીઓ ઝડપથી તેમને મત આપનાર પ્રજાજનોને ભૂલી ગયા છે. એમાંયે છેલ્લે જજીસ બંગલા પાસે ડો. અમિત શાહના પુત્રે ભયંકર અકસ્માત સર્જીને બે પરિવારના દીપકોને બુઝાવી દીધા તે પછી મૃત્યુ પામનાર પુત્રના પિતાની સાથે જે રીતે અન્યાય થઈ રહ્યો છે તે જોતાં તો એમ જ લાગે છે કે, ગુજરાતના મંત્રીઓ, નેતાઓ અને પોલીસ પણ ધનવાનોની જ ગુલામ છે.

ક્યાં છે સંવેદના ?

ચૂંટણી વખતે ફંડ આપનાર લોકો જ ગુજરાતના સાચા માલિકો બની બેઠા છે. જમીનોના ઇન્વેસ્ટર્સ, જમીનોનાં દલાલો, કેટલાક બિલ્ડર્સ અને ગાંધીનગરમાં બેઠેલા તેમના ભાગીદારોને બીએમડબલ્યુ કારના અકસ્માતનો કોઈ જ રંજ નથી. બે ઘરમાં માતમ છે,પણ ગાંધીનગરને તેની કોઈ જ સંવેદના નથી. એક પિતા ઉપવાસ પર બેસે તો પણ સરકારને તેની કોઈ જ અસર નથી. એક માતા વારંવાર બેહોશ થઈ જાય છે, પરંતુ મંત્રીને તેના ઘરે જઈ સાંત્વના આપવા જવાની પણ ફુરસદ નથી. આસારામ આશ્રમના ગુરુકુળમાં ભણતાં બે બાળકોના રહસ્યમય મોત પર પણ સરકારે કોઈ અફસોસ વ્યક્ત કર્યો નથી. ગુમ થયેલાં બાળકોનાં માતા-પિતાનો વિલાપ નેતાઓને સ્પર્શતો જ નથી. પ્રજા પ્રત્યેની આવી રુક્ષતા સત્તા પર બેઠેલા નેતાઓ માટે ક્યારેક વિપરીત પરિણામો પણ લાવી શકે છે. પ્રજા કાયમ માટે કોઈના ખિસ્સામાં છે તેવું માની લેવું તે વધુ પડતું આત્મવિશ્વાસમાં રાચવા જેવું થશે.

શ્રીમંતોના નબીરાઓ

ગુજરાતમાં રાતોરાત શ્રીમંત બની ગયેલા પૈસાપાત્ર માણસો પણ તેમના નબીરાઓને કાબૂમાં રાખે તે જરૂરી છે. પુત્રના હાથમાં કરોડ રૂપિયાની ગાડીનું સ્ટિયરિંગ સોંપતાં પહેલાં પુત્રની લાયકાત પણ તેમણે જોઈ લેવી જોઈએ. દીકરો રાત્રે ક્યાં જાય છે, કોને મળે છે, કોની સાથે પાર્ટીઓ કરે છે અને કેટલી સ્પીડથી કાર ચલાવે છે તે બધી બાબતો પર પણ માતા-પિતા નજર નહીં રાખે તો કોઈ દિવસ તેઓ કોઈ નિર્દોષ પરિવારની જિંદગી તો રોળી જ નાખશે અને સાથે સાથે તેમના પુત્રને પણ જેલના સળિયા ગણવાનો વારો આવશે. શહેરની પ્રજાની એવી માગણી છે કે, ડો. અમિત શાહ પૈસાથી અને રાજકીય સંપર્કોથી ગમે તેટલા શક્તિશાળી હોય, પરંતુ તેમના પુત્રએ સર્જેલા ગંભીર અકસ્માત સંબંધમાં તેમની સામે તમામ કાયદાકીય પગલાં લેવાં જોઈએ અને અકસ્માત સર્જનારને સખતમાં સખત સજા થવી જોઈએ.

બાળકો ને યુવતીઓને સલામત કેવી રીતે રાખશો? Be Careful

આંકડા કહે છે કે ભારતમાં રહેતાં ૨૫ ટકા બાળકો અને ૯૯ ટકા સ્ત્રીઓ અનિચ્છનીય સેક્સુઅલ છેડછાડનો ભોગ એક વાર તો તેમના જીવન દરમિયાન બની ચૂકી હોય છે

બળાત્કારની ઘટનાઓએ માત્ર ભારતવાસીઓને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. અઢી વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર હેવાનોએ ભારતીય સંસ્કૃતિની દુહાઈ દેનાર દેશને આખી દુનિયા સમક્ષ શર્મસાર કરી દીધો છે. સ્કૂલમાં જતાં બાળકો સાથે વાન ચલાવતો ડ્રાઇવર ગંદી હરકતો કરે છે. કોલેજમાં ભણાવતો અધ્યાપક વધુ ગુણ આપવાની લાલચ આપી બળાત્કાર કરે છે. ટયૂશનમાં જતી બાળાઓ સાથે ભણાવતો શિક્ષક વિદ્યાર્થીના ઉપાંગો સાથે છેડછાડ કરે છે. દેશના હાર્દસમા દિલ્હીમાં રાત્રે એકલદોકલ યુવતી પર ગેંગરેપ થાય છે.

તમે શહેરમાં હોય કે ગામડામાં – ક્યાંય સલામત નથી. તમે ગમે ત્યારે લૂંટાઈ શકો છો. તમારા ગળાની ચેઇન ગમે ત્યારે ખેંચાઈ શકે છે. ગમે ત્યારે તમારું ખૂન થઈ શકે છે. બાળકો કે યુવતીઓ ગમે ત્યારે બળાત્કારનો ભોગ બની શકે છે.

આંકડા કહે છે કે ભારતમાં રહેતાં ૨૫ ટકા બાળકો અને ૯૯ ટકા સ્ત્રીઓ અનિચ્છનીય સેક્સુઅલ છેડછાડનો ભોગ એક વાર તો તેમના જીવન દરમિયાન બની ચૂકી હોય છે. પુરુષો કોઈ ને કોઈ બહાને તેમની પત્ની સિવાયની સ્ત્રીઓને સ્પર્શી લેવાનો પ્રયાસ કરે છે. આ કૃત્ય કરવામાં દેશના ઉચ્ચ અધિકારીઓ પણ બાકી નથી. પંજાબના એક પ્રતિષ્ઠિત અધિકારીએ પંજાબનાં એક મહિલા આઈએએસ અધિકારીના હિપ્સ પર ટપલી મારી હતી અને મોટો વિવાદ ઊભો થયો હતો. તમે મોડેલ હો તો મેકઅપમેન પણ યુવતીઓના ગાલ પર સ્પર્શવાનો આનંદ લૂંટે છે. આ કૃત્ય કરવામાંથી કેટલાક સાધુઓ અને બાપુઓ પણ બાકી નથી.

આમ કેમ?

વિખ્યાત જર્મન વૈજ્ઞાનિક ડો. સિગમંડ ફ્રોઈડે કહ્યું છે કે માનવીની બધી જ પ્રવૃત્તિનું કેન્દ્રબિન્દુ સેક્સ છે. અલબત્ત, ડો. ફ્રોઈડની આ થિયરી વિવાદાસ્પદ રહી છે, પરંતુ યુનિર્વિસટીઓમાં ભણતા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને આ થિયરી વિસ્તૃત રીતે ભણાવવામાં આવે છે.

સ્ટેટેસ્ટિક્સ કહે છે કે જે સ્ત્રીઓ સેક્સુઅલ છેડછાડનો ભોગ બને છે તેમાંથી ૯૦ ટકા સ્ત્રીઓ જ એવું બન્યાનું ખાનગીમાં કબૂલ કરે છે. જે સ્ત્રીઓ, યુવતીઓ કે બાળકીઓ સેક્સુઅલ હેરેસમેન્ટનો ભોગ બને છે તેમાં મોટેભાગે પરિવારનાં સગાંઓ, પરિવારના મિત્રો કે તેમના શિક્ષકો જ સંડોવાયેલા હોય છે. એમ થયા બાદ આબરૂ જવાના ભોગે ઘણી સ્ત્રીઓ ફરિયાદ નોંધાવવાનું ટાળે છે. સમાજ પણ વિચિત્ર છે. કોઈ એક સ્ત્રી પર બળાત્કાર થયો હોય અને તે પોલીસ ફરિયાદ નોંધાવે તો તેનાં જ સગાંઓ, પડોશીઓ અને મિત્રો જે તે પીડિતા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાના બદલે તેની સામે આંગળી ચીંધી તેની વાતો કરવાની ખાનગીમાં મજા માણતા હોય છે. એથીયે વધુ વિચિત્ર વાત એ છે કે કોઈ સ્ત્રી તેની પર થયેલા બળાત્કારની ફરિયાદ લઈને પોલીસ પાસે જાય છે ત્યારે ખુદ પોલીસની તેના તરફની નજર બદલાઈ જાય છે. પીડિતા ગરીબ, અભણ અને ગ્રામ્ય વિસ્તારની હોય તો પોલીસ તેને ગંદા સવાલો પૂછી સ્ત્રીના જવાબો સાંભળવાનો લુત્ફ ઉઠાવવા પ્રયાસ કરે છે.

એક અભ્યાસ મુજબ બળાત્કાર કરનાર પુરુષો મોટે ભાગે ૨૫થી ૩૫ વર્ષની વયના હોય છે. આ લોકોએ મોટેભાગે

હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું હોતું નથી. તેઓ હિંસક પ્રવૃત્તિ, શરાબપાન અને કેફી દ્રવ્યોના સેવનનો ઇતિહાસ ધરાવતા હોય છે. કેટલાક એથ્લીટ્સ પણ આવાં કૃત્યોમાં સંડોવાયેલા જણાયા છે. આવા લોકો ‘સાયકો’ હોય છે અને બળાત્કાર પછી પીડિતાની હત્યા કરી દેવાની વૃત્તિ ધરાવે છે. હા, જો કોઈ બળાત્કાર આયોજનપૂર્વકનો હોય તો તેમ કરનાર પુરુષ ઉચ્ચ શિક્ષણ પામેલા હોય છે. તેઓ ઓછા હિંસક હોય છે અને તેઓ જે યુવતી પર બળાત્કાર કરે છે તે યુવતીના પરિવાર સાથે પરિચય ધરાવતા હોય છે.

વેલ્લોર ખાતે બાળરોગ નિષ્ણાત તરીકે કામ કરતાં પિડિયાટ્રિશિયન ડો.ગીતા મથાઈ કહે છે કે બાળકો સાથે મોટાભાગના સેક્સુઅલ છેડછાડ કરનારા લોકો દેખાવમાં શાલીન, નમ્ર, ઓછું અને સારું બોલનારા તથા શિક્ષિતો હોય છે. આવા લોકો પહેલાં બાળકનો વિશ્વાસ સંપાદન કરે છે. પરિવારનો વિશ્વાસ સંપાદન કરે છે. તે પછી એકલતામાં બાળક પર બળાત્કાર કરે છે. બળાત્કાર કર્યા પછી બાળકને ગભરાવી મૂકે છે અને તેને મૌન રહેવા ધમકી આપે છે.

તબીબોની સલાહ છે કે કોઈ પણ બળાત્કારની ઘટના બાદ તમે જો બળાત્કારી સામે પોલીસફરિયાદ કરવા માંગતા હોય તો એફ.આઈ.આર. એટલે કે ફર્સ્ટ ઇન્ફર્મેશન રીપોર્ટ નોંધાવવાની સાથે પીડિતાએ તેનું તબીબી પરીક્ષણ કરાવવું જરૂરી હોય છે. શરીરના અંગની બહાર અને અંદરના ભાગે થયેલી ઇજાની સારવાર જરૂરી છે. ટીટનસ અર્થાત્ ધનુરનું ઇન્જેક્શન લઈ લેવું જરૂરી છે. જે યુવતીઓ બળાત્કારનો ભોગ બને છે તેમાંથી ૧૫ ટકા યુવતીઓ જાતીય રોગના સંક્રમણનો ભોગ બનવાની દહેશત રહે છે તેથી તે બાબતની દવાઓ પણ તબીબોની સલાહ પ્રમાણે લઈ લેવી જરૂરી હોય છે. પીડિતાઓ હિપેટાઈટીસ બી, ગોનોરિયા,સિફિલીસ, હિર્પસ, ક્લેમિડિયા અને ટ્રિકોમોનાસ વેજાઈનલીસ જેવા રોગનો ભોગ બની શકે છે. તે રોગ ન થાય તે માટેની દવાઓ ઉપલબ્ધ છે. બળાત્કારનો ભોગ બનેલી પીડિતા પોલીસ ફરિયાદ ન કરે તો પણ તેણે નિષ્ણાત તબીબ પાસે જવું જોઈએ અને ડોક્ટરની સલાહ અનુસાર સેફ્રટીયાઝોનનું ઇન્જેક્શન લઈ લેવું જરૂરી છે તેમ ડો. ગીતા મથાઈનું કહેવું છે. આ ઉપરાંત પીડિતાને એઝીથ્રોમાઈસીનનો ઓરલ ડોઝ પણ આપવો જરૂરી છે. તેમાં સેક્નીડાઝોલ, ટિનિડાઝોલ અથવા મેટ્રાનિડાઝોલ જેવા બ્રોડ સ્પેક્ટ્રમ ઔષધો પણ આપવાની હિમાયત કરવામાં આવી છે. ડોક્ટરો કહે છે કે હિર્પસની ટ્રીટમેન્ટ પાંચથી સાત દિવસના કોર્સમાં કરી શકાય છે. હિપેટાઈટીસ બી માટે બુસ્ટર ડોઝ લેવાનો હોય છે. પીડિતાની રોગપ્રતિકારક શક્તિ વિષેની માહિતી ના હોય તો વેક્સિનના ત્રણ ડોઝ આપવામાં આવે છે. આવા કેસોમાં એચ.આઈ.વી. થવાની શક્યતા પ્રમાણમાં ઓછી રહે છે, પરંતુ પીડિતાનો દર છ મહિને એચ.આઈ.વી. ટેસ્ટ કરાવવો જરૂરી છે. પીડિતા પર થયેલા બળાત્કારની ઘટનાના ૭૨ કલાકમાં દવાઓ શરૂ કરી દેવાની તબીબો હિમાયત કરે છે. બળાત્કારની ઘટના બાદ પીડિતાને સિફિલીસ થયો છે કે કેમ તે માટેનો બ્લડ ટેસ્ટ ઘટનાના ત્રણ માસ બાદ કરાવી લેવો જરૂરી રહે છે.

તમારે સલામત રહેવું હોય તો શું કરશો?

તમારા બાળકને તમારા ઘરના સરનામા અને ટેલિફોન નંબરથી સજ્જ રાખો. બાળકોને એ વાત શીખવો કે તેમના શરીરના કોઈ અમુક ભાગને કોઈએ પણ સ્પર્શવું જોઈએ નહીં. રસ્તામાં કોઈ પણ અજાણી વ્યક્તિ વાત કરવા પ્રયાસ કરે કે ચોકલેટ કે આઈસક્રીમ ખવરાવવાની ઓફર કરે તો તેનાથી દૂર જતા રહેવું, અજાણી વ્યક્તિ કારમાં લીફ્ટ આપવાની ઓફર કરે તો તે ઓફર સ્વીકારવી નહીં. અંધારું થયા બાદ બાળકોને બહાર રખડવા કે રમવા જવા પ્રોત્સાહન આપવું નહીં.

તમે તમારાં બાળકોને જરૂરથી માર્શલ આર્ટ શીખવો. માર્શલ આર્ટ બાળકોને વધુ ચપળ, ઊર્જાવાન, શિસ્તબદ્ધ અને અચાનક હુમલા વખતે પ્રતિરોધ શીખવે છે.

તમે સ્ત્રી હો તો તમને આસપાસના લોકો અને તે વાતાવરણની માહિતી હોવી જરૂરી છે. દિવસે રોડ પર ચાલતી વખતે દિવાસ્વપ્નો નિહાળવાં નહીં. સેલફોન હંમેશાં સાથે રાખવો પણ રસ્તા પર ચાલતી વખતે સેલફોન વાપરવો નહીં. એક સ્થળે શાંતિથી ઊભા રહીને વાત કરી લ્યો. રસ્તા પર ચાલતી વખતે કાનમાં ઇયર ફોન નાખી મ્યુઝિક સાંભળવું નહીં. આવી પરિસ્થિતિમાં યુવતીઓ બેધ્યાન બની જાય છે અને હેવાનો આવી બેધ્યાન યુવતીઓને જ પોતાનો શિકાર બનાવે છે. સ્ત્રીઓએ કોઈ પણ અજાણી વ્યક્તિની કોઈ પણ જાતની મદદ સ્વીકારવી નહીં. કંઈ પણ શંકા જેવું લાગે તો તમે તમારા આત્માને પૂછો. કાંઈક ગરબડ લાગે તો ચીસ પાડી લોકોનું ધ્યાન કેન્દ્રિત કરો. બની શકે તેટલી ઝડપથી દોડીને ભાગી જાવ. આવા સંજોગોમાં માર્શલ આર્ટની તાલીમ યુવતીને ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. હાઈસ્કૂલ લેવલથી જ બાળાઓ માર્શલ આર્ટની તાલીમ લઈ લે એ જરૂરી છે. જ્યાં અંધારું હોય તેવી દુકાનમાં કદી પ્રવેશશો નહીં.

સલામત રહેવાની આ કેટલીક ટિપ્સ છે. ઓલ ધ બેસ્ટ.

www.devendrapatel.in

સ્ત્રીઓએ વરુઓ વચ્ચે જ ચાલતાં રહેવાનું છે?

‘હિન્દુસ્તાન ટાઈમ્સ’નાં મહિલા પત્રકાર શારા અશરફ પોતાના અનુભવ વર્ણવે છે

શારા અશરફ દિલ્હીથી પ્રગટ થતાં સુપ્રસિદ્ધ અંગ્રેજી અખબાર’હિન્દુસ્તાન ટાઈમ્સ’નાં મહિલા પત્રકાર છે. દિલ્હીમાં ગેંગરેપની ઘટના બાદ રાત્રીના સમયે દિલ્હી કેવું ખોફનાક બની જાય છે તે સંદર્ભમાં તેમણે પોતાના જ અનુભવની કથા એ અખબારમાં વર્ણવી છે. શારા અશરફની કથા એમના જ શબ્દોમાં વાંચો :

“૨૦૦૪થી હું દિલ્હીમાં રહું છું. હું જ્યારથી દિલ્હી આવી ત્યારથી સતત ભયભીત, અસલામત અને મારી જાતને નિઃસહાય અનુભવું છું. મારા મિત્રો મારા માટે કહે છે કે, હું પત્રકાર છું તેથી મને કોઈને પણ સીધાદોર કરી દેવાના વિશેષાધિકાર છે, પરંતુ હું તેમને કહું છું કે, ના, એ વાત ખોટી છે. હું પણ દિલ્હીની બીજી છોકરીઓ જેવી જ છું. હું વ્યવસાયી પત્રકાર છું, સુખી પત્ની છું અને યુવાન માતા છું.

તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ સવારે ૯.૩૦ વાગે હું દિલ્હીના મારા પાંડવનગરના નિવાસેથી ઓફિસે જવા નીકળી. મારા ઘરથી માંડ ૧૦૦ વાર દૂર આવેલા મેઈન રોડ પર પહોંચી. હું ઓટોરિક્ષાની રાહ જોવા લાગી. ઓટો ના મળતાં પંદર મિનિટ બાદ હું મધર ડેરીના બસસ્ટોપ પાસે પહોંચી. હું બસની રાહ જોતી હતી તે દરમિયાન એમસીડીના ત્રણ કર્મચારીઓને મેં દુકાનનાં પગથિયાં પાસે બેઠેલા જોયા. મને જોઈને તેઓ હિન્દી ફિલ્મનું ગીત મોટેમોટેથી ગાવા લાગ્યા. મેં તેમની સામે કડક નજરે જોયું,પણ તેની તેમની પર કોઈ જ અસર ના થઈ. તેઓ ગંદી નજરે મને જોવા લાગ્યા. મેં તેમની ઉપેક્ષા કરી. મેં આશ્ચર્ય સાથે જોયું તો ૫૦ વર્ષની વયનો એક કર્મચારી ઊભો થયો અને મારી પાસે આવી તેના મિત્રોને કહેવા લાગ્યો કે, સેક્સના અમુક એક્ટમાં હું સરસ લાગીશ. એના મિત્રોએ એ કર્મચારીને કહ્યું : “એને જ પૂછી લોને કે તે તૈયાર છે કેમ ?”

એ લોકોની ગંદી વાતો સાંભળી મારું લોહી ઊકળી ગયું. મેં અહીંથી શાંતિપૂર્વક દૂર ચાલ્યા જવાનું નક્કી કર્યું. હું થોડીક ચાલી હોઈશ ને એ લોકો ફરી ગંદુ બોલવા લાગ્યા. હવે મારાથી સહન થયું નહીં. હું પાછી ફરી અને એ લોકો જ્યાં બેઠા હતા ત્યાં જ પહોંચી ગઈ. મને તેમની પાસે આવેલી જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. મેં બહુ જ શાંતિથી તેમને પૂછયું : “બોલો, તમારે મને શું કહેવું છે ?”

એક આંખવાળા કર્મચારીએ મને કહ્યું : “અમે તો બીજા કોઈની વાતો કરતા હતા.”

હકીકતમાં તે બધાના મોંમાંથી દારૂની વાસ આવતી હતી. મેં તરત જ ૧૦૦ નંબર ડાયલ કર્યો. પોલીસકંટ્રોલે મને કહ્યું : “તમે જ્યાં છો ત્યાં જ ઊભાં રહો. હું પોલીસવાન મોકલું છું.”

હું નજીકમાં જ ઊભી રહી ગઈ. એ લોકો હજુ નક્કી કરી શકતા નહોતા કે મેં ખરેખર પોલીસને ફોન કર્યો છે કે કેમ ? એમને એમ હતું કે હું અમસ્તા જ તેમને બીવડાવું છું. તેઓ ત્યાં બેસી જ રહ્યા. લગભગ ૨૦ મિનિટ બાદ પીસીઆર વાન આવી પહોંચી. એમસીડીના કર્મચારીઓ એટલામાં જ હતા. મેં સબ ઇન્સ્પેક્ટરને એ લોકોની બીભત્સ હરકતોની જાણ કરી. સબ ઇન્સ્પેક્ટરે એક આંખવાળા કર્મચારીને બોલાવીને પૂછયું. એણે એવું કાંઈ બોલ્યાનો ઇનકાર કર્યો. પોલીસે અનિચ્છાએ મારી ફરિયાદ નોંધી. પોલીસે મારું નામ જાણી આશ્ચર્ય વ્યક્ત કર્યું. મેં લખાવ્યું હતું : “શારા અશરફ વાઈફ ઓફ અભિષેક કુમાર.” પોલીસે મને પૂછયું : “યે કૈસે હો સકતા હૈ ?”

મેં કહ્યું : “ક્યોં કિ યે ઇન્ડિયા હૈ.”

પોલીસ પાસે હવે કોઈ પ્રશ્ન નહોતો. એણે મને એ સમજાવવા કોશિશ કરી કે, “આ ત્રણ જણ એમસીડીના કર્મચારી છે અને ફરજ પર દારૂ પીધેલા છે. હું તમારી ફરિયાદના આધારે એફ.આઈ.આર. નોંધીશ તો એમની નોકરી જશે.” એમ સમજાવી મને કહે વા લાગ્યા : “જાને દિજીયે મેડમ, યે લોગ સ્વીપર્સ હૈ. ઈનકી નોકરી ચલી જાયેગી. ઈનકે બચ્ચોં કી બદદુઆ લગેગી આપકો.”

એણે એફ.આઈ.આર. નોંધવા ઇનકાર કર્યો એટલે મેં કહ્યું : “હું પત્રકાર છું.”

તે પછી અમે બધાં પોલીસ સ્ટેશન ગયાં, મને એક રૂમમાં લઈ જવામાં આવી. રૂમ ગંદો હતો અને એક ખાટલા પર કેટલાક પોલીસ કર્મીઓ સૂઈ ગયા હતા. તેમનાં વસ્ત્રો દીવાલ પર ટીંગાડેલાં હતાં. એ રૂમમાં કોઈ મહિલા કોન્સ્ટેબલ નહોતી. કેટલીકવાર પછી સબ ઇન્સ્પેક્ટર એમસીડીના સુપરવાઈઝર સાથે અંદર આવ્યા અને એ કર્મચારીઓ વતી માફી માગી. મારી ફરિયાદ પાછી ખેંચી લેવા મને વિનંતી કરવા લાગ્યા. લાંબો વિચાર કર્યા બાદ મેં કહ્યું : “ચાલો હું મારી ફરિયાદ પાછી ખેંચી લઉં છું, પરંતુ તેઓ ભવિષ્યમાં કોઈપણ યુવતીને પરેશાન નહીં કરે તેવી લેખિત ખાતરી મને આપો.”

એ લોકોએ લેખિત માફીનામું લખી આપ્યું. મને એટલો તો સંતોષ હતો કે એ લોકોએ ક્ષમા માગી.”

હવે આવો એક બીજો જ અનુભવ મને ૨૦૦૭માં થયો. એ વખતે ‘એશિયન એજ’ અખબારમાં હું તાલીમી પત્રકાર હતી. એક મધરાતે મને મારા મોબાઈલ પર કોઈ અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો. હું એની હિન્દી ટેક્સ્ટ વાંચી ઠરી જ ગઈ. તેમાં આવું કાંઈક લખ્યું હતું : “જો વેક્સની જાહેરાતોમાં પગ દર્શાવવામાં આવે છે, ખીલ ના થાય તે માટે ગાલ દર્શાવવામાં આવે છે તો સેનેટરી નેપ્કિન્સની જાહેરાતમાં સંબંધિત અંગ કેમ દર્શાવવામાં આવતું નથી ?”

મને ગુસ્સો આવ્યો. જે નંબર પરથી એ મેસેજ આવ્યો હતો તે નંબર પર મેં ફોન કર્યો. કોઈએ ઉપાડયો નહીં. તે પછી સવારે પીસીઓ પરથી એ નંબર પર ફોન કર્યો. એ અજાણી વ્યક્તિએ ફોન ઉપાડયો. મેં એને પૂછયું : “મેં તમારા ફોન નંબર પરથી વલ્ગર મેસેજ રિસિવ કર્યો છે.”

એણે એવું કાંઈ કર્યું જ નથી એમ કહી ફોન કાપી નાખ્યો. હું તરત જ દિલ્હીના માલવિયાનગર પોલીસ સ્ટેશને ગઈ અને મેં ફરિયાદ નોંધાવી. પોલીસને પણ એ મેસેજ વાંચવાની મજા આવી હોય એમ લાગ્યું છતાં એણે કહ્યું : “અમે એ વ્યક્તિને બોલાવીશું.”

સાંજે હું ફરી પોલીસ સ્ટેશને ગઈ. પોલીસે મને બીભત્સ મેસેજ મોકલનાર વ્યક્તિને બોલાવી રાખ્યો હતો. હું તેને ઓળખી ગઈ. તે મને જાણતો હતો. હું પત્રકારત્વનું ભણતાં ભણતાં પાર્ટટાઈમ મોડેલિંગ પણ કરતી હતી એ વખતે તે મેઈકઅપમેન હતો. એ મને મેકઅપ કરતો ત્યારે તેનું વર્તન અત્યંત સુંદર અને વ્યવસ્થિત હતું. હું ટી.વી. માટે કોર્મિશયલ કરતી હતી ત્યારે તે સ્ટુડિયો પર આવી મારો મેકઅપ કરતો હતો. પણ એ હું મોડેલિંગ કરતી હતી તે વખતના કેટલાક ફોટોગ્રાફ્સ લઈને પોલીસ સ્ટેશને આવ્યો હતો. મારી તસવીરો જોઈને પોલીસ અધિકારીનું વર્તન બદલાઈ ગયું. એણે મેકઅપ મેને રજૂ કરેલા મારા મોડેલિંગના ફોટા ટેબલ પર ગોઠવ્યા અને મને વ્યંગમાં કહ્યું : “તમે તો કહ્યું કે, તમે અખબારમાં કામ કરો છો, પણ તમે તો મોડેલ છો.”

એ પછી મને ગંદા મેસેજ મોકલનાર મેકઅપમેને કહ્યું : “મેં તો માત્ર જોક્સ ખાતર મેસેજ મોકલ્યા હતા.”

પરંતુ મેં કહ્યું : “એ બીભત્સ મેસેજ સામે મારો સખત વિરોધ છે. મધરાતે આવા વલ્ગર મેસેજ મોકલનાર વ્યક્તિને સજા થવી જ જોઈએ.”

મેં ઘણી દલીલો કરી, પરંતુ છેવટે મારે જ પોલીસ સ્ટેશન છોડવું પડયું.

ઓગસ્ટ, ૨૦૧૧માં ત્રીજો બનાવ બન્યો. હું મારી કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી ઓફિસમાંથી બહાર નીકળી ત્યાં જ રસ્તા પર બે માણસો મારો પીછો કરતા જણાયા. તેઓ મોટે મોટેથી હું સાંભળું તેમ બોલવા લાગ્યા. એક જણ બોલ્યો : “બીજી બધી જ છોકરીઓની એનેટોમી (શારીરિક રચના) આના જેવી જ લાગતી હશે ?”

બીજાએ કહ્યું : “ચાલો એને જ પૂછીએ.”

હું પાછી ફરી. મને જોઈને હસવા લાગ્યા. મેં મગજ પરનો કાબૂ ગુમાવ્યો. હું સીધી તેમની સામે પહોંચી ગઈ અને મેં તેમને પૂછયું : “તમે તમારી માની એનેટોમી નથી જોઈ ?”

એ લોકોને મારા આવા જવાબની અપેક્ષા નહોતી. તેઓ દોડવા લાગ્યા. મેં એકને પકડી લીધો. બીજો ભાગી ગયો. નજીકમાં જ પોલીસ ઊભી હતી. મેં ગંદી રિમાર્ક કરનાર વ્યક્તિને પોલીસને સોંપી દીધો. પોલીસે મને ફરિયાદ લખાવવા સલાહ આપી જેથી એ લોકોને પાઠ ભણાવી શકાય. હું સંમત થઈ. પતિયાલા કોર્ટમાં કેસ મૂકવામાં આવ્યો. મારા પિતા અને મારા પતિ બેઉ ધારાશાસ્ત્રી છે. કેસ હવે હિયરિંગ પર છે. મારા પિતા અને મારા પતિ મને બહુ જ મદદ કરે છે, પણ મારી સલામતી અંગે સતત ચિંતા પણ કરે છે. દિલ્હીની ગેંગરેપની ઘટના બાદ આવા અસામાજિક તત્ત્વો સામે લડવા હું વધુ કૃતનિશ્ચયી બની છું. મારી અન્ય સ્ત્રીઓને સલાહ છે કે, તમારી સાથે કાંઈ પણ અણછાજતું બને તો તેની સામે ફરિયાદ નોંધાવો. તે પ્રતિરોધક સાબિત થાય છે.”

(સ્રોત અને સૌજન્ય :
‘હિન્દુસ્તાન ટાઈમ્સ)
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

શિવને પણ ચલિત કરનાર ઋતુરાજ વસંતનું આગમન

ગુન ગુના રહે હૈ ભંવરે, ખીલ રહી હૈ કલી કલી
 

ઋતુરાજ વસંતનું આગમન થઇ ચૂક્યું છે. કવિઓએ વર્ષાને ઋતુઓની રાણી અને વસંતને ઋતુરાજ કહ્યો છે. મહાકવિ કાલીદાસે ઋતુરાજ વસંતને કામદેવનો સખો કહ્યો છે. રાક્ષસોથી દુઃખી થયેલા દેવો ભગવાન પાસે ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે,હિમાલયની પર્વતમાળા પર ધ્યાનમાં બેઠેલા મહાદેવથી કોઇ પુત્ર ઉત્પન્ન થાય તો તે જ રાક્ષસને હણી શકશે. પિતાએ કરેલા અપમાનથી જ પાર્વતીજી તો યજ્ઞાનું કૂદી પડી જીવનનો અંત આણી ચૂક્યાં હતા. પરંતુ પર્વતરાજ હિમાલયની પુત્રી ઉમા એ જ પર્વત પર જન્મ લઇને હવે યુવાનીમાં ડગ માંડી રહી હતી. દેવોએ વિચાર્યુ કે, ઉમા રોજ મહાદેવની પૂજા કરવા જાય છે પણ ધ્યાનસ્થ શિવ તો આંખ ઉઘાડતા જ નથી. શિવ તેમનાં નેત્રો ખોલે અને ઉમા પર તેમની નજર પડે અને ઉમા સાથે લગ્ન કરવા તૈયાર થાય તો જ કોઇ સારું પરિણામ આવે. દેવોએ કામદેવને આ કામ સોંપ્યું. કામદેવે શિવને ધ્યાનમાંથી વિચલિત કરવા તેના મિત્ર વસંતનો સહારો લીધો. વસંતના આગમન સાથે જ પર્વતમાળા પર પુષ્પો ખીલી ઉઠયાં. મંદ મંદ પવન શરૂ થયો. ભ્રમરો ઉડવા લાગ્યા. પુષ્પોની મહેક ચારે બાજુ પ્રસરી ગઇ અને જ્યારે ઉમા મહાદેવની પૂજા કરવા આવ્યાં હતાં ત્યારે જ કામદેવે તેમનું પુષ્પબાણ છોડયં. શિવ ધ્યાનથી વિચલિત થયા અને તેમની નજર અદ્ભુત સુંદરતા ધરાવતાં ઉમા તરફ પડી. પણ થોડીક ક્ષણોમાં શિવે ફરી ધ્યાનમાં સ્થિર થઇ જોયું તો આ કામ કામદેવનું હતું. તેમણે કોપાયમાન થઇ ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બાળીને ખાખ કરી નાંખ્યો. પરંતુ દેવોની વિનંતીથી શિવે ઉમા સાથે લગ્ન કર્યા. તેમનાથી એક પુત્ર પેદા થયો જેનું નામ કાર્તિકેય. એ કાર્તિકેયે રાક્ષસને હણ્યો.

 
આમ્ર મંજરીઓ ખીલી ઊઠે
 

આ આખીયે કથા મકાકવિ કાલિદાસે ‘કુમાર સંભવમ્’ માં વર્ણવી છે. વસંત ઋતુનો પ્રભાવ જ એવો છે કે દેવોના દેવ મહાદેવ પણ વસંત ઋતુમાં જ ચલિત થયા હતા. આવી વસંત ઋતુના આગમનથી જ વાતાવરણ બદલાઇ જાય છે. ઠંડી ધીમે ધીમે વિદાય લે છે. વૃક્ષો અને વેલીઓ નવાં પર્ણો ધારણ કરે છે. નાનાં-નાનાં છોડ પર ફૂલો ફરી ખીલવા માંડે છે. તેની ઉપર ભ્રમરો ઉડવા લાગે છે. આંબાના વૃક્ષો પર આમ્ર મંજરીઓ ખીલી ઉઠે છે. આમ્ર વૃક્ષની નીચેથી પસાર થતાં જ મધુર મઘમઘાટનો અહેસાસ થાય છે. ઠંડીની વિદાયથી ગૌરીઓના ગાલની રૂક્ષતા દૂર થાય છે. ચહેરા અને હોઠ ખીલી ઊઠે છે. બાગ બગીચાઓ પર પતંગિયા ઉડાઉડ કરતાં જણાય છે. પ્રકૃતિ આળસ મરડીને બેઠી થઇ ખિલખિલાટ હસતી હોય તેમ લાગે છે. વસંતના આગમનથી સૌ કોઇના ચહેરા પર મુસ્કાન દેખાય છે. ઘણાં યુવક-યુવતીઓ હજારોની સંખ્યામાં વસંત પંચમીના દિવસે જ લગ્ન કરવાનું પસંદ કરે છે. પ્રેમીઓનો પ્રિય વેલેન્ટાઇન ડે પણ આ જ ઋતુમાં આવે છે તે પણ એક જોગાનુજોગ છે. વેલેન્ટાઇન ડે પ્રત્યે શિવસેના જેવા કટ્ટરપંથી પક્ષોના નેતાઓનું વલણ પણ હવે બદલાતું જાય છે. વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરનાર યુવક-યુવતીઓ પર ત્રાટકવાનું શિવસેનાએ હવે બંધ કરી દીધું છે. મુંબઇમાં વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરતાં યુગલોને માર મારવાનું કામ શિવસૈનિકો કરતા હતા. પરંતુ ઉદ્ધવ ઠાકરે હવે તેમના પુત્ર આદિત્યને જાહેર જીવનમાં લાવી રહ્યા છે. લાગે છે કે પુત્રએ પિતા અને દાદાની વિચારધારામાં બદલાવ આણ્યો છે.

 
યુવા વોટ બેંક
 

યુવક-યુવતીને યુવાનોની વોટબેંક જતી રહેવાના ભયે વેલેન્ટાઇન ડે પ્રત્યેનો શિવસેનાનો અને કટ્ટરપંથીઓનો અભિગમ બદલાયો છે. પ્રેમ કરવો એ આદેશ અને ભારતીય સંસ્કૃતિની હજારો વર્ષ પુરાણી પરંપરા રહી છે. પ્રેમી-પ્રેમિકાઓની સેંકડો કથાઓ ભારતના ઇતિહાસમાં દર્જ છે. પ્રેમની પૂજા શ્રીકૃષ્ણ-રાધાની લીલાઓમાં પણ જોવા મળે છે. પ્રેમનું એક ઉત્કૃષ્ટ સ્વરૂપ ભારતીય ગ્રંથોમાં ઉપલબ્ધ છે. વિશ્વ હવે ગ્લોબલ વિલેજ બની રહ્યું છે ત્યારે વેલેન્ટાઇન-ડેનો વિરોધ કરનારા અને તાલિબાનો વચ્ચે કોઇ જ ફરક નથી. આવા ઉત્કૃષ્ઠ પ્રેમના નામ પર તો ખડી કરાયેલી વિશ્વની અજાયબી સમી ભવ્ય તાજમહાલની ઇમારત આખા વિશ્વને ભારત આવવા આમંત્રી રહી છે.

 
મુગલ ગાર્ડન
 

પહેલાં અજમલ કસાબને અને તે પછી અફઝલ ગુરૂ જેવા આતંકવાદીઓ પ્રત્યે નરમી ન દાખવનાર ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય બગીચામાં ખીલી ઉઠેલી વસંતનું સ્વાગત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનનો બગીચો સ્વયં એક ઉપવન છે. વસંતઋતુના રંગબેરંગી પુષ્પોની સુગંધથી મુગલ ગાર્ડન મહેંકી ઊઠયો છે. આ ફૂલોની પ્રાકૃતિક સુંદરતાએ પૂરા વાતાવરણને સપ્તરંગી બનાવી દઇને ધરતી પર ઇન્દ્રધનુષ ઉતારી દીધું હોય એમ લાગે છે. આ મુગલ ગ્રાઉન્ડમાં ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી રોજ સવારે સેર કરવા નીકળે છે ત્યારે બગીચામાં ઠેર-ઠેર મોરલાઓ ટહૂકી ઊઠે છે. વસંત પંચમીના દિવસથી જ રાષ્ટ્રપતિ ભવનનો આ ભવ્ય મુગલ ગાર્ડન દેશના આમ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. પૂરા એક મહિના સુધી લોકો આ મુગલ ગાર્ડન નિહાળવા આવનજાવન કરી શકશે. તા.૧૭મી માર્ચ સુધી આ મુગલ ગાર્ડન સૌ કોઇ માટે ખુલ્લો રહેશે. ભારતમાં વસંત પંચમીના દિવસથી મદનોત્સવ શરૂ થઇ જાય છે, જે હોળી પછી પણ કેટલાક દિવસો સુધી ચાલુ રહે છે. તે ફાગ તરીકે પણ ઓળખાય છે. રાષ્ટ્રપતિ ભવનના આ મુગલ ગાર્ડનમાં સેકંડો જાતના ગુલાબ ખીલી ઊઠે છે. વિશ્વની કેટલીક દુર્લભ પુષ્પ પ્રજાતિઓ પણ અહીં જોવા મળે છે. આ પરિસરમાં એક સંગીતમય ફુવારો પણ છેજે શહનાઇ અને વંદેમાતરમની ધૂન પર જલક્રીડા કરે છે. ભારતીય સંસ્કૃતિની સાથે સાથે આધુનિક વિશ્વની સાથે પણ ભારતનો સંબંધ કેવી રીતે પલ્લવીત થયો છે તે જોવો હોય તો મુગલ ગાર્ડન અને તેના ગુલાબ જોવા જ રહ્યા. અહીં મહારાણી એલિઝાબેથના નામના ગુલાબ પણ છે અને મધર ટેરેસાના નામના શ્વેત ગુલાબ પણ છે. અર્જુન અને ભીમના નામના ગુલાબ પણ છે અને રાજા રામ મોહનરાયના નામના ગુલાબ પણ છે. પંડિત જવાહરલાલથી માંડીને અબ્રાહમ લિંકન અને જહોન એફ.કેનેડીના નામથી માંડીને વિશ્વની બીજી અનેક પ્રતિભાઓના નામને અનુરૂપ રંગોવાળા ગુલાબ દૃશ્યમાન છે.

 
આધ્યાત્મિક વાટિકા
 

રાષ્ટ્રપતિ ભવનના આ મુગલ ગ્રાઉન્ડનું એક આકર્ષક અંગ તેની આધ્યાત્મિક વાટિકા પણ છે. અહીં વિભિન્ન ધર્મો તથા મતોની માન્યતા અનુસાર વૃક્ષો અને છોડવાઓ સંગસંગ લગાવવામાં આવ્યાં છે. વિશ્વભરમાં ભાઇચારો ખીલે તે માટેના સહઅસ્તિત્વની વિચારધારાને પ્રકૃતિના માધ્યમથી પ્રદર્શિત કરવા માટે રૂદ્રાક્ષ, ચંદન, કદંબ, વડ, પારસ, પીંપળો અને ખજૂર પણ બાજુબાજુમાં લગાડવામાં આવેલા છે. તે બધા જ એક સાથે વૃદ્ધિ પામે છે. લીંબુના આકારના ચીની સંતરા પણ અહીં જોવા મળશે. તમે દિલ્હી જાવ તો સવારના ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી રાષ્ટ્રપતિ ભવનના આ અદ્ભુત મુગલ ગાર્ડનમાં તમે પ્રવેશ મેળવી શકશો. મુગલ ગાર્ડનમાં ખાવા પીવાની ચીજો મોબાઇલ કે પર્સ લઇ જવાની મનાઇ છે. રાષ્ટ્રપતિ ભવનના ૩૫મા નંબરના દ્વારથી નાગરિકો પ્રવેશ મેળવી શકશે.

 

મેરી મોત કે બાદ આપ કિસી સે શાદી નહીં કરોગે

બાદશાહ જહાંગીરના શાસનકાળમાં દિલ્હીમાં એક મીના બજાર હતું. મોગલ સરદારોની ઔરતો અહીં ખરીદી કરવા આવતી. અહીં મુમતાઝ જેમિનીની પણ એક ભવ્ય દુકાન હતી. મુમતાઝ બેહદ સુંદર હતી. એક દિવસ શાહજાદા શાહજહાં ફરતાં ફરતાં મીના બજાર તરફ ગયા. તેમની નજર મુમતાઝ તરફ પડી. મુમતાઝનું બધું જ ઝવેરાત વેચાઇ ગયું હતું. માત્ર એક હીરો વધ્યો હતો. રાજકુમાર શાહજહાંએ હીરાની કિંમત પૂછી. મુમતાઝે કહ્યું : ‘એક લાખ રૂપિયા’

શાહજહાંએ હીરો ખરીદી લઇ લાખ રૂપિયા ચૂકવી દીધા. રાજકુમાર મહેલમાં પાછા આવ્યા પણ તેમની નજર સમક્ષથી મુમતાઝનું સૌંદર્ય હટતું નહોતું. એક દિવસ તેમણે પોતાની મુરાદ પૂરી કરી લીધી. બડી શાન-શૌકતથી મુમતાઝ સાથે શાદી કરી લીધી. મુમતાઝને સામ્રાજ્ઞા પદ આપ્યું. શાહજહાં મુમતાઝને બેહદ ચાહતા હોઇ તેમણે તેમના હારેમમાં બીજી એક પણ સ્ત્રી રાખી નહીં. બદલામાં મુમતાઝે પણ શાહજહાંને અનહદ પ્રેમ આપ્યો. ટૂંક સમયમાં મુમતાજ સમગ્ર રાજ્યમાં સર્વપ્રિય બની ગઇ. મુમતાઝને શાસન કરવાની ઇચ્છા નહોતી. તે ફક્ત તેના સ્વામીની એકમાત્ર અધિકારીણી બનીને રહેવા માંગતી હતી.

સમય વીતતો ગયો.

મુમતાજ કેટલાંક બાળકોની મા બની, પણ તેનું સૌંદર્ય એવું ને એવું જ જળવાઇ રહ્યું. હા, તેની છેલ્લી પ્રસૂતિ વખતે તેને અસ્વસ્થતાનો આભાસ થયો. તે કોઇ આવી રહેલા ખતરાથી ભયભીત થવા લાગી હતી.

એક સાંજે મુમતાઝ અને શાહજહાં બગીચામાં ફરી રહ્યાં હતાં. મુમતાઝ અચાનક એક સ્થાન પર બેસી ગઇ. શાહજહાંએ જોયું તો મુમતાઝના કપાળ પર પ્રસ્વેદ બિન્દુ હતાં. શાહજહાંએ પૂછયું : “પ્યારી મુમતાઝ, તુમ્હે ક્યા હો ગયા?’

મુમતાજ બોલીઃ “કુછ નહીં, જહાંપનાહ. મૈં ઉસ પક્ષી યુગલ કો દેખ રહી હું. ઐસા માલુમ હોતા હૈં કિ વહ એક દૂસરે કો બેહદ પ્યાર કરતે હૈં.”

શાહજહાં મુમતાઝના ભીતરનો ભાવ સમજી ગયા. તેમણે મુમતાઝના કપાળ પરના પ્રસ્વેદ બિન્દુને લૂછી નાખ્યું: “ક્યા સોચ રહી હો, મુમતાઝ?”

મુમતાઝ બોલીઃ “જહાંપનાહ મેં સોચ રહીથી કિ, ઉનકા યે પ્યાર અમર હો સકતા હૈં?”

“ક્યોં નહીં?” શાહજહાંએ કહ્યું : “યદી યે એક દૂસરે કે પ્રતિ સચ્ચે ઔર વફાદાર રહે તો ઉનકા પ્યાર જરૂર અમર હોગા.”

“અગર કોઇ મુસીબત આઇ તો?”
શાહજહાંએ કહ્યું : “તુમ્હારી તબિયત તો ઠીક હૈં ન?”

“હા, મેરી તબિયત ઠીક હૈ. લેકિન મેં સોચ રહી થી કી દુનિયા કી હર ચીજ નષ્ઠ હોને વાલી હૈ. ક્યા પ્યાર મોહબ્બત ભી?”

“યે તો સંસાર કા નિયમ હૈં. લેકિન યે સબ બાત મત સોચો. તુમ્હે આરામ કી જરૂર હૈ : શાહજહાંએ કહ્યું, અને બેગમને મહેલના કમરામાં લઇ ગયા.

કેટલાક દિવસો વીત્યા.

મુમતાઝ ફરી કમજોરી મહેસુસ કરવા લાગી. શાહજહાં મુમતાઝનો બહુજ ખ્યાલ રાખતા હતા. મુમતાઝના આરામ માટે બધી જ સુવિધાઓ તેમણે ઉપલબ્ધ કરાવી હતી. મુમતાઝ હવે બીમાર છે તેનો તેમને ખ્યાલ આવી ગયો હતો.

એક રાત્રે મુમતાઝને આવી રહેલી કોઇ દુર્ઘટનાનો વિચિત્ર આભાસ થયો. તેને લાગ્યું કે હવે તે ઝાઝું જીવશે નહીં. એ રાત્રે તેને ઊંઘ આવતી નહોતી. રાતે તે કરવટ બદલતી રહી. ના રહેવાતાં તેણે શાહજહાંને ઉઠાડયા. શાહજહાંએ પૂછયું: “ક્યા બાત હૈં, મુમતાઝ?”

મુમતાઝે કહ્યું: “મેરે માલિક આપને મુઝે બેહદ પ્યાર દીયા હૈં. સભી સુવિધાઓ દી હૈં, લૈકિન મુઝે લગતા હૈં કિ, ઇસ સમય મૈં બચુંગી નહીં.”

“ઐસા મત સોચો, મુમતાઝ. હિંમત રખ્ખોઃ” બાદશાહે કહ્યું.

મુમતાઝ થોડીવાર માટે શાંત થઇ ગઇ. પણ ભીતરના દર્દને તે સહન કરી શકતી નહોતી. તે ધીમેથી બોલીઃ “મેરે માલિક, અબ મૌત મેરે સામને ખડી હૈં, કિન્તુ ઇસકે પહેલે મેં દમ તોડું મેરી દો ઇચ્છાએ હૈં, ક્યા આપ પુરી કર સકોગે?”

“મેં વાદા કરતા હું, તુમ્હારી હર ઇચ્છા પુરી હોગી.” બાદશાહે કહ્યું.

મુમતાઝ બોલી : ‘તો વાદા કરો કિ મેરી મોત કે બાદ આપ કિસીસે શાદી નહીં કરોગે, ક્યોકિ મૈં નહી ચાહતી કી કોઈ દૂસરી સ્ત્રી આપ કે પ્યાર કી હકદાર બને.’
“ઔર દૂસરી ઇચ્છા ક્યા હૈ?” બાદશાહે પૂછયું.

મુમતાઝ બોલી : “ઔર વાદા કરો કિ મેરી કબ્ર પર ઐસા સ્મારક બનવાએગે જો દુનિયામેં અપને ઢંગ કા એક હી હોગા, તાકિ મેરા નામ અમર રહે.”

શાહજહાંએ ભીની આંખે હા પાડીઃ “મૈં તુમ્હારી દોનો ઇચ્છા પૂરી કરુંગા.”

થોડા જ વખતમાં પ્રસૂતા મુમતાઝે બાળકને જન્મ આપતી વખતે જ દમ તોડી દીધો. મુમતાઝના મૃત્યુથી શાહજહાં વિચલીત થઇ ગયા. દુઃખી દુઃખી થઇ ગયા. કહેવાય છે કે કેટલાયે દિવસો સુધી તેઓ મહેલમાં રડતા રહ્યાં. કેટલાયે દિવસો સુધી તેઓ મહેલની બહાર નીકળ્યા નહીં, પણ તેમને અચાનક મુમતાઝને આપેલા વચનો યાદ આવ્યાં. હવે તેઓ મુમતાઝની છેલ્લી ઇચ્છાઓ પૂરી કરવા ફરી સ્વસ્થ અને કટીબદ્ધ બન્યા.

મુમતાઝના મૃત્યુ બાદ શાહી દરબારીઓએ શાહજહાંને ફરી લગ્ન કરવા દબાણ કર્યું. એ બધાના દબાણ પાછળ તેમની રાજનૈતિક ઇચ્છાઓ હતી. કોઇ બાદશાહને ખુશ કરવા માંગતા હતા તો કોઇ સગા થવા માંગતા હતા.બધાને શાહજહાંએ એક જ જવાબ આપ્યોઃ “જેસે મનુષ્ય કે લિયે એક હી પરવરદીગાર હૈ, એક હી સુરજ હૈં એક હી ચાંદ હૈં, વૈસે સચ્ચી મહોબ્બત ભી એક હીં સે હોતી હૈં.”

એક દિવસ શાહજહાંએ શાહી દરબારમાં બધાં અમીર ઉમરાવો અને દરબારીઓને બોલાવી બેગમ મુમતાઝની આખરી ઇચ્છાઓની વાત પ્રગટ કરી. બાદશાહની મક્કમતા આગળ હવે તેમને ફરી શાદી કરવાના બધા જ પ્રસ્તાવો ઠુકરાવી દેવામાં આવ્યા અને મુમતાઝની ઇચ્છા અનુસાર મુમતાઝની કબર પર સંગે મરમરનું સ્મારક બનાવવા હુકમ કર્યો. બાદશાહની ઇચ્છા અનુસાર યમુના નદીનાં કિનારે વિશ્વનું અદ્વિતીય સ્મારક બનાવવાનું કામ શરૂ થયું. વર્ષો સુધી એ કામ ચાલ્યું. અને તેને મુમતાઝના નામ સાથે જોડી “મુમતાઝ મહાલ” નામ આપવામાં આવ્યું જેને દુનિયા આજે તાજમહાલના નામે ઓળખે છે. વિશ્વના કોઇ પ્રેમીએ તેની પ્રેયસી કે પત્ની માટે આવું ભવ્ય સ્મારક બનાવ્યું નથી. ઇજિપ્તમાં પીરામિડો બન્યા પરંતુ તેમાં ઇજિપ્તના રાજાઓએ ફરી જન્મ વખતે બધી સુખ-સગવડો મળે તે માટે પોતાના જ શબ અંદર મૂકી પીરામિડો સીલ કરાવ્યા. તેમાં પ્રેમ કે મહોબ્બતના ભાવ નહોતા. આજે દુનિયાભરના લોકો તાજમહાલ જોવા આવે છે અને શાહજહાં તથા મુમતાઝના અદ્વિતીય પ્રેમને યાદ કરે છે. તાજમહાલની સુંદરતા તેના સંગેમરમરથી બનેલા અદ્ભુત ઢાંચાના કારણે નહીં પણ એક બાદશાહે તેની બેગમને કરેલા સાચુકલા પ્રેમના કારણે જ જગપ્રસિદ્ધ છે તાજમહાલની કહાણી માત્ર ઇમારતની સુંદરતાની જ નહીં પણ એક બેગમ અને તેના બાદશાહના જીવન સૌંદર્યની કહાણી છે.

તાજેતરમાં જ ગયેલા ‘વેલેન્ટાઇન ડે’ નિમિત્તે એક ઐતિહાસિક પણ ક્લાસિક લવસ્ટોરી પ્રસ્તુત છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

રામાયણ માત્ર ગ્રંથ કે હકીકત?

ભાજપ રામના સહારે પણ ડીએમકે રામ વિરોધી

ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર હિન્દુત્વના અને અયોધ્યામાં રામ મંદિરના એજન્ડાને લઈને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં જવા માંગે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે નરેન્દ્ર મોદી સિવાય હિન્દુત્વનો બીજો કોઈ ચહેરો નથી. દેશની ટોપ જોબ માટે એલ. કે. અડવાણી પસંદ થઈ શક્યા હોત, પરંતુ પાકિસ્તાનમાં મહંમદ અલી ઝીણાની કબર પર મસ્તક ઝુકાવવાના કારણે સંઘે અડવાણીને નાપાસ કરી દીધા છે. મહાકુંભમાં સંતોની નરેન્દ્ર મોદી માટેની પસંદગી એ એક રીતે હિન્દુત્વ અને રામમંદિરના અસલી એજન્ડાને ઉજાગર કરનારી છે.

ભગવાન શ્રીરામ દેશના ૭૦ કરોડ હિન્દુઓના અધિષ્ઠાતા દેવ છે, પરંતુ સાથે સાથે એ વાત પણ જાણી લેવી જોઈએ કે દક્ષિણ ભારતમાં વસતા ઘણા લોકો હિન્દુ વિરોધી લાગણી ધરાવે છે. ખાસ કરીને દ્રવિડ રાજનીતિ હિન્દુત્વની તરફેણ કરતી નથી.

દક્ષિણના ઘણા લોકો રામની નહીં પરંતુ રાવણની પૂજા કરે છે. કેટલાકને તો રામના નામની એલર્જી છે. દા.ત. થિરૂમાવલમ નામના એક સંસદ સભ્યે તેના પિતાનું નામ રામાસામી હતું તે બદલીને થોલ્કાપિયન કરી નાંખ્યું છે. હિન્દુત્વ અને રામાયણ પ્રત્યે તિરસ્કાર દર્શાવવા તેમણે આમ કર્યું હોવાનું મનાય છે. એ જ રીતે ડીએમકેના વડા એમ. કરુણાનિધિ પણ હિન્દુ દેવી-દેવતાઓને ઉતારી પાડવાની એક પણ તક છોડતા નથી. દક્ષિણની પ્રાદેશિક પાર્ટીઓની માન્યતા છે કે રામાયણ અને મહાભારત એ ઉત્તરમાંથી આવેલા આર્યોએ આપેલું સાહિત્ય છે. આર્યોને તેઓ આક્રમણખોરો કહે છે. રામાયણ અને મહાભારતની નિંદા કરે છે. કરુણાનિધિના એક પુત્રનું નામ સ્ટેલિન છે.

અલબત્ત, તામિલનાડુમાં રામના નામે સાવ પડદો પાડી દેવામાં આવ્યો છે તેવું નથી. તાજેતરમાં જ ચેન્નાઈમાં રામાયણ ઉપર એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું છે. પૂરા એક મહિના સુધી તે પરિષદ અંતર્ગત વિવિધ કાર્યક્રમો ચાલવાના છે. તેમાં રામાયણ પર વિવિધ સંશોધનો હજુ થવાનાં છે. કેટલાક વૈજ્ઞાનિકો, વનસ્પતિ શાસ્ત્રીઓ, પુરાતત્ત્વવિદો તથા ઇતિહાસકારોએ દાયકાઓથી કરેલાં રામાયણ પરનાં સંશોધનો હજુ જાહેર કરવામાં આવશે. દા.ત. અમૃતલીંગમ નામના એક વનસ્પતિ-શાસ્ત્રીએ અયોધ્યાથી લંકા સુધી પ્રવાસ ખેડી ભગવાન શ્રીરામે જ્યાં જ્યાં વનવાસ કર્યો હતો તે યાત્રામાર્ગોની આસપાસ આવેલી વનસ્પતિ, વૃક્ષો, ફળો અને ફૂલોનો અભ્યાસ કર્યો છે. વાલ્મીકિએ રામાયણમાં જે વનસ્પતિ અને વૃક્ષો તથા ભૂમિનું વર્ણન કર્યું હતું તેની સાથે તેનો તાલમેલ બરાબર બેસે છે તેમ તેમનું માનવું છે. તેઓ કહે છે રામાયણમાં જે ફળફૂલનું વર્ણન છે તે આજે પણ એ વનવિસ્તારમાં ઉપલબ્ધ છે. પર્વતો, ભૂમિ, નદીઓનો પણ રામાયણમાં કરાયેલા વર્ણન પ્રમાણે જ તાલમેલ છે. રામાયણ લખાયું ત્યારે નૈમિષારણ્ય, ચિત્રકૂટ, દંડકારણ્ય અને પંચવટી વિસ્તારમાં ગામ છે. જંગલો હતાં. રામાયણના કિષ્કિન્ધાકાંડમાં ભૂમિનું જે વર્ણન છે તથા જે વનસ્પતિનું વર્ણન છે તે બધું જ બંધ બેસે છે.

એવા જ બીજાં એક વૈજ્ઞાનિક ડો. નંદિતા ક્રિશ્ના કહે છે કે અયોધ્યા છોડયા બાદ ભગવાન શ્રીરામે વનમાં જે સ્થળે રહેવાનું પસંદ કર્યું હતું તે સ્થળ વનસ્પતિ અને વૃક્ષોથી સમૃદ્ધ હતું. વાલ્મીકિએ રામાયણમાં વાઘ અને સિંહોનું વર્ણન કરેલું છે પણ સામાન્ય રીતે આ પ્રાણીઓ સાથે રહી શકતાં નથી. એકમાત્ર મધ્યપ્રદેશમાં ભીમબેડકા ગુફા વિસ્તારમાં કેટલાંક વર્ષોજૂનાં ચિત્રોમાં વાઘ અને સિંહો સાથે સાથે રહેતાં હોવાનાં દૃશ્યો છે. આ ગુફાઓની દીવાલો ૧૦ હજાર વર્ષ જૂની છે તેથી કોઈ જમાનામાં વાઘ અને સિંહ સાથે રહેતા હોવા જોઈએ.

ચેન્નાઈ ખાતેના આ સેમિનારમાં દેશભરમાંથી આવેલા ચિત્રકારો રામાયણની ઘટનાઓ પરનાં ચિત્રો પણ પ્રર્દિશત કરી રહ્યા છે. તેમાં રાજા રવિવર્માનાં ચિત્રોથી માંડીને બીજી સદીના પથ્થર યુગના કેટલાંક ચિત્રોને પણ સ્થાન છે.

આ પરિષદના આયોજકોનું કહેવું છે કે આ સેમિનાર ચેન્નાઈમાં યોજવાનો અમારો ઉદ્દેશ એ છે કે અમે તામિલનાડુની પ્રજાને કહેવા માંગીએ છીએ કે રામાયણ એ કાલ્પનિક નથી પરંતુ વાસ્તવિક ઘટના છે. રિઅલ લાઈફ સ્ટોરી છે. ભગવાન શ્રીરામ થઈ જ ગયા છે. તેમનું અસ્તિત્વ હતું જ અને તે માટે અમારી પાસે વૈજ્ઞાનિક તથા પુરાતત્ત્વના શાસ્ત્રીય પુરાવા છે. રામાયણ મહાકાવ્યમાં વર્ણવવામાં આવેલાં વૃક્ષો, વનસ્પતિ, ફળફૂલ અને ભૂમિ એ બધું જ સત્ય છે. રામાયણ એક પુસ્તકથીયે વિશેષ છે.

એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન સેન્ટરનાં વૈજ્ઞાનિક અમૃતલીંગમ તથા ડો. નંદિતા ક્રિશ્નાએ રામાયણમાં આવતા સંજીવનીના પ્રસંગ અને ભૂમિ પર પણ સંશોધન કર્યું છે. શ્રીલંકાના ટ્રોપિકલ ફોરેસ્ટ પરની એક ઊંચી ટેકરી તેમણે શોધી કાઢી હતી જ્યાંથી સંજીવની લાવવામાં આવી હતી. આ પર્વત પરથી કેટલીયે ઔષધીને લગતી વનસ્પતિ મળી આવી છે. હનુમાનજી આ ટેકરી પરથી સંજીવની લઈ આવ્યા હતા.

રાવણ સીતાજીને ઉપાડીને લંકા લઈ ગયો ત્યારે ભગવાન શ્રીરામે દરિયો પાર કરવા માટે રામસેતુ તૈયાર કરાવડાવ્યો હતો. આ રામસેતુ અંગેની એક અપ્રાપ્ય બુક પણ આ પ્રસંગે પુનઃ પ્રગટ થઈ રહી છે. અત્રે એ જાણી લેવું જરૂરી છે કે ડીએમકે(દ્રવિડ મુન્નેત્ર કઝગમ)ના વડા એમ. કરુણાનિધિ લંકા સાથેના દરિયાઈ માર્ગોને સરળ બનાવવાના નામે રામસેતુને તોડી નાખવાની તરફેણ કરી રહ્યા છે. આ તેમની હિન્દુ વિરોધી લાગણીનો નમૂનો છે. ૧૯૨૯ની સાલમાં એ વખતના રામનાદ શન્મુગાના રાજા રાજેશ્વરા નાગનાથ સેથુપથીની ઇચ્છાથી એન. વનમમલાઈ પિલ્લાઈએ ધી સેતુ ઓફ રામેશ્વરમ્ નામનું પુસ્તક લખ્યું હતું. કહેવાય છે કે ભગવાન શ્રીરામે રામનાદના રાજાને રામસેતુ સાચવવાનું કામ સોંપ્યું હોઈ એ રાજા સેથુપથી કહેવાય છે.

આ સેમિનારમાં ભારતીય જનતા પાર્ટીને ગમે તેવી એક વાત પણ છે. આ સેમિનારમાં જે સંશોધન પેપર્સ રજૂ થઈ રહ્યાં છે તેમાં એક પેપર એવું પણ છે કે જે અયોધ્યામાં રામમંદિર હતું જ તેવા વૈજ્ઞાનિક અને પુરાતત્ત્વ શાસ્ત્ર આધારિત પુરાવા દર્શાવી રહ્યું છે. ટૂંકમાં અયોધ્યાની એ વિવાદિત ભૂમિ પર કોઈ જમાનામાં રામમંદિર હતું જ તેવી વાત એ સંશોધનમાં જણાવાઈ છે.

ચેન્નાઈના સરસ્વતી રિસર્ચ સેન્ટરના ઇન્ડોલોજિસ્ટ રામ મોહન કહે છે, તામિલનાડુની પ્રજા માટે રામાયણ કોઈ અજાણી વાત નથી. તામિલનાડુના પ્રાચીન સાહિત્યમાં પણ રામાયણ અને મહાભારતની કેટલીક ઘટનાઓની વાતનો ઉલ્લેખ આવે જ છે. માત્ર રાજકારણીઓ જ તેમની વોટબેંક માટે રામ અને કૃષ્ણની ટીકા કરે છે અથવા વોટબેંક ઊભી કરવા માટે રામના નામનો ઉપયોગ કરે છે. રાજકારણીઓ રામના નામની ગમે તેટલી ટીકા કરે પણ કરોડો હિન્દુઓનાં હૃદયમાંથી રામને દૂર કરી શકાશે નહીં.

www.devendrapatel.in

સૌંદર્ય સામ્રાજ્ઞી સાથે એક અસુંદર છલના

એનું નામ છે : જિના લોલોબ્રિગીડા.

એક જમાનાની ‘મોસ્ટ બ્યૂટીફૂલ વૂમન ઓફ ધી વર્લ્ડ’ તરીકે જાહેર થયેલી જિના લોલોબ્રિગીડા એક ઇટાલિયન ફિલ્મસ્ટાર છે. ૧૯૫૦ના ગાળામાં ‘ગોડેસ ઓફ સ્ક્રીન’ તરીકે પંકાયેલી જિના લોલોબ્રિગીડાની વય આજે ૮૫ વર્ષની છે. આ ઉંમરે પણ તેની સાથે તેના એક પૂર્વ બોયફ્રેન્ડે તેની જાણ બહાર જ તેની સાથે સિક્રેટ મેરેજ કરી લીધું હોવાની અજીબોગરીબ ઘટનાએ ઇટાલીથી માંડીને છેક હોલિવૂડમાં રસપ્રદ ચર્ચા જગાવી છે. જિના લોલોબ્રિગીડા હાલ ઇટાલીમાં સિસિલીના એક ભવ્ય ફાર્મહાઉસ, રોમના ‘વીપા એપિના એન્ટિકા’નામના વિલા અને મોન્ટેકાર્લોના એક ભવ્ય વિલામાં રહી તેનું સિક્રેટ જીવન પસાર કરે છે. એક દિવસ અચાનક જ તેને ખબર પડી કે,તેના પૂર્વ બોયફ્રેન્ડ જેવિયર રાફોલે તેની સાથે લગ્ન કરી લીધાનાં દસ્તાવેજો રજિસ્ટર કરાવી લીધા છે.

જેવિયર રાફોલ જિના લોલોબ્રિગીડાથી ૩૪ વર્ષ નાના છે અને સ્પેનિશ બિઝનેસમેન છે. જેવિયરની ઉંમર હાલ ૫૧ વર્ષની છે. જિના લોલોબ્રિગીડા કહે છે : “જેવિયર રિગાઉ રાફોલ એક જમાનામાં મારો મિત્ર હતો એ વાત સાચી, પરંતુ મેં તેની સાથે કદીયે લગ્ન કર્યાં નથી. અમે વર્ષો સુધી સાથે રહ્યાં છીએ અને કેટલાંયે વર્ષોથી છૂટાં પણ પડી ગયાં છીએ. જો જેવિયરે મારી સાથે લગ્ન ક્યાંય રજિસ્ટર કરાવ્યાં હોય તો તે મારી સાથે થયેલું ફ્રોડ-છળકપટ છે. મારી પરવાનગી વિના જ આમ થયું છે અને હું સમજું છું કે, મારા મૃત્યુ પછી જેવિયર મારી સંપત્તિનો માલિક-વારસદાર બની જાય તે હેતુથી જ તેણે આ ફ્રોડ કર્યું છે. જેવિયર સ્પેનિશ છે અને તે જ્યારે મારો બોયફ્રેન્ડ હતો ત્યારે મારા કેટલાક કાનૂની કેસોમાં તે મને મદદ કરતો હતો. મેં તેને પાવર ઓફ એટર્ની પણ આપી રાખ્યો હતો. એક વખત તેણે મને કેટલાંક ફોર્મ પર સહી કરવા કેટલાક કાગળો મને મોકલી આપ્યા હતા. એ ફોર્મ સ્પેનિશ ભાષામાં હતાં. હું સ્પેનિશ જાણતી નથી. એ ફોર્મ પર મેં સહીઓ કરી હતી, પણ મને ખબર નથી કે તેમાં શું હતું ? આ સમગ્ર કાવતરાની મેં તપાસ માગી છે.”

એક જમાનાની ખૂબસૂરત અભિનેત્રી સાથે તેની જાણ બહાર જ લગ્નનાં કાગળો ઊભાં કરવા માટે જિના લોલોબ્રિગીડાના પૂર્વ બોયફ્રેન્ડ જેવિયરે જિના લોલોબ્રિગીડા જેવી જ દેખાતી કોઈ સ્ત્રીનો ઉપયોગ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. મેડ્રિડ-સ્પેનમાં રહેતા એક સ્પેનિશ ધારાશાસ્ત્રીના જણાવ્યા અનુસાર “જેવિયરે અસલી જિના લોલોબ્રિગીડા સાથે બનાવટી લગ્ન કરવા માટે જિના જેવી દેખાતી કોઈ સ્ત્રીનો પૈસા આપી ઉપયોગ કર્યો હતો. લગ્નનાં કાગળો રજૂ કરવા એણે જિના લોલોબ્રિગીડાની કહેવાતી સહીવાળા અસલી કાગળો રજૂ કર્યા હતા. જેવિયર સ્પેનની હાઈ સોસાયટીમાં ફરતો-પાર્ટીઓમાં ઘૂમતો માણસ છે.”

કહેવાય છે કે, જિના લોલોબ્રિગીડા અને જેવિયરના મિત્રતાપૂર્ણ સંબંધો ૨૦ વર્ષ ટક્યા હતા. એક તબક્કે તે તેની સાથે લગ્ન કરવા પણ વિચારતી હતી, પરંતુ પાછળથી તેણે વિચાર બદલ્યો હતો અને એ સંબંધોનો ૨૦૦૬માં અંત આવી ગયો હતો.

જિના લોલોબ્રિગીડાનો જન્મ ઇટાલીના સુબિઅકો ખાતે થયો હતો. તેના પિતા એક ફર્નિચર મેન્યુફેક્ચરર હતા. એક નાનકડા ગામમાં તેનો ઉછેર થયો હતો. તેણે મોડેલિંગથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી ઇટાલીમાં યોજાતી સૌંદર્ય સ્પર્ધાઓમાં તે ભાગ લેતી રહી. ૧૯૪૭માં તેણે ‘મિસ ઇટાલી’ સ્પર્ધામાં ભાગ લીધો પણ ત્રીજા નંબરે આવી. એ પછી એને ઇટાલિયન ફિલ્મોમાં કામ મળ્યું. ૧૯૪૯માં એણે મિલ્કો સ્કોફિડ નામના યુગોસ્લોવિયન સાથે લગ્ન કર્યાં. તેનાથી તે એક પુત્રની માતા બની. તેમનું આ લગ્નજીવન ૨૪ વર્ષ ટક્યું. તે પછી છૂટાછેડા થઈ ગયા. ૧૯૬૦ના ગાળામાં વિશ્વનું પ્રથમ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડો. ક્રિશ્ચિયન બર્નાડ સાથે પણ તેને એફેર હોવાની વાતો સંભળાતી હતી. તે પછી સ્પેનિશ બિઝનેસમેન જેવિયર રિગાઉ રાફોલના સંપર્કમાં આવી અને બેઉ એકબીજાના પ્રેમમાં પડી ગયાં. પૂરાં ૨૦ વર્ષ સુધી તેઓ એકબીજાના કંપેનિયન થઈને રહ્યાં.

૧૯૫૫માં જિના લોલોબ્રિગીડાની ફિલ્મ ‘બ્યૂટીફૂલ બટ ડેન્જરસ’ રજૂ થઈ અને એ ફિલ્મ પછી તે વિશ્વની સૌથી સુંદર સ્ત્રી તરીકે નામના પામી. એ ફિલ્મ બાદ જ જિનાને ‘લોલો’ એવું તખલ્લુસ આપવામાં આવ્યું. જિના ટિપિકલ ઇટાલિયન બ્યૂટી ધરાવતી હતી. માથામાં વાંકડિયા વાળની ખાસ સ્ટાઈલ માટે ઇટાલીમાં ‘લોલો’ શબ્દપ્રયોગ થાય છે. ૧૯૬૧માં હોલિવૂડના સુપ્રસિદ્ધ એક્ટર રોક હડસન સાથે તે ‘કમ સપ્ટેમ્બર’ નામની સુપરહિટ ફિલ્મમાં ચમકી. આ ફિલ્મે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવ્યો. એણે યુલબ્રીનર સાથે’સોલોમન એન્ડ શીબા’ ફિલ્મમાં કામ કર્યું. તેણે ક્વિન શીબાનો રોલ કર્યો. એ જમાનાના મશહૂર કલાકારો ફ્રેન્ક સિનાત્રા, ટોની કર્ટીસ, બર્ટ લેન્કેસ્ટર અને બોબ હોપ સાથે પણ કામ કર્યું. જિના લોલોબ્રિગીડાએ ફાલ્કન ક્રેલ્ટા જેવી ટી.વી. સિરિયલમાં પણ કામ કર્યું.

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે, ૧૯૭૦માં તેની ફિલ્મી કારકિર્દી મંદ પડી ત્યારે જિનાએ ફોટો જર્નાલિઝમ શરૂ કર્યું. એણે પોલ ન્યૂ મેન, સાલ્વાડોર ડાલી, હેન્રી કિસીંજર, ઓડ્રી હેપબર્ન અને એલા ફિટઝગેરાલ્ડની પણ એક્સક્લુઝિવ ફોટોગ્રાફી કરી. ક્યૂબાના સરમુખત્યાર ફિડલ કાસ્ટ્રોનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ લઈ એણે વિશ્વના અખબારજગતને સ્તબ્ધ કરી દીધું હતું.

જિના લોલોબ્રિગીડા ૧૯૯૭ પછી નિવૃત્ત જીવન ગાળે છે. રોમ અને મોન્ટેકાર્લોના તેના ભવ્ય વિલામાં કોઈનેય પ્રવેશ નથી. જિના લોલો ખુદ એક શિલ્પકાર છે. તેનું ઘર ભાતભાતનાં શિલ્પોનું સંગ્રહસ્થાન પણ છે. તેનાં ત્રણ પુસ્તકો જાણીતાં છે (૧) ‘ઇટાલિયન મિઆ’ કે જે તેણે લીધેલી ઇટાલીની તસવીરોનો સંગ્રહ છે. (૨) વન્ડર ઓફ ઇનોસન્સ : તે અન્ય ફોટોગ્રાફ્સનો સંગ્રહ છે (૩) ત્રીજું પુસ્તક ‘સ્કલ્પ્ચર ૨૦૦૩’ છે.

તે કહે છે : “લોકપ્રિયતાની એક ઊજળી બાજુ છે, તે ઘણાં દ્વાર ખોલી નાખે છે, પરંતુ બીજી વાસ્તવિકતા એ પણ છે કે, મને મારી લોકપ્રિયતા ગમતી નથી. લોકપ્રિયતા તમારી પ્રાઈવેટ લાઈફને સીમિત કરી દે છે. ‘૫૦ અને ‘૬૦ના વર્ષોમાં બનતી ફિલ્મો અને આજની ફિલ્મોમાં ઘણો ફરક છે.”

આવો ભવ્ય અને રોમાન્સસભર ભૂતકાળ ધરાવતી ઇટાલીની એક જમાનાની સૌંદર્ય સામ્રાજ્ઞાી હવે તેના પૂર્વ બોયફ્રેન્ડ જેવિયર સાથે બનાવટી લગ્નનું ફ્રોડ કરવા બદલ કોર્ટમાં જઈ રહી છે અને રોમની પોલીસ સમક્ષ ફરિયાદ પણ નોંધાવી દીધી છે. જિના કહે છે : “મારે ઘણા પ્રેમીઓ હતા. હજુ પણ છે. હું બહુ જ સ્પોઈલ્ડ લેડી છું. મારે ઘણા પ્રશંસકો પણ છે. અલબત્ત, મારે જે કરવું હોય તે હું કરું જ છું.”

યાદ રહે કે, જિના લોલોબ્રિગીડાની ઉંમર અત્યારે ૮૫ વર્ષની છે.

– દેવેન્દ્ર પટેલ

ખૂબસૂરત સ્ત્રીઓ સાથેનું ડેન્જરસ લાયેઝન

લગ્નબાહ્ય સંબંધોએ ઘણાં પબ્લિક ફિગરની કારકિર્દી રોળી નાખી

રાજકારણીઓના જીવનમાં જ્યારે લગ્ન બાહ્ય સંબંધો ધરાવતી સ્ત્રીઓ આવે છે ત્યારે તે ડેન્જરસ લાયેઝન બની જાય છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્હોન એફ. કેનેડીના જીવનમાં એ જમાનાની મશહૂર અભિનેત્રી મેરિલીન મનરોના પ્રવેશને કારણે કેનેડી પરિવાર માટે મોટું જોખમ ઊભું થઈ ગયું હતું. પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના જીવનમાં મોનિકા લેવેન્સ્કીના પ્રવેશને કારણે અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો અને બિલ ક્લિન્ટને માફી માગવી પડી હતી.

 

 

ડેવિડ પેટ્રીયાસ

થોડા મહિનાઓ પહેલાં અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા ડેવિડ પેટ્રીયાસના જીવનમાં તેમની જ બાયોગ્રાફી લખનાર પાઉલા બ્રેડવેલના પ્રવેશની માહિતી બહાર આવી જતાં તેમણે હોદ્દા પરથી રાજીનામું આપી દેવું પડયું છે. ડેવિડ સીઆઈએ(સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ એજન્સી)ના વડા હોઈ તેમની પાસે ઘણી સંવેદનશીલ માહિતી હતી અને તે કોઈ સ્ત્રીના આંખ-કાન સુધી પહોંચે તો સમગ્ર દેશ માટે જોખમ ઊભું થઈ શકે છે. ડેવિડ પેટ્રીયાસ હજુ વધુ ઊંચા હોદ્દા પર જઈ શક્યા હોત પણ તેમના પાઉલા બ્રેડવેલ સાથેના આડા સંબંધો બહાર આવી જતાં તેમની કારકિર્દી પર પાણી ફરી વળ્યું છે.

ગેરી હાર્ટ

એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે અનેક લોકોની કારકિર્દી રોળાઈ ગઈ હોય તેવાં અનેક ઉદાહરણો છે. ૧૯૮૭માં ગેરી હાર્ટને અમેરિકાના પ્રમુખપદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનાવવાનું નક્કી હતું, પરંતુ તેમણે મીડિયાને પડકાર ફેંક્યો કે મારા જીવન પર કોઈ ડાઘ હોય તો શોધી કાઢો. મીડિયાએ તેમનું લફરું શોધી કાઢયું અને ગેરી હાર્ટને પ્રમુખપદની ચૂંટણી લડવા ટિકિટ ન મળી. ગેરી હાર્ટની ડોના રાઈસ નામની સ્ત્રી સાથેની એક અજુગતી તસવીર મીડિયાએ શોધી કાઢી હતી.

જ્હોન એડવર્ડ

ગેરી હાર્ટ જેવું જ અમેરિકાના સેનેટર જ્હોન એડવર્ડની બાબતમાં થયું. તેમનાં પત્ની કેન્સરથી પીડાતાં હતાં અને કેન્સર છેલ્લા તબક્કામાં હતું. ૨૦૦૮માં તેઓ પણ અમેરિકાના પ્રમુખપદ માટે ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ માગી રહ્યા હતા. તેમને હિલી હંટર નામની એક ફિલ્મ નિર્માત્રી સાથે સંબંધ હતો અને તેમનાથી હિલીને બાળક પણ પેદા થયું હતું. એ વાત બહાર આવી જતાં ડેમોક્રેટિક પાર્ટીએ તેમને ટિકિટ આપવા ઇનકાર કરી દીધો. અને એ ટિકિટ બરાક ઓબામાને મળી.

સ્ટ્રોસ કાન

ફ્રાન્સને લાગેવળગે છે ત્યાં સુધી ફ્રેન્ચ લોકો તેમના રાજકારણીઓ ચાર દીવાલો વચ્ચે શું કરે છે તેની બહુ ચિંતા કરતા નથી, પરંતુ ફ્રેન્ચ નેતા સ્ટ્રોસ કાન બિચારા ફસાઈ ગયા. અમેરિકાની એક હોટેલમાં કામ કરતી ૩૨ વર્ષની નફિસા તોઉ નામની મહિલા નોકરે ફરિયાદ કરી કે સ્ટ્રોસે મારી સાથે છેડતી કરી છે અને સ્ટ્રોસ ફસાઈ ગયા. તેઓ ફ્રાન્સના પ્રમુખપદના ઉમેદવાર બનવાના હતા પણ હોટેલની મેઈડની ફરિયાદ બાદ તેઓ પણ પ્રમુખપદની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા.

સિલ્વિયો બર્લુસ્કોની

ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીનો કેસ સહેજ જુદો છે. ઈટાલીમાં ૧૮ વર્ષ કરતાં વધુ ઉંમરની સ્ત્રી પ્રોસ્ટિટયુટ સાથેના સંબંધો કાયદેસર ગણાય છે, પરંતુ સિલ્વિયા પર ૧૮ વર્ષ કરતાં ઓછી વયની યુવતી સાથે સેક્સ માણવાનો આરોપ થયો. તેમાં મોરોક્કોની નાઇટ ક્લબની કેમિની નામની એક ડાન્સર સાથેના સંબંધોની વાત બહાર આવી. સિલ્વિયાએ જાહેરજીવન છોડવું પડયું, પરંતુ ઇટાલિયનો તેમના નેતાના પાવરના પ્રશંસક રહ્યા છે.

રોબિન કુક

લંડન આડા સંબંધો માટે યુરોપનું કેપિટલ કહેવાય છે. ઘણા સંસદસભ્યો તેમના ઘરથી દૂર તેમની મહિલા સેક્રેટરીઓ સાથે સમય પસાર કરતા હોવાનું ભૂતકાળમાં જણાયું છે. ઇંગ્લેન્ડના પૂર્વ શ્રમમંત્રી રોબિન કુક તેમની મહિલા સેક્રેટરી ગેનોટ રેગન સાથે ક્યાંક સમય પસાર કરી રહ્યા હતા ત્યારે પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરના પ્રેસ સેક્રેટરી એલેસ્ટર કેમ્પબેલે રોબિન કુકનાં પત્ની માર્ગારેટ કુકને ફોન કરી એ માહિતી આપી દીધી હતી. એ પછી ઘરમાં મોટું તોફાન સર્જાયું હતું. લગ્ન તૂટી ગયું હતું અને માર્ગારેટ કુકે એક પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે મારો હસબન્ડ છ જેટલી પ્રેયસીઓ ધરાવતો હતો અને ખૂબ દારૂ પીતો હતો.

જ્હોન મેજર

૨૦૦૨માં બ્રિટનનાં એડવિના કેરી નામનાં એક મહિલા મંત્રીએ ‘ધી ટાઇમ્સ’માં એક શ્રેણી લખીને ખળભળાટ મચાવી દીધો હતો. તેમાં એડવિનાએ લખ્યું હતું કે ૧૯૮૪થી ૧૯૮૮ દરમિયાન મારે જ્હોન મેજર કે જેઓ પરણેલા હતા તેમની સાથે સંબંધો હતા. આ સમાચારથી આખા ઇંગ્લેન્ડમાં નવી જ પ્રકારની સનસનાટી પેદા થઈ, કારણ કે જ્હોન મેજર એક શુષ્ક વ્યક્તિ ગણાતા હતા પણ એડવિનાની કેફિયત બાદ જ્હોન મેજર રાતોરાત લોકપ્રિય થઈ ગયા અને માર્ગારેટ થેચર પછી જ્હોન મેજર બ્રિટનના વડાપ્રધાન બની ગયા. આમ, મેજરને લફરું ફળ્યું હતું!

જ્હોન પ્રોફ્યુમો

ઇંગ્લેન્ડ સેક્સ સ્કેન્ડલ માટે જૂનું અને જાણીતું બ્રાન્ડનેમ ધરાવે છે. ૧૯૬૩માં ઇંગ્લેન્ડમાં જ્હોન પ્રોફ્યુમો નામના સંરક્ષણ મંત્રી હતા. તેઓ હેરોલ્ડ મેકમિલન નામના વડાપ્રધાનની કેબિનેટના સભ્ય હતા. જ્હોન વેલેરી નામની ખૂબસૂરત અભિનેત્રી સાથે પરણેલા હતા. જ્હોન ઇંગ્લેન્ડના ડિફેન્સ મિનિસ્ટર હોવાને કારણે ઘણી સંવેદનશીલ માહિતી ધરાવતા હતા. વળી એ વખતે રશિયા ઘણું શક્તિશાળી હતું. જ્હોન એ જમાનાની મશહૂર કોલગર્લ ક્રિસ્ટાઇન કિલર સાથે સૂતેલા પકડાઈ ગયા હતા અને વાત બહાર આવી ગઈ હતી. મોટામાં મોટી સમસ્યા એ હતી કે ક્રિસ્ટાઈન કિલરને લંડન ખાતેની રશિયન એલચી કચેરીના એક રશિયન અધિકારી તથા બીજા એક ડ્રગ ડીલર સાથે પણ આડા સંબંધો હતા. આખું પ્રેમપ્રકરણ બહાર આવી જતાં જ્હોન પ્રોફ્યુમોએ ઇંગ્લેન્ડના ડિફેન્સ મિનિસ્ટર પદેથી રાજીનામું આપી દેવું પડયું હતું. શંકા એવી હતી કે રશિયા ક્રિસ્ટાઈન કિલરને જ્હોન સાથે સુવરાવીને ઇંગ્લેન્ડનાં ન્યૂક્લિઅર સિક્રેટની માહિતી કઢાવી રહ્યું હતું. ક્રિસ્ટાઈન કિલર અને જ્હોન લોર્ડ એસ્ટર નામના એક રાજકારણીના ભવ્ય નિવાસસ્થાનમાં મજા માણતાં હતાં. આ નિવાસસ્થાનમાં એક સ્વિમિંગ પુલ હતો અને તેમાં જ્હોન એકલા જ નહીં પણ પાકિસ્તાનના પૂર્વ ફીલ્ડમાર્શલ ઐયુબ ખાને પણ નગ્ન સ્ત્રીઓ સાથે છબછબિયાં કર્યા હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણ બહાર આવ્યા બાદ આખી મેકમિલન સરકારે રાજીનામું આપી દેવું પડયું હતું.

પામેલા સિંહ

આવો જ ખળભળાટ પામેલા સિંહે મચાવ્યો હતો. પામેલા ૧૮૮૮-૮૯ દરમિયાન ભારતમાં મિસ ઇન્ડિયા બની હતી. તે પછી તે ઇંગ્લેન્ડ ગઈ હતી. ત્યાં તે પામેલા બોર્ડેસ તરીકે જાણીતી હતી. એ વખતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કોલિન મોઈની હાન પાસેથી કેટલીક ફેવર મેળવી હતી. તેણે અખબારોના કેટલાક તંત્રીઓ પર પણ નજર માંડી હતી. તે ફ્રીલાન્સ કોલગર્લ તરીકે કામ કરતી હતી. તે એક રાતના ૫૦૦ પાઉન્ડ લેતી હતી.હમણાં હમણાં જ ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ નામના અખબારના તંત્રી રેબેકાના કેટલાક પોલિટિશિયનો સાથેના સંબંધો ચર્ચામાં આવી જતાં ઈંગ્લેન્ડની હાલની આખી સરકાર ધ્રૂજી ગઈ હતી.

જ્હોન ટેરી અને બીજા

ઈંગ્લેન્ડનો જાણીતો ફૂટબોલ કેપ્ટન જ્હોન ટેરી પણ જાણીતી મોડલ વનેસા પેરોન્સેલ સાથે આડા સંબંધો ધરાવતો હોવાની વાત બહાર આવી હતી. એ જ રીતે ૨૦૦૪માં ફારિયા આલમ નામની એક બંગલાદેશી યુવતી કે જે યુકે ફૂટબોલ એસોસિયેશનની સેક્રેટરી હતી. ફારિયા તેના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક પોલઓઈ અને તે પછી ઇંગ્લેન્ડના ફૂટબોલ મેનેજર સ્વેન ગોરાન એરિક્સન સાથે રાત ગાળી હતી. આ આખીયે ઘટના રૂપિયા ૨,૫૦,૦૦૦ પાઉન્ડમાં પબ્લિશ કરવા માટે ફારિયાએ એક પીઆર(પબ્લિક રીલેશન) એજન્સીને વેચી હતી.

હવે છેલ્લે છેલ્લે અમેરિકાની સીઆઈએના ડાયરેક્ટર ડેવિડ પેટ્રીયાસ આવા જ એકસ્ટ્રા મેરિટલ એફેરમાં ફસાયા છે. આ ઘટના ઈંગ્લેન્ડમાં બની હોત તો ડેવિડ પેટ્રીયાસની પ્રેયસી પાઉલા બ્રેડવેલ તેની સ્ટોરી કદાચ ‘કિસ એન્ડ ટેલ’ના નામે લાખો પાઉન્ડમાં વેચી શકી હોત પણ પાઉલા બ્રેડવેલ ડેવિડને સાચુકલો પ્રેમ કરે છે તેથી તે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. પાઉલા પ્રોફેશનલ નહીં પરંતુ સાચુકલી પ્રણયભગ્ન છે.

www.devendrapatel.in

એક બાજુ ક્રિકેટ મેચ ને બીજી બાજુ શાકુન્તલમ્


એલ.ડી. આર્ટ્સ કોલેજ. ૧૪ નંબરનો વર્ગખંડ.

૧૫૦ વિદ્યાર્થીઓને સમાવી શકાય એવા વર્ગખંડમાં ૩૦૦થી ૪૦૦ બીજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ બેસી ગયા હતા. કેટલાક ઊભા રહ્યા હતા. કેટલાક બારીઓમાં બેઠા હતા અને વર્ગમાં બીજી ફેકલ્ટીઓના અને બીજી કોલેજના વિદ્યાર્થીઓ પણ પ્રવેશી ગયા હતા. એલ.ડી.ની નજીક જ માત્ર ૧૦૦ મીટર દૂર આવેલી કોમર્સ કોલેજમાં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની મેચ ચાલતી હતી, પરંતુટાંકણી પડે તો યે સંભળાય એટલી શાંતિવાળા ખંડમાં વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચ જોવાનું છોડીને એક અધ્યાપકને સાંભળી રહ્યા હતા. શ્રોતાઓ મંત્રમુગ્ધ હતા.

આ ૧૯૬૦ના દાયકાની વાત છે. ભણાવનાર અધ્યાપક હતા પ્રાધ્યાપક એ. જી. ભટ્ટ એમને બધા ભટ્ટસાહેબ તરીકે જ ઓળખતા. ભટ્ટસાહેબ મહાકવિ કાલિદાસનું શાકુન્તલમ્ ભણાવી રહ્યા હતા. સંસ્કૃતના એ અધ્યાપક હતા. જેઓ ભટ્ટસાહેબની પાસે ભણ્યા છે તેઓ પણ આજે વૃદ્ધ થઈ ગયા છે. કેટલાક તો હયાત પણ નથી. એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કહે છે કે, મહાકવિ કાલિદાસના સાહિત્યમાં શાકુન્તલમ્નું અધ્યાયન અને અધ્યાપન કરાવનાર તેમના જેવો કોઈ પ્રાધ્યાપક હજી થયો નથી કે થશે નહીં. ન ભૂતો ન ભવિષ્યતિ. ભટ્ટસાહેબનું આખું નામ અનુપરામ ગોવિંદરામ ભટ્ટ હતું,પરંતુ તેઓ પ્રો. એ. જી. ભટ્ટના નામે જ જાણીતા હતા. તેમનો જન્મ તા. ૨૨-૮-૧૯૧૩ના રોજ અમદાવાદમાં થયો હતો. અમદાવાદની પ્રોપરાયટરી હાઈસ્કૂલમાં તેઓ ભણ્યા હતા. ત્યાર બાદ રાયપુરની સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત ભણ્યા. ગુજરાત કોલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ ૧૯૩૩માં એમ.એ.માં સંસ્કૃત વ્યાકરણના વિષયમાં ડો. ભંડારકર પ્રાઈઝ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ એક વિરલ ગુજરાતી હતા. ૧૯૩૭માં આનંદશંકર ધ્રુવે તેમની નિમણૂક એલ.ડી. આર્ટ્સ કોલેજમાં કરી હતી. માત્ર ૧૮ વર્ષની ઉંમરે સંસ્કૃતની વકતૃત્વ સ્પર્ધામાં સતત અડધો કલાક પ્રવચન કરીને તેમણે વિદ્વાનોને પણ ચકિત કરી દીધા હતા.

તેઓ આઝાદી પહેલાં જન્મ્યા હતા અને આઝાદી પછી પણ ભણાવતા રહ્યા હતા. આછા બદામી રંગનો કોટ, સફેદ પેન્ટ, ટાઈ, કાળી ટોપી અને બુટથી સજ્જ ભટ્ટસાહેબે સતત ૩૭ વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું ત્યાં સુધીમાં એ એક જ એવા શિક્ષક હતા કે જેમને સાંભળવા વિદ્યાર્થીઓ બારીની બહાર પણ ઊભા રહેતા. વિજ્ઞાનની કોલેજના વિદ્યાર્થીઓને પણ તેમનું આકર્ષણ રહેતું. મા સરસ્વતી એમની જીભ પર રહેતાં. બીજી કોલેજના વિદ્યાર્થીઓ પણ ભટ્ટસાહેબના વર્ગખંડમાં આવીને બેસી જતા. કેટલાક તેમને શ્વેત વસ્ત્રોમાં રહેલા સર્વસંકલ્પ ત્યાગી, સંન્યાસી એવા સંત સમજતા. કેટલાક તેમને નચિકેતા જેવા ત્યાગી, જનક વિદેહી જેવા નિસ્પૃહ અને જીવનમાં નિષ્કામ જ્ઞાનયજ્ઞા ચરિતાર્થ કરનાર નિત્ય અધ્યાત્મયોગી તરીકે ઓળખતા.

એલ.ડી. આર્ટ્સ કોલેજમાં એ વખતે એમના સમકાલીન પ્રો. રામચંદ્ર આઠવલે, પ્રો. ફિરોઝ દાવર જેવા અંગ્રેજીના પ્રાધ્યાપકો હતા. ભટ્ટસાહેબના ગૌરવશાળી વિદ્યાર્થીઓમાં સંસ્કૃતના વિદ્વાનો તરીકે જેમની ગણના થાય છે તેવા ડો. ભગવતીપ્રસાદ પંડયા, વિષ્ણુદેવ પંડિત, એસ. વી. દેસાઈ, તપસ્વી નાન્દી, એમ. ડી. ભટ્ટ, સી. એલ. શાસ્ત્રી, સાહિત્યકારો કવિરાજ રાજેન્દ્ર શુક્લ, ઋષિરાજ અગ્નિહોત્રી, પ્રો. નિરંજન ભગત, એસ. આર. ભટ્ટ, ગૌતમ પટેલ, પ્રિયકાંત મણિયારથી માંડીને પ્રો. પી. જી. માવળંકર જેવાઓનો પણ સમાવેશ થાય છે.

સંસ્કૃતમાં મહાકવિ કાલિદાસ એક ચરમસીમા છે. કહેવાય છે કે, કાલિદાસે શાકુન્તલમ્ લખ્યા પછી બીજું કાંઈ પણ ના લખ્યું હોત તો પણ તેઓ મહાકવિ કહેવાત. કાલિદાસે આપેલી ઉપમાઓનો કોઈ જોટો નથી. કાલિદાસની ઉપમા વિશે ભટ્ટસાહેબને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “કાલિદાસની ઉપમા ઘટાટોપ આમ્રવૃક્ષ પર છવાઈ ગયેલી આમ્રમંજરી જેવી છે. જ્યારે વાલ્મિકીની ઉપમા આમ્રવૃક્ષ પર છૂટીછવાઈ આમ્રમંજરી જેવી છે.”

કાલિદાસને તેઓ ભારતીય સંસ્કૃતિનું સમીકરણ કહેતા. તેઓ કહેતા : ‘શાકુન્તલમ્’ની રચનામાં દૈવનું પ્રાધાન્ય એ જ નાટકનો મુખ્ય ધ્વનિ છે. શકુન્તલા રાજા દુષ્યંતની પ્રેયસી બની, પત્ની બની, તિરસ્કૃત થઈ અને મહારાણી બની અને છેવટે સૂર્ય જેવા પુત્ર ભરતની માતા બની ‘દૈવ’ આધીન જ હતું. શકુન્તલાનો પુત્ર ભરત કે જેના નામ પરથી આજે આ દેશ ‘ભારત’ તરીકે ઓળખાયો- એ મહાકાવ્ય પર ભટ્ટસાહેબની મીમાંસા જેમણે સાંભળી છે તેઓ જિંદગીભર ભૂલી શકે તેમ નથી. તેઓ કહેતા : “કાલિદાસને માપવા માટે આજના વિવેચકોનો ગજ ટૂંકો પડે તેમ છે.” દર્શનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હોય તો જ શાકુન્તલ સમજી શકે. ભટ્ટસાહેબની ખૂબી એ હતી કે, વિદ્યાને તેઓ કદી વેચતા નહીં. વિદ્યાર્થીને ઘરે બોલાવીને ટયૂશન કરવાના બદલે કોલેજમાં વધારાના વર્ગો ગોઠવી, રજાના દિવસે વર્ગો ગોઠવી અભ્યાસક્રમ પૂર્ણ કરતા. શીખવતી વખતે સસ્તું મનોરંજન કે વિષયાંતરની વાત જ નહીં. તેઓ કહેતા : “અઘરામાં અઘરી વાતને સહેલી બનાવવી જોઈએ. સરળ વાતને અઘરી બનાવવાનો કોઈ અર્થ નથી.”

ભટ્ટસાહેબ મુંબઈ યુનિવર્સિટીનું ભંડારકર પ્રાઈઝ મેળવનાર એકમાત્ર ગુજરાતી હતા. એમના એક વિદ્યાર્થી ગૌતમ પટેલને અધ્યાપક તરીકે સેન્ટ ઝેવિયર્સમાં નિમણૂક મળી. તેઓ તેમના ગુરુ પાસે આશીર્વાદ લેવા ગયા. ભટ્ટસાહેબે કહ્યું : “જુઓ, ગૌતમ ! એક શિક્ષક અને બીજો ન્યાયાધીશનો વ્યવસાય એવો છે કે એમાં એ પોતે ધારે તો જ નીચો પડી શકે. બીજું તમારા અને તમારા વિદ્યાર્થી વચ્ચેનું અંતર તે તમારા વિષયનું જ્ઞાન. વિદ્યાર્થીને પ્રતીતિ થશે કે તમે તમારો વિષય સારી રીતે જાણો છો તો તે તમને માન આપશે, નહીં તો નહીં.. અને છેલ્લે જ્ઞાનનું પોટલું માથે લઈને ક્યારેય ફરશો નહીં. હું જ્ઞાની છું, મને બધું આવડે છે એવું અભિમાન ક્યારેય કરશો નહીં. આજીવન વિદ્યાર્થી રહેજો… જાવ – શુભમ્ ભવતુ.”

પ્રો. એ. જી. ભટ્ટ જ્યોતિષશાસ્ત્રના જાણકાર હતા. કહેવાય છે કે, તેમણે આ વિદ્યા વેચી હોત તો તેમના ઘરે ચાર-પાંચ ગાડીઓ ફરતી હોત. જ્યોતિષ તેઓ જાણતા હતા, પરંતુ જ્ઞાનનો વિનિયોગ તો મુક્તિ માટે જ હોય છે તેવું તેમનું દૃઢ મંતવ્ય હતું. તેઓ કથાકાર બન્યા હોત તો લાખોની મેદનીને મંત્રમુગ્ધ કરી મોરારિબાપુને ભૂલાવી દેત. ભટ્ટસાહેબ અમદાવાદમાં રાયપુરમાં હનુમાનવાળી પોળમાં રહેતા. સાંજે તેઓ હીંચકા પર બેઠા હોય અને એ સમયે સાક્ષરોનો મેળો જામે. પ્રો. નિરંજન ભગત, એસ. આર. ભટ્ટ, પ્રા. રણધીરભાઈ, પ્રા. બ્રહ્મા પણ હોય. એમનું નિવાસસ્થાન જ શિક્ષણનું સંસ્કારધામ હોય એવું લાગે. ભટ્ટસાહેબ બહારથી નિર્ભય એવા અંદરથી પ્રામાણિક હતા. રાયપુર-ખાડિયામાં વારેવારે તોફાનો થતાં હોઈ તેઓ મકાન વેચવા મિત્રોની સમજાવટથી સંમત થયા, પરંતુ શરત એ મૂકી કે, “હું રોકડા નહીં, ચેકથી જ પૈસા લઈશ.” કાળાં નાણાંના વિરોધી ભટ્ટસાહેબ પાસે મકાન લેવા લોકો બહુ આવે, પણ તેઓ રોકડા લેવાની ના પાડે. ચેકના આગ્રહના કારણે એ મકાન છેવટે સાવ સસ્તામાં ગયું. આર્િથક નુકસાન વેઠીને પણ તેમણે પ્રામાણિકતા જતી ના કરી.

પ્રસિદ્ધિ અને પ્રશંસા તેમને ગમતાં નહોતાં. એકવાર ભટ્ટસાહેબના પિતા પુત્રનું કોઈ સમારંભમાં પ્રવચન ગોઠવીને આવ્યા. પ્રો. એ. જી. ભટ્ટને જાણ થઈ એટલે એમણે કહ્યું : “બાપા મારે ભાષણ કરવા જવાનું નથી.”

પુત્ર ના માનતા છેવટે એમના પિતા ગોવિંદરામ ભટ્ટને માથે ફેંટો બાંધી ભાષણ કરવા જવું પડયું હતું. દિલ્હીમાં યોજાયેલા સન્માન સમારંભમાં જવાનું નકારીને તેમણે કહ્યું હતું કે, “આ પ્રકારના સન્માન સમારંભોથી મારામાં શું ફરક પડવાનો છે ?”

તેઓ કહેતા : “અભિમાન એટલે સૂરાપાન, ગૌરવ એટલે ઘોર રૌરવ અને પ્રતિષ્ઠા એટલે સૂકરી વિષ્ટા. ડાહ્યા માણસે અભિમાન,ગૌરવ અને પ્રતિષ્ઠાનો ત્યાગ કરવો જોઈએ. ઝેરી ભોજનની જેમ સન્માનથી પણ ડાહ્યા માણસે દૂર રહેવું જોઈએ.”

એમના વિદ્યાર્થીઓ પાછળથી અધ્યાપક કે લેખક બન્યા ત્યારે તેમનું પુસ્તક પ્રગટ થાય તો પુસ્તક પહેલાં ભટ્ટસાહેબના ચરણોમાં મૂકતા. ભટ્ટસાહેબે શરૂઆતમાં યુનિવર્સિટી માટે પરીક્ષક તરીકેનું કામ કર્યું હતું, પરંતુ જ્યાં સુધી તેઓ પ્રાશ્નિક રહ્યા ત્યાં સુધી તેમનું પ્રશ્નપત્ર સરળ રહેતું. તેઓ કહેતા હતા : “આપણે વિદ્યાર્થીઓના અજ્ઞાનની નહીં, પરંતુ જ્ઞાનની કસોટી કરવાની છે.”

વિદ્યાચ્યાંસાંગી હોવાના કારણે રાતના ૧૨ વાગ્યા સુધી લેખકો અને વિદ્વાનોથી તેમનું ઘર ઊભરાતું. કવિઓ, લેખકો તેમની કૃતિઓ ભટ્ટસાહેબ સમક્ષ રજૂ કરતા ગૌરવ અનુભવતા. ભટ્ટસાહેબ કદીક રમૂજી વાતો પણ કરતા. તેમણે એકવાર તેમના પિતા ગોવિંદરામ ભટ્ટનો પ્રસંગ કહ્યો હતો. એ વખતે એટલે કે આઝાદી પહેલાં અમદાવાદની પ્રોપરાયટરી હાઈસ્કૂલ (આજની દીવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ)માં ભટ્ટસાહેબના પિતા ગોવિંદરામ ભટ્ટ શિક્ષક હતા. એકવાર એક અંગ્રેજ શિક્ષણાધિકારી સંકુલમાં ઇન્સ્પેક્શન માટે આવ્યા. બધા શિક્ષકોએ તેમના પ્રશ્નોની રજૂઆત માટે ગોવિંદરામ ભટ્ટને કામ સોંપ્યું. અંગ્રેજ શિક્ષણાધિકારી તુંડમિજાજી હતો. ગોવિંદરામ ભટ્ટે અંગ્રેજ અધિકારી જે રૂમમાં બેઠા હતા તે રૂમમાં પ્રવેશતાં જ ગોવિંદરામ ભટ્ટે બે હાથ જોડી નમ્રતાથી બોલવાની શરૂઆત કરી : “સાહેબ, આપ દયાના સાગર છો.”

તેઓ કાંઈ આગળ બોલે તે પહેલાં પેલો રોફવાળો અંગ્રેજ અધિકારી બોલ્યો : “હું સાગર બાગર નથી.”

આ સાંભળીને સહેજ પણ વાર થંભ્યા વગર ગો
વિંદરામ ભટ્ટ બોલ્યા : “તો ખાબોચિયાને મારા નમસ્કાર.”

અંગ્રેજ અધિકારી સડક થઈ ગયો અને એણે તરત જ રૂઆબ છોડી દીધો. ભટ્ટસાહેબ કદીક આવી રમૂજી વાતો પણ સંભળાવતા. આવા ભટ્ટસાહેબે ૩૭ વર્ષ સુધી અધ્યાપક તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા અને તા. ૬-૧૧-૧૯૮૭ના રોજ ૭૫ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. તેમના મૃત્યુને આજે વર્ષો થયા, પરંતુ વિદ્વાન વિદ્યાર્થીઓની એક ગેલેક્સી ઊભી કરનાર ભટ્ટસાહેબને આજેય સાહિત્ય અને સંસ્કૃત ભાષાના પ્રેમીઓ યાદ કરે છે.

એક અધ્યાપક કેવો હોવો જોઈએ ? પ્રો. એ. જી. ભટ્ટ એક આદર્શ-ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

રાહુલ ગાંધી-Test of Poison?

કોંગ્રેસ પક્ષે જયપુરમાં યોજેલી ચિંતન શિબિરનું તમામ ચિંતન નબળી પડી રહેલી કોંગ્રેસના નવા નેતાની ખોજમાં લગાવી દીધું અને રાહુલ ગાંધીને પક્ષના રાષ્ટ્રીય ઉપપ્રમુખ જાહેર કરી દીધા. અલબત્ત, રાહુલ ગાંધીને જાણે નંબર -૨ જાહેર કર્યા, પરંતુ હકીકતમાં પક્ષના નિર્ણયોમાં નંબર -૧ જેવા જ રહેશે. રાહુલ ગાંધી હવે પક્ષમાં કેટલી ઊર્જાનો સંચાર કરી શકશે એ તો આવનારો સમય જ કહેશે,પરંતુ હાલ તો ૧૨૭ વર્ષ પુરાણી કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ ૪૩ વર્ષના યુવા નેતાના હાથમાં સોંપાઈ ગયું છે.

આમ જોવા જઈએ તો આ એક પ્રકારનું સોનિયા ગાંધી પાસેથી રાહુલ ગાંધી તરફ સત્તાનું હસ્તાંતરણ છે. રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી ૮ વર્ષ જૂની છે. હવે કોંગ્રેસ પાર્ટીમાં તેમનો અવાજ હુકમ બની જશે.

ટેસ્ટ ઓફ પોઇઝન

રાહુલ ગાંધીના વ્યક્તિત્વને સમજવા માટે ભારે માનસિક કવાયત કરવી પડે તેમ છે. ઘણા તેમને ‘રિલક્ટન્ટ લીડર’ અર્થાત્ અનિચ્છા ધરાવતા નેતા સમજે છે. કોંગ્રેસમાં નંબર -૨ નો હવાલો સંભાળતા પહેલાં તેમણે લાંબો સમય લીધો છે. શરમાળ પ્રકૃતિ ધરાવતા રાહુલ ગાંધી એ વાત સારી રીત સમજે છે કે કોંગ્રેસની કમાન હાથમાં લેવી તેનો મતલબ છે કે યુપીએની બહુમતી આવે તો વડાપ્રધાન પદની જવાબદારી પણ સંભાળવી અને વડાપ્રધાન બનવું એટલે સુરંગો પર ચાલવું. નહેરુ-ગાંધી પરિવાર ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને આતંકવાદીઓના હાથે ગુમાવી ચૂક્યાં છે અને તેથી જ કોંગ્રેસમાં નંબર -૨ નો હવાલો સોંપ્યા બાદ સોનિયા ગાંધી રાહુલ ગાંધીના ઓરડામાં ગયાં હતાં. ખુદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મારી મા ડરી ગયેલાં હતાં. મારા રૂમમાં આવીને રડવા લાગ્યાં હતાં. મારી મા અનુભવોથી જાણતાં હતાં કે સત્તા એક ઝેર છે. મારાં દાદી જે સુરક્ષા કર્મચારીઓ સાથે બેડમિંટન રમતાં હતાં તે લોકોએ જ મારાં દાદીને મારી નાંખ્યાં.’

સોનિયા ગાંધી જાણે છે કે અમેરિકાના કેનેડી પરિવાર અને પાકિસ્તાનના ભુટ્ટો પરિવારની જેમ ભારતના નહેરુ-ગાંધી પરિવાર પર એક અભિશાપ છે અને એ ડરથી જ રાહુલ ગાંધી એક ‘રિલક્ટન્ટ લીડર’ રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે રાહુલ ગાંધી ઓછું બોલે છે, પરંતુ સત્તા માટે વલખાં મારતાં હોય એવું ક્યારેય દેખાયું નથી. જલદી વડાપ્રધાન બની જવાની મહત્ત્વાકાંક્ષા કદીયે દેખાઈ નથી. આખી કોંગ્રેસ ઇચ્છતી હતી કે રાહુલ ગાંધી જલદી જવાબદારી સંભાળી લે, પણ રાહુલ ગાંધી એ બધાને લાંબો ઇંતજાર કરાવ્યા પછી કોઈ એક ચોક્કસ નિર્ણય પર આવ્યા છે. રાહુલ ગાંધીએ ઇચ્છયું હોત તો તેઓ યુપીએ-૨ સરકારમાં જ વડાપ્રધાન બની શક્યા હોત અને સોનિયા ગાંધી ચાહતાં હોત તો

યુપીએ-૧ સરકારમાં તેઓ ખુદ વડાપ્રધાન બની શક્યાં હોત. સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદની ખુરશી ઠુકરાવીને સત્તા માટે વલખાં મારતાં એલ. કે. અડવાણીથી માંડીને વિપક્ષોના અનેક આગેવાનોને ચૂપ કરી દીધા હતા. રાહુલ ગાંધીએ પણ ડો. મનમોહનસિંહની સરકારમાં મંત્રી બનવાનો ઇન્કાર કરીને એ પરંપરા જાળવી રાખી છે, પરંતુ કોંગ્રેસના ભારે દબાણ બાદ તેઓ હવે ઝૂક્યા છે, પણ એ વાત મનમાં બરાબર સમજી લઈને કે સત્તા એ ઝેર છે. આવી કડવી વાસ્તવિકતા આ દેશના બીજા નેતાઓ કદી ઉચ્ચારી શકશે નહીં. વિપક્ષી નેતાઓના મોંમાંથી સત્તાની મધલાળ ટપકે છે ત્યારે સત્તાને ઝેર કહેવું એ ઇતિહાસનાં દુઃસ્વપ્નોની યાદ તાજી કરાવે છે.

રાહુલ સામે પડકારો

રાહુલ ગાંધીની સૌથી મોટી કસોટી ૨૦૧૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓ હશે. તેમની સામે જે પડકારો છે તેમાં ભ્રષ્ટાચાર,મોંઘવારી, ફુગાવો, પેટ્રોલ, ડીઝલ અને રસોઈગેસના ભાવ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, બેરોજગારી મુખ્ય છે. દેશનું પાટનગર દિલ્હી સૌથી વધુ અસલામત છે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસની પરંપરાગત વોટબેંક દલિતો, ગરીબો, શ્રમજીવીઓ, પછાત વર્ગો, આદિવાસીઓ અને લઘુમતી કોમ છે. આ વોટબેંકોમાં માયાવતી, મુલાયમ, લાલુ યાદવ, નીતીશકુમાર જેવા નેતાઓ ભાગ પડાવી રહ્યા છે. દેશનો મધ્યમવર્ગ ભાજપા સાથે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મધ્યમવર્ગે જ નરેન્દ્ર મોદીના હાથમાં ફરી સત્તા સોંપી છે. કોંગ્રેસે મધ્યમવર્ગને રાજી કરવા નવેસરથી વિચારવું પડશે. અલબત્ત, રાહુલ ગાંધીની પ્રોટેક્નોલોજી અને ઉદારીકરણની નીતિવાળી ઇમેજ તેમને મધ્યમવર્ગમાં સ્વીકાર્યતા અપાવી શકે છે, પરંતુ તેમના સલાહકારોએ માત્ર કમ્પ્યુટરની સ્ક્રીન સામે બેસી વ્યૂહરચના નક્કી કરવાના બદલે કેટલી ભૂમિગત વાસ્તવિકતાઓનો અભ્યાસ કરવો પડશે.

પ્લસ પોઇન્ટ

રાહુલ ગાંધીના પ્લસ પોઇન્ટ્સનો વિચાર કરવો હોય તો એમ કહી શકાય કે તેઓ યુવાન છે. તે તેમનો પ્લસ પોઇન્ટ છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળ બે ટર્મથી યુપીએ સત્તા પર હોવા છતાં રાહુલ ગાંધીની છબિ પર કોઈ ડાઘ નથી. તેમને સત્તાની ગલીયારોની રાજનીતિ કરતાં પક્ષના સંગઠનમાં વધુ રસ છે. તેમણે પહેલી જ વાર યુવક કોંગ્રેસમાં લોકશાહી સ્થાપિત કરી અને સંગઠનમાં ચૂંટણીઓ લાવ્યા. રાહુલ ગાંધી ચીલાચાલુ પરંપરા કરતાં દરેક બાબતમાં પરિવર્તનની તરફેણ કરે છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં કોંગ્રેસની જીતની શક્યતાઓ નહિવત્ છે તે વાત જાણતા હોવા છતાં તેમણે પૂરી તાકાતથી શરમાયા વગર સામનો કર્યો અને એક ફાઇટર તરીકે કાર્ય કર્યું. રાહુલ ગાંધીનો બીજો એક પ્લસ પોઇન્ટ કોઈને ગમે કે ના ગમે પણ તેઓ ગાંધી – નહેરુ પરિવારના વારસ છે તે પણ છે. દેશમાં એક એવો મોટો વર્ગ છે કે જે હજુ પણ નહેરુ અને ઇન્દિરા ગાંધીના પરિવારનો ચાહક છે.

માઇનસ પોઇન્ટ

નહેરુ-ગાંધી પરિવારના વારસ હોવું તે જે રીતે પ્લસ પોઇન્ટ છે તે રીતે વિરોધ પક્ષ તેમના પર વંશવાદનો આરોપ મૂકી તેમની વિરુદ્ધ પ્રચાર અભિયાન ચલાવી શકે છે. તેમનો બીજો માઇનસ પોઇન્ટ એ છે કે તેઓ રિલક્ટન્ટ લીડર કહેવાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે બોલવામાં આકરા છે, પણ પ્રકૃતિથી શરમાળ છે. તેઓ કોઈ પણ બાબત કે સમસ્યા પર જલદી તેમના વિચારો પ્રગટ કરતા નથી. જલદી નેતૃત્વ લેતા નથી. અણ્ણા હજારેના લોકપાલ બિલના આંદોલન વખતે તેઓ માત્ર એક જ વાર લોકસભામાં બોલ્યા, તે પછી તેઓ મૌન થઈ ગયા. તે વખતે તેમણે પહેલી તક ગુમાવી ત્યાર પછી દિલ્હીમાં પેરામેડિકલની એક વિદ્યાર્થિની પર ગેંગરેપ થયો અને એ વખતે આખા દેશમાં સ્વયંભૂ જનાક્રોશ ફાટી નીકળ્યો ત્યારે પણ તેઓ મૌન રહ્યા. દેશના વડાપ્રધાન પદના ઉમેદવાર ગેંગરેપ સામે કેવો કાનૂન લાવવા માંગે છે તે જાણવામાં આખા દેશને રસ હતો. લોકજુવાળનું તેમણે નેતૃત્વ લેવાની જરૂર હતી. તેઓ પીડિત પરિવારોના હમદર્દ બનીને બહાર આવી હીરો બની જાત, પણ એ તક પણ તેમણે ગુમાવી દીધી. હજુ તેમની પાસે એક વર્ષ છે. રાહુલ ગાંધીએ તેમની શરમાળ પ્રકૃતિમાંથી બહાર આવવું પડશે. રાહુલ ગાંધીનો ત્રીજો માઇનસ પોઇન્ટ એ છે કે તેઓ જબરદસ્ત અને કુશળ વક્તા નથી. અત્યારે લોકો શ્રેષ્ઠ વક્તાને શ્રેષ્ઠ લીડર માની લે છે. અલબત્ત,બધા જ કેસોમાં એ સાચું નથી. દા.ત., જવાહરલાલ નહેરુ લાખો લોકોને મંત્રમુગ્ધ કરી દેનાર શ્રેષ્ઠ વક્તા હતા ઇન્દિરા ગાંધી મોટા ગજાના વક્તા નહોતાં, પણ તેમના લોકોના રાષ્ટ્રીયકરણ, રાજાઓના સાલિયાણાંની નાબૂદી અને પાકિસ્તાન સામેના યુદ્ધથી માંડીને પ્રાદ્યોગિક, અણુધડાકો કરવાના નિર્ણયોથી લોકપ્રિય હતાં. રાજીવ ગાંધી પણ શ્રેષ્ઠ વક્તા નહોતા, પરંતુ તેમની સાદગી, સરળતા, મોહક વ્યક્તિત્વ અને સ્વચ્છ ઇમેજના કારણે લોકપ્રિય હતા. રાહુલ ગાંધીએ આ બધામાંથી કાંઈક પસંદ કરવું પડશે.

ઓપોર્ચ્યુનિટીઝ

રાહુલ ગાંધી પાસે બાજી જીતવાની તકો પણ છે. એક તો તેમની સામે જે વિરોધ પક્ષ છે તે વિભાજિત છે. દા.ત., બિહારમાં એન.ડી.એ.ના સહયોગી નીતીશકુમારને ભાજપાથી નારાજ થવાનાં કારણો છે. રાહુલ ગાંધી માટે એક તક એ છે કે ભાજપાની સાંપ્રદાયિક નીતિ સામે બિન સાંપ્રદાયિક ગઠબંધનમાં તેમની સાથે રહી શકે છે. દા.ત., ૨૦૧૪ની ચૂંટણીઓમાં ભાજપાને સત્તા પર આવતું રોકવા માટે લાલુ, મુલાયમ, માયાવતી, નીતીશકુમારથી માંડીને ડાબેરીઓ પણ કોંગ્રેસને સાથ આપી શકે છે. એ જ રીતે આર્થિક નીતિઓમાં ઉદારીકરણના કારણે શેરબજાર ખુશ છે. તેનો લાભ પણ તેમને મળી શકે છે.

કેટલાંક જોખમો

રાહુલ ગાંધી સામેનો સૌથી મોટો ખતરો નરેન્દ્ર મોદી હશે. ૨૦૧૪ની ચૂંટણીઓમાં રાહુલ ગાંધીએ ભાજપાના ભાવિ વડાપ્રધાન તરીકેના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે લડવાનું હશે. નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અને પ્રહારમાં આક્રમક છે. અલબત્ત, યુપી અને બિહાર જેવાં રાજ્યોમાં કે જ્યાં મુસ્લિમોની વસ્તી ઘણી મોટી છે ત્યાં નરેન્દ્ર મોદીની કટ્ટર હિન્દુત્વની છબિ ભાજપાને ફાયદો કરાવશે કે વિપક્ષોને તે અત્યારથી કહેવું મુશ્કેલ છે.

મોદીનો હાઈટેક પ્રચાર અને થ્રીડી ટેક્નોલોજી દ્વારા થનારો પ્રચાર વધુ આક્રમક અને પ્રોફેશનલ હશે. એ જ રીતે બે ટર્મથી યુપીએ સરકાર કેન્દ્રમાં સત્તા પર છે, તેથી એન્ટિ ઇન્કમ્બન્સી ફેક્ટર પણ રાહુલ ગાંધી માટે એક ખતરો સાબિત થઈ શકે છે. ખેર, એ જે હોય તે, પરંતુ રાહુલ ગાંધીને હવે નંબર-૨ ના નામે ૨૦૧૪ની ચૂંટણીઓનું જે રીતે નેતૃત્વ સોંપવામાં આવી રહ્યું છે તે જોતાં કોંગ્રેસ પાર્ટીમાં તો ઉત્સાહનો સંચાર થયો જ છે. રાહુલ ગાંધીએ જે રીતે ભાવુક થઈને જયપુરમાં પ્રવચન કર્યું તે ઘણાંને સ્પર્શી ગયું. પક્ષમાં અને લોકોમાં જગાવેલી આ ભાવનાઓ ૨૦૧૪માં કેટલી કારગત નીવડે છે તે આવનારો સમય જ કહેશે.

Powered by WordPress & Theme by Anders Norén