Devendra Patel

Journalist and Author

Month: June 2014 (Page 1 of 3)

રાતના અંધારામાં યુવાન વિધવા તેમની સામે એકલી ઊભી હતી

બાવન વર્ષની વયના પ્રદીપ ગુપ્તા સેકટર-૭, રોહિણી,દિલ્હી ખાતે રહેતા હતા. તેઓ પરિણીત હતા. પત્ની અને બે પુત્રો સાથે સુંદર જિંદગી બસર કરતા હતા. તેઓ માર્બલનો ધંધો કરતા હતા. ખાધે પીધે સુખી હતા. મતોલપુરી પથ્થર માર્કેટમાં માર્બલની દુકાન હતી.

તેમની દુકાનમાં ઇન્દ્રજીત નામનો નોકર હતો તે તેની ૩૨ વર્ષની સુંદર પત્ની સાથે દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતોે હતો. આખો દિવસ પ્રદીપ ગુપ્તાની દુકાનમાં કામ કર્યા બાદ રાતે ઝૂંપડી પર જતો. અંધારુ થતાં જ દેશી દારૂની પોટલી પી જતો. ખાતો ઓછું અને પીતો વધુ. શરૂઆતમાં બેઉનંુ દામ્પત્ય જીવન સુમધુર રહ્યુ પરંતુ પાછળથી પરિણામ એ આવ્યું કે એક દિવસ તેને ખબર પડી કે તે હવે ગર્ભવતી છે, પરંતુ તેની નજર સમક્ષ જ ઇન્દ્રજીત ગંભીર રીતે બીમાર પડયો. એક દિવસ લીવરની ગંભીર બીમારીથી તે મૃત્યુ પામ્યો.

પત્ની સરોજ ભરયુવાનીમાં વિધવા થઇ. એના ઉદરમાં હજુ એક માસનો ગર્ભ હતો. જેમ તેમ કરીને સરોજે પતિની અંતિમ ક્રિયા કરાવી. પતિના શેઠ પ્રદીપ ગુપ્તાએ થોડી ઘણી મદદ પણ કરી. એ પછી ભલમનસાઇથી પ્રદીપ ગુપ્તાએ વિધવા થયેલી સરોજને ઘર ખર્ચ માટે પૈસા પણ મોકલ્યા. પ્રદીપ ગુપ્તાએ કહ્યું “સરોજ! તું ચિંતા કરતી નહીં. તારી બીજી વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી હું તારું ઘર ખર્ચ ઉઠાવીશ, પરંતુ બે-ત્રણ મહિના બાદ તું તારા કામધંધાનું કે પિયર જવાનું વિચારી લેજે.”

સરોજે કહ્યું, “પ્રદીપ શેઠ! તમે તો મારા મતે ભગવાન થઇને ઉતર્યા છો, તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.”

“હું ભગવાન નથી, માણસ છું અને માણસાઇ માટે આ કરું છું.”

પ્રદીપ ગુપ્તાને હતું કે, બે-ચાર મહિના બાદ સરોજ પોતાની આજીવિકાની વ્યવસ્થા કરી લેશે. પરંતુ સરોજે કોઇ આજીવિકા શોધી નહીં અથવા મળી નહીં. કાયમ માટે એને સરોજનું ખર્ચ ઉઠાવવું પોસાય તેમ નહોતું. એણે સરોજને સમજાવ્યું કે, તેણે હવે પિયર ચાલ્યા જવું જોઇએ, પરંતુ સરોજે કહ્યું : “મારા માતા પિતા જ એટલા ગરીબ છે કે હું તેમના માટે બોજ બનવા માંગતી નથી.”

“તો નોકરી શોધી લે.” પ્રદીપ ગુપ્તાએ કહ્યું

“એ માટે પણ પ્રયાસ કરું જ છું.” સરોજે કહ્યું.

પ્રદીપ ગુપ્તાનો ધંધો હમણાં મંદો હતો. એક દિવસ સરોજ બે હાથ જોડીને તેમની સામે ઊભી રહી : “શેઠ! ઘરમાં અનાજ નથી. સ્ટવ માટે કેરોસીન નથી. થોડી મદદ કરો.”

પ્રદીપ ગુપ્તાએ કહ્યું : “સરોજ! હમણાં મંદી ચાલે છે. મારે પણ બૈરું છોકરાં છે. તું મારી આગળ હાથ લંબાવવાનુ છોડી દે.”

“હું ક્યાં જાઉં શેઠ?” સરોજ બોલી : “મને જેવું કામ મળશે એટલે હું નહીં આવું.”

પ્રદીપ ગુપ્તાએ ફરી એને બે હજાર રૂપિયાની મદદ કરી. સરોજ તેમના પગે પડી જતી રહી.

એક દિવસ રાત્રે આઠ વાગે ફરી સરોજ પૈસા માંગવા પ્રદીપ ગુપ્તા પાસે પહોંચી. એ વખતે પ્રદીપ ગુપ્તા એકલા દુકાનમાં હતા. શટર અડધું પાડેલું હતું. બહાર કંપાઉન્ડમાં માર્બલ ગોઠવેલા હતા. બહાર પણ અંધારુ હતું. પ્રદીપ ગુપ્તા દિવસભરનો થાક ઉતારવા એકલા બેઠા બેઠા વ્હિસ્કી પી રહ્યા હતા. એ કારણથી બહારની બત્તી બંધ કરી દીધી હતી. બરાબર એ વખતે જ સરોજ અડધા ખૂલેલા શટરને ખટખટાવી રહી. એણે બહારથી બૂમ પાડી : “શેઠ!”

પ્રદીપ ગુપ્તાએ શટરને ઊંચકતા જોયું તો રાતના સમયે સરોજ એકલી સામે ઊભી હતી. પ્રદીપ ગુપ્તાએ પૂછયું “બોલ સરોજ! રાતના સમયે અત્યારે કેમ આવી?”

સરોજ નતમસ્તકે બોલીઃ “ભાઇ સાહેબ, મને બે હજાર રૂપિયાની જરૂર છે.”

પ્રદીપ ગુપ્તા દુકાનમાં તેમની ખુરશી પર શાંતિથી બેઠા. સામે પડેલો ગ્લાસ ગટગટાવી દીધો. અગાઉ પણ બે પેગ પીધેલા હતા. શરૂઆતમાં તો સરોજને જોઇને ચીડાયેલા પ્રદીપ ગુપ્તાએ જોયું તો સરોજના દેહ પરથી સાડી સરકી પડી હતી, તે વિધવા હોવા છતાં હજુ આકર્ષક લાગતી હતી. તેના વાળ વીખેરાયેલા હતા છતાં એ કારણથી જ તે વધુ સુંદર લાગતી હતી. સરોજના દેહમાંથી પરસેવાની ગંધ આવતી હતી પરંતુ તે પણ તેમને માદક લાગવા માંડી. જંગલી ફૂલોની પરાગરજ કયારેક વધુ મદહોશ બનાવી દે છે. આ બધું જોયા બાદ પ્રદીપ ગુપ્તાનો મૂડ અચાનક બદલાઇ ગયો.

એમણે કહ્યું : “આવ સરોજ. તું આવી જ ગઇ છે તો બેસ અહીં. આજે તું ખુબ જ સરસ લાગે છે.”

સરોજ સંકોચાઇ, તે લજાતી-શરમાતી બેસી ગઇ. પ્રદીપ ગુપ્તાએ પેગ બનાવ્યો. તે પછી તેઓ બોલ્યા : “તારે બે હજાર રૂપિયા જોઇએ છે ને!”

“હા.” સરોજ દયનીય સ્વરે બોલી : “જુઓ, મારા હાથ એકદમ ખાલી છે ને!”

અને પ્રદીપ શર્માએ ધીમેથી એનો હાથ પકડી લેતા કહ્યું : “તારા હાથ સરસ છે.”

સરોજ ક્ષોભ સાથે હાથ પાછા ખેંચી લેતા બોલી : “તમને ચડી ગઇ છે.”

પ્રદીપ ગુપ્તાએ કહ્યું : “ચાલો એક વાત તો સારી થઇને કે મને ચડી ગઇ છે ત્યારે તો તારી સુંદરતા જોવાનો મોકો મળ્યો.”

સરોજ ખુરશી પરથી ઊભી થઇ ગઇ અને બોલી : “પ્રદીપ શેઠ! મને લાગે છે કે શરાબના નશામાં તમે સારું-નરસું પણ ભૂલી ગયા છો.”?

પ્રદીપ ગુપ્તાએ મૂડ બદલતાં કહ્યું : “મારી વાત ખરાબ લાગતી હોય તો ચાલી જા, અહીંથી. રાત્રે મારી પાસે આવી શા માટે? મને એકલાને શાંતિથી શરાબ પીવા દે.”

સરોજે ધીમેથી કહ્યું “ના ના. એવું નથી હું તો તમારી કસોટી કરવા રાત્રે આવી હતી. મને બે હજાર રૂપિયા આપો કે ના આપો પરંતુ આજ સુધી તમે મને મદદ કરી છે તે માટે હું આપનો આભાર માનું છું. હું કઇ રીતે તમારું ઋણ ચૂકવીશ?”

પ્રદીપ ગુપ્તા ફરી રોમેન્ટિક મૂડમાં આવી ગયા. એમણે કહ્યું: “ઋણ ચૂકવવાના અનેક રસ્તા છે. બેસ મારી પાસે. મારા હાથ-પગ દબાવી આપ. જો સરોજ! આ દુનિયા બડી સંગદિલ છે. પૈસાના બદલામાં કાંઇ ને કાંઇ તો આપવું જ પડે છે.”

સરોજ ખામોશ રહી.

જાણે કે એની સંમતિ હતી. પ્રદીપ ગુપ્તાની આંખો હવે શરારતી બની. સરોજના હોઠ પણ ફફડી રહ્યા હતા. એનો શ્વાસોશ્વાસ વધી ગયો હતો. પૂરા ત્રણ મહિના બાદ કોઇ એને સ્પર્શી રહ્યું હતું. પ્રદીપ ગુપ્તા પોતાના સ્વચ્છ ચારિત્ર્યને ભૂલી શરાબના નશામાં લપસી રહ્યા હતા. તેઓ બોલ્યા : સરોજ! તારા પસીનાની ગંધ જ મને નશામાં તરબોળ કરી રહી છે.!

સરોજ બોલી : “અમારા જેવાં ગરીબો પાસે પસીના સિવાય બીજું છે પણ શું?”

અને દુકાનનું અડધુ શટર બંધ થઇ ગયું.

રાત વીતી ગઇ.
વાત વહી ગઇ.

સવારે શરાબનો નશો ઉતરી ગયો. પ્રદીપ ગુપ્તાને હજુ હેંગઓવર હતું. બીજા દિવસે સવારે નાહી ધોઇને તૈયાર થઇ ફરી માર્બલની દુકાને આવ્યા. રાતની વાત માટે તેમનો અંતરાત્મા દુભાતો હતો. તેમણે જિંદગીમાં પહેલી જ વાર ભૂલ કરી હતી. દુકાનમાં ભગવાનનો દીવો કરી ઇશ્વરની માફી માંગવા લાગ્યા. પૂજા બાદ તેમણે નજર ફેરવી તો ફરી પોલીસ તેમની સામે ઊભી હતી. પ્રદીપ ગુપ્તાએ પૂછયું : “ઇન્સ્પેકટર સાહેબ, ખેરિયત તો છે ને?”

પોલીસે કહ્યું : “તમારા નોકરની પત્ની સરોજ રાત્રે અહીં આવી હતી?”

“હા, કેમ શું થયું?”

“એણે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. એના બ્લાઉઝમાંથી એક ચિઠ્ઠી મળી છે. તેમાં તમારું નામ-સરનામું છે. એણે તમારો આભાર માન્યો છે, પરંતુ આપઘાતનું કારણ જણાવ્યું નથી.

તમારે એને શું સંબંધ હતો? એણે આભાર કેમ માન્યો? એના આપઘાતનું કોઇ કારણ તમે જાણો છો?”

પ્રદીપ ગુપ્તા પાસે કહી શકાય તેવો કોઇ જવાબ નહોતો. તેમને લાગ્યું કે સરોજ ગરીબ હતી પરંતુ બદચલન નહોતી. તેઓ મનોમન બબડયા : “ભૂલ, મારી જ હતી.”

– દેવેન્દ્ર પટેલ

બગદાદનો અદૃશ્ય શેખ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

તાલિબાન અને અલ કાયદાને પણ પાછળ પાડી દે તેવા ખૂંખાર આતંકવાદી સંગઠનનું નામ ISIS છે. તેનું આખું નામ ‘ઇસ્લામી સ્ટેટ ઇન ઈરાક એન્ડ ધી સીરિયા/ લેવેન્ટ’ છે. તે ટૂંકમાં ISIS તરીકે પણ ઓળખાય છે. અત્યાર સુધીમાં ઉદ્ભવેલાં આતંકવાદી સંગઠનો પૈકી આ સંગઠન સૌથી વધુ ખતરનાક અને નિર્દયી સાબિત થયું છે. આ સંગઠન જો તેની કાર્યવાહીમાં સફળ થશે તો માત્ર ઇરાકનું જ અસ્તિત્વ ખતરામાં છે તેવું નથી, આખી દુનિયાનો નકશો જ બદલાઈ જશે. આ સંગઠને ઇરાકમાં ખોફનાક રીતે ૧૭૦૦ જેટલા ઇરાકી સૈનિકોની હત્યા કરી તેની વીડિયો તસવીરો જાહેર કરી આખા વિશ્વને ચોંકાવી દીધું છે. માનવતાનાં તમામ મૂલ્યોને રક્તરંજિત કરી દેવાયાં છે. આખું વિશ્વ એ વાત જાણવા આતુર છે કે આખરે આ આતંકવાદી સંગઠન કોણ છે, જેના કારણે અમેરિકા પણ પરેશાન છે. ઇરાકની સડકો પર મોતનું તાંડવ જોઈ આખી દુનિયામાં ચિત્કાર ઊઠયો છે.

અત્યાર સુધી ઓસામા બિન લાદેન જ વિશ્વનો સૌથી ખૂંખાર આતંકવાદી ગણાતો હતો પરંતુ તેનું સ્થાન હવે અબુ બકર અલ બગદાદીએ લીધું છે. અલ બગદાદી નામનો માણસ જ ISISનો વડો છે. તેની તસવીર ઉપલબ્ધ નથી. તે પોતાના કમાન્ડરો સાથે પણ માસ્ક પહેરીને વાત કરે છે. વા ISISની કમાન સંભાળનાર અલ બગદાદી ઓસામા બિન લાદેનનો પ્રશંસક રહ્યો છે. અમેરિકી સૈનિકો દ્વારા ઓસામા બિન લાદેનની હત્યા બાદ તા.૧૬ મે, ૨૦૧૦ના રોજ ISIS અથવા તેના વડા અલ બગદાદીએ ફક્ત લાદેનની હત્યાનો બદલો લેવાની ઘોષણા કરી હતી, પરંતુ તેણે ઇરાક સહિત બધા જ લેવેન્ટ દેશો એટલે કે સાયપ્રસ, ઇઝરાયેલ, જોર્ડન, લેબેનોન, સીરિયા, પેલેસ્ટાઈન અને તુર્કીને મિલાવી એક નવો જ ઇસ્લામિક દેશ બનાવવાનું પણ એલાન કર્યું હતું. અલ બગદાદી વિશે ખુદ અમેરિકા પણ અંધારામાં હતું. એક સામાન્ય મૌલવી ખતરનાક આતંકવાદી સંગઠનનો વડો કેવી રીતે બની ગયો? એ વિશ્વની ગુપ્તચર સંસ્થાઓ માટે એક કોયડો છે. અમેરિકાના નેતૃત્વ હેઠળ ૨૦૦૩માં ઇરાક પર કરવામાં આવેલા હુમલા સમયે અલ બગદાદી એક મસ્જિદમાં મૌલવી હતો. એ વખતે અમેરિકી સૈનિકોએ આતંકવાદીઓના કેમ્પમાં અલ બગદાદીને ચાર વર્ષ સુધી કેદમાં રાખ્યો હતો. આ કેમ્પમાં અલ કાયદાના કમાન્ડરોને રાખવામાં આવેલા હતા. એ સમયગાળા દરમિયાન જ અલ બગદાદીનો ઝુકાવ આતંકવાદ તરફ વધતો ગયો. ફરક એટલો છે કે, ઓસામા બિન લાદેન અને અલ ઝવાહિરીની જેમ તે તેની વીડિયોગ્રાફી કદી કરવા દેતો નથી. તેની વાસ્તવિક ઓળખ અસ્પષ્ટ છે. એ કારણે તેનું નામ ‘અદૃશ્ય શેખ’ પણ પડયું છે.

ISIS એ ઇરાક યુદ્ધની નીપજ છે. તે અલ કાયદાનું જ ખતરનાક નવું સ્વરૂપ છે. આ સંગઠનના મુઠ્ઠીભર આતંકવાદીઓએ ઇરાકને લોહીલુહાણ કરી દીધું છે. ઇરાકના બીજા નંબરના શહેર તરીકે જાણીતું મોસુલ શહેર પણ આતંકવાદીઓના કબજા હેઠળ આવી ગયું છે. તેલની રિફાઈનરીઓ પર આ સંગઠન કબજો જમાવીને બેઠું છે.

આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ તે માટેનાં કારણો જાણવાં જેવાં છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી દળો પાછાં ખેંચી લેવાની વાત અને શરૂઆત કરી તે પછી આ પ્રશ્નો ઊભા થયા છે. વિશ્વના ઘણા બધા દેશોમાં સમસ્યાઓ ઊભી કરનાર પણ ખુદ અમેરિકા જ છે. જે જે દેશોમાં અમેરિકા પ્રવેશ્યું છે તે તે દેશોમાં આવી જ પરિસ્થિતિ પેદા થઈ છે. ઇરાકને લાગેવળગે છે ત્યાં સુધી અમેરિકાએ એ દેશમાં સૌથી વધુ દરમિયાનગીરી કરી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ સિનિયર બુશને તેલના રાજકારણ અને ડોલરના રાજકારણમાં રસ હોઈ ઇરાક પર આક્રમણ કર્યું હતું, જે ‘ગલ્ફ વોર-૧’ તરીકે ઓળખાયું તે પછી તેમના પુત્ર જુનિયર જ્યોર્જ બુશે પિતાની ઇચ્છાઓ પૂરી કરવા ઇરાકના એ વખતના વડા સદ્દામ હુસેન પર એવો આરોપ મૂક્યો કે, સદ્દામ હુસેન પાસે વિશ્વનો નાશ કરી દે તેવાં ખતરનાક રાસાયણિક અને પરમાણુ શસ્ત્રો છે. એવા આક્ષેપ સાથે ઇરાક સાથે યુદ્ધ છેડયું. લાખ્ખો ઇરાકીઓને મોતને ઘાટ ઉતાર્યા. પપેટ સરકાર મૂકી સદામ હુસેનને ફાંસી આપી દીધી, પરંતુ ઇરાકમાંથી કોઈ શસ્ત્રો મળ્યા નહીં. સદ્દામ પાસેથી કંઈ ન મળતાં પરેશાન થયેલા અમેરિકાએ લોકતાંત્રિક સરકાર સ્થાપિત કરવાના બહાને જે ષડ્યંત્ર રચ્યું તેનાં પરિણામો બહુ જ ઘાતક નીવડયાં. ISIS અથવા ISIS એ જે નવા ઈસ્લામી રાષ્ટ્રની સાજિશ રચી છે, તે લાખો બેગુનાહ લોકોની અમેરિકા દ્વારા કરવામાં આવેલી કતલનો અંજામ છે.

નોંધપાત્ર વાત એ છે કે, ૨૦૧૧માં અમેરિકાના સૈનિકોએ ઇરાક છોડયું ત્યારે ઇરાકનું તંત્ર પત્તાંના મહેલ જેવું હતું. ઇરાકમાં પહેલેથી જ શિયા અને સુન્નીઓ વચ્ચે સંઘર્ષ ચાલે છે. આ સંઘર્ષ હવે નાગરિક યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. અહીં કુર્દ લોકો પણ રહે છે. તેઓ પણ અલગ રાષ્ટ્રીયતા માગી રહ્યા છે. અમેરિકાએ વિદાય લેતી વખતે બગદાદનું શાસન શિયા-સરકારને સોંપ્યું હતું. સરકારના વડા તરીકે નૂરી અલ મલિકી હંમેશાં બિન લોકપ્રિય રહ્યા. લોકોને પાણી, રસ્તા, વીજળી કે શિક્ષણની સવલતો આપવામાં તે નિષ્ફળ રહ્યા. પરિણામ એ આવ્યું કે સુન્ની લોકો અલગ થઈ ગયા અને સુન્નીઓ જ સરકાર સામે બળવાખોર બની ગયા. આ વિદ્રોહીઓ અમેરિકા દ્વારા તાલીમ પામેલા ઇરાકના લશ્કર સામે પણ મેદાને પડયા. રસપ્રદ વાત એ છે કે ઇરાકના લશ્કરમાં શિયા અને સુન્ની બેઉ છે જ્યારે ISIS અથવા ISIS એ સુન્ની આતંકવાદી સંગઠન છે.

આશ્ચર્યની વાત એ છે કે ISISના થોડાક જ આતંકવાદીઓએ રાતોરાત ઇરાકના બીજા નંબરના ઓઈલ- રિચ નગર મોસુલ પર ગણતરીના કલાકોમાં કબજો જમાવી દીધો. તે પછી તિરકીટ જીતી લીધું. તિરકીટ એ સદામ હુસેનનું વતન છે.

ઇરાકમાં ચાલી રહેલા આ ગૃહયુદ્ધના આખા વિશ્વમાં પ્રત્યાઘાત પડે તેમ છે. ભારત તેનું ૮૦ ટકા ક્રૂડ વિદેશોમાંથી આયાત કરે છે. પશ્ચિમ એશિયામાં કોઈ પણ કટોકટી ઊભી થાય તો તેની સીધી અસર ભારત પર પડે છે. ભારત લગભગ ૧૨થી ૧૫ ટકા ક્રૂડ ઇરાકથી મગાવે છે. કેન્દ્ર સરકાર કહે છે કે ચિંતાનું કોઈ કારણ નથી, પરંતુ હકીકતમાં એવું નથી. ખતરાની ઘંટડી ગમે ત્યારે વાગી શકે તેમ છે. હા, ગમે ત્યારે પેનિક બટન દબાવવામાં આવશે અને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન તથા ગેસના ઊંચા ભાવ ચૂકવવાની ભારતવાસીઓએ તૈયારી રાખવી પડશે. ભારત સરકારે અન્ય દેશો પાસેથી પણ ક્રૂડ ઓઈલ મેળવવાના વિકલ્પો સત્વરે વિચારવા પડશે.

સૌથી મોટી િંચંતાની વાત એ છે કે, તાજેતરમાં બીજો એક વીડિયો જારી થયો છે. તેમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે,ત્રાસવાદીઓની એક વણઝાર કાશ્મીરને આઝાદ કરાવવા માટે અફઘાનિસ્તાનના માર્ગે આગળ વધી રહી છે. આ વીડિયોઓમાં અલ કાયદાના પાકિસ્તાન સેલ્ટન વડા મૌલાના આસીમ ઉમરે એવી અપીલ કરી છે કે, કાશ્મીરી મુસલમાનોએ તેમના ઇરાકના અને સીરિયામાં રહેણાક ભાઈઓને મદદ કરવા માટે ભારત સામે હિંસક જેહાદ શરૂ કરવાની જરૂર છે. આ વીડિયોની અગત્યતાની ચકાસણી થઈ રહી છે, પરંતુ એણે ભારતીય સલામતી દળોની નીંદ હરામ કરી દીધી છે. અને છેલ્લે એક વાત નોંધવી જોઈએ કે,ઇરાકનો સરમુખત્યાર સદ્દામ હુસેન ભલે એકાધિકારવાદી હતો પણ એણે જ ઇરાકને આધુનિક બનાવ્યું હતું. કટ્ટરપંથીઓને એણે જ દૂર રાખ્યા હતા. ઇરાક પરના યુદ્ધને ખુદ પ્રેસિડેન્ટ બરાક ઓબામા એ જ ‘dumb war’ કહ્યું છે. આ યુદ્ધે જ ઇરાકને છિન્ન ભિન્ન કરી નાખ્યું. આજે ઇરાકમાં ખતરનાક ત્રાસવાદી સંગઠન પેદા થયું છે, જેનું નામ ISIS છે. તેનું અસલ નામ ‘અલ કાયદા ઇરાક’ હતું. આ આતંકવાદી સંગઠનના જન્મની મીડ વાઇવ્સ (દાયણો) જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને ટોની બ્લેર છે.

www. devendrapatel.in

“શું મારા શીલની કિંમત માત્ર દોઢ લાખ રૂપિયા?”

દિલ્હીથી પ્રગટ થતા અંગ્રેજી અખબાર “હિન્દુસ્તાન ટાઇમ્સ” એ ‘વેઇક અપ ઇન્ડિયા’ ના ટાઇટલ હેઠળ બળાત્કાર ગુજારતા હેવાનોની હેવાનિયત સામે લોકોને જાગૃત કરવા સુંદર ઝુંબેશ શરૂ કરી છે. આ અખબારમાં પ્રગટ થયેલી ૨૮ વર્ષની એક યુવતીની કથા એના જ શબ્દોમાં :

શું મારા શીલની કિંમત માત્ર દોઢ લાખ રૂપિયા?

“૨૦૦૬ના નવા વર્ષની આગલી સાંજ હતી. મારા લગ્ન થયે માત્ર આઠ જ મહિના થયા હતા. હું મારા પતિને બહુ જ ચાહતી હતી. મારા પતિને એક નાનો સરખો બિઝનેસ હતો.

તા.૩૧મી ડિસેમ્બરે હું અને મારા હસબન્ડ ગાઝિયાબાદમાં આવેલા ઇૅૅડીએમ મોલમાં આવેલા થિયેટરના સાંજના શો મા ફિલ્મ જોવા ગયા હતા. અડધી ફિલ્મ પૂરી થઇ હશે અને મારા પતિએ કહ્યું :’ફિલ્મ કંટાળાજનક છે, ચાલો બહાર નીકળી જઇએ.’

મેં કહ્યું: ‘આપણે પૈસા ખર્ચીને ટિકિટ લીધી છે.’

એ સાંભળી મારા પતિ ગુસ્સે થઇ ગયા. સીટમાંથી ઊભા થતાં મને કહ્યું : “હું ઘેર જાઉ છું. તું ફિલ્મ પૂરી થાય પછી આવજે.”

અમારુ ઘર મોલની બાજુમા જ હતું. હું થિયેટરમાં પૂરેપૂરી ફિલ્મ જોવા બેસી રહી. મને હતું કે એમનો ગુસ્સો ઉતરી જશે એટલે થોડીવારમાં તેઓ પાછા અંદર આવીને મારી બાજુમાં બેસી જશે પણ તેઓ ના આવ્યા. ફિલ્મ પૂરી થયા બાદ હું બહાર નીકળી. બહાર નીકળી ત્યારે અંધારું થઇ ગયું હતું. હું ઓટોરિક્ષાની રાહ જોવા લાગી. એટલામાં એક મોટરકાર મારી પાસે આવીને ઊભી રહી. હું ઓળખી ગઇ. કારચાલક અમિત હતો. તે મારા પતિનો મિત્ર હતો. ઘણીવાર અમારા ઘેર આવી ચૂક્યો હતો. એણે મને મારા હસબન્ડ વિશે પૂછયું. મેં કહ્યું : “એમને ફિલ્મ ના ગમી એટલે ઘેર જતા રહ્યા છે.”

અમિતે મને લિફટ આપવાની ઓફર કરી. મોડું થઇ ગયું હોઇ હા પાડી. હું અમિતની કારમાં બેઠી. ચાલુ કારે અમિતે મને સોફ્ટ ડ્રીંક્સની ઓફર કરી. મેં તો ના પાડી પણ તેણે ખૂબ દુરાગ્રહ કરી મને એક ગ્લાસમાં સોફ્ટ ડિં્રકસ આપ્યું. કારમાં કેટલીક ખાલી બાટલીઓ પડેલી હતી. થોડી વારમાં મને ઘેન ચડયું. મને ઝાંખુ ઝાંખું દેખાવા લાગ્યું. તે પછી મને યાદ નથી કે એ મને ક્યાં લઇ ગયો. મને એટલું જ યાદ છે કે અમિત મને કારમાંથી બહાર ખેંચીને એક નવા જ બંધાઇ રહેલા બિલ્ડિંગના પગથિયા પર ઢસડી રહ્યો હતો. એણે મને ક્રોંકિટના સરફેસ પર સુવાડી દીધી. હું ચીસો પાડતી રહી. પણ એ મારી પર બળજબરી કરતો રહ્યો. મેં ખૂબ પ્રતિકાર કર્યો પરંતુ તે મારાથી વધુ શક્તિશાળી હતો.

મને યાદ નથી એણે કેટલીવાર મારી પર બળાત્કાર કર્યો. તે પછી તે મને તેની કારમાં ઘસડી ગયો. તે પછી મને એટલું જ યાદ છે કે હું કોઇ અજાણ્યા ઘરમાં હતી. એ ઘરમાં પાંચથી છ જેટલા માણસો પહેલેથી જ મોજુદ હતા. અમિતે એ બધાંને બોલાવી રાખ્યા હોય તેમ મારી રાહ જોતા હતા. તે બધાએ વારાફરતી મારી પર બળાત્કાર કર્યો. હું બેભાન થઇ ગઇ.

મને જ્યારે ભાન આવ્યું ત્યારે જ મને ખબર પડી કે હું ઇડીએમ મોલના પગથિયા પર પડેલી છું. એ લોકો મને અહીં મૂકીને જતા રહ્યા હતા. એ વખતે સવાર થઇ ગઇ હતી. હું બેઠી થઇ. એક ઓટો ભાડે કરી હું ઘેર પહોંચી. મારા પતિ ગુસ્સાથી લાલચોળ હતા. એમણે ત્રાડ પાડીને મને પૂછયું : “આખી રાત ક્યાં હતી?”

હું પણ ગુસ્સે થઇ ગઇ. રડી પડી અને સ્વસ્થ થયા બાદ રાત્રે જે કાંઇ બન્યું તે બધું જ મેં એમને કહી દીધું. તે પછી હું અને મારા હસબન્ડ પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ લઇને ગયા. પોલીસે અમારી ફરિયાદ ફાડી નાંખતાં કહ્યું : “તમે તમારી આબરુ અને નામ શા માટે ખરાબ કરવા માંગો છો?”

અમે પોલીસના વલણ સામે વિરોધ કર્યો. અમે ઘેર પાછા ફર્યા પરંતુ મારા હસબન્ડ એક પત્રકારને ઓળખતા હતા. એક ન્યૂઝ ચેનલે મારી સાથે ઘટેલી ઘટના ચેનલ પર પ્રસારીત કરી મીડિયાનું દબાણ વધતાં પોલીસે અમારી ફરિયાદ લીધી, અને મુખ્ય આરોપી અમિત સામે ગુનો દાખલ કર્યો.

તે પછી નવા દુઃખોનો આરંભ થયો. મારે હવે બીજા ૨૨ વર્ષ સુધી એ યાતનાઓ ભોગવવાની હતી. એ ઘટના પછી મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન બદલાઇ ગયું હતું. મારું જીવન નર્કાગાર જેવું બની ગયું. મારા પતિનો જ બિઝનેસ ફ્રેન્ડ મારી પર બળાત્કાર કરશે અને તેના મિત્રોને પણ બોલાવી સામૂહિક બળાત્કાર કરાવશે તેવી કલ્પના પણ કરવી મુશ્કેલ હતી. મારા પતિ દારૂની લતે ચડી ગયા. મારા પતિ મારી પર જાત જાતના વ્યંગ કરી મને જેમ તેમ બોલવા લાગ્યા. પણ હું જાણતી હતી કે તેઓ હજુ મને ચાહતા હતા. હું એ પણ જાણતી હતી કે, તેઓ મને કદીયે ઘરમાંથી બહાર કાઢી નહીં મૂકે. એમણે એવું કદી ના કર્યું. પરંતુ અમારા સગાઓ, પડોશી અને મિત્રોએ અમારું જીવન યાતનાઓથી ભરી દીધું. બધા મારા માટે જેમ તેમ બોલતા રહ્યા. હું જ્યાં પણ જાઉં ત્યાં લોકો મારી સામે જોઇ રહેતા હતા. અંદરોઅંદર ગુપચૂપ વાતો કરતા હતા. એક તબક્કે તો મને જ લાગ્યુ કે જાણે મેં જ કોઇ ગુનો કર્યો છે. એ લોકો એવું જ કહી રહ્યા કે જાણે કે મેં જ મારી પર બળાત્કાર કરવા એ બધાને નિમંત્ર્યા હતા. પડોશીઓ અને મિત્રોના મહેણાં ટોણાંથી અમે ઇસ્ટ દિલ્હી છોડી દીધું અને બીજે રહેવા જતાં રહ્યાં.

એ સમય દરમિયાન હું સગર્ભા બની. હું એક પુત્રની માતા બની. હવે હું મારા પતિના હરિયાણામાં આવેલા નાનકડા ગામમાં રહેવા જતા રહ્યા. અહીં પણ શાંતિ ના મળી. લોકો મારી પર થયેલા બળાત્કારની વાતો કરી મારી પર ટીકાઓ કરતા રહ્યા. દિલ્હી કરતા અહીં તો સહુથી વધુ વાતો થતી રહી. મેં આપઘાત કરવા વિચાર કર્યો પણ મારા નાનકડા પુત્રનો ચહેરો સામે આવી જતાં હું એમ ના કરી શકી. હું મરી જઇશ તો મારા દિકરાની સંભાળ કોણ લેશે? એવા ખ્યાલથી મેં જીવવાનું નક્કી કર્યું. કેટલાક સમય બાદ ફરી હું બીજા એક પુત્રની માતા બની. પરંતુ હું મારા હસબન્ડને નોર્મલ બનાવી ના શકી. તેઓ વધુને વધુ દુઃખી રહેવા લાગ્યા. તેમની વ્યથા ભૂલી જવા તેઓ વધુ ને વધુ દારૂ પીવા લાગ્યા.

આ તરફ હવે અમિત અને તેના સાગરીતો સામેનો કોર્ટ કેસ શરૂ થયો. અમિતને અગાઉ જામીન મળી ગયા હતા. તે બહાર આવ્યો તે પછી અમને વારંવાર ધમકીઓ મોકલ્યા કરતો હતો. એના પરિવાર તરફથી ભારે દબાણ શરૂ થયું. અમિત તરફથી ધમકીના ફોન ચાલુ જ રહ્યા. હવે હું મારા ઘરની બહાર નીકળવાની હિંમત કરી શકતી નહોતી. કેટલાક આરોપીઓના વાલીઓ મારા ઘરે આવ્યાં અને તેમના દિકરાઓનું જીવન બચાવવા અમને વિનવણી કરવા લાગ્યા. કેસ, લાંબો ખેંચાતો રહ્યો. છેવટે એ લોકોના ભારે દબાણને વશ થવું જ પડયું. અમે કોર્ટની બહાર સમાધાન કરવા સંમત થયા. અમને દોઢ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. મારા શીલની કિંમત માટે દોઢ લાખ રૂપિયા!

એ સમાધાનના થોડા સમય બાદ મારા પતિ ગુજરી ગયા. હવે બધોજ આધાર મારા પર જ હતો. મારે મારા પગ પર જ ઊભા રહેવાનું હતું. હા, મારા માટે માથે છાપરૂ હતું. મેં કામ કરવાનું નક્કી કર્યું. મારા પુત્રોને જીવાડવાનો એ એકમાત્ર વિકલ્પ હતો. મારા સગાંઓ અને મારા સાસરિયા તરફથી ભારે વિરોધ છતાં મેં નોકરી શોધી કાઢી અને કામ કરવાનું શરૂ કર્યું. હવે હું સરકારની એક ઓફિસમાં સુપરવાઇઝર છું. હું કોન્ટ્રાક્ટ પર જોબ કરુ છું. મને જે પૈસા મળે છે તે પૂરતા નથી, પણ હું ચલાવી લઉં છું. હું મારા સંતાનોને જીવાડી શકું છું.

૨૦૦૬ની ……. એ આગલી કાળરાત્રી પછી મેં મારી યાતનાભરી જિંદગીની એક લાંબી સફર તય કરી છે. મને એ વાતનો આનંદ છે કે હવે હું શક્તિશાળી બની છું.હવે કોઇની તાકાત નથી કે મારી સામે આંખ ઉઠાવીને જોઇ શકે. હવે હું કોઇને મારી આંખમાં આંખ મિલાવવા પણ દેતી નથી. મારી પાસે હવે નોકરી છે. મારા દિકરાઓ સ્કૂલે ભણવા જાય છે. મારી પાસે હવે જીવવાનું કારણ છે. મારા પુત્રો મારી આશા છે. હા, કોઇવાર રાત્રે મને બિહામણાં સ્વપ્ના આવે છે પણ ધીમે ધીમે એ દુઃખ હું ભૂલી રહી છું. પણ મારો ક્રોધ હજુ શમ્યો નથી.”

(સૌજન્ય : હિન્દુસ્તાન ટાઇમ્સમાં માનસી દાસગુપ્તા નામના મહિલા પત્રકાર દ્વારા લખાયેલી કથા પર આધારીત. પીડિતાનું નામ તેની ઓળખ છૂપાવવા માટે લખવામાં આવ્યું નથી. તસ્વીર પ્રતીકાત્મક છે.)

– દેવેન્દ્ર પટેલ

બીડીના શોખીન નેતાએ જ્યારે બીડીની દુકાનનું ઉદ્ઘાટન કર્યું

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પીઢ નેતા ઠાકોરભાઇ દેસાઇ ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાંથી ૧૯૬૨ની ચૂંટણી હાર્યા અને ૧૯૬૭માં તે જ મત વિસ્તારમાંથી ફરી ચૂંટણી લડયા. આ વખતે તેમની જીત થઇ. આગલી સરકારમાં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના વિમાની અકસ્માત બાદ હિતેન્દ્રભાઇ દેસાઇ મુખ્યમંત્રી થયા હતા. તેઓ ૧૯૬૭માં પણ મુખ્યમંત્રીપદે ચાલુ રહે તે સ્વાભાવિક હતું. પરંતુ ઠાકોરભાઇ દેસાઇના કાર્યકરોએ કહી નાંખ્યુ કે “આપણે કાંઇ વિધાનસભાનો એક સભ્ય ચૂંટીને મોકલતા નથી, આપણા ગુજરાતનો મુખ્યમંત્રી ચૂંટીને મોકલીએ છીએ.”

બીડીના શોખીન નેતાએ જ્યારે બીડીની દુકાનનું ઉદ્ઘાટન કર્યું

ઠાકોરભાઇ દેસાઇ પણ સહજ આનંદમાં હતા. તેમણે પેલા કાર્યકર્તાની વાત ટાંકીને કહ્યું : “હું મુખ્યમંત્રી થાઉં કે ના થાઉં એ વાત જુદી છે, પણ મુખ્યમંત્રી બને તેવા સંભવીત નામોમાં મારી ગણના થાય છે.”

ઠાકોરભાઇ દેસાઇનું આ વિધાન સાંભળ્યા બાદ હિતેન્દ્રભાઇ દેસાઇના હિતેચ્છુઓને ફાળ પડી અને ઠાકોરભાઇ ખરેખર શું બોલ્યા હતા તે જાણવા દોડાદોડી કરી મૂકી. ઘણા કાર્યકર્તાઓએ ઠાકોરભાઇને કહ્યું: “એકવાર તમે મુખ્યમંત્રી બનવા હા પાડો બસ પછી અમે બધું સંભાળી લઇશું.”

“ઠાકોરભાઇ દેસાઇએ કહ્યું : “મુખ્યમંત્રી તરીકે બધા મને પસંદ કરે તો પણ એ કરવા જેવંુ નથી. કારણ કે એમ કરવાથી કોંગ્રેસની શિસ્ત તૂટી જાય. અને બીજું કેન્દ્રમાં મોરારજીભાઇનું સારું ના દેખાય. હું વિધાનસભામાં માત્ર સભ્ય તરીકે બેઠો હોઉં તે જ પૂરતું છે.

બેંક એકાઉન્ટ નહોતો

તે પછી હિતેન્દ્રભાઇ દેસાઇ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ઠાકોરભાઇ દેસાઇને પંચાયત, સહકાર, ખેતી ખાતાના મંત્રી બનાવવામાં આવ્યા. ૧૯૫૨ થી ૧૯૭૧ સુધી ઠાકોરભાઇ દેસાઇ અમદાવાદમાં રહ્યા. ૧૯૬૭ સુધી અમદાવાદની કોઇપણ બેંકમાં તેમનો એકાઉન્ટ નહોતો. ૧૯૬૭માં હિતેન્દ્રભાઇ દેસાઇના મંત્રીમંડળમાં તેઓ પ્રધાન બન્યા અને મંત્રી તરીકેના વેતનનો પહેલો ચેક તેમને મળ્યો ત્યારે તેમના અંગત મદદનીશ છોટુભાઇએ ઠાકોરભાઇના પુત્ર જિતેન્દ્ર દેસાઇને પૂછયું : “સાહેબનો બેંક એકાઉન્ટ કઇ બેંકમાં છે?”

જિતેન્દ્ર દેસાઇએ કહ્યું : “પિતાજીના નામના કોઇ બેંક એકાઉન્ટ છે જ નહીં!” તે પછી આશ્રમ રોડની સેન્ટ્રલ બેંકમાં એમને બોલાવવામાં આવ્યા. ૧૯૭૧માં તેમનું અવસાન થયું ત્યારે તેમાં નજીવું બેલેન્સ હતું. ઠાકોરભાઇ દેસાઇએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી હતી.

બીજું કાંઇ છે?

ઠાકોરભાઇ દેસાઇનું વ્યક્તિત્વ સ્પષ્ટ નિખાલસ અને ભાતીગળ હતું. પત્રકારોને તેઓ ગમતા પણ ખરા અને ક્યારેક સાવ વિચિત્ર પણ લાગતા. એ વખતના દેશના રાષ્ટ્રીય નેતા ગોવિન્દ વલ્લભ પંત ગુજરી ગયા. ગોવિન્દ વલ્લભ પંતે આજે જાઉં કે કાલે જાઉં કરતા ખાસ્સા ૩૦ થી ૪૦ દિવસ મૃત્યુને પાછું ધકેલ્યું હતું. એ પછી એક મધરાતે તેઓ ગુજરી ગયા. એક ઉત્સાહી પત્રકારે મધરાતે ફોન કરી ઠાકોરભાઇને ઊંઘમાંથી ઉઠાડતાં કહ્યું : “ઠાકોરભાઇ, ગોવિંદ વલ્લભ પંત ગયા.”

ઠાકોરભાઇએ કહ્યું “સારું. બીજું કાઇ છે?”

પત્રકાર શું કહે? બોલ્યા વગર ફોન મૂકી દીધો.

બંદૂકની ગોળીઓ પર

ઠાકોરભાઇ કેટલીયવાર બોલે જ એવું કે અખબારોને મસાલો મળી જતો. મહાગુજરાતની ચળવળ વખતે ભદ્ર કોંગ્રેસ ભવન પરથી વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો હતો. વિદ્યાર્થીઓ શહીદ થયા. કોઇએ ઠાકોરભાઇને પૂછયું તો તેમણે કહ્યું હતું : “બંદૂકની ગોળી પર કોઇના નામ સરનામાં હોતા નથી.”

એકવાર તેઓ ભરૂચ કાર્યકર સંમેલનમાં ગયા હતા. એ વખતે દક્ષિણ ગુજરાતની અલગ યુનિર્વિસટી શરૂ થઇ હતી. એ વખતે કોઇકે તેમને યુનિર્વિસટી અને વાઇસ ચાન્સેલર અંગે પ્રશ્ન પૂછયો. એના જવાબમાં ઠાકોરભાઇ દેસાઇએ કહ્યું હતું : “પહેલાં મુંબઇની એક જ યુનિર્વિસટી હતી. તેમાં વાઇસ ચાન્સેલરને મળવું હોય તો પણ મળાય નહીં તેવી સ્થિતિ હતી. આજે સાત યુનિર્વિસટી થઇ જતાં વાઇસ ચાન્સેલર તો હવે બજારમાં મળે છે.” અખબારોએ ઠાકોરભાઇ દેસાઇના આ વિધાનને બોક્સ બનાવી છાપ્યા હતા.

કચરો સાફ થઇ ગયો

એ જ રીતે ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઇ વચ્ચે મતભેદો થતાં કોંગ્રેસના ભાગલા થયા. તેની ઘણી મોટી અસર ગુજરાતમાં હતી. એ વખતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે ઠાકોરભાઇ દેસાઇ હતા. તેઓ મોરારજી દેસાઇની સ્પષ્ટ તરફેણમાં હતા. ઠાકોરભાઇ દેસાઇ મોરારજી દેસાઇના ચુસ્ત સમર્થક હતા. એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. એ સમયે મોરારજી દેસાઇ અને ઇન્દિરા ગાંધી વચ્ચે મતભેદો પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા ત્યારે ઠાકોરભાઇ દેસાઇએ કોંગ્રેસ ભવનમાં પ્રવચન કરતાં જાહેરમાં કહ્યું હતુ કે, “ઇન્દિરા ગાંધીને વડાપ્રધાનની ખુરશીમાંથી ઉઠાડી મૂકો. જેમને કોંગ્રેસમાં વિશ્વાસ ના હોય તેઓ કોંગ્રેસ છોડી જાય.” આવું બોલવાની હિંમત બીજા કોઇ કોંગ્રેસીમાં નહોતી.

બીજા દિવસના અખબારોમાં ઠાકોરભાઇ દેસાઇનું આ વિધાન હેડલાઇન્સ તરીકે પ્રગટ થયું. તે પછી કોઇ પત્રકારે ઠાકોરભાઇને પૂછયું : “જે લોકો કોંગ્રેસ છોડી ગયા છે તેમના માટે તમે શું માનો છો?”

ઠાકોરભાઇ દેસાઇએ કહ્યું : “ગયા તે સારું થયું. કચરું સાફ થઇ ગયું.” ઠાકોરભાઇના આ વિધાને પણ ખૂબ ચર્ચા ઊભી કરી હતી.

ચા અને બીડીના શોખીન

ઠાકોરભાઇ દેસાઇ ચા પીવાના શોખીન હતા. કોઇના ઘેર ગયા હોય અને યજમાન ચા પીવાની ઓફર કરે તો ઠાકોરભાઇ ભાગ્યે જ નકારતા. રાત્રે લાંબો પ્રવાસને અંતે ઘેર આવે તો પણ એક કપ ચા પીને ઘસઘસાટ ઊંઘી જતા. એ જ રીતે બીડી પીવાના પણ તેઓ શોખીન હતા. ઘરમાં કકળાટ છતાં તેઓ બીડી છોડી શક્યા નહોતા. ઘરમાં નિયંત્રણ આવતાં ક્યારેક બાથરૂમમાં જઇ બીડી પી લેતા. તે પછી કાળજીથી બાથરૂમ ધોઇ નાંખતા અને બાથરૂમમાંથી બીડીની વાસ ના જાય ત્યાં સુધી બહાર આવતા નહીં. બહાર ગયા હોય અને તેમની બીડીઓ ખલાસ થઇ ગઇ હોય તો કાર્યકર પાસેથી પણ બીડી માંગીને પીતા તેમને સંકોચ થતો નહીં. નવસારીમાં બીડી વાળનાર કેટલાક મુસલમાન કારીગરોએ પોતે વાળેલી બીડી જાતે જ વેચવી તેમ નક્કી કર્યું હતું. તે માટે તેમણે દુકાન રાખવાનું નક્કી કર્યું. એક દુકાન રાખ્યા બાદ તેનું ઉદ્ઘાટન કોની પાસે કરાવવું તે મૂંઝવણ હતી. કારીગરોએ નક્કી કર્યુ કે બીડીની દુકાનના ઉદ્ઘાટન માટે બીડીની લિજ્જત માણનાર વ્યક્તિ જ હોવો જોઇએ. તે બધાની નજર ઠાકોરભાઇ દેસાઇ પર ઠરી. બધા કારીગરો ઠાકોરભાઇ પાસે ગયા અને તેમની બીડીની દુકાનનું ઉદ્ઘાટન કરવા આવવા વિનંતી કરી. ઠાકોરભાઇ દેસાઇએ તરત જ હા પાડી દીધી. ઠાકોરભાઇ દેસાઇ બીડીની દુકાનનું ઉદ્ઘાટન કરી ઘેર આવ્યા ત્યારે તેમની પાસે પચાસેક બીડીની ઝૂડીઓ હતી.

ઠાકોરભાઇ દેસાઇ જેવું તળપદું અને સ્વચ્છ વ્યક્તિત્વ આજે જાહેર જીવનમાં શોધ્યું પણ જડે તેમ નથી.

ઠાકોરભાઇ દેસાઇએ કાર્યકરોના આગ્રહ છતાં મુખ્યમંત્રી બનવા ઇનકાર કરી દીધો

રાજનીતિની રૂલબુક કઇ?

ગાંધીજી સાહિત્ય પરિષદની ચૂંટણી હાર્યા.અબ્રાહમ લિંકન અનેક વાર ચૂંટણીઓ હાર્યા.ચર્ચિલને પણ લોકોએ હરાવી દીધા.ઇંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં હતાં.મોરારજી દેસાઇ ચૂંટણી હારી ગયા હતા.

રાજનીતિની રૂલબુક કઇ?

 લોકસભાની ચૂંટણી પૂરી થઈ. પરિણામો પણ આવી ગયાં. નવી સ્થિર સરકારની રચના પણ થઈ. કેટલાંક જીતી ગયા. બહુ બધાં હારી ગયા. ક્યાંક ભારે ઉત્સવ તો ક્યાંક શોકની કાલિમા જોવા મળી. હંમેશાં જીતનારાઓ કરતાં હારનારાઓની સંખ્યા વધારે હોય છે. પરાજિત ઉમેદવારો અને પાર્ટીઓને કળ વળતાં સમય લાગશે. યાદ રહે કે રાજનીતિ એ અનિશ્ચિતતાથી ભરપૂર બાબત છે. રાજનીતિ ક્રૂર પણ છે અને પ્રવાહી પણ છે. હાર-જીતના કોઈ ચોક્કસ નિયમો હોતા નથી. તેની કોઈ પ્રમાણિત રૂલબુક પણ નથી. જેઓ માત્ર ચૂંટણી જ જીતે છે તેઓ જ જીવનનાં તમામ ક્ષેત્રોમાં કામયાબ છે તેવું નથી. જેઓ માત્ર ચૂંટણી જ જીતે છે તેઓ જ ભારતના ભાગ્યવિધાતા બને છે તેવું પણ નથી. ગાંધીજી ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખપદની સામાન્ય ચૂંટણી હારી ગયા હતા. તેઓ કદીયે લોકસભાની ચૂંટણી લડયા નહીં છતાં તે ભારતના રાષ્ટ્રપિતા કહેવાયા. ગોપાલકૃષ્ણ ગોખલે, રવીન્દ્રનાથ ટાગોર, દાદાભાઈ નવરોજી કે મોતીલાલ નહેરુ ચૂંટણી લડયા વગર દેશમાં સહુના આદરણીય રહ્યા. ઇંદિરા ગાંધી એક વાર ચૂંટણીમાં પછડાટ ખાધા પછી પણ વડાપ્રધાન બન્યાં હતાં. ચૂંટણીમાં હાર-જીત એ કુદરત અને જીવનની રમતનો એક ભાગ છે. જેઓ જીતે છે તેમણે હારવાની તૈયારી રાખવી જોઈએ અને જેઓ હારે છે તેમણે જીતવાની તૈયારી રાખવી જોઈએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર સામે બ્રિટન અને સાથી પક્ષોને જીત અપાવનાર બ્રિટનના વડાપ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલને લોકોએ હરાવી દીધા હતા.

પોલિટિકલી ઇનકરેક્ટ છતાં ચૂંટણીમાં હારજીત તો ચાલ્યા કરે છે. અમેરિકાના સન્માનનીય પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન અનેક વાર ચૂંટણીઓ હાર્યા બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા. અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ બરાક ઓબામા શ્વેત માતાની કૂખે જન્મેલા કાળા પિતાના બાળક હતા. જેને ગોરાઓ કાળો અને કાળાઓ ગોરો સમજતા, જે બન્નેના રોષ અને અવિશ્વાસનું પાત્ર હતો. આજે એ માણસ વ્હાઈટ હાઉસમાં ગયો છે. કાળાઓએ પણ એને પોતાનો માન્યો છે અને ગોરાઓએ પણ. બરાક ઓબામાની ઉમેદવારી દુન્યવી રીતે ‘પોલિટિકલી કરેક્ટ’ નહોતી છતાં માત્ર અમેરિકાએ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના સમાજે તેમને સ્વીકૃતિ આપી છે.

ઓબામાની સફળતા એમના એટિટયુડ્સમાં છુપાયેલી છે. જે વાત માટે એમને રંજાડવામાં આવ્યા હતા એ જ વાત એમની આઉટસ્ટેન્ડિંગ ગુણવત્તાનો સજ્જડ પુરાવો બની ગઈ છે. એવું નથી કે બરાક ઓબામાએ ભૂલો કરી નથી, પણ દરેક વખતે તેમણે નવી ભૂલો કરી અગાઉની ભૂલોનું પુનરાવર્તન કર્યું નથી. પરાજયથી નિરાશ થવાને બદલે દરેક વખતે તેમની વિજયની ભૂખ વધતી રહી. બહુ ઓછા લોકો જાણે છે કે નાનપણમાં શાળામાં તેમને ‘ઢોલુ’ કહી અન્ય બાળકો ચીડવતાં હતાં. બાલ્યાવસ્થામાં તેઓ દારૂ, સિગારેટ અને ડ્રગ્સના શિકાર બન્યા હતા, પરંતુ યુવાનીમાં હોસ્ટેલમાં રહી અભ્યાસુ બની ગયા અને તે પછી જીવનની ક્ષિતિજો વિસ્તારવા આયોજન કરવા લાગ્યા. ઓબામાના દોસ્તો કહે છેઃ “એમના જેટલું સૂક્ષ્મ આયોજન ભાગ્યે જ કોઈ કરતું હશે. માણસો આળસુ હોતા નથી, પરંતુ તેમની પાસે સર્જનાત્મક સ્વપ્નો હોતાં નથી. માણસો કામચોર હોતા નથી પરંતુ તેમની પાસે કામનું કોઈ પ્રયોજન હોતું નથી. રાજનીતિમાં બીજાં કાર્યો હોતાં નથી, પરંતુ બીજા ક્રમાંકની પોઝિશન હોતી નથી. આવું માનનારા માણસો પાસે વિજય સિવાય બીજું કાંઈ મળતું નથી.”

પૂર્ણ સમયની રમત

પ્રેસિડેન્ટ બરાક ઓબામા કહે છેઃ “રાજકારણ એ પૂર્ણ સમયની રમત છે અને અધવચ્ચેથી છોડી શકાય નહીં. તેમાં રહેલી મજા જોતાં રહેવાથી પણ ચાલતું નથી. થોડી તડજોડ પણ કરવી પડે છે, પણ છેવટે તો તમારે મેદાન પર જ પરફોર્મ કરવું પડે છે. એકમાત્ર સાચું છે કે, એ માટે ખેલદિલી અર્થાત્ સ્પોર્ટ્સમેન સ્પિરિટ જોઈએ અને જીતવા માટે સખત વ્યૂહરચના જોઈએ. જીતવા માટે એનાથી વધુ કાંઈ કરવું પડતું નથી.”

લિંકનને ટિકિટ ન મળી
હવે થોડોક ફલેશબેક.

ગુલામોના તારણહાર અબ્રાહમ લિંકનની વાત કરી લઈએ. અબ્રાહમ લિંકન ઈલિનોય રાજ્યના ધારાસભ્ય તરીકે આઠ વર્ષના અનુભવ બાદ હવે રાષ્ટ્રીય ભૂમિકા પર ‘કોંગ્રેસ’માં જવા માગતા હતા. ભારતમાં કોંગ્રેસ એ રાજકીય પક્ષનું નામ છે પણ અમેરિકામાં પાર્લમેન્ટને કોંગ્રેસ કહે છે. પક્ષમાં તેમના અનેક મિત્રો હોવા છતાં તેમને કોંગ્રેસ (પાર્લમેન્ટ)માં જવાની ટિકિટ ન મળી. ફરી ટિકિટ માટે તેમણે ચાર વર્ષ રાહ જોવાનું નક્કી કર્યું. છેવટે તા.૧ મે, ૧૮૪૬ના રોજ વિગ પક્ષના સંમેલનમાં તેમને કોંગ્રેસમાં જવા માટે પક્ષના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા.

ક્યાં જવા માગો છો?

એ વખતે લિંકનની સામે પીટર કાર્ટરાઈટ નામનો ડેમોક્રેટિક પક્ષનો ઉમેદવાર ખૂબ જ પ્રભાવશાળી અને આગઝરતાં ધર્મોપદેશક ભાષણો આપનાર મજબૂત ઉમેદવાર હતો. તે ઝનૂની હતો. પીટર કાર્ટરાઈટ લિંકનની વિરુદ્ધ કંઈ કહી શકે તેમ નહોતો તેથી તે બધી જ સભાઓમાં લિંકનને નાસ્તિક કહેતો હતો. અબ્રાહમ લિંકન કોઈ પણ ખ્રિસ્તી સંપ્રદાયના કે ચર્ચના સભ્ય નહોતા. ચૂંટણી દરમિયાન તેમના હરીફે એક પેંતરો રચ્યો. તેમની સામેનો ઉમેદવાર પીટર કાર્ટરાઈટ એક સ્થળે ધાર્મિક પ્રવચન આપવાનો હતો. જાણીબૂઝીને યોજનાના ભાગરૂપે એણે એ સભામાં લિંકનને પણ આવવા આમંત્રણ આપ્યું. મિત્રોએ લિંકનને એ સભામાં ન જવા સલાહ આપી હતી, પરંતુ એ સલાહને અવગણીને લિંકન એ ધાર્મિક સભામાં ગયા. હવે લાગ જોઈને પીટર કાર્ટરાઈટે લિંકનને સાણસામાં લેવા એક યુક્તિ કરી. એણે સભાજનોને સંબોધતાં કહ્યું: ” જેઓ નવું જીવન જીવવા તથા પોતાનું હ્ય્દય ઈશ્વરને સર્મિપત કરવા ઇચ્છતાં હોય તથા જેઓ સ્વર્ગમાં જવા ઇચ્છતા હોય તે બધાં ઊભા થાય.”

લિંકન સિવાયના તમામ સભાજનો ઊભા થઈ ગયા. એ પછી કાર્ટરાઈટે બધાંને બેસી જવા કહી ફરી કહ્યું: “જેઓ નર્કમાં જવા ન ઇચ્છતા હોય તે બધાં ઊભા થાય.” આ વખતે પણ લિંકન સિવાયના બધાં જ સભ્યો એકદમ ઊભા થઈ ગયા.

એ પછી પીટર કાર્ટરાઈટે અબ્રાહમ લિંકનને પૂછયું: “મિ.લિંકન, તમે ક્યાં જવા માગો છો? હું એ પૂછી શકું?”

અબ્રાહમ લિંકને ઊભા થઈ જવાબ આપ્યોઃ “હું ન તો સ્વર્ગમાં જવા માગું છું કે ન તો નર્કમાં, હું કોંગ્રેસ (પાર્લમેન્ટ)માં જવા માગુ છું.”

નવા મતદારો મળ્યા

અબ્રાહમ લિંકનના આ સ્પષ્ટ જવાબની અસર પીટર કાર્ટરાઈટે ધારી હતી કે એ કરતાં ઊલટી થઈ અને મોટા ભાગના સભાજનો લિંકનની તરફેણમાં થઈ ગયા. લિંકનને અનાયાસે જ નવા મતદારો મળી ગયા. મણિશંકર ઐયરે જે રીતે નરેન્દ્ર મોદીને ચાવાળો કહી ફસાવવા કોશિશ કરી અને મોદીને અનાયાસે પણ આ રીતે જ નવા મતદારો મળી ગયા તેમ. ચૂંટણીનું પરિણામ અબ્રાહમ લિંકનની તરફેણમાં આવ્યું!

સહુને જીતવા માગું છું

ચાલો, ફરી બરાક ઓબામા પર આવીએ. ઓબામા ચૂંટણી લડી રહ્યા હતા. તેઓ જે શિકાગો યુનિવર્સિટીમાં ભણ્યા હતા તે રાઈડ પાર્કમાં આવેલી છે. ઓબામા ગોરા અને કાળાઓ વચ્ચે એક સેતુ બનવા માગતા હતા. આ સંદર્ભમાં તેમના એક અધ્યાપકે ઓબામાને સલાહ આપી કે ગોરા-કાળાઓને ભેગા કરવાની મથામણમાં એ બેઉ તારાથી દૂર થઈ જશે. આ રમત ડેન્જરસ છે.

એ વખતે તેમની કોલેજના એક પ્રિન્સિપાલે પૂછયું: “મિ.ઓબામા, તમારી વોટબેન્ક કઈ?”

“હાલ તો આફ્રિકન-અમેરિકન” ઓબામાએ જવાબ આપ્યો.

“તમે આ ગોરા અને કાળાઓને સાથે લાવવા પ્રયત્ન શા માટે કરો છો?”

“કારણ કે મારે ફક્ત ચૂંટણી જ જીતવી નથી.”

“એટલે?”

“આપણે સહુ કોઈએ જીતવું છે.”

“એટલે?”

“એટલે એનો અર્થ એ છે કે, વર્ષો સુધી આપણા દેશના લોકોને રોજગાર મળવાનો ન હોય, વર્ષો સુધી લોકોને સારી આરોગ્યની સેવાઓ મળવાની ન હોય, વર્ષો સુધી બાળકોને સારું શિક્ષણ મળવાનું ન હોય, વર્ષો બાદ પણ લોકોનાં ઘરમાં સાદું ફ્રીજ પણ ન હોય તો આપણે મતોનું રાજકારણ કરતા રહેવાનો કોઈ અર્થ નથી.”

અને કોલેજના પ્રિન્સિપાલે કહ્યું: “મિ.ઓબામા, તમારા જેવો યોગ્ય પ્રાધ્યાપક શોધેય નહીં મળે.”

ભારતની લોકસભામાં ચૂંટાયેલા અને નહીં ચૂંટાયેલા તમામ સભ્યો માટે આ પ્રસંગો એક સાંત્વન અને દિશાસૂચન છે. યાદ રહે કે રાજનીતિમાં કોઈ સ્ટાન્ડર્ડ રૂલબુક નથી. પરિણામનો મતલબ ધી એન્ડ નથી.

www. devendrapatel.in

એક ભાભીએ દિયર સાથે વેર લેવા યોજના ઘડી કાઢી

હરપ્રીત કૌરનું આજે લગ્ન હતું. ભાવિ પિયા સાથે ડોર બાંધવામાં હવે માત્ર ત્રણ જ કલાક બાકી હતા. હરપ્રીત મનમાં ઇન્દ્રધનુષી સ્વપ્નો નિહાળી રહી હતી. લુધિયાણાના સુપ્રસિદ્ધ ર્સ્ટિંલગ રિસોર્ટમાં લગ્નમંડપ સજાવવામાં આવ્યો હતો. મમ્મીએ કહ્યું : “બેટા! જલ્દી તૈયાર થઇ જા. બ્યુટીપાર્લરમાં સમય લાગશે.”

“હા, મમ્મીજી! ચાલો. હું તૈયાર છું.” : કહેતાં હરપ્રીત કૌરે તેની સખીઓ સાથે ઇનોવા કારમાં બેસી ‘આશા હેર એન્ડ કેર’ નામના સલૂન-બ્યૂટીપાર્લર પહોંચી. સલૂનના સંચાલક સંજીવ ગોયેલે મેકઅપ શરૃ કર્યો. સવારે બરાબર નવ વાગે એક યુવક પાર્લરમાં પ્રવેશ્યો. એણે મોં પર રૃમાલ બાંધી રાખ્યો હતો. તેના હાથમાં કોલ્ડડ્રીંકસની લીલા કલરની પ્લાસ્ટિકની બોટલ હતી. તે સીધો હરપ્રીતકૌર પાસે પહોંચી ગયો. સંજીવ ગોયેલ સમજ્યા કે દુલ્હનનો કોઇ સંબંધી પાર્લરની ચેરમાં બેઠેલી હરપ્રીત માટે કોલ્ડ ડ્રીંક લઇને આવ્યો છે. હરપ્રીત કૌર તેને જોઇ રહી. કોઇ કાંઇ સમજે તે પહેલાં અજાણ્યા યુવકે કોલ્ડડ્રીંકની બોટલમાં ભરેલુ તરલ પ્રવાહી હરપ્રીતકૌરના ચહેરા પર ઢોળી દીધું, અને બોટલ ત્યાં ફેંકી તે ભાગી ગયો.

હરપ્રીત કૌર એકદમ ચીસો પાડવા લાગી. તેના ચહેરા પરથી ધૂમાડા ઊઠી રહ્યા હતા. તેની પર તેજાબ ઢોળી દેવામાં આવ્યો હતો. તેજાબ છેક ગળા સુધી પ્રસરી ગયો હતો. બ્યુટીપાર્લરના માણસો અજાણ્યા યુવકને પકડવા બહાર દોડયા પરંતુ એ શખસ મારુતિ ઝેન કાર લઇ ભાગી ગયો.

હરપ્રીત કૌરને બેહદ નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તે તડપી રહી હતી. તેની હાલત ગંભીર હોઇ આઇસીયુમાં દાખલ કરવામાં આવી. ઘટના પણ બેહદ ગંભીર હોઇ પોલીસે ઉચ્ચ અધિકારીઓની એક ટીમને તપાસ સોંપી. શહેરમાં આ અગાઉ પણ ચાર-પાંચ યુવતીઓ પર તેજાબ ફેંકવામાં આવ્યો હતો. હરપ્રીતકૌર ૫૦ ટકા કરતા વધુ દાઝી ગઇ હતી.

પોલીસે તપાસ શરૃ કરી. પહેલી નજરમાં મામલો પ્રેમ સંબંધી લાગ્યો પરંતુ સવાલ એ હતો કે હરપ્રીતકૌર પર તેજાબ ફેંકવાવાળો અજાણ્યો શખસ કોણ હતો જેણે લગ્નના થોડા કલાક પહેલાં જ ખુશીને માતમમાં બદલી નાંખી. પોલીસે બ્યુટીપાર્લર જઇ તપાસ શરૃ કરી. સદભાગ્યે બ્યુટીપાર્લરની અંદર અને બહાર સીસીટીવી કેમેરાજ લાગેલા હતા. સીસીટીવી કેમેરામાં ઝડપાયેલા ફૂટેજમાં એક શખસ દેખાયો પણ તેણે ચહેરા પર રૃમાલ બાંધી રાખ્યો હતો, પરંતુ તેની મારુતિકારનો નંબર દેખાતો હતો. પોલીસે કારના નંબરની તપાસ કરી પરંતુ એ નંબર પણ બનાવટી નીકળ્યો.

પોલીસે હવે હરપ્રીતકૌરની માતા દેવિન્દર કૌર સાથે પૂછપરછ કરી એમણે કહ્યું : હા, મારી દિકરીની શાદી નક્કી થઇ તે પછી અમારા ઘેર ફોન પર ધમકીના ફોન આવતા હતા. ફોન પર અમને કહેવામાં આવતું હતું કે, તમારી છોકરીનું લગ્ન એ છોકરા સાથે ના કરો. હરપ્રીત કૌરનું લગ્ન થવાનું હતું એ યુવકનું નામ નીલમ છે.”

પોલીસને લાગ્યું કે, આ એકતરફી પ્રેમનો કિસ્સો લાગે છે. કોઇ યુવક હરપ્રીત કૌરને એકતરફી પ્રેમ કરતો હોવો જોઇએ. એ પછી પોલીસ ફરી આશા હેર એન્ડ કેર નામના બ્યુટીપાર્લર પહોંચી. પોલીસ એ શોધવા માંગતી હતી કે ઘટનાને અંજામ આપવાવાળી વ્યક્તિને કેવી રીતે ખબર પડી કે હરપ્રીત કૌર અમુક જ સમયે આ બ્યુટીપાર્લર આવવાની છે. પોલીસ બ્યુટીપાર્લરના સંચાલકને પૂછયું : હરપ્રીત કૌરના મેકઅપ માટે કોણે બુકીંગ કરાવ્યું હતું અને બીજા કોના કોના ફોન આવ્યા હતા?”

બ્યુટીપાર્લરના સંચાલકે કહ્યું : ‘હરપ્રીત કૌરના પરિવારે બુકિંગ કરાવ્યું હતું પરંતુ એક મહિલાના ફોન પણ અવારનવાર આવતા હતા તે વારંવાર પૂછતી હતી કે ‘હરપ્રીત કૌર મેકઅપ માટે ક્યારે આવવાની છે?’

પોલીસે ઇન કમિંગ કોલ્સની ડિટેઇલ્સ લીધી. હરપ્રીતકૌર માટે ફોન કરનાર મહિલાનો ફોન નંબર શોધી તેનું સરનામું પણ ટેલિફોન કંપની પાસેથી મેળવી લીધું. હરપ્રીત કૌર માટે પૂછપરછ કરનાર મહિલાનું નામ અમિતા હતું. તે પતિયાલા રહેતી હતી. પોલીસે એક ટીમ પતિયાલા મોકલી અને અમિતાને તેના ઘરમાંથી જ પકડી લીધી. શરૃઆતમાં તો એણે કાંઇપણ કહેવા ઇન્કાર કર્યો પરંતુ પોલીસે મનોવૈજ્ઞાાનિક રીતે કડકાઇથી પૂછપરછ કરી તો ખબર પડી કે, હરપ્રીતકૌર પર તેજાબ ફેંકાવવાવાળી માસ્ટર માઇન્ડ અમિતા હતી.

અમિતાએ તેજાબ કેમ ફેંકાવરાવ્યો તે કારણ પણ રસપ્રદ છે. અમિતાને હરપ્રીત કૌર સાથે કોઇજ દુશ્મનાવટ નહોતી. હકીકત એ હતી કે હરપ્રીત કૌરનું લગ્ન જે યુવક સાથે થવાનું હતું તે યુવક-નીલમની અમિતા સગી ભાભી હતી.

વાત જાણે એમ હતી કે હરપ્રીત કૌરની સગાઇ સરદાર રણજીતસિંહના પુત્ર નીલમ સાથે ગોઠવવામાં આવી હતી. આ સગાઇ બાદ કેટલાક અજાણ્યા લોકોના ફોન બંને પરિવારોના ઘેર આવવા લાગ્યા હતા. એ ધમકીઓની પરવા કર્યા વિના બંને પરિવારોએ નીલમ અને હરપ્રીત કૌરના લગ્ન માટે આગળ વધવા નિર્ણય કર્યો હતો પરંતુ લગ્નના થોડા કલાક અગાઉ જ નવવધૂ પર તેજાબ ફેંકવામાં આવ્યો. પોલીસે અમિતાની પૂછપરછ શરૃ કરી તો એક દિલચશ્પ કહાણી બહાર આવી.

અમિતા લુધિયાણામાં રહેતા સોહનસિંહની પુત્રી હતી. અમિતા બચપણથી મહત્ત્વાકાંક્ષી અને સ્વચ્છંદી હતી. તે ખૂબસુરત પણ હતી. લગ્ન પહેલાંથી જ કેટલાયે યુવકો સાથે તેના સંબંધ હતા. તે ઝઘડાળુ અને જિદ્દી પણ હતી. તેણે પોતાની મરજીથી સરદાર રણજીતસિંહના મોટા પુત્ર તરનજીત સિંહ સાથે લગ્ન કર્યુ ંહતું. નીલમ તેનો દિયર થતો હતો. તરનજીત અને તેના પિતા પાસે કરોડોની સંપત્તિ હતી. લગ્નના થોડા દિવસમાં જ અમિતાને ખબર પડી કે પતિ પૈસાદાર છે પરંતુ શરીર સુખ આપી શકવા સમર્થ નથી. થોડા દિવસો બાદ બધું ઠીક થઇ જશે પણ એમ થયું નહીં. અમિતા કામુક સ્ત્રી હતી. થોડા જ દિવસોમાં ઘરમાં ઝઘડા શરૃ થઇ ગયા. માત્ર કરોડોની સંપત્તિની તે માલિકણ હોવાથી હજુ તે એ જ ઘરમાં રહેતી હતી.

થોડા જ વખતમાં તરનજીત સિંહને ખ્યાલ આવી ગયો કે તેની પત્ની અમિતાને બીજા કેટલાક પુરુષો સાથે પણ અનૈતિક સંબંધો છે. વળી તે ઘરની બહાર જ વધુ સમય રહેતી હતી. ઝઘડો વધી ગયો. વાત આગળ વધતાં મામલો કોર્ટમાં ગયો. કોર્ટે છૂટાછેડા મંજૂર રાખ્યા. અમિતા ૭૪ લાખ રૃપિયા રોકડા અને બંગલો લઇ તેની ઇચ્છા વિરુદ્ધ છૂટી થઇ. અમિતા પૂરી સંપત્તિ પર આધિપત્ય જમાવવા માંગતી હતી પરંતુ કોર્ટે કહ્યું કે, સરદાર રણજીતસિંહની સંપત્તિમાં અમિતાના પતિ તરનજીત ઉપરાંત તેનો ભાઇ નીલમ પણ ભાગીદર-હિસ્સો ધરાવે છે તેથી બધી સંપત્તિની અડધી સંપત્તિ અમિતાને આપી ના શકાય. આ કારણથી અમિતા ભારે ગુસ્સા સાથે છૂટી થઇ. અલગ રહેવા લાગી હતી.

એક દિવસ તેને ખબર પડી કે તેના પૂર્વ દિયર નીલમનું હરપ્રીતકૌર સાથે લગ્ન થવાનું છે. આ સમાચાર મળતાં જ તેને સનક ચડી ગઇ. છૂટાછેડા પછી પણ તેને જે અનેક લોકો સાથે સંબંધ હતા તેમાં એક પલવિન્દર હતો. પલવિન્દર અપરાધી વૃત્તિ વાળો માણસ હતો. અમિતાએ પલવિન્દરને કહ્યું : ‘મારે મારા સાસરિયા સાથે બદલો લેવો છે. મારા દિયર નીલમની શાદી છે.’

પલવિન્દેર વ્હિસ્કી પીતાં પીતાં કહ્યું : ‘તું કહે તો નીલમને ઉડાવી દઉં.’

‘ના’ અમિતા બોલી : ‘મારે નીલમને કાંઇ કરવું નથી. હું મારા સાસરિયાના ઘરમાં શહેનાઇ વાગતી જોવા માંગતી નથી. તું નીલમને કાંઇ ના કર પણ તેની થનાર પત્ની હરપ્રીતકૌરના ચહેરાની સુંદરતા ખતમ કરી નાખ. એના ચહેરા પર તેજાબ ફેંક. બસ,આટલુ પૂરતુ છે. હરપ્રીત કૌરનો બેડોળ ચહેરો જોઇ નીલમ પરણશે નહીં. લગ્ન અટકી જશે. એ પછી એ પરિવારને બીજો કોઇ છોકરી નહીં આપે. મને મારા સાસરિયાના પરિવારની તમામ મિલકતમાં અડધો ભાગ જોઇએ છે તેથી ન તો મારા પૂર્વ પતિને પરણવા દઇશ કે ન તો મારા દીયરને. એ પરિવારને વાંઝિયો રાખીશ તો જ મારા આત્માને પણ શાંતિ મળશે. અને એક દિવસ મારા પતિ અને દીયરની મિલકતમાં હું અડધો અડધ ભાગ માંગવા હકદાર બનીશ.’

અમિતાના પ્રેમી પરવિન્દર સિંહે રૃ. ૧૦ લાખમાં હરપ્રીત કૌર પર નાંખવાની સોપારી લીધી. સવા લાખ રૃપિયા એડવાન્સ પણ લીધા. પલવિન્દરે તેની પ્રેમિકા અમિતાને યોજનાને અંજામ દીધો અને તેના પિત્રાઇ ભાઇ સનીને ચહેરા પર રૃમાલ બાંધી તેજાબ ફેંકવા મોકલ્યો. હરપ્રીત કૌર દાઝી ગઇ, પરંતુ અમિતાની ધરપકડ બાદ પલવિન્દર પણ ઝડપાયો. સની પણ ઝડપાયો પરંતુ હરપ્રીતકૌર કે જેનો આ મામલામાં કોઇ જ દોષ નહોતો તેણે ૨૦ દિવસ બાદ હોસ્પિટલમાં જ દમ તોડી લીધો.

કેવી ખતરનાક સ્ત્રી?

દીયરને કુંવારો રાખવા એક ભાભી એ તેના દીયરની થનાર વાગ્દત્તાની જિંદગીને ખતમ કરી નાંખી. કેરમની રમત યાદ છે ને! બાજુમાં પડેલી કૂકરીને મારવા જોમેટ્રીનો ઉપયોગ કરવામાં આવે છે! અમિતા એ પણ એવું જ કાંઇ કર્યું.

 
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

‘બળદનાં પૂંછડાં આમળનાર વાઇસ ચાન્સેલર બની ગયા છે’

ગુજરાતના પૂર્વ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઇસ ચાન્સેલર ઠાકોરભાઇ દેસાઇ જે ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા તે જ વિદ્યાપીઠના તેઓ કુલનાયક અર્થાત વાઇસ ચાન્સેલર થયા હતા. ડો. રાજેન્દ્ર પ્રસાદના અવસાન બાદ મોરારજી દેસાઇ ગૂજરાત વિદ્યાપીઠના ચાન્સેલર બન્યા હતા. કોઇએ તેમને પૂછયું કે, “ગૂજરાત વિદ્યાપીઠમાંથી તમે શું શીખ્યા?”

તો ઠાકોરભાઇ દેસાઇને જવાબ આપ્યો હતો : “ગાંધીજી, જગદગુરુ શંકરાચાર્ય, અંબાલાલ સારાભાઇ (મિલમાલિક અને મારો રવિયો દૂબળો એ સહુ સમાન છે.”

રવિયો દૂબળો

રવિયો દૂબળો એટલે કોણ?

ઠાકોરભાઇ દેસાઇ મૂળ નવસારી પાસેના ખરસાડ ગામના વતની. તેમના વડવાઓ મોસાળમાં ગણદેવી જિલ્લાના વેગાળ ગામે ગયા હતા. તેઓ અનાવિલ હતા. મોરારજી દેસાઇ પણ અનાવિલ હતા. વાપીથી તાપી વસતાં અનાવિલ ખેડૂત કુટુંબોમાં હાળીની પ્રથા હતી, હાળી એટલે સુખી જમીનદાર ખેડૂતના ત્યાં કાકા કરતો જમીનવિહોણો ખેત મજૂર. એક એક પ્રકારની ગુલામીની જ પ્રથા હતી. ઠાકોરભાઇ યુવાન હતા ત્યારે તેમના ઘેર ‘રવિયો’ નામનો હાળી-ખેતમજૂર કામ કરતો હતો. આ ‘રવિયો’ ઠાકોરભાઇના મનમાં વસી ગયો હતો. રવિયો એટલે સમાજનો નબળામાં નબળો છેવાડાનો ગરીબ માણસ. ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા બાદ ઠાકોરભાઇ દેસાઇ વાઇસ ચાન્સેલરથી માંડીને ગુજરાત સરકારમાં પ્રધાન બન્યા પરંતુ આ સમગ્ર કાળ દરમિયાન ‘રવિયો’- ગરીબ માણસની સેવા જ તેમનો જીવનમંત્ર બની ગયો. એટલે જ તેઓ રવિયા દૂબળાને અને મિલમાલિકને એક સરખા ગણતા.

પાંચ એડમિશન રિઝર્વ

એ વખતે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક એટલે કે વાઇસ ચાન્સેલર કોને બનાવવા તેની શોધ ચાલતી હતી. ઠાકોરભાઇ દેસાઇ તેમના સ્વભાવ પ્રમાણે કોઇ પદ માગે જ નહીં. વિદ્યાપીઠના વરિષ્ઠોએ નક્કી કર્યું કે, ‘ઠાકોરભાઇ દેસાઇને જ વાઇસ ચાન્સેલર બનાવો.’ ઠાકોરભાઇને વાઇસ ચાન્સેલર બનાવવાનું નક્કી થયું તે વખતે ઠાકોરભાઇએ વરિષ્ઠો આગળ એક શરત મૂકી : “તમારે દર વર્ષે મારા માટે પાંચ એડમિશન રિઝર્વ રાખવાં. હું જેના નામની ભલામણ કરું તેને એડમિશન આપવાં.”

પ્રસ્તાવ લઇને ગયેલા રામલાલ પરીખ તેમને ઓળખે એટલે એમણે તરત જ એ શરત મંજૂર રાખી. પણ વાત બહાર આવી ગઇ. અધ્યાપકોમાં ગણગણાટ શરૂ થયો : “આ શરત કેવી? પાંચ એડમિશન વાઇસ ચાન્સેલર ધારે તેને આપે તે કેવું?”

આદિવાસી વિદ્યાર્થી

કેટલાક સમય બાદ એક આદિવાસી ગરીબ વિદ્યાર્થીએ ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટે અરજી કરી. તે લેખિત પ્રવેશ પરીક્ષામાં નાપાસ થયો. તે વિદ્યાર્થી ઠાકોરભાઇ દેસાઇ પાસે આવ્યો. ઠાકોરભાઇ દેસાઇએ તે ગરીબ વિદ્યાર્થીને પ્રવેશ આપવા સૂચના આપી. કોઇએ પૂછયું : “આમ કેમ કર્યું?”

તો ઠાકોરભાઇ દેસાઇએ જણાવ્યું : “કોઇ વિદ્યાર્થી પછાત વિસ્તારમાંથી આવતો હોય અને તેને ભણવાની તીવ્ર ઇચ્છા હોય તો તેને પ્રવેશ મળવો જ જોઇએ. આવા પછાત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને ભણાવવા જ મેં ગૂજરાત વિદ્યાપીઠનું કુલનાયકપદ સ્વીકાર્યું છે. મેં શરત કરી હતી ને કે દર વર્ષે પાંચ એડમિશન મારા માટે રિઝર્વ રાખવાં. મેં આવા કામ માટે એ શરત મૂકી હતી.”

જેને ભણવું છે અને કોઇ ગરીબ રવિયા દૂબળાનો દિકરો છે તેથી તેને નિયમાનુસાર પ્રવેશ મળતો નથી એ વાત ઠાકોરભાઇ દેસાઇને ખૂંચતી.

શિક્ષણ ધનવાનો માટે જ

આજે અમદાવાદ જેવા શહેરોની સ્કૂલો, કોલેજો, ટેકનિકલ ઇન્સ્ટિટયૂટસ, બિઝનેસ મેનેજમેન્ટ કોલેજો કે યુનિર્વિસટીઓ ક્યાં તો મેરીટ્સ પર જ એડમિશન આપે છે અથવા તો ક્યાં તો પૈસા-ડોનેશન લઇને ‘પેમેન્ટ સીટ’ પર એડમિશન આપે છે ત્યારે ઠાકોરભાઇ દેસાઇ જેવી એકપણ વ્યક્તિ આજે ગુજરાતમાં નથી કે જે પછાત વિસ્તારમાંથી કે ગામડામાંથી કે ઝૂંપડપટ્ટીમાંથી આવેલા અને ભણવાની તીવ્ર ઇચ્છા રાખતા ઓછા માર્કસવાળા વિદ્યાર્થીની ચિંતા કરતી હોય! ખરેખર તો ભણવામાં નબળો છે તેને જ સહુથી વધુ શ્રેષ્ઠ શિક્ષણ આપવાની જરૂર છે. જે કુપોષિત છે તેને સારામાં સારુ પોષણ આપવાની જરૂર છે એમ સરકાર અને સમાજ માનતો હોય તો આ વાત શિક્ષણજગતમાં લાગુ કેમ પડતી નથી? શિક્ષણ એક લકઝરી બની ગયું છે. જેઓ ધનવાનો છે તેઓ તેમના સંતાનોને ઊંચી ફી ચૂકવીને દેશ-વિદેશની શ્રેષ્ઠ સ્કૂલોમાં મોકલે છે. જ્યારે ગરીબ માણસ તેના બાળકને મ્યુનિસિપલ કોર્પોરેશનની કે સરકારી પ્રાથમિક શાળામાં મોકલે છે. જ્યાં શિક્ષણનું ધોરણ ખાડે ગયું છે. આજે ગુજરાતના કે બીજા રાજ્યોના એક પણ મંત્રી કે ધારાસભ્યનો પુત્ર સરકારી પ્રાથમિક શાળા કે મ્યુનિસિપલ શાળામાં કેમ ભણતો નથી? એટલે ઠાકોરભાઇ દેસાઇને યાદ કરવા પડે છે. તેઓ માનતા હતા કે ગૂજરાત વિદ્યાપીઠ માત્ર ઊંચા ગુણ લાવનાર વિદ્યાર્થીઓ માટે જ નથી પરંતુ ભણવાની તીવ્ર ઇચ્છા ધરાવતા નબળા વિદ્યાર્થીઓ માટે પણ છે.

ઠાકોરભાઇ આઠમાવાળા

ઠાકોરભાઇ દેસાઇ આઠમા ધોરણથી અંગ્રેજી ભણાવવાના હિમાયતી હતા. યુનિર્વિસટીનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ તે માટેના આગ્રહી હતા. તેમના સાથી મગનભાઇ દેસાઇ કે તેઓ પણ એક તબક્કે ગુજરાત યુનિર્વિસટીના વાઇસ ચાન્સેલર થયા હતા. તેઓ પણ માતૃભાષાના કડક આગ્રહી હતા. મગનભાઇ દેસાઇના માતૃભાષાના ખૂબ હઠાગ્રહના કારણે ગુજરાતી માધ્યમ માટે’મગન માધ્યમ’ શબ્દ પ્રચલિત થયો હતો. કેટલાક લોકો ગુજરાત યુનિર્વિસટીના ટાવરને મગન ટાવર કહેતા. ઠાકોરભાઇ દેસાઇ અને મગનભાઇ દેસાઇના આઠમાથી જ અંગ્રેજી ભણાવવાના આગ્રહના કારણે એ વખતના કટાર લેખકો આ બંને મહાનુભાવો પર વ્યંગ કરતા : “જેમને અંગ્રેજી આવડતું ના હોય તે લોકો જ અંગ્રેજીનો વિરોધ કરે છે.’ એક કટાર લેખકે તો લખી નાંખ્યું કે ‘બળદીયા ચારનારા આ બે જણ બળદના પૂંછડા આમળતાં આમળતાં યુનિર્વિસટીના વાઇસ ચાન્સેલર બની ગયા છે.” એ બંને જણ ઉઠાં સુધી ભણેલા છે એવી વાત વહેતી થઇ હતી. દેખાવમાં પણ તેઓ પહેરવેશના કારણે ગામડીયા લાગતા.

વાસ્તવિકતા શું હતી?

પણ વાસ્તવિકતા કાંઇ જુદી જ હતી. ઠાકોરભાઇ દેસાઇ ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા અને અંગ્રેજી અને સંસ્કૃત સાથે ભાષાવિશારદની પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષા તો પાસ કરી પરંતુ પદવીદાન સમારંભમાં તેઓ પદવી લેવા ગયા નહોતા. કારણ ખબર નથી. ઘણાં વર્ષો સુધી તેમની પદવી વિદ્યાપીઠમાં અનામત પડી રહી હતી. ઘણાં વર્ષો બાદ તેમણે પદવી લીધી હતી. કાકા કાલેકરના તેઓ પ્રિય શિષ્ય હતા. ઠાકોરભાઇ દેસાઇએ વિનોબાજીના ગીતા પ્રવચને નામના મરાઠી પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. તે પછી વિનોબાજીના ‘સ્થિતપ્રજ્ઞા દર્શન’ પુસ્તકનો અનુવાદ કર્યો. એ પછી જવાહરલાલ નહેરૂએ જેલમાંથી તેમના પુત્રી ઇન્દિરાજીને જે પત્રો લખ્યા હતા તે પત્રો ‘લેટર, ફ્રોમ ફાધર ટુ વ્હિઝ ડોટર’ નામે પ્રગટ થયા હતા. તે અંગ્રેજી પુસ્તકનો અનુવાદ પણ ઠાકોરભાઇ દેસાઇએ ‘ઇન્દુને પત્રો’ ના નામે ગુજરાતીમાં કર્યો હતો. આ ઉપરાંત અચ્યુત પટવર્ધન અને અશોક મહેતાના ‘ધી કોમ્યુનલ ટ્રાયંગલ’ પુસ્તકનો પણ અનુવાદ તેમણે જ કર્યો હતો. મજાની વાત એ છે કે આ તમામ પુસ્તકોના અનુવાદક ઠાકોરભાઇ દેસાઇ હોવા છતાં તેમણે ક્યાંયે અનુવાદક તરીકે પોતાનું નામ મૂક્યું નથી. નોંધપાત્ર વાત એ છે,Collected Works of Mahatma પુસ્તકનો ગુજરાતી અનુવાદ પણ ઠાકોરભાઇ દેસાઇની કલમે થયો. તે પુસ્તકનું નામ “ગાંધીજીનો અક્ષર દેહ” છે. એ નામ પણ ઠાકોરભાઇએ જ આપ્યું હતું. કાકા સાહેબ કાલેલકર તો આ નામ પર જ વારી ગયા હતા. તેઓ બોલ્યા હતા : ‘આ નામ તો ઠાકોરભાઇને જ સૂઝે.”

અસ્ખલિત અંગ્રેજી

સહુથી અગત્યની વાત એ છે કે પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ ઠાકોરભાઇનું અંગ્રેજી તેમના સમકાલીનોના અંગ્રેજી કરતાં ઘણું ઉત્તમ હતું. ગૂજરાત વિદ્યાપીઠના યુનિર્વિસટીનો દરજ્જો આપવાના મુદ્દે યુજીસી તરફથી ડો. કોઠારીના અધ્યક્ષપદે એક ઉચ્ચ કમિટી ગૂજરાત વિદ્યાપીઠ આવી હતી. તે વખતે ઠાકોરભાઇ દેસાઇ વિદ્યાપીઠના કુલનાયક હતા. ડો. કોઠારી અને તેમના સભ્યો અંગ્રેજીમાં જ રજૂઆત સાંભળવાનો આગ્રહ રાખતા હતા. તે પછી ઠાકોરભાઇ દેસાઇએ અસ્ખલિત અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું. ડો. કોઠારી અને તેમના સાથીઓ ઠાકોરભાઇ દેસાઇના પ્રભાવશાળી અંગ્રેજીથી સ્તબ્ધ થઇ ગયા અને તેઓ તેમનું અંગ્રેજી બરાબર સમજી શકે તે માટે વાક્પ્રવાહ ધીમે કરવા વિનંતી હતી. ઠાકોરભાઇની મશ્કરી કરનાર એ વખતના કટારલેખકોને ખબર જ નહોતી કે ઠાકોરભાઇ દેસાઇ એલેકઝાન્ડર ડૂમા અને ચાર્લ્સ ડિકન્સન બધા જ પુસ્તકો અંગ્રેજીમાં વાંચી ચૂક્યા હતા. ઠાકોરભાઇ દેસાઇ સ્વયં એક સાક્ષર હતા.

આવા હતા ઠાકોરભાઇ દેસાઇ.

(ક્રમશઃ)

મગનભાઇ દેસાઇ અને ઠાકોરભાઇ દેસાઇની જ્યારે કટારલેખકો આવી મજાક કરતા હતા

રાજસભામાં જઇને મારે ત્યાં શું મંજીરા વગાડવાના છે?

નવી પેઢી માટે ઠાકોરભાઇ દેસાઇ અજાણ્યું નામ હશે. સ્વાભાવિક છે. હા આજની પેઢી અમદાવાદમાં લો-ગાર્ડન પાસે આવેલા ઠાકોરભાઇ દેસાઇ હોલને સારી રીતે જાણે છે. એ હોલ એમના નામનો જ છે. બસ એ જ ઠાકોરભાઇ દેસાઇની આ વાત છે. મોરારજી દેસાઇના જમાનાના તેઓ નેતા હતા. ૧૯૦૩ની સાલમાં જન્મેલા ઠાકોરભાઇ સ્વાતંત્ર્યસેનાની હતા અને અનેકવાર જેલમાં જઇ આવ્યા હતા,હિતેન્દ્રભાઇ દેસાઇના મંત્રીમંડળમાં તેઓ મંત્રી બન્યા હતા. માતૃભાષામાં જ શિક્ષણ આપવાના અને અંગ્રેજી આઠમા ધોરણથી જ શીખવવાના આગ્રહી હોઇ તેઓ ઠાકોરભાઇ આઠમાવાળા તરીકે પણ જાણીતા બન્યા હતા. સાદગી તેમની સ્વાભાવિક હતી. ગળી અને ઇસ્ત્રી વગરના જાડા ધોતિયા, કફની અને ગોળ મટોળ ટોપીવાળા ઠાકોરભાઇ દેસાઇ ગુજરાતી માધ્યમના આગ્રહી હોવા છતાં અંગ્રેજી ભાષાના અચ્છા જાણકાર હતા. ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા અને તે જ સંસ્થાના વાઇસ ચાન્સેલર પણ બન્યા હતા. રોટલો ને મરચુ ખાઇને જીવન ગુજારતા. રળિયા-દુબળા (ગરીબ લોકોના) તેઓ હિતચિંતક હતા.

ઠાકોરભાઇ દેસાઇઃ ગુજરાતના રાજકારણનું એક આખાબોલુ વિલક્ષણ વ્યક્તિત્વ હતા !

મંજીરા વગાડવા નથી

ધારાસભા કે પાર્લામેન્ટમાં જવા માટે આજે લોકો જાતજાતની રીતરસમો અને ખુશામતો કરે છે ત્યારે ઠાકોરભાઇ એક ભિન્ન પ્રકૃતિના માણસ હતા. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને તે પછી પ્રદેશ પ્રમુખ બન્યા હતા. રાજકારણમાં રહી પ્રજાના કામો કરવા માટે વિધાનસભા કે સંસદમાં જવું જોઇએ કે પ્રધાનપદુ મેળવવું જોઇએ અને એમ કરવાથી જ પ્રજાના કામો થાય એમ તેઓ માનતા નહોતા. પક્ષના પ્રમુખપદે પહોંચ્યા પછીય તેમણે ક્યારેય વિધાનસભા કે સાંસદની ટિકિટ મળે તેવી ઇચ્છા રાખી નહોતી. ૧૯૫૭ના અરસામાં તેમને રાજ્યસભાની ટિકિટ આપવાનું સૂચન થયું ત્યારે તેનો ઇન્કાર કરતાં તેમણે લાક્ષણિક રીતે કહ્યું હતું : ‘ત્યાં જઇને મારે શું મંજીરા વગાડવાના છે?’ તેમણે મંજીરા વગાડવાનો વિકલ્પ ના સ્વીકાર્યો અને ગુજરાતના સંસ્થાકીય રાજકારણના કેન્દ્રમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું?

ચાલીને કોંગ્રેસભવન જતાં

હાલ જ્યાં સરદાર સ્ટેડિયમ છે ત્યાં ૧૯૫૦ના સમયમાં બે તલાવડીઓ અને ટેકરો હતો. તેની સામે નવજીવન બ્લોકસ બાંધવામાં આવ્યા હતા. ૧૯૫૩ પછી ઠાકોરભાઇ નવજીવન પ્રેસના ટ્રસ્ટી તરીકે અહીં રહેવા આવ્યા હતા. નદી પારનો આ વિસ્તાર વગડા જેવો હતો. બસ પકડવી હોય તો હાલના સરદાર સ્ટેડિયમવાળી જગાએથી ઇન્કમટેક્સ સુધી ચાલીને જવું પડતું. એ જમાનામાં ટૂંકી પોતડી, ઝભ્ભો અને માથે તીરછી ટોપી પહેરી ઠાકોરભાઇ દેસાઇ ધગધગતા ઉનાળામાં નવજીવન બ્લોકસ (સરદાર સ્ટેડિયમ પાસે) થી કોંગ્રેસ હાઉસ, ભદ્ર, લાલદરવાજા સુધી ચાલીને જતા. એ વખતે નહેરુબ્રિજ નહોતો. નદી ઓળંગવા ગાંધી પુલ કે એલિસ્બ્રિજ જ ઓળંગવો પડતો. ઠાકોરભાઇ ગાંધી પુલ ઓળંગી કોર્ટની રાંગે રાંગે ચાલતા ભદ્ર-કોંગ્રેસ હાઉસના રોજ ચારથી પાંચ કલાક બેસતા.

ફી ભરવા પૈસા નહોતા

ઠાકોરભાઇ દેસાઇ મૂળ સુરત જિલ્લાના ખરસાડ ગામના વતની હતા પરંતુ અમદાવાદ આવી ઘર વસાવ્યું. ત્યારે ફર્નીચરમાં તેમણે બે ખુરશીઓ, એક ટેબલ, આરામ કરવા એક પાટિયું, બાળકોને રાખવા માટે બે ઢાળીયા, રેંટિયા મૂકવા અડધીયુ કબાટ, પાટીવાળા બે ખાટલા, અને લાકડાની બે પેટી બનાવરાવી હતી. અમદાવાદમાં ઉનાળો આકરો છતાં ઘરમાં સિલીંગ ફેન વસાવ્યો નહોતો. રેડિયો તે વખતે લકઝરી ગણાતો. ઠાકોરભાઇને સમાચાર સાંભળવાની ટેવ છતાં રેડિયો વસાવી શક્યા નહોતા. રેડિયો સાંભળવા તેઓ રોજ જીવણકાકાના ઘેર જતા. ઠાકોરભાઇ દેસાઇના પુત્ર જીતેન્દ્ર દેસાઇ પિતાના સંસ્મરણો આલેખતાં ‘રવિયા દુબળાના રખેવાળ’ પુસ્તકમાં લખે છે ‘૧૯૪૮માં હું અને કિલબિલ સી.એન.સ્કૂલમાં ભણતા હતા. એક મહિને ફી ના ભરી શક્વાના કારણે અમને બંનેને વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.’ બીજા દિવસે ઠાકોરભાઇ દેસાઇએ સીએનના આચાર્ય મણિભાઇ દેસાઇ’સ્નેહરશ્મિ’ ને ચિઠ્ઠી લખી સમયસર ફી ના ભરી શકવા માટે દિલગીરી વ્યક્ત કરી ફી ભરવા માટે મુદત માંગી હતી. એ ચિઠ્ઠી વાંચ્યા બાદ ઠાકોરભાઇ દેસાઇના સંતાનોને વર્ગમાં બેસવા દેવામાં આવ્યાં હતાં. ૧૯૫૬માં ઠાકોરભાઇ દેસાઇના પુત્ર જિતેન્દ્ર દેસાઇને પત્રકારત્વના અભ્યાસ માટે નાગપુરની કોલેજમાં જવું હતું પરંતુ ત્યાં હોસ્ટેલમાં રહી, ભણવાનું હોઇ એ ખર્ચ માટેની આર્િથક વ્યવસ્થા ના હોઇ ઠાકોરભાઇ દેસાઇએ પુત્રને ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ કર્યો હતો. અહીં પણ ફી મોડી ભરવા બદલ નોટિસ મળી હતી.

કંકોતરી ના છપાવી

પુત્રી કિલબિલના લગ્ન વખતે ઠાકોરભાઇએ કંકોત્રી પણ છપાવી નહોતી. લગ્ન મુંબઇમાં હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી યશવંતરાવ ચવાણને પણ ઠાકોરભાઇ કંકોતરી વગર રૂબરૂ જ આમંત્રણ આપવા ગયા હતા. યશવંતરાય ચવાણને દિલ્હી જવાનું હોઇ તેઓ આવી શકશે નહીં તેમ તેમણે કહ્યું ત્યારે ઠાકોરભાઇએ ચવાણના પટાવાળા વિઠુને લગ્નમાં મોકલવા કહ્યું હતું. મુંબઇમાં પ્રાંતિય સરકારો રચાઇ ત્યારે ખરે સાહેબ મુખ્યમંત્રી અને મોરારજી દેસાઇ ગૃહમંત્રી હતા. એ વખતે વિઠુ પણ દોરીદાર પાઘડી, સફેદ કોટ અને લાલ પટ્ટો પહેરતો પટાવાળો હતો. એ વખતે ઠાકોરભાઇ મોરારજીભાઇના પીએ હતા. તે પછી મોરારજીભાઇ કેન્દ્રમાં ગયા અને વિઠુ પણ યશવંતરાય ચવાણ સાથે આવી ગયો. ઠાકોરભાઇએ વિઠુને જોતા જ કહ્યું, ‘ચવાણ સાહેબ, તમે આવી ના શકો તો કોઇ વાંધો નહીં પણ આ વિઠુને ખાસ રજા આપજો જેથી તે મારી પુત્રીના લગ્નમાં આવે એ મારો જૂનો સાથી છે. કિલબિલને એણે નાનપણમાં હેતથી રમાડી છે.’ લગ્નમાં વિઠુ આવ્યો. ઠાકોરભાઇ માટે યશવંતરાય ચૌહાણ અને તેમના પટાવાળો એક સમાન હતા.

હાર્યા એટલે હાર્યા

૧૯૬૪માં ચૂંટણી આવી. એ વખતે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવાનું કામ ઠાકોરભાઇ દેસાઇએ કર્યું હતું. કોંગ્રેસના નેતાઓએ ઠાકોરભાઇને આગ્રહ કર્યો કે, ઠાકોરભાઇને હવે વિધાનસભામાં મોકલવા જોઇએ. વાત સ્વીકારાઇ. ઠાકોરભાઇ માટે નવસારી મતવિસ્તાર વધુ અનુકૂળ હતો પરંતુ પોતાના વતન (વેગામ)ની અને ગણદેવીના જૂના સાથી કાર્યકર્તાઓની લાગણીથી તેઓ ગણદેવીમાંથી ચૂંટણી લડયા અને હાર્યા. ધનવાનો ઇચ્છતા નહોતા કે ગરીબોના હિતચિંતક ઠાકોરભાઇ વિધાનસભામાં આવે. ઠાકોરભાઇ હાર પચાવી શક્યા પરંતુ કાર્યકર્તાઓ તેમ કરી શક્યા નહીં તેમણે એવો મુદ્દો શોધી કાઢયો કે મતદાનના ચોવીસ કલાક પહેલા પ્રચાર બંધ થઇ જવાની આચારસંહિતા છતાં સામેના ઉમેદવારે સભાઓ ભરી હતી તેના પુરાવા અને ફોટા રજૂ કરી ચૂંટણી રદ કરાવવા કોર્ટમાં જવું. પણ ઠાકોરભાઇએ એમ કરવા સંમતિ ના આપી. અંતે કહ્યું ‘હાર્યા એટલે હાર્યા… હવે આ બધાનો કોઇ અર્થ નથી.’ તે પછી પણ કાર્યકરોના ચહેરા પર નિરાશા જોઇ ઠાકોરભાઇ બોલ્યા ‘તમારા મોંઢા આવા કાળી શાહી જેવા કેમ થઇ ગયા છે? શું તમે કોઇ ગુનો કર્યો છે? તમે મહેનત કરવામાં કોઇ કચાશ રાખી નથી. પછી આ હતાશા શાની? હતાશા ખંખરી નાંખો અને ટટ્ટાર થઇ જાવ. આવી સાત ચૂંટણીઓ હારી જઇએ તો પણ નિરાશ થવાનું ના હો….” અને કાર્યકરો સ્વસ્થ થઇ ગયા. એટલું કહી તેઓ ગણદેવીથી અમદાવાદ આવવા નીકળ્યા. અમદાવાદ આવીને તેમણે પહેલું કામ રેંટિયો કાંતવાનુ કર્યું, તેમણે કોંગ્રેસ જેટલું જ રેંટિયામાં મન પરોવ્યું.

આજના કોંગ્રેસીઓ કારમી હાર પછી ઠાકોરભાઇ પાસેથી કંઇક શીખે.   (ક્રમશઃ)

નાપાસ થયા છો? ઓછા માર્ક્સ આવ્યા છે?

ફરી એક વાર ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો મંગલ પ્રારંભ થઈ ગયો છે. એ પહેલાં ઉચ્ચતર અભ્યાસક્રમો, કોલેજો અને વિશ્વવિદ્યાલયોનાં પરિણામો આવી ગયાં. ઘણાં નાપાસ થયાં. ઘણાંના માર્ક્સ ધાર્યા પ્રમાણે ન આવ્યા. ઘણા નિરાશ થયા.

નાપાસ થયા છો? ઓછા માર્ક્સ આવ્યા છે?

ડોન્ટ વરી!

જેઓ ૯૦ ટકા કરતાં વધુ ગુણ મેળવે છે, તેઓ જ સુખ, સમૃદ્ધિ અને ઉચ્ચતમ પદો પ્રાપ્ત કરે છે, એવું નથી. તેઓ માત્ર ચૂંટણી જ જીતે છે, તેઓ જ ભારતના ભાગ્યવિધાતા બને છે તેવું નથી. ગાંધીજી, સરદાર, જવાહરલાલ નહેરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ, દેવગૌડા કે નરેન્દ્ર મોદીને કદીયે પરીક્ષાઓમાં ફર્સ્ટક્લાસ માર્ક્સ આવ્યા નહોતા. ગાંધીજી ભણતા હતા ત્યારે કદીયે તેમની તસવીર શ્રેષ્ઠ પરિણામ માટે કોઈ અખબારમાં છપાઈ નહોતી. તેમના અક્ષરો પણ ગરબડિયા હતા છતાં તેઓ ભારતના રાષ્ટ્રપિતા કહેવાયા. અમદાવાદના ડો. વિક્રમ સારાભાઈ તો પિતા અંબાલાલ સારાભાઈની’રીટ્રીટ’ બંગલામાં ચાલતી ઘરશાળામાં ભણ્યા હતા. તેમ છતાં તેઓ દેશના મહાન વિજ્ઞાાની અને ભારતના અણુપંચના અધ્યક્ષ પણ બન્યા હતા. તેમનાં બહેન લીના મંગલદાસ પણ એવી જ ઘરશાળામાં ભણ્યાં હતાં છતાં ગુજરાતનાં શ્રેષ્ઠ કેળવણીકાર બન્યાં.’શ્રેયસ’ જેવી નવતર પ્રયોગવાળી શાળાની સ્થાપના કરી. લીનાબહેને તો મહાકવિ હોમરની કૃતિ ‘ઈલિયડ’નું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.

એ લોકો શું કહે છે?

સીબીએસ અને વાયકોમના ચેરમેન સમર રેડસ્ટોન કહે છેઃ “સફળતાની ઉપર સફળતાની ઈમારત ચણાતી નથી. નિષ્ફળતાના ભંગાર પર જ સફળતાની ઈમારત ચણાય છે. ઘણી વાર તો દુર્ઘટના પછી જ જીત થાય છે. યાદ રાખો કે નિષ્ફળતા બે રીતે મળે છે. એક તો આગળ વધવાથી અને બીજું આગળ ન વધવાથી અર્થાત્ નિષ્ક્રિય રહેવાથી.” એપલ કોમ્યુનિકેશન્સના સ્થાપક સ્ટીવ જોબ્સ કહે છેઃ “તમારો સમય મર્યાદિત છે. બીજાના અભિપ્રાયને મહત્ત્વ આપવાનું બંધ કરી દો. અન્યના વિચારોના કોલાહલને તમારા અંતરાત્માના અવાજ પર હાવી થવા ન દો. તમારા આત્માના અવાજને અનુસરો. તમે જ તમારી જાતને તારી શકો. તમારા કામના પ્રેમમાં પડી જાવ મજા આવશે.” ઓરેકલના સ્થાપક લેરી એલિસન કહે છેઃ “સફળતાની આડે આવે તેવી બધી જ નિર્બળતાઓ મારામાં હતી.”

રાઈટ બ્રધર્સ

નિષ્ફળતા પર સફળતાની ઈમારત ચણનારાં કેટલાંક નક્કર ઉદાહરણો આ રહ્યાં.

વિમાનની શોધ કરનાર રાઈટ બ્રધર્સ ડિપ્રેશન જેવી કાયમી પારિવારિક માંદગીના દર્દીઓ હતા. ૧૯૦૦ની સાલમાં તેમણે સાઇકલની દુકાન શરૂ કરી હતી અને પછી વિમાન ઉડાડવાના પ્રયોગો કર્યા હતા. વર્ષો સુધી તેમણે વિવિધ યંત્રો અને ગ્લાઇડર્સની મદદથી વિમાન ઉડાડવાના નિષ્ફળ પ્રયોગો કર્યા હતા. છેક તા.૧૭મી ડિસેમ્બર, ૧૯૦૩ના રોજ તેઓ ક્રિટી હોક, કેલિફોર્નિયા ખાતે પ્રથમ વિમાન ઉડાડી શક્યા હતા. આજે પણ તેમણે શોધેલી થ્રી એક્સિસ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ થાય છે. દરેક નિષ્ફળ પ્રયોગોએ તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

વિન્સ્ટન ચર્ચિલ

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ કહે છેઃ “સફળતા એ એક એવી ક્ષમતા છે જે એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ઘટાડયા વિના આગળ લઈ જાય છે.” વિન્સ્ટન ચર્ચિલ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં નાપાસ થયા હતા. બે વખત ઈંગ્લેન્ડના વડાપ્રધાન બન્યા હતા, પરંતુ ૧૯૨૯થી ૧૯૩૩ના સમયમાં તેઓ રાજનીતિમાંથી ફેંકાઈ ગયા હતા. ૧૯૪૫માં પણ ચૂંટણી હારી ગયા હતા. એ પછી હ્ય્દયરોગના અનેક હુમલા છતાં ૧૯૫૧માં ફરી ચૂંટાયા હતા અને બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. ૧૯૫૫માં તેમને તેમના પુસ્તક ‘ધી સેકન્ડ વર્લ્ડ વોર’ પુસ્તક માટે નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.

વોલ્ટ ડિઝની

મિકી-માઉસ જેવાં પાત્રોનાં સર્જક વોલ્ટ ડિઝનીને તેમના જીવનમાં સફળતા પહેલાં અનેક નિષ્ફળતાઓ મળી હતી. શરૂઆતમાં તેઓ એક અખબારમાં નોકરી કરતાં હતા. અખબારના તંત્રીએ તેમને કલ્પના અને નવા વિચારોના અભાવવાળી વ્યક્તિ કહી નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તે પછી તેમણે કેટલાંયે ધંધા કર્યા. એ બધાં જ નિષ્ફળ ગયા અને તેઓ દેવાદાર બની ગયા. એક દિવસ તેમને એનિમેશન ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. તેમણે ‘સ્નો વ્હાઈટ એન્ડ ધી સેવન ડ્વાર્ફસ’ ફિલ્મ બનાવી. કોઈ વિતરક તેને ખરીદવા તૈયાર નહોતો. એ ફિલ્મ ભારે ડિસ્કાઉન્ટ સાથે છબીઘરોમાં રજૂ થઈ અને એક ઇતિહાસ રચાઈ ગયો. વોલ્ટ ડિઝનીની કંપનીનું સામ્રાજ્ય આજે ૧૦૨.૨૫ બિલિયન ડોલરનું છે.

સિડની પોઈટર

અમેરિકન સિનેમામાં દંતકથા ગણાતા સિડની પોઈટર જ્યારે ૧૭ વર્ષની વયના હતા ત્યારે ન્યૂ યોર્કમાં ગંદકી સાફ કરનાર મજદૂર હતા. એ વખતે તેઓ બસ ર્ટિમનલના ટોઇલેટમાં સૂઈ જતા. એ પછી અમેરિકન લશ્કરમાં પણ મજદૂર તરીકે જ જોડાયા. ફરી ન્યૂ યોર્કના હાર્લેમ વિસ્તારમાં ગંદકી સાફ કરવાનું કામ કર્યું. એમનો પહેલો ઓડિશન ટેસ્ટ લેવાયો ત્યારે કાસ્ટિંગ ડાયરેક્ટરે તેમને કહ્યુંઃ “અમારા લોકોનો સમય બગાડવાના બદલે બહાર જઈ ડિશો ધોવાનું કામ કેમ કરતો નથી?” એ પછી સિડની પોઈટરે અભિનયમાં પોતાની ક્ષમતા વધારવા અને ભાષાશુદ્ધિ માટે પ્રયાસો શરૂ કર્યા. બીજા પ્રયાસે તેમને સફળતા મળી. બ્રોડવે પ્રોડક્શનમાં તેમને નાનકડો રોલ મળ્યો તેની અદ્ભુત સરાહના થઈ. ૧૯૬૩માં ‘લીલીર ઓફ ધી ફીલ્ડ’ નામની ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે ઓસ્કર એવોર્ડ મેળવનાર તેઓ પહેલા અશ્વેત અભિનેતા હતા.

માઈકલ જોર્ડન

વિશ્વના સર્વશ્રેષ્ઠ બાસ્કેટબોલ ખેલાડી તરીકે નામના પામેલા માઈકલ જોર્ડન સ્કૂલમાં ભણતા હતા ત્યારે સ્કૂલની બાસ્કેટ બોલ ટીમમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. એમણે ઘણી વાર કહ્યું હતું કે, “I have missed ૯૦૦૦ shots in my career. I have lostalmost ૩૦૦ games on ૨૬  occasions, I have been entrousted to take the game winning shots and I missed. I have failed over and over and over again in my life. and that is why I succeeded.”

અકિઓેેે મોરિતા

અકિઓ મોરિતાએ ધંધાની શરૂઆત કરી ત્યારે તેમણે સૌથી પહેલાં રાઈસકૂકર બજારમાં મૂક્યું હતું. જે એક નિષ્ફળ પ્રોડક્ટ હતી. માંડ ૧૦૦ કૂકર્સ વેચાયાં હતાં અને કેટલાંકના પાર્ટ્સ તો રાંધતી વખતે જ બળી ગયા હતા. આ ઘોર નિષ્ફળતા પછી અકિઓ મોરિતાએ અને તેમના ભાગીદારોએ નિષ્ફળતાથી હતાશ થવાના બદલે તેમણે નવાં ઉત્પાદનો માટે એક નવી જ કંપની ઊભી કરી જે આજે વિશ્વભરમાં ‘સોની કોર્પોરેશન’ તરીકે ઓળખાય છે. સોની કોર્પોરેશન મલ્ટિ બિલિયન ડોલરની કંપની છે.

નિષ્ફળતાઓના પાયા પર સફળતાની ઈમારત ચણાય છે. નિષ્ફળતાથી નિરાશ ન થાવ. હતાશા ખંખેરી નાંખો અને નવાં કામ માટે સજ્જ થાવ, સફળતા જરૂર મળશે.

ઓલ ધી બેસ્ટ!
www. devendrapatel.in

ભારત અને પાકિસ્તાન એક થઇ જાય, તો તાકાત નથી કે-

નામ છે, અંસાર બર્ની.

અંસાર બર્ની પાકિસ્તાનના નાગરિક છે. પાકિસ્તાનમાં રહી માનવ અધિકારના ક્ષેત્રમાં કામગીરી બજાવે છે. કરાચીમાં જન્મેલા અંસાર બર્ની એક સામાજિક કાર્યકર્તા પણ છે અને પાકિસ્તાનમાં માનવ અધિકારના મુદ્દાના જોરશોરથી ઉઠાવી રહ્યા છે. તેઓ પાકિસ્તાનમાં માનવ અધિકાર મંત્રી પણ રહી ચૂક્યા છે.

તાજેતરમાં તેઓ ભારત આવ્યા હતા. એક કાર્યક્રમ દરમિયાન પ્રવચન આપતા તેમણે જે વાતો કરી તે પાકિસ્તાનના સત્તાલક્ષી રાજકારણીઓ કરતાં સાવ અલગ હતી.

મારો ધર્મ ઇન્સાનિયત

અંસાર બર્નીએ કહ્યું : ‘મને અહીં (ભારત) આવવાથી બહુ જ ખુશી થઇ છે. આપ લોકોએ મને જે પ્રેમ આપ્યો છે તે બદલ હું આપનો આભારી છું. મિત્રો, આ સમયે હું આપને કહેવા માંગુ છું કે, હું માત્ર ઇન્સાનિયતમાં વિશ્વાસ રાખું છું. મારો ધર્મ ઇન્સાનિયત છે, મારો મુલ્ક ઇન્સાનિયત છે. હિન્દુ, શિખ, ઇસાઇ, મુસલમાન અને યહૂદી તો ખાનદાન છે. આ બધા જ ધર્મ એક પરિવાર છે. એક ઘરમાં રહેવાવાળાનું નામ મુસલમાન છે. તો બીજા ઘરમાં રહેવાવાળાને આપણે હિન્દુ કહીએ છીએ. ઇસાઇ, શિખ અને યહૂદી અલગ અલગ ઘરોમાં રહે છે. એ બધાના નામ અલગ અલગ છે, પણ તેઓ એકબીજાથી જુદા નથી.

લોહીનો રંગ એક

આપણા બધાનો જન્મ એકજ રીતે થાય છે. આપણા અહેસાસ અને ભાવનાઓ એક સમાન છે. એટલે કે ઇશ્વરે આપણી વચ્ચે કોઇ ભેદ ઊભો કર્યો નથી. હવે સવાલ એ ઊભો થાય છે કે, આપણે બધા એક જ છીએ, તો આપણે એકબીજાથી નફરત કેમ કરીએ છીએ? એક ધર્મનો માનવી બીજા ધર્મના માનવીની કતલ કેવી રીતે કરી શકે કે ખૂન વહાવી શકે? શુ કોઇએ બીજાને મારતાં પહેલા પોતાના શરીર પર સોંય ભોંકીને જોયું છે કે તેમ કરવાથી ખુદને જ કેટલું દર્દ થાય છે? શું કોઇએ બીજાનું ખૂન વહાવતા પહેલાં એ જોયું છે કે એના લોહીનો રંગ કેવો છે? જો આપણા લોહીનો રંગ એક છે, આપણાં દુઃખ-દર્દ એક છે, તો આપણે એકબીજાને નુકસાન કેવી રીતે પહોંચાડી શકીએ છીએ? એ કોણ લોકો છે, જે ધર્મના નામે બીજાઓની કત્લ કરાવવા માંગે છે?

ધર્મ શું કહે છે?

કોઇપણ મજહબ નફરતનું શિક્ષણ આપતો નથી. પછી તે હિન્દુ ધર્મ હોય, ઇસ્લામ હોય કે ઇસાઇ, મેં કોઇ ધર્મમાં નફરત નિહાળી નથી. દરેક ધર્મ ઇન્સાનિયતનો સંદેશ જ આપે છે નહીં તો, એ આપણને જાનવર જ બનાવી શકતો હતો. ઇશ્વરે આપણને ઇન્સાન બનાવ્યો, જેથી આપણે નેક કામ કરી શકીએ. એણે આપણને ઇન્સાન બનાવવાની સાથે કેટલીક જવાબદારીઓ પણ સોંપી છે. ઇન્સાન હોવાના નાતે આપણી એ જવાબદારી છે કે આપણે આસપાસમાં રહેતા લોકોની મદદ કરીએ, તેમનો ખ્યાલ રાખીએ, ના કે તેમનું લોહી વહેવરાઇએ. અગર બીજા લોકો દુઃખો સહન કરતા હોય તો આપણે ખુશ કેવી રીતે રહી શકીએ? આ તો માનવતાની ખિલાફ છે. અગર બીજાનું દર્દ તમને ખુશી દેતું હોય તો એ જીવન બેકાર છે. હું એવી જિંદગીને શરમજનક સમજુ છું, જે બીજાઓની તકલીફોની વચ્ચે ખુશીઓ મનાવે છે. જે સ્થળ પર આપણે ઇબાદત કરીએ છીએ, ત્યાં ફક્ત પ્યાર અને શાંતિની વાત હોવી જોઇએ. ત્યાં બીજાઓને દર્દ દેવાની વાત હોઇ શકે નહીં. દરેક ધર્મ કહે છે કે, દુઃખી અને મજબૂર લોકોની મદદ કરો.

જે લોકો ખૂનામરકી કરે છે, તેમને હું પૂછું છું કે શું તેમણે કદી વિચાર્યું છે કે અગર તેમનો એક હાથ કે પગ કાપી લેવામાં આવે, તો તેમને કેટલું દર્દ થશે? આખરે એ આપણા ભાઇઓને આટલું દર્દ શા માટે આપે છે? શા માટે આપણને એકબીજાથી દૂર કરવાની કોશિશ થઇ રહી છે? આપણને શા માટે આવી નફરતોની આગમાં જલાવવામાં આવે છે? શા માટે આપણને વહેંચી દેવામાં આવી રહ્યા છે? આપણે એ વિચારવું જોઇએ કે, આ બધી તાકાતોની મંશા શુ છે, એમના ઇરાદા શું છે?

અવાજ ઉઠાવો

હવે સમય આવી ગયો છે કે, આપણે આવી તાકાતોની વિરુદ્ધ અવાજ ઉઠાવીએ આ ઇન્સાનિયતની માંગ છે. આ આજની જરૂરિયાત છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે, સમુદ્રમાં એક જહાજ જઇ રહ્યું હતું. સમુદ્રની નીચે તળ પર મોજુદ કેટલાક લોકો જહાજમાં છીદ્ર પાડી રહ્યા હતા. શાયદ એ લોકો જહાજને ડૂબાડવાની ઇચ્છા રાખતા હતા. જહાજના ઉપરના હિસ્સામાં બેઠેલા લોકો બડા આરામથી આ નજારો જોઇ રહ્યા હતા. એમણે કહ્યું : ‘જે થાય તે થઇ રહ્યું છે તે થવા દો, આપણને શું?’ એ લોકોએ જહાજમાં છેદ કરી રહેલાઓને રોક્યા નહીં. એમને લાગ્યું કે, ‘જહાજ ડૂબશે તો ફક્ત નીચેવાળા લોકો જ ડૂબશે અને આપણે ઉપર છીએ માટે બચી જઇશું.’ તેથી જ કહું છું મારા ભાઇ, આપ લોકો પણ એવી ભૂલ કરશો નહીં. અગર જહાજ ડૂબશે તો આપણે બધા જ મરી જઇશું, કોઇ બચશે નહીં.

આવો આજે આપણે બધા જ પ્રતિજ્ઞાા કરીએ કે, આપણે જહાજને ડૂબવા દઇશું નહીં. એ જહાજ શું છે? એ જહાજ છે ઇન્સાનિયતની અજમત એ નક્કી કરી નાંખીએ કે આપણે ઇન્સાનિયતને ઊની આંચ આવવા નહીં દઇએ. આપણી કોશિષ રહે કે આપણે ભારત અને પાકિસ્તાનને એકબીજાની કરીબ લાવીએ, એમની વચ્ચે શાંતિ પ્રસ્થાપિત કરીએ. એ કઇ તાકાતો છે કે જે બે મુલ્કોને કરીબ આવવા દેતી નથી. કોણે એમને એકબીજાથી દૂર રાખવા કોશિશ કરે છે? મેં અહીં આવતા પહેલાં કોઇને કહ્યું હતું કે, જો ભારત અને પાકિસ્તાન એક થઇ જાય, તો બંને દેશ એટલી તરક્કી કરી દેશે કે ત્રીજા કોઇની જરૂર જ નહીં રહે. આપણે બંને મુલ્કોને કરીબ લાવવાના છે.

આ કેવી રાજનીતિ?

આ કેવી રાજનીતિ છે? અગર પાકિસ્તાનમાં કોઇ શખસ પકડાય છે, તો કહેવામાં આવે છે કે તે ભારતનો જાસૂસ છે. અગર ભારતમાં કોઇ શખસ પકડાઇ જાય તો કહેવામાં આવે છે કે, તે પાકિસ્તાનનો જાસૂસ છે. આ કેવી વાત? કોણ જાસૂસી કરે છે, ‘કોની જાસૂસી કરાવે છે, અને કેમ? અગર કોઇ જાસૂસી કરે છે તો એ બંધ થાય. આ સિલસિલો અટકવો જોઇએ. હું કોઇ નેતા નથી. મારે અને રાજનીતિને કોઇ લેવાદેવા નથી. મારી ખ્વાહીશ છે કે બંને દેશો એકબીજાની નજીક આવે. યુદ્ધ અને વિસ્ફોટોમાં કાંઇ જ નથી. મેં હિંસામાં કોઇ હિન્દુ, શીખ, ઇસાઇ કે મુસલમાનને મરતાં નથી જોયો. મેં અગર કોઇને મરતા જોયા છે તો તે એક પિતા, એક પત્ની, એક મા અગર એક પુત્રને છે. આપણે આ રિશ્તાઓને બચાવવા છે, તો આપણે એક પિતા, એક ભાઇ અને એક મા બની વિચારવું પડશે ત્યારે જ આપણે સમજી શકીશું કે યુદ્ધ અને વિસ્ફોટ કેટલી હદે ઇન્સાનિયતને તબાહ કરી રહ્યા છે.”

અંસાર બર્નીની વાત અહીં પૂરી થાય છે. જે પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે, તે જ પાકિસ્તાનમાં અલ્લાહનો એક સાચો બંદો અને ઇન્સાનિયતનો ફરિશ્તો પણ વસે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Page 1 of 3

Powered by WordPress & Theme by Anders Norén