Devendra Patel

Journalist and Author

Month: June 2013 (Page 1 of 2)

પૂરપીડિતો ભલે ભૂખે મરે,પણ મંદિરોમાં છપ્પનભોગ

અબજોની સંપત્તિ ધરાવતાં દેશનાં એ ધનાઢય મંદિરોના વડાઓ ચૂપ કેમ ?

શ્રીમદ્ ભગવદ્ગીતાના ૭મા અધ્યાયના ચોથા, પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે : “હે અર્જુન ! પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ આઠે પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. એ મારી જડ પ્રકૃતિ છે, પણ એ સિવાય પણ તેનાથી આખું જગત ધારણ કરાય છે એ મારી ચેતના પ્રકૃતિને ઓળખ. સઘળા જીવો આ બંને પ્રકૃતિથી ઉદ્ભવેલા છે અને હું જગતનો પ્રભવ અને પ્રલય પણ છું.” ભગવાનએ એથીયે આગળ વધીને ગીતાજીમાં કહ્યું છે કે, હું દરિદ્ર નારાયણોમાં વસું છું અને મને તત્ત્વથી ઓળખનારો જ્ઞાની ભક્ત મને અતિ પ્રિય છે.”

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન દેશ અને દુનિયામાં, ખાસ કરીને ઉત્તરાખંડમાં ઘટેલી પ્રકૃતિના કોપની અને માનવતા વિહોણી ઘટનાઓ એ વાતનો ઇશારો કરે છે કે, પાંચ હજાર વર્ષ પહેલાં શ્રીકૃષ્ણએ આપેલો જ્ઞાનબોધ હવે માત્ર ગ્રંથો પૂરતો જ સીમિત થઈ રહ્યો છે. જેમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે તે તેનું વિસર્જન કરી શકે છે. ભક્તિની સમજણ વગરની દોટમાં ભગવાનને પ્રિય એવો જ્ઞાનમાર્ગ વિસરી જવાયો છે. ઉત્તરાખંડ એ હિમાલયની પર્વતમાળાઓમાં આવેલી તપોભૂમિ છે. આ તપોભૂમિને પવિત્ર યાત્રાના બદલે મધુરજની કે સહેલગાહ કરવાની ભોગ ભૂમિ કોણે બનાવી ? પર્યટકો માટે ધર્મશાળા ઓછી અને હોટેલો વધુ કોણે ખોલી ? ધાર્મિક સ્થળોનું વ્યાપારીકરણ કોણે કર્યું ? લોકોએ, વેપારીઓએ અને ધર્મ ધુરંધરોએ પણ આત્મનિરીક્ષણ કરવાનો આ સમય છે. ધર્મની એવી તો કઈ ગ્લાનિ થઈ કે ઈશ્વર તપોભૂમિ પર જ નારાજ થયા ? એ તપોભૂમિ પર જ ઈશ્વર આટલો નારાજ કેમ ? છે કોઈ કથાકાર પાસે એનો જવાબ ? છે કોઈ સંત-મહાત્મા કે મહંત પાસે આનો જવાબ ?

સંતો-મહંતો ક્યાં છે ?

સંતો-મહંતો અને ધાર્મિક વડાઓ તેનો જવાબ આપી શકે તેમ નથી, કારણ કે આ દેશનાં મોટાભાગનાં દેવમંદિરો, આશ્રમો હવે ‘ધર્મના મૂડીવાદ’નાં પ્રતીક બની ગયાં છે. ભગવાન તો કહે છે, હું ખાતો નથી, પણ દરિદ્રનારાયણોમાં વસું છું.” ઉત્તરાખંડની ભૂમિ પર જેટલા લોકો પૂરના કારણે મૃત્યુ પામ્યા તેટલા જ લોકો ભૂખના કારણે પણ મૃત્યુ પામ્યા. ટેલિવિઝન સ્ક્રિન પર લોકોને હચમચાવી દે તેવા હૃદયદ્રાવક દૃશ્યો પ્રર્દિશત થતાં હોઈ દેશનાં મોટાભાગનાં ધનાઢય દેવમંદિરોના વડાઓ આ મહાભયાનક આફત વખતે અસંવેદનશીલ રહ્યા. એ મંદિરોમાં ભગવાનને આરતી થતી રહી, પણ ઉત્તરાખંડનાં ૬૦૦ ગામોનો આક્રંદ એમને સ્પર્શ્યો નહીં. ભગવાનને છપ્પનભોગ ચઢાવતા રહ્યા, પરંતુ રોટલીના એક ટુકડા માટે ટળવળતાં બાળકો ભૂખના કારણે જ મૃત્યુ પામતાં રહ્યાં. ધર્માચાર્યો ચાંદીના ઝૂલે ઝૂલતા રહ્યા, પરંતુ બીજી બાજુ નદીઓનાં પૂરમાં લોકો તણાતા રહ્યા. નેતાઓ ધર્મના નામે રાજનીતિ કરતાં રહ્યાં, પરંતુ એકમાત્ર લશ્કરના જવાનો જ જાનની બાજી લગાવી માનવીય સેવા કરતા રહ્યા.

ધનાઢય મંદિરો

એ દુઃખની વાત છે કે, આટલી ભયાનક કુદરતી આપદા વખતે દેશના ધનવાન દેવમંદિરોના ખજાનાનાં તાળાં ખૂલ્યાં નહીં. ભારતના જે મંદિરો પાસે અઢળક ધનનો ખજાનો છે તેમાં (૧) વૈષ્ણોદેવીનું મંદિર, (૨) પદ્મનાભ સ્વામીનું મંદિર, (૩) તિરુપતિ બાલાજીનું મંદિર, (૪) મિનાક્ષી મંદિર, (૫) સોમનાથ મંદિર, (૬) શ્રીનાથજી મંદિર, (૭) ગુરુવપુરપમ મંદિર, (૮) શિરડી સાંઈબાબાનું મંદિર, (૯) પુરી જગન્નાથજીનું મંદિર, (૧૦) સિદ્ધિ વિનાયકનું મંદિર, (૧૧) અંબાજીનું મંદિર, (૧૨) ડાકોર શ્રી રણછોડરાયનું મંદિર, (૧૩) કાલુપુરનું શ્રી સ્વામિનારાયણ મંદિર, (૧૪) શાહીબાગ શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિર, (૧૫) મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. જેમાં જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે આવેલ વૈષ્ણોદેવીના મંદિરની વાર્ષિક આવક રૂ. ૫૦૦ કરોડ છે. કેરાલામાં આવેલું શ્રી પદ્મનાભ સ્વામીનું મંદિર એક લાખ કરોડનો જંગી ખજાનો ધરાવે છે. તિરુપતિ બાલાજીનું મંદિર રૂ. ૫૦ હજાર કરોડની સંપત્તિ ધરાવે છે. તિરુપતિમાં ભગવાનને ૧૦૦૦ કિલોના સોનાથી મઢેલા છે. શિરડી સાંઈબાબાના મંદિરની રોકડ રકમનું રોકાણ રૂ. ૪૨૭.૪૦ કરોડનું છે. એ સિવાય તેની પાસે રૂ. ૨૪.૪૧ કરોડનું સોનું અને રૂ. ૩.૨૬ કરોડની ચાંદી છે. સિદ્ધિ વિનાયક મંદિરની રૂ. ૧૨૫ કરોડની એફ.ડી. છે. હા, એ નોંધનીય છે કે, કાલુપુરના સ્વામિનારાયણ મંદિરે,પીડિતો માટે રસોડા શરૂ કર્યા છે. શાહીબાગના અક્ષર પુરુષોત્તમ મંદિરે તથા મણિનગરના સ્વામિનારાયણ મંદિરે પૂરપીડિતોને જીવન જરૂરિયાતની ચીજોની સહાય કરી છે અને મૃતકો માટે મંદિરોમાં પ્રાર્થના પણ કરી છે. એ જ રીતે જગન્નાથ મંદિરે તથા પિરાણા નિષ્કલંક સંસ્થાએ પણ દાન મોકલ્યું છે, પણ અબજોની સંપત્તિ ધરાવતાં દેશનાં બીજાં ધનાઢય મંદિરોને પીડિતોની વેદના સ્પર્શી નથી.

જીવદયા ક્યાં ગઈ ?

આ સિવાય દેશનાં પાલિતાણા તથા સમેતશિખર ઉપરાંત જેવાં જૈન મંદિરો ઉપરાંત બીજાં જૈન મંદિરો પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે. જૈન મંદિરોને થતી દાનની આવક દેવદ્રવ્ય કહેવાય છે. તેમના ધર્માચાર્યો આ દેવદ્રવ્યને મંદિરો સિવાયના બીજા કોઈ હેતુ માટે વાપરવા દેતા નથી. તેઓ જીવદયાનો ઉપદેશ આપે છે, પણ મંદિરનું ધન લોકોના જીવ બચાવવા માટે કે ભૂખ્યા દરિદ્રનારાયણો માટે તે વાપરી શકાતું નથી. જૈન શ્રેષ્ઠીઓ પણ એક એકથી ચઢિયાતાં જૈન મંદિરો બાંધવાની સ્પર્ધામાં પડી ગયા છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુ મરી ના જાય તેની કાળજી રાખતા લોકો હજારો માનવીઓના મૃત્યુની સંવેદના કેમ સ્પર્શતી નહીં હોય ?ઉત્તરાખંડની વિભિષાકાથી તેઓ કેમ વ્યથિત નથી ? આસારામ બાપુ અને બાબા રામદેવ જેવા સાધુ-સંતોના આશ્રમો પાસે કરોડોની સંપત્તિ છે. તેમની પાસે ટલિવિઝન ચેનલો, વિદેશમાં ટાપુઓ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ પણ છે. વિમાનમાં પણ ફર્સ્ટ ક્લાસ સિવાય મુસાફરી કરતા નથી. આ બધાને હરિદ્વારથી માંડીને ઋષિકેશ અને બદ્રીનાથમાં જમીનો મેળવી ત્યાં આશ્રમો ઊભાં કરવામાં રસ છે, પણ જે ગરીબ લોકોના મકાનો ધ્વસ્ત થયા છે તેને ઊભાં કરવામાં કોઈ રસ નથી. કેટલાક પોલિટિકલ સાધુઓને ૨૦૧૪ની ચૂંટણીમાં જેટલો રસ છે તેટલો ઉત્તરાખંડને બેઠું કરવામાં નથી. માત્ર રાજકીય હેતુ જ ધરાવતાં કેટલાંક હિન્દુ સંગઠનોને કેદારનાથનું મંદિર ફરી બંધાય અને તેમાં જલદી પૂજા શરૂ થાય તેમાં રસ છે, નિરાધાર બની ગયેલા લોકોના પુનર્વસવાટમાં તેમને રસ નથી. ‘મંદિર પહેલાં- માનવી પછી’ આ માનસિકતા રાજનીતિ અને ધર્માંધતાથી ભરેલી છે.

કથાકારો ક્યાં ?

એ જ રીતે દેશની ધાર્મિક ચેનલો પર રોજ કથાઓ પ્રસારિત કરાવતા કથાકારો પણ આ કરુણાંતિકાથી અસ્પૃશ્ય છે. રૂ. ૫૦-૫૦ લાખના ખર્ચે કથાઓનું આયોજન કરાવતા કથાકારોનાં ટ્રસ્ટો અને આશ્રમો પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. એ બધા શુકદેવજી મહારાજ જેવા અકિંચન નથી. ઉત્તરાખંડના રહીશોના પુનર્વસવાટ માટે તેઓ તેમની તિજોરી ખોલવા તૈયાર નથી. આ કથાકારો ભગવાન વેદવ્યાસે કે તુલસીદાસે કહેલો જ્ઞાનબોધ લોકોને આપે છે, પરંતુ તેને પોતાના જીવનમાં ઉતારવા માંગતા નથી. એકાદ અપવાદરૂપ કથાકારે પીડિતોને સહાય જરૂર મોકલી છે. બાકી, હવે વૈષ્ણવોના મંદિરોમાં ભગવાનને નીતનવા વાઘા પહેરાવતા વૈષ્ણવ આચાર્યોએ ઉત્તરાખંડના નાગા-ભૂખ્યાં લોકોના તન પર પણ વસ્ત્રો પહેરાવવાનો સંકલ્પ કરવો જોઈએ. ભગવાન તો બિચારા કાંઈ આરોગતા નથી છતાં રોજ તેમની સમક્ષ બુંદીના લાડુ, મગસના લાડુ અને થોરનાં થાળ ધરાવવામાં આવે છે અને છેવટે તેને આચાર્યો, પૂજારીઓ અને પંડાઓ જ ખાઈ જાય છે. એક દિવસ તેઓ સાચા ઉપવાસ કરી થોડીક અન્ન સહાય પૂરપીડિતોને મોકલશે તો ભગવાન જરૂર તેમની પર પ્રસન્ન થશે. નરસિંહ મહેતાએ તો સાચા વૈષ્ણવની વ્યાખ્યા આપતાં એક ભજનમાં વર્ષો પહેલાં કહ્યું છે : “વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે ! પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ના આણે રે !”

ક્યાંક કોઈને પીડિતો પ્રત્યે લાગણી થઈ હોય અને થોડી ઘણી મદદ કરી હોય તો તેના ફોટા છપાવવાનો આગ્રહ રાખવો તે પણ’દાનવીર’ ગણાવવાનો સૂક્ષ્મ અહંકાર છે. ભગવાનને આવો અહંકાર ગમતો નથી.

૨૦૫૦ પહેલાં ભયંકર પ્રલય માટે તૈયાર રહો

ભયંકર પૂર, કાતિલ ઠંડી, ધગધગતી ગરમી અતિવૃષ્ટિ ને ભીષણ દુષ્કાળ માટે તૈયાર રહો

ભાઈ ગુરુદાસજી નામના એક હિન્દી ભાષી કવિની સુંદર રચના છે,જેમાં તેમણે આ ધરતી કોનાથી પીડિત છે તે વાતનું વર્ણન કર્યું છે. આ કાવ્ય રચનામાં ધરતી સ્વયં પોકારે છે : ”હું એ પર્વતોના ભારથી પીડિત નથી. હું મારી ગોદમાં બિછાવેલી વનસ્પતિ, વૃક્ષો, છોડ કે જીવ-જંતુઓના ભારથી પણ પીડિત નથી, હું નદી- નાળાં, સમુદ્રોના ભારથી પણ દુઃખી નથી, પરંતુ મારી પર બોજ છે તો એમનો છે જે મારી સાથે છળકપટ કરે છે, વિશ્વાસઘાત કરે છે અને જે કુદરતની ફિજાઓમાં શ્વાસ લે છે અને તેનો જ દ્રોહ કરે છે.”

૨૦૫૦ પહેલાં ભયંકર પ્રલય માટે તૈયાર રહો

ધરતીની આ વેદના સાવ સાચી છે. કેદારનાથ પર આવેલી આપદામાં હજારો માણસોએ જાન ગુમાવ્યા. કોઈએ પતિ ગુમાવ્યો કોઈએ પત્ની, કોઈએ માતા-પિતા તો કોઈએ સંતાનો. ટેલિવિઝનના સ્ક્રીન પર દેખાતાં કુદરતી આફતનાં દૃશ્યો ખૌફનાક હતાં. સ્વજનોને ગુમાવી બેઠેલાં લોકોની વેદનાનાં દૃશ્યો હૃદયને હચમચાવી દે તેવા હતાં. પણ એ બધામાં સહુથી ખરાબ વાત એ હતી કે  દેશના ખૂણેખૂણેથી આપેલા યાત્રાળુઓ એક ભયંકર આપત્તિમાંથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે ઉત્તરાખંડમાં લૂંટફાટનો નગ્ન નાચ પણ ચાલ્યો. કેટલાંક લોકોએ મૃતદેહો પરથી દાગીના ઉતારી લીધા. આભૂષણો લૂંટવા શબોના હાથ અને ગળા કાપ્યાં. લાશોને ફંફોળી ફંફોળીને તેમની નીચે દટાયેલા પર્સ અને મોબાઈલ લૂંટયા. એટલું જ નહીં પરંતુ ભગવાન શિવના મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટી પણ લોકો લૂંટી ગયા. લુટારાઓએ બેંકોના એટીએમ પણ લૂંટયા. ચાર ચાર દિવસથી ભૂખ્યાં લોકો અને બાળકો ભૂખથી મરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ ચાવલની એક થાળીના રૂ.૫૦૦ અને એક રોટલીના રૂ.૧૮૦ પડાવ્યા. એથીયે વધુ તો પરાકાષ્ટા એ હતી કે, એકલી પડી ગયેલી સ્ત્રીઓ પર બળાત્કાર પણ થયા. શું આ છે ભારતીય સંસ્કૃતિની વિરાસત ? તમામ પક્ષોના નેતાઓ ૨૦૧૪ની ચૂંટણીઓને લક્ષ્યમાં રાખી માનવ લાશો પર પોતાની રાજકીય ખીચડી પકવતા રહ્યા અને બીજી બાજુ સેંકડો માણસો માત્ર ભૂખ અને બીમારીથી પણ મૃત્યુ પામ્યા. ક્યાં ગઈ માનવતા ? ક્યાં ગયા કથાકારોના ઉપદેશ ? ક્યાં ગયો ભગવાન શ્રી રામનો આદર્શ ? કયાં ગયું ભગવાન શ્રીકૃષ્ણનું ગીતા જ્ઞાન ? ક્યાં ગયો ઈસુનો દયાનો ઉપદેશ ?ક્યાં ગયો ભગવાન બુદ્ધનો અને મહાવીરનો પ્રેમ અને અહિંસાનો ઉપદેશ ? કેદારનાથ પર પ્રકૃતિના ખૌફના દૃશ્યો કરતાં માનવીએ ખેલેલા ભ્રષ્ટ અને બેઈમાનીનાં કરતૂતોના દૃશ્ય વધુ બિહામણાં હતાં.

નદીઓનો લય તોડયો

ભારતમાં નદીઓને લોકમાતા કહે છે. વૈદિક સભ્યતા અને સંસ્કૃતિનો મૂળ આધાર નદીઓ છે. ગંગા, જમુના, નર્મદા, સરસ્વતી કે કાવેરી જેવી નદીઓમાં સ્નાન કરવું તે પણ પવિત્રતાનું પ્રતીક ગણાય છે. ઋગ્વેદમાં ઋષિઓ કહે છે : ”દેવતા રક્ષા કરે, પૂર્વજો રક્ષા કરે, જળ ભરેલી પ્રવાહમાન નદીઓ પણ અમારી રક્ષા કરે.” એમ પણ કહેવાય છે કે, ”નદીના લયમાં રાષ્ટ્રનો લય છે, એમ ના થાય તો પ્રલય.” જો કાંઈ ઉત્તરાખંડમાં થયું તે નદીઓના પ્રવાહને ઠેર ઠેર રોકવાથી જ થયું. નદીઓનાં પ્રવાહને અનેક સ્થળે રોકી તેના લયબદ્ધ પ્રવાહને તીતરભીતર કરી નાંખ્યો. આજકાલ ઉત્તરાખંડમાં ૨૨૦થી વધુ વિદ્યુત પરિયોજનાઓ ચાલી રહી છે. બીજી ૬૦૦ વિદ્યુત પરિયોજનાઓ પ્રસ્તાવિત છે. ટિહરી જેવા બંધ બનાવવા માટે પર્વતોને કોતરવા રાક્ષસી યંત્રો કામે લગાડવામાં આવેલાં છે. આ યંત્રો પર્વતોની ભીતર વિશાળ સુરંગો પણ બનાવેલ છે. એ માટે પૃથ્વીની અંદર મોટી સંખ્યામાં વિસ્ફોટ પણ કરવામાં આવે છે. ઠેર ઠેર ડાયનેમાઈટથી ધરતીની છાતી ચીરવામાં આવી રહી છે. ગંગા, યમુના, અલકનંદા, ભાગીરથી, મંદાકિની, પિંડર, ધાંગલી, કાલી, ગોરી ગંગા, રામગંગા અને વિષ્ણુગંગાના તટવર્તી વિસ્તારોમાં સહુથી વધુ વિસ્ફોટો કરવામાં આવ્યા છે. આ તમામ નદીઓના કુદરતી પ્રવાહને આંતરવામાં આવ્યા છે. પરિણામે અતિ ભારે વર્ષાથી વરસેલા પાણીએ પોતાનો બીજો માર્ગ શોધી લીધો અને ઉત્તરાખંડને તબાહ કરી દીધું.

ટિહરી ડેમ- વિનાશક ?

નિષ્ણાતોના મતે આ બનવાનું જ હતું. આ કામ આજકાલનું નથી. પ્રકૃતિને અવરોધવાનું કામ ૧૯૬૦થી શરૂ થયેલું છે. કોઈ પણ રાજનીતિજ્ઞો વિકાસની આંધળી દોટમાં પર્યાવરણ નિષ્ણાતોની, વિજ્ઞાનીઓની કે ધાર્મિક નેતાઓની સલાહ સાંભળી જ નહીં. ટિહરી ડેમ પાછળ આજ સુધીમાં રૂ.૧૦,૦૦૦ કરોડ ખર્ચાઈ ચુક્યા છે. બીજા ૨૪૪ હાઈડલ પ્રોજેક્ટ બાંધવાનું આયોજન થઈ ચૂક્યું છે. પંચેશ્વર ડેમ તો ટિહરી ડેમ કરતાં મોટો હશે. ઘણા ઓછા લોકોને ખબર છે કે કેટલાક ડેમ ખેડૂતોને ઓછો લાભ આપે છે અને પાવર લોબીના માધાંતાઓને વધુ શ્રીમંત બનાવે છે. ટિહરી હાઈડ્રોપાવર ડેવલપમેન્ટ કોર્પોરેશનના સત્તાવાળાઓએ કહ્યું કે ”ડેમમાં આવેલું ૨.૫ લાખ ક્યુસેક પાણી અમે ડેમમાં જ સગ્રંહિત કરી રાખ્યું હતું. અમે માત્ર ૧૭.૬ હજાર ક્યુસેક પાણી જ છોડયું હતું.” એનો અર્થ એ કે જો ટિહરી ડેમનું એ બધું જ પાણી ડેમને બચાવવા છોડવામાં આવ્યું હોત તો ઋષિકેશ અને હરદ્વાર જેવાં આખાને આખા નગરો જ એ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જાત, અને મૃત્યુ આંક લાખોમાં હોત. બીજી ગંભીર વાત એ છે કે જે સ્થળે ટિહરી ડેમ બન્યો છે તે વિસ્તારની ભૂમિ- જમીન એટલી મજબૂત નથી કે આટલું બધું પાણી તેની છાતી પર સંઘરી શકે. આ કારણથી ટિહરી ડેમમાંથી થોડા દિવસો બાદ પાણીનો વિશાળ જથ્થો છોડવો જ પડશે. તે નવેસરથી ભયંકર પૂર લાવી શકે છે. જો એમ ના કરવામાં આવે તો ડેમ આખો તૂટી જાય. ટૂંકમાં બીજી ભયંકર આફત માથા પર ઝળૂંબે છે. અત્યારે જ ઉત્તરાખંડને જે નુકસાન થયું છે તેના કારણે રાજ્યના રોડ રસ્તા અને બીજા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઊભું કરવા રૂ.૨૧૦૦૦ કરોડ જોઈશે. રાજ્યના ૧૦૦૦ કિલોમીટર રસ્તા અને ૩૦૦ જેટલા પુલ ધોવાઈ ગયા છે. હજારો ખાનગી અને સરકારી મકાનો ધ્વસ્ત થઈ ગયાં છે. સૌથી મોટી કરુણતા તો એ છે કે યાતના ભોગવતા માણસોને બચાવવા પ્રયાસ થયો પણ હજારો નિર્દોષ પશુઓ આ જળપ્રવાહમાં ખેંચાઈ ગયાં. જે બચ્યાં છે તેમને જીવાડવાની કોઈને ચિંતા નથી. મૂંગાં અને અબોલ પશુઓ તો તેમની વેદના વ્યક્ત કરવા પણ સમર્થ નથી. છેલ્લાં ૧૨ વર્ષ દરમિયાન પોલિટિકલ લોબી અને કોન્ટ્રાક્ટર લોબીએ માત્ર પૈસા માટે જ પ્રકૃતિ સાથે જે છેડછાડ કરી તેનાં પરિણામો આજે ભોગવી રહ્યા છીએ. 

આફતોની ચેતવણી

ગ્લોબલ વોર્મિગના કારણે વિશ્વનું હવામાન બદલાઈ રહ્યું છે. ક્યાંક અતિવૃષ્ટિ થાય છે, ક્યાંક ભયંકર દુષ્કાળ પડે છે, ક્યાંક કલ્પનાતીત બરફ વર્ષા થાય છે, તો ક્યાંક ભયંકર ગરમી પડે છે. વૃક્ષોનું છેદન અને પીગળતી હિમશીલાઓ ૨૦૫૦ સુધીમાં કેદારનાથ કરતાં પણ ભયંકર પ્રલય લાવશે એવી નિષ્ણાતોની આ આગાહી માત્ર ભારત માટે નહીં આખા વિશ્વ માટે છે. કુદરતની આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. વિશ્વભરની વૈજ્ઞાનિક સંસ્થાઓએ પોતાના લેટેસ્ટ અહેવાલો દ્વારા વિશ્વને કુદરતના બદલતા મિજાજ અંગે ફરી ચેતવણી આપી છે. આઈપીસીસીના અહેવાલ અનુસાર એવી ચેતવણી આપવામાં આવી છે કે, ૨૦૫૦ સુધી નિયમીત રૂપે હવામાનમાં જબરદસ્ત ફેરફારો થશે અને જલપ્રલયથી માંડીને ભયંકર ઠંડી અને ભયંકર દુષ્કાળથી માંડીને ભયંકર ગરમીના પ્રકોપની ઘટનાઓ ઘટી શકે છે. એ જ રીતે વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયાના કેટલાંક દેશોમાં પાણીની જબરદસ્ત તંગી અને ભયંકર જળપ્રલય પણ થઈ શકે છે. મોનસૂન ચક્ર અનિયમિત બની જશે. હિમાલયનો બરફ પીગળી જતાં તેમાંથી નીકળતી નદીઓ સુકાવા માંડશે. કોલકત્તા, અને મુંબઈ જેવાં શહેરો સહિત બંગલાદેશના કેટલાંક વિસ્તારોમાં જળસ્તર વધવાથી માંડીને ચક્રવાત, પૂર આવશે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ, માઉન્ટેન ડેવલર્પમેન્ટ મે ૨૦૧૩ના સમયે જ ચેતવણી આપી હતી કે હિમાલયની ગ્લેસિયર્સ પીગળવાથી તબાહી મચી શકે છે. ભયંકર પૂર પણ આવી શકે છે. હિમાલયના હિન્દકુશ ક્ષેત્રમાં ગ્લેસિયર્સ ઝડપથી પીગળી રહ્યાં છે. અફઘાનિસ્તાનથી બર્મા સુધીમાં ૨૦ હજાર ગ્લેસિમર સરોવરો છે. આ સરોવરો ઓગળવા માંડે તો થોડી જ મિનિટોમાં લાખો ક્યૂબીક મીટર પાણી છોડી શકે છે. એમ થાય તો મોટાં મોટાં નગરો પાણીનાં ઊંચાં મોજાંઓમા ગરકાવ થઈ જશે.એ જળપ્રલયથી કોઈ બચશે નહીં. વિકાસની આવી આંધળી દોટ વિનાશ જ લાવશે.

ઘાસના ભારા ઊંચકી ભણી પીએચ.ડી. થઈ પણ આજે-

બી.એ., બી.એડ્., એમ.એ., એમ.ફિલ. અને પીએચ.ડી થયેલી ગ્રામ્ય યુવતીની સંઘર્ષ-કથા

નામઃ ડો. કપિલાબેન પટેલ.

વતનઃ લીંબ, તા. બાયડ, જિ. સાબરકાંઠા

પિતાઃ મંગળદાસ પટેલ (ખેતી)

માતાઃ રૂપાબેન (નિરક્ષર- ઘરકામ)

એક દિવસ સાંજે પાતળી દેહલતા ધરાવતાં કપિલાબેન ‘સંદેશ’ કાર્યાલય પર આવી પહોંચે છે. એ શરૂ કરે છેઃ ”સર, મેં બી.એ., એમ.એ., એમ.ફિલ., સી.આઈ.સી., પીએચ.ડી., નેટ, ફેલોશિપ અને સ્પીપા અમદાવાદમાંથી સીસીસી કર્યું છે. મારા ઘરમાં ચાર ભાઈ-બહેનોમાં હું સહુથી મોટી છું. મેં મારા ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક અભ્યાસ કરેલો છે. મારાં માતા-પિતા ખેતીમાં વ્યસ્ત હોઈ મારાં નાનાં ભાઈ-બહેનોને મેં જ ભણતાં ભણતાં ઉછેર્યાં છે.

ઘાસના ભારા ઊંચકી ભણી પીએચ.ડી. થઈ પણ આજે-

માધ્યમિક શિક્ષણ ધો-૮માં ભણવાનું મારા માટે શક્ય જ ન હતું. પિતાની આર્થિક પરિસ્થિતિ સાવ કંગાળ હતી. માંડ ખાવાના દાણા પણ પૂરા ન થાય તેટલું ખેતીમાંથી મળતું. એટલે મને આગળ ભણાવી શકે એવી એમની સ્થિતિ ન હતી. પણ એમના વિચારો બહુ જ ઉચ્ચ હતા. ૮,૯ ધોરણ મેં મારા મોસાળ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભોજાના મુવાડા ગામની શ્રેયસ વિદ્યામંદિરમાં ભણી પાસ કર્યું. ૧૦માં ધોરણમાં પ્રવેશતાં જ પિતાએ મને ઘરે બોલાવી લીધી. હવે હું બાજુના ગામ ઉંટરડાની નવચેતન હાઈસ્કૂલમાં રોજના પાંચ કિ.મી. ચાલીને ભણવા જવા લાગી. ગામના તમામ છોકરા બસમાં કે જીપમાં જતા હતા ત્યારે ૫૦ પૈસા ટિકિટભાડુ હતું. જે મારા માટે શક્ય ન હતું. એ વખતે મારી હાઈસ્કૂલના શિક્ષક નંદાસણ, મહેસાણાના બાબુભાઈ પટેલ જે અમારા ગામમાંથી આવજા કરતા હતા. તેમની સાથે રોજ પાંચ કિલોમીટર ચાલીને સ્કૂલે જવા લાગી.ં ધો.૧૨ પાસ કર્યા પછી મારે આગળ ભણવું હતું પરંતુ અમારા સમાજમાં તે સમયે ઘણી ગેરમાન્યતાઓને કારણે છોકરીઓને ખાસ કોઈ ભણાવતું નહીં.

મારું સગપણ પણ હું જ્યારે દોઢ વર્ષની હતી ત્યારે કરી દેવામાં આવ્યું હતું. તે લોકોનો તો સ્પષ્ટ અભિપ્રાય હતો કે તમારે તમારી છોકરીને હવે ભણાવવામાંથી ઉઠાડીને પરણાવી દો. પરંતુ મારાં પિતા મક્કમ હતા. તેમની ઈચ્છા મને આગળ ભણાવવાની હતી. પણ આર્થિક પાસું તેમની મજબૂરી હતી. તેઓ ઈચ્છવા છતાં મારા માટે કશું કરી શકે તેમ ન હતા. તે સમયે મેં મારી જાતે નિર્ણય કર્યો કે ગમે તેટલી તકલીફ પડે પણ આગળ તો ભણવું જ છે. મારી પાસે ભાડાંના પૈસા ન હોવા છતાં હું મારા કાકા પાસેથી ભાડાંના પૈસા માગીને અને ઉછીનો લાવેલો પંજાબી ડ્રેસ પહેરીને તલોદ કોલેજમાં ફોર્મ ભરી આવી. પરંતુ તે વર્ષની ફી નહીં ભરી શકવાના કારણે અને કોલેજમાં પહેરવા માટેના યોગ્ય કપડાંના અભાવના કારણે મારે ઘેર બેસી રહેવું પડયું. કપડાંનો પ્રશ્ન એ હતો કે ૧૨માં ધોરણ સુધીનો પહેરવેશ ચણિયો અને શર્ટ હતો. પરંતુ તે કપડાં કોલેજમાં તે પહેરી શકાય નહીં. કોલેજમાં પંજાબી ડ્રેસ જોઈએ. જે લેવા માટે હું અને મારા પિતા તલોદના વાણિયાની કાપડની દુકાનમાં ગયા. જ્યાં મારા દાદા અને ત્યારબાદ પિતા પણ કપડાં ઉધાર લાવતા હતા અને દર વર્ષે ખાતું સરભર કરતાં હતા. ત્યાં દેવું વધી ગયેલ હોવાથી તેમણે અમને ચોખ્ખી ના પાડી દીધી. પણ મેં હિંમત કરીને રડતાં રડતાં તેમને કહ્યું કે મારા પિતાની શાખ પર નહીં તમે મને મારી પોતાની શાખ પર એક જોડી ડ્રેસનું કાપડ આપો. કારણ કે ડ્રેસના કારણે મારું એક વર્ષ બગડયું છે. મારે આગળ ભણવું છે અને તેમણે મને એ આપ્યું. ડ્રેસ તૈયાર કરાવી દીધો અને ફરીથી બીજા વર્ષે મેં કોલેજનું ફોર્મ ભર્યું અને કોલેજ શરૂ કરી. કોલેજમાં માત્ર બસમાં પાસના પૈસાનો જ ખર્ચ થતો હતો જે હું ખેત-મજૂરી કરીને પૂરો કરતી હતી. અને પુસ્તકો કોલેજની લાઈબ્રેરીમાંથી મળતા હતા. આ રીતે મેં કોલેજનું પ્રથમ વર્ષ પૂરું કર્યું અને બીજા વર્ષમાં આવી. કોલેજના આ અભ્યાસ દરમિયાન હું સામાજિક વિરોધોના વંટોળમાં એટલી તો ફંગોળાઈ કે મને ઘણીવાર ખૂબ જ લાગી આવતું. આ બે વર્ષ દરમિયાન હું ભણતી હતી એ કારણસર મારી પ્રથમ સગાઈ તૂટી અને બીજી જગ્યાએ સગાઈ થઈ. તે પણ તૂટી ગઈ, પરંતુ હું અને મારા પિતાજી મક્કમ હતા. આ દરમિયાન મારા પિતાને એવા ટોણા સાંભળવા પડેલા કે ભણાવવાનું બંધ કરીને છોકરીને પરણાવી દો. નહીં તો કોલેજના કોઈ છોકરાને લઈને ભાગી જશે. આ બધું સહન કરીને પણ મેં ટી.વાય.બી.એ.માં પ્રવેશ લીધો. આ દરમિયાન હાલ જ્યાં મારું લગ્ન થયેલ છે. ત્યાં મારી સગાઈ થઈ અને એમ.એ. અડધું પૂરું થયું ત્યાં મારા લગ્ન પણ થયા. મારા સાસુ-સસરા અને પતિ ખૂબ જ સંસ્કારી અને ઉચ્ચ વિચારોના હોવાથી સમાજે મને કારણ વગર બદનામ કરી દેવા છતાં મને ખૂબ જ માન અને ઈજ્જતથી સ્વીકારી. સમાજમાં એક અપૂર્વ દાખલો બેસાડયો.

એમ.એ. પાર્ટ-૨ પૂરું કર્યા બાદ મેં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ અભ્યાસ (એમ.ફિલ) માટે પ્રવેશ લીધો. પ્રવેશ દરમિયાન હું ગર્ભવતી હતી. મેં ફરીથી પ્રવેશ પ્રક્રિયા પૂરી કરી એમ.ફિલ. ડિગ્રી લીધી હતી ત્યારબાદ ૧ વર્ષનો બી.એડ્.નો કોર્સ કર્યો. લગ્ન પછીની તમામ ડિગ્રીઓનો ખર્ચ મેં પશુપાલનનો વ્યવસાય કરી પાર પાડયો. મને સ્વાવલંબનના પાઠ ગાંધીજીની સંસ્થામાંથી શીખવા મળ્યા હતા.

બી.એડ્. પૂરું કર્યા બાદ તલોદમાં જ પ્રાથમિક શિક્ષણ ટ્રેનિંગ કોલેજમાં મને આઠ હજાર પગારની નોકરી મળી ગઈ. આ નોકરી દરમિયાન મેં પીએચ.ડી.ની પદવી ગૂજરાત વિદ્યાપીઠમાંથી લીધી. જેમાં દર શનિવારે કોલેજની નોકરી પૂરી થયા બાદ હું (ઘરે નાનાં બાળકો હોવા છતાં) ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં અને માર્ગદર્શકશ્રીને મળવા જાઉં. આ રીતે મેં પીએચ.ડી. પૂરું કર્યું. ત્યારબાદ કોલેજમાં વ્યાખ્યાતા બનવા માટેનું મેરિટ બનાવવા માટે મેં મારા વિષયમાં યુજીસી નેટ (નેશનલ એલિજીબિટી ટેસ્ટ ફોર લેક્ચરરશિપ) સખત મહેનત કરીને પાસ કરી. આર્થિક પાસું હજુ એટલું સબળ ન હોવા છતાં મેરિટ માટે પાંચ પુસ્તકો લખ્યા અને સંશોધનાત્મક લેખો લખ્યા અને મારા વિષયમાં ગુજરાતમાં પ્રથમ નંબરનું મેરિટ વર્ષ ૨૦૦૮-૦૯માં મેળવ્યું.

પ્રથમ નંબરનું મેરિટ મેળવવા મેં નવ વર્ષ સંઘર્ષ કર્યા. કોલેજ કક્ષાએ વ્યાખ્યાતાઓની નિમણૂક બે રીતે થતી. એક તો ગ્રાન્ટેડ કોલેજોની ભરતી અગાઉનાં વર્ષોમાં મેરિટના ધોરણે નહીં પણ પૈસા અને લાગવગથી થતી. એટલે પ્રામાણિક અને હોશિયાર ઉમેદવારને તક મળતી નહીં. ગુજરાતની સરકારી કોલેજોમાં વ્યાખ્યાતાઓ જેની ભરતી જે ગુજરાત જાહેર સેવા આયોગ કરે છે. આ ભરતી ૧૯૯૮માં થયેલ. ત્યારબાદ અને આટલા વર્ષો યોગ્યતા મેળવીને આ ભરતીની કાગડોળે, ચાતક નજરે રાહ જોઈને બેઠા હતા અને ભરતી ૧૩ વર્ષ બાદ (૨૦૧૧-૧૨માં) આવી. જેમાં વયમર્યાદા અગાઉ ૧૯૯૮માં થયેલ આ ભરતીમાં લઘુતમ વયમર્યાદા ૩૫ વર્ષ હતી. જ્યારે તેર વર્ષ બાદ ભરતી આવી હોવા છતાં અત્યારે વયમર્યાદા ઘટાડીને ૩૦ વર્ષ કરી દેવામાં આવી છે. જેના કારણે મને જ નહીં ગુજરાતમાં મારા જેવા તો ૨૦૦ થી ૩૦૦ ઉમેદવારોની કારકિર્દી ખતમ થઈ ગઈ. આ માટે મેં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવશ્રી સમક્ષ આ પ્રશ્નની રજૂઆત કરી, પણ કોઈ કંઈ જ સાંભળવા તૈયાર નથી. છેલ્લે મેં મુખ્યમંત્રીને આ બાબતે રૂબરૂ મળીને સઘળી હકીકત સમજાવવાનું વિચારી મેં તેમની રૂબરૂ મુલાકાત માટે પ્રયત્ન કર્યો. ઓગસ્ટ-૨૦૧૨થી મેં અનેક રૂબરૂ મુલાકાત માટે પ્રયત્ન કર્યો છે પણ હજુ સુધી કોઈ જ જવાબ મળ્યો નહીં.

ડો. કપિલાબેન પટેલ કહે છેઃ ”મેં. ભણતાં ભણતાં ખેતરમાં જઈ ઘાસ વાઢી ઘાસના ભારા ઊંચક્યા છે. કેટલાયે દિવસો સુધી ચા અને રોટલો ખાઈ ચલાવ્યું છે. ભણવા માટે મારી બે સગાઈ તૂટી છે. આજે મારી પાસે બી.એ, એમ.એ., એમ.ફિલ., બી.એડ્., પીએચ.ડી, નેટ, ફેલોશીપ અને સીસીઆઇ કર્યું હોવા છતાં મને એક પણ કોલેજ ભરતીના નવા નિયમોને કારણે મને કોઈ નોકરી આપતું નથી. હિન્દી ભાષામાં મારાં પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે. નાટકો અને સામાજિક ચેતનાથી માંડીને હિન્દી કહાનીઓ અને હિન્દી ઉપન્યાસ પણ લખ્યાં છે, પરંતુ આટઆટલી ડિગ્રીઓ છતાં ૩૫ વર્ષની વયે મને વ્યાખ્યાતાની નોકરી ના મળવાથી સમાજ ફરી એકવાર વિચારવા લાગ્યો છે કે આટલું બધું ભણીને મેં શું મેળવ્યું? હું તો હજુ ૩૫ વર્ષની વયની જ છું. સર, ઘાસના ભારા ઊંચકીને, ભૂખમરો વેઠીને, ઉછીનો ડ્રેસ પહેરીને તથા સમાજ સામે બંડ પોકારીને હું ભણી છું. હવે ફરી એક વાર સમાજ મારી સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ રહ્યો છે.”

અને ડો.કપિલાબેનનો અવાજ રુંધાય છે, આંખમાં ઝળઝળિયાં દેખાય છે. આશા રાખીએ કે આપમેળે આગળ આવેલી એક અતિ શિક્ષીત ગ્રામ્ય યુવતીની વેદના મુખ્યમંત્રી સુધી જરૂર પહોંચશે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

૨૦૧૪ ફેસબુક ઇલેક્શન?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.
નવી પેઢીને જ્ઞાતિધર્મમાં નહીં પણ જોબકારકિર્દી ને સલામતીમાં રસ છે

દિલ્હીમાં મળેલી ભારતીય જનતા પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ની ચૂંટણી જીતવા પક્ષના કાર્યકરોને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવા સલાહ આપી. ઇન્ટરનેટ ટેક્નોલોજી અસ્તિત્વમાં આવી તે પછી’સોશિયલ મીડિયા’ શબ્દ પ્રચલિત થયો છે. ફેસબુક, માય સ્પેસ, ઇ-મેલ અને ટ્વિટર એ સોશિયલ મીડિયાનાં માધ્યમો છે.કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટ પર આ માધ્યમોનો ઉપયોગ કરી હજારો – લાખો લોકો સુધી પોતાના વિચારો, પ્રતિભાવો અને પ્રચાર કરી શકે છે. ૨૦૧૪ની ચૂંટણીઓ દરમિયાન આ માધ્યમોનો ભરપૂર ઉપયોગ થવાનો છે.

૨૦૧૪ ફેસબુક ઇલેક્શન?

ફેસબુક ઇલેક્શન

૨૦૦૮ની અમેરિકાની સામાન્ય ચૂંટણીઓને લોકો ફેસબુક ઇલેક્શન તરીકે ઓળખાવે છે. ૨૦૦૮ની અમેરિકાની ચૂંટણી અગાઉની તમામ ચૂંટણીઓ કરતાં અલગ હતી. એ સમયે અમેરિકામાં પણ ફેસબુક, માય સ્પેસ, ઇ-મેલ કે ટ્વિટર શબ્દો બહુ જાણીતા નહોતા. એ વખતે બરાક ઓબામા બહુ જાણીતા નહોતા. શિકાગોમાંથી માત્ર માઇનોર રિપ્રેઝેન્ટેન્ટિવ તરીકે બહુ ઓછા જાણીતા બરાક ઓબામાને સોશિયલ મીડિયાની ટેક્નોલોજીમાં એક જબરદસ્ત તાકાતનાં દર્શન થયાં. તેમણે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી ટેક્નોસેવી યુવાનો અને અખબારો નહીં વાંચતા કે ટીવી ન્યૂઝ નહી જોતાં લોકો સુધી પોતાના સંદેશ, વિચારો અને પોતાના ખ્યાલો પહોંચાડયા. ચૂંટણી જીતવાની ઝુંબેશથી માંડીને ચૂંટણી ફંડ એકત્ર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. એ વાત નોંધપાત્ર છે કે ફેસબુક, માય સ્પેસ, ઇ-મેલ કે ટ્વિટરનો ઉપયોગ કરનારો વર્ગ જૂની પેઢીના નેતાઓની ટીવી ડિબેટ જોતો,સાંભળતો નથી. અમેરિકાનો સોશિયલ મીડિયાનો બંધાણી વર્ગ – વોટર્સ ૨૫ વર્ષ કરતાં ઓછી ઉંમરનો છે. એ બધાં જ સોશિયલ મીડિયા દ્વારા બરાક ઓબામાના સંપર્કમાં આવ્યા અને બરાક ઓબામાએ અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી જીતી લીધી. અમેરિકા ઇતિહાસમાં પહેલી જ વાર એક અશ્વેત નાગરિક પ્રેસિડેન્ટ બન્યો. તેમની જીત એ સોશિયલ મીડિયાનો પ્રભાવ હતો.

અલગ ઓડિયન્સ

૨૦૧૪ની ભારતની લોકસભાની ચૂંટણીને લાગેવળગે છે ત્યાં સુધી ભારતીય જનતાપાર્ટી અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની બાબતમાં કોંગ્રેસ કરતાં આગળ છે. સોશિયલ મીડિયાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં કોંગ્રેસ હમણાં હમણાં જાગી છે. એ જાણી લેવાની જરૂર છે કે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલો વર્ગ સાવ અલગ છે અને અલગ ભાષા જ બોલે છે. તેઓ ચૂંટણીની પરંપરાગત ઝુંબેશનો ભાગ નથી. આ વર્ગ ચૂંટણી સભાઓમાં જતો નથી. આ વર્ગને કલાકો સુધી તેમના નેતાને જોવા-સાંભળવા માટે તાપમાં બેસી રહેવાનું ગમતું નથી. જાહેરસભાઓમાં લોકોને પરાણે બોલાવવા પડતા હોઈ જાહેરસભાઓમાં લોકોની હાજરી મેનેજ કરેલી હોય છે. જાહેરસભામાં હાજર રહેલા લોકોને મતદાર બનાવી શકાતા નથી, કારણ કે તેઓ ખરીદેલું ઓડિયન્સ છે. જ્યારે સોશિયલ મીડિયા દ્વારા તમે યુવાનોનાં દિલ અને દિમાગને સીધાં સ્પર્શી શકો છો. સોશિયલ મીડિયા દ્વારા વોટર્સ સાથે ઇન્ટરેક્ટ પણ કરી શકાય છે.

ટેક્નોસેવી યુવાનો ફેસબુક કે ઇ-મેલ દ્વારા નેતાને પ્રશ્નો પૂછી શકે છે અને પ્રતિભાવ પણ આપી શકે છે. જે જાહેરસભાઓમાં શક્ય નથી.

૧૪૦ મિલિયન નેટ યુઝર્સ

ભારતને લાગેવળગે છે ત્યાં સુધી ભારતમાં ૧૪૦ મિલિયન લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ લોકો ભારતની વસતીના કુલ ૧૧ ટકા થાય છે. ભારતમાં ફેસબુક ઝડપથી લોકપ્રિય થતી જાય છે. હવે ઓફિસબોયથી માંડીને કરિયાણાની દુકાન ધરાવનાર વ્યક્તિને પણ પોતાની ફેસબુક હોય છે. સોશિયલ મીડિયાનો સહુથી મોટો વર્ગ વસતીના પ્રમાણમાં સહુથી વધુ અમેરિકા છે. બ્રાઝિલ બીજા નંબરે છે. ભારત પણ હવે ફેસબુકની બાબતમાં આગળ વધી રહ્યું છે. આ વર્ષના ગયા માર્ચ સુધીમાં ભારતમાં ૬૧.૫ મિલિયન ફેસબુક એકાઉન્ટ્સ હતાં. એપ્રિલમાં તે આંકડો ૬૪ મિલિયન થઈ ગયો. તેમાંથી ૭૬ ટકા લોકો ૧૮થી ૩૪ વર્ષની વચ્ચેના હતા. તેમાં ૭૫ ટકા વ્યક્તિઓ પુરુષ હતી. ભારતની કુલ વસતીના ૫.૪૪ ટકા આ લોકો છે. ભારતની લોકસભાની ગઈ સામાન્ય ચૂંટણીઓમાં ૭૧૬ મિલિયન મતદારો હતા તેમાંથી ૪૧૭ મિલિયન લોકો (૫૮ ટકા) મતદાન કર્યું હતું. તેમાંથી ૨૦૦ મિલિયન મતદારો એટલે કે ૨૮ ટકા મતદારો ૨૫ વર્ષથી નીચેની વયના હતા. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે ૮૦૦ મિલિયન રજિસ્ટર્ડ મતદારો હશે તેમાંથી ૧૧૦ મિલિયન જેટલા મતદારો તેમના જીવનમાં પહેલી જ વાર મતદાન કરશે. નોંધપાત્ર વાત એ છે કે ૨૫ વર્ષ કે તેથી ઓછી ઉંમરનો આ યુવાવર્ગ જ્ઞાતિ, ધર્મ, જાતિવાદ કે ઉચ્ચ નીચ એવા વર્ગમાં માનતો નથી. આ વર્ગને ચિંતા માત્ર નોકરી, ધંધો અને કાયદો ને વ્યવસ્થાની જ છે. તેથી ૨૦૧૪ની ચૂંટણી વખતે ઉદારમતવાદી આ મતદાર કોને મત આપશે તે કળવું મુશ્કેલ છે.

૬૭ મતવિસ્તારો

દેશભરના રાજકીય વિશ્લેષકોની નજર હવે આ નવા અને યુવા મતદારો પર છે. નિષ્ણાતો માને છે કે ભારતમાં હાલ જે ૬૪ મિલિયન ફેસબુક યુઝર્સ છે તે ૨૦૧૪માં ૮૦ મિલિયન થઈ જશે. તેઓ કેટલાક ચાવીરૂપ મતવિસ્તારોમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર દેશના ૬૭ મતવિસ્તારો એવા છે કે જ્યાં ફેસબુક વપરાશકારો હાર જીતમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. બાકીના મતવિસ્તારોમાં સોશિયલ મીડિયાની અસર ઓછી અથવા બિલકુલ નહીં હોય. અલબત્ત, ૬૭ મતવિસ્તારો પર ફેસબુક વોટર્સનો પ્રભાવ ઓછો ના ગણાય.

જનરેશન નેક્સ્ટ

આ નવા પ્રવાહની સાથે સાથે ફેસબુક કે સોશિયલ મીડિયાની કેટલીક મર્યાદાઓ પણ છે. એક તો દરેક મતદાર પાસે ફેસબુક એકાઉન્ટ નથી અને ભારતમાં જેમની પાસે ફેસબુક છે તે બધા જ મતદાન કરવા જશે તેની કોઈ ગેરંટી નથી. આ કારણથી ૨૦૧૪ની ચૂંટણીમાં સોશિયલ મીડિયા કેટલો પ્રભાવ પાડે છે. તેમાં પણ ચૂંટણીનાં પરિણામો પછી જ સાચો ખ્યાલ આવશે. એવું પણ બની શકે કે જેમની પાસે ફેસબુક છે તે વ્યક્તિએ મતદાર બનવા માટે નામ જ નોંધાવ્યું ના હોય. કેટલીક વાર એવું પણ બને છે કે ફેસબુક ધરાવનાર વ્યક્તિ તેના મતક્ષેત્રની બહાર વસતી હોય. ભારત એક વિશાળ અને જટિલ દેશ છે. સોશિયલ મીડિયા એક નવી ટેક્નોલોજી અને નવું માધ્યમ છે. ફેસબુક વપરાશકર્તાઓને હવે મંદિર – મસ્જિદ કરતાં જોબ, સલામતી અને કારકિર્દીમાં વધુ રસ છે એ વાત બધા જ રાજકીય પક્ષોએ નોંધવા જેવી છે. તેથી જે રાજકીય પક્ષ સોશિયલ મીડિયાના પ્રભાવનો ઉપયોગ કરવા માંગતો હોય તેણે જનરેશન નેક્સ્ટ અર્થાત્ નવી પેઢીને પોતાનું નામ મતદાર તરીકે નોંધાવે તેની ઝુંબેશ ચલાવવી જોઈએ. અને એક વાર તેઓ મતદાર બની જાય તે પછી ચૂંટણીના દિવસે મત આપવા પણ જાય તે માટે તેમને પ્રેરવા જોઈએ. તેથી નવી પેઢી મતદાર બને અને મત આપે તો જ સોશિયલ મીડિયા અસરકારક બની શકશે. સોશિયલ મીડિયા પર માત્ર ચૂંટણીપ્રચાર કે વિચારોની રજૂઆત કે માત્ર પ્રોપેગેન્ડા કરવાથી પરિણામ હાંસલ નહીં થાય. દેશમાં પરિવર્તન લાવવું હોય તો જનરેશન નેક્સ્ટને મતદાનમથક સુધી લઈ જવી પડશે.

૨૦૧૪ની ચૂંટણી એ સોશિયલ મીડિયાના પ્રભાવનો પણ ટેસ્ટ હશે.     
www.devendrapatel.in

અડવાણીનો માસ્ટર સ્ટ્રોક કે મોદીના હવનમાં હાડકાં

ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠકે એલ. કે. અડવાણી એન્ડ કાં.ની પરવા કર્યા વિના નરેન્દ્ર મોદીને ભાજપાની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે જાહેર કરી દઈ ભાજપા અડધો જંગ જીતી ગયું હોય તેવો માહોલ પેદા થયો હતો, પરંતુ ગોવાની એ ત્રણ દિવસની બેઠકના મોદી-વિજયોત્સવ જેવા માહોલને એલ. કે. અડવાણીએ હુકમનું પત્તું ઉતારી દઈ એ ઉત્સાહને બ્રેક મારી દીધી છે. ત્રણ દિવસથી મીડિયાનું ફોકસ નરેન્દ્ર મોદી પર હતું તે આજે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેનાર એલ. કે. અડવાણી પર કેન્દ્રિત થઈ ગયું. હવે અડવાણીને સમજાવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ અડવાણી રાજીનામું પાછું ખેંચે કે ના ખેંચે તેથી કોઇ ફરક પડતો નથી. કારણકે તેમણે પક્ષને, સંઘને અને નરેન્દ્ર મોદીને જે નુકસાન પહોંચાડવાનું હતું તે પહોંચાડી દીધું છે.

અડવાણીનો માસ્ટર સ્ટ્રોક કે મોદીના હવનમાં હાડકાં

અડવાણીની છેલ્લી બાજી

લાગે છે કે, અડવાણી તેમની જિંદગીની છેલ્લી બાજી ખેલી રહ્યા છે. સામાન્ય રીતે તેઓ આવું અંતિમવાદી પગલું લેનાર કે સખત ભાષાનો ઉપયોગ કરનાર રાજકારણી નથી. પહેલાં જનસંઘ અને તે પછી ભાજપાની સ્થાપના કરનાર અને પક્ષને મજબૂત કરનાર સ્થાપક નેતાઓ પૈકીના તેઓ એક ગણાય છે. આઝાદીના જંગ વખતે દેશમાં કોંગ્રેસની બોલબાલા હતી ત્યારે કોંગ્રેસ વિરોધી વિચારધારા ધરાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાવાની તેમણે હિંમત કરી હતી. જિંદગીનાં ૬૦ વર્ષ તેમણે જાહેર જીવનમાં આપી દીધાં છે. વડા પ્રધાન બનવાના તેમના સ્વપ્નને બાદ કરતાં તેઓ સ્વચ્છ, મિતભાષી અને પ્રામાણિક રાજકારણી રહ્યા છે. હા, અટલબિહારી વાજપેયી સાથેના તેમના મતભેદો ઘણા બધા લોકો જાણે છે. જિંદગીની મોટામાં મોટી ભૂલ તેમણે પાકિસ્તાનની મુલાકાત વખતે મોહંમદ અલી ઝીણાની પ્રશંસા કરી તે હતી, જે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેમને આજ સુધી માફ કર્યા નથી. અડવાણીની ઉપેક્ષા ગઈકાલે જ શરૂ થઈ હતી એવું નથી. તેમની ઉપેક્ષા પાકિસ્તાનની મુલાકાત બાદ જ સંઘ તરફથી શરૂ થઈ હતી. દેશમાં ચેતના રથયાત્રા કાઢવા માટે પણ તેમને સંઘના નાગપુર હેડ ક્વાર્ટર પર જઈ મંજૂરી લેવી પડી હતી અને તે પણ એ શરતે કે, “તમે તમારી જાતને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર નહીં કરો.” અડવાણીએ સમસમી જઈને એ શરતે જ યાત્રા શરૂ કરી હતી. એ યાત્રા પહેલાં ગુજરાતથી શરૂ થવાની હતી, પરંતુ નરેન્દ્ર મોદી સાથેની ખટાશના કારણે એ યાત્રા તેમણે બિહારથી શરૂ કરવી પડી હતી. ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીમાં પણ તેમની ઉપેક્ષા થઈ હતી. છેવટે ગોવાની કારોબારીમાં પણ નરેન્દ્ર મોદી સામે તેમનો વિરોધ હોવા છતાં તેમને બાજુમાં રાખીને નરેન્દ્ર મોદીને પ્રચાર અભિયાનના સુકાની બનાવી દેવાયા તે સમયે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, અડવાણીના યુગનો હવે અસ્ત થઈ રહ્યો છે. બીમારીનું બહાનું કાઢી અડવાણી ગોવા ના ગયા, પરંતુ જ્યારે તેમના ઘર આગળ મોદીની તરફેણમાં દેખાવો થયાં તે પછી તેઓ અંદરથી અપમાનિત અને દુઃખી થઈ ગયા હતા. પક્ષમાંથી ગૌરવપૂર્ણ વિદાય આપવાના બદલે ફેંકી દેવાયેલા નેતા જેવી પરિસ્થિતિ પેદા થઈ હતી. એ પરિસ્થિતિમાંથી બચવા તથા પોતાનું ગૌરવ પુનઃ પ્રસ્થાપિત કરવા અડવાણીએ દુઃખી થઈને છેલ્લો પાસો પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામાં ધરી દઈને ફેંક્યો. અડવાણીનું પક્ષના હોદ્દાઓ પરથી અપાયેલું રાજીનામું ભાજપા અને સંઘને ભારે નુકસાન પહોંચાડી શકે તેમ છે. ગોવામાં ભાજપાએ જે ઉચ્ચ ઉન્માદ ઊભો કર્યો હતો તેની પર અડવાણીએ રાજીનામાં આપી દઈને પાણી ફેરવી દીધું છે. તેમના આ પગલાંથી તેમણે સંઘ અને ભાજપા- એ બેઉને એવો સખત સંદેશો આપ્યો છે કે, “નરેન્દ્ર મોદીની પસંદગી સામેનો મારો જંગ જારી છે.”

ટૂંકમાં અડવાણીનું ભીતરનું દર્દ બહાર આવી ગયું છે. ભાજપા એક કેડર બેઝ પાર્ટી છે. શિસ્તબદ્ધ પાર્ટી છે અને પાર્ટી વિથ ડિફરન્સ છે. એ બધી જ ઉક્તિઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અડવાણીના આ યુદ્ધે ખોટી પાડી છે. અલબત્ત અડવાણીએ પક્ષને, સંઘને અને નરેન્દ્ર મોદીને કેટલું નુકસાન કર્યું છે તે તો આવનારો સમય જ કહેશે. હા, ગઈકાલ સુધી એનડીએના સાથી પક્ષો જનતાદળ (યુ) અને શિવસેના જે મોદી તરફી ભાષા બોલતા હતા તેમના સૂર આજે બદલાયેલા લાગ્યા. ખુદ નરેન્દ્ર મોદીએ પણ સૂચક મૌન ધારણ કરવું પડયું છે.

એ જે હોય તે, પણ ૨૦૧૪માં ભારત વર્ષના રાજકીય ફલક પર ફેલાનારા ‘મહાભારત’ના ચક્રવ્યૂહનો પહેલો કોઠો નરેન્દ્ર મોદી જીતી ગયા છે. નરેન્દ્ર મોદીને ભાજપાના ભાવિ વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ભલે જાહેર કરાયા ના હોય, પરંતુ હવે ભાજપાના નેતૃત્વ હેઠળ એનડીએની બહુમતી આવે તો મોદી જ વડા પ્રધાનપદના ઉમેદવાર છે તે નક્કી જ છે. નરેન્દ્ર મોદી જો વડા પ્રધાન બનશે તો મોરારજી દેસાઈ પછી કોઈ બીજા ગુજરાતીને આવું સન્માન પ્રાપ્ત કરવામાં તેઓ બીજા હશે.

સંઘ જ સર્વોપરી

ખેર ! ગોવામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જે રાજકારણ ખેલાયું તે જોતાં લાગે છે કે, ભારતીય જનતા પાર્ટીના પ્રવર્તમાન તમામ સિનિયર નેતાઓને ફરી એકવાર વામણા સાબિત કરી દીધાં છે. મોદીને કદાપી મહત્ત્વનું સ્થાન ના મળે તે માટે અંદરથી આટાપાટા ખેલતા એલ. કે. અડવાણીનું અસલી પોત બહાર આવી ગયું. ૮૮ વર્ષની વયે પણ વડા પ્રધાન બનવા માટેની તેમની ખેવના ઉઘાડી પડી ગઈ. તેમણે યશવંત સિંહા, જશવંત સિંહા, ઉમા ભારતી, શત્રુઘ્ન સિંહા અને રવિશંકર પ્રસાદને ગોવા રોક્યા. સુષ્મા ગયાં, પણ ભીતરથી નારાજગી સાથે. એ બધાંએ ઘણાં રિસામણાં કર્યાં, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવકનો એક જ આદેશ આવ્યો : “અડવાણી સંમત હોય કે ના હોય નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ તરીકે જાહેર કરી દો.”

એ પછી બધા જ લાઈનમાં આવી ગયા. યશવંત સિંહાએ ખુલાસો કર્યો. ઉમા ભારતીએ પણ પક્ષના પ્રમુખ પ્રત્યે વફાદારી વ્યક્ત કરતો પત્ર લખ્યો. સુષ્મા સ્વરાજે પણ મોદીની તાજપોશી વખતે લાઈનમાં ઊભા રહી સ્મિત આપવા પ્રયાસ કર્યો. શિવસેનાએ પણ ટોપી બદલી નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદ માટે સક્ષમ નેતા જાહેર કર્યા. રાજનાથ સિંહ તો પક્ષના પ્રમુખ હોવા છતાં મોદીના સેક્રેટરી જેવા લાગ્યા. રાષ્ટ્રીય પ્રમુખ હોવાના નાતે તેમણે છેલ્લે બોલવાનું હોય, પરંતુ પોતાને સાંભળવા કોઈ ઊભું જ નહીં રહે તેવા ડરથી તેમણે પહેલા બોલી નાખ્યું અને છેવટે તો મોદી જ છવાયેલા રહ્યા. અડવાણી કેમ્પના શિવરાજ સિંહથી માંડીને બીજા બધા જ નેતાઓ સહિત આખું ભાજપા નરેન્દ્ર મોદીના શરણે ગયું.

જો જીતા વહ સિકંદર

હા, અડવાણીને એ વાતનું દુઃખ હોઈ શકે કે, તેઓ નરેન્દ્ર મોદીના ગુરુ હતા. ૨૦૦૨નાં ગોધરાકાંડ પછી તે વખતના વડા પ્રધાન અટલબિહારી વાજપેયી મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવા માગતા હતા ત્યારે તેમને બચાવનાર એકમાત્ર એલ. કે. અડવાણી જ હતા. એ જ ગુરુને તેમના શિષ્યે ધ્વસ્ત કરી દીધા. અંગ્રેજીમાં ઉક્તિ છે કે : “ઈદૃીિઅંરૈહખ્ત ૈજ કટ્વૈિ ૈહ ર્ઙ્મદૃી ટ્વહઙ્ઘ ટ્વિ.” રાજનીતિ પણ એક જાતનું યુદ્ધ જ છે. તેમાં તમે કઈ રીતે જીતો છો તે અગત્યનું નથી, જીતવું અગત્યનું છે. જો જીતા વહ સિકંદર. લોકો પણ આ જ માનસિકતા ધરાવે છે. આ દેશની રાજનીતિ જ એવી છે કે કોઇપણ પક્ષના ઉમેદવાર બન્યા પછી ચૂંટણીમાં તમે લોકોને દારૂ પીવડાવીને જીત્યા, પૈસા વહેંચીને જીત્યા કે બોગસ વોટિંગ કરાવીને જીત્યા તેમાં રસ નથી. લોકો જીતનારને જ ફૂલોના હાર પહેરાવે છે અને નરેન્દ્ર મોદી પોતાના બુઝર્ગ નેતાઓને પરાસ્ત કરી વિજયી બન્યા છે.

બીજો કોઠો

નરેન્દ્ર મોદી અડવાણીના વિરોધ છતાં ભાજપાની ભીતરનું પહેલું યુદ્ધ જીતી ગયા છે, પરંતુ બીજા પણ કેટલાક કોઠાઓમાંથી પસાર થવાનું બાકી છે. બીજો કોઠો છે એલ. કે. અડવાણી અને તેમના સાથીઓનો કે જેઓ નરેન્દ્ર મોદી કોઈપણ સંજોગોમાં વડા પ્રધાન ના બને તેમ ઇચ્છે છે અને તેમના વિરોધીઓ ભાજપામાં જ છે. ત્રીજો કોઠો છે એન.ડી.એ.નો ૨૦૧૪ની ચૂંટણી પહેલાં ચૂંટણી પૂર્વેની કેટલીક ગોઠવણો. તેમાં શિવસેના તો લાઈન પર આવી ગઈ હતી, પણ આજે તેમણે ફરી અડવાણીનાં વખાણ કર્યાં છે. શિરોમણિ અકાલીદળ મોદીની સાથે જ રહેશે, પરંતુ મોદીના રાજ ઠાકરે સાથેના સુમેળભર્યા સંબંધોના કારણે શિવસેના ભવિષ્યમાં કેવું વલણ અપનાવે છે કે તે જોવાનું રહેશે. ગોવામાં મોદીની વિજય પતાકા અને મોદીની લોકપ્રિયતા જોયા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ઢીલા પડયા હતા, પણ અડવાણીના એપિસોડ પછી તેઓ પલટી મારે તેમ લાગે છે. ચૂંટણી પછી તમિળનાડુનાં જયલલિતા તેમની સાથે રહી શકે છે, પરંતુ પશ્ચિમ બંગાળના મુસ્લિમ મતોના ભોગે મમતા બેનરજી ચૂંટણી પૂર્વે એન.ડી.એ.નો હિસ્સો બનવાનું પસંદ નહીં કરે. ચૂંટણી પછી મમતા મુદ્દાઓ આધારિત રાજનીતિના નામે એન.ડી.એ.માં. જોડાઈ શકે છે. એ જ રીતે ઉત્તરપ્રદેશમાં મુલાયમ-અખિલેશ અને બિહારમાં લાલુ પ્રસાદ પણ એન.ડી.એ.નો હિસ્સો બનવાનું પસંદ નહીં કરે. ચૂંટણી પછી તેઓ રાજકીય ગુલાંટ મારે તેવા છે.

ચક્રવ્યૂહનો છેલ્લો કોઠો

ચોથો અને સૌથી મોટો કોઠો મોદીએ ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપાને વિજયી બનાવવાનો છે. મોદીએ વડા પ્રધાન બનવું હોય તો ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને ૧૮૦થી ૨૦૦ બેઠકો પર વિજય અપાવવો પડે. કોંગ્રેસને સત્તા પર આવવું હોય તો તેને ૧૦૦ બેઠકો જ જોઈએ, કારણ કે ધર્મનિરપેક્ષતાના નામે તે નાનાં નાનાં પ્રાદેશિક પક્ષોનો ટેકો લઈ શકશે, પરંતુ હવે મોદીની કટ્ટર હિન્દુવાદીની છબી હોઈ નાનાં પણ સેક્યુલર પક્ષોનો ટેકો લેવામાં મુશ્કેલી રહેશે. તેથી મોદીએ કોઈપણ હિસાબે ભાજપાને ૨૦૦ની નજીકની બેઠકો પર જીત અપાવવી જરૂરી છે.

એ સિવાય એ વાત પણ સમજી લેવી પડશે કે, ગુજરાતમાં ભાજપાની જીત એ આખા દેશની ચૂંટણીનો લિટમસ ટેસ્ટ છે તેમ સમજવું ભુલભરેલું હશે. ગુજરાત એ આખું હિન્દુસ્તાન નથી. વળી ગુજરાતના લોકોની જે માનસિકતા છે તે કરતાં કર્ણાટકના લોકોની, ઉત્તરપ્રદેશના લોકોની, બિહારની, તમિળનાડુની, આસામ-મેઘાલય અને ત્રિપુરાના લોકોની, આંધ્રની, મહારાષ્ટ્રની અને જમ્મુ-કાશ્મીરના લોકોની માનસિકતા અલગ છે. દરેક પ્રદેશોના પ્રશ્નો અલગ છે, દરેક પ્રદેશોમાં મતોનું ધ્રુવીકરણ થયું નથી. દરેક પ્રદેશોમાં ગોધરાકાંડ થયો નથી. આસામમાં બોડો ઉગ્રવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખતો એક વર્ગ છે. તમિળનાડુમાં તમિળ ઉગ્રવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ છે. ઉત્તરાખંડ કે ઝારખંડમાં લાખો આદિવાસીઓ પર નક્સલવાદનો પ્રભાવ છે. તેથી આસામ,ઉત્તરાખંડ કે ઝારખંડનો મતદાર એ ગુજરાતના મતદાર જેવો નથી. દેશમાં અનેક ભાષી, અનેક ધર્મો અને અનેક સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. આ કારણે દેશની રાજનીતિ એક જટિલ બાબત છે. નોર્થ-ઇસ્ટનાં રાજ્યોની કે આદિવાસી ઇલાકાઓની પ્રજાને હિન્દુવાદ સાથે કોઈ લેવાદેવા નથી. દક્ષિણનાં રાજ્યોમાં ખ્રિસ્તીઓનો બહુ મોટો વર્ગ છે. કેટલાંક સ્થળોએ તો ભાજપાએ ખાતું જ ખોલાવ્યું નથી. એ બધી જ પરિસ્થિતિનો કયાસ કાઢીને મોદીએ અર્બન અને શહેરી ઉચ્ચ મધ્યમ વર્ગ સિવાયના અંતરિયાળ વિસ્તારો સુધી પોતાની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા લઈ જવાં પડશે. ૨૦૧૪ની ચૂંટણીમાં ચક્રવ્યૂહનો સૌથી અઘરો કોઠો આ હશે. મોદી કોઈપણ ચક્રવ્યૂહને ભેદવા સક્ષમ છે, પરંત આ સફળતા મળે છે કે કેમ તે જોવા ૨૦૧૪ સુધી રાહ જોવી પડશે. હવે એલ. કે. અડવાણીએ જ પોતાના શિષ્યે શરૂ કરેલા હવનમાં હાડકાં નાખવા માટે જે રીતે તલવારો ખેંચી છે તે જોતાં નરેન્દ્ર મોદીએ વધુ સાવચેત થઈ જવાની જરૂર છે. અડવાણીનું આ પગલું માસ્ટરસ્ટ્રોક છે કે નરેન્દ્ર મોદીની દિલ્હીયાત્રા રોકવા માટેનો અવરોધ છે તે આવનારો સમય કહેશે.

ગુજરાતીનો વિરોધ કેમ?

એલ.કે.અડવાણી જેવી જનાધાર વગરની વ્યક્તિને નરેન્દ્ર મોદીએ અનેકવાર ગુજરાતમાંથી ચૂંટણી જીતાડીને લોકસભામાં મોકલી આપ્યા છે. તે પછી અડવાણીએ ભાગ્યે જ ગુજરાતના પ્રશ્નોની ચિંતા કરી છે. નરેન્દ્ર મોદીના ઉપકારો પણ અડવાણી આજે ભૂલી ગયા છે. લાગે છે કે નરેન્દ્ર મોદી જેવા એક ગુજરાતી રાજનેતા દેશના વડાપ્રધાન બને તે અડવાણીને પસંદ નથી.

મોદી V/S નીતીશકુમાર મહત્ત્વાકાંક્ષાની લડાઈ

નીતીશકુમારના મતે મોદી સેક્યુલર નથી, તો અડવાણી કેવી રીતે સેક્યુલર?

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓનાં ઢોલનગારાં અત્યારથી જ વાગવા માંડયાં છે. વર્ષાના આગમન સાથે થતી મેઘ ગર્જનાઓ કરતાં રાજકીય પક્ષોની ગાજવીજ વધુ તીવ્ર લાગે છે. અષાઢી રાતના

મોદી V/S નીતીશકુમાર મહત્ત્વાકાંક્ષાની લડાઈવીજચમકારા કરતાં નેતાઓએ ખેંચેલી તલવારો વધુ ચમકીલી લાગે છે. ૭, રેસકોર્સ સુધીની દોડ માટે કોંગ્રેસે એક માત્ર રાહુલ ગાંધી માટે યુવાન પણ શાંત ઘોડો સજ્જ રાખ્યો છે. રાહુલ ગાંધીને વડાપ્રધાન થવાની ઉતાવળ છે તેવું ક્યાં પણ પ્રગટ ન થાય તેનો ખ્યાલ રાખવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી માટે સંઘે નરેન્દ્ર મોદીને ઉમેદવાર બનાવવા પાણીદાર ઘોડો સજ્જ કરી દીધો છે. જો કે ૮૬ વર્ષની વયે પણ પીએમની ખુરશી સુધી પહોંચવા એલ.કે. અડવાણી પણ કોઈ ખખડધજ ઊંટ પર પલાણવા તૈયાર છે. સુષ્મા સ્વરાજ કોઈની યે જાનમાં જવા તૈયાર નથી. રાજનાથસિંહ પક્ષના પ્રમુખ તરીકે ગોર મહારાજ હોવા છતાં ‘બીજા લોકો’ કહેતા હોય તો પોતે પણ ઘોડે ચઢી જવા તૈયાર છે. કોંગ્રેસ અને ભાજપાની લડાઈમાં કોઈનો ય ગજ ના વાગતો હોય તો મુલાયમ પણ સાઈકલ પર બેસી વરરાજા થવા તૈયાર છે.


નીતીશની મહત્ત્વાકાંક્ષા

આ બધામાં ‘હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી’- એવું કહેતા નીતીશકુમારને હવે બિહારની સત્તા નાની પડે છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન તેમણે જે ડ્રામા કર્યા તે જોતાં હવે એ વાત સ્પષ્ટ છે કે, બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને પણ વડાપ્રધાન બનવાનો અભરખો છે. હા, તેઓ પ્રમાણમાં ઓછું બોલે છે પણ તેનો અર્થ એ નથી કે એમની મહત્ત્વકાંક્ષાઓ નાની છે. નરેન્દ્ર મોદી અને નીતીશકુમાર વચ્ચે ફરક એટલો છે કે મોદી દિલ્હીની ગાદી સર કરવા એક પછી એક પ્રતિસ્પર્ધીઓને દૂર કરી રહ્યાં છે. તેઓ તેમના લક્ષ્ય અને ઈદારાઓમાં સ્પષ્ટ છે. પરંતુ નીતીશકુમાર એવી હિંમત કરી શક્તા નથી. મહત્ત્વાકાંક્ષા બેઉની એક સમાન છે. મોદી સ્પષ્ટ છે, નીતીશકુમાર દંભી છે. નીતીશકુમારના મતે નરેન્દ્ર મોદી ધર્મ નિરપેક્ષ નથી. આશ્ચર્યની વાત એ છે કે ૨૦૦૩માં નીતીશકુમારે અનેકવાર નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. ગુજરાતના વિકાસની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું:”નરેન્દ્રભાઈની હવે ગુજરાતની બહાર રાષ્ટ્રીય કક્ષાએ પણ જરૂર છે.” આવા નીતીશકુમાર અચાનક કેમ બદલાઈ ગયા?હકીકત તો એ છે કે નરેન્દ્ર મોદીને હજુ ભાજપાએ સત્તાવાળ રીતે ભાજપાના નેતૃત્વ હેઠળના એનડીએના ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા નથી. તેઓ હજુ ભાજપાની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જ બન્યા છે. ખરી વાત તો એ છે કે નીતીશકુમારને પણ વડાપ્રધાન પદ હાંસલ કરવા માટેની બીજા ઓ જેટલી જ તાલાવેલી છે. આ લડાઈ ધર્મનિરપેક્ષતાની નહીં પરંતુ મહત્ત્વાકાંક્ષાની છે નીતીશકુમારની લોકપ્રિયતા બિહારમાં ઘટી રહી છે તે પણ એક હકીકત છે. નીતીશકુમાર ૧૭ વર્ષ સુધી એનડીએના એક મજબૂત સાથી તરીકે રહ્યા. અચાનક ગોવામાં ભાજપાની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નરેન્દ્ર મોદીનું નામ જાહેર થતાં જ નીતીશકુમાર ખાનગીમાં છંછેડાયા. ગોવાના એ નિર્ણય પછી એલ.કે. અડવાણીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું ત્યારે ચૂપ રહ્યા એ વખતે તેમને લાગ્યું કે પોતાનું યુદ્ધ અડવાણી લડી રહ્યા છે. પરંતુ સંઘના આદેશ બાદ અડવાણી ઠંડા પડી ગયા અને રાજીનામા આપી દેવાનો નિર્ણય પાછો ખેંચ્યો એટલે નીતીશકુમાર સફાળા જાગ્યા. એમણે અલ્ટિમેટમ આપ્યું કે ”૨૦૧૪માં એનડીએના પીએમપદના ઉમેદવારનું નામ જાહેર કરો અથવા તો નરેન્દ્ર મોદીએ પદના ઉમેદવાર નથી એવું જાહેર કરો.” પણ સંઘ કે ભાજપા એ સ્પષ્ટતા કરવા તૈયાર ના થયા. એટલે તેમણે ભાજપાનું વલણ ધર્મનિરપેક્ષ રહ્યું નથી એમ કહી છેડો ફાડી નાંખ્યો. નોંધપાત્ર વાત એ છે કે નીતીશકુમારની આ દલીલ ગળે ઊતરે તેવી નથી, ૧૭ વર્ષથી એનડીએના સાથી રહેનાર નીતીશકુમાર એ વાત કેમ ભૂલી જાય છે કે તેઓ જેમની પ્રત્યે આદરની વાત કરે છે તે અડવાણી એક કટ્ટરવાદી નેતા છે. બાબરી મસ્જિદ ધ્વંસમાં તેમની ભૂમિકા અંગે આક્ષેપો થયેલા છે. બાબરી મસ્જિદ ધ્વંસ કરવાની યોજના અટલ બિહારી વાજપેયીથી પણ છૂપાવવામાં આવી હતી. ૨૦૦૨માં ગોધરાકાંડ પછી જે કોઈ ઘટનાઓ ઘટી ત્યારે અટલજી નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવા માંગતા હતા પરંતુ મોદીને અડવાણીના કારણે જ અભયદાન મળ્યું હતું. શું આ બધી ઘટનાઓથી નીતીશકુમાર અજાણ હતા ?

 

અડવાણીનો રોલ શું ?

આ ઘટનાક્રમમાં એલ.કે.અડવાણીનો રોલ પણ સંદિગ્ધ અને શંકાસ્પદ લાગે છે. અડવાણી ફરી એક વાર રાજનાથસિંહને ફોન કરીને જણાવ્યું છે કે પક્ષે કોઈ એક વ્યક્તિના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવી જોઈએ નહીં પણ સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવી જોઈએ. અડવાણીનું આ બ્યાન શંકાસ્પદ લાગે છે. તેઓ એક રાજકારણી પણ છે અને મહત્ત્વાકાંક્ષી પણ છે. આટલી ઉંમરે પહોચ્યા પરંતુ તેઓ વડાપ્રધાન થઈ ના શક્યા તેનો તેમને વસવસો છે. ”જો હું નહીં તો મોદી પણ નહીં.” એવી માનસિક્તાથી પીડાતા અડવાણીના છૂપા આશીર્વાદ મોદી સામે બગાવત કરનાર તમામ ને હોઈ શકે છે. નીતીશકુમાર અને શરદ યાદવ સાથેના તેમના સંબંધો સુમધુર રહ્યા છે. આ સંબંધોનો ઉપયોગ નીતીશકુમારને સાથે રાખવા કરતાં છેડો ફડાવવા માટે વધુ કર્યો હોય તેવી કોઈને પણ શંકા જાય તેમ છે. નરેન્દ્ર મોદી સાથે પરદા પાછળની ગેમ દિલ્હીમાં ભાજપામાં જ વધુ રમાતી હોય તેમ લાગે છે. અલબત્ત, મોદીની લોકપ્રિયતા, વાક્ચાતુર્ય, વકતૃત્વ શૈલી અને મોદીના મની પાવર આગળ એ સહુ વિરોધીઓ લાચાર છે. અટલ બિહારી વાજપેયી પછી ભાજપા પાસે અટલજી કરતાં અલગ પણ આગવો અને એક માત્ર નરેન્દ્ર મોદી જ માસ અપીલ ધરાવતો ચહેરો છે. મોદીની તાકાત આગળ સંઘ પણ બેબસ છે. આઝાદીના ૬૫ વર્ષ બાદ દેશમાં કટ્ટર હિન્દુવાદી સરકાર રચવાનું આરએસએસનું સ્વપ્ન રહ્યું છે. એ સ્વપ્ન મોદી જ પૂરું કરી શકે તેમ છે તેમ સંઘને લાગે છે અને એટલે જ સંઘે પક્ષના અડવાણી- સુષ્મા, યશવંતસિંહા, જસવંતસિંહ જેવા સાથીઓની પરવા કર્યા વિના મોદીનો ચહેરો આગળ ધર્યો છે. જેડી(યુ) જેવા પક્ષોની પણ પરવા કર્યા વિના સંઘે મોદીના નામ પર મહોર મારી દીધી છે. અલબત્ત, આ એક જબરદસ્ત મોટો જુગાર હશે. સંઘે એના લાંબા કાર્યકાળ દરમિયાન મોટામાં મોટો દાવ ખેલ્યો છે.

 

મોદી સામે પડકારો

નરેન્દ્ર મોદી માટે પણ ૨૦૧૪માં નવી દિલ્હીમાં ૭, રેસકોર્સ રોડ સુધી પહોંચવાનો રસ્તો આસાન નહીં હોય.એનડીએની શરૂઆત થઈ ત્યારે તેની સાથે ૨૪ ઘટક પક્ષો હતા. હવે માત્ર બે જ છે. નરેન્દ્ર મોદીની છબી કટ્ટરવાદીની અને એકાધિકારવાદીની હોઈ દેશના મોટાભાગના સેક્યુલર પક્ષો તેમની સાથે બેસવા તૈયાર નથી. તેથી તેમણે એકલા હાથે જ ઝઝૂમવું પડશે. એક માત્ર બિહારમાં જ સાડા દસ કરોડની વસતીમાં ૧૭ ટકા વસતી લઘુમતીની છે. ઉત્તરપ્રદેશ પણ એટલું જ મોટું રાજ્ય છે. યુ.પી.માં લોકસભાની કુલ ૮૦ બેઠકો છે. તેમાંથી કોંગ્રેસ પાસે ૨૨ અને ભાજપા પાસે માત્ર ૧૦ છે. મમતા બેનરજીના પશ્ચિમ બંગાળમાં પણ લઘુમતી મતદારો લાખ્ખોમાં છે. દક્ષિણના અને નોર્થ ઈસ્ટનાં રાજ્યોમાં ભાજપાએ ખાતું જ ખોલ્યું નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપાએ- એનડીએએ દિલ્હીમાં ગાદી સર કરવી હોય તો ભાજપા અને તેના સાથી પક્ષોએ ૨૭૨ના જાદુઈ આંકડાને સ્પર્શવું પડશે. સાથી પક્ષો તૂટતા જાય છે ત્યારે નરેન્દ્ર મોદીએ નવા સાથીઓ શોધવા પડશે. પોતાના પક્ષના જ સાથીઓ અંદરથી સાથે ના હોઈ તેમણે એકલા હાથે જ જંગ લડવો પડશે. હા, આજે જ જો ચૂંટણી થાય તો દેશમાં અનિશ્ચિતતા અને અરાજક્તા ભર્યાં જ પરિણામો આવે. પ્રાદેશિક પક્ષોની દાદાગીરી સામે કોંગ્રેસ અને ભાજપા- બેઉ નબળા પડી રહ્યાં છે. ૨૦૧૪માં દેશને સ્થિર અને સશક્ત સરકાર મળે તેમ આજે તો લાગતું નથી.રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે બધો જ દાવ મોદી પર લગાવી દીધો છે. બધો જ મદાર હવે મોદી પર છે. મોદી અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિની જેમ પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે પરંતુ વાસ્તવમાં દેશમાં હજુ પ્રમુખશાહી પદ્ધતિ નથી એ વાતનો તેમણે ખ્યાલ રાખવો પડશે. ભાજપ હવે વન મેન પાર્ટી અને વન મેન-શો બની ગયો છે. તેનો ભાજપને કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું.

‘આજે હું ફૂલોના ગજરા વેચી ગુજરાન ચલાવું છું’

એનું નામ સંજના છે.

એના હાથમાં ફૂલોનો ગજરો છે. બધાં જ ફૂલો મોગરાનાં છે. દિલ્હીના બદનામ જી.બી. રોડ પરની એક ગંદી બદનામ ગલીના ખૂણે ઊભેલી સંજના ફૂલોના ગજરા વેચવા ઊભી છે. રાતનો સમય છે. ચારે તરફ લોકોએ કચરો ફેંકલો છે. સારા લોકો પરિવાર સાથે અહીં આવાનું ટાળે છે. સંજનાની હવે ૫૪ વર્ષની વય છે. કોઈ જમાનામાં તે અત્યંત ખૂબસૂરત રહી હશે. એક સમયે તે આ ગલીની મશહૂર રૂપજીવીની હતી. હવે તેની પાસે યુવાની રહી નથી. ગ્રાહકો પણ આવતા નથી તેથી ફૂલોના ગજરા વેચીને તે જીવન નિર્વાહ કરે છે.

'આજે હું ફૂલોના ગજરા વેચી ગુજરાન ચલાવું છું'

આ વાત દિલ્હીના જી.બી. રોડની છે. દિલ્હીના મેટ્રો સ્ટેશનથી ઊતરીને અજમેરી ગેટના ઉત્તરે થઈ અહીં પહોંચી શકાય છે. અહીં એક જુદી જ પ્રકારનું દિલ્હી છે, કહે છે કે અહીં ‘ગોડ’ નહીં ‘ગોડેસીસ’ વસે છે, અલબત્ત, તે બધાના ચહેરા પર દુઃખનો વાદળોની છાયા છવાયેલી છે. ચુસાઈ ગયેલા દેહના કારણે કેટલીક તો ભરજુવાનીમાં મોટી વયની લાગે છે. કોઈ વટેમાગું ત્યાંથી પસાર થતો હોય તો બસ આટલું જ સાંભળવા મળે છેઃ ”રુકના… કહાં જાતા હૈ?… દેખ તો સહી.” ગ્રાહકોને લલચાવવા તે આમંત્રણ આપતી હોય તેમ બોલે છે.

દિલ્હીના લાહોરી ગેટથી ઉત્તરે અને અજમેરા ગેટથી દક્ષિણ સુધીનો આ વિસ્તાર નોટોરિયસ છે. આ રસ્તા પર રાત્રીના સમયે આવી હજારો સ્ત્રીઓ તેમનો દેહ વેચી ગુજરાન ચલાવે છે. આમ તો આ રોડનું નામ સ્વામી શ્રદ્ધાનંદ માર્ગ છે. સ્વામી શ્રદ્ધાનંદ આર્ય સમાજી નેતા હતા. તેમનું ૧૯૨૬માં એક કટ્ટરવાદીએ ખૂન કરી નાખ્યું હતું. પણ આ રસ્તો અંગ્રેજોના સમયથી જી.બી. રોડ તરીકે જ ઓળખાય છે. જેના નામથી આ રસ્તો ઓળખાય છે તે અંગ્રેજનું નામ ‘ગાર્સ્ટીન બાસ્ટીઓન’ હતું. એ માણસ કોણ હતો તે કોઈ જાણતું નથી. કોઈને એ જાણવાની ઈચ્છા પણ નથી. કહેવાય છે કે ૧૮૫૭ના ગાળામાં તે બ્રિટીશ જનરલ હતો.

કોઈ કહે છે કે તે એક અંગ્રેજ અધિકારી હતો અને તેણે વર્ષોથી ચાલી આવતા દેહવેપારના ધંધાથી આ રોડને મુક્ત કરાવવા પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ ગયો હતો.

આવા જી.બી. રોડના એક ખૂણામાં ઊભેલી સંજના કહે છેઃ ”હવે મારી ઉંમરના કારણે આ ધંધાથી બહાર થઈ ગઈ છું. દિવસે આ વિસ્તારના કોઠાઓમાં ઘરકામ કરું છું અને રાત્રે ગજરા વેચું છું. કોઠાઓનાં હું વાસણો ધોઉં છું. કપડાં ધોઉં છું. કોઠાઓમાં રહેતી યુવાન છોકરીઓ માટે શાકભાજી ખરીદી લાઉં છું. તેમના માટે રસોઈ બનાવું છું, હવે મારો બીજો કોઈ ઉપયોગ રહ્યો નથી.”

સંજના કહે છે : ”હું જ્યારે ૨૦ વર્ષની હતી ત્યારે મારી મોટી ડિમાન્ડ હતી. હવે મારા માટે કોઈ ગ્રાહક આવતો નથી. હા, કોઈ વાર મારા જૂના એક બે આશિક આવી ચડે છે, પણ કોઈક જ વાર.”

તે કહે છેઃ ”હું ૧૪ વર્ષની હતી ત્યારે એટલે કે ૧૯૭૦માં હું દિલ્હી આવી હતી. તે વખતે મારું લગ્ન થઈ ગયું હતું. હું ઉત્તરપ્રદેશના ગામડામાંથી આવું છું. મને મારો પતિ કોઈ કામના બહાને દિલ્હી લઈ આવ્યો હતો. જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર તે કોઈ નાસ્તો લેવાના બહાને મને પ્લેટફોર્મ પર એકલી મૂકીને ઈરાદાપૂર્વક જતો રહ્યો હતો. તે પછી એક માણસ મારી પાસે આવ્યો હતો. એણે મને ખાવાનું આપવાનું કહી આ વિસ્તારમાં લઈ આવ્યો હતો. બસ તે દિવસથી મારા પેટની ભૂખ મીટાવવા મેં શરણાગતિ સ્વીકારી લીધી હતી. હકીકતમાં મારા પતિએ મને એક કોઠાવાળાને વેચી દીધી હતી. એ દિવસથી હું જી.બી. રોડના એક કોઠાનો હિસ્સો બની ગઈ. કોઠાનો માલિક એ વખતે ૪૦ વર્ષની વયનો હતો.”

સંજના કહે છેઃ ”અહીં આવ્યા પછી મેં ઘણું બધું જાણ્યું. મારા કોઠાના માલિકે મને જી.બી. રોડનો ઈતિહાસ કહ્યો. દેશના ભાગલા થયા તે પહેલાં આ રોડ પર લોકો માત્ર દેહ ભોગવવા જ આવતા નહોતા. ભાગલા પહેલા દિલ્હી એક અનોખું શહેર હતું. ગરીબી હતી પણ દિલ્હીની એક આગવી ઓળખ હતી. દિલ્હીનું એક આગવું કલ્ચર હતું. આ વિસ્તારમાં રહેતી રૂપજીવીનીઓ મીર અને હાફિઝની શાયરી ગાતી. પ્રોસ્ટીટયૂટસ ર્પિશયન ગીતો ગાતી. મોગલોના જમાના કોઠાઓનું એક આગવું કલ્ચર હતું. મોગલ બાદશાહો આ વિસ્તારની રૂપજીવીનીઓને કે નર્તકીઓને તેમના દરબારમાં બોલાવતા. કેટલીક રૂપજીવીનીઓ તો કથક અને હિન્દુસ્તાની ગાયકીની શ્રેષ્ઠ નિષ્ણાત હતી.”

તે કહે છે : ” બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ભાગલા પહેલા જી.બી. રોડ પર રહેતી સ્ત્રીઓ નવાબી સંસ્કૃતિની રખેવાળ ગણાતી. એ વખતે અહીં રહેતી વેશ્યાઓ માત્ર વાસનાનું સાધન નહોતી. નવાબોના પુત્રોને વાણી, વર્તન અને વિવેક શીખવવા રૂપજીવીનીઓ પાસે મોકલવામાં આવતા. મોગલોના જમાનામાં રૂપજીવીનીઓને સમાજની ગંદકી ગણવામાં આવતી નહોતી. પણ સંસ્કૃતિનો એક ભાગ ગણવામાં આવતી હતી.”

પણ હવે એ બધું બદલાઈ ગયું છે. અહીં ગંદકી બંને પ્રકારની વધી છે, ગરીબી પણ વધી છે, ગ્રાહકો અને રૂપજીવીનીઓએ બેઉ માટે એચઆઈવીના જોખમો પણ વધ્યાં છે.

સંજના કહે છે : ભાગલા પહેલા તો આ વિસ્તારની રોનક રાત્રે જ જામતી. ગીત સંગીતના મધુર સ્વર સંભળાતા. ૭૦નાં દાયકાના અંતિમ વર્ષો સુધી અહીં બધું બરાબર હતું. ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી એ પહેલાં અહીં પોલીસ ભાગ્યે જ આવતી,કોઠામાં તો પ્રવેશતી જ નહીં. કટોકટીના ગાળામાં પોલીસ આવવા લાગી અને બધું જ બદલાઈ ગયું. શહેરનાં રઈસ લોકોએ અહીં આવવાનું બંધ કરી દીધું. તેમના બદલે ફાલતું લોકો આવવા લાગ્યા.ઈમરજન્સી પછી આવતા ગ્રાહકોને તત્કાળ સેક્સ જોઈતું હતું. કોઠાઓની અંદર જે નૃત્ય ખંડો હતા તેમાં નાચગાન બંધ થઈ ગયાં. કેટલાંક ડાન્સિંગ હોલ તો નાની નાની રૂમોમાં ફેરવાઈ ગયા.

મયંક ઓસ્ટિન સૂફી નામના લેખકે દિલ્હીના ‘રેડ લાઈટ’ એરિયા વિષે ”નો બડી કેન લવ યુ એની મોર’ પુસ્તક લખ્યું છે. તેમાં તે લખે છેઃ ”પહેલા એક માત્ર જી.બી. રોડ જ દિલ્હીનો રેડલાઈટ એરિયા હતો. હવે રેડલાઈટ એરિયા દિલ્હીની બહાર ચાલ્યો ગયો છે. સેક્સનું બજાર જ બદલાઈ ગયું છે. જી.બી. રોડના રેડલાઈટ એરિયાને મસાજ પાર્લરો, બ્યુટી સલૂનો તથા ફ્રેન્ડશિપ કલબોએ ઉજ્જડ અને વેરાન કરી દીધો છે. હવે ઈન્ટરનેટ પર જઈ કોલગર્લ શોધી શકાય છે, ફાઈવસ્ટાર હોટલોમાં ઊતરતા ધનવાનોને તથા કોર્પોરેટ કંપનીઓના બડા બડા એક્ઝિક્યુટીવ્સને કેટલીક એજન્સીઓ ”એસ્કોટર્સ” પૂરાં પાડે છે. આ એસ્કોટર્સ અત્યંત પ્રભાવશાળી, રૂપાળી અને ખૂબ સુંદર ઈંગ્લિશ જાણતી કોર્પોરેટ કલ્ચરની યુવતીઓ હોય છે. દિલ્હીમાં તો છેક ૧૯૮૦થી એક કંપની આવી એસ્કોટર્સ ર્સિવસ પૂરી પાડે છે. દિલ્હીમાં રહેતા કંવલજીત નામના એક શખસે આવી એસ્કોટર્સ ર્સિવસનો ધંધો શરૂ કર્યો હતો,તે આજે મહિને રૂ. ૧૦ લાખ કમાય છે. ૧૦૦ જેટલી પ્રોસ્ટીટયૂટસ તેની કંપની માટે કામ કરે છે. ૨૦૦૫માં કંવલજીતની ધરપકડ થઈ હતી. દિલ્હી પોલીસના આંકડા અનુસાર તેના સેક્સ ટ્રેડનો આંકડો ૫૦૦ કરોડનો હતો. કંવલજીત પકડાઈ ગયા બાદ એ ધંધો સોનું પંજાબણના હાથમાં ચાલ્યો ગયો હતો. સોનું પંજાબણના ગ્રાહકો મધ્યમવર્ગના હતા. દિલ્હી પોલીસે ૨૦૧૧માં તેને પણ પકડીને જેલમાં પૂરી દીધી હતી. દિલ્હીનું સેક્સ ટ્રેડ રેકેટસ હવે અનજાન હાથોમાં ચાલ્યું ગયું છે.

બદલાતા સમયમાં દિલ્હીના જી.બી.રોડે તેની આગવી સંસ્કૃતિ અને આગવી ઓળખ ગુમાવી છે. જી.બી. રોડ પર આજે પણ સંજના જેવી અનેક પૂર્વ અને વર્તમાન રૂપજીવીનીઓને રોજી આપતા ૮૦ જેટલા કોઠા આજે પણ હયાત છે. પણ જી.બી. રોડે તેની રોનક અને અસલિયત ગુમાવી દીધી છે. પહેલાં અહીં ગીત-સંગીતના શોખીન કળા પ્રેમીઓ આવતા હતા. હવે તો આ રસ્તા પર ધોળે દહાડે લૂંટી લે તેવા ગુંડાઓ ફરતા દેખાય છે.

(સંજના એ પરિવર્તીત નામ છે)

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

હવામાન માપવાની પદ્ધતિ પણ રાધાનાથે આપી

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.

પણ એક અંગ્રેજે સર્વે મેન્યુઅલ‘ પુસ્તકમાંથી રાધાનાથનું નામ ગાયબ કરી દીધું

માઉન્ટ એવરેસ્ટની ખોજ જ્યોર્જ એવરેસ્ટે નહીં પણ રાધાનાથ સિકદરે કરી હતી, પણ એ શ્રેય એ વખતની અંગ્રેજ સરકારે ભારતીય સર્વેયર રાધાનાથ સિકદરને કદી આપ્યું નહીં. આવું બીજા અનેક કિસ્સાઓમાં થયેલું છે. ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે સહુથી પહેલાં વાયરલેસ એટલે કે રેડિયો તરંગોની ખોજ કરી હતી, પરંતુ રેડિયોની શોધ કરવાનું શ્રેય માર્કોનીને આપી દેવામાં આવ્યું હતું. આવી જ જાલસાજી રાધાનાથ સિકદર સાથે થઈ હતી.

હવામાન માપવાની પદ્ધતિ પણ રાધાનાથે આપી

રાધાનાથ સિકદરે સર્વેના કામની સાથે સાથે ભારતના હવામાનના અભ્યાસની પણ જવાબદારી સંભાળી હતી. ઈ.સ.૧૮૫૨માં ભારતના મોસમ વિભાગના વડા વી.એલ. નિકસન નિવૃત્ત થતાં એ પદ પર બ્રિટિશ સરકારે રાધાનાથ સિકદરની નિમણૂક કરી. આ પદ સંભાળ્યા બાદ રાધાનાથે જોયું કે જે પદ્ધતિથી હવામાનની જાણકારી મેળવવામાં આવે છે તે પદ્ધતિ યોગ્ય નથી. એ વખતે તાપમાન સૂર્યોદય અને સૂર્યાસ્તના વખતે જ માપવામાં આવતું હતું, પરંતુ સૂરજ રોજ એક સમયે જ ઊગતો કે આથમતો નથી. તેથી તે હિસાબે તાપમાન માપવું ઠીક નથી એમ રાધાનાથને લાગ્યું. એ વખતે ઇન્સ્ટ્રુમેન્ટલ કરેક્શન અથવા બાર કરેક્શન પદ્ધતિનો ઉપયોગ થતો નહોતો.

રાધાનાથે મોસમ વિભાગના વડા તરીકેનું પદ સંભળ્યા બાદ તાપમાન, હવાનું દબાણ, પવનની દિશા, પવનની ગતિ દર એક કલાકે માપવાનું અને તેનો રોજનો અને મહિનાનો રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું. યુરોપમાં એ વખતે ૩૨ ડિગ્રી ફેરનહાઈટને આધાર માની તાપમાનનું નિર્ધારણ શરૂ થઈ ગયું હતું, પરંતુ ભારતમાં એ વિષે કોઈ જ જાણકારી નહોતી. રાધાનાથે પોતાના મૌલિક વિચારોથી આ પદ્ધતિનો આવિષ્કાર કર્યો.

ઈ.સ. ૧૮૫૩થી આ કામ નિયમિતરૂપે શરૂ થયું. તે પછી વૈજ્ઞાનિક લેખો અને પત્રિકાઓમાં પણ એમની વાત સ્વીકારવામાં આવી. ૧૮૫૨થી ૧૮૭૭ સુધી રાધાનાથની પદ્ધતિ જ મોસમની જાણકારી માટે અમલમાં રહી. ઈ. સ. ૧૮૬૪માં કલકત્તામાં ભયંકર વાવાઝોડું આવ્યું. એની ગતિ માપવા માટે પણ બલાન ફોર્ડ અને ગેસ સ્ટ્રાલે રાધાનાથની પદ્ધતિની જ મદદ લીધી.

૧૮૫૬માં ભારતના હવામાના ખાતાના વડા તરીકેનું પદ સંભાળ્યા બાદ બીજા વર્ષે બંદરગાહ તરફથી આવતાં જહાજોનાં ‘ટાઈમ સિગ્નલિંગ’નો તેમણે ઉપયોગ કર્યો. સમુદ્રમાં આવનજાવન કરતાં જહાજો માટે ચોક્કસ સમયનું જ્ઞાન બેહદ જરૂરી હતું. એક બંદરથી બીજા બંદર પહોંચતા જ સમય પણ બદલાઈ જતો હતો. એ કારણથી જહાજોમાં રાખવામાં આવતી સમયસૂચિ અને હવામાનની જાણકારી વચ્ચે કોઈ તાલમેલ નહોતો. આ મુશ્કેલી દૂર કરવા રાધાનાથે બંદરો માટે ટાઈમ બોલ ચાલુ કર્યો, જેથી બદલાતા સમયની સાથોસાથ સાચો સ્થાનિક સમય પણ દર્શાવવાનું શરૂ થયું. જહાજો માટે આ એક મોટી સુવિધા સાબિત થઈ.

કેટલાંક વર્ષો પહેલાં એટલે કે ૧૯૭૫માં ભારત સરકારે તેના હવામાન વિભાગની ૧૦૦મી જયંતી ઊજવી, પરંતુ મોસમ વિભાગે રાધાનાથની બાબતમાં બે શબ્દ પણ ઉચ્ચાર્યા નહીં.

એ જ રીતે ભારત સરકારના સર્વે ઓફ ઇન્ડિયાએ પણ રાધાનાથની ધરાર અવગણના કરી છે. ઈ.સ. ૧૮૫૧માં કેપ્ટન એચ.એસ થુઈલરે અને કેપ્ટન એફ. સ્મિથે ‘સર્વે મેન્યુઅલ’ નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં જે પણ અધ્યાય ટેકનિકલ અને ગણિત સાથે સંકળાયેલા છે તે બાબુ રાધાનાથ સિકદરે લખેલા છે. એ સમયે ભારતની સર્વે પદ્ધતિ પર લખાયેલું આ એકમાત્ર પુસ્તક હતું. એ વિશાળ ગ્રંથનું ત્રીજું, પાંચમું, પંદરમું, વીસમું, એકવીસમું અને છવ્વીસમું પ્રકરણ રાધાનાથ સિકદરે લખેલું છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે તે પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થઈ ત્યારે તે વખતના સર્વે ઓફ ઇન્ડિયાના સર્વેસર્વા થુઈલ નામના અંગ્રેજે રાધાનાથનું નામ ગાયબ કરી દીધું, કારણ કે એ પુસ્તકનો બધો જ શ્રેય એચ.એસ. થુઈલર પોતે લઈ લેવા માંગતા હતા.

થુઈલરે આમ એટલા માટે કર્યું, કારણ કે ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ તેના થોડા સમય પહેલાં જ રાધાનાથ સિકદર આ ફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા. થુઈલરની આ દગાખોરી સામે રાધાનાથના મૃત્યુનાં ૧૧ વર્ષ બાદ ઘણી મોટી હસ્તીઓએ અવાજ ઉઠાવ્યો, જેમાં કેટલાક અંગ્રેજો પણ સામેલ હતા.

આવા અંગ્રેજો પૈકી એક હતા લેફ્ટનન્ટ કર્નલ મેકડોનાલ્ડ. મેકડોનાલ્ડે એચ.એસ. થુઈલરના આ ષડ્યંત્રનો કરારો જવાબ આપતાં’ધી ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયા’ નામના એ વખતના અખબારના તા. ૨૪ જૂન, ૧૮૭૬ના અંકમાં લખ્યું કે પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં જે વ્યક્તિએ વાયુની ગતિ, દબાણ, તાપમાનને યોગ્ય રીતે માપવાની પદ્ધતિ શરૂ કરી અને જે વ્યક્તિએ વિશ્વનું ઊંચામાં ઊંચું શિખર કયું છે તે નક્કી કરી આપ્યું તેનું શ્રેય બેઈમાનીથી થુઇલરે ચોરી લીધું છે. આ ડાકુગીરી એક વાર નહીં પણ ચાર વાર કરવામાં આવી છે. આનો ન્યાય થવો જોઈએ.

એક અંગ્રેજે બીજા અંગ્રેજ વિરુદ્ધ આવું સાફ લખતાં થુઈલર મેકડોનાલ્ડથી નારાજ થઈ ગયા અને બ્રિટિશ સરકાર સમક્ષ પોતાની બુરાઈ કરવા માટે મેકડોનાલ્ડ નામના અધિકારી પર કામ ચલાવવવા અરજી કરી. મેકડોનાલ્ડ સાચા હોવા છતાં થુઈલર તેમના ઉપરી હોવાના કારણે બ્રિટિશ સરકારે થુઈલરની ફરિયાદના આધારે મેકડોનાલ્ડને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા અને તેમને એક પદ ઉતારી પાડયા. બ્રિટિશ સરકારની આ કાર્યવાહીથી ત્યારે હોબાળો મચી ગયો. એ વખતનાં જાણીતાં અખબારો (૧) ધ ઇંગ્લિશમેન (૨) ધી ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયા, (૩) ધી હિન્દુ વગેરેએ મેકડોનાલ્ડની હિંમત અને ઇમાનદારીની સરાહના કરી અને અંગ્રેજ સરકારની કડક આલોચના કરી. સાથે સાથે થુઈલરની પણ આલોચના કરી. મીડિયાના દબાણ સમક્ષ થુઈલરે નમવું પડયું અને ત્રીજી આવૃત્તિને ફરી સુધારીને બહાર પાડી અને એ પુસ્તકમાં રાધાનાથ સિકદરને ફરી એમનું સ્થાન મળ્યું.આ વાત ઈ.સ. ૧૮૮૭ની છે.

આમ તો ઈ.સ. ૧૮૬૨માં જ રાધાનાથ સિકદરે માત્ર ૪૯ વર્ષની વયે જ નોકરી છોડી દીધી હતી. નોકરી છોડયા બાદ તેઓ સરળ ભાષામાં વિજ્ઞાન સંબંધી લેખો લખતા રહ્યા હતા. જેથી સામાન્ય લોકોને પણ વિજ્ઞાન પ્રત્યે રુચિ અને જાગરૂકતા પેદા થાય.

રાધાનાથ સિકદર સ્ત્રીઓ શિક્ષિત બને તે માટે પણ પ્રયત્નશીલ હતા. આ હેતુથી તેમણે પૌરાણિક કથાઓનો સરળ ભાષામાં અનુવાદ કર્યો હતો. નારી શિક્ષાના પ્રસાર માટે બાલિકા વિદ્યાલય બેથુન સ્કૂલની સમિતિના સભ્ય પણ બન્યા હતા. તા. ૧૭મી મે, ૧૮૭૦ ના રોજ ૫૫ વર્ષની વયે તેઓ અચાનક મૃત્યુ પામ્યા.

હિમાલયનું સહુથી ઊંચું શિખર શોધી કાઢનાર રાધાનાથ સિકદરનું નામ ભારતના ઇતિહાસનાં પાનાંમાંથી ગાયબ છે. આજે લોકો માઉન્ટ એવરેસ્ટ, એવરેસ્ટ પર ચડનાર એડમંડ હિલેરી અને તેનસીંગને યાદ કરે છે પણ આ શિખરની ખોજ કરનારને કોઈ જાણતું નથી. માત્ર બ્રિટિશ સરકારે જ નહીં પણ આઝાદી પછીની ભારત સરકારે પણ રાધાનાથ સિકદર સાથે અન્યાય કર્યો છે. હવે તેમની ૨૦૦મી જયંતી આવી છે ત્યારે ભારત સરકારે એ ભૂલ સુધારી લઈને રાધાનાથ સિકદરને સાચી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. 

ચમકદમકની દુનિયામાં જિયા-‘ધી લોન્લી લેડી’

ચમકદમકની દુનિયામાં જિયા-'ધી લોન્લી લેડી'

૧૯૮૩માં એક ફિલ્મ બની હતી : ‘ધી લોન્લી લેડી.’ પિટર સેડસીએ આ અમેરિકન ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. મૂળ હેરોલ્ડ રોબિન્સની નવલકથા પરથી આ ફિલ્મ બની હતી. કથાની નાયિકાનું નામ જેરિલી રેન્ડેલ હતું. તે કેલિફોર્નિયાના એક નાનકડા નગરની સ્કૂલમાં ભણતી હતી ત્યારથી જ તેને કોઈ ફિલ્મ માટે સ્ક્રીનપ્લે લેખિકા બનવું હતું. એણે સ્કૂલમાં જ સર્જનાત્મક લેખન સ્પર્ધાની ટ્રોફી જીતી લીધી. એ પછી તે હોલિવૂડના સુપ્રસિદ્ધ સ્ક્રીનપ્લે લેખક વોલ્ટર થોર્ટનના પુત્ર વોલ્ટને મળી. તેની સાથે મિત્રતા થઈ. એકવાર રાતના સમયે તે વોલ્ટના ઘરે ગઈ. બીજા કેટલાક મિત્રો પણ ત્યાં આવેલા હતા. એ વખતે પુલ પાર્ટી યોજવામાં આવી હતી. રાત્રે કેટલાકે ડ્રિંક્સ લીધું. તે પછી કેટલાકે તેની પર શારીરિક અત્યાચાર કર્યો.

વોલ્ટના પિતા સ્ક્રીન પ્લે લેખક વોલ્ટર આવી જતાં તેમણે કિશોર વયની જેરિલીને વધુ અત્યાચારમાંથી બચાવી લીધી. એ પછી જેરિલીનો લેખક વોલ્ટર પ્રત્યેનો આદર વધી ગયો. જેરિલી કરતાં વોલ્ટર મોટી વયના હોવા છતાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ. જેરિલી આમેય હોલિવૂડમાં સ્ક્રીનપ્લે લેખિકા બનવાનું સ્વપ્ન નિહાળી રહી હતી. જેરિલી અને વોલ્ટર વચ્ચેની મિત્રતા પ્રણયમાં પલટાઈ ગઈ. જેરિલી વોલ્ટરને પરણવા તૈયાર થઈ ગઈ. માતાના સખત વિરોધ છતાં જેરિલી અને વોલ્ટર પરણી ગયાં. જેરિલીએ પણ લખવાનું શરૂ કર્યું. એક દિવસ તેણે તેના પતિ વોલ્ટરના લખેલા સ્ક્રીનપ્લેમાં થોડો સુધારો કર્યો. ખરેખર તો એણે આખા સ્ક્રીનપ્લેમાં “શા માટે ?” એટલો શબ્દ જ ઉમેર્યો હતો. બસ, આ મુદ્દા પર બેઉ વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. ઝઘડાના એક તબક્કે વોલ્ટરે તેની પર આક્ષેપ કર્યો : “મારા બંગલાના પુલમાં તારી પર બળાત્કાર થતો હતો ત્યારે તું એનો આનંદ માણતી હતી.”

વોલ્ટરના આ વિધાનથી આઘાત પામેલી જેરિલીએ વોલ્ટરથી છૂટાછેડા લઈ લીધા. વોલ્ટરથી છૂટા પડયા બાદ જેરિલી કોઈ યોગ્ય સાથીની શોધમાં હતી. તે એવી વ્યક્તિની શોધમાં હતી જે તેને હોલિવૂડની કોઈ ફિલ્મનો સ્ક્રીનપ્લે લખવાનું કામ અપાવી શકે. આ હેતુથી હોલિવૂડ સાથે સંકળાયેલા અનેક લોકોના સંપર્કમાં આવી. હોલિવૂડમાં નામ અને પ્રતિષ્ઠા અપાવવાના બહાને અનેક લોકોએ તેનો ઉપભોગ કર્યો. લાંબા સંઘર્ષના અંતે એને એક ફિલ્મનો સ્ક્રીનપ્લે લખવાની તક મળી. એણે ‘ધી હોલ્ડ-આઉટ્સ’ નામન ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો. ફિલ્મ તો સફળ નીવડી જ, પરંતુ એની સાથે સાથે એને શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે લેખિકા તરીકેનો એકેડેમી એવોર્ડ પણ મળ્યો. આખરે એ દિવસ આવી ગયો જ્યારે લોસ એન્જલિસના ભવ્ય થિયેટરમાં એવોર્ડ એનાયત થવાનો હતો. જેરિલી સુંદર વસ્ત્રો પહેરીને થિયેટરમાં ગઈ. એવોર્ડ ફંક્શનનું લાઈવ ટેલિકાસ્ટ આખા અમેરિકામાં થઈ રહ્યું હતું. જ્યારે જેરિલીના નામની જાહેરાત થઈ ત્યારે તાળીઓના ગડગડાટથી ઓડિટોરિયમ ગાજી ઊઠયું. જેરિલીને એક નામી હસ્તી દ્વારા એવોર્ડ હાથમાં આપવામાં આવ્યો. તેને પ્રતિભાવ આપવાનું કહેવામાં આવ્યું. જેરિલી પોડિયમ પાસે ગઈ અને હાથમાં એવોર્ડને પકડી રાખતાં એવોર્ડ સુધી પહોંચતાં તેના પતિથી માંડીને હોલિવૂડ સાથે સંકળાયેલી કેટકેટલી વ્યક્તિઓએ પોતાનો ઉપભોગ કર્યો છે તે જાહેર કરી દીધું. ફિલ્મની લેખિકા બનવા માટે તેણે ફિલ્મના એજન્ટ, ડાયરેક્ટર, પ્રોડયુસર અને નાયકે તેનું ક્યારે ક્યારે શારીરિક શોષણ કર્યું તે બધું જ તેણે જાહેરમાં કહી દીધું. એ બોલી : “મને એવોર્ડ નહીં, પરંતુ આત્મસન્માનની જરૂર છે.”

એટલું બોલી એણે એવોર્ડને પોડિયમ પર જ મૂકી દીધો. એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કરી તે બધાને સ્તબ્ધ અને શરમજનક હાલતમાં છોડીને ઓડિટોરિયમની બહાર નીકળી ગઈ.

‘ધી લોન્લી લેડી’ ફિલ્મની કથા અહીં પૂરી થાય છે.

– આ ફિલ્મ હોલિવૂડ સાથે સંકળાયેલી બડી બડી હસ્તીઓને ગમી નહોતી. ગમી એટલા માટે નહોતી કે ચમકદમકથી ભરેલી ફિલ્મની ગ્લેમરસ દુનિયાની અંધારી બાજુને ખુલ્લી કરી નાખવામાં આવી હતી. ફિલ્મ જગતમાં પ્રવેશથી માંડીને ટકી રહેવા અને પ્રતિષ્ઠા સુધી પહોંચવા માટે એક યુવતીએ સિનિયર લેખક, એજન્ટ, ડાયરેક્ટરથી માંડીને એક્ટર સાથે કેટકેટલાં ‘અનૈતિક સમાધાનો’ કરવાં પડયાં તેની તેમાં કહાણી હતી. જેરિલી પાસે બધું જ હતું, પરંતુ નામના મેળવ્યા બાદ પણ ભીતરથી તે ‘લોન્લી લેડી’ હતી.

તાજેતરમાં જ પંખા પર લટકીને અકાળે જીવન ટૂંકાવનાર ૨૫ વર્ષની અભિનેત્રી જિયા ખાન પણ શાયદ ‘લોન્લી લેડી’ જ હતી. જેરિલી સ્કૂલમાં ભણતી હતી ત્યારથી જ તે ફિલ્મ જગતમાં લેખિકા બનવા માગતી હતી. તે રીતે અમેરિકામાં જન્મેલી અને લંડનમાં ઉછરેલી જિયા ખાન પણ બચપણથી અભિનેત્રી બનવા માગતી હતી. સદ્નસીબે એને પહેલી જ તક દેશના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ‘નિઃશબ્દ’માં કામ કરવાની મળી. તે પછી આમિર ખાનના ‘ગઝિની’માં કામ કરવાની તક મળી. તે પછી અક્ષયકુમાર સાથે કામ કર્યું, પરંતુ આ ટોચના અભિનેતાઓ સાથે કામ કરવાની તક જ તેના માટે મુશ્કેલી બની ગઈ. એ બે ફિલ્મો પછી તેની મહત્ત્વાકાંક્ષાની ઊંચાઈ પણ વધી ગઈ. માનસિક રીતે તે હવે તે એવા જ ઊંચા કલાકારો સાથે મોટી ફિલ્મો મળશે તેની અપેક્ષા રાખવા માંડી હતી. પરંતુ બહારથી ગ્લેમરસ દેખાતી ફિલ્મની દુનિયા ભીતરથી ગંદી અને વ્યવહારમાં ક્રૂર છે. બોલિવૂડની ફિલ્મી દુનિયા એક મહાસાગર જેવી છે. તેની ભીતર નાની-નાની માછલીઓને ગળી જવા શાર્ક માછલીઓ અને મોટા મોટા મગરમચ્છો રોજ શિકારની શોધમાં હોય છે. જે લોકો શો-બિઝનેસને જાણે છે તેમને ખબર છે કે, તે ભૂખ્યા માનવભક્ષી રાક્ષસોથી ભરેલો છે. ખાસ કરીને એક્ટ્રેસ બનવાનાં સ્વપ્ન જોતી કેટલીયે યુવતીઓ આ માનવભક્ષી રાક્ષસોની વાસનાનો ભોગ બનેલી છે.

સિનેમાના બિગ સ્ક્રીન પર ચમકવા માટે હિરોઈનોને કોઈનો કોઈ સહારો જોઈએ જ છે. નરગિસે રાજ કપૂરનો સહારો લેવો પડયો હતો. મીનાકુમારીએ કમાલ અમરોહીનો સહારો લેવો પડયો હતો. વહીદા રહેમાને ગુરુ દત્તનો સહારો લેવો પડયો હતો. મધુબાલાએ પહેલાં દિલીપકુમાર અને તે પછી કિશોરકુમારનો સહારો લેવો પડયો હતો. એમને સ્ટારડમ પ્રાપ્ત કરતાં પહેલાં કેટલી તકલીફો સહન કરવી પડી હશે એ તો ભગવાન જાણે, પરંતુ અહીં એક નામ ઉલ્લેખનીય છે. આજે જેનું નામ લોકો જાણતા નથી એ એક એક્ટ્રેસ વિમ્મી. એક જમાનામાં વિનોદ ખન્ના સાથે કામ કરનાર એક્ટ્રેસ વિમ્મીને પાછલી જિંદગીમાં તેને કોઈ જ કામ ના મળતાં પેટનો ખાડો પૂરવા એણે પ્રોસ્ટિટયૂટ બની જવું પડયું હતું. હોલિવૂડની એક જમાનાની સુપ્રસિદ્ધ અભિનેત્રી સોફિયા લોરેને કામ મેળવવા એનાથી બેવડી ઉંમરના એ જમાનાના મશહૂર ફિલ્મકાર કાર્લો પોન્ટી સાથે લગ્ન કરવું પડયું.

પરંતુ બિચારી જિયા !

લંડનથી કેટરિના કૈફની જેમ જ હિરોઈન બનવાનાં સ્વપ્ન લઈને આવેલી જિયાને બોલિવૂડ ના ફળ્યું. કેટરિના કૈફને સલમાનનો એક પેટ્રન તરીકે સહારો મળ્યો. જિયાને એ વાતની ખબર નહોતી કે તેના જેવી હજારો યુવતીઓ રોજ બોલિવૂડના નિર્માતાઓ અને દિગ્દર્શકોની આસપાસ આંટા મારે છે. સ્ટુડિયોમાં કલાકોના કલાકો સુધી ફિલ્મમાં રોલ મેળવવા બેસી રહે છે… Role or any ‘bloodyrole.’

લંડનગર્લ બિચારી એટલું ન સમજી શકી કે એને શરૂઆતમાં જે ‘ઇન્સ્ટન્ટ સક્સેસ’ મળી એ એક અકસ્માત હતો. ઇન્સ્ટન્ટ સક્સેસ જ એની દુશ્મન બની ગઈ. જિયા એ ના સમજી શકી કે બોલિવૂડની દુનિયા આજથી ૨૫ કે ૫૦ વર્ષ પહેલાં જેવી નથી. પહેલાં મર્યાદિત હિરોઈનો જ હતી. હવે નામ અને પ્રતિષ્ઠાની ખોજમાં રોજ નવો ચહેરો ગ્લેમરસ દુનિયાનો હિસ્સો બનવા મુંબઈ આવે છે. આ ગ્લેમરની દુનિયામાં પ્રવેશવા તે બધું જ કરવા તૈયાર છે. ક્યાંક તેમને કામ મળે છે અને ‘ફ્લેશ’ અથવા ‘હ્યૂમન ફ્લેશ’માં ખોવાઈ જાય છે. બોલિવૂડના માંધાતાઓ માટે આવી પાર્ટી ગર્લ્સ તેમનું ‘ઇઝી મીટ’ છે., તેમને ખાઈ જાય છે. ચૂસી લેવાય છે અને ફેંકી દેવાય છે. એકાદ-બે ફિલ્મમાં કામ કરવાથી જે થોડા ઘણા પૈસા મળ્યા હોય તે વપરાઈ ગયા બાદ એ યુવતીઓ ‘નર્ક’માં ધકેલાઈ જાય છે અને એ નર્ક છે : ‘ડ્રગ્સ, બુઝ-દારૂ અને પ્રોસ્ટિટયૂશન.’ ચમકદમકથી ભરેલી બોલિવૂડની દુનિયાની ભીતરની આ કડવી વાસ્તવિકતા છે. બોલિવૂડના માંધાતાઓ એક જતી રહે એટલે બીજી શોધે છે. જે ખોવાઈ જાય છે તે પોતાની જાતને પરાજિત, હતાશ અને નિષ્ફળ સમજે છે. તેમાંથી ડિપ્રેશન આવે છે. ડિપ્રેશનથી પીડાતી હિરોઈનો એકલતાનો ભોગ બને છે. કોઈવાર કોઈ અર્ધદગ્ધ બોયફ્રેન્ડનો સહારો લે છે અને જ્યારે બોયફ્રેન્ડ પણ સાથ છોડતો જણાય ત્યારે બધી જ દિશાઓમાંથી વિફળ થયેલી યુવતી નર્વસ બ્રેકડાઉનમાં સરી પડે છે.

જિયા જે પરિવારમાંથી આવતી હતી તે પણ એક ભગ્ન પરિવાર હતું. જિયા જ્યારે ત્રણ જ માસની હતી ત્યારે તેના પિતા અલી રીઝવી ખાને લંડનમાં જિયા અન તેની માતાને તરછોડી દીધાં હતાં. તે પછી તેની માતાએ બીજું લગ્ન કર્યું અને તેના ઓરમાન પિતાએ પણ પરિવારને તરછોડી દીધું. ‘નિઃશબ્દ’માં કામ કર્યા બાદ જિયાના જીવનમાં અનેક બોયફ્રેન્ડ આવ્યા. જસપ્રીત વાલિયા,સાહિલ પીરઝાદા સાથે પણ તેનાં નામ જોડાયાં. લંડનના મોટી ઉંમરના એક ઉદ્યોગપતિ સાથે પણ તેનું નામ જોડાયું. છેલ્લે છેલ્લે આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી સાથે પણ તેનું નામ જોડાયું. તે તમામમાં તે નિષ્ફળ નીવડી. કદાચ બધા જ બેવફા હતા. છેલ્લે છેલ્લે સૂરજ પણ તેને મળવાથી દૂર રહેતો હતો. તેણે સૂરજને ટેક્સ્ટ મેસેજમાં લખ્યું હતું : “You are geting toocold.” એ પછીના છેલ્લા મેસેજમાં તેણે લખ્યું હતું : “You are geting too close to Neelu.”

આ ટેક્સ્ટ મેસેજીસ જ દર્શાવે છે કે, લંડનથી મોટાં ખ્વાબ લઈને આવેલી અત્યંત સંવેદનશીલ જિયા ફિલ્મી દુનિયાથી અને તેના બોયફ્રેન્ડથી પણ અલગ પડી ગઈ હતી. ફિલ્મ જગતથી વિખૂટી પડી ગયેલી જિયાએ સૂરજ જેવા બોયફ્રેન્ડનો સહારો લીધો, પણ સૂરજ પણ બીજી કોઈ સાથે વ્યસ્ત હતો. તે હવે સાવ એકાકી હતી. જુહુના ફ્લેટમાં તે એકલી હતી ત્યારે એ એકલતા જ એને ભરખી ગઈ. પ્રેમમાં છેહ તેને સુરજે દીધો કે કોઈ અન્યએ તે હવે સ્પષ્ટ થશે.

જિયા બિચારી સાચા અર્થમાં ‘ધી લોન્લી લેડી’ હતી.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

માઉન્ટ એવરેસ્ટની ખોજ કોણે કરી?

માઉન્ટ એવરેસ્ટની ખોજ કોણે કરી?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

માઉન્ટ એવરેસ્ટ સર કર્યાંની ઘટનાને 60 વર્ષ પૂરાં થયાં , પરંતુ ભારતના સર્વેયર રાધાનાથ સિકદરનું નામ આજેકોઇ જાણતું નથી

હિમાલયની પર્વતમાળાઓના ઊંચા શિખર તરીકે ‘માઉન્ટ એવરેસ્ટ’જાણીતું છે, પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે આ શિખરની શોધ જ્યોર્જ એવરેસ્ટે નહીં પરંતુ ભારતના સર્વેયર રાધાનાથ સિકદરે કરી હતી. અંગ્રેજોએ ભારત સાથે કરેલા અનેક દગા ફટકાઓમાંનો આ પણ એક દગો હતો.

આજથી ૨૦૦ વર્ષ પહેલાં ભારતમાં એક બાળકનો જન્મ થયો હતો. જેનું નામ રાધાનાથ સિકદર હતું. એ ૧૮૧૩ની સાલ હતી. તેઓ જોડાસાકોના વતની હતા. જોડાસાકો પશ્ચિમ બંગાળમાં છે. રવીન્દ્રનાથ ઠાકુર પણ જોડાસાકોમાં જ જન્મ્યા હતા. ૧૧ વર્ષની વયે રાધાનાથ કોલકાત્તાની હિન્દુ કોલેજમાં દાખલ થયા હતા. એ વખતે વિવિયન ડિરોજિયો નામના એક અંગ્રેજ શિક્ષક એ કોલેજમાં ભણાવતા હતા. આ અંગ્રેજ શિક્ષકે સતીપ્રથા અને બીજા અંધવિશ્વાસો સામે લડવાનું વિદ્યાર્થીઓને શીખવ્યું. વિવિયન ડિરોજિયો તો પ્લેગ ફાટી નીકળતાં મૃત્યુ પામ્યા હતા પણ રાધાનાથ સિકદર પર તેમનો જબરદસ્ત પ્રભાવ રહ્યો. રાધાનાથ સિકદરનું લગ્ન એક આઠ વર્ષની કન્યા સાથે કરાવવા તેમની માતાએ આગ્રહ કર્યો, પરંતુ રાધાનાથે સગીર બાળા સાથે લગ્ન માટે સાફ ઇન્કાર કરી દીધો. તેઓ જિંદગીભર કુંવારા જ રહ્યા.

ઈ.સ. ૧૮૪૩ની વાત છે. રાધાનાથ સિકદર સર્વે ઓફ ઇન્ડિયામાં નોકરી કરતા હતા. તેમને એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. જેનું નામ હતું : ગ્રેટ ટ્રિગનોમેટ્રિકલ સર્વે. આ યોજના અંતર્ગત તેમણે ભારતના દક્ષિણ બિન્દુથી ઉત્તરમાં આવેલા હિમાલયના સહુથી ઊંચા શિખરનું માપ કાઢવાનું હતું. હિમાલયના પર્વતો પર મોટાં સાધનો ઊંચકીને કુલીઓ સાથે ચડવાનું કામ કપરું હતું. તેમની સાથે અંગ્રેજ મેજિસ્ટ્રેટ વેંસીટાર્ટ પણ હતા. તેઓ ભારતીય કુલીઓ સાથે અમાનવીય વ્યવહાર કરતા હતા. વિવિયન ડિરોજિયોના શિષ્ય રાધાનાથથી આ વ્યવહાર સહન ન થયો. તેમણે મેજિસ્ટ્રેટના વર્તનનો વિરોધ કર્યો. પરિણામે ભારતીય કુલીઓ સાથેનો વ્યવહાર તો સુધર્યો પરંતુ ભારતમાં કામ કરી રહેલી બ્રિટિશ અદાલતે મેજિસ્ટ્રેટનો વિરોધ કરવા બદલ રાધાનાથને રૂપિયા ૨૦૦નો દંડ કર્યો. એ જમાનામાં ૨૦૦ રૂપિયાનો દંડ અસહ્ય અને ઘણો મોટો હતો.

હિન્દુ કોલેજના ગણિતના અધ્યાપક જ્હોન ટાઈટલરે રાધાનાથની કાબેલિયત જોઈને એડવાન્સ મેથેમેટિક્સ શીખવ્યું હતું. આ જ શિક્ષકે તેમને ભૂમિતિ પણ શીખવી હતી. એ સમયે ભારતની ભૂગોળ પર સંશોધન થઈ રહ્યું હતું. તેની જવાબદારી જ્યોર્જ એવરેસ્ટ નામના એક અંગ્રેજ અધિકારીને સોંપી હતી. ભારતમાં ક્યાં ખીણ છે અને ક્યાં પર્વત છે, ક્યાં નદી છે અને ક્યાં સપાટ મેદાનો છે તેનો નકશો, માપ અને સંખ્યા નક્કી કરવાનું કામ કઠણ હતું. આ મુશ્કેલ કામ પાર પાડવાની યોજનાને ‘ગ્રેટ ટ્રિગનોમેટ્રિકલ સર્વે’ એવું નામ આપવામાં આવ્યું હતું. આ કામ ૧૮૨૦થી શરૂ થયું હતું. રાધાનાથ સિકદર તા. ૧૮ ડિસેમ્બર, ૧૮૩૧ના રોજ નોકરીમાં દાખલ થયા હતા. જ્યોર્જ એવરેસ્ટની ટીમમાં સર્વેયર તરીકે તેઓ દાખલ થઈ ગયા. તે પછી તેમણે Serang Base line અને ગણિત સાથે સંકળાયેલાં પુસ્તકો વાંચી કાઢયાં. તેમનો પગાર ૪૦ રૂપિયા હતો. સેરોન્જ બેઝ લાઈન હિમાલયની તળેટીમાં દહેરાદૂન ખાતે હોવાનું માનવામાં આવે છે. રાધાનાથનું પોસ્ટિંગ પણ અહીં જ થયું. તેમણે માપની નવી નવી પદ્ધતિઓ શોધી કાઢી. સેરોન્જ બેઝ લાઈનમાં પણ ભયંકર જોખમો હતાં. તેઓ ભૂમિતિના નિષ્ણાત હતા. તેમની કાબેલિયત જોઈ તેમને ડેપ્યુટી કલેક્ટર બનાવી દેવામાં આવ્યા. જ્યોર્જ એવરેસ્ટ રાધાનાથને ગુમાવવા માંગતા નહોતા. જ્યોર્જ એવરેસ્ટે બ્રિટિશ સરકારને દરખાસ્ત મોકલી કે રાધાનાથને સર્વેના કામમાં જ રાખવામાં આવે, કારણ કે તેમના જેવો ગણિતનો જાણકાર માણસ મળવો મુશ્કેલ છે. એ પછી રાધાનાથનો પગાર ૨૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યો અને તેમને સર્વે વિભાગમાં જ રાખવામાં આવ્યા. તે પછી ૧૮૪૩માં જ્યોર્જ એવરેસ્ટે નોકરીમાંથી નિવૃત્તિ લઈ લીધી. તેમની જગ્યા પર કર્નલ એન્ડ્રુ આવ્યા. તેઓ પણ રાધાનાથના કામથી ખુશ હતા. ખુદ જ્યોર્જ એવરેસ્ટે તેમના માટે લખ્યું હતું : રાધાનાથના ગણિતના જ્ઞાનની ટક્કર લે તેવી એક પણ વ્યક્તિ ભારત કે યુરોપમાં નથી.

અત્યાર સુધીમાં રાધાનાથ હિમાલયની કંદરાઓમાં હજારો માઈલ પગપાળા પ્રવાસ કરી ચૂક્યા હતા. માપની નવી નવી પદ્ધતિઓ તેમણે શોધી કાઢી હતી. હિમાલયનાં તમામ રહસ્યો પર તેમણે સંશોધન કર્યું હતું. ૧૮૫૧માં તેમની બદલી કોલકાત્તા થઈ. તેમની કામગીરી જોઈ તેમનો પગાર ૬૦૦ રૂપિયા કરી દેવાયો. કોલકાત્તા આવ્યા બાદ પણ દહેરાદૂન ખાતે તેમણે ઉપલબ્ધ કરેલી હિમાલયના માપ ખોજની તમામ માહિતી કોલકાત્તા મગાવી અને તેનું વિશ્લેષણ શરૂ કર્યું. તેમાં નેપાળ – તિબેટ સીમા પરથી જે ઓ. નિકલસન નામના સર્વેયરે હિમાલયનાં શિખરો અંગેનો રિપોર્ટ પણ મોકલ્યો. તેમાં ૧૫ નંબરના શિખર અંગેની માહિતી કર્નલ જ્હોન હેનસી સુધી પહોંચી પણ તે બહુ સમજી શક્યા નહીં.

તેમણે બધાં જ માપ, વિશ્લેષણો અને ડેટા રાધાનાથને સોંપી દીધાં. રાધાનાથે તેમણે મળેલાં તથ્યો પર કામ શરૂ કર્યું. પોતાના ગણિતના જ્ઞાનથી તેમણે શોધી કાઢયું કે ” મેં દુનિયાના સહુથી ઊંચા શિખરને કોલકાત્તામાં જ બેઠાં બેઠાં શોધી કાઢયું છે. તેઓ સીધા કર્નલ જોન હેનસીની ઓફિસમાં ગયા. આંખમાં ચમક સાથે તેમણે કહ્યું : મેં વિશ્વનું સહુથી ઊંચામાં ઊંચું શિખર કયું તે શોધી કાઢયું છે.”

રાધાનાથ એક ભલા માણસ હતા. તેમણે કદી દાવો કર્યો નહીં કે તેમને મળેલાં તથ્યોના આધારે વિશ્વના ઊંચામાં ઊંચા શિખરને આંકડામાં અંકિત કર્યું છે. આમ જોવા જઈએ તો તેનું શ્રેય નિકસન નામના સર્વેયરે મોકલેલી માહિતી પર આધારિત છે અને તેનું શ્રેય નિકલસનને ફાળે જાય છે, પરંતુ એ ઊંચામાં ઊંચા શિખરની ઊંચાઈ નક્કી કરવાનું કામ રાધાનાથે કર્યું. તેમના હિસાબથી એ એવરેસ્ટ શિખરની ઊંચાઈ પહેલાં તેમણે ૨૯૦૦૦ ફૂટ નક્કી કરી હતી, પરંતુ પાછળથી સૂક્ષ્મતાથી અભ્યાસ કર્યા બાદ તેમણે જ એવરેસ્ટની ઊંચાઈ ૨૯૦૦૨ ફૂટ નક્કી કરી આપી.

એ સમય પહેલાં જ્યોર્જ એવરેસ્ટે જાહેર કર્યું હતું કે જે કોઈ નવું ભૌગોલિક ક્ષેત્ર પ્રાપ્ત થાય તેનું નામ સ્થાનિક નામના આધારે રહેશે. તિબેટ, નેપાળ અને ચીનની સરહદ પર આવેલા આ ૧૫ નંબરના શિખરને સ્થાનિક લોકો ‘ચોમોલુંગમા’ કહેતા હતા.

તિબેટી લોકો તેને ‘તિબેટી ચોમોલુંગમા’, નેપાળી લોકો તેને ‘નેપાળી ચોમોલુંગમા’ અને ચીની લોકો તેને ‘ચીની ચોમોલુંગમા’ કહેતા હતા. કર્નલ એન્ડ્રુએ સર્વે ઓફ ઇન્ડિયાને એક રિપોર્ટ મોકલાવ્યો કે ૧૫ નંબરના આ શિખરને સ્થાનિક ઇલાકાનું નામ આપીશું તો બીજા ઈલાકાવાળા લોકો નારાજ થઈ જશે તેથી ૧૫ નંબરના આ શિખરનું નામ જ્યોર્જ એવરેસ્ટના નામના આધારે ‘માઉન્ટ એવરેસ્ટ’ રાખવું. વાસ્તવિકતા એ હતી કે જ્યોર્જ એવરેસ્ટ તો ક્યારનાયે નિવૃત્ત થઈ ચૂક્યા હતા અને આ શિખરની ઊંચાઈ નક્કી કરવામાં તેમનો કોઈ ફાળો નહોતો. જે વ્યક્તિએ ૧૫ નંબરના શિખરની ઊંચાઈ નક્કી કરી તેને દુનિયાના ઊંચામાં ઊંચા શિખર તરીકે જાહેર કર્યું. તેવા રાધાનાથની યોગ્યતાને અંગ્રેજોએ નામ આપવાની બાબતમાં નકારી દીધું. આ એક પ્રકારનો દગો હતો.

તા. ૧૦ નવેમ્બર, ૧૯૦૪ના રોજ પ્રગટ થયેલી નેચર પત્રિકામાં લખવામાં આવ્યું છે કે, હિમાલયના ૧૫ નંબરના શિખરની ઊંચાઈની સચોટ ગણતરી કરી તેને વિશ્વના ઊંચા શિખર તરીકે જાહેર કરનાર રાધાનાથ સિકદારને તેનું શ્રેય આપવાના બદલે તે સન્માન બ્રિટિશ સરકારે જ્યોર્જ એવરેસ્ટને આપી દીધું.

અલબત્ત, ઈ.સ. ૧૮૨૮માં ‘ધી ઇંગ્લિશમેન’ નામના પુસ્તકમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના અધ્યાપક મેજર કેનેથ મેસને ‘હિમાલયન રોમાન્સ’ નામનો એક લેખ લખ્યો. એમાં તેમણે માઉન્ટ એવરેસ્ટ શોધી કાઢવાનું તમામ શ્રેય રાધાનાથ સિકદારને આપ્યું પણ અંગ્રેજોએ એ કામ કદી ના કર્યું. તે પછી ભારત સરકારે પણ એ ભૂલ સ્વીકારી નથી. દિલ્હીમાં બેઠેલાઓને તો રાધાનાથ સિકદાર કોણ હતા તેની પણ ખબર નથી.

(ક્રમશઃ)
www.devendrapatel.in

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén