સં સ્કૃત સાહિત્યમાં કાલિદાસ માટે મહાકવિ શબ્દ પ્રયોજાયો છે. એમ પણ કહેવાયું છે કે કાલિદાસે ‘અભિજ્ઞાાનશાકુન્તલમ્’ સિવાય બીજું કંઈ પણ લખ્યું ન હોત તોપણ તેઓ મહાકવિ કહેવાયા હોત.’અભિજ્ઞાનશાકુન્તલમ્’ આમ તો નાટક છે, પરંતુ તે મહાકાવ્યની શ્રેણીમાં આવે છે, જેની કથા કંઈક આ પ્રમાણે છે.
શકુન્તલા તે વિશ્વામિત્ર અને અપ્સરા મેનકાની પુત્રી છે. દેખાવમાં અત્યંત સ્વરૃપવાન છે. શકુન્તલા લજ્જાળુ અને મુગ્ધ કન્યા છે. તે અપ્સરાની પુત્રી હોવાથી તેનું સૌંદર્ય અલૌકિક છે. મર્હિષ વિશ્વામિત્ર જન્મે ક્ષત્રિય હોવા છતાં તેમણે તપ કરીને બ્રર્હ્મિષનું પદ પ્રાપ્ત કર્યું હતું. મહાભારતના આદિપર્વ પ્રમાણે વિશ્વામિત્રના તપમાં ભંગ પડાવવા ઇન્દ્રરાજાએ અપ્સરા મેનકાને મોકલી હતી. શરૃઆતમાં અપ્સરાઓ જયદેવતા તરીકે જાણીતી હતી, ત્યાર પછી સુરાંગનાઓ તરીકે ઓળખાઈ. તેઓ સૌંદર્યયુક્ત, ચિરયૌવના અને લલિતકલાઓથી ભરપૂર હતી. કેટલાક તેમને સ્વર્ગની વારાંગનાઓ પણ કહે છે. ઇન્દ્રને જ્યારે પણ ઇન્દ્રાસન જવાનો ડર લાગે ત્યારે તપસ્વીના તપમાં ભંગ પડાવવા કોઈ ને કોઈ અપ્સરાને મોકલતો. આવી અપ્સરા મેનકાએ વિશ્વામિત્રના તપમાં ભંગ પડાવ્યો હતો અને તે વિશ્વામિત્રથી માતૃત્વ ધારણ કરી એક સુંદર કન્યાની માતા બની હતી, જેનું નામ શકુન્તલા.
શકુન્તલાના જન્મ પછી તેને વનમાં મૂકી અપ્સરા મેનકા સ્વર્ગમાં ચાલી ગઈ અને વિશ્વામિત્ર પણ તપ કરવા અન્યત્ર ચાલ્યા ગયા. એ પછી શકુન્તલા મર્હિષ કણ્વના આશ્રમમાં રહી વનમાં જ મોટી થવા લાગી. કણ્વ ઋષિ શકુન્તલાના પાલક પિતા બન્યા.
એ જ સમયગાળામાં દુષ્યંત હસ્તિનાપુરનો પ્રતિભાસંપન્ન રાજા છે. તે પણ સુંદર શારીરિક વ્યક્તિત્વ ધરાવે છે. તે વિનયી અને વિવેકી છે. એક દિવસ તે મૃગયા કરવા નીકળે છે. દુષ્યંતનો રથ એક હરણની પાછળ દોડે છે. રાજા હરણનો શિકાર કરવા ધનુષ પરની પ્રત્યંચા ખેંચે છે ત્યાં જ કેટલાક તપસ્વી કુમારોએ રાજાને અટકાવતાં કહ્યું, “આ આશ્રમ-વિસ્તાર છે. તમારું શસ્ત્ર દુઃખીઓના રક્ષણ માટે છે, નિર્દોષને હણવા માટે નહીં.” આ શબ્દો રાજા દુષ્યંતને સ્પર્શી ગયા. એણે બાણ પાછું ખેંચી લીધું. રાજાની આ શુભ ચેષ્ટાથી પ્રસન્ન થઈને તપસ્વીઓએ રાજા દુષ્યંતને ચક્રવર્તી પુત્ર પ્રાપ્ત થશે તેવા આશીર્વાદ આપ્યા. એટલું જ નહીં, પરંતુ નજીકમાં જ આવેલા કણ્વ ઋષિના આશ્રમમાં પધારવા આમંત્રણ આપ્યું.
રાજાએ એ આમંત્રણ સ્વીકાર્યું, પરંતુ એ વખતે ઋષિ કણ્વ પાલક પુત્રીના પ્રતિકૂળ દૈવનું શમન કરવા સોમતીર્થ ગયેલા હતા. એક વૃક્ષની પાછળ ઊભા રહીને રાજાએ અલૌકિક સૌંદર્ય ધરાવતી શકુન્તલાને નિહાળી. શકુન્તલાની આગળ વનલતાઓ પણ ઝાંખી પડી જતી હતી. રાજાને શકુન્તલા પ્રત્યે આકર્ષણ થયું. શકુન્તલા રાજાને જોતાં તેવા જ ભાવ અનુભવતી થઈ ગઈ. શકુન્તલા વિશ્વામિત્ર અને અપ્સરા મેનકાની પુત્રી છે એ જાણી રાજા દુષ્યંત વધુ પ્રસન્ન થયા. બંને વચ્ચે પ્રણયના અંકુરો ફૂટયા અને પ્રથમ દૃષ્ટિએ જ શકુન્તલા પ્રેમના પાશમાં બંધાઈ ગઈ. એ જ રીતે દુષ્યંત પણ શકુન્તલાને નિહાળી તે ક્ષણથી જ શકુન્તલાને પ્રાપ્ત કરવા અભિલાષા સેવતો થઈ ગયો. રાજા દુષ્યંત પરિણીત હોવા છતાં પુત્રવિહીન હતો. માલિની નદીના કાંઠેથી વહેતા શીત અને સુગંધિત પવનના સ્પર્શે રાજાને આહ્લાદિત કરી દીધો. શકુન્તલા પણ અસ્વસ્થ થઈ ગઈ. શકુન્તલાએ પ્રણયનો એકરાર કર્યો. રાજા પણ પ્રસન્ન થયો.
રાજા દુષ્યંત હવે કણ્વ ઋષિના આશ્રમમાં જ રોકાઈ ગયા. શકુન્તલાએ કમળપત્ર પર પ્રેમપત્ર લખવાનું શરૃ કર્યું. શકુન્તલા બોલી, “કામદેવ દિવસરાત મને સંતાપે છે.” આ સાંભળતાં જ રાજા દુષ્યંતે ત્યાં ધસી આવતાં કહ્યું, “કામદેવ તને તો સંતાપે છે, પણ મને તો બાળે છે.”
રાજાએ ગાંધર્વવિવાહનો પ્રસ્તાવ મૂક્યો. શકુન્તલાએ કહ્યું, “હું સખીઓને પૂછીશ.” એમ કહી રાજાને આગળ વધતો અટકાવ્યો.
અંતઃપુરમાં સખીઓએ શકુન્તલા સાથે રાજા દુષ્યંતના ગાંધર્વવિવાહનું અનુમોદન આપ્યું. એ પછી બેઉ વચ્ચે અદ્વિતીય મિલન થયું. પ્રણયના એકરાર પછીનું પ્રથમ મિલન હોવાથી રાજા કામવૃત્તિમાં ઉત્કટતા અનુભવતો હતો પણ શકુન્તલાએ કામસંતપ્ત અવસ્થામાં પણ રાજાને આત્મસંયમ જાળવવા અનુરોધ કર્યો. રાજાના ગાંધર્વવિવાહના પ્રસ્તાવને સામાન્ય સ્ત્રી પણ જલદી સ્વીકારતી નથી તે રીતે તાપસ કન્યા શકુન્તલાએ પણ પોતાનું ગૌરવ જાળવ્યું અને યોગ્ય સમયે, એક તબક્કે શકુન્તલા અને રાજા દુષ્યંત ગાંધર્વલગ્નથી જોડાયાં. એ પછી રાજા રાજધાની ચાલી ગયા. એક દિવસ દુર્વાસા ઋષિ કણ્વ ઋષિના આશ્રમે આવી પહોંચ્યા. એ વખતે પુષ્પો વીણતી શકુન્તલા એના પતિ રાજા દુષ્યંતની યાદમાં મગ્ન હતી. કમનસીબે તેનું ધ્યાન દુર્વાસા ઋષિ તરફ ગયું નહીં અને ક્રોધે ભરાયેલા દુર્વાસા ઋષિએ તેને શાપ આપ્યો, “તું જેની યાદમાં મગ્ન છે તે જ તને ભૂલી જશે.”
એમ કહી ક્રોધે ભરાયેલા ઋષિ ચાલ્યા ગયા, પરંતુ આ શાપ સાંભળી ગયેલી શકુન્તલાની સખીઓએ દુર્વાસા ઋષિને વિનવણી કરી. છેવટે દુર્વાસાએ કહ્યું, “શાપ તો પાછો ખેંચી લેવાનું મુશ્કેલ છે પણ રાજાને શકુન્તલા સાથેની ઓળખનો કોઈ અલંકાર બતાવવામાં આવશે તો શાપનો અંત આવશે.” રાજાએ ગાંધર્વવિવાહ પછી આશ્રમ છોડતાં પહેલાં રાજાની ઓળખ તરીકે એક વીંટી શકુન્તલાને આપી હતી, પરંતુ શકુન્તલાની નાજુક હાલત જોઈ સખીઓએ એ વાત છુપાવી રાખી.
અને બન્યું પણ એવું જ. રાજા દુષ્યંત ગાંધર્વલગ્ન કરીને ગયા તે પછી ઘણો સમય પસાર થવા છતાં શકુન્તલાને પત્ર ન લખ્યો. કણ્વ ઋષિ પણ યાત્રા પૂરી કરી પાછા આવી ગયા. શકુન્તલા હવે સગર્ભા હતી. કણ્વ ઋષિ બધું જાણી ચૂક્યા હતા. તેમણે શકુન્તલાને પતિગૃહે મોકલવા તૈયારીઓ કરી. વનલતાઓ અને મૃગલાં પણ શકુન્તલાને જવા દેવા માગતાં નહોતાં.
શકુન્તલાને લઈને આશ્રમના શિષ્યો રાજા દુષ્યંતના દરબારમાં આવ્યા, પરંતુ શાપને કારણે રાજા શકુન્તલાને ઓળખી ન શક્યો. વીંટી યાદ આવતાં શકુન્તલાએ તે બતાવવા પ્રયાસ કર્યો, પરંતુ વીંટી ગુમ હતી. શક્રઘાટ પર શમીતીર્થનાં જળને વંદન કરતાં વીંટી સરકી પડી હતી.
દુષ્યંતે શકુન્તલાને સ્વીકારવાની ના પાડી. છેવટે શિષ્યો શકુન્તલાને રાજાના દરબારમાં જ મૂકીને જતા રહ્યા. રાજાના પુરોહિતોએ રાજાને સલાહ આપી, “શકુન્તલાને પુત્ર જન્મે ત્યાં સુધી મહેલમાં રાખવી અને જો ચક્રવર્તી લક્ષણોવાળો પુત્ર જન્મ આપે તો તેનો સ્વીકાર કરવો.” કારણ કે દુષ્યંતને એવું વરદાન હતું કે તેમનો પ્રથમ પુત્ર ચક્રવર્તી લક્ષણોવાળો હશે.
રાજાએ રાજપુરોહિતોની વાત કબૂલ કરી. પછી પુરોહિત શકુન્તલાને લઈ જતો હોય છે ત્યારે કોઈ અદૃશ્ય જ્યોતિ શકુન્તલાને ઉપાડી ગઈ. એ પછી રાજાની રાજધાનીમાં ચોર સમજીને એક માછીમાર પકડાયો. તે ઝવેરીબજારમાં રાજાની મુદ્રાવાળી વીંટી વેચવા આવ્યો હતો. રાજરક્ષકોએ તેને પકડી લીધો. માછીમાર કહે છે, “હું ચોર નથી. શમીતીર્થમાં મેં પકડેલી એક માછલી ચીરતાં તેના પેટમાંથી આ વીંટી મને મળી આવી છે.” એ માછીમારને રાજમુદ્રાવાળી વીંટી સાથે રાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને વીંટી જોતાં જ રાજા દુષ્યંતને શકુન્તલાની યાદ આવી ગઈ. તેની આંખમાં અશ્રુ ઊભરાયાં અને માછીમારને ઇનામ આપી મુક્ત કરાયો. રાજાને ખૂબ પસ્તાવો થયો. જે જોવાથી કોઈની યાદ આવી જાય તેનું નામ ‘અભિજ્ઞાાન’ છે. રાજાની વીંટી જોવાથી શકુન્તલાની યાદ આવી ગઈ.
કેટલાક સમય બાદ રાજા દુષ્યંતને ઋષિ મારિચના આશ્રમ તરફ જવાનું થયું. રાજા દુષ્યંતે આશ્રમ પાસે એક નાનકડા બાળને સિંહના બચ્ચાં સાથે રમતો જોયો. રાજા વિસ્મય પામ્યો. આ નાનકડો બાળ સિંહણને થાબડી, સિંહના બચ્ચાંની કેશવાળી પકડી ખેંચતાં કહે છે, “ઉઘાડ તારું મોં, સિંહ! મારે તારા દાંત ગણવા છે.” આશ્રમવાસીઓને પૂછતાં તેઓ કહે છે, “આ સોહામણા બાળકનું નામ સર્વદમન છે.”
રાજા પૂછે છે, “આ કોનું બાળક છે?”
આશ્રમવાસીઓ કહે છે, “પત્નીનો ત્યાગ કરનારનું નામ કોણ લે?”
તાપસીની વાત સાંભળી રાજાને ખ્યાલ આવી ગયો કે આ તો મારી જ વાત છે. એણે આનંદ અનુભવ્યો. એ પછી શકુન્તલા પણ આવી અને બન્નેનું પુર્નિમલન થયું. એ વખતે નાનકડા બાળ સર્વદમને માતા શકુન્તલાને પૂછયું, “મા, આ કોણ છે?” ત્યારે શકુન્તલાએ “એ તારા પિતા છે” એવો જવાબ આપવાના બદલે “બેટા! તારા ભાગ્યને પૂછ” એમ કહીને તે રડી પડી. શકુન્તલાની આ વેદના રાજાના હૃદયને પણ સ્પર્શી ગઈ. છેવટે દુષ્યંત શકુન્તલા અને પુત્રને લઈ મારિચ ઋષિ પાસે ગયા. મારિચે અદિતિને દુષ્યંતની ઓળખાણ કરાવી. મારિચ અને અદિતિએ તેમને આશીર્વાદ આપ્યા. દુષ્યંતે પૂછયું, “હું શકુન્તલાને ભૂલી કેમ ગયો? અને વીંટી જોયા પછી મને યાદ કેમ આવી?” મારિચે કહ્યું, “એ દુર્વાસા ઋષિનો શાપ હતો.”
ઋષિ મારિચે રાજા દુષ્યંત પ્રત્યે રોષ ન રાખવા સમજાવ્યું. શકુન્તલાને પણ સત્ય સમજાયું. ઋષિ કણ્વને સમાચાર આપવામાં આવ્યા. ઇન્દ્રના રથમાં બેસીને જ રાજા દુષ્યંત, શકુન્તલા અને બાળક સર્વદમને તેમના રાજ્ય તરફ જવા પ્રસ્થાન કર્યું. ભવિષ્યમાં દુષ્યંત અને શકુન્તલાના પુત્ર સર્વદમને તેનું નામ સાર્થક કર્યું. ભવિષ્યમાં તે ભરત તરીકે ઓળખાયો. તે ચક્રવર્તી રાજા બન્યો અને તેના નામ પરથી જ આ દેશનું નામ ‘ભારત’ પડયું.
આ છે મહાકવિ કાલિદાસનું ‘અભિજ્ઞાાનશાકુન્ત- લમ્’. મહાકવિ કાલિદાસે આ કાવ્યને સંસ્કૃતમાં નાટયસ્વરૃપે રચ્યું છે. મુનિઓએ નાટયને દેવોનો મનોહર યજ્ઞા ગણ્યો છે. ‘અભિજ્ઞાાનશાકુન્તલમ્’ મહાકવિ કાલિદાસની પરિણત પ્રજ્ઞાાની કૃતિ ગણાય છે. મહાકવિ કાલિદાસ શૃંગારરસના કવિ છે. તેમણે આ રસનો ભરપૂર ઉપયોગ કર્યો છે. નાટકમાં શકુન્તલા વનલતાઓને જળસીંચન કરતી સખીઓ સમક્ષ પોતાને કસીને બાંધેલ વલ્કલ અંગે ફરિયાદ કરે છે ત્યારે એની સખી અનસૂયા શકુન્તલાને કહે છે, “વક્ષઃસ્થળનો વિકાસ કરનારા તારા યૌવનને ઠપકો આપ.” આવા સંવાદો શૃંગારરસનું નિરૃપણ કરે છે અને છતાંયે ક્યાંય મર્યાદાનો લોપ થતો નથી.
એમ કહેવાય છે કે જર્મન કવિ ગેટે ‘અભિજ્ઞાાનશાકુન્તલમ્’નું લેટિન ભાષાંતર વાંચીને શાકુન્તલમ્ માથે મૂકીને નાચ્યા હતા. મહાકવિ કાલિદાસ માટે કહેવાયું છે કે એમણે જીવનને સ્થિરપણે જોયું અને અખિલાઈથી જોયું. અર્થાત્ ‘જટ્વુ ઙ્મૈકી જંીટ્વઙ્ઘૈઙ્મઅ ટ્વહઙ્ઘ જટ્વુ ર્રઙ્મી. કવિ શૃંગારરસના કવિ હોવાથી વારંવાર એમનું ચિત્ત શૃંગાર નિરૃપણ તરફ વળે છે. કવિ માનવજીવનમાં કામની તાકાતને પિછાણે છે. પ્રેમ કામપ્રેરિત હોય છે અને ઇન્દ્રિય આકર્ષણ પર નિર્ભર હોય છે એ વાત તેઓ ક્યાંય છુપાવતા નથી, પરંતુ કાલિદાસ માને છે કે સાચો પ્રેમ ઇન્દ્રિયસુખ અને કામસુખથી પર છે. કવિ તેમની કથાના પ્રેમીઓને કોઈ ને કોઈ રીતે તપાવે છે અને પ્રેમને પરિશુદ્ધ કરે છે. આવો તપઃપૂત પ્રેમ સમષ્ટિનિષ્ઠ બનીને જગતને ઉપકારક એવા ઉત્તમ સંતાનની ભેટ ધરે છે અને એટલે જ શકુન્તલા અને દુષ્યંતનાં પ્રેમ, વિરહ અને મિલન દરમિયાન તપાયેલા પ્રેમથી ચક્રવર્તી ભરતનો જન્મ થયો. મહાકવિ કાલિદાસનું આ ઉદાત્ત જીવનદર્શન ‘અભિજ્ઞાાનશાકુન્તલમ્’માં ઉત્તમ રૃપે પ્રગટ થયું છે.
આ કૃતિ ‘અભિજ્ઞાાનશાકુન્તલમ્’ કેમ કહેવાયું તે પણ સમજવા જેવું છે. આ શીર્ષકમાં મહાકવિ કાલિદાસે ‘અભિજ્ઞાાન’ શબ્દ પ્રયોજ્યો છે, તે બહુ સૂચક છે. શીર્ષકમાં બે શબ્દો છેઃ ‘અભિજ્ઞાાન’ અને ‘શાકુન્તલમ્’. જેનાથી નાયિકા – શકુન્તલાની ઓળખ થાય, સ્મરણ થાય કે યાદ આવે તે ‘અભિજ્ઞાાન’ કહેવાય. રાજા દુષ્યંતે આપેલી વીંટી ખોવાઈ ગઈ અને પાછી મળતાં રાજાને શકુન્તલાની યાદ આવી ગઈ તે વાત અહીં અભિપ્રેત છે. કેટલાક વિદ્વાનો માને છે કે ‘અભિજ્ઞાન’ શબ્દની પ્રેરણા મહાકવિ કાલિદાસને વાત્સ્યાયનના કામસૂત્રમાંથી મળી હોવી જોઈએ. કામસૂત્રમાં વાત્સ્યાયને પ્રણયીઓને એકબીજાંને વીંટી જેવી કોઈ ને કોઈ ચીજ પ્રેમના અભિજ્ઞાાન તરીકે આપવા સૂચન કરેલું છે.
‘અભિજ્ઞાાનશાકુન્તલમ્’ના કથાનકની પસંદગી કાલિદાસે મહાભારતમાંથી કરી છે. મહાભારતના આદ્યપર્વના અધ્યાય ૬૨થી ૬૪માં રાજા દુષ્યંત અને શકુન્તલાની કથાનું નિરૃપણ છે. ‘મહાભારત’ કથાનકોનો અખૂટ ખજાનો છે. મહાકવિ ભાસ, કાલિદાસ અને બીજા ઘણા કવિઓએ પોતાની સાહિત્યકૃતિના કથાનક તરીકે મહાભારતના કોઈ પણ પ્રસંગની પસંદગી કરી છે. મહાભારતના રચયિતાએ પોતે જ કહ્યું છે કે, ‘આ મહાભારત મોટા કવિઓની જીવાદોરી બનશે.’
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "