Devendra Patel

Journalist and Author

Category: Uncategorized (Page 1 of 2)

આ ગરીબી માટે જવાબદાર કોણ?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
  • વિશ્વના ત્રીજા ભાગનાં ગરીબો ભારતમાં

ભારત અનેક પ્રકારના વિરોધાભાસ ધરાવતો દેશ છે. ભારત પાસે ન્યુક્લિયર શસ્ત્રો છે, પરંતુ દેશમાં ૪૦ કરોડ ગરીબોને બે ટંક ભોજન પ્રાપ્ત નથી. ભારત પાસે સેટેલાઇટ્સ છે, પરંતુ સેંકડો શાળાઓમાં શૌચાલય નથી. ભારત પાસે આઈઆઈએમ અને આઈઆઈટી જેવી શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ છે, પરંતુ દેશની હજારો શાળાઓ પાસે પૂરતા શિક્ષકો નથી. ભારત પાસે અદ્યતન વર્લ્ડક્લાસ વિમાની મથકો છે, પરંતુ હજારો ગામોમાં એસ.ટી. બસની સુવિધા નથી. દેશની ફાઇવસ્ટાર હોટલોના બારમાં રોજ ૨૦ હજારની કિંમતની બ્લૂ લેબલ વ્હિસ્કી ઉપલબ્ધ છે, પરંતુ હજારો ગામોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. મોટાં શહેરોમાં ચોવીસ કલાક વીજળીનો ઝગમગાટ છે, પરંતુ દેશનાં (ગુજરાત સિવાય)નાં હજારો ગામોમાં અંધારપટ છે. ગાંધીજી કહેતા હતા કે, સાચું ભારત દેશના ૬ લાખ ગામડાંઓમાં વસે છે.

એક તરફ શહેરોમાં ઝાકમઝોળ દેખાય છે, પરંતુ બીજી બાજુ હજારો ગામડાં હજુ વિકાસનાં લાભોથી વંચિત છે. વિકાસ લક્ષ્યો (એમડીજી) હાંસલ કરવાની બાબતમાં શાળાઓમાં વિદ્યાર્થિનીઓની ટકાવારી વધારવાની બાબતમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું, પરંતુ ગરીબીની નાબૂદી, રોજગારીની વૃદ્ધિ, માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદરની બાબતમાં નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવાની બાબતમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના વાર્ષિક અહેવાલ જારી કરવાના અવસરે જવાહરલાલ નહેરુ યુનિર્વિસટીના અર્થશાસ્ત્રનાં અધ્યાપિકા ડો. જયંતિ ઘોષનું આ તારણ છે. તેમણે જણાવ્યું છે કે, ગરીબી દૂર કરવાની બાબતમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

દુનિયાભરમાં ૨૦૧૦ના વર્ષમાં એક કરોડ વીસ લાખ લોકો અત્યંત ગરીબ હતા. તેમાંથી ૩૨.૯ ટકા અતિ ગરીબ લોકો ભારતમાં રહે છે. દુનિયાના એક તૃતીયાંશ ગરીબો એકમાત્ર ભારતમાં રહે છે. ભારતને બાદ કરી દેવામાં આવે તો દક્ષિણ એશિયાએ ગરીબી દૂર કરવાની બાબતમાં એમડીજીનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે,પરંતુ તેમાં ભારતને સામેલ કરી દેવામાં આવે તો દક્ષિણ એશિયા એક જૂથ તરીકે લક્ષ્ય હાંસલ કરવાની બાબતમાં ઘણું પાછળ રહી જાય છે.

અલ્પસંખ્યક મામલાઓનાં મંત્રી નજમા હેપતુલ્લાએ કહ્યું કે, ગરીબીની સમસ્યા આખી દુનિયાની આમ સમસ્યા છે. દેશમાં એમડીજીની દિશામાં રાજ્યવાર પ્રદર્શનમાં પણ ઘણું અંતર છે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોએ આ લક્ષ્યો લગભગ હાંસલ કરી લીધાં છે, પણ બીજાં રાજ્યો આ બાબતમાં પાછળ છે.

ડો. જયંતિ ઘોષનું કહેવું છે કે દેશની સંસદમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં એમડીજીની દિશામાં નાણાંની ફાળવણી વધારવાના બદલે ઘટાડવામાં આવી. એની સાથે સાથે એ વાત પણ જરૂરી છે કે વિકાસ એકમાત્ર સરકારનો વિષય નથી, તેમાં સામાન્ય લોકોને પણ સામેલ કરવા જોઈએ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ૨૦૦૦ની સાલમાં સંયુક્ત રાષ્ટ્રના મિલેનિયમ સંમેલનમાં ગરીબી, ભૂખમરો, સ્વાસ્થ્ય, જેન્ડર સમાનતા, શિક્ષણ અને પર્યાવરણ અંગે કેટલાક લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા. આ લક્ષ્યાંકો ૨૦૧૫ સુધીમાં હાંસલ કરવાના હતા, પરંતુ ઘણાં લક્ષ્યાંકો હાંસલ કરવાના હજુ બાકી છે. હકીકતમાં તે કોઈ મોટા મહાત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નહોતા. રોજગારીની બાબતમાં પણ ભારતનું પ્રદર્શન ઠીક રહ્યું નથી.

અર્થવ્યવસ્થાને લાગેવળગે છે ત્યાં સુધી અર્થવ્યવસ્થાની વૃદ્ધિની રફતારના મુકાબલે રોજગાર વૃદ્ધિની પ્રગતિ ધીમી રહી છે. આમ તો આવી સ્થિતિમાં શ્રમ શક્તિની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ જોવા મળે છે, પરંતુ અહીં તેમાં કમી જોવા મળે છે જે અર્થશાસ્ત્રીઓ માટે આશ્ચર્યની વાત છે.

નોંધપાત્ર વાત એ છે કે, મહિલાઓને રોજગારીની બાબતમાં જોકે સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડા અનુસાર વૃદ્ધિ જોવા મળે છે, પરંતુ રાષ્ટ્રીય આંકડા મુજબ તેમાં કમી જોવા મળે છે.

એ જ રીતે દેશમાં કુપોષણની બાબતમાં કમી આવી છે, પરંતુ દેશ નિર્ધારિત લક્ષ્યથી હજુ દૂર છે. આ જ બાબત સાથે જોડાયેલી એક બીજી સમસ્યા પણ છે. ભારતમાં બાળકો જન્મે છે ત્યારે ઘણાં ગરીબ પરિવારોમાં જન્મતાં બાળકોનું વજન હોવું જોઈએ તે કરતાં ઘણું ઓછું હોય છે. માતાના મૃત્યુદરની બાબતમાં દુનિયાના ચોથા ભાગનાં માતા મૃત્યુ ભારતમાં થાય છે. આ અંગે પણ આપણે હજી કાંઈ કરી શક્યા નથી.

એ જ રીતે પ્રાથમિક શાળાઓમાં દાખલ થતાં બાળકોની સંખ્યા વધી છે, પરંતુ સ્કૂલ છોડી દેવાના આંકડા ચિંતાજનક છે. દેશમાં સરકારી સ્કૂલોની હાલત સારી નથી. ઘણી બધી સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે. મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ કેટલાંક રાજ્યોમાં પશુઓ પણ ના ખાય તેવું હલકી કક્ષાનું ભોજન બાળકોને પીરસવામાં આવે છે. ઘણાં બાળકો એ ભોજન ખાઈને બીમાર પડી જાય છે, તો કેટલાંક બાળકો તો એ ભોજનને અડકતાં જ નથી.

ભારતમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયોજક લીઝ ગ્રાને કહ્યું છે કે, આ અહેવાલમાં એક સારા સમાચાર એ છે કે, વૈશ્વિક સ્તર પર ૧૯૯૦ના મુકાબલે અતિ ગરીબોની સંખ્યામાં કમી આવી છે.

એટલે કે વિશ્વના અતિ ગરીબ લોકોની સંખ્યા ૫૦ ટકા ઘટી છે અને વૈશ્ચિક સ્તર પર બાળકોના કુપોષણમાં પણ ગિરાવટ આવી છે. આમ છતાં વિશ્વમાં ચોથા ભાગનાં બાળકો હજુ કુપોષણનો શિકાર છે.

એ જ રીતે બીજી નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વમાં સારી વૈજ્ઞાાનિક પ્રગતિ થઈ હોવા છતાં પણ દર વર્ષે ૩૦ લાખ લોકો મેલેરિયાથી, ૬૬ લાખ લોકો એઇડ્સથી અને બે કરોડ ૨૦ લાખ લોકો ટીબીથી મૃત્યુ પામે છે. આ આંકડા વિશ્વના છે.

વિશ્વમાં નાનાં-નાનાં યુદ્ધોથી, આતંકવાદથી અને અકસ્માતોથી મરનારા લોકોની સંખ્યા પણ લાખોમાં છે.

મુદ્દો એ છે કે વિશ્વના અતિ ગરીબ લોકો પૈકી ત્રીજા ભાગના ગરીબો ભારતમાં રહેતા હોય, ભૂખમરાનો શિકાર હોય અને અત્યંત કષ્ટદાયક જીવન જીવતા હોય તો તેના માટે જવાબદાર કોણ? આઝાદીનાં ૬૦થી વધુ વર્ષ બાદ પણ દેશમાં આવી કરુણાજનક ગરીબી માટે જવાબદાર કોણ? નેતાઓ, અધિકારીઓ, વ્યવસ્થાતંત્ર કે મતદારો?

હવે ના મારું પિયર છે કે ના સસુરાલ, કયાં જાઉં

કાલિંદી અને દિલીપ કૌશિકનાં લગ્ન ૨૦૦૫માં થયા હતા. પતિ શારીરિક રીતે કમજોર અને વાઈના રોગથી પીડાતો હતો. કાલિંદી ૧૮ વર્ષની હતી ત્યારે જ તેને પરણાવી દેવામાં આવી હોઈ તેના પતિ અંગે ઝાઝી તપાસ કરવામાં આવી નહોતી. લગ્ન બાદ જ કાલિંદીને ખબર પડી કે પતિ શારીરિક રીતે નબળો છે. એક વાર તો પગથિયાં ચડતાં જ વાઈ આવતાં તે પડી ગયો. બે મહિના સુધી પતિના પગે પ્લાસ્ટર રહ્યું. દિલીપ હવે નોકરી પર જઈ શક્તો નહોતો. કાલિંદીએ નક્કી કરી નાંખ્યું કે પતિના બદલે તે નોકરી જશે. એણેે નજીકમાં જ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ શોધી કાઢયું. કાલિંદી છેક સાંજે ઘેર આવતી.

કાલિંદી જ્યાં કામ કરતી હતી તે સાઈટ પર બીજી અનેક સ્ત્રીઓ પણ કામે આવતી તેમાં એક ચાંદની પણ હતી. ચાંદની અને કાલિંદી સખીઓ બની ગઈ. ધીમે ધીમે ચાંદનીને કાલિંદીના કમજોર પતિની વાતની જાણકારી થઈ. એક દિવસ ચાંદનીએ કહ્યું: ‘જો કાલિંદી, સ્ત્રી માટે જેટલી પેટ ભરવાની જરૂર છે એટલી જ પ્રેમની જરૂર છે. તું એક સારો પુરુષ શોધી લે.’

કાલિંદીને શરૂઆતમાં ચાંદનીની વાત ગમી નહીં પરંતુ ધીમે ધીમે તેની વાત એને સાચી લાગવા માંડી. કાલિંદીએ પૂછયું: ‘હું કેવી રીતે કોઈને શોધું? હું તો પરણેલી છું?

ચાંદની બોલીઃ ‘જો કાલિંદી, આપણો સુપરવાઈઝર રામકુમાર છે ને! મેં એની આંખોની ભાષા જાણી લીધી છે. તે તને એકીટસે જોયા કરે છે?’

‘એ પરણેલો છે?’

‘હા’: ચાંદની બોલીઃ ‘પરણેલા માણસોમાં દુનિયાદારીની સમજ વધુ હોય છે. તે તારી ઈજ્જત અને પોતાની ઈજ્જત બને સાચવશે.’

ચાંદનીની આ વાત સાંભળ્યા બાદ કાલિંદી રામકુમાર તરફ આર્કિષત થઈ. તે રામકુમાર સાથે વધુ ને વધુ વાતો કરવા લાગી. રામકુમાર પણ સમજી ગયો કે કાલિંદી તેના તરફ ખેંચાઈ રહી છે. થોડા જ દિવસોમાં તે રામકુમારની પ્રિય બની તેના સાનિધ્યમાં જતી રહી.

રામકુમાર નજીકમાં જ રહેતો હતો. તેની પત્નીનું નામ પૂનમ હતું. બે બાળકોનો પિતા પણ હતો. રામકુમાર સાથે સંબંધ વધતાં ધીમે ધીમે કાલિંદીએ તેના પ્રેમી રામકુમારને પોતાના ઘેર જ બોલાવવા માંડયો. રામકુમાર સાથે કાલિંદીના વર્તાવને જોઈ પતિ દિલીપ કૌશિક પણ સમજી ગયો કે કાંઈક ગરબડ છે, પણ તે બીમાર હોઈ નિઃસહાય હતો. કાલિંદીએ હવે તમામ મર્યાદાઓ તોડી નાંખી હતી.ઘરમાં દિલીપની હાજરીમાં જ તે રામકુમાર સાથે નિર્લજ્જ વર્તન કરતી. દિલીપ દુઃખી થઈ ઘરની બહાર નીકળી જતો. એક દિવસ પતિ દિલીપે કાલિંદીને કહી દીધું: ‘હવે મારાથી સહન થતું નથી, રામકુમારને કહી દે કે ને આપણા ઘેર ના આવે?

કાલિંદીએ કહ્યું: ‘એ આવશે અને જરૂર આવશે. આ ઘર પર જેટલો તમારો હક છે એટલો જ મારો છે. એ ના ભૂલો કે તમે અશક્ત છો. આ ઘર મારી કમાઈથી ચાલે છે?

અને એક દિવસ બેઉ વચ્ચે ભારે મોટો ઝઘડો થઈ ગયો. એ દિવસે રામકુમાર હાજર હતો. મામલો બીચકતો જોઈ તે ચૂપચાપ જતો રહ્યો. ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. પતિ- પત્ની વચ્ચે મારામારી પણ થઈ. પડોશીઓ વચ્ચે પડયા. બે માંથી કોઈ માનવા તૈયાર નહોતું. બેઉ વચ્ચે મારામારી ચાલુ રહેતાં કોઈએ પોલીસને જાણ કરી, પોલીસ આવી ગઈ. પોલીસ દિલીપ અને તેની પત્ની કાલિંદીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. દિલીપે કહ્યું: ‘મારી પત્ની મારી હાજરીમાં જ પરપુરુષ સાથે રંગરેલીયાં મનાવે છે અને તે પરપુરુષનું નામ છે રામકુમાર?’

પોલીસે રામકુમારને પોલીસ સ્ટેશને બોલાવ્યો. ઝુકાવેલા સ્વરે રામકુમારે કબૂલ કર્યું કે તેની અને કાલિંદીની વચ્ચે શારીરિક સંબંધ છે. જ્યારે કાલિંદીને પત્ની તરીકે સ્વીકારવાની વાત થઈ ત્યારે તેણે સ્પષ્ટ કહ્યું કે, ‘હું સ્વયં પરિણીત છું. આમ છતાં કાલિંદીના છૂટાછેડા ના થાય ત્યાં સુધી હું કાંઈ કરી શકું નહીં ?

કાલિંદીએ કહ્યું: ‘હું આજે જ દિલીપને છોડી દેવા તૈયાર છું.’

તેના બદલામાં દિલીપે પૈસા માંગતા કહ્યું: ‘મારા ભરણપોષણ માટે આ બે જણ ૫૦ હજાર આપતાં હોય તો હું કાલિંદીને છોડી દેવા તૈયાર છું.’

તે પછી પોલીસે પતિ-પત્ની વચ્ચેના વિવાદનો મામલો નોંધીને એ તમામને સમજાવી ઘેર મોકલ્યા.

આ મામલાની ખબર રામકુમારની પત્ની પૂનમને પડી. તે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. તે સીધી કાલિંદીના ઘેર પહોંચી ગઈ. તેણે જાહેરમાં જ કાલિંદી સાથે ખૂબ ઝઘડો કરી પોતાના પતિને છોડી દેવા કહ્યું. લોકો પણ આ તમાશો જોઈ રહ્યા.

એ વખતે તો કાલિંદી પણ કડવો ઘૂંટડો ગળી ગઈ પરંતુ બીજા દિવસે તે સીધી જ રામકુમારના ઘેર પહોંચી. એણે રામકુમારની પત્ની પૂનમને સાફસાફ સંભળાવી દીધું: ‘રામકુમાર તારો પતિ જ્યારે હતો ત્યારે હતો, આજે તે મારો પણ પતિ છે. હું મારું તન-મન રામકુમારને સોંપી ચૂકી છું. મેં મારા પતિ દિલીપને છોડી દીધો છે.’ એ પછી ફરી કાલિંદી અને પૂનમ વચ્ચે મોટો ઝઘડો થયો. એ વખતે રામકુમાર પણ હાજર હતો. એને પોતાના જ ઘરમાં મોટો તમાશો થાય તે ઠીક ના લાગ્યું. એણે કાલિંદીને કહ્યું: ‘તારે જે કહેવું હોય તે કહે પણ અહીં નહીં, ચાલ બહાર જઈએ.’

કાલિંદી તૈયાર થઈ ગઈ. રામકુમાર કાલિંદીને પોતાની મોટરસાઈકલ બાઈક પર બેસાડી એક રેસ્ટોરાંમાં લઈ ગયો. રામકુમારે કાલિંદીને કહ્યું: ‘હવે તું મારી વાત ધ્યાનથી સાંભળ. તું એક અઠવાડિયા માટે તારી મા પાસે જતી રહે. એ દરમિયાન તારો અહીં રહેવા માટે કોઈ બંદોબસ્ત હું કરી દઈશ.’

રામકુમારે સમજાવીને કાલિંદીને તેના પિયરમાં જવા માટે રાજી કરી લીધી. એણે બસની ટિકિટ અને રસ્તામાં હાથખર્ચી માટે પાંચસો રૂપિયા પણ આપ્યા. તે કાલિંદીને દુર્ગ સ્ટેશને મૂકી આવ્યો. ત્યાંથી તે પાછો ફર્યો. રાત્રે ૧૦ વાગે તે ઘેર પહોંચ્યો ત્યારે પૂનમનો મિજાજ ગરમ હતો. તે કાંઈ પણ બોલ્યા- ચાલ્યા કે ખાધા-પીધા વગર ચૂપચાપ સૂઈ ગયો.

આ વાતને બે દિવસ વીતી ગયા.

સ્થાનિક પોલીસ સ્ટેશન પર કોઈએ ખબર આપી કે નજીકના ગામના એક નાળા પાસે એક સ્ત્રીની લાશ પડી છે. પોલીસે નાળા પાસે જઈ લાશનો કબજો લીધો. લાશ ઓળખી શકાય તેમ નહોતી. લાશની તસવીરો લેવામાં આવી. તે પછી લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી. અલબત્ત લાશ નજીક કીચડમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો. દરમિયાન રજા પર ગયેલો એક કોન્સ્ટેબલ ફરજ પર હાજર થયો અને લાશની તસવીર જોઈ એ ઓળખી ગયોઃ ‘આ મહિલા તો ત્રણ ચાર દિવસ પહેલાં જ રામકુમાર અને દિલીપ કૌશિક સાથે પોલીસ સ્ટેશન આવી હતી. પોલીસને ખ્યાલ આવી ગયો કે લાશ કાલિંદીની છે. પોલીસે મામલો ખોલ્યો.

પોલીસે રામકુમારને ફોન લગાવ્યોઃ ”રામકુમાર, દિલીપ કૌશિક અને તેની પત્ની કાલિંદી પોલીસ સ્ટેશનમાં બેઠાં છે. આ લોકોનું કહેવું છે કે તમો તેમને ધમકી આપી છે. તમે તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી જાવ.

રામકુમાર ચોંકી ગયો.

તે દોડતો પોલીસ સ્ટેશન પર આવ્યો. પોલીસ સ્ટેશન પર નહોતી કાલિંદી કે નહોેતો દિલીપ. પોલીસે રામકુમારને કાલિંદીની લાશની તસવીર દર્શાવી. પોલીસે સખ્તાઈથી પૂછપરછ શરૂ કરી તો રામકુમારે કબૂલી લીધું: ”એ સાંજે હું કાલિંદીને બસમાં બેસાડી મારા ઘેર આવવા નીકળ્યો હતો. કાલિંદી તેના પિયર જવા નીકળી તેના અડધા કલાકમાં જ તેનો મારા મોબાઈલ પર ફોન આવ્યો. એણે કહ્યું કે, તે પિયર જવાના બદલે રસ્તામાં ઊતરી ગઈ છે અને પાછી તેના ઘેર આવી રહી છે. એની આ વાત સાંભળી હું ચોંકી ગયો. મેં રસ્તામાં હીરાપુર ખાતે ઊભા રહેવા કહ્યું. રાત પડી ગઈ હતી. હું મોટરબાઈક લઈ હીરાપુર પહોંચ્યો. મેં તેને પાછા આવવાનું કારણ પૂછયું તો એણે કહ્યું કે, ‘મારા પિયરમાં અને બધાં જ સગાંસંબંધીઓને ખબર પડી ગઈ છે તેથી હું ત્યાં જઈ શકું તેમ નથી,’ એ મારા ઘેર આવવા માગતી હતી. તેની આ હરકતથી મને ખૂબ ગુસ્સો આવ્યો પણ ચૂપ રહ્યો. રાત પડી ગઈ હતી. હું હીરાપુર પહોંચ્યો ના હોત તો તે મારા ઘેર આવી જાત. મેં તેને મોટરબાઈક પર બેસાડી. હું નાળા પાસે પહોંચ્યો. નાળા પાસે મેં તેને ઉતારી. મેં તેને કહ્યું: ‘મેં તને સમજાવી હતી છતાં તુંં તારા પિયર કેમ ના ગઈ?’ તે બોલી, ‘હવે મારું ના તો કોઈ પિયર છે કે ના સસુરાલ? હું કયાં જાઉં? બોલો-‘ મેં કહ્યું: ‘જહન્નમાં’ અને તે બોલીઃ ‘તમે મને જહન્નમમાં મોકલવા માગતા હોવ તો અત્યારે જ મોકલી દો.’ કહેતાં એણે મારા હાથ પકડી તેના ગળા પર દબાવ્યા. મને ક્રોધ તો હતો જ અને એ ક્રોધમાં ને ક્રોધમાં મેં તેનું ગળું દબાવી રાખ્યું, એના શ્વાસ રુંધાઈ ગયા. એ મૃત્યુ પામી. મેં તેની લાશને નાળામાં ફેંકી દીધી અને રાતના ૧૦ વાગે હું ઘેર જઈ ચૂપચાપ સૂઈ ગયો.’

પોલીસ રામકુમારનું બ્યાન સાંભળી દંગ રહી. રામકુમારની ધરપકડ કરવામાં આવી. કાલિંદી હવે આ જગતમાં નથી.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ભ્રષ્ટાચાર હવે આ દેશની પ્રજાના જિન્સમાં પ્રવેશ્યો

ભારતે આઝાદી હાંસલ કર્યાને ૬૮ વર્ષ થયા. આઝાદી માટે આ ઉંમર પાકટ ગણાય, પરંતુ ભારતે ગરીબી, અન્યાય, ભૂખમરો,બેરોજગારી અને ભ્રષ્ટાચારમાંથી આઝાદી મેળવવાની હજુ બાકી છે. દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોમાં ભારતની ગણતરી થાય છે. નોંધપાત્ર વાત એ છે કે, રાજકારણીઓ અને અધિકારીઓ સૌથી વધુ તવંગર થયા છે જ્યારે પ્રજા સૌથી વધુ ગરીબ થઈ છે. આઝાદી વખતે જેટલા ગરીબો હતા તેમાં અનેક ગણો વધારો થયો છે.

બડા બડા નેતાઓ

નેતાઓ અને સામાન્ય લોકોના જીવનધોરણમાં આસમાન-જમીનનો ફરક આવ્યો છે. પશ્ચિમ બંગાળ કે કેરાલાના સામ્યવાદી પક્ષોના નેતાઓ સિવાય તમામ પક્ષોના કેટલાક નેતાઓ કોઈ ને કોઈ ગોટાળા કે કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપ થયા છે. તમિળનાડુનાં મુખ્યમંત્રી જયલલિતા સામે અનેક કેસ છે. ૧૦ હજાર સાડીઓથી તેમનું વોર્ડરોબ ભરેલું છે. એ જ તમિળનાડુના ડીએમકેના સુપ્રીમો કે. કરુણાનિધિનાં પુત્રી કનીમોઝી અને તેમના પક્ષના નેતા એ. રાજા જેલની હવા ખાઈ આવ્યાં છે. બિહારના લાલુપ્રસાદ સામે ઘાસચારા કૌભાંડનો કેસ ચાલે છે. ઉત્તરપ્રદેશના મુલાયમસિંહ યાદવ સામે આવક કરતાં સંપત્તિ વધુ હોવાનો કેસ ચાલે છે. કોંગ્રેસના સુરેશ કલમાડી સામે કોમનવેલ્થ કૌભાંડના આક્ષેપો છે. મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતાઓ સામે આદર્શ સોસાયટી કૌભાંડના આરોપો છે. કોંગ્રેસના નવીન જિંદાલ સામે કોયલા કૌભાંડના આક્ષેપો છે. ભાજપાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ લક્ષ્મણ બાંગારુ તો ઓફિસમાં જ લાંચ લેતાં પકડાઈ ગયા હતા. ભાજપના નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું પરિવાર વ્યાપમ્ ગોટાળામાં સપડાયું હોવાના આક્ષેપ છે.

બેંકના ચેરમેન પણ

હવે સિન્ડિકેટ બેંકના ચેરમેન સુધીરકુમાર જૈનને કોયલા ખાણ ગોટાળામાં સામેલ કંપનીઓને ધિરાણનો લાભ આપવા માટે રૂ. ૫૦ લાખની લાંચ લેતાં પકડવામાં આવ્યા છે. આ કામ માટે એક જાણીતી સ્ટીલ કંપની સહિત બે કંપનીઓએ એક વ્યક્તિની સેવાઓ લીધી હતી અને બેંકના ચેરમેન સુધીર જૈનને રુશવતની રકમ તેમના સાળા અને ભોપાલના ચર્ચાસ્પદ કોંગ્રેસી નેતા વિનીત ગોધા અને તેમના બિલ્ડર ભાઈ પુનિત મારફતે આપવામાં આવી. ભોપાલના બહુર્ચિચત પવન વિદ્રોહી હત્યાકાંડના મામલામાં પણ પોલીસે વિનીત ગોધાની પૂછપરછ કરી છે. સીબીઆઈને છેલ્લા છ મહિનાથી કેટલીયે ફરિયાદો મળી હતી. બેંકની ધિરાણ મર્યાદા વધારવા માટે આ રુશવત આપવામાં આવી હતી. આ રુશવત સિન્ડિકેટના બેંગાલુરુ, ભોપાલ, દિલ્હી અને દેશભરમાં ફેલાયેલા છે. આજ સુધીમાં દેશમાં હજારો કરોડના ગોટાળા બહાર આવ્યા છે. તેમાં આ ૫૦ લાખની લાંચનો મામલો તો ઘણો નાનો લાગે છે, પરંતુ આ બાબતથી એ વાત હવે સ્પષ્ટ છે કે, બેંકિંગ સેક્ટર અને કોર્પોરેટ સેક્ટર દેશના ધનને પોતાના અંગત હિતો માટે ઉપયોગ કરી રહ્યું છે.

બહુર્ચિચત કૌભાંડો

આ દેશમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો કોઈ નવી વાત નથી. પંડિત જવાહરલાલ નહેરુના સમયમાં પણ ભારતીય લશ્કર માટે ઇંગ્લેન્ડથી જીપ ખરીદવાનું એક મોટું કૌભાંડ થયું હતું અને તેમાં તે વખતના સંરક્ષણમંત્રીનું નામ આવ્યું હતું. તે પછી હરિદાસ મુંદ્રા કૌભાંડ, ધર્મા તેજા કૌભાંડ, કુઆં ઓઈલ ડિલ, હર્ષદ મહેતા શેર કૌભાંડ, ઈન્ડિયન બેંક કૌભાંડ, સ્ટોક બ્રોકર કેતન પારેખ કૌભાંડ, મુંબઈ હાઉસિંગ લોન કૌભાંડ, સત્યમ્ કૌભાંડ, મધુ કોડા મની લોન્ડરિંગ કૌભાંડ જેવાં અનેક કૌભાંડ બહાર આવ્યાં. તે પછી એનડીએની સરકાર વખતે કોફિન કૌભાંડ પણ બહાર આવ્યું. તે અગાઉ બોફોર્સ કૌભાંડ પણ ચમક્યું. યુપીએ સરકાર વખતે ૨જી સ્પેક્ટ્રમ કૌભાંડ અને કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ પણ ચર્ચામાં આવ્યાં. આઝાદી પછીનાં કૌભાંડોની યાદી ઘણી લાંબી છે તેથી અહીં થોડાં ઉદાહરણો જ પેશ કર્યાં છે. આ કૌભાંડોમાં મોટા ભાગનાં કૌભાંડોના આરોપો દેશના નેતાઓ સામે જ થયા છે.

નીચે પણ ભ્રષ્ટાચાર

પરંતુ અહીં એક વાત નોંધવી જોઈએ કે, ભ્રષ્ટાચારનો આરોપ નેતાઓ પર જ મૂકવો વાજબી નથી. સચિવાલયનો પટાવાળો પણ લાંચ લેતો હોવાના ઘણાને અનુભવ છે. એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફાઈલ સરકાવવાની ક્લાર્કની કિંમત નક્કી હોય છે. આર.ટી.ઓ.માં ઘણી વાર પૈસા આપ્યા વિના લાઈસન્સ મળતું નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એક ટ્રક પ્રવેશે છે ત્યારે દરેક નાકા પર ટ્રક દીઠ લાંચની રકમ ફિક્સ હોય છે. આર.ટી.ઓ. અધિકારી કે પોલીસ અધિકારી લાખોની લાંચ આપીને જ મલાઈદાર પોસ્ટિંગ મેળવે છે. આ દેશમાં ટોચનાં શહેરોનાં પોલીસ કમિશનર બનવા માટે કરોડો અપાતાં હોવાની ચર્ચા છે. દેશમાં રેવન્યૂ સૌથી વધુ ભ્રષ્ટ ખાતું છે. જમીન એન.એ. કે એન.ઓ.સી. કરવાના ચોરસવાર દીઠ ભાવ ફિક્સ છે. વ્યવસાયવેરાનાં ર્સિટફિકેટ આપવાના પણ પૈસા લેવાય છે. પૂછતાં અધિકારી કહે છે કે, “અમે ઉપર પૈસા આપીને અહીં આવ્યા છીએ.”

લોહીમાં ભ્રષ્ટાચાર

અમેરિકામાં વસતા મૂળ ભારતીય વૈજ્ઞાાનિક પ્રજ્ઞાા દાસે ભારતમાં તેજીથી વધી રહેલા ભ્રષ્ટાચાર સંદર્ભમાં કહ્યું છે કે, “ભારતમાં ભ્રષ્ટાચારના કેસો જે રીતે વધી રહ્યા છે તે જોતાં લાગે છે કે, ભ્રષ્ટાચાર ભારતીય લોકોના જિન્સમાં દાખલ થઈ ચૂક્યો છે. લોહીના કણોમાં રહેલા જિન્સ દ્વારા આપણને ભ્રષ્ટાચાર વારસામાં પ્રાપ્ત થઈ રહ્યો છે અને એક પેઢીથી બીજી પેઢીને એ મળી રહ્યો છે.”

સવાલ એ છે કે, શું ભ્રષ્ટાચારથી લથપથ આ દેશ વિશ્વની મહાશક્તિ બની શકશે હા, બની શકે છે, પરંતુ તે માટે ભ્રષ્ટાચારને મૂળમાંથી જ હટાવવો પડશે. જે બાળક લાંચ આપીને સ્કૂલમાં ભણવા દાખલ થયું હોય તે બાળક મોટો થઈને શું બનશે ? જે શિક્ષક ડોનેશનના નામની લાંચ આપીને શિક્ષક બન્યો હોય તે બાળકને નીતિમત્તાના કયા પાઠ ભણાવશે ?

 વિચાર કરજો.

રાજ્યપાલપદની ગરિમા હવે ખંડિત થઈ રહી છે !

દેશમાં રાજ્યપાલનું પદ ફરી એક વાર વિવાદમાં છે. બ્રિટિશ રાજના અંત પછી ભારતમાં દરેક રાજ્યમાં રાજ્યપાલનું પદ ઊભું કરવામાં આવ્યું છે. દરેક રાજ્યમાં એક રાજભવન હોય છે. રાજ્યપાલને એડીસી, સચિવો તથા વહીવટી સ્ટાફ આપવામાં આવે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પછી સૌથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવાનું અને તેમને શપથ ગ્રહણ કરાવવાનું કામ રાજ્યપાલ કરે છે. બાકીના સમયમાં રાજ્યપાલ ઉદ્ઘાટનો કરવામાં કે જાહેર સમારંભોની શોભામાં અભિવૃદ્ધિ કરવાનું કામ કરે છે. રાજ્યપાલ પાસે વહીવટીતંત્ર પર કોઈ સીધો કાબૂ હોતો નથી. કોઈ વાર સરકારનો કોઈ ઠરાવ ના ગમે તો તેને પાછો મોકલી શકે છે. મોટા ભાગના રાજ્યપાલોની નિમણૂક કેન્દ્રમાં સત્તાધારી પક્ષની સરકાર કરે છે. તેથી રાજ્યમાં ક્યારેક કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય ત્યારે રાજ્યપાલનો રોલ નિર્ણયાત્મક બને છે. ઘણી વાર પક્ષના જૂના વફાદાર અને વૃદ્ધ થઈ ગયેલા નેતાઓને રાજ્યપાલ બનાવી તેમને ઉપકૃત કરવામાં આવે છે. રાજભવનોના કરોડોના ખર્ચા પ્રજાના કરમાંથી નિભાવવામાં આવે છે.

રાજ્યપાલની ગરિમા

આ બધું હોવા છતાં ભારતમાં રાજ્યપાલનું પદ એક ગરિમા અને પ્રતિષ્ઠાભર્યું છે. દેશને ઘણાં ઉત્કૃષ્ટ અને સમાજસેવામાં પરોવાયેલા રાજ્યપાલો પણ પ્રાપ્ત થયા છે. ગુજરાતને વર્ષો પહેલાં પ્રાપ્ત થયેલા મહેંદી નવાજજંગ એક આવા ઉત્કૃષ્ટ રાજ્યપાલ હતા, ગુજરાતના હાલના રાજ્યપાલ મહામહીમ ઓ. પી. કોહલી એક ઉમદા વ્યક્તિ છે, પરંતુ હમણાં હમણાં ગુજરાત સિવાયના એટલે કે દેશના અન્ય રાજ્યોમાં કેટલાક રાજ્યપાલોએ રાજ્યપાલ પદની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડયું છે. કહેવાય છે કે, જે લોકો સક્રિય રાજનીતિના ખેલમાંથી બહાર નીકળી જાય છે અને પોતાની કળામાં માહેર હોય છે તેવા કેટલાક રાજ્યપાલ બની જાય છે. કોઈક વાર કેટલાકને સક્રિય રાજનીતિમાંથી ફારેગ કરવા પણ રાજ્યપાલ બનાવી દેવાય છે. કહેવાય છે કે, ભારતમાં રાજકારણીઓ કદી નિવૃત્ત થવા માગતા નથી. અંગ્રેજીમાં કહેવત છે કે, “A Politician never retires, unless he dies.”મધ્યપ્રદેશના રાજ્યપાલ રામનરેશ યાદવે વૃદ્ધાવસ્થામાં બેઆબરૂ થઈને રાજભવન છોડવું પડે તેમ છે. મધ્યપ્રદેશના રાજ્યપાલને વ્યાપમ્ ગોટાળામાં આરોપી બનાવાયા છે અને તેમની સામે એફ.આઈ.આર. નોંધાતા તેમને રાજ્યપાલપદ છોડવું પડે તેવી પરિસ્થિતિ છે. વળી તાજેતરમાં જ તેમના પુત્રનું સંદિગ્ધ હાલતમાં મૃત્યુ નીપજ્યું છે તે પણ એક સંદેહ પેદા કરે છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ હાલ બીમાર છે.

આરોપ શું છે ?

મધ્યપ્રદેશની સરકારને ધ્રૂજવતું વ્યાપમ્ કૌભાંડ અત્યંત ચર્ચાસ્પદ બન્યું છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, વન સંરક્ષકની પરીક્ષામાં તેમણે પાંચ ઉમેદવારોના નામની ભલામણ કરી હતી. આરોપ એવો પણ છે કે, એ ભલામણો કરવાના બદલામાં તેમણે પૈસા પણ લીધા હતા. આમ તો વ્યાપમ્ ગોટાળાની તપાસ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને બીજા કેટલાક લોકો સુધી પહોંચેલી છે, પરંતુ મધ્યપ્રદેશના ઇતિહાસમાં પહેલી વાર આવા કોઈ કૌભાંડમાં રાજ્યપાલને આરોપી બનાવાયા છે. ૮૮ વર્ષના રામનરેશ યાદવ પહેલાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે રહી ચૂક્યા છે. પહેલાં તેઓ જનતા પાર્ટીમાં હતા. સમાજવાદી વિચારધારા ધરાવતા રામનરેશ યાદવ કોઈ જમાનામાં રાજનારાયણના સાથી હતા. તે પછી ચૌધરી ચરણસિંહના સમયગાળા દરમિયાન એટલે કે ૧૯૭૭માં તેમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે પછી તેમણે કોંગ્રેસ પાર્ટીના સભ્ય બની જવાનું પસંદ કર્યું હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક યુપીએ સરકારે કરી હતી. ડો. રામમનોહર લોહિયા અને મહાત્મા ગાંધીજીના વિચારોને પોતાનો આદર્શ માનવાવાળા રામનરેશ યાદવ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી. આરોપ મુકાયો છે તેથી તેઓ દોષી છે તેમ માની શકાય નહીં, કારણ કે એ વાતનો ફેંસલો તો હવે અદાલત કરશે, પણ આ આરોપથી તેમની પ્રતિભા ખંડિત તો જરૂર થઈ છે.

અન્ય રાજ્યપાલો

દેશની રાજનીતિના ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે જ્યારે કેટલાક રાજ્યપાલોએ કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તેના હિતમાં જ કામ કર્યું હોય. દા.ત. પૂર્વ રાજ્યપાલો જેવા કે ઠાકુર રામલાલ, બૂટાસિંહ, હંસરાજ ભારદ્વાજ અને રોમેશ ભંડારીએ કેન્દ્રમાં સત્તાધારી પક્ષની કઠપૂતલીઓની જેમ જ કામ કર્યું છે. એક રાજ્યપાલ તો રાજભવનમાં બેસીને ગેરકાયદે જમીનોની ખરીદીને વેચાણનું કામ જ કરતા હતા. એક રાજ્યપાલનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત નીપજ્યું, પરંતુ એ દુર્ઘટનાના સમયે હિમાલયની પહાડીઓ પર એટલી બધી ચલણી નોટો એમાંથી પડી કે લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા.

રાજભવનમાં રંગરેલિયાં

પૂર્વ રાજ્યપાલ નારાયણદત્ત તિવારી તો વયોવૃદ્ધ હોવા છતાં રાજભવનમાં જ અનેક મહિલાઓ સાથે રંગરેલિયાં કરતાં દેખાયા હતા. તે સંબંધની એક વીડિયો બહાર આવતા તેમણે રાજીનામું આપી દેવું પડયું હતું. ત્યાર પછી એક યુવાને દાવો કર્યો હતો કે, હું જ નારાયણદત્ત તિવારીનો પુત્ર છું. આખો મામલો કોર્ટમાં ગયો હતો. નારાયણદત્ત તિવારીનો ડીએનએ ટેસ્ટ લીધા બાદ એ યુવાનનો દાવો સાચો સાબિત થયો હતો. રાજ્યપાલનું પદ ગરિમાપૂર્ણ પદ છે. રાજ્યપાલની નિમણૂક ભલે એક સરકાર કરે, પરંતુ એક વાર તેમની નિમણૂક થઈ તે પછી તેઓ નિષ્પક્ષ બની જાય તેવી અપેક્ષા હોય છે. એવી જ રીતે રાજભવન એ રંગરેલિયાં મનાવવાનું સ્થળ નથી. રાજભવન એ વૃદ્ધાશ્રમ નથી. આપણે એવી અપેક્ષા રાખીએ હાલના તમામ મહામહીમ રાજ્યપાલો રાજ્યપાલ પદની ગરિમા પુનઃ પ્રસ્થાપિત કરે.

હું ભારતીય નહીં, પરંતુ માત્ર એક કાશ્મીરી છું

ભારતમાં રહેવું અને ભારતને નફરત કરવી એવું તમે ક્યાંય સાંભળ્યું છે ?

હા, એક શખસ એવો હતો જેનો જન્મ હિંદુસ્તાનમાં થયો,હિંદુસ્તાનની ભૂમિ પર પાકતું અન્ન ખાધું, હિંદુસ્તાનનું પાણી પીધું,હિંદુસ્તાનની ધરતી પર શ્વાસ લીધા છતાં તે આખી જિંદગી હિંદુસ્તાનને ધિક્કારતો રહ્યો.

શેખ નઝીર અહેમદ

એ શખસનું નામ હતું : શેખ નઝીર અહેમદ. શેખ નઝીર અહેમદ એ બીજા કોઈ નહીં, પરંતુ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના કાકા થાય. છેક મોતીલાલ નહેરુના સમયથી ઓમર અબ્દુલ્લાના દાદા શેખ અબ્દુલ્લા પરિવારનું નામ કાશ્મીરના ઈતિહાસ સાથે સંકળાયેલું છે. ઓમર અબ્દુલ્લા કે તેમના પિતા ફારુક અબ્દુલ્લા આજે ભલે જમ્મુ-કાશ્મીરમાં સત્તા પર નથી, પરંતુ તેમનું પરિવાર જમ્મુ-કાશ્મીરનું ફર્સ્ટ ફેમિલી ગણાય છે. ભારતના ભાગલા પહેલાંથી જ શેખ અબ્દુલ્લા પરિવાર કાશ્મીરમાં એક જાણીતું પરિવાર હતું. જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ પણ કાશ્મીરી પંડિત જ હતા. એમના સમયમાં શેખ મોહંમદ અબ્દુલ્લાનો એક આગવો દબદબો હતો. આવા શેખ અબ્દુલ્લાનો એક ભત્રીજો હતો જેનું નામ શેખ નઝીર અહેમદ હતું. નેશનલ કોન્ફરન્સ નામની પાર્ટીના સ્થાપક શેખ અબ્દુલ્લાએ તેમના ભત્રીજા શેખ નઝીર અહેમદને તે માત્ર ૭ વર્ષની વયનો હતો ત્યારે જ દત્તક લઈ લીધો હતો. આ રીતે શેખ અબ્દુલ્લાના પુત્ર ફારુક અબ્દુલ્લા અને નઝીર અહેમદ ભાઈ થાય અને એ નાતે શેખ નઝીર અહેમદ ઓમર અબ્દુલ્લાના કાકા થાય.

નઝીર એક કોયડો

આટલી પશ્ચાદ્ ભૂમિકા પરથી હવે મૂળ વાત પર આવીએ. શેખ નઝીર અહેમદ એક કોયડારૂપ ગૂઢ માણસ હતા. તેમના પાલક પિતા શેખ અબ્દુલ્લાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો ત્યારે પૂરા ૨૪ વર્ષ સુધી તેઓ તેમના મજબૂત ટેકેદાર રહ્યા હતા, પરંતુ એક વાર અબ્દુલ્લા પરિવારને જમ્મુ-કાશ્મીરમાં સત્તા હાંસલ થઈ તે પછી શેખ નઝીર અહેમદે જાહેર કર્યું કે, “હું કાશ્મીરી છું, ભારતીય નથી.”

શેખ નઝીર અહેમદ આખી જિંદગી તેમની પાર્ટીને અને પરિવારને વફાદાર રહ્યા, પરંતુ હૃદયથી તેઓ બળવાખોર રહ્યા. તેઓ ભાગ્યે જ કોઈ મીડિયાને મળતા કે ભાગ્યે જ જાહેરમાં દેખાતા. અલબત્ત, શેખ નઝીરના ભારત વિશેના જે અભિપ્રાયો હતા તેમાં તેમની પાર્ટી કદી સૂર પૂરાવતી નહીં, પરંતુ તેમના ‘હું ભારતીય નથી’ એવા વિચારોથી તેઓ પાર્ટી માટે અને દેશ માટે એક કોયડો રહ્યા.

ભારતનું કાંઈ ના ખપે

શેખ નઝીર તાજેતરમાં જ ૭૮ વર્ષની વયે મૃત્યુ પામ્યા. ભારતની આઝાદીના સંગ્રામ દરમિયાન ભારત તરફી પોલિટિકલ પાર્ટી- નેશનલ કોન્ફરન્સના એક સ્તંભ જેવા શેખ નઝીરનું પાછળથી ભારત પ્રત્યે ધિક્કારનું વલણ કેમ રહ્યું તે ઘણાંને સમજાતું નથી. ભારતની કોઈ પણ ચીજ કે બાબત સાથે જોડાવાનો તેમણે ઇનકાર કર્યો. શેખ નઝીરે ભારત બહાર વિદેશનો પ્રવાસ કદી ના કર્યો,કારણ કે ભારત બહાર જવું હોય તો તેમણે ‘ભારતીય પાસપોર્ટ’ લેવો પડે. તેમણે ભારતીય પાસપોર્ટ કદી ના લીધો. એટલું જ નહીં,પરંતુ કાશ્મીરની બહાર એટલે કે ભારતના બીજા કોઈ પણ ભાગમાં પણ પગ મૂક્યો નહીં. એ જ રીતે તેઓ એક પણ ચૂંટણી લડયા નહીં અને એક પણ સરકારમાં જોડાયા નહીં. શેખ નઝીર કિડનીની બીમારીથી પીડાતા હતા, પરંતુ ‘ભારતીય’ સંબંધ ધરાવતી એક પણ ચીજ લેવા તેઓ તૈયાર નહોતા. તેમના પરિવારે તેમને દિલ્હીની ‘ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટયૂટ’ ખાતે દાખલ કરવા કહ્યું, પરંતુ તેમાં ‘ઇન્ડિયન’ નામ આવતું હોઈ તેમણે ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટયૂટમાં સારવાર લેવાનો ઇનકાર કર્યો અને તેના બદલે બત્રા હોસ્પિટલમાં દાખલ થયા. ખુદ ફારુક અબ્દુલ્લાએ તેમને દિલ્હી લઈ જઈ ડોક્ટરને બતાવવા દબાણ કર્યું, પરંતુ તેઓ દિલ્હી ના ગયા તે ના જ ગયા.

આશ્ચર્યની વાત એ છે કે, કાશ્મીરમાં રહીને કાશ્મીરનું અલગ રાષ્ટ્ર માગતા કેટલાક અલગતાવાદી નેતાઓ વારંવાર વિદેશ જાય છે અને ભારતીય પાસપોર્ટ માટે લડાઈ કરે છે, પરંતુ શેખ નઝીરે ભારતીય પાસપોર્ટ લેવાનો જ ઇનકાર કરી દીધો.

ઇન્ડિયન એરલાઈન્સ

શેખ નઝીરને ‘ઇન્ડિયા’ શબ્દ માટે એટલી બધી એલર્જી હતી કે, શ્રીનગરથી જમ્મુ જવું હોય તો હંમેશાં મોટર માર્ગે જ જતા. જમ્મુ અને શ્રીનગર વચ્ચે ઇન્ડિયન એરલાઈન્સની વિમાની સેવા હતી, પરંતુ તેમાં ‘ઇન્ડિયા’ શબ્દ આવતો હોઈ તેમણે ઇન્ડિયન એરલાઈન્સ દ્વારા કદી વિમાની મુસાફરી કરી નહીં. શેખ નઝીરના આ વલણને કાશ્મીરના અલગતાવાદી નેતાઓ હંમેશાં સરાહતા રહ્યા. કાશ્મીરનો અલગતાવાદી નેતા શકીલ બક્ષી કે જે તેની ચળવળ માટે કુંવારો રહ્યો છે તે પણ શેખ નઝીરનો પ્રશંસક રહ્યો. શકીલ જેવા અલગતાવાદી નેતાઓ કાશ્મીરની ‘આઝાદી’ માટે કુંવારા રહ્યા છે. શેખ નઝીર અહેમદે પણ લગ્ન કર્યું નહોતું. કારણ ?ખબર નથી. કાશ્મીરના અલગતાવાદી નેતાઓ તેનું અર્થઘટન એવું કરે છે કે, શેખ નઝીર અહેમદ પણ કાશ્મીરની આઝાદી ઇચ્છતા હતા.

આઈબીની નજરમાં

કહેવાય છે કે, શેખ નઝીર અહેમદની ભારત પ્રત્યેની સખત એલર્જીના કારણે ભારતીય ઇન્ટેલિજન્સ વિભાગે અનેકવાર તેમની સખ્તાઈપૂર્વક પૂછપરછ કરી હતી. શેખ નઝીરના નાના ભાઈ મુસ્તફા કમાલ કહે છે કે, શેખ અબ્દુલ્લા જ્યારે અલ્જિરિયામાં એ વખતના ચીનના વડા ચઉ-એન લાઈને મળ્યા ત્યારે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓએ શેખ નઝીરની કાશ્મીરમાં સખ્તાઈપૂર્વક પૂછપરછ કરી હતી. શેખ નઝીરને બરફની પાટ પર સૂવડાવવામાં આવ્યા હતા. એ કારણે તેમની ભારત પ્રત્યેની કડવાશ પેદા થઈ હતી અથવા વધી ગઈ હતી.

છેલ્લા કેટલાક સમયથી તેમને કિડનીનો ટી.બી. થઈ ગયો હતો. તેમના અવસાન પછી તેમના ભાઈ ફારુક અબ્દુલ્લાએ શેખ નઝીરના મૃતદેહને શેખ અબ્દુલ્લાની કબર છે તેની બાજુમાં હઝરત બાલ ખાતે દફનાવવાની લાગણી વ્યક્ત કરી હતી, પરંતુ શેખ નઝીરની ઇચ્છા પ્રમાણે તેમને તેમની ઇચ્છા અનુસાર તેમના પૂર્વજોની જ્યાં કબરો છે તે કબ્રસ્તાન ‘સૌરા’ ખાતે દફનાવવામાં આવ્યા હતા.

ઓમર અબ્દુલ્લાના કાકા શેખ નઝીર જેમને ભારતીય‘ નામની એલર્જી રહી

ગાંધીજી ૪૦ ટકા માર્ક્સે જ મેટ્રિક પાસ થયા હતા

મેટ્રિક પરીક્ષાને પહેલાં અંગ્રેજી ધો. ૭ ગણવામાં આવતું હતું. ઈ.સ. ૧૮૮૬માં મોહનદાસ કરમચંદ ગાંધી મેટ્રિકમાં આવ્યા. મેટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિર્વિસટી દ્વારા લેવામાં આવતી હતી. એ વખતે ગુજરાત અને કાઠિયાવાડનો વહીવટ અલગ અલગ ચાલતો હતો. સમગ્ર મુંબઈ રાજ્યમાંથી ૧૮૮૭માં મુંબઈ યુનિર્વિસટી સાથે મેટ્રિક્યુલેશન પરીક્ષા માટે જોડાયેલી ૭૭ શાળાઓ હતી. કાઠિયાવાડ હાઈસ્કૂલમાં તેઓ ભણતા હતા. ધો.-૬માં (અત્યારનું ધો.-૧૦) ૪૯.૪ ટકા માર્ક્સ મેળવીને વર્ગમાં ચોથા નંબરે પાસ થયા હતા. વર્ગમાં ૩૩ વિદ્યાર્થીઓ હતા. એક પણ છોકરી ભણતી ન હતી.

પરીક્ષા કેવી હતી ?

એ વખતે સત્રની શરૂઆત ડિસેમ્બરથી થતી હતી. અત્યારે આપણે ત્યાં જૂનથી શરૂ થાય છે ને ર્વાિષક પરીક્ષા નવેમ્બરમાં લેવાતી હતી. મેટ્રિકનો અભ્યાસક્રમ મુંબઈ યુનિર્વિસટી નક્કી કરતી. એ વખતે અભ્યાસક્રમ મુખ્ય ત્રણ વિભાગમાં કુલ પાંચ વિષયોમાં વહેંચાયો હતોઃ (૧) ભાષાઓ (૨) ગણિતશાસ્ત્ર અને (૩) સામાન્ય જ્ઞાાન. ભાષાઓના પ્રથમ વિભાગમાં ત્રણ કલાકનું અંગ્રેજીનું પ્રશ્નપત્ર રહેતું. પેરાફ્રેઈઝ કે અંગ્રેજીમાં ભાષાંતર તથા વ્યાકરણ અને લેખન પૂછાતાં. વળી આમાં મૌખિક પરીક્ષા પણ હતી, જેમાં પરીક્ષક કોઈ જાણીતા લેખકનો ફકરો પસંદ કરતા અને વિદ્યાર્થીને તે વાંચીને તેના ઉપર ચર્ચા કરવાની રહેતી. બીજી ભાષા અંગ્રેજી સિવાયની બાકીની ૧૩ ભાષાઓમાંથી પસંદ કરવાની હતી. આમાં સંસ્કૃત, ફારસી જેવી છ શિષ્ટ ભાષાઓ હતી, યુરોપની બે આધુનિક ભાષાઓ હતી અને ગુજરાતી, મરાઠી જેવી પાંચ પ્રાદેશિક ભાષાઓ હતી. આ ‘ભાષાઓના વિભાગ’ના કુલ ૩૦૦ ગુણ હતા. બીજા વિભાગ ગણિતશાસ્ત્રમાં અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ- એ વિષયો હતા. અંકગણિત અને બીજગણિતનું ૧૦૦ ગુણનું ત્રણ કલાકનું સંયુક્ત પ્રશ્નપત્ર રહેતું અને ભૂમિતનું ૭૫ ગુણનું બે કલાકનું પ્રશ્નપત્ર રહેતું. સામાન્ય જ્ઞાાનના ત્રીજા વિભાગમાં બે કલાક અને ૭૫ ગુણના બે પ્રશ્નપત્રો રહેતા. એક પ્રશ્નપત્ર ઇંગ્લેન્ડ અને ભારતના પ્રાથમિક ઇતિહાસ અને પ્રાથમિક ભૂગોળનું બનતું અને બીજું પ્રશ્નપત્ર ‘નેચરલ સાયન્સ’નું બનતું હતું. આ ત્રણે વિભાગોના બધા વિષયો માટે મેટ્રિકના વિદ્યાર્થીને લગભગ ૧૮ પુસ્તકોનો અભ્યાસ કરવાનો રહેતો હતો!

સામાન્ય વિદ્યાર્થી હતા

એ જમાનામાં પ્રથમ સત્રના અંતે છ માસિક પરીક્ષા લેવામાં આવતી હતી. તેઓના વર્ગમાં કુલ ૪૦ વિદ્યાર્થીઓ હતા. છમાસિક પરીક્ષામાં સારા ગુણ આવે એટલે પાસ થાય તો જ મેટ્રિકની પરીક્ષાનું ફોર્મ ભરી શકાય તેવો નિયમ હતો. મોહનદાસ ભણવામાં સામાન્ય વ્યક્તિ હતા. છમાસિક પરીક્ષામાં તેઓએ ૧૫૦માંથી ૪૩ ગુણ મેળવ્યા હતા. સંસ્કૃતમાં ૧૦૦માંથી ૨૫, ગણિતમાં ૧૭૫માંથી ૬૭ તથા ઇતિહાસ-ભૂગોળમાં ૭૫માંથી ૨૭, વિજ્ઞાાનમાં ૭૫માંથી ૨૧ ગુણ મેળવ્યા હતા. કુલ ૫૭૫માંથી ૧૮૩ ગુણ એટલે ૩૧.૮ ટકા માર્ક્સ મેળવી લાવેલા. પરિણામ પત્રકમાં ‘હ્લટ્વૈિ’ એવી નોંધ કરી હતી.

બીજા સત્રને અંતે પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ, જેમાં કુલ ૩૨ વિદ્યાર્થીઓ બેઠા હતા. ૪૦માંથી ૮ વિદ્યાર્થીઓ પ્રિલિમિનરી પરીક્ષામાં બેઠા જ નહીં ને જે બેઠા તેમાંથી ૧૫ વિદ્યાર્થીઓ નાપાસ થયા. જેથી તેઓ મેટ્રિક્યુલેશન પરીક્ષામાં ફોર્મ ભરી શક્યા નહીં. મોહનદાસ માંડ માંડ પ્રિલિમિનરીમાં પાસ થયા. તેઓનો ૧૭માંથી દસમો ક્રમ હતો. જો કે અંગ્રેજી અને સામાન્ય જ્ઞાાનમાં નાપાસ થયેલા, પણ ત્રણ મુખ્ય વિષયમાં પાસ થવાથી ફોર્મ ભરવા દીધું હતું. એ વખતે સમગ્ર ગુજરાતમાં એક જ સેન્ટર હતું ને તે હતું અમદાવાદ. રાજકોટથી મોહનદાસને પરીક્ષા આપવા અમદાવાદ આવવાનું હતું. અમદાવાદમાં કદી આવેલા નહીં, કદી જોયેલું નહીં. ક્યાં જવું ? કોના ત્યાં ઊતરવું આ પ્રશ્ન તેઓના માટે મૂંઝવણનો હતો. એ વખતે રાજકોટથી અમદાવાદ આવવા માટે બસની વ્યવસ્થા ન હતી. ગાડીમાં જ આવવું પડે. અમદાવાદમાં મુસાફરી કરવાનો આ તેઓનો પ્રથમ અનુભવ હતો. પરીક્ષા ૧૮મી ઓક્ટોબર, ૧૮૮૭ના દિવસે શરૂ થઈ હતી. લેખિત પરીક્ષા પછી અંગ્રેજી વિષયની મૌખિક પરીક્ષા લેવાતી હતી ને મૌખિક પરીક્ષા આપવા ઘણો સમય રોકાવું પડતું હતું. જેથી અમદાવાદ થોડો સમય રોકાયા. એ વખતે ભણતા તમામ વિદ્યાર્થીઓને અંગ્રેજ સરકાર સ્કોલરશિપ આપતી હતી. સ્કોલરશિપ દર ત્રણ મહિને અપાતી હતી. સ્કોલરશિપની બધી જ રકમોની પહોંચોમાં મોહનદાસે પોતે જે સહી કરી છે, તેમાં સ્ર્રટ્વહઙ્ઘટ્વજની જગ્યાએ સ્ર્રટ્વહઙ્ઘટ્વજજ લખ્યું છે. તેઓ મોહનદાસનો સ્પેલિંગ પોતાની રીતે લખતા હતા.

૪૦ ટકા માર્ક્સ

સમગ્ર મુંબઈ રાજ્યમાંથી એ વખતે ૩૦૬૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જેમાં મોહનદાસનો પરીક્ષા નંબર ૨૨૭૫ હતો. ૩૦૬૩માંથી માત્ર ૮૨૩ વિદ્યાર્થીઓ મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા હતા. ૨૨૪૦ વિદ્યાર્થીઓ નાપાસ થયેલા. એ જમાનામાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરવી અઘરી હતી. ૮૨૩ પાસ થયેલા વિદ્યાર્થીઓમાં તેઓનો બોર્ડમાં ૪૦૪મો ક્રમ હતો, પોતાની શાળામાંથી ૧૭ વિદ્યાર્થીઓ બેઠેલા એમાં ૧૦ પાસ થયા હતા. ને એમાં તેઓનો ક્રમ પાંચમો હતો. કાઠિયાવાડની પાંચ હાઈસ્કૂલોમાંથી કુલ ૩૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા, તેમાં મોહનદાસનો ક્રમ ૧૬મો હતો.

મેટ્રિક્યુલેશન પરીક્ષામાં કુલ ગુણ ૬૨૫ હતા. જેમાં અંગ્રેજી-૨૦૦, ગુજરાતી-૧૦૦, ગણિત-૧૭૫ અને સામાન્ય જ્ઞાાન-૧૫૦. આમાંથી મોહનદાસને અંગ્રેજીમાં ૮૯, ગુજરાતીમાં ૪૫.૧/૨, ગણિતમાં ૫૯ અને સામાન્ય જ્ઞાાનમાં ૫૪ ગુણ આવેલા. કુલ ૬૨૫માંથી ૨૪૭.૧/૨ ગુણ મેળવેલા. ૪૦ ટકા માર્ક્સ મેળવીને તેઓ પાસ થયા હતા.

ગોખલેને ૪૨ ટકા

અહીં એક વાત નોંધવા જેવી છે કે, ભારતના ત્રણ ઉચ્ચ કક્ષાના નેતાઓ કે જેઓએ દેશની આઝાદી માટે પોતાનું જીવન સર્મિપત કરેલું છે, તેઓનું મેટ્રિક્યુલેશનનું પરિણામ જાણવા જેવું છે.

૧. બાળગંગાધર તિલકે ૧૮૭૨માં મેટ્રિક પાસ કરી, તેઓને ૪૭.૧ ટકા માર્ક્સ મળેલ હતા.

૨. ગોપાલકૃષ્ણ ગોખલેએ ૧૮૮૧માં મેટ્રિક પાસ કરી, તેઓના માર્ક્સ ૪૨.૨ ટકા હતા ને

૩. ગાંધીજીએ ૧૮૮૭માં મેટ્રિક પાસ કરી, તેઓના માર્ક્સ ૪૦ ટકા હતા.

આ ત્રણેય વ્યક્તિઓના વિષયવાર ગુણાંક જોતાં એવું જણાય છે કે, મોહનદાસને ટિળક અને ગોખલે કરતાં ભાષાઓ ઉપર વધુ કાબૂ હતો.

મેડિકલમાં ના ગયા

મેટ્રિક થયા પછી હવે શું કરવું ? એ પ્રશ્ન મોહનદાસના પરિવારને મૂંઝવતો હતો. મેટ્રિક પછી ડોક્ટરી લાઈનમાં પ્રવેશ મળતો હતો,પણ તેઓના મોટા ભાઈ લક્ષ્મીદાસ ગાંધીજીના માર્ગદર્શક હતા. ડોક્ટરી લાઈનમાં મોકલવામાં લક્ષ્મીદાસ માનતા ન હતા. કારણ કે તેઓ માનતા કે, મેડિકલમાં જવું એટલે જીવહિંસા કરીને જ જ્ઞાાન મેળવવું. ત્યાર પછી તેઓ ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયા, પણ ત્યાં ફાવતું ન હતું. સાપ્તાહિક અને છમાસિક પરીક્ષાનાં તેઓનાં પરિણામો નિરાશાજનક હતાં. પ્રથમ સત્ર પછી રજાઓમાં ઘરે આવ્યા પછી શામળદાસ કોલેજમાં ફરી જવાની જ ના પાડી દીધી. હવે શું કરવું ? તેઓના કુટુંબમાં વડીલ તરીકેનો મોભો ધરાવનાર માવજીભાઈ દવે હતા. તેઓએ કુટુંબના લોકોને સમજાવ્યું કે, કોલેજનો સમય બગાડયા કરતાં વિલાયત જઈ બેરિસ્ટર થવાની સલાહ આપી ને ત્યાર બાદ તેઓ ઇંગ્લેન્ડ ભણવા ગયા. ગાંધીજીએ મેટ્રિક એટલે ધો.-૧૧ની પરીક્ષામાં કેવી રીતે સફળતા મેળવી તેની આ કથા છે. એ વખતના જમાનામાં લાઈટ નહીં, ટયૂશન નહીં, પૂરતાં કપડાં, નહીં, પગમાં ચંપલ નહીં,પૂરતી સગવડો નહીં છતાં જાત મહેનત કરીને પોતે ભણ્યા, તે આજના વિદ્યાર્થીઓ માટે જાણવુંજરૂરી છે.

જીવ-હિંસાના મુદ્દા પર મોટાભાઈએ ગાંધીજીને મેડિકલમાં જવા દીધા નહોતાઔ

હું નાગણ બની ચૂકી છું ઘરમાં જ ફરતી હોઈશ!

રચના.

ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ માંગરૌલીમાં રહેતા હાકિમસિંહની તે પુત્રી છે. દેખાવમાં ખૂબસૂરત અને સ્વભાવથી ચંચળ. હાકિમસિંહની પડોશમાં રામસિંહ રહેતો હતો. બંને એક જ જ્ઞાાતિના હતા. એક દિવસ રામસિંહના સાળાનો પુત્ર રામેશ્વર ત્યાં આવેલો હતો. તે પણ દેખાવડો હતો. એણે બાજુના જ ઘરમાં રહેતી રચનાને જોઈ અને તે તેનાથી આર્કિષત થઈ ગયો. એ જ રીતે રચના પણ રામેશ્વરનું ઊંચું કદ અને મજબૂત કાઠી જોઈ પ્રભાવિત થઈ. બંને વચ્ચે પરિચય થયો અને તે પ્રણયમાં પરિર્વિતત થઈ ગયો.

એ પછી રામેશ્વર અવારનવાર માંગરૌલી આવવા લાગ્યો. રચના પણ એને ચૂપચાપ મળવા લાગી. બંને હવે એકબીજા વગર રહી શકતા નહોતા. રચનાના માતા-પિતાને શંકા જતાં તેમણે રચનાને ઠપકો આપ્યો છતાં તે રામેશ્વરને મળતી જ રહી. રચનાને રામેશ્વરથી દૂર કરવા તેના પિતાએ દૂરના ગામનો એક પોતાની જ બિરાદરીનો બિહારી નામનો એક યુવાન શોધી કાઢયો. રચનાની સગાઈ બિહારી સાથે કરી દેવામાં આવી.

રચનાએ ઘરની બહાર જઈ ચૂપચાપ તેના પ્રેમ રામેશ્વરને જાણ કરીઃ ”રામેશ્વર! મારી સગાઈ બિહારી નામના કોઈ માણસ સાથે કરી દેવાઈ છે.”

રામેશ્વરે કહ્યું: ”ડોન્ટ વરી રચના! મને પણ આ વાતની ખબર પડી છે. એક બિહારી યુવાન છે પણ મારો સગો મામો થાય છે. તું એની સાથે લગ્ન કરી લે. આપણે પહેલાંની જેમ જ મળતાં રહીશું.” રચનાને રામેશ્વરની વાત ગમી નહીં. એ તો રામેશ્વર સાથે જ લગ્ન કરવા માંગતી હતી. છતાં રામેશ્વરે રચનાને બિહારીમામા સાથે જ પરણી જવા સલાહ આપી. રચનાએ પણ વિચાર્યું કે લગ્ન પહેલાં જ રામેશ્વર આવું કરે છે તો લગ્ન પછી મને શું સાચવશે? રચનાએ બિહારી સાથે લગ્ન કરવા હા પાડી દીધી.

લગ્ન બાદ રચના પતિગૃહે આવી. રામેશ્વર માટે તેની પ્રેયસી હવે મામી બનીને આવી હતી. રામેશ્વર ખુદ મામાના લગ્નમાં આવ્યો હતો. એણે મોકો જોઈ રચના સાથે વાત કરવા પ્રયત્ન કરી જોયો. પણ રચના ગુસ્સામાં હતી. તેણે મોં ફેરવી લીધું. રામેશ્વર હવે મૂંઝાયો. ફરી તેનું મન રચનામાં પરોવાયું. રચના તેની સાથે વાત પણ કરવા માગતી નહોતી. રામેશ્વરે વિચાર્યું કે, ”જરૂર પડશે તો હું રચનાને ભગાડીને પણ લઈ જઈશ.”

એક દિવસ મોકો જોઈને તે બિહારીમામાના ઘેર ગયો. રચના એકલી હતી. રામેશ્વર રચનાને બે હાથ જોડી વિનંતી કરીઃ ” રચના! હું આજે પણ ચાહું છું. હું બીજી કોઈ પણ છોકરી સાથે લગ્ન નહીં કરું.”

” તો પહેલાં જ મને લઈ જવી હતી ને?” રચના બોલી.

બેઉ વચ્ચે મૌન છવાયું.

કેટલીક વાતો થઈ અને તે પછી રામેશ્વર ત્યાંથી ચાલ્યો ગયો.

આ વાતને થોડા દિવસો વીત્યા. એક દિવસ રચનાએ તેેની સાસુને કહ્યું, ” મમ્મી! આજકાલ મને રાતના સમયે સ્વપ્નમાં એક નાગ આવે છે. તે કહે છે કે ગયા જન્મમાં હું નાગણ હતી. મારે તેની સાથે નાગ-નાગણનો સંબંધ હતો. તે નાગ મને તેની સાથે સર્પ લોકની દુનિયામાં લઈ જવા માંગે છે.”

રચનાની સાસુએ પુત્રવધૂની વાતને હસી કાઢી. સાસુએ કહ્યું: ”બેટા ! સપનાં સપના હોય છે. તે માત્ર દેખાય છે. સપનાં સાચા હોતાં નથી.”

આમ છતાં થોડા દિવસ પછી રચનાએ ફરી એના સાસુને કહ્યું: ” મને ફરી સ્વપ્નમાં એનો એ નાગ દેખાયો. તે કહેતો મને છોડશે નહીં.” રચનાની વાતો સાંભળી તેની સાસરીવાળા પરેશાન થઈ ગયા. તેમણે એ વાત રચનાના માતા-પિતાને પણ કરી, રચનાને તેમણે થોડા દિવસ માટે પિયર બોલાવી લીધી. ભુવા, તાંત્રિકોને બોલાવી ઝાડ કૂંંક ેપણ કરવામાં આવી. કેટલાક દિવસો સુધી પિયરમાં રોકાઈને રચના ફરી તેના પતિના ઘેર આવી. બધાને લાગ્યું કે રચના હવે ઠીક થઈ ગઈ છે. તેના ગળામાં મંત્રેલું માદળીયું અને હાથમાં કાળો દોરો બાંધેલો છે.

એ રાત્રે આખુંય પરિવાર રાત્રે જમી પરવારીને સૂઈ ગયું. બીજા દિવસે બિહારી સવારે ઉઠયો ત્યારે પલંગમાં રચના નહોતી. તેણે તપાસ કરી તો રચના બાથરૂમમાં પણ નહોતી. આખા ઘરમાં તપાસ કરી તો તે ઘરમાં યે ક્યાંય નહોતી. પલંગમાં રચનાએ રાત્રે જે વસ્ત્રો પહેર્યાં હતા તે વસ્ત્રો, બંગડીઓ અને મંગલસૂત્ર પડયા હતા. રચનાના બધાં જ વસ્ત્રો ઊતારી નાંખેલા હતા. તેની બાજુમાં એક ચિઠ્ઠી પડી હતી.

બિહારીએ તેે ચિઠ્ઠી ખોલી. રચનાએ એમાં લખ્યંુ હતું: ”હું નાગણ બની ચુકી છું. તમારા ઘરમાં જ ફરતી હોઈશ. સવારમાં હું જે હાલતમાં મળું તે જ હાલતમાં મને પકડી જંગલમાં મૂકી દેજો.!!

ચિઠ્ઠી વાંચી બિહારી સ્તબ્ધ થઈ ગયો. એણે એના સૂવાના ઓરડામાં જ આમ તેમ જોવા માંડયું. રૂમના એક ખૂણામાં એક કાળી નાગણ દેખાઈ. એ ચીસ પાડી ઊઠયો. ઘરનાં સભ્યો દોડીને આવી ગયા. નાગણ જોઈ રૂમ બંધ કરી દીધો. બિહારીએ રચનાની ચિઠ્ઠી બધાને બતાવી. થોડી જ વારમાં આખા ગામમાં ખબર પડી ગઈ કે બિહારીની પત્ની નાગણ બની ગઈ છે. આ નાગણને જોવા આસપાસના લોકો પણ દોડી આવ્યા. ઉત્સુકતાવશ લોકો એક મદારીને પકડી લાવ્યા. મદારીએ નાગણને જોઈને કહ્યું: ”આ નાગણ નથી પરંતુ નાગ છે. એના મોંમાંથી ઝેરની કોથળી કાઢી લેવામાં આવેલી છે. તે કોઈને કરડશે નહીં.

બિહારીના પરિવાર માટે આ બીજુ આશ્ચર્ય હતું. હવે તો રચનાના માતાપિતા પણ આવી ગયા હતા. તેમને સૌથી પહેલી શંકા રચનાના સાસરિયાં પર જ ગઈ. એમણે તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે રચનાની સાસરિયાવાળાઓએ મારી દીકરીની હત્યા કરી લાશ ક્યાંક ફેંકી દીધી છે અને ઘરમાં નાગ ગોઠવવાનું ષડયંત્ર રચ્યું છે.”

પોલીસ પણ આવોે વિચિત્ર કેસ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. પોલીસ તપાસ શરૂ કરી બિહારીના ઘરમાંથી કાંઈ મળ્યું નહીં. પોલીસે હવે ગામમાં તપાસ શરૂ કરી પોલીસને એવી બાતમી મળી કે, જે દિવસથી રચના ગુમ છે તે જ દિવસથી બિહારીનો ભાણેજ રામેશ્વર પણ ગુમ છે.

પોલીસે રામેશ્વરના મોબાઈલ ફોનને સર્વેલન્સ પર મૂકી દીધો. એ પરથી માલુમ પડયું કે રામેશ્વર રોજ તેના ઘરવાળાઓ સાથે વાત કરતો હતો. ફોનનું ટ્રેકિંગ કરતાં ખબર પડી કે રામેશ્વર ભોપાલમાં છે. પોલીસે રામેશ્વરના બે ભાઈઓને જ હિરાસતમાં લઈ લીધા. તેઓ રોજ રામેશ્વર સાથે ફોન પર વાત કરતા હતા. પોલીસ તેમને લઈ ભોપાલ પહોંચી. તેઓ રામેશ્વર કયાં છે તે જાણતા હતા. પોલીસે રાત્રે જ એના ભાઈઓએ આપેલી માહિતી પ્રમાણે એક મકાન પર છાપો માર્યો રચના અને રામેશ્વર બેઉ અંદર જ હતા. પોલીસે બંનેને પકડી લીધા.

રચનાએ કબૂલ કર્યું: ”હું રામેશ્વરને પ્રેમ કરતી હતી. મારી ઈચ્છા વિરુદ્ધ બિહારી સાથે મને પરણાવી દેવામાં આવી હતી. લગ્ન પછી રામેશ્વર પર મારો ગુસ્સોે હતો પણ તેણે મને ભગાડી જવાની હા પાડતાં અમે નાગ-નાગણના સ્વપ્નની બનાવટી વાત ઘરમાં બધાને કરી હતી. હું ઘરમાંથી ભાગી ગઈ એના આટલા દિવસેે જ મારો પ્રેમી રામેશ્વર એક મદારી પાસેથી પાળેલો નાગ લઈ આવ્યો હતો અને એ થેલીમાં સંતાડી એ મને આપી ગયો હતો. રાત્રે મેં મારા વસ્ત્રો બદલી નાંખ્યા. અને નાગને થેલીમાંથી બહાર કાઢી રૂમમાં છુટો મૂકી હું ભાગી ગઈ હતી. નક્કી કરેલા સ્થળે રામેશ્વર મારી રાહ જોઈને ઊભો હતો અને તે પછી એ રાત્રે જ અમે ત્યાંથી ભાગી બસમાં બેસી ભોપાલ આવ્યા.”

પોલીસ આખીયે કથા સાંભળી સ્તબ્ધ થઈ. મામલો અદાલતમાં ગયો. પરંતુ નાગ-નાગણનો ડ્રામા કોઈ મોટો ગુનો બનતો ના હોઈ મેજિસ્ટ્રેટે રચનાને તેની સાસરીમાં પાછા જવા સલાહ આપી અને કોઈની પુત્રવધૂને ભગાડી જવાના મુદ્દે રામેશ્વર સામે આગળની કાર્યવાહી જારી કરી.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

બાજીરાવ પેશવાની પ્રેયસી મસ્તાનીનો પ્રેમ કેવો હતો ?

બોલિવૂડ મરાઠા ઈતિહાસની સુપ્રસિદ્ધ પ્રણયકથા ‘બાજીરાવ મસ્તાની’પર ફિલ્મ બનાવી રહી છે. પ્રિયંકા ચોપડા મસ્તાનીનો રોલ અદા કરશે. મરાઠા ઈતિહાસમાં દરબારી નર્તકી મસ્તાની અને બાજીરાવ પેશવાની પ્રણય કથા હૃદયંગમ છે.

બાજીરાવ એક પ્રભાવશાળી અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા શિવાજી પછીની મહત્ત્વપૂર્ણ પ્રતિભા હતા. તેઓ એક શક્તિશાળી યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞા પણ હતા. હૃદયથી કોમળ અને ઉદાર પણ હતા. કથાની શરૂઆત છત્રસાલથી શરૂ થાય છે. છત્રસાલ એક બહાદુર નેતા હતા. ઔરંગઝેબ જ્યારે હિંદુ મંદિરો તોડતો હતો ત્યારે હિંદુ ધર્મ અને બુંદેલોની રક્ષા માટે લોકોએ છત્રસાલને રાજાના સ્વરૂપમાં સ્વીકાર કર્યો. એ કારણે છત્રસાલ મોગલોનો મોટો શત્રુ બની ગયો. મોગલો સાથે સંઘર્ષ દરમિયાન તે જ્યારે મુશ્કેલીમાં આવી ગયો ત્યારે એણેે બાજીરાવ પેશવાની મદદ માંગી. બાજીરાવની સમયસરની મદદના કારણે છત્રસાલ વિજયી થયો અને મોગલોએ ભાગવું પડયું.

બાજીરાવના આ ઉપકારનો બદલો વાળવા છત્રસાલે એક ખૂબસૂરત દરબારી નર્તકી બાજીરાવને ભેટ ધરી. એનું નામ મસ્તાની હતું. તે અત્યંત સ્વરૂપવાન અને ગુણિયલ પણ હતી. તે હિન્દુ પિતા તથા મુસલમાન માતાનું સંતાન હતી. નૃત્ય અને સંગીત ઉપરાંત તેનામાં અન્ય દુર્લભ ખૂબીઓ હતી. શિષ્ટાચારમાં એટલી કુશળ હતી કે કોઈ પણ પુરુષ તેનો દાસ બની જતો. સદ્નસીબે તે બાજીરાવ પેશવાના પ્રેમની આરાધ્ય દેવી બની ગઈ. બાજીરાવ પેશવા તેના પ્રેમપાશમાં બંધાઈ ગયા.

બાજીરાવ મસ્તાનીના પ્રેમમાં એટલા બધા ડૂબી ગયા કે, હવે રાજ્યના કારોબારમાં તેમનું મન જ લાગતું નહોતું. તેઓ મસ્તાનીના સાનિધ્યમાં માંસ- મદિરા તથા એશ-આરામમાં જ ડૂબેલા રહેવા લાગ્યા. લોકોને પણ આ વાતનો હવે ખ્યાલ આવી ગયો. મસ્તાની પ્રત્યેની તેમની આસક્તિના કારમે તેમનો યશ-ર્કીિત પણ ધૂમિલ થવા લાગી. મસ્તાનીની વેશભૂષા વાતચીત અને રહેણીકરણી હિંદુ સ્ત્રી જેવી હતી અને એક પતિ-ભક્ત સ્ત્રીની જેમ તે બાજીરાવની સેવા કરતી.

બાજીરાવ અગાઉથી જ પરિણીત હતા. તેમની વિવાહિત પત્ની કાશીબાઈ એક સમજદાર સ્ત્રી હતી. એણે મસ્તાની સાથે દ્વેષ કરવાના બદલે સખી જેવો વ્યવહાર રાખ્યો. એની એક માત્ર ઈચ્છા બાજીરાવને ખુશ રાખવાની હતી. પતિની ખુશી માટે એણે મસ્તાની સાથે એક બહેન જેવો સંબંધ રાખ્યો.

કેટલાક સમય બાદ કાશીબાઈ અને મસ્તાની એ બંનેને બાજીરાવથી પુત્રરત્ન પેદા થયા. કાશીબાઈના પુત્રનું નામ રાઘોબા અને મસ્તાનીના પુત્રનું નામ શમશેર બહાદુર રાખવામાં આવ્યું. શરૂઆતમાં તો બધું ઠીક રહ્યું, પરંતુ પાછળથી કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ. રાઘોબાનો ઉપનયન સંસ્કાર થયો, પરંતુ શમશેર બહાદુરને એ અધિકારથી વંચિત રાખવામાં આવ્યો. બાજીરાવને પણ આ ના ગમ્યું. તેમણે ક્રોધ કરી પંડિતો અને બ્રાહ્મણોને સખ્ત ઠપકો આપ્યો. પરંતુ હિંદુ ધર્મના ઠેકેદારો ટસથી મસ ના થયા અને શમશેર બહાદુરને હિંદુ સંસ્કાર વિધિથી વંચિત રહેવું પડયું.

આ ઘટનાની બાજીરાવના દિલોદિમાગ પર ભારે અસર થઈ. તેઓ ફરી એકવાર રાજકાજમાં અરુચિ રાખવા લાગ્યા. એકવાર દુશ્મનો નજીક આવી ગયાના સમાચાર મળ્યા છતાં તેમણે યુદ્ધમાં જવા ઈન્કાર કરી દીધો. મંત્રીઓે અને દરબારીઓએ વિચાર્યું કે આ બધી શિથિલતાઓનું કારણ એકમાત્ર મસ્તાની જ છે. એનાથી બાજીરાવને છુટકારો અપાવવા યોજનાઓ વિચારવામાં આવી.

બાજીરાવને સમજાવીને યુદ્ધમાં મોકલવામાં આવ્યા. પૂનાની મધ્યમાં એક કિલ્લો હતો જે તૂટેલો- ફૂટેલો હતો. મંત્રીઓ બાજીરાવ અને મસ્તાનીને અલગ કરવાના પ્રયત્નમાં અસફળ રહ્યા, ત્યારે તેમણે બાજીરાવની ગેરહાજરીમાં મસ્તાનીનું અપહરણ કરી પૂનાના આ કિલ્લામાં કેદ કરી દીધી. મંત્રીઓએ અને લોકોએ આ પગલું રાજ્યના હિતમાં લીધું હતું, પરંતુ તેની અસર પ્રેમી-યુગલ પર પડી. યુદ્ધમાં વિજયી થઈ બાજીરાવ પાછા આવ્યા ત્યારે તેમણે મસ્તાનીને ના જોઈ. તપાસ કરતા બાજીરાવને ખબર પડી ગઈ કે મસ્તાનીને તેમની ગેરહાજરીમાં હરણ કરી અન્યત્ર કેદ કરવામાં આવી છે. આ જાણ થતાં જ બાજીરાવ બીમાર પડી ગયા.

બાજીરાવ હવે પથારીવશ હતા, પરંતુ ધર્મના રક્ષકોને તેમની હાલતની પણ કોઈ ચિંતા નહોતી. એથી ઊલટું તેમનો ઈલાજ કરાવવાના બહાને દૂરના કોઈ એકાંત સ્થળે લઈ ગયા. બાજીરાવની હાલત હવે વધુ ને વધુ બગડવા લાગી. પતિના કથળેલા સ્વાસ્થ્યની ખબર પડતાં જ તેમની પત્ની કાશીબાઈ બાજીરાવ પાસે ગઈ. પતિની હાલત જોઈ તે વિક્ષુબ્ધ થઈ ગઈ. બાજીરાવ અર્ધબેહોશ હતા. પથારીમાંથી ઊભા થઈ શકે તેમ નહોતા. કાંઈક બોલ બોલ કરતા હતા. તેમણે સંપૂર્ણ ભાન નહોતું. તંદ્રાવસ્થામાં તેઓ કાશીબાઈને મસ્તાની સમજી બેઠા. કાશીબાઈને ‘મસ્તાની’ કહી બોલાવવા લાગ્યા.

કાશીબાઈ પણ દુઃખી થઈ ગઈ. તે સમજી ગઈ કે આ હાલતમાં પણ તેમના હૃદયમાં મસ્તાની જ વસેલી છે. તેમનું હૃદય ચીરચીર થઈ ગયું. તેમને ખ્યાલ આવી ગયો કે મસ્તાનીના વિરહમાં જ પતિની આવી હાલત થઈ છે, પરંતુ હવે પરિસ્થિતિ ગંભીર હતી. તે લાચાર હતી. તે કાંઈ કરી શકે તેમ નહોતી. પ્રેયસીના વિરહનો આઘાત એટલો ઊંડો હતો કે બાજીરાવે ‘મસ્તાની’ની યાદમાં જ કાયમ માટે આંખો મીંચી દીધી. અલબત્ત, બધી જ વેદના સહન કરીને પણ પત્ની કાશીબાઈ અંતિમ શ્વાસ સુધી પતિની સેવા કરતી રહી. એ વખતે એમનો પુત્ર પણ એમની સાથે હતો. પતિના અંતિમ સંસ્કાર કરી કાશીબાઈ લાંબી તીર્થયાત્રા પર ચાલી ગઈ.

આ તરફ પૂનાના કિલ્લામાં કેદ મસ્તાનીની હાલત પણ એટલી જ ખરાબ હતી. બાજીરાવની ગંભીર હાલતના સમાચાર જાણ્યા હતા તે દિવસથી જ તે કેદખાનામાંથી ભાગીને બાજીરાવ પાસે પહોંચી જવા માગતી હતી જેથી તે તેના પ્રિયતમને બીમારીમાં મદદ કરી શકે. એણે એના પહેરેદારને ફોડી નાંખ્યા. બહાર નીકળ્યા બાદ ખૂબ ધન આપવાનો વાયદો કરી એણે એક તેજ ઘોડો પ્રાપ્ત કરી લીધો. એ છલાંગ મારી ઘોડા પર સવાર થઈ ગઈ. એ માહિતીના આધારે બાજીરાવને જે એકાંત સ્થળે રાખ્યા હતા ત્યાં પહોંચી ગઈ પરંતુ ત્યાં પહોંચતાં જ ખબર પડી કે તે ત્યાં પહોંચે તે પહેલાં જ બાજીરાવનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો હતો.

બાજીરાવને અંત સમયમાં ચિકંદના જંગલોમાં રાખવામાં આવ્યા હતા. ચિકંદના જંગલમાં જ પ્રિયતમના મૃત્યુના સમાચાર સાંભળી મસ્તાની ભાંગી પડી. તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી, પણ એનું રુદન સાંભળનારું કોઈ જ નહોતું. તે પ્રિયતમના વિરહથી આમેય અશક્ત થઈ ગઈ હતી. વળી લાંબી યાત્રાના કારણે જબરદસ્ત થાકી ગઈ હતી. પ્રિયતમના મોતનો આઘાત તે સહન ના કરી શકી અને જંગલમાં જ ભોંય પટકાઈ. થોડી જ વારમાં તે ત્યાં જ મૃત્યુ પામી.

અને આ રીતે બાજીરાવ અને મસ્તાનીની અનુપમ પ્રણય કથાનો અંત આવી ગયો. મસ્તાનીના મૃતદેહને પૂનાથી ૨૦ માઈલ પૂર્વ તરફ પાપલ નામના એક ગામ ખાતે લાવવામાં આવ્યો. અહીં તેને દફનાવવામાં આવી. આ સ્થળે બનેલી એક નાનકડી મજાર અહીંથી આવતાજતા લોકોને મસ્તાનીની યાદ અપાવતી રહે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

દીપાવલીઃ મનના અંધકારને દૂર કરવાનું પર્વ તમસો મા જ્યોતિર્ગમય

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

દીપાવલીના તહેવારોનો આરંભ થઇ રહ્યો છે ત્યારે દીપક, રંગોળી અને લક્ષ્મીપૂજનનું મહત્ત્વ સમજીએ

દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે. હિન્દુ સમાજનો આ મોટામાં મોટો તહેવાર છે. ગરીબ અને તવંગર એ સૌ કોઈ દીપાવલીના તહેવારને આનંદ અને ઉલ્લાસથી મનાવે છે. દીપાવલી એ પ્રકાશનો તહેવાર છે. ઝૂંપડું હોય, નાનું ઘર હોય, મોટી હવેલી કે બંગલો હોય,પરંતુ આ દિવસોમાં ઘરે ઘરે દીવડાં પ્રગટાવવામાં આવે છે.

દીપકને જીવનની પરંપરા તથા તમસો મા જ્યોતિર્ગમયને આકાંક્ષાનો આધાર માનવામાં આવે છે. ઋગ્વેદ અનુસાર દીપકની ઉત્પત્તિ સૂર્ય દ્વારા થઈ છે. હિન્દુ શાસ્ત્રોમાં નવ પ્રકારની પૂજા અર્ચનાનું વિધાન છે, જેમાં દીપ પૂજા તથા દીપદાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.

ઘણી બધી સદીઓથી દીપાવલી પર્વની કેટલીક પરંપરાઓ ચાલી આવી છે. દિવાળી પહેલાં સાફસફાઈ, રંગાઈ, સાજસજાવટ અને અર્ચનાનાં ભવ્ય રૂપ-એ બધી માન્યતાઓ અને રિવાજને સમજવાની જરૂર છે. દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઈ કરી ઘરને રંગવાથી ઘરની અંદરની નકારાત્મક ઊર્જા બહાર નીકળી જાય છે અને સકારાત્મક ઊર્જા અંદર આવતાં ભાગ્યોદય થાય છે એમ મનાય છે. વૈજ્ઞાાનિક રીતે પણ ચોમાસાની ઋતુથી ઘરમાં પેદા થયેલાં બેક્ટેરિયા મરી જવાથી ઘર કીટાણુરહિત થઈ જાય છે.

દીપક શા માટે પ્રજ્વલિત કરવામાં આવે છે, તેનું પણ એક મહત્વ છે. દીપક મન અને તન બંનેના અંધકારને દૂર કરે છે. દીપક શુભનું પ્રતીક છે. દીપક માત્ર અજવાળું આપે છે તેવું નથી, પરંતુ અંધકાર સામે લડવાની પ્રેરણા પણ આપે છે. દીપકથી જીવનમાં એક સુખદ અનુભૂતિ થાય છે.

ગણપતિ તથા લક્ષ્મીપૂજા શા માટે કરવામાં આવે છે? આમ તો બધા જ ભગવાન શુભ પ્રદાતા છે, પરંતુ દિવાળી પર ખાસ કરીને ગણપતિની પૂજા કરવાનું માહાત્મ્ય એ છે કે ગણપતિ પ્રથમ પૂજ્ય હોવાની સાથેસાથે રિદ્ધિસિદ્ધિ અને શુભ-લાભના દેવતા પણ છે. ગણપતિ પધારતાં જ બધાં સુખ આપોઆપ આવે છે. લક્ષ્મીજીની કૃપાથી ધનનું સુખ પ્રાપ્ત થાય છે. દીપાવલીના દિવસોમાં લક્ષ્મીજીના પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આખરે દુનિયાનું દરેક સુખ લક્ષ્મીજીની સાથે જ જોડાયેલું છે. લક્ષ્મીજીનાં અનેક રૂપ છે. ધન-ધાન્યનાં દેવી, સંસારનાં પાલનહારી, સદૈવ ભગવાન વિષ્ણુની નિકટ નિવાસ કરનારાં દેવી મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુનાં અર્ધાંગિની પણ છે. તેમને બધાં જ સુખો અને ઐશ્વર્યોનાં સ્વામિની પણ માનવામાં આવે છે. દીપાવલીની રાત્રે ધૂમધામ પછી વ્યાપક વિધિ-વિધાન દ્વારા સૌ પ્રથમ વિનાયક ગણપતિનું પૂજન થાય છે અને તેની સાથે સાથે જ લક્ષ્મી અને સરસ્વતીની પૂજાનું પણ વિધાન છે. લક્ષ્મીજીનું બીજું નામ સ્ત્રી પણ છે. જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી, ઝઘડા અને કલહ છે તે ઘરમાં લક્ષ્મીજી રહેવાનું પસંદ કરતાં નથી. અહીં પતિ-પત્નીના ઝઘડા, સાસુ-વહુના ઝઘડા, નણંદ-ભોજાઈના ઝઘડાઓ બધું જ અભિપ્રેત છે. દીપાવલી પહેલાં આ કલહ દૂર કરવો જરૂરી છે. જ્યાં ભ્રૂણહત્યા થાય છે ત્યાં લક્ષ્મીજીનો જ અનાદર છે. બહેનનું અપમાન તે પણ લક્ષ્મીજીનું જ અપમાન છે.

માર્કન્ડેય પુરાણમાં સમસ્ત સૃષ્ટિની મૂળભૂત આધારશક્તિ મહાલક્ષ્મીને માનવામાં આવ્યાં છે. આધારશક્તિ એટલા માટે કે એમને સત્ત્વ, રજ અને તમો એ ત્રણેય ગુણોનાં મૂળ માનવામાં આવ્યાં છે. લક્ષ્મીજી વિષ્ણુપ્રિયા પણ છે. જે ઘરમાં નારાયણની પૂજા થતી નથી તે ઘરમાં લક્ષ્મીજી રહેતાં નથી. ભગવાન નારાયણને લક્ષ્મીજી વગર ફાવે છે, પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ફાવતું નથી. લક્ષ્મીજીને મહેલોમાં કે તિજોરીઓમાં કેદ કરનારાં પણ ચોર અને લુંટારુંઓ જ છે. સમાજે તમને કંઈ આપ્યું હોય તો તે સમાજને પાછું આપવું તે લક્ષ્મીજીનેે પસંદ છે. લક્ષ્મીજીનો સંગ્રહ કરવો અને તેનો સદુપયોગ ન કરવો એ કામ અભાગિયાઓ જ કરે છે.

લક્ષ્મીજીના આકાંક્ષી આપણે જ ઘણી વાર ભૂલી જઈએ છીએ કે જે લક્ષ્મીથી તમે ભવ્ય બંગલા અને આલીશાન આશિયાના બનાવો છો તે લક્ષ્મી ખુદ કદી ભૌતિક ચીજો પાછળ નહીં, પરંતુ ભગવાન વિષ્ણુની પાછળ દોડે છે. ક્ષીરસાગરમાં બિલકુલ શાંત ચિત્તે સૂતેલા ભગવાન વિષ્ણુ જ સમૃદ્ધિનું અસલ પ્રતીક છે. જો તમારી પાસે લક્ષ્મી ને વૈભવ છે તો તમે શ્રેષ્ઠ દાતા બનો. તમારી પાસે કોઈ સુખ સમૃદ્ધિ છે તો તેને વહેંચો. દરરોજ એક અજાણી વ્યક્તિના ચહેરા પર ખુશી લાવો, તમારી ભીતરની સમૃદ્ધિ ઔર વધશે.

યાદ રહે કે સમુદ્રમંથન દરમિયાન પ્રાપ્ત થયેલાં ૧૪ રત્નો પૈકી એક વિશિષ્ટ રત્ન છે – ‘લક્ષ્મી’. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી, તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવંદના, શુભા અને ક્ષમાદાયી છે. ભગવાન વિષ્ણુએ આ અનુપમાનો પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો. આ પ્રકાશમયી દેવી અમાવસ્યાની રાત્રિના અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરતી સમુદ્રમાંથી પ્રગટ થઈ હતી અને સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય બનાવ્યું હતું. આ કાળી અમાવસ્યાને આ કારણથી જ આપણે પ્રતિવર્ષ દીવડાંઓ પ્રગટાવી લક્ષ્મીજીનું સ્વાગત અને પૂજન કરીએ છીએ. કહેવાય છે કે સાત્ત્વિક ધન હોય તે જ લાંબું ટકે છે. જે દાન કરે છે તેનું ધન ટકે પણ છે અને વધે પણ છે. જે લોકો ખોટાં કૃત્યો કરી, દગો-ફટકો કરી, છેતરપિંડી કરી, અનૈતિક રીતરસમો અપનાવી ધન કમાય છે તેને તામસી ધન કહે છે. એવા પરિવારો પાસે ધન હોય તો પણ ઘરમાં ઝઘડા અને ક્લેશ વધે છે, પરિવાર તૂટે છે.

આમ, લક્ષ્મીપૂજન ઉપરાંત દીપાવલીના દિવસે આંખમાં કાજળ કરવાની પણ પરંપરા છે. ધાતુના પાત્રની પાછળ ઘી લગાડી તેને દીવા પર રાખી તેની પર વળતી કાળી મેશથી આંખ આંજવાની પણ એક પરંપરા છે. આ પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવે છે. ભગવાન શ્રીરામ વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા આવ્યા ત્યારે માતા કૌશલ્યાએ પુત્ર શ્રીરામની આંખમાં કાજળ આંજ્યું હતું. માન્યતા એવી છે કે દીપાવલીની રાતે આંખમાં કાજળ આંજવાથી આખું વર્ષ કોઈની બૂરી નજર લાગતી નથી. એ ઉપરાંત આંખની રોશની પણ વધે છે.

દીપાવલીના દિવસોમાં રંગોળીનું પણ એક મહત્ત્વ છે. ઘરના પ્રવેશદ્વાર પાસે રંગોળી દ્વારા લક્ષ્મીજીનાં ચરણ બનાવવાનું પ્રાવધાન છે. તેમાં લાલ, ગુલાબી, પીળો, લીલો અને સફેદ રંગ વપરાય છે. આ બધા જ રંગ સકારાત્મક ઊર્જા લાવે છે તેમાં વાદળી, કાળો, અને રાખોડી રંગ વપરાતો નથી, કારણ કે આ રંગો નકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે રંગોળી એ ખુશી અને ઉત્સવનું પ્રતીક છે.

દિવાળીના તહેવારોમાં આતશબાજી એટલે કે ફટાકડા ફોડવાનું પણ એક માહાત્મ્ય છે. આમ તો ભગવાન શ્રીરામના શુભ આગમન પર અયોધ્યાવાસીઓએ હજારો દીવડાં પ્રગટાવી ફટાકડા ફોડી પોતાની અપ્રતીમ ખુશી વ્યક્ત કરી હતી. રામાયણમાં પણ તેનું વર્ણન છે. એ દિવસની યાદમાં હજારો વર્ષ બાદ આજે પણ ભારતવર્ષમાં આતશબાજી કરવામાં આવે છે. વૈજ્ઞાાનિક રીતે જોઈએ તો ફટાકડાથી ઉત્સાહ વધે છે. રંગીન આતશબાજીથી મનની નિરાશા દૂર થાય છે અને પ્રસન્નતા વધે છે. વીતેલા ચોમાસાના કારણે વાતાવરણમાં રહેલાં જીવજંતુનો નાશ થાય છે. અલબત્ત, ફટાકડા વિવેકસર ફોડવામાં ન આવે તો પ્રદૂષણ પણ વધે છે.

ચાલો, આવતીકાલથી દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે ફરી એક વાર લક્ષ્મીજીનું પૂજન કરવાની સાથે સાથે આપણી વિચારધારા પણ બદલીએ. ધનલક્ષ્મીનો મતલબ એ દેવી નથી જે માત્ર ધન આપે છે. લક્ષ્મીનો મતલબ માત્ર સંપત્તિ જ ન કરીએ. લક્ષ્મીજીને વ્યાપક અર્થમાં સમજીએ. લક્ષ્મી એટલે લક્ષ્ય સિદ્ધ કરવાવાળાં દેવી. તમે સારા શિક્ષક છો તો પણ તમારી પર લક્ષ્મીની કૃપા છે તેમ સમજીએ. તમે સારા વિજ્ઞાાની, ડોક્ટર, અધ્યાપક, ધારાશાસ્ત્રી કે સારા રાજનેતા છો તો પણ તમારું લક્ષ્ય સિદ્ધ થયું છે અને વશિષ્ઠ, વાલ્મીકિ, તુલસીદાસ, વેદવ્યાસ, નારદ, સુદામા, અર્જુન, વિદુરજી કે સાંદિપની બનીને પણ જે તે ક્ષેત્રની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને સમૃદ્ધ બની શકાય છે. એ જ સાચી લક્ષ્મી છે. મનનો અંધકાર દૂર કરવો તે જ સાચી સમૃદ્ધિ છે. તે જ સાચી દીપાવલી છે. શુભ દીપાવલી.

લક્ષ્મીજીની તમારી પર કૃપા છે એમ સમજો. લક્ષ્મીને ભૌતિક સંપત્તિ સમજવાના બદલે આધ્યાત્મિક, સામાજિક, નૈતિક, જ્ઞાાન અને વૈરાગ્યની સંપત્તિ પણ સમજવી તે શ્રેષ્ઠ વિચારધારા છે. તમે શ્રેષ્ઠ જ્ઞાાની છો તો પણ તમે સમૃદ્ધ છો અને તમે શ્રેષ્ઠ સાધુ છો તો પણ સમૃદ્ધ છો તેમ સમજો. આ પૃથ્વી પર બધા જ કુબેરભંડારી થઈ શકે નહીં.

www. devendrapatel.in

મારી રાણીને ધર્માત્મા જેવા મહાન પુત્રો પેદા કરી આપો (કભી કભી)

આ એક અત્યંત પ્રાચીન કથા છે.

એ સમયમાં ઉતથ્ય નામના એક ઋષિ હતા. તેમની પત્નીનું નામ મમતા હતું. તે અત્યંત રૂપવતી હતી. મમતા ચાલતી તો આશ્રમમાં તેની સુગંધ પ્રસરી જતી. મમતાનું રૂપ જોઈ તેના પતિના નાના ભાઈ મહાતેજસ્વી બૃહસ્પતિ મોહિત થઈ ગયા. બૃહસ્પતિ દેવતાઓના પણ પુરોહિત હતા. બૃહસ્પતિએ સ્વરૂપવાન ભાભી મમતાના રૂપની પ્રશંસા કરી તેની સાથે કામક્રીડા કરવાની ઈચ્છા પ્રગટ કરી.

એ સાંભળીને મમતાએ કોમળ સ્વરમાં કહ્યું : ”હે દેવરજી! હું તમારા મોટા ભાઈ સાથેના સહવાસથી હાલ ગર્ભવતી છું. મારા ગર્ભમાં ઊછરતું સંતાન મહાતેજસ્વી છે. એણે ઉદરમાં જ વેદનો અભ્યાસ કરી લીધેલો છે. તેથી મારી પ્રાર્થના છે કે તેને એક વાર જન્મ લઈ લેવા દો.”

પરંતુ બૃહસ્પતિ કામુક થઈ ગયા હતા. તેઓ પ્રતીક્ષા કરવા તૈયાર નહોતા. બૃહસ્પતિ તેમની ઈચ્છામાં અડગ રહ્યા ત્યારે ઉદરમાં રહેલા બાળકે ગર્ભમાંથી જ કહ્યું: ” હે પૂજ્યવર! અત્યારે ગર્ભમાં એટલું સ્થાન નથી કે એક બીજું બાળક ઊછળી શકે. આપ ઈચ્છા છોડી દો અને મને પણ હાનિ કરવાનું કામ ના કરો.”

ઉદરમાં રહેલા બાળકની વાત દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ સાંભળી, પરંતુ કામોન્માદના કારણે અંધ થઈ ગયા હતા. તેમણે તેમની ભાભી મમતા સાથે રમણ કર્યું. પરંતુ મમતાના ઉદરમાં રહેલા બાળકે બૃહસ્પતિના જીવન સત્વને ધકેલી દીધું. આ વાત પર ક્રોધીત થયેલા દેવોના પુરોહિત બૃહસ્પતિએ ઉતથ્ય ઋષિના જન્મનાર બાળકને શ્રાપ આપ્યોઃ ”હે મૂઢ બાળક! તારા આ વ્યવહારના કારણે તું દીર્ઘતમા અર્થાત્ અંધ જ પેદા થઈશ.”

જ્યારે મમતાએ જન્મ આપ્યો ત્યારે બાળક જન્મથી જ આંધળો પેદા થયો. એનું નામ દીર્ઘતમા પાડવામાં આવ્યું. દીર્ઘતમા પ્રચંડ વિદ્વાન હતો. એણે પોતાની વિદ્યાની તાકાત ઉપર પ્રદ્વેષી નામની એક સુંદર બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કર્યું. પ્રદ્વેષીના ગર્ભથી ગૌતમ આદિ કેટલાયે પુત્રો પેદા થયા. એ જમાનામાં ભારતમાં કેટલીક આશ્ચર્યજનક વિદ્યાઓ ઉપલબ્ધ હતી. તેમની એક વિદ્યા હતી ગોધર્મ અર્થાત દૃષ્ટિપાત દ્વારા સંતાનો પેદા કરવા. એટલે કે દૃષ્ટિમાત્રથી બાળકો પેદા કરવા. પંડિત દીર્ઘતમાએ સુરભિના પુત્ર પાસેથી આ વિદ્યા શીખી લીધી અને તે વિદ્યાને અમલમાં મૂકી કુળવૃદ્ધિ કરવા માંડી. બીજા ઋષિઓને પંડિત દીર્ઘતમાનું આ આચરણ ગમ્યું નહીં. તેમને લાગ્યું કે દીર્ઘતમા સમાજની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. ઋષિઓએ દીર્ઘતમાને નિર્લજ્જ લેખી ત્યજી દીધો.

દીર્ઘતમાને કેટલાયે પુત્રો હતા, પરંતુ તે નિર્ધન હતા. સંતાનોને ખવરાવવા તેની પાસે ધાન્ય નહોતું. આ વિષયમાં તેની પત્ની પ્રદ્વેષી હંમેશા તેનાથી નારાજ અને દુઃખી રહેતી. એક દિવસ દીર્ઘતમાએ તેની પત્નીને પૂછયું: ”તું મારા પર આટલી બધી નારાજ કેમ રહે છે?”

પ્રદ્વેષીએ કહ્યું: ”હે સ્વામી! સમાજનો નિયમ છે કે પતિ જ પરિવારનું ભરણપોષણ કરે, તેથી તે ભર્તા કહેવાય છે. પરંતુ આપ તો અંધ છો અને બાળકો પેદા જ કરે જાવ છો. ભરણપોષણ કરવાની જવાબદારી તમારી છે, પરંતુ તમે અંધ હોવાથી મારે જ બધાના ભરણપોષણની જવાબદારી ઉપાડવી પડે છે. હું બાળકોને ઉછેરું છું, ને તમે તો સાવ નિશ્ચિત છો.”

પત્નીની આ વાત સાંભળી દીર્ઘતમાનો ક્રોધ ચઢયો. એમણે કહ્યું: ”હે મૂઢ સ્ત્રી! તને કેટલું ધન જોઈએ છે? ચાલ, હું તને કોઈ એક ક્ષત્રિય રાજા પાસે લઈ જાઉં છું અને તારી ધનની ઈચ્છા પૂર્ણ કરી દઉં.”

પંડિત દીર્ઘતમાની ક્રોધભરી વાણી સાંભળીને પ્રદ્વેષીએ પણ રોષભર્યા સ્વરમાં કહ્યું: ”હે વિપ્ર! એ રીતે તમારા દ્વારા મળેલું ધન કષ્ટદાયક જ હશે. મને તેની જરૂર નથી. પણ હવે એક વાત સાંભળી લો કે, હવે હું તમારું ભરણપોષણ નહીં કરું. હું મારા અને પુત્રોના સુખ માટે બીજો ભર્તા કરી લઈશ.”

પત્નીની બીજા પુરુષ સાથે ભરણપોષણ માટે લગ્ન કરી લેવાની વાત સાંભળી પંડિત દીર્ઘતમા વ્યાકુળ થઈ ગયો કે હું જ અસમર્થ છું. માટે મારી પત્ની મને છોડીને જઈ રહી છે. હું એને સુખ આપી શક્તો નથી તો તેની પર મારો અધિકાર રહેતો નથી.”

આટલું મનોમંથન કર્યા બાદ દીર્ઘતમા બોલ્યોઃ ”થોભી જા, પ્રદ્વેષી. તું બીજા પુરુષને પતિ બનાવવાનો વિચાર છોડી દે. હું આજથી જ સંસારમાં સ્થાપિત કરું છું કે, પત્ની મૃત્યુ પર્યંત તેના પતિને જ આધિન રહેશે. પતિ મૃત્યુ પામે તે પછી કે તે પહેલાં કદીયે સ્ત્રી બીજા પુરુષનો પતિ તરીકે સ્વીકાર કરી શકશે નહીં. જે સ્ત્રી આ મર્યાદાનું ઉલ્લંઘન કરશે તે પતિતા કહેવાશે. પતિહીન સ્ત્રીનું જીવન હર પળ પાપથી ભરેલું હશે. આવી પતિતાઓ હંમેશા અપયશ અને નિંદાને જ પ્રાપ્ત કરશે.”

પંડિત દીર્ઘતમા બોલતા જ રહ્યા અને પ્રદ્વેષીનો ક્રોધ આસમાને ચઢતો રહ્યો. તેણે વિચાર્યું કે, એક તો મારો પતિ અમારું ભરણપોષણ કરતો નથી અને મને બીજો પતિ કરવાની ઈચ્છાના કારણે પતિતા કહે છે. એણે પતિની પત્ની માટેના સદાચારની વ્યાખ્યાને ફગાવી દેતાં ક્રોધ કરી પોતાના પુત્રોને આજ્ઞાા કરીઃ ”તમારા પિતાને ગંગાના પ્રવાહમાં ફેંકી દો.”

ગૌતમ અને બીજા પુત્રોએ માતાની આજ્ઞાાનું પાલન કરતા અંધ પિતા દીર્ઘતમાને ગંગામાં ફેંકી દીધા. દીર્ઘતમા ગંગાના ધસમસતા પ્રવાહમાં તણાતા-તણાતા દૂર દૂર પહોંચી ગયા. ખૂબ જ દૂર નદીના કિનારે બલિ નામના ર્ધાિમક રાજા સ્નાન કરી રહ્યા હતા. તેમણે જોયું તો ગંગાના પ્રવાહમાં કોઈક તણાતું આવે છે. બલિ રાજાએ નદીમાં તણાઈ રહેલા અંધ દીર્ઘતમાને બહાર કાઢયા. તે પછી તેઓ દીર્ઘતમાને પોતાના મહેલમાં લઈ ગયા. બલિ રાજાએ પરિચય પૂછયો. તેમને જ્યારે ખબર પડી કે આ તો પ્રકાંડ વિદ્વાન દીર્ઘતમા છે એટલે બલિ રાજાએ બે હાથ જોડી પ્રાર્થના કરીઃ ” હે મહાત્મા! આપ તો ધર્મને જાણવાવાળા મેધાવી વિદ્વાન છો. આપ અનેક રહસ્યમય વિદ્યાઓના જાણકાર છો. મારી ઈચ્છા છે કે, આપ મારી રાણીઓને કેટલાક ધર્માત્મા જેવા પુત્રો પેદા કરી આપો.”

દીર્ઘતમાનું જીવન બલિરાજાએ બચાવ્યું હતું, તેથી તેઓ ઈન્કાર કરી શક્યા નહીં. તેમણે સંમતિ આપી. તે પછી બલિ તેમના પત્ની સુદેષ્ણા પાસે ગયા અને વિદ્વાન દીર્ઘતમાથી ર્ધાિમક પુત્ર પેદા કરવામાં સહયોગ કરવાની વાત કરી. એ વખતે રાણી સુદેષ્ણાએ રાજાની ઈચ્છા સ્વીકારી લીધી. રાત્રીના સમયે દીર્ઘતમા રાણી સુદેષ્ણા પાસે ગયા. વૃદ્ધ અને અંધ દીર્ઘતમાને જોઈ રાણી સુદેષ્ણાને દીર્ઘતમા માટે ઘૃણા પેદા થઈ. તેઓ દીર્ઘતમાથી દૂર ચાલ્યા ગયા અને પોતાના બદલે એક દાસીને દીર્ઘતમા પાસે મોકલી આપી. દીર્ઘતમાથી દાસી ગર્ભવતી થઈ. એના ગર્ભથી દાસીને કાક્ષીવાન વગેરે અગિયાર વેદપાઠી પુત્રો પેદા થયા.

આ બધા જ પુત્રો મોટા થયા ત્યારે રાજા બલિએ કુતૂહલવશ થઈ દીર્ઘતમાને પૂછયું: ”હે મહાત્મા! શું અગિયાર બાળકો મારા પુત્રો જ છે ?”

દીર્ઘતમાએ કહ્યું : ”નહીં રાજન! આ મારાથી તમારી દાસીના ઉદરમાંથી પેદા થયેલા પુત્રો છે. તમારી રાણીએ મારો અસ્વીકાર કરીને દાસીને મારી પાસે મોકલી આપી હતી. વસ્તુતઃ એ તમારા નહીં પરંતુ મારા જ પુત્રો છે.”

આ વાત સાંભળીને રાજા બલિને બહુ જ દુઃખ થયું. તેઓ ફરી રાણી સુદેષ્ણા પાસે ગયા, અને વિદ્વાન દીર્ઘતમાથી પુત્રો પેદા કરવા રાણીને રાજી કરી લીધાં. ફરી એક વાર રાણી સુદેષ્ણા એકાંતમાં દીર્ઘતમા પાસે ગયાં. દીર્ઘતમાએ રાણી સુદેષ્ણાને માત્ર સ્પર્શ કરીને કહ્યું: ”હૈ સુંદરી! હવે તમને તમારા ઉદરથી અંગ, વંગ, કલિંગ, પૌંણ્ડ્ર અને સુહ્ય નામના પાંચ તેજસ્વી પુત્રો થશે. તેઓ સૂર્યસમાન હશે. તે પાંચેય પુત્રો તેમના નામથી એકએક રાજ્ય પેદા કરશે.”

અને રાણી સુદેષ્ણાએ પાંચ પુત્રોને જન્મ આપ્યો. તેઓ અંગ, વંગ, કલિંગ, પૌંણ્ડ્ર અને સુહ્યના નામે પ્રસિદ્ધ થયા અને પ્રાચીન ભારતમાં તેમના જ નામે વિવિધ દેશો અસ્તિત્વમાં આવ્યા.

મહાભારત અને બીજા પ્રાચીન ગ્રંથોમાં આ બધા રાજ્યોના નામનો ઉલ્લેખ આવે છે. યાદ રહે કે આ અત્યંત પ્રાચીન ભારતની કહાણી છે અને હજારો વર્ષ પૂર્વે ભારતમાં આવી વિચિત્ર પ્રણાલિકાઓ પણ અસ્તિત્વમાં હતી.પ્રાચીન ભારતના નીતિશાસ્ત્રની ભારતીય પૂરાણોમાં ઉપલબ્ધ આ એક કલાસિક કથા છે.

– દેવેન્દ્ર પટેલ
Share This

Erstellt von königl, 29 september 2013 im forum allgemeine fragen zum studium beitrag abidurchschnitte ich hab einen ghostwriter bachelor schnitt von 2,2 und gehöre auch zu den leuten, die nicht wirklich viel gelernt haben.

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén