લંડનથી આવેલી એક આકર્ષક યુવતી અત્યંત સુંદર ગુજરાતી અને વચ્ચે વચ્ચે અસ્ખલિત અંગ્રેજીમાં વાત શરૂ કરે છે.
તે કહે છેઃ ‘હું બ્રિટિશ નાગરિક છું. મારી મા ગુજરાતી છે. પિતા પંજાબી છે. હું લંડનમાં જ જન્મી છું. અમે વેમ્બલીમાં રહીએ છીએ. હું ગુજરાતી, હિંદી, પંજાબી અને અંગ્રેજી એમ ચાર ભાષાઓ જાણું છું. મારી ઉંમર ૨૬ વર્ષની છે. હું લંડનમાં જ ભણી છું. હું સ્કૂલના અંતિમ વર્ષોમાં હતી ત્યારે નિશાંત નામનો છોકરો મને ગમતો હતો. તે બહુ ઓછું બોલતો. મને તેના માટે લગાવ હતો, પરંતુ કોલેજમાં ગયા બાદ હું અને નિશાંત અલગ થઈ ગયા. તે ક્યાં ભણવા ગયો તેની મને ખબર નહોતી.’ અત્યંત માઈલ્ડ પરફ્યૂમનો મઘમઘાટ ધરાવતી કંગના આગળ ઉમેરે છેઃ ‘સર, એક વાત કહું? મારું અસલી નામ તો બીજું છે પણ નિશાંત ગમે તે કારણસર મને કંગના કહી ક્યારેક બોલાવતો હતો. એ નામથી આજ સુધી મને હજુ કોઈએ બોલાવી નથી. થોડાક જ સમયમાં બધંુ જ ભુલાઈ ગયું. મને માર્કસ એન્ડ સ્પેન્સરમાં એક સારી એક્ઝિક્યુટિવ જોબ મળી. ખૂબ સારો પગાર હતો. એ કંપનીમાં મારી સાથે જ કનિષ્ક નામનો એક અત્યંત રૂપાળો પંજાબી યુવાન પણ જોબ કરતો હતો. મારા ડેડ પણ પંજાબી હોઈ મને પંજાબી યુવાન તરફ આકર્ષણ થયું. કનિષ્કનું વ્યક્તિત્વ ગજબનું હતું. કોઈ પણ યુવતીને ગમી જાય તેવું તેનું શરીર સૌષ્ઠવ હતું. લુકમાં જ તે સેક્સી લાગતો હતો.
જરાયે ક્ષોભ અનુભવ્યા વગર કંગના વાત કરતી હતી. એ બોલીઃ ”મને પણ કનિષ્ક ગમવા લાગ્યો. અમે ડેટિંગ કરવા લાગ્યા. તે બિયરનો શોખીન હતો. બારમાં આવતી છોકરીઓ તેને જોઈ રહેતી. એ પણ છોકરીઓને જોઈ રહેતો, હું તેેને કહેતીઃ ”કની, એ છોકરીઓે કરતાં હું વધુ રૂપાળી છું. એમની સામે જોવાના બદલે મારી સામે જો.” અને તે હસી પડતો.
સમય વહેતા અમારો પ્રેમ પ્રગાઢ બન્યો. લગ્ન પહેલાં પણ અમે એકબીજાની વધુ નજીક આવ્યા. મોમ અને ડેડની સંમતિથી અમે લગ્ન કરી લીધા. લગ્ન પછી અમે હનીમૂન માટે પેરિસ ગયા. મારી મમ્મી અમદાવાદની છે એટલે લગ્નના બીજા જ વર્ષે અમે અમદાવાદ પણ આવ્યા. મને ખબર હતી કે કનિષ્કને પહેલેથી જ સ્વરૂપવાન છોકરીઓ બહુ ગમતી. મને હતું કે મારી સાથે લગ્ન કર્યા બાદ તેનું અન્ય સ્ત્રીઓ પ્રત્યેનું આકર્ષણ ઘટી જશે.તમે જોઈ શકો છો આઈ એમ બ્યુટીફૂલ ટુ. મારી હાજરીમાં અન્ય યુવતીઓ સાથે તે વધુ છૂટછાટ લેતો. તેમના શરીરના અંગોના વખાણ કરતો. મારે એક વાર તેને કહેવું પડેલું: ”કની, યુ આર મેરીડ નાઉ.”
અમારી વચ્ચે વાદ-વિવાદ થતો. દલીલો થતી. તે કહેતોઃ ‘ઈટસ ટ્રુ ઘેટ યુ આર માય વાઈફ બટ ધે આર માય ફ્રેન્ડસ એઝ વેલ. શું કોઈ પુરુષને સ્ત્રી-મિત્ર ના હોઈ શકે?’
ફરી ઉગ્ર દલીલો થતી, શરૂમાં મને મારા હેન્ડસમ હસબન્ડ માટે ગૌરવ થતું. બીજી છોકરીઓ તેની સામે જોઈ રહેતે જોઈને હું ગર્વ અનુભવતી કે અનેક છોકરીઓને પસંદ છે એવો કનિષ્ક મારો હસબન્ડ છે, પરંતુ હવે મને ચિંતા થવા લાગી કે કોઈ મારા હસબન્ડને પડાવી જશે તો ?”
અને મારી ચિંતા સાચી પડી. એક દિવસ કનિષ્ક બાથરૂમમાં હતો. રાતનો સમય હતો. મારા હસબન્ડના મોબાઈલ ફોનની રિંગ વાગી. એક વાર વાગી, બે વાર વાગી, ત્રણ વાર સતત ફોન આવતા રહ્યા. મને લાગ્યું કે મારે જવાબ આપવો જોઈએ કે કનિષ્ક બાથરૂમમાં છે. મેં ફોન ઉપાડયો. સામેથી છોકરી બોલી રહી હતીઃ ‘યુ સ્ટુપીડ, ફોન કેમ નથી ઉપાડતો? કેમ આજે મને મળ્યો નહીં? મેં તને કહ્યું તો હતું કે, આજે મારા મમ્મી-પપ્પા માન્ચેસ્ટર ગયા છે. ઘેર હું એકલી છું… આઈ એમ વેઈટિંગ ફોર યુ.’
હું એ વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. એ છોકરીને ખબર જ નહોતી કે, મારા હસબન્ડનો ફોન મેં ઉપાડયો હતો. મેં હિંમતથી પૂછયું:”હુ આર યુ?”
– અને મારો અવાજ સાંભળી ‘ટુ હેલ વીથ યુ’ કહી એણે ફોન કાપી નાખ્યો. મને લાગ્યું કે એ છોકરી પીધેલી હતી. કનિષ્ક બાથરૂમમાંથી બહાર આવ્યા. એમણે મારો લાલઘૂમ ચહેરો જોયો. એમણે પૂછયું: ”શું થયું?”
મેં કહ્યું: ”સમ બડી ઈસ વેઈટિંગ ફોર યુ.’ ફરી સખ્ત ઝઘડો થયો. એમણે કહ્યું: ‘ર્ડાિંલગ, હું એ છોકરીને જાણતો નથી. કોઈ મને રાતના સમયે ફોન કરે તો હું શું કરું?’ હું જાણતી હતી કે તેઓ જુઠ્ઠુ બોલે છે. એ રાત્રે હું પડખું ફેરવીને સૂઈ ગઈ. તેમણે મને મનાવવા ઘણી કોશિશ કરી. પણ હું હર્ટ થઈ હતી. મને હતું કે લગ્ન બાદ મારો હસબન્ડ સુધરી જશે પણ તેમ થયું નહીં. બીજા દિવસે સવારે કનિષ્કે ખૂબ જ નમ્રતાથી મારી માફી માગી. તેઓ બોલ્યા, ”ર્ડાિંલગ, હવે ફરીથી હું આવી ભૂલ નહીં કરું. હવે હું આ બધું બંધ કરી દઈશ. હું કસમ ખાઉં છું. આટલી વખત તું મને માફ કરી દે. આઈ લવ યુ. તારા વગર હું મારી જિંદગીની કલ્પના પણ કરી શકતો નથી.” મેં કનિષ્ક પર વિશ્વાસ મૂક્યો. મેં તેના ચહેરા પર ભારોભાર દુઃખ અને પસ્તાવાની લકીરો જોઈ અને મારો હસબન્ડ આમેય મને બહુ જ ગમતો હતો. તે સ્વીટ હતો. મેં એને માફ કરી દીધો અને પછી અમે ફરી એકવાર રોમ ગયા. થોડા દિવસ રહી અમે નવી તાજગી લઈ પાછા આવ્યા. ફરી જીવન રાબેતા મુજબનું થઈ ગયું.
કંગના થોડીવાર થોભે છે. એક લાંબો શ્વાસ લઈ પાણી મંગાવે છે. પાણી પી લીધા બાદ તે કહે છેઃ ‘ આ વાતને એક વર્ષ વીત્યું. એક દિવસ કનિષ્ક એરપોર્ટ પર એક મિત્રને લેવા હિથરો ગયા હતા. તેઓ તેમનો મોબાઈલ ફોન ઘેર ભૂલી ગયા હતા. કોણ જાણે કેમ પણ મને તેમનો મોબાઈલ ફોન ચેક કરવાનું મન થયું. મેં મેસેજ બોક્સમાં જઈ જોયું તો ૧૦ વધુ મેસેજિસ જુદી જુદી છોકરીઓના હતા. દરેક મેસેજિસમાં સેક્સની વાતો હતી. ક્યાંક મળ્યાની વાત હતી. ક્યાંક કોઈ છોકરીએ ‘થેંકસ ફોર એવરીથિંગ’લખ્યું હતું. ક્યાંક ના મળ્યા બદલે ઠપકો હતો. મને લાગ્યું કે મારો હસબન્ડ ‘હસબન્ડ’ નહીં પરંતુ ‘પ્લે બોય’ છે. મને અત્યંત ક્રોધ થયો. મારો ગુસ્સો હવે બેકાબૂ હતો. મારા હસબન્ડ સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગયો હતો. એણે માફી માંગ્યા બાદ પણ મારી સાથે દગો કર્યો હતો. આજે તે એરપોર્ટથી આવે તે પછી મોટો ઝઘડો થવાનો હતો. હું તેને આજે કહી દેવાની હતી કે, ‘આપણે ડિવોર્સ લઈ લઈએ.’
થોડીક ક્ષણો સુધી હું આંખો બંધ કરી પડી રહી. અચાનક મને બીજો વિચાર આવ્યો મારે એનો બદલો એની જ રીતે લેવો જોઈએ. એણે મારી સાથે દગો કર્યો છે, મેં એની સાથે દગો કરવા વિચાર્યું. એણે મારી સાથે બેવફાઈ કરી હતી. મેં એની સાથે બેવફાઈ કરવા વિચાર્યું. મને એમ જ કરવું યોગ્ય લાગ્યું. રાત્રે તે ઘેર આવ્યો. મેં એને કાંઈ જ ના કહ્યું. તેની સાથે તેનો એક ફ્રેન્ડ અમારો ગેસ્ટ હતો. જાણે કાંઈ જ નથી બન્યું એવો સુંદર વ્યવહાર મેં એની સાથે દાખવ્યો. એણે મને પૂછયું: ‘હું મોબાઈલ ઘેર ભૂલી ગયો હતો. કોઈનો ફોન હતો?”
મેં કહ્યું : ‘ના… મને તો ખબર જ નથી કે તમે સેલફોન ઘેર ભૂલી ગયા છો.’ એણે હાશ અનુભવી. એના મિત્ર સાથે ડ્રિંકસ લઈ જમીને એ સૂઈ ગયો પરંતુ હું જાગતી હતી. મેં એક નિર્ણય લઈ લીધો હતો. મેં મારા માટે બીજો યોગ્ય યુવાન શોધી કાઢવા દિમાગ કામે લગાવ્યું. અચાનક જ ઝબકારો થયો. નિશાંત મને યાદ આવી ગયો કે જે મારી સાથે સ્કૂલમાં ભણતો હતો અને મને બહુ જ ગમતો હતો.
બીજા જ દિવસે ફોન ડિરેક્ટરીમાંથી મેં નિશાંતનો ફોન નંબર શોધી કાઢયો. મારા હસબન્ડની ગેરહાજરીમાં મેં નિશાંતને ફોન કર્યો. હા, આ એ જ નિશાંત હતો જે મારો સ્કૂલ ફ્રેન્ડ હતો. હું નિશાંતને મળી તે પણ સારું કમાતો હતો. તે હજુ અપરિણીત હતો. હું જ તેેને બારમાં લઈ ગઈ. ડ્રીંક્સ પછી મેં એને કહ્યું: ‘નિશાંત, આઈ લવ યુ.’
તે હજુ સરસ લાગતો હતો. મેં એની સાવ નજીક જવાનો મોકો શોધી કાઢયો. તે એકલો જ રહેતો હતો. મારા હસબન્ડ સાથે બદલો લેવા મેં નિશાંત સાથે સંબંધ બાંધવાનું નક્કી કર્યું. હું તેના બેડરૂમ સુધી પહોંચી ગઈ.
એક જબરદસ્ત આંધી આવી અને શમી ગઈ. હું ઘેર આવી. બીજા દિવસે સવારે ડ્રીંક્સનો નશો ઊતરી ગયો. હું એક બોજ અનુભવવા માંડી. એ ઘટના પછી મારા મનને શાંતિ પ્રાપ્ત થવાના બદલે મને સાવ ઊંધી લાગણી થઈ. હું વધુ તનાવમાં આવી ગઈ. મને મારું એ કૃત્ય બહુ જ ખરાબ લાગ્યું. મને મારું આત્મસન્માન ઘવાયું હોય તેમ લાગ્યું. મેં મારું પરિણીત સ્ટેટસ ગુમાવ્યું હોય તેમ લાગ્યું. ‘આઈ ફેલ્ટ આઈ હેવ લોસ્ટ માય સેલ્ફ રિસ્પેક્ટ ઈન્સ્ટેડ ઓફ પેવિંગ હીમ બેક, આઈ ફીલ મિઝરેબલ એન્ડ ડર્ટી.’
અને કંગનાની આંખો ભીંજાઈ હતી. તેનો સ્વર ભીંજાયો હતો. તે પૂછી રહી હતીઃ ‘ એક પરિણીત સ્ત્રી તરીકેની વફાદારી અને આત્મસન્માન ગૂમાવ્યા બાદ હવે હું કેવી રીતે જીવીશ? મારે શું કરવું જોઈએે? મારે મારા હસબન્ડ આગળ મારી બેવફાઈની કબૂલાત કરી લેવી જોઈએ. અને તેમ કરી લઉં તો તે પછી મારી સાથે શું થશે? આઈ હેવ ચીટેડ હીમ. એણે મારી સાથે જે કર્યું તે કર્યું પરંતુ મેં મારા હસબન્ડ સાથે દગો કર્યો તે હું સહન કરી શકતી નથી… પ્લીઝ ટેલ મી, વ્હોટ ટુ ડુ?’
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "