Devendra Patel

Journalist and Author

Month: November 2013 (Page 1 of 2)

મને ૭૨ સ્ત્રીઓ સાથે શાદી કરવાનો આદેશ છે!

કભી કભી – દેવેન્દ્ર પટેલ
  • કાશ્મીરની ખીણમાં ધર્મના નામે ટીનએજ કન્યાઓનું શોષણ કરતો સેક્સ મેનિઆક

કાશ્મીરની ખીણમાં આવેલા બડગાંવ જિલ્લાના એક ગામની આ કહાણી છે. હજુ ગઈકાલ સુધી કાશ્મીરનાં ઉર્દૂ અખબારોમાં એક સૂફી સંતનાં વિજ્ઞાપનો પ્રગટ થતાં હતાં. જુદી જુદી જગ્યાએ તે પ્રવચનો આપતો હતો. અચાનક જ પોલીસ તેને શોધવા લાગી. કોર્ટ તરફથી પોલીસ સમન્સ લઈને તેના ઘરે આવવા લાગી હતી. તેની સામે ધર્મના નામે ગામડાંની નાની કુંવારી કન્યાઓ સાથે યૌન ઉત્પીડનનો આક્ષેપ હતો. એ કહેવાતા અને બનાવટી સંતનું નામ છે : ગુલઝાર અહેમદ પીર. તે એક જમાનામાં કાર્પેટ વણનાર અશિક્ષિત કારીગર હતો. એક દિવસ એણે પોતાની અટક બદલીને ‘સૈયદ’ અને ‘રેશી’ કરી દીધી. મુસ્લિમોમાં આ અટક અત્યંત સન્માનનીય છે. હવે તેણે પોતાની ઓળખ હઝરત સૈયદ ગુલઝાર રેશી તરીકે આપવા માંડી. તા. ૨૮મી મેના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.

મને ૭૨ સ્ત્રીઓ સાથે શાદી કરવાનો આદેશ છે!

કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં નવ જેટલી છોકરીઓએ આ સેક્સ મેનિઆકે તેમની સાથે કરેલા સેક્સ સંબંધોનું ભયંકર વર્ણન કર્યું હતું. દરેક છોકરીએ આપેલા વર્ણનમાં એક વાત સામાન્ય હતી કે, ગુલઝાર અહેમદ દરેકને એક જ વાત કરતો હતો કે, “તમારા શરીર અને આત્માની શુદ્ધિ માટે સેક્સુઅલ એક્ટિવિટી જરૂરી છે.” તે દરેક કન્યાનો હાથ પોતાના હાથમાં લઈ કહેતો કે, “હું તમારી સાથે જે કાંઈ કરૂ તે તમારે ગુપ્ત રાખવાનું છે. મને ૭૨ સ્ત્રીઓ સાથે શાદી કરવાનો ડિવાઈન આદેશ મળેલો છે.”

આશ્ચર્યની વાત એ હતી કે કે ગુલઝાર અહેમદની નોકરાણીઓ જ આ કામમાં તેને મદદ કરતી. એ ગ્રામ્ય કન્યાઓ જ્યારે તેમનું કૌમાર્ય ગુમાવતી ત્યારે એ નોકરાણીઓએ બધી છોકરીઓને અભિનંદન આપતી. ગુલઝાર અહેમદે જે સંપ્રદાય-કલ્ટ શરૂ કર્યો હતો તેમાં સેક્સના શુદ્ધિકરણ નામનો બે મહિનાનો અભ્યાસક્રમ ચલાવતો હતો અને સેક્સ સંબંધો તેમની શુદ્ધિ માટે જરૂરી છે તેમ સમજાવવામાં આવતું. છોકરીઓ અહીં કેમ આવતી તે પણ જાણવા જેવું છે. ગુલઝાર અહેમદ તેના પિતૃઓના જૂના ઘરમાં એક સ્કૂલ ચલાવતો હતો. એ સ્કૂલનું નામ ઇદ્રા-એ-નૂર-એ-એઈન સૈયદતુન નિસા ફાતિમાતુઝુહરા હતું. આ સ્કૂલમાં ટૂંકા ગાળાનો ધાર્મિક અભ્યાસક્રમ ચલાવવામાં આવતો. હકીકતમાં ગુલઝાર અહેમદ અભણ હતો અને તેને સાચા ઇસ્લામ ધર્મનું કોઈ જ જ્ઞાન નહોતું. તે વિકૃત માણસ હતો. તે જે ભણાવતો તે અભ્યાસક્રમ એણે જાતે જ નક્કી કરી નાખ્યો હતો.

ગુલઝાર અહેમદના આ ગુપ્ત કારનામાં ત્યારે જ બહાર આવ્યાં જ્યારે કેટલીક મુસ્લિમ કન્યાઓએ તેની સેક્સની માગણીનો વિરોધ કરતાં કહ્યું કે, “જે સ્ત્રી સાથે લગ્ન ના થયું હોય તે સ્ત્રી સાથે જાતીય સંબંધોની પરવાનગી ઇસ્લામ આપતો નથી.” એક મુસ્લિમ કાશ્મીરી કન્યાએ બીજી મુસ્લિમ સખીઓને કહ્યું, “આ માણસ આપણું શારીરિક શોષણ કરે છે.”

એ વખતે ગુલઝાર અહેમદ રેશી ઘણો મોટો માણસ હતો. તેના અનુયાયીઓનો એક મોટો વર્ગ હતો. તેની સામે બોલવાની કોઈની હિંમત નહોતી. તે મોટો ધર્મગુરુ હોઈ જે કોઈ બોલે તેને ચૂપ કરી દેવામાં આવતી, પરંતુ કેટલીક મુસ્લિમ છોકરીઓએ ગુલઝાર અહેમદ રેશીની હોસ્ટેલ છોડી દીધી અને તે કેટલાક ઇસ્લામના સાચા ધર્મગુરુઓ પાસે રેશીને ખુલ્લો પાડવા ગઈ. ઘણાએ મદદ કરવા ના પાડી દીધી, પરંતુ એકમાત્ર મૌલવી મોહંમદ અમીન તે કન્યાઓને મદદ કરવા સંમત થયા. મૌલવી મોહંમદ અમીન કાશ્મીરની ખીણની લંડન સ્થિત ‘ઇન્ટરનેશનલ ખાતમ-એ-નબુવત મૂવમેન્ટ’ના વડા છે. તેમણે મુસ્લિમ બાળાઓની વાત સાંભળ્યા બાદ તેમના આરોપોની ચકાસણી કરવા નિર્ણય કર્યો. એટલું જ નહીં, પરંતુ એ કન્યાઓને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા સલાહ આપી. છેવટે મૌલવીની સલાહ પ્રમાણે પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસે એ બાળાઓની તબીબી તપાસ કરાવડાવી. તબીબી તપાસમાં જણાયું કે, તે તમામ બાળાઓ તેમનું કૌમાર્ય ગુમાવી ચૂકી હતી. કોર્ટે ગુલઝાર અહેમદ રેશી સામે પહેલાં સમન્સ અને તે પછી વોરંટ કાઢયું.

ગુલઝાર અહેમદ રેશી સામે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી. જેના વડા તરીકે ડીએસપી બશીર અહેમદ દાર છે. પોલીસે ગુલઝાર અહેમદ રેશીના ઘર અને હોસ્ટેલમાં દરોડો પાડયો. પોલીસે તેના ગુપ્ત રૂમમાંથી ગાદલાં કબજે કર્યાં. એ રૂમને ‘હુજરા-એ-ખાસ’ એવું નામ આપવામાં આવ્યું હતું. આ તેનો સ્પેશિયલ બેડરૂમ હતો. એ રૂમમાં કોઈનેય પ્રવેશવા પર પ્રતિબંધ હતો. પોલીસે જોયું તો એ ખંડમાં ઉપલબ્ધ મેટ્રેસ પર કેટલાંક પ્રવાહીનાં સુકાઈ ગયેલાં ડાઘ હતાં. પોલીસે એ ગાદલું તથા કબાટમાંથી કેટલાંક કપડાં અને દવાઓ કબજે કરી. ગુલઝાર અહેમદ જે લાંબો કાશ્મીરી ઝભ્ભો-ફેરન વાપરતો હતો તેની પર તેના પુષ્કળ ડાઘ હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ગુલઝાર અહેમદ રેશીના ઘણા અનુયાયીઓ છે. પુરુષ અનુયાયીઓ તાલીબ તરીકે ઓળખાય છે. આવા સેક્સ મેનિઆકનો ભોગ બનેલી કન્યાઓએ પોલીસ સમક્ષ જણાવ્યું કે, “રાતના ૧૧ વાગ્યા પછી ગુલઝાર અહેમદ તેની આ પ્રવૃત્તિ શરૂ કરતો હતો. પહેલાં એક રૂમમાં તે ૧૧ છોકરીઓને બોલાવતો. તે પછી તેમાંથી એક છોકરીને તે પસંદ કરતો અને એની સાથે સૂઈ જતો.” ગુલઝાર અહેમદ અમને કહેતો : માલિકે તમને બધાંને મારી સાથે લગ્ન કરવા પસંદ કર્યાં ે. તમને હું સ્પર્શીશ એટલે તેથી તમે બધાં નર્કના અગ્નિથી બચી જશો. હું તમારા શરીરના જે ભાગને સ્પર્શીશ તેને નર્કનો અગ્નિ સ્પર્શશે નહીં. મારૂ શરીર નૂર (ડિવાઈન લાઈટ) છે.

જે કોઈ કુંવારી કન્યા આ સ્કૂલમાં દાખલ થાય તેને શરૂઆતમાં કાંઈક ભણાવવામાં આવતું. તે પછી ગુલઝાર અહેમદના વિશ્વાસુ માણસો એ કન્યાઓને કહેતા : “તમારે ‘બેબ’ને ખાનગીમાં મળવાનું છે.” બેબ એ ગુલઝાર અહેમદને અપાયેલી કહેવાતી સન્માનનીય પદવી હતી. તે પછી એ છોકરીઓને ખાનગીમાં ગુપ્તતાના સોગંદ લેવડાવવામાં આવતા. તે પછી તેમનો સંગમ પવિત્ર હશે તેમ સમજાવવામાં આવતું.”

ગુલઝાર અહેમદ રેશીનો ભોગ બનેલી એક મુસ્લિમ કન્યાએ પોલીસને જણાવ્યું કે, “મને એમણે એમની ખાનગી ચેમ્બરમાં બોલાવી તે પછી રાતના ત્રણ વાગ્યા સુધી મારૂ શારીરિક શોષણ કરતાં રહ્યા. તે પછી તેઓ સવારના છ વાગ્યા સુધી ઊંઘી જતા. સવારે ૯ વાગે ધાર્મિક ઉપદેશ આપતા. સાંજના ૭થી ૧૦ વાગ્યા છોકરીઓને આસપાસ બેસાડીને જ ટેલિવિઝન પર કાર્યક્રમો નિહાળતા. છોકરીઓના ખભા પર હાથ મૂકતા. પગ લાંબા કરતા. રાત્રે ૧૦ વાગ્યે હાર્મોનિયમ વગાડતા. એક કલાક સુધી સંગીત સાંભળતા.”

પોલીસ પણ આ બાળાઓનું વર્ણન સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. કાશ્મીરની પોલીસે આ બનાવટી ધર્મગુરુની ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૬ (બળાત્કાર માટેની સજા) હેઠળ ધરપકડ કરી છે. આ શખસે ૨૦૦ જેટલી કુંવારિકાઓ સાથે સેક્સ સંબંધ માણ્યો હોવાનું પોલીસ માની રહી છે. તે પછી પોલીસે ગુલઝાર અહેમદની સાગરીત કેટલીક મહિલાઓની પણ ધરપકડ કરી છે. દાયકાઓથી તે ગુલઝાર અહેમદની સાથે છે. ગુલઝાર અહેમદ રેશીનાં કરતૂતો બહાર આવતાં કાશ્મીરની ખીણના સાચા ઇસ્લામપંથીઓ પણ સ્તબ્ધ છે. કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ એવી પણ માગણી કરી છે કે, ગુલઝાર અહેમદ રેશીને સિક્રેટ ફંડ કોણ આપતું હતું તેની પણ તપાસ કરો. એ સિવાય એણે આટલું મોટું મકાન બનાવ્યું ક્યાંથી ?” ગુલઝાર અહેમદ રેશીએ તેના જૂના ઘરની બાજુમાં ચાર માળની બીજા વિશાળ ઇમારત બનાવી છે. કાર્પેટના એક કારીગર પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી ?

કાશ્મીર યુનિર્વિસટીની શાહ-એ-હમાદાન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના વડા ડો. હમીદ નસીમે જણાવ્યું છે કે, ગુલઝાર અહેમદ રેશી જેવા લોકોનો ધર્મના બનાવટી સંત તરીકેનો ઉદય એ સાચા ઇસ્લામને સમજવા માગતા લોકો પર એક કુઠારાઘાત છે. આવા લોકોને અનુયાયીઓ પણ મળી રહે છે તે જ દર્શાવે છે કે, ઘણા બધા લોકો સાચા ઇસ્લામની જાણકારીથી દૂર છે અને અંધવિશ્વાસમાં જ રહેલા છે. સૂફીવાદના ઘણા બધા અનુયાયીઓ કાશ્મીરમાં છે. સૂફીવાદના ઘણા સંતોની પવિત્ર કબરો પર જઈ તેમના અનુયાયીઓ તેમની શ્રદ્ધા પ્રગટ કરે છે, પરંતુ ગુલઝાર અહેમદ રેશીએ એક સુંદર ધર્મનો દુરુપયોગ કર્યો છે.”

ગુલઝાર અહેમદ રેશીની ધરપકડ બાદ ગુલઝારનાં ધર્મવિરોધી કૃત્યોના કારણે સ્થાનિક લોકોમાં પણ ગુલઝાર અહેમદ રેશી સામે રોષ ફાટી નીકળ્યો છે અને આરોપીને ફાંસીએ લટકાવી દેવા માગ ઊઠી છે. હવે તો ગુલઝાર અહેમદ રેશીની ગર્લ્સ હોસ્ટેલ પણ ખાલી થઈ ગઈ છે. ગુલઝાર અહેમદ રેશીએ પોતાના બચાવમાં કહ્યું છે કે, “હું તો નપુંસક છું અને મારી સામેના બધા જ આરોપો બનાવટી છે. મારા વિરોધીઓએ મને ફસાવવા આ બનાવટી ફરિયાદો કરાવડાવી છે.” કાશ્મીરના મુતાહીદા મજલિસ ઉલેમા, જમાતે ઇસ્લામી, જમાયત આહી હાદીરા તથા કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી ગિલાનીએ કાશ્મીરના લોકોને આવા દાગી અને બનાવટી ધર્મગુરુઓથી દૂર રહેવા અને પવિત્ર કુર્રાનમાં દર્શાવેલા નીતિ-નિયમો પ્રમાણે જ જીવન જીવવા સલાહ આપી છે.

(Source : The Pioneear)

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

દાઉદ સ્વાત ખીણમાં છુપાયો છે

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
ડોન હવે ભારતમાં મૂડીરોકાણ કરવાની ફિરાકમાં છે

ફિલ્મ ‘ગોડફાધર’ની બીજી અને ત્રીજી શૃંખલા જેમણે જોઈ હશે તેઓ જાણે છે કે અંડર વર્લ્ડના ડોન વિટ્ટો કોર્લિયોનનો પુત્ર તેની પાછલી વયમાં ગેરકાયદે એકત્ર કરેલી સંપત્તિને કાયદેસરનું સ્વરૂપ આપવા માગતો હોય છે. એવું જ કાંઈક ડોન દાઉદ ઇબ્રાહીમની બાબતમાં છે. છેલ્લા સમાચાર પ્રમાણે ડોન દાઉદ ઇબ્રાહીમે તેના માણસોને સૂચના આપી છે કે ‘ગોલી સે નહીં, અબ બોલી સે કામ ચલાવો’. છેલ્લા કેટલાક સમયથી ડોન દાઉદ ઇબ્રાહીમ તેની અબજોની સંપત્તિને કાયદેસરનું સ્વરૂપ આપવા આયોજન કરી રહ્યો છે. ગુનાખોરીથી એકત્ર કરેલાં અબજોનાં નાણાં તે ભારતમાં જ કોર્પોરેટ વર્લ્ડમાં ફેરવવા ગોઠવણ કરી રહ્યો છે.

દાઉદ સ્વાત ખીણમાં છુપાયો છે

ડોનના બે ભાઈ

મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટિ ટેરરિઝમ સ્ક્વોર્ડે દાઉદ ઈબ્રાહીમ અને તેના સાગરીતોના ફોન આંતરીને જે માહિતી એકત્ર કરી છે તે મુજબ દાઉદ ઇબ્રાહીમ તેના બે નાના ભાઈઓને ભારતમાં તેનાં નાણાં કાયદેસર રીતે ઠેકાણે પાડવા મુંબઈ મોકલી રહ્યો છે.તેના બે નાના ભાઈઓનાં નામ મુસ્તકીન અને હુમાયુ છે. આ બંને જણ પર કોઈ જ આરોપ ન હોઈ તેમની સામે કોઈ કેસ નથી. કાયદાની દૃષ્ટિએ તેઓ ક્લીન છે તેથી મુંબઈ, બેંગલુરુ, અને દિલ્હીના એનસીઆર એરિયામાં છેલ્લા કેટલાક વખતથી ડોન દાઉદ નિયમિત રીતે રિઅલ એસ્ટેટમાં નાણાં રોકી રહ્યો છે. તે ધંધાની દેખરેખ રાખવાનું કામ તેના બંને નાના ભાઈઓ કરશે.

સ્વાતમાં છુપાયો છે

ભારતના ગુપ્તચર તંત્રના મત મુજબ પાકિસ્તાનમાં ડોન દાઉદ ઇબ્રાહીમની પરિસ્થિતિ પહેલાં જેવી સારી અને દોર-દમામથી ભરેલી નથી. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોર્ડનું માનવું છે કે દાઉદ ઇબ્રાહીમ પહેલાં આઈએસઆઈ અને તાલિબાનોની મદદથી પાકિસ્તાનમાં મોટો બિઝનેસ કરતો હતો. હવે એની અંદર જૂથબંધી ઊભી થઈ છે. તાલિબાનો અને આઈએસઆઈ પણ અંદરોઅંદર લડે છે. તેથી અરાજકતા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. વળી, દાઉદ આજકાલ કરાંચીમાં રહેતો નથી. બે દાયકાથી તે કરાંચીમાં રહેતો હતો પણ હવે તે પાકિસ્તાનની સ્વાત ખીણમાં કોઈ છૂપા સ્થળે રહ્યો છે. પાકિસ્તાનની પીએમએલ-એન કે જે નવાઝ શરીફની પાર્ટી છે, તેના હેલિકોપ્ટરનો તે ઉપયોગ કરે છે. તેની તમામ ગતિવિધિ પર આઈએસઆઈની નજર છે. આ સંજોગોમાં તેને પાકિસ્તાન હવે રહેવા જેવું ન લાગતાં તે ‘સેફ હેવન’ ની શોધ કરી રહ્યો છે. અને તે અને તેનો પરિવાર હવે તેનાં નાણાંના સલામત રોકાણ માટે ભારત અને આફ્રિકા તરફ નજર દોડાવી રહ્યાં છે. ભારતમાં તો તેનું નેટવર્ક આજે પણ મજબૂત છે.

આફ્રિકામાં જમીનો ખરીદી

દાઉદ ઈબ્રાહીમ વિશ્વનો ત્રીજા નંબરનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ છે. તેણે છેલ્લાં બે વર્ષથી આફ્રિકામાં વિશાળ જમીનો ખરીદી છે. એ બધી જ જમીનો ખેતીની છે. તેનો પુત્ર મોઈન નૈરોબીમાં રહે છે અને આફ્રિકાનો બિઝનેસ સંભાળે છે. કહેવાય છે કે જો દાઉદ ઇબ્રાહીમે પાકિસ્તાન છોડવું હશે તો તે આફ્રિકામાં છુપાવાનું પસંદ કરશે, પરંતુ તેની મુશ્કેલી એ છે કે આઈએસઆઈ તેને પાકિસ્તાનમાંથી બહાર જવાની પરવાનગી આપતું નથી. આઈએસઆઈએ દાઉદ ઇબ્રાહીમ પાસે ભારતમાં ઘણાં ખોટાં કામો કરાવેલાં છે તેથી તે બહાર જાય અને પકડાઈ જાય તો આઈએસઆઈનાં બધાં જ કાવતરાં ઉઘાડાં પડી જવાનો આઈએસઆઈને ભય છે.

આ કારણથી દાઉદ પાકિસ્તાનની સ્વાત ખીણમાં લગભગ નજરકેદ જેવી પરિસ્થિતિમાં છે. એ જ રીતે દાઉદ હવે સંયુક્ત આરબ અમીરાતમાં પણ જઈ શકે તેમ નથી, કારણ કે ભારત અને યુએઈ વચ્ચે હવે પ્રત્યાર્પણ સંધિ થઈ ગઈ છે. આ સંધિ હેઠળ યુએઈએ અબુ જિન્દાલને ભારતને સોંપી દીધો હતો. તેના વિકલ્પે દાઉદનો આફ્રિકા સાથેનો સંબંધ જૂનો છે. છેક ૧૯૯૮માં દાઉદ અલ કાયદા મારફતે અફઘાનિસ્તાનમાં ડ્રગ્સ મેળવતો હતો. અહીં જ તેના અલ કાયદા, તાલિબાન અને લશ્કરે તોઈબા સાથેના સંબંધો વિકસ્યા હતા. તે અફઘાનિસ્તાનમાં ગેરકાયદે સ્કોચ વ્હિસ્કી પણ ઘુસાડતો હતો અને અફઘાનિસ્તાનમાંથી તે ડ્રગ્સ અને વ્હિસ્કી દુબઈ અને આફ્રિકાના દેશોમાં કરાંચી બંદર મારફતે મોકલતો હતો.

યુએઈમાં રોકાણો

સંયુક્ત આરબ અમીરાતમાં તેણે કન્સ્ટ્ર્ક્શનના ધંધામાં, મોલ્સમાં, હોટેલ્સમાં, સિમેન્ટ કંપનીઓમાં અને ઓઈલ કંપનીઓમાં મૂડીરોકાણ કરેલું છે. દુબઈ અને કરાંચીસ્થિત તેની એક કંપની ભારતીય ફિલ્મોની પાયરેટેડ કોપીઓ વેચવાનો ધંધો પણ કરે છે. આ ધંધો આખા એશિયા, યુરોપ અને છેક અમેરિકા સુધી ફેલાયેલો છે. કરાંચીમાં આવેલી તેની કંપની ભારતીય ફિલ્મોની પાયરેટેડ કોપીઝ ભારતમાં વેચે છે. ભારતમાં પાયરેટેડ ફિલ્મોની સીડી વેચવાનો ધંધો એક બિલિયન ડોલર્સનો છે. જેનું ૭૦ ટકા માર્કેટ દાઉદ ઇબ્રાહીમ પાસે છે. એ જ પ્રમાણે નેપાળ અને ચીનમાં પણ તે ધંધો કરે છે. નેપાળમાં કાઠમંડુ પાસે થયેલ અને સોંધારા ખાતે તેના ૧૦૦૦ જેટલા ડાન્સબાર છે. નેપાળના પોખરા ખાતે તેનાં કેસિનોઝ પણ છે. નેપાળના સ્ટોક એક્સચેન્જમાં પણ તેનું રોકાણ છે. ચીનમાં દાઉદે ૨૦૧૦માં શાંઘાઈ પાસે ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખ્યું હતું. દાઉદની કંપનીમાં બનેલાં વસ્ત્રો ભારતમાં વેચાય છે.

પાકિસ્તાનમાં રોકાણો

પાકિસ્તાનની રેલવે ભારે ખોટ કરવા લાગી હોવાથી પાકિસ્તાનની સરકારની વિનંતીથી દાઉદે પાકિસ્તાનની રેલવેને નાણાકીય કટોકટીમાંથી બચાવવા ૨૦૧૧માં તેણે રોકાણ કર્યું હોવાનું કહેવાય છે. અનાજ અને સિમેન્ટ ભરીને જઈ રહેલી પાકિસ્તાનની રેલવે પાસે બળતણના પૈસા ન હોઈ દાઉદે બળતણ ખરીદવા પૈસા આપ્યા હતા. દાઉદ કરાંચીમાં ગુટકા પણ બનાવે છે. અને તે ગુટકા રશિયા, પશ્ચિમ એશિયા અને અફઘાનિસ્તાનમાં વેચાય છે. દાઉદે કરાંચીના શેરબજારમાં પણ રોકાણ કરેલું છે. હવે તે ટેલિવિઝનની ન્યૂઝ અને એન્ટરટેઈનમેન્ટ ચેનલના ધંધામાં પણ પૈસા રોકી રહ્યો છે. તે અંગ્રેજી અખબાર પણ બહાર પાડવા માગે છે.

નવો મુકામ શોધે છે

આ બધું જ હોવા છતાં હવે પાકિસ્તાનનાં ત્રાસવાદી જૂથોના આંતરવિગ્રહના કારણે હવે મુશ્કેલીમાં છે. તેને પાકિસ્તાનમાં રહેવું સલામત લાગતું નથી. તેણે પાકિસ્તાનમાંથી બહાર નીકળવા મળે તો નવા મુકામ તરીકે પાંચ વિકલ્પો વિચાર્યા છે. જેમ (૧) સોમાલિયા(૨) ઝિમ્બાબ્વે (૩) કેન્યા (૪) કોંગો અને (૫) સુદાનનો સમાવેશ થાય છે. દાઉદનો પુત્ર મોઈન નૈરોબીમાં બિઝનેસમેન છે અને તે કેનેડાસ્થિત એક બિઝનેસમેનની પુત્રીને પરણેલો છે. દાઉદની એક બહેન હસીના પારકર મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહે છે. તેનો એક ભાઈ ઈકબાલ કાસ્કર દાઉદના કહેવાથી ભારત આવ્યો હતો, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે, પુરાવાના અભાવે કોર્ટે તેને છોડી મૂક્યો હતો. તે પછી ભીંડી બજારમાં તેની પર ગોળીબાર થયો હતો. ઇકબાલ બચી ગયો હતો, પરંતુ તેનો બોડીગાર્ડ માર્યો ગયો હતો. આ ગોળીબાર છોટા રાજને કરાવ્યો હોવાનું પોલીસ માની રહી છે. ઈકબાલના ભારત આવ્યા બાદ ધંધાને તે વિકસાવી શક્યો ન હોઈ દાઉદ હવે તેના બે નાના ભાઈઓ કે જે હાલ દુબઈ રહે છે તેમને ભારત મોકલી રહ્યો છે. દાઉદનું ટર્નઓવર રૂ.૨૦ હજાર કરોડનું ગણાય છે.

www. devendrapatel.in

એવી સ્ત્રી સાથે લગ્ન કરજો જે દુર્ભાગ્યથી વિધવા હોય

કભી કભી – દેવેન્દ્ર પટેલ

અગર મને કાંઈ થઈ જાય તો-
મરણ પથારી પર સુતેલી પરમિન્દરે પતિ પાસેથી એક વચન લઈ લીધું

‘ગયા.’

ભારતના ભાગલા પડયા તે પહેલાં તે ભારતનું જ એક ગામ હતું. ચિનાબ નદીના તટવર્તી ગામો પૈકીનું એક ગામ ”ગયા” ત્યારે જ સુર્ખિયોમાં આવ્યું જ્યારે ડો. મનમોહનસિંહ ભારતના વડા પ્રધાન બન્યા. ડો. મનમોહન સિંહ આ ગામમાં જન્મ્યા હતા. ઈશ્વરસિંહ આનંદ પણ ગામના જ વતની હતા. તેમના એક પુત્રનું નામ હરમીતસિંહ આનંદ. હરમીતસિંહ એક મેડિકલ સ્ટોર ચલાવતો હતો. પુશ્તેની બ્રાહ્મણ પરિવારના હોવાના નાતે તે મૂળ હિન્દુ હતા પરંતુ પાછળથી શીખ ધર્મ અપનાવી લીધો હતો. હરમીત આનંદ હવે વયસ્ક બનતાં તેની શાદી લુધિયાણા સ્થિત ત્રિલોચન ચડ્ડાની પુત્રી પરમિન્દર સાથે કરી દેવામાં આવી. પરમિન્દર કૌર સુંદર, સુશીલ અને સુશિક્ષિત હતી. કુશળ ગૃહિણી પણ હતી. પિતા પણ વ્યાપાર સાથે સંકળાયેલા હોઈ તેના અનુભવનો લાભ પતિને પણ આપવા લાગી.પરમિન્દર વેપારમાં સક્રિય બની. તેનો પતિ હરમીત કહેતોઃ ”પરમિન્દર મારી લાઈફ પાર્ટનર જ નહીં પરંતુ બિઝનેસ પાર્ટનર પણ છે એના વગર હું અધૂરો છું.”

એવી સ્ત્રી સાથે લગ્ન કરજો જે દુર્ભાગ્યથી વિધવા હોય

આવક વધતાં હરમીતે કોટામાં એક નવું ઘર પણ લઈ લીધું. સમયાંતરે પરમિન્દર કૌરે એક પુત્રરત્નને જન્મ આપ્યો. હરમીત- પરમિન્દરના પરિવારમાં હવે આનંદ જ આનંદ હતો, પરંતુ એ આનંદ ઝાઝો ટક્યો નહીં. પરમિન્દર અચાનક બીમાર પડી ગઈ. અનેક ડોક્ટરોને બતાવ્યું પણ તેને સારું થયું નહીં. ડોક્ટરોએ નિદાન કર્યું કે પરમિન્દરને ગર્ભાશયનું કેન્સર છે. પરમિન્દરને ઉપલબ્ધ તમામ સારવાર આપવામાં આવી, પણ તેને સારું ના થયું. દિનપ્રતિદિન તેની તબિયત વધુને વધુ કથળવા લાગી. હવે પથારીમાં જ રહેવા લાગી. પરમિન્દરનું બહાર જવાનું બંધ થઈ ગયું. ધીમે ધીમે પરમિન્દરને ખ્યાલ આવી ગયો કે, ”મારો અંત સમય નજીક આવી ગયો છે.”

એક દિવસ પતિને પલંગમાં પોતાની કરીબ બેસાડી પરમિન્દરે પતિનો હાથ પકડયો. તે બોલીઃ ”મારે એક વાત કરવી છે.”

”બોલ શું વાત કરવી છે ?”

”પહેલાં વચન આપો કે હું જેમ કહીશ તેમ કરશો.” પરમિન્દર બોલી રહી.

”તું કહે… હું તને વચન આપું છું.”

વચનબદ્ધ કરી દીધા બાદ પરમિન્દર ગળગળા સ્વરે બોલીઃ ”અગર મને કાંઈ થઈ જાય તો આપણા દીકરાનો ખ્યાલ રાખજો. જુઓ ! મારા વિયોગમાં ડૂબવાના બદલે આપણા પ્રેમના પ્રતીકરૂપ આપણા બાળકને સાચવજો. મારા મૃત્યુ પછી આપણું બાળક માના પ્રેમથી વંચિત ના રહે તે માટે કોઈ એવી સ્ત્રી સાથે લગ્ન કરજો કે જે દુર્ભાગ્યથી વૈધવ્ય ભોગવી રહી હોય. જેને એક સંતાન પણ હોય અને તેનું સંતાન પુત્રી હોય. જેથી આપણા દીકરાને બહેન મળી રહે.”

બોલતાં બોલતાં પરમિન્દરની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. હરમીત પણ રડી રહ્યો.

તે ચૂપ રહ્યો.

પરમિન્દર બોલીઃ ”આટલેથી અટકતા નહીં. જીવનની અધવચ્ચે જ જીવનસાથીઓને જોડવાનું કામ કરજો. જોડનહાર બનજો. જીવનયાત્રામાં સાથીના વિયોગને પણ તમારાથી વધુ કોણ સમજી શકશે ? ગુરૂનાનકની વાણી યાદ કરજો.”જો તુઘ ભાવે નાનકા સોઈ ભલી કાર.”

હરમીતસિંહ તો પરમિન્દરની વાત સાંભળી સ્તબ્ધ રહી ગયો. એ બોલ્યોઃ ”પરમિન્દર, તને કાંઈ જ થવાનું નથી.”

પરંતુ પરમિન્દરનો અંદેશો સાચો સાબીત થયો. અંતિમ વાતચીત સમયે જ પરમિન્દરે આંખ મીંચી લીધી અને ત્યારબાદ એણે આંખો કદિયે ના ખોલી. પરમિન્દર મૃત્યુ પામી. હરમીત શોકમાં ડૂબી ગયો. એણે ખાવા-પીવાનું, હસવા- બોલવાનું બધું જ બંધ કરી દીધું. તેના પિતરાઈભાઈ મંજીતસિંહ કાફી તેની કરીબ હતા. તેમણે ખૂબ આશ્વાસન આપ્યું. પરાણે હરમીતને ખવરાવ્યું. શોક પૂરા ત્રણ મહિના ચાલ્યો. હરમીત હજી યુવાન હતો. થોડાક જ મહિના બાદ લગ્ન માટે પ્રસ્તાવ આવવા લાગ્યા. તે સારું કમાતો હતો, સારી પ્રતિષ્ઠા હતી. અન્ય વેપારીઓએ પણ તેને લગ્ન કરી લેવા સલાહ આપી પરંતુ ”પરમિન્દરની જગા કોઈ લઈ શકશે નહીં.” એમ કહી વાત ટાળી દેવા લાગ્યો. વળી નવી પત્ની પોતાના પુત્રને પ્યાર આપી શકશે કે કેમ તે પણ એક સંદેહ હતો. સમય વીતતો રહ્યો. એક રાત એને પરમિન્દર સ્વપ્નમાં આવી. જાણે કે તે કહી રહી હતીઃ ”મને આપેલું વચન પૂરું કરશો ત્યારે જ મારા આત્માને શાંતિ થશે.”

પરંતુ હરમીત કહી રહ્યો હતોઃ ”ક્યાંથી લાવું એવી સ્ત્રી ?”

હરમીતના ચહેરા પર હવે ચિંતા છવાયેલી રહેતી. એને શાદીમાં રસ નહોતો પરંતુ પરમિન્દરને આપેલા વચનની ચિંતા હતી. તેના ભાઈ મંજીતસિંહે કહ્યું: ”ભાઈ, સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે બોલ, શું વાત છે?”

હરમીતે મરતા પહેલાં પરમિન્દરને આપેલા વચનની વાત કરી. મંજીતસિંહે કહ્યું: ”આટલી મોટી વાત છુપાવીને શા માટે ફરે છે?”

મંજીતસિંહે સ્મિત આપ્યું. બીજા જ દિવસથી એણે હરમીત માટે જીવનસંગિનીની શોધ શરૂ કરી, જે વિધવા પણ હોય અને એક પુત્રીની માતા પણ હોય. મંજીતસિંહે હરમીતને કહ્યું હતું : ”તું તારી બધી ચિંતા મારી પર છોડી દે, તારો ભાઈ હજુ જીવે છે. તું વાહેગુરૂનું નામ લે અને ઉદાસી છોડી દે.”

સમય તો પાંખો ફફડાવતો ઉડતો રહ્યો.

એક દિવસ અચાનક મંજીતસિંહ હરમીતના ઘેર પહોંચ્યો. એ બોલ્યોઃ ”હરમીત, તારું કામ થઈ ગયું. જેવું પરમિન્દર ચાહતી તેવી સ્ત્રી મળી ગઈ છે. યુવતીનું નામ મનપ્રીત છે. પિતાનું નામ હનુમંતસિંહ છે. માતાનું નામ હનુમંત કૌર છે. દિલ્હીમાં રહે છે. અચ્છો કારોબાર છે. મનપ્રીતની શાદી એક એન્જિનિયર સાથે થઈ હતી, પરંતુ કાર અકસ્માતમાં તેનું મૃત્યું થઈ ગયું છે. મનપ્રીતને એક દીકરી પણ છે. બોલ શું કરવું છે?”

હરમીત હજી માનસિક રીતે સ્વસ્થ નહોતો. તેની સામે મોટો પ્રશ્ન હતો કે ”સમાજ શું કહેશે? એક વિધવા સાથે લગ્નને સમાજ સ્વીકારશે ?જિંદગી બોઝ તો નહીં બની જાય ને ?”

મંજીતસિંહે આખા પરિવારને વાત કરી, હરમીતના મિત્રોને વાત કરી. શુભચિંતકોને વાત કરી. બધાંએ હરમીતને સલાહ આપીઃ ”હરમીત, સમય બદલાઈ ગયો છે. મનપ્રીત સુંદર છે. યુવાન છે. સુશીલ છે. તારા માટે એકદમ યોગ્ય છે.”

બીજી બાજુ મનપ્રીત પણ તૈયાર નહોતી. તેના માતા-પિતાએ અને સુધારાવાદી શુભચિંતકોએ સમજાવ્યું ”બેટા, એક યુવાન વિધુર સાથે લગ્ન કરવામાં કશું જ અનૈતિક નથી, કોઈ જ અધર્મ નથી. ઈશ્વરની આમ જ ઈચ્છા છે તેમ માનીને આ પ્રસ્તાવ સ્વીકારી લે.”

લાંબા મનોમંથન બાદ મનપ્રીતે મૌન સમર્થન આપ્યું. આખરે રોજ સ્ટેશન રોડ, ગુરૂદ્વારામાં અત્યંત સાદગીથી હરમીત અને મનપ્રીતના લગ્ન સંપન્ન થયાં. લગ્નના થોડાક દિવસ સુધી તો હરમીતને ચિંતા સતાવતી રહી કે, ”લોકો શું કહેશે ?”

પરંતુ ધીમે ધીમે બેઉનું ગૃહસ્થ જીવન ગોઠવાઈ ગયું. મનપ્રીત અત્યંત ડાહી અને સુશીલ નીકળી. એ પોતાની પુત્રીને સાથે લાવી હતી. પરમિન્દરથી થયેલા પુત્રને તેણે પોતાના જ પુત્ર તરીકે અપનાવી લીધો. એક ભાઈને બહેન મળી ગઈ અને બહેનને ભાઈ. બેઉ ખૂબ નાનાં હતાં તેથી જલ્દી એકબીજા સાથે ભળી ગયાં. હરમીત- મનપ્રીતનો સંસાર તો ગોઠવાઈ ગયો પરંતુ એણે પરમિન્દરને આપેલું બીજું વચન હજી તેને યાદ હતું. ”જોડનહાર બનવાનું. પોતાનું ઘર તો વસાવી લીધું. તૂટેલું જીવન તો જોડી લીધું. પરંતુ આવા બીજા તૂટેલાં પાત્રોને જોડવાનાં હજુ બાકી હતાં. હરમીતે મનપ્રીતને પોતે અગાઉની પત્નીને આપેલા વચનની વાત કરી. મનપ્રીતે પણ હરમીતના ધ્યેયને પોતાનું ધ્યેય બનાવી લીધું. તેમણે મિત્રોની મદદથી ”જોડનહાર” નામની એક સંસ્થા ઊભી કરી. આ સંગઠને એવા પાત્રોની ખોજ ચલાવી કે જેઓનું જીવન અધવચ્ચે જ તૂટી ગયું હોય. એક વિધુર હોય ને બીજી વિધવા હોય તો તેમને જોડવાનું કામ શરૂ કર્યું. આ કામ માત્ર શીખ સમુદાય પૂરતું જ સીમિત ના રાખ્યું. તેમણે તમામ ધર્મ કે સમાજ માટે કામ કરવા માંડયું.

હરમીત અને મનપ્રીત દ્વારા ચલાવવામાં આવતા આ અનોખા સંગઠને અત્યાર સુધીમાં પાંચ યુગલોને નવું દામ્પત્યજીવન બક્ષ્યું છે. આંકડો ભલે નાનો હોય પરંતુ શરૂઆત અનોખી છે, ભાવનાત્મક છે. સરાહનીય છે. વૈધવ્ય વિવાહ પ્રતિ લોકોનું વલણ બદલવાની આ કામગીરી પ્રશંસનીય છે. જ્યારે કોઈને કોઈ નવું યુગલ નવેસરથી તૂટેલી જિંદગી શરૂ કરે છે ત્યારે હરમીત અને મનપ્રીત પરમિન્દરની તસવીર સામે ઊભા રહી પરમિન્દરની આંખો સામે એક અંજલિ આપતાં હોય તેમ ઊભાં રહી જાય છે.Ÿ      

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

મુસ્લિમ વોટ્સ Key Factor

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. કેટલાક આ ચૂંટણીઓને લોકસભાની ચૂંટણીઓ પહેલાંનો લિટમસ ટેસ્ટ ગણાવે છે પણ તે તારણ ખોટું છે. આ પાંચ રાજ્યો દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ કે નોર્થ ઈસ્ટનાં બધાં રાજ્યના મૂડનું પ્રતિનિધિત્વ કરતા નથી. હા, ભાજપ – એનડીએએ નરેન્દ્ર મોદી જેવા હિન્દુત્વના ચહેરાને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કર્યા હોઈ આ પાંચ રાજ્યોના લઘુમતી કોમના મત કઈ તરફ પડે છે, તે પરથી બીજાં રાજ્યોના મુસ્લિમ મતોના ઝોક વિશે ધારણા કરી શકાશે.

મુસ્લિમ વોટ્સ Key Factor

મુસ્લિમ મતો પર નજર

જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી અને મિઝોરમ સામેલ છે. મિઝોરમને છોડી દેવામાં આવે તો અન્ય ચાર રાજ્યોમાં લઘુમતી અથવા તો મુસ્લિમ મતદાતાઓના હાથમાં સત્તા કોને સોંપવી તેની ચાવી છે. આ ચાર રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. નરેન્દ્ર મોદીને ભાજપે ભાવિ વડાપ્રધાન તરીકે પેશ કર્યા હોઈ કોંગ્રેસ હાઈકમાન્ડ જાગૃત થઈ ગયું છે. અલબત્ત, ભાજપને સંબંધ છે ત્યાં સુધી તેની કેડર અને કાર્યકર્તાઓ હવામાં છે. તેઓ એવી ગેરસમજ ધરાવે છે કે દેશભરમાં મોદીની લહેર હોવાથી બેઠાં બેઠાં જ વિજય પ્રાપ્ત થઈ જશે. કાર્યકર્તાઓ માને છે કે હવે બહુ મહેનત કરવાની કોઈ જ જરૂર નથી. આવો અતિવિશ્વાસ કદીક ભારે પડી જઈ શકે છે.

લઘુમતી મતોનું મહત્ત્વ

ચાર વિધાનસભાઓની ચૂંટણીઓમાં મુસ્લિમ મતોનું વિશેષ મહત્ત્વ છે. દિલ્હી વિધાનસભા મત વિસ્તારોમાં ૧૫ ટકા મુસ્લિમ મતો છે. દિલ્હીની ૩૦ બેઠકો પર મુસ્લિમ મતોનો પ્રભાવ છે. મધ્યપ્રદેશમાં મુસ્લિમ મતો ૮ ટકા છે, પરંતુ મધ્ય પ્રદેશની ૩૨ બેઠકો પર મુસ્લિમ મતો પ્રભાવ પાડી શકે તેમ છે. રાજસ્થાનમાં મુસ્લિમ મતોની ટકાવારી ૯ ટકા છે અને ૨૭ બેઠકો પર મુસ્લિમ મતો નિર્ણાયક બની શકે તેમ છે. છત્તીસગઢમાં મુસ્લિમ મતોની ટકાવારી ૭ ટકા છે અને ૧૭ બેઠકો પર મુસ્લિમ મતો કોને જિતાડવા તે નિર્ણય કરશે. આ રીતે આ ચાર રાજ્યો કે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ગળાકાપ હરીફાઈ છે ત્યાં કોઈ પણ પાર્ટીની હાર કે જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

કોંગ્રેસ શું કહે છે?

૨૦૧૪માં લોકસભાની આવનારી ચૂંટણીમાં પ્રત્યેક રાજનૈતિક દળ લઘુમતી મતો પ્રાપ્ત કરવા માગે છે. દરેક રાજકીય પક્ષ મુસ્લિમોને રાજી કરવા પ્રયાસ કરે છે. કોંગ્રેસ સત્તામાં હોઈ લઘુમતી કોમને સહુથી વધુ ખુશ રાખવાની સ્થિતિમાં છે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ બધી જ રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો છે કે આતંકવાદના ખોટા આક્ષેપોમાં ફસાવી દેવાયેલા મુસ્લિમ યુવાનોને ન્યાય અપાવવા વિશેષ પ્રયાસ કરે. જે મુસ્લિમ યુવાનો નિર્દોષ છૂટે તેમના પુનર્વાસ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. એ જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા તાજેતરમાં જ એવી જાહેરાત કરવામાં આવી છે કે અર્ધ સૈનિક દળોમાં લઘુમતી કોમને અને ખાસ કરીને મુસ્લિમોના પ્રતિનિધિત્વને વધારવા માટે ૭૦ હજાર મુસલમાનોની ભરતી કરવામાં આવે. એ જ રીતે રાષ્ટ્રીયકૃત બેન્કોને પણ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ સંજોગોમાં ૧૫ ટકા ધિરાણ લઘુમતી કોમના નાગરિકોને આપવામાં આવે.

રાષ્ટ્રીયકૃત બેન્કોમાં લઘુમતી કોમના યુવાનોની નિયુક્તિનં અભિયાન પણ કોંગ્રેસ – યુપીએ-૨ સરકાર ચલાવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટ પર નભતી જામિયા મિલિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિર્વિસટીમાં લઘુમતી માટે ૬૫ ટકા બેઠકો અનામત કરવામાં આવી છે.

ભાજપ પણ દોડમાં

ભારતીય જનતા પાર્ટીની છાપ આમ તો કટ્ટર હિન્દુત્વની અને આરએસએસના સંતાન તરીકેની છે, છતાં તે પણ પોતાની સાંપ્રદાયિક છાપ મિટાવવા મુસ્લિમ મતો મેળવવાની દોડમાં સામેલ થઈ ગઈ છે. ભાજપના વ્યૂહબાજો એ બાબતે પૂરી તાકાત લગાવી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની બધી જ જાહેર સભાઓમાં ટોપીવાળા મુસ્લિમો અને બુરખાધારી મુસ્લિમ મહિલાઓ હાજર રહે. આ માટે ૧૦ હજાર બુરખા ખરીદવાનો પણ ભાજપ પર આક્ષેપ થયેલો છે, જે આક્ષેપ ભાજપે નકારી કાઢેલો છે. લઘુમતી કોમના મત લેવાના મોહમાં પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં થયેલાં કોમી રમખાણોની બાબતમાં ભાજપના નેતાઓ મૌન સેવી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહે મુઝફ્ફરનગરની મુલાકાત લેવાની હિંમત કરી નથી.

પીડિત હિન્દુઓની મુલાકાત લે તો પીડિત મુસ્લિમો નારાજ થઈ જાય એ દહેશતથી તેઓ મુઝફફરનગર ગયા નથી. હવે તેઓ મુસલમાનોને પણ નારાજ કરવા માગતા નથી. એથી ઊલટું લઘુમતીને વધુ ને વધુ સુવિધા મળે તે માટે ભાજપના સ્થાનિક નેતાઓ કહી રહ્યા છે.

મમતા બેનરજીને પણ મોહ

ટૂંકમાં, લોકસભાની આવી રહેલી ચૂંટણીઓના સંદર્ભમાં બધા જ રાજકીય પક્ષો મુસ્લિમોના તુષ્ટિકરણના માર્ગ પર ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ રાજ્યની ૨૬ હજાર મસ્જિદોના ઈમામો અને અજાન દેવાવાળાઓને સત્તામાં આવ્યા બાદ માસિક વેતન આપવાનું શરૂ કર્યું હતું. અલબત્ત, કોલકાત્તા હાઈકોર્ટે એ નિર્ણયને ગેરકાનૂની જાહેર કરી દીધો છે, પરંતુ મમતા બેનરજી પોતાની નીતિના અમલમાં પરિવર્તન લાવવા માગતાં નથી. તેમણે જાહેરાત કરી છે કે અમે અડધી રોટલી ખાઈશું પરંતુ ઈમામો અને અજાન દેવાવાળાઓને ભથ્થું જરૂર આપીશું. ટૂંકમાં, બધા જ પક્ષો હવે એ વાત સમજે છે કે સત્તાની ચાવી લઘુમતી કોમ પાસે છે. સમાજવાદી પાર્ટી તો પહેલાંથી જ મુસ્લિમ મતો પર મદાર રાખે છે. યુપીમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવના બફાટથી મુસ્લિમો સમાજવાદી પાર્ટીથી નારાજ છે. તેથી લઘુમતીની નારાજગી દૂર કરવાની કમાન હવે મુલાયમસિંહે સંભાળી લીધી છે. એ જ રીતે બિહારમાં નીતીશ કુમાર અને લાલુ યાદવની પાર્ટીઓ પણ લોકસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી મુસ્લિમ મતો મેળવવાની હોડમાં લાગી ગઈ છે.

લોકસભામાં શું ?

નિષ્ણાતો માને છે કે લોકસભાની ૧૦૦થી ૧૨૦ બેઠકો એવી છે, જેમાં મતની ચાવી મુસલમાનોના હાથમાં છે. આવા નવ મત વિસ્તારો બિહારમાં, ૪ ઝારખંડમાં, ૨૦ ઉત્તર પ્રદેશમાં, ૨૨ પશ્ચિમ બંગાળમાં, ૯ આસામમાં, ૭ મહારાષ્ટ્રમાં, ૩ આંધ્રપ્રદેશમાં, ૪ કર્ણાટકમાં, ૩ કેરળમાં, ૩ મધ્યપ્રદેશમાં, ૬ જમ્મુ-કાશ્મીરમાં અને ૩ દિલ્હીમાં છે. મુસ્લિમ નેતાઓના કહેવા પ્રમાણે આ મત વિસ્તારોમાં મુસ્લિમ મતોની ટકાવારી ૨૫ ટકાથી માંડીને ૯૦ ટકા સુધી છે. અલબત્ત, નોંધનીય વાત એ છે કે મુસલમાનો બધા જ એક થઈને કોઈ એકની પાર્ટીને મત આપતા નથી. મુસલમાન મતદાતાઓને એક મંચ પર લાવવા ૧૯૬૦માં જમાતે ઈસ્લામીએ પ્રયાસો કર્યા હતા. વાસ્તવિકતા એ છે કે મુસ્લિમ મતદાતાઓ પણ ભારતીય સમાજના અન્ય વર્ગોની જેમ વિભાજિત છે. મુસલમાનોની કમજોરી એ છે કે તેમની પાસે રાષ્ટ્રીય સ્તર પર સર્વમાન્ય એવા કોઈ એક રાષ્ટ્રીય નેતા નથી. એ કારણે બધા જ રાજકીય પક્ષો મુસલમાનોના મત લેવા પ્રયાસ કરતા રહે છે.

www.devendrapatel.in

ખજાનો શોધતી કોર્પોરેટ કંપનીઓ : એક સાધુ કેન્દ્ર સરકારને મૂર્ખ બનાવી ગયો

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

ઉત્તર પ્રદેશના ઉન્નાવ ખાતેના ડૌડિયા ખેડા ગામમાં રાજા રામબક્ષસિંહના ૧૦૦૦ ટન સોનાના ખજાનાની ખોજ માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કરેલા નિષ્ફળ પ્રયાસોથી એ સંસ્થાએ પોતાની જ વૈજ્ઞાનિક ક્ષમતા પર પ્રશ્નો ઊભા કર્યા. એક સાધુના સ્વપ્નના આધારે આવું ખોદકામ કરવું તે નરી મૂર્ખતા સાબિત થઈ. સરકારે પોતાની આબરૂ ગુમાવી.

સાધુના સ્વપ્નના આધારે સોનું શોધવાની ટીકા કરનાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાચા સાબિત થયા. એક સાધુ આખી સરકારને બેવકૂફ બનાવી ગયો. એવું નથી કે ખજાનાની ક્યાંય ખોજ થતી નથી. ખજાનાની ખોજ થાય છે, પરંતુ તે માટે જિયોલોજિકલ પુરાવા અને વૈજ્ઞાનિક અને વ્યાવસાયિક કૌશલ્યનો આધાર હોવો જોઈએ.

ખજાનો શોધતી કોર્પોરેટ કંપનીઓ : એક સાધુ કેન્દ્ર સરકારને મૂર્ખ બનાવી ગયો

ક્યાંક સોનું મળ્યું પણ…

૨૦૦૯ની સાલમાં યુકેના સ્ટ્રેફોર્ડશાયર વિસ્તારમાંથી એંગ્લો સેક્શન ગોલ્ડ અને સિલ્વરનો મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો. એક એમેચ્યોર પુરાતત્ત્વવાદી યુવાન એક ખેતરમાં કેટલાક એન્ટિક્સ શોધી રહ્યો ત્યારે તેના મેટલ ડિટેક્ટરે જમીનથી નીચે ધાતુ હોવાનો નિર્દેશ કર્યો હતો. એ પછી એણે ઈંગ્લેન્ડના પુરાતત્ત્વખાતાને જાણ કરી હતી. જેણે યોજનાપૂર્વક ખોદકામ કરી ૩૫૦૦ જેટલાં સોના અને ચાંદીના નમૂના શોધી કાઢયા. એવી જ રીતે ૨૦૧૨માં જર્મનીના ગેસેલ ડિસ્ટ્રિક્ટમાં ગેસની પાઈપલાઈન માટે ખોદકામ કરતાં કપડાંમાં વીંટાળેલા ૧૧૭ જેટલી સોનાની કલાકૃતિઓ મળી આવી હતી. એ પછી હમણાં ગયા સપ્ટેમ્બર માસમાં ઈઝરાયેલ ખાતે જેરૂસલેમના એક મંદિર નજીક ખોદકામ કરતાં પુરાતત્ત્વખાતાને ૩૦ જેટલા સોનાના સિક્કા મળી આવ્યા હતા. અલબત્ત, આ બધા જ ખજાના કોઈ સ્વપ્નના આધારે નહીં પરંતુ ક્યાંક ખોદકામ કરતાં અચાનક તો ક્યાંક કાળજીપૂર્વકના અભ્યાસ બાદ મળી આવ્યા હતા.

જયગઢનો ખજાનો

વિશ્વભરમાં આ રીતે સોનું ખોજવા કેટલાયે લોકો પ્રયાસ કરી રહ્યા છે. તેમાંનો એક રસપ્રદ કિસ્સો જયપુર પાસે આવેલા આમેરના કિલ્લાની પાછળ આવેલા જયગઢનો છે. આજથી ૩૦ વર્ષ પહેલાં એક અજાણ્યો માણસ દિલ્હીના આવકવેરા ખાતાની કચેરીએ પહોંચી ગયો. એણે આવકવેરા ખાતાને એક પુરાણો નકશો આપ્યો અને કહ્યું કે જયગઢના કિલ્લામાં અકબરના સેનાપતિ રાજા માનસિંહે દાટેલો ખજાનો છે અને તે ખજાના સુધી પહોંચવાનો આ નકશો છે. આવકવેરા ખાતાએ ભારતીય લશ્કર અને પુરાતત્ત્વખાતાની મદદથી આમેરના કિલ્લાની પાછળ આવેલા જયગઢના પર્વત પર મેટલ ડિટેક્ટર વડે ખજાનો શોધવા પ્રયાસ કર્યો હતો. ઇતિહાસ એવો હતો કે જયપુરના રાજા માનસિંહ અકબરના સૈન્યના વડા બન્યા બાદ અનેક રાજ્યો જીતતા હતા અને તે રાજ્યોમાંથી મળેલું ધન કેટલાક ઊંટ ઉપર લાદી જયગઢ રવાના કરી દેતા હતા. એ ધન જયગઢના પર્વતોની ભીતર છુપાવી દેવાયું હતું. એ વખતે મહારાણી ગાયત્રીદેવી હયાત હતાં. તેમણે એ ખજાના વિશે કાંઈ જ બોલવા ઇનકાર કરી દીધો હતો. આવકવેરા ખાતાએ પુરાતત્ત્વ નિષ્ણાતોની મદદથી એ ખજાનો શોધવા ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ ખજાનો હાથ લાગ્યો નહોતો. અલબત્ત, એ ખજાનો ક્યાંક તો છે જ એ વાત આજે પણ જયપુરવાસીઓનાં દિલોદિમાગ પર લહેરાય છે. રાજવી પરિવાર ભારે ચૂપકીદી સેવી રહ્યું છે.

કંપનીઓ મેદાનમાં

ઉન્નાવના ડૌડિયા ખેડા ગામમાંથી ભલે સોનું મળે કે ન મળે પ્રાચીન કાળથી દુનિયાભરમાં સોનં ખોજવાની જિજ્ઞાસા માનવીમાં રહેલી છે. સોનાની ખોજની આ જિજ્ઞાસા હવે કોર્પોરેટ ક્ષેત્ર સુધી પહોંચી ગઈ છે. આવી ખોજમાં જાણીતી કંપનીઓ પણ હવે કામે લાગી ગઈ છે. વર્ષે જેમની લાખો ડોલરની આવક છે તેવી કંપનીઓ ખાસ કરીને સમુદ્રમાં ડૂબી ગયેલા અથવા ભૂતળમાં રહેલા ખજાનાની ખોજ કરી રહી છે. આવી કેટલીક કંપનીઓની વિગતો જાણવા જેવી છે. દા.ત. સિકવેસ્ટ ઇન્ટરનેશનલ નામની કંપનીની સ્થાપના ૧૯૭૭માં થઈ હતી. તેનું કામ છે દરિયામાં પડેલું સોનું શોધવું. તેનું મુખ્ય કાર્યાલય કેલિફોર્નિયાના ફ્લોરિડા ખાતે આવેલું છે. આ કંપનીની વાર્ષિક આવક ૧૦ લાખ ડોલર છે.

સબ સી રિસર્ચ

સબ સી રિસર્ચ નામની કંપનીની સ્થાપના ૧૯૮૪માં થઈ હતી. તેનું મુખ્ય કાર્યાલય અમેરિકાના મેન રાજ્યના પોર્ટલેન્ડ ખાતે આવેલું છે. આ કંપનીની વાર્ષિક આવક ૫૦ લાખ ડોલર છે. આ કંપનીએ એસ.એસ. પોર્ટ નિકોલસન જહાજની સાથે ડૂબેલા ત્રણ અબજ ડોલરના પ્લેટિનમને દરિયામાંથી સફળતાપૂર્વક બહાર કાઢયું હતું. એવી જ રીતે એક બીજી કંપનીનું નામ ઓડિસી મરીન એક્સપ્લોરેશન છે. તેની સ્થાપના ૧૯૯૪માં થઈ હતી. તેનું મુખ્ય કાર્યાલય અમેરિકામાં ફ્લોરિડાના ટેમ્પા ખાતે છે. તેની વાર્ષિક આવક ૧.૭૫ કરોડ ડોલર છે. અમેરિકામાં ગૃહયુદ્ધ દરમિયાન સમુદ્રમાં ડૂબી ગયેલાં જહાજ ‘એસ.એસ. રિપબ્લિક’માંથી આ કંપનીએ અઢળક સોનું-ચાંદી બહાર કાઢયું હતું. એવી જ રીતે ગેલિયોન વેંચર્સ નામની કંપનીની સ્થાપના ૨૦૦૯માં થઈ હતી. તેનું મુખ્ય કાર્યાલય કેલિફોર્નિયામાં સેંટા મોનિકા ખાતે છે. આ કંપનીની વાર્ષિક આવક ૫૦ લાખ ડોલર છે. અત્યારે તે કંપની ઓપરેશન મિસ્ટ્રી ગેલિયોનમાં વ્યસ્ત છે.

સમુદ્રના ગર્ભમાંથી

૧૯૪૨ના ફેબ્રુઆરી માસમાં બ્રિટિશ જહાજ એસ.એસ. ગૈરસોપ્પા ૨૦૦ ટન ચાંદી સાથે ડૂબી ગયું હતું. તેને આયરલેન્ડના કિનારાથી ત્રણસો માઈલ દૂર ૪૭૦૦ મીટરની ઊંડાઈ પર હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું. ઓડિસી મરીન એક્સપ્લોરેશન નામની એક કોર્પોરેટ કંપનીએ આ જહાજ શોધી કાઢી તેમાંથી ચાંદી બહાર કાઢી હતી. માઇકલ હેચરે ૧૯૯૯માં દરિયામાં ડૂબેલા ચીની જહાજ તેક સિંગને શોધી તેમાંથી ૩,૬૦,૦૦૦ કલાકૃતિઓ બહાર કાઢી હતી. એ પહેલાં આ જ કંપનીએ દક્ષિણ ચીની સમુદ્રમાં ડૂબેલા હોલેન્ડના જહાજને ૧૯૮૧માં શોધી કાઢયું હતું અને તેમાંથી કીમતી ખજાનો બહાર કાઢયો હતો.

ભારતમાં ખજાનો

કેરળના તિરૂવનંતપુરમ ખાતે આવેલા ૧૬મી સદીના પદ્મનાભ સ્વામી (વિષ્ણુ) મંદિરના બે ભૂમિગત ઓરડાઓમાંથી અબજો રૂપિયાનાં કીમતી હીરા, માણેક, સોનું અને ચાંદી મળી આવ્યાં હતાં. આ મંદિરમાં રૂ. ૯૦૦ અબજનો ખજાનો હોવાની વાત ચર્ચાય છે. આ મંદિરના ચાર પૈકી બે ઓરડા છેલ્લાં ૧૩૦ વર્ષથી ખોલવામાં આવ્યા નથી. એવી જ રીતે મહારાષ્ટ્રમાં કોલ્હાપુર ખાતે આવેલું મહાલક્ષ્મી મંદિર આશરે ૯૦૦ વર્ષ પુરાણું છે. તેના ગુપ્ત ઓરડાઓના કરોડો રૂપિયાના હીરા, સોનું, ચાંદી અને સોનાનાં આભૂષણો હોવાનું મનાય છે. આ મંદિરમાં કોંકણના રાજાઓ, ચાલુક્ય રાજાઓ, આદિલ શાહ, છત્રપતિ શિવાજી તથા તેમની માતા જીજીબાઈએ પણ ચઢાવો ચઢાવ્યો હોવાનું મનાય છે.

સમુદ્રના કાનૂન

એ જાણવું રસપ્રદ થઈ પડશે કે સમુદ્ર અને મહાસાગરો પર સંયુક્ત રાષ્ટ્રનો કાનૂન લાગુ પડે છે. આંતરરાષ્ટ્રીય જલક્ષેત્રમાં ડૂબેલી સંપત્તિ પર જહાજને કાઢવાનો કાનૂન તથા જહાજને શોધવાનો કાનૂન અનુક્રમે લો ઓફ સાલ્વેજ અને લો ઓફ ફાઇન્ડ્સ તરીકે ઓળખાય છે. સમુદ્રના ગર્ભમાં ફેલાયેલી જૈવિક, ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સંપત્તિની રક્ષા માટે તથા તે અંગેના વિવાદો ઉકેલવા માટે યુનેસ્કોએ ૨૦૦૧માં ‘કન્વેન્શન ઓન ધી પ્રોટેક્શન ઓફ ધી અંડરવોટર કલ્ચરલ હેરિટેજ’ બનાવ્યો છે.

www. devendrapatel.in

કાશ્મીરની બર્ફિલી હવામાં થીજી ગયેલું એક મોત !

કભી કભી – દેવેન્દ્ર પટેલ
શાહનવાઝ નામનો એક યુવાન તેની પત્ની પાછી લાવવા ઈમામ પાસે ગયો
શ્રીનગર.

જમ્મુ અને કાશ્મીરની બર્ફિલી હવાઓથી શ્રીનગર થરથરતું હતું. અહીંથી પસાર થતી જેલમ નદીના કિનારે એક મસ્જિદ આવેલી છે. આ મસ્જિદમાં અનેક મુસ્લિમો નમાજ પઢવા આવતા હતા. મસ્જિદના ઈમામ અહીં આવતા લોકોને પવિત્ર કુઆર્નનું સુંદર જ્ઞાન બક્ષતા હતા અને લોકોને અલ્લાહે બતાવેલા માર્ગ પર ચાલવાનો રોજેરોજ ઉપદેશ આપતા હતા. તેમાં તેમનો એક શિષ્ય શાહનવાઝ અહેમદ દાર પણ હતો. શાહનવાઝ અહેમદ દાર બડગામનો નિવાસી હતો. તે અવારનવાર મસ્જિદના ઈમામ મૌલવી અબ્દુલ ગની નાઈકને મળતો હતો. નમાજ પૂરી થઈ ગયા પછી પણ તે મૌલવી પાસે સલાહ સૂચન મેળવતો હતો.

કાશ્મીરની બર્ફિલી હવામાં થીજી ગયેલું એક મોત !

એક દિવસ શાહનવાઝ અહેમદ દાર મોડે સુધી રોકાયો. ઈમામે પૂછયું: ”શાહનવાઝ ! કોઈ તકલીફ હૈ ?”

શાહનવાઝે કહ્યું: ”મેં અકેલેમેં બાત કરના ચાહતા હું.”

બધાંના જતા રહ્યા બાદ શાહનવાઝે એકાંતમાં ઈમામને કહ્યું: ”મેરી શાદી હો ચુકી હૈં. લેકિન મેરી બીબી અપને માતા-પિતા કે પાસ ચલી ગઈ હૈ. મૈંને ઉસે સમજાને કી બહોત કોશિશ કી, લેકિન વહ હમારે ઘર આને કો તૈયાર નહીં હૈ. મૈં ક્યા કરું ?

ઈમામે કહ્યું: ”ચિંતા મત કરો. મૈં ઉપાય બતાતા હું.”

”ક્યા ?”

”દેખો કલ શામ કો તુમ મેરે પાસ આ જાવ. હમ જેલમ નદી કે કિનારે જાયેંગે. નદી કે કિનારે શામકો મૈં તુમ્હે કુછ બોલને કા કહુંગા. મૈં જૈસા કહું યૈસા કરના. મૈં જો કહું વહી આંખે બંધ કર કે તીનસો બાર બોલના. દો દિન મેં તુમ્હારી બીબી વાપસ આ જાયેગી.”

બીજા દિવસે શાહનવાઝ અહેમદ દાર મસ્જિદ પહોંચી ગયો. અંધારું થવાના સમયે તે અને ઈમામે નદી તરફ પ્રયાણ કર્યું. નદીના કિનારે બેઉ ઊભા રહ્યા. ઊંડી ખીણમાં જેલમ નદીનો પ્રવાહ જબરદસ્ત હતો. ઈમામે શાહનવાઝને નદી તરફ મોં રાખી આંખો બંધ કરી દેવા કહ્યું. શાહનવાઝે આંખો બંધ કરી દીધી. તે પછી ઈમામે કેટલાંક શબ્દોનું ઉચ્ચારણ શરૂ કર્યું. શાહનવાઝે પણ તેનું પુનઃઉચ્ચારણ શરૂ કર્યું અને એકાએક ઈમામે શાહનવાઝને પાછળથી ધક્કો મારી દીધો. શાહનવાઝ ઊંડી ખીણમાં વહેતી નદીમાં પડી ગયો. નદીના ધસમસતા પૂરમાં તે તણાવા લાગ્યો. એ પછી ઈમામ ચૂપચાપ પાછો ઘેર આવી ગયો. એક ખતરનાક કૃત્ય કર્યા પછી તે શાંતિથી ઘેર આવી સૂઈ ગયો.

આ તરફ શાહનવાઝ મોડી રાત સુધી ઘેર ના આવતાં તેનાં માતા-પિતાએ તેની શોધખોળ શરૂ કરી. બીજા દિવસે પણ તે ઘેર ના આવ્યો. કેટલાક દિવસો બાદ શાહનવાઝનો મૃતદેહ દૂર દૂરના એક ગામ લોકોએ નદીના કિનારે પડેલો જોયો. આ તરફ શાહનવાઝ ગૂમ થયાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને ખબર પડી કે કોઈ અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે એટલે તે ઘટના સ્થળે પહોંચી. મૃતદેહનો કબજો લીધો. શાહનવાઝના માતા-પિતાને બોલાવવામાં આવ્યા. તેઓ ઓળખી ગયા કે, આ મૃતદેહ તેમનાં પુત્ર શાહનવાઝનો છે. ફરિયાદમાં પણ લખાવવામાં આવ્યું હતું કે, ”તા. ૨૮મી સપ્ટેમ્બરની સાંજે તે મસ્જિદમાં નમાઝ પઢવા ગયો હતો તે પછી તે ઘેર પાછો ફર્યો નથી.”

શાહનવાઝનો મૃતદેહ મસુરા ગામ નજીકની નદીના કિનારેથી મળી આવ્યો હતો. સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ આશિક હુસેન બુખારીએ શાહનવાઝના રહસ્યમય મૃત્યુ- અકસ્માતની તપાસ શરૂ કરી. મરનાર શાહનવાઝે જે લાંબો કાશ્મીરી ઝભ્ભો- ‘ફેરન’ પહેરેલો હતો તેના ખિસ્સામાંથી એક આઈડેન્ટિટી કાર્ડ મળી આવ્યું. એ કાર્ડ શાહનવાઝનું નહીં, પરંતુ મૌલવી અબ્દુલગની નાઈકનું હતું.

પોલીસ મૌલવી પાસે ગઈ અને મરનારના ખિસ્સામાંથી તેનું આઈડેન્ટિરી કાર્ડ ક્યાંથી આવ્યું તે મતલબનો સવાલ કર્યો. મૌલવીએ કહ્યું: ”શાહનવાઝને મેરા હી ફેરન પહના હુઆથા. વહ ફેરન મેરા થા. મૈને ઉસે દીયા થા.”

પોલીસે હવે ઈમામ મૌલવી અબ્દુલ ગની નાઈકના અન્ય સંપર્કો અને સંબંધોની તપાસ શરૂ કરી. પોલીસને ખબર પડી કે મૌલવી અવારનવાર શાહનવાઝના સસરાના ઘેર જતો હતો. મોડે સુધી ત્યાં રોકાતો હતો. કેટલાક લોકોએ એથી પણ આગળ વધીને કહ્યું કે, તેમણે મૌલવી અને મરનાર શાહનવાઝની બીબીને અનેકવાર સાથે જોયા હતા. પોલીસને હવે શંકા પડી કે મૌલવી અબ્દુલ ગની નાઈક જ શંકાસ્પદ વ્યક્તિ છે. પોલીસે એને પોલીસ સ્ટેશનમાં બોલાવી કડકાઈથી પૂછપરછ કરી. પોલીસની લાલ આંખ અને શાહનવાઝની પત્નીના પિયરિયાની બાજુમાં રહેતા લોકોના નિવેદનોના આધારે કેટલાક નાજુક પ્રશ્નો પૂછયા અને મૌલવી અબ્દુલગની નાઈક ગભરાઈ ગયો. એણે કબૂલ કરી લીધું કે શાહનવાઝની પત્ની સાથે તેને આડા સંબંધો હતા અને શાહનવાઝ વચ્ચે એક કાંટો હતો. એ કાંટો દૂર કરવા માટે જ એણે એક ભયંકર યોજના બનાવી હતી. બિચારા શાહનવાઝને ખબર જ નહોતી કે તેની પત્ની તેના ઘેર આવતી નહોતી તેનું કારણ જ મૌલવી અબ્દુલ ગની નાઈક હતું અને પોતાની સમસ્યા દૂર કરવા તે જેની મદદ લેવા ગયો તે જ તેની પત્નીનો પ્રેમી હતો. મૌલવીએ કબૂલ કરી લીધું: ”હા… મૈં હી શાહનવાઝ કો શામ કે વક્ત નદી કે કિનારે લે ગયા થા. મૈંને હીં ઉસે આંખે બંધ કરને કો કહા થા. મૈંને હી ઉસે ઉસકી બીબી વાપસ લાને કે લિયે કુછ લબ્ઝ બોલને કો કહા થા. ઔર મૈંને હી ઉસે પીછે સે ધક્કા માર કર નદી મેં ફેંક દીયા થા.”

પોલીસ પણ એ કૈફિયત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. શાહનવાઝ જેની મદદ લેવા ગયો હતો તે જ તેની પત્નીનો આશિક હતો અને એ જ એનો હત્યારો પણ સાબિત થયો. પોલીસે મૌલવી અબ્દુલ ગની નાઈકની ધરપકડ કરી. મૌલવી અબ્દુલ ગની નાઈક કુલગામ બેલ્ટનો નિવાસી છે. હવે તે જેલના સળિયા પાછળ છે.

કાશ્મીરની ખીણમાં પ્રણય સંબંધો અને યૌનઉત્પિડનના કિસ્સામાં અચાનક વધારો થવા પામ્યો છે. નેશનલ ક્રાઈમ બ્યૂરોના આંકડા પ્રમાણે ૨૦૧૨માં જ આ પ્રકારના મર્ડરના ૨૧ કિસ્સા નોંધાયા છે. ૨૦૧૧ કરતાં આ પ્રકારના કિસ્સામાં ૩૭.૫ ટકાનો વધારો થયો છે. ૨૦૧૨માં આવા આઠ જ મર્ડર થયાં હતાં. લાગે છે કે કાશ્મીરના સૌંદર્યને પણ હવે ખૂનથી લાલ કરવામાં આવી રહ્યું છે.

www.devendrapatel.in

રાજકીય પક્ષોને વિદેશમાંથી કરોડોનું ફંડ કોણે આપ્યું?

ભારતની બિન સરકારી સંસ્થાઓને ૫૦,૦૦૦ કરોડનું ધન કોણે આપ્યું?

સમગ્ર દેશની નજર પાંચ રાજ્યોની ચૂંટણીઓ પર છે. કેટલાંક રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપા વચ્ચે સીધી ટક્કર છે, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલા યોજાઇ રહેલી આ ચૂંટણીઓ કોંગ્રેસ અને ભાજપા માટે લીટમસ ટેસ્ટ હશે. આ બધામાં સહુથી રસપ્રદ ચૂંટણી દિલ્હીની છે. દિલ્હીમાં કોંગ્રેસના શીલા દીક્ષિત છેલ્લા ૧૫ વર્ષથી દિલ્હીના મુખ્યમંત્રી છે, પરંતુ અરવિન્દ કેજરીવાલ હાથમાં ઝાડુંનું નિશાન લઇને શીલા દીદીની પાછળ પડયા છે. કોંગ્રેસના પરંપરાગત મત, ગરીબોના મત, ઝૂંપડપટ્ટીના મતોમાં તેઓ મોટું ગાબડું પાડે તેમ લાગે છે. રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં ભાજપા મોખરે રહેશે એમ લાગે છે. છત્તીસગઢમાં કાંટાની ટક્કર છે, છતાં ભાજપા પણ જીતી શકે તેવું વાતાવરણ છે.

રાજકીય પક્ષોને વિદેશમાંથી કરોડોનું ફંડ કોણે આપ્યું?

આવાજકોણ છે?

અરવિન્દ કેજરીવાલની આમ આદમી પાર્ટી દિલ્હીમાં સારા પરિણામો લાવશે તો તે ૨૦૧૪ની ચૂંટણીઓમાં બીજા રાજ્યોમાં પણ પાંખો પ્રસરાવશે. અરવિન્દ કેજરીવાલ અણ્ણા હજારે દ્વારા શરૂ કરવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનની ઉપજ છે. મૂળ તો તેઓ આવકવેરા કમિશનર હતા પરંતુ રાજીનામું આપીને અણ્ણાના આંદોલનમાં જોડાયા હતા. રાજકીય પાર્ટી શરૂ કરવાના મુદ્દે અણ્ણા સાથે મતભેદ થતાં તેઓ હવે અણ્ણાથી અલગ છે. આમ તો તેઓ ભ્રષ્ટાચારના વિરોધી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એવો આરોપ મૂક્યો છે કે, કેજરીવાલની આમ આદમી પાર્ટીને “આવાજ” નામની સંસ્થાએ કરોડો રૂપિયાનું ફંડ આપ્યું છે. ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે “આવાજ” નામની સંસ્થા આરબ દેશોમાં આવા જ આંદોલનો ચલાવવા કરોડો રૂપિયાનું ફંડ આપે છે. કેન્દ્ર સરકારે પણ આમ આદમી પાર્ટીને નોટિસ આપી વિદેશોમાંથી પ્રાપ્ત થયેલા ધનનો સ્ત્રોત જાહેર કરવા જણાવ્યું છે. “આવાજ” એક વિદેશી સંસ્થા છે.

૫૦ હજાર કરોડ રૂપિયા

આ અગાઉ પણ કેટલાક સમય પહેલાં સંસદમાં એવી માંગ ઊઠી હતી કે, ભારતમાં કામ કરતી બીન સરકારી સંસ્થાઓ- એન.જી.ઓ.ને જુદાં જુદાં સ્ત્રોતમાંથી બધી મળીને કુલ ૫૦ હજાર કરોડની મદદ મળેલી છે. આ માંગ ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જ કરી હતી. પરંતુ તેની તરફ કોઇએ ધ્યાન આપ્યું નહીં. અણ્ણા હજારેના દિલ્હીમાં જંતરમંતર પરના આંદોલન દરમિયાન અણ્ણા હજારે ઉપવાસ કરી રહ્યા હતા ત્યારે ત્યાં ઉમટેલી હજારોની ભીડને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા હતા. એ દૃશ્યો જોતાં લાગતું હતું કે, લાખ્ખો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. એ નાણા કેટલીક બીનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી આવ્યા હોવાનું મનાય છે. એ વખતે ભ્રષ્ટાચાર વિરોધી નાણાં લગાવનારા કેટલાક નેતાઓ પણ ચૂંટણીમાં ઝંપલાવશે અને બીનનિવાસી ભારતીયો પાસેથી ફંડ લઇ ચૂંટણી લડવા નીકળશે તેવો ખ્યાલ કોઇને નહોતો. આમાં સહુથી મોટો પ્રશ્ન એ છે કે કોઇપણ બીનનિવાસી બેંકના ખાતામાંથી ફંડ આપી શકે કે કેમ? આવા ધનને કાળું નાણું સમજી શકાય ખરું? આમ આદમી પાર્ટીના જે કહેવાતા બિનનિવાસી ભારતીયો દ્વારા ફંડ એકત્ર કરવાના પ્રયાસને શું હવાલા કારોબાર પણ ગણી શકાય કે કેમ?

વિદેશોને રસ કેમ છે?

 વિદેશી તાકાતો ભારતની રાજનીતિમાં ભરપૂર રસ લઇ રહી છે. નકસલવાદીઓને શસ્ત્રો અને નાણાં પૂરાં પાડે છે, પરંતુ હવે જો એ તાકાતો ભારતની રાજકીય પાર્ટીઓને પણ પૈસા આપતી હોય તો તે એક ભયજનક ચેતવણી છે. વિદેશી તાકાતો ભારતની રાજનીતિને પ્રભાવીત કરવા માંગે છે. ખાસ કરીને ચીન ભારતની લોકતાંત્રિક વ્યવસ્થાને ખતમ કરવા નકસલવાદ અને માઓવાદને બધી જ રીતે પ્રોત્સાહીત કરે છે. ચીન કે બીજી કોઇ છૂપી તાકાતો ભારતની લોકતાંત્રિક વ્યવસ્થાને ખતમ કરી ભારતમાં અરાજકતા લાવવા માંગે છે. આમ આદમીને ભલે એક રૂપિયો જ મળ્યો હોય પરંતુ તેનો સ્ત્રોત જાહેર ના થાય ત્યાં સુધી તે અંગે કહેવું અત્યારે વહેલું હશે. જો વિદેશી ધનનો ઉપયોગ ભારતની ચૂંટણીઓમાં થશે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિદેશી તાકાતોની કઠપૂતળી જ બની રહેશે. આ તો સારું થયું કે અણ્ણા હજારે કેજરીવાલ એન્ડ કા.થી સમયસર અલગ થઇ ગયા. કેજરીવાલનું અંગત જીવન સાદગીપૂર્ણ છે, પરંતુ જો તેઓ વિદેશમાંથી ધન મેળવી પાર્ટી ચલાવતા હોય તો તેની તપાસ થવી જરૂરી છે. કેજરીવાલને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવવાનો અધિકાર છે, પરંતુ વિદેશી ધનના આધારે તે આંદોલન હોય તો તેમની પ્રામાણિકતા વિશે કોઇને સંદેહ ઊભો થઇ શકે છે.

વેદાન્તા-ડાઉકેમિકલ્સ

ચૂંટણીમાં ફંડ એકત્ર કરવાની બાબતમાં કોંગ્રેસ અને ભાજપા પર પણ આરોપ છે. બંને પક્ષો કરોડો રૂપિયા ચૂંટણી પ્રચાર વખતે વાપરે છે, પરંતુ આ બંને પાર્ટીઓ પર એવો આરોપ મૂકી શકાય તેમ નથી કે તેઓ વિદેશમાંથી ચૂંટણી ફંડ એકત્ર કરે છે. એક વખત ભાજપાએ નાની ભૂલ કરી હતી પરંતુ તરત જ તેણે એ ભૂલ સુધારી લીધી હતી. ભોપાલમાં ગેસ કાંડ કરનાર બદનામ કંપની યુનિયન કાર્બાઇડને ખરીદવાવાળી ડાઉ કેમિકલ્સ કંપનીએ આપેલું ફંડ ભાજપાએ પાછું આપી દીધું હતું.

અલબત્ત, વેદાન્તા કંપનીએ તેની ભારતીય કંપનીઓ દ્વારા કોંગ્રેસ અને ભાજપાને પાંચ-પાંચ કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપ્યું હતું. હા, એ કંપનીએ તેની ભારતીય શાખાની કંપનીઓ દ્વારા એ ફંડ આપ્યું હોઇ તે વિદેશી ધન ગણાય નહીં એવો એ બંને રાજકીય પક્ષોનો દાવો છે. આ બધું જ આર્થિક ઉદારીકરણની ઉપજ છે. બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે વેદાન્તા જૂથની સ્ટાર લાઇટ ઇન્ડિયા નામની એક કંપનીએ વાજપેઇના શાસન વખતે બાલ્કો નામની કંપની મફતના ભાવે ખરીદી હતી. એ જ રીતે ડાઉ કેમિકલ્સ એ જ કંપની છે જે ભારતમાં એવરેડી ટોર્ચ બનાવે છે. વિદેશી કંપનીઓ ભારતમાં તેની સહાયક કંપનીઓ ખરીદે છે અને તેમના ઉત્પાદનોને ભારત પર લાદી કરોડોનો નફો રળે છે. એ સ્પષ્ટ છે કે આવી કંપનીઓ ભારતની વ્યાપારી પ્રણાલીને પોતાની તરફે રાખવા આવા ચૂંટણી ફંડ આપીને ભારતની રાજનીતિને પ્રભાવીત કરવા પ્રયાસ કરતા હોય છે. સામાન્ય માનવીને તો બિચારાને આ બધી ભીતરની વાતોની ખબર જ હોતી નથી. આ સંજોગોમાં આમ આદમી પાર્ટીને કહેવાતા હવાલા દ્વારા કરોડોનું ધન અમેરિકા અથવા બીજા કોઇ દેશમાંથી મળ્યું હોય તો તેની પૂરેપૂરી તપાસ થવી જોઇએ.

નેતાઓએ દિવાળી ઊજવી પણ પ્રજાને રામરાજ્ય ક્યારે ?

માત્ર નેતાઓ-બ્યૂરોક્રેટ્સનાં ઘરે દિવાળી પરંતુ પ્રજાનાં ઘરે તો અંધારું જ અંધારું !

વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પાછલું વર્ષ દેશવાસીઓ માટે અનેક વિટંબણાઓથી ભરેલું રહ્યું. વિશ્વની આર્થિક મંદી, ડોલર સામે નબળો રૂપિયો, પેટ્રોલ-ડિઝલના ભાવોમાં છાશવારે વધારો, ડુંગળી-ટમેટાંના ભાવોમાં અસહ્ય વધારો, ક્યાંક દુષ્કાળ તો ક્યાંક જરૂર કરતાં વધારે વર્ષાથી ખેતીની બરબાદી અને જીવન જરૂરિયાતની તમામ ચીજોમાં મોંઘવારીના મારથી દેશની આમપ્રજા પીસાતી રહી. ગરીબો અને મધ્યમવર્ગના લોકો માટે જીવન દોહ્યલું રહ્યું.

નેતાઓએ દિવાળી ઊજવી પણ પ્રજાને રામરાજ્ય ક્યારે ?

નેતાઓ-બ્યૂરોક્રેટ્સ

વીતેલા વર્ષનું સરવૈયું જોઈએ તો દેશના નેતાઓએ ગરીબોની મજાક થાય તે રીતે વૈભવી જીવનમાં આળોટવાનું ચાલુ રાખ્યું. નેતાઓ હેલિકોપ્ટર્સ અને ચાર્ટર્ડ વિમાનોમાં ઊડતાં રહ્યાં અને ફાઈવસ્ટાર કલ્ચરનું ઐશ્વર્ય ભોગવતા રહ્યા. અમદાવાદ, ગાંધીનગર, સુરત, દિલ્હી, મુંબઈ, પૂણે, હૈદરાબાદ, ચેન્નઈ જેવાં ઝડપથી વિકસી રહેલાં શહેરોની આસપાસની કરોડોની જમીનોના માલિકો હવે રાજકારણીઓ છે. એવું જ બ્યૂરોક્રેટ્સનું છે. રાજ્યોના ટોચના અધિકારીઓ પૈકી ઘણા બધા અબજોની સંપત્તિના માલિકો છે. કમનસીબે આ દેશની સિસ્ટમ જ એવી ગોઠવાઈ છે કે, નેતાઓ અને બ્યૂરોક્રેટ્સ વધુ ને વધુ પૈસાદાર થતાં જાય છે અને પ્રજા વધુ ને વધુ પીસાતી જાય છે. ખરી દિવાળી તો નેતાઓ અને બ્યૂરોક્રેટ્સના જ ઘરે હતી, બાકી સામાન્ય પ્રજાએ તો નામની જ દિવાળી ઊજવી.

રામરાજ્ય ક્યારે ?

આ દેશની પ્રજાને હંમેશાં રામરાજ્યની અભિપ્સા રહેલી છે. દીપોત્સવી આમેય પ્રકાશનું પર્વ છે. ભગવાન શ્રીરામ તે દિવસે લંકા પર વિજય મેળવીને અયોધ્યા પધાર્યા તે દિવસને આ દેશના લોકો દિવાળી કહે છે, પરંતુ એ ઘટનાના પાંચ હજાર કરતાં વધુ વર્ષો વીતી ગયા બાદ આજે પણ લોકો રામરાજ્યથી દૂર છે. આ દેશમાં જ્યારે રામરાજ્ય હતું ત્યારે કોઈને પણ દૈહિક, દૈવિક અને ભૌતિક તાપ નહોતો. સ્વતંત્રતાની પ્રાપ્તિ બાદ મહાત્મા ગાંધીજીએ ભારતમાં રામરાજ્યની કલ્પના કરી હતી. રામરાજ્યનો એમનો મતલબ કોઈ કટ્ટરવાદનો નહોતો, પરંતુ દરેક ધર્મના લોકોની સુખાકારીનો હતો. આજે દેશના કેટલાક નેતાઓ રામ અને રહીમનો પોતાના રાજકીય સ્વાર્થ ખાતર જ ઉપયોગ કરી રહ્યા છે. જેઓ પોતાની જાતને સેક્યુલર કહે છે તેઓ પણ દંભી છે અને પોતાને નોનસેક્યુલર કહે છે તેઓ પણ દંભી છે. રામમંદિરનો ઉપયોગ એક પક્ષ સત્તા હાંસલ કરવા માટે કરે છે તો બાબરી મસ્જિદનો ઉપયોગ બીજો પક્ષ પણ સત્તા હાંસલ કરવા માટે જ કરે છે. કોઈ હિન્દુઓના મસીહા બનવા નીકળ્યા છે તો કોઈ મુસલમાનોના. કોઈ દલિતોના ઉદ્ધારક હોવાનો દાવો કરે છે તો કોઈ યાદવોના. કોઈ ક્ષત્રિયોના નેતા છે કે તો કોઈ જાટોના. આ બધાએ ભેગા થઈ આખા દેશને રવાડે ચડાવી દીધો છે અને પ્રજામાં કોમવાદ અને જ્ઞાતિવાદની ચિનગારી ચાંપી દેશમાં કોમ કોમ વચ્ચે અને જ્ઞાતિ-જ્ઞાતિની વચ્ચે ભાઈચારાની લાગણીને આગ લગાડી દીધી છે. આવા રાજકારણીઓ બેશક રામ નથી જ.

રામ કેવા હતા ?

ભગવાન શ્રીરામ તો આ દેશના સમાજના આદર્શ હતા. એમણે શબરી જેવી પછાત કોમની મહિલાનાં એંઠાં બોર ખાધાં હતાં. કેવટ જેવા ગરીબ નાવવાળાની નૈયામાં બેસી તેની જીવનનૈયા પાર કરાવી હતી. અહલ્યા જેવી પતીતાનો ઉદ્ધાર કરાવ્યો હતો. વચનપાલન માટે તેમણે અયોધ્યાની સત્તા છોડી વનવાસ પસંદ કર્યો હતો. ઋષિ-મુનિઓને રાક્ષસોના ત્રાસમાંથી ઉગાર્યા હતા. રામ ગુણવાન, પરાક્રમી, ધર્મજ્ઞા, ઉપકારી, સત્યવક્તા, એકપત્નીવતા, સમગ્ર પ્રાણીઓના હિતચિંતક, વિદ્વાન, સામર્થ્યવાન, ક્રોધને જીતવાવાળા અને સંગ્રામમાં અજેય યોદ્દા હતા. મહર્ષિ વાલ્મીકિએ આદર્શ રાજવી માટે ગણાવેલી બધી જ યોગ્યતાઓ તેમનામાં હતી. તેઓ આદર્શ રાજા જ નહીં, પરંતુ આદર્શ પતિ, આદર્શ ભાઈ, આદર્શ પિતા અને આદર્શ શિષ્ય પણ હતા. આજના શાસકોમાં આવો એક પણ ગુણ શોધવો મુશ્કેલ છે. ભગવાન રામે પિતાના વચન ખાતર સત્તાનો ત્યાગ કર્યો હતો. આજે સત્તા ખાતર ખોટાં વચનો આપનારા નેતાઓનો તોટો નથી. રામમંદિર બાંધવાનું વચન આપનારા પણ ગુમ છે. આજે પ્રજાની તિજોરીને લૂંટનારા, પ્રજાની જમીનો હડપ કરનાર સાધુ-તાંત્રિકોને બચાવનારા, બળાત્કાર અને સામૂહિક હત્યાઓ પ્રત્યે આંખ મીંચામણા કરનારા અને સાંપ્રદાયિકતાનું ઝેર રેડનારા નેતાઓની દેશમાં ભરમાર છે. રાજકીય મહાત્ત્વાકાંક્ષા સંતોષવા કેટલાક તો એકબીજાના ખૂનના પ્યાસા છે. ક્યાંક ગરીબોની કે દલિતોની વસતીઓ સળગાવી દેવામાં આવે છે તો ક્યાંક સામૂહિક નરસંહાર થઈ રહ્યો છે. માત્ર સત્તા પ્રાપ્તિ માટે કોમી દંગલો કરાવવામાં આવે છે અને નેતાઓ હત્યારાઓને છાવરે છે. મુઝફ્ફરનગરનાં તોફાનો તેનું છેલ્લું ઉદાહરણ છે. દેશમાં આતંકવાદ અને નક્સલવાદ વકર્યો છે. એ બધાંને કોઈનું કોઈ રક્ષણ છે અને સત્તાધીશોની નબળાઈ છે. આ બધામાં રામરાજ્યની કલ્પના જ ક્યાં કરવી ?

પશ્ચિમની આંધળી નકલ

ખરી વાત એ છે કે, ભૌતિકવાદની આંધળી દોટમાં આ દેશ તેના ભવ્ય આધ્યાત્મિક વારસાને ભૂલી ગયો છે. આઝાદી પછી કે પહેલાં આ દેશના લોકોએ રામાયણને આત્મસાત્ કરવાના બદલે પશ્ચિમની આંધળી નકલ કરવાનું પસંદ કર્યું છે. આઝાદી પછી ભારતનું બંધારણ, સંસદીય લોકશાહી પદ્ધતિ અને કાયદા કાનૂનમાં પણ ઇંગ્લેન્ડની આંધળી નકલ કરી છે. બંધારણના ઘડવૈયા શ્રેષ્ઠ હતા અને તેમની નિષ્ઠા પણ સંપૂર્ણપણે રાષ્ટ્રપ્રેમની હતી, પરંતુ અંગ્રેજોની શાસન પ્રણાલિનો પણ આ દેશના તમામ નેતાઓ પર પ્રભાવ હતો. ભારતના નવા શાસકોને દેશની શાસન પ્રણાલિ માટે બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની જેવા દેશો નજર સમક્ષ રાખ્યા, પરંતુ ભારતના નેતાઓને રામરાજ્ય કૌટિલ્ય કે વિક્રમાદિત્ય કદી નજર સમક્ષ આવ્યા નહીં. જેનું પરિણામ આપણી નજર સમક્ષ છે. દેશ નેતાઓ ચલાવે છે કે અધિકારીઓ એ જ સમજાતું નથી. ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી આખો દેશ અને રાજ્યો ખદબદે છે. રાજનીતિમાં અપરાધીઓ ઘૂસી ગયા છે. કેટલાક નેતાઓ તો જેલમાં જ દિવાળી મનાવતા રહ્યા. હવે તો અદાલતો અને સંસદ એકબીજાની સામે આવી જાયતેવી પરિસ્થિતિ છે. ૬૫ વર્ષ બાદ સીબીઆઈ પોતે જ ગેરકાનૂની છે એવા ચુકાદાએ દેશની સિસ્ટમને હચમચાવી દીધી છે. અનેક કૌભાંડો દ્વારા દેશને લૂંટવાનું કામ જ કેટલાક નેતાઓ કરી રહ્યા છે.

આ બધામાં રામરાજ્યની કલ્પના જ મુશ્કેલ છે.

સમુદ્રમાંથી પ્રગટેલાં લક્ષ્મી જ્યારે ભગવાન વિષ્ણુને વર્યાં

કભી કભી – દેવેન્દ્ર પટેલ

Ÿ         સમુદ્રમંથનમાંથી નીકળેલું સાચું અમૃત કયું ?

એક વાર ઈન્દ્ર રાજાને રસ્તામાં દુર્વાસા ઋષિ મળી ગયા. પોતાના ગળામાં ફૂલોની જે માળા હતી તે ઉતારીને ઋષિએ ઈન્દ્રદેવને આપી, પણ ઈન્દ્રએ તે પ્રેમની કદર કરી નહીં. તેમણે ફુલોની માળા હાથીના મસ્તક પર ફેંકી દીધી. હાથી તે માળા સૂંઢથી ઉતારીને પગ નીચે કચડવા લાગ્યો. દુર્વાસા ઋષિને તે ઠીક લાગ્યું નહીં. ફુલોમાં લક્ષ્મીજીનો નિવાસ છે. દુર્વાસા ઋષિએ ઈન્દ્રરાજાને શાપ આપ્યોઃ ”તને અભિમાન થયું છે. તું દરિદ્ર થઈ જઈશ.”

સમુદ્રમાંથી પ્રગટેલાં લક્ષ્મી જ્યારે ભગવાન વિષ્ણુને વર્યાં

આ શાપ પછી દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું. યુદ્ધમાં દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ રાક્ષસોને મળ્યું. ઈન્દ્ર પાસેથી સ્વર્ગ જતું રહેતાં બધા દેવો દુઃખી થઈ ગયા. બધા દેવો પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુએ આજ્ઞા કરી : ”તમે સમુદ્ર મંથન કરો. તેમાંથી અમૃત નીકળશે, જે યુક્તિથી હું તમને પીવરાવીશ. આ કામ અત્યંત મુશ્કેલ છે તેથી દૈત્યોની પણ મદદ લો. શત્રુને વંદન કરી મિત્ર બનાવો. એમ નહીં કરો તો શત્રુ તમારા કામમાં વિઘ્ન નાંખશે. દૈત્યો પણ જે માંગે તે આપજો.”

દેવોએ દૈત્યો સાથે મૈત્રી કરી. મંદારાચલ પર્વતનો રવો બનાવ્યો. તેને સમુદ્રમાં પધરાવ્યો. સમુદ્રમાં દેવો અને દૈત્યો મંથન કરવા લાગ્યા. મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો. બધા ગભરાયા. એ વખતે કૂર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા. તેમણે પોતાની પીઠ પર મંદરાચલ પર્વત રાખ્યો. દેવો અને દૈત્યો અમૃત માટે મંથન કરતા હતા પરંતુ નીકળ્યું ઝેર. બધા ગભરાયા દેવો અને દૈત્યો ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યાઃ ” હે મહાદેવ! આ ઝેર અમને બાળે છે.”

શિવજીએ પાર્વતીજીને કહ્યું: ”આ બધા મને ઝેર પીવા કહે છે.”

પાર્વતીજીએ કહ્યું: ”પરોપકાર સારો, પણ એવો પરોપકાર શું કામનો જેનાથી આપણો વિનાશ થાય?”

શિવજીએ કહ્યું: ”મને જે થવાનું હોય તે થાય પણ આ લોકો તો સુખી થશે ને ?”

ભગવાન શિવ પધાર્યા. ‘રામ’ નામનો જપ કરતાં શિવજી ઝેર પી ગયા, પણ ઝેર તેમણે ગળામાં રાખ્યું, પેટમાં ઉતાર્યું નહીં. એ ઝેર બહાર કાઢયું પણ નહીં. એ કારણે તેમનો કંઠ નીલ થયો. દેવો અને ગાંધર્વોએ શિવજીનો જયજયકાર કર્યો. દેવો અને દૈત્યોએ મંથન ચાલુ રાખ્યું. હવે સમુદ્રમાંથી કામઘેનુ ગાય માતા પ્રગટ થયાં તે બ્રાહ્મણોને અર્પણ કરવામાં આવ્યા. તે પછી સમુદ્રમાંથી ઉચ્ચૈઃ શ્રવા નામનો ઘોડો બહાર આવ્યો. દાનવોએ માગણી કરી કે, આ ઘોડો અમને મળવો જોઈએ. રાક્ષસોને એ ઉચ્ચૈઃશ્રવા ઘોડો આપવામાં આવ્યો. તે પછી સમુદ્રમાંથી ઐરાવત નામનો હાથી બહાર આવ્યો. ઐરાવત હાથી દેવોના પક્ષમાં આવ્યો. હાથી પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. તે નારાયણને અર્પણ કર્યો. તે પછી પારિજાત નામનું કલ્પવૃક્ષ અને અપ્સરાઓ બહાર આવ્યા. તે પછી સમુદ્રમાંથી સાક્ષાત્ શ્રી મહાલક્ષ્મી પ્રગટ થઈ બહાર આવ્યા. મહાલક્ષ્મીને સોનાના પાટલે બેસાડી બ્રાહ્મણોએ વેદમંત્રો સાથે તેમનો અભિષેક કર્યો. સખીઓએ લક્ષ્મીજીને શ્રૃંગાર કર્યો. બધાને એવી ઈચ્છા થઈ કે, આ લક્ષ્મી મને મળે તો સારું.”

લક્ષ્મીજીએ કહ્યું: ”સ્વયંવર યોજો. હું બધાને જોઈશ અને એ વખતે હું મારા પતિને પસંદ કરી તેને વિજયમાળા અર્પણ કરીશ.”

સ્વયંવરનું આયોજન થયું. એક બાજુ સિંહાસન પર દેવો બિરાજ્યા. બીજી બાજુ સિંહાસન પર દાનવો બેઠા. ઋષિમુનિઓ અને તપસ્વીઓ પણ લક્ષ્મીજીને પામવાની આકાંક્ષાથી સ્વયંવરમાં આવ્યા. સખીઓ હાથમાં ફૂલમાળા સાથે લક્ષ્મીજીને વારાફરતી એક બીજાની પાસે લઈ જવા માંડી. લક્ષ્મીજીએ તપસ્વીને જોઈ સખીઓને કહ્યું: ”આ તપસ્વી છે, પણ તેમના તપને ભક્તિનો સાથ નથી. તેઓ ક્રોધ બહુ કરે છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને દેવો પાસે લઈ ગયાં. લક્ષ્મીજીએ દેવો સામે જોયું અને સખીઓને કહ્યુંં: ”દેવો કામી બહુ હોય છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગયાઃ હવે પરશુરામ ભગવાન બીરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ પરશુરામ ભગવાન છે. તેઓ કામી નથી, ક્રોધી નથી, મહાન વીર છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”… પણ તેઓ બહુ નિષ્ઠુર જણાય છે. તેઓ ક્ષત્રિયોના નાના બાળકોની હિંસા કરતા હતા. જ્યાં દયા નથી ત્યાં હું નહીં. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગઈ. અહીં માર્કન્ડેય ઋષિ બિરાજતા હતા. સખીઓ કહેવા લાગીઃ ”આ માર્કન્ડેય ઋષિ છે. તેઓ કામી નથી, ક્રોધી નથી અને નિષ્ઠુર પણ નથી. પ્રલયકાળ સુધી તેમનું આયુષ્ય છે. તેઓ મહાનજ્ઞાની પણ છે.”

માર્કન્ડેય ઋષિ સભામાં આંખો બંધ કરીને બેઠા હતા. તેઓ મનમાં વિચારતા હતા કે, લક્ષ્મી કરતાં તો મારા નારાયણ સુંદર છે. લક્ષ્મીજી તેમની સમક્ષ ઊભા રહ્યા, પણ તેમણે આંખ ઉઘાડી જ નહીં, આંખો બંધ રાખીને ઋષિ બોલ્યાઃ ”માતાજી! તમે સુંદર છો પણ તમારા કરતાં પણ નારાયણ વધુ સુંદર છે.”

લક્ષ્મીજીએ સખીઓને કહ્યું: ”આ ઋષિ તો આંખ જ ઉઘાડતા નથી. આગળ ચાલો.”

હવે આગળ ભગવાન શંકર બિરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ દેવોના દેવ છે. એમણે કામને બાળીને ભસ્મ કર્યો છે. વળી એમને કદી ક્રોધ આવતો નથી. એમના માથા પર ગંગાજી છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”બધું સારું છે, પણ એમનો વેશ બહુ સારો નથી. વાઘામ્બર ઓઢયું છે. તેમના ગળામાં તો સર્પ છે, આગળ ચાલો.”

હવે આગળ શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ બેઠેલા હતા. લક્ષ્મીજીએ તેમને જોયાં. લક્ષ્મીજીને લાગ્યું કે, ”આ જ ભગવાન સર્વગુણસંપન્ન છે. તેમનામાં એક પણ દોષ નથી. તેમની અડધી આંખ ઉઘાડી છે. અડધી આંખ બંધ છે. લક્ષ્મીજીને લાગ્યું કે આ જ ભગવાન નારાયણ છે એટલે તેમણે તરત જ ફુલોની બનેલી વિજયમાળા તેમને અર્પણ કરી દીધી. દેવો અને ગાંધર્વોએ લક્ષ્મીનારાયણ ભગવાનનો જયઘોષ કર્યો. લક્ષ્મીજીએ વિજયમાળા અર્પણ કરી એટલે ભગવાન ચારેય બાજુ જોવા લાગ્યા. પણ લક્ષ્મીજી હવે નારાયણને વરી ચૂક્યાં હતાં. દેવો અને દૈત્યો ફરી સમુદ્રમંથન કરવા લાગ્યા. સમુદ્રમાંથી ભગવાન ધન્વન્તરી હાથમાં અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા. દાનવોએ દોડીને આ ઘડો ખેંચી લીધો. અમૃત કુંભ માટે દેવો અને દાનવો વચ્ચે ઝઘડો થયો. ભગવાન નારાયણે હવે યુક્તિ કરી. તેઓ મોહિનીનારાયણ રૂપે પ્રગટ થયા. આજે તેમને પિતામ્બર પહેર્યું નહોતું. એથી ઊલટું સુંદર સ્ત્રીનું સ્વરૂપ લઈને સાડીને પહેરીને આવ્યા હતા. મોહિની નારાયણના સ્વરૂપમાં એક અદ્ભુત સ્ત્રી સૌંદર્યને જોઈને દાનવો અમૃતને ભૂલી ગયા, અને એ મોહિનીનારાયણને તાકી રહ્યા. દાનવો દોડતા તેમની પાસે ગયા અને પૂછવા લાગ્યાઃ ”તમે કોણ છો ? તમારું ઘર ક્યાં છે ? તમારાં માતા-પિતા કોણ છે ? તમારું લગ્ન થયું છે કે કેમ ?”

મોહિનીના સ્વરૂપમાં ભગવાન નારાયણે ગાલમાં હસતાં હસતાં કહ્યું: ” તમે મારું ઘર પૂછો છો, પણ મારું કોઈ ઘર નથી. જે વ્યક્તિ મારા માટે રડે છે, જે વ્યક્તિ મને પ્રેમ કરે છે તેના જ ઘરમાં હું જાઉં છું.”

એ વખતે જે દાનવના હાથમાં અમૃતનો કુંભ હતો તેની તરફ મોહિની સ્વરૂપમાં ભગવાન નારાયણ જોઈ રહ્યા. એ દાનવ તો રાજી થઈ ગયો. એને લાગ્યું કે, આ મોહિનીને મારા માટે જ પ્રેમ થઈ ગયો છે. એણે મોહિની સ્વરૂપમાં આવેલા ભગવાન નારાયણને અમૃતનો કુંભ ધરતા કહ્યું: ”બહુ પરિશ્રમ પછી આ અમૃત મળ્યું છે જે હું તમને અર્પણ કરી દઉં છું. આ અમૃત માટે અમારી અને દેવોની વચ્ચે ઝઘડો થયો છે. તમે પીરસશો તો કોઈ ઝઘડો કરશે નહીં ” એમ કહી દાનવે અમૃતકુંભ મોહિની નારાયણને આપ્યો.

હવે દેવો અને દાનવો આમને સામને બેસી ગયા. મોહિની નારાયણ પહેલાં દાનવો પાસે આવ્યા. તેમણે દાનવોને કહ્યું: ”આ કુંભમાં ઉપર પાણી જેવું અમૃત છે. તે પહેલાં દેવોને પીવરાવું અને નીચે જે અસલી અમૃત છે તે પાછળથી હું તમને પીવરાવીશ.”

મોહભંગ દાનવોએ એ વાત કબૂલ રાખી. દૈત્યોના મંડપમાં રાહુ નામનો એક દૈત્ય હતો. તેને કપટનો શક જતાં તે દેવનું સ્વરૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈ બેસી ગયો. મોહિની નારાયણને પંગતમાં કોઈ વિષમતા કરવી ઠીક લાગી નહીં. તેથી રાહુને પણ અમૃત આપ્યું. સૂર્ય અને ચંદ્રએ આંખથી ઈશારો કર્યો. પ્રભુએ સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક કાપી નાંખ્યું. રાહુ અમૃત પી ગયો હોઈ તે મર્યો નહીં. તેનાં ધડ અને મસ્તક અલગ થયા. આ ઘટનાનું અર્થઘટન કરતાં પૂ. ડોંગરેજી મહારાજ કહે છે કેઃ ”મોહિની નારાયણે ઈન્દ્રને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. અશ્વિનીકુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. સૂર્ય અને ચંદ્રને અમૃત આપતી વખતે જ તે વચ્ચે આવી ગયો. સૂર્ય બુદ્ધિનો માલિક છે જ્યારે ચંદ્ર મનનો માલિક છે. બુદ્ધિ અને મન ભક્તિમાં તરબોળ બને છે ત્યારે રાહુ આવે છે. આંખથી કે શરીરથી જે ભક્તિ કરે છે તેને રાહુ ત્રાસ આપતો નથી. પરંતુ મનથી જે ભક્તિ કરે છે તેને વિષમરૂપી રાહુ બહુ ત્રાસ આપે છે. ભગવાને તેનું માથું કાપ્યું છે પણ તે મર્યો નથી. તે અજરઅમર છે. તે ક્યારે માથું ઊંચકશે તે કહી શકાતું નથી. હું ભક્તિ કરું છું, બહુ જ્ઞાની છું, મારા મનમાં ક્રોધ નથી, કામ નથી-” એવી તમારી માન્યતા ખોટી છે. આ બધા જ વિકારો તમારી અંદર બેઠેલા છે. માનવ સહેજ ગાફેલ થાય એટલે અંદરના વિકારો બહાર આવે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી મન પર વિશ્વાસ રાખશો નહીં.

એ પછી મોહિનીનારાયણે બધું અમૃત દેવોને પીવરાવી દીધું. અમૃતનો ખાલી કુંભ રાક્ષસો સમક્ષ પછાડયો. ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા. રાક્ષસોને ખ્યાલ આવી ગયો કે, દગો થયો છે. સાડીમાં આવેલી મોહિની તે તો ભગવાન વિષ્ણુ જ હતા. દૈત્યો ક્રોધે ભરાયા. ફરી દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અમૃતના પ્રભાવથી દેવો મર્યા નહીં. અમૃતના પ્રતાપે દેવોની શક્તિ વધી. દૈત્યો હારી ગયા. દેવોને ફરી સ્વર્ગનું રાજ મળ્યું પરંતુ શુક્રાચાર્યે સંજીવની મંત્રના પ્રતાપે મરી ગયેલા દૈત્યોને ફરી સજીવન કર્યા.

નૂતન વર્ષના પ્રારંભે સમુદ્રમંથનમાંથી નીકળતા ભક્તિના માહાત્મ્યની આ પ્રેરકકથા સહુ વાચકોને અર્પણ છે. સાચું અમૃત મન પર કાબૂ દ્વારા કરવામાં આવેલી ભક્તિ જ છે. નૂતન વર્ષાભિનંદન.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

સરદારે રાજાઓને એક કર્યા આજના નેતાઓ એક થતાં નથી

સરદારની અસલી વિરાસત શું હતી ?

સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્મૃતિ સંગ્રહાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કાશ, સરદાર સાહેબ દેશના પ્રથમ વડા પ્રધાન હોત તો દેશની તસવીર અને તાસીર આજે કાંઈક ઓર જ હોત.” તે પછી વડા પ્રધાન ડો. મનમોહનસિંહે કહ્યું કે, “સરદાર પટેલ પૂરેપૂરા ધર્મનિરપેક્ષ હતા અને સરદાર પટેલ જે પાર્ટીમાંથી આવતા હતા તે જ રાજકીય પક્ષનો હું સભ્ય છું તેનો મને ગર્વ છે.”

સરદારે રાજાઓને એક કર્યા આજના નેતાઓ એક થતાં નથી

આ બંને વિધાનોનું દેશના મીડિયાએ પોતપોતાની રીતે અર્થઘટન કર્યું. તે પછી કેવડિયા કોલોની ખાતે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના શિલાન્યાસ વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું : “હું સરદાર સાહેબની જ ધર્મનિરપેક્ષતામાં જ માનું છું. સરદાર સાહેબ કોઈ એક પક્ષના નહીં, પરંતુ સમગ્ર દેશના હતા.

નેતાઓ બાખડયા

લાગે છે કે, સરદાર સાહેબની વિરાસત માટે યુદ્ધ છેડાઈ ગયું છે. સરદાર સાહેબ દેશનાં ૫૦૦થી વધુ રજવાડાંઓને એક કરી શક્યા, પરંતુ આજના નેતાઓને એક કરી શકતા નથી. જનતાદળ (યુ)ના નેતા શરદ યાદવ કહે છે કે, “આ દેશ બાવલાઓનું કબાડખાનું બની ગયો છે.” એનસીપીના નેતા શરદ પવારે પણ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે, ૬૫ વર્ષ બાદ ભાજપાને સરદાર સાહેબ કેમ યાદ આવ્યા ?” તેની સામે ભાજપાનો આક્ષેપ છે કે, “કોંગ્રેસે સરદાર સાહેબને અન્યાય કરવા સિવાય બીજું કાંઈ કર્યું નથી. વાત આટલેથી અટકતી નથી. કોંગ્રેસ પૂછે છે કે, “ગાંધીજીની હત્યા બાદ સરદાર સાહેબે દેશના ગૃહમંત્રી તરીકે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો, તમે સરદાર સાહેબની એ વિચારધારા સાથે સંમત છો ?” તેની સામે ભાજપાનો જવાબ છે કે, સત્યની ખાતરી થયા બાદ સરદાર સાહેબે જ એ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને ગાંધીજીની હત્યામાં સંઘનો કોઈ હાથ નથી તેમ કહ્યું હતું.” અલબત, ઇતિહાસના નિષ્ણાતોનો મત છે કે, ‘સરદાર સાહેબે આરએસએસ પાસે એવી બાંહેધરી માંગી હતી કે તેમનું સંગઠન રાજનીતિમાં ભાગ નહી લે. અને આવી સંઘે આપેલી એ ખાતરી બાદ જ સરદાર સાહેબે આરએસએસ પરનો પ્રતિબંધ ઉઠાવ્યો હતો. હવે આજે આરએસએસ ખુલ્લી રીતે ભાજપના નામે રાજનીતિમાં તરબતર છે અને સંઘે સરદાર સાહેબને આપેલી ખાતરીનું ઉલ્લંઘન કર્યું છે.’ આમ, આ આખો પ્રશ્ન એક ચર્ચાનો વિષય છે.

નહેરુ અને સરદાર

આ વિવાદને બાજુએ રાખીએ તો પણ એક નક્કર હકીકત એ છે કે, દુનિયાના નક્શા પર ભારતને શક્તિશાળી દેશનો દરજ્જો અપાવનાર સરદાર સાહેબ જ હતા. ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, દેશના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર સાહેબ વાતચીત કરવામાં અત્યંત મૃદુ હતા. તેઓ નિર્ણયોના મજબૂત હતા. સરદાર સાહેબે લશ્કર મોકલી હૈદરાબાદના નિઝામને નમાવી દીધા હતા અને જૂનાગઢના નવાબને પાકિસ્તાન ભાગી જવું પડયું હતું. ભારતના ભાગલાની જાહેરાત પછી પાકિસ્તાનની સેનાએ કબાલિયોનો સાથ લઈને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી, ત્યારે ભારતીય સેનાએ તે વખતના લશ્કરી જનરલ રાજેન્દ્રસિંહના નેતૃત્વ હેઠળ કાશ્મીરમાં જઈ પાકિસ્તાની સેનાને ભગાડી મૂકી હતી.

નહેરુના પિતા મોતીલાલ નહેરુ એમના જમાનાના એરિસ્ટોક્રેટ હતા. તેમની પાસે સેંકડો પેઢીઓ ચાલે તેટલી સંપત્તિ હતી. આઝાદી પહેલાં અંગ્રેજો પણ તેમના અતિથિ બનતા. આઝાદી પહેલાં જમ્મુ-કાશ્મીરમાં એક નહેર ખોદવાની જરૂર પડી. એ નહેર મોતીલાલ નહેરુની જમીનોમાં થઈ પસાર થતી હતી. પંડિત મોતીલાલ નહેરુએ એ નહેર ખોદવાની પરવાનગી આપી. અંગ્રેજોએ તે નહેર માટે જે કર ભરવાની વ્યવસ્થા કરી તેના કારણે ગામ લોકો નહેરવાળા મોતીલાલને ‘નહેરુ’ તરીકે ઓળખવા લાગ્યા. આવા મોતીલાલ નહેરુએ પણ તેમના પ્રિય પુત્ર જવાહરલાલ નહેરુને ગાંધીજીના સાંનિધ્યમાં દેશ માટે સમર્પિત કરી દીધો અને જવાહરલાલ નહેરુએ પણ તમામ ઐશ્વર્ય છોડી આઝાદી માટે અનેકવાર જેલમાં જવાનું પસંદ કર્યું. એમણે પોતાની કોઈ સંપત્તિ રાખી નહીં, જે હતું તે તમામ દેશને અર્પણ કરી દીધું. સરદાર સાહેબે પણ એ જ કર્યું. નહેરુએ તેમના વ્યક્તિત્વથી લોર્ડ માઉન્ટ બેટનથી માંડીને અનેક અંગ્રેજોને પ્રભાવિત કર્યા હતા. સરદાર સાહેબે તેમની કુનેહથી ૫૦૦થી વધુ રજવાડાંઓને ભારતમાં વિલીન કરાવી દીધા હતા. સરદાર સાહેબ પાસે પણ પોતાની કોઈ સંપત્તિ નહોતી. બેંક બેલેન્સ માત્ર ૨૬૨ રૂપિયા, બે જોડી કપડાં અને ચંપલ સિવાય તેમની પાસે કાંઈ જ નહોતું. ખુદ ગાંધીજીએ તેમના માટે કહ્યું હતું : “વલ્લભભાઈ મને મળ્યા ના હોત તો જે કામ થયું તે ન થાત.” પંડિત જવાહરલાલ નહેરુએ તેમના માટે કહ્યું હતું : “સરદાર વલ્લભભાઈનું જીવન એક મહાન ગાથા છે… ઇતિહાસનાં પાનાંઓમાં તેની નોંધ લેવાશે.” લોર્ડ માઉન્ટ બેટને તેમના માટે કહ્યું હતું : “પટેલનો સાથ મળે તો ઘણું ભારે કામ પણ સરળ થાય, પણ વિરોધ કરે તો કોઈપણ કામ થવાની આશા રાખી ન શકાય.” એક અંગ્રેજ પત્રકાર અને લેખક બ્રેશરે ૧૯૫૦માં નોંધ્યું હતું કે : “સરકારના વડા નહેરુ છે, પણ સરકાર તો સરદાર પટેલ જ ચલાવે છે.”

સરખામણી શા માટે ?

સરદાર અને નહેરુની સરખામણી અને હવે વિવાદ સાવ અપ્રસ્તુત છે. બંને એકબીજાના પૂરક હતા. ભારતને આઝાદી મળે તે માટે બંનેએ સંઘર્ષ કર્યો છે. બેઉ ગાંધીજીના અનુયાયી હતા. સાચી વાત એ છે કે, ગાંધી-નહેરુ- સરદારની ત્રિપુટીએ જ અંગ્રેજોને હાંકી કાઢવા એકબીજાના પૂરક બની એક ‘ત્રિદેવ’ જેવી તાકાત ઊભી કરી હતી. હવે આ બધાની એકબીજા સાથેની સરખામણી આજના સમયે અર્થપૂર્ણ નથી. એમ કરવાથી આપણે કોઈ એકને જાણે અજાણે અન્યાય કરી બેસીએ છીએ. નહેરુ અને સરદાર બંને ગાંધીજીના નેતૃત્વ હેઠળના સ્વાતંત્ર્ય સંગ્રામના અપ્રતિમ સાથી હતા. બંનેએ ગાંધીજીને પોતાના ગુરુ માન્યા હતા. નહેરુએ ૧૯૧૮માં અને સરદારે ૧૯૧૭માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. આયુષ્યમાં નહેરુ ગાંધીજીથી ૨૦ વર્ષ નાના અને સરદાર ગાંધીજીથી ૬ વર્ષ નાના હતા. ગાંધીજી નહેરુને પુત્રવત્ અને સરદારને નાના ભાઈ જેવા ગણતા. નહેરુ સરદાર કરતાં ૧૪ વર્ષ નાના હતા. ઉંમર, ઉછેર અને વિચારમાં બંને વચ્ચે અંતર હોવા છતાં બેઉ એકબીજાની શક્તિ અને સીમાઓથી પરિચિત હતા. બંને વચ્ચે કેટલીક બાબતોમાં ભિન્ન વિચારો હોવા છતાં બેઉ એકબીજાની આમન્યા રાખતા. આજે વૈચારિક મતભેદો કોની વચ્ચે નથી ? કોંગ્રેસ અને ભાજપા વચ્ચે નથી ? કોંગ્રેસની ભીતર સોનિયા ગાંધી અને મનમોહનસિંહ વચ્ચે નથી ? ભાજપાની ભીતર નરેન્દ્ર મોદી અને એલ. કે. અડવાણી વચ્ચે નથી ? શિવસેના, એનસીપી, ડાબેરીઓ કે જનતાદળ (યુ)ની અંદર પણ મતભેદો નથી ? નહેરુ અને સરદાર વચ્ચે રાજકીય મતભેદો હોવા છતાં બેઉનું એકબીજા પ્રત્યેનું સન્માન અને ગૌરવ આજના રાજકારણીઓને નહીં સમજાય. નહેરુ અને સરદારની સરખામણી એ બંને ઉત્કૃષ્ટ નેતાઓને અન્યાય કરનારી બની રહેશે.

સરદારની વિરાસત

સરદારની વિરાસત માટે આજે નેતાઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. પણ હકીકત એ છે કે, સરદાર માત્ર પટેલોના, માત્ર ગુજરાતના, કે માત્ર કોંગ્રેસના નેતા નહોતા. સરદાર કોઈ કોમના કે કોઈ સમુદાયના નેતા નહોતા. સરદાર સાહેબ સમગ્ર રાષ્ટ્રના નેતા હતા. સરદાર વગર નહેરુ જ નહીં, પરંતુ ગાંધીજી પણ અધૂરા હતા. ખુદ ગાંધીજીએ કહ્યું છે કે, “સરદાર ના હોત તો જે કામ થયું છે તે થયું ના હોત.” રાષ્ટ્રના એક મહાન સપૂતની વિરાસત માટે આજે નેતાઓ ઝઘડે છે, પરંતુ સરદાર સાહેબ મૃત્યુ પામ્યા ત્યારે તેમનું બેંક બેલેન્સ માત્ર રૂ. ૨૬૨ હતું. આજે દેશના એક પણ નેતાની હિંમત છે કે તેઓ પોતાની વિરાસત-સંપત્તિની જાહેરાત કરે ! કોંગ્રેસ અને ભાજપાના નેતા પૈકી એકની પણ તાકાત છે કે, જે છાતી ઠોકીને કહે કે, “રાજનીતિ કરતી વખતે હું મારી સંપત્તિ નહીં વધારું. મારા પુત્ર-પુત્રીઓ, જમાઈઓની પરવા નહીં કરું !” સરદાર સાહેબનાં પુત્રી મણિબહેન પટેલ તો જિંદગીભર અમદાવાદમાં એક ભાડાંના મકાનમાં રહ્યાં અને રિક્ષામાં જ ફર્યાં. સરદાર સાહેબની વિરાસત અપનાવવી હોય તો સરદાર સાહેબની સાદગીની, રાષ્ટ્રપ્રેમની, અકિંચનપણાની અને સર્વધર્મસમભાવની અપનાવો. સરદારની અસલી વિરાસત આ હતી.

સરદારે દેશના ૫૦૦ રાજાઓને એક કર્યા. આજે દેશના નેતાઓ સરદારના નામે પણ એક થઈ શકતા નથી. કેવી વક્રતા ?

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén