Devendra Patel

Journalist and Author

Month: March 2014

સ્કોચ ને બ્યૂટીફૂલ સ્ત્રીઓનું સાંનિધ્ય છતાં શ્રેષ્ઠ માનવી

કભી કભી – દેવેન્દ્ર પટેલ

મૃત્યુ પહેલાં જ પોતાના માટે શોકાંજલિ લખનાર ખુશવંતસિંહે લોકોને ખુશી આપી

સાદિયા દહેલવી એક ખૂબસૂરત મહિલા પત્રકાર છે. લેખિકા પણ છે. તેઓ દિલ્હીમાં યોજાયેલા એક કેલિગ્રાફી પ્રદર્શનમાં ફરી રહ્યાં હતાં ત્યારે ખુશવંતસિંહ તેમની તરફ ગયા અને કહ્યું : “તમે આટલાં બધાં સુંદર કેમ છો ?”

સાદિયા સ્તબ્ધ થઈને સાંભળી રહ્યાં. તેઓ આ પ્રકારના પ્રશ્ન માટે તૈયાર નહોતાં છતાં પોતાના મનોભાવ મનમાં જ રાખીને બોલ્યાં : “વેલ, કારણ કે હું સુંદર વ્યક્તિ છું માટે.”

સ્કોચ ને બ્યૂટીફૂલ સ્ત્રીઓનું સાંનિધ્ય છતાં શ્રેષ્ઠ માનવી

ખુશવંતસિંહ બીજી જ ક્ષણે બોલ્યા : “કાલે, મારા ઘરે, સાંજે ૭ વાગે.”

આ વાતને ૩૦ વર્ષ થઈ ગયાં, પરંતુ સાદિયા દહેલવી તેમના અંતરંગ વર્તુળમાં ગૌરવપૂર્ણ રીતે આ વાત કહેતાં ઉમેરે છે : “મારી જેમ બીજા અનેક લોકોને સ્પર્શી ગયા, તેમનાં લખાણોથી, કોઈને નોકરી અપાવીને કે નવા પત્રકારો-લેખકોની હસ્તપ્રત વાંચીને કે શીખવીને. મારા જીવન અને લેખન પર તેમનો ખૂબ જ પ્રભાવ રહ્યો.”

દેશના સુપ્રસિદ્ધ લેખક અને પત્રકાર ખુશવંતસિંહ હવે રહ્યા નથી. અંગ્રેજી ભાષાના આ લેખકે ૯૯ વર્ષની વયે દિલ્હીમાં તેમના નિવાસસ્થાન સુજાનપાર્ક ખાતે અંતિમ શ્વાસ લીધા. તેઓ પદ્મભૂષણથી સન્માનિત હતા. ૧૯૮૪માં અમૃતસરના સુવર્ણમંદિરમાં લશ્કરના પ્રવેશના વિરોધમાં તેમણે એ સન્માન પાછું આપી દીધું હતું. ૨૦૦૭માં ફરી તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખુશવંતસિંહનો જન્મ ૧૯૧૫માં હાદલી (હાલના પાકિસ્તાન) ખાતે થયો હતો.

એક પત્રકાર તરીકે પોતાની કારકિર્દી શરૃ કરનાર ખુશવંતસિંહે ‘ઇલસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયા’નું સંપાદન કર્યું હતું. તે પછી ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના તંત્રીપદે પણ રહ્યા હતા. ત્યાર પછી ‘વિથ મેલાઈસ ટુ વન એન્ડ ઓલ’ નામની સિન્ડિકેટેડ કોલમ હમણાં સુધી લખતા રહ્યા હતા. પોતાના લાંબા જીવનકાળ દરમિયાન તેમણે પત્રકાર, લેખક, વકીલ, રાજનીતિજ્ઞા અને સાંસદ તરીકે કામ કર્યું, પરંતુ વાંચવું-લખવું એ જ એમનો શોખ હતો. ખુશવંતસિંહે પરંપરાગત પત્રકારત્વ છોડીને એક નવા જ પ્રકારના પત્રકારત્વનો આરંભ કર્યો હતો. સેક્સ પર આધારિત તેમના લેખોના કારણે તેઓ વિવાદમાં પણ રહ્યા.

તેઓ કહેતા હતા : “કોઈપણ વસ્તુ છુપાવવાની મારામાં હિંમત નથી. શરાબ પીઉં છું. હું નાસ્તિક છું એ વાત મેં કદી છુપાવી નથી. હું કહું છું કે, મારો કોઈ દીન-ઇમાન કે ધરમ નથી.”

ખુશવંતસિંહ પોતાની જિંદગી પોતાની શરતો પર જીવ્યા. તેમના ઘરના બારણાની બહાર એક સૂચના લખેલી રહેતી : “તમારા આગમનની મને અપેક્ષા ના હોય તો ડોરબેલ વગાડવો નહીં.”

રાતના ૮ વાગ્યાનો સમય તેમનો કટ ઓફ સમય હતો. તમારે એમને મળવું હોય તો સાંજે ૭ વાગે જ પહોંચી જવું પડતું. આઠ વાગે એટલે તેઓ તમને જમવા ઊભા કરી દે : “ચલો બોટમ્સ અપ કરો.” તેઓ સિંગલ માલ્ટ વ્હિસ્કીના શોખીન હતા. ખુશવંતસિંહને કોઈ પાર્ટીમાં બોલાવે તો આઠ વાગે તેમને ડિનર પીરસી દેવું તે તેમની પૂર્વશરત રહેતી. પોતાના ઘરમાં પાર્ટી આપી હોય તો પણ મહેમાનોએ નવ વાગે રવાના થઈ જવું પડતું. તેમના જન્મ દિવસે તેમના ઘરે આવતા મહેમાનોમાં વડા પ્રધાન ડો. મનમોહનસિંહ પણ હોય અને એલ. કે. અડવાણી પણ હોય. બીબીસીના પૂર્વ પત્રકાર માર્ક તુસી પણ હોય અને કોઈ એમ્બેસેડર પણ હોય. કોઈ એક્ટર, ડિરેક્ટર અને એક્ટ્રેસ પણ હોય. નવોદિત લેખકો પણ હોય અને સુપ્રસિદ્ધ નવલકથાકાર પણ હોય. રોજ સવારે પાંચ વાગે ઊઠીને લખવા બેસવું તે તેમનો નિયમ હતો.

ખૂબસૂરત મહિલાઓની કંપની તેમને ગમતી હતી. એ કારણથી તેઓ ‘લેડીઝ મેન’ તરીકે પણ જાણીતા હતા. તેમને રૃપાળી ર્ગોર્જિયસ સ્ત્રીઓ ગમે છે તે વાત તેઓ કદી છુપાવતા નહીં. તેમના રોજના દરબારમાં સ્ત્રીઓ તો હોય જ. સુપ્રસિદ્ધ લેખિકા શોભા ડે તેમના માટે કહે છે : “શું તેઓ ડર્ટી ઓલ્ડમેન હતા ?

ના.

જરા પણ નહીં. સ્ત્રીઓને નિરાશ કરે તેવા. સ્ત્રીઓને તેઓ જાહેરમાં ફ્લર્ટ કરતા, પરંતુ એ બધું વાતોમાં જ. નો એક્શન, પરંતુ મંત્રમુગ્ધ કરે તેવા તો ખરા જ. એ કારણે જ રૃપાળી સ્ત્રીઓ તેમની કંપનીમાં સુવિધાજનક અનુભવ મહેસૂસ કરતી. બીજાઓ માને છે તેવું તેઓ કાંઈ જ ના કરતા. એમના માટે બસ એ વાત ‘મિથ’ જ હતી. એ જ રીતે તેઓ અત્યંત દારૃડિયા-શરાબી નહોતા. એક સભ્ય સમાજને શોભે તેમ સિંગલ માલ્ટનો ધીમે ધીમે ઘૂંટ પીતાં. તેઓ ડિનર પહેલાં માફકસરનું જ ડ્રિંક લેતા. પુસ્તક વાંચતા વાંચતા વહેલા સૂઈ જતા. તેઓ જેટલા તેમના કવિઓને વિદ્વાનોને જાણતા હતા એટલું જ તેમના પક્ષીઓને અને વૃક્ષોને પણ જાણતા હતા.”

તેમણે એક મહિલા પત્રકારને ઈન્ટરવ્યૂ આપતી વખતે કહ્યું હતું : “વિશ્વની તમામ વ્યક્તિઓને સેક્સનું ઓબ્સેશન હોય છે. દરેક પરિણીત સ્ત્રી કે પુરુષને લગ્નથી બહાર કોઈની સાથે સંબંધ બાંધવાની ફેન્ટસી હોય છે… પરંતુ થોડા લોકો જ એમ કરવાની હિંમત કરી શકે છે. બાકીના તેમ કરી શકતા નથી.”

“તમે એવી હિંમત કરી હતી ?” મહિલા પત્રકારે પૂછી લીધું.

ખુશવંતસિંહે ‘નન કમિટલ’ જવાબ આપ્યો હતો. ના ‘હા’ કહી ના ‘ના’ કહી.

હિમાલયની પર્વતમાળા વચ્ચે આવેલું કસૌલી તેમનું પ્રિય સ્થળ હતું. છેલ્લાં ૫૦ વર્ષથી ખુશવંતસિંહ તેમનો ઉનાળો અહીં પસાર કરતા. અહીં તેમના પિતાના સમયની એક કોટેજ પણ હતી. અહીં પણ તેમના અનેક મિત્રો હતા. અહીં રહેતા એકનાથ બાથ નામના તેમના એક મિત્ર કહે છે : “સાંજે ૭ વાગે એટલે તેમનો દરબાર ભરાતો. સાંજ પડે એટલે સ્કોચ, ચીઝ, ક્રેકર્સ અને રૃપાળી મહિલાઓની કંપની તેમને ગમતી. તેમાં મારી પત્ની પણ ખરી.”

એકનાથનાં પત્ની આશિમા કે જેઓ કસૌલીની લોરેન્સ સ્કૂલમાં શિક્ષિકા છે તેઓ કહે છે : “હું તો મારી સીટ તેમની બાજુમાં જ અનામત રાખતી. પૂરા એક કલાક સુધી તેઓ અમને તેમના જીવનની અનેક વાતો કરી મંત્રમુગ્ધ કરતા.”

ખુશવંતસિંહ નાસ્તિક પણ હતા. તેઓ કહેતા : “વર્ક ઇઝ વર્શીપ, વર્શીપ ઈઝ નોટ વર્ક.”

ખુશવંતસિંહ પોતે સરદારજી હતા, પરંતુ તેઓ સરદારજીની જોક્સ પણ તેમના કોલમોમાં લખતા, એકવાર શીખ સમાજના સર્વોચ્ચ સંગઠને કડક પત્ર લખી તેમને સરદારજીની જોક્સ ના લખવા ફરમાન મોકલ્યું હતું. તેના જવાબમાં ખુશવંતસિંહે જવાબ લખ્યો હતો : “ગો ટુ હેલ.”

એ જવાબ પછી શીખ સંગઠને વળતો કોઈ પત્ર લખ્યો નહોતો.
ખુશવંતસિંહ જીવવાથી કે મૃત્યુથી ડરતા નહોતા. કોઈના પણ વિશે લખતા ડરતા નહોતા.

ખુશવંતસિંહની ઇચ્છા હતી કે લોકો તેમને ખુશી દેવાવાળી વ્યક્તિ તરીકે યાદ કરે. કેટલાંક વર્ષો પહેલાં તેમણે પોતાના મૃત્યુ પછીની અંજલિ રૃપે લખ્યું હતું કે, “અહીં એક એવી વ્યક્તિ સૂઈ ગઈ છે કે જેણે ના માનવીને બક્ષ્યો કે ના ભગવાનને. તેના માટે આંસુ સારશો નહીં.”

આવા ખુશવંતસિંહ હજારો લેખકો અને પત્રકારોની કાયમ માટે પ્રેરણા બની રહેશે.
ખુશવંતસિંહે તેમની જ કોલમમાં લખેલો એક જોક અહીં પ્રસ્તુત છે :

રાત્રે દુકાન બંધ થવાના સમયે એક ગ્રાહક દુકાનમાં પહોંચ્યો. તેણે પૂછયું : “સિંગતેલ છે ?”

દુકાનદારે કહ્યું : “સરદારજી છો ?”

ગ્રાહકે ખિજાઈને કહ્યું : “શું હું મસાલા ઢોંસાનો લોટ માગત તો તમે મને મદ્રાસી કહેત ?”

દુકાનદારે કહ્યું : “ના.”
“તો હું સરદારજી છું એમ કેમ પૂછયું ?”
“કારણ કે તમે દારૃની દુકાનમાં ઊભા છો અને તેલ માગી રહ્યા છો.”
– આવી જોક ખુશવંતસિંહ જ લખી શકે.
– દેવેન્દ્ર પટેલ

ચૂંટણીફંડ આપવું હોય તો આપે, ચા પીવા નહીં આવું

મોટા મોટા ઉદ્યોગપતિઓને પણ જ્યારે સરદાર સાહેબે રોકડું પરખાવી દીધું હતું

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ માથે ગાજી રહી છે. ૭૦ એમ.એમ.ના સ્પેક્ટેક્યુલર ૩ ડી શો જેવી ચૂંટણીઓના પ્રચાર માટે જંગી રેલીઓ, વિમાન- હેલિકોપ્ટર્સના ઉડ્ડયનો અને વિજ્ઞાાપનો પાછળ થઈ રહેલા કરોડો રૃપિયાના ખર્ચા જોતાં એમ જ લાગે છે કે, જે દેશમાં ૪૦ કરોડથી વધુ લોકો ગરીબી અને ભૂખમરાની સ્થિતિમાં જીવે છે તે દેશના નેતાઓ અને તેમની પોલિટિકલ પાર્ટીઓ જ અમીર છે. આ અબજો રૃપિયા કોણ આપે છે?એ અબજો રૃપિયા આપનાર ઉદ્યોગપતિઓ જે કોઈ પક્ષ સત્તા પર આવશે તેની પાસેથી તે જનતાને લૂંટવાનો ક્યો પરવાનો લઈ લેશે? ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ, ગેસ કે વીજળીના ભાવો આસમાને તો નહીં પહોંચેને ?

ચૂંટણીફંડ આપવું હોય તો આપે, ચા પીવા નહીં આવું

જે.આર.ડી. તાતા

ગાંધીજી અને સરદાર સાહેબ આજે હયાત હોત તો ૨૦૧૪ની ચૂંટણીઓના પ્રચાર પાછળ ખર્ચાતા અબજો રૃપિયાના આંધણને જોઈને આપઘાત જ કરવાનું પસંદ કરત. અહીં એક પ્રસંગ નોંધનીય છે. આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી તરીકે સરદાર સાહેબ હતા. સામાન્ય જનતા, પક્ષના કાર્યકરો ઉપરાંત ઉદ્યોગપતિઓ સાથે પણ સરદાર સાહેબને નિકટના સંબંધો હતા. ઈ.સ. ૧૯૩૫માં પ્રાંતિય ધારાસભાની ચૂંટણી વખતે ડો. રાજેન્દ્રપ્રસાદે સરદાર સાહેબને કહ્યું કે, ”જે.આર.ડી.તાતા ચૂંટણીફંડ આપવા માગે છે પણ તેની કેટલીક શરતો છે! એ પછી સરદાર સાહેબે જે.આર.ડી.તાતાને બોલાવ્યા. તાતાએ માગણી કરી કે ”ચૂંટણીફંડ તો આપું પરંતુ ઉમેદવારોની પસંદગી સમિતિમાં મારો એક માણસ મૂકો.”

સરદાર સાહેબે એ માગણીને ફગાવી દેતા કહ્યું: ”તમારી કંપનીના મેનેજમેન્ટમાં અમારો કોઈ માણસ મૂકશો ખરા? તેથી તમારી માગણી હું સ્વીકારી શકું તેમ નથી.”

સરદાર સાહેબની આ વાત સાંભળી તાતા ઢીલા પડી ગયા અને સહી કરેલો કોરો ચેક સરદાર સાહેબના ટેબલ પર મૂકી હસતાં હસતાં વિદાય થઈ ગયા હતા.

દાલમિયાં શેઠ

એક વાર દાલમિયાં શેઠના સેક્રેટરી ધર્મદેવ સરદાર સાહેબના સેક્રેટરીને મળવા ગયા અને તેમણે કહ્યું: ”દાલમિયાં શેઠ બે લાખ રૃપિયાનું ચૂંટણી ફંડ આપવા તૈયાર છે. સરદાર સાહેબ એ રકમ સ્વીકારશે ખરા ?”

સરદાર સાહેબના સેક્રેટરીએ સરદાર સાહેબને પૂછયું તો સરદાર સાહેબે કહ્યું: ”લઈશું.”

બીજા દિવસે દાલમિયા શેઠના સેક્રેટરી ફરી પાછા આવ્યા અને સરદાર સાહેબના સેક્રેટરીને કહેવા લાગ્યાઃ ”દાલમિયાં શેઠ ઈચ્છે છે કે, સરદાર સાહેબ તેમના ઘેર ચા પીવા આવે એ સમયે તેઓ રકમ સુપરત કરશે.”

સરદાર સાહેબના સેક્રેટરીએ આ વાત સરદાર સાહેબને કરી. વાત સાંભળતા જ સરદાર સાહેબ તાડૂક્યાઃ ”દાલમિયાં શેઠને કહેરાવી દો કે, ચૂંટણી ફંડ આપવંુ હોય તો આપે. બે લાખ રૃપિયા આપીને તેઓ મારી પર કે કોંગ્રેસ પર કોઈ ઉપકાર કરતા નથી. એમને સ્પષ્ટ કહી દો કે ચૂંટણીફંડ આપવું હોય તો આપે. ના આપવું હોય તો ના આપે. હું બે લાખ રૃપિયા માટે તેમના ઘેર ચા પીવા જઈશ નહીં !”

સરદાર સાહેબનો આ સંદેશો મળતાં જ દાલમિયાં શેઠે રૃ. બે લાખની રકમમાં રૃ. ૨૫ હજારની રકમ ઉમેરી સવા બે લાખ રૃપિયાનો ચેક સરદાર સાહેબને મોકલી આપ્યો હતો.

શેઠ વાલચંદ હીરાચંદ

શેઠ વાલચંદ હીરાચંદ સરદાર સાહેબના નિકટના મિત્ર હતા. ધંધાકીય અને સામાજિક બાબતોમાં પણ તેઓ સરદાર સાહેબની સલાહ લેતા. ૧૯૩૪માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી. સરદાર સાહેબે એક બેઠક માટે વી.એન. ગાડગીલ પર પસંદગી ઉતારી હતી. વાલચંદ શેઠને પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડવી હતી. વી.એન. ગાડગીલ સરદાર સાહેબના વિશ્વાસુ સાથીદાર હતા, જ્યારે વાલચંદ શેઠને ધનિકોનો ટેકો હતો. કેટલાક ઉદ્યોગપતિઓ વાલચંદ શેઠની વકીલાત કરવા સરદાર સાહેબ પાસે આવ્યા અને એવી રજૂઆત કરી કે ”જો તમે વાલચંદ શેઠને ટિકિટ આપશો તો અમે મોટી રકમ ચૂંટણી ફંડમાં આપીશું.”

આ વાત સાંભળ્યા બાદ સરદાર સાહેબે કહ્યું: ”હું આવી સોદાબાજી સ્વીકારતો નથી. વાલચંદ શેઠને કહી દો કે હું તેમને ટિકિટ આપતો નથી. તે પછી પણ તેઓ બીજા કોઈ પણ પક્ષ તરફથી કે અપક્ષ તરીકે ચૂંટણી લડશે તેઓ પરાજિત થશે.”

અને એમ જ થયું: સરદાર સાહેબની ચેતવણી છતાં વાલચંદ શેઠ બીજા પક્ષ તરફથી ચૂંટણી લડયા અને હાર્યા, જ્યારે વી.એન. ગાડગીલ ચૂંટણી જીતી ગયા. સરદાર સાહેબે ચૂંટણી ફંડના બદલામાં ટિકિટ આપવાની ઓફર કદી સ્વીકારી નહીં.

રામનાથ ગોએંકા

એ પછીના વર્ષોમાં ભારતમાં આઝાદી આવી તે પછી એક તબક્કે મોરારજી દેસાઈ કોંગ્રેસ પક્ષના ખજાનચી હતી. એક વાર જે.આર.ડી. તાતા તેમને મળવા આવ્યા. ચૂંટણી ફંડ એકત્ર કરવાની જવાબદારી મોરારજી દેસાઈના માથે હતી. મોરારજીભાઈએ જે.આર.ડી. તાતાને કહ્યું: ”કોંગ્રેસ પક્ષને નાણાંની જરૃર છે. તમને અમારા પક્ષની નીતિઓમાં વિશ્વાસ હોય તો જ ચૂંટણી ફાળો આપજો.”

મોરારજી દેસાઈને અનેક ઉદ્યોગપતિ ઓળખતા પરંતુ સત્તા પર આવ્યા બાદ ચૂંટણીફંડના બદલામાં ઋણ ચૂકવવાની કોઈ ખાતરી આપતા નહીં. બીજા એક કિસ્સામાં મોરારજીભાઈ વડાપ્રધાન થયા ત્યારે ઉદ્યોગપતિ રામનાથ ગોએંકા તેમને મળવા આવ્યા. તેમણે એવી રજૂઆત કરી કે, ”ઈન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન મારી સામે કેટલાક આર્િથક ગુના નોંધાયેલા છે. એ કારણે મારે ભારે નુકસાન વેઠવું પડે તેમ છે. આ કેસો પાછા ખેંચી લો તો સારું.”

કટોકટીકાળ દરમિયાન જનતા પાર્ટીના નેજા હેઠળ રામનાથ ગોએકાએ જુદાં જુદાં જૂથોને એકત્ર કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. તે વાત મોરારજી દેસાઈ સારી રીતે જાણતા હતા. તેથી તેમને થયેલો અન્યાય દૂર થાય તેવું રામનાથ ગોએંકા ઈચ્છતા હતા. મોરારજીભાઈના અંગત સચિવ રહી ચૂકેલા હસમુખ શાહ ”દીઠુ મેં” પુસ્તકમાં નોંધે છે કે, ”આ કેસો બંધ થાય તેવું ખુદ મોરારજીભાઈ ઈચ્છતા હતા. આ કેસોની મૂળ તપાસ સીબીઆઈએ કરી હતી. તેમણે સીબીઆઈના ડાયરેક્ટરને બોલાવ્યા. અને કેસો બંધ કરવા કહ્યું. સીબીઆઈના ડાયરેક્ટ એક તટસ્થ, પ્રામાણિક અને બાહોશ અધિકારી હતા. વડાપ્રધાનની ખફગી વહોરીને પણ એક કલાક સુધી તેઓ દલીલો કરતા રહ્યા. તેમનું કહેવું હતું કે, રામનાથ ગોએંકા સામે થયેલા કેસોના તથ્યો અને હકીકતો જોતાં કાયદાની દૃષ્ટિએ આ કેસો પાછા ખેંચી શકાય તેવા નથી. રામનાથજી કોઈ નવી માહિતી કે તથ્યો આપશે તો તેમના કેસો જરૃર તપાસી શકાશે.”

અને કલાક બાદ બધી જ વાત સાંભળ્યા પછી વડાપ્રધાન મોરારજી દેસાઈએ સીબીઆઈના ડાયરેક્ટરની નિષ્પક્ષતા અને હિંમતને દાદ આપતાં કહ્યું: ”કાયદા પ્રમાણે જ કરો.”

મોરારજીભાઈના આ નિર્ણયના કારણે ઘણા સિનિયર પ્રધાનો નારાજ થયા હતા. પણ મોરારજી દેસાઈએ તેમના શાસન દરમિયાન તેમના જ પક્ષને ટેકો આપનાર રામનાથ ગોએંકા સામેના કેસો કદી પાછા ના ખેંચ્યા. અલબત્ત, મોરારજી દેસાઈએ વડાપ્રધાનપદ છોડયું તે પછી તે કેસો બંધ કરવામાં આવ્યા હતા.

આજે આવું શક્ય છે ખરું ?

મૈં હું ‘ડોન’, વારાણસી મેં આપકા સ્વાગત હૈ, મોદીજી

મોદી માટે વારાણસીની બેઠક આસાન પણ છે અને ‘અગ્નિપથ’ જેવી પણ છે

 
નરેન્દ્ર મોદી સામેના પાંચ ઉમેદવારો ભાજપને ફાયદો કરાવી શકશે

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે રાષ્ટ્રીય રાજનીતિમાં વ્યસ્ત છે. ગુજરાતમાંથી વડોદરાની બેઠક ઉપરાંત વારાણસીથી લોકસભાની બેઠક માટે ચૂંટણી લડવાના છે. આ બેઠક પરથી મુરલી મનોહર જોશી ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ મોદીની ઇચ્છા આગળ તેમનું કાંઈ ચાલ્યું નથી. એલ. કે. અડવાણી ભોપાલથી ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ મોદીની ઇચ્છા આગળ અડવાણીએ પણ ઝૂકી જવું પડયું છે. ભાજપાની આખી રાષ્ટ્રીય નેતાગીરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ મોદીની ઇચ્છાને જ અનુસરે છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પક્ષમાં જ રહેલા તેમના પ્રતિસ્પર્ધીઓને ઠેકાણે પાડી દીધા તે જ રીતે રાષ્ટ્રીય લેવલે પણ એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી, લાલજી ટંડન અને જશવંત સિંહને પણ કિનારે કરી રહ્યા છે.

મૈં હું 'ડોન', વારાણસી મેં આપકા સ્વાગત હૈ, મોદીજી

વારાણસી

નરેન્દ્ર મોદી પહેલી જ વાર ગુજરાત બહારથી પણ ચૂંટણી લડતા હોઈ આગામી દિવસોમાં વારાણસી ‘હોટ સ્પોટ’ હશે. મોદી માટે વારાણસીની પસંદગી વ્યૂહાત્મક છે. વારાણસી અર્થાત્ કાશી હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ છે. મોદી માટે વારાણસી બેઠકની પસંદગી દ્વારા ભાજપા સમગ્ર દેશમાં મોદીના ગુજરાત મોડેલના આવરણ સાથે સખત હિન્દુત્વનો સંદેશ આપવા માગે છે. વારાણસી શહેર ગંગાના કિનારે આવેલું છે. વારાણસીથી ચૂંટણી લડીને મોદી સમગ્ર ઉત્તર પ્રદેશમાં ભાજપને પુનર્જીવિત પણ કરવા માગે છે. ૧૯૯૮ અને ૧૯૯૯માં ઉત્તર પ્રદેશે ભાજપને ૫૦થી વધુ સાંસદો આપ્યા હતા, જેના કારણે અટલ બિહારી વાજપેયી એનડીએના બેનર હેઠળ કેન્દ્રમાં સરકારની રચના કરી શક્યા હતા. મોદી ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી ૮૦ બેઠકો જીતવાની યોજના બનાવીને બેઠા છે.

દિગ્વિજયસિંહ

નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસે દિગ્વિજયસિંહને મેદાનમાં ઉતારવા વિચારે છે. દિગ્વિજયસિંહ નરેન્દ્ર મોદીના આકરા ટીકાકાર રહ્યા છે. દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશમાં બેવાર મુખ્યમંત્રી અને બે ટર્મ સુધી કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. અગાઉ ચૂંટણી હારી ગયા બાદ દિગ્વિજયસિંહે ૧૦ વર્ષ સુધી ચૂંટણી નહીં લડવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. તેમની ૧૦ વર્ષની એ અવધિ હવે પૂરી થાય છે. અલબત્ત, કોંગ્રેસ આ બેઠક જીતી જશે તે માટે આશાવાદી નથી, પરંતુ મોદી માટે વારાણસીની બેઠક આસાન ના રહે તે માટે જ કોંગ્રેસે તેમના એક દિગ્ગજને વારાણસીથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે.

ઘેરવાનો ચક્રવ્યૂહ

વારાણસીની બેઠક પર ચૂંટણી લડવા માટે આમઆદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પણ જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ૪૯ દિવસના શાસન અને ધરણાં સહિત અનેક વિવાદોના કારણે કેજરીવાલની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. અલબત્ત, મોદીને પડકારવાની અને મોદી સામે આકરા પ્રહારો કરવાની જે તાકાત કેજરીવાલે દર્શાવી છે તે કક્ષાએ કોંગ્રેસ પહોંચી શકી નથી. વારાણસીમાંથી કેજરીવાલ જ એકમાત્ર ઉમેદવાર નથી. વારાણસી ઉત્તર પ્રદેશમાં છે અને ઉત્તર પ્રદેશના નેતા મુલાયમસિંહની સમાજવાદી પાર્ટીએ પણ વિજય જયસ્વાલને મોદી સામે મેદાનમાં ઉતારવા નિર્ણય કર્યો છે. સમાજવાદી પાર્ટી પછાત વર્ગના મતદાતાઓ અને મુસ્લિમ મતો પર મદાર રાખે છે. નરેન્દ્ર મોદીને ઘેરવા માટે મુલાયમસિંહે વારાણસીની નજીક આવેલી આઝમગઢની બેઠક પરથી ચૂંટણી લડવા વિચાર્યું છે. આ વિસ્તાર પૂર્વાંચલ તરીકે ઓળખાય છે અને તેની ૩૨ બેઠકો પર મુસ્લિમ મતો નોંધપાત્ર સંખ્યામાં છે. અલબત્ત, કહેવાય છે કે, ઉત્તર પ્રદેશના મુસલમાનો મુલાયમસિંહથી સંતુષ્ટ નથી. મુઝફ્ફરનગરનાં કોમી તોફાનો બાદ ઉલેમા કાઉન્સિલના અધ્યક્ષ મૌલાના અમીર રાશિદે એક શેર સંભળાવ્યો હતો ઃ “તેરી ચાહત મેં એ મુલાયમ, હમ દરબદર હો ગયે અપની હસ્તી સે હી બેખબર હો ગયે. તુમ સંવર કર સૈફઈ હો ગયે, ઔર હમ ઉજડકર મુઝફ્ફરનગર હો ગયે.”

મુખ્તાર અન્સારી

નરેન્દ્ર મોદી માટે બસ આટલા જ ઉમેદવારો છે તેવું નથી. વારાણસીની બેઠક પર ચોથા એક ઉમેદવાર પણ છે અને તેમનું નામ છે ઃ મુખ્તાર અન્સારી. તેઓ કયામી એકતા દળના નેતા છે અને ૨૦૦૯માં આ જ બેઠક પર ભાજપાના ઉમેદવાર મુરલી મનોહર જોષી સામે ચૂંટણી લડયા હતા. મુખ્તાર અન્સારીની છાપ દબંગ નેતાની છે અને મુસ્લિમ મતો પર તેમનો જબરદસ્ત પ્રભાવ છે. તેમની સામે મુરલી મનોહર જોશી માંડ ૧૭ હજાર મતની નજીવી સરસાઈથી જ જીતી શક્યા હતા. મુખ્તાર અન્સારી ‘ડોન’ છે. હાલ તેઓ આગ્રાની જેલમાં છે. અનેક લોકોના અપહરણ અને હત્યાઓના તેમની પર આરોપ છે. અલબત્ત, તેમની છાપ આખાયે વિસ્તારમાં ‘રોબિનહૂડ’ તરીકેની છે. મુખ્તાર અન્સારીના ભાઈ અફ્ઝલ અન્સારી તેમની પાર્ટીના પ્રમુખ છે. અન્સારીબંધુઓ મૂળ ગાઝીપુરના છે અને દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયાની સ્થાપના કરનાર સ્થાપકના સંબંધી પણ છે. ઉત્તર પ્રદેશમાં રેલવે કોન્ટ્રાક્ટરથી માંડીને બીજા નફાકારક સરકારી કોન્ટ્રાક્ટનાં કામો તેમના સિવાય બીજું કોઈ લઈ શકતું નથી. તેઓ પહેલાં મખાનુસિંહ ગેંગના સભ્ય હતા, પરંતુ પાછળથી પોતાની આગવી ગેંગ ઊભી કરેલી છે. યુ.પી.ની બીજી એક ગેંગ બ્રિજેશ સિંહની છે. તે ગેંગ મુખ્તાર અન્સારીની પ્રતિસ્પર્ધી ગેંગ છે. બંને ગેંગના માણસોની એકબીજાઓને હત્યાઓ કરી નાખવાની ફરિયાદો થયેલી છે. આ બંને ડોન જેલમાં છે અને જેલમાં બેઠાં બેઠાં જ કોલસાની ખાણો, રેલવે કોન્ટ્રાક્ટ તથા શરાબનો ધંધો ચલાવે છે.

પંચકોણીય ચૂંટણી

કેટલાક સમય પહેલાં યુ.પી.ના એક ધનાઢય બિઝનેસમેનનું અને કેટલાક ડોક્ટરોનું અપહરણ કરનાર અપહરણકર્તાઓને મુખ્તાર અન્સારીએ આશ્રય આપ્યો હોવાનું કહેવાય છે, પણ તે ક્રિમિનલ પ્રવૃત્તિ હવે બંધ કરી દીધી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ૨૦૦૧માં બ્રિજેશ સિંહની ગેંગે મુખ્તાર અન્સારીની ગેંગના ત્રણ માણસોની હાઈવે પર હત્યા કરી નાખી હતી. એ કાફલામાં મુખ્તાર અન્સારી પણ હતો, પણ તે બચી ગયો હતો. તે પછી બ્રિજેશ સિંહ છુપાઈ ગયો હતો. એ લોહિયાળ ઘટના બાદ બ્રિજેશ સિંહ ઓરિસ્સા જતો રહ્યો હતો અને ત્યાં ગેરકાનૂની ધંધો ચાલુ કર્યો હતો. ૨૦૦૨ની ચૂંટણીમાં મુખ્તાર અન્સારીના ભાઈ અફ્ઝલ સામે બ્રિજેશ સિંહનો ખાસ માણસ ક્રિશ્નાનંદ રાવ યુ.પી. વિધાનસભામાં ચૂંટાઈ આવતાં મુખ્તાર અન્સારીને ફટકો પડયો હતો. એ પછી અન્સારીબંધુઓએ ગાઝીપુર અને મઉ-ગોશી વિસ્તાર પર પોતાનો પ્રભાવ વધાર્યો હતો. એ પછી અફ્ઝલ અન્સારી સામે જીતનાર ક્રિશ્નાનંદ રાવની હત્યા થઈ ગઈ હતી. આ ઘટનાના આખા દેશમાં પડઘા પડયા હતા. એ પછી મુખ્તાર અન્સારી ખુદ મઉમાંથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો. જ્યારે અફ્ઝલ અન્સારી ગાઝીપુરમાંથી સમાજવાદી પક્ષના સાંસદ તરીકે ચૂંટાયો હતો. હવે તેમની પોતાની પોલિટિકલ પાર્ટી છે.

આ સિવાય વારાણસીથી બહુજન સમાજવાદી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર મૂકશે. ટૂંકમાં, મોદી માટે વારાણસીની બેઠક જીતવી આસાન પણ છે અને અગ્નિપથ પણ છે. અગ્નિપથ એટલા માટે કે સામેના ઉમેદવારોમાં એક ડોન છે અને આસાન એટલા માટે કે સામે પાંચ ઉમેદવારો હોઈ પછાતો અને મુસ્લિમોના મત પાંચ ભાગોમાં વહેંચાઈ જશે. નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન મુખ્તાર અન્સારીથી ચેતવું પડશે, કારણ કે તેમની સામે ‘રિયલ ડોન’ મેદાનમાં આવી શકે તેમ છે. હજી તેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

હવે મિશેલનાં નહીં, પરંતુ સાશાનાં વસ્ત્રો જ ફેશન !

કભી કભી – દેવેન્દ્ર પટેલ
બરાક ઓબામાની નાનકડી દીકરી સાશા હવે અમેરિકાનીફેશન આઈકોન‘ બની

અમેરિકાની સંસ્કૃતિ એક અલગ પ્રકારની છે. અમેરિકાના પ્રેસિડેન્ટનું જેટલું રાજકીય મહત્ત્વ છે તેટલું જ સામાજિક મહત્ત્વ ‘ફર્સ્ટ લેડી’અર્થાત્ પ્રેસિડેન્ટનાં પત્નીનું હોય છે. પ્રેસિડેન્ટ જ્યારે પણ બહાર જાય છે ત્યારે ફર્સ્ટ લેડીને હંમેશાં સાથે લઈને જાય છે. પ્રેસિડેન્ટ કેનેડીનાં પત્ની જેક્વેલીન કેનેડી, પૂર્વ પ્રેસિડેન્ટ રેગનનાં પત્ની નેન્સી રેગન,પૂર્વ પ્રેસિડેન્ટ બુશનાં પત્ની બાર્બરા બુશથી માંડીને પ્રેસિડેન્ટ બરાક ઓબામાનાં પત્ની શ્રીમતી મિશેલ અમેરિકન સમાજમાં મહત્ત્વપૂર્ણ કામગીરી નિભાવતાં રહ્યાં છે. અમેરિકન સમાજને માત્ર પ્રેસિડેન્ટનાં પત્નીમાં જ નહીં, પરંતુ તેમના આખા પરિવારમાં રસ અને કુતૂહલતા રહે છે. ભારતના નેતાઓને લાગેવળગે છે ત્યાં સુધી વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તેમનાં પત્નીને જાહેરમાં કદીયે ક્યાંય લઈ જતા નહોતા, પરંતુ પુત્રી ઈન્દિરાને તેઓ જાહેર કાર્યક્રમો તથા વિદેશ પ્રવાસ વખતે સાથે રાખતા હતા. એ જ રીતે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પણ સિમલા કરાર વખતે ભારત આવ્યા ત્યારે નાનકડી પુત્રી બેનઝીરને સાથે લઈને આવ્યા હતા.

હવે મિશેલનાં નહીં, પરંતુ સાશાનાં વસ્ત્રો જ ફેશન !

આજે અહીં વાત અમેરિકાના પ્રેસિડેન્ટની પુત્રી સાશા ઓબામાની છે. જ્યારે એના પિતા અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારે સાશા માત્ર સાત વર્ષની હતી. એ વખતે બ્લેક પાર્ટી ફ્રોક પહેરતી હતી અને માથા પર મોટી બો રાખતી હતી. આજે સાશા ૧૨ વર્ષની થઈ ગઈ છે. બરાક ઓબામાની બે દીકરીઓ પૈકીની તે સૌથી નાની છે. માત્ર ૧૨ વર્ષની વયે જ સાશા હવે તેની મમ્મીની જેમ એક ફેશન આઈકોન તરીકે ઊભરી રહી છે.

‘છર્જીંજી’ બ્રિટનની એક ઓનલાઈન ફેશન રિટેઈલર કંપની છે, તેને સાશામાં રસ પડયો છે. આ કંપની ટીન બાળકો અને સ્ત્રીઓ પર સાશાની સ્ટાઈલ અપનાવવા અને સાશા ઇફેક્ટ ઊભી કરવા પ્રયાસ કરી રહી છે.

તાજેતરમાં સાશા કોલેજમાં ભણતી મહિલાઓ માટેની એક બાસ્કેટ બોલ ગેમ વખતે હાજરી આપવા ગઈ ત્યારે એણે ૬૩ ડોલરનું ફ્રંટ પર યુનિકોન સાથે બ્લેક સ્વેટર પહેર્યું હતું. એ છર્જીંજી કલેક્શનનાં વસ્ત્રો હતાં. તે પછી કંપનીની વેબસાઈટે તેની પાસે હતો તે તમામ સ્ટોક ઓનલાઈન વેચી નાખ્યો હતો. ફરીથી નવો સ્ટોક ઊભો કરવો પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી.

એ પછી સાશા એની મમ્મી મિશેલ, બહેન માલિયા અને પાળેલા બે કૂતરા સાથે વ્હાઈટ હાઉસ ખાતે આવેલા જાયન્ટ ક્રિસમસ ટ્રીને સત્કારવા ગઈ ત્યારે તેણે છર્જીંજીની લંડન ટીમે તૈયાર કરેલાં સિલ્વર કટ-આઉટ ઓક્સફર્ડ શૂઝ પહેરીને ગઈ ત્યારે પણ એ જૂતાનું ધૂમ વેચાણ થયું.

અમેરિકાનું ફેશનજગત સાશા ઓબામાને હવે એક નવી ફેશન મોડેલ તરીકે સ્ટેટસ બક્ષી રહ્યું છે. સાશાએ ફરી એકવાર વોશિંગ્ટનમાં તેમના પિતા બરાક ઓબામાએ નેશનલ થેંક્સ ગિવિંગ ટર્કીના કાર્યક્રમ વખતે ચમકતી પીળી દોરીવાળાં જૂતાં પહેર્યાં હતાં. તે પણ હવે એક ફેશન બની ગયાં છે.

એ પછી સાશા વોશિંગ્ટનમાં નેશનલ મોલ ખાતે ક્રિસમસ કોન્સર્ટના ટેલિવાઈઝ શોમાં હાજરી આપવા ગઈ ત્યારે અમેરિકન ડિઝાઈનર ટ્રેસી રીસ દ્વારા તૈયાર કરેલો ડિઝાઈનર કોટ પહેરીને ગઈ હતી અને આખાયે શોનું તે કેન્દ્રબિંદુ બની ગઈ. એ તેમનાં ડિઝાઈનર ટ્રેસી રીસે અગાઉ મિશેલ ઓબામાનો સ્લીવલેસ ડ્રેસ તૈયાર કર્યો હતો, જે તેમણે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં ઓબામાના પ્રવચન વખતે પહેર્યો હતો. અમેરિકન મહિલાઓમાં અત્યાર સુધી મિશેલ ઓબામાના વસ્ત્રો એક ફેશન બની જતાં હતાં, હવે તેમની પુત્રી વસ્ત્ર-પરિધાન અને ફેશનની બાબતમાં ફેશન બની રહ્યાં છે.

બરાક ઓબામાની બંને પુત્રીઓ કદમાં ઊંચી છે, તેમનાં માતા-પિતા જેવી જ. હમણાં જ બરાક ઓબામા એક કાર્યક્રમ દરમિયાન બોલ્યા હતા : “મારી દીકરીઓ ઝડપથી મોટી થઈ રહી છે. માલિયા તો ૧૫ વર્ષની થઈ ગઈ છે.”

આ બંને દીકરીઓ હમણાં સુધી પિતા સાથે ઝૂ જોવા જતી હતી, આઈસક્રીમ ખાવા જતી હતી, પરંતુ હમણાં પરિવાર સાથે વેકેશન ગાળવા હવાઈ ટાપુ પર પણ ગઈ ત્યારે ફરક એ પડયો છે કે હવાઈ ટાપુ પર પ્રેસિડેન્ટ બરાક ઓબામા બપોર પછી મોટેભાગે ગોલ્ફ જ રમતા રહ્યા જ્યારે બંને દીકરાઓ પોતાના જ કાર્યક્રમોમાં વ્યસ્ત રહી. તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન બરાક ઓબામાએ કહ્યું : “મારી દીકરીઓ હવે મોટી થઈ રહી હોઈ તે મારી સાથે વધુ સમય ગાળવા માગતી નથી.”

બરાક ઓબામાએ ‘પીપલ’ મેગેઝિનને તાજેતરમાં જ આપેલી એક મુલાકાત દરમિયાન કહ્યું કે, મારા ઘરમાં ત્રણ ઊંચી, અભિપ્રાય આપતી અને મજબૂત મહિલાઓ (મિશેલ, માલિયા અને સાશા) છે. એ ત્રણેય ભેગી થઈ જાય તો મારે કેવાં વસ્ત્રો પહેરવાં જોઈએ તેની સલાહ આપે છે અથવા તો મારા કામની મજાક કરે છે અથવા તો મારાં પ્રવચનોની આલોચના કરે છે.”

બરાક ઓબામાએ તાજેતરમાં જ એમ કહ્યું હતું કે, “અમારી દીકરીઓ મિશેલને પણ ફેશન અંગે સલાહ આપે છે અને મને મોબાઈલ પર લેટેસ્ટ એપ્લિકેશન્સની સમજનો ક્રેશ કોર્સ કરાવે છે.”

ઓબામાની મોટી પુત્રી માલિયાને ઘણા મિત્રો છે, પરંતુ તે ભાગ્યે જ તેમની ઓળખાણ તેમના માતા-પિતા સાથે કરાવે છે. આ સંબંધમાં મિશેલ કહે છે : “માલિયા કોઈની પણ ઓળખાણ કરાવે એટલે બરાક તરત જ તે કેટલું શું ભણે છે અને તેની સ્કૂલ કઈ છે તે પૂછવા માંડે છે, તેમને કયો શોખ છે- એવું બધું પૂછવા માંડે છે.” પરંતુ મેં મારી જાતને સમય સાથે બદલી નાખી છે. હું મારી દીકરીને ક્ષોભ થાય એવું કાંઈ કરતી નથી.”

દેખીતી રીતે જ દીકરી મોટી થાય એટલે માતા-પિતાને એની વધતી વયની પણ ચિંતા હોય છે. એવી જ ચિંતા વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના શક્તિશાળી પ્રેસિડેન્ટને અને તેમનાં પત્ની પણ હોઈ શકે છે, પરંતુ તેમણે સમય પ્રમાણે પોતાની જાતનું અનુકૂલન સાધી લીધું છે. દીકરીઓને પૂરતી સ્વતંત્રતા બક્ષી છે. અમેરિકામાં દીકરીને સાપનો ભારો ગણવામાં આવતી નથી. અમેરિકામાં પુત્રી જન્મે એટલે દૂધ પીતી કરવાનો કુરિવાજ નથી. અમેરિકામાં ભારતની જેમ બાળકી જન્મે તે પહેલાં લાખોની સંખ્યામાં ભ્રૂણહત્યા કરી દેવામાં આવતી નથી. ભારતમાં જેટલા પ્રમાણમાં યુવતીઓ પર બળાત્કાર થાય છે એટલા પ્રમાણમાં અમેરિકામાં બળાત્કાર થતાં નથી. ભારતમાં રહેતા નરપિશાચો બે વર્ષની બાળકીને પણ છોડતા નથી, છતાંયે એક સૂત્ર પોકારવામાં આવે છે : “મેરા ભારત મહાન.”

કઈ રીતે ?
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

‘ગેંગસ્ટર’ છોટા રાજન ડોન કેવી રીતે બન્યો ?

તા જેતરમાં જ મુંબઈ ખાતે છોટા રાજનની માતાનું અવસાન થયું. અંતિમ ક્રિયા વખતે એક હજાર માણસો હાજર રહ્યા પરંતુ છોટા રાજન પોતાની માતાની અંતિમ ક્રિયામાં હાજર રહી શક્યો નહીં. છોટા રાજન મુંબઈની પોલીસ દ્વારા મોસ્ટ વોન્ટેડ ડોન છે. તે ક્યાં છે તે એક રહસ્ય છે. કેટલાકના મતે તે આંતરરાષ્ટ્રીય સરહદની અંદર દરિયામાં કોઈ જહાજમાં છે, તેથી કોઈ પણ દેશની પોલીસ તેને પકડી શકે નહીં.

છોટા રાજન એ અંડરવર્લ્ડનું જાણીતું નામ છે.
'ગેંગસ્ટર' છોટા રાજન ડોન કેવી રીતે બન્યો ?

છોટા રાજનનું અસલી નામ રાજેન્દ્ર નિખાલજે છે. મહારાષ્ટ્રમાં જન્મેલા રાજેન્દ્રને બચપણમાં ‘નાના’ એવું નીકનેમ આપવામાં આવ્યું હતું. એ વખતે એક્ટર મિથુન ચક્રવર્તીનો જમાનો હતો. નાના નાનીવયથી જ મિથુન ચક્રવર્તીનો જબરદસ્ત ફેન હતો. તે મિથુન જેવા વસ્ત્રો પહેરતો અને મિથુન જેવી જ હેરસ્ટાઈલ રાખતો. મિથુનની ‘સુરક્ષા’ , ‘વારદાત’ અને ‘સાહસ’ જેવી ફિલ્મો અનેકવાર જોઈ કાઢી હતી. મુંબઈના સહકાર સિનેમામાં જ્યારે પણ મિથુનની ફિલ્મ આવે ત્યારે નાના તેના મિત્રો સાથે સિનેમાની ટિકિટોને બ્લેકમાં વેચી પૈસા કમાવા લાગ્યો હતો.

મિથુનની ‘સાહસ’ ફિલ્મ રજૂ થઈ ત્યારે ટિકિટોનું બ્લેક માર્કેટિંગ વધી જતાં થિયેટરની બહાર પોલીસ ગોઠવવી પડી હતી. નાનાએ પોલીસથી ગભરાયા વગર ટિકિટોના બ્લેક જારી રાખતાં, લોકોએ બૂમરાણ કરી દીધી. પોલીસે નાનાના સાગરીતો પર લાઠીચાર્જ શરૃ કર્યો. નાનાના છોકરાઓ નાસભાગ કરવા લાગ્યા. એણે પોલીસના હાથમાંથી જ લાઠી ખૂંચવી લીધી અને પોલીસની જ લાઠીથી પાંચ પોલીસ કોન્સ્ટેબલ્સને ઝૂંડી નાખ્યા. પોલીસ ભાગી ગઈ.

નાનાના આ પરાક્રમની નોંધ મુંબઈના અંડરવર્લ્ડએ લીધી. અત્યાર સુધી તિલકનગર ખાતે આવેલા સહકાર પ્લાઝા સિનેમા પર જગદીશ શર્મા નામના ગુંડાના માણસો જ ટિકિટોના કાળા બજાર કરતા હતા. જગદીશ શર્મા થોડોક બહેરો હતો, ‘ગુંગો’ નહોતો, પરંતુ તે ‘ગુંગા’ના નામે જાણીતો હતો. એ ઘટના બાદ નાનાની પણ એક આગવી ઓળખ ઊભી થઈ. એ ઘટના બાદ નાના અને તેના મિત્રોની ધરપકડ થઈ પરંતુ એ સમયના ડોન રાજન નાયરે ગુંગાને કહ્યું કે, ‘એ છોકરાઓની કાળજી લ્યો ? રાજન નાયરના કારણે નાના અને તેના મિત્રોને જામીન મળી ગયા.

હવે આખાયે વિસ્તારમાં નાનાની ગેંગ જાણીતી બની ગઈ. મુંબઈના તિલકનગર અને ચેમ્બુર વિસ્તારમાં નાનાની ગેંગની વાતો ચર્ચાવા લાગી. એ વખતે મુંબઈના નોર્થ ઈસ્ટ સબર્બમાં રાજન નાયરની ગેંગનો પ્રભાવ હતો. નાના જેલમાંથી બહાર આવતાં જ રાજન નાયરે તેને બોલાવી તેની હિંમતની પ્રશંસા કરીઃ ”અચ્છા હીરોગીરી કીયા ઉસ દિન.”

એ ૮૦નો દાયકો હતો. એ વખતે નીચલા મધ્યમ વર્ગમાંથી આવતા છોકરાઓને નોકરી મળતી નહોતી. એ વખતે નાનાની વય ૨૫ વર્ષની હતી. ધીમે ધીમે સિનેમાની ટિકિટોના કાળા બજાર કરી તેણે સારી કમાણી કરી લીધી હતી. કેટલાક સમય બાદ ”ગુંગા’ એ નાનાને બ્લેક માર્કેટ ટિકિટ સેલર્સ ટીમનો વડો બનાવ્યો. નાનાએ છબીઘરોના માલિકોને જ ટિકિટોના કાળાબજારમાં ભાગીદાર બનાવી દીધા. થોડી જ ટિકિટો બારી પર વેચાતી. બાકીની ટિકિટોના બ્લેક થતાં અને તેમાં છબીઘરના માલિકોનો પણ ભાગ રહેતો. નાના હવે જાણીતો બની ગયો હતો.

એ સમયગાળા દરમિયાન એ સમગ્ર વિસ્તારના ડોન રાજન નાયરની   એસ્પ્લાનેડ કોર્ટ પાસે એક રિક્ષાવાળાએ હત્યા કરી નાંખી. આ હત્યા અબ્દુલ કુંજુ નામના પ્રતિસ્પર્ધી મોટા ગુંડાએ કરાવી નાંખી હતી. નાના અને ગુંગો એ બેઉ રાજન નાયરના માણસો હતા. રાજન નાયરનું ખૂન થઈ જતાં નાના વિચલિત થઈ ગયો. એણે એના બોસ રાજન નાયરની હત્યાનો બદલો લેવા મનોમન નિર્ણય કરી લીધો. રાજન નાયર બડા રાજન તરીકે પણ ઓળખાતો હતો. બોસના મૃત્યુ બાદ નાનાએ તેનો કારભાર સંભાળી લીધો અને બોસની હત્યા કરાવનાર અબ્દુલ કુંજુંને પતાવી દેવાનો નિર્ધાર જાહેર કર્યા બાદ નાના હવે ‘છોટા રાજન’ તરીકે ઓળખાવા લાગ્યો.

નાના ઉર્ફે છોટા રાજનનો આ નિર્ધાર જાહેર થતાં એ વખતના મુંબઈના માફિયા બોસ ડોન દાઉદ ઈબ્રાહીમ પણ પ્રભાવિત થયો. મુંબઈના નોર્થઈસ્ટની બધી જ ગેંગો હવે છોટા રાજન તેમની સાથે જોડાય તેવું ઈચ્છતી હતી. છોટા રાજન અબ્દુલ કુંજુને ઉડાડી દેવાની યોજના બનાવી રહ્યો હતો. દાઉદ ઈબ્રાહીમ બીજી બધી જ પશ્ચાદભૂમિકાઓ ધરાવતા લોકો તેની ગેંગમાં સામેલ કરવા માંગતો હતો. દાઉદને હતું કે હાજી મસ્તાન કે કેટલાક પઠાણ છોટા રાજનને તેમની ગેંગમાં સામેલ કરી લે તે પહેલાં તે પોતાની ગેંગમાં આવી જાય તો વધુ સારું.

ખૂબ જ ત્વરાથી એક દિવસ દાઉદ ઈબ્રાહીમે છોટા રાજનને પોતાના હેડક્વાર્ટર પર મળવા બોલાવ્યો. એવું કહેવાતું હતું કે મુંબઈનો કોઈ પણ માણસ દાઉદના આવા નિમંત્રણનો અસ્વીકાર કરી શકે નહીં. છોટા રાજનનું એવું સ્વપ્ન હતું કે એક દિવસ દાઉદ ઈબ્રાહીમ સાથે કામ કરવું અને તે આજે સાચું પડતું લાગ્યું. દાઉદ ઈબ્રાહીમ છોટા રાજનના બોસ બડા રાજન કરતાં પણ મોટો ડોન હતો. દાઉદનો અંડરવર્લ્ડમાં એક કરિશ્મા હતો.

દાઉદે છોટા રાજનને તેના ઘેર બોલાવ્યો હતો, તેના એક પણ સાગરીતને આમંત્રણ નહોતું. છોટા રાજનનું દાઉદે ભવ્ય સ્વાગત કર્યું. છોટા રાજન દાઉદ ગેંગમાં સામેલ થવા સંમત થયો પરંતુ છોટા રાજનનો આ નિર્ણય તેના સાગરીતોને ગમ્યો નહીં. સાથીઓએ કહ્યું: ”દાઉદ સાથે સીધા જોડાયા વગર પણ આપણું નામ છે જ. દાઉદ સાથે જોડાવાથી આપણું નામ નાનું થઈ જશે.”

ભારે પરિશ્રમ બાદ છોટા રાજને પોતાના સાગરીતોને સમજાવી લીધા. છોટા રાજને કહ્યું, ”અત્યાર સુધી આપણે શેરીઓના ગુંડા હતા હવે સાચા માફિયા બની જઈશું. આપણો પ્રભાવ વધશે.”

છોટા રાજનની આ દલીલની ભારે અસર થઈ. છોટા રાજન હવે દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાઈ ગયો. દાઉદ ઈબ્રાહીમની ગેંગ સાથે જોડાયા બાદ તેણે પહેલું કામ તેના અસલી બોસ બડા રાજનની હત્યા કરાવનાર અબ્દુલ કુંજાને પતાવી દેવાનું કર્યું. કુંજા ઘાટકોપરમાં ક્રિકેટ રમતો હતો તે વખતે જ તેની હત્યા કરી દેવાઈ. આ ઘટના બાદ છોટા રાજનનો મુંબઈના અંડરવર્લ્ડમાં દબદબો વધ્યો.

થોડાક જ સમયમાં છોટા રાજન ડોન દાઉદ ઈબ્રાહીમનો જમણો હાથ બની ગયો. દાઉદનો વિશ્વાસુ બની ગયા પછી દાઉદનું બ્રેઈન પણ છોટા રાજન જ બની ગયું. ૧૯૮૬ની ઘટનાઓ બાદ દાઉદ ઈબ્રાહીમ મુંબઈથી ભાગી ગયો ત્યારે તેનાં તમામ કારોબાર છોટા રાજન સંભાળવા લાગ્યો. દાઉદની ગેરહાજરીમાં આખીયે ગેંગ, વહીવટ અને નાણાકીય બાબતો તેણે ભારે કુશળતાથી સંભાળ્યાં. છોટા રાજન એક સરળ અને નમ્ર સ્વભાવનો વ્યક્તિ હોઈ તે અનેક સાગરીતોને સાથે રાખી શક્યો. અહંકાર અને ઘમંડથી દૂર હોઈ તેણે ગેંગને વધુ સબળ અને સક્ષમ બનાવી.

દાઉદ હવે દુબઈમાં રહેતો હતો. તેને છોટા રાજન જેવી વ્યક્તિની દુબઈમાં જરૃર હતી. આ તરફ મુંબઈની પોલીસે મુંબઈમાં દાઉદનાં અડ્ડાઓ અને ધંધાના સ્થળો પર ત્રાટકવાનું શરૃ કર્યું હતું. દાઉદના માણસો પણ પકડાવા લાગ્યા હતા. દુબઈમાં બેઠેલા દાઉદને લાગ્યું કે છોટા રાજન પણ જેલમાં જાય તે તેને પરવડે તેમ નથી. યોજનાપૂર્વક ૧૯૮૭માં છોટા રાજન પોલીસની આંખમાં ધૂળ નાંખી દુબઈ જતો રહ્યો અને ફરી તેના બોસ દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાઈ ગયો.

દુબઈમાં પણ તેણે પોતાની વહીવટી કુશળતાનો લાભ દાઉદને આપ્યો. દુબઈમાં રહીને પણ તેણે મુંબઈના દાઉદનો ધંધો વિકસાવી આપ્યો.

પરંતુ છોટા રાજન માટે એક્ટર મિથુન ચક્રવર્તી હંમેશા તેનો પ્રિય અભિનેતા જ રહ્યો. એકવાર મિથુન ચક્રવર્તી દુબઈ આવ્યો ત્યારે એક કાર્યક્રમમાં છોટા રાજનનો અચાનક જ મિથુન સાથે ભેટો થઈ ગયો. મિથુનને જોતાં જ છોટા રાજન અભિભૂત થઈ મૂંગો થઈ ગયો. એ મિથુનને ભેટી પડયો. વારંવાર ભેટયો અને કેટલાયે સમય માટે એણે મિથુનને બાહુપાશમાં જકડી રાખ્યો. આ દૃશ્ય સાક્ષાત્કાર કરનારા લોકો પણ વિચારમાં પડી ગયા કે છોટા રાજનને આવો ભાવવિભોર થતાં અમે કદી જોયો નથી. છોટા રાજનના બાહોપાશમાં જકડાયેલા મિથુન પણ સ્તબ્ધ થઈ થોડીવાર માટે ક્ષોભ અનુભવી રહ્યો. નાના ઉર્ફે છોટા રાજને તેની સાથે તસવીરો પણ પડાવી અને એણે કહ્યું: ”મુંબઈ તિલકનગર ખાતે તમારી ફિલ્મોના ટિકિટોના હું બ્લેક કરતો હતો, અને એ રીતે જ મેં મારી કારકિર્દીની શરૃઆત કરી હતી.”

એસ. હુસૈન ઝૈદી દ્વારા લિખિત ”મ્અષ્ઠેઙ્મટ્વ ર્ મ્ટ્વહર્ખ્તા” નામના તાજેતરમાં પ્રગટ થયેલા પુસ્તકના આ કેટલાક અંશ છે. આ પુસ્તક હાર્પર કોલીન્સે પ્રગટ કર્યું છે.

આજે છોટા રાજન ક્યાં છે તેની કોઈને ખબર નથી.

(સૌજન્યઃ ટેલિગ્રાફ)
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

અમારો પુત્ર ગર્વથી કહેતો મમ્મી, આઈ એમ ઈન્ડિયા

કભી કભી – દેવેન્દ્ર પટેલ

મોહનદાસ કરમચંદ ગાંધી પાસે દક્ષિણ આફ્રિકામાં ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં તેઓ ગોરા અંગ્રેજ ના હોઈ તેમને ટ્રેનના ડબ્બામાંથી બહાર ફેંકી દેવાયા હતા. એ ઘટનાએ તેમને ‘મહાત્મા’ બનાવી દીધા. તે પછી તેઓ જિંદગીભર રંગભેદની નીતિ સામે લડતા રહ્યા. માર્ટીન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલાએ પણ રંગભેદ અને રેસીઝમ સામે લડત માટે ગાંધીજી પાસેથી પ્રેરણા લીધી પરંતુ એ જ ગાંધીજીના ભારતમાં આજે પણ રેસીઝમનો અગ્લી ચહેરો વિકરાળ બની રહ્યો છે, જેનું છેલ્લું ઉદાહરણ નીડો તાનિયા છે.

અમારો પુત્ર ગર્વથી કહેતો મમ્મી, આઈ એમ ઈન્ડિયા

મૂળ અરૃણાચલના અને દિલ્હીમાં ભણતા નીડો તાનિયા નામના એક યુવકને તેના ચહેરાના કારણે તા. ૨૯મી જાન્યુઆરીએ તેની પર દિલ્હીના કેટલાક યુવકોએ હુમલો કરી તેની હત્યા કરી નાંખી. આમેય ભારતના નોર્થ ઈસ્ટના રાજ્યો ભારત સરકાર તરફથી ઉપેક્ષીત રાજ્યો હોવાનું તેઓ અનુભવી રહ્યા છે, ત્યારે આ ઘટનાના સેવન સિસ્ટર ગણાતાં આ રાજ્યોમાં તીવ્ર પડઘા પડયા છે. દિલ્હીમાં અને બીજાં અનેક શહેરોમાં રહેતી નોર્થઈસ્ટની સંખ્યા બંધ યુવતીઓ પર બળાત્કાર અને હત્યાના પ્રયાસો થયાની ફરિયાદો ઉઠવા પામી છે.

નીડો તાનિયાની કથા જાણવા જેવી છે. નીડો તાનિયાની માતાનું નામ મરિના નીડો છે. ભારતના બીજા ભાગોમાં રહેતા અન્ય લોકો આસામ, મણીપુર, મેઘાલય, ત્રિપુરા કે અરુણાચલ જેવા પ્રદેશોમાંથી આવતા યુવક- યુવતીઓના ચહેરાના કારણે તેમની ઠેકડી ઉડાવે છે. કેટલાક તેમને ‘ચીના’ કહી ક્રૂર મશ્કરી કરે છે પરંતુ તેઓ નખશીખ ભારતીય છે. તેમની નસોમાં હિન્દુસ્તાની લોહી વહે છે. નીડોની મમ્મી કહે છે,એક વાર મારા પુત્ર નીડોએ મને કહ્યું હતું: મમ્મીઃ ”આઈ એમ ઈન્ડિયા”

૧૯ વર્ષની વયનો નીડો તાનિયા એક વિદ્યાર્થી હતો અને દિલ્હીમાં ભણવા આવ્યો હતો. તે દક્ષિણ દિલ્હીના લાજપતનગર માર્કેટ પાસે એક મિત્રને મળવા ગયો હતો. એના મિત્રનું નામ હતું લાસ્કર દોયે. એણે ત્યાં ઊભેલા કેટલાક યુવાનોને એના મિત્રનું સરનામું પૂછયું. એનો મિત્ર બીમાર હતો અને નીડો તેની ખબર કાઢવા એ વિસ્તારમાં ગયો હતો. એણે ત્યાં ઊભેલા દિલ્હીના છોકરાઓને સરનામું પૂછયું એ જ એનો વાંક નહોતો. એનો ચહેરો એ લોકોને ના ગમ્યો અને એ આઠેય જણે એની પર હુમલો કરી તેની હત્યા કરી નાંખી.

નીડોની મમ્મી મરિના કહે છે : ”અમે અરૃણાચલ પ્રદેશમાંથી આવીએ છીએ. ભારતના દરેક શહેરમાં અમારી સાથે ભેદભાવ ભરી વર્તણૂક રાખવામાં આવે છે. પુત્ર અને મારા પતિ અનેકવાર દુર્ગા પૂજા નિમિત્તે કોલકાતા ગયા છીએ. એક માત્ર કોલકાતામાં જ અમારી સાથે કોઈ ભેદભાવભર્યું વર્તન થયું નથી. મારો પુત્ર નીડો ચાર વર્ષ અને આઠ મહિનાનો હતો ત્યારે અમે તેને કોલકાતાની રામક્રિશ્ન મિશન સ્કૂલમાં ભણવા મૂક્યો હતો. એ ઘેર આવતો ત્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો લઈ આવતો અને અમને કહેતોઃ ”મમ્મી, આઈ એમ ઈન્ડિયા” તે પછી નીડો અરુણાચલના તિરાપ જિલ્લામાં આવેલી નરોત્તમનગર સ્કૂલમાં ભણવા ગયો હતો. અહીં તે ૧૦માં ધોરણ સુધી ભણ્યો હતો. ત્યારબાદ એણે પ્રોફેશનલ યુનિર્વિસટી, જલંધર દ્વારા સમાજશાસ્ત્રના વિષયમાં અભ્યાસ શરૃ કર્યો હતો. શરૃઆતમાં તે કોમ્પ્યુટર સાયન્સના વિષયમાં ભણવા માંગતો હતો પરંતુ પાછળથી તેણે માનવતાવાદ પર ધ્યાન કેન્દ્રીત કરી સમાજશાસ્ત્રનો વિષય પસંદ કર્યો હતો.”

નીડોની મમ્મી મરિના અને તેમના પતિ એમએલએ નીડો ખ્રિસ્તી ધર્મ પાળે છે. મરિના કહે છેઃ ” અમને અમારા દીકરા માટે ગૌરવ હતું. તે એક ચોક્કસ લક્ષ્ય અને કારણ માટે જ જન્મ્યો હતો. તે મોટો થઈ કાંઈક મોટું કામ કરવા માંગતો હતો. બીજી બાજુ તે સાવ સરળ અને શાંત સ્વભાવનો હતો. અમે તેને ખિસ્સાખર્ચ માટે જે પૈસા આપતા તે તેના તકલીફ ભોગવી રહેલા મિત્રોને આપી તેમની મદદ કરતો હતો. નીડો તેના પિતાને પણ કહેતોઃ ”પપ્પા, માનવી જેવા જ બનો. ભલે ડ્રિંક્સ લો કે ધૂમ્રપાન કરો, તેથી કોઈ ફરક પડતો નથી. એમ કરવાથી તમે ખરાબ માનવી થઈ જતા નથી.”

મરિના કહે છેઃ ”દિલ્હીમાં મારા પુત્ર પર કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર ઘાતકી હુમલો થઈ ગયો તે પછી તે હોસ્પિટલમાં હતો એ વખતે મરતા પહેલાં એણે એના મિત્રોને કહ્યું હતું : ”હમકો ના મમ્મીને મારા, ના પિતાને પીટા, પહેલી બાર ઝગરા હુઆ.”

મરિના કહે છેઃ ”અમે ખુદ એક રાજદ્વારી પરિવારમાંથી આવીએ છીએ પણ અમે ઈશ્વરમાં પણ ખૂબ શ્રદ્ધા રાખીએ છીએ. અમારો દીકરો જન્મ્યો ત્યારે અમને એવી શ્રદ્ધા ઊભી થઈ છે કે એનો જન્મ કોઈ ચોક્કસ હેતુસર જ થયો છે.” મરિનાની વાત સાચી છે નીડો તાનિયા પર થયેલા ઘાતકી હુમલા અને તેના મૃત્યુ બાદ દેશમાં ફરી જાતિવાદ અને રંગભેદની નીતિ સાથે બંડ પેદા થયું છે. નીડોની મમ્મી કહે છેઃ ”અમારા વિસ્તારના લોકો જ્યારે ભારતના બીજા પ્રદેશોમાંથી પાછા ફરે છે ત્યારે તેઓ કોઈને કોઈ ખરાબ અનુભવ લઈને જ પાછાં ફરે છે. એ અનુભવ એટલા તો બિહામણા હોય છે કે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. અમે રસ્તા પરથી પસાર થતાં હોઈએ તો લોકો અમને જોઈ વ્યંગ કરે છે. કોઈ અમને ચીના કહે છે કોઈ અમને અડપલાં કરે છે. કોઈ અમારી છેડતી કરે છે અને કોઈ અમારા લોકોની હત્યા કરી નાંખે છે. અમે પણ બીજા જેવા જ ભારતીય છીએ છતાં અમારા ચહેરા અને દેખાવના કારણે જ અમારી સાથે ભેદભાવ રાખવામાં આવે છે. મને લાગે છે કે વિશ્વમાં ભારત જ સહુથી વધુ રેસિસ્ટ દેશ છે, અને તેમાં દિલ્હી સહુથી વધુ રેસીસ્ટ છે.

મરિના કહે છેઃ ”મારી પણ દિલ્હીમાં દિલ્હીના લોકોએ અનેકવાર મશ્કરી કરી છે. મેં તેની સામે એ જ વખતે સખ્ત વિરોધ પણ ઉઠાવ્યો હોત તો શાયદ આજે મારો પુત્ર જીવતો હોત. આવો જાતિભેદ એક ગલત વર્તણૂક છે અને ભારતના લોકોને આ શોભતું નથી. એક વાર દિલ્હીના જ એક માર્કેટમાં અમને જોઈ કેટલાંક સ્થાનિક લોકો બોલ્યા હતાઃ ”આ લોકો દેખાય છે ચીનાઓ જેવા અને ભાષા હિન્દી બોલે છે.” અમને જોઈને   એ લોકોએ એક દુકાનદાર સામે વાસણો ફેંક્યા હતા અને અમને જોયા બાદ થૂંક્યા હતા.”

મરિના કહે છે : ”કોલકાતાની પોલીસ બહુ જ સારી છે. અમારી મશ્કરી ત્યાં કદી થઈ નથી, કારણ કે એ લોકો સામ્યવાદી છેને ! તેની સામે દિલ્હી પોલીસની વર્તણૂક સહાનુભૂતિભરી નથી.”

મરિનાએ એમના પુત્રના મૃત્યુ બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી અને તેમને કહ્યું હતું: ” મને મારા પુત્રના મોત બદલ યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી હું જંપીને બેસીશ નહીં. આ સમસ્યા હવે મારા એકલાના પરિવારની નહીં પરંતુ આખાયે ઉત્તરપૂર્વ રાજ્યોના લોકોની છે.”

નીડો તાનિયાની ઘટના બાદ ભારતીયોએ ‘મેરા ભારત મહાન’ કહી ગર્વ લેવા જેવું હવે કાંઈ રહ્યું નથી, દેશમાં ધર્મ, કોમ, પ્રાંત, ભાષા અને જાતિ તથા રંગના કારણે અલગતા ભારતીયો જ પેદા કરી રહ્યા છે. અખંડ ભારત Devided states of india બની જાય તો નવાઈ નહીં.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

ચૂંટણી અંગે સંતુ રંગીલીનો એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ

રાહુલ ગાંધી મળી જાય તો કિસ આપું અને નરેન્દ્ર મોદી મળે તો મતઆપું !

“બેન ! હું ઓપિનિયન પોલ લેતી એક કંપની માટે કામ કરી રહ્યો છું. કેટલાક પ્રશ્નો પૂછી શકું ?”

“પૂછો.”
“નામ ?”
“સંતુ.”
“આખું નામ ?”
“સંતુ રંગીલી.”
“પરિણીત કે અપરિણીત ?”
“ખાનું ખાલી રાખો.”
“ધંધો ?”
“રાજકારણમાં છું એટલે એ જ ધંધો છે.”
“ચૂંટણીમાં રસ છે ?”
“હા.”
ચૂંટણી અંગે સંતુ રંગીલીનો એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ
“રાહુલ ગાંધી માટે શું અભિપ્રાય છે ?”
“રાહુલ મળે તો કિસ કરી લઉં.”
“અને નરેન્દ્ર મોદી મળે તો ?”
“મોદીને મત આપું.”
“રાહુલને કિસ તો મોદીને મત કેમ ?”
“રાહુલ રૂપાળો છે, ગાલે ખંજન પડે છે, ભોળો છે તેથી કિસ કરી લઉં અને મોદી મર્દ છે માટે મત આપી દઉં.”
“રાહુલ ગાંધીની નબળાઈ શું છે ?”
“ખોટા સલાહકારો.”
“અને મોદીની તાકાત કઈ ?”
“કોઈપણ રાજકીય સલાહકારો નથી તે.”
“અડવાણી માટે તમે શું માનો છો ?”
“અવગતીયો જીવ.”
“સુષ્મા સ્વરાજ ?”
“સારાં છે.”
“જેટલી ?”
“અનુયાયીઓ વગરના નેતા અને ભાજપાના વકીલ.”
“નીતિન ગડકરી માટે શું માનો છો ?”

“નીતિન ગરબડી પહેલાં મોદીના વિરોધી હતા, હવે તેમના અનુયાયી.”

“રાજનાથ સિંહ વિશે શું માનો છો ?”

“દિલ્હીમાં પક્ષમાં જ પોતાના વિરોધીઓને મહાત કરવા મોદીને પ્રોજેક્ટ કર્યા, હવે પોતે જ મોદીના પ્રભાવ હેઠળ દટાઈ ગયા છે.”

“પરંતુ રાજનાથ સિંહ તો પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ છે ?”
“પરંતુ મોદીના સચિવ જેવા લાગે છે.”
“મોહન ભાગવત વિશે શું માનો છો ?”
“મૂછમાં હસતા ચતુર રાજકારણી.”
“સોનિયા ગાંધી વિશે શું માનો છો ?”
“શાલીન વ્યક્તિત્વ.”
“ડો. મનમોહનસિંહની સૌથી મોટી ભૂલ કઈ ?”
“તેમણે આરટીઆઈનો કાનૂન આપ્યો તે.”
“એ કેવી રીતે ?”

“આ કાનૂનના કારણે તો કોમનવેલ્થ ગેમ્સનાં અને બીજાં કૌભાંડો બહાર આવ્યાં.”

“ડો. મનમોહનસિંહની ઊજળી બાજુ કઈ ?”
“પ્રામાણિકતા. પેન્શન બિલ, ખાદ્ય સુરક્ષા કાનૂન, ન્યૂક્લિયર ડીલ, ભૂમિ અધિગ્રહણ કાનૂન.”

“આટલાં સારાં કામો કર્યાં છતાં તેમની સરકારની લોકપ્રિયતા નિમ્ન સ્તરે કેમ ?”

“પ્રચારની બાબતમાં તેમણે નરેન્દ્ર મોદીનું ટયૂશન ના રાખ્યું તે.”
“તમે કયા પક્ષમાં માનો છો ?”
“ગઈકાલ સુધી કોંગ્રેસમાં હતી, હમણાં ભાજપામાં છું.”
“એટલે કે પક્ષપલટો કર્યો ?”
“ના, વેશપલટો. અંદરથી તો જેવી છું તેવી જ છું.”
“મોદી વડા પ્રધાન બનશે એમ તમે માનો છો ?”
“કોંગ્રેસ જ એમ માને છે, પછી મારા માનવા ન માનવાનો કોઈ પ્રશ્ન જ નથી.”
“મોદીની લોકપ્રિયતા આટલી બધી કેમ ?”
“ચાણક્ય કહે છે કે, પ્રજાને તાકાતવર શાસક જ ગમે છે.”
“મોદીને સૌથી વધુ પસંદગીના એલિજીબલ બેચલર માનો છો ?”
“રાખી સાવંત કે મલ્લિકા શેરાવતને પૂછો.”

“તમે હમણાં કહ્યું કે, રાહુલ ગાંધી મળી જાય તો કિસ કરી લઉં. તેવી રીતે મોદીજી મળી જાય તો તેમને ક્યાં ચુંબન કરશો ?”

“મારે ક્યાં કિસ કરવી તે નક્કી કરનાર તમે કોણ ?”
“સ્ત્રીઓને મોદી ગમે છે તેનું કારણ શું ?”
“તમારાં પત્નીને પૂછો.”

“ચાલો ઠીક છે. હવે બીજી વાત. મોદીજી દિલ્હીમાં વડા પ્રધાન બને તો ગુજરાતના મુખ્યમંત્રી કોણ ?”

“બેન જ સ્તો.”
“કેમ નીતિનભાઈ નહીં ? સૌરભભાઈ નહીં ?

“ના, નીતિનભાઈ અને સૌરભભાઈ સારા માણસો છે, પરંતુ બહેને હમણાં જ કહ્યું હતું ને કે સત્તા કોઈ આપતું નથી, સત્તા લઈ લેવી પડે છે.”

“પણ બહેન તો કડક સ્વભાવનાં છે ને…”

“હવે થોડા મૃદુ થયા છે. વળી એક મહિલા ગુજરાતનાં ઇતિહાસમાં પહેલી જ વાર મુખ્યમંત્રી બને તે તમને પસંદ નથી ? શું એ ગુજરાત માટે ગૌરવ નહીં હોય ?”

“ના… ના… મારું કામ તો ઓપિનિયન લેવાનું જ છે. અમિત શાહ મુખ્યમંત્રી બને તો કેવું ?”

“દિલ્હીમાં ચૂંટણી પછી ઘણા ઓપરેશન્સ કરવા પડશે. નરેન્દ્રભાઈને દિલ્હીમાં તેમની જરૂર છે.”

“તો શું લાલુ વડા પ્રધાન નહીં બને ?”
“તેમની લાલટેન બુઝાઈ રહી છે.”
“તો શું મુલાયમ વડા પ્રધાન નહીં બને ?”
“તેમની સાઈકલમાં પંચર પડી ગયું છે.”
“તો શું નીતીશકુમાર વડા પ્રધાન નહીં બને ?”
“તેમના વળતાં પાણી છે.”
“તો શું મમતા દીદી વડાં પ્રધાન નહીં બને ?”
“મમતા યે નહીં ને માયાવતી પણ નહીં અને જયલલિથા પણ નહીં.”
“આમ કેમ ?”
“એ દીદીઓ જ સમય આવે નરેન્દ્રભાઈના હાથે રાખડી બાંધી દેશે.”
“કારણ ?”
“મમતા સિવાયની બધી જ દીદીઓ સીબીઆઈ નામના દાદાથી ડરે છે.”
“અને ત્રીજા મોરચાની સરકાર આવે તો ?”
“૨૦૧૫માં ફરી ચૂંટણીની તૈયારી રાખજો. ફક્ત ઓપિનિયન પોલ લેવા આવજો.”
“કેજરીવાલનું ભાવિ કેવું લાગે છે ?”

“કજિયાખોર માણસ છે. રોજ કોઈની સાથે કજિયો ના કરે ત્યાં સુધી તેને ઊંઘ આવતી નથી.”

“અહેમદ પટેલ માટે શું માનો છો ?”

“પૂર્ણ બહુમતી ના હોવા છતાં યુપીએ-૨ સરકારને પૂરી મુદત સુધી ટકાવી રાખનાર કોંગ્રેસના ચાણક્ય. એક ખાનદાન માનવી.”

“ચાલો છેલ્લો પ્રશ્ન…”

“ઊભા રહો, પહેલાં મને તમારું આઈ-કાર્ડ બતાવો. મારે એ જાણવું છું કે તમે અસલી ઓપિનિયન પોલવાળા છો કે નકલી ? આજકાલ ઓપિનિયન પોલવાળા પણ પૈસા ખાઈને પૈસા આપનારની ઇચ્છા પ્રમાણે તારણો આપે છે.”

“તમે કોણ છો બેન ?” મારું આઈકાર્ડ કેમ માગો છો ?

“હું ગુજરાત આઈબીની ઓફિસર છું, મિસ્ટર! મોદીજી માટે લોકો શું વિચારે છે તેની માહિતી એકત્ર કરી રહી છું.”

“ડોન્ટ વરી મેડમ. હું પણ સેન્ટ્રલ આઈબીનો ઓફિસર છું. હું પણ કેન્દ્રની યુપીએ-૨ સરકાર માટે દેશના લોકો શું વિચારે છે તેની માહિતી એકત્ર કરી રહ્યો છું.”

બંને ખડખડાટ હસી પડે છે અને કહે છે : “ધેન લેટ્સ ગો ફોર ટી.
“યસ, ચાય પે ચર્ચા હો જાય… આજકાલ ચાય જ ચર્ચામાં છે.”
બેઉ ન.મો. ટી સ્ટોલ નામની ચાની લારી પાસે જાય છે.
(એપિસોડ કાલ્પનિક છે)

દિગ્ગજોની રિઝર્વ્ડ બેઠકો અને તેમનું મેચ ફિક્સિંગ

એકમાત્ર ઉત્તર પ્રદેશમાંથી વડા પ્રધાન બનવા માગતા સૌથી વધુ ઉમેદવારો છે

ક્રિકેટની રમતમાં તમે ‘મેચ ફિક્સિંગ’ શબ્દનો ઉપયોગ સાંભળ્યો હશે. નોકરીઓમાં અને સ્કૂલ-કોલેજોમાં પ્રવેશની બાબતમાં ‘રિઝર્વેશન’ શબ્દનો ઉપયોગ સાંભળ્યો હશે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, રાજનીતિમાં પણ ‘મેચ ફિક્સિંગ’ કે ‘રિઝર્વેશન’ હોય છે. ચાલો, આ જ વાતને બીજી રીતે જોઈએ. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી કે અમેઠીમાં રાહુલ ગાંધી સામે નરેન્દ્ર મોદી ચૂંટણી લડે ખરા ? ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ સામે એક જ બેઠક પર માયાવતી અને બિહારમાં નીતીશકુમારની સામે એક જ બેઠક પર લાલુ પ્રસાદ ચૂંટણી લડે ખરા ? તમિળનાડુમાં જયલલિતા સામે કરુણાનિધિ ચૂંટણી લડે ખરા ? મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ સામે દિગ્વિજયસિંહ ચૂંટણી લડે ખરા ?

દિગ્ગજોની રિઝર્વ્ડ બેઠકો અને તેમનું મેચ ફિક્સિંગ

રિઝર્વ્ડ બેઠકો
ના.

એમ નહીં થાય, કારણ કે અરવિંદ કેજરીવાલ સિવાયની દેશની તમામ પ્રણાલિકાગત પોલિટિકલ પાર્ટીઓ ભલે આમનેસામને ચૂંટણીઓ લડતી હોય, પરંતુ દરેક પક્ષના દિગ્ગજોની કેટલીક બેઠકો રિઝર્વ્ડ છે અને એ પક્ષો એક દિગ્ગજ સામે પ્રતિસ્પર્ધી પક્ષ બીજો દિગ્ગજ મેદાનમાં ઉતારતો નથી. આ દેશની બડી બડી પોલિટિકલ પાર્ટીઓ વચ્ચે થયેલી અલિખિત સમજૂતી છે. કેજરીવાલની આમઆદમી પાર્ટીને બાદ કરતાં અમેઠીમાં રાહુલ ગાંધી સામે મુલાયમની પાર્ટી કે ભાજપ કદી કદાવર નેતા નહીં મૂકે. એ જ રીતે રાયબરેલીમાં સોનિયા ગાંધી કે સંભવતઃ હવે પ્રિયંકા ગાંધી સામે પણ મુલાયમસિંહ કે ભાજપા કદીયે કદાવર નેતા નહીં મૂકે. હા, ભૂતકાળમાં સોનિયા ગાંધી સામે ભાજપાએ સુષ્મા સ્વરાજને ચૂંટણી લડાવી હતી, પરંતુ સુષ્મા એ વખતે કદાવર નેતા નહોતાં. કદાવર નેતા તો અટલ બિહારી વાજપેયી હતા. વાજપેયીજીએ સોનિયા ગાંધી સામે લડવા કદી વિચાર્યું નહોતું. એ જ રીતે ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ, તેમના પુત્ર અખિલેશ યાદવ કે પુત્રવધૂ ડિમ્પલ યાદવ સામે પ્રતિસ્પર્ધી પાર્ટીઓ હંમેશાં નબળા ઉમેદવાર મૂકી એમની જીત આસાન કરી આપતાં હોય છે. આને તમે મેચ ફિક્સિંગ પણ કહી શકો.

દિલ્હી વાયા યુ.પી.

વર્ષોથી કહેવાતું આવ્યું છે કે ઃ “દિલ્હી જવાના બધા જ રસ્તાઓ ઉત્તર પ્રદેશ થઈને જાય છે.” ઉત્તર પ્રદેશે આજ સુધીમાં દેશને આઠ વડા પ્રધાન આપ્યા છે. આજે પણ વડા પ્રધાન બનવાની અભિપ્સા ધરાવતા કેટલાક ઉમેદવારો ઉત્તર પ્રદેશમાંથી જ મેદાનમાં છે. રાહુલ ગાંધી અને મુલાયમસિંહ તો એ યાદીમાં છે જ, પરંતુ કેટલાક લોકો માને છે કે, નરેન્દ્ર મોદી પણ યુ.પી.ની કોઈ બેઠક લોકસભાની ચૂંટણી માટે પસંદ કરી શકે છે. એ ત્રણ ઉપરાંત યુ.પી.માંથી જ આવતા રાજનાથસિંહ પણ ખાનગીમાં વડા પ્રધાનપદના ડાર્ક હોર્સ છે. યુ.પી.નાં જ દલિત ક્વીન માયાવતી પણ વડાં પ્રધાનપદની રેસ છે. માયાવતી હાલ રાજ્યસભામાંથી ચૂંટાયેલાં છે. આ બધામાં અમેઠી અને રાયબરેલીની બેઠકો ‘હોટ લિસ્ટ’ ગણાય છે. આ બંને બેઠકો ગાંધી પરિવાર માટે રિઝર્વ્ડ છે. આ બંને લોકસભાની બેઠકો નીચે દસ વિધાનસભાની બેઠકો આવે છે. તેમાંથી સાત બેઠકો સમાજવાદી પાર્ટી જીતી ગઈ છે, પરંતુ લોકસભામાં રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીને જીતવામાં તકલીફ ના પડે તેનો ખ્યાલ મુલાયમસિંહની સમાજવાદી પાર્ટી, માયાવતીની બહુજન પાર્ટી અને સંભવતઃ ભાજપા પણ રાખશે. બદલામાં મુલાયમસિંહને લોકસભાની ચૂંટણી જીતવામાં તકલીફ ના પડે તે માટે કોંગ્રેસ અને ભાજપા બેઉ નબળા ઉમેદવાર મૂકશે. ચૂંટણી પછી તડજોડ કરવામાં કડવાશ ના રહે તે માટે આવી છૂપી મદદ કરવામાં આવતી હોય છે.

અમેઠી

દેશની રાજકીય પાર્ટીઓના મેચ ફિક્સિંગ બાદ કેટલીક પ્રતિષ્ઠાપૂર્ણ બેઠકોનું પૃથ્ક્કરણ જોઈએ. અમેઠીની બેઠક રાહુલ ગાંધી માટે સલામત અને સાફ બેઠક ગણાતી રહી છે, પરંતુ આમઆદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસે રાહુલ ગાંધી સામે લડવાનું જાહેર કર્યા બાદ તેમાં રસપ્રદ વળાંકો આવ્યા છે. કુમાર વિશ્વાસે છેલ્લા એક મહિનાથી અહીં અડ્ડો જમાવ્યો છે. તેઓ કહે છે કે, ‘રાહુલ ગાંધીને પરાજિત કર્યા બાદ જ હું અમેઠી છોડીશ.’ અમેઠીમાં સવર્ણો, દલિતો, અન્ય પછાતો અને મુસ્લિમોની વસતી છે. અહીં ૬૦.૧૭ ટકા સાક્ષરતા છે. આ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠક છે. લોકો માટે ભ્રષ્ટાચાર અને વિકાસ એ મુદ્દા છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીનો અહીં પ્રભાવ છે. જે ચહેરાઓ મતદારોને પ્રભાવિત કરી શકે તેમ છે તેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કુમાર વિશ્વાસ છે.

રાયબરેલી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી આ બેઠક પરથી લોકસભામાં ચૂંટાતાં આવ્યાં છે. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન આ લોકસભા બેઠક હેઠળ આવતી બધી જ પાંચેય વિધાનસભાની બેઠકો કોંગ્રેસે ગુમાવી છે. એ પરાજય બાદ પ્રિયંકા ગાંધીએ આ બેઠક પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ખાસ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ખરાબ સ્વાસ્થ્યના કારણે સોનિયા ગાંધી ચૂંટણી ના લડે તો પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સમાજવાદી પાર્ટી અમેઠી અને રાયબરેલીમાં પોતાના ઉમેદવાર નહીં મૂકે. આ બેઠકમાં સવર્ણો, દલિતો, અન્ય પછાતો અને મુસ્લિમોની વસતી છે. સાક્ષરતા ૫૮.૦૬ ટકા છે. રાજકીય રીતે લોકસભાની આ બેઠક કોંગ્રેસને માટે સલામત બેઠક છે. લોકો માટે વિકાસ એ મુખ્ય મુદ્દો છે. આ બેઠક પર કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો પ્રભાવ છે. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી મતદારોને પ્રભાવિત કરી શકે તેવા ચહેરા છે.

મૈનપુરી

સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ ૨૦૦૯માં આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. વડા પ્રધાનપદ માટે ત્રીજો મોરચો શરૃ કરનાર મુલાયમસિંહ સંભવતઃ આ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપા, બહુજન સમાજ પાર્ટી અને આમઆદમી પાર્ટી તેમની સામે ઉમેદવારો ઉતારશે. કોંગ્રેસ તેમને સાચવી લેશે. આ બેઠકમાં પછાત વર્ગો, દલિતો અને સવર્ણોની વસતી છે. સાક્ષરતા ૬૮.૩૫ ટકા છે. મતદારોનો ઝુકાવ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી તરફનો છે, પરંતુ સમાજવાદી પાર્ટી માટે તે સલામત બેઠક છે. લોકો માટે વિકાસ તે મુખ્ય મુદ્દો છે. અહીં લોકોને પ્રભાવિત કરી શકે તેવા ચહેરા મુલાયમસિંહ યાદવ, અખિલેશ યાદવ તથા માયાવતી છે.

લખનૌ

લખનૌ તે ઉત્તર પ્રદેશનું પાટનગર છે. દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અહીંથી ચૂંટાઈને લોકસભામાં જતા હતા. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો જબરદસ્ત પ્રભાવ છે, અને ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહ આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ બેઠકમાં સવર્ણો, દલિતો, અન્ય પછાત વર્ગો અને મુસ્લિમોની વસતી છે. સાક્ષરતા ૭૩.૮૮ ટકા છે. લોકોનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફનો છે. લોકો માટે ભ્રષ્ટાચાર અને વહીવટ એ મુખ્ય મુદ્દા છે. આ બેઠક પર ભાજપા, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની અસર છે. મતદારો પર પ્રભાવ પાડી શકે તેવા ચહેરા નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ છે.

૨૦૦૯માં ઉત્તર પ્રદેશમાંથી માત્ર ૧૦ બેઠક જીતેલી ભાજપા આ વખતે ૩૫ જેટલી બેઠકો જીતવાનું લક્ષ્ય બનાવીને કામ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના કારણે ભાજપા તરફી હવામાન બંધાયું છે. મુઝફ્ફરનગરનાં રમખાણો બાદ અહીં મતોનું ધ્રૂવીકરણ થશે. મુસ્લિમો એકજૂથ થઈ ભાજપા સિવાયની કોઈ એક પાર્ટી તરફ ઝૂકશે. મુલાયમસિંહ ખુદ વડા પ્રધાન પદના ઉમેદવાર છે, પરંતુ માયાવતી તેમનાં સમીકરણો બગાડી શકે તેમ છે. યુ.પી.માં સૌથી વધુ બેઠકો ભાજપાની હશે. બહુજન સમાજ પાર્ટી બીજા નંબરે જશે અને મુલાયમસિંહની પાર્ટી તેની નજીક હશે.

ચાલો, થોભો અને રાહ જુઓ.દિગ્ગજોની રિઝર્વ્ડ બેઠકો અને તેમનું મેચ ફિક્સિંગ

ગુજરાતમાં પક્ષપલટાનો ખતરનાક ખેલ કેમ ?

આયારામ-ગયારામ જેવી બદનામ રાજનીતિને પ્રોત્સાહન આપવાની ભાજપને જરૂર કેમ પડી?

દેશમાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી આવે તે પહેલાં જ ગુજરાતમાં સૌથી વધુ નાટયાત્મક ઘટનાઓ ઘટવા માંડી છે. જહાજ ડૂબવાનું થાય તે પહેલાં ઉંદરો જહાજમાંથી કૂદી પડે તે રીતે કેટલાંક કોંગ્રેસી ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપામાં જોડાવા લાગ્યા છે. વર્ષો પહેલાં ગુજરાતની રાજનીતિ જે ઉક્તિથી બદનામ હતી, તે ‘આયારામ-ગયારામ’નો જમાનો ફરી આવી ગયો છે, અને તે પણ ગાંધી-સરદારના ગુજરાતમાં ! કોંગ્રેસના ધારાસભ્યો જે રીતે ભાજપમાં જવા લાઈનો લગાવી રહ્યા છે તે સાંપ્રત રાજનીતિની અધોગતિ સિવાય બીજું કંઈ નથી.

ગુજરાતમાં પક્ષપલટાનો ખતરનાક ખેલ કેમ ?

કયો લાભ ખાટવા ?

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનથી શરૂ થયેલો આ સિલસિલો હવે પરાકાષ્ઠાએ છે. હજુ એક વર્ષ પહેલાં જ જે ધારાસભ્યો કોંગ્રેસ કે જીપીપીના પ્રતીક પર ચૂંટણી લડીને ધારાસભામાં ગયા છે તેઓ પક્ષપલટો કરીને માત્ર તેમના પક્ષનો જ દ્રોહ કરતાં નથી, પરંતુ તેમના મતદારોનો પણ દ્રોહ કરી રહ્યા છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ કોઈ ચોક્કસ વિચારસરણીને મત આપ્યા છે અને રાતોરાત ગમે તે લોભ, લાલચ કે પ્રલોભનથી આકર્ષાઈને જે નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે તે માફ કરવાને લાયક નથી. આજના સમયમાં પૈસા, પદ કે બીજી લાલચ વિના કોઈ પક્ષપલટો કરતું નથી એ વાત ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે. રાતોરાત પક્ષપલટો કરી રહેલા નેતાઓએ પ્રજા સમક્ષ જઈ એ સ્પષ્ટ કરવું પડશે કે તેમનો કયો લાભ ખાટવા પક્ષપલટો કરવો પડયો છે. હવે સમય બદલાઈ ગયો છે. પ્રજા જાગૃત થઈ ચૂકી છે. પક્ષપલટો કરનાર આવા નેતાઓને બજાર વચ્ચે ઊભા રાખી પ્રજાએ તેમને જવાબ આપવા મજબૂર કરી દેવા જોઈએ અને જરૂર પડે તો એવા લોકોને જાહેર જીવનમાંથી કાયમ માટે રુખસદ આપી દેવાની ફરજ પાડવી જોઈએ.

નિષ્ઠાવાન કાર્યકરોનું શું?

સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે, ભારતીય જનતા પાર્ટી તરફથી વડા પ્રધાનપદ માટે નામાંકિત થયેલા નરેન્દ્ર મોદી જ્યારે દેશને ગુજરાતનું મોડેલ આપવાની વાત કરે છે ત્યારે મોદીની એ જાહેરાતમાં ગુજરાતમાં ચાલી રહેલા પક્ષપલટાની રાજનીતિનું પણ મોડેલ એમાં સામેલ છે ખરું ? અટલ બિહારી વાજપેયી પછી દેશમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આજે ટોચ પર છે ત્યારે મોદીને કે એમની પાર્ટીને કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષપલટો કરાવવાની જરૂર શું પડી ? શું અંદરથી તેઓ ભયભીત છે ? દેશને તેઓ રુશવતમુક્ત અને કોંગ્રેસમુક્ત બનાવવા માગતા હોય તો એ જ કોંગ્રેસીઓની એમને શું જરૂર પડી ? કોંગ્રેસમાંથી આવી રહેલા ધારાસભ્યોને શું લાલચો આપવામાં આવી ? પક્ષપલટો કરાવવો એ બદનામ થયેલી રાજનીતિ નથી ? પક્ષપલટો કરીને ભાજપામાં આવી રહેલા ધારાસભ્યો રાતોરાત દૂધે ધોયેલા થઈ જશે ? વળી ભાજપાના જે નિષ્ઠાવાન કાર્યકરોએ વર્ષો સુધી પક્ષ માટે જાત ઘસી નાખી છે તેમને હાંસિયામાં ધકેલી દઈ નવા આવેલા પક્ષપલટુઓને માન, ચાંદ, ટિકિટો કે ચેરમેનપદ અપાશે ? ભારતીય જનતા પાર્ટી શું ‘જમવામાં જગલો ને કૂટવામાં ભગલો’ની નીતિ અખત્યાર કરી રહી છે ? ભાજપાના હજારો કાર્યકરોએ તમામ કામ પડતા મૂકીને સભાઓ યોજી છે, સરઘસો કાઢયાં છે, પક્ષ માટે પ્રચાર કર્યો છે અને પક્ષ માટે લોહીનું પાણી કર્યું છે ત્યારે પક્ષને દગો કરીને આવનારા પલક્ષપલટુઓના કપાળમાં શું કંકુના તિલક કરવામાં આવશે ?

પક્ષપલટાના અને રાજનીતિના ગંદા ખેલ ગુજરાતે ભૂતકાળમાં જોયેલા છે. પંચવટી ફાર્મ અને ખજૂરાહો કાંડની વરવી ઘટનાઓ ગુજરાત હજુ ભૂલ્યું નથી. રાજનીતિની એ નિમ્નકક્ષાના ખેલથી ગુજરાતની પ્રજા ત્રસ્ત હતી. હજુ એક વર્ષ પહેલાં જ ગુજરાતમાં ચંટણીઓ થઈ એ વખતે ગુજરાતની પ્રજાએ જે તે ઉમેદવારને પાંચ વર્ષ માટે વિધાનસભામાં જવા મેન્ડેટ આપ્યો હતો, પરંતુ સત્તા ના મળતાં સત્તાધારી પક્ષનો લાભ લેવા જઈ રહેલા પક્ષપલટુઓ દગાબાજ અને લાલચુ જ સાબિત થયા છે. આવા લોકો ફરી ચૂંટણીમાં ઊભા રહે તો પ્રજાએ તેમને બરાબરનો પદાર્થપાઠ શીખવવો જોઈએ. ગુજરાતની પ્રજાને આવા બિકાઉ રાજકારણીઓની જરૂર નથી. એવી જ રીતે ગુજરાતની પ્રજાને નેતાઓને ખરીદવામાં આવે એવા પક્ષની પણ જરૂર નથી.

આવી જરૂર કેમ પડી ?

અટલબિહારી વાજપેયીના સમયે ભારતીય જનતા પાર્ટીનો આરંભ થયો ત્યારે આ પક્ષને ‘પાર્ટી વિથ ડિફરન્સ’ એવું નામ અપાયું હતું, પરંતુ ગુજરાતની ભાજપા જે રીતે પક્ષપલટાને પ્રોત્સાહન આપી રહી છે તે જોતાં તેનામાં અને મુલાયમસિંહ કે લાલુ યાદવની પાર્ટીમાં કોઈ ફરક દેખાતો નથી. ભારતીય જનતા પાર્ટી પણ એક બજારુ અને ધંધાદારી રાજકારણીઓની પાર્ટી તરીકે પોત પ્રકાશી રહી છે જે દેશની રાજનીતિ માટે આંચકારૂપ છે. અટલબિહારી વાજપેયીએ સત્તા પર આવવા કે સત્તા પર ટકવા પક્ષપલટાના રાજકારણનો કદીયે સહારો લીધો નહોતો. તેઓ પક્ષને એક ઊંચાઈ પર લઈ ગયા હતા. આજે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે તે જોતાં પક્ષની ઇમેજ બેશક નીચે જઈ રહી છે. નરેન્દ્ર મોદી જેવા શક્તિશાળી રાજકારણીએ પક્ષપલટાને પ્રોત્સાહન કેમ આપવું પડયું તે સમજાતું નથી. ગઈકાલ સુધી જે લોકોને તેઓ ભ્રષ્ટ અને લઘુમતીવાદી કહેતા હતા તેઓ રાતોરાત સુધરી ગયા ?

ગુજરાત બદનામ થશે ખેર !

આયારામ-ગયારામનો આ ગંદો ખેલ એક જમાનામાં હરિયાણા જેવા પ્રદેશની ઓળખ હતી. પક્ષપલટો કરનાર ધારાસભ્ય હોય તો રાજીનામું આપી દેવાનો કાનૂન છે. એ તો થશે જ, પરંતુ એથી તેઓ નૈતિક અને નીતિમત્તાવાળા નેતા બની ગયા છે એમ તેઓ માનતા હોય તો તેમની તે માન્યતા ગલત છે. આયારામ-ગયારામનો આ ગંદો ખેલ ગુજરાતને બદનામી જ અપાવશે. સાંભળવામાં તો એવું આવ્યું છે કે, કેટલાક ધારાસભ્યોને ધાકધમકી આપીને ભાજપામાં જોડાવા ફરજ પાડવામાં આવી રહી છે. કેટલાક ધારાસભ્યોનાં ધંધાના સ્થળો પર દરોડા પાડવાની કે તેમની ગ્રાન્ટ બંધ કરી દેવાની ધમકી અપાઈ હોવાનું સંભળાઈ રહ્યું છે. જો આ સાચું હોય તો તે બાબત સૌથી વધુ ડેન્જરસ છે. ગુજરાતમાં ભય ફેલાવીને પક્ષપલટો કરાવવાની નીતિથી વધુ નિમ્ન કક્ષાની નીતિ બીજી કોઈ હોઈ શકે નહીં.

શું કોલ્ડ સ્ટોરેજમાં જશે ?

પક્ષપલટો કરીને જઈ રહેલા નેતાઓએ એ વાત પણ જાણી લેવાની જરૂર છે કે, પક્ષપલટો કરનાર તમામને લાભ મળતો નથી. કોઈવાર આ જા-ફસા જા જેવો ખેલ પણ પડતો હોય છે. પક્ષમાં પ્રવેશ આપ્યા બાદ ઘણાને કોલ્ડ સ્ટોરેજમાં જ રાખવામાં આવે છે. ઘણાં ફસાયેલા છે. પૂછી આવો તેમને. રાજનીતિમાં ‘ઉપયોગીતાવાદ’ નામનો એક શબ્દ છે. એવું ના બને કે લોકસભાની ચૂંટણી બાદ પક્ષપલટો કરનારાઓને શોધવા પડે કે તેઓ ક્યાં છે ?

દેશનું ભાવિ એક મફલર, બ્લફર કે ડફરના હાથમાં છે?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

કેજરીવાલ સમસ્યાઓનો ઉકેલ કે ખુદ એક સમસ્યા?

ભારતની રાજનીતિમાં અરવિંદ કેજરીવાલ નામનું એક અલગ વ્યક્તિત્વ ઊપસ્યું છે. તે દેશની સમસ્યાઓનો ઉકેલ છે કે સ્વયં એક કોયડો છે, તે નક્કી કરવા થોડી રાહ જોવી પડશે. દેશની પરંપરાગત રાજનીતિમાં એક નવી જ આશાનું કિરણ છે કે લોકતંત્રને ખતમ કરી નાખવા માગતો અરાજકતાવાદી આદમી છે, તે જોવા થોડી રાહ જોવી પડશે. તેઓ વિધાનસભા કે સંસદમાં કાયદા-કાનૂન મુજબ દેશને ચલાવવા માગે છે કે દેશનું વહીવટીતંત્ર ફૂટપાથ પર બેસી લોકોની ભીડ વચ્ચે ચલાવવા માગે છે, તે અંગે લોકો સ્વયં મૂંઝવણમાં છે. મૂકેશ અંબાણી સામે એફઆઈઆર નોંધાવી તેઓ દેશની રાજનીતિને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓની પકડમાંથી મુક્ત કરાવવા માગે છે કે પછી દેશમાં ‘પીપલ્સ ડેમોક્રસી’ના નામે દેશમાં ચીન જેવો સામ્યવાદ લાવવા માગે છે, તે નક્કી કરવા માટે થોડોક ઇન્તઝાર કરવો પડશે.

દેશનું ભાવિ એક મફલર, બ્લફર કે ડફરના હાથમાં છે?

એ વાતમાં કોઈ શંકા નથી કે અરવિંદ કેજરીવાલ સ્વયં ઇમાનદાર વ્યક્તિ છે. જાહેર સભાઓમાં નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મનમોહનસિંહ અને કોંગ્રેસ સામે જબરદસ્ત પ્રહારો કરે છે, પરંતુ પોતાના સાથીઓને સેફ પેસેજ આપે છે. હા, કેજરીવાલ ખુદ પ્રામાણિક હોઈ શકે છે, પરંતુ તેમના બધા જ સાથીઓને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર આપી શકાય તેમ નથી. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર ૪૯ દિવસ રાજ કરીને વિદાય થઈ ગઈ. એમની સરકારે એક વાત તો સિદ્ધ કરી દીધી કે આ દેશમાં રાજનીતિ એ કેવળ મુઠ્ઠીભર લોકોનો એકાધિકારવાદ નથી. એમણે એ વાત પણ સિદ્ધ કરી દીધી કે રાજનીતિમાં માત્ર મંદિર કે મસ્જિદનો મુદ્દો હવે ચાલશે નહીં. હિન્દુવાદ કે લઘુમતીવાદનો મુદ્દો ચાલશે નહીં. જ્ઞાતિવાદ કે પ્રાંતવાદ પણ હવે ચાલશે નહીં. પ્રજા એ બધી પ્રયુક્તિઓથી ત્રસ્ત છે. કેજરીવાલે એ વાત પણ સિદ્ધ કરી દીધી કે અગર આમ આદમી મક્કમ થઈને નક્કી કરી લે તો રાજનીતિનો ઠેકો લઈને બેઠેલા ધંધાદારી- રાજકારણીઓને તે ઘરભેગા કરી શકે તેમ છે. બસ, આટલું જ તેમનું ઉજળું પાસું છે, પરંતુ તેની સામે કેજરીવાલની પાર્ટીનું ધૂંધળું પાસું ઘણું મોટું અને અતિ ગંભીર છે. જે રીતે જનલોકપાલ વિધેયક પર દિલ્હી વિધાનસભાની અંદર બંધારણની ધજ્જીઓ ઉડાડવામાં આવી અને જે રીતે અરાજકતા પેદા કરવામાં આવી તે તદ્દન શરમજનક ઘટના હતી. પાંડવો અને કૌરવોની સભામાં દુઃશાસને જે રીતે જાહેરમાં દ્રૌપદીનાં ચીરહરણ કર્યાં હતાં તેવાં જ ચીરહરણ કેજરીવાલે દિલ્હીની વિધાનસભામાં બંધારણનાં કર્યાં.

અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં ૨૮ બેઠકો કબજે કરી તે દિવસથી જ તેમને દિલ્હીમાં શાસન ચલાવવાની ઇચ્છા નહોતી. દિલ્હી વિધાનસભામાં તેમની કલ્પના બહારની બેઠકો આવ્યા બાદ તે દિવસથી જ તેમની નજર લોકસભા પર રહી છે. દિલ્હીનો પ્રયોગ તેઓ આખા દેશમાં કરવા માગે છે. દિલ્હીમાં જે દિવસથી તેમણે સત્તા સંભાળી તે દિવસથી જ તેમની સરકાર ઊથલી પડે અને તેઓ ‘રાજકીય શહીદ’ જાહેર થાય એવાં પગલાં લેતા રહ્યા હતા. દિલ્હીમાં રાજ કરવામાં તેમને રસ નહોતો. દિલ્હીના લોકો સારું અને સ્વસ્છ શાસન ચાહતા હતા, પરંતુ કેજરીવાલે દિલ્હીના લોકોને નિરાશ કર્યા. દિલ્હીનું શાસન માત્ર પ્રતીકાત્મક જ હતું. મુખ્યમંત્રીની ખુરશીમાં બેસી લોકોના પ્રશ્નો હલ કરવાને બદલે બે પોલીસવાળાઓની બદલી કરાવવા ફૂટપાથ પર બેસી ધરણાં કરવામાં તેમને વધુ રસ હતો. કેજરીવાલે દિલ્હીમાં સત્તા સંભાળી તે પછી તેઓ એક પછી એક એવા કેટલાક વિવાદોમાં સપડાતા ગયા. સહુથી પહેલાં તેમણે ૧૦ રૂમનો બંગલો રહેવા માટે પસંદ કર્યો. મીડિયાએ એ વાતનો પર્દાફાશ કરી નાંખતા ત્રણ બેડરૂમનો ફ્લેટ પસંદ કરવો પડયો. તે પછી તેમની જ કેબિનેટના સોમનાથ ભારતી નામના એક મંત્રી કે જેમની પર બે અશ્વેત મહિલાઓને અનિચ્છનીય ભાષામાં સંબોધવા મુદ્દે થયેલા આક્ષેપ પછી પણ તેઓ ચૂપ રહ્યા. સોમનાથ ભારતીનો બચાવ કરીને તેમણે પોતાની સ્વચ્છ પ્રતિભાને ખાસ્સું નુકસાન પહોંચાડયું. વીજળીનાં બિલ ૫૦ ટકા કરવા માટે તેમણે મૂળ સ્રોતમાંથી બિલ ઘટાડવાના બદલે સબસિડી આપી દીધી. એટલે કે સમાજ માટે શિક્ષણ કે બીજા કોઈ કલ્યાણ કામગીરી માટે વપરાનારાં નાણાં વીજ સબસિડીમાં પધરાવી દીધાં. એમાંયે જે પ્રામાણિક લોકોએ વીજ બિલ ભરી દીધાં હતાં તેનો લાભ ન મળ્યો. ડિફોલ્ટર્સને જાણે કે ચોકલેટ આપી દીધી. દિલ્હીમાં લોકોને પાણી મફત આપવાનું વચન પાળ્યું, પરંતુ દિલ્હીના ઘણા બધા વિસ્તારો આજે પણ પાણી વિના જ વંચિત છે. એ તરફ તેમણે ધ્યાન જ આપ્યું નહીં. લોકોના પ્રશ્નો હલ કરવા તેમણે દિલ્હીમાં જનતા દરબાર યોજ્યો, પરંતુ તેમાં હજારો લોકો આવી જતાં જનતા દરબારનો ફિયાસ્કો થયો. એ પછી બે પોલીસ અધિકારીઓની બદલી કરાવવા ધરણાં પર બેસી ગયા અને દિલ્હીના રોજબરોજના વ્યવહારને ખોરવી નાંખ્યો. મેટ્રો અટકી ગઈ. ટ્રાફિક જામ થઈ ગયો. લોકોનો મોટો પ્રતિભાવ ન મળતાં રાતોરાત એ ધરણાં સંકેલી લેવાં પડયાં.

અરવિંદ કેજરીવાલના ૪૯ દિવસના શાસનનું સરવૈયું મિશ્ર અભિપ્રાય ધરાવે છે. દિલ્હીમાં જ કેટલાક લોકો કહે છે તેમણે સારું કર્યું. કેટલાક લોકો કહે છે કે તેમણે મોટો જુગાર ખેલ્યો છે. કેટલાક લોકો કહે છે કે કેજરીવાલે દિલ્હીની જનતાના પ્રશ્નો હલ કરવાના બદલે ફરી ચૂંટણી આવે તેવી પરિસ્થિતિ ઊભી કરી દઈને દિલ્હીની જનતાને દગો કર્યો છે. કેટલાક વિવેચકો કેજરીવાલના આ પગલાને ઐતિહાસિક ભૂલ કહે છે. કેટલાક એમ માને છે કે દિલ્હીમાં સત્તા છોડી દઈને કેજરીવાલે આમ આદમીની આમ આદમી પાર્ટી પ્રત્યેની આશા જીવતી રાખી છે. કેટલાક કેજરીવાલના રાજીનામાને નાટક કહે છે. કેટલાક માને છે કે કેજરીવાલે લોકોનાં સપનાં વેચવાનું ચાલુ રાખ્યું છે. કેટલાક એમ માને છે કે કેજરીવાલે દિલ્હીમાં સરકારમાં બેસવાની જરૂર જ નહોતી. કોંગ્રેસને ગાળો દઈ ચૂંટણી લડયા પછી એ જ કોંગ્રેસના ટેકાથી કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા તે વાત તેમના માટે નૈતિકતાના અધઃપતન જેવી હતી.

આમ, અનેક દૃષ્ટિકોણથી જોઈએ તો અરવિંદ કેજરીવાલ એક ગૂંચવાડાભર્યું વ્યક્તિત્વ છે. તેમના સ્વયંના દિમાગમાં કોઈ સ્પષ્ટતા નથી અથવા તો દેશની ગરીબી, મોંઘવારી, બેકારી, પ્રાંતવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, આતંકવાદ, અલગતાવાદ જેવા અનેક પ્રશ્નો માત્ર ભ્રષ્ટાચાર દૂર કરવાથી હલ થઈ જશે એવા ભ્રમિત ખ્યાલમાં તેઓ રાચે છે. ગરીબી, મોંઘવારી, બેકારી એ બધા આર્થિક પ્રશ્નો છે. પ્રાંતવાદ, આતંકવાદ, અલગતાવાદ એ રાજકીય પ્રશ્નો છે. જ્ઞાતિવાદ અને કોમવાદ એ સામાજિક પ્રશ્નો છે. માત્ર ભ્રષ્ટાચાર દૂર થવાથી તેલંગણાનો કે જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદનો પ્રશ્ન હલ થઈ જશે એ વાત ગળે ઊતરે એવી નથી. ગરીબી દૂર કરવા વધુ ઉદ્યોગો જોઈશે. વધુ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ જોઈશે. ખેતરોને વધુ સિંચાઈની સવલતો અને વાજબી ભાવનાં ખાતરો જોઈશે. ખેડૂતોને સક્ષમ ભાવ મળવો જોઈશે. લાગે છે કે અરવિંદ કેજરીવાલ આ દેશના બંધારણ, અર્થતંત્ર, સમાજ અને સમસ્યાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજતા નથી. ફૂટપાથ પર ધરણાં કરવાથી વરસાદ નથી વરસતો. ફૂટપાથ પર ધરણાં કરવાથી નવા ઉદ્યોગો સ્થપાતા નથી. ફૂટપાથ પર ધરણાં કરવાથી નવી નહેરો બંધાતી નથી. ફૂટપાથ પર ધરણાં કરવાથી દૂધ ઉત્પાદન વધતું નથી. ફૂટપાથ પર ધરણાં કરવાથી પૂરતા પોષણના અભાવે જન્મતાં જ મૃત્યુ પામતાં બાળકોને બચાવી શકાતાં નથી. ફૂટપાથ પર ધરણાં કરવાથી પાકિસ્તાનથી આવતા ત્રાસવાદીઓને રોકી શકાતા નથી. કેજરીવાલ આટલું સમજે તો સારું. દેશ ચલાવવા માટે વિકાસ અને ગૂડ ગવર્નન્સ જોઈએ.

ચાલો, છેલ્લે છેલ્લે અરવિંદ કેજરીવાલ માટે ચાલતી અનેક જોક્સ પૈકીની એક જોક માણીએ- The fate of nation is in the hands of a muffeler of a bluffer of a duffer.

મફલર અરવિંદ કેજરીવાલનો ટ્રેડમાર્ક છે. ડિક્શનરીમાં બ્લફરનો અર્થ ઉદ્ધતા, અસભ્યતા, અવિવેકી, ઢોંગી, નાદાન, તોફાની, વ્યવહારશૂન્ય અને પત્તાંબાજીની એક રમત એવો દર્શાવવામાં આવ્યો છે, જ્યારે ડફરનો અર્થ સસ્તી ચીજો વેચનાર ફેરિયો, મૂર્ખ, ઢાંઢો, બુદ્ધિનો બારદાન અને જડસો એવો દર્શાવવામાં આવ્યો છે. આશા રાખીએ કે અરવિંદ કેજરીવાલ એ જોકને ખોટી પાડે.

www.devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén