- ફાંસીની સજા પામેલા ૩૦ ટકા શખ્સો ઉપરની કોર્ટોમાં નિર્દોષ છૂટી જાય છે
મુંબઈ બોમ્બ ધડાકાઓના અપરાધી યાકૂબ મેમણને ફાંસી બાદ દેશમાં ફાંસીની સજા હોવી જોઈએ કે નહીં તે અંગે દેશમાં લાંબી ચર્ચા ચાલી. નેશનલ ક્રાઇમ બ્યૂરોના એક અહેવાલ પ્રમાણે પાછલાં ૧૦ વર્ષોમાં(૨૦૧૦થી ૨૦૧૩) દેશભરમાં ૧૩૦૩ લોકોને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી, પરંતુ તેમાંથી માત્ર ત્રણ જ અપરાધીઓને ફાંસી આપવામાં આવી હતી.
આ અહેવાલ અનુસાર તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૦૪ના રોજ પશ્ચિમ બંગાળની અલીપુર સેન્ટ્રલ જેલમાં ધનંજય ચેટરજી નામના એક શખ્સને તેના ૪૨મા જન્મદિવસે જ ફાંસી આપવામાં આવી. તેની પર એક બાળા પર બળાત્કાર કરી તેની હત્યા કરી દેવાનો આરોપ હતો.
તે પછી તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૨ના રોજ મોહમ્મદ અજમલ કસાબનેે ફાંસી આપવામાં આવી. તે ૨૦૦૮માં મુંબઈમાં આતંકી હુમલાનો દોષી હતો. તેને પૂણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી.
તે પછી તા. ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ મોહમ્મદ અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી. તે ૨૦૦૧માં દિલ્હી ખાતે પાર્લામેન્ટ પર હુમલાનો અપરાધી હતો. તેને દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી.
નોંધનીય બાબત એ છે કે, ગત ૧૦ વર્ષમાં ૩૭૫૧ લોકોની ફાંસીની સજા આજીવન કારાવાસમાં તબદીલ કરી દેવામાં આવી. એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલના આંકડા અનુસાર ૧૯૪૭ પછી કુલ ૧૭૦ લોકોને ફાંસીની સજા આપવામાં આવી, જેમાંથી એક જ સમુદાયના લોકો માત્ર ૧૫ જ હતા. આજકાલ કેટલાંક લોકો એવો આક્ષેપ કરે છે કે, યાકૂબ મેમણ કોઈ એક સમુદાયનો હોવાથી તેને ફાંસી આપવામાં આવી. આ આક્ષેપના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ ઉપરોક્ત આંકડો આપ્યો છે. અલબત્ત, દિલ્હીની રાષ્ટ્રીય વિધિ વિશ્વવિદ્યાલયના આંકડા અનુસાર આઝાદી પછી જે સમુદાયની ચર્ચા ચાલે છે તે સમુદાયના (ઉપનામના આધારે) ૬૦ જેટલા લોકોને ફાંસી આપવામાં આવી છે. અલબત્ત, આ અહેવાલમાં કેટલાંક રાજ્યોના આંકડા ઉપલબ્ધ થઈ શક્યા નથી, કારણ કે કેટલાંક રાજ્યોએ કહ્યું કે તેમનો રેકોર્ડ ઊધઈથી નાશ પામ્યો છે.
૨૦૦૭માં સૌથી વધુ એટલે કે ૧૮૬ જેટલા અપરાધીઓને મૃત્યુદંડ આપવામાં આવ્યા તે પછી ૨૦૦૫માં ૧૬૪ જેટલા શખ્સોને ફાંસીની સજા ફરમાવવામાં આવી, પરંતુ ૨૦૦૫માં જ સૌથી વધુ એટલે કે ૧૨૪૧ જેટલા લોકોને અપાયેલી ફાંસીની સજા આજીવન કારાવાસમાં બદલી નાખવામાં આવી. પાછલાં ૧૦ વર્ષમાં ઉત્તરપ્રદેશમાં સહુથી વધુ એટલે કે ૩૧૮ જેટલા ગુનેગારોને ફાંસીની સજા ફરમાવવામાં આવી. મહારાષ્ટ્ર ૧૦૮ના આંકડા સાથે ફાંસીની સજા માટે બીજા નંબર પર રહ્યું, તે પછી કર્ણાટકમાં ૧૦૭ અને મધ્યપ્રદેશમાં ૧૦૪ વ્યક્તિઓને ફાંસીની સજા ફરમાવવામાં આવી. ૨૦૦૪થી ૨૦૧૩ દરમિયાન દિલ્હીમાં ૨૪૬૫ જેટલી વ્યક્તિઓને થયેલી ફાંસીની સજા આજીવન કારાવાસમાં પરિર્વિતત કરી દેવામાં આવી.
આ રીતે ફાંસીની સજાને કોઈ એક સમુદાય સાથે જોડવાના બદલે તેનું વૈજ્ઞાાનિક પૃથક્કરણ કરવું જોઈએ. કોઈ એક રાજ્ય કે એક સમુદાયના વધુ લોકોને ફાંસીની સજા ફરમાવવામાં આવે છે તો તે અંગે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આ દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને તટસ્થ છે. સદ્નસીબે ફાંસી જેવી સજામાં તો છેવટનો નિર્ણય ટોચની અદાલતો સુધી જાય છે. ભારતમાં નીચલી કક્ષાએ એક ચુકાદો આવ્યો હોય તો તેને વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત સુધી જવાની તક મળે છે. છેવટે લાર્જર બેન્ચ સુધી પણ જવાની તક મળે છે, તેથી ફાંસીની સજામાં કોઈ એક ન્યાયાધીશ કે કોઈ એક કોર્ટ આખરી નથી. વળી, ભારતમાં ફાંસીની સજા’રેરેસ્ટ ઓફ રેર’ કેસમાં જ અપાય છે. કોઈ એક સમુદાયના આધારે જ નિર્ણયો થતા હોત તો હિટ એન્ડ રન કેસમાં એક સમુદાયના એક્ટરને જામીન મળ્યા ના હોત.
એવી જ રીતે ફાંસીની સજા અંગે એકેડેમિક ચર્ચા પણ થવી જોઈએ. એ વાત નોંધનીય છે કે નીચલી ટ્રાયલ કોર્ટ્સ દ્વારા અપાયેલી ફાંસીની સજાઓ પૈકી ૩૦ ટકા ફાંસીની સજાઓ પામેલી વ્યક્તિઓને ઉપરની કોર્ટો નિર્દોષ પણ જાહેર કરે છે. નેશનલ લો યુનિર્વિસટી, દિલ્હીના સેન્ટર ઓન ધ ડેથ પેનલ્ટી અને નેશનલ લિગલ સર્વિસીઝ ઓથોરિટીએ કરેલા એક અભ્યાસ અનુસાર ૨૦૦૦ની સાલ પછી નીચેની જે ટ્રાયલ કોર્ટોએ ૧૭૯૦ જેટલા શખ્સોને ફાંસીની સજા ફરમાવી,તેમાંથી માત્ર ૪.૫ ટકા લોકોને જ ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. કુલ ૧૭૯૦ વ્યક્તિઓને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા કરી હતી, તેમાંથી ૧૫૧૨ વ્યક્તિઓ અંગે હાઇકોર્ટે નિર્ણયો કર્યા હતા. ટૂંકમાં, ટ્રાયલ કોર્ટોએ કરેલી ફાંસીની સજાઓ પૈકી માત્ર ૧૫ ટકા ફાંસીની સજાઓ હાઈકોર્ટોએ માન્ય રાખી હતી. જ્યારે આતંકવાદીઓને ફાંસીની સજા કરવામાં આવે છે ત્યારે ટ્રાયલ કોર્ટના એ ચુકાદાને હાઇકોર્ટની મંજૂરી મળવી ફરજિયાત છે. આ રીતે આ દેશમાં ફાંસીની સજા ચીન કે પાકિસ્તાન કે કોરિયાની જેમ આડેધડ અપાતી નથી. રેરેસ્ટ ઓફ રેર કેસમાં અપાતી ફાંસીની સજા ભારતમાં અનેક ગળણીઓમાં ગળાઈને આગળ વધે છે. ટૂંકમાં, એક ચર્ચા એવી પણ છે કે નીચેની ટ્રાયલ કોર્ટો ડેથ પેનલ્ટીનો વધુ ઉપયોગ કરે છે કે કેમ તે વિષે પણ ચર્ચા થવી જોઈએ.
કાનૂન સાથે સંકળાયેલા કેટલાંક નિષ્ણાતોનું કહેવું છે કે, ટ્રાયલ કોર્ટો દ્વારા અપાયેલી ફાંસીની સજાઓ પૈકી ૩૦ ટકા સજાઓ હાઇકોર્ટો દ્વારા અથવા તો સર્વોચ્ચ અદાલત દ્વારા સેટ અસાઇડ થાય છે એનું કારણ શું? ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને તટસ્થ છે તેમાં કોઈ શંકા નથી, બલ્કે ગૌરવપૂર્ણ પણ છે. આ દેશના ન્યાયતંત્ર માટે કહી શકાય કે પુરાવાના અભાવે ભલે ૧૦૦ ગુનેગારો છૂટી જાય, પરંતુ એક નિર્દોષને સજા થવી ના જોઈએ. એક ખતરનાક આતંકવાદીને પણ ભારતની સુપ્રીમ કોર્ટના દરવાજા મધરાતે ખખડાવી શકે છે અને સુપ્રીમ કોર્ટના ત્રણ-ત્રણ વરિષ્ઠ ન્યાયાધીશે રાત્રે બે વાગ્યે પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલાવી કોઈની અપીલ સાંભળે છે. આવું ચીન કે પાકિસ્તાનમાં શક્ય નથી.
અલબત્ત, ભારતમાં ફાંસીની સજા હોવી જોઈએ કે નહીં તે અંગે ચર્ચા જરૂર થવી જોઈએ.
Comments are closed.