Devendra Patel

Journalist and Author

Month: March 2013 (Page 1 of 2)

‘મધર ઇન્ડિયા’નો પુત્ર મધર ઇન્ડિયાના શત્રુનો મિત્ર કેમ?

અસલી માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહીમને સજા નહીં થાય ત્યાં સુધી ન્યાય અધૂરો છે

૧૨માર્ચ, ૧૯૯૩ના રોજ મુંબઇમાં થયેલા બોમ્બ ધડાકાઓના કેસ અંગે સુપ્રીમ કોર્ટે ગુનેગારોને સજા સંભળાવીને આખરી ફેંસલો આપી દીધો છે. એની સાથે જ ઘરમાં એ.કે.૫૬ જેવાં ગેરકાનૂની શસ્ત્રો રાખવા બદલ ટાડા કોર્ટે અભિનેતા સંજય દત્તને સંભળાયેલી છ વર્ષની સજા ઘટાડીને પાંચ વર્ષની કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે દસ અપરાધીઓને અભણ અને ગુમરાહ થયેલા લોકો સમજીને ફાંસીની સજાને આજીવન કેદની સજામાં તબદીલ કરી છે. આ ચુકાદાથી એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, કાનૂન બધા માટે એક સમાન છે, પછી તેનો ભંગ કરનાર વ્યક્તિ ભલે ગમે તેટલી લોકપ્રિય હોય.

શ્રેષ્ઠ માતા-પિતા

જ્યાં સુધી સંજયદત્તને સજા થઇ છે ત્યાં સુધી આખુ બોલિવૂડ સ્તબ્ધ છે. નિર્માતાઓએ સંજયદત્તના નામ પર કરોડો લગાવેલા છે. વ્યક્તિગત રીતે સંજયદત્તના અને ફિલ્મોના ચાહકોની સહાનુભૂતિ સંજયદત્ત સાથે છે. કોંગ્રેસની યુપીએ સરકારની અને મુલાયમસિંહની સમાજવાદી પાર્ટીથી માંડીને પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ માર્કન્ડેય કાત્ઝુની પણ લાગણી સંજયદત્ત સાથે છે. એ વાત સાચી છે કે સંજયદત્ત ખુદ કોઇ આતંકવાદી નથી. તેમના પિતા સુનીલદત્ત એક ઉમદા એક્ટર અને અચ્છા ઇન્સાન હતા. તેમના માતા નરગિસ ‘મધર ઇન્ડિયા’ ના રોલથી દેશ અને દુનિયામાં મશહૂર હતાં. આ શ્રેષ્ઠ માતા-પિતાનું ફરજંદ આતંકવાદી ના હોય પરંતુ આતંકવાદીઓના માસ્ટરમાઇન્ડ સાથે મૈત્રી રાખે અને તેમણે મોકલાવેલાં ખતરનાક શસ્ત્રો ઘરમાં રાખે તેવી ઉમ્મીદ કોઇને નહોતી. સંજય દત્ત અનીસ ઇબ્રાહીમથી માંડીને દાઉદ ઇબ્રાહીમના જમણા હાથ જેવા છોટા શકીલના સંપર્કમાં હતા. તેમની વચ્ચે થયેલી વાતો ટેપ થયેલી છે. ‘મધર ઇન્ડિયા’ નો પુત્ર મધર ઇન્ડિયાના દુશ્મનો સાથે મૈત્રી રાખે અને શસ્ત્રો પણ મંગાવે તે કોઇપણ રાષ્ટ્રવાદી વ્યક્તિ સહન કરી શકે નહીં.

સુપર સિટીઝન નથી

એ વાત સાચી છે કે સંજયદત્તે બચપણથી જ અનેક આઘાત અને મુશ્કેલીઓ વેઠી છે. ૧૯૮૧માં તેમની માતા નરગીસનું કેન્સરથી મૃત્યુ થઇ ગયું તે આઘાતથી બહાર આવતાં તેમને વર્ષો લાગ્યા હતા. કિશોરાવસ્થામાં જ સંજયદત્ત નશીલા દ્રવ્યોના બંધાણી બની ગયા અને તેમાંથી બહાર લાવતા પિતા સુનીલ દત્તને ભારે પરિશ્રમ કરવો પડયો. એ પછી પ્રથમ પત્નીનો વિયોગ આવ્યો. એ બધામાંથી બહાર આવવા ફિલ્મો શરૂ કરી. મહિલાઓ સાથે છેડછાડથી માંડીને બંદૂકબાજીની ફિલ્મો કરી. ખલનાયકી પણ કરી. પરંતુ વાસ્તવિકતા સામે આવતાં જ અને માતા-પિતાના સંસ્કારનું જીન પ્રબળ બનતાં સંજયદત્તે મુન્નાભાઇ બની ગાંધી વિચારધારાને ફરી સજીવન કરી ખલનાયક બન્યા બાદ જાદુકી ઝપ્પી દેવાવાળા એકટર બની ગયા. આવા એક લોકપ્રિય કલાકારને જેલની સજા થતાં ઘણા બધા લોકો લાગણીમાં આવી ગયા. સંજયદત્તને જેલમાં જવું પડશે તો કોઇને પણ દુઃખ થશે તે સાચું છે. પરંતુ કાનૂન એ કાનૂન છે. ન્યાયની દેવીની આંખે પાટા છે. એ લાગણીથી નહીં પરંતુ વાસ્તવિક હકીકતો અને નક્કર પુરાવાને જ અંતરથી નિહાળે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માણસો પણ કાયદાનું માન જાળવતા શીખે એ જરૂરી છે. એકટર્સ આ દેશના સુપર સિટિઝન્સ નથી. સુપર હ્યુમન પણ નથી. બેફામ ગાડી ચલાવીને ફૂટપાથ પર સૂતેલા ગરીબોને કચડી નાખવાનો તેમને પરવાનો નથી. નિર્દોષ કાળીયાર ચિંકારા જેવા પ્રાણીઓનો શિકાર કરવાનો તેમને કોઇ અધિકાર નથી. ફિલ્મના કલાકારોને મળતી લોકપ્રિયતાના કારણે તેઓ કાયદાથી બદ્ધ નાગરિકો છે. તેનો તેમને અહેસાસ થવો જરૂરી છે. આ દેશમાં કાયદો શું છે અને સુપ્રીમ કોર્ટ શું છે તેનું ભાન તેમને થવું જોઇએ. આ દેશમાં કાયદાથી કોઇ પર નથી. સંજયદત્તને માફી અપાવવા કેટલાક મેદાનમાં આવી ગયા છે પરંતુ મુંબઇમાં ધડાકાઓ કરનાર આતંકવાદીઓના મિત્રને માફીની માંગણી કરતા પહેલાં એ લોકોએ મુંબઇ ધડાકામાં સ્વજનો ગુમાવી બેઠેલા પરિવારોને પણ મળવું જોઇએ અને તેમની લાગણી પણ સમજવી જોઇએ.

અસલી માસ્ટર માઇન્ડ-દાઉદ

૧૯૯૩માં મુંબઇમાં ભયંકર બોમ્બ ધડાકાઓ કરી લોહીની હોળી ખેલાવનાર અસલી માસ્ટર માઇન્ડ તો દાઉદ ઇબ્રાહીમ છે. દાઉદ ઇબ્રાહીમને જ્યાં સુધી પકડી લાવીને તેને સજા નહીં થાય ત્યાં સુધી પીડિત પરિવારોને ન્યાય મળ્યો છે તેમ કહેવાશે નહીં. ભારતમાં લોહીની નદીઓ વહેરાવનાર દાઉદ ઇબ્રાહીમ ભારતને નહીં સોંપતા પાકિસ્તાનના વડાપ્રધાનને ભારત સરકાર ભાવતા ભોજન પીરસે છે અને દાઉદ પાકિસ્તાનમાં છે જ નહી એવું ખોટું બોલે છે. મુંબઇ બોમ્બ ધડાકાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહીમના આ ચાર એડ્રેસ છે. (૧) ૧૭, સીપી બજાર સોસાયટી, બ્લોક ૭-૮, આમીરખાન રોડ, કરાંચી, પાકિસ્તાન (૨) મોઇન પેલેસ, અબ્દુલ્લા શાહ ગાઝી દરગાહ પાસે, કિલફંટન, કરાંચી અને (૩) ૬/એ ખ્યાબાન તાન્ઝીમ ફેઝ-૫, ડિફેન્સ હાઉસીંગ કરાંચી (૪) માર્ગલા રોડ, પી-૬/૨, સ્ટ્રીટ નં. ૨૨, ઘર નંબર ૨૯, ઇસ્લામાબાદ આ ચાર સરનામા દાઉદ ઇબ્રાહીમના છે. ભારતના નહીં પણ અમેરિકાના ડરના કારણે આઇએસઆઇ તેને ઇસ્લામાબાદથી ૨૦ કિલોમીટર દૂર એક છૂપા પણ સલામત સ્થળે રાખે છે. કહેવાય છે કે આજે પણ દાઉદ અફઘાનિસ્તાનના માર્ગે થઇ ઉઝબેકિસ્તાન અને કઝાખસ્થાન સુધી ટ્રાઇલ કરે છે. એ આ જરૂર દ્વારા ડ્રગ્સ અને આર્મ્સનો ગેરકાનૂની ધંધો કરે છે. તેનો એક પાસપોર્ટનો નંબર : જી ૮૬૬૫૩૭ તા.૧૨ ઓગસ્ટ ૧૯૯૧ -શેખ દાઉદ ઇબ્રાહીમના નામે છે. બીજો પાસપોર્ટ કરાંચીથી અપાયેલો છે. જેનો નંબર : સી-૨૬૭૧૮૫ છે. ત્રીજો પાસપોર્ટ પણ કરાંચીથી અપાયેલો છે. પણ મુંબઇનુ સરનામું ધરાવે છે. જેનો નંબર કેસી ૨૮૫૯૦૧ છે. ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ છતાં મુંબઇ ધડાકાના સૂત્રધાર દાઉદ ઇબ્રાહીમ અને ટાઇગર મેમણ પાકિસ્તાનમાં સેફ હેવન ભોગવી રહ્યા છે.

નરગીસ અને સુનીલદત્તનો પુત્ર ગમે તેટલો લોકપ્રિય હોય પણ ભારતના દુશ્મન નંબર ૧ સાથે દોસ્તી રાખતો હોય અને શસ્ત્રો પણ મંગાવતો હોય તો તેને માફ કરી શકાય નહીં.

ગાંધીજીની વિચારધારાને હું ઇઝરાયેલ લઇ જઇશ

વિશ્વમાં એકમાત્ર ઇઝરાયેલ જ એવો દેશ છે કે જ્યાં મહિલાઓ માટે પણ લશ્કરી તાલીમ અને સેવા ફરજિયાત છે. ૧૯૪૮માં ઇઝરાયેલ આઝાદ થયું તે પહેલાં પણ ઇઝરાયેલની મહિલાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો. ઇઝરાયેલના લશ્કરમાં ૩૪ ટકા સ્ત્રીઓ છે. આ તસ્વીરમાં દેખાતી યુવતી પણ ઇઝરાયેલ એરફોર્સની એક પાઇલોટ છે. ઇઝરાયેલના લશ્કરના અનેક વિભાગોમાં મહિલાઓ મહત્ત્વપૂર્ણ ફરજો બજાવે છે.

યુદ્ધમાં પાઇલટ બનવા માટે યુદ્ધ કરનાર ઇઝરાયેલની એલિસ મિલર કોણ છે?

એનું નામ એલિસ મિલર છે.

એનો સંબંધ ભારતના હિમાલયથી માંડીને છેક ઈઝરાયેલ સુધીનો છે. એલિસ લડાયક છે, પણ સ્ત્રીઓના હક્ક માટે. ઇઝરાયેલ જેવા અત્યાધુનિક દેશમાં પણ સ્ત્રીઓએ તેમના અધિકાર માટે લડવું પડે છે. સામાન્ય રીતે યુદ્ધનું મેદાન પુરુષો મારે છે તેવી માન્યતા છે. પ્રાચીન ગ્રીસ, રોમ, સ્પાર્ટા કે પેલેસ્ટાઇનમાં સ્ત્રીઓ માટે યુદ્ધો થયાં છે પરંતુ સ્ત્રી પોતે સૈનિક બનીને યુદ્ધમાં ઊતરી હોય તેવું એ દેશોમાં પણ બન્યું નથી. જ્યારે ભારતમાં ઝાસીની રાણી લક્ષ્મીબાઇ રણચંડી બનીને યુદ્ધમાં લડયા છે.

વાત છે એલિસની.

ઇઝરાયેલના મહત્ત્વપૂર્ણ શહેર જેરુસલેમમાં યુવક-યુવતીઓ માટે લશ્કરની તાલીમ ફરજિયાત છે. ઇઝરાયેલ લશ્કરમાં સ્ત્રીઓને અમુક હદ સુધી સ્થાન છે. પરંતુ ઇઝરાયેલના હવાઇદળમાં સ્ત્રીઓને સ્થાન નહોતું. ઇઝરાયેલ પાસે વિશ્વના અત્યાધુનિક યુદ્ધ વિમાનો છે. તે વિમાનોનુ સંચાલન અત્યંત જટીલ હોય છે. રાત્રે પણ જોઇ શકતા અને ચોક્કસ લક્ષ્ય પર પ્રહાર કરવાની તાકાત ઇઝરાયેલના વિમાનો પાસે છે. ઇઝરાયેલના એરફોર્સની હવાઇ તાકાત વિશ્વના શ્રેષ્ઠ હવાઇદળો પૈકી અગ્રતાક્રમે છે. આવા હવાઇદળમાં યુવતીઓને ફાઇટર વિમાનના પાઇલટ તરીકે સ્થાન અપાવવા એલિસે લાંબી લડત આપવી પડી છે.

એલિસના આ સંઘર્ષની શરૂઆત આજથી ૨૦ વર્ષ પહેલાં શરૂ થઇ હતી. તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે ઇઝરાયેલના ભારત ખાતેના રાજદૂતની કચેરીએ યોજેલા એક ભોજન સમારંભ દરમિયાન એલિસે તેના સંઘર્ષની કથા વર્ણવી હતી. તે કહે છે : “મારી સ્ટોરીનું વર્ણન કરતા હું ગૌરવ અનુભવું છું. ઇઝરાયેલમાં હું બીજા બાળકોની જેમ જ મોટી થઇ હતી. ઇઝરાયેલ સરકારના નિયમ પ્રમાણે દરેક યુવતીએ ઇઝરાયેલના લશ્કરમાં બે વર્ષ અને દરેક યુવકે ચાર વર્ષ સેવાઓ આપવી ફરજિયાત છે. કારણ કે ઇઝરાયેલને પોતાના રક્ષણની જરૂર છે. હું જ્યારે ૧૮ વર્ષની હતી ત્યારે મેં એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ભણવાનું નક્કી કર્યું. મારા કેટલાક મિત્રો પાઇલટસ બની ગયા પરંતુ સ્ત્રીઓને એરફોર્સમાં પાઇલટસ તરીકે સ્વીકારવામાં આવતી નહોતી. ઇઝારાયેલની સરકાર એમ માનતી હતી કે સ્ત્રીઓ આ કામ કરી શકે નહીં. હું એરફોર્સમાં પાઇલટ બનવા માંગતી હતી. મેં એરફોર્સના વડાને પત્ર લખી પૂછયું કે સ્ત્રીઓને એરફોર્સના પાઇલટસ તરીકે સ્વીકારવામાં કેમ નથી આવતી?”

એરફોર્સના વડાનો જવાબ આવ્યો : “સ્ત્રીઓ એનિમી લાઇન, ક્રોસ કરી શકે નહીં.”

મેં ઇઝરાયેલની સેનેટના સભ્યોને પત્ર લખ્યો. મંત્રીમંડળના સભ્યોને પણ પત્ર લખ્યો : “સ્ત્રીઓને પુરુષ જેટલા સમાન અધિકાર કેમ આપવામાં આવતા નથી?”

કોઇ જ સંતોષજનક જવાબ ના મળતા મેં ઇઝરાયેલના પ્રેસિડેન્ટ એઝર વાઇઝમેનની મુલાકાત માંગી. તરત જ ઇઝરાયેલના સચિવનો ફોન આવ્યો કે, “પ્રેસિડેન્ટ તમારી સાથે વાત કરવા માંગે છે. પ્રેસીડેન્ટે મારી સાથે વાત કરી પોતાની મર્યાદા જણાવી.

મેં હવે એસોસિયેશન ઓફ સિવિલ રાઇટસનો સહારો લીધો અને પોતાના નામે જ ઇઝરાયેલની સુપ્રીમ કોર્ટમાં ઇઝરાયેલના સંરક્ષણ ખાતા સામે પીઆઇએલ દાખલ કરાવી અને એર ફોર્સમાં સ્ત્રીઓના અધિકારની માંગણી કરી. મે ંકહ્યું “અમે સ્ત્રીઓ પણ યુદ્ધ વિમાનો ઊડાડી યુદ્ધમાં ભાગ લેવા માંગીએ છીએ.”

અને સુપ્રીમ કોર્ટે મારી દલીલો ધ્યાનપૂર્વક સાંભળી ચુકાદો મારી તરફેણમાં આપી દીધો. આ એક શકવર્તી ચુકાદો હતો. ઇઝરાયેલના ઇતિહાસમાં પહેલી જ વાર સ્ત્રીઓને યુદ્ધ સમયે યુદ્ધ વિમાનના પાઇલટસ તરીકે કામગીરી બજાવવાની પરવાનગી મળી ગઇ. યુદ્ધમાં ભાગ લેવા માટેનું મારુ આ યુદ્ધ સ્વયં હવામાં ફાંફા મારવા જેવું હતું. ઇઝરાયેલના એરફોર્સની ચીલાચાલુ પ્રણાલિકા આઉટ ઓફ ડેટ સાબિત થઇ. સ્ત્રીઓની સ્વતંત્રતા અને અધિકાર માટેનો જંગ હું જીતી ગઇ. હું ‘ફ્રીડમ’ શબ્દનો અર્થ સમજું છું. ફ્રીડમ એટલે માત્ર દેશની જ આઝાદી નહીં. જરીપુરાણા ખ્યાલો અને જૂના નિયમોમાંથી પણ સ્વતંત્રતા મળવી તે પણ એક’ફ્રીડમ’ જ છે.

એ પછી એલિસ કહે છે : “હું ભારત કેવી રીતે આવી તે પણ જાણવા જેવું છે. અત્યારે હું ઇઝરાયેલની નાગરિક છું પરંતુ મારો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. હું ભારતના ગઢવાલ વિસ્તારના એક હિન્દુ યુવક સાથે પરણી છું. ઇઝરાયેલ એરફોર્સમાં જોડાયાના કેટલાક સમય બાદ મેં એક વર્ષનો બ્રેક લીધો હતો. આ એક વર્ષ દરમિયાન મેં આખા વિશ્વનો પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું. આ પ્રવાસ શરૂ કરતાં પહેલાં હું અપરિણીત હતી પરંતુ ભારતના પ્રવાસ દરમિયાન લડાખમાં હું એક ભારતીય યુવાનને મળી. હું તેના પ્રેમમાં પડી ગઇ અને તે પછી ભારતના પણ પ્રેમમાં પડી ગઇ. લગ્ન બાદ હું મારા પતિ સાથે હિમાલયની ખીણના એક નાનકડાં ગામમાં રહેવા લાગી. મારું ગામ અલકનંદા નદીના કિનારે આવેલું છે. અમે સંપૂર્ણ પણે ગ્રામ્ય જીવન જીવીએ છીએ.”

તે કહે છે : “હિમાલયની ખીણોમાં રહેતી સ્ત્રીઓ ખરેખર ખુશનસીબ છે. અહીં સ્ત્રીઓ બધું જ કામ કરે છે. પરિવારની જવાબદારી પણ તેઓ જ સંભાળે છે. જ્યારે પુરુષો પત્તા રમ્યા કરે છે. પુરૂષો જાતજાતની ઉજવણીઓ અને ઉત્સવોમાં વ્યસ્ત રહે છે. હું વધુને વધુ લોકો હિમાલયની ઘાટીમાં જઇને રહે તેવું ઇચ્છું છું.”

ઇઝરાયેલ એ આરબ રાષ્ટ્રોથી ઘેરાયેલો દેશ છે. તેની સરહદો પર કાયમ કોઇને કોઇ સંઘર્ષ થતો જ રહે છે. ઇઝરાયેલ-પેલેસ્ટાઇન પ્રશ્ન અંગે પણ તે કહે છે : “હું જલદી ઇઝરાયેલ પાછી જવાની છું. મને લાગે છે કે મારો દેશ મને બોલાવી રહ્યો છે. ઇઝરાયેલ જઇ હું રાજકારણમાં ઝંપલાવવાની છું. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનની સરહદ પર રહેતા લોકો સેન્ડવીચ થઇ ગયા છે. હવે એક સરહદ નક્કી થવી જોઇએ, જેથી એ લોકો એમના ઘરમાં શાંતિથી રહી શકે અને અમે અમારા ઘરમાં હવે આ સંઘર્ષનો કોઇ કાયમી ઉકેલ આવવો જોઇએ.”

 એલિસ મિલર કહે છે : ” તમે એટલું જ વિચારો કે જે દેશમાં ૧૮ વર્ષની કન્યાને તમારે લશ્કરમાં મોકલવી ફરજિયાત હોય છો તમે સમજી શકો છો કે એ દેશની ભીતરી હાલત કેવા સંઘર્ષથી ભરેલી હશે? આ એક ભયંકર પરિસ્થિતિ છે. પરંતુ ઇઝરાયેલની રાજનીતિને હું નવી દિશા આપવા માગં છું. ભારતથી જતી વખતે હું ગાંધીજીની વિચારધારાને મારી સાથે ઇઝરાયેલ લઇ જઇશ. હું ગાંધીજીની અનુયાયી છું. મને ખાત્રી છે કે, ગાંધી વિચારધારા ઇઝરાયેલમાં જરૂર શાંતિ સ્થાપશે.”

એલિસ તેના વિચારોમાં પ્રામાણિક છે પરંતુ રોજ બોમ્બ ધડાકા કરતા કટ્ટરપંથીઓ ગાંધીજીના અહિંસાના વિચારોને સમજશે ખરા?

(સ્ત્રોત અને સૌજન્ય : ‘ધી પાયોનિયર’)

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ભારતનાં મિલિટરી રહસ્યો કોણ ચોરી રહ્યું છે? : OPERATION RED OCTOBER

વિશ્વભરમાં માથાનો દુખાવો બની રહેલા સાઇબર ક્રાઇમની દુનિયામાં વિશ્વના મોટા ભાગના દેશોની ઊંઘ ઉડાડી દે તેવો આ કોડવર્ડ છે. એનું આખું નામ ઓપરેશન રેડ ઓક્ટોબર છે. કેટલાંક વર્ષો પહેલાં જુલિયન અસાંજેની ‘વિકિલીક્સ’ સંસ્થાએ પેન્ટોગોનના ગુપ્ત દસ્તાવેજો ઇન્ટરનેટ મારફતે જ હાંસલ કરી અમેરિકાનાં કેટલાંક ગુપ્ત રહસ્યો ખુલ્લા પાડી દીધાં હતાં. એ જ રીતે કોઈ અજાણ લોકો કે કોઈ અજાણી ગુપ્તચર સંસ્થા ઓપરેશન રેડ ઓક્ટોબરના કોડનેમ હેઠળ પૃથ્વી પરના કેટલાક દેશોના ડિપ્લોમેટ્સ, સરકારી રિસર્ચ એજન્સીઝ તથા ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીઝ પર જાસૂસી કરતી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

રશિયાની કાસ્પેર્સ્કી લેબોરેટરી દ્વારા જાસૂસીની આ ખતરનાક જાળ પરથી પહેલી જ વાર પરદો ઉઠાવવામાં આવ્યો છે. રશિયાની આ લેબોરેટરીએ એવો દાવો કર્યો છે કે ઓપરેશન રેડ ઓક્ટોબર પ્રોજેક્ટ હેઠળ ભારત પર પણ જાસૂસી કરવામાં આવી રહી છે અને ભારતનાં લશ્કરી થાણાં અને મિલિટરી ડેટાની પણ કેટલાક લોકોએ સાયબર ટેક્નિક દ્વારા ચોરી કરી લીધી હોવાનું મનાઈ રહ્યું છે.

રશિયન કાસ્પેર્સ્કી લેબ એક પ્રકારનું નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનઝેશન છે. આ સંસ્થાની ટીમ દ્વારા હવે એ વાતની પણ તપાસ થઈ રહી છે કે ભારતનો કોઈ મિલિટરી ડેટા હેકર્સ દ્વારા ચોરાયો છે કે કેમ?

ભારતના ડિફેન્સ નિષ્ણાતોને ઘણા વખતથી એ શક છે કે ભારતના પાડોશી દેશ ચીનમાં પણ ભારતના લશ્કરનો ખાનગી ડેટા ચોરવાની પ્રવૃત્તિ ચાલતી રહી છે, પરંતુ ઓપરેશન રેડ ઓક્ટોબર એ કોઈ અન્ય દેશમાંથી જ ઉદ્ભવેલી ખતરનાક પ્રવૃત્તિ છે.

રશિયાની આ કાસ્પેર્સ્કી લેબ આ કામ કયા દેશમાંથી અને કોના સર્વર દ્વારા થઈ રહ્યું છે તે સ્થળ હજુ શોધી શકી નથી, પરંતુ કાસ્પેર્સ્કી લેબનું કહેવું છે કે ભારત જેવા દેશની સલામતી અને બીજાં ઓર્ગેનાઇઝેશન્સ અંગેના દસ્તાવેજો આ જાસૂસી સંસ્થાઓએ હાંસલ કર્યા છે કે કેમ તે શોધવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ. રશિયાની આ લેબનું માનવું છે કે કેટલાંક દેશોનો મિલિટરી ડેટા ચોરવા ઉપરાંત આ જાસૂસી કેટલાક દેશોનાં પરમાણુ મથકો અને બીજાં ઊર્જા મથકોનો ડેટા પણ કરવા માટે થઈ રહ્યા હોવાનું મનાય છે.ળઆઝાદી બાદ ભારતે સહુ પ્રથમ વાર બનાવેલા વિશાળ ભાખરા નાંગલ ડેમને દર્શાવવા એ વખતના ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, રશિયાનાં વડા નિકિતા ખુશ્ચોવને લઈ ગયા હતા. નહેરુને હતું કે રશિયાનાં વડા આ વિશાળ બંધ જોઈ અભિભૂત થઈ જશે પણ એમ ન થયું. રશિયાના વડાએ નહેરુને પહેલો જ પ્રશ્ન પૂછયો કે આ બંધની સલામતી અંગે તમે શું વ્યવસ્થા કરી છે? નહેરુ પાસે રશિયન વડાના પ્રશ્નનો કોઈ ઉત્તર નહોતો. એ પછી ભારતને અંધારામાં રાખી ચીને ભારત પર આક્રમણ કર્યું હતું એ ઇતિહાસ જાણીતો છે.

રશિયાની કાસ્પેર્સ્કી લેબનું માનવું છે કે ઓપરેશન રેડ ઓક્ટોબરના નામ હેઠળ દુનિયાની કોઈ ગુપ્તચર સંસ્થા અથવા જૂથ છેલ્લાં પાંચ વર્ષથી આ પ્રકારની ગ્લોબલ જાસૂસી કરે છે. નોંધપાત્ર વાત એ છે કે રશિયાની કાસ્પેર્સ્કી લેબ દ્વારા ઓપરેશન રેડ ઓક્ટોબરના જાસૂસીના રહસ્યનો પર્દાફાશ કર્યા બાદ એ સાયબર જાસૂસી નેટવર્કનો કમાન્ડ અને કંટ્રોલ ઓફલાઇન થઈ ગયા છે.

ભારતનાં મિલિટરી રહસ્યો પર કોઈ જાસૂસી ઓપરેશન રેડ ઓક્ટોબર દ્વારા થઈ રહ્યું છે કે કેમ તે અંગે ભારત સરકારે કોઈ જાહેર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ સૂત્રો દર્શાવે છે કે ભારતનો કોઈ મહત્ત્વપૂર્ણ મિલિટરી ડેટા હેક કરવામાં આવ્યો છે કે કેમ તેની તપાસ એક ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર જાહેરમાં કાંઈ બોલતી નથી, પરંતુ એમ મનાય છે કે ભારતનો કોઈ મહત્ત્વપૂર્ણ મિલિટરી ડેટા હેક થયો છે કે કેમ તે શોધી કાઢવાનું કોઇ મિકેનિઝમ હોવું જ જોઈએ.

રશિયન લેબ કાસ્પેર્સ્કી આ ખતરનાક પ્રવૃત્તિ કરનાર સર્વરનું લોકેશન શોધી શકી નથી, પરંતુ તેના નિષ્ણાતોએ એ સર્વરની ૩૪ જેટલી કેટેગરીનાં ૧૦૦૦ જેટલાં મોડયૂલ્સ શોધી કાઢયાં છે. ઓપરેશન રેડ ઓક્ટોબરના કોડનેમ હેઠળ કામ કરતા સાયબર જાસૂસોએ માત્ર ઇન્ટરનેટ પરથી જ નહીં પરંતુ ડિપ્લોમેટ્સ, ચાવીરૂપ નેતાઓ, મિલિટરી પદાધિકારીઓના મોબાઇલ ફોન્સ, કોન્ટેક્ટ લિસ્ટ, કોલ હિસ્ટ્રી, કેલેન્ડર, અસએમએસ તથા કોમ્પ્યુટર સાથે ફોન જોડીને કરાયેલા બ્રાઉઝિંગ હિસ્ટ્રીની પણ માહિતી હેક કરી હોવાનું મનાય છે. કાસ્પેર્સ્કી લેબનું માનવું છે કે આ સાયબર જાસૂસોએ જે દેશોને ટાર્ગેટ બનાવ્યા છે, તેમાં પૂર્વ યુરોપના દેશો, સોવિયેત રશિયાના પૂર્વ દેશો, સેન્ટ્રલ એશિયા, પશ્ચિમ યુરોપના દેશો તથા ઉત્તર અમેરિકાનો પણ સમાવેશ થાય છે. એમાંયે સહુથી વધુ નુકસાન બેલ્જિયમ અને સ્વિટઝર્લેન્ડને થયું હોવાનું મનાય છે.

કાસ્પેર્સ્કી લેબના નિષ્ણાતોનું માનવું છે કે આ સાયબર જાસૂસી નેટવર્ક સ્માર્ટ ફોન્સમાંથી ડમ્પ કરેલા ઇક્વિપમેન્ટમાંથી તથા ઇ-મેલમાંથી પણ મહત્ત્વપૂર્ણ માહિતી ચોરી લે છે. એ જ રીતે રિમૂવેબલ ડિસ્ક ડ્રાઇવની ફાઇલ પણ હાંસલ કરી શકે છે.

એક અંદાજ પ્રમાણે હેકર્સે ૬૦ જેટલાં ડોમેઇન નામ તથા અનેક હોસ્ટિંગ લોકેશન્સ વિવિધ દેશોમાં ઊભાં કર્યાં છે. ખાસ કરીને જર્મની અને રશિયામાં જ આવાં ડોમેઈન નામ અને હોસ્ટિંગ થયું હોવાની સંભાવના છે.

કોઈ અજાણ્યા હેકર્સ દ્વારા ભૂતકાળમાં આવા સાયબર હુમલા રેડ અને શેડો ઇન કોલ્ડના નામથી કુખ્યાત છે, પરંતુ આમાં કમનસીબી એ વાતની છે કે કોઈ વિદેશી સંસ્થા એ રહસ્ય ઉજાગર કરે છે તે પછી જ આપણને ખબર પડે છે. ભારતના ડિફેન્સ નિષ્ણાતોનું માનવું છે કે ભારત સરકારે આવા સાયબર જાસૂસો સામે સંરક્ષણાત્મક વલણ અપનાવવાના બદલે રાષ્ટ્રના હિતમાં આક્રમક વલણ અપનાવવું જોઈએ. એ માટે સાયબર જગતની વધુ અદ્યતન અને જટિલ ટેક્નોલોજીના ઉપયોગની જરૂર છે.

www.devendrapatel.in

‘ગોલ્ડન વોઇસ’ના માલિક અમીન સયાની ગુજરાતી છે

‘ગોલ્ડન વોઇસ’ના માલિક અમીન સયાની ગુજરાતી છે

રેડિયો સિલોનની લોકપ્રિય’બિનાકા ગીતમાલા’ના લેજન્ડરી ઉદ્ઘોષક અમીન સયાની ૮૦ના થયા

અમીન સયાની.

કેટલાક માણસો તેમના અવાજથી વધુ જાણીતા છે.  એક જમાનામાં ઓલ ઇન્ડિયા રેડિયો પર સમાચાર વાંચતા મેલવિલ ડી’મેલોનો અવાજ આખા દેશમાં જાણીતો હતો. આકાશવાણી અમદાવાદ વડોદરા  સ્ટેશન પર સમાચાર વાંચતા લેમ્યુઅલ હેરી આખા ગુજરાતમાં તેમના અવાજથી જાણીતા હતા. સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની એક મહત્ત્વપૂર્ણ ઓળખ તેમનો અવાજ પણ છે. એવોજ એક અવાજ રેડિયો સિલોનના લેજન્ડરી ઉદ્ઘોષક  અમીન સયાનીનો રહ્યો છે. ટેલિવિઝન અને વિવિધ ભારતી આવ્યાં તે પહેલાં રેડિયો સિલોન પરથી પ્રસારીત થતી બિનાકા-ગીતમાલા (પાછળથી સિબાકા) ગીતમાલા અને તે પછી કોલગેટ-સિબાકાનું સંચાલન અમીન સયાની કરતા હતા અને દેશના લાખો શ્રોતાઓ ગીતો કરતાં અમીન સયાનીના સ્વર અને સ્ટાઇલને વધુ માણતા હતા. “ભાઇઓ ઔર બહેનો” ના સંબોધનથી તેઓ કાર્યક્રમની શરૃઆત કરતા. તેમના અવાજની નકલ કરનારાઓની લાઇન લાગી ગઇ હતી. અમીન સયાની દેશનું હાઉસહોલ્ડ નેમ બની ગયું હતું. અમીન સયાની હમણાં જ ૮૦ વર્ષના થયા પરંતુ તેમનો સ્વર આજે પણ એવો જ મધુર છે. તેમના સમયથી શરૃ થયેલી “ગીતમાલા” એ પણ બ્રોડકાસ્ટીંગના ૬૦ વર્ષ પૂરાં કર્યાં.

તેઓ ૮૦ના થયા પણ ૮૦ના લાગતા નથી. ચહેરા અને અવાજમાં ઉંમરની કોઇ અસર નથી. તેઓ મુંબઇમાં રહે છે.  મુંબઇમાં રિગલ  સિનેમાની પાસે તેમનો  સ્ટુડિયો પણ છે. ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે અમીન સયાનીના  દાદા મૂળ ગુજરાત-કચ્છમાં વસતા હતા. અમીન સયાનીની વય ૧૦ વર્ષની હતી ત્યારે જ તેમના પિતા કચ્છથી મુંબઇ ગયા હતા. તેમના પિતા ડોકટર અને અત્યંત ર્ધાિમક હતા. ગરીબ દર્દીઓ પાસેથી તેઓ કોઇ ફી લેતા નહોતા.  એ કારણે તેઓ બહુ કમાતા પણ નહોતા. પરંતુ ઘર સારી રીતે ચાલતું હતું.

મુંબઇમાં અમીન સયાનીને ગુજરાતી માધ્યમની  ન્યૂ ઇરા  સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ ગુજરાતી અને અંગ્રેજી એમ બેઉ ભાષાઓ સરસ રીતે બોલી શકતા હતા. તાજેતરમાં જ અંગ્રેજી અખબાર “ધી ટેલિગ્રાફ” ને આપેલા ઇન્ટરવ્યૂ દરમ્યાન તેમણે કહ્યું હતું : “હું ગુજરાતીમાં જ ગણવાનું કામ કરતો હતો. આજે પણ ગુજરાતીમાં જ આંકડા ગણું છું, પરંતુ મારા પાસે બહુ ઘણી શકાય તેટલા પૈસા નથી.’

આવું કોણ કહે?

ખેર!

અમીન સયાની કહે છે : “મારા ખરા માર્ગદર્શક મારા મોટા ભાઇ હમીદ હતા. હમીદ સયાની. મખમલી અવાજના માલિક હતા અને ઓલ ઇન્ડિયા રેડિયો પરના બોર્નવીટા ક્વીઝ કોન્ટેસ્ટ’ સાંભળનારાઓને તેમનો અવાજ યાદ હશે. પરંતુ  હમીદ સયાનીનું  અકાળે અવસાન થયું અને એ વારસો અમીન સયાનીને મળ્યો. હમીદ સયાની એક એકટર, મેજિશીયન, ડાયરેકટર અને એક્સેલન્ટ બ્રોડકાસ્ટર  પણ હતા. ભાઇ હમીદ સયાનીમાંથી પ્રેરણા લઇને એક  દિવસ અમીન સયાની ઓલ ઇન્ડિયા રેડિયો પર ઓડિશન ટેસ્ટ  માટે ગયા. એ વખતે રેડિયો માટે હિન્દી ઉદ્ઘોષક લેવાના હતા. મુંબઇ પહોંચ્યા બાદ અમીન સયાનીએ હિન્દી શીખી લીધું હતું. તેમના માતા કુલસુમ સયાની સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે  પંડીત જવાહરલાલ નહેરુ અને ગાંધીજીની સૂચનાથી હિન્દી ભાષામાં ‘રાહબર’ નામનું એક સામયિક શરૃ કર્યું હતું. અમીન સયાની કહે છે : “મેં એ ઓફિસમાં સામાન્ય કામ સ્વીકારીને મારી કારકિર્દીની શરૃઆત કરી હતી. મારા માતાની ઓફિસમાં કામ કરતાં કરતાં જ હું હિન્દી શીખ્યો હતો. એ વખતે હું સરળ હિન્દી બોલતો હતો. તેમાં ગુજરાતી લહેકો આવતો હોઇ ઘણા લોકો મારુ હિન્દી સાંભળી હસતા હતા. ઓલ ઇન્ડિયા રેડિયોના સંચાલકોએ મારું હિન્દી સાંભળી મને ગુજરાતી અને અંગ્રેજીમાં જ વળગી રહેવા સલાહ આપી.  બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઓલ ઇન્ડિયા રેડિયોએ મારુ ગુજરાતી શૈલીનું હિન્દી સાંભળી મને હિન્દી  એનાઉન્સર તરીકે નાપાસ કર્યો હતો. હું ખૂબજ નિરાશ થઇ ગયો.’

એ વખતે રેડિયો એક સંક્રાંતિ કાળમાંથી પસાર થઇ રહ્યો હતો. એ વખતના  કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી  બી.વી.કેસકરે રેડિયો પર શાસ્ત્રીય ગીતોને વધુ પ્રસારિત કરવા હિન્દી ફિલ્મોનાં ગીતો અને મ્યુઝિક વગાડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એમાંથી શ્રીલંકાના “રેડિયો સિલોન” નો જન્મ થયો. શ્રીલંકાએ એક શક્તિશાળી ટ્રાન્સમીટર લગાવી તેમના રેડિયો સિલોન સ્ટેશન પરથી હિન્દી ફિલ્મોમાંના ગીતો બ્રોડકાસ્ટ કરવા માંડયા હતા.  એ વખતે અમીન સયાનીના મોટાભાઇ હમીદ સયાની રેડિયો સિલોનના પ્રોગ્રામ ડાયરેકટર હતા. એ વખતે અમીન સયાની મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ભણતા હતા અને મોટાભાઇની ઓફિસમાં આંટા માર્યા કરતા હતા. ‘રેડિયો સિલોન’ ના “ફુલવારી” કાર્યક્રમના એનાઉન્સર એક દિવસ આવ્યા જ નહીં અને નવરા રખડતા યુવાન અમીનને બોલાવી લેવાયા. કાર્યક્રમના પ્રોડયુસર ખુશ થઇ ગયા. એ પછી દર અઠવાડિયે અમીન સયાનીને જ બોલાવવામાં આવતા. રેડિયો સિલોનના કાર્યક્રમો મુંબઇમાં રેકોર્ડ  થતા હતા. તે પછી બિનાકા  ગીતમાલા શરૃ થઇ અને હિન્દી ફિલ્મોના એ કાર્યક્રમોની સ્ક્રીપ્ટથી તૈયાર કરવાથી માંડીને તેને રેકોર્ડ કરવાની કામગીરી પણ અમીન સયાનીને  જ સોંપવામાં આવી. અમીન સયાની એ હલકા ફૂલ અંદાજમાં અને થોડા મસ્તીભર્યા  અંદાજમાં કાર્યક્રમ પેશ કરવા માંડયા. ‘બિનાકા ગીતમાલા’ નો પહેલો પ્રોગ્રામ તા.૩ ડિસેમ્બર, ૧૯૫૨ના રોજ બ્રોડકાસ્ટ થયો અને છ  કે સાત દિવસમાં  સેંકડો પત્રો આવવા લાગ્યા. દરેક કાર્યક્રમ પછી ૯૦૦૦ જેટલા પત્રો આવતા અને વર્ષના અંતે તેની સંખ્યા ૬૫૦૦૦ જેટલી થઇ ગઇ.

એ પછી તો આખા દેશમાં અમીન સયાનીનો અવાજ ગુંજતો થઇ ગયો. હિન્દી ફિલ્મોની જાહેરાતો માટે પણ તેમનો અવાજ  જ લેવાતો. હિન્દી  ફિલ્મ જગતની ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલી પ્રતિભાઓ સાથેના તેમણે લીધેલાં ઇન્ટરવ્યૂઝના રેકોર્ડીંગ્સનો  ભવ્ય ખજાનો તેઓ ધરાવે છે. અત્યાર સુધીમાં તેમણે ૬૦,૦૦૦  જેટલા પ્રોગ્રામ્સ કર્યા. ૧૯૫૦થી ૧૯૬૦ના વર્ષમાં તેમના કાર્યક્રમો સાંભળનાર શ્રોતાઓની સંખ્યા ૨૦ કરોડ સુધી પહોંચી ગઇ હતી.

અમીન સયાની તેમની જ ઓફિસમાં કામ કરતાં જુનિયર આસિસ્ટન્ટ અને કાશ્મીરી પંડિતના દીકરી રમા સાથે પ્રેમમાં પડયા હતા અને પરણી ગયા હતા. તેમના પત્નીનું ૧૦ વર્ષ પહેલાં જ અવસાન થયું. અલબત્ત, અમીન સયાનીને મળ્યાં તે પહેલાં રેડિયો પર અમીન સયાનીનો અવાજ સાંભળી એ અવાજ ન ગમતા રેડિયો બંધ કરી દેતાં હતાં અને પાછળથી તેઓ અમીન સયાનીના જ અર્ધાંગિની બની ગયા હતા. હિન્દી ફિલ્મ જગતની સેલિબ્રીટીઝ  જેવાં કે કિશોરકુમાર, મીનાકુમારી, આશા ભોંસલે સાથે તેમને ઘરોબો રહ્યો. અમિતાભ બચ્ચન સાથેના તેના સંબંધો  ડ્રામેટિક રહ્યા. ૧૯૬૦ પછીના ગાળામાં યુવા અમિતાભ અમીન સયાનીને મળવા અને તેમના અવાજનો ઓડિશન ટેસ્ટ આપવા સયાનીની ઓેફિસે આંટા મારતા હતા પરંતુ અમીન સયાની વ્યસ્ત હોઇ મળી શક્યા નહોતા.  એકવાર તેમના સેક્રેટરીએ કહ્યું કે, “કોઇ અમિતા બચ્ચન નામનો યુવાન તમને મળવા રોજ આવે છે તો અમીન સયાનીએ કહ્યું કે આ કેવું વિચિત્ર નામ છે?” પરંતુ છેક ૧૯૭૧માં અમીન સયાની અને અમિતાભ બચ્ચનનો ભેટો “આનંદ” ફિલ્મના પ્રીમિયર વખતે થઇ  ગયો. અમીન સયાનીએ જ ‘આનંદ’ ફિલ્મની રેડિયો પર પબ્લિસિટી કરી એના કેટલાક વર્ષો બાદ અમીન સયાનીએ અમિતાભ બચ્ચનને બ્રોડકસ્ટર્સ  મીટને સંબોધવા આમંત્રણ આપ્યું. એ વખતે અમિતાભ બચ્ચને નમ્રતાથી કહ્યું: ‘હું પણ સયાની સાહેબની ઓફિસે  ચક્કરો મારી મારીને થાકી ગયો હતો.’

આ વાત સાંભળી અમીન સયાનીએ તેમના પત્નીને પૂછયું : “આમ કેમ બન્યું? મેં તો આ એકટરને અગાઉ કદી જોયા જ નથી.”

તેમના પત્નીએ કહ્યું : “મૂર્ખ! અમિતાભ  કેટલીયે વાર તને મળવા આવ્યો હતો પરંતુ તું કામમાં હોઇ મળી શક્યો નહીં . એ રોજ મારી ઓફિસે આવી તારી સેક્રેટરી સાથે મજાક મસ્તી કરી, તેની સાથે કોફી અને સેન્ડવીચ ખાઇ જતો રહેતો હતો.”

સયાની કહે છે : “ઓહ માય ગોડ! જસ્ટ  સી. મેં કેટલુ બધુ  ગુમાવ્યું?  પણ મને લાગે છે કે મારો અને અમિતાભ બચ્ચનનો ભેટો ના થયો તે સારુ જ થયું. શરૃઆતમાં અમે મળ્યા હોત તો અમિતાભ બચ્ચનને મેં વધુને વધુ કામ આપ્યું હોત અને અમિતાભ બચ્ચન તેમના અવાજના કારણે એટલા બધા લોકપ્રિય થઇ જાત કે મારા માટે કોઇ કામ જ ના રહેત. અને હું રોડ પર આવી જાત. અમિતાભ  બચ્ચન આ સદીના મહાનાયક જ છે.”

એક લેજન્ડરી કલાકારની બીજા  લેજન્ડરી કલાકારને કેવી સુંદર અંજલિ?

અને છેલ્લે અમીન સયાની કહે છેઃ “મને બધું જ પ્રાપ્ત થયું  પરંતુ મેં મારા પરિવાર માટે જે કરવું જોઇતુ હતું તે હું કરી શક્યો નથી.

એક ગુજરાતીની ગુજરાતે પણ ક્યાં કદર કરી છે?

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

મહામહિમ જમાઈજી પધારોજી મ્હારે દેસ

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવદા લગ્નનાં ૫૫ વર્ષ બાદ સાસરીમાં ગયા !

રાજસ્થાનમાં જમાઈ પહેલી જ વાર સાસરીમાં જાય ત્યારે જૂનાં જમાનામાં ગીત ગવાતું : ”જમાઈજી ! પધારો મ્હારે દેશ.” એ તે પછી જમાઈજીને પાટલેથી ખાટલે અને ખાટલેથી પાટલેની ઉત્કષ્ટ સરભરા થતી. જમાઈજીની ગમે તેટલી ઉંમર હોય પણ જમાઈજી જમાઈજી જ રહે છે.

પ્રણવદાની યાત્રા વાત છે, પ્રણવબાબુની.

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજી આજે ભલે ૭૫ વર્ષની વયે પહોંચી ગયા હોય પરંતુ લગ્ન થયા બાદ પહેલી જ વાર તેમની સાસરીમાં ગયા. અને તે પણ તેમના પત્ની શ્રીમતી સુવ્રા મુકરજીની સાથે. આટલા વર્ષો બાદ પહેલી જ વાર પ્રણવદા તેમની સાસરીમાં કેમ ગયા તે પણ જાણવા જેવું છે. તેમનાં પત્ની શ્રીમતી સુવ્રા મુકરજી મૂળ ભદ્રવિલા નામના ગામમાં જન્મેલાં છે અને એ ગામ હાલ બંગલા દેશમાં આવેલું છે. આઝાદી પહેલાં હાલનું પશ્ચિમબંગાળ અને હાલનું બંગલા દેશ એ બધાં ભારતનો હિસ્સો હતાં. શ્રીમતી સુવ્રા મુકરજીનું ગામ ભદ્રવિલા હાલ બંગલા દેશના નરેલ જિલ્લામાં આવેલું છે. લગ્નના ૫૫ વર્ષ બાદ તાજેતરમાં મહામહીમ રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજી ત્રણ દિવસની બંગલા દેશની યાત્રાએ ગયા હતા. ત્યારે તેમના વ્યસ્ત કાર્યક્રમોમાંથી કેટલોક સમય કાઢીને પણ તેઓ તેમના સસુરાલ ભદ્રવિલા ગામ ગયા હતા. બંગલા દેશના આ નાનકડા ગામમાં શ્રીમતી સુવ્રા મુકરજીના કુટુંબીજનો, કુટુંબી ભાઈઓ, મામાઓ તથા બીજાં સગાંસંબંધીઓ રહે છે.

ઉપહાર આશીર્વાદ

બંગલા દેશનું આ સામાન્ય કહી શકાય એવું ગામ જાણે કે વર્ષોથી જમાઈરાજની પ્રતીક્ષા કરી રહ્યું હોય એમ લાગતું હતું. ભારતના ભાગલા પૂર્વેની ઘણી યાદો આ ગામના લોકો પાસે છે. જમાઈરાજ આવી રહ્યા છે તે ખબર માત્રથી ગામને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. બંગાળી સંસ્કૃતિ પ્રમાણે પ્રણવદાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રણવદાને બંગાળી મીઠાઈઓ અને ફળોની ભેટ આપવામાં આવી. તેમને બંગાળી રીત-રિવાજ અનુસાર વસ્ત્રોના ઉપહાર, નાળિયેર અને લીલાં પર્ણો પણ ઉપહાર તરીકે આપવામાં આવ્યાં. આ બધું વડીલોના આશીર્વાદના પ્રતીક તરીકે ગણાય છે કેટલાંક સગાંસંબંધીઓને તો પ્રણવદા પહેલી જ વાર મળ્યાં. તેમનો એ બધાંની સાથે પરિચય કરાવવામાં આવ્યો. ગામના જમાઈરાજને અને ભારતના રાષ્ટ્રપતિશ્રીને જોવા ગામના અન્ય જ્ઞાાતિના અને કોમના લોકો પણ ઊમટી પડયા હતા. પરંતુ સુરક્ષા વ્યવસ્થાના કારણે એ બધા પ્રણવદાને નજીકથી મળી શક્યા નહીં. પ્રણવદાની બંગલા દેશની મુલાકાત દરમિયાન જ તેઓ જ્યાં ઊતર્યા હતા તે સ્થળની નજીક જ બોમ્બ ધડાકો થયો હોઈ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હતી. આમ છતાં મજાની વાત એ હતી કે, જમાઈરાજને પોતાની વચ્ચે આવેલા જોઈ તમામ સગાં સંબંધીઓ તેમનું મોં મીઠું કરાવી રહ્યા હતા.દરેક સગાંસંબંધીઓ પોતપોતાનાં ઘરેથી મીઠાઈનાં જુદાં જુદાં વ્યંજનો લાવ્યાં હતા અને દરેક વ્યક્તિ પ્રણવદાએ વ્યંજન ચાખે તેવો આગ્રહ કરી રહી હતી. પ્રણવદાને ડાયાબિટીસ છે કે કેમ એ તો ખબર નથી પરંતુ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનમાં રોજ સવારે સેર કરવા નીકળે છે.

જમાઈએ પણ આપ્યું

સાસરિયાંઓએ પ્રણવદા આવે તે પહેલાં તેમનાં ગ્રામ્ય ઘરોની મરામત પણ કરાવી લીધી હતી જેથી જમાઈરાજને કોઈ અસુવિધા ના થાય. પ્રણવદા પરણ્યા તે પહેલાં આ ગામનાં મકાનો માટી અને લાકડાંના બનેલાં હતાં. હવે તે મકાનો ઈંટો અને સિમેન્ટનાં બની ગયાં છે. કેટલાંક જૂનાં મકાનો પણ હજુ એની એજ હાલતમાં ઊભાં છે. આજથી ૫૫ વર્ષ પહેલાં ૧૯૫૭માં પ્રણવ મુકરજીએ આંતરજાતીય લગ્ન કર્યાં હતા. એ જમાનામાં એ એક ક્રાંતિકારી પગલું હતું. સસુરાલની મુલાકાત દરમિયાન પ્રણવદાએ ગામ ભદ્રવિલા ખાતે આવેલા રામકૃષ્ણ આશ્રમની સ્કૂલમાં ગયા અને બાળકો માટે કોમ્પ્યુટર તથા વિદ્યાર્થિનીઓની હોસ્ટેલ માટે એક બ્લોક બનાવી આપવાનું વચન આપીને આવ્યા. નોંધપાત્ર વાત એ છે કે, પ્રણવદાની બંગલા દેશની મુલાકાતને બંગલા દેશની બધી જ રાષ્ટ્રીય ચેનલોએ પ્રણવદાને આખા બંગલા દેશના જમાઈરાજ તરીકે નવાજ્યા અને એ પ્રકારે જ એમનું સ્વાગત થયું. તેમની બંગલા દેશની મુલાકાત દરમિયાન બંગલા દેશની ન્યૂઝ ચેનલોએ પણ હિન્દી ફિલ્મ ગીત ‘મેરા યાર બના હૈ દુલ્હા, ફૂલ ખીલે હૈં દિલ કે”ની ધૂન વગાડી ગતી. બંગલા ન્યૂઝ ચેનલોએ પ્રણવબાબુનાં વિઝુઅલ્સને સાથે બંગાળી ભાષામાં ”જમાઈ બાબુ સ્વાગત કોરેન” નું ટાઈટલ બાંધ્યું હતું. બંગલા દેશની મુલાકાત દરમિયાન પ્રણવ બાબુ રવીન્દ્રનાથ ઠાકુરના પૂર્વજોના ઘર ”કુષ્ઠીબાડી” પણ ગયા. રવિન્દ્રનાથ ટાગોર એ ભારત અને બંગલા દેશની વચ્ચે સાંસ્કૃતિક સેતું હતા.

કડવી યાદ પણ

સસુરાલની મીઠી યાદો સાથે જમાઈરાજ પાછા આવી ગયા છે પરંતુ ભારત અને બંગલા દેશ વચ્ચેના સંબંધો નાજુક મોડ પર પણ છે. બંગલા દેશની આઝાદી માટે ઈન્દિરા ગાંધીએ મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો હતો પરંતુ આજે બંગલા દેશમાં ભારત વિરોધી કેટલાંક જેહાદી પરિબળો પણ ઉભરી રહ્યાં છે. બંગલા દેશના કેટલાયે લોકો ભારતમાં ગેરકાયદે ઘુસી રહ્યા છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આવા ગેરકાયદે વસાહતીઓનો મોટો સમૂહ રહે છે. તેમાંથી ઘણા ગુનેગાર પણ છે. રાષ્ટ્રપતિશ્રીની બંગલા દેશની મુલાકાત દરમિયાન બંગલા દેશનાં વિરોધ પક્ષનાં નેતાએ પ્રણવ મુકરજી સાથેની મુલાકાત રદ કરી ભારત માટે ક્ષોભજનક પરિસ્થિતિ ઊભી કરી હતી તેવી એક કડવી યાદ સાથે રાષ્ટ્રપતિશ્રી ભારત પાછા ફર્યા છે.

૨૦૧૪: પ્રેસિડેન્શિયલ શૈલીનું ઇલેક્શન

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

હવેની ચૂંટણીમાં મધ્યમવર્ગ નિર્ણાયક ભૂમિકા ભજવશે

૨૦૧૪ને હજુ વાર છે, પરંતુ લોકસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ થવા લાગી છે. મોટામાં મોટો ફરક એ છે કે ૨૦૧૪ની ચૂંટણીઓમાં કયો રાજકીય પક્ષ સત્તા પર આવશે તે વાતની ચર્ચા કરતા કોણ વડાપ્રધાન બનશે તેના તર્કવિતર્ક અને મહત્ત્વાકાંક્ષાઓ વધુ પ્રગટ થઈ રહ્યા છે. ભારતમાં બ્રિટિશ પ્રકારની સંસદીય લોકશાહી છે,પરંતુ જે રીતે વડાપ્રધાનપદને લઈને અત્યારથી જાહેર અને ખાનગીમાં દાવા થઈ રહ્યા છે તે જોતાં હવે એ વાત સ્પષ્ટ છે કે ૨૦૧૪ની ચૂંટણી અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિ પ્રકારની ચૂંટણી જેવી હશે. ભારતમાં હાલ લોકસભામાં ચૂંટાયેલા સાંસદો વડાપ્રધાન નક્કી કરે છે જ્યારે અમેરિકામાં ખુદ પ્રજા જ પ્રેસિડેન્ટ કોણ બનશે તે નક્કી કરે છે. ભારતમાં આ પદ્ધતિ ન હોવા છતાં વિવિધ પક્ષોના નેતાઓ વડાપ્રધાનપદ માટે અત્યારથી જ મેદાનમાં છે.

રાહુલ ગાંધી

કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીએનું ગઠબંધન બહુમતીમાં આવે તો રાહુલ ગાંધી વડાપ્રધાનપદના ઉમેદવાર નિશ્ચિત છે. રાહુલ ગાંધીએ તેમને ભાવિ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેરમાં બોલવા ના પાડી હોઈ છતાં ખુશામતખોરો એક પણ તક છોડતાં નથી. જયપુરની ચિંતન શિબિરે રાહુલ ગાંધીને ડીફેક્ટે રાષ્ટ્રીય પ્રમુખ બનાવી જ દીધા છે. રાહુલ ગાંધી હવે ૪૩ વર્ષની વયના થઈ ચૂક્યા છે તેથી કેટલાક માને છે કે તેઓ પરિપક્વ થઈ ચૂક્યા છે. જવાહરલાલ નહેરુએ પણ આ જ ઉંમરમાં કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ સંભાળ્યું હતું આ જ ઉંમરમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પણ પક્ષનું નેતૃત્વ સંભાળ્યું હતું ફરક એટલો છે કે ઇન્દિરા ગાંધી એકાધિકારવાદી હતાં. રાજીવ ગાંધી સરળ અને મિલનસાર હતા. રાહુલ ગાંધી રિઝર્વ્ડ લાગે છે. આમ જનતાની સાથે જલદી હળીમળી જતા નથી. મોટા મોટા કોંગ્રેસી નેતાઓએ પણ તેમને મળવા દિવસોના દિવસો સુધી ઇંતજાર કરવો પડે છે.

રાહુલ ગાંધીનું જમા પાસું તેમની સાદગી છે. તેમની ઇમેજ સ્વચ્છ છે. યુવાન છે, સોહામણા છે પણ મોંઘવારી અને કેટલાક લોકોના ભ્રષ્ટાચાર સામે તેઓ કેવાં પગલાં લેવા માંગે છે તે અંગે તેઓએ દેશની જનતાને ભરોસો આપવો પડશે. ૨૦૧૪ની ચૂંટણી તેમના માટે એક અગ્નિપરીક્ષા હશે.

નરેન્દ્ર મોદી

ભાજપાના નેતૃત્વ હેઠળ એનડીએની બહુમતી આવે તો ભાજપા અને આરએસએસ નરેન્દ્ર મોદીને જ વડાપ્રધાન તરીક જોવા માંગે છે. ખુદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ ખબર છે કે નરેન્દ્ર મોદી એકાધિકારવાદી હોવા છતાં તેમની લોકપ્રિયતા જ ભાજપાને સત્તાની નજીક લઈ જઈ શકે છે. ભાજપા અને સંઘ કરતાં નરેન્દ્ર મોદીનું કદ ઊંચું છે. તેમાં પ્લસ પોઇન્ટ તેમનું વ્યક્તિત્વ, હાઈટેક પ્રચારતંત્ર, વક્તૃત્વ અને મનીપાવર છે. દેશના ઉદ્યોગપતિઓ પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની તુલના જવાહરલાલ નહેરુ સાથે કરી રહ્યા છે. પક્ષના વરિષ્ઠ નેતા યશવંતસિંહાએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવા સહુથી પહેલું તીર છોડયું હતું. રામ જેઠમલાણી પણ મોદીની તરફેણ કરી રહ્યા છે. ભાજપાના ઘણા વરિષ્ઠ રાષ્ટ્રીય નેતાઓ ભીતરથી કોઈ બીજો જ સૂર આલાપી રહ્યા છે, પરંતુ બધા એ વાત તો સ્વીકારે જ છે કે મત ખેંચી લાવવા માટે તો મોદીનો ચહેરો જ જોઈએ. મોદીએ ગાંધીનગરથી દિલ્હી જવાના રસ્તા પરનાં કેટલાંક વિઘ્નો પાર કરી લીધાં છે.

ભારતના ઔદ્યોગિક જગતનું તેમને જબરદસ્ત પીઠબળ છે. અમેરિકા સિવાયના પશ્ચિમી દેશો પણ ૨૦૦૨નાં કોમી તોફાનો બાદ ઉભરેલા તેમના વિરોધની ધારને હવે કમ કરી રહ્યા છે. સંઘ પહેલાં તેમની પાર્ટી અને સંઘથી કોઈ પોતાને મોટું બનાવવાની વાત પસંદ કરતો નહોતો પરંતુ હવે સંઘ પણ મોદીકાર્ડ ખેલવાની લાઈનમાં આવી ગયો છે. મોદીના નામથી ભાજપાની કેડર પણ ઉત્સાહિત છે.

વિઘ્ન દોડ

અલબત્ત, નરેન્દ્ર મોદીએ હજુ કેટલાંક વિઘ્નો પાર પાડવાનાં બાકી છે. પાર્ટીની અંદર અનેક પાર્ટીની બહાર પણ પોતાની છબી ઉદારવાદી બનાવવી પડશે.પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં પણ સ્વીકાર્ય બનવું પડશે. મોદીએ તેમના સાથી પક્ષો સાથે પણ મધુર સંબંધો બનાવવા પડશે.

જનતાદળ યુ હજુ તેમના માટે એક આડખીલી છે. એક અંદાજ પ્રમાણે મોદીએ વડાપ્રધાન બનવા માટે ભાજપાને કમ સે કમ ૨૦૦ બેઠકો અપાવવી પડશે.

મધ્યમવર્ગ નિર્ણાયક

૨૦૧૪ની ચૂંટણીમાં દેશનો મધ્યમવર્ગ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. કોંગ્રેસે ઇન્દિરા ગાંધીના શાસનમાં ગરીબ અને નીચલા વર્ગને વોટબેંક બનાવી હતી. બેંકોના રાષ્ટ્રીયકરણથી દેશની આમ જનતા માટે બેંકોનાં દ્વાર ખૂલી ગયાં હતાં. ગરીબો માટે આવાસ યોજના મત ખેંચી લાવવા સફળ રહી હતી, પરંતુ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં જીત મધ્યમવર્ગે અપાવી છે. ખાસ કરીને શહેરી મધ્યમવર્ગ તથા યુવા વર્ગ મોદીની સાથે રહ્યો છે. ગુજરાતમાં આ શક્ય બન્યું છે પણ તેનું રાષ્ટ્રીય કક્ષાએ પરીક્ષણ હજુ બાકી છે.

૧૯૪૭ પછી પરિસ્થિતિ બદલાઈ છે. મધ્યમવર્ગના મતદારોની સંખ્યા વધી છે. ૧૯૪૭માં મધ્યમવર્ગના મતદારોની ટકાવારી માત્ર બે ટકા હતી હવે તે ૩૭ ટકા જેટલી થઈ ગઈ છે. લોકસભા ક્ષેત્રની ૪૦ ટકા શહેરી વસ્તી મધ્યમવર્ગની છે. કોંગ્રેસે મધ્યમવર્ગ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને શહેરી મધ્યમવર્ગ અને યુવાનોને સહુથી વધુ આર્કિષત કર્યા હતા. ટેલિવિઝન, ફેસબુક,ટ્વિટર્સ અને સોશિયલ મીડિયા આ બાબતમાં મહત્ત્વપૂર્ણ રોલ ભજવી રહ્યાં છે. રાહુલ ગાંધી યુવાન છે પરંતુ તેમણે હજુ યુવાનોનાં પ્રતીક તરીકે પોતાની જાતને ઉપસાવવા પુરુષાર્થ કરવો પડશે. તેમનાં દાદીની જેમ કોઈ અસાધારણ યોજનાઓ અને એજન્ડા સાથે બહાર આવવું પડશે.

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનવા ૨૦૦ બેઠકો ભાજપાને અપાવવી પડશે જ્યારે રાહુલ ગાંધીએ વડાપ્રધાન બનવા કોંગ્રેસને ૧૦૦ બેઠકો જ અપાવવી પડશે તેનું કારણ એ છે કે નરેન્દ્ર મોદીને એમના સાથી પક્ષોનો સાથ મર્યાદિત રહેશે. જ્યારે કોંગ્રેસની બિન સાંપ્રદાયિક નીતિના કારણે વધુ ને વધુ પ્રાદેશિક પાર્ટીઓનું સમર્થન રહેશે. તેની સામે ભાજપાએ ૧૮૦થી વધુ બેઠકો લાવવી હોય તો તેમની પાસે નરેન્દ્ર મોદી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

એ પણ મેદાનમાં

૨૦૧૪માં વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા રાખનારા બીજા ઘણા ઉમેદવારો છે. ભાજપાને ૧૮૦થી ઓછી બેઠકો મળે તો અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ જેવાં નેતાઓ પણ વડાપ્રધાનપદ માટે તેમની ઉદારવાદી છબીને લઈને સાથી પક્ષોનો ટેકો લેવા દાવો કરી શકે છે. નરેન્દ્ર મોદી સામે સાથી પક્ષો વિરોધ કરે તો કોમ્પ્રોમાઇઝ કેન્ડિડેટ તરીકે એલ. કે. અડવાણી પણ વડાપ્રધાન બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. એવું કોંગ્રેસમાં પણ છે. કેટલાક લોકો પાસે લેખો લખાવી ૨૦૧૪માં ચિદમ્બરમ્ જ વડાપ્રધાન બનવા યોગ્ય છે તેવો પ્રચાર થઈ રહ્યો છે. તેમાં દક્ષિણ ભારતીયોની રાજનીતિ છે. ખુદ ડીએમકે પણ ચિદમ્બરમ્ને સમર્થન આપવા તૈયાર છે. ચૂંટણી પછી શંભુમેળા જેવી પરિસ્થિતિ પેદા થઈ જાય તો આંધ્રના ચન્દ્રાબાબુ નાયડુ અને તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતા પણ વડાપ્રધાન બનવા ભાજપા સહિત અન્ય પક્ષોનું સમર્થન માંગી શકે છે. ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પણ વડાપ્રધાનપદની રેસમાં છે. તેઓ દલીતકાર્ડ વટાવવા માંગે છે. ભાજપા જેવી સાંપ્રદાયિક પાર્ટીને સત્તા પર આવતી રોકવા તેઓ કોંગ્રેસનું સમર્થન માંગી શકે છે. આ ઉપરાંત મુલાયમસિંહ યાદવ ભાજપાને સત્તા પર આવતી રોકવા કોંગ્રેસનું સમર્થન માંગી શકે છે. ઉત્તરપ્રદેશના લોકો કહી રહ્યા છે કે આગામી વડાપ્રધાન કોઈ કિસાનપુત્ર હોવો જોઈએ અને તે મુલાયમસિંહ છે. બિહારમાં રામવિલાસ પાસવાનની સભાઓમાંથી પણ જે નારા ઊઠી રહ્યા છે તે જાણવા જેવા છે. પાસવાનની સભામાં લોકો પાસે બોલાવવામાં આવે છે દેશ કા નેતા પાસવાન જૈસા હો.

એ જ રીતે નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહેલા જનતાદળ યુના નેતા શરદ યાદવ પણ ભાજપાનો સાથ લઈને નીતીશ કુમારને વડાપ્રધાન બનવાનું તિકડમ ચલાવી રહ્યા છે. મમતા બેનરજી જાણે એમ કહેતાં હોય કે મને ફક્ત પશ્ચિમ બંગાળમાં જ રસ છે પરંતુ હવે તેમના પ્રદેશમાંથી પણ અવાજ ઊઠી રહ્યો છેઃ દેશેર નેતા મમતાદી, અર્થાત્ દેશનાં નેતા તો મમતા દીદી જ હોવાં જોઈએ.

ટૂંકમાં, ૨૦૧૪માં લોકો પક્ષને નહીં પણ પ્રમુખશાહી પદ્ધતિની જેમ વડાપ્રધાનને પસંદ કરશે. 

www.devendrapatel.in

નો મેરેજ- નો ચિલ્ડ્રન અને નો ડાયનેસ્ટી રૂલ

સોનિયા ગાંધીએ પ્રમુખપદનાં ૧૫ વર્ષ પૂરાં કર્યાં પણ રાહુલ ગાંધીનાં નિવેદનોનો મતલબ શું ?

શ્રીમતી સોનિયા ગાંધીએ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યાને ૧૫ વર્ષ પૂરાં કર્યાં. ૧૯૯૮માં કોંગ્રેસ એક હતાશ અને ભાંગી પડવાની અણી પર આવી ગયેલી પાર્ટી હતી તથા દેશનાં મધ્યપ્રદેશ, ઓરિસ્સા, મિઝોરોમ અને નાગાલેન્ડ જેવાં ચાર જ રાજ્યોમાં શાસન કરતી હતી તેવા સમયે તા.૧૪ માર્ચ, ૧૯૯૮ના રોજ તેમણે કોંગ્રેસ પાર્ટીનું સુકાન સંભાળ્યું. એ વખતે લોકસભામાં કોંગ્રેસના માત્ર ૧૪૧ સભ્યો જ હતા. ૧૯૯૬, ૧૯૯૮ અને ૧૯૯૯માં સતત પરાજ્ય પામી રહેલી કોંગ્રેસને ફરી તાકાતવર પાર્ટી બનાવવા માટે સોનિયા ગાંધીનું નેતૃત્વ જ કામ આવ્યું. પૂરા છ વર્ષના પરિશ્રમ બાદ ૨૦૦૪માં કોંગ્રેસને ફરી સત્તા પર લાવવાનું કામ કર્યું. આજે દેશનાં ૧૩ રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર છે.

દેશી વહુ ના ચાલ્યાં

સોનિયા ગાંધી હવે ૬૬ વર્ષનાં થયાં છે. છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન પક્ષમાં તેમનું નેતૃત્વ અસ્ખલિત અને અવિરત રહ્યું છે. પક્ષમાંથી કોઈએ પણ તેમને ચેલેન્જ કરવાની હિંમત કરી નથી. પક્ષનું નેતૃત્વ સંભાળ્યા બાદ તેઓ અમેઠીમાંથી ચૂંટણી લડયાં. તેમની સામે સુષ્મા સ્વરાજ હતાં. વિપક્ષે દેશી વહુ સામે વિદેશી વહુનો નારો ચલાવ્યો પણ અમેઠીના લોકોએ સોનિયા ગાંધીને જ પસંદ કર્યા. સુષ્મા સ્વરાજ હારી ગયાં. સુષ્મા સ્વરાજ જેવા સન્નારીને તો બલીનો બકરો બનાવવા જ અમેઠીમાં ઉતારવામાં આવ્યાં હતાં. થોડોક ફલેશ બેક જોઈએ તો ૧૯૯૧માં તેમના પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ ૧૯૯૭ સુધી સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં જોડાવાની તમામ અપીલો નકારી કાઢી હતી. કોંગ્રેસની કથળતી જતી હાલત જોયા બાદ જ તેઓ ૧૪- માર્ચ, ૧૯૯૮માં કોંગ્રેસના પ્રમુખ બન્યાં. ૨૦૦૪ની ચૂંટણીઓ વખતે તેમની ચૂંટણી ઝૂંબેશનું પહેલું વાક્ય હતું: ”હમેં બીજેપી ઔર ઈનકે સાથીયોં કો ધ્વસ્ત કરના હૈ.” અને તેઓ સફળ નીવડયા.

ફીલ ગુડ પણ ના ચાલ્યું

ભાજપ દ્વારા કરાયેલ ”ફીલ ગુડ ફેક્ટર” અને ”ઈન્ડિયા શાઈનિંગ” જેવા નારાઓનો જબરદસ્ત પ્રચાર અને ખર્ચ પાણીમાં ગયાં. સોનિયા ગાંધીએ નેતૃત્વ સંભાળ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટી વેરવિખેર હતી. સોનિયા ગાંધીએ પક્ષમાં યુનિટી અને ઓથોરિટી એમ બેઉની સ્થાપના કરી. બિનસાંપ્રદાયિક પરિબળોને એક સાથે લાવવાનું કામ પણ તેમણે જ કર્યું. એમના કારણે જ ”યુપીએ”નું ગઠબંધન થયું. સોનિયા ગાંધી સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ પાસે કોંગ્રેસનું નેતૃત્વ હોત તો આ શક્ય ના બનત. યુપીએની બહુમતીથી ડઘાઈ ગયેલા ભાજપાએ સોનિયા ગાંધી માટે વિદેશીકુળનો પ્રશ્ન ઊભો કર્યો, પરંતુ ભાજપાના નેતાઓની ધારણા વિરુદ્ધ સોનિયા ગાંધીએ વડાપ્રધાનપદ ઠુકરાવી દઈને ભાજપાને જ નહીં પરંતુ ભારત પર નજર રાખી રહેલા સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું. એ વખતે તેઓ બોલ્યા હતાઃ ”સત્તાનું આકર્ષણ મને કદી રહ્યું નથી અને એ હોદ્દોએ મારું લક્ષ્યાંક નથી.”

આજે ૮૦ વર્ષ વટાવી ગયેલા એલ.કે. અડવાણી પણ વડાપ્રધાન થવા વલખાં મારે છે.મુરલી મનોહર જોશીને પણ વડાપ્રધાન થવું છે. સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, વેંકૈયા નાયડુ અને નીતિન ગડકરી પણ વડાપ્રધાન થવા આંતરિક રાજનીતિ ખેલી રહ્યા છે ત્યારે વર્ષો પહેલાં સોનિયા ગાંધીના વડાપ્રધાન પદ જતું કરવાના માસ્ટર સ્ટ્રોક એ તેમના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું. એમના જ નેતૃત્વ હેઠળ ૨૦૦૯માં યુપીએ-૨ ફરી સત્તા પર આવ્યું. લોકસભામાં કોગ્રેસે ૨૦૬ બેઠકો મેળવીને ૧૯૯૧ પછી બીજી કોઈ પણ પાર્ટીની બેઠકો કરતાં વધુ હતી. અલબત્ત ૨૦૧૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓ તેમના માટે એક મોટો પડકાર હશે. ભ્રષ્ટાચાર, ફુગાવો, મોંઘવારીથી ત્રસ્ત દેશના મધ્યમવર્ગને રાજી કરવા તેમની પાસે હજુ એક વર્ષ છે.

રાહુલ ગાંધીની મજાક

અલબત્ત, ગયા વર્ષે અમેરિકામાં તેમની ઉપર સર્જરી કરવામાં આવી. તે પછી પણ તેઓ કાર્યરત છે પરંતુ ગઈ તા. ૧૯ જાન્યુઆરીના રોજ રાહુલ ગાંધીએ પક્ષનું ઉપપ્રમુખ પદ સંભાળ્યું. વડાપ્રધાન બનવા અધીરા બનેલા ઘણા લોકો રાહુલ ગાંધીને’યુવરાજ’ કહી તેમની મજાક કરવા કોશિશ કરી રહ્યા છે પંડિત જવાહરલાલ નહેરુએ ઈન્દિરા ગાંધીને પહેલી જ વાર કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા ત્યારે લોકસભામાં બેસતાં ત્યારે કોંગ્રેસના અને વિપક્ષનાં ધુરંધરો ઈન્દિરા ગાંધીની આવી જ ઠેકડી ઉડાડતા હતા. પરંતુ ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસના અને વિપક્ષનાં કદાવર નેતાઓને ધુળ ચાટતા કરી દીધાં હતાં. મોરારજી દેસાઈ, સદોબા પાટિલ અને અતુલ્ય ઘોષ જેવા શક્તિશાળી નેતાઓને કોંગ્રેસની બહાર ધકેલી દીધાં હતા અને એ જ ઈન્દિરા ગાંધી દેશના શક્તિશાળી વડાપ્રધાન તરીકે ઉપસી આવ્યા હતા. યાદ રહે કે રાહુલ ગાંધી એ જ પરિવારનું ફરજંદ છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં કરેલાં બે નિવેદનોએ ઘણાંને વિચારતા કરી મૂક્યાં છે. એક તો તેમણે એમ કહ્યું કે, ”હું રાજનીતિમાં સત્તા ભોગવવા માટે આવ્યો નથી અને વડાપ્રધાન બનવું તે મારી પ્રાથમિક્તા નથી. જ્યારે પણ મને કોઈ આ સવાલ કરે છે ત્યારે મને લાગે છે કે, કેટલો ખોટો પ્રશ્ન મને પૂછવામાં આવી રહ્યો છે.” એ પછી રાહુલ ગાંધીએ બીજી વાત પણ કરી. તેમણે કહ્યું કે,” હું લગ્ન કરવાનો નથી. હું લગ્ન કરીને બાળકો જ પેદા કરવાનો હોઉં તો હું પણ બીજાઓની જેમ યથાસ્થિતિવાદી બની જઈશ અને મારા સ્થાન પર મારાં જ સંતાનો આવે તેમ ઈચ્છીશ.” રાહુલ ગાંધીના આ બે વિધાન કોંગ્રેસ માટેતો ઠીક પણ વિપક્ષ માટે એલિમેન્ટ ઓફ સર્પરાઈઝ જેવાં છે. દેશમાં તો ઠીક પણ ખુદ ભાજપામાં અને એનડીએમાં વડાપ્રધાન બનવાને આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યારે એમ કહેવું કે વડાપ્રધાન બનવું તે મારી પ્રાથમિક્તા નથી- એ વિધાન આશ્ચર્યજનક છે.

સંકેત શું છે ?

સોનિયા ગાંધી વડાપ્રધાન પદ ઠુકરાવી ચૂક્યાં છે. ગાંધી પરિવાર સામે વિપક્ષો વંશવાદનો આરોપ સતત મૂક્તા આવ્યા છે. ત્યારે વંશવાદ આગળ ના વધે તે માટે લગ્ન ના કરવું અને ચૂંટણી પૂર્વસંધ્યાએ વડાપ્રધાનપદ એ પ્રોયોરિટી નથી તેમ કહેવું એ દૂરોગામી પરિવર્તનના સંકેત તો નથી ને? સોનિયા ગાંધી પછી એક માત્ર રાહુલ ગાંધી જ એવી વ્યક્તિ છે કે જેને દેશના ટોચના પદની લાલચ નથી એવું જાહેરમાં કહ્યું છે. જે રીતે તેમણે નહેરુ-ગાંધી પરિવારના રાજકીય વંશવાદને સમાપ્તિનો સંકેત આપ્યો અને સત્તા કે હોદ્દાની પ્રાપ્તિની લાલચ નથી તેવો ઈશારો કર્યો છે તે કોઈને પણ વિચારતા કરી દે તેમ છે. ભારતમાં આ પ્રકારની આત્મચિંતનયુક્ત ઈમાનદારી અસાધારણ હદ સુધી દુર્લભ છે. પરંતુ રાહુલ ગાંધી ઈચ્છે તે પ્રમાણે તેમની પ્રતિભા સત્તાથી દૂર રહેવા માંગતી વ્યક્તિ તરીકે ઉપસાવવા પ્રયાસ થશે તો કોંગ્રેસને નુકસાન પણ પહોંચી શકે છે. જો રાહુલ ગાંધી કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારમાં વડાપ્રધાન બનવા ઈનકાર કરી દેશે તો તેમણે એક નવા ‘મનમોહનસિંહ’ની ખોજ કરવી પડશે.”

એ વ્યક્તિ કોણ હશે ?

આજેય સત્તાની અસલી કમાન સોનિયા ગાંધી પાસે છે તો ભવિષ્યમાં પણ શું વડાપ્રધાન કોઈ હશે અને સત્તાની અસલી કમાન પક્ષના ભાવિ પ્રમુખ તરીક રાહુલ ગાંધી પાસે હશે ? શું ખરેખર રાહુલ ગાંધી નહેરુ- ગાંધી પરિવારના વંશવાદની સમાપ્તિ ચાહે છે ? અને જો એમ થશે તો ભવિષ્યમાં કોંગ્રેસ શું ફરી વેરવિખેર થઈ જશે ? કોઈને ગમે કે ના ગમે નહેરુ-ગાંધી પરિવાર જ કોંગ્રેસને જીવતી રાખવા અનિવાર્ય છે તેવું કોગ્રેસીઓ જ માની રહ્યા છે. શું ૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધી મીરાંકુમાર જેવા દલિત મહિલાને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી દલિતકાર્ડ ખેલવા માંગે છે? અથવા તો એ.કે. એન્ટની જેવી સ્વચ્છ વ્યક્તિને આગળ ધરી તેઓ સ્વચ્છ રાજનીતિનું અને લઘુમતી કાર્ડ ખેલવા માંગે છે ? કે પછી ચિદમ્બર્મને આગળ કરી દક્ષિણ ભારતીયોને રાજી રાખવા માંગે છે ? રાહુલ ગાંધીના દિમાગમાં શું ચાલી રહ્યું છે તે સમજવું મુશ્કેલ છે. તેમના વિધાનોને ડિ-કોડ કરવા મુશ્કેલ છે. ૨૦૧૪ની ચૂંટણી પહેલાં વિપક્ષોએ ધાર્યાં ના હોય તેવાં કોઈ સર્પરાઈઝ આપી શકે છે.

લેટસ વેઈટ એન્ડ વોચ !

જાહેર પરીક્ષાઓનું મહત્વ શાળાકીય પરીક્ષાઓ ગૌણ

કારકૂનો પેદા કરવા અંગ્રેજોએ આપેલી શિક્ષણ-પરીક્ષા પદ્ધતિ ક્યારે બદલાશે ?

ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો આરંભ થઈ ચૂક્યો છે. આઝાદીના છ કરતાં વધુ દાયકા પૂરા થયાં તે પછી પણ ભારતની શિક્ષણ પદ્ધતિ, પરીક્ષા પદ્ધતિ અને તંત્ર અંગ્રેજોએ કારકુનો પેદા કરવા માટે આપેલી સિસ્ટમમાંથી હજુ બહાર આવ્યાં નથી. બોર્ડની પરીક્ષાનો હાઉ એવો ને એવો જ છે. પરીક્ષા તો વિદ્યાર્થી આપે છે પરંતુ તેની સાથે તેના માતા-પિતા પણ પરીક્ષા આપવા જતાં હોય તેટલા ચિંતાતુર રહે છે. પરીક્ષામાં ઊંચા માર્કસ આવે તે માટે બાધાઓ રાખવામાં આવે છે. વિદ્યાર્થીને ‘ઓલ ધ બેસ્ટ’ કહેવું પડે છે. સગાં-સંબંધીઓ દૂર હોય તો ફોન કરી બાળકને કહે છે : “બેટા, ચિંતા ના કરીશ. શાંતિથી પરીક્ષા આપજે.” નજીકના સગાં-સંબંધીઓ પરીક્ષાર્થીને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવે છે. આ બધુ ગંભીર વાતાવરણ જોઇ બાળક સ્વસ્થતાથી પરીક્ષા આપવા જવાના બદલે ડરીને તે જતો હોય છે.

માત્ર મેમરી ટેસ્ટ

વળી આજે પણ જે પરીક્ષા લેવાય છે. તે એક રીતે તો મેમરી ટેસ્ટ જ છે. વિદ્યાર્થીને કેટલું યાદ રહ્યું છે તેની જ પરીક્ષા છે. તે કેટલું સમજ્યો છે અને તેનામાં કેટલી સર્જનાત્મક શક્તિ છે તેનો તો ટેસ્ટ લેવાતો જ નથી. વિદ્યાર્થી કાંઇક શીખવા નહીં પરંતુ માત્ર પરીક્ષા માટે જ ભણતો હોય એવું લાગે છે. શિક્ષણ, ટયૂશન્સ, ગાઇડસ અને સ્યોર સજેશન્સ પણ પરીક્ષા લક્ષી જ થઇ રહ્યાં છે. જૂન માસમાં શાળાઓ શરૂ થાય ત્યારથી વાલીઓ વિદ્યાર્થીની પાછળ પડી જાય છે. સ્પર્ધાના કારણે મોંઘાદાટ ટયૂશનો રાખવાં પડે છે. તેનો મતલબ જ એ છે કે સ્કુલમાં વિદ્યાર્થીને બરાબર ભણાવવામાં આવતું નથી અને તે ખામી ટયૂશન દ્વારા પૂરી કરવામાં આવે છે. તેના પરિણામે જેમની પાસે પૈસા છે તે વાલીઓ જ હજારોની ફી ચૂકવી બાળકને ટયૂશનમાં મોકલે છે.

ગુજરાતનો વિદ્યાર્થી

આશ્ચર્યની વાત એ છે કે દેશમાં જાહેર પરીક્ષાઓને જ મહત્ત્વ અપાય છે. જ્યારે શાળાકીય પરીક્ષાઓનું અગાઉ જેટલું મહત્ત્વ નથી. વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપે છે ત્યારે વિદ્યાર્થીઓ પણ એ જ છે, પરીક્ષા ખંડ પણ એ જ છે અને પેપરો તપાસનારા શિક્ષકો પણ એના એ જ હોય છે તો એમાં સરકારે કામે લાગી જવાની ક્યાં જરૂર છે? સરકારે તો અભ્યાસક્રમ, તેના ધારાધોરણો, અને એક સિસ્ટમ આપવાની હોય છે. આઝાદી પછી બંધારણમાં શિક્ષણ એ રાજ્યોને અપાયેલો વિષય છે તેથી એક ભારતનાં જુદા જુદા રાજ્યોમાં દરેક રાજ્ય મરજી પડે તે રીતે શિક્ષણ વ્યવસ્થા ગોઠવે છે. દા.ત. ગુજરાતમાં ઘણા વર્ષો પહેલાં ફરજિયાત અંગ્રેજીની હકાલપટ્ટી થઇ તે કારણે ગુજરાતનો વિદ્યાર્થી હોશિયાર હોવા છતાં અંગ્રેજીના જ્ઞાનના અભાવના કારણે પાછો પડે છે, લઘુતાગ્રંથિથી પીડાય છે અને યુપીએસસીની નવી પેટર્નમાં તો ગુજરાતના વિદ્યાર્થીએ નાહી નાંખવાનું જ આવ્યું છે. ગુજરાતના પૂર્વ રાજકારણીઓએ જેટલું નુકસાન ગુજરાતના વિદ્યાર્થીઓને પહોંચાડયું છે તેટલું કોઇએ પહોંચાડયું નથી. અને એ કારણે જ ગુજરાતના સચિવાલયમાં યુ.પી., બિહાર, પંજાબ, હરિયાણા અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી આવતા આઇ.એ.એસ. અધિકારીઓ શાસન ચલાવતા જણાય છે. એવું જ ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓનું છે.

ગૂંચવાડા ઊભા કરે છે

સરકાર જ્યારે પણ ક્યાંય માથું મારે છે ત્યારે ગુંચવાડા જ ઊભા કરે છે. ગાંધીનગર સચિવાલયમાં બેઠેલા સચિવો, ઉપસચિવો, શિક્ષણ નિયામક, શિક્ષણ કમિશનર જેવા કેટલાયે ઉચ્ચ અધિકારીઓ હોવા છતાં પરીક્ષાની તારીખોમાં ઘણીવાર ગુંચવાડા ઊભા કરી દે છે. તાજેતરમાં ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ગઇ દિવાળીનું વેકેશન તા.૮-૧૧-૧૨થી પડવાનં હતું પરંતુ ધો.૧૧ સાયન્સના સેમેસ્ટરની પરીક્ષાઓના કારણે તા.૧૨-૧૧-૧૨ના રોજ જાહેર કર્યું. પરીક્ષાની તારીખો જાહેર કરી ત્યારથી વિદ્યાર્થી પાસે માત્ર ૨૦ જ દિવસો હોય છે. તેવી રીતે શિક્ષકો પાસે પણ ૨૦ જ દિવસો રહે છે. બાકીનો અભ્યાસક્રમ કેવી રીતે પૂરો કરવાનો? દિવાળી વેકેશન બાદ કામના દિવસો માત્ર ૮૭ જ રહે છે. એટલા સમયમાં બીજા સેમેસ્ટરનો અભ્યાસક્રમ કેવી રીતે પૂરો કરી શકાય? એ ઉપરાંત ૨૦ વિદ્યાર્થીના સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિના ગુણ પણ ઉમેરવાના હોય છે. જેમાં વિદ્યાર્થીના કૌશલ્ય અને વલણોનું માપદંડ નક્કી કરવાનું હોય છે.

આ કેવું કેલેન્ડર?

બીજી નોંધપાત્ર વાત એ છે કે જે શાળામાં પરીક્ષા કેન્દ્ર હશે અથવા જે શાળામાંથી શિક્ષકો પરીક્ષાની કામગીરીમાં જોડાશે તે શાળાના વિદ્યાર્થીઓનું શું? બોર્ડની પરીક્ષા બાદ શાળાકીય પરીક્ષાઓ શરૂ થશે તો તેમાં વિદ્યાર્થીને કેટલો ન્યાય મળશે? આ બધા ફેરફારો માત્ર જાહેર પરીક્ષાઓને જ મહત્ત્વ આપવા કરવામાં આવ્યા છે. અને શાળાકીય પરીક્ષાઓને ગૌણ બનાવી દેવામાં આવી છે. તા.૮-૪-૧૩થી ધો.૧૧ વિજ્ઞાનપ્રવાહ સેમિસ્ટર-૨ની પરીક્ષાઓ શરૂ થાય છે. શું આ પરીક્ષાઓ એપ્રિલની ૨૦ તારીખ પછી ન લેવાય? જૂન માસમાં શાળા શરૂ થાય ત્યારેજ શાળાકીય કેલેન્ડર બહાર પાડે છે. જે સચિવો કેલેન્ડર લગાવે છે તેજ શાળાકીય તથા બોર્ડની તથા વેકેશનની તારીખો નક્કી કરે છે તો શું તે સમયે તેમને સમજ નથી પડતી? સેલ્સ ફાઇનાન્સમાં જે પી.ટી.સી.બી.એડ્ કોલેજો ચાલે છે. તેના જેવી જ દશા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની થવા બેઠી છે. શાળાકીય પરીક્ષાઓ તા.૬-૪-૧૩ના રોજ પૂરી થશે ત્યારબાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલા વિદ્યાર્થીને ૬૫થી ૭૦ દિવસનું વેકેશન મળશે. એકબાજુ શૈક્ષણિક અભ્યાસના દિવસો ઘટી રહ્યાં છે ત્યારે બીજી તરફ આટલા લાંબા વેકેશનના કારણે વિદ્યાર્થીને જ નુકસાન થશે. શાળાકીય પરીક્ષાને જ આધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે. શાળાકીય પરીક્ષા માટે વિદ્યાર્થી જો પૂરતી તૈયારી નહીં કરી શકે તો જાહેર પરીક્ષાઓમાં તેનું ભવિષ્ય કેવું હશે?

કળિયુગનો અંત નજીકમાં છે?

આજે શિવરાત્રિ નિમિત્તે પરમપિતા શિવને જાણો

આજે શિવરાત્રિ છે. વિશ્વની બધી જ મહાન વિભૂતિઓના જન્મોત્સવ પ્રાયઃ જન્મદિન તરીકે ઊજવવામાં આવે છે પરંતુ પરમાત્મા શિવની જયંતી જ એવી છે જેને જન્મોત્સવના બદલે શિવરાત્રિ કહેવામાં આવે છે. એનો અર્થ એ છે કે પરમાત્મા શિવ જન્મ મરણથી ન્યારા અથવા અયોનિ છે. તેમનો શારીરિક કે લૌકિક જન્મ નથી જેથી એમનો જન્મ દિવસ ઊજવવામાં આવતો નથી. તેમનું દિવ્ય અવતરણ વિષય અને વિકારોની કાલિમાથી લિપ્ત અજ્ઞાન નિદ્રામાં સૂતેલા માનવીને જગાડવા માટે થયું છે. શિવરાત્રિ ફાગણ માસના કૃષ્ણપક્ષની ચૌદશ – એટલે કે અમાવસ્યાના એક દિવસ પહેલાં મનાવવામાં આવે છે.

ફાગણ માસની ૧૪મી રાત્રિ ઘોર અંધકારની નિશાની છે. આ શિવરાત્રિ મનાવવાનું આધ્યાત્મિક રહસ્ય એ છે કે શિવ ભગવાને કલ્પાંતના ઘોર અજ્ઞાનરૂપી અંધકારની રાત્રિએ પુરાણી સૃષ્ટિના વિનાશના થોડા સમય પહેલાં અવતરિત થઈને તમોગુણ અને પાપાચારનો વિનાશ કરી દુઃખ અને અશાંતિ દૂર કર્યાં હતાં.

પરમાત્મા શિવની પૂજા અને માહાત્મ્યને બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા આગવી રીતે સમજાવવામાં આવ્યું છે.

સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચારેય યુગોને મિલાવીને એક સૃષ્ટિ ચક્ર બને છે. આ ચક્રમાં મનુષ્ય જીવનનું ઉત્થાન અને પતનની પૂરી કહાણી એક રંગમંચ અને નાટક જેવી છે. જેમાં આ સૃષ્ટિમાં આવવાવાળા બધા મુષ્ય આત્માઓ પોતાના શારીરિક રૂપમાં અભિનય કરે છે. તેમાં શરૂઆતમાં શ્રેષ્ઠાચારી દુનિયા પણ છે, પરંતુ સૃષ્ટિના અંતમાં ભ્રષ્ટાચારી દુનિયા એટલે કે કળિયુગનો અંત આવે છે. એમ માનવામાં આવે છે કે આજે દરેક બાબતમાં તમોપ્રધાન દુનિયા એની ચરમસીમાએ છે. ગીતામાં દર્શાવાયેલા કળિયુગના અંતના લક્ષણથી પણ માનવી નિમ્ન સ્તરે પહોંચી ગયો છે. કેટલાક માને છે કે દુનિયાનો અંત નજીક છે અને પરમાત્માનું અવતરણ પણ થઈ ગયું છે.

બ્રહ્માકુમારીઝ સંસ્થાની આધ્યાત્મિક માન્યતા છે કે ભારત ૩૩ કરોડ દેવી-દેવતાઓનો દેશ છે પરંતુ એ બધાં દેવી-દેવતાઓ બનાવવાવાળા એક જ પરમ પિતા શિવ છે જેમની અનેક ધર્મો અને અનેક રૂપોમાં ભલે પૂજા થતી હોય પરંતુ તેનું કેન્દ્રબિંદુ શિવની પાસે જઈને જ સમાપ્ત થઈ જાય છે. શિવ દેવોના પણ દેવ છે. તેઓ ત્રિલોકનાથ અને ત્રિકાળદર્શી પણ છે. વિશ્વના બધા આત્માઓના પરમ પિતા શિવ જ છે. પરમાત્મા શિવ અજન્મા, અભોક્તા, જ્ઞાનના સાગર, પ્રેમના સાગર અને સુખના સાગર છે. તેમનું સ્વરૂપ જ્યોતિબિન્દુ છે. પરમાત્મા શિવ પરમધામના નિવાસી છે. શિવનો અર્થ જ કલ્યાણકારી થાય છે. પરમાત્મા શિવને બધા જ ગ્રંથો, પુરાણો અને પદોમાં સર્વોપરિ ઈશ્વર માનવામાં આવ્યા છે.

આ અધ્યાત્મ જ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે આ સુષ્ટિચક્રમાં ત્રણ લોક છે. પહેલું સ્થૂળ વતન, બીજું સૂક્ષ્મ વતન અને ત્રીજું પરમધામ. મનુષ્ય સ્થૂળ વતન એટલે કે સૃષ્ટિ લોકમાં વસે છે. સૃષ્ટિ આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વીથી બનેલી છે. તેને કર્મક્ષેત્ર પણ કહે છે. જેવું કર્મ તેવું ફળ. આ લોકમાં જન્મ અને મરણ પણ છે. આ સૃષ્ટિને વિરાટ નારીધામ પણ કહેવામાં આવે છે. આ સૃષ્ટિની દર ૫૦૦૦ વર્ષે હૂબહૂ પુનરાવૃત્તિ થાય છે. તે પછી સૂર્ય ચંદ્રથી પાર એક અતિ સૂક્ષ્મ (અવ્યક્ત ) લોક છે. તે સૂક્ષ્મ લોકમાં પહેલા શ્વેત રંગના પ્રકાશતત્ત્વમાં બ્રહ્માપુરી, તેની ઉપર સોનેરી રંગના પ્રકાશમાં વિષ્ણુપુરી અને તેની પેલે પાર મહાદેવ શંકરપુરી છે. આ દેવતાઓનાં શરીર, આભૂષણ, વસ્ત્ર વગેરે પાંચ તત્ત્વોમાંથી બનેલાં ના હોઈ દિવ્ય ચક્ષુ દ્વારા જ તેમનો સાક્ષાત્કાર થઈ શકે છે. આ પુરીઓમાં સંકલ્પ અને ગતિ તો છે પણ ધ્વનિ અને વાણી નથી. તેમાં દુઃખ, વિકારો કે મૃત્યુ નથી. ધર્મરાજપુરી પણ આ સૂક્ષ્મ લોકમાં છે. આ સૂક્ષ્મ લોકની ઉપર પણ એક અસીમિત રૂપથી ફેલાયેલું તેજ સોનેરી લાલ રંગનો પ્રકાશ ધરાવે છે. તેને અખંડ જ્યોતિ બ્રહ્મતત્ત્વ કહે છે. જ્યોતિર્બિન્દુ ત્રિમૂર્તિ પરમપિતા પરમાત્મા શિવ તથા બધા જ ધર્મોના આત્માઓ અવ્યક્ત વંશાવળીમાં આ લોકમાં જ વસે છે. તેને બ્રહ્મલોક, નિર્વાણધામ, મોક્ષધામ અથવા શિવપુરી કહે છે. અહીં આ લોકમાં ન તો સંકલ્પ છે કે ના તો કર્મ છે. અહીં ન તો કર્મ છે. અહીં ન તો સુખ છે કે ન તો દુઃખ, બસ એક અનોખી અવસ્થા જ છે.

આ લોકમાં અપવિત્ર કે કર્મબંધનવાળું શરીર હોતું નથી.

વર્તમાન સમય કળિયુગ એના અંતિમ ચરણમાં હોવાનું મનાય છે. આ આખોય કાળ, રાત્રિ અથવા તો મહારાત્રિ જ છે. આ સમયે બ્રહ્માકુમારીઝનો અધ્યાત્મ સંદેશો છે કે હવે પરમપિતા શિવ સંસારને પાવન અને સુખી કરવા ફરીથી પ્રજાપિતા બ્રહ્માના તનમાં અવતરિત થઈને સહજ રાજયોગ શિક્ષા આપી રહ્યા છે. હવે આપણું કર્તવ્ય છે કે તેમની આજ્ઞા અનુસાર આપણે બધા નૈષ્ઠિક,પવિત્રતા અને શુદ્ધતાનું પાલન કરીએ અને શિવને અર્પણ કરી સંસારની જ્ઞાનસેવા કરીએ.

એનું ફળ મુક્તિ અને જીવન મુક્તિની પ્રાપ્તિ માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે શાસ્ત્રોમાં લખવામાં આવ્યાં છે તે કરતાં પણ નિમ્ન સ્તરનાં પાપકર્મો આજનો મનુષ્ય કરી રહ્યો છે. મંદિરોમાં જતો માણસ પણ કોઈ નોકરી માગે છે તો કોઈ સંતાન માગે છે. કોઈ તેના દુશ્મનની સમાપ્તિ માગે છે તો કોઈ બીજું જ વરદાન માંગે છે. બહુ ઓછા લોકો એવા છે કે જે મુક્તિ અને જીવન મુક્તિના આશીર્વાદ માગે છે.

કહેવાય છે કે પરમાત્મા શિવની પૂજા રામેશ્વરમ્ના રૂપમાં ભગવાન શ્રી રામે પણ કરી હતી. રાવણને પણ પોતાની જે શક્તિનું અભિમાન હતું તે શક્તિ તેણે શિવની તપસ્યા કરીને મેળવી હતી. તેથી રાવણને પ્રાપ્ત થયેલી શક્તિનો મુકાબલો કરવા શ્રીરામને પણ યુદ્ધમાં વિજય માટે શિવની આરાધના કરવી પડી હતી. એ જ રીતે મહાભારતના યુદ્ધ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં સ્વયં શ્રીકૃષ્ણએ પણ થાનેશ્વર – સર્વેશ્વરની સ્થાપના કરી પરમપિતા શિવની પૂજા અર્ચના કરી હતી. શ્રીકૃષ્ણએ પાંડવો પાસે પણ શિવની પૂજા કરાવી હતી. વેદ પુરાણોમાં પણ શિવના અવતરણની વાત કહેવામાં આવી છે. શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે હું બ્રહ્માજીના સંસારમાંથી પ્રગટ થઈશ.

બ્રહ્માકુમારી અધ્યાત્મ વિદ્વાનોની માન્યતા અનુસાર શંકર હંમેશાં ધ્યાનની અવસ્થામાં બેઠેલા હોય છે. પરમપિતા શિવ શંકરના પણ રચયિતા છે. તેઓ આ શંકર દ્વારા આસુરી શક્તિનો વિનાશ કરાવે છે.

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય લોકોને તેમનો સંદેશો આપતાં કહે છે કે પુરાણી પતીત દુનિયાના વિનાશ માટે મહાપ્રલયકારી અણુઆયુધોના ભંડાર તૈયાર થઈ ગયા છે. પ્રાકૃતિક શક્તિઓ પણ તેનું ઉગ્ર સ્વરૂપ દર્શાવી રહી છે. તાપમાનમાં વૃદ્ધિ, મોસમમાં પરિવર્તન, ભૂકંપ જેવી કુદરતી હોનારતો વધી રહી છે. આ બધું પુરાણી દુનિયાનો અંત નજીકમાં છે તેવો સ્પષ્ટ સંકેત છે. તેથી બધા જ મનુષ્ય આત્માઓને ર્હાિદક નિમંત્રણ છે કે વર્તમાન સંગમ યુગમાં નિરાકાર પરમાત્મા શિવ તથા સ્વયંને યથાર્થ રીતે ઓળખો અને ભવિષ્યમાં આવવાવાળી નવી સતયુગી દૈવી સંસ્કૃતિપ્રધાન દુનિયાના ઈશ્વરીય વારસાને પ્રાપ્ત કરો.

મારા દિલની વાત એને કદીયે કહી શક્યો નહીં

એ આખીયે કોલેજની કિલકારી હતી અબુધઅતાર્કિક અને નિર્દોષ પણ

એનું નામ ‘એની’ હતું.

તબીબી કોલેજના એક અધ્યાપક પાછલા વર્ષોની વાતને યાદ કરતાં કહે છેઃ “મેડિકલ કોલેજમાં આવેલી ‘એની’ એક દક્ષિણ ભારતીય વિદ્યાર્થિની હતી. આમ તો તે મેડિકલની સ્ટુડન્ટ હતી પરંતુ બીજી વિદ્યાર્થિનીઓ કરતાં સાવ નોખી, ભોળી, અબુધ અને નાદાન. તે હિન્દી પણ સાઉથ ઇન્ડિયન સ્પર્શવાળું બોલતી. ચાલુ ક્લાસે તે ક્યારે શુ પૂછશે તેનું અનુમાન કરી શકાતું નહીં. એકવાર મારા સાથી પ્રો. શર્મા વેકેશન પર જઇ રહ્યા હતા. તેમના પત્નીને પૂરા માસ જઇ રહ્યા હતા. એનીએ અચાનક જ બધાની વચ્ચે પૂછી નાંખ્યુ : “સર,મેડમ કા અંતિમ સમય ચલ રહા હૈ?”

બધા હસી પડયાઃ પ્રો. શર્માએ કહ્યું : “અંતિમ સમય નહીં પૂરા સમય ચલ રહા હૈ.”

એક વખત પ્રો. મહેતાના પિતાજીનું અવસાન થયું. ત્યારે પણ એની બોલી હતી : “સર, આપકા પિતાજી મર ગયા, બહોત દુઃખ હુઆ.” એનીની વાક્ય રચના સુધારતા મેં એને કહ્યું…. દેખો એની, ઐસા નહી બોલતે, તુમ્હે કહના ચાહિયે આપકે પિતાજી નહી રહે, સુનકર બહોત દુઃખ હુઆ.”

અને એનીનો હાથ પકડી મેં એને કહ્યું હતું : અબ ચલો યહાં સે.” મેં એને સાહસિકતાથી જ સ્પર્શ કર્યો હતો. એની વયસ્ક હતી. પ્રથમ સ્પર્શની અનુભૂતિ એક અમીટ છાપ છોડી દે છે. આવી એની આખાયે કલાસમાં એક તોફાન હતું. એની બેલગામ જબાનના કારણે રોજ ક્લાસમાં હાસ્યની કિલકારી થતી. સાડા ત્રણ વર્ષના મારા અધ્યાપન કાર્યમાં હું હંમેશાં ભગવાનને પ્રાર્થના કરતો કે એની ક્લાસમાં ચૂપચાપ બેસી રહે તો સારું. એની આજે શું બોલી તેની ચર્ચા સ્ટાફરૂમમાં થતી હતી. એક દિવસ એની અચાનક મારી પાસે આવી અને પૂછવા લાગી : “સર, મૈં બુદ્ધ હું યા બુદ્ધુ? શાહ સર હમે બુધ્ધ કહેતે હૈ ઓર લડકો કો બુદ્ધુ.”

હું ફરી સંકટમાં આવી ગયો. છતાં મેં કહ્યું : “દેખો એની, લડકિયો કેં બારે મે નિર્ણય લેના કઠિન હૈ. વૈસે ભી સિર્ફ એક માત્રા કા ફરક હૈ.”

એની એ પૂછયું : “સર આપ કિસ ગ્રાઉન્ડ પે ઐસા કહતે હૈં?”

મેં કહ્યું: “દેખો એની, લડકિયા સામાન્ય તક જલદી જલદી સાંસ લેતી હૈં. પરિણામ સ્વરૂપ ઉનકી મસ્તિષ્ક કૌશિકાઓ મે ઓક્સિજન કા પ્રવાહ શિથીલ હોતા હૈ, ઇસ વજહસે લડકિયોં મે પ્રેઝન્સ ઓફ માઇન્ડ કમ રહેતી હૈં.”

 પણ એનીએ બીજો સવાલ ફેંક્યો : “સર, લડકિયાં ગહરી સાંસ ક્યો નહીં લેતી હૈ?”

અને આવા અચાનક ઉઠેલા સવાલનો જવાબ આપતા હું બોલી ગયોઃ “દેખો એની, યે એક વૈજ્ઞાનિક તથ્ય હૈ જિસકા સંબંધ સ્ત્રી કે વક્ષઃસ્થળ કી પ્રોજેક્ટેડ બ્યુટી સે હૈં. ઉસકી સુંદરતા સે હૈં.”

હું ગહરા શ્વાસ અને વૃક્ષ સ્થળના સંબંધને સમજાવું તે પહેલાં તે બોલી ઊઠી : “સર, યે વક્ષ ક્યા હૈ?”

અને હું ચૂપ થઇ ગયો. એની નાદાનીયત પર મને હસવું આવ્યું. મેં પ્રેમથી મારો હાથ એના ખભા પર મૂક્યો, અને એટલા જ પ્રેમથી હું એને સ્ટાફરૂમની બહાર મૂકી આવ્યો. એમ કરતાં કરતાં ચાર વર્ષ વીતી ગયા : હું એનીને બદલી તો ના શક્યો પરંતુ ધીમે ધીમે હું જ એની જેવો થઇ ગયો. એની એક દિવસ ક્લાસમાં ના આવે તો મને ચિંતા થઇ જતી. ઘણીવાર મને એની અનિવાર્ય લાગતી હતી. એનું મારી સાથેનું તાદાત્મ્ય અનન્ય હતું. કોઇ કોઇ વાર તો મને થતું કે, “હું એની ને કહી દઉં કે એની તું મને બહુ જ ગમે છે.” પરંતુ ખૂલીને વાત કરવાની મારી હિંમત ચાલી નહીં. મારો જન્મ દિવસ હોય ત્યારે તે હંમેશા શુભેચ્છા પાઠવતી. એક દિવસ એના જન્મ દિવસે તે સરસ ડ્રેસ પહેરીને આવી હતી. મે કહ્યું: “એની, તુમ અચ્છી લગતી હો.”

એની બોલી હતી : “અચ્છી હું ઇસલિયે તો અચ્છી લગતી હું. ઇસમે નઇ કૌનસી બાત હૈ, સર?”

મને ઘણીવાર એવું લાગતું કે હું અને એની એક સમાંતર શીખર પર છીએ અને ત્યાં સુધી પહોંચવાનો કોઇ સેતુ મારી પાસે નહોતો. અમારી વચ્ચેનો ફાંસલો અમિટ હતો. હું તાર્કિક વાતો કરતો. તે સાવ અર્તાિકક હતી. હું ગંભીર હતો. તે સાવ રમતીયાળ હું લોકોનો અસ્વીકાર કરતો, પરાજીત કરતો અને સન્માન પામતો હતો.તે લોકોને સ્વીકારી લેતી. અપમાનીત થતી અને છતાંયે આનંદિત રહેતી. મારી કોલેજમાં ફિડીયોલોજી, ફાર્મેકોલોજી, મેડિસીન, એનેટોમી, એન્કોલોજી એ બધું જ ભણાવવામાં આવતું હતું. પરંતુ મારા માટે તો એની જ એક ‘સબ્જેક્ટ’ બની ગઇ હતી. હું એની સાથે વાત કરવાના વિષયની તલાશમાં હતો. એક દિવસ મેં એને પૂછી જ નાંખ્યું: “એની, તુમ બહોત સવાલ કરતી હો, આજ મૈં તુમસે એક સવાલ પૂછું.”

તે તરત જ બોલીઃ “મુઝે તો જવાબ દેના આતા હી નહીં હૈં, સર.”

“નહીં એની આજ મેરી ખાતિર… મેરી કસમ.” એટલું બોલતા હું કાંપી ગયો. કારણ કે એમાં મારામાં એના પ્રત્યેના છૂપા પ્રેમની અભિવ્યક્તિ અને અધિકાર છુપાયેલો હતો. મેં જોયુ તો એની થોડી શરમાઇ ગઇ. થોડું થોડું મુશ્કરાવા લાગી. તે બોલી : “અચ્છા પૂછીએ સર”

મેં પૂછયું: “જિંદગી કે બારે મેં ક્યા સોચતી હો? અગલે સાલ તુમ ડોકટર હો જાઓગી.”

એની બોલી “સર, મેં તો જિંદગી કે બારે મેં નહી, શરીર કે બારે મે સોચતી હું. ઔર જિંદગી સે જ્યાદા બાઇક કે બારે મેં સોચતી હું,જિસે મૈં ચલાના ચાહતી હું, પર વહ મેરે પાસ હૈ નહીં. મેં બ્લેક જીન્સ ટોપ કે બારે મેં સોચતી હું, જો મુઝે પસંદ હૈ, પર મા પહનને દેતી નહીં હૈ. મૈં પાપા કે બારે મેં સોચતી હું, જિનકી કમી મૈને હંમેશાં મહેસૂસ કી હૈં. કાશ આજ પાપા હોતે… સર, મૈં ને જિંદગી કે બારે મેં કભી સોચા નહીં હૈં. વહ તો મેરે પાસ ભરપૂર હૈ. લેકિન સર, આપ જિંદગી કે બારે મેં ક્યા સોચતે હો… આપ કો ક્યા કમી હૈ?”

મૈં નિશ્વાસ સાથે કહ્યું : “હા, એની, મેરી જિંદગી મેં ભી કુછ કમી તો હૈં”

મારું એ વિધાન સાંભળ્યા બાદ એનીએ આગળ કાંઇ જ પૂછયું નહીં. મને લાગ્યું કે હું પરાજિત થઇ ગયો. હું નિયંત્રણ ગુમાવી દઉં એ પહેલા મેં એનીને વિદાય કરી દીધી. એ મારી સામે અનિમેષ દૃષ્ટિથી જોતી જોતી ચાલી ગઇ. હું સ્ટાફરૂમમાં ગયો તો ત્યાં પણ મેં અધ્યાપકો એનીની જ વાત કરતા હતા. બધાને કોઇને કોઇ દુઃખ હતું. ત્યારે કોઇ કહેતું : ‘અરે યાર, જીવન જીવવું હોય તો એનીની જેમ જીવો. બસ એ તો કિલકારી છે. કિલકારી.” આ બધું સાંભળી હું ચૂપ રહેતો. મને લાગતું હતું કે મારા સુખની વ્યાખ્યા એનીથી જ પૂર્ણ થતી હતી. પણ હું તેને કદીયે કહી શકતો નહોતો. અને એની તો નાદાન હતી.

એક દિવસ પ્રો. શર્માએ સ્ટાફરૂમમાં બધાને કહ્યું : “કિલકારી ત્રણ માસની રજા પર દિલ્હી જાય છે.”

બધાંએ પૂછયું “શું થયું એની ને?”

“એનીને કાંઇ થયું નથી. એની બહેન ગંભીર રીતે બીમાર છે. તેની બહેનની બંને કિડનીઓ ફેલ થઇ ગઇ છે. તેને બે નાના બાળકો છે. એનીએ પોતાની એક કિડની આપવા નિર્ણય કર્યો છે. કિડની મેચ થઇ ગઇ છે. બે દિવસ પછી ઓપરેશન છે.”

હું અવાક્ થઇ ગયો.

સ્ટાફરૂમમાં ચર્ચા શરૂ થઇ. “એમાં એનીએ કિડની આપવાની જરૂર ક્યાં હતી?” બીજા કોઇએ કહ્યું : એની ઇઝ ગ્રેટ.” પરંતુ હું ગભરાયો. તરત જ બહાર દોડયો. પ્રો. શર્મા બોલી રહ્યા હતા : “બુદ્ધિશાળી લોકો તો મૂર્ખતાથી બચી જાય છે પણ અબૂધ નહીં. એની મૂર્ખ છે.”

એક માત્ર મને ખબર હતી : “એની અનકલકયુલેટેડ છે. તે ગણતરી બાજ નથી.”

મેં તપાસ કરી તો એની દિલ્હી પહોંચી ગઇ હતી. એ દિવસ પછી સમાચાર મળ્યા કે એની પરનું ઓપરેશન સફળ રહ્યું નથી. તેની એક કિડની કાઢી લીધા બાદ તે ખુદ ગંભીર છે અને તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી છે એ સમાચાર સાંભળતાં જ મેં ટ્રેન પકડી અને સીધો દિલ્હી પહોંચ્યો. એની અને તેની બહેન બેઉ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં હતા. હું ડોકટરને મળ્યો. એમણે કહ્યું કે એનીની તબિયતમાં કોઇજ સુધારો નથી. તેમણે મને માત્ર પાંચ જ મિનિટ એનીને મળવા પરવાનગી આપી. હું સીધો આઇસીયુમાં પહોંચ્યો. તેના મોં પર ઓક્સિજન માસ્ક હતું, પણ સ્થિર આંખે મને જોઇ રહી. હું ચૂપચાપ એને જોઇ રહ્યો. રૂમમાં સન્નાટો છવાયેલો હતો. એનીની નિર્દોષ બધી જ કિલકારીઓ મને યાદ આવી ગઇ. હું તેનો હાથ પકડીને કહેવા માંગતો હતો : “એની, તેં આ શું કર્યું. હું તને બહું જ ચાહું છું.” પણ હું કહી શક્યો નહીં. હા, મેં એનો હાથ પકડી લીધો. એણે આંખોથી મુશ્કાનભર્યો પ્રતિભાવ આપ્યો. એ બોલી શકતી નહોતી. એણે મને આંખોથી એના ઓશીકાની પાછળ પડેલો મોબાઇલ એના હાથમાં આપવા ઇશારો કર્યો. તે આંખમાં આંસુઓ પરનું નિયંત્રણ ગુમાવી ચૂકી હતી. મને લાગ્યું કે હું તેની સામે હારી રહ્યો હતો. વધુ ભાવુક ના થઇ જાઉ તે કારણે હું તરત જ બહાર નીકળી ગયો.

હું વેઇટીંગરૂમમાં પહોંચું તે પહેલાં મારા મોબાઇલ પર મેસેજ આવ્યો એ એનીનો મેસેજ હતો. એનીએ લખ્યુ હતું “મૈં જાનતીથી … આપ મુઝે પ્યાર કરતે હો.”

અને જાણે કે એ શબ્દોમાં લાખ વાર વાંચી નાખ્યા. એ એસએમએસ વાંચતા વાંચતા હું રડી પડયો. અને થોડીક ક્ષણો બાદ ફરી એનીનો મેસેજ આવ્યોઃ “…લેકિન આપ ભી નહીં જાન પાયે.”

મને લાગ્યું કે એક હીમશીલા પીગળી રહી છે. એનીની લાગણી મારા સુધી પહોંચી કેમ નહીં? મને થતું હતું કે એની ફરી સાજી થઇ જાય. ફરી તેની અબુધ વાતો કરે. ફરી કોઇ નાદાન સવાલ કરે…” હું આ બધુ વિચારતો હતો ત્યાં એનીનો ફરી મેસેજ આવ્યો : “બાય બાય… સર આઇ લવ યુ.”

– અને હું ફરી આઇસીયુમાં દોડયો.

એનીની આંખો સદાના માટે બંધ થઇ ગઇ હતી. એના ચહેરા પર એવીને એવી જ મુશ્કરાહટ હતી. મને થતું હતું કે, હમણાં તે કાંઇ બોલી ઊઠશે. પણ એવું કાંઇ જ બન્યું નહીં. .. એક વોર્ડ બોયે તેના દેહ પર સફેદ ચાદર ઢાંકી દીધી.

આ વાતને વર્ષો થઇ ગયાં પરંતુ એનીનો પહેલો અને છેલ્લો એસએમએસ આજે પણ મેં સેવ કરી રાખ્યો છે…. કહેતાં અધ્યાપક તેમની વાત પૂરી કરે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén