Devendra Patel

Journalist and Author

Month: May 2013 (Page 1 of 2)

બીસીસીઆઈના બોસ ‘NS’ ગુડ ફ્રેન્ડ એન્ડ બેડ એનિમી

બીસીસીઆઈના બોસ 'NS' ગુડ ફ્રેન્ડ એન્ડ બેડ એનિમી

બીસીસીઆઈના પ્રેસિડેન્ટ શ્રીનિવાસન જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે દુબઈ કેમ રોકાય છે?

દિલ્હી પોલીસે આઈપીએલ ક્રિકેટ મેચમાં સ્પોટ ફિક્સિંગ કરનારાઓને શોધી કાઢયા બાદ જે રીતે દેશના ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં ઊહાપોહ મચ્યો હતો તે જોતાં લાગતું હતું કે, દેશના લોકોને હવે આઈપીએલ દ્વારા રમાડવામાં આવતી ક્રિકેટ મેચ જોવામાં કોઈ રસ રહેશે નહીં,પરંતુ મીડિયાની ધારણા કરતાં બન્યું ઊંધું. દેશના કરોડો લોકોએ બે પ્રકારનો ખેલ માણ્યો. એક તો કોલકાતાના ઇડન ગાર્ડન પર રમાયેલી મેચ અને બીજી ક્રિકેટના ગ્રાઉન્ડની બહાર બીસીઆઈના મેદાનમાં રમાયેલી રાજકીય મેચ. કોલકાતાના ઇડન ગાર્ડન પર રમાયેલી મેચ જોવા જે માનવમેદની ઊભરી તે દર્શાવે છે કે, સટ્ટો રમો, જુગાર રમો, મેચ ફિક્સ કરો- જે કરવું હોય તે કરો, અમે તો મેચ જોઈશું જ. એ વાત સાચી છે કે, ક્રિકેટ એ આ દેશની અત્યંત લોકપ્રિય રમત છે. ગરીબમાં ગરીબ માણસથી માંડીને તવંગરો પણ ક્રિકેટને માણે છે. આઈપીએલ ભલે કેટલાક લોકો માટે ધંધો હોય, પરંતુ લોકોને ફાસ્ટ બોલિંગ અને ચોગ્ગા તથા છગ્ગાની થ્રીલ માણવી ગમે છે. ચિયર લીડર્સ ગર્લ્સના ડાન્સ જોવા ગમે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, લોકોએ હવે સટ્ટો, જુગારને અને મેચ ફિક્સિંગને ક્રિકેટના એક હિસ્સા તરીકે સ્વીકારી લીધો છે. લોકોને માત્ર અને માત્ર મનોરંજન જોઈએ છે અને તે આઈપીએલે પૂરું પાડયું છે.

શ્રીનિવાસન-ધી બોસ

હવે વાત ક્રિકેટના ગ્રાઉન્ડ બહાર ખેલાયેલી રાજરમતની. સૌથી પહેલાં જાણી લેવું જોઈએ કે, બીસીસીઆઈના બોસ એન. શ્રીનિવાસન છે કોણ ? તેઓ ઇન્ડિયા સિમેન્ટ કાં.ના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ કંપની તેમના દાદાએ સ્થાપી હતી. આજકાલ તેઓ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટના પ્રમુખ છે. બીસીસીઆઈ વિશ્વની સૌથી શક્તિશાળી ક્રિકેટ જગતની સંસ્થા છે. ૨૦૦૧માં તેઓ તમિળનાડુ ક્રિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા હતા. ૨૦૦૨માં એ. સી. મુથૈયાની ટર્મ પૂરી થતાં એન. શ્રીનિવાસન તમિળનાડુ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બન્યા. એ પછી બીસીસીઆઈના એ વખતના બોસ જગમોહન દાલમિયાને હટાવવાની ઝુંબેશમાં શરદ પવાર, શશાંક મનોહર અને લલિત મોદીની સિન્ડિકેટમાં જોડાયા. ૨૦૦૫માં શરદ પવાર બીસીસીઆઈના પ્રમુખ બન્યા અને એન. શ્રીનિવાસન ખજાનચી બન્યા. ૨૦૦૮માં એન. શ્રીનિવાસનની માલિકીની કંપની ઈન્ડિયા સિમેન્ટે આઈપીએલની એમ. એસ. ધોનીના નેતૃત્વ હેઠળની આઈપીએલની ચેન્નાઈ સુપરકિંગ ટીમ ખરીદી. ૨૦૦૯માં એન. શ્રીનિવાસને તેમના જમાઈ મય્યપન ગુરુનાથની ચેન્નાઈ સુપરકિંગ ટીમના વડા તરીકે નિમણૂક કરી. ૨૦૧૧માં એન. શ્રીનિવાસન બીસીસીઆઈના પ્રેસિડેન્ટ બન્યા. ૨૦૧૨માં તેમણે બીસીસીઆઈના બંધારણમાં સુધારો કર્યો જેના કારણે કોઈપણ પ્રેસિડેન્ટ ત્રણ વર્ષની ટર્મ પૂરી કર્યા પછી પણ એ હોદ્દો ધારણ કરી શકે અને એ રીતે તેઓ બીસીસીઆઈના મોસ્ટ પાવરફૂલ ‘બિગ બોસ’ બની ગયા.

સીબીઆઈની તપાસ

એન. શ્રીનિવાસન ગોલ્ડન ટચ ધરાવતા એક સફળ બિઝનેસમેન છે, પરંતુ તેમણે કમાયેલા નાણાંની પાછળ કેટલાક આરોપો પણ છે. આંધ્રપ્રદેશમાં જ્યારે વાય.એસ.આર. રેડ્ડીનું શાસન હતું ત્યારે એ સરકાર તરફથી તેમને કેટલીક ખાસ ફેવર કરીને કેટલાક લાભ ખટાવી આપ્યાની બાબતમાં તેમની સામે સીબીઆઈની તપાસ ચાલી રહી છે. ખાસ કરીને વાયએસઆરના પુત્ર જગનમોહન રેડ્ડીની સંપત્તિના કેસમાં તેમની સંડોવણીની તપાસ થઈ રહી છે. તેમની સામે એવો આરોપ છે કે, ઇન્ડિયા સિમેન્ટને રેડ્ડી સરકારે કેટલાક લાભ ખટાવી આપ્યા તેના બદલામાં એન. શ્રીનિવાસને જગનમોહન રેડ્ડીની ‘જગતી પબ્લિકેશન્સ’ કંપનીમાં રૂ. ૧૪૦ કરોડનું મૂડીરોકાણ કર્યું હતું. જગનમોહનની આ કંપની તેલુગુ ભાષામાં સાક્ષી તેલુગુ નામનું દૈનિક ચલાવે છે. કહેવાય છે કે, રેડ્ડી સરકારે એન. શ્રીનિવાસનની સિમેન્ટ કંપની માટે ૬૦ એકર જમીન બજારભાવ કરતાં માત્ર એક ટકાના ભાવે ફાળવી આપી હતી. સિમેન્ટ કંપની માટે પાણી પણ મફતના ભાવે આપેલું છે. આ સંદર્ભમાં તપાસ માટે સીબીઆઈએ જૂન, ૨૦૧૨માં એન. શ્રીનિવાસનને હૈદરાબાદ ખાતે બોલાવી પૂછપરછ કરી હતી. અલબત્ત, તેમની અટકાયત કરી નહોતી. તેમની સામે આરોપ છે કે, વાયએસઆર જ્યારે આંધ્રના મુખ્યમંત્રી હતા ત્યારે એન. શ્રીનિવાસનની સિમેન્ટ કંપની માટે રોજનું ૧૦ હજાર ગેલન પાણી ક્રિશ્ના નદીમાંથી ફાળવી આપ્યું હતું. તે પછી વાયએસઆરની સરકારે ફરી એકવાર એન. શ્રીનિવાસનની કંપનીને કંગના નદીમાંથી રોજનું ૧૩ મિલિયન ક્યૂબીક ફીટ પાણી ખેંચી લેવાની પરવાનગી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈ એન. શ્રીનિવાસન સામે ચાર્જશીટ પણ તૈયાર કરી રહી છે અને વાયએસઆર રેડ્ડીના પુત્ર જગનમોહન રેડ્ડીની જેમ એન. શ્રીનિવાસનની પણ ધરપકડ કરવા વિચારી રહી છે.

ગુડ ફ્રેન્ડ-બેડ એનિમી

એન. શ્રીનિવાસનને એક ક્રૂર બોસ તરીકે લોકો ઓળખે છે. તેમની આસપાસના લોકો તેમને ‘એનએસ’ના નામે બોલાવે છે. તેઓ એક સારા મિત્ર અને ખરાબ દુશ્મન તરીકે પણ ઓળખાય છે. કેટલાક તેમને મજબૂત નિર્ણયશક્તિવાળા માણસ તરીકે ઓળખે છે. ૬૮ વર્ષની વયના એન. શ્રીનિવાસન અત્યંત મહત્ત્વાકાંક્ષી છે. તેઓ ચેસ અને ગોલ્ફ રમવાના શોખીન છે. આ બધું હોવા છતાં તેઓ તેમના જ પરિવારમાંથી પેદા થયેલા દુશ્મનોનો સામનો કરી રહ્યા છે. એક તો તેમના જમાઈના કારણે વિવાદમાં ફસાઈ ગયા છે અને બીજી તરફ તેમનો પુત્ર અશ્વિન પણ તેમની સામે મેદાને પડયો છે. એન. શ્રીનિવાસનનો પુત્ર અશ્વિન ખુદ કહે છે : “મારો બનેવી ગુરુનાથ મય્યપન ખુદ સટોડિયો અને ફિક્સર છે. ગુરુનાથ ચેન્નાઈ અને દુબઈના બુકીઓ સાથે સંપર્ક ધરાવે છે. ગુરુનાથ અમારા કરતાં બીજી જ્ઞાાતિનો છે. અમે બ્રાહ્મણ છીએ. મારો બનેવી અને મારી બહેન રૂપા ધીમે ધીમે મારા પિતાના બિઝનેસ પર તેમનું સામ્રાજ્ય જમાવી રહ્યા છે. મારા પિતા જ્યારે પણ પરદેશ જાય ત્યારે દુબઈ એરપોર્ટ પર અવારનવાર કલાકો સુધી રોકાય છે. શા માટે ? મારા અને મારા પિતા વચ્ચેના મતભેદોનું કારણ પણ મારા બનેવી ગુરુનાથ દ્વારા મારા પિતાના કાનમાં રેડવામાં આવતું ઝેર જ છે. મારો બનેવી મને ‘હું ડ્રગ એડિક્ટ છું” એમ બધાને કહ્યા કરે છે, પણ હું તેના કરતાં વધુ ભણેલો અને અનુભવી છું.” ૨૦૦૨ પછી મેં ડ્રગ્સ લેવાનું છોડી દીધું . હું મારા યુરિન સેમ્પલનો રિપોર્ટ બતાવવા પણ તૈયાર છું. ગુરુનાથ અને મારી બહેન રૂપા એકબીજાના પ્રેમમાં પડયા ત્યારે મારા પિતા ખૂબ નારાજ હતા, કારણ કે અમે બ્રાહ્મણ છીએ અને ગુરુનાથ ચેટ્ટીયાર છે. મારી મા તો કાયમ માટે રૂપાને ઘરમાંથી કાઢી મૂકવા માગતી હતી, પરંતુ મારા પિતા રોજ રાત્રે સ્કોચ વ્હિસ્કીના પાંચ પેગ ચડાવી રોજ ગુરુનાથને ગાળો બોલતા હતા, પણ બીજા દિવસે ગુરુનાથના પરિવાર સાથે ગોલ્ફ રમતા હતા.”

નેતાઓને પછડાટ

આવા એન. શ્રીનિવાસન ખુદ રાજકારણી ના હોવા છતાં તેમણે ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર તમામ રાજકારણીઓને શિકસ્ત આપી છે. બુકીઓ સાથેના સંપર્કનો પર્દાફાશ થતાં જમાઈની ધરપકડ બાદ શ્રીનિવાસન પર શરદ પવાર, અરુણ જેટલી અને રાજીવ શુક્લાએ બીસીસીઆઈનું પ્રમુખપદ છોડી દેવા દબાણ પણ કર્યું અને રાજરમત પણ ખેલી. અરુણ જેટલી તો પ્રમુખ બનવાના અભરખાં સાથે કોલકાતા પહોંચી ગયા હતા, પરંતુ એક જ રાતમાં એન. શ્રીનિવાસને બોર્ડના બહુમતી સભ્યોને પોતાની ફેવરમાં કરી લઈ અરુણ જેટલીના મનસુબા પર પાણી ફેરવી દીધું. કેટલીકવાર રાજકારણીઓ કરતાં બિઝનેસમેન મોટી ગેમ ખેલી જતા હોય છે. નેતાઓની અને બીસીસીઆઇના બોસની જે કોઇ ગેમ હોય પણ એક વાત સ્પષ્ટ છે કે એન. શ્રી નિવાસન પર હવે દાગ લાગી ચૂક્યો છે. તેમનો જમાઇ ફિકસર પણ છે અને ડોન દાઉદના બુકીઓના સંપર્કમાં પણ હતો. બીસીસીઆઇ દેશની સર્વોચ્ચ ક્રિકેટ સંસ્થા છે. વિશ્વ ક્રિકેટને કંટ્રોલ કરવામાં પણ બીસીસીઆઇની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે ત્યારે તેના પ્રેસીડેન્ટ એક ટીમના માલિક હોય, જમાઇ ફિકસર હોઇ અને પુત્ર પણ આરોપ લગાવતો હોય ત્યારે આ સંસ્થાની પારદર્શીતાને અને શુદ્ધતાને આંચ ના આવે તે માટે પણ શ્રી નિવાસને પદ છોડી દેવું જોઇએ.

લુપ્ત થઈ રહેલી નદીઓ, દેશની ૨૭ નદીઓ સુકાઈ રહી છે

લુપ્ત થઈ રહેલી નદીઓ, દેશની ૨૭ નદીઓ સુકાઈ રહી છે
રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

ગોદાવરી નદીની આ બન્ને તસવીરો છે. એક સમયે ખળખળ વહેતી ગોદાવરી આજે સૂકીભઠ્ઠ છે.

કહેવાય છે કે વિશ્વની સભ્યતાઓ નદીઓના કિનારે જ વિકસી. સિન્ધુ નદીના કિનારે વસેલા આર્યોએ હિન્દુ સંસ્કૃતિ વિકસાવી. નાઈલના કિનારે ઇજિપ્તની સંસ્કૃતિ વિકસી. વોલ્ગાના કિનારે રશિયન સંસ્કૃતિ વિકસી હતી. જોર્ડનના કિનારે હિબ્રુ સંસ્કૃતિ વિકસી. યલો રિવરના કિનારે ચાઇનીઝ સંસ્કૃતિ વિકસી. નદીઓના કિનારે મોટાં મોટાં શહેરો પણ વિકસ્યાં. થેમ્સના કિનારે લંડન અને સીન નદીના કિનારે પેરિસ જેવાં શહેરો વિકસ્યાં. એમેઝોનનાં જંગલોમાં પણ વિશ્વની લાંબામાં લાંબી નદી વહે છે. અમેરિકા અને કેનેડાને બે ભાગમાં વહેંચતી નાયગ્રા નદીનો ધોધ એક જબરદસ્ત પ્રાકૃતિક આકર્ષણ છે. વિશ્વમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જે નદીઓને લોકમાતા કહે છે. વિશ્વમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જે નદીઓની પૂજા કરે છે. ગંગામાં ડૂબકી મારવાથી પાપનો નાશ થાય છે તેવી માન્યતા એકમાત્ર હિન્દુ સંસ્કૃતિમાં પણ છે. ભારતની ગંગા, યમુના, સરયૂ અને નર્મદા નદીના કિનારે તીર્થસ્થાનો વિકસ્યાં છે, પરંતુ ચોંકાવનારા સમાચાર છે કે ભારતની નદીઓ લુપ્ત થઈ રહી છે. તેમનો જલપ્રવાહ ઘટી રહ્યો છે. એક સમય એવો આવશે કે ભારતની ઘણી નદીઓ સુક્કીભઠ્ઠ હશે.

હમણાં કેટલાક સમય પહેલાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ યોજાયો. દેશના તમામ નેતાઓ, અભિનેતાઓ તથા સાધુ-સંતોએ ત્રિવેણીસંગમમાં ડૂબકી લગાવી પવિત્ર સ્નાન કર્યું, પરંતુ તમે જો ધ્યાનથી જોયું હશે તો એ ત્રિવેણીસંગમનાં જળ પશ્ચિમની નદીઓ જેટલાં સ્વચ્છ નહોતાં. પશ્ચિમના દેશો નદીઓને માતા ગણતા નથી, પરંતુ નદીને પ્રદૂષિત પણ કરતા નથી. યુરોપ અન અમેરિકામાં નદીમાં સિગારેટનું ઠૂંઠું નાંખનારને દંડની સજા થાય છે જ્યારે ભારતમાં તમામ પ્રકારની ગંદકી નદીમાં ઠાલવવામાં આવે છે. ગંગામાં મૃતદેહો વહેતા મૂકી દેવાય છે. યમુનામાં ઝેરી રાસાયણિક પ્રવાહી છોડવામાં આવે છે. અમદાવાદની સાબરમતી નદીમાં ખતરનાક કેમિકલ્સ ઠાલવી દેવામાં આવે છે. લોકમાતાના આવા બૂરા હાલ એકમાત્ર ભારત દેશમાં જ જોવા મળે છે.

ભારતની નદીઓ પ્રદૂષિત પણ થઈ રહી છે અને લુપ્ત પણ થઈ રહી છે. એની ચિંતા મહાકુંભમાં પણ ના થઈ. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ અનુસાર ભારતની ૨૭ જેટલી નદીઓ લુપ્ત થઈ જવાની અણી પર છે. આ નદીઓની હાલત એવી છે કે તેમને હવે નદીની વ્યાખ્યામાં મૂકી શકાય તેમ નથી. નદી એને કહેવામાં આવે છે જેનામાં બારે મહિના એક ગતિથી જળ વહેતું હોય. તૃષાતુરને પાણી આપી શકે તેને નદી કહેવામાં આવે છે. દુર્ભાગ્યથી દેશની ઘણી બધી નદીઓ આજે આ શ્રેણીની બહાર આવી ગઈ છે. બંગાળની મહાનંદા નદી ગંગા પછી મોટી નદી ગણાય છે. હજારો ગામોનું જીવન જેની પર નિર્ભર છે તેવી આ નદીનું ભાવિ સંકટમાં છે. અનેક ગ્રામ અને શહેરોનો કચરો આ નદીમાં ફેંકવામાં આવે છે અને તેના પરિણામે આ નદીએ તેનું કદ ગુમાવ્યું છે. આ નદીમાં ભવિષ્યમાં પાણી જ જોવા નહીં મળે. વરસાદના અભાવે આમેય આ નદીમાં પાણીનો અભાવ જોવા મળે છે અને તે સુકાતી જાય છે. મહાનંદા નદી સુકાઈ જશે તો લાખો ખેડૂતો બરબાદ થઈ જશે. પશ્ચિમ બંગાળની બીજી નદીઓની હાલત પણ મહાનંદા નદી જેવી જ છે. કેટલીય નદીઓ દિન-પ્રતિદિન નાની અને સંકોચાતી જાય છે. કેટલીક નદીઓના પટ પર તો ગેરકાયદે બાંધકામો થઈ ગયાં છે. પશ્ચિમ બંગાળની ઢોંક, રમજાન, ડેકન તથા ડાગરા નામની નદીઓની પણ આવી જ હાલત છે. બિહારના પૂર્ણિયા વિસ્તારની મુખ્ય નદીઓ હરદા, કોસી, કરિયાર તથા ગંડગોલા પણ સુકાઈ જવાની તૈયારીમાં છે. ગંડક નદી તો એના ઉદ્ભવસ્થાન પર જ લુપ્ત થતી જોવા મળે છે. આ નદી પર કોઈ જમાનામાં મોટાં જહાજો ફરતાં હતાં. આજે નાનકડી નાવ પણ વહી શકે તેવી પરિસ્થિતિ નથી. આ નદીકિનારે આવેલા અગડિયા ગામના લોકો કહે છે કે કેટલાંક વર્ષો પહેલાં આ નદી પાર કરવી તે એક મુશ્કેલ કામ હતું. આજે તે એક નાળું જ બની ગઈ છે.

ઉત્તર પ્રદેશની નદીઓની હાલત તો એથીયે વધુ ખરાબ છે. વારાણસીની વરુણા તો હવે તે નામને યોગ્ય પણ રહી નથી. શહેરની વચ્ચે થઈને વહેતી આ નદી હવે એક ગંદકીથી ભરેલા નાળા જેવી લાગે છે. અલાહાબાદનો ત્રિવેણીસંગમ હવે પવિત્ર અને શુદ્ધ જળનો સંગમ રહ્યો નથી બલકે તમામ શહેરોના કચરાનો સંગમ બની ગયો છે. આગ્રા, મથુરા અને દિલ્હીને સ્પર્શીને વહેતી યમુના પણ હવે નદી કહેવાને લાયક રહી નથી. દેશની રાજધાની દિલ્હીએ યમુનાને ગંદકીથી તરબતર કરી દીધી છે.

ગંગાને બચાવવા કેટલાક લોકો અભિયાન ચલાવી રહ્યા છે, પણ તેનો કોઈ ઝાઝો અર્થ સરતો હોય એમ લાગતું નથી. ચાણક્યે ૧૧મા અધ્યાયના ચોથા શ્લોકમાં કળિયુગનું વર્ણન કરતાં લખ્યું છે કે, કળિયુગનાં ૧૦,૦૦૦ વર્ષ બાદ ભગવાન વિષ્ણુ વિલુપ્ત થઈ જશે અને ૫૦૦૦ વર્ષ બાદ ગંગા પણ વિલુપ્ત થઈ જશે. તેની સાથે ગ્રામદેવતા પણ.

સાચી વાત એ છે કે શાસ્ત્રો અનુસાર કળિયુગનાં ૫૦૦૦ વર્ષ વીતી ચૂક્યાં છે અને ગંગા પણ ઝડપથી વિલુપ્ત થવાના માર્ગે છે. દેશની બીજી નદીઓની હાલત પણ ખરાબ છે. પાર્વતી, ગોદાવરી અને કાવેરીની હાલત આજે છે તેવી જ રહી તો તે પણ કાળની ગર્તામાં વિલુપ્ત થઈ જશે. એ દુઃખની વાત છે કે નદીઓના કિનારે સભ્યતા ખીલી અને માનવીની અસભ્યતાએ નદીઓને જ ખતમ કરી દીધી. નદીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે હવે બહુ થોડો જ સમય બચ્યો છે. વસ્તી વધી રહી છે, પાણીની માંગ વધી રહી છે, પણ તેની સામે પાણીના કુદરતી સ્રોત સુકાઈ રહ્યા છે. નદીઓ માત્ર સરકારી યોજનાઓથી બચાવી શકાશે નહીં. સમાજે પણ નદીઓને બચાવવા આગળ આવવું પડશે. નદીઓને બચાવવાની જવાબદારી એ કરોડો લોકોની પણ છે જેઓ વર્ષોથી નદીઓનાં જળનો લાભ લેતા રહ્યા છે. નદીઓના ઉદ્ભવસ્થાનથી માંડીને સમુદ્ર સુધી વહેતી નદીઓના કિનારે વસેલા લોકોએ એક સામુહિક ઉત્તરદાયિત્વના રૂપે નદીઓને બચાવવા જવાબદારી સ્વીકારવી પડશે. નદીઓનો અંત એટલે સમગ્ર માનવજાતનો,પ્રકૃતિનો અને પશુ-પક્ષીઓનો પણ અંત એમ સમજી લેવું જોઈએ. www.devendrapatel.in

નાનકડા બાળકે ચાકુથી પોતાના હાથ પર ઘા કર્યો

નાનકડા બાળકે ચાકુથી પોતાના હાથ પર ઘા કર્યો

૧૨ વર્ષનો નાનકડો રાજન આત્મહત્યા કરી તેના પિતાને પાઠ ભણાવવા માંગતો હતો

એક મનોચિકિત્સકનું ક્લિનિક.

મનોચિકિત્સક તબીબની સામે એક મહિલા તેના ૧૨ વર્ષના કિશોર સાથે બેઠેલી હતી. કિશોરનું નામ રાજન છે. મા શરૂ કરે છેઃ ”ડોક્ટર સાહેબ, આ મારો દીકરો છે. તેણે અમારા ઘરની શાંતિ ખતમ કરી નાંખી છે. અમે બધાં એનાથી ખૂબ ત્રાસી ગયા છીએ. અમે ગમે તેટલું કહીએ છીએ પણ તે સુધરતો જ નથી. સુધરવા માંગતો જ નથી.”

ડોક્ટરે પૂછયું: ”શં પ્રોબ્લેમ છે?”

માએ નીચું મોં રાખીને બેઠેલા પુત્રનો હાથ ઊંચો કરીને બતાવ્યોઃ ”જુઓ સાહેબ, આ ઘા તમે જુઓ. ગઈકાલે તેણે જાતે જ તેના હાથે ચાકુથી ઘા કરી દીધો. પોતે જ પોતાની જાતને લોહીલુહાણ કરી નાખી.”

બાળક હજુ મોં ઊંચું કરતો નહોતો. તેના ચહેરા પર કોઈ જ ભાવ નહોતા. તે ચૂપચાપ બેસી રહ્યો હતો.

મનોચિકિત્સકે પૂછયું: ”એણે એમ કેમ કર્યું ?”

માએ ઊંચા સ્વરે કહ્યું: ”એણે એના પિતાના પાકીટમાંથી ૫૦૦ રૂપિયા ચોર્યા હતા એ વાતની ખબર પડતાં એના પપ્પાએ તેને ફટકાર્યો હતો.”

મનોચિકિત્સે રાજનની મમ્મીને થોડીવાર બહાર બેસવા કહ્યું. પહેલા દિવસે મનોચિકિત્સકે રાજન સાથે વાતચીત કરવા પ્રયાસ કર્યો પરંતુ બાળકે કોઈ જ સહકાર ના આપ્યો. તે પછી તેની મમ્મીને અંદર બોલાવી અને મમ્મી વધુ શું કહેવા માગે છે તે પૂછયું.

રાજનની મમ્મીએ કહ્યું: ”ડોક્ટર સાહેબ, મારો છોકરો બગડી ગયો તે માટે મારા હસબન્ડ મને જ દોષ દે છે. તેની તમામ ખરાબ વર્તણૂક માટે તેઓ મને જ જવાબદાર ઠેરવે છે. એણે એના પિતાના પાકીટમાંથી ૫૦૦ રૂપિયા ચોર્યા હતા બે દિવસ પછી તેમાંથી વધેલા ૧૫૦ રૂપિયા તેની નોટબુકમાં સંતાડેલા મળ્યા ત્યારે જ અમને ખબર પડી કે રાજને એના પર્સમાંથી પૈસા ચોર્યા હતા. અમે તેને પૂછયં કે, તું આ પૈસા ક્યાંથી લાવ્યો ?” ત્યારે શરૂઆતમાં તે જુઠ્ઠુ બોલ્યો પણ તેના પપ્પાએ એક જોરદાર તમાચો ફટકાર્યો અને માર સહન ન થતાં એણે કબૂલ કરી લીધું. મારા બાળકના આ વર્તાવ માટે તેઓ મને જ જવાબદાર ઠેરવે છે.”: એટલું બોલતા બોલતાં રાજનની મમ્મી રડી પડી.

એ દિવસે મનોચિકિત્સકે વાત આટલેથી જ પતાવી તેમણે બાળકને લઈ તેની પાસે આવવા બદલ આભાર માન્યો અને થોડા દિવસ પછી રાજનના પિતાને તેમના કિલનિક પર લઈ આવવા કહ્યું. બે દિવસ પછી રાજનના પિતા મનોચિકિત્સકને મળવા ગયા. મનોચિકિત્સકે તેમને પૂછયું : ”તમે તમારા દીકરાને માર કેમ માર્યો ?”

રાજનના પિતાએ સખ્તાઈપૂર્વક કહ્યું ”તેને પ્રામાણિક થવાનું કહો. હું આખો દિવસ ઓફિસમાં તેમજ મજૂરી કરીને આવું છું. હું જે કમાઉં છું તે તેના માટે છે અને તે ચોરી કરતા શીખી ગયો છે. તે ફરીથી ચોરી કરશે તો હું તેને ફરી મારીશ.”

મનોચિકિત્સકે તેમને બાળક પ્રત્યે પ્રેમથી વર્તવા સલાહ આપી પરંતુ રાજનના માતા-પિતાએ બાળક પ્રત્યે કૂણી લાગણી રાખવા સાવ ઈનકાર કરી દીધો. એથી યે આગળ વધીને બાળકના પિતાએ એમ કહ્યું કે, ”હવે એ ભૂલ કરશે તો હું તેને ઘરની બહાર ફેંકી દઈશ.”

મનોચિકિત્સકે બાળકની આત્મહત્યા કરવાની લાગણી જોઈ તેને ઘેર જવા દેવામાં જરાક ભીતિ અનુભવી છતાં તેઓ પીઢ તબીબ હતા. તેમણે બાળકનો હાથ પકડયો. તેની આંખોમાં આંખો પરોવી. અને ધીમેથી કહ્યું: ”બેટા આઈ નો, યુ આર અ ગુડ બોય. કાલે આપણે બે એકલા વાતો કરીશું.”

બાળક એક જુદા જ ભાવથી મનોચિકિત્સક સામે જોઈ રહ્યો. તે પછી મનોચિકિત્સકે રાજનની મમ્મીને તેની હાજરીમાં જ કહ્યું: ”મારી ડિક્શનેરીમાં કોઈ બાળક જુઠ્ઠું બોલે છે તેવો શબ્દપ્રયોગ જ નથી. અસત્યનો બીજો અર્થ છે કે સત્યને કેટલાંક સમય માટે મુલતવી રાખવામાં આવ્યું છે કે વિલંબીત રાખવામાં આવ્યું છે.”

ડોક્ટરે બાળક જુઠ્ઠું બોલતો જ નથી એવું ર્સિટફિકેટ આપી બીજા દિવસે ક્લિનિક પર નહીં પરંતુ એક કોફી શોપમાં મળવાનું નક્કી કર્યું. બીજા દિવસે રાજનને લઈ તેની મમ્મી નક્કી કરેલા કોફીશોપ પર પહોંચી ગઈ. મનોચિકિત્સક પહેલેથી જ ત્યાં પહોંચી ગયા હતા. નાનકડા રાજને આજે બ્રાઈટ શર્ટ પહેર્યું હતું. એના ચહેરા પર સ્મિત હતું. મનોચિકિત્સકે રાજનની મમ્મીને કહ્યું: ”તમે થોડીવાર બાજુના મોલમાં જઈ શોપિંગ કરી આવો. હું અને રાજન એકલા જ વાત કરવા માંગીએ છીએ.

રાજનની મમ્મી બેઉને એકલાં છોડી બહાર ચાલી ગઈ. હવે ૧૨ વર્ષનો રાજન અને મનોચિકિત્સક એ બે એકલાં જ હતા. મનોચિકિત્સકે બહુ જ પ્રેમથી નાનકડા કિશોરના ખભે હાથ મૂક્યો. તે પછી બાળક સાથે વાતચીત શરૂ કરી, તેને શું ભાવે છે? શું કરવું ગમે છે ? કેવાં કપડાં પહેરવાં ગમે છે? કઈ ગેમ્સ ગમે છે ત્યાંથી માંડીને ક્યાં કાર્ટૂન્સ ગમે છે તે બધી હળવી વાતો કરી. સ્કૂલમાં ભણવું ગમે છે કે નહીં તે પણ તેમણે પૂછયું, પૂરી ૬૦ મિનિટ સુધી તેઓ બીજા જ વિષયો પર વાત કરતા રહ્યા. એ બધું જ પૂછી લીધા બાદ ડોક્ટરે ધીમેથી પૂછયું: ”બેટા, તું આટલો બધો હોશિયાર છે તો પછી તો તારા હાથ પર ચાકુથી ઘા કેમ કરી દીધો?”

નાનકડા રાજને કહ્યું: ”હું મરી જવા માંગતો હતો.”

”પણ કેમ?”

રાજન કંઈ બોલ્યો નહીં. મનોચિકિત્સકે તેમના બેઉ માટે સોફટડ્રિંક્સ અને સેન્ડવીચનો ઓર્ડર આપ્યો.

થોડીવાર પછી બાળક રિલેક્સ થયો. બાળકને હળવો થયેલો જોઈ મનોચિકિત્સકે પૂછયુઃ ”તારી નોટમાંથી પૈસા ક્યાંથી આવ્યા ?”

બાળકને આશ્ચર્ય થયું પરંતુ એ બોલ્યોઃ ”હું તમને બધું જ કહી દઈશ પણ તમે મારા ડેડને કાંઈ ના કહેશો.”

ડોક્ટરે પ્રોમિસ કર્યું. બાળકે સોફટડ્રિંક્સ પીતાં પીતાં વાત શરૂ કરી : ”મેં મારા ડેડના પાકીટમાંથી ૫૦૦ રૂપિયા લીધા હતા. કારણ કે મારે મારા ફ્રેન્ડસને પાર્ટી આપવી હતી. મારા દોસ્તો મને કાયમ ટ્રીટ કરે છે. સોફટડ્રિંક્સ પીવડાવે છે. પીઝા ખવરાવે છે પરંતુ મને ઘરમાં કોઈ પૈસા આપતું ના હોઈ હું તેમ કરી શકતો નહોતો. અને એટલે જ મેં મારા ડેડના પાકીટમાંથી ૫૦૦ રૂપિયા લીધા હતા. મને ખબર હતી કે એ મારા ડેડના પૈસા છે અને એક દિવસ હું તેમને કહીશ પણ ખરો કે મેં ૫૦૦ રૂપિયા મારા દોસ્તોને ટ્રીટ કરવા લીધા છે. પણ હું તેમને કહું તે પહેલાં પકડાઈ ગયો. મને સખ્ત માર મારવામાં આવ્યો. એ કારણે મને મારા ડેડ સામે સખ્ત ગુસ્સો આવ્યો. હું તેમને પાઠ ભણાવવા માંગતો હતો તેથી મેં મરી જવાનું નક્કી કર્યું અને ચાકુથી મેં ઘા કર્યો પરંતુ હું ગભરાઈ ગયો અને ચીસ પાડી ઉઠયો. મારે તો મારા મિત્રોને રાજી કરવા હતા. પરંતુ હું તેમ ના કરી શકતો હોઈ મારા દોસ્તો આગળ મારે શરમાવવું પડતું હતું. તેથી જ મેં આમ કર્યું. મારા ડેડને મારી સાથે બેસવાનો કે વાત કરવાનો સમય જ નથી.”

અને કલાક સુધી વાતો ચાલતી રહી. મનોચિકિત્સકે બસ એને સાંભળ્યા જ કર્યો. વળી આ તો કોફીશોપ હતી. બધું જ અનૌપચારિક હતું. ક્લિનિક ના હોઈ તબીબ અને દર્દીનો માહોલ નહોતો. મનોચિકિત્સકે તેને કોઈ જ ઉપદેશ આપ્યો નહીં. કોઈ જ લેક્ચર આપ્યું નહીં.રાજનને એટલું જ કહ્યું: ”બેટા, હજી આપણે ફરી મળીશું ત્યારે બર્ગર ખાઈશું, પણ તું મને પ્રોમિસ કર કે તું તારા શરીરને કોઈ જ નુકસાન નહીં પહોંચાડે.”

બાળકે પ્રોમિસ કર્યું.

થોડીવારમાં રાજનની મમ્મી આવી ગઈ અને બાળકના ચહેરા પર આનંદ જોઈ તેને રાહત થઈ.

મનોચિકિત્સકને લાગ્યું કે બાળક કોઈ પણ જાતની માનસિક બીમારી ધરાવતો નથી. તેમને લાગ્યું કે ખરેખર તો તેના માતાપિતાને કાઉન્સેલિંગની જરૂર છે. બીજા દિવસે તેમણે રાજનના માતા-પિતાને એકલાં બોલાવી બાળકના તેના મિત્રો આગળના આત્મસન્માનની જરૂરિયાતની વાત કરી. બાળક તેના મિત્રો આગળ કેવો શરમાતો હતો એની વાત કરી. રાજનના મમ્મી-પપ્પા પોતે જ સમજી ગયાં કે તેમણે નાનકડા રાજન પ્રત્યે કેવો વ્યવહાર રાખવો અને તેની નાની નાની જરૂરિયાતોને કેવી રીતે સંતોષવી. મનોચિકિત્સકે તેમને કહ્યું: ”રાજને જે કર્યું તેમાંથી તમારે શીખવાનું છે.”

એક અઠવાડિયા પછી રાજનના મમ્મી-પપ્પા ફરી મનોચિકિત્સક પાસે આવ્યાં. તેમના ચહેરા પર સ્મિત હતું. તેમણે કહ્યું: ”હવે બધું બરાબર છે.”

મનોચિકિત્સકે પણ વળતું સ્મિત આપ્યું. રાજનના પિતાએ કહ્યું: ”સર, અમે તો અમારો દીકરો ડાહ્યો થઈ જાય તે માટે જ્યોતિષીને બતાવ્યું હતું અને જ્યોતિષીએ કહ્યું હતું કે, રાજન પંદર વર્ષનો થશે ત્યાં સુધી આવી હરક્તો કરશે. પણ આ તો બધું અઠવાડિયામાં જ પતી ગયું.

મનોચિકિત્સકે કહ્યું: ”મને જ્યોતિષી કરતાં તમારામાં વધુ વિશ્વાસ હતો.”

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ડોન દાઉદ ક્રિકેટ રમાડે છે અને દેશ તેને નિહાળે છે !

ડોન દાઉદ ક્રિકેટ રમાડે છે અને દેશ તેને નિહાળે છે !

આઈપીએલના ખેલાડીઓની બોલી રોમન કાળના ગુલામો- સ્ત્રીઓના હરાજી બજારની યાદ અપાવે છે

આઈપીએલ- સિઝન-૬ના ત્રણ ખેલાડીઓ શ્રીસંત, અંકિત ચૌહાણ અને અજીત ચંડિલા સ્પોટ ફિક્સિંગના મામલામાં પકડાઈ ગયા. આશ્ચર્યની વાત એ છે કે, આ ખેલાડીઓ ફિક્સિંગ માટે નાણાંની સાથે છોકરીઓ પૂરી પાડવાની પણ માંગણી કરતા હતા. ફોન ટેપિંગ પરથી માહિતી મળી છે કે શ્રીસંત અને અજીત ચંદેલાને આનંદપ્રમોદ માટે બે સટોડિયાઓએ તેમની હોટલની બે રૂમોમાં ત્રણ વખત છોકરીઓ મોકલી હતી. આઈપીએલ ક્રિકેટ મેચની બાબતમાં રોજેરોજ નવાં પ્રકરણો ખૂલી રહ્યાં છે, એ જોતાં લાગે છે કે,ક્રિકેટની રમત હવે આ દેશ માટે એક ગેમ નહીં પરંતુ દેશના કરોડો ક્રિકેટ પ્રેમીઓને બેવકૂફ બનાવીને આયોજકો, ખેલાડીઓ, સટોડિયા,બુકીઓ અને અંડરવર્લ્ડના માણસો માટે રાતોરાત કરોડો રૂપિયા કમાવાનો ગેરકાનૂની ધંધો બની ગઇ છે. આઈપીએલ ક્રિકેટ સાથે સંકળાયેલા તમામ લોકોએ દેશપ્રેમ, સ્વાભિમાન, રાષ્ટ્રગૌરવ અને કર્તવ્યને નેવે મૂકી દીધા છે. અત્યારે જે પકડાયા છે તે નાની માછલીઓ જ છે, અસલી મગરમચ્છો પકડાવાના બાકી છે.

માસ્ટર માઈન્ડ કોણ ?

સ્પોટ ફિક્સિંગના તાર અંડરવર્લ્ડ સાથે જોડાયેલા છે. ડોન દાઉદ ઈબ્રાહિમનો દુબઈ સ્થિત ખાસ માણસ સુનીલ રામચંદાની સટ્ટા બેટિંગ સિન્ડિકેટનો ખાસ માણસ હોવાનું મનાય છે. પોલીસને શંકા છે કે કેટલાંક બુકીઓ ઘણા નેતાઓ, બિલ્ડરો તથા પોલીસ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે. નાણાંની ચુકવણી માટે હવાલા સિસ્ટમનો ઉપયોગ થતો હતો. અબજો રૂપિયાના સટ્ટા નેટવર્કનો દોરી સંચાર કરાંચીના ક્લિફટન એરિયામાં રહેતા ડોન દાઉદના માણસના હાથમાં રહેલો છે. મુંબઈમાં કામ કરી રહેલા બુકીઓએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે ડોન દાઉદનો રહસ્યમ માણસ ”ડોક્ટર”ના નામે અંડરવર્લ્ડમાં જાણીતો છે. ડોન દાઉદ કરાંચીમાં છે પણ આખીયે આઈપીએલને તે દુબઈ દ્વારા ઓપરેટ કરે છે. તા.૧૪મી મેના રોજ મુંબઈની પોલીસે રમેશ વ્યાસ નામના એક માણસને તેના બે સાગરીતો સાથે કાલબાદેવી વિસ્તારમાંથી પકડયો હતો. એ પહેલાં દાઉદનો ખાસ વિશ્વાસુ માણસ ફિરોજ અન્સારી પકડાયો હતો. ફિરોજ અન્સારી ડોન દાઉદના ખાસ માણસ છોટા શકીલનો ખાસ માણસ છે. ફિરોજ અન્સારી પકડાઈ જતાં તેનું સ્થાન રમેશ વ્યાસે લીધું હતું અને તે પાકિસ્તાની બુકીઓ અને ભારતીય બુકીઓ વચ્ચેનો સેતુ હતો. તેઓ કોન્ફરન્સ કોલથી વાત કરતા હતા. વ્યાસ અને તેમના માણસો ફોન મ્યુટ કરી દેતા હતા અને કોન્ફરન્સ કોલથી વાત કરતા હોઈ તેમના ભારતીય બુકીઓના સેલ ફોન પર પાકિસ્તાનના બુકીઓના ફોન નંબર કદી પ્રર્દિશત થતા નહોતા. વ્યાસ સાથે જે પાકિસ્તાની બુકીઓ સંપર્કમાં હતો. તેમાં કુમાર, વિકી, જામ્બુ, અનિલ મિયાં, બબલુ, ગુલામ મોહંમદ, ઉમરભાઈ, કાશીફભાઈ, રહેમતભાઈ,જાવેદ અને સલમાનનો સમાવેશ થાય છે. સલમાનનો પિતા હાજી નઈમ પાકિસ્તાનનો જાણીતો બુકી રહ્યો છે અને તે છોટા શકીલના સાગરીત છોટે મિયાંના સીધા સંપર્કમાં હતો. ૨૦૦૯માં નાગપાડા ખાતે છોટે મિયાંની હત્યા થઈ ગઈ તે પછી તેનાં સ્થાને ફિરોજ અન્સારી આવ્યો અને ફિરોજ અન્સારી પકડાઈ જતાં રમેશ વ્યાસ તેના સ્થાને આવ્યો.

અંડરવર્લ્ડની માયાજાળ

ક્રિકેટ જગતમાં અંડરવર્લ્ડની દરમિયાનગીરી પુરાણી છે. સ્પોટ ફિક્સિંગ માટે શ્રીસંત જેવા ક્રિકેટરોને તૈયાર કરવા માટે અંડરવર્લ્ડના માણસો તમામ તરકીબોનો ઉપયોગ કરી રહ્યા છે. માત્ર પૈસા જ નહીં પણ સેક્સની માયાજાળમાં પણ તેમને ફસાવવામાં આવી રહ્યા છે. ધમકીઓથી કામ લેવું તે અંડરવર્લ્ડની પુરાણી આદત છે. ક્રિકેટ તેમના વગર ચાલે જ નહીં તેવી પરિસ્થિતિ અંડરવર્લ્ડ એ પેદા કરી દીધી છે. આપણા ટેલિવિઝન સ્ક્રીન સામે બેસતાં બાળકો, યુવાનો, ક્રિકેટ પ્રેમીઓ તથા હોટલો અને રેસ્ટોરાંના ટીવી સ્ક્રીન સામે ઊભા રહી મેચ જોતા લોકો સમક્ષ જે કોઈ રમત દર્શાવવામાં આવે છે તે અંડરવર્લ્ડ દ્વારા પીરસાતું છેતરામણું મનોરંજન છે. કરાંચીમાં બેઠેલો ડોન દાઉદ તેનો ડાયરેક્ટર, સ્ક્રીપ્ટ રાઈટર, કેમેરામેન, એક્ટર, વિલન અને અસલી પ્રોડયુસર છે. બીસીસીઆઈ,આઈપીએલ અને ખેલાડીઓ તેનાં પ્યાદાં છે. ડોન દાઉદ તેમને જેમ નચાવે તેમ તે બધા નાચે છે અને લોકો તાળીઓ પાડે છે. દાઉદ, બીસીસીઆઈએ અને આઈપીએલએ આખા દેશને એક નશામાં ડૂબાડી દીધો છે. ક્રિકેટના કરોડો ચાહકોને એ વાતની ખબર નથી કે ટેલિવિઝન સ્ક્રીન સામે તેમને જકડી રાખી પાકિસ્તાનમાં બેઠેલો એક માણસ આખા દેશને લૂંટી રહ્યો છે.

૪૦ હજાર કરોડનો ધંધો

ભારતના ક્રિકેટ જગત પર ડોન દાઉદનું રાજ છે. દાઉદના નિયંત્રણ હેઠળનું આ સામ્રાજ્ય રાતોરાત ઊભું થયું નથી. દેશના નેતાઓ, પોલીસ અધિકારીઓ અને સ્થાનિક ગુનેગારોની સાંઠગાંઠથી સજ્જ તેનું નેટવર્ક ભારત, પાકિસ્તાન, દુબઈ અને હવે છેક યુરોપ સુધી વિસ્તર્યું છે. ‘ભાઈ’ શબ્દ મુંબઈના સામાજિક વાતાવરણનો એક હિસ્સો છે. હવે તો મુંબઈમાં બનતી ફિલ્મોના સંવાદો પણ શુદ્ધ હિન્દી કે શુદ્ધ ઉર્દૂમાં બોલાવાના બદલે અંડરવર્લ્ડની ભાષામાં જ બોલાય છે. મુંબઈમાં ગુલશનકુમાર જેવી વ્યક્તિઓ પણ અંડરવર્લ્ડની જંગલિયતના શિકાર બન્યા છે. અંડરવર્લ્ડના ષડયંત્રના કારણે ભરત શાહની ભૂમિકા પણ સંદિગ્ધ રહી છે. અનેક ફિલ્મી કલાકારોએ પણ અંડરવર્લ્ડની દાદાગીરી સામે કાચબાની જેમ રહેવું પડે છે. આ ફિલ્મી કલાકારોએ ડોનના ઈશારે આરબ દેશોમાં શો કરવા પડે છે અને નાચવું પણ પડે છે. કેટલીક ફિલ્મી અભિનેત્રીઓ પણ અંડરવર્લ્ડના લોકો સાથે સંબંધ રાખે છે. આવા ડોન વિદેશની ધરતી પર બેઠાં બેઠાં પોતાની સિન્ડિકેટ ચલાવે છે. તેમાં આઈપીએલના ક્રિકેટરો ફસાઈ જાય તે કોઈ નવી ઘટના નથી. ૪૦ હજાર કરોડનો સટ્ટો ક્રિકેટના નામે થાય તે કોઈ નાની રકમ નથી. લોકો આ જાણતા નથી એવું પણ નથી.

ગુલામોની બોલી

સમાજની રગરગમાં ભ્રષ્ટાચાર ફેલાઈ ગયેલો છે. આઈપીએલની શરૂઆત જ ક્રિકેટની નિર્દોષ ગેમ માટે નહીં પણ જુગાર માટે થઈ હતી. જે રમત માટે ખેલાડીઓની બોલી બોલવામાં આવે તે રોમન સમયની યાદ અપાવે છે. રોમન સમયમાં ગુલામો કે જાનવરોને ખરીદવા હરાજી થતી હતી અને તેમની બોલી બોલવામાં આવતી હતી. તે સમાજની માનસિક વિકૃતિનું બીભત્સ પ્રદર્શન હતું. રોમનકાળમાં સ્ત્રીઓને વેચવામાં આવતી હતી અને ગુલામોને ગ્લેડિયેટર્સ બનાવીને જાહેરમાં વેચવામાં આવતા હતા. આ ગ્લેડિયેટર્સ હજારો માણસની હાજરીમાં એકબીજાની સામે લોહીયાળ તલવાર બાજી કરતાં હતા અને કોઈ પણ એક વ્યક્તિ મૃત્યુ ન પામે ત્યાં સુધી તે ખેલ ચાલું રહેતો હતો. આજે પણ આઈપીએલ ખેલાડીઓની બોલી બોલે છે અને તેમને એકબીજાની સામે, હજારો માણસની સામે રમતના મેદાનમાં ઉતારવામાં આવે છે. ત્રણ હજાર વર્ષ પહેલાંની એ પરિસ્થિતિમાં અને આઈપીએલએ ઊભી કરેલી આજની પરિસ્થિતિ વચ્ચે કોઈ જ ફરક નથી. ગ્લેડિયેટર્સને પણ એરેનામાં સામેના ગ્લેડિયર સાથે જીવલેણ જંગમાં ઉતારતા પહેલાં ખૂબ સારું ભોજન આપવામાં આવતું હતું અને આગલી રાત્રે ખૂબસૂરત યુવતી આપવામાં આવતી હતી. આજે આ જ કામ સટોડિયાઓ કરી રહ્યા છે અને શ્રીસંત, અંકિત ચૌહાણ તથા અજીત ચંદેલા ક્રિકેટ પ્રેમીઓ સાથે દગાબાજી કરવા માટે રમતની આગલી રાતે તમામ અનૈતિક કૃત્ય કરી રહ્યાં છે.

 આઈપીએલનું કડવું સત્ય એ છે કે ભારતનો દુશ્મન નંબર વન -ડોન દાઉદ ક્રિકેટ રમાડે છે અને દેશ તેને નિહાળે છે. કેવી નિઃસહાયતા?

અમને પૈસા નહીં, પરંતુ મારી બાળકી જોઈએ છે

 

અમને પૈસા નહીં, પરંતુ મારી બાળકી જોઈએ છે

દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં ૧૧ વર્ષની એક બાળકી સારવાર લઈ રહી છે. જયપુરની હોસ્પિટલમાંથી તેને અહીં ખસેડવામાં આવી છે. એ કોઈને કહી રહી છે : ”પહેલાં હું ચાલી શકતી હતી. હવે હું ચાલી શકતી નથી. મને બહુ જ દર્દ થાય છે. હું બહું જ ગભરાઈ ગઈ છું. એ લોકોએ મારી સાથે બહુ જ ખરાબ કૃત્ય કર્યું છે. મને ન્યાય અપાવશોને ? હું અહીં ઠીક તો થઈ જઈશને ?”

એ બાળકી ગઈ તા. ૨૦મી ઓગસ્ટે જયપુર પાસે સિકરમાં ગેંગ રેપનો ભોગ બની હતી. એની વેજિયાના પર અત્યાર સુધીમાં ચાર મેજર અને બે માઈનોર સર્જરી થઈ ચૂકી છે. તેની શરીર રચનાને ઠીક કરવા બીજી ૧૪ જેટલી પ્રક્રિયા કરવામાં આવી છે. ગેંગ રેપનો ભોગ બન્યાના છ મહિના બાદ પણ તે હજુ હોસ્પિટલમાં છે. તેનું શરીર એટલું તો ક્ષતવિક્ષત થઈ ગયું છે તે બાળકી તેની કુદરતી ક્રિયાઓ નોર્મલ રીતે કરી શકતી નથી. તેના પેટમાં એક છીદ્ર પાડીને માર્ગ ખોલવો પડયો છે. તેના શરીર પર હજી વેજિનોપ્લાસ્ટી કરવાનો બાકી છે.

ગેંગરેપનો ભોગ બનેલી બાળકી એક ગરીબ મુસ્લિમ પરિવારની છે. તેની સાથે તેની મોટી બહેન અને મા જ છે. ગેંગ રેપનો ભોગ બન્યા પછી એ બાળકીએ આજ સુધી સ્મિત આપ્યું નથી. અડધીરાતે તે જાગી જાય છે અને પૂછે છેઃ ”શું હું જીવું છું ? એ લોકો મને મારી તો નહી નાંખે ને ? મને અહીં શા માટે લાવ્યા ? મને એ રાત્રે રસ્તામાં જ મરી જવા દેવી હતી ને ? મારાથી આ દર્દ સહન થતું નથી.”

મા કહે છે : ”મારી દીકરીઓ જ મારા જીવનનો ટેકો છે.મારે એક મોટો દીકરો છે પણ તે તેની સાસરીમાં રહે છે. તે અમારી ખબર રાખતો નથી. અમે ગયા વર્ષે જ દરભંગાથી સિકર આવ્યાં હતાં. મારા પતિનું કેટલાક સમય પર મૃત્યુ થઈ ગયું છે. મારી મોટી બહેન કે જે કોઈના ઘેર ઘરકામ કરે છે તેની સાથે અને રહેવા આવ્યાં હતાં. એ દિવસે ઈદ હતી. મારી બંને દીકરીઓ તેમની બે સહેલીઓ સાથે નજીકમાં જ આવેલા એક થિયેટરમાં રાતના શોમાં ફિલ્મ જોવા ગઈ હતી. મારી નાની દીકરીની ઉંમર ૧૧ વર્ષની છે અને મોટી દીકરીની ઉંમર ૧૬ વર્ષની છે. આ અમારી પહેલી ઈદ હતી કે જ્યારે મારી દીકરીઓના પિતા હયાત નહોતા. અમે હતાશ હતા. તેથી બાજુમાં રહેતી મુન્ની મીઠાઈ લઈને અમારા ઘેર આવી હતી અને મારી દીકરીઓને ફિલ્મ જોવા લઈ ગઈ હતી. એ બધાં ચાલીને જ થિયેટર સુધી ગયાં હતાં.

ફિલ્મ ચાલુ થઈ ત્યારે બે તરફ યુવાનો પણ એ જ છબીઘરમાં પિક્ચર જોવા બેઠેલા હતા. ફિલ્મ કંટાળાજનક હોઈ બધી છોકરીઓ રાત્રે ૮ વાગે ઊભી થઈ ગઈ અને છબીઘરની બહાર નીકળી ગઈ. એ છોકરીઓને ખબર નહોતી કે કોઈ બે જણ તેમનો પીછો કરી રહ્યા હતા. રસ્તા પર અંધારું આવતાં એ બે જણે પહેલાં મુન્નીને પકડી પરંતુ મુન્નીએ વિરોધ કર્યો અને તે છટકીને ભાગી ગઈ. એ પછી એ લોકોએ મારી નાની દીકરીને પકડી લીધી જેની વય માત્ર ૧૧ વર્ષની હતી. તેને ઊંચકીને એક કારમાં પૂરી દીધી અને કાર દોડાવી દીધી. મારી મોટી દીકરી તે કારની પાછળ દોડી પણ કાર દૂર દૂર સુધી રવાના થઈ ગઈ. તે ચીસો પાડતી રહી. મારી ૧૬ વર્ષની દીકરી ઘેર આવી. એણે કહ્યું: ‘મમ્મી, બહેનને કોઈ ઉપાડી ગયા છે.” એ જાણ્યા બાદ અમે સીધાં જ પોલીસ સ્ટેશને ગયાં. પોલીસે અમારી ફરિયાદ લેવાની ના પાડી દીધી. અમે જે કારમાં મારી દીકરીને ઉપાડી ગયા હતા તે કારનું વર્ણન પણ કર્યું અને કારનો નંબર પણ આપ્યો પરંતુ પોલીસે કોઈ પગલાં લીધાં નહીં.

બીજા દિવસે અમારા મહોલ્લાના બધા જ ભાઈ-બહેનો અમારી બાજુમાં આવેલી સ્કૂલની સરોજ નામની શિક્ષિકાની આગેવાની હેઠળ ફરી પોલીસ સ્ટેશન સામે ગયાં અને દેખાવો કર્યાં. તે બાદ જ બીજા દિવસે પોલીસે અમારી ફરિયાદ લીધી. છેક સાંજે ચાર વાગે મારી દીકરી હાઈવે પરથી બેભાન હાલતમાં મળી આવી. પોલીસે રાત્રે જ પગલાં લીધાં હોત તો મારી દીકરી અત્યાચારનો ભોગ બનતાં બચી ગઈ હોત. જે શિક્ષિકાએ અમને ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી તેણે અમને ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ શરૂ કર્યું. કારણ કે ગુનેગારો તેની જ્ઞાતિના હતા.”

એ પછી ૧૧ વર્ષની પીડિતાએ પોલીસને જણાવ્યું કે, ”અમારી સાથે થિયેટરમાં જે બે જણ બેઠેલા હતા તેઓ જ અમારી પાછળ પાછળ આવ્યા હતા અને રસ્તામાં મુન્નીના દુપટ્ટાને ખેંચી લઈ એ દુપટ્ટો મારી આંખો પર બાંધી દીધો હતો. એમનાં કપડાંથી મારા હાથ અને પગ પણ બાંધી દીધા હતા. મને ક્યાંક દૂર દૂર લઈ ગયા હતા અને બે જણે વારાફરતી મારી પર બળાત્કાર ગુજાર્યો હતો. હું એ દર્દ સહન કરી શકી નહોતી અને હું બેભાન બની ગઈ હતી. મને લોહીલુહાણ કરી દેવામાં આવી હતી.”

ઘટના ગંભીર લાગતાં પોલીસે આરોપીઓને પકડી લેવાની કામગીરી હાથ ધરી હતી. તેમને કારનો નંબર આપવામાં આવ્યો હતો. કારના નંબરના આધારે તેઓ ગુનેગારોને શોધી શક્યા હતા. તેમના મોબાઈલ ફોનના આધારે તેમનું લોકેશન નક્કી કરવામાં આવ્યું હતું. ગુનો કર્યા બાદ તેમણે મોબાઈલ ફોન સ્વિચ ઓફ કર્યા નહોતા. પોલીસે સુરેશ જાટ (૨૫ વર્ષ) અને રમેશ (૨૬) નામના બે આરોપીઓની ધરપકડ કરી. એ લોકોએ બળાત્કાર કર્યો ત્યારે બાળકીના શરીરમાંથી નીકળેલા લોહીના કારણે બંને ગુનેગારોનાં વસ્ત્રો પણ લોહીવાળા થઈ ગયા હતા. એ વસ્ત્રો કાઢી નાંખીને તેમણે એક મિત્રના ઘેરથી ૫૦૦ રૂપિયામાં બીજાં કપડાં લઈ લીધાં હતાં. આ વખતે પણ પીડિતા કારમાં જ હતી અને નવાં વસ્ત્રો આપનારને પણ શું થયું છે તેની ખબર હતી. કપડાં બદલ્યા બાદ બેઉ આરોપીએ કારને રાત્રે જ હાઈવે પર લઈ ગયા હતા અને બાળકીને હાઈવે પર ફેંકી દઈ કાર દોડાવી મૂકી હતી. ત્યાંથી સીધા ઘેર જવાના બદલે બંને આરોપીઓ રાધેશ્યામ અને રૂપારામ નામના ઘેર રોકાઈ ગયા હતા.

પોલીસે એ બંને આરોપીઓને મોબાઈલ ફોનના લોકેશનના આધારે પકડી લીધા હતા. તેમની કારમાંથી બાળકીના ઈયરિંગ્સ અને બંગડીઓના ટુકડા કબજે કર્યા. બાળકી તો ઘટનાના બીજા દિવસે જ મળી આવી હતી. એ ગુનેગારોને ઓળખી શકી નહોતી. પરંતુ બળાત્કાર ગુજાર્યા બાદ બંને આરોપીએ ગિરધારીલાલ અને યોગરાજના ઘરે ૫૦૦ રૂપિયા આપી કપડાં લેવા ગયા તે ઘરને તે ઓળખી ગઈ હતી. એ તમામની ધરપકડ કરવામાં આવી.

બાળકીને પહેલાં જયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ તેનું શરીર છિન્નભિન્ન થઈ ગયું હોઈ વધુ જટિલ સારવાર માટે તેને દિલ્હી ખસેડવામાં આવી. જયપુરમાં આઠ ડોક્ટરોની પેનલ તેને સારવાર આપી રહી હતી. તેમાં ગાયનેકોલોજિસ્ટથી માંડીને પિડિયાટ્રિક્સ સર્જન અને જનરલ સર્જરી પણ કાર્યરત રહ્યા. ઘટનાના ૪૮ કલાક બાદ તેને દાખલ કરવામાં આવી હોઈ બાળકીની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી.

રાજસ્થાનની અશોક ગેહલોતની સરકારે પરિવારને રૂ. પાંચ લાખની મદદ કરી છે પરંતુ તેથી પરિવારને કોઈ સુખ શાંતિ પ્રાપ્ત થઈ નથી. પીડિતાની મા કહે છે : ”અમને પૈસા જોઈતા નથી. મારે તો મારી બાળકી પાછી જોઈએ છે.”

બાળકી હજુ દિલ્હીની હોસ્પિટલમાં અસહ્ય દર્દથી કણસી રહી છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ટીનએજ બાળકો પર જાસૂસી

ટીનએજ બાળકો પર જાસૂસી રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

બાળકો પર નજર રાખવાનાં કેટલાંક જાસૂસી ઉપકરણો

જગન્નાથ રેડ્ડી એક બિઝનેસમેન છે, હૈદરાબાદમાં રહે છે. તેમના ઘરમાં તેઓ જ્યાં તેમનું વોલેટ મૂકતા હતા ત્યાંથી અવારનવાર પૈસા ગુમ થઈ જતા હતા. સહુથી પહેલાં ઘરની નોકરાણી પર શંકા ગઈ. નોકરાણીને કાઢી મૂકવામાં આવી તે પછી પણ પાકીટમાંથી પૈસા ચોરાવા લાગ્યા. જગન્નાથ રેડ્ડીના ધ્યાન પર એક વાત આવી ગઈ કે તેમનો ૨૦ વર્ષનો પુત્ર અચાનક લેવિશ લાઈફસ્ટાઈલ જીવવા લાગ્યો હતો. તે બ્રાન્ડેડ ઘડિયાળ પહેરતો હતો. બ્રાન્ડેડ જૂતાં પહેરવા લાગ્યો હતો. લગભગ રોજ સાંજે બહાર રેસ્ટોરાંમાં જમતો હતો. જગન્નાથ રેડ્ડીને સત્ય શોધવું હતું કે પુત્ર અચાનક આવી વૈભવી જિંદગી કેવી રીતે જીવે છે?

એક દિવસ જગન્નાથ રેડ્ડીએ પોતાના પુત્રને અત્યંત મોંઘો આઈ ફોન હેન્ડસેટ ભેટ આપ્યો. જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦ની હતી. પુત્રને ખબર નહોતી કે એ આઈ ફોનમાં FRX – Pro સોફ્ટવેર નાંખેલું હતું. એ ફોન પર આવતા અને મોકલાતા તમામ ઇ-મેલ તથા વાતચીત થર્ડ આઈ ઇન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસમાં રેકર્ડ થતી હતી. આ વ્યવસ્થા એના પિતાએ જ ગોઠવી હતી. એના પિતાએ જ પુત્રની હલચલ પર નજર રાખવા આ ખાતાની જાસૂસી કંપનીને કામ સોંપ્યું હતું. થર્ડ આઈ કંપનીએ જ આઈ ફોનમાં આ સોફ્ટવેર નાખી આપ્યું હતું. પુત્રની વાતચીત અને ટેક્સ્ટ મેસેજીસ ટ્રેક કરવાનો ચાર્જ પણ મહિને રૂપિયા ૪૦,૦૦૦ હતો. થર્ડ આઈ કંપનીએ જગન્નાથ રેડ્ડીને જાણ કરી કે તમારો પુત્ર આઈપીએલ ક્રિકેટ શ્રેણીમાં બેટિંગ કરે છે. તમારા પાકીટમાંથી રોજ મોટી નોટો ઓછી થાય છે તેનું કારણ પણ તમારો જ પુત્ર છે.

પુત્ર દ્વારા કરાતી ચોરીનો કિસ્સો એકમાત્ર રેડ્ડી પરિવારનો નથી. મોટાં અને વિકસિત શહેરોમાં રહેતા ઘણાં પરિવારોમાં આ સમસ્યા છે. હવે જગન્નાથ રેડ્ડીની જેમ ઘણાં પરિવારો તેમનાં સંતાનોની પ્રવૃત્તિ પર નજર રાખવા ય્ઁજી ટ્રેકર્સ તેમનાં સંતાનોના મોબાઇલમાં નંખાવીને એ મોબાઈલ પુત્ર કે પુત્રીને ભેટ આપી રહ્યાં છે. આ એક પ્રકારની મા-બાપ દ્વારા સંતાનો પર કરવામાં આવતી જાસૂસી છે. આવી જીપીએસ સિસ્ટમ મોબાઈલ હેન્ડ સેટમાં નાખી દેવામાં આવે તે પછી તેમનાં સંતાનો ક્યાં છે તેનું લોકેશન પણ તેમનાં માતાપિતા જાણી શકે છે. આવું સોફ્ટવેર સંતાનોની જાણબહાર નાખવામાં આવેલું હોય છે. બગડી જતાં સંતાનો પર નજર રાખવા આવું સોફ્ટવેર હવે જરૂરી પણ છે એમ ઘણાં માતાપિતા માને છે. હૈદરાબાદની ‘થર્ડ આઈ ઇન્ટેલિજન્સ બ્યુરો’ નામની ખાનગી ડિટેક્ટિવ કંપની જાસૂસીનાં ઉપકરણો વેચે છે અને મૂંઝાયેલાં મા-બાપને મદદ પણ કરે છે. અત્યાર સુધીમાં હૈદરાબાદમાં જ તેઓ નવ જેટલા પરિવારોને FRX Pro software વેચી ચૂક્યા છે. બાળકોની પ્રવૃત્તિ પર નજર રાખવાનો આ એક જ નવો અભિગમ છે.

બેંગલોરમાં પણ બંજારા એકેડેમી નામની એક આવી જ સંસ્થા ચાલે છે. નવી પેઢીનાં બાળકો માટે સેલફોન, ઇન્સ્ટન્ટ મેસેજિંગ તથા ઇન્ટરનેટની ઘેલછા છે. આ નવાં ઉપકરણોએ પારિવારિક જીવનમાં પણ ઘણી ખલેલ પહોંચાડી છે. બાળકો માતા-પિતા કે ભાઈ-બહેન સાથે વાતો કરવાના બદલે ડિજિટલ ટેકનોલોજીનાં ઉપકરણો સાથે વધુ ને વધુ વ્યસ્ત રહે છે. આઈ ફોન કે આઈપેડ તેનાં ઉદાહરણો છે. એ ના હોય તો ડિજિટલ ઉપકરણો પર ગેઇમ્સ રમ્યા કરે છે. જો તેમની પાસે ફોન ખૂંચવી લેવામાં આવે તો તોફાન કરી દે છે. ડિજિટલ ટેક્નોલોજીનાં ગુલામ બની જતાં બાળકો ખોટા મિત્રો ના બનાવે અને ખોટા માર્ગે ના જાય તે માટે માતા પિતાએ પણ તેમની પર જાસૂસી કરવા ડિજિટલ ટેક્નોલોજીનો સહારો લેવો પડે છે. તમે તમારાં બાળકના આઈ ફોનમાં એક વારFRX Pro Softwere નાખી દો એટલે તમારા બાળકોના મિત્રો કોણ છે અને તેઓ શું મેસેજીસની આપ-લે કરે છે તે જાણી શકો છો.

કોલકાત્તામાં પણ આવી જ એક ડિટેક્ટિવ એજન્સી છે, જેનું નામ ‘ગ્લોબ ડિટેક્ટિવ એજન્સી’ છે. આ એજન્સીના રિજિયોનલ મેનેજર ટી કે. દાસ કહે છે કે ” પોતાનાં સંતાનો પર નજર રાખવાનાં જાસૂસી ઉપકરણો ખરીદવા આવતા લોકો મોટાભાગે અત્યંત સુખી અને સમૃદ્ધ પરિવારોમાંથી આવે છે.શ્રીમંત પરિવારોને તેમનાં બાળકોની સહુથી વધુ ચિંતા છે. આવા પરિવારોને તેમનાં બાળકો પર ભરોસો છે, પરંતુ તેમનાં સંતાનોના મિત્રોને કારણે સહુથી વધુ ચિંતા થાય છે. અંગ્રેજીમાં એક ઉક્તિ છે કે “ you tell me who his friends are and I will tell you what he is.”

મુંબઈમાં આ કરતાં પરિસ્થિતિ સહેજ જુદી છે. મુંબઈમાં ‘સિક્યોરિટી ફર્સ્ટ’ નામની એક કંપની છે જે જાસૂસી ઉપકરણો વેચે છે. મુંબઈમાં સહુથી વધુ વેચાણ સ્પાય કેમેરાઝ અને જીપીએસ ટ્રેકર્સનું છે. ટેબલ પર મૂકવામાં આવતા ટેબલ ક્લોકની અંદર જ કેમેરા હોઈ શકે છે. આ નાનકડું ઘડિયાળ બાળકના રૂમમાં મૂકી દો. અને તે શું કરે છે તે તેમનાં માતાપિતા જાણી શકે છે. આવા ટેબલ ક્લોક કેમેરાની કિંમત રૂપિયા ૮૦૦૦ છે. આવા ટેબલ ક્લોક કેમેરા તમે તમારાં પુત્ર કે પુત્રીના કમ્પ્યુટર ટેબલ પર રાખી શકો છો. કમ્પ્યુટરમાં તે શું કરે છે તે પણ આ જાસૂસી કેમેરા વડે જાણી શકાય છે.

આ અંગે એક ગ્લોબલ સર્વે પણ થયો છે. આ મોજણીનાં તારણો દર્શાવે છે કે “અમે ૧૪થી ૧૭ વર્ષનાં બાળકોનાં ૪૪૦૦ માતા-

પિતાઓ પર મોજણી કરી હતી. આ મોજણી વિશ્વના ૧૧ જેટલા દેશોમાં કરવામાં આવી હતી. તેમાંથી ૪૪ ટકા માતા-પિતાઓએ તેમના સંતાનોનાં ફેસબુક એકાઉન્ટ્સ પર જાસૂસી કરાવી હતી. સહુથી વધુ જાસૂસી અમેરિકન મા બાપો દ્વારા કરવામાં આવી હતી.

દિલ્હીમાં પણ ‘એક્શન ઇન્ડિયા હોમ પ્રોડક્ટ્સ’ નામની કંપની જાસૂસી ઉપકરણો વેચે છે. તેનાં સીસીટીવી કેમેરાઝ જીપીએસ ટ્રેકર્સ જાસૂસી કેમેરા વગેરેનો સમાવેશ થાય છે. એક નાનકડું બટન સંતાનના રૂમમાં ક્યાંક ચીપકાવી દો અને તે શું વાતો કરે છે તે તમે બીજા રૂમમાં સાંભળી શકો. આ કંપનીના સાચા લોકોનું કહેવું છે કે હોટલો અને દુકાનો કરતાં હવે ટીન એજ સંતાનોનાં માતા-પિતાઓ વધુ ને વધુ આવાં જાસૂસી સાધન ખરીદવા અમારી પાસે આવે છે. આવાં મા-બાપ કહે છે કે અમારાં સંતાનો રાત્રે ચાર દીવાલોની વચ્ચે અને ઘરની બહાર શું કરે છે તે જાણવામાં અમને રસ છે. આવાં માતા પિતા તેમનાં ટીનએજ સંતાનો પર નજર રાખવા ફોન ટ્રેપ્સ સ્પાય કેમેરાઝ કી-લોગ સોફ્ટવેર ફોર કમ્પ્યુટર્સ વધુ ને વધુ ખરીદે છે. આ સોફ્ટવેરથી માતાપિતા જાણી શકે છે કે તેમનાં સંતાનોએ કમ્પ્યુટર પર કઈ કઈ સાઈટ્સની વિઝિટ કરી.

બજારમાં હવે એવા સ્માર્ટ ફોન એપ્લિકેશન્સ પણ આવ્યાં છે જેના દ્વારા તમે તમારાં સંતાનોનાં લોકેશન્સ, મેસેજીસ તથા ઇ-મેલનું ટ્રેકિંગ પણ કરી શકો. બીજી બાજુ એક વાસ્તવિકતા એ પણ છે કે નવી પેઢીનાં ટેક્નોસેવી – ચાલાક સંતાનો થોડા જ સમયમાં જાણી પણ જાય છે કે તેમના આઈ ફોન કે ફેન્સી ટેબલ ક્લોકમાં કાંઈક શંકાસ્પદ જોગવાઈ પણ છે. એક પિતાએ તેના પુત્રના ફોનમાં જીપીએસ ટ્રેકર નંખાવ્યું હતું. બાળક એ વાત જાણી ગયો હતો. આ ટીનેજ બાળક જ્યારે પણ તેના મિત્રના ઘરે જાય ત્યારે તેનો આઈફોન ઓફ કરી દેતો હતો અથવા ઘેર ભૂલી ગયો છે તેમ બહાનંુ કાઢી ઘેર જ મૂકીને આવતો. ઘણાં ચાલાક ટીનેજ બાળકો ઇન્ટરનેટ પર તેમણે જે જે વેબસાઈટની વિઝિટ કરી હોય તેનો હિસ્ટ્રી ઇરેઝ કરી નાંખતા હોય છે. ઘણી વાર એમ નથી પણ થઈ શકતું ત્યારે માતા-પિતા તેમના ટીનેજ બાળકની સિક્રેટ લાઈફ વિશે જાણી જતાં હોય છે.

ચેન્નાઈમાં અચ્યુત અને અદિતિ શ્રી નિવાસ નામનાં પતિ-પત્ની બેઉ સોફ્ટવેર એન્જિનિયર છે. તેમના માટે મોટામાં મોટું આશ્ચર્ય એ હતું કે તેમની ૧૨ વર્ષની દીકરી અમૃતા તેના ક્લાસમાં ટોપર હતી, અને બીજા જ વર્ષથી તેના ગ્રેડસ ગબડવા માંડયા. તે કદીયે તેની સખીઓને કે દોસ્તોને મળવા બહાર જતી જ નથી, પરંતુ ઘરમાં જ કલાકો સુધી ઇન્ટરનેટ પર સર્ફ કર્યા કરતી હતી. જે કાંઈ ગરબડ હતી તે ઇન્ટરનેટ સાથેના સંબંધમાં જ હતી. અમૃતાનાં માતાપિતાએ પુત્રીના કમ્પ્યુટરમાં સ્નુપિંગ સ્પાય સોફ્ટવેર નંખાવ્યું. એ જાસૂસી સોફ્ટવેરના કારણે ખબર પડી કે ૧૨ વર્ષની અમૃતાને ૪૦ વર્ષની વયનો એક પુરુષ મિત્ર બની ગયો હતો. તેમનો પરિચય ચેટ સાઈટ દ્વારા થયો હતો. ૪૦ વર્ષની વયના પુરુષે ૧૨ વર્ષની અમૃતાને કેટલીયે પોર્નોગ્રાફી વેબસાઈટનાં એડ્રેસ આપ્યાં હતાં. અમૃતા એ વેબસાઈટ્સને જોયા કરતી હતી. અમૃતાને એ વેબસાઈટની બંધાણી થઈ ગઈ હતી. અમૃતાને ઇન્ટરનેટ- એડિક્શનમાંથી બહાર લાવવા પ્રોફેશનલ કાઉન્સેલિંની સહાય આપવામાં આવી હતી.

ચેન્નાઈમાં આવેલી મલાથી ડિટેક્ટિવ એજન્સીએ અમૃતાનાં માતાપિતાએ એ જાસૂસી સોફ્ટવેર પૂરું પાડયું હતું. આ કંપની પાસે ૫૦ જેટલા ડિટેક્ટિવ્ઝની ટીમ છે. તેમને સહુથી વધુ ‘ટીનેજ સંતાનો’ પર નજર રાખવાનું કામ મળે છે.

અલબત્ત, દિલ્હીસ્થિત મનોચિકિત્સક અરુણ બ્રુતા કહે છે કે “કેટલાંક માતાપિતા તેમનાં બાળકોના ભાવિ અંગે વધુ પડતાં ચિંતિત હોઈ ગભરાઈ જઈને બાળકો પર આવી જાસૂસી કરાવે છે. બાળકો ડ્રગ્સ, સેક્સ, શરાબ કે હોમોસેક્સ્યુઆલિટીનાં ચક્કરમાં ફસાઈ જશે તેવી બીકથી કેટલાંક માતાપિતા પોતે જ પેરેનોઈડ (એક પ્રકારની ગ્રંથિ) બની જાય છે. અને તેથી આવાં જાસૂસી ઉપકરણોનો સહારો લે છે. બધાં જ બાળકો ખરાં નથી.”

‘હું સુનિતા નહીં, પરંતુ કોટાની શકુન્તલા છું’

ઘણાં વર્ષો પહેલાં અમદાવાદમાં જન્મેલા આઠ વર્ષના બાળકે ૩૦ વર્ષની પરિણીતાને જોઇ કહ્યું હતું : “યે શાન્તા મેરી ઔરત હૈં.”

બાળકે, શાન્તા તેના પૂવર્જન્મની પત્ની હોવાનું જણાવી ઉત્તર પ્રદેશમાં તેના ઘરનું સરનામું અને સગાંવહાલાઓના નામો ઉચ્ચારી આશ્ચર્ય સર્જી દીધું હતું. બાળક કદી ઉત્તરપ્રદેશ ગયો જ નહોતો. આઠ વર્ષ પહેલાં જ શાંતાનો પતિ મૃત્યુ યુ.પી.માં પામ્યો હતો અને તેના પ્રથમ પતિનું નામ પણ તે બોલી ગયો હતો. શાંતા ફરી લગ્ન કરી મજૂરી કરવા'હું સુનિતા નહીં, પરંતુ કોટાની શકુન્તલા છું' તેના પતિ સાથે અમદાવાદ આવી હતી. અગાઉ મૃત્યુ પામેલો તેનો પતિ અમદાવાદમાં પુનર્જન્મ પામ્યો હોવાના અખબારી અહેવાલોએ ખળભળાટ મચાવી દીધો હતો.

ઓગસ્ટ, ૧૯૭૨માં રાજસ્થાનના પાલી જિલ્લાના સરધના ગામમાં પણ પુનર્જન્મનો એક કિસ્સો નોંધાયો હતો. રાધા નામની એક કન્યા તેના કપાળમાં કેટલાક ચિહ્નો સાથે જન્મી હતી. જે દિવસથી તે બોલતાં શીખી તે દિવસથી તેણે પહેલું વાક્ય એ ઉચ્ચાર્યું હતું કે, ‘હું રાધા નહીં પરંતુ સોહની છું. મારું ગામ ઝડાલી છે. (ઝડાલી પણ પાલી જિલ્લામાં જ આવેલું છે.) વાત એમ હતી કે ૧૯૭૧ના ડિસેમ્બર માસની કાતીલ ઠંડીમાં ૧૫ વર્ષની સોહની તેના મામાના ઘરે ગઇ હતી. એક દિવસ તે તેના મામાના ખેતરમાં ગઇ અને ઘાસ કાપવાના મશીન પર પડી જતાં તેના કપાળમાં ઘા થયો અને થોડી જ વારમાં ખૂબ લોહી વહી જતાં તે ખેતરમાં જ મૃત્યુ પામી હતી. આ ઘટનાના થોડા દિવસ પછી સોહનીની મામીને સ્વપ્ન આવ્યું કે, ‘સોહની આપણા જ કોઇ સગાંના ઘરે પાછી આવી છે!

અને એ દિવસોમાં જ સોહનીની મામીની એક બહેન કે જે સરધના ગામમાં રહેતી હતી તેણે એક બાળકીને જન્મ આપ્યો. એનું નામ રાધા પાડવામાં આવ્યું. રાધા સહેજ બોલતાં શીખી ત્યારે તેણે કહ્યું ! ‘મારું નામ રાધા નહીં, સોહની છે.’ તે આમ બોલતી હતી ત્યાં સુધી તો બધાને ખબર પડી નહીં. પરંતુ એક દિવસ એની માએ જમતી વખતે તેને વધુ શાક આપવાની ના પાડી ત્યારે તે તેની કાલી કાલી ભાષામાં બોલી : તમે મને શાક નહીં આપો તો હું મારા ઘરે જતી રહીશ.

રાધાની આ વાત સાંભળી પહેલાં તો ઘરમાં બધા હસ્યાં : ‘તું તારા ઘરે જ છે, રાધા બીજા કયા ઘરે જઇશ?’

ત્યારે રાધા બોલી : ‘મારું ઘર ઝાલાડીમાં છે.’
‘ત્યાં તો તારી માસી રહે છે.’
‘ના. ત્યાં જ મારી મા રહે છે. એના ઘરની પાછળ કૂવો છે. ખેતરમાં પીપળાનું ઝાડ છે. પીપળાના ઝાડ નીચે એક મશીન છેઃ’ રાધા બોલતી રહી.

રાધાની મા તો વિચારમાં પડી ગઇ. રાધા કદી ઝલાડી ગઇ જ નહોતી. એણે કહેલી બધી વાતો સાચી હતી.

રાધા બોલી : ‘હું રાધા નહીં, સોહની છું. એક દિવસ હું મશીન પર પડી ગઇ અને મરી ગઇ.’

ઘરના તમામ સભ્યો રાધાની આ વાત સાંભળી આશ્ચર્ય ચકિત થઇ ગયાં. રાધા બોલી : “સોહની પહેલાં હું કામેડી એક પક્ષી હતી.’

અને થોડા દિવસમાં તો આખાયે પાલી જિલ્લામાં સોહનીના રાધા તરીકેના પુનર્જન્મની વાત ફેલાઇ ગઇ. કેટલાયે સંશોધકો પાલી જિલ્લાના સરધના ગામે પહોંચી ગયા અને રાધાના પુનર્જન્મના કિસ્સાનો અભ્યાસ કરવા લાગ્યા.

જ્યારથી માનવી સમજણો થયો ત્યારથી જ પુનર્જન્મની થિયરીને તે માનતો આવ્યો છે. મહાભારત અને રામાયણનાં તમામ મહત્ત્વપૂર્ણ પાત્રોની કોઇને કોઇ પુનર્જન્મની કથાઓ અને મહાકાવ્યોમાં મોજુદ છે. પ્રાચીન મિસરના ફેરોઝ-રાજાઓ પુનર્જન્મના માનતા હતા અને તેમના મૃતદેહના મમી બનાવી પિરામીડોમાં સાચવી રાખવાની વ્યવસ્થા કરાવતા હતા. ભારતમાં હિન્દુ ઉપરાંત બૌદ્ધ, જૈન અને શીખ એ ત્રણેય ધર્મો પુનર્જન્મમાં માને છે.

ઔરંગઝેબના શાસનમાં ૪૦મા વર્ષે બક્ર નામના એક ગામનો મુખી રાવત સુખારામ તેના દુશ્મનોના હાથે કોઇ ઝઘડા દરમિયાન માર્યો ગયો હતો. તેની પીઠ પર ઘા થયો હતો. અને બીજો ઘા તેના જમણા કાનની નીચેના ભાગમાં થયો હતો. આ ઘટનાના થોડા મહિના બાદ સુખારામના જમાઇના ઘરે એટલે કે તેની પુત્રીની કુખે એક પુત્ર જન્મ્યો હતો. તેનું નામ રામદાસ પાડવામાં આવ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે નાનકડાં બાળકની પીઠ પર કોઇ પુરાણા ઘાના નિશાન હતાં. બાળકના જમણા કાનની નીચે પણ નિશાન હતાં. બધાને ખબર હતી કે સુખારામ મરી ગયો ત્યારે તેના શરીરના આ જ ભાગો પર જ ઇજાઓ થઇ હતી. તે પછી રામદાસ જેવો બોલતો થયો તે દિવસથી જ તેના ગામ, તેના સગાંઓ અને તેના પૂર્વ જન્મની કેટલીયે હકીકતો બોલવા લાગ્યો હતો. આ સમાચાર આખા વિસ્તારમાં ફેલાઇ ગયા. આખીયે વાત બાદશાહ ઔરંગઝેબ સુધી પહોંચી. રામદાસને બાદશાહના દરબારમાં હાજર થવાનું ફરમાન વછૂટયું. બાદશાહે જાતે જ બાળક રામદાસને કેટલાક પ્રશ્નો પુછયા રામદાસે કહેલી વાતોની ચકાસણી કરવા બાદશાહે સૂચના આપી. રામદાસે પૂર્વજન્મ અંગે કહેલી વાતો સાચી નીકળી અને બાદશાહે સંતોષ વ્યક્ત કર્યો. આ ઘટના ૩૦૦ વર્ષ પુરાણી છે અને ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ઘટેલી આ ઘટનાનો ઉલ્લેખ મુનશી સૂબાન રાયે ‘ખુલાસા તારીખ’ નામના પુસ્તકમાં કર્યો છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે પુનર્જન્મની માન્યતા હજ્જારો વર્ષ પુરાણી છે પરંતુ તેની વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં ચકાસણીની શરૂઆત ૩૦૦ વર્ષ પહેલાં ઔરંગઝેબના શાસનથી જ થઇ. નવા જન્મેલા બાળકના શરીર પરના ઘા અને તે પછી બાળકે કહેલી વાતો- એ બેઉ મેળ ખાતાં હોઇ અહીંથી જ વિજ્ઞાનનો પ્રવેશ શરૂ થયો.

ઇન્દોર ખાતે આવેલા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર રિઇન્કારનેશન એન્ડ સર્વાઇવલ રિસર્ચના ડાયરેકટર ડો. કીર્તિ સ્વરૂપ રાવત છેલ્લા ૪૦ વર્ષથી આવા પુનર્જન્મના કિસ્સાઓ પર સંશોધન કરી રહ્યા છે. તેમજ તેમના સંશોધનમાં તેમણે આખા દેશના કિસ્સાઓ હાથ પર લીધા છે. તેમણે ભારતભરમાં ૫૦૦ જેટલા પુનર્જન્મના કિસ્સાઓ નોંધ્યા છે. તેમાંથી ૨૫૦ જેટલા કિસ્સાઓનો તેમણે પોતે જ જાતઅભ્યાસ કર્યો છે. તેમણે કરેલા અભ્યાસમાં સુનિતા ખંડેલવાલનો કિસ્સો બેજોડ છે.

તા.૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૯ના રોજ રાજસ્થાનના લક્ષ્મણગઢ ગામમાં સુનિતાનો જન્મ થયો હતો. સુનિતાએ મોટી થતાં જ કહ્યું હતું કે, ‘હું સુનિતા નથી, પણ શકુન્તલા છું. મારું ઘર તો અહીંથી ૪૮૦ કિલોમીટર દૂર કોટામાં આવેલું છે! એ પછી સુનિતાએ તેના પૂર્વજન્મના સ્થળ, સગાંવહાલાંઓ, સરનામાં તેને અકસ્માત વખતે શરીરના જે જે ભાગો પર ઇજાઓ થઇ હતી તે બધાનં વર્ણન કર્યું. પરંતુ સુનિતાએ આ દાવો કર્યો કર્યો તે સાથે જ સંશોધકો તેની પાસે પહોંચી ગયા. પહેલા સુનિતાનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું. તે પછી તેણેકહેલી વાતોની ૪૮૦ કિલોમીટર દૂર આવેલા ગામ જઇ ચકાસણી કરવામાં આવી. સુનિતાએ આપેલી તમામ વિગતો સાચી ઠરી. સુનિતાના કિસ્સાનો સહુ પ્રથમ અભ્યાસ ડો. એચ.એન. બેનરજી કે જેઓ પેરાનોર્મલ ફિનોમેનન પર સંશોધન કરી રહ્યા હતા તેમણે કર્યો. તેમણે જ સુનિતાએ આપેલા સરનામાવાળા સ્થળે જઇ ચકાસણી કરી હતી. સુનિતા એક જ વિધાન કરતી હતી : “મને કોટા લઇ જાવ.” સુનિતા કોટા કદી ગઇ નહોતી. ડો. બેનરજીએ અનેકવાર સુનીતાની મુલાકાત લીધી હતી. દરેક વખતે સુનીતા પોતાને કોટા લઇ જવાની વાત કહેતી હતી. છેવટે ડો. બેનરજી સુનીતાને તેના માતા-પિતાની પરવાનગીથી કોટામાં રહેતા તેના પૂર્વજન્મના માતા-પિતા પાસે લઇ ગયા અને સુનિતાએ તેના માતા-પિતાને તેમના ઘર, સગાં-સંબંધીઓની એટલી બધી માહિતી આપી કે તેઓ પણ ચકિત થઇ ગયાં. સુનીતાને એક જૂની તસવીર બતાવવામાં આવી. તે તેની માતા અને ભાઇ સિવાય બીજા તમામને ઓળખી ગઇ અને બધાના નામો બોલી ગઇ. તે ક્યાં પડી ગઇ હતી અને ક્યાં ઇજા થઇ મૃત્યુ પામી હતી તે ઘટના સ્થળ પણ તેણે દર્શાવ્યું. શકુન્તલાને પડી જવાથી કપાળના જે ભાગે વાગ્યુ હતું તેવું જ નિશાન સુનિતાના કપાળ પર હતું.

ડો. રાવતે પણ આ જ કેસનો ફરીથી ૧૯૮૬ અને ૧૯૯૭માં અભ્યાસ કર્યો. સુનીતાના ભાઇ રામબાબુ ખંડેલવાલે કહ્યું: “સુનિતા અને મૃત્યુ પામેલી શકુન્તલામાં ઘણું સામ્ય છે. હવે તો શકુન્તલાના માતા-પિતા સુનિતાને પણ પોતાની દીકરી જ સમજે છે. વાર તહેવારે તેને કોટા બોલાવે છે. શકુન્તલાને માતા-પિતાએ સુનિતા તેમને સોંપી દેવા અને બદલામાં ઘણા બધા રૂપિયા આપવાની ઓફર પણ કરી હતી પરંતુ ખંડેલવાલ પરિવારે વિનયપૂર્વક એ ઓફર નકારી કાઢતાં કહ્યું હતું : “તમે જ્યારે કહેશો ત્યારે અમે સુનિતાને તમારા ઘરે મોકલીશું. પરંતુ અમે સુનિતા કાયમ માટે સોંપી દઇ શકીએ નહીં.

આજનું વિજ્ઞાન પુનર્જન્મને સ્વીકારતું નથી પરંતુ જેઓ શ્રીમદ ભગવદગીતા કે બાઇબલને માને છે તેઓ પુનર્જન્મમાં અચૂક શ્રદ્ધા ધરાવે છે. પુનર્જન્મ હજુ પણ વધુ વૈજ્ઞાનિક ચકાસણીનો વિષય છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

મમ્મા, અત્યારે મને તમારી બહુ જરૂર છે

મમ્મા, અત્યારે મને તમારી બહુ જરૂર છેરેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
આજે ‘મધર્સ ડે’ નિમિત્તે એક સંવેદનશીલ કથા

અમેરિકામાં રહેતી ક્રિસ્ટી ક્રેગના જીવનના એક અનુભવની આ ઘટના છે. ક્રિસ્ટી કહે છે, “આપણને બધાંને જ એ વાતની ખબર છે કે મધ્યરાત્રિએ ફોનની ઘંટડી રણકી ઊઠે તો કેટલી બધી ચિંતા થાય? એ રાત્રે પણ અમે બધાં ઘસઘસાટ ઊંઘમાં હતાં. અચાનક મારા ઘરના ફોનની ઘંટડી રણકી ઊઠી. મેં જોયું તો મારા લેન્ડલાઇન ફોન પર લાલ લાઇટ ઝબક ઝબક થતી હતી. મધરાત હતી. ખૂબ જ ગભરાટ સાથે મેં અડધી તંદ્રાવસ્થામાં ફોનનું રિસીવર ઉપાડયું.s

મેં કહ્યું, “હલો.” મારું હૃદય ધબકી રહ્યું હતું. બારી બાજુમાં જ સૂતેલા મારા પતિ તરફ મેં જોયું. તે પણ હવે અવાજ થતાં મારી તરફ પડખું ફેરવી રહ્યા હતા.

સામે છેડેથી અવાજ આવ્યો “મમ્મા!”

મને બરાબર સંભળાતું નહોતું. એ અવાજ સાંભળતાં જ મારી દીકરીના વિચારો આવી ગયા. થોડી વાર બાદ સામા છેડેથી રડતા સ્વરમાં આવતો અવાજ હવે સ્પષ્ટ થયો. ગભરાટ સાથે મેં મારા પતિનો હાથ મજબૂતાઈથી પકડી રાખ્યો.

સામે છેડેથી એ બોલી રહી હતી, “મમ્મા, હું જાણું છું કે મેં બહુ જ મોડા તમને ફોન કર્યો છે, પણ તમે કાંઈ જ … કાંઈ જ બોલશો નહીં. હું જ્યાં સુધી મારી વાત પૂરી ના કરું ત્યાં સુધી કાંઈ જ બોલશો નહીં અને તમે મને કાંઈ પણ પૂછો તે પહેલાં જ હું તમને કહી દઉં છું કે મેં ખૂબ ડ્રિંક્સ લીધેલું છે. બારમાંથી ડ્રિંક્સ લઈને નીકળ્યા બાદ હું મારી કાર ચલાવતી હતી, પણ ડ્રિંક્સના કારણે મારી કાર રોડથી નીચે ઊતરી ગઈ છે અને…”

મારા શ્વાસ અધ્ધર થઈ ગયા. મેં મારા પતિના હાથની પકડ ઢીલી કરી. મેં મારું કપાળ દબાવ્યું.

સામે છેડેથી વાત ચાલુ હતી. એ બોલી રહી હતી, “મમ્મા, મારી કાર એક ઝાડ સાથે અથડાઈ ગઈ છે. હું ખૂબ જ ગભરાઈ ગઈ છું. મમ્મા, મને તમારા જ વિચારો આવે છે. કોઈ પોલીસવાળો આજે રાત્રે ઘેર આવીને તમને કહે કે તમારી દીકરી કાર અકસ્માતમાં મૃત્યુ પામી છે, તો સાંભળી તમને કેવો આઘાત લાગે…? મમ્મા, પણ હું બચી ગઈ છું. થોડું વાગ્યું છે. મમ્મા, એ વાત સાચી છે કે હું ઘેરથી ભાગી ગઈ એ મારી ભૂલ હતી. મને ખબર છે કે જે દિવસે હું ઘેરથી ભાગી ગઈ તે દિવસથી તમે ખૂબ ચિંતામાં છો. મારે તમને થોડા દિવસો પહેલાં દિવસ દરમિયાન ફોન કરવાની

 જરૂર હતી.”

અને એ ડૂસકું લેતી રહી. એનાં ડૂસકાંએ મારા હૃદયને હચમચાવી દીધું. મારી દીકરીનો ચહેરો મારી નજર સમક્ષ તરવરી રહ્યો. મેં બોલવા પ્રયાસ કર્યો : “પણ.. હું માનું છું કે….”

હું બોલવાનું શરૂ કરું તે પહેલાં મારી વાત કાપી નાંખતાં સામે છેડેથી મારા રિસીવરમાં અવાજ આવ્યો, “નો મમ્મા, નો પ્લીઝ! આજે તમે મને જ બોલવા દો પ્લીઝ! એ અવાજમાં દુઃખ, પસ્તાવો અને હતાશા હતાં.

મેં એક-બે ક્ષણ મૌન સેવ્યું. હું પણ એ શું કહેવા માંગે છે તે સાંભળી લેવા માંગતી હતી. એ બોલતી રહી, આઈ એમ પ્રેગ્નન્ટ મમ્મા! મારે આ અવસ્થામાં દારૂ પીવો જોઈતો ન હતો. … મને વાગ્યું છે. હું બહુ જ ગભરાઈ ગઈ છું મમ્મા. આઈ એમ સ્કેરડ.. મમ્મા.”

અને અવાજ તૂટી ગયો. મારી આંખો પણ ભીની થઈ રહી હતી. મારા પતિ હવે સૂતાં સૂતાં જ મારા ચહેરા પરની વેદનાથી જાણે કે પૂછી રહ્યા હતા, “શું થયું છે…?”

મેં મારા હસબન્ડને હમણાં મૌન રહેવા મારા હોઠ પર આંગળી મૂકી, પણ એમનાથી ના રહેવાતાં તેઓ ઊભા થયા અને બાજુના રૂમમાં રાખવામાં આવેલ પેરેલલ ફોનનું રિસીવર ઉપાડી ચિંતાથી સાંભળવા લાગ્યા.

મારા હસબન્ડે ફોન ઉપાડતાં જે ક્લિક અવાજ થયો તે સાંભળી એ બોલી, “મમ્મા, હજુ તમે સાંભળી રહ્યાં છો ખરાં? પ્લીઝ! ફોન મૂકી ના દેશો. આ ક્ષણે મને તમારી બહુ જ જરૂર છે. હું સાવ એકલી પડી ગઈ છું.”

મેં ફોનને બરાબર પકડી રાખતાં બારણાની અંદર બીજા ફોનનું રિસીવર પકડીને ઊભેલા મારા હસબન્ડ તરફ જોઈ હાથના ઇશારાથી મેં તેમનું માર્ગદર્શન માંગ્યું. એમણે મોં હલાવ્યું. એ પછી મેં કહ્યું, “ડોન્ટ વરી બેટા, હું તને સાંભળી રહી છું. હું ફોન નહીં મૂકું.”

એ બોલતી રહી, “મારે તમને પહેલાંથી જ બધું કહી દેવાની જરૂર હતી. મમ્મા, હું જાણું છું કે આપણે જ્યારે પણ વાત કરતાં હતાં ત્યારે મારે શું કરવું જોઈએ એ જ વાત કરતાં હતાં.

કોઈની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. અરે, સેક્સ અંગે પણ કેવી રીતે વાત કરવી જોઈએ એ વિષય પરનાં બધાં જ પેમ્ફ્લેટ્સ તમે વાંચી ગયાં હતાં, પણ તમે તો વાત કરતાં જ રહ્યાં. તમે મને તો કોઈ દિવસ સાંભળી જ નહીં. મને કેવી લાગણી થાય છે તે કહેવાની તક પણ તમે તો મને કદી આપી જ નહીં. જાણે કે મારી લાગણીઓનું કોઈ મહત્ત્વ જ નહોતું. તમે મારી મા છો એટલે જાણે કે તમારી પાસે બધા જ જવાબો તૈયાર છે, પરંતુ કેટલીક વાર મને જવાબો જોઈતા નથી. હું પણ એવું ઇચ્છતી હતી કે કોઈ મને પણ સાંભળે. કોઈ મને પણ સમજે.”

હું એની વાતો સાંભળી વધુ ભાવવિભોર થતી ગઈ. બાળકો સાથે કેવી રીતે વાતો કરવી જોઈએ એ વિષય પર હું વિચારવા લાગી. મેં કહ્યું, “હું તને સાંભળી રહી છું બેટા.”

વળી એ બોલી, “મમ્મા, તું જાણે છે? રસ્તા પરથી ઊતરી ગયેલી કારને બહુ નુકસાન થયું નથી, પણ હવે મને લાગે છે કે મારા આવનારા બાળકની મારે અત્યારથી જ કાળજી લેવી પડશે. કારમાંથી બહાર આવતાંની સાથે જ મેં પબ્લિક ટેલિફોનનું બૂથ જોયું. સૌથી પહેલાં તમે જ યાદ આવ્યાં મમ્મા. એટલે જ મેં તમને ફોન કર્યો. મારે ફરી એક વાર માટે ક્યારે ડ્રિંક્સ લેવું જોઈએ, લેવું જોઈએ કે નહીં અને મારે કેવી રીતે કાર ચલાવવી જોઈએ એ બધા જ વિષયો પર હું તમારી શિખામણ સાંભળવા માગું છું. મમ્મા,મેં તમને ફોન કરતાં ટેક્સી બોલાવવાનો ફોન કરી દીધો છે. થોડી વારમાં જ ટેક્સી આવી જશે. મારે ઘેર આવવું છે, મમ્મા.”

મેં કહ્યું, “ધેટ્સ ગૂડ હની. જલદી ઘેર આવી જા બેટા.” એટલું બોલ્યા બાદ મને શાંતિ થઈ. મારા હસબન્ડ પણ પેરેલલ પોર્ટેબલ ફોન લઈ મારી પાસે આવ્યા. તેમના ચહેરાના ભાવ પરથી લાગતું હતું કે હું જે કાંઈ કહી રહી હતી તે બરાબર જ હતું.

વળી એ બોલી, “પણ મમ્મા મને લાગે છે કે હું હજી ડ્રાઇવ કરી શકું તેમ છું.”

“નો, મેં મોટા અને સત્તાવારી સ્વરે કહ્યું. “પ્લીઝ, વેઇટ ફોર ટેક્સી. ટેક્સી આવે નહીં ત્યાં સુધી મારી સાથે વાત કર. ફોન મૂકીશ નહીં.”

“પણ મારે ઘેર આવવું છે મમ્મા.”

મેં કહ્યું, “હું જાણું છું બેટા, પણ ટેક્સી આવે તેની રાહ જો. આટલું કામ મમ્મા માટે કર, પ્લીઝ!”

અને કેટલીક વાર શાંતિ છવાઈ. કેટલીયે વાર સુધી સામે છેડેથી કોઈ અવાજ આવ્યો નહીં. મને ફરી ચિંતા થઈ. મેં રિસીવર પકડી રાખતાં મારી આંખો બંધ કરી લીધી. હું એને ડ્રિંક્સની હાલતમાં કાર ચલાવવા દેવા માંગતી નહોતી અને સામે છેડેથી અવાજ આવ્યો, ટેક્સી આવી ગઈ છે મમ્મા.

મેં સાંભળ્યું કે, યલો કેબ ટેક્સીનો ડ્રાઇવર એને બોલાવી રહ્યો હતો. મને શાંતિ થઈ.

એ બોલી, હું ઘેર આવી રહી છું મમ્મા.” અને સામે છેડેથી ફોન મુકાઈ ગયાનો અવાજ આવ્યો. ફોન મૌન થઈ ગયો. મેં પણ રિસીવર મૂકી દીધું, પણ મારી આંખમાં આંસુ હતાં. હું મારો બેડરૂમ છોડીને લિવિંગરૂમમાં આવી. બાજુના રૂમમાં મારી સોળ વર્ષની દીકરી સૂતી હતી. રાત્રિ આગળ વધી રહી હતી. ચારે તરફ ગજબનાક શાંતિ હતી. થોડી ક્ષણો બાદ મારા બસબન્ડ પણ મારી પાસે આવ્યા. એમણે એમના હાથ મારામાં પરોવ્યા. મારા માથા પર તેમનું માથું ટેકવ્યું. મેં મારા ગાલ પરનાં આંસુ લૂછી નાંખ્યા. મેં મારા હસબન્ડને કહ્યું, આપણે આપણાં બાળકોને સાંભળતાં શીખવું જોઈએ.

મારા હસબન્ડે ફરી મને તેમની પાસે લીધી. એ પછી એમણે મને પૂછયું, “ડિયર, એ છોકરીએ રોંગ નંબર ડાયલ કર્યો હતો તેની તેને ક્યારેય ખબર પડશે?” અને મેં ધીમેથી બારણું ખોલી ઘસઘસાટ ઊંઘતી મારી દીકરીના માસૂમ ચહેરા તરફ નજર નાંખી. એ પછી મેં મારા હસબન્ડના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું, “મને લાગે છે કે આપતના સમયમાં એને એની માની જરૂર હતી. એ ભલે આપણી દીકરી નહોતી, પરંતુ મારી દૃષ્ટિએ એ સાવ રોંગ નંબર નહોતો.”

અને એ વખતે અમારી દીકરી જાગી ગઈ. એણે અમને પૂછયું, “મોમ, ડેડ! અત્યારે આટલી રાત્રે તમે અહીં કેમ ઊભાં છો?”

મેં કહ્યું, “બેટા, અમે કાંઈક શીખી રહ્યાં છીએ.”

શું! એટલું બોલી તે ફરી ઊંઘી ગઈ.

પણ હું બોલતી રહી, બાળકોને સાંભળવાનું. એટલું બોલી મેં મારી દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને તે થોડી જ ક્ષણોમાં ઊંઘી ગઈ.

ચિકન સૂપ ફોર ધી મધર્સ સોલ -૨” નામના પુસ્તકમાં પ્રગટ થયેલી એક સત્યઘટના આજે મધર્સ ડે નિમિત્તે અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. આ સત્યઘટના શ્રીમતી ક્રિસ્ટી ક્રેગ નામનાં અમેરિકન મહિલા સાથે ઘટી હતી. તેઓ જે દીકરીનાં મમ્મા નહોતાં છતાં એક મા તરીકે તેમણે જે લાગણી અનુભવી એ એમના જ શબ્દોમાં. એમના અને ચિકન સૂપ ફોર ધી મધર્સ સોલ -૨ ” પુસ્તકના સૌજન્યથી અહીં રજૂ કરવામાં આવી છે.

www.devendrapatel.in

ભારતીય સંસ્કૃતિ માત્ર વસ્ત્રાહરણને વરેલી છે?

ભારતીય સંસ્કૃતિ માત્ર વસ્ત્રાહરણને વરેલી છે?‘ભારત વિશ્વનો મહાન દેશ છે અને ભારતીય સંસ્કૃતિ શ્રેષ્ઠ છે.’ એવી દુહાઈ દેનારા લોકો માટે છેલ્લા કેટલાંક સમયથી દેશમાં ગેંગરેપની ઘટનાઓથી આવેલી તેજીથી ફરી એક વાર ભારત અને ભારતીય સંસ્કૃતિ વિશે આંતરખોજ કરવાનો સમય આવી ગયો છે. એક દિવસ એવો પસાર થતો નથી કે દેશમાં ક્યાંકને ક્યાંક બળાત્કારની ઘટના ઘટતી ના હોય. વિશ્વના કોઈ પણ દેશમાં બળાત્કારની આટલી ઘટનાઓ જોવા મળતી નથી. આજે જેમના ઘરમાં દીકરી છે તે તમામ પરિવારો ભયભીત છે. ઘરની બહાર નીકળતી દીકરી સહી સલામત પાછી આવશે કે કેમ તેની કોઈ ખાતરી સમાજ, તંત્ર, પોલીસ કે સરકાર આપી શકે તેમ નથી.

ઝૂંપડપટ્ટીઓ ને ગુનેગારો

બળાત્કારના આ સિલસિલામાં ચોંકાવનારી વાત એ છે કે નાની ચાર કે પાંચ વર્ષની ફૂલ જેવી કોમળ દીકરીઓને પણ નરાધમો તેમની વાસનાનો ભોગ બનાવે છે. નાની બાળકીઓ લોહીલુહાણ થઈ જાય, બેહોશ બની જાય તે પછી પણ કેટલાંક જંગલીઓ તેમનું દુષ્કૃત્ય ચાલુ રાખે છે. આવું કામ કોઈ રાક્ષસ જ કરી શકે. નોંધનીય વાત એ છે કે આવી ઘટનાઓમાં સામેલ જણાતા યુવકો મોટેભાગે ઝૂંપડપટ્ટી કે મજૂર વર્ગમાંથી જ આવતા જણાય છે. શહેરના ભદ્ર વિસ્તારના નાગરિકો કે આભિજાત્ય પરિવારના સુશિક્ષિત યુવકો આવાં દુષ્કર્મોમાં ખાસ જણાતા નથી. બસ ચલાવનારા ડ્રાઈવરો, ક્લિનરો, મજૂરો તથા નોકરી ધંધા વગર રખડતા યુવકો વધુ ને વધુ આવા ગુનાઓમાં પકડાયા છે. તા. ૧૬મી ડિસેમ્બરે દિલ્હીમાં એક બસમાં એક યુવતી પર તેના જ મિત્રની હાજરીમાં ગેંગ રેપ કરી લોહીલુહાણ કરી રસ્તા પર નિર્વસ્ત્ર હાલતમાં ફેંકી દેનારા લોકો પણ આ પ્રકારના જ હતા.

સામાજિક સમસ્યા

ગેંગ રેપની ઘટનાઓનો વિસ્ફોટ એ હવે રાજનૈતિક મામલો નહીં પરંતુ એક સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા છે. સમાજશાસ્ત્રીઓએ અને મનોવૈજ્ઞાનિકોએ હવે એ તપાસવાનો સમય આવી ગયો છે કે, આવી ઘટનાઓની પાછળ પોર્ન ફિલ્મો જવાબદાર છે કે પછી બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં મહિલાઓને આઈટમગર્લ તરીકે પેશ કરવાની ફેશન ? એ વાત નિઃશંક છે કે,ઈન્ટરનેટના કારણે સામાન્યમાં સામાન્ય માણસ પણ આસાનીથી તેના ટીવી સ્ક્રીન પર પોર્ન ફિલ્મ નિહાળી શકે છે. એ જ રીતે જે દેશ- ”મધર ઈન્ડિયા”, ”મૈં ચૂપ રહુંગી”, ”ગુંજ ઉઠી શહનાઈ”, ”મોગલે આઝમ”, ”પાકિઝા”,”ચિરાગ કહાં રોશની કહાં”, ”ગૃહસ્થી” જેવી ફિલ્મો બનાવી હતી એ જ દેશમાં હવે કેટરીના કૈફથી માંડીને કરિશ્મા કપૂર પણ હવે આઈટમગર્લનો રોલ કરવા તૈયાર છે. બીજા શબ્દોમાં બોલિવૂડ હવે શુદ્ધ મનોરંજનના બદલે સેક્સ વેચીને જ ધંધો કરવા તૈયાર છે. બોલિવૂડની કેટલીક ફિલ્મો હવે નગ્નતાની વધુ નજીક જઈ રહી છે એમાં ‘મુન્ની બદનામ હુઈ’ થી માંડીને ‘ચિકની ચમેલી’ એ બધું જ આવી ગયું. સેન્સર બોર્ડ પણ તેની સામે લાચાર જણાય છે. આવું જ ચાલુ રહેશે તો નેધરલેન્ડ કે સ્કેન્ડીનેવીયન કન્ટ્રીઝની જેમ ભારતનાં થિયેટરોમાં પણ સેન્સર બોર્ડની કૃપાથી ”એએ” ર્સિટફિકેટસ સાથે પોર્ન ફિલ્મો રજૂ થશે.

બેઝિક ઈન્સ્ટિકટ

સમાજશાસ્ત્રીઓ માટે તપાસનો મુદ્દો એ છે કે બળાત્કારની આ ઘટનાઓ પાછળ દેશમાં બાળકીઓની ભ્રૂણ હત્યાના કારણે સમાજમાં છોકરીઓનું ઘટતું જતું પ્રમાણ તો નથી ને ! માનવ વિજ્ઞાનની દૃષ્ટિએ સેક્સ એ માનવીની બેઝિક ઈન્સ્ટિંકટ છે. એને રોકી ના શકાય. અશિક્ષિત અને અસંસ્કૃત માણસોને જ્યારે તેમને પ્રાકૃતિક રીતે તેમની આવી સહજ વૃત્તિ સંતોષવાની તક મળતી નથી ત્યારે તે વધુ આક્રમક થઈને નાની બાળકીઓને પણ પોતાનો શિકાર બનાવી દે છે. ગરીબી એ અભિશાપ છે પરંતુ ગરીબી સામાજિક બીમારી પણ લાવે છે. ગરીબોના સંતાનો ભણતાં નથી. સંસ્કાર પ્રાપ્ત થવાની કોઈ તક તેમની પાસે નથી. તેમને સારા નરસાનો ભેદ સમજાવનારું કોઈ હોતું નથી. એ કારણે સ્લમ્સમાંથી જ વધુ ને વધુ ગુનેગારો પેદા થાય છે. સ્લમ્સ ગુનેગારો પેદા કરવાની યુનિર્વિસટી બની જાય છે.આ કડવું સત્ય સમાજે અને સરકારે સમજી લેવાની જરૂર છે. એનો ઉપાય એ ગરીબોને હટાવવાનો નથી પરંતુ તેમની ગરીબી હટાવવામાં રહેલો છે. ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો કુટુંબનિયોજનથી જોજાનો દૂર છે. સેક્સ એજ તેમનો મફતમાં મળતો શ્રેષ્ઠ આનંદ હોઈ બાળકોના ઢગલા કરી દે છે. આ બાળકોને ઉછેરવાની, ભણાવવાની, સારી તાલીમ આપવાની, સ્પોર્ટ્સ કેન્દ્રો મોકલવાની કોઈ સુવિધા તેમની પાસે ના હોઈ છેવટે એવા સંતાનોને રેઢાં મૂકી દેવામાં આવે છે. તેઓ રખડેલ બનીને છેવટે તો નાની મોટી ગુનાખોરીમાં સામેલ થઈ છેવટે સમાજ માટે સમસ્યાઓ જ ખડી કરી દે છે.

૩૦૦ ટકા વધારો

૨૦૦૧થી ૨૦૧૧ સુધીમાં નાની બાળકીઓ પર થતા બળાત્કારમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. વળી કેટલીક ઘટનાઓ તો પોલીસ ચોપડે નોંધાતી જ નથી. કેટલીક વાર તો પોલીસ જ બળાત્કારની ઘટનાઓ નોંધવાનો ઈનકાર કરી દે છે. જે પોલીસ અધિકારીઓને પ્રમોશન કે ચાવીરૂપ જગાએ પોસ્ટિંગ જોઈએ છે એ અધિકારીઓ તેમનો રેકોર્ડ ના બગડે એટલા માટે પીડિતાઓને કે તેમના માતા-પિતાને પૈસા લઈ હવસખોરો સાથે સમાધાન કરી લેવાની સલાહ આપે છે. પોલીસની નિષ્ક્રિયતા ચિંતાજનક છે. ગેંગ રેપની બાબતમાં સખત કાનૂન લાવવાની વાતો બહુ થાય છે પરંતુ કાયદો હજુ કાગળ પર જ છે. બળાત્કાર કરનારાઓને કાયદાનો કે પોલીસનો કોઈ ડર જ નથી. જ્યાં સુધી એક બળાત્કારીને ફરિયાદ નોંધાયાના ૧૫ જ દિવસમાં જાહેરમાં ફાંસીએ લટકાવી દેવામાં નહીં આવે ત્યાં સુધી હવસખોરો દેશની બાળકીઓને તેમના શિકાર બનાવતા રહેશે. અખાતના કેટલાક દેશોમાં આવા ક્રિમિનલ ઓફેન્સ માટે સખત કાનૂન છે. ચોરી કરનારના હાથ કાપી લેવાથી માંડીને બળાત્કારને જાહેરમાં ફાંસી આપવાના કડક કાનૂન છે. આવા ગુનેગારો માટે કેટલાક ઈસ્લામિક દેશો કડકાઈથી કામ લે છે. ભારતે પોતાની ભારતીય સંસ્કૃતિના ખોટાં ગાણાં ગાવાના બદલે ભારતીય બાળકીઓને સંરક્ષણ આપવાની જરૂર છે. ”યત્ર નાર્યાતુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ ” એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે” એવી ઉક્તિઓ નિબંધો લખવા માટે સારી છે. બાકી આ દેશમાં તો ૫૦૦૦ વર્ષ પહેલાં જ ભરી સભામાં દ્વૌપદીનાં ચીર ખેંચાયા હતાં. પુરાણ કથાઓ પ્રમાણે સ્વર્ગમાં વસતા દેવતાઓ પણ તેમના દરબારમાં અપ્સરાઓને નચાવતા હતા. ઋષિમુનિઓના તપોભંગ માટે ઈન્દ્ર પણ અપ્સરાને પૃથ્વી પર મોકલતો હતો. ભારતની સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ચીર ખેંચવાની પરંપરા હજારો વર્ષથી ચાલી આવે છે. ફરક એટલો પડયો છે કે એ વખતે વયસ્ક સ્ત્રીઓનાં ચીર ખેંચાતાં હતાં. હવે ચાર કે પાંચ વર્ષની બાળકીઓનાં પણ ચીર ખેંચાય છે. આ ભારતીય સંસ્કૃતિની પ્રગતિ કે અદ્યોગતિ ?

જિનિયસ પ્રતિભાઓનો આઇ ક્યૂ કેટલો?


જિનિયસ પ્રતિભાઓનો આઇ ક્યૂ કેટલો? રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

સ્કૂલમાં જતા દરેક બાળકોનાં માતા પિતાની ચિંતા છે કે તેમનો દીકરો કે દીકરી કેવી રીતે ભણવામાં અને કારકિર્દીમાં શ્રેષ્ઠ બને. ભણવામાં અવ્વલ નંબરે રહેવા માટે શ્રેષ્ઠ બુદ્ધિની જરૂર રહે છે. કોઈ પણ બાળક કે વ્યક્તિની બુદ્ધિ માપવા માટે મનોવૈજ્ઞાનિકોએ જે માપ નક્કી કર્યું છે તેને આઈ ક્યૂ’ અર્થાત્ ઇન્ટેલિજન્સ કોશેન્ટ કહે છે. ગુજરાતીમાં તેને બુદ્ધિઆંક કહી શકાય. દરેક પ્રતિભાવંત વ્યક્તિની પાછળ આઈ ક્યુ સ્કોરની ભૂમિકા હોય છે.

તમે તમારાં સંતાનોની બુદ્ધિમત્તા કેવી રીતે વધારશો?

તાજેતરમાં થયેલા સર્વેક્ષણ અનુસાર ૫૦ ટકા લોકોનો બુદ્ધિઆંક ૯૦ થી ૧૧૦ની વચ્ચે હોય છે. ૨.૫ ટકા લોકો માનસિક રીતે અપૂર્ણ હોય છે. તેમનો બુદ્ધિ આંક ૭૦થી નીચે હોય છે. સમાજના ૨.૫ ટકા લોકો વિશેષ પ્રતિભા ધરાવે છે. તેમનો બુદ્ધિઆંક ૧૩૦થી ઉપર હોય છે. ૦.૫ ટકા લોકો જિનિયસથી ઉપર હોય છે. તેમનો બુદ્ધિઆંક ૧૪૦થી ઉપર હોય છે.

સ્ટીફન ડબલ્યૂ હોકિંગ

૭૦ વર્ષની વયના છે. શ્રેષ્ઠ જિનિયસની યાદીમાં આવતા સ્ટીફન હોકિંગ જગતની મશહૂર પ્રતિભા છે. તેમણે થિયરિકલ ફિઝિક્સમાં કરેલા સંશોધનથી બ્રહ્માંડને સમજવામાં મદદ મળે છે. તેઓ શારીરિક રીતે લકવાગ્રસ્ત હોવા છતાં ૧૬૦નો બુદ્ધિઆંક ધરાવે છે.

કિમ ઉંગ યોંગ

વિશ્વની શ્રેષ્ઠ જિનિયસ પ્રતિભામાં બીજા નંબરે કિમ ઉંગ યોંગ આવે છે. તેમણે બે વર્ષની વયે ચાર ભાષા ઉપર પ્રભુત્વ મેળવી લીધું હતું. ચાર વર્ષની વયે કોલેજનો અભ્યાસ પૂરો કરી દીધો હતો. નાસાએ તેમને આઠ વર્ષની વયે ભણવા બોલાવી લીધા હતા. તેમનો બુદ્ધિઆંક ૨૧૦ છે.

પોલ એલન

૫૯ વર્ષની વયના પોલ એલન માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક છે. તેઓ તેમની શ્રેષ્ઠ બુદ્ધિથી ૧૨૪ અબજ ડોલરની સંપત્તિના માલિક છે. એલન દુનિયામાં ૪૮મા સહુથી વધુ શ્રીમંત વ્યક્તિ છે. તેમનો બુદ્ધિઆંક ૧૭૦ છે.

રિક રોસ્નર

૫૨ વર્ષની વયના રિક રોસ્નર એક ટીવી લેખક છે. નાની ઉંમરમાં સ્કૂલમાં ભણવા તેમણે પોતાનું નામ બદલી નાંખ્યું હતું. હમણાં જ તેમણે જિમી કેમેલ માટે કામ કર્યું છે. તેમનો બુદ્ધિઆંક ૧૯૪ છે.

ગેરી કાસ્પારોવ

૪૯ વર્ષની વયના ગેરી કાસ્પારોવ શતરંજના બહેતરીન ખેલાડી છે. તેઓ શતરંજમાં કમ્પ્યુટરને હરાવી ચૂક્યા છે. તેઓ વિશ્વવિજેતા છે. ૨૨ વર્ષની વયે તેઓ વર્લ્ડ ચેમ્પિયન બની ગયા હતા. રશિયાના પ્રમુખની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેમનો બુદ્ધિઆંક ૧૯૦ છે.

સર એન્ડ્ર્યુ વિલેસ

૫૯ વર્ષની વયના સર એન્ડ્ર્યુ વિલેસે ૧૯૯૫માં મેથેમેટિકલ થિયરીને સાબિત કરી દીધી હતી. બ્રિટનના આ ગણિતજ્ઞો જે થિયરી સાબિત કરી છે તેને વિશ્વનું સહુથી અઘરું ગણિત કહે છે. ગણિત અને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેઓ ૧૫ જેટલાં સન્માન મેળવી ચૂક્યા છે. તેમનો બુદ્ધિઆંક ૧૭૦ છે.

જ્યુડી પોલ્ગર

૩૫ વર્ષની વયના જ્યુડી પોલ્ગર જન્મ્યા પછી એક ચમત્કારિક બેબી ગણાયા હતા. સહુથી નાની ઉંમરમાં તેઓ શતરંજમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. તેમના પિતાએ તેમને ખાસ તાલીમ આપીને વિશ્વની શ્રેષ્ઠ ઉપલબ્ધિ હાંસલ કરવામાં મદદ કરી હતી. તેમનો બુદ્ધિઆંક ૧૭૦ છે.

ક્રિસ્ટોફર હિટાટા

૩૦ વર્ષના ક્રસ્ટોફર હિટાટાએ ૧૪ વર્ષની વયે કેલટેકમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૬ વર્ષની વયે નાસામાં કામ કર્યું હતું. ૨૨ વર્ષની વયે પ્રિન્સટન યુનિવર્સિટી દ્વારા ખગોળશાસ્ત્રમાં પીએચડી કર્યું. આંતરરાષ્ટ્રીય ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં માત્ર ૧૩ વર્ષની વયે જ ગોલ્ડમેડલ હાંસલ કર્યો. ક્રિસ્ટોફર હિટાટા ૨૨૫ જેટલો બુદ્ધિઆંક ધરાવે છે.

આઈ ક્યુ અને નોકરી

બુદ્ધિમત્તા માપવા માટે મનોવિજ્ઞાનિકો વિવિધ રીતો અપનાવે છે. જર્મન શબ્દમાંથી બનેલો આઈ ક્યુ સ્કોર શૈક્ષણિક ઉપલબ્ધિઓ,ઉંમર, જોબમાં કામગીરીનું પ્રદર્શન અને તેનું પૂર્વાનુમાન દર્શાવે છે. તેમાં શારીરિક અને માનસિક ઉંમર પણ જોવામાં આવે છે. ૧૦૦નો આંકડો એક સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે. ૧૦૦થી ઉપર આંક આવે તો તેનો બુદ્ધિઆંક અધિક સમજવામાં આવે છે. આઈ ક્યુ જાણવા માટે પ્રમાણિત મનોવૈજ્ઞાનિક પરીક્ષણમાંથી પસાર થવું પડે છે. આ પરીક્ષણમાં એક કલાકનો સમય લાગે છે. એવો ખ્યાલ છે કે ૮૦થી ૧૦૦નો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓ સામાન્ય રીતે સ્ટોર ક્લાર્ક જેવી નોકરી માટે યોગ્ય છે. ૧૧૧થી ૧૨૦ જેટલો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓ પોલીસ અને શિક્ષણ બનવાની યોગ્યતા ધરાવે છે. ૧૨૧થી ૧૨૫નો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓ પ્રોફેસર અને મેનેજર બનવાની યોગ્યતા ધરાવે છે. ૧૨૫થી ઉપરનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓ વિખ્યાત પ્રોફેસર, વૈજ્ઞાનિક,સંપાદક અને એક્ઝિક્યુટિવ બનવાની યોગ્યતા ધરાવે છે.

સંશોધનો શું કહે છે?

એડિલેડ યુનિવર્સિટીએ કરેલા એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ફાસ્ટફૂડ બાળકોની બુદ્ધિમત્તા ઓછી કરી નાંખે છે. કાર્ડિફ યુનિવર્સિટીનું સંશોધન કહે છે કે જે મહિલાઓનો આઈ ક્યૂ સ્તર ૧૦૦થી વધુ હોય છે તે ૩૦ વર્ષની આસપાસની ઉંમરમાં માદક દ્રવ્યોના બંધાણી બની શકે છે. નાનાં બાળકોને મારવાથી કે ફટકારવાથી તેમનો આઈ ક્યુ ઘટી જતો હોય છે. જે લોકો રોજ સરેરાશ એક પેકેટ સિગારેટ પીએ છે તેમનો આઈ ક્યૂ સિગારેટ ના પીનારાઓની સરખામણીમાં ૭૫ આંક જેટલો ઓછો હોય છે. કેનેડાની મેકગિલ યુનિવર્સિટીએ કરેલાં સંશોધનમાં જણાયું છે કે જે બાળકોએ જન્મ બાદ તેમની માતાનું દૂધ પીધું છે તે વધુ બહેતર બુદ્ધિપ્રતિભા ધરાવે છે.

આઈ ક્યૂ કેવી રીતે વધે?

વૈજ્ઞાનિકો કહે છે : ” આપણું મગજ બે ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગ સાંભળે છે અને તેની પાસે રાખે છે જ્યારે બીજો ભાગ છે તેને યાદ રાખે છે. પરીક્ષા આવતાં જ કોઈ બાળકના દિમાગની બત્તી ગુલ થઈ જાય તો સમજવું કે તેનો આઈ ક્યૂ ઓછો છે. આઈ ક્યૂ વધારી શકાય છે. પોઝિટિવ થિંકિંગ આઈ ક્યૂ વધારવાની પહેલી સીડી છે.

આઈ ક્યૂ વધારવા માટે પણ નિયમિત શારીરિક વ્યાયામની જરૂર છે. આઈ ક્યૂ વધારવો હોય તો ઇનોવેટિવ પુસ્તકો વાંચો. તમે જમણા હાથે લખતા હોય તો પણ ડાબા હાથે લખવા અથવા ડાબા હાથે લખતા હોવ તો પણ જમણા હાથે લખવા પ્રયાસ કરો. એમ કરવાથી મગજનો બીજો ભાગ સક્રિય થાય છે. હંમેશાં ખુશ રહેવાની ટેવ પાડો. ઘરકુકડી બની રહેવાના બદલે લગ્નપ્રસંગો,સમારંભો, મેળાવડા, પુસ્તક મેળો, સંગીત સમારોહ, અને યાત્રાઓમાં જાવ. નાટકો અને ફિલ્મો પણ જુઓ. મિત્રો સાથે કે આંતરિક વર્તુળોમાં ચર્ચાઓમાં ભાગ લો. એવી વીડિયોગેમ રમો જેમાં તમને રુચિ ના હોય. એમ કરવાથી નવા વિચારો, આઇડિયા આવશે. જ્યારે પણ તક મળે ત્યારે સુડોકુ અને ક્રોસવર્ડનો અભ્યાસ કરો.

શાસ્ત્રીય સંગીત આઈ ક્યૂ વધારવામાં ખૂબ કામ આવે છે. શાસ્ત્રીય સંગીત માણો. દૂધ,પનીર, બદામ, અખરોટ, મગજશક્તિ વધારે છે. જો તમે માંસાહારી છો તો માછલીથી ફાયદો થાય છે. લીંબુ, નારંગી, સ્ટ્રોબેરી જેવાં ફળો બુદ્ધિમત્તા વધારે છે.

યાદ રહે કે માત્ર આકર્ષક વ્યક્તિત્વ, ઊંચાઈ, ખૂબસૂરતી, આકર્ષક વસ્ત્રો કરતાં પણ આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ આઈ ક્યૂ – અર્થાત્ બુદ્ધિમત્તા છે. આઈ ક્યૂ જ આપણને માનવભીડમાં બધાથી અલગ અને ખાસ બનાવી દે છે.

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén