ડો. એ.પી.જે. અબ્દુલ કલામે એક વિદ્યાર્થી તરીકેની, એક વૈજ્ઞાાનિક તરીકેની, એક રાષ્ટ્રપતિ તરીકેની, એક ઉમદા ઇન્સાન તરીકેની અને એક સર્વધર્મ સમભાવી વ્યક્તિ તરીકેની વ્યાખ્યા નક્કી કરી આપીને વિદાય લીધી. ડો. કલામને બાળકો તરફથી જે પ્રેમ મળ્યો તેવો પ્રેમ કદાચ જવાહરલાલ નહેરુને જ મળ્યો હતો. તેઓ ૬૩ વર્ષની વયે અવસાન પામ્યા ત્યારે પણ દેશનાં કરોડો બાળકોના પ્રિય આદર્શ, રોલમોડેલ તરીકેની અમીર છાપ છોડીને ગયા.
ભારતના રાષ્ટ્રપતિ તરીકે ડો. એ.પી.જે. કલામની પસંદગી એ વખતની એનડીએ સરકારના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હતી. ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેઓ એક સૂટકેસ લઈને જ રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશ્યા હતા અને રાષ્ટ્રપતિભવનમાંથી વિદાય લીધી ત્યારે એક સૂટકેસ લઈને જ બહાર નીકળ્યા નહોતા. રાષ્ટ્રપતિ બન્યા પછી તેઓ સૂટ પહેરવા તૈયાર નહોતા. તેમને વિનંતી કરવામાં આવી કે, કલામસાહેબ, આપ હવે આ દેશના પ્રથમ નાગરિક છો અને રાષ્ટ્રના બંધારણીય વડા છો, તેથી આપના પોશાકમાં થોડુંક પરિવર્તન કરવું પડશે. આ અનુરોધ બાદ જ તેઓ બંધ ગળાનો સૂટ પહેરવા તૈયાર થયા હતા. ડો. કલામ સાહેબે રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશ્યા બાદ ભપકા અને દેખાડો નાબૂદ કરી રાષ્ટ્રપતિભવનનો ગાર્ડન આમ લોકો માટે ખોલી નાખ્યો હતો. સહુથી નોંધનીય વાત એ છે કે, તેઓ એનડીએ સરકાર દ્વારા નિર્વાચિત રાષ્ટ્રપતિ બન્યા હોવા છતાં તેઓ ‘રબર સ્ટેમ્પ’ રાષ્ટ્રપતિ બની રહ્યા નહીં.
૨૦૦૨માં ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ બન્યા બાદ ડો. કલામે કેટલાંક નિર્ણયો સ્વતંત્ર રીતે લીધા. તેઓ રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. ૨૦૦૦થી વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. બે કોમો વચ્ચે ધ્રુવીકરણ થઈ ગયું હતું ત્યારે તે વખતના વડાપ્રધાન વાજપેયીજીએ ડો. અબ્દુલ કલામની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદગી કરીને માસ્ટર સ્ટોક માર્યા હતો. કોંગ્રેસને પણ ડો. કલામને ટેકો જાહેર કરવો પડયો હતો. ડો. કલામ ૯૦ ટકા જેટલા મતોથી વિજયી થયા હતા અને રાષ્ટ્રપતિ બન્યાના એક જ મહિના બાદ તેમણે ગુજરાતના દંગાપીડિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. એ મુલાકાત સામે સરકારનો વિરોધ હોવા છતાં એ વિરોધની પરવા કર્યા વિના તેમણે ગુજરાતની મુલાકાત લીધી હતી.
ડો. કલામ રબર સ્ટેમ્પ પ્રેસિડેન્ટ નથી એવી ખાતરી એમણે આખા દેશને કરાવી હતી, પરંતુ બિહારમાં રાષ્ટ્રપતિશાસન સ્થાપના અંગેનો હતો. ૨૦૦૫માં તેઓ મોસ્કોની મુલાકાતે ગયા હતા ત્યારે એ વખતની કેન્દ્ર સરકારની કેબિનેટે બિહારમાં રાષ્ટ્રપતિશાસન સ્થાપવા ઠરાવ કર્યો હતો જેને તેમણે મંજૂરી આપી હતી. શાયદ એ નિર્ણય એમના જીવનનો એક નબળો પ્રસંગ હતો. આ નિર્ણય અંગે તેમને દુઃખ હતું અને તેમના તે વખતના સચિવે એક પુસ્તકમાં ડો. કલામની વ્યથાની આ વાત નોંધી હતી. રાષ્ટ્રપતિ તરીકેની તેમની પ્રથમ ટર્મ પૂરી થયા બાદ મોટાભાગના લોકોની ઇચ્છા હતી કે તેઓ ફરી પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી લડે, પરંતુ તેમને જ્યારે લાગ્યું કે, સર્વાનુમતિ થવાના બદલે ચૂંટણી લડવી જ પડે તેમ છે ત્યારે તેમણે તેમ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેઓ ચૂંટણી લડયા હોત તો ફરી રાષ્ટ્રપતિ બની શક્યા હોત, પણ તેમણે તેમ ના કર્યું અને શાંતિપૂર્ણ રીતે રાષ્ટ્રપતિભવનમાંથી વિદાય લઈ લીધી. તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે અને ત્યાર પછી પણ સ્કૂલના અને કોલેજના વિદ્યાર્થીઓને મળતા જ રહ્યા, તેથી જ તેઓ ‘પિપલ્સ પ્રેસિડેન્ટ’ તરીકે ઓળખાયા.
તેમને એક વાર પૂછવામાં આવ્યું કે, અગાઉના કયા રાષ્ટ્રપતિથી તમે પ્રેરણા પામ્યા છો? તો એ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું: “હું માનું છું કે, મારી અગાઉના તમામ રાષ્ટ્રપતિઓએ વિભન્ન ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદાન કરેલું છે. કોઈકે રાજનીતિમાં તો કોઈકે શિક્ષણમાં. કોઈએ સમાજસેવામાં તો કોઈએ બીજા કોઈ ક્ષેત્રમાં. હું રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશ્યો ત્યારે આપણા પહેલાં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદનો એક પત્ર મારા જોવામાં આવ્યો. એ પત્ર ડો. રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિ તરીકે તે વખતના નોબેલ પ્રાઇઝ વિજેતા અને વિખ્યાત વૈજ્ઞાાનિક ડો. સી.વી. રામનને લખેલો હતો. ૧૮૫૪માં લખાયેલા એ પત્રમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ડો. સી.વી. રામનને રાષ્ટ્રપતિભવનના એક સભારંભમાં પધારી તેમને એનાયત થનાર ‘ભારતરત્ન’ એવોર્ડ લેવા આવવા આમંત્રણ આપ્યું હતું. આવો પત્ર મળ્યા બાદ કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે રાષ્ટ્રપતિભવન સમારંભમાં આવવા ઇનકાર કરે નહીં, પરંતુ મેં રાષ્ટ્રપતિના એ પત્રના જવાબમાં આવેલો ડો. સી.વી. રામનનો પત્ર પણ વાંચ્યો. ડો. સી.વી. રામને લખ્યું હતું: “પ્રિય રાષ્ટ્રપતિશ્રી, મને આટલું મોટું સન્માન આપવા બદલ હું આપનો આભાર માનું છું, પરંતુ મને એક સમસ્યા છે. હું એક વિદ્વાન વિદ્યાર્થીનો ગાઇડ છું. એ વિદ્યાર્થીએ ડિસેમ્બરમાં તેની થીસિસ રજૂ કરવાની છે. મારે તેને માર્ગદર્શન આપવાનું છે અને તેની થિસીસ પર સહી પણ કરવાની છે, તેથી હું આપનું આમંત્રણ સ્વીકારી શકતો નથી.”
ડો. કલામે કહ્યું: “આ પત્ર વાંચ્યા પછી મને લાગ્યું કે, ડો. સી.વી. રામન માટે ‘ભારતરત્ન’ના એવોર્ડ કરતાં તેમના વિદ્યાર્થીનું સંશોધન પેપર વધુ અગત્યનું હતું. અલબત્ત, ડો. સી.વી. રામનને તેમની ગેરહાજરીમાં ‘ભારતરત્ન’ એવોર્ડ એનાયત તો થયો જ હતો. હું માનું છું કે રાજેન્દ્રપ્રસાદ, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ઝાકિર હુસેન સહિત બાકીના પ્રસિડેન્ટ્સ મહાન રાષ્ટ્રપતિઓ હતા.”
બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે તેઓ રાષ્ટ્રપતિ બન્યા પછી રાષ્ટ્રપતિભવનની પરંપરા પ્રમાણે તેમનાં જૂતાંની દોરી તેમના નોકરચાકરો જ બાંધી આપે તેવી પરંપરા છે, પરંતુ કલામ સાહેબે એ પરંપરા બંધ કરાવી દીધી હતી. રાષ્ટ્રપતિભવનથી વિદાય બાદ પણ તેઓ એરપોર્ટ પર સિક્યોરિટી ચેક માટે સામાન્ય લોકો સાથે કતારમાં ઊભા રહેતા હતા. તેમને લાઇનમાં ઊભા રહેતા જોઈ લોકો પણ સુખદ આશ્ચર્ય અનુભવતા હતા. તેમને પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે વીઆઈપી વિશેષાધિકારો પ્રાપ્ત હતા, પરંતુ તેમણે સ્વેચ્છાએ એ વિશેષધિકારો સ્વીકાર્યા નહોતા. તેઓ પ્રવચન કરતી વખતે કુરાન અને ભગવદગીતાને પણ ટાંકતા. તેઓ માત્ર વૈજ્ઞાાનિક નહીં, પરંતુ શ્રેષ્ઠ લેખક પણ હતા. તેઓ દેશના રાષ્ટ્રપતિભવનમાં રહી ચૂક્યા હોવા છતાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરનાર ઉતારુઓ અને પાણી માટે કલાકો સુધી કતારોમાં ઊભા રહેતા ગરીબોના જીવનને પણ નજીકથી જાણતા હતા. તેમણે દેશ માટે સહુ પ્રથમ મિસાઇલ ડિઝાઇન કરી, પરંતુ તેમના સંદેશા હાઇપ્રોફાઇલ લોકો કરતાં સ્કૂલનાં બાળકો માટે વધુ હતા. ડો. એ.પી.જે. કલામ ભારતને ચાહતા હતા અને ભારતે પણ તેમને એટલો જ પ્રેમ આપ્યો. એક વૈજ્ઞાાનિક તરીકે, એક રાષ્ટ્રપતિ તરીકે, એક લેખક તરીકે અને એક ઉમદા ઇન્સાન તરીકે તેઓ એક નવી જ ભાત પાડી ગયા.
Comments are closed.