દર સોમવારે ‘સંદેશ’માં પ્રગટ થતી તેમની કટાર ‘કભીકભી’ સમાજનું દર્પણ બની ગઈ છે

‘સંદેશ’ તેમજ સમગ્ર પત્રકાર જગત માટે ગૌરવની પળ

ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત અખબાર ‘સંદેશ’ના વરિષ્ઠ પત્રકાર અને લેખક દેવેન્દ્ર પટેલને આજે પ્રજાસત્તાકદિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’નો એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે ‘સંદેશ’ અને સમગ્ર પત્રકાર જગત માટે એક ગૌરવની વાત છે.

સાબરકાંઠાના આકરૂન્દ ગામના ચુસ્ત ગાંધીવા
દી પરિવારમાં જન્મેલા દેવેન્દ્ર પટેલે પત્રકારત્વની શરૂઆત ૧૯૬૭થી શરૂ કરી હતી. ગુજરાતી ભાષાને સાંપ્રત અને ચિરંતન એવા બંને કાંઠેથી આત્મસાત કરનાર આધુનિક લેખકોમાં દેવેન્દ્ર પટેલનું નામ મોખરે છે. ‘સંદેશ’ના વરિષ્ઠ પત્રકાર અને લેખક તરીકે એમની કલમ અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ વધુ વેધક અને કંચનશુદ્ધ બની છે. સામાજિક ઘટનાઓના અત્યંત નિકટના સાક્ષાત્કારે એમને હૃદયને ભીંજવી દેતી શૈલી દ્વારા ઉત્તમ કથાલેખક બનાવ્યા છે. ‘સંદેશ’માં ‘કભી કભી’, ‘ચીની કમ’ અને ‘રેડ રોઝ’ કોલમ દ્વારા તેમણે દેશ-વિદેશમાં બહોળો વાચકવર્ગ પેદા કર્યો છે, તેમની કટાર ‘કભી કભી’ સમાજનું દર્પણ બની ગઈ છે. અને અનેક પીડિતાઓની વ્યથા ઠાલવવાનું તથા તેમને ન્યાય અપાવવાનું તે એક પ્લેટફોર્મ બની ગઈ છે. આ કટારમાં પ્રગટ થયેલી કેટલીક કથાઓની નોંધ લઈ ગુજરાત હાઈકોર્ટે એ ન્યૂઝસ્ટોરીને જ અરજી સમજી લઈ સુઓમોટો કેસ કરી પીડિતાઓને ન્યાય અને રક્ષણ અપાવ્યાં છે.

૪૫ વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન તેમની કથાઓ, પ્રવાસવર્ણનો, પ્રતિભાસંપન્ન વ્યક્તિઓના પરિચયથી માંડીને યુદ્ધકથાઓ પર તેમણે ૫૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે.’અંતરનાં એકાંત’, ‘દિલ ચાહતા હૈ’ અને ‘કભી કભી’ શિર્ષક હેઠળ તેમણે ટેલિવિઝન માટેની સિરિયલો પણ લખી છે. ‘ચાઇલ્ડ હસબંડ’ નાટક અને ‘મિયાં ફુસકી ૦૦૭’ ફિલ્મની કથા અને પટકથા પણ તેઓ લખી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે પત્રકારત્વના તેમના અનુભવો પર આધારિત લખેલું પુસ્તક ‘આંતરક્ષિતિજ’ એક શ્રેષ્ઠ સાહિત્યકૃતિ છે. ગાંધીજી અને સરદાર પટેલ વિષે પણ તેમણે સંશોધનાત્મક લેખો લખ્યા છે.

સિમલાકરાર દરમિયાન તેમણે પાકિસ્તાનની ભીતર જઈ રિપોર્ટિંગ કર્યું છે. પૂર્વ વડાપ્રધાનો ઇન્દિરા

ગાંધી, મોરારજી દેસાઈ, નરસિંહરાવ, રાજીવ ગાંધી, અટલબિહારી બાજપાઈ જેવી વ્યક્તિઓ સાથે તેમણે પ્રવાસો કર્યા છે. દલાઈ લામા, અમેરિકાના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. ગાલબ્રેથ, આર્થર સી. ક્લાર્ક, જે. આર. ડી. તાતા, નવલ તાતા, મહારાણી ગાયત્રીદેવી, સામ પિત્રોડા, અમિતાભ બચ્ચન, મોહમ્મદ રફી, દેવ આનંદથી માંડીને જયપ્રકાશ નારાયણ અને કુખ્યાત દાણચોર હાજી મસ્તાનનો પણ તેઓ અખબારી ઇન્ટરવ્યૂ લઈ ચૂક્યા છે. ‘ગલ્ફ વોર’ અને ‘સદ્દામ હુસેન’ જેવાં યુદ્ધની કથા પર લખાયેલાં તેમનાં પુસ્તકો અત્યંત લોકપ્રિય છે.

બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, ઇઝરાયેલ, મલેશિયા, થાઇલેન્ડ, ઓમાનથી માંડીને અમેરિકાનો અનેકવાર પ્રવાસ કરી ચૂક્યા છે, તેમનું ‘ઇઝરાયેલ-ધી લેન્ડ ઓફ ધી બાઇબલ’ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક મેળવી ચૂક્યું છે.

‘સંદેશ’ પરિવાર દેવેન્દ્ર પટેલને આ એવોર્ડ બદલ અભિનંદન પાઠવે છે.

‘આ મારું નહીં ગુજરાતના પત્રકાર જગતનું સન્માન છે’

‘આ મારું નહીં પણ સમગ્ર મીડિયાનું સન્માન છે અને ગુજરાતના પત્રકાર જગતનું સન્માન છે. જે પત્રકારો પત્રકારત્વને વ્યવસાય સમજવાને બદલે મિશન સમજે છે તેમનું સન્માન છે. જે પત્રકારો તમામ પ્રકારના જોખમો લઈને પણ લખે છે તેમનું આ સન્માન છે. પત્રકારત્વ એ માત્ર પૈસા કમાવાનો વ્યવસાય નથી પરંતુ તેમની બુદ્ધિ અને કૌશલ્યનો ઉપયોગ સમાજ માટે કરવાનો જેઓ હેતુ ધરાવે છે તેમનું આ સન્માન છે અને પત્રકારત્વને વ્યાવસાયિક જવાબદારી સમજવાને બદલે સામાજિક જવાબદારી સમજવાનો પ્રયાસ કરશે તો પત્રકારોનો અને અખબારોનો સમાજ પ્રત્યેનો હેતુ બર આવશે. હું ગુજરાતના તમામ પત્રકારોનો અને ગુજરાતના તમામ અખબારો સાથે સકળાયેલી વ્યક્તિઓનો આભાર માનું છું.’