મોરારજી દેસાઈ પ્રાંત ઓફિસર હતા ત્યારે ઘોડા પર મુસાફરી કરતા હતા
દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ તા. ૨૯મી ફેબ્રુઆરીએ જન્મ્યા હતા. તેમની જન્મ તારીખ દર ચાર વર્ષે એક જ વાર આવે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ૨૯મી તારીખ લીપ યરમાં જ જન્મેલા મોરારજી દેસાઈના જીવનમાં કેટલાંક રસપ્રદ પાસાં જાણવા જેવાં છે.
ગુજરાતના એક રાજનીતિજ્ઞા મોરારજી દેસાઈ કે જેમનું વ્યક્તિત્વ અનેક પ્રકારની લાક્ષણિકતાઓથી ભરેલું હોઈ, તેઓ અનેક વાર વિવાદાસ્પદ રહ્યા અને ગુજરાતે તેમની જેટલી કદર કરવી જોઈએ તેટલી કરી નથી. બહુ ઓછા લોકોને ખબર છે કે, મોરારજીભાઈ દેશના વડા પ્રધાન પદે પહોંચ્યા તે પહેલાં બ્રિટિશ રાજ્યમાં સનદી અધિકારી હતા. તેમના જીવનનો એક રસપ્રદ ફ્લેશબેક અહીં પ્રસ્તુત છે જે તેમણે નવજીવન દ્વારા પ્રકાશિત’મારું જીવન વૃત્તાંત’માં આલેખ્યો છે :
ઈ.સ. ૧૯૧૮માં તેઓ બોમ્બે પ્રોવિન્શિયલ સવર્સિમાં પ્રોબેશનરી ડેપ્યુટી કલેક્ટર તરીકે જોડાયા હતા. ૧૯૧૯માં તેઓ ખેડા જિલ્લાના પ્રાંત ઓફિસર તરીકે હતા ત્યારે પ્રાંતિજ તાલુકાનો પણ પ્રાંત ઓફિસર તરીકેનો ચાર્જ તેમને સોંપવામાં આવ્યો હતો. એ વખતે તેઓ કોઈ કામે તલોદ નજીકના એક ગામે લોકોની ફરિયાદો સાંભળવા ગયા હતા. ત્યાં તંબુ ઊભો કરવામાં આવ્યો હતો. તેમના ઉપર એટલે કે કલેક્ટર મિ. ચેસ્ટફિલ્ડનો મુકામ પણ તે સ્થળથી છ માઈલ દૂર હતો. બ્રિટિશ રાજ વખતે અંગ્રેજ કલેક્ટરો રહેતા.
મોરારજી દેસાઈએ સનદી અધિકારી તરીકે તેમના અનુભવોનું જે વર્ણન કર્યું છે તે તેમના જ શબ્દોમાં વાંચો : “જે ગામે મારો મુકામ હતો ત્યાં કલેક્ટર ચેસ્ટફિલ્ડ પણ જોવા આવેલા. જ્યારે એ લોકોની સાથે વાતો કરતા હતા ત્યારે એમની હિંદુસ્તાની ભાષા લોકો સમજતા ન હતા અને લોકોની ગુજરાતી ભાષા કલેક્ટર સમજતા ન હતા. એટલે ઉપયોગી થવાના હેતુથી મેં કલેક્ટરને અને લોકોને એકબીજાનું મંતવ્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો. કલેક્ટરને મારી એ દખલ લાગી અને એમણે મને વચ્ચે પડવાની ના પાડી. તે જમાનામાં મારો સ્વભાવ ઉગ્ર હતો અને ખૂબ જ સંવેદનશીલ હતો. કલેક્ટરની આ વર્તણૂક મને ઘણી કઠી અને મેં તરત જ એમને કહી દીધું કે, મારી જરૂર ન હોય તો હું મારા મુકામ પર જાઉં છું. એમ કહીને મારો મુકામ એ જ ગામમાં તંબુમાં હતો ત્યાં હું ચાલ્યો ગયો. થોડી વાર પછી કલેક્ટરે મને બોલાવવા માણસને મોકલ્યો. હું ત્યાં ગયો અને મારી સાથે કલેક્ટર મારા તંબુ પર આવ્યા. મને સીધી વાત પૂછવા માટે કોઈ વાતનો સંકોચ કદી રહ્યો નથી. એટલે મેં કલેક્ટરને ગુસ્સે થવાનું કારણ પૂછયું. એમણે મને કહ્યું કે, “મારા કહ્યા વગર તમારે દરમિયાનગીરી કરવી જોઈતી ન હતી.”
મેં એમને તરત જ કહ્યું કે, “મેં કોઈ દરમિયાનગીરી કરી નહોતી, પરંતુ તમે લોકોની વાત સમજતા ન હતા. એથી ઘણી ગેરસમજ થતી મેં જોઈ એટલે એ દૂર કરવા તમારી વાત એમને સમજાવવાની મેં કોશિશ કરી. એ રીતે ઉપયોગી થવાનો મેં પ્રયાસ કર્યો કે જે મારી ફરજ હતી.” કલેક્ટર પોતાની ભૂલ મોંએથી કબૂલ કરવા રાજી ન હતા, પણ પોતાની ભૂલ સમજી ગયા અને તેથી હસીને મને કહ્યું કે, “યંગ મેન ફરગેટ ધીસ, આઈ ડિડ નોટ ટેઈક ઈટ ઈલ.” એ વાત ત્યાંથી પતી.
એ જમાનામાં જે શિરસ્તો હતો તે પ્રમાણે મારી વર્તણૂક ઉપરી અધિકારીને ધૃષ્ટતાભરેલી લાગે એવું ખુશામતનું વાતાવરણ ચાલતું હતું. હું આ વાતાવરણથી રંગાવા માગતો ન હતો. શરૂઆતથી જ ખુશામત ન કરવી, ખોટું ન બોલવું કે કરવું અને કોઈથી ગભરાવું કે ડરવું નહીં એ મારો સંકલ્પ હતો અને એ સંકલ્પ પાળવાને માટે નોકરી જાય તો ભલે જાય એવી મનમાં નિરાંત રાખી હતી. એટલે જ કલેક્ટરને અને તે પણ એક સિનિયર કલેક્ટરને હું મારા પ્રોબેશન કાળ દરમિયાન પણ સીધી વાત વિના સંકોચે કરી શક્યો હતો. મારા સહઅધિકારીઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ અજાયબી પામ્યા અને મને કહેવા લાગ્યા કે, મારે આવી ભૂલ ન કરવી જોઈએ. મેં એમને કહેલું કે, મારી એ ભૂલ નહોતી, પણ મારો એ ધર્મ હતો અને ધર્મ છોડીને હું કોઈ પણ લાભ માટે ખોટું કામ કરવા ઇચ્છતો નથી અને કોઈની પણ ખોટી શરમ કે ભીતિ રાખવામાં માનતો નથી.
અમદાવાદમાં એ વખતે એક એડિશનલ સેશન્સ જજ વાસુદેવ કરીને હતા, એમણે ડેપ્યુટી કલેક્ટર તરીકે શરૂઆત કરેલી, પણ તેઓ ઘણા વગવાળા માણસ હતા એટલે તરત જ જ્યુડિશિયલ લાઈનમાં ગયા અને એડિશનલ સેશન્સ જજ થયા. એમની સાથે મારે સારી મૈત્રી થઈ હતી અને એમને ત્યાં હું વારંવાર જતો હતો.
એક વખત મારી પાસે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ તરીકે એક છોકરાના ખૂનનો કેસ આવ્યો. એ ખૂન આકસ્મિક હતું. ખૂન કરવાને માટે ઈજા થયેલી ન હતી એવી મારી ખાતરી થઈ. મારી પાસે આ કેસ ચાલ્યો ત્યારે સામાન્ય રીતે ખૂનના કેસ તરીકે એ કેસ સેશન્સ કમિટ થાય એવો નિયમ હતો, પણ જ્યારે મેં સાક્ષીઓને તપાસ્યા ત્યારે મને સાફ સમજાયું કે, આ કેસ સાદી ઈજાનો છે- ખૂનનો નથી અને એ જાતનો કોઈ પણ ઈરાદો આરોપીનો હતો નહીં- હોઈ શકે નહીં. એટલે મેં સાદી ઈજાનું તહોમતનામું ઘડી કાઢયું અને એ માણસને ત્રણ મહિનાની સજા કરી. વાસુદેવને આ કેસની ખબર પડી ત્યારે એમને મને કહ્યું કે, તમારે આ કેસને સેશન્સ કમિટ જ કરવો જોઈતો હતો અને ખૂનનું તહોમતનામું જ ફરમાવવું જોઈતું હતું. મેં એમને તરત જ કહ્યું કે, મેં ખોટો ન્યાય કર્યો છે એવું જો તમને લાગે તો જરૂર તમે એ કેસને પાછો મગાવી શકો છો અને તમારા અધિકારની રૂએ હાઈકોર્ટને મારું જજમેન્ટ ફેરવવા અને કેસ ફરી ચલાવવા રિમાન્ડ કરવાને લખી શકો છો. એમણે મારું જજમેન્ટ જોયું અને કેસને હાઈકોર્ટમાં રિફર કરવાનું મન એમને ન થયું અને મારો ચુકાદો બહાલ રહ્યો હતો.”
૧૯૧૯માં મોરારજી દેસાઈ અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટર હતા. તે વખતે રોલેક્ટ એક્ટની વિરુદ્ધ દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. અંગ્રેજ સરકારે ગાંધીજીને પંજાબ જતા રોક્યા હતા. એના કારણે અમદાવાદમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. ભદ્રના કિલ્લામાં તેમની ઓફિસ હતી. તોફાનોના ખબર મળતા જ ડેપ્યુટી કલેક્ટર મોરારજી દેસાઈ સાઈકલ લઈ તોફાનોને કાબૂમાં લેવા શહેરમાં નીકળી પડયા હતા. ધોળકાના અંગ્રેજ આસિ. કલેક્ટર તો ભાગીને છૂપાઈ ગયા હતા. ભદ્રમાં મેટ્રિકની પરીક્ષા માટે બાંધવામાં આવેલો મંડપ પણ લોકોએ બાળી મૂકયો હતો. એ વખતે મેટ્રિકની પરીક્ષા આપનારાઓમાં ઠાકોરભાઈ દેસાઈ પણ એક હતા. વિરમગામમાં એક સરકારી અધિકારીને જીવતો સળગાવી દીધો હતો. સરદાર સાહેબના પ્રયાસો બાદ અંગ્રેજો વિરુદ્ધનાં એ તોફાનો શાંત થયાં હતાં. મોરારજી દેસાઈ થાણાના પ્રાંત ઓફિસર હતા ત્યારે ઘોડા પર જ મુસાફરી કરતા. એ વખતે થાણામાં એક ડાકુ હતો. એ કારણે તેમણે એક ડાકુનો સામનો થઈ જાય અને જરૂર પડે તે માટે એક પિસ્તોલ પણ રાખી હતી. અલબત્ત, તેમનો ડાકુ સાથે કદી ભેટો થયો નહીં અને પિસ્તોલનો પણ ઉપયોગ કરવો પડયો નહોતો.
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "