Devendra Patel

Journalist and Author

Month: January 2016

દેશના ઝડપી વિકાસ માટે ભ્રષ્ટાચાર પણ જરૂરી છે ?

જ્યારે નટવર સિંહ, શશિ થરુર, અશોક ચવાણ, સુબોધકાંત સહાયને રાજીનામું આપવું પડયું હતું

આજે પ્રજાસત્તાક દિન છે. ભારતને પ્રજાસત્તાક થયે છથી વધુ દાયકા થયા. દિલ્હીમાં આજે ભવ્ય પરેડ થશે. એ પરેડ માટે સૌ કોઈને ગર્વ અને ગૌરવ થાય તેવો સ્પેક્ટેક્યુલર શો હશે, પરંતુ બીજી બાજુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે, આઝાદીનાં આટલાં વર્ષો બાદ ભારતે હજુ ગરીબીમાંથી આઝાદી મેળવવાની બાકી છે, ભારતે હજુ કોમવાદ અને જ્ઞાતિવાદથી આઝાદી મેળવવાની બાકી છે. ભારતે હજી બેરોજગારીમાંથી આઝાદી મેળવવાની બાકી છે અને સૌથી મોટી વાત એ કે ભારતે હજુ ભ્રષ્ટાચારમાંથી આઝાદી મેળવવાની બાકી છે.

ભ્રષ્ટાચાર અને વિકાસ

એક અમેરિકન અર્થશાસ્ત્રીએ એક વિવાદાસ્પદ વિધાન કરેલું છે કે, કોઈ પણ દેશના ઝડપી આર્થિક વિકાસ માટે ભ્રષ્ટાચાર પણ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. જોકે બધા લોકો આ વિધાન સાથે સંમત નહીં થાય, પરંતુ એક વાત સ્વીકારવી પડે કે, લોકતંત્ર એ ધીમી પ્રક્રિયાવાળી વહીવટી પદ્ધતિ ધરાવે છે. તમારે એક એરપોર્ટ બનાવવું છે તો તે અંગેના પ્લાન્સ બનાવવાથી માંડી, અધિકારીઓની ટેબલે ટેબલે ફરીને લેવી પડતી મંજૂરી, મંત્રીની મંજૂરી, નાણાં વિભાગની મંજૂરી, વહીવટી મંજૂરી, ટેન્ડર પ્રક્રિયાથી માંડીને વર્ક ઓર્ડરની પ્રક્રિયા મહિનાઓ લઈ શકે છે. હવે તમે દરેક ટેબલ પર ‘વ્યવહાર’ કરી દો તો એ કામ કેટલું ઝડપી પૂરું થાય ? જે તે શહેરને કેટલું વહેલું એરપોર્ટ મળે? થઈ શકે ને ઝડપી વિકાસ ?

પાછલાં પ્રકરણો

ભારતમાં આજ સુધી આવેલી એક પણ સરકાર એવી નથી કે જેમાં કોઈ ને કોઈ મંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ થયો ન હોય. જવાહરલાલ નહેરુના સમયમાં પણ એ વખતના સંરક્ષણ મંત્રી વી. કે. કૃષ્ણમેનન પર ઇંગ્લેન્ડથી લશ્કર માટે જીપો ખરીદવાના પ્રકરણમાં ભ્રષ્ટાચારના આરોપો થયા હતા. નહેરુ એમાં જવાબદાર નહોતા, પણ કૃષ્ણમેનને તેમને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દીધા હતા. એ પછી મુંદ્રા અને ધર્મ તેજા પ્રકરણ ઊછળ્યું હતું. વાજપેયીજીની સરકાર વખતે કારગિલના યુદ્ધ વખતે કોફિન પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. યુપીએની સરકાર વખતે ટુજી સ્પેક્ટ્રમ પ્રકરણ ચમક્યું હતું. લાલુ પ્રસાદ પર ઘાસચારા કૌભાંડનો આરોપ હતો. તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતા પર આવક કરતાં વધુ સંપત્તિના આરોપો મૂકાયા હતા. મુલાયમસિંહ પણ આવા આરોપોથી બાકાત નથી. મહારાષ્ટ્રમાં આદર્શ હાઉસિંગનું કૌભાંડ બહાર આવ્યું હતું. હાલ મધ્ય પ્રદેશમાં વ્યાપમં કૌભાંડ પણ ચર્ચામાં રહ્યું. તે પછી લલિત મોદી પ્રકરણ બજારમાં આવ્યું. દિલ્હીમાં કેજરીવાલની સરકારના એક મંત્રી દ્વારા ઓટો પરમિટનું પ્રકરણ વિવાદમાં આવ્યું. કેજરીવાલે કેન્દ્રના નાણામંત્રી અરુણ જેટલી પર ભ્રષ્ટાચારના આરોપો મૂકી તેમના રાજીનામાંની માગણી કરી છે.

આજે દેશમાં અને દિલ્હીમાં જે થઈ રહ્યું છે એમાં ફરક એટલો જ છે કે, યુપીએ સરકાર વખતે આરોપો મૂકનારા બચાવની સ્થિતિમાં છે અને એ વખતે બચાવ કરનારા આજે આરોપો મૂકી રહ્યા છે. યુપીએ સરકારના ૧૦ વર્ષના વહીવટ દરમિયાન વિરોધ પક્ષના દબાણના કારણે છ જેટલા મંત્રીઓએ અને એક મુખ્યમંત્રીએ રાજીનામાં આપી દેવા પડયા હતા.

નટવર સિંહ

તા. ૬ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ કેન્દ્રના વિદેશમંત્રી નટવર સિંહે યુએનના ઇરાક ખાતેના ઓઈલ ફોર ફૂડ પ્રોગ્રામ હેઠળ ગેરકાયદે કેટલોક ફાયદો ઉઠાવ્યાના આરોપ હેઠળ મંત્રીપદેથી રાજીનામું આપી દેવું પડયું હતું. એ વખતે નટવર સિંહે કહ્યું હતું કે, “મારા કારણે સંસદ ચાલે જ નહીં એમ હું થવા દેવા માગતો નથી. તેથી હું રાજીનામું આપી દઉ છું.” પરંતુ સાચું કારણ એ હતું કે, પક્ષમાંથી જ ઉપરથી આવેલા દબાણના કારણે રાજીનામું આપવાની ફરજ પડી હતી.

શશિ થરુર

તા. ૧૯ એપ્રિલ, ૨૦૧૦ના રોજ કેન્દ્ર સરકારના જુનિયર વિદેશમંત્રી શશિ થરુરે પણ એવા જ બીજા એક કારણસર રાજીનામું આપી દીધું હતું. તેમની પર આઈપીએલમાં કોચી ફ્રેન્ચાઈઝ અંગે ખોટી રીતે મદદરૂપ થવાનો આરોપ હતો. તેમનાં પત્ની સુનંદા થરુર એ કોર્ન્સોિટયમનાં સભ્ય હતાં. જોકે, આ અંગે કોઈ જ કેસ કરવામાં આવ્યો નહોતો. એ વખતે સંસદમાં નાણાં બિલ અટવાઈ પડે તેમ લાગતા ઉપરના દબાણના કારણે તેમને રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. એ પછી કેટલાક સમય બાદ તેમનાં પત્ની સુનંદા થરુરનું એક હોટલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ ગયું.

અશોક ચવાણ

મહારાષ્ટ્રના એ વખતના મુખ્યમંત્રી અશોક ચવાણે પણ તા. ૯ નવેમ્બર, ૨૦૧૦ના રોજ ભ્રષ્ટાચારના આરોપસર રાજીનામું આપી દીધું હતું. તેમની પર આરોપ હતો કે, આદર્શ હાઉસિંગ સોસાયટીમાં તેમણે ગેરકાયદે વધારાના ફ્લોરની મંજૂરી આપી હતી. આ કેસ અંગે ચાર્જશીટ થયેલી છે. હજુ કેસનો કોઈ નિકાલ આવ્યો નથી.

સુબોધકાંત સહાય

તા. ૨૭ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ કેન્દ્રના પ્રવાસન ખાતાના મંત્રી સુબોધકાંત સહાયને પણ ભ્રષ્ટાચારના મુદ્દે રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. તેમની પર વિરોધ પક્ષનો આરોપ હતો કે, તેમણે તેમના ભાઈ જે ખાનગી કંપનીમાં ડાયરેક્ટર હતા તે કંપનીને કોલ બ્લોક આપવાની ભલામણ કરી હતી. સીબીઆઈએ એ કેસમાં સુબોધકાંત સહાય કે તેમના ભાઈના નામનો એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો નથી.

અશ્વિની કુમાર

તા. ૧૦ મે, ૨૦૧૩ના રોજ કેન્દ્રના કાયદામંત્રી અશ્વિની કુમારને પણ રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. તેમની પર આરોપ હતો કે જે કેસ સુપ્રીમ કોર્ટની નિગરાની હેઠળ હતો તેવા કોલગેટની તપાસને તેમણે પ્રભાવિત કરવા પ્રયાસ કર્યો હતો. તેમની સામે કોઈ કેસ થયો નથી.

પવનકુમાર બંસલ

એવી જ રીતે યુપીએ સરકારના એ વખતના રેલવેમંત્રી પવનકુમાર બંસલે પણ ભ્રષ્ટાચારના આરોપોના કારણે રાજીનામું આપી દીધું હતું. તેમની સામે આરોપ હતો કે, રેલવેના અધિકારીઓની બઢતી માટે તેમના એક ભત્રીજાએ લાંચ લીધી હતી. આ પ્રકરણ અંગે સીબીઆઈએ કેસ કરેલો છે જેમાં તેમની ભત્રીજો એક આરોપી છે.

આ બધાં તો ભૂતકાળનાં પ્રકરણો છે. હવે એ વખતે જે સત્તા પક્ષ હતો તેઓ સુષમા સ્વરાજ, વસુંધરા રાજે, શિવરાજસિંહ ચૌહાણને પણ લક્ષ્ય બનાવી રહ્યો છે. ભાજપના જ નેતા ર્કીિત આઝાદ ભાજપના જ એક મંત્રી પર ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રહ્યા છે. ભ્રષ્ટાચારના મુદ્દે દિલ્હીમાં જંતરમંતર પર ધરણાં કરનાર અણ્ણા હઝારે ચૂપ છે. બાબા રામદેવ ચૂપ છે. કિરણ બેદી ચૂપ છે. લાગે છે કે, તેઓ પણ અમેરિકાના અર્થશાસ્ત્રીની એ વિવાદાસ્પદ વાત સંમત છે કે, દેશના ઝડપી વિકાસ માટે ભ્રષ્ટાચાર જરૂરી છે.

ભ્રષ્ટાચારથી દેશનો વિકાસ કરી શકાય એ વિચાર સાથે અમે સંમત નથી.

હું આ પીડા સહન કરી શકું છું, તારું મૌન નહીં

રમોના.

એક ગ્રામ્ય પણ સુખી પરિવારમાં જન્મેલી યુવતી હતી. હજુ તો હમણાં જ તેણે યુવાનીનો ઊંબરો આળંગ્યો હતો. ઉંમર કરતાં તે વધુ પુખ્ત લાગતી હતી. કોણ જાણે કેમ પણ અચાનક જ તેના માતા-પિતાએ રમોનાને કોલેજ છોડાવી દીધી અને તેના માટે છોકરાઓ જોવાનું શરૂ કરી દેવામાં આવ્યું. નજીકના જ એક ઉપનગરનો તેના જ સમાજનો એક યુવક પસંદ કરવામાં આવ્યો એ યુવાનનું નામ વિશાલ.

વિશાલે રમોનાને જોઈ અને એણે તરત જ હા પાડી દીધી. રમોનાના પિતા સખ્ત સ્વભાવના હતા. તેમની મરજી સામે ઘરમાં કોઈનું કાંઈ ચાલતું નહીં. વિશાલના પરિવારવાળા જાન લઈને આવ્યા. વિશાલ ઘોડે ચઢી વરરાજા થઈને આવ્યો. ઉતાવળે ઉતાવળે જાણે કે ઘડિયા લગ્ન લેવાયા, સમાજના લોકોને પણ આશ્ચર્ય તો હતું જ રમોનાની ઉંમર થઈ ગઈ છે પણ આટલા વહેલા લગ્ન કેમ ?

લગ્ન બાદ વિશાલ રમોનાને ઘેર લઈ આવ્યો. રમોના થોડા જ દિવસોમાં સાસરિયા સાથે ભળી ગઈ. તે સુંદર પણ હતી અને વ્યવહારુ પણ હતી.

સમય વીતતો ગયો.

સુખી લગ્ન જીવનના ફળ રૂપે રમોનાએ એક પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મ બાદ વિશાલને નજીકના એક શહેરમાં નોકરી મળી ગઈ. ઘરમાં બધાને લાગ્યું કે રમોના શુભ પગલાંની છે. રમોનાના આગમન બાદ ઘરમાં પુત્રજન્મ થયો અને તેના પતિને નોકરી પણ મળી ગઈ. થોડા દિવસો બાદ વિશાલે નજીકના શહેરમાં એક ઘર ભાડે લઈ લીધું, કેટલાક મહિનાઓ બાદ તે રમોનાને પણ તેડી ગયો જેથી ખાવા-પીવાની તકલીફ ના પડે. રમોના પણ હવે સંયુક્ત પરિવારમાંથી સ્વતંત્રતા મળતાં વધુ ખુશ દેખાવા લાગી. દિવસે વિશાલ નોકરીએ જતો અને સાંજે ઘેર આવતો.

એક દિવસ તબિયત ઠીક ના લાગતાં વિશાલ બપોરના સમયે જ રજા લઈ ઘેર આવી ગયો. બારણું ખુલ્લું હતું. પારણામાં સૂતેલું બાળક જોશજોશથી રડતું હતું પણ ઘરમાં કોઈ જણાતંુ નહોતું. વિશાલે આખું ઘર તપાસ્યું પણ ઘરમાં રમોના નહોતી. બાળક શાયદ ભૂખ્યું થયું હતું. વિશાલે બાથરૂમની પણ તપાસ કરી પરંતુ રમોના બાથરૂમમાં પણ નહોતી, એણે બાળકને પારણામાંથી બહાર કાઢી પોતાની છાતી સાથે ચીપકાવ્યું. થોડું પાણી પીવરાવ્યું. તેની પીઠ થપથપાવી, બાળક રડતું શાંત થઈ ગયું. વિશાલે ફરી બાળકને પારણામાં સુવરાવ્યું અને પારણું ઝુલાવ્યું.

રમોના હજુ ગુમ હતી.

અચાનક વિશાલના કાન પર રમોનાના ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો. અવાજ મકાનના ધાબા પરથી આવી રહ્યો હતો. એને લાગ્યું કે રમોના મકાનની અગાશીમાં કોઈની સાથે વાતો કરી રહી છે. તે દબાતા પગલે ધાબા પર ગયો. રમોનાને ખબર નહોતી કે તેનો પતિ પગથિયામાં એક દીવાલની પાછળ ઊભો ઊભો વાત સાંભળી રહ્યો છે.

રમોના મોબાઈલ પર કોઈની સાથે વાતો કરી રહી હતી, તે બોલી રહી હતીઃ ‘ નીરજ, પિયર છોડે મહિનાઓ થઈ ગયા. પણ શું કરું ? હવે સંસારની પળોજણમાં પડી ગઈ છું. તને મળવા આવવાનું મન તો ઘણું થાય છે પણ શું કરું ? પપ્પાએ મને પરણાવી દીધી. હું તો આજે પણ તને જ યાદ કરું છું. તું જ મારો પહેલો પ્રેમ રહ્યો છે. તું હવે મારો ઈન્તજાર ના કર. ક્યારેક આવીશ તો તને મળ્યા વગર પાછી નહીં આવું.’

દીવાલના આડશમાં પગથિયાં પર ઊભેલો વિશાલ તો રમોનાની વાતો સાંભળી સ્તબ્ધ થઈ ગયો. એણે ખ્યાલ આવી ગયો કે રમોના મને પરણી એ પહેલાં તેનો કોઈ અફેર હતો અને હજુ તે તેના અફેરને ભૂલી નથી. તે હવે વધુ સાંભળી શકે તેમ નહોતો. ક્રોધથી ધૂંવાંપૂવાં થતાં તે ચૂપચાપ નીચે ઊતરી ગયો.

થોડી વાર બાદ રમોના ધાબા પરથી નીચે આવી. પતિને અચાનક ઘરમાં આવેલો જોઈ તે થોડી સહેમી તો ગઈ. પતિ વિશાળ બાળકના પારણાને ઝુલાવી રહ્યો હતો. પતિને જોઈ તે બોલીઃ ‘અરે વિશાલ! તમે ક્યારે આવ્યા ? મને તો ખબર જ ના પડી. તબિયત તો સારી છે ને ?’

વિશાલે પોતાના અસલી ભાવ છુપાવતા કહ્યું: ‘ના, બસ એમ જ. સહેજ માથું દુઃખતું હતું.’

‘હું ધાબા પર ગઈ હતી. એક બિલાડી ઘરમાં ઘૂસી ગઈ હતી, તેને ભગાવવા ઉપર ગઈ હતી’: રમોના તેના હાથમાં રાખેલો મોબાઈલ છુપાવવાનો પ્રયાસ કરતાં બોલી.

વિશાલે કહ્યું: ‘મેં તો તને કાંઈ પૂછયું જ નથી.’

રમોના અપરાધભાવ અનુભવતાં સીધી રસોડામાં જતી રહી. મોબાઈલ એક ખૂણામાં મૂકી દીધો અને વિશાલ માટે ચા બનાવવામાં પરોવાઈ ગઈ આખો દિવસ રમોના અને વિશાલ વચ્ચે ભાગ્યે જ કોઈ વાત થઈ. વિશાલ એક ટેબ્લેટ લઈ તેના શયનખંડમાં સૂઈ ગયો.

સાંજ પડતાં રમોનાએ પૂછયું: ‘શું રસોઈ બનાવું?’

‘કાંઈ પણ.’

રમોનાએ પણ વધુ ચર્ચા કરવાનું ટાળી વિશાલને ગમતી રસોઈ બનાવી, જમવાનું પીરસ્યું. વિશાલે ચૂપચાપ જમી લીધું. જમ્યા પછી વિશાલને ટેલિવિઝન પર તેની મનગમતી સિરિયલ જોવાની ટેવ હતી. આજે તેણે એવુું કાંઈ ના કર્યું. બંધ ટીવી સામે તે બેસી જ રહ્યો. સૂતાં પહેલાં બંનેેએ આખો દિવસ શું કર્યું તેની વાતો કરતાં. આજે એવું કાંઈ જ ના થયું. રાત્રે પલંગમાં પણ વિશાલ પડખું ફેરવીને સૂઈ ગયો. રમોનાને ખ્યાલ આવી ગયો કે કાંઈક તો ગરબડ છે જ. ‘શું વાત છે’ એવું પૂછવાની તેની હિંમત નહોતી.

આવું બીજા દિવસે પણ પુનરાવર્તન થયું. વિશાલ ના તે રમોનાને લડયો કે ના તો ઝઘડયો. એ ચૂપચાપ નોકરીએ જતો રહ્યો. રમોના આખો દિવસ વિચારશૂન્ય થઈ પડી રહી. આવું એક દિવસ થયું. બીજા દિવસે થયું. પૂરા દસ દિવસ સુધી ચાલ્યું. વિશાલે પણ જોયું કે, રમોનામાં કાંઈ પરિવર્તન દેખાય છે. એ દુબળી થવા લાગી હતી. તે અશક્ત જણાતી હતી. કેટલાક દિવસોથી રમોના વિશાલને જમવાનું પીરસતી અને તેણે અગાઉ જમી લીધું છે તેવું કહેતી.

એક સાંજની વાત છે.

વિશાલ નોકરીએથી ઘેર આવ્યો. તેના દીમાગમાં હજુ રમોનાની ધાબા પરની વાત હજુ ગૂંજતી હતી. આજે પણ વિશાલ કાંઈ બોલ્યા ચાલ્યા વિના જમવા બેઠો. જમી લીધું. રાત પડી. આજે પણ વિશાલે ટી.વી. પર કોઈ શ્રેણી નિહાળી નહીં. ચૂપચાપ રમોનાએ બાળકને ઊંઘાડી દીધું.

રાત આગળ વધવા લાગે તે પહેલાં રમોનાએ તેના પતિને કહ્યું: ‘થોડીક ક્ષણો મને આપો.’

‘એટલે ?’

‘એક મિનિટ હું આવું છું’ એમ કહી રમોના રસોડામાં ગઈ. તે પાછી આવી ત્યારે તેના હાથમાં ધારદાર ચાકુ હતું.

વિશાલ ગભરાઈ ગયો.

તે કાંઈ બોલે તે પહેલાં રમોનાએ પોતાની હથેળીમાં ચાકુ ઘુસાડી દીધું, તેના હાથમાંથી લોહી વહેવા લાગ્યું.

વિશાલ ચોંકી જતાં બોલ્યોઃ ‘આ શું કર્યું ?’

રમોના બોલીઃ ‘હું આ પીડા સહન કરી શકું છું પણ તમારું મૌન સહન કરી શકતી નથી.’

‘પણ મેં તો તને કાંઈ કહ્યું જ નથીઃ’ વિશાલ બોલ્યો.

રમોના બોલીઃ ‘મને એનો તો વાંધો છે. હું જાણું છું કે તમે મારો ભૂતકાળ જાણી ચુક્યા છો. તમે મને મારતા કેમ નથી? મને કાપી નાંખતા કેમ નથી? મારી એ અપરિપક્વતા હતી. એક સમયે મેં મારી ઉંમર સમજ કરેલી ભૂલ હતી. પણ તમારા મૌનની આગમાં હું સળગી રહી છું. મને માફ કરી દો. પ્લીઝ!

અને રમોનાના હાથમાંથી લોહી અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વિશાલ પણ રડી પડયો. એણે તાત્કાલિક એના હાથે રૂમાલ બાંધી દીધો. તત્કાળ તેને તબીબી સારવાર આપવામાં આવી. રમોના બચી ગઈ.

એ દિવસ પછી રમોનાએ એના ભૂતકાળને કાયમ માટે ભુલાવી દીધો. વિશાલે પણ રમોનાને માફ કરી દીધી. પશ્ચાતાપની આગમાં બળીને રમોના ફરી કંચન શુદ્ધ થઈ. ત્યાર પછી વિશાલે કદીયે રમોનાને કાંઈ પૂછયું નહીં. અને એના ભૂતકાળનો કોઈ અફસોસ પણ રાખ્યો નહીં. તેમનું દાંપત્ય જીવન પણ બચી ગયું.

કેટલીક વાર ક્રોધ કરતાં મૌન વધુ શક્તિશાળી સાબિત થાય છે! ક્રોધ કરતાં મૌન, પસ્તાવો, ભૂલોનો એકરાર અને ક્ષમાથી ઘણા પ્રશ્નો હલ થઈ શકે છે. ક્ષમા માંગતાં અને ક્ષમા આપતા શીખો.

– દેવેન્દ્ર પટેલ

રસિકભાઈ,આગ બુઝાવવાની કોઈ તાલીમ લીધી છે ખરી ?

કુદરતી હોનારતો અને અકસ્માતોની ઘટનાઓ વખતે મંત્રીઓના હવાઈ નિરીક્ષણથી શું ફાયદો

એક ક્લાસિક કિસ્સો અત્રે પ્રસ્તુત છે. આ ઘટના વર્ષો પહેલાંની છે. ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા અને તેમના મંત્રીમંડળમાં રસિકભાઈ પરીખ રાજ્યના ગૃહમંત્રી હતા. એમના શાસનકાળ દરમિયાન રસિકભાઈ પરીખના મતવિસ્તાર લીંબડી ખાતે એક જીનિંગ પ્રેસમાં ભયંકર આગ લાગી. આગ એટલી તો વિકરાળ હતી કે આખા સૌરાષ્ટ્રભરમાંથી ફાયર ફાઈટર્સને લીંબડી મોકલવા પડયા. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર, પોલીસ વડા અને આખું જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું હતું. આ ઘટનાની ખબર પડતાં રાજ્યના ગૃહમંત્રી રસિકભાઈ પરીખે લીંબડી એ પોતાનો મતવિસ્તાર હોવાના કારણે ઘટનાસ્થળે જવાનું નક્કી કર્યું. લીંબડી જતાં પહેલાં માત્ર ઔપચારિકતા ખાતર તેઓ એ વખતના મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના કાને એ વાત નાખવા ગયા કે, “લીંબડીમાં આગ લાગી હોઈ હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું.”

ગૃહમંત્રી રસિકભાઈ પરીખની વાત સાંભળ્યા બાદ એ વખતના મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ પ્રશ્ન કર્યો : “રસિકભાઈ, તમે આગ બુઝાવવાની કોઈ ટ્રેનિંગ લીધી છે ખરી ? તમે આગ ઠારવાના કોઈ નિષ્ણાત છો ? તમે ફાયર ફાઈટિંગ વિશે કંઈ જાણો છો ખરા ?”

રસિકભાઈ પરીખ મૌન થઈ ગયા.

તે પછી ફરી ડો. જીવરાજ મહેતાએ કહ્યું, “રસિકભાઈ તમે રાજ્યના ગૃહમંત્રી છો. તમે ત્યાં જશો એટલે પ્રશાસનિક વહીવટી તંત્રે તમારી આસપાસ તમારી જ સારસંભાળ રાખવામાં કામે લાગી જવું પડશે. તમારે ત્યાં જવાની જરૂર નથી. તમે એક કામ કરો. રાજ્યના કંટ્રોલ રૂમમાં બેસીને જિલ્લાના વહીવટી અધિકારીઓને ગૃહમંત્રી તરીકે યોગ્ય માર્ગદર્શન આપો અને તેમને બીજી જે સુવિધાઓ જોઈતી હોય તે મોકલી આપો.”

અને રસિકભાઈએ ડો. જીવરાજ મહેતાની વાત સ્વીકારી લીંબડી જવાનું મોકૂફ રાખ્યું. આ ઘટના કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ એક દિવસ એક વખતના પૂર્વ ગૃહમંત્રી ખુદ રસિકભાઈ પરીખે જાણીતા વરિષ્ઠ સમાજસેવક શશીકાંત દવે (જૂનાગઢ)ના તેમના ઘરે ભોજનના ટેબલ પર કહી હતી. એ વખતે રતુભાઈ અદાણી અને પૂર્વ કાયદામંત્રી દિવ્યકાંત નાણાવટી પણ હાજર હતા. થેલિસિમિયા તબીબી ક્ષેત્રે મહામહિમ રાજ્યપાલ દ્વારા સન્માનિત શશીકાંત દવેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી અકસ્માતો અને હોનારતો વખતે મંત્રીઓના જે તે સ્થળે દોડી જવા પ્રતિબંધ મૂકવા માગણી કરી છે.

હવાઈ નિરીક્ષણ શા માટે ?

ક્યાંક કુદરતી હોનારત સર્જાય છે અને નેતાઓ હેલિકોપ્ટર લઈ હવાઈ નિરીક્ષણ કરવા દોડી જાય છે. ક્યાંક મોટો અકસ્માત સર્જાય છે અને મંત્રીઓ જાતે જ ઘટનાસ્થળ પર દોડી જાય છે. તેમની સાથે ન્યૂઝ ચેનલવાળા પણ દોડે છે. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ પણ દોડે છે. આખું વહીવટી તંત્ર મંત્રીઓની સુરક્ષામાં લાગી જાય છે. આવું આજે જ થાય છે તેવું નથી. વર્ષોથી ચાલ્યું આવે છે. પરિણામ એ આવે છે કે,ઘવાયેલાઓને જે તાત્કાલિક સારવારની જરૂર હોય છે તે બાજુએ રહી જાય છે. એમ્બ્યુલન્સ અને તબીબો બાજુમાં રહી જાય છે. પરિણામે ઘવાયેલાઓના જાન બચાવવાની કામગીરીમાં મંત્રીઓની મુલાકાત દખલરૂપ સાબિત થાય છે. તાજેતરમાં જ બીએસએફના અધિકારીઓને લઈ જતું એક વિમાન તૂટી પડયું અને ૧૦ અધિકારીઓનાં મોત નીપજ્યા જે એક કમનસીબ ઘટના હતી. આ વખતે પણ કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહ ઘટનાસ્થળે દોડી ગયા. રાજનાથસિંહ એક કાર્યક્ષમ મંત્રી છે, પરંતુ રાષ્ટ્રમાં કે રાજ્યમાં થતાં અકસ્માતો વખતે જે તે સ્થળે મંત્રીઓના દોડી જવા પર હવે સંયમ રાખવાની જરૂર છે.

વિપક્ષો પણ સંયમ રાખે

એ વાત સાચી પણ છે કે જ્યારે કોઈ સ્થળે મોટી અકસ્માતની ઘટના બને છે ત્યારે મંત્રી ત્યાં ના જાય તો વિપક્ષોના નેતાઓ પણ પહોંચી જાય છે અને લોકોની લાગણીઓને ખિસ્સામાં કરી તેનો રાજકીય લાભ ઉઠાવવાની કોશિશ કરે છે. જે તે ક્ષેત્રના મંત્રી ઘટનાસ્થળે ના પહોંચે તો વિપક્ષના નેતાઓ જે તે મંત્રીને લોકોની પરવા નથી એવી ટીકા પણ કરે છે. વિપક્ષોએ પણ લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેનો રાજકીય લાભ ખાટવાની પ્રવૃત્તિથી બચવું જોઈએ. મંત્રી હોય કે વિપક્ષનો નેતા તેણે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે, મોટા અકસ્માતો વખતે ભારે ખુવારી થતી હોય છે. તે વખતે સ્થાનિક પ્રશાસન કલેક્ટરથી માંડીને ક્લાર્ક સહિત અને પોલીસ સહિત સૌ કોઈ જાનમાલને થયેલા નુકસાનનો અંદાજ કાઢવામાં, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં, અકસ્માતનો ભોગ બનેલા નાગરિકોની કીમતી ચીજવસ્તુઓ કોઈ ચોરી ના જાય તેની સુરક્ષા ગોઠવવામાં વ્યસ્ત હોય છે. મોટી હોનારત વખતે પોલીસ અને લશ્કરના જવાનો પણ બચાવ કામગીરીમાં વ્યસ્ત હોય છે ત્યારે મંત્રીઓ હેલિકોપ્ટરમાં ત્યાં જઈ તેમને મદદરૂપ થવાના બદલે અગવડરૂપ વધારે થતાં હોય છે.

હા, તેમણે કાંઈક કરવું જ હોય તો ભૂતકાળમાં પૂર્વ રેલવેમંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ કર્યું તેમ કરવું જોઈએ. આજથી છ દાયકા પૂર્વે એ વખતના વડા પ્રધાન જવાહરાલ નહેરુના મંત્રીમંડળમાં લાલબહાદુર શાસ્ત્રી રેલવેમંત્રી હતા. ૧૯૫૬માં તામિલનાડુમાં એક મોટો રેલવે અકસ્માત થયો હતો, જેમાં ૧૨૦ જેટલા લોકોનાં મોત નીપજ્યાં હતાં. એ અકસ્માતની નૈતિક જવાબદારી પોતે સ્વીકારી લીધી હતી અને લાલબહાદુર શાસ્ત્રીએ રેલવેમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું.

આજે આ શક્ય છે ખરું ?

દર મિનિટે એક અકસ્માત

અકસ્માતો એ હવે આ દેશનો એક હિસ્સો બની ગયો છે. દેશમાં થતાં અકસ્માતોના આંકડા ગોઝારા છે. ભારતમાં રોજ ૧૨૧૯ વાહન અકસ્માતો થાય છે. દર વર્ષે ભારતમાં રોડ અકસ્માતોમાં ૧,૩૭,૦૦૦ માણસો મૃત્યુ પામે છે. આ આંકડો ૨૦૧૩નો છે. દ્વિચક્રી વાહનો ચલાવનારાઓના જે અકસ્માતો થાય છે તે પૈકી ૨૫ ટકા વાહનચાલકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજે છે. દર વર્ષે રોડ અકસ્માતના કારણે ૧૯ વર્ષથી ઓછી વયનાં ૨૦ બાળકો રોજ મૃત્યુ પામે છે. રોજ ૩૭૭ લોકો બેફામ વાહન ચલાવવાના કારણે મૃત્યુ પામે છે. દેશમાં દર એક મિનિટે ગંભીર રોડ અકસ્માત થાય છે. સૌથી વધુ અકસ્માતો દિલ્હીમાં થાય છે. તે પછી ચેન્નાઈ, જયપુર, બેંગલુરુ, મુંબઈ, કાનપુર, લખનૌ, આગ્રા, હૈદરાબાદ અને પૂણે આવે છે.

ગુજરાતમાં રોડ અકસ્માતથી રોજ ૨૩ લોકોનાં મૃત્યુ નીપજે છે.

નાગરિકો કાળજી રાખે અને મંત્રીઓ સંયમ રાખે.

ગ્રેજ્યુએટને જોબ મળતી નથી ત્યારે બીજું વિચારતો થાય છે

વિશ્વ વિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીના ૯૦૦ વર્ષના ઈતિહાસમાં પહેલી જ વાર એક મહિલા તે યુનિવર્સિટીના વાઈસ ચોન્સેલર બન્યાં છે.

તેમનું નામ લુઈઝ રિચર્ડસન.

ઈંગ્લેન્ડમાં આવેલી ઓક્સફર્ડ યુનિવર્સિટી અંગ્રેજી ભાષા બોલતા વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટી છે. લુઈઝ રિચર્ડસન જાન્યુઆરી મહિનામાં જ તેમનો પદ કાર્યભાર સંભાળી રહ્યા છે. આજે આખું વિશ્વ આતંકવાદના ઓછાયા હેઠળ જીવી રહ્યું છે ત્યારે ખૂબી એ વાતની છે કે લુઈઝ રિચર્ડસન’ટેરર એક્સપર્ટ’ છે. વિશ્વભરમાં ફેલાયેલ આતંકવાદ પર અભ્યાસ કરનાર લુઈઝ આતંકવાદના વિષયના નિષ્ણાત સ્કોલર છે. તેમણે લખેલા અનેક પુસ્તકો પૈકી એક પુસ્તક જેે સૌથી વધુ જાણીતું છે. તેનું શીર્ષક છે : ‘વોટ ટેરરિસ્ટ વોન્ટ : અંડર સ્ટેન્ડિંગ ધી એનિમી, કંટેઈનિંગ ધી થ્રેટ.’

૫૭ વર્ષની વયના લુઈઝ રિચર્ડસન અનેક પુરસ્કારો પ્રાપ્ત કરી ચૂક્યાં છે.

લુઈઝ રિચર્ડસનનો જન્મ આયર્લેન્ડમાં થયો હતો. તેમના પિતા પણ આતંકવાદના વિષય પરના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાત હતા. તેમનું બચપણ ટ્રેમોર ખાતે વીત્યું હતું. તેઓ સાત ભાઈ-બહેનો પૈકીના એક હતા. તેમના પિતાનંુ નામ આર્થર અને માતાનું નામ જુલી છે. ડબલીનની ટ્રિનિટી કોલેજ ખાતે અભ્યાસ કરી તેમણે બી.એડ્.ની ડિગ્રી લીધી હતી. ૧૯૮૨માં તેમણે એમ.એ.ની ડિગ્રી લીધી હતી.

૧૯૭૭માં અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભણવા માટે તેમને રોટરી સ્કોલરશીપ મળી હતી તે પછી તેમણે સેંટ એન્ડ્રયૂઝ અને હાવર્ડ યુનિવર્સિટી દ્વારા આતંકવાદ પર અભ્યાસ કરી પોલિટિકલ સાયન્સમાં એમ.એ.ની ડિગ્રી અપગ્રેડ કરી હતી. તેમના આ અભ્યાસમાં આંતરરાષ્ટ્રીય સલામતી અને અમેરિકા તથા બીજા દેશોની કમ્પેરેટિવ ફોરેન પોલિસીનો વિષય પણ આવી જતો હતો. ૧૯૮૯માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી પણ હાંસલ કરી હતી.

આ સમયગાળા દરમિયાન તેમણે બધા મળીને કુલ આઠ વર્ષ સુધી ભણાવવાનું કામ પણ કર્યું હતું. અમેરિકાના હાવર્ડ યુનિવર્સિટીના બીજા કેટલાયે વહીવટી વિભાગોનું તેમણે નેતૃત્વ કર્યું હતું. અલબત્ત, તેમનું મુખ્ય લક્ષ્ય તો આતંકવાદનો અભ્યાસ જ હતું. ટેરરિસ્ટ મૂવમેન્ટ ઈન ઈન્ટરનેશનલ રિલેશન્સના પરના તેમના અભ્યાસ અને શિક્ષણના કારણે તેમને હાવર્ડ યુનિવર્સિટી તરફથી લેવનસન પ્રાઈઝ મળ્યું હતું. એ જ રીતે અમેરિકન પોલિટિકલ સાયન્સ એસોસિએશન તરફથી શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય માટે પણ તેમને ‘એબ્રામસન એવોર્ડ’ એનાયત થયો હતો.

૨૦૦૯માં યુનિવર્સિટી ઓફ સેંટ એન્ડ્રયુઝમાં પ્રિન્સિપાલ તરીકે તેમની નિમણૂક થઈ હતી.

અમેરિકામાં ન્યૂયોર્ક ખાતેના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર નાઈન ઈલેવનના આતંકી હુમલા બાદ તેમણે આતંકવાદ પર વૈજ્ઞાાનિક અભ્યાસ કરી ‘વોટ ટેરરિસ્ટ વોન્ટ’ નામનું પુસ્તક લખ્યું હતું. આ સિવાય તેમણે લખેલાં અન્ય પુસ્તકોમાં ‘વ્હેન એલાઈઝ ડિફટઃ એંગ્લો- અમેરિકન રિલેશન્સ ઈન ધી સુએઝ એન્ડ ફોકલેન્ડ ક્રાઈસીસ’, ‘ધી રૂટ્સ ઓફ ટેરરિઝમ’ અને ‘ડેમોક્રસી એન્ડ કાઉન્ટર ટેરરિઝમ : લેસન ફ્રોમ ધી પાસ્ટ’નો સમાવેશ થાય છે.

૨૦૦૧થી ૨૦૦૮ દરમિયાન તેમણે ૩૦૦થી વધુ પ્રવચનો ટેરરિઝમ પર આપ્યા. અમેરિકાની સેનેટને પણ તેમણે સંબોધી. ૨૦૦૯માં તેમને ધી ટ્રીનિટી કોલેજ ડબલીન એલ્યુમની એવોર્ડ પ્રાપ્ત થયો. ૨૦૧૦માં તેઓ ફ્ેલો ઓફ ધી રોયલ સોસાયટી ઓફ એડીનબરો તરીકે પસંદગી પામ્યા. ૨૦૧૩માં મોસ્કો સ્ટેટ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ટરનેશનલ રિલેશન્સ ડોક્ટરેટની માનદ્ ડિગ્રી આપી.

હવે તેઓ ઈંગ્લેન્ડની ખ્યાતનામ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યાં છે.

તેઓ કહે છે : અમેરિકામાં જ્યારે નાઈલ ઈલેવનનો આતંકવાદી હુમલો થયો ત્યારે અમેરિકનોએ વધુ પડતી તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. તેનું એક કારણ એ હતું કે આ પ્રકારના હિંસક કટ્ટરતાનો તેમને પહેલો અનુભવ હતો. અલકાયદાના ચાર ઉતારુઓએ અમેરિકન ઉતારુ વિમાનોના અપહરણ કરી વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે અથડાઈ ૩,૦૦૦ લોકોનાં મોત નીપજાવ્યા હતા. તેની સામે આવા હુમલા વખતે બ્રિટિશરો આયરીશ આતંકવાદનો સામનો કરતી વખતે વધુ સ્થિતિ સ્થાપક- લચક વૃત્તિવાળા રહ્યા છે. આતંકવાદની ઘટનાઓ મનોવૈજ્ઞાાનિક પ્રતિક્રિયાઓે વધુ ઉત્પન્ન કરે છે. આતંકવાદની ઘટનાઓ આવી સાયકોલોજિકલ ઈમ્પેક્ટ ઊભી કરવા માટે જ થાય છે.

તેઓ કહે છે : ‘કોમ્બાટિંગ સાયકોલોજિકલ ઈમ્પેક્ટ ઓફ ટેરર ઈઝ ધી બેસ્ટ કાઉન્ટર મેજર’. યુનિવર્સિટીઓ અને કટ્ટરવાદ વચ્ચે કોઈ સીધી કડી હોવાની વાતનો તેમણે ઈન્કાર કરે છે પણ સાથે સાથે તેઓ એમ પણ કહે છે કે હિંસક કટ્ટરવાદીઓ મોટે ભાગે યુવાનો જ વધુ હોય છે. એમાંયે યુવતીઓ કરતાં યુવકો વધુ અને ક્યારેક તેઓ યુનિવર્સિટીઓમાં ભેગા થાય છે. એક ગ્રેજ્યુએટને જોબ નથી મળતી ત્યારે તે બીજું વિચારતો થાય છે. આજના સમયમાં કટ્ટરવાદને નાથવા યુનિવર્સિટીઓ મહત્ત્વપૂર્ણ રોલ ભજવી શકે છે. યુનિવર્સિટીઓ તેમના વિદ્યાર્થીઓને આતંકવાદ અને તેથી પેદા થતી સમસ્યાઓ અંગે યોગ્ય જ્ઞાાન આપી શકે. ઉદ્દામવાદને નષ્ટ કરવા માટે શિક્ષણ જ શ્રેષ્ઠ એન્ટીડોટ- ઉપાય છે.

શ્રીમતી લુઈઝ રિચર્ડસનની વાત સાચી છે. પાકિસ્તાનમાં રહેલા જૈશ-એ- મોહંમદ જેવા આતંકવાદી સંગઠનો અશિક્ષિત અને ગરીબ યુવાનોને ગુમરાહ કરી સ્યૂસાઈડ બોમ્બર બનાવી ભારતમાં ધકેલી દે છે. આ યુવાનોને શિક્ષણ અને જોબ મળી હોત તો તેઓ આતંકવાદી બનવાનું પસંદ ના કરત.

જે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લુઈસ રિચર્ડસન વાઈસ ચાન્સેલર તરીકે નીમાયા છે. તેના ચાન્સેલર ક્રીસ પેટન છે. તેઓ કહે છેઃ પ્રો. રિચર્ડસન અમારી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે આવી રહ્યા છે. તેનો અમને આનંદ છે. ઓક્સફર્ડએ વિશ્વની મહાન યુનિવર્સિટીઓ પૈકીની એક છે. શ્રીમતી રિચર્ડસનની ખ્યાતિ બંને પાર છે.શ્રીમતી રિચર્ડસન કહે છેઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી દેશભરની યુનિવર્સિટીઓમાં શિક્ષણ અને સંશોધનની બાબતમાં ટોચના સ્થાને હોય તે મારી અગ્રતા હશે. હું ખાતરી આપું છે કે દરેક યુવાન માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી એક લોહચુંબક સાબિત થશે, પછી તેઓ અહીં ભણવા માટે ક્યાંયથી પણ આવતા હોય. દરેક ટેલેન્ટેડ વ્યક્તિ દરેક મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ ભણાવવા અને સંશોધન માટે ઓક્સફર્ડ આવે તેવું અમે ઈચ્છીએ છીએ.’

-આવી છે વિશ્વની ૯૦૦ વર્ષ જૂની ઓક્સફર્ડ યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરની વાત.
– દેવેન્દ્ર પટેલ

મારા પુત્રએ ભૂલ કરી હોય તો સજા મળવી જ જોઈએ (કભી કભી)

મારા પુત્રએ ભૂલ કરી હોય તો સજા મળવી જ જોઈએ (કભી કભી)ગુલાબો.

સરસ નામ છે, પરંતુ તેનું અસલી નામ ધનવંતરિ છે. તે રાજસ્થાનના કાલબેલિયા એટલે વિચરતી જાતિના સપેરા (મદારી) પરિવારમાં જન્મી છે. ૧૯૬૦માં જન્મેલી ધનવંતરિને ગુલાબો નામ એના પિતાએ આપેલું છે. જન્મના એક કલાક બાદ જ એના પરિવારે ગુલાબોને ધુત્કારી દીધી હતી, પણ એક નિઃસંતાન આન્ટીએ ગુલાબોને ગોદ લઈ લીધી. ગુલાબોનું બચપણ માતા-પિતાની ઉપેક્ષા અને આર્િથક તંગીમાં જ ગુજર્યું.

સપેરા પરિવારમાંથી આવતી હોવાથી ગુલાબો બચપણથી જ સાપ વચ્ચે ખેલતી-કૂદતી મોટી થઈ. ઘરમાં સાપ અને બીન રહેતાં હતાં. બચપણથી જ તે બીનની ધૂન પર નાચતાં શીખી ગઈ.

હવે તે યુવાન બની. યુવાની ખીલી ઊઠતાં જ તેના સપેરા નૃત્યમાં નિખાર આવવા લાગ્યો. નૃત્ય દરમિયાન તેને દેહની અત્યંત સુંદર અંગભંગીમાઓના કારણે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. ૧૨ વર્ષની ઉંમરે ગુલાબોએ અજમેર જિલ્લાના પુષ્કરમાં આયોજિત ઊંટ મહોત્સવમાં ભાગ લીધો. હજારો દેશી-વિદેશી પર્યટકો સામે તેણે કાલબેલિયા નૃત્ય કરી પોતાની પરંપરાગત કળાનું પ્રદર્શન કર્યું. રાજસ્થાન પર્યટક વિભાગ તરફથી કરવામાં આવેલા ભારે પ્રયાસો બાદ એને ઘરવાળાઓએ સ્ટેજ પરફોર્મન્સની અનુમતી આપી હતી.

પુષ્કરમાં પોતાનો જાદુ બિછાવ્યા બાદ પોતાની નૃત્યકળામાં તેણે પાછું વળીને જોયું નહીં. પુષ્કરની સફળતા બાદ તે જયપુર, દિલ્હી અને તે પછી દુનિયાના તમામ મોટા દેશોમાં એણે તેના કાલબેલિયા ડાન્સથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા.

આ દરમિયાન ૧૯૮૬માં તે વખતના વડા પ્રધાન રાજીવ ગાંધીએ વિદેશોમાં ભારતની છબી સુંદર બનાવવાના હેતુથી ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા સિરીઝ શરૂ કરી હતી. ગુલાબોને આ શ્રેણીમાં ભાગ લેવા નિમંત્રણ મળ્યું. ગુલાબોએ વિદેશમાં ભારતના પરંપરાગત કાલબેલિયા ડાન્સને રજૂ કરી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીનું દિલ પણ જીતી લીધું. એ પછી રાજીવ ગાંધી ગુલાબોને પોતાની બહેન જેવો આદર આપવા લાગ્યા હતા.

હવે ગુલાબોનાં લગ્ન થઈ ગયાં. એ સોહનનાથ નામના એક વ્યક્તિ સાથે પરણી ગઈ. સોહનનાથ કાલબેલિયા સમુદાયમાંથી આવતા નહોતા, પરંતુ પાછળથી તેઓ કાલબેલિયા પરિવારમાં સામેલ થઈ ગયા. લગ્ન બાદ ગુલાબો અને સોહનનાથ જયપુર આવીને શાસ્ત્રીનગરમાં રહેવા લાગ્યા.

દુનિયાભરમાં ડાન્સ પરફોર્મન્સ આપવાના કારણે ગુલાબો પાસે હવે પૈસા અને પ્રતિષ્ઠા બેઉ હતા. ગુલાબો પાસે વધુ ધન આવતાં તેણે જયપુરમાં સીકર રોડ સ્થિત નીંદડ-જયરામપુરા રોડ પર જમીન ખરીદી અને તે જમીન પર એક ફાર્મહાઉસ પણ બાંધ્યું.

સમયાંતરે ગુલાબો પાંચ બાળકોની માતા પણ બની. તેમાંના એક પુત્રનું નામ ભવાની સિંહ.

ગુલાબોને હવે રિયાલિટી શો બિગ બોસના પાંચમા સત્રમાં ભાગ લેવા નિમંત્રણ મળ્યું. ફિલ્મ અભિનેતા સંજય દત્ત આ શોના યજમાન હતા. આ શો ૨ ઓક્ટોબર, ૨૦૧૧થી ૭ જાન્યુઆરી, ૨૦૧૨ સુધી ચાલ્યો. આ દરમિયાન ગુલાબો ફરી એકવાર લાઈમલાઈટમાં આવી ગઈ. એ પછી ગુલાબો માત્ર રાજસ્થાનની જ નહીં, પરંતુ દેશભરના નૃત્ય કલાકારો માટે એક રોલ મોડેલ બની ગઈ. તે ઈન્ટરનેશનલ કલ્ચર એન્ડ મ્યુઝિક ર્સિકટનો એક ભાગ પણ બની ગઈ. પાછલા દિવસોમાં રાજસ્થાનની બહુર્ચિચત ભંવરીદેવીની જિંદગી પર બનેલી એક ફિલ્મમાં તેણે એક આઈટમ નૃત્ય પણ કર્યું. તેની સાથે તેની ત્રણ પુત્રીઓએ પણ નૃત્ય કળા પ્રર્દિશત કરી. ગુલાબો પ્રતિ વર્ષ ડેન્માર્કના કોપનહેગનમાં બાળકોને નૃત્ય શીખવવા પણ જવા લાગી. ગુલાબોના નૃત્યમાં વીજળી જેવી તેજી અને શરીરમાં ગજબની લચક છે.

ગુલાબોની કારકિર્દી પરાકાષ્ટાએ હતી ત્યાં જ એક ઘટના ઘટી.

તા. ૩૧ ઓગસ્ટની વાત છે. રાતના ૧૨ વાગે જયપુર પોલીસ કમિશનર જંગા શ્રીનિવાસ તેમના બેડરૂમમાં સૂઈ જવાની તૈયારી કરતા હતા ત્યાં જ તેમના મોબાઈલ ફોનની ઘંટડી વાગી. કોઈ અજાણ્યા માણસે કહ્યું, “સર, જયપુરમાં એક જાણીતી મહિલાના ફાર્મહાઉસ પર રેવ પાર્ટી ચાલી રહી છે.”

અજાણ્યા શખસે પોલીસ કમિશનરને કહ્યું : જયપુરના સીકર રોડથી નીકળતી નીંદડ જયરામપુરા રોડ પરના ફાર્મહાઉસ પર પાર્ટી ચાલી રહી છે.

પોલીસ કમિશનરે તાબડતોબ પાંચ ઉચ્ચ અધિકારીઓને રાત્રે જ ઘરે બોલાવ્યા. રાત્રે દોઢ વાગે બધા અધિકારીઓ પોલીસ કમિશનરના ઘરે પહોંચી ગયા. તેમણે નીંદડ જયરામપુરા રોડ પરના ફાર્મહાઉસ પર તાત્કાલિક દરોડો પાડવા સૂચના આપી. પાંચ અધિકારીઓએ ૭૦-૭૫ પોલીસ કર્મીઓની એક ટીમ બનાવી. રાતના ત્રણ વાગે જુદી જુદી ગાડીઓમાં પોલીસ એ રોડ પરનાં તમામ ફાર્મહાઉસો તપાસવા લાગી. છેવટે તેમને એક ફાર્મહાઉસની અંદર કેટલીક ગાડીઓ પડેલી જણાઈ. અંદરથી મોટા અવાજે વાગતા સંગીતનો ધ્વનિ છેક બહાર સુધી સંભળાતો હતો.

પોલીસના ૭૦થી વધુ જવાનોએ આ ફાર્મહાઉસને ઘેરી લીધું. બારણું ખટખટાવ્યું. અધિકારીએ અંદરના મેઈન હોલમાં પહોંચ્યા તો તેઓ દંગ રહી ગયા. અંદર ડીજેની ધૂન પર ૨૦થી વધુ યુવક-યુવતીઓ નશામાં મસ્ત બની ડાન્સ કરી રહ્યાં હતાં. પોલીસને જોઈ યુવક-યુવતીઓ ભાગવા લાગ્યા. પોલીસે તે તમામ ૨૬ જણને પકડી લીધાં. પોલીસે ઘટનાસ્થળેથી શરાબની બાટલીઓ, ચરસ, ગાંજો, એનર્જી ડ્રિંક્સ, શક્તિવર્ધક દવાઓ તથા નશીલી ડ્રગ્સ અને ઇન્જેક્શન્સ કબજે કર્યાં. દેખીતી રીતે જ આ રેવ પાર્ટી હતી. ૧૩ જેટલી હાઈપાવર બાઈક્સ પણ જપ્ત કરી.

પોલીસ બધા યુવક-યુવતીઓની ધરપકડ કરી હરપાડા પોલીસ સ્ટેશને લઈ ગઈ. એડિશનલ ડીસીપીએ પૂછપરછ શરૂ કરી તો એક વાત સાંભળી તેમને ઝટકો લાગ્યો. એ ફાર્મહાઉસ વિખ્યાત નૃત્યાંગના ગુલાબોનું હતું. ગુલાબો દેશભરમાં કાલબેલિયા ડાન્સથી પ્રતિષ્ઠા પામેલી પ્રતિષ્ઠિત નર્તકી હતી. આ રેવ પાર્ટીમાં ગુલાબો તો નહોતી, પરંતુ તેની માતાની જાણ બહાર તેના પુત્ર ભવાની સિંહે આ રેવ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસે તે તમામને પૂછપરછ માટે કસ્ટડીમાં મોકલી આપ્યા. તેમાં ગુલાબોનો પુત્ર ભવાની સિંહ પણ હતો.

પોલીસે તપાસ કરી તો રેવ પાર્ટીની રાત્રે ગુલાબો જયપુરમાં નહોતી. તે એના ભાઈને રાખી બાંધવા પુષ્કર ગયેલી હતી. પોલીસે ગુલાબો સાથે રાત્રે જ ફોન પર પૂછપરછ કરી. ગુલાબોએ કહ્યું : “હા, ભવાની મારો પુત્ર છે. એણે એના કોઈ મિત્રની બર્થડે માટે ફાર્મહાઉસમાં તેની ઉજવણીની વાત મને કહી હતી. મેં એને જલદી ઘરે પહોંચી જવા કહ્યું હતું, પરંતુ તેણે રેવ પાર્ટીનું આયોજન કર્યું હતું તે વાત તેણે મારાથી છુપાવી હતી. તે મારી સાથે જૂઠું બોલ્યો. એણે ભૂલ કરી છે તો એને સજા મળવી જ જોઈએ ?

ગુલાબોનું આ વિધાન ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ના છેલ્લા દૃશ્યની યાદ અપાવે છે જ્યાં એક માતા ગામની દીકરીને ઉઠાવી જતા પોતાના પ્રિય પુત્રને જાતે જ ગોળી મારી દે છે. જિંદગીભર પરિશ્રમ કમાયેલી ગુલાબોની શૌહરતને એક બગડેલા પુત્રએ એક ભૂલ કરી ખતમ કરી નાખી. ગુલાબો આજકાલ આઘાતમાં છે અને આ આઘાતમાંથી બહાર આવતાં સમય લાગશે.

– દેવેન્દ્ર પટેલ

And what is it that compels us to collect the specific things we`ve chosen to collect dissertation writing help.

ટ્રાફિક પોલીસ કન્ફ્યૂઝડ અને ટ્રાફિક સેન્સ ગાયબ

જાહેર રસ્તાઓ પર રોંગ સાઈડમાં વાહનો ચલાવનારને પકડવામાં પોલીસને રસ નથી

બીઆરટીએસએ પ્રશ્ન હળવો કરવાના બદલે વધુ ગૂંચવ્યો

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાંથી માંડીને નાના ઉપનગરો હવે ટ્રાફિક અરાજક્તાનો ભોગ બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં એ અંધાધૂંધી પરાકાષ્ટાએ પહોંચશે એવા એંધાણ છે. ટ્રાફિકની ગંભીર બની રહેલી સમસ્યાનો ઉકેલ લાવવા પ્રશાસન અને લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓનો કોઈ જ ઈરાદો નથી.

પોલીસ શું કરે છે?

ટ્રાફિકનું નિયમન કરવું એ પોલીસની કામગીરી છે પરંતુ સાથે એ પણ નોંધવું જોઈએ કે, યુરોપ- અમેરિકાથી માંડીને સિંગાપોર જેવા દેશોમાં રસ્તા પર ક્યાંય પણ પોલીસ દેખાતી નથી છતાં લોકો શિસ્તબદ્ધ રીતે અને કાનૂનને માન આપીને જ વાહનો ચલાવે છે, અને કોઈ ટ્રાફિક સિગ્નલનો કે સ્પીડ મર્યાદાનો ભંગ કરે તો તે પકડાઈ જાય છે. એ દેશોમાં વાહનચાલકોને પોલીસને જોયા વિના પોલીસનો ડર રહે છે. જ્યારે ભારતમાં ટ્રાફિક પોલીસ કોઈ વાહનચાલકને પકડે તો તે ત્રણ વિકલ્પ અપનાવે છે. (૧) લાંચ આપીને છુટવા પ્રયાસ કરે છે. (૨) પોલીસ સાથે ઝઘડામાં ઊતરે છે (૩) પોલીસની બદલી કરી નંખાવવાની ધમકી આપે છે. બહુ ઓછા લોકો દંડ ભરવાનું પસંદ કરે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં ત્રણથી વધુ વાર ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહનચાલક પકડાય તો તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ થઈ જાય છે અને એક વાર ડ્રાઈવિંગ લાઈસન્સ રદ થઈ જાય તે પછી તે વાહન ચલાવે તો જેલની સજા છે. આ દેશમાં પોલીસ અને ટ્રાફિક નિયમનનો ભંગ કરતા લોકો વચ્ચે સમજૂતી થઈ જતાં વાહનચાલકો વધુ બેફામ બન્યા છે. બીજી બાજુ ટ્રાફિક પોલીસ રુશ્વત લઈ ગુનેગારોને આસાનીથી જવા દે છે. ઘણીવાર મુખ્ય ક્રોસ રોડ પર ટ્રાફિક જામ થયો હોય તો તેનું નિયમન કરવાના બદલે ટ્રાફિક પોલીસ કોઈ ટ્રક- ટેમ્પાવાળાને પકડીને કાંઈક ગોઠવણ કરતી હોય તેમ જણાય છે. જાહેર રસ્તાઓ પર મોટા સર્કલ પર ટ્રાફિક કામ કરતી જણાય છે પરંતુ નાના સેંકડો સર્કલ્સ પર પોલીસ ના હોવાને કારણે ભારે અંધાધૂંધી સર્જાય છે. સેંકડો વાહનો ટ્રાફિક જામનો ભોગ બને છે અને ટ્રાફિક પોલીસના અભાવે વાહનચાલકો પોતે જ પોતાનું વાહન બાજુ પર મૂકી ટ્રાફિક નિયમન કરાવવા પ્રયાસ કરે છે.

પોલીસની સંખ્યા

અમદાવાદ જેવા શહેરને લાગેવળગે છે ત્યાં સુધી કુલ ૩૨૬ જેટલા ટ્રાફિક પોઈન્ટસ છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે ૬૭૦નો સ્ટાફ ઉપલબ્ધ હોય છે. ટોટલ સ્ટાફ ૯૨૦નો છે. તેમાંથી ૩૦ને રજા હોય છે જ્યારે ૧૬૦ જેટલો સ્ટાફ ઓફિસ કાર્યમાં વ્યસ્ત હોય છે. આ સ્ટાફ પ્રમાણમાં ઓછો છે. જે સારું છે તે પણ કુશળ નથી. એમાંયે જ્યારે વીવીઆઈપી પસાર થવાના હોય તો તે રૂટ પર ૬૭૦ના કુલ સ્ટાફમાંથી ૫૦૦નો સ્ટાફ તે તે રૂટના મેનેજમેન્ટ માટે જ ગોઠવી દેવાય છે. બાકીના રસ્તાઓ પર પોલીસ ના દેખાતા વાહનચાલકો છડેચોક ટ્રાફિક નિયમનનો ભંગ કરી દરેક ચાર રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જી દે છે. કોઈ પણ શહેરમાં વીવીઆઈપીઓની અવરજવર સામાન્ય માનવીને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે છે. ઘણા લોકોનો અનુભવ છે કે આંબાવાડીથી નહેરુનગર ચાર રસ્તા સુધીનો રસ્તો સામાન્ય રીતે ૧૫ મિનિટમાં કાપી શકાય છે પરંતુ ટ્રાફિક જામના કારણે એ જ રસ્તો કાપતાં ઘણીવાર એક કલાક લાગે છે. શહેરમાં થલતેજ પાસે અંડરબ્રિજ બનાવ્યો છે પરંતુ થલતેજ ચાર રસ્તા પર રોજ હજારો વાહનો અરાજક્તાભરી પરિસ્થિતિમાં જ ડ્રાઈવિંગ રોડથી થલતેજ ગામમાં પ્રવેશી શકે છે. પકવાન ચાર રસ્તાએ વાહનચાલકો માટે મોટામાં મોટો માથાનો દુઃખાવો છે. પૂર્વ અમદાવાદ કરતાં પશ્ચિમ અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યા વધુ છે કારણ કે પશ્ચિમ અમદાવાદમાં મોટરકારોની સંખ્યા પણ વધુ છે.

ઝીબ્રા કોસિંગ અર્થહીન

અમદાવાદમાં બીઆરટીએસ રૂટ બકવાસ છે. આ રૂટે રસ્તા સાંકડા કરી નાંખી રુટીન ટ્રાફિક માટે મુશ્કેલીઓ સર્જી દીધી છે. બીઆરટીએસનું આયોજન કરનારા તેમની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. ચાર રસ્તાઓના હેવી ટ્રાફિક વચ્ચે રાહદારીઓ સલામતીપૂર્વક રસ્તો ક્રોસ કરી શકે તે માટે ટ્રાફિક પોલીસે ઝીબ્રા કોસિંગ તો દોર્યા છે પરંતુ શહેરમાં એક પણ ચાર રસ્તા પર રાહદારીને રસ્તો ક્રોસ કરવા માટે ઝીબ્રા કોસિંગનો અમલ કરવાની કોઈ જ વ્યવસ્થા નથી. નથી તો ટ્રાફિક સિગ્નલમાં વ્યવસ્થા કે નથી કોઈ પોલીસ રાહદારીને પસાર થવા વાહનો રોકતી. રાહદારીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે. ઝીબ્રા કોસિંગ એ રાહદારીઓની મજાક સમાન છે.

ટ્રાફિક સેન્સ

ટ્રાફિકની અરાજક્તા માટે માત્ર પ્રશાસન કે ટ્રાફિક પોલીસ જ જવાબદાર નથી. લોકો ખુદ જવાબદાર છે. મોંઘીદાટ મોટરકારો વાપરતા ધનવાનોના નબીરાઓ સૌથી વધુ બેફામ વાહન ચલાવતા જણાય છે. કેટલાક નબીરાઓ તો ટ્રાફિક નિયમનનો ભંગ કરવામાં ગૌરવ અનુભવે છે. કેટલાક કાન ફાડી નાંખે તેવો ધ્વનિ ફેલાવતી મોટરસાઈકલો દોડાવી અન્યને પ્રભાવીત કરવા કોશિશ કરે છે.સેટેલાઈટ અને ડ્રાઈવિંગ જેવા રોડ પરથી વળવા ટ્રાફિક સર્કલ સુધી જવું ના પડે તે માટે વાહનચાલકો ખુલ્લેઆમ રોંગ સાઈડ મોટરો અને બાઈક ચલાવતા જણાય છે. તેમને પકડવા કે દંડવા પૂરતી પોલીસ નથી અને જે છે તે ગમે તે કારણસર કાનૂન ભંગ કરનારાઓને રોકતી નથી. આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર ભણેલા ગણેલા લોકોનો વિસ્તાર છે અને આવા શિક્ષિત વિસ્તારમાં શિક્ષિતો જ સૌથી વધુ ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે. ખરી વાત એ છે કે, સ્કૂલમાં ભણતા બાળકોને જ બચપણથી ટ્રાફિકના નિયમોનું જ્ઞાન આપી ટ્રાફિક સેન્સ અંગે જાગૃતિ આણવી જોઈએ. જો કે કેટલીક શાળામાં કેટલાંક બાળકો લાઈસન્સ વગર જ એક્ટિવા જેવા વાહનો લઈને સ્કૂલમાં આવતાં જણાય છે. કેટલીક સ્કૂલોએ આ સામે કડક કદમ ઉઠાવ્યા છે પરંતુ લાઈસન્સ વગર જ બાળકને એક્ટિવા જેવા વાહનો સોંપી દેનાર માતા-પિતા પણ એટલાં જ જવાબદાર છે. લાઈસન્સ વગર સ્કૂટર લઈને આવતાં બાળકોના વાલીઓ સામે પગલાં લેવાવા જોઈએ.

પાર્કિંગ નહીં તો કાર નહીં

શહેરમાં રોજેરોજ નવી મોટરકારો ખરીદવામાં આવે છે. એક સૂચન એવું પણ છે કે જેમના ઘેર પાર્કિંગની વ્યવસ્થા નથી તેમની કારનું રજિસ્ટ્રેશન થવું ના જોઈએ કારણ કે તેઓ કાર ખરીદીને જાહેર રસ્તાઓ પર કાર મૂકી દે છે અને રસ્તા પર પાર્ક કરાતી મોટરકારોને લીધે રસ્તા પર એક પ્રકારનું દબાણ થાય છે. કાર ખરીદો છો તો કાર મૂકવાની જગા પણ તેમની પોતાની હોવી જોઈએ. આઝાદી પહેલાં અમદાવાદમાં મોટરકારો આવી તે પહેલા ધનવાનો ઘોડાવાળી ભવ્ય બગીઓ વાપરતા હતા. પહેલાં શહેરમાં નદીપાર કોઈ રહેતું નહોતું. ધનવાનો પોળોમાં જ રહેતા હતા. પોળોમાં તેમની ભવ્ય હવેલીઓ હતી અને તેઓ તેમની બગીઓ પોળોમાં જ પાર્ક કરાવતા હતા. આ કારણે સામાન્ય લોકોને અડચણો પડવા લાગી. સરદાર સાહેબ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ પ્રમુખ થયા તે પછી તેમના ધ્યાનમાં આ વાત આવી અને ધનવાનોને તેમની બગીઓ પોળની બહાર કાઢવા ફરજ પાડી હતી. એ દૃષ્ટિએ જેમની પાસે પાર્કિંગની સુવિધા નથી તેમને ઘેર આવીને જાહેર રસ્તાઓ પર ગાડીઓ મૂકી રોડ સાંકડા કરવાનો કોઈ અધિકાર નથી.

આર.ટી.ઓ.ની કામગીરી

ભારતમાં જેટલી આસાનીથી ડ્રાઈવિંગ લાઈસન્સ મળે છે એટલી આસાનીથી દુનિયાના કોઈ પણ દેશમાં લાઈસન્સ મળતું નહીં હોય. અમેરિકા જેવા દેશોમાં ડ્રાઈવિંગ લાઈસન્સ માટે કડક ટેસ્ટ હોય છે. જેઓમાં લાયકાત નથી હોતી તેમને નાપાસ કરવામાં આવે છે અને જેને જે દિવસે ડ્રાઈવિંગ લાઈસન્સ મળે તે દિવસે લાઈસન્સ મેળવનાર વ્યક્તિ તેની ખુશીમાં પાર્ટી આપે છે. ભારતમાં તો આર.ટી.ઓે. કચેરીઓની બહાર જ દલાલોનો અડ્ડો જણાય છે. એક જમાનામાં તો ઘેર બેઠાં લાઈસન્સ આવી જતું. જોકે હવે સાવ એવું નથી. આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસનો ભ્રષ્ટાચાર પણ ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતો માટે જવાબદાર છે.

ઓવરબ્રિજની જરૂર

આ સિવાય અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવાં શહેરોમાં જેટલા ઓવરબ્રિજ હોવા જોઈએે એટલા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેવકૂફીના કારણે ૧૩૨ ફૂટના રિંગ રોડ પર પૂર્વ- પશ્ચિમ ઓવરબ્રિજ હોવા જોઈએ એના બદલે ઉત્તર- દક્ષિણ ઓવરબ્રિજ બનાવી કરોડો રૂપિયાનું આંધણ કરી દીધું છે. અમદાવાદ શહેરમાં વાહનોની સૌથી વધુ અવરજવર પૂર્વ- પશ્ચિમ છે એ વાતનો ખ્યાલ નગર આયોજકોને રાખ્યો નથી. અમદાવાદમાં શીલજ પાસે એક રેલવે ક્રોસિંગ છે. ૨૪ કલાકમાં ૧૦૦ જેટલી ટ્રેનો પસાર થાય છે પણ નથી તો ઓવરબ્રિજ બનતો કે નથી તો અંડરબ્રિજ.

હાઈવે પર જામ

માત્ર શહેરના રાજમાર્ગો પર જ નહીં પરંતુ અમદાવાદ- મુંબઈ, અમદાવાદ- આબુરોડ, અમદાવાદ- ઉદયપુરના હાઈવે પર પણ ટ્રાફિક જામ થાય છે. ભરૂચ- અંકલેશ્વર પાસે નર્મદાના બ્રિજ પર ટ્રાફિક જામ થતાં પાંચ પાંચ કિલોમીટર વાહનોની લાઈનો લાગે છે. કલાકો સુધી વાહનોએ ઊભા રહેવું પડે છે. પાંચ કલાક સુધી ફસાઈ જતી મોટરકારોમાં મહિલાઓ અને બાળકો પણ હોય છે અને રસ્તા પર નેચરલ કોલ્સ માટે જઈ ના શક્તાં તેઓ પારાવાર વેદના અનુભવે છે. આજથી ૧૩૮ વર્ષ પહેલાં અંગ્રેજોએ નર્મદા પર ગોલ્ડન બ્રિજ બાંધ્યો હતો. આજના ટ્રાફિકને પહોંચી વળવાનું વર્ષોથી કોઈ આયોજન થયું નથી. એજ રીતે ધનસુરા, દહેગામ, બાયડ જેવા અનેક નાનકડો નગરો ગામ વચ્ચેથી પસાર થતા રસ્તાઓ પર હેવી ટ્રાફિકના કારણે ત્રાહિમામ્ છે. આવા ૫૦થી વધુ નાના નગરોમાં હાઈવેના ટ્રાફિકને ડાયવર્ટ કરવા બાયપાસ રસ્તો જરૂરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પ્રત્યેક શહેરમાં કમસે કમ ૫૦ ઓવરબ્રિજની જરૂર છે. સ્માર્ટસિટી જ્યારે બનાવવા હોય ત્યારે બનાવજો પણ અત્યારે જે શહેરો છે તેમના રહેવા અને હરવા-ફરવા લાયક તો બનાવો ?

પણ આ કોણ કરશે ? ભગવાન જાણે.

સુમન ત્રેહાન અને ધ્વનિ એક શંકાસ્પદ સંબંધો ?

એનું નામ સ્મિતા.

સ્મિતા બેંગલુરુની એક આઈ.ટી. કંપનીમાં જોબ કરતી હતી. તે કુંવારી હતી અને અત્યંત સુંદર પણ હતી. આઈટી કંપનીનો માલિક સુમન ત્રેહાન અવારનવાર બેંગલુરુના એક મંદિરમાં દર્શન કરવા જતો હતો. તે ર્ધાિમક વિચારવાળો વ્યક્તિ હતો. મંદિરમાં દર્શન કરવા જતી વખતે ઓફિસમાંથી સ્ટાફની એક- બે વ્યક્તિઓને સાથે લઈ જતો હતો. આજે તેની સાથે ધ્વનિ અને સ્મિતા પણ સાથે હતા.

સુમન ત્રેહાને રસ્તામાં એક પેટ્રોલપંપ પર કાર ઊભી રાખી. સાંજના ૬ વાગી ચૂક્યા હતા. પેટ્રોલની ટેંક ફુલ કરાવ્યા બાદ તેણે પેમેેન્ટ કરવા માટે કારના બારીનો કાચ નીચે ઉતાર્યો. એટલામાં જ બે મોટર બાઈક સવારો તેની તરફ ધસી આવ્યા. તેમની પાસે પાંચ લિટરનો એક કેરબો હતો. બાઈકસવાર પૈકી એકે ઝડપથી કેરબામાં ભરેલું પ્રવાહી કારની બારીમાં ફેંક્યું.

સુમન ત્રેહાન કાંપી ઊઠયા. કારમાં તેમની ઉપર તથા અંદર બેઠેલી યુવતીઓ પર તેજાબ ફેંકવામાં આવ્યો હતો. બાઈકસવારો ભાગી ગયા. સુમન ત્રેહાન, ધ્વનિ અને સ્મિતા દાઝી ગયા હતા. તેઓ ચીસો પાડતા કારમાંથી બહાર નીકળી આવ્યા. આ ઘટનાથી પેટ્રોલપંપ પર ધમાલ મચી ગઈ. પોલીસને જાણ કરવામાં આવી. તરત જ પોલીસ આવી ગઈ. પોલીસે ત્રણેય દાઝેલાંઓને હોસ્પિટલમાં દાખલ કરી દીધાં. સૌથી વધુ સુમન ત્રેહાન અને સ્મિતા દાઝી ગયા હતા. ધ્વનિ પાછલી સીટમાં બેઠેલી હોઈ ઓછું દાઝી હતી.

પોલીસે તપાસ શરૂ કરી. પેટ્રોલપંપ પર લગાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજનું નિરીક્ષણ કર્યું. પોલીસે સ્મિતાનું, ધ્વનિનું અને સુમન ત્રેહાનનું બયાન લીધું. તેમની વાતચીત પરથી લાગ્યું કે તેજાબ ફેંકવાવાળા બે યુવકો પૈકી એક યુવક સુમન ત્રેહાનની કંપનીમાં જ જોબ કરતો હતો અને તે સ્મિતાનો બોયફ્રેન્ડ કિશોર હોવાનું મનાતું હતું. પોલીસ તપાસમાં માલૂમ પડયું કે, કિશોર સ્મિતાના એકતરફી પ્રેમમાં હતો. એણે અનેેક વાર સ્મિતાને પ્રપોઝ કર્યું હતું પરંતુ સ્મિતાને કિશોર ગમતો નહોતો. સ્મિતાએ કિશોર વિરુદ્ધ બોસને ફરિયાદ કરતાં સુમન ત્રેહાને કિશોરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. આ કારણથી બદલો લેવા કિશોરે આ કામ કર્યું હોવાનું લાગતું હતું.

પોલીસે કિશોરને શોધી કાઢયો. કિશોરે કહ્યું, ‘હા, હું સ્મિતાને પ્રેમ કરતો હતો. મારો પ્રેમ એકતરફી હતો પણ મેં તેજાબ ફેંકવાનું કામ કર્યું નથી. હું આજે ય સ્મિતાને પ્રેમ કરું છું. જેને હું ચાહતો હોઉં તેની પર તેજાબ કેવી રીતે ફેંકી શકું ?’

પોેલીસે તપાસ કરી તો ખબર પડી કે જે દિવસે સાંજે તેજાબ ફેંકાયો તે સાજે બેંગલુરુની બીજી એક ફેક્ટરીમાં ફરજ પર હાજર હતો. લાંબી પૂછપરછ કરતાં પોલીસને કિશોર બેકસૂર લાગ્યો. તેની પ્રેમની ભાષામાં પ્રેમ જ હતો. નફરત કે બદલો લેવાની ભાવના નહોતી. પોલીસે કિશોરને ઘેર જવા દીધો.

આ વાતને દિવસો વીત્યા.

એક દિવસે એક બાતમીદાર પોલીસને ખબર આપી કે સુમન ત્રેહાનની કારમાં સુમન ત્રેહાન, સ્મિતા અને ધ્વનિ પર તેજાબ ફેંકવાનું કામ હરદીપ નામના એક શખસે કર્યું છે. સાથે તેનો એક મિત્ર પણ હતો. દારૂના નશામાં હરદીપ કોઈની આગળ તેના કરતૂતો વિશે બોલી ગયો હતો અને અત્યાર સુધી પોલીસના સકંજામાં ના આવવા બદલ ગર્વ અનુભવતો હતો.

બાતમીના આધારે પોલીસ હરદીપના ઘેર પહોંચી ગઈ. પોલીસે હરદીપને પોલીસ સ્ટેશને લઈ આવી. તપાસ કરતાં માલૂમ પડયું કે, હરદીપ બેંગલુરુમાં એક નશામુક્તિ સંસ્થા ચલાવતો હતો. શરૂઆતમાં તો તેણે આનાકાની કરી પરંતુ થર્ડ ડિગ્રીનો અમલ કરતાં હરદીપે કબૂલ કર્યું કે, ‘હા મેં જ મારા મિત્રની મદદથી સુમન ત્રેહાનની કારમાં તેજાબ ફેંકયો હતો.’

‘કારણ?’ પોલીસે પૂછયું.

હરદીપે કહ્યું: ‘મારું નિશાન ના તો સ્મિતા હતી કે ના તો ધ્વનિ.’

‘તો કોણ હતું?’

હરદીપ બોલ્યોઃ ‘મારું નિશાન એક માત્ર સુમન ત્રેહાન હતો.

‘કેમ?’ પોલીસે પૂછયું.

હરદીપ બોલ્યોઃ ‘હું એક નશામુક્તિ કેન્દ્ર ચલાવું છું. એક દિવસે એક યુવતી મારા કેન્દ્ર પર આવી. તેની ફરિયાદ હતી કે તેનો પતિ શરાબની લતે ચડી ગયો છે એ એના પતિને શરાબમાંની લતમાંથી છોડાવવા માગતી હતી. એ મારી મદદ ચાહતી હતી. એ છોકરી અત્યંત ખૂબસૂરત હતી.’

‘કોણ હતી એ?’ પોલીસે પૂછયું.

હરદીપે કહ્યું: ‘ધ્વનિ.’

‘ઓહ !’ પોલીસે પૂછયું: ‘પછી શું થયું ?’

હરદીપ બોલ્યોઃ ‘ધ્વનિ પરિણીત હતી પણ અત્યંત સુંદર હોઈ મને ગમી ગઈ હતી. તે મારી દિલમાં ઊતરી ગઈ હતી. મેં એના શરાબી પતિને મારા નશામુક્તિ કેન્દ્રમાં ભરતી કરી દીધો. એ બહાને ધ્વનિના ઘેર મેં આવવા- જવાનું શરૂ કર્યું. ધ્વનિને આમેય તેનો દારૂડિયો પતિ ગમતો ન હોતો. હું તેની તરફ આકર્ષાયો હતો અને તે પણ મારી તરફ આકર્ષાઈ હતી. અમે એકબીજાને મળવા લાગ્યા હતા.!’

‘તો પછી એની કારમાં તેજાબ કેમ ફેંક્યો?’ પોલીસે પૂછયું.

હરદીપે કહ્યું: ‘મારો ધ્વનિ તરફનો લગાવ વધી ગયો હતો. તે મને રોજ ના મળે તો હું બેચેન થઈ જતો. તેની પર મને માલિકીપણાનો ભાવ થયો હતો. તે મને ના મળે તો મને તેની પર શક થઈ જતો. હું ખાનગીમાં તેની હલનચલન પર નજર રાખતો હતો. ધ્વનિ મોડે સુધી સુમન ત્રેહાનની ઓફિસમાં કામ કરતી હતી મને શંકા હતી કે ધ્વનિ એટલી બધી ખૂબસૂરત છે કે શાયદ તેનો બોસ સુમન ત્રેહાન જ તેની સાથે સંબંધ ધરાવતો હશે.’

‘તે પછી શું થયું?’ પોલીસે પૂછયું.

હરદીપે કહ્યું: ‘એક દિવસ મેં ધ્વનિને સાંજના સમયે એક ચોક્કસ સ્થળે બોલાવી. તેણે આવવાની હા પાડી હતી પણ તે ના આવી. મેં ધ્વનિને ફોન કર્યો તો તેનો ફોન સ્વિચ ઓફ મળ્યો. મારી શંકા મજબૂત બની. હું ધ્વનિની ઓફિસે ગયો. પટાવાળાએ કહ્યું કે ધ્વનિ અને સ્મિતાને લઈ બોસ મંદિરે દર્શન કરવા ગયા છે બસ, મારા મગજ પરનો કાબૂ ગયો. મેં મારા એક મિત્રને કહ્યું: ‘તેજાબનો કેરબો લઈને આવી જા.’ તે નજીકમાં જ રહેતો હતો. તે તેજાબનો કેરબો લઈને સુમન ત્રેહાનની ઓફિસની બહાર આવી ગયો. અમે મંદિરના માર્ગે રવાના થયા. ગમે તે કારણસર એ દિવસે સુમન ત્રેહાન મંદિર પહોંચે તે પહેલાં રસ્તામાં એક ગ્રાહકની ઓફિસે અડધો કલાક રોકાયો હતો. એ દરમિયાન સ્મિતા અને ધ્વનિ કારમાં જ બેસી રહ્યા હતા. મેં દૂરથી રસ્તામાં સુમન ત્રેહાનની કારમાં એ બે જણને જોયા. કેટલીક વાર બાદ સુમન ત્રેહાન કોઈની ઓફિસમાંથી બહાર આવી તેની કારમાં ગોઠવાયો.મેં અને મારા મિત્રએ તેની કારનો પીછો કર્યો. સુમન ત્રેહાન રસ્તામાં કારમાં પેટ્રોલ ભરાવવા એક પેટ્રોલ પંપ પર ઊભો રહ્યો મને આ જ મોકો શ્રેષ્ઠ લાગ્યો. પેટ્રોલ ભરાવી લીધા બાદ પેમેન્ટ કરવા જેવા તેણે કારની બારીનો કાચ ખોલ્યો એટલે મેં ધસી જઈને તેની પર તેજાબ ફેંક્યો તેની બાજુમાં સ્મિતા બેઠેલી હતી. પાછળની સીટ પર ધ્વનિ હતી. મારું નિશાન સુમન ત્રેહાન હતું, સ્મિતા કે ધ્વનિ નહીં આજેય મને શંકા છે કે સુમન ત્રેહાન અને ધ્વનિ વચ્ચે ‘કાંઈક’ છે.

પોલીસે હરદીપની ધરપકડ કરી. તેને સાથ આપનાર તેના સાગરીતની પણ ધરપકડ કરી. લંબાણપૂર્વક તપાસ કર્યા બાદ પોલીસને લાગ્યું કે,સુમન ત્રેહાન અને ધ્વનિ વચ્ચે કોઈ અવૈધ સંબંધો નહોતા. એથી ઊલટું સુમન ત્રેહાન એક ર્ધાિમક વૃત્તિવાળો વ્યક્તિ હતો. અને સ્ટાફને મંદિરે દર્શન કરવા લઈ જવાની તેમની ર્ધાિમક લાગણી તેમને ભારે પડી ગઈ.

તેજાબ ફેંકનાર હરદીપ અને તેના સાથી જેલમાં છે. સુમન ત્રેહાને એક આંખ ગુમાવી દીધી છે. સ્મિતા કદરૂપી થઈ ગઈ છે. ધ્વનિ બચી ગઈ છે પરંતુ ભયંકર આઘાતમાં છે.

શંકા કદીક આવું ભયંકર પરિણામ લાવી શકે છે.

– દેવેન્દ્ર પટેલ

ટ્રાફિકની અંધાધૂંધી માટે આખરે કોણ જવાબદાર ?

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ મોટી ઈમારતોમાં પાર્કિંગની જગા બતાવે તો સારું

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જ નહીં પરંતુ નડિયાદ, કપડવંજ, મોડાસા, ધનસુરા, દહેગામ અને મોરબી જેવા નાના નગરો પણ હવે ટ્રાફિકની અરાજક્તામાં ફસાયેલા જણાય છે. મોટા શહેરોમાં તો સવારનો અને સાંજનો પિક અવર્સનો સમય જાહેર રસ્તાઓ પર અંધાધૂંધીથી ભરેલો જણાય છે. આ બધાં શહેરોમાં ટ્રાફિકજામ એ રોજનો માથાનો દુઃખાવો બની ગયો છે. જે રસ્તો કાપતા અગાઉ ૧૫ મિનિટ લાગતી તે અંતર કાપતા હવે એક કલાકનો સમય લાગે છે.

૪૦થી વધુ જામ

તાજેતરમાં અમદાવાદ શહેરમાં વીઆઈપીઓની મૂવમેન્ટના લીધે ૪૦થી વધુ સ્થળે કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળ્યા. શહેરમાં આ પરિસ્થિતિને કારણે કોઈ ગંભીર બીમાર વ્યક્તિને લઈ જતી એમ્બ્યુલન્સ વાનો ફસાઈ જતી જોવા મળે છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશને પહોંચવા માટે હવે સાંજના સમયે લોકોએ બે કલાક અગાઉથી નીકળવું પડે છે. આ ભયંકર પરિસ્થિતિનો ઉકેલ લાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરની ટ્રાફિક પોલીસ પાસે કોઈ જ દૃષ્ટિ કે ઈરાદો હોય તેમ લાગતો નથી. સ્થાનિક પ્રશાસન ધૃતરાષ્ટ્રની માફક રોજ લાખ્ખો વાહનચાલકોની પરેશાની જોઈ રહ્યું હોય તેમ લાગે છે.

મ્યુનિ. કોર્પોરેશન જવાબદાર

અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ જેવા શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે. ટ્રાફિકની આજની વિકરાળ પરિસ્થિતિ માટે કોઈ સૌ પ્રથમ જવાબદાર હોય તો તે મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો છે. શહેરમાં ક્યાંય પણ બાંધકામ કરવું હોય તો બાંધકામની પરવાનગી લેવી પડે છે. બિલ્ડર્સ તેમના કમર્શિયલ બાંધકામોના પ્લાન્સ મૂકે છે ત્યારે ઈમારતના વ્યાપ પ્રમાણે પાર્કિંગ બતાવવું પડે છે. ભ્રષ્ટ અધિકારીઓ પૈસા ખાઈ ઈમારતને મંજૂરી આપી દે છે અને એક વાર મંજૂરી મળી જાય તે પછી બિલ્ડરો પાર્કિંગમાં દુકાનો બનાવી વેચી દે છે. બિલ્ડરો પાર્કિંગમાં ગેરકાયદે દુકાનો અને બીજા ગેરકાયદેસર બાંધકામો કરી લે છે અને તેમાં તો પૈસા ખવાય છે પરંતુ એ તમામ ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા ઈમ્પેક્ટ ફી જેવા ઓથા હેઠળ તેને મંજૂરી આપવાની યોજના બનાવે છે અને તેમાં પણ પૈસા ખવાય છે. શહેરના દરેક વિસ્તારમાં એક એક મ્યુનિસિપલ ઈન્સ્પેક્ટર હોય છે. બિલ્ડરે પાર્કિંગની જગા રાખી છે કે નહીં તે જોવાની જવાબદારી તેની હોય છે પરંતુ મોટાભાગના ઈન્સ્પેક્ટરો લાંચ લઈ આંખ આડા કાન કરી દે છે. આ કારણે શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા કમર્શિયલ સેન્ટરોમાંથી પાર્કિંગ અદૃશ્ય જણાય છે અને લોકો જાહેર રસ્તા પર જ જે તે કમર્શિયલ સેન્ટરની બહાર અડધો રસ્તો રોકીને આડેધડ ગાડીઓ તથા સ્કૂટર્સ પાર્ક કરી દે છે. ઘણીવાર તો જાહેર રસ્તાઓ પર બે- બે ગાડીઓ રસ્તા વચ્ચે મૂકી દઈ રસ્તો સાંકડો કરી દેવામાં આવે છે. જે જે ઈમારતોમાં પાર્કિંગ ગુમ છે તે તમામ ઈમારતોને સીલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સાંજે નીકળેલો માણસ સવારે ઘેર પહોંચશે. કેટલાક મ્યુનિ. કોર્પોરેટરો તેમના વિસ્તારના બિલ્ડર્સના પીઆરઓની જેમ કામ કરતા હોવાનું જણાય છે.કેટલાક કોર્પોરેટરો પહેલાં કોઈનું બિલ્ડિંગ સીલ કરાવે છે અને થોડા દિવસ પછી સીલ ખોલી નંખાવે છે. આ બે ઘટનાઓ વચ્ચે શું રંધાય છે તે તેઓ જ કહી શકે. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ નવા જ ચૂંટાયેલા કોર્પોરેટરોને આ બાબતે ચીમકી આપવી પડી હતી.

લારી-ગલ્લાનાં દબાણ

મોટાં શહેરોમાં અને દહેગામ, મોડાસા જેવા નાના શહેરોમાં મુખ્ય રાજમાર્ગો પર રસ્તાના પોણા ભાગના વિસ્તાર પર શાકભાજીની લારીઓ,આડેધડ પાર્ક કરેલા વાહનો અને દુકાનદારોએ રોડ પર જ ગોઠવેલો તેમનો વેચવાનો સામાન જોવા મળે છે. એ કારણે રસ્તાની જેટલી પહોળાઈ હોય છે તેનો પા ભાગ જ મોટરગાડીઓ કે દ્વિચક્રી વાહનોને જવા માટે ખુલ્લો રહે છે. લારી-ગલ્લાવાળાઓ પાસેથી સ્થાનિક સત્તાવાળાઓ તથા પોલીસ રોજ સાંજે હપ્તો લઈ ચાલી જાય છે અને આખો દિવસ વાહનચાલકોને પરેશાન કરવાની પરિસ્થિતિ ઊભી કરી દે છે. લારી-ગલ્લાઓનાં આ દબાણો દૂર કરવામાં કોઈને રસ નથી, ઈરાદો નથી. દબાણો દૂર કરવા માટે કોઈ નેતાઓને કે અધિકારીઓને કોઈ લેટેસ્ટ ટેક્નોલોજીની તો જરૂર નથી. જેમને ધંધો કરવો છે તેમને કોઈ એક ચોક્કસ સ્થળ ફાળવી આપો પણ રસ્તા રોકી તેની પર ધંધો કરવો તે એક પ્રકારની દાદાગીરી છે.

અંધ અને અજ્ઞાની નેતાઓ

બીજી સૌથી મોટી મુશ્કેલી એ છે કે જ્યારે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન્સની કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે ભણેલા-ગણેલા કે શહેરી પ્રશ્નોના ઉકેલના જાણકાર વ્યક્તિઓને ઉમેદવાર તરીકે પસંદ કરવાના બદલે ક્યા વિસ્તારમાં કઈ જ્ઞાતિનો અને કોઈ કોમનો ઉમેદવાર ચાલશે એ લાયકાતને લક્ષમાં લેવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ચૂંટાતા ઘણા નેતાઓને વિશ્વભરમાં ટ્રાફિકની સિસ્ટમ અને ટ્રાફિક સાયન્સનું જ્ઞાન જ નથી. અમદાવાદ જેવા શહેરોમાં ભૂતકાળમાં ઘણા મેયરો એવા ચૂંટાયા છે કે જેઓે પોતાના મત વિસ્તારમાં ખાડાઓ પૂરી શક્યા નથી. ઘણા કોર્પોરેટરો એવા ચૂંટાયા છે જેઓ પોતાના વિસ્તારમાં લોકોને પીવાના પાણીની સુવિધા આપી શક્યા નથી. શહેરના ઘણા ભાગોમાં માત્ર બે ઈંચ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે. આવા નેતાઓ પાસેથી વર્લ્ડ કલાસ અર્બન ડેવલપમેન્ટની આશા રાખવાનો કોઈ અર્થ નથી. ભૂતકાળમાં અનેક મેયરો શહેરની પ્રજાના પૈસે વિશ્વમાં ઘૂમી આવ્યા છે. ત્યાં જઈ કાંઈ શીખીને આવવાના બદલે માત્ર પિકનિક કે સહેલગાહ કરીને જ પાછા આવ્યા હોય તેમ લાગે છે. શું આ નેતાઓએ જોયું નહીં હોય કે સિંગાપોર,હોંગકોંગ, લંડન, પેરિસ, ન્યૂયોર્ક કે રોમ જેવા શહેરોમાં નાનામાં નાના ક્રોસ રોડ પર ટ્રાફિક સિગ્નલ્સ છે. આજથી ૫૦ વર્ષ પહેલાં મોસ્કો જેવા શહેરમાં જ્યારે ટ્રાફિક ઘણો ઓછો હતો ત્યારે રાતના બે વાગે રસ્તા સૂમસામ હોય ત્યારે પણ વાહનચાલક ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ હોય ત્યારે ઊભો રહેતો. ચાર રસ્તા પર તેના સિવાય એેક પણ કાર ના હોય તો પણ જ્યાં સુધી ગ્રીન લાઈટ ના થાય ત્યાં સુધી સૂમસામ રસ્તા પર તે લીલી લાઈટનો ઈન્તજાર કરતો.

ટ્રાફિક સિગ્નલો જ ગુમ!

ગુજરાતના મોટા શહેરોમાં ચાર રસ્તાઓ પર ક્યાંક ટ્રાફિક સિગ્નલ્સ દેખાય છે તો ક્યાંક છે જ નહીં અને જ્યાં ટ્રાફિક સિગ્નલ્સ છે તો ક્યારેક બંધ હોય છે અને ક્યારેક ચાલુ અને જો ચાલુ હોય છે તો ટ્રાફિકની ગીચતાનો સર્વે કર્યા વગર તેમના ટાઈમિંગ ગોઠવ્યા હોવાના કારણે એક કાર દસ ફૂટ ખસે તે પહેલાં લાલ ટાઈટ થઈ જાય છે. ઘણીવાર પિક અવર્સમાં એક ટ્રાફિક સિગ્નલ વટાવતાં ૨૦ મિનિટ સુધી વાહનચાલકે ઈન્તજાર કરવો પડે છે.

બળતણનો ધુમાડો

ટ્રાફિક જામના કારણે મોટાં શહેરોમાં રોજ લાખો વાહનો ચાર રસ્તાઓ પર અટવાયેલા જણાય છે એમને ખબર નથી કે ક્યારે તેમને આગળ જવા દેવામાં આવશે એ કારણે એવા વાહનચાલકો તેમના વાહનનાં એન્જિન ચાલુ રાખે છે આ કારણે રોજ કરોડોનું બળતણ વેડફાય છે. આ નેશનલ લોસ છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું ૮૦ ટકા બળતણ આયાત કરે છે. જે વિદેશી હૂંડિયામણને ભરખી જાય છે. દેશમાં માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી જ એક હાઈવે પર બે કલાક ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. આથી વધુ બદતર પરિસ્થિતિ બીજી શું હોઈ શકે?

ફલાઈટ અટેન્ડેન્ટે વિમાનમાં બાળકીને રડતાં જોઈ અને

એક રોજિંદી ફલાઈટ હતી. એ ઉતારુ વિમાન હૈદરાબાદથી દિલ્હી જઈ રહ્યું હતું. વિમાનની તમામ બેઠકો ભરાયેલી હતી. વિમાનના તમામ ક્રૂ કાર્યરત હતા. એક હળવા આંચકા પછી આકાશને આંબી રહેલું વિમાન હજુ હમણમાં જ નિર્ધારિત ઓસ્ટિટયૂડ પર સ્થિર થયું હતું. એ વિમાનમાં અમૃતા અહલુવાલિયા નામની એક યુવતી ફલાઈટ અટેન્ડેન્ટ હતી. તે તમામ ઉતારુઓની કાળજી લેતી હતી. વિમાનમાં કેટલાક સહેલાણીઓ પણ હતા અને કેટલાક બિઝનેસમેન પણ હતા.

એવામાં ફલાઈટ અટેન્ડેન્ટ અમૃતા અહલુવાલિયાની નજર એક ખૂણાની સીટ પર પડી. એક બાળકી રડી રહી હતી. તેની આંખમાં આંસુ હતા. તે ડૂસકાં લઈ રહી હતી. તે પોતાની આંખો પર પોતાના હાથ મૂકી રડતી આંખોને ઢાંકવા કોશિષ કરી રહી હતી. તેની બાજુમાં ૬૦ વર્ષનો એેક દાઢીવાળો આરબ નાગરિક બેઠેલો હતો. તેને એ છોકરીના રડવાની કોઈ ચિંતા નહોતી. આરબ બેફિકર હતો.

રડતી એ છોકરીની વય માંડ ૧૦ વર્ષની હતી. ફલાઈટ અટેન્ડેન્ટ અમૃતા અહલુવાલિયાએ એ છોકરીની પાસે જઈ પૂછયું: ‘કેમ રડે છે? કોઈ સમસ્યા છે ? કાંઈ જોઈએ છે?’

એ પ્રશ્ન સાંભળી ૧૦ વર્ષની એ બાળકી વધુ ને વધુ રડવા લાગી. એ બાળકીના રડવાનો અવાજ સાંભળી આસપાસના ઉતારુઓ પણ વિચારમાં પડી ગયા. કેટલાકે તેમની સીટમાંથી ઊભા થઈ તેની પાસે આવીને પૂછયું: ‘બેટા, તું રડે છે કેમ?’

એ બાળકીએ કહ્યું: ‘મારું નામ અમીના છે. મારી વય ૧૦ વર્ષની છે. મારી બાજુમાં બેઠેલો આ માણસ (આરબ) એક દિવસ અમારા ઘેર આવ્યો હતો. અમે ગરીબ છીએ. તે લગ્ન કરવા કોઈ છોકરી શોધવા આવ્યો હતો. મારા પિતા એક ઓટોરિક્ષા ચલાવે છે. ગમે તે કારણસર તેની મારા-પિતા સાથે ઓળખાણ થઈ હતી. એણે મારા પિતા સાથે કાંઈક વાત કરી હતી. મારે એક મોટી બહેન છે. મારા પિતા મારી મોટી બહેનને આ આરબ સાથે પરણાવી દેવા માગતા હતા. આ માણસની વય ૬૦ વર્ષની છે. એણે મારા બહેનને સાઉદી અરેબિયા લઈ જવાની વાત કહી હતી. આ માણસે મારી મોટી બહેનને જોઈ. એણે મારી મોટી બહેન શ્યામ અને કદરૂપી છે તેમ કહી તેને સાઉદી લઈ જવા ઈન્કાર કરી દીધો. એવામાં આ માણસની નજર મારી પર પડી હું. ૧૦ વર્ષની હોવા છતાં એણે મારી સાથે શાદી કરવાની વાત કરી. હું ગભરાઈ ગઈ. પરંતુ મારા પિતાએ બળજબરીથી મારી આ આરબ સાથે શાદી કરાવી દીધી. હવે તે મને સાઉદી અરેબિયા લઈ જાય છે. મારે આ માણસ સાથે સાઉદી અરેબિયા જવું નથી.

ફલાઈટ અટેન્ડેન્ટ અમૃતા અહલુવાલિયાએ તે બાળકીને સાંત્વના આપતાં કહ્યું: ‘અમીના તું ચિંતા ના કર. અમે તને મદદ કરીશું.’

એ પછી અમૃતા અહલુવાલિયા વિમાનની કોકપીકમાં ગઈ એણે પાઈલટ સાથે કાંઈક વાત કરી. વિમાન દિલ્હી ઉતરે તે પહેલાં   જ કેટલાક સંદેશા દિલ્હી એરપોર્ટને મોકલ્યા.

ઉતારું વિમાન નવી દિલ્હીના એરપોર્ટ પર ઊતર્યું. સાઉદી અરેબિયાથી આવેલા આરબે દિલ્હીથી બીજું આંતરરાષ્ટ્રીય વિમાન પકડવાનું હતું પરંતુ તે વિમાનમાંથી ઊતરે તે પહેલાં જ દિલ્હીની પોલીસ વિમાનની અંદર આવી ગઈ. ૧૦ વર્ષની બાળકી સાથે સાઉદી જઈ રહેલા ૬૦ વર્ષના આરબ નાગરિકની ધરપકડ કરવામાં આવી અને અમીનાનો કબજો લઈ પોલીસે તેને સલામત સ્થાને ખસેડી લીધી.

જે આરબ પકડાયો તેનું નામ યાહ્યા એમ.એચ.અલસગીહ હતું. ૬૦ વર્ષનો એ આરબ ભારતમાં પત્ની ખરીદવા આવ્યો હતો. હૈદરાબાદના એક ગરીબ મુસ્લિમ મહોલ્લામાંથી તે નાનકડી અમીનાને ખરીદી લીધી હતી. એ આરબે પોતાની ધરપકડનો વિરોધ કર્યો અને અમીના સાથેના ઈસ્લામિક મેરેજનું સર્ટિફિકેટ રજૂ કર્યું પરંતુ તેને જેલ ભેગો કરી દેવામાં આવ્યો. પોલીસે તપાસ કરી તો અમીનાના પિતાએ અમીનાને માત્ર ૬૦૦૦ રૂપિયામાં વેચી દીધી હતી. બાકીના ૪૦૦૦ ડોલર આપવાની વાત બહાર આવી.

આખો કેસ અદાલત સમક્ષ ગયો. તે વખતે અમીનાના પિતા બદરુદ્દીને કબૂલ કર્યું કે ‘હું મારા પરિવારનું પૂરું કરી શક્તો નહોતો. હું બીજા કોઈની રિક્ષા ચલાવું છું. તેનું ભાડું આપું છું. ગેસ પુરાવું છું. ઉતારુઓ મળતા નથી. આખા દિવસમાં ખર્ચ બાદ કરતાં હું રિક્ષા ચલાવીને સાંજ પડે માંડ ૨૫થી ૪૦ રૂપિયા કમાઉં છું. મારા સંતાનો માટે કપડાં લાવવા મારી પાસૈ પૈસા નથી. હું ભાડાના ઘરમાં રહું છું. હું જે ઓરડીમાં રહું છું તેનું માસિક ભાડું રૂ. ૧૫૦ છે પરંતુ એ ભાડું ચૂકવવાના મારી પાસે પૈસા નથી.

અમીનાના પિતા કહે છે : મારે છ દીકરીઓ અને બે દીકરા છે હું એ બધાને અને મારી પત્નીને શું ખવરાવું? એ કારણે જ મારે આમ કરવું પડયું.’

એ પછી કોર્ટે અરબ નાગરિકને જામીન આપી દીધા પરંતુ છેતરપિંડીથી લગ્ન કરવાના મુદ્દે આરોપો યથાવત્ રાખ્યા.

એક નાનકડી બાળકી અમીનાની જિંદગી તો બરબાદ થતાં બચી ગઈ. એની જિંદગી બચાવવાનું કામ કરનાર અમૃતા અહલુવાલિયાએ વખતે ઈન્ડિયન એરલાઈન્સમાં ફલાઈટ અટેન્ડેન્ટ હતી.

એક દિવસ અમૃતા અહલુવાલિયાને ખબર પડી કે તેને કેન્સર છે. શરૂઆતમાં તો તે ડરી ગઈ પરંતુ અમૃતા એક બહાદુર મહિલા હતી. હજુ તો ગયા વર્ષે જ તેને કેન્સર છે એ દર્દનું નિદાન થતાં એને વિમાનની પરિચારિકાની નોકરી છોડવી પડી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેની પર સર્જરી કરવામાં આવી. છ વખત ક્મિોથેરપીની સારવાર લેવી પડી. એ સિવાય ૩૨ વખત રેડિએશન થેરપી લેવી પડી. આ સમયગાળો તેના માટે યાતનાપૂર્ણ હતો.

તે સાજી થઈ.

તે કેન્સર સામે જંગ જીતી ગઈ અને અમીનાના કિસ્સા પછી એણે હૈદરાબાદની દુઃખી સ્ત્રીઓના બચાવવા એક હેલ્પલાઈન શરૂ કરી હતી તે કામ વધુ વેગપૂર્વક શરૂ કર્યું.

અમૃતા અહલુવાલિયાએ શરૂ કરેલી સ્ત્રીઓ માટેની હેલ્પલાઈન હૈદરાબાદ પોલીસના સહયોગથી કાર્યરત કરવામાં આવી. આ હેલ્પલાઈનની વિશિષ્ટતા એ છે કે તે ખુદ પૂર્વ વિમાની પરિચારિકા હોઈ તેની હેલ્પલાઈન હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શરૂ કરવામાં આવી છે. અમૃતા કહે છે : આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી રહેલી એકલદોકલ મહિલાઓ અને તકલીફવાળી મહિલાઓને આ હેલ્પલાઈન મદદ કરશે. જે સ્ત્રીઓને એરપોર્ટ પર કોઈ પણ પ્રકારની મદદની જરૂર હશે તેને અમે તમામ પ્રકારની સહાય પૂરી પાડીશું. તેમને એક ર્ટિમનલ બિલ્ડિંગથી બીજા ર્ટિમનલ પર જવું હશે કે ટ્રાન્ઝિટની સમજ ના પડતી હોય તેવી સ્ત્રીઓેને અમે યોગ્ય ર્ટિમનલ અને ગેટ નંબર પર પહોંચાડીશું. કોઈ સ્ત્રીને ટૂંકા સમય માટે સલામત સ્થળે રહેવા માટે ઊતરવું હશે તેને  સલામત સ્થળે લઈ જઈશું. જે સ્ત્રીને તેને લેવા માટે આવેલા પરિવારજનોે કે મિત્રો સુધી પહોંચવું હશે તેને એરપોર્ટની બહાર તેમના સગા સંબંધીઓ સુધી પહોંચાડીશું. કોઈ સ્ત્રીને કોઈ પણ માર્ગદર્શન જોઈતું હશે તે અમે પૂરું પાડીશું. કોઈને તાત્કાલિક તબીબી સહાય કે કાનૂની સહાય જોઈતી હશે તે પણ અમે એરપોર્ટ પર જ પૂરી પાડીશું.’

અમૃતા અહલુવાલિયા હવે કેન્સર સામે જંગ જીતી ગઈ છે. એક નાનકડી અમીનાને બચાવ્યા બાદ તે બીજી એવી અનેક અમીનાઓને મદદ કરી રહી છે. તે કહે છેઃ ‘આખી દુનિયાને કહેતાં મને શરમ આવે છે કે, ગરીબીના કારણે અમે લગ્નના બહાને અમારી દીકરીઓ વેચીએ છીએ. હવે હું દુઃખી અને તકલીફવાળી સ્ત્રીઓ માટે જ કામ કરીશ. મારું આ જ જીવન ધ્યેય છે.’

કેન્સરે અમૃતા અહલુવાલિયાના નૈતિક જુસ્સાને કમ થવા દીધો નથી. જે નાનકડી બાળકીના કારણે એ સ્ત્રીઓ માટે હેલ્પલાઈન શરૂ કરી એ અમૃતા અહલુવાલિયા એક પુસ્તક લખી રહી છેઃ ‘એક થી અમૃતા.’

અમૃતાને સલામ.

– દેવેન્દ્ર પટેલ

Powered by WordPress & Theme by Anders Norén