ચીનના પ્રમુખ શી જિનપિંગ અમદાવાદ આવ્યા. રિવરફ્રન્ટના કાંઠે બેસી હીંચકે ઝૂલ્યા. ખમણ-ઢોકળાં ખાધાં. ભારતીય વસ્ત્રો પહેર્યાં. દિલ્હીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક ઇમારતના બગીચામાં ઊભા કરાયેલા સુશોભિત માંડવા હેઠળ જાતે કપમાં ચા રેડીને ચીનના પ્રેસિડેન્ટને પીવડાવી, પણ બધું જ વ્યર્થ ગયું.
ચીનના પ્રેસિડેન્ટનું એ સ્મિત છેતરામણું હતું. ચીનમાં ભારતના વડાપ્રધાન સાથેનું હસ્તધૂનન એક દગો કરવા માટેનું જ હતું. પ્રોટોકોલનો ભંગ કરીને ભારતના વડાપ્રધાનનું કરાયેલું સ્વાગત ભારતની પીઠ પર ખંજર ભોંકવા માટેનું જ હતું. મુંબઈમાં ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલાએ અનેક લોકોના જાન લીધા હતા. એ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ ઝકી ઉર-રહેમાન લખવી કે જે હાલ પાકિસ્તાનમાં છે તેને પાકિસ્તાન કાર્ટે છોડી મૂકતાં તેના વિરોધમાં ભારત સરકારે યુનાઇટેડ નેશન્સમાં વિરોધ નોંધાવ્યો હતો અને યુનાઇટેડ નેશન્સમાં પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા ભારતે માગણી કરી હતી. ચીને વીટો પાવર વાપરીને ભારતના આ પ્રસ્તાવને ફગાવી દેવામાં ખુલ્લેઆમ પાકિસ્તાનની મદદ કરી ભારત સાથે વિશ્વાસઘાત કર્યો. આ મુદ્દા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત વિરોધ કરતાં દિલ્હી ખાતે આવેલા દૂતાવાસે નરમ વલણ અપનાવીને લખવીના મુદ્દે ફેરવિચારણા કરવા ખાતરી આપી છે.
પરંતુ ચીનની આવી ખાતરી પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવી છે. ચીન પર કોઈ પણ સંજોગોમાં ભરોસો મૂકી શકાય તેમ નથી. ભારત અને ખુદ પાકિસ્તાનને પણ ખબર છે કે, મુંબઈમાં આતંકી હુમલો કરાવનાર મુખ્ય આરોપી લખવી લશ્કર-એ-તોયબાનો પ્રમુખ છે. આવા ખતરનાક આરોપીને પાકિસ્તાનની કોર્ટે જેલમાંથી છોડી દીધો તે મુદ્દા પર ચીન હવે પાકિસ્તાનની પડખે ઊભું છે તે આખા વિશ્વ માટે મોટી ઘટના છે. પાકિસ્તાનથી જે આતંકીઓ આવ્યા તેમાં અજમલ કસાબ પણ એક હતો. તેણે અનેક વિદેશી નાગરિકોને પણ મારી નાખ્યા હતા. વિશ્વના એક ખતરનાક અપરાધીના મુદ્દે ચીન ખુલ્લેઆમ પાકિસ્તાનની તરફેણ કરી રહ્યું છે, તે તેની દૂરગામી આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો જ એક ભાગ છે. કેટલાંક સમય પહેલાં ચીનના પ્રેસિડેન્ટ ભારત આવ્યા ત્યારે તેમણે આતંકવાદને નાથવાના મુદ્દે ભારત સાથે સહયોગ કરવા સંમતિ આપી હતી, પરંતુ ખંધા ચીને અભી બોલા અભી ફોક જેવી નીતિ થોડા જ મહિનાઓમાં અપનાવી.
ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ ચીનથી છેતરાયા હતા. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયી પણ ચીનથી છેતરાયા હતા. એકમાત્ર સરદાર સાહેબે જ નહેરુને ચીનથી સાવધ રહેવા જણાવ્યું હતું. તે પછી અટલજીના શાસન વખતે તે વખતના સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝે ચીનને ભારતનું દુશ્મન નંબર-૧ હોવાનું જણાવ્યું હતું. એ વખતે ભારતમાં જ જ્યોર્જના એ વિધાન અંગે વિરોધ ઊભો થયો હતો, પરંતુ અત્યારે જે થઈ રહ્યું છે તે જોતાં જ્યોર્જ ફર્નાન્ડિઝ સાચા હતા તે વાત સ્વીકારવી પડે તેમ છે.
ચીન તેનાં બેવડાં ધોરણો માટે જાણીતું છે. ચીનની ભારત વિરોધી કૂટનીતિ ન કદી બદલાઈ છે કે નથી તો ભવિષ્યમાં બદલાવાની. નહેરુએ પણ ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ જેવા નારા પોકાવરાવ્યા હતા જેની ભારે કિંમત દેશે ચૂકવવી પડી છે. હવે ચીનના પ્રેસિડેન્ટ ભારતનાં ખમણ-ઢોકળાં ખાઈને યુનોના ભારત વિરોધી વીટો વાપરી ભારતના જ પ્રસ્તાવને બ્લોક કરી પાકિસ્તાન સાથેની તેની મૈત્રીનું ઋણ ચૂકવી રહ્યું છે.
આવું પહેલી વાર જ નથી બન્યું, આ પહેલાં પણ પાકિસ્તાને ચીન મારફતે યુનાઇટેડ નેશન્સમાં ભારત તરફથી આતંકવાદના મુદ્દે ઉઠાવવામાં આવેલા અનેક મુદ્દાઓ અટકાવી દીધા હતા. લખવીના મુદ્દે ચીને આપેલો ઝાટકો એ તો બીજી વારની ઘટના છે.
ચીન વારંવાર ભારતના સ્વાભિમાનને પડકારી રહ્યું છે. ચીન વારંવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રેસિડેન્ટની ભારતની મુલાકાત વખતે ચીનના નેતાને સર-આંખો પર બિછાવી દીધા હતા, પરંતુ એ બધી જ સરભરા પાણીમાં ગઈ. ભારતના વડાપ્રધાનનો ચીન સાથેનો દોસ્તીનો પ્રયાસ ઈમાનદારીભરેલો હતો, પણ ચીને બેઈમાની દાખવી.
ભારતે એ વાસ્તવિકતા સમજી લેવાની જરૂર છે કે, ચીનની પાકિસ્તાન સાથેની દોસ્તી પહેલાં કરતાં વધુ મજબૂત બની છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચીને અનેક રસ્તા બનાવ્યા છે અને ભારે મૂડીરોકાણ કર્યું છે. ચીન પાકિસ્તાનને તેને ફાયદો થાય તેવું ગ્વાદર બંદર બાંધી આપી રહ્યું છે. ચીન પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ઈકોનોમિક કોરિડોર યોજના પણ તૈયાર કરી રહ્યું છે. ભારતે જ્યારે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચીનના મૂડીરોકાણ અંગે વિરોધ કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર પણ સ્થિતિ સ્પષ્ટ કરવા માગણી કરી ત્યારે પણ ચીને ભારતના આ વિરોધ પર આંખ આડા કાન કર્યા હતા. ચીન માત્ર રાજકીય લાભ ઉઠાવવા જ આ બધું કરી રહ્યું છે.
ચીનનાં અન્ય ષડ્યંત્રોને પણ સમજવાની જરૂર છે. ચીને સમુદ્રી સિલ્ક રૂટની પરિયોજનામાં ભારતને સામેલ કરવા પ્રસ્તાવ મૂક્યો છે. ભારત એ પ્રસ્તાવ સ્વીકારી લે તોપણ એવી કોઈ ગેરંટી નથી કે ચીન શાંત થઈને બેસી જશે. એથી ઊલટું એમ થવાથી ભારતના અમેરિકા અને જાપાન સાથેના સંબંધો પણ ગૂંચવાડામાં પડી શકે છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે સમુદ્રી સિલ્ક રૂટ દ્વારા તો ચીનને હિંદ મહાસાગરમાં આક્રમણનો મોકો મળી જશે. ચીન લાંબા સમયથી હિંદ મહાસાગરમાં પોતાની ભૂમિકા ઊભી કરવા પ્રયાસ કરી રહ્યું છે. તે ચૂપચાપ આ ખેલ પાડી દેવાની ફિરાકમાં છે. તે દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાનો પ્રભાવ વધારવા પ્રયત્ન કરી રહ્યું છે. આ પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગર વચ્ચે એક મહત્ત્વપૂર્ણ કોરિડોર છે.
ચીન ચારે તરફથી ભારતને ઘેરી રહ્યું છે. પાકિસ્તાન તેના માટે મિત્ર કરતાં પણ વધુ છે નેપાળમાં પણ તેનો એક રોલ છે. ભારતના વડાપ્રધાને ‘એક્ટ ઈસ્ટ’ નીતિ અપનાવીને બધા જ પડોશી દેશોની યાત્રા કરી એ દેશોમાં ચીનનો પ્રભાવ ઓછો કરવા કોશિશ કરી છે, પરંતુ તેથી ચીન વધુ ચિડાયું છે. ચીને પહેલેથી જ નેપાળ, માલદીવ, મ્યાનમાર, થાઇલેન્ડ અને શ્રીલંકામાં ભારે મોટું મૂડીરોકાણ કરેલું છે. પાકિસ્તાનમાં ચીને બનાવેલા ગ્વાદર બંદરથી ૩૦૦૦ કિલોમીટર લાંબી સડક દ્વારા ચીન પોતાના અશાંત શિનજિયાંગ પ્રાંતને અરબી સમુદ્ર સાથે જોડવા માંગે છે. આ માટે તેણે પોતાની હિંદ મહાસાગર યોજનાઓમાં પાકિસ્તાનને પ્રમુખ ભાગીદાર બનાવ્યું છે. એક તરફ ચીન હિંદ મહાસાગરમાં તેલ તથા ખનીજની ખોજ માટે ભારતને આમંત્રણ આપે છે, તો બીજી બાજુ દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલા વિયેતનામના ટાપુઓમાં ભારત જ્યારે તેલ સંશોધન કરવા પ્રયાસ કરે છે તો તેનો ચીન વિરોધ કરે છે. એટલું જ નહીં પરંતુ આ અંગે ચીન ભારતને ધમકીઓ આપી રહ્યું છે. ચીને શ્રીલંકામાં પણ અડ્ડો સ્થાપી દીધો છે. નાના-નાના દેશોેને આર્િથક મદદ કરી તે દોસ્તી ખરીદે છે. શ્રીલંકામાં એલટીટાઈના સફાયામાં મદદ કરવાના બદલે ચીને ત્યાં પોતાનું થાણું નાખી દીધું છે. પાકિસ્તાન પાકિસ્તાનના આતંકવાદીઓને પ્રોત્સાહિત કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્ય તરીકે લેવામાં આવે તે માટે અન્ય દેશો ભારતને સમર્થન આપી રહ્યા છે ત્યારે તેનાથી પણ ચીનને પરેશાની થાય છે. તે ભારતને યુનોની સલામતી સમિતિમાં કાયમી અને સ્થાયી સભ્ય તરીકે સ્થાન ના મળે તે માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ સંજોગોમાં ભારતે બહુ વિચારીને તેનાં પત્તાં ખેલવાં પડશે.
Comments are closed.