Devendra Patel

Journalist and Author

Month: February 2015 (Page 1 of 2)

હૃદય, જ્ઞાાન, માનવતાને કોઈ સરહદો હોતી નથી

ગ્લેબ એક રશિયન બાળકનું નામ છે.

તેનું આખું નામ ગ્લેબ કુડ્રિઆવત્સેવા છે. તેની ઉંમર હજુ બે જ વર્ષની છે. આ બાળકનો જન્મ મોસ્કોમાં થયો છે. તેની માતાનું નામ નેલી કુડ્રિઆવત્સેવા છે. નેલી કહે છે : “મારો પુત્ર છ મહિનાનો થયો ત્યારે જ તેના સ્વાસ્થ્યમાં મને ગરબડ જણાઈ હતી. તેના પેટ પર સોજો આવી જતો હતો. પેટ ફૂલી જતું હતું. હું ગ્લેબને ડોક્ટરો પાસે લઈ ગઈ. ડોક્ટરોએ તેના શરીરનું પરીક્ષણ કર્યા પછી મને કહ્યું કે તેને હૃદયની એક ગંભીર બીમારી છે. એ બીમારીને રિસ્ટ્રિક્ટવ ર્કાિડયો માયોપેથી કહે છે. આ રોગ થવાનાં કારણો અજાણ છે. આ બીમારીમાં હૃદયના સ્નાયુઓ જાડા થઈ જાય છે અને દરેક ધડકન પછી એક ક્ષણ માટે જે તે રિલેક્સ થવા જોઈએ તેમ થતું નથી. એ કારણે હૃદયનો પંપ બરાબર કામ કરી શકતો નથી. પરિણામે ફેફસાં પર ભારે દબાણ આવે છે.”

આ બાળકને વધુ નિષ્ણાત તબીબો પાસે લઈ જવામાં આવ્યો. હૃદયનાં પ્રત્યારોપણ એટલે કે હૃદય બદલવા સિવાય તેનો કોઈ જ ઉપાય નથી તેમ કહેવામાં આવ્યું. રશિયામાં કોઈ પણ તબીબ આ પ્રકારનું હૃદય બદલવા તૈયાર નહોતો. નાનકડા ગ્લેબની મા બાળકને લઈ આસપાસના દેશોના ડોક્ટરો પાસે પણ જઈ આવી, પરંતુ નાનકડા બાળકના બીમાર હૃદયને કાઢી નાખવું, બીજા કોઈ નાનકડા બાળકનું હૃદય મળવું અને મળે તો તેના શરીરમાંથી કાઢી બીજા બાળકના શરીરમાં તેનું પ્રત્યારોપણ કરવું એક મુશ્કેલ અને જટિલ પ્રક્રિયા હતી.

ગ્લેબની માતા નેલીએ બાળકને બચાવી લેવા અડગ નિર્ધાર કર્યોહતો. વિદેશમાં લઈ જઈ તેની શસ્ત્રક્રિયા કરાવવા નેલી પાસે પૂરતાં નાણાં નહોતાં. નેલીએ કેટલાંક રશિયન પરિવારોનો સંપર્ક કર્યો અને ઓપરેશન માટે ફંડ પણ એકત્ર કર્યું.

તે પછી નેલી એના બાળકને લઈ જર્મનીના મ્યુનિક શહેરમાં ગઈ. જર્મનીના ડોક્ટરોએ ગ્લેબને જોઈ કહ્યું અગાઉ જે બીમારીનું નિદાન કરવામાં આવ્યું હતું તે પ્રમાણભૂત હોવાનું જણાવ્યું, પરંતુ બાળકના ફેફસાં પરના ભારે દબાણના કારણે તેમણે શસ્ત્રક્રિયા કરવા ઇનકાર કર્યો. નેલી નિરાશ થઈ બાળકને લઈ રશિયા પાછી આવી. તે પછી નેલીએ અમેરિકાના અને ભારતના હૃદયરોગ નિષ્ણાત તબીબોનો સંપર્ક કર્યો. અમેરિકામાં આ પ્રકારની જટિલ શસ્ત્રક્રિયાઓ કરનારી હોસ્પિટલો હતી, પરંતુ તેની ફી અત્યંત ઊંચી હોઈ નેલીએ ભારતમાં જ આ શસ્ત્રક્રિયા કરાવવા નિર્ણય કર્યો. નેલી અગાઉથી એપોઈન્ટમેન્ટ લઈ ચેન્નાઈ આવી. ચેન્નાઈમાં ર્ફોિટસ મલાઈ હોસ્પિટલ ખાતે ર્ફોિટસ સેન્ટર ફોર હાર્ટ ફેઈલ્યોર એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ડિપાર્ટમેન્ટ છે. અહીં હૃદયનું પ્રત્યારોપણ કરવાની સુવિધા, ઉપકરણો અને નિષ્ણાત તબીબો ઉપલબ્ધ છે.

નેલી તેના નાનકડા બાળક ગ્લેબને લઈ ચેન્નાઈ આવી ત્યારે બાળકની હાલત અત્યંત ગંભીર હતી. હૃદય અત્યંત ધીમું કામ કરતું હતું. કિડની પણ બરાબર કામ કરતી નહોતી. બાળકની હાલત જોઈને તબીબોએ બાળકને ટ્રાન્સપ્લાન્ટ લિસ્ટમાં સૌથી અગ્રતાક્રમે મૂકી દીધો. રાજ્યની અને બહારની તમામ હોસ્પિટલોને જાણ કરવામાં આવી કે, તેમની પાસે કોઈ બ્રેઈન ડેડ ચાઈલ્ડ હોય તો ગ્લેબને બચાવવા એક નાનકડા બાળકનું હૃદય જોઈએ છે.

એ પછી પૂરા દોઢ મહિના સુધી ઇંતજાર કરવો પડયો. એક દિવસ ખબર આવ્યા કે બેંગલુરુની મનીપાલ હોસ્પિટલમાં એક બ્રેઈન ડેડ બાળક છે. એ બાળકનાં માતા-પિતા તેમના બ્રેઈન ડેડ બાળકનું હૃદય આપવા તૈયાર છે. આ તરફ પણ નાનકડા ગ્લેબની હાલત દિવસે ને દિવસે બગડી રહી હતી. ચેન્નાઈની હોસ્પિટલના તબીબો પાસે પણ હવે ગ્લેબને બચાવી લેવા ખૂબ ઓછો સમય હતો. વળી બીજો સવાલ એ હતો કે બેંગલુરુની હોસ્પિટલના બ્રેઈન ડેડ બાળકનું હૃદય ગ્લેબને મેચ થશે કે કેમ તે પણ એક સવાલ હતો. ગ્લેબની માતાના મનમાં હજાર હજાર સવાલ હતા. છતાં તેણે ધીરજ રાખવા નિર્ણય કર્યો.

બેંગલુરુની હોસ્પિટલમાંથી સંદેશો મળતા જ એક મિનિટ પણ બગાડયા વિના ચેન્નાઈની ર્ફોિટસ મલાર હોસ્પિટલના નિષ્ણાત તબીબોની એક ટીમ બેંગલુરુ જવા ઊપડી. તે ટીમમાં ર્કાિડયો થોરોસિક સર્જન, પીડિયાટ્રિક ઇન્ટરનેશનલ ર્કાિડયોલોજિસ્ટ, ર્કાિડયાક એનેસ્થેટિસ્ટ વગેરે હતા. બેંગલુરુ જઈ તેમણે સર્જરી કરી બ્રેઈન ડેડ બાળકના હૃદયને બહાર કાઢયું અને એક ચાર્ટર ફ્લાઈટ દ્વારા તેને ચેન્નાઈ લઈ જવામાં આવ્યું. એકના શરીરમાંથી બહાર કાઢેલા હૃદયને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં વિલંબ કરી શકાય નહીં. જેવી રીતે વડા પ્રધાનને કે રાષ્ટ્રપતિશ્રીને પસાર થવા બધા માર્ગો પરનો બધો જ ટ્રાફિક રોકીને રસ્તો ખુલ્લો કરી આપવામાં આવે છે તેવું અહીં બંને રાજ્યો વચ્ચે પણ કરવામાં આવ્યું. બેંગલુરુની હોસ્પિટલથી એરપોર્ટ સુધી અને ચેન્નાઈના એરપોર્ટથી ર્ફોિટસ મલાર હોસ્પિટલ સુધીના રસ્તા પરના બીજા બધા જ ટ્રાફિકને રોકીને ટ્રાફિક પોલીસે એક બાળકને બચાવવા હૃદયને લઈ જવાના તમામ રસ્તા ખુલ્લા રાખ્યા. આ વ્યવસ્થાને ‘ગ્રીન કોરિડોર’ કહે છે. આવી ‘ગ્રીન કોરિડોર’ વ્યવસ્થાના કારણે બેંગલુરુથી એક હૃદયને ચેન્નાઈની હોસ્પિટલ સુધી લઈ જવામાં માત્ર ૪૭ મિનિટ જ લાગી. પ્રત્યારોપણ માટે હાર્ટને લઈ જતી એમ્બ્યુલન્સને પોલીસે એસ્કોર્ટ પણ કરી.

તે પછી ચેન્નાઈની હોસ્પિટલમાં ગ્લેબ પર સર્જરી શરૂ કરવામાં આવી. તેનું બીમાર હૃદય બહાર કાઢી લેવામાં આવ્યું. હૃદય વગરના બાળકને જીવિત રાખવા બીજાં ઉપકરણો લગાવવામાં આવ્યાં. ખાસ કરીને દર્દીની વય ખૂબ ઓછી હોય ત્યારે આ પ્રકારની સર્જરી અત્યંત મુશ્કેલ હોય છે. મુશ્કેલીની શરૂઆત એનેસ્થેશિયાથી જ શરૂ થાય છે. તે પછી તેના શરીરમાં બીજાનું હૃદય બેસાડવું તેનાથી પણ વધુ જટિલ પ્રક્રિયા છે. નાનકડા ગ્લેબ પરની સર્જરી પૂરા આઠ કલાક ચાલી. એક નાનકડા બાળકનું હૃદય બીજા નાનકડા બાળકના શરીરમાં ગોઠવી દેવામાં આવ્યું. શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.

આ પ્રકારની શસ્ત્રક્રિયા બાદ નવું હૃદય બીજાના શરીરના અનુકૂલન સાધવામાં ૧૦ દિવસ લે છે. એ દિવસો પણ પસાર થઈ ગયા. હવે ગ્લેબ તેની માતાની કેડમાં ઊંચકાયેલો છે. તે નવા હૃદય સાથે સૌને સ્મિત આપે છે, હસે છે અને એની માતા સાથે રમે પણ છે. ગ્લેબની માતા નેલી કહે છે : “હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી હું જ્યારે મારા પુત્રને ઊંચકું છું અને તે મારા હાથમાં હોય અને હલનચલન કરે છે ત્યારે મને લાગે છે કે, તેનો પુનર્જન્મ થયો છે. તે મારું ભવિષ્ય છે.”

એક રશિયન બાળકના શરીરમાં એક ભારતીય હૃદય ધબકી રહ્યું છે.

ભારત આ કરી શકે છે.

સાહેબ, જમીન-માફિયાઓ મારી હત્યા કરવા માગે છે !

ચંદ્રમોહન શર્મા. તે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો. દિલ્હી-નોઈડા વિસ્તારમાં સરકારી જમીનો પર ગેરકાયદે કબજો જમાવનાર માફિયાઓની વિરુદ્ધ તેણે અનેક આરટીઆઈ દાખલ કરી હતી. ૩૦૦થી વધુ આરટીઆઈ દાખલ કરનાર ચંદ્રમોહન શર્મા સમાજસેવક તરીકે પણ જાણીતો હતો. આ કારણે તેના અનેક દુશ્મનો પણ હતા.

૩૦ એપ્રિલ, ૨૦૧૪ના રોજ ચંદ્રમોહન શર્મા નોઈડાના એક પોલીસ સ્ટેશને પહોંચ્યો. એણે પોલીસને જાણકારી આપી કે, કેટલાક જમીન માફિયાઓએ તેની હત્યા કરી દેવાની ધમકી આપી છે. ચંદ્રમોહન શર્માને એવી ધમકી આપનારાઓના નામ સાથે અરજી પણ આપી.

ઘરે આવીને તેણે તેની પત્ની સવિતા શર્માને પણ એ ધમકીની વાત કરી. સવિતા શર્મા ગભરાઈ ગઈ. તેના પગ નીચેથી જાણે કે જમીન ખસી ગઈ. પોલીસ પણ હરકતમાં આવી ગઈ.

બન્યું એવું કે, પોલીસને જાણ કર્યા બાદ તા. ૨ મે, ૨૦૧૪ના રોજ ગ્રેટર નોઈડાના એલ્ડેકો ક્રોસિંગ પાસેથી એક સળગી ગયેલી મોટરકાર મળી. અંદર એક સળગી ગયેલી માનવલાશ પણ હતી. લાશ એટલી હદે સળગી ગઈ હતી કે તેની ઓળખ કરવી મુશ્કેલ હતું. પોલીસે કારની ચેસીસ નંબર તથા નંબર પ્લેટ પરથી તપાસ કરી તો એ કાર ચંદ્રમોહન શર્માની માલિકીની હતી. પોલીસે ચંદ્રમોહન શર્માની પત્ની સવિતા શર્માને જાણ કરી. સવિતા શર્માના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારની આગલી સીટમાં પડેલી લાશને જોઈ તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી તે મૃતદેહ સવિતા શર્માને સોંપી દીધો. તે પછી તેની અંતિમ વિધિ કરવામાં આવી.

ચંદ્રમોહન શર્મા એ વખતે આમઆદમી પાર્ટીનો આગેવાન પણ હતો. તેની પત્ની સવિતા શર્મા પણ આમઆદમી પાર્ટીની પશ્ચિમી ઉત્તર પ્રદેશની મહામંત્રી હતી. શર્માની હત્યાની જાણ થતાં અનેક લોકો પોલીસ સ્ટેશને પહોંચી નારાબાજી કરવા લાગ્યા. ભીડને જોઈ પોલીસ સક્રિય થઈ ગઈ. ચંદ્રમોહન શર્માએ તેની હત્યા પહેલાં જે અરજી આપી હતી તેના આધારે અરજીમાં લખેલા સંભવિત હત્યારાઓ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી. પોલીસે સખ્તાઈથી તેમની પૂછપરછ કરી, પણ પકડાયેલા લોકોએ કહ્યું કે, “અમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે.”

પોલીસે એ બધાં સામે હત્યાનો કેસ દાખલ કરી તેમને જેલમાં મોકલી દીધા. ચંદ્રમોહન શર્મા ગ્રેટર નોઈડામાં આવેલી હોન્ડા સિએલ કંપનીમાં નોકરી કરતો હતો. કંપનીએ મૃત ચંદ્રમોહન શર્માની પત્નીને ઇન્સ્યોરન્સ વગેરે મળીને રૂ. ૨૦ લાખની રકમ મોકલી આપી.

સમય વહેતો રહ્યો.
ચંદ્રમોહન શર્માની હત્યાના એક મહિના બાદ એના જ ઘરની નજીકમાં રહેતી નીલમ નામની યુવતી અચાનક ગુમ થઈ ગઈ. નીલમના ગુમ થવા અંગે તેના માતા-પિતાએ એ જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ કરી તો પડોશીએ કહ્યું કે, મરનાર ચંદ્રમોહન શર્મા અને નીલમ વચ્ચે પ્રેમસંબંધો હતાં. આ બાબતે ચંદ્રમોહન શર્મા અને તેની પત્ની સવિતા શર્મા સાથે અવારનવાર ઝઘડા પણ થતા હતા. નીલમ પહેલેથી જ આઝાદ ખ્યાલવાળી છોકરી હતી. બની શકે કે ચંદ્રમોહનની હત્યા બાદ તે અન્ય કોઈ સાથે ભાગી ગઈ હશે.

પોલીસે નીલમના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ કાઢી તો ખબર પડી કે, નીલમ તેના મોબાઈલમાં બે સીમકાર્ડ રાખતી હતી. પોલીસ તપાસમાં બીજી આશ્ચર્યજનક માહિતી એ મળી કે, એ બે સીમકાર્ડ પૈકી એક સીમકાર્ડ ચંદ્રમોહન શર્માના નામે ખરીદવામાં આવ્યું હતું અને એ કાર્ડ પરથી તે રાતના સમયે કોઈની સાથે વાત કરતી હતી. અલબત્ત, જે દિવસથી તે ગુમ હતી તે દિવસથી તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.

નીલમના ગુમ થઈ ગયાના ત્રણ મહિના બાદ કોઈ અજાણ્યા ફોન નંબર પરથી નીલમના પિતા પર ફોન આવ્યો કે, “તમારી પુત્રી નીલમ તિરુપતિ-બાલાજી પાસે મેં જોઈ છે.”

નીલમના પિતાએ આ વાતની જાણકારી પોલીસને કરી. પોલીસે તપાસ કરી તો જે નંબર પરથી એ ફોન આવ્યો હતો તે નંબર બેંગલુરુના એક પીસીઓનો હતો. તે પછી ત્રણ-ચાર દિવસ બાદ ફરીથી એવો જ ફોન આવ્યો કે તમારી પુત્રી તિરુપતિ-બાલાજીમાં ફરી રહી છે. ફરી એ વાત જાણ પોલીસને કરવામાં આવી. ફોન કરનાર વ્યક્તિ કોણ છે અને તેનો હેતુ શું છે તે એક કોયડો હતો. પોલીસે એક ટીમ બેંગલુરુ રવાના કરી. પોલીસે નંબરના આધારે બેંગલુરુનો પીસીઓ શોધી કાઢયો. એ પીસીઓમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તેના વીડિયો ફૂટેજ લેવામાં આવ્યા. તેમાં ફોન કરનાર વ્યક્તિના શરીર પર હોન્ડા સિએલ કંપનીનો યુનિફોર્મ હતો. પોલીસ બેંગલુરુની હોન્ડા સિએલ કંપનીમાં ગઈ અને સીસીટીવી ફૂટેજ બતાવ્યા. કંપનીમાં કામ કરતા કર્મચારીએ કહ્યું કે, “આ તસવીરો અમારી કંપનીમાં હમણાં જ જોડાયેલા નીતિન શર્માની છે.” પોલીસે કંપનીમાં કામ કરતા નીતિન શર્માને બોલાવ્યો. પોલીસને લાગ્યું કે આ માણસનો ચહેરો પરિચિત લાગે છે. તે ચંદ્રમોહન શર્મા જેવો લાગતો હતો.ળ

પોલીસ નીતિન શર્માની પૂછપરછ શરૂ કરી. નીતિન શર્મા ગભરાયેલો જણાતો હતો. પોલીસને ખ્યાલ આવી ગયો કે, નીતિન શર્મા ખરેખર તો ચંદ્રમોહન શર્મા જ છે, જેની ત્રણ મહિના પહેલાં હત્યા થઈ ગઈ હતી અને જેની સળગી ગયેલી લાશ મળી હતી. પોલીસને આવો સંદેહ જવા છતાં તે મૌન રહી. પોલીસ ચાલાકીથી નીતિન શર્માને પૂછપરછ કરવાના બહાને તેના ઘરે લઈ ગઈ. નીતિન શર્મા પોલીસ સાથે તેના ઘરે જવા ઇંતજાર કરી રહ્યો હતો, પરંતુ પોલીસે સખ્તાઈ કરી પોલીસ નીતિન શર્માને લઈ તેના ઘરે પહોંચી. નીતિન શર્માના ઘરે નીલમ મોજૂદ હતી.

પોલીસે કડકાઈથી નીતિન શર્માને પૂછયું : “તું કોણ છે ?”

પોલીસ થર્ડ ડિગ્રીનો અમલ કરે તે પહેલાં જ નીતિન શર્માએ કહી દીધું કે, “હું નીતિન શર્મા નહીં, પરંતુ ચંદ્રમોહન શર્મા છું.”

ચંદ્રમોહન શર્માએ કબૂલ કરી લીધું : “હું આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો, પરંતુ હું મારી પડોશમાં રહેતી નીલમ સાથે પ્રેમમાં હતો. હું પરિણીત હોવા છતાં અમારી વચ્ચે સંબંધો પણ બંધાયા હતા. આ વાતની ખબર મારી પત્ની સવિતા શર્માને પડી ગઈ હતી. નીલમની બાબતમાં અમારી વચ્ચે ઝઘડા પણ થતા હતા. હું નીલમને છોડવા તૈયાર નહોતો. મેં અને નીલમે ભાગી જવા એક યોજના બનાવી. મને પાછળથી કોઈ શોધે નહીં તે માટે મેં મારી હત્યા થઈ જવાની છે તેવી બનાવટી અરજી પોલીસને આપી. તે પછી રસ્તા પરના એક ભિખારીને પસંદ કર્યો. એક પરોઢિયે મેં એક ગરીબ ભિખારીને ખાવાનું આપવાના બહાને મારી કારમાં બેસાડયો. નિર્જન સ્થળે જઈ કારમાં જ મેં તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી. તેના શરીર પર મેં મારા કપડાં પહેરાવી દીધાં અને બેગમાં સાથે લાવેલા બીજાં કપડાં મેં પહેરી લીધા. તે પછી કારની અંદર લાવેલો પેટ્રોલનો કેરબો કાર પર છાંટી મેં મારી જ કાર સળગાવી દીધી. કારની સાથે અંદર ભિખારીની લાશ પણ સળગી ગઈ. બધાને લાગ્યું કે, ચંદ્રમોહન શર્માની હત્યા થઈ ગઈ છે, પરંતુ હું બેંગલુરુ ભાગી આવ્યો. એક મહિના પછી મેં નીલમને ભાગીને અહીં આવવા કહ્યું. હું અહીં હોન્ડા સિએલ કંપનીમાં નીતિન શર્મા નામ ધારણ કરી નોકરી કરવા લાગ્યો. મારો પગાર ઓછો હતો. પૂરું થતું નહોતું. હવે મારી ને નીલમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા. હું નીલમથી પણ છૂટવા માગતો હતો. નીલમના પિતાને ફોન પણ મેં જ કર્યો હતો. મને હતું કે નીલમના પિતા અહીં આવશે ને નીલમને જોશે તો તેને લઈ જશે અને હું આઘોપાછો થઈ જઈશ. પણ નીલમના પિતાના બદલે તમે આવી ગયા.”

પોલીસે ચંદ્રમોહન શર્માને પોતાના જ મોતની ફુલપ્રૂફ સાજિશ રચવા બદલ તથા એક ભિખારીની હત્યા કરવા બદલ ધરપકડ કરી. આ ષડયંત્રમાં સાથ આપવા બદલ નીલમની પણ ધરપકડ કરી અને એ રીતે પોતાના જ મૃત્યુની સાજિશ ખુલ્લી પડી ગઈ.

– દેવેન્દ્ર પટેલ

જેમણે મહિલાઓના ખુલ્લા ચહેરા સાથે તસવીર પડાવી

૨૧મી સદીમાં પણ કેટલાક દેશોમાં રાજાશાહી છે. વિશ્વમાં આજના રાજકારણીઓને જોતાં કેટલાકને એવું પણ લાગે છે કે, આજના રાજકારણીઓ કરતાં ઘણા રાજાઓ વધુ સારા અને પ્રજાવત્સલ હતા. વિશ્વમાં કેટલાક એવા દેશો પણ છે જ્યાં લોકશાહી ના હોવા છતાં લોકો સુખ ચૈનથી જિંદગી બસર કરે છે. આવો એક દેશ છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયાને પોતાની આગવી સમૃદ્ધિ પણ છે અને પોતાના પ્રશ્નો પણ છે. તેલથી સમૃદ્ધ આ દેશની પ્રજા પર લોકતાંત્રિક દેશોમાં નાગરિકો પર જેવા આકરા કરવેરા હોય છે તેવા રાજાશાહી ધરાવતા દેશોમાં નથી. લોકતાંત્રિક દેશોના ચૂંટણીઓ વખતે કાળા નાણાંનો જે બિભત્સ ખેલ ખેલાય છે તેવું સાઉદી અરેબિયામાં નથી. હા, ઈસ્લામ ધર્મના સિદ્ધાંતોનો ચુસ્ત અમલ છે. ભારતના ગુજરાતમાં દારૂબંધીના નામે હપ્તાનો ભ્રષ્ટાચાર ચાલે છે તેવું સાઉદી અરેબિયામાં નથી. ચોરી કરનાર કે બળાત્કાર કરનારને સખ્તમાં સખ્ત સજા છે. ભારત જેવા દેશો કેટલાયે બળાત્કારીઓ જામીન પર છૂટી ફરી ગુનાઈત પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જતા હોય છે.

વિશ્વના ધનવાન દેશોમાં અગ્રગણ્ય એવા સાઉદી અરેબિયાના શાસક કિંગ અબ્દુલ્લા બિન અબ્દુલ અજીજ અલ સઉદનું તાજેતરમાં જ અવસાન થયું. તેઓ ૯૦ વર્ષની વયના હતા. આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સામે લડતા સાઉદી અરેબિયામાં સામાજિક અને આર્િથક સુધારાનો પાયો નાંખનાર શાસક તરીકે તેમનો દેશ કિંગ અબ્દુલ્લાને હંમેશા યાદ કરશે. લોકો તેમને પ્રગતિશીલ અને સુધારાવાદી બાદશાહ તરીકે પણ યાદ કરશે. રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજવાળા સાઉદી અરબસ્તાનમાં મહિલાઓને અધિકાર પણ કિંગ અબ્દુલ્લાએ જ અપાવ્યો.

કિંગ અબ્દુલ્લા સાઉદી અરેબિયાના સંસ્થાપક શાહ અબ્દુલ અજીજ અલ સઉદના ૧૨ પુત્રો પૈકી એક હતા. કિંગ અબ્દુલ્લા ઈસ્લામના સિદ્ધાંતોના ચુસ્ત સમર્થક હતા પરંતુ તેમની વિચારધારા કટ્ટરપંથી નહોતી. સાઉદી સમાજમાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રાજ્યની ઉત્તરાધિકાર વ્યવસ્થા ગોઠવવામાં રહ્યું. તેમણે ”હયાત અય-બયા” અર્થાત્ ”એલિજન્સ કોન્સલ”નું ગઠન કર્યું ઉત્તરાધિકારીઓ માટે પણ તેમણે એક કેડી કંડારી.

એક વાર કિંગ અબ્દુલ્લાએ કહ્યું હતું: ”સાઉદી અરબની ઓળખ તે તેલથી નહીં પરંતુ તેના નાગરિકોથી થવી જોઈએ.”

૨૦૦૫માં તેમણે સાઉદીની ગાદી સંભાળી તે પછી તેઓ હંમેશા સુધારાવાદી રહ્યા. તેમણે વિસ્તૃત મજલિસ અલ-શુરામાં ૩૦ મહિલાઓને પણ સ્થાન આપ્યું. એ કારણે તેની સભ્ય સંખ્યા ૧૫૦ની થઈ ગઈ. ૨૦૧૦ની સાલમાં શાહ અને તેમના વારસ સુલ્તાને પરદાની રૂઢિચુસ્ત પ્રથા તોડવા માટે એવી મહિલાઓ સાથે તસવીર ખેંચાવરાવી જે મહિલાઓના ચહેરા ખુલ્લા હતા. આ તસવીર સાઉદી અખબારના પહેલા પાના પર પ્રગટ થઈ હતી. અલબત્ત, બધી જ મહિલાઓએ માથા પર અબાયા પહેરી રાખ્યો હતો પરંતુ ચહેરો ઢાંકેલો નહોતો. આ ઘટનાએ સાઉદીમાં સામાજિક રૂઢિચુસ્તતા તોડવામાં મદદ કરી હતી.

૨૦૦૯માં તેમણે કિંગ અબ્દુલ્લા યુનિર્વિસટી ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજીનું ઉદ્ઘાટન કર્યું. ૧૦ અબજ ડોલરના ખર્ચે આ સંસ્થા ઊભી કરવામાં આવી હતી. આ સંસ્થામાં ઉચ્ચ વૈજ્ઞાાનિક સંશોધન અને અભ્યાસ કરવા તમામ યુવક અને યુવતીઓને છૂટ હતી. તાલીબાનો અફઘાનિસ્તાન કે પાકિસ્તાન બાળકીઓને સ્કૂલમાં પણ જવા દેવા માગતા નથી ત્યારે કિંગ અબ્દુલ્લાની વિચારધારા આધુનિક હતી. પવિત્ર કુરાનમાં પણ શિક્ષણ પર ભાર મૂકવામાં આવેલો છે. અહીં આ સંસ્થામાં ભણવા માંગતી યુવતીઓ માટે કોઈ જ ડ્રેસ કોડ ઠોકી બેસાડવામાં આવ્યો નહોતો. કીંગ અબ્દુલ્લાના આ કદમને એક બંધ અને રૂઢિચુસ્ત સમાજમાં ક્રાંતિકારી સુધારા તરીકે લેખવામાં આવ્યું.

કિંગ અબ્દુલ્લાની અંગત સંપત્તિ ૧૮ બિલિયન ડોલરની હોવાનું માનવામાં આવે છે. તેઓ વિશ્વના ત્રીજા નંબરના ધનવાન શાસક ગણાયા છે.

કિંગ અબ્દુલ્લા એવા પહેલા સાઉદી અરેબિયાના શાસક હતા જેઓ વેટિકન સિટી ગયા અને નામદાર પોપને મળ્યા. આ રીતે તેમણે બીજા ધર્મો પ્રત્યે પણ સન્માન દાખવ્યું.

રાજનીતિને લાગેવળગે છે ત્યાં સુધી કિંગ અબ્દુલ્લાએ અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનોની વિરુદ્ધમાં જાહેરમાં અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોનું સમર્થન કર્યું. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના નાઈન ઈલેવનનો હુમલો કરવાવાળા ૧૯ આતંકવાદીઓ પૈકી ૧૫ સાઉદી અરબના હતા. આ બાબત પણ તેમના માટે ચિંતાનો વિષય હતો. નાઈન ઈલેવનનો હુમલો કરનારાઓની મોટામાં ફરિયાદ એ હતી કે તેમના દેશમાં અમેરિકા સૈનિકોની હાજરી પણ હુમલાનું એક કારણ છે. કિંગ અબ્દુલ્લાએ એ ફરિયાદ તરફ પણ ધ્યાન કેન્દ્રીત કરી તેમના દેશમાંથી અમેરિકી સૈનિકોની સંખ્યા ઘટાડી. તે પછી કિંગ અબ્દુલ્લાએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. સેનાના સશક્તિકરણ માટે તેમણે ૧૫૦ અબજ ડોલરનું ખર્ચ કર્યું. કટ્ટરપંથીઓ અને કટ્ટર ધર્મગુરુઓને ગિરફતાર કર્યા.

આ બધું હોવા છતાં સાઉદી અરેબિયા અને આતંકવાદી સંગઠનો વચ્ચેની સાંઠગાંઠ અંગે આંગળી ચીંધાતી રહી છે. કેટલાક સમય પહેલાં જ જાહેરમાં એક મહિલાનું મસ્તક કપાતું દર્શાવતો એક વીડિયો બહાર આવ્યો હતો. તે દર્શાવે છે કે સાઉદી અરબમાં માનવાધિકાર અને લોકતંત્ર માટે હજુ ઘણું બધું કરવાનું બાકી છે. સાઉદી અરેબિયામાં રાજાશાહી છે અને રાજાશાહી સામે ખતરાના ભયથી કિંગ અબ્દુલ્લા પરિવારે ટયૂનિશિયા, લીબિયા અને ઈજિપ્તમાં લોકતંત્ર માટે જે ચળવળ થઈ તેનો વિરોધ કર્યો હતો. એ જ રીતે મધ્યપૂર્વના દેશોના પ્રશ્નો હલ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી કિંગ અબ્દુલા ભારતના કરીબી દોસ્ત હતા. ભારત અને ભારતીયો માટે તેમને સ્નેહ અને લગાવ હતો. કિંગ અબ્દુલ્લાના નિધન બાદ હવે સાઉદીના નવા સુલતાન તરીકે તેમના ઓરમાન ભાઈ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ ગાદી પર આવ્યા છે. તેમની વય ૭૯ વર્ષની છે. તેઓ અનુભવી અને ભરોસાપાત્ર શાસક ગણાય છે.

દિલ્હીમાં ભાજપાની હોનારત ખરેખર જવાબદાર કોણ ?

દિલ્હી એ દેશનું પાટનગર છે. કેન્દ્રમાં ભાજપાની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર હોય અને દિલ્હી વિધાનસભામાં ભાજપને ત્રણ જ બેઠકો મળે તેથી વધુ નામોશીભરી હાર બીજી શું હોઈ શકે ? ૧૩૦ વર્ષ જૂની કોંગ્રેસ ઝીરોમાં આઉટ થઈ જાય તેથી વધુ નાદારી બીજી શું હોઈ શકે? દિલ્હીની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો સ્તબ્ધ કરી દે તેવાં છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ- બેઉ પક્ષો માટે આઘાતજનક છે. અરવિંદ કેજરીવાલ જેવા એક લો-પ્રોફાઈલ- સામાન્ય માનવીએ ભલભલા શૂરવીરોને પછડાટ આપી દીધી છે. કેજરીવાલ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મેજિક, પાર્ટી પ્રમુખ અમિત શાહની વ્યૂહરચના, હજારો કાર્યકરોની ફોજ, મંત્રીમંડળના સભ્યોની આર્મી કે આરએસએસની સંગઠનશક્તિ એ કાંઈ જ કામ આવ્યાં નથી. દિલ્હીની જનતાએ અહંકારભરી ભાષા, નકારાત્મક રાજનીતિ, મોટી રેલીઓ,ઝેરીલો પ્રચાર અને ઓબામાના ગ્રાન્ડ શોને પણ નકારી દીધાં છે. દિલ્હીની જનતાએ એક સામાન્ય માનવીને પસંદ કરી લીધો છે. ફિનિક્સ પક્ષી માટે કહેવાય છે તે સળગીને રાખ થઈ જાય છે અને તે રાખમાંથી જ ફરી પ્રગટ થાય છે. અરવિંદ કેજરીવાલની રાજકીય કારકિર્દી પણ ફિનિક્સ પક્ષી જેવી જ લાગે છે. ૪૯ દિવસના શાસનકાળ બાદ અચાનક રાજીનામું આપી દેનાર અરવિંદ કેજરીવાલ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આવેલાં ભાજપા તરફી જ્વલંત પરિણામો બાદ અંધકારની ગર્તામાં ધકેલાઈ ગયા હતા, પરંતુ તે પછીના ૮-૧૦ મહિનામાં જ ફરી દિલ્હીની પ્રજાનો પ્રેમ જીતી લેશે તેવી તેમણે પણ કલ્પના કરી નહીં હોય.

કિરણ બેદી- હોનારત

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ફોર્મ ભરવાના બે દિવસ પૂર્વે જ પૂર્વ આઈપીએસ ઓફિસર કિરણ બેદીને રાતોરાત ભાજપામાં લાવવામાં આવ્યાં અને તેમને મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર ઘોષિત કરી દેવાયાં ત્યારે તેને ભાજપાનો માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવતો હતો. એ વખતે કિરણ બેદીની સ્વચ્છ પ્રતિભા અને ૪૦ વર્ષના પ્રશાસનિક અનુભવના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ એ દાવા પોકળ સાબિત થયા અને ખુદ કિરણ બેદી જ હારી ગયાં. વિચારધારા આધારિત અને કેડર બેઝ ગણાતી ભાજપા માટે કિરણ બેદીનું અવકાશી ઉતરાણ બૂમરેંગ સાબિત થયું. કિરણ બેદી એસેટના બદલે લાયેબિલિટી સાબિત થયાં. મિઝોરમમાં તેઓ નોકરીએ હતાં ત્યારે તેમની પુત્રીને અમુક ખાસ કોટામાંથી મેડિકલ પ્રવેશ અપાવવાના મુદ્દે વિવાદ થયો હતો. તે પછી એક કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ વિમાનના ઇકોનોમી ક્લાસમાં ગયાં હતાં અને આયોજકો પાસેથી બિઝનેસ ક્લાસની ટિકિટના નાણાં લીધાં હતાં. આ બધી જ વાતો બહાર આવી. અણ્ણાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન વખતે તેમણે ભાજપા પર પણ પ્રહારો કર્યા હતા અને ગુજરાતમાં કોમી તોફાનો અંગે પણ તેમણે કેટલાક સવાલો પૂછયા હતા. આ બધું જ હોવા છતાં કિરણ બેદીને ભાજપાએ મુખ્યમંત્રીપદની ખુરશીના ઉમેદવાર બનાવી દીધાં. દિલ્હીના બુદ્ધિજીવીઓએ આ કારણથી જ કિરણ બેદીને નકારી દીધાં.

ભાજપાની ભીતર રોષ

કિરણ બેદીને રાતોરાત પેરેશૂટની જેમ ભાજપાની ટર્ફ પર ઉતારી દેવાથી વર્ષોથી ભાજપામાં કામ કરતાં નિષ્ઠાવાન આગેવાનો અને કાર્યકરો પણ નારાજ હતા. ભાજપા પાસે ડો. હર્ષવર્ધન જેવો એક શાંત અને શાલીન ચહેરો હતો જ. કૃષ્ણા તીરથને, શાઝિયા ઇલ્મીને કે કિરણ બેદીને પાર્ટીમાં લાવવાથી પબ્લિસિટી મળી, પરંતુ એ લોકોના કારણે જ પાર્ટીને ભારે નુકસાન થયું. પાર્ટીની કેડર ભાંગીને ભૂક્કો થઈ ગઈ. કાર્યકરો નિરાશ થઈ ગયા. નુકસાન કરે એવા લોકોને ખભે ઊંચકીને ફરવા જેવું થયું. કિરણ બેદીનું પાર્ટીમાં અવતરણ પક્ષ માટે પરાજય અપાવનારો જુગાર સાબિત થયું. ભાજપાની ભીતરનો રોષ ભાજપાને ભરખી ગયો.

હજુ બ્યૂરોક્રેટ જ

યાદ રહે કે કિરણ બેદી એક્ટિવિસ્ટ છે, રાજનીતિજ્ઞા નથી. અધિકારી તરીકે નિવૃત્ત થયે તેમને વર્ષો થયાં, પરંતુ બ્યૂરોક્રેટિક દિમાગમાંથી હજુ તેઓ મુક્ત થયાં નથી. લોકો સાથે, કાર્યકરો સાથે, સાથી નેતાઓ સાથે અને મીડિયા સાથે વાત કરતી વખતે તેઓ હજી પોલીસ અધિકારી જ હોય તેવા ટોનમાં બોલી રહ્યાં હતાં. લોકોના ટોળામાંથી એક યુવાન તેમની પાસે આવ્યો. તે બાઈક પર હતો. તેણે માથા પર હેલ્મેટ પહેરેલી નહોતી. તે કિરણ બેદીને જોઈ ખુશ થઈ રેલીમાં આવ્યો હતો. તેની ખુશીનો સ્વીકાર કરવાના બદલે કિરણ બેદીએ કહ્યું : “હેલ્મેટ ક્યું નહીં પહેના હૈં, મૈં તુમ્હેં ચાલાન નહીં દે રહી, લેકિન અબ સે હેલ્મેટ પહેનના.” કિરણ બેદી અત્યારે પોલીસ અધિકારી જ નથી તો ચાલાન કેવી રીતે આપી શકે ?”

આવું જ તેમણે દિલ્હીના ભાજપાના સાંસદો સાથે વર્તન કર્યું હતું. મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર જાહેર કરાયાના બીજા દિવસે રાત્રે જ તેમણે દિલ્હીના ભાજપાના તમામ સાંસદોને પોતાના ઘરે બોલાવ્યા. કડકડતી ઠંડીમાં ભાજપાના તમામ સાંસદોને બુટ બહાર કાઢી આવવા સૂચના અપાઈ. મિટિંગ શરૂ કરતાંકિરણ બેદીએ દરેક સાંસદને કહ્યું : “સિર્ફ દો મિનિટમેં આપ અપના પરિચય દીજીયે.”

જરૂર તો એ હતી કે કિરણ બેદીને પહેલેથી જ ભાજપાના સાંસદોનો પરિચય હોવો જોઈતો હતો. આમ છતાં કિરણ બેદી પક્ષના મોવડીઓની પસંદ હોઈ હાઈ કમાન્ડના ડરથી ભાજપાના દિલ્હીના સાંસદોએ પોતાનો પરિચય આપવાની શરૂઆત કરી, પરંતુ સંઘ સાથે જોડાયેલા એક સાંસદે થોડા શબ્દોમાં બેદીને ઘણું કહી દીધું : “આપ સીએમ પદ કી કેન્ડિડેટ હૈં ઔર હમ ભાજપા કે સાંસદ હૈં,ઇતના પરિચય કાફી હૈ. આગે બોલો.”

કિરણ બેદીનું મીડિયા સાથેનું વર્તન પણ પોલીસચોકીમાં કોઈ આરોપીને ખખડાવતાં હોય તેવું હતું. કિરણ બેદીએ દેશની એક પણ ન્યૂઝ ચેનલ સાથે સરખી વાત કરી નહીં. એથી ઊલટું ન્યૂઝ ચેનલોના પત્રકારો ઉપર આરોપ મૂક્યો કે, “તમે શૂટ ઘણું બધું કરો છો, પરંતુ પસંદગીનાં દૃશ્યો જ બતાવો છો.” આ બધું જોતાં એમ લાગ્યું કે, કિરણ બેદીમાં રાજકારણી થવાના ગુણો ઓછા છે. તેઓ ભાજપાના વિજયરથમાં ભેખડ સાબિત થયાં. કિરણ બેદી કેજરીવાલ માટે બહુ બોલ્યાં, પરંતુ કેજરીવાલે કિરણ બેદી વિરુદ્ધ એક શબ્દ પણ ના ઉચ્ચાર્યો.

કાળું નાણું… ?

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે વિદેશોની બેંકોમાં પડેલું કાળું નાણું ૧૦૦ દિવસમાં પાછું લાવવાની અને દેશની દરેક વ્યક્તિના બેંક એકાઉન્ટમાં રૂ. ૧૫ લાખ ઊભા કરવાની વાત કહેવામાં આવી હતી. જેનો પ્રજા ઇન્તજાર કરી રહી હતી. દિલ્હીની ચૂંટણીનાં આ પરિણામોને કેન્દ્રમાં મોદી સરકાર સામેનો જનમત કહી ના શકાય, પરંતુ ભાજપા આ પરિણામો માટે આત્મચિંતન કરે. પ્રજાને અચ્છે દિન, કાળું ધન પાછું આવે, મોંઘવારી ઘટે તેનો ઇન્તજાર છે. પ્રજાને ભાજપાના નેતાઓ દ્વારા ઉચ્ચારાતા ‘હરામજાદા’જેવા શબ્દો, ૪થી ૧૦ બાળકો પેદા કરવાની સલાહ, ગોડસેના મંદિરો બાંધવાની વાત પસંદ આવી નથી. કેજરીવાલ માટે ઉચ્ચારેલા શબ્દો પણ દિલ્હીની પ્રજાએ નાપસંદ કર્યા છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે અપાયેલા વાયદા સરકાર પૂરા કરે તેનો ઇન્તજાર છે.

કોણ કોની સાથે રહ્યું ?

દિલ્હીની જનતાના મૂડનું પૃથ્થકરણ કરીએ તો એ વાત હવે સ્પષ્ટ છે કે, ગરીબ અને નીચલો મધ્યમ વર્ગ ખુલ્લી રીતે આમઆદમી પાર્ટી સાથે રહ્યો. કોંગ્રેસના પરંપરાગત મતદારો પણ આમઆદમી પાર્ટી સાથે ગયા. લઘુમતીએ પણ ચૂપચાપ કેજરીવાલને ટેકો આપ્યો. મધ્યમ અને ઉપલો મધ્યમ વર્ગ પણ ભાજપાથી દૂર રહ્યો. બુદ્ધિજીવીઓનો ભાજપા માટેનો ભ્રમ ઓછો થયો. ડેરા સચ્ચા સૌદાએ ભાજપાને ટેકો જાહેર કર્યો, પરંતુ તેનો કોઈ કરિશ્મા દેખાયો નહીં. ઇમામ બુખારીએ આમઆદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો,પરંતુ કેજરીવાલે તે સમર્થનનો અસ્વીકાર કરીને દિલ્હીમાં હિંદુ અને મુસલમાન મતોનું ધ્રુવીકરણ ના થવા દીધું. કોંગ્રેસને જેટલું નુકસાન થયું તેટલો જ આમઆદમી પાર્ટીને ફાયદો થયો. આશ્ચર્યની વાત એ છે કે, કોંગ્રેસ આ મહત્ત્વપૂર્ણ ચૂંટણી જાણે લડતી જ ના હોય તે રીતે માત્ર પ્રતીકાત્મક રીતે જ લડી. મેટ્રો રેલ, ફ્લાય ઓવર્સ તથા આધુનિક સ્ટેડિયમો તથા અદ્યતન એરપોર્ટ દ્વારા કોંગ્રેસે પોતે જ કરેલાં કાર્યોનું તેને માર્કેટિંગ કરતાં ના આવડયું. તેની સામે મમતા બેનરજી, જેડીયુ તથા ડાબેરીઓએ સમજણપૂર્વક આમઆદમી પાર્ટીને ટેકો જાહેર કરી દીધો. ભાજપા સામે વિપક્ષો એક થઈ જાય તો પરિણામો પલટાવી શકાય છે તેવું સ્પષ્ટ ઊપસ્યું.

આ ચૂંટણી પરિણામોની દૂરોગામી અસરો થઈ શકે છે.

પ્રજા કાયમ કોઈના ખિસ્સામાં છે તેવા આત્મવિશ્વાસમાં રાચવું તે કોંગ્રેસ અને ભાજપા બંને માટે હોનારત સાબિત થઈ શકે છે.

દિલ્હીના ચૂંટણી પરિણામો પર સમગ્ર દેશની નજર

આજે આવનારા દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર આખા દેશની નજર છે. આજનાં પરિણામોની દૂરોગામી અસરો હશે. જેની પર સહુની નજર છે તે દિલ્હી વિધાનસભા વિશે જાણવા જેવી વાત એ છે કે પહેલા દિલ્હી એ કેન્દ્રશાસિત ક્ષેત્ર હતું. તે પછી તેને અર્ધ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. દિલ્હીમાં વિધાનસભાની રચના થશે. પરંતુ તેની પાસે દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની, પોલીસ,ભૂમી કાનૂન કે સ્ટેમ્પ ડયૂટી જેવી કોઈ સત્તા નથી.દિલ્હીની પોલીસ કેન્દ્રના ગૃહમંત્રીની હેઠળ હોય છે. દિલ્હી વિધાનસભા દ્વારા રચાનારી રાજ્ય સરકાર દિલ્હીની એક ઈંચ જમીનની પણ માલિક નથી. દિલ્હીને મુખ્યમંત્રી અપાશે પરંતુ રાજ્યપાલ નથી. દિલ્હીમાં ઉપરાજ્યપાલ છે. તે લેફટન્ટ ગવર્નર તરીકે પણ ઓળખાય છે. દિલ્હીમાં ચૂંટાનારી સરકાર બીજી રાજ્ય સરકારોની જેમ ટેકસ અંગે કે બજેટ અંગે ઉપરાજ્યપાલની પૂર્વ મંજૂરી વિના કોઈ નિર્ણય કરી શકતા નથી. મંત્રીમંડળ પણ મોટા ભાગના કામોમાં માત્ર ઉપરાજ્યપાલને સલાહ જ આપી શકે છે. આ કારણથી દિલ્હીમાં વિધાનસભા હશે, સરકાર બનશે પરંતુ દાંત વગરની સરકાર જેવી જ તેની પરિસ્થિતિ હશે. દિલ્હીના વિકાસ માટે રચાયેલી સત્તા મંડળ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી પણ કેન્દ્ર સરકાર આધીન છે અને તેના અધ્યક્ષપદે લેફટનન્ટ ગવર્નર હોય છે. આવી દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ જે ઉત્સુક્તા ઊભી કરી છે તેના કારણો વહીવટી ઓછાં અને રાજકીય વધુ છે.

મોંઘી ક્વાયત

ભારતની લોકશાહીમાં ચૂંટણી એક મહાપર્વ બની જાય છે. જાહેર સભાઓ, મંડપો, ભાષણો, નિવેદનો, આક્ષેપો, પ્રતિઆક્ષેપો, રોડ શો, સૂત્રો, ર્હોડિંગ્સ, પત્રિકાઓ, દારૂ, પૈસા એ બધું હવે ચૂંટણી પ્રચારનો એક અભિન્ન હિસ્સો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે આયારામ-ગયારામના કિસ્સા જોવામાં આવ્યા તે દર્શાવે છે કે, દેશમાં હવે વિચારધારા આધારિત પક્ષો રહ્યા નહીં. કોઈ કોંગ્રેસમાંથી ભાજપામાં કૂદકો મારે છે તો કોઈ આમઆદમી પાર્ટીમાંથી ભાજપામાં ભૂસકો મારે છે. વિચારધારા, સિદ્ધાંતો, નિષ્ઠા,વફાદારીના બદલે રાજનીતિ હવે તકવાદીઓનું પ્લેટફોર્મ બની ગઈ છે. રાજનીતિ ધંધો પણ બની ગઈ છે અને રાજનીતિના કારણે તેના આનુષાંગિક ધંધા પણ ખીલ્યા છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી એક પોલિટિકલ થ્રિલર જેવી હતી. ઇલેક્ટ્રોનિક મીડિયાએ પોતાનો ટીઆરપી વધારવા માટે તમામ પ્રયાસો કર્યા. ટી.વી. ન્યૂઝ ચેનલો પરથી પ્રસારિત થતાં ઓપિનિયન પોલ જોઈ ખુદ વડા પ્રધાન મોદીએ એક જાહેરસભામાં કહેવું પડયું કે, કેટલાક લોકો બજારુ ઓપિનિયન પોલ દ્વારા સંભવિત બેઠકોના આંકડા જાહેર કરે છે. વડા પ્રધાન આ વિધાન બાદ બીજા દિવસથી ઓપિનિયન પોલના આંકડા બદલાઈ ગયા. અને ચૂંટણી પછી એક્ઝિટ પોલના આકડા ફરી બદલાઈ ગયા.એક્ઝિટ પોલ અને ભાજપનો પોતાનો સર્વે કેટલો સાચો પડે છે તેની આજે ખબર પડશે.

મોટો બિઝનેસ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લાગેવળગે છે ત્યાં સુધી એક અંદાજ પ્રમાણે ૭૦ બેઠકોવાળી દિલ્હી વિધાનસભાની આ ચૂંટણી દરમિયાન જે રેલીઓ થઈ તેમાં સૌથી વધુ આવક શમિયાણા કે મંડપો બાંધનારા ટેન્ટ હાઉસવાળાઓને થઈ. રેલીઓ યોજવા માટે હવે ઊંચા શમિયાણા બાંધવા પડે છે. હજારો ખુરશીઓ ગોઠવવી પડે છે. રેલિંગ્સ નાખવી પડે છે. એક અંદાજ પ્રમાણે મંડપો અને શમિયાણા બાંધનાર ટેન્ટ હાઉસવાળાઓનો કારોબાર રૂ. ૫૦ કરોડનો આંકડો પાર કરી ગયો. જાહેરસભાઓમાં પ્રવચનો એ જ મુખ્ય બાબત છે. તેથી લાઉડ સ્પીકર્સવાળા પણ ટેન્ટ હાઉસ સાથે જોડાઈ ગયેલા હોય છે. મંડપો અને લાઉડ સ્પીકર્સનું બિલિંગ એક સાથે થાય છે.

ભોજન અને શરાબ

ચૂંટણી પ્રચાર દરમિયાન પક્ષના કાર્યાલયો પર તથા વિવિધ સ્થળો પર કેટલીક વખત સતત ભોજનનો પ્રબંધ ઉમેદવારોએ રાખવો પડે છે. ખાનગીમાં દારૂ પણ વહેંચવો પડે છે. દારૂ એ ચૂંટણી પ્રચારનો વર્ષોથી ચાલી આવતો અભિન્ન હિસ્સો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન જ આમઆદમી પાર્ટીના જ એક અગ્રણીના ઘરે દરોડો પાડી હજારો લિટર દારૂ પકડવામાં આવ્યો. આવું બીજે પણ ચાલતું હશે, પણ પકડાયો એક જ જણ. ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે રાજસ્થાનમાંથી જ ગેરકાયદેસર દારૂ ગુજરાતમાં ઠલવાય છે.

ચૂંટણી સામગ્રી

ચૂંટણી સામગ્રી વેચવાનો પણ એક આગવો ધંધો વિકસ્યો છે. તમને આશ્ચર્ય થશે પણ દિલ્હીમાં કેટલીક એવી પણ દુકાનો છે જ્યાં ભાજપા, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને લગતી સામગ્રી એક જ દુકાનમાં ઉપલબ્ધ હોય છે. જે તે પાર્ટીને લગતી તેમના રંગની ટોપીઓ, ખેસ, બિલ્લા, ઝંડા, જર્સીઓ, માસ્ક આ બધું એક જ દુકાનમાંથી ખરીદી શકાય છે. રેલીઓમાં રંગ જમાવવા માટે ભગવા રંગની કે આમઆદમીની પાર્ટીની ટોપીઓની ખાસ જરૂર રહે છે. આ બધી ચીજવસ્તુઓના વેચાણનો આંકડો દિલ્હીમાં રૂ. ૭૦ કરોડને પાર કરી ગયો હતો. આ ચીજવસ્તુઓ વેચનારાઓને કઈ પાર્ટી જીતશે તેમાં કોઈ રસ હોતો નથી. તેમને પ્રચાર સામગ્રી વેચવામાં જ રસ રહે છે.

ભીડ-સૂત્રોચ્ચાર

ચૂંટણીઓની રેલી દરમિયાન શક્તિ પ્રદર્શન માટે ભારે માનવભીડ ભેગી કરવી અનિવાર્ય છે. ભીડ કેટલી એકત્ર થઈ તેનાં દૃશ્યો ન્યૂઝ ચેનલો પર પ્રર્દિશત થતાં હોય છે. કેવાં સૂત્રો કે નારા પોકારવામાં આવ્યા તે પણ ટી.વી. ચેનલો પર દર્શાવાય છે. દિલ્હીમાં હવે નારાબાજીનું પણ એક બજાર છે. નારાબાજી કરવાવાળા લોકોને સપ્લાય કરવાવાળા કેટલાક ઠેકેદારો છે. તમે કહો તેના માટે ‘જિંદાબાદ’ અને તમે કહો તેના માટે ‘મુર્દાબાદ’ના નારા પોકારવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. વિશાળ સભાઓમાં સૌથી આગળ બેઠેલા લોકો પણ કોઈક વખતે જે તે પક્ષના અત્યંત નિષ્ઠાવાન કાર્યકરો હોય છે તો કોઈક વખત ભાડૂતી લોકો હોય છે. રેલીઓમાં કેટલીક વખત જે લોકોને લાવવામાં આવે છે તેમને દહાડી ચૂકવવી પડે છે. નાસ્તા-પાણી કે ભોજનનાં ફૂડ પેકેટ્સ પણ આપવા પડે છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની રેલીઓમાં પણ બિનરાજકીય સંસ્થાઓ આમ કરે છે. દેશની કેટલીક એનજીઓ વિદેશમાંથી મળતાં નાણાંનો આ રીતે ઉપયોગ કરતાં હોવાના આક્ષેપો થયેલા છે.

ઉમેદવારોનો ખર્ચ

દિલ્હી વિધાનસભાને લાગેવળગે છે ત્યાં સુધી રેલીઓ, જાહેરસભાઓ, પ્રચાર સામગ્રી, વાહન વ્યવહાર જેવી બાબત ઉપરાંત બીજો જે કોઈ ખર્ચ ઉમેદવારોને થયો તે જોતાં ઉમેદવાર દીઠ અંદાજે કરોડોનો આંકડો આવે છે. આ આંકડો પ્રત્યક્ષરૂપે પણ હોઈ શકે છે અને પરોક્ષ રીતે પણ. આટલી મોંઘી લોકતાંત્રિક કવાયત કોના માટે ? શા માટે ? દિલ્હીના લાખો ઝૂંપડાંવાસીઓ માટે કે સાત મંત્રીઓની લાલ બત્તીવાળી ગાડીઓના કાફલા માટે ?

આજે ચૂંટણી પરિણામો છે. જોઈએ, દિલ્હીની પ્રજાના દિલમાં શું છે ?

દિલ્હીની ચૂંટણીમાં ટેન્ટ હાઉસોનો કારોબાર ૫૦ કરોડચૂંટણી સામગ્રીનો વેપાર ૭૦ કરોડ

ગાંધી ટોપી વિરુદ્ધ વાંકી ટોપી વિરુદ્ધ ખાખી ટોપી વચ્ચે યુદ્ધ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ પર સમગ્ર દેશની નજર છે. દિલ્હી દેશની રાજધાની છે. દેશમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર છે, પરંતુ પાટનગરમાં ગઈ ચૂંટણી વખતે કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળવાને કારણે છેલ્લા કેટલાયે મહિનાઓથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સરકાર નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી. તે પછી હરિયાણા, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓ થઈ. હરિયાણામાં ભાજપાનું પ્રદર્શન સારું રહ્યું. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપાને સ્પષ્ટ બહુમતી ના મળી. છેવટે ત્યાં તેની જૂની સહયોગી પાર્ટી શિવસેના સાથે ગઠબંધન કરી સરકાર રચવી પડી. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ૮૭ બેઠકો પૈકી ભાજપાને ૨૫ બેઠકો પર જીત મળી. આ ત્રણેય રાજ્યોનાં પરિણામોના કારણે દિલ્હી વિધાનસભાની ચૂંટણી રસપ્રદ થઈ ગઈ છે તેનું એક કારણ એ છે કે,દેશની કેન્દ્ર સરકાર ભાજપાના હાથમાં છે તેથી ભાજપા ઇચ્છે છે કે, દેશના પાટનગરમાં પણ ભાજપાનું જ શાસન હોય. બીજું કારણ એ છે કે, ભાજપા દેશમાં એવો સંદેશ મોકલવા માગે છે કે, કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા બાદ આમ જનતાના ભાજપા પ્રત્યેના લગાવમાં કોઈ જ કમી આવી નથી.

કિરણ બેદી

ભારતીય જનતા પાર્ટીએ પક્ષના સ્થાનિક નેતાઓની પરવા કર્યા વિના પૂર્વ આઈ.પી.એસ. ઓફિસર કિરણ બેદીને દિલ્હીનાં મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી જ દીધાં છે. કિરણ બેદીની પ્રતિભા એક સખ્ત ટાસ્કમાસ્ટરની છે. ૪૦ વર્ષનો વહીવટી અનુભવ છે. ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે તેઓ કોઈની શેહશરમ ભરતાં નહોતાં. દિલ્હીની જેલમાં પણ તેઓ કેટલાક સુધારા લાવ્યાં હતાં. તેમની દીકરીના મેડિકલમાં એડમિશન અંગે અને વિમાનની ટિકિટ અંગે ભૂતકાળમાં વિવાદ થયેલા છે. નિવૃત્ત થયા બાદ તેઓ અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં મહત્ત્વનાં સભ્ય હતાં. તે પછી અરવિંદ કેજરીવાલ સાથે વૈચારિક મતભેદ થતાં તેમનાથી અલગ થઈ ગયાં હતાં. અલબત્ત, ઇતિહાસ એવો છે કે, કોઈ એક તબક્કે તેમણે ૨૦૦૨નાં તોફાનો અંગે એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે એ દંગાઓ અંગે જવાબ માગ્યો હતો. હવે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિભા-વ્યક્તિત્વ- પ્રશાસન- નેતૃત્વથી પ્રભાવિત છે. જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ તેમ કહી ભાજપામાં જોડાયાં છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે, દિલ્હીના એક અખબારમાં આવેલી નોંધ અનુસાર ભાજપામાંથી ટિકિટ લેવાના ત્રીજા પ્રયાસમાં કિરણ બેદીને સફળતા મળી છે. સૌથી પહેલાં તેમણે ૨૦૧૩માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવા ભાજપામાં લોબિંગ કર્યું હતું. તે પછી ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી લડવા માટે પણ ટિકિટ લેવા પ્રયાસ કર્યો હતો. તેઓ એલ. કે. અડવાણી સાથે નિકટનો ઘરોબો ધરાવતાં હતાં, પરંતુ આ વખતે તેમને ધારી સફળતા મળી છે.

વ્યૂહરચના

કિરણ બેદીને ટિકિટ આપવાની તથા દિલ્હીનાં મુખ્યમંત્રી તરીકે તેમને પેશ કરવાની વ્યૂહરચના પાર્ટી પ્રમુખ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છે. આંતરિક સરવેમાં માલૂમ પડયું હતું કે, દિલ્હીમાં કોંગ્રેસનો કોઈ ગજ વાગે તેમ નથી, પરંતુ આમઆદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ ભાજપા માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. ગરીબ લોકોમાં અરવિંદ કેજરીવાલ હજુ લોકપ્રિય છે. બુદ્ધિજીવીઓમાં ધરણાં બાદ કેજરીવાલની લોકપ્રિયતા ઘટી છે, પરંતુ ફરીથી ત્રિશંકુ વિધાનસભા આવે અને પાટનગરમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી ના મળે તો દેશમાં એક ખરાબ મેસેજ જઈ શકે છે. આ પરિપ્રેક્ષ્યમાં પક્ષના પ્રમુખ કોઈ જોખમ લેવા માગતા નથી. તેમણે કેજરીવાલના ચહેરા સામે એવો જ લોકપ્રિય ચહેરો- કિરણ બેદીને મેદાનમાં ઉતારી દઈ માસ્ટર સ્ટ્રોક માર્યો. દિલ્હીના મુખ્યમંત્રી બનવા માગતા જગદીશ મુખીથી માંડીને બીજા નેતાઓની પરવા અમિત શાહે કરી નથી. પાર્ટી પ્રમુખ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ જ કાર્યપદ્ધતિ છે. કોઈનીયે પરવા ના કરવી તેમની સફળ રાજકીય શૈલી છે.

આ બધું ચાલતું હતું ત્યારે કોંગ્રેસને ફટકો વાગે તેમ યુ.પી.એ. સરકારના ભૂતપૂર્વ મંત્રી ક્રિશ્ના તિરથ રાતોરાત ભાજપામાં જોડાઈ ગયાં. ક્રિશ્ના તિરથ એ કોંગ્રેસ માટે દલિત ચહેરો હતો. કોંગ્રેસે તેમને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો. ભાજપાએ ક્રિશ્ના તિરથને માત્ર પ્રવેશ જ નથી આપ્યો, પરંતુ ટિકિટ પણ આપી દીધી છે. ક્રિશ્ના તિરથને કારણે ભાજપાને દલિત મતોમાં ફાયદો થઈ શકે છે,પરંતુ સાથેસાથે એ પણ નોંધવું જોઈએ કે સુશ્રી માયાવતીએ બહુજન સમાજ પાર્ટી તરફથી દિલ્હીની તમામ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા છે. માયાવતીની પાર્ટીના ઉમેદવારો કોને નુકસાન પહોંચાડે છે તે જોવું રહ્યું.

શાઝિયા ઈલ્મી

અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના ઘણા સભ્યો ભાજપામાં જોડાઈને પદ પામી ચૂક્યા છે. અણ્ણા બાજુમાં નજર આવતા વી. કે. સિંહ હવે કેન્દ્રમાં મંત્રી છે. કિરણ બેદી દિલ્હીનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. પહેલાં અણ્ણા તે પછી કેજરીવાલ સાથે નજરમાં આવતાં એક્ટિવિસ્ટ શાઝિયા ઈલ્મી પણ આમઆદમી પાર્ટી છોડીને ભાજપામાં જોડાઈ ગયાં છે. અલબત્ત, ભાજપામાં જે રીતે કિરણ બેદીનું સ્વાગત થયું તેવું શાઝિયા ઈલ્મીનું થયું નથી. તેમણે ટિકિટ માગી નથી અથવા મળી નથી. પરંતુ આમઆદમી પાર્ટીનાં કાંગરા તોડવામાં પાર્ટી પ્રમુખ અમિત શાહને સફળતા જરૂર મળી છે. શાઝિયા ઈલ્મી કે જેઓ ખુદ ગઈ ચૂંટણી હારી ગયાં હતાં તેમના ભાજપામાં આવવાથી પક્ષને ફાયદો કેટલો થશે એ તો ખબર નથી, પરંતુ અરવિંદ કેજરીવાલનો જુસ્સો તોડવા માટે આમઆદમી પાર્ટીના આ ચહેરાનો ઉપયોગ કરવામાં પક્ષપ્રમુખને જરૂર સફળતા મળી છે.

હાલ તો એમ લાગે છે કે, ભાજપાએ અણ્ણા હઝારેનાં જ બે પૂર્વ અનુયાયીઓને સામસામે ભીડાવી દીધાં છે. ચૂંટણી મુદ્દા આધારિત ઓછી અને આક્ષેપાત્મક વધુ છે. કોંગ્રેસના અજય માકનની ગાંધીટોપી વિરુદ્ધ કેજરીવાલની વાંકી ટોપી વિરુદ્ધ કિરણ બેદીની ખાખી ટોપી વચ્ચેનું યુદ્ધ રસપ્રદ બન્યું છે. કિરણ બેદી જે રીતે જાહેરમાં અને મીડિયા સમક્ષ બોલે છે તેથી ભાજપાને ફાયદો થશે કે નુકસાન તે હવે માલૂમ પડશે. દિલ્હીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે તો તેમાં કિરણ બેદીનો ઓછો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ વધુ હશે. કિરણ બેદી ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક નીવડે છે કે કેમ તે પર પણ સૌની નજર છે.

કોણ મુખ્યમંત્રી : દિલ્હી વિધાનસભાની ચૂંટણી પર હવે સમગ્ર દેશની નજર છે !

આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં P.M.મોદીની નવી પરિભાષા

રાજનીતિના બે ખેલાડીઓનો શો અદ્ભૂત રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીની ટર્ફ પર મેદાન મારી ગયા તો બીજી બાજુ પ્રેસિડેન્ટ બરાક ઓબામા તેમના વકતૃત્વથી લાખો ભારતીયોના દિલ જીતી અનેક મધુર યાદો લઈને વિદાય થયા.

અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ એક વાર કહ્યું હતું:”રાજનીતિએ પૂર્ણ સમયની રમત છે. એને અધવચ્ચે છોડી શકાય નહીં. તેમાં રહેલી મજા જોતા રહેવાથી પણ ચાલતું નથી. થોડી તડજોડ કરવી જ પડે છે, પણ આખરે તો મેદાન પર પરફોર્મ કરવંુ પડે છે. એ માટે ખેલાડીવૃત્તિ જોઈએ અને જીતવા માટે સબળ વ્યૂહરચના જોઈએ. જીતવા માટે વધુ કાંઈ કરવું પડતું નથી.”

બેઉ નેતાઓએ એમ જ કર્યું

ભારતની તાકાત નિહાળી

પ્રેસિડેન્ટ બરાક ઓબામા ભારતના ગણતંત્રના સમારોહમાં હાજરી આપવા આવ્યા. બે દિવસ રોકાયા. હૈદરાબાદ હાઉસમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચા પીધી. નવી દિલ્હી રાજપથ પર ભારતના રિપબ્લિક પરેડની શાન નિહાળી. ભારતીય જવાનો અને નારી શક્તિનો જોમ અને જુસ્સો નિહાળ્યો. ભારતની વૈવિધ્યભરી સંસ્કૃતિનું પ્રદર્શન કરતાં વિવિધ રાજ્યોના ટેબ્લો નિહાળ્યાં. ભારતની પ્રજાનો પ્રેમ પણ નિહાળ્યો અને ભારતના આતિથ્યભાવથી અભિભૂત થઈ બરાક- મિશેલે વિદાય લીધી. ભારતીય ગણતંત્ર પરેડ દરમિયાન આજ સુધી અનેક દેશના નેતાઓ આવ્યા છે પરંતુ આજ સુધીના એ મહેમાનોેની હાજરી એક ઔપચારિકતા જ બની રહી. પહેલી જ વાર પ્રેસિડેન્ટ બરાક ઓબામાની હાજરી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનું સાનિધ્ય માત્ર ઔપચારિકતા જ ના રહેતા ભાવનાત્મક બની રહ્યું.

નેતાઓની બોડી લેંગ્વેજ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેસિડેન્ટ બરાક ઓબામાને ‘બરાક’ કહીને સંબોધ્યા. પ્રેસિડેન્ટ ઓબામા માટે જાતે જ ચા બનાવી આપી. પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વસ્ત્રોની તારીફ કરી, તેમના જેવો જ કુર્તા- પાયજામો પહેરવા ઈચ્છા વ્યક્ત કરી. બે તાકાતવર દેશોના વડાઓ વચ્ચેની કેમિસ્ટ્રી અને બોડી લેંગ્વેજ અદ્ભુત હતી.એમાંથી દોસ્તીની મધુર મહેંક પ્રગટતી હતી. ભારત અને અમેરિકા બેઉ લોકતાંત્રિક દેશો હોવા છતાં બંને દેશો વચ્ચેના સંબધોમાં ભૂતકાળમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા છે. ખાસ કરીને પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ પહેલી જ વાર અણુપ્રયોગ કર્યો ત્યારે અમેરિકા સખ્ત નારાજ થયું હતું. તે પછી બેઉ દેશો વચ્ચે સંબંધો સુધરતા વર્ષો લાગ્યા. પરંતુ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને એક નવી જ ક્ષિતિજ પર લઈ ગયા છે. કયા કયા કરારો થયા અને વિવરણ કરતા સૌથી મોટી વાત એ છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની તાકાતનું પ્રદર્શન પણ કરાવ્યું છે અને પ્રેસિડેન્ટ બરાક ઓબામાને એવો અહેસાસ પણ કરાવ્યો છે કે ભારત એક મજબૂત અને વિશ્વાસપાત્ર મિત્ર બની શકે છે.

હવે રાજનીતિની વાત. પ્રેસિડેન્ટ બરાક ઓબામા કહે છે કે, છેવટે તો તમારે મેદાન પર જ પરફોર્મ કરવંુ પડે છે. પ્રેસિડેન્ટ ઓબામા માટે પ્રેસિડેન્ટ તરીકે આ છેલ્લી ટર્મ છે. અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ બે ટર્મથી વધુ પ્રમુખ તરીકે રહી શકે નહીં. નરેન્દ્ર મોદી માટે વડા પ્રધાન તરીકે આ પહેલી ટર્મ છે.

કોણ મેદાન મારી ગયું ?

આંતરરાષ્ટ્રીય ફલક પર ખેલાયેલી આ કૂટનીતિમાં કોણ મેદાન મારી ગયું તે સ્પષ્ટ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાનું જે પ્રશાસન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદીને વિઝિટર વિઝા પણ આપવા ઈનકાર કરતું હતું તે જ અમેરિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વ્હાઈટ હાઉસમાં લાલ જાજમ પાથરી સત્કારે છે અને એમ અમેરિકાના પ્રેસિડેન્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને સ્વીકારીને ભારતીય ગણતંત્રદિન પરેડમાં હાજરી આપે છે. એ કોનો ડિપ્લોમેટિક વિજય છે એ કહેવાની જરૂર નથી. જે વિપક્ષ નરેન્દ્ર મોદીને ‘ચા વાળો’ કહી મજાક કરતા હતા એ જ ‘ચાય પે ચર્ચા’ કરી નરેન્દ્ર મોદી બરાક ઓબામા પર છવાઈ ગયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએે હૈદરાબાદ હાઉસની લોનમાં જે રીતે પ્રેસિડેન્ટ બરાક ઓબામાને પ્રેમથી ચા પીવરાવી તે દૃશ્ય જોઈને ચીન અને પાકિસ્તાનની સવારની ચા બગડી હશે. એ બંને દેશના પેટમાં તેલ રેડાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ કૂટનીતિથી દેશના લોકો તો ખુશ પર ગયા પરંતુ મોદીએ અમેરિકા, પાકિસ્તાન અને ચીનને પણ જે જે સંદેશા મોકલવા હતા તે મોકલી દીધા છે.

આંતરરાષ્ટ્રીય રાજનીતિ

વડા પ્રધાન તરીકે સત્તા સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ માત્ર દેશની જ રાજનીતિ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કૂટનીતિની પરિભાષા જ બદલી નાંખી છે. વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ તેમના શપથ ગ્રહણ સમારોહ વખતે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને પણ ભારત બોલાવ્યા. ચીનના પ્રેસિડેન્ટને પણ બોલાવ્યા અને હવે અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાને પણ બોલાવ્યા. આ બધાં દેશો સાથે સોહાર્દપૂર્ણ સંબંધો રાખવાનો ઈશારો વડા પ્રધાને કરી દીધો છે અને હવે એ દેશો એ જ નક્કી કરવાનું છે તેઓ ભારત સાથે કેવા સંબંધો રાખવા ઈચ્છે છે. ભારતને પડોશીઓ સાથે સુમધુર સંબંધોમાં અને વિકાસમાં રસ છે એ ઈશારો પણ તેમણે કરી દીધો છે. પાકિસ્તાન જેવા દેશમાં આજે વીજળી નથી, અંધારપટ છે, પેટ્રોલ-ડિઝલ નથી, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાએ ન્યૂક્લિઅર ડીલની આડેનાં રોડાં ખતમ કરી એ ડીલને ઓપરેશનલ બનાવ્યું છે. જોકે ન્યુક્લિયર ઊર્જાના જોખમો અને ખર્ચ અંગે વિશ્વમાં બે મત છે પણ તે અલગ વિષય છે. અમેરિકા હવે ભારતને ન્યુક્લિઅર રિએકટર્સ આપશે. દેશમાં વધુ વીજળી પેદા થશે. સંરક્ષણ ક્ષેત્રે સંબંધો મજબૂત બનશે. આર્િથક સહકાર વધશે. આ બધું આજ સુધી અટકી પડયું હતું. ભારત- અમેરિકાના સંબંધો ખરાબ નહોતા પણ એક્ટિવ પણ નહોતા. વડા પ્રધાનના પ્રયાસોથી તે સંબંધો સક્રિય થયા છે. ઓબામા- મોદીની આ નવી મૈત્રીથી દક્ષિણ એશિયામાં સત્તાનું સંતુલન હવે બદલાશે.

આ છે આંતરરાષ્ટ્રીય કૂટનીતિની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નવી પરિભાષા.

જેમણે નોબેલ પ્રાઈઝ લેવા ઈન્કાર કર્યો જ્યોં પોલ સાર્ત્રે

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

પચાસ વર્ષ પહેલાં એક એવી ઘટના ઘટી કે જેણે દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. ૧૯૬૪માં ફ્રાંસના લેખક અને ચિંતક જ્યોં-પોલ સાર્ત્રેએ વિશ્વનો સહુથી ઊંચો નોબેલ પુરસ્કાર લેવા ઈન્કાર કરી દીધો હતો. તેમણે સ્વૈચ્છાએ આ નોબેલ પ્રાઈઝ લેવા ઈન્કાર કરી દીધો હતો. તેમણે આમ કેમ કર્યું તે અંગે પોતાના ભાવ પ્રગટ કરતું જે વક્તવ્ય પ્રકાશિત કર્યું હતું તે સ્વયં એક ઐતિહાસિક દસ્તાવેજ છે. આ છે તેમનું વક્તવ્યઃ

મેં નોબેલ પુરસ્કાર આપતી સંસ્થા સ્વિડિશ એકેડેમીને એક પત્ર લખી સ્પષ્ટ કર્યું છે કે, આ પુરસ્કાર લેવાનો ઈન્કાર કરવાની બાબતને ન તો સ્વિડિશ એકેડેમી સાથે સંબંધ છે કે ન તો સ્વયં નોબેલ પુરસ્કારથી. અલબત્ત, આમ કરવાનાં બે કારણો છે.

એક તો વ્યક્તિગત કારણ છે. મારો આ ઈન્કાર કોઈ આવેગનું ભાવપ્રદર્શન નથી. મેં હંમેશાં અધિકારિક સન્માનનો ઈન્કાર કર્યો છે. યુદ્ધ પછી ૧૯૫૫માં જ્યારે મને લીઝન ઓફ ઓનરનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે સરકાર સાથે સહાનુભૂતિની સાથે મેં તેનો ઈન્કાર કરી દીધો હતો. મારું આ વલણ લેખકીય કર્મની મારી અવધારણાથી સંબંધિત છે. એક લેખક અગર પોતાના રાજનૈતિક,સામાજિક અગર સાહિત્યિક વિચાર બનાવે છે તો તેણે પોતાનાં જ સંશોધનો પર અવલંબિત રહેવું જોઈએ. એટલે કે તેણે લખેલા શબ્દો પર તે જે કોઈ સન્માન ગ્રહણ કરે છે તેનાથી તેના વાચકો પર દબાણનો અહેસાસ થાય છે. હું માત્ર જ્યાં-પોલ સાર્ત્રેના રૂપે હસ્તાક્ષર કરું છું તે નોબેલ પ્રાઈઝ વિજેતા જ્યાં-પોલ સાર્ત્રેના હસ્તાક્ષરથી ભિન્ન હોય છે.

જો લેખક આ રીતે પુરસ્કાર સ્વીકારે છે તો તે એ સમિતિ અથવા સંસ્થા સાથે પોતાની જાતને સંબદ્ધ અનુભવ કરે છે. તેથી લેખકે પોતાની જાતને કોઈ સંસ્થામાં પરિર્વિતત કરવાથી બચવું જોઈએ. ભલે તે ગમે તેટલો સન્માનજનક પુરસ્કાર હોય.

અલબત્ત, આ મારો પોતાનો અંગત મત છે. જે લોકો આ પુરસ્કાર મેળવી ચૂક્યા છે તેમની આમાં કોઈ આલોચના નથી.

મારી સહાનુભૂતિ સમાજવાદી, જેને પૂર્વી બ્લોક કહે છે તેની તરફ છે. હું પૂર્વ અને પશ્ચિમ એમ બેઉ સંસ્કૃતિઓને નિકટ લાવવા માગું છું: આ કારણથી હું કોઈ સાંસ્કૃતિક સત્તા દ્વારા અપાતા સન્માનને સ્વીકારી શકતો નથી. પશ્ચિમી દેશોના સત્તાધિકારીઓ સાથે મારી સહાનુભૂતિ હોય તો પણ હું પૂર્વી બ્લોક તરફથી અપાતા સન્માનને ન સ્વીકારું.

હું જાણું છું કે, નોબેલ પુરસ્કાર પશ્ચિમી બ્લોકનો સાહિત્યિક પુરસ્કાર નથી. પણ હવે તેનું સ્વરૂપ કંઈક એવું જ થઈ ગયું છે. વર્તમાનમાં નોબેલ પુરસ્કાર પશ્ચિમના લેખકો અને પૂર્વના વિદ્રોહી લેખકો માટે જાણે કે આરક્ષિત થઈ ગયા છે. દા.ત. નેરૂદા નામના એક શ્રેષ્ઠ કવિને આ પુરસ્કાર ન અપાયો જે દક્ષિણ અમેરિકાના મહાન કવિઓ પૈકીના એક છે. અફસોસની વાત એ છે કે રશિયાના લેખક બોરિસ પાસ્તરનાકને આ પુરસ્કાર અપાયો જેનું પુસ્તક રશિયાની બહાર છપાયું અને રશિયામાં જ તે પુસ્તક પ્રતિબંધિત થઈ ગયું. અલ્જિરિયાની લડાઈ દરમિયાન જ્યારે અમે ‘૧૨૧ના ઘોષણાપત્ર’ પર હસ્તાક્ષર કર્યા તો હું તેનો સન્માનપૂર્વક સ્વીકાર કરી લેત, કારણ કે તે મારું નહીં પરંતુ સ્વતંત્રતાનું પણ સન્માન સમજી શકાત. પણ એવું થયું નહીં. યુદ્ધ પછી જ મને પુરસ્કાર આપવાનો નિર્ણય લેવાયો હતો.

સ્વિડિશ એકેડેમીના મંતવ્ય પર વાત કરતી વખતે સ્વતંત્રતાનો ઉલ્લેખ પણ થયો છે. આ એક એવો શબ્દ છે જેના ઘણા અર્થ નીકળી શકે છે. પશ્ચિમના દેશોમાં સ્વતંત્રતા પોતાના સામાન્ય અર્થમાં છેઃ વ્યક્તિગત રીતે હું સમજું છું કે સ્વતંત્રતા વધુ સશક્ત હોય જેમાં એક જોડીથી વધુ જૂતાં રાખવાનો અને ભરપૂર ખાવાનો અધિકાર હોય.

મને લાગે છે કે, પુરસ્કારનો ઈન્કાર કરવાથી વધુ ખતરનાક છે તેનો સ્વીકાર કરવો. અગર હું તેનો સ્વીકાર કરું છું તો એક રીતે પોતાનો ‘વસ્તુપરક પુનર્વાસ’ કરવાનો રહે. હું જાણું છું કે જ આ લેખ સ્વિડિશ એકેડેમીના વિચારોને વ્યક્ત નથી કરતો.

મારો એવો મતલબ નથી કે નોબેલ પુરસ્કાર એક બુર્ઝવા પુરસ્કાર છે. પણ તેની બુર્ઝવાઈ વ્યાખ્યા મારી આસપાસના પરિચિત વિશિષ્ટ પરિવેશમાં પ્રવેશી ગઈ છે.

છેલ્લે, એમાં અપાતી ધનરાશિ સંબંધી પ્રશ્ન પર આવું છું. સ્વિડિશ એકેડેમી નોબેલ પુરસ્કારની સાથે મોટી ધનરાશિ પણ આપે છે. આ સમસ્યા મને બહુ જ દુઃખ પહોંચાડે છે અથવા તો કોઈ તે પુરસ્કાર સ્વીકાર કરે અને તે ધનરાશિ તે સંગઠનોને કે આંદોલનોને આપી દે જેને તે મહત્ત્વપૂર્ણ સમજે છે. દા.ત. હું ખુદ એ ધનરાશિ લંડનની રંગભેદ સમિતિને આપવાનું ચાહત. બેશક, હું આ અઢી લાખ યુક્રેન (ચલણ)ની ધનરાશિનો અસ્વીકાર કરું છું, કારણ કે હું પૂર્વ અથવા પશ્ચિમની કોઈ સંસ્થાગત રૂપે મારી ઓળખ બનાવવા માગતો નથી. બીજી બાજુ બીજા કોઈને અઢી લાખ ક્રાઉનની રકમ માટે એ સિદ્ધાંતોને નકારવા માટે પણ કરી શકતો નથી, જે તેમના પોતાના નથી પરંતુ જેમાં તેમના બીજી સાથીદારોની પણ ભાગીદારી છે.

બસ, આ જ એ કારણો છે જેમણે આ પુરસ્કાર સ્વીકાર્યાે કે ઈન્કાર કર્યો તે બધાં જ કારણો મારા માટે પીડાકારક છે. હું સ્વિડનની જનતા સાથે ભાઈચારો વ્યક્ત કરીને આ સ્પષ્ટીકરણ સમાપ્ત કરું છું.”

જ્યાં-પોલ સાર્ત્રેનો આ પત્ર સ્વિડિશ એકેડેમીને મળે તે પહેલાં તેમને નોબેલ પ્રાઈઝની જાહેરાત થઈ ગઈ હોવાથી એકેડેમી માટે ક્ષોભજનક પરિસ્થિતિ ઊભી થઈ હતી. સાર્ત્રે કોઈ પણ સરકારી અધિકારિક સન્માન લેવાના વિરોધી હતા.

આમ છતાં પણ સ્વિડિશ એકેડેમીના સભ્ય એન્ડ્રેઝ ઓસ્ટરસીંગે તેમની ગેરહાજરીમાં એવોર્ડના પ્રેઝન્ટેશન વખતે કહ્યું હતું: “The fact that (sartre) has declined this distinction does not in the least modify the validity of the award. under the circumstances, however, the academy can only state that the presentation of the prize can not take place.”

ઔરંગઝેબ પણ કોઇના પ્રેમમાં હતો!

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

‘વેલેન્ટાઈન્સ ડે’ પ્રણયમસ્ત પ્રેમીઓનો દિવસ છે, પરંતુ આજે આ એક એવી વ્યક્તિની પ્રણયકથા છે, જેને ગીત-સંગીત પ્રત્યે સખત નફરત હતી. બહારથી રૂક્ષ પ્રતિભા ધરાવતાં મોગલ બાદશાહ ઔરંગઝેબના જીવનમાં પણ ક્યારેક પ્રણયની વસંત ખીલી ઊઠી હતી. ઔરંગઝેબ એક કઠોર, યુદ્ધમાં ચતુર અને સાહસિક શાસક હતો. ઈસ્લામના નિયમો અનુસાર પવિત્ર જીવન ગુજારનારો મુસલમાન હતો.

એ સમયે બુરહાનપુર પાસે આવેલું જૈનાબાદ નામનું નગર પ્રાકૃતિક સૌંદર્યથી પ્રશસ્તિ પામેલું હતું. આવા જૈનાબાદમાં એક કુલીન નર્તકી રહેતી હતી. તેના અપ્રતીમ સૌંદર્યના કારણે લોકો તેને ‘જૈનાબાદી’નામથી ઓળખતા હતા. તેની શાન-શૌકતની બરાબરી કરવાની કોઈનીયે તાકાત નહોતી. હુસ્ન અને ઈશ્કના પ્યાસા લોકોની નજર તેની પર મંડરાયેલી રહેતી હતી. રાજા-મહારાજાઓ પણ તેને જોઈ હોશોહવાશ ખોઈ બેસતા હતા.

એક દિવસ યુવાન ઔરંગઝેબ બુરહાનપુર ગયા. ઔરંગઝેબના કાકા ખાનજમાં બુરાહનપુરના સૂબા હતા. કાકાએ ઔરંગઝેબની ખૂબ આગતાસ્વાગતા કરી. ભોજન બાદ મહેલમાં ફેરવવામાં આવ્યા. મહેલની ભીતરના એક વિશાળ પ્રાંગણમાં કેટલીક દરબારી ઔરતો સુંદર વેશભૂષા અને સુંદર અલંકારોથી સજ્જ ઊભી હતી. તેમના હાથમાં સુવર્ણ અને કીમતી હીરા-ઝવેરાત ભરેલી થાળીઓ હતી. એ બધી ભેટસોગાદ ઔરંગઝેબ માટે હતી. ઔરંગઝેબની નજર પરીઓ જેવી યુવતીઓ પર પડી. તેને એક સ્ત્રી ગમી ગઈ, પરંતુ તરત જ નજર હટાવતાં એમણે તેમના કાકાને કહ્યું: “જો કુછ ગેરકાનૂની હૈ ઉસે દેખના અપરાધ હૈ.”

ખાનજમાંએ કહ્યું: “યે સબ ઔરંગઝેબ કી ખિદમત મેં પેશ હૈં.” ઔરંગઝેબે તેના કાકાને શુક્રિયા અદા કરી બધી સ્વરૂપવાન સ્ત્રીઓને પડદામાં ચાલ્યા જવા કહ્યું. સ્ત્રીઓ તો જતી રહી પરંતુ ઔરંગઝેબની નજર એક સ્ત્રી પર અટકી ગઈ હતી અને તે જૈનાબાદી હતી. ઔરંગઝેબે બહારથી સખત હોવાનો રૂતબો ચાલુ રાખ્યો પણ ખૂબસૂરત જૈનાબાદી તેના હૃદયમાં વસી ગઈ હતી. એને ફરી જોવા તે તલપાપડ હતો. પણ સ્વભાવથી તે તેમ કરી શક્યો નહીં.

એક દિવસ ઔરંગઝેબ નદીના કિનારે ટહેલવા ગયો હતો. અચાનક કોઈ મધુર ગીતના સ્વર તેના કાનમાં ગુંજી રહ્યા. વૃક્ષો અને ઝાડીઓની પેલે પાર કોઈ ગાઈ રહ્યું હતું. ઔરંગઝેબે એ સ્વર તરફ ચાલવા માંડયું. એણે જોયું તો એક વૃક્ષ નીચે બેઠેલી એક હસીના પોતાની મસ્તીમાં ગાઈ રહી હતી. ઔરંગઝેબ એ યુવતીના હુસ્નની ચમક જોઈ સ્તબ્ધ થઈ ગયો. એના અલૌકિક ગીત-સંગીતમાં તે હોશોહવાસ ગુમાવી બેઠો. એને અચાનક ખ્યાલ આવ્યો કે, આ તો એ જ ઔરત છે જેને મેં કાકા ખાનજમાંના મહેલમાં જોઈ હતી. એ જૈનાબાદી હતી.

ઔરંગઝેબ કે જે ખુદ ગીત-સંગીતનો વિરોધી હતો તે દરબારમાં ગાવાવાળી સ્ત્રીના પ્રેમમાં પડી ગયો. ઔરંગઝેબ ધીમેથી તેની નજીક પહોંચ્યો. એણે હળવાશથી જૈનાબાદી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જૈનાબાદી કોઈ જુદી જ માટીની હતી. ઔરંગઝેબના પ્રેમના ઈજનનો એણે કોઈ જ પ્રતિભાવ ન આપ્યો. બલકે, જૈનાબાદી કુરનીસ બજાવી ત્યાંથી ચાલી ગઈ.

ઔરંગઝેબ જૈનાબાદીનો પ્રેમ જીતવામાં નિષ્ફળ ગયો એટલે એણે એની ચાચી અર્થાત્ ખાનજમાંની ઔરતની ખુશામત કરવા માંડી. ઔરંગઝેબની ચાચીએ જૈનાબાદીને ઔરંગઝેબના તેના પ્રત્યેના પ્રેમનો સંદેશો પહોંચાડયો. ચાચીના પ્રયાસોથી જૈનાબાદી ઔરંગઝેબને મળવા તૈયાર થઈ. બેઉ મળ્યાં. ઔરંગઝેબ શરાબનો વિરોધી હતો પણ જૈનાબાદી શરાબની શોખીન હતી. જૈનાબાદી નશામાં બેહોશ થઈ જતી ત્યારે ઔરંગઝેબ પીધા વગર જ મદહોશ બની તેના હુસ્નને જોઈ રહેતો.

જૈનાબાદીને હવે ખાતરી થઈ ચૂકી હતી કે ઔરંગઝેબ તેના પ્રેમમાં પૂરેપૂરો રંગાઈ ચૂક્યો છે ત્યારે એણે ઔરંગઝેબના પ્રેમની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. એક દિવસ જૈનાબાદીએ પોતે અત્યંત નશામાં છે તેવો દેખાવ કર્યો અને જે પ્યાલી ઔરંગઝેબ તેની તરફ ધરી રહ્યો હતો તે જ પ્યાલી તેણે ઔરંગઝેબ તરફ ધરી તેને પણ ઘૂંટ મારવા આગ્રહ કર્યો. ઔરંગઝેબ માટે આ મોટી દ્વિધા હતી. તેણે કદી શરાબ પીધો નહોતો. દારૂની બાબતમાં તે કટ્ટર વિરોધી હતો. પણ અહીં ઈશ્કની જાળમાં તે ફસાઈ ગયો હતો. હવે એક તરફ તેનો પ્રેમ હતો અને બીજી તરફ તેનો ધર્મ હતો. ઈસ્લામમાં શરાબ પીવા પર પ્રતિબંધ છે. ઔરંગઝેબ માટે હુસ્ન અને ઈશ્કનો શિકાર બનવાનું આસાન હતું, પરંતુ પોતાના ધર્મના નિયમો વિરુદ્ધ વર્તવાનું તેના માટે કઠિન હતું. તે હવે એક ચૌરાહા પર ઊભો હતો. તેની સમક્ષ ધર્મસંકટ ઊભું હતું.

ઔરંગઝેબ એટલું તો સમજતો હતો કે કઠોરતાથી શાસન કરી શકાય છે પણ પ્રેમ જીતી શકાતો નથી. એણે શરાબની પ્યાલી ધરી રહેલી જૈનાબાદી સમક્ષ પોતાનું મસ્તક નમાવી નમ્રતાથી કહ્યું: “શરાબ કે ઈસ પ્યાલે સે મેરે પ્રેમ કી પરીક્ષા ન લો. જો પહેલે સે હી તુમ્હારી ખૂબસૂરત આંખો કી શરાબ પી કર મદહોશ હો ચુકા હૈં, ઉસે અબ શરાબ કી જરૂરત નહીં.”

પરંતુ જૈનાબાદી તેના પ્રેમની કસોટી માટે અડગ હતી. જૈનાબાદીએ જરા પણ ઉદારતા દાખવી નહીં. એણે મક્કમતાથી શરાબની પ્યાલી ઔરંગઝેબ તરફ ધરી જ રાખી અને ઔરંગઝેબ તે પી લે તેનો ઈન્તજાર કરવા લાગી. તે ઔરંગઝેબ પર કોઈ તરસ ખાવા તૈયાર નહોતી. ઔરંગઝેબને હવે લાગ્યું કે પોતે શરાબની પ્યાલી ગટગટાવી નહીં લે તો તે તેનો પ્યાર ગુમાવશે. તે અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. થોડીક ક્ષણો માટે તે સંવેદનશીલ થઈ ગયો. એ પોતાના ધર્મના નિયમો તોડવા તૈયાર થઈ ગયો. જૈનાબાદીએ જોયું તો ઔરંગઝેબ હવે શરાબની પ્યાલી ગટગટાવા સજ્જ થઈ રહ્યો છે. ઔરંગઝેબે હજુ શરાબની પ્યાલીને હાથ અડકાડયો નહોતો. એણે જેવો પોતાનો હાથ એ તરફ લંબાવ્યો ત્યાં જ જૈનાબાદીએ પોતાના હાથમાં રહેલી શરાબની પ્યાલી દૂર ફેંકી દીધી અને તે બોલીઃ “મેરા ઈરાદા કેવલ તુમ્હે આજમાને કા થા, તુમ્હે શરાબ પીલાને કા નહીં. મેં તુમ્હારા દિલ કભી નહીં તોડુંગી.”

અને ઔરંગઝેબનો પગ લપસતાં રહી ગયો. ધર્મના નિયમ વિરુદ્ધ આચરણ કરવામાંથી તે બચી ગયો. બદલામાં જૈનાબાદીએ ઔરંગઝેબના પ્રેમનો સ્વીકાર કર્યો.

થોડા જ વખતમાં ઔરંગઝેબ અને જૈનાબાદીના પ્રેમની કહાણી વીજળીની ગતિએ ચારે તરફ ફેલાઈ ગઈ. દરબારના હર આદમીના હોઠ પર ઔરંગઝેબના જૈનાબાદી સાથેના પ્રેમની વાત હતી. આ મુદ્દા પર દારાએ ઔરંગઝેબની વિરુદ્ધ શાહજહાંને પણ ભડકાવ્યા. દારાએ એવું પ્રતિપાદિત કરવા પ્રયાસ કર્યો કે, તેનો ભાઈ ઔરંગઝેબ બહારથી જ ર્ધાિમક હોવાનો દાવો કરે છે, પરંતુ ગાવાવાળી એક દરબારી ઔરતના પ્રેમમાં ફસાઈ ગયો છે.

આ પ્રચારથી ઔરંગઝેબ જરા પણ વિચલિત થયો નહીં. તે જેમ તેના ધર્મને છોડવા તૈયાર નહોતો તેમ જૈનબાદીને પણ છોડવા તૈયાર નહોતો. તેને સત્તા પણ જોઈતી હતી અને જૈનાબાદી પણ. જૈનાબાદી પણ હવે ઔરંગઝેબ પ્રત્યે સંપૂર્ણ સર્મિપત હતી. બેઉ એકબીજાના ભરપૂર પ્રેમમાં હતાં, પરંતુ કાળને કાંઈ બીજું જ પસંદ હતું. એક દિવસ જૈનાબાદી અચાનક બીમાર પડી. લાખ ઈલાજ છતાં તે સાજી ન થઈ અને ભરયુવાનીમાં જ તે મૃત્યુ પામી.

ઔરંગઝેબ સ્તબ્ધ થઈ ગયો. જૈનાબાદીને કાયમ પામવાની તેની ઇચ્છા અધૂરી જ રહી ગઈ. તે પછી તો ઔરંગઝેબ ફરી કઠોર બની ગયો. પોતાના ભાઈ દારા સાથે યુદ્ધમાં ઊતર્યો અને પિતા શાહજહાંને કેદમાં નાંખ્યા. ઔરંગઝેબ કઠોર શાસક હોવા છતાં ઈસ્લામના નિયમોનો એણે કદી ભંગ ન કર્યો. ઇતિહાસકારો કહે છે કે, જૈનાબાદીનું અચાનક અકાળ અવસાન થયું ન હોત તો ઔરંગઝેબનું જીવન કાંઈક અલગ જ હોત. ઔરંગઝેબમાં કટ્ટરતાને બાદ કરતાં બીજા મહાન ગુણ હતા અને તેનું શ્રેય દરબારી નર્તકી જૈનાબાદીને જાય છે. જૈનાબાદીના મૃત્યુ પછી કેટલાયે મહિનાઓ સુધી ઔરંગઝેબ તેમના મહેલમાંથી બહાર નીકળ્યા નહોતા. વિશ્વના ઇતિહાસકારોએ ઔરંગઝેબના જીવનના આ લાગણીસભર અધ્યાય પર બહુ ઓછો પ્રકાશ ફેંક્યો છે.

ઔરંગઝેબને પણ પીગળાવી નાંખનાર દરબારી નર્તકી જૈનાબાદીની કબર આજે પણ ઔરંગાબાદના એક વિશાળ તળાવના કિનારે દેખાય છે.

THANK YOU CANCER

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

કેન્સરની બીમારીએ જેમને લેખક બનાવી દીધા

કેન્સરનું નામ સાંભળતાં જ લોકો ડરી જાય છે, પરંતુ વિશ્વમાં કેટલીક એવી વ્યક્તિઓ પણ છે કે જેમણે કેન્સર પર વિજય મેળવીને જિંદગીને નવા જ આયામ બક્ષ્યા છે. કેન્સરમાંથી ઉગરી ગયા બાદ જિંદગીને વધુ સુંદર બનાવી છે. આવું એક નામ છેઃ ફરીદા રિઝવાન. બેંગલુરુમાં રહેતાં ફરીદા રિઝવાનને બ્રેસ્ટ કેન્સર હતું. તેઓ કહે છેઃ “મારી કેમોથેરપી ચાલતી હતી ત્યારે મને લાગતું હતું કે હું મરી જ જઈશ, પરંતુ મને મૃત્યુનો ડર નહોતો. મને દુઃખ એ વાતનું હતું કે, મેં મારી જિંદગીમાં કંઈ જ અર્થપૂર્ણ કાર્ય ન કર્યું. પણ હવે હું કેન્સરના રોગમાંથી બહાર આવી ગઈ છું ત્યારે હવે માત્ર ગૃહિણી જ બની રહેવા માંગતી નથી. હું માત્ર એક મા જ બની રહેવા માંગતી નથી. હું એથી વધુ કંઈક કરવા માંગું છું.”

ફરીદા રિઝવાનને બ્રેસ્ટ કેન્સરના રોગમાંથી મુક્તિ મળ્યે હવે તો દસ વર્ષ થઈ ગયાં છે. એ દરમિયાન તેમણે બે કામ કર્યાં. એક તો તેમણે સાઇકોથેરાપીનો અભ્યાસ કર્યો અને કેન્સરની બીમારી દરમિયાન તેમણે જે સંવેદનાઓ અનુભવી તે બધી બ્લોગ પર લખી. ફરીદા રિઝવાન કહે છેઃ “હું જર્નલ કીપર છું. મારી એક સખીએ મને કહ્યું કે મને જે અનુભવો થયા તે મારે બ્લોગ પર લખવા જોઈએ. એ પછી મેં લખવાનું શરૂ કર્યું. હવે એ જ બ્લોગ પુસ્તક રૂપે અવતરિત થઈ રહ્યો છે.”

એ પુસ્તકનું નામ છેઃ ‘walking down the lane.’ આ પુસ્તક કેન્સરથી પીડાતા દરદીઓને માર્ગદર્શન અને હૂંફ પૂરાં પાડનારું સાબિત થશે એમ મનાય છે. ક્રિકેટર યુવરાજસિંહ કે જે ખુદ કેન્સરની બીમારીમાંથી મુક્ત થઈ બહાર આવ્યો છે તેણે પણ ‘The test of my life’ નામનું પુસ્તક લખ્યું છે. બોલિવૂડની એક્ટ્રેસ મનીષા કોઈરાલા અને લીસા રે પણ કેન્સર સામે લડત આપીને બહાર આવ્યાં છે અને તેઓ પણ પુસ્તક લખી રહ્યાં છે.

છેલ્લાં બે વર્ષ દરમિયાન ‘હે હાઉસ ઇન્ડિયા’ નામના પબ્લિશર દ્વારા એકમાત્ર કેન્સર પર જ સાત પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાંથી ચાર લેખકો ભારતીય છે. આ પુસ્તકોના પ્રકાશક સંજય રોય ચૌધરી કહે છેઃ “આ પ્રકારનાં પુસ્તકોની માંગ વધી રહી છે. કેન્સરના રોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. કેન્સર જેવા ખતરનાક રોગ સામે સંઘર્ષ કરી તેના પર વિજય મેળવનાર વ્યક્તિઓના જીવનની સત્યકહાણીઓ હવે લોકપ્રિય થઈ રહી છે. ખાસ કરીને ભારતનાં શહેરોમાં તેનો વાચકવર્ગ વધ્યો છે.”

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ૨૦૨૦માં ભારતના પ્રત્યેક પરિવારમાં ઓછામાં ઓછી એક વ્યક્તિને કેન્સર હશે. ભારતમાં કેન્સરના દર્દીઓમાં અસાધારણ વધારો જોવા મળે છે. એ કારણે દરદીઓ અને તેમનાં સગાંસંબંધીઓ કેન્સરની બીમારી, તેની સારવાર અને તેની સામે લડવાની નૈતિક તાકાત અંગે વધુ ને વધુ જાણવા માંગે છે. ચેન્નાઈ બ્રેસ્ટ કેન્સર સેન્ટરનાં ડાયરેક્ટર અને ઓન્કોપ્લાસ્ટિક બ્રેસ્ટ સર્જ્યન ડો.સેલ્વી રાધાક્રિષ્નને પણ ‘All about breast cancer’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં બ્રેસ્ટ કેન્સરના વિવિધ તબક્કા અને તેના નિદાન પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.

મુંબઈમાં રહેતી મેઘા બજાજની માતાને ૨૦૦૫માં બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું ત્યારે મુંબઈસ્થિત મેઘા બજાજે આ બીમારી અંગે વિગતો મેળવવા કોશિશ કરી હતી. તેમને કેટલાંક મેડિકલ જર્નલ્સમાંથી છૂટીછવાઈ માહિતી મળી હતી જે માત્ર ડોક્ટરો જ સમજી શકે તેવી ભાષામાં હતી. તેમાં સામાન્ય માનવીને સમજ પડે તેવી વાત જ નહોતી. એ પછી મેઘા બજાજે ખૂબ મહેનત કરીને કેન્સર પર સંશોધન કર્યું અને સામાન્ય માનવીને સમજણ પડે તેવી ભાષામાં એક પુસ્તક લખ્યું: ‘Thank you, cancer’. ૨૦૦૯માં આ પુસ્તક પ્રગટ થયું. આ પુસ્તકમાં ભારતની એવી ૧૦ સ્ત્રીઓની સાચુકલી કથાઓ છે જેમને કેન્સર હતું અને ભારે સંઘર્ષ બાદ તેઓ હવે કેન્સરની બીમારીમાંથી મુક્ત થઈ બહાર આવી છે. એટલું જ નહીં પરંતુ કેન્સરમાંથી બહાર આવ્યા બાદ તે મહિલાઓ વધુ સશક્ત બની છે. એ પુસ્તકના બાકીના અડધા ભાગમાં નિષ્ણાતો દ્વારા કેન્સરના દરદીઓને અપાતી કોમ્પ્લિમેન્ટરી થેરાપી જેવી કે,લાફટર થેરાપી અને ધ્યાનની વાતો પણ વણી લેવામાં આવી છે. લેખિકા કહે છે કે “મુશ્કેલ સમયમાં લોકોને આવાં પુસ્તકો જ સહારો અને હિંમત આપે છે. કેન્સરથી પીડાતા દરદીઓ જ્યારે આવાં પુસ્તકો વાંચે છે ત્યારે તેમને લાગે છે કે તેમના જેવી તકલીફો વેઠવામાં તેઓ એકલાં નથી, બીજા પણ છે.” આ પુસ્તકનો મરાઠી અને ગુજરાતીમાં અનુવાદ પ્રગટ થઈ ચૂક્યો છે.

કેટલીક વાર પુસ્તકો માત્ર વાચકો માટે જ હોતાં નથી. એ પુસ્તકો લેખક માટે પણ થેરાપેટિક હોય છે. લેખકોના દિમાગમાં વર્ષોથી સંઘરાયેલી સ્મૃતિઓ અને આવેગો પુસ્તકમાં ઢાળવામાં આવે છે ત્યારે લેખકને પણ સંતૃપ્તિની અનુભૂતિ થતી હોય છે. વિજય ભટ્ટ નામના એક વિજ્ઞાાપન વ્યાવસાયિકને દસકા પહેલાં કોલોન કેન્સર હતું. તેમણે પણ ‘My cancer is me, the journey from illness to wholeness’ નામનું પુસ્તક લખ્યું છે. તેમનાં સહલેખિકા નીલિમા ભટ્ટ છે. આ પુસ્તક પણ કેન્સર સાથે સંકળાયેલા તમામને સ્પર્શી ગયું છે. વિજય ભટ્ટ જ્યારે ૪૦ વર્ષના હતા અને તેઓ લંડનમાં કામ કરતા હતા ત્યારે જ તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. વિજય ભટ્ટ કહે છેઃ “મને કેન્સર હોવાનું નિદાન થયું તે પહેલાં હું ફાસ્ટ લેઈનમાં જતો હતો. કેન્સર હોવાનું નિદાન થયા બાદ હું મારી જિંદગીની અગ્રતાઓ અંગે નવેસરથી વિચારવા લાગ્યો હતો. મને જે ટયુમર હતું તે એક જ અઠવાડિયામાં શસ્ત્રક્રિયા દ્વારા કાઢી નાખવામાં આવ્યું હતું, પરંતુ અહીંથી જ મારી જિંદગીનો યુ-ટર્ન શરૂ થયો હતો. મેં એ પછી કોર્પોરેટ ક્ષેત્ર છોડી દીધું. હું ભારત પાછો આવ્યો. ભારત આવ્યા બાદ શારીરિક રીતે અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ થવા મેં પ્રયાસ કર્યો. મેં યોગ શરૂ કર્યા. વિપશ્યના શિબિરોમાં પણ ગયો. કેમોથેરાપી જેવી કષ્ટદાયક થેરાપીના બદલે મેં ચાઇનીઝ અને આયુર્વેદની દવાઓ લીધી અને મને ફાયદો થયો.” એ પછી લેખકે ‘સંપૂર્ણ’ નામની એક સંસ્થા પણ ખોલી જે કેન્સરના રોગ અને દરદીઓ માટે કામ કરી રહી છે.

પૂણેની એક કંપનીમાં કામ કરતી અંગના ઘોષ નામની મહિલા પણ કેન્સરપીડિત હતી. એમણે તો પથારીમાં જ જીવનના વિધાયક અભિગમ વિશે લખવાનું શરૂ કર્યું હતું. તેમને ઓવેરિયન કેન્સર હતું. તેમણે પોતાના જ કેન્સર વિશે કથા લખી અને તે ‘Face to face with cancer’ નામે પુસ્તકાકારે પ્રગટ થઈ. તેમાં નિદાન, સર્જરી અને કેમોથેરાપી સુધીની ઘટનાઓનું વર્ણન છે.

સુધાંશુ મોહંતી હાલમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ અને જંગલ ખાતામાં અધિક સચિવ તરીકે કામગીરી બજાવે છે. તેમને’ર્કાિસનોઈડ’ નામનું ભાગ્યે જ થતું કેન્સર થયું. તેઓ કહે છેઃ “કેન્સર મને સંવેદનાની દૃષ્ટિએ નીચે પાડી દે તેવું મેં થવા ન દીધું. હું કેન્સરથી જરા પણ વિચલિત ન થયો અને મારી જિંદગી રાબેતા મુજબ જ બસર કરતો રહ્યો. મેં કેન્સરને દાંતના સામાન્ય દુખાવા જેવું જ ગણ્યું અને તેના પર વિજય મેળવ્યા બાદ મેં ‘Anatomy of cancer’ પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં કેન્સરના દરદીઓ જોગ મારો એટલો જ સંદેશ છે કે કેન્સર એટલે સમાપ્તિ નહીં.”

કેન્સર પર વિજય મેળવનાર આવા અનેક માનવીઓની કથાઓ હ્ય્દયંગમ અને પ્રેરક છે. આજથી ૬૦ વર્ષ પહેલાં મોડાસા તાલુકાના ભેરૃંડા ગામના વતની કાલીદાસ પટેલ કે જે મુંબઈમાં મોટા ધારાશાસ્ત્રી હતા અને એમને ગળામાં સ્વરયંત્રનું કેન્સર થયું હતું. તેમનું સ્વરયંત્ર સર્જરી દ્વારા કાઢી નાંખવામાં આવ્યું હતું. તે પછી તેઓ હિંમતપૂર્વક જિંદગી જીવ્યા હતા અને ગળામાં સ્વરયંત્ર વગર પણ કેવી રીતે બોલી શકાય છે તે શીખી લીધા બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોમ્પ્લેક્સમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને નૈતિક હિંમત આપી સ્વરયંત્ર વગરના દરદીઓને સ્પીચ થેરાપી આપતા રહ્યા હતા. આ રીતે સેંકડો દરદીઓને તેમણે કેન્સર પછી પણ જિંદાદિલીથી જીવવાની પ્રેરણા આપી હતી.

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén