રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

પાકિસ્તાન માટે એક ઉક્તિ છે કે, ‘દુનિયાના દેશો પાસે લશ્કર છે, પણ પાકિસ્તાનમાં લશ્કર પાસે દેશ છે.’ આ ઉક્તિ ફરી એક વાર સાચી પડી છે. રશિયામાં ઉફા ખાતે મળેલા બ્રિક્સ સંમેલન દરમિયાન અગાઉ ગોઠવાયેલી વ્યવસ્થા છતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે એક કલાક સુધી બેઠક થઈ. આ બેઠકના અંતે બંને દેશોના પ્રતિનિધિઓએ બેઉ નેતાઓ વચ્ચે થયેલી વાતચીતના નિષ્કર્ષની મીડિયા સમક્ષ જાહેરાત કરી. તેમાં એક મહત્ત્વનો મુદ્દો એ હતો કે ૨૬/૧૧ના મુંબઈ પરના હુમલાનો માસ્ટર માઇન્ડ લખવી કે જે આજકાલ પાકિસ્તાનમાં ખુલ્લો ફરી રહ્યો છે તેના અવાજના નમૂના પાકિસ્તાન ભારતને આપવા સંમત થયું છે. મુંબઈ પર હુમલો થયો એ વખતે લખવીએ પાકિસ્તાનમાં બેઠાં બેઠાં સેટેલાઇટ ટેલિફોન દ્વારા તેણે ભારત મોકલેલા આતંકવાદીઓ સાથે જે વાતચીત કરી હતી તેને ભારતના ગુપ્તચર ખાતાએ આંતરીને એ વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. એ અવાજ લખવીનો છે તે સાબિત કરવા માટે લખવીના અવાજના નમૂના જરૂરી છે. નવાઝ શરીફ ભારતના વડાપ્રધાન સાથે વાતચીત દરમિયાન લખવીના અવાજના નમૂના આપવા સંમત થયા હતા, પરંતુ નવાઝ શરીફ જેવા પાકિસ્તાન પહોંચ્યા તેવી જ પાકિસ્તાન સરકારે પલટી મારી અને અભી બોલા અભી ફોક જેવું સ્કૂલબોય પોલિટિક્સ કર્યું.

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પાકિસ્તાન પહોંચ્યા ત્યાં જ પાકિસ્તાનની સેના બગડી. પાકિસ્તાનના આર્મીના વડાઓએ શરીફને ખખડાવતાં કહ્યું કે,ભારતના વડાપ્રધાન સાથે મંત્રણા દરમિયાન કાશ્મીરનો મુદ્દો કેમ ચર્ચામાં ના લાવ્યા? રશિયામાં ઉફા ખાતે વાતચીત બાદ જારી કરવામાં આવેલા સંયુક્ત બયાનમાં કાશ્મીરનો ઉલ્લેખ ના થતાં નવાઝ શરીફ ઘરઆંગણે તીવ્ર વિરોધનો ભોગ બન્યા અને તે પછી પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અઝીઝે આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ આવીને જાહેર કર્યું કે, “જ્યાં સુધી કાશ્મીરનો મુદ્દો એજન્ડામાં નહીં હોય ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત કરવામાં નહીં આવે!”

પાકિસ્તાનના વડાપ્રધાનના સુરક્ષા સલાહકાર સરતાજ અઝીઝે એથીયે આગળ વધીને કહ્યું કે, “ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો વચ્ચેની એ બેઠક કોઈ ઓફિશ્યલ મિટિંગ હતી નહીં. પાકિસ્તાન પોતાની ગરિમા અને આત્મસન્માન સાથે કોઈ સમાધાન નહીં કરે.”

ટૂંકમાં, સરતાજ અઝીઝે બે દેશોના વડાઓની એ બેઠકને ચાલ્યા આવ્યા છીએ તો મળી લઈએ તેવી અનૌપચારિક બેઠક જ ગણાવી. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ભારત-પાક. વડાપ્રધાનોની એ બેઠક માત્ર ફોટોસેશન જ બની રહી. પાકિસ્તાન જેવો એક ફાલતુ દેશ ભારતને ઉલ્લુ બનાવવાની કોશિશ કરી રહ્યો છે.

આશ્ચર્યની વાત એ છે કે, નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન છે, પરંતુ તેમના સલાહકાર જાહેરમાં કહે છે કે, રશિયામાં નવાઝ શરીફ અને નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક ચાલી રહી હતી ત્યારે નવાઝ શરીફે સમજૌતા એક્સપ્રેસમાં થયેલા ધડાકા અંગેની જાણકારી પણ માગવાની જરૂર હતી. પાકિસ્તાનના વડાપ્રધાને શું બોલવું તેની સલાહ નવાઝ શરીફને ખાનગીમાં આપી શકાય, પરંતુ આ રીતે જાહેરમાં સલાહ આપવાની ઘટના દર્શાવે છે કે નવાઝ શરીફ નામના જ વડાપ્રધાન છે. અસલી રિમોટ કંટ્રોલ આર્મી, આઈએસઆઈ અને કટ્ટરપંથીઓ પાસે છે. લખવી અંગેના પાકિસ્તાનના આ યુ-ટર્નથી પાકિસ્તાનના વડાપ્રધાનની આબરૂના લીરેલીરા ઊડી ગયા છે.

જેમણે સરતાજ અઝીઝને આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ બોલતાં સાંભળ્યા છે તેમણે જોયું હશે કે, સરતાજ અઝીઝ તો પાક. વડાપ્રધાનના પણ છૂપા ‘બોસ’ હોય તેવી ભાષામાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, “જ્યાં સુધી ભારત મુંબઈ હુમલા અંગે પૂરતાં સબૂત નહીં આપે ત્યાં સુધી મુકદમો આગળ નહીં ચાલે.”

સરતાજ અઝીઝે ભારત વિરોધી ઝેર ઓકતાં કહ્યું કે, “પાકિસ્તાન ભારતીય મંત્રીઓનાં બયાનોથી ચિંતિત છે. બલુચિસ્તાનમાં ભારતના હસ્તક્ષેપ સામે અમારો વિરોધ છે. ઉ. ભારત બે વર્ષથી પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનને નજરઅંદાજ કરીને સીમા પારથી આતંકવાદ ચલાવે છે તેવો અમારી પર આરોપ લગાવે છે. તેની સામે પણ અમને વાંધો છે. ઉ. ભારત અને પાકિસ્તાન પર શાંતિ સુનિશ્ચિત કરવા અને વિકાસને આગળ વધારવાની જવાબદારી સામૂહિક છે. અમે ભારત સાથે વિલંબિત મુદ્દાઓ પર ચર્ચાઓ કરવા તૈયાર છીએ અને એમાં કાશ્મીરનો મુદ્દો અગ્ર સ્થાને છે?”

સરતાજ અઝીઝની આ વાતો સાંભળ્યા બાદ ભારતે એ વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે, પાકિસ્તાનના લશ્કર, આઈએસઆઈ અને કટ્ટરપંથીઓની એ સ્પષ્ટ માગણી છે કે તમે પહેલાં અમને કાશ્મીર આપી દો પછી લખવી તો નહીં, પરંતુ લખવીના અવાજના નમૂના આપીશું.

મ્યાનમારમાં ભારતનાં સલામતી દળોએ જે ર્સિજકલ ઓપરેશન કર્યું, તે પછી ભારતના જે મંત્રીઓએ જે બેજવાબદારીભર્યું નિવેદન આપ્યું હતું તેના જવાબમાં પાકિસ્તાને કહ્યું હતું કે, ભારત મ્યાનમાર જેવું પાકિસ્તાનમાં કરવાનું સાહસ ન કરે!

રશિયા ખાતે બે વડાપ્રધાનોની બેઠક પહેલાં જ પાકિસ્તાનના આ જ સરતાજ અઝીઝે નિવેદન કર્યું હતું કે, ભારત એ વાત ના ભૂલે કે પાકિસ્તાન એક ન્યુક્લિયર દેશ છે અને અમારા અણુબોમ્બ કોઈ શો-પીસ નથી.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સલાહકારની આ બયાનબાજીને ભારતે ગંભીરતાથી લેવાની જરૂર છે. એક વાસ્તવિકતા સમજી લેવાની જરૂર છે કે, રશિયામાં ઉફા ખાતે શરીફ અને નરેન્દ્ર મોદી વચ્ચે જો કોઈ વાતચીત થઈ હતી તે શુભ આશયથી જ થઈ હતી, પરંતુ તેનાં પરિણામોને જમીન પર ઉતારવાં મુશ્કેલ છે. ભારત અને પાકિસ્તાનના વડાઓનાં સંયુક્ત બયાનનું ભાવિ અંધકારમય ના નીવડે તે માટે ભારતના સત્તાધારી પક્ષ અને વિરોધપક્ષના રાજકારણીઓએ બોલવામાં સંયમ રાખવાની જરૂર છે. વાતચીત અનિવાર્ય છે. બંને દેશો વચ્ચે હવે યુદ્ધ દ્વારા પ્રશ્નોના ઉકેલ લાવી શકાય નહીં, કારણ કે બંને દેશો પાસે અણુબોમ્બ છે. અણુબોમ્બ પ્રતિરોધ માટે હોય છે, યુદ્ધ કરવા માટે નહીં.

સાથે સાથે એ વાત પણ સમજી લેવી જોઈએ કે, પાકિસ્તાન ભારતનું કદી મિત્ર બનવાનું નથી. એણે છેક ૧૯૪૭થી ભારત સાથે દગો કર્યો છે. ભાગલા વખતે પાકિસ્તાને ભારતના અવિભાજ્ય અંગ કાશ્મીર પર હુમલો કરી દીધો હતો અને આજે અડધું કાશ્મીર પાકિસ્તાન હસ્તક છે. ૧૯૯૯માં ભારતના તે વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બસમાં બેસી દોસ્તી માટે લાહોર ગયા હતા તે વખતે પાકિસ્તાની લશ્કરે ભારતના કારગીલમાં ઘૂસી કારગીલ પર કબજો જમાવી દીધો હતો. ૨૦૦૮માં ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવો વચ્ચે સુમેળભર્યા વાતાવરણમાં વાટાઘાટો આગળ ધપી રહી હતી, તે વખતે જ ૨૬/૧૧નો આતંકવાદી હુમલો મુંબઈમાં થયો હતો. આ હુમલો પાક. પ્રેરિત હતો કે પાકિસ્તાનમાં રહેતાં એવાં તત્ત્વો દ્વારા હતો કે જેઓ ભારત-પાક. વચ્ચે મિત્રતા ઇચ્છતાં જ નથી.

આ તત્ત્વો કોણ છે? દાઉદ ઇબ્રાહિમને પનાહ કોણ આપે છે? લખવીને આશ્રય અને સુરક્ષા કોણ બક્ષે છે?

ભારતમાં નકલી નોટોની ઘૂસણખોરી કોણ કરે છે?
ભારતમાં કમરમાં બોમ્બ બાંધી ત્રાસવાદીઓની નિકાસ કોણ કરે છે?
પાકિસ્તાનની અસલી કમાન કોની પાસે છે?

આ સ્પષ્ટ ના થાય ત્યાં સુધી વાટાઘાટો ભલે જારી રાખો, પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન પર વિશ્વાસ રાખી શકાય નહીં. જે કોઈ વડાપ્રધાનો આવે છે તેઓ ક્યાં તો લશ્કરના કે ક્યાં તો આઈએસઆઈના કે ક્યાં તો કટ્ટરપંથીઓની કઠપૂતળી જ છે. નિરાશ થવાની જરૂર નથી. પાકિસ્તાનને બરબાદ થવા દો એનાં જ કર્મોથી. પાકિસ્તાનને બરબાદ થવા દો એણે જ ઊભા કરેલા આતંકવાદ નામના ફેંકેસ્ટાઇનથી. પાકિસ્તાનને બરબાદ થવા દો ચીનને ભાડે આપેલાં બંદરો અને પોતાની ભૂમિથી. અમેરિકા પાકિસ્તાનને આર્િથક મદદ કરે છે, પણ હવે અમેરિકામાં ૯/૧૧ જેવો ફરી હુમલો થશે તો તેનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનમાં રહેનારો જ કોઈ આતંકવાદી હશે.