Devendra Patel

Journalist and Author

Month: April 2014

બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપીને તમારા દેશને શ્રેષ્ઠ બનાવી શકશો

કભી કભી – દેવેન્દ્ર પટેલ
  • ચૂંટણી લડતા નેતાનું નહીં પણ એક નર્તકીનું પ્રવચન
  • વિશ્વવિખ્યાત કોલંબિયન પોપસિંગર-ડાન્સર શકીરાએ ઓક્સફર્ડ યુનિ.માં સંબોધન કર્યું

નેતાઓના આક્ષેપો, પ્રતિઆક્ષેપો, ગાળાગાળી અને ઝેર ઓકતાં ભાષણોથી કંટાળ્યા હોવ તો ચાલો આજે તમને એક એવી વ્યક્તિનું ભાષણ સંભળાવીએ કે જે રાજકારણી નથી, ઉમેદવાર નથી,સત્તાકાંક્ષી નથી અને તેને કદીયે ચૂંટણી લડવાની ઇચ્છા નથી. એ છે શકીરા. એક ખૂબસૂરત પોપસિંગર અને નર્તકી.

બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપીને તમારા દેશને શ્રેષ્ઠ બનાવી શકશો

શકીરા.

આખું નામ છે : ઇઝાબેલ મેબારક રિપોલ શકીરા, પણ આખી દુનિયા તેને માત્ર શકીરાના નામે જ ઓળખે છે. તે ગાયક છે, ડાન્સર છે અને કોરિયોગ્રાફર પણ છે. ‘હિપ્સ ડોન્ટ લાઈ’ શીર્ષકવાળા મ્યુઝિક આલ્બમથી તે આખા વિશ્વમાં જાણીતી છે. કોલંબિયામાં જન્મેલી શકીરા ‘વ્હેન એવર વ્હેર એવર’ તથા ‘વાકા વાકા’ ગીતોથી પણ જાણીતી છે. શકીરા અત્યાર સુધીમાં બે ગ્રેમી એવોર્ડ્સ, સાત લેટિન ગેમી એવોર્ડ્સ અને ૧૨ બિલબોર્ડ લેટિન મ્યુઝિક એવોર્ડ્સ જીતી ચૂકી છે. લોકો તેને બેલી ડાન્સર તરીકે વધુ ઓળખે છે, પરંતુ ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, લેબેનિઝ પિતા અને કોલંબિયન માતાની પુત્રી શકીરાએ માત્ર ૮ વર્ષની વયે તેનું પહેલું ગીત લખ્યું હતું અને ૧૩ વર્ષની વયે પહેલું ગીત રેકોર્ડ કરાવ્યું હતું.

આખી દુનિયા જેના ગીત અને ડાન્સ પર પાગલ છે એવી શકીરા માત્ર પોપગાયક કે ડાન્સર જ નથી. આજે આ કક્ષમાં એને સ્થાન એટલા માટે મળ્યું છે કે, શકીરા ગાયક અને ડાન્સર હોવા ઉપરાંત સમાજસેવિકા પણ છે. શકીરાએ તેના વતન કોલંબિયામાં રહેતાં ગરીબ બાળકોને મદદ કરવા એક ફાઉન્ડેશન પણ ઊભું કર્યું છે. એમાં ગરીબ બાળકોને તે શિક્ષણ આપવાનું કામ મોટા પાયે કરી રહી છે. તે ‘યુનિસેફ’ની ગુડવીલ એમ્બેસેડર પણ છે. ૨૦૧૦માં યુનાઈટેડ નેશન્સ લેબર ઓર્ગેનિઝેશન દ્વારા તે સન્માનિત પણ છે. આવી શકીરાને તાજેતરમાં ઓક્સફર્ડ યુનિર્વિસટી ખાતે પ્રવચન આપવા ખાસ આમંત્રિત કરવામાં આવી હતી.

ઓક્સફર્ડ યુનિર્વિસટીમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંબોધન કરતાં શકીરાએ કહ્યું : “આ ઓક્સફર્ડ યુનિયનને દુનિયાના મહાન લોકોએ સંબોધિત કર્યું છે, પણ હું તો કોલંબિયાની એક સામાન્ય છોકરી છું. આ મંચ પરથી સંબોધવા મને તક મળી, તે મારા માટે ગર્વની વાત છે. એ જોઈને મને આનંદ થાય છે કે, અહીં આટલાં બધાં વિદ્યાર્થીઓ અને વિર્દ્યાિથનીઓ હાજર છે, પરંતુ આજે અહીં કોઈ મનોરંજન થવાનું નથી. ના તો હું તમને કોઈ ગીત સંભળાવીશ કે ના તો કોઈ ડાન્સ કરીશ. આજે કેટલાક સામાજિક વિષયો પર વાત કરીશ. અમારા જેવા કલાકારો બહુ કલ્પનાશીલ હોય છે. જ્યારે હું અહીં આવી રહી હતી ત્યારે હું વિચારી રહી હતી કે,પહેલાં આ દુનિયા કેવી હતી અને આવનારા ૫૦ વર્ષો બાદ કેવી હશે ? હું માનું છું કે યુવાનોના વિચાર અને તેમના ઇરાદા જ આ દુનિયાને બદલી શકશે.”

“હું એવું નથી માનતી કે, પહેલાંના પુરાણા દિવસો જ સારા હતા. હું માનું છું કે, આવતીકાલ આજ કરતાં વધુ બહેતર હશે. ૫૦ વર્ષ પછી જે પડકારો આવવાના છે તેને પહોંચી વળવા આજથી જ તૈયારીઓ કરવી પડશે. આવતીકાલને સુંદર બનાવવા આજથી જ વિચાર કરવો પડશે. ભવિષ્યની બાબતમાં મારું એક સ્વપ્ન છે. સમાજની હાલત સુધારવા જે કાંઈ કરવું જરૃરી છે તેની શરૃઆત આજથી જ કરવી જોઈએ.”

શકીરા બોલી હતી : “આપણે વિશ્વભરમાં શિક્ષણનો પ્રસાર કરવા માગીએ છીએ. હું સ્પષ્ટપણે માનું છું કે, સમાજની હાલત સુધારવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે શિક્ષણ. શિક્ષણ દ્વારા જ દુનિયાની સૂરત બદલી શકાશે. આ મહાન કાર્યમાં ઓક્સફર્ડ યુનિર્વિસટી જેવી સંસ્થાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આપના જેવા યુવાનો માટે આ કામ આસાન છે. આપણે બધાએ ભેગાં થઈ એક થીંક ટેન્ક બનાવવી પડશે. આપણે એવા લોકોને સાથે લાવીએ કે જેઓ એકબીજાને પ્રેરિત કરે. આવા જ નેટવર્ક દ્વારા દુનિયાની તમામ સમસ્યાઓ હલ કરી શકાશે. ટેક્નોલોજીએ આપણા જીવનને બદલી નાખ્યું છે. આ ટેક્નોલોજીની મદદથી જ દુનિયાની પરેશાનીઓ દૂર કરવાની છે.”

તે કહે છે : “હું માનું છું કે, શિક્ષણ ઉમ્મીદોની ટિકિટ છે. શિક્ષણ જ સ્વપ્નો પૂરાં કરવાનો માર્ગ છે. મારો જન્મ કોલંબિયામાં થયેલો છે. મેં પોતે સામુદાયિક સંઘર્ષ અને હિંસાના દર્દને અનુભવ્યું છે. મેં લોકોને ગરીબી અને અસમાનતાના ડંખને સહન કરતાં જોયા છે. વિકાસશીલ દેશો માટે શિક્ષણ વિલાસિતા અર્થાત્ લક્ઝરી છે, અધિકાર નથી. આવા દેશોમાં દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થવાનું નસીબમાં હોતું નથી. માત્ર ધનવાન અને સંપન્ન લોકો જ પોતાનાં બાળકોને ભણવાની સુવિધા આપી શકે છે. મેં એવાં ગરીબ પરિવારોની તડપન પણ જોઈ છે કે, જેઓ તમામ અભાવોની વચ્ચે પણ પોતાનાં સંતાનોને સ્કૂલમાં મોકલવા મથામણ કરે છે. મેં એવો સમાજ જોયો છે જેમાં ગરીબીમાં જન્મ લેવો તેનો મતલબ છે- ગરીબીમાં જ મૃત્યુ પામવું.”

“હું નથી માનતી કે દુનિયાના દરેક બાળકને શિક્ષણ આપવું અસંભવ છે. સરકાર અગર નિર્ણય કરી લે તો દરેક બાળકને શિક્ષણ આપવું શક્ય છે. વિશ્વના તમામ ગરીબ બાળકોને શિક્ષણ મફત હોવું જોઈએ. આ માટે સ્કૂલની ફી માફ કરવી પડશે, શ્રેષ્ઠ શિક્ષકોની ભરતી કરવી પડશે અને ગરીબ બાળકોને મફત પુસ્તકો આપવા પડશે. દરેક બાળકને સ્કૂલમાં જ વિનામૂલ્યે ભોજન આપવું પડશે. કોઈપણ બાળક ભૂખ્યા પેટે ભણી શકે નહીં. હું એક વાત અહીં સ્પષ્ટ કરી દેવા માગું છું કે, શિક્ષણ પર ખર્ચ કરવાનો મતલબ એ નથી કે તમે કોઈ દાન કરી રહ્યા છો, કોઈ પર અહેસાન કરી રહ્યા છો. બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપી આપ આપના દેશને જ શ્રેષ્ઠ બનાવી શકશો.”

શકીરા કહે છે : “શિક્ષણ દ્વારા જ દુનિયામાં શાંતિ અને સ્થિરતા લાવી શકાશે. આર્થિક તંગી અને બેહાલ પરિસ્થિતિમાં જીવતાં બાળકો ખોટા માર્ગે જવાની શક્યતા છે. આતંકી સંગઠન તેમને લાલચ આપીને બહેલાવી શકે છે. તેઓ ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં જઈ શકે છે. બાળકોને સ્કૂલે મોકલીને આપણે તેમને એ રસ્તે જતાં રોકી શકીશું. હું ઇચ્છું છું કે, શિક્ષણ જ વિશ્વશાંતિનો એક હિસ્સો બને. આપણે અફઘાનિસ્તાનમાં શાંતિ મિશન માટે ૩૦ હજાર સૈનિકોના બદલે ૩૦ હજાર શિક્ષકો મોકલીએ અને તે ત્યાંનાં બાળકોને ભણાવે. શિક્ષણ જ દુનિયામાં ક્રાંતિ લાવી શકશે. આજે આપણે બાળકોને ભણાવીશું, તો કાલે તેઓ ડોક્ટર બની કોઈનો ઇલાજ કરશે. વૈજ્ઞાનિક બની ચંદ્ર પર સંશોધન કરશે અને શાંતિદૂત બની દુનિયામાં અમન ફેલાવશે. શાંતિ મિશનનો મતલબ એ નથી કે, દુનિયાભરના દેશો પર દાદાગીરી કરવી, બલકી તેનો મતલબ છે દુનિયાને શિક્ષિત કરવી. હું આવા સુંદર ભવિષ્યનું સ્વપ્ન નિહાળી રહી છું.”

અને શકીરાનું પ્રવચન અહીં પૂરું થાય છે. ઓક્સફર્ડ યુનિર્વિસટીનો આખોય હોલ તાળીઓથી ગૂંજી ઊઠે છે. ભારતમાં ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ભાગ્યે જ કોઈ નેતાએ આવું પ્રવચન કર્યું છે.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

પેલેસ પોલિટિક્સનું હુકમનું પત્તું-પ્રિયંકા

પ્રિયંકાને બચપણથી જ રાજનીતિમાં રસ હતો- તો રાજનીતિમાં કેમ નહીં?

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી જનાર્દન દ્વિવેદીએ ગાંધી પરિવારના અત્યંત સંવેદનશીલ મુદ્દાને સ્પર્શીને એક મધપૂડાને છંછેડયો છે. તેમણે કહ્યું કે, ‘ખુદ રાજીવ ગાંધીએ મને એક વાર કહ્યું હતું કે, પ્રિયંકા નાની હતી ત્યારથી તેને રાજનીતિમાં રસ હતો.’એથી યે આગળ વધીને તેમણે કહ્યું કે, ‘પ્રિયંકામાં રાજનીતિ અને રાજનીતિની ભાષાની સમજ પહેલેથી જ છે. મારી પાસે તેના પુરાવા છે પરંતુ હાલ હું તે જાહેર કરીશ નહીં.’

પેલેસ પોલિટિક્સનું હુકમનું પત્તું-પ્રિયંકા

જનાર્દન દ્વિવેદીના આ વિધાન બાદ કોંગ્રેસની ભીતર કેટલોક ગણગણાટ શરૂ થયો છે. પ્રિયંકાને પહેલેથી જ પેલેસ પોલિટિક્સનું હુકમનું પત્તું માનવામાં આવે છે. સામાન્ય લોકો માને છે કે, પ્રિયંકા તેમની દાદી ઇન્દિરા ગાંધી જેવા દેખાય છે. પ્રિયંકાના ચહેરા પર સતત સ્મિત રેલાતું હોય છે. તેઓ આસાનીથી લોકો માટે ઉપલબ્ધ છે. ચહેરા પર ગુસ્સો નથી. હેરસ્ટાઇલ અને સાડી પહેરવાની સ્ટાઇલ પણ ઇન્દિરા ગાંધી જેવી જ છે. પ્રિયંકા ગાંધીને સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીના સંસદીય મત વિસ્તારો પૂરતાં જ સીમિત રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ આખા દેશમાં તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. અલબત્ત લોકોને અને ખુદ કોંગ્રેસીઓને તેનો ઇન્તજાર છે. બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે દરેકને મોટા ઘરમાં એક પેલેસ પોલિટિક્સ હોય છે. રાજકારણમાં કોણે આવવું તે કોઇવાર સિનિયર્સ નક્કી કરે છે તો કોઇવાર સભ્યો ખુદ. તેમાં પણ એક રાજનીતિ હોય છે અંદરો અંદર પણ.

મીડિયાએ એકવાર પ્રિયંકાને પૂછયું હતું : ‘તમે રાજનીતિમાં આવશો’? – એ પ્રશ્નનો જવાબ તેમણે ‘ના’ માં આપ્યો હતો. પરંતુ એક વાર તેમના પતિ રોબર્ટ વાડેરા બોલી ગયા હતાઃ ‘પ્રિયંકા ભવિષ્યમાં રાજનીતિમાં આવી પણ શકે છે. ફરી એ જ સવાલ મીડિયાએ તેમના પતિનો હવાલો આપીને પ્રિયંકાને પૂછતાં તેમણે હસીને જવાબ આપ્યો હતો : ‘મારા હસબન્ડને તમે ફસાવી દીધાને?’

અલબત્ત ઘણા એમ પણ માને છે કે, રોબર્ટ વાડેરા સામે કેટલાક આક્ષેપોના કારણે જ પ્રિયંકાને રાજનીતિથી દૂર રાખવામાં આવ્યા છે. કારણકે પ્રિયંકાને રાષ્ટ્રીય સ્તર પર મેદાનમાં ઉતારવામાં આવે તો હરિયાણામાં ખોટી રીતે જમીન સંપાદન કરવાના આક્ષેપોથી માંડીને બીજા અનેક પ્રશ્નો વિપક્ષ ઊભા કરે. આ સંદર્ભમાં બીજી પણ એકવાત નોંધપાત્ર રહી છે કે સોનિયા ગાંધી રાયબરેલી મત વિસ્તાર માટે ફોર્મ ભરવા ગયા ત્યારે તે વખતે પ્રિયંકા કે રોબર્ટ વાડેરા ગેરહાજર હતાં. આ વાત અત્યંત સૂચક માનવામાં આવે છે. અત્યાર સુધી આવું કદી બન્યું નથી. લાગે છે કે ૨૦૧૪ની ચૂંટણીમાં પ્રિયંકાના પતિ રોબર્ટ વાડેરાનો મુદ્દો વિપક્ષને ઉછાળવાની તક ના મળે તે હેતુથી જ તેઓ ગેરહાજર રહ્યા હતા તેમ માનવામાં આવે છે. આમ છતાં ભાજપાના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ તો એક જાહેરસભામાં રોબર્ટ વાડેરા પર આકરો વ્યંગ કરતાં કહ્યું જ : ‘રાહુલ ગાંધી જીજાજીને દેશના ચોકીદાર બનાવશે?’

રાષ્ટ્રીય કોંગ્રેસમાં ગાંધી પરિવારના એક વફાદાર જૂથને લાગે છે કે, ‘કોંગ્રેસ અત્યારે તેના સહુથી કપરા કાળમાંથી પસાર થઇ રહી છે ત્યારે નરેન્દ્ર મોદીની આંધીને ખાળવા માટે પ્રિયંકા ગાંધીનો રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવો જોઇએ. પ્રિયંકા ગાંધી એક એવં કેરિશ્મેટિક વ્યક્તિત્વ છે કે જેને જોવા-સાંભળવા લોકો આપોઆપ જ આવશે.’ આ દલીલની સામે બીજી દલીલ એવી છે કે હવે પ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય સ્તરે મેદાનમાં ઉતારવામાં આવે તો તેનો અર્થ એ થાય કે રાહુલ ગાંધી નિષ્ફળ સાબીત થઇ રહ્યા છે. અથવા તો કોંગ્રેસ કાર્યકરોને રાહુલ ગાંધીની નેતાગીરીમાં વિશ્વાસ નથી.’ આ બંને દલીલો જોતાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ભીતર એક વૈચારિક ઘમાસાણ છે એ વાત નક્કી છે. સાથે સાથે એ વાત પણ ચર્ચાય છે કે, દેશના તમામ ઓપિનિયન પોલ્સના સર્વેક્ષણો કોંગ્રેસ બે આંકડામાં જ સીમિત થઇ જાય તેવો નિર્દેશ કરે છે તેથી હજુ પણ સમય છે કે, કોંગ્રેસને બચાવવા હુકમના પત્તા તરીકે પ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય કરવા. આ સંદર્ભમાં કોંગ્રેસના મહામંત્રી જનાર્દન દ્વિવેદીનું આ તબક્કે આવેલું વિધાન સૂચક મનાય છે.

પ્રિયંકા ગાંધી આમ તો જાહેરમાં બહુ આવતા નથી પરંતુ ૨૦૦૮માં ‘સોસાયટી’ નામના એક મેગેઝીને સ્ફોટક અહેવાલ પ્રગટ કર્યો હતો જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, ‘રાજીવ ગાંધીની હત્યામાં સામેલ નલિનીને મળવા પ્રિયંકા ગાંધી જેલમાં ગયા હતા.’

આ મેગેઝીને ‘સ્પ્લીટ ઓવર એ સેન્ટેન્સ’ શીર્ષક હેઠળ એમ લખ્યું હતું કે, રાજીવ ગાંધીના હત્યારાઓને મળવાની બાબતમાં ગાંધી પરિવારમાં મતભેદો છે એમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે, ‘સોનિયા ગાંધી અને પ્રિયંકાને રાજીવ ગાંધીની હત્યામાં સામેલ નલિની માટે સહાનુભૂતિ છે.’ જ્યારે રાહુલ ગાંધી એવું બોલ્યા હતા કે, ‘મારા પિતા રાજીવ ગાંધીની હત્યા અંગે અમને હજુ ન્યાય મળ્યો નથી. આપણી લીગલ સિસ્ટમ ઘણી ધીમી છે. મારા પિતાની હત્યામાં ૪૦ માણસો સંડોવાયેલા છે પણ હજુ તેમને સજા થઇ નથી.’ રાહુલ ગાંધીનું આ નિવેદન ૨૦૦૮ના વર્ષનું છે. આમ ગાંધી પરિવારની ભીતર વૈચારિક મતભેદો છે કે કેમ તે કળવું મુશ્કેલ છે.

કેટલાક લોકો એમ માને છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બેઉને એક સાથે રાજનીતિમાં ઉતારવામાં આવે તો એક જ પક્ષમાં અને એક જ ઘરમાં બે પાવર સેન્ટર ઊભા થાય. એક જ ઘરમાં જેટલા પાવર સેન્ટર વધુ એટલો આંતરિક સંઘર્ષ પણ વધુ એ કુદરતી નિયમ છે. દેશના મોટા ઔદ્યોગિક ગૃહોમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પરિવારનો સંઘર્ષ, ગ્વાલિયરના રાજવી પરિવારમાં વિજ્યારાજે સિંધિયા અને તેમના જ પુત્ર માધવરાવ સિંધિયા પરિવારનો સંઘર્ષ, બિહારમાં લાલુ યાદવ અને તેમના સગા સાળા વચ્ચેનો સંઘર્ષ, મુંબઇમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચેનો સંઘર્ષ આના ઉદાહરણ છે. શાયદ આ સમજથી જ પ્રિયંકા ગાંધી હજુ ખુલ્લી રીતે રાષ્ટ્રીય કક્ષાએ બહાર આવ્યાં નથી.

પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં લાવવામાં આવશે કે નહીં એ તો ખબર નથી પરંતુ પ્રિયંકા તેમના ભાઇ અને માને જીતાડવા કમર કસી રહ્યા છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ચૂંટણી પ્રચાર માટે સવારથી જ દૂર થઇ જતા રહેતા હોઇ કોંગ્રેસના દિલ્હી ખાતેના ‘વોર રૂમ’નો કબજો પ્રિયંકા ગાંધી વાડેરાએ જ સંભાળી લીધો છે. કોંગ્રેસનો વોર રૂમ નવી દિલ્હી ખાતે રાહુલ ગાંધીના નિવાસસ્થાને ખોલવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી સવારથી જ ભાઇના ઘેર પહોંચી જાય છે અને મોડી રાત સુધી ત્યાં જ રોકાય છે. ચૂંટણી પ્રચાર, પબ્લિસિટી, મટિરિયલ અને મીડિયા સાથેની વાતચીતનું આયોજન પ્રિયંકા સંભાળે છે. ચૂંટણી મેનેજમેન્ટના સંકલનનો અભાવ હતો તે પ્રિયંકાના આવતા જ દૂર થઇ ગયો છે. કોંગ્રેસ બે આંકડામાં જ સીમિત થઇ જશે એવી ખતરાની ઘંટડી બાદ પ્રિયંકાએ એક્ટિવ રોલ ભજવવા માંડયો છે. ભીતરના સૂત્રો કહે છે : ‘પંજાબમાં અંબિકા સોની અને અમરીન્દર સિંહને મેદાનમાં ઉતાર્યા બાદ કાર્યકરોમાં નવું જોમ આવ્યું છે. પક્ષના રણનીતિકારો માને છે કે, ‘પ્રિયંકા દેશમાં ૧૦૦ જેટલી સભાઓ સંબોધે તો કોંગ્રેસ ૧૬૦ના આંકડા સુધી પહોંચી શકે તેમ છે.’

અલબત્ત, ગાંધી પરિવારે હજુ હુકમનું પત્તું અનામત રાખ્યું છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

અખબારોની હેડલાઈન્સ હિટલર નક્કી કરતો હતો

રશિયામાં પ્રેસિડેન્ટ પુતિનની સિક્રેટ ફેમિલી લાઈફ વિશે લખી શકાતું નથી

અરવિંદ કેજરીવાલ એક કોયડો છે. એ ‘આમઆદમી’નો પ્રતિનિધિ છે એમાં કોઈ શક નથી, પરંતુ એમના વ્યક્તિત્વની ભીતર અરાજકતા અને એમના ‘વ્યવસ્થા પરિવર્તન’ના નારાની ભીતર ‘અંધાધૂંધી’નો ખતરનાક આઈડિયા છૂપાયેલો હોય એવું લાગે છે. નરેન્દ્ર મોદી સામે કે મુકેશ અંબાણી સામે બોલવાની હિંમત ધરાવનાર અરવિંદ કેજરીવાલ કોઈ પોલિટિકલ પાર્ટીના નેતાના બદલે ‘ટોળાંશાહી’ નેતા લાગે છે.

અખબારોની હેડલાઈન્સ હિટલર નક્કી કરતો હતો

મીડિયાવાળાને જેલમાં

તાજેતરમાં તેમણે મીડિયાવાળાઓ પર આક્ષેપ કર્યા અને તેમની વિરુદ્ધ લખનાર કે બોલનાર મીડિયાવાળાઓને જેલ ભેગા કરવાની ધમકી આપી. અરવિંદ કેજરીવાલ એમ જરૃર કરે જો તેમની સરકાર આવે તો. અરવિંદ કેજરીવાલ આવી રહેલી ચૂંટણીના ૭૦ એમ.એમ. થ્રિલરમાં ‘એક્સ્ટ્રા’ કલાકાર જેવા લાગે છે. એક વાત તો ચોક્કસ છે કે, કોંગ્રેસ કરતાં તેઓ વધુ અસરકારક પ્રવચન કરી શકે છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં મીડિયાએ તેમની નોંધ પણ લેવી પડે છે. તેઓ જે કાંઈ કરે છે કે બોલે છે તે ન્યૂઝ ચેનલોના કેમેરાઝને નજરમાં રાખીને બોલે છે અથવા કરે છે. એ વાત પણ નોંધવી જોઈએ કે મીડિયા જ્યાં સુધી તેમની પ્રશંસા કરતું હતું ત્યાં સુધી મીડિયા તેમને ગમતું હતું. હવે દિલ્હીમાં તેમના બંગલાનો વિવાદ, બે પોલીસવાળાની બદલી કરાવવા તેમણે કરેલા ધરણાંનો વિવાદ કે તેમના એક પૂર્વ કાનૂનમંત્રીના વિવાદ પર કોઈ વિશ્લેષણ કરે છે તો તેઓ સહન કરી શકતા નથી. મુંબઈમાં પરવાનગી લીધા વિના રોડ શો કરી ટ્રાફિકજામ કરાવી દે છે અને હજારો લોકોને મુશ્કેલીમાં મૂકી દે છે. તેમની ટીકા કરનાર મીડિયાવાળાને જેલમાં મોકલી દેવાની તેમની વાત ફાસીવાદ, સરમુખત્યારવાદ અથવા રશિયાના સામ્યવાદી શાસનની યાદ અપાવે છે.

મીડિયાના જ ‘હીરો’

કોઈપણ દેશની રાજનીતિમાં કે વ્યવસ્થા પરિવર્તનમાં પ્રચાર માધ્યમોનો ઘણો મોટો ફાળો હોય છે. હવે બધા જ પક્ષો તેનો ઉપયોગ કરે છે. અણ્ણા હઝારેની રેલીઓ સફળ બનાવવામાં પ્રચાર માધ્યમોનોજ મોટો ફાળો હતો. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને આમઆદમી બનાવવામાં પ્રચાર માધ્યમોનો જ મોટો ફાળો હતો. નરેન્દ્ર મોદીને લોકપ્રિય બનાવવામાં પણ પ્રચાર માધ્યમોનો જ મોટો ફાળો છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન પણ આ વાત બરાબર જાણે છે. રશિયાના પ્રેસિડેન્ટ પુતિનના જીવનનું મોટામાં મોટું સિક્રેટ એ છે કે, તેમનાં અધિકૃત પત્ની લુડમિલા ક્યાં છે તેની કોઈને ખબર નથી અને કોઈને ખબર છે તો તે લખવાની કે છાપવાની રશિયામાં કોઈ હિંમત કરી શકતું નથી. ૨૦૦૮માં ‘મોસ્કોવ્સ્કી કોરસપોન્ડેન્ટ’ નામના અખબારના એક પત્રકારે પ્રેસિડેન્ટ પુતિનના સિક્રેટ ફેમિલી લાઈફ વિશે લખ્યું કે, પ્રેસિડેન્ટ પુતિન તેમનાં પત્ની લુડમિલાને છૂટાછેડા આપવા વિચારી રહ્યા હતા.” આ સમાચાર અપાયા તેના બીજા જ દિવસે એ અખબાર બંધ થઈ ગયું. રશિયામાં તેમના નેતાની ફેમિલી લાઈફ એ ‘સ્ટેટ સિક્રેટ’ ગણાય છે. રશિયાનાં અખબારોને એ વિષય પર લખવાના કોઈ જ અધિકાર નથી.

સરમુખત્યારોના રાજમાં

લોકશાહી હોય કે તાનાશાહી, પરંતુ એનો નેતાઓ પ્રચાર માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. સરમુખત્યારો પ્રચાર માધ્યમોને કાબૂમાં રાખવા પ્રયાસ કરે છે. કેટલીકવાર જૂઠનો પણ ભયંકર પ્રચાર કરવામાં આવે છે. હિટલરનો પ્રચાર મંત્રી ગોબેલ્સ આવા જુઠ્ઠાણાં માટે જાણીતો હતો. એ કહેતો હતો કે, “છ વાર જુઠ્ઠું બોલો એટલે તે પણ સત્ય બની જાય છે. જૂઠને પણ બહુ સંભાળી સમારીને મૂકવું પડે છે અને તે માટે વર્તમાનપત્રો પર કબજો જરૃરી છે.” હિટલરના શાસનમાં પ્રચાર માધ્યમો પર તેણે કબજો કેવી રીતે કર્યો તેનું વિસ્તૃત વર્ણન ચંદ્રકાંત બક્ષીએ ‘તવારીખ’માં કરેલું છે, જે આ પ્રમાણે છે :

૧૯૨૦માં બદામી ખમીસો પહેરેલા થોડા માથા ફરેલા ઝનૂની માણસોએ જર્મનીમાં એમનું પ્રથમ છાપું કાઢયું. એ લોકો ‘નેશનલ શોઝીઆલિસ્ટીશ્ય ડોઈશ આર્બાઈટરપાર્ટાઈ’ નામનો પક્ષ ચલાવતા હતા. દુનિયા આ પક્ષને નાઝી અથવા નાત્સી નામથી ઓળખે છે. નાઝીઓના છાપાનું નામ ‘પીપલ્સ ઓબ્ઝર્વર’ હતું. મ્યુનિકથી પંદર દિવસે એકવાર નીકળતું હતું. એના ૭૦૦૦ ગ્રાહકો હતા અને એક પૈસો પણ કમાતું ન હતું. એના પ્રકાશકનું નામ હતું એડોલ્ફ હિટલર, જેને જર્મનીમાં ત્યારે ભાગ્યે જ કોઈ ઓળખતું હતું. એ છાપાંના પ્રથમ પાના પર એક વાક્ય લખેલું હતું : “જર્મનીના નેશનલ સોશ્યાલિસ્ટ આંદોલનનું લડાયક મુખપત્ર.”

મીડિયા પર લગામ

હિટલર સત્તા પર આવ્યો એના ૧૩ વર્ષ પહેલાંની આ વાત. તેણે વાવેલું આ બીજ વધીને નગ્ન પ્રચાર માટે વિશ્વનું સૌથી ભયાનક વિષવૃક્ષ બની ગયું. ૧૯૩૩માં હિટલરે સત્તા સંભાળી તેના ત્રણ જ વર્ષમાં નાઝી પક્ષે જર્મન સમાચાર સૂત્રોના બે તૃતીયાંશ પર કબજો જમાવી લીધો હતો. બાકીનાં પત્રો પર લગામ લગાવી દીધી હતી. સરકારી રજા વિના એક પણ અક્ષર છપાતાં ન હતાં. જર્મન સમાચાર પત્રો કોઈ એક હિટલરની રાહ જોઈ રહ્યા હતા. જર્મનીમાં એ સમયે ઘણાં બધાં વર્તમાનપત્રો હતાં. જેમાંથી મોભાનાં પત્રો બહુ ઓછા હતાં. ઘણાં ખરાં રાજનીતિક દૃષ્ટિએ જાગૃત ન હતાં અને ૧૯૨૨માં દમનનીતિ શરૃ થઈ ચૂકી હતી. રાજનૈતિક છાપાંને અનુશાસનનું મહત્ત્વ બહુ સ્પષ્ટતાથી સમજાવી દેવામાં આવ્યું હતું. હિટલર છાપાંઓની કમજોરીઓ સમજી ગયો હતો. હિટલરનો સમાચારપત્રોનો ‘બોસ’ મેક્સ એમાન નામનો એક ઠીંગણો, જડ, ર્ગિવષ્ઠ માણસ હતો. જે પ્રથમ વિશ્વયુદ્ધમાં એની કંપની સાર્જન્ટ હતો. હિટલર એની પ્લેટુનમાં કોર્પોરોલ હતો. નાઝી પક્ષ સત્તારૃઢ થયો એ પહેલાં એણે ૫૯ દૈનિક કબજે કરી લીધાં હતાં. નાઝીઓને ખુશ કરવા માટે કેટલાક અપક્ષ પત્રો નાઝી પ્રચાર મફત છાપતાં હતાં અને યહૂદીઓની જાહેરાતો છાપતાં ન હતાં. વિજ્ઞાપકો નાઝીઓથી ડરીને નાઝી છાપાંઓમાં જાહેરખબરો આપતા રહ્યા કે જેથી નાઝીઓ એમને હેરાન ન કરે. આને માટે જર્મન પ્રજા પણ જવાબદાર હતી. એમણે હિટલરના વિરોધી, પ્રામાણિક છાપાંઓને મદદ કરી નહીં. ‘હેન્નો વરશ્ચર કુરિયર’ નામના પત્રે ૧૯૩૨મા નાઝીઓના ચૂંટણી વિજયને ‘મૂર્ખતાના વિજય’ કહ્યા પ્રમાણે પંદર દિવસનું એનું ૨૦ ટકા વેચાણ ઘટી ગયું હતું.

હિટલર ચાન્સેલર થયા પછી મેક્સે એનો જુલમ બાકાયદા શરૃ કર્યો. ૧૯૩૩માં કોમ્યુનિસ્ટ અને સોશ્યલ ડેમોક્રેટિક છાપાં જેમની સંખ્યા ૧૫૦ હતી- એકાએક બંધ થઈ ગયાં. બંધ કરવાની ફરજ પાડવામાં આવી. એ જ વર્ષે એક કાનૂન પસાર કરવામાં આવ્યો કે નેશનલ સોશ્યાલિઝમને એક સૂત્ર સમજીને છાપાંઓએ સમાચાર છાપવા. મેક્સે ફરમાન બહાર પાડયું કે, તંત્રીએ અને યહૂદી ન હોવું જોઈએ. જર્મનીના કેથલિક ધર્મનાં પત્રો સામયિકોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યાં. આ બધા કાયદાઓને લીધે જર્મનીનાં લગભગ ૧૫૦૦ દૈનિકો-માસિકો- સામયિકો બંધ પડયાં.

હિટલરનો હુકમ

બચેલાં છાપાં સહકારી ‘હીઝ માસ્ટર્સ વોઈસ’થી પણ બદતર બની ગયાં. ખુદ હિટલરે શિકાયત કરી, “રોજ સવારે ૧૫ છાપાંઓમાં એકની એક જ મેટર વાંચીને મને પણ મજા આવતી નથી.” છાપાંઓના તંત્રીઓને પણ આ બધું છાપવાની મજા આવતી ન હતી,પણ સરકારના માહિતી તથા પ્રચાર ખાતાં તરફથી દિવસમાં બેવાર દરેક છાપાંને એક પરિપત્ર મોકલવામાં આવતો, જેમાં હેડલાઈન શં રાખવી એ વિશે પણ સમગ્ર સૂચના રહેતી અને રુઝવેલ્ટ (અમેરિકાના તત્કાલીન પ્રમુખ) માટે કયાં વિશેષણો વાપરવા એનું પણ માર્ગદર્શન રહેતું. વિશેષણો સામાન્ય રીતે આ પ્રકારનાં રહેતાં : ગુન્ડો, ગુનેગાર, પાગલ ! સરકારી વિભાગો તરફથી છાપાંઓને નિયમિત પરિપત્રો મોકલાતા જેમાં સૂચન રહેતું કે, આ મેટર પહેલા પાનાં પર લેવી !

પ્રચાર એક બહુ મોટો ઉદ્યોગ બની ગયો. નાઝી પક્ષની પ્રકાશન સંસ્થા પર કોઈ કર લેવામાં આવતો ન હતો. લાખો માર્કની કમાણી નાઝી યુદ્ધકોશમાં જીતી, પણ યુદ્ધમાં નાઝીઓ હારતા ગયા અને નાઝીઓના ૨૫૦૦ છાપાં-સામયિકોમાંથી માત્ર ૫૦૦ જ રહ્યાં,જેમાંનાં કેટલાક માત્ર એક જ પાનું છાપતાં હતાં. ૧૭ એપ્રિલ, ૧૯૪૫ને દિવસે ‘પીપલ્સ ઓબ્ઝર્વર’ હિટલરનો અંતિમ મિલિટરી ઓર્ડર છાપ્યો. રશિયનો ર્બિલન પર માર્ચ કરી રહ્યાં છે અને તમારે મર્દાઈથી સામનો કરવાનો છે ! અને બીજે દિવસે હિટલરનો અને તેના મુખપત્રનો અંત આવ્યો. મીડિયાપર લગામ નાખવા માગતા અરવિંદ કેજરીવાલ આમાંથી શીખે.

શું આવાં લોકો જ સંસદમાં બેસી દેશનું શાસન કરશે ?

નેતાઓની ભાષાના કારણે વિદેશોમાં ભારતના લોકતંત્રની હાંસી ઉડાવાય છે

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓનો જ્વર પરાકાષ્ઠાએ છે. ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજનેતાઓની ભાષા બેલગામ થતી જાય છે. ગાળાગાળી અને અભદ્ર ટીકા કરવામાં નેતાઓની વચ્ચે હોડ લાગી ગઈ છે. નેતાઓની બેમર્યાદ ભાષા પર ચૂંટણીપંચ પણ લાચાર જણાય છે. નેતાઓની ગંદી જુબાનના કેટલાંક વરવાં ઉદાહરણ આ રહ્યાં.

શું આવાં લોકો જ સંસદમાં બેસી દેશનું શાસન કરશે ?

ભાષાનો વ્યભિચાર

અમદાવાદમાં ભાજપના ઉમેદવાર પરેશ રાવલે કહ્યું કે, ”જે લોકો ઘાઘરીઘેલા છે તે લોકો જ મોદીની વાત કરે છે. મોદી પરણે કે ન પરણે પણ તમે (કોંગ્રેસે) દેશની મા પૈણી નાંખી છે.” કોંગ્રેસના ઉમેદવાર બેનીપ્રસાદ વર્માએ કહ્યું : “નરેન્દ્ર મોદી આર.એસ.એસ.ના ગુંડા છે અને રાજનાથસિંહ મોદીના ગુલામ છે.” તે પહેલાં એનસીપીના વડા શરદ પવારે કહ્યું : “ચૂંટણી પછી નરેન્દ્ર મોદીનો ઇલાજ પાગલખાનામાં કરાવવો પડશે.” ભાજપાના રાજસ્થાનના ધારાસભ્ય હીરાલાલ રેગરએ કહ્યું : “રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનાં કપડાં ઉતારી તેમને ઇટાલી મોકલી દેવાં જોઈએ.” સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નાહિદ હસને કહ્યું : “માયાવતીનો પાગલ હાથી શામલી અને કૈરાનામાં પ્રવેશી શકશે નહીં.” બાબા રામદેવે કહ્યું : “સોનિયા ગાંધી એક વિદેશી મહિલા છે અને દેશમાં ભ્રષ્ટાચારની જનની છે. એણે પોતાના સસુરાલ (ભારત)ને લૂંટયું છે.” નરેન્દ્ર મોદીએ કહ્યું : “અગર તમે છત્તીસગઢ પર કોઈ ખૂની પંજાનો છાયો પડવા દેવા માગતા હોવ તો કમળ પર બટન દબાવજો.” કેન્દ્રીય મંત્રી બેનીપ્રસાદ વર્માએ કહ્યું : “સમાજવાદી પાર્ટીમાં મૂર્ખાઓનું રાજ છે અને તે બધાં ગધેડા છે.” સહરાનપુરના કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન મસૂદે કહ્યું : “અગર મોદી ઉત્તર પ્રદેશને ગુજરાત બનાવવાની કોશિશ કરશે તો હું તેમના ટુકડે ટુકડા કરી નાખીશ.” અમિત શાહે કહ્યું કે, “બદલો લેવાનો આ સમય છે.” મુલાયમસિંહ યાદવે બળાત્કારીઓને ફાંસીની સજાનો વિરોધ કરતાં કહ્યું : “છોકરાંઓથી ક્યારેક ભૂલ થઈ જાય છે. બળાત્કાર કરનારાઓને ફાંસી ના હોય.” સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાને કહ્યું : “કારગિલનું યુદ્ધ મુસ્લિમ સૈનિકોએ જીત્યું હતું. મોદી લોહીના સમંદર પર બેઠા છે.” કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારામૈયાએ કહ્યું : “મોદી નરસંહારક છે.”

ક્યાં ગઈ ગરિમા ?

આ તો થોડાક નમૂના જ છે. પ્રવચનોના આ અંશ દર્શાવે છે કે, આજના નેતાઓના સામાજિક અને રાજનૈતિક મૂલ્યોમાં ગીરાવટ આવી છે. ચૂંટણીઓ લડી રહેલા ઉમેદવારો એકબીજાને દુશ્મનાવટની નજરે જુએ છે. લોકોની તાળીઓ હાંસલ કરવા તેઓ ગમે તે હદ સુધી જવા તૈયાર છે. એ બધાં ગંદાં પ્રવચનોએ ‘સાસ ભી કભી બહુ થી’ જેવી સાસુ-વહુની સિરિયલોને પણ ભૂલાવી દીધી છે. સત્તા હાંસલ કરવા સિવાય તેમનો કોઈ જ મક્સદ નથી. એક જમાનામાં ચૂંટણીઓ દરમિયાન રાજનૈતિક હરીફો દિવસ દરમિયાન એકબીજાની વિરુદ્ધ પ્રચાર કરતા હતા અને રાત્રીના સમયે એકબીજાની સાથે બેસી ભોજન લેતા હતા. દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી લાખોની જનમેદનીને મંત્રમુગ્ધ કરી દેતા હતા, પરંતુ તેમનાં ભાષણો ગરિમાપૂર્ણ રહેતાં. વાજપેયીજી ક્યારેય તેમનાં પ્રવચનોમાં વ્યક્તિગત ટીકા કરતા નહોતા.

સ્યાહી અને જૂતાં

પરાકાષ્ઠા તો એ છે કે, કેટલાક લોકો નેતાઓના ચહેરા પર સ્યાહી અને જૂતાં ફેંકે છે. અસહિષ્ણુતાની આ પરાકાષ્ટા છે. નેતાઓ જ નહીં, પરંતુ પ્રજા પણ લોકતંત્રની ગરિમાને નુકસાન પહોંચાડી રહી છે. ભારતના નેતાઓની અને પ્રજાની આ વર્તણૂક વિદેશોમાં ભારતની નકારાત્મક છબી પેશ કરે છે અને વિદેશમાં ભારતનું લોકતંત્ર મજાકનો વિષય બની ગયું છે. વિશ્વના એક મોટામાં મોટા લોકતંત્ર માટે આ શરમજનક વાત છે.

આમાંથી જ કોઈ પી. એમ.

લાગે છે કે, આપણી પાસે આ નેતાઓની બદજુબાની રોકવા કોઈ ઉપાય જ નથી. નેતાઓ માત્ર ગંદી ભાષાનો જ પ્રયોગ કરે છે એટલું નથી. તેઓ અહંકારની ભાષા પણ બોલે છે. વાસ્તવિકતા એ છે કે, આવનારા દિવસોમાં આ જ ‘હત્યારાઓ’, ‘શાહજાદાઓ’, ‘ચાય વેચવાવાળાઓ’, ‘ઇમાન વેચવાવાળાઓ’, ‘મૂર્ખાઓ’ કે ‘સદીના ભ્રષ્ટ નેતાઓ’ પૈકી કોઈ એક વડા પ્રધાન બનશે. તેમાંથી કોઈ મંત્રી બનશે. આ લોકો પૈકી જ કેટલાકને દિલ્હીમાં આલિશાન બંગલા મળશે. પરિણામ એ આવશે કે કાલે આપણા જ સંતાનો આપણને પૂછશે કે, “પપ્પા, ગઈકાલ સુધી લોકો જેને મામૂલી ચાય વેચવાવાળો કે શાહજાદા કહેતા હતા તે વડા પ્રધાન કેવી રીતે બની ગયા ? શું હવે તમે એમના માટે સન્માનની ભાષા વાપરશો ?”

તેમને શું કહેશો ?

એથીયે કડવી વાસ્તવિકતા એ છે કે, જેમના ચહેરા પર સ્યાહી ફેંકવામાં આવી રહી છે, જેમના ચહેરા પર જૂતાં ફેંકવામાં આવી રહ્યાં છે, જેમને જાહેરમાં થપ્પડ મારવામાં આવી રહી છે અને જેમને પાગલ કહેવામાં આવી રહ્યા છે તે લોકો જ દેશના ભાવિ કર્ણધાર હશે. ચૂંટણી પહેલાં જેમને દેશદ્રોહી કહેવામાં આવે છે તે જીતી જશે તો તેને જ લોકો દેશપ્રેમી કહેતા થઈ જશે. સત્તા મળતા જ ભ્રષ્ટાચારીઓ ‘મિસ્ટર ક્લિન’ બની જશે. લાલુથી મુલાયમ સુધીના આવાં અનેક ઉદાહરણો છે. જેમને આજે ગાળો દેવામાં આવી રહી છે તે પૈકી જ કોઈ નેતા આગામી ૧૫મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે. એ વખતે તમે જે નેતાને ગાળો દેતા હતા તેમને શું કહેશો ? એટલા માટે જ ભાષા પર લગામ અને ઝેરીલી ભાષા પર કાબૂ જરૃરી છે.

બોલો, એટલે ઓળખું

રાજનીતિ સ્વયં કોઈ ગંદી ચીજ નથી. રાજનીતિમાં પડેલા લોકો તેમની ગંદી ભાષા, વાણી, અવિવેક અને ગેરવર્તનથી રાજનીતિને ગંદી કરે છે. વિશ્વ વિખ્યાત પ્લેટો કહે છે : “બોલો, એટલે હું તમને ઓળખી શકું.” એક આરબ કહેવત છે : “ના બોલાયેલા શબ્દના તમે સ્વામી છો અને બોલાયેલો શબ્દ તમારો સ્વામી છે.”

વકતૃત્વકળાના દંતકથા જેવા નાયક ડેમોસ્થેનિસે કહ્યું છે : “વાણી જ યુદ્ધનો પંચજન્ય શંખ અને વાણી જ બુદ્ધનું કમંડળ.” વિશ્વના સુપ્રસિદ્ધ આર્કિયોલોજિસ્ટ અને યુનિર્વિસટી ઓફ લુઈસવિલેના વડા જ્હોન આર હેલ કહે છે : “Great leaders are great communicators, yet not everyone can utter a phrase like Winstan Churchil. Few of us can hold the attention like Colin Powell and rare person who can tell a story like Paul Harvey.” એટલા માટે જ કહેવાય છે કે, “Speakers are leaders.” એટલે વક્તા જ નેતા છે, એમ લોકો માને છે, પરંતુ જેમની ભાષામાંથી ઝેરની ખેતી જ થતી હોય તેમને તમે શું કહેશો?

આજના કેટલાયે નેતાઓને સંસદમાં બોલતાં જ નથી આવડતું, કેટલાકને સંસદમાં કયા મુદ્દા ઊભા કરવા છે તેનું જ્ઞાન જ નથી,કયા પ્રશ્નો સંસદમાં ઊભા કરવા અને કયા પ્રશ્નો સડક પર ઊભા કરવા તેનું પણ તેમને જ્ઞાન નથી. આજે લોકસભા અને વિધાનસભાઓનો અધિકાંશ સમય બૂમબરાડા અને ધાંધલ ધમાલમાં જ વપરાઈ જાય છે. સંસદની ગરિમા પણ જળવાતી નથી. લાગે છે કે, લોકશાહીને આપણે ટોળાંશાહીમાં પરિર્વિતત કરી રહ્યા છીએ. એમ પણ લાગે છે કે, આવી રહેલી નવી લોકસભાનું ચિત્ર આજની રેલીઓમાં જ પ્રર્દિશત થઈ રહ્યું છે.

મોદી v/s All કે All v/s મોદી

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વધુ ને વધુ રસપ્રદ બની રહી છે. આમ તો દેશમાં પાર્લામેન્ટરી પદ્ધતિની ચૂંટણી છે, પરંતુ જે રીતે ચૂંટણીના ઘણા સમય અગાઉ ભારતીય જનતા પાર્ટીએ અગાઉથી જ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી દીધી છે ત્યારથી ચૂંટણી અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિની ચૂંટણી જેવી બની ગઈ છે.

મોદી v/s All કે All v/s મોદી

આ ચૂંટણીમાં જે દિવસથી નરેન્દ્ર મોદીને પીએમપદના ઉમેદવાર જાહેર કરાયા તે દિવસથી મોદીના દુશ્મનોની સંખ્યા પણ વધી ગઈ છે. પહેલાં તો ભાજપમાં જ એક બે નેતાઓને બાદ કરતાં તમામ વરિષ્ઠ નેતાઓ અંદરથી તેમની વિરુદ્ધમાં છે. જેમાં એલ.કે.અડવાણી,સુષમા સ્વરાજ, મુરલી મનોહર જોષી, યશવંત સિંહા, શિવરાજસિંહ ચૌહાણ જેવાં અનેક નામો છે. પક્ષની બહારના બીજા પક્ષોના જે નેતાઓ મોદીના વડાપ્રધાન બનવા સામે વિરોધ કરી રહ્યા છે તેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, એનસીપીના શરદ પવાર, સપાના મુલાયમસિંહ, જનતાદળ(યુ)ના નીતીશકુમાર, બીજુ જનતાદળના નવીન પટનાયક, બસપાનાં માયાવતી, તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી, એઆઈએડીએમકેનાં જયલલિતા, ડાબેરીઓના વડા પ્રકાશ કરાત વગેરે છે. આ જ વાતને બીજા શબ્દોમાં જ કહેવી હોય તો એમ કહી શકાય કે ‘નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઓલ’ જેવી પરિસ્થિતિ છે. આ વાતને વધુ વિગતવાર કહેવી હોય તો એમ કહી શકાય કે આખીયે ચૂંટણી નરેન્દ્ર મોદી એકલા હાથે લડી રહ્યા છે. નરેન્દ્ર મોદીને બાદ કરીએ તો ભાજપ ઝીરો છે. મોદીને કારણે જ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી એક ‘ઈવેન્ટ’ બની ગઈ છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે તાજેતરમાં કહ્યું કે,”ભાજપનો હવે એક જ મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો છેઃ મોદી, મોદી, મોદી અને મોદી. અમે તો કહીએ છીએ કે જુઓ, આ રહ્યો અમારો ચૂંટણી ઢંઢેરો, પરંતુ તેઓ કહે છેઃ મોદીને વડાપ્રધાન બનાવો. એ લોકોની ચૂંટણી ઝુંબેશ વ્યક્તિલક્ષી છે. અમારી ચૂંટણી ઝુંબેશ પાર્ટીલક્ષી છે. મેં મોદીને છેલ્લાં ૧૨ વર્ષથી કામ કરતા જોયા છે. તેમનું ડીએનએ રાજકીય એકાધિકારવાદનું છે. સમાજને વિભાજન કરનારું છે અને તેમની આર્થિક નીતિ થોડા ઉદ્યોગપતિઓ માટે જ છે. તેમણે ગુજરાતમાં જ ભાજપને વામણો કરી દીધો છે. ગુજરાતમાં તેઓ વિધાનસભાને કામ કરવા દેવા માગતા નથી. ૧૦ વર્ષ સુધી ગુજરાતમાં લોકાયુક્ત નહોતા. ગુજરાતમાં ભાજપ સરકાર નહીં પરંતુ ‘મોદી સરકાર’ છે.”

જયરામ રમેશના આક્ષેપો સારા હોય તોપણ એ વાત તેમણે સ્વીકારવી પડશે કે, ગુજરાતમાં ત્રણ વખત ચૂંટણીઓ જીતીને મોદીએ હેટ્રિક લગાવી છે. હજુ તેઓ અણનમ છે. ગુજરાતમાં જેમ મોદી સરકાર છે તેમ દિલ્હીમાં પણ જો તેમની બહુમતી આવશે તો ‘મોદી સરકાર’ જ હશે. એક વાર મોદી વડાપ્રધાન બનશે પછી તેઓ દિલ્હીમાં પણ પોતાની સ્ટાઇલથી જ કામ કરશે. ચાણક્ય કહે છે કે,જનતાને તાકાતવર નેતાઓ જ ગમે છે. પ્રજા પણ તે રાજાને સાથ આપતી નથી, જે શક્તિશાળી ન હોય. પક્ષીઓ પણ એ વૃક્ષ પર બેસતાં નથી, જેની પર ફૂલ ન હોય. એ જ રીતે ‘વર્જિન’ ગ્રૂપના માલિક રિચર્ડ બ્રાન્સન કહે છે :”સાચું કહું, મને નરમ સરમુખત્યારશાહી ગમે છે … જો હું ખુદ સરમુખત્યાર હોઉં તો જ.” આ ઉક્તિઓ દર્શાવે છે કે, પ્રજાને સશક્ત નેતાઓ જ ગમે છે ભલે તેઓ સરમુખત્યાર જેવા હોય. ઈંગ્લેન્ડનાં પૂર્વ વડાપ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલ અને માર્ગારેટ થેચર, ફ્રાન્સના પૂર્વ પ્રેસિડેન્ટ ચાર્લ્સ દ ગોલ અને ભારતનાં પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધી પણ સરમુખત્યાર જેવાં જ હતાં. પક્ષમાં અને સરકારમાં તેઓ કહે એમ જ થતું. ક્યુબાના પ્રેસિડેન્ટ ફિડેલ કાસ્ટ્રો સરમુખત્યાર હોવા છતાં લોકપ્રિય રહ્યા. ૩૦૦૦ વર્ષ પૂર્વે રોમ એક લોકતાંત્રિક સેનેટ ધરાવતો દેશ હોવા છતાં તેના સરસેનાપતિ જુલિયસ સિઝર સરમુખત્યાર જેવા મનાતા અને છતાં લોકપ્રિય હતા.

બી.પી. કેપિટલ મેનેજમેન્ટના વડા ટી.ઓન પિન્કસ કહે છે કે, “નેતા બનવું હોય તો નિર્ણય લેવાની જવાબદારી પણ તમારે જ લેવી પડશે. તમારે જ નિશાન તાકવું પડે અને તમારે જ બંદૂક ફોડવી પડે.” આ વાત નરેન્દ્ર મોદીને પણ લાગુ પડે છે. ભાજપમાં તેમના જ પક્ષના નેતાઓને ગમે કે ન ગમે, પરંતુ પક્ષના મહત્ત્વના નિર્ણયો તેઓ જ લે છે. અડવાણીએ પણ ચૂંટણી ક્યાંથી લડવી તે નિર્ણય પણ મોદી જ લે છે, અડવાણી નહીં. જસવંતસિહને ટિકિટ આપવી કે ન આપવી તે નિર્ણય પણ મોદી જ લે છે. પક્ષના પ્રમુખ રાજનાથસિંહે તો માત્ર અમલ જ કરવાનો રહે છે.

બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, ભગવા રંગની ભાજપનું ‘મોદીકરણ’ થઈ ગયું છે. તેમણે પાર્ટીનું સ્વરૂપ જ બદલી નાખ્યું હોઈ અંગ્રેજીમાં તેને ‘Modification’ પણ કહી શકાય. ઘણાં ચિંતકો માને છે કે, દેશમાં મોદીનો એક ચાહકવર્ગ પેદા થયો છે. મોદીના નામનો એક કલ્ટ પેદા થયો છે. મોદીના નામનો આ જુવાળ છેક નોર્થ ઈસ્ટનાં રાજ્યો સુધી જોવા મળે છે. મોદીના આ જુવાળ સામે યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે મહારાષ્ટ્ર જેવાં શિવસેનાથી પ્રભાવિત રાજ્યોમાં હવે તે પ્રાંતોના નેતાઓનો’પ્રાંતવાદ’ પણ ચાલતો નથી. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પણ મોદી આગળ નાના અને મર્યાદિત પ્રભાવવાળા નેતાઓ લાગે છે. મોદી બિહારમાં જઈ નીતીશકુમાર વિરુદ્ધ પ્રવચન કરે છે ત્યારે લોકો તાળીઓ પાડે છે. મહારાષ્ટ્રમાં અશોક ચવાણ વિરુદ્ધ પ્રવચન કરે છે તો લોકો તાળીઓ પાડે છે. યુપીમાં મુલાયમ વિરુદ્ધ પ્રવચન કરે છે તો લોકો તાળીઓ પાડે છે. મોદીના નામનો આ જુવાળ વિરોધ પક્ષોને તો ગળી જશે, પરંતુ ખુદ ભાજપનો પણ તે કોળિયો કરી જશે એમ ઘણા માને છે. દેશમાં મોદીના લાખો ફેન્સ મોદી નામના મંત્રનો જાપ કરી રહ્યા છે. આ દૃશ્યો જોઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત પણ અંદરથી ગભરાયા હોય તેમ લાગે છે એટલે જ તેમણે કહેવું પડયું કે, “સંઘના સેવકો મર્યાદા જાળવે અને નમો નમો કરવાનું બંધ કરે.”

લાગે છે કે ભાજપ એક પરિવર્તન યુગમાંથી પસાર થઈ રહ્યો છે. પાર્ટીનું જાણે કે ઓવરહોલિંગ થઈ રહ્યું છે. પક્ષમાં નવી નેતાગીરીનો ઉદય થઈ રહ્યો છે. પક્ષ એક નવો જ અવતાર ધારણ કરી રહ્યો છે. મોદી માત્ર વડાપ્રધાનપદના ઉમેદવાર જ નથી, પરંતુ પક્ષને એક નવીન સ્ટાઈલ, નવીન ફેશન અને નવી જ ટેક્નિક તથા ટેક્નોલોજીથી સજ્જ કરી રહ્યા છે. ઘણાં બધાં લોકોને ભાજપમાં નહીં, પરંતુ નરેન્દ્ર મોદીમાં રસ છે. મોદીમાં તેમને મસીહા દેખાય છે. મોદી નવા મતદારોને આકર્ષિત કરી રહ્યા છે. મોદીનો શબ્દ જ ચૂંટણી ઢંઢેરો છે. મોદીના વિચારો જ પક્ષની વિચારધારા છે. જેઓ મોદીમાં વિશ્વાસ કરતા નથી તેમનું સ્થાન ભાજપમાં નથી. ઉમેદવારોની પસંદગીમાં પણ મોદી ઈફેક્ટ જણાય છે. ભાજપની આખીયે ચૂંટણી ઝુંબેશ મોદીલક્ષી છે અને મોદીની ઇમેજ લાર્જર ધેન લાઇફ બનાવવા માટેની છે. ‘હર હર મોદી – ઘર ઘર મોદી’નો નારો કેટલાક સંતોના વિરોધના કારણે ભલે પડતો મૂકવામાં આવ્યો હોય, પરંતુ લોકોની જીભે તો તે નારો ચડી જ ગયો છે. આજે તો પરિસ્થિતિ એવી છે કે નરેન્દ્ર મોદી ભાજપમાંથી બહાર નીકળી જાય તો લોકો મોદી સાથે જશે અને ભાજપને છોડી દેશે. સંઘ પાસે પણ હવે મોદી સિવાય કોઈ જ વિકલ્પ નથી. આવનારા સમયમાં સંઘના નેતાઓ પણ મોદીને નમન કરે તો નવાઈ નહીં.

અલબત્ત, ચડિયાતા પ્રચાર, ચાહકોના ઉન્માદ અને લાખોની જનમેદનીની રેલીઓ મતમાં પરિર્વિતત નહીં થાય તો જે લોકો પક્ષમાં નાછૂટકે ‘નમો’ ને નમન કરી રહ્યા છે તે બધા જ મેદાનમાં આવી જઈ શકે છે. કોઈ પણ નેતા કે અભિનેતા માટેનો કલ્ટ કદીક નેતા કે અભિનેતાને અતિ ઊંડા આત્મવિશ્વાસમાં ગરકાવ કરી દે છે અને તે અહંકારનું નિમિત્ત પણ બને છે. અહંકાર વગરની સરમુખત્યારશાહી લોકો કદીક સ્વીકારે છે, પરંતુ અહંકારી સરમુખત્યારને લોકો સ્વીકારતા નથી. અંગ્રેજી ભાષામાં પ્રજાનાં કલ્યાણકારી કામો કરતા પ્રજાભિમુખ સરમુખત્યાર માટે ‘બેનિવોલન્ટ ડિક્ટેટર’ શબ્દ વપરાય છે. પક્ષમાં કે સરકારમાં તમે ભલે શક્તિશાળી સરમુખત્યાર બની રહો, પરંતુ પ્રજાને તો પ્રજાભિમુખ નેતા જ ગમે છે.

www.devendrapatel.in

ખંજન ધરાવતી બે સુંદરીઓ વચ્ચે ખૂબસૂરત ચૂંટણીજંગ

કભી કભી – દેવેન્દ્ર પટેલ
એક છે કિરણ ખેર.
બીજી છે ગુલ પનાગ.

બંને અભિનેત્રીઓ છે. બંને ચંડીગઢની છે. બંનેના ગાલ પર ખંજન પડે છે. ગાલ પર ડિમ્પલવાળી બંને મહિલાઓ વચ્ચે ચંડીગઢમાં ચૂંટણી યુદ્ધ ફાટી નીકળ્યું છે. કિરણ ખેર ‘દેવદાસ’ ફિલ્મમાં પારોની માના રોલથી વધુ જાણીતી છે. અનેક ટેલિવિઝન શોમાં ‘હોસ્ટ’ તરીકેની સેવાઓ આપી ચૂકી છે. કિરણ ખેર આક્રમક છે. એક્ટિવિસ્ટ જેવી લાગે છે. એક્ટર અનુપમ ખેરનાં પત્ની છે. ચંડીગઢમાં તે ભારતીય જનતા પાર્ટીની લોકસભાની બેઠક માટેની ઉમેદવાર છે.

ખંજન ધરાવતી બે સુંદરીઓ વચ્ચે ખૂબસૂરત ચૂંટણીજંગ

ચંડીગઢની બેઠક માટે તેનું નામ જાહેર થયું ત્યારે શહેરની પ્રજાએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. લોકોએ કાળા વાવટા ફરકાવ્યા હતા. ઇંડાં પણ ફેંક્યાં હતાં, પરંતુ હવે ધીમેધીમે એ આંધી શાંત થઈ ચૂકી છે. ચંડીગઢના લોકો અને પક્ષના કાર્યકરો કહે છે કે, કિરણ ખેર બહારથી આવીને ટપકી પડેલાં ઉમેદવાર છે. સિનેમાના એક્ટર્સને ચૂંટણીના મેદાનમાં ઉતારવા એ આજકાલ રાજકીય પક્ષોની મજબૂરી બની ગઈ છે.

કિરણ ખેરની ફિલ્મી કારકિર્દી જોઈએ તો તે આમિર ખાન, શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, કાજોલ, ઐશ્વર્યા રાય અને રાની મુકરજીની માનો રોલ ભજવી ચૂકી છે. માના પ્રભાવશાળી રોલમાં દીપી ઊઠતાં કિરણ ખેરને તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવાર ગુલ પનાગ માટે કોઈ પ્રેમ કે વાત્સલ્ય જણાતું નથી. ગુલ પનાગ આમઆદમી પાર્ટી તરફથી ચંડીગઢનાં ચૂંટણી મેદાનમાં છે. બંને એકબીજાની સામે આકરા પ્રહારો કરી રહ્યાં છે.

બંને અભિનેત્રીઓ બોલિવૂડનાં જ કલાકાર હોવા છતાં કિરણ ખેર કહે છે કે, “હું મુંબઈમાં ગુલ પનાગને કદી મળી નથી. હા, હું એને જાણુ ંછું ખરી.”

કિરણ ખેરને વાંધો એ વાતનો છે કે, આમઆદમી પાર્ટીએ તેની સામે એક કુમાશભર્યો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. ગુલ પનાગ તેમની દીકરી જેવી લાગે છે, પરંતુ કિરણ ખેર જરા પણ લાગણી દર્શાવ્યા સિવાય કહે છે : “વિરોધ પક્ષ એટલે વિરોધ પક્ષ. વિરોધી એટલે વિરોધી. હું એમને એ દૃષ્ટિથી જ જોઉં છું.”

એથીયે આગળ વધીને તે કહે છે : “ગુલ પનાગની આમઆદમી પાર્ટી દિલ્હીમાં સત્તા પર આવી જ હતી, અને સરકાર પણ રચી હતી, પરંતુ આમઆદમી પાર્ટીના નેતાઓ થોડા જ સમયમાં જવાબદારીમાંથી છટકીને ભાગી ગયા. દિલ્હીની પ્રજાને એમણે રેઢી મૂકી દીધી.”

કિરણ ખેર અને ગુલ પનાગ વચ્ચે રાજકીય સ્પર્ધા હોવા છતાં બીજું પણ કેટલુંક સામ્ય છે. બંને મહિલાઓ લશ્કરી અધિકારીઓની પુત્રીઓ છે. બંનેનું બચપણ ચંડીગઢમાં વીત્યું છે.

ગુલ પનાગ કહે છે કે : “હું તો ચંડીગઢની ધરતીની જ પુત્રી છું.” આ બાબતમાં કિરણ ખેરને કેટલાક વિરોધનો સામનો કરવો પડયો છે. કિરણ ખેરની એક મહિલા સંબંધીએ એવો આક્ષેપ કર્યો છે કે, કિરણ ખેરે ચૂંટણીપંચને ખોટી માહિતી આપી છે. કિરણ ખેરે એ આક્ષેપો ફગાવી દઈ કહ્યું છે કે, “હું તો ચંડીગઢની જ છું.”

કિરણ ખેર કહે છે : “તમે મારી સરખામણી દીપિકા પાદુકોણ કે કેટરિના સાથે ન કરી શકો. તેમની પાસે ફિલ્મોની બહાર ફાળવવા માટે સમય જ નથી. જ્યારે હું વર્ષમાં ઘણી ઓછી ફિલ્મો કરું છું. ટી.વી.ના ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ માટે વર્ષમાં મારે ૧૯ જ દિવસ ફાળવવા પડે છે. હું ચૂંટાઈશ તો ચંડીગઢ માટે પૂરતો સમય ફાળવીશ.”

કિરણ ખેર હવે રાજનીતિની ભાષામાં પણ વાત કરે છે. તે કહે છે : “ગુલ પનાગ પાસે આમઆદમી પાર્ટીની પૂરી લાયકાતો જ નથી. તે તકવાદી છે. ગુલ એવી પાર્ટીની ઉમેદવાર છે જે પાર્ટીના લોકો અણ્ણા હઝારેના આંદોલન સાથે હતા ત્યારે ‘નમો નમો’ કરતા હતા, પણ આમઆદમી પાર્ટીની રચના બાદ તેઓ બદલાઈ ગયા. આમઆદમી પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણ કાશ્મીરમાં લોકમત લેવાની વાત કરે છે. એક લશ્કરી અધિકારીની પુત્રી આવી પાર્ટીની સભ્ય કેવી રીતે હોઈ શકે ? આમઆદમી પાર્ટીના એક નેતાએ દિલ્હીમાં બે આફ્રિકન અશ્વેત મહિલાઓનું અપમાન કર્યું હતું તે પાર્ટીની સાથે ગુલ પનાગ કેવી રીતે જોડાઈ શકે ?આમઆદમી પાર્ટીના નેતાઓ જુઠ્ઠા છે. દિલ્હીમાં તેમણે કેવો તમાશો કર્યો ?”

હવે ગુલ પનાગની વાત. કિરણ ખેરની સામે ગુલ પનાગ એક નાનકડી છોકરી જેવી લાગે છે. દેખાવમાં એની દીકરી જેવી જ છે,પરંતુ કોઈ ગુલની કિરણ ખેર સાથે સરખામણી કરે તો તે ગુસ્સે થઈ જાય છે. સોશિયલ મીડિયા પર ગુલની કિરણ ખેર સાથે લડાઈ થઈ ચૂકી છે. ગુલ પનાગ ૩૫ વર્ષની છે અને તે પૂર્વ મિસ ઇન્ડિયા પણ છે. કિરણ ખેરના ભભકાદારી વસ્ત્ર પરિધાન સામે ગુલ સાદાં વસ્ત્રો પહેરે છે. કિરણ ખેર કહે છે કે, “ઘણા લોકો મને કહે છે કે, તમે હવે ચૂંટણી લડી રહ્યાં છો તેથી સારાં વસ્ત્રો પહેરો, પરંતુ હું રેલીઓમાં પોલિટિશિયનની એક્ટિંગ કરવા માગતી નથી. ટેલિવિઝન ઇન્ટરવ્યૂ વખતે આમઆદમી પાર્ટીની ટોપી પણ પહેરે છે. ચંડીગઢમાં તે રોયલ એનફિલ્ડ મોટરબાઈક પર ઘૂમે છે. કોઈવાર સવાર સવારમાં ઠંડક હોય ત્યારે અરવિંદ કેજરીવાલ જેવા મફલર પણ વિંટાળે છે. રસ્તા પર વાહન ચલાવતા લોકો ગુલને જોવામાં અકસ્માતો પણ સર્જે છે. રસ્તા પર પણ ટોપી પહેરીને જ ફરે છે અને લોકો સાથે હાથ મિલાવે છે.

શરૃઆતમાં બંને વચ્ચે ઠીકઠીક રહ્યું, પરંતુ પાછળથી ટ્વિટર યુદ્ધ ફાટી નીકળતાં સંબંધોમાં ખટાશ આવી ગઈ. કિરણ ખેરે ટ્વિટર પર એવો મુદ્દો ઊભો કર્યો હતો કે, બે મહિના પહેલાં ગુલ કિરણ કૌર પનાગ મોદીને મત આપવા માગતી હતી. મને હજુ પણ લાગે છે કે, તે મોદીને જ મત આપશે.”

કિરણ ખેરના ફેસબુક પરના આ વ્યંગથી ખીજાયેલી ગુલ પનાગે ટ્વિટર પર કહ્યું : “તે (કિરણ) ટ્વિટર પર નવી છે. ટ્વિટર કેવી રીતે કામ કરે છે તેની જ શાયદ તેને ખબર નહીં હોય. મેં મોદી માટે લખ્યું તે પહેલાંના મારાં ટ્વિટ્સ વાંચ્યા લાગતાં નથી. ફેસબુક પર તે શું લખે છે તેમાં મને કોઈ રસ નથી. હું અહીં લોકોના પ્રશ્નો માટે ચૂંટણી લડવા આવી છું. હું અહીં કોઈ આક્ષેપો, પ્રોપેગેન્ડા કે આડુંઅવળું કરવા આવી નથી.”

ગુલ કહે છે : “કિરણ ખેરને ભાજપાની ટિકિટ મળી ત્યારે મેં સૌથી પહેલાં તેમને અભિનંદન આપ્યા હતા, પરંતુ આમઆદમી પાર્ટીની ટિકિટ મને મળી ત્યારે એમણે મને કોઈ જ અભિનંદન આપ્યાં નહીં. એમને લાગે છે કે, મારે ‘લક’ની જરૃર નથી. મારે એમના વિશે ઝાઝી વાતો કરવી નથી. તેઓ કદાચ આ ચૂંટણીજંગને ‘પર્સનલ’ બનાવી દેવા માગે છે, પરંતુ મને એવો કોઈ જ રસ નથી. મારો જંગ તો આ શહેરને વિશ્વના નક્શા પર મૂકવા માટે છે.”

કિરણ ખેર એના ટ્વિટર પર લખે છે : “જીવનની શરૃઆત સાઠ વર્ષે જ થાય છે અને ગુલની જેમ હું મેરેથોન રનર નથી. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ.”

એના જવાબમાં ગુલ કહે છે : “કિરણને અને સર (પવન બન્સલ)ને મારા ટ્વિટ્સને પર્સનલ બનાવવામાં તો તેઓ તેમ કરી શકે છે.”

યાદ રહે છે કે, ચંડીગઢમાં ભાજપાનાં ઉમેદવાર કિરણ ખેર, આમઆદમી પાર્ટીનાં ઉમેદવાર ગુલ પનાગ છે તો કોંગ્રેસના ઉમેદવાર પવન બંસલ છે.

કેવું બ્યૂટીફૂલ એમ્બેરેસમેન્ટ ?
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

અનંત, ક્યાં છો ? તમારી શ્રદ્ધા તમને શોધી રહી છે !

કભી કભી – દેવેન્દ્ર પટેલ
એક રાત્રે મેં નિખાલસતાથી મારા બચપણની વાત પતિને કહી દીધી

“સર ! તમે લખ્યું હતું કે, સાયરાબાનુને ૧૨ વર્ષની ઉંમરે જ દિલીપકુમાર માટે પ્રેમ થયો હતો. સાયરાબાનુએ એમ પણ કહ્યું કે, “બસ, હવે અમે એકબીજા માટે જીવીએ છીએ.” મારું જીવન પણ થોડુંક એવું અને થોડુંક જુદું પણ છે. હું પણ ૧૪ વર્ષની હતી ત્યારે જ અનંત મને ગમવા લાગ્યો હતો. અનંત મારાથી મોટો હતો. એની વય ૧૭ વર્ષની હતી. અમારી વચ્ચે ઉંમરનો તફાવત હતો, પરંતુ એ મને કેમ ગમતો હતો એની મને ખબર નથી. એ મને ગમતો હતો એટલ  બસ ગમતો જ હતો” : એમ કહેતાં શ્રદ્ધા એની વાત શરૃ કરે છે. શ્રદ્ધા એક પ્રતિભાશાળી ગુજરાતમાં જ જન્મેલી, ગુજરાતમાં જ મોટી થયેલી, પરંતુ મૂળ મહારાષ્ટ્રીયન નારી છે. તે અત્યંત સુંદર ગુજરાતી બોલે છે. વાતચીતમાં સરળ અને સ્વભાવથી પારદર્શી છે. એની ખૂબી ગણો કે ખામી, પણ એ કોઈ વાત છુપાવી શકતી નથી. બેંકના ઉચ્ચ હોદ્દા પર તે અત્યારે નોકરી કરી રહી છે, પણ આજે વાત કરતી વખતે તેના ચહેરા પર વેદનાની લકીરો ખેંચાઈ છે. આંખોના ઊંડાણમાં કોઈ દર્દ છુપાયેલું છે.

અનંત, ક્યાં છો ? તમારી શ્રદ્ધા તમને શોધી રહી છે !

એ કહે છે : “અમે બંને એક જ સ્કૂલમાં ભણતાં હતાં. એ મારાથી સિનિયર હતો. રિસેસના સમયે હું મારા ક્લાસમાંથી બહાર નીકળી અનંતની રાહ જોતી. એ મારાથી મોટો હોવા છતાં વાત કરવામાં એકદમ શરમાળ હતો. હું વાતો વધુ કરતી. તે બહુ જ ઓછું બોલતો. આમેય હું પહેલેથી જ વાચાળ રહી છું. હું બહિર્મુખ છું, એ અંતર્મુખી. હું એના તરફ આર્કિષત હતી. એને પણ હું ગમતી હતી, પણ તે કદી બોલતો નહોતો. તે કદી કાંઈ કહેતો નહોતો. એક દિવસ તો મેં એને હિંમત કરીને કહી દીધું હતું : “આઈ લવ યુ.”

એણે કોઈ જવાબ આપ્યો નહોતો. ઊલટો તે શરમાઈ ગયો હતો. હા, એને મારી વાત ગમી હતી. તે દોડીને જતો રહ્યો હતો. મારા મનમાં જે ભાવ ઊભરે તે કહી દેવાની મને ટેવ રહી છે. એ એના ભાવ આંખોથી પ્રગટ કરતો, પણ શબ્દોથી પ્રગટ કરતો નહીં. એ કારણે ઘણીવાર હું મૂંઝાઈ જતી, પણ એક દિવસ તો મેં એને રોકીને કહી જ દીધું : “હું પરણીશ તો તને જ.”

એ સ્તબ્ધ થઈ જતો રહ્યો, કારણ કે મારી પરણવાની વયને ઘણી વાર હતી. હજુ હું કિશોરી જ હતી. તે સમજદાર હતો. શાયદ તેને પણ હું ગમતી હતી, પણ તે કહી શકતો નહોતો.

સમય વહેતો રહ્યો.

મારા પિતાની નોકરીની બદલી થતાં અમે અન્યત્ર ચાલ્યાં ગયાં. મારી સ્કૂલ બદલાઈ ગઈ. અનંત એની એ જ સ્કૂલમાં રહ્યો. મારી પાસે એના ઘરનો ફોન નંબર નહોતો. મારે એની સાથે વાત કરવી હતી, પણ વાત કેવી રીતે કરવી ? એણે તો મને શોધવા કદી પ્રયાસ કર્યો નહીં, પરંતુ મેં કર્યો. કેટલાક સમય બાદ મને ખબર પડી કે એનો પરિવાર મુંબઈ ચાલ્યો ગયો છે અને મુંબઈમાં એ લોકો ક્યાં રહે છે તેની કોઈનેય ખબર નહોતી. અમે હવે એકબીજાથી છૂટા પડી ગયા. પણ હું તેને ભૂલી શકતી નહોતી.

એ વાત પછી ઘણી ઘટનાઓ ઘટી. હું વયસ્ક થઈ. મારી અને અનંત વચ્ચે હવે કોઈ સંપર્ક રહ્યો નહોતો. બચપણના એ સુંદર સ્વપ્નને વાગોળવા સિવાય મારી પાસે હવે કોઈ વિકલ્પ નહોતો. મારું ભણવાનું પૂરું થતાં મારા પિતાએ મારા માટે છોકરા શોધવા માંડયા. મેં વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. બચપણ એ બચપણ છે. માનવીએ વર્તમાનમાં જ જીવવું જોઈએ. ભૂતકાળ વાગોળવા માટે છે અને ભવિષ્ય એ વિચારવા માટે છે. મેં છોકરા જોયા. મારા કરતાં મારા પિતાને જે છોકરો પસંદ હતો તેની સાથે મેં લગ્ન કરી લીધાં. હા, હું નાની હતી ત્યારે વિચારતી હતી કે, મન તો હું અનંતને વરી ચૂકી છું, પરંતુ અત્યારે વાસ્તવિકતા અલગ હતી. મેં સંજોગોને આધીન થઈને વાસ્તવિકતા સ્વીકારી લીધી.

લગ્ન બાદ મધુકર સાથે મારું લગ્નજીવન શરૃ થયું. મધુકરને એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો ધંધો હતો. અમે અમદાવાદ છોડી મુંબઈ રહેવા ગયાં. અમારા દાંપત્યજીવનની શરૃઆત બહુ જ સારી રહી. વાતવાતમાં મધુકર એમના કોલેજ જીવનની વાત કરતા. કોલેજમાં એમને કઈ કઈ છોકરીઓ બહુ જ ગમતી હતી એ પણ કહેતા હતા. કઈ કઈ છોકરીઓ સાથે તેમણે પિક્ચર જોયા હતા તે પણ કહેવા લાગ્યા. એમની વાતોમાં રહેલી નિખાલસતા જોઈને મેં પણ એક રાત્રે કહી દીધું કે, “હું ૧૨ વર્ષની હતી ત્યારે મને પણ મારી સ્કૂલમાં ભણતો અનંત નામનો એક છોકરો ગમતો હતો.”

એમણે મને પૂછયું હતું : “એ ક્યાં છે અત્યારે ?”
મેં કહ્યું : “મુંબઈમાં જ છે.”
એમણે મને પૂછયું : “શું કરે છે તે ?”
મેં કહ્યું : “મને ખબર નથી.”
એમણે કહ્યું : “ક્યાં રહે છે તે ?”
મેં કહ્યું : “મને ખબર નથી.”
“ઇમ્પોસીબલ.” એમણે આક્રમક સ્વરે કહ્યું.

હું વિચારમાં પડી ગઈ. એમણે એમના કોલેજકાળની છોકરીઓ સાથેની દોસ્તીની વાત કરી ત્યારે મેં સાહજિકતાથી એ બધી વાતો સ્વીકારી લીધી અને મેં પણ જ્યારે મારા બચપણની વાત કરી તો તેઓ ઉશ્કેરાઈ ગયા. મેં તેમને પૂછયું : “તમે કેમ ગુસ્સે થઈ ગયા. તમે પણ કોલેજમાં છોકરીઓ સાથે ફ્લર્ટ કરતા હતા, તેની સામે મેં કોઈ જ વાંધો લીધો નહીં અને મેં મારી વાત કરી તો ખીજાઈ ગયા ?”

એમણે મને કહ્યું : “મારે કોલેજમાં કોઈપણ છોકરી સાથે સંબંધ નહોતો. મેં તો તારા દિલની વાત જાણવા જ એ જુઠી વાત કહી હતી. મને લાગે છે કે, તું એક સારી સ્ત્રી નથી.”

બસ, એ દિવસથી એનો મારા પ્રત્યેનો વ્યવહાર અને વર્તન બદલાઈ ગયા. સવારે ચાનો કપ ફેંકી દેવા લાગ્યા. બપોરે જમતાં જમતાં થાળી ફેંકી દેતા. હા, રાત્રે સૂવા પૂરતો જ સંબંધ રાખ્યો, પણ હવે તેઓ મને શંકાની નજરે જોવા લાગ્યા. મારા ભોળપણમાં એમણે મને જ ફસાવી દઈને મારા ભૂતકાળના નિર્દોષ પ્રેમની વાતો જાણી લીધી હતી. હવે તેઓ મારી સાથે એક દુશ્મન જેવો વ્યવહાર રાખતા હતા. માનસિક અને લાગણીના અમારા સંબંધો ખતમ થઈ ચૂક્યા હતા. તેઓ મારી સાથે માત્ર શારીરિક સંબંધ જ રાખતા હતા. અનંતને તો સ્કૂલ છોડયા પછી હું કદી મળી નહોતી. તે પછી આજ સુધી મેં એને જોયો પણ નથી. આજે તે વાતને વર્ષો વીતી ગયા છે. અનંત મને સામા મળે તો હું તેમને ઓળખું પણ નહીં. હા, મને તેમનું નામ ‘અનંત ભારદ્વાજ’ છે એટલી જ ખબર હતી. એથી વિશેષ કાંઈ જ નહીં.

મારા પતિ અને મારા શારીરિક સંબંધના કારણે હું ગર્ભવતી થઈ. એમાં પણ મારા પતિ મને શંકાથી જોવા લાગ્યા. એક દિવસ તો તેમણે મને કહી દીધું : “તારા ઉદરમાં જે ગર્ભ છે તે મારો નહીં, પણ અનંતનો છે.”

હું આઘાતમાં સરી પડી. એ દિવસે હું બહુ જ રડી. મેં માથા પછાડી નાખ્યા. બચપણના એ પ્રેમથી આગળ મારા અને અનંત વચ્ચે કોઈ સંબંધ નહોતો, છતાં એમણે મારી વાત સ્વીકારવા ઇનકાર કરી દીધો. મારા પર શકના કારણે એમણે મારા બહાર જવા પર પ્રતિબંધ લાદી દીધો. એક દિવસ તેમની ગેરહાજરીમાં હું કાંઈક ખરીદી કરવા બજારમાં ગઈ. સાંજે પાછી આવી ત્યારે તેઓ પહેલેથી જ ઘરમાં હાજર હતા. એમણે મને લાત મારી. હું પડી ગઈ. મારા દાંતમાંથી લોહી નીકળી આવ્યું. હું માથા પછાડીને રડતી રહી. મારા ઉદરમાં મારા પતિનો જ ગર્ભ હતો, પણ તેઓ માનવા જ તૈયાર નહોતા. મેં ખાવાનું બંધ કરી દીધું તો પણ તેમને કોઈ લાગણી ન થઈ. મેં દૂધ પીવાનું બંધ કરી દીધું તો પણ એમને કોઈ લાગણી ના થઈ. તેમના શકને દૂર કરવાનો મારી પાસે કોઈ ઉપાય નહોતો.

મેં ઘર છોડી દેવા વિચાર કર્યો. પહેલાં તો મેં ગર્ભપાત કરાવી લેવા પણ વિચાર્યું, પરંતુ એક નવજાત શિશુને આ જગતમાં આવતાં પહેલાં જ તેની હત્યા કરી નાખવી એ પાપ છે એમ વિચારી મેં એ નિર્ણય હવે માંડી વાળ્યો છે. હવે હું ઘર છોડી રહી છું. ગમે ત્યાં એકલી જ રહીશ, પણ ખોટી બદનામી અને ખોટા આક્ષેપોનો ભારો લઈને પિયરમાં તો નહીં જ જઉં. હું મારા બાળકને જન્મ આપીશ અને એ બાળક ભલે મારા કાયદેસરના પતિનું છે, પરંતુ હું એમની પાસે પાછી કદી નહીં જાઉં. મારા બાળકના જન્મ પછી એના પિતાના નામના બદલે મારા બાળકના નામ પાછળ હું મારું નામ લખાવીશ.

અનંત ભારદ્વાજ ! તમે ક્યાં છો ? તમારી શ્રદ્ધા તમને હવે શોધે છે.
– કહેતાં શ્રદ્ધા તેની વાત પૂરી કરે છે.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

૧૯૫૨માં માત્ર રૂ.૨૦૦૦માં લોકસભાની ચૂંટણી લડાતી હતી

દરેક ઉમેદવારના નામની અલગ મતપેટી અને ગુલાબી રંગનાં મતપત્રો અપાતાં હતાં

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ૭૦ એમ.એમ.માં આવી રહેલી ૩ડી- ‘શોલે’ જેવી ગ્રાન્ડ સ્પેક્ટેક્યુલર ફિલ્મ જેવી બની રહી છે. તેમાં એક્શન છે, ઇમોશન્સ છે, ડ્રામા છે અને એલિમેન્ટ ઓફ સરપ્રાઈઝ પણ છે. અલબત્ત, આ ફિલ્મમાં જય અને વીરુ કોણ, ગબ્બરસિંહ કોણ,બસંતી કોણ, ઠાકુર કોણ, અને સાંબા કોણ એ નક્કી કરવું મુશ્કેલ છે. આઝાદીના આટલાં વર્ષો બાદ દેશની લોકસભાની ચૂંટણી પહેલી જ વાર મહિનાઓ અગાઉથી રસપ્રદ બની ગઈ છે. ચાલો, આ એક્શન ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટના જમાનાની ભારતીય લોકતંત્રની અગાઉની ચૂંટણીઓ પર નજર નાખીએ.

૧૯૫૨માં માત્ર રૂ.૨૦૦૦માં લોકસભાની ચૂંટણી લડાતી હતી

બે હજાર રૂપિયા ફંડ

એક જમાનામાં અટલ બિહારી વાજપેયીને હરાવનાર સુભદ્રા જોશીએ આજથી ૨૦ વર્ષ પહેલાં ‘પંજાબ કેસરી’ના વરિષ્ઠ લેખક ડો. ચંદ્ર મિત્રાને જણાવ્યું હતું કે, “૧૯૫૨ની ચૂંટણીઓમાં મને અંબાલા મતવિસ્તારની ટિકિટ એકદમ આપી દેવામાં આવી હતી. મારો ત્યાં કોઈ જનાધાર નહોતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીનો જનાધાર મજબૂત હતો. મને કોંગ્રેસ કાર્યાલય પર બે હજાર રૂપિયા અને એક જૂની જીપ આપી દેવામાં આવી હતી અને આદેશ આપવામાં આવ્યો : “જાવ, ચૂંટણી લડો.” એ વખતે અંબાલા મતવિસ્તાર સીમલાથી કરનાર સુધી ફેલાયેલો હતો.

પર્વતીય વિસ્તારોમાં કે ગામડાંઓમાં કોઈ જ સડક નહોતી. ચૂંટણીયાત્રા પગે ચાલીને જ કરવી પડતી. જ્યાં સાંજ પડી જાય ત્યાં સૂઈ જવાનું. મારી સાથે ૧૦-૧૨ કાર્યકર્તાઓ જ ચાલી શકતા હતા. એક જૂનું માઈક અને એક બેટરી આપવામાં આવી હતી. એક મહિના સુધી ચાલીને હું ૯૦થી ૯૫ ગામો- શહેરો સુધી જ પહોંચી શકી હતી. ‘ગાંધી બાપુ અમર રહે અને પંડિત નહેરુ જિંદાબાદ’ના નારા જ ચાલતા હતા. મને માત્ર એક હજાર છાપેલી પત્રિકાઓ વહેંચવા આપવામાં આવી હતી, જેને પોસ્ટર પણ કહી ના શકાય. દરેક ગામમાં માંડ ૧૦ કે ૧૫ પત્રિકાઓ જ વહેંચતાં, પરંતુ જોશ અને ઉમંગ ભરપૂર હતાં. હું એ ચૂંટણી જીતી ગઈ. તે પછી બે મહિના સુધી દરેક ગામમાં ચક્કર માંડીને દિલ્હી આવી હતી.”

ગુલાબી મતપત્ર

૧૯૫૨માં દેશની લોકસભામાં કુલ ૪૦૧ બેઠકો હતી. તેમાં ૮૬ બેઠકો પર એકથી વધુ પ્રતિનિધિ ચૂંટવામાં આવતા હતા. અર્થાત્ બેઠકો ૪૦૧ હતી, પરંતુ ૮૬ બેઠકો ‘ડબલ ક્ષેત્ર’ કહેવાતી હોઈ તે બેઠક એક જ, મતદાતા એ જ, પણ પ્રતિનિધિ બે. આમ પહેલી ચૂંટણીમાં કુલ ૪૮૯ સભ્યો ચૂંટાઈને આવ્યા હતા. દિલચશ્પ વાત એ છે કે, એ વખતે વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણીની સાથે જ થતી હતી. દરેક મતદાતાને ગુલાબી રંગના બે મતપત્ર આપવામાં આવતા હતા. લોકસભાની ચૂંટણી માટેના ગુલાબી મતપત્રની નીચે લીલા રંગની અને વિધાનસભાની ચૂંટણીના ગુલાબી મતપત્ર માટે નીચે ચોકલેટી રંગની પટ્ટી રહેતી. એક વખતે દરેક ઉમેદવારના નામની તખ્તીવાળી સ્ટીલની મતપેટી રાખવામાં આવતી હતી. અત્યારે એક જ મતપેટી હોય છે. એ વખતે જેટલા ઉમેદવાર એટલી એમના નામવાળી અલગ મતપેટીઓ રહેતી. મતદાતાઓ પોતાની પસંદગીના ઉમેદવારના નામવાળી અને ચિહ્નવાળી મતપેટીમાં મતપત્ર નાખવાનું રહેતું.

ચૂંટણી ફંડ પાછું આપ્યું

એ વખતે દેશમાં ૨ લાખ ૨૪ હજાર મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં હતાં. એ ચૂંટણી પ્રક્રિયા માટે ૧૦ લાખ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. કુલ મુદ્રિત મતપત્રોની સંખ્યા ૬૨ કરોડ હતી. એ વખતે દેશમાં કુલ ૧૦ રાષ્ટ્રીય પક્ષો અને ૩૯ પ્રાદેશિક પક્ષો હતા. બીજા અપક્ષ ઉમેદવારો પણ મોટી સંખ્યામાં મેદાનમાં ઉતર્યા હતા. આખી ચૂંટણી માટે સરકારે રૂ. ૧૦.૪૫ કરોડ ખર્ચ કર્યું હતું. નોંધનીય વાત એ છે કે, કોંગ્રેસે તેના દરેક ઉમેદવારને ચૂંટણી ખર્ચ માટે રૂ. ૨૦૦૦નું ફંડ આપ્યું હતું. તેમાંથી પણ કેટલાક ઉમેદવાર એ રકમ પણ પૂરી વાપરી શક્યા નહોતા. એમાંથી ૧૧૦ ઉમેદવારોએ રૂ. ૨૦૦થી રૂ. ૧૧૦૦ જેટલું ચૂંટણી ફંડ કોંગ્રેસ પક્ષને પાછું આપ્યું હતું. એ વખતે આવા પ્રામાણિક ઉમેદવારો પણ હતા. ઇમાનદારી માટે એક સ્પર્ધા પણ હતી.

કોંગ્રેસને ૩૬૪ બેઠકો

૧૯૫૨માં દેશમાં કુલ ૧૭ કરોડ ૩૦ લાખ મતદારો હતા. દેશના પહેલા ચૂંટણી કમિશનર તરીકે સુકુમાર સેન હતા. તેમની તમામ ચૂંટણી વિષયક જાહેરાતો રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવતી હતી. તેમણે એક દસ્તાવેજી ફિલ્મ પણ બનાવરાવી હતી જે દેશભરમાં પ્રર્દિશત થઈ હતી. એ વખતે ચૂંટણી લડવાવાળા મુખ્ય પક્ષોમાં કોંગ્રેસ ઉપરાંત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, સોશિયાલિસ્ટ પાર્ટી, હિન્દુ મહાસભા, ડો. આંબેડકરની રિપબ્લિકન પાર્ટી, આચાર્ય કૃપલાણીજીની કિસાન મજદૂર પ્રજા પાર્ટી અને ડો. શ્યામાપ્રસાદ મુકરજીનું ભારતીય જનસંઘ દળ પણ સામેલ હતું. ભારતના બંધારણના પિતામહ એવા ડો. બાબાસાહેબ આંબેડકર આ ચૂંટણીમાં મુંબઈમાં એક સામાન્ય ઉમેદવાર સામે હારી ગયા હતા. એ ચૂંટણીમાં ભારતીય જનસંઘ માત્ર ખાતું જ ખોલી શક્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુ સામે સ્વામી કરપાત્રેએ ચૂંટણી લડી હતી. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીને ૧૬ અને સોશિયાલિસ્ટ પાર્ટીને ૧૨ બેઠકો મળી હતી. કોંગ્રેસ ૩૬૯ બેઠકો પર વિજયી બની હતી. ૧૯૫૨ની પહેલી ચૂંટણીમાં મતદાન ૪૪.૮૭ ટકા થયું હતું.

હવે ૭૦ લાખ…?

હવે સમય બદલાઈ ગયો છે. ૨૦૧૪ની ૧૬મી લોકસભાની ચૂંટણીમાં ૮૧ કરોડ કરતાં પણ વધુ મતદાતાઓ છે. ગત ચૂંટણી કરતાં ૧૦ કરોડ નવા મતદાતાઓ ઉમેરાયા છે. ૧૯૫૨માં ચૂંટણીખર્ચ પેટે રૂ. ૨૦૦૦ પક્ષ તરફથી અપાતા હતા. ચૂંટણીપંચે હવે તે મર્યાદા ઉમેદવાર દીઠ રૂ. ૭૦ લાખની કરી દીધી છે. બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે, કોઈપણ ઉમેદવાર ૭૦ લાખમાં લોકસભાની ચૂંટણી લડી શકે તેમ નથી. ઘણા ઉમેદવારો લોકસભાની ચૂંટણી માટે હકીકતમાં રૂ. ૧૦ કરોડથી રૂ. ૫૦ કરોડનું ખર્ચ કરતાં હોવાનું મનાઈ રહ્યું છે. અત્યારે વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો રૂ. ૩ કરોડથી પાંચ કરોડની જરૂર રહે છે. ઉમેદવારોને જે તે ગામોનાં, જે તે દેવ-દેવીઓનાં મંદિરો માટે લાખોના દાન આપવા પડે છે. કહેવાય છે કે મતદીઠ રકમ વહેંચવી પડે છે. દારૂ, ચવાણું પણ વહેંચવા પડે છે. પોસ્ટરો, રેલીઓ, રેલીઓમાં લોકોને લાવવાનું ખર્ચ જુદું. જે લાખો-કરોડોમાં આવે છે. વાહનો, પેટ્રોલ-ડિઝલ અને મોબિલિટીનું ખર્ચ પણ મોટું આવે છે. શહેરોમાં નુક્કડ નાટક, પત્રિકાઓ, બિલ્લા માસ્ક, ભજન મંડળીઓ, ગીત-સંગીતની મંડળીઓનું ખર્ચ અલગ.

છે ને ગરીબ ભારતના અમીરોની ચૂંટણી !

‘મોદી યુગ’ના ઉદય સાથે બુઝર્ગોની આંખમાં આંસુ

વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવનાર જસવંતસિંહની ટિકિટ તેમણે જ કપાવી

ભારતીય જનતા પાર્ટીમાં અટલ-અડવાણી યુગનો અસ્ત થઈ ગયો છે. મોદી યુગનો આરંભ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીના આગમનની સાથે જ એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી, લાલજી ટંડન, જસવંતસિંહ, યશવંત સિંહા અને કલરાજ મિશ્રને તેમનું સ્થાન બતાવવામાં આવી દીધું છે. જે લાલકૃષ્ણ અડવાણી ગઈકાલ સુધી પક્ષની તમામ ટિકિટો વહેંચતા હતા, તેઓ આજે તેમની મનપસંદ બેઠક પર ચૂંટણી લડી શકતા નથી. લાલજી ટંડનનો યુ.પી.માં ડંકો હતો તેઓ પોતાની બેઠક મોદી માટે ખાલી કરી નમો નમો કરવા લાગ્યા હતા. મુરલી મનોહર જોશીને પોતાની પસંદગીની બેઠક વારાણસી છોડીને અન્યત્ર ભાગવું પડયું છે. એક વખત વિદેશમંત્રી રહી ચૂકેલા જસવંતસિંહને તો ટિકિટ આપવાનો ઈનકાર કરી ‘ના’ સાંભળવાની તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય જનકતા પાર્ટીમાં હવે નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ અને વસુંધરા રાજેનો દબદબો છે. આ યુતિએ ભલભલા બુઝર્ગોની આંખમાં આંસુ લાવી દીધાં છે.

'મોદી યુગ'ના ઉદય સાથે બુઝર્ગોની આંખમાં આંસુ

ખાનદાની દુશ્મની

ભારતીય જનતા પાર્ટીમાં નવી નેતાગીરીના ઉદયે સૌથી વધુ આંચકો જસવંતસિંહને આપ્યો છે. જસવંતસિંહ રાજસ્થાનની બાડમેર બેઠક પરથી પક્ષની ટિકિટ પર ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમને ટિકિટ ના આપવાના નિર્ણયને રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેના વિજય તરીકે ગણવામાં આવે છે. આ બંને નેતાઓ વચ્ચે છેલ્લા સાત વર્ષથી એકબીજા સામે દુશ્મની છે. બંને રાજપૂત છે. એ દુશ્મની હવે ખાનદાની દુશ્મનીમાં પલટાઈ ગઈ છે. વસુંધરારાજેની રાજનીતિ પણ એકાધિકારવાદી જ છે. જેઓ તેમનું શરણું સ્વીકારતા નથી તે તમામ નેતાઓને ખૂણામાં ધકેલી દેવામાં આવે છે. જસવંતસિંહ તેનું છેલ્લું ઉદાહરણ છે. જસવંતસિંહ એક જમાનામાં ભારતીય લશ્કરમાં હતા. અટલ બિહારી વાજપેયીના મિત્ર રહ્યા છે. તેઓ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના જેસોલ ગામના વતની છે. રાજસ્થાનના મારવાડ વિસ્તારમાં તેમનો સારો એવો પ્રભાવ છે.

અસલીનકલી

જસવંતસિંહને ટિકિટનો ઇનકાર કરાયા બાદ તેમણે કહ્યું છે કે, દેશમાં હવે બે ભાજપા છે. એક અસલી ભાજપા છે અને એક નકલી ભાજપા છે. બહારથી આયાત થઈ રહેલા ઉમેદવારોએ સાચુકલા ભાજપા પણ એક પ્રકારનું દબાણ છે. હવે કાર્યકરોએ જ નક્કી કરી નાખવાનું છે કે, અસલી ભાજપા અને નકલી ભાજપાના ઉમેદવારોને ઓળખી લે. પક્ષની ટિકિટ ના મળતાં જસવંતસિંહે બાડમેરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભર્યું છે. જસવંતસિંહને ટિકિટ આપવાનો ઇનકાર કરીને ભાજપાએ કોંગ્રેસમાંથી હમણાં જ ભાજપામાં આવેલા સોનારામ ચૌધરીને ટિકિટ આપી છે. સોનારામ ચૌધરી જાટ છે. આ વિસ્તારમાં જાટ મતોની સંખ્યા પણ ઘણી મોટી છે.

વસુંધરાના ગુરુ

વિધિની વક્રતા એ છે કે, એક જમાનામાં વસુંધરા રાજેને તેમની રાજકીય કારકિર્દીમાં પોતાની મહત્ત્વાકાંક્ષા પાર પાડવા જસવંતસિંહની મદદ લેવી પડતી હતી. એ જમાનામાં રાજસ્થાનના રાજકારણમાં ભૈરોસિંહ શેખાવતનો દબદબો હતો. ભૈરોસિંહ શેખાવત ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા. તેઓ જ વસુંધરા રાજેને જસવંતસિંહની ભલામણના કારણે રાજસ્થાનની રાજનીતિમાં લાવ્યા હતા. એક વખત એવો હતો કે, જસવંતસિંહ અને ભૈરોસિંહ શેખાવત અંદરના દીવાનખંડમાં બેઠા હોય ત્યારે વસુંધરા રાજેએ તેઓ અંદર બોલાવે નહીં ત્યાં સુધી બહાર બેસી રહેવું પડતું. ૨૦૦૩ની ચૂંટણીઓ દરમિયાન વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્યમંત્રી બન્યાં હતાં. એ વખતે જસવંતસિંહ કેન્દ્રમાં નાણામંત્રી હતા અને વસુંધરા રાજેને પહેલી જ વાર મુખ્યમંત્રી બનાવવામાં મુખ્ય ફાળો જસવંતસિંહનો જ હતો. એ વખતે વસુંધરા રાજે લાગણીશીલ થઈ ગયાં હતાં અને હર્ષનાં આંસુ સાથે તેમણે જસવંતસિંહનાં ચરણ સ્પર્શ પણ કર્યાં હતાં.

દુશ્મનાવટનો આરંભ

એ ઘટનાના ચાર વર્ષ બાદ બધું પલટાઈ ગયું. બન્યું એવું કે, એક પ્રકાશકે એક પુસ્તક પ્રગટ કર્યું અને તેમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેને એ પુસ્તકમાં હિન્દુ દેવી તરીકે વર્ણવ્યાં. આ વાત જસવંતસિંહનાં પત્ની શીતલ કંવરને પસંદ ના આવતા તેમણે પુસ્તકના પ્રકાશકની સામે જૂન, ૨૦૦૭માં પોલીસ ફરિયાદ કરી દીધી. આ ઘટનાથી વસુંધરા રાજે છંછેડાયાં અને જસવંતસિંહના પરિવાર સામે તેમની દુશ્મનાવટનો આરંભ થયો. આ ઘટનાના પાંચ મહિના બાદ જસવંતસિંહે તેમના ગામ જેસોલ ખાતે ભાજપાના અસંતુષ્ટ નેતાઓની એક બેઠક બોલાવી અને તેમાં અફીણ પીરસવામાં આવ્યું. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આ ઘટનાની તપાસ માટે સીઆઈડીને ઓર્ડર કરતાં સંબંધો વણસ્યા. અલબત્ત, ૨૦૧૨માં થોડા સમય માટે બેઉએ તેમના આંતરિક મતભેદો દફનાવી દીધા, કારણ કે, ૨૦૧૩માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન બેઉએ સાથે પ્રવાસ કર્યો. એ વખતે જસવંતસિંહનો હેતુ તેમના પુત્ર માનવેન્દ્ર સિંહ માટે રાજકીય ભૂમિકા તૈયાર કરવાનો હતો. માનવેન્દ્ર સિંહ વિધાનસભાની ચૂંટણી જીતી ગયા, પરંતુ વસુંધરા રાજેએ જસવંતસિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને પ્રધાનમંડળમાંથી બાકાત રાખ્યા. આ કારણે પિતા-પુત્ર ચીડાયા.

કોણ કોને હરાવશે ?

હવે ભાજપાનું હાઈ કમાન્ડ ખુલ્લંખુલ્લા વસુંધરા રાજેની પડખે છે. વસુંધરા રાજેના સખત દબાણ હેઠળ જસવંતસિંહને બાડમેરની ટિકિટ આપવામાં આવી નથી. એ કારણે જસવંતસિંહે બાડમેરમાંથી જ અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. તેઓ જીતશે કે નહીં એ તો ખબર નથી, પરંતુ તેઓ જીતશે તો વસુંધરા રાજે સાથેનો તેમનો સ્વીટ રિવેન્જ હશે. જસવંતસિંહની હાર તેમની રાજનીતિને સમાપ્ત કરી દેશે અને તેમનો વિજય વસુંધરા રાજેના ટેબલ ટર્ન કરી શકે છે. જસવંતસિંહને એલ. કે. અડવાણીના આશીર્વાદ છે. સુષ્મા સ્વરાજની શુભેચ્છા અને શુભ લાગણી છે. મુરલી મનોહર જોશી અને લાલજી ટંડન જવાઓનો છૂપો સાથ છે, પરંતુ બાડમેરની પ્રજા તેમને સાથ આપે છે કે નહીં તે જોવા સૌને ઇન્તજાર છે.

વૃદ્ધો નિવૃત્ત થાય

૮૦ વટાવી ગયેલા બુઝર્ગોએ પણ હવે સમજી લેવાની જરૂર છે કે, મોદી-રાજનાથ- વસુંધરા યુગનો ઉદય થઈ ગયો છે. નવો પવન વહી રહ્યો છે ત્યારે વૃદ્ધો પાછલી ઉંમરમાં ઘોડે ચડવાની જેમ ચૂંટણી લડવાનો અભરખો છોડીને અને નવા રાજનીતિજ્ઞાો માટે જગ્યા કરે તે સમયની માગ છે. ૮૭ વર્ષની ઉંમરે એલ. કે. અડવાણી ચૂંટણી લડી રહ્યા છે તે વિચિત્ર નથી લાગતું ?

રાજનીતિમાં શક્તિશાળી મહિલા નેતાઓની ધાક

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
રાજકારણમાં મહિલાઓનો દબદબો છતાં દેશમાં સ્ત્રીઓ જબિચારી

તાજેતરમાં મહિલાદિન ઊજવાયો. ભારત જેવા દેશમાં વક્રતા એ છે કે, સ્ત્રીને ‘શક્તિ સ્વરૂપા’ અને ‘દેવી’ જેવા શબ્દોથી સંબોધવામાં આવે છે તે જ દેશમાં સ્ત્રીઓ પર સહુથી વધુ અત્યાચાર થાય છે. અમેરિકા જેવા દેશમાં આજ સુધી કોઈ મહિલાને પ્રેસિડેન્ટ બનાવવાથી પ્રજા દૂર રહી છે ત્યારે ભારત જેવા દેશમાં ઈન્દિંરા ગાંધી જેવાં શક્તિશાળી વડાપ્રધાન હાંસલ થયાં છે છતાં ભારતમાં સ્ત્રીઓ સહુથી વધુ બળાત્કારનો ભોગ બનતી રહી છે. દિલચશ્પ વાત એ છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ૪૯ ટકા મતદાતાઓ મહિલાઓ હશે. મહિલાઓને પ્રભાવિત કરવા રાજકીય પક્ષો રસોઈ ગેસની સબસિડી વધારવા, સાડી, દુપટ્ટો, પ્રેશર કૂકર, મિક્સર, ગ્રાઈન્ડર અને કલર ટીવી વહેંચવા વગેરે પ્રયુક્તિઓ અજમાવે છે,પરંતુ દેશના ૬૦ કરોડ મતદાતાઓ જેમાં ૩૦ કરોડ મહિલાઓ પણ છે. તે બધાં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે.

મહિલાઓની ઉપેક્ષા

જે દેશની રાજનીતિ પર મહિલાઓની ધાક છે તે જ દેશમાં મહિલાઓની દુર્દશા વધુ કેમ છે? સંસદમાં ૩૩ ટકા અનામત મહિલાઓ માટે લાવવાનું બિલ લાવવામાં આવ્યું, પરંતુ રાજકીય પક્ષોની પુરુષવાદી વિચારધારાને કારણે તે વિલંબિત જ રહ્યું છે. દેશની રાષ્ટ્રીય પાર્ટીઓ લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને ૧૦ કે ૧૫ ટકાથી વધુ ટિકિટો આપતી નથી. કેજરીવાલની આમ આદમી પાર્ટીએ શાઝિયા ઈલ્મીને દિલ્હીમાં ટિકિટ આપવા ઈન્કાર કરી દીધો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલાં નૃત્યાંગના મલ્લિકા સારાભાઈની પાર્ટીના નેતાઓ ઉપેક્ષા કરી રહી રહ્યા છે. એ આશ્ચર્યની વાત છે કે ભારતમાં પ્રતિભા પાટિલ જેવાં મહિલાએ રાષ્ટ્રપતિ પદ શોભાવ્યું છે. દેશની રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ્સ પર મહિલા એન્કર્સ સુંદર રોલ ભજવી રહી છે, પરંતુ ચૂંટણી આવે ત્યારે એ જ દેશની રાજનીતિ મહિલાઓની ભાગીદારીની ઉપેક્ષા કરી રહી છે. આ દેશે રાજનીતિમાં ધાક જમાવવાવાળી શક્તિશાળી મહિલાઓ આપી છે, તેની પર નજર કરીએ.

ઇન્દિરા ગાંધી

ઇન્દિરા ગાંધી આ દેશમાં પહેલાં મહિલા વડાપ્રધાન બન્યાં. ૧૯૬૬થી ૧૯૭૭ સુધી સતત ત્રણ વખત તેઓ વડાપ્રધાન રહ્યાં. તે પછી ૧૯૮૦થી ૧૯૮૪ સુધી ચોથી વખત પણ તેઓ વડાપ્રધાન પદે રહ્યાં. તેમણે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. રાજાઓનાં સાલિયાણાં અને વિશેષધિકારો રદ કર્યાં. પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા. તેમના શાસનમાં દેશમાં હરિયાળી ક્રાંતિ અને દૂધ ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર બન્યો. ૧૯૭૫માં તેમણે દેશમાં કટોકટી જાહેર કરી અને તેઓ ચૂંટણી હારી ગયાં, પરંતુ ત્રણ વાર તેઓ સત્તામાં પાછાં આવ્યાં.

વિજયાલક્ષ્મી પંડિત

વિજયાલક્ષ્મી પંડિત પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં બહેન હતાં. ૧૯૫૬ના વર્ષમાં વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર સંઘની આમ સભાનાં પ્રથમ ભારતીય અને મહિલા અધ્યક્ષ બન્યાં. ૧૯૬૨થી ૧૯૬૪ના વર્ષ દરમિયાન તેઓ મહારાષ્ટ્રનાં રાજ્યપાલ પણ રહ્યાં. ૧૯૬૪થી ૧૯૬૮ સુધી તેઓ ઉત્તર પ્રદેશના ફુલપુર મતવિસ્તારમાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયાં હતા.

સરોજિની નાયડુ

સરોજિની નાયડુને ઘણાં ભારતનાં ‘બુલબુલ’ પણ કહેતાં. તેઓ ગાંધીજી સરદારનાં સાથી અને સ્વાતંત્ર્ય સેનાની હતાં. આઝાદી પહેલાં તેઓ સંયુક્ત પ્રાંતનાં રાજ્યપાલ બન્યાં. આઝાદી પછી તેઓ એ જ રાજ્યનાં ગવર્નર બન્યાં એટલે કે સ્વતંત્ર ભારતનાં તેઓ પહેલા મહિલા રાજ્યપાલ બન્યાં. આઝાદી પહેલાં તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ પણ રહ્યાં. આઝાદીની લડત દરમિયાન તેઓ અનેક વાર જેલમાં ગયાં.

સુચેતા કૃપાલાણી

સુચેતા કૃપાલાણી ભારતના સ્વાતંત્ર્ય પૂર્વ સેનાની આચાર્ય કૃપાલાનીનાં પત્ની હતાં. સુચેતા કૃપાલાની ૧૯૬૭માં ઉત્તર પ્રદેશનાં પહેલા મુખ્યમંત્રી બન્યાં. તેઓ ભારતના બંધારણના ઘડવૈયાઓની બનેલી સમિતિનાં સભ્ય પણ હતાં. એ સિવાય કેટલીયે સમિતિઓ અને ઉપસમિતિઓનાં સભ્ય પણ રહ્યાં. તેમના પતિ આઝાદી પછી કોંગ્રેસના સખત ટીકાકાર હતાં, પરંતુ સુચેતા કૃપાલાની કોંગ્રેસમાં જ અનેક પદ શોભાવતાં રહ્યાં.

સોનિયા ગાંધી

ઈ.સ. ૧૯૯૮થી સોનિયા ગાંધી આજ સુધી સતત કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ છે. ઈટાલીમાં જન્મેલાં સોનિયા ગાંધી યુપીએ ગઠબંધનનાં પણ અધ્યક્ષ છે. શરૂઆતમાં તેઓ રાજનીતિમાં આવવા માગતાં નહોતાં, પરંતુ શ્રીપેરુમ્બુદુર ખાતે બોમ્બ વિસ્ફોટમાં પતિની હત્યા બાદ કેટલાંક વર્ષોના વિશ્રામ બાદ તેમણે કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું. આખો પક્ષ તેમને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતો હતો, પરંતુ તેમણે વડાપ્રધાન પદ ઠુકરાવી વિપક્ષને પણ આંચકો આપ્યો. યુપીએ સરકારના શાસન દરમિયાન માહિતીનો અધિકાર અને મનરેગા લાવવામાં તેમની મોટી ભૂમિકા રહી.

સુષમા સ્વરાજ

ભાજપનાં નેતા સુષમા સ્વરાજ લોકસભામાં વિપક્ષનાં નેતા છે. તેઓ છ વખત સંસદ અને ત્રણ વખત વિધાનસભામાં ચૂંટાયાં છે. સુષમા સ્વરાજ ૧૯૯૮માં દિલ્હીનાં પહેલા મુખ્યમંત્રી બન્યાં. એમનો કાર્યકાળ માત્ર બે મહિના જ રહ્યો. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં પણ મંત્રી રહ્યા. વ્યવસાયથી ધારાશાસ્ત્રી રહેલાં સુષમા સ્વરાજે ૧૯૭૭માં હરિયાણાથી જાહેરજીવનની કારકિર્દી શરૂ કરી હતી. લોકસભામાં વિપક્ષનાં નેતા તરીકે તેમણે અસરકારક ભૂમિકા નિભાવી અને છતાં ભાષાનો વિવેક કદી ચૂક્યાં નથી.

માયાવતી

દલિતોનાં નેતા તરીકે ઉભરી આવેલાં માયાવતી બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ છે. તેઓ ઉત્તર પ્રદેશમાં ચાર વખત મુખ્યમંત્રી પદે રહી ચૂક્યાં છે. હાલ મુખ્યમંત્રી ન હોવા છતાં આખાયે ઉત્તર પ્રદેશમાં તેમનો પ્રભાવ છે. ઉત્તર પ્રદેશમાં તેમણે દલિત- બ્રાહ્મણોનું સમીકરણ આપ્યું છે. ઈ.સ. ૧૯૭૭માં બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક કાંશીરામ માયાવતીને રાજનીતિમાં લાવ્યા હતા.

મમતા બેનરજી

મમતા બેનરજી પશ્ચિમ બંગાળનાં પહેલા મહિલા મુખ્યમંત્રી છે. તેમણે પશ્ચિમ બંગાળમાંથી ડાબેરીઓનાં ૩૪ વર્ષના શાસનને ખતમ કરી દીધું. તેઓ દેશનાં પહેલા રેલમંત્રી પણ રહ્યાં. તેમણે રાજનીતિની શરૂઆત કોંગ્રેસમાં જોડાઈને કરી હતી, પરંતુ ત્યારબાદ કોંગ્રેસથી અલગ થઈ તૃણમૂલ કોંગ્રેસની રચના કરી હતી. તેઓ પશ્ચિમ બંગાળમાં ‘દીદી’ના નામે ઓળખાય છે.

જયલલિતા

જયલલિતા તામિલનાડુનાં મુખ્યમંત્રી અને એઆઈએડીએમકેનાં પ્રમુખ છે. કરુણાનિધિની ડીએમકે પાર્ટીને પરાસ્ત કરીને તેઓ સત્તા પર આવ્યાં હતાં. તામિલનાડુના ભૂતપૂર્વ લિજેન્ડરી અભિનેતા એમ.જી. રામચંદ્રન તેમને રાજનીતિમાં લાવ્યા હતા. જયલલિતા ખુદ એક અભિનેત્રી હતાં. તાિમલનાડુમાં તેમની જબરદસ્ત લોકપ્રિયતાને કારણે કેટલાંક લોકોએ તેમનાં મંદિરો પણ બનાવ્યાં છે. તેઓ તમિળ ઉપરાંત સુંદર હિન્દી અને અંગ્રેજી પણ બોલી શકે છે. સીબીઆઈના દરોડા દરમિયાન ૧૦ હજાર સાડીઓ જોઈને અધિકારીઓ પર સ્તબ્ધ થઈ ગયા હતા. જયલલિતા દેશનાં વડાપ્રધાન બનવાની ખુલ્લી ખ્વાહીશ ધરાવે છે. તામિલનાડુમાં તેઓ ‘અમ્મા’ ના નામે જાણીતાં છે.

અન્ય મહિલાઓ

આ સિવાય ભારતે જે શક્તિશાળી મહિલા નેતાઓ આપ્યાં છે, તેમાં લોકસભામાં સ્પીકર મીરાં કુમાર, દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અને હવે કેરળનાં રાજ્યપાલ શીલા દીક્ષિત પણ છે. મેનકા ગાંધી અને એવાં બીજાં અનેક નામો આ યાદીમાં ઉમેરી શકાય. ગુજરાતનાં રાજ્યપાલ તરીકે પણ ડો. શ્રીમતી કમલા પણ રાજસ્થાનમાં શક્તિશાળી મહિલા રાજકીય નેતા રહી ચૂક્યાં છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકે પણ વસુંધરા રાજે એક તાકાતવર મહિલા નેતા છે. તેમનાં માતા વિજયારાજે સિંધિયા પણ ભાજપનાં કદાવર નેતા હતાં. એ સિવાય ડાબેરી નેતા વૃંદા કરાત, પૂરણદેશ્વરી, સુપ્રિયા સૂલે, પ્રભા તાવડિયા પણ સંસદમાં તેમનો રોલ ભજવે છે. આટલાં બધાં શક્તિશાળી મહિલા નેતાઓના દેશમાં ‘મહિલા’ જ અસુરક્ષિત કેમ?

www.devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén