Devendra Patel

Journalist and Author

Month: July 2013 (Page 1 of 2)

વિઝન ડોક્યુમેન્ટ અંગ્રેજીમાં તો અંગ્રેજીનો વિરોધ કેમ ?

રાજનાથસિંહને અચાનક હિન્દી અને સંસ્કૃત ભાષા પર પ્રેમ કેમ ઊભરાયો ?

ચૂંટણી જીતવા માટે નેતાઓ કાંઈ પણ બોલવા તૈયાર છે. રાજકારણીઓ જ્યાં જાય તેવો વેશ ભજવે છે. મહારાષ્ટ્રમાં જાવ તો છત્રપતિ શિવાજીનાં વખાણ કરવાં પડે. બિહારમાં જાવ તો જયપ્રકાશ નારાયણની પ્રશંસા કરવી પડે. પશ્ચિમ બંગાળમાં જાવ તો રવીન્દ્રનાથ ટાગોરને યાદ કરવા પડે. તમિળનાડુમાં જાવ અન્ના દુરાઈને અંજલિ આપવી પડે. ગુજરાતમાં આવો ત્યારે ગાંધીજી અને સરદાર સાહેબનાં વખાણ કરવા પડે. પાકિસ્તાન જાવ તો મોહંમદ અલી ઝીણાની પ્રશંસા કરવી પડે. અડવાણી આ કામ કરી ચૂક્યા છે.

	 વિઝન ડોક્યુમેન્ટ અંગ્રેજીમાં તો અંગ્રેજીનો વિરોધ કેમ ?

નેતાશ્રીનો હિન્દીપ્રેમ

આ બધું જ રાજકારણીઓના પાપી પેટ એવા બેલેટ બોક્સ માટે જ. હવે એ જ કામ ભજવતા રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમાન રાજનાથસિંહ કરી રહ્યા છે. ભાજપાની આંતરિક ભાંજગડના કારણે વચલા રસ્તા તરીકે જ સંઘની મહેરબાનીથી ભાજપાના પ્રમુખ બનેલા રાજનાથસિંહે તાજેતરમાં બે મુદ્દા ઊભા કર્યા. એક તો તેમણે એમ કહ્યું કે, હિન્દીની ઉપેક્ષા થઈ રહી છે અને બીજું એમ કહ્યું કે,અંગ્રેજી ભાષાએ આ દેશની સંસ્કૃતિને ભારે નુકસાન કર્યું છે. એથીયે આગળ વધીને તેમણે કહ્યું કે, “આ દેશમાં સંસ્કૃત બોલનારા હવે માત્ર ૧૪ હજાર લોકો જ રહ્યા છે.” રાજનાથસિંહનો આ બફાટ ખુદ ભાજપાના જ નેતાઓને ગમ્યો નથી. સૌથી પહેલાં તો એક વાત સમજી લઈએ કે શ્રીમાન રાજનાથસિંહ આમ કેમ બોલ્યા. રાજનાથસિંહ એમ માને છે કે, ભાજપની છબી એક કટ્ટરપંથી પાર્ટી તરીકે ઊપસી રહી છે ત્યારે હિન્દી જ એક એવો મુદ્દો છે કે, જેની પર ઉત્તર ભારતના બધા જ વર્ગો અને સમુદાયને એક પ્લેટફોર્મ પર લાવી શકાય. એ જ રીતે ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાખંડ જેવાં હિન્દી ભાષી રાજ્યોના મતદારોને હિન્દી ભાષાની લોલીપોપ આપી ખુશ કરી શકાય. પરંતુ ભાજપાના વિચારશીલ નેતાઓને ચિંતા એ વાતની છે કે, કર્ણાટક, કેરળ, આંધ્ર, તમિળનાડુ અને ઓરિસ્સા જેવાં દક્ષિણ ભારતીય રાજ્યોમાં હિન્દીનો જબરદસ્ત વિરોધ થઈ શકે છે. ભૂતકાળમાં હિન્દી ભાષાના વિરોધમાં ચેન્નાઈમાં લોકો અગ્નિસ્નાન કરી ચૂક્યા છે. વળી જે રાજ્યોમાં હિન્દીનો વિરોધ છે તે રાજ્યોમાં ભાજપાની હાજરી નામમાત્રની જ છે. એકમાત્ર તમિળનાડુમાંથી ૩૯ અને આંધ્રમાંથી ૪૨ સાંસદો લોકસભામાં આવે છે. ત્યાં રાજનાથના હિન્દી-ગાનની શું અસર થશે એ તો ભગવાન જાણે.

અંગ્રેજીનો વિરોધ

હવે અંગ્રેજીના વિરોધની વાત. એક તરફ ભાજપા અને ખાસ કરીને ભાજપાના ૨૦૧૪ની ચૂંટણીના વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ્યારે ઇન્ટરનેટ પર ફેસબુક, માય સ્પેસ, ટ્વીટર જેવા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે ત્યારે રાજનાથસિંહનું અંગ્રેજી ભાષા વિરોધી ગાન અને વલણ કેટલું તર્કસંગત છે તે તેમણે જ નક્કી કરી લેવું જોઈએ. રાજનાથસિંહને એટલી તો ખબર હશે કે આખા વિશ્વને અને મોદીના લાખો ફેન્સને જોડતું ઈન્ટરનેટ અંગ્રેજી ભાષામાં જ ચાલે છે. તેમના પક્ષે ૨૦૧૪ની ચૂંટણી માટે આપેલો શબ્દ ‘વિઝન ડોક્યુમેન્ટ’ પણ અંગ્રેજી ભાષાનો જ શબ્દ છે. તેમના પુરોગામી પ્રમોદ મહાજને ભાજપા માટે આપેલા શબ્દો ‘ઈન્ડિયા શાઈનિંગ’ અને ‘ફીલ ગુડ’ પણ અંગ્રેજી ભાષાના જ શબ્દો છે. રાજનાથસિંહ જો મોબાઈલ વાપરતા હોય તો તેમના હેન્ડસેટનું કી-પેડ પણ અંગ્રેજીમાં જ છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી દર બે વર્ષે રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે જે અધિવેશન બોલાવે છે તેનું નામ પણ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ છે. આ દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સ પણ અંગ્રેજીમાં જ ચાલે છે. રાજનાથસિંહને અંગ્રેજી સંસ્કૃતિ સામે વાંધો હોઈ શકે છે, પણ ભાષાની પાછળ કેમ પડી ગયા છે તે સમજ પડતી નથી. અંગ્રેજી એ જ્ઞાનની ભાષા છે. આખી દુનિયાનો રાજકીય અને આર્િથક વ્યવહાર અંગ્રેજીમાં ચાલે છે. વિશ્વનાં તમામ પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંસ્કૃતિનું જ્ઞાન આપણને અંગ્રેજી ભાષાના માધ્યમથી મળે છે. રાજનાથસિંહ હમણાં જે વિમાનમાં બેસી અમેરિકા જઈ આવ્યા તે વિમાનનો પાઈલોટ અંગ્રેજીમાં બોલવાનું બંધ કરીને વિમાનમાંથી ન્યૂયોર્કના કંટ્રોલ ટાવરને હિન્દી ભાષામાં પોતાનું લોકેશન આપે તો શું થાય ?

ઘડિયાળના કાંટા અવળા

ખરી વાત એ છે કે, રાજનાથસિંહની વાત ઘડિયાળના કાંટા અવળા ફેરવવા જેવી છે. રાજનાથસિંહની વાત કદાચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના થોડાક રૂઢિચુસ્ત નેતાઓને ગમી હશે, પણ નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા દ્વારા દેશના ૧૮થી ૩૫ વર્ષની વયના જે યુવાનોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે તેઓ રાજનાથસિંહના આ અંગ્રેજી વિરોધી ‘ગાન’ની શું પ્રતિક્રિયા આપે છે તેમણે જ સોશિયલ મીડિયા દ્વારા જાણી લેવું જોઈએ. રાજનાથસિંહ જેવા નેતાઓએ એ વાત સમજી લેવાની જરૂર છે કે, બર્મુડાના જમાનામાં ખાખી ચડ્ડી અને ક્રિકેટ-બેડમિન્ટન કે ટેનિસના જમાનામાં લાઠીદાવ હવે આઉટ ઓફ ડેટ છે.

અસલી સમસ્યા

રાજનાથસિંહે જે એક દુઃખ વ્યક્ત કર્યું તે સંસ્કૃત અંગેનું છે. એ વાત સાચી કે સંસ્કૃત ભાષા એ ભારતની જ દેન છે. સંસ્કૃત ભાષામાં ભારતનું શ્રેષ્ઠ સાહિત્ય સચવાયેલું છે. એ ભાષા ભારતનો અમૂલ્ય વારસો છે, પણ હકીકત એ પણ છે કે, સંસ્કૃત પહેલેથી જ દેવોની ભાષા રહી છે. સંસ્કૃત પહેલેથી જ સાહિત્ય માટેની ભાષા રહી છે. ભગવાન શ્રીરામના જમાનામાં પણ સંસ્કૃતમાં વાતચીત કરાતી હોવાના કોઈ પ્રમાણ અયોધ્યામાં નથી. ભગવાન શ્રીકૃષ્ણના કાળમાં પણ મથુરાના લોકો સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા નહોતા. સરયુના તટે અયોધ્યાના લોકો અને યમુનાના તટે મથુરાના લોકો સ્થાનિક ભાષામાં જ વાત કરતા હતા- જે આજે પણ બોલાય છે. પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણાવતા નેતાઓ લોકોને બેવકૂફ બનાવવા ગમે તે બકવાસ કરતા રહે છે. આજે આ દેશમાં અસલી સમસ્યા ભાષા નહીં, પરંતુ મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચાર છે. આ દેશની અસલી સમસ્યા ગરીબી અને ભૂખમરો છે. આ દેશની અસલી સમસ્યા કુપોષણ અને મોંઘીદાટ તબીબી સેવાઓ છે. આ દેશની અસલી સમસ્યા ભારતની આંતરિક અને બાહ્ય સલામતી સામે ઊભા થયેલા ખતરાની છે. આ દેશની અસલી સમસ્યા કાયદો અને વ્યવસ્થાની ખાડે ગયેલી પરિસ્થિતિની છે. આ દેશની અસલી સમસ્યા વસતી વિસ્ફોટ અને વધી રહેલા ગરીબોની છે. આ દેશની અસલી સમસ્યા રાજકારણીઓ દ્વારા લોકોમાં વકરાવવામાં આવતાં જ્ઞાતિવાદ અને કોમવાદની છે.

મિનરલ વોટરની બોટલ ગટગટાવનારાઓએ ભારતીય સંસ્કૃતિના નામે લોકોને ગૌમૂત્ર પીવાની સલાહ આપવી ના જોઈએ. પહેલાં તમારા ઘરમાં ગૌમૂત્ર પીવડાવો પછી બીજાને સલાહ આપો. પહેલાં તમારા પુત્રના હાથમાંથી અંગ્રેજી ભાષાની ચોપડી છીનવી લઈ તેને માત્ર સંસ્કૃત જ ભણાવો પછી બીજાને સલાહ આપો. આ તો ગાંડી સાસરે જાય નહીં ને ડાહીને સલાહ આપે તેવી વાત છે.

 

પોતાના જ કુટુંબના લોહિયાળ સંઘર્ષની કથા કોણ લખી શકે?

ભગવાન વેદવ્યાસને મહાભારતના યુદ્ધના દોઢસો વર્ષ અગાઉ યુદ્ધની ઝાંખી થઈ હતી

હજારો વર્ષ પૂર્વે રાજા શાંતનુના મૃત્યુ પછી ચિત્રાંગદ હસ્તિનાપુરની ગાદી પર બેઠો. તેના પછી વિચિત્રવીર્ર્ય રાજા થયો. વિચિત્રવીર્ર્ય રાજાને બે રાણીઓ હતી. એકનું નામ અંબિકા અને બીજીનું અંબાલિકા. વિચિત્રવીર્ર્ય રાજાને કોઈ સંતાન નહોતું અને નિઃસંતાન હાલતમાં તેઓ મૃત્યુ પામ્યા. રાજા વગરના રાજ કોણ ચલાવે?મહર્ષિઓ આવ્યા અને તેમણે રસ્તો કાઢયો કે વેદવ્યાસને બોલાવો. વેદવ્યાસ આવ્યા. બધા મહર્ષિઓએ કહ્યું:”વ્યાસજી ! આ રાજ્યને રાજા આપો. આ રાણીઓને પ્રજા આપો.”

પોતાના જ કુટુંબના લોહિયાળ સંઘર્ષની કથા કોણ લખી શકે?

વ્યાસે કહ્યું: ”હું આ બધાથી પર છું. હું આ બધામાં પડવા માંગતો નથી!”

મહર્ષિઓએ રસ્તો બતાવ્યોઃ ”તમે માનો છો એવું નથી. તમે ભગવાન છો. વેદવ્યાસ છો. દૃષ્ટિ માત્રથી તમે સંતાન આપી શકો છો.”

ભગવાન વ્યાસ સંમત થયા. તેમનાં માતા સત્યવતીની હાજરીમાં સહુથી પહેલાં રાણી અંબિકાને બોલાવવામાં આવ્યા. સહુથી પ્રથમ આવેલાં રાણી અંબિકા લજ્જાના કારણે બંને આંખો પર હાથ ઢાંકીને આવ્યાં. વેદવ્યાસે તેમની તરફ દૃષ્ટિ કરી સંતાન બક્ષ્યું અને આશીર્વાદ આપતાં કહ્યું: ”આ સ્ત્રી આંખો બંધ કરીને આવી હોવાથી તેને પુત્ર થશે પણ તે આંધળો હશે.” વેદવ્યાસની દૃષ્ટિથી રાણી અંબિકાને જે પુત્ર થયો તે ધૃતરાષ્ટ્ર.

તે પછી બીજાં રાણી અંબાલિકાને બોલાવવામાં આવ્યા. તેઓ શરીર પર ચંદનનો લેપ કરીને આવ્યા હતાં. ભયભીત હતાં. વેદવ્યાસે તેમની પર દૃષ્ટિ કરી સંતાન બક્ષ્યું. ભયના કારણે અંબાલિકાનો ચહેરો પીળો પડી ગયો. વેદવ્યાસે કહ્યું આ રાણીનો પુત્ર થશે પણ તે હંમેશા બીમાર રહેશે. અંબાલિકાને જે પુત્ર જન્મ્યો તેનું નામ પાંડું.

તે પછી દાસીને બોલાવવામાં આવી. દાસી ભગવાનનું નામ લેતી લેતી આવી હતી. તે શાંત અને સ્વસ્થ હતી. વ્યાસે તેની પર દૃષ્ટિ કરી તેને પણ સંતાન બક્ષ્યું. દાસીને જે પુત્ર થયો તે વિદુર. દૃષ્ટિમાત્રથી સંતતિ બક્ષી વેદવ્યાસ ચાલ્યા ગયા. વેદવ્યાસની દૃષ્ટિથી જન્મેલા ધૃતરાષ્ટ્રના પુત્રો તે કૌરવો અને પાંડુના પુત્રો તે પાંડવો. કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો એકબીજાની સામે આવીને ઊભા હતા ત્યારે પોતાના જ પૌત્રોને સમજાવવા વેદવ્યાસ પોતે ગયા પણ દુર્યોધન માન્યો નહીં. ભગવાન શ્રીકૃષ્ણ પણ અગાઉ વિષ્ટિકાર બનીને ગયા હતા પરંતુ તેમને પણ નિષ્ફળતા મળી હતી. છેવટે યુદ્ધની નોબત આવી ગઈ અને કુરુક્ષેત્રમાં પોતાના જ ભાઈ-ભાંડુઓને જોઈ અર્જુને ગાંડીવ નીચે મૂકી દીધું અને વિષાદમાં આવી ગયો. એ સમયે ભગવાન શ્રીકૃષ્ણે તેને જે જ્ઞાાન બક્ષ્યું તે જ શ્રીમદ્ ભગવદગીતા.મહાભારતની રચના વેદવ્યાસે કરી પરંતુ તેમાં તેમનાથી જ પેદા થયેલી પ્રજાની કથા હતી, જે દાદાજીએ લખી.

‘મહાભારત’ના વિષય વસ્તુની કલ્પના કરી લીધા બાદ વેદવ્યાસે બ્રહ્માજીનું ધ્યાન ધર્યું. બ્રહ્માજી પ્રગટ થયા. વેદવ્યાસે કહ્યું: ”હે પ્રભુ! મેં ઉત્તમ કૃતિની કલ્પના કરી છે, પણ હું બોલું તે પ્રમાણે લખી આપે તેવું કોઈ મળતું નથી. શું કરવું?”

બ્રહ્માજીએ કહ્યું: ”હે મુનિ! તમારા લહિયા થવા ગણેશજીને પ્રાર્થના કરો!”

વેદવ્યાસે ગણેશજીનું ધ્યાન ધર્યું. ગણેશજી પ્રગટ થયા. વેદવ્યાસે તેમને વિનંતી કરીઃ ”હે ગણેશજી! મેં મહાભારતની કથા મનમાં રચી છે. હું બોલીશ અને આપ તે લખી આપવાની કૃપા કરો.” ગણેશજી સંમત થયા પણ તેમણે શરત મૂકીઃ ”તમે લખાવશો તેમ લખીશ પણ હું લખતો હોઉં ત્યારે કલમ અટકવી જોઈએ નહીં. તમારે સતત લખાવવું પડશે.”

વ્યાસજી સંમત થયા પરંતુ તેમણે પણ સાવધાનીપૂર્વક શરત મૂકીઃ ”એમ જ થશે પણ હું જે લખાવું તે સમજ્યા પછી એટલે કે તેનો અર્થ ગ્રહણ કર્યા પછી જ તમારે લખવું.”

ગણપતિએ સ્મિત કર્યું અને સંમત થયા. તે પછી વ્યાસજીએ મહાભારતની કથા શ્લોકબદ્ધ કરીને લખાવવા માંડી. વચ્ચે વચ્ચે અઘરા શ્લોક લખાવતા રહ્યા. તે સમજવામાં ગણેશજીને થોડો સમય લાગતો અને તેનો લાભ લઈ વ્યાસજી આગળનો શ્લોક રચી લેતા. આ રીતે મહાભારત લખાઈ ગયું.

મહાભારત વિશે કહેવામાં આવ્યું છે કે સાડાત્રણ શ્યામ વર્ણનના માણસોનું કૃત્ય એ જ મહાભારત. કૃષ્ણ દ્વૈપાયન મહર્ષિ વેદવ્યાસ શ્યામ હતા. અર્જુન પણ કૃષ્ણ જ કહેવાતા તે પણ શ્યામ. કૃષ્ણ તો શ્યામ હતા જ અને દ્વૌપદી પણ કૃષ્ણા જ કહેવાતાં. ત્રણ પુરુષો એટલે આખા અને દ્વૌપદી સ્ત્રી હોવાથી અડધાં એમ સાડા ત્રણ શ્યામ માનવીઓનું કૃત્ય તે મહાભારત બન્યું. વિશ્વના ફલક પર બે મહાકાવ્યો જાણીતાં છે : એક મહાભારત અને બીજું ઈલિયડ. બંને મહાકાવ્યોમાં યુદ્ધની કથા છે અને યુદ્ધના કેન્દ્રમાં સ્ત્રી છે. એકમાં દ્રૌપદી અને બીજામાં હેલન. દ્રૌપદીના મહેલમાં દુર્યોધન પ્રવેશ્યા અને મહેલની સંગેમરમરની ફર્શથી અભિભૂત થયેલા દુર્યોધનને લાગ્યું કે તેમના પગ નીચે પાણી કેમ છે? ત્યારે દ્રૌપદીએ દુર્યોધન પર વ્યંગ કર્યોઃ ”આંધળાના છોકરાં પણ આંધળાં જ હોય.”

દ્રૌપદીનાં આ વચનોથી દુર્યોધનને ખોટું લાગ્યું અને પોતાના અપમાન અને ઉપહાસનો બદલો લેવા એ દિવસે જ એણે મનોમન નિશ્ચય કરી લીધો હતો. એનું પરિણામ જ મહાભારત. મહાભારતની ખૂબી એ છે કે અઢારનો આંકડો વેદવ્યાસને બહુ જ પ્રિય છે. કુરુક્ષેત્રમાં અઢાર ઔક્ષોહિણી સેના, મહાભારતનાં પર્વો પણ અઢાર. ભગવદ્ગીતાના અધ્યાય પણ અઢાર. મહાભારતમાં નવ પર્વ છે. તેની બરાબર વચ્ચે તેમણે ભગવદ્ગીતા પર્વ મૂકી દીધું છે.

મહાભારતની રચના કરનાર વેદવ્યાસ માટે એવું કહેવાય છે કે વેદવ્યાસ તપોબળથી યોગ વિદ્યાના જાણકાર હતા. તેઓ ભૂત અને ભવિષ્યને પણ જાણતા હતા. મહર્ષિ વેદવ્યાસ મહાભારતની ઘટનાને દોઢસો વર્ષ અગાઉથી જાણતા હતા. તેમને દોઢસો વર્ષ અગાઉથી મહાભારતના યુદ્ધની ઝાંખી થઈ હતી. મહાભારતના યુદ્ધ વખતે વેદવ્યાસ હાજર હતા. એ સમયે યોગીઓ અને તપસ્વીઓ ૪૦૦થી ૫૦૦ વર્ષનું આયુષ્ય ભોગવતા. મહાભારતનું લોહિયાળ યુદ્ધ પૂરું થયા બાદ પાંડવો વેદવ્યાસને લઈ ધૃતરાષ્ટ્રને મળવા ગયા હતા. ખુદ યુધિષ્ઠિરે પણ વેદવ્યાસ સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું: ”મારું મન દુઃખી છે. મારું મન માનતું નથી. મારા કારણે આટલા બધા લોકોનો સંહાર થયો?”

 વેદવ્યાસે કહ્યું: ”મહારાજ! અહીં કોઈ મર્યું જ નથી. બધા અહીંના અહીં જ છે. તમને એ દેખાતા નથી તેથી તમે કહો છો કે, તેઓ મૃત્યુ પામ્યા છે. એ તો આપણા આંગણે જ છે.”

એ વખતે ગાંધારીએ પણ વેદવ્યાસને વિનંતી કરી હતી કે મૃત્યુ પામેલા સર્વ કૌરવો અને પાંડવકુળના કુટુંબીજનોને જીવિત કરો. હવે કોઈ વેરઝેર રહ્યાં નથી. સર્વેને જીવિત કરી તેમનું મિલન કરાવો જેથી સર્વેને શાંતિ થાય.” ગાંધારીની આ વિનંતીથી વેદવ્યાસને કરુણા ઉપજી અને બધાંને ગંગા કિનારે લઈ ગયાં. વેદવ્યાસે મૃત્યુ પામેલા કૌરવો અને પાંડવ- પરિવારનાં સભ્યોને પોતાની અલૌકિક શક્તિથી જીવિત કર્યા અને એ સહુ એક રાત ગંગાના કિનારે સાથે રહ્યાં. એ રીતે બધાંનાં મન અને હૃદયને ખૂબ જ શાંતિ અને સુખ મળ્યાં.

મહાભારતમાં અર્જુનનો વિષાદ દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણે ગીતા બોધ આપ્યો હતો. વળી પાછળથી ફરી એક વાર અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને ગીતાબોધ કરવા કહ્યું હતું. તેના જવાબમાં શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે, ”તારો મોહભંગ કરવા માટે આપેલો ગીતાબોધ હવે હું ભૂલી ગયો છું.”

પરંતુ વેદવ્યાસે પોતાના તપ અને યોગબળથી ભગવાન શ્રીકૃષ્ણે આપેલા ગીતાબોધનું પવિત્ર જ્ઞાાન યોગબળના પ્રતાપે જ પાછું મેળવ્યું હતું અને ગીતારૂપે રજૂ કર્યું હતું. આવું અદ્ભુત ‘મહાભારત’ આમ તો વેદવ્યાસે રચ્યું પણ તે નારદે દેવોને સંભળાવ્યું . દેવોએ પિતૃઓને તથા શુકદેવજીને સંભળાવ્યું. શુકદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવ્યું.   આ પૃથ્વી પર વેદવ્યાસ જેવા કોઈ લેખક થયા નથી અને થશે નહીં. મહાભારતમાં સેંકડો પાત્રો આવે છે અને દરેક પાત્રની સ્વતંત્ર કથા છે. અનેક પાત્રો પર આધારિત આવા મહાનગ્રંથની રચના કોઈ અલૌકિક શક્તિ ધરાવતી દૈવી પ્રતિભા જ કરી શકે. એ પ્રતિભા તે ભગવાન વેદવ્યાસ જ હતા. ભગવાન વેદવ્યાસ એ કૌરવો અને પાંડવોના દાદા હતા છતાં એમણે પોતાના જ કુટુંબના ઝઘડાની કથા લખી. જગતને સ્વાર્થ, માન-અપમાન, કૂટનીતિ અને છેવટે ધર્મના વિજયનું જ્ઞાાન આપ્યું. એ કરતાં યે તેમણે ભગવાન શ્રીકૃષ્ણના મુખે કહેવાયેલા દિવ્ય ગ્રંથ- શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવો શ્રેષ્ઠ જ્ઞાાનબોધ વિશ્વને આપ્યો.

ચક્રવર્તી રાજગોપાલાચારીએ લખ્યું છે કે, ”મહાભારત પર માત્ર ભારતનો જ નહીં, પણ સમગ્ર વિશ્વનો અધિકાર છે. આ મહાકાવ્ય આધ્યાત્મિક અને દૈવીશક્તિનો ચિરંજીવ સ્ત્રોત છે. માતાના ખોળે બેસીને પ્રેમ અને ભક્તિથી મેળવેલા એના પરિચયે મહાત્માઓ અને વીરોને પ્રેરણા આપી છે જ્યારે સામાન્ય માનવીને કષ્ટ, ધીરજ અને શ્રદ્ધાથી સહન કરવાનું બળ આપ્યું છે. ભારત જેવા વિરાટ દેશની પ્રજાના વ્યક્તિત્વ અને સંસ્કાર ઘડવામાં ‘મહાભારતે’ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. મહાભારતના પાત્રોમાં જીવનનો ધબકાર સંભળાય છે. વિશાળ પાયા પર થયેલું આવું તાદૃશ્ય આ લેખન અન્યત્ર મળવું મુશ્કેલ છે. વીર યોદ્ધા અને રાજનીતિજ્ઞા ભીષ્મ પિતામહ, વિદ્યા ગુરુ દ્રોણ, સ્વાભિમાની છતાં દાનવીર કર્ણ, શુરવીર છતાં પ્રપંચી દુર્યોધન, પરાક્રમી પાંડવો, ત્યાગ અને કરુણાની મૂર્તિ છતાં અભાગી દ્રૌપદી, વીરપુત્રોની માતા કુંતી, દુષ્ટ પુત્રોની દુઃખી માતા અને અંધ ધૃતરાષ્ટ્રની પતિવ્રતા પત્ની ગાંધારી- આ બધા ‘મહાભારત’નાં અમર પાત્રો છે. આ બધાં જ શક્તિશાળી પાત્રો હોવા છતાં સમગ્ર મહાકાવ્ય પર સર્વત્ર પ્રભાવ પાડતા યોગેશ્વર તો છેવટે પૂર્ણ પુરુષ શ્રીકૃષ્ણ જ છે. માનવદેહમાં રહેલા એ પરમાત્મા સહુને સહુને મુગ્ધ કરી પૂજ્યભાવ જન્માવે છે, ‘મહાભારત’ની બધી જ ઘટનાઓની વચ્ચે વચ્ચે ધર્મબોધ નિરંતર વહેતો જ રહે છે. વેરથી વેર જન્મે છે. હિંસાથી હિંસા જન્મે છે. વાસના, કામ, ક્રોધ અને લોભ પર કાબૂ મેળવવો એ જ સાચો વિજય છે. જ્યાં નીતિ છે, જ્યાં સત્ય છે ત્યાં જ વિજય છે- એ જ મહાભારતનો સંદેશ છે.”

કહેવાય છે કે ભારતમાં તમે સઘળે ફરી આવો પણ ‘રામાયણ’ અને ‘મહાભારત’ ને વાંચ્યા અને સમજ્યા વિના ભારત અને તેના જીવનને સમજી શકશો નહીં.

ભારતીય પુરાણો અનુસાર પૃથ્વી પર જે સાત પ્રતિભાઓ આજે પણ હયાત છે તેમાંના એક ભગવાન વેદવ્યાસ પણ છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

૨૦૧૪ની ચૂંટણીઓ માટે સજ્જ થઇ રહેલા : વોર રૂમ્સ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
ભાજપાના હિન્દુ કાર્ડ સામે કોંગ્રેસનું ખાદ્ય સુરક્ષા કાર્ડ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ભારતની રાજનીતિના ઇતિહાસમાં સહુથી વધુ ઉત્તેજના અને નાટકીય ઘટનાઓથી ભરપૂર હશે. ચૂંટણીઓ થવાને હજુ એક વર્ષની વાર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વડા પ્રધાનપદના સંભવિત ઉમેદવાર નરેન્દ્ર મોદીએ દેશભરમાં ચૂંટણીલક્ષી સભાઓ સંબોધવા માંડી છે. આઝાદીનાં ૬૬ વર્ષ બાદ પહેલી જ વાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નરેન્દ્ર મોદીને ભાજપાનો ચહેરો બનાવી આ દેશમાં હિન્દુ કાર્ડ ઉતારી રહ્યું છે. સંઘનો આ પ્રયોગ સફળ થશે તો ૨૦૧૪ પછીનું ભારત એક અલગ તરાહનું હશે. સંઘનો આ પ્રયોગ નિષ્ફળ જશે તો હિન્દુત્વનો મુદ્દો આ દેશની રાજનીતિ માટે માત્ર અતીતનો વિષય બની જશે.

૨૦૧૪ની ચૂંટણીઓ માટે સજ્જ થઇ રહેલા : વોર રૂમ્સ

હિન્દુત્વ સામે ખાદ્ય સુરક્ષા

નરેન્દ્ર મોદી એક તરફ ” મૈં હિન્દુ રાષ્ટ્રવાદી હૂં” ના નારા સાથે દેશમાં આહલેક જગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ચૂપચાપ દેશના કરોડો ગરીબો માટે ખાદ્ય સુરક્ષા કાનૂન લાવી ભૂખ્યાઓને રોટલો આપવાના ફૂડ સિક્યોરિટીનું મહત્ત્વપૂર્ણ કાર્ડ ખેલી રહ્યું છે. આ તો બે મોટા રાષ્ટ્રીય પક્ષોની વાત થઈ. તેની સાથે સાથે મુલાયમસિંહ યાદવ, લાલુ પ્રસાદ યાદવ, નીતીશકુમાર, માયાવતી જેવાં નેતાઓ પછાત જાતિઓનાં કાર્ડ ઉતારવાની તૈયારી કરી રહ્યાં છે. જયલલિતા અને કરુણાનિધિ તમિલ કાર્ડના સહારે ચૂંટણીઓ જીતવા માંગે છે. મમતા બેનરજી ગરીબોનાં હમદર્દ બની ચૂંટણીઓ જીતવા માંગે છે. જમ્મુ અને કાશ્મીરના નેતાઓ જાહેરમાં ગમે તે બોલતા હોય, પરંતુ અંદરથી અલગતાવાદના હમદર્દ બની ચુંટણી જીતવા માંગે છે.

કોંગ્રેસનો વોરરૂમ

આ પરિપ્રેક્ષ્યમાં દિલ્હીમાં શું ચાલે છે તે જોઈએ. દિલ્હીસ્થિત ગુરુદ્વારા રકાબગંજ રોડ પર ૧૫ નંબરનો બંગલો આજકાલ અત્યંત વ્યસ્ત છે. આ મકાનમાં કેટલુંક નવું બાંધકામ પણ ચાલી રહ્યું છે. આ બંગલામાં પરવાનગી વગર કોઈનેય પ્રવેશ નથી. આ બંગલાની અંદર કોંગ્રેસનો વોર રૂમ છે. એમાં ૨૦૧૪ની ચૂંટણીઓની વ્યૂહરચના તૈયાર થઈ રહી છે. કોંગ્રેસનો વોર રૂમ અત્યંત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. દેશના કોઈ પણ હિસ્સામાં ચાલતી ઘટનાઓનું અહીં વીડિયો રેકોર્ડિંગ સતત થતું રહે છે. કોઈ પણ ઘટના બાદ તે પછી તાત્કાલિક કાર્યવાહી શું કરવી તેના સંદેશ પલકવારમાં અહીંથી કાર્યકર્તાઓને મોકલી શકાય છે. ૨૦૦૯ની ચૂંટણીઓની રણનીતિ પણ અહીંથી જ નક્કી થઈ હોઈ કોંગ્રેસનો આ વોરરૂમ લકી ગણાય છે. આ વોરરૂમના લીડર રાહુલ ગાંધી છે. લોકસભાના સંભવિત ઉમેદવારો અંગેના ફીડબેક અહીં લેવામાં આવી રહ્યા છે. કેટલાક નિરીક્ષકોને વિવિધ મતવિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. તેઓ પોતાના રિપોર્ટ્સ આગલા મહિનાના અંત સુધીમાં આપી દેશે. ૨૦૧૪ની ચૂંટણી માટે કોંગ્રેસ એક નવા નારાની ખોજ કરી રહી છે. કોંગ્રેસ આ વખતે ગરીબોની સાથે મધ્યમ વર્ગને પણ જોડવા માંગે છે. આ માટે દેશની જાણીતી પબ્લિક રિલેશન્સ અને એડ. કંપનીઓની પણ સહાયતા લેવામાં આવી રહી છે. પક્ષે જેએનએમ સાથે ચૂંટણી પૂર્વેનું ગઠબંધન કરી પોતાની તાકાત વધારી છે. ગઈ લોકસભાની ચૂંટણી વખતે ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અને ખેડૂતોનાં દેવાં માફી યોજનાથી કોંગ્રેસને ફાયદો થયો હતો. આ વખતે ખાદ્ય સુરક્ષા યોજના અને ‘આપ કા પૈસા આપ કે હાથ’ યોજના પર કોંગ્રેસનો મદાર છે.

ભાજપાની તૈયારીઓ :

ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી ઝુંબેશનો બધો જ મદાર એકમાત્ર નરેન્દ્ર મોદી પર છે. અને નરેન્દ્ર મોદીનો બધો જ મદાર હિન્દુ કાર્ડ પ્લસ વિકાસ કાર્ડ પર છે. તેઓ દેશ સમક્ષ ગુજરાતના વિકાસ મોડેલને એક નમૂના તરીકે પેશ કરી દેશને ગુજરાત જેવો સમૃદ્ધ બનાવી દેવાની યોજના પર આગળ વધી રહ્યા છે. મોદી અત્યારે તો ગુજરાતના મુખ્યમંત્રી છે પણ દિલ્હીમાં તેમની ટીમ હવે આકાર લઈ રહી છે. પક્ષની અંદર કેટલાકની નારાજગીના કારણે તેમને મુશ્કેલીઓ નડી રહી છે, પરંતુ વિરોધીઓને પણ મોદીની લાઈનમાં આવ્યા વિના છૂટકો નથી. ભાજપાનો ચૂંટણી ‘વારરૂમ’ હજુ બનવાનો બાકી છે. હાલ તો ભિન્ન ભિન્ન મોરચાઓ પર સેનાપતિઓની નિમણૂકો થઈ રહી છે. અલબત્ત, પાર્ટીના રાષ્ટ્રીય ઉપપ્રમુખ મુખ્તાર અબ્બાસ નકવી કહે છે : “ચૂંટણીઓ ગમે ત્યારે થાય અમે તૈયાર છીએ. ” આમ તો ગોવામાં પક્ષની રાષ્ટ્રીય કારોબારી મળી ત્યારથી જ ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. નરેન્દ્ર મોદી પ્રખર હિન્દુવાદના કાર્ડ પર ઝુંબેશ ચલાવશે. સાથે સાથે રામમંદિરનો મુદ્દો પણ ઉપયોગમાં લેવામાં આવશે. આ અભિયાન માટે એક ડઝન ચૂંટણી ટીમો બનાવવામાં આવી રહી છે. ભાજપા આ ચૂંટણીઓમાં યુવાન મતદારોને આકર્ષવા પ્લાન્સ બનાવી રહી છે. સોશિયલ મીડિયાનો તે ભરપૂર ઉપયોગ કરવા માંગે છે. સમાજના ઓપિનિયન બિલ્ડર્સ જેવા કે વકીલો, ડોક્ટરો અને ઇજનરોને પણ આ અભિયાનમાં સામેલ કરવા પ્રયાસ થશે. ભાજપા મોદીને એક બ્રાન્ડના રૂપમાં પેશ કરશે. મુંબઈ જેવાં શહેરોમાં તો મોદીના ચહેરાવાળા ‘મૈં હિન્દુ રાષ્ટ્રવાદી હૂં’ ના સૂત્ર સાથેનાં પોસ્ટરો લગાડવામાં આવી રહ્યાં છે. દેશના ખૂણેખૂણે પ્રચાર બેનરો પર એકમાત્ર મોદીનો ચહેરો જ મુખ્ય હશે. ગઈ ચૂંટણી વખતે ભાજપાનો વોરરૂમ પક્ષના મહાસચિવ અનંતકુમારનો બંગલો હતો. આ વખતની જગ્યા હજુ નક્કી થઈ નથી.

કોંગ્રેસના વ્યૂહબાજો

કોંગ્રેસની વ્યૂહરચના નક્કી કરનારાઓમાં એક તો કેન્દ્રિય ગ્રામીણ મંત્રી જયરામ રમેશ હશે. તેઓ સલાહકારની ભૂમિકામાં છે. બીજા એ. કે. એન્ટની છે. તેમને યુપીએ -૩ ના નવા સહયોગીઓ શોધવાની કામગીરી સોંપવામાં આવી છે. ત્રીજા દિગ્વિજયસિંહ છે તેઓ પ્રચારની રણનીતિને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. એ સિવાય ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવનાર વાયદાઓનો પ્રચાર કરવાનું તથા ચૂંટણીના નારા નક્કી કરવાની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે. મનીષ તિવારી સરકારની ઉપલબ્ધિઓનો પ્રચાર કરશે અને વિરોધીઓને જવાબ આપવાનું કામ કરશે. પક્ષના પ્રચાર તંત્રની કમાન અજય માકનને સોંપવામાં આવી છે. તેઓ મીડિયા સેલના વડા રહેશે. સોશિયલ મીડિયા પર વિપક્ષને કાઉન્ટર કરશે. પ્રવક્તાઓને માર્ગદર્શન આપશે. ૨૦૧૪ની ચૂંટણીઓની કમાન ભલે રાહુલ ગાંધી પાસે હોય, પરંતુ તેની પર નજર છેવટે તો પક્ષનાં પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીની જ રહેશે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ કોર કમિટીના સભ્ય અને મુખ્ય રણનીતિકાર રહેશે.

ગુજરાતના પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રીને લોકસભાની ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોની તલાશ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેઓ અત્યંત ગુપ્ત રીતે આ કામ કરી રહ્યા છે.

ભાજપાના વ્યૂહબાજો

ભાજપાની રણનીતિ નક્કી કરી રહેલા નેતાઓમાં ગુજરાતના અમિત શાહ મુખ્ય છે. તેઓ નરેન્દ્ર મોદીના એકદમ વિશ્વાસુ છે. તેમને હાલ ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેઓ ચૂંટણી મેનેજમેન્ટમાં કુશળ છે. મતોનું ધ્રુવીકરણ કરાવી શકે છે. એ જ રીતે અરુણ જેટલી પણ મોદીના વિશ્વાસુ સાથી છે. અરુણ જેટલી પણ ચૂંટણી મેનેજમેન્ટમાં નિષ્ણાત છે. સંશાધનોની પ્રાપ્તિથી માંડીને બીજા પક્ષોને સાથે લાવવાની કામગીરી તેઓ બજાવશે. રામલાલ પક્ષના મહાસચિવ છે અને તેઓ ભાજપા અને સંઘ વચ્ચેના સમન્વયનું કામ કરશે. મુરલી મનોહર જોશીને ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાનું કામ અપાઈ રહ્યું છે. ચૂંટણી માટે દેશભરમાં સંગઠનને સજ્જ રાખવાની કામગીરી તેમને સોંપવામાં આવી છે. પક્ષના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવી પ્રચાર સામગ્રી તથા નારાઓ તૈયાર કરવાની કામગીરી કરશે. દેશભરના મુસલમાનોને પક્ષની નજીક લાવવાની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે. જે.પી. નડ્ડા છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમને ડોક્ટરો, એન્જિનિયરો,વકીલો તથા શિક્ષકો જેવા બુદ્ધિજીવીઓને પક્ષ સાથે જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે. સંઘમાંથી ભાજપામાં મોકલવામાં આવેલા મુરલીધર રાવને પક્ષમાં વધુ ને વધુ યુવાનો જોડાય તે માટેની કામગીરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે સ્વદેશી જાગરણ મંચની ટીમ પણ જોડાશે. મોદીની કોરટીમમાં અમિત શાહ, રામલાલ, અરુણ જેટલી, મુરલીધર રાવ, મુખ્તાર અબ્બાસ નકવી, સુધાંશુ ત્રિવેદી, જે.પી. નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાની તથા નિર્મલા સીતારમન હશે. રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ, એલ. કે. અડવાણી, અરુણ જેટલી દેશભરમાં ચૂંટણી સભાઓને સંબોધશે.

આવી છે ૨૦૧૪ના ચૂંટણી સંગ્રામની તૈયારીઓ.
www.devendrapatel.in

ટેલિવિઝન ન્યૂઝ ચેનલો પર સાસુ-વહુના ઝઘડા!

કોંગ્રેસ પાસે શ્રેષ્ઠ પ્રવકતા મનિષ તિવારી અને ભાજપા પાસે નિર્મલા સિતારમન છે

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ હજુ તો દૂર છે, પરંતુ દેશની ટેલિવિઝન ન્યૂઝ ચેનલો પર જાણે કે પંદર-વીસ દિવસ બાદ જ ચૂંટણીઓ હોય તેવો ચૂંટણી-જ્વર જોવા મળે છે. છેલ્લા એક મહિનાથી વિવિધ રાજકીય પક્ષોના પ્રવકતાઓ જે રીતે બેફામ આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે તે જોયા બાદ એન્ટરટેઈનમેન્ટ ટી.વી. ચેનલો પર મેલોડ્રામાથી ભરપૂર સાસુ-વહુના ઝઘડા અને કાવતરાંઓથી ભરેલી સિરિયલો જોવાની જરૂર લાગતી નથી.

ટેલિવિઝન ન્યૂઝ ચેનલો પર સાસુ-વહુના ઝઘડા!

સાસુ-વહુના ઝઘડા

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જે દિવસે ભાજપાની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાયા તે દિવસે જૈફ વયે પહોંચેલા એલ. કે. અડવાણી રિસાયા અને ગોવા ના ગયા. તેમના ઘર આગળ સૂત્રોચ્ચાર થયો એટલે તેમણે તમામ પદો પરથી રાજીનામાં આપી દીધાં. સંઘના વડાએ દંડો બતાવ્યો એટલે અડવાણીએ રાજીનામાં પાછાં ખેંચ્યા, પણ ચહેરો અસ્મિત રાખ્યો. એ પછી નરેન્દ્ર મોદીએ રોઈટરને આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, કારની નીચે કૂતરાનું બચ્ચું પણ આવી જાય તો દુઃખ થાય છે. મોદીના આ વિધાન સામે કોંગ્રેસ અને લઘુમતી કોમના નેતાઓ તૂટી પડયા. ઉર્દૂ દૈનિકોએ હેડલાઈન કરી : “મોદી કો કૂત્તે કી મૌત જૈસા અફસોસ.” એ પછી નરેન્દ્ર મોદીએ પૂણેમાં પ્રવચન કરતાં કહ્યું : “કોંગ્રેસ તેની નબળાઈઓ છુપાવવા સેક્યુલરિઝમનો બુરખો ઓઢી ટનલમાં છુપાઈ જાય છે.” ‘બુરખો’ શબ્દ પ્રતીકાત્મક સમજી મોદીને જવાબ આપવા કોંગ્રેસે અજય માકન, મનિષ તિવારી, દિગ્વિજયસિંહ, શકીલ અહમદ અને શશિ થરૂર જેવાઓની ફોજ ઉતારી દીધી. મોદીના વિધાનનો જવાબ આપતાં કોંગ્રેસના અજય માકને કહ્યું : “સાંપ્રદાયિકતાની નગ્નતાના મુકાબલે ધર્મનિરપેક્ષતાનો બુરખો વધુ બહેતર છે.” તેથી આગળ મોદીએ વડા પ્રધાન ડો. મનમોહનસિંહને અનર્થશાસ્ત્રી કહ્યા. આ તો છેલ્લા સપ્તાહમાં ભજવાયેલા મેલોડ્રામાની એક ઝાંખી જ છે. લાગે છે કે, ૨૦૧૪ની ચૂંટણી પૂર્વે અત્યારે ટેલિવિઝન ચેનલો પર વાક્યુદ્ધ ફાટી નીકળ્યું છે. વિવિધ પક્ષોના પ્રવકતાઓ જે રીતે ટેલિવિઝન ચેનલો પર બોલી રહ્યા છે તે જોતાં લાગે છે કે, આવનારા દિવસોમાં છૂટા હાથની મારામારીનાં જીવંત દૃશ્યો પણ જોવા મળશે. ટેલિવિઝનની ચેનલો પર તમામ પક્ષોએ રોમન સમયના હિંસક મારામારી કરતાં ગ્લેડિયેટર્સ મેદાનમાં ઉતાર્યા હોય તેમ લાગે છે.

કોંગ્રેસના પ્રવકતા

કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી દિલ્હીમાં અજય માકનને મુખ્ય પ્રવકતા બનાવવામાં આવ્યા છે. અજય માકનની પસંદગી થઈ તે પહેલાં ગુલામનબી આઝાદ અને સી. પી. જોષીના નામો વિચારણા હેઠળ હતાં, પણ ગુલામનબી આઝાદ ઝેડ-પ્લસ સલામતી હેઠળ હોઈ મીડિયા માટે તેઓ સહેલાઈથી ઉપલબ્ધ કરવામાં મુશ્કેલી જણાય છે. એ જ રીતે સી. પી. જોષી બહુ સારું બોલી શકતા ના હોઈ અને રાજસ્થાનમાં ચૂંટણીઓ આવતી હોઈ તેમને પડતા મૂકાયા. છેવટે દિલ્હીમાં જ મજબૂત મૂળ ધરાવતા અજય માકનની પસંદગી થઈ. અજય માકને મોદીના વડા પ્રધાન માટેના અનર્થશાસ્ત્રી તરીકેના શબ્દપ્રયોગનો જવાબ ગુજરાત સરકારની નિષ્ફળતાઓના આંકડાઓ દ્વારા આપ્યો. કોંગ્રેસના શ્રેષ્ઠ પ્રવકતા કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી મનિષ તિવારી છે. તેઓ વ્યવસાયે ધારાશાસ્ત્રી છે. તેઓ પ્રભાવશાળી હિન્દી અને અંગ્રેજીમાં તર્કબદ્ધ રીતે બોલી શકે છે. જેઓ અધિકૃત પ્રવકતા નથી છતાં હંમેશાં ટૂંકી પણ અસરકારક પ્રતિક્રિયા આપે છે તેમાં દિગ્વિજયસિંહ મોખરે છે . તેઓ આખાબોલા અને સ્પષ્ટ વક્તા લાગે છે. ઘણાને તેઓ બફાટ કરતાં લાગે છે, પરંતુ હકીકત એ છે કે, કોંગ્રેસની લાઈન ગમે તે હોય તેઓ ૧૦,જનપથની લાઈન પ્રમાણે બોલે છે. કોંગ્રેસમાં બીજાં એક મહિલા પ્રવકતા રેણુકા ચૌધરી છે. તેઓ પણ થોડાં આખાબોલા છે. કોંગ્રેસમાં જરા પણ ગુસ્સે થયા વગર શાંતિથી જે જવાબ આપે છે તેમાં રાશીદ અલવી પ્રથમ નંબરે છે. શકીલ અહેમદ આંખો બંધ કરીને ઊંઘતાં ઊંઘતાં પણ મુદ્દાસર જવાબ આપે છે. તેમને પરાણે આ કામ સોંપ્યું હોય તેમ લાગે છે.

ભાજપાના ચહેરા

ભાજપાને લાગેવળગે છે ત્યાં સુધી ભાજપાના શ્રેષ્ઠ પ્રવકતાઓમાં નિર્મલા સિતારમન નંબર વન છે. તેઓ તમિળ બેકગ્રાઉન્ડ ધરાવે છે. લંડનમાં જોબ કરી ચૂક્યાં છે. આર્િટક્યૂલેટ અંગ્રેજી બોલે છે. તેમની વોઈસ ક્વોલિટી અસરકારક છે. પક્ષની નબળાઈઓનો ડિફેન્સ સરસ રીતે કરી શકે છે. એ પછી મિનાક્ષી લેખી પણ ભાજપાનાં જાણીતાં મહિલા પ્રવકતા છે. તેઓ પહેલેથી જ લડવા આવ્યાં હોય તેવું મોં ફુલાવીને બેસે છે. આમ તો તેઓ વ્યવસાયથી ધારાશાસ્ત્રી છે. દેખાવમાં સારાં છે. તેમની પાસે તર્કશક્તિ પણ છે, પરંતુ બોલતી વખતે સૌમ્યતા અને જીભની તાકાતનું પ્રમાણભાન સાચવતાં નથી. નિર્મલા સિતારમન જેટલાં ગૌરવપૂર્ણ લાગે છે એટલાં ગૌરવપૂર્ણ બોલતી વખતે મીનાક્ષી લેખી લાગતાં નથી. એ સિવાય મુસ્લિમ હોવા છતાં ભાજપામાં રહેલા બે પ્રવકતાઓ મુક્તાર અબ્બાસ નક્વી અને શહેનવાઝ હુસેન પણ મુશ્કેલ રોલ નિભાવી રહ્યા છે. શહેનવાઝ હુસેન ખૂબ જ સ્વસ્થતાથી તર્કબદ્ધ જવાબો આપે છે. મુક્તાર અબ્બાસ માત્ર બચાવ પ્રક્રિયા જ કરતાં હોય તેમ લાગે છે. સ્મૃતિ ઇરાની પણ કોઈ કોઈવાર ટી.વી. પર આવે છે, પરંતુ તેમની ભાષા અને આક્રમકતા સાસુ-વહુની સિરિયલની યાદ અપાવી દે છે. પ્રકાશ જાવડેકર એક સારા પ્રવકતા છે. ભાજપા પાસે સાત જેટલા રાષ્ટ્રીય પ્રવકતાઓ છે જેમને પક્ષ તરફથી બોલવાની પરવાનગી છે. એ સિવાય બીજા ૨૬ નાનાં પ્રવકતાઓ પણ છે. એક જમાનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાની બધી જ વાતો ગુપ્ત રાખવામાં માનતું હતું, પરંતુ સમયના વહેણની સાથે સંઘે પણ રામ માધવ નામના પ્રવકતાની નિમણૂક કરી છે. “ભાજપામાં અમારો કોઈ રોલ નથી” એ સિવાય એ કંઈ બોલતા નથી.

મુશ્કેલ કામગીરી

સમયની માંગ પ્રમાણે દરેક પક્ષને પોતાના પ્રવકતા જોઈએ છે. દરેક સવારે વહેલા ઊઠીને બધાં જ અખબારો વાંચી લેવાં પડે છે. આખો દિવસ ટી.વી. ન્યૂઝ ચેનલો સર્ફ કર્યા કરવી પડે છે. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા બનેલા અજય માકન હોઈ દેશભરના તેમના ૩૬ જેટલા નાનાં-મોટાં મીડિયા પ્રવકતાઓ સાથે વાતચીત કરે છે. કયા મુદ્દા પર શું બોલવું તે શીખવે છે. આ પૈકી આઠ મુખ્ય પ્રવક્તાઓ છે. રેણુકા ચૌધરીથી માંડીને સંદીપ દિક્ષીત જેટલા સાત પ્રવકતાઓને ખાદ્ય સુરક્ષા બિલના ફાયદાથી લોકોને ટી.વી.ના માધ્યમ દ્વારા વાકેફ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. એક જમાનામાં એટલે કે ૮૦ના ગાળામાં કોંગ્રેસના એકમાત્ર જાણીતા પ્રવકતા વી. એન. ગાડગીલ હતા. તેઓ સાંજે પત્રકારોને મળે તે પહેલાં સીધા જ વડા પ્રધાન સાથે પ્રેસ મેટર અંગે વાત કરી શકતા હતા. હવે એવું રહ્યું નથી. ભાજપામાં પ્રમોદ મહાજન મીડિયાના પ્રિય પ્રવકતા હતા. તેઓ સ્વયં કોઈ જમાનામાં પત્રકાર હતા. તેમનો ચહેરો હંમેશાં સ્મિતભર્યો રહેતો. કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી હમણાં જ તેણે ડેલ કાર્નેગી નામની કોર્પોરેટ પેઢીને પ્રવકતાઓને તાલીમ આપવા માટે કરારબદ્ધ કરી છે. આ કંપની કયા મુદ્દા માટે કયો શબ્દ વાપરવો તે શીખવે છે. દા.ત. તાજેતરમાં જ કોંગ્રેસે એક પત્રકાર પરિષદમાં ભાજપા માટે લખ્યું હતું : ” “Call center of the RSS for product Modi”-આ અર્થશાસ્ત્રની ભાષા છે.

સજ્જતા જરૂરી

ભાજપાનાં સોફિસ્ટિકેટેડ પ્રવકતા નિર્મલા સિતારમન કહે છે : “તમે જ્યારે પ્રવકતા હો ત્યારે મીડિયા સમક્ષ કોઈપણ સમયે ઉપસ્થિત થવા અને કોઈપણ પ્રશ્ન પર પ્રતિક્રિયા આપવા તૈયાર રહેવું પડે છે.”

ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, દરેક મોટી પાર્ટીઓ પાસે હવે એ રિસર્ચ ટીમ હોય છે. દા.ત. મોદીએ યુપીએ સરકારની રમતગમતથી માંડીને શિક્ષણની બાબતમાં આકરી ટીકાઓ કરી ત્યારે કોંગ્રેસની સંશોધક ટીમે તૈયાર રાખેલા આંકડા રજૂ કરતાં અજય માકને કહ્યું : “વિશ્વ ઓલિમ્પિકની વાત કરતાં મોદીના ગુજરાત પાસે ખેલાડીઓ જ નથી અને રાષ્ટ્રીય ખેલસ્પર્ધા વખતે ગુજરાતને ઝીરો મેડલ મળ્યા હતા.”

દેશમાં આજે ૧૦૦ જેટલી ન્યૂઝ ચેનલ્સ છે અને ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાં બીજી ઉમેરાશે ત્યારે સમાચારો કરતાં સમાચારો પરના વિશ્લેષણને વધુ જોરદાર અને આક્રમક બનાવવામાં આવશે. હા, અત્યારે તો કેટલાક પ્રવકતાઓ ગૌરવપૂર્ણ ચર્ચા કરવાના બદલે ઝઘડા કરતાં હોય તેમ લાગે છે.

એક ઋષિના આશીર્વાદથી મત્સ્યગંધા સુગંધા બની ગઈ

આજે અષાઢ સુદ પૂર્ણિમાએ ઉજવાતી ગુરુ પૂર્ણિમા વેદવ્યાસની જન્મતિથિ છે

મહર્ષિ વેદવ્યાસના જન્મની કથા રોચક છે. પૌરાણિક કથાઓ અનુસાર પ્રાચીન કાળમાં સુધન્વા નામનો એક રાજા હતો. તે એક દિવસ શિકાર કરવા જંગલમાં ગયો. એ જ સમયે તેની પત્ની રજસ્વલા થઈ ગઈ. રાણીએ એ સમાચાર તેણે પાળેલા એક શિકારી પક્ષી મારફતે રાજાને મોકલાવ્યા. આ સમાચાર સાંભળતા જ રાજા સુધન્વાએ પોતાનું જીવનતત્ત્વ એક પાત્રમાં ભરી તે પાત્ર શિકારી પક્ષીને આપ્યું. પક્ષી એ પાત્ર લઈ આકાશમાં ઊડવા લાગ્યું. રસ્તામાં તે શિકારી પક્ષીને સામેજ એક બીજું શિકારી પક્ષી મળી ગયું. બંને પક્ષીઓ વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધ દરમિયાન શિકારી પક્ષીની પકડમાંથી પાત્ર સરકી ગયું અને તે યમુના નદીમાં પડયું. એ વખતે યમુનામાં બ્રહ્માના શ્રાપથી પીડિત એક અપ્સરા માછલી સ્વરૂપે રહેતી હતી. એ માછલીરૂપી અપ્સરા એ જીવન સત્વને પી ગઈ. એના પ્રભાવથી તે ગર્ભવતી બની ગઈ. ગર્ભાધાનનો સમય પૂરો થવા આવ્યો હતો ત્યારે એક માછીમારે પાણીમાં નાંખેલી જાળમાં મત્સરૂપી અપ્સરા ફસાઈ ગઈ. માછીમારે એ માછલીના પેટને ચીર્યું. તો તેમાંથી એક બાળક અને એક બાળકી બહાર આવ્યાં. એ પછી માછીમાર એ બંને નવજાત શિશુઓને લઈ મહારાજા સુધન્વા પાસે ગયો. મહારાજા સુધન્વાને પુત્ર ના હોવાથી પુત્રને પોતાની પાસે રાખી લીધો તેને મત્સ્યરાજ એવું નામ આપવામાં આવ્યું. જ્યારે બાલિકા હવે માછીમાર પાસે જ રહી ગઈ. તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હોવાથી બાળકીનું નામ મત્સ્યગંધા રાખવામાં આવ્યું. પાછળથી એ કન્યા સત્યવતી તરીકે પણ ઓળખાઈ. મત્સ્યગંધા વયસ્ક બનતા તે પણ હવે નદી કિનારે જતી અને નાવ ચલાવતી.

એક ઋષિના આશીર્વાદથી મત્સ્યગંધા સુગંધા બની ગઈ

એક વાર પરાશર મુનિ યમુનાના કિનારે આવી ચડયા. તેઓ યમુના પાર કરવા માંગતા હતા. પરાશર મુનિ મત્સ્યગંધાની નાવમાં જ બેઠા. તેઓ મત્સ્યગંધા અર્થાત્ સત્યવતીના રૂપ-સૌંદર્ય પર આસક્ત થઈ ગયા. પરાશર મુનિએ કહ્યું: ”હે દેવી ! હું તમારી સાથે સહવાસ કરવા માંગુ છું.”

મત્સ્યગંધા અર્થાત્ સત્યવતીએ કહ્યું: ”મુનિવર ! આપ તો બ્રહ્મજ્ઞાની છો અને હું એક માછીમારની દીકરી. આપણો સહવાસ સંભવ નથી.”

પરાશર મુનિ બોલ્યાઃ ”બાલિકે! તું ચિંતા ના કર. પ્રસૂતિ થયા બાદ પણ તું કુમારી જ રહીશ.”

એટલું કહીને મુનિ પરાશરે પોતાના યોગબળથી નાવની ચારે તરફ ગાઢ ધુમ્મસ રચી દીધું. અને મત્સ્યકન્યા સત્યવતી સાથે સહવાસ કર્યો. એ પછી પરાશર મુનિએ સત્યવતીને આશીર્વાદ આપતાં કહ્યું: ”તારા શરીરમાંથી હવે માછલીની ગંધ નહીં આવે, બલ્કે તે ગંધ હવે સુગંધમાં પરિવર્તિત થઈ જશે.”

સમય પૂરો થતાં સત્યવતીના ગર્ભમાંથી એક પુત્ર જન્મ્યો. જન્મતાંની સાથે જ બાળક મોટો થઈ ગયો અને એણે પોતાની માતાને કહ્યું: ”માતા! તું જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે મને યાદ કરજે. હું તારી સમક્ષ ઉપસ્થિત થઈ જઈશ.”

એટલું કહીને તે બાળક તપસ્યા કરવા દ્વૈપાયન નામના દ્વીપ પર ચાલ્યો ગયો. આ બાળક રંગે શ્યામ હતો તેથી તે કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયો. અને એ કૃષ્ણ દ્વૈપાયન એજ મહર્ષિ વેદવ્યાસ. એમણે વેદોની વ્યાખ્યા અને વિભાજન કર્યા તેથી તેઓ વેદવ્યાસ તરીકે ઓળખાયા. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર મહર્ષિ વેદવ્યાસ ત્રિકાળજ્ઞાની હતા. તેમણે પોતાની દિવ્ય દૃષ્ટિથી જોઈને જાણી લીધું હતું કે, કળીયુગમાં ધર્મક્ષીણ થઈ જશે. ધર્મક્ષીણ થઈ જતાં લોકો નાસ્તિક, કર્તવ્યહીન અને અલ્પઆયુ વાળા થઈ જશે. એક વિશાળ વેદનું સાંગોપાંગ અધ્યયન કળીયુગના લોકો કરવાનું સામર્થ્ય ધરાવતા નહીં હોય એ હેતુથી મહર્ષિ વેદ વ્યાસે વેદોને ચારભાગોમાં વહેંચી નાખ્યા, જેથી ઓછી બુદ્ધિવાળા અને ઓછી સ્મરણશક્તિવાળા લોકો પણ વેદોનો અભ્યાસ કરી શકશે.” વેદવ્યાસે એક મહાન વેદને ચાર ભાગોમાં વહેંચ્યા તે (૧) ઋગ્વેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ અને (૪) અથર્વવેદ તરીકે ઓળખાય છે. વેદોમાં રજૂ થયેલું જ્ઞાન અત્યંત ગૂઢ અને શુષ્ક હોવાના કારણે તેમણે એ જ વેદોને પુરાણોમાં પરિર્વિતત કર્યા. પુરાણોમાં રોચક પ્રસંગો મૂક્યા જેથી કળીયુગના લોકો વેદોના જ્ઞાનને સરળતાથી સમજી શકે.

પૌરાણિક મહાકાવ્ય યુગની આ મહાન વિભૂતિએ મહાભારત, અઢાર પુરાણ, શ્રીમદ્ ભગવદ્ગીતા, મીમાંસા જેવાં અદ્વિતીય સાહિત્યનું સર્જન કર્યું. તેમનો જન્મ ઈસુના જન્મના ૩૦૦૦ વર્ષ અગાઉ થયો હતો. એટલે કે આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં અષાઢ માસની પૂર્ણિમાએ જન્મ્યા હતા. આજે ભારતભરમાં જે ગુરુપૂર્ણિમાની ઉજવણી થાય છે તે મહર્ષિ વેદવ્યાસની જન્મતિથિ સાથે સંકળાયેલી છે. હિન્દુ ધર્મના તમામ સંતો અને કથાકારો ગુરુપૂર્ણિમાના દિવસે સહુ પ્રથમ મહર્ષિ વેદવ્યાસની પૂજા કરે છે. વેદવ્યાસ તમામ સંતો- કથાકારોના સદ્ગુરુ ગણાય છે. વેદવ્યાસનું એક મંદિર કાશીથી પાંચ માઈલ દૂર વ્યાસપુરીમાં વિદ્યમાન છે. મહારાજા કાશી નરેશના રામનગર દુર્ગમાં પણ વ્યાસેશ્વરની ર્મૂિત બિરાજમાન છે. વાસ્તવમાં વેદવ્યાસની સહુથી પ્રાચીન ર્મૂિત એ જ છે. મહર્ષિ વેદવ્યાસ ભગવાન વિષ્ણુના અવતાર જ ગણાય છે. મહર્ષિ વેદવ્યાસને ભગવાન વેદવ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.મહર્ષિ વેદવ્યાસ ‘મહાભારત’ના રચયિતા છે. વેદવ્યાસ ‘મહાભારત’ના રચયિતા જ નહીં પરંતુ મહાભારતની ઘટનાઓના સાક્ષી પણ છે. વેદવ્યાસ કૃષ્ણ દ્વૈૈપાયન તરીકે પણ ઓળખાય છે. કહેવાય છે કે પ્રત્યેક દ્રાપર યુગમાં ભગવાન વિષ્ણુ જ વેદવ્યાસના રૂપમાં અવતર્યા હતા અને ચાર વેદોને વર્ગીકૃત કર્યા હતા. પહેલા દ્વાપર યુગમાં સ્વયં બ્રહ્મા વેદવ્યાસ થયા. બીજામાં પ્રજાપતિ, ત્રીજામાં શુક્રાચાર્ય અને ચોથામાં બ્રહસ્પતિ વેદવ્યાસ થયા. હિન્દુઓની પરંપરાગત માન્યતા અનુસાર આ વિશ્વમાં જે આઠ વ્યક્તિઓ આજે પણ હયાત છે- અમર છે તેમાંના એક મહર્ષિ વેદવ્યાસ પણ છે.

ઋષિ વેદવ્યાસે શ્રીગણેશની સહાયતાથી ધર્મગ્રંથોને પહેલીવાર ભોજપત્ર પર લખ્યા. એટલા માટે જ તેમણે એકાંત સ્થળને પસંદ કર્યું. ત્યારબાદ તેમણે દિવ્ય જ્ઞાન અને ભગવાન શ્રીગણેશ સાથે ધર્મ અને જીવન સાથે સંકળાયેલી વાતોને ધર્મગ્રંથોમાં ઉતાર્યા. જે પૂર્વમાં માત્ર સાંભળવામાં આવતી હતી. ઋષિ વેદવ્યાસ, વેદ અને ધર્મના રહસ્યોને પહેલી વાર લેખિત સ્વરૂપે જગત સામે લાવ્યા. જેનાથી જગતના ધર્મો અને બ્રદ્મદર્શનને ઊંડાઈએથી સમજી શકાય. તેમના દ્વારા દર્શાવવામાં આવ્યું કે ધર્મ દર્શન અમર અને ઉન્નતિ પ્રેરક છે. જે પુરાતન કાળથી જ જીવનમાં ધર્મનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મહાગ્રંથ મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસને આપણા પૌરાણિક ગ્રંથોમાં ભગવાન વેદવ્યાસ તરીકે પણ સંબોધવામાં આવેલ છે. જેમ આ સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર સર્વ તત્ત્વોમાં સમાયેલા છે તેમ સમગ્ર સૃષ્ટિનું એવું એક પણ તત્ત્વસ્થાન નથી જે મહાભારતમાં ન હોય એટલે જે જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી એ ઉક્તિ જાણીતી છે. આ મહાભારત એક મહાન જ્ઞાનકોશ પણ છે જેને ભારતીય સંસ્કૃતિમાં પાંચમો વેદ પણ કહેવામાં આવે છે. મહાભારત દ્વારા મહર્ષિ વેદવ્યાસે માણસે કેવું આચરણ કરવું જોઈએ તે દર્શાવવા પાંડવો તેમજ કૃષ્ણનું ચરિત્ર આપણી સમક્ષ રજૂ કર્યું અને કેવું આચરણ ન કરવું જોઈએ તે દર્શાવવા માટે કૌરવોનું ચરિત્ર આલેખ્યું છે. મહર્ષિ વેદવ્યાસ મહાભારતના જે કથાનકનું ઉદ્બોધન આપતા જે પીઠ ઉપરથી આપતા તે પીઠ વ્યાસપીઠ તરીકે ઓળખાય છે. આ વ્યાસપીઠ ઉપર બેસીને સંસ્કૃતિની ઉપાસના અને સેવા કરનાર વ્યાસની પૂજા એટલે કે વ્યાસપીઠની પૂજા અષાઢ સુદ પૂનમને દિવસે કરવામાં આવે છે. મહામુનિ વેદવ્યાસના જ્ઞાનનો જોટો ભારતીય સંસ્કૃતિમાં ઠીક વૈશ્વિક સ્તરે પણ મળવો મુશ્કેલ છે. કોઈ પણ સાહિત્યકારોની રચનાઓ જોઈએ તો જીવન પ્રત્યેનો એક જ પ્રકારનો દૃષ્ટિકોણ જોવા મળશે, હકારાત્મક અથવા નકારાત્મક વ્યક્તિના સદ્ગુણો અથવા દુર્ગુણો. પરંતુ વ્યાસજીએ તેમની રચનાઓમાં જીવનમાં રહેલ દરેક પાસાઓ વણી લીધેલ છે. પ્રકાશ અંધકાર, ભરતી, ઓટ, સુખ-દુઃખ અને આ બંને વચ્ચે રહેલું પરિવર્તન વેદ વ્યાસે મહાભારતની પોતાની રચનામાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન વગેરે હકારાત્મક બાજુએ હોવા છતાં તેઓમાં રહેલી ત્રુટીઓ દર્શાવી છે તે જ રીતે દુર્યોધન, દુઃશાસન કે કર્ણ જેવા નકારાત્મક પાત્રોમાં રહેલ સદ્ગુણો બતાવવાનું પણ ચૂક્યા નથી. બીજી બાજુ ભીષ્મ પિતામહ જેવા વિદ્વાન, હંમેશાં સત્યનો પક્ષ લેનાર પ્રતાપી પુરુષ નકારાત્મક બાજુએ હોઈ તેની સામે અર્જુનને યુદ્ધ કરવા જણાવે છે. આમ દરેક વ્યક્તિ માત્રના જીવનમાં રહેલી સંપૂર્ણતા અને અપૂર્ણતાનું આપણને દર્શન કરાવે છે. જે રીતે ન્યાયાલયમાં ન્યાય આપનાર ન્યાયાધિશને ચોક્કસ યોગ્યતા હોય તો જ ન્યાયની ગાદી ઉપર બેસી શકે તેવું જ સ્થાન વ્યાસપીઠનું છે. કોઈપણ વ્યક્તિએ જે સાહિત્યનું વ્યાસપીઠ ઉપર બેસીને જ્ઞાન આપવાનું છે તે સાહિત્ય વિશે તેને સંપૂર્ણ જ્ઞાન હોવું તે વ્યાસપીઠ ઉપર બેસવાની પહેલી યોગ્યતા છે. કથામાં રહેલા પાત્રો સાથે તેને વ્યક્તિગત રીતે કોઈ પ્રિયભાવ કે દ્વેષભાવ ન હોવા જોઈએ. કથા ઉદ્બોધનનો એક માત્ર હેતુ સમાજનું હિત હોવું જોઈએ. મહર્ષિ વેદવ્યાસ સર્વોગુણસંપન્ન ગુરુ હતા.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ગાડાના પૈડા જેવો રૂપિયો કેમ ઘસાયો?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.
આઝાદી વખતે એક રૂપિયા બરાબર એક ડોલર હતો

એક જમાનામાં રૂપિયો ગાડાના પૈડા જેવો ગણાતો. આજથી ૧૦૦ વર્ષ પહેલાં કોઈની પાસે ૧૦૦ રૂપિયા હોય તો તે માણસ શ્રીમંત ગણાતો. આજથી ૫૦ વર્ષ પહેલાં પાંચ રૂપિયામાં વિરમગામથી અવાતું, ફિલ્મ જોવાતી, ચંદ્રવિલાસમાં જમી શકાતું અને ટ્રેનમાં બેસી પાછા જવાતું. એ બધું જ પાંચ રૂપિયામાં. આટલું બધું કર્યા પછી પણ પૈસા વધતા એક જમાનામાં છબીઘરમાં ફિલ્મ જોવાની ટિકિટ ચાર આના એટલે કે ૨૫ પૈસા હતી. વધુ બાલ્કનીની ટિકિટ ૧૨ આના એટલે કે ૭૫ પૈસા હતી. અમદાવાદથી મુંબઈ જવાની પ્લેનની ટિકિટ રૂપિયા ૨૫ હતી. એ ર્સિવસ શરૂ થઈ ત્યારે તો અમદાવાદથી મુંબઈ માત્ર ૧૦ રૂપિયામાં પ્લેનમાં જવાતું હતું. ૧૯૭૩માં અમદાવાદથી રોમ થઈ ન્યૂયોર્ક અને એ જ રૂટથી પાછા આવવાની ટિકિટ રૂપિયા ૪૦૦૦ હતી. એ સમયે એક ડોલરની કિંમત આઠ રૂપિયા હતી.

ગાડાના પૈડા જેવો રૂપિયો કેમ ઘસાયો?

આજે બધું જ બદલાઈ ગયું છે. એક રૂપિયો ભિખારી પણ લેવા તૈયાર નથી. એક રૂપિયામાં કોઈ બૂટ પોલીસ પણ કરવા તૈયાર નથી. ૧૦૦ રૂપિયાની નોટ ૧૦ રૂપિયાની નોટ જેવી થઈ ગઈ હોય ખિસ્સામાં લોકો હવે ૫૦૦ની કે ૧૦૦૦ની નોટો જ રાખે છે. પહેલાં કોઈની પાસે લાખ રૂપિયા હોય તો તે લખપતિ શ્રીમંત કહેવાતો. આજે જેની પાસે રૂપિયા ૧૦૦ કરોડથી ઓછા છે તે ધનવાન ગણાતો નથી. આ બધાંનું કારણ છે વૈશ્વિક બજારમાં રૂપિયાની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. ગાડાના પૈડા જેવો ગણાતો રૂપિયો ઘસાઈ ગયો છે. દુનિયાનો કોઈ પણ દેશ વર્ષોથી રૂપિયાને હાર્ડ કરન્સી તરીકે સ્વીકારતો નથી. ભારતની બહાર પગ મૂકો એટલે ડોલર પાઉન્ડ કે યુરોમાં જ વ્યવહાર કરવો પડે છે. વેનિસ, વેટિકન કે પીસા જેવા શહેરમાં પબ્લિક ટોઇલેટમાં પ્રવેશવા માટે એક યુરો (૭૦ રૂપિયા) આપવા પડે છે.

કોઈ પણ દેશની મુદ્રાની મજબૂતી તેની અર્થવ્યવસ્થાની મજબૂતીનું પ્રમાણ ગણાય છે. એક જમાનામાં ભારતમાં સમ્રાટ વિક્રમાદિત્યના શાસનમાં મુદ્રાનું પ્રચલન સિક્કાઓના રૂપમાં હતું. ચન્દ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના સમયગાળા સુધી સિક્કાના રૂપમાં ચલણ ચાલતું રહ્યું. સમ્રાટ વિક્રમાદિત્યના સમયમાં સોનાના સિક્કા હતા. સોનામહોર શબ્દ અનેક કથાઓમાં આવે છે. એ સમયગાળામાં ભારતની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત હતી. એ જમાનામાં રાજાઓના ખજાના ભરેલા રહેતા અને કુદરતી આફતો વખતે એ ખજાના પ્રજાને મદદ કરવા ખોલી દેવાતા. આજે દેશના અને રાજ્યોના ખજાના ખાલી છે. સરકારો દેવાદાર છે. ગુજરાતમાં જન્મતું બાળક માથે રૂપિયા ૫૦ હજારનું દેવું લઈને જન્મે છે. કેન્દ્ર સરકાર પણ નોટો જ છાપ્યા કરે છે. દેશમાં જેટલું સોનું હોય તેટલી જ કિંમતની નોટો છાપવી તે એ જમાનામાં પ્રમાણ હતું. હવે એ ધારાધોરણ નેવે મૂકી દેવામાં આવ્યાં છે, જેથી ફુગાવો વધ્યો છે. મોંઘવારી વધી છે. કચ્છના ગાંધીધામમાં ૮૦થી ૯૦ રૂપિયાથી નીચે એક કિલો શાક મળતું નથી. ચીનમાં એક જમાનામાં ફુગાવો એટલો બધો વધી ગયો હતો કે લોકો કોથળા ભરીને ચીની પૈસા લઈને બજારમાં જતા અને કોથળી ભરીને શાકભાજી લઈને ઘેર આવતા. ભારતમાં આ સમય દૂર નથી. દેશને આઝાદી મળી ત્યારે એક રૂપિયાની કિંમત એક ડોલરની બરાબર હતી. એટલે કે મુકાબલો બરાબર હતો. આજે એક ડોલર લેવો હોય તો ૬૦ કરતાં વધુ રૂપિયા ચૂકવવા પડે છે. એટલે કે ૬૬ વર્ષ બાદ રૂપિયામાં ૬૦૦૦ ટકાની ગિરાવટ આવી છે. એનો બીજો અર્થ એ પણ કાઢી શકાય કે અંગ્રેજોએ રૂપિયાની મજબૂતાઈ ટકાવી રાખી હતી. આઝાદી બાદ ભારતનાં રાજકારણીઓએ રૂપિયાને ફાલતુ અને સસ્તો બનાવી દીધો છે. આશ્ચર્યની વાત એ છે કે યુરોપિય દેશોની અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગી છે ત્યારે ભારતમાં રૂપિયાની કિંમત ઘટતી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ડોલરની સામે રૂપિયો પછડાટ ખાતો રહ્યો છે. એક તબક્કે તો ડોલરના મુકાબલે રૂપિયો ૬૧.૨૧ થઈ ગયો. જોકે પાછળથી રિકવરી થઈ. છેલ્લા છ મહિના દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા સામે અનેક પડકારો ઊભા થયા છે.

વિકાસદર ઘટી ગયો છે. નિકાસની પરિસ્થિતિ સારી નથી. અમેરિકાએ તેની આર્થિક નીતિમાં કેટલાક એવા ફેરફારો કર્યા છે જેની સીધી અસર ભારત પર થઈ છે. એ જ રીતે વૈશ્વિક અસ્થિરતાના કારણે પણ પરિસ્થિતિ ગંભીર બની છે. સતત રૂપિયાની ઘટતી કિંમતના કારણે ભારતના અર્થશાસ્ત્રીઓ તો ચિંતામાં છે જ પરંતુ સાથે સાથે દેશની જનતાને પણ રૂપિયો હવે ડરામણો લાગવા માંડયો છે.

આશ્ચર્યની વાત એ છે કે રૂપિયો ધ્વસ્ત થઈ રહ્યો છે પણ નેતાઓ મસ્ત છે. તમામ પક્ષના નેતાઓને રૂપિયાની ઘટતી કિંમતની ઓછી અને ૨૦૧૪ની ચૂંટણીઓની વધુ ચિંતા છે. રૂપિયાની ઘટતી કિંમતના કારણે મધ્યમ વર્ગના લોકોનું જીવન દોહ્યલું બની રહ્યું છે, પરંતુ દેશના અને રાજ્યોના નેતાઓના ફાઈવ સ્ટાર કલ્ચરથી ભરેલા રોજિંદા જીવનમાં કોઈ જ ફરક પડતો નથી. લોકો મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યા છે ત્યારે નેતાઓ ઇકોનોમી ક્લાસની હવાઈ મુસાફરી કરવા પણ તૈયાર નથી. તેમને સ્પેશિયલ પ્લેન કે હેલિકોપ્ટર જ જોઈએ છે. એ બધું જ પ્રજાના પૈસે.

દેશની વસતી વધી રહી છે. વાહનોની સંખ્યા પણ વધી રહી છે. ભારત તેની જરૂરિયાત પૂરી કરવા ૭૦થી ૮૦ ટકા તેલ વિદેશોમાંથી આયાત કરે છે. વિદેશોની તેલ કંપનીઓ રૂપિયો સ્વીકારતી નથી. એ બિલ ડોલરમાં ભરવું પડે છે. રૂપિયાની સામે ડોલરનું મૂલ્ય વધી જવાથી પેટ્રોલિયમ પદાર્થો પરના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ હજુ વધશે. બહુ ટૂંક સમયમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ ૧૦૦ રૂપિયા થશે. પેટ્રોલ ડીઝલનો ભાવવધારો સ્પાયરલ પ્રભાવ ધરાવે છે. પેટ્રોલ ડીઝલના ભાવવધારાની સાથે જ ટ્રક ભાડાં વધે છે. ટ્રક ભાડાં વધતાં અનાજ શાકભાજીથી માંડીને જીવનજરૂરિયાતની તમામ ચીજોના ભાવ વધે છે. સિમેન્ટ અને લોખંડના ભાવ પણ વધે છે. જે જે ચીજવસ્તુની હેરાફેરી ટ્રક દ્વારા થાય છે તે તમામ ચીજોના ભાવ વધે છે. એ દુર્ભાગ્યની વાત છે કે, આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ ક્રૂડ ઓઇલની બાબતમાં આપણે સ્વાવલંબી થઈ શક્યા નથી. બીજી બાજુ વસ્તીવધારાએ દેશની અર્થવ્યવસ્થાને તોડી નાંખી છે. બળતણના તેલની વાત તો બાજુએ રાખો પણ ખાદ્યતેલની બાબતમાં પણ આપણે આત્મનિર્ભર થઈ શક્યા નથી. ખાદ્યતેલોની આયાત પણ વધી રહી છે. દેશની તિજોરીને ભારે નુકસાન થઈ રહ્યું છે.

આમ શા માટે?

આજે આર્થિક ઉદારીકરણનો પવન ચાલી રહ્યો છે. તેના ફાયદા અને ગેરફાયદા પર વિસ્તૃત અભ્યાસની જરૂર છે. આર્થિક ઉદારીકરણની નીતિ બાદ સરકારે બધું જ બજારના હવાલે કરી દીધું છે. ભારતમાં બનતા માલ કરતાં ચીનનાં જંગી કારખાનાં સાવ સસ્તો માલ ભારતમાં પધરાવી દે છે. આર્થિક ઉદારીકરણ બાદ ભારતને ફાયદો થયો છે કે ચીનને તેનો પણ અભ્યાસ જરૂરી છે. અર્થતંત્રમાં નાણાકીય શિસ્ત રહી નથી. મોરારજી દેસાઈ આ દેશના નાણામંત્રી હતા ત્યારે તેમણે નાણાકીય શિસ્ત દ્વારા ફુગાવો કાબૂમાં લઈ લીધો હતો. આજે કેમ્બ્રિજ અને ઓક્સફર્ડમાં ભણેલા નેતાઓ પાસે દેશના અર્થતંત્રને બચાવવાનો કોઈ સચોટ ઉપાય નથી. સરકારો પોતે પોતાના વહીવટી ખર્ચા ઘટાડે એ જરૂરી છે. સામાન્ય લોકોને મદદ કરવાની યોજનાઓના ૧૦ ટકા પૈસા જ લોકો સુધી પહોંચે છે. ૮૦થી ૯૦ ટકા પૈસા સરકારના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ખાઈ જાય છે.

એ જ રીતે પ્રાઇવેટ સેક્ટરના સહારે દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવાનાં સરકારનાં સ્વપ્ન ચકનાચૂર થઈ ગયાં છે. ઉદારીકરણની નીતિઓનો લાભ ઉઠાવી દેશના પ્રાઇવેટ સેકટરે ધૂમ પૈસાની કમાણી કરી છે. દેશનાં મોટા મોટાં ઉદ્યોગગૃહોના દબાણ હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો એવા નિર્ણયો લઈ રહી છે જેથી ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય. કેટલાક મંત્રીઓના વિરોધ છતાં સરકારે પ્રાકૃતિક ગેસના ભાવોમાં વધારો કર્યો છે જે આગલા વર્ષે એપ્રિલથી લાગુ પડશે. એની સાથે કોલસાની કિંમતમાં પણ વધારો કરાયો છે. એ કારણે હવે વીજળી દર પણ વધશે. સરકારે ગેસના ઉત્પાદનને વધારવા પર ધ્યાન આપવાના બદલે તેના ભાવ વધારવા પર જ ધ્યાન વધુ આપ્યું છે.

દેશની કથળતી આર્થિક પરિસ્થિતિમાંથી દેશને બહાર કાઢવા માટે એફ.ડીની આંધળી વકીલાત થઈ રહી છે. વિદેશી મૂડીરોકાણકર્તા જ આ દેશને બચાવી શકશે તેવી ધારણા બૂમરેંગ સાબિત થઈ શકે છે. અમેરિકાની આર્થિક પરિસ્થિતિ સુધરી રહી છે તેવા સમાચાર આવતાં જ વિદેશી નિવેશકો તેમનું ધન લઈ ભારતમાંથી ભાગવા લાગ્યા છે. તેમને હવે ભારતમાં મૂડીરોકાણ કરવામાં ખતરો લાગે છે. ટૂંકમાં ક્યાં સુધી વિદેશી મૂડીરોકાણકર્તાઓના સહારે ભારત જીવશે? સાચી વાત એ છે કે રૂપિયો હવે ગભરાટ ફેલાવી રહ્યો છે. રૂપિયો ઘસાઈ જતાં સમાન્ય માનવીએ મોંઘવારીની ચક્કીમાં પીસાવું પડશે એ નક્કી છે.

www.devendrapatel.in

એક તેજસ્વી યુવાન યુવતી બની ગયો ટ્રાન્સજેન્ડર : રોઝ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.
દેશમાં વસતા ૧૦ લાખ કિન્નરો ઉપેક્ષિત જીવન જીવે છે
એનું નામ રોઝ છે. અલબત્ત, એ પહેલાં એનું નામ રમેશ વેંકટેશન હતું. રમેશ અમેરિકામાં ડલાસ ખાતે લુસિયાના ટેક. યુનિર્વસિટીનો વિદ્યાર્થી હતો. એ વખતે જ તેને યુવતીઓનાં વસ્ત્રો પહેરવાં ગમતાં હતાં. રમેશ વેંકટેશન મૂળ ચેન્નાઈના એક મોટા વેપારીનો પુત્ર હતો. તે બાયોમેડિકલ એન્જિનિયરીંગના અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. એણે એક રસ્તો શોધી કાઢયો. દિવસે મિત્રો મજાક ના કરે એટલા માટે છોકરાનાં વસ્ત્રો પહેરતો અને રાત્રે મહિલાઓનાં વસ્ત્રો પહેરતો. નાઇટી પહેરીને સૂઈ જતો. એણે ઇન્ટરનેટ પર જઈ પોતાની સેક્સુઆલિટીની સમસ્યા વિશેની જાણકારી મેળવી. તે હતાશ થઈ ગયો. એકલતા લાગવા માંડી. એક વાર આપઘાત કરવા પણ કોશિશ કરી. ખરી મુશ્કેલી ત્યારે આવી જ્યારે એના પિતાએ રમેશ વેંકટેશનને કહ્યું : “રમેશ, તારાં લગ્ન માટે એક સુંદર યુવતી શોધી કાઢી છે.”

એક તેજસ્વી યુવાન યુવતી બની ગયો ટ્રાન્સજેન્ડર : રોઝ

રમેશ વેંકટેશન પોસ્ટ ગેજ્યુએટની ડિગ્રી લઈ ભારત પાછો આવ્યો. એણે ઘરમાં બધી જ વાત કરી દીધી. પરિવાર સુશિક્ષિત હતો. ડોક્ટરોએ તેની સેક્સ ચેન્જનું ઓપરેશન કર્યું અને એ દિવસથી રમેશ વેંકટેશન રોઝ બની ગયો. રોઝ હવે ટેલિવિઝનના ટોક શોમાં એન્કરનું કામ પણ કરે છે.

શહેરોમાં વસતાં આવા ટ્રાન્સજેન્ડર લોકો સમાજની બહુ મોટી ઉપેક્ષાના ભોગ બનેલા છે. હવે તેઓ ખુલ્લી રીતે તેમના અધિકારો માટે બહાર આવી રહ્યા છે. ભારતના ચૂંટણીપંચે આવી વ્યક્તિઓને અધર્સની યાદીમાં મૂકવા પરવાનગી આપી છે. તેઓને સ્ત્રી જ છે કે પુરુષ જ છે તેવી યાદીમાં પરાણે મૂકવામાં નહી આવે. તામિલનાડુમાં રેશન કાર્ડ, વોટિંગ કાર્ડ, સ્કૂલ કે કોલેજોના એડમિશન ફોર્મમાં અધર્સનો વિકલ્પ પસંદ કરી શકે છે. આવા ટ્રાન્સજેન્ડર્સ લોકો માટે એક સારો શબ્દ છે : કિન્નર. આમ તો તેઓ કોઈના લગ્નપ્રસંગે કે ગૃહપ્રવેશ વખતે કે બાળકના જન્મ પ્રસંગે પૈસા માંગતા નજરે પડે છે. કમનસીબી એ છે કે આવી વ્યક્તિઓને કોઈ નોકરી ધંધામાં રાખતું ના હોઈ તેમની આજીવિકા માટે બીજો કોઈ વિકલ્પ પણ નથી. સમાજે તેમના તરફ વર્ષોથી દુર્લક્ષ સેવેલું છે. ભૂતકાળમાં આવા કિન્નરોએ સમાજથી છુપાઈને જિંદગી બસર કરી છે અથવા તો આપઘાત કરવા પણ પ્રયાસો કર્યા છે. તેઓ એમ સમજે છે કે અમારામાં કાંઈક ખામી છે પણ હવે સમય બદલાયો છે. તેમનામાં પણ શિક્ષણના કારણે જાગૃતિ આવી છે. રોઝ કહે છે : “અમારા જેવી વ્યક્તિઓ તરફ જોવાની લોકોની દૃષ્ટિ હવે બદલાઈ છે. બધા જ લોકો હવે અમારી તરફ નફરતથી જોતાં નથી. હું ટેલિવિઝનના ટોક શોનું સંચાલન કરું છું અને લગ્નથી માંડીને છૂટાછેડાની સમસ્યાઓ પર ચર્ચા કરું છું ત્યારે મારી સાથે કામ કરનારા મને એક પ્રોફેશનલ એન્કર સમજીને જ મારી સાથે સારો વર્તાવ કરે છે. મારું સેક્સ્યુઅલ સ્ટેટસ એક અકસ્માત છે. હું સારું અંગ્રેજી જાણું છું. મને સ્ત્રી તરીકે ઓળખાવું ગમે છે. હવે હું એક અંગ્રેજી ફિલ્મનું પણ નિર્દેશન કરીશ.”

એક અંદાજ પ્રમાણે ભારતમાં ૧૦ લાખ કિન્નરો છે. આવા લોકો છોકરા તરીકે જન્મ્યા હોય પણ થોડા જ વખતમાં વિપરીત સેક્સ જેવાં શારીરિક અને માનસિક લક્ષણો અનુભવે છે. કમનસીબી એ છે કે મોટા ભાગની આવી વ્યક્તિઓ ગરીબ છે. ઝૂંપડામાં કે નાનાં મકાનોમાં રહે છે. રસ્તાઓ પર કે દુકાનો આગળ જઈ પૈસા માંગતા નજરે ચડે છે. આવી વ્યક્તિઓનો બહુ નાનો સમૂહ જ શિક્ષિત અને સજાગ છે. બાકીના કિન્નરો માટે સમાજે કે સરકારે જે કરવું જોઈતું હતું તે કર્યું નથી.

તાજેતરમાં પોંડીચેરી પાસે કુવાગામ ખાતે આવા કિન્નરોનાં જીવન પર એક ફેસ્ટિવલ યોજાયો હતો. આ ફેસ્ટિવલ જોવા ગયેલા ચેન્નાઈસ્થિત શિલ્પકાર જ્યોર્જ કુરુવિલાએ ટ્રાન્સ સેક્સુઅલ લોકોનાં જીવન પર કેટલાંક શિલ્પો તૈયાર કર્યાં હતાં. આ શિલ્પ કૃતિઓનું એક પ્રદર્શન મુંબઈ ખાતે યોજાયું હતું. તેને જબરદસ્ત પ્રતિસાદ મળતાં કિન્નરો પર બનેલી શિલ્પ કૃતિઓનું એક પ્રદર્શન તે પછી પેરિસ અને ન્યૂયોર્કમાં પણ યોજાયું હતું. કિન્નરોનાં જીવનની કમનીયતા બતાવવા માટે તેમણે પુરુષમાંથી સ્ત્રી બનેલી વ્યક્તિઓના ચહેરા પર ફૂલો ઉપસાવ્યાં હતાં.

આવા લોકો માટે ઘણાં ‘હિજડા’ અને અંગ્રેજીમાં ‘યૂનક’ શબ્દ વાપરે છે. ઘણાં કિન્નરો એચઆઈવીનો ભોગ પણ બનેલા છે. તેમની સમસ્યાઓ અંગે ‘એઇડ્સ સૂત્ર’ નામનું એક અંગ્રેજી પુસ્તક પણ પ્રગટ થયું છે. કિન્નરો પ્રત્યેની સભાનતા અંગે હવે એક વેબસાઈટ પણ શરૂ થઈ છે. કલ્કી સુબ્રમણ્યમ્ નામની એક મહિલાનું કહેવું છે કે મારી રાધા નામની એક ટ્રાન્સજેન્ડર સખીને લગ્ન કરવાની ઇચ્છા હતી. મેં રાધાને તેની પ્રોફાઈલ કોઈ મેટ્રિમોનિયલ વેબસાઈટ પર મોકલી આપવા કહ્યું. પણ બજારમાં ઉપલબ્ધ મેરેજ બ્યુરોએ રાધાની પ્રોફાઈલ તે કિન્નર હોવાથી ફગાવી દીધી. એ પછી મેં જ આવી ટ્રાન્સજેન્ડર સ્ત્રીઓ માટે એક વેબસાઈટ શરૂ કરવાનો નિર્ણય લીધો. એ પછી મારી નિષ્ણાત ટીમે આવી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે જ thiruhangai.net નામની મેટ્રિમોનિયલ વેબસાઈટ તૈયાર કરી દીધી. શરૂઆતમાં જ છ આવી કિન્નર મહિલાઓએ તેમના મેરેજ માટેની પ્રોફાઈલ મોકલી આપી. તેમાં એવું સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે અમને એવો પુરુષ જોઈએ છે જે અમને તેમની પત્ની તરીકે સ્વીકારે અને પત્ની તરીકે જ તેમના મિત્રવર્તુળમાં ઓળખાવે અને બીજાં જાહેર સ્થળોએ પણ અમને તેમની સાથે બહાર લઈ જઈ પત્ની તરીકેનું સંપૂર્ણ સન્માન આપે.

કલકી સુબ્રમણ્યમ્ માટે આશ્ચર્ય એ વાતનું હતું કે આવી છ ટ્રાન્સજેન્ડર સ્ત્રીઓને પરણવા અને જાહેરમાં પત્ની તરીકે સ્વીકારવા ૧૫૦ પુરુષોની અરજીઓ આવી હતી. તેમાં સોફ્ટવેર એન્જિનિયરો, બિઝનેસમેન, ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હતા. કલ્કી સુબ્રહ્મણ્યમ્ સહોદરી ફાઉન્ડેશન નામની એક સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે. તે ખુદ ચેન્નાઈના એક મધ્યમવર્ગના પરિવારની વસાહતમાં રહે છે. કલ્કી કહે છે : “ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે આ એક મોટું પગલું છે. ગઈકાલ સુધી લોકો ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને વિકૃત જાતીયતા ધરાવતા લોકો તરીકે ઓળખાવતા હતા હવે એવું નથી. હવે તેમના પ્રત્યેનો ભેદભાવ ઘટયો છે. કલ્કી સુબ્રહ્મણ્યમ્ ખુદ ટ્રાન્સજેન્ડર છે. એણે પણ સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવી પોતાની જાતને સ્ત્રીમાં રૂપાંતરિત કરાવી છે. કલ્કી સુબ્રહ્મણ્યમ્ પાસે પોસ્ટગ્રેજ્યુએશનની ડબલ ડિગ્રી છે. છોકરામાંથી છોકરી બનેલી લક્ષ્મી ત્રિપાઠી નામની એક ટ્રાન્સજેન્ડર યુવતી મુંબઈમાં નવ જેટલી નૃત્યશાળાઓ ચલાવે છે. એણે ૧૨ નૂન એન્ટરટેઈનમેન્ટ નામની એક મેનેજમેન્ટ ફર્મ પણ શરૂ કરી છે. કંપનીના બોર્ડમાં તે એકલી જ ટ્રાન્સજેન્ડર યુવતી છે. તેણે ટેલિવિઝન પર દર્શાવાયેલા ‘સચ કા સામના’ ના શોમાં પોતાની જિંદગીની વાત હિંમતપૂર્વક કહી હતી. બીજી આવી કેટલીક ટ્રાન્સજેન્ડર યુવતીઓ હવે કરાટે પણ શીખે છે. સેક્સ ચેન્જ કરેલી વ્યક્તિઓને જો ભણેલી હોય તો તેમને નોકરીઓ આપવા પણ કેટલીક કંપનીઓએ તૈયારી દર્શાવી છે. કેટલાક સમય પહેલાં કિન્નરોની એક સૌંદર્ય સ્પર્ધા પણ ચેન્નાઈમાં યોજવામાં આવી હતી. આમ છતાં લાખ્ખો કિન્નરો હજુ ઉપેક્ષિત, યાતનાભર્યું અને અપમાનજનક જીવન જીવે છે તે એક કડવી વાસ્તવિકતા છે. સમાજ તેમને સન્માનપૂર્વક સ્વીકારે એ જરૂરી છે.

www.devendrapatel.in

હિમાલય મહાદેવ અને દેવી પાર્વતીનો દેહ છે

કારવા ગુજર ગયાગુબાર દીખતે રહે.

ઉત્તરાખંડ પર પ્રકૃતિએ તેના રૌદ્ર સ્વરૂપ દ્વારા આણેલી આફત પસાર થઇ ગઇ, પરંતુ હિમાલયની કંદરાઓ, એની નદીઓ, એનાં વૃક્ષો-વેલાઓ અને ખડકો એક ભયંકર કરુણાન્તિકાનાં મૂક સાક્ષી પણ છે અને સ્વયં પીડિત પણ છે. એક સાથે દસ હજાર માણસોને ભરખી જનાર આ વિભિષિકાએ અનેક પરિવારોને ખંડિત કરી દીધાં છે. કુદરતના આ ખોફ માટે ગમે તે પરિબળો જવાબદાર હશે પણ કેદારનાથ અને બદ્રીનાથની સાથે સંકળાયેલી તેના માહાત્મ્યની કથાઓ જાણવા જેવી છે.

હિમાલય મહાદેવ અને દેવી પાર્વતીનો દેહ છે

પુરાણકથા અનુસાર હિમાલય પર્વત તે સ્વયં ભગવાન શિવ અને માતા પાર્વતીજીનું અર્ધનારેશ્વર સ્વરૂપ છે. નેપાળમાં ઊભા રહીને જોવામાં આવે તો હિમાલય અલગ દેખાય છે અને ભારતની ભૂમિ પર ઊભા રહી નિહાળવામાં આવે તો હિમાલય જુદો દેખાય છે. નેપાળથી દેખાતા દૃશ્યમાં હિમાલય સખત, રૂખ અને પુરુષ જેવો લાગે છે જ્યારે ભારતમાંથી જોતા મૃદુ, કોમળ અને એક સ્ત્રી જેવો લાગે છે. આ શિવ અને પાર્વતીનું એક્ય થયેલું સ્વરૂપ છે. આ કારણથી આખીયે હિમાલયની પર્વતમાળા શક્તિપીઠોથી ભરેલી છે.

કથા એવી છે કે પૌરાણિક કાળમાં ઉત્તુંગ નામનો અસુર સૂર્યદેવને રિઝવવા આકરું હજારો વર્ષથી તપ કરી રહ્યો હતો. તે સૂર્યદેવતાને રાજી કરી અમરત્વ પ્રાપ્ત કરવા માંગતો હતો. સૂર્ય દેવતા તેના તપથી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. અસુર ઉત્તુંગે અમરત્વ માંગ્યું, પરંતુ સૂર્યદેવતાએ કહ્યું; ‘અમરત્વ તો ભગવાન શિવ જ આપી શકે તેથી તું એવું કાંઇક બીજું માંગ.’

અસુરે કહ્યું: ‘તો હે સૂર્યદેવતા! મને એક હજાર પડવાળું સહસ્ત્ર સુરક્ષા કવચ આપો, જેથી મને કોઇ મારી શકે નહીં.’

સૂર્યદેવતાએ તેના શરીર પર સહસ્ત્ર કવચ બક્ષ્યુ. અસુર ઉત્તુંગે એ સહસ્ત્ર કવચની તાકાતથી જગતના ત્રણેય ભુવન જીતી લીધા. એણે જ્યાં જ્યાં આક્રમણો કર્યા ત્યાં ત્યાં ભારે જુલ્મ વરસાવ્યો. એણે ઋષિઓને પણ પરેશાન કરી નાખ્યાં. આ અસુરના ત્રાસથી ત્રસ્ત ઋષિઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા. ભગવાન વિષ્ણુએ પણ એ સહસ્ત્ર કવચની શક્તિ સામે પોતાની અસહાયતા રજૂ કરતા કહ્યું: “એ સહસ્ત્ર કવચ એટલું શક્તિશાળી છે કે એ કવચથી સજ્જ અસુર ઉતુંગને મારવા માટે ૧૦,૦૦૦ વર્ષ તપ કરવું પડે.”

આ વાત સાંભળ્યા બાદ લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને સલાહ આપી : “તમે હિમાલય પર કેદારખંડ જાવ જ્યાં મહાદેવ શિવ અને પાર્વતી રહે છે ત્યાં એક દિવસની તપસ્યા એ ૧૦૦ વર્ષની તપસ્યા ગણાય છે એવી તે ભૂમિ છે.”

લક્ષ્મીજીની સલાહ બાદ ભગવાન વિષ્ણુ એક બાળકનું સ્વરૂપ લઇ શિવ અને પાર્વતી જ્યાં રહેતાં હતાં તે પર્ણકુટિ આગળ જઈ ઊભાં રહ્યા અને રડવા લાગ્યા. બાળકનો રડવાનો અવાજ સાંભળી પાર્વતીજી બહાર આવ્યાં. જોકે મહાદેવ શિવે પાર્વતીજીને બહાર ના જવા ચેતવ્યાં હતાં કારણ કે તેઓ તો જાણતા જ હતા કે, બાળકના સ્વરૂપમાં દેવી પાર્વતીને રિઝવવા ભગવાન વિષ્ણુ ખુદ આવ્યા છે. છતાં પાર્વતીજી બહાર આવ્યાં અને રડતાં બાળકને માતૃત્વની લાગણીથી અંદર લઇ આવ્યાં એટલે ભગવાન વિષ્ણુએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરીને અહીં આવવાનો હેતુ કહ્યો : “મારે અસુર ઉત્તુંગને મારવો છે, પણ તેની પાસે સહસ્ત્ર કવચ છે.”

પાર્વતીજી ભગવાન વિષ્ણુને બાળક તરીકે સ્વીકારી અંદર લઇ આવ્યાં હોઇ તેમણે ભગવાન વિષ્ણુને પણ પુત્ર તરીકે ગણી તેમને મદદ કરવા નિશ્ચર્ય કર્યો. પાર્વતીજીએ રસ્તો બતાવ્યો : “તમે આ ભૂમિ પર તપ કરી શકો છો અને અમે કેદારનાથ જઇશું. (જે આજનું કેદારનાથ છે)

એ પછી ભગવાન વિષ્ણુએ તપસ્યા શરૂ કરી એ સ્થળ આજનું બદ્રીનાથ કહેવાય છે. તે નર અને નારાયણનું સ્વરૂપ છે. એ પછી એક દિવસ નારાયણ તપસ્યા કરતા અને નર સહસ્ત્ર કવચ સામે લડતો. બીજા દિવસે નર તપસ્યા કરતો અને નારાયણ સહસ્ત્ર કવચધારી અસુર સામે લડતા. આ રીતે વારાફરતી નર અને નારાયણે યુદ્ધ કરી અસુરના ૯૯૯ સહસ્ત્ર કવચ તોડી નાખવામાં આવ્યા. અસુર ઉત્તુંગ હવે ગભરાયો. તે ફરી સૂર્યદેવતાના શરણમાં ગયો અને વિનંતી કરી કે, ‘ભગવાન વિષ્ણુને કહો કે, હું આપનુ દીધેલુ સુરક્ષા કવચ ધારણ કરતો હોઇ મને હવે જવા દે અને મારી હત્યા ના કરે.”

ભગવાન વિષ્ણુએ સૂર્ય દેવતાની એ વિનંતીને માન્ય રાખી અને તે પછી ભગવાન વિષ્ણુએ અસુર ઉત્તુંગને જવા દીધો, પરંતુ તેને કહ્યું કે, “તારી પાસે હવે એક જ કવચ બચ્યું છે જેને હું બીજા યુગમાં ખતમ કરી નાંખીશ.”

એ પછી દ્વાપર યુગમાં સહસ્ત્ર કવચ અસુર મહાભારતના કર્ણ તરીકે જન્મ્યો. કર્ણના ઇષ્ટદેવ પણ સૂર્યદેવતા જ હતા. મહાભારતના યુદ્ધ વખતે ભગવાન કૃષ્ણને ખબર હતી કે કર્ણ પાસે કવચ ને કુંડળ છે તેથી પાંડવો તેને હણી શકશે નહીં. ભગવાન કૃષ્ણએ કર્ણને છેતરીને કર્ણનું એક માત્ર અને છેલ્લુ કવચ પણ માંગી લીધું. અને યુદ્ધમાં અર્જુને કવચ રહિત થઇ ગયેલા કર્ણને હણ્યો.

– આ કથા છે કેદારનાથ અને બદ્રીનાથની. આ બંને યાત્રાધામો સાથે ભગવાન શિવ અને પાર્વતીજી, ભગવાન વિષ્ણુ અને પાંડવોની કથા સંકળાયેલી છે. મહાભારતના યુદ્ધ પછી પાંડવો પોતાના સ્વજનોને હણવાના કારણે દુઃખી હતા. એ ભયંકર યુદ્ધમાં સ્વજનોને મારી નાખવાના કૃત્યની માંફી માંગવા પાંડવો મહાદેવ શિવ પાસે કેદારનાથ ગયા હતા. બદ્રી વિશાલ પણ પાર્વતીજીના પુત્રનું પવિત્ર સ્થાન છે.

– આવા પવિત્ર સ્થાન પર વિકાસના નામે ગંગા જેવી પવિત્ર નદીઓનાં શ્વાસ રુંધી નાંખી જે ડેમ બનાવવામાં આવ્યા અને જે રીતે હિમાલયની તીર્થ ભૂમીને સુરંગો દ્વારા વિસ્ફોટોનો ભોગ બનાવવામાં આવી તે માત્ર અર્ધાિમક જ નહી પરંતુ અવૈજ્ઞાનિક કૃત્ય પણ હતું.

વાત આટલેથી અટકતી નથી. ચારધામના રક્ષક ગણાતાં ધારા દેવીનું એક મંદિર અલકનંદા નદીનાં કિનારે શ્રીનગર (ગહેરવાલ) ખાતે આવેલું છે. ધારાદેવી (કાલી) તે દેવી પાર્વતી અને ગંગાનું અજોડ સ્વરૂપ છે. આ દેવીનું મંદિર ખુલ્લુ છે. દેવી ભાગવતમાં કરવામાં આવેલા ઉલ્લેખવા ૧૦૮ શક્તિપીઠો પૈકીની તે એક શક્તિપીઠ છે. દેવીનું શરીર શ્રીયંત્ર જેવું છે. કહેવાય છે કે ઇ.સ. ૧૮૮૨માં બ્રિટિશ શાસન દરમિયાન દેવીના આ મંદિરને ખસેડવાની હિલચાલ થઇ હતી. અને કેદારનાથમાં ભયંકર કુદરતી આફત સર્જાઇ હતી. એનાં વર્ષો બાદ એ નદી પર બંધ બાંધવા માટે ધારા દેવીની ર્મૂિતને ખસેડવામાં આવી. સ્થાનિક લોકોએ ઘણો વિરોધ કર્યો અને કહ્યું : “સૂતેલાં દેવીના સ્વરૂપને ખલેલ પહોંચાડશો તો દેવી ક્રોધે ભરાશે.”

પરંતુ વિકાસની આંધળી દોટ લગાવનાર રાજકારણીઓએ અને બ્યૂરોક્રેટસએ કોઇની વાત ના સાંભળી. દેવીની ર્મૂિત હટાવી દેવાઇ અને ડેમ બાંધી દેવાયો.

આ કથા અને માન્યતાને માત્ર ર્ધાિમક લાગણી કહો કે અંધશ્રદ્ધા- પરિણામ નજર સમક્ષ છે. ડેમ બંધાયો અને નદીનો કુદરતી માર્ગ અવરોધાયો- પરિણામ નજર સમક્ષ છે. ભગવાનને પ્રકૃતિને અને વિજ્ઞાનને નારાજ કરવા માટે આપણી પાસે કારણો મોજૂદ છે.

દેવોને પણ નારાજ કર્યા – વિજ્ઞાનને પણ કેદારનાથ અને બદ્રીનાથની પુરાણકથા
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

હું સોનિયા ગાંધીની પ્રશંસક છું : મરિયમ શરીફ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.

પાકિસ્તાનની First Daughter

પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન નવાઝ શરીફનાં તેઓ પુત્રી છે. નવાઝ શરીફના પરિવારમાંથી રાજનીતિમાં પદાર્પણ કરી રહેલાં મરિયમ શરીફ ભવિષ્યમાં તેમના પિતાની પાર્ટીનું નેતૃત્વ સંભાળશે. એક જમાનામાં જે રીતે બેનઝીર ભુટ્ટોનું નામ પાકિસ્તાનનાં ઘરઘરમાં જાણીતું હતું તે રીતે મરિયમ શરીફનું નામ પણ આજે જાણીતું છે. ૩૮ વર્ષની વયનાં મરિયમ શરીફ નવાઝ શરીફનાં ચાર સંતાનો પૈકી બીજા નંબરનાં છે. નવાઝ શરીફને બે પુત્રો અને બે પુત્રીઓ છે.

હું સોનિયા ગાંધીની પ્રશંસક છું : મરિયમ શરીફ

નવાઝ શરીફ પાકિસ્તાનમાં એક ખ્યાતનામ ઔદ્યોગિક પરિવારમાંથી આવે છે. તેમનાં પુત્રી મરિયમ શરીફ તેમના પિતા જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે પિતાની કચેરીના જ એક નિકટના સાથીના પ્રેમમાં પડયાં હતાં અને લગ્ન પણ કરી લીધાં હતાં. તેઓ હવે બે દીકરીઓ અને એક પુત્રનાં માતા છે. મરિયમ શરીફે અંગ્રેજી સાહિત્યના વિષયમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરેલી છે. હમણાં તેઓ નાઈન ઇલેવનની ઘટના પછીના પાકિસ્તાનના નવિનીકરણના વિષય પર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પીએચડી કરી રહ્યાં છે.

પાકિસ્તાનના વડાપ્રધાન તરીકેની સોગંદવિધિ પછી તરત જ એ સાંજે નવાઝ શરીફ અને તેમનાં પત્ની કુલસુમ શરીફે ઘરમાં એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં જે થોડા ઘણાં મહેમાનોને આમંત્રણ હતું તેમાં ભારતના સુપ્રસિદ્ધ અંગ્રેજી અખબાર’હિન્દુસ્તાન ટાઈમ્સ’ ના હરિન્દર બાવેજા પણ હતા.

નવાઝ શરીફ પૂરાં ૧૪ વર્ષના વનવાસ બાદ પાકિસ્તાન પાછા ફર્યા હતા. ૧૯૯૯માં તેમની સરકાર સામે લશ્કરે બળવો કર્યો ત્યારે આ જ નિવાસસ્થાનમાં તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. નવાઝ શરીફને ઉથલાવીને પાકિસ્તાન લશ્કરના વડા જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના શાસક બની ગયા હતા. નવાઝ શરીફના વડાપ્રધાન તરીકેના નિવાસસ્થાનની બહાર જનરલ પરવેઝ મુશર્રફે ટેન્કો ગોઠવી દીધી હતી.

પાકિસ્તાનનાં ફર્સ્ટ લેડી કુલસુમ શરીફ એ દુઃખદાયક દિવસોને યાદ કરતાં બારીની બહાર જોઈ રહે છે.

એમને યાદ છે કે એક દિવસ આ બારીની બહાર જ ટેન્કો ગોઠવાયેલી હતી. એમના પતિ સામે થયેલા આક્ષેપોના કારણે એક જેલમાંથી બીજી જેલમાં પતિને મોકલવામાં આવતા હતા. બચાવ માટે કુલસુમ શરીફે એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં ધક્કા ખાવા પડતા હતા પણ તેમને અલ્લાહ પર ભરોસો હતો. ફર્સ્ટ લેડીના ટેબલ પર જ બેઠેલાં તેમનાં દીકરી મરિયમ શરીફ કહે છે : લશ્કરના બળવાની વાત જવા દો. ચાલો, આપણે બીજા વિષયો પર વાત કરીએ.

“તમે કયાં કારણસર રાજનીતિમાં આવ્યાં? ” એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું : “કોઈ એક ઘટનાને કારણે હું રાજનીતિમાં આવી નથી. અમારા ઘરમાં જ રાજનીતિનું વાતાવરણ રહ્યું છે. અમે ખાતાં કે પીતાં પણ રાજનીતિમાં છીએ. હું મારા પિતાના તમામ મુશ્કેલ સમયમાં તેમની પડખે ઊભી રહી છું. અમે કોર્ટના અને જેલોના ધક્કા ખાધા છે. વર્ષો સુધી દેશની બહાર રહેવું પડયું છે,પરંતુ આજે ફરી વડાપ્રધાનના નિવાસસ્થાનમાં છીએ અને એ કારણે જ હું મારાં માતા-પિતાના પગલે ચાલી રહી છું.

“તમારા ભાઈઓ કેમ નહીં ?” એ પ્રશ્નના જવાબમાં મરિયમ શરીફ કહે છે : “રાજનીતિ માટે એક લગાવ અને સમર્પણની ભાવના જોઈએ. તેમાં ધીરજની પણ કસોટી થાય છે. મારા ભાઈઓ જેદાહ અને લંડનમાં રહે છે. તેઓ બિઝનેસમાં વ્યસ્ત છે. તેઓ એકદમ પ્રાઈવેટ લાઈફ જીવે છે. રાજનીતિમાં તમારે ચોવીસે કલાક પ્રજા માટે ઉપલબ્ધ રહેવું પડે છે. રાજનીતિ એ બાલમંદિર નથી. તમે ૧૮૦ મિલિયન લોકોની જિંદગી સાથે રમત રમી શકો નહીં.”

તમે દેશની બહાર રહ્યાં તે કેવો અનુભવ હતો? એ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે : “અમને સાઉદી અરેબિયા જવાની પરવાનગી મળી તે પહેલાં હું અને મારી માતા નજરકેદ હતાં. અમારી પર ખોટા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. મારાં બાળકો પણ બહુ જ નાનાં હતાં. અમે બધાં સાઉદી અરેબિયામાં એકબીજાની પડખે ઊભાં રહ્યાં હતાં. એ દેશનિકાલ દરમિયાન જ હું મોટી થઈ. એ સમયગાળાએ અમને ઘણું શીખવ્યું. કોઈનીયે પ્રત્યે કડવાશ કે બદલાની ભાવનાથી દૂર રહેવાનું શીખવ્યું અને અમે એક સારી વ્યક્તિ તરીકે ઉભર્યા. હા, અમને પાકિસ્તાન પાછા ફરવાની ઇચ્છા સતત થતી રહી.

મરિયમ કહે છે : ” મારા દાદા અમારી સાથે સાઉદી અરેબિયામાં જ હતા. તેઓ ગુજરી ગયા ત્યારે મારા પિતાને અમારા દાદાના મૃતદેહને પાકિસ્તાન લઈ જઈ પાકિસ્તાનમાં જ તેમની અંતિમક્રિયા માટે પરવાનગી આપવામાં આવી ન હતી. અને આજે તમે જુઓ. આ કામ કરનાર પૂર્વ જનરલ પરવેઝ મુશર્રફ જ પાકિસ્તાનમાં તેમના ઘરમાં નજરકેદ છે. પાકિસ્તાન વર્ષો સુધી તેમની સરમુખત્યારશાહીના આંચળા હેઠળ રહ્યું. આજે પાકિસ્તાનમાં લોકશાહી છે. ત્રાસવાદથી ત્રસ્ત પાકિસ્તાનની ચૂંટણીઓ દરમિયાન ૫૦થી ૬૦ ટકા લોકો મતદાન માટે બહાર આવે તે એક મોટી સિદ્ધિ છે. એક વખતે વિશ્વ પાકિસ્તાનને શંકાની નજરે જોતું હતું. આજે લોકશાહીના પુનઃ સ્થાપનથી એ જ લોકો પાકિસ્તાનની પીઠ થાબડે છે. મને પાકિસ્તાની હોવાનો ગર્વ છે.”

“તમારા રોલ મોડેલ કોણ છે?” પાકિસ્તાનના સંદર્ભમાં બેનઝીર ભુટ્ટો તમારા રોલ મોડલ કહી શકાય?” એ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે : “હું બેનઝીર ભુટ્ટોને રિયાધમાં મારા પિતાની સાથે એક જ વાર મળી છું. મને તેમની નમ્રતા ગમી હતી. હું વ્યક્તિવિશેષમાં માનું છું, પરંતુ મારા માટે કોઈ રોલ મોડેલ હોય તો તે મારી મા છે. જેણે પાકિસ્તાનમાં લશ્કરના બળવા પછી એક સરમુખત્યારને પડકારવાની હિંમત કરી અને લોકશાહીની પુનઃ સ્થાપના માટે નિર્ભય બની સંઘર્ષ કર્યો. એ જ રીતે ભારતમાં ભારત સાથેની એકાત્મકતા માટે અને ભારતમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરનાર સોનિયા ગાંધીની પણ પ્રશંસક છું. એ જ રીતે એક શક્તિશાળી પતિના પ્રભાવથી બહાર નીકળીને પોતાના વ્યક્તિત્વને આગવી રીતે વિકસાવનાર હિલેરી ક્લિન્ટનની પણ હું પ્રશંસક છું.

“તમે એક વારસાગત રાજનીતિ પરિવારમાંથી આવો છો એટલા માટે તો તમે આમ કહી રહ્યાં નથીને?” એ ટિપ્પણીના સંદર્ભમાં તેઓ કહે છે : હું નવાઝ શરીફની દીકરી છું. તે માટે મને કોઈ ખેદ નથી. હું નવાઝ શરીફ પરિવાર સાથે જોડાયેલી છું તેનો મને ગર્વ છે. આ તો એક સુંદર લિગસી છે. હું માનું છું કે વારસાગત રાજનીતિ એ લોકોની જ ઇચ્છા અને પસંદ છે.”

“તમે ભારત વિષે વિચારો છો ત્યારે તમને પહેલો ખ્યાલ શું આવે છે? એ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, ઝીરો કોન્ફ્લિક્ટ. કોઈ પણ જાતનો સંઘર્ષ નહીં. ભારત માટે હું વિચારું છું ત્યારે મને વેપાર ધંધો, ભારત સાથે સારા સંબંધો અને શાંતિના જ વિચારો આવે છે. યુદ્ધ હવે આઉટ ઓફ ડેટ શબ્દ છે. અમે ભારત સાથે ફરી તંતુ જોડવા માંગીએ છીએ. મારા પિતા જ્યારે પણ ભારત જશે ત્યારે તેઓ મને અચૂક તેમની સાથે લઈ જશે. હું ભારતની મુલાકાતનો ઇન્તજાર કરું છું. “

“શું તમે સરકારમાં જોડાશો?” એ પ્રશ્નના જવાબમાં મરિયમ શરીફ કહે છે : હું આગાહીઓ ન કરવાનું શીખી છું. હું વડાપ્રધાનની ઓફિસમાં કામ કરીશ. પણ કોઈ પણ જાતના હોદ્દા કે ટાઈટલ વિના. નવાઝ શરીફ નિર્ણયો લેશે અને તે નિર્ણયોનો અમલ કરાવવા હું ઓવરટાઈમ કામ કરીશ.”

( સ્રોત અને સૌજન્યઃ હરિન્દર બાવેજા : હિન્દુસ્તાન ટાઈમ્સ. )

www.devendrapatel.in

એ રાત્રે મધુએ ખતરનાક યોજનાને અંજામ આપ્યો

મધુ ત્રણ બાળકોની માતા હતી, પરંતુ તે પોતાને કુંવારી સાબિત કરવા માંગતી હતી

તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ મુરાદાબાદના ડિપ્ટીગંજ વિસ્તારમાં સવારસવારમાં લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. ત્રણ માળના મકાનમાં ત્રણ બાળકોની રહસ્યમય હત્યા થઈ ગઈ હતી. એ ત્રણ બાળકોની મા મધુ બેહોશ થઈ ગઈ હતી. ત્રણેય બાળકોની લાશ એક જ પલંગ પર પડી હતી. પોલીસે તપાસ શરૂ કરી. મકાનના નીચલા હિસ્સામાં મધુની મા કાંતા રહેતી હતી. વચલા માળે મધુ તેનાં ત્રણ બાળકો સાથે રહેતી હતી. ઉપરના માળે મધુનો ભાઈ પવન અને ભાભી મંજુ રહેતાં હતાં. મધુ ભાનમાં આવી અને એણે કહ્યું: ”સાહેબ, મારી ભાભીને હું અહીં રહું તે પસંદ નહોતું. એણે જ કાંઈક કર્યું છે.”

એ રાત્રે મધુએ ખતરનાક યોજનાને અંજામ આપ્યો

પોલીસે મધુની ભાભીની પૂછપરછ કરી પણ તેમાંથી કાંઈ મળ્યું નહીં. પોલીસે મધુના ઘરની તપાસ કરી તો તેના કબાટમાંથી એક ડાયરી અને બ્રાન્ડેડ કંપનીઓના પાંચ મોબાઈલ નીકળ્યા. ડાયરીમાં લખેલા ફોન નંબરોની તપાસ કરી તો ખબર પડી કે કેટલાંક શ્રીમંત નબીરાઓના એ નંબર હતા. એક મોબાઈલ પરથી મધુએ જેને સહુથી વધુ ફોન કર્યા હતા તે વ્યક્તિની તપાસ શરૂ કરી. પોલીસે તપાસ આગળ વધારી. મધુ જેની સાથે સહુથી વધુ વાતચીત કરી હતી તે યુવકનું નામ પ્રતીક રસ્તોગી હતું. પ્રતીકે કબૂલ કર્યું કે , ”હા…. હું મધુ સાથે રોજ વાતચીત કરતો હતો. હું મધુને ચાહું છું. અમારાં લગ્ન થવાના હતાં.”

પોલીસ સ્ટેશનમાં મધુ અને પ્રતીકને એકબીજાની સામે ઊભાં કરી દેવાયાં ત્યારે મધુ પ્રતીકને જોઈ ચોંકી ગઈ. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં વાત કાંઈક આવી બહાર આવીઃ મધુના પિતાનું ઓછી વયે જ અવસાન થઈ ગયું હતું. મધુ અને તેની બહેન મીનાને તેમની માતા કાંતા દેવીએ ઉછેર્યાં હતા. મધુ ૧૫ વર્ષની હતી ત્યારે જ તેને રામનગર- ઉત્તરાખંડના એક સીધા સાદા વ્યક્તિ સાથે પરણાવી દીધી હતી. મધુ ચંચળ હોઈ તેને તેનો સરળ પતિ પસંદ ના આવ્યો અને તે કાયમ માટે તેની મા પાસે રહેવા આવી ગઈ.

મધુ હવે ૧૬ વર્ષની થઈ. કાંતા દેવીએ મધુનું બીજુ લગ્ન કરવા નક્કી કર્યું. નજીકના જ ગામમાં રહેતા બાબુરામ નામના માણસ સાથે મધુને પરણાવી દીધી. બાબુરામને કરિયાણાની દુકાન હતી. બાબુરામથી મધુ ક્રમશઃ ત્રણ સંતાનોની માતા બની. એકનું નામ અભિષેક, બીજાનું નામ ગુડ્ડુ અને ત્રીજાનું નામ સૂરજ રાખ્યું. બાબુરામ દુકાનમાં વ્યસ્ત રહેતો હતો પણ મધુ આવારા હતી. તેને બહાર ફરવા જવાનું ગમતું હતું. પણ બાબુરામ પાસે સમય રહેતો નહોતો. મધુને હવે બાબુરામ પણ ગમતો નહોતો. પતિથી અસંતુષ્ઠ મધુ તેનાં ત્રણેય નાનાં બાળકોને લઈ ફરી તેની માતા કાંતા દેવી પાસે આવી ગઈ. બાબુરામે મધુને બહુ સમજાવી પણ તેણે પતિના ઘેર જવા ઈનકાર કરી દીધો. એક વાર બાબુરામે આક્રમક થઈ મધુને પોતાના ઘેર પાછા ફરવા કહ્યું તો મધુએ પતિ સામે જ પોલીસ ફરિયાદ કરી દીધી અને   બાબુરામને થોડા દિવસ જેલમાં રહેવું પડયું. તે પછી બાબુરામ કદી મધુને લેવા ગયો નહીં.

પતિ સાથે છેડો ફાડી નાખ્યાં બાદ પિયરમાં જ રહેતી મધુ હવે છોકરાંઓની સાર સંભાળ માટે નોકરી શોધવા લાગી. મધુની માસીની દીકરી સીમા સંભલ નામના નગરમાં રહેતી હતી. એક દિવસ તે નોકરી શોધવા સીમા પાસે ગઈ. સીમાએ સંભલના કમલકાંત સૂરી નામના શાહુકાર પાસેથી પૈસા ઉધાર લીધા હતા. દર મહિને તે હપ્તો ચૂકવવા જતી. એ દિવસે મધુ સંભલ ગયેલી હતી. સીમા પોતાની સાથે મધુને પણ કમલકાંત સૂરી પાસે લઈ ગઈ. મધુને જોતાં જ ૬૦ વર્ષની વયના કમલકાંત સુરીની નજર તેની પર સ્થિર થઈ ગઈ. કમલકાંત સૂરી ઐયાશ હતો એણે સીમાને પૂછયું: ” આ કોણ છે?”

સીમાએ કહ્યું: ”આ મારી બહેન મધુ છે. ત્રણ બાળકોની મા છે. તેનો પતિ ઠંડો છે. હવે એ બિચારી તેની મા પાસે જ રહે છે. નોકરી શોધે છે.”

કમલકાંત સુરી ઉસ્તાદ હતો. એણે મધુને સારામાં સારી નોકરી અપાવવાનો વાયદો કર્યો. તેણે મધુને પોતાનો મોબાઈલ નંબર આપ્યો અને બે દિવસ પછી મળવા આવવા કહ્યું. બે દિવસ પછી એકલી મધુ જ કમલકાંત સુરીને મળી. કમલકાંતને મીઠી મીઠી વાતો કરી મધુને પોતાની શબ્દજાળમાં ફસાવી દીધી. એ પછી બેઉ વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા. સૂરીએ મધુને આર્િથક મદદ પણ કરવા માંડી. મધુને હવે આવક થવા લાગી. ધીમે ધીમે કમલકાંત સૂરીએ મધુની ઓળખ કેટલાંક શ્રીમંત નબીરાઓ સાથે કરાવવા માંડી. મધુ તેમની પાસે પણ જવા લાગી. મધુનું પર્સ હવે ભરાયેલું રહેવા લાગ્યું. એ આવકમાંથી મધુએ ડિપ્ટીગંજ વાળું મકાન ત્રણ માળનું બનાવી દીધું. હવે રોજ નવી નવી ગાડીઓ મધુને લેવા અહીં આવવા લાગી.

કરીબ સાત મહિના પહેલાંની વાત છે. એક દિવસ મધુ બસમાં બેસી સંભલથી મુરાદાબાદ આવી રહી હતી. બસમાં તેની મુલાકાત પ્રતીક રસ્તોગી નામના એક સોહામણા યુવાન સાથે થઈ. પ્રતીક પણ મુરાદાબાદમાં જ રહેતો હતો. તેનાં આર્ટિફિસિયલ જ્વેલરીનો શો રૂમ હતો. મધુ પણ સુંદર હતી. હજુ નાની જ લાગતી હતી. પ્રતીક રસ્તોગીને તેની સાથે વાત કરવાનું સારું લાગ્યું. બસમાં જ તેમણે એકબીજાને તેમના મોબાઈલ નંબર આપ્યા. બસ રાત્રે મુરાદાબાદ બસ સ્ટેન્ડ પર ઊતરી. પ્રતીકે મધુને કહ્યું: ”બસ સ્ટેન્ડ પર જ મારી મોટરબાઈક પડી છે, ચાલો તમને ઘેર મૂકી જાઉં.”

મધુએ હા પાડી. પ્રતીક રસ્તોગીએ મધુને ડિપ્ટીગંજ વિસ્તારમાં એના ઘર પાસે મધુને ઉતારી દીધી. એ પછી બંને વચ્ચે રોજ વાત થવા લાગી. બેઉ મળવા લાગ્યાં. બંને ભાવનાત્મક રીતે એકબીજાની કરીબ આવ્યાં. પ્રતીકે વાતવાતમાં કહી દીધું: ”હું પણ તારા જેવી સુંદર અને કુંવારી છોકરી સાથે લગ્ન કરવા માંગું છું.”

મધુ સહેજ વિચારમાં પડી ગઈ. તે હવે પ્રતીકને ચાહવા લાગી હતી. તે પરણેલી છે એમ કહી દે તો પ્રતીક એને છોડી દેશે તેવી બીકથી મધુએ પોતે કુંવારી જ છે એમ કહ્યું: તે ત્રણ બાળકોની માતા છે તે વાત તેણે છુપાવી. પ્રતીક પાસે પૈસા પણ ઘણા હતા. તે હવે મધુને અવારનવાર બહાર ફરવા લઈ જવા માંડયો. દર અઠવાડિયે તેઓ જુદાં જુદાં શહેરોમાં ફરવા જતાં. હોટલમાં પણ રોકાતા. પ્રતીકે તેના ઘરમાં વાત પણ કરી દીધીઃ ”હું મધુ નામની છોકરીને ચાહું છું. તે કુંવારી છે. તેની સાથે લગ્ન પણ કરવા માગુ છું.”

મધુ પણ પ્રતીકના પ્યાર- મહોબ્બતથી ખુશ હતી કે કોઈ પણ ભોગે પ્રતીકને ગુમાવવા માંગતી નહોતી. સવાલ એટલો જ હતો કે તે ત્રણ બાળકોની મા છે તે વાત હજુ તેણે પ્રતીકથી છુપાવી રાખી હતી. પોતે અવિવાહિત જ છે એમ તે બોલતી રહી. પ્રતીકે મધુને બેહદ ચાહતો હતો એની એક જ શરત હતી કે ”મધુ તારે મારી આગળ કદી જુઠ્ઠું બોલવું નહીં.”

મધુને હવે ચિંતા થવા લાગી કે જે દિવસ પ્રતીકને ખબર પડી જશે કે તું ત્રણ બાળકોની મા છે ત્યારે શું ? પ્રતીકના પ્રેમમાં પાગલ મધુને એ ક્ષણે ભયંકર વિચાર આવી ગયોઃ ”મારાં બાળકોને જ આ દુનિયામાંથી રવાના કરી દઉં તેમનું અસ્તિત્વ જ ના હોય તો પુરાવો પણ ના રહે ને!”

મધુએ પ્રતીકને પામવા પોતાનાં ત્રણેય બાળકોને મારી નાંખવા નિર્ણય કર્યો. પહેલાં તો તેણે ત્રણે બાળકોને ગંગા નદીના કિનારે લઈ જઈ નદીમાં ધક્કો મારી દેવા વિચાર્યું. પરંતુ એમ કરતાં કોઈ જોઈ જાય અથવા તો કોઈ બાળકોને બચાવી લે તો? એ વિચાર એને પડતો મૂક્યો. એ પછી એણે એની ખતરનાક યોજના પાર પાડવા બીજો વિકલ્પ ઝેરના ઉપયોગનો વિચાર્યો. બીજા જ દિવસે તે બજારમાં ગઈ અને બજારમાંથી ખેતીમાં વપરાતી જંતુનાશક દવા લઈ આવી. તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ પોતાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવા નિર્ણય કર્યો. રાત્રે એણે ખોરાકમાં જ ઝેર ભેળવી દીધું. એ વખતે તેનો નાનો છોકરો સૂરજ રડી રહ્યો હતો. પણ તેની આંખમાં પ્રતીક સાથે લગ્ન કરવાનું ભૂત સવાર હતું. બાળકોની આંખોમાં રહેતી વાત્સલ્યની તૃષા એને ના દેખાઈ. બાળકો કરતાં પ્રતીક એને વધુ વહાલો દેખાતો હતો. મધુએ ખોરાકની સાથે દૂધમાં પણ જંતુનાશક દવા ભેળવી દીધી. અને બાળકોને એ ઝેરી ખોરાક ખવરાવી ઝેરી દૂધ પણ પીવરાવી દીધું. નવ વર્ષનો અભિષેક ઊલટીઓ કરી ચીસો પાડવા લાગ્યો. કોઈ સાંભળી જશે એવી બીકથી મધુએ અભિષેકનું ગળું દબાવી દીધું. થોડીવાર તરફડીને તે શાંત થઈ ગયો. એ જ રીતે ૭ વર્ષનો ગુડ્ડુ અને પાંચ વર્ષનો સૂરજ પણ તડપી તડપીને મૃત્યુ પામ્યા.

પોતાની આ ખતરનાક યોજનાને અંજામ આપ્યા બાદ એણે ઊલટીવાળી ચાદર બદલી નાખી અને તેની ઉપર મૃત બાળકોને સુવરાવી દીધા અને ઊંઘી ગઈ છે તેવું નાટક કરીને તે પણ મૃત બાળકોની બાજુમાં જ સુઈ ગઈ. સવારે કોઈ કેમ ઊઠયું નથી તેની તપાસ કરવા તેનો ભાઈ પવન નીચે આવ્યો ત્યારે મધુ બેહોશીનું નાટક કરીને સૂતેલી હતી. પણ ત્રણ બાળકો મૃત્યુ પામી ચૂક્યાં હતાં. ત્રણેય બાળકોને નિર્જિવ જોઈ મધુએ બુમો પાડી. લોકો એકઠા થઈ ગયા. પોલીસ પણ આવી ગઈ પરંતુ મધુના મોબાઈલ ફોન પરની કોલ ડિટેઈલ્સના આધારે મધુના પ્રતીક રસ્તોગી સાથેના સંબંધો પ્રકાશમાં આવ્યા. અત્યાર સુધી પ્રતીકને પણ ખબર નહોતી કે મધુ ત્રણ બાળકોની માતા છે. પોલીસની પૂછપરછમાં જ મધુએ કબૂલ કર્યું: ”પ્રતીક સાથે લગ્ન કરવા હું કુંવારી છું તેવું દર્શાવવા જ મેં મારાં ત્રણેય બાળકોને મારી નાખ્યા.”

મધુ હવે જેલમાં છે. મધુ ‘મા’ના નામ પર એક કલંક છે. કળીયુગ એની પરાકાષ્ટાએ છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén