Devendra Patel

Journalist and Author

Month: November 2015

મારા પતિ ઈન્દિરાના પ્રેમમાં પડયા તે પહેલાં સારા હતા

એનું નામ શંકર ઉર્ફે જયશંકર છે.

૩૩ વર્ષની વયનો આ ટ્રક ડ્રાઈવર અત્યાર સુધીમાં ૩૩ ખૂન અને એટલાં જ બળાત્કાર કરી ચૂક્યો છે. કર્ણાટક અને તામિલનાડુની પોલીસને કેટલાયે સમયથી તેની તલાશ હતી.

શંકર તામિલનાડુના પનાંગકટ્ટુરાઈ નામના નાનકડા ગામનો વતની છે. આ ગામ સાલેમ જિલ્લામાં આવેલંું છે. પોતે પરણેલો હોવા છતાં ગામમાં રહેતી ઈન્દિરા નામની એેક પરિણીત સ્ત્રીના તે પ્રેમમાં પડી ગયો હતો. ઈન્દિરાનો પતિ બહાર ગયેલો હોય ત્યારે શંકર તેના ઘેર પહોંચી જતો. ઈન્દિરાનો પતિ તામિલનાડુ પોલીસ ડિપાર્ટમેન્ટનો પોલીસ કોન્સ્ટેબલ છે. ઈન્દિરાએ એક દિવસ શંકરને કહ્યું: ”મને મારો વર ગમતો નથી. તું હવે મારી સાથે લગ્ન કરી લે.” શંકર ઈન્દિરા સાથે પરણવા માંગતો નહોતો. ઈન્દિરા તેની પર લગ્ન માટે સતત દબાણ કરતી. એક દિવસ શંકરે કહ્યું: ”ચાલ ઈન્દિરા, આપણે દૂર દૂર ક્યાંક ફરવા જઈએ.”

શંકર ઈન્દિરાને જંગલમાં એકાંત સ્થળે લઈ ગયો. પહેલાં તેની પર બળાત્કાર કર્યો અને તે પછી ધારદાર ચાકુ ઈન્દિરાની છાતીમાં ભોંકી દીધું. ઈન્દિરા લોહીલુહાણ થઈ ત્યાં જ ઢળી પડી. લાશને જંગલમાં છોડીને શંકર ભાગી ગયો.

ઈન્દિરા ઘેર ના આવતાં તેના પોલીસ કોન્સ્ટેબલ પતિએ પત્નીની શોધ શરૂ કરી, ઈન્દિરાની લાશ જંગલમાંથી મળી આવી. ગામના કેટલાક લોકાએ ઈન્દિરા અને શંકરને સાથે જંગલ તરફ જતા જોયા હતા. ઈન્દિરાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસ શકના આધારે શંકરને પકડવા તેના ઘેર જઈ, પણ શંકર ભાગી છૂટયો હતો. ઘરમાં તેની પત્ની પરમેશ્વરી અને ત્રણ દીકરીઓ યમુના, થેનીમોઝી અને શ્રીમતિ એટલાં જ હાજર હતા.

એક પોલીસ કોન્સ્ટેબલની પત્નીનું ખૂન થયું હોય તામિલનાડુ પોલીસને શંકરની તપાસ માટે પૂરી તાકાત લગાવી દીધી અને એક દિવસ તે પકડાઈ ગયો. તેને કોઈમ્બતુરની જેલમાં પૂરી દઈ તેની સામે કોર્ટમાં હત્યા અને બળાત્કારનો કેસ મૂકી દીધો. પોલીસ દર અઠવાડિયે શંકરને પોલીસવાનમાં બેસાડી કોર્ટમાં લઈ જતી હતી. એક દિવસ કોર્ટમાં સુનાવણી પત્યા પછી પોલીસ તેને જેલમાં પાછી લઈ જતી હતી ત્યારે શંકર પોલીસને થાપ આપી ભાગી જવામાં સફળ થયો.

એ પછી શંકર કદી તેના ઘેર પાછો ના ગયો. પોલીસની નજરમાંથી બચવા તે સતત છુપાતો રહ્યો પરંતુ ખાસ કરીને તે તામિલનાડુના તુમકુર અને ચિત્તાદુર્ગ જિલ્લામાં ગુપ્ત સ્થળે સંતાતો રહ્યો.

અલબત્ત આ દરમિયાન હાઈવે પર એકલ દોકલ ફરતી શ્રમજીવી મહિલાઓને તેની કિલિંગ ઈન્સ્ટિંક્ટનો શિકાર બનાવતો રહ્યો. એકાંતમાં ક્યાંય પણ કોઈ સ્ત્રી દેખાય તો તેની સાથે વાતો કરતો પછી તેને ખાવાનું આપી લલચાવતો, એકાંત સ્થળે તેની પર બળાત્કાર કરતો અને તે પછી ધારધાર ચાકુ તે સ્ત્રીની છાતીમાં ઘુસાડી દેતો. પોલીસને થાપ આપી ભાગી છૂટયા બાદ તેણે તુમકુર જિલ્લાના નેલાનીલ ગામની ત્રણ સ્ત્રીઓ પર બળાત્કાર કરી તેમની હત્યા કરી નાંખી. એણે એ ત્રણેય સ્ત્રીઓના ઘર પણ સળગાવી દીધા. ગામમાં હાહાકાર મચી ગયો પરંતુ શંકર ભાગી છૂટયો.

એ પછી એ જિલ્લો અને ગામ બદલી નાંખતો. નવા નવા ગામોના નિર્જન રસ્તા તેના માટે ગુનાખોરીના આદર્શ સ્થળ હતા. એક પછી એક એમ અલગ અલગ સ્ત્રીઓને પકડતો. બળાત્કાર કરતો અને તેમને મારી નાખતો. તેની આ ગુના પદ્ધતિના આધારે અત્યાર સુધીમાં તે ૧૯ સ્ત્રીઓની હત્યા કરી ચૂક્યો હતો.

હવે તેણે બીજી ચાર સ્ત્રીઓની એ જ પદ્ધતિથી હત્યા કરી નાંખી. બધી જ સ્ત્રીઓ સામાન્ય અને ગરીબ પરિવારની હતી. શંકર એક સિરિયલ ક્લિર બની ગયો હતો. હવે તેણે તામિલનાડુ અને કર્ણાટકને જોડતો નેશનલ હાઈવે પક્ડયો. હાઈવેની આસપાસ સુઈ રહેતી ગરીબ સ્ત્રી મજદૂરોની તો હત્યા કરવા લાગ્યો. છેલ્લે છેલ્લે તેણે બળાત્કાર પછી તે સ્ત્રીનું ગળું ધારદાર ચાકુથી કાપી નાખતો. શંકર ટ્રક ડ્રાઈવર હોઈ તે તામિલનાડુ અને કર્ણાટકના તમામ ધોરી માર્ગો અને તેને જોડતા એપ્રોચ રોડ્સથી તે વાકેફ હતો. હવે તેની ગુનાખોરીનો આંક ૩૦ જેટલી સ્ત્રીઓ પર બળાત્કાર અને હત્યા સુધી પહોંચી ગયો. સરકારે તામિલનાડુ ઉપરાંત કર્ણાટકની પોલીસને પણ એલર્ટ કરી દીધી. પોલીસ આ સિરિયલ ક્લિરની ખોજ તીવ્ર બનાવી દીધી.

એક દિવસ અજાણતા જ પોલીસને એક કડી મળી. શંકર સુંદરમ્ નામના એક ટ્રક ડ્રાઈવરને તેનો મોબાઈલ ફોન વેચ્યો હતો. શંકરે આ મોબાઈલ ફોન ચોરેલો હતો. એણે જેનો ફોન ચોર્યો તે સેલફોનનો માલિક રંગાસ્વામી નામનો એક માણસ હતો. શંકરે રંગાસ્વામીની પત્ની પર બળાત્કાર કરી રંગાસ્વામીનો મોબાઈલ ફોન લઈ ભાગી ગયો હતો. રંગાસ્વામીની પત્નીનું નામ મરાક્કા હતું. શંકરે મરાક્કા પર બળાત્કાર કર્યો પરંતુ ગમે તે કારણોસર તેની હત્યા કરી નહીં. પોલીસે મરાક્કાની ફરિયાદ લીધી અને મરાક્કાના પતિનો મોબાઈલ લઈ શંકર ભાગી ગયો હોવાનું જણાવ્યું. પોલીસે મોબાઈલ નંબર અને તેના આઈએમઈઆઈ નંબરના આધારે મોબાઈલ ફોન ટ્રેસ કર્યો. હત્યારા શંકરે આ ફોન સુંદરમ્ નામના ડ્રાઈવરને વેચ્યો હોઈ પોલીસે મોબાઈલ ટ્રેસના આધારે ફોનનું લોકેશન ટ્રેસ કરી સુંદરમને પક્ડયો. સુંદરમે શંકરના ચહેરાનું વર્ણન કર્યું તે આધારે તેનો સ્કેચ બનાવવામાં આવ્યો. પોલીસ પાસે શંકરની પોલીસ સ્ટેશનમાં લેવાયેલી તસવીર હતી. સુંદરમે શંકરની તસવીર જોઈ તેને ઓળખી બતાવ્યો કે આ જ માણસે મને ફોન વેચ્યો છે. મરાક્કાએ પણ તસવીર જોઈ તેની પર બળાત્કાર કરનાર શંકરને ઓળખી બતાવ્યો. એ પછી શંકર મોસ્ટ વોન્ટેડ સિરિયલ કિલરની તસવીરો હાઈવેની હોટલો પર ઠેર ઠેર લગાડી દેવામાં આવી. એ તસ્વીરોના આધારે કોઈએ પોલીસને શંકર જ્યાં ફરતો હતો તે સ્થળની બાતમી પોલીસને આપી દીધી. એક રાત્રે શંકર હાઈવે હોટલના એક ખાટલામાં સૂતો હતો ત્યાં જ પોલીસ પહોંચી ગઈ અને તામિલનાડુ પોલીસે શંકરને પકડી લીધો. અત્યાર સુધીમાં તે સાલેમ, ધર્મપુરી, નમક્કલ, તિરુપુર, કોયાઈ, તિરુચી અને ક્રિશ્નાગીરી જિલ્લાની ૬ જેટલી સ્ત્રીઓને તે તેની ગુનાખોરીનો શિકાર બનાવી ચૂક્યો હતો. આ બધું જ તે તેની ૩૦ વર્ષની વયમાં કરી ચૂક્યો હતો. અલબત્ત, તેને પક્ડયો કર્ણાટકની પોલીસે. તે પકડાયો કર્ણાટકના બિજાપુર જિલ્લાના એલાસી ગામ પાસેથી.

હત્યારા શંકરની ધરપકડ તો થઈ ગઈ પરંતુ તેની પત્ની પરમેશ્વરી તેના પતિએ આટલી બધી હત્યાઓ કરી હોય તે માનવા તૈયાર નથી. બીજી બાજુ શંકરે ૨૭ સ્ત્રીઓની હત્યાઓ કરી હોવાનું કબૂલી લીધું છે પરંતુ તેની પત્ની પરમેશ્વરી કહે છેઃ ”અમારા લગ્ન થયાં ને ૧૦ વર્ષ થયા પરંતુ મારા પતિએ મને કદી હળવો માર પણ માર્યો નથી. મારા પતિએ મને કદી પણ નામથી બોલાવી નથી. તેઓ ઈન્દિરા સાથે પ્રેમમાં પડયા તે પહેલાં એકદમ સારા હતા. મારા પતિ કદી શરાબ પીતા નથી. કદી ઊંચા અવાજે બોલતા નથી. મારા પતિએે બે જ ગુના કર્યા છે. એક તો તેમણે પોલીસ કોન્સ્ટેબલની પત્ની ઈન્દિરા સાથે તેમને આડોસંબંધ હતો અને બીજો ગુનો તે જેલમાંથી ભાગી ગયા તે. એ સિવાય એમણે કોઈ ગુનો કર્યો નથી !

બિચારી પરમેશ્વરીને ખબર નથી કે તેનો પતિ એક સાઈકોપેથ છે. આવા સાઈકોપેથ લોકો શાંત અને બુદ્ધિશાળી પણ હોય છે, કોઈ પણ પરિસ્થિતિને તેઓ પોતાની તરફેણમાં પલટી શકે છે. શંકર ઉર્ફે જયશંકરની ધરપકડ બાદ તામિલનાડુ અને કર્ણાટકની પોલીસે હાશ અનુભવી છે પરંતુ સિરિયલ ક્લિર શંકર મનોવૈજ્ઞાાનિકો માટે એક અભ્યાસનો વિષય છે.

– દેવેન્દ્ર પટેલ

ડોન છોટા રાજન હજુ પણડોન દાઉદથી ડરે છે કેમ ?

કભી કભી

બાલ્ઝાર્કે કહ્યું છે : Behind every great fortune there is a crime.

ભારતે પેદા કરેલા બે ડોન વિશાળ સંપત્તિના માલિક છે, પણ તેમની તે વિશાળ સંપત્તિ ગુનાખોરીની પેદાશ છે. આ બે ડોન પૈકી એક છે છોટા રાજન અને બીજો છે દાઉદ ઈબ્રાહિમ. ડોન દાઉદનો કટ્ટર દુશ્મન પણ છેવટે તો ડોન તો ખરો જ. છોટા રાજન છેલ્લા બે દાયકાથી ફરાર હતો અને અચાનક ઇન્ડોનેશિયાના શહેર બાલીમાંથી કેવી રીતે પકડાયો ? તે રહસ્ય ઘણાંને સમજાતું નથી. ઘણાં કહે છે કે, તેને ડોન દાઉદ પતાવી દેશે તેવો તેને ખતરો હતો. કેટલાક કહે છે તે જાતે જ શરણે આવ્યો છે. કેટલાક કહે છે કે, તેની બંને કિડની ફેલ થઈ ગઈ હોઈ સલામતીના વાતાવરણમાં તેની પર કિડનીનું પ્રત્યારોપણ થઈ શકે તે માટે તેણે ભારતના શરણે આવવાનું પસંદ કર્યું છે.

હકીકત એ છે કે, તે ઇન્ડોનેશિયાના બાલીમાંથી તો હમણાં પકડાયો, પરંતુ તેનું કાઉન્ટડાઉન તો ગયા એપ્રિલ માસથી જ શરૂ થઈ ગયું હતું. કહેવાય છે કે, કોઈ અજ્ઞાત વ્યક્તિએ ઓસ્ટ્રેલિયાની પોલીસને જાણ કરી દીધી હતી કે, ડોન છોટા રાજન મોહનકુમાર નામના બનાવટી નામે ઓસ્ટ્રેલિયામાં છે. તેણે મોહનકુમાર એવા બનાવટી નામે પાસપોર્ટ બનાવરાવી ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ મેળવી લીધો છે. જાણકાર વ્યક્તિએ ઓસ્ટ્રેલિયાની પોલીસને એ વાતની જાણકારી પણ આપી હતી કે, તે ખતરનાક અપરાધી છે.

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે. ઓસ્ટ્રેલિયા ચાહત તો ડોન છોટા રાજનને પકડીને સીધો ભારતના હવાલે કરી શક્યું હોત, પરંતુ ઓસ્ટ્રેલિયાને ડર હતો કે, ખતરનાક ગુનેગાર ઓસ્ટ્રેલિયામાં છુપાયો છે અને ઓસ્ટ્રેલિયામાંથી તેની ધરપકડ થઈ છે તેવા સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસારિત થાય તો તેના ટૂરિઝમ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ કારણથી ઓસ્ટ્રેલિયાની પોલીસે છોટા રાજન સહીસલામત ઓસ્ટ્રેલિયાની બહાર નીકળી જાય તેની વ્યવસ્થા ગોઠવી દીધી. આ યોજના અનુસાર છોટા રાજને જેવી ઇન્ડોનેશિયા જવાની ફ્લાઈટ પકડી તેની સાથે જ ઓસ્ટ્રેલિયાની પોલીસે ઈન્ટરપોલના મારફતે ઈન્ડોનેશિયાની પોલીસને ફ્લાઈટ નંબર સાથે જાણ કરી દીધી. દુનિયા સમજી કે ઇન્ડોનેશિયા પોલીસે મોટી ધાડ મારી, પરંતુ હકીકતમાં એ મુત્સદ્દીગીરી ઓસ્ટ્રેલિયાની સરકારની હતી. બાલીમાં પકડાઈ ગયા બાદ છોટા રાજન ઇન્ડોનેશિયા માટે પણ એક જવાબદારી હતી ઈન્ડોનેશિયા અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ સંધિ ના હોવા છતાં તે આ ખતરનાક ગુનેગારને તેના ઘરમાં રાખવા તૈયાર નહોતું. તેથી આંતરરાષ્ટ્રીય નીતિના અન્ય મિકેનિઝમ હેઠળ તેણે ભારતની પોલીસને બોલાવી ભારતનો ડોન ભારતને સોંપી દીધો.

છોટા રાજન જે પાસપોર્ટ પર પકડાઈ ગયો ને એણે ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયાના શહેર સિડનીમાં બનાવ ટાળ્યો હતો. એ વખતે પણ તે ઇન્ડોનેશિયામાંથી પકડાયો હતો. ઈન્ડોનેશિયાની પોલીસે તેને ઝિમ્બાબ્વે મોકલવાનું ગોઠવ્યું. કહેવાય છે કે, સિડનીમાં બનાવટી પાસપોર્ટ બનાવડાવ્યો તે પૂર્વે છોટા રાજને હરારેમાં તેનો બનાવટી પાસપોર્ટ બનાવરાવ્યો હતો અને એ પાસપોર્ટ પર તે કેટલાક સમય સમયના અંતરાલમાં ઝિમ્બાબ્વેમાં જ રહ્યો. મુંબઈની ક્રાઈમ બ્રાંચ પોલીસના મંતવ્ય મુજબ છોટા રાજને પહેલો નકલી પાસપોર્ટ ૧૯૮૪માં અને બીજો પાસપોર્ટ ૧૯૮૮માં બનાવરાવ્યો હતો. છોટા રાજને મોહનકુમાર નામનો બનાવટી પાસપોર્ટ હઝારેમાં બન્યો હોવાનું મનાય છે. બાલીમાં તેનું લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. છોટા રાજનની વિરુદ્ધમાં મુંબઈમાં ૭૫ જેટલા કેસો છે તેમાંથી ૨૫ કેસ મકોકા, પોટા અને ટાડા હેઠળ છે. ડોન છોટા રાજનની ધરપકડ બાદ પાકિસ્તાને ડોન દાઉદ ઇબ્રાહિમની સુરક્ષામાં વધારો કરી દીધો છે. પાકિસ્તાનને ડર છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડાભોલ એક કાબેલ અધિકારી છે. તેઓ જેમ્સ બોન્ડ જેવું કોઈ પણ ઓપરેશન હાથ ધરી શકવાની ક્ષમતા ધરાવે છે. એક વાર ડોન દાઉદ ભારતના હાથમાં આવી જાય તો પાકિસ્તાને ભારત વિરોધી જે જે ભયાનક કૃત્યો કરાવ્યાં છે તે બધાં જ જાહેર થઈ જવાનો ડર પાકિસ્તાનને સતાવે છે. કહેવાય છે કે, ડોન દાઉદ ઈબ્રાહિમ કરાંચીના ક્લિફ્ટન પાર્કમાં રહે છે. આ એક પોશ ઇલાકો છે. દાઉદની સુરક્ષા પાકિસ્તાનની સરકારે અત્યંત જટિલ તાલીમ પામેલા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાના અધિકારીઓને સોંપી છે તેમાં કેટલાક પાકિસ્તાનના ગુપ્તચર સંસ્થાના નિવૃત્ત એજન્ટ્સ પણ છે. ડોન દાઉદની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પાસે છે.

ડોન દાઉદ ઇબ્રાહિમ મુંબઈમાં રહેતા તેના પરિવારના કેટલાક ગેંગસ્ટર્સ સાથે નિયમિત ટેલિફોનિક સંપર્ક કરતો રહે છે. તેની પર ભારત સરકારની ગુપ્તચર એજન્સીઓ પણ નજર રાખી રહી છે. કહેવાય છે કે, ડોન દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનની કોટન મિલો પર માલિકી ધરાવે છે. એનું કારણ એ પણ છે કે,પાકિસ્તાનમાં કોટન મિલો સ્થાપવાનું કામ પણ તેણે જ કર્યું હતું. ડોન દાઉદ હજારો કરોડની મુંબઈમાં કાપડની મિલો બંધ પડી ગઈ તે પછી એ બંધ મિલોની મશીનરી તે ભંગારના નામે પાકિસ્તાન લાવ્યો હતો અને મશીનરીથી એણે પાકિસ્તાનમાં કાપડની મિલો ઊભી કરી હતી. ડોન દાઉદ હજારો કરોડની સંપત્તિનો માલિક છે. તેણે ભારત, પાકિસ્તાન અને દુબઈમાં રિયલ એસ્ટેટમાં મોટાં રોકાણો કરેલા છે. કરાંચી અને મુંબઈના શેરબજારમાં પણ તેનાં મોટાં રોકાણો છે. આ ઉપરાંત તે કેટલીક પેટા કંપનીઓના નામે પશ્ચિમ એશિયા અને સેન્ટ્રલ એશિયાના કેટલાક દેશોમાં કાર્યરત તેલના કૂવાઓની પેઢીઓના શેરોમાં તે મોટો હિસ્સો ધરાવે છે. માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમ કેટલાંક સમય પહેલાં યુરોપ ગયો હતો તે વખતે ભારતની ગુપ્તચર સંસ્થાઓએ તેનો સર્વેલન્સ દ્વારા પીછો કરતાં તે સાવધ થઈ ગયો હતો અને તે પછી તેણે પાકિસ્તાનમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું છે એમ ભારતીય ગુપ્તચર એજન્સીઓ માની રહી છે.

ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં પનાહ લઈને બેઠો છે પરંતુ પાકિસ્તાનમાં રહીને જ રિમોટ કંટ્રોલથી તે ભારતમાં તેનો ધંધો સંભાળે છે. ડોન છોટા રાજનને બાલીથી મુંબઈ લઈ જવાના બદલે સીધો દિલ્હી લઈ જવાયો તેનું એક કારણ હતું કે, મુંબઈમાં આજે પણ ડોન દાઉદનું નેટવર્ક હયાત છે. ખુદ છોટા રાજને એવો આક્ષેપ કર્યો છે કે મુંબઈ પોલીસના કેટલાક અધિકારીઓ ડોન દાઉદના પે રોલ પર છે. એ લોકો જ છોટા રાજનને મુંબઈમાં પતાવી દે તેવી ભીતિ છોટા રાજનને છે. છોટા રાજન સામે ૭૦ જેટલા કેસો  મુંબઈમાં હોવા છતાં એ બધા જ કેસો સીબીઆઈને ટ્રાન્સફર આ કારણે જ કરી દેવાયા.

હજુ હમણાં સુધી ડોન દાઉદની બહેન હસીના પારકર મુંબઈમાં રહી દાઉદ ઈબ્રાહિમનો મુંબઈ ખાતેનો તમામ ગેરકાયદે બિઝનેસ સંભાળતી હતી. તા. ૬,જુલાઈ ૨૦૧૪ના રોજ હસીના પારકરનું ૫૧ વર્ષની વયે મુંબઈમાં મૃત્યુ નીપજ્યું. હસીના પારકર લેડી ડોન તરીકે જાણીતી હતી. તેના પરિવારમાં તે ‘આપા’ના નામથી જાણીતી હતી. દાઉદ ઈબ્રાહિમના પાકિસ્તાન ચાલ્યા ગયા બાદ તે મુંબઈના ડોંગરી વિસ્તારના નાગાપાડાના ગાર્ડન વિસ્તારમાં રહેતી હતી. ૧૯૯૧માં અરુણ ગવળીએ તેના પતિ ઈસ્માઈલ પારકરની ડોંગરીમાં જ ગોળી મારી હત્યા કરી નાંખી હતી. પતિના મૃત્યુ બાદ હસીના પારકરને ડી- કંપનીમાં સામેલ કરી દેવામાં આવી હતી. એણે જલ્દી ડોનના બિઝનેસ પર કાબૂ મેળવી લીધો હતો. એની ઝડપ માટે એક કિસ્સો જાણીતો છે. એકવાર એક ભવ્ય ઈમારતમાં એક એપાર્ટમેન્ટ જોવા ગઈ. એ એપાર્ટમેન્ટ એને પસંદ આવ્યો એ બિલ્ડિંગના ૭મા માળે રહેતા બીજા તમામ રહીશોને માત્ર અડધો જ કલાકમાં જ તેમના એપાર્ટમેન્ટ ખાલી કરી બહાર રવાના કરી દીધા હતા. એક પણ રહીશે હસીના સામે ફરિયાદ કરવાની હિંમત કરી નહોતી. એ પછી નાગાપાડા વિસ્તારના ગોર્ડન હાઉસનો આખોયે સાતમો માળ હસીના પારકરની માલિકીનો બની ગયો હતો. હસીના અહીં રહેવા આવી તે પછી દાઉદ ઈબ્રાહિમના ગેંગના માણસોએ એ બિલ્ડિંગની આસપાસ સુરક્ષા ઘેરો મજબૂત બનાવી દીધો હતો. હસીના ‘ગોડ મધર ઓફ નાગપાડા’ તરીકે પણ જાણીતી હતી.

મુંબઈ પોલીસની ધારણા પ્રમાણે દાઉદ ઈબ્રાહિમે તેની ૪૫ જેટલી બેનામી મિલકતોને હેન્ડલ કરવાનું કામ હસીના પારકરને સોંપ્યું હતું. હસીના આ ઉપરાંત દાઉદ માટે ખંડણીનો બિઝનેસ, બોલીવુડની ફિલ્મોનો ઓવરસીઝ બિઝનેસ, હવાલા બિઝનેસ અને ટીવી કેબલ બિઝનેસ પણ સંભાળતી હતી. મોટી પ્રોપર્ટીઓના ઝઘડામાં મધ્યસ્થ બનીને તે વિવાદોનો ઉકેલ લાવવાનું અને તે કામ કરવા બદલ મોટી ફી વસૂલ કરવાનું કામ પણ હસીના પારકર કરતી હતી.

હસીના પારકર ધારવા કરતાં ખૂબ ચાલાક હતી. તે પાકિસ્તાનમાં રહેતા તેના ભાઈ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સીધો સંપર્ક રાખતી નહોતી. તેનો દાઉદ સાથે સીધો ટેલિફોનિક સંપર્ક નહીંવત્ હતો જેથી તે ગુપ્તચર ખાતાના સર્વેલન્સમાં આવી ના જાય. આ કારણથી હસીના તેના વિશ્વાસુ માણસો અને સંદેશાવાહકો દ્વારા જ ડોન દાઉદના સંપર્કમાં રહેતી. મુંબઈ પોલીસમાં હસીના પારકર સામે છેતરપિંડી અને ખંડણીનો એક જ કેસ હતો. હસીના પારકર જીવી ત્યાં સુધી ખુલ્લેઆમ મુંબઈની પોલીસના નાક નીચે ડોન દાઉદનો બિઝનેસ સંભાળતી રહી અને પોલીસે તેને પકડવાની હિંમત જ ના કરી. ડોન દાઉદ ઈબ્રાહિમનો આટલો દબદબો જો આજે મુંબઈમાં હોય તો ડોન છોટા રાજને ડોન દાઉદ ઈબ્રાહિમથી ડરવા માટે પૂરતા કારણો છે. ડોન દાઉદ ઇબ્રાહિમ અને ડોન છોટા રાજન કોઈ જમાનામાં મિત્રો હતા. આજે એકબીજાના જાની દુશ્મન છે. ૧૯૮૭માં છોટા રાજનનાં લગ્ન થયા ત્યારે ડોન દાઉદ ઇબ્રાહિમે ખાસ હાજરી આપી હતી. અંડરવર્લ્ડની દુનિયામાં પણ રાજકારણીઓ જેવું જ હોય છે. રાજનીતિમાં કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી એ વાત અંડરવર્લ્ડને પણ લાગુ પડે છે. રાજનીતિ કે અંડરવર્લ્ડમાં હૃદય, લાગણી કે સંવેદનને કોઈ સ્થાન નથી. અમેરિકન લેખક મારિઓ પુઝો લિખિત નવલકથા ‘ધ ગોડફાધર’ વાંચી લેજો અથવા એ જ શીર્ષક હેઠળની ફિલ્મ નિહાળી લેજો.

– દેવેન્દ્ર પટેલ

જે ઘરમાં વારંવાર કજિયા થાય તે ઘરમાં લક્ષ્મીજી ટકતાં નથી

આજે ધનતેરશ છે.

ભારતીય સંસ્કૃતિમાં જ લક્ષ્મીજીની પૂજા થાય છે. ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ પુરાણી છે. વેદ-પુરાણો, ઉપનિષદોમાં ભવ્ય હિંદુ સંસ્કૃતિની અનેક પુરાણ કથાઓ પડેલી છે. તેમાં એક કથા સમુદ્ર મંથનની છે. સમુદ્ર મંથન દરમિયાન દરિયામાંથી જે રત્નો બહાર નીકળ્યા તેમાં સૌથી વિશિષ્ઠ રત્ન લક્ષ્મીજી હતા. આ અનુપમ, સુંદરી, સુવર્ણમયી, તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદા, શુભા અને ક્ષમાશીલ એવા લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યાં હતા. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈ સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય બનાવી દીધું હતું. અને એટલે જ હિંદુઓ પ્રતિવર્ષ દીપમાળાઓ પ્રજ્વલિત કરીને મહાલક્ષ્મીજીનું સ્વાગત કરે છે.

પરંતુ ઘણીવાર અતિ ધન કમાવાની લાલસામાં લોકો લક્ષ્મીજીના પતિ નારાયણ અર્થાત્ ભગવાન વિષ્ણુને ભૂલી જાય છે. કહેવાય છે કે ભગવાનને લક્ષ્મીજી વગર ચાલતું હતું પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ચાલતું નહોતું : જે ઘરમાં નારાયણ નથી તે ઘરમાં લક્ષ્મીજી રહેતાં નથી. જે ઘરમાં કજિયા છે તે ઘરમાં લક્ષ્મીજી રહેતાં નથી. જે ધનવાનો ‘હું બહુ ધનવાન છું ? તેવો ગર્વ કરે છે તે ઘરમાં લક્ષ્મીજી ટકતાં નથી. લક્ષ્મીજીના માલિક બનવાના બદલે મહાલક્ષ્મીને માતા તરીકે સ્વીકારનારના ઘરમાં લક્ષ્મીજી નિવાસ કરે છે. લક્ષ્મી નામનો અર્થ છે સુલક્ષણાવાળી સ્ત્રી. જે ઘરમાં સુલક્ષણાવાળી સ્ત્રી ના હોય તે ઘરમાં લક્ષ્મીજી ટકતા નથી. ઘરની પત્ની પણ સાક્ષાત લક્ષ્મીની છાયા છે તેથી તેને ગૃહલક્ષ્મી કહેવાય છે. જે ઘરમાં સ્ત્રીનો આદર થતો નથી તે ઘરમાં પણ લક્ષ્મીજી ટકતાં નથી. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ પણ રમે છે. અલબત્ત ધનતેરશ કે દીપાવલીને માત્ર લક્ષ્મીપૂજન તરીકે જ ના સમજતા લક્ષ્મીના આધ્યાત્મિક અર્થને પણ સમજવો જરૂરી છે. ધનતેરશ સદીઓથી દિવાળીના બે દિવસ પહેલાં આવતું પર્વ છે. દેશના કેટલાયે વિસ્તારોમાં આ દિવસે લોકો શુકન માટે વાસણો ખરીદે છે. ધનતેરશનો અર્થ છે ‘ધન્વંતરિ જયંતી.’ ભગવાન ધન્વંતરિ માનવ સ્વાસ્થ્યની માટે પ્રચલિત આયુર્વેદના દેવ છે. ધન્વંતરિ જયંતીનો અર્થ છે આયુર્વેદ વિદ્યાનું પૂજન અને આયુર્વેદ વિદ્યાના પૂજનનો અર્થ છે- પ્રકૃતિ ઔષધિ, વનસ્પતિ અને પ્રકૃતિની કૂખમાંથી પેદા થયેલ સમસ્ત પ્રાકૃતિક નિધિઓનું પૂજન. આ પૃથ્વી પર વસતા તમામેતમામ જીવો પર પ્રકૃતિની જે અસીમ કૃપા છે તેની તરફ કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો આ દિવસ છે.

દિવાળીની પૂર્વે આવતી તેરશની તિથિને લોકો લક્ષ્મીપૂજનનો શુભ આરંભ માને છે. દીપાવલી પૂર્વેની તેરશને લક્ષ્મીવૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સદીઓથી ચાલી આવતી પરંપરા છે. આ પરંપરા અનુસાર ધન શું છે? ધનની પૂજાનો અર્થ શું છે ?

આજની ભારતીય સંસ્કૃતિમાં રૂપિયા- પૈસાને ધનનું જડ સ્વરૂપ માની લેવામાં આવ્યું છે, પરંતુ ભારતના વેદ-ઉપનિષદોમાં વાસ્તવિક ધનનો અર્થ ‘સ્વાસ્થ્ય’ને માનવામાં આવ્યું છે. સ્વાસ્થ્યના પણ બે સ્વરૂપ છે. એક તો શારીરિક સ્વાસ્થ્ય અને બીજું માનસિક સ્વાસ્થ્ય. આયુર્વેદમાં માનસિક સ્વાસ્થ્યને આંતરિક સ્વાસ્થ્ય પણ કહેવામાં આવે છે. ધન ભોગ કરી શકતું નથી તેથી મહાલક્ષ્મી અને મહાકાળીનું પૂજન રાખવામાં આવે છે. ધનતેરશનોે દિવસ ખરેખર તો ભગવાન ધન્વંતરિનો જ મહિમા છે. દીપાવલીના આ દિવસો વર્ષાઋતુની સમાપ્તિ બાદ આવે છે. વરસાદ પછી પ્રકૃતિ ખીલી ઊઠી હોય છે. વૃક્ષો અને વેલાઓ નવપલ્લિત થઈ ગયા હોય છે. ડુંગરો લીલાંછમ થઈ ગયા હોય છે. નદીનાળાં ખળખળ વહેતાં હોય છે. તળાવો જળથી ભરાઈ ગયાં હોય છે. જંગલોમાં નવી ઔષધિઓ ખીલી ઊઠી હોય છે અને તે   બધાં જ પ્રકૃતિનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. આ નવીન ઔષધિઓના પૂજનનું એક આગવું માહાત્મય છે. વર્ષોથી ર્પૂિણમાના દિવસે સોમ-પાન, અમૃત પાનને ખીરના સ્વરૂપમાં ખાવામાં આવે છે. એ રીતે જ શરૂ થયેલો પ્રક્રિયા છેક દીપાવલી સુધી ચાલે છે. પ્રચલિત પરંપરામાં કાલીની મૂળ પ્રતિષ્ઠા ઔષધિઓમાં માનવામાં આવી છે. તંત્રમાં એનું વિશુદ્ધ વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાચીન તાંત્રિકોએ તો વિભિન્ન રસાયણો દ્વારા ઔષધિ બનાવવાનું જ્ઞાાન પણ આ જ સમયગાળા દરમિયાન પ્રાપ્ત કર્યું હતું. ધનતેરશથી માંડીને અમાવસ્યા દિવાળીના દિવસ સુધીનો સમય કાલીપૂજનનો સમયગાળો છે.

જે પ્રકૃતિની દયાની માનવીને જરૂર છે તેનાં બે સ્વરૂપ છે. એક છે જીવન સંજીવની અને કાલની સિદ્ધિનાં અધિષ્ઠાત્રી મહાકાળી અને બીજાં છે સમૃદ્ધિ, વૈભવ,ભૌતિક સંપન્નતા તથા શ્રીનાં અધિષ્ઠાત્રી મા લક્ષ્મી. આ બંનેના સહયોગથી માનવજીવનને સુખ, શાંતિ અને પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે. આ જ કારણથી મા લક્ષ્મીના પૂજનની સાથે સાથે આયુર્વેદ વિદ્યાના ભગવાન ધન્વંતરિની જયંતી પણ મનાવવામાં આવે છે. વેદ- ઉપનિષદો કહે છે કે ભગવાન વિષ્ણુનું સહચર્ય પ્રકૃતિ સાથે છે અને લક્ષ્મીના પતિ ભગવાન વિષ્ણુ છે. મહાકાળીનું વત્સલ રૂપ વિષ્ણુની સાથે જ રચાય છે અને શ્રીની સાથે વિષ્ણુ સ્વરૂપ બિરાજમાન જ હોય છે. ભગવાન ધન્વંતરિ સ્વયં વિષ્ણુના અવતાર મનાયા છે. ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલક છે, રક્ષક છે, લક્ષ્મીના પતિ છે. શ્રીની સાથે સ્વાસ્થ્ય પણ સારું અને તંદુરસ્ત હોવું જોઈએ અને સ્વસ્થ રહેવા માટે ઔષધિ પણ જોઈએ. ‘સ્વાસ્થ્ય’નો અર્થ છે લાંબું નિરોગી આયુષ્ય અને ‘શ્રી’નો અર્થ છે પુરુષાર્થનું તેજ.ધન્વંતરિ જે અમૃત-ઘટની સાથે અવતર્યા હતા તેમાં આ બધાંનો સમન્વય છે. આમ તો ત્રણ ધન્વંતરિ થયા. એક તો સમુદ્રમંથનમાં અમૃત-ઘટમાં થયા. બીજા ધન્વંતરિ જેમણે અમૃતને મૃત્યુલોકમાં પ્રાણીઓ માટે સુલભ બનાવ્યું. ત્રીજા ધન્વંતરિને આપણે વધુ ઓળખીએ છીએ, જે શલ્ય ચિકિત્સા માટે વધુ પ્રસિદ્ધ છે. આ પરંપરા વંશપરંપરા ચાલતી રહી. આ કુળમાં ધન્વંતરિ દિવોદાસ થયા અને તેમના શિષ્ય સુશ્રુત આર્યુિવજ્ઞાાનમાં અત્યંત જાણીતા છે.

ધનતેરશને ધન્વંતરિ જયંતી તરીકે આ જ કારણોસર મનાવવામાં આવે છે. એક કારણ એ કે, ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અવતાર છે. દીપાવલી મહાકાળી અને મહાલક્ષ્મીની પૂજાનું પર્વ છે. ધનતેરશના દિવસે ધન્વંતરિની જયંતી અને અમાવસ્યાના દિવસે મહાકાળીનું પૂજન ઉપરોક્ત ધારણાનું જ પ્રતીક છે. ધનેતરશથી માંડીને છેક ભાઈબીજ સુધીનું સપ્તાહ એક રીતે ધનલક્ષ્મી સ્વાસ્થ્ય (ધન્વંતરિ), ઔષધિ (કાળી), અન્નકૂટ (અન્નપૂર્ણા, યમ દ્વિતીયા) અને યમની પૂજા-આરાધનાનું સપ્તાહ છે. ધનતેરશનો વાસ્તવિક અર્થ આ છે. એક વાત યાદ રહે કે ધનતેરશથી માંડીને દીપાવલી સુધી મા લક્ષ્મીનું પૂજન કરવાથી એમ માની લેશો નહીં કે ભવ્ય પૂજા કરવાથી ઘરમાં ધનનો વરસાદ થઈ જશે. કાળા કુકર્મો અને ભ્રષ્ટાચારથી એકત્ર કરાયેલું ધન એને એ જ માર્ગે જતું રહે છે. ભવ્ય પૂજા-વિધિ અને ફળોના કરંડિયા મૂકવાથી મા લક્ષ્મી કદી રિઝતાં નથી. મા લક્ષ્મીને મીઠાઈ ઓની લાલચ આપવાથી તેઓ રાજી થતાં નથી. સાધનશુદ્ધિથી કમાયેલું ધન જ ટકે છે અને માનવજીવનને સુખ-શાંતિ આપે છે. મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સ્વચ્છ હૃદય અને સંગીન પુરુષાર્થ જ જોઈએ.

– દેવેન્દ્ર પટેલ

રૂપજીવિની વિલાસિનીએ કહ્યું મુજ પાપિણીનો ઉદ્ધાર કરો

એમનું નામ વિદ્યાસાગર.

તેઓ સાચેસાચ વિદ્વાન હતા. બ્રાહ્મણ હતા. તેમણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. આખા યે વિસ્તારમાં તેઓ પંડિત તરીકે ઓળખાતા હતા. અનેક લોકો તેમનું માર્ગદર્શન લેવા આવતા. આટલું જ્ઞાાન ઓછું લાગતાં તેઓ શાસ્ત્રોના વધુ અભ્યાસાર્થે કાશી ગયા. બે વર્ષ સુધી કાશીમાં અધ્યયન કરી પાછા ફર્યા. એક દિવસ કોઈએ તેમને પૂછયું: ”પંડિતજી ! પાપનો પિતા કોણ?”

પ્રશ્ન સાંભળી પંડિતજી વિચારમાં પડી ગયા. તેમણે પુણ્ય અને પાપ વિશે અભ્યાસ કર્યો હતો પરંતુ પાપના પિતા કોણ એ વાત જાણતા નહોતા. કોઈ ગ્રંથમાં આવો સવાલ અને જવાબ લખવામાં આવ્યો ન હતો. તેઓ ફરી બધા ધર્મગ્રંથો જોઈ ગયા પરંતુ પાપનો બાપ કોણ એ વિશે ક્યાંય કોઈ ઉલ્લેખ નહોતો. પંડિત વિદ્યાસાગર જેટલા વિદ્વાન હતા એટલા જિજ્ઞાાસુ પણ હતા. પંડિતજી આ પ્રશ્નનો ઉત્તર પામવા ફરી કાશી ગયા.

કેટલાયે દિવસોે સુધી વિદ્યાઓનું કેન્દ્ર ગણાતા કાશીમાં રોકાયા. કેટલાયે વિદ્વાનોને મળ્યા પરંતુ તેમના મગજમાં ઉતરે એવો જવાબ મળ્યો નહીં.

તેમણે કાશી છોડી દીધું.

બીજાં અનેક તીર્થો પર ગયા. બીજા અનેક વિદ્વાનોને મળ્યા, પરંતુ તેમને સંતોષજનક ઉત્તર મળ્યો નહીં.

આ રીતે ફરતાં ફરતાં એક દિવસ તેઓ પૂના પહોંચ્યા. પૂનામાં એક દિવસ તેઓ સદાશીવ પેઠ વિસ્તારમાં ફરી રહ્યા હતા. એ વખતે અહીં એક વિશાળ હવેલીના ઝરૂખામાં વિલાસિની નામની એક રૂપજીવિની બેઠેલી હતી. એની નજર પંડિત વિદ્યાસાગર પર પડી. પંડિતજીના લલાટ પર વિદ્વતાનું તેજ હતુ પરંતુ તેમનો ચહેરો ઉદાસ જોઈ તેની જિજ્ઞાાસા વધી ગઈ. એના મનમાં દ્વિધા થઈ કે, આ માણસ લાગે છે તો વિદ્વાન તો તે ઉદાસ કેમ ?

વિલાસિનીએ તેની દાસીને બોલાવીને કહ્યું: ‘જા… પેલા પંડિતજીને પ્રેમથી પૂછ કે તેઓ ઉદાસ કેમ છે ?”

દાસી નીચે ઊતરી સીધી પંડિત વિદ્યાસાગર પાસે પહોંચી. એણે પંડિતજીને પૂછયુઃ ”મહારાજ! મારી સ્વામિની પૂછે છે કે આપ આટલા ઉદાસ કેમ છો ?”

પંડિત વિદ્યાસાગરે નમ્રતાથી કહ્યું: ”દેવી! મને ના તો કોઈ રોગ છે કે ના તો કોઈ તકલીફ કે ના તો કોઈ લાલસા. તમે તમારી સ્વામિનીનીને કહો કે, તે મારી કોઈ સહાયતા કરી શકે તેમ નથી કારણ કે આ તો શાસ્ત્રીય સમસ્યા છે.”

દાસી બોલીઃ ”આપને કોઈ તકલીફ ના હોય તો આપની શાસ્ત્રીય સમસ્યા મને કહેશો?”

પંડિતજીએ તેમનો પ્રશ્ન દોહરાવ્યો.

દાસી જતી રહી. પંડિત વિદ્યાસાગર આગળ વધ્યા. દાસી તેની સ્વામિની પાસે ગઈ અને પંડિતજીના મનમાં ”પાપનો પિતા કોણ ?” એ વિશેની દ્વિધા હતા તે પ્રશ્ન ફરી દોહરાવ્યો. સ્વામિની વિલાસિનીએ દાસીને કહ્યું: ”તું પાછી જા અને પંડિતજીને બોલાવી લાવ. એમને કહેજે કે તમારા પ્રશ્નનો ઉત્તર સાવ સરળ છે. હું તેમના પ્રશ્નનો જવાબ આપી શકું તેમ છું.”

દાસી પંડિતજીને હવેલીમાં બોલાવી લાવી. વિલાસિનીએ તેમનું ફળાહારથી સ્વાગત કરતાં કહ્યું: ”પંડિતજી! તમારી સમસ્યાનું સમાધાન મારી પાસે છે. પરંતુ તે માટે તમારે મારી હવેલીમાં થોડા દિવસ રોકાવું પડશે.”

પંડિત વિદ્યાસાગર આમેય કાશી સહિત અનેક તીર્થો પર ફરીને આવ્યા હતા. જ્ઞાાનની પ્રાપ્તિ થતી હોય તો અહીં રોકાવામાં પણ કોઈ વાંધો નથી એમ વિચારી તેમણે હા પાડી. તેમણે શરત મૂકી કે, ”હું અલગ ભવનમાં રહીશ.”

વિલાસિનીએ પંડિત વિદ્યાસાગરને રહેવા માટે અલગ ભવનની વ્યવસ્થા કરી દીધી. રૂપજીવિની સમૃદ્ધ અને સુખી હતી. અલગ ભવનમાં તમામ પ્રકારની સુવિધા એેણે ઉપલબ્ધ કરાવી દીધી.

પંડિત વિદ્યાસાગર રૂઢીવાદી બ્રાહ્મણ હતા. સ્વયં જલ ભરીને લાવતા હતા અને પોતાની રસોઈ જાતે જ બનાવી લેતા હતા. વિલાસિની રોજ સવારે તેમને પ્રણામ કરવા આવતી હતી.

એેક દિવસ વિલાસિનીએ કહ્યું: ”ભગવન્ ! આપ સ્વયં અગ્નિની સન્મુખ બેસીને ભોજન બનાવો છો, આપને ધુમાડો લાગે છે. આપની તકલીફ જોઈ મને કષ્ટ થાય છે. અગર આપની અનુમતિ હોય તો હું સ્વયં રોજ સવારે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી આપના માટે ભોજન બનાવું ? આપ તો મારા અતિથિ છો ?”

પંડિત વિદ્યાસાગર હજુ કાંઈ વિચારે તે પહેલાં વિલાસિની ફરી બોલીઃ ”અગર આપ મને આવી સેવા કરવાની તક આપશો તો હું રોજ આપને દસ સુવર્ણ મુદ્રાઓ દક્ષિણા તરીકે આપીશ. આપ બ્રાહ્મણ છો, વિદ્વાન છો, તપસ્વી છો. મને આપની સેવા કરવાની તક આપીને મારા જેવી અપવિત્ર પાપિણીનો ઉદ્વાર કરો. મારી પર આટલી કૃપા કરો.”

પંડિત વિદ્યાસાગરને ભગવાને અહલ્યાના કરેલા ઉધ્ધારનો કિસ્સો યાદ આવી ગયો. રૂપજીવિનીની નમ્ર પ્રાર્થનાનો તેમના સરળ પ્રકૃતિ પર ભારે અસર થઈ. પહેલાં તો એ પ્રસ્તાવ સ્વીકારતાં તેમને સંકોચ થયો પરંતુ રસોઈ બનાવતી વખતે થતા ધુમાડાથી મુક્તિ અને દક્ષિણા પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. તેમણે વિચાર્યું: ‘એમાં,વાંધા જેવું કાંઈ નથી. આ બિચારી પ્રાર્થના જ કરી રહી છે અને આમેય તે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ ભોજન બનાવવાની છે ને ! વળી દસ સુવર્ણ મુદ્રાઓ પણ મળવાની છે. તેમાં કોઈ પાપ થતું હશે તો પ્રાયશ્ચિત કરી લઈશ.”

પંડિત વિદ્યાસાગરે રૂપજીવિનીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. બીજા દિવસે વિલાસિની સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને પંડિત વિદ્યાસાગરના ભવનમાં આવી. રસોઈકક્ષમાં ગઈ. તેણે પંડિતજી માટે શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. ખૂબ જ શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ દેવતાના ચરણ ધોયા. સુંદર આસન બીછાવ્યું. ચાંદીના પાત્રમાં અનેક પ્રકારના વ્યંજનો પીરસ્યાં.

પંડિત વિદ્યાસાગરે જોયંુ તો તેમની સામેનો થાળ ભવ્ય અને રસદાર લાગતો હતો. વિલાસિનીએ પોતાના હાથે એ થાળ પંડિતજીની સન્મુખ મૂક્યો. પરંતુ પંડિત વિદ્યાસાગરે જેવો થાળમાં હાથ નાંખવા પ્રયાસ કર્યો તેવો જ રૂપજીવિનીએ એ થાળ પોતાની તરફ ખેંચી લીધો.

પંડિત વિદ્યાસાગર એમ કરવાનું કારણ સમજી શક્યા નહીં. તેઓ એક પ્રશ્નાર્થભરી દૃષ્ટિથી વિલાસિનીને જોઈ રહ્યા. પંડિત ચક્તિ હતા.

રૂપજીવિનીએ કહ્યું: ‘મને ક્ષમા કરો, પંડિતજી ! કર્મનિષ્ઠ બ્રાહ્મણને હું આચારચ્યુત કરવા માગતી નથી. હું તો માત્ર આપના પ્રશ્નનો ઉત્તર જ આપવા માગતી હતી. મારો ઉત્તર એ છે કે જે પંડિત બીજાનું લાવેેલું જળ પણ પોતાનું ભોજન બનાવવા યોગ્ય લેખતો નથી, જે પંડિત શાસ્ત્રજ્ઞા છે, જે વ્યક્તિ સદાચારી બ્રાહ્મણ છે તે જ વ્યક્તિ એક રૂપજીવિનીના વશમાં આવીને એક પાપિણીના હાથે બનાવેલું ભોજન અને દક્ષિણા લેવા તત્પર થઈ ગયો છે તે એક લોભ છે અને લોભ જ પાપનો પિતા છે.”

રૂપજીવિનીની વાણી સાંભળી સાંભળી પંડિત વિદ્યાસાગર શૂન્ય મનસ્ક થઈ ગયા તેમને બહુ જ ગ્લાનિ થઈ, પરંતુ તેમને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હતો. આ તેમના માટે પ્રસન્નતાની વાત હતી. પાપનો પિતા લોભ છે તે વાત તેઓ સમજી ગયા હતા.

રૂપજીવિનીએ પંડિત વિદ્યાસાગરની વારંવાર ક્ષમા માંગી. પંડિતજીએ તેની સરળતા, નિર્દોષ ભાવ અને નિષ્પક્ષતાની સરાહના કરી.

પ્રસન્નચિત્ત પંડિત વિદ્યાસાગર રૂપજીવિનીએ બક્ષેલા જ્ઞાાનને માથે ચડાવી પોતાના ગામ તરફ રવાના થયા.

– દેવેન્દ્ર પટેલ

નૂતન વર્ષના પ્રારંભે…ચાલો, રામરાજ્ય તરફ વળીએ

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

રાજા વિક્રમાદિત્યનાં નામ સાથે જોડાયેલાં હિંદુઓનાં નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

પાછલું વર્ષ અનેક વિટંબણાઓથી ભરેલું રહ્યું. ગુજરતું પ્રત્યેક વર્ષ નવી આશાઓ અને ઉમંગની આશાઓ લઈને આવે છે. પાછલા વર્ષની રાજકીય, સામાજિક,આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક ઘટનાઓ પર નજર નાખીએ તો એક વાત સ્પષ્ટ ઉપસે છે કે, સાધુ જીવન જીવવું તે કરતાં સાંસારિક જીવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. સમાજમાં અસહિષ્ણુતા વધી છે. ધર્મના સાચા અર્થનો લોપ થઈ રહ્યો છે. ધર્મનાં નામે કોમ કોમ વિભાજિત થઈ રહી છે. ધર્મનો ઉપદેશ આપનારાઓ ધર્મને વધુ સંકટમય બનાવી રહ્યા છે. રાજનીતિનું સ્તર નીચે આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા નબળાં પડયાં છે. દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતમાં બળાત્કારનું પ્રમાણ વધ્યું છે. બે વર્ષની બાળકી પર પણ બળાત્કારની ઘટનાઓ દર્શાવે છે કે, લોકોની માનસિકતામાં વિકૃતિનું પ્રમાણ વધ્યું છે. રાજનીતિ માત્ર કોમ અને જ્ઞાતિ આધારિત બની રહી છે.

શું આ રામરાજ્યની કલ્પના છે ?

ભારતની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર ગાંધીજીએ આવા સ્વરાજની કલ્પના કરી હતી ? નવા વર્ષના પ્રારંભે કડવી વાસ્તવિકતાને ઉજાગર કરતી એક સરસ પંક્તિ યાદ આવે છે : પહલે એક દીપ જલતા થા સારા ગાંવ ચમકતા થા, આજ ચિરાગ ઘર-ઘરમેં હૈ, અંધિયારાં અંગનાઈમે હૈ. ભારત એ ભગવાન શ્રીરામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર તથા ગુરુ ગોવિંન્દસિંહ જેવી પૂજ્ય પ્રતિભાઓની ભૂમિ છે. ભારત એક પ્રકાશ અભીપ્સુ રાષ્ટ્રિયતા છે. અંધકાર અજ્ઞાન છે, પ્રકાશ જ્ઞાનનું ઉપકરણ છે, પ્રકાશ એ સત્યગુણનું પ્રતીક છે. વર્ષોથી શાળામાં ભણતાં બાળકોને પુસ્તકો દ્વારા ભણાવવામાં આવતું રહ્યું છે કે, આ દેશમાં જ્યારે શ્રીરામનું રાજ્ય હતું ત્યારે કોઈને પણ દૈવિક, દૈહિક કે ભૌતિક તોય થતો નહોતો.

સ્વતંત્રતા સંગ્રામ વખતે પણ ગાંધીજીએ ભારતમાં રામરાજ્યની કલ્પના કરી હતી. આજે ઊલટું છે. દેશના, રાજ્યોના, શહેરોના, જિલ્લાઓના અને ગામડાંઓના નેતાઓને જોઈએ છીએ તો પ્રશાસનમાં રામ કરતાં રાવણની સંખ્યા વધુ દેખાય છે. કોઈ ગાયનું માંસ ખાવાનું કહે છે, કોઈ બીજાને કંસ કહે છે, કોઈ કોઈને શેતાન કહે છે કોઈ કોઈને નરભક્ષી કહે છે કોઈ કોઈને પાકિસ્તાન ચાલ્યા જવાનું કહે છે. આ બધું જ અસહિષ્ણુતાનું પરિણામ છે. ભારત આજે કોઈ ધર્મ,એક કોમ કે એક જ જ્ઞાતિનો દેશ નથી પરંતુ તે અનેક ધર્મો, અનેક કોમો, અનેક સંસ્કૃતિઓનો દેશ છે. ભારત એક રાષ્ટ્ર છે, જેણે શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારત જેવા શ્રેષ્ઠ ગ્રંથો વિશ્વને આપેલા છે.

સંકીર્ણતા વધી

દેશનો માનવી પણ રાજકારણીઓની જેમ વિચારધારામાં સંકીર્ણ બન્યો છે, તેનું અંગત જીવન પણ દેખાડાનું અને પ્રદર્શનકારી બન્યું છે. પૈસો કમાવા તે કોઈ પણ હદે જઈ શકે છે. રામાયણ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા હવે પુસ્તકોમાં જ રહી ગયાં છે, આપણાં જીવનમાં તેમને કોઈ સ્થાન નથી. ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, ‘હું તો દરિદ્ર નારાયણોમાં વસું છું કોઈ મને પ્રેમથી એક ફૂલ કે એક પાંદડું પણ આપે તો હું સહર્ષ તેનો સ્વીકાર કરી લઉં છું.’

એક બાજુ છપ્પનભોગ અને…

આપણાં મંદિરોમાં આથી ઊલટાં દૃશ્યો જોવા મળે છે. કેટલાંક મંદિરોમાં બેસતા વર્ષના દિવસે ભગવાનની પ્રતિમા સમક્ષ છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. ભગવાન તો તેમાંથી કાંઈ ખાતા નથી પરંતુ ભગવાનને છપ્પન ભોગનો અન્નકૂટ કરનાર જ સ્વાદિષ્ઠ પકવાનો આરોગી જાય છે એ લોકો એ વાત ભૂલી જાય છે કે ગાંધીજીનાં રામરાજ્યની કલ્પનાવાળા ભારતમાં રોજ ૩૩ કરોડ લોકો માત્ર એક ટંક જ ભોજન લઈ સૂઈ જાય છે. ધર્મનાં નામે આશ્રમો ધરાવતા ગાદીપતિઓ અને આચાર્યો રાત્રે એરકન્ડિશન રૂમમાં સૂઈ જાય છે જ્યારે કરોડો ભારતીયો હજુ ઝૂંપડામાં જ રહે છે. લાખ્ખો ભારતીયો ફૂટપાથ પર સૂઈ જાય છે અને તેમનાં બાળકો ફૂટપાથ પર જ જન્મે છે અને ક્યારેક ધનવાનોની મોટરકારો નીચે કચડાઈ જાય છે.

અબજોના આશ્રમો

સાચી વાત એ છે કે, આ દેશ આજે પણ રામાયણને કે શ્રીમદ્ ભાગદ્ ગીતાને આત્મસાત કરી શક્યો નથી. કેટલાક કથાકારો પણ અબજોના આશ્રમો ધરાવે છે. રામાયણના રચયિતા વાલ્મીકિ તો સાચા અર્થમાં વનમાં નાનકડી પર્ણકૂટીમાં જીવન પસાર કરતા હતા. આજના કેટલાક કથાકારોને વિમાનમાં પણ બિઝનેસકલાસથી ઓછી સીટ ખપતી નથી. કોઈ ‘બાપુ’ બની કનૈયો બની નાચે છે અને કુંવારિકાઓ પર દુષ્કર્મ કરવાના આરોપો ધરાવે છે.

આથી વધુ અધર્મ બીજો શું ?

આજે આ દેશ ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ કે ભગવાન મહાવીરને જ ભૂલી ગયો છે એવું નથી બલકે કૌટિલ્ય અને વિક્રમાદિત્યને પણ ભૂલી ગયો છે. આજનું નવું વર્ષ જેમનાં નામથી શરૂ થઈ રહ્યું છે તે રાજા વિક્રમાદિત્યના સમયનો ભારત પુનઃ પ્રાપ્ત થાય તોયે ઘણું. રાજા વિક્રમાદિત્ય તો સ્વંય રાત્રે છૂપી રીતે પ્રજાની પરિસ્થિતિ જાણવા બહાર નીકળતા. આજે મંત્રીઓ ધોળે દહાડે પણ આગળપાછળ પોલીસની ગાડીઓના કાફલામાં ઘેરાઈને નીકળે છે. લોકો દિવસે લૂંટાય છે પણ નેતાઓને પોતાની જ સુરક્ષા વહાલી છે.

દેશનાં અર્થતંત્ર પર પણ કૌટિલ્યના સિદ્ધાંતોનો કોઈ પ્રભાવ નથી. દરેક બજેટ મોંઘવારી સર્જે છે. દરેક બજેટ સામાન્ય માનવીની વિડંબના વધારે છે, પછી તે કોઈ પણ પક્ષની સરકાર હોય.

ભષ્ટાચાર અને ગોટાળાઓથી દેશ ઘેરાઈ ગયો છે. રાજનીતિમાં અપરાધીકરણે બધી સીમાઓ પાર કરી દીધી છે. સારું છે કે દેશનું ન્યાયતંત્ર હજુ સજાગ છે, જેને કારણે કેટલાક નેતાઓએ જેલમાં જ દિવાળી મનાવવી પડી.

રાજા કેવો હોવો જોઇએ?

રામરાજ્યની અવધારણાની વાત કરતાં પહેલાં રાજાનાં લક્ષણ અને કર્તવ્યની વાત સમજી લેવી જોઈએ. મહર્ષિ વાલ્મીકિજીએ રાજાનાં આ લક્ષણોને યુક્ત માન્યાં છે. ગુણવાન, પરાક્રમી, ધર્મજ્ઞા, ઉપકારી, સત્યવક્તા, સમસ્ત પ્રાણીઓનાં હિતચિંતક, વિદ્વાન, સામર્થ્યવાન, કોઈને જીતાવવાના તથા સંગ્રામમાં અજેય યોદ્ધા આ છે ઉત્તમ રાજ્યની યોગ્યતાનો આધાર. આજે આવા શાસકો ક્યાં છે? ભગવાન શ્રીરામની શાસનપ્રણાલિ અદ્ભુત હતી. તેમના સમયમાં મંત્રીમંડળ બે ભાગોમાં વિભક્ત હતું. અમાત્યમંડળ અને પુરવઃમંડળ. આ બંને મંત્રીમંડળોમાં સર્વ રીતે યોગ્ય વ્યક્તિઓને જ સ્થાન મળતું હતું અને તે વ્યક્તિઓ પણ વિભિન્ન ક્ષેત્રમાંથી આવતી હતી. આજે મંત્રીમંડળમાં કોમ, જ્ઞાતિ, વફાદારીને જ આધાર માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં રામરાજ્યની કલ્પના જ ક્યાં કરવી ?આજે તો દેશમાં પાકિસ્તાનના ઝંડા કેટલાંક લોકો ફરકાવે છે. રાજનૈતિક મહત્ત્વાકાંક્ષા ધરાવતાં લોકો બેફામ વાણી ઉચ્ચારે છે. નેતાઓ એકબીજાના ખૂનના પ્યાસા હોય તેમ વર્તે છે. સામૂહિક હત્યાઓ થઈ રહી છે. દલિતોની હત્યાઓ થઈ રહી છે. બાલિકાઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. આખીને આખી વસ્તીઓ સળગાવી દેવામાં આવે છે. દેશમાં નક્સલવાદ પ્રવેશી ચૂક્યો છે. દેશની એકતા અને અખંડિતતા જોખમમાં છે. સત્ય તો એ છે કે, આ દેશના રાજકારણીઓમાં નહીં પરંતુ સમાજજીવનમાં પણ રાવણ પ્રવેશી ચૂક્યો છે, હવે તો ભગવાન શ્રીરામ જ આ દેશની રક્ષા કરે.

ખેર, નૂતન વર્ષાભિનંદન.

અજ્ઞાાન-અસત્યથી ભરેલા મનના અંધકારને દૂર કરવા

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે. ભારતનો અને ખાસ કરીને હિંદુ સમાજનો આ મોટામાં મોટો તહેવાર છે. ગરીબ હોય કે તવંગર એ સહુ દીપાવલીના પર્વને ખૂબ આનંદ અને ઉલ્લાસથી મનાવે છે. દીપાવલી એ પાંચ દિવસોનું મહાપર્વ છે. ધનતેરશથી માંડીને ભાઈબીજ સુધીના દિવસોનું આગવું માહાત્મય છે.

દીપાવલી એક એવું પર્વ છે, જેની બાબતમાં વિચારતાં જ મન-મસ્તિષ્કમાં પ્રકાશરૂપી એક સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઉપનિષદો કહે છે : ‘અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય.’ દીપાવલી અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ છે એટલે કે અસત્ય છોડીને સત્ય તરફ જવાનું આ પર્વ છે. દીપાવલીના દિવસે લંકાવિજય બાદ ભગવાન શ્રીરામનું અયોધ્યામાં ભવ્ય સ્વાગત કરવા આખા નગરને દીવડાઓથી પ્રજ્વલિત કરી દેવામાં આવ્યું હતું. દીવડાઓની કતાર એટલે દીપાવલી એ અંધારી રાતે ભગવાન શ્રીરામનું અયોધ્યાવાસીઓએ ભવ્ય સ્વાગત કરવા દીપકોની રોશની પ્રગટાવી હતી, જે પ્રથા ભારતભરમાં ઘરઘરમાં આજે પણ મનાવવામાં આવે છે. તેનો આધ્યાત્મિક અર્થ એ પણ છે કે દીપક તન અને મન એ બેઉનો અંધકાર દૂર કરે છે. દીપક શુભનું પ્રતીક છે.

દીપાવલીનાં મહાન પર્વનો સંબંધ માત્ર હિંદુઓ માટે જ મહત્ત્વપૂર્ણ નથી એનો સંબંધ અન્ય ધર્મો સાથે પણ છે. જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનો નિર્વાણદિન પણ આ જ દિવસે છે. શીખોનાં આસ્થાનાં કેન્દ્ર એવા શ્રી હરમંદિર અર્થાત્ સુર્વણમંદિરની નીવ(પાયો) પણ આ દિવસે જ રાખવામાં આવ્યો હતો.

દીપાવલીના તહેવારોનો પહેલો દિવસ ધનતેરશ લોકો ખરીદી કરવા માટે શુભ માને છે, જેમ સમુદ્રમંથનથી દેવી મહાલક્ષ્મી પ્રગટ થયાં તે જ રીતે આજના દિવસે જ ભગવાન ધન્વંતરી હાથમાં અમૃતનો કળશ લઈને ઉત્પન્ન થયા હતા. કહેવાય છે કે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિરોગી કાયા અને દીર્ઘાયુ હોવું જરૂરી છે. ભગવાન ધન્વંતરી દેવતાઓના ચિકિત્સક છે. ધનતેરશના દિવસે તેમની આરાધના કરવાથી રોગ, શોક, મૃત્યુ વગેરેનો ભય સમાપ્ત થઈ જાય છે. ભગવાન ધન્વંતરીના પ્રાગટય સમયે તેમના હાથમાં ચાંદીનો કળશ હતો તેથી ધનતેરશના દિવસે ચાંદી અને વાસણો ખરીદવાની પરંપરા છે.

ધનતેરશને યમદીપકનાં નામથી પણ ઓળખવામાં આવે છે. ધનતેરશની સાંજે લોકો ઘરનાં આંગણામાં દક્ષિણ દિશામાં તેલનો દીપક પ્રગટાવી યમરાજને અર્પણ કરે છે, આમ કરવાથી અકાળ મૃત્યુ ટળી જાય છે.

ધનતેરશ પછીનો બીજો દિવસ કાળી ચૌદશ અથવા નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. તેને ઘણા નાની દીપાવલી પણ કહે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. યુદ્ધમાં નરકાસુરનું મૃત્યુ થયું હતું, તેથી આ દિવસ ‘નરક ચતુર્દશી’ તરીકે ઓળખાય છે. ઘણાં લોકો આ દિવસે ૧૪ દીવડા પ્રગટાવે છે, એવું કહેવાય છે કે, શ્રીકૃષ્ણનાં મહારાણી સત્યભામાએ નરકાસુરની સેના સામે મુકાબલો કર્યો હતો તેથી તેના બીજા દિવસે મહારાણી સત્યભામાની પૂજા કરવામાં આવી હતી.

સત્યભામાને દેવી મહાલક્ષ્મીની સંજ્ઞાા પ્રદાન કરવામાં આવી હતી. આ કારણથી પશ્ચિમ ભારતનાં લોકો તેને ‘નરક ચતુર્દશી’ કહે છે. બંગાળનાં લોકો તેને ‘ભૂત ચતુર્દશી’ કહે છે.

તે પછી દીપાવલી એ મુખ્ય પર્વ છે. દીપાવલી પર દેવી લક્ષ્મીની પૂજા થાય છે. લક્ષ્મી ધન અને યશનાં દેવી છે. દીપાવલીનો દિવસ લક્ષ્મીપૂજન માટે મહત્ત્વનો છે, કારણ કે સમુદ્રમંથન દરમિયાન દરિયામાંથી જે ૧૯ રત્નો નીકળ્યાં તેમાં સહુથી વિશિષ્ઠ રત્ન દેવી લક્ષ્મીજી હતાં. આ અનુપમ, સુંદરી, સુવર્ણમય, તિરિહારિણી, વરદાત્રી, પ્રસન્નવદના, શુભા અને ક્ષમાશીલ એવાં દેવી લક્ષ્મીને ભગવાન વિષ્ણુએ પોતાનાં પત્નીનાં રૂપમાં સ્વીકાયાંર્ હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈ સમગ્ર વાતાવરણને જ્યોતિમર્ય બનાવી દીધું હતું. એ કારણે પણ આપણે પ્રતિવર્ષ આ કાળી રાત્રે સમગ્ર વાતાવરણમાં દીપમાળાને પ્રગટ કરીને દેવી મહાલક્ષ્મીનું સ્વાગત કરીએ છીએ પરંતુ ઘણીવાર માણસો અતિ ધન પ્રાપ્ત કરવાની લાલચમાં લક્ષ્મીજીના પતિ નારાયણ અર્થાત્ ભગવાન વિષ્ણુને ભૂલી જાય છે. આ સંદર્ભમાં વામન અવતારની પૌરાણિક કથા અતિ સુપ્રસિદ્ધ છે. એ કથાનો સંદેશ એટલો જ છે કે ભગવાન વિષ્ણુને લક્ષ્મીજી વગર ચાલે છે પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ચાલતું નથી, તેથી પંડિતો લક્ષ્મીજીને માતા તરીકે સ્વીકારવા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સલાહ આપે છે.

પૂજય ડોંગરેજી મહારાજે કહ્યું હતું કે, લક્ષ્મીપૂજનના દિવસે લોકો એ વાત યાદ રાખે કે જે લોકો ધનવાન છે અને જેઓ એવું અભિમાન કરે છે કે, ‘હું બહુ મોટો છું’ તેમને ભગવાન માફ કરતા નથી. લક્ષ્મી મારી નથી પણ તે લક્ષ્મી નારાયણની છે તેવો ભાવ રાખનારને લક્ષ્મીજી કોઈક દિવસ ભગવાન નારાયણની ગોદમાં પણ બેસાડે છે, લક્ષ્મીના માલિક થવાને બદલે તેને માતા તરીકે સ્વીકારો અને સૂક્ષ્મ અભિમાનનો ત્યાગ કરો !

લક્ષ્મીનો બીજો અર્થ સ્ત્રી પણ છે. લક્ષ્મીનો સહજ અર્થ છે સુલક્ષણવાળી. દીપાવલીના દિવસોમાં દેવી મહાલક્ષ્મીની પૂજા સાથે ઘરમાં જે ગૃહલક્ષ્મી છે તેનું પણ સન્માન કરો. કજિયાવાળા ઘરમાં લક્ષ્મીમાતા ટકતાં નથી.

દીપાવલીનો આગલો દિવસ ગોવર્ધનપૂજાના રૂપમાં પણ માનવામાં આવે છે. આ પૂજા દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ સ્વંય શરૂ કરી હતી. દ્વાપર યુગમાં બધા જ વ્રજવાસીઓએ પોતાનાં બધાં જ કાર્યો છોડીને છપ્પન ભોગ વગેરે તૈયાર કરીને ઇન્દ્ર દેવની પૂજા કરીને સારી વર્ષા માટે પ્રાર્થના કરી હતી. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે, વર્ષા તો ગોવર્ધન પર્વતને કારણે થાય છે તેથી તેની આરાધના કરવી જોઈએ. એ પછી વ્રજવાસીઓએ એમ જ કર્યું, એ પછી વરુણદેવે એટલીબધી વર્ષા કરી કે, વ્રજવાસીઓ વ્યાકુળ થઈ ગયાં. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની કનિષ્ઠ આંગળી પર ધારણ કરીને ઊંચકી લીધો હતો અને સમસ્ત વ્રજવાસીઓની રક્ષા કરી હતી. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રનાં ઘમંડને ચૂર ચૂર કરી દીધું હતું. એ પછી ઇન્દ્ર ભગવાન શ્રીકૃષ્ણના પગે પડી ક્ષમાયાચના કરવા લાગ્યા હતા. એ પછી આજ સુધી હિંદુઓ અને ખાસ કરીન વૈષ્ણવો ગોવર્ધનને પૂજાના રૂપમાં શ્રદ્ધાપૂર્વક મનાવે છે.

દીપાવલી પછીનો દિવસ ભાઈ-બીજ તરીકે ઊજવવામાં આવે છે. ભાઈ-બીજનો દિવસ ભાઈ અને બહેન વચ્ચેના સ્વાર્થરહિત પ્રેમનું પ્રતીક છે. એને યમદ્વિતીયા પણ કહેવાય છે. પુરાણકથા અનુસાર યમુનાજી તે યમરાજાનાં બહેન છે. કહેવાય છે કે, આજના દિવસે યમુનાજીમાં ભાઈ અને બહેન સ્નાન કરે તો યમરાજ પ્રસન્ન થાય છે, એથી જ આજના દિવસે બહેન તેના ભાઈનાં કપાળ પર તિલક લગાવી ભાઈનાં દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે.

ચાલો, આપણે બધાં મળીને મનના અંધકારને દૂર કરીએ. અજ્ઞાાન અને અસત્યના અંધકારને દૂર કરીએ.

શુભ દીપાવલી.

ચાઈનીઝ ડ્રેગનનો ભારતને ભરડો

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

ચીન એક ડ્રેગન જ છે. દુનિયાનો કોઈ દેશ એના પર ભરોંસો કરતો નથી, કરવો પણ ના જોઈએ. સરદાર સાહેબની સલાહ છતાં એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ચીન પર ભરોંસો મૂકી ચીનના વડા ચાઉ એન લાઈનું ભારતમાં ભવ્ય સ્વાગત કર્યું હતું અને ‘હિંદી-ચીની ભાઈ-ભાઈ’નાં સૂત્રો પોકાર્યાં હતાં. આ સ્વાગતના થોડા સમય બાદ જ ચીને ભારત પર હુમલો કર્યો હતો. ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંંગ ગુજરાત આવી ખમણઢોકળાં ખાઈ ગયા અને તેઓ અમદાવાદથી દિલ્હી પહોંચે તે પહેલાં ચીનના સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી. યુનોમાં પણ પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા એક આતંકવાદી અંગે ભારતવિરોધી અને પાકિસ્તાન તરફી વલણ અખત્યાર કર્યું. આજે પણ ચીન ભારતના સરહદી પ્રાંત અરુણાચલને પોતાનો હિસ્સો માને છે.

હવે ચીને ભારત માટે એક નવી મુસીબત વધારી છે. હાઈડ્રોપાવર પ્રોડક્શન માટે ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર એક વિશાળ બંધ બાંધ્યો છે. આ હાઈડ્રોપાવર સ્ટેશનનાં બધાં જ છ યુનિટોએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટથી મધ્ય તિબેટને વીજળી મળશે પરંતુ બીજી બાજુ આ પ્રોજેક્ટથી જળઆપૂર્તિમાં કેટલીક મુશ્કેલીઓ આવે તેવો સંભવ છે.

ચાઈના ગેઝોઉબા ગ્રૂપે આ બંધનું નિર્માણ કર્યું છે. આ બંધ હવે કાર્યરત થયો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ભારતના તમામ નેતાઓ બિહારમાં સત્તા પ્રાપ્ત કરવાની રમતમાં વ્યસ્ત હોઈ ચીનની મેલી રમત અંગે કોઈ કાંઈ બોલ્યા નથી. ભારતના નેતાઓ ચીન ભારતનો મિત્ર હતો નહીં અને થશે નહીં એ વાત બોલવા તૈયાર નથી. ચીનનો નેતા ભારતના નેતાનું કેવું ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને કેટલીકવાર હસ્તધૂનન કરે છે તે પરથી ચીનને આંકી શકાય નહીં.

પહેલાં સમજી લઈએ કે ભારત માટે મુસીબત ઊભી કરી શકે તેવો ચીનનો આ બંધ શું છે? ૯૮ અબજ રૂપિયાના આ બંધ શન્નાન પ્રિફેક્ચરના ગ્યાસા કાઉન્ટીમાં આ બંધ બન્યો છે, તે જમ હાઈડ્રોપાવર સ્ટેશન અને જંગળુ હાઈડ્રોપાવર સ્ટેશન તરીકે પણ ઓળખાય છે. આ સ્ટેશન બ્રહ્મપુત્રા નદી પર છે જેને તિબેટમાં ચારલુંગ જારબો કહે છે. આ બંધ વિશ્વમાં સહુથી ઊંચી જગ્યા પર બનેલા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. વીજળી ઉત્પાદનની બાબતમાં આ સહુથી મોટો પ્રોજેક્ટ છે. એક વર્ષમાં ૨.૫ અબજ કિલોવોટ-કલાક વીજળીનું ઉત્પાદન થશે. આ, ‘રન-ઓફ-રિવર’ પ્રોજેકટ છે જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવશે નહીં.

હવે આ પ્રોજેક્ટથી ભારતે શા માટે ચિંતા કરવાની જરૂર છે તે જોઈએ. બ્રહ્મપુત્રા નદી તિબેટના એ પ્રાંતમાં થઈ ભારતની સીમામાં પ્રવેશે છે, આ બંધ ઘણી ઊંચી જગાએ બન્યો હોઈ નીચલા વિસ્તારોમાં ભયાનક પૂર આવી શકે છે. જિએશુ,નીંગળુ અને જિનાચા બંધ લગભગ ૨૫ કિલોમીટરની રેંજમાં છે, જે ભારતીય સીમાથી લગભગ ૫૫૦ કિલોમીટર દૂર છે, એ જ રીતે બ્રહ્મપુત્રનાં પાણીને એ બંધો અટકાવી દે તો ભારતના અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ અને લોઅર સુહાંર પ્રોજેક્ટ તેનાથી પ્રભાવિત થઈ શકે છે.

વિશ્વમાં સહુથી મોટા પાંચ પ્રોજેક્ટ કયા છે તે પણ જાણી લઈએ.

૧. થ્રી ગોજેંજ ડેમ પણ ચીનમાં જ યાંગત્સે નદી પર બનેલો છે. અહીં ૨૨ હજાર ૫૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. ૨. ઇતાઇયુ ડેમ બ્રાઝિલ અને પેરુગ્વેની વચ્ચે પરાના નદી પર બન્યો છે. આ ડેમથી ૯૮.૬ ટેરાવોર કલાક વીજળીનું ઉત્પાદન થાય છે. ઉ. તુકુરૂઈડેમ ૧૯૮૪માં બ્રાઝિલમાં તોકંતિસ પર નદી પર બન્યો હતો. આ ડેમથી ૮,૭૩૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે.

આ ડેમ જ નહીં પરંતુ ભારતની ચિંતા વધે તેવાં અનેક કદમ ચીન ઉઠાવી રહ્યો છે. ભૂકંપને કારણે બંધ પડી ગયેલા નેપાળ-ચીન વચ્ચેના ચીલુંગ માર્ગને ચીને ખોલી નાખ્યો છે. આ રસ્તો ખૂલવાને કારણે ચીન આસાનીથી નેપાળમાં વ્યૂહાત્મક પ્રવેશ કરી શકશે. આ રસ્તો ખૂલી જવાને કારણે ચીન નેપાળમાં સપ્લાય વધારી શકશે, જોકે ભારતનાં રાજકીય સૂત્રોએ કહ્યું છે કે, પડોશી દેશો સાથે સંબંધો સુધારવાની ભારતની વિદેશનીતિનો એ મતલબ તો નથી કે, ચીન સાથે દોસ્તી કરવા એની ખુશમત કરવામાં આવે, એ જ રીતે નેપાળમાં રાજકીય પરિવર્તનો આવ્યાં છે. નેપાળ હવે હિંદુ રાષ્ટ્ર નથી. નેપાળના આ રાજકીય પરિવર્તન અંગે ભારતે સતર્ક રહેવાની જરૂર છે. ચીન જેવા પડોશી રાષ્ટ્રો સાથે મૈત્રી કરવાની લાલચમાં ભારતે તેનાં હિતોનો ત્યાગ કરવાની જરૂર નથી. ભારત તેનાં હિતોનો ત્યાગ કરશે તો ભારતની દશા ધૃતરાષ્ટ્ર જેવી થશે.

ચીને નેપાળનો બંધ રસ્તો ખોલી દેતાં ભારતમાંથી ચીજવસ્તુઓનો પુરવઠો નેપાળમાં જતો હતો તેના પર અસર થઈ શકે છે. ખુદ ચીને એવો દાવો કર્યો છે કે આ રસ્તો ખૂલી જતાં ચીનના વેપારમાં જબરજસ્ત વૃદ્ધિ થશે. ચીનનાં આ વિધાનનો બીજો અર્થ એ છે કે ચીનના પ્રવેશથી નેપાળમાં ભારતનો વેપાર ઘટશે.

બીજી ચિંતાની વાત એ છે કે ચીને સરહદ પર એક બીજું પોર્ટ ખોલી દીધું છે. આ સરહદી પોર્ટ ભૂકંપના કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું, હવે એ બંદર ફરી કાર્યરત થઈ ગયું છે.

નોંધનીય વાત એ છે કે નેપાળમાં બંધારણ બદલવા માટે ચાલેલાં આંદોલનને કારણે ભારતથી નેપાળમાં જતા માલ-સામાનનો સપ્લાય લગભગ બંધ થયો છે, હવે ચીને નેપાળનો રસ્તો ખોલી એ તકનો લાભ ઝડપી લીધો છે.

બીજી ગંભીર બાબત એ છે કે, નેપાળમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે મોરચાનાની એક બેઠક તાજેતરમાં કાઠમાંડુમાં મળી હતી, જેમાં ભારત-નેપાળ સરહદ પર નાકાબંધી જારી રાખવાનો નિર્ણય કર્યો હતો. નેપાળમાં નવું બંધારણ કાર્યરત કરવામાં આવ્યું છે જેની સામે કેટલીક રાજકીય પાર્ટીઓનું ગઠબંધન એ નિર્ણય સામે આંદોલન ચલાવી રહ્યું છે. ચીન આ બાબતનો પણ રાજકીય ફાયદો ઉઠાવી રહ્યો છે.

ચીન પાકિસ્તાનમાં તેને ફાયદો થાય તેવું ગ્વાદર બંદર બાંધી ચૂક્યો છે. શ્રીલંકામાં પણ તેણે આવા જ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. ચીન વિયેતનામની માલિકીના તેના દરિયામાં આવેલા કેટલાક ટાપુઓ પર વિયેતનામે ભારતને આપેલા ઠેકા અનુસાર તે ટાપુઓ પર તેલ માટે શારકામ કરવા દેતો નથી.

શું ચીનને આપણે મિત્ર સમજી શું ?

ડ્રેગન કદી મિત્ર થઈ શકે ?

ભાજપ માટે શિવસેના સાથી કે પછી ‘એનિમી વિધીન’ !

ચીનીકમ

‘રાજનીતિમાં કોઈ કોઈનું કાયમી મિત્ર નથી અને કોઈ કોઈનું કાયમી દુશ્મન હોતું નથી. એક જમાનામાં લાલુ પ્રસાદ યાદવ અને નીતીશકુમાર એકબીજાના શત્રુ હતા,પણ બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે એક થઈ ગયા. એક જમાનામાં ભાજપ અને શિવસેના એકબીજાનાં સહોદર હતા આજે તેમનો સંબંધ બહારથી સાથી જેવો પણ ભીતરથી શત્રુ જેવો છે. અંગ્રેજીમાં તેને ‘એનિમી વિધીન’ કહે છે. દરેક પોલિટિકલ પાર્ટીમાં આવું હોય છે જ. કોંગ્રેસની ભીતર પણ આવું છે અને ભાજપની ભીતર પણ આવું જ છે.

શીતયુદ્ધ !

એક જમાનાના કાર્ટૂનિસ્ટ બાળાસાહેબ ઠાકરે શિવસેનાના સ્થાપક અને સુપ્રીમો હતા. તેમના અવસાન પછી તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે શિવસેનાના આજે સર્વેસર્વા છે. શિવસેના આજે એનડીએનો એક હિસ્સો છે. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં તે ભાજપના સહયોગી પક્ષ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શિવસેના અને ભાજપ વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. શિવસેનાએ તાજેતરમાં પાકિસ્તાની ગાયક ગુલામ અલીનો કાર્યક્રમ થવા ના દીધો. તે પછી પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી કસૂરીના પુસ્તક વિમોચનના કાર્યક્રમના આયોજક સુધીન્દ્ર કુલકર્ણીના મોં પર કાળો રંગ લગાવી જે તાયફો કર્યો તેથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. દેખીતી રીતે જ આવી ઘટનાઓથી ભારતીય સમાજની અસહિષ્ણુતાનો ખરાબ સંદેશ દુનિયાભરમાં જાય તો તેથી ભારતની છબી બગડે તે સ્વાભાવિક છે. શિવસેનાનાં આ કૃત્યોથી મહારાષ્ટ્રની ભાજપ સરકારે અને કેન્દ્ર સરકારે અંતર જાહેર કર્યું.

તણખા !

એ પછી એમ લાગતું હતું કે, શિવસેના હવે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર સાથે અને કેન્દ્રની એનડીએ સરકાર સાથેનો છેડો ફાડી નાખશે, પણ તેમ ના થયું. તાજેતરમાં જ દશેરાના દિવસે મુંબઈમાં યોજાયેલી એક વિશાળ રેલીને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું : “અમે મહારાષ્ટ્રની સરકાર કે કેન્દ્રની સરકારથી અલગ થવાના નથી, પરંતુ એમની સાથે ક્યાં સુધી રહેવું તે ભવિષ્યમાં નક્કી કરીશું”, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ જે ભાષણ આપ્યું તેથી ભારતીય જનતા પાર્ટીને અંદરથી રાહત થાય એમ લાગતું નથી. ઉદ્ધવ ઠાકરે ૪૫ મિનિટના પ્રવચનમાં તેમણે તે તણખા વેર્યા તે જોતાં લાગે છે કે, તેઓ અંદર ભાજપ માટે કાંટો બનીને રહેશે. ઉદ્ધવ ઠાકરેનું પ્રવચન સહયોગી સાથી તરીકે ઓછું અને અંદર જ બેઠેલા વિરોધ પક્ષ તરીકે વધુ હતું.

દાળને સલામતી આપે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું : “આ બધા ગાય જેવા વિષય પર શું બોલ્યા કરે છે ? દેશમાં વધી રહેલી મોંઘવારી પર કેમ બોલતા નથી ? મહારાષ્ટ્રના ભાજપના વડા રાવસાહેબે કહે છે કે, અમે પાકિસ્તાની ક્રિકેટર્સ અને એક્ટર્સને સલામતી પૂરી પાડીશું. બીજા દિવસે મેં અખબારોમાં વાંચ્યું કે, નાગપુરમાં તુવેરની દાળની ચોરી થઈ. મહારાષ્ટ્ર સરકાર તુવેરની દાળને સલામતી કેમ પૂરી પાડતી નથી ?”

ઉદ્ધવ ઠાકરેના આ ચાબખા સાંભળી શ્રોતાઓ જબરદસ્ત પ્રતિભાવ આપતા હતા. એ જ રીતે ઉદ્ધવ ઠાકરેએ દેશમાં વધી રહેલી મુસ્લિમોની સંખ્યા અંગે પણ કહ્યું : “આ લોકોની વસતી આમ જ વધતી રહેશે તો હિંદુસ્તાન અને હિંદુઓનું શું રહેશે ?”

દેખીતી રીતે જ આ ઉશ્કેરણીજનક પ્રવચન હતું.

ઉદ્ધવ ઠાકરે બોલ્યા : “પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રીને ભારત બોલાવનાર સુધીન્દ્ર કુલકર્ણી રેડ મંકી જેવા છે. સુધીન્દ્ર કુલકર્ણીનું મોં કાળું કરવા બદલ અમને કોઈ ક્ષોભ નથી.” આ વિધાનમાં બીજું વિધાન ઉમેરતાં તેઓ રાજ ઠાકરે પર આડકતરો પ્રહાર કરતા બોલ્યા કે, “આ સિવાય બીજા ઘણા લાલ વાનરો અહીંતહીં ફરતા હશે. આ રેલી થાય જ નહીં તે માટે આટલામાં જ આંટા મારતા હશે.”

વાત એમ હતી કે ઉદ્ધવ ઠાકરેની રેલી શિવાજી પાર્કમાં હતી અને શિવસેનાથી છૂટા પડેલા રાજ ઠાકરે શિવાજી પાર્ક વિસ્તારમાં જ રહે છે.

મંદિર ક્યારે ?

એથી આગળ વધીને ઉદ્ધવ ઠાકરેએ વધુ સ્પષ્ટ થઈ કહ્યું : “લોકોના ઘરમાં ગાયનું માંસ શોધવાના બદલે ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરો. એ લોકો (ભાજપ) કહે છે કે મંદિર (રામમંદિર) વહીં બનાયેંગે લેકિન કબ વહ બતાતે નહીં હૈં. ગાય પર જ બહસ શા માટે ? દેશમાં વધતી મોંઘવારી, ભાવવધારો અને ફુગાવા વિશે બોલે ને !”

શિવાજી પાર્કની એ સભામાં ઉદ્ધવ ઠાકરે માટે એક અલગ માઈક્રોફોનની સુવિધા રાખવામાં આવી હતી. છેલ્લી ઘડીએ તે કાર્યક્રમ ના થતાં બીજું માઈક્રોફોન લાવવું પડયું. આ ઘટના પર પણ વાર કરતાં શિવસેનાના સુપ્રીમોએ કહ્યું : “બે માઈક્રોફોન એકસાથે કામ કરતાં નથી. સ્પષ્ટ છે કે, અમે શિવસેનામાં ‘ડબલ સ્પીક’માં માનતા નથી.

લવ એન્ડ હેટ

ઉદ્ધવ ઠાકરેના આ બધા જ પ્રહાર ભાજપ અને શિવસેના વચ્ચેના ભીતરી અજંપાના દ્યોતક છે. ઉદ્ધવ ઠાકરેએ દાદરીની ઘટનાથી માંડીને દલિતોની હત્યા અંગે પણ સરકાર પર પ્રહારો કર્યા જેમાં સરકારમાં તે ખુદ ભાગીદાર છે. તેમણે દેશમાં એક સમાન નાગરિક ધારો લાવવાનો વાયદો પણ યાદ અપાવ્યો. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે શિવસેનાએ તેના મોટા ભાઈ જેવા ભાજપને ઘણું નુકસાન કરવા પ્રયાસ કર્યો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વર્ષો પહેલાંની એક તસવીરવાળું હોર્ડીગ રસ્તા પર મૂક્યું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બાળાસાહેબ ઠાકરે આગળ નમીને પ્રણામ કરતાં દેખાડવામાં આવ્યા. દેખીતી રીતે જ શિવસેનાની આ અયોગ્ય પ્રયુક્તિ વડા પ્રધાનને નીચા દેખાડવાની હતી. બગડેલા સબંધોની આ પરાકાષ્ઠા છે. ભૂતકાળમાં પણ ભાજપ અને શિવસેના વચ્ચે આવા લવ એન્ડ હેટના પ્રસંગો ઊભા થયા હતા, પરંતુ ગોપીનાથ મુંડે જેવા નેતાઓ બાળાસાહેબ ઠાકરે અને ભાજપ વચ્ચે સેતુ બનવાની ક્ષમતા ધરાવતા હતા. આજે એમની ખોટ વર્તાય છે.

શિવસેના અને ભાજપ વચ્ચેની આ રસ્સીખેંચની લડાઈ ૨૦૧૭ સુધી ચાલુ રહી શકે છે.

આને કહે છે ‘એનિમી વિધીન.’

Powered by WordPress & Theme by Anders Norén