Devendra Patel

Journalist and Author

Month: October 2015 (Page 1 of 3)

સાહેબ, મારી પર કેટલાકે સામૂહિક દુષ્કર્મ કર્યું છે !

૨૬ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ઉત્તર પ્રદેશના સંવેદનશીલ શહેર મેરઠની એક હોસ્પિટલમાં પૂજા નામની એક હિંદુ યુવતીને બેહોશીની હાલતમાં દાખલ કરવામાં આવી. સહેજ ભાનમાં આવ્યા બાદ પૂજાએ કહ્યું: ‘કેટલાક મુસ્લિમ યુવકોએ મારી પર દુષ્કર્મ કર્યું છે.’

મામલો સંવેદનશીલ હતો. આ ખબર આગની જેમ શહેરમાં પ્રસરી ગઈ. પોલીસ હોસ્પિટલ પહોંચી. સામૂહિક દુષ્કર્મનો શિકાર બનેલી યુવતીએ કહ્યું: ‘મારે ઈન્સાફ જોઈએ છે.’

પોલીસે કહ્યું: ‘નિશ્ચિંત રહો. ગુનેગારોને પકડીશું. બતાવો શું થયું.’

યુવતીએ કહ્યું: ‘સર, મારું નામ પૂજા છે. હું દિલ્હીથી નોકરીની શોધમાં મેરઠ આવી હતી. અહીં મારા પિતરાઈ ભાઈ ચંદરના ઘેર રહું છું. એક દિવસ મારા મોબાઈલ પર એક મિસ કોલ આવ્યો. મેં એ નંબર પર વળતો ફોન કર્યો. સામેવાળી વ્યક્તિએ કહ્યું તેનું નામ સલમાન છે. હું તેને જાણતી નહોતી.એણે કહ્યું ભૂલથી તમારો નંબર જોડાઈ ગયો. એનોે નમ્રતાપૂર્વક વાત કરવાનો અંદાજ મને ગમ્યો. એ પછી એના ફોન આવવા લાગ્યા. એણે મારો પરિચય પૂછયો. મેં મારું નામ બતાવી કહ્યું કે હું નોકરીની તલાશમાં મેરઠ આવી છું.

એણે મને કહ્યું: ‘બસ, આટલી જ વાત છે. મેરઠમાં હું ઘણા બધાંને ઓળખું છું. તને નોકરી મળી જશે.’

થોડા દિવસ પછી સલમાનનો મારી પર ફોન આવ્યોઃ ‘પૂજા, તારી નોકરીનો બંદોબસ્ત થઈ ગયો છે.’

‘ક્યાં’ ?
‘એક અખબારની કચેરીમાં’ કહેતા સલમાને મને કહ્યું: ‘કાલે ૧૧ વાગે મેઈન બજારના નાકા પર સારા કપડાં પહેરીને આવી જજે.’

એમ કહી એણે એની મોટરબાઈકનો નંબર મને આપ્યો જેથી હું તેને ઓળખી શકું. બીજા દિવસે સરસ કપડાં પહેરી એણે કહેલી જગા પર હું પહોંચી. પ્રિન્ટેડ શૂટ પહેર્યો અને મેચિંગ માટે નીલો દુપટ્ટો પણ ગળામાં નાંખી દીધો. મેં મોટરબાઈક પાસે ઊેભેલા સલમાનને તેણે આપેલો નંબરના આધારે ઓળખી કાઢયો. સલમાને મને કહ્યું: ‘હાય પૂજા!’

મેં સ્મિત આપ્યું : ‘હાય સલમાન’.

થોડીવાર બાદ બીજી એક મોટરબાઈક પર બે જણ આવ્યા. સલમાને મને કહ્યું: ‘પૂજા ! આ મારા મિત્રો છે આબિદ અને ભૂરો. એ લોકોની મદદથી મેં તારા માટે નોકરી શોધી કાઢી છે. ચાલો આપણે કાંઈક ઠંડુ પીને અખબારની કચેરી પર જઈએ.’

સલમાને નજીકની જ એક દુકાનમાં લસ્સીનો ઓર્ડર આપ્યો. લસ્સીનો પહેલો ગ્લાસ સલમાને જાતે મને આપ્યો. અમે બધાએ લસ્સી પીધી. તે પછી અમે અખબારની ઓફિસે જવા નીકળ્યા. હું સલમાનની મોટરબાઈક પાછળ બેઠી. આબિદની પાછળ ભૂરો બેઠો. એ મોટરસાઈકલ શહેરથી દૂર નીકળી ગઈ. મને આશ્ચર્ય થયું. કાંઈક દહેશત પણ થવા લાગી. એટલામાં મને ચક્કર આવવા લાગ્યા. હું બેહોશ થઈને પડી ગઈ… મારી આંખો ખુલી તો ખબર પડી કે, હું હોસ્પિટલના બિસ્તરમાં છું. મારી પર એ ત્રણેય જણે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. શરીરમાં પીડા થતી હતી. મારી પર સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ સલમાન અને તેના મિત્રો જ મને અર્ધ બેભાન હાલતમાં હોસ્પિટલની બહાર ફેંકીને જતા રહ્યા હતા.

પૂજાની વાત સાંભળ્યા બાદ પોલીસે તેના ભાઈ ચંદરને બોલાવ્યો. ચંદરની ફરિયાદના આધારે પોલીસે સલમાન, આબિદ અને ભૂરા સામે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધ્યો. દરમિયાન યુવતીનું મેડિકલ ચેકઅપ કરવા અને તાત્કાલિક સારવાર આપવા ડોક્ટરોને સૂચના આપી.

પોલીસે હવે તપાસ શરૂ કરી. પૂજાએ કહ્યું કે, સલમાન અને તેના સાથીદારો અર્ધ બેહોશ હાલતમાં તેને હોસ્પિટલની બહાર ફેંકીને જતા રહ્યા હતા. હોસ્પિટલની બહાર સીસીટીવી કેમેરા લાગેલા હતા. આરોપીઓના ચહેરા ઓળખવા પોલીસે સીસીટીવીનું રેર્કોિંડગ જોયું તોે પોલીસ ચોંકી ગઈ.હેરાનીની વાત એ હતી કે આરોપ લગાવવાવાળી પીડિત યુવતી ખુદ એક યુવક સાથે પગે ચાલીને હોસ્પિટલ આવી હતી. આ કેમેરા યુવતીના બયાનથી વિરુદ્ધ કાંઈક દર્શાવી રહ્યા હતા. તે યુવતી બેભાન હાલતમાં હતી જ નહીં પણ તેને હોસ્પિટલ સુધી મૂકવા આવનાર યુવક સાથે હસી હસીને વાત કરી રહી હતી. તે પછી તે જાતે જ ધીમેથી હોસ્પિટલના દરવાજા પાસે સૂઈ ગઈ. જે માણસે પૂજાને હોસ્પિટલમાં ભરતી કઢાવી હતી તેનું જે નામ હોસ્પિટલમાં લખવામાં આવ્યું હતું તે નકલી નીકળ્યું.

પોલીસે પૂજાની કોલ ડિટેઈલ્સ મેળવી લીધી. કોલ ડિટેઈલ્સમાં આરોપી સલમાનનો પણ નંબર મળ્યો. પોલીસે સલમાનના ઘેર જઈ છાપો મારી તેને પકડયો. સલમાને કહ્યું: ‘હા, મેં પૂજા નામની એક છોકરી સાથે વાતો કરી છે પણ હું તેને જાણતો જ નથી. હું તેને કદી મળ્યો નથી.’

પોલીસે કોલ કરનાર વ્યક્તિના લોકેશન્સની તપાસ કરી તો ખબર પડી કે, સલમાન સાચું બોલતો હતો. યુવતીની કોલ ડિટેઈલ્સમાં એક વધુ નંબર મળ્યો. એ નંબર યુવતીના ભાઈ ચંદર પાસે હતો. પોલીસે ચંદરના મોબાઈલના લોકેશનની તપાસ કરી તો જે દિવસે બળાત્કારની ઘટના ઘટી હતી તે દિવસે ચંદર નજીકમાં જ હતો તેમ તેનું મોબાઈલ લોકેશન કહેતું હતું. ટૂંકમાં ઘટના વખતે તે ચંદર તેની બહેનની પાસે જ હતો.

એટલામાં પૂજાનો મેડિકલ રિપોર્ટ આવ્યો. તબીબી રિપોર્ટ પ્રમાણે પૂજા પર કોઈ બળાત્કાર થયો જ નહોતો.

પોલીસને લાગ્યું કે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ જ ખોટી છે. પોલીસે પૂજા અને તેના ભાઈ ચંદરની ધરપકડ કરી. પહેલા તો પૂજા પોતાના બયાન પર અડગ હતા પરંતુ તેને હોસ્પિટલના દરવાજા બહારના સીસીટીવી ફૂટેજ દર્શાવવામાં આવ્યા ત્યારે તે ચોંકી ગઈ. તે ગભરાઈ અને સામૂહિક દુષ્કર્મની જુઠ્ઠી ફરિયાદનું અસલી કારણ કહી દીધું. જે સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ.

વાત જાણે એમ હતી કે કેટલાક મહિનાઓ પહેલાં મેરઠમાં પ્રોપર્ટીનું કામ કરતા બિલાલ નામના એક વ્યક્તિની કેટલાક બદમાશોએ જાહેરમાં ગોળીઓ વરસાવી હત્યા કરી નાખી હતી. આ હત્યારો અનીસ હતો જે બિલાલનો પડોશી પણ હતો. અનીસ એક અસામાજિક તત્ત્વ હતો અને અત્યાર સુધીમાં તેની વિરુદ્ધ ૩૫ જેટલા ગુનાઓ નોંધાયા હતા. બિલાલ તેનો વિરોધ કરતો હતો. આ મુદ્દા પર બેઉ વચ્ચે અનેક વાર ઝઘડા પણ થયા હતા. આ ઝઘડો પરાકાષ્ટાએ પહોંચતા અનીસ અને તેના સાથી નજીક તે જાહેરમાં જ બિલાલની હત્યા કરી દીધી. આ ઘટના ઘટી ત્યારે બીજા જે અનેક સાક્ષીઓ હતા તેમાં સલમાન પણ એક હતો.

પોલીસે બિલાલની હત્યા કરી દેવા બદલ અનીસ અને તેના સાથીઓને જેલમાં પૂરી દીધા હતા. હવે આ કેસની સુનાવણી કોર્ટમાં શરૂ થઈ. દરમિયાન અનીસ વગેરેને જામીન મળી ગયા હતા પરંતુ ગોળીબાર કરનાર મુખ્ય આરોપી નજાક્તને હજુ એક વર્ષ સુધી જામીન મળ્યા નહોતા કારણ કે તેની સામે સલમાનનું બયાન અતિ સ્પષ્ટ હતું કે, તેણે નજાકતને બિલાલ પર ગોળી ચલાવતાં જોયો હતો તેથી હજુ જેલમાં જ હતો. સુનાવણી વખતે સલમાન ખુલ્લી કોર્ટમાં નજાકત વિરુદ્ધ બયાન આપે તો નજાકતને ભારે મોટી સજા થાય તેમ હતું. સલમાન પોતાનું બયાન બદલવા તૈયાર નહોતો. સલમાન એક સજ્જન માણસ હતો. તેથી સલમાનને ફેરવી નાખવા માટે તેને કોઈ એક મોટા અપરાધમાં ફસાવી દેવાનું ષડયંત્ર જેલમાંથી જ રચ્યું. જેલમાં બંધ નજાકતે તેના એક સાક્ષી હાજી મરગૂબને આ કામ સોંપ્યું. મરગૂબ ચંદરને જાણતો હતો. ચંદર પણ અગાઉ એક વાર જેલમાં જઈ આવ્યો હતો, જેલમાં જ તેની દોસ્તી મરગૂબ સાથે થઈ હતી. એણે ચંદરને કહ્યું: ‘સલમાન કોર્ટમાં નજાકત વિરુદ્ધ બયાન આપશે તો ભાઈને સજા થશે ગમે તેમ કરીને સલમાનને ફસાવવો છે.

યોજના ઘડી કાઢવામાં આવી. ચંદરે કહ્યું: ‘મારી એક બહેન પૂજા દિલ્હીથી આવી છે. તે આ કામ કરશે પણ બે લાખ રૂપિયાનું ખર્ચ આવે તેમ છે. અમને બે લાખ મળી જાય તો સલમાનને બળાત્કારના કેસમાં ફસાવી દઈએ.’

સોદો બે લાખમાં નક્કી થયો.

નજાકતના સાથીઓએ સલમાનનો મોબાઈલ નંબર ચંદરને આપ્યો અને ચંદરે તે નંબર તેની બહેન પૂજાને આપ્યો. બે લાખ રૂપિયા માટે પૂજા કોઈ પણ બનાવટી આરોપ લગાડવા તૈયાર હતી. તે પૈસાની ભૂખી હતી. પૂજા આઝાદ ખયાલની યુવતી હતી. પૂજાએ અડધી રકમ પહેલાં માગી જે ચૂકવી દેવાઈ.

તે પછી યોજના અનુસાર બે સીમકાર્ડ ખરીદવામાં આવ્યા. એક સીમકાર્ડ પૂજાને આપવામાં આવ્યું અને બીજું સીમકાર્ડ ચંદરને આપવામાં આવ્યું. એ પછી પૂજાએ સલમાનને મિસકોલ આપ્યો. સલમાને વળતો ફોન કર્યો. મીઠી મીઠી વાતો કરી પૂજાએ સલમાન સાથે વાતો કરવાનો સંબંધ શરૂ કર્યો. સલમાન બિચારાને ખબર નહોતી કે તે કોઈ સાજિશનો શિકાર બની રહ્યો છે.

તા.૨૫ ઓગસ્ટના રોજ પૂજા સલમાન અને તેના સાથીઓને શહેરમાં મળી અને ઔપચારિક વાતો કરી છૂટી પડી. નજીકમાં તેનો ભાઈ ચંદર પણ હતો.

યોજના મુજબ ચંદર જ તા. ૨૫મી ઓગસ્ટની રાત્રે પૂજાને હોસ્પિટલ સુધી મૂકી ગયો. હસીને તેઓ છુટા પડયા. હજુ બાકીના પૈસા લેવાના બાકી હતી. તા. ૨૬મીની વહેલી સવારે નજાકતનો જ એક માણસ બનાવટી રીતે બેહોશીનું નાટક કરી રહેલી પૂજાને ઉઠાવીને હોસ્પિટલમાં દાખલ કરાવવા ગયો. પૂજા બેહોશીનું નાટક કરી રહી હતી. બનાવટી નામ આપીને પૂજાને દાખલ કરાવનાર માણસ જતો રહ્યો. મેડિકલ રિપોર્ટમાં તે બળાત્કાર સાબિત થયો જ નહીં. સીસીટીવીથી કેમેરાએ પૂજાની અસલિયત ખોલી દીધી. પૂજાએ સલમાનને ફસાવવા બળાત્કારની ખોટી ફરિયાદ કરી છે તે કબૂલી લીધું. તેના ભાઈને પણ પકડવામાં આવ્યો. ભાઈ-બહેન બેઉ હવે જેલમાં છે. પૈસા માટે સ્ત્રી પણ ગમે તે હદે જઈ શકે છે.

‘મારે મમ્મી પાસે જવું છે મને ક્યાં લઈ જાવ છો?

એક નાનકડો બાળક

આશિષ.

એના પિતાનું નામ રત્નેશ અને માતાનું નામ સુમન. લગ્ન બાદ કેટલાંક વર્ષો સુધી સંતાન ના થતાં ડોક્ટોરની મદદથી ટેસ્ટટયૂબ દ્વારા તેઓ એક પુત્રના માતા-પિતા બન્યા જેનું નામ આશિષ. તેઓ મિરઝાપુર નગરની રેલવે કોલોનીમાં રહેતા હતા. આશિષ હવે ત્રણ વર્ષનો થઈ ગયો. તેને એક સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો.

કેટલાક સમય બાદ તે બીજા ધોરણમાં આવ્યો. તે રોજ ચાલીને ઘેર આવતો. એક દિવસે તે સ્કૂલમાંથી ઘેર જ ના આવ્યો.

રત્નેશ અને સુમન સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમણે બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે પૂછયું: ‘તમને કોઈની પર શક છે?’

રત્નેશે કહ્યું: ‘રેલવે કોલોનીમાં પવન નામનોે એક યુવાન રહે છે. તે રખડેલ છે. એક દિવસ અમને કહ્યા વગર જ પવન આશિષને સ્કૂલેથી ઘેર લઈ આવ્યો હતો.અમે એને ખૂબ ઠપકો આપ્યો હતો.

પોલીસે પવનની ખોજ શરૂ કરી. પવન રેલવે કોલોનીના તેના ઘરમાંથી ગૂમ હતો. તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. આ અપહરણ અને વસૂલીનો કેસ લાગતાં પોલીસ કોઈના ફોનનો ઈન્તજાર કરવા લાગી પણ કોઈએ પણ રકમની માગણી કરતો ફોન કર્યો નહીં.

પોલીસે હવે પવનના ફોનની કોલ ડિટેઈલ્સ મેળવી. આશિષ ગુમ થયો હતો તે અગાઉ એણે કોની કોની સાથે વાત કરી હતી તે તમામના નામ- સરનામા પ્રાપ્ત કરી લીધા. પોલીસે વારાફરતી તે બધાના ઘેર છાપા મારવાની શરૂઆત કરી. છેવટે મિરઝાપુર નજીકના એક ગામમાં કે જ્યાં પવનનો મિત્ર મુકેશ રહેતો હતો ત્યાં રાત્રે દોઢ વાગે પવન પકડાયો. પોલીસને જોઈને જ પવન ગભરાયો. પોલીસે થર્ડ ડિગ્રીનો અમલ શરૂ કરતાં પવન પોપટની જેમ બોલવા માંડયો. એ પછી પવને જે બયાન કર્યું તે વાત કાંઈક આમ હતી.

પવનનો મિત્ર મુકેશ અલ્હાબાદનો રહીશ હતો. પવન, રવિન્દ્ર અને પ્રદીપ સાથે તેને દોસ્તી હતી. તે બધાના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. આ ચારેય કાંઈ ખાસ કમાતા નહોતા. પિતાની આવક પર અને આડાઅવળા ધંધા કરીને જે કાંઈ આવક થતી તે બિયર પીવામાં ઉડાવી દેતા હતા. એક દિવસ આ ચારેય દોસ્તો બિયર પીવા બેઠા મુકેશે પૂછયું: ‘અલ્યા પવન, તું આજે નિરાશ કેમ છે?’

પવને કહ્યું: ‘શું કરું યાર! મેં મારા ઘરમાંથી ૨૫ હજાર રૂપિયા ચોર્યા હતા. એ રકમ ખાવા-પીવામાં વપરાઈ ગઈ. હવે એ રૂપિયા હું મૂળ જગાએ પાછા નહીં મૂકું તો મુશ્કેલી થશે.’

મુકેશે કહ્યું: ‘તું એ ચિંતા છોડ. આપણે કોઈ બાળકનું અપહરણ કરી લઈએ. એ પછી ૨૦ લાખ રૂપિયાની માગણી કરીશું. અંદરો અંદર પૈસા વહેંચી લઈશું. એ રકમ તો આખું વર્ષ ચાલશે. બિયર પીવાની મજા આવશે.

પવને કહ્યું: ‘મારી કોલોનીમાં જ આશિષ નામનો નાનો છોકરો રહે છે. તે નજીકની સ્કૂલમાં જાય છે. એના પિતા પાસે ઘણાં પૈસા છે. મારે એમના ઘેર આવવા- જવાનો સંબંધ છે. આશિષ પણ મને ‘ભઈયા’ કહી બોલાવે છે.

મુકેશ બોલ્યોઃ ‘તો પછી એને જ ઉપાડીએ.’

યોજના બનાવવામાં આવી.

પવને કહ્યું: આશિષને તો ફોસલાવીને હું લઈ આવીશ પણ એને રાખીશું ક્યાં ?’

મુકેશે કહ્યું: ‘અલ્હાબાદમાં મારા પિતાનું ઘર છે જે હાલ બંધ રહે છે. તેની ચાવી હું લઈ આવીશ. એ સિવાય મારી બહેનનું પણ એક ઘર છે એને હું સમજાવી દઈશ.’

યોજના અનુસાર ગઈ તા.૨૦મી સપ્ટેમ્બરના રોજ પવન, મુકેશ, રવિન્દ્ર અને પ્રદીપ મિરઝાપુર પહોંચી ગયા. એક મોટરસાઈકલની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી. મુકેશ, રવિન્દ્ર અને પ્રદીપ રેલવે સ્ટેશને ઊભા રહ્યા. પવન મોટરસાઈકલ લઈ સ્કૂલ પાસે ગયો. સ્કૂલ છુટતાં જ નાનકડો આશિષ બહાર નીકળ્યો. પવને તેને બોલાવ્યો. નાનકડો આશિષ તેને ઓળખતો હોઈ તે પવનની પાસે ગયો. પવનના હાથમાં એક ગિફટ પેકેટ હતું. આશિષે પૂછયું: ‘ભઈયા, આ પેકેટમાં શું છે?’

પવને કહ્યું: ‘મારા ભત્રીજાની બર્થડે છે. તેના માટે બર્થડે ગિફટ છે. તું પણ મારી સાથે ચાલ. સરસ ખાવાનું મળશે. મીઠાઈ મળશે. આઈસ્ક્રીમ પણ ખાવા મળશે.’

‘પણ મેં ઘેર કોઈને કહ્યું નથી’ આશિષ બોલ્યો.

પવનેે કહ્યું: ‘મેં તારી મમ્મીને વાત કરી છે કે સ્કૂલમાંથી આશિષને હું એક બર્થડે પાર્ટીમાં લઈ જઈશ અને સાંજે પાછો લેતો આવીશ. તેમણે હા પાડી છે.’

આશિષ તૈયાર થઈ ગયો. તે પવનની મોટરસાઈકલ પર બેસી ગયો. પવન આશિષને લઈને રેલવે ફાટક પાસે ગયો. એણે બાળક એના મિત્રોના હવાલે કરી દીધું. મોટરસાઈકલ નિશ્ચિત જગાએ મૂકી દીધી. દોસ્તો એ એક ઈન્ડિગો કાર તૈયાર રાખી હતી. યોજના અનુસાર તેઓ બાળકને લઈ આગળ નીકળી ગયા.

આશિષ તો હસી હસીને પવન સાથે બર્થડે પાર્ટી અંગે વાતો કરતો હતો પરંતુ ઘણીવાર થતાં તે પૂછવા લાગ્યોઃ ‘ભઈયા, હજુ કેટલી વાર લાગશે?’

‘બસ, હવે થોડે જ દૂર છે’: પવને કહ્યું.

આશિષ બોલ્યોઃ ‘ભઈયા, મને ભૂખ લાગી છે.’

પવન રાયબરેલી પાસે ગાડી ઊભી રખાવી અને રસ્તામાંથી પેટીસ અને કોલ્ડ્રિંક લઈ બાળકને ખવરાવ્યા. થોડીવારમાં તે સૂઈ ગયો.

હવે સાંજ પડી ગઈ હતી. આશિષ જાગી ગયો. તે મમ્મી-પપ્પા પાસે જવા જીદ કરવા લાગ્યો. થોડીવાર બાદ તે રડવા લાગ્યો. પવને તેને ખખડાવીને ચૂપ કરી દીધો.

અલ્હાબાદ પહોંચીને યોજના અનુસાર ખંડણીની માગણી કરવા બજારમાંથી સીમકાર્ડ ખરીદવા પ્રયત્ન કર્યો. પરંતુ યોગ્ય    આઈડી કાર્ડના અભાવે તેમને કોઈને પણ સીમ કાર્ડ આપ્યું નહીં. મજબૂર થઈને તેઓ બાળકને લઈને રાતના ૧૦ વાગે મિરઝાપુર પહોંચ્યા. મુકેશે તેની બહેનને ફોન કરી યોજનાની વાત કરી. બહેને અપહૃત બાળકને પોતાના ઘરમાં રાખવા સાફ ઈન્કાર કરી દીધો. બધાના ચહેરા ફિક્કા પડી ગયા.

આ તરફ આશિષ હવે જોશજોશથી રડવા લાગ્યો હતો. તે કહેવા લાગ્યોઃ ‘ભઈયા, અત્યારે ને અત્યારે જ મને મમ્મી-પપ્પા પાસે લઈ જાવ.’

પવન અને તેના સાથીઓ મૂંઝાયા. તેઓ નક્કી કરી શક્તા નહોતા કે હવે શું કરવું ? બાળક હજુ સમજી શક્તો નહોતો કે આ બધું શું થઈ રહ્યું છે. તે તો ભોળા ભાવે કહેતો હતોઃ ‘ભઈયા બહુ મોડું થઈ ગયું છે, ઘેર જઈશ તો મમ્મી મને લડશે.’

બહુ સમજાવવા છતાં બાળક ચૂપ ના થયો એટલે બધાંને બાજુમાં લઈ જઈ પવને કહ્યું: ‘ખંડણી જ મેળવ્યા પછી પણ આ બાળકને મારી જ નાંખવાનો છે તો ચાલો અત્યારે જ એને પતાવી નાંખીએ. આમે ય ખંડણી મળે તો પણ બાળકને જીવતો રાખી શકાશે નહીં. કારણ કે તે મને ઓળખે છે. ખંડણી મળ્યા પછી તે એના મમ્મી- પપ્પાને મારું નામ આપી જ દેશે અને આપણે બધા પકડાઈ જઈશું.’

પવનની વાત એના મિત્રોને સાચી લાગી. પણ મુકેેશે પૂછયું: ‘ખંડણી આપતા પહેલાં તેનાં મમ્મી- પપ્પા કહેશે કે બાળક સાથે વાત કરાવોે તો આપણે શું કરીશું?’

પવને કહ્યું: ‘બાળકને મારી નાંખતા પહેલાં આશિષનો અવાજ મોબાઈલમાં રેકોર્ડ કરી દઈએ એ અવાજ સંભળાવી દઈશું.’

એ યોજના મુજબ બાળકને ફોસલાવી પવને આશિષ પાસે કેટલાક વાતો બોલાવરાવી એનો અવાજ મોબાઈલ પર રેકોર્ડ કરી લીધો.

હવે જંગલના રસ્તે ગાડી લીધી. રાત સમસમ આગળ વહેતી હતી. પવને કારની અંદર જ રવિન્દ્રને ઈશારો કર્યો. પવને આશિષને પકડી રાખ્યો. રવીન્દ્રએ બંને હાથથી બાળકનું ગળું દબાવી દીધું. તરફડિયા ખાઈને નાનકડો આશિષ શાંત થઈ ગયો. રસ્તામાંથી પ્લાસ્ટિકની એક બેગ લઈ લીધી હતી. બાળકની લાશને પ્લાસ્ટિકની બેગમાં મૂકી લાશ એક ઝાડીમાં ફેંકી દીધી. આ કામ પતાવ્યા બાદ એ બધા લખનૌ જવા રવાના થયા.

રસ્તામાં કોઈએ પણ તેમના પૂરતા કાગળોના અભાવે સીમકાર્ડ આપ્યું નહીં. બે દિવસ બાદ પવન એના ઘેર પહોંચ્યો ત્યારે પોલીસ એની ખોજ કરી રહી હતી. તે એના મિત્ર મુકેશના ગામ ભાગીને પહોંચી ગયો. પોલીસે પવનના મોબાઈલ ફોનના કોલ ડિટેઈલ્સના આધારે પવનના બધા જ મિત્રોના ઘેર છાપા માર્યા અને પવન મિરઝાપુર નજીકના એક ગામમાં મુકેશના ઘરમાંથી જ પકડાઈ ગયો. તે પછી ક્રમશઃ બધા જ પકડાઈ ગયા.

આવી છે એક બાળકના અપહરણ અને મોતની કથા. આ છે ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની હાલત.

– દેવેન્દ્ર પટેલ

કુર્આન અને ભગવદ્ ગીતા બંને મને પસંદ છે : મરિયમ

મરિયમ આસિફ સિદ્દકી.
તે એક મુસ્લિમ બાળા છે.

મુસ્લિમ પરિવારમાં જન્મી છે. તેને બચપણથી જ પ્રેમ અને શાંતિના પાઠ ભણાવવામાં આવ્યા હતા. તેના પિતા પત્રકાર હોઈ તેમને પુત્રીને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં કોઈ કસર બાકી રાખી નહોતી, નાનકડી મરિયમને પણ ભણવાનો,વાંચવાનો જબરદસ્ત શોખ હતો. તેના હાથમાં જે પુસ્તકો આવે તે વાંચી નાંખતી. સ્કૂલના પાઠયપુસ્તકો ઉપરાંત ઘરમાં આવતાં સામયિકો અને સાહિત્ય પુસ્તકો પણ વાંચતી.

મરિયમે પાંચ વર્ષની વયે જ મમ્મી-પપ્પાની સાથે દિવ્ય કુર્આન વાંચવા માંડયું. શરૂ શરૂમાં કેટલુંક સમજમાં ના પણ આવતું. એને ના સમજાય ત્યારે તો તેનો અર્થ પપ્પાને પૂછી લેતી. મરિયમ સ્કૂલમાં તેના ક્લાસમાં હંમેશાં પ્રથમ નંબરે રહેતી, પરંતુ કેટલાક દિવસો બાદ એવી કેટલીક બાબતો ધ્યાનમાં આવતા તેના પિતા ચિંતિત થઈ ગયા. એ વખતે તે નવ વર્ષની હતી. એક દિવસે મરિયમે તેના પિતાને પૂછયું : ”પપ્પા, મારા ક્લાસમાં મોટા ભાગે હિંદુ છોકરાઓ જ કેમ છે?”

મરિયમના આ પ્રશ્નથી તેના પિતા વિચારમાં પડી ગયા. તેમણે વિચાર્યું કે, મરિયમ હજુ નાની છે અને ધર્મની બાબતમાં તેના મનમાં કોઈ સંશય હોવો ના જોઈએ. એ જ દિવસે તેમણે પોતાની દીકરીને બીજા ધર્મોની બાબતમાં પણ શિક્ષણ આપવાનું વિચાર્યું.

મરિયમ આમ તો રોજ કુર્આન પઢતી હતી પરંતુ તેના પપ્પાએ બીજા ધાર્મિક ગ્રંથો જેવા કે બાઈબલ, ગીતા અને ગુરુ ગ્રંથ સાહેબ પણ લાવીને તેને આપ્યા. તેઓ ચાહતા હતા કે બાળકી બીજા ધર્મોનું પણ જ્ઞાાન લે, જેથી તે મોટી થાય ત્યારે સમાજના અન્ય લોકો સાથે હળવા-મળવામાં કોઈ મુશ્કેલી ના આવે. એ પછી મરિયમ હવે ગીતા વાંચવા લાગી.

શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલાક શ્લોક સમજવામાં તેને મુશ્કેલી પડવા લાગી તો તેણે ગીતાના અંગ્રેજી અનુવાદનો સહારો લીધો. ગીતાના સંદેશથી તે પ્રભાવિત થઈ. ગીતા ઉપરાંત તે બાઈબલ પણ વાંચવા લાગી. કુર્આન ઉપરાંત તે ગીતા તથા બાઈબલ પણ વાંચતી હોઈ સ્કૂલમાં તથા મહોલ્લામાં તેની ચર્ચા થવા લાગી. બધાંને આશ્ચર્ય એ વાતનું હતું કે, સ્કૂલના અભ્યાસ ઉપરાંત મરિયમને ધાર્મિક ગ્રંથો વાંચવાનો સમય કેવી રીતે મળે છે?

મરિયમ કહે છે : ‘કેટલાક ધાર્મિક ગ્રંથો વાંચ્યા બાદ માલૂમ પડે છે કે, દરેક ધર્મ, પ્રેમ અને અહિંસાની શીખ જ આપે છે. માનવતાથી વધુ મોટો કોઈ ધર્મ નથી. એક પણ ધર્મ બીજાઓ પ્રત્યે નફરત કરવાની રજા આપતો નથી. અગર લોકો પોતે ધર્મના છે તે ધર્મના ગ્રંથ ઉપરાંત બીજા ધર્મોના ગ્રંથોનો અભ્યાસ કરે તો દુનિયામાં ધાર્મિક નફરતનું નામોનિશાન નહીં રહે?

માત્ર ૧૨ વર્ષની વયની મરિયમ મુંબઈની કોસ્મોપોલિટન સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણે છે. તેને ઉર્દૂ, હિંદી, અંગ્રેજી અને સંસ્કૃતમાં સારી સમજ છે. તે જેટલી શ્રદ્ધાથી કુર્આનની આયાતો પઢે છે એટલી જ સહજતાથી ગીતાના શ્લોક પણ બોલી શકે છે. થોડા સમય પહેલાં તેની સ્કૂલમાં એક ઘોષણા કરવામાં આવી કે ભગવદ્ ગીતા ચેમ્પિયનશીપ માટે એક સ્પર્ધા યોજાશે. તેમાં ભાગ લેવો ફરજિયાત નથી પરંતુ જેની ઈચ્છા હોય તે નામ નોંધાવી શકે છે. મરિયમને આ સ્પર્ધાની ખબર પડતાં જ તે ખુશ થઈ ગઈ. ગીતા તેની પસંદગીનું ધાર્મિક પુસ્તક હતું.

ઘેર આવીને તેણે તેના પપ્પાને કહ્યું: ‘ પાપા, હું શ્રીમદ્ ભગવદ્ ગીતા ચેમ્પિયનશીપની સ્પર્ધામાં ભાગ લેવા માંગું છું ?

તેના પપ્પાએ કહ્યું : ‘બેટા, તને લાગતું હોય કે તું ગીતા સમજે છે તો તું અવશ્ય તે સ્પર્ધામાં ભાગ લે.’

આ સ્પર્ધા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્સિયસનેસ (ઈસ્કોન) દ્વારા આયોજિત હતી. તેમાં છઠ્ઠા ધોરણથી દસમા સુધીનાં પાંચ હજાર બાળકોએ ભાગ લીધો. તૈયારી માટે સંસ્થા તરફથી બાળકોને ‘ગીતા’ સંબંધી પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. મરિયમે એ તમામ પુસ્તકોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. સ્પર્ધા મુશ્કેલ હતી. શ્રીમદ્ ભગવદ્ ગીતા આમેય એક ગહન ગ્રંથ છે. મરિયમ કહે છેઃ ‘આ સ્પર્ધા માટે મને મારા ટીચરે બહુ જ મદદ કરી. મેં સંસ્કૃતના શ્લોકો યાદ કર્યા. મારા ટીચરે અઘરા શ્લોકોનો અર્થ સરળ શબ્દોમાં સમજાવ્યો. મને લાગ્યું કે મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થયો હતો તેમાં જીવનનો સાર છુપાયેલો છે.’

કલાસ ટીચર સપના બ્રહ્માંડકર કહે છેઃ ‘મરિયમ ભણવામાં ખૂબ હોશિયાર છે જ્યારે ગીતા ચેમ્પિયનશીપની સ્પર્ધા આવી ત્યારે તેણે ખૂબ પરિશ્રમપૂર્વક અભ્યાસ કર્યો. તે અત્યંત શિસ્તબદ્ધ બાળકી છે અને તેની પર નાજ છે.’

મરિયમે ગીતા ચેમ્પિયનશીપમાં ઉત્સાહભેર ભાગ લીધો અને પરિણામ આવ્યું ત્યારે બધા જ આશ્ચર્યચક્તિ થઈ ગયા. મરિયમ તમામ બાળકોમાં પ્રથમ નંબરે આવી. તેને ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મળ્યા. મરિયમના ચહેરા પર ખુશી હતી. તે કહે છેઃ ‘મેં ગીતાનું અધ્યયન એટલા માટે નહોતું કર્યું કે હું ચેમ્પિયનશીપ જીતું. પણ મેં ગીતા એટલા માટે વાંચી કે હું તેને સમજી શકું અને તેના સંદેશને જીવનમાં ઉતારી શકું.’

એ પછી મરિયમ આસિફ સિદ્દકી આખા દેશમાં ‘ગીતા ચેમ્પિયન’ના નામે મશહૂર થઈ ગઈ. મહારાષ્ટ્રની વિધાનસભામાં તેને સન્માનિત કરવામાં આવી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મરિયમને પોતાના કાર્યાલયમાં બોલાવી તેનું સન્માન કર્યું.

મરિયમ કહે છે : ‘હું જે કાંઈ કરી શકી છું તે મારા મમ્મી-પપ્પાના કારણે કરી શકી છું. અમે ઘરમાં ચાર ભાઈ-બહેન છીએ. અમને બધાંને એ જ શીખવવામાં આવ્યું છે કે, આપણે બધાએ બીજા ધર્મોનું પણ સન્માન કરવું જોઈએ.’

મરિયમને શેર-શાયરીનો પણ શોખ છે. એક મશહૂર શાયરની પંક્તિઓ સંભળાવતા તે કહે છેઃ ‘મેં અમન પસંદ હૂં મેરે શહેર મેં દંગા રહેને દો, મત બાંટો મુઝે લાલ ઔર હરે રંગ મેં, મેરી છત પે ત્રિરંગા રહેને દો.’

મરિયમની મા ફરહાના કહે છે : મારી દીકરીને દેશમાં આટલું સન્માન- પ્રેમ મળ્યાં તેથી હું ખુશ છું. એવી ઉમ્મીદ કરું છું કે બાકી લોકો પણ પોતાના બાળકોને એવી જ તાલીમ આપે જેથી દેશમાં કાયમ માટે અમન સ્થપાય.’

મરિયમ કહે છે : ‘કુર્આન અને ગીતા બેઉ મને પસંદ છે.’

દેશના નેતાઓ જ્યારે ધર્મના નામે વોટ બેંક ઊભી કરે લોકોને વિભાજિત કરી રહ્યા છે ત્યારે એક નાનકડી દીકરી મરિમય તેમનાથી વધુ શ્રેષ્ઠ છે. આપણે ઈચ્છીએ કે એક દિવસ મરિયમ દેશની નેતા બને. સહુથી મોટી નોંધપાત્ર વાત એ છે કે મરિયમને ઉત્તર પ્રદેશની સરકારે રૂ.૧૧ લાખનું ઈનામ મોકલ્યું પરંતુ મરિયમે તે રકમ સવિનય પાછી મોકલીને સરકારને જણાવ્યું કે આ રકમ જરૂરિયાતવાળા ગરીબ બાળકો માટે વાપરવી.

– દેવેન્દ્ર પટેલ

મીનાકુમારી, મધુબાલા પણ જેમની પાસે ટિપ્સ લેવા જતા

ઝુબૈદા.

આજની પેઢી દીપિકા પદૂકોણને ઓળખે છે, કંગના રનૌતને ઓળખે છે, પ્રિયંકા ચોપરાને ઓળખે છે, કરીના કપૂરને ઓળખે છે પણ ઝુબૈદાનું નામ તેઓ પહેલી જ વાર સાંભળી રહી હશે.

ઝુબૈદાનું આખું નામ ઝુબૈદા બેગમ ધનરાજગીર હતું. તે ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ની હીરોઈન હતી. ૧૯૧૧માં જન્મેલી આ અભિનેત્રીના અવસાનને ૨૭ વર્ષ પૂરાં થયા. ઝુબૈદા બેગમ માત્ર એક્ટ્રેસ જ નહોતી. તે એક નવાબ પરિવારની પ્રિન્સેસ પણ હતી. તેનો જન્મ ગુજરાતના સુરત ખાતે થયો હતો. તે સચિનના નવાબ સીદી ઈબ્રાહીમ મુહમ્મદ યાકુત ખાનની દીકરી હતી. તેની માતાનું નામ ફાતિમા બેગમ હતું. ઝુબૈદાને બે બહેનો હતી, સુલતાના અને શેહઝાદી.

અદ્ભુત સૌંદર્ય ધરાવતી ઝુબૈદા બેગમની માતા પણ સાઈલન્ટ ફિલ્મોની અભિનેત્રી હતી. ઝુબૈદા એક પ્રતિષ્ઠિત નવાબ પરિવારની શાહજાદી હોવા છતાં એણે એની માતાના પગલે ફિલ્મોમાં આવવાનું પસંદ કર્યું હતું. અલબત્ત, એ જમાનામાં યુવતીઓ માટે ફિલ્મોમાં કામ કરવું તે પ્રતિષ્ઠાપાત્ર ગણાતું નહોતું. તેના પિતા નવાબ સચિન ધનરાજગીર તરીકે ઓળખાતા હતા. મા ફાતિમા બેગમ સાઈલન્ટ ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે ત્રણેય રૂપાળી બહેનોને ફિલ્મોમાં કામ કરવા ઓફર આવતી હતી પણ પિતા એનો ઈનકાર કરી દેતા હતા.

પરંતુ એક વાર પૃથ્વીરાજ કપૂર અને નિર્દેશક અરદેશર ઈરાનીએ નવાબ સાહેબને મનાવી લીધા અને તેઓ પોતાની પુત્રીઓ પણ ફિલ્મોમાં કામ કરે તે માટે સંમત થઈ ગયા.

ઝુબૈદા બેગમે માત્ર ૧૨ વર્ષની વયે જ એ વખતની ‘કોહિનૂર’ ફિલ્મ માટે કરાર કર્યો. એ મૂંગી ફિલ્મ હતી. એ પછી ઝુબૈદા બેગમની બંને બહેનોએ પણ ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યું. ૧૯૨૦ સુધી ઝુબૈદા બેગમ તેની બહેનો સાથે ફિલ્મ જગત પર વર્ચસ્વ જમાવતી રહી, અલબત્ત એ બધી જ સાઈલન્ટ ફિલ્મો હતી. ૧૯૨૫ સુધી ઝુબૈદા બેગમે નવ ફિલ્મો માટે કરાર કર્યા હતા એ બધી જ ફિલ્મો રિલીઝ થઈ હતી તેમાંની મુખ્ય ફિલ્મો (૧) દેવદાસ (૨) દેશ કા દુશ્મન અને (૩) કાલા ચોરને વર્ષો સુધી લોકો યાદ કરતા રહ્યા. આ ત્રણેય ફિલ્મો હિટ રહી. તે પછી ઝુબૈદ બેગમની બંને બહેનોએ પણ એની સાથે જ ફિલ્મમાં કામ કર્યું. ‘કલ્યાણ અજીનાહ’ નામની એ સાઈલન્ટ ફિલ્મ લંડનના વેમ્બલી એક્ઝિબિશનમાં પણ રજૂ થઈ અને એવોર્ડ જીતી ગઈ. તે પછી બાબુરાવ મિસ્ત્રીની ફિલ્મ ‘સિંહગઢ’માં પણ તેણે કામ કર્યું.

આ સમય ગાળા દરમિયાન ફાતિમા બેગમ અને તેમની પુત્રીઓ દેશના ફિલ્મી જગત પર વર્ચસ્વ જમાવતી રહી. ૧૯૨૭માં ફાતિમા બેગમે કેટલીક ફિલ્મોનું નિર્માણ કર્યું જેમાં (૧) બુલબુલ (૨) લયલા મજનુ (૩) નણંદ ભોજાઈ અને (૪) બલિદાનનો સમાવેશ થાય છે.

‘બલિદાન’ એક એવી ફિલ્મ હતી જે યુરોપમાં પ્રદર્શિત થઈ. ધી સિનેમોગ્રાફ કમિટી એસોસિયેશને ‘બલિદાન’ ફિલ્મની પ્રશંસા કરી. આ ફિલ્મની કથા બંગાળના મંદિરમાં અપાતા પશુઓના બલીદાન પર આધારિત હતી. આ ફિલ્મની મૂળ કથા કવિવર રવિન્દ્રનાથ ટાગોરની લખેલી હતી. ભારતીય ફિલ્મ બોર્ડના યુરોપિયન સભ્યોએ આ ફિલ્મને યુરોપમાં પ્રદર્શિત કરવા ભલામણ કરી હતી.

‘બલીદાન’ ફિલ્મની મુખ્ય અભિનેત્રી ઝુબૈદા બેગમ અને મુખ્ય કલાકાર અભિનેતાઓ માસ્ટર વિઠ્ઠલ તથા જાલ ખંભાતા હતા.

તે પછી ૧૯૩૧માં પહેલી જ વાર ભારતમાં એક બોલતી ફિલ્મ બની. એ ટોકી ફિલ્મનું નામ ‘આલમ આરા’ તેની મુખ્ય અભિનેત્રી ઝુબૈદા બેગમ હતી. તા. ૧૪ માર્ચ ૧૯૩૧ના રોજ ‘આલમ આરા’ ફિલ્મ મુંબઈના ‘મેજિસ્ટિક સિનેમા’માં પ્રદર્શિત થઈ. આમ ઝુબૈદા બેગમ તે ભારતની પહેલી સાઉન્ડ ટ્રેક ધરાવતી બોલતી હિંદી ફિલ્મની પહેલી અભિનેત્રી બની ગઈ. આમ ઝુબૈદા બેગમ એક એવી અભિનેત્રી રહી જેણે મૂંગી ફિલ્મોમાં અને બોલતી ફિલ્મોમાં પણ કામ કર્યું. ‘આલમ આરા’ ફિલ્મ ખુદ ઝુબૈદા બેગમ માટે એક ર્ટિંનગ પોઈન્ટ સાબિત થઈ. તેની કારકિર્દીની આ સૌથી મોટી હિટ ફિલ્મ હતી. ‘આલમ આરા’ ફિલ્મની સફળતા બાદ ઝુબૈદા બેગમની માંગ વધી ગઈ અને એ જમાનામાં સૌથી વધુ વેતન પ્રાપ્ત કરતી મહિલા બની ગઈ, એ જમાનામાં અભિનેતા કે અભિનેત્રીએ જે તે ફિલ્મ કંપનીમાં પગાર પર કામ કરવું પડતું હતું.

૧૯૩૦થી ૧૯૪૦ દરમિયાન ઝુબૈદા બેગમે ઘણી હિટ ફિલ્મો આપી. એ જમાનામાં એ હોટ એક્ટ્રેસ ગણાવા લાગી હતી. એ કારણે એના વિશે ઘણી નિષેધાત્મક વાતો ચાલતી હોવા છતાં તે ફિલ્મોમાં કામ કરતી રહી ! ઝુબૈદા બેગમની કેટલાક નિર્દેશકો સાથેના સંબંધો અંગે વાતો ઘૂમરાતી હતી પરંતુ ઝુબૈદા બેગમે તેની પરવા કર્યા વિના અભિનય કરવાનું ચાલુ રાખ્યું.

ઝુબૈદા બેગમે ‘શુભદા, ઉત્તરા અને દ્રૌપદી’ ફિલ્મમાં કામ કરી તેના અભિનય ક્ષેત્રમાં પ્રતિષ્ઠાનું એક વધુ પીછું ઉમેર્યું. ૧૯૩૪માં ઝુબેદાએ ‘મહાલક્ષ્મી’ અને ‘ગુલે સોનબાર’ તથા ‘રસિક એ લયલા’ જેવી હિટ ફિલ્મો આપી. અલબત્ત, આ એના જીવનનો બહુ ખરાબ સમય હતો. નેગેટિવ ગોસિપના કારણે કેટલાક નિર્દેશકો સાથેની કેટલીક ફિલ્મો એણે છોડવી પડી, જે બીજી અભિનેત્રીઓના ફાળે ગઈ.

૧૯૫૦ સુધી તે કામ કરતી રહી. તેની છેલ્લી ફિલ્મ ‘નિર્દોષ અબલા’ હતી. એ ફિલ્મની કથા અનેક પ્રશ્નોનો સામનો કરતી એક નિઃસહાય સ્ત્રીના જીવન પર આધારિત હતી. વાસ્તવમાં ઝુબૈદા બેગમના જીવનની કથા પણ એ ફિલ્મની કથા સાથે મળતી આવતી હતી.

એ પછી એની ઘણી ફિલ્મો માટે ઓફર્સ આવતી રહી પરંતુ તે એ બધી ફિલ્મો સ્વીકારવા ઈનકાર કરતી રહી.

એ સમયગાળા બાદ ઝુબૈદા બેગમે ધનરાજગીર ગ્યાન બહાદુર સાથે લગ્ન કરી લીધા. જેઓ હૈદરાબાદના મહારાજાઓ પૈકીના એક હતા. આ લગ્ન બાદ ઝુબૈદાએ એક પુત્રનો જન્મ આપ્યો જેનું નામ હુમાયુ ધનરાજગીર. ઝુબૈદાના પૌત્ર-પૌત્રીઓમાં નિખિલ ધનરાજગીર, અશોક ધનરાજગીર, રિયા પિલ્લાઈ અને કરેન નીનાનો સમાવેશ થાય છે.

લગ્ન બાદ ઝુબૈદાએ મોટા ભાગનું જીવન મુંબઈ ખાતેના ધનરાજ મહેલ પેલેસમાં શાંતિપૂર્વક વીતાવ્યું. એ સમયગાળા દરમિયાન સુરૈયા, મીનાકુમારી, મધુબાલા,નરગીસ અને વહીદા રહેમાન પણ ઝુબૈદાને મળતી રહી અને અભિનય કળા અંગેની ટિપ્સ મેળવતી રહી, જે પાછળથી સ્વયં ખુદ એક લેજન્ડ

બની રહી. ૧૯૮૮માં ઝુબૈદાનું મુંબઈ ખાતે અવસાન થયું.

ઝુબૈદાએ લેજન્ડરી અભિનેત્રીઓ માટે પણ એક રોલ મોડેલ હતી. હવે નવી પેઢી તો ઝુબૈદા બેગમને ઓળખતી નથી પરંતુ હજુ થોડાક એવા લોકો છે જે ઝુબૈદાને યાદ કરે છે.

– દેવેન્દ્ર પટેલ

તું કોઈના પ્રેમમાં છે અને મારી પાસે પુરાવા પણ છે

એમહાશયનું નામ ગોકુલ માચેરી છે.

૩૭ વર્ષના ગોકુલ બેંગલુરુની એક સોફટવેર કંપનીમાં ટેક્નિશિયન છે. તેઓ માત્ર સોફટવેરના જ નિષ્ણાત નહીં પરંતુ મર્ડરથી માંડીને વિમાનો ઉડાવી દેવાની અન્યના નામે ધમકીઓ આપવાનો પ્લોટ રચવાના પણ નિષ્ણાત છે. તેમણે તાજેતરમાં જ બે ઈન્ટરનેશન ફલાઈટસને બોમ્બથી ઉડાવી દેવાની અન્યના નામે ધમકી આપી અને પોલીસે શેરલોક હોમ્સની અદાથી તેમને પકડી લીધા છે.

આ બધું કર્યું શા માટે ?

કારણ કે ગોેકુલને પોતાની એક જૂની ગર્લફ્રેન્ડનું ફરીથી દિલ જીતવું હતું. એમ કરતાં પહેલાં તેમણે પોતાની પત્નીની હત્યા કરી નાંખી અને તે પછી તેમની જૂની ગર્લફ્રેન્ડને ફરી હાંસલ કરવા એના પતિને ટેરેરિસ્ટમાં ખપાવી દેવા જબરદસ્ત કાવતરું રચ્યું.

ગોકુલને બેંગલુરુની પોલીસે પકડી લીધો છે કારણ કે એણેે વ્હોટસએપ દ્વારા ઈસ્લામિક સ્ટેટના નામે બેંગલુરુ અને દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટ્સને એવા સંદેશા મોકલ્યા હતા કે, ત્રણ આંતરરાષ્ટ્રીય ફલાઈટ- વિમાનોના બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ મેસેજ બાદ ત્રણેય વિમાનોને અધવચ્ચેથી જ પાછા બોલાવવા પડયા હતા. પરિણામે તે તમામ વિમાનોને ફરી ઉડવાની પરવાનગી આપતાં ખૂબ વિલંબ થયો હતો.

વાત જાણે કે એમ છે કે ગોકુલ મૂળ ત્રિચૂરનો નિવાસી છે. તે અનુરાધા નામની ઈજનેરી વિદ્યાશાખાની અધ્યાપિકાને પરણ્યોે તે પહેલાં તે બીજી એક અન્ય યુવતી સાથે પ્રેમમાં હતો.

ગોકુલના પ્રથમ પ્રેમની ઘટના ત્રિચૂરની છે જ્યારે તે સ્કૂલમાં ભણતો હતો. ૧૨માં ધોરણથી તે કામિની નામની તેની સ્કૂલ ફ્રેન્ડના પ્રેમમાં હતો. એન્જિનિયરિંગ કોલેજમાં ગ્રેજ્યુએટ થયા બાદ ગોકુલ દિલ્હી ગયો અને કામિની વધુ અભ્યાસ માટે તામિલનાડુના તિરુચીનાપલ્લી શહેરમાં ગઈ. બેઉ આ રીતે છૂટા પડી ગયા.

૨૦૦૯માં દિલ્હીમાં કામ કરતી વખતે ગોકુલનો પરિચય અનુરાધા સાથે થયો. અનુરાધા મૂળ રાંચીની હતી અને તે પણ સોફટવેર એન્જિનિયર હતી. એ બંને પહેલી જ વાર મળ્યા અને તેમના પરિચય પરિણયમાં પરિર્વિતત થઈ ગયો. ગોકુલ અને અનુરાધા પરણી ગયા. બન્યું એવું કે એ જ વર્ષે ગોકુલની પૂર્વ ગર્લફ્રેન્ડ કામિની પણ જોસ નામના બેંગલુરુના એક યુવાન સાથે પરણી ગઈ.

આ તરફ ગોકુલ અને અનુરાધાનું દાંપત્ય જીવન શરૂ તો થયું પરંતુ એ બંને વચ્ચે તનાવ પણ શરૂ થયો. ગોકુલને મોડી રાત સુધી જોબ કરવી પડતી હતી. એક દિવસે બન્યું એવું કે ગોકુલ મોડી રાત્રે ઘેર આવ્યો ત્યારે તેની પત્ની અનુરાધા ઊંઘી ગઈ હતી, પણ તે ડ્રોઈંગરૂમમાં પડેલા તેના મોબાઈલ પર કોઈનો મેસેજ આવી રહ્યો હતો. ફોન સાયલન્ટ મોડ પર હતો પણ મેસેજના કારણે લાઈટ ફલેશ થતી હતી. ગોકુલે અનુરાધાના મોબાઈલ પરનો મેસેજ ચેક કર્યો. કોઈ અન્ય પુરુષ તરફથી અનુરાધા પર અંગત અને પ્રેમનો મેસેજ હતો. ગોકુલે મેસેજ બોક્સમાં જઈ બીજા મેસેજીસ પણ ચેક કર્યા. તો વાત સ્પષ્ટ થઈ ગઈ કે તેની પત્ની અનુરાધા કોઈ અન્ય પુરુષ સાથે પ્રેમસંબંધ અને આડો સંબંધ પણ ધરાવતી હોઈ શકે.

ગોકુલે હવે તેની પત્નીને રંગેહાથ પકડવા એક યોજના વિચારી કાઢી. તેણે તાંત્રિક બાબાના નામે એક બનાવટી ઈ-મેઈલ ઓપન કરાવ્યું. એ ઈ-મેઈલ એડ્રેસના ધારકનું નામ ”બાબા” રાખ્યું. તે પછી ”આશા”ના નામે એક બીજું ઈ-મેઈલ એડ્રેસ ખોલાવરાવ્યું અને ‘આશા’ જ્યોતિષી હોવાનું જાહેર કર્યું. ગોકુલ આ બનાવટી ઈ-મેઈલ દ્વારા તેની પત્ની અનુરાધાને ઈ-મેઈલ મોકલવા માંડયો તેમાં તે લખતો : ‘તમને પ્રેમ પ્રકરણમાં કોઈ વિઘ્ન હોય તો અમે તે દૂર કરી આપીશું.”

તે પછી અનુરાધાએ તેના પ્રેમીને પામવા વિશેની વિગતો, ‘બાબા’ અને ‘આશા’ના ઈમેઈલ પર મોકલી આપી. અનુરાધાએ તેના પ્રેમીને પામવા ‘બાબા’ અને ‘આશા’ની મદદ માંગી. હકીકતમાં એ ઈમેઈલ એડ્રેસ ગોકુલ જ હેન્ડલ કરતો હતો. ગોકુલ ‘બાબા’ અને ‘આશા’ ના ઈમેઈલ એડ્રેસ પર અનુરાધા અને તેના પ્રેમીની તસવીરો પણ મંગાવી લીધી.

ગોકુલને હવે પાકી ખાતરી થઈ ગઈ કે તેની પત્ની કોઈ અન્યના પ્રેમમાં છે. આશ્ચર્યની વાત એ છે કે પોતાની પત્ની અન્ય કોઈ પુરુષના પ્રેમમાં છે તે વાત જાણ્યા બાદ બીજા ચાર વર્ષ સુધી તે પત્ની સાથે આ ગેમ ખેલતો રહ્યો.

આ દરમિયાન તે ફેસબુક દ્વારા તેની આગલી પ્રેયસી અને હવે જોસની પત્ની કામિની સાથે ફરી સંપર્કમાં આવ્યો. બંને વચ્ચે સંદેશાની આપલે શરૂ થઈ.

વળી હવે તે દિલ્હી છોડી બેંગલુરુમાં સ્થાયી થયો અને બેંગલુરુથી તેણે જોબ શરૂ કરી. અનુરાધા પણ તેની સાથે બેંગલુરુ આવી. તેણે પણ એક આઈટી કંપનીમાં ખાનગી એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભણાવવાની જોબ શરૂ કરી.

તા. ૨૮ જુલાઈની રાત. ગોકુલે એ રાત્રે અનુરાધાને એક ઠંડા પીણામાં શરાબ ભેળવીને પિવરાવી દીધો. તેણે પણ દારૂ પીધો. તે રાત્રે બેઉ વચ્ચે ખૂબ ઝઘડો થયો. ગોકુલે અનુરાધાને કહ્યું: ‘તું કોઈના પ્રેમમાં છે અને મારી પાસે પ્રૂફ છે.’

અનુરાધાએ કહ્યું: ‘તું મારી પર આવો આક્ષેપ કરીશ તો હું દિલ્હી પાછી ચાલી જઈશ.’

આ વાત સાંભળી ગોકુલ ઉશ્કેરાયો. તેણે બાજુમાં મૂકેલી ગણેશની ર્મૂિત ઉપાડી અને અનુરાધાના માથામાં ફટકારી. અનુરાધા લોહીલુહાણ થઈ ગઈ અને બ્રેઈન હેમરેજ થતાં ત્યાં જ મૃત્યુ પામી.

આ ઘટનાથી ગભરાઈ ગયેલા ગોકુલે તેના સસરાને બોલાવ્યા કે જેઓ પૂર્વ પોલીસ અધિકારી હતા. ગોકુલે કહ્યું: ‘અનુરાધા આજે દારૂ પી ગઈ હતી અને દારૂના નશામાં તેણે ભીંત સાથે માથું પછાડતાં તે મૃત્યુ પામી છે.’

અનુરાધાના પિતાએ બેંગલુરુની પોલીસ બોલાવી. પોલીસને ગોકુલની વાત પર સંદેહ થતાં તેની ધરપકડ કરી.

આ અગાઉ ગોકુલે તેની પૂર્વ પ્રેયસીનું દિલ જીતવા બીજી એક ચાલ ચાલી હતી. એણે તેની પૂર્વપ્રેયસી કામિનીના પતિ જોસની તસવીરો અને જોસના પાસપોર્ટની ફોટોકોપી ગમે તે રીતે હાંસલ કરી લીધી હતી. તેના આધારે તેણે બજારમાંથી જોસના નામે એક સીમ કાર્ડ ખરીદ્યું હતું અને જોસના નામે ખરીદેલા સીમકાર્ડવાળા મોબાઈલ ફોન પરથી દિલ્હી અને બેંગલુરુના એરપોર્ટ્સને ઈસ્લામિક સ્ટેટના નામે સંદેશો મોકલ્યોઃ ‘ઈસ્લામિક સ્ટેટ વીન્સ. ગેટ રેડી ટુ સી ધી ફાયરવર્કસ અબવ ધી સી ટુડે?’

આ સંદેશા બાદ એરપોર્ટ્સ ઓથોરિટી હરક્તમાં આવી ગઈ. તેમણે એરફ્રાન્સ, સ્વિસ એર અને જેટના ત્રણ વિમાનો કે જે હમણાં જ ઉડયા હતા તે ત્રણેય વિમાનોને પાછા બોલાવી લીધા. કલાકો સુધીએ વિમાનોને અન્ય વિમાનોથી દૂર પાર્ક કરવામાં આવ્યા. કલાકો સુધી ચેકિંગ થયું પણ અંદરથી કાંઈ જ ના મળ્યું. ફાયર ફાઈટર્સ, સલામતી દળો અને બોમ્બ સ્કવોડ એ બધાની તૈનાતીના કારણે એક માત્ર બેંગલુરુ એરપોર્ટને કરોડોનું ખર્ચ વેઠવું પડયું. બીજાં અનેક વિમાનો મોડયા ઉપડયા.

હવે પોલીસે જે મોબાઈલ પરથી બોમ્બની ધમકીનો ફોન આવ્યો હતો તે નામધારી જોસની તપાસ શરૂ કરી. પોલીસે જોસને પકડયો પણ તેણે કહ્યું કે મેં આવો કોઈ ફોન નંબર લીધો જ નથી. પોલીસે જે નંબર પરથી બોમ્બ મુકાયાની ધમકીનો ફોન આવ્યો હતો તે નંબરના મોબાઈલ ટાવર લોકેશનની શોધ શરૂ કરી. ગોકુલની પૂર્વ પ્રેમિકા કામિનીએ જ ગોકુલને તેના ઘરની નજીક ઘર ભાડે અપાવ્યંુ હતું અને તે બ્હાને તેની ગોકુલના ઘરમાં અવરજવર પણ હતી. જોસ આ વાત જાણતો હતો. એ આધારે જોસે કેટલીક માહિતી પૂરી પાડી જેના આધારે છેવટે અસલી ગુનેગાર ગોકુલ પકડાઈ ગયો. વાત એમ હતી કે જોસની પત્ની અને ગોકુલની આગલી પ્રેમિકા કામિની એજ ગોકુલને બેંગલુરુમાં એપાર્ટમેન્ટ અપાવવામાં મદદ કરી હતી. જોસે જ કહ્યું કે, આ કામ ગોકુલનું જ હોવું જોઈએ. કારણ કે જોસ પણ તેની પત્નીના કારણે ગોકુલને જાણતો હતો. બારણે આવેલી પોલીસને જોઈને ગોકુલને ખબર પડી ગઈ કે તેના ખેલ હવે સમાપ્ત થઈ ગયો છે.

ગોકુલે કબૂલ કહ્યું કે, ‘મેં જ મારી પત્નીની હત્યા કરી હતી અને મારી પૂર્વ પ્રેયસીને પાછી પ્રાપ્ત કરવા હું કામિનીને જોસથી અલગ કરવા માગતો હતો. ઈસ્લામિક સ્ટેટની ધમકીના નામે હું જોસને જેલમાં મોકલવા માંગતો હતો. એટલે જ મેં આ ગેમ ખેલી.

ગોકુલ હવે જેલમાં છે.
છે ને થ્રિલર ફિલ્મ બને તેવો પ્લોટ!
– દેવેન્દ્ર પટેલ

સફળતાને જીવન કે મરણનો પ્રશ્ન કદી બનાવશો નહીં !

ઈરા સિંઘલ.

તાજેતરમાં પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલી ભારતીય સનદી સેવાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઈરા સિંઘલ આઈએએસ ટોપર રહી. આઈએએસની ડિગ્રી ભારતીય પ્રશાસનમાં ખૂબ પરિશ્રમ બાદ હાંસલ થાય છે અને આઈએએસ થવું સ્વયં એક પ્રતિષ્ઠાપાત્ર બાબત ગણાય છે.

ઈરા સિંઘલ આઈએએસ ટોપર બની, પરંતુ તેની જિંદગી સ્વયં એક આગવા સંઘર્ષની કહાણી છે. વિશ્વમાં અનેક લોકો એવા છે જેઓ શારીરિક મર્યાદાઓ અને તકલીફો ધરાવે છે. છતાં શ્રેષ્ઠતાને પામવા કોઈ કસર છોડતાં નથી. ઈરા સિંઘલ તેમાંથી એક છે.

મેરઠમાં જન્મેલી ઈરા સિંઘલ જ્યારે તેનો જન્મ થયો ત્યારે તે બીજા અનેક સામાન્ય બાળકો જેવી જ તંદુરસ્ત હતી, પરંતુ થોડા સમય બાદ જ તેને કરોડજ્જુમાં તકલીફ શરૂ થઈ. કરોડરજ્જુનો આકાર બદલાવા લાગ્યો. માતા-પિતાએ અનેક ડોક્ટરોને બતાવ્યું. શરૂઆતમાં તો કોઈ નિદાન ન થયું, પરંતુ પાછળથી નિષ્ણાત ડોક્ટરોએ કહ્યું કે, “ઈરા સ્કોલિઓસિસ નામની બીમારીનો શિકાર છે.” અને એ કારણે તેની કરોજરજ્જુ સીધી હોવાના બદલે એસ આકારની થઈ ગઈ છે.

ડોક્ટરોએ ઓપરેશનની સલાહ આપી અને સાથેસાથે એ ચેતવણી પણ આપી કે, ઓપરેશન દરમિયાન બાળકીનું મૃત્યુ પણ નીપજી શકે છે. ડોક્ટરોની આ વાત સાંભળીને માતા-પિતાએ ઓપરેશન ના કરાવવું એવો નિર્ણય લીધો. બાળકી જેવી છે તેવી જ મોટી કરવી એવો નિર્ણય લેવામાં આવ્યો.

ઈરા હવે મોટી થવા લાગી છે. સિંઘલ પરિવાર એ બાળકીની માસૂમ વાતો અને હૃદયસ્પર્શી હરકતોથી હર્યુંભર્યું થઈ ગયું. તે હવે ચાર વર્ષની થઈ. પિતા રાજેન્દ્ર સિંઘલને હવે તેના ભણવાની ચિંતા થવા લાગી. તેઓ પુત્રીને લઈને શહેરની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં પ્રવેશ અપાવવા ગયા, પરંતુ સ્કૂલના સંચાલકોએ આ બાળકીને જોતાં જ પ્રવેશ આપવા ઇનકાર કરી દીધો. ઈરાના પિતાને પ્રાથમિક શાળાથી માંડીને સેકન્ડરી સ્કૂલ સુધી એડમિશન અપાવવામાં ભારે મુશ્કેલીઓ પડી. પુત્રીની શારીરિક અપંગતાના કારણે કોઈ સ્કૂલ તેને એડમિશન આપવા તૈયાર નહોતી.

બહુ મથામણ બાદ તેને એક સ્કૂલમાં પ્રવેશ મળ્યો. પ્રવેશમાં ભલે મુશ્કેલીઓ પડી, પરંતુ એક વાર સ્કૂલમાં એડમિશન મળ્યા બાદ તે છવાઈ ગઈ. થોડા જ દિવસોમાં તે સ્કૂલ ટીચરની પ્રિય વિદ્યાર્થિની બની ગઈ. ભણવાથી માંડીને સાંસ્કૃતિક પ્રવૃત્તિની બાબતમાં તે સૌથી અગ્રેસર રહેવા લાગી. તે ભણતી હતી ત્યારથી જ અન્ય લોકોને મદદરૂપ થવાની તેની ઇચ્છાએ જન્મ લીધો હતો. એ વખતે તે ત્રીજા ધોરણમાં હતી. તેની વય હજી આઠ વર્ષની હતી. એ વખતે ઉત્તર કાશીમાં ભૂકંપ થયો હતો. ઘરમાં ભૂકંપ પીડિતો વિશે ચર્ચા થતી હતી. એ વખતે નાનકડી ઈરાએ કહ્યું : “પાપા, મારી પાસે ૯૧ રૂપિયાની બચત છે. તે તમે ભૂકંપ પીડિતોને મોકલી આપો.”

ઈરા હાઈસ્કૂલ પાસ થઈ ગઈ. તે પછી તેણે કહ્યું : “પાપા, મારે ડોક્ટર બનવું છે.” પરંતુ પિતા એ માટે રાજી નહોતા.

પિતાએ ઇરાને જીવ વિજ્ઞાાન વિષય લેવા દીધો નહીં. તેમને લાગ્યું કે, ઈરા સ્વયં શારીરિક તકલીફોનો સામનો કરી રહી છે તેથી તે મર્યાદાઓ તેને ડોક્ટર બનવામાં નડી શકે છે. તેમને લાગ્યું કે, ઈરા તબીબી શિક્ષણ તો લઈ લેત, પરંતુ તે ઊભી રહીને સર્જરી કરી શકે તેવી ક્ષમતા ધરાવતી નથી.

ઈરા કહે છે : “પાપાએ મને તબીબી ક્ષેત્રમાં જવા ના દીધી તેથી મારા મનમાં ભારે ગુસ્સો હતો. એન્જિનિયરિંગનો અભ્યાસ મેં મન વગર કર્યો. કેટલીક વાર તો મેં પરીક્ષાના દસ કલાક પહેલાં જ વાંચવાનું શરૂ કર્યું છતાં દરેક વખતે હું સારા માર્ક્સે પાસ થઈ.”

શારીરિક તકલીફ છતાં તે હિંમત હારી નહીં. ઈરા કહે છે : “મારામાં કોઈ ખામી છે તેવું મને કદી લાગ્યું નહીં.”

દિલ્હી સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ ટેક્નિકલ યુનિવર્સિટી દ્વારા એન્જિનિયરિંગમાં બીઈની ડિગ્રી હાંસલ કર્યા બાદ ઈરાએ દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત એફએમએસ કોલેજ દ્વારા ફાઈનાન્સ અને માર્કેટિંગમાં એમબીએ કર્યું. તે પછી તેને કેડબરી કંપનીમાં નોકરી મળી. કોલેજના દિવસોમાં જ તે થિયેટર ગ્રૂપમાં સામેલ થઈ ગઈ હતી. તેને અભિનય ઉપરાંત સાહિત્યનો પણ શોખ હતો. કેમ્પસમાં તેણે તમામ નાટકોમાં ભાગ લીધો. આ સમયગાળા દરમિયાન તેણે કેટલીયે વિદેશી ભાષાઓ શીખી લીધી. તે અંગ્રેજી ઉપરાંત સ્પેનિશ, ફ્રેન્ચ અને ઈટાલિયન પણ જાણે છે. ઈરા કહે છે : “સાહિત્ય માનવીને જીવતાં શીખવે છે.”

ઈરાના સૌથી વધુ મિત્રો ઈજનેરી ક્ષેત્રમાં છે અને મોટેભાગે તેઓ કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરે છે. તેના પરિવારમાંથી કે સગાં-સંબંધીઓમાંથી કોઈ સિવિલ સર્વિસીઝમાં નથી. આમ છતાં પ્રાઈવેટ કંપનીમાં નોકરી દરમિયાન જ તેને સનદી સેવામાં જવાનો ખ્યાલ આવ્યો. એણે ફરી તૈયારીઓ કરવા માંડી. એણે ભૂગોળને મુખ્ય વિષય બનાવ્યો. ખૂબ મહેનત કરી ફરી અભ્યાસ શરૂ કર્યો.

૨૦૧૦માં પ્રથમ પ્રયાસમાં જ તે સફળ રહી. તે વિદેશ સેવામાં જવા માગતી હતી, પરંતુ મેડિકલ શરતો મુજબ તેને પોસ્ટિંગ આપવામાં આવ્યું નહીં. તે સતત ત્રણ વખત સનદી સેવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ રહી. દરેક વખતે તેની શારીરિક અક્ષમતા તેના માટે મુશ્કેલી બનીને સામે આવી, પરંતુ તે હાર સ્વીકારવા તૈયાર નહોતી. તે બૌદ્ધિક રીતે સક્ષમ હતી. તે પોતાની યોગ્યતા અંગે અને પોતાના હક અંગે કોર્ટમાં ગઈ અને તે પછી ગયા વર્ષે તેને આઈઆરએસ (ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ) માટે પણ તક મળી.

આ દરમિયાન એના એક મિત્રએ તેણે ફરી એક વાર એટલે કે ચોથી વાર પરીક્ષા આપીને આઈએએસ માટે પ્રયાસ કરવો જોઈએ. તે સર્વિસ તાલીમ દરમિયાન જ ફરી એક વાર આઈએએસની પરીક્ષા માટે તૈયારીઓ કરવા લાગી. ખૂબ મહેનત કરી ખૂબ દિલ લગાવીને તેણે અભ્યાસ કર્યો. છેવટે તેણે આઈએએસ માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝંપલાવ્યું.

પરિણામ જાહેર થયું.

બધા જ ચોંકી ગયા. ઈરા સિંઘલ આઈએએસની પરીક્ષામાં ટોપર રહી. આખા દેશમાં આ અપંગ યુવતીની ચર્ચા થવા લાગી. જોકે હવે અપંગ શબ્દ નથી વપરાતો. શારીરિક તકલીફો ધરાવતી વ્યક્તિઓ માટે ‘બીજી રીતે સક્ષમ’ અથવા ‘ડિફરન્ટલી એબલ’ જેવાં સુંદર શબ્દો વપરાય છે.

ઈરાની મા કહે છે : “મેં મારી દીકરીને કદીયે પુસ્તકો સાથે ચીપકેલી જોઈ નથી. તે એક જ વાર વાંચે છે અને તેને બધું યાદ રહી જાય છે. મારી દીકરી ઓલરાઉન્ડર છે. તેણે કદી ચાર-પાંચ કલાકથી વધુ વાંચ્યું નથી.”

તે કહે છે : “જે કાંઈ કરવું છે તે મનથી કરો. બીજાઓને બતાવવા માટે વાંચો નહીં. વાંચવા કરતાં સમજવું વધુ જરૂરી છે.”

એવું નથી કે ઈરાને કદી હતાશા થઈ નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કર્યા બાદ પણ પોસ્ટિંગ ના મળ્યું તે સમય તેના માટે દુઃખદાયક હતો. પોતાના હક માટે કાનૂની લડાઈ લડવી તે પણ આસાન નથી, પરંતુ તે નિરાશ ના થઈ. હારી નહીં. તે કહે છે : “સફળતાને જીવન કે મરણનો વિષય બનાવવો જોઈએ નહીં. કોઈ પરીક્ષામાં પાસ ના થવાય તો તેનો અર્થ એ નથી કે બસ, અહીં જીવન ખતમ થઈ ગયું. એક કામમાં નિષ્ફળતા મળે તો બીજું કામ કરો. એક ક્ષેત્રમાં નિષ્ફળતા મળે તો બીજા ક્ષેત્રમાં પ્રયાસ કરો. નિરાશ ના થાવ.”

આવી છે ઈરા સિંઘલના જીવનની કહાણી.
– દેવેન્દ્ર પટેલ

ચાલો, આપણે દુનિયાથી ક્યાંક દૂર ભાગી જઈએ !

શિવકલી.

મધ્ય પ્રદેશના એક નાનકડા ગામમાં રહેતી હતી. તે ગ્રેજ્યુએટ હતી. તેના પતિનું નામ ઓમપ્રકાશ. ઓેમપ્રકાશના મોટા ભાઈનું નામ રઘુવીર અને નણંદનું નામ રાની. રાનીને પણ દૂરના એક ગામમાં પરણાવી દેવામાં આવી હતી. ઓમપ્રકાશ તેની પત્ની શિવકલિ સાથે અને રઘુવીર તેની પત્ની સાથે અલગ અલગ રહેતો હતો.

લગ્નના પાંચ વર્ષ થયા પરંતુ શિવકલીની ગોદ ભરાઈ નહોતી. સાસરીમાં બધા જ પ્રકારનું સુખ હતું પરંતુ આટલા વર્ષો બાદ પણ તેની કૂખ ખાલી હોવાથી શિવકલી દુઃખી હતી. બાળક થાય તે માટે તેણે અનેક બાધાઓ રાખી હતી. અનેક પ્રકારના વ્રત-ઉપવાસ પણ કર્યા. પતિ ઓમ પ્રકાશ પણ કહેતો કે, ઈશ્વરની ઈચ્છા હશે ત્યારે આપણને સંતાન સુખ પ્રાપ્ત થશે.

એક દિવસ ઓમપ્રકાશ સવાર સવારમાં નોકરીએ જવાની તૈયારી કરતો હતો ત્યાં જ તેના બનેવીનો ફોન આવ્યોઃ ‘તમારી બહેન રાનીને ઝેરી મેલેરિયા થઈ ગયો છે. તેને મેં ઝાંસીની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવી છે. તમે ચારેક દિવસ માટે શિવકલીને હોસ્પિટલ મોકલો તો તે રાનીની દેખરેખ રાખશે. હું ઘેર જઈ મારા બાળકોની સંભાળ રાખીશ.’

ઓમપ્રકાશે તરત જ શિવકલીને બસમાં બેસાડી ઝાંસી મોકલી દીધી. શિવકલીના આવતા જ રાનીનો પતિ તેના ચાર બાળકોને લઈ ગામડે જતો રહ્યો.રાની હોસ્પિટલના જનરલ વોર્ડમાં હતી. રાત પડતા જ શિવકલી ખાઈ-પીને સૂઈ ગઈ. તેણે પોતાની પથારી રાનીના પલંગની બાજુમાં જ લગાવી દીધી. દવા લીધા બાદ રાની તો ઊંઘી ગઈ પણ શિવકલીને ઊંઘ આવતી નહોતી. વળી બહાર સખત ઠંડી હતી. ફર્શ પણ ઠંડી હતી. વળી બાજુમાં એક બીજી મહિલા દર્દથી કણસતી હતી. આવા માહોલમાં ઊંઘ ના આવતા શિવકલી ઊભી થઈને વોર્ડની બહાર નીકળી. તે લોબીમાં એક બાંકડા પર જઈ બેસી ગઈ.

થોડીવાર બાદ એક યુવાન તેની પાસે આવ્યો અને બાંકડા પર તેની નજીક બેસી ગયો. તે બોલ્યોઃ ‘ઊંઘ નથી આવતી તમને ?’

શિવકલીએ હા પાડીઃ ‘ઠંડી બહુ લાગે છે અને અંદર એક દર્દી ચીસો પાડી રહી છે!’

‘ઓહ!’ : કહેતા એ યુવાને કહ્યું: ‘સાચી વાત છે. મારા કાકાને પુરુષોના વોર્ડમાં દાખલ કર્યા છે. ત્યાં પણ માહોલ એવો છે કે, આપણને ઊંઘ જ ના આવે.’

વાતોવાતોમાં બેઉ વચ્ચે પરિચય થયો. ગામની વાતો, સગાં-સંબંધીની વાતો, સમાજની વાતો થઈ. બીજા દિવસે કોણ જાણે કેમ પણ શિવકલીને ફરી રાતના સમયે વોર્ડની બહાર લોબીમાં જવાનું મન થયું. ફરી તે એ જ બાંકડા પર જઈ બેઠી. થોડીવારમાં એ યુવાન પણ આવ્યો. એ બોલ્યોઃ ‘મને ખબર જ હતી કે તમે આજે પણ અહીં આવશો.’

શિવકલીનું હૃદય ઝંકૃત થયું. એણે કહ્યું: ‘કાલે આપણે વાતો તો બહુ કરી પરંતુ હું તમારું નામ પૂછવાનું ભૂલી ગઈ.’
‘મારું નામ અમરીષ.’
‘સરસ નામ છે. મારું નામ શિવકલી.’
અમરિષ બોલ્યોઃ ‘શિવકલી પણ એટલું જ સુંદર નામ છે.’

બેઉ લોબીના આછા ઉજાસમાં એકબીજા સામે જોઈ મુસ્કરાયાઃ અમરિષ બોલ્યોઃ ‘આજે પણ ઠંડી ઘણી છે.’

અમરિષ બોલ્યો : ‘ઠંડીમાં તમને એકલાને ગમે છે?’

શિવકલી એ પ્રશ્નની ભીતરમાં રહેલી વાત ના સમજે એટલી નાદાન નહોતી. આમ છતાં એ પ્રશ્ન એને ગમ્યો. એ બોલીઃ ‘તમને ગમે છે?’

‘ના.’

‘તો હું શું કરું ?’ : શિવકલીએ પૂછયું: ‘તમે લગ્ન કરેલા છે?’

‘ના. અને તમે ?’
શિવકલીએ કહ્યું: ‘હા.’
અમરિષે પૂછયું: ‘કેટલાં વર્ષ થયા?’
‘પાંચ’
‘બાળકો ?’

અમરિષનો એ પ્રશ્ન શિવકલીના હૃદયના મર્મ સ્થાનને હચમચાવી ગયો. તેના ચહેરા પર છૂપાવી રાખેલું દર્દ ઉપસી આવ્યું. તેની આંખોના પાણીની કોર બંધાઈ એણે નીચે જોતાં કહ્યું: ‘બાળકો નથી. ઈશ્વરની ઈચ્છા થશે, ત્યારે…’

અમરિષે શિવકલીની નજીક સરકતાં તેના હાથ પકડી લીધો. શિવકલીએ તેનો કોઈ વિરોધ ના કર્યો. આમેય તેને એક સાંત્વનાની જરૂર હતી. શિવકલીને લાગ્યું કે કોઈ સ્વજન તેને સ્પર્શી રહ્યું છે. સાથે સાથે તે એક સ્ત્રી પણ હતી. તેમાં પહેલી જ વાર એક પર પુરુષનો સ્પર્શ થયો હતો. શાયદ અજાણતાં જ તેને એ સ્પર્શ ગમ્યો હતો. બસ એ દિવસે બીજી કોઈ જ વાત ના થઈ. શિવકલી અને અમરિષ એકબીજાથી અજનબી હોવા છતાં ચુપચાપ એકબીજાનો હાથ પકડી બેસી રહ્યા,મૌન રહ્યા. આજે કોઈ જ બીજી વાતો ના થઈ. છેલ્લા ઊઠતાં ઊઠતાં અમરિષે શિવકલીના માથાને પોતાની તરફ ખેંચી છાતીએ લગાડયું. શિવકલીને એ સાનિધ્યમાં એક ઊંડી સાંત્વના પ્રાપ્ત થઈ.

ત્રીજા દિવસની રાત્રે શિવકલી ફરી વોર્ડની બહાર લોબીમાં ગઈ. આજે અમરિષ પહેલેથી જ બહાર બાંકડા પર બેઠેલો હતો. રોજ કરતાં આજે ઠંડી વધુ હતી. શિવકલી અને અમરિષ વચ્ચે ના સમજાય તેવો સંબંધ વિકસી રહ્યો હતો. શિવકલી સ્વયં રૂપાળી અને નાજુક હતી. તો બીજી બાજુ અમરિષ તો હજુ કુંવારો અને આકર્ષક યુવાન હતો. બંનેને એકબીજા માટે આકર્ષણ ઊભું થયું હતું. એક અપરિણિત હતો તો બીજી પરિણીતા હતા. યુવાનને સ્ત્રીનું આકર્ષણ હતું તો સ્ત્રીને સંતાનની લાલસા હતી. આજે બેઉ એકબીજાની બાજુમાં બેઠાઃ એકબીજાને વધુ સ્પર્શીને બેઠા. વર્ષોથી એકબીજાને ઓળખતા હોય તેમ બેઠા. અમરિષનો હાથ શિવકલીની પીઠ પર ફરી રહ્યો હતો. પરપુરુષના સ્પર્શમાં એેક અનેરો આનંદ આવી રહ્યો હતો.

ધીમેથી અમરિષે કહ્યું: ‘શિવકલી!’
‘હં’
‘તમને બાળક થતું નથી તો તમે કોઈ ડોક્ટરને ના બતાવ્યું?’
‘ના’
‘કેમ ?’
‘બસ. એમ જ.’
અમરિષ બોલ્યોઃ ‘તમારા પતિમાં તો કોઈ ખામી નથી ને ?’
‘મને ખબર નથી.’
‘તો તમે…?’

‘બોલોને….’: શિવકલીએ એ અધૂરો પ્રશ્ન પૂરો કરવા ઈજન આપ્યું.

અમરિષ બોલ્યોઃ ‘તમને હું ગમું છું ?’
‘હા.’
‘કેટલો ગમું છું ?’
‘મને ખબર નથી.’
અમરિષ બોલ્યોઃ ‘મને લાગે છે કે આપણે પહેલાં મળ્યા હોત તો સારું.’
‘એટલે?’

આપણે પહેલાં મળ્યાં હોત તો આપણે બંને જ લગ્ન કરી લેત. તમને સંતાન પણ હોત’ અમરિષ બોલ્યો.

‘પણ તમે મારાથી નાના છો’ ?
‘એટલો બધો નાનો નથી. હવે હું યુવાન છું.’
શિવકલી બોલીઃ ‘એ તો લાગે જ છે. તમે કોઈનેય ગમી જાવ તેવા છો.’
‘તમને પણ ?’
‘હા’

‘તો છોડી દો ઘર. ચાલો આપણે બેઉ આ દુનિયાથી દૂર ક્યાંક ભાગી જઈએ. હું તમારી જિંદગી તમામ પ્રકારના સુખોથી ભરી દઈશ. તમારું નિસંતાનત્વ દૂર કરી દઈશઃ’ અમરિષ બોલ્યો.

શિવકલીના ચહેરા પર ચમક આવી ગઈ. તે અમરિષની આંખોમાં જોઈ રહી. એણે જોયું તો એક યુવાનની આંખોમાં ઘોડાપૂર હતું. તે એના જીવનમાં છવાઈ જવા માગતો હતો. તે બોલીઃ ‘ક્યારે ભાગી જઈશું ?’

‘કાલે જ.’
‘પણ અહીં મારી નણંદ છે ને!’

‘તો એક કામ કરો કાલે ફરી અહીં મળીએ. આ હોસ્પિટલના ત્રીજા માળે સ્પેશિયલ રૂમ્સ છે. એ બધા જ ખાલી છે. ઉપર કોઈ વોર્ડ બોય નથી. કાલે રાતે ત્યાં જ નિરાંતે મળીએ. ત્યાં જ બેસીને શું કરવું તે વિચાર કરીએ.’

શિવકલીના મનમાં તેની કૂખ ખાલી હતી તે વાત હજુ ખૂંચતી હતી. તે એક તક અને એકાંત ઝડપી લેવા માગતી હતી. એણે વિચાર્યું કે અમરિષ સાથે ભાગી જવું એના કરતાં અમરિષથી એક સંતાનની માતા બનવું તે વધુ વ્યવહારું છે. તે બોલીઃ ‘ઠીક છે, કાલે રાતે આપણે ફરી મળીશું. મારે બીજો કોઈ વિચાર કરવો નથી. બસ, તમે મને એક સંતાન આપો. હું કાલે આવી જઈશ!’

બીજો દિવસ પસાર થઈ ગયો. સાંજ પડી, રાત પડી. આજે પણ બહાર ઠંડી વધુ હતી. આજે તો અમરિષ ક્યારનો ય લોબીના બાંકડા પર આવીને બેસી ગયો હતો. સમય વીતતો ગયો, વાત આગળ વધતી રહી. પણ કોણ જાણે કેમ શિવકલી હજુ આવી નહીં. અમરિષને ઈંતજાર વધતો ગયો. તેના ઈંતજારની હવે હદ આવી ગઈ હતી, તે લોબીમાં આંટા મારવા લાગ્યો, પણ શિવકલી આવી નહીં. કેટલીક વાર બાદ એક વોર્ડ બોય આવ્યો તેણે પૂછયું: ‘તમારું નામ અમરિષ છે?’

‘હા’

‘તો લ્યો આ ચિઠ્ઠી.’ વોર્ડ બોયે એક ચિઠ્ઠી આપી. અમરિષે ચિઠ્ઠી ખોલી. તેમાં લખ્યું હતું: ‘આઈ એમ સોરી. હું આવી શકીશ નહીં. પ્રેગનન્ટ બનવા માટે હું પતિતા બનવા તૈયાર નથી. ગઈરાત્રે મેં ખૂબ વિચાર કર્યો. હું મારા પતિને દગો કરી શકીશ નહીં. જેટલો પણ સમય સાથે પસાર કર્યો તેને એક સ્વપ્ન સમજીને મને ભૂલી જાવ. મારી નણંદને આજે રજા આપી દીધી છે અમે જઈએ છીએ……….. ‘ શિવકલી.

અને અમરિષ એ પત્રને વારંવાર વાંચતો રહ્યો. કેટલીયે વાર બાંકડા પર એકલો એકલો બેસી રહ્યો. તેને હતું કે શાયદ શિવકલી હજુ યે આવશે. પણ તેમ ના થયું.

– દેવેન્દ્ર પટેલ

દેશની જનતા ગરીબ પણ આ નેતાઓ માલામાલ !

ચીનીકમ

પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી સહિત ૧૬ ધારાસભ્યોને આવકવેરાની નોટિસ

રાજકારણીઓ એક નવો વર્ગ છે. રાજકારણ સ્વયં એક અલગ કોમ છે. રાજકારણીઓની એક અલગ જ્ઞાાતિ છે. એકવાર માણસ રાજકારણમાં પ્રવેશે તે પછી ચૂંટણી જીતવા જ્ઞાાતિના કાર્ડનો ઉપયોગ કરે છે. ચૂંટણી જીતી જાય તે પછી પોતાની નાત, જાત, કોમ કે જ્ઞાાતિને ભૂલી જઈ તેની રાજનીતિ પોતાના પરિવાર પૂરતી સીમિત કરી દે છે. દલિતો ગરીબ જ રહે છે અને દલિત નેતાઓ અમીર બની જાય છે. યાદવો ગરીબ રહે છે અને યાદવ નેતાઓ ધનવાન બની જાય છે. બની જાય છે કુર્મીઓ ગરીબ જ રહે છે અને કુર્મી નેતાઓ શ્રીમંત બની જાય છે. પછાત વર્ગના લોકો ગરીબ જ રહે છે, પણ તેમના નેતાઓ અમીર. આ ઉક્તિ ઉચ્ચ અને પછાતવર્ગના નેતાઓથી માંડીને જ્ઞાાતિવાદનું કાર્ડ કાયમ ખેલતાં મોટાભાગના રાજકારણીઓને લાગુ પડે છે.

ભાઈ-ભત્રીજાવાદ

બિહારની ચૂંટણીમાં નીતીશકુમારને છોડીને બીજા મોટાભાગના નેતાઓએ પરિવારવાદ જ ચલાવ્યો છે. લાલુ પ્રસાદ યાદવે પોતાના બંને પુત્રોને ચૂંટણી લડવા ટિકિટ આપી છે. રામવિલાસ પાસવાને પણ સગાં-સંબંધીઓને ટિકિટ આપી છે. ભાજપે સી. પી. ઠાકુરના પુત્ર વિવેક ઠાકુરને ટિકિટ આપી છે. આવા તો અનેક દૃષ્ટાંતો છે. આ તો માત્ર થોડાક નમૂના જ છે. વિધાનસભા કે લોકસભામાં કોઈ એક નેતા એકવાર ચૂંટાઈ જાય તે પછી જે તે મતક્ષેત્ર જે તે નેતાની જાગીર ગણવામાં આવે છે. ટિકિટ મળતાં પહેલાં સ્કૂટર પર ફરનાર નેતા મોટરકારમાં ફરવા માંડે છે. મોટરકારમાં ફરનાર વ્યક્તિ ટિકિટ મેળવ્યા પછી બીએમડબલ્યુ કે ઓડીમાં ફરવા માંડે છે. સુતરાઉ કપડાં રેશમી ઝભ્ભામાં પરિર્વિતત થઈ જાય છે અને વાસ્તવિકતા એ રહે છે કે, જ્ઞાાતિ કે કોમના મતોના સહારે તે ચૂંટાય છે તે જ્ઞાાતિના લોકોની હાલત કેવી હતી તેવી જ બદતર રહે છે.

સંપત્તિ વધી

આવકવેરા ખાતાએ ગઈ ચૂંટણી પછી આજ સુધીમાં જેમની સંપત્તિમાં પાંચ ગણો વધારો થયો છે તેવા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીને અને ભારતીય જનતા પાર્ટીના ચાર સાંસદો સહિત ૧૬ લોકપ્રતિનિધિઓને નોટિસો આપી તેમની અચાનક વધી ગયેલી સંપત્તિ વિશે ખુલાસો માગ્યો છે. આ નેતાઓની ગઈ વિધાનસભાની ચૂંટણી પછી આજ સુધીમાં તેમની સ્થાવર અને જંગમ મિલકતોમાં પાંચ ગણો વધારો થયો છે. ૨૦૧૦ની વિધાનસભાની ચૂંટણીઓ અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ દરમિયાન ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામાના આધાર પર આ નોટિસો આપવામાં આવી છે. આવકવેરા ખાતાએ ભાજપના સ્ટાર પ્રચારક શત્રુઘ્ન સિંહા, ભોલા સિંહ, હરિ માંઝી અને સુશીલકુમાર સિંહને આવી નોટિસો આપી છે. મનોજકુમાર સિંહ,શ્રવણકુમાર અને નરેન્દ્ર યાદવને પણ આવકવેરા ખાતાએ નોટિસો આપી છે. આ ત્રણેય ધારાસભ્યો બિહાર વિધાનસભામાં મંત્રી છે. આ સિવાય બીજા જે ધારાસભ્યોને નોટિસો આપવામાં આવી છે તેમાં પૂર્ણિમા યાદવ, પ્રેમ રંજન પટેલ, ગુડ્ડી દેવી, મોહંમદ તારીક આલમ, કૃષ્ણનંદન પાસવાન, રમેશ ઋષિદેવ,પન્નાલાલ પટેલવ તથા સુનિલ પાંડેનો સમાવેશ થાય છે. આટલા રાજકારણીઓ ધનવાન કેવી રીતે બની ગયા તેનું સ્પષ્ટીકરણ આવકવેરા ખાતાએ માગ્યું છે.

નેતાઓ કેટલા ધનવાન ?

બિનસરકારી સંગઠન બિહાર ઈલેક્શન વોચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ અનુસાર નીતીશકુમારના ૨૨ જેટલા સહયોગી મંત્રીઓની સંપત્તિમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ૭૫ ટકા વધારો થયો છે. બિહારના શેરડી-ખાંડ ઉદ્યોગમંત્રી રંજુ ગીતાની સંપત્તિમાં ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન ૧૭૮ ટકા વધારો થયો છે. બીજા નંબરે બિહારના વાહનવ્યવહાર ખાતાના મંત્રી રમઈ રામ આવે છે. આ સમયગાળા દરમિયાન તેમની સંપત્તિ વધીને રૂ. ૧ કરોડ ૩૬ લાખ થઈ ગઈ છે. બિહારમાં ૨૨માંથી ૧૩ મંત્રીઓની જાહેર કરેલી સંપત્તિ એક કરોડ રૂપિયા કરતાં વધુ છે. આ સંસ્થાઓના અહેવાલ અનુસાર બિહારના માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રશાંતકુમાર શાહી પાસે બધા મંત્રીઓ કરતાં સૌથી વધુ સંપત્તિ છે. પ્રશાંતકુમાર શાહીએ તેમની પાસે રૂ. ૭ કરોડ ૨૯ લાખની સંપત્તિ હોવાની જાહેરાત કરી છે. માર્ગ ખાતાના મંત્રી રાજીવ રંજન ઉર્ફે લલ્લન સિંહે રૂ. ૫ કરોડ ૪૦ લાખની સંપત્તિની જાહેરાત કરી છે. અલબત્ત, નેતાઓએ જાહેર કરેલી આ સંપત્તિઓમાં જો કોઈની પાસે બેનામી સંપત્તિ હોય તો તેનો અહીં સમાવેશ થતો નથી. ચાલો, આપણા નેતાઓ પાસે બેનામી સંપત્તિ નહીં જ હોય એમ માની લઈએ તો પણ તેઓ જે જ્ઞાાતિ, જાતિ, વાડ કે કોમમાંથી આવે છે તે જ્ઞાાતિ, જાતિ, વાડ કે કોમના આમઆદમી પાસે એટલી સંપત્તિ ખરી ?

નીતીશકુમારની સંપત્તિ

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે પણ સતત બે વર્ષ દરમિયાન તેમની સંપત્તિમાં વધારો થયો હોવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નીતીશકુમારે ૨૦૧૨થી ૨૦૧૩ દરમિયાન તેમની સંપત્તિ રૂ. ૭૩ લાખની થઈ હોવાની ઘોષણા કરી છે. નીતીશકુમારની બિહારમાં સ્વચ્છ વ્યક્તિ તરીકેની છાપ છે અને તેમની પર ભ્રષ્ટાચારના કોઈ આરોપ હજી સુધી જોવામાં- સાંભળવામાં આવ્યા નથી. લાલુની બાબતમાં એવું નથી. ઘાસચારા કૌભાંડથી તેમની છબી ખરડાયેલી છે. તેઓ જેલની હવા પણ ખાઈ આવ્યા છે.

સંપત્તિ ઘટી

બિહાર ઇલેક્શન વોચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિસ રિફોર્મ્સના અહેવાલ અનુસાર બિહારના પર્યટન મંત્રી જાવેદ ઇકબાલ અન્સારીની સંપત્તિમાં ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન ૮૮ ટકા ઘટાડો થયો છે. ૨૦૧૦માં અન્સારીની સંપત્તિ રૂ. ૭૫ લાખ ૧૪ હજારની હતી તે ઘટીને ૨૦૧૪માં રૂ. ૮ લાખ ૮૬ હજાર જ થઈ ગઈ છે. આ એક આશ્ચર્યજનક વાત છે.

બિહારની ચૂંટણી પર હવે સમગ્ર દેશની નજર કેમ ?

ચીનીકમ

બિહારમાં જંગલરાજ-૨‘, સુશાસન કે વિકાસના મુદ્દા પર મતદાન થશે ?

બિહારની ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન એનડીએ પાસે કોઈ સ્થાનિક મજબૂત ચહેરો ના હોઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા સાથે એનડીએ મેદાનમાં ઊતર્યું છે. તેની સામે લાલુ-નીતીશ વગેરેનું મહાગઠબંધન નીતીશકુમારના ચહેરા સાથે મેદાનમાં છે. આ ચૂંટણી ભલે વિધાનસભાની છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએને પોતાનો ચહેરો આપ્યો હોઈ વડા પ્રધાને પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે. આડકતરી રીતે આ ચૂંટણીનાં પરિણામો કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારનું મૂલ્યાંકન પણ હશે.

લાલુ ફેક્ટર

આ ચૂંટણીમાં અગાઉ મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલા લાલુ પ્રસાદ યાદવ નીતીશકુમારની સાથે છે. કેટલાક સમય પહેલાં તેઓ બંને એકબીજાની સામે હતા. આજે ભાજપ સામે મતો વહેંચાઈ ના જાય તે માટે એક થયા છે. જાહેર સભાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લેઆમ પબ્લિકને પૂછે છે : “શું તમારે જંગલરાજ-૨ જોઈએ છે ?”

આ ઇશારો લાલુ યાદવ પ્રત્યે જ છે. બિહારમાં કેટલાક લોકો માને છે કે, નીતીશકુમારે બિહારમાં ઘણું કામ કર્યું છે, પરંતુ લાલુ પ્રસાદ યાદવને સાથે રાખીને ઘણી મોટી ભૂલ કરી છે. કેટલાક લોકો કહે છે કે, બિહારમાં લાલુ પ્રસાદ યાદવના શાસન દરમિયાન શેરીઓમાં ગુંડાઓનું રાજ હતું. ગામડાંઓમાં નાનાં નાનાં બાળકોનાં અપહરણ થતાં હતાં. પંદર વર્ષના શાસન દરમિયાન લાલુએ જંગલરાજ સિવાય બીજું કાંઈ કર્યું નથી. લાલુ ફરી આવી જશે તો બિહારમાં ભયજનક પરિસ્થિતિ પેદા થશે એવો ડર લોકોને સતાવી રહ્યો છે.

દોસ્ત પછી દુશ્મન અને તે પછી સાથી બનેલા લાલુ-નીતીશકુમાર ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ પણ તેમની સાથે છે. બિહારમાં વિધાનસભાની કુલ ૨૪૩ જેટલી બેઠકો છે. તા. ૧૨ ઓક્ટોબરથી શરૂ થનારી ચૂંટણી તા. ૫મી નવેમ્બરે પાંચ તબક્કામાં પૂરી થશે. પરિણામો તા. ૮મી નવેમ્બરે આવશે. બિહારની આ ચૂંટણીમાં લોકો કહી રહ્યા છે કે, “અમે નીતીશકુમાર પાછા સત્તા પર આવે તેમ ઇચ્છીએ છીએ, પણ લાલુ નહીં.” એક સ્થાનિક તબીબ કહે છે કે, બિહારમાં જ્યારે લાલુ પ્રસાદ મુખ્યમંત્રી હતા ત્યારે મારે મારું ક્લિનિક સાંજે છ વાગે બંધ કરી દેવું પડતું હતું. લાલુ-રાબડીદેવીના શાસન દરમિયાન લોકો રાત્રે ઘરની બહાર પગ મૂકતાં પણ ડરતા હતા. ૧૯૯૦થી ૨૦૦૫ સુધી લાલુ-રાબડીદેવીનું રાજ હતું. એ વખતે ધોળા દિવસે બજારોમાં બોમ્બ ફૂટતા હતા. ગુંડાઓ વેપારીઓના અપહરણ પણ કરતા, પૈસા પડાવતા હતા.

નીતીશ ફેક્ટર

એ જ તબીબ હવે કહે છે : “હવે હું મારું ક્લિનિક મોડી રાત સુધી ખુલ્લું રાખી શકું છું. લાલુના શાસનમાં રાત્રે વીજળી જ નહોતી. હવે એવું નથી. નીતીશકુમારના આવ્યા બાદ હવે રસ્તા પણ સુધર્યા છે.”

બિહારમાં નીતીશકુમારની છબી એક સ્વચ્છ રાજકારણી તરીકેની છે. તેઓ આકરા શબ્દોનો પ્રયોગ ભાગ્યે જ કરે છે. એની સાથેસાથે નીતીશકુમાર તેમના વિચારોમાં અને નિર્ણયોમાં મક્કમ છે. ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાવી વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ નક્કી કર્યું ત્યારે વર્ષો જૂના એનડીએ સાથેના ગઠબંધનમાંથી તેમણે બહાર નીકળી જવાનું પસંદ કર્યું હતું. પટણામાં ભાજપના નેતાઓને જમવા માટે તેમણે આપેલું નિમંત્રણ તેમણે જ રદ કરી દીધું હતું. ૨૦૧૪ની ચૂંટણી પૂર્વે એક તબક્કે જેઓ ભારતના વડા પ્રધાનપદની રેસમાં હતા તેમાં તેમનું નામ પણ બોલાતું હતું. અટલજી સાથે તેમના નિકટના સંબંધો રહ્યા છે. બિહારની ચૂંટણીની વૈતરણી નીતીશકુમારે પોતાની તાકાતે પાર કરવી રહી. લાલુ તેમના માટે ફાયદો કરાવે છે કે નુકસાન તે સમય જ કહેશે.

મુલાયમ ફેક્ટર

લાલુ પ્રસાદના વેવાઈ અગાઉ લાલુ-નીતીશકુમારના મહાગઠબંધનમાં જોડાયા હતા, પરંતુ ગઠબંધને તેમને પાંચ જ બેઠકો ઓફર કરતાં મુલાયમસિંહ એ ગઠબંધનથી અલગ થઈ ગયા છે અને તેમની સમાજવાદી પાર્ટીએ શરદ પવારની એનસીપી સાથે જોડાણ કરીને અલગ ચોકો ઊભો કર્યો છે. આ ચૂંટણીમાં તેમનો તો બહુ ગજ વાગશે નહીં, પરંતુ કેટલીક બેઠકો પર તેઓ લાલુ-નીતીશને નુકસાન પહોંચાડી શકે છે.

માંઝી-પાસવાન

બિહારના બે દલિત આગેવાનો રામવિલાસ પાસવાન અને જીતનરામ માંઝી એનડીએ સાથે છે. જીતનરામ માંઝી મહાદલિત નેતા તરીકે ઓળખાય છે. રામવિલાસ પાસવાન અને તેમના પુત્રએ ટિકિટોની વહેંચણીમાં ભાઈ-ભત્રીજાવાદ અપનાવ્યો હોવાનો આક્ષેપ થયો છે, છતાં માંઝી અને પાસવાન એનડીએ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઓવૈસી ફેક્ટર

ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુદ મુસ્લિમીનના નેતા અસદુરીન ઓવૈસી મુસલમાનોના નવા સ્ટાર લીડર તરીકે ઊપસી રહ્યા છે. તેઓ ઇંગ્લેન્ડથી ભણીને આવેલા બોલકા નેતા છે. ઊર્દુ અને અંગ્રેજી એમ બંને ભાષાઓ અસ્ખલિત પ્રવાહમાં બોલી શકે છે. તેમની દલીલોમાં ચાલાકી અને તર્ક પણ હોય છે. બહારથી તેઓ ભાજપના વિરોધી લાગે છે, પરંતુ બિહારના સીમાંચલ વિસ્તારની ૨૪ બેઠકો પર તેમના પક્ષ તરફથી ઉમેદવારો ઊભા રાખવાના છે. આ કારણે દેખીતી રીતે જ જે મુસ્લિમ મતો લાલુ-નીતીશના મહાગઠબંધનને મળવાના હતા તે હવે ઓવૈસીની પાર્ટીને મળશે. ઓવૈસીના કેટલા ઉમેદવારો જીતશે તે કહી શકાય નહીં, પરંતુ તેઓ આડકતરી રીતે એનડીએને મદદ કરશે. આ કારણે કેટલાકે તેમને ભાજપના એજન્ટ કહ્યા છે, પરંતુ તેની સામે ઓવૈસીની દલીલ છે કે, ઝારખંડ,હરિયાણા કે રાજસ્થાનમાં ભાજપ જીત્યું તે શું મારા કારણે જીત્યું હતું ? લાગે છે કે, ઓવૈસી એક લાંબી રાજકીય ગેમ ખેલી રહ્યા છે.

મોહન ભાગવત

બિહારની ચૂંટણીની પૂર્વસંધ્યાએ સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, દેશમાં અનામત નીતિની પુનઃ સમીક્ષા થવી જોઈએ અને આર્થિક આધાર પર જ અનામત હોવી જોઈએ.” ભાગવતનું આ બયાન એનડીએને નુકસાન પહોંચાડી શકે છે.

મારા નામને વળગી ના રહો હું મરું ત્યાં જ બાળી મૂકજો

આજે ગાંધીજીનો જન્મદિવસ.

સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના દિવસે અર્થાત્ ઈ.સ. ૧૮૬૯ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં જન્મેલો એક સામાન્ય બુદ્ધિવાળો, ગરબડિયા અક્ષરોવાળો,ડરપોક અને જુઠ્ઠુ બોલતો, ચોરી કરીને બીડી પીતો કિશોર એક દિવસ આ યુગનો ‘મહાપુરુષ’ બની જશે એવંું કોઈ પણ જ્યોતિષીએ ભાખ્યું નહોતું. પોતાના બચપણથી માંડીને અંત સુધી જીવનને જેવું છે તેવું આરપાર લોકો સમક્ષ મૂકી શકે તેવી આજે કોઈની હિંમત નથી. ગાંધીજીની આત્મકથા વાંચ્યા પછી લાગે છે કે  બીજા કોઈને પણ આત્મકથા લખવાનોે અધિકાર નથી.

‘સત્યના પ્રયોગો’માં ગાંધીજી લખે છેઃ ”બચપણમાં કોઈ મને નિશાળમાં મૂકવા આવેલું તેવું યાદ છે. મુશ્કેલીથી થોડુંક શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાને ગાળ દેતાં શીખેલો. હું અનુમાન કરું છું કે મારી બુદ્ધિ મંદ હશે, અને યાદશક્તિ કાચી હશે. હું અતિશય શરમાળ છોકરો હતો. નિશાળમાં મારા કામ સાથે જ કામ હતું. ઘંટ વાગવાના સમયે પહોંચવું અને નિશાળ બંધ થયે ભાગવું. મને કોઈનીયે સાથે વાતો કરવાનું ગમતું નહીં. કોઈ મારી મશ્કરી કરશે તો? એવી બીક રહેતી.”

તેઓ લખે છે : ”દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરતાં મેં એક ટેવ પાડી હતી. મારું અજ્ઞાાન હું અસીલો પાસે છુપાવતો નહોતો, બીજા વકીલ સમક્ષ પણ નહીં. જ્યાં જ્યાં મને ખબર ના પડે ત્યાં હું મારા અસીલને બીજા વકીલ પાસે જવાનું કહેતો અથવા બીજા વધુ અનુભવી વકીલની સલાહ લેવાનું કહેતો.”

બાપુ આઝાદી માટે સત્યાગ્રહ કરતાં અને ત્યારે જેલમાં ગયા હતા. આ સંદર્ભમાં તેઓ હળવાશથી લખે છે : ‘વાંચનાર જાણે છે કે હું રીઢો થયેલો ગુનેગાર છું. ૧૯૨૨ના માર્ચ મહિનામાં હું કેદમાં પુરાયો હતો તે મારી જિંદગીની પહેલી કેદ નહોતી. દક્ષિણ આફ્રિકામાં ત્રણ વાર હું ગુનેગાર ઠરી ચૂક્યો હતો. દક્ષિણ આફ્રિકાની સરકાર મને તે વખતે એક જોખમકારક કેદી ગણતી હતી. તેથી એક જેલમાંથી બીજી જેલમાં ફેરવવામાં આવતો. હિંદુસ્તાનમાં આવ્યા પછી જેલમાં જતાં પહેલાં હું છ જેલોનો અનુભવ લઈ ચૂક્યો હતો, એટલા જ જેલ સુપરિન્ટેન્ડન્ટ અને એટલા જ જેલરો સંપર્કમાં આવી ચૂક્યો હતો. મને અમદાવાદની સાબરમતી જેલમાં લઈ જવાયો ત્યારે બીજાઓની જેમ મને કઠતું નહોતું. પ્રેમથી વધુ વિજય મેળવવા માટે એક ઘર બદલીને બીજા ઘેર જતો હોઉં તેમ મને લાગતું.”

બાપુએ જીવનના મોજશોખ અને જરૂરિયાતો ક્રમશઃ કેવી રીતે ઓછી કરી તેનું વર્ણન તેમના જ શબ્દોમાં: ”જેમ ધોબીની ગુલામીમાંથી હું છૂટયો તેમ નાઈની ગુલામીમાંથી પણ છૂટવાનો પ્રસંગ આવ્યો. પ્રિટોરીયામાં હું એક અંગ્રેજ વાળ કપાવવાની દુકાને પહોંચ્યા. તેણે મારી વાળ કાપવાની ઘસીને ના પાડી. તેણે ના પાડતી વખતે અત્યંત તિરસ્કાર બતાવ્યો તે વધારામાં. મને દુઃખ થયું. હું પહોંચ્યો બજારમાં. વાળ કાપવાનો સંચો ખરીધ્યો. અને અરીસા સામે ઊભા રહી મેં જાતે જ મારા વાળ કાપ્યા. વાળ જેમ તેમ કપાયા તો ખરા, પણ પાછળના વાળ કાપતા મુશ્કેલી પડી. હું એવા વાળ સાથે કોર્ટમાં ગયો. બધા મને જોઈને હસવા લાગ્યા.

કોઈએ કહ્યું: ‘તારા માથે ઉંદર ફરી ગયા છે?’

મેં કહ્યું: ‘ના, મારા કાળા માથાનો સ્પર્શ કોઈ ગોરા નાઈ શા માટે કરે ? એટલે જેવા તેવા પણ હાથે કાપેલા વાળ મને વધુ પ્રિય છે.’

જીવનના કોઈ પણ ક્ષેત્રમાં બાપુએ ખેડાણ ના કર્યું હોય એવું બન્યું નથી. ‘સત્ય અને અહિંસા’ નામના અમોઘ શસ્ત્રની અને સત્યાગ્રહની શોધ કરનાર બાપુએ દક્ષિણ આફ્રિકામાં એેક છાપું પણ કાઢયું હતું. ” Young India” અને ”નવજીવન”ના તેઓ તંત્રી પણ હતા. બાપુ અખબારો માટે લખે છે : ”વર્તમાન પત્રો સેવાભાવથી ચાલવા જોઈએ એ હું ”ઈન્ડિયન ઓપિનિયન”ના પહેલા માસની કારકિર્દીમાં જ જોઈ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે, પણ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાડે અને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ પણ વિનાશ વેરી શકે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા વધારે ઝેરી નીવડે છે. ”

બાપુને એક વાર દિલ્હીની પ્રાર્થના બાદ પ્રશ્નોત્તરી વખતે પૂછવામાં આવ્યું: ”જો એક દિવસ માટે આપને હિંદુસ્તાનના સરમુખત્યાર બનાવવામાં આવે તો આપ શું કરો?”

બાપુઃ ”પ્રથમ તો હું સરમુખત્યાર બનું જ નહીં છતાં માની લઈએ કે મને એક દિવસ માટે સરમુખત્યાર બનાવવામાં આવે તો હું વાઈસરોય ભવન (હાલનું રાષ્ટ્રપતિભવન)ને હોસ્પિટલમાં ફેરવી નાખું. વાઈસરોયને આવડા મોટા ઘરનું શું કામ?”

ટૂંકમાં બડા બડા રાજભવનો અને રાષ્ટ્રપતિભવન વિશે બાપુએ વર્ષો પહેલાં પોતાનો અભિપ્રાય આપી દીધો હતો જેનો અમલ દેશના નેતાઓએ આજ સુધી કર્યો નથી.

તેમને ગોળીથી ઠાર કરવામાં આવ્યા તે પૂર્વે એટલે કે તા. ૨૯મી જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે મૃત્યુના ૨૦ કલાક જ અગાઉ જ આ શબ્દો ઉચ્ચાર્યા હતા : ”હું જીર્ણ માંદગીના કારણે મરણ પામું, તો લોકો તમારા પર ક્રોધે ભરાય એ જોખમ વહોરીને પણ દુનિયા આગળ જાહેર કરવાની તમારી ફરજ છે કે, ગાંધી જેનો દાવો કરતો હતો એવો ખુંદાનો બંદો નહોતો. તમે એમ કરશો તો એથી મારા આત્માને શાંતિ મળશે. હમણાં કોઈએ એક દિવસ બોમ્બ વતી કરવા ધાર્યું હતું તેમ કોઈ મને ગોળીથી ઠાર મારીને મારા જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરે અને એ ગોળી દુઃખના એક પોકાર વિના હું ઝીલી લઉં અને રામનું નામ રટતો રટતો પ્રમાણ ત્યાગ કરું તો જ મારો એ દાવો સાચો ઠરશે… ભૂતકાળમાં મારા જાન લેવા મારા પર હુમલા કરવામાં આવ્યા છે, પણ ભગવાને મને આજ સુધી બચાવી લીધો છે પરંતુ મને ગોળી મારનારને એમ લાગે કે હું એક બદમાશને પૂરો કરી રહ્યો છું અને તેવી માન્યતાથી જ પ્રેરાઈને મને ગોળીથી ઠાર કરે તો ખરા ગાંધીને નહીં પરંતુ તેને જે બદમાશ લાગ્યો હતો તેને તેણે મારી નાંખ્યો હશે.”

બાપુનું છેલ્લું વિધાન તેમની નિખાલસતાની પરાકાષ્ટા છે. આવું કોણ કહી શકે કે કોઈ મને મારી નાંખે તો મારામાં રહેલી કોઈ બદમાશીને મારી નાંખી છે.

તેમણે મૃત્યુ પહેલાં કહ્યું હતું કે ”મારા મૃત્યુ બાદ મારા દેહને કોઈ સરઘસ આકારે લઈ જવાનો પ્રયત્ન કરે તો હું તેમને કહું છું કે, ”મારું મડદું બોલી શકે તો- ભલા, મને એમાંથી છોડો અને હું મર્યો હતો ત્યાં જ મને બાળી મૂકો.”

છેલ્લે તેમણે કહ્યું હતું, ”મને વીસરી જાવ. મારા નામને ના વળગો. તત્ત્વને વળગો. તમારી પ્રત્યેક હાલચાલ તે ગજથી માપો, અને આગળ ઉપર આવનારા દરેક પ્રશ્નનો નિર્ભયતાથી જવાબ આપો, હું તો ગરીબ સાધુ છું. છ રેંટિયા, જેલની થાળીઓ, બકરીના દૂધનું એક વાસણ, ખાદીના છ લંગોટ અને એક ટુવાલ- આટલી મારી ઐહિક પૂંજી છે, અને મારા કીર્તિની ઝાઝી કિંમત ન હોઈ શકે. મારા મરણ પછી કોઈ એક જ વ્યક્તિ સંપૂર્ણપણે મારો પ્રતિનિધિ નહીં બની શકે. પરંતુ મારો સ્વલ્પ અંશ તમારા પૈકી ઘણાના જીવનમાં જીવતો રહેશે. દરેક જણ ધ્યેયને પ્રથમ સ્થાન આપે અને પોતાની જાતને છેલ્લી મૂકશે તો ખાલીપો ઘણે અંશે ભરાઈ જશે.

Page 1 of 3

Powered by WordPress & Theme by Anders Norén