Devendra Patel

Journalist and Author

Category: રેડ રોઝ (Page 1 of 13)

ટ્રાફિક પોલીસ કન્ફ્યૂઝડ અને ટ્રાફિક સેન્સ ગાયબ

જાહેર રસ્તાઓ પર રોંગ સાઈડમાં વાહનો ચલાવનારને પકડવામાં પોલીસને રસ નથી

બીઆરટીએસએ પ્રશ્ન હળવો કરવાના બદલે વધુ ગૂંચવ્યો

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાંથી માંડીને નાના ઉપનગરો હવે ટ્રાફિક અરાજક્તાનો ભોગ બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં એ અંધાધૂંધી પરાકાષ્ટાએ પહોંચશે એવા એંધાણ છે. ટ્રાફિકની ગંભીર બની રહેલી સમસ્યાનો ઉકેલ લાવવા પ્રશાસન અને લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓનો કોઈ જ ઈરાદો નથી.

પોલીસ શું કરે છે?

ટ્રાફિકનું નિયમન કરવું એ પોલીસની કામગીરી છે પરંતુ સાથે એ પણ નોંધવું જોઈએ કે, યુરોપ- અમેરિકાથી માંડીને સિંગાપોર જેવા દેશોમાં રસ્તા પર ક્યાંય પણ પોલીસ દેખાતી નથી છતાં લોકો શિસ્તબદ્ધ રીતે અને કાનૂનને માન આપીને જ વાહનો ચલાવે છે, અને કોઈ ટ્રાફિક સિગ્નલનો કે સ્પીડ મર્યાદાનો ભંગ કરે તો તે પકડાઈ જાય છે. એ દેશોમાં વાહનચાલકોને પોલીસને જોયા વિના પોલીસનો ડર રહે છે. જ્યારે ભારતમાં ટ્રાફિક પોલીસ કોઈ વાહનચાલકને પકડે તો તે ત્રણ વિકલ્પ અપનાવે છે. (૧) લાંચ આપીને છુટવા પ્રયાસ કરે છે. (૨) પોલીસ સાથે ઝઘડામાં ઊતરે છે (૩) પોલીસની બદલી કરી નંખાવવાની ધમકી આપે છે. બહુ ઓછા લોકો દંડ ભરવાનું પસંદ કરે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં ત્રણથી વધુ વાર ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહનચાલક પકડાય તો તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ થઈ જાય છે અને એક વાર ડ્રાઈવિંગ લાઈસન્સ રદ થઈ જાય તે પછી તે વાહન ચલાવે તો જેલની સજા છે. આ દેશમાં પોલીસ અને ટ્રાફિક નિયમનનો ભંગ કરતા લોકો વચ્ચે સમજૂતી થઈ જતાં વાહનચાલકો વધુ બેફામ બન્યા છે. બીજી બાજુ ટ્રાફિક પોલીસ રુશ્વત લઈ ગુનેગારોને આસાનીથી જવા દે છે. ઘણીવાર મુખ્ય ક્રોસ રોડ પર ટ્રાફિક જામ થયો હોય તો તેનું નિયમન કરવાના બદલે ટ્રાફિક પોલીસ કોઈ ટ્રક- ટેમ્પાવાળાને પકડીને કાંઈક ગોઠવણ કરતી હોય તેમ જણાય છે. જાહેર રસ્તાઓ પર મોટા સર્કલ પર ટ્રાફિક કામ કરતી જણાય છે પરંતુ નાના સેંકડો સર્કલ્સ પર પોલીસ ના હોવાને કારણે ભારે અંધાધૂંધી સર્જાય છે. સેંકડો વાહનો ટ્રાફિક જામનો ભોગ બને છે અને ટ્રાફિક પોલીસના અભાવે વાહનચાલકો પોતે જ પોતાનું વાહન બાજુ પર મૂકી ટ્રાફિક નિયમન કરાવવા પ્રયાસ કરે છે.

પોલીસની સંખ્યા

અમદાવાદ જેવા શહેરને લાગેવળગે છે ત્યાં સુધી કુલ ૩૨૬ જેટલા ટ્રાફિક પોઈન્ટસ છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે ૬૭૦નો સ્ટાફ ઉપલબ્ધ હોય છે. ટોટલ સ્ટાફ ૯૨૦નો છે. તેમાંથી ૩૦ને રજા હોય છે જ્યારે ૧૬૦ જેટલો સ્ટાફ ઓફિસ કાર્યમાં વ્યસ્ત હોય છે. આ સ્ટાફ પ્રમાણમાં ઓછો છે. જે સારું છે તે પણ કુશળ નથી. એમાંયે જ્યારે વીવીઆઈપી પસાર થવાના હોય તો તે રૂટ પર ૬૭૦ના કુલ સ્ટાફમાંથી ૫૦૦નો સ્ટાફ તે તે રૂટના મેનેજમેન્ટ માટે જ ગોઠવી દેવાય છે. બાકીના રસ્તાઓ પર પોલીસ ના દેખાતા વાહનચાલકો છડેચોક ટ્રાફિક નિયમનનો ભંગ કરી દરેક ચાર રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જી દે છે. કોઈ પણ શહેરમાં વીવીઆઈપીઓની અવરજવર સામાન્ય માનવીને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે છે. ઘણા લોકોનો અનુભવ છે કે આંબાવાડીથી નહેરુનગર ચાર રસ્તા સુધીનો રસ્તો સામાન્ય રીતે ૧૫ મિનિટમાં કાપી શકાય છે પરંતુ ટ્રાફિક જામના કારણે એ જ રસ્તો કાપતાં ઘણીવાર એક કલાક લાગે છે. શહેરમાં થલતેજ પાસે અંડરબ્રિજ બનાવ્યો છે પરંતુ થલતેજ ચાર રસ્તા પર રોજ હજારો વાહનો અરાજક્તાભરી પરિસ્થિતિમાં જ ડ્રાઈવિંગ રોડથી થલતેજ ગામમાં પ્રવેશી શકે છે. પકવાન ચાર રસ્તાએ વાહનચાલકો માટે મોટામાં મોટો માથાનો દુઃખાવો છે. પૂર્વ અમદાવાદ કરતાં પશ્ચિમ અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યા વધુ છે કારણ કે પશ્ચિમ અમદાવાદમાં મોટરકારોની સંખ્યા પણ વધુ છે.

ઝીબ્રા કોસિંગ અર્થહીન

અમદાવાદમાં બીઆરટીએસ રૂટ બકવાસ છે. આ રૂટે રસ્તા સાંકડા કરી નાંખી રુટીન ટ્રાફિક માટે મુશ્કેલીઓ સર્જી દીધી છે. બીઆરટીએસનું આયોજન કરનારા તેમની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. ચાર રસ્તાઓના હેવી ટ્રાફિક વચ્ચે રાહદારીઓ સલામતીપૂર્વક રસ્તો ક્રોસ કરી શકે તે માટે ટ્રાફિક પોલીસે ઝીબ્રા કોસિંગ તો દોર્યા છે પરંતુ શહેરમાં એક પણ ચાર રસ્તા પર રાહદારીને રસ્તો ક્રોસ કરવા માટે ઝીબ્રા કોસિંગનો અમલ કરવાની કોઈ જ વ્યવસ્થા નથી. નથી તો ટ્રાફિક સિગ્નલમાં વ્યવસ્થા કે નથી કોઈ પોલીસ રાહદારીને પસાર થવા વાહનો રોકતી. રાહદારીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે. ઝીબ્રા કોસિંગ એ રાહદારીઓની મજાક સમાન છે.

ટ્રાફિક સેન્સ

ટ્રાફિકની અરાજક્તા માટે માત્ર પ્રશાસન કે ટ્રાફિક પોલીસ જ જવાબદાર નથી. લોકો ખુદ જવાબદાર છે. મોંઘીદાટ મોટરકારો વાપરતા ધનવાનોના નબીરાઓ સૌથી વધુ બેફામ વાહન ચલાવતા જણાય છે. કેટલાક નબીરાઓ તો ટ્રાફિક નિયમનનો ભંગ કરવામાં ગૌરવ અનુભવે છે. કેટલાક કાન ફાડી નાંખે તેવો ધ્વનિ ફેલાવતી મોટરસાઈકલો દોડાવી અન્યને પ્રભાવીત કરવા કોશિશ કરે છે.સેટેલાઈટ અને ડ્રાઈવિંગ જેવા રોડ પરથી વળવા ટ્રાફિક સર્કલ સુધી જવું ના પડે તે માટે વાહનચાલકો ખુલ્લેઆમ રોંગ સાઈડ મોટરો અને બાઈક ચલાવતા જણાય છે. તેમને પકડવા કે દંડવા પૂરતી પોલીસ નથી અને જે છે તે ગમે તે કારણસર કાનૂન ભંગ કરનારાઓને રોકતી નથી. આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર ભણેલા ગણેલા લોકોનો વિસ્તાર છે અને આવા શિક્ષિત વિસ્તારમાં શિક્ષિતો જ સૌથી વધુ ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે. ખરી વાત એ છે કે, સ્કૂલમાં ભણતા બાળકોને જ બચપણથી ટ્રાફિકના નિયમોનું જ્ઞાન આપી ટ્રાફિક સેન્સ અંગે જાગૃતિ આણવી જોઈએ. જો કે કેટલીક શાળામાં કેટલાંક બાળકો લાઈસન્સ વગર જ એક્ટિવા જેવા વાહનો લઈને સ્કૂલમાં આવતાં જણાય છે. કેટલીક સ્કૂલોએ આ સામે કડક કદમ ઉઠાવ્યા છે પરંતુ લાઈસન્સ વગર જ બાળકને એક્ટિવા જેવા વાહનો સોંપી દેનાર માતા-પિતા પણ એટલાં જ જવાબદાર છે. લાઈસન્સ વગર સ્કૂટર લઈને આવતાં બાળકોના વાલીઓ સામે પગલાં લેવાવા જોઈએ.

પાર્કિંગ નહીં તો કાર નહીં

શહેરમાં રોજેરોજ નવી મોટરકારો ખરીદવામાં આવે છે. એક સૂચન એવું પણ છે કે જેમના ઘેર પાર્કિંગની વ્યવસ્થા નથી તેમની કારનું રજિસ્ટ્રેશન થવું ના જોઈએ કારણ કે તેઓ કાર ખરીદીને જાહેર રસ્તાઓ પર કાર મૂકી દે છે અને રસ્તા પર પાર્ક કરાતી મોટરકારોને લીધે રસ્તા પર એક પ્રકારનું દબાણ થાય છે. કાર ખરીદો છો તો કાર મૂકવાની જગા પણ તેમની પોતાની હોવી જોઈએ. આઝાદી પહેલાં અમદાવાદમાં મોટરકારો આવી તે પહેલા ધનવાનો ઘોડાવાળી ભવ્ય બગીઓ વાપરતા હતા. પહેલાં શહેરમાં નદીપાર કોઈ રહેતું નહોતું. ધનવાનો પોળોમાં જ રહેતા હતા. પોળોમાં તેમની ભવ્ય હવેલીઓ હતી અને તેઓ તેમની બગીઓ પોળોમાં જ પાર્ક કરાવતા હતા. આ કારણે સામાન્ય લોકોને અડચણો પડવા લાગી. સરદાર સાહેબ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ પ્રમુખ થયા તે પછી તેમના ધ્યાનમાં આ વાત આવી અને ધનવાનોને તેમની બગીઓ પોળની બહાર કાઢવા ફરજ પાડી હતી. એ દૃષ્ટિએ જેમની પાસે પાર્કિંગની સુવિધા નથી તેમને ઘેર આવીને જાહેર રસ્તાઓ પર ગાડીઓ મૂકી રોડ સાંકડા કરવાનો કોઈ અધિકાર નથી.

આર.ટી.ઓ.ની કામગીરી

ભારતમાં જેટલી આસાનીથી ડ્રાઈવિંગ લાઈસન્સ મળે છે એટલી આસાનીથી દુનિયાના કોઈ પણ દેશમાં લાઈસન્સ મળતું નહીં હોય. અમેરિકા જેવા દેશોમાં ડ્રાઈવિંગ લાઈસન્સ માટે કડક ટેસ્ટ હોય છે. જેઓમાં લાયકાત નથી હોતી તેમને નાપાસ કરવામાં આવે છે અને જેને જે દિવસે ડ્રાઈવિંગ લાઈસન્સ મળે તે દિવસે લાઈસન્સ મેળવનાર વ્યક્તિ તેની ખુશીમાં પાર્ટી આપે છે. ભારતમાં તો આર.ટી.ઓે. કચેરીઓની બહાર જ દલાલોનો અડ્ડો જણાય છે. એક જમાનામાં તો ઘેર બેઠાં લાઈસન્સ આવી જતું. જોકે હવે સાવ એવું નથી. આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસનો ભ્રષ્ટાચાર પણ ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતો માટે જવાબદાર છે.

ઓવરબ્રિજની જરૂર

આ સિવાય અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવાં શહેરોમાં જેટલા ઓવરબ્રિજ હોવા જોઈએે એટલા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેવકૂફીના કારણે ૧૩૨ ફૂટના રિંગ રોડ પર પૂર્વ- પશ્ચિમ ઓવરબ્રિજ હોવા જોઈએ એના બદલે ઉત્તર- દક્ષિણ ઓવરબ્રિજ બનાવી કરોડો રૂપિયાનું આંધણ કરી દીધું છે. અમદાવાદ શહેરમાં વાહનોની સૌથી વધુ અવરજવર પૂર્વ- પશ્ચિમ છે એ વાતનો ખ્યાલ નગર આયોજકોને રાખ્યો નથી. અમદાવાદમાં શીલજ પાસે એક રેલવે ક્રોસિંગ છે. ૨૪ કલાકમાં ૧૦૦ જેટલી ટ્રેનો પસાર થાય છે પણ નથી તો ઓવરબ્રિજ બનતો કે નથી તો અંડરબ્રિજ.

હાઈવે પર જામ

માત્ર શહેરના રાજમાર્ગો પર જ નહીં પરંતુ અમદાવાદ- મુંબઈ, અમદાવાદ- આબુરોડ, અમદાવાદ- ઉદયપુરના હાઈવે પર પણ ટ્રાફિક જામ થાય છે. ભરૂચ- અંકલેશ્વર પાસે નર્મદાના બ્રિજ પર ટ્રાફિક જામ થતાં પાંચ પાંચ કિલોમીટર વાહનોની લાઈનો લાગે છે. કલાકો સુધી વાહનોએ ઊભા રહેવું પડે છે. પાંચ કલાક સુધી ફસાઈ જતી મોટરકારોમાં મહિલાઓ અને બાળકો પણ હોય છે અને રસ્તા પર નેચરલ કોલ્સ માટે જઈ ના શક્તાં તેઓ પારાવાર વેદના અનુભવે છે. આજથી ૧૩૮ વર્ષ પહેલાં અંગ્રેજોએ નર્મદા પર ગોલ્ડન બ્રિજ બાંધ્યો હતો. આજના ટ્રાફિકને પહોંચી વળવાનું વર્ષોથી કોઈ આયોજન થયું નથી. એજ રીતે ધનસુરા, દહેગામ, બાયડ જેવા અનેક નાનકડો નગરો ગામ વચ્ચેથી પસાર થતા રસ્તાઓ પર હેવી ટ્રાફિકના કારણે ત્રાહિમામ્ છે. આવા ૫૦થી વધુ નાના નગરોમાં હાઈવેના ટ્રાફિકને ડાયવર્ટ કરવા બાયપાસ રસ્તો જરૂરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પ્રત્યેક શહેરમાં કમસે કમ ૫૦ ઓવરબ્રિજની જરૂર છે. સ્માર્ટસિટી જ્યારે બનાવવા હોય ત્યારે બનાવજો પણ અત્યારે જે શહેરો છે તેમના રહેવા અને હરવા-ફરવા લાયક તો બનાવો ?

પણ આ કોણ કરશે ? ભગવાન જાણે.

નૂતન વર્ષના પ્રારંભે…ચાલો, રામરાજ્ય તરફ વળીએ

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

રાજા વિક્રમાદિત્યનાં નામ સાથે જોડાયેલાં હિંદુઓનાં નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

પાછલું વર્ષ અનેક વિટંબણાઓથી ભરેલું રહ્યું. ગુજરતું પ્રત્યેક વર્ષ નવી આશાઓ અને ઉમંગની આશાઓ લઈને આવે છે. પાછલા વર્ષની રાજકીય, સામાજિક,આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક ઘટનાઓ પર નજર નાખીએ તો એક વાત સ્પષ્ટ ઉપસે છે કે, સાધુ જીવન જીવવું તે કરતાં સાંસારિક જીવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. સમાજમાં અસહિષ્ણુતા વધી છે. ધર્મના સાચા અર્થનો લોપ થઈ રહ્યો છે. ધર્મનાં નામે કોમ કોમ વિભાજિત થઈ રહી છે. ધર્મનો ઉપદેશ આપનારાઓ ધર્મને વધુ સંકટમય બનાવી રહ્યા છે. રાજનીતિનું સ્તર નીચે આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા નબળાં પડયાં છે. દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતમાં બળાત્કારનું પ્રમાણ વધ્યું છે. બે વર્ષની બાળકી પર પણ બળાત્કારની ઘટનાઓ દર્શાવે છે કે, લોકોની માનસિકતામાં વિકૃતિનું પ્રમાણ વધ્યું છે. રાજનીતિ માત્ર કોમ અને જ્ઞાતિ આધારિત બની રહી છે.

શું આ રામરાજ્યની કલ્પના છે ?

ભારતની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર ગાંધીજીએ આવા સ્વરાજની કલ્પના કરી હતી ? નવા વર્ષના પ્રારંભે કડવી વાસ્તવિકતાને ઉજાગર કરતી એક સરસ પંક્તિ યાદ આવે છે : પહલે એક દીપ જલતા થા સારા ગાંવ ચમકતા થા, આજ ચિરાગ ઘર-ઘરમેં હૈ, અંધિયારાં અંગનાઈમે હૈ. ભારત એ ભગવાન શ્રીરામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર તથા ગુરુ ગોવિંન્દસિંહ જેવી પૂજ્ય પ્રતિભાઓની ભૂમિ છે. ભારત એક પ્રકાશ અભીપ્સુ રાષ્ટ્રિયતા છે. અંધકાર અજ્ઞાન છે, પ્રકાશ જ્ઞાનનું ઉપકરણ છે, પ્રકાશ એ સત્યગુણનું પ્રતીક છે. વર્ષોથી શાળામાં ભણતાં બાળકોને પુસ્તકો દ્વારા ભણાવવામાં આવતું રહ્યું છે કે, આ દેશમાં જ્યારે શ્રીરામનું રાજ્ય હતું ત્યારે કોઈને પણ દૈવિક, દૈહિક કે ભૌતિક તોય થતો નહોતો.

સ્વતંત્રતા સંગ્રામ વખતે પણ ગાંધીજીએ ભારતમાં રામરાજ્યની કલ્પના કરી હતી. આજે ઊલટું છે. દેશના, રાજ્યોના, શહેરોના, જિલ્લાઓના અને ગામડાંઓના નેતાઓને જોઈએ છીએ તો પ્રશાસનમાં રામ કરતાં રાવણની સંખ્યા વધુ દેખાય છે. કોઈ ગાયનું માંસ ખાવાનું કહે છે, કોઈ બીજાને કંસ કહે છે, કોઈ કોઈને શેતાન કહે છે કોઈ કોઈને નરભક્ષી કહે છે કોઈ કોઈને પાકિસ્તાન ચાલ્યા જવાનું કહે છે. આ બધું જ અસહિષ્ણુતાનું પરિણામ છે. ભારત આજે કોઈ ધર્મ,એક કોમ કે એક જ જ્ઞાતિનો દેશ નથી પરંતુ તે અનેક ધર્મો, અનેક કોમો, અનેક સંસ્કૃતિઓનો દેશ છે. ભારત એક રાષ્ટ્ર છે, જેણે શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારત જેવા શ્રેષ્ઠ ગ્રંથો વિશ્વને આપેલા છે.

સંકીર્ણતા વધી

દેશનો માનવી પણ રાજકારણીઓની જેમ વિચારધારામાં સંકીર્ણ બન્યો છે, તેનું અંગત જીવન પણ દેખાડાનું અને પ્રદર્શનકારી બન્યું છે. પૈસો કમાવા તે કોઈ પણ હદે જઈ શકે છે. રામાયણ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા હવે પુસ્તકોમાં જ રહી ગયાં છે, આપણાં જીવનમાં તેમને કોઈ સ્થાન નથી. ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, ‘હું તો દરિદ્ર નારાયણોમાં વસું છું કોઈ મને પ્રેમથી એક ફૂલ કે એક પાંદડું પણ આપે તો હું સહર્ષ તેનો સ્વીકાર કરી લઉં છું.’

એક બાજુ છપ્પનભોગ અને…

આપણાં મંદિરોમાં આથી ઊલટાં દૃશ્યો જોવા મળે છે. કેટલાંક મંદિરોમાં બેસતા વર્ષના દિવસે ભગવાનની પ્રતિમા સમક્ષ છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. ભગવાન તો તેમાંથી કાંઈ ખાતા નથી પરંતુ ભગવાનને છપ્પન ભોગનો અન્નકૂટ કરનાર જ સ્વાદિષ્ઠ પકવાનો આરોગી જાય છે એ લોકો એ વાત ભૂલી જાય છે કે ગાંધીજીનાં રામરાજ્યની કલ્પનાવાળા ભારતમાં રોજ ૩૩ કરોડ લોકો માત્ર એક ટંક જ ભોજન લઈ સૂઈ જાય છે. ધર્મનાં નામે આશ્રમો ધરાવતા ગાદીપતિઓ અને આચાર્યો રાત્રે એરકન્ડિશન રૂમમાં સૂઈ જાય છે જ્યારે કરોડો ભારતીયો હજુ ઝૂંપડામાં જ રહે છે. લાખ્ખો ભારતીયો ફૂટપાથ પર સૂઈ જાય છે અને તેમનાં બાળકો ફૂટપાથ પર જ જન્મે છે અને ક્યારેક ધનવાનોની મોટરકારો નીચે કચડાઈ જાય છે.

અબજોના આશ્રમો

સાચી વાત એ છે કે, આ દેશ આજે પણ રામાયણને કે શ્રીમદ્ ભાગદ્ ગીતાને આત્મસાત કરી શક્યો નથી. કેટલાક કથાકારો પણ અબજોના આશ્રમો ધરાવે છે. રામાયણના રચયિતા વાલ્મીકિ તો સાચા અર્થમાં વનમાં નાનકડી પર્ણકૂટીમાં જીવન પસાર કરતા હતા. આજના કેટલાક કથાકારોને વિમાનમાં પણ બિઝનેસકલાસથી ઓછી સીટ ખપતી નથી. કોઈ ‘બાપુ’ બની કનૈયો બની નાચે છે અને કુંવારિકાઓ પર દુષ્કર્મ કરવાના આરોપો ધરાવે છે.

આથી વધુ અધર્મ બીજો શું ?

આજે આ દેશ ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ કે ભગવાન મહાવીરને જ ભૂલી ગયો છે એવું નથી બલકે કૌટિલ્ય અને વિક્રમાદિત્યને પણ ભૂલી ગયો છે. આજનું નવું વર્ષ જેમનાં નામથી શરૂ થઈ રહ્યું છે તે રાજા વિક્રમાદિત્યના સમયનો ભારત પુનઃ પ્રાપ્ત થાય તોયે ઘણું. રાજા વિક્રમાદિત્ય તો સ્વંય રાત્રે છૂપી રીતે પ્રજાની પરિસ્થિતિ જાણવા બહાર નીકળતા. આજે મંત્રીઓ ધોળે દહાડે પણ આગળપાછળ પોલીસની ગાડીઓના કાફલામાં ઘેરાઈને નીકળે છે. લોકો દિવસે લૂંટાય છે પણ નેતાઓને પોતાની જ સુરક્ષા વહાલી છે.

દેશનાં અર્થતંત્ર પર પણ કૌટિલ્યના સિદ્ધાંતોનો કોઈ પ્રભાવ નથી. દરેક બજેટ મોંઘવારી સર્જે છે. દરેક બજેટ સામાન્ય માનવીની વિડંબના વધારે છે, પછી તે કોઈ પણ પક્ષની સરકાર હોય.

ભષ્ટાચાર અને ગોટાળાઓથી દેશ ઘેરાઈ ગયો છે. રાજનીતિમાં અપરાધીકરણે બધી સીમાઓ પાર કરી દીધી છે. સારું છે કે દેશનું ન્યાયતંત્ર હજુ સજાગ છે, જેને કારણે કેટલાક નેતાઓએ જેલમાં જ દિવાળી મનાવવી પડી.

રાજા કેવો હોવો જોઇએ?

રામરાજ્યની અવધારણાની વાત કરતાં પહેલાં રાજાનાં લક્ષણ અને કર્તવ્યની વાત સમજી લેવી જોઈએ. મહર્ષિ વાલ્મીકિજીએ રાજાનાં આ લક્ષણોને યુક્ત માન્યાં છે. ગુણવાન, પરાક્રમી, ધર્મજ્ઞા, ઉપકારી, સત્યવક્તા, સમસ્ત પ્રાણીઓનાં હિતચિંતક, વિદ્વાન, સામર્થ્યવાન, કોઈને જીતાવવાના તથા સંગ્રામમાં અજેય યોદ્ધા આ છે ઉત્તમ રાજ્યની યોગ્યતાનો આધાર. આજે આવા શાસકો ક્યાં છે? ભગવાન શ્રીરામની શાસનપ્રણાલિ અદ્ભુત હતી. તેમના સમયમાં મંત્રીમંડળ બે ભાગોમાં વિભક્ત હતું. અમાત્યમંડળ અને પુરવઃમંડળ. આ બંને મંત્રીમંડળોમાં સર્વ રીતે યોગ્ય વ્યક્તિઓને જ સ્થાન મળતું હતું અને તે વ્યક્તિઓ પણ વિભિન્ન ક્ષેત્રમાંથી આવતી હતી. આજે મંત્રીમંડળમાં કોમ, જ્ઞાતિ, વફાદારીને જ આધાર માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં રામરાજ્યની કલ્પના જ ક્યાં કરવી ?આજે તો દેશમાં પાકિસ્તાનના ઝંડા કેટલાંક લોકો ફરકાવે છે. રાજનૈતિક મહત્ત્વાકાંક્ષા ધરાવતાં લોકો બેફામ વાણી ઉચ્ચારે છે. નેતાઓ એકબીજાના ખૂનના પ્યાસા હોય તેમ વર્તે છે. સામૂહિક હત્યાઓ થઈ રહી છે. દલિતોની હત્યાઓ થઈ રહી છે. બાલિકાઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. આખીને આખી વસ્તીઓ સળગાવી દેવામાં આવે છે. દેશમાં નક્સલવાદ પ્રવેશી ચૂક્યો છે. દેશની એકતા અને અખંડિતતા જોખમમાં છે. સત્ય તો એ છે કે, આ દેશના રાજકારણીઓમાં નહીં પરંતુ સમાજજીવનમાં પણ રાવણ પ્રવેશી ચૂક્યો છે, હવે તો ભગવાન શ્રીરામ જ આ દેશની રક્ષા કરે.

ખેર, નૂતન વર્ષાભિનંદન.

અજ્ઞાાન-અસત્યથી ભરેલા મનના અંધકારને દૂર કરવા

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે. ભારતનો અને ખાસ કરીને હિંદુ સમાજનો આ મોટામાં મોટો તહેવાર છે. ગરીબ હોય કે તવંગર એ સહુ દીપાવલીના પર્વને ખૂબ આનંદ અને ઉલ્લાસથી મનાવે છે. દીપાવલી એ પાંચ દિવસોનું મહાપર્વ છે. ધનતેરશથી માંડીને ભાઈબીજ સુધીના દિવસોનું આગવું માહાત્મય છે.

દીપાવલી એક એવું પર્વ છે, જેની બાબતમાં વિચારતાં જ મન-મસ્તિષ્કમાં પ્રકાશરૂપી એક સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઉપનિષદો કહે છે : ‘અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય.’ દીપાવલી અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ છે એટલે કે અસત્ય છોડીને સત્ય તરફ જવાનું આ પર્વ છે. દીપાવલીના દિવસે લંકાવિજય બાદ ભગવાન શ્રીરામનું અયોધ્યામાં ભવ્ય સ્વાગત કરવા આખા નગરને દીવડાઓથી પ્રજ્વલિત કરી દેવામાં આવ્યું હતું. દીવડાઓની કતાર એટલે દીપાવલી એ અંધારી રાતે ભગવાન શ્રીરામનું અયોધ્યાવાસીઓએ ભવ્ય સ્વાગત કરવા દીપકોની રોશની પ્રગટાવી હતી, જે પ્રથા ભારતભરમાં ઘરઘરમાં આજે પણ મનાવવામાં આવે છે. તેનો આધ્યાત્મિક અર્થ એ પણ છે કે દીપક તન અને મન એ બેઉનો અંધકાર દૂર કરે છે. દીપક શુભનું પ્રતીક છે.

દીપાવલીનાં મહાન પર્વનો સંબંધ માત્ર હિંદુઓ માટે જ મહત્ત્વપૂર્ણ નથી એનો સંબંધ અન્ય ધર્મો સાથે પણ છે. જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનો નિર્વાણદિન પણ આ જ દિવસે છે. શીખોનાં આસ્થાનાં કેન્દ્ર એવા શ્રી હરમંદિર અર્થાત્ સુર્વણમંદિરની નીવ(પાયો) પણ આ દિવસે જ રાખવામાં આવ્યો હતો.

દીપાવલીના તહેવારોનો પહેલો દિવસ ધનતેરશ લોકો ખરીદી કરવા માટે શુભ માને છે, જેમ સમુદ્રમંથનથી દેવી મહાલક્ષ્મી પ્રગટ થયાં તે જ રીતે આજના દિવસે જ ભગવાન ધન્વંતરી હાથમાં અમૃતનો કળશ લઈને ઉત્પન્ન થયા હતા. કહેવાય છે કે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિરોગી કાયા અને દીર્ઘાયુ હોવું જરૂરી છે. ભગવાન ધન્વંતરી દેવતાઓના ચિકિત્સક છે. ધનતેરશના દિવસે તેમની આરાધના કરવાથી રોગ, શોક, મૃત્યુ વગેરેનો ભય સમાપ્ત થઈ જાય છે. ભગવાન ધન્વંતરીના પ્રાગટય સમયે તેમના હાથમાં ચાંદીનો કળશ હતો તેથી ધનતેરશના દિવસે ચાંદી અને વાસણો ખરીદવાની પરંપરા છે.

ધનતેરશને યમદીપકનાં નામથી પણ ઓળખવામાં આવે છે. ધનતેરશની સાંજે લોકો ઘરનાં આંગણામાં દક્ષિણ દિશામાં તેલનો દીપક પ્રગટાવી યમરાજને અર્પણ કરે છે, આમ કરવાથી અકાળ મૃત્યુ ટળી જાય છે.

ધનતેરશ પછીનો બીજો દિવસ કાળી ચૌદશ અથવા નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. તેને ઘણા નાની દીપાવલી પણ કહે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. યુદ્ધમાં નરકાસુરનું મૃત્યુ થયું હતું, તેથી આ દિવસ ‘નરક ચતુર્દશી’ તરીકે ઓળખાય છે. ઘણાં લોકો આ દિવસે ૧૪ દીવડા પ્રગટાવે છે, એવું કહેવાય છે કે, શ્રીકૃષ્ણનાં મહારાણી સત્યભામાએ નરકાસુરની સેના સામે મુકાબલો કર્યો હતો તેથી તેના બીજા દિવસે મહારાણી સત્યભામાની પૂજા કરવામાં આવી હતી.

સત્યભામાને દેવી મહાલક્ષ્મીની સંજ્ઞાા પ્રદાન કરવામાં આવી હતી. આ કારણથી પશ્ચિમ ભારતનાં લોકો તેને ‘નરક ચતુર્દશી’ કહે છે. બંગાળનાં લોકો તેને ‘ભૂત ચતુર્દશી’ કહે છે.

તે પછી દીપાવલી એ મુખ્ય પર્વ છે. દીપાવલી પર દેવી લક્ષ્મીની પૂજા થાય છે. લક્ષ્મી ધન અને યશનાં દેવી છે. દીપાવલીનો દિવસ લક્ષ્મીપૂજન માટે મહત્ત્વનો છે, કારણ કે સમુદ્રમંથન દરમિયાન દરિયામાંથી જે ૧૯ રત્નો નીકળ્યાં તેમાં સહુથી વિશિષ્ઠ રત્ન દેવી લક્ષ્મીજી હતાં. આ અનુપમ, સુંદરી, સુવર્ણમય, તિરિહારિણી, વરદાત્રી, પ્રસન્નવદના, શુભા અને ક્ષમાશીલ એવાં દેવી લક્ષ્મીને ભગવાન વિષ્ણુએ પોતાનાં પત્નીનાં રૂપમાં સ્વીકાયાંર્ હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈ સમગ્ર વાતાવરણને જ્યોતિમર્ય બનાવી દીધું હતું. એ કારણે પણ આપણે પ્રતિવર્ષ આ કાળી રાત્રે સમગ્ર વાતાવરણમાં દીપમાળાને પ્રગટ કરીને દેવી મહાલક્ષ્મીનું સ્વાગત કરીએ છીએ પરંતુ ઘણીવાર માણસો અતિ ધન પ્રાપ્ત કરવાની લાલચમાં લક્ષ્મીજીના પતિ નારાયણ અર્થાત્ ભગવાન વિષ્ણુને ભૂલી જાય છે. આ સંદર્ભમાં વામન અવતારની પૌરાણિક કથા અતિ સુપ્રસિદ્ધ છે. એ કથાનો સંદેશ એટલો જ છે કે ભગવાન વિષ્ણુને લક્ષ્મીજી વગર ચાલે છે પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ચાલતું નથી, તેથી પંડિતો લક્ષ્મીજીને માતા તરીકે સ્વીકારવા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સલાહ આપે છે.

પૂજય ડોંગરેજી મહારાજે કહ્યું હતું કે, લક્ષ્મીપૂજનના દિવસે લોકો એ વાત યાદ રાખે કે જે લોકો ધનવાન છે અને જેઓ એવું અભિમાન કરે છે કે, ‘હું બહુ મોટો છું’ તેમને ભગવાન માફ કરતા નથી. લક્ષ્મી મારી નથી પણ તે લક્ષ્મી નારાયણની છે તેવો ભાવ રાખનારને લક્ષ્મીજી કોઈક દિવસ ભગવાન નારાયણની ગોદમાં પણ બેસાડે છે, લક્ષ્મીના માલિક થવાને બદલે તેને માતા તરીકે સ્વીકારો અને સૂક્ષ્મ અભિમાનનો ત્યાગ કરો !

લક્ષ્મીનો બીજો અર્થ સ્ત્રી પણ છે. લક્ષ્મીનો સહજ અર્થ છે સુલક્ષણવાળી. દીપાવલીના દિવસોમાં દેવી મહાલક્ષ્મીની પૂજા સાથે ઘરમાં જે ગૃહલક્ષ્મી છે તેનું પણ સન્માન કરો. કજિયાવાળા ઘરમાં લક્ષ્મીમાતા ટકતાં નથી.

દીપાવલીનો આગલો દિવસ ગોવર્ધનપૂજાના રૂપમાં પણ માનવામાં આવે છે. આ પૂજા દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ સ્વંય શરૂ કરી હતી. દ્વાપર યુગમાં બધા જ વ્રજવાસીઓએ પોતાનાં બધાં જ કાર્યો છોડીને છપ્પન ભોગ વગેરે તૈયાર કરીને ઇન્દ્ર દેવની પૂજા કરીને સારી વર્ષા માટે પ્રાર્થના કરી હતી. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે, વર્ષા તો ગોવર્ધન પર્વતને કારણે થાય છે તેથી તેની આરાધના કરવી જોઈએ. એ પછી વ્રજવાસીઓએ એમ જ કર્યું, એ પછી વરુણદેવે એટલીબધી વર્ષા કરી કે, વ્રજવાસીઓ વ્યાકુળ થઈ ગયાં. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની કનિષ્ઠ આંગળી પર ધારણ કરીને ઊંચકી લીધો હતો અને સમસ્ત વ્રજવાસીઓની રક્ષા કરી હતી. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રનાં ઘમંડને ચૂર ચૂર કરી દીધું હતું. એ પછી ઇન્દ્ર ભગવાન શ્રીકૃષ્ણના પગે પડી ક્ષમાયાચના કરવા લાગ્યા હતા. એ પછી આજ સુધી હિંદુઓ અને ખાસ કરીન વૈષ્ણવો ગોવર્ધનને પૂજાના રૂપમાં શ્રદ્ધાપૂર્વક મનાવે છે.

દીપાવલી પછીનો દિવસ ભાઈ-બીજ તરીકે ઊજવવામાં આવે છે. ભાઈ-બીજનો દિવસ ભાઈ અને બહેન વચ્ચેના સ્વાર્થરહિત પ્રેમનું પ્રતીક છે. એને યમદ્વિતીયા પણ કહેવાય છે. પુરાણકથા અનુસાર યમુનાજી તે યમરાજાનાં બહેન છે. કહેવાય છે કે, આજના દિવસે યમુનાજીમાં ભાઈ અને બહેન સ્નાન કરે તો યમરાજ પ્રસન્ન થાય છે, એથી જ આજના દિવસે બહેન તેના ભાઈનાં કપાળ પર તિલક લગાવી ભાઈનાં દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે.

ચાલો, આપણે બધાં મળીને મનના અંધકારને દૂર કરીએ. અજ્ઞાાન અને અસત્યના અંધકારને દૂર કરીએ.

શુભ દીપાવલી.

ચાઈનીઝ ડ્રેગનનો ભારતને ભરડો

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

ચીન એક ડ્રેગન જ છે. દુનિયાનો કોઈ દેશ એના પર ભરોંસો કરતો નથી, કરવો પણ ના જોઈએ. સરદાર સાહેબની સલાહ છતાં એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ચીન પર ભરોંસો મૂકી ચીનના વડા ચાઉ એન લાઈનું ભારતમાં ભવ્ય સ્વાગત કર્યું હતું અને ‘હિંદી-ચીની ભાઈ-ભાઈ’નાં સૂત્રો પોકાર્યાં હતાં. આ સ્વાગતના થોડા સમય બાદ જ ચીને ભારત પર હુમલો કર્યો હતો. ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંંગ ગુજરાત આવી ખમણઢોકળાં ખાઈ ગયા અને તેઓ અમદાવાદથી દિલ્હી પહોંચે તે પહેલાં ચીનના સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી. યુનોમાં પણ પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા એક આતંકવાદી અંગે ભારતવિરોધી અને પાકિસ્તાન તરફી વલણ અખત્યાર કર્યું. આજે પણ ચીન ભારતના સરહદી પ્રાંત અરુણાચલને પોતાનો હિસ્સો માને છે.

હવે ચીને ભારત માટે એક નવી મુસીબત વધારી છે. હાઈડ્રોપાવર પ્રોડક્શન માટે ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર એક વિશાળ બંધ બાંધ્યો છે. આ હાઈડ્રોપાવર સ્ટેશનનાં બધાં જ છ યુનિટોએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટથી મધ્ય તિબેટને વીજળી મળશે પરંતુ બીજી બાજુ આ પ્રોજેક્ટથી જળઆપૂર્તિમાં કેટલીક મુશ્કેલીઓ આવે તેવો સંભવ છે.

ચાઈના ગેઝોઉબા ગ્રૂપે આ બંધનું નિર્માણ કર્યું છે. આ બંધ હવે કાર્યરત થયો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ભારતના તમામ નેતાઓ બિહારમાં સત્તા પ્રાપ્ત કરવાની રમતમાં વ્યસ્ત હોઈ ચીનની મેલી રમત અંગે કોઈ કાંઈ બોલ્યા નથી. ભારતના નેતાઓ ચીન ભારતનો મિત્ર હતો નહીં અને થશે નહીં એ વાત બોલવા તૈયાર નથી. ચીનનો નેતા ભારતના નેતાનું કેવું ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને કેટલીકવાર હસ્તધૂનન કરે છે તે પરથી ચીનને આંકી શકાય નહીં.

પહેલાં સમજી લઈએ કે ભારત માટે મુસીબત ઊભી કરી શકે તેવો ચીનનો આ બંધ શું છે? ૯૮ અબજ રૂપિયાના આ બંધ શન્નાન પ્રિફેક્ચરના ગ્યાસા કાઉન્ટીમાં આ બંધ બન્યો છે, તે જમ હાઈડ્રોપાવર સ્ટેશન અને જંગળુ હાઈડ્રોપાવર સ્ટેશન તરીકે પણ ઓળખાય છે. આ સ્ટેશન બ્રહ્મપુત્રા નદી પર છે જેને તિબેટમાં ચારલુંગ જારબો કહે છે. આ બંધ વિશ્વમાં સહુથી ઊંચી જગ્યા પર બનેલા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. વીજળી ઉત્પાદનની બાબતમાં આ સહુથી મોટો પ્રોજેક્ટ છે. એક વર્ષમાં ૨.૫ અબજ કિલોવોટ-કલાક વીજળીનું ઉત્પાદન થશે. આ, ‘રન-ઓફ-રિવર’ પ્રોજેકટ છે જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવશે નહીં.

હવે આ પ્રોજેક્ટથી ભારતે શા માટે ચિંતા કરવાની જરૂર છે તે જોઈએ. બ્રહ્મપુત્રા નદી તિબેટના એ પ્રાંતમાં થઈ ભારતની સીમામાં પ્રવેશે છે, આ બંધ ઘણી ઊંચી જગાએ બન્યો હોઈ નીચલા વિસ્તારોમાં ભયાનક પૂર આવી શકે છે. જિએશુ,નીંગળુ અને જિનાચા બંધ લગભગ ૨૫ કિલોમીટરની રેંજમાં છે, જે ભારતીય સીમાથી લગભગ ૫૫૦ કિલોમીટર દૂર છે, એ જ રીતે બ્રહ્મપુત્રનાં પાણીને એ બંધો અટકાવી દે તો ભારતના અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ અને લોઅર સુહાંર પ્રોજેક્ટ તેનાથી પ્રભાવિત થઈ શકે છે.

વિશ્વમાં સહુથી મોટા પાંચ પ્રોજેક્ટ કયા છે તે પણ જાણી લઈએ.

૧. થ્રી ગોજેંજ ડેમ પણ ચીનમાં જ યાંગત્સે નદી પર બનેલો છે. અહીં ૨૨ હજાર ૫૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. ૨. ઇતાઇયુ ડેમ બ્રાઝિલ અને પેરુગ્વેની વચ્ચે પરાના નદી પર બન્યો છે. આ ડેમથી ૯૮.૬ ટેરાવોર કલાક વીજળીનું ઉત્પાદન થાય છે. ઉ. તુકુરૂઈડેમ ૧૯૮૪માં બ્રાઝિલમાં તોકંતિસ પર નદી પર બન્યો હતો. આ ડેમથી ૮,૭૩૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે.

આ ડેમ જ નહીં પરંતુ ભારતની ચિંતા વધે તેવાં અનેક કદમ ચીન ઉઠાવી રહ્યો છે. ભૂકંપને કારણે બંધ પડી ગયેલા નેપાળ-ચીન વચ્ચેના ચીલુંગ માર્ગને ચીને ખોલી નાખ્યો છે. આ રસ્તો ખૂલવાને કારણે ચીન આસાનીથી નેપાળમાં વ્યૂહાત્મક પ્રવેશ કરી શકશે. આ રસ્તો ખૂલી જવાને કારણે ચીન નેપાળમાં સપ્લાય વધારી શકશે, જોકે ભારતનાં રાજકીય સૂત્રોએ કહ્યું છે કે, પડોશી દેશો સાથે સંબંધો સુધારવાની ભારતની વિદેશનીતિનો એ મતલબ તો નથી કે, ચીન સાથે દોસ્તી કરવા એની ખુશમત કરવામાં આવે, એ જ રીતે નેપાળમાં રાજકીય પરિવર્તનો આવ્યાં છે. નેપાળ હવે હિંદુ રાષ્ટ્ર નથી. નેપાળના આ રાજકીય પરિવર્તન અંગે ભારતે સતર્ક રહેવાની જરૂર છે. ચીન જેવા પડોશી રાષ્ટ્રો સાથે મૈત્રી કરવાની લાલચમાં ભારતે તેનાં હિતોનો ત્યાગ કરવાની જરૂર નથી. ભારત તેનાં હિતોનો ત્યાગ કરશે તો ભારતની દશા ધૃતરાષ્ટ્ર જેવી થશે.

ચીને નેપાળનો બંધ રસ્તો ખોલી દેતાં ભારતમાંથી ચીજવસ્તુઓનો પુરવઠો નેપાળમાં જતો હતો તેના પર અસર થઈ શકે છે. ખુદ ચીને એવો દાવો કર્યો છે કે આ રસ્તો ખૂલી જતાં ચીનના વેપારમાં જબરજસ્ત વૃદ્ધિ થશે. ચીનનાં આ વિધાનનો બીજો અર્થ એ છે કે ચીનના પ્રવેશથી નેપાળમાં ભારતનો વેપાર ઘટશે.

બીજી ચિંતાની વાત એ છે કે ચીને સરહદ પર એક બીજું પોર્ટ ખોલી દીધું છે. આ સરહદી પોર્ટ ભૂકંપના કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું, હવે એ બંદર ફરી કાર્યરત થઈ ગયું છે.

નોંધનીય વાત એ છે કે નેપાળમાં બંધારણ બદલવા માટે ચાલેલાં આંદોલનને કારણે ભારતથી નેપાળમાં જતા માલ-સામાનનો સપ્લાય લગભગ બંધ થયો છે, હવે ચીને નેપાળનો રસ્તો ખોલી એ તકનો લાભ ઝડપી લીધો છે.

બીજી ગંભીર બાબત એ છે કે, નેપાળમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે મોરચાનાની એક બેઠક તાજેતરમાં કાઠમાંડુમાં મળી હતી, જેમાં ભારત-નેપાળ સરહદ પર નાકાબંધી જારી રાખવાનો નિર્ણય કર્યો હતો. નેપાળમાં નવું બંધારણ કાર્યરત કરવામાં આવ્યું છે જેની સામે કેટલીક રાજકીય પાર્ટીઓનું ગઠબંધન એ નિર્ણય સામે આંદોલન ચલાવી રહ્યું છે. ચીન આ બાબતનો પણ રાજકીય ફાયદો ઉઠાવી રહ્યો છે.

ચીન પાકિસ્તાનમાં તેને ફાયદો થાય તેવું ગ્વાદર બંદર બાંધી ચૂક્યો છે. શ્રીલંકામાં પણ તેણે આવા જ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. ચીન વિયેતનામની માલિકીના તેના દરિયામાં આવેલા કેટલાક ટાપુઓ પર વિયેતનામે ભારતને આપેલા ઠેકા અનુસાર તે ટાપુઓ પર તેલ માટે શારકામ કરવા દેતો નથી.

શું ચીનને આપણે મિત્ર સમજી શું ?

ડ્રેગન કદી મિત્ર થઈ શકે ?

નેપાળમાં હ્યુમન ટ્રાફિકિંગ કેમ વધ્યું?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

કુદરતનો દરેક પ્રહાર કોઈને કોઈ અસરો છોડી જાય છે. યુદ્ધ પણ કોઈને કોઈ આડઅસરો છોડી જાય છે. કુદરતી આપત્તિ અને ભયાનક યુદ્ધ માનવજાતનો માત્ર વિનાશ જ કરે છે, એવું નથી પરંતુ જે જીવતાં રહી જાય છે તેમને પણ બેબસ બનાવી જાય છે.

નેપાળમાં આવેલા ધરતીકંપ બાદ નેપાળના સમાજજીવનમાં પણ ભયાનક અસર પેદા થઈ છે. એ મહાવિનાશક ધરતીકંપે લાખો નેપાળી લોકોને મજૂર તથા સેક્સવર્કસમાં તબદીલ કરી નાખ્યાં છે. આ ભૂકંપ બાદ નેપાળમાં ઘરબાર વિહોણાં બની ગયેલા પરિવારોની યુવાન સ્ત્રીઓ કે કુંવારિકાઓને સેક્સ ટ્રાફિકિંગનો ભોગ બનવાનો વારો આવ્યો છે.

દિલ્હીથી પ્રગટ થતાં ‘પાયોનિયર’ નામનાં અખબારના પત્રકાર શાલિની સકસેનાએ કરેલા એક અભ્યાસ પ્રમાણે દર ૨૬.૨૮ મિનિટે એક નેપાળી યુવતીને આ ધંધામાં હડસેલાવું પડે છે. નેપાળમાં પહેલેથી જ ગરીબી છે અને કેળવણીનો અભાવ છે, આ કારણે નેપાળના સમાજજીવનની પરિસ્થિતિ વધુ વિષમ બની છે. પેટિયું રળવા લાચાર નેપાળ યુવતીઓ સૈકાઓ જૂના લોહીના વેપારનો ભોગ બની રહી છે. આમાંથી ઘણીબધી નેપાળી યુવતીઓને સેક્સના ધંધામાં પરોવવા ભારતમાં ધકેલી દેવાય છે.

તાજેતરમાં દિલ્હીના ગુડગાંવની પોલીસે બે નેપાળી સ્ત્રીઓની જિંદગી બચાવી, તેમાંની એક ૩૦ વર્ષની હતી, તે બે બાળકોની માતા હતી અને તેના પતિને કેન્સર હતું. બીજી ૫૦ વર્ષની હતી અને ડિવોર્સી હતી. આ બંને સ્ત્રીઓ મોત કરતાં વધુ ખરાબ જિંદગી જીવી રહી હતી. આ બંને નેપાળી સ્ત્રીઓને એક સાઉદી અરેબિયાના ડિપ્લોમેટ દ્વારા ગોંધી રાખવામાં આવી હતી અને તેમને વારંવાર દૂર કરવામાં આવતી હતી તથા તેમના પર વારંવાર બળાત્કાર કરવામાં આવતો હતો. આ બંને નેપાળી યુવતીઓએ સાઉદી અરેબિયાના ડિપ્લોમેટ અને તેમના મિત્રોના ગેંગરેપનો ભોગ બની હોવાનો આરોપ મૂકેલો છે. નેપાળમાં ભૂકંપ બાદ ભારતમાં ઊજળાં ભવિષ્યનું સ્વપ્ન બનાવીને ચાર મહિના પહેલાં ભારત લાવવામાં આવી હતી.

ચોંકાવનારી વાત એ છે કે, આ બંને નેપાળી સ્ત્રીઓને એક માણસે રૂ. ૧-૧ લાખમાં ભારતીય એજન્ટને વેચી હતી. કપલાન નામના ભારતીય દલાલે આ સ્ત્રીઓને રૂ. ૩૦ હજારની ઓફર કરીને સાઉદી ડિપ્લોમેટને વેચી હતી. એ માણસનું નામ મજાદ હોવાનું બહાર આવ્યું તે પછી એ બંને નેપાળી યુવતીઓને સાઉદી અરેબિયા લઈ જવામાં આવી હતી. પંદર દિવસ બાદ તેમને ભારત પાછી લાવવામાં આવી હતી, તે પછી તેમના પર હિંસા અને બળાત્કારનો સિલસિલો શરૂ થયો હતો.

એવો જ બીજો એક કિસ્સો ચમેલીનો છે. ચમેલી માત્ર ૧૩ જ વર્ષની છે, તે નેપાળના છતિવાન નામનાં ગામમાં રહેતી હતી. ભૂકંપ પછી તે પરિવારને મદદ કરવા માગતી હોઈ તેણે સ્કૂલ છોડી દીધી હતી. તેણે કાઠમાંડુની એક કાર્પેટ ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેને રોજ ૧૬ કલાક કામ કરવું પડતું હતું. સવારે ૪ વાગે તે કામે જતી અને રાત સુધી કામ કરતી. રાત્રે કામ કરતી વખતે તેને ઊંઘ આવી જાય તો તેની આંખમાં લાલ રંગનું મરચું નાખવામાં આવતું, જેથી તે આંખો ખુલ્લી રાખી શકે. તે ભારત જવા માગતી હતી પરંતુ બહારના ગાડ્ર્સ તેને છટકવા દેવા માગતા નહોતા. છેવટે એક એનજીઓ(નોન ગવર્મેન્ટલ ઓર્ગેેનાઇઝેશન) તેની સહારે આવી અને બાળમજૂરી તથા વેઠમાંથી તેને મુક્ત કરાવી.

તા. ૨૫ જુલાઈ ૨૦૧૫ના રોજ દિલ્હીનાં ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપક્ડ કરવામાં આવી હતી. આ બંને વ્યક્તિઓની પૂછપરછ બાદ નેપાળથી ભારત આવેલી અને ભારતથી દુબઈ મોકલવામાં આવનાર ૨૧ જેટલી નેપાળી યુવતીઓને બચાવી લેવામાં આવી હતી. આ ૨૧ નેપાળી યુવતીઓને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં રાખવામાં આવી હતી.

યુનિસેફના એક અહેવાલ પ્રમાણે નેપાળમાં ભૂકંપ બાદ અનાથ થઈ ગયેલાં બાળકોને દુબઈ મોકલી દેવાનું કામ શરૂ કર્યું હતું. ગલ્ફના દેશોમાં બાળકો સાથે સેક્સુઅલ દુર્વ્યવહારની વિકૃતિ કેટલાંક લોકો ધરાવે છે, આવાં ૨૫૪ બાળકોને બચાવી લઈ અનાથાશ્રમમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અહેવાલ અનુસાર દર વર્ષે નેપાળમાંથી ૧૨,૦૦૦ જેટલી સ્ત્રીઓ અને બાળકોને સેક્સ ટ્રાફિકિંગ માટે નેપાળની બહાર ધકેલી દેવાય છે.

તેમનું શારીરિક શોષણ જ થાય છે જ્યારે ૩ એન્જલ્સ નેપાળ નામની સંસ્થાના કહેવા પ્રમાણે દર વર્ષે નેપાળમાંથી ૨૦,૦૦૦ છોકરીઓને સેક્સના ધંધા માટે બહાર મોકલી દેવાય છે, એટલે કે દર ૨૬.૨૮ મિનિટ એક નેપાળી યુવતીને બહાર મોકલી દેવાય છે. હ્યુમન રાઇટ્સ કમિશનના આંકડા પ્રમાણે ૨૦૧૧-૧૨ના વર્ષ દરમિયાન ૧૩,૦૦૦ નેપાળી સ્ત્રીઓ અને બાળકોને સેક્સ ટ્રાફિકિંગ માટે નેપાળની બહાર મોકલી દેવાયાં હતાં.

ધી ગ્લોબલ સ્લેવરી ઇન્ડેકસના કહેવા મુજબ વિશ્વમાં ૨,૨૮,૭૦૦ જેટલાં નેપાળી લોકો ગુલામીની દશા ભોગવે છે. યુનિસેફના આંકડા અનુસાર દર વર્ષે ૭,૦૦૦ નેપાળી સ્ત્રીઓ અને બાળકોને એકમાત્ર ભારતમાં જ વેશ્યાગૃહોમાં કામ કરવા મોકલી દેવામાં આવે છે.

બીજા એક આંકડા પ્રમાણે નેપાળમાંથી રોજ ૫૪ જેટલી યુવતીઓને ભારતમાં ધકેલી દેવામાં આવે છે. એ બધાંને દિલ્હી અને દુબઈ જેવાં મોટાં શહેરોમાં કામ અપાવવાનાં સપનાં બતાવવામાં આવે છે પણ છેવટે તેઓ સેક્સના ધંધામાં કે, ગુલામીમાં ફસાઈ જાય છે.

આ બધાનું કારણ નેપાળમાં પ્રવર્તતી ગરીબી છે, એમાંયે ભૂકંપે પરિસ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે. નેપાળમાં ભૂકંપને કારણે ૧૪,૫૪૧ જેટલા કલાસરૂમ ધ્વસ્ત થયા છે. ૯,૧૮૪ ઓરડા ક્ષતિગ્રસ્ત થયા છે, હવે નેપાળનાં બાળકો ભણવા ક્યાં જાય? નેપાળના ૧૪ જિલ્લાઓમાં ૯૦ ટકા ઘર જમીનદોસ્ત થયાં છે. ઘણી દુકાનો બંધ થઈ ગઈ છે. નેપાળ ટૂરિઝમ પર નિર્ભર દેશ છે. ભૂકંપ બાદ પ્રવાસીઓ ઘટયા છે. આ બધાં કારણોસર નેપાળનાં લોકોની આર્િથક હાલત વિષમ બની છે, છેવટે રોજી રળવા નેપાળની યુવતીઓને ભારત અને અખાતના દેશોમાં જવું પડે છે, જ્યાં પહોંચ્યા બાદ તેમની સાથે દગો જ થાય છે.

ભારત અને નેપાળની સરહદ ૧,૦૦૦ માઈલ લાંબી છે, તેના પર માત્ર ૧૪ જ ચેકપોઇન્ટ છે. આ કારણસર નેપાળમાંથી યુવતીઓને નેપાળની બહાર સ્મગલ આઉટ કરવાનું કામ સરળ થઈ ગયું છે. ૧૨થી ૨૫ વર્ષની નેપાળી છોકરીઓને છેવટે મુંબઈ, બેંગ્લોર, દિલ્હી, સિલિગુરી કે કોલકાતા જેવાં શહેરોનાં વેશ્યાગૃહોમાં જ ધકેલી દેવાય છે. ભૂકંપ પછી માત્ર ભારતમાં જ ૬૦,૦૦૦ નેપાળી યુવતીઓ પ્રવેશી ચૂકી છે. એ ઘટના ચોંકાવનારી અને ચિંતાજનક છે.

એ બિચારી નેપાળી છોકરીઓ આ ધંધામાંથી બહાર નીકળવા માગે છે કોણ બચાવશે તેમને?

બેક ચેનલ પોલિટિક્સ અને બ્લેક પોલિટિક્સ

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુરશીદ મહેમૂદ કસુરીએ એક પુસ્તક લખ્યું છે :’નાઈધર અ હોક નેર અ ડવ!’ આ પુસ્તક પાકિસ્તાનની વિદેશ નીતિની ભીતરની વાતો તેમના દ્રષ્ટિકોણથી લખી છે. આ પુસ્તકના લોકાર્પણનો કાર્યક્રમ દિલ્હીમાં સફળતાપૂર્વક યોજાયા બાદ એવો જ કાર્યક્રમ મુંબઈમાં યોજવામાં આવ્યો હતો. સાંજે એ કાર્યક્રમ યોજાય તે પહેલાં સવારે શિવસેનાના કાર્યકરોએ એ કાર્યક્રમના આયોજક સુધીન્દ્ર કુલકર્ણીના ચહેરા પર કાળીશાહી લગાવી દીધી, જેનો દેશભરના બુદ્ધિજીવીઓ એ વિરોધ કર્યો. ખૂદ ભાજપાએ પણ આવા કૃત્યનો વિરોધ કર્યો. કેટલાંકે શીવસૈનિકોને દેશી તાલીબાન પણ કહ્યા.

સુધીન્દ્ર કુલકર્ણી એક સમયે અગાઉના વડાપ્રધાનનાં પ્રવચનો લખનાર લેખક અને એલ.કે.અડવાણીના સહયોગી રહી ચૂક્યા છે. આ ઘટના પછી પાકિસ્તાનથી આવેલા પૂર્વ વિદેશમંત્રી કસુરી બોલ્યા : ‘શું આ ભારત છે? લોકતંત્રમાં વિરોધ કરવાનો સહુને અધિકાર છે પરંતુ તે કાનૂનની મર્યાદામાં રહીને કરવો જોઈએ’

ખુરશીદ મહેમૂદ કસુરી પાકિસ્તાનના નાગરિક છે, પરંતુ તેમને ભારત આવવાના વિઝા હાલની સરકારે આપ્યા હતા, જે સરકારમાં શિવસેના ખુદ ભાગીદાર છે. ખુરશીદ મહેમૂદ કસુરી ભારત વિરોધી હોઈ શકે છે, પરંતુ તેમને ભારત આવવાનું નિમંત્રણ આપનાર સંસ્થા તો ભારતીય હતી. દિલ્હીમાં તેમના પુસ્તકના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો ત્યારે ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ, પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણી તથા મણીશંકર ઐયર વગેરે હાજર હતા.

સવાલ એ છે કે, ખુરશીદ મહેમૂદ કસુરી જો ભારત માટે વિલન જ હોય તો તેમને વિઝા આપ્યા જ શા માટે? કસુરી તો અત્યારે સત્તા પર નથી. એથી ઉલ્ટુ ભારતની સરહદે થતા ગોળીબારનાં કારણે કસુરી સામે વિરોધ કરનાર શિવસેના એ વાત કેમ ભૂલી જાય છે કે, હાલના ગોળીબાર માટે કોઈ જવાબદાર હોય તો તે પાકિસ્તાનની હાલની સરકાર છે અને હાલના પાક.વડાપ્રધાન નવાઝ શરીફ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ વખતે ભારતના મહેમાન બની ચૂક્યા છે. એ વખતે તેમણે નવાઝ શરીફને આમંત્રણ આપ્યું હતું તેમનો વિરોધ કરવાની તાકાત શિવસેનામાં છે?

પાકિસ્તાનમાં માત્ર નામનું જ લોકતંત્ર છે પાકિસ્તાનના લોકતંત્રની અસલી કમાન તો પાકિસ્તાનના આર્મી અને આઈ એસ આઈ પાસે છે, પરંતુ ભારતમાં તો સાચુકલી લોકશાહી છે. શિવસેનાએ પહેલાં ગાયક ગુલામ અલીનો કાર્યક્રમ રદ કરાવ્યો અને તે પછી કસુરીને આમંત્રણ આપનાર સુધીન્દ્ર કુલકર્ણીના ચહેરા પર કાળી સાહી લગાવી દીધી. ગીત, સાહિત્ય કે સંગીતને કોઈ સીમાડા હોતા નથી. આ બે ઘટનાઓ બાદ વિશ્વના એક વિશાળ લોકતાંત્રિક દેશ અંગે કેવો સંદેશ જશે?

ચાલો, થોડુંક ખુરશીદ મહેમૂદ કસુરી અંગે પણ જાણી લઈએ. એ વાત સાચી કે કસુરી કોઈ સજ્જન કે ઉમદા વ્યક્તિ નથી, પરંતુ એક વિચારક તો છે જ. તેમણે તેમના પુસ્તકમાં લખ્યું છે : ‘ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયા સહિત આપણે આ ચાર દેશો વિશ્વના સહુથી વિશાળ અર્થતંત્રનું કેન્દ્ર છીએ. આ ફાઈબર ઓપ્ટિક્સ અને પાઈપલાઈનની ભૂમિ છે અને આપણે અંદરોઅંદર જે રીતે ઝગડીએ છીએ તે જોઈને દુનિયા આપણી સામે હસતી હશે. આમાં આપણે બધા મૂર્ખ જ સાબિત થઈએ છીએ. આપણે આ આંતરિક ઝઘડાનો હવે અંત લાવવાં જોઈએ!’

કસૂરી કહે છે : “ભારત એવું વિચારે છે કે, અમે તેના હિતો વિરુદ્ધ સતત કોઈને કોઈ ષડયંત્ર રચ્યા કરીએ છીએ. એ જ રીતે ભારતે હમણાં જ સિવિલ ન્યુક્લિઅર એનર્જી પ્રાપ્ત કરી, પણ પાકિસ્તાનને તે ના મળી. દેખિતી રીતે જ પાકિસ્તાન આ કારણથી અમેરિકાથી નાખુશ છે અને તેને ચીન વધુ ફેવરેબલ લાગે છે.”

ખુરશીદ મહેમૂદ કસુરીએ દિલ્હીના એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં એક નવી જ વાત કરી. તેમણે કહ્યું : ‘પાકિસ્તાનની નવી પેઢી પાકિસ્તાનના ઈતિહાસથી હવે અજ્ઞાાત છે. આ એક સારી વાત છે કે, પાકિસ્તાનની નવી પેઢી પૂર્વગ્રહ રહિત છે અને ધારો કે પાકિસ્તાનની નવી પેઢીને જે થોડાંક પણ પૂર્વગ્રહ હશે, તે તેમની આગલી પેઢી પાસેથી સાંભળ્યા હશે. હવે પાકિસ્તાનની નવી પેઢી આંખો બંધ રાખીને ભારત તેનું દૂશ્મન છે એવું માનતી નથી. આજના પાકિસ્તાનીઓ રસપૂર્વક ભારતીયો ફિલ્મો નિહાળે છે. તેઓ ભારતીય વાનગીઓ માણે છે. પાકિસ્તાન આવતા ભારતીયોને તે ખુશ થઈ મળે છે. આશ્વર્યની વાત એ છે કે, આપણે બે જ એવા દેશો છીએ કે, જ્યાં એક બીજા દેશોના વિદ્યાર્થીઓ એકબીજાના દેશોમાં જઈ શકતા નથી. મારી પત્નીએ પાકિસ્તાનમાં પહેલી લિબરલ આર્ટ યુનિર્વિસટી શરૂ કરી છે. અહીં આવવા માટે કોઈ પ્રોટોકોલ નથી. એ કારણે વિઝા પણ ઉદાર બનાવાયા છે, એ પછી બંને દેશોના કુલ એક લાખ લોકો એકબીજાના દેશોમાં ટ્રાવેલ કરી શક્યા છે.’

ખુરશીદ મહેમૂદ કસુરી કહે છેઃ’પાક્સ્તિાનનું અસ્તિત્વ ઊભું થયું, ત્યારે પાકિસ્તાનને કોઈ અન્યાય ના થાય તે માટે મહાત્મા ગાંધીજીએ ઉપવાસ કર્યા હતા. આ બાબતો બાળકોને ભણાવવામાં આવતી જ નથી. પાઠયપુસ્તકોમાં એકબીજાના પૂર્વગ્રહોનું જ પ્રતિબીંબ દેખાય છે. એક સમયે જર્મની અને ફ્રાન્સ એકબીજાનાં દુશ્મન હતાં. આજે એ બંને દેશો તેમનો પુરાણો એક સમાન ઈતિહાસ બાળકોને શીખવવા સંમત થયા છે.’

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંવેદનશીલ અને જટીલ સંબંધો વિષે લખાયેલું આ પુસ્તક ‘નાઈધર અ હોક નોર અ ડવ’ એક એવું પુસ્તક છે જે ભારત અને પાકિસ્તાને નવા સંબંધોની શરૂઆત કરવા માટે આંગળી ચીંધે છે. ખુરશીદ મહેમૂદ કસુરી આદર્શવાદીના બદલે વાસ્તવવાદી વધુ લાગે છે. તેઓ હાલ ૭૪ વર્ષના છે ૨૦૦૨ થી ૨૦૦૭ દરમ્યાન જનરલ પરવેઝ મુશરર્ફના શાસન વખતે તેઓ પાકિસ્તાનના વિદેશમંત્રી હતા. એક સમયે તેઓ ‘બેસ્ટડ્રેસ મેન’ તરીકે જાણીતા હતા.

કસુરીએ તેમના પુસ્તકમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, ૨૦૦૭માં ભારત અને પાકિસ્તાન બેક ચેનલ વાટાઘાટો દ્વારા કાશ્મીર સહિતના તમામ પ્રશ્નો ઉકેલવાના આરે હતા. આ સંદર્ભમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે : ‘જ્યાં સુધી વોટ બેંક આધારીત રાજનીતિ ચાલુ રહેશે, ત્યાં સુધી આ શક્ય નથી. ખરેખર તો આ બાબતે મિડિયા પબ્લિસિટીથી દૂર રહીને કામ કરવું જોઈએ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બેક ચેનલ વાટાઘાટો કરનારાઓ પર સંપૂર્ણ ભરોસો રાખવો જોઈએ, અને બેક ચેનલ વાટાઘાટો કરનારાઓમાં કોઈ ધારાશાસ્ત્રી, કોઈ પત્રકાર કે કોઈ રાજનીતિજ્ઞા પણ હોઈ શકે છે. તેઓ એકબીજાને ઝડપથી મળી શકે, તેવા ભરોસાપાત્ર વ્યક્તિ હોવા જોઈએ. એવું પાકિસ્તાન તરફથી પણ હોવું જોઈએ. ભારત અને પાકિસ્તાને મીડિયા પિેેબ્લસિટી રહિત માત્ર સમાનહિત વિષે વિચારવું પડશે એમ થશે તો જ એ પ્રશ્ન પૂછાતો બંધ થશે કે, પાકિસ્તાન કોણ ચલાવે છે!

બેક ચેનલ પોલિટિક્સ એટલે માત્ર મીડિયાને દેખાડવા ખાતરની વાટાઘાટો નહીં પરંતુ બંધ બારણે પ્રશ્નો ઉકેલવા વાટાઘાટો કરવી.

આઈએસનો ભારત પર ડોળો!

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

‘આઈએસઆઈએસ’નું નામ જ સમગ્ર વિશ્વને ડરાવી રહ્યું છે. ઓસામા બિન લાદેનના અલ કાયદા કરતાં ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) નામનું ત્રાસવાદી સંગઠન દુનિયા માટે સહુથી વધુ ખતરનાક સાબિત થઈ રહ્યું છે. તેનો ચહેરો ખોફનાક છે. તેના આતંકવાદીઓ ભયાનક અને બર્બરતાપૂર્ણ કાર્યો માટે કુખ્યાત છે. આવું ખતરનાક સંગઠન ભારતમાં પગપેસારો કરવા પ્રયાસ કરી રહ્યું છે. કાશ્મીરમાં પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો તે કરતાં ભારત માટે ચિંતાનો વિષય એ છે કે કાશ્મીરમાં આઈએસનો કાળો ધ્વજ પણ હવે લોકોના હાથમાં જોવામાં આવે છે.

આઈએસઆઈએસ હવે ‘આઈએસ’ના ટૂંકા નામથી જાણીતું છે. તા. ૧૦ જૂન,૨૦૧૪ના રોજ મોસુલ પર કબજો જમાવ્યા બાદ તે આંતરરાષ્ટ્રીય ફલક પર આવી ગયું. ઇરાકના ૩૦,૦૦૦ના લશ્કર સામે આઈએસે તેના ૩૦૦૦ જેહાદીઓને રણમેદાનમાં ઉતાર્યા હતા. માત્ર એક જ દિવસમાં આઈએસે મોસુલ પર કબજો કરી લીધો હતો.

તે પછી તા. ૨૯ જૂનના રોજ આઈએસે અબુ બક્ર અલ બગદાદીને ખલીફા જાહેર કરી દીધો. આજે આઈએસ ઇરાકના પશ્ચિમ ભાગ અને સીરિયાના પૂર્વ-ઉત્તર ભાગ પર પોતાનું આધિપત્ય જમાવીને બેઠું છે. આ બધો મળીને કુલ ૭૦૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર થાય છે.ળ

એ આશ્ચર્યની વાત છે કે આઈએસે વિશ્વના ૯૦ દેશોમાંથી ૨૦,૦૦૦ જેહાદીઓને તેનામાં જોડાવા આકર્ષિત કર્યા છે. આઈએસે તેનો પ્રભાવ લેબોનોન, જોર્ડન, સાઉદી અરેબિયા અને કુવૈતની સરહદો સુધી પહોંચાડયો છે. એથીયે વધુ નોંધપાત્ર વાત એ છે કે ઇરાક અને સીરિયામાં તાલીમ લઈને પાછા ફરતા આઈએસના જેહાદીઓએ યુરોપના કેટલાંક દેશોમાં પણ છૂટાછવાયા આતંકવાદી હુમલા કર્યા છે.

ભારત એ વિશ્વના બીજા નંબરનો સહુથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. ભારત માટે ચિંતાનો વિષય એ છે કે હવે ફેસબુક, યુ ટયૂબ અને ટ્વિટર જેવાં સોશિયલ મીડિયાનાં માધ્યમોનો આઈએસ ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે. આ માધ્યમ દ્વારા તે વિશ્વભરના યુવાનોને ગુમરાહ કરી તેમને જેહાદી બનવા આકર્ષી રહ્યું છે. હમણાં જ મહેંદી બિશ્વાસ નામનો એક ભારતીય બેંગલુરુમાં એક ટ્વિટર હેન્ડલ દ્વારા આવી પ્રવૃત્તિ ધરાવતો પકડાયો હતો. તે ‘દલીક’ નામનું એક ઈ-મેગેઝિન પણ ચલાવતો હતો. દલીક એ સીરિયાના એક ગામનું નામ છે. આ સંસ્થા માત્ર અરેબિક કે ર્પિસયન બોલતા જેહાદીઓ જ તૈયાર કરવા માગે છે તેવું નથી, લંડન, ફ્રાન્સ, સ્પેન અને ઇટાલી જેવા દેશોમાંથી મુસ્લિમ યુવાનોને સીરિયા-ઇરાક બોલાવી અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનીશ કે ઇટાલિયન ભાષા બોલતા જેહાદીઓને તેમના  દેશ પાછા મોકલી જે તે દેશમાં આતંક મચાવવાની યોજના ધરાવે છે.

એ વાત સાચી છે કે, ભારતના મુસ્લિમો વધુ સમજદાર અને દેશ પ્રત્યે લગાવ રાખવાવાળા છે. ભારતમાંથી આઈએસમાં જોડાયેલા હોવાનું મનાતા યુવાનોની સંખ્યા ૨૦થી વધુ હોય તેમ લાગતું નથી. તે પૈકી અત્યાર સુધીમાં ચાર જણને તેઓ દેશ છોડીને જેહાદી બનવા જાય તે પહેલાં જ તેમને પકડી લેવામાં આવ્યા છે. આમાં નોંધપાત્ર વાત એ છે કે નાના-નાના યુરોપિયન દેશો કે જેઓ બહુ ઓછી મુસ્લિમ વસ્તી ધરાવે છે તે દેશમાંથી વધુ યુવાનો જેહાદી બનવા તેમનો દેશ છોડી રહ્યા છે, પરંતુ હા, ભારતને લાગેવળગે છે ત્યાં સુધી બધું બરાબર છે તેમ નથી. કાશ્મીરમાં આઈએસનું સીધું પ્રતિનિધિત્વ ના હોવા છતાં આઈએસના ઝંડા લહેરાતા જોવા મળે છે. ભારતમાંથી ડઝનબંધ મુસ્લિમો સીમી અને ઇન્ડિયન મુજાહિદ્દીન જેવી આતંકવાદ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં જોડાયા છે. કાશ્મીરને લાગેવળગે છે ત્યાં સુધી કાશ્મીરમાં પાકિસ્તાનથી આવેલા જેહાદીઓ વધુ સક્રિય જણાય છે.

એ જાણવું રસપ્રદ થઈ પડશે કે એક એવી માન્યતા છે કે, ૨૦૦૩માં અમેરિકાએ ઇરાક પર આક્રમણ કર્યું તે પછી આઈએસઆઈએસનો જન્મ થયો, પરંતુ આ માન્યતા ગલત છે. આઈએસઆઈએસનાં મૂળિયાં છેક ૧૯૯૯માં નંખાયાં હતાં. ૧૯૯૯માં જોર્ડનના વતની અબુ મુસાબ અલ ઝરકવીએ અલ કાયદાને પૈસાની અને બીજી તમામ પ્રકારની મદદ કરી હતી. અલ કાયદા અને તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં જેહાદી તાલીમ શિબિરો સ્થાપી હતી. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તાલિબાનોના સફાયા માટે લશ્કરી પગલાં લીધાં હતાં. એ વખતે જોર્ડનના નાગરિક અને તાલિબાનોના સમર્થક અબુ મુસાબ અલ ઝરકવીને ઈરાનની સરકારે આશ્રય આપ્યો હતો.

૨૦૦૩ની સાલ પછી અલ ઝરકવી અને તેનું જૂથ ઇરાક ગયું હતું. એ જૂથ અલ કાયદામાં ભળી ગયું હતું. તેને અલ કાયદા ઇન ઇરાક એવું નામ આપવામાં આવ્યું હતું. તે પછી વારંવાર તેનું નામ બદલવામાં આવતું રહ્યું. ૨૦૦૬ની સાલમાં એક ડ્રોન હુમલામાં અલ ઝરકવીનું મોત નીપજ્યું હતું. તે પછી અલ ઝરકવીનું જૂથ ઇરાકના લશ્કરને પછાડવા તેનાં વિરોધી જૂથોમાં ભળી ગયું હતું. આ જૂથો ઇરાકના લશ્કરનો સામનો કરવા વિવિધ દેશોમાંથી જેહાદીઓને આકર્ષિત કરવા માંડયા હતા. ૨૦૦૬માં બદલાતાં નામો સાથે છેવટે તે આઈએસઆઈએસ બની ગયું.

સમયાંતરે આઈએસઆઈએસ અલ કાયદાની પરંપરા રૂઢિમાંથી બહાર આવી ગયું. આ સંગઠને અમેરિકાની કઠપૂતળી જેવા કેટલાંક મુસ્લિમ રાષ્ટ્રોના શાસકોનો પણ વિરોધ કર્યો. એટલું જ નહીં, પરંતુ ઇરાક જેવા દેશોમાં અમેરિકા દ્વારા સંર્વિધત શાસકોના ઇરાકી લશ્કર પર હુમલા કરવાના પ્લાન બનાવ્યા.આઈએસઆઈએસ એથી એક કદમ આગળ વધ્યું છે. તે કટ્ટર છે અને જરૂર પડે જે તે સરકારોને પણ લોહિયાળ લડાઈ કરીને ઉથલાવી દેવા માગે છે. અલ કાયદાના હુમલા એ વ્યક્તિગત ઘટનાઓ હતી, જ્યારે આઈએસના જેહાદીઓ જે તે રાષ્ટ્રને જીતી લઈ ત્યાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માગે છે. આઈએસ ગળા કાપવાથી માંડીને બળાત્કાર કરવાની વાતને ગ્લોરિફાય કરવા માગે છે. આઈએસને પણ પોતાનું આર્મી ઊભું કરવામાં રસ છે. આઈએસઆઈએસે ઇરાકના મોસુલ પર હુમલો કરતા પહેલાં વિસ્તૃત આયોજન કર્યું હતું. ઝડપથી હુમલો કર્યો હતો. લાંબું ઇન્ટેલિજન્સ પ્લાનિંગ કર્યું હતું. ઇરાકના મોસુલ ખાતેના લશ્કરી સેનાપતિની હત્યા કરી એક જ દિવસમાં આખું શહેર કબજે કરી લીધું હતું.

આવું તેના માટે ભારતમાં શક્ય નથી. ભારતનું લશ્કર અને ગુપ્તચર વિભાગ વધુ સજાગ છે. ભારતના મુસ્લિમો બુદ્ધિ અને જ્ઞાાનથી વધુ આધુનિક છે, પરંતુ હા,આઈએસઆઈએસને ભારત હળવાશથી લઈ શકે નહીં. આઈએસઆઈએસનો ડોળો ગલ્ફના દેશો પર પણ છે ભારતે તેનો ગુપ્તચર વિભાગ અખાતના દેશોના ગુપ્તચર વિભાગો સાથે વધુ પરામર્શ કરે તેની જોગવાઈ કરવી જોઈએ. માહિતીની આપ-લે કરવી જોઈએ. આઈએસના સાયબર સ્પેસ પર ટ્રેકિંગ કરવું પડશે. બધું સબસલામત છે તેમ માનીને બેસી રહેવાય નહીં. અલ કાયદા કરતાં આઈએસ વધુ ડેન્જરસ છે.

‘મેઇડ ઇન જર્મની’ કેટલું વિશ્વાસપાત્ર?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
  • ફોક્સવેગનનું સ્કેન્ડલ જર્મનીના અર્થતંત્રને ડુબાડશે?

જર્મની એની યંત્રસામગ્રીની ગુણવત્તા અને ટકાઉપણા માટે વિશ્વવિખ્યાત હતું, પરંતુ જર્મનીની કાર બનાવતી વર્ષોજૂની ફોક્સવેગન કંપનીએ અમેરિકાના બજારમાં મૂકેલી એની પ્રતિષ્ઠિત મોટરકારોમાં પ્રદૂષણ પકડાય જ નહીં એવાં સોફ્ટવેરને મૂકીને કરેલી છેતરપિંડી બહાર આવતાં જર્મની તો ઠીક પણ આખું વિશ્વ ચોંકી ઊઠયું છે. જર્મનીની કંપની આવું કરશે એવી કોઈને અપેક્ષા નહોતી.

આ ઘટનાની વિગતો એવી છે કે ફોક્સવેગન કંપનીએ ૨૦૦૮ પછી અમેરિકાના બજારમાં વેચેલી ૪,૮૨,૦૦૦ ડીઝલ મોટરકારોમાં એક એવું સોફ્ટવેર લગાડયું હતું કે, જ્યારે કારની એક્ઝોસ્ટ પાઇપમાંથી બહાર નીકળતા ધુમાડાનો એમિશન ટેસ્ટ કરવામાં આવે ત્યારે તે સોફ્ટવેર એક્ટિવ થઈ જાય અને તે કાર પ્રદૂષણ ફેલાવતી જ નથી તેવાં રિઝલ્ટ્સ આવે, પરંતુ જ્યારે કાર ડ્રાઇવ કરવામાં આવે ત્યારે તે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મોડયુલ ઓફ થઈ જાય. એટલે કે ફોક્સવેગન કંપનીની કારો અમેરિકાના સખત ધારાધોરણ મુજબ પ્રદૂષણ ફેલાવતી જ નથી એમ લાગે. હકીકતમાં એ મોટરકારો વધુ માઇલેજ આપે તે માટે કેટલાંક ધારાધોરણોનો ભંગ કરવામાં આવ્યો હતો.

ફોક્સવેગન કંપનીનું આ છેતરપિંડીનું કૌભાંડ બહાર આવ્યા બાદ કંપનીના સીઈઓ માર્ટિન વિન્ટરકોર્નએ આ છેતરપિંડીનો જાહેર સ્વીકાર કરીને સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. અમેરિકાના એમિશન ટેસ્ટમાં પાસ થવા માટે જ કંપનીએ આવું છૂપું સોફ્ટવેર કારમાં ફિટ કર્યું હોવાનું તેમણે કબૂલ કર્યું છે.

આ છેતરપિંડી બહાર આવ્યા બાદ અમેરિકન સરકારે ફોક્સવેગન કંપની પર ૧૮ બિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. એટલે કે એક કાર દીઠ ૩૭,૫૦૦ ડોલરનો દંડ કર્યાે છે. પ્રદૂષણના નિયમો સાથે છેડછાડ કરવાના ગુનામાં અમેરિકાએ જે સખતાઈ દર્શાવી છે તેવી સખતાઈની તો ભારતમાં કલ્પના જ કરવી મુશ્કેલ છે. વિશ્વમાં પ્રતિબંધિત એવા ખતરનાક ઝેરી અસરવાળા જંતુનાશકો ખુલ્લેઆમ ભારતમાં વેચાય છે. સેંકડો ફેક્ટરીઓ તેમના ઝેરી કચરાનો અને ઝેરી પ્રવાહીનો નિકાલ નદીઓમાં કે ખુલ્લામાં કરે છે. સરકારી વાહનોમાંથી જ કાળા ધુમાડા નીકળતા જણાય છે. પ્રદૂષણ વિભાગ હપ્તા લઈ લોકોને કેન્સરગ્રસ્ત થવા ભારતના ભરોસે છોડી દે છે.

અમેરિકન સરકારના સખત વલણ બાદ ફોક્સવેગન કંપનીના શેરોમાં ૪૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. ફોક્સવેગન કંપની ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં તેની મોટરકારો વેચે છે. આખા યુરોપ અને એશિયામાં તેની મોટરકારો વેચાય છે. ફોક્સવેગન કંપનીએ આવી છેતરપિંડીવાળાં સોફ્ટવેરયુક્ત એવી એક કરોડ દસ લાખ ડીઝલ મોટરકારો વિશ્વમાં વેચી છે.

ફોક્સવેગન કંપનીની જે મોટરકારોને આવા ચિટિંગ સોફ્ટવેરની અસર થઈ શકે છે તેમાં ્ઍી ઈછ૧૮૯ ડીઝલ એન્જિન ધરાવતી જેટા, બિટલ અને ગોલ્ફ મોટરકારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૦૧૪ અને ૨૦૧૫માં વેચાયેલી પસાટ ડીઝલ, ડીઝલ ઓડી એ૬ મોડલનો સમાવેશ થાય છે. આ બધી મોટરકારો એમિશન ટેસ્ટ લેવાય ત્યારે અમેરિકન ધારાધોરણ મુજબની જણાય છે, પરંતુ ટેસ્ટિંગ મશીન કાઢી લીધા બાદ જ્યારે કાર ડ્રાઇવ કરવામાં આવે ત્યારે ધારાધોરણ કરતાં નાઇટ્રોજન ઓક્સાઇડનું લેવલ ૧૦થી ૪૦ ગણું ઊંચું હોય છે.

ફોક્સવેગન કંપનીના આ એમિશન સ્કેન્ડલના કારણે જર્મનીના વેપારઉદ્યોગ અને જર્મનીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આખું યુરોપ આમેય આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે. ગ્રીસ તો લગભગ નાદાર જ થઈ ચૂક્યું છે. એવા સમયે જર્મનીના મુખ્ય આધાર સમી ગણાતી ફોક્સવેગન કંપનીનું આ કૌભાંડ આખા યુરોપના અર્થતંત્રને હચમચાવી શકે છે. નિષ્ણાતો માને છે કે, જર્મની માટે આ ઘટના ગ્રીસ કરતાંયે મોટી કટોકટી સાબિત થઈ શકે છે.

ફોક્સવેગન તે જર્મનીની કાર બનાવતી મોટામાં મોટી કંપની છે. એટલું જ નહીં, પરંતુ સહુથી વધુ લોકોને રોજી આપતી કંપની છે. આ કંપની એકમાત્ર જર્મનીમાં જ ૨,૭૦,૦૦૦ લોકોને રોજી આપે છે. આ કંપનનીને પાર્ટ્સ સપ્લાય કરતી બીજી કંપનીઓમાં પણ બીજા હજારો કર્મચારીઓને રોજી મળે છે, પરંતુ હવે ફોક્સવેગન કંપની પર અમેરિકન સરકારનો આકરો દંડ તથા કંપનીની કારોના વેચાણમાં સંભવિત ઘટાડો તથા શેરબજારમાં ફોક્સવેગનના શેરની ગગડતી વેલ્યૂના કારણે આખા જર્મનીના અર્થતંત્ર માટે એક જબરદસ્ત સંકટ ઊભું થયું છે. જર્મન સરકારને ચિંતા એ વાતની પણ છે કે આખા જર્મનીની શાખ દાવ પર લાગી જવાના કારણે બીએમડબલ્યુ જેવી કાર બનાવતી જર્મનીની બીજી કંપનીઓની મોટરકારોના વેચાણમાં પણ ઘટાડો આવી શકે છે. અલબત્ત, ફોક્સવેગન સિવાયની જર્મનીની બીજી ઓટો કંપનીની મોટરકારો માટે આવી કોઈ ફરિયાદો ઊઠી નથી, પરંતુ ફોક્સવેગનના કૌભાંડની મનોવૈજ્ઞાાનિક અસર બીજી કંપનીઓ પર થાય તો જર્મનીના હાલ ગ્રીસ કરતાં ભૂંડા થાય તેમ છે.

જર્મન સરકાર કહે છે કે, “જર્મની માટે ઓટો ઇન્ડસ્ટ્રી તેના અર્થતંત્રનો મજબૂત સ્તંભ છે. ફોક્સવેગનની કટોકટી છતાં દેશના અર્થતંત્રને વાંધો નહીં આવે.”

અલબત્ત, નિષ્ણાતો માને છે કે, ચીનના અર્થતંત્રમાં ઊભી થયેલી તકલીફોની અસર આમેય જર્મન પર હતી અને હવે ફોક્સવેગનના પ્રકરણના કારણે તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ફોક્સવેગનનું વેચાણ ઘટી જાય તો તેના સપ્લાયર્સને પણ એની અસર થશે. છેવટે આખા જર્મનીના અર્થતંત્રને તેની અસર થઈ શકે છે. ઓટોમોબાઇલ અને કારપાર્ટ્સ તે જર્મનીનો મોટામાં મોટો નિકાસ ઉદ્યોગ છે. આ સેક્ટર વર્ષે દહાડે ૨૨૫ બિલિયન ડોલરના માલની નિકાસ કરે છે. જર્મનીની કુલ નિકાસનો આ પાંચમો હિસ્સો ધરાવે છે, તેથી ફોક્સવેગનના આ કૌભાંડને હળવાશથી લઈ શકાય નહીં. ફોક્સવેગનના આ કૌભાંડે જર્મનીના અર્થતંત્રના આત્માને પ્રભાવિત કર્યું છે.

અલબત્ત, જર્મનીના કેટલાંક અર્થશાસ્ત્રીઓ માને છે કે, અમે નથી માનતા કે બીજા દેશોના લોકો જર્મન કંપનીઓની ગુણવત્તા માટે શંકા કરે. ‘મેઇડ ઇન જર્મની’ના લેબલ હેઠળ વેચાતી અન્ય ચીજો માટે લોકોને સંદેહ થશે નહીં એવી અમને આશા છે.

આ બચાવ અને ધીરજ આપવાના પ્રયાસ છતાં જર્મનીની સરકાર, ઉદ્યોગપતિ અને તેમના અર્થશાસ્ત્રીઓને અંદરથી ભયંકર ચિંતા છે. ચિંતા એ છે કે, શું હવે લોકો ‘મઇડ ઇન જર્મની’ના લેબલવાળી વસ્તુઓ ખરીદશે?

ભારત માટે ઇઝરાયેલનું વ્યૂહાત્મક મહત્ત્વ

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં ભારત માટે ઇઝરાયેલ સાથેના સંબંધો વિકસાવવા એ વ્યૂહાત્મક મહત્ત્વ અને કેટલીક જટિલતા પણ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલ જાય તે પહેલાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ ઇઝરાયેલ જવાના છે. આજના જટિલ સમયમાં ઇઝરાયેલની મુલાકાત ભારત માટે અનેક પ્રકારનાં મહત્ત્વપૂર્ણ કારણો ધરાવે છે. ભારત જેવા દેશે સહુથી પહેલાં ઇઝરાયેલને બરાબર સમજી લેવાની જરૂર છે. ઇઝરાયેલ યહૂદી પ્રજાનો દેશ છે. વિશ્વની તમામ પ્રજાઓમાં યહૂદી એક વિશિષ્ઠ પ્રજા છે. ઇઝરાયેલનો ઉપલબ્ધ ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે. ઇઝરાયેલ બાઇબલની કથાઓની ભૂમિ છે. પહાડીઓ, સફેદ પથ્થરો,ખીણો અને સમુદ્રોથી ઘેરાયેલો આ દેશ નહીંવત્ વરસાદ ધરાવે છે. ચાર હજાર વર્ષ પહેલાં યહૂદીઓ અને આરબોના પૂર્વજ અબ્રાહમ અથવા ઇબ્રાહિમ અહીં જન્મ્યા હતા. વિશ્વને અમર ગીતો આપનાર કિંગ ડેવિડ અને રાજા સોલોમન પણ અહીં જન્મ્યા હતા. ઈશ્વરના દસ આદેશો અર્થાત્ ‘ધ ટેન કમાન્ડમેન્ટ્સ’ આપનાર મોસીસ પણ યહૂદી હતા. વિશ્વને પ્રેમ અને દયાનો સંદેશો આપનાર જિસસ કાઇસ્ટ પણ યહૂદી પરિવારમાં જન્મ્યા હતા. વિશ્વને સામ્યવાદની થિયરી આપનાર કાલ માર્ક્સ પણ યહૂદી હતા. આધુનિક મનોવિજ્ઞાાનના પ્રણેતા ડો. સિગ્મંડ ફ્રોઇડ પણ યહૂદી હતા. જેમની થિયરીના આધારે અણુબોમ્બ બન્યો તે રિલટિવિટીનો સિદ્ધાંત આપનાર વિશ્વવિખ્યાત વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇન પણ યહૂદી હતા. ‘શિન્ડલર્સ લિસ્ટ’ અને ‘જુરાસિક પાર્ક’ જેવી ફિલ્મોના દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગ પણ યહૂદી છે. નોબેલ પ્રાઇઝ આપવાનું શરૂ થયું ત્યાર પછી ભાગ્યે જ કોઈ એવું વર્ષ પસાર થયું હશે જ્યારે કોઈ એકાદ યહૂદીને નોબેલ પ્રાઇઝ મળ્યું ના હોય. અમેરિકામાં આમ તો બહુમતી ખ્રિસ્તીઓની છે, પરંતુ ત્યાં સહુથી વધુ ધનિકો યહૂદીઓ છે.

ઇઝરાયેલનું પાટનગર જેરુસલેમ છે. અહીં વિશ્વભરના મુસ્લિમોની વિખ્યાત ઓમર (ઉમર)ની મસ્જિદ પણ છે, જ્યાં પવિત્ર ખડકોને સાચવી રાખવામાં આવ્યા છે. મુસ્લિમો માટે મક્કા અને મદીના પછી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું આ યાત્રાસ્થળ છે. જેરુસલેમથી નજીક બેથલેહામ આવેલું છે, જ્યાં ઈસુખ્રિસ્ત જન્મ્યા હતા. જેરુસલેમમાં ઈસુને વધસ્તંભ પર ચઢાવાયા હતા તે સ્થળ પણ વિશ્વભરના ખ્રિસ્તીઓનું યાત્રાસ્થળ છે. ઇઝરાયેલ જ એક એવો દેશ છે જ્યાં વિશ્વના ત્રણ મહાન ધર્મો યહૂદી,

ખ્રિસ્તી અને ઇસ્લામનાં પારણાં બંધાયાં.

આવું ઇઝરાયેલ વર્ષોથી મિત્ર નહીં એવા દેશોથી ઘેરાયેલું છે, છતાં તે કોઈથી ડરતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઇઝરાયેલ જવા વિચારી રહ્યા છે ત્યારે એ પૂર્વભૂમિકા પણ જાણી લેવાની જરૂર છે કે ભારતની વિદેશીનીતિ ૯૦ના દાયકા સુધી ઇઝરાયેલ પ્રત્યે ભેદભાવયુક્ત હતી. એ વખતે પેલેસ્ટાઇનનો સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હતો. ભારતે પેલેસ્ટાઇનના મુક્તિ સંગ્રામનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. એમાં કાંઈ ખોટું પણ નહોતું, કારણ કે પેલેસ્ટાઇનના મુક્તિ સંગ્રામના વડા યાસર અરાફત ભારતના મિત્ર હતા અને તેમના દેશની સ્વતંત્રતાની લડત સાચી પણ હતી. એ પછી પેલેસ્ટાઇન અસ્તિત્વમાં આવ્યું. તે પછી વિશ્વની રાજનીતિમાં પણ સમીકરણો બદલાયાં. ઇઝરાયેલે આરબ દેશોની સાથે આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ હેઠળ કેટલીયે વાર શાંતિ સ્થાપવાના પ્રયાસો કર્યા. તેમાં ‘કેમ્પ ડેવિસ’ની સમજૂતી મહત્ત્વપૂર્ણ હતી. બદલાતી સ્થિતિમાં ઇઝરાયેલે પણ પોતાને બદલવા કોશિશ કરી.

એ જ રીતે ૯૦ના દાયકામાં ભારતના તે વખતના વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના શાસનકાળમાં ઇઝરાયેલની સાથે રાજનૈતિક સંબંધોની શરૂઆત થઈ. આજે પણ ઇઝરાયેલ ઉદ્યોગક્ષેત્રનું મહારથી ગણાય છે અને આતંકવાદ વિરોધી લડતમાં પણ તે કાબેલ ગણાય છે. કૃષિવિજ્ઞાાનમાં આ દેશે જબરદસ્ત પ્રગતિ કરી છે. ઇઝરાયેલે વિકસાવેલી એગ્રિકલ્ચરલ ટેક્નોલોજીનો ઉપયોગ અમેરિકા પણ કરે છે. ઇઝરાયેલ, સીરિયા, જોર્ડન, ઇજિપ્ત, લેબેનોન તથા પેલેસ્ટાઇન જેવા આરબ દેશોથી ઘેરાયેલો દેશ છે.

૯૦ના દાયકાથી આજ સુધી ભારત તરફથી રાજનૈતિક યાત્રાઓ થતી રહી, પરંતુ ઉચ્ચ સ્તર પર રાજનૈતિક યાત્રાઓ ના થઈ. વડાપ્રધાન ઇઝરાયેલ જાય તે પહેલાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ઇઝરાયેલ જઈ રહ્યા છે. આ એક આવકારદાયક બાબત છે, કારણ કે પ્રણવદા પાછલા યુગની વિદેશનીતિ અને આજના યુગની વિદેશનીતિ વચ્ચેની મજબૂત કડી છે. ઇઝરાયેલની પ્રથમ ઉચ્ચ રાજનૈતિક યાત્રાથી શરૂઆત કરીને રાષ્ટ્રપતિશ્રી આરબ અને અન્ય મુસ્લિમ દેશોની સાથે પણ રાષ્ટ્રીય હિતોને ઉપર રાખીને પૂરતું સંતુલન પણ કરશે એમાં શંકા નથી. રાષ્ટ્રપતિની યાત્રામાં જોર્ડન પણ સામેલ છે, જે દર્શાવે છે કે મોદી સરકાર આરબ દેશો સાથે પણ તેના સંબંધો જાળવી રાખવા માગે છે.

ઇઝરાયેલની વાત આવે છે ત્યારે એક અગાઉની ઘટના પણ યાદ કરવા જેવી છે. ૧૯૭૭માં કેન્દ્રમાં પહેલી વાર બિનકોંગ્રેસી સરકાર મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળ બની હતી. એ વખતે અટલ બિહારી વાજપેયી વિદેશમંત્રી હતા. એ વખતે ઇઝરાયેલના એ વખતના સંરક્ષણ મંત્રી મોશે દેવાન દિલ્હી એરપોર્ટ પર આવીને પાછા જતા રહ્યા હતા. આ કોઈ ગુપ્ત મુલાકાત હતી અને કૂટનીતિના ભાગરૂપે હતી કે કેમ તે ચર્ચાનો વિષય છે. કદાચ તે વખતના વડાપ્રધાન મોરારજી દેસાઈ ઇઝરાયેલને મિત્ર બનાવી કેટલાંક દેશોને પાઠ ભણાવવા માગતા હતા.

ઇઝરાયેલ સાથેની દોસ્તી અને ઇઝરાયેલ સાથેની સમજૂતીઓ ભારત માટે મહત્ત્વપૂર્ણ હશે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે કેટલીક સમાનતાઓ પણ છે. ઇઝરાયેલની જેમ જ ભારત દુશ્મન દેશોથી ઘેરાયેલો દેશ છે. તેમાં પાકિસ્તાન અને ચીન મુખ્ય દુશ્મન છે. ઇઝરાયેલ નાનકડો દેશ હોવા છતાં ગર્વથી માથું ઊંચું રાખીને તે ઊભો છે અને ડર્યા વગર દુશ્મનો સામે જે રીતે ઝીંક ઝીલી રહ્યો છે તે ભારત માટે એક ઉદાહરણરૂપ છે. ઇઝરાયેલ પાસે યુદ્ધનાં શસ્ત્રોની તથા બીજાં અનેક ક્ષેત્રોની ટેક્નોલોજી પણ હાંસલ કરી શકાય તેમ છે. ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા ‘મોસાદ’ને આતંકવાદ સામેની લડાઈમાં માહિતીની આપ-લે કરવા ભાગીદાર પણ બનાવી શકાય તેમ છે.

ઇઝરાયેલ એક મિત્ર બનાવવા જેવો દેશ છે, પણ આરબ રાજ્યો સાથે સંબંધ બગાડીને નહીં, કારણ કે ભારતે ક્રૂડ પણ આરબ રાજ્યોમાં પાસેથી જ લેવાનું હોય છે.

www.devendrapatel.in

THE GREAT EXODUS

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
  • ગલ્ફ નકારે છે, યુરોપ આવકારે છે

The great exodus અર્થાત્ મહાન હિજરત. ઈસુના પણ જન્મ પહેલાં ઇજિપ્તના ફેરો હેમસેસે-૨ના સમયમાં લાખ્ખો યહૂદીઓને વર્ષોથી ગુલામ રાખવામાં આવ્યા હતા. તે બધાને મોચીસે મુક્ત કરાવ્યા હતા અને લાખોની સંખ્યામાં યહૂદીઓ હિજરત કરીને પોતાના દેશ ઇઝરાયેલ આવવા નીકળ્યા હતા. તે ઘટનાને The great exodusકહે છે. એ ઘટનાનાં ત્રણ હજાર વર્ષ બાદ ફરી એવાં જ દૃશ્યો સીરિયામાં જોવા મળે છે. સીરિયામાં ફાટી નીકળેલા ગૃહયુદ્ધ અને ઇસ્લામિક સ્ટેટના લોહિયાળ આતંકના કારણે અત્યાર સુધીમાં ૪૦ લાખ લોકો નવું આશ્રયસ્થાન શોધી રહ્યા છે. સીરિયાથી આવતા મોટાભાગના શરણાર્થીઓ મુસ્લિમ છે છતાં આશ્ચર્યની વાત એ છે કે, સાઉદી અરેબિયા, મસ્કત, કુવૈત, ઓમાન, બહેરીન, કતાર કે દુબઈ જેવા સમૃદ્ધ ઇસ્લામિક દેશો તેમને સ્વીકારવા તૈયાર નથી. તેની સામે તુર્કી, જોર્ડન અને લેબેનોન જેવા ગરીબ દેશોએ સીરિયાના ૩૦ લાખ હિજરતીઓને આશ્રય આપ્યો છે.

સીરિયામાં ફાટી નીકળેલા ગૃહયુદ્ધના કારણે અત્યાર સુધીમાં ૨.૪૦ લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. ૪૦ લાખ લોકો ડરના માર્યા અન્ય દેશોમાં શરણ શોધી રહ્યા છે. આવું જ શરણ શોધી રહેલા લોકોને દરિયા માર્ગે અન્ય દેશોમાં લઈ જવા કેટલાંક એજન્ટો ફૂટી નીકળ્યા છે. જે બોટમાં માત્ર પંદર માણસો બેસી શકે તેમ છે તે બોટમાં ૪૦થી વધુ લોકોને ઊંચા દામ લઈ અન્યત્ર લઈ જવાની ફિરાકમાં અત્યારે હજારો લોકો દરિયામાં ડૂબી ગયા છે. એમાંયે છેલ્લે છેલ્લે ત્રણ વર્ષના નાનકડા બાળશરણાર્થીની દરિયાકિનારે ખેંચાઈને આવેલી લાશની તસવીર જોઈ વિશ્વ આખું રડી પડયું.

૨૧મી સદી સુખ અને સમૃદ્ધિની સદી મનાય છે, પરંતુ આવો માતમ આજ સુધી કોઈએ જોયો નથી. આજે હિજરતીઓની હાલત જોઈ માનવતા આક્રંદ કરી રહી છે. ઇસ્લામિક સ્ટેટ અને બોકોહરમ જેવાં આતંકી સંગઠનો સીરિયા અને ઇરાકમાં હિંસાનું તાંડવ મચાવી રહ્યાં છે. આ સંગઠનોએ આખી દુનિયામાં ખોફ ફેલાવ્યો છે. આઈએસ નામના સંગઠને ઇરાક અને સીરિયાના કેટલાંક ભાગો પર કબજો જમાવી દીધો છે. બીજા દેશો પર પણ કબજો જમાવવાની તેઓ ફિરાકમાં છે. અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓએ જાહેર કર્યું છે કે આઈએસ હવે અલ કાયદા કરતાં પણ વધુ ખતરનાક સંગઠન બની ગયું છે.

ઇસ્લામિક સ્ટેટ નામના આ સંગઠનના આતંકવાદીઓ ઇરાક અને સીરિયામાં નરસંહાર કરી રહ્યા છે. બાલિકાઓ અને મહિલાઓ પર બળાત્કાર કરે છે. આ ત્રાસથી બચવા લાખો લોકો યુરોપના સમૃદ્ધ દેશોમાં આશ્રય શોધી રહ્યા છે. આ કારણે આખું યુરોપ નિરાશ્રિતોના મુદ્દે સંકટમાં આવી ગયું છે.

શરૂઆતમાં બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોન શરણાર્થીઓને આશ્રય આપવાની વિરુદ્ધમાં હતા, પરંતુ હવે તેમનું હૃદય પરિવર્તન થયું છે. જર્મનીમાં તો મુસ્લિમ શરણાર્થીઓ કાયમી આશ્રય મળતો હોય તો ખ્રિસ્તી ધર્મ સ્વીકાર કરવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે.

જર્મની, ફ્રાન્સ, ગ્રીસ અને ઇટલી ૫૦ વર્ષ બાદ વિસ્થાપનના સંકટથી ઘેરાઈ ગયા છે. ઇરાક, સીરિયા, અફઘાનિસ્તાન, યુક્રેન તથા આફ્રિકાના હજારો લોકો રોજ એ લોહિયાળ વિસ્તારોમાંથી પલાયન થઈ યુરોપમાં પ્રવેશવા મથામણ કરી રહ્યા છે. હજારો લોકો નાની બોટોના સહારે આ હિજરત કરી રહ્યા છે. ગયા અઠવાડિયે જ મેસેડોનિયાએ ગ્રીસ તરફ આવેલી દક્ષિણ સરહદ ખોલી નાખી છે. એ પછી હજારોની સંખ્યામાં સીરિયા, અફઘાનિસ્તાન અને ઇરાકના નાગરિકો રેલવેના પાટા પર ચાલતાં ચાલતાં ગ્રીસથી મેસેડોનિયામાં પ્રવેશ્યા છે. આ બધા શરણાર્થીઓને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવાનો ધંધો કેટલાંક અપરાધી જૂથો કરી રહ્યાં છે અને બદલામાં લાચાર નાગરિકો પાસેથી મોટી રકમ પડાવે છે. હિજરતની આ પ્રક્રિયા જોખમી છે. કેટલીયે બોટો દરિયામાં જ ડૂબી જાય છે. ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાની પાસે હાઈવે પર ઊભેલી એક ટ્રકમાંથી ૭૧ માનવશબ મળી આવ્યાં છે. એ બધા જ શરણાર્થીઓ હતા અને એમને કબૂતરબાજોઓ એક કંટેનરમાં છુપાવી રાખ્યા હતા.

યુરોપીય દેશોનો સંઘ પણ આ લાખો શરણાર્થીઓને ક્યાં સમાવવા તે અંગે ચિંતામાં છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં હજારો વિસ્થાપતો એકત્ર થયેલા છે. હંગેરીએ તો શરણાર્થીઓને રોકવા માટે ટ્રેનો પણ બંધ કરી દીધી છે. બ્રિટન પણ શરૂઆતમાં શરણાર્થીઓને રોકવા માગતું હતું, પરંતુ હવે નરમ પડયું છે. જર્મનીએ શરણાર્થીઓ માટેના આવેદન પત્રને આસાન કરી દીધું છે. ગ્રીસ અને ઇટાલીની આર્થિક હાલત તો પહેલેથી જ ખરાબ છે. તે લાખ્ખો શરણાર્થીઓનો બોજ સહન કરી શકે તેમ નથી. આમ છતાં તુર્કીના દરિયાકિનારેથી મળેલા ત્રણ વર્ષના બાળકના શબે યુરોપને ફરી વિચારતું કરી દીધું છે. મીડિયામાં પ્રકાશિત થયેલી એ તસવીરે શરણાર્થીઓના સંકટને માનવીય બનાવી દીધું છે. અત્રે એ નોંધનીય છે કે આતંકવાદના કારણે મધ્યપૂર્વનાં દોઢ કરોડ બાળકો ખરાબ પરિણામો ભોગવી રહ્યાં છે. શરણાર્થીઓ જે શિબિરોમાં રહે છે તે પણ નરક બની ગઈ છે.

આશ્ચર્યની વાત એ છે કે, જે હિજરતીઓ તેમનું વતન છોડી રહ્યા છે તે હિજરતીઓ મોટેભાગે મુસ્લિમ હોવા છતાં ગલ્ફના દેશો તેમને નકારી રહ્યા છે ત્યારે બીજી બાજુ સંકટમાં ઘેરાયેલા યુરોપિયન દેશો માનવતાના કારણે તેમને આવકારી રહ્યા છે. કોઈ ચાલીને, કોઈ ટ્રેનમાં, તો કોઈ બસમાં બેસીને ઓસ્ટ્રિયાની સીમામાં લોકો પ્રવેશી રહ્યા છે. દક્ષિણ જર્મનીના મ્યુનિક શહેરમાં સ્થાનિક લોકોએ તાળીઓ પાડીને તથા બાળકોને મીઠાઈ આપીને હિજરતીઓનું સ્વાગત કર્યું. અત્યાર સુધીમાં ૭૦૦૦ હિજરતીઓ મ્યુનિક પહોંચી ચૂક્યા છે. તે બધાનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે અને તેમને વસ્ત્રો પણ આપવામાં આવી રહ્યાં છે. બ્રિટને પણ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ દબાણ વધતાં ૧૫૦૦૦ શરણાર્થીઓને સ્વીકારવા તૈયારી દર્શાવી છે. તેની સાથે સાથે માનવ તસ્કરી કરવાવાળાઓ સામે સખત સૈનિક કાર્યવાહી પણ કરવા નિર્ણય કર્યો છે.

આ હિજરતીઓ અંગે અમેરિકા ભલે જાહેરમાં માનવતાની વાત કરતું હોય, પરંતુ સીરિયાની આ કટોકટી માટે ખરેખર તો અમેરિકા જ જવાબદાર છે. અફઘાનિસ્થાનમાં રશિયાને પાઠ ભણાવવા માટે અમેરિકાએ જે રીતે અલ કાયદાને શસ્ત્રોની મદદ કરી ઓસામા બિન લાદેન પેદા કર્યો હતો તે જ રીતે તેણે સીરિયામાં તેના શાસક રાષ્ટ્રપતિ બશર અલ-અસદને પાઠ ભણાવવા માટે એ સરકાર સામે જંગે ચડેલા આતંકવાદીઓને શસ્ત્રોની મદદ કરેલી છે. જો અમેરિકા દ્વારા એ બળવાખોરોને શસ્ત્રની સહાય કરવામાં ન આવી હોત તો સીરિયાના ગૃહયુદ્ધનો ક્યારનોય અંત આવી ગયો હોત. સીરિયાના રાષ્ટ્રપતિ સામે અમેરિકાને વાંધો એ છે કે તે એમ માને છે કે, સીરિયા પાસે રાસાયણિક હથિયાર છે. આ અંગે સીરિયાના રાષ્ટ્રપતિ અમેરિકાને દાદ ના આપતાં હોઈ અમેરિકાએ સીરિયા અને તુર્કીની સરહદો પર બળવાખોરોની શિબિરો ખોલી તેમને રોકેટ લોન્ચરો, રાયફલો તથા એન્ટિ ટેક મિસાઇલો આપેલાં છે, જે હવે સીરિયાની પ્રજા સામે જ આતંકવાદીઓ વાપરે છે.

Page 1 of 13

Powered by WordPress & Theme by Anders Norén