Devendra Patel

Journalist and Author

Month: October 2013 (Page 1 of 2)

રૂપનો ખજાનો છે તો તારે પૈસા ખોજવાની શું જરૂર?

કભી કભી – દેવેન્દ્ર પટેલ

  • મનજીતની દુકાને એક દિવસ મીનુ અરોડા નામની યુવાન વિધવા આવી

હરિયાણાના સિરસા જિલ્લાનું નટાર ગામ. આ ગામના વતની સતપાલસિંહ અને મનજીતસિંહ- એ ભાઇઓએ સિરસાના જનતા ભવન રોડ પર પેસ્ટિસાઇડસની એક દુકાન ખોલી હતી. સતપાલસિંહ વેપાર કરતો અને મનજીતસિંહ જમીનો તથા મકાનોની લે-વેચના દલાલ તરીકે કામ કરતો હતો. બંને ભાઇ પરણેલા હતા. મનજીતસિંહનું લગ્ન અમરજીત કૌર નામની મહિલા સાથે થયું હતું. લગ્ન બાદ અમરજીત કૌર બે બાળકોની માતા પણ બની હતી. મોટી દીકરીનું નામ નવદીપ કૌર અને નાનકડા દિકરાનું નામ સહજપાલ રાખવામાં આવ્યું હતું.

રૂપનો ખજાનો છે તો તારે પૈસા ખોજવાની શું જરૂર?

એક દિવસ મનજીતસિંહ એકલો જ દુકાન પર બેઠેલો હતો. એવામાં એક મહિલાએ આવીને કહ્યું : ‘મારે મનજીતસિંહને મળવું છે.’

મહિલાનો મધુર અવાજ સાંભળીને મનજીતસિંહ ભાવવિભોર થઇ ગયો. એણે દુકાનમાં એક નાનકડી કેબિન બનાવી રાખી હતી. એ આવેલી મહિલાને તેની કેબિનમાં લઇ ગયો અને કહ્યું : ‘બોલો મેડમ! શું સેવા કરી શકું?’

મહિલાએ કહ્યું: ‘મારું નામ મીનુ અરોડા છે. મારે એક મકાન વેચવું છે. કેટલાક સમય પહેલાં મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું. એ મકાન માટે અમે લોન લીધી હતી. પણ હવે હપતા ભરી શકાય તેમ નથી. તેથી મકાન વેચીને મારે બેંકની લોન ભરી દેવી છે.’

મનજીતસિંહ એક યુવાન વિધવાને તાકી રહ્યો. તેની નજર મીનુના અંગઉપાંગો પર હતી. મીનું આકર્ષક લાગતી હતી. મનજીતસિંહે કહ્યું : ‘કામ થઇ જશે પણ એ પહેલાં મારે તમારું મકાન જોવું પડશે. ક્યારે મકાન બતાવશો.’

‘આજે જઃ’ મીનુ બોલી. એમ કહી મીનુ એના ઘરનું સરનામું આપી સાંજે એના ઘેર આવવાનું નિમંત્રણ આપી જતી રહી. મનજીત મીનુની પીઠને જોઇ રહ્યો.

સાંજે મનજીત સમયસર મીનુ અરોડાના ઘેર પહોંચી ગયો. મીનુ વિધવા હતી પણ સરસ રીતે શ્રૃંગાર સજીને બેઠી હતી. મીનુએ મનજીતને આવકારતા કહ્યું : ‘શું પીશો?’

મનજીતે કહ્યું : ‘એટલી જલ્દી શું છે? આવ્યો જ છું તો બેસવા તો દો ને. મારી પાસે તો સમય જ સમય છે!

‘એ તો બહુ સારું. બે કલાક બેસો તો પણ મને વાંધો નથી.’ મીનુએ મનજીતની આંખોમાં આંખ પરોવતાં કહ્યું. એ પછી મકાનની વાત ચાલી. મીનુએ કહ્યું. ‘મારા પતિના મૃત્યુ બાદ હવે હું એકલી રહું છું.’ બસ આ મકાન વેચાઇ જાય એટલે નિરાંત.’

‘મકાન વેચાઇ ગયા બાદ શું કરશો?’

‘ખબર નથી. હું તો સાવ એકલી છું. બીજું લગ્ન કરી લઇશ.’

મનજીત બોલ્યો ‘મકાન વેચવાના બદલે લોનના હપતા ભરાઇ જાય તો?’

‘એટલા રૂપિયા હું લાવીશ ક્યાંથી?’ મીનુ બોલી.

મનજીતે પાસો ફેંકતા કહ્યું : ‘જેની પાસે રૂપનો ખજાનો છે તેણે રૂપિયા શોધવાની ક્યાં જરૂર છે?’

‘આવું ઘણા લોકો કહે છે પણ કોઇ હાથ પકડતું નથી.’

મનજીતે મીનુ અરોડાનો હાથ પકડી લેતાં કહ્યું: ‘લ્યો, મેં આ તમારો હાથ પકડી લીધો.’ કહેતાં મનજીતે મીનુનો હાથ પકડી લીધો.

મીનુએ હાથ છોડાવતાં કહ્યું : ‘આટલો જલ્દી?’

‘ધરમના કામમાં ઢીલ શી?’ મનજીતે મીનુનો હાથ ફરી પકડયો.

‘પછી છોડી તો નહીં દો ને?’
‘કદી નહીં.’
‘ખાવ કસમ.’

મનજીતે કસમ ખાધા અને મીનુ અરોડાને પોતાની કરીબ ખેંચી લીધી. મનજીતે કહ્યું: ‘તમારા મકાનના બધા હપતા હું ભરી દઇશ.’

અને મીનુ અરોડાએ પોતાની જાત મનજીતને સોંપી દીધી. મનજીત પણ મીનુની પરવાનગીથી પોતાની જાતને ભાગ્યશાળી સમજવા લાગ્યો. પતિના મૃત્યુ બાદ આમેય તે આવા સ્પર્શથી બેહદ વંચિત હતી. એ સાંજે મનજીત મીનુ અરોડાના ઘેર જ રોકાઇ ગયો. રાત્રે એણે ત્યાં જ દારૂ પીધો અને ત્યાં જ સૂઇ ગયો. આ તરફ મનજીતની પત્ની અમરજીત કૌર અને મનજીતનો ભાઇ આખી રાત મનજીતને શોધતા રહ્યાં. સવારે તે ઘેર પહોંચ્યો ત્યારે એક મિત્રના કામે બહારગામ જવું પડયું તેવું ગપ્પુ મારી દીધું.

હવે રોજ સાંજે મનજીત મીનુ અરોડાના ઘેર જવા લાગ્યો. દિવસે પણ ત્યાં જ પડી રહેવા લાગ્યો. દુકાન પણ બરાબર ચાલતી નહોતી. ઘરમાં પૈસાની તંગી શરૂ થઇ ગઇ. આ તરફ મીનુ અરોડાના મકાનના હપતા મનજીત જ ભરતો હતો. મોડી રાતે ઘેર આવતા મનજીતને તેની પત્નીએ પૂછયું : ‘રોજ મોડા કેમ આવો છો?’

મનજીતે કહ્યું : ‘ધંધામાં મંદી છે. શું કરું? તારા પપ્પા પાસેથી સાત લાખ રૂપિયા લઇ આવ તો ધંધામાં રોકીએ.’ માલ લાવવા પૈસા જ નથી.’

અમરજીત કૌરે કહ્યું : ‘આપણાં બાળકો પણ રોજ સાંજે પપ્પા ક્યારે આવશે તેમ પૂછીને રડતાં રડતા સૂઇ જાય છે. મારા પપ્પા પૈસાવાળાં ક્યાં છે?’

મનજીતે કહ્યું : ‘તારા પપ્પા પાસે પૈસા નહીં તો આબરૂ તો છે ને! તેમને તો કોઇપણ વ્યક્તિ ઉધાર આપી દેશે. તું કાલે પિયર જાને, ડાર્લિંગ.’

પતિને મદદરૂપ થવાના ઇરાદે અમરજીત બીજા જ દિવસે તેના પિયર ગઇ. એણે તેના પપ્પાને બધી વાત કરી. તેના પિતા પાસે રોકડા રૂપિયા નહોતા પણ ચાર-પાંચ દિવસ પછી તેમણે ક્યાંકથી ઉછીના લઇને પાંચ લાખ રૂપિયા દીકરીને મોકલી આપ્યા. એ રૂપિયા આવતાં જ મનજીત સીધો મીનુ અરોડાના ઘેર પહોંચ્યો. બાકીના હપતા ભરી જે રૂપિયા વધ્યા તે મીનુ અરોડાને વાપરવા આપ્યા. થોડા દિવસ બધું બરાબર ચાલ્યું. હવે તો મનજીત રોજ દારૂ પીને ઘેર જવા લાગ્યો. અમરજીત કોરને ખ્યાલ આવી ગયો કે એના પતિને કોઇ સ્ત્રી સાથે આડો સંબંધ છે. એણે પતિને મોડા આવવાનું કારણ પૂછયું તો એ રાત્રે મનજીતે એની પત્નીને માર માર્યો. બાળકો પણ ડરી ગયાં.

આ તરફ મીનુ અરોડાએ પણ પ્રશ્ન ઊભો કર્યોઃ ‘ક્યાં સુધી આમ આપણે ગૂપચૂપ મળ્યા કરીશું? હું તમારી રખાત બનીને રહેવા માંગતી નથી.’

‘તો શું કરવું છે?’

‘મારી સાથે લગ્ન કરી લ્યો.’

‘અને અમરજીત કોરનું શું?’

‘એની સાથે છૂટાછેડા લઇ લો.’ મીનુ અરોડાએ માંગણી મૂકી.

‘એ શક્ય નથી.’

‘તો મને બીજે લગ્ન કરી લેવા દો.’

‘એ પણ શક્ય નથી.’ મનજીત બોલી રહ્યો.

મીનુ અરોડાએ મનજીતને આખરીનામું આપતા કહ્યું : ‘તમે તમારી પત્ની અને મારામાંથી એકની પસંદગી કરી લો. તમારે તમારી પત્નીને છૂટી ના કરવી હોય તો કાલથી મારા ઘેર આવશો નહીં.’

મનજીતને ખ્યાલ આવી ગયો કે મીનુ અરોડાએ અસલ સ્ત્રી-સ્વરૂપ ધારણ કર્યું છે. તે કોઇપણ હદે જઇ શકે છે. મનજીત મીનુ અરોડાના પ્રેમમાં એટલો ગરકાવ હતો કે તે કોઇપણ સંજોગોમાં મીનુ અરોડા બીજા પુરુષને પસંદ કરી લે તે માટે તે જરા પણ તૈયાર નહોતો. બીજી બાજુ પતિની હરકતોથી અમરજીત કૌર પણ તંગ આવી ગઇ હતી. એને એને પડોશીઓને પણ ખબર પડી ગઇ હતી કે, મનજીત હવે મીનુ અરોડાના ઘેર જ પડી રહે છે. ફરી એકવાર ઝઘડો થયો. મનજીતે કહ્યું : ‘તને ખબર છે ને કે પૈસાના અભાવે મારો ધંધો ડૂબી રહ્યો છે.’

અમરજીત કોરે કહ્યું : ‘મને ખબર છે કે, પૈસા બધા મીનુ અરોડાના ઘરમાં જાય છે.’

એ સાંભળી મનજીત લ્હાય લ્હાય થઇ ગયો. એણે પત્નીને ફટકારી. અમરજીત કૌરે પણ રડતાં-રડતાં કહ્યું : ‘મને ગમે તેટલી મારશો પણ હું તમારો સામનો કરીશ. આજે જ મારા પપ્પા અને ભાઇને તમારા ધંધા વિશે જાણ કરું છું. કાલે પોલીસને પણ જાણ કરીશ.’

અમરજીત કૌરનું વિકરાળ સ્વરૂપ જોઇ મનજીત ઘરમાંથી બહાર નીકળી ગયો. ઘરમાંથી બહાર નીકળતાં પત્નીને ગાળો બોલતો હતો. જતાં જતાં એ બોલ્યો હતો : ‘હું તને જોઇ લઇશ.’

અમરજીત કૌરે તરત જ તેના ભાઇને ફોન લગાવી પતિના મીનુ અરોડા સાથેના સંબંધની અને પોતાને મારી નાંખવાની બધી વાત કહી દીધી. તે પછી તેણે જલદી આવી જવા કહ્યું: અમરજીતનો ભાઇ રણધીર કોઇના મૃત્યુ પ્રસંગે બેસવા ગયો હતો. એણે કહ્યું:’હું કાલે આવી જઇશ, તું ચિંતા ના કર.’

એ રાત્રે મનજીત મીનુ અરોડાના ઘેર પહોંચી ગયો. તા.૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨ની એ રાત હતી. એ રાત્રે એણે મીનુ અરોડાના ઘેર દારૂ પીધો. અમરજીત કૌરે તેને આપેલી ધમકીની વાત એણે મીનુ અરોડાને કરી. મીનુએ તેને કહ્યું. ‘હું કાંઇ ના જાણું. તમારે તમારી પત્નીનું જે કરવું હોય તે કરો અથવા મને છુટી કરો.’

એ રાત્રે મનજીત અને મીનુ અરોડાએ એક ખતરનાક યોજના ઘડી કાઢી. દારૂની ખાલી બાટલી લઇ તે પેટ્રોલ પંપ પર ગયો. પંપ પરથી તેણે બાટલીમાં પેટ્રોલ ભરાવી લીધું. રાતના બારેક વાગે તે પોતાના ઘેર ગયો. ઘરનું બારણું ખટખટાવ્યું. પત્નીએ બારણું ખોલ્યું. મનજીતે બારણુ અંદરથી બંધ કરી દીધું. છૂપાવી રાખેલી બાટલીનું પેટ્રોલ પત્ની પર ઢોળી લાઇટર પ્રજવલિત કરી અમરજીત કૌરના શરીર પર આગ ચાંપી દીધી, એણે બાકીનુ પેટ્રોલ બે નાનાં બાળકો પર પણ છાંટી તેમની પર પણ આ લાઇટર અડકાડી દીધું. અમરજીત કૌર અને બાળકો ભડભડ બળવા લાગ્યાં. ચીસાચીસ શરૂ થઇ ગઇ. લોકો જાગી ગયા. લોકોને જોઇ મનજીત પાછળના ઓરડામાં છૂપાઇ ગયો. થોડીવાર પછી તે પણ બહાર આવી રડવાનું નાટક કરવા લાગ્યો. અમરજીત કૌર અને બાળકો સખત રીતે દાઝી ગયાં હોઇ તે તમામ મૃત્યુ પામ્યાં.

બીજા દિવસે પોલીસ આવી અને મરનાર અમરજીત કૌરનો ભાઇ રણધીર પણ આવી પહોંચ્યો. એણે પોલીસને અસલી વાત કહી દીધી. પોલીસે મનજીત અને મીનુ અરોડાની ધરપકડ કરી.

બેઉ હવે જેલમાં છે.
 
– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

સાધુ, સ્વપ્ન, સોનું ને સરકાર ઈટ્સ અ મેડ મેડ મેડ વર્લ્ડ !

લાખો ભક્તો ધરાવતા શોભન સરકાર કોણ છે એ ખજાનો મળે તે પહેલાં લૂંટારાઓ હાજર છે !

ગોલ્ડ, ગોલ્ડ, ગોલ્ડ.

ગોલ્ડ એ ‘God’sCurrency’ ગણાય છે. ગોલ્ડ કરતાં પ્લેટિનમ મોંઘું હોવા છતાં ગોલ્ડની ઘેલછા અનોખી છે. ગોલ્ડની ઘેલછા પર અનેક કથાઓ લખાઈ છે, ફિલ્મો બની છે. ‘ગોલ્ડ રશ’, ‘મેકેન્નાઝ ગોલ્ડ’થી માંડીને બીજી અનેક સુપરહિટ ફિલ્મો બની છે. પૈસા પાછળ ગાંડી દુનિયાની મજાક ઉડાવતી ફિલ્મ ‘ઇટ્સ અ મેડ મેડ મેડ વર્લ્ડ’ પણ બની છે. લોકોએ ખજાનો શોધવા પિરામિડોમાં બાકોરાં પાડયા છે. પદ્મનાભના મંદિરમાં પણ ખજાનો છે અને તેની ગણતરી કરવાની બાકી છે. ભગવાન શ્રીકૃષ્ણની સોનાની દ્વારિકા પણ હજુ દરિયામાં ડૂબેલી જ છે. હવે ઉત્તરપ્રદેશના ડૌંડિયા ખેડા ગામે પણ રાજા રામબક્સ સિંહના ખંડેર થઈ ગયેલા રાજમહેલની નીચેથી ૧૦૦૦ ટન સોનું એક સ્વપ્નના આધારે શોધવા પ્રયાસ થઈ રહ્યો છે. સ્વપ્નને અને પૃથ્વીની ભીતર છુપાયેલી સંપત્તિને કોઈ વૈજ્ઞાનિક સંબંધ ના હોવા છતાં જે ખોદકામ થઈ રહ્યું છે તે દર્શાવે છે કે, ૨૧મી સદીમાં પ્રવેશેલું ભારત હજી ૧૬મી સદીની માન્યતામાં જ જીવે છે. સ્વપ્ન સાચું પડે છે કે કેમ તે ઉપર માત્ર ભારતની જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.

સાધુ, સ્વપ્ન, સોનું ને સરકાર ઈટ્સ અ મેડ મેડ મેડ વર્લ્ડ !

શોભન સરકાર કોણ છે ?

અલબત્ત, જેમને સ્વપ્ન આવ્યું હતું તે સંતનું નામ શોભન સરકાર છે. શોભન સરકાર સ્વયં બહાર આવતા નથી, પરંતુ તેમના વતી ઉઘાડા શરીર અને સફેદ દાઢીવાળા એક વૃદ્ધ શિષ્ય ઓમ બાબા બોલે છે. શોભન સરકારે એમના વિસ્તારમાં રસ્તા અને પાણીની નહેરો બનાવેલી છે. તેઓ હંમેશાં તંદ્રાવસ્થામાં રહે છે. તેઓ કોઈને મળતા નથી. હા, તેઓ ઇચ્છે તો જ કોઈ એમને મળી શકે છે. તેમના પ્રવકતા સ્વામી ઓમ બાબા છે. તેમના ભક્તો તેમની ઇચ્છા હોય તો દર્શન સભામાં તેમનાં દર્શન કરી શકે છે. તેમના ભક્તો તેમને ફળ, સૂકોમેવો, ઘી, મીઠાઈઓ, પૈસા અને ફૂલો અર્પણ કરે છે, પરંતુ સ્વામી શોભન સરકાર કહે છે : “મને આ બધી ચીજવસ્તુઓનો મોહ નથી. હું દિવસમાં એક જ વાર ખાઉં છું અને તે પણ જવની બે રોટલી અને મગની દાળ.” સ્વામીના ભક્તો તેમને ભગવાન તરીકે પૂજે છે. તેઓ કહે છે : “સ્વપ્નની શું વાત કરો છો ? આ જીવન જ એક સ્વપ્ન છે. તમે એક સ્વપ્ન છો. હું એક સ્વપ્ન છું. દરેક ક્ષણ એક સ્વપ્ન છે. મેં તો છૂપાયેલા ખજાનાની બીજી ચાર જગાઓ દર્શાવી છે. તેમાંથી ફતેપુરમાં એક અને કાનપુરમાં ત્રણ જગાએ ખજાનો છે અને પૂરા ભારતમાં આવા સુવર્ણ ભંડારો છે.”

સ્વામી વિરુદ્ધ મોદી

સ્વામી શોભન સરકારના સ્વપ્ન પછી આર્કિયોલોજિક સર્વે ઓફ ઇન્ડિયાએ ખોદકામ શરૂ કરાવ્યું છે. કાનપુરમાં રેલી વખતે ભાજપાના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ યુપીએ સરકારને ઝાટકવા માટે સ્વપ્નના આધારે થતા ખોદકામના સંદર્ભમાં કહ્યું કે, “આખી દુનિયા ભારત સરકારની મજાક ઉડાવી રહી છે.” મોદીના આ વિધાનનું રિએક્શન કેન્દ્ર સરકાર પર આવવાના બદલે સ્વામી શોભન સરકાર પર આવ્યું. સ્વામી શોભન સરકારના શિષ્યે નરેન્દ્ર મોદીને એકમંચ પર આવવા પડકાર ફેંક્યો અને બ્રાન્ડ મોદીના પ્રચાર તથા મોદીની રેલીઓ પાછળ ખર્ચાતાં કરોડો રૂપિયા ધોળા છે કે કાળા તેની સ્પષ્ટતા માગી. નરેન્દ્ર મોદીની વાત વૈજ્ઞાનિક અને બુદ્ધિગમ્ય હોવા છતાં તેઓ ફસાઈ ગયા. સ્વપ્નના આધારે ખોદકામ કરવું તે અવૈજ્ઞાનિક છે, પરંતુ સ્વામીએ મોદીની રેલીનો હિસાબ માગતા ભાજપા અને મોદી બેકફૂટ પર આવી ગયા. ઉત્તરપ્રદેશમાં લાખો લોકો સ્વામી શોભન સરકારને ભગવાન માને છે. ભક્તો મોદીની રેશનલ વાત સ્વીકારવા તૈયાર નથી. પહેલાં મોદીના શૌચાલયના મુદ્દે અને હવે સ્વામી શોભન સરકારની મજાકના મુદ્દે હિન્દુ સંતો મોદીથી નારાજ છે. અલબત્ત, સ્વામી શોભન સરકારની નારાજગી દૂર કરવા મોદીએ તેમના એક દૂત સાથે ‘પ્રણામ’ મોકલી આપ્યાં છે. ધર્મ આધારિત રાજનીતિના આધારે સત્તા કબજે કરવા જઈ રહેલી ભારતીય જનતા પાર્ટીને મોદી સાચા હોય તો પણ સાધુ-સંતોની નારાજગી પોસાય તેમ નથી. અલબત્ત સ્વામી શોભન સરકારના જે શિષ્ય ઓમ બાબાએ મોદી અને ભાજપ પર આક્ષેપો કર્યા છે તેઓ એક જમાનામાં કોંગ્રેસી હોવાનું બહાર આવ્યું છે અને રાજનીતિમાં મોહભંગ થઈ જતાં તેઓ સાધુ બની ગયા હતા.

સુવર્ણ ખજાનો કોનો ?

ઉત્તરપ્રદેશના ડૌંડિયા ખેડા ગામે જ્યાં સુવર્ણ ખજાનો શોધવા ખોદકામ થઈ રહ્યું છે તે અંગે અલગ અલગ કથાઓ છે. કેટલાક ઇતિહાસકારો માને છે કે, આ સુવર્ણ ખજાનો ઉન્નાવના રાજા રામબક્ષ સિંહનો છે. ૧૫૬ વર્ષ પહેલાં થઈ ગયેલા આ રાજા મહાન દેશભક્ત હતા અને તેમની પાસે પુષ્કળ સંપત્તિ હતી. ૧૮૫૭માં તેમણે અંગ્રેજો સામે બળવો કર્યો હતો, પણ સમગ્ર દેશમાં એ બળવો નિષ્ફળ જતાં અંગ્રેજોએ રાજા રામબક્ષ સિંહને ફાંસીએ લટકાવી દીધા હતા. એ પહેલાં તેમણે એમનો સુવર્ણ ખજાનો છુપાવી દીધો હતો. તે બળવો નિષ્ફળ જતાં તેમની બે બહેનોએ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. બીજા કેટલાક નિષ્ણાતો માને છે કે, એ સોનું ૧૮૫૭ના શહીદ રાજા રામબક્ષ સિંહનું નહીં, પરંતુ નાનારાવ પેશવાનું છે. પેશવાએ તાત્યા ટોપે અને ઝાંસીની રાણી સાથે ઉત્તરપ્રદેશમાં ૧૮૫૭ના બળવાનું નેતૃત્વ કર્યું હતું. એ વખતે એ સોનું નાનાસાહેબ પેશવાએ છુપાવ્યું હોવાની શક્યતા ઇતિહાસકારો વ્યક્ત કરી રહ્યા છે. વાત એમ છે કે, ૧૮૫૭માં ભારતમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ વિદ્રોહ શરૂ થયો ત્યારે વિવિધ રજવાડાંઓના રાજવીઓની સુવર્ણ સંપત્તિ શત્રુઓના હાથ લાગે નહીં એટલે નાનાસાહેબ પેશવાએ એમની તમામ સુવર્ણ-ચાંદીની સંપત્તિ કિલ્લા તથા મંદિરોમાં જુદી જુદી જગાએ જમીનમાં નીચે છુપાવી દીધી હતી. તેથી ૧૦૦૦ ટન સોનાની સ્વામી શોભન સરકારની વાત એ પેશવાનું છુપાવેલું સોનું જ હોઈ શકે છે તેમ કેટલાક માને છે. નાનાસાહેબ પેશવા કાનપુરના બિકુરમાં તાલુકદાર તરીકે કામ કરતા હતા અને રાજા રામબક્ષ સિંહના સ્નેહી પણ હતા. ૧૮૫૭ના બળવા વખતે નાનાસાહેબ તમામ મૂલ્યવાન રત્નો હીરા-માણેક તથા સોનું અને ચાંદી ડૌંડિયા ખેડાના કિલ્લાના ભોંયરામાં તથા આસપાસના મંદિરોમાં છુપાવ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.

મળે તો સોનું કોનું ?

સ્વામી શોભન સરકારના સ્વપ્નનિર્દેશના આધારે થઈ રહેલા સોનાની ખોજ માટેના ખોદકામથી સોનું મળે છે કે નહીં એ તો ખબર નથી, પરંતુ એ સંભવિત સોનાના માલિકીપણા માટે અત્યારથી જ વિવાદ શરૂ થઈ ગયો છે. યુ.પી.ના મુખ્યમંત્રી અખિલેશ યાદવે એ ખજાના પર ઉત્તરપ્રદેશની સરકારનો અધિકાર હોવાનો દાવો કર્યો છે. એ ખજાનો રાજપૂત રાજાનો હોઈ સ્થાનિક ક્ષત્રિય સભાના આગેવાનો કહે છે કે, એ ખજાના પર ક્ષત્રિય સભાનો અધિકાર છે. ડૌંડિયા ખેડા ગામના અન્ય લોકો કહે છે કે, એ ખજાના પર સમગ્ર ગામનો અધિકાર છે. ડૌંડિયા ખેડા ગામમાં ભલે યુદ્ધના સ્તરે સુવર્ણ ખજાનાની શોધ માટે ખોદકામ ચાલી રહ્યું હોય અને એના માલિકીપણા માટે અનેક દાવા થઈ રહ્યા હોય, પરંતુ એ સુવર્ણ નીકળે તો તેને લૂંટી લેવા લૂંટારા પણ ડૌંડિયા ખેડા ગામે આવી ગયા હોવાનું સ્થાનિક પોલીસ માની રહી છે. નજીકના જ આદમપુર ગામના એક મંદિરની નીચે પણ આવો ખજાનો હોવાની વાતો શરૂ થતાં કેટલાક લૂંટારાઓએ ખજાનાની શોધમાં મંદિરના પૂજારીને તેમના રૂમમાં બાંધી દઈ બંધક બનાવી દીધા હતા અને મંદિરમાં જ રાત્રે પાંચ ફૂટનું ખોદકામ કરી નાખ્યું હતું. જો કે તેમને કોઈ ખજાનો મળ્યો નહોતો.

એક સંતના સ્વપ્નના આધારે સરકાર પણ સુવર્ણ ખજાનો શોધે છે અને લૂંટારાઓ પણ !
નર્યો અંધવિશ્વાસ

અલબત્ત, નોંધપાત્ર અને વિચિત્ર વાત તો એ છે કે, જે દેશ મંગળ પર પોતાનું મિશન મોકલવાની તૈયારી કરી રહ્યો હોય તે જ દેશમાં કેન્દ્ર સરકાર એક સાધુના સ્વપ્નના આધારે સોના માટે ખોદકામ કરાવી રહી હોય તે માત્ર હાસ્યાસ્પદ જ નહીં, પરંતુ દેશમાં અંધવિશ્વાસની ધારણા મજબૂત કરવાનું કામ એક સાધુ અને સરકાર ભેગાં મળીને કરી રહ્યાં છે. આખી કેન્દ્ર સરકાર અર્તાિકક,અવૈજ્ઞાનિક અને ઔચિત્યહીન જણાય છે. ટી.વી. ચેનલો પોતાનો ટીઆરપી વધારવા અંદરોઅંદર સ્પર્ધા કરી રહી છે. સાધુના સપના પર ખોદકામ કરવામાં આવતું હોય તેવું પહેલી જ વાર આ દેશમાં બની રહ્યું છે. જનતાને ભ્રમિત કરવા સિવાય આ બીજું કાંઈ નથી.

નરેન્દ્રભાઈ, હમણાં કશું બોલવા જેવું નથી. થોભો અને રાહ જુઓ.

દાઉદ TV કે ISI ટીવી?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

જેમ્સ બોન્ડની શ્રેણીની એક આખી ફિલ્મ મીડિયાના પાવર પર આધારિત હતી. મીડિયા હીરોને ઝીરો અને ઝીરોને હીરો બનાવી શકે છે. મીડિયા પાવરને કારણે અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ નિક્સને સત્તા ગુમાવવી પડી હતી. યાદ કરો, વોટરગેટ સ્કેન્ડલ. મીડિયાએ અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અને મોનિકા લેવેન્સ્કિના સેક્સસંબંધોનો પર્દાફાશ કર્યો હતો. મીડિયાને કારણે દિલ્હી ગેંગરેપના કિસ્સામાં ફાસ્ટટ્રેક કોર્ટની રચના થઈ હતી અને ઝડપથી ચુકાદો આપી દેવાયો હતો. હવે પાકિસ્તાનમાં રહેતા ભારતના દુશ્મન નંબર -વન ડોન દાઉદ ઇબ્રાહિમને આ સમજાયું છે. ડોન પાસે બધું જ છે, પણ મીડિયા પાવર નથી. પાકિસ્તાનમાં BOL Channel નેટવર્ક જાણીતું છે. તેના માલિકો એક મીડિયા ગ્રૂપ છે. કહેવાય છે કે ડોન દાઉદ ઇબ્રાહિમ તેને ખરીદી રહ્યો છે.

દાઉદ TV કે ISI ટીવી?

ફેન્ટાસ્ટિક ઓફર્સ

BOLChannel આ વર્ષના અંત સુધીમાં તેનું પ્રસારણ શરૂ કરી દેશે. એણે સ્ટાફની ભરતી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં ૪૦,૦૦૦ અરજીઓ આવી ચૂકી છે. પાકિસ્તાનમાં અત્યારે ૪૦ જેટલી ન્યૂઝ ચેનલો છે. તે બધી જ દર્શકોને ખેંચી લાવવા સંઘર્ષ કરી રહી છે ત્યારે તેમાં હવે એકનો વધારો થશે. પાકિસ્તાનની ત્રણ ન્યૂઝ ચેનલો બંધ થવાની તૈયારીમાં છે ત્યારે BOL Channel તેના સ્ટાફને અત્યંત ઊંચાં વેતન ઓફર કરી રહી છે. માત્ર વેતન જ નહીં, રહેવા માટે લક્ઝુરિયસ ઘર અને લક્ઝરી મોટર કાર્સની પણ ઓફર કરી રહી છે. હાઈ પ્રોફાઇલ એન્કર્સ અને ટીવી શોના હોસ્ટસને બોડીગાર્ડ્સ પણ આપવામાં આવશે. પાકિસ્તાનના જિયો ટીવી ન્યૂઝ ચેનલના વડાને મહિને એક કરોડ રૂપિયાના વેતનથી રોકી લેવામાં આવ્યા છે, જે ભારતના ૬૦ લાખ રૂપિયા થાય. પાકિસ્તાનમાં ‘આજ કામરાન ખાન કે સાથ’ નામનો લોકપ્રિય શો ચલાવતા જિયો ટીવીના હોસ્ટ કામરાન ખાન જે માગે તે વેતન આપવા BOL Channel તૈયાર છે.

કોણ છે માલિકો?

કહેવાય છે કે BOL Channel ની પાછળ બે મુખ્ય પાર્ટીઓ છે. એક તો ગેંગસ્ટર ડોન દાઉદ ઇબ્રાહિમ અને બીજી છે પાકિસ્તાનની નોટોરિયસ ગુપ્તચર સંસ્થા- આઈએસઆઈ. આઈએસઆઈનું આખું નામ ‘ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ’ છે. જાણકાર વર્તુળો માને છે કે પાકિસ્તાનની હાલની પ્રાઇવેટ ન્યૂઝ ચેનલો હવે વધુ પડતી સ્વતંત્રતા ભોગવતી હોઈ સરકારી તંત્રની વધુ ને વધુ ટીકા કરતી થઈ ગઈ છે અને ખાસ કરીને પ્રશાસનમાં આઈએસઆઈની તે ખૂબ ટીકા કરે છે. આ કારણે તે પ્રાઇવેટ ચેનલોનો સામનો કરવા એક વધુ રોનકદાર ન્યૂઝ ચેનલ ચાલુ કરવી જોઈએ જે આઈએસઆઈની ટીકા ન કરે અને બીજી ન્યૂઝ ચેનલોને હંફાવી દે.BOLChannel અધિકૃત સ્પોન્સર કરાંચીસ્થિત એક્ઝેક્ટ ગ્રૂપના માલિકો છે. આ ગ્રૂપના સ્થાપક અને માલિકનું નામ શોએબ શેખ છે. આ કંપની આમ તો વાઇબ્રન્ટ સોફ્ટવેર હાઉસ સાથે સંકળાયેલ છે. ૫૦૦૦ જેટલા લોકો તેમાં કામ કરે છે. હવે એ કંપનીને ફાઇનાન્સ કરવા માટે ડોન દાઉદ ઇબ્રાહિમ આગળ આવ્યો છે. એ કંપનીને જરૂરી નાણાકીય સહાયતા કરવાનું કામ દાઉદ ઇબ્રાહિમે છોટા શકીલને સોંપ્યું છે.

શોએબ શેખ કોણ છે?

એક બ્રિટિશ ન્યૂઝપેપરના અહેવાલ અનુસાર એક્ઝેક્ટ ગ્રૂપનો માલિક શોએબ શેખ મોટો કૌભાંડિયો છે, તેની કંપની વર્ષોથી ખોટાં કામો જ કરે છે. તેની સોફ્ટવેર કંપની ગેરકાયદે પોર્ન સાઇટ્સ ચલાવતી હોવાના આક્ષેપ થયેલા છે. યુવાનોને બનાવટી ડિગ્રી ર્સિટફિકેટ્સ પણ બનાવી આપતો હોવાના આક્ષેપ થયેલા છે. પાકિસ્તાનના મોટા ભાગનાં સોફ્ટવેર હાઉસીસ તેનાથી દૂર રહે છે,પરંતુ શોએબ શેખની કંપની કરાંચીમાં ઘણી મોટી વગ ધરાવે છે. તેની કંપની ‘એક્ઝેક્ટ’ પાકિસ્તાનની સલામતી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલી છે. તેની સોફ્ટવેર લિંક પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલી છે. એ કારણે જ આઈએસઆઈ શોએબ શેખનો ઉપયોગ ન્યૂઝ ચેનલ ચાલુ કરવા માટે કરી રહી છે. એકઝેક્ટ તો કંપનીનું નામ છે, પરંતુ તેની ટર્ફ પર આઈએસઆઈ રમશે અને જરૂરી તમામ નાણાં ડોન દાઉદ ઇબ્રાહિમ પૂરાં પાડશે. કહેવાય છે કે શોએબ શેખની ‘એક્ઝેક્ટ’ કંપની આઈએસઆઈની સાયબર પ્રવૃત્તિ પણ ચલાવે છે. એ કંપની પાકિસ્તાનની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી માટે પણ કામ કરે છે. એ કંપનીએ ડિફેન્સ હાઉસિંગ સોસાયટી પણ બાંધી આપી છે. આ વાત એક્ઝેક્ટ કંપનીએ ગૌરવપૂર્વક પોતાની વેબસાઇટ પર મૂકી છે.

અકીલ કરીમ ધેડી

આમ, પાકિસ્તાનમાં આવી રહેલી નવી ન્યૂઝ ચેનલનું બહારનું મહોરું એક્ટેક્ટ કંપનીનું છે, પરંતુ તેનો અસલી માલિક ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેનું અસલી ભેજું આઈએસઆઈ હશે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે દાઉદ ઇબ્રાહિમનું હાર્ડવેર હશે અને આઈએસઆઈનું સોફ્ટવેર હશે. દાઉદ ઇબ્રાહિમ અત્યારે આઈએસઆઈની મદદ અને સલાહથી દુબઈમાં છે. અમેરિકાની બીકથી તેને દુબઈ મોકલી દેવામાં આવ્યો છે, પરંતુ તેનો પાકિસ્તાનમાં બિઝનેસ યથાવત્ છે. પાકિસ્તાનમાં તેનો કારોબાર અકીલ કરીમ ધેડી સંભાળી રહ્યો છે. અકીલ કરીમ કરાંચી સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ખેલાડી ગણાય છે. દાઉદ ઇબ્રાહિમ દુબઈમાં હોઈ તેનું કરાંચીમાં ક્લિફટન એરિયા ખાતેનું ભવ્ય નિવાસસ્થાન હાલ ખાલી છે. અલબત્ત, તેથી દાઉદનો ધંધો અટકતો નથી. એથી ઊલટું દાઉદના ખાસ માણસ અકીલ કરીમે તાજેતરમાં જ એક લક્ઝુરિયસ હાઉસિંગ પ્રોજેક્ટ કરાંચીમાં હાથ ધર્યો છે. અકીલ કરીમ ધેડી આ અગાઉ પાકિસ્તાનમાં સન બિઝ ટીવી ચેનલ પણ ચલાવી ચૂક્યો છે. તેમાં એણે ઘણું નુકસાન કર્યું હતું.

BOL Channel નો લક્ષ્યાંક

દાઉદ ઇબ્રાહિમ અને આઈએસઆઈની નવી ન્યૂઝ ચેનલ BOL Channel નો લક્ષ્યાંક GEOTV છે. તે GEOTV ને પછાડવા માગે છે. પાકિસ્તાનમાં આજકાલ GEO TV ની ન્યૂઝ ચેનલ લોકપ્રિય છે. તેની માલિકી જંગ ગ્રૂપની છે. આ ગ્રૂપ શરૂઆતમાં પાકિસ્તાન સરકારની તરફેણ કરતું હતું, પણ હવે તે પાકિસ્તાનના લશ્કર અને ગુપ્તચર એજન્સીઓનું ટીકાકાર બની ગયું છે. તેને પછાડવા શરૂ થઈ રહેલી નવી ચેનલ BOL સહુથી પહેલાં ન્યૂઝ અને એન્ટરટેઇનમેન્ટ ચેનલ શરૂ કરશે. એ પછી સ્પોર્ટ્સ ચેનલ શરૂ કરશે. એ પછી BOL ગ્રૂપ પ્રિન્ટ મીડિયામાં પણ આવવા માગે છે. BOL ગ્રૂપનો પ્લાન અંગ્રેજી અને ઉર્દૂ એમ બંને ભાષામાં અખબારો શરૂ કરવાનો છે. અલબત્ત, BOL નો આ હાઈ પ્રોફાઇલ પ્રોજેક્ટ નાણાકીય દૃષ્ટિએ કેટલો ફાયદાકારક છે તે એક પ્રશ્ન છે. ઘણાંને લાગે છે કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી મીડિયામાં સ્પર્ધા એટલી હદે છે કે તેને પૂરતું વળતર મળવાની શક્યતા ઘણી ઓછી છે. ઘણાંને લાગે છે કે BOL TV Channel એક દિવસ દેવાળું ફૂંકશે. તેને બચાવવા BOL ટીવીએ સરકારી જાહેરાતો પર જ નિર્ભર રહેવું પડશે. BOL ટીવી ચેનલ અંગે ભારતના નિષ્ણાતો માને છે કે આ ટીવી ચેનલ પર આઈએસઆઈનો પ્રભાવ હશે, તેથી તે પત્રકારોને ખરીદશે. પોતાને ગમતા કાર્યક્રમો પ્રદર્શિત કરાવશે. આ કામ તે ભૂતકાળમાં કરી ચૂકી છે.

www.devendrapatel.in

તું સારો મિત્ર બની શકે છે પણ સારો જીવનસાથી નહીં

કભી કભી – દેવેન્દ્ર પટેલ

Ÿ  તું સારો મિત્ર બની શકે છે પણ સારો જીવનસાથી નહીંઐશ્વર્યા અને ભરત બે સારાં મિત્રો હતાં પણ બેઉના વિચારોમાં ઘણો ફરક હતો

૨૪વર્ષની વયનો ભરત એ મનોહર જોશી પરિવારનો સહુથી મોટો પુત્ર હતો. તે જયપુરમાં રહેતો હતો. ભરતની એક બહેનનું નામ ડોલી. ડોલીની એક સહેલીનું નામ ઐશ્વર્યા. ઐશ્વર્યા અવાર નવાર ડોલીને મળવા આવતી હતી. એ કારણે ઐશ્વર્યાનો ડોલીના ભાઈ ભરત સાથે પણ પરિચય હતો. ઐશ્વર્યા તેને ગમવા લાગી હતી. ઐશ્વર્યામાં ગજબનું આકર્ષણ હતું. ભરત તેના તરફ આર્કિષત થતો જ ગયો. તે હવે પોસ્ટગ્રેજ્યુએશન કરતો હતો. પરંતુ તેનું મન ભણવામાં લાગતું નહોતું. આમ તો ભરતને તેના બધા જ મિત્રો સાથે ઘરોબો હતો. ક્યારેક ક્યારેક ઐશ્વર્યા પણ તેને મળતી હતી. ઐશ્વર્યા તેને ગમતી હતી, તેથી તે તેને નજીકથી જાણવા પ્રયાસ કરતો હતો પરંતુ ઐશ્વર્યા વધુ ગંભીર રહેતી હતી. તે ભણવામાં વધુ વ્યસ્ત રહેતી હતી. ગ્રેજ્યુએશન કરી લીધા બાદ તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી હતી.

ભરત હવે ઐશ્વર્યામાં વધુને વધુ રુચિ લેવા માંડયો હતો. તે ઐશ્વર્યાની નાનામાં નાની વાતોનો ખ્યાલ રાખતો હતો. ઐશ્વર્યા પણ ભરતનો ખ્યાલ રાખતી હતી. એક દિવસ ભરતે પૂછયું: ”ઐશ્વર્યા ! તેં ભવિષ્યની બાબતમાં શું વિચાર્યું છે?”

તે બોલીઃ ”ભરત ! હું કોઈ સારું કામ કરવા માંગુ છું. મારા પોતાના પગ પર ઊભી રહેવા માંગુ છું. મારા માતા-પિતાનું નામ રોશન કરવા માંગુ છું.”

ભરતે કહ્યું: ”આ તો સારી વાત છે, તારું સ્વપ્ન પૂરું કરવામાં મારી કોઈ જરૂર હોય તો કહેજે.”

ઐશ્વર્યાએ કહ્યું : ”થેંક્સ”.

એ પછી ભરત અને ઐશ્વર્યા વચ્ચે અવારનવાર ફોન પર વાત થયા કરતી. ભરતને હવે અહેસાસ થઈ ગયો કે ઐશ્વર્યા હવે માત્ર એની મિત્ર જ નહીં પણ તેનો પ્રેમ પણ છે. તે ઐશ્વર્યાને પ્રેમ કરવા લાગ્યો હતો. આ તરફ ઐશ્વર્યા એરહોસ્ટેસ બનવાની તૈયારી કરવા લાગી હતી, છતાં વચ્ચે વચ્ચે ભરતને મળવાનો સમય કાઢી લેતી હતી. બંનેની દોસ્તી પ્યાર તરફ આગળ વધવા લાગી હતી. ભરતના ઘરમાં પણ બધાને ખ્યાલ આવી ગયો કે ભરત અને ઐશ્વર્યા વચ્ચે કાંઈક ચાલી રહ્યું છે. બંને પરિવારો અતિ શિક્ષિત હોઈ તેમને એ સંબંધો પર કોઈ એતરાજ નહોતો. ભરતનું પરિવાર આર્થિક રીતે વધુ સંપન્ન હતું. જ્યારે ઐશ્વર્યા મધ્યમવર્ગના પરિવારની પુત્રી હતી. ભરતની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવતી. જ્યારે ઐશ્વર્યા સ્વયં કરકસરથી રહેતી હતી. ભરત ધનવાન પિતાનો પુત્ર હોવાથી જીદ્દી હતો જ્યારે ઐશ્વર્યા અત્યંત સ્વરૂપવાન હોવા છતાં સાદગીથી જીવતી હતી. કેટલીકવાર બેઉ કલાકો સુધી વાતો કરતા. એ દરમિયાન ઐશ્વર્યા ભરતને સમજવા કોશિશ કરતી હતી. અલબત્ત, તે પોતાના ભવિષ્ય અંગે ગંભીર હતી.

આ તરફ ઐશ્વર્યા માત્ર ભરતને જ નહીં પરંતુ તેના આખા ઘરને ગમતી હતી. એક તો તે અત્યંત સુંદર હતી અને બીજું તે એકદમ ગંભીર હતી. આવી રૂપાળી છોકરી ઘરમાં વહુ બનીને આવે તો એક શ્રીમંત ઘરની શોભા વધી જાય તેમ ભરતના ઘરવાળા માનતા હતા. ઘરમાં બધાએ ભરતની લગ્નની ઈચ્છા વિશે પૂછયું તો એણે ઐશ્વર્યાનું નામ આપ્યું. ભરતનાં માતા-પિતા એ બેઉના સંબંધો જાણતાં જ હતા. તેઓ રાજી થઈ ગયા. પરિવારે નક્કી કર્યું કે ”હવે શુભ કાર્યમાં વિલંબ કરવો જોઈએ નહીં. કાલે જ ભરતની મમ્મીએ ભરત અને ઐશ્વર્યાની સગાઈની વાત કરવા જવી” એમ નક્કી થયું. હવે ભરતે જ ઐશ્વર્યાને ફોન કરી કહ્યું :”ઐશ્વર્યા! તું અત્યારે જ મારા ઘેર આવી જા. એક ખુશખબર આપવા માંગું છું.”

ઐશ્વર્યાએ કહ્યું: ”ભરત ! હું અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છું. આજે નહીં આવી શકું. અઠવાડિયા પછી મળીશું.”

”થોડીવાર માટે પણ નહીં આવી શકે ?”

”ના ભરત. હું વાંચી રહી છું. લક્ષ્યની પ્રાપ્તિ માટે એક એક મિનિટ કિંમતી છે.”

ભરતે કહ્યું: ”તારો સમય મારા કરતાં પણ વધુ મહત્ત્વ ધરાવે છે?”
ઐશ્વર્યા બોલીઃ ”હા… દરેક ચીજનું પોતાનું મહત્ત્વ હોય છે. પણ તને એ નહીં સમજાય, કારણ કે, તેં જે માંગ્યું તે તને મળી ગયું છે.”

ભરતને ઐશ્વર્યાની આ વાત ગમી નહીં. એણે ફટાક દઈ ફોન મૂકી દીધો. એને લાગ્યું કે, સગાઈ પછી બધું બરાબર થઈ જશે. બીજા દિવસે તેની મમ્મી વિવાહની વાત કરવા જવાની હતી પરંતુ મુલાકાત નક્કી કરવા માટે ભરતની મમ્મીએ ફોન કર્યો ત્યારે ઐશ્વર્યાની મમ્મીએ નમ્રતાથી કહ્યું: ”બહેન! અત્યારે ઐશ્વર્યા પરીક્ષાની તૈયારી કરી રહી છે. એક વાર તેની પરીક્ષા પતી જવા દો.”

”ઠીક છે. પરીક્ષા પછી વાત કરીશું.” ભરતની માતાએ એ વાત સમજદારીપૂર્વક સ્વિકારી લીધી. બીજા જ દિવસે ભરત ઐશ્વર્યાને મળવા તેના ઘેર ગયો પરંતુ ખબર પડી કે ઐશ્વર્યા પરીક્ષા આપવા દિલ્હી જતી રહી છે. તે પરીક્ષા આપવા જવાની છે એ વાત ઐશ્વર્યાએ તેને કહી ના હોઈ ભરતને ગુસ્સો આવ્યો. ઐશ્વર્યાને તે લડવા માંગતો હતો પણ તેનો મોબાઈલ બંધ હતો. ભરત હવે તનાવમાં રહેવા લાગ્યો. તેને લાગ્યું કે, તે જેટલો ઐશ્વર્યાની નજીક જાય છે એટલી જ તે દૂર જઈ રહી છે. ઐશ્વર્યા દિલ્હીથી ક્યારે પાછી આવી તે વાતની જાણ પણ તેણે ભરતને ના કરી. એ પરીક્ષામાં પાસ થઈ ગઈ એ વાતની જાણ પણ તેણે ભરતને ના કરી. એે વાતની ખબર એને બીજા દોસ્તો મારફતે પડી. આમ છતાં ઐશ્વર્યાને અભિનંદન આપવા તે એના ઘરે ગયો પરંતુ તેના આવવાથી ઐશ્વર્યાના ચહેરા પર કોઈ ખુશી ના જોઈ. આમ છતાં એણે કહ્યું: ”ઐશ્વર્યા, હવે તો એરહોસ્ટેસની તાલીમ માટે તારી પસંદગી થઈ ગઈ છે. હવે આપણી સગાઈ થઈ જવી જોઈએ.”

ઐશ્વર્યાએ કહ્યું: ”હમણાં સગાઈની ઉતાવળ શું છે ? મારા જીવનનું લક્ષ્ય લગ્ન નહીં, પણ કારકિર્દી છે. હજુ તો મારી પસંદગી થઈ છે, તાલીમ બાકી છે, તાલીમ બાદ મને ખબર નથી કે હું ક્યાં હોઈશ ? હમણાં હું લગ્નના બંધનમાં પડવા માંગતી નથી.”

”પણ તારે એરહોસ્ટેસની નોકરી કરવાની શું જરૂર છે? મારા પિતા પાસે કાફી જાયદાદ છે.”

”જો ભરત! હું લગ્ન કરીને એશ આરામ કરવા માંગતી નથી. હું રોજ નવાં વસ્ત્રો પહેરીને પાર્ટીઓમાં જવા માંગતી નથી. હું બાળકો પેદા કરનારી ફેકટરી બનવા માંગતી નથી. જે માતા-પિતાએ મને જન્મ આપ્યો છે, મને ભણાવી છે અને મારો ઉછેર કર્યો છે તેમના પ્રત્યે પણ મારે કેટલીક જવાબદારી નિભાવવાની છે. હું કોઈની પુત્રવધૂ તરીકે નહીં પણ કોઈની પુત્રી તરીકે ઓળખાવા માંગુ છું. હું લગ્ન કરીશ પણ અત્યારે નહીં, અત્યારે મને મારી કારકિર્દી બનાવવી છે અને મારા માતા-પિતા પ્રત્યેનું ઋણ અદા કરવું છે.”

”પણ તું મારી સાથે લગ્ન કરીને પણ એ ફરજ નિભાવી શકે છે. ઐશ્વર્યા?” ભરતે કહ્યું.

ઐશ્વર્યાએ મક્કમતાથી કહ્યું: ”ભરત! હવે મારે તને સાચી વાત કહેવી જ પડશે. જો સાંભળ ! તારા અને મારા વિચારોમાં ફરક છે. તું સારો મિત્ર બની શકે છે. સારો જીવનસાથી નહીં. તું પિતાના પૈસા પર જીવવા માંગે છે. તું તારી કારકિર્દી માટે કદીયે ગંભીર નહોતો, અને આજે પણ નથી. પિતાની સંપત્તિનો તો ક્યારેય પણ અંત આવી જતો હોય છે, પણ જેની પાસે જ્ઞાાન છે, કેળવણી છે, તાલીમ છે તે જ લાંબુ ચાલે છે, તારે મારી સાથે લગ્નનો ખ્યાલ હવે છોડી દેવો જોઈએ.”

ઐશ્વર્યાનો આ જવાબ સાંભળી ભરત સ્તબ્ધ થઈ ગયો. છ વર્ષના પ્રેમ સંબંધનો એક ઝાટકે ઐશ્વર્યા અંત લાવી દેશે એની તેને કલ્પના પણ નહોતી. હવે ઐશ્વર્યાના ઘેર વધુ રોકાવું તેને ઠીક ના લાગ્યું. તે સીધો જ ઘેર આવ્યો. એની મમ્મીને લાગ્યું કે કાંઈક ગરબડ થઈ ગઈ છે. મમ્મીએ પૂછયું : ”શું થયું, બેટા ?”

ભરત બોલ્યોઃ ”મમ્મી ! ઐશ્વર્યાએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.”

”એમાં પરેશાન થવાની જરૂર શું છે ? આપણે બીજી છોકરી શોધી કાઢીશું”: ભરતની મમ્મીએ કહ્યું!

ભરત કાંઈ જ બોલ્યા વગર પોતાના બેડરૂમમાં ચાલ્યો ગયો. એને લાગ્યું કે, ઐશ્વર્યા અત્યાર સુધી મારી ભાવનાઓ સાથે જ ખેલતી રહી. જરૂર એના જીવનમાં બીજો કોઈ યુવાન આવ્યો હશે. એ જાતજાતના વિચારો કરતો રહ્યો. તે બીજા દિવસે તે મિત્રોને મળ્યો. મિત્રોએ પણ તેને સમજાવ્યો કે ”તને તો કેટલીયે છોકરીઓ લગ્ન માટે મળી જશે. આખો દિવસ ભણભણ કરતી પંતુજી જેવી છોકરી સાથે લગ્ન કરીને તું શું સુખી થવાનો? જે થયું તે સારું થયું. ભૂલી જા ઐશ્વર્યાને.” પરંતુ ભરત પોતાના મનને ના મનાવી શક્યો. એ ડિપ્રેશનમાં રહેવા લાગ્યો. બહુ જલ્દીથી નર્વસ બ્રેકડાઉનનો શિકાર બની ગયો. તે એકલો જ બેસી રહેવા લાગ્યો. કોઈની યે સાથે વાત કરવાનું એણે બંધ કરી દીધું. હવે તો ઐશ્વર્યાના ફોન આવતા પણ બંધ થઈ ગયા હતા. તે માનસિક રીતે પરેશાન થવા લાગ્યો. તેને વાતાવરણ બદલવા જયપુરથી તેના મામાના ઘરે દિલ્હી મોકલવામાં આવ્યો. એક દિવસે એણે તેની ભાભીને ફોન કર્યોઃ ”ભાભી! હવે હું જીવવા માંગતો નથી. મમ્મી- પપ્પાનો ખ્યાલ રાખજો.”

અને તા. ૯ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ એણે પોતાની ફેસબુક પર લખ્યું: ”ઐશ્વર્યાને ભૂલવી મારા માટે મુશ્કેલ છે. ૨૪ કલાકમાં હું મારી જીવનલીલા સમાપ્ત કરી રહ્યો છું.”

એ પછી એ રાત્રે તેના મિત્ર નીરજને ફોન કરી પોતાની ફેસબુક ખોલવા વિનંતી કરી. નીરજે ભરતની ફેસબુક ખોલી. તેના હોશ ઊડી ગયા. નીરજે ભરતની મમ્મીને ફોન કરી કહ્યું: ”આન્ટી ! ભરત ૨૪ કલાકમાં આત્મહત્યા કરવાનો છે ?”

ઘરમાં પણ બધાએ ભરતની ફેસબુક ખોલી. બધાં સ્તબ્ધ થઈ ગયા. તેમણે દિલ્હી ફોન કર્યો તો ખબર પડી કે ભરત દિલ્હી છોડી ચુક્યો હતો. પરોઢિયે તે જયપુર આવ્યો અને ઘરના પગથિયાંમાં જ બેસી ગયો. તેના હાથમાં તમંચો હતો. ઘરના બધા જ સભ્યોએ તેને રોકવા કોશિશ કરી. બધાં જ સભ્યો રડવા લાગ્યા. કેટલાંકે તેની પાસે જવા કોશિશ કરી પરંતુ ભરતે તમંચાનું ટ્રીગર દબાવી દીધું. ગોળી તેના લમણાની આરપાર નીકળી ગઈ. થોડી જ વારમાં લોહીના ખાબોચીયામાં તે ઢળી પડયો. પોલીસ આવી પહોંચી,પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. પોલીસે સ્વેચ્છાએ આત્મહત્યાનો કેસ નોંધી ફાઈલ બંધ કરી દીધી. લાગણીઓ અને કારકિર્દી વચ્ચેનો સંઘર્ષ કદીક આવા દુઃખદ પરિણામો પણ લાવી શકે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

રાજનીતિમાં સેલિબ્રિટીઝ કેટલી જરૂરી?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

રાજનીતિમાં સેલિબ્રિટીઝ કેટલી જરૂરી?ચૂંટણીઓ હવામાં ઘૂમરાઈ રહી છે. દેશનાં મોટાં મોટાં શહેરોમાં અત્યારથી જ હોર્ડિંગ્સ લાગી રહ્યાં છે. મોટી મોટી પ્રચાર સભાઓ યોજાઈ રહી છે. વડાપ્રધાનપદના સંભવિત ઉમેદવારો દેશભરમાં ફરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ પ્રચાર અને પ્રહારનો મારો થઈ રહ્યો છે. ટેલિવિઝનની ન્યૂઝ ચેનલો પર ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં નોંધપાત્ર વાત એ છે કે આવનારી લોકસભાની ચૂંટણી માટે જેઓ રાજનીતિમાં નથી, પરંતુ બીજી રીતે જાણીતી પ્રતિભાઓ છે તેમની પણ ખોજ થઈ રહી છે. વિવિધ રાજકીય પક્ષો આવી વ્યક્તિઓને તેઓ આગામી ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બનાવી મેદાનમાં ઉતારવા માગે છે.

 

કેટલીક સેલિબ્રિટીઝ

નંદન નિલેકણી ઇન્ફર્મેશન ટેક્નોક્રેટ છે. આમ તો તેઓ પહેલાં ઇન્ફોસિસ સાથે સંકળાયેલા હતા. તે પછી તેમને ‘આધાર કાર્ડ’બનાવવાનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો. કોંગ્રેસ પાર્ટી તેમને બેંગલુરુમાંથી ચૂંટણી લડાવવા માગે છે. વી.કે. સિંહ ભારતીય લશ્કરના નિવૃત્ત વડા છે. તાજેતરમાં જ તેઓ નરેન્દ્ર મોદી સાથે મંચ પર દેખાયા હતા. એવી જ રીતે કૃષ્ણા પુનિયા એક એથ્લીટ છે. તેમને પણ કોંગ્રેસ ટિકિટ આપવા માગે છે. વિશ્વ ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનાર રાજ્યવર્ધનસિંહ રાઠૌર પણ ભારતીય લશ્કરમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ૪૩ વર્ષના રાઠૌર કહે છે : “રાજનીતિ મારા જીવનને સંપૂર્ણ બનાવશે.”

રાજનીતિમાં સેલિબ્રિટીઝ

રાજનીતિ અને સેલિબ્રિટીઝનો સંબંધ પુરાણો છે. તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.જી. રામચન્દ્રન એક જમાનાના મશહૂર તમિલ અભિનેતા હતા. તે પછી તેઓ રાજનીતિમાં આવ્યા હતા. તામિલનાડુનાં હાલનાં મુખ્યમંત્રી જયલલિતા પણ એક જમાનામાં તમિલ અભિનેત્રી હતાં અને એમ.જી. રામચન્દ્રનના આશીર્વાદથી જ રાજનીતિમાં આવ્યાં હતાં. એ જ પ્રમાણે આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી એન.ટી. રામારાવ પણ મશહૂર એકટર હતા. તેઓ રામનો રોલ કરતા હતા. તે પછી રાજનીતિમાં આવ્યા હતા. ચન્દ્રાબાબુ નાયડુ તેમના જમાઈ થાય છે. બોલિવૂડના જાણીતા અભિનેતા સુનીલ દત્ત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી લોકસભામાં ચૂંટાયા હતા. એ સિવાય વિનોદ ખન્ના, ગોવિંદા, ધર્મેન્દ્ર, રાજ બબ્બર, શત્રુઘ્ન સિંહા, કીર્તિ આઝાદ અને મોહંમદ અઝરુદ્દીન જેવી જાણીતી પ્રતિભાઓ પણ રાજનીતિમાં પ્રવેશીને તેનો સ્વાદ ચાખી ચૂક્યાં છે. રાજેશ ખન્નાને કોંગ્રેસે ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. ફિલ્મમેકર પ્રકાશ ઝા પણ રામવિલાસ પાસવાનની પાર્ટીમાંથી ટિકિટ લઈને પરાજય પામી ચૂક્યા છે. એ ચૂંટણીમાં હાર્યા બાદ પ્રકાશ ઝા હવે ફરી ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થઈ ગયા છે.

ગુજરાતી કલાકારો

ગુજરાતી ફિલ્મોના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ભાજપમાંથી ચૂંટાઈને ગુજરાત વિધાન સભામાં પ્રવેશ્યા હતા. તેમના ભાઈ અને ‘મહાભારત’ ટીવી સિરિયલમાં રાવણનો રોલ કરનારા એકટર અરવિંદ ત્રિવેદી પણ ભાજપની ટિકિટ પર ચૂંટાઈને લોકસભામાં ગયા હતા. રામાયણમાં સીતાનો રોલ કરનાર દીપિકા ચીખલિયા પણ ચૂંટણી લડી ચૂક્યાં છે. ગુજરાતની જાણીતી સંગીતબેલડી મહેશકુમાર અને નરેશકુમાર પણ સફળતાપૂર્વક ચૂંટણી લડી ચૂક્યા છે. આજે બક્ષીપંચની ઠાકોર જ્ઞાતિની બહુમતી વસ્તીવાળા મતવિસ્તારમાંથી વિક્રમ ઠાકોરને ટિકિટ આપવામાં આવે તો ગુજરાતનો એક પણ નેતા તેમની સામે જીતી શકે નહીં. અલબત્ત,બધા જ કલાકારો ચૂંટણી જીતે છે એવું નથી. ગુજરાતનાં જાણીતાં નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ ચૂંટણી હારી ગયાં હતાં. ‘સાસ ભી કભી બહૂ’થી નામની ટેલિવિઝન શ્રેણીનાં જાણીતાં અભિનેત્રી સ્મૃતિ ઈરાની ભાજપમાં જોડાયાં છે. તેમને ૨૦૦૪માં દિલ્હીમાંથી ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ તેઓ કપિલ સિબ્બલ સામે હારી ગયાં. ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણો વખતે નરેન્દ્ર મોદીની ટીકા કરનાર સ્મૃતિ ઈરાની આજકાલ મોદીનાં પ્રશંસક બની ફરી ટિકિટ લેવા માગે છે. ટેલિવિઝનની ન્યૂઝ ચેનલો પર વધુ ને વધુ ઉગ્રતાપૂર્વક ચર્ચા કરતાં જણાય છે.

અમિતાભ બચ્ચન -જયા

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ગાંધી પરિવારની ખૂબ નિકટ હતા. રાજીવ ગાંધી સાથે તેમને મૈત્રી હતી. અમિતાભ બચ્ચન પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટયૂટ દ્વારા અભિનયની તાલીમ લઈને બહાર આવી સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ કે. અબ્બાસ નામના મશહૂર લેખક અને ફિલ્મમેકરને ભલામણ કરી અમિતાભ બચ્ચનને ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મમાં કામ અપાવ્યું હતું. પાછળથી રાજીવ ગાંધી તેમને કોંગ્રેસ તરફથી ટિકિટ આપી અલાહાબાદ મતક્ષેત્રમાંથી ચૂંટણી લડાવી લોકસભામાં લઈ આવ્યા હતા. પાછળથી અમિતાભના ગાંધી પરિવાર સાથે સંબંધો બગડી ગયા હતા અને બચ્ચન પરિવાર અમરસિંહ સાથેની દોસ્તીના કારણે મુલાયમસિંહની પાર્ટીનો સમર્થક બની ગયો હતો. આજે જયા બચ્ચન મુલાયમસિંહના આશીર્વાદથી રાજ્યસભામાં છે અને તેમને મુલાયમસિંહ સાથે દોસ્તી કરાવનાર અમરસિંહ મુલાયમસિંહની પાર્ટીમાંથી આઉટ થઈ ગયા છે. એ જ રીતે અમિતાભ બચ્ચન સાથે ‘શરાબી’ ફિલ્મમાં રોલ કરનાર અભિનેત્રી જયાપ્રદા પણ અમરસિંહને કારણે રાજનીતિમાં છે. અમિતાભ બચ્ચન પર જેમના અનેક ઉપકાર છે તેવા ગાંધી પરિવારને છેહ દેવાની ઘટના બાદ યુપીએ સરકારે અભિનેત્રી રેખાને રાજ્યસભામાં નિયુક્ત કરી મોટી સોગઠી મારેલી છે.

અન્ય પ્રતિભાઓ

જેઓ રાજનીતિમાં નહોતા છતાં રાજનીતિમાં આવ્યા હોય તેવું સહુથી મોટું ઉદાહરણ હાલના વડાપ્રધાન ડો. મનમોહનસિંહ ખુદ છે. તેઓ અર્થશાસ્ત્રી છે. તેઓ અગાઉ ભારતની રિઝર્વ બેન્કના ગવર્નર હતા. તેમને રાજનીતિમાં લાવવાનું કામ પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવે કર્યું હતું. ભાજપના યશવંત સિંહા ખુદ એક આઈએએસ ઓફિસર છે અને બ્યુરોક્રસીમાંથી આવેલા છે. ભાજપના જસવંતસિંહ આર્મીમાંથી આવેલા છે. કોંગ્રેસના શશી થરૂર રાજનીતિમાં આવતા પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં ન્યૂ યોર્ક ખાતે મહત્ત્વપૂર્ણ ફરજ બજાવતા હતા. ભાજપનાં મહિલા પ્રવક્તા નિર્મલા સીતારામન રાજકારણમાં આવતા પહેલાં લંડનના એક ઔદ્યૌગિક ગૃહમાં મોટો હોદ્દો ધરાવતાં હતાં. ભાજપના નવજોતસિંહ સિદ્ધુ ક્રિકેટર હતા. આજકાલ રાજનીતિમાં વિદૂષકનો રોલ ભજવે છે.

લોકપ્રિયતા અને મત

ફિલ્મ કલાકારોની લોકપ્રિયતાથી લોકોની ભીડ એકત્ર કરી શકાય છે, પરંતુ દરેક વખતે એ માનવ ભીડને મતમાં પરિવર્તિત કરી શકાતી નથી. દા.ત. એકટર ચિરંજીવી આંધ્રમાં ૨૦૦૯ની ચૂંટણી લડયા હતા. તેમની જાહેરસભામાં લાખોની માનવભીડ એકત્ર થતી હતી, પરંતુ આંધ્ર વિધાનસભાની કુલ ૨૯૪ બેઠકોમાંથી તેમની પ્રજારાજ્યમ્ પાર્ટીને માત્ર ૧૮ બેઠકો જ મળી શકી હતી. વળી આવી સેલિબ્રિટીઝ ઘણી વાર વિધાનસભા કે લોકસભા- રાજ્યસભામાં માત્ર શો-પીસ જ બની રહે છે. કેટલાક તો ચર્ચામાં ભાગ્યે જ ભાગ લે છે, કારણ કે વિવિધ રાજકીય પાર્ટીઓ ચૂંટણીઓ દરમિયાન તેમની લોકપ્રિયતા વટાવવા જ તેમને ટિકિટ આપે છે. કેટલાક સભ્યો તો પાર્લમેન્ટમાં દેખાતા જ નથી. કેટલાંક દેખાય છે તો ભાગ્યે જ કોઈ પ્રશ્નો પૂછે છે. કેટલાક પ્રશ્નો પૂછે છે તો ભાગ્યે જ ચર્ચામાં ભાગ લે છે. અલબત્ત, વિવિધ ક્ષેત્રોમાંથી સારા માણસો રાજનીતિમાં આવે તે જરૂરી છે.

www.devendrapatel.in

આસારામ આરોપી છે કે ગુજરાત સરકારના અતિથિ?

આસારામ આરોપી છે કે ગુજરાત સરકારના અતિથિ?મોદીએ આસારામથી ડરવાની જરૂર નથી આસારામ કરતાં મોદી વધુ શક્તિશાળી છે

આસુમલ ઉર્ફે આસારામ ઉર્ફે ગોડમેન ઉર્ફે તાંત્રિક, ઉર્ફે બાપુ, ઉર્ફે બળાત્કારના આરોપી ઉર્ફે લેન્ડ માફિયા, ઉર્ફે મર્દ બનવાની યુક્તિ શીખવતા સેક્સોલોજિસ્ટ, ઉર્ફે રાજકીય નેતાઓના ગુરૂ એવા આસારામને સુરતની બે બહેનો ઉપર યૌન પીડનના આરોપ સર અમદાવાદ લાવવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે આટઆટલા ગંભીર આરોપો ધરાવતા આસારામ ગુજરાતની પોલીસ માટે આરોપી છે કે અતિથિ ?

આસારામની સેવામાં

એ વાત સુનિશ્ચિત છે કે, આસારામ અને અડવાણી વચ્ચે સિંધી ભાષાનો નાતો છે. એ વાત સુવિદિત છે કે, આસારામ અડવાણી સહિત ભાજપાના અનેક નેતાઓના ગુરૂ છે. એ વાદ સુવિદિત છે કે, આસારામ ગુજરાતના કેટલાક પોલીસ અધિકારીઓના પણ ગુરૂ છે. એ વાત સુવિદિત છે કે આસારામ પાસે એક વોટબેંક પણ છે. શું એ જ કારણસર તેમના ચેલાઓ તેમના ગુરૂને જેલની યાતનાઓથી બચાવવા ગુજરાતમાં આસારામને કેટલીક સુખ સગવડો આપી રહ્યા છે ? જોધપુરની જેલમાં હતા ત્યારે મહિલા સાધ્વીની માગણી કરતા હતા પરંતુ રાજસ્થાનની પોલીસે કે કોર્ટે તેવી કોઈ જ સુવિધા આપવાનો ઈનકાર કર્યો હતો, પણ હવે ગુજરાતમાં તો વૈકુંઠ મળી ગયું છે. ગુજરાતમાં ત્રણ જિલ્લાઓની પોલીસની સુરક્ષા આસારામને મળી છે. પોલીસની હાજરીમાં જ સેવિકાઓ આસારામ સુધી પહોંચી જાય છે. આસારામને કોઈક પડીકું આપ્યાની વાત પણ ચર્ચાઈ રહી છે. રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલો પર આસારામ અફીણ કે એવા કોઈ નશીલા દ્રવ્યના બંધાણી હોવાની ચર્ચાઓ સાંભળવા મળે છે. ગુજરાતની પોલીસ એરપોર્ટ પર પણ આસારામને વીઆઈપી- ગેટ દ્વારા બહાર લઈ જાય છે. ગુજરાતની પોલીસ આસારામને પગે લાગે છે. ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડની કચેરીમાં ત્રીજા માળે એરકન્ડિશન્ડ ઓફિસમાં તેમને સૂઈ જવાની વ્યવસ્થા કરાઈ હોવાની વાતો અખબારોમાં ચર્ચાઈ રહી છે. શું ગુજરાતની પોલીસ આસારામને તેમના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી સમજે છે ? ગુજરાત પોલીસનો બહુ વર્ગ પણ આસારામની વિરૂદ્ધ છે. તો પછી આ સુવિધા કોના ઈશારે અપાઈ રહી છે તે એક રહસ્ય છે. દિલ્હીના કોઈ વૃદ્ધ નેતા તો આસારામને બચાવવા મેદાનમાં આવ્યા નથી ને ?

આસારામ કહેશે તેમ-

એ વાત સુવિદિત છે કે આસારામના એક સમારંભમાં ગુજરાત સરકારના એક મંત્રી રમણલાલ વોરા એવું બોલ્યા હતા કે, ”આસારામ બાપુ કહેશે તે પ્રમાણે ગુજરાત સરકાર ચાલશે.” રમણલાલ વોરાના આ વક્તવ્યને ગુજરાતની ટેલિવિઝન ન્યૂઝ ચેનલોએ પણ દર્શાવ્યું છે. એ જ રીતે સરસ્વતી નદીમાં નર્મદાનાં નીર ઠાલવવામાં આવ્યાં તે પ્રસંગે આસારામ બાપુએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બાથમાં લઈ કહ્યું હતું કે સ્વામી રામદાસને તેમનો શિવા (ચેલો) મળી ગયો. શું ભારતીય જનતા પાર્ટી- એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ આસારામના શિષ્ય છે ? શું આ જ કારણસર ગુજરાતની કરોડો રૂપિયાની જમીનો પચાવી પાડનાર લેન્ડ માફિયા એવા આસારામ સાથે ગુજરાત સરકારનું કૂણું વલણ રહ્યું છે ? શું આ જ કારણે દિપેશ- અભિષેક જેવા નાનાં બાળકોના રહસ્યમય મૃત્યુ માટે આસારામ સામે આરોપ હોવા છતાં ગુજરાતની પોલીસ હજુ આસારામને સ્પર્શતી નથી ? શું આ જ કારણસર ગાંધીનગરના સાનિધ્યમાં આવેલો આસારામનો મોટેરા આશ્રમ અનેક ગુનાઓના આરોપ ધરાવતો અડ્ડો બની ગયો છે ? શું આ જ કારણસર ગુજરાતના બે અખબારોના માલિકોને હત્યાની સોપારી આપવાનો આસારામ સામે એક તાંત્રિકે આરોપ મૂક્યો હોવા છતાં ગુજરાતની પોલીસ આસારામ સામે એફ.આઈ.આર. નોંધવા પણ તૈયાર નથી ?

મોદી વધુ લોકપ્રિય

નરેન્દ્ર મોદી દેશના એક શક્તિશાળી અને રાષ્ટ્રીય નેતા છે. ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર છે. માત્ર

ગુજરાતમાં નહીં પરંતુ ગુજરાતની બહાર અને વિદેશોમાં પણ લોકપ્રિય છે. હવે તો મુસ્લિમો પણ તેમના ચાહકો હોવાનું કહેવાય છે. ત્યારે દેશના આટલા તાકાતવર રાષ્ટ્રીય નેતાએ વ્યભિચાર, બળાત્કાર, મર્ડર તથા જમીનો પચાવી પાડનાર લેન્ડ માફિયા જેવા અનેક આરોપો ધરાવતા એક ખતરનાક આરોપી સામે લાચાર થઈ જવાની શું જરૂર છે ? શા માટે આખા પ્રશાસનને આસારામની સેવામાં તૈનાત કરી દેવામાં આવ્યું છે ? શું આસારામ જેવો દાવો કરે છે તેમ તેઓ મોદીના ગુરૂ છે ? કે પછી અડવાણીને રાજી કરવા તેઓ આસારામ પર કૃપા વરસાવી રહ્યા છે ? સાચી વાત એ છે કે મોદીની તાકાત આગળ આસારામની કોઈ જ વિસાત નથી. મોદી સ્વચ્છ પ્રતિભા ધરાવે છે જ્યારે આસારામની પ્રતિભા કલંક્તિ છે. આસારામને પોતાનો પરિવાર છે, ૪૦૦ જેટલા આશ્રમો છે, અબજોની સંપત્તિ છે. જ્યારે મોદીને પોતાનો કોઈ પરિવાર નથી, કોઈ અંગત માલમિલકત કે આશ્રમો નથી. આસારામ સામે અનેક કેસો છે, મોદી સામે કોઈ જ કેસ નથી. તો પછી મોદીની સરકારે આસારામથી ડરવાની શું જરૂર છે ? શું નરેન્દ્ર મોદીને ગુજરાતની કન્યાઓના યૌનપીડન અને મૃત્યુ પામેલા નાનકડા બાળકોની માતા- પિતાની વેદના સ્પર્શતી નથી ?

મોદીમાં પ્રજાને વિશ્વાસ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકારની આસારામ ભક્તિ કદાચ થોડા વોટસ અપાવશે પરંતુ આસારામના કરતૂતો હવે દેશ સમક્ષ ખુલ્લા પડી ગયાં હોઈ દેશની આમ જનતાનો એક અતિવિશાળ અને જાગૃત વર્ગ આસારામને સારા માણસ ગણતો નથી. ભણેલા ગણેલા, મધ્યમ વર્ગના પરિવારો તેમની બહેન-દીકરીઓને આસારામના આશ્રમમાં મોકલવા હવે તૈયાર નથી. લાંબુ જીવવા માટે કુંવારિકાઓ સાથે સેક્સ કરવાના આરોપો ધરાવતા આસારામ સામે દેશની કરોડોની પ્રજા ગુસ્સામાં છે. આસારામની વિરૂદ્ધ દેશમાં પ્રચંડ જનમત ઊભો થયો છે. આસારામની તરફેણ કરનારાઓ આ બહુમતી વોટસ ગુમાવી શકે છે. આ વાતને ધ્યાનમાં લઈ નરેન્દ્ર મોદી જેવા સ્વપ્રતિભાવાન રાષ્ટ્રીય નેતાએ તમામ કાયદાકીય પગલાં લઈને દેશની કરોડો પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ જીતી લેવા જોઈએ. મોદી હવે રાષ્ટ્રીય નેતા બની ચુક્યા છે ત્યારે તેમણે આસારામથી અંતર રાખવું પણ જરૂરી છે. નરેન્દ્ર મોદીએ એ વાત સમજી લેવી જોઈએ કે તેઓ સ્વયં એક લોકપ્રિય નેતા છે જ્યારે આસારામ બદનામ વ્યક્તિ છે. મોદીએ તેમની કારકિર્દીની શરૂઆત ચણા,મમરા ખાઈને અને સંઘની ઓફિસમાં રહીને એક સાદગી ભર્યા પ્રચારક તરીકે કરી હતી જ્યારે આસારામે તેની કારકિર્દીની શરૂઆત દારૂ વેચવાના ધંધાથી શરૂ કરી હતી. આસારામને દારૂ સપ્લાય કરનાર કાળુજી આજે પણ ગાંધીનગરમાં હયાત છે. નરેન્દ્ર મોદીની તાકાત સામે આસારામ એક તણખલું છે. આસારામ સામે કડકમાં કડક પગલાં લઈ મોદીએ એક શક્તિશાળી નેતા તરીકે હવે આખા દેશ સમક્ષ દાખલો બેસાડવાની જરૂર છે. ગુજરાતની અને દેશની પ્રજાને નરેન્દ્ર મોદીની તાકાત અને નિયતમાં શ્રદ્ધા છે. મોદી લોકોનો એ વિશ્વાસ ડગવા નહીં દે તે તેમના ઉજળા ભવિષ્ય માટે અને રાજનૈતિક વ્યૂહની દૃષ્ટિએ પણ જરૂરી છે. ગુજરાતની કન્યાઓની લાજ લૂંટનારને સખ્ત સજા કરાવવા મોદી સમર્થ છે.

આજ ભી લાલુ, કલ ભી લાલુ, હમ ભી લાલુ, તુમ ભી લાલુ

આજ ભી લાલુ, કલ ભી લાલુ, હમ ભી લાલુ, તુમ ભી લાલુલાલુ પ્રસાદ યાદવ જેલમાં ગયા છે.

લાલુ કહેતા હતા કે, “જબ તક રહેગા સમોસે મેં આલુ, તબ તક રહેગા બિહાર મેં લાલુ.” લાલુ બિહારમાં નહીં, પણ રાંચીની જેલમાં છે.

લાલુએ એક પત્રકારને કહ્યું : તો ક્યા મૈં તુમ્હારી બીબી કો ચીફ મિનિસ્ટર બના દું ?”

લાલુની ખાસિયતો

લાલુ પ્રસાદ યાદવ તેમની રમૂજથી માંડીને ગ્રામ્ય શૈલી માટે જાણીતા રહ્યા છે. મુખ્યમંત્રી બન્યા પછી તેઓ મુખ્યમંત્રીના અધિકૃત નિવાસસ્થાને ગાયો રાખતા હતા અને જાતે જ દોહવા બેસતા હતા. ટેલિવિઝન ન્યૂઝ ચેનલોના પત્રકારો મળવા જાય તો બાંય વગરની બંડી પહેરીને જ કેમેરા સામે આવતા હતા. તે જો ઝભ્ભો પહેરે તો હાથ કરતાં ઝભ્ભાની બાંય લાંબી રાખતા આવ્યા છે. પહેલાં નોનવેજ ખાતા હતા, પછી બંધ કર્યું અને ફરી નોનવેજ ચાલુ કર્યું. કેટલીક વખત જાતે જ રસોડામાં જઈ રસોઈ બનાવતા હતા. એક વખત દેશની અનેક નદીઓના જળ મંગાવી તે જળ એક સ્વિમિંગ પુલમાં નાખી તેમાં સ્નાન કર્યું હતું. રાબડીદેવીને પણ સ્નાન કરાવ્યું હતું. જેલમાં ના જવું પડે તે માટે એક તાંત્રિક બાવા પાસે વિધિ પણ કરાવી હતી, પરંતુ એ કાંઈ જ કામ ના આવ્યું.

લાલુની રમૂજો

લાલુ પ્રસાદ યાદવ તેમની રમૂજો માટે પણ જાણીતા હતા. તેઓ મુખ્યમંત્રી બન્યા પછી વારંવાર હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હતા ત્યારે કોઈ પત્રકારે તેમને પૂછયું : “લાલુજી ! આપ તો ટેક્સી કી તરહ હેલિકોપ્ટર કા ઇસ્તેમાલ કરતે હો.”

ત્યારે લાલુએ જવાબ આપ્યો હતો : “અરે ભાઈ !વહ મશીન હૈં. ઇસકા ઇસ્તેમાલ નહીં કરેંગે તો વહ બીગડ જાયગા.”

ઘાસચારા કાંડમાં તેમની સામે ફરિયાદ થઈ અને પહેલીવાર જેલમાં જવાનું થયું ત્યારે તેમણે તેમનાં પત્ની રાબડીદેવીને મુખ્યમંત્રી બનાવી દીધાં હતાં, કોઈ પત્રકારે તેમને પૂછયું : “લાલુજી ! આપને તો અપની બીબી કો સી.એમ. બના દિયા.”

તો લાલુએ જવાબ આપ્યો : “તો ક્યા તુમ્હારી બીબી કો સી.એમ. બના દું ?”

એકવાર લોકસભામાં ચર્ચા દરમિયાન તેઓ બોલ્યા હતા કે : “મૈં ભી પ્રધાનમંત્રી બનના ચાહતા હું.” તે પછી કોઈ પત્રકારે તેમને પૂછયું : “લાલુજી ! ક્યા આપ ભી પ્રધાનમંત્રી બનના ચાહતે હૈ ?”

તો લાલુએ પત્રકારને સામો પ્રશ્ન પૂછયો હતો : “ક્યા તુમ એડીટર બનના નહીં ચાહતે હો ?”

બે ગુરુબંધુઓ

લોકનાયક જયપ્રકાશ નારાયણના બે ચેલા પૈકી એક નીતીશકુમાર અને બીજા લાલુ પ્રસાદ યાદવ. બેઉ આજે એકબીજાની સામે છે. નીતીશકુમારની છબી એકંદરે સ્વચ્છ રહી છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવની છબી ભ્રષ્ટાચારથી ખરડાયેલી છે. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ૧૯૯૬માં બિહારમાં રૂ. ૯૫૦ કરોડનું ઘાસચારા કૌભાંડ જાહેરમાં આવ્યું હતું. જેમાં ઘાસચારો, દવાઓ અને પશુઓ માટેના આહારની ખરીદીનાં બોગસ બિલોથી રાજ્યની તિજોરી ખાલી કરી દેવામાં આવી હોવાનું ‘કેગ’ના રિપોર્ટમાં બહાર આવ્યું હતું. ‘કેગ’ના એ રિપોર્ટને લાલુ પ્રસાદ યાદવે વિધાનસભાના મેજ પર રજૂ કર્યો નહોતો. ૧૯૯૬માં બિહાર ભાજપાના પ્રમુખ સુશીલકુમાર મોદીએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો હુકમ કર્યો અને સુપ્રીમ કોર્ટે પણ તેની પર મંજૂરીની મહોર મારતાં તા. ૨૪ જાન્યુઆરી, ૧૯૯૬ના રોજ પોલીસે એફ.આઈ.આર. દાખલ કરી હતી. પરિણામ સ્વરૂપ લાલુ પ્રસાદ આજે જેલમાં છે.

લાલુની કારકિર્દી

આ કાનૂની પ્રક્રિયાને સંપૂર્ણ થતાં ૧૯ વર્ષ લાગ્યા છે. આટલાં વર્ષો દરમિયાન બિહારમાં લાલુ પ્રસાદે જાતિવાદના સહારે પોતાની રાજનીતિ ચલાવી હતી. તેઓ યાદવ અને મુસ્લિમોની ધરી બનાવી સત્તા પર આવ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે બિહારને જાપાન બનાવી દેવાની અને બિહારની સડકોને હેમા માલિનીના ગાલ જેવી સુંવાળી અને ચમકીલી બનાવી દેવાની વાતો કહી હતી. આમ તો તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત માત્ર ૨૯ વર્ષની વયે જ શરૂ થઈ હતી. ૨૯ વર્ષની વયે તેઓ ચૂંટાઈને લોકસભામાં ગયા હતા. તેના ૧૩ વર્ષ પછી તેઓ બિહારના મુખ્યમંત્રી બન્યા હતા અને પાછળથી કેન્દ્રમાં રેલવેમંત્રી બન્યા હતા. ૧૯૯૦માં એલ. કે. અડવાણીએ તેમની રથયાત્રા કાઢી ત્યારે બિહારમાં અડવાણીની ધરપકડ કરીને તેઓ જાણીતા બની ગયા હતા. કેન્દ્રમાં રેલવેમંત્રી બન્યા બાદ તેમણે રેલવેને નફો કરતી કરી દીધી હતી, પણ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, લાલુએ રેલવેની સંપત્તિ વેચી વેચીને ચોર દરવાજેથી તેનું ખાનગીકરણ શરૂ કર્યું હતું. રેલવેભાડાં નહીં વધારવા પાછળ સસ્તી લોકપ્રિયતા જ હાંસલ કરવાનો તેમનો દાવ હતો. તેમની વાતોથી પ્રભાવિત થઈને આઈઆઈએમ જેવી સંસ્થાઓએ પણ તેમને પ્રવચનો આપવા બોલાવ્યા હતા, પરંતુ લાલુનો અસલી ખેલ તેઓ જાણતા નહોતા એ વખતે આવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓને ખબર નહોતી કે જે વ્યક્તિ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના પાઠ ભણાવી રહ્યા છે તે એક અપરાધી છે.

સમીકરણો બદલાશે

દિલ્હીની પ્રેસ ક્લબમાં જઈને કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ જે વટહુકમ ફાડીને ફેંકી દેવાની વાત કરી તે વટહુકમ પર જો રાષ્ટ્રપતિની સહી થઈ ગઈ હોત તો ભારતની રાજનીતિમાં લાલુ જેવા મુજરીમોની લાઈન લાગી જાત. રાહુલ ગાંધીના આક્રોશ બાદ ગુનેગારોની રાજકીય કારકિર્દી બચાવે તેવા વટહુકમ પર હવે ફરી વિચારણા કરવી પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ અને વટહુકમ પાછો ખેંચવો પડયો. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, રાહુલ ગાંધીના એક ગુસ્સાએ અનેક અપરાધીઓની રાજકીય કારકિર્દી પર બ્રેક મારી દીધી. લાલુને હવે સજા થતાં બિહારના મુસ્લિમો નીતીશકુમાર તરફ ઢળે તેવી શક્યતા છે. લાલુ હવે ચૂંટણી નહીં લડી શકે તેથી તેનો સીધો ફાયદો જનતાદળ-યુને થશે. રાહુલ ગાંધીના આ વટહુકમ પર આક્રોશ બાદ નીતીશકુમાર અને કોંગ્રેસ એકબીજાની વધુ નજીક આવશે. તેની સામે નારાજ થયેલા યાદવોને ભાજપા પોતાની તરફ ખેંચવા પ્રયાસ કરશે. હવે લાલુની પાર્ટી નબળી પડશે જેથી બિહારમાં હવે ભાજપા અને જનતાદળ (યુ) વચ્ચે સીધો મુકાબલો થશે. બિહારમાં રામવિલાસ પાસવાન પણ એલજેપી નામની નાનકડી પાર્ટી ચલાવે છે. તેઓ હવે લાલુની પાર્ટી સાથેનું જોડાણ છોડી દેશે જે લાલુની આરજેડીનું વધુ ધોવાણ કરશે. અલબત્ત, લાલુ જેલમાં રહીને પણ રાજનીતિ ચલાવવાની આવડત ધરાવે છે. આ વખતે તેમાં તેઓ કેટલા કામિયાબ નીવડે છે તે જોવું રહ્યું. લાલુ જેલમાં જતાં પક્ષનું નેતૃત્વ લેવા બીજા ઘણા તૈયાર થઈ ગયા હતા, પરંતુ હવે સ્વસ્થતા ધારણ કર્યા બાદ તેમના પુત્ર તેજસ્વીએ જાહેર કર્યું છે કે, “આજ ભી લાલુ, કલ ભી લાલુ. હમ ભી લાલુ, તુમ ભી લાલુ.”

મતલબ કે લાલુ જેલમાંથી જ રાજનીતિ કરશે.

આજે જ લગ્ન કરી લઈએ કે સંગસંગ આત્મહત્યા કરીએ

કભી કભી – દેવેન્દ્ર પટેલ

  • નીલમ માત્ર ૧૮ વર્ષની કિશોરી હોવા છતાં એની ઉંમર કરતાં વધુ પુખ્ત લાગતી હતી

વિમલકુમાર શર્મા એક નાનકડા ગામની બેંકના મેનેજર છે. એક દિવસ બપોરના સમયે તેઓ કામકાજમાં વ્યસ્ત હતા ત્યાં જ એક અમિત નામનો છોકરો આવ્યો અને કહ્યું: ”અંકલ, તમારી દીકરી નીલમ સિરિયસ છે. જલ્દી હોસ્પિટલ પહોંચો.”

આજે જ લગ્ન કરી લઈએ કે સંગસંગ આત્મહત્યા કરીએ

વિમલકુમાર શર્મા બધું જ કામકાજ પડતું મૂકીને હોસ્પિટલ પહોંચ્યા. ડોક્ટરોએ કહ્યું: ”નીલમે આત્મહત્યા કરવા કોશિશ કરી છે.”વિમલકુમાર શર્મા ગભરાઈ ગયા. નીલમ બેભાન હતી. એના મોં માંથી ફીણ બહાર આવી ગયું હતું. બે ત્રણ હેડકીઓ આવી અને બંધ થઈ ગઈ. ડોક્ટરોએ કહ્યું: ”શર્મા સાહેબ નીલમ હવે નથી.”

નીલમની લાશ પર સફેદ કપડું ઓઢાડી દેવામાં આવ્યું. પોલીસ પણ આવી ગઈ. જરૃરી કાગળીયાં કરી નીલમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. શર્મા ભાંગી પડયા. તેમના પત્ની માયા દેવી માનસિક રીતે બીમાર રહેતા હતા. નીલમને એક મોટો ભાઈ હતો. રાજેશ, તે પણ આવી ગયો. ૧૮ વર્ષની વયની નીલમ બેહદ સુંદર છોકરી હતી. ભણવામાં પણ તે હોંશિયાર હતી. તે સ્કૂલમાં સારી એથ્લેટ પણ હતી. પિતાને પોતાની પુત્રી પર ગર્વ હતો. નીલમ બધી જ રીતે ડાહી હતી તો એવુ તે શું બન્યું કે તેણે આત્મહત્યા કરી લીધી ! નીલમનું મૃત્યુ આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો. પોલીસે તપાસ શરૃ કરી. નીલમના પિતાને કોઈની યે પર શંકા નહોતી. પોલીસે પૂછયું: ”નીલમને હોસ્પિટલમાં કોણ લઈ આવ્યું હતું ?”

શર્માએ કહ્યું: ”અમિત”
”અમિત કોણ છે ?”

”મારા પુત્ર રાજેશનો મિત્ર.”

પોલીસે ગામમાં જ રહેતા અમિતને બોલાવી પૂછપરછ શરૃ કરી. અમિતે કહ્યું: ”એ દિવસે સવારે ૧૧-૩૦ વાગે હું મારી મોટરબાઈક પર કામનાથ મંદિર જઈ રહ્યો હતો. હું નીલમના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે મેં જોયું તો નીલમ ઘરની બહાર ઊલટીઓ કરી રહી હતી. નીલમે મને કહ્યું કે એણે ઝેર ખાઈ લીધું છે. મેં તરત જ ઓટો બોલાવી નીલમને હોસ્પિટલમાં ભરતી કરાવી દીધી.”

પોલીસે અમિતને આટલી પૂછપરછ બાદ જવા દીધો. પોલીસ માટે પણ મૂંઝવણ એ હતી કે નિલમે ઝેર કેમ ખાધું ? શું એના ઘરમાં કોઈ લડયું હતું ? સ્કૂલમાં ટીચરે કોઈ ઠપકો આપ્યો હતો ? પણ એવું કાંઈ ના નીકળ્યું. પોલીસે હવે ઘરના જ સભ્યોની પૂછપરછ શરૃ કરી. નીલમની મા માનસિક રીતે બીમાર રહેતી હતી અને સૂઈ જ રહેતી હતી. નીલમે કોઈ સ્યૂસાઈડ નોટ પણ લખી નહોતી. પોલીસે નીલમની બેગ તપાસી. એક નોટના એક પાના પર અનેક જગાએ લખ્યું હતું: ”અમિત આઈ લવ યુ. તું મને છોડી દઈશ તો હું આત્મહત્યા કરી લઈશ.”

પોલીસને લાગ્યું કે, નીલમની આત્મહત્યાનું કારણ અમિત જ લાગે છે. પોલીસે એક રાતે અચાનક જ અમિતના ઘેર દરોડો પાડયો. પોલીસ રાત્રે જ અમિતને પોલીસ સ્ટેશને લઈ ગઈ અને નીલમે ”આઈ લવ યુ લખેલી નોટ બતાવી.” અમિત પણ હજી ૨૦ વર્ષની વયનો જ હતો. પોલીસે કડકાઈથી કામ લીધું અને અમિતે બોલવા માંડયુ.

અમિતે કહ્યું: ”સર, મને મારશો નહીં, હું અને નીલમનો ભાઈ રાજેશ બેઉ મિત્રો છીએ. કોલેજમાં સાથે જ ભણીએ છીએ. દોસ્ત હોવાના નાતે હું એકવાર રાજેશના ઘેર ગયો. મારી નજર નીલમ પર પડી. નીલમની જુવાની ઊભરી રહી હતી. નીલમ મને ગમી ગઈ હતી. મને લાગ્યું કે નીલમ પણ મારી તરફ આર્કિષત થઈ ચુકી હતી. પહેલી મુલાકાતમાં તો અમે આંખોથી જ વાતો કરી. પરંતુ એ પછી હું અવારનવાર રાજેશને મળવાના બહાને નીલમના ઘેર જવા લાગ્યો.

એક દિવસ નીલમ એકલી જ ઘરમાં હતી. મેં એને કહ્યું : ”નીલમ આઈ લવ યું. હું તને જ મળવા આવ્યો છું.”

અને નીલમ કોઈ પણ જવાબ આપ્યા વિના મીઠું સ્મિત આપીને જતી રહી. પરંતુ એના રૃમમાં જઈ મેં નીલમને પકડી લીધી. મેં નીલમને પૂછયું: ”બોલને નીલમ…. પ્લીઝ!”

”શું ?”
” તું મને ગમે છે. શું તને હું ગમું છું ?”

એણે માત્ર માથું હલાવી હા પાડી અને ફરી તે ડ્રોઈંગરૃમમાં દોડી ગઈ. એ પછી હું નીલમ એકલી જ ઘરે હોય ત્યારે મળવા જતો. ત્યારપછી અમે બહાર પણ મળવા લાગ્યા.નજીકના ટાઉનમાં જઈ સાથે પિકચર પણ જોતા. કોઈ વાર ગાર્ડનમાં મળતાં. નીલમના પપ્પા બેંકમાં ગયા હોય અને તેનો ભાઈ નોકરીએ જતો હોઈ અમને મળવાનું અનુકૂળ રહેતું. નીલમની મમ્મી એના બેડરૃમમાંથી બહાર આવી શક્તી જ નહોતી. હું નીલમના સૌંદર્ય પાછળ પાગલ હતો. દિવસો જતાં મારી અને નીલમ વચ્ચેની તમામ મર્યાદાઓ તૂટી ગઈ. આ સિલસિલો જારી રહ્યો. નીલમ હવે મારા વગર રહી શક્તી નહોતી. એનો આગ્રહ હતો કે હું તેને રોજ મળું. તેણે કોલેજ ભણવાનું શરૃ કર્યું હતું. પરંતુ ગમે તે કારણસર તેને હવે ભણવા કરતાં મારી સાથે જલ્દી લગ્ન કરી લેવામાં વધુ રસ હતો. પહેલાં તો મેં કહ્યું કે ”નીલમ, હજી તારીને મારી ઉંમર ઓછી છે.”

તો નીલમ કહેતીઃ ”મને તેની પરવા નથી. મને હવે ભણવા કરતાં તારામાં વધુ રસ છે. હું તને દિવસમાં એક વાર જોતી નથી તો રહી શક્તી નથી. મને બધી જ રીતે તું રોજ જોઈએ.”

મને લાગ્યું કે નીલમના શારીરિક આવેગો અતિ તીવ્ર હતા. શાયદ તે ઉંમર કરતાં વધુ વહેલી પુખ્ત થઈ ગઈ હતી. એની રોજેરોજની માગણીને હું સંતોષી શક્તો નહોતો કારણ કે રોજ મારી પાસે એવો સમય નહોતો. માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે લાગણીઓથી પણ મારી સાથે વણાઈ ચુકી હતી. નીલમે કહ્યું: ”હું લગ્ન કરીશ તો તારી સાથે જ નહીંતર આત્મહત્યા કરી લઈશ.”

હું ગભરાઈ ગયો. મારી અને નીલમની જ્ઞાતિ અલગ હતી. મારા માતા-પિતા આ લગ્નને કદી માન્ય રાખવાના નહોતા. હું નીલમનો બોય ફ્રેન્ડ જ બની રહેવા માગતો હતો પણ તે એથી આગળ વધી ચુકી હતી. મેં એક દિવસ કહ્યું: ”નીલમ તારી અને મારી બિરાદરી અલગ છે, બંને જ્ઞાતિઓ આ આપણા લગ્નને માન્ય રાખશે નહીં.”

ત્યારે એ બોલી હતીઃ ”જો અમિત, હું તને બે મર્યાદ મહોબ્બત કરું છું. તું જ્ઞાતિ કે કોમનું બહાનું કાઢીને છટકવાનો પ્રયાસ કરીશ તો હું આત્મહત્યા કરી લઈશ. મારી પાસે જે હતું એ બધું જ તને સોંપી દીધું છે. તેથી મારી સાથે દગો કરતો નહીં.”

હું સમજી ગયો કે જે છોકરીને હું સમય પસાર કરવાનું કે આનંદનું સાધન સમજતો હતો તે હવે મારા પ્રત્યેના પ્રેમમાં વધુ પ્રગાઢ હતી અને એ રીતે સમય પસાર થતો રહ્યો. નીલમની માગણી મુજબ લગભગ રોજ મારે એના ઘેર જવું પડતું. એની માનસિક લાગણીઓને તથા શારીરિક જરૃરિયાતોને સંતોષવી પડતી. પરંતુ હવે હું એનાથી ઉબાઈ ગયો હતો. વળી નીલમ તેની ઉંમર કરતાં યે વધુ વયસ્ક લાગતી હતી.

એક દિવસ નીલમે મને કહ્યું: ”અમિત, મારા ઘરમાં મારા ભાઈને મારી પર શક થવા લાગ્યો છે. મારા પર્સમાં ગર્ભ નિરોધક ટેબ્લેટ તે જોઈ ગયો છે. એણે મારા પપ્પાને ફરિયાદ કરી. મારા પપ્પાએ પણ મને ખૂબ મારી હતી. હવે એ લોકો શોધે છે કે મારે કોની સાથે સંબંધ છે? તેથી હવે આપણે જ આપણા ઘરમાં જ વાત કરી દઈએ કે આપણે પરણી જવા માંગીએ છીએ.”

મેં કહ્યું: ”આટલું જલ્દી ?”

નીલમે કહ્યું: ”હા… બે દિવસ પછી મને છોકરો જોવા આવવાનો છે. હું બીજાની સાથે રહી નહીં શકું. હું ભાગીને તારી સાથે લગ્ન કરી લેવા માંગુ છું. આજે રાત્રે જ નિર્ણય લેવાનો છે. કાલે ભાગીને લગ્ન કરી લઈએ અથવા બેઉ જણ સાથે આત્મહત્યા કરી લઈએ. તેં અને મેં સાથે જ જીવવાની ને સાથે જ મરવાની કસમ ખાધી છે યાદ છે ને!”

”પણ…?”

”પણ ને બણ નહીં ચાલે તારે મારી સાથે આજે જ લગ્ન કરવાં પડશે અથવા મારી સાથે આજે જ આત્મહત્યા કરી લેવી પડશે.”

નીલમની આંખો જોઈ હું ગભરાઈ ગયો. થોડીક ક્ષણો સુધી કાંઈક વિચાર્યા બાદ મેં પણ મનમાં એક નિર્ણય લઈ લીધો. મેં કહ્યું :”ઠીક છે નીલમ. આપણાં લગ્ન શક્ય નથી. તો સાથે જ જીવનનો અંત લાવી દઈએ. હું કાલે ઝેર લઈને આવીશ. કાલે સાથે જ પી લઈશું અને સાથે જ ઉપર જઈશું.”

નીલમ સાથે મરવાની વાત સાંભળીને રાજી થઈ. મેં તેને એક ચુંબન કર્યું. એણે પણ મને વહાલ કર્યું. નીલમે કહ્યું: ”કાલે ૧૧ વાગે હું તારી રાહ જોઈશ.”

બીજા દિવસે સવારે હું જંતુનાશક દવાની દુકાનેથી ઝેરી દવા લઈ આવ્યો.એ દિવસે ઘરમાં નીલમ મારી રાહ જોતી હતી. તેની બીમાર મા એના રૃમમાં સૂઈ ગઈ હતી. મેં બે ગ્લાસ મંગાવ્યા. બંને ગ્લાસમાં ઝેરી દવા રેડી, મેં નીલમ સામે જોયું. એ મને ભેટી પડી. એ બોલીઃ ”વહાલા, આવતા ભવમાં પણ આપણે સાથે જ રહીશું.” એમ કહેતાં તે મારા પગે પડી. તે પછી મેં ગ્લાસ લીધો. એણે પણ ગ્લાસ હાથમાં લીધો. એણે કહ્યું: ”ચાલ શરૃ કર.”

મેં કહ્યું: ”પહેલાં તું,નીલમ.”

નીલમ બોલીઃ ”મને વાંધો નથી. તું કહે તે બધું જ કરવા તૈયાર છું.” એમ કહેતા એણે ઝેર ગટગટાવી દીધું. પણ મેં ગ્લાસ ફેંકી દીધો. હું મરવા માંગતો જ નહોતો. નીલમથી છુટકારો મેળવવા મેં આ પ્લાન કર્યો હતો કે નીલમ પહેલાં ઝેર પી લે અને મારે ગ્લાસ ઢોળી દેવો. અને થોડી જ ક્ષણોમાં ચીસો પાડીને નીલમ બેભાન થઈ ગઈ. અને હું જ તેને હોસ્પિટલ સુધી લઈ આવ્યો.”

અમિતે એની વાત પૂરી કરી. પોલીસ સ્તબ્ધ થઈને વાત સાંભળી રહી. પરંતુ પોલીસ અધિકારીએ પૂછયું: ”મરતી વખતે નીલમના ભાવ કેવા હતા ?”

અમિત બોલ્યોઃ ”એની આંખોમાં આંસુ હતાં. મેં કરેલા દગા બદલ એની આંખોમાં અફસોસ હતો. પરંતુ તે લાચાર થઈને મને જોઈ રહી હતી અને હું એને તરફડતી જોઈ રહ્યો હતો. હું મારી જાતને કદી માફ કરી શકીશ નહીં.

અને અમિત પણ ભાંગી પડયો. નીલમને આત્મહત્યામાં મદદ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી.

 
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ગેઇમ ચેન્જર, રિબેલ્યન એન્ડ ‘ધ બોસ’

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

યુપીએ -૨ સરકારે કેટલાક ભ્રષ્ટ રાજકારણીઓને બચાવવા માટે તૈયાર કરેલો વટહુકમ પાછો ખેંચાવવા માટે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ‘ગેઇમ ચેઇન્જર’ સાબિત થયા. યુપીએ -૨ સરકારના પોતાના જ સાથી લાલુ પ્રસાદના ટેકાની કે પોતાની સરકારના અસ્તિત્વની પરવા કર્યા વિના રાહુલ ગાંધીએ દિલ્હી પ્રેસ ક્લબમાં જઈ જે ટૂંકું પણ ક્રાંતિકારી વક્તવ્ય આપ્યું તેથી આખી બાજી બદલાઈ ગઈ. પરિણામે લાલુ આજે જેલમાં છે અને તેમનું સંસદસભ્ય પદ હવે સમાપ્તિના આરે છે.

ગેઇમ ચેન્જર, રિબેલ્યન એન્ડ 'ધ બોસ'

નિખાલસ રાજકારણી એ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહેલી જ વાર ગુજરાતમાં આવ્યા. ગુજરાતના વરિષ્ઠ પત્રકારો, તંત્રીઓ અને અખબારોના માલિકો સાથે નિર્ધારિત થયેલી કુલ ૪૦ મિનિટને બદલે પોણા બે કલાક સુધી ખુલ્લા દિલે વાતો કરી. વિદાય લેતી વખતે તમામ પત્રકારો સાથે હાથ મિલાવ્યા. રાહુલ ગાંધીએ આજ સુધી દિલ્હીમાં પણ જે કર્યું નથી તે તેમણે ગુજરાતમાં કર્યું. શરૂઆતમાં બહુ થોડું જ વક્તવ્ય રજૂ કરી સામેથી જ બોલ્યા, “તમે જ પ્રશ્નો પૂછો.” ઘણાંને એમ હતું કે, રાહુલ ગાંધી એક રિલક્ટંટ પોલિટિશિયન છે. એટલે કે ઇચ્છા વગર રાજનીતિમાં આવેલા રાજકારણી છે, પણ તેઓ જે કંઈ બોલ્યા તે પરથી જે પ્રતિક્રિયા આવી તે પરથી એમ લાગ્યું કે (૧) રાહુલ ગાંધી ટિપિકલ અને રિલક્ટંટ રાજકારણી પણ નથી.

(૨) સત્તાપ્રાપ્તિની તેમને કોઈ જ ઉતાવળ નથી. (૩) વડાપ્રધાન પદ હાંસલ કરવું એ જ એમનું લક્ષ્ય નથી. (૪) વ્યંગ કે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરતા નથી. (૫) કોઈનીયે પર વ્યક્તિગત આક્ષેપો કરતા નથી. (૬) ખાદીનાં વસ્ત્રોની સાદગી દેખાવ માટે નહીં પણ સાચુકલી છે. (૭) કોઈ પણ પ્રશ્નના જવાબમાં હૃદયની લાગણી છુપાવતા નથી. તેઓ જેવા છે તેવા જ પ્રગટ થાય છે. (૮) લાંબું ભાષણ કરવામાં માનતા નથી. (૯) પોતાના પ્રવચન કરતાં બીજાઓને સાંભળવામાં તેમને વધુ રસ છે. (૧૦) પબ્લિસિટીની ઘેલછા નથી. તેમની સાથેના સંવાદ બાદ અમદાવાદના એક અંગ્રેજી અખબારે રાષ્ટ્રીય કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ માટે હેડિંગ કર્યું , THE WISE PRESIDENT રાહુલ ગાંધીને નજીકથી મળ્યા બાદ મીડિયાનો અભિપ્રાય જ બદલાઈ ગયો. ન કોઈ ગુમાન, ન કોઈ ઘમંડ.

મુઠ્ઠીભર લોકો પાસે સત્તા

રાહુલ ગાંધી કહે છે કે, Sorry. I am not the reluctant politician you would want to portray me as. હું બળવાખોર છું અને ફાઇટ આપીશ. પછી ભલે મારે મારી જ પાર્ટી સામે બળવો કરવો પડે. મને મારો અભિપ્રાય ઉચ્ચારવાનો અધિકાર છે જે અધિકાર દેશમાં બીજાઓને પણ છે. આપણને બધાને પરિવર્તન જોઈએ છે અને તેની શરૂઆત હું મારી જાતથી અને મારી પાર્ટીથી જ કરીશ.

ભ્રષ્ટ રાજકારણીઓને બચાવી શકાય તેવા યુપીએ -૨ સરકારે જ તૈયાર કરેલા વટહુકમને ફાડીને ફેંકી દેવાની તેમની વાત એ તેમની જ સરકાર સામેનો પહેલો બળવો હતો. દિલ્હી પ્રેસ ક્લબના એ હાઈ વોલ્ટેજ એપિસોડ બાદ રાહુલ ગાંધીએ પહેલી જ વાર ગુજરાતનાં મીડિયાને સંબોધતાં જે પહેલું વાક્ય ઉચ્ચાર્યું તે એથી વધુ ગંભીર હતું. તેઓ બોલ્યા, “વર્ષોથી આ દેશની સરકાર અને વિધાનસભા મુઠ્ઠીભર માણસો ચલાવે છે. રાજકીય પક્ષોનું સંચાલન પણ મુઠ્ઠીભર માણસોના હાથમાં છે. તેમાં કોંગ્રેસ અને ભાજપ બેઉ આવી ગયાં. બહુજન સમાજપાર્ટી (માયાવતીની પાર્ટી) તો એક જ વ્યક્તિ ચલાવે છે. સત્તાનું કેન્દ્રીકરણ થયેલું છે. હું આ પદ્ધતિ તોડવા માગું છું. પક્ષ કે સરકારની સત્તા છેલ્લામાં છેલ્લા માણસ-સરપંચ સુધી પહોંચાડવા માગું છું.” રાહુલ ગાંધીનું આ વિધાન આશ્ચર્યજનક એટલા માટે હતું કે આ દેશમાં ૫૦ કરતાં વધુ વર્ષ તો એકંદરે કોંગ્રેસે જ રાજ કર્યું છે અને તેમ છતાં તેમણે હિંમતપૂર્વક કહ્યું કે, “આ દેશ થોડા માણસો જ ચલાવે છે.”

હું યુવાન છું માટે

ભ્રષ્ટ રાજકારણીઓનું રાજકારણ બચાવે તેવા પોલા વટહુકમને ફાડી નાંખવાની અને એ વટહુકમને બકવાસ કહેવાની વાતનો તેમને કોઈ અફસોસ નથી. તેઓ બોલ્યા, “મારી માતાએ મને કહ્યું હતું કે મારા શબ્દો કઠોર હતા, એ વાત સાચી પણ મારી લાગણીઓ સાચી હતી. હું યુવાન છું. મને જ્યારે પણ જે લાગણીઓ જન્મે છે તેને અભિવ્યક્ત કરી દેવામાં માનું છું. મોટા ભાગના કોંગ્રેસીઓ પણ આ વાત સાથે સંમત થશે.” ઘણાંને લાગતું હતું કે રાહુલ ગાંધી સ્વયં દ્વિધાથી ભરેલું વ્યક્તિત્વ છે, પરંતુ પોણા બે કલાકના એ બ્રેન ર્સ્ટોર્ષિંમગ સેશન બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે તેઓ તેમની વિચારધારામાં સ્પષ્ટ છે. યુવાનો માટે તેમણે કહ્યું, “બીજા અનેક યુવાનોની જેમ હું પણ આ દેશને ભ્રષ્ટાચારથી મુક્ત બનાવવા માગું છું. ૧૨૦ કરોડ ભારતીયોનું ભવિષ્ય ૫૦૦ મુઠ્ઠીભર માણસોના હાથમાં સોંપી શકાય નહીં. આ કામ હું મારી પાર્ટીમાં સુધારા લાવીને શરૂ કરીશ.”

નો પોલરાઇઝેશન તમારા જાહેરજીવનની પ્રથમ અગ્રતા કઈ છે? એ પ્રશ્ન અંગે પણ તેમનો મત સ્પષ્ટ હતો, “મને સૌથી મોટી ચિંતા આ દેશને બહુમતી અને લઘુમતીમાં વહેંચી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે છે. જ્યારે જ્યારે આ દેશને હિન્દુ અને મુસલમાનોની વચ્ચે વહેંચી દેવાનો પ્રયાસ થયો છે ત્યારે ત્યારે પાકિસ્તાન મજબૂત થયું છે. ભારતનો હિન્દુ અને મુસલમાનોને અલગ કરવાનો પ્રયાસ આ દેશની એકતા અને એખલાસના મૂળ હાર્દને ભારે નુકસાન પહોંચાડે છે. પાકિસ્તાન સરહદ પારથી શસ્ત્રો, આતંકવાદીઓ અને ડ્રગ્સ ભારતમાં મોકલી શકે છે. હું તેમ કરી શકું તેમ નથી. આપણે જો એક રહીશું તો પાકિસ્તાનને હરાવી શકીશું. ભારતે તેની સૌથી વધુ શક્તિશાળી તાકાતનું પ્રદર્શન સ્વતંત્રતાના સંગ્રામ વખતે કર્યું. તેની સફળતાનું રહસ્ય એક જ હતું અને તે આપણી વિવિધતામાં એકતા.”

ભ્રષ્ટાચાર અંગે

દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાની બાબતમાં અણ્ણા હજારેની ફોર્મ્યુલા સાથે તેઓ સ્પષ્ટ રીતે અસહમત છે. તેઓ કહે છે, “અણ્ણાની સૂઝ સરકાર પર સુપર મોનિટર (લોકપાલ) મૂકવાની વાત કરે છે, પણ તેથી કોઈ સ્વચ્છતા નહીં આવે. એમ કરવાથી તો સુપર મોનિટર પોતે જ વધુ ભ્રષ્ટ થઈ જશે. એક જમાનામાં ટેલિફોનનું જોડાણ લેવા માટે પણ લાંચ આપવી પડતી હતી અથવા એમપીના કોટામાંથી ફોન લેવા સાંસદ પાસે જવું પડતું હતું, પરંતુ અમે જ્યારે અનેક પબ્લિક ટેલિકોમ બુથ ખોલી આખી સિસ્ટમને જ ઉઘાડી કરી દીધી છે અને મોબાઇલ લાવી દીધા. હવે કોઈએ ફોન માટે લાંચ આપવી પડતી નથી. પોલિટિકલ સિસ્ટમ વર્ષો પહેલાંની ટેલિકોમ સિસ્ટમ જેવી છે. હવે તમારે મુઠ્ઠીભર માણસોનો કંટ્રોલ જવા દઈ વધુ ને વધુ માણસોને પોલિટિકલ સિસ્ટમમાં જોડવા જોઈએ. હું નથી કહેતો કે એમ કરવાથી બધું સ્વચ્છ થઈ જશે, પરંતુ પરિસ્થિતિમાં સુધારો તો જરૂર થશે.”

ગાંધીજીમાં વિશ્વાસ

મોટા ગજાના નેતાઓ હાથમાં મોબાઇલ રાખવામાં નાનમ અનુભવે છે. તેમના મોબાઇલ તેમના અંગત સચિવો પાસે હોય છે,પરંતુ રાહુલ ગાંધી મીડિયાના તંત્રીઓ, માલિકો અને પત્રકારો સામે પોતાનો મોબાઇલ લઈને જ આવ્યા. તેમના જીવનની અગ્રતા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાનો મોબાઇલ ખોલી ગાંધીજીના સાબરમતી આશ્રમમાં તેમણે જ લીધેલી એક તસવીર દર્શાવતાં કહ્યું, “જુઓ, આ સર્કલના કેન્દ્રમાં સત્ય અને અહિંસા છે. તેની આસપાસ જ્ઞાન, અન્ન, શક્તિ અને પ્રેમ છે. આમ તો આ એક પુરાણું મોડલ છે, પરંતુ મને તે રસપ્રદ લાગ્યું.”

બળવાખોર પરિવાર

ગુજરાતનાં સમગ્ર મીડિયાને લાગ્યું કે, રાહુલ ગાંધીને સત્તાપ્રાપ્તિની દોડ કરતાં દેશની સરકારની અને પોતાની જ પાર્ટીની સિસ્ટમમાં આમૂલ પરિવર્તનની ચિંતા છે. તેઓ મેનિપ્યુલેટર નહીં, પરંતુ વિચારશીલ રાજકારણી છે. વાતચીત, વાણી અને વ્યવહારમાં નહેરુ ગાંધીમાં પરિવર્તનની ગરિમા છલકે છે. હા, બળવાખોર પ્રકૃતિ જરૂર છે જે તેમને વારસામાંથી મળેલી છે. તેમના ગ્રેટ ગ્રાન્ડ ફાધર જવાહરલાલ નહેરુ વર્ષો પહેલાં અમદાવાદમાં એક ઇમારતના શિલારોપણ માટે આવેલા હતા. ખાતમુહૂર્ત પહેલાં એક બ્રાહ્મણે લાંબા લાંબા શ્લોક બોલવાનું શરૂ કરતાં જવાહરલાલ નહેરુએ તેમને રોકતાં કહ્યું હતું, “વડાપ્રધાનનો સમય આ રીતે વેડફવા માટે નથી. શ્લોકો બંધ કરી દો.” જવાહરલાલ નહેરુને એક વખત તેમના જ મતવિસ્તારનું એક પ્રતિનિધિમંડળ મળવા આવ્યું ત્યારે તે પ્રતિનિધિમંડળને મળવાનો ઇન્કાર કરી દેતાં તેમણે કહ્યું હતું, “હું આ દેશનો વડાપ્રધાન છું. બીજા ૫૦૦ સાંસદો પૈકીનો એક નથી કે જેણે પોતાના જ મત વિસ્તારની ચિંતા કરવાની હોય.”

રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે પત્રકાર પરિષદ વખતે જ વિદેશ સચિવને પાણીચું આપી દીધું હતું. તેમનાં દાદી ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડી સામે બળવો કરી વી.વી. ગીરીને મેદાનમાં ઉતાર્યા હતા અને વી.વી.ગીરીને જિતાડી દીધા હતા. તેમનાં માતા સોનિયા ગાંધીએ કોંગ્રેસના પ્રમુખ સીતારામ કેસરીને હટાવી કોંગ્રેસની કમાન સંભાળી લીધી હતી. હવે રાહુલ ગાંધી પણ એ જ માર્ગે છે. ડો. મનમોહનસિંહની કેબિનેટે પસાર કરેલા વટહુકમને પાછો ખેંચવાની ફરજ પાડી રાહુલ ગાંધીએ એ વાત પણ સાબિત કરી દીધી છે કે, ‘I am the boss, of course rebellion Boss. રાહુલ ગાંધી પાસે હજુ આવા અનેક બળવાઓની અપેક્ષા છે. જૂથબંધી એ કોંગ્રેસનું કેન્સર છે. મોંઘવારી આ દેશની સમસ્યા છે. ગરીબી આ દેશમાં અભિશાપ છે. ભ્રષ્ટાચાર આ દેશના લોહીમાં વણાઈ ગયો છે. કોમવાદ એ રાજકારણીઓની ભેટ છે. ત્રાસવાદીઓથી જનતા આતંકિત છે. કેટલાક અપરાધીઓથી લોકસભા અને વિધાનસભાઓ ભરેલી છે. રાજકારણ એક ધંધો છે. રાજનીતિ કાવાદાવાઓથી ભરેલી છે. આ બધી વિટંબણાઓનો અંત ક્યારે, એંગ્રી યંગમેન?

ટ્રેન ટુ દિલ્હી વાયા લખનૌ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

૨૦૧૪માં આવનારી લોકસભાની ચૂંટણીના આડે કેટલાક મહિનાઓ હોવા છતાં દેશ અને ખાસ કરીને દેશની રાજકીય પાર્ટીઓ ઇલેક્શન મોડમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીની ભીતર વિરોધ છતાં નરેન્દ્ર મોદીને ભાજપ-એનડીએના ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કરી દેવાતાં ભાજપમાં યુગાંતર થઈ ગયું. ભાજપમાં અટલ-અડવાણી યુગનો હવે અસ્ત થઈ ગયો છે. ગુજરાતમાં જીતની હેટ્રીક બાદ નરેન્દ્ર મોદી હવે ભાજપના કદાવર અને રાષ્ટ્રીય નેતા બની ચૂક્યા છે.

ટ્રેન ટુ દિલ્હી વાયા લખનૌ

મોદીની શક્તિ

નરેન્દ્ર મોદી કટ્ટર હિન્દુત્વના ચહેરા સાથે રાષ્ટ્રવાદ અને વિકાસનું બ્લેન્ડ કરી એક નવી જ શખ્સીયત તરીકે લોકો સમક્ષ જઈ રહ્યા છે. સંઘનું તેમને સમર્થન છે. દેશનાં કોર્પોરેટ ગૃહોનું તેમને સમર્થન છે. યુવાનોનું તેમને સમર્થન છે. મહિલાઓમાં તેમનું આકર્ષણ છે. વાઇબ્રન્ટ ગુજરાત અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ તેમની મૂડી છે. વક્તૃત્વ કળા તેમનું કૌશલ્ય છે. વ્યક્તિત્વ તેમનો કરિશ્મા છે. મેનીપ્યુલેશન તેમની આવડત છે.

મોદી સામે પડકારો

આ બધું હોવા છતાં મોદી સામે અનેક પડકારો છે. ભાજપને સત્તા પર લાવવામાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. રાજનૈતિક માન્યતા છે કે દિલ્હી જવાનો રસ્તો વાયા ઉત્તર પ્રદેશ થઈને જાય છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની હાલત સારી નથી. આંકડા પર નજર નાખીએ તો ૧૯૯૧માં રામમંદિર આંદોલન ઊંચાઈ પર રહેવાથી એ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ૨૨૧ બેઠકો મળી હતી. એટલે કે ભાજપને ૩૧.૪૫ ટકા મત મળ્યા હતા. એ જ વર્ષે લોકસભાની થયેલી ચૂંટણીમાં આ મતની ટકાવારી વધીને ૩૨.૨૮ ટકા થઈ ગઈ હતી અને કુલ ૮૫માંથી બાવન બેઠકો ભાજપને મળી હતી. ૧૯૯૬ની લોકસભાની ચૂંટણીમાં મતની ટકાવારી અને બેઠકો બેઉ વધ્યા હતા. લોકસભામાં બાવન બેઠકો મળી અને મતની ટકાવારી ૩૩.૪૪ થઈ ગઈ હતી. ૧૯૯૮માં ભાજપને આ રાજ્યમાંથી લોકસભાની ૮૫માંથી ૫૭ બેઠકો મળી હતી. મતની ટકાવારી ૩૬.૪૯ ટકા થઈ ગઈ હતી. એ જ સમયે અટલ બિહારી વાજપેયીની ૧૩ મહિનાની સરકાર બની ગઈ હતી, પરંતુ ૧૯૯૯માં લોકસભાની બેઠકો ઘટીને ૨૯ થઈ ગઈ. મતની ટકાવારી ઘટીને ૨૭.૬૯ ટકા થઈ ગઈ. લોકસભાની ૨૦૦૪ની અને ૨૦૦૯ની ચૂંટણીઓમાં પાર્ટીને ૮૦માંથી ૧૦-૧૦ બેઠકો જ મળી. મતની ટકાવારી ક્રમશઃ ૨૨.૧૭ અને ૧૭.૫૪ ટકા જ થઈ ગઈ. ૨૦૦૦ની સાલમાં ઉત્તરાખંડ બનતા ઉત્તર પ્રદેશની કુલ ૮૫ બેઠકોમાંથી ૮૦ થઈ ગઈ છે.

૨૦૧૨માં શું થયું?

ઉત્તર પ્રદેશમાં ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપની હાલત સહુથી વધુ કમજોર થઈ ગઈ છે. ૨૦૧૨માં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૪૭ સભ્યો જ ચૂંટાયા ૧૯૯૧માં ભાજપના ૨૨૧ ધારાસભ્યો ચૂંટાયા હતા તેથી ૨૦૧૨માં સાવ ઊલટું થઈ ગયું. ૨૦૧૨માં ભાજપને ઉત્તર પ્રદેશમાં માત્ર ૧૫ ટકા મત જ મળ્યા. ૧૯૯૯ બાદ કલ્યાણસિંહનો વિરોધ પણ પક્ષે સહન કરવો પડયો. જેના કારણે ભાજપને નુકસાન થયું. આ પરિપ્રેક્ષ્યમાં મોદી સમક્ષ હવે મોટો પડકાર એ છે કે પક્ષને તેમણે ૧૯૯૮ની સ્થિતિમાં કેવી રીતે લાવવો. ૧૯૯૮માં ભાજપને યુપીમાં ૩૬.૪૯ ટકા મત મળ્યા હતા. જે ૨૦૧૨માં માત્ર ૧૫ ટકા જ થઈ ગયા છે. ટૂંકમાં મોદીએ મતની ટકાવારીને બે ગણી અને બેઠકોની સંખ્યા પાંચ ગણી કરવી પડશે. આ એક પહાડ જેવો પડકાર છે.

દક્ષિણનાં રાજ્યો

દેશના દક્ષિણનાં રાજ્યોમાં ભાજપની પરિસ્થિતિ સારી નથી. આંધ્રપ્રદેશ, કેરળ, ઓરિસ્સા, તામિલનાડુ અને પૂર્વોત્તર રાજ્યોમાં લોકસભાની બધી મળીને કુલ ૧૮૫ બેઠકો છે. આ રાજ્યોમાં ભાજપની હાજરી નામમાત્રની છે. આ સંજોગોમાં ભાજપે બાકીની ૩૬૦ બેઠકોમાંથી જ ઉભરીને આવવું પડશે. જે રાજ્યોમાં પાર્ટીની પરિસ્થિતિ મજબૂત માનવામાં આવે છે, તેમાંથી લગભગ ૪૦ ટકા બેઠકો તો માત્ર ઉત્તર પ્રદેશમાં જ છે. તેથી મોદીએ દિલ્હીની સત્તા કબજે કરવી હશે તો ઉત્તર પ્રદેશમાં જ જબરદસ્ત વિજય હાંસલ કરવો પડશે. અલબત્ત, ઉત્તર પ્રદેશમાં મોદી માટે પડકારો અને સંભાવનાઓ બંને છે. નિષ્ણાતો માને છે કે પ્રયત્ન કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં ભાજપ સારો દેખાવ કરી શકે તેમ છે. ૧૯૮૯માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૫૮ બેઠકો મળી હતી, પરંતુ તેનાં બે જ વર્ષ પછી એટલે કે ૧૯૯૧માં એ બેઠકો વધીને ૨૨૧ થઈ ગઈ હતી. ૨૦૦૭માં વિધાનસભાની ચૂંટણીમાં મુલાયમ-અખિલેશની સમાજવાદી પાર્ટીને ૮૭ બેઠકો મળી હતી જ્યારે ૨૦૧૨માં તેમના જ પક્ષને ૨૨૪ બેઠકો મળી. ટૂંકમાં ઉત્તર પ્રદેશમાં બે વર્ષના ટૂંકા ગાળામાં ઘણો ઉછાળ આવતો હોય છે. એ ઉછાળ કેવી રીતે લાવવો તે મોદીની વ્યૂહરચના પર નિર્ભર છે. ૧૯૯૮માં ભાજપના સર્વોચ્ચ નેતા અટલ બિહારી વાજપેયી લખનૌ અને અમદાવાદ- એમ મતવિસ્તારોમાંથી ચૂંટણી લડયા હતા. ઉત્તર પ્રદેશના પણ કેટલાક નેતાઓ ઇચ્છે છે કે મોદી ગુજરાતમાંથી ચૂંટણી લડે છે પરંતુ સાથે સાથે ઉત્તર પ્રદેશમાંથી પણ ચૂંટણી લડવી જોઈએ. એમ કરવાથી ઉત્તર પ્રદેશના કાર્યકરોનું મનોબળ વધારી શકાશે.

યુપીનું જટિલ રાજકારણ

ઉત્તર પ્રદેશની રાજનીતિ જટિલ છે. હાલ સમાજવાદી પાર્ટીનું શાસન છે, પરંતુ તેની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયેલો છે. યુપીમાં અખિલેશ યાદવની સરકાર એક નિષ્ફળ સરકાર ગણાય છે. એમાંયે તાજેતરમાં થયેલાં કોમી રમખાણોને કારણે સરકારની આબરૂ ખતમ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ પર રેતીના માફિયાઓ અને નેતાઓની સાંઠગાંઠ છે. નેતાઓ જ્ઞાતિવાદ અને પછાત વર્ગોની વોટબેન્ક પર ચૂંટણી જીતે છે. એ જ રીતે મુસ્લિમ મતો પણ નિર્ણાયક રહે છે. તાજેતરનાં કોમી રમખાણો ઉત્તર પ્રદેશમાં મતોનું ધ્રુવીકરણ કરાવી શકે છે. અલબત્ત, મુસ્લિમ મતો જો સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસમાં વહેંચાય તો ભાજપને ફાયદો થાય, પરંતુ ઉત્તરપ્રદેશના મુસલમાનોને હવે સમાજવાદી પાર્ટી કે માયાવતીની પાર્ટી પર બહુ ભરોસો નથી. આ મતો કોંગ્રેસમાં જઈ શકે છે. એક સમાચાર એવા પણ છે કે પછાત અને દલીત મતો પર પ્રભુત્વ ધરાવતાં માયાવતી અને કોંગ્રેસ વચ્ચે કોઈ રાજકીય ખીચડી પકવવામાં આવી રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહે માયાવતીની તારીફ કરતાં કહ્યું હતું કે હાલની અખિલેશની સરકાર કરતાં માયાવતીની સરકાર બહેતર હતી. લાગે છે કે દિગ્વિજયસિંહ માયાવતીને ચૂંટણી જોડાણ માટે ફિલર્સ મોકલી રહ્યા છે.

અન્ય ચૂંટણી જોડાણો

ભાજપ – એનડીએની સરકાર આવે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે નિશ્ચિત છે. આ વાતનો તેમને ફાયદો પણ થઈ શકે છે અને નુકસાન પણ. ફાયદો એટલા માટે કે મોદીના નામનો મત લેવામાં ઉપયોગ થઈ શકે છે. નુકસાન એટલા માટે કે બીજા ઘટક પક્ષોના ઘણાં નેતાઓ ખુદ વડાપ્રધાન પદના ઉમેદવાર છે. તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષાના ભોગે મોદીને ટેકો નહીં આપે. દા.ત. મુલાયમસિંહ, માયાવતી, મમતા બેનરજી, શરદ પવાર, જયલલિતા પણ વડાપ્રધાન પદનાં ઉમેદવાર છે. કોંગ્રેસે વડાપ્રધાનપદ માટે અત્યારથી કોઈનુંયે નામ નહીં જાહેર કર્યું હોવાથી એણે બીજા પક્ષોના નેતાઓની મહત્ત્વાકાંક્ષા સંતોષવા એ વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. તેથી કોંગ્રેસ – યુપીએ પાસે આંકડા નહીં હોય તો મોદીને રોકવા તેઓ અન્ય કોઈને પણ ટેકો આપી દઈ શકે છે. તેથી યુપીએ પાસે ચૂંટણી પૂર્વેનાં જોડાણો માટે વધુ વિકલ્પ ખુલ્લા છે જ્યારે ભાજપે ભાવિ વડાપ્રધાન પદ માટે મોદીને જાહેર કરી દેતાં ચૂંટણી પૂર્વેના અને ચૂંટણી પછીના વિકલ્પો બંધ થઈ ગયા છે.

શરદ પવારની રમત

ડાબેરીઓને લાગેવળગે છે ત્યાં સુધી તેઓ ભાજપના કટ્ટરવાદથી દૂર રહેશે. શરદ પવાર અત્યારે ભલે કોંગ્રેસને ટેકો આપી રહ્યા છે,પરંતુ તેઓ પણ કોંગ્રેસ પાસે પૂરતી બહુમતી ન આવે તો કોંગ્રેસના ટેકાથી અથવા બીજા કેટલાકના ટેકાથી ખુદ વડાપ્રધાન બની જવાની પોસ્ટ પોલ પોલિટિકલ ગેઇમ ખેલી રહ્યા છે. તેઓ અત્યારે કોંગ્રેસ સાથેનું જોડાણ તોડી નાખવા માગતા નથી, પરંતુ ૨૦૧૪ની ચૂંટણીઓ પછીના જોડાણ માટે નવા સાથીઓ શોધી રહ્યા છે. લાગે છે કે શરદ પવારના નેતૃત્વ હેઠળના નવા મોરચામાં એ પક્ષો હશે જે હાલ નથી તો એનડીએના સાથી કે નથી તો યુપીએના સાથી કે નથી ત્રીજા મોરચાના સાથી. શરદ પવારની નજર સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, એઆઈડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, જનતાદળ (યુ) અને બીજુ જનતાદળ પર છે. જોકે, પવાર એ વાત પણ જાણે છે કે આ છ પાર્ટીઓ પૈકી ચાર પક્ષોના નેતાઓ સ્વયં વડાપ્રધાનપદના ઉમેદવાર છે, જેમાં મુલાયમસિંહ, માયાવતી, જયલલિતા અને નીતીશકુમારનો સમાવેશ થાય છે. આમ છતાં સત્તાની આ શતરંજમાં પોતે જીત મેળવી શકશે તેવી પવારને આશા છે. આ કારણથી તેઓ કોંગ્રેસ સહિત બીજા પક્ષો સાથે સુમધુર સંબંધો રાખે છે.

ટૂંકમાં નરેન્દ્ર મોદી સામે બીજા અનેક પડકારો હશે. ગુજરાતની ચૂંટણી જીતવી એક વાત છે. અનેક ભાષાઓ અને અનેક સંસ્કૃતિઓ ધરાવતા અન્ય પ્રદેશોમાં પણ ગુજરાત જેવાં પરિણામો લાવવાં તે મોદી માટે મોટો પડકાર હશે.

www.devendrapatel.in

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén