Devendra Patel

Journalist and Author

Month: July 2014

દરિયાપારથી આવેલી એક સ્ત્રી ‘કુલી’ કેમ બની હતી?

‘કુલી વુમન’ની લેખિકા ગાઈત્રા બહાદુર
કોલકાતાથી ગિયાના ગયેલી એક મજદૂર સ્ત્રીની પ્રપૌત્રી જ્યારે શ્રેષ્ઠ લેખિકા બની

 ૧૮૮૮ના જમાનાની વાત છે. એ વખતે ભારતમાંથી અનેક સ્ત્રી-પુરુષોને વહાણમાં બેસાડી વેઠિયા મજૂર તરીકે વેસ્ટઇન્ડિઝ લઇ જવાતાં. દરિયો તોફાની હોય, આકાશમાં વાદળો હોય, વીજળી થતી હોય, જહાજ હાલક ડોલક થતું હોય. વહાણ તેના લક્ષ્યાંક પર પહોંચશે કે કેમ તે નક્કી ના હોય. એવા સમયગાળામાં ઇ.સ.૧૯૦૩ના વર્ષમાં કોલકાતાથી અનેક ગરીબ સ્ત્રી-પુરુષોને લઇ “ધી ક્લાઇડ” નામનું એક વહાણ ગિયાના જવા ઉપડયું.

એ વહાણમાં એક સ્ત્રી પણ હતી. જેનું નામ ‘સુજરિયા ઃ સુજરિયા વહાણમાં બેઠી ત્યારે તે સગર્ભા હતી. તેને ગર્ભ રહ્યાને ચાર માસ થયા હતા, પરંતુ એ બધા વેઠિયા મજૂરોની વચ્ચે સાવ એકલી હતી. તેની સાથે કોઇ સગા-સંબંધી નહોતાં. ના ભાઇ, ના બહેન, ના પતિ. એ વખતે સુજરિયાની ઉંમર ૨૭ વર્ષની હતી. હા, એમાં બેઠેલા ઉતારૃઓના નામ લખવામાં આવ્યા હતા. તેમાં તેનું નામ સુજરિયા બહાદૂર એવું લખવામાં આવ્યું હતું. પતિના નામનું ખાનું ખાલી રાખવામાં આવ્યું હતું.

એ જમાનામાં દિવસોના દિવસો સુધી દરિયામાં જ રહેવું પડતું. બોટને એક બંદરેથી બીજા બંદરે પહોંચતા મહિનાઓ લાગતા. સુજરિયાએ વહાણમાં જ અપૂરતા મહિને એ બાળકને જન્મ આપ્યો. બાળક સાતમા મહિને જન્મ્યુ હતું ઃ પુત્ર હતો. એમાં યે મુશ્કેલી એ હતી કે બાળકના પગ પહેલાં બહાર આવ્યા હતા, છતાં તે બચી ગયું. બાળક કુદરત સામે સંઘર્ષ કરીને જન્મ્યુ હોઇ સુજરિયાએ તેના પુત્રને ‘લાલ બહાદુર’ એવું નામ આપ્યું. ‘બહાદૂર’ એની અટક નહોતી પણ બાળકે તોફાની દરિયામાં પવનના સુસવાટા વચ્ચે સંસારમાં પગરણ કર્યાં હોઇ તેને બહાદૂર નામ આપ્યું હતું.

એ પછી સુજરિયા નવજાત શિશુને લઇ ગિયાના બંદરે ઊતરી. અહીં તેણે મજૂર તરીકે કામગીરી શરૃ કરી. એ વખતે ગિયાનામાં શેરડી પકવવામાં આવતી હતી. શેરડીના ખેતરોના માલિકો આવા મજૂરો પાસે સખ્ત કામ લેતાં. લાકડાની કેબિનમાં મજૂરોએ રહેવું પડતું. એ કેબિન પણ મજૂરોએ ખેતરમાં જાતે બનાવવી પડતી. સુજરિયાનો પુત્ર મોટો થયો.

તે પછીના વર્ષોની ઘટનાઓનો ઇતિહાસ ઉપલબ્ધ નથી. હા, લાલબહાદુર પણ હવે પરણી ગયો હતો અને એના પરિવારમાં એક બાળકી અવતરી હતી. તે તેની પૌત્રી હતી. ગાઇત્રા બહાદૂર નામ આપવામાં આવ્યું. ૧૯૮૧માં વાત પલટાઇ. લાલ બહાદુરના પરિવારે ગિયાના છોડી દેવા નિર્ણય કર્યો. એ હજુ ખેતરમાં બનાવેલી લાકડાની કેબિનમાં જ રહેતો હતો. એણે અમેરિકા જઇ સ્થાયી થવા નિર્ણય કર્યો હતો. પોતાની માતા સુજરિયાએ બનાવેલી લાકડાની કેબિન પાસે ઊભા રહી એણે ફોટા પડાવ્યા. તેની પાસે હવે પૈસા હતા. બોટ દ્વારા અમેરિકા જવાના બદલે વિમાનની ટિકિટ લીધી.

લાલ બહાદુર પરિવાર સાથે ન્યૂયોર્ક ઉતર્યો. અહીં તેણે પરિવાર સાથે નવી જિંદગીની શરૃઆત કરી. તે ન્યૂજર્સીમાં સ્થાયી થયો. પરિવારની પુત્રી ગાઇત્રા બહાદૂર પણ અહીં જ ભણવા સતત તે ન્યૂજર્સીના મકાનમાંથી હડસન નદીની પેલે પાર આવેલા ‘મેનહટન’ વિસ્તારની ગગનચુંબી ઇમારતોને જોઇ રહેતી.

તેની દાદીના ભજનો સાંભળતી. ચેનલ્સ પર બ્રોડકાસ્ટ થતી હિન્દી ફિલ્મો નિહાળતી. ગાઇત્રાને કહેવામાં આવ્યું હતું કે ઘરની બહાર નિકળવું નહીં. ગોરા છોકરાઓની ડોટ બસ્ટર ગેંગ ભારતીય યુવતીઓ પર હુમલા કરે છે. ડોટ બસ્ટર એટલે કપાળમાં બિંદી લગાડેલી ભારતીય યુવતીને પરેશાન કરતી ગેંગ. ગાઇત્રા હવે અમેરિકામાં જ ભણવા લાગી . તે યાલેમાં ભણવા ગઇ અને અંગ્રેજી સાહિત્યમાં એ ગ્રેજ્યુએટ થઇ. તે પછી પત્રકારત્વનું ભણવા કોલંબિયા સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં ગઇ. અહીંથી તેણે પત્રકારત્વની ડિગ્રી લીધી. ૨૦૦૭માં તેને હાર્વર્ડ યુનિર્વિસટી તરફથી ‘નિમેન ફેલોશીપ’ મળી. એ વખતે તે “ધી ફિલોડેલ્ફિયા ઇન્કવાયરર” માં બીજા ૭૦ પત્રકારો સાથે કામ કરતી હતી. એ બધામાંથી એકમાત્ર ગાઇત્રાને જ ફેલોશીપ મળી હતી.

એ દિવસે એણે એના પરિવારના અતીતને યાદ કર્યો. એને થોડી થોડી ખબર હતી કે તેની વડ દાદી એક મજૂર તરીકે વહાણમાં બેસીને ગિયાના આવી હતી. તે કોણ હતી? શા માટે ભારત છોડયું? તેના સગા સંબંધી કોણ હતા? એ બધા પ્રશ્નોના ઉત્તર શોધવા એણે સંશોધન કરવા નિશ્ચય કર્યો. તે હવે એક ન્યૂઝ સ્ટોરી કરવા માંગતી હતી.

એક સંશોધનાત્મક પત્રકાર તરીકે એણે કામગીરી શરૃ કરી. તેની પાસે હાર્વર્ડની ફેલોશીપ તો હતી જ. તેની દાદી કયા વહાણમાં આવી હતી? કઇ તારીખે તે કોલકાતાથી ઉપડયું હતું? તેમાં કોણ કોણ ઉતારૃ હતા? તે બધી ખોજ કરવા તે લંડન ગઇ. ફેલોશીપના પૈસા ટૂંકા હતા. છતાં તે એકલી હોઇ તેણે બે વર્ષ સુધી બ્રિટન અને કેરેબિયનના આર્કાઇવ્ઝમાં સંશોધન જારી રાખ્યું. એ બહુ જ મુશ્કેલ કામ હતું. એની દાદી સુજરિયાએ “ધી કલાઇડ” નામના જે વહાણમાં મુસાફરી કરી હતી તેનો રેકોર્ડ નાશ પામી ચૂક્યો હતો. એ જ રીતે તેની દાદીના અવાજ, પત્રો કે બીજા કોઇ દસ્તાવોજોની સ્મૃતિ ઉપલબ્ધ નહોતી. છતાં એણે એની દાદીની સ્ટોરીની ખોજ જારી રાખી. એક લાંબી દડ મજલ અને સખ્ત પરિશ્રમ બાદ એણે એની દાદીની સ્ટોરી રૃપે એક પુસ્તક લખ્યું ઃ “ર્ઝ્રંર્ંન્ૈંઈ ઉર્ંસ્છગ્દ” અર્થાત મજુર સ્ત્રી. એ પુસ્તકમાં એ સતત પ્રશ્નો પૂછતી રહે છે ઃ “શા માટે મારી દાદી સુજરિયાએ મજૂર થવાનું પસંદ કર્યું? સુજરિયા ઉચ્ચ બ્રાહ્મણ કુળની સ્ત્રી હોવા છતાં તેણે ગિયાનામાં શેરડીના ખેતરમાં બંધક મજૂર થવાનું કેમ પસંદ કર્યું! તે જહાજમા બેઠી ત્યારે પ્રેગ્નન્ટ હતી તો તેના ઉદરમાં કોનંુ બાળક હતું? શું તેનું અપહરણ થયુ હતું? કોઇએ ઉંચકીને તેને વહાણમાં બેસાડી દીધી હતી? શું તે જાતેજ ઘરેથી ભાગી ગઇ હતી? શું તે વેશ્યા હતી? ગાર્ડન રિચ કોલકાતા છોડીને તે ગિયાના કેમ ગઇ? શુ તેને ખબર નહોતી કે આ વન વે જર્ની જ છે?”

ગાઇત્રા બહાદૂર “કુલી વુમન” પુસ્તકમાં અદ્ભૂત વર્ણન છે. તે કહે છે ઃ “મારી દાદીના જીવનમાં રહસ્યોને શોધવા જતાં ગિયાનામાં રહેતા લોકોની જિંદગી વિશે પણ જાણ્યું. ગિયાનામાં હું મારા કાકા-કાકીઓ, વૃદ્ધોને પણ મળી, એ બધાએ મારી દાદાની ઘણી બધી વાતો કરી. મારી દાદી મજૂરી કરતાં કરતાં માટીની બનાવેલી ચુંગી પણ પીતી હતી. મારા દાદી મજૂર બની હોવા છતાં તેનું વ્યક્તિત્વ કેરિશ્મેટિક હતું. મારી દાદીએ કોલકાતા કેમ છોડયું તે રહસ્ય તો અકબંધ જ રહ્યું પરંતુ એ સમયગાળા દરમિયાન ભારત છોડીને કેરેબિયન ટાપુ પર આવેલી ભારતીય સ્ત્રીઓની જિંદગી વિશે મને ઘણું જાણવા મળ્યું. ભારતથી આવેલી મજદૂર સ્ત્રીઓને શેરડીના પ્લાન્ટેશનના માલિકો તરફથી ભારે માર અને હિંસાનો સામનો કરવો પડતો. ભારતીય સ્ત્રીઓને ‘મેચિટે’ નામના ધારિયા જેવા શસ્ત્રથી લોહીલુહાણ કરી દેવાતી. કેટલીયે સ્ત્રીઓની કહાણીઓ તો દર્દભરી છે. એ બધુ જ વર્ણન મેં મારા પુસ્તકમાં કર્યું છે.

ગાઇત્રા બહાદુર તેના પુસ્તકમાં લખે છે ઃ મારી દાદી ઉચ્ચ કુળની બ્રાહ્મણ હોવા છતાં એણે ‘કુલી’ બનવા નિર્ણય કર્યો હોઇ ઇતિહાસમાં એ બોજ બની રહે તે માટે જ એ પુસ્તકનું નામ “કુલી વુમન” રાખ્યું છે. મેં મારા પૂર્વજોની ખોજ કરવા ભારતમાં પ્રવાસ કર્યો. મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર અને ‘ગ્રેટ ગ્રાન્ડ મધર મૂળ બિહાર-બુરહાનપુરના હતા. હું બુરહાનપુર ગઇ પણ મારા પૂર્વજોનો કોઇ તાગ ના મળતાં એક ‘ડેડ એન્ડ’ ને સ્પર્શી હું પાછી આવી. ભારતથી કેરેબિયન આવેલા બંધક મજૂરોનો રેકોર્ડ તપાસવા હું લંડન ટ્રિનીડાડ અને ગિયાનાના આક્રાઇવ્ઝના તમામ રેકર્ડસ તપાસી ગઇ. ભારતથી કુલ ૭૭ ખેપમાં બંધક મજૂરો કેરેબિનય આવ્યા હતા. તેનાથી મને જાણવા મળ્યું કે અમેરિકામાં વિકસી રહેલા અખબાર ઉદ્યોગના વપરાશનો કાગળ બનાવવા કેરેબિયનમાં આવી પ્લાન્ટેશન કરવામાં આવતુ હતું. અહીં આવેલી અનેક ભારતીય સ્ત્રીઓની હત્યાઓ તેમના સાથીદારોેએ કરી દીધી હતી. પ્લાન્ટેશનના ઓવરસિયર્સ ભારતીય સ્ત્રીઓ સાથે સુઇ જતા. એ બધાની વચ્ચે મારી દાદી સુજરિયા કેવી રીતે જીવી હશે? ૧૮૩૩માં બ્રિટને ગુલામી નાબૂદ કરતો કાયદો કર્યો તે પછી બ્રિટન જ્યાં જ્યાં રાજ્ય કરતું હતું તે તે દેશોમાંથી આવા મજૂરોને કેરેબિયન લઇ જવાતા હતા. આવા બંધક મજૂરો ભરીને પહેલુ જહાજ ૧૮૩૩માં કોલકાતાથી બ્રિટિશ ગિયાના રવાના થયું હતું. આવા મજૂરો સ્વયં ઇચ્છાથી આવ્યા છે તેમ કહેવાતું પણ એ તેમની મજબૂરી હતી. ૧૮૩૮થી ૧૯૧૭ દરમિયાન બ્રિટને ભારતમાંથી લાખ્ખો મજૂરોને જહાજમાં ભરી કેરેબિયન ઠાલવી દીધા હતા અને બધાએ શેરડી વાવવાનું અને કાપવાનું કામ કરવું પડતું. દરેક જહાજમાં પુરુષ કરતાં સ્ત્રીઓ અડધી જ રહેતી. એટલે કે દર ૧૦૦ પુરુષોએ ૪૦ સ્ત્રીઓ રહેતી. કેરેબિયન ઉતર્યા પછી સ્ત્રીઓની તંગીના કારણે સ્ત્રીઓને અનેક પુરુષો સાથે સૂઇ જવું પડતું. બળાત્કારના ભોગ બનવું પડતું. હિંસાનો ભોગ બનવું પડતું. મારી દાદી સુજરિયા પણ તેમાંની એક હતી.”

આવું ખોફનાક વર્ણન ધરાવતા મૂળ ભારતીય પણ અમેરિકન લેખિકા ગાઇત્રા બહાદુરના પુસ્તક “ર્ઝ્રંર્ંન્ૈંઈ ઉર્ંસ્છગ્દ” ને અમેરિકન અખબારો ‘ધી ન્યૂયોર્ક ટાઇમ્સ” તથા “ધી વોશિંગ્ટન પોસ્ટ” દ્વારા બેસ્ટ સેલર પુસ્તકોની યાદીમાં અગ્રણ્ય સ્થાન મળ્યું છે. એક મજદૂર સ્ત્રીના પ્રપૌત્રી પણ એક શ્રેષ્ઠ લેખિકા અને પત્રકાર બની શકે છે.

 
– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

”લેની તો થી શપથ, મગર અબ જલજીરા હી દે દો”

ચૂંટણીમાં હારી ગયા પછી અથવા તો નિવૃત્ત થયા પછી ઘણા હતાશ થઈ જાય છે. ઘણા એકાકી જીવન ગાળે છે. ઘણા નવી પ્રવૃત્તિ શોધી કાઢે છે. ઘણા જૂનાવ્યવસાય તરફ વળે છે. ઘણા ફરી બેઠા થવા કમર કસે છે. નવનિર્માણના આંદોલન પછી સત્તા ગુમાવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે એ જ દિવસથી ફરી સત્તા કબજે કરવાનો પુરુષાર્થ આરંભી દીધો હતો અને પૂરાં ૧૫ વર્ષ બાદ તેઓ ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ગુજરાતના પૂર્વ રાજસભાના સભ્ય બ્રહ્મકુમાર ભટ્ટ ચીમનભાઈ પટેલના કાળમાં ગુજરાત વિદ્યુત બોર્ડના ચેરમેન હતા, પરંતુ તેમની મુદત પૂરી થતાં બીજા જ દિવસથી તેમનુ લેમ્બ્રેટા સ્કૂટર લઈ ફોજદારી કોર્ટમાં વકીલાત કરવા જવા લાગ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નાદુરસ્ત તબિયત છતાં જૈફ વયે ગાંધીનગરમાં તેમના ખાનગી બંગલાની વિશાળ લાઈબ્રેરીમાં પુસ્તકોનાં સાંનિધ્યમાં જીવન બસર કરે છે. ગુજરાતના બીજા એક પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખે રાજનીતિને કાયમ માટે રામરામ કરી દીધા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આજે પણ તેમનો અસલી આક્રમક મિજાજ ધરાવે છે.

વીરપ્પા મોઈલી

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં યુપીએ-૨ સરકારના ઘણા મંત્રીઓ હાર્યા છે. તેમાંથી કેટલાક સુખી છે તો કેટલાક પોતાના અસલ વ્યવસાય તરફ પાછા ફર્યા છે. સૌથી પહેલાં પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલની વાત. વીરપ્પા મોઈલી મૂળ સ્વરૂપમાં લેખક છે. અત્યાર સુધીમાં તેમનાં એક ડઝન પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. તેમનાં બે પુસ્તકો (૧) ક્વેસ્ટ ફોર જસ્ટિસ અને (૨) ‘ક્વેસ્ટ ફોર ગવર્નેન્સ’ લોકાર્પણ થવાની તૈયારીમાં છે. ગઈ તા. ૮મી માર્ચે તેમની લાંબી કાવ્યકૃતિ ‘દ્રૌપદી’નું કન્નડ રૂપાંતર સ્વયં મોઈલીએ લોકાર્પણ કર્યું હતું. હવે તેનું અંગ્રેજી અને હિન્દી રૂપાંતર થઈ રહ્યું છે. ફાઈલો પર નોટ્સ લખવાની સાથે સાથે તેમણે કવિતાઓ અને ગદ્ય લખવાનું પણ ચાલુ રાખ્યું હતું. વીરપ્પા મોઈલીને આમે ય કદી સત્તાનો નશો નહોતો તેથી તેમની જિંદગી આરામથી બસર કરી શકશે.

સલમાન ખુરશીદ

હવે સલમાન ખુરશીદની વાત. સલમાન ખુરશીદ યુપીએ-૨ સરકારમાં વિદેશમંત્રી હતા અને સૌથી વધુ વિદેશ પ્રવાસ કરતા હતા. અગાઉ તેમનું સરનામું ૪, કુશક રોડ, નવી દિલ્હી હતું. હવે તેઓ નવી દિલ્હીના જામિયાનગર રોડના પોતાના ઘરમાં રહેવા આવી ગયા છે. તેઓ ધારાશાસ્ત્રી છે અને તેમનો વકીલાતનો ધંધો ફરીથી શરૂ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ૧૯૯૧માં લોકસભાની ચૂંટણી જીતવાની પહેલાં તેઓ એક છેલ્લો કેસ લડયા હતા. એ વખતે તેઓ જે કેસ લડતા હતા તેમાં તેમના વિરોધીના વકીલ તરીકે પી. ચિદમ્બરમ્ હતા. એ મુકદ્દમાની સુનાવણી કરી રહેલા એ વખતના ન્યાયાધીશ જસ્ટિસ માર્કંડેય કાત્ઝુ આજે પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ છે. હવે આ વખતે ફરુખાબાદથી ચૂંટણી હારી ગયા બાદ સલમાન ખુરશીદ ‘મિ. લોડ’ કહી દલીલો કરવાની તૈયારી કરી રહ્યા છે.

કપિલ સિબ્બલ

યુપીએ-૨ સરકારના બીજા એક પૂર્વ કેબિનેટ મંત્રી કપિલ સિબ્બલ પણ આ વખતે ચૂંટણી હારી ગયા છે. તેઓ કટાક્ષભર્યા વિધાનો માટે જાણીતા હતા. વચ્ચે વચ્ચે કવિતાઓ લખવાનો શોખ પણ ધરાવતા હતા. સત્તા પર આવતા પહેલાં તેમની ગણતરી સુપ્રીમ કોર્ટના સૌથી વધુ મોંઘા ધારાશાસ્ત્રી તરીકે થતી હતી. હવે તેઓ ફરીથી કાળો કોટ પહેરીને અદાલતોની દુનિયામાં પાછા આવી ગયા છે. યુપીએ સરકાર વખતે તેઓ કાયદામંત્રી પણ રહ્યા, સંચારમંત્રી પણ રહ્યા અને ક્યારેક અન્ય વિભાગો પણ સંભાળ્યા. હવે તેમણે પુરાણો વ્યવસાય ફરી સંભાળી લીધો છે. હમણાં તેઓ કોલકાતા ગયા હતા ત્યાં લોઢા પરિવાર અને બિરલા પરિવાર વચ્ચે ચાલી રહેલા એક કેસમાં બિરલા પરિવારના વકીલ તરીકે પેશ આવ્યા હતા.

સુશીલકુમાર શિંદે

પૂર્વ ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે થોડાક વ્યવહારુ રાજકારણી છે. તેઓ જિંદગીના અનેક ચઢાવ-ઉતાર જોઈ ચૂક્યા છે. એક પોલીસ કોન્સ્ટેબલના રૂપમાં તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ગૃહમંત્રી હતા ત્યારે પૂરી આઈપીએસ લોબી તેમને સલામ કરતી હતી. હવે તેઓ મંત્રીપદે નથી ત્યારે સૌથી પહેલું કામ તેમણે સરકારી બંગલો ખાલી કરવાનું કરી દીધું. હવે થોડાક જ સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. તેમાં તેઓ પોતાનો દાવ અજમાવવાના છે. કોંગ્રેસની બહુમતી આવે તો તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે, પણ બહુમતી આવે તો ! હાલ તો તેઓ દક્ષિણ દિલ્હીમાં ભાડાંનું મકાન શોધી રહ્યા છે.

એ. કે. એન્ટની

સૌથી સ્વસ્થ હોય તો તો તે છે એ. કે. એન્ટની. યુપીએ-૨ સરકારમાં તેઓ દેશના સંરક્ષણ મંત્રી હતા, પરંતુ સત્તાનો નશો તેમને કદી ચઢયો નહીં. પૂર્વે પણ તેઓ બસમાં જ મુસાફરી કરતા હતા. કેન્દ્રમાં મંત્રીપદ મળ્યું તો પણ તેમની કાર પર કદીયે લાલબત્તી લગાવી નહીં. તેમને ફાળવાયેલો દિલ્હીનો સરકારી બંગલો તેઓ રાખી શકતા હતા, કારણ કે તેઓ રાજસભાના સભ્ય છે, પરંતુ તેમણે જાતે જ એક નાનો બંગલો માગી લીધો છે. દિલ્હીમાં તેમની છાપ સાચુકલા ‘મિસ્ટર ક્લિન’ તરીકેની છે. યુપીએ-૨ સરકારના બીજા એક પૂર્વ મંત્રી આનંદ શર્મા વાંચવાનો, ફરવાનો અને સંગીતનો શોખ ધરાવે છે. રાજસભામાં તેઓ ઉપનેતા તો છે જ. તેમને સેમિનારોમાં બોલવાનો શોખ છે. તેમની જિંદગી આરામથી બસર થશે.

અહેમદ પટેલ

૨૦૧૪ની ચૂંટણીમાં યુપીએ-૨ કોંગ્રેસની ભલે હાર થઈ, પરંતુ ૧૦, જનપથના અત્યંત વિશ્વાસુ એવા પીઢ રાજકારણી અહેમદ પટેલ સ્થિર અને સ્થિતપ્રજ્ઞા છે. ગઈ ચૂંટણી દરમિયાન કેટલાકે તેમનું મહત્ત્વ ઘટાડવા કોશિશ કરી હતી, પરંતુ એવી કોશિશ કરનારાઓ સાફ થઈ ગયા છે અને અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં વધુ સક્ષમ અને મહત્ત્વપૂર્ણ નેતા તરીકે ફરી ઊપસી આવ્યા છે. બહુમતી વગરની યુપીએ સરકારોને ટકાવી રાખવાનું કામ માત્ર અને માત્ર અહેમદ પટેલે જ કર્યું હતું. ગઠબંધનમાં સામેલ પક્ષો અને કોંગ્રેસ વચ્ચે તેઓ સેતુ હતા. નવી દિલ્હીમાં ૨૩, મધર ટેરેસા ક્રિસન્ટ ખાતેનું તેમનું નિવાસસ્થાન આજે પણ રાતના નવ વાગ્યા પછી જ ઓફિસમાં કાર્યરત થઈ જાય. રાતના ૯થી સવારના ૩ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને પ્રજ્વલિત દીવા જોઈ શકાય. સવાર સુધી અનેક દિગ્ગજોની અહીં અવરજવર રહે. યુપીએ સરકારો વખતે તેઓ અત્યંત શક્તિશાળી રાજકારણી હોવા છતાં તેમણે કેન્દ્રમાં કદીય લાલબત્તીવાળી મોટરકાર કે મંત્રીપદ સ્વીકાર્યું નહોતું. સત્તાનો દેખાડો કે અહંકાર કદીયે પોતાની પાસે ફરકવા દીધાં નહોતાં. આ કારણથી આજે સત્તા હોય કે ના હોય તેમની જીવનશૈલીમાં કોઈ જ ફરક પડતો નથી. ઓછું બોલવું અને લો પ્રોફાઈલ પર રહેવું તે તેમની લાક્ષણિકતા છે. કોઈના યે પ્રત્યે કિન્નાખોરી ના રાખવી તે તેમની ખાનદાની છે. આ કારણથી સત્તા જતા રહ્યા બાદ પણ તેઓ સ્વસ્થ છે. આવનાર હતાશ હોય પણ તેમને મળ્યા બાદ સસ્મિત થઈ જાય છે. પક્ષમાં તેમની અદેખાઇ કરનારા ધ્વસ્ત થયા છે જ્યારે પક્ષમાં તેમનો દબદબો વધ્યો છે. જિંદગી કદીયે અટકતી નથી. કામ કરવા માગતી વ્યક્તિ માટે એક રસ્તો બંધ થાય છે તો બીજા અનેક રસ્તા ખૂલી જાય છે.

યે દબદબા યે હકૂમત

અલબત્ત, આજે જે નેતાઓ સત્તા પર છે તેઓ એ વાત ભૂલી ના જાય કે સત્તા અત્યંત લપસણી ચીજ છે. સત્તા કોઈનીયે પાસે કાયમ માટે ક્યારેય ટકતી નથી. મોગલ બાદશાહો પણ ભૂલાઈ ગયા, રાજા મહારાજાઓ પણ ભૂલાઇ ગયા, નવાબો પણ ભૂલાઇ ગયા, અંગ્રજો પણ ભૂલાઇ ગયા, સ્વતંત્રતા પછી આ દેશમાં અનેક રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો, મંત્રીઓ થઇ ગયા અને ભૂલાઇ પણ ગયા. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાને કોઈ યાદ કરતું નથી. અન્ય મુખ્યમંત્રીઓ હિતેન્દ્ર દેસાઇ ભૂલાઈ ગયા છે. ઘનશ્યામ ઓઝા, ચીમનભાઈ પટેલ, કેશુભાઇ પટેલ, સુરેશ મહેતા, દિલીપ પરીખ માત્ર અતીત બની ગયા છે. વિશ્વના મહાન શાસકો જેવાં કે જુલિયસ સીઝર, માર્ક એન્ટની, ક્લિયોપેટ્રા, સ્ટેલીન, લેનીન, હિટલર, મુસોલિની, વિન્સ્ટન ર્ચિચલ, માર્ગારેટ થેચર, દ’ગોલ, માઉત્સે તુંગ અને ચાઉં એન લાઇ પણ ભૂલાઈ ગયા. તેમનુ કોઈ સંતાન આજે સત્તા પર નથી. હાલ જે શાસકો છે તેઓ પણ એક દિવસ ઇતિહાસનો એક ભાગ જ હશે. પાલનપુર પાસેના એક ગામના શાયર હમીર કહે છે :

યે દબદબા, યે હકૂમત યે નશાએ-દૌલત સબ કિરાયે કે મકાન હૈ કિરાયેદાર બદલે રહતે હૈ અડવાણી-જોષી

ભાજપાના વયોવૃદ્ધ નેતા એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષી લોકસભામાં ચૂંટાયા છે પરંતુ દેશનું નેતૃત્વ કરવાની તેમની ઇચ્છા અધૂરી રહી ગઈ છે. તેમને કોઈ મંત્રીપદ કે હોદ્દો અપાયો નથી. પક્ષમાં કે સરકારમાં તેમના માટે કોઈ કામ નથી. અડવાણીજીએ રાષ્ટ્રપતિ બનવું હશે તો પણ હાલના રાષ્ટ્રપતિશ્રીની મુદત પૂરી થાય ત્યાં સુધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેરબાનીની રાહ જોવી પડશે.

શાયર હમીર ની જ બે નિર્દોષ પંક્તિઓ વાંચોઃ રાષ્ટ્રપતિ ભવનમાં પાર્ટી શરૂ થઈ. વેઇટરે પૂછયુ : ‘સર, ક્યા લોગે? અડવાણીજી બોલ્યા : ‘લેની તો થી શપથ, પર અબ જલજીરા હી દે દો.’

ટ્રેનની બારી પર પરદો પાડી દો ને પ્રજાના પ્રશ્નો હલ થઇ જશે

આઇએએસ પરીક્ષાના પરિણામો હંમેશાં ઉત્તેજનાત્મક હોય છે. તાજેતરમાં જ યુનિયન પબ્લિક ર્સિવસ કમિશન દ્વારા લેવાયેલી સનદી પરીક્ષામાં કેટલાક ગુજરાતી ઉમેદવારોએ સારો દેખાવ કર્યો. સફળતા માટે દરેક પાસે પોતપોતાની આગવી સકસેસ સ્ટોરી છે. કોઇ કહે છે મેં ફેસબુક જોવાનું બંધ કરી દીધું. તો કોઇ કહે છે હું ૧૮-૧૮ કલાક વાંચતો હતો. દિલચશ્પ વાત એ છે કે, આઇએએસ, આઇપીએસ, આઇઆરએસ થયેલા યુવક-યુવતીઓ વહીવટમાં આવતાં જ સંવેદનશીલતા ગુમાવે છે. બ્યૂરોક્રસીમાં એક ઉક્તિ જાણીતી છે કે આઇએએસ થયેલા અધિકારીનો ફાઇલો પર ‘આઇ એમ સેફ’ અર્થાત હું સલામત રહું એ શૈલીથી કામ કરે છે. ઉચ્ચ અધિકારીઓ કદી પણ કોઇ જોખમ ઉઠાવવા તૈયાર હોતા નથી. મામલો કોર્ટમાં જાય તો પણ ઉચ્ચ અધિકારીઓ સલામત રહે છે અને નેતાઓ ‘બિચારા’ જેલમાં જાય છે. દા.ત. યુપીએનું ૨જી સ્પેક્ટ્રમ કે નહેરૂના સમયનું મુંદ્રા સ્કેન્ડલ. નહેરૂના સમયમાં લશ્કર માટે જીપો ખરીદવા માટે કૌભાંડ થયેલું. આજે પણ લાલુ, કનીમોઝી, એ. રાજા કે કલમાડીને જેલમાં જવું પડે છે પરંતુ બ્યુરોક્રેટસ સલામત રહે છે.

એક ડઝન ટેબલ

‘ Administration’ લેટિન શબ્દ છે. તે ‘ administiare ‘ પરથી આવ્યો છે. તેનો અર્થ છે. to sarve એટલે કે રોજીન્દા કામકાજની વ્યવસ્થા કરવી અને પ્રજાનું ધ્યાન રાખવું. કેન્દ્ર કે રાજ્ય સરકારો તેને ‘જાહેર વહીવટ’ કરે છે. વહીવટ એ કળા છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં તેમના મુખ્ય મંત્રી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જાહેર વહીવટનો અદ્ભૂત ગ્રંથ છે આજે ભારતમાં કૌટિલ્યના સિદ્ધાંતનો ભૂલાઇ ગયા છે અને બ્રિટીશરોને આપેલી વહીવટની જડ પ્રથા અમલમાં છે. જેઓ વહીવટમાં છે તેઓ જાણે છે કે કોઇપણ ફાઇલ પહેલાં નીચેથી ઉપર જાય છે અને તે પછી ઉપરથી નીચે જાય છે. તૂટેલી સડક ફરી બનાવવી હોય તો એ માટેની ફાઇલ એક ડઝન ટેબલ પર થઇ પસાર થાય છે. કોઇ એક ટેેેબલ પર તે અટકી તો બધી મહેનત પર પાણી ફરી વળે છે. અને બાબુઓની આ બ્યૂરોક્રસી તૂટેલા નળને બદલવા મહિનાઓ સુધી લોકોને તડપાવે છે. સ્લમ એરિયાના લોકોની સમસ્યા, ગંદા પાણીનો નિકાલ કે માઇલો સુધી માથા પર માટલુ મૂકી પાણી લેવા જતી બેબસ મહિલાઓની સમસ્યા આ અધિકારીઓ માટે માત્ર ‘ફાઇલો’ જ છે. 

સ્ટીલ ફ્રેમ

કહેવાય છે કે હિન્દુસ્તાન પર ‘સ્ટીલ ફ્રેમ’ એ રાજ કર્યું છે. વિશાળ ભારત પર મુઠ્ઠીભર અંગ્રેજોએ રાજ કરવું હતું. એટલા મોટા દેશ પર માત્ર સૈન્ય અને શસ્ત્રના બળે રાજ કરવું શક્ય નહોતું તેથી અંગ્રેજોએ ગુલામ ભારત માટે કાયદાની એક સિસ્ટમ તૈયાર કરી. કાયદાના ચુસ્ત અમલ અને કાયદાના જ રક્ષણ માટે સરકારી માણસોની એક નોકરશાહી અસ્તિત્વમાં આવી. સરકારી અધિકારીઓની આ સાંકળને લોખંડી ચોકઠું અર્થાત ‘સ્ટીલ ફ્રેમ’ કહે છે. સનદી પરીક્ષા પાસ કરનાર એકવાર પોસ્ટીંગ મેળવે એટલે તેને પ્રજાના પ્રશ્નો કરતા બનાવેલા નિયમોમાં વધુ રસ રહે છે. નિયમો પ્રજા માટે છે તે વાત તેઓ ભૂલી જાય છે. આ એક પ્રકારની જડતા છે. રસ્તો બનાવવા એક ફાઇલે ૧૨ ટેબલ પર ગુજરવું શા માટે પડે છે એ સમજાતું નથી. બ્યૂરોક્રસીની આ સાંકળ લોકાભિમુખ રહેવાના બદલે નકારાત્મક કેમ હોય છે? કેટલીક વખતે નેતાઓએ કરેલા શિલાન્યાસવાળી યોજનાઓ માત્ર ફાઇલોમાં જ રહી જાય છે. એકવાર એક ઉચ્ચ અધિકારીને પૂછવામાં આવ્યું કે, ‘તમે મુખ્યમંત્રીની બધી જાહેરાતોને ગંભીરતાથી કેમ લેતા નથી?’ તો અધિકારીએ જવાબ આપ્યો : ‘મંત્રીઓ પાંચ વર્ષ માટે છે, જ્યારે મારે તો ૩૫ વર્ષ નોકરી કરવાની છે.’ એ વાતમાં ઉમેરવા જેવું એ છે કે કેટલીકવાર મંત્રીઓની અજ્ઞાાનતાનો પણ ઉચ્ચ અધિકારીઓ પૂરેપૂરો લાભ ઉઠાવે છે.

ટ્રેનની બારીમાંથી

એક પૂર્વ કેબિનેટ મંત્રી ટી.એસ.આર. સુબ્રમણ્યમે વર્ણવેલો દાખલો રસપ્રદ છે. તેઓ એકવાર રેલયાત્રા કરી રહ્યા હતા. એ વખતે ટ્રેન એક મહાનગરની વચ્ચેથી પસાર થઇ રહી હતી. ટ્રેનની બારીમાંથી તેમણે ઝૂંપડપટ્ટીઓની બદહાલત જિંદગીની ઝલક જોઇ. તે દૃશ્યો જોઇને તેઓ વિચલીત થઇ ગયા. સહયાત્રી સાથે ચર્ચા કરતા તેમણે કહ્યું: ‘આજે હું ઓફિસ પહોંચી વહેલી તકે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની સમસ્યા પર કોઇ સમાધાન શોધીશ.’ પરંતુ બાજુમાં બેઠેલા એક સમજદાર અને અનુભવી સહયાત્રીએ કહ્યું: “જુઓ સાહેબ! મારો અનુભવ છે કે ઝૂંપડપટ્ટીના લોકોની સમસ્યા એક અધિકારી તરીકે તમે હલ કરવા માંગતા હોવ તો બહેતર છે કે, આપ ટ્રેનની બારીનો પરદો બંધ કરી દો. એની બહાર જોવાનું બંધ કરી દો. પ્રશ્ન હલ થઇ જશે.’

૬૧૫૪ પદ પર આઇએએસ

બસ, હિન્દુસ્તાન પર આજ ‘સ્ટીલ ફ્રેમ’ એ આજ સુધી રાજ કર્યું છે. બ્રિટીશરોએ બ્રિટીશ સામ્રાજ્યને મજબૂત કરવા માટે આપેલી નોકરશાહીની લોખંડી વ્યવસ્થામાંથી આ દેશનું વહીવટીતંત્ર આજ સુધી બહાર આવ્યું નથી. નેતાઓ પરદેશ જાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘને સંબોધે છે, પણ દુનિયાના વિકસીત દેશો પાસેથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન શીખીને આવતા નથી. નોકરશાહીને તો મજા પડી ગયેલી હોઇ તેમના ‘લોખંડી ફ્રેમ’ ને તેઓે જેેમને તેમ રાખવા માંગે છે. બ્યૂરોક્રસીમાં આજે દેશમાં ૬૧૫૪ જેટલા ઉચ્ચ પદ છે. આ પદ આઇએએસ કેડરનાં છે પરંતુ તેમાંથી અત્યારે તો ૧૭૭૭ પદ પર જ નિયુક્તિ થયેલી છે. તેમાંથી ૨૧૬ પદ તો એકમાત્ર યુપીમાં જ છે. અંદાજ છે કે એક આઇએએસની નિયુક્તિ પર કેન્દ્ર સરકારને મહિને રૂ.૧૦ લાખનું ખર્ચ થાય છે. આ ખર્ચમાં તેમનું વેતન, ભથ્થું, નિવાસખર્ચ, ટેલિફોન અને સંદેશાવ્યવહાર ખર્ચ, મોટરકાર, ડ્રાઇવર અને પેટ્રોલ ખર્ચ, સુરક્ષા ખર્ચ, મેડિકલ ખર્ચ અને અંગત સ્ટાફનું ખર્ચ એ બધું સામેલ હોય છે. છેક બ્રિટીશ કાળથી આ દેશમાં આ જ પ્રણાલિકા ચાલતી આવી છે. બ્રિટીશરોએ વિદાય લીધી તે પછી સાપ ગયા પણ લીસોટા રહ્યા તેવી પરિસ્થિતિ આજે દેશમાં છે.

તાજેતરમાં જ હોંગકોંગ સ્થિત ‘પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક રિસ્ક કન્સલટન્સી’ એ ભારતની બ્યૂરોક્રસી પર એક અહેવાલ આપ્યો છે. તેમાં ભારતની નોકરશાહીને એશિયાની સહુથી બદતર નોકરશાહી તરીકે ગણવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ કેટલાક રાજનેતાઓની વિકાસ ઘોષણાઓ બાદ વિકાસમાં સહુથી વિઘ્નરૂપ ભારતની બ્યૂરોક્રસીને ગણવામાં આવી છે. પરંતુ હવે સમય બદલાયો છે. દેશમાં સુકાની બદલાયા છે.

મોદી-ઇફેક્ટ

નવી દિલ્હી ખાતે વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીના આરૂઢ થયા બાદ સરકારી અધિકારીઓ સવારે બરાબર ૯ વાગે ઓફિસમાં હાજર થઇ જાય છે અને રાતના ઘેર જતાં તેમને ૯ વાગી જાય છે. આજે બધા જ આઇએએસ અધિકારી નિયમોને વળગી રહેનારા જડ છે તેમ કહેવું સમગ્ર આઇએએસ કેડરને અન્યાય કરનારું વિધાન બનશે. આજે દેશમાં અને ગુજરાતમાં કેટલાક લોકાભિમુખ અને વ્યવહારુ અધિકારીઓ પણ છે. ગુજરાતમાંથી દિલ્હી ગયેલા એ.કે.શર્મા, ગુજરાતના કે.કૈલાસનાથન કે એ.કે.મુર્મુ જેવા ત્વરીત નિર્ણયો લેનારા ડાયનેમિક બ્યૂરોકેટસ પણ છે. વર્ષો પહેલા ગુજરાતમાં કામ કરી ચૂકેલા એચ.કે.ખાન નામના આઇએએસને આજે પણ લોકો યાદ કરે છે. હિતેન્દ્ર દેસાઇના સમયમાં ઇશ્વરન પણ આવા ઉત્કૃષ્ઠ અધિકારી હતા. પી.કે.લહેરી અને કિરીટ શેલત ગુજરાતી અધિકારીઓ હોવા છતાં તેમની અણઆવડતના કારણે નિષ્ફળ ગયા હતા અને કામગીરી બજાવવામાં બિન કાર્યક્ષમ સાબિત થયા હતા. ગુજરાતના નવા પોલીસ વડા પી.સી.ઠાકુર પણ એક નીડર અને લોકાભિમુખ અધિકારી છે. મુંબઇમાં ખેરનાર પણ એક લેજન્ડરી અધિકારી હતા. પંજાબના પૂર્વ આઇપીએસ કે પી.એસ.ગિલ અને મુંબઇના સુપરકોપ જુલિયા રિબેરોને નિયમમાં રહીને પણ પરિણામલક્ષી કામગીરી બજાવી હતી. વહીવટી સુધારણામાં આમૂલ પરિવર્તનની જરૂર છે. આ કામ નરેન્દ્ર મોદી જ કરી શકે તેમ છે. ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થાપવા માટે અત્યાર સુધી રેડ રેપીઝમ હતું. નરેન્દ્ર મોદીએ રેડ ટેપીઝમ ખતમ કરી નાંખીને ‘રેડ કાર્પેટ’ બીછાવી શ્રેષ્ઠ દાખલો બેસાડેલો છે પણ બીજા ખાતાંઓમાંથી રેડ ટેપીઝમ હજુ ખતમ થવાનો ઇન્તજાર છે. નવા તૈયાર થઇને આવેલા આઇએએસ અધિકારીઓએ હવે નોકરશાહીના જૂના ડાઘ ધોવા પડશે. તેમની પાસે પ્રજાને ઘણી ઉમ્મીદો છે. સામે પડેલા કોફીના કપને હોઠ સુધી પહોંચવા માટે મહિનાઓ લાગવા ના જોઇએ. પ્રજાને આવા સુશાસનની અપેક્ષા છે.

બ્રિટિશરોએ ગુલામ ભારતને આપેલી સ્ટીલ ફ્રેમઆજે પણ ભારતમાં જડતાપૂર્વક વહીવટ કરે છે

ફીનિક્સ પક્ષીની જેમ રાખમાંથી પેદા થયેલો એક શહેન ‘શાહ’

‘ફીનિક્સ’ એક બેહદ રંગીન પક્ષી છે જેને ભારતીય, ચાઇનીઝ, ગ્રીક, રોમન અને પ્રાચીન મિસરની દંતકથાઓમાં અમરપક્ષી તરીકે વર્ણવવામાં આવ્યું છે. તેનું આયુષ્ય ૫૦૦ થી ૧૦૦૦ વર્ષનું હોય છે. કથા એવી છે કે તે પોતાના માળાની આસપાસ નાના તણખલાં ગોઠવી સ્વંય માળા સાથે સળગી જાય છે અને એ જ રાખમાંથી તે ફરી પેદા થાય છે. પોતાની જ રાખમાંથી પેદા થવાની તેમની ક્ષમતાને કારણે તેને અમરપક્ષી પણ કહેવામાં આવે છે. રાજનીતિમાં પણ ફીનિક્સ પક્ષીની જેમ પ્રજવલિત થઇ ગયા બાદ એ જ રાખમાંથી ફરી જન્મ પામ્યા હોય તેવા જૂજ ઉદાહરણ છે. જેઓ જેલવાસ અને ગુજરાતમાંથી દેશવટો પામ્યા પછી રાજકીય રીતે ખત્મ થઇ ગયા છે એમ મનાતું હતું પરંતુ તેઓ ફરી ફિનિક્સ પક્ષીની જેમ પુનર્જન્મ પામ્યા છે એટલું જ નહીં પરંતુ વધુ શક્તિશાળી બનીને બહાર આવ્યા છે.

નામ : અમિત અનિલચંદ્ર શાહ

વય : ૪૯ વર્ષ
જન્મ : મુંબઇ
વતન : માણસા

પરિવાર : છ બહેનો વચ્ચે એક ભાઇ. પત્ની અને પુત્ર

અભ્યાસ : બી.એસસી. સી.યુ.શાહ કોલેજ, અમદાવાદ

સ્વભાવ : મીતભાષી
અમિત શાહની પ્રકૃતિ

રાજનીતિની ગલિયારોમાં અમિતભાઇ તરીકે જાણીતા આ નેતાની કારકિર્દીનો પ્રોફાઇલ લાંબો અને જાણીતો છે. પ્રકૃતિ ઓછું બોલવું અને અંતર્મુખીની છે. સ્વભાવ વ્યવહારુ અને મિત્રો માટે જે કરવું હોય તે કરી છૂટવાનો ઓબ્લાઇજિંંગ નેચર છે. વફાદારી સર્વશ્રેષ્ઠ ગુણ છે. અંતર્મુખી હોવા છતાં રાજનીતિમાં ટેકટીકલ માઇન્ડ ધરાવતી બાહોશ વ્યક્તિ છે. જે પરિણામો હાંસલ કરવા છે તે હાંસલ કરવા માટે જે ક્ષમતા જોઇએ તે બધી જ છે. શામ, દામ, દંડ અને ભેદ- કોઇપણ પ્રયુક્તિ કે પ્રલોભનનો ઉપયોગ કરી પરિણામ હાંસલ કરવામાં માહેર છે. યુ.પી.માં ૮૦માંથી ૭૧ બેઠકો હાંસલ કરી વિપક્ષોને ઠીક પણ ખુદ ભાજપાના માંધાતાઓને સ્તબ્ધ કરી દીધા. આજે તેઓ દેશની એનડીએ સરકારના મુખ્ય પક્ષ-ભાજપાના સર્વોચ્ચ પદે આરૃઢ છે. ઇતિહાસમાં પહેલી જ વાર એક ગુજરાતી રાજનેતાને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દેશના વડાપ્રધાન પણ એક ગુજરાતી હોય અને સત્તાધારી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ પણ એક ગુજરાતી હોય તેવું પહેલી જ વાર બન્યું છે. વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીની પસંદગી બાદ બીજા પણ કેટલાક ઉમેદવારો પક્ષના પ્રમુખપદની લાઇનમાં હતા. દિલ્હીના જે.પી.નડ્ડા, રાજસ્થાનના ઓમ માથુર અને બિહારના સુશીલકુમાર મોદી પણ પક્ષના પ્રમુખ બનવા માંગતા હતા. આરએસએસને પણ એક જ રાજ્યમાંથી એક વ્યક્તિ વડાપ્રધાન બને અને એ જ રાજ્યમાંથી બીજા વ્યક્તિ પક્ષના પ્રમુખ બને તે સામે કેટલાક રિઝર્વેશન્સ હતાં. પરંતુ પક્ષના બધા જ રણનીતિકારો હવે સરકારમાં હોઇ સંગઠનાત્મક કૌશલ્યના મેરીટ્સ પર અમિત શાહની પસંદગી સિવાય સંઘ પાસે કોઇ વિકલ્પ નહોતો.

માઇક્રોપ્લાનિંગ

અમિત શાહની ખૂબી છે કે તેઓ રણમાં પણ વહાણ ચલાવી શકે છે. આંધીમાં પણ હવાઇ જહાજ ઉડાડી શકે છે. તેમને યુ.પી.ના પ્રભારી બનાવાયા ત્યારે કેટલાક તેમને આઉટ સાઇડર કહીને વિરોધ કરતા હતા પરંતુ અમિત શાહની ઓર્ગેનિઝેશનલ સ્કીલ વિશેે તેઓ કાંઇ જાણતા જ નહોતા. તેઓ જ્યાં પણ ગયા ત્યાં ‘મેન ઓફ પરફોર્મન્સ’ તરીકે ગયા. અમિત શાહ ગજબનાક સ્ટ્રેટેજીસ્ટ છે. યુ.પી.માં પગ મૂકતાની સાથે જ તેમણે જોઇ લીધું કે યુ.પી.માં અન્ય પછાત વર્ગ એક મોટી વોટ બેંક છે. તેમણે સહુથી પહેલું કામ મોદીના ઓબીસી સ્ટેટસની પબ્લિસિટી કરવાનુ કર્યું. મુલાયમસિંહ અખિલેશના શાસનથી નાખુશ ઓબીસી મત વિસ્તારો શોધી કાઢયા. સમાજવાદી પક્ષે ઓબીસીના ૨૭ ટકા કોટામાંથી ૪.૫ ટકા અનામત લઘુમતીને આપવાની વાત કરી હતી. ઓબીસી વર્ગો આ નિર્ણયથી નારાજ હતા. તે નાખુશી તેમણે ભાજપાની વોટ બેંકમાં ફેરવી નાખી. યુ.પી.માં ઉમેદવારોની પસંદગી તેમણે જાતે કરી. માત્ર જીતી શકે તેવા જ સ્થાનિક ઉમેદવારોને તેમણે પસંદ કર્યા. ઉમેદવારોની પસંદગીમાં પોતાનો જ નિર્ણય અંતિમ રહેશે એ વાત પણ તેમણે તે વખતના પક્ષના પ્રમુખ રાજનાથસિંહને કહી દીધી. ભાજપાએ તેમને છુટો દોર આપ્યો. યુ.પી.માં તેમણે ગુજરાતની શૈલીથી મતોના ધ્રૂવીકરણ માટે એક શબ્દનો પ્રયોગ કર્યો : “મત દ્વારા બદલો લ્યો”- આ શબ્દો ર્માિમક હતા. મુઝફફરનગરની ઘટના બાદ આખા યુ.પી.માં મતોનું ધ્રુવીકરણ કરાવવામાં તેઓ સફળ રહ્યા. દરેક ચૂંટણી બુથનું ગજબનાક માઇક્રોપ્લાનીંગ કર્યું. દરેક મતદારનો સંપર્ક કરવા તેમણે ટૂકડી બનાવી અને મતદારોને બુથ સુધી લાવવાની જવાબદારી પણ સોંપી. પરિણામ આજે સહુની સામે છે.

મોદી અને અમિત શાહ

સહુથી નોંધનીય વાત એ છે કે પહેલાં ગુજરાતની અને હવે દેશની રાષ્ટ્રીય રાજનીતિમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક ગજબનાક જોડી છે. નરેન્દ્ર મોદી અમિત શાહને રાજનીતિમાં લાવનાર ‘ગોડફાધર’ છે. બંનેની કેમિસ્ટ્રી જબરદસ્ત રીતે મળે છે પરંતુ બંનેની પ્રકૃતિ ભિન્ન છે. મોદી ઓરેટર છે, અને સામેની વ્યક્તિને ક્યારેક જાણવા-ઓળખવા છતાં જાણે જાણતા જ નથી એવી સોફિસ્ટીકેટેડ સ્ટાઇલ અપનાવી શકે છે. તેની સામે અમિત શાહ ઓછું બોલે છે. તેઓ એકશનમાં વધુ માને છે. યુક્તિ અને પ્રયુક્તિના નિષ્ણાત છે. મોદી માસ અપીલ ધરાવતા નેતા છે તો અમિત શાહ કાર્યકરોનો જબરદસ્ત વિશ્વાસ અને લાગણી જીતનારા નેતા છે. અમિત શાહને લાખોની માનવમેદની સામે બોલવાના બદલે નેપથ્યમાંથી કામ કરવાની જ મજા આવે છે. અલબત્ત, શોહરાબુદ્દીન એન્કાઉન્ટરના મુદ્દે કેટલાક વર્ષ તેમને દિલ્હી રહેવું પડયું તે દરમિયાન તેમણે હવે હિન્દી ભાષા પર પણ પ્રભુત્વ મેળવી લીધું છે. આમ તો તેઓ અદૃશ્ય રહીને કામ કરનારા શાર્પ અને આર્િટક્યૂલેટ નેતા છે પરંતુ ચૂંટણી દરમિયાન તેમણે કેટલીક ન્યૂઝ ચેનલોને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન એન્કર્સને જ પીંજરામાં ઊભા થઇ જવું પડે તેવા જવાબો આપી તેમના સખ્ત મિજાજનો પરચો આપી દીધો હતો. દા.ત. એન્કરે પૂછયું કે “ભાજપાને બહુમતી નહીં મળે તો વડાપ્રધાનપદ માટે બીજા નેતાઓ પણ મેદાનમાં છે. તેમાંથી તમે કોને આગળ ધરશો?” એ પ્રશ્ન પૂછનારને તેમણે સામે પૂછયું હતું : “તમને કોણે ફોન કરી આ વાત કરી!”

આમ અમિત શાહ અને નરેન્દ્ર મોદી એક બીજાના પૂરક છે. નરેન્દ્ર મોદી દૃષ્ટા છે. અમિત શાહ એ સ્વપ્નો સાકાર કરવાની યોજના બનાવનાર વ્યૂહબાજ છે. રામવિલાસ પાસવાનને પણ એનડીએમાં લાવવાની રણનીતિ અમિત શાહની જ હતી. અમિત શાહને પડકારો ગમે છે. પડકારોએ જ તેમને મજબૂત બનાવ્યા છે. વિદ્યાર્થી અવસ્થાથી આજ સુધીમાં તેઓ ૨૯ નાની મોટી ચૂંટણીઓ લડયા છે, પણ એકેય ચૂંટણી હાર્યા નથી.

યાતનાઓ ભોગવી

આજે આ પદ સુધી પહોંચવા માટે તેમણે ઘણી યાતનાઓ પણ ભોગવી છે. બનાવટી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ તેમની ધરપકડ કરી હતી. તેમને જેલમાં પૂર્યા હતા. તેમના ઘેરથી આવતા ટિફિનના ખાણાને પણ ફેંદી નાંખવામાં આવતુ હતું. ૧૮-૧૮ કલાક સુધી પૂછપરછ કરી સીબીઆઇના અધિકારીઓ તેમને માનસિક રીતે થકવી નાંખતા હતા. અદાલતે તેમને જામીન આપ્યા પરંતુ ગુજરાતમાં પ્રવેશવાની પણ મનાઇ હતી એ વખતે ઘણાંને લાગ્યું કે, અમિત શાહ માટે હવે રાજનીતિનો ‘ધી એન્ડ” છે પરંતુ તે બધાની માન્યતા ગલત સાબિત થઇ. આજે અમિત શાહ દેશના શક્તિશાળી રાષ્ટ્રીય નેતા અને ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ છે. તેઓ તકલીફમાં હતા ત્યારે તેમણે કહ્યું હતું : “કહો દુશ્મનોને સમુદ્ર છું ભરતી બનીને પાછો આવીશ. એ મારી ઓટ જોઇને કિનારે ઘર ના બનાવે.”

અમિત શાહ અત્યાર સુધી આવેલા રાજનાથસિંહ જેવા આરએસએસના ટિપિકલ લીડર નથી. તેઓ મૂળ વિચારધારાને વફાદાર રહી પ્રોફેશનલ અભિગમ ધરાવતા નેતા છે. તેઓ કેડરબેઝ ઓછાને લોકો સાથે સીધા જોડાતા નેતા વધુ છે. અમિત શાહ ઓછું બોલીને વધુ કામ કરનાર આદમી છે. પહેલા ઉત્તરપ્રદેશના અને હવે દેશના ભાજપાના તમામ નેતાઓને તેમણે સંગઠનમાં ઘૂંટણીયે પાડી દીધા છે. અમિત શાહ અત્યાર સુધીના સહુથી વધુ યુવાન પ્રમુખ છે. તેઓ નવી પેઢીને જોતરવા ૫૦ એવા નવા નેતાઓને પક્ષમાં જોતરવા માંગે છે, જેઓ બીજા ૨૦ વર્ષ સુધી પક્ષ માટે સમય ફાળવી શકે. તેમના મિત્રો પક્ષમાં આવનારી નવી પેઢીને ‘ડોટ કોમ જનરેશન’ કહે છેસ, જેઓ સોશિયલ મીડિયાનો પક્ષ માટે ભરપૂર ઉપયોગ કરી શકે. ગુજરાત આજે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે તે ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

ઓલ ધી બેસ્ટ, અમિતભાઇ!

BEAUTIFUL POISON શું તમારે મેરેલિન મનરો બનવું છે?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

‘સૌંદર્ય’ એ સ્ત્રીઓનો પ્રિય વિષય છે. ઈજિપ્તની રાજકુમારી ક્લિઓપેટ્રા ગધેડાના દૂધથી સ્નાન કરતી હતી. મેરેલિન મનરો અને મધુબાલાની સુંદરતા આજે પણ એક અદ્ભુત સૌંદર્ય પ્રતીક છે. સ્ત્રીઓને સુંદર દેખાવું ગમે છે. ઢળતી ઉંમરે સ્ત્રી વધુ સિંચંત થઈ જાય છે. અમેરિકાનાં ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા અમેરિકન સ્ત્રીઓ માટે એક આઈકોન છે. તેમણે તાજેતરમાં જ કહ્યું છે. કે,”દરેક સ્ત્રીને સારા દેખાવા માટે જે કાંઈ કરવું પડે તે કરવાની છૂટ છે, ભવિષ્યમાં જરૃર પડશે તો હું પ્લાસ્ટિક સર્જરી કે બોટોક્સની ટ્રીટમેન્ટ પણ લઈશ.”

સ્ત્રીઓનાં જે અંગઉપાંગ છે તેમાં સહુથી કમનીય હોઠ છે. મહાકવિ કાલિદાસ તો હિમાલયનાં ઉત્તુંગ શિખરો પર તપ કરતા શિવને પામવા રોજ તેમની પૂજા કરવા જતી પાર્વતીના હોઠથી માંડીને કટિમેખલાનું ઉત્કૃષ્ટ વર્ણન કરતાં પોતાની કલમને રોકી શક્યા નથી. મેરેલિન મનરોના મૃત્યુને ૪૦ વર્ષ થયાં તેમ છતાં તેના ગોરા, રૃપાળા ચહેરા પર લાલ લિપસ્ટિકવાળા હોઠ આજે પણ આંખોને તેની પર સ્થિર કરી દે છે.

લિપસ્ટિકની શોધ ક્યારે થઈ એની તો ખબર નથી, પરંતુ હવે માત્ર લાલ રંગમાં જ નહીં, પરંતુ બીજા અનેક શેડ્સમાં તે ઉપલબ્ધ છે. સ્ત્રીઓને પ્રિય સૌંદર્ય પ્રસાધનોમાં લિપસ્ટિક ‘ક્વીન’ છે, પરંતુ લિપસ્ટિકના ઉપયોગ સામે ધી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. ધી સેન્ટર ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ સ્ત્રીઓને ગોરા બનાવવા માટે વપરાતાં ફેરનેસ ક્રીમ અને લિપસ્ટિકમાં અનુક્રમે મર્ક્યુરી અને ક્રોમિયમ નામનાં ખતરનાક ઝેરી રસાયણો હોવાનું શોધી કાઢયું છે. સૌંદર્ય પ્રસાધનોમાં મર્ક્યુરી કે જે મેટલની શ્રેણીમાં આવે છે અને તેના વપરાશ પર પ્રતિબંધ છે. આ સંસ્થાએ બજારમાં ઉપલબ્ધ ૩૨ પ્રકારનાં ફેરનેસ ક્રીમના નમૂના લીધા હતા. જેમાંથી ૧૪ જેટલાં ક્રીમમાં મર્ક્યુરી હોવાનું જણાયું હતું.

એ જ રીતે બજારમાં ઉપલબ્ધ ૩૦ જેટલી બ્રાન્ડની લિપસ્ટિકના નમૂના લીધા હતા. તેમાંથી ૧૫ જેટલા નમૂનામાંથી ક્રોમિયમ નામનું રસાયણ મળી આવ્યું હતું.

ધી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના જણાવ્યા અનુસાર મર્ક્યુરી માનવીમાં જબરદસ્ત ચિંતા, ઘેરી હતાશા અને માનસિક બીમારીઓ લાવે છે. મર્ક્યુરી કિડનીને નુકસાન પહોંચાડે છે. માનવ ત્વચાને નુકસાન પહોંચાડે છે અને શ્વાસોશ્વાસની તકલીફો પણ ઊભી કરે છે. તે બ્રોન્કાઇટીસ તથા અસ્થમા જેવા રોગોનું કારણ પણ બને છે. ભારતના કાયદા અનુસાર સૌંદર્ય પ્રસાધનોમાં મર્ક્યુરી જરા પણ હોવો ન જોઈએ, પરંતુ ભારતમાં બનતાં અથવા ભારતમાં ઉપલબ્ધ કોસ્મેટિક્સમાં ભરપૂર મર્ક્યુરી જણાય છે. તેને રોકવા કે તેને નિયંત્રિત કરવા ભારતમાં કોઈ જ અસરકારક તંત્ર નથી.

ધી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ એક બિનસરકારી સંસ્થા છે. તેની પોતાની એક લેબોરેટરી છે. તેમાં ઠંડાં પીણાંથી માંડીને દૂધ અને સૌંદર્ય પ્રસાધનોમાં રહેલાં તત્ત્વોની ચકાસણી થાય છે અને ત્યારપછી જ તેનાં તારણો જાહેર કરવામાં આવે છે. આ સંસ્થાના અભ્યાસ અનુસાર ૨૦૧૦ના વર્ષ દરમિયાન ભારતમાં રૃ.૨૬,૪૦૦ કરોડનાં સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ થયું હતું. ૨૦૧૩થી માંડીને ૨૦૧૫ સુધી કોસ્મેટિક્સ બનાવતા ઉદ્યોગમાં ૧૭ ટકાનો વૃદ્ધિદર થવા સંભવ છે.

આ સંસ્થાએ કરેલા એક સર્વેમાં ૧૪ જેટલાં ફેરનેસ ક્રીમમાં મર્ક્યુરી હોવાનું શોધી કાઢયું હતું. એ નમૂનાઓમાં ૦.૦૧ પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન)થી માંડીને ૧.૯૭ પીપીએમની માત્રામાં મર્ક્યુરી હોવાનું જણાયું હતું. ફેરનેસ ક્રીમના ત્રણ નમૂનાઓમાં મર્ક્યુરીનું પ્રમાણ એક પીપીએમથી પણ વધુ હતું. અમેરિકન સરકારે સૌંદર્ય પ્રસાધનોમાં વધુમાં વધુ એક પીપીએમની માત્રા સુનિશ્ચિત કરેલી છે. તેથી વધુ માત્રા આવે તો તે ગુનો બને છે. દેશની અત્યંત જાણીતી કંપનીઓ દ્વારા બજારમાં મૂકવામાં આવેલાં ફેરનેસ ક્રીમમાં અમેરિકન સ્ટાન્ડર્ડની માત્રાનો ભંગ થયેલો છે. ભારતના મોટા ભાગના રાજકારણીઓને આ વિષયનું કોઈ જ્ઞાાન જ નથી.

એ જ રીતે ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીએ ત્રણ વર્ષ પહેલાં દિલ્હી ફાર્માસ્યુટિક્લ સાયન્સ એન્ડ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક સંશોધનનો અહેવાલ ટાંક્યો હતો. આ સંશોધનની ફલશ્રુતિમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં ઉપલબ્ધ ટેલકમ પાઉડર, લિપસ્ટિક્સ અને કાજલમાં હેવી મેટલ્સ ઉપલબ્ધ હોવાનું જણાયું છે. ભારતમાં વેચાતાં સૌંદર્ય પ્રસાધનોમાં ક્રોમિયમનું લેવલ કેટલું હોવું જોઈએ, તેનું ધોરણ જ નક્કી કરાયું નથી. ધી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના જણાવ્યા અનુસાર વિવિધ બ્રાન્ડ્સની લિપસ્ટિકના ૧૫ જેટલા નમૂનાઓમાં ૧.૭ પીપીએમ જેટલું ક્રોમિયમ જણાયું હતું. કેટલીક સ્ત્રીઓ દિવસમાં ત્રણથી ચાર વખત લિપસ્ટિક લગાવતી હોય છે. તેઓ શરીર સહન કરી શકે તે કરતાં વધુ હેવી મેટલ્સ ત્વચા પર લગાવે છે, તેમ સમજવું.

ધી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટે સૌંદર્ય પ્રસાધનો બનાવતી ૧૪ જેટલી કંપનીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમની આ મોજણી માટે માત્ર સાત જ કંપનીઓએ સહકાર આપ્યો હતો. તેમાંથી પણ બે કંપનીઓ પાછળથી હટી ગઈ હતી. અલબત્ત, દેશની બધી જ કંપનીઓ સ્વાસ્થ્યને નુકસાનકારક ક્રીમ કે લિપસ્ટિક બનાવે છે તેવું નથી. કેટલીક જાણીતી કંપનીઓ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અને યુએસ ફંડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનાં ધોરણોનો અમલ કરતી હોવાનો દાવો કરે છે. આમ છતાં આ સંસ્થા દ્વારા લિપ પ્રોડક્ટ અને ફેરનેસ ક્રીમના વધુ પડતા ઉપયોગ સામે લાલબત્તી ધરવામાં આવી છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેના વિજ્ઞાાનીઓની એક ટુકડીએ કરેલા અભ્યાસનાં તારણોમાં જણાવવામાં આવ્યું છે કે જેઓ રોજની ૧૦ લિપ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, તેઓ શરીરને સ્વીકાર્ય છે તે કરતાં વધુ ક્રોમિયમ લે છે અને તે પ્રમાણ ચિંતાજનક છે.

ટૂંકમાં, હોઠને લાલ લાલ બનાવતી લિપસ્ટિકના વધુ પડતા ઉપયોગ સામે વિજ્ઞાાનીઓની આ લાલબત્તી છે. ચહેરાને રંગવાના બદલે લીલાં શાકભાજી, દૂધ, કઠોળ અને પૌષ્ટિક આહાર લ્યો. વ્યાયામ કરો. યોગ કરો. ખુશ રહો. ચિંતા છોડો. બસ, આટલું કરશો તોપણ તમારું સૌંદર્ય આપોઆપ ખીલી ઊઠશે. ઉંમર વધે તો ઉંમરની શોભાને સ્વીકારો. ઉંમરની ગરિમાને પ્રસ્થાપિત થવા દો. એમ કરશો તો વધુ ‘ગ્રેસફુલ’ લાગશો.

www. devendrapatel.in

હું ઇચ્છું છું કે મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષકની હોય

‘ઈસરો’ અર્થાત્ ભારતીય અંતરિક્ષ એજન્સીએ શ્રીહરિકોટાથી ‘પીએસએલવી સી-૨૩’ નામના રોકેટની મદદથી પાંચ વિદેશી ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકી એક નવો જ વિક્રમ હાંસલ કર્યો. રોકેટ વિજ્ઞાાનના પિતા તો ડો. વિક્રમ સારાભાઇ હતા અને માત્ર ૨૮ વર્ષની વયેજ છેક ૧૯૪૭માં તેમણે અમદાવાદમાં ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી હતી. ડો. હોમી જહાંગીર ભાભા ભારતના અણુવિજ્ઞાાન કાર્યક્રમોના પિતા હતા તો ડો. વિક્રમ સારાભાઇ રોકેટ વિજ્ઞાાનના પિતા ગણાય છે. પીએસએલવી સી-૨૩ના પ્રક્ષેપણ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરોહર જેવા વૈજ્ઞાાનિક ડો. વિક્રમ સારાભાઇને પણ યાદ કર્યા હતા. ડો. વિક્રમ સારાભાઇએ રશિયાએ પહેલી જ વાર ‘સ્પુટનિક’ ને અંતરિક્ષમાં તરતો મૂક્યો તે પછી તરત જ ડો. સારાભાઇએ ભારતમાં પણ અવકાશ વિજ્ઞાાન પર સંશોધન માટે “ઇસરો” ની સ્થાપના કરવા કેન્દ્ર સરકારને સમજાવી લીધી હતી. આવા ડો. વિક્રમ સારાભાઇ કોણ હતા? સ્કૂલના દરેક બાળકોએ અહીં આ કથા પર નજર નાખવા જેવી છે.

તા.૧૨મી ઓગસ્ટ ૧૯૧૯. રક્ષાબંધનનો દિવસ હતો. કેલીકો મિલના માલિક અંબાલાલ સારાભાઇ પરિવારના બાળકો શાહીબાગ કેમ્પના મેદાનમાં ઘોડેસવારી કરતાં હતાં. સાંજનો સમય હતો. તેમના ઘોડારના એક સવારે દોડતા આવી શુભ સમાચાર આપ્યા કે તેમના કુટુંબમાં એક પુત્રનો જન્મ થયો છે. બાળકોએ ઘોડા ઘર તરફ વાળ્યાં, બાળકોએ નવા ભાઇને જોવો હતો.

એનું નામ વિક્રમ પાડવામાં આવ્યું. એક વાર રવીન્દ્રનાથ ટાગોર ‘રિટ્રીટ’ બંગલામાં રહેવા આવ્યા હતા. વિક્રમનું કપાળ જોઇ તેઓ બોલ્યા ઃ ‘કેવું ભવ્ય કપાળ છે એનું. આ બાળક તેજસ્વી બનશે.’

અને એ જ બાળક એક દિવસ દેશનો મહાન વૈજ્ઞાાનિક બન્યો ઃ ‘ડો. વિક્રમ સારાભાઇ.’ નોંધનીય વાત એ છે કે વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઇ પ્રાથમિક, માધ્યમિક કે સાર્વજનિક શાળામાં અભ્યાસ કર્યો નહોતો. અંબાલાલ સારાભાઇના બાળકો માટે ‘રિટ્રીટ’ બંગલામાં જ ખાનગી શાળા શરૂ કરવામાં આવી હતી. તેમને લાગતું હતું કે એ વખતે દેશની ઉપલબ્ધ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના શિક્ષણ માટે યોગ્ય નહોતી. તે વખતે ઇંગ્લેન્ડમાં ડો. મારિયા મોન્ટેસરીએ આધુનિક શિક્ષણ પર પુસ્તકો લખ્યાં હતાં. અંબાલાલ સારાભાઇને ત્યાં ‘લંડન ટાઇમ્સ’ અખબાર આવતું. તેમણે તેમાં ડો. મોન્ટેસરી વિશે વાંચ્યું હતું. અંબાલાલ સારાભાઇ અને સરલા દેવી પોતે જ ડો. મોન્ટેસરીને મળવા ઇંગ્લેન્ડ ગયાં. પાછળથી એમણે ડો.મોન્ટેસરીને અમદાવાદ બોલાવ્યાં. તેમની મદદથી જ ‘રિટ્રીટ’માં ખાનગી શાળા શરૂ થઇ.

નાનકડા વિક્રમને યંત્રોમાં રસ હતો. બંગલામાં જ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા ઊભી કરવામાં આવી. વિક્રમને ભાષાઓ, ગણિત અને કળાનું ભરપૂર જ્ઞાાન હતું. ૧૯૩૭માં આર.સી.ટેકનિકલ સ્કૂલ દ્વારા મેટ્રિકની પરીક્ષા પાસ કરી વિક્રમે ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર પછી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિર્વિસટીની સેન્ટ જ્હોન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેઓ સ્નાતક થયા. ત્યાર બાદ સી.વી.રામને વિક્રમને પોતાના વિદ્યાર્થી તરીકે સ્વીકાર્યો. તેમણે બ્રહ્માંડ કિરણો પર પોતાનો અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો. ૧૯૪૭માં કેમ્બ્રિજ યુનિર્વિસટીએ વિક્રમભાઇનો ‘બ્રહ્માંડ કિરણો’ પર શોધ મહાનિબંધ સ્વીકાર્યો અને ‘કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્સ’ વિષય પર પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરી. હવે તેઓ ડો.વિક્રમ સારાભાઇ બન્યા.

ડો. વિક્રમ સારાભાઇએ માત્ર ૨૩ વર્ષની વયે હિમાલય પર પરમેનન્ટ હાઇ ઓલ્ટીટયૂડ લેબોરેટરી સ્થાપવાની ભલામણ કરી. ૧૯૪૭માં કેમ્બ્રિજમાં પાછા ફર્યા બાદ બ્રહ્માંડ કિરણો (કોસ્મિક રેઝ) અને વાતાવરણના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટે આધુનિક સંસ્થા સ્થાપવા પોતાના વિચારો અમલમાં મૂક્યા. તેમાંથી અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીનો જન્મ થયો. ૧૯૪૭માં એમ.જી.સાયન્સ કોલેજના બે ઓરડામાં જ આ લેબોરેટરી શરૂ થઇ. ડો. કે.આર. રામનાથન જેવા વૈજ્ઞાાનિક તેના પ્રથમ ડાયરેક્ટર બન્યા. વિક્રમભાઇ તેના સહ ડાયરેક્ટર હતા. પીઆરએલ ઊભી થઇ ત્યારે તેના સ્થાપક ડો. વિક્રમ સારાભાઇની વય માત્ર ૨૮ વર્ષની હતી. તેનો સતત વિકાસ થતો રહ્યો. ૧૯૫૪માં પીઆરએલના નવા મકાનનું ઉદ્ઘાટન તે વખતેના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે કરવામાં આવ્યું.

૧૯૪૭થી ૧૯૭૪ સુધીના ગાળામાં વિક્રમભાઇએ વૈજ્ઞાાનિક સંશોધન ઉપરાંત રાષ્ટ્રઘડતરના કાર્યમાં પણ ઝંપલાવ્યું. આ વર્ષો દરમિયાન તેમણે ૩૫થી વધારે સંસ્થાઓ સ્થાપી. આ કાર્યમાં તેમને ઉદ્યોગપતિ શેઠશ્રી કસ્તૂરભાઇ લાલભાઇનો સાથ સહકાર મળ્યો. વિક્રમભાઇ રત્ન હતા તો ક્સ્તૂરભાઇ હીરાપારખુ હતા. તે વખતે અમદાવાદ મિલોથી ધમધમતું શહેર હતું. કાપડ ઉદ્યોગમાં ઉત્તમ ક્વોલિટીની જાતોના સંશોધન માટે કસ્તૂરભાઇના સાથ સહકારથી ‘અટીરા’ ની સ્થાપના કરી. ‘અટીરા’ની કામચલાઉ લેબોરેટરી પણ પહેલાં તો એમ.જી.સાયન્સ કોલેજના ‘પીઆરએલ’ ના ઓરડાની બાજુના ઓરડામાં જ શરૂ થઇ હતી. ડો. વિક્રમ જ ‘અટીરા’ ના પહેલા નિયામક બન્યા.

ડો.સારાભાઇ આટલેથી અટક્યા નહીં. ત્યાર બાદ તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના કરી. આઇઆઇએમના મકાનના ઉદ્ઘાટન માટે તેમણે વિશ્વવિખ્યાત સ્થપતિ લુઇ કહાનને નિમંત્ર્યા. આજે પણ અમદાવાદમાં આઇઆઇએમનું મકાન સ્થાપત્યનો અજોડ નમૂનો છે, જે ડો. સારાભાઇની ભેટ છે. અમદાવાદનું કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, નેહરુ ફાઉન્ડેશન, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, ત્રિવેન્દ્રમનું થુમ્બા રોકેટ લોચિંગ સ્ટેશન, ઇસરો-અમદાવાદ, શ્રી હરિકોટા રોકેટ રેન્જ, એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિવિઝન, સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થસ્ટેશન, અરવી, ફાસ્ટ બિડર રિએકટર્સ, કલ્પકમ, ન્યુક્લિયર સેન્ટર ફોર એગ્રિકલ્ચર, દિલ્હી જેવી અનેક સંશોધન સંસ્થાઓ ડો. વિક્રમ સારાભાઇએ સ્થાપી.

તેઓ ઇસરોના અધ્યક્ષ તરીકે રહ્યા. ઇન્દિરાજીએ હોમીભાભાના અવસાન પછી ડો. સારાભાઇને ભારતીય અણુપંચના અધ્યક્ષ બનાવ્યા. ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ડો. વિક્રમ સારાભાઇના માર્ગદર્શન હેઠળ પીએચ.ડીની ડિગ્રી પ્રાપ્ત કરી. ૮૫ જેટલા વૈજ્ઞાાનિક સંશોધન લેખો લખ્યા. ભારતના રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ ‘મિસાઇલ મેન’ ગણાય છે પરંતુ ભારતે પોતાનો મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોઇએ તેવી પહેલી દરખાસ્ત ડો. વિક્રમ સારાભાઇએ રજૂ કરી હતી. ડો. કલામ પણ ડો. સારાભાઇને ભારતીય અવકાશ કાર્યક્રમ અને ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા ગણાવે છે.

૧૯૭૧માં ભારત-પાક યુદ્ધ વખતે તે વખતનાં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ટુકડા કરી નાંખી બાંગ્લાદેશને આઝાદ કરવાની યોજના બનાવી હતી. તે વખતે પાકિસ્તાનને દહેશત હતી કે બંગલાદેશમાં યુદ્ધની પરિસ્થિતિનો લાભ ઉઠાવી ભારત પશ્ચિમ પાકિસ્તાન પર આક્રમણ કરી દેશે. આમ ના થાય તે માટે પાકિસ્તાને અમેરિકાને ભારત પર દબાણ લાવવા વિનંતી કરી હતી. અમેરિકાના પ્રમુખ નિકસને તરત જ તેમના સલાહકાર કિંસીજરને ભારત મોકલ્યા હતા. કિસીંજર ઇન્દિરાજીને મળવા ગયા ત્યારે ઇન્દિરાજીએ કહ્યું ઃ ‘તમે ડો. વિક્રમ સારાભાઇને મળી લો.’ ત્યારબાદ કિસીંજર ડો. વિક્રમ સારાભાઇને મળ્યા અને ડો. સારાભાઇએ વડાપ્રધાનના ખાસ પ્રતિનિધિ તરીકે કિસીંજર સાથે મંત્રણા કરી હતી. ડો. સારાભાઇએ કોણ જાણે શું કહ્યું કે કિસીંજર એક સંતોષ સાથે અમેરિકા જવા રવાના થઇ ગયા હતા. યાદ રહે કે એ વખતે ડો. વિક્રમ સારાભાઇ અણુશક્તિ પંચના અધ્યક્ષ હતા.

ઉપગ્રહ દ્વારા દેશના ખૂણે ખૂણે હજારો ગામડાંઓમાં સંદેશાવ્યવહાર અને ટીવી પ્રસારણ એ ડો. સારાભાઇનું સ્વપ્નુ હતું. આજે તે સાચું પડયું છે.

ડો. વિક્રમભાઇને શારીરિક રીતે કોઇ ગંભીર વ્યાધિ નહોતી, લોહીનું દબાણ થોડું વધું જણાતું. આથી તેઓ તેની દવા લેતા હતા અને નિયમિત રીતે તબિયત તપાસાવતા હતા. તા.૨૬-૧૨-૧૯૭૧ના દિવસે સાંજના પ્લેનમાં મુંબઇ ગયા. ત્યારે સંદેશો મળ્યો કે તા.૨૭-૧૨ના દિવસે મહત્ત્વની મિટિંગ માટે નવી દિલ્હી પહોંચવું. હજુ બે દિવસ પહેલાં જ દિલ્હી ગયા હતા ત્યારે આવી કોઇ મિટિંગ નક્કી નહોતી. તેઓ બીજે દિવસે થુમ્બા જવાનું રદ કરીને સવારે તા.૨૭-૧૨ના દિવસે દિલ્હી ગયા. સાંજે ખૂબ જ થાકીને પાછા ફર્યા. તા.૨૮-૧૨ના દિવસે થુમ્બા જવા વહેલી સવારે નીકળવાનું હતું. થુમ્બા રેલવે સ્ટેશનમાં શિલાન્યાસ કાર્યક્રમમાં રેલવે પ્રધાન શ્રી હનુમંતૈયા આવવાના હોવાથી ત્યાં જવું જ પડે એમ હતું. વળી તે વખતે તો ડાકોટા પ્રકારના નાનાં પ્લેન હતા. આથી ત્રિવેન્દ્રમ જવા વાયા બેંગલોર થઇને જવું પડતું હતું. ત્રિવેન્દ્રમ પહોંચીને તુરત જ ખૂબ ઝડપે કારમાં નજીકની હોટલમાં જઇને કપડાં બદલાવ્યાં અને ઝડપથી ત્રિવેન્દ્રમના અવકાશ મથક નજીકના થુમ્બા રેલવે સ્ટેશનના સ્થળે પહોંચ્યા અને તે જ વખતે રેલવે પ્રધાન પણ પહોંચ્યા. થુમ્બા રેલવે સ્ટેશનની શિલાન્યાસ વિધિ સમયસર થઇ ગઇ. બાદમાં, નિયમ મુજબ સાથી વિજ્ઞાાનીઓ સાથે મિટિંગો ચાલી. બીજા દિવસે તા.૧૯-૧૨ના દિવસે ફરી મિટિંગો શરૂ થઇ. બીજા દિવસે મુંબઇ જવાનું હોવાથી, રાત્રે વિજ્ઞાાનીઓને પોતાની સાથે જવા માટે કોવાલમ હોટેલમાં બોલાવ્યા અને ચર્ચાનો દોર જમતાં જમતાં ચાલુ રહ્યો. લગભગ ૧-૦૦ વાગ્યે બધા છૂટા પડયા. વિક્રમભાઇ બધાને ગુડ નાઇટ કહી સૂવા પોતાના રૂમમાં ગયા. સવારે ૫-૦૦ વાગે હોટેલના બેરરે કોફી લઇને દરવાજો ખટખટાવ્યો. પણ જવાબ ન મળ્યો. આથી તેણે માન્યું કે રાત્રે મોડે સુધી જાગ્યા હોવાથી થોડીવાર પછી તેઓને ઉઠાડવા. ૧૫-૨૦ મિનિટ બાદ ફરીથી પ્રયત્ન કર્યો. પરંતુ જવાબ ન મળ્યો. આથી નજીકમાં રહેતા તેમના અંગત સચિવ તથા સાથીને તુરત જ બોલાવ્યા અને બધાએ સાથે મળીને દરવાજાના વેન્ટિલેશનમાં હાથ નાખીને દરવાજો ઉઘાડયો અને જોયું કે, પથારીમાં વિક્રમભાઇ ચિરનિદ્રામાં સૂતા હતા. તુરત જ ડોકટરને બોલાવ્યા. ડોકટરે તેઓને તપાસીને કહ્યું કે, છેલ્લા ૩-૪ કલાકમાં તેઓને હૃદયરોગનો હુમલો આવ્યો જેથી તેઓનું અવસાન થયું છે.’

સામાન્ય રીતે તેઓ સૂતા પહેલા અખબાર લેતા. થોડીવાર વાંચી ઘડિયાળ કાઢી બહારના ટેબલ પર મૂકતા,સાથે અખબાર મૂકતા. ત્યાર બાદ પાણી પીને સૂઇ જતા. પરંતુ જ્યારે વિક્રમભાઇનો રૂમ ખોલવામાં આવ્યો ત્યારે ઘડિયાળ અને અખબાર પથારીમાં જ હતા પરંતુ લાઇટ બંધ હતી.

વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીનું તાસ્કંદમાં હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું ત્યારે તેઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહીં જે વિશે અનેક ટીકા થઇ હતી. તેમ ડો. વિક્રમભાઇનું ઓચિંતુ કોઇપણ રોગ ન હોવા છતાં, ઊંઘમાં અવસાન થયું. તેમ છતાં તેમનું પણ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહીં અને તેઓના આ પ્રકારના અવસાને અનેક શંકાને જન્મ આપ્યો.

તેઓએ કહ્યું હતું ઃ ‘મારા જીવનમાં મેં ત્રણ પ્રકારની ભૂમિકા ભજવી છે- વિજ્ઞાાની, ઉદ્યોગપતિ અને સરકારી અધિકારી, હું ઇચ્છું છું કે, મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષક તરીકેની હોય.’

ડો. વિક્રમ સારાભાઇને અમદાવાદ શહેર માટે અપાર પ્રેમ હતો. પરંતુ અત્રે નોંધનીય છે કે ગુજરાત યુનિર્વિસટીનું આધુનીકરણ કરવા ઇચ્છતા સ્વપ્નદૃષ્ટા ડો. વિક્રમ સારાભાઇને કુલપતિની ચૂંટણીમાં રાજકારણીઓને હરાવી દીધા હતા. ડો.વિક્રમ સારાભાઇ થોડાંક વર્ષ માટે પણ કુલપતિ બન્યા હોત તો આજે ગુજરાત યુનિર્વિસટીનું સ્વરૂપ કેવું હોત?

 
– દેવેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બીબીસીને હજુ પણ પૂર્વગ્રહ

વિશ્વના અતિવિકસીત ગણાતા પશ્ચિમના દેશોએ ભારતની જટિલ રાજનીતિને સમજવામાં ભૂલ કરી એ પછી મોડે મોડે સુધારી પણ ખરી. ગોધરા પછીની ઘટનાઓ બાદ અમેરિકાએ તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિઝા આપવા ઇન્કાર કરી દીધો હતો. પરંતુ હવે પૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા હાંસલ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખુદ અમેરિકાએ જ રેડકાર્પેટ પાથરવી પડે તેવી પરિસ્થિતિ પેદા થઇ છે. યુ.કે.એ તો આ ભૂલ વહેલાં સુધારી લીધી હતી. અમેરિકાએ ભૂતકાળની ચર્ચામાં પડયા વગર જ વડાપ્રધાન મોદીને વોશિંગ્ટનમાં આવકારવા તૈયારીઓ કરી લીધી છે. ભારત એક વિશાળ જનસંખ્યા ધરાવતો લોકતાંત્રિક દેશ છે અને અમેરિકા જેવો એક લોકતાંત્રિક દેશ બીજા દેશના એક રાજ્યમાં લોકતાંત્રિક પદ્ધતિએ ચૂંટાયેલા જનપ્રતિનિધિને વિઝા ના આપવાનો નિર્ણય કરીને લોકતંત્રને જ આદર કરવાનું ભૂલી ગયો હતો. અમેરિકી સરકારને ભારતના ભીતરી હવામાનથી વાકેફ નહીં કરવાની ભૂલ બદલ ભારત ખાતેના અમેરિકી રાજદૂત નેન્સી પોેવેલનો ભોગ લઇ એ ભૂલ સુધારી લીધી હતી.

અમેરિકા આત્મખોજ કરે

ગોધરાની ઘટનાઓ બાદ ગુજરાતમાં થયેલા હત્યાકાંડને માનવ અધિકારનો મુદ્દો બનાવી અમેરિકા નરેન્દ્ર મોદીને વિઝા આપવા ઇન્કાર કરતું હતું. પરંતુ અમેરિકા જે માનવહક્ક માટે મોદીને જવાબદાર ઠેરવતું હતું તે અમેરિકા ખુદ એ વાત ભૂલી જાય છે કે ગોધરાકાંડ પછીની ઘટનાઓ માટે મોદીને ક્લીન ચીટ મળેલી છે. જ્યારે અમેરિકા એ વાત પણ ભૂલી જાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી પર હાઇડ્રોજન બોમ્બ ફેંકીને થોડીક જ મિનિટોમાં ૧૦ લાખ નિર્દોષ નાગરિકોની હત્યા કરી નાંખી હતી. તે પછી વિયેતનામમાં તેવા બોમ્બ ઝીંકીને હજારો નિર્દોષ નાગરિકોને મારી નાંખ્યા હતા. અમેરિકી સૈનિકોએ સેંકડો વિયેતનામી સ્ત્રીઓને ગર્ભવતી બનાવી દીધી હતી. અમેરિકાએ બે-બે વાર આક્રમણ કરીને લાખો ઇરાકીઓની હત્યા કરી નાંખી હતી. એ અમેરિકાને માનવ અધિકારોની વાત કરવાનો અધિકાર કોણે આપ્યો?

અમેરિકાનો વેપાર
ખેર!

અમેરિકાને ભારત સાથે સંબંધ સુધારવામાં હવે રસ એટલા માટે પડયો છે કે ભારત તેના માટે એક મોટું બજાર છે. ભારતના લોકો રોજ લાખ્ખો લીટર કોકાકોલા, પેપ્સી કે જે અમેરિકન પીણું છે તે ગટગટાવે છે. અમેરિકાને વોલ માર્ટ ભારતમાં ઘૂસાડવું છે. અમેરિકાને ફોર્ડ જેવી મોટરકારો ભારતમાં વેચવી છે. તેની ન્યુક્લિયર ઉર્જા ટેકનોલોજી અને શસ્ત્રો ભારતને વેચવા છે. અમેરિકાનું આખું અર્થતંત્ર જ યુદ્ધ પર નભે છે. અમેરિકાને તેના શસ્ત્રો વેચવા કોઇને કોઇ દેશમાં યુદ્ધ જારી રહે તે જરૂરી છે. ધંધાની બાબતમાં અમેરિકા એક ખંધો દેશ છે. ભારતના લાખ્ખો લોકો આજે પણ અમેરિકામાં રહી અમેરિકાના અર્થતંત્રમાં યહૂદીઓ પછી સહુથી મોટું યોગદાન આપે છે. તેમ છતાં મુંબઇની વિઝા કચેરી પર ભારતનો અને ખાસ કરીને ગુજરાતનો યુવાન અને તે પણ જો તે ‘પટેલ’અટક ધરાવતો હોય તો તે સહુથી વધુ ઉપેક્ષીત અને અપમાનીત થાય છે. યુએસ ઇમિગ્રેશન ડેસ્ક પર બેસતા અધિકારીઓ પોતાની મરજી મુજબ વિઝા આપે છે અથવા ઇન્કાર કરે છે. એ એક વિચિત્રતા છે કે અમેરિકા ભૂતકાળમાં પરવેઝ મુશર્રફ જેવા સરમુખત્યારને આવકારી ચૂક્યું છે પરંતુ ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા મુખ્યમંત્રીને વિઝા આપવાનો ઇન્કાર કરી ચૂક્યું છે. પણ હવે સમય બદલાયો છે. આ જ ટ્રીટમેન્ટ હવે “અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓ અને ભારતમાં વેપાર કરવા માંગતી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે થવી જોઇએ. ભારતના નાનામાં નાના ગામના યુવાનનું અપમાન કરવાનો અધિકાર કોઇને નથી.

બ્રિટિશ વડાપ્રધાન

બીજી નોંધનીય વાત એ છે કે, બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોને ગ્લાસગો તા.૨૩ જુલાઇથી બ્રિટનમાં શરૂ થનારા આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. આ ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ તરીકે ઓળખાય છે. વડાપ્રધાન મોદીએ હજુ આ આમંત્રણ અંગે કોઇ પ્રતિભાવ આપ્યો નથી. એ યાદ રહે કે, લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ તા.૧૬મી મે ના રોજ નરેન્દ્ર મોદીને સહુ પ્રથમ અભિનંદન આપનારા બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોન હતા. એ જ રીતે ૨૦૦૨ની ગોધરાની ઘટનાઓ બાદ નરેન્દ્ર મોદી સાથે સહુથી પહેલાં વાર્તા સેતુ સ્થાપનાર પણ બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરોન હતા. મોદી સાથેના બોયકોટનો અંત તેમણે જ સહુથી પહેલાં આણ્યો હતો. યુ.કે.ના નવી દિલ્હી ખાતેના હાઇકમિશનર જેમ્સ લેવાન પણ ૨૦૧૨માં એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા ગાંધીનગર આવ્યા હતા.

બીબીસીનું વલણ

અલબત્ત, એ જ બ્રિટનમાં જ્યારે નરેન્દ્ર મોદીના ઉદયની કથાનું ન્યૂઝ કવરેજ કરવામાં આવે છે ત્યારે આ આખીયે વાતને સંવેદનશીલ બનાવવા માટે બીબીસી ઇરાદાપૂર્વક પ્રયત્નશીલ રહે છે. એ કાર્યક્રમનું એન્કરીંગ યુવાન, સુંદર, મુસ્લિમ યુવતીઓને સોંપે છે. ‘ધી ટેલિગ્રાફ’ ના એક અહેવાલમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અહેવાલ પ્રમાણે ગયા એપ્રિલ માસમાં ચૂંટણી ઝુંબેશ એની પરાકાષ્ઠાએ હતી ત્યારે અત્યંત સંવેદનશીલ એવા ઉત્તર પ્રદેશમાંથી બીબીસી માટે મિશેલ હુસેન નામની મુસ્લિમ યુવતી રિર્પોિંટગ કરતી હતી. એ વખતે બીબીસીએ લંડનના સ્ટુડિયોથી જાહેરાત કરી હતી કે “ધીસ ઇઝ બીબીસી. મિશેલ હુસેન રિપોર્ટસ ઇન્ડિયાઝ મોસ્ટ પોપ્યુલર સ્ટેટ, ઉત્તરપ્રદેશ, ઓન હાઉ ઇન્ડિયાઝ મુસ્લિમ વોટ કુડ અફેક્ટ ધી ઇલેક્શન” મિશેલ હુસેન બીબીસીની માનીતિ પત્રકાર છે. એ જ રીતે ચૂંટણીના પરિણામો પછી પણ મોદીના વિજય વૃત્તાંતોનું કવરેજ યાલ્દા હકીમ નામની બીજી એક સુંદર મુસ્લિમ યુવતીને સોંપવામાં આવ્યું હતું. તેણે બીબીસી ૨ ના “ન્યૂઝનાઇટ” પ્રોગ્રામ માટે રિર્પોિંટગ કર્યું હતું. તેણે નરેન્દ્ર મોદીને ચૂંટાયા બાદ પણ વિવાદાસ્પદ વ્યક્તિ કહ્યા હતા અને અગાઉ બ્રિટનમાં રહેતા કેટલાક મોદી વિરોધી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ કર્યા હતા. બીબીસીના આ અભિગમ સામેે બ્રિટનમાં જ રહેતા મૂળ ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે વિરોધ કર્યો છે. તેમણે બીબીસીના નરેન્દ્ર મોદી માટેના વલણ વિશે બીબીસી ડાયરેક્ટર જનરલ ટોની હોલને એક પત્ર લખી બીબીસીના ટોનનો વિરોધ કર્યો છે. બીબીસીના ‘ન્યૂઝ નાઇટ’ કાર્યક્રમના એડિટરે શ્રીમતી પ્રીતિ પટેલના પત્રનો લાંબો જવાબ આપી તેમણે કરેલા આક્ષેપોને ફગાવી દીધા છે. આ જવાબથી નારાજ શ્રીમતી પ્રીતિ પટેલ ઈગ્લેન્ડમાં રહેતા ભારતીયોને હાકલ કરી બીબીસીના વડાને પત્રો લખીને નરેન્દ્ર મોદી પ્રત્યેના બીબીસીના વલણનો વિરોધ કરવા જણાવ્યું છે.

લોકતંત્રનું અપમાન

શ્રીમતી પ્રીતિ પટેલે જણાવ્યું છે કે બીબીસીએ તેના નિમ્ન કક્ષાના પત્રકારત્વ માટે શરમાવું જોઇએ. વળી બીબીસીએ જે રીતે મને જવાબ આપ્યો છે તે વિશ્વના એક મોટામા મોટા લોકતાંત્રિક દેશને જે રીતે ચીતરવામાં આવી રહ્યો છે તે એક રીતે લોકતંત્રનું જ અપમાન છે. બીબીસી પર ભારતની ચૂંટણીઓનું કવરેજ કરનાર યાલ્દા હકીમ ૩૧ વર્ષની વયની અફઘાન યુવતી છે. તેનું પરિવાર અફઘાનથી ભાગીને પાકિસ્તાન જતું રહ્યું ત્યારે તે નાનકડી બાળકી હતી. તે પછી તેનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો. અહીં યાલ્દા હકીમે પત્રકારત્વનો અભ્યાસ કર્યો અને હવે તે બીબીસીની પત્રકાર છે. યાલ્દાએ તેના કવરેજમાં મોદી વિરુદ્ધ સહી કરનાર અને બ્રિટનમાં રહેતા અનેક લોકોના ઇન્ટરવ્યૂઝ કર્યા હતા જેથી તેઓ મોદીની છબી બગાડી શકે. બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલ કહે છે કે, “યાલ્દા હકીમ ભારત માટેની નિષ્ણાત છે જ નહીં.” આવા સમાચારોની બાબતમાં બીબીસી ખુદ વિવાદાસ્પદ રહ્યું છે. ગમે તે કારણોસર વર્ષોથી ‘ફ્રીડમ ઓફ પ્રેસ’ ના નામે તે ભારતની છબી ખરડવા પ્રયત્નશીલ રહ્યું છે. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોન મોદીને મિત્ર બનાવવા થનગને છે ત્યારે એ જ દેશનું સ્વતંત્ર કોર્પોરેશન ગણાતું બીબીસી જુદો જ રાગ આલાપી રહ્યું છે. આને ફ્રીડમ ઓફ પ્રેસ કહેવું કે ફ્રીડમ ફોર પ્રેજ્યૂડાઇસ?’

રાજ્યપાલો ને રાજભવનો હવે આઉટઓફ ડેટ છે ?

હોળીની રજાઓમાં રાજસ્થાનથી આવેલો એક મજદૂર વતન જવા માટે એસ.ટી.બસ સ્ટેશને કલાકોથી કતારમાં ઊભો રહે છે. એસ.ટી.બસમાં ઊભો ઊભો વતન પહોંચે ત્યારે સાવ નંખાઇ ગયો હોય છે. બીજી બાજુ ગુજરાતના એક પૂર્વ રાજ્યપાલ ઘણા વર્ષો પહેલાં મધ્યપ્રદેશ ખાતે તેમના વતન જવા માટે છાસવારે ગુજરાત રાજ્યના હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હતા. ગુજરાતમાં રહી ચૂકેલા એક બીજા પૂર્વ રાજ્યપાલને ખુશ્બુદાર પાનનો શોખ હતો. રાજભવનથી લકઝુરિયસ કારમાં બેસે ત્યારે જ તેમના પગની બાજુમાં ‘પાકિઝા’ ફિલ્મમાં જોવા મળે છે તેવી પિત્તળની ચમકતી પાનદાની ગોઠવી દેવામાં આવતી હતી.

રાજભવનમાં લીલા?

ચાલો , આ તો ઠીક છે. આજથી પાંચ વર્ષ પહેલા ગુજરાત બહારના એક રાજ્યના પૂર્વ રાજ્યપાલ ૮૩ વર્ષની વયે ત્રણ યુવતીઓ સાથે સેક્સ માણતા કેમેરા સામે ઝડપાયા હતા. દેશના લોકો અને ખુદ પ્રશાસન પણ એ વખતે ચોંકી ગયુ હતું. કદાચ એ સમય જ યોગ્ય હતોે જ્યારે આ દેશમાં રાજ્યપાલો નીમવાની પ્રથાનો અંત લાવી રાજભવનોને મ્યુઝિયમ, હોસ્પિટલ, સ્કૂલ કે પ્રશાસન અધિકારીઓ માટેના તાલીમ કેન્દ્રોમાં ફેરવી નાંખવાની જરૂર હતી. આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં એનડીેની સરકાર સત્તા પર આવી છે અને તેમણે કેટલાક રાજ્યપાલોને બદલવાની કાર્યવાહી હાથ કરી છે ત્યારે કેટલાક પોલિટિક્લ પંડિતો રાજ્યપાલોને બદલવા જોઇએ કે બદલવા ના જોઇએ તેની પરિણામ વગરની એબ્સર્ડ ચર્ચા કરી રહ્યા છે.

પ્રજાને કોઇ ફાયદો નથી

એ વાત સુનિશ્ચિત છે કે ભારતે બ્રિટિશ બંધારણની શૈલી અપનાવી છે. ભારતમાં સંસદીય લોકશાહી છે. લોકસભામાં ચૂંટાયેલા સાંસદો વડાપ્રધાન નક્કી કરે છે. દરેક રાજ્યમાં એક ગવર્નર હોય છે અને ગવર્નર ચૂંટાયેલા મુખ્યમંત્રી તથા મંત્રીઓને સોગંદ લેવડાવે છે. રાજ્યપાલ રાજ્યની યુનિર્વિસટીઓના ચાન્સેલર ગણાય છે. પરંતુ આ બધાં જ કાર્યોમાં તેમની કોઇ અસરકારક ભૂમિકા હોતી નથી. બ્રિટિશ બંધારણ કે જેની આપણે નકલ કરી છે તે બ્રિટિશ બંધારણ હકીકતમાં અલિખિત છે. અમેરિકા કે ફ્રાન્સની પ્રમુખશાહી પદ્ધતિ એ લોકતંત્રનું આધુનિક સ્વરૂપ છે. અમેરિકામાં રાજ્યોના વડા તરીકે ચૂંટાયેલી વ્યક્તિ ગવર્નર ગણાય છે. ભારતમાં ચૂંટાયેલી વ્યક્તિ મુખ્યમંત્રી ગણાય છે. જ્યારે ગવર્નરોની નિમણૂક કેન્દ્ર સરકારની ઇચ્છા અનુસાર રાષ્ટ્રપતિશ્રી કરે છે. વિશ્વના બીજા આધુનિક લોકતંત્ર ધરાવતા દેશોમાં રાજાશાહી પદ્ધતિ જેવા રાજ્યપાલોના પદ જ નથી. જ્યારે ભારત જેવા ગરીબ દેશમાં રાજ્યપાલોની આઉટ ઓફ ડેટ પ્રથા ચાલુ રાખવામાં આવી છે. રાજભવનોનો નિભાવ ખર્ચ, વાહન વ્યવહાર ખર્ચ, સુરક્ષા ખર્ચ, તબીબી ખર્ચ, તથા એડીસીથી માંડીને સ્ટાફનો ખર્ચ પ્રજાના કરમાંથી ચૂકવવામાં આવે છે અને રાજ્યપાલોથી પ્રજાના જીવનમાં ફાયદો થાય એવો કોઇ ફાળો રાજ્યપાલોનો હોતો નથી.

રાજભવનો-વૃદ્ધાશ્રમો

દેશના મોટાભાગના રાજભવનો વૃદ્ધાશ્રમ જેવાં હોય છે. રાજકારણમાં ફેંકાઇ ગયેલા અથવા જેમને ઠેકાણે પાડવા જરૂરી છે તેવા વૃદ્ધ નેતાઓ માટે આ પદોનો ઉપયોગ થાય છે. વળી કેટલીકવાર કેન્દ્રમાં સત્તા પર બેઠેલા શાસકે રાજ્યોમાં જો તેમની વિરોધી સરકાર હોય તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવા રાજ્યપાલોનો એક ઇન્સ્ટ્રુમેન્ટની જેમ ઉપયોગ કરે છે. કારણકે રાષ્ટ્રપતિ શાસન લાદતા પહેલાં કેન્દ્ર સરકાર જે તે રાજ્યની પરિસ્થિતિ અંગે રાજ્યપાલનો રિપોર્ટ મંગાવે છે. ભૂતકાળમાં એક ગવર્નરે આંધ્રમાં એન.ટી.રામારાવની સરકારને ઘરભેગી કરી હતી અને નન્દેલા ભાસ્કર રાવને મુખ્યમંત્રી બનાવી દીધા હતા. ૧૯૮૪માં તેમની સરકાર માત્ર ૩૧ દિવસ જ ચાલી હતી. એ વખતથી જ રાજ્યપાલોની ગરીમાના અંતનો આરંભ થઇ ચૂક્યો હતો. ૧૯૯૭માં ગવર્નરે રોમેશ ભંડારીએ પણ યુ.પી.માં કલ્યાણસિંહની સરકારને ડીસમીસ કરવા અને તેમણે જગદંબીકા પાલને મુખ્યમંત્રી બનાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કોર્ટની દરમિયાનગીરી અને મીડિયાની જાગૃતિના કારણે એ પેરવી નિષ્ફળ નીવડી હતી. આ દેશની પ્રજાએ જોયું છે કે દેશના કેટલાક રાજ્યોમાં રાજ્યપાલો કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તેના એજન્ટ તરીકે વર્તવા પ્રયાસો કર્યા છે. આમ રાજભવનો ખુદ રાજનીતિના અખાડા બની રહ્યાં હોવાના કેટલાંયે ઉદાહરણો છે.

ચીફ જસ્ટિસને સોંપો

કેન્દ્રમાં હવે નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે દેશની પ્રજાને તેમની પાસેથી અનેક ઉમ્મીદો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓના સમૂહની બનેલી કેટલીક કમિટિઓ વિખેરી નાંખી તે રીતે હિંમતપૂર્વક રાજ્યપાલો નીમવાની પ્રથા નાબૂદ કરી ભારતીય લોકતંત્રને વધુ ગતિશીલ બનાવવાની જરૂર છે. એ વાત સુવિદિત છે કે કેટલીકવાર રાજ્યમાં જે પક્ષની સરકાર હોય તે પક્ષ કરતાં અન્ય પક્ષની સરકારે નીમેલા રાજ્યપાલ હોય તો ઘણાં બિલો પુનઃવિચારણાના નામે પાછાં મોકલી નિર્ણયો લેવામાં વિલંબ કરાવે છે. છેવટે તેમાં પ્રજાનું જ અહિત થાય છે. આ બિનજરૂરી પ્રજાને આર્િથક બોજ આપનારી રાજ્યપાલો નીમવાની પ્રથાનો અંત લાવવાની હિંમત દાખવવાની જરૂર છે. ગવર્નરો પાસે જે બંધારણીય કાર્યભાર છે તે જે તે રાજ્યોની હાઇકોર્ટના વડા ન્યાયર્મૂિતઓને સોંપી દેવો જોઇએ. મુખ્યમંત્રીઓ અને તેમના મંત્રીઓેને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જ સોગંધ લેવરાવે તે વધુ ઉચિત લાગશે. દેશના રાજભવનો તે બ્રિટિશ રાજની જરીપુરાણી શૈલીના પ્રતીક છે. રાજભવનોને જોઇએ છીએ ત્યારે હજુ પણ અંગ્રેજોની માનસિક ગુલામી ભોગવતા હોઇએ એવું લાગે છે. કોઇવાર સત્તા માટે વિવિધ પક્ષો તરફથી વિવિધ દાવા થાય તો ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવે છે. આ કામ વિધાનસભાના અધ્યક્ષને સોંપી શકાય. જે તે પક્ષ ગમે તે દાવો કરે પણ બહુમતી તો વિધાનસભાના ફલોર પર જ નક્કી કરવી પડે છે. ટૂંકમાં બ્રિટિશરોએ આપેલી રાજાશાહીના આ પ્રતીકનો હવે અંત લાવી દેવો જોઇએ. રાજભવનો તે જે તે પક્ષના બેકાર કે વૃદ્ધ કે અશક્ત થઇ ગયેલા રાજનેતાઓની નિવૃત્તિનું આરામગૃહ કે વૃદ્ધાશ્રમ નથી. તા.૨૬મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવો હોય તો સમાજના સહુથી ગરીબ વ્યક્તિ પાસે તેકામ કરાવો. કોઇ કવિ, કોઇ કલાકાર, કોઇ શિક્ષક કે કોઇ દાર્શનીક દ્વારા ફરકાવો. દેશના ૪૦ કરોડ લોકો ગરીબી અને ભૂખમરામાં સબડે છે ત્યારે બ્રિટિશરોએ આપેલા કોલોનિયલ યુગની રાજ્યપાલોની પ્રથાના અંતની જરૂર છે. રાજ્યપાલોનુ પદ આદરણીય હતું પરંતુ એન.ડી.તિવારી જેવા રાજ્યપાલોએ એ પદની ગરીમા ખત્મ કરી નાંખી હતી એ જ દિવસે આ નિર્ણય લેવાની જરૂર હતી.

શ્રેષ્ઠ રાજ્યપાલો

હા, અત્રે એ વાત નોંધનીય છે કે, ગુજરાતને સદભાગ્યે એકંદરે ઉત્કૃષ્ટ રાજ્યપાલો મળ્યાં છે તે પૈકી મહેંદી નવાઝ જંગ એક ઉમદા વ્યક્તિ હતા. તેઓ સામાજિક કાર્યોમાં રત રહેતા. ગુજરાતના હાલના ગવર્નર શ્રીમતી ડો. કમલાજી પણ એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના પરિવારનું યોગદાન યશસ્વી રહેલું છે. ડો. શ્રીમતી કમલાજીએ ૧૯૩૮માં ‘કેપ્ટન ઓફ ગર્લ’તરીકે આઝાદીના સંગ્રામમાં ભાગ લીધો હતો. ૨૦૦૧માં તેમને લાલબહાદુર શાસ્ત્રી સંસ્કૃત વિદ્યાપીઠ તરફથી ‘વાચસ્પતિ ડી-લીટ’ની પદવી આપવામાં આવી હતી. એ જ વર્ષમાં અમેરિકન બાયોલોજિકલ ઇન્સ્ટિટયૂટ તરફથી તેમને ‘વુમન ઓફ ધ યર’ નો એવોર્ડ અપાયો હતો.તેમની સાદગી દેશના તમામ રાજ્યપાલોમાં એક અલગ અને શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતના રાજ્યપાલ ડો. શ્રીમતી ડો. કમલા વિશે એક સાવ અજાણી વાત જાણવા જેવી છે. તે સમયે બરકતુલ્લાખાન રાજસ્થાનના મુખ્યમંત્રી હતા. તેના મંત્રીમંડળમાં શ્રીમતી કમલા ગૃહસૂચના અને જનસંપર્ક રાજ્યમંત્રી હતા. બાદમાં તે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બન્યા. તે સમયે પોલીસ મહાનિરીક્ષક હતા સ્વ. સુલ્તાનસિંહ. પોલીસ મહાનિરીક્ષક કોઇ કામ માટે તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી શ્રીમતી ડો. કમલાજીને મળવા પહોંચ્યા. તેણે જોયું કે ત્યાં નાનકડો મંડપ લગાવાયો છે. મંડપ એકદમ ખાલીખમ હતો. કેટલીક ખુરશીઓ પાથરેલી હતી. પોલીસ મહાનિરીક્ષકે ત્યાં હાજર કમલાજીના નોકરોને પૂછયુ કે “આ મંડપ શા માટે લગાવાયો છે?” ત્યારે જવાબ મળ્યો કે “આજે કમલાજીની પુત્રીના લગ્ન છે.”

તત્કાલીન પોલીસવડાને આંચકો લાગ્યો.

આ જવાબ સાંભળીને તત્કાલીન સમયે રાજ્યના સૌથી મોટા પોલીસ અધિકારી હતપ્રભ થઇ ગયા. તેને થયું કે “હું રાજ્યનો પોલીસવડો છું અને કમલાજીએ મને જ આમંત્રણ ન આપ્યું.” પોલીસ મહાનિરીક્ષક ઘરે પરત આવ્યા.તેણે પોતાના પીએને કહ્યું કે “તપાસ કરો કે શું કમલાજી પોતાની પુત્રીના લગ્નનું આમંત્રણકાર્ડ મને મોકલવાનું ભૂલી ગયા કે શું?” પોલીસ મહાનિરીક્ષકના પીએએ કમલાજીના પીએને ફોન કર્યો.

શ્રીમતી ડો. કમલાજીના પીએએ જવાબ આપ્યો કે ‘કાર્ડ તો છપાવ્યા જ નથી. માત્ર ૧૨ જ જણા જાનમાં આવવાના છે અને બાકીના ઘરના સભ્યો જ હશે.”

આ જવાબ સાંભળી તત્કાલીન પોલીસવડા તો છક થઇ ગયા. આવાં છે ગુજરાતના રાજ્યપાલ ડો. શ્રીમતી કમલાજી. સાદગીનું આવું ઉત્કૃષ્ટ ઉદાહરણ ભાગ્યે જ ક્યાંક જોવા મળે.

મેન સ્ટ્રીટ’ બીમાર હોય તો ‘વોલ સ્ટ્રીટ’ પર ચળકાટ હોઇ શકે નહીં

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

અમેરિકાની ચૂંટણીઓ સમગ્ર વિશ્વ માટે એક ઈવેન્ટ હોય છે. વિશ્વભરનાં પ્રચાર માધ્યમોને અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં રસ રહે છે. પ્રમુખપદ માટે ટિકિટ મેળવવી અને ચૂંટણી જીતવી એ બહુ મોટો ઉત્સવ હોય છે. અત્યાર સુધીમાં ફક્ત ૪૩ વ્યક્તિઓ માટે જ આ શક્ય બન્યું છે. અહીં પણ પૈસાની રમત તો હોય છે જ. અમેરિકાના લોકો ભલે ગમે તેટલા ઉદારમતવાદી હોય પરંતુ ભીતરથી સનાતન મૂલ્યોને જ મહત્ત્વ આપે છે. ચૂંટણી ઝુંબેશ ચાલુ હોય ત્યારે ઉમેદવારે પોતાની છબીનું કાળજીપૂર્વક જતન કરવું પડે છે. વળી, નોંધપાત્ર વાત એ છે કે અમેરિકામાં કોઈ એક વ્યક્તિ પ્રમુખ બની જાય તો તે ગમે તેટલી લોકપ્રિય હોય તોપણ બે ટર્મથી વધુ પ્રમુખપદે રહી શકતી નથી. એક ટર્મ ચાર વર્ષની હોય છે. બરાક ઓબામાની આ બીજી ટર્મ છે. તેઓ જીતી શકે તેમ હોય તોપણ આગામી ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરે. ભારતમાં લોકો હાંકી કાઢે નહીં ત્યાં સુધી નેતાઓ નિવૃત્ત થતા નથી. વડાપ્રધાનપદ માટે ૮૭ વર્ષની વયના નેતાઓ પણ અહીં રિસાતા જોવા મળે છે.

ભારતમાં રાજનીતિની પેટર્ન બદલાઈ છે ત્યારે એ પરિપ્રેક્ષ્યમાં વિશ્વના સહુથી વધુ શક્તિશાળી દેશ-અમેરિકા પાસેથી શીખવા જેવું છે. અમેરિકા એટલે અમેરિકાનું અર્થકારણ. અમેરિકા એટલે અમેરિકાનો જબરદસ્ત મોટો ઉદ્યોગ સમૂહ અને અમેરિકા એટલે ન્યુક્લિયર પાવર, અમેરિકા એટલે તેની લેટેસ્ટ આર્મી. અમેરિકા એટલે લેટેસ્ટ ટેક્નોલોજી. બધું હોવા છતાં અમેરિકા આર્થિક રીતે પડી ભાગ્યું. જબરદસ્ત મંદી આવી. મિલકતો અડધી કિંમતે વેચાવા લાગી. દુનિયાનો એક પણ એવો દેશ નથી જ્યાં અમેરિકાનો હસ્તક્ષેપ ન હોય. દુનિયાનું એક પણ યુદ્ધ નથી કે જેમાં અમેરિકાનો હસ્તક્ષેપ ન હોય. આ બધું જ હોવા છતાં પ્રેસિડેન્ટ બરાક ઓબામા અમેરિકાને આર્થિક મંદીમાંથી બહાર કાઢી શક્યા નથી. ચૂંટણી પૂર્વે’ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ અખબારે તો એમની ઠેકડી ઉડાડતાં લખ્યું હતું કે, “ઓબામા ભૂલથી રાજકારણી થયા છે. તેમણે કવિ કે નવલકથાકાર તરીકે તેમની કારકિર્દી બનાવવી જોઈતી હતી.” આવી મજાક છતાં ઓબામાને ટિકિટ મળી હતી અને આઠ વર્ષથી પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનનાં પત્ની હિલેરી ક્લિન્ટનના ‘વ્હાઈટ હાઉસમાં’ ધામા છતાં ડેમોક્રેટિક પાર્ટીએ બરાક ઓબામાને પ્રમુખ પદ માટે ટિકિટ આપી હતી અને તેઓ બે વાર વિજયી બન્યા હતા. 

પરંતુ પરિણામ?

પરિણામ લોકોની સમક્ષ છે. જે અમેરિકાએ ગોધરાકાંડની ઘટનાઓ માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવી અમેરિકામાં પ્રવેશવા વિઝા આપ્યા નહોતા તે જ અમેરિકા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોશિંગ્ટનમાં સત્કારવા થનગની રહ્યું છે. રખે કોઈ એમ માને કે અમેરિકા નરેન્દ્ર મોદીથી ડરે છે. ખરી વાત એ છે કે અમેરિકાને તેનાં ઉત્પાદનો વેચવા મોટું બજાર જોઈએ છે. ચીનને પણ પોતાની પ્રોડક્ટસ વેચવા મોટું બજાર જોઈએ છે અને તે ભારત છે. ભારતમાં એમની ચીજવસ્તુઓ ખરીદવા ૧૨૫ કરોડ ગ્રાહકો છે. અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓને ભારતમાં કન્ઝ્યુમર ગુડસ વેચવા છે. શસ્ત્રો અને ન્યુક્લિયર ઉપકરણો વેચવાં છે. ઉતારુ વિમાનો અને પેસ્ટિસાઇડ્સ પણ વેચવાં છે અને તે માટે બરાક ઓબામા પણ નરેન્દ્ર મોદી માટે રેડ કાર્પેટ પાથરી રહ્યા છે.

આ વાતને જરા અલગ દૃષ્ટિકોણથી જોઈએ. બરાક ઓબામા એક સજ્જન વ્યક્તિ છે, તેમાં કોઈ ઇનકાર નથી. તેઓ ઉત્કૃષ્ટ વક્તા છે. તેઓ સ્વપ્નદૃષ્ટા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે માર્ટીન લ્યુથર કિંગના શબ્દો વાપરીને કહ્યું હતું:

Yes, I have a dream. એક દિવસ એવો ઊગશે કે, અમેરિકામાં કાળા- ગોરા સર્વ માણસો સમાન હશે. ગૌર-વંશવાદનો નાશ થશે, એક દિવસ કાળા અને ગોરા કે કેથલિક અને પ્રોટેસ્ટન્સ, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ એક થઈ બંધુત્વનો ભાવ કેળવશે. એક વાર કોઈએ મને પૂછયું હતું: “તમારા જીવનની મૂળભૂત પ્રેરણા કઈ?”- તો મેં જવાબ આપ્યો હતોઃ “એક નદીની જેમ જીવતા રહેવું અને એવી રીતે વહેવું કે આસપાસનો વિસ્તાર લીલોછમ કરવાની આપણી ક્ષમતા વધતી જાય.”

પણ બરાક ઓબામાનું આ સુંદર સ્વપ્ન સાકાર થયું છે ખરું?

 બરાક ઓબામા એક સજ્જન વ્યક્તિ હોવા છતાં તેઓ I have a dream’નું સૂત્ર આપ્યા બાદ શું તેમનું એ સ્વપ્ન અમેરિકાને ફળ્યું છે ખરું? આ પ્રશ્નોના જવાબ અમેરિકાની પ્રજા જ આપી શકે.

પ્રેસિડેન્ટ બરાક ઓબામા માત્ર સ્વપ્નોના સોદાગર નથી તેઓ વાસ્તવવાદી પણ છે અને તેઓ પરિચય તેઓ પહેલી જ વાર પ્રમુખ બન્યા ત્યારે જ આપી દીધો હતો. તેઓ પહેલી જ વાર અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા તે પછી વિજય રેલીને સંબોધતાં પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ કહ્યું હતું: “હું જાણું છું કે આ કાર્ય તમે કેવળ ચૂંટણી જિતાડવા માટે કર્યું નથી. તમે મારા માટેય કર્યું નથી. તમે આમ કર્યું, કારણ કે આપણી સમક્ષ કેટલો મોટો પડકાર છે તેની તમને ખબર છે. આજે આ વિજયની રાત આપણે ઊજવીએ છીએ પરંતુ તે ઉજવણીમાં પણ આવતી કાલના પડકારોની કલ્પનાઓ છુપાયેલી છે. આપણી સમક્ષ મોટાં આહ્વાનો છે. બે યુદ્ધો. ભયગ્રસ્ત માનવ સમુદાય, સદીનું સૌથી ભયંકર આર્થિક સંકટ એ બધા પડકારોની વચ્ચે આપણે આ વિજયની રાત ઊજવી રહ્યા છીએ. ઇરાક અને અફઘાનિસ્તાનના પહાડોમાં આપણા સૈનિકો પોતાના જીવનને સંકટમાં નાંખીને ઊભા છે. આજે કેટલાંય માતા-પિતા એવાં છે કે જેઓ રાત્રે નાનાં બાળકોને ઉંઘાડીને તેમના ઓશિકા પાસે બેસી તેમનાં બાળકોની સ્કૂલ-ફીની અને ડોક્ટરનાં બિલની િંચંતા કરતાં હોય છે. આપણે નવી ઊર્જા મેળવવી પડશે. નવા રોજગાર ઉપલબ્ધ કરવા પડશે. નવી શાળાઓ બાંધવી પડશે. આ બધું શક્ય નથી. સરકાર બધા જ પ્રશ્નો ઉકેલી શકતી નથી. આ વિજય એ જ ‘પરિવર્તન’ નથી. સત્ય એ છે કે આપણી સમક્ષ રહેલા પડકારો બાબતે હું તમારી સાથે પ્રામાણિક રહીશ. હું તમને જવાબ આપવા બંધાયેલો છું. મારો નિર્ણય તમને ગળે ન ઊતરે તો હું તમારી વાત સાંભળીશ.”

એક શક્તિશાળી પ્રેસિડેન્ટની કેવી વાસ્તવવાદી વાત?

આ તો ઠીક પણ પ્રેસિડેન્ટ ઓબામાએ વિજય રેલીને પ્રવચન કરતાં કહેલી એક વાત માત્ર અમેરિકાને જ નહીં, પરંતુ ભારત સહિત આખા વિશ્વને લાગુ પડે છે. તેમણે કહ્યું હતું કે, “આ આર્થિક સંકટે આપણને એ જ શીખવ્યું છે કે, ‘મેન સ્ટ્રીટ’ અસ્વસ્થ હશે તો ‘વોલ સ્ટ્રીટ’ પર ચળકાટ હોઈ શકે નહીં અને હોય તો તેનો કોઈ અર્થ નથી.” મતલબ એ કે અમેરિકાનું શેરબજાર કે જે ‘વોલ સ્ટ્રીટ’ તરીકે ઓળખાય છે તેની પર ચળકાટનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી ‘મેન સ્ટ્રીટ’ અને માનવીઓની શેરી સ્વસ્થ ન હોય.

ભારતનું શેરબજાર ચળકાટમાં છે અને સેન્સેક્સ આસમાનને સ્પર્શી રહ્યો છે, પરંતુ તેથી દેશની ૪૦ કરોડથી વધુ ગરીબ પ્રજાનું કોઈ દળદળ ફીટતું નથી, આ કડવું સત્ય છે. સેન્સેક્સને અને ગરીબ પ્રજાને મોંઘવારીનો અને બેકારીનો કોઈ સંબંધ નથી. સેન્સેક્સ ઊંચે જવાથી ગરીબી, મોંઘવારી કે બેરોજગારી ઘટતી નથી. સેન્સેક્સનો ચળકાટ એ દેશની ૧૨૫ કરોડની વસતીનો ચળકાટ નથી. સેન્સેક્સનો ચળકાટ એ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ અને શેરબજારિયાઓનો જ ચળકાટ છે. સેન્સેક્સ વધવાથી નવી સ્કૂલો, નવી નહેરો,નવા પાતાળકૂવા કે નવાં શૌચાલયો ઊભાં થતાં નથી. સેન્સેક્સને દેશની પ્રગતિ માની લેનારાઓને સેન્સેક્સ જ ડુબાડશે. સેન્સેક્સ એ મૂડીપતિઓની નાડી છે, આમ પ્રજાની નહીં.

સેન્સેક્સ વધવાથી ગરીબીમોંઘવારી અને બેરોજગારી દૂર થતી નથી

www. devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén