Devendra Patel

Journalist and Author

Month: September 2014 (Page 1 of 2)

ભગવાન શિવે કહ્યું, “આ સતી આજથી મારી માતા છે”

ત્રેતાયુગનો સમય છે.

એક વાર ભગવાન શંકર જગતજનની દેવી પાર્વતી સાથે રામકથા સાંભળવાની ઇચ્છાથી અગત્સ્ય ઋષિ (કુંભક ઋષિ) પાસે ગયા. અગત્સ્ય ઋષિનો જન્મ ભલે કુંભમાંથી થયો હતો, પણ ત્રણ અંજલિમાં આખા સમુદ્રને પી ગયા હતા. અગત્સ્ય ઋષિ શિવ અને દેવી ભવાનીને જોઈ આનંદિત થઈ ગયા. તેમને સુંદર આસન આપ્યું અને શિવજીને સર્વના ઈશ્વર જાણી તેમની સહુ પ્રથમ પૂજા કરી. શિવપૂજા બાદ ભવાનીની પૂજા કરવા ગયા તો મા ભવાનીએ એનો જુદો જ અર્થ કાઢયો. તેમણે વિચાર્યું, ‘આ ઋષિ વક્તા છે. તે શ્રોતાની પૂજા કરે છે અને જેનો જન્મ જ એક કુંભમાંથી થયો છે તે શું કથા કહેશે?’

દેવીને અહમ્નો પ્રશ્ન ઊભો થયો. તેઓ રાજા દક્ષનાં પુત્રી હતાં. તેમણે સંતના સ્વભાવનું ખોટું અર્થઘટન કર્યું. અગત્સ્ય પણ વિચારવા લાગ્યા કે મહાદેવ પણ જો મારી કથા સાંભળે તો મારું વક્તવ્ય સફળ થઈ જાય – એમ વિચારી એક ગાદી પર બેસી તેઓ કથા કહેવા લાગ્યા. દેવીનું ધ્યાન કથામાં રહ્યું નહીં, કારણ કે તેમના મનમાં અહમ્ અને પૂર્વગ્રહ હતા. કથા પૂરી થયા બાદ શિવે અગત્સ્ય ઋષિને કહ્યું, “મર્હિષ, આપે મને રામકથા સંભળાવી. હું પણ તમને કાંઈક આપવા માગું છું. આપ કાંઈક માગો.”

ઋષિએ કહ્યું, “મારે બીજું કાંઈ જોઈતું નથી, પણ આપ મને ભક્તિ વિશે કહો. બસ, એટલું જ માગું છે.” શિવે પ્રસન્ન થઈને ઋષિને ભક્તિ આપી. તે પછી શિવે વિદાય લઈ દેવી સાથે કૈલાસ પાછા ફર્યા.

સમય વહેતો રહ્યો. એ ત્રેતાયુગનો સમય હતો. ભગવાન શ્રીરામનો જન્મ થઈ ચૂક્યો હતો. શિવ જે રામકથા સાંભળેલી તે આગલા ત્રેતાયુગની કથા હતી. પુરાણો કહે છે કે દર ત્રેતાયુગમાં શ્રી રામ અવતાર લે છે. હવે ફરી ત્રેતાયુગમાં જન્મેલા રામ પિતાની આજ્ઞાાથી સીતા અને લક્ષ્મણની સાથે વનમાં આવ્યા હતા. દંડકારણ્યમાંથી રાવણ સીતાજીનું હરણ કરી ગયો હતો. રામ-લક્ષ્મણ સીતાજીની શોધમાં વનમાં ફરી રહ્યા હતા. એ સમયે શિવજીને રામનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. તેમને ખબર હતી કે નારાયણે પૃથ્વી પર રામ તરીકે અવતાર લીધો છે. તેમને વિચાર આવ્યો કે હું આ જ સ્વરૂપે તેમનાં દર્શન કરવા જઈશ તો તે બધાં જાણી જશે અને તેમની લીલામાં બાધા આવશે.

આવું વિચારતા શિવ દેવી ભવાનીને લઈ દંડકારણ્યમાં ગયા. તેમણે રામ અને લક્ષ્મણને સીતાજીની શોધમાં સામાન્ય માણસની જેમ વિરહથી વ્યાકુળ નિહાળ્યા. પરમાત્માની આ અદ્ભુત લીલા જોઈ શિવને આનંદ થયો. આ યોગ્ય સમય નથી એમ માનીને રામ સાથે પરિચય ન કર્યો. પણ શિવે બંને રાજકુમારોને સચ્ચિદાનંદ પરમધામા – બ્રહ્મસ્વરૂપ કહી પ્રણામ કર્યાં. દેવી વિચારવા લાગ્યાં કે જે બ્રહ્મ સર્વવ્યાપક, અજન્મા અને માયારહિત છે તે દેહધારી મનુષ્ય કેવી રીતે હોઈ શકે?

એક જ વક્તા પાસેથી બંને રામકથા સાંભળીને આવતાં હોવા છતાં શિવ રામતત્ત્વને ઓળખી શક્યા, પણ સતી રામતત્ત્વને ઓળખી શક્યાં નહીં. કેટલીક વાર બુદ્ધિ ને અહમ્ ઈશ્વરતત્ત્વને ઓળખતાં રોકે છે. એથી દેવીએ પતિદેવને પૂછયું કે, “મહારાજ! આ બે રાજકુમારોને જોઈ આપ આટલા બધા પ્રેમાવેશમાં કેમ આવી ગયા?” વળી આપે તેમને ‘સચ્ચિદાનંદ’ કેમ કહ્યાં? તમે તો સ્વયં ત્રણ ભુવનના નાથ છો.

શિવે કહ્યું, “હે સતી! સાંભળો. હું તમારો સ્ત્રીસ્વભાવ જાણું છું, પણ આવો સંશય ન રાખો. આ જ મારા ઇષ્ટદેવ રઘુવીર છે, દેવી! આ જ સાક્ષાત્ બ્રહ્મ છે. તમે એ અવસર ચૂકી ગયાં.”

શિવે દેવીને બહુ સમજાવ્યાં કે સમસ્ત બ્રહ્યાંડોના સ્વામી સ્વયં બ્રહ્મ શ્રીરામના સ્વરૂપે તેમના ભક્તોના હિત માટે પૃથ્વી પર અવતર્યા છે. પણ શિવની વાતોની બહુ અસર સતી પર થઈ નહીં. તેમણે સામી દલીલ કરી, “જો તે બ્રહ્મ જ હોય તો તેમને ખબર નથી કે, સીતાજી ક્યાં છે?”

શિવજી દેવીને સમજાવવામાં નિષ્ફળ ગયા. તેમણે છેવટે એટલું જ કહ્યું, “સતી! તમારો સંદેહ દૂર થતો ન હોય તો એમ કરો, તમે જ તેમની પાસે જઈ પરીક્ષા કરો. પણ એટલો ખ્યાલ રાખજો કે તે મારા ઇષ્ટદેવ છે, પરમ બ્રહ્મ છે. તેમની પરીક્ષા લેતાં તમે વિવેક ચૂકી ન જતાં.”

સતી બ્રહ્મતત્ત્વની પરીક્ષા લેવા ગયાં. શિવજી વિચારવા લાગ્યા કે, “સતીનું કલ્યાણ નથી. હું તેમનો પતિ જગત્ગુરુ તેમને કહું છું કે, રામ સ્વયં બ્રહ્મ છે, છતાં તેઓ મારું માનતાં નથી. જરૂર સતીનું કુશળ નથી.” આ પ્રભાવ દંડકારણ્યની ભૂમિનો હતો. આ ભૂમિ પર જ સીતાજીને લક્ષ્મણને ર્માિમક વચનો કહી મૃગ શોધવા ગયેલા રામને શોધવા જવા મજબૂર કરેલાને રાવણ દ્વારા સીતાહરણ થયેલું.

દેવી ભવાનીએ સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું. સીતાજીનું સ્વરૂપ ધારણ કરી સતી શ્રીરામચંદ્ર જે માર્ગે આવતા હતા એ તરફ ગયાં. સતી વિચારવાં લાગ્યાં કે જો તેઓ બ્રહ્મ હશે તો મને ઓળખી જશે. જો તે માનવી જ હશે તો મારો હાથ પકડી લેશે અને કહેશે કે, “સીતા, તમે ક્યાં હતાં?”

લક્ષ્મણનું ધ્યાન સતી પર પડયું. તેઓ જગદંબાને સીતાજીના સ્વરૂપમાં જોઈ ચકિત થઈ ગયા, પણ તેઓ પ્રભુની કોઈ લીલા હશે તેમ સમજી કાંઈ બોલ્યા નહીં. પણ શ્રીરામ સતીના આ કપટને જાણી ગયા. તેમણે સીતાના સ્વરૂપમાં સતીને જોતાં જ બે હાથ જોડી પ્રણામ કર્યાં. અહીં જ સતીએ સમજી જવાની જરૂર હતી કે આ બ્રહ્મ છે અને તેઓ ઓળખાઈ ગયાં છે. રામચંદ્રજીએ સતીને પ્રણામ તો કર્યાં, પણ હવે સંબોધન શું કરવું તે પ્રશ્ન ઉદ્ભવ્યો. સતી સીતાજીના સ્વરૂપમાં છે અને તેમને ‘માતાજી પધારો’ તેમ કહે તો તેમના ગૃહસ્થજીવનમાં બાધા આવે. એ જ રીતે સીતાજીના સ્વરૂપમાં જગદંબા છે, તેથી તેમને પત્ની તરીકેનું સંબોધન પણ કેમ કરાય? થોડુંક વિચાર્યા બાદ બે હાથ જોડી રામ બોલ્યા, “મારા પિતા શિવ ક્યાં છે? તમે એકલાં વનમાં કેમ ફરો છો?”

સતીની બનાવટ પકડાઈ ગઈ. સતી ત્યાંથી ભાગ્યાં. રામને પણ થયું કે મારે સતીનો સંશય ધડમૂળમાંથી દૂર કરવો જોઈએ. સતી હવે તેમના મૂળ સ્વરૂપમાં દોડતાં હતાં. હવે તેમણે રામ સામે જોયું તો રામ-લક્ષ્મણ સીતાજી આવતાં દેખાયાં. પાછળ જોયું તો પણ એ જ દૃશ્ય દેખાયું. ઈશ્વરે પોતાની સર્વવ્યાપકતા દર્શાવી. જાણે કે તેઓ કહી રહ્યા હતા, “સતી! ભૂલ ન કરો. હું જ સર્વવ્યાપક બ્રહ્મ છું.”

સતી હવે ભયભીત હતાં. તેમનુું હૃદય કંપી રહ્યું હતું. રસ્તામાં જ બેસી ગયાં. તેઓ વિચારવા લાગ્યાં, “હવે મારા પતિદેવ મને પૂછશે તો હું શંુ જવાબ આપીશ?”

ખરી વાત એ હતી કે અહંકાર અને બુદ્ધિએ સતીના જીવનમાં મુશ્કેલી ઊભી કરી. સતી શિવ પાસે આવ્યાં ત્યારે પતિદેવે તેમને પૂછયું કે, “કુશળ તો છોને?” સતીને સંશયની બીમારી હતી. તેથી શિવજીએ ફરી પૂછયું, “સતી! તમે શ્રીરામની પરીક્ષા કેવી રીતે લીધી એ તો કહો.”

સતી ખોટું બોલ્યાં, “મેં કોઈ પરીક્ષા લીધી નથી. મેં તો માત્ર પ્રણામ જ કર્યાં.”

શિવ અંતર્યામી હતા. તેમણે ધ્યાન ધરી જાણી લીધું કે સતી ખોટું બોલે છે. રામની પરીક્ષા લેવા તેમણે સીતાજીનું રૂપ લીધું હતું એ વાત પણ તેમણે જાણી લીધી. શિવજીને આ ગમ્યું નહીં. તેઓ વિચારવા લાગ્યા કે, ભગવાન શ્રીરામ મારા ઇષ્ટદેવ છે. સીતાજી મારા માટે માતા સમાન છે. મારી પત્નીએ મારી માતાનું સ્વરૂપ લીધું હતું, તેથી તેની સાથે સંસારનો સંબંધ કેમ રખાય?શિવજીએ મનમાં સંકલ્પ કર્યો કે, સતી દક્ષનાં પુત્રી છે. તેમણે સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેથી જ્યાં સુધી તેમનું આ શરીર હશે ત્યાં સુધી સંસારના સંબંધ રાખી શકાશે નહીં તેથી આ સતી આજથી મારી માતા છે.”

એ સમયે આકાશમાંથી દેવોએ આકાશવાણી કરી, “ધન્ય છે શિવજીને જેમણે ભક્તિ માટે આટલી મોટી પ્રતિજ્ઞાા કરી.” આકાશવાણી સાંભળતાં જ સતીને શંકા પડી. તેમણે પૂછયું, “પ્રભુ! આપે શી પ્રતિજ્ઞાા કરી?”

શિવજીએ વિચાર્યું કે જો હું એમ કહીશ કે, મેં તારો ત્યાગ કર્યો છે તો સતીને દુઃખ થશે. તેથી વિષયાંતર કરીને તેઓ જુદી જુદી કથાઓ સંભળાવતાં તેમને કૈલાસ લઈ ગયા. કૈલાસ જઈને પોતાનો સંકલ્પ પાર પાડવા એક વટવૃક્ષની નીચે ધ્યાનમાં બેસી ગયા. શિવજીના વર્તનથી સતી જાણી ગયાં કે શિવજીએ મારો ત્યાગ કર્યો છે, પણ તેઓ દયાળુ હોઈ મારો અપરાધ કહેતાં નથી.

ઘણાં વર્ષો પછી શિવજીએ સમાધિ ખોલી. સતી પ્રણામ કરીને ઊભાં રહ્યાં, પરંતુ ભગવાને સતીને સામે બેસવા માટે આસન આપ્યું. બાજુમાં બેસવાનો અધિકાર સતીએ ગુમાવી દીધો હતો. એ વખતે એક ઘટના ઘટી. આકાશમાં વિમાનો ઊડતાં દેખાયાં. સતીએ શિવને પૂછયું, “આટલા બધાં દેવતાઓ ક્યાં જઈ રહ્યાં છે?”

વારંવાર પૂછતાં છેવટે શંકર ભગવાને કહ્યું, “સતી! તમારા પિતા દક્ષરાજે બ્રહ્માજીને પ્રજાપતિ નાયક બનાવ્યા છે અને એક મોટા યજ્ઞાનું આયોજન કર્યું છે. આ બધાં દેવતાઓ ત્યાં જઈ રહ્યા છે. મારી સાથે તમારા પિતાને કોઈ મનદુઃખ હોવાથી મારું અપમાન કરવા મને નિમંત્રણ નથી. તમને પણ નથી. દેવી! જ્યાં નિમંત્રણ ન હોય ત્યાં જવું ન જોઈએ. તમારું પણ ત્યાં જવું કલ્યાણકારી નહીં હોય.”

સતી માન્યાં નહીં, તેમણે હઠ કરી. તેમણે વિચાર્યું કે મારા પતિએ ભલે મારો ત્યાગ કર્યો હોય પણ યજ્ઞાના બહાને હું મારાં માતા-પિતાને મળું તો મારું દુઃખ ઓછું થાય. આ તરફ દક્ષ રાજાએ બધાંને કડક સૂચના આપી હતી કે, “મેં શંકરને આમંત્રણ આપ્યું નથી તેથી તેઓ આવશે નહીં, પરંતુ મારી પુત્રી આવે તો તેનું પણ સન્માન કરવાનું નથી. કોઈ મારી પુત્રીનો આદર કરશે તો તેનો હું શિરચ્છેદ કરી નાખીશ.”

સતી પિતાના ઘરે પહોંચ્યાં. તેમને જોઈ બધાંએ મોં ફેરવી લીધું. બહેનો પણ સતીનો વ્યંગ કરવા લાગી. એકમાત્ર તેમની માતાએ પ્રેમથી પુત્રીને આશ્વાસન આપ્યું. દક્ષ રાજા તો અભિમાનથી બેઠા હતા. ઋષિમુનિઓ યજ્ઞામાં આહુતિ આપતા હતા. સતીએ જોયું તો યજ્ઞાશાળામાં પતિ માટે કોઈ સ્થાન કે કોઈ ભાગ નહોતો. શિવભાગ કાઢયા વિના વૈદિક નિયમ મુજબ કોઈ યજ્ઞા થઈ શકે નહીં,પરંતુ ઋષિઓ પણ કાંઈ બોલ્યા નહીં. શંકર ભગવાનનું આટલું મોટું અપમાન જોઈ સતીને ક્રોધ થયો. તેઓ બોલ્યાં, “જે લોકોેએ શિવની નિંદા કરી છે અને સાંભળી છે તેનું ફળ તેમને તરત જ મળશે. મારાં માતા-પિતાને પણ પશ્ચાત્તાપ થશે. મારા પિતા જગતપતિ એવા શિવજીની નિંદા કરે છે તેથી દક્ષની પુત્રી તરીકે હું મારો દેહ ટકાવી રાખવા માગતી નથી. હું ચંદ્રમૌલેશ્વર ભગવાન શંકરને મારા હ્ય્દયમાં ધરીને આ શરીરનો ત્યાગ કરું છું.”

– એટલું કહી સતીએ પોતાના જમણા પગના અંગૂઠામાં યોગથી અગ્નિ પ્રગટ કરીને પોતાનો દેહ એ અગ્નિમાં ભસ્મીભૂત કરી દીધો. યજ્ઞામંડપમાં હાહાકાર મચી ગયો. શિવના ગણોએ યજ્ઞાને તોડવા માંડયો. યજ્ઞાનો નાશ થતો જોઈ મુનીશ્વર ભૃગુએ તેની રક્ષા કરી,પરંતુ સતીના અગ્નિસ્નાનની ખબર પડતાં ભગવાન શંકરને ક્રોધ ચડયો. તેમણે પોતાના મુખ્ય ગણ વીરભદ્રને યજ્ઞાભૂમિ પર મોકલ્યો અને તેણે યજ્ઞાનો નાશ કર્યો. દક્ષની દુર્ગતિ થઈ. (ક્રમશઃ)

 “હે પ્રભુ! જન્મ-જન્માંતર મને શિવજીની જ દાસી બનાવજો.”
 સતીએ યજ્ઞાભૂમિ પર યોગ અને અગ્નિમાં પોતાના દેહને બાળતી વખતે ભગવાન શંકરને પ્રાર્થના કરી હતી કે, “હે પ્રભુ! જન્મ-જન્માંતર મને શિવજીની જ દાસી બનાવજો.”

દક્ષનાં પુત્રી તરીકે તેમની બુદ્ધિમત્તાના પ્રતીક રૂપ જે ચંચળ શ્રદ્ધા હતી તે બળી ગઈ. તે સાથે તેમનો અહમ્ પણ બળી ગયો. આ ઘટનાના કેટલાક સમય બાદ પર્વતરાજ હિમાલયનાં પુત્રી તરીકે મેનાની કૂખે એક કન્યા અવતરી. તેનું નામ ઉમા. ઉમા એ જ પાર્વતી. સતીએ પર્વતરાજ હિમાલયનાં પુત્રી તરીકે ફરી જન્મ લીધો. પાર્વતી મોટી થવા લાગી. એક વાર નારદજીએ પર્વતરાજ હિમાલયને કહ્યું, “તમારી દીકરી સર્વગુણસંપન્ન છે. તે તેના પતિને સદા પ્રિય રહેશે. સમગ્ર જગત તેને પૂજશે. સંસારની સ્ત્રીઓ તેનું નામ લઈ પતિવ્રતા ધર્મનું પાલન કરશે, પરંતુ તેના હાથની રેખાઓ જ એવી છે કે તેનો પતિ માતા-પિતારહિત હશે, અમંગળ વેશવાળો હશે, નગ્ન, માનહીન અને ઉદાસીન હશે.”

નારદજીનો ઇશારો ભગવાન શંકર તરફ હતો. નારદજીએ પાર્વતીને તપ કરવા કહ્યું. ઉમા અર્થાત્ પાર્વતીના પિતાને પણ કહ્યું, “મહાદેવની આરાધના કઠિન છે પણ તે નાની ઉંમર છતાં પણ તપ કરશે તો તેને ભગવાન શંકર જરૂર પ્રાપ્ત થશે.”

પાર્વતી નાની વયમાં જ શિવજીને હૃદયમાં ધરી તપ કરવા લાગ્યાં. સર્વ ભોગોનો ત્યાગ કર્યો. વર્ષો સુધી તપ કરી શરીર ક્ષીણ કરી નાંખ્યું. બીજી તરફ શિવ પણ સતીના વિરહમાં ભટકતા હતા. એક વાર તેઓ ધ્યાનમાં બેઠા હતા ત્યારે ભગવાન શ્રીરામચંદ્રજી પ્રગટ થયા અને કહ્યું, “ધન્ય હો, શિવજી! તમને મારી પર સ્નેહ હોય તો મને વરદાન આપો કે, તમે પાર્વતી સાથે વિવાહ કરશો.”

કેટલીક આનાકાની બાદ શિવ ભગવાને ભગવાન શ્રીરામચંદ્રજીની આજ્ઞાા માથે ચડાવી. આ તરફ પાર્વતીની કઠિન તપસ્યા ચાલુ જ હતી. કેટલાંક ઋષિઓ પાર્વતી પાસે ગયા અને આવી કઠિન તપસ્યાનું કારણ પૂછયું. પાર્વતીએ કહ્યું, “હું તો શિવજીને પતિ તરીકે પામવા આ તપ કરું છું.”

ઋષિઓએ કહ્યું, “તમે જેને પતિ તરીકે પામવા માંગો છો તે તો ભીખ માંગીને ખાય છે. સ્મશાનમાં પડી રહે છે. નારદજીએ તમને ખોટી સલાહ આપી છે. અમે તમારા માટે વૈકુંઠમાં સરસ વર શોધી કાઢયો છે.”

પાર્વતીએ કહ્યું, “તમે જાવ અહીંથી. આ જન્મ તો ઠીક પણ બીજા કરોડો જન્મ ધારણ કરીશ પણ પરણીશ તો ભગવાન શંકરને જ!”

હિમાલયની પુત્રીનો આ ઉત્તર સાંભળી સપ્તઋષિઓને આનંદ થયો. તે પછી સપ્તઋષિઓ શિવજી પાસે ગયા. તેમણે પાર્વતીના તેમના માટેના પ્રેમ અને તપસ્યાની વાત કહી. એ સાંભળતાં સાંભળતાં જ શિવને સમાધિ લાગી ગઈ. બીજી તરફ તારકાસુરના ત્રાસથી મુક્ત થવા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું, “તારકાસુરનું મૃત્યુ શિવજીના પુત્રના હાથે થશે. તેમને પરણાવો.”

આ વાત સાંભળી દેવતાઓ પણ કામે લાગી ગયા. શિવજીની સમાધિ તોડવા તેમણે કામદેવને કામે લગાડયો, પણ સમાધિને વિચલિત કરવાનો પ્રયાસ કરનાર કામદેવને તેમણે ત્રીજું નેત્ર ખોલી ભસ્મીભૂત કરી દીધો. ફરી બધાં દેવો શિવજી પાસે ગયા. બ્રહ્માજી પણ સાથે ગયા. તેમણે પણ શિવજીને વિવાહ કરી લેવા અનુરોધ કર્યો. શિવજીને રામચંદ્ર ભગવાને કરેલી આજ્ઞાા યાદ આવી ગઈ. તેમણે કહ્યું, “ભલે તેમ જ થાઓ.”

બ્રહ્માજીએ સપ્તઋષિઓને હિમાલયના ઘરે મોકલ્યા. તેમણે પાર્વતીના દિવ્ય પ્રેમની કસોટી કરી. વિવાહનું નક્કી થયું. શિવજીની જાન આવી. શિવજીએ તેમાં ભૂત-પ્રેતને પણ સામેલ કર્યાં. કોઈ પશુના રૂપમાં તો કોઈ રક્ત પીતાં. શિવજીનો ભયાનક વેશ જોઈ પાર્વતીનાં માતા મેના પણ ભયભીત થઈ ગયાં અને રડવા લાગ્યાં, પરંતુ નારદજીએ તેમને સાંત્વના આપી, “દેવી મેના! તમે શાંત થાવ. તમે જાણતાં નથી કે શિવ કોણ છે? દેવી, આંખો ખોલો. આ તમારી પુત્રી આજે શિવને પરણે છે એવું નથી. ગયા જન્મમાં પણ દક્ષની પુત્રી તરીકે પણ એ શિવને જ પરણી હતી.”

નારદજીએ પાર્વતીના પૂર્વજન્મની કથા કહી. નારદજીનાં વચનો સાંભળી ક્ષણભરમાં જ સહુનો શોક દૂર થઈ ગયો. થોડી જ વારમાં વાતાવરણ મંગલમય બની ગયું. બધાંને શિવ પ્રત્યે આદર પ્રગટયો. ધામધૂમ સાથે શિવજી લગ્નમંડપમાં પધાર્યા. બ્રાહ્મણોને મસ્તક નમાવી, પોતાના ઇષ્ટદેવ રામચંદ્રજીનું સ્મરણ કરી, શિવજી બ્રહ્માના બનાવેલા દિવ્ય સિંહાસન પર વિરાજમાન થયા. દેવી પાર્વતીનું રૂપ જોઈ દેવતાઓ પણ ચકિત થઈ ગયા. હિમાલય અને મેનાએ કન્યાદાન કર્યું. વેદમંત્રોના ઉચ્ચારણ સાથે પિતાએ તેમની પ્રિય પુત્રીનો હાથ શિવજીના હાથમાં આપ્યો. ભગવાન શંકરે પાણિગ્રહણ કર્યું. લગ્નવિધિ બાદ માતા-પિતાએ સજળ નેત્રોએ પુત્રીને વળાવી.

ભગવાન શંકર પાર્વતીજીને લઈને કૈલાસ પહોંચ્યા. કેટલાક દિવસો બાદ શિવજી ફરી એક વાર એક વડલાના વૃક્ષ નીચે વ્યાઘ્રચર્મ પાથરી પ્રસન્ન મુદ્રામાં બેઠા હતા. પતિને પ્રસન્ન જોઈ યોગ્ય અવસર જાણી પાર્વતીજી ભગવાન શિવ પાસે ગયાં. ભગવાન શિવે હવે તેમને તેમની બાજુમાં જ ડાબી બાજુએ આસન આપ્યું. ધીમેથી પતિને પાર્વતીજીએ પૂછયું, “આપની અનુમતિ હોય તો એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે.”

શિવજીએ કહ્યું, “પૂછો.”

પાર્વતીજીએ પૂછયું, “પ્રભુ! કલ્પવૃક્ષની નીચે રહેનારને કદી દારિદ્ર્ય હોય? મારા મનમાં રહેલા સંશયનું સમાધાન ન થાય એના જેવું દુર્ભાગ્ય કેવું? મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ગયા જન્મમાં પણ મેં આ જ પ્રશ્ન પરીક્ષાવૃત્તિથી પૂછયો હતો. મારી બુદ્ધિના ઘમંડનો હવે નાશ પામ્યો છે. હવે હું માત્ર જિજ્ઞાાસાવૃત્તિથી પૂછું છું. પ્રભુ! આખા એક જન્મનો ફેરો લઈ હું ફરી આપના ચરણની દાસી થઈને બેઠી છું. મારો પ્રશ્ન એ છે કે રામ કોણ છે? રામ જ બ્રહ્મ છે કે અન્ય કોઈ? જો એ રાજપુત્ર હોય તો બ્રહ્મ કેવી રીતેે?અને જો તે બ્રહ્મ હોય તો એક સ્ત્રીના વિરહથી તેમની બુદ્ધિ વ્યાકુળ કેમ થઈ જાય? પ્રથમ તો મને નિર્ગુણ બ્રહ્મ સગુણ શરીર શા માટે ધારણ કરે છે તે સમજાવો. બ્રહ્મને નર બનવાની જરૂર શી? અને તેઓ જો લીલા કરતા હતા તો આવી લીલા કરવાનું પ્રયોજન શું? હે પ્રભુ! રામજી મનુષ્ય સ્વરૂપે જન્મીને આવ્યા તેનાં કારણો મને કહો. તેમના બચપણની વાત મને કહો. તેમને વનમાં જવું પડયું તેની વાત કહો. ભરતજીના પ્રેમની વાત મને કહો. સીતાજીના અપહરણની વાત મને કહો. સીતાજીના વિરહથી રામજી રડતાં હતા તે વાત કહો. લંકાવિજય પછી રામ અને સીતા અયોધ્યા પાછાં પધાર્યાં તે વાત પણ મને કહો.”

પાર્વતીજીના આવા કપટરહિત અને માત્ર જિજ્ઞાાસાવૃત્તિથી પુછાયેલા પ્રશ્નો સાંભળી ભગવાન શંકરે સ્મિત આપ્યું. તેમણે કહ્યું, “દેવી! તમે તો પ્રશ્નોમાં જ મને રામકથા સંભળાવી દીધી. તમારા પ્રશ્નોમાં હવે પરીક્ષાવૃત્તિ નથી.”

દેવી પાર્વતીની નિખાલસ જિજ્ઞાાસાવૃત્તિ જાણ્યા બાદ રાજી થયેલા ભગવાન શંકરે બે ક્ષણ માટે નેત્રો બંધ કરી દીધાં. તેઓ ધ્યાનસ્થ થઈ ગયા. તેમના હૃદયકમળમાં શ્રીરામ પ્રગટ થયા. એથી અતિ આનંદિત થઈ ભગવાન શંકરે દેવી પાર્વતીને શ્રીરામચંદ્રજીનું ચરિત્ર વર્ણવવા માંડયું. દેવી પાર્વતીને તેમણે કહ્યું, “તમે પણ રઘુવીરનાં ચરણોમાં પ્રેમ રાખવાવાળાં છો. જગતના કલ્યાણ માટે જ તમે આ પ્રશ્નો પૂછયા છે એ મને બહુ જ ગમ્યું. દેવી! રામ એ તો પરમ પ્રકાશરૂપ છે. મોહના અંધકારને ત્યાં કોઈ સ્થાન નથી. જેની અંદર કાંઈ ઉમેરી ન શકાય અને જેમાંથી કશું જ ન થઈ શકે એ તત્ત્વ રામ છે, ભવાની! જેને જાણ્યા વગર કશું જ જાણ્યું નથી તેવા મારા ઇષ્ટદેવ પરબ્રહ્મ રામ છે. રામ એટલે પગ વગર ચાલી શકે, નેત્ર વગર જોઈ શકે, હાથ વગર કાર્ય કરી શકે, જીભ વગર બોલી શકે, મુખ વગર સ્વાદ લઈ શકેઃ આવાં અલૌકિક કાર્યો જેણે કર્યાં છે અને વેદો પણ જેનો પાર પામી શકતા નથી એવા મારા ઇષ્ટદેવ ભગવાન શ્રીરામ બનીને આવ્યા છે. હવે સંદેહ વિના સાંભળો…”

દેવી ભવાની અર્થાત્ પાર્વતીજીના એક પ્રશ્નમાંથી જ પાવનકારી રામકથાનો પ્રારંભ થયો. રામચરિત માનસમાં શ્રીરામચંદ્રજીના પ્રાગટયનાં પાંચ કારણો બતાવવામાં આવ્યાં છે. તેમાંનું પ્રથમ કારણ છે ભગવાન શ્રીવિષ્ણુના બે દ્વારપાલ જય અને વિજય. એક વાર ઋષિઓ ભગવાન શ્રીવિષ્ણુને મળવા આવ્યા. આ બંને દ્વારપાળોએ અહંકારને વશ થઈ તેમને રોક્યા. ઋષિમુનિઓએ ક્રોધિત થઈ તેમને શાપ આપ્યો, “તમે અમને હરિદર્શન કરતાં રોકો છો. જાવ પૃથ્વી પર પડો.”

એટલામાં ભગવાન શ્રીવિષ્ણુ આવી પહોંચ્યા. તેમણે આ વાત જાણી એટલે તરત જ ઋષિમુનિઓને વિનંતી કરી, “મારા દ્વારપાળોએ ભૂલ તો કરી જ છે, પણ આપ તો સંત-મહાત્માઓ છો. આપે દયા કરવી જોઈએ.”

ઋષિઓ શાંત પડયા અને બોલ્યા, “જો તેઓ પૃથ્વી પર જઈ ભગવાન સાથે વેર બાંધશે તો ત્રણ જન્મ પછી નારાયણને એટલે કે આપને પામશે.”

આ બંને દ્વારપાળો પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ તરીકે પૃથ્વી પર જન્મ્યા. જેમાં ભગવાન શ્રીવિષ્ણુએ પહેલા જન્મમાં વરાહ રૂપે અને બીજા જન્મમાં નૃસિંહ રૂપે જન્મી તેમનો ઉદ્ધાર કર્યો. ત્રેતાયુગમાં બંને દ્વારપાળો રાવણ અને કુંભકર્ણ તરીકે પૃથ્વી પર જન્મ્યા. ભગવાન સાથે વેર બાંધ્યું અને ભગવાને શ્રીરામ રૂપે જનમ લઈ તેમનો ઉદ્ધાર કર્યો. દ્વાપર યુગમાં બંને દ્વારપાળો અગ્રાવત અને શિશુપાળ રૂપે જન્મ્યા અને ભગવાને શ્રીકૃષ્ણ તરીકે જન્મ લઈ તેમનો ઉદ્ધાર કર્યો. ભગવાન શ્રીરામના પ્રાગટયનું ત્રીજું કારણ એક વાર નારદજીએ ભગવાનને આપેલો એક શાપ હતો પણ તેની કથા અલગ અને વિસ્તૃત છે. નારદજીને સમાધિમાં બેઠેલા જોઈ એક વાર કામદેવ તેમને વિચલિત કરવા આવ્યો હતો, પરંતુ નારદજીએ શિવની જેમ તેની પર ક્રોધ કરી તેને બાળી નાખવાના બદલે માફ કરી દીધો હતો. આ ઘટના બાદ નારદજીને કામ અને ક્રોધ પર પોતે વિજય મેળવી લીધો છે અને આ બાબતમાં પોતે શિવજીથી પણ આગળ નીકળી ગયા છે તેવો અહંકાર આવી ગયો હતો. ભગવાન શ્રીવિષ્ણુને નારદજીનો આ અહંકાર ગમ્યો નહોતો. નારદજીનું પતન રોકવા ભગવાને એક માયા રચી હતી. ભગવાને નારદજીને વિશ્વમોહિની નામની એક અતિસુંદર રાજકુમારીના રૂપથી મોહિત કરી દીધા હતા. સ્વયંવરમાં પોતે ભગવાન જેવા જ રૂપાળા લાગે એવું વરદાન લઈ નારદજી સ્વયંવરમાં ગયા હતા. અલબત્ત, ભગવાને એટલું જ વરદાન આપ્યું હતું કે, “જે પ્રકારે તમારું પરમ હિત થશે તેવું જ થશે.”

સ્વયંવરમાં ગયેલા નારદજીને ભગવાને રૂપાળા બનાવવાના બદલે કાળા ચહેરાવાળા વાનર જેવા મુખવાળા બનાવી દીધા. વિશ્વમોહિનીએ તેમની સમક્ષ જોયું જ નહીં અને બીજાઓ હસવા લાગ્યા ત્યારે નારદજી વિચારમાં પડી ગયા. શિવના ગણોએ તેમની મશ્કરી કરી અને તળાવકિનારે જઈ પોતાનું મોં જોવા કહ્યું. નારદજીએ સરોવરના સ્વચ્છ જળમાં પોતાનું મોં જોયું ત્યારે ખબર પડી કે ભગવાને તેમને વાનર જેવા બનાવી દીધા છે. પોતાના રૂપની મશ્કરી કરનાર શિવના ગણોને તેમણે શાપ આપ્યો, “જાવ, રાક્ષસ થઈ પૃથ્વી પર પડો.” એ પછી નારદજીએ ફરી જળમાં જોયું અને તેઓ મૂળ સ્વરૂપમાં આવી ગયા, પરંતુ મનમાં ક્રોધ ભરી તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને રસ્તામાં જ રથમાં જઈ રહેલાં ભગવાન વિષ્ણુને ન કહેવાનાં વચનો કહ્યાં, “તમારા જેવો દંભી ને પાખંડી મેં જોયો નથી. સમુદ્રમંથન વખતે તમે દેવતાઓને અમૃત પીવરાવ્યું અને ભોળા શિવજીને વિષ આપ્યું. અસુરોને સુરાપાન કરાવ્યું અને તમે ચાર કૌસ્તૂભ મણિ તથા લક્ષ્મીજીને લઈ ગયા. તમારા જેવો કપટી કોઈ નથી. તમે પરમ સ્વતંત્ર છો અને ફાવે તેમ વર્તો છો.”

નારદજીને સાંભળી લક્ષ્મીજીએ કહ્યું, “પ્રભુ! હવે તો હદ થાય છે. તમે કાંઈક તો બોલો.”

ભગવાન વિષ્ણુએ કહ્યું, “ના દેવી! નારદજીના મુખે મેં સ્તુતિ ઘણી સાંભળી છે. કડવાં વચનો સાંભળવાનો આ પહેલો અવસર છે. એમને બોલવા દો.” કહી ભગવાન હસવા લાગ્યા.

ક્રોધાવેશમાં નારદજીએ શાપ આપ્યો, “તમે જે દેહ મને આપીને આજે છેતર્યો છે પણ ત્રેતાયુગમાં તમારે પણ માનવદેહ લઈ પૃથ્વી પર જન્મવું પડશે. તમે મને વાનરની આકૃતિ આપી હાંસીને પાત્ર બનાવ્યો છે પણ મારો બીજો શાપ છે કે ત્રેતાયુગમાં તમારો રામાવતાર થશે ત્યારે વાનર અને રીંછ સિવાય તમને કોઈ મદદ કરશે નહીં. સ્ત્રીના વિયોગથી મને તડપાવ્યો છે, તેમ તમે પણ સ્ત્રીના વિયોગમાં તડપશો.”

આમ, નારદજીએ ભગવાન વિષ્ણુને ત્રણ શાપ આપ્યા. તે પછી ભગવાને માયાનું સામ્રાજ્ય સંકેલી લીધું. માયાનું આવરણ દૂર થતાં નારદજી ભાનમાં આવ્યા અને ભયભીત થઈ ભગવાનનાં ચરણો પકડી લીધાં. તેઓ બોલ્યા, “મારો શાપ મિથ્યા થાઓ. મેં તમને બહુ જ કડવાં વચનો કહ્યાં છે. મારું આ પાપ કેવી રીતે ટળશે?”

ભગવાન વિષ્ણુએ વિહ્વળ થયેલા નારદજીને કહ્યું, “હે નારદ! શાંતિ ધારણ કરો. શિવ નામનો જપ કરો તો તમારા હૃદયને જરૂર શાંતિ થશે. મારા નામનો જપ કરવાથી કામ, ક્રોધ શાંત થાય, પણ અહંકારને જીતવા માટે શિવના નામનો જ જપ કરવો પડે.”

એમ કહી ભગવાન વિષ્ણુ વૈકુંઠ પધાર્યા અને નારદજી શિવ નામનો જપ કરતા બીજી તરફ ગયા. રસ્તામાં નારદજીને શિવના જે બે ગણોને શાપ આપ્યો હતો તે બંને ગણ મળ્યા. તેમણે નારદજીને દયા કરવા અનુરોધ કર્યો. નારદજીએ કહ્યું, “મેં શાપ આપ્યો છે એટલે તમારે પૃથ્વી પર રાક્ષસ રૂપે અવતરવું તો પડશે જ, પરંતુ તમને મહાન વૈભવ, તેજ અને બળની પ્રાપ્તિ થશે. ભગવાન સાથે તમે યુદ્ધ કરશો અને ભગવાનના જ હાથે તમારો મોક્ષ થશે.”

આ બંને ગણો રાવણ અને કુંભકર્ણ થયા. આમ, ભગવાન શ્રીરામના જન્મનું એક કારણ આ પણ છે. ભગવાન શ્રીરામના જન્મના ચોથા અને પાંચમા કારણોની પણ અન્ય વિસ્તૃત કથાઓ છે.

– આ છે ભગવાન શ્રીરામના જન્મની પૂર્વભૂમિકા. ભગવાન શ્રીરામે કોઈ ને કોઈના ઉદ્ધાર માટે જ પૃથ્વી પર જન્મ લીધો, પછી તે અહલ્યા હોય કે રાવણ. આ બધી જ કથાઓ પૂજ્ય મોરારિબાપુએ તેમની રામકથામાં રસપ્રચુર શૈલીમાં વર્ણવી છે. ગોસ્વામી તુલસીદાસકૃત રામચરિતમાનસની દિવ્ય કથાને ફરી જીવંત કરવાનું અને કરોડો શ્રદ્ધાળુઓ સુધી પહોંચાડવાનું કામ પૂજ્ય મોરારિબાપુએ કર્યું છે.

યાદ રહે કે શિવકથાને જ રામકથાનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. રામકથા અંગે પૂજ્ય મોરારિબાપુ કહે છે, “રામકથા સાંભળવાથી પુણ્ય મળે છે કે નહીં, સ્વર્ગ મળશે કે નહીં? એ વાત બાજુએ રાખીએ તો પણ એ હકીકત છે કે રામકથા જીવનનો નવો આદર્શ આપે છે. રામની જેમ જીવવા માટેની પ્રેરણા આપે છે. રામકથા મન-હૃદયને પાવન કરે છે અને રામની જેમ ઊંચું જીવન જીવવા બળ આપે છે.

www.devendrapatel.in

આદ્યકવિ વાલ્મીકિ તારાં સગાંઓને પૂછી આવ, શું તેઓ તારા પાપના ભાગીદાર થશે?

આદ્યકવિ, રામાયણના રચયિતા, મર્હિષ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા, પણ તેનાં માતા-પિતા તપ કરવા જંગલમાં ગયાં. તેમણે બાળકને જંગલમાં મૂકી દીધું. કોઈ ભીલની દૃષ્ટિ એ બાળક પર પડી અને તેણે તેમને ઉછેર્યા. તે મોટા થયા એટલે તેને ધર્નુિવદ્યામાં નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો.

એક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતા હતા ત્યાં એક મર્હિષને જોઈને તેની પાસે જે હોય તે માગ્યું. મર્હિષએ તેને કહ્યું કે, “જેને માટે તું પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે?” કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને મર્હિષને શરણે ગયા. તેથી તે મર્હિષ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.

મર્હિષ જતાં તે ત્યાં જ જપ કરતાં કરતાં એટલા કાળપર્યંત બેઠા કે તેમના શરીર ઉપર ઉધઇના રાફડા થઈ ગયા. પછી એ જ મર્હિષએ આવી તેમને એ રાફડામાંથી બહાર કાઢયા. રાફડાને સંસ્કૃતમાં ‘વાલ્મીક’ કહે છે, તે ઉપરથી તેમનું ‘વાલ્મીકિ’ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા લાગી.

એક દિવસ વાલ્મીકિ તમસા નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે એક પારધીએ સારસના એક યુગલને તીર માર્યું. સારસ પક્ષી વીંધાયું અને પડી ગયું. આ દૃશ્ય જોઈને ઋષિ વાલ્મીકિના મુખમાંથી કરુણાના લીધે એક શ્લોક સરી પડયોઃ

મા નિષાદ પ્રતિષ્ઠાં તમગમઃ શાશ્વતીઃ સમાઃ

યત્ ક્રૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્.

હે નિષાદ! તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, ર્કીિત, સ્થિતિ, સ્થાન, સ્થાપિત રહેવાનું, આશ્રય ઇત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તેં આ કામક્રીડામાં મગ્ન કૌંચ/કૂજ પક્ષીઓમાંથી એકની, વિના કોઈ અપરાધ હત્યા કરી દીધી છે.

આ પ્રસંગ બતાવે છે કે લૂંટારામાંથી ઋષિ થયેલા વાલ્મીકિનું હૃદય પરિવર્તન. આ પ્રસંગે વાલ્મીકિને એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતાં એક પારધીને શાપ આપ્યો અને એક નવા શ્લોકની રચના અનુષ્ટુપ છંદમાં થઈ.

આ પ્રસંગ પછી જ્યારે મર્હિષ નારદ મુનિ વાલ્મીકિને મળવા આવ્યા ત્યારે વાલ્મીકિએ શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજીને કરી. વાલ્મીકિએ એ પણ ઇચ્છા વ્યક્ત કરી કે અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને તે કોઈ એવી રચના કરવા માગે છે કે જે સમગ્ર માનવજાતિને માર્ગદર્શક બને. તેમણે નારદજીને પૂછયું કે શું એવી કોઈ વ્યક્તિ છે કે જે બધા જ ગુણોનો આદર્શ હોય?જેનામાં બધા જ ગુણો આત્મસાત્ થયા હોય?

આ સમયે નારદજીએ વાલ્મીકિને રામના જીવન વિશે લખવા માટે પ્રેરણા આપી. આમ, રામાયણની રચના થઈ. આ જ અરસામાં સીતા વાલ્મીકિના આશ્રમમાં રહેવા આવ્યાં અને લવ-કુશનો જન્મ થયો. લવ-કુશ રામાયણ શીખ્યા અને તેમણે તેને અયોધ્યામાં પ્રચલિત કર્યું. તેમની ખ્યાતિ સાંભળી રામે પણ લવ-કુશને રામાયણ ગાવા રાજસભામાં બોલાવ્યા. બ્રહ્મદેવની આજ્ઞાા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન થયા હતા તેના જ નામ પર શતકોટિ કાવ્ય તેમણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહીં. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું અને કવિ પણ પહેલા જ હોઈ વાલ્મીકિ આદ્યકવિ કહેવાય છે.

સંસ્કૃતના આદિકવિ વાલ્મીકિએ રામાવતારનાં સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદૃષ્ટિથી રામાયણની રચના કરી હતી. તેમણે રચેલો ગ્રંથ વાલ્મીકિ રામાયણ આજે પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યના સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મર્હિષની પવિત્રતા રામચંદ્રજી પણ જાણતા હતા. વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યાં હતા. વળી ધોબીના વચનથી રામે સીતાને વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકિ પોતાના ગંગાકિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતા. આ ઋષિએ લવ અને કુશને વેદ, ધર્નુિવદ્યા વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.

રામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મીકિએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતાં રામાયણનો કાળ આશરે ૫૦૪૧ ઈ.સ. પૂર્વે ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી. વાલ્મીકિ રામાયણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ સાત કાંડોમાં વહેંચાયેલું છે. ૧. બાલકાંડ. ૨ અયોધ્યાકાંડ. ૩ અરણ્યકાંડ. ૪ કિષ્કિંધાકાંડ. ૫ સુંદરકાંડ. ૬. યુદ્ધકાંડ-લંકાકાંડ. ૭ લવકુશકાંડ-ઉત્તરકાંડ.

હિન્દુ ધર્મના બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે, પરંતુ રામાયણ ફક્ત હિન્દુ ધર્મ કે આજના ભારત દેશ પૂરતો મર્યાદિત ન રહેતાં ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કંબોડિયા, ફિલિપાઇન્સ, વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજજીવન અને કુટુંબસંસ્થા પર રામાયણનો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શ પાત્ર બની રહે છે.

રામાયણ ત્રેતાયુગમાં જન્મેલા રામની જીવનકથા છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના ચાર પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર છે. આ જ સમયગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતું. રાવણ સમગ્ર પૃથ્વી પર શાસન કરતો હતો અને રામાયણમાં તેને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે.

રામાયણના સમયમાં પૃથ્વી પર જુદી જુદી જાતિઓ અસ્તિત્વ ધરાવતી. અમુક નિષ્ણાતોના મતે આ બધી માનવજાતિઓ હતી. મનુષ્ય, દેવ, કિન્નર, ગાંધર્વ, નાગ, કિરાત, વાનર, અસુર, રાક્ષસ – આ બધી જુદી જુદી માનવજાતિઓ હોઈ શકે છે, પરંતુ દરેક સમૂહની વિશિષ્ટ શક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સામાન્ય માનવ માટે અસંભવિત જણાય જેમ કે, ઊડવું, પર્વત કે શિલા ઊંચકવી, વિમાનમાં ફરવું, શરીરનું રૂપ બદલવું વગેરે.

કથા મુજબ રાવણે બ્રહ્મદેવ પાસે વરદાન લીધેલું કે તેને કોઈ દેવ વગેરે મારી શકે નહીં. મનુષ્યને ત્યારે નબળું પ્રાણી માનવામાં આવતું તેથી તેણે મનુષ્યથી કોઈ અભય-વરદાન માગ્યું નથી અને ભગવાને રામ તરીકે મનુષ્યજન્મ લઈને રાવણનો વધ કર્યો.

મર્હિષ વાલ્મીકિ રામને એક આદર્શ માનવચરિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઈ એવા માનવના જીવન વિશે લખવાનો હતો જેમનામાં બધા જ ગુણો હોય. રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છેઃ

* રામ, શ્રવણ – પિતૃઆજ્ઞાા માટે પોતાનો અંગત સ્વાર્થ છોડી દેવો.

* રામ, ભરત – ભાઈઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ રાજ્યસુખ કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે.

* સીતા – પતિ વગર રાજ્યમાં રહેવું તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવું વધુ યોગ્ય છે. પતિના કામમાં ખડેપગે મદદ કરવી.

* લક્ષ્મણ – તેજસ્વી ચારિત્ર્ય છતાં મોટા ભાઈની આજ્ઞાા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દૃષ્ટિ રાખવી.

* હનુમાન – પોતાની તમામ શક્તિ ભગવાનનાં કામમાં ધરી દેવી.

* સુગ્રીવ – મિત્રતા.

* વાલી, રાવણ – શક્તિનું અભિમાન ન રાખવું અને પરસ્ત્રીને પવિત્ર રીતે જોવું.

* વાનરો – જો સાથે મળીને કામ કરીએ તો સમુદ્ર પર સેતુ પણ બાંધી શકીએ અને રાવણને પણ મારી શકીએ. મનુષ્યજીવનમાં કંઈ ંજ અશક્ય નથી. માનવ પોતાને મળેલી કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકે છે. આ માટે અર્ધાિમક થવાની પણ જરૂર નથી. માણસ સિદ્ધાંતોથી જીવી શકે છે. જીવનમાં પ્રેમનું મહત્ત્વ સુખ કરતાં મહત્ત્વનું છે.

મૂળ રામાયણ તે વાલ્મીકિ રામાયણ ગણાય છે. અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલું જે મૂળ રામાયણમાં થોડા ફેરફારો કરે છે તથા તેનું તાત્ત્વિક રહસ્ય સમજાવે છે. તે પછી સંત તુલસીદાસ ગોસ્વામીએ રામચરિત માનસની રચના કરી જે અવધી ભાષામાં લખાયેલું છે.

રામાયણની આ અતિ સુંદર કથાને પુનર્જીવિત કરવાનું કામ આજના સમયમાં સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારીબાપુએ કર્યું છે. રામકથાના કથાકાર તરીકે પૂજ્ય મોરારીબાપુથી વધુ શ્રેષ્ઠ કથાકાર આજે બીજું કોઈ નથી. પૂજ્ય મોરારીબાપુ ગોસ્વામી તુલસીદાસના જ અવતાર લાગે છે. તેઓ જ્યારે કથા કરે ત્યારે સાંગોપાંગ તેઓ તુલસીદાસ જેવા જ લાગે છે. તેમની જીભ, આંખ,વાણી અને હાવભાવથી માંડીને હૃદયમાં માત્ર અને માત્ર ભગવાન શ્રીરામ બિરાજતા હોય એવા લાગે છે. પૂજ્ય મોરારીબાપુ અને રામકથા એકબીજાના પર્યાય બની ચૂક્યાં છે. રામકથાની માત્ર ઘટનાઓ જ નહીં, પરંતુ તે ઘટનાઓનું આધ્યાત્મિક અર્થઘટન કરતાં હોવાને કારણે તેઓ શ્રેષ્ઠ સંત, શ્રેષ્ઠ ગુરુ અને શ્રેષ્ઠ કથાકાર બની રહ્યાં છે.

જેમણે મિલ માલિકની દીકરીને ટયૂશન આપવાની ના પાડી દીધી

આજે એક બીજા શિક્ષકની વાત. એમનું નામઃ નાનકરામ ચત્રભુજ શર્મા. રાજસ્થાનના બાડમેર ખાતે તા. ૧૩-૧૨-૧૯૨૭ના રોજ બ્રાહ્મણકુળમાં તેમનો જન્મ થયો. પિતાને અમદાવાદ ખાતે અસારવા બેઠકમાં પૂજારીની નોકરી મળતાં પરિવાર અમદાવાદ આવ્યું. ઘરમાં લાઈટ ના હોઈ રસ્તા પર લાઈટના થાંભલા નીચે બેસી અભ્યાસ કર્યો. બી.એ., બી.એડ્. કર્યા બાદ અમદાવાદની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી મળી. સ્કૂલમાં બધા તેમને’સાહેબ’ કહેતા.

અસારવા બેઠકની ચાલીમાં એક રૃમમાં રહેતા પગારથી જ ઘર ચલાવતા. ઘરમાં બેસવા માટે ખુરશી પણ નહોતી. લોકો કહેતા પણ ખરા કે સાહેબ તમારે ત્યાં મોટા મોટા મહેમાનોે આવે છે, ખુરશીઓ તો વસાવો. તેઓ કહેતા કે ”પગારથી ઘર ચાલે છે. બીજુ વસાવવા માટે બીજા પ્રયત્નો કરવા પડે, જે મારે નથી કરવા.” રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ ચાલુ કરી ત્યારે એક બંગલામાં ચાલુ થઈ હતી. ફક્ત ૪૦ વિદ્યાર્થીઓથી ચાલુ કરી હતી. પહેલા સત્રથી જ છોકરાઓએ ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં સન્માનિત સ્થાન પ્રાપ્ત કર્યા. રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલની આજે વિશાળ બિલ્ડિંગ છે. આજે પણ એ વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલ પાસેથી પસાર થાય છે ત્યારે એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ”આ સ્કૂલ અમે માથે ઈંટો ઊંચકીને બનાવી છે” તેમ કહી ગર્વ લે છે. સ્કૂલના એકએક વિદ્યાર્થીને તેઓ નામથી ઓળખતા. એમની ખૂબી જોઈ ઉપનામ પણ આપતા. સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી સતત ગેરહાજર રહે તો એના ઘેર પહોંચી જતા. એની સમસ્યાનું નિરાકરણ કરી એની સ્કૂલ પડવા દેતા નહીં. ગરીબ વિદ્યાર્થીઓને ચોપડીઓ અને ક્યારેક ક્યારેક તો પોતાના ખિસ્સાના પૈસાથી મદદ કરતા. સ્કૂલમાં એક તેજસ્વી વિર્દ્યાિથની સતત અઠવાડિયાથી ગેરહાજર હતી. એમની પાસે સાઈકલ હતી. સાઈકલ લઈને વિર્દ્યાિથનીના ઘેર પહોંચી ગયા. સાહેબને જોઈને વિર્દ્યાિથની એમને વળગીને ચોંધાર આસુએ રડવા લાગી. એને સાંત્વના આપી. એના પિતાને સ્કૂલ નહીં મોકલવાનું અને રડવાનું કારણ પૂછયું, તો એના પિતાએ કહ્યું કે, ”સાહેબ હું એક મિલ મજૂર છું. મિલમાં વિવિંગ ખાતામાં કામ કરું છું. મને ટી.બી. થઈ ગયો છે. મારી પાસે દવાઓના જ પૈસા નથી તો છોકરીને ભણાવું ક્યાંથી?” એમણે કહ્યું તમે ચિંતા કરશો નહીં. તમારી દીકરીને સ્કૂલે મોકલો એની ભણવાની ફીની તથા તમામ વ્યવસ્થાઓ થઈ જશે. એ છોકરીને પિતાએ ભણવા મોકલી. છોકરી ભણીને ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં ગુજરાત અને અમદાવાદમાં નંબર લાવી. આગળ એને મેડિકલમાં પ્રવેશ મળ્યો. એ ડોક્ટર બની. મોટી થઈ એટલે એના લગ્ન માટે માંગા આવવા માંડયા. છોકરી કહેતી સાહેબ જ્યાં કહેશે ત્યાં લગ્ન કરીશ. એક પાઈલોટનો સંબંધ આવ્યો પરંતુ છોકરાના લક્ષણ અને ચાલઢાલ જોઈ સાહેબે ના પાડી તો એ સંબંધ નામંજૂર કર્યો. એક વખત સાહેબ બહારગામ ગયા હતા. એક સરસ સંબંધ આવ્યો. છોકરો ભારત સરકારના નેવી ડિપાર્ટમેન્ટમાં મોટો ઓફિસર હતો. છ મહિના સ્વદેશમાં રહેવાનું અને છ મહિના પરદેશ ફરવાનું. છોકરીના ઘરવાળાઓએ હા પાડી દીધી. સાહેબ આવ્યા એમને જાણ કરવામાં આવી. હા પાડી એટલે લગ્ન થઈ ગયા. છ મહિનામાં વર્લ્ડ ટૂર કરી આવી. સાહેબના ઘરવાળાઓ માટે કંઈકને કંઈક ભેટ લેતી આવી. થોડાક સમય પછી ઈન્દોરથી કાગળ આવ્યો. છોકરીએ આપઘાત કરી લીધો. છોકરો દેશ- પરદેશ ફરતો એટલે બધી જ રીતે ખરાબ હતો. સાહેબ નાના બાળકની જેમ રડયા. તેમણે કહ્યું, ”મારી તાલીમમાં કંઈક કચાશ રહી ગઈ. આપઘાત કાયરતા છે, એ દીકરી આપણને જાણ કરી શકતી હતી. બધું કહી શકતી હતી”. એ ઘટના પછી તેઓ પોતાના કોઈ વિદ્યાર્થી કે વિર્દ્યાિથનીના લગ્નમાં જતા નહીં. જવું પડે તો મીઠાઈ ખાતા નહીં.

એક વિદ્યાર્થી ભણવામાં ખૂબ જ હોંશિયાર, ચમનપુરાના એકદમ પછાત વિસ્તારમાં રહેતો. પિતા ચવાણાની લારી ચલાવતા. વિદ્યાર્થીની હિલચાલ ઉપરથી સાહેબને ખ્યાલ આવ્યો કે છોકરાનું ભણવામાં મન લાગતું નથી. તો રોજ એના ઘરે જવા લાગયા. ખબર પડી કે છોકરો અસામાજિક તત્ત્વોથી સંગતમાં પડી ગયો છે. રોજ સાહેબ વિદ્યાર્થીને શોધવા નીકળતા. સાઈકલ ઉપર શોધીને ઘરે લાવતા. એનું મન ભણવામાં વાળ્યું. આજે એ અમદાવાદનો મોટો નામી ડોક્ટર છે. રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાંથી ભણેલા કેટલાય મોટા મોટા ઉદ્યોગપતિ, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, સીઆઈ ઓફિસર, પોલીસ ઓફિસર થયા. એક વિદ્યાર્થી ગુજરાત હાઈકોર્ટમાં જજ બન્યો.

આટલી બધી જરૃરિયાતો છતાં કોઈ દિવસ પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નહી. એ જમાનામાં ખૂબ જ ઓછી મોટર કાર હતી. એક દિવસ રાતે એક એમ્બેસેડર કાર આવી એમની પતરાવાળી ઓરડી સામે આવી ઊભી રહી. એમાંથી એક મિલ માલિક ઉતર્યા. તેઓ તેમની દીકરીનું ટયૂશન કરાવવા માટે એમને લેવા આવ્યા હતા.મોટર કાર જોઈ શર્માજીનો નાનો દીકરાએ પણ સાથે જવાની જીદ કરી. સાહેબે ના પાડી છતાં દીકરો ન માન્યો. મિલ માલિકે કહ્યું ” તે ભલે આવતો. પાછો ગાડીમાં મૂકી જઈશું.” તેઓ તેમના પુત્ર સાથે મિલ માલિકના શાહીબાગ ખાતેના બંગલે ગયા. એમના દિવાનખંડમાં સામ સામી દીવાલો પર બે કબાટ હતા. એ બંનેમાં અરીસા લાગ્યા હતા. એટલે સામસામે વચ્ચે ઊભા રહેનારના અસંખ્ય પ્રતિબિંબ દેખાતા. મિલ માલિકે કહ્યું ” શર્માજી તમે મારી દીકરીનું ટયૂશન આપો.” પરંતુ શર્માજીનો સિદ્ધાંત હતો કે શિક્ષક ટયૂશન ન કરી શકે. મિલ માલિકે આચાર્ય શર્માજીને તેમની દીકરીને ટયૂશન બદલ જોઈએ એટલી ફી આપવાની ઓફર કરી. તે દરમિયાન આચાર્ય શર્માજીનો પુત્ર બે અરીસાઓની વચ્ચે ઊભો હતો. એણે પાછળથી ફાટેલી ચડ્ડી પહેરેલી હતી. અરીસાઓેમાં ફાટેલી ચડ્ડીના અસંખ્ય પ્રતિબિંબ દેખાતા હતા. મિલમાલિકનો ટયૂશન માટે જબરદસ્ત આગ્રહ હતો. છતાં તેમણે વિનમ્રતાપૂર્વક ના પાડી અને કહ્યું કે ”ટયૂશન તો નહીં કરી શકુ. પરંતુ હા, તમારી દીકરીને સ્કૂલ છુટી ગયા પછી સ્કૂલમાં જ હું ચોક્કસ ભણાવીશ. એને કહેજો રોજ સ્કૂલ છૂટે પછી મારી ઓફિસમાં અડધો કલાક આવી જાય. હું તેને વિના મૂલ્યે ભણાવીશ.” અને તેમને મિલ માલિકને ઘેર જઈ ટયૂશન ના કર્યું તે ના જ કર્યું.

સ્કૂલની પ્રગતિ થવા લાગી એટલે શિક્ષકો પણ વધારવા લાગ્યા.ઈન્ટરવ્યુ પણ એ જ લેતા. એક દિવસ એક શિક્ષક ઈન્ટરવ્યૂના આગલા દિવસે ફળોના ટોપલા સાથે રૃ. ૨૫,૦૦૦ લઈ ઘરે આવી ગયા. સાહેબ ગુસ્સે થઈ તમારી હિંમત કેવી રીતે થઈ આ કરવાનું કહી એમને વિદાય કર્યા. શિક્ષક ગભરાઈ ગયા. હવે તો નોકરી મળતી હશે તો પણ નહીં મળે એમ સમજવા લાગ્યા. બીજા દિવસે ઈન્ટરવ્યૂમાં આવ્યા- બધા જ ઉમેદવારોમાં તેઓ ખૂબ જ કાબેલ અને યોગ્ય હતા. એમને એમના આશ્ચર્ય વચ્ચ પસંદ કર્યા. એે શિક્ષક ફરી ઘરે આવ્યા. તેમણે સાહેબને પૂછયું, સાહેબ મેં આટલી મોટી ભૂલ કરી હતી છતાં તમે મને પસંદ કયા?ર્ે” ત્યારે તેમણે કહ્યું ”તમે તમારા કામ માટે બધી જ રીતે યોગ્ય હતા એટલે તમને પસંદ કર્યા. તમારી લાયકાત સ્કૂલના છોકરાઓને ભણાવવામાં કરજો. સંસ્થા ઊંચી આવે એવું કામ કરજો.” શિક્ષકની આંખોમાં પાણી આવી ગયા.

એમણે એક પટાવાળો રાખ્યો. એની આદતો ખરાબ. એ પટાવાળો જુગારની લતે ચઢી ગયો હતો. સ્કૂલમાં ટાઈમ થઈ જાય તો પણ નોકરી આવે નહીં. પ્રિન્સિપાલ શર્મા સાહેબને ખબર પડી એ રોજ સાઈકલ લઈ એને જુગારના અડ્ડાઓ ઉપર શોધવા જાય એને પકડી લાવે. સ્કૂલમાં કામ કરાવે. જ્યારે પગારનો દિવસ આવે એટલે પગાર પણ એને સાથે રાખી પોતે લઈ લેતા અને ઘરે જઈ એની પત્નીના હાથમાં આપતા. સ્ટાફ કહેતો ‘સાહેબ આ શું કરો છો’, તો કહેતા કે ”આ તો મૂરખ છે. જુગારમાં પગાર હારી જાય તો એના ઘરમાં નાના નાના બાળકો ખાશે શું ?” પટાવાળો સુધરી ગયો. આજે એેનું ઘર આબાદ છે.

રાત્રે ઘરે જતા એટલે જમીને આજુબાજુની અભણ મહિલાઓને ભેગી કરતા. એમને ભણાવતા. સ્ત્રી સાક્ષરતાના એ સમયમાં તેઓ હિમાયતી હતા. એમના લગ્ન મધ્યપ્રદેશના અંતરિયાળ ગામમાં થયા હતા. એમના પત્ની અભણ હતા. પત્નીને ઘેર ભણાવ્યાં અને તેમને ભગવદ્ગીતા વાંચતા કર્યા.

એમણે ૧૯૬૨થી ૩૧-૫-૧૯૮૫ સુધી સ્કૂલમાં કામ કર્યું. પછી નિવૃત્ત થયા. પગાર આવતો બંધ થયો. બેંક બેલેન્સ તો હતું નહીં. એમને એમ હતું કે નોકરી ચાલે છે એટલે દાળ-રોટી ચાલે છે. નિવૃત્ત થયા પછી પેન્શન ગ્રેજ્યુઈટીના કાગળોમાં કંઈક ભૂલ થઈ ગઈ અને એમનું બધું જ અટકી ગયું. ખૂબ જ પ્રયત્નો કરવા છતાં એમને એક પણ પૈસો મળ્યો નહીં. હવે પૈસાની તંગી દેખાવા લાગી. ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા. તંગીને કારણે ચંપલ લાવવાના પણ પૈસા નહોતા. જાતે ચંપલ સીવીને ચલાવવા લાગ્યા. કપડાં લાવવાના પૈસા રહ્યા નહીં. બનિયાન અને કપડાં ફાટી ગયા તો જાતે સીવીને ચલાવવા લાગ્યા. પણ હિંમત હાર્યા નહીં. ચોપડી લખવાની ચાલુ કરી. બહારનું થોડું થોડું ભાષાંતરનું કામ લાવી કરવા લાગ્યા. એ આશામાં કે સરકારમાંથી પેન્શન અને ગ્રેજ્યુઈટી આવશે એટલે બધું સરખું થઈ જશે. દરમિયાન તેઓ બીમાર પડયા. દવા કરાવવા માટે પૈસા નહોતા. કિડની કાઢી નાખવી પડે તેમ હતી. તેમનો જ વિદ્યાર્થી કે જે હવે ડોક્ટર હતો તેણે ઓપરેશન કરી કિડની કાઢી નાખી. ડોક્ટર પૈસા લેવાની ના પાડતા હતા. પરંતુ શર્માજીએ ડોક્ટરને એક રૃપિયો આપ્યો. એથી વધુ રકમ તેમની પાસે નહોતી. સ્કૂલની સમિતિએ તેમનું સન્માન કર્યું. ૩૧-૧૨-૧૯૮૫ના રોજ તેમણે દેહ છોડી દીધો.

એમની સ્મશાનયાત્રામાં આખો શાહીબાગ રોડ ઉભરાઈ ગયો. એમના મૃતદેહને બધા આગ્રહપૂર્વક સ્કૂલે લઈ ગયા. બધા કહેતા સાહેબની કર્મભૂમી છે. આજે પણ જ્યારે જૂના એમના વિદ્યાર્થીઓ સાથે એમની વાત થાય છે ત્યારે ઘણાની આંખો ભીની થઈ જાય છે.

– દેવેન્દ્ર પટેલ

એક શિક્ષક, જેણે સન્માન સ્વીકાર્યું, પણ નાણાં નહીં

આ જે એક શિક્ષકની વાત છે.

વિદ્યાર્થીના જીવનઘડતરમાં માતા-પિતા પછી શિક્ષકનું સ્થાન છે. એક શિક્ષકે આપેલું જ્ઞાાન અને સંસ્કાર કોઈ પણ વ્યક્તિના જીવનના અંત સુધી ચિરંજીવ પ્રભાવ જારી રાખે છે. એવા જ એક શિક્ષકનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ. તા. ૧૩-૧-૧૯૧૯ના રોજ નડિયાદ તાલુકાના પીજ ગામે જન્મેલા વિઠ્ઠલભાઈના પિતાનું નામ જેઠાભાઈ અને માતાનું નામ રૂપબા. જેઠાભાઈના ત્રણેય સંતાનો શિક્ષક બન્યા.

વિઠ્ઠલભાઈ સાત વર્ષની ઉંમરે પીજની કુમારશાળામાં દાખલ થયા હતા. માધ્યમિક શિક્ષણ વસોમાં લીધું અને ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું. આઝાદી પહેલા તેઓ ગ્રેજ્યુએટ થયા. એ વખતે દેશમાં સ્વાતંત્ર્યસંગ્રામ ચાલતો હતો. ૧૯૪૨માં ગાંધીજીની હિન્દ છોડો હાકલ વખતે અંગ્રેજો સામે તેઓ પણ સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. એ વખતે દેશમાં અંગ્રેજોની સરકાર હતી. અંગ્રેજોનો વિરોધ કરવા સરકારી ટપાલ અને મનીઓર્ડરની લૂંટ કરવા માટે રચાયેલી ટપાલ જલાવ ટૂકડીની આગેવાની લીધી. બોરિયાવી ગામથી નરસંડા જતી ટપાલ લૂંટી. તે પછી મહેમદાવાદથી ખેડા જિલ્લાના ૮૨ ગામોમાં ટપાલ લૂંટી અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો.

૧૯૪૪માં તેઓ આણંદમાં આવેલી દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલ (ડી.એન.)માં માસિક રૂ.૨૦ના વેતનથી શિક્ષક તરીકે જોડાયા. નોકરી સાથે અધૂરો અભ્યાસ પૂરો કર્યો. જિંદગીભર તેમણે ઈસ્ત્રી વગરના ખાદીના વસ્ત્રો જ પહેર્યા. સફેદ ધોતિયું, સફેદ ઝભ્ભો અને માથે ગાંધી ટોપી. નોકરીના સમયગાળા દરમિયાન વર્ગશિક્ષક, વ્યાયામ શિક્ષક, ગૃહપતિ, આચાર્ય અને સંસ્થાના મંત્રીપદ સુધીની જવાબદારી સંભાળી. શાળાને જ તેઓ સ્વર્ગ માનતા. તેમના વિદ્યાર્થીઓ કહે છે કે, ‘અમારા સાહેબ શાળામાં સહુથી વહેલા આવે. વર્ગખંડની સ્વચ્છતાથી માંડીને મેદાનની સફાઈનું કામ જાતે ઊભા રહીને કરાવે. મેદાનમાં ક્યાંય કચરો દેખાય તો જાતે ઉપાડી લે. કોઈ વિદ્યાર્થી તોફાન કરે તો તેને શિક્ષા પણ કરે અને લાગણી પણ બક્ષે. દૂર દૂરના ગામથી ચાલીને આવતા વિદ્યાર્થીને તંદુરસ્તીનું મહત્ત્વ પણ સમજાવે. પોતે વ્યાયામ શિક્ષક હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમની જબરદસ્ત પકડ હતી. ઘણીવાર ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ પણ કરાવે. તેમના અનેક વિદ્યાર્થીઓ ડોક્ટરો, વકીલો, ઈજનેરો, વૈજ્ઞાાનિકો અને શિક્ષકો બન્યા. જે સંસ્થામાં તેઓ શિક્ષક હતા તે જ ચારુતર વિદ્યામંડળના મંત્રી પણ બન્યા.

વિઠ્ઠલભાઈની એક શિક્ષક તરીકે ખૂબી એ હતી કે, સાદગી સંયમ અને ઉદાત્ત ચારિત્ર્યને તેઓ જીવનનાં મહત્ત્વપૂર્ણ અંગો માનતા. જિંદગીભર સરકાર તરફથી મળતું ઘરભાડું કે તબીબી ભથ્થું કદી યે ના લીધું. નિવૃત્ત થયા પછી પ્રતિમાસ મળતું પેન્શન પણ કદી ના લીધું. પોતે ગૃહપતિ હોવા છતાં હોસ્ટેલના રસોડામાં કદી ના જમ્યા. હોસ્ટેલનો વિદ્યાર્થી બીમાર પડે તો તેને પોતાના ઘેર રાખી તેની સારવાર કરાવતા.

શિક્ષક તરીકેની તેમની શ્રેષ્ઠ કામગીરીને લીધે તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયો. ૧૯૬૪-૬૫ દરમિયાન ભારત- અમેરિકા વચ્ચે ”ફુલબ્રાઈટ શિક્ષક વિનમય યોજના”ના અન્વયે તેઓ બ્રાઈટ સ્કૂલ, રોચેસ્ટર સિટી, અમેરિકામાં શિક્ષક તરીકે નીમાયા. અમેરિકામાં તેમણે અમેરિકન વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપ્યું. આ કામ તેમણે એક વર્ષ સુધી કર્યું. તેમની આ સુંદર કામગીરી જોઈને અમેરિકન સ્કૂલના સંચાલકોએ અને અમેરિકન વાલીઓએ તેમનું સન્માન કર્યું. આ સન્માનની સાથે તેમને ૫૦૦ ડોલરનો ચેક આપ્યો. પરંતુ વિઠ્ઠલભાઈ પટેલે માત્ર સન્માન જ સ્વીકાર્યું, ચેક નહીં.

રાજ્યમાં અને રાજ્ય બહાર આણંદની ડી.એન. હાઈસ્કૂલ એ આચાર્ય વિઠ્ઠલભાઈની સ્વપ્નભૂમી છે એમ કહેવાતું. વિઠ્ઠલભાઈ ડી.એન. હાઈસ્કૂલને ચરોતર એજ્યુકેશન સોસાયટીને સર્મિપત હતા. રિટાયર્ડ થયા ત્યારે નહોતું તેમનું પોતાનું ઘર કે નહોતું બેંક બેલેન્સ, પણ પોતાના કર્મથી સૌના મનમાં, હૃદયમાં વસી રહ્યા હતા. ડી.એન. હાઈસ્કૂલ માત્ર તેમની કર્મભૂમિ નહોતી, પરંતુ તેમણે પાર કરેલા કાર્યો પૂરા પાડયા તે સ્વપ્નભૂમિ હતી.

વિઠ્ઠલભાઈ પ્રકૃત્તિપ્રેમી હતા. કોણ જાણે તેમને મૃત્યુનો સંકેત મળ્યો હોય તેમ એક કાગળમાં લખ્યું હતું કે મારા મૃત્યુ પછી મારા દેહ પર ફૂલો કે ફૂલહાર ન મૂકતાં. ફૂલોને પણ પોતાનો જીવ વહાલો હોય છે. અગ્નિમાં તેમને શા માટે બાળવા જોઈએ, તેમની સુગંધને શા માટે નષ્ટ કરવી જોઈએે. તેવી તેમણે નોંધ કરી હતી.

પોતાનું સમગ્ર જીવન વિદ્યાર્થી અને શિક્ષણ પાછળ સમર્પી દેનાર, મૂર્ધન્ય કેળવણીકાર, ચરોતરના શિક્ષણ પ્રહરી વિઠ્ઠલભાઈનો તા. ૮-૮-૧૩ને ગુરુવારના રોજ ૯૪ વર્ષની વયે સ્વર્ગવાસ થયો. ૯૩ વર્ષના પત્ની મણીબા સહિત સૌ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તા. ૧૧-૮-૧૩ના રોજ સવારે નવ વાગે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા તેમની ઈચ્છા મુજબ સાદગીભર્યા માહોલમાં નીકળી હતી. તેમના દેહને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ ડી.એન. હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યો હતો. તેમની ઈચ્છા મુજબ અંતિમ સંસ્કારમાં ફક્ત કાયમી પહેરણ, ધોતિયું અને ૨૫ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં અગ્નિ સંસ્કાર કરવો. ફૂલ કે હાર ચડાવવા નહિ. કોઈ પણ પ્રકારની લૌકિકક્રિયા કરવી નહિ તેવી તેમની અંતિમ ઈચ્છા હતી.

આજે હજારો વિદ્યાર્થીઓ એક આદર્શ શિક્ષક એવા વિઠ્ઠલભાઈ પટેલને યાદ કરે છે.

શિક્ષણ એક પવિત્ર વ્યવસાય છે. કોઈ પણ દેશના રાષ્ટ્ર ઘડતરમાં શિક્ષક જ મહત્ત્વનો રોલ અદા કરે છે. શિક્ષક ધારે તો કૃષ્ણ જેવા ગીતા જ્ઞાાનના ઉપદેશક પેદા કરી શકે છે. ગુરુ ધારે તો ભગવાન રામ જેવો આદર્શ પેદા કરી શકે છે.શિક્ષક ધારે તો ગાંધીજી જેવી પ્રતિભા પેદા કરી શકે છે. શિક્ષક ધારે તો ક્રાંતિ સર્જી શકી છે. શિક્ષક ધારે તો સમાજવ્યવસ્થા બદલી શકે છે. શિક્ષક ધારે તો દુનિયા બદલી શકે છે. માતા-પિતા તો બાળકને માત્ર જન્મ જ આપે છે, લાગણીના અતિરેકમાં માતાપિતા ઘણીવાર બાળકનું ઘડતર કરવામાં ઉણા ઉતરે છે, પરંતુ તેમને શ્રેષ્ઠ નાગરિક બનાવવાનું કામ શિક્ષક જ કરી શકે છે. ઓશો રજનીશ કહે છે કે ડો. સર્વપલ્લી રાધાક્રિષ્ણ એક શિક્ષક મટી રાષ્ટ્રપતિ થયા એટલે આપણે તેમનું સન્માન કરીએ છીએ કારણ કે એ રાષ્ટ્રપતિપદનું સન્માન છે, શિક્ષકનું નહીં. પરંતુ જે દિવસે એક રાષ્ટ્રપતિ શિક્ષક બનશે તે દિવસે જ શિક્ષકનું શ્રેષ્ઠ સન્માન હશે.

ચાલો આપણે આપણા ગુરુજનોનું સન્માન કરીએ.

– દેવેન્દ્ર પટેલ

એક ડોક્ટરે ગરીબ કન્યાના કપાળે કંકુનો સૂરજ ઉગાડયો

‘ડો ક્ટર સાહેબ ! આ છોકરી લગ્ન કરવા જેવડી થઈ ગઈ છે. પણ એનો હાથ કોણ પકડશે ?”

૧૪ વર્ષની દીકરીના કપાયેલા હોઠ દર્શાવતાં છોકરીની માએ કહ્યું:”મારી છોકરીને જન્મજાત ખોડ છે. જન્મથી જ એના હોઠ કપાયેલા છે. એ મોટી થશે તો એની સાથે લગ્ન કોણ કરશે?”

વડનગર નાગરિક મંડળ દ્વારા ચાલતી હોસ્પિટલમાં એક યુવાન ડોક્ટર સામે આ કેસ આવ્યો હતો. નવા સવા જોડાયેલા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર તબીબે છોકરીના ચહેરાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને કહ્યું: ”તમારી દીકરીના કપાયેલા હોઠ ઠીક કરવા માટે તો પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. પ્લાસ્ટિક સર્જરી કરાવવા તમારે અમદાવાદ જઈ કોઈ પ્લાસ્ટિક સર્જનને બતાવવું પડશે.”

પેલી સ્ત્રીએ કહ્યું: ”સાહેબ, અમે ગરીબ છીએ. અમારી પાસે અમદાવાદ જવાનું ભાડું પણ નથી. ઓપરેશનના પૈસા ક્યાંથી લાવીશું?”

 આવનાર મહિલાની ગરીબી અને એની દીકરીના અંધકારમય ભાવિની ચિંતા ડોક્ટરે નીરખી લીધી. થોડીવાર પછી તેઓ બોલ્યાઃ”જુઓ બહેન! હું જનરલ સર્જન છું. કપાયેલા હોઠ સારા કરવાનું કામ આમ તો પ્લાસ્ટિક સર્જનનું છે પરંતુ આવા ઓપરેશન કેવી રીતે કરાય તે મને પણ આવડે છે. આવું ઓપરેશન મેં કદીયે કર્યું નથી પરંતુ હું આ ઓપરેશન કરીશ તો સારું પરિણામ લાવી શકવાની ખાતરી આપું છું. હું સર્જરીનું ભણતો હતો ત્યારે અભ્યાસ દરમિયાન પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં છ મહિના આવા ઓપરેશનોમાં મદદનીશ ડોક્ટર તરીકે કામ કર્યું છે તમને મારી પર ભરોસો હોય તો હું ઓપરેશન કરું.”

આવનાર ગરીબ મહિલા પાસે અમદાવાદ જઈ પ્લાસ્ટિક સર્જન પાસે ઓપરેશન કરાવવા પૈસા નહોતા. બીજી બાજુ છોકરી ઉંમર લાયક થતાં દીકરીના કપાળે કંકુનો સૂરજ ક્યારે ઊગશે તેની ચિંતા તેને કોરી ખાતી હતી. એણે કહ્યું: ” ડોક્ટર સાહેબ! તમને ઠીક લાગે તેમ કરો. મને તમારી પર ભરોસો છે.”

‘તો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. બે દિવસ પછી દીકરીને હોસ્પિટલમાં દાખલ કરી દેજો’ ડોક્ટરે કહ્યું.

દર્દીને ઓપરેશનની તારીખ આપ્યા પછી ડોક્ટર પ્લાસ્ટિક સર્જરી કલેફ્ટલીપ વિશેની વિવિધ પદ્ધતિઓ વિશે અભ્યાસમાં જે ભણ્યા હતા, તે ફરીવાર વાંચી ગયા. વડનગર નાગરિક મંડળ હોસ્પિટલમાં આ પહેલા ક્યારેય પ્લાસ્ટિક સર્જરી થતી નહીં એટલે આ સર્જરી માટે જરૂરી ર્સિજકલ સાધનો પણ નહોતા. કપાયેલા હોઠને બરોબર ગોઠવવા માટે તેનું માપ મેળવવા માટે કેલિપર્સ નામના સાધનનો ઉપયોગ થાય. ક્લેફ્ટલીપ સર્જરી કરવા માટે આ સાધન ખૂબ જ મહત્ત્વનું ગણાય. ભૂમિતિનું માપ લેતા હોય તેમ, હોઠ પર ચેકો મૂકવા માટે કેલિપર્સ દ્વારા ચોકસાઈપૂર્વક માપ કાઢવું પડે. સર્જરીની સફળતા માટે તેની મહત્ત્વની ભૂમિકા રહે. પણ આ સાધનની કિંમત તો પચાસ હજાર રૂપિયાથી વધુ થાય. ડોક્ટરે મોંઘા સાધનની સામે એક સસ્તો વિકલ્પ શોધી કાઢયો. પ્રાથમિક શાળામાં ભૂમિતિના વિષયમાં વિદ્યાર્થીઓ માપ લેવા માટે જે ડિવાઈડરનો ઉપયોગ કરે તેનો ઉપયોગ કેલિપર્સ તરીકે કર્યો.હોસ્પિટલમાં પહેલી પ્લાસ્ટિક સર્જરી થઈ રહી છે એટલે છોકરીના પરિવારની સાથે હોસ્પિટલના સ્ટાફમાં પણ ઘણી જિજ્ઞાાસા હતી.

પ્લાસ્ટિક સર્જરી કરતાં પહેલાં છોકરીના કપાયેલા હોઠવાળો ફોટો પાડયો અને પછી તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. એક કલાક સર્જરી ચાલી. ઓપરેશન થિયેટરની બહાર છોકરીનાં માતા અને પરિવારજનો ઉત્તેજનાપૂર્વક રાહ જોઈને બેઠાં હતા. કલાક પછી છોકરીને ઓપરેશન થિયેટરની બહાર લાવ્યા. સર્જરી પછી દીકરીનો ચહેરો જોઈ તેની માતા ઘડીભર તો ચક્તિ થઈ ગઈ. વિચારવા લાગી કે, આ એ જ છોકરી છે કે જેને કપાયેલા હોઠને લીધે કદરૂપા દેખાતા પોતાના ચહેરાને, શરમથી મોં ઢાંકેલું રાખવું પડતું. કદરૂપા હોઠવાળી દીકરી હવે કોડભરી કન્યા બની ગઈ. ટાંચાં સાધનો અને એક યુવાન ડોક્ટરે તબીબી કુશળતાથી એક છોકરીના કપાળે કંકુનો સૂરજ ઊગાડયો.

હવે એક બીજો કિસ્સો.

 દસ વરસનો મંગો ઝૂંપડીની બહાર ખીલે બાંધેલી ભેંસને બીજા ખીલે બાંધવા જતો હતો ત્યાં ભેંસએ અચાનક દોટ મૂકી. મંગાએ જમણા હાથમાં જકડીને પકડેલી સાંકળ, એના અંગૂઠાની ચામડીને ઉખેડતી ગઈ. અંગૂઠો ચામડી વગર માત્ર હાડકાનો ખીલો બની રહ્યો. લોહી નીતરતો અંગૂઠો મંગાએ બીજા હાથમાં ઝાલી રાખ્યો. ઝૂંપડીની અંદર બેઠેલી મંગાની મા કમુબેન, આ દૃશ્ય જોતાં જ મંગા પાસે દોડી ગઈ. કમુબેન મંગાને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ આવ્યા. ડોક્ટરે લટકતા અંગૂઠાવાળો હાથ જોયો.

 ”ચિંતા કરવાની જરૂર નથી. ઓપરેશન કરવાથી સારું થઈ જશે. ત્રીસ દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડશે.” ડોક્ટરે મંગાને હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું.

તૂટી ગયેલા અંગૂઠાની ચામડી પર ફરી રૂઝ આવે અને નવી ચામડી આવે એટલા માટે અંગૂઠાને કલમ કરવી પડે. બાગાયતમાં આંબાના એક છોડને જેમ બીજા છોડ સાથે બાંધીને, કલમ કરવામાં આવે. બસ એવી જ રીતે. જો સર્જરી કરવામાં ન આવે તો અંગૂઠા પર સતત દુખાવો રહ્યા કરે અને અંતે અંગૂઠાને કાપવો પડે.

મંગાનો પરિવાર મહુવામાં ટોકરિયા મહાદેવ પાસે, ખરેડવાળા રોડના કાંઠે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહે. ત્રણ ભાઈઓેમાં મંગો વચેટ, મોટો ભાઈ પુનો અને નાનો ભાઈ હરિ. મંગાના પિતાજી હિમાભાઈનું, મંગો યાદ કરે તોય તેમના ચહેરાની સ્મૃતિ તાજી થાય નહીં,એટલી નાની ઉંમરે અવસાન થયેલું. મંગાના ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ. મંગાની મા કમુબેન પરમાર. કમુબેન ઈંટોના ભઠ્ઠામાં દાડિયંુ કરે. રોજનું રળીને રોજ ખાય. આખો દિવસ ગરમ ઈંટોના ભઠ્ઠામાં કામ કરે ત્યારે રાત્રે ત્રણ છોકરાઓનાં પેટની જઠરાગ્નિ ઠરે. આ સંજોગોમાં સળંગ એક મહિનો હોસ્પિટલમાં રહેવું કેમ પરવડે?

”જો મંગાનો અંગૂઠો કાપી નાંખો તો કેટલા દી દાખલ થવું પડે?” કમુબેને ડોકટરને સવાલ કર્યો.

”અંગૂઠો કાપી નાંખીએ તો તો એક જ દિવસ થાય.” ડોક્ટરે જવાબ આપ્યો.

”અંગૂઠો કાપી નાંખોને. જલદી કામ પતે.” કમુબેને તરત જ કહ્યું.

પણ જો ઓપરેશન કરવાથી અંગૂઠો એમ જ રાખી શકાતો હોય તો કાપી શું કામ નાંખવો પડે?’ ડોક્ટરે ફરીવાર કમુબેનને સમજાવ્યાં.

કમુબેનના ઘરમાં કારમી ગરીબી. આ ગરીબીમાં મંગાના શરીરમાંથી એક અંગ ઓછું થાય તો પોષાય, પણ એક દિવસ મજૂરી પડે અને બે ટંક ઓછા થાય એ પોષાય નહીં. કમુબેન શા માટે અંગૂઠો કપાવવાનો આગ્રહ કરે છે એ વાત ડોક્ટર બરોબર સમજી ગયા.

ડોક્ટરે મંગાની સારવાર મફત કરી આપવાનું કહ્યું, ” હા, મંગાને ત્રીસ દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડે તો જ ઓપરેશન સફળ થાય.”

”ઓપરેશન મફત કરી આપો તોય એક મહિનો એની હારે કોણ રે? મંગા સિવાયના બીજા બે છોકરા નાના છે. હું તો આખો દી, મજૂરી કરવા જતી રહું. તો પછી હોસ્પિટલમાં મંગાની હારે કોણ રે, ઘરનું કોઈક તો હાજર હોવું જોઈને સાહેબ?” સારવાર સાવ મફત કરવાની સાંભળ્યા પછી કમુબેને બીજી મુશ્કેલી કહી.

હોસ્પિટલમાં મંગાને દાખલ કર્યા પછી તે સંપૂર્ણ સાજો થઈ જાય ત્યાં સુધીની તમામ કાળજી હોસ્પિટલ લેશે એવી હૈયાધારણ આપી. ડોક્ટરે કમુબેનને એ જવાબદારીમાંથીય મુક્ત કર્યાં. કમુબેનની બધીય ચિંતા દૂર થતાં આખરે મંગાને એક મહિના માટે સદ્ભાવના ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કર્યો. ડોક્ટરને મન મંગાના અંગૂઠાનું મૂલ્ય ઘણું મોટું હતું. દસ વરસનો મંગો, નિશાળનું એક પગથિયું ય ચડયો નહોતો. મંગો ભણ્યો નથી એટલે મોટો થશે ત્યારે મજૂરી જ કરવી પડશે. જો એક અંગૂઠો નહીં હોય તો મજૂરી કરવામાં ઘણી મુશ્કેલી પડે.

દ્રોણાચાર્યોના આ દેશમાં એકલવ્યના અંગૂઠાની કિંમત કેટલી? પણ ડોક્ટરને મન મંગાના અંગૂઠાની કિંમત મોટી હતી. પોતાના તબીબી વ્યવસાયની કુશળતાનો સમાજને ખપ લાગે એટલે તો ટ્રસ્ટ બનાવી હોસ્પિટલ શરૂ કરી છે, તો પછી પૈસાના અભાવે મંગાને અંગૂઠો કપાવવાની ફરજ કેમ પડે? મંગાને દાખલ કર્યા પછી. બીજા દિવસે ડોક્ટરે પેડિકલ ગ્રાફ્ટિંગ નામની પ્લાસ્ટિક સર્જરી દ્વારા અંગૂઠાને પેટના ભાગમાંથી કલમ કરી. એક મહિના સુધી આ જ સ્થિતિમાં રહે એની કાળજી રાખી. હોસ્પિટલમાં મંગા માટે જમવાની વ્યવસ્થા કરી. કમુબેન મજૂરીએથી છૂટીને સમય હોય એ દિવસે મંગાને જોવા ક્યારેક આવે.

એક મહિનો સુધી અંગૂઠાને કલમ કરી રાખ્યા પછી અંગૂઠો ખોલ્યો ત્યારે અંગૂઠા પર રૂઝ આવી ગઈ હતી. સર્જરી સફળ થઈ. મંગાને રજા આપવામાં આવી. મંગાની મા કમુબેન રાજી હતી. આજે કમુબેનનો દીકરો સુરત પાસે એક બગીચામાં માળી તરીકે નોકરી કરે છે.

આ કથામાં વર્ણવાયેલા ડોક્ટર તે બીજા કોઈ નહીં પરંતુ ડો. કનુભાઈ કળસળીયા છે. જાણીતા લેખક અને પત્રકાર વિજયસિંહ પરમારે ડો. કનુભાઈ કળસળીયાના જીવનનાં સંસ્મરણોને ‘પીડ પરાઈ જાણે રે’ પુસ્તકમાં સુંદર રીતે આલેખ્યા છે. પોતાની પીડા ભૂલીને પારકાની પીડા જાણી તેનો ઈલાજ કરનાર એક સામાન્ય માણસની અસામાન્ય કથાઓ તેમાં આલેખવામાં આવી છે. જીવનમાં સ્વૈચ્છિક રીતે ગરીબી સ્વીકારતા ડો.કનુભાઈ કળસળીયા ખૂબ નમ્રતાથી કહ્યું છે : ”લોકસેવાના કાર્યોમાં ખૂબ સાચવીને ચાલવા જેવું છે. રસ્તો કપરો છે. સેવાનો પણ અહંકાર હોય છે. વેતન પણ ખપ પૂરતું જ લેવું જોઈએ. તમારી પાસે કોઈ કૌશલ્ય હોય તો તે સમાજને સર્મિપત કરો.”

રાજનીતિમાં ડો. કનુભાઈ કળસળીયાને લોકો સ્વચ્છ વ્યક્તિ ઓળખે છે પણ તેમનું અસલી ને ઉદાત્ત સ્વરૂપ આ પણ છે. કનુભાઈ જેવા કેટલા તબીબો આજે

ગુજરાતમાં છે ?
– દેવેન્દ્ર પટેલ

‘દર્શક’ જાતે જ કપડાં ધોતા ને ડ્રાઈવરને સાથે જમવા બેસાડતા

સુપ્રસિદ્ધ સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’નું આ જન્મજયંતી વર્ષ છે. કેટલાક સાહિત્યકારો જાણે-અજાણે રાજનીતિમાં આવી જતાં હોય છે, પણ તેમનું અંદરનું ખમીર એવું ને એવું હોય છે. રાજનીતિમાં કેટલાક લોકો ‘એક્સિડેન્ટલ પોલિટિશિયન’ હોય છે. ગાંધીજી પોતે જ રાજનીતિમાં આવવા માગતા નહોતા, પરંતુ દક્ષિણ આફ્રિકામાં એક વખત ટ્રેનની મુસાફરી કરતી વખતે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં એક ગોરા અંગ્રેજે તેમને ટ્રેનની બહાર ફેંકી દીધા અને બસ એ એક જ ઘટનાએ તેમને ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાની રાજનીતિના સર્વોચ્ચ કેન્દ્રબિંદુ બનાવી દીધા. એ જ ગાંધીજીને કે આજના ગુજરાતી સાહિત્યકારો હજુ ‘સાહિત્યકાર’ ગણે છે કે કેમ તેની ખબર નથી, પરંતુ ગાંધીજીએ લખેલા પુસ્તક ‘સત્યના પ્રયોગો’ના વેચાણ અને વાંચનની સરખામણીમાં આજના સાંપ્રત સાહિત્યકારોની એક પણ કૃતિ તેમને વટાવી શકી નથી.

ડિસ્કવરી ઓફ ઇન્ડિયા

એવું જ બીજું દૃષ્ટાંત જવાહરલાલ નહેરુનું છે. જવાહરલાલ નહેરુ એક અતિ ધનાઢય એવા એરિસ્ટ્રોકેટિક પરિવારના ફરજંદ હતા,છતાં તેમણે આઝાદીના જંગમાં ઝંપલાવ્યું. પૂરી જિંદગી અંગ્રેજો સામે લડવામાં, જેલમાં અને તે પછી દેશનું શાસન ચલાવવામાં ગઈ છતાં તેઓ વચ્ચે વચ્ચે સાહિત્યનું સર્જન કરતા રહ્યા. જેલમાંથી તેમણે તેમનાં પુત્રી ઈન્દિરા ગાંધીને પત્રો લખ્યા હતા, જે ‘પ્રિર્દિશનીને પત્રો’ના નામે પ્રચલિત છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે, જવાહરલાલ નહેરુએ એક શ્રેષ્ઠ પુસ્તક અંગ્રેજીમાં લખ્યું હતું જેનું નામ છે : ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા.’ યુનિર્વિસટીઓમાં પણ તે ભણાવાય છે. નહેરુ સ્વયં એક અચ્છા ઇતિહાસકાર હતા.

બરાક ઓબામા

અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાને ૨૦૦૯ની અમેરિકાની ચૂંટણીઓ પૂર્વે પક્ષના અધિવેશન બાદ એક શુભેચ્છકે પૂછયું : “મિ. ઓબામા ! તમારા જીવવાની પ્રેરણા કઈ ?”

ઓબામાએ કહ્યું : “એક નદીની જેમ જીવન વીતાવતા રહેવું અને આસપાસનો પ્રદેશ લીલોછમ કરવાની આપણી ક્ષમતા વધારતા જવું.

ઓબામાનું આ સાહિત્યિક વિધાન સાંભળી મિત્રએ કહ્યું : “અરે ! તમારા રાજકારણમાં આવવાથી અમે એક સારો લલિત લેખક ગુમાવ્યો.”

બરાક ઓબામાએ હસીને કહ્યું : “ચિંતા કરશો નહીં, તમારા આ લેખક રાજકારણના લીધે અધિક સમૃદ્ધ થનાર છે.”

બરાક ઓબામાના જવાબમાં સાહિત્ય પણ હતું અને સ્વપ્ન પણ.

મનુભાઈ પંચોળી ‘દર્શક’

ભારતની રાજનીતિમાં સાહિત્યકારો અને સાહિત્યકારોના જીવનમાં રાજનીતિના અનોખા સંગમનાં અનેક ઉદાહરણો છે. અટલ બિહારી વાજપેયીએ પણ અનેક કવિતાઓ રચી છે. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટૂંકી વાર્તાઓ લખી છે. ‘ગુજરાતનો નાથ’ સર્જન કરનારા ગુજરાતના સુપ્રસિદ્ધ નવલકથાકાર ક. મા. મુનશી પણ રાજનીતિમાં હતા. લંડનમાં ગોળમેજી પરિષદ મળવાની હતી ત્યારે ઝવેરચંદ મેઘાણીએ બાપુને ઉદ્દેશીને લખ્યું હતું : “છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ.” ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર મનુભાઈ પંચોળી પણ ચૂંટણી લડી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા. મનુભાઈ પંચોળી ૧૯૬૭માં શિહોર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. એ વખતે ગુજરાતમાં હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર હતી. તેમની પાસે પૂરતી સંખ્યામાં ધારાસભ્યો નહોતા. પક્ષાંતર વિરોધી ધારો પણ નહોતો. વિધાનસભાનું સત્ર હોય ત્યારે ધારાસભ્યો પક્ષપલટો કરી ના જાય તે માટે સાચવવા પડતા. ધારાસભ્યોને સાચવવાની એક પેનલના ચેરમેન મનુભાઈ પંચોળી ‘દર્શક’ હતા. તેમના અંગત સચિવ તરીકે હાલના ભાજપાના અગ્રણી જયંતીભાઈ પરમારને નિમણૂક આપી હતી. મનુભાઈ પંચોળી હિતેન્દ્ર દેસાઈની સરકારને બચાવવાના કામ માટે સુરત ગયા હતા. તેમની સાથેનાં સંસ્મરણો તાજાં કરતાં જયંતીલાલ પરમાર કહે છે : “ઝીણાભાઈ દરજી એ વખતે ઇન્દિરા કોંગ્રેસમાં હતા જ્યારે હિતેન્દ્ર દેસાઈ મોરારજી દેસાઈના સમર્થનમાં હતા. ઝીણાભાઈ દરજી સામે પક્ષે હોવા છતાં તેમણે મનુભાઈ પંચોળીને જમવા બોલાવ્યા હતા. મનુભાઈ પંચોળી રાત્રે જમતા નહોતા છતાં ઝીણાભાઈને ઘરે મળવા ગયા હતા અને મને જમવા બેસાડી દીધો હતો. જ્યારે એ સમયે મનુભાઈ પંચોળી પુસ્તકો વાંચતા રહ્યા હતા. સુરતના સરકારી ગેસ્ટહાઉસમાં અમે રાત્રી રોકાણ કર્યું હતું. રાત્રે મનુભાઈ પંચોળીએ મને કહ્યું કે, કપડાં ધોવાનો સાબુનો પાઉડર મળતો હોય તો લઈ આવો. હું પાઉડર લઈ આવ્યો. રાત્રે અમે ઊંઘી ગયા. વહેલી સવારે કપડાં ધોવાનો અવાજ સાંભળી હું જાગી ગયો. મેં જોયું તે મનુભાઈ પંચોળી તેમનો ઝભ્ભો અને ધોતિયું ધોતા હતા. તેઓ બે જોડી જ વસ્ત્રો તેમની સાથે રાખતા. જાતે જ ધોઈ નાખતા અને ઇસ્ત્રી વગરના કપડાં પહેરતા.

ડ્રાઈવરને બોલાવો

બીજા દિવસે અમે સરકીટ હાઉસમાં સાથે જમવા બેઠા ત્યારે મનુભાઈ પંચોળીએ કહ્યું : “ડ્રાઈવરને જમવા બોલાવો.”

સરકીટ હાઉસના માણસે કહ્યું કે : “ડ્રાઈવરોને અલગ જગાએ બેસાડવામાં આવે છે.”

મનુભાઈ પંચોળીએ ગુસ્સે થઈને કહ્યું : “આમ કેમ ચાલે ? દેશમાં હવે અંગ્રેજોનું રાજ નથી. મારા ડ્રાઈવરને અમારી સાથે જમવા બેસાડો.” અને તે પછી રાત્રે ડાઈનિંગ ટેબલ પર મનુભાઈ પંચોળીએ ડ્રાઈવરની સાથે જ ભોજન લીધું અને પાછળથી શિક્ષણમંત્રી પણ બન્યા. વર્ષો બાદ મનુભાઈ પંચોળીએ જયંતીલાલ પરમારનાં કાવ્યસંગ્રહ ‘તળેટી’નું વિમોચન પણ કર્યું.

સચિવાલય પર કાવ્ય

આ જ રાજકારણી કમ કવિ જયંતીલાલ પરમારે છેક ૧૯૬૬માં લખેલી ‘સચિવાલયે’ શીર્ષકવાળી કવિતા માણો :

“સેલ્યૂટની વણઝાર આ હાંફી ગઈ

ને રણ હવે રેલાય છે સચિવાલયે,

આંગણમાં આરડે ભૂખ્યા જનો

ને રાષ્ટ્રધ્વજ મલકાય છે સચિવાલયે,

ઠાઠ ને મહેફિલ એની એ જ છે

રાજવી બદલાય છે સચિવાલયે,

હાથમાં બધાં જોયાં કરે,

ને ચાંદની ઢોળાય છે સચિવાલયે,

રંગરંગી ફૂલ બધાં મહેક્યા કરે,

જે બધાં સિંચાય છે સચિવાલયે.”

ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’ની જન્મજયંતીનું આ વર્ષ છે ત્યારે ૧૯૮૭માં દર્શકે લોર્કાિપત કરેલા જયંતીલાલ પરમારના કાવ્યસંગ્રહની આ પંક્તિઓ આજે પણ સાંપ્રત છે.

એ તો કેવો ગુજરાતી જે કેવળ ગુજરાતી ? ઉમાશંકર જોષી

ભારતમાં ડોક્ટર કે એન્જિનિયર બનવાનું જેટલું આકર્ષણ છે તેટલું જ આકર્ષણ સિવિલ ર્સિવસીસ અર્થાત્ આઈ.એ.એસ., આઈ.એફ.એસ. કે આઈ.આર.એસ. બનવાનું છે. આ વર્ષે આ પ્રકારની સિવિલ ર્સિવસીસમાં સફળ થવાવાળા અંગ્રેજી માધ્યમવાળા પ્રમાણમાં વધુ હતા. તેનો દિલ્હીમાં વિરોધ થયો. ૨૦૦૯માં હિન્દી ભાષી સફળ ઉમેદવાર ૨૪.૫ ટકા હતા, ૨૦૧૦માં ૧૩.૯ ટકા, ૨૦૧૧માં ૯.૮ ટકા, અને ૨૦૧૩માં માત્ર ૨.૩ ટકા જ હતા. ૨૦૧૩માં કુલ સફળ ઉમેદવાર ૧૧૨૨ હતા. તેમાંથી હિન્દી ભાષી ૨૬ ઉમેદવાર પાસ થયા. આ જ સૌથી વધુ આક્રોશનું કારણ હતું.

ખાનગી સ્કૂલોનો પ્રભાવ

ભારતીય ભાષાઓના જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા તેમની માગણી વાજબી છે, પરંતુ તેમાં દેશની અને વિશ્વની સાંપ્રત પરિસ્થિતિના વિશ્લેષણનો અભાવ છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે,હિન્દીમાં કરવામાં આવેલો અનુવાદ અસફળતાનું એક કારણ છે. તેમનું એ પણ કહેવું છે કે, સી-સેટ ભારતીય ભાષાઓના વિદ્યાર્થીઓને રોકવાનું કામ કરી રહી છે. વળી આ પરીક્ષાપ્રણાલી અંગ્રેજી ભાષાના પરીક્ષાર્થીઓના પક્ષમાં વધુ છે. હકીકત એ છે કે, ૧૯૯૦માં દરેક ક્ષેત્રમાં ખાનગીકરણ વધ્યું અને શિક્ષણજગત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. આજે લગભગ ૬૦ ટકા ઉચ્ચ શિક્ષણ ખાનગી ક્ષેત્ર પાસે પહોંચી ગયું છે. એ જ હાલત પ્રાથમિક શિક્ષણની છે. પ્રાઈવેટ સ્કૂલોમાં વધુ કુશળ શિક્ષકો ઉપલબ્ધ છે. સરકારી સ્કૂલોમાં તો શિક્ષણ નામ માત્રનું હોય છે. તેની સામે ખાનગી શાળાઓમાં ગણિત-વિજ્ઞાાન ઉપરાંત અંગ્રેજી પર વિદ્યાર્થીઓ ઝડપથી કાબૂ મેળવી લે છે. સિવિલ ર્સિવસીસમાં અંગ્રેજી સિવાયની ભારતીય ભાષાઓના વિદ્યાર્થીઓની અસફળતાનું એક કારણ આ પણ છે. હાલ જે નવી શિક્ષણ પ્રણાલી આવી છે તેમાં જ્યાં ૧૦મા ધોરણ સુધી પરીક્ષા આપવાની હોતી નથી ત્યાં ભારતીય ભાષાઓના પરીક્ષાર્થીઓને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે.

અંગ્રેજી- વૈશ્વિક ભાષા

બીજી એક વાસ્તવિકતા સમજી લેવી જોઈએ કે, ભારત હવે ચીનની દીવાલની વચ્ચે જકડાયેલો એકાકી દેશ નથી. વિશ્વ ખુદ એક ગ્લોબલ વિલેજ બની ગયું છે. તેથી ભારત અલગ રહી શકે નહીં. ભારતે દુનિયા સાથે વેપાર-ધંધો કરવો હોય તો અંગ્રેજી ભણવું જરૂરી છે. દુનિયાભરમાં નોકરી કરવા જવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. ભારતમાં કામ કરતી મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરી લાખોનો પગાર મેળવવો હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. વિમાનના પાયલોટ બનવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. એસ્ટ્રોનોટ બનવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. ભારત સરકાર તરફથી વિદેશમાં રાજદૂત બનવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. ભારતની સુપ્રીમ કોર્ટ કે ગુજરાત હાઈકોર્ટમાં ટોચના ધારાશાસ્ત્રી બનવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. ભારત સરકારનો આખોયે વહીવટ અંગ્રેજીમાં ચાલે છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ અંગ્રેજીમાં કામ કરે છે. દક્ષિણ ભારતમાંથી કોઈ સિવિલ સર્વન્ટ ઉત્તર ભારતમાં આવે છે અને ઉત્તર ભારતનો કોઈ સિવિલ સર્વન્ટ દક્ષિણ ભારતમાં જાય છે તો અંગ્રેજી વિના કેવી રીતે સંવાદ પ્રસ્થાપિત કરશે ?

એ ખેલ બંધ કરો

સાચી વાત એ છે કે, સિવિલ ર્સિવસીસની પરીક્ષામાં હિન્દી વિરુદ્ધ અંગ્રેજીનો વિવાદ જ અર્થહીન છે. આવો વિવાદ ઊભો કરનારા લોકોએ એ વાત સમજી લેવી જોઈએ કે, દેશની સિવિલ ર્સિવસીસ નથી તો કોઈ ધર્માદા સંસ્થાન કે નથી તો કોઈ રાજનૈતિક વિચારનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા. અખિલ ભારતીય સિવિલ ર્સિવસીસનો અર્થ એ છે કે, સંપૂર્ણ ભારતને એક સૂત્રમાં બાંધી રાખવું. આ માટે જ સરદાર સાહેબે આઝાદી બાદ ભારતીય પ્રશાસનિક સેવા અર્થાત્ સિવિલ ર્સિવસીસ શરૂ કરી હતી. ગાંધીજી,સરદાર સાહેબ, જવાહરલાલ નહેરુ એ બધા જ ખૂબ જ સારું અંગ્રેજી જાણતા હતા. હવે ભારતીય સિવિલ ર્સિવસીસને હિન્દી અને અંગ્રેજીના વિવાદમાં ફસાવીને કેટલાક લોકો નવી પેઢી સાથે ખેલ ખેલી રહ્યા છે. જે લોકો અંગ્રેજી ભાષાને વિદેશી ભાષા કહી તુચ્છકારે છે તેઓ આધુનિક ભારતની અસલિયતને નકારે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના સમયમાં ભારતીયોના જ્ઞાાનને કોઈ એક જ ભાષાના ગુલામ બનાવી શકાય નહીં. ભારતની શ્રેષ્ઠ સાંસ્કૃતિક તાકાતનો પૂરી દુનિયાને જ્યારે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં પરિચય કરાવ્યો ત્યારે તે અંગ્રેજી ભાષા જ હતી. લોકો તેમને શું એવું પૂછી શકશે કે ભારતના એક સંન્યાસીને અંગ્રેજી ભાષા સાથે શું લેવાદેવા હતી ? નવી પેઢીએ એ વાત સમજી લેવી જોઈએ કે, અંગ્રેજી એ જ્ઞાાનની ભાષા છે. અંગ્રેજી એ વિશ્વની આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ભાષા છે. અંગ્રેજી એ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સમૃદ્ધ થવાની ભાષા છે. ભાષા તો એક સાધન છે. માત્ર હિન્દી ભાષામાં જ જકડાઈ રહેવાની વાત કરનારા માણસો એ વાતનો જવાબ આપે કે, ભારત સહિત આખી દુનિયાએ આંતરરાષ્ટ્રીય કરન્સી તરીકે અમેરિકી ડોલરને કેમ સ્વીકાર્યો છે ? શું ભારતીય રૂપિયામાં જ વિશ્વ સાથે આર્િથક વ્યવહાર કોઈ અન્ય દેશો સ્વીકારશે ? ભાષાનો સીધો સંબંધ રોજગાર સાથે હોય છે અને રોજગારની સંભાવના વૈશ્વિક મૂડીરોકાણના પ્રભાવ સાથે જોડાયેલી છે.

ઉમાશંકર જોષી શું કહે છે ?

આશ્ચર્યની વાત એ છે કે, જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યમાં ભણતર ઉર્દૂમાં નહીં, પરંતુ અંગ્રેજી માધ્યમમાં છે. તેની સામે ગુજરાત જેવા રાજ્યમાં તો અંગ્રેજી ભણાવનાર શિક્ષકોનો કારમો દુષ્કાળ છે. ગુજરાતના અત્યાર સુધીમાં આવેલા તમામ મંત્રીમંડળોમાં પણ સળંગ પાંચ મિનિટ વાંચ્યા વિના અંગ્રેજી બોલી શકે તેવા મંત્રીઓ ભાગ્યે જ જોવા મળ્યા છે. પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ,ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અસ્ખલિત અંગ્રેજીમાં પ્રવચન આપી શકતા હતા. ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ ના હોય તો ગુજરાત ભાજપા પક્ષે અંગ્રેજી ચેનલોના એન્કર સાથે વાત કરી શકે તેવો કોઈ પ્રવકતા જ નથી. હા, સૌરભ પટેલ એક સારું અંગ્રેજી જાણે છે. જે પરિસ્થિતિ નેતાઓની છે તે જ પરિસ્થિતિ ગુજરાત યુનિર્વિસટીના વિદ્યાર્થીઓની છે. ગુજરાત યુનિર્વિસટીનો વિદ્યાર્થી હોંશિયાર હોવા છતાં અસ્ખલિત અંગ્રેજીમાં વાત કરી શકતો ના હોવાના કારણે દિલ્હી, મુંબઈ કે બેંગલોરની યુનિર્વિસટીઓના વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં લઘુતાગ્રંથિ અનુભવે છે.

હિન્દી એ રાષ્ટ્રભાષા છે. તેનું આપણને ગૌરવ છે. ગુજરાતી એ માતૃભાષા છે. તેનું પણ આપણને ગૌરવ છે, પરંતુ હિન્દી ભાષા એવું તો કદી નથી કહેતી કે તમે બીજી ભાષાઓનું જ્ઞાાન પ્રાપ્ત ના કરો. ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોષી કે જેઓ ખુદ સુંદર અંગ્રેજી જાણતા હતા તેમણે એકવાર કહ્યું હતું : “એ તો કેવો ગુજરાતી જે કેવળ ગુજરાતી ?”

અંગ્રેજી ભાષાનો વિરોધ કરનારા આંતરરાષ્ટ્રીય કરન્સી ડોલરનો કેમ વિરોધ કરતા નથી ?

સંસદ પૂછે છે : “મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ ?”

રાજ્યસભાના સાંસદ ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખા સંસદમાં ગેરહાજર રહેવાના મુદ્દે વિવાદ થયો. તે પછી રેખા રાજસભામાં એક દિવસ માત્ર ૨૦ મિનિટની હાજરી આપી વિદાય લીધી.   કેટલાક સાંસદોએ આ સિતારાઓની સદસ્યતા રદ કરવાની માગણી પણ કરી નાખી.

માત્ર ગ્લેમર માટે

પરંતુ આ સમસ્યા માત્ર રેખા કે સચિનની જ નથી. બીજા સંખ્યાબંધ સિતારાઓ એવા છે જેમને ગ્લેમરની દુનિયામાંથી રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા છે તે પૈકી મોટાભાગના સભ્યોની આ જ હાલત છે. પાર્શ્વગાયિકા લતા મંગેશકર પણ રાજ્યસભામાં નિયુક્ત થયાં હતાં, પરંતુ સંસદમાં ભાગ્યે જ તેમનાં દર્શન થયાં. ભાગ્યે જ દેશની પરિસ્થિતિ અંગે બોલ્યાં. આ બધાં સ્ટાર્સ સંસદમાં હાજર રહેવામાં અને કામકાજમાં ભાગ લેવાની પોતાની જવાબદારી નથી સમજતાં તો તેમાં તેમનો કોઈ દોષ નથી, દોષ તો તેમને સંસદમાં મોકલવાવાળાઓનો છે. અનેકવાર સરકારમાં રહેલો સત્તાધારી પક્ષ ગ્લેમરથી પ્રભાવિત થઈને અથવા તો પ્રોપેગન્ડા માટે એ બધાં સિતારાઓ દ્વારા પ્રચાર કરવાના હેતુથી એ બધાંને સંસદમાં નિયુક્ત કરાવે છે. આ સિતારાઓને ‘ટ્રેઝરી બેન્ચ’ કે ‘વેલ’ શું છે તેની પણ ખબર હોતી નથી. અન્ય કોઈના લખેલા સંવાદો બોલવાવાળા સ્ટાર્સ સંસદગૃહમાં સંવાદના અભાવે મૌન થઈ જાય છે. સચિન તેંડુલકર કે રેખાએ પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી છે, પરંતુ પોતાના ક્ષેત્રની બહાર ભાગ્યે જ કોઈ દિલચશ્પી દર્શાવી છે. એ જ રીતે નથી તો તેમને લોકોની આર્િથક પરેશાનીઓની સમજ કે નથી તો સામાજિક વિષમતાઓની સમજ.

સક્રિય કોણ હતાં ?

હા, કોઈક સ્ટાર્સ એવા જરૃર છે કે, તેમણે પોતાના ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠ કામ કર્યું અને બહાર પણ. તેમાં સૌથી પ્રથમ નામ આવે છે સુનિલ દત્તનું. તેઓ શ્રેષ્ઠ કલાકાર પણ હતા અને શ્રેષ્ઠ કાર્યકર પણ. બલરાજ સહાની શ્રેષ્ઠ અભિનેતા પણ હતા અને શ્રેષ્ઠ સમાજવાદી પણ. શબાના આઝમી સાંસદ તરીકે સક્રિય રહ્યાં, જયા બચ્ચન પણ સંસદમાં સૌથી વધુ અને નિયમિત હાજરી આપે છે. ચર્ચામાં ભાગ પણ લે છે. પૂર્વ હોકી ખેલાડી દિલીપ તિર્કી પણ સંસદમાં સક્રિય રહ્યા અને પોતાના આદિવાસી વિસ્તારમાં પણ. તેની સામે ‘રામાયણ’ સિરિયલની અભિનેત્રી દિપીકા ચીખલિયા ભાજપની ટિકિટ પર લોકસભામાં ગયાં, પરંતુ તેમનું યોગદાન નહિવત્ રહ્યું. એક્ટર ધર્મેન્દ્ર અને ગોવિંદા ચૂંટણી જીતીને લોકસભામાં ગયા, પરંતુ સંસદમાં તેમની હાજરી નહિવત્ હતી. એના બદલે શત્રુઘ્ન સિંહા અને વિનોદ ખન્નાએ રાજનીતિને ગંભીરતાથી લીધી. રાજ બબ્બર પણ સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા. ખેલાડીઓમાં નવજોત સિદ્ધુ બે વખત ચૂંટણી જીતીને લોકસભામાં ગયા અને સંસદની કામગીરીમાં ભાગ લેતા જણાયા. રામાયણ સિરિયલમાં રાવણનો રોલ કરનારા અરવિંદ ત્રિવેદી પણ ભાજપની ટિકિટ પર લોકસભામાં ગયા, પરંતુ પક્ષની મીટિંગ મળે ત્યારે તે પક્ષના કેટલાક નેતાઓ જ તેમની પાસે ‘શિવસ્તુતિ’ બોલવાનો આગ્રહ રાખતા. અમદાવાદમાંથી એક્ટર પરેશ રાવલ ચૂંટણી જીતીને લોકસભામાં ગયા છે, પરંતુ તેમણે હજુ ઓફ સ્ક્રીન પરફોર્મન્સ બતાવવાનું બાકી છે.

અભિનેતા અને રાજનીતિ

આવા થોડાક સિતારાઓને બાદ કરતાં બીજાં સ્ટાર્સ મોટેભાગે સંસદમાં બેસે પણ છે તો પણ ગૂપચૂપ. હેમા માલિની સંસદમાં શું બોલ્યાં તેની જાણ નથી. આઝાદી પછી ઘણાં વર્ષો સુધી સંસદમાં દેશના પ્રશ્નો અંગે ઉચ્ચ કક્ષાની અને ગરિમાપૂર્ણ ચર્ચા થતી હતી. અંદર બેઠેલા લોકો પણ ગંભીર લાગતા હતા. રામધારી સિંહ દિનકર જેવા લેખક અને એક્ટર પૃથ્વીરાજ કપૂરની હાજરીના કારણે સંસદની ગરિમા વધતી હતી. એ વખતે કલાકારો અને ખેલાડીઓ પણ લોકતાંત્રિક પ્રક્રિયાઓ અને સંસ્થાનોની ગરિમાનું સન્માન કરતા હતા. હવે રાજનેતાઓ કલાકારો અને ખેલાડીઓના ગ્લેમરની પાછળ ભાગે છે. કેટલાક કલાકારો તો એવા છે કે,માત્ર પારિવારિક સંબંધોના કારણે જ સંસદમાં પહોંચી ગયા. પારિવારિક સંબંધોના કારણેજ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ એક્ટર અમિતાભ બચ્ચનને કોંગ્રેસની ટિકિટ આપી હતી અને અમિતાભ બચ્ચન અલ્હાબાદની બેઠક પરથી જીતીને લોકસભામાં પ્રવેશ્યા હતા. અલબત્ત, રાજનીતિ તેમને માફક ના આવી અને રાજીવ ગાંધીના પક્ષના વિરોધી એવા સમાજવાદી પક્ષ સાથે નાતો જોડી એક જુદી જ પ્રકારની ‘રાજનીતિ’ કરી. પણ તે અલગ વિષય છે. અમિતાભ બચ્ચન રાજનીતિમાં મિત્રો બદલતા રહે છે. પહેલાં તેઓ રાજીવ ગાંધીના મિત્ર હતા. તેમની દોસ્તી છોડી તેઓ અમરસિંહના મિત્ર બન્યા. હવે અમરસિંહની પણ મિત્રતા છોડીને માત્ર મુલાયમ સિંહના મિત્ર રહ્યા છે. રાજનીતિમાં આવું બધું ચાલે.

સો ટકા હાજરી કોની ?

રાજ્યસભામાં સચિન તેંડુલકર અને રેખાની ગૃહમાંથી ગેરહાજરી પર વિવાદ થયો છે, પરંતુ ૧૬મી લોકસભાના સત્રમાં ઓછામાં ઓછી હાજરી દર્શાવનારાઓમાં હેમા માલિની, કેપ્ટન અમરિન્દર સિંહ, ડિમ્પલ યાદવ, મુજફ્ફર હુસેન બેગ, શિબૂ સોરેન અને બાબુલ સુપ્રિયો પણ છે. ૫૪૩ બેઠકોવાળા સદનના નીચલા ગૃહમાં છેલ્લા સત્રમાં અત્યાર સુધી (૨૧ બેઠક) દરમિયાન પ્રતિદિન સરેરાશ ૪૪૮ સભ્યો હાજર રહ્યા. ૮૯ સાંસદોના હસ્તાક્ષર રજિસ્ટર પર જોવા મળ્યા નથી. લોકસભાના ચાલુ સત્રમાં સો એ સો ટકા હાજરી આપવાવાળા સાંસદોમાં લાલકૃષ્ણ અડવાણી, કરિયા મુંડા, એસ. એસ. અહલુવાલિયા, આર. કે. સિંહ, યોગી આદિત્યનાથ, પી. વેણુગોપાલ, એમ. રામચન્દ્રન્, રમા દેવી, ગણેશસિંહ, લક્ષ્મણ ગિલુઆ, નિશિકાન્ત દૂબે, જગદમ્બિકા પાલ, સત્યપાલ સિંહ, શોભા કરંદલાજે, મહેશ ગિરિ, પૂનમ મહાજન, સુમેદાનંદ સરસ્વતી અને વિન્સેન્ટ પાલ વગેરેનો સમાવેશ થાય છે. તેની સામે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ કેપ્ટન અમરિન્દર સિંહ સંસદમાં માત્ર પાંચ દિવસ હાજર રહ્યા. પીડીપીના મુજફ્ફર હુસેન બેગ અને શિબૂ સોરેન માત્ર એક જ દિવસ હાજર રહ્યા. સમાજવાદી પાર્ટીનાં ડિમ્પલ યાદવ પાંચ દિવસ અને હેમા માલિની માત્ર બે જ દિવસ હાજર રહ્યાં.

અમેરિકી પત્રકારનું ગળું કાપી નાખનાર ‘જ્હોન ધ જેલર’કોણ છે?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

ઇરાકના આતંકવાદી સંગઠન આઈએસઆઈએસએ અમેરિકી પત્રકાર જેમ્સ ફોલેનું મસ્તક કાપી નાખવાનાં કંપાવનારાં દૃશ્યવાળો વિડિયો જારી કર્યો. આઈએસઆઈએસ એક ક્રૂર અને બેરહમ ત્રાસવાદી સંગઠન છે. આ સંગઠને ઇરાક અને સીરિયાના એક મોટા જમીની ભાગ પર કબજો જમાવેલો છે. તેની પાસે ૧૦,૦૦૦ જેટલા યુદ્ધ સૈનિકો છે. પત્રકાર જેમ્સ ફોલેનું તેણે સીરિયામાં અપહરણ કર્યું હતું અને તેની નૃશંસ હત્યા કરી તેની વિડિયો જારી કરી અમેરિકાને ડરાવવા પ્રયાસ કર્યો છે.

આઈએસઆઈએસ પાસે બીજા ૨૦ જેટલાં અપહ્ય્તો છે, તેમાં સ્ટીવન જોએલ સોટલોફ નામના બીજા એક અમેરિકી પત્રકાર પણ છે. ઇસ્લામિક સ્ટેટ એક્સ્ટ્રીમિસ્ટ તરીકે ઓળખાતું આ સંગઠન અમેરિકી પત્રકારોની હત્યા કરી અમેરિકાને એ દેશમાં યુદ્ધની કાર્યવાહી કરતું અટકાવવાનું ધ્યેય ધરાવે છે.

આશ્ચર્યની વાત એ છે કે, અમેરિકી પત્રકારોની તથા બીજા ૨૦ અપહ્ય્તોની હત્યાની મંશા ધરાવનાર આ ખતરનાક આતંકવાદી એક બ્રિટિશ જેહાદી છે અને તેનું ઉપનામ ‘જ્હોન ધ જેલર’ છે. તે અપહ્ય્તોના ગળામાં ધારદાર છરો મૂકી ગળું કાપી નાખવા માટે જાણીતો છે. ઈરાક અને સીરિયામાં કાર્યરત ત્રણ બ્રિટિશ જેહાદીઓ પૈકી ‘જ્હોન ધ જેલર’નું જૂથ ‘ધી બિટલ્સ’ના નામે પણ ઓળખાય છે. આઈએસઆઈએસએ ઇરાક અને સિરીયામાંથી જે પશ્ચિમી નાગરિકોનાં અપહરણ કર્યાં છે, તેમની જવાબદારી આ ગ્રૂપને સોંપવામાં આવી છે. આ અપહ્ય્તોને ખતમ કરવાની જવાબદારી પણ આ જ જૂથને સોંપવામાં આવી છે. અમેરિકી અને બ્રિટિશ ગુપ્તચર સંસ્થાઓ માને છે કે ૫૦૦ જેટલાં બ્રિટિશ મુસ્લિમો બ્રિટન છોડી મિડલ ઈસ્ટના દેશોમાં આવી ગયા છે. તેઓ ભણેલા છે, અંગ્રેજી પર કાબૂ ધરાવે છે અને ઇરાક, સીરિયા જેવાં અનેક રાષ્ટ્રોનું બનેલું એક વિશાળ ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની ખેવના ધરાવે છે. આ બ્રિટિશ જેહાદીઓ અત્યાર સુધીના સૌથી વધુ હિંસક અને લોહીના તરસ્યા ત્રાસવાદીઓ હોવાનું કહેવાય છે.

બ્રિટિશ જેહાદી જ્હોન ધ જેલર ઇંગ્લેન્ડથી ભાગીને કેવી રીતે મિડલ ઈસ્ટ પહોંચ્યો, તેની તપાસ બ્રિટિશ ગુપ્તચરો કરી રહ્યા છે. એ જ રીતે અમેરિકાના એમ્બેસેડરે કહ્યું છે કે “અમેરિકી પત્રકાર જેમ્સ ફોલેની હત્યા કરી દેનાર એ ઝનૂની માણસને અમે થોડા સમયમાં જ શોધી કાઢીશું. બ્રિટિશ જેહાદીઓએ ઇરાક અને સીરિયામાં અનેક લોકોનાં અપહરણો કરી અબજોની સંપત્તિ હાંસલ કરી હોવાનું મનાય છે. આ ધન-સંપત્તિ કમાયા બાદ કેટલાંક ત્રાસવાદી કતારમાં નિવૃત્ત જીવન ગાળવાની ઇચ્છા ધરાવે છે. જ્હોન ધ જેલરે અપહ્ય્ત કેદીઓને કહ્યું હતું કે, તેની પાસે અપહરણો દ્વારા એકત્ર કરાયેલું અઢળક ધન છે.”

અમેરિકી પત્રકાર જેમ્સ ફોલેનું ગળું કાપી નાખનાર જ્હોન ધ જેલર કોણ છે, તે શોધી કાઢવા બ્રિટન અને અમેરિકાએ સોફેસ્ટિકેટેડ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. તેની ટેલિફોન પર થતી વાતચીતને આંતરવામાં આવી હતી. તેના અવાજના નમૂના લેવામાં આવ્યા હતા અને તેની અગાઉની રેકોર્ડ થયેલી વાતચીતના અવાજ સાથે સરખામણી કરવામાં આવી હતી. બ્રિટનના અમેેરિકા ખાતેના રાજદૂત પીટર વેસ્ટમેસ્કોટે જણાવ્યું હતું કે, જ્હોન ધી જેલરના અવાજને ઓળખી કાઢવા માટે ‘વોઈસ રેકોગ્નિશન’ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇરાક અને સીરિયામાં કાર્યરત આ ખતરનાક બ્રિટિશ જેહાદીઓને શોધી કાઢવા ખાસ સૈનિક ટુકડી તહેનાત કરવામાં આવી છે.

એમ મનાય છે કે બ્રિટનમાં એક જૂથ ખતરનાક આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરી રહ્યું છે. બ્રિટનનું નાગરિકત્વ ધરાવતા કેટલાંક મુસ્લિમો ઇરાક અને સીરિયામાં લડવા માટે નવા ઈસ્લામિક સ્ટેટની ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે. તેમની ઉંમર ૧૬ વર્ષની આસપાસની છે. એટલે કે સ્કૂલ લેવલથી જ કિશોરોને આતંકવાદ માટે તૈયાર કરી દેવામાં આવે છે. બ્રિટનમાં ૨૭ લાખ મુસ્લિમ વસ્તી છે. બ્રિટિશ હોમ સેક્રેટરી થેરેસા મેએ જાહેર કર્યું છે કે, બ્રિટનમાં તૈયાર થઈ રહેલા ઇસ્લામિક ત્રાસવાદીઓને ઘરઆંગણે જ ડામવા અને બહાર જતા રોકવા કેટલાંક નવા કાયદાઓ લાવવામાં આવી રહ્યા છે.

એક તપાસમાં એવું જણાયું છે કે પાંચ બ્રિટિશ જેહાદીઓ ઇંગ્લેન્ડના ગેટવિક એરપોર્ટ દ્વારા સીરિયા જવા રવાના થયા હતા. એરપોર્ટની લોન્જમાં તેમની ગતિવિધિને સીસીટીવીમાં કેદ કરવામાં આવી છે. એ બધાં પહેલાં ટર્કી ગયા હતા અને ત્યાંથી તેઓ સીરિયામાં પ્રવેશ્યા હતા. આ બધા ગઈ તારીખ ૮મી ઓક્ટોબર,૨૦૧૩ના રોજ ઈંગ્લેન્ડથી રવાના થયા હોવાનું જણાયું છે. આ બધાએ રિટર્ન જર્ની બુક કરાવી હતી, પરંતુ સરહદપાર કર્યા બાદ તેઓ સીરિયાના ત્રાસવાદી સંગઠનમાં જોડાયા હતા. તેમાંથી ૩૧ વર્ષની વયનો મશાદૂર ચૌધરી પાછો ફર્યો હતો, પરંતુ બ્રિટનમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરવા જતાં પકડાઈ ગયો હતો અને હવે તે બ્રિટનની જેલમાં છે. ઈંગ્લેન્ડની કિંગસ્ટન ક્રાઉન કોર્ટ સમક્ષ એણે કબૂલ કર્યું હતું કે તે એક શહીદની માફક મરવા માગે છે અને બ્રિટનમાં તેમણે જે જેહાદી ગ્રૂપ તૈયાર કર્યું છે તેનું નામ ‘બ્રિટની બ્રિગેડ બાંગલાદેશી બેડ બોયઝ’ છે. કોર્ટની ટ્રાયલ દરમિયાન તેણે કબૂલ કર્યું હતું કે તેની પાસે ઓડી એ૬ કાર પણ છે અને ૨૦૦ પાઉન્ડ પ્રોસિક્યુટર પાછળ ખર્ચી પણ શકે છે.

જ્હોન ધી જેલર ગ્રૂપના આ બ્રિટિશ જેહાદી ગ્રૂપના બીજા એક જેહાદીનું નામ મોહમ્મદ હમીદુર રહેમાન છે. તે ઈંગ્લેન્ડના એક સ્ટોરમાં નોકરી કરતો હતો. ૨૫ વર્ષની વયના આ શખ્સને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તે પછી જેહાદી બની તે ટર્કીના માર્ગે સીરિયા જવા રવાના થયો હતો, પરંતુ તેના પિતાના જણાવ્યા અનુસાર સીરિયામાં સંઘર્ષ દરમિયાન તે માર્યો ગયો હતો.

અમેરિકા અને બ્રિટનની સલામતી એજન્સીઓના કહેવા પ્રમાણે ઇરાક અને સીરિયામાં આ જેહાદીઓએ પશ્ચિમના દેશોના જે ૧૧ નાગરિકોનાં અપહરણો કર્યાં હતાં, તે અપહ્ય્તોને છોડાવવા માટે યુરોપિયન દેશોએ ૨૪ મિલિયન પાઉન્ડની રકમ અપહરણકારોને આપી હતી. યુરોપિયન દેશોના અપહ્ય્તોમાં બ્રિટિશ અને અમેરિકન નાગરિકોનો સમાવેશ થતો નથી. બ્રિટિશ અને અમેરિકન નાગરિકોને જેહાદીઓ અલગ કેટેગરીમાં મૂકે છે. અમેરિકન પત્રકાર જેમ્સ ફોલેને છોડવા માટે અપહરણકારોએ ૮૦ મિલિયન પાઉન્ડની રકમ માગી હતી. આટલી મોટી રકમની માંગણી માત્ર ઉશ્કેરવા માટે જ હતી તેમ મનાય છે.

અમેરિકી પત્રકાર જેમ્સ ફોલેનું ગળું કાપી નાખનાર જેહાદી હવે બીજો કોઈ નહીં પરંતુ જ્હોન ધ જેલ નામનો બ્રિટિશ જેહાદી જ હોવાનું બહાર આવ્યું છે. લંડન પૂર્વમાં રહેતાં કેટલાંક મુસ્લિમ નાગરિકોએ અપહરણો કરવામાં નિષ્ણાત એક ગેંગની રચના કરી છે. આ જ ગેંગના સીરિયા ગયેલા માણસોએ પત્રકાર જેમ્સ ફોલેનું અપહરણ કર્યું હતું. તે ગેંગના વડો અબુ મુહારેબ ઉર્ફે જ્યોર્જ છે. જોહન ધી જેલર તો ગળાં કાપવાનો નિષ્ણાત તે ગેંગનો એક ખતરનાક સભ્ય જ છે. કેટલાંક આ જેહાદીઓને ‘સેડિસ્ટીક સાયકોપાથ’કહે છે. આ બ્રિટિશ જેહાદીઓ અપહ્ય્તોની હત્યા એટલી નિર્દય રીતે કરે છે કે એક તબક્કે ઈસ્લામિક સ્ટેટ મિલિટન્ટ્સના સભ્યોએ તેમને તેમ કરતાં રોક્યા હતા. લંડનની આ ખતરનાક ગેંગનો લીડર જ્યોર્જ નાનાં બાળકોને જ જેહાદી બની જવાની કેળવણી આપવાનું આયોજન કરી રહ્યો છે.

ઇસ્લામિક સ્ટેટની રચના કરવા માંગતા સંગઠનના અમેરિકા અને ઈંગ્લેન્ડમાં સ્લીપર્સ સેલ તૈયાર હોવાનું મનાય છે. એટલે કે ઈંગ્લેન્ડ કે અમેરિકામાં બોમ્બધડાકા કરવા હોય તો જે સ્થાનિક લોકો ત્રાસવાદીઓને મદદ કરે તેને સ્લીપર્સ સેલ કહે છે. એક તપાસમાં જણાયું છે કે અમેરિકી પત્રકારની હત્યા કરનાર બ્રિટિશ જેહાદી ગેંગમાં ગેંગલીડર જ્યોર્જ ઉપરાંત જ્હોન ધ જેલર, પોલ અને રીંગો પણ સામેલ છે. આ બધાં જ ઉપનામો છે.

આવનારા સમયમાં ઈંગ્લેન્ડ અને અમેરિકામાં નવી જનરેશનના ત્રાસવાદીઓનાં ખતરનાક કારનામાં જોવા મળે તો નવાઈ નહીં.

www. devendrapatel.in

I AM THE BOSS

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

૧૦૦ દિવસની સચ્ચાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારમાં સત્તાનું સુકાન સંભાળ્યાને ૧૦૦ દિવસ પૂરાં થયા.પોલિટિકલ પંડિતો તેમના શાસનનાં લેખાંજોખાંનુ તલસ્પર્શી વિશ્લેષણ કરી રહ્યા છે. કોઈની પણ કામગીરીના મૂલ્યાંકન માટે આ સમયગાળો ઓછો કહેવાય. આમ છતાં દેશની આમજનતા પર જે છાપ પડી છે તે જોતાં લાગે છે કે ચૂંટણી પૂર્વે તેઓ રાજકારણી લાગતા હતા. પદ ગ્રહણ કરતી વખતે આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની વચ્ચે તેઓ સ્ટેટ્સમેન લાગતા હતા. વડાપ્રધાનની ખુરશીમાં બેઠા બાદ તેઓ કુશળ એડમિનિસ્ટ્રેટર અને દેશના સીઈઓ લાગે છે.

આઈ એમ ધ બોસ

વડાપ્રધાનપદ સંભાળ્યાના ૧૦૦ દિવસમાં નરેન્દ્ર મોદીએ પક્ષમાં, સરકારમાં અને દેશમાં એક છાપ તો ઊભી કરી જ દીધી છે કે “પક્ષમાં, સરકારમાં કે દેશમાં હું એકમાત્ર બોસ છું. પક્ષ પણ મારી ઇચ્છા પ્રમાણે ચાલશે અને સરકાર પણ.”

પક્ષના સંસદીય બોર્ડમાંથી અડવાણી અને મુરલી મનોહર જોષીની હકાલપટ્ટી એ વાત સાબિત કરે છે કે, પક્ષમાં નરેન્દ્ર મોદી જ સર્વોપરી છે. મંત્રીઓએ તેમના અંગત સચિવ તરીકે કોને રાખવા અને કોનેે ના રાખવા તે સાબિત કરે છે કે મંત્રીમંડળમાં પણ તેઓ બોસ છે. એક લાખ રૂપિયા ઉપરના ખર્ચ માટે વડાપ્રધાનની ઓફિસની મંજૂરી લેવાનો આદેશ તેમણે મોકલી આપ્યો છે. મંત્રીઓના પુત્રોને પણ હવે બહાર ખાનગીમાં કોઈ ડીલ કરવાની પરવાનગી નથી. ઉદ્યોગપતિઓ સાથે ડિનર લેવાની પણ પરવાનગી નથી.

આગવી શૈલી

અત્યાર સુધી આવેલા તમામ વડાપ્રધાનોમાં તેમણેે નોખી ભાત પાડી છે. સહુથી પહેલાં તો તેઓ પોતાના પરિવારના એક પણ સભ્યને કે સગાંસંબંધીને ૭, રેસકોર્સમાં રહેવા લઈ ગયા નથી. ૭, રેસકોર્સમાં પણ તેમણે સાદગીવાળી જ અનુકૂળતા પસંદ કરી છે. પોતાની કેબિનેટના મંત્રીઓને તેમનાં પુત્રો, પુત્રીઓ, ભત્રીજાઓ કે જમાઈઓને અંગત સચિવ તરીકે રાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોઈ મંત્રીનો પુત્ર બદલીઓ કરાવવા પ્રયાસ કરતો હોય તો તે વાત તેમના ધ્યાનમાં હોય છે. કોઈ મંત્રી ફાઇવસ્ટાર હોટલમાં બેસી કોઈ ઉદ્યોગપતિ સાથે ભોજન લેતો હોય તો તેની પર તેમની નજર હોય છે. કોઈ મંત્રી જિન્સ કે ટી-શર્ટ પહેરી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં જતો હોય તો તેણે કપડાં બદલવા પાછા જવું

પડે છે.
અમલદારો પર કાબૂ

વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ સહુથી પહેલું કામ તેમણે એ કર્યું કે, દિલ્હીનાં મંત્રાલયોમાં બિરાજતા દરેક બાબુએ હવે સવારે ૯ વાગ્યે તેમની ઓફિસમાં આવી જવું પડે છે. અધિકારીઓની સાથે કારકુનોએ પણ સમયસર હાજર થવું પડે છે. ઓફિસ સ્વચ્છ રાખવી પડે છે. મહિનાભરમાં શું કામ કર્યું તેનો હિસાબ આપવા તૈયાર રહેવું પડે છે. દિલ્હીનાં મંત્રાલયોમાં જે લાલિયાવાડી ચાલતી હતી તેનો અંત આવી ગયો છે. દરેક મંત્રીની જેમ દરેક મોટા અધિકારીની ગતિવિધિનું, તેને મળતાં મુલાકાતીઓનું પણ મોનિટરિંગ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સખત ટાસ્ક માસ્ટર છે તેની પ્રતીતિ અધિકારીઓને થઈ રહી છે. આ નરેન્દ્ર મોદીનું આગવું મોડલ છે. તેઓ ખુદ રોજ ૧૮ કલાક કામ કરે છે અને બીજા મંત્રીઓ તથા અધિકારીઓ પાસે કરાવે છે.

થિંકટેંકમાંથી પસંદગી

વહીવટમાં માણસોની પસંદગીની બાબતમાં નરેન્દ્ર મોદીની એક આગવી શૈલી છે. અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે તેમના અંગત મિત્ર બ્રજેશ મિશ્રાને પસંદ કર્યા હતા. તેમણે બ્રજેશ મિશ્રાને પ્રિન્સિપાલ સેક્રેટરી પણ બનાવ્યા હતા. યાદ રહે કે બ્રજેશ મિશ્રા મધ્યપ્રદેશના એક પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રીના પુત્ર હતા. વાજપેયીજી કુંવારા હતા, પરંતુ તેઓ તેમણે દત્તક લીધેલી દીકરી અને જમાઈને સાથે રહેવા લઈ ગયા હતા, પરંતુ નરેન્દ્ર મોદી તેમનાથી અલગ રાજનીતિજ્ઞા છે. નરેન્દ્ર મોદીએ તેમના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અને પ્રિન્સિપાલ સેક્રેટરીને વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનમાંથી પસંદ કર્યા છે, જે આરએસએસની થિંકટેંક ગણાય છે. નરેન્દ્ર મોદીએ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે એ. કે.ડોવલને પસંદ કર્યા છે, જેઓ કોઈ સમયે એલ.કે. અડવાણીની નજીક હતા. એ કે.ડોવલ ઈન્ટેલિજન્સ બ્યૂરોના પૂર્વ ચીફ હતા. એ કે. ડોવલની પસંદગી વ્યક્તિલક્ષી નહીં પણ વિચારલક્ષી હોવાનું મનાય છે. એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે જે નૃપેન્દ્ર મિશ્રાની પસંદગી કરી છે તેઓ પણ આરએસએસની નજીક એવા વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા હતા.

રાજનીતિમાં શું કર્યું?

૧૦૦ દિવસની કામગીરીની વાત કરીએ તો રાજનીતિની બાબતમાં પણ તેઓ કઠોર પ્રશાસક સાબિત થયા છે. યુપીએ સરકાર દ્વારા નીમવામાં આવેલા લગભગ તમામ રાજ્યપાલોને તેમણે રૂખસદ આપી દીધી છે. ચૂંટણી પૂર્વે તેમના વડાપ્રધાનપદની ઉમેદવારી સામે વાંધો લેનારા એલ કે. અડવાણી, મુરલી મનોહર જોશીને પક્ષના સંસદીય બોર્ડમાંથી પડતા મૂકીને તેમને પણ વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા છે. અડવાણી કેમ્પના ન ગણાતાં મંત્રીઓ, મુખ્યમંત્રીઓને તેમણે શરણે લાવી દીધા છે. અમિત શાહને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવી પક્ષ અને સરકાર ઉપર કાબૂ મેળવી દીધો છે. જે વૃદ્ધો નડે તેવા હતા તેમને રાજ્યપાલો બનાવી ઠેકાણે પાડી દીધા છે. યાદ રહે કે નરેન્દ્ર મોદી ફુલટાઈમ રાજનીતિજ્ઞા છે અને ફુલટાઈમ વડાપ્રધાન પણ છે.

સોલો પરફોર્મન્સ

પાર્લામેન્ટમાં પણ તેમની એક આગવી શૈલી છે. પાર્લામેન્ટમાં પહેલી જ વાર પ્રવેશ કરતી વખતે તેઓ વિજેતાની જેમ પ્રવેશ્યા,પરંતુ સંસદગૃહમાં પ્રવેશતાં પહેલાં સદનના પગથિયામાં મસ્તક નમાવ્યું. પાર્લામેન્ટરી પાર્ટી સમક્ષની પહેલી મિટિંગમાં તેમનું પ્રવચન સ્ટેજ પરના સોલો પરફોર્મન્સ જેવું હતું. પાર્લામેન્ટમાં ચર્ચા વખતે તેઓ ગંભીરતાપૂર્વક દરેકને ધ્યાનથી સાંભળે છે અને સંસદની કાર્ય પદ્ધતિને ગંભીરતાપૂર્વક સમજવા માગતા હોય તેમ લાગે છે.

મહત્ત્વના નિર્ણયો

એ જ રીતે વડાધાનપદ સંભાળ્યા બાદ કોઈ ને કોઈ નિર્ણય વગર તેઓ એક દિવસ પસાર થવા દેવા માગતા નથી. સહુથી પહેલાં તો તેમણે ગુજરાતની જીવાદોરીસમા સરદાર સરોવર બંધના દરવાજા મૂકવાની પરવાનગી આપી દીધી. વર્ષો જતાં ખખડધજ અને આઉટ ઓફ ડેટ થઈ ગયેલા આયોજન પંચને વિખેરી નાખવાની પ્રક્રિયા શરૂ કરી. નાનાં નાનાં ખાતાંઓના અલગ મંત્રીઓ બનાવવાના બદલે કેટલાંક ખાતાં એકબીજા સાથે ભેળવી દીધાં. વિદેશનીતિનેે લાગેવળગે છે ત્યાં સુધી કે સહુથી પહેલાં અમેરિકા જવાના બદલે પડોશી દેશ ભૂતાન અને નેપાળ જવાનું પસંદ કર્યું, જ્યાં બે દાયકાથી ભારતના એક પણ વડાપ્રધાન ગયા જ નહોતા. એ જ રીત બ્રિક્સની સમીટમાં હાજરી આપી. બ્રિક્સ બેન્કની સ્થાપના થાય તે માટે મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો. તે પછી જાપાન સાથેની દોસ્તી મજબૂત કરવા પ્રયાસ હાથ ધર્યો. અમેરિકા ગયા પહેલાં જાપાનનો પ્રવાસ અનેક સૂચિતાર્થોથી ભરેલો છે. અમેરિકા જતાં પહેલાં જાપાનની યાત્રા વ્યૂહાત્મક અને ભારત-જાપાનના સંબંધો સુદૃઢ કરનારી રહી. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જાપાનની સરકારનો જ નહીં, પરંતુ જાપાનના ઉદ્યોગપતિઓ અને પ્રજાનો પ્રેમ જીતીને આવ્યા. અબજો રૂપિયાની સહાય ભારતની બુલેટ ટ્રેન માટે અને કાશીને સ્માર્ટ સિટી બનાવવા માટે જાપાન આપશે. પાકિસ્તાન સાથે વિદેશસચિવોની વાટાઘાટ રદ કરીને તેઓ અમેરિકાના દબાણ હેઠળ કામ નહીં કરે તેવો સખત સંદેશો પણ આપ્યો છે.

આમ પ્રજા માટે

મોદી સરકાર સામાન્ય લોકો માટે પણ કામ કરે છે તેની પ્રતીતિ કરાવવા તેમણે વારાણસીમાં ઓફિસ શરૂ કરાવી. ગંગાનું શુદ્ધીકરણ કરવા, ૧૦૦ જેટલાં સ્માર્ટ શહેરો શરૂ કરવા, બુલેટ ટ્રેન શરૂ કરવાની દરખાસ્તોનો બજેટમાં સમાવેશ કરાવ્યો. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે, રસોઈ ગેસ ગ્રાહક હવે જરૂરિયાત પ્રમાણે એક મહિનામાં એકથી વધુ સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડર લઈ શકશે. દરેક ગ્રાહક વર્ષભરમાં આવા ૧૨ સિલિન્ડર લઈ શકશે. તેમાં મહિનાની અંદરની મર્યાદા ખત્મ કરી દેવાઈ. કોઈએ એક મહિનામાં એક પણ સિલિન્ડર ન લીધો હોય તો આગલા મહિને તે બે સિલિન્ડર પણ લઈ શકે છે. આ એક વ્યવહારુ કદમ હતું. એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ લોકો પણ બેન્કમાં ઝીરો બેલેન્સ સાથે ખાતું ખોલાવી શકે તે માટે જનધન યોજના શરૂ કરી. ત્રણ મિનિટમાં ખોલાવી શકાતા આ બચત ખાતાના કારણે બેન્ક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ અને અકસ્માત વીમાનો પણ લાભ ઉપલબ્ધ કરાયો. તે ઉપરાંત ઇન્ટરનેટ હિંદીમાં ડોટ ભારત ડોમેનની પણ શરૂઆત કરાવવામાં આવી. દેવનાગરી લિપિમાં આ ડોમેન હિંદી ઉપરાંત આઠ ભાષાઓને કવર કરશે. ભ્રષ્ટ આરટીઓ સિસ્ટમને ખતમ કરવા નિર્ણય લેવાયા છે.

હજુ પડકારો છે

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની ૧૦૦ દિવસની કામગીરીનું મૂલ્યાંકન છે, પરંતુ હજુ ઘણાં પડકારો તેમની સામે છે. વડાપ્રધાનપદના શપથ ગ્રહણ વખતે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ભારત બોલાવ્યા, પરંતુ પાકિસ્તાને ભારતીય સરહદો પર ગોળીબાર ચાલુ રાખી સરહદને ગરમ રાખી છે. પાકિસ્તાને ભારતની ભૂમિ પર કાશ્મીરના અલગતાવાદી નેતાઓ સાથે મંત્રણા કરી ભારતની અખંડિતતાને પડકારી છે. શાકભાજી અને જીવનજરૂરિયાતના ભાવો પર કાબૂ લેવાનું હજુ બાકી છે. દેશની કર પદ્ધતિ જટિલ અને વિચિત્ર છે. દેશના કરોડો યુવાનો હજુ રોજીની તકની રાહ જોઈ રહ્યા છે. દેશમાં રાજકીય ધ્રુવીકરણ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કેટલાંક દાગી મંત્રીઓ હોવાના આક્ષેપ છે. કેટલાક મંત્રીઓના પુત્રો સામે પણ આક્ષેપ છે. આ બધા જ પડકારોને પહોંચી વળવા માટે વડાપ્રધાને કદાચ વધુ શ્રમ અને ઓવરટાઈમ પણ કરવો પડશે. તેઓ તે કરી શકે તેમ છે. તે કરી શકવાની ક્ષમતા પણ તેમનામાં છે. લોકોની અપેક્ષાઓ પાર વિનાની છે. કેટલીક પેટા ચૂંટણીઓમાં ભાજપે જોઈએ તેવો દેખાવ કર્યો નથી. એ માટે પણ વડાપ્રધાને ચિંતા કરવાની જરૂર છે.

www. devendrapatel.in

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén