Devendra Patel

Journalist and Author

Month: January 2013 (Page 1 of 2)

પબ્લિક જાય તેલ લેવા અમને સલામતી આપો

દેશમાં ૫,૦૦૦ જેટલા નેતાઓ પ્રજાના પૈસે સલામતી ભોગવે છે

અમદાવાદ હવે લૂંટફાટનું નગર બની રહ્યું છે. રોજ ધોળા દિવસે લાખોની લૂંટ થાય છે. પહેલાંના જમાનામાં બહારવટીયાઓ રાત્રે ત્રાટકતા હતા. હવે દિવસે ત્રાટકે છે. ભગવાનના મંદિરો પણ સલામત નથી. સ્ત્રીઓના ગળામાંથી રોજ દોરા લૂંટાય છે. રોજ સ્ત્રીઓની ઇજ્જત લૂંટાય છે. દિલ્હીની એક પેરા મેડિકલ વિદ્યાર્થિની પર થયેલા ગેંગ રેપે દિલ્હીના શાસકોને ધ્રૂજાવી દીધા છે. દેશમાં દર ૨૦ મિનિટે એક બળાત્કાર થાય છે. ગુજરાતમાં એકમાત્ર ૨૦૧૧ના વર્ષમાં ૪૩૯ જેટલા બળાત્કારના કિસ્સા નોંધાયા છે. તેમાંથી ૨૬૩ જેટલા બળાત્કાર ૧૮ થી ૩૦ વર્ષની વયની યુવતીઓ પર થયા હતા. ગેંગ રેપની વિરુદ્ધ દિલ્હીમાં હજારો લોકો સડકો પર ઊતરી આવ્યા હતા ત્યારે ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ ચાલુ હતી. પહેલા અંજારમાં એક યુવતી પર બળાત્કાર થયો તે પછી હાલોલમાં તો માત્ર અઢી વર્ષની બાળકી પર બળાત્કાર થયો અને માસુમ બાળકીનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું.

સ્ટેટસ સિમ્બોલ

આવી ઘટનાઓ માટે પોલીસ અને કાનૂનને જવાબદાર ઠેરવવામાં આવે છે. એ વાત સાચી છે કે મોટા ભાગના દૂરના પોલીસ મથકો રાત્રે સૂમસામ થઇ જાય છે. ક્યાંકતો પોલીસ ઊંઘતી જણાય છે. બાકીની પોલીસ બડાખડા નેતાઓની સલામતીમાં વ્યસ્ત જણાય છે. પોલીસ નાગરિકો, મહિલાઓ અને બાળકોને સુરક્ષા બક્ષવાના બદલે એ.કે.૪૭ સાથે માત્ર નેતાઓને જ સુરક્ષા બક્ષતી દેખાય છે. નેતાઓને અપાતી સુરક્ષાનો ખર્ચ પણ પ્રજા જ ભોગવે છે. નેતા પસાર થવાના હોય તો તેમની આસપાસ મોટરકારોનો દોડતો કાફલો હવે વરવો લાગે છે. નેતાઓ પોતાની પ્રતિષ્ઠા વધારવા કે વટ પાડવા આવો કાફલો લઇને નીકળે છે ત્યારે તે કાફલો તેમના સ્ટેટસ દર્શાવવાના બિભત્સ પ્રદર્શન જેવું લાગે છે. કેટલાક નેતાઓ તો માત્ર સ્ટેટસ સિમ્બોલ માટે જ સુરક્ષાના ઘેરામાં રહેવાનો માનસિક આનંદ માને છે.

એમને સુરક્ષા કેમ?

સહુથી પહેલા શ્રીમાન બિટ્ટાની વાત. પંજાબના આ શખસ એક જમાનામાં આતંકવાદી વિરોધી સંસ્થા ચલાવતા હતા. હવે તેઓ ભારે સુરક્ષા હેઠળ રહે છે. તેમને દિલ્હીમાં ભવ્ય બંગલો અને સુરક્ષા પ્રદાન કરવામાં આવ્યાં છે.

શા માટે?

કેટલાક સમય પહેલાં માયાવતી જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે તેની સલામતીના મુદ્દે બહુજન સમાજપાર્ટીએ લોકસભામાં હોબાળો મચાવી દીધો હતો. તેમના પક્ષના સભ્યોએ લોકસભામાં ધાંધલ મચાવી દીધી ત્યારે સરકારે કહેવું પડયું હતું કે, “અમે માયાવતી કે મુલાયમસિંહ-કોઈની યે સુરક્ષા ઘટાડવાના નથી.”

શા માટે?

માયાવતી અને મુલાયમસિંહ- એ બેઉ સામે આવક કરતાં સંપત્તિ વધુ હોવાના કેસો ચાલી રહ્યાં છે. એક માત્ર ઉત્તર પ્રદેશમાં ઊંચામાં ઊંચી વિવિધ પ્રકારની સિક્યોરિટી મેળવતા નેતાઓ ૨૫૦૦ છે. આ બધાને વીઆઈપીની કક્ષામાં મૂકવામાં આવ્યા છે. આ વીઆઈપીઓની સુરક્ષા માટે અત્યંત આધુનિક તાલીમ પામેલા અને ઓટોમેટિક રાઇફલોથી સજ્જ એવા ૩૫૦૦ જેટલા કમાન્ડોઝ ખડેપગે હાજર હોય છે. જાણવા જેવી વાત એ છે કે ઉત્તરપ્રદેશની વસતી જોતાં દર એક લાખ માણસે ૨૫ પોલીસ છે. તેની સામે ૨૫૦૦ જેટલા વીઆઇપીઓ માટે ૩૫૦૦ સશસ્ત્ર કમાન્ડો જ છે. ઉત્તરપ્રદેશમાં એક્સ, વાય, ઝેડ અને ‘ઝેડ પ્લસ સલામતી ધરાવતા ટોચના ૧૧૫ જેટલા ખાસ વીઆઈપીઓની સુરક્ષા માટે રૂ. ૮ થી ૧૦ કરોડનું ખર્ચ આવે છે. માત્ર આ ૧૧૫ વીઆઈપીઓ માટે જ ૨૦૦૦ સશસ્ત્ર ગાર્ડસ દિવસ રાત તૈનાત છે. એક્સ, વાય,ઝેડ અને ઝેડ પ્લસ સિક્યોરિટી ધરાવતા નેતાઓમાં મુલાયમસિંહ યાદવ, રાજનાથ સિંહ, કલ્યાણસિંહ, રામનરેશ યાદવ, વિનય કટિયાર, મુરલી મનોહર જોષી અને અશોક સિંઘલનો સમાવેશ થાય છે. આ સિવાય બીજા કેટલાયે એવા સાંસદો, ધારાસભ્યો, પ્રધાનો, ભૂતપૂર્વ પ્રધાનોને સશસ્ત્ર ગાર્ડસની સલામતી આપવામાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે સંદિગ્ધ ચારિત્ર્ય ધરાવતા કેટલાક લોકોને, કોન્ટ્રાકટરોને, વિદ્યાર્થીન્ નેતાઓને તથા વિવાદાસ્પદ રાજકારણીઓને પણ ઉત્તરપ્રદેશની સરકારે ચોવીસે કલાકની સશસ્ત્ર સુરક્ષા પૂરી પાડી છે. તેમાંથી કેટલાક તો ક્રિમિનલ રેકોર્ડસ ધરાવે છે. એક માત્ર યુ.પી.માં જ વી.આઇ.પી.ઓની સલામતી પાછળ પ્રતિવર્ષ રૂ. ૨૦૦ કરોડનું ખર્ચ થાય છે. આ એવા એક રાજ્યની વાત છે જ્યાં માથાદીઠ આવક વર્ષે દહાડે માત્ર ૧૨૦૦ રૂપિયાની છે.

એ કોઈ એસેટ નથી

માયાવતી, મુલાયમસિંહ, જયલલીતા, લાલુ જેવા નેતાઓ તો સત્તા ભૂખ્યાં છે. વરુણ ગાંધીએ એકવાર એક કોમના લોકોના હાથ કાપી નાંખવાની વાત કરી એટલે તેમને સજા કરવાના બદલે કમાન્ડોઝની સુરક્ષા આપી દેવામાં આવી. આ બધા નેતાઓ દેશ માટે કોઇ એસેટ નથી. સત્તા પ્રાપ્તિ સિવાય તેમને કોઇ ધ્યેય નથી. દેશમાં આવું સુરક્ષા ચક્ર ભોગવતા નેતાઓની સંખ્યા ૫૦૦૦ જેટલી થાય છે. હજારો કમાન્ડોઝ તેમની સેવામાં રાતદિવસ તૈનાત રહે છે. પણ રાત્રે ૯ વાગે દિલ્હી જેવા શહેરમાં બસમાં બેસતી એક વિદ્યાર્થિની માટે કોઇ સલામતીની વ્યવસ્થા નથી. અમદાવાદની કેટલીક કોલેજોની બહાર રોજ અસામાજિક તત્ત્વો મોટરબાઇક પર પસાર થતી વિદ્યાર્થિનીઓની અશ્લીલ મશ્કરી કરે છે પણ પોલીસ એમની સાફસુફી કરી શકતી નથી. દિલ્હીમાં સરેરાશ એક નેતા વીઆઇપી દીઠ ત્રણ જવાન સુરક્ષા માટે છે તેની સામે આમ જનતાની વાત કરીએ તો દર ૬૭૩ લોકોએ એક પોલીસની સરેરાશ બેસે છે. લોકોના ગુસ્સાનુ કારણ આ પણ છે. ગુનાખોરીનો રેકોર્ડ ધરાવનાર ધારાસભ્ય કે સાંસદ ગૃહમાં પ્રવેશ કરે છે તો તેની સુરક્ષાની જવાબદારી તેની પોતાની છે. જેમની સામે ક્રિમિનલ કેસો ચાલે છે તેમની સુરક્ષાનુ ખર્ચ પ્રજા શા માટે ભોગવે?

મોરારજી દેસાઇ

અત્રે એ નોંધનીય છે કે મોરારજી દેસાઇ ગમે તેટલા વિવાદાસ્પદ વ્યક્તિ હોય તો પણ તેઓ એકલા ચાલીને દિલ્હીમાં તેમના નિવાસ સ્થાનેથી પાર્લામેન્ટ જતા. તેઓ વડાપ્રધાન બન્યા અને જ્યારે તેઓ મુંબઇ મરીન ડ્રાઇવ પર તેમના નિવાસ સ્થાને જતા ત્યારે તેમના નિવાસસ્થાનની બહાર માત્ર એક જ પોલીસ કોન્સ્ટેબલ દેખાતો. પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ નો આંતક હોવા છતાં પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ સુરક્ષાના કાફલા વગર જ બહાર નીકળે છે. સુરક્ષા કમાન્ડો વિના જ રહે છે. પૂર્વ સરંક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ કદીયે સુરક્ષા જવાનોની છાયામાં રહેવાનં પસંદ કર્યું નહોતું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીને દિલ્હી હાઇકમાન્ડની સૂચનાથી હટાવવામાં આવ્યા તે પછી માધવસિંહ સોલંકીએ એક પોલીસ જીપ અમરસિંહના ઘરે મોકલી આપી હતી. પોલીસ અધિકારીએ અમરસિંહને કહ્યું કે, ‘સાહેબ, સીએમ સાહેબે આપની સિક્યોરિટી માટે અમને મોકલી આપ્યા છે.’

અમરસિંહે સવિનય ઉત્તર વાળ્યો કે “તમારા સાહેબને કહેજો કે મેં એવાં કોઇ કામ કર્યાં નથી કે મારે મારી સલામતીની જરૂર પડે. તમે પાછા જતા રહો.”

 – અને અમરસિંહ ચૌધરીએ સિક્યોરિટી માટે આવેલી પોલીસજીપ પાછી મોકલી આપી હતી.

આ દેશમાં હવે એક એવા કાનૂનની જરૂર છે કે દેશના આમ આદમીને જેટલી સલામતી છે તેટલી જ સલામતી નેતાઓને પણ અપાય અને તેમને વધારાની સલામતી જોઇતી હોય તો પ્રાઇવેટ કંપનીઓ પાસેથી પોતાના ખર્ચે સલામતી ગાર્ડસ રાખી લે.

તેલ-ગેસના અનામત ભંડારો માટે આર્ક્ટિક કોલ્ડ વોર

બરફથી છવાયેલા સમુદ્રની ભીતર ૪૦ ટકા તેલ-ગેસના ભંડાર ધરબાયેલા છે

બાઈબલની કથા છે કે પૃથ્વી પર જન્મેલા પહેલા બે ભાઈઓ પૈકી એકે બીજાની હત્યા કરી નાંખી હતી. ઝઘડો જમીનનો હતો. આખી પૃથ્વી તેમને ખેડવા ઉપલબ્ધ હતી. છતાં શેઢાના ઝઘડે ખૂન થઈ ગયું હતું.

આજે પૃથ્વી પરના વિવિધ દેશો વચ્ચે એવા સ્થળ માટે કોલ્ડવોર ચાલી રહી છે જ્યાં જમીન દેખાતી જ નથી. કરોડો વર્ષોથી બરફ છવાયેલો છે અથવા તો માત્ર દરિયો જ દરિયો છે. માનવ વસતીનું નામોનિશાન નથી.

પૃથ્વી પરનો આર્ક્ટિક વિસ્તાર આવનારાં વર્ષોમાં વિવિધ દેશો વચ્ચે જિયોપોલિટિકલ બેટલ ગ્રાઉન્ડ હશે.

હમણાં થોડા વખત પહેલાં ચીનમાં મળેલી એક રાજકીય પરિષદ દરમિયાન ચીનના એક નિવૃત્ત નેવી કમાન્ડરે કહ્યું કે આર્ક્ટિક વિસ્તાર પર આખી દુનિયાના તમામ દેશોનો અધિકાર છે. તેના પર કોઈ એક દેશનું સાર્વભૌમત્વ હોઈ શકે નહીં. ચીનને પણ આ વિસ્તારમાં રહેલા સ્રોતમાં ભાગીદારીનો અધિકાર છે. ચીનના પૂર્વ નેવી કમાન્ડરના આ નિવેદનથી દુનિયાના કેટલાક માંધાતા દેશોમાં ખળભળાટ મચી ગયો છે.

અનામત ભંડારો

આર્ક્ટિક સમુદ્રની આસપાસ જે દેશોની રિંગ છે, તેમાં અમેરિકા, કેનેડા, ડેન્માર્ક, નોર્વે અને રશિયા છે. આ બધા જ દેશો એના પર પોતાનો દાવો નોંધાવી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે આ આર્ક્ટિક સર્કલનો ૨૧ મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તાર જમીન સ્વરૂપે છે જ્યારે ૧૩ મિલિયન ચોરસ કિલોમીટરનો વિસ્તાર બરફ થઈ ગયેલા સમુદ્રનો છે. તેની સરખામણી કરવી હોય તો જાણ સારુ લખી શકાય કે ભારતનો કુલ જમીન વિસ્તાર ૩.૩ મિલિયન ચોરસ કિલોમીટર છે. એક એવો અંદાજ છે કે આ આર્ક્ટિક વિસ્તારમાં પૃથ્વી પરના કુલ ગેસ અને ક્રૂડનો ૪૦ ટકા ભંડાર ભંડારાયેલો છે. એટલું જ નહીં પણ આ વિસ્તારમાં કોલસો, ઝીંક અને ચાંદી પણ વિપુલ પ્રમાણમાં ધરબાયેલાં છે. ગ્લોબલ ર્વોમિંગના કારણે કરોડો વર્ષોથી છવાયેલો અહીંનો બરફ હવે ધીમે ધીમે ઓગળવા માંડયો છે અને તેના કારણે જ્યાં જ્યાં જમીન ખુલ્લી થાય છે ત્યાં ત્યાં તેલ કે ગેસની ખોજ શક્ય બનતી જાય છે. ૨૦૧૧ના જાન્યુઆરી માસમાં ‘બીપી’ નામની મલ્ટિનેશનલ ઓઈલ કંપનીએ રશિયન આર્ક્ટિક વિસ્તારમાંથી હાઈડ્રોકાર્બનની ખોજ માટે રશિયન સરકારની એક કંપની માટે વ્યૂહાત્મક ભાગીદારી કરાર કર્યા છે.

આર્ક્ટિક રૂટ

ઉનાળાના મહિનાઓમાં આર્ક્ટિક વિસ્તારના દરિયામાં વહાણો પણ લઈ જઈ શકાય છે. કેનેડા, રશિયા, અમેરિકાનાં જહાજો આ વિસ્તારમાં ફરતાં જણાય છે. યુરોપથી એશિયા જવા માટે કેટલાંક જહાજો આર્ક્ટિક રૂટનો પણ હવે ઉપયોગ કરે છે. ૧૮મી કે ૧૯મી સદીમાં આ રૂટ અત્યંત જોખમી હતો. હવે હોલેન્ડના રોટાડેમથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો બંદર સુધી જવા જહાજો દરિયાના આ રૂટનો ઉપયોગ કરે છે. આ બે દેશો વચ્ચેનું દરિયાઈ અંતર ૪૦૦૦ કિલોમીટર આ રૂટના કારણે ઘટી જાય છે. આ રૂટ ગયા વર્ષથી શરૂ થયો છે.

બીજી નોંધપાત્ર વાત એ છે કે આર્ક્ટિક વિસ્તાર હવે સહેલાણીઓના પ્રવાસના આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો છે. અત્યાર સુધી પ્રતિબંધિત ગણાતા આ વિસ્તારમાં ૨૦૧૦ની સાલમાં ૫૦,૦૦૦ જેટલા સહેલાણીઓ આવ્યા હતા અને ઠંડાગાર સમુદ્રમાં સહેલગાહ માણી હતી.

આ કારણસર હવે દુનિયાભરના દેશોને એ વિસ્તારમાં પગદંડો જમાવવામાં રસ પડયો છે.

દરેક શક્તિશાળી દેશને અહીં પોતાનો ઈજારો સ્થાપવો છે. જાણવા જેવી વાત એ છે કે આ વિસ્તારથી વિરુદ્ધ પૃથ્વીના બીજા છેડા પર આવેલા એર્ન્ટાકિટકા વિસ્તારમાં વિવિધ દેશો વચ્ચે એર્ન્ટાકિટકા ટ્રીટી નામનો એક કરાર કરવામાં આવ્યો હતો. તેમાં માત્ર સંશોધન અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિની જ કામગીરી બનાવવાની વ્યવસ્થા હતી, હવે એ બધી સંધિઓ અભરાઈ પર ચડાવી દેવામાં આવી છે. એર્ન્ટાકિટકા પણ આર્ક્ટિક જેવો જ બરફાચ્છાદિત દરિયો છે. તેનો ૧૪ મિલિયન ચોરસ કિલોમીટર બરફથી ઢંકાયેલો છે. એર્ન્ટાકિટકા પણ વિવિધ ખનીજોથી માંડીને તેલ અને કોલસાથી ભરેલો વિસ્તાર છે.

હવે આર્ક્ટિક વિસ્તારનાં જળ પણ ઉષ્ણ થતાં તેની આસપાસના દેશો તેમના અર્થતંત્રને મજબૂત બનાવવા અહીં દટાયેલા કુદરતી ભંડારોને શોધી કાઢવા માગે છે. તેમાં અમેરિકા, કેનેડા મોખરે છે, પરંતુ રશિયા તેનો વધુ લાભ લઈ શકે તેમ છે તેનું એક કારણ એ છે કે આ વિસ્તાર રશિયામાં વધુ આવે છે અને રશિયનો કાતિલ ઠંડીમાં પણ કામ કરવા ટેવાયેલા છે.

અહીં શરૂ થયેલા નવા શિપિંગ રૂટનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વધી રહ્યું છે. પનામા અને સુએઝ કેનાલ ઘણી વાર રાજદ્વારી કારણસર ગૂંગળાવવામાં આવે છે ત્યારે આ નવો દોર શરૂ થતાં એ બધી જૂની કેનાલો તેમનું આર્થિક મહત્ત્વ ગુમાવશે.

ગ્લોબલ વોર્મિંગ

વિચિત્રતા એ છે કે એક તરફ ગ્લોબલ ર્વોમિંગ સામે આખી દુનિયાના પર્યાવરણવાદીઓ બૂમો પાડી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં ગ્લોબલ ર્વોમિંગને કારણે બરફ પીગળી રહ્યો છે, તેની સામે વિશ્વના સમૃદ્ધ દેશો આંખમીંચામણાં કરી રહ્યા છે, કારણ કે બરફ ઓગળે તો જ તેલ અને ગેસ શોધી શકાય અને શિપિંગ પણ થઈ શકે. કેટલાક સમૃદ્ધ દેશો ગ્લોબલ ર્વોમિંગને તેમના આર્થિક સ્વાર્થ માટે ફાયદાકારક સમજે છે. આ કારણથી ગ્લોબલ ર્વોમિંગ ઘટે તેવા પ્રયાસોથી પણ તેઓ દૂર રહે છે. ગ્લોબલ ર્વોમિંગના કારણે વિશ્વભરના હવામાનમાં પલટા આવી રહ્યા છે. ભારતના ચોમાસાને પણ અસર થઈ છે, પરંતુ તેલ અને ગેસની લાયમાં પશ્ચિમના દેશોને ગ્લોબલ ર્વોમિંગ અટકાવવામાં કોઈ જ રસ નથી. આ બધા સમૃદ્ધ દેશો આંતરરાષ્ટ્રીય પરિષદો વખતે માત્ર ભાષણો જ આપે છે અને ઘરઆંગણે તેનો કોઈ જ અમલ કરતા નથી. હા, વિશ્વમાં સહુથી વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતા દેશો ભારત જેવા વિકસતા દેશોને ઔદ્યોગિકીકરણ કાબૂમાં રાખવા સલાહો જરૂર આપે છે.

ભારતની ભૂમિકા

દુનિયાના કેટલાંક રેઈન ફોરેસ્ટને ગ્લોબલ કોમન્સ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. એર્ન્ટાકિટકાને પણ અગાઉ ગ્લોબલ કોમન્સ એટલે કે સહુની ભાગીદારી તરીકે ગણવામાં આવ્યાં છે. ભારત જેવા બિનઆર્ક્ટિક દેશોએ પણ આર્ક્ટિક વિસ્તારમાં તેની ભાગીદારી નોંધાવવા આર્ક્ટિક પ્રદેશોને ગ્લોબલ કોમન્સ તરીકે જાહેર કરવાની માગણી કરવી હવે જરૂરી છે.

ભારતને પણ આર્ક્ટિકના મેનેજમેન્ટમાં ભાગીદાર બનવાનો અધિકાર છે. આ માટે ભારતે વિશ્વના બીજા નોનઆર્ક્ટિક દેશોને ભેગા કરી પબ્લિક ઓપિનિયન ઊભો કરવો જોઈએ. ૧૯૫૯માં એર્ન્ટાકિટકાની બાબતમાં આવી સંધિ થયેલી જ છે. તેવી જ સંધિ આર્ક્ટિક વિસ્તાર માટે પણ થવી જોઈએ તેમ નિષ્ણાતો માને છે.

અલબત્ત, ભારતે ચીનની જેમ આ પ્રદેશ પર સીધો અધિકાર જમાવવાની વાત કરવાને બદલે આર્ક્ટિક કાઉન્સિલના નિરીક્ષક તરીકે તેના કાયમી સભ્ય બનવા પ્રયાસ કરવો જોઈએ.

ભારત પાસે આર્ક્ટિક વિસ્તારમાં તેલ કે ગેસનું સંશોધન કરવાની ટેક્નિકલ જાણકારી કે નાણાં નથી. ૧૯૯૬ની સાલમાં એક આર્ક્ટિક કાઉન્સિલની રચના થયેલી છે. તેમાં અમેરિકા, કેનેડા, રશિયા, નોર્વે, ડેન્માર્ક, સ્વિડન, ફિનલેન્ડ અને નેધરલેન્ડ જેવા સભ્ય દેશો છે. આ કાઉન્સિલે પાંચ દેશોને કાયમી નિરીક્ષક તરીકે નીમ્યા છે, તેમાં યુકે, ફ્રાન્સ, નેધરલેન્ડ, પોલેન્ડ અને ઇટાલી છે. જ્યારે બ્રાઝિલ, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાએ તેમાં નિરીક્ષક તરીકે જોડાવા અરજી કરેલી છે. ભારતે પણ એ કાઉન્સિલના કાયમી ઓબ્ઝર્વર તરીકે જોડાઈને તે દ્વારા તેનો લાભ ઉઠાવવા પ્રયાસ કરવો જોઈએ. આર્ક્ટિક પ્રદેશ પર સીધો કબજો કે ભાગીદારી નોંધાવવાની તાકાત ભારત પાસે નથી. ભારતે એક જવાબદાર ગ્લોબલ પાવર ક્ષેત્રે પોતાનો જવાબદારીપૂર્વકનો ફાળો આપવો જોઈએ.

હોરર માર્કેટઃ વિશ્વમાં વિકસતું ડરનું બજાર.

ઓછા મૂડીરોકાણમાં કરોડોની કમાણી કરતી હોરર ફિલ્મો

એ આશ્ચર્યની વાત છે કે લોકો ભૂતપ્રેતથી ડરે છે અને છતાંયે ભૂતપ્રેત પર બનેલી ફિલ્મોનું એક મોટું માર્કેટ છે. લોકો અંધારાથી ડરે છે, સ્મશાનથી ડરે છે. મૃતદેહથી ડરે છે, કંકાલથી ડરે છે, ચામાચીડિયાથી ડરે છે, ચીબરીથી ડરે છે, શિયાળથી ડરે છે અને છતાંય આ બધાં જ દૃશ્યો જ્યારે પરદા પર દર્શાવવામાં આવે છે તો એ ડરને જોવા લોકો પૈસા ખર્ચીને છબીઘરોમાં જાય છે. મનોવિજ્ઞાનીઓ માટે એ અભ્યાસનો વિષય છે કે તમે કોઈ માણસને મધ્ય રાત્રિએ કહો કે, ચાલો સ્મશાન જોવા જઈએ તો તે તૈયાર ન થાય, પણ એ જ માણસ છબીઘરમાં સ્મશાનમાં નાચતાં ભૂતો જોવા તૈયાર છે.

ડરનું માર્કેટ

લોકોની આ છૂપી માનસિકતાનો લાભ વિશ્વભરના ફિલ્મમેકર્સે બરાબર ઉઠાવ્યો છે. આજે વિશ્વમાં ડરનું બજાર વિકસી રહ્યું છે. પછી તે ફિલ્મ હોય કે રિયાલિટી શો. સિનેમા ઉદ્યોગનાં પાછલાં ૧૦૦ વર્ષોના ઇતિહાસ પર નજર નાંખીએ તો હોરર એટલે ડરાવી દેતી ફિલ્મો બનાવવાની કળા વિકસી રહી છે. અત્યાર સુધી જેટલી હોરર ફિલ્મો બની તેમાંથી મોટાભાગની ફિલ્મોએ બોક્સઓફિસ પર તગડી કમાણી કરી છે. આ વાત માત્ર ભારતના નહીં, આખા વિશ્વના ફિલ્મ ઉદ્યોગને લાગુ પડે છે. તાજા આંકડા અનુસાર વિશ્વમાં પ્રતિ વર્ષ ૨૫૦૦થી ૩૦૦૦ જેટલી હોરર ફિલ્મો બને છે. આવી હોરર ફિલ્મો ફિલ્મ સમારોહમાં પણ દર્શાવવામાં આવે છે.

અલબત્ત, સમાજના તમામ લોકો હોરર ફિલ્મો જોતા નથી, પણ જે રીતે એમ્યુઝમેન્ટ પાર્કમાં કેટલાક લોકો જ રોલર કોસ્ટરમાં બેસવાનું પસંદ કરે છે તે રીતે હોરર ફિલ્મો જોનારો પણ એક ખાસ વર્ગ છે.

હોરર ઓફ ડ્રેકુલા

હોલિવૂડમાં તો વર્ષોથી હોરર ફિલ્મો બનતી આવી છે. તેમાંની એક અત્યંત જાણીતી હોરર ફિલ્મ ‘હોરર ઓફ ડ્રેકુલા’ છે. બ્રામ સ્ટોકરની આ કથા પર આ ફિલ્મ અનેક વાર બની છે. તેની સિક્વલ પણ બની છે. એની કથા રોમાનિયાના ટ્રાન્સિસવેનિયા નામના પ્રાંતમાં એક ઊંચા કિલ્લામાં રહેતા ડ્રેકુલા નામના ઉમરાવના જીવન પર આધારિત છે. ડ્રેકુલા ઓછી ઉંમરે મૃત્યુ પામે છે અને પ્રેત બની જાય છે. રોજ રાત્રે તેની કબરમાંથી બેઠો થઈ રાતના અંધારામાં નગરની અત્યંત સ્વરૂપવાન યુવતીની શોધમાં નીકળી પડે છે. તે કોઈ પણ યુવતીના શયનખંડમાં પ્રવેશે છે. ડ્રેકુલાને જોતાં જ યુવતી તેના તરફ આકર્ષાય છે. ડ્રેકુલા તેના ગળા પર કિસ કરે છે અને એ જ વખતે તેના રાક્ષસી દાંત તે યુવતીના ગળામાં બેસાડી તેનું લોહી પીવે છે. એ પછી એ સ્ત્રી તેની કાયમી ગુલામ બની જાય છે. કહેવાય છે કે ૧૯૬૦ના ગાળામાં આ ફિલ્મ પહેલી જ વાર રજૂ થઈ ત્યારે લોકો થિયેટરમાં બેભાન થઈ જતા હતા અથવા તો રાત્રે ઘરે આવીને ઊંઘી શકતા નહોતા. ક્રિસ્ટોફર લી નામના એક્ટરે ડ્રેકુલાનો રોલ કર્યો હતો.

ધી અધર્સ

એ પછી હોલિવૂડે બીજી અનેક હોરર ફિલ્મો બનાવી, જેમાં ‘ધ એક્સોર્સીસ્ટ’, ‘પોસ્ટરગીસ્ટ’, ‘નાઇટ એટ એલ્મસ્ટ્રીટ’ વગેરેનો સમાવેશ થાય છે. પશ્ચિમના દેશોના લોકો ભૂતપ્રેતમાં માને છે. એક દાયકા પહેલાં હોલિવૂડે ‘ધી અધર્સ’ નામની ફિલ્મ બનાવી હતી. જેમાં નિકોલ કિડમેન નામની મશહૂર ઓસ્ટ્રેલિયન અભિનેત્રીએ રોલ કર્યો છે. તે બે નાનાં બાળકો સાથે ૧૯મી સદીના અમેરિકાના ન્યૂજર્સી વિસ્તારમાં એક જૂના મકાનમાં રહેવા આવે છે. તેનાં બંને બાળકોને પ્રકાશની એલર્જી હોય છે, તેથી બારી-બારણાં પરદાથી બંધ રાખવાં પડે છે. ઘરમાં રોજ અવનવી ઘટનાઓ ઘટે છે. એ ઘરમાં પહેલેથી જ કેટલાંક ભૂતો રહેતાં હતાં, પણ કથા અહીં જુદી છે. માનવી સામાન્ય રીતે ભૂતોથી ડરે છે, પણ અહીં ભૂત માનવીથી ડરે છે અને ભૂતઘરમાં રહેતાં ભૂત તેમાં રહેવા આવેલા પરિવારથી ડરતાં હોય છે.

ભૂતપ્રેતમાં માનતા પશ્ચિમના દેશોના લોકો આજે પણ ભૂતોને ભગાડવા માટે તેઓ પવિત્ર પાદરીઓ, લસણ તથા ક્રોસનો ઉપયોગ પણ કરે છે. પશ્ચિમના દેશોમાં ભૂતપ્રેત ભગાડનાર ભૂવા – ભૂવીઓ પણ છે. આ કામને તેઓ વિચકાફ્ટ કહે છે. આ બધાં જ એલિમેન્ટ્સનો ઉપયોગ હોલિવૂડે કર્યો છે.

બોલિવૂડમાં હોરર

હોલિવૂડ બાદ ભારતના બોલિવૂડે પણ હોરર ફિલ્મોના નિર્માણમાં વર્ષોથી ઝંપલાવ્યું છે. શરૂઆતનાં વર્ષોમાં ભારતની હોરર ફિલ્મો પુનર્જન્મ પર આધારિત હતી. તે પછી ભટકતા આત્માઓની કહાણીઓ શરૂ થઈ. ‘મધુમતી’ એ હોરર ફિલ્મ ન હોવા છતાં પુનર્જન્મ પર આધારિત હતી. પુરાણા કિલ્લા કે ખંડેરમાં રાત્રે મીણબત્તી સાથે ગીત ગાતી કોઈ અજનબી મહિલાનાં દૃશ્યો એ ભારતીય હોરર ફિલ્મો બનાવતા દિગ્દર્શકોની પસંદગીનું દૃશ્ય હતું. ભારતમાં સૌથી વધુ હોરર ફિલ્મો રામસે બ્રધર્સે અને વિક્રમ ભટ્ટે બનાવી છે. હોરર ફિલ્મ બનાવતી વખતે ફિલ્મકાર પાસે પ્રયોગ કરવાની તમામ તક ઉપલબ્ધ હોય છે. આ વ્યવસાયમાં સફળ થવાની એક જ ચાવી છે અને તે એ છે કે ફિલ્મની અંદર એવું દૃશ્ય હોય કે જેને જોતાં જ પ્રેક્ષકનાં દિલની ધડકન વધી જાય. પ્રેક્ષકને ડરનો અહેસાસ થવો જોઈએ. ભારતમાં બનતી હોરર ફિલ્મો ખાસ કરીને સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં જ સૌથી વધુ ચાલે છે.

નફાનો ધંધો

હોરર ફિલ્મોનું નિર્માણ એ નફાનો  ધંધો ગણાય છે, કારણ કે તેમાં ડર એ જ નાયક છે. આવી ફિલ્મો બનાવવા માટે કરોડો રૂપિયા લેતા સલમાન ખાન, આમિર ખાન, શાહરુખ ખાન કે રિતિક રોશનની જરૂર રહેતી નથી. પ્રેત કે પિશાચ બની શકે તેવા કોઈ પણ કલાકાર ચાલે. વિશ્વમાં સૌથી વધુ કમાણી કરવાવાળી હોરર ફિલ્મ ‘ધ બ્લેયર વિચ પ્રોજેક્ટ’ છે. આ ફિલ્મ વર્ષો પહેલાં માત્ર ૨૦ હજાર ડોલર (એ વખતના હિસાબે ૮થી ૧૦ લાખ રૂપિયા)માં બની હતી. આ ફિલ્મે આજ સુધીમાં ૨૪૮ મિલિયન ડોલર એટલે કે એક હજાર કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાંથી પ્રેરણા લઈને કરણ જોહરે ‘કાલ’ ફિલ્મ બનાવી હતી, પણ તે ફ્લોપ રહી. દરેક ફિલ્મનો એક સમય હોય છે. આજકાલ વેમ્પાયર જેવા વિષયને લઈને હોલિવૂડ અનેક સફળ હોરર ફિલ્મો બનાવી રહી છે. આજની નવી હોરર ફિલ્મોમાં ડર અત્યંત સોફિસ્ટિકેટેડ હોય છે. લોકો હવે થિયેટરમાં ચીસો પાડતા નથી, પરંતુ ડરને માણે છે. આજકાલ ‘પેરા નોર્મલ એક્ટિવિટી’ નામની હોરર ફિલ્મ સૌથી વધુ ચર્ચામાં છે. આ ફિલ્મ ભારતીય ચલણ પ્રમાણે માત્ર પાંચ લાખ રૂપિયામાં બની હતી અને તે ફિલ્મે ભારતીય ચલણ પ્રમાણે ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ જ ફિલ્મમાંથી પ્રેરણા લઈને એકતા કપૂરે ‘રાગિની એમએમએસ’ ફિલ્મ બનાવી હતી.

નિર્માણ આસાન

હોરર ફિલ્મો બનાવવી આસાન છે. તેના ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક પર ઝાઝો બોજ રહેતો નથી. તેમાં મોટા કલાકારો ના હોવાથી ડેટ્સનો પ્રશ્ન હોતો નથી. તેમાં સામાજિક મૂલ્યોની વાત કે સંદેશો આપવાનાં ના હોઈ ફિલ્મકાર પર કોઈ માનસિક દબાણ રહેતું નથી. ફિલ્મકારની એક જ મકસદ હોય છે અને તે લોકોને ડરાવવાની. એ માટે એણે લોકો ડરી જાય તેવાં દશ્યો, સાઉન્ડ ઇફેક્ટ્સ, સ્પેશિયલ ઇફેક્ટ્સ વગેરેનો વધુ ને વધુ ઉપયોગ કરવાનો રહે છે. આમ કરવા માટે ભારતીય ફિલ્મકારો જાદુટોના અને બ્લેકમેજિકનાં દૃશ્યોનો વધુ ને વધુ ઉપયોગ કરે છે.

આવનારા હોરર્સ

આવી રહેલી હોરર ફિલ્મોમાં રામગોપાલ વર્માની ‘ભૂત રિટર્ન્સ’ ૩ડી, મનીષા કોઇરાલા. (૨) સુપર્ણા વર્માની ‘આત્મા’ (બિપાશા બાસુ) (૩) ‘રાગિની એમએમએસ-૨’ (સન્ની લિયોન) (૪) ‘૧૯૨૦ ઇવલ રિટર્ન્સ’ અને (૫) કિરણ સોમૈયાની ‘હૈ’નો સમાવેશ થાય છે.

લોકો ડરવા માટે પણ પૈસા ખર્ચે એ કેવું!

શ્રીકૃષ્ણ જેવા મહાનાયક ક્યારે?

ભારતમાં રોજ દ્રૌપદીનાં વસ્ત્રાહરણ

ગેંગરેપનો ભોગ બનેલી પેરા મેડિકલની વિધાર્થિનીના મૃત્યુની ઘટના બાદ પણ દેશભરમાં જનાક્રોશ ભીતરથી ઉકળતા ચરૂ જેવી સ્થિતિમાં છે. ૨૩ વર્ષની એ યુવતી કોણ હતી, એનું નામ શું હતું, કોઈ જાણતું નથી, પરંતુ દેશભરનાં યુવકો અને યુવતીઓએ જે રીતે આ ઘટનાની વિરુદ્ધ પ્રચંડ જનઆંદોલન કર્યું તે આઝાદી પછી પહેલી જ વાર અનેક રીતે ચોંકાવનારું છે. સરકારની અને પોલીસની નીંદર ઊડી છે કે નહીં એ તો ખબર નથી પરંતુ આ એક પહેલું જ જનપ્રદર્શન હતું જેનો કોઈ નેતા નહોતો. અહીં ના તો ગાંધીજી હતા, ના તો જયપ્રકાશ નારાયણ, ના તો અણ્ણા હઝારે કે ના તો અરવિદ કેજરીવાલ. જે નેતાઓ આ ઘટનાનો રાજકીય લાભ ખાટવા આવ્યા તેમને લોકોએ ભગાડી મૂક્યા. હકીકત એ છે કે આ આંદોલન સ્વયંભૂ હતું. હંમેશાં માટે ચિરનિદ્રામાં પોઢી ગયેલી પીડિતાએ આખા ભારતને જગાડી દીધું. મીડિયાએ એને કેટલાંય નામો આપ્યાં. કોઈ એ એને દામિની નામ આપ્યું કોઈએ એને નિર્ભયા નામ આપ્યું. કોઈએ એને અનામિકા નામ આપ્યું. નામ ગમે તે આપો પરંતુ આ દામિનીના મૃત્યુએ દેશમાં એક એવો જનાક્રોશ પેદા કર્યો, જે વર્ષોથી કોઈ પેદા કરી શક્યું નહીં. સવાલ એ છે કે શું હવે કોઈ એવો કોઈ મહામાનવ આવશે જે ભારતની નારીને ભારતીય હવસખોરોથી મુક્તિ અપાવી શકશે?

દામિની એટલે શું?

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ તો કારાગારમાં થયો હતો. મામા કંસે પોતાના મોતના ભયથી સગી બહેન દેવકીને અને વાસુદેવને મથુરાની જેલમાં બંધ કરી દીધાં હતાં. કૃષ્ણના જન્મ વખતે ઘનઘોર વર્ષા થઈ રહી હતી. ચારે બાજુ અંધકાર હતો. એ વખતે ભગવાનના નિર્દેશ અનુસાર શ્રીકૃષ્ણને જન્મ બાદ રાત્રે જ મથુરાના કારાગારમાંથી ગોકુલ નંદબાબાના ઘેર લઈ જવામાં આવ્યા. તે વખતે કારાગારના બધા જ દરવાજા આપોઆપ ખૂલી ગયા. પહેરેદારો ગહેરી નિદ્રામાં પોઢી ગયા. એ જ વખતે નંદબાબાનાં પત્ની યશોદાએ પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો. વાસુદેવ શ્રીકૃષ્ણને યશોદાની બાજુમાં સુવરાવીને એમની કન્યાને પોતાની સાથે મથુરાની જેલમાં લઈ ગયા. કંસ એ વાતથી ભયભીત હતો કે દેવકી અને વાસુદેવનું આઠમું સંતાન એના મોતનું કારણ બનશે. કંસ દેવકીનાં સાત સંતાનોને મોતને ઘાટ ઉતારી ચૂક્યો હતો. હવે તે દેવકીની પાસે સૂતેલી આઠમી કન્યાને ઉઠાવી તેને નીચે પટકી મોતને ઘાટ ઉતારવા માંગતો હતો તે વખતે જ કન્યા તેના હાથમાં સરી પડી અને વીજળી બની આકાશમાં ઊડી ગઈ એ જ વખતે આકાશવાણી થઈ કે “કંસ, તને મારવાવાળો તો ગોકુળમાં યશોદાની બાજુમાં રમી રહ્યો છે. દામિનીનો અર્થ આકાશી વીજળી થાય છે. મરનાર યુવતીને ભલે દામિની એવું કાલ્પનિક નામ અપાયું હોય પરંતુ એક ૨૩ વર્ષની યુવતીએ દેશનાં યુવક યુવતીઓમાં એક નવી શક્તિનો સંચાર કર્યો છે. સમગ્ર દેશ હવે ઇચ્છે છે કે, પાપીઓનો હવે અંત આવવો જોઈએ. આ ઘટનાએ સમગ્ર યુપીએ સરકારને ધ્રુજાવી દીધી છે. હવસખોરોને રાસાયણિક રીતે નિર્બળ બનાવી દેવાથી માંડીને એક જ મહિનામાં તેનો ફેંસલો લાવી દેવાની ઘોષણા કરવી પડી અને રાતોરાત પોલીસે ચાર્જશીટ પણ તૈયાર કરી દેવી પડી તે આ જનાક્રોશની શક્તિનું પરિણામ છે.

દેશ બદનામ થયો

સહુથી નોંધનીય વાત એ છે કે, વર્ષોથી ભારત તેની સંસ્કૃતિની દુહાઈ માટે ગર્વ લેતું રહ્યું અને ભારતમાં નારીની પણ પૂજા થાય છે તેવાં સોનેરી સૂત્રો બોલતું રહ્યું, પરંતુ ભારતનો નારી પ્રત્યેનો ક્રૂર અભિગમ અને ભારતનો બીભત્સ-વરવો ચહેરો આખી દુનિયા સમક્ષ ખુલ્લો પડી ગયો. વિશ્વભરનાં ગ્લોબલ મીડિયામાં પણ દિલ્હીની છાત્રાના ગેંગરેપની ઘટના દર્શાવાતી રહી. ઇજિપ્તના પાટનગર કેરોમાં પણ તહેરીર સ્કવેર ખાતે હજારો લોકોએ પીડિતાને ન્યાય અપાવવા માટે શાંત દેખાવો કર્યા. અમેરિકાના જાણીતા અખબાર ‘ધી ન્યૂ યોર્ક ટાઈમ્સ’ એ લખ્યું ‘દિલ્હીની ૨૩ વર્ષની વિધાર્થિની સાથે થયેલો અત્યાચાર દર્શાવે છે કે ભારતમાં

સ્ત્રીઓ સાથે કેવો ક્રૂર વ્યવહાર કરવામાં આવે છે. ભારત કે જે તેના ઔદ્યોગિક વિકાસ માટે ગર્વ લે છે ત્યાં ભારતીય સ્ત્રીઓની દુર્દશા પણ કેવી છે તે પણ દર્શાવે છે. ભારત માટે આ એક ખતરાભર્યો અભિગમ છે.’ ધી ન્યૂ યોર્ક ટાઇમ્સે એથીય આગળ વધીને લખ્યું છે કે ‘ભારતમાં પુરુષોના અધિપત્યવાળું સત્તા માળખું છે. ભારત એક આર્થિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે, પરંતુ તેની અડધો અડધ વસ્તી જો ભયના ઓથાર હેઠળ જીવતી હોય તો તે આર્થિક વિકાસનો કોઈ અર્થ નથી.’

ફ્રાન્સથી પ્રગટ થતા અખબાર ‘ધી ફ્રેન્ચ લા મોન્ડે’ લખે છેઃ “દિલ્હીમાં લાગણીઓ અને આક્રોશની ગર્જના થઈ રહી છે. લોકો શેરીઓમાં આવી ગયા છે. કોઈના હાથમાં મીણબત્તી છે તો કોઈ રડી રહ્યું છે.”

એ જ રીતે બ્રિટિશ અખબાર ‘ર્ગાિડયન લખે છેઃ “દિલ્હીની શેરીઓમાં જોવા મળતાં દૃશ્યો પરથી લાગે છે કે, સરકાર સામાન્ય લોકોથી વિમુખ થઈ ગઈ છે. સરકારને સામાન્ય લોકોની લાગણીઓનો હજુ અહેસાસ થયો નથી. ‘ડેનિશ રેડિયોએ પણ એવો અહેવાલ પ્રસારિત કર્યો. રેડિયોએ તેના અહેવાલમાં જણાવ્યું કે, ભારતમાં સ્ત્રીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે, ભારતમાં સ્ત્રીઓને પરેશાન કરવામાં આવે છે અને તેમની હત્યા પણ કરી દેવામાં આવે છે.”

સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ બાન કી મૂને પણ ભારતીય પીડિતા સાથે અત્યાચાર કરનાર અપરાધીઓને કડક સજા કરવા આગ્રહ કર્યો.

ઓસ્ટ્રેલિયામાં પણ પીડિત યુવતીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અમેરિકામાં વસતા ભારતીય અમેરિકનોએ કહ્યું કે, “દિલ્હીની ઘટના અમારા માટે રોજા પાર્કસ જેવી ઘટના છે. ૧૯૫૫માં એક અશ્વેત અમેરિકન મહિલાને સીટ છોડવા માટે કહેવામાં આવ્યું હતું,પરંતુ તેમણે તેમ કરવા ઇનકાર કરી દીધો હતો અને રંગભેદની નીતિ સામે જબરદસ્ત ઝુંબેશ ચલાવી હતી.”

ભારતના નેતાઓ

વિશ્વભરમાં ભારત બદનામ થઈ રહ્યું હતું ત્યારે ભારતના કેટલાક નેતાઓ જન આક્રોશને સમજવાના બદલે બેજવાબદાર નિવેદનો કરી રહ્યા હતા. રાજસ્થાનના એક ધારાસભ્યએ કહ્યું કે, “સ્કૂલમાં છોકરીઓએ સ્કર્ટ પહેરીને આવવું જોઈએ નહીં.” હરિયાણાના એક નેતાએ કહ્યું કે, “છોકરીઓને વહેલી પરણાવી દો.” બીજા એક નેતાએ કહ્યું કે. “બળાત્કારનું કારણ છોકરીઓના જિન્સ અને મોબાઈલ ફોન છે.” બીજા એક નેતાએ કહ્યું કે, “ચાઉમીન ખાવાથી બળાત્કાર થાય છે.” પશ્ચિમ બંગાળમાં એક મહિલા પર બળાત્કાર થયો તો મુખ્યમંત્રી મમતા બેનરજી બોલ્યાં કે, “મીડિયા અને વિરોધ પક્ષ મારી સરકારને બદનામ કરવા કોશિશ કરી રહ્યાં છે અને બળાત્કારનો આક્ષેપ સાવ જુઠ્ઠો છે.” એક મહિલા પોલીસ અધિકારીએ બળાત્કારના આરોપીઓને પકડી લીધા તો મુખ્યમંત્રીએ તેની બદલી કરી નાંખી. તૃણમૂલ કોંગ્રેસનાં એક મહિલા સાંસદે તો એવું નિવેદન કર્યું કે, “એ મહિલા તો પહેલેથી જ સેક્સવર્કર છે.” દિલ્હીના ગેંગરેપની ઘટના બાદ પ્રદર્શન કરતી દિલ્હીની મહિલાઓ અંગે બફાટ કરવામાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત મુખરજી પણ બાકાત રહ્યા નહીં!

મહાનાયક ક્યારે?

ખરી વાત એ છે કે દિલ્હીમાં થયેલા ગેંગરેપની ઘટના બાદ ફાટી નીકળેલો સ્વયંભૂ જનાક્રોશ દેશની તમામ પોલિટિકલ પાર્ટીઓ માટે ખતરાની ઘંટી છે. દેશના લોકોને હાલના એક પણ નેતામાં એક પણ રાજકીય પક્ષમાં કે પોલીસમાં હવે વિશ્વાસ નથી. રાહુલ ગાંધી પણ આ બસ ચૂકી ગયા છે. દિલ્હીની ગેંગરેપની ઘટના બાદ તેમણે જ જનાક્રોશની આગેવાની લઈ લેવાની જરૂર હતી. બળાત્કારીઓને ફાંસીની સજાની માંગણી તેમણે જ કરવાની જરૂર નથી. પહેલાં તેઓ દેશને મજબૂત લોકપાલ આપવાની ઝુંબેશ હાથમાં લેવાની તક ચૂકી ગયા અને હવે દેશને ગેંગરેપ સામે સખ્ત કાનૂન અપાવવાની આગેવાની લેવાની તક ચૂકી ગયા. દિલ્હીની પીડિતાને ન્યાય અપાવવા તેઓ ખુલ્લા મેદાનમાં આવ્યા હોત તો તેઓ હીરો બની જાત. તેમના બદલે સોનિયા ગાંધી વધુ ડાહ્યાં સાબિત થયાં. તેઓ લોકોની વચ્ચે જઈને બેઠાં અને પીડિતાના દુઃખ દર્દમાં સહભાગી બન્યાં લાગણી વ્યક્ત કરી. ખેર!

લોકોને હવે એક મહાનાયકની તલાશ છે. ગાંધીજીએ જેમ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવી તેમ હવે ભારતની નારીઓને ભારતના હવસખોરોમાંથી અને પ્રજાને ભષ્ટાચારમાંથી મુક્તિ અપાવે તેવા એક મહાનાયકની તલાશ છે. આજે તો જ્યાં જુઓ ત્યાં કંસ જ કંસ દેખાય છે. રોજ અનેક દ્રૌપદીનાં ચીરહરણ થાય છે. ચારે બાજુ દુર્યોધન જ દુર્યોધન દેખાય છે. આજે ના તો કોઈ અર્જુન છે કે ના તો કોઈ યુધિષ્ઠિર, ના કોઈ ભીષ્મ કે ના કોઈ દ્રોણ.

ભગવાન શ્રીકૃષ્ણ તમે ક્યાં છો?

ક્રિકેટ બાદ પાકિસ્તાન ખૂની ખેલ બંધ કરશે?

ભારત-પાક ક્રિકેટ શ્રેણીથી લાખો ક્રિકેટપ્રેમીઓ ખુશ થશે,પરંતુ દેશના રાષ્ટ્રાભિમાનનું શું?

લંડનમાં આ વર્ષે ઓલિમ્પિકનું ભવ્ય આયોજન થયું હતું. મૂળ તો ગ્રીસથી શરૂ થયેલી આ ગેમ્સનો ઉદ્ભવ ગ્રીક્સ, ટ્રોજન્સ, સ્પાર્ટા અને રોમનો વચ્ચે ચાલતી લોહિયાળ જંગ અને ગ્લેડિયેટર્સની જંગલી પ્રથાનો અંત લાવવા શરૂ થઈ હતી. વિશાળ એટેનામાં હજારો લોકોની હાજરીમાં ગુલામોને અંદરોઅંદર લડાવવામાં આવતા અને એકબીજાને ખતમ કરી ન નાંખે ત્યાં સુધી આ લોહિયાળ જંગ ખેલાતો હતો. આનું વાસ્તવિક દૃશ્ય રસેલ ક્રોની મુખ્ય ભૂમિકાવાળી’ગ્લેડિયેટર્સ’ ફિલ્મમાં બહુ જ વાસ્તવિકતા સાથે દર્શાવાયું છે. બાર્બેરિયન શૈલીના મનોરંજનનો અંત લાવવા ઓલિમ્પિક્સની શરૂઆત થઈ હતી, પરંતુ ક્રિકેટની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ હતી. ઇંગ્લેન્ડના ઉમરાવોએ ક્રિકેટને ગેમ તરીકે નહીં પરંતુ જુગાર અને સટ્ટા બેટિંગ માટે શરૂ કરી હતી. હવે ક્રિકેટ માત્ર સટ્ટા બેટિંગની જ નહીં પરંતુ ચીયરગર્લ્સ સાથેના એન્ટરટેનમેન્ટ અને આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી માટેની ગેમ પણ બની ગઈ છે.

આ છે પાકિસ્તાન

એક લાંબા સમયના વિરામ બાદ ભારતમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ ક્રિકેટ રમવા આવવાની છે. સ્વાભાવિક છે કે આ સમાચારથી ક્રિકેટની પાછળ ક્રેઝી ક્રિકેટરસિકો ખુશ છે. તેઓ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની રોમાંચક ગેમ માણવા ઉત્સુક છે, પરંતુ ભારતની આ ‘ક્રિકેટ ડિપ્લોમસી’થી ભારતના દુશ્મન નંબર-૧ એવા દેશ સાથેના સંબંધો હવે સુધરી જશે એવી આશા રાખવી તે બેવકૂફી છે. દેશની રાજનીતિની રણનીતિ નક્કી કરનારાઓ એ વાત ભૂલી જાય છે કે ૧૯૪૭માં ભારત – પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે જ પાકિસ્તાને ભારત પર હુમલો કરી અડધું કાશ્મીર પડાવી લીધું હતું અને હજુ પણ તે ભાગ ભારતને પાછો સોંપવામાં આવતો નથી. બીસીસીઆઈ એ વાત ભૂલી જાય છે કે તે પછી બે વાર પાકિસ્તાન ભારત પર હુમલો કરી ચૂક્યું છે. પાકિસ્તાનના એક લશ્કરી યુદ્ધ વિમાને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના વિમાનને તોડી પાડી તેમની હત્યા કરી નાંખી હતી. ક્રિકેટ ગેમના આયોજકો એ વાત ભૂલી જાય છે કે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બસમાં બેસીને લાહોર ગયા હતા તે વખતે જ પાકિસ્તાને ભારતની માલિકીના કારગિલમાં ઘૂસણખોરી કરી કારગિલ પર કબજો જમાવી દીધો હતો. પાકિસ્તાની સૈન્યને કારગિલમાંથી ખદેડવાનું બિલ રૂપિયા ૧૦ હજાર કરોડ આવ્યું હતું.

લોહિયાળ સાજિશ

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનું આયોજન કરનારા એ વાત ભૂલી જાય છે કે તમે એ દેશ પાસેથી શાંતિ અને સમજની આશા રાખો છો કે જે દેશમાં આતંકવાદ તૈયાર કરવાની ફેક્ટરીઓ છે. ગરીબ યુવાનોને ગુમરાહ કરી ભારત વિરુદ્ધ લડવા તૈયાર કરવામાં આવે છે અને કમરમાં ભયાનક બોમ્બ ભરી આપી કરાચીના બંદરેથી મુંબઈ મોકલી આપવામાં આવે છે. પાકિસ્તાને મોકલેલા અજમલ કસાબ જેવા આતંકવાદીઓ મુંબઈને લોહીલુહાણ કરી નાંખે છે. સેંકડો પરિવારના ચિરાગ છીનવી લે છે. કોઈ પુત્ર ગુમાવે છે તો કોઈ પિતા, કોઈ માતા ગુમાવે છે તો કોઈ ભાઈ. માત્ર મુંબઈ જ નહીં, પરંતુ આવા આતંકવાદીઓ અમદાવાદમાં પણ બોમ્બ વિસ્ફોટ કરી અનેકના જાન લે છે. ગંભીર રીતે ઘવાયેલા દરદીઓને હોસ્પિટલ સારવાર આપી ન શકે એટલા માટે હોસ્પિટલોમાં પણ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે. ભારત-પાક ક્રિકેટ મેચના આયોજકો એ વાત ભૂલી જાય છે કે નેપાળના કાઠમંડુ એરપોર્ટ પરથી ભારતીય વિમાનનું અપહરણ કરવાનું કાવતરું પણ પાકિસ્તાનમાં ઘડાયું છે. બદલામાં હાફિઝ સઈદ જેવા ખતરનાક આતંકવાદીને પાક પ્રેરિત આતંકવાદીઓ છોડાવી જાય છે. આ આયોજકો એ વાત પણ ભૂલી જાય છે કે ભારતની લોકશાહીના પવિત્ર મંદિરસમા પાર્લામેન્ટ હાઉસ પર પાકિસ્તાને મોકલેલા આતંકવાદીઓ ગોળીઓ છોડે છે. ક્રિકેટ દ્વારા કરોડો કમાઈ લેવાની લાલચ ધરાવતા ક્રિકેટ માફિયાઓ એ વાત ભૂલી જાય છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સતત ભારત વિરોધી ષડ્યંત્રો રચ્યા કરે છે. પાકિસ્તાનની ભૂમિ પર ભારતીય ચલણની નકલી નોટો પણ પાકિસ્તાન જ છાપે છે અને નેપાળ તથા બાંગલાદેશના માર્ગે આ નકલી નોટો ભારતમાં ઘુસાડવામાં આવે છે. ભારતના અર્થતંત્રને ખોખલું કરી દેવાની આ ખતરનાક સાજિશ પાકિસ્તાનની જ છે.

શાંતિ સ્થપાશે?

સમગ્ર વિશ્વ હવે જાણી ગયું છે કે ભારત એક નબળો દેશ છે. પાકિસ્તાન અને ચીન માટે તો ભારત એક સોફ્ટ ટાર્ગેટ છે. સરદાર સાહેબ, ઇન્દિરા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીના અવસાન બાદ ભારતને હાંસલ થયેલું નેતૃત્વ નબળું રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન આઈ. કે. ગુજરાલ પાકિસ્તાનમાં જન્મ્યા હતા. હાલના વડાપ્રધાન ડો. મનમોહનસિંહ પાકિસ્તાનમાં જન્મ્યા હતા. એ બધાને પાકિસ્તાનમાં આવેલા તેમના જન્મસ્થળ માટે લગાવ હોઈ શકે છે, પરંતુ અટલબિહારી વાજપેયી તો ગ્વાલિયરમાં જન્મ્યા હતા. તેઓ કવિતાઓ ગાતાં ગાતાં પાકિસ્તાન કેમ ગયા હતા, તે ન સમજાય તેવી વાત છે. ભારતના રાજનીતિજ્ઞાોનો આ જ રવૈયો રહ્યો તો બની શકે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તાલિબાનીઓના હૃદયમાં લાગણી અને પ્રેમ પેદા કરવા માટે ભારતીય ટીમને ભવિષ્યમાં અફઘાનિસ્તાન પણ મોકલી દે. ખેલ ખેલ છે અને ક્રિકેટ એ ક્રિકેટ છે. પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાથી પાકિસ્તાન સુધરી જવાનું છે તેવી કલ્પના એબ્સર્ડ છે. એ વાત સમજી શકાય તેમ છે કે ક્રિકેટ સાથે તો આપણી ભાવના જોડાયેલી છે, પરંતુ પાકિસ્તાન સાથે આપણી કઈ લાગણી જોડાયેલી છે? પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાથી બે દેશો વચ્ચે શાંતિ સ્થપાઈ જશે એ વાત કોઈ ડાહ્યો માણસ સ્વીકારશે નહીં.

બીસીસીઆઈનો વેપાર

ખરી વાત એ છે કે બીસીસીઆઈના કેટલાક લોકો ક્રિકેટના ખેલાડીઓને પોતાનું રમકડું સમજે છે કે જેનો રિમોટ દબાવવાથી ટીમ બોલિંગ કે બેટિંગ શરૂ કરી દેશે અને રિમોટ દબાવવાથી બોલિંગ બેટિંગ બંધ કરી દેશે. આ દેશમાં એ ભાવના કેળવવાની જરૂર છે કે દરેક ખેલાડી પહેલાં ભારતીય છે પછી ક્રિકેટર છે. કોઈ પણ ક્રિકેટરની પ્રતિબદ્ધતા પહેલાં રાષ્ટ્ર પ્રત્યે હોવી જોઈએ પછી ક્રિકેટ પ્રત્યે. જે દેશ વર્ષોથી ભારત સાથે ખૂની ખેલ ખેલે છે તેની સાથે ક્રિકેટનો ખેલ ખેલવા આમંત્રણ કેવી રીતે આપી શકાય? બીજા દેશોમાં રમવું પડે તે એક વાત છે પણ ભારતમાં તેમને રમવા બોલાવવા તે અલગ વાત છે.

અભિનંદન તો સુનિલ ગાવસ્કરને આપવાં જોઈએ કે જે એક જ એવી વ્યક્તિ છે જેમણે ભારત-પાક શ્રેણીનો વિરોધ કરતાં કહ્યું કે ભારતમાં શાંતિ માટે પાકિસ્તાન તરફથી કોઈ સહયોગ મળતો નથી તો તેની સાથે ક્રિકેટ રમવાની શી જરૂર છે?

દેશના સ્વાભિમાનનું શું?

પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓ ચોક્કસપણે સારા છે, પ્રોફેશનલ છે, તેમના કૌશલ્યની કદર કરવી જોઈએ, પરંતુ જ્યારે ૧૨૫ કરોડના રાષ્ટ્રના સ્વાભિમાનનો પ્રશ્ન આવે ત્યારે ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ નહીં રમીને પાકિસ્તાનને અને આખી દુનિયાને ભારતની નારાજગીનો સ્ટ્રોંગ મેસેજ આપવો જોઈતો હતો. આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીની બાબતમાં ભારત પાકિસ્તાન સાથે હંમેશાં માર ખાતું આવ્યું છે. ભૂતકાળમાં ક્રિકેટની કૂટનીતિના ભાગરૂપે જનરલ ઝિયા ઉલ હક જલંધર આવ્યા હતા. પરવેઝ મુશર્રફ પણ ભારત આવ્યા હતા. ગિલાની પણ મેચ જોવા ભારત આવ્યા હતા, પરંતુ ભારતનું અપમાન કરીને જ જતા રહ્યા હતા. પાકિસ્તાનનાં વિદેશમંત્રી હીના રબ્બાનીના ખૂબસૂરત હોઠોની મુસ્કાન પર ભારતના કેટલાક નેતાઓ ખુશ છે પણ એ લોકો એ વાત ભૂલી જાય છે કે ભારત પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ભોગ બન્યું છે તેના પુરાવા પણ માનવા તેઓ તૈયાર નથી. લાગે છે કે કેન્દ્રમાં બેઠેલા કેટલાક ક્રિકેટપ્રેમી નેતાઓ અને બીસીસીઆઈએ રાષ્ટ્રના સ્વાભિમાનને વેચવા કાઢયું છે. ભારત-પાક ક્રિકેટ સિરીઝ એ ગેમ નહીં પરંતુ સાજિશ છે. પાકિસ્તાનને ઘરઆંગણે બોલાવવાથી ક્રિકેટની ઘેલછા ધરાવતા લાખ્ખો ક્રિકેટચાહકો સ્ટેડિયમો છલકાવી દેશે. બાકીના લોકો ટીવી સામે ચોંટી જશે. અખબારોમાં હેડલાઇન્સ છપાશે, પરંતુ આંતરરાષ્ટ્રીય કૂટનીતિની બાબતોમાં ભારતની કાયરતા જ બહાર આવશે તે સમજી લેવાની જરૂર છે.

રાહુલ ગાંધી V/S નરેન્દ્ર મોદી

ગુજરાતની ચૂંટણી ૨૦૧૪ના સ્પેક્ટેક્યુલર શોનું ટ્રેલર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મહાસંગ્રામે દેશભરમાં જે ઉત્તેજના જન્માવી તેવી ઉત્તેજના આ અગાઉ બીજા કોઈ રાજ્યની ચૂંટણીએ જન્માવી નથી. બિહાર અને ઉત્તર પ્રદેશ જેવાં વિશાળ રાજ્યોની ચૂંટણી વખતે પણ આવો માહોલ જોવા મળ્યો નથી. કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ઊતરી પડયા. દેશની તમામ ઇલેક્ટ્રોનિક્સ ચેનલોએ ગુજરાતના ચૂંટણી સંગ્રામને જે કવરેજ આપ્યું તેવું કવરેજ અગાઉ કદી આપ્યું નથી. દેશ-વિદેશના ૪૦૦થી ૫૦૦ જેટલા પત્રકારોએ ગુજરાતમાં ધામા નાખ્યા.

વડાપ્રધાન કોણ?

ગુજરાતની ચૂંટણી એ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાંનો લીટમસ ટેસ્ટ છે. ૨૦૧૪ની ચૂંટણી પછી ‘વડા પ્રધાન કોણ?’- એ નક્કી કરવા ગુજરાતની રણભૂમિ પર મહાભારતનો આરંભ થઈ ગયો હોય એમ લાગે છે. ૨૦૧૪માં આવનારી લોકસભાની ચૂંટણીના સ્પેક્ટેક્યુલર શો પૂર્વેનું આ ટ્રેલર હોય એમ લાગે છે. એક એક્શન ફિલ્મમાં આવતાં તમામ તત્ત્વો જોવા મળ્યાં. ટિકિટોની વહેંચણી વખતે જબરદસ્ત ખેંચતાણ, બાદબાકી, પક્ષપલટા, આરોપો-પ્રતિઆરોપો, વિજ્ઞાપન યુદ્ધ, થ્રી-ડી દૃશ્યો અને વિશાળ રેલીઓનાં દૃશ્યો પણ જોવા મળ્યાં. ગુજરાતના મહાયુદ્ધ પર બધાની નજર રહી, કારણ કે ૨૦૧૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી એ રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદી વચ્ચેની ચૂંટણી બની રહેવાની છે. ભાજપાના દિલ્હીના નેતાઓ ઇચ્છે કે ન ઇચ્છે, પણ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાવિ વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ હશે તો તેમની સામે કોંગ્રેસ પક્ષ તરફથી ભાવિ વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર રાહુલ ગાંધી જ હશે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી માટે સર્વસંમતિ છે, પણ ભાજપમાં ભીતરથી વડાપ્રધાન પદ માટે બીજા અનેક મુરતિયા છે. અલબત્ત, તેમનું ચાલવાનું નથી.

મોદી જ સ્ટાર

ભાજપની ભીતર અનેક ઉમેદવાર હોવા છતાં નરેન્દ્ર મોદી તેમની આંતરિક સ્પર્ધામાં મોખરે રહેશે, કારણ કે નરેન્દ્ર મોદી ગુજરાત બહાર પણ લોકપ્રિય છે. તેમની પાસે ચેરિશ્મેટિક વ્યક્તિત્વ છે. તેમની પાસે વિરોધીઓને માત કરવાની આવડત પણ છે. તેમની પાસે મની પાવર છે. તેમની પાસે વકતૃત્વકળા છે. તેમની પાસે જબરદસ્ત ઊર્જા છે. ભાજપમાં બીજા નેતાઓ પાસે આમાંનું કશું નથી. ભાજપના જે રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવ્યા તેઓની કોઈએ ખાસ નોંધ જ લીધી નથી. મીડિયામાં મોદી જ ચમકતા રહ્યા. અરુણ જેટલી કે નિર્મલા સીતારમન જેવાઓએ મીડિયા આગળ બોલવું કે ન બોલવું અને બોલવું તો શું બોલવું તે પણ મોદી જ નક્કી કરતા રહ્યા. મોદી આગળ દિલ્હીથી આવેલા ભાજપના નેતાઓ વામણાં લાગ્યા. એક જમાનામાં હજારોની ભીડ એકત્ર કરતાં ઉમા ભારતીને સાંભળવા ૫૦ માણસો પણ ભેગા કરવામાં તકલીફ પડી. નીતિન ગડકરીને તો બોલાવવા ખાતર જ બોલાવ્યા.

સોનિયા લોકપ્રિય

ભાજપની સામે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંહ જ રહ્યાં. સોનિયા ગાંધી પાસે વકતૃત્વકળા નથી, પરંતુ દેશનો એક એવો મોટો વર્ગ છે, જે નહેરુ-ગાંધી પરિવારથી હજુ પ્રભાવિત છે. સોનિયા ગાંધીનાં પ્રવચનો શાલીન અને સરળ રહ્યાં. લોકોને તેમને સાંભળવા કરતાં જોવાનું વિશેષ આકર્ષણ રહ્યું છે. એક જમાનામાં પંડિત જવાહરલાલ નહેરુ જો કોઈ સ્થળે પ્રવચન કરવાના હોય તો લાખો લોકો સ્વયંભૂ ઊમટી પડતા. ઘણાં વર્ષો પહેલાં નહેરુ હિંમતનગર આવ્યા હતા. તે વખતે તેમને સાંભળવા લોકો દૂર દૂરથી બળદગાડાં જોડીને આવ્યા હતા. એવું જ આકર્ષણ ઇન્દિરા ગાંધીનું હતું. ઇન્દિરા ગાંધી પણ કોઈ ઉત્કૃષ્ટ વક્તા નહોતાં, પણ તેઓ એક્શન ઓરિએન્ટેડ પોલિટિશિયન હતાં. તેમણે મોરારજી દેસાઈ સાથેના અહ્મના ટકરાવના કારણે કોંગ્રેસના ભાગલા કરી નાખ્યા હતા. પાકિસ્તાનના બે ટુકડા કરી બાંગલાદેશને આઝાદી અપાવી હતી. રાતોરાત બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું હતું. રાતોરાત રાજાઓનાં સાલિયાણાં નાબૂદ કરી દીધાં હતાં. આવાં ઇન્દિરા ગાંધી જ્યારે પણ ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવતાં ત્યારે તેમને જોવા રસ્તાઓ પર લોકોની ભીડ એકત્ર થઈ જતી. એ સ્વયંભૂ હતું. ભાજપમાં અટલ બિહારી વાજપેયી જ એક એવા નેતા હતા તેમને સાંભળવા લાખોની જનમેદની સ્વયંભૂ ઊમટતી. હવે કોઈનીયે સભા સફળ બનાવવા લોકોને લાવવા પડે છે. હવે જાહેર સભાઓમાં માનવભીડ એ શક્તિ પ્રદર્શન માટેની લાયકાત બની ગઈ છે. ભીડ એકત્ર કરવા માટે મોટું બજેટ ફાળવવું પડે છે.

ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં ફિલ્મ કલાકારો બહુ મોટી અસર ઉપસાવી શક્યા નથી. એક જમાનામાં ઉપેન્દ્ર ત્રિવેદીને જોવા ૫૦ હજારની માનવમેદની એકત્ર થઈ જતી. હવે ગુજરાતી ફિલ્મોના કે ટીવી સિરિયલના કલાકારો પાસે એ તાકાત રહી નથી. કોંગ્રેસના રાજ બબ્બર પણ ખાસ આકર્ષણ જમાવી શક્યા નથી.

રાહુલ-ધી બોસ

ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે ગુજરાતના આ મહાસંગ્રામ પર રાહુલ ગાંધીની સૂક્ષ્મ નજર રહી છે. યુપીની ચૂંટણી વખતે તેઓ કોંગ્રેસનો ચહેરો હતા. આ વખતે તેમણે બહુ જાહેરમાં આવ્યા વિના કામ કર્યું છે. ટિકિટોની વહેંચણીમાં રાહુલ ગાંધીની જ ઇચ્છા પ્રમાણે થયું છે. બે વખત પરાજયના મુદ્દે નરહરિ અમીન જેવાઓની ટિકિટ કાપવાનો કડક નિર્ણય પણ રાહુલ ગાંધીનો જ હતો. ૨૦૧૪ની ચૂંટણીમાં તેમની સામે નરેન્દ્ર મોદી જ છે એ વાતની તેમને ખબર છે અને તેથી જ ગુજરાતની ચૂંટણીમાં ભીતરથી ઊંડો રસ લીધો છે. રાહુલ ગાંધીએ જ સૌથી વધુ યુવા નેતાઓને ગુજરાત મોકલી આપ્યા. ૨૦૧૪નું ચૂંટણીયુદ્ધ ૪૦ વર્ષના રાહુલ અને ૬૨ વર્ષના નરેન્દ્ર મોદી વચ્ચે જ લડાશે. આ વાતની નરેન્દ્ર મોદીને પણ ખબર છે તેથી તેમણે સોનિયા ગાંધી અને તેમના અંગત વફાદારો પર પ્રહારો કર્યા છે. નોંધનીય વાત એ છે કે ચૂંટણી પૂર્વે બન્ને મુખ્ય પક્ષોએ લોકોને ઘરનું ઘરથી માંડીને બીજાં અનેક વચનોની લહાણી કરી હતી, પરંતુ જાહેર સભાઓમાં લોકોની સમસ્યાઓની વાતો ઓછી અને અંગત આક્ષેપો-પ્રતિઆક્ષેપો વધુ થયા.

ઉત્તરપ્રદેશ અને બિહારની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ જ વ્યૂહરચના ગોઠવી હતી, પણ તેઓ નિષ્ફળ ગયા હતા. તેમણે તેમના પિતા કે દાદી ઇન્દિરા ગાંધી જેવું કૌશલ્ય સાબિત કરવાનું હજુ બાકી છે. સમય જલદી બદલાઈ રહ્યો છે. ગયા જુલાઈ માસમાં લોકપાલના ખરડા અંગે સંસદમાં ચર્ચા ચાલતી હતી ત્યારે રાહુલ ગાંધીએ ઘણી મોટી તક ગુમાવી દીધી. લોકો ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે ત્યારે તેમણે લોકપાલનો ખરડો કાયદો બનાવી દીધો હોત તો પ્રજા તેમનો જયજયકાર કરી દેત. ઇન્દિરા ગાંધીએ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરીને ગરીબોને ખુશ કરી દીધા હતા. રાહુલ ગાંધી પાસે હજુ સમય છે.

ચૂંટણી વહેલી આવશે?

૨૦૧૨ની ગુજરાતની ચૂંટણી પર યુપીએ-૨ના ઘટક પક્ષો તથા એનડીએના ઘટક પક્ષોની પણ નજર છે. ખુદ ભાજપના રાષ્ટ્રીય નેતાઓની પણ નજર છે. ભાજપના દિલ્હીના નેતાઓ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધે છે કે ઘટે છે તે જોવા આતુર છે. કોંગ્રેસ પણ એ જ જોવા આતુર છે. બિહારમાં બેઠેલા નીતીશકુમાર કે જેમની ખુદની લોકપ્રિયતા ઓસરી રહી છે તે પણ મોદીની સીટો વધે છે કે ઘટે છે તે જોવા આતુર છે. એલ. કે. અડવાણીને પણ હજુ કોઈ ચમત્કાર થતો હોય તો દેશના વડાપ્રધાન થવામાં રસ છે. તેઓ વડાપ્રધાન બની શક્યા નથી તેની હતાશા તેમના ચહેરા પર જોઈ શકાય છે. સુષમા સ્વરાજ એક શાલીન વ્યક્તિત્વ છે, પણ તેઓ ગુજરાત આવે છે ત્યારે તેમના ચહેરા પરથી સ્મિત વિલાઈ ગયું હોય તેમ લાગે છે. અરુણ જેટલીને પણ વડાપ્રધાન થવું છે,પરંતુ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જોઈ ચહેરો વધુ ગંભીર બનાવી દે છે. મોદી આગળ દિલ્હીના ભાજપના નેતાઓ એકડા વિનાના મીડાં જેવા લાગે છે. કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી કોંગ્રેસના બધા જ નેતાઓએ રાહુલ ગાંધીને તેમના નેતા તરીકે સ્વીકારી લીધા છે. દેશ અને લોકસભાની પ્રવાહી પરિસ્થિતિ જોતાં ૨૦૧૪નો ચૂંટણીસંગ્રામ વહેલો લાવવો કે કેમ તે વાત (૧) ગુજરાતની ચૂંટણીનાં પરિણામો, (૨) માયાવતી અને (૩) મુલાયમસિંહ એ ત્રણ પરિબળો નક્કી કરશે. કોંગ્રેસે ભીતરથી કોઈ પણ સમયે ચૂંટણી આવે તો તે માટેની તૈયારી કરી રાખી હોય એમ લાગે છે. રાહુલ ગાંધીનું અંગત સચિવાલય આ કામ કરી રહ્યું છે. કોંગ્રેસમાં પણ બે જૂથ છે. એક જૂથ વડાપ્રધાનની સાથે છે જ્યારે બીજું જૂથ સોનિયા ગાંધી સાથે છે, પરંતુ આ એક એવું જ્ઞાનતંતુઓનું યુદ્ધ છે જે બહાર બેઠેલાઓને દેખાય જ નહીં. હવે રાહુલ ગાંધી પોતાની એક ટીમ ઊભી કરી રહ્યા છે. ગુજરાતની ચૂંટણીના પ્રભારી સી.પી. જોષી તે રાહુલ ગાંધીના અંગત અને વફાદાર માણસ છે. રાહુલ ગાંધીના રાજકીય ગુરુ દિગ્વિજયસિંહ અને જનાર્દન દ્વિવેદી છે. આ બધા ૨૦૧૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીનો તખતો કેવો ગોઠવે છે એ જોવું રહ્યું.

કોઈને બહુમતી નહીં

૨૦૧૪માં ચૂંટણી આવે તો હાલની પરિસ્થિતિ જોતાં એક પણ રાજકીય પક્ષને ચોખ્ખી બહુમતી મળે તેવી સંભાવના નથી. કોંગ્રેસ કે ભાજપે કોઈ ને કોઈ સાથે ગઠબંધન કરવું જ પડશે. દેશમાં વડાપ્રધાન બનવાની ખ્વાહિશ ધરાવતા મુલાયમસિંહ, માયાવતી,જયલલિતા અને નીતીશકુમાર જેવાં બીજા નેતાઓ પણ છે. દેશમાં હવે પચીસ કરોડથી વધુ મુસ્લિમો છે. તેમની અને બીજી લઘુમતીઓની અવગણના કરવી કોઈનાયે માટે મુશ્કેલ હશે. તેથી ગુજરાતની ચૂંટણી જીતવી જેટલી સરળ હોય તેટલી આખા દેશની ચૂંટણી જીતવી કોઈ પણ હાર્ડલાઇનર માટે મુશ્કેલ હશે. વડાપ્રધાન બનવું તો એથીયે વધુ મુશ્કેલ છે. ગુજરાતમાં ભાજપે એક પણ મુસ્લિમને ટિકિટ આપી નથી તે પ્રયોગ રાષ્ટ્રીય ફલક પર મોદીને ફાયદો કરાવે છે કે નુકસાન તે જોવું રહ્યું!

મુંબઈના ‘ગોડફાધર-૨’ કોણ?

‘ગોડફાધર-૨’ બનવા માટે સ્મશાનયાત્રામાં રાજનીતિ

બાળાસાહેબ ઠાકરેના નિધન બાદ મુંબઈની રાજનીતિમાં શૂન્યાવકાશ સર્જાયો છે. દરેક વ્યક્તિની અને દરેક વિચારધારાની એક આવરદા હોય છે. બાળાસાહેબના ગયા બાદ શિવસેનાને અકબંધ રાખવાનો કરિશ્મા ઉદ્ધવ ઠાકરે પાસે નથી. બાળાસાહેબના ભત્રીજા રાજ ઠાકરે પાસે કાકાના વ્યક્તિત્વની થોડી અસર છે, પરંતુ બે પિત્રાઈ ભાઈઓ વચ્ચેનું અંતર સ્મશાનયાત્રામાં પણ દેખાયું. બાળાસાહેબનો મૃતદેહ જે ટ્રક પર લઈ જવામાં આવી રહ્યો હતો તેની ઉપર રાજ ઠાકરેને સ્થાન ન અપાયું.

સ્મશાનમાં રાજનીતિ

કહેવાય છે કે એક ‘ગોડફાધર’ મૃત્યુ પામે છે ત્યારે તેની અંતિમક્રિયા વખતે જ તેનું સ્થાન કોણ લેશે, તેની યોજના ઘડાઈ જતી હોય છે. ‘ગોડફાધર’ નવલકથાનો હીરો-વિટ્ટો કોર્લિયોન મૃત્યુ પામ્યો અને તેના મૃતદેહની દફનક્રિયા ચાલી રહી હતી ત્યારે ન્યૂ યોર્કના ચારેય વિસ્તારોના ડોન કબ્રસ્તાનમાં હાજર હતા. એ વખતે વિટ્ટો કોર્લિયોનનો પુત્ર માઇકલ કોર્લિયોન પણ બધાની ગતિવિધિ નિહાળી રહ્યો હતો. બાકીના ડોન જૂના, અનુભવી અને ખડ્ડુસ હતા. કોઈ કોઈની ઉપર ભરોસો રાખતું નહોતું. એ તમામને’ગોડફાધર’નું સ્થાન લેવું હતું. બધા માઇકલને બિનઅનુભવી યુવાન સમજતા હતા. બાકીના ડોન માઇકલ કોર્લિયોનને પતાવી દે તે પહેલાં જ માઇકલ કોર્લિયોને બાકીના ડોનને પતાવી દેવાના હુકમો પિતાની દફનક્રિયા વખતે જ આપ્યા હતા. રાજનીતિમાં પણ કંઈક આવું જ બને છે. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ પણ કેટલાક કોંગ્રેસીઓ કોંગ્રેસનો કબજો લઈ લેવા માગતા હતા પણ વફાદાર જૂથે છેવટે રાજનીતિના બિનઅનુભવી એવા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા રાજીવ ગાંધીના હાથમાં જ સુકાન સોંપી દીધું હતું.

યાદગાર સંઘર્ષો

ભારતની રાજનીતિમાં આ નવું નથી. આંધ્રના લોકપ્રિય મુખ્યમંત્રી અને એક્ટર રામારાવના અવસાન પછી તેમના જમાઈ ચંદ્રાબાબુ નાયડુ અને રામારાવનાં બીજી વારનાં પત્ની વચ્ચે આવો જ ગજગ્રાહ થયો હતો. તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને એક્ટર એમ.જી. રામચંદ્રનના મૃત્યુ બાદ પક્ષનો કબજો લેવા એમજીઆરનાં પ્રિયપાત્ર જયલલિતા અને ડીએમકેના બીજા નેતાઓ વચ્ચે પણ આવો જ ગજગ્રાહ થયો હતો. હાલ ડીએમકેમાં કરુણાનિધિના પરિવારમાં પણ તેમના વારસદાર બનવા માટે જબરદસ્ત કૌટુંબિક સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોના મૃત્યુ પહેલાં જ બેનઝીર અને તેમના ભાઈ વચ્ચે આવો જ લોહિયાળ સંઘર્ષ થયો હતો. શિવસેનામાં પણ હવે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છગન ભુજબળ, નારાયણ રાણે અને સંજય નિરૂપમ જેવી વ્યક્તિઓ પહેલાંથી જ શિવસેના છોડી ચૂકી છે. તેમના પછી રાજ ઠાકરે શિવસેના છોડે એ તો બાળાસાહેબ માટે વજ્રાઘાત હતો.

હૃદય સમ્રાટ કોણ?

બાળાસાહેબની વિદાય બાદ ‘હિન્દુ હૃદય સમ્રાટ’ બનવા હવે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સંઘર્ષ શરૂ થશે. શિવસેનાની અસલી તાકાત ‘ભીડ’ અથવા મોભ છે. લોકોને એકત્ર કરવાની જે તાકાત રાજ ઠાકરે પાસે છે, તે ઉદ્ધવ ઠાકરે પાસે નથી. ઉદ્ધવ ઠાકરે પાસે શિવસેનાનું બ્રાન્ડનેમ છે. રાજ ઠાકરે એમએનએસના બોસ છે. ઉદ્ધવ કરતાં રાજ ઠાકરે બોલવામાં વધુ ઉદ્ધત છે. રાજ પાસે બાળ ઠાકરે જેવી નફરતની ભાષા છે, પરંતુ સમય હવે બદલાયો છે. મુંબઈ એ પહેલાંનું મુંબઈ નથી. મુંબઈમાં માત્ર મરાઠીઓ જ વસતા નથી. ત્યાં લાખો બિહારીઓ, મધ્યપ્રદેશના લોકો, યુપીના લોકો, લાખો ગુજરાતીઓ અને લાખો મુસલમાનો વસે છે તેથી કોઈ અન્ય કોમ કે બિનમહારાષ્ટ્રની વ્યક્તિ પ્રત્યે ફેલાવાતી ધિક્કારની ભાષા હવે કાયમ માટે કામ આવે તે શક્ય નથી. પાછલાં છથી સાત વર્ષથી રાજ ઠાકરેએ શિવસેનાની તાકાત ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવી લેવા કોશિશ કરી છે, પરંતુ તેઓ પોતાનું કદ શિવસેનાથી મોટું કરી શક્યા નથી. બીજી હકીકત એ પણ છે કે શિવસેનાના ૩૦ વર્ષ જૂના કાર્યકરો બાળાસાહેબની શિવસેના સાથે રહ્યા છે, પરંતુ નવી પેઢી રાજ ઠાકરે સાથે છે.

રાજ ઠાકરેની આ તાકાતનું તુષ્ટીકરણ કરવા માટે જ ઉદ્વવ ઠાકરેના પુત્ર આદિત્યને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે અને તેથી જ બાળાસાહેબની અંતિમક્રિયા વખતે રાજ ઠાકરેને ટ્રોલી પર સ્થાન આપવાના બદલે પગે ચાલીને જ તેમાં જોડાવાની ફરજ પાડવામાં આવી હતી જ્યારે ઉદ્ધવ ઠાકરે, તેમનાં પત્ની અને પુત્ર આદિત્ય બાળાસાહેબના મૃતદેહની બાજુમાં હતાં. ટ્રોલી પર રાજ ઠાકરેને નહીં બેસાડીને ઉદ્ધવે એવો મેસેજ આપ્યો કે બાળાસાહેબનો ખરો વારસદાર ‘હું’ જ છું. ઉદ્ધવ ઠાકરેએ સ્મશાનયાત્રામાં રાજ ઠાકરેની કરેલી આ ઉપેક્ષાથી રાજ ઠાકરે નારાજ થઈને ઘરે જતા રહ્યા હતા અને એક રૂમમાં ભરાઈ ગયા હતા. તેમના બંગલાની બહાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો પણ તેમના નેતાની ઉપેક્ષાના કારણે તણાવમાં હતા. સ્મશાનયાત્રા જ્યારે શિવાજી પાર્ક પહોંચી ત્યારે જ તેમની કારમાં બેસી રાજ ઠાકરે તેમની અંતિમક્રિયામાં હાજરી આપવા પહોંચ્યા હતા.

સંઘ શું કરશે?

આ સંજોગોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ શું કરે છે, તે મહત્ત્વનું છે. બાળાસાહેબ જીવિત હતા ત્યાં સુધી સંઘ શિવસેનાની સાથે હતો, કારણ કે બાળાસાહેબના હિન્દુત્વની પ્રખરતા અને તીક્ષ્ણતા સંઘને અનુકૂળ હતી પણ હવે બાળાસાહેબના અવસાન બાદ સંઘ અને ભાજપ, બેઉને નુકસાન થયું છે. ઉદ્ધવ અને રાજ એ બંનેમાંથી કોઈની પસંદગી કરવાની આવશે તો સ્વાભાવિક રીતે જ સંઘ રાજ ઠાકરેની પસંદગી કરશે. ભાજપ પણ ઉદ્ધવના મુકાબલે રાજને વધુ પસંદ કરે છે, પરંતુ હવે બાળાસાહેબ રહ્યા નથી તેથી કોંગ્રેસ અને એનસીપીને તેમની ગેરહાજરી ફાયદાકારક થઈ શકે છે.

એ યાદ રહે કે એનસીપીના બોસ શરદ પવાર અને બાળ ઠાકરે વચ્ચે લવ એન્ડ હેટના સંબંધો રહ્યા છે. શરદ પવારની વિરુદ્ધ બોલવામાં બાળાસાહેબ આખાબોલા હ
તા. ૧૯૮૯-૯૦માં બાળાસાહેબે કોંકણમાં એ વખતના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શરદ પવારની વિરુદ્ધ ભાષણ કરતાં કહ્યું હતું :”પવાર બુઝર (શરાબી) છે. રોજ સાંજે તેઓ તેમના માનીતા મૂડીપતિઓ સાથે બેસીને ઈમ્પોર્ટેડ સ્કોચ પીએ છે. જ્યારે હું રાષ્ટ્રવાદી છું. હું માત્ર ભારતીય બિયર જ પીવું છું. રોજ બે બોટલ વોર્મ (ઠંડો કર્યા વગરનો) બિયર પીવું છું. જે મારા પેટના દુખાવાની તકલીફ ઓછી કરે છે. પણ પવારને તો છેવટે લિવરનો જ પ્રશ્ન ઊભો થવાનો છે.

બાળાસાહેબનું આ પ્રવચન સાંભળ્યા બાદ એક રિપોર્ટર ‘માતોશ્રી’ ગયા ત્યારે બાળાસાહેબ ફ્રેન્ચ રેડ વાઇન પીતાં હતા. પત્રકારે પૂછયું: “તમે તો વોર્મ બિયર પીતાં હતા અને હવે રેડ વાઇન કેમ?”

બાળાસાહેબે કહ્યું:”ફ્રાન્સનો રેડ વાઈન હાર્ટ માટે સારો છે. તમે લોકો મને હંમેશાં હાર્ટલેસ કહો છોને? તેથી હવે હું મારા હૃદયની કાળજી રાખું છું.”

– કોઈ રાજકીય નેતામાં આવી કબૂલાત કરવાની તાકાત છે ખરી?

Power Of secrecy : operation- X

અજમલ કસાબની ફાંસીની ગુપ્તતા કેવી રીતે જાળવવામાં આવી?

અમેરિકાએ પાકિસ્તાનની ભૂમિમાં પ્રવેશીને ઓસામા બિન લાદેનને ઠાર મારી દીધો એ ઓપરેશન કરતાં એની સિક્રસી વધુ મહત્ત્વની હતી. ઇન્દિરા ગાંધીએ દેશમાં સહુથી પહેલાં પ્રાયોગિક પરમાણુ ધડાકો કર્યો એ કરતાં એની સિક્રસી વધુ મહત્ત્વની હતી. ભારત જેવા વિશાળ દેશના એક ખતરનાક મુજરિમ અજમલ કસાબને ફાંસી આપી તે કરતાં આખુંયે ઓપરેશન જે ગુપ્તતાથી પાર પાડવામાં આવ્યું તે સિક્રસી વધુ મહત્ત્વપૂર્ણ હતી. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ પણ આ ગુપ્ત ઓપરેશનથી સ્તબ્ધ થઈ ગઈ છે.

અજમલ કસાબને ફાંસી આપવાના ચુકાદા બાદ અને રાષ્ટ્રપતિ દ્વારા દયાની અરજી ફગાવી દેવાઈ તે પછી કેન્દ્રના ગૃહખાતાએ મહારાષ્ટ્રના ગૃહખાતાને જે આદેશ આપ્યો તે આદેશનો જે ગુપ્તતાથી અમલ થયો તે આખીયે ઘટના હોલિવૂડની રહસ્યમય ફિલ્મ જેવી છે.

ઓપરેશન – X

અજમલ કસાબને મુંબઈથી પૂનાની યરવડા જેલમાં લઈ જઈ ફાંસી આપવાના ઓપરેશનને ઓપરેશન-X એવું નામ આપવામાં આવ્યું હતું. તેનું અસલ નામ ઓપરેશન-EX હતું. EXનો મતલબ એક્ઝિક્યુશન અર્થાત્ ફાંસી થાય છે. તે પછી તે ટૂંકું કરી માત્ર ઓપરેશન-X કરી દેવામાં આવ્યું હતું. આ પ્લાન નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જ ઘડી કાઢવામાં આવ્યો હતો. આ ઓપરેશન મુંબઈની પોલીસે આઈટીબીપી, કમાન્ડોઝ અને ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા પાર પાડયું હતું.

તા. ૨૯મી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે અજમલ કસાબને ફાંસી આપવાનો ચુકાદો માન્ય રાખ્યો તે પછી કસાબે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી. રાષ્ટ્રપતિએ દયાની અરજી ફગાવી દીધી હતી. એ ફાઇલ કેન્દ્રના ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેના ટેબલ પર ત્યારે ગુપ્તતા સાથે જાળવવામાં આવી હતી. એ વખતે સુશીલકુમાર શિંદે ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીમાં હાજરી આપવા રોમ ગયા હતા. તેમણે તરત જ એ ફાઇલ પર સહી કરી ભારે ગુપ્તતા સાથે એક ઉચ્ચ અધિકારી દ્વારા હાથોહાથ તે ફાઇલ મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર.આર. પાટિલને પહોંચાડી હતી. કેન્દ્રના ગૃહમંત્રી સુશીલકુમાર શીંદે ખુદ પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ છે. તેઓ ગુપ્તતા રાખવા ટેવાયેલા છે. શિંદેએ તેમના જુનિયર મંત્રીઓને પણ આ નિર્ણય અંગે અંધારામાં રાખ્યા હતા. એક માત્ર કેન્દ્રના ગૃહસચિવ આર. કે. સિંહ અને ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે જ આ વાત જાણતા હતા. સુશીલકુમાર શિંદેના કહેવા પ્રમાણે તેમણે યુપીએનાં ચેરપરસન સોનિયા ગાંધી તથા વડાપ્રધાન ડો. મનમોહનસિંહને પણ અજમલ કસાબને ફાંસી આપવાના નિર્ણયની જાણ કરી નહોતી.

તે પછી નેશનલ સિક્યોરિટીના સલાહકાર શિવશંકર મેનન અને ઇન્ટેલિજન્સ બ્યૂરોને વિશ્વાસમાં લેવાયા હતા. કસાબને ફાંસી આપવાની તારીખ વહેલી જાહેર થઈ જાય તો વિશ્વનું ઇલેક્ટ્રોનિક મીડિયા કસાબ પર ચર્ચા કરાવી તેને હીરો બનાવી દે તેવી તેમને દહેશત હતી.

ખાલી કોટડીને સુરક્ષા

એક વાર મહારાષ્ટ્ર સરકાર પાસે તે ફાઇલ આવી ગઈ પછી કસાબને યરવડા જેલમાં ફાંસી આપવાનો નિર્ણય લેવાયો. મહારાષ્ટ્ર પ્રીઝન એક્ટ પ્રમાણે મહારાષ્ટ્રના કેદીને પૂનાની યરવડા અથવા નાગપુરની સેન્ટ્રલ જેલમાં જ ફાંસી આપી શકાય છે. તા. ૧૨મી નવેમ્બરે યરવડા જેલમાંથી સંદેશો આવી ગયો કે જેલ તૈયાર છે. આ તરફ બાળ ઠાકરેનું અવસાન થતાં મીડિયાનું ફોકસ બાળ ઠાકરે પર જ હતું. તે વખતે જ અજમલ કસાબને મુંબઈની આર્થર રોડ જેલમાંથી પૂના યરવડા ખસેડવાનો પ્લાન બનાવવામાં આવ્યો. ૨૦૦ જેટલા મજબૂત આઈટીબીપી જવાનોના સુરક્ષા ઘેરા હેઠળ તેને બાય રોડ લઈ જવાનો નિર્ણય લેવાયો હતો. અલબત્ત,જે વાહનમાં કસાબને લઈ જવામાં આવ્યો તેમાં બીજા પણ ત્રણ કેદીઓ હતા. જેથી બીજા કોઈને શંકા જાય નહીં. એથી વધુ નોંધપાત્ર વાત એ હતી કે અજમલ કસાબને તેની કોટડીમાંથી બહાર કાઢયો તે પછી પણ પહેલાંની જેમ જ સુરક્ષા જવાનો તેની કોટડીની આસપાસ પહેરો ભરતા રહ્યા, જેથી આર્થર રોડ જેલમાં પણ કોઈને શંકા જાય નહીં.

ફાંસી યાર્ડ રંગવામાં આવ્યું

અજમલ કસાબને જ્યાં ફાંસી આપવામાં આવી, તે થાંભલા પર છેલ્લે ૧૯૯૫માં એક કેદીને ફાંસી આપવામાં આવી હતી. તેથી ફાંસી આપવાના સ્થળને ફરી સાફસૂફ કરવામાં આવ્યું. ખુદ જેલના સ્ટાફને પણ ખબર નહોતી કે આ સ્થળની સાફસૂફી કોના માટે થઈ રહી છે. ફાંસીનો યાર્ડ ૮૦૦૦ ચોરસ ફીટનો વિસ્તાર ધરાવે છે. તેને સફેદ રંગથી રંગવામાં આવ્યો . ફાંસી પામનાર કેદીને માનસિક શાંતિ અને સાંત્વના રહે તે માટે યાર્ડની દીવાલો સફેદ રંગે રંગવામાં આવી હતી. ફાંસીનો એ થાંભલો અને રેમ્પ બ્રિટિશ જમાનાનો છે. તેનું લાકડું સાગનું છે. તે લાકડાને પોલિશ કરવામાં આવ્યું. લિવર અને શિફ્ટિંગ વૂડન પાટ્ર્સ તથા મિકેનિકલ પાર્ટ્સને ગ્રીસિંગ કરવામાં આવ્યું. તેના પ્રવેશદ્વારને ફરી રંગવામાં આવ્યું. ફાંસીના યાંત્રિક ભાગો ઘણા જૂના હોઈ તેને ઓઈલિંગ કરવામાં આવ્યું. રેમ્પની નીચે જે ઘાસ ઊગી નીકળ્યું હતું તે કાઢી નાખવામાં આવ્યું. પેડેસ્ટલની ઉપર પણ રંગ લગાડવામાં આવ્યો. અલબત્ત, આ બધી કામગીરી કરનારાઓને એ વાતની ખબર નથી કે કોને ફાંસી આપવાની છે.

ફાંસીનો ગાળિયો

જે દોરડાથી ફાંસી આપવાની હતી તે દોરડું પાંચ દિવસ પહેલાં તૈયાર કરવામાં આવ્યું હતું. કસાબને ફાંસી અપાઈ તે એક ઈંચ જાડા દોરડાની લંબાઈ ૧૯ ફૂટની હતી. તેની વજન ઊંચકવાની ક્ષમતા ૧૨૭ કિલોગ્રામની હતી. પાંચ દિવસ પહેલાં જ તે દોરડાની ક્ષમતા જેલ સુપરિન્ટેન્ડેન્ટે ચકાસેલી. તે પછી ફરી એક વાર તેની ચકાસણી થઈ હતી. એ દોરડાને ઘીમાં રાખવામાં આવ્યું હતું જેથી તે સુંવાળું રહે. ફાંસી આપતી વખતે એક લેધર બેલ્ટનો પણ ઉપયોગ થાય છે. તે લેધર બેલ્ટને પણ પોલિશ કરવામાં આવ્યું હતું.

જલ્લાદ કોણ?

સામાન્ય રીતે ફાંસીના લીવરને ખેંચનાર વ્યક્તિ માટે જલ્લાદ શબ્દ વપરાય છે. યરવડા જેલ માટે જલ્લાદનું કામ કરતી વ્યક્તિ તો આઠ વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ગઈ હોઈ કોઈ જલ્લાદ નહોતો. આ કામ હવે જેલના અધિકારીઓએ જ કરવાનું હતું. કસાબને સવારે ૭ વાગ્યે ફાંસીના યાર્ડમાં લાવવામાં આવ્યો ત્યારે યાર્ડમાં ૨૮ વ્યક્તિઓ હાજર હતી. તેમાં જેલના અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ જજ, તબીબી અધિકારીઓ અને રેવન્યુ અધિકારીઓ પણ હતા. સહુથી પહેલાં તેની તબીબી ચકાસણી કરવામાં આવી. તે શાંતિપૂર્ણ રીતે ચાલતો હતો. કસાબના મોં પર કાળું કપડું પહેરાવવામાં આવ્યું. ફાંસીનો ગાળિયો બાંધવામાં આવ્યો અને લીવર ખેંચી લેવામાં આવ્યું. કહેવાય છે કે લીવર ખેંચી લેવાનું કામ જેલના સિનિયર ઓફિસર અથવા જેલ સુપરિન્ટેન્ડેન્ટે કર્યું હતું, પરંતુ એ કામ ખરેખર કોણે કર્યું, તે અંગે પણ ગુપ્તતા સેવવામાં આવે છે. અલબત્ત, ફાંસી આપવાના સમયે મહારાષ્ટ્રની જેલોના એડિશનલ ડાયરેક્ટર જનરલ મીરાં પણ હાજર હતાં. તેઓ રાત્રે ૩ વાગ્યે જેલ પર પહોંચી ગયાં હતાં અને બીજા દિવસે સવારે ૧૦-૩૦ વાગ્યા સુધી યરવડા જેલમાં રોકાયાં હતાં. તેઓ જેલમાં બેઠાં બેઠાં જ મહારાષ્ટ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓને પળપળની માહિતી આપતાં હતાં. આ આખુંયે ઓપરેશન ગુપ્ત રાખવામાં આવ્યું હતું.

આખીયે વિધિ પૂરી કરવામાં યરવડા જેલના તંત્રને ત્રણ કલાક લાગ્યા હતા. તે પછી જેલના સત્તાવાળાઓએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર.આર. પાટીલને ટૂંકો સંદેશો મોકલ્યો. ઓપરેશન X સક્સેસફુલી એક્ઝિક્યુટેડ.

ચાઇનીઝ ડ્રેગન ફરી ત્રાટકી શકે છે : ૧૯૬૨ના પરાજયનું પોસ્ટમોર્ટમ

ચીને ભારતને અંધારામાં રાખીને ૧૯૬૨માં આક્રમણ કર્યું અને ભારતનો કારમો પરાજય થયો એ દુઃખદ ઘટનાને ૫૦ વર્ષ પૂરાં થયાં. આ પરાજયની ઘાતક માનસિક અસરોમાંથી ભારત હજુ બહાર આવ્યું નથી. ચીને ભારત સાથે ૧૯૫૪માં પંચશીલના કરાર પર દસ્તખત કર્યા બાદ ભારત સાથે દગો કર્યો હતો. ભારતના પરાજયની પાછળની ઘણી બધી હકીકતો આજે પણ ગુપ્ત રાખવામાં આવી છે. આ શરમજનક હારની પાછળ જે કારણો જવાબદાર હતાં તે જાણવાં જેવાં છે.

નેતૃત્વની નિષ્ફળતા

આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ ચીન પર જરા પણ ભરોસો કરતા નહોતા. એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ આદર્શવાદી હતા. તેઓ ભારત આઝાદ થયું છે અને હવે લશ્કરની કોઈ જરૂર જ નથી તેવું માનવા લાગ્યા હતા. તેની સામે સરદારસાહેબ વ્યવહારુ હતા અને ચીન ભારત સાથે ગમે ત્યારે દગો કરશે તેમ માનતા હતા. એ વખતના સંરક્ષણ પ્રધાન વી.કે. કૃષ્ણમેનન પણ ચીન પર આંધળો ભરોસો મૂકતા હતા. એ વખતે ચીનમાં માઓત્સે તુંગ પક્ષના અને સરકારના વડા તરીકે મજબૂતીથી ઉપસી રહ્યા હતા. ભારત સાથે મર્યાદિત યુદ્ધ કરવાનો નિર્ણય પણ તેમનો જ હતો. ચીનની નજર તિબેટ પર હતી અને માઓત્સે તુંગ કોઈ પણ ભોગે ભારતને સબક શીખવવાના મૂડમાં હતા. ભારતની મોટી ભૂલ એ હતી કે એ વખતના સંરક્ષણ પ્રધાન કૃષ્ણમેનન ભારતીય લશ્કર માટે ભારતીય શસ્ત્રસરંજામનો આગ્રહ રાખતા હતા અને વિદેશથી અદ્યતન શસ્ત્રો મંગાવવાના વિરોધી હતા. ૧૯૫૮ પછી આ નીતિનો અમલ ભારત માટે હોનારત સાબિત થયો. યુદ્ધના થોડા દિવસ અગાઉ જ ચીનના વડાપ્રધાન ચાઉ એન લાઈ ભારત આવ્યા હતા અને નહેરુએ ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’નું સૂત્ર આપ્યું હતું.

ભારત અંધારામાં

છેક ૧૯૫૦ના સમયમાં ચીને પૂર્વ અક્સાઈ ચીનથી જીનઝિયાંગ સુધી રસ્તા બાંધવાની શરૂઆત કરી દીધી હતી. વર્ષો સુધી ભારતના ગુપ્તચર વિભાગને આ વાતની ખબર જ નહોતી. એવામાં ૧૯૫૯માં દલાઈ લામાએ તિબેટથી ભારત આવીને ભારતમાં આશ્રય લીધો હતો. એ દિવસથી જ નક્કી થઈ ગયું હતું કે ચીન હવે આ વાતનો બદલો લેશે. ચીન લદાખનો કેટલોક વિસ્તાર પોતાનો છે તેવો દાવો કરી રહ્યું હતું. ચીનની માંગણી હતી કે ભારત લદાખનો કેટલોક ભાગ અમને આપી દે અને અમે નેફા અર્થાત્ હાલનું અરુણાચલ પરનો દાવો અમે જવા દઈએ. જવાહરલાલ નહેરુએ ચીનની આ માંગણી સ્વીકારવા ઈનકાર કરી દીધો. બસ એ દિવસે ચીને ભારત સાથે યુદ્ધ કરવા નિર્ણય લઈ લીધો અને ૧૯૬૨ના ઓક્ટોબર માસમાં ભારતના તવાંગ ક્ષેત્ર પર હુમલો કરી દીધો. ભારત સરકાર અને ભારતીય લશ્કર અંધારામાં હતું. ચીન છેક આસામ નજીક આવી ગયું. ભારતની હજારો ચોરસ માઇલ ભૂમિ પર કબજો જમાવી દીધા બાદ ચીને પોતે જ એકતરફી યુદ્ધવિરામ જાહેર કરી દીધો. એ આશ્ચર્યની વાત છે કે ચીન છેક ૧૯૫૪થી ૧૯૫૭ દરમિયાન કારાકોરમ ઘાટીમાં રસ્તા બાંધતું રહ્યું અને ભારત સરકાર ઊંઘતી રહી. એક તબક્કે ચીન તેનું લશ્કર અને શસ્ત્રસરંજામ ભારતની સરહદ નજીક ગોઠવી રહ્યું છે તેવી બાતમી લશ્કરના હેડક્વાટરને આપવામાં આવી હતી, પરંતુ ભારત સરકારે તે સામે કોઈ જ તૈયારી કે વળતાં પગલાં નહોતાં લીધાં.

એર પાવર

આવા જ બીજા એક આશ્ચર્યની વાત એ છે કે ભારત પર હુમલો કરવા માટે ચીને એ જમાનામાં તિબેટમાં ૬૦ જેટલી હવાઈપટ્ટીઓ તૈયાર કરી દીધી હતી. એ વખતે પણ ચીન પાસે રશિયન બનાવટના મીગ-૨૧ પ્રકારનાં યુદ્ધ વિમાનો હતાં. આ માહિતી ભારત પાસે હતી, પરંતુ ભારતે પોતાનું હવાઈદળ આધુનિક બનાવવા કોઈ જ પગલાં ન લીધાં. એથીયે વધુ મોટી મૂર્ખતા તો એ હતી કે ચીને ભારત પર આક્રમણ કર્યું તે પછી પણ ભારત સરકારે ચીન સામે ભારતીય હવાઈદળનો ઉપયોગ ન કર્યો. આ એક વ્યૂહાત્મક ભૂલ હતી. આ ભૂલ ભારતને ભારે પડી ગઈ. આ નિર્ણય કોનો હતો, તે વાત આજે પણ ગુપ્ત રાખવામાં આવી છે.

ચીનનું ગુપ્તચર ખાતું

ભારતીય લશ્કર અને કેન્દ્ર સરકારના ગુપ્તચર વિભાગની નિષ્ફળતાની સામે ચીનનું ગુપ્તચર ખાતું વધુ સજાગ અને સક્રિય હતું. ૧૯૫૯માં ચીનના માર્શલ યે જિયાનીંગ નામના એક ઉચ્ચ અધિકારીએ ભારતની મુલાકાત લીધી હતી. અહીં પણ ભારતના તંત્રએ બીજી મૂર્ખતા કરી. ભારતના અધિકારીએ ચીનના આ અધિકારીને ભારતનાં લશ્કરી તાલીમ કેન્દ્રો તથા ભારતની કેટલીક લશ્કરી છાવણીઓની મુલાકાતે લઈ ગયા. આ અધિકારીને ખ્યાલ આવી ગયો કે ભારતનું લશ્કર યુદ્ધ માટે તૈયાર છે જ નહીં. ભારતના લશ્કરી શસ્ત્રસરંજામ વિશે પણ તેણે બધું જાણી લીધું. સામે પગલે ચોરને બોલાવી ઘર બતાવ્યા જેવી પરિસ્થિતિ ઊભી થઈ. ચીનનું લશ્કર પીપલ્સ આર્મી લિબરેશન તરીકે ઓળખાતું હતું. આશ્ચર્યની વાત એ હતી કે ચીનનું આ લશ્કર સક્રિય હતું ત્યારે ચીનનો રેડિયો ભારતીય લશ્કરની હાલચાલ અંગે ચીનના લશ્કરને ચાઈનીઝ ભાષામાં દોરવણી અને માહિતી આપતો હતો. ભારત પરાજય પામી રહ્યું હતું. લશ્કરના જવાનો પાસે પહાડી પર લડવા અદ્યતન શસ્ત્રો, પીવા દૂધ અને ઠંડીની સામે ટકવા પૂરતાં વસ્ત્રો પણ નહોતાં ત્યારે એ વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડી ભારતની મદદે આવ્યા. તેમણે ભારતીય લશ્કર માટે અદ્યતન શસ્ત્રો આપવાની ઓફર કરી. ભારત સરકારે અમેરિકાથી શસ્ત્રોની આયાત કરવાનો નિર્ણય લીધો એ જ દિવસે એટલે કે નવેમ્બર ૧૯૬૨માં ચીને તાબડતોબ એકતરફી યુદ્ધવિરામ જાહેર કરી દીધો.

લશ્કરની નિષ્ફળતા

ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારતીય લશ્કરના વડા તરીકે પ્રાણનાથ થાપર હતા. એ વખતે ચીન કેટલાક વિસ્તારો પર પોતાનો દાવો કરી રહ્યું હતું. એ વખતે ભારતીય લશ્કરે ફોરવર્ડ પોલિસી અખત્યાર કરી હતી. આ નીતિના અન્વયે લદાખ વિસ્તારમાં ૪૩ અને નેફા વિસ્તારમાં ૨૪ મિલિટરી આઉટપોસ્ટ ઊભી કરી હતી. આ કારણે ચીન વધુ સજાગ થઈ ગયું હતું. યુદ્ધ વખતે ક્વાર્ટર માસ્ટર જી. એન. કાલે કેટલીક વ્યૂહાત્મક ભૂલો કરી. પહાડી પર લડી શકે તેવી લશ્કરી ટુકડીને અન્યત્ર ખસેડી લીધી. એ વખતના લશ્કરી વડા પ્રાણનાથ થાપર પણ લશ્કરને યોગ્ય દોરવણી આપવામાં નિષ્ફળ ગયા. તેમની સૂઝના અભાવે ભારતીય લશ્કરના યુવાન અધિકારીઓ પણ દ્વિધામાં રહ્યા. છતાં યુવાન અધિકારીઓએ અને જવાનોએ ફરજ પર રહી જબરદસ્ત અને હિંમતપૂર્વક લડત આપી અને બલિદાનો પણ આપ્યાં. ચીનની તૈયારીઓ અગાઉથી કરેલી હતી. તેણે પર્વતોની ઊંચી ટૂંકો પર ચોકીઓ બાંધી રાખી હતી તેથી ભૌગોલિક રીતે પણ તેને વ્યૂહાત્મક ફાયદો થયો.

ઇન્ડિયન એરફોર્સ

૧૯૬૨ના ચીનના આક્રમણ વખતે ભારતીય હવાઈદળનો ઉપયોગ કેમ ન થયો તે એક મોટામા મોટું આશ્ચર્ય છે. કોરિયન યુદ્ધ વખતે હવાઈ દળે જ ચીનને પાછું ધકેલી દીધું હતું તે વાત સુવિદિત હોવા છતાં ભારતીય લશ્કર ભૂમિદળ અને ભારતીય હવાઈ દળ વચ્ચે કોઈ સંકલન જ નહોતું. ભારતીય હવાઈદળનો એકમાત્ર લદાખ ક્ષેત્રમાં જ માત્ર સપ્લાય માટે મર્યાદિત ઉપયોગ થયો. ભારતીય લશ્કરના કમાન્ડરોએ એ વખતના ડિફેન્સ મિનિસ્ટરને ભૂમિદળની મદદ માટે હવાઈ દળ મોકલવા અનેક વિનંતિઓ કરી,પરંતુ ન તો સંરક્ષણ પ્રધાને કે ન તો વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એમની વાત સાંભળી. એથી ઊલટું નહેરુએ ભારતીય હવાઈદળને ચીનની સરહદ નજીક ન ઊડવા હુકમ કર્યો. એ પછી ચીનનાં દળો ભારતમાં પ્રવેશવા લાગ્યાં ત્યારેય છેલ્લી ઘડીએ નહેરુએ અમેરિકાના હવાઈદળ અને રડારની મદદ માગી. એ વખતે અમેરિકા ક્યૂબા સાથેના યુદ્ધમાં વ્યસ્ત હતું. વળી, તે પાકિસ્તાનને પણ ઓબ્લાઇઝ કરી રહ્યું હતું. આવા સંજોગોમાં અમેરિકાએ હવાઈદળની મદદ મોકલી પણ તે ઘણી મોડી હતી અને તે પણ ઘણી ઓછી હતી.

અલબત્ત, નહેરુએ ચીન સામે ભારતીય હવાઈદળો ઉપયોગ ન કર્યો તેની પાછળનો તર્ક એ હતો કે ભારત ચીનના લશ્કર પર હવાઈ હુમલો કરશે તો ચીન તેની સામે કોલકાત્તા, ગૌહાટી અને ધનબાદ પર હુમલો કરી દેશે અને ભારતમાં જબરદસ્ત ભયનો માહોલ સર્જાશે, પરંતુ એ ભય અને તર્ક ખોટા હતા, કારણ કે ચીન પાસે ભારતમાં ખૂબ ઊંડે સુધી આવીને હુમલો કરી શકે તેવી લાંબી રેન્જવાળાં યુદ્ધ વિમાનો નહોતાં.

ફરી યુદ્ધ થશે

નિષ્ણાતો માને છે કે ચીન આજે પણ ભરોસો કરવાલાયક નથી. અરુણાચલને તે આજે પણ પોતાનો જ પ્રદેશ માને છે. ચીન હિમાલયથી ભારતમાં વહેતી નદીઓને આંતરવા પ્રયાસ કરી રહ્યું છે. ચીન અરુણાચલની નજીક તેની સરહદોમાં આધુનિક હાઈવે બાંધી રહ્યું છે. અરુણાચલની પ્રજાને લાગે છે કે તેઓ ભારતને વફાદાર રહી તેના બદલામાં અરુણાચલને જે મળવું જોઈએ તે મળ્યું નથી. ચીન હુમલો કરી દે તો ભારતે સુખોઈ વિમાનો અરુણાચલમાં તૈયાર રાખ્યાં છે, પણ એટલી તૈયારી પર્યાપ્ત નથી. અરુણાચલના સંરક્ષણ માટે જે કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું જોઈએ તે છે જ નહીં. તેની સામે અરુણાચલ પાસે તેની ભૂમિ પર વર્લ્ડક્લાસ એરપોર્ટ્સ તૈયાર છે. ચીને ૧૬,૦૦૦ ફીટની ઊંચાઈ પર રેલ્વેટ્રેક નાખી દીધા છે પણ ભારત હજુ ૧૦,૦૦૦ ફીટની ઊંચાઈ પર પણ રેલ્વેટ્રેક નાંખી શક્યું નથી.

યુદ્ધ થાય તો નહીંવત્ સમયમાં ચીન અરુણાચલ પાસે તેના લશ્કરને મોટી સંખ્યામાં ખસેડી શકે તેમ છે. તેની સામે અરુણાચલના ભારતીય રસ્તા સામાન્ય વાહનો ચાલે તેવા પણ નથી. એથીયે વધુ ચિંતાજનક વાત એ છે કે અરુણાચલને યુવાપેઢીને રોજીરોટીની તક ન મળતાં તેઓ ભારત સરકાર પ્રત્યે હવે દ્વિધા રાખતા થઈ ગયા છે. કાશ્મીરની જેમ અરુણાચલની પ્રજા જ ચીનતરફી થઈ જશે તો?

ચીન-અમેરિકા પાસેથી ભારતના નેતાઓ શું શીખશે?

ચીનમાં શાંતિપૂર્વક સત્તાપરિવર્તન થયું

વિશ્વની બે મહાસત્તાઓએ આગામી કપરાં વર્ષો માટે તેમના નેતાઓ પસંદ કરી લીધા છે. અમેરિકાએ અબજો ડોલર મોંઘી ચૂંટણીઓ બાદ આગામી ચાર વર્ષ માટે પ્રેસિડેન્ટ તરીકે બરાક ઓબામાને પસંદ કરી લીધા, પરંતુ બહુ ઓછા લોકોનું ધ્યાન એ વાત પર ગયું છે કે અમેરિકા અને સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ બનેલા ચીને પણ આગામી ૧૦ વર્ષ માટે તેમના નેતા પસંદ કરી લીધા. ફરક એટલો છે કે અમેરિકાએ પ્રેસિડેન્ટ બરાક ઓબામાને ફરી એક તક આપી,જ્યારે ચીને ૫૯ વર્ષના ઝિ જિનપિંગના હાથમાં ચીનનું નેતૃત્વ સોંપી દીધું છે.

વિરોધાભાસ

આ બંને મહાસત્તાઓના નેતાની ચૂંટણી પ્રક્રિયામાં જબરદસ્ત વિરોધાભાસ રહેલો છે. અમેરિકા લોકતાંત્રિક દેશ છે જ્યારે ચીન સામ્યવાદી દેશ છે. અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીને આંકડામાં જોઈએ તો અમેરિકાની એ મુખ્ય પોલિટિકલ પાર્ટીઓએ ચૂંટણી ઝુંબેશ પાછળ ૪.૨ બિલિયન ડોલર ખર્ચ્યા. ૬ બિલિયન ડોલર ચૂંટણી પ્રક્રિયાનું ખર્ચ આવ્યું. ૭૫૦ મિલિયન ડોલર્સ ટીવી પરની ચૂંટણી વિજ્ઞાપનો પાછળ ખર્ચાયા. તેની સામે ચીને તેના નેતાની પસંદગી પાછળ કોઈ જ તોફાની પોલિટિકલ ઝુંબેશ ચલાવી નહીં. કોઈ જાહેરસભાઓ અને પ્રચારયાત્રાઓ કાઢી નહીં. ચૂંટણી પ્રચાર પાછળ એક પણ રૂપિયો ખર્ચ થયો નહીં. કોઈ જ વિજ્ઞાપનો ટીવી પર કે અખબારોમાં અપાયાં નહીં. કોઈ જ કેન્વાસિંગ થયું નહીં. ટીવી પર કોઈની ડિબેટ થઈ નહીં. કોઈ જ ઓપિનિયન પોલ લેવાયા નહીં.

વિશ્વની મોટી પાર્ટી

ચીન વિશ્વની બીજા નંબરની સહુથી મોટી આર્થિક મહાસત્તા છે. ચીનમાં એક જ પોલિટિકલ પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી વિશ્વની મોટામાં મોટી પોલિટિકલ પાર્ટી છે. આ પોલિટિકલ પાર્ટીની શરૂઆત ૧૯૨૯માં શાંઘાઈની વિધાર્થિનીઓ માટેની એક સ્કૂલમાં રજાઓ દરમિયાન શરૂ થઈ હતી. એ વખતે માંડ ડઝન જેટલા લોકો હાજર હતા. આજે ૮૨ મિલિયન લોકો આ કોમ્યુનિસ્ટ પાર્ટીનું સભ્યપદ ધરાવે છે. આ પોલિટિકલ પાર્ટીના પ્રતિનિધિઓની સભાને કોંગ્રેસ કહે છે. કોંગ્રેસનો અર્થ છે ભેગા થવું-સંમેલન. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની ૧૮મી કોંગ્રેસનું આયોજન બીજિંગના તાઈનામેન સ્ક્વેર ખાતે આવેલા ગ્રેટ હોલ ઓફ પીપલ ખાતે મળ્યું. તેમાં ૨૦૦૦ જેટલા પાર્ટીના ડેલિગેટ્સ હાજર રહ્યા અને નવા નેતા તરીકે ઝિ જિનપિંગને પસંદ કરવાની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી. બીજિંગના આ ગ્રેટ હોલને કોમ્યુનિસ્ટ પાર્ટીનું કેન્દ્ર ગણવામાં આવે છે. આ ડેલિગેટ્સ ૨૦૦ માણસોની એક કેન્દ્રીય સમિતિની રચના કરે છે. આ સમિતિ ૨૫ માણસોની એક કારોબારી પોલિટ બ્યુરોની અને સેન્ટ્રલ મિલિટરી કમિશનની રચના કરે છે. આ કમિટી એક સ્ટેન્ડિંગ કમિટીની તથા પાર્ટીના મહામંત્રીની પસંદગી પણ કરે છે.

ઇલેક્શન કે સિલેક્શન?

થિયરીમાં ચીન જેને ચૂંટણી કહે છે તે વાસ્તવમાં સિલેક્શન જ છે. કોમ્યુનિસ્ટ પાર્ટીના ડેલિગેટ્સ ચીનની નવી પેઢીના નેતાઓને ચૂંટી કાઢે છે. હકીકતમાં પસંદ કરે છે. બધી જ નિમણૂકો પક્ષના વરિષ્ઠ નેતાઓ દેશના અને પાર્ટીના હિતમાં હોય તેવા નવા નેતાઓની નિમણૂક કરે છે. ચૂંટણી થાય છે પરંતુ તેમાં ડેલિગેટ્સે અગાઉથી નક્કી કરેલા ઉમેદવારોને જ મત આપવાના હોય છે. ચીનમાં બીજી કોઈ પણ પોલિટિકલ પાર્ટીને અવકાશ નથી. આ પ્રકારની કોમ્યુનિસ્ટ પાર્ટીએ તેમની ૧૮મી કોંગ્રેસ વખતે નવા પ્રેસિડેન્ટ તરીકે ઝિ જિનપિંગને પસંદ કરી લીધા છે.

ઝિ જિનપિંગ કોણ છે?

ઝિ જિનપિંગ ૫૯ વર્ષની વયના, ઊંચું કદ ધરાવતા, માથામાં સહેજ બાજુથી વાળ ઓળતા અને અતિ શિક્ષિત વ્યક્તિ છે. તેમનાં પત્ની પોપસ્ટાર છે. આમ તો ૨૦૦૮ની સાલમાં જ તેમને ચીનના ઉપપ્રમુખ બનાવ્યા ત્યારે જ તેમની રાજકીય કારકિર્દીનો સિતારો ચમકવા લાગ્યો હતો.

જેઓ વિદાય લઈ રહ્યા છે તે નેતાનું નામ હુ જિન્તાઓ છે. નવા પ્રેસિડેન્ટ ૧૦ વર્ષ સુધી ચીનનું નેતૃત્વ કરશે. ઝિ જિનપિંગ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના એક વરિષ્ઠ નેતાના પુત્ર છે. તેમના પિતાનું નામ ઝોંગક્સન છે. તેમના પિતાનો ચીનના એક શક્તિશાળી નેતા માઓ ઝેદોંગ સાથે રાજકીય સંઘર્ષ થયો હતો તે પછી તેઓ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા. ફરી તેઓ ફેંકાઈ ગયા હતા અને ડેન્ગ ઝિયા ઓપિંગના સમયમાં ફરી બેઠા થયા હતા. તેમના પુત્ર અને ચીનના નવા પ્રેસિડેન્ટ ઝિ જિનપિંગ સુખી અને ઉચ્ચ પરિવારમાંથી આવે છે. તેમનું બચપણ માઓત્સે તુંગના સમયની સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન ફરજિયાતપણે ગામડામાં વીત્યું હતું અને ફરજિયાતપણે ખેડૂતો સાથે કામ કરવું પડયું હતું. તેઓ ચીનની એક પોપસ્ટાર સિંગરને પરણ્યા છે અને વર્ષો સુધી ઝિ કરતાં તેમનાં પત્ની ચીનમાં વધુ લોકપ્રિય રહ્યાં. તેમની એક દીકરી અત્યારે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં બીજા જ નામે ભણી રહી છે.

ગયા અઠવાડિયે ૧૨ વર્ષ અગાઉ ઝિ જિનપિંગે આપેલો એક અખબારી ઈન્ટરવ્યૂ કોઈએ શોધી કાઢયો. તેમાં તેમણે ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો સાથે કરેલા કામનો ઉલ્લેખ છે. એ જ વખતે તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય થયા હતા. ૧૯૮૨માં તેમણે વ્યાવસાયિક કારકિર્દી છોડીને પક્ષના એક પ્રાંતના નાયબ મંત્રી જેવા નાના હોદ્દાથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે તેઓ ચીનના સર્વોચ્ચ પદે પહોંચી ગયા છે. હવે તેમણે ચીનની નીચે જઈ રહેલા અર્થતંત્ર, મંદી, ભ્રષ્ટાચાર, રાજકીય કૌભાંડો અને સરહદી વિવાદોનો સામનો કરીને પોતાનું કૌશલ્ય દાખવવાનું બાકી છે.

ભારત શું શીખશે?

અમેરિકા અને ચીનની ચૂંટણી પ્રક્રિયાઓ એકબીજાની વિરોધાભાસી હોવા છતાં ભારતના નેતાઓએ આ બંને દેશો પાસેથી ઘણું શીખવા જેવું છે. ચીનમાં લોકશાહી નથી અને એક જ પોલિટિકલ પાર્ટી સિસ્ટમ હોવા છતાં આર્થિક મોરચે અને રાજકીય મોરચે ચીન ભારતથી આગળ નીકળી ગયું છે. સત્તાપરિવર્તન વખતે ચીનમાં નેતાઓ એકબીજા સાથે ગાળાગાળી કે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા નથી. ચીનમાં ઉંમર થતાં જ વૃદ્ધો બીજી પેઢીના હાથમાં સત્તાનાં સૂત્રો સોંપી દે છે. ચીનમાં વિચારધારા આધારિત એક જ પોલિટિકલ પાર્ટી છે. જ્યારે ભારતમાં વિચારધારાના બદલે જ્ઞાતિ, જાતિ, કોમ અને વૈચારિક મતભેદો આધારિત ૭૦૦ પોલિટિકલ પાર્ટીઓ છે. ચીનમાં એક જ રાષ્ટ્રીય પાર્ટી છે. ભારતમાં પ્રાંતવાદ પર આધારિત પાર્ટીઓ ઊભી થાય છે, જે આવનારાં વર્ષોમાં દેશના સમવાયી તંત્રને- ફેડરલ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે.

ભારતમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળવાની હવે શક્યતા ન હોઈ વિરોધી વિચારધારાવાળા પક્ષો સાથે પણ સમાધાન કરી ગઠબંધનની સરકાર રચવી પડે છે. આવી ગઠબંધનની સરકારો ચલાવવા માટે સાથી પક્ષોના નેતાઓના ભ્રષ્ટાચારને પણ ચલાવી લેવો પડે છે. દેશના વિકાસ માટે ગઠબંધનની સરકારો મોટામાં મોટી આડખીલી છે. દા.ત. રેલવેનાં નજીવાં ભાડાં વધારવાના મુદ્દે મમતા બેનરજી ત્રાગું કરી સરકારને ધમકાવે છે અને એફડીઆઈ જેવા મુદ્દે સમર્થન પાછું ખેંચી લે છે. ન્યુક્લિયર પાવર સંધિના મુદ્દે ડાબેરીઓ સરકારના ટેકામાંથી ખસી જાય છે.

નેતાઓ શું શીખે ?

અમેરિકા અને ચીનના નેતાઓની પસંદગીની પ્રક્રિયાઓમાંથી ભારતના નેતાઓએ બીજી પણ એક વાત શીખવા જેવી છે. નેતૃત્વ પરિવર્તનની પ્રક્રિયા વખતે કોઈ ગાળાગાળી થઈ નથી. અમેરિકામાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન ચર્ચાનો સ્તર, પ્રચારનાં ધોરણ ઊંચાં રહ્યાં. બંને પક્ષના ઉમેદવારોએ પોતપોતાની વાતને યોગ્ય અને શિષ્ટ ભાષામાં રજૂ કરી. વ્યક્તિગત આક્ષેપોથી બેઉ પક્ષના નેતાઓ દૂર રહ્યા.

એથી ઊલટું પરાજય પામેલા રિપબ્લિકન પક્ષના ઉમેદવાર મિટ રોમનીએ બરાક ઓબામાને અભિનંદન આપતાં કહ્યું, “હું પ્રેસિડેન્ટ બરાક ઓબામા અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાને અભિનંદન આપું છું. હું નવા પ્રેસિડેન્ટને વિનંતી કરું છું કે તેઓ પણ દેશનું સફળતાપૂર્વક માર્ગદર્શન કરે અને મજબૂત મુકાબલામાં તેમને હું ધન્યવાદ આપું છું.”

તેની સામે પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પણ કહ્યું, “મારી સામેની મજબૂત ચૂંટણી ઝુંબેશ ચલાવવા બદલ હું મિટ રોમનીને ધન્યવાદ આપું છું. તેમની આખી ટીમને ધન્યવાદ આપું છું. દેશને આગળ લઈ જવા માટે જરૂરી તમામ મુદ્દાઓ પર હું મિટ રોમની સાથે બેસી ચર્ચા કરીશ અને અમે સાથે મળીને કામ કરીશું.”

કેવી સમજદારી? ૨૦૧૪ની ચૂંટણી પહેલાં ગાળાગાળી અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતાં ભારતના નેતાઓ ચીન અને અમેરિકા પાસેથી કાંઈક શીખે તો સારું.

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén