કહે છે કે સત્તા અને સંપત્તિ ત્રણ પેઢીથી આગળ ચાલતાં નથી. કોઈક પુણ્યશાળી લોકોને જ એનાં અપવાદ પ્રાપ્ત થાય છે. આજે વાત છે અમેઠીના રાજવી પરિવારની. આઝાદી પહેલાં દેશ અનેક રજવાડાંઓના વહેંચાયેલો હતો. તેમાંનું એક રજવાડું હતું ઉત્તર પ્રદેશનું અમેઠી. આ રજવાડાની સ્થાપના તુર્કોના આક્રમણ દરમિયાન રાજા સોઢદેવે કરી હતી. તેની છઠ્ઠી પેઢીના રાજા છે સંજયસિંહ, પરંતુ સંજયસિંહ તેમના વંશજ નથી. છેલ્લી પેઢીના ત્રણ ભાઈઓને કોઈ સંતાન ના થતાં રણજયસિંહે ૧૯૬૨માં ભેટુઆ ગામના દીવાન ગયા બકસસિંહના પુત્ર અશોકસિંહને દત્તક લીધા હતા. એ વખતે અશોકસિંહ પાંચમા ધોરણમાં ભણતા હતા. રાજા રણજયસિંહે અશોકસિંહનું નામ બદલીને સંજયસિંહ રાખ્યું અને સંજયસિંહ રામનગરના રાજા બની ગયા.
રામનગરના રાજા સંજયસિંહનું લગ્ન સપ્ટેમ્બર, ૧૯૭૩માં અલ્હાબાદની માંડા રિયાસતના રાજા અને પૂર્વ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહના ભાઈ હરિબક્સ સિંહની પુત્રી ગરિમાસિંહ સાથે થયું. લગ્ન બાદ તેમનું જીવન ખુશાલીથી ભરેલું હતું. તેઓ ત્રણ સંતાનોના માતા-પિતા બન્યા. પુત્રનું નામ અનંત વિક્રમસિંહ અને પુત્રીઓના નામ મહિમા અને શૈલ્યા.
સંજયસિંહ અમેઠીના રાજા હતા. જો કે રજવાડું ખતમ થઈ ચૂક્યું હતું. તેથી પોતાનો મોભો જાળવી રાખવા તેમણે રાજનીતિમાં ઝંપલાવ્યું. તેઓ ચૂંટણી લડયા અને ધારાસભ્ય પણ બન્યા. તે પછી ઉત્તર પ્રદેશની સરકારમાં તેઓ રમતગમત ખાતાના મંત્રી પણ બન્યા. એ સમયગાળા દરમિયાન જ તેમની મુલાકાત બેડમિન્ટન ખેલાડી અમિતા મોદી સાથે થઈ. બસ એ દિવસથી પત્ની ગરિમાસિંહની જિંદગીના ખરાબ દિવસોની શરૂઆત થઈ ગઈ.
સંજયસિંહ અમિતા મોદી પ્રત્યે આર્કિષત થયા. તેમની વચ્ચે નજદીકિયાં પણ વધી. ગરિમાસિંહની ઉપેક્ષા વધી. આ દરમિયાન પરિણીત અમિતા મોદીના પતિ સૈયદ મોદીની હત્યા થઈ ગઈ. આ ઘટના અંગે આંગળી સંજયસિંહ તરફ ઊઠી, પરંતુ આરોપ સાબિત ના થયા અને સંજયસિંહ તથા અમિતા મોદી નિર્દોષ છૂટી ગયા.
તા.૨૭ માર્ચ ૧૯૯૫ના રોજ સંજયસિંહે તેમની પહેલી પત્ની ગરિમાસિંહને છૂટાછેડા આપી દીધા હતા. તા. ૨૧ એપ્રિલ, ૧૯૯૫ના રોજ સંજયસિંહે અમિતા મોદી સાથે લગ્ન કરી લીધું અને અમિતા મોદી હવે અમિતાસિંહ બની ગઈ. સંજયસિંહે પહેલી પત્ની ગરિમાસિંહને છૂટાછેડા આપ્યા હતા, પરંતુ બે બાળકોને પોતાની પાસે રાખી લીધા. આ દરમિયાન ગરિમાસિંહે સીતાપુરની સિવિલ કોર્ટ દ્વારા લેવામાં આવેલા છૂટાછેડાના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો. ગરિમાસિંહે એવો આક્ષેપ કર્યો કે કોર્ટમાં પોતાના બદલે બીજી જ કોઈ સ્ત્રીને ગરિમાસિંહ તરીકે રજૂ કરી સંજયસિંહે છૂટાછેડા લીધા છે. તે પછી હાઈકોર્ટે અને તે પછી સુપ્રીમ કોર્ટે પણ આ છૂટાછેડાને ગેરકાનૂની જાહેર કર્યા.
આટલું બધું થયા પછી પણ ગરિમાસિંહ રાજમહેલ અને પતિની આબરૂ ટકાવી રાખવા માટે લખનૌમાં પુત્રી શૈલ્યાસિંહની સાથે ખામોશીપૂર્ણ જીવવા લાગ્યા. પુત્ર અને મોટી પુત્રી સંજયસિંહ સાથે મહેલમાં રહેતા હતા. ભણવાનું પૂરું કર્યા બાદ પુત્ર અનંત વિક્રમસિંહે મર્ચન્ટ નેવીમાં ઉચ્ચ નોકરી સ્વીકારી. તેમનું લગ્ન પણ છત્તીસગઢની એક રિયાસતમાં થયું. સંજયસિંહે બંને દીકરીઓને પણ પરણાવી દીધી. પુત્ર અનંત વિક્રમસિંહ માતા અને પિતા બંને સાથે સંબંધ રાખતો હતો.
છૂટાછેડા બાદ મહારાણી ગરિમાસિંહ, પોતાની ઉપેક્ષાના કારણે હવે રાજમહેલમાં આવવા જ માંગતા નહોતા, પરંતુ પુત્રની વિરાસતની વાત આવતાં પૂરા બે દાયકા બાદ તેઓ અમેઠીના રાજમહેલમાં આવ્યા. બે દાયકા સુધી દર્દ સહન કરતા રહ્યા. અત્યાર સુધી તેમણે કદીયે પતિ સાથે જુબાન ખોલી નહોતી, પરંતુ હવે સંતાનોના અધિકારની વાત આવી ત્યારે તેમણે જનતા સામે પોતાની જીભ ખોલી.
અમેઠીની રિયાસતના રાજકુમાર અનંત વિક્રમસિંહને જ્યારે ખબર પડી કે રિયાસતની સંપત્તિ અમિતા સિંહે પોતાના કબજામાં કરી લીધી છે અને તે સંપત્તિ વેચી પણ રહી છે ત્યારે તેમણે મર્ચંટ નેવીની નોકરી છોડી દીધી અને પોતાની પત્ની તથા પુત્ર સાથે તેઓ અમેઠીના રાજમહેલ ‘ભૂપતિ ભવન’માં રહેવા આવી ગયા. તેમણે એમ એટલા માટે કર્યું કે પિતા સંજયસિંહ સંપૂર્ણ રીતે મૌન હતા. પુત્રને લાગ્યું કે પિતા આમ જ મૌન રહેશે તો રાજમહેલ ‘ભૂપતિ ભવન’ પણ હાથમાંથી જતું રહેશે.
આ વાતની ખબર સંજય સિંહની બીજી પત્ની અમિતાસિંહને પડી એટલે તેણે અનંત વિક્રમસિંહને રાજમહેલમાંથી બહાર કાઢવાની સાજિશ શરૂ કરી. બન્યું. એવું કે ૨૦૧૪ના જુલાઈ માસમાં અનંત વિક્રમસિંહની પત્નીની દાદીનું અવસાન થતાં અનંત વિક્રમસિંહ અને તેમનાં પત્ની દાદીની અંતિમક્રિયા માટે છત્તીસગઢ ગયા. એ મોકાનો લાભ ઉઠાવી અમિતા સિંહે અનંત વિક્રમસિંહનો બધો સરસામાન રાજમહેલમાંથી બહાર કઢાવી ટ્રકમાં ભરી લખનૌ કે જ્યાં તેમની માતા ગરિમાસિંહ રહેતા હતા ત્યાં મોકલાવી દીધો. અમિતા સિંહ રાજમહેલની બધી સંપત્તિ હડપ કરવા માગે છે તે સ્પષ્ટ થઈ ગયું.
આ ઘટના બાદ સંતાનોના હકની લડાઈ માટે ગરિમાસિંહ પુત્ર-પુત્રીઓ, વહુઓને, બાળકો સાથે તા.૨૫ જુલાઈના રોજ અમેઠીના રાજમહેલ ‘ભૂપતિ ભવન’ ખાતે પહોંચી ગયા.
આ વાતની ખબર જ લખનૌમાં રહેતી અમિતા સિંહને પડતા તેણે રાજમહેલની દેખરેખ માટે રાખેલા તેમના પીઆરઓ રામરાજ મિશ્રને આદેશ કર્યોઃ ”રાજમહેલના બધા જ દરવાજા બંધ કરી દો. બે ત્રણ દિવસ ખાવા-પીવા નહીં મળે એટલે આપોઆપ બધાં રાજમહેલ છોડી જશે.” એ વખતે ગરિમાસિંહ તેમના પુત્ર-પુત્રીઓ અને બાળકો સાથે અંદર હતા અને બહારથી દરવાજા બંધ કરી દેવાયા. બીજા દિવસે સવારે અનંત વિક્રમસિંહે તેમના ડ્રાઈવર અભિષેક પાંડેને દૂધ લેવા જવા કહ્યું. દરવાજે પહોંચ્યો તો દરવાજા પર તાળું લટકતું હતું. ડ્રાઈવરે બહારથી જ ફોન કરી પરિસ્થિતિની જાણ કરી. પરિસ્થિતિ ગંભીર લાગતાં અનંત વિક્રમસિંહ રાજમહેલમાં નીચે આવ્યા દરવાજો ખોલાવરાવ્યો, પરંતુ અમિતાસિંહનો પીઆરઓ રામરાજ મિશ્ર પહેલાથી માણસો સાથે તૈયાર હતો. એણે ડ્રાઈવરને ફટકાર્યો. ડ્રાઈવરને છોડાવવા યુવરાજ અનંત વિક્રમસિંહ આગળ આવ્યા એ વખતે જ રામરાજ મિશ્રના સંતોષસિંહ નામના એક સાથીએ અનંત વિક્રમસિંહના લમણામાં પિસ્તોલ ધરી દેતાં કહ્યું: ”યુવરાજ, આપ બીચ મેં મત આઈયે,વરના ગોલી ચલ જાયેગી.”
આ બૂમરાણ સાંભળીને ગરિમાસિંહ પોતાની દીકરીઓ સાથે નીચે દોડી આવ્યા. ગરિમાસિંહે કહ્યું: ‘છોડીયે મેેરે બેટે કો. હટાઈયે ઉસ કી કાનપટી સે પિસ્તોલ.”
ગરિમાસિંહનું રૌદ્ર સ્વરૂપ જોઈ સંતોષસિંહે પિસ્તોલ હટાવી પણ રાજમહેલના દરવાજે આ મારામારી જોઈને ગામના લોકો એકત્ર થઈ ગયા હતા. ગરિમાસિંહે ગામના લોકોને કહ્યું: ”યે લોગ આપ કે યુવરાજ કો મારના ચાહતે હૈ, આપ લોગ સિર્ફ દેખતે રહેંગે ?”
ગામના લોકો પાસે મહારાણીના આટલા શબ્દો જ કાફી હતા. લોકો રામરાજ મિશ્ર અને પિસ્તોલવાળા સંતોષસિંહ પર તૂટી પડયા. અમિતાસિંહના માણસો ભાગ્યા. જતાં જતાં હવામાં ગોળીબાર કરવા લાગ્યા. એ પછી તે બધા દૂર દૂર ભાગી ગયા. આ ઘટના બાદ અમેઠીના લોકોએ જ રાજમહેલમાં ડેરા તંબુ નાંખી દીધા અને યુવરાજ અનંતવિક્રમ સિંહ તથા મહારાણી ગરિમાસિંહની સુરક્ષાનો હવાલો સંભાળી લીધો.
હવે પોલીસ પણ આવી ગઈ. બંને પક્ષો તરફથી સામસામી ફરિયાદો થઈ. થોડા દિવસો બાદ ફરી ગામમાં વાત આવી કે સંજયસિંહ તેમની બીજી વારની પત્ની અમિતા સિંહ સાથે આવવાના છે એટલે આસપાસના કેટલાયે ગામોના લોકો રાજમહેલની બહાર એકઠા થઈ ગયા. પોલીસ પણ ટોળાને કાબૂમાં રાખવા આવી ગઈ. રાત્રે ૧૦ વાગે એવી અફવા આવી કે સંજયસિંહ અને અમિતા સિંહે યુવરાજ અનંત વિક્રમસિંહને રાજભવનમાં નજર કેદ કરી લીધા છે એટલે ફરી ભડકો થયો. સત્ય જાણવા લોકો જબરદસ્તીથી મહેલમાં પ્રવેશ્યા. પોલીસે ભીડને રોકવા કોશિષ કરી પરંતુ લોકો બેકાબૂ હતા. પોલીસે લાઠીચાર્જ કરવો પડયો.જવાબમાં લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. પોલીસે ટિયરગેસ છોડયો. લોકો વધુ ઉશ્કેરાયા. પોલીસ હવામાં ગોળીબાર કર્યો લોકો અને પોલીસ વચ્ચે ભારે સંઘર્ષ થયો. એ દરમિયાન એક ગોળી એક પોલીસ કોન્સ્ટેબલને જ વાગી ગઈ અને તેનું મૃત્યુ નીપજયું. પોલીસના મોત બાદ અમેઠીની આસપાસના અનેક ગામોના પોલીસે સેંકડો લોકો પર અમાનુષી ત્રાસ વર્તાવ્યો. એટલી હદે કે અનેક ગામોના લોકો ગામ છોડી ભાગી ગયા. આ રીતે અમેઠીની રિયાસતનો જંગ હવે લોહિયાળ યુદ્ધમાં ફેરવાઈ ગયો છે.
જેને પૈસો છે તેને પણ સુખ છે, ખરું ?
અમેઠીનાં મહારાણી ગરિમાસિંહ અને બીજા રાણી અમિતાસિંહની વચ્ચે સંપત્તિ માટે યુદ્ધ
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "