Devendra Patel

Journalist and Author

Month: January 2015 (Page 1 of 3)

પ્રજાસત્તાક ભારત : સિદ્ધિઓ અને અપેક્ષાઓ

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

આવતીકાલે ભારતનો પ્રજાસત્તાક દિન છે. પ્રજાસત્તાક ભારતને આઝાદ થયાને ૬૭ વર્ષ પૂરાં થઈ ગયાં છે. કોઈ પણ દેશ માટે પરિપક્વ- અનુભવસિદ્ધ અને સશક્ત થવા માટે આટલી વય પર્યાપ્ત છે. કોઈ જમાનામાં ભારત પર બ્રિટિશરોનું રાજ હતું. સમયના પ્રવાહ સાથે બ્રિટનની તાકાત ઘટતી ગઈ અને જેના સામ્રાજ્ય હેઠળના દેશોમાં સૂરજ કદી આથમતો નહોતો તે બ્રિટનનો યુનિયન જેક ઊતરતો ગયો. ભારતમાંથી પણ બ્રિટિશ ધ્વજ ઊતર્યો અને ત્રિરંગો લહેરાયો એના આગલા દિવસે પાકિસ્તાનમાં પણ પોતાનો ધ્વજ લહેરાયો, પરંતુ તે પછીનાં વર્ષોમાં ભારત અનેક સંઘર્ષોનો સામનો કરતાં કરતાં વિશ્વનો એક મજબૂત લોકતાંત્રિક દેશ બનીને ઉભર્યો. જ્યારે ભારતની સાથે સાથે જ ભારતની જ ભૂમિ પર ઊભું થયેલું પાકિસ્તાન એક નિષ્ફળ દેશ બની ગયો. પાકિસ્તાનમાં વારંવાર લોકશાહી ખોરવાતી રહી. વારંવાર સરમુખત્યારશાહી આવતી રહી. પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી ચલાવતો બદનામ દેશ બની રહ્યો. તેની સામે ભારતમાં અનેક ધર્મો, અનેક ભાષાઓ, અનેક સંસ્કૃતિઓ હોવા છતાં તેની લોકશાહી સશક્ત બનતી રહી. પાકિસ્તાન એક ધર્મ આધારિત દેશ બની ગયો. જ્યારે ભારત એક સેક્યુલર દેશ બની રહ્યો. પાકિસ્તાન એક દેવાદાર અને અમેરિકાની સહાય પર નભતો ખંડિયો દેશ બની ગયો. જ્યારે ભારત સ્વાવલંબન તરફ જ આગળ વધતો દેશ બની ગયો. પાકિસ્તાને ચીન અને બીજાઓની મદદથી પરમાણુ બોમ્બ હાંસલ કરી દીધો, પરંતુ ભારતે જાતે પરમાણુ ટેક્નોલોજી હાંસલ કરી અને મંગળ જેવા દૂરના ગ્રહ સુધી પ્રયાણ કર્યું.

આવતીકાલે અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા નવી દિલ્હી ખાતે યોજાનારી પ્રજાસત્તાક દિન પરેડના સાક્ષી બનવાના છે ત્યારે ભારતનું પાયદળ, નૌકાદળ અને હવાઈદળ તેનાં અત્યાધુનિક શસ્ત્રોનાં સ્પેક્ટેક્યુલર પ્રદર્શન દ્વારા ભારતની શાન અને ગૌરવ વધારશે. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાને એ દૃશ્યો પ્રભાવિત કરનારાં હશે. એ નોંધનીય છે કે અમેરિકા વિશ્વનો સૌથી વધુ શક્તિશાળી લોકતાંત્રિક દેશ છે તો ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. ભારતની લોકશાહી ટકાઉ છે તે વાત પાછલા સાડા છ દાયકાઓ દરમિયાન સિદ્ધ થઈ ચૂકી છે. પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ઓબામાને હાજર રાખવાનું શ્રેય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ જાય છે. અમેરિકાના પ્રમુખ ભારતની રિપબ્લિક ડે પરેડમાં હાજરી આપવાના હોય તેવું પહેલી વાર બની રહ્યું છે.

ભારતે આ પ્રકારની તાકાતનું પ્રદર્શન કરવું જરૂરી પણ છે. ભારત ચારે તરફ મિત્ર ન કહી શકાય તેવા દેશોથી ઘેરાયેલો છે. ખાસ કરીને ચીન અને પાકિસ્તાન પર ભરોસો રાખી શકાય તેમ નથી. પાકિસ્તાન ભારતનું અડધું કાશ્મીર પચાવીને બેઠું છે. ચીન ભારતનો સેંકડો ચોરસ માઈલ વિસ્તાર પર કબજો કરીને બેઠું છે. પાકિસ્તાન હસ્તક કાશ્મીરમાં ચીનના સૈનિકોની હાજરી છે. ભારતના અરુણાચલ પ્રદેશ પર ચીન પોતાનો દાવો ઠોકી રહ્યું છે. ચીનના પ્રેસિડેન્ટ ભારત આવે છે તે જ સમયે ચીનના સૈનિકો ભારતની ભૂમિ પર ઘૂસણખોરી કરે છે. સમય બદલાઈ ગયો છે. તમે ભલે યુદ્ધખોર ન હોવ પરંતુ કોઈ પણ યુદ્ધની તૈયારી રાખવા દેશ પાસે સશક્ત લશ્કર અને અત્યાધુનિક શસ્ત્રસરંજામ જોઈએ જ. કોઈ અન્ય દેશ તમારી પર હુમલો કરવાની હિંમત ન કરે તે માટેનો પ્રતિરોધ ઊભો કરવા માટે પણ દેશ પાસે શક્તિશાળી વેપનપાવર જરૂરી છે.

આ બધું હોવા છતાં ભારતે બીજી પણ કેટલીક ચિંતાઓ કરવા જેવી છે. છેલ્લાં ૨૫ વર્ષમાં આતંકવાદીઓએ ભારતમાં ૨૧૭૧ લોકોની હત્યા કરી નાંખી છે અને ૬૦૦૦ લોકોને ઘાયલ કર્યા છે. ૧૯૮૯થી ૨૦૧૪ના ઓગસ્ટ સુધીમાં આતંકવાદીઓ દ્વારા બોમ્બધડાકા અને બીજી પ્રકારના આતંકની ૧૩૭ જેટલી ઘટનાઓ ઘટી છે. ૧૬મેથી ૧૫ જુલાઈ, ૨૦૧૪માં દેશમાં ૧૫૧ જેટલી માઓવાદી ઘટનાઓ ઘટી છે. જેમાં ૩૪ નાગરિકો અને છ સુરક્ષાબળના જવાનોનાં મૃત્યુ નીપજ્યાં છે. આ સમયગાળા દરમિયાન ૧૭ જેટલી સરકારી મિલકતો પર હુમલા થયા છે. આ બધામાં તા. ૧૨મી માર્ચ, ૧૯૯૩ના રોજ મુંબઈમાં કરાંચીથી આવેલા આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટો દ્વારા ૨૫૭ નાગરિકોની હત્યા કરી નાખી હતી.

ભારતની બીજી સમસ્યા તેની ગરીબી છે. લોકતંત્ર તરીકે એક મજબૂત એવા ભારતમાં વિશ્વના એક તૃતિયાંશ ગરીબો રહે છે. વિકાસ લક્ષ્યો હાંસલ કરવાની દિશામાં સ્કૂલમાં વિર્દ્યાિથનીઓની ટકાવારી વધારવામાં ભારતનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું, પરંતુ ગરીબી નાબૂદ કરવાની બાબતમાં, બેરોજગારી દૂર કરવાની બાબતમાં બાળકને જન્મ આપતી વખતે માતાઓનો મૃત્યુદર ઘટાડવાની બાબતમાં તથા જન્મ સમયે નવજાત શિશુઓનો મૃત્યુદર ઘટાડવાની બાબતમાં જે લક્ષ્ય હાંસલ કરવાં જોઈએ તે પાછલાં વર્ષોમાં નથી થયાં.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના ર્વાિષક અહેવાલ રજૂ કરવાના અવસર પર મૂકવામાં આવેલા આંકડા પ્રમાણે ૨૦૧૦માં વિશ્વમાં એક કરોડ ૨૦ લાખ લોકો બેહદ ગરીબ હતા. તેમાંથી ૩૨.૯ ટકા અતિ ગરીબ એકમાત્ર ભારતમાં રહે છે. આમાંથી ભારતને બહાર કાઢવામાં આવે તો દક્ષિણ એશિયાએ ગરીબી નાબૂદ કરવાનું વિકાસ લક્ષ્ય લગભગ હાંસલ કરી લીધું ગણાય. ભારતની રાજ્યવાર પરિસ્થિતિ જોઈએ તો પણ એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે આ લક્ષ્ય હાંસલ કરવાની બાબતમાં મોટું અંતર છે. વિકાસ લક્ષ્ય હાંસલ કરવાની બાબતમાં તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યો આગળ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ પાછળ છે.

એ જ રીતે અર્થવ્યવસ્થાની વૃદ્ધિની રફતારના મુકાબલે રોજગાર વૃદ્ધિદર ધીમો છે. હા, રોજગાર મેળવવામાં મહિલાઓનો વૃદ્ધિદર વધ્યો છે. બાળકોના કુપોષણની બાબતમાં ટકાવારી ઘટી છે, પરંતુ બાળકોને જન્મ આપતી વખતે થતાં માતૃ મૃત્યુદરના ચોથા ભાગના કેસ ભારતમાં છે. પ્રાથમિક શાળાઓમાં ભણવા જતાં બાળકોનો દર વધ્યો છે, પરંતુ સ્કૂલ છોડવાના આંકડા ચિંતાજનક છે.

ભારત એ આર્િથક રીતે વિકસતો દેશ છે. એક ભારતમાં બે ભારત જણાય છે. એક જ શહેરમાં એક ઉદ્યોગપતિ અબજોના ભવ્ય બંગલામાં રહે છે તો એ જ શહેરના એશિયાની મોટામાં મોટી ઝૂંપડપટ્ટી પણ છે. ભારતનાં શહેરો તીવ્ર ઝડપે વસતી વિસ્ફોટથી ઉભરાઈ રહ્યાં છે. ગામડાં ખાલી થઈ રહ્યાં છે. જેમની પાસે કોઈ વિકલ્પ નથી એ લોકો જ હવે ગામડાંમાં રહેવા મજબૂર છે. અત્યાર સુધીની તમામ સરકારોની નીતિ ઉદ્યોગો તરફી રહી છે જ્યારે ખેતી અને ખેડૂતો તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. નેતાઓ શ્રીમંત બનતા જાય છે. જ્યારે પ્રજાની હાલત જેવી ને તેવી જ છે.

ભારતમાં લાંબા સમય બાદ રાજકીય ક્ષેત્રે પરિવર્તનની હવા ફૂંકાઈ છે. ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના આરૂઢ થયા બાદ દેશની રાજનીતિ અને શાસન પ્રણાલીમાં ૩૬૦ ડીગ્રીનું પરિવર્તન જણાય છે. દેશના કરોડો યુવાનો કે જેઓ સારું શિક્ષણ પ્રાપ્ત કરવા માંગે છે, જેઓ સારી નોકરી કરવા માંગે છે, જેઓ સારો વેપાર ધંધો કરવા માંગે છે, જેઓ સલામતી ઇચ્છે છે તે બધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં આશાનું એક કિરણ દેખાય છે. નરેન્દ્ર મોદી એ અપેક્ષાઓ સંતોષી શકવા સક્ષમ છે. આશા રાખીએ આવનારાં દિવસો, મહિના, વર્ષોમાં ભારત નવી સિદ્ધિઓ અને બાકી રહેલાં લક્ષ્ય હાંસલ કરે.

જય હિન્દ.

સૃષ્ટિનું સર્જન નહિ પણ પ્રક્ષેપણ થયું છે?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

આખરે આપણે આ દુનિયા પર કેમ છીએ? બ્રહ્માંડની ઉત્તમ ઉત્પત્તિ કેમ થઈ? બ્રહ્મા કોણ છે? વિષ્ણુ કોણ છે? મહેશ કોણ છે? માનવી કોણ છે? – જેવા અનેક પ્રશ્નોની વિસ્તૃત છણાવટ કરતી એક નવી જ થિયરી બહાર આવી રહી છે. આ નવીનતમ સંશોધન અનુસાર બ્રહ્માંડનું સર્જન એ સર્જન નથી, પરંતુ અભિવ્યક્તિ સાથેનો પ્રક્ષેપ છે.

ગુજરાતના જ એક સંશોધક ડો. કૌશિક ચૌધરીએ રજૂ કરેલી આ થિયરી પર આધારિત એક ગ્રંથમાં આધુનિક વિજ્ઞાાનના એ પડકારજનક સ્વપ્નને સાકાર કરવા કોશિશ કરવામાં આવી છે. આ પુસ્તક એ આપણા ઉપનિષદોના જ વિજ્ઞાાનનો અંશ છે, જે એકસાથે વિશ્વના ૧૫૦ દેશોમાં પ્રસ્તુત થશે. ઉપનિષદોમાં આપેલા એ જ્ઞાાનને આજના વિજ્ઞાાનની ભાષામાં સમજાવવાના પ્રયાસ રૂપે બહાર આવી રહેલ સંશોધન પુસ્તકઃ “It’s not a creation…it’s a projection through expression”માં રજૂ થયેલી થિયરીમાં કહેવામાં આવ્યું છે કે,ઉપનિષદ દ્વારા જ બ્રહ્માંડને સમજી શકાય તેમ છે. આજના વિજ્ઞાાને સૃષ્ટિના સત્યને અનેક વિજ્ઞાાનો અને શાખાઓમાં ખંડિત કરી નાખ્યું છે. આ શાખાઓ બીજી શાખાઓ શું કહે છે તે તરફ દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું છે. જેની જરૂર છે તે છે ‘યુનિફાઇડ સાયન્સની.’ સ્ટીફન હોકિંગના કહેવા મુજબ, “જો આ બ્રહ્માંડ મૂળભૂત રીતે કોઈ એક જ ઉદ્દેશ્ય પાછળ ચાલતું હશે તો સમજી લો આપણા આ ખંડિત વિજ્ઞાાનોમાંનું કોઈ એના લક્ષ્ય સુધી પહોંચવાનું નથી. આથી આપણને જરૂર છે એક એવા વિજ્ઞાાનની જે આ બધા વિજ્ઞાાનોને પોતાની અંદર સમાવી લઈ આ બ્રહ્માંડમાં અત્યાર સુધી બનેલી દરેક ઘટનાને કોઈ એક જ મૂળભૂત હેતુ માટે બની હોવાનું સાબિત કરે.” અને આ પુસ્તક એ જ unified science અને એ જ મૂળભૂત ઉદ્દેશ્યને છતું કરે છે એની પૂરેપૂરી વૈજ્ઞાાનિક સાબિતી સાથે. આનંદની વાત એ છે કે આ unified science એ આપણા ઉપનિષદોના જ વિજ્ઞાાનનો એક બહુ મોટો અંશ છે.

ડો. કૌશિક ચૌધરી દ્વારા સંશોધિત આ થિયરીનું અર્થઘટન કરતાં તેઓ કહે છે કે આ આખું બ્રહ્માંડ શક્તિના એક નાના પુંજ સ્વરૂપે હતું અને અચાનક કોઈ એક કારણથી એ બિંદુ સ્વરૂપ અસીમિત શક્તિનો પિંડ વિસ્ફોટ રૂપે ફૂટયો અને એમાંથી ક્રમિક ફેરફારો દ્વારા આજનું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. આધુનિક વિજ્ઞાાને આ વિસ્ફોટને બિગ બેંગ નામ આપ્યું, પરંતુ હજુ સુધી એ નથી જાણી નથી શકાયું કે આ વિસ્ફોટ શાના કારણે થયો. તો આપણે આ થિયરીની શરૂઆત ત્યાંથી જ કરીએ. આ અસ્તિત્વને સર્જન કહેવું વૈજ્ઞાાનિક રીતે વાજબી નથી, કારણ કે સર્જન શબ્દ સાથે જ ‘શૂન્યમાંથી બધું ઊભું થયાનો એ મૂર્ખ ખ્યાલ’ ઊભો થાય છે. પહેલાં કઈ નહોતું અને અચાનક બધું ઊભું કરવામાં આવ્યું. કદાચ ભગવાન દ્વારા પણ. ભગવાનને પણ કંઈક બનાવવા માટે કાચા માલ તરીકે કંઈકની તો જરૂર પડે જ. આમ આ બ્રહ્માંડના અસ્તિત્વ પહેલાં પણ અહીં કંઈક હતું જેમાંથી આ બ્રહ્માંડ બહાર આવ્યું અને અસ્તિત્વમાં આવ્યા પછી પણ એ ક્રમિક રીતે બદલાતું જ રહે છે અને શક્તિના નવા સ્વરૂપો ઘડયા જ કરે છે. આમ, સર્જન દરેક ક્ષણે ચાલુ છે જે આ બ્રહ્માંડને ક્રમિક રીતે એક પછી એક થતા ફેરફારો દ્વારા કોઈક લક્ષ્ય સુધી પહોંચાડવા માગે છે. આ ક્રમિક ફેરફારો દ્વારા થતી યાત્રાને જ કહે છે ‘પ્રક્ષેપ (Projection)’. પ્રક્ષેપ મતલબ એક સ્થિતિથી બીજી (પછીની) સ્થિતિ સુધી પહોંચવું. આ માટે ઉપનિષદોમાં એક શબ્દ વાપરવામાં આવ્યો છે ‘સૃષ્ટિ’. હા. એ જ સૃષ્ટિ જેને આપણે દુનિયા, બ્રહ્માંડ કે અસ્તિત્વ માટે વાપરીએ છીએ. એનો સંસ્કૃતમાં ખરો અર્થ થાય છે, પ્રક્ષેપ. આજનું આખું બ્રહ્માંડ એક સમયે પેલા બિંદુવત્ પિંડ સ્વરૂપે હતું, તો હવે આપણે કહી શકીએ કે આજે આ બ્રહ્માંડમાં જે પણ સિદ્ધાંતો હયાત છે તે એ પિંડમાં પણ અસ્તિત્વ ધરાવતા હતા અને એના પરથી આ પ્રક્ષેપની થિયરીના બે મૂળભૂત સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે.

(૧) આ બ્રહ્મમાં કોઈ પણ ઘટના કે પ્રક્રિયા અસંતુલનથી સંતુલન તરફ ગતિ કરે છે. મતલબ એક સંતુલન ધરાવતી સિસ્ટમમાં જો તમે વિક્ષોભ દ્વારા અસંતુલન પેદા કરો તો બીજી જ ક્ષણેથી એ સિસ્ટમમાં જે પણ ઘટનાઓ બનશે તે એ પહેલાંનું સંતુલન પાછું મેળવવાની કોશિશ હશે. જો શક્તિના એ પિંડ સ્વરૂપને આપણે એક સંતુલિત સિસ્ટમ માનીએ તો કહી શકાય કે બિગ બેંગના ધડાકાને લીધે એ સિસ્ટમમાં અસંતુલન ઊભુ થયું અને આપણું બ્રહ્માંડ એ અસંતુલનની ઉપજ છે. તો બિગ બેંગથી લઈને આજ સુધી આ બ્રહ્માંડમાં જે પણ ઘટનાઓ બની અને બની રહી છે તે ફક્ત એટલા માટે છે કે જેથી આ બ્રહ્માંડની શક્તિ ફરીથી એક થઈને એ પિંડ સ્વરૂપે બની શકે. આજ સુધી આ બ્રહ્માંડે જે પણ સર્જનો કર્યાં, અણુ, પરમાણુથી લઈને સંયોજનો સુધી અને એક કોષી સજીવોથી લઈને મનુષ્યો સુધી. એ બધાં સર્જન પેલા અનન્ય પિંડ સ્વરૂપને પાછું મેળવવાના પ્રયાસ રૂપે હતાં. આ બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતા દરેક પદાર્થનું એકમાત્ર લક્ષ્ય એ જ છે જે આ આખા બ્રહ્માંડની શક્તિનું લક્ષ્ય છે અને એ છે આજુબાજુ અનેક સ્વરૂપો અને આકારોમાં ફેલાયેલી આ શક્તિને એકત્ર કરી ફરી પિંડ સ્વરૂપ બિંદુ બની જવું. આ અવસ્થાને વિજ્ઞાાન singularity કહે છે અને વેદો એને ‘ચતુર્મુખ બ્રહ્મા’ કહે છે અને એ જ મોક્ષની સ્થિતિ છે. હવે, વાત આવે છે અભિવ્યક્તિની.

આપણે કહ્યું કે આ બ્રહ્માંડ અસંતુલનની ઉપજ છે, પણ આ અસંતુલન છે શાનું? એ છે અભિવ્યક્તિનું. પિંડ સ્વરૂપ આ બ્રહ્મની શક્તિનું મુખ્ય સ્વરૂપ છે. એ સ્વરૂપ, જ્યાં તે એ અનન્ય શક્તિનો પુંજ જ અસ્તિત્વ ધરાવે છે, બીજું કંઈ નથી અને કારણ કે બીજંુ કંઈ નથી એટલે અભિવ્યક્તિની જરૂર પણ નથી. પણ જ્યારે એ પિંડ વિસ્ફોટ રૂપે ફાટીને નાના ટુકડાઓમાં વિભાજિત થયો ત્યારે આ શક્તિનું મૂળ સ્વરૂપ પણ અનેક ટુકડાઓમાં વિભાજિત થયું જે આજે ધરતી, આકાશ, વાયુ, અગ્નિ, જળ, વૃક્ષો, કીટકો, પ્રાણીઓ અને મનુષ્યો જેવા અનેક સ્વરૂપે ગોઠવાયેલું છે. આ બધાં સ્વરૂપો એકબીજા વિના અધૂરાં છે અને એટલે જ ઉત્પન્ન થાય છે તેમની એકબીજા પ્રત્યેની અભિવ્યક્તિ. આ અભિવ્યક્તિની યાત્રાને વેદોમાં તમસ, રજસ અને સત્ત્વ એમ ત્રણ ગુણોમાં વહેંચવામાં આવી છે. સંન્યાસીની અને જ્ઞાાનીની અભિવ્યક્તિ સત્ત્વ ગુણમાં આવે છે, પરંતુ જ્યારે મનુષ્ય સત્ત્વ ગુણને પણ પાર કરી જાય છે ત્યારે તે અભિવ્યક્તિની એ છેલ્લી ઊંચાઈ પાર કરી શૂન્યતા તરફ પ્રયાણ કરે છે અને અહીંથી તેની શક્તિની અભિવ્યક્તિ ઘટતી જાય છે. એક સમયે એ અભિવ્યક્તિનો અંત આવે છે જે આપણા વ્યક્તિગત અસંતુલનનો પણ અંત છે. અભિવ્યક્તિ અને અસંતુલનના આ અંતને જ મોક્ષ કહેવામાં આવ્યો છે, તેથી જ ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે હું ગુણાતીત છું, આ ત્રણેય ગુણોથી ઉપર.

(૨) બીજા સિદ્ધાંત રૂપે આપણે જાણીએ છીએ કે આ બ્રહ્માંડ શક્તિના બે સ્વભાવમાં વહેંચાયેલું છે, એક પુરુષ અને બીજી સ્ત્રી. વિજ્ઞાાન એને ધન કે positive (પુરુષ)અને ઋણ કે negative (સ્ત્રી) વીજભારો તરીકે દર્શાવે છે કે જ્યારે વેદોમાં એને શિવ અને શક્તિ નામ આપવામાં આવ્યું છે. વેદોના સમયમાં પ્રકૃતિના આ બે તત્ત્વોની ઉપાસના થતી જ્યાં શિવના પ્રતીક રૂપે લિંગ અને સ્ત્રીના પ્રતિક રૂપે યોનીને પૂજવામાં આવતાં. લિંગ ર્બિહગામી સ્વભાવ ધરાવે છે જે પોતાની શક્તિને પોતાના કેન્દ્રથી બહારની તરફ ધકેલે છે જ્યારે યોની અંતર્ગામી સ્વભાવ ધરાવે છે જે પોતાની શક્તિને પુરુષ સ્વભાવને પોતાની અંદર ખેંચી લેવા માટે વાપરે છે. એ એક suction બળની જેમ કામ કરે છે.

આ કારણે જ્યારે પુરુષ અને સ્ત્રી સ્વભાવ એકબીજાની સામે આવે છે ત્યારે એકબીજાને આકર્ષી એકરૂપ થવા લાગે છે. જેમાં પુરુષ સ્ત્રીના ખાલી અવકાશને ભરે છે (b)અને જેમ જેમ તે બંને પોતાના સ્વભાવ ગુમાવતા જાય છે તેમ તેમ તેમની એકરૂપ થયેલી શક્તિ વધતી જાય છે અને એક સમયે એકરૂપ થયેલી શક્તિનો એ પિંડ (c)અસહ્ય ઊર્જાથી પોતાનું સંતુલન ગુમાવે છે અને વિસ્ફોટ રૂપે પોતાની ઊર્જાને વિખેરી નાખે છે. આ સમયે ફરીથી શક્તિના પેલા બે સ્વભાવો છૂટા પડે છે. આમ, આ ચક્ર ચાલુ રહે છે.

આ વિસ્ફોટ થયા પછી વિસ્ફોટ થયા પહેલાંની એકરૂપ શક્તિ અચાનક જ નાના ટુકડાઓમાં વહેંચાઈ નહીં. એ ઊર્જા એ હદે એકરૂપ હતી કે એ એક પછી એક એમ શક્તિના ત્રણ ક્રમિક ગોઠવણોમાંથી(stageમાંથી) પસાર થઈ જેમાં દરેક નવી ગોઠવણ વખતે શક્તિ પહેલાં કરતાં વધારે ખંડિત થયેલી હતી. આ શક્તિના ત્રણ stage એ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અથવા શિવ. પ્રથમ stage શિવનું આવ્યું જેમાં શક્તિ બે પરિમાણોમાં વિભાજિત થઈ, પરંતુ બિગ બેંગના ધડાકાનો ધક્કો એટલો જોરદાર હતો કે એણે આ ક્ષણિક શિવ stageને તોડીને શક્તિનાં સાત પરિમાણોમાં વહેંચી નાખી. આ સાત પરિમાણોનું stage એટલે વિષ્ણનું stage, પરંતુ ધડાકાના ધક્કાએ વિષ્ણુ stageને પણ એ હદે ખંડિત કરી નાખ્યું કે એમાંથી ફક્ત ત્રણ જ પરિમાણો બની શક્યાં અને બાકીનાં પરિમાણો એ અસંખ્ય નાના કણોની શક્તિમાં વહી ગયાં. આ ત્રિપરિમાણીય stage એટલે બ્રહ્માનું stage. (જે વિષ્ણુની નાભિમાંથી ઉત્પન્ન થયા એવું કહેવાયુ છે)અને આ સાથે જ બ્રહ્માંડનું અસીમિત વિસ્તરણ શરૂ થઈ ગયું જે આજ દિન સુધી ચાલુ છે. આમ, આ વિસ્તરણે બ્રહ્માંડની ફરી પાછા બિંબરૂપ બની જવાની કોશિશને કરોડો વર્ષોની મહેનતમાં ફેરવી દીધી અને તે દિવસથી આજ સુધી આ બ્રહ્માંડ એક ફુગ્ગાની માફક વિસ્તરી રહ્યું છે. આ વિસ્તરણને અટકાવવું અને સંકોચન શરૂ કરવું એ જ બ્રહ્માંડની શક્તિનું એકમાત્ર ધ્યેય છે. એ ધ્યેયને પૂરું કરવા જ એણે નાના કણોને જોડી અણુ બનાવ્યા, અણુને જોડીને પરમાણુ બનાવ્યા, પરમાણુને જોડીને એમિનો એસિડ જેવાં સંયોજન બનાવ્યાં, જેમણે ઊર્જાની અંદરોઅંદરની આપ-લેને નવી ઊંચાઈએ પહોંચાડી, જેને આપણે જીવન કહીએ છીએ. આમ, એણે એ અસંખ્ય કણોમાં વહી ગયેલી શક્તિને ફરીથી એકત્ર કરી અંતે મનુષ્ય બનાવ્યો. તમે જાણો છો આ મનુષ્ય શું છે? બીજા stageનું બ્રહ્માંડ જેને આપણે વિષ્ણુનું stage કહીએ છીએ. વિષ્ણુના stageના એ સાત પરિમાણો મનુષ્ય શરીરનાં સાત ચક્રો છે. એટલે જ તો કહેવાય છે ‘નર એ જ નારાયણ’. આ નારાયણ stageમાંથી ક્રમિક આધ્યાત્મિક ઉત્ક્રાંતિ કરી મનુષ્ય પહોંચે છે શિવના stageમાં અને આ દરેક મનુષ્યનો એ છેલ્લો પડાવ છે જ્યાંથી એ સીધો પેલા તટસ્થ શક્તિના બિંદુવત્ પિંડ સ્વરૂપ(singularity)ને ધારણ કરે છે અને એેને જ મોક્ષ કહે છે. મનુષ્યોની આ મોક્ષની સ્થિતિ આ બ્રહ્માંડના વિસ્તરણને અટકાવવામાં બ્લેક હોલ કરતાં પણ વધુ અસરકારક છે.

બેનહર : અ ટેલ ઓફ ક્રાઇસ્ટ

‘બેનહર : અ ટેલ ઓફ ક્રાઇસ્ટ’ લ્યૂ વોલેસ દ્વારા લખાયેલી એક ક્લાસિક નોવેલ છે. આ નવલકથા ૧૨ નવેમ્બર, ૧૮૮૦ના રોજ અમેરિકામાં પ્રગટ થઈ હતી. ૧૯મી સદીની જિસસ ક્રાઇસ્ટના પ્રભાવ હેઠળ લખાયેલી આ કથા વર્ષો સુધી એક શ્રેષ્ઠ સાહિત્યકૃતિ ગણાઈ.’બેનહર’ એ હિબ્રૂ શબ્દ છે અને તેનો અર્થ છે : ‘Son of white linen.’

કથાની શરૂઆત કંઈક આ પ્રમાણે છે. રોમન સામ્રાજ્યના તાબા હેઠળના જુડિયા પ્રાંતના વગડામાં કેટલાક ભરવાડો એક રાત્રે આકાશમાં સરકી રહેલા તેજસ્વી તારાને નિહાળે છે. એ દિવસે મેરી અને જોસેફ રાજ્યના આદેશ પ્રમાણે કર ભરવા માટે કરવામાં આવેલી ગણતરીના ભાગરૂપે જુડિયા તરફ આવ્યાં હોય છે. તેઓ નાઝારેથથી આવ્યાં હતાં. તેઓ બેથલેહામ જવા માંગતાં હતાં, પરંતુ મેરી સગર્ભા હતી. શહેરમાં જગા ન હોઈ તેઓ બેથલેહામ નજીકની એક ગુફામાં આશ્રય લે છે અને તેને એક બાળક જન્મ્યું, જેનું નામ જિસસ. સાત જેટલા ભરવાડોએ આકાશમાં ઊતરતા પ્રકાશપુંજને નિહાળ્યો. દેવદૂતોએ જિસસ ક્રાઇસ્ટના જન્મની જાહેરાત કરી. એક બીજો રાજા જન્મી ચૂક્યો છે તે વાત જાણી રોમન સમ્રાટ હેરોડ ધી ગ્રેટ ક્રોધે ભરાયો અને તે બાળકને શોધી કાઢવા તેણે આદેશ આપ્યો.

બરાબર એ જ સમયે જુડિયા પ્રાંતમાં એક રાજકુમાર ઉછરી રહ્યો હતો, જેનું નામ બેનહર. મેસ્સાલા તેનો બચપણનો મિત્ર હતો અને તે રોમન ટેક્સ ક્લેક્ટરનો પુત્ર હતો. તે પાંચ વર્ષ સુધી રોમમાં ભણી જુડિયા પાછો આવ્યો. બેનહર યહૂદી હતો જ્યારે મેસ્સાલા રોમન હતો. રોમથી પાછા આવ્યા બાદ તે બદલાઈ ગયો હતો. તેણે યુદ્ધની તાલીમ લીધી હતી અને જબરદસ્ત ગણતરીબાજ હતો. તે મહત્ત્વાકાંક્ષી પણ હતો. જુડિયા પાછા આવ્યા બાદ તેણે બેનહર પર દબાણ કરી બધા જ બળવાખોર યહૂદીઓને પોતાને શરણે લાવવા મદદ માંગી, પરંતુ બેનહરે પોતાની કોમના માણસોને દગો કરવા ઇન્કાર કરી દીધો. આ ઇનકાર સાંભળ્યા બાદ મેસ્સાલાએ જુડાહ બેનહરને આખરીનામું આપતાં કહી દીધું. “તમે લોકો નક્કી કરી નાખો કે તમે મારા મિત્રો રહેવા માંગો છો કે દુશ્મન?”

એ ઘટનાના થોડા દિવસ બાદ શહેરમાંથી રોમન સૈનિકોની પરેડ પસાર થઈ રહી હતી અને એ પરેડને જોવા જુડાહ બેનહરની બહેન એના ઘરની ઊંચી બાલ્કનીમાંથી એ જોવા લાગી. એ વખતે ભૂલથી એનો હાથ એક જૂની થઈ ગયેલી ટાઇલ્સને અડી ગયો અને એ ટાઇલ્સ રોમન પરેડની આગેવાની લઈ રહેલા રોમથી આવેલા નવા ગવર્નરના ઘોડા પર પડી. જુડાહ બેનહરના દુશ્મન થઈ ચૂકેલા મેસ્સાલાએ આ તક ઝડપી લીધી અને રોમન ગવર્નરને ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવાના ખોટા આરોપસર જુડાહ બેનહર, તેની બહેન અને તેની માતાને જેલમાં પૂરી દીધાં. જુડાહ બેનહરને ખ્યાલ આવી ગયો કે મેસ્સાલા કોઈ પણ કાર્યવાહી કર્યા વગર જ તેને કોઈ સજા કરવા માગે છે એટલે તે જેલમાંથી છટકી સીધો મેસ્સાલાના ખંડમાં પહોંચી ગયો. એણે મેસ્સાલાને પડકારતાં પૂછયું. “તેં મારી અને મારા પરિવાર સામે ખોટો આરોપ કેમ મૂક્યો?”

મેસ્સાલાએ શાંતિથી જવાબ આપ્યો. “તેં મને મદદ કરવા ના પાડી એ કારણે હું તને પદાર્થપાઠ ભણાવીશ.”

એ પછી મેસ્સાલાએ જુડાહ બેનહરને એક ગુલામ બનાવી દઈ ગુલામ તરીકે જ મૃત્યુ મળે તેવી સજા ફરમાવી. જુડાહ બેનહરના હાથમાં સાંકળો બાંધી દેવાઈ અને બીજા ગુનેગારોની સાથે બેનહરને પણ ભયાનક રણમાં ધકેલી દેવાયો. માંડમાંડ ચાલી શકતા,ભૂખ્યા અને તરસ્યા આ લોકો નાઝારેથ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક શાંત જણાતા માણસે દિવસોથી તરસ્યા બેનહરને પાણી પીવડાવ્યું. જુડાહ બેનહરે પાણી પીવડાવનાર એ માણસની આંખોમાં જોયું. એ આંખોમાં ન સમજી શકાય તેવા પ્રેમનો પ્રકાશ હતો. એ વખતે એક રોમન સૈનિકે બેનહરને પાણી પીવડાવતા માણસને ધક્કો મારી હટી જવા હુકમ કર્યો, પરંતુ એ રોમન સૈનિક પણ પાણી પીવડાવનાર એ માણસનો શાંત અને નિર્મળ ચહેરો જોઈ સ્વયં પાછો હટી ગયો.

એ પછી ગુલામ બનાવી દેવાયેલા લોકોને આગળ વધવા સૂચના આપવામાં આવી, પરંતુ જતાં જતાં બેનહર તેને પાણી પીવડાવનાર કોઈ અજનબી વ્યક્તિને જોતો રહ્યો.

જુડાહ બેનહરને હવે એક રોમન યુદ્ધ જહાજમાં ગુલામ તરીકે ધકેલી દેવાયો. બીજા સેંકડો નાવિકોની સાથે જુડાહ બેનહરે પણ એ તોતિંગ યુદ્ધ જહાજનાં હલેસાં મારવાની કામગીરીમાં જોડાવું પડયું. એ જહાજનો કપ્તાન રોમન સેનાપતિ એરિયસ હતો. જહાજ મધદરિયે હતું ત્યારે ચાંચિયાઓ એ રોમન જહાજ પર ત્રાટક્યા. એરિયસે જુડાહ બેનહરની શારીરિક તાકાત અગાઉથી માપી લીધી હતી. સંઘર્ષ વખતે બેનહરના પગે બાંધેલી સાંકળો ખોલી નાખવામાં આવી. પૂરાં ત્રણ વર્ષથી તેઓ જહાજમાં ગુલામ તરીકે કામ કરતા હતા, પરંતુ મેસ્સાલા સાથે બદલો લેવાની આગને કારણે તે જીવિત રહેવા માગતો હતો. દરિયાઈ ચાંચિયાઓ સામે જુડાહ બેનહરે યુદ્ધ લડી રોમન જહાજના વડા એરિયસની જિંદગી બચાવી લીધી. જુડાહ બેનહરના આ ઉપકારનો બદલો વાળવા રોમન એરિયસે જુડાહ બેનહરને પોતાના દત્તક પુત્ર તરીકેનો દરજ્જો આપ્યો.

આ અગાઉ જુડાહ બેનહરને ગુલામ તરીકે એરેનામાં લડાઈની પાંચ વર્ષની સખત તાલીમ આપવામાં આવી હતી. બેનહર હવે ફરી એક વાર ધનવાન અને રોમન મોભાદાર વ્યક્તિ બની ગયો. હજુ તે મેસ્સાલા સાથે બદલો લેવાની લાગણીમાંથી બહાર આવ્યો નહોતો. તે હવે મેસ્સાલાને મળવા રોમથી જુડિયા જવા નીકળ્યો. રસ્તામાં એક આરબ શેખ સાથે તેની મુલાકાત થઈ. આરબ શેખ ઘોડાઓનો શોખીન હતો. તેની પાસે વિશ્વના શ્રેષ્ઠ ઘોડા હતા, પરંતુ પ્રતિવર્ષ રોમમાં યોજાતી ચેરિયટ રેસમાં તેના ઘોડા જીતતા નહોતા. આરબ શેખના ઘોડા જોઈ બેનહરે કહ્યું, “તમારી પાસે શ્રેષ્ઠ ઘોડા છે, પરંતુ ચેરિયટ-રથ દોડાવવા માટે કુશળ રથસવાર નથી.”

આરબ શેખે તેના રથ દોડાવવા ઓફર કરી, પરંતુ બેનહરે ઇનકાર કરી દીધો. આરબ શેખે કહ્યું, “રોમમાં રોમન મેસ્સાલા ચેરિયટને હરાવે તેવો સારથિ મારી પાસે નથી.”

મેસ્સાલાનું નામ સાંભળતાં જ બેનહરની આંખોમાં ચમક આવી ગઈ. તે મેસ્સાલા સાથે બદલો લેવા માગતો હતો. એણે તરત જ આરબ શેખ તરફથી રોમમાં યોજાનારી ચેરિયટ રેસમાં ભાગ લેવા હા પાડી અને તૈયારીઓ કરવા લાગ્યો. બીજી તરફ બેનહર તેની માતા અને બહેનને પણ શોધવા માગતો હતો. મેસ્સાલાને આ વાતની ખબર પડતાં તે આશ્ચર્યમાં પડી ગયો અને બેનહરને ચેરિયટ રેસમાં જ ખતમ કરી દેવા કારસો રચ્યો. રોમના ભવ્ય એરેનામાં હજારો લોકો અત્યંત રોમાંચસભર ચેરિયટ રેસ જોવા એકત્ર થઈ ગયા. મેસ્સાલાએ તેના રથના ચક્રની એક્સલ પર ધારદાર ખંજર રાખી દીધાં હતાં જેથી એ ખંજરથી બેનહરના રથનાં ચક્રોને વીંધી નાખી શકાય. રોમનો ગવર્નર તેના પરિવાર અને સેનેટરો સાથે આ ભવ્ય રેસ જોવા આવ્યો હતો. લોકોને મંત્રમુગ્ધ કરી દે તેવી પણ ખતરનાક ચેરિયટ રેસ શરૂ થઈ. લોકોનાં રૃંવાડાં ઊભાં થઈ જાય તેવી જીવલેણ રેસમાં મેસ્સાલાએ બેનહરને હંફાવવા ખૂબ મહેનત કરી, પરંતુ મેસ્સાલાની તમામ તરકીબો નિષ્ફળ ગઈ. પવનવેગે દોડતા ઘોડાઓ જોઈ લોકો દંગ રહી ગયા. બેનહરને દગાથી હંફાવવા જતાં મેસ્સાલાનો રથ જ પલટી ખાઈ ગયો. તેની ઉપર થઈ અનેક રથ પસાર થઈ ગયા. મેસ્સાલા ઘવાયો અને બેનહર જીતી ગયો.

સખત રીતે ઘાયલ થયેલા મેસ્સાલાને મળવા ગયેલા બેનહરે તેની માતા અને બહેનનો પત્તો માગ્યો. મેસ્સાલાએ કહ્યું, “તું જિંદગીભર તારી માતા અને બહેનને શોધી નહીં શકે. તેઓ હજુ જીવે છે અને રક્તપિત્તના દરદી તરીકે યાતના ભોગવે છે. જા, તારી જાતે જ એમને શોધી કાઢ. રેસ હજુ પૂરી થઈ નથી.”

એટલું બોલી મેસ્સાલા મૃત્યુ પામ્યો.

બેનહર ફરી તેની માતા અને બહેનને શોધવા જેરૂસલેમ ગયો. બેનહર જ્યારે જુડિયામાં રહેતો હતો ત્યારે તેના ઘરની નોકરાણી તરીકે કામ કરતી અમ્રાહ નામની યુવતી તેને ચાહતી હતી. બેનહર તેના જૂના ઘરે આવ્યો. છેવટે તેણે પર્વતની એક ખીણમાં લોકોની વસ્તીથી દૂર અલાયદું જીવન જીવતાં અને રક્તપિત્તિયાઓથી ભરેલી ગુફામાં નર્કાગાર જેવું જીવન જીવતાં તેની માતા અને બહેનને બેનહરે શોધી કાઢયાં. એની માતાએ બેનહરને પોતાના શરીરને ન સ્પર્શવા કહ્યું, પરંતુ બેનહર તેમને ભેટયો. બેનહર તેમને અસ્પૃશ્ય ગણાતી રક્તપિત્તિયાઓની છાવણીમાંથી બહાર લઈ આવ્યો. એ વખતે જેરૂસલેમની ટેકરીઓ પર શ્વેત લિબાસમાં એક પ્રભાવશાળી વ્યક્તિ ર્ધાિમક પ્રવચનો આપતો હતો. કેટલાક માણસો તેની આસપાસ વીંટળાયેલા હતા. તે બધાંને ર્ધાિમક દીક્ષા આપતો હતો. બેનહરને યાદ આવી ગયું કે મને જ્યારે ગુલામ બનાવી દેવાયો ત્યારે રણમાં પાણી પીવડાવનાર વ્યક્તિ પણ આ જ તેજસ્વી પુરુષ હતો. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ જિસસ ક્રાઇસ્ટ હતા. ક્રમશઃ બેનહર પણ જિસસ ક્રાઇસ્ટમાં શ્રદ્ધા ધરાવતો થઈ ગયો. બેનહર આ તેજસ્વી વ્યક્તિના આશીર્વાદથી રક્તપિત્તના રોગી બનેલાં તેની માતા અને બહેનને સાજા કરાવવા માગતો હતો.

એ સમયે જ કેટલાક ધર્મચુસ્તોએ જિસસ ક્રાઇસ્ટને રોમન ગવર્નર મારફતે શૂળીએ લટકાવવાની સજા કરાવડાવી. જિસસ ક્રાઇસ્ટના માથા પર કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો. લાકડાની શૂળી પણ જિસસ ક્રાઇસ્ટની પાસે જ ઊંચકાવી. હજારો રોમનો આ ક્રૂર સજાનો આનંદ ઉઠાવી રહ્યા હતા ત્યારે બેનહર પણ તેની માતા અને બહેનને લઈ જેરૂસલેમ પહોંચ્યો. રક્તપિત્તિયાઓને જોઈ લોકોએ દોડધામ મચાવી દીધી. બરાબર એ જ વખતે બેનહરે જોયું તો જે વ્યક્તિએ રણમાં પાણી પીવડાવ્યું હતું તે જ વ્યક્તિને એટલે કે જિસસ ક્રાઇસ્ટને જેરૂસલેમના માર્ગ પરથી શૂળીએ ચડાવવા લઈ જવાતા હતા. જિસસ યાતના ભોગવતા હતા ત્યારે લોકો ખુશ થઈ જિસસની મજાક ઉડાવતા હતા. એક તબક્કે શૂળીના ભારથી જિસસ પડી ગયા એટલે તરસ્યા થયેલા જિસસને પાણી પીવડાવવા બેનહર રોમન સૈનિકોની પરવા કર્યા વિના જિસસ પાસે પહોંચી ગયા અને થોડુંક પાણી પીવડાવ્યું, પણ એ દરમિયાન જ રોમન સૈનિકોએ ચાબુક મારી બધાંને હટાવી લીધા. અલબત્ત, જિસસે એક અમીભરી દૃષ્ટિ બેનહર પર નાખી. જુડાહ બેનહરને ફરી એક વાર જિસસ ક્રાઇસ્ટની દયાભરી દૃષ્ટિનો સંસ્પર્શ થયો.

એ પછી રોમન સૈનિકોએ જિસસને શૂળીએ ચડાવી દીધા. એમના હાથ અને પગમાં ખીલા ઠોકી દીધા. એ વખતે જિસસ એટલું જ બોલ્યા. “હે પ્રભુ! એમને માફ કરી દેજો, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.”

એ રાત્રે આકાશમાં ભયંકર વાદળો ચડી આવ્યાં. મેઘગર્જના અને વીજળીના ચમકારા થયા. વરસાદ વરસવા લાગ્યો. એ વખતે નજીકની જ ગુફામાં બેનહર, તેની માતા, બહેન અને અમ્રાહ આશ્રય લઈ એ દુઃખદ ઘટના નિહાળી રહ્યાં હતાં. તેઓ રડી રહ્યાં હતાં. જિસસનાં અંગોમાંથી નીકળતું લોહી હવે ભૂમિ પર વહેવા લાગ્યું. એક જબરદસ્ત વીજળી થઈ. વીજળીનો એક ચમકારો બેનહરની માતા અને બહેનને સ્પર્શ્યો અને ક્ષણભરમાં તેમના શરીર પરથી રક્તપિત્ત જતો રહ્યો. ચહેરા પરની વિકૃતિઓ જતી રહી અને પહેલાં જેવાં હતાં તેવાં જ બની ગયાં. આ ચમત્કાર કેમ થયો તે રહસ્ય તેઓ સમજી શક્યાં નહીં પણ તેમણે ઈશ્વરનો આભાર માન્યો.

જુડાહ બેનહરને હવે ખ્યાલ આવી ગયો કે, પૃથ્વી પરના રાજાઓ કરતાં જિસસ ક્રાઇસ્ટ વધુ મોટા ‘હેવન્લી કિંગ’ હતા. ઈશ્વરના એ જ સહુથી શ્રેષ્ઠ રાજા છે એ જ્ઞાાનની પ્રાપ્તિ બાદ બેનહરના દિલમાં જે કોઈ નફરત હતી તે પણ અદૃશ્ય થઈ ગઈ.

એ ઘટના પછી બેનહરે તેને સાથ આપનાર યુવતી સાથે લગ્ન કરી લીધાં. બાળકો પણ થયાં, પરંતુ એ વખતે રોમમાં હવે સમ્રાટ નીરોનું શાસન હતું. સમ્રાટ નીરો ક્રૂર અને પાગલ શાસક હતો. તે જિસસ ક્રાઇસ્ટના અનુયાયીઓનો વિરોધી હતો. આ વાતની ખબર પડતાં બેનહર તેના પરિવારને લઈને રોમ ગયો અને રોમમાં એક સ્થળે ગુફાની અંદર એક ચર્ચ બનાવડાવ્યું જે કેટલાક સમય બાદ ‘ઝ્રટ્વંટ્વર્ષ્ઠદ્બહ્વ ર્ક જીટ્વહ ઝ્રટ્વઙ્મૈટંર્’ તરીકે જાણીતું બન્યું.

‘બેનહર : અ ટેલ ઓફ ક્રાઇસ્ટ’ નામની આ નવલકથા લખનાર લ્યૂ વોલેસ વર્ષો સુધી અંગ્રેજી ભાષાના બેસ્ટ સેલર લેખક રહ્યા. ૧૯૩૬માં માર્ગારેટ મિશેલની ‘ગોન વિથ વિંડ’ નવલકથા આવી ત્યાં સુધી બેનહરની નવલકથા પ્રથમ નંબરે રહી. ૧૯૫૯માં લ્યૂ વોલેસની ‘બેનહર : અ ટેલ ઓફ ક્રાઇસ્ટ’ નવલકથા પરથી ભવ્ય ફિલ્મ બની. આ ફિલ્મ વિશ્વના ૧૦ મિલિયન લોકોએ નિહાળી અને ૧૧ જેટલા એકેડેમી એવોર્ડ્સ મળ્યા. વેટિકન સિટીના પોપ લિયો ૧૩માએ જો કોઈ એક જ નવલકથાને બ્લેસિંગ્સ આપ્યા હોય તો તે એકમાત્ર આ જ નવલકથા છે.

Quo Vadis : નવા રોમના સર્જન માટે જૂના રોમને સળગાવી દો

‘Quo Vadis’ એ લેટિન ભાષાના શબ્દો છે. એનો અર્થ છે, “તમે ક્યાં જઈ રહ્યો છો?” મૂળ તો આ ‘બાઇબલ’માં ઉપયોગમાં લેવાયેલો શબ્દપ્રયોગ છે. ‘Quo Vadis’ નવલકથા પોલેન્ડના લેખક હેન્રિક સિએન્ટકિવિક્ઝે ઈ.સ. ૧૮૯૬માં લખી હતી. ૧૯મી સદીની આ સાહિત્યકૃતિ પણ એક મહાકાવ્ય જેવી જ છે. આજે પણ તે એક શ્રેષ્ઠ ક્લાસિક નવલકથા ગણાય છે.

‘Quo Vadis’ની કથાનો સમયગાળો ઈસુના મૃત્યુ પછીના ઈ.સ. ૫૪થી ૬૮મા વર્ષોની વચ્ચેનો છે. એ વખતે રોમમાં નીરો નામનો સમ્રાટ રાજ્ય કરતો હતો. નીરો ભ્રષ્ટાચારી, સનકી અને વિનાશાત્મક વૃત્તિ ધરાવતો શાસક હતો. એના જ સમયગાળાનાં કેટલાંક વર્ષો પૂર્વ જિસસ ક્રાઇસ્ટને જેરુસલેમમાં રોમન શાસકોએ જાહેરમાં શૂળીએ ચડાવી દીધા હતા. ઈસુના કેટલાક અનુયાયીઓ રોમન શાસકોના ડરથી ખાનગીમાં ઈસુના આદેશોનું પાલન કરતા હતા. તેઓ પોતાની જાતને ખ્રિસ્તી કહેવડાવતા હતા. એ વખતે ઈસુનો પરમ ભક્ત અને શિષ્ય પીટર પણ લોકો વચ્ચે ફરી ઈસુના ઉપદેશો લોકોને કહેતો હતો.

એ સમયગાળામાં રોમનો સમ્રાટ નીરો લોકો પર જુલ્મ ગુજારતો હતો. નીરોના શાસનકાળમાં માર્ક્સ વિનિસિયસ રોમના સૈન્યનો કમાન્ડર હતો. માર્ક્સ વિનિસિયસ એક યુદ્ધ જીતીને પાછો આવ્યો, પરંતુ સમ્રાટ નીરોની ધૂનના કારણે આખા સૈન્યને કારણ વગર એક સપ્તાહ રોમની બહાર રહેેવા નીરોએ હુકમ કર્યો. એ સમયગાળામાં નીરોનો એકમાત્ર વફાદાર પણ ડાહ્યો મિત્ર હતો પેટ્રોનિયસ. રોમન લશ્કરનો કમાન્ડર માર્ક્સ પેટ્રોલિયસનો ભત્રીજો થતો હતો.

કમાન્ડર માર્ક્સનો ભેટો એક દિવસ લિજિયા નામની યુવતી સાથે થયો. લિજિયા એક શાંત, શરમાળ પણ ઈસુની અનુયાયી હતી. લિજિયા રોમના એક નિવૃત્ત અને લશ્કરના કમાન્ડર ઓલસ પ્લેસિયસના ઘરમાં દત્તક પુત્રી તરીકે રહેતી હતી. માર્ક્સ લિજિયાની સુંદરતા જોઈ મંત્રમુગ્ધ થઈ ગયો અને તે લિજિયાના પ્રેમમાં પડી ગયો. કમાન્ડર માર્ક્સ નીરો મારફતે લિજિયાને પત્ની બનાવવા માગતો હતો. એક દિવસે નીરોના સૈનિકો લિજિયાને સમ્રાટ નીરોના મહેલમાં લઈ આવ્યા. તેને કહેવામાં આવ્યું કે તે લિજિયન રાજાની પુત્રી હોઈ તેને રોમના સમ્રાટના નિરીક્ષણ હેઠળ જ હવે રાખવામાં આવશે. આ વાત સાંભળતાં જ લિજિયાના પ્રેમમાં પડી ગયેલો માર્ક્સ તેના કાકા પેટ્રોનિયસને મળવા ગયો.

આ તરફ નીરોના મહેલમાં લિજિયાને સાચવવાની બધી જ જવાબદારી નીરોની ભૂતપૂર્વ મિસ્ટ્રેસ આક્તેને સોંપવામાં આવી. થોડા દિવસ પછી સમ્રાટ નીરોએ તેના મહેલમાં ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું. એ રાત્રે લિજિયાએ સુંદર વસ્ત્રો પહેર્યાં હતાં. એ દરમિયાન એણે પાર્ટીમાં રોમન કમાન્ડર માર્ક્સને જોયો. એણે ખૂબ દારૂ પીધેલો હતો. એ લિજિયાની નજીક આવ્યો અને તેને સ્પર્શ કરવા પ્રયાસ કર્યો. દરમિયાન લિજિયાનો ઉરસસ નામનો અંગત પણ શક્તિશાળી રક્ષક દોડી આવ્યો અને તે લિજિયાને માર્ક્સની સતામણીથી દૂર લઈ ગયો. એ રક્ષક પણ લિજિયન જ હતો. કમાન્ડર માર્ક્સ લિજિયાને શોધવા તેની પાછળ પડયો, પરંતુ વફાદાર નોકર ઉરસસ લિજિયાને લઈ ક્યાંક અદૃશ્ય થઈ ગયો.

લિજિયાના પ્રેમમાં પડી ગયેલા રોમન કમાન્ડર માર્ક્સ વિનિસિયસે તેના કાકાની મદદથી લિજિયાની ખોજ આદરી. એક દિવસ તેને ખબર પડી કે લિજિયાએ એક ગુપ્ત ગુફામાં રહેતા કેટલાક ઈસુના અનુયાયીઓ સાથે આશ્રય લીધો છે. એ જ સમયગાળામાં સમ્રાટ નીરોની પુત્રી મૃત્યુ પામી. એ પુત્રીને લિજિયાએ મારી નાખી છે તેવો ખોટો આરોપ લિજિયા પર મૂકવામાં આવ્યો. નીરોના વફાદાર મિત્ર પેટ્રોનિયસે નીરોના ખૌફથી લિજિયાને બચાવવા કોશિશ કરી. નીરોનું ધ્યાન બીજે વાળવા પેટ્રોનિયસે નીરોને તેના પરિવાર સાથે રોમથી દૂર એન્સિયમ નામના સ્થળે ગ્રીષ્મ-મહેલમાં થોડા દિવસ રહેવા જવા સૂચવ્યું. નીરો સંમત થયો. નીરો તેના મહેલમાં ફિડલ વગાડતો તે દરબારીઓએ સાંભળવું પડતું અને તેની પ્રશંસા કરવી પડતી.

એક દિવસ માર્ક્સ વિનિસિયસ બે જાણીતા ગ્લેડિયેટર્સની મદદથી લિજિયા જે ગુપ્ત સ્થળે બીજા ખ્રિસ્તીઓ સાથે રહેતી હતી ત્યાં છૂપાવેશે પહોંચી ગયો. એ લોકો અહીં લિજિયા અને તેના રક્ષક ઉરસસને જોઈ ગયા. માર્ક્સે લિજિયાનો પીછો કરી લિજિયાનો કબજો લેવા પ્રયાસ કર્યો, પરંતુ ભાગતી વખતે સશક્ત ઉરસસના મુક્કાથી બેભાન થઈ ગયો. તે હવે એક ખ્રિસ્તીના ઘરમાં હતો. એણે લિજિયાને જોઈ. બેઉ વચ્ચે ખુલ્લા દિલે વાત થઈ. લિજિયા બોલી, “એવું નથી કે હું તમને ચાહતી નથી. હું પણ તમને ચાહું છું, પરંતુ મારી શ્રદ્ધા ઈસુ ખ્રિસ્તમાં છે.” કેટલાક સમય બાદ રોમન કમાન્ડરે પણ ઈસુ ખ્રિસ્તના ઉપદેશોમાં શ્રદ્ધા વ્યક્ત કરી. લિજિયા અને કમાન્ડર માર્ક્સે લગ્ન કરવાનું નક્કી કર્યું. ઈસુના પરમ અનુયાયી પીટરે તેમને આશીર્વાદ આપ્યા.

લગ્ન બાદ કમાન્ડર માર્ક્સ રોમથી દૂર ગ્રીષ્મ મહેલમાં સમય ગાળી રહેલા સમ્રાટ નીરોને મળવા ગયો જ્યારે લિજિયાને એણે રોમમાં જ રહેવા દીધી. નીરો આ ગ્રીષ્મ મહેલમાં હજુ કવિતાઓ રચતો હતો અને ગાતો હતો. એ પછી એણે તેના દરબારીઓને તથા તેના વફાદાર મિત્ર પેટ્રોનિયસને બોલાવી નવા રોમનું એક ભવ્ય મોડલ બતાવ્યું. વફાદાર પણ ડાહ્યા મિત્ર પેટ્રોનિયસે નીરોને ખુશ કરવા કહ્યું, “નવા રોમની ડિઝાઇન તો અત્યંત સુંદર છે, પરંતુ પુરાણા રોમની પણ એક મહત્તા છે.”

પાગલ નીરોએ કહ્યું, “જૂના રોમને મિટાવી દેવા આખા રોમને આગ લગાડી દો.”

થોડી જ વારમાં રોમન સૈનિકોએ નીરોના હુકમથી પુરાણા રોમના પ્રત્યેક ઘરને આગ લગાડી દીધી. આખું રોમ ભડભડ બળવા લાગ્યું. લોકોના ઘર સળગી રહ્યાં હતાં અને રોમનો પણ તેમાં બળી રહ્યા હતા ત્યારે નીરોએ એની પરવા કર્યા વિના રોમથી દૂર તેના ગ્રીષ્મ મહેલના ઝરૂખામાં બેસી ફિડલ વગાડવા માંડી. તેનો મિત્ર પેટ્રોનિયસ નીરોના આ ગાંડપણ અને ક્રૂરતાથી બહુ જ દુઃખી થઈ ગયો.

રોમ સળગી રહ્યું છે તે જાણ્યા બાદ રોમન કમાન્ડર માર્ક્સ રોમ તરફ દોડયો, કારણ કે તેની પત્ની લિજિયા હજુ રોમમાં જ હતી. આ તરફ નીરોએ એવી ખોટી જાહેરાત કરી કે, “રોમમાં છુપાયેલા ઈસુના અનુયાયીઓેએ જ રોમને આગ લગાડી દીધી છે, તેથી તેમને સજા કરવી પડશે.”

રોમન સૈનિકોએ કમાન્ડર માર્ક્સને જ રોમમાં પ્રવેશતાં રોકવા પ્રયાસ કર્યો, પરંતુ માર્ક્સ લિજિયા અને બીજા ખ્રિસ્તીઓ જ્યાં આશ્રય લઈ રહ્યા હતા ત્યાં પહોંચી ગયો. બરાબર એ જ વખતે ઈસુના અનુયાયી પીટરના હસ્તે કમાન્ડર માર્ક્સે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. આ ઘટનાના થોડા સમયમાં જ નીરોએ કમાન્ડર માર્ક્સ, લિજિયા, પીટર સહિત ઈસુના તમામ અનુયાયીઓને પકડી લીધા અને બધાંને જેલમાં પૂરી દીધાં. નીરોના વફાદાર સાથી અને સલાહકાર પેટ્રોનિયસે ઈસુના અનુયાયીઓને મારી તેમને શહીદ ન બનાવવા અને તેમની શહીદીથી રોમનોને ન ઉશ્કેરવા સલાહ આપી અને છેલ્લે પોતાના કાંડાની નસ કાપીને પેટ્રોનિયસે આપઘાત કરી લીધો. મૃત્યુસંદેશમાં એણે નીરોને કાગળમાં જણાવ્યું કે, “તમારી ધૂન અને પાગલપણાથી ત્રાસીને હું આત્મહત્યા કરી રહ્યો છું. તમારા ડરના કારણે હું તમને કોઈ જ સાચી વાત આજ સુધી કહી શક્યો નથી.”

આ તરફ નીરોએ ખ્રિસ્તીઓ પર રોમને સળગાવવાનો આરોપ મૂકી રોમનોની રમતગમતના ભવ્ય મેદાન – એરેનામાં જ રોમનોની હાજરીમાં એ બધા ખ્રિસ્તીઓને જાહેર અને ક્રૂર સજા કરવાનો નિર્ણય લીધો.

રોમના સમ્રાટ નીરોની ખૂબસૂરત પણ કામુક પત્ની ક્વીન પોપિયા રોમન કમાન્ડર માર્ક્સને પોતાના વશમાં કરી પોતાની વાસના સતોષવા માગતી હતી, પરંતુ માર્ક્સ લિજિયાને ચાહતો હોઈ તેણે ક્વીનની એ માગણી અગાઉ ફગાવી દીધી હતી. હવે માર્ક્સ કેદમાં હોઈ ક્વીન પોપિયા રોમન ગેમ્સના એરેનામાં તેની હત્યા થઈ જાય તેવી ગેમની ખોજમાં હતી.

લિજિયાને એ જ મેદાનમાં એક થાંભલા સાથે બાંધી દેવામાં આવી. એરેનાની ભીતરનો દરવાજો ખોલી નાખવામાં આવ્યો. એક ખતરનાક વાઇલ્ડ બુલ તેમાંથી બહાર આવ્યો. તે હિંસક બુલ થાંભલા સાથે બાંધેલી લિજિયાના શરીરમાં તેના અણીદાર શિંગડાં ઘુસાડી દેવા દોડયો. લિજિયાના રક્ષક ઉરસસે બુલ સાથે લડાઈ કરીને લિજિયાને બચાવવાની હતી. હિંસક બુલ અને ઉરસસ વચ્ચે ભયંકર સંઘર્ષ થયો. ઉરસસે જંગલી બુલનાં શિંગડાં પકડી લીધાં અને બુલની ડોક મરડી નાખી. સમ્રાટ નીરો અને હજારો પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા. નીરો પોતાના બુલને મારી નાખનાર ઉરસસ અને લિજિયાને ખતમ કરી દેવા હુકમ કરવા ઊભો થયો, પરંતુ હજારો રોમનોએ ‘દયા… માફી’ની ચિચિયારીઓ કરી. નીરો લોકોનો મિજાજ પારખી ગયો. સમ્રાટ નીરોએ તેની આસપાસ નજર કરી. તેના વફાદાર દરબારીઓએ પણ અંગૂઠો ઊંચો કરી પ્રજાની માગણીને પોતાનું સમર્થન આપ્યું. લોકોની ઇચ્છાનો વિરોધ કરવામાં અશક્તિમાન બની ગયેલા નીરોએ તેની ઇચ્છા વિરુદ્ધ માર્ક્સની પત્ની લિજિયા અને તેના અંગરક્ષક ઉરસસને મુક્ત કર્યાં.

હજારો રોમનોની ચિચિયારીથી નીરો હવે ગભરાયો હતો. લોકોનો મિજાજ બદલાઈ ચૂક્યો હતો. લોકો હવે નીરોના જુલમી શાસનનો અંત ઇચ્છતા હતા. રોમન ગેમ્સના એરેનામાં લિજિયા અને તેના અંગરક્ષકને મારી નાખવાની નીરોની ચેષ્ટા લોકોેને પસંદ આવી નહોતી. વળી, આ હિંસક દૃશ્યો નિહાળવા ક્વીન પોપિયાએ કમાન્ડર માર્ક્સને પણ એક પીંજરામાં કેદ રાખ્યો હતો, જેથી પોતાની પત્નીનો અંત પોતાની આંખે જ નિહાળી શકે. આવા ક્રૂર શાસનનો લોકો અંત ઇચ્છતા હતા. હવે રોમન લશ્કરના બીજા કમાન્ડારોએ જ માર્ક્સને પણ મુક્ત કર્યો. તેને મુક્ત કરવામાં લિજિયન પ્રાંતના વફાદાર અધિકારીઓએ મહત્ત્વપૂર્ણ ફાળો ભજવ્યો.

કમાન્ડર માર્ક્સે મુક્ત થતાં જ એરેનામાં જઈ લોકોને કહ્યું, “રોમને આગ લગાડનાર ખ્રિસ્તીઓ નહીં, પરંતુ ખુદ સમ્રાટ નીરો હતો. તેના હુકમથી જ સૈનિકોએ રોમને આગ લગાડી દીધી હતી.

હવે નીરો સામે બળવો એ જ એક વિકલ્પ છે.”

હજારો રોમનોએ કમાન્ડર માર્ક્સની વાત સ્વીકારી. નીરો સામે એ જ ક્ષણે બળવો થયો. લોકો નીરોને મારવા દોડયા. હજારો રોમનોથી બચવા નીરો તેના મહેલમાં દોડયો. તેની પાછળ તેની પત્ની ક્વીન પોપિયા પણ ભાગી. મહેલમાં તેના ખંડના દરવાજા બંધ કરી દીધા. સૌથી પહેલાં તો નીરોએ તેની પત્ની પોપિયાનું ગળું દબાવ્યું. તેણે ખ્રિસ્તીઓ અંગે પોતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકી નીરોએ ક્વીન પોપિયાનું ગળું દબાવી હત્યા કરી નાખી. નીરોએ પોતાના પેટમાં ખંજર ભોંકી આત્મહત્યા કરી લેવા નિર્ણય કર્યો, પરંતુ તેનામાં એમ કરવાની પણ હિંમત નહોતી. એ વખતે તેની પૂર્વ મિસ્ટ્રસ તેની મદદે આવી અને તેણે નીરોને પોતાના પેટમાં ખંજર ઘુસાડવામાં મદદ કરી અને નીરો ત્યાં જ ઢળી પડયો.

કમાન્ડર માર્ક્સે જાહેરાત કરી, “જનરલ ગાલ્બા હવે રોમ તરફ આવી રહ્યા છે અને તેઓ હવે રોમના સમ્રાટ નીરોનું સ્થાન લેશે.”

‘Quo Vadis’ નવલકથાની કહાણી અહીં પૂરી થાય છે, પરંતુ આ નવલકથાનું નામ ‘Quo Vadis’ કેમ તે પણ જાણવા જેવું છે. આ કથામાં ઈસુના અનુયાયી પીટરનું નામ આવે છે, જે સમ્રાટ નીરોના શાસન દરમિયાન લોકોમાં ઈસુના ઉપદેશનો ફેલાવો કરતા હતા. રોમમાં ગુપ્ત જગાએ રહીને પણ ઈસુના અનુયાયીઓને ધર્મમય જીવન જીવવાનું તેઓ શીખવતા હતા. આ એ જ પીટર હતા જેઓ પાછળથી સેન્ટ પીટર તરીકે ઓળખાયા. તેઓ રોમમાં હતા ત્યારે નીરો તેમને પણ શૂળીએ ચડાવવા માગતો હતો. તેઓ એ શૂળીથી બચવા રોમ છોડી રહ્યા હતા ત્યારે રસ્તામાં પુનઃ પ્રગટ થયેલા જિસસ મળી ગયા. પીટરે જિસસને પૂછયું, ‘\Quo Vadis’ (એટલે કે, “ક્યાં જઈ રહ્યા છો?” એ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “હું ફરી રોમમાં શૂળીએ ચડવા હાજર રહ્યો છું.”

જિસસનો આ જવાબ સાંભળી પીટર સમજી ગયા કે મારે પણ જિસસની જેમ શૂળીએ ચડવાનંુ જ છે. આ દર્શન માત્ર તેમના શિષ્ય પીટરને જ થયું હતું. પીટર સમજી ગયા અને ડર્યા વિના રોમ પાછા ફર્યા. રોમમાં નીરોના સૈનિકોએ તેમની ધરપકડ કરી અને પીટરને રોમની વેટિકન ટેકરી પર નીરોએ શૂળીએ ચડાવી દીધા. આજે એ જ સ્થળે સેન્ટ પીટરનું ભવ્ય ચર્ચ રોમ-વેટિકન સિટીમાં બનેલું છે અને વિશ્વના કરોડો ખ્રિસ્તીઓનું યાત્રાસ્થળ છે. આ એ જ સેન્ટ પીટરનું ભવ્ય ચર્ચ છે જેના પ્રાંગણમાં નાતાલ વખતે આખા વિશ્વના હજારો ખ્રિસ્તીઓ એકત્ર થાય છે અને ચર્ચના ઝરૂખામાંથી નામદાર પોપ આશીર્વચનો ઉચ્ચારે છે, જેનું જીવંત પ્રસારણ આખા વિશ્વમાં થાય છે.

‘Quo Vadis’ના શીર્ષક હેઠળ પોલેન્ડના લેખક હેન્રિક સિએન્ટકિવિક્ઝ દ્વારા પોલિશ્ડ ભાષામાં લખાયેલી ક્લાસિક નવલકથાને આજે ૨૦૦થી વધુ વર્ષ થયાં છતાં ઈસુમાં શ્રદ્ધા ધરાવતા વિશ્વના કરોડો અનુયાયીઓની પ્રિય સાહિત્યકૃતિ છે. આ નવલકથાનું વિશ્વની ૪૮ જેટલી ભાષામાં ભાષાંતર થયેલું છે. એ પ્રગટ થઈ ત્યારે પહેલા જ વર્ષમાં આઠ લાખ નકલો એકમાત્ર ફ્રાન્સ અને બ્રિટનમાં જ વેચાઈ ગઈ હતી. આ નવલકથા લખવા બદલ પોલિશ્ડ લેખક હેન્રિક સિએન્ટકિવિક્ઝને ૧૯૦૫ની સાલમાં સાહિત્યનું નોબેલ પ્રાઇઝ એનાયત થયું હતું.

એક વાર અટલજી-અડવાણી થિયેટરમાં ફિલ્મ જોવા ગયા

વર્ષો પહેલાંની વાત છે.

એક વાર અટલ બિહારી વાજપેયી અને એલ. કે. અડવાણીને છબીઘરમાં જઈ ફિલ્મ જોવાનું મન થયું. વાજપેયી અને અડવાણી વેશપલટો કરીને દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આવેલા રિગલ સિનેમામાં ફિલ્મ જોવા ગયા. એ વખતે દિલ્હીના એક પત્રકાર તેમને રિગલ સિનેમાની બારીમાંથી ટિકિટ ખરીદતા જોઈ ગયા. પત્રકારે વાજપેયીને પૂછયું : “અરે ! વાજપેયીજી આપ ?”

વાજપેયીજીએ પત્રકારને ટોકતાં કહ્યું ઃ “અરે ભાઈ માફ કરો, મૈં વહ નહીં હું. નાહક ખબર મત ફૈલાના. મૈં અટલજી કા ચચેરા ભાઈ હું. બસ, શકલ મિલતી હૈ.”

પત્રકાર સમજી ગયા કે આ છે તો અટલજી, પરંતુ તેઓ થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા તે સમાચાર અખબારોમાં ના આવે તેવી તેમની ઇચ્છા હતી. પત્રકારે તેમની ભાવનાનું સન્માન કર્યું. આ ઘટનાના ઘણા સમય બાદ અટલજીએ પત્રકારને કહ્યું હતું ઃ “તુમ્હારા અહેસાનમંદ હું ભાઈ, પત્રકાર ઇતને શરીફ હોતે નહીં. બુરા મત માનના મૈંનેં ખુદ ને લંબી અવધિ તક પત્રકારિતા કી હૈં. ઐસે અહેસાન મૈં ઉન દિનો ભી નેતાઓ પર કરતા થા.”

વાજપેયીજીને ‘ભારતરત્ન’ મળ્યો તે પછી સિનિયર પત્રકારે આ વાત ઉજાગર કરી.
ગાંધીજી સિનેમાના વિરોધી

એ જમાનામાં ટેલિવિઝનનું આગમન થયું નહોતું. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે નેતાઓ સિનેમાને એક ખરાબ માધ્યમ ગણતા હતા. ખુદ ગાંધીજી પણ સિનેમાના વિરોધી હતા. એ વખતે ફિલ્મ જગતના એક સર્જકે ગાંધીજીને સિનેમા અંગે તેમના વિચારો બદલવા કહ્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુ સિનેમાના વિરોધી નહોતા. અલબત્ત, તેમની પાસે ફિલ્મ જોવાનો સમય જ નહોતો. આઝાદી પહેલાં અને આઝાદી બાદ છબીઘરોમાં ફિલ્મ શરૃ થાય તે પહેલાં સરકારે તૈયાર કરેલું ન્યૂઝ રીલ બતાવવું ફરજિયાત હતું.

રાષ્ટ્રપતિ ભવનમાં થિયેટર

નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં એક પ્રાઈવેટ થિયેટર છે. એ ઇન્દિરા ગાંધીના બે પુત્રો રાજીવ ગાંધી અને સંજય ગાંધી જ્યારે નાના કિશોર હતા તથા દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના પ્રાઈવેટ થિયેટરમાં ખાસ સ્ક્રીનિંગ થતી ફિલ્મ જોવા જતા હતા. એ વખતે અમિતાભ બચ્ચની વય પણ એટલી જ હતી. અમિતાભ બચ્ચનનાં માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશરાય બચ્ચનને નહેરુ પરિવાર સાથે પારિવારિક સંબંધ હોઈ કિશોર અમિતાભ અને રાજીવ ગાંધી મિત્રો હતા. રાજીવ અને સંજય ગાંધી તેમના બાલસખા અમિતાભ બચ્ચનને પણ રાષ્ટ્રપતિ ભવનના પ્રાઈવેટ થિયેટરમાં વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો જોવા લઈ જતા. એ એક ઇતિહાસ છે કે,અમિતાભ બચ્ચનને ફિલ્મો પ્રત્યેની રુચિ રાજીવ અને સંજય ગાંધી સાથે રાષ્ટ્રપતિ ભવનમાં નિહાળેલી ફિલ્મોથી શરૃ થઈ હતી.

અમિતાભ અને ઇન્દિરા ગાંધી

બીજી નોંધપાત્ર વાત એ છે કે, પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટયૂટમાં ફિલ્મ અભિનયની તાલીમ અને અભ્યાસ બાદ અમિતાભ બચ્ચન ફિલ્મોમાં કામ શોધી રહ્યા હતા. તેમના અવાજને રેડિયોએ નકારી કાઢયો હતો. ઊંચાઈ અને ચહેરો ચોકલેટી ના હોવાથી ફિલ્મોમાં કામ મેળવવા તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા. ફરી એકવાર તેજી બચ્ચનનાં સખી ઇન્દિરા ગાંધી તેમની મદદે આવ્યાં. એ વખતે રાજ કપૂરની ફિલ્મોના લેખક તરીકે જાણીતા બનેલા કે. અબ્બાસ ‘સાત હિન્દુસ્તાની’ નામની એક ફિલ્મ બનાવી રહ્યા હતા. કે. અબ્બાસ સામ્યવાદી વિચારધારા ધરાવનાર લેખક હતા. ઈન્દિરા ગાંધીએ કે. અબ્બાસને ભલામણ કરીને અમિતાભ બચ્ચનને ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મમાં રોલ અપાવ્યો હતો.

ફિલ્મ ‘શોલે’ આવી પણ

એ પછી બચ્ચન પરિવારનો ગાંધી પરિવાર સાથેનો સંબંધ જારી રહ્યો હતો. વર્ષો પછી પ્રકાશ મહેરાએ ‘જંજીર’ ફિલ્મ બનાવી. એંગ્રી યંગ મેન તરીકે અમિતાભ બચ્ચન છવાઈ ગયા. ઊંચાઈ, અવાજ અને સખત ચહેરો- એ બધું જ એમને કામ આવ્યું, પરંતુ તે પછીનાં વર્ષોમાં એ વખતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી. ફિલ્મોમાં હિંસાનાં દૃશ્યો પ્રર્દિશત કરવા પર પ્રતિબંધ હતો. કટોકટી વખતે ટ્રેનો સમયસર દોડવા માંડી હતી. અધિકારીઓ સમયસર ઓફિસમાં આવી જતા હતા. સરકારી કર્મચારીઓ લાંચ લેતા બંધ થઈ ગયા હતા. એ જ સમયે અમિતાભ સ્ટારર ‘શોલે’ફિલ્મ બની. ‘શોલે’માં હિંસાના અનેક દૃશ્યો હતાં. સરકારની સખત ગાઈડલાઈન પ્રમાણે ‘શોલે’ને સેન્સર બોર્ડ પાસ કરતું નહોતું. અમિતાભ બચ્ચન માટે ‘શોલે’ એક મહત્ત્વપૂર્ણ અને મહત્ત્વાકાંક્ષી ફિલ્મ હતી. ફરી એકવાર અમિતાભ બચ્ચને ઈન્દિરા ગાંધીની મદદ માગી. ઈન્દિરા ગાંધીએ મદદ કરી અને ફિલ્મ’શોલે’ નજીવી કાપકૂપ સાથે સેન્સરમાં પાસ થઈ ગઈ.

સંબંધ તૂટયો

ઈન્દિરા ગાંધીના અવસાન પછી પણ અમિતાભ બચ્ચનનો ગાંધી પરિવાર સાથેનો રિશ્તો જારી રહ્યો. ખુદ જવાહરલાલ નહેરુએ પણ અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનને બીજી અનેક રીતે મદદ કરી હતી. ઈન્દિરા ગાંધીના અવસાન પછી રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા. તેમણે અમિતાભ બચ્ચનને કોંગ્રેસની ટિકિટ આપી. અમિતાભ ભચ્ચન અલ્હાબાદથી લોકસભાની ચૂંટણી લડયા. જીતી પણ ગયા. તેમને લોકસભામાં બહુ મજા ના આવી. પરંતુ રાજનીતિમાં ના હોવા છતાં રાજનીતિ છોડી નહીં. પહેલાં તેઓ સમાજવાદી પાર્ટીના અમરસિંહના મિત્ર બન્યા. તે પછી સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવના મિત્ર બન્યા. કોંગ્રેસ અને ગાંધી પરિવાર સાથે છેડો ફાડી જયા બચ્ચન સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભામાં પ્રવેશ્યાં. આજે પણ જયા બચ્ચન સમાજવાદી પાર્ટી તરફથી જ સંસદમાં છે. પંડિત જવાહરલાલ નહેરુના સમયથી ગાંધી-નહેરુ પરિવાર સાથેનો બચ્ચન પરિવારનો સંબંધ તૂટી ગયો.

તે પછી અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. ‘પા’ ફિલ્મ ટેક્સ ફ્રી કરાવી ગયા. ટાઈમ ટાઈમ કી બાત હૈ.

અમિતાભ બચ્ચનને ફિલ્મજગતમાં રોલ અપાવવાનું કામ ઈન્દિરા ગાંધીએ કર્યું

મમ્મી, હું હ્યૂસ્ટન યુનિ.ની વાઈસ ચાન્સેલર બની ગઈ

રેણુ ખટોર.

કાનપુર યુનિર્વિસટીની એક વિર્દ્યાિથની તરીકે કારકિર્દી શરૂ કરનાર રેણુ હ્યૂસ્ટન યુનિર્વિસટીની વાઈસ ચાન્સેલર બની ગઈ. તેની કહાણી તેના જ શબ્દોમાં:

”હું એક નાનકડા શહેરમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારની પુત્રી હતી. અમે ત્રણ ભાઈ-બહેનો હતા. પિતા વકીલાત કરતા હતા જ્યારે મા ઘર સંભાળતી હતી. અમે ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં રહેતા હતા. હું હિંદી માધ્યમમાં ભણી. આઠમા ધોરણ બાદ મારી માએ મને ભણવાની સાથે રસોઈ, સીવણ વગેરે શીખવવાની શરૂઆત કરી, તે મને સર્વગુણ સંપન્ન બનાવવા માગતી હતી, જેથી કોઈ સારા ઘેર મને પરણાવી શકાય, પરંતુ મને પુસ્તકોમાં જ વ્યસ્ત રહેવાનું ગમતું હતું. શરૂઆતનો અભ્યાસ તો નજીકની સ્કૂલમાં જ કર્યો, પરંતુ તે પછી મેં કાનપુર યુનિર્વિસટીમાં પ્રવેશ લીધો.

હું ગ્રેજ્યુએટ થઈ ગઈ. પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યા પછી હું પીએચ.ડી. કરવા માગતી હતી. મને ખ્વાહિશ હતી કે મારા નામની આગળ ડો. શબ્દ લાગે અને લોકો મને ડો. રેણુ કહીને બોલાવે. હું કોલેજમાં લેકચરર બનવા માગતી હતી.

મારા આ બધા સ્વપ્નોથી અજાણ મારા ઘરવાળા મારા માટે વર શોધી રહ્યા હતા. એક દિવસ વહેલી સવારે હું ઊઠી અને એ જ વખતે મારી માએ મને કહ્યું : ”તારી સગાઈ નક્કી કરી દીધી છે. છોકરો અમેરિકામાં રહે છે. દસ દિવસ પછી તારું લગ્ન છે.”

આ સાંભળતાં જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું: ”હું લગ્ન નહીં કરું.”

મારી માએ મને સમજાવવા કોશિશ કરી : ”બેટા ! દરેક છોકરીએ લગ્ન તો કરવાનું જ હોય છે. કોઈપણ માતા-પિતા પોતાની પુત્રીને કાયમ માટે પોતાની પાસે રાખી શક્તા નથી.”

મેં કહ્યું: ”પરંતુ, મને પહેલાં ભણવા દો. નોકરી કરવા દો. પછી લગ્ન કરીશ.”

મારી મમ્મી મને સારી રીતે સમજી શક્તી હતી. એણે પપ્પાને વાત કરી. તેમની સામે મોટો સવાલ એ હતો કે છોકરો સારું ભણેલો છે. પરિવાર પણ સારું છે. ભવિષ્યમાં આવું ઘર ના મળે તો ? અંદરોઅંદર ચર્ચા કર્યા બાદ મમ્મી- પપ્પાએ છોકરાવાળાઓ સાથે વાત કરીઃ અમારી દીકરી હમણાં આગળ ભણવા માંગે છે.” તો એમણે ખુશ થઈને કહ્યું : ”આ તો સારી વાત છે કે તમારી પુત્રી આગળ ભણવા માંગે છે. અમે ખાતરી આપીએ છીએ કે લગ્ન પછી પણ અમો તેને ભણવા જવા દઈશું.”

અમે ફરૂખાબાદમાં રહેતા હતા. મેં જોયું હતું કે, અહીં છોકરી એક વાર પરણી જાય પછી કોઈ તેને ભણવા દેતું નહોતું. આમ છતાં મારી પાસે મારા મમ્મી- પપ્પાની વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મેં લગ્ન માટે હા પાડી દીધી.

મારા લગ્ન થઈ ગયા. લગ્ન બાદ હું અમેરિકા પહોંચી. મને સારું લાગ્યું. મારા સાસરિયા ખૂબ ઉમદા અને ખુલ્લા વિચારો ધરાવતા હતા. હું આગળ ભણું તે માટે તેઓ રાજી હતા. મારા માટે સહુથી મોટો પડકાર અંગ્રેજી ભાષા શીખવાનો. હું હિંદી મીડિયમમાં ભણીને આવી હતી. હિંદી મીડિયમની છોકરીને કોઈ અમેરિકન યુનિર્વિસટીમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ વાત હતી. મારા હસબન્ડ મારી આ મુશ્કેલી સમજતા હતા. તેમણે મને કહ્યું કે અમેરિકામાં ભણવા માટે મારે અંગ્રેજી શીખવું જરૂરી છે. મારા દિમાગ પર હવે અંગ્રેજી શીખવાનું જુનૂન સવાર થઈ ગયું. આમેય કોલેજમાં હું અંગ્રેજી વ્યાકરણ તો ભણી હતી, તેથી અંગ્રેજી શીખવામાં કોઈ મુશ્કેલી નહોતી. હા,અસ્ખલિત અને રુઆબદાર અંગ્રેજી બોલવા- વાંચવાનું શીખવાનું બાકી હતું. મેં અંગ્રેજી શીખવા માટે અંગ્રેજી ટીવી- ટોક શો સાંભળવાનું ચાલુ કર્યું. ટીવી પર અમેરિકન શૈલીથી બોલાતા અંગ્રેજીને હું ધ્યાનથી સાંભળવા લાગી. રોજ અંગ્રેજી અખબાર પણ વાંચવા લાગી. મારા સાસરિયાઓએ અને મારા પતિએ મને ભરપૂર સહયોગ આપ્યો. બસ, થોડાક મહિનાઓમાં હું સારું અંગ્રેજી બોલવા લાગી. છેવટે મારો પરિશ્રમ રંગ લાવ્યો. મને પૂરડિયું યુનિર્વિસટીમાં પ્રવેશ મળી ગયો. આ યુનિર્વિસટી દ્વારા ૧૯૭૫માં પોલિટિકલ સાયન્સના વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. એ પછી એ જ યુનિર્વિસટી દ્વારા મેં પીએચ.ડી. પણ કર્યું.

૧૯૮૫થી મેં ફલોરિડા યુનિર્વિસટી દ્વારા મારા કારકિર્દીની શરૂઆત કરી. ફલોરિડા યુનિર્વિસટીમાં પહોંચ્યા બાદ મને લાગ્યું કે, મારા સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યાં છે. અહીં હું લેકચરર બની. પૂરા વીસ વર્ષ સુધી હું અહીં ભણાવતી રહી. આ એક શાનદાર સફર હતી. આટલા વર્ષો દરમિયાન ફલોરિડા યુનિર્વિસટીએ મને કેટલીયે મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી. મેં પૂરા આત્મવિશ્વાસ સાથે એ નિભાવી.

આ સમયગાળા દરમિયાન હું બે દીકરીઓેની માતા બની. આ એક સુખદ અહેસાસ હતો. મારી પુત્રીઓ પૂજા અને પારૂલ આંખોની ડોક્ટર છે. મેં મારી દીકરીઓ પર મારી અપેક્ષાઓ લાદી નથી. મેં તેમની કારકિર્દી પસંદ કરવા તેમને પૂરી સ્વતંત્રતા આપી.

મારો કારકિર્દીનો મહત્ત્વપૂર્ણ મુકામ ૨૦૦૭માં આવ્યો. આ જ વર્ષે હ્યુસ્ટન યુનિર્વિસટીમાં વાઈસ ચાન્સેલરની જગા ખાલી પડી. આ સ્થાન હાંસલ કરવા અનેક દિગ્ગજો સ્પર્ધામાં હતા. એ બધા જ એક એકથી ચઢિયાતા હતા. મેેં પણ આ પદ હાંસલ કરવા અરજી કરી. ઈન્ટરવ્યૂ પહેલાં હું થોડીક નર્વસ હતી. પરંતુ ઈન્ટરવ્યૂની પેનલ સમક્ષ જતાં જ મારો બધો ડર સમાપ્ત થઈ ગયો. મને પેનલમાં બેઠેલા મહાનુભાવો દ્વારા હ્યૂસ્ટન યુનિર્વિસટીનું રંેકિંગ વધારવાની બાબતમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા. મેં પૂરા આત્મવિશ્વાસ સાથે રેંકિંગ વધારવાના પ્લાન્સ રજૂ કર્યા. મારા પ્લાન્સ તે બધાને પસંદ આવ્યા. તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ મને હ્યૂસ્ટન યુનિર્વિસટીના વાઈસ ચાન્સેલર અને પ્રેસિડેન્ટ તરીકેની નિયુક્તિ બાદ મને કહેવામાં આવ્યું કે આ હોદ્દો હાંસલ કરનાર હું પહેલી ભારતીય મૂળની મહિલા છું. આ એવી કામિયાબી હતી જેની મેં કદી કલ્પના કરી નહોતી. યુનિર્વિસટીના બોર્ડ ઓફ ગવર્નરના આ નિર્ણયની મને જાણ કરવામાં આવી ત્યારે અમેરિકાથી મેં સહુથી પહેલો ફોન મારી મમ્મીને લગાડયો. મારી મમ્મી ફરુખાબાદમાં રહેતી હતી. હું જાણતી હતી કે એ વખતે ભારતમાં રાત હશે અને મારી મા ઊંઘતી હશે, પણ મારાથી રહેવાયું નહીં. ફોન પર મમ્મીનો અવાજ સાંભળતા જ મેં કહ્યું, ”મમ્મી ! હું વાઈસ ચાન્સેલર બની ગઈ અને તે પણ હ્યૂસ્ટન યુનિર્વિસટીની.”

આજે પણ હું માનું છું કે, ભાષા આપના વિકાસ માટે અવરોધ બની શકે નહીં. હા, મેં શરૂથી જ અંગ્રેજીનો અભ્યાસ કર્યો હોત તો મારે આટલી બધી મહેનત કરવી ના પડત. પરંતુ સહુથી અગત્યની વાત છે પાયાનું શિક્ષણ. અગર બાળકોના શિક્ષણનો પાયો જ મજબૂત હોય તો પછી તે કયા માધ્યમમાં ભણે છે તેનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. અમેરિકા ગયા પછી મને એ વાતનો અહેસાસ થયો કે આપણી-ભારતની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે. આજે હું અહીં જે હોદ્દા પર છું, તેનો શ્રેય હું આપણા દેશની શિક્ષણ વ્યવસ્થાને આપું છું.”

“ભારતમાં બધું જ ખરાબ છે”- તેવું કહેનારાઓને આ કથા અર્પણ છે.

 
– દેવેન્દ્ર પટેલ

સુનંદા પુષ્કરનું મૃત્યુ હવે હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટરી

તા. ૧૦મી જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ નવી દિલ્હીની લીલા હોટલના એક રૂમમાંથી શશી થરુરનાં પત્ની સુનંદા પુષ્કરની લાશ મળી. એ વખતે શશી થરુર કેન્દ્રીય મંત્રી હતા. આજે તેઓ કોંગ્રેસના સાંસદ છે. સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી લીધી હોવાનું એ સમયનું પોલીસનું અનુમાન હતું. હવે એક વર્ષ બાદ પોલીસ એવું કહી રહી છે કે”સુનંદા પુષ્કરની હત્યા કરવામાં આવી હતી.”

સુનંદા પુષ્કરનું મૃત્યુ થયું એ પહેલાં તેમના પતિ શશી થરુર પાકિસ્તાની ટેલિવિઝન પત્રકાર મેહર તરાર સાથે પ્રેમમાં હોવાની વાતો ઘૂમરાતી હતી અને એ કારણે પતિ-પત્ની વચ્ચે તનાવ હોવાની પણ ચર્ચા હતી. પાકિસ્તાની પત્રકાર મેહર તરારે એવું કાંઈ પણ હોવાનો ઈન્કાર કરી દીધો હતો પરંતુ સુનંદા થરુરના અકુદરતી મૃત્યુ માટે પહેલાં આત્મહત્યાની થિયરી આવી અને તે પછી હવે હત્યાનો મામલો બની જતાં આખેઆખો કેસ ‘હાઈપ્રોફાઈલ-મર્ડર મિસ્ટરી’ બની ગયો છે.

દિલ્હીના પોલીસ કમિશનરનું કહેવું છે કે, સુનંદા પુષ્કરના મૃત્યુની તપાસ માટે ગઠિત મેડિકલ બોર્ડનો નિષ્કર્ષ છે કે તેમનું મૃત્યુ ઝેરના કારણે થયું છે. તેમને કોઈએ પ્રવાહીરૂપે ઝેર પીવરાવ્યું હશે અથવા ઈન્જેક્શન દ્વારા ઝેર આપ્યું હશે. આ કેસમાં પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ માટે પોલીસ શશી થરુરને પણ બોલાવી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે આ કેસમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) અને સેન્ટ્રલ ફોરેન્સિક લેબોરેટરી અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ્સ વિરોધાભાસી છે.

સુનંદા પુષ્કરને આપવામાં આવેલા ઝેરની તપાસ માટે તેમના વિસેરા વિદેશ મોકલવામાં આવશે. સુનંદા પુષ્કરને જે ઝેર અપાયું હોવાનો પોલીસને સંદેહ છે તે ઝેર અત્યંત કાતીલ અને ભારતમાં અપ્રાપ્ય છે. આ ઝેર થેલીનિયમ, પોલિનિમય અથવા ઓલેન્ડર હોઈ શકે છે. આ ઝેર શરીરમાં જાય એટલે માત્ર અડધા કલાકમાં જ તેની અસર હૃદય પર પડે છે. તે હૃદયના કોષોને નુકસાન પહોંચાડે છે. હૃદયના ધબકારાને અટકાવી દે છે. મોટેભાગે પોલેનિયમ નામનું ઝેર સુનંદા પુષ્કરને અપાયાની પોલીસને શંકા છે.

શરૂઆતમાં એમ માનવામાં આવતું હતું કે, સુનંદા પુષ્કર તનાવમાં રહેતા હતા અને એન્ટી ડિપ્રેશન દવાઓ લેતા હતા. હોટલમાં તેમના રૂમમાંથી ‘એલેપ્રેક્સ’ નામની ગોળીઓના બે વપરાયેલા પત્તા મળી આવ્યાં છે પરંતુ તેમના વિસેરામાંથી ‘આલ્પારોઝમ’તત્ત્વ મળ્યું નથી.

સુનંદા પુષ્કરના મૃતદેહ પરથી પંદર જેટલી નાની મોટી ઈજાઓ મળી આવી હતી પરંતુ તેમાં તેમને કોઈની સાથે સંઘર્ષ કરવો પડયો હોય એટલી ઊંડી નથી તો આ ઈજાઓ કેમ થઈ?

સુનંદા પુષ્કર જે હોટલમાં ઉતર્યા હતા તે હોટલ તેમને રૂમ નં. ૩૦૭ ફાળવ્યો હતો. જ્યારે તેમનો મૃતદેહ રૂમ નં. ૩૪૫માંથી કેમ મળી આવ્યો ?

સુનંદા પુષ્કરના મૃતદેહ જે રૂમમાંથી મળી આવ્યો તે રૂમમાંથી હોટલની લોબીમાં સુનંદાના મૃત્યુ સમયે લોબીના સીસીટીવી કેમેરા કામ કરતા નહોતા. કેમ ?

સુનંદાના શરીર પરથી ઇન્જેકશનમાં નિશાન મળી આવ્યા છે. પણ એ નિશાન ડોક્ટરો સામાન્ય રીતે શરીર પર ખભાની નીચે આપે છે તે સ્થળેથી મળ્યા નથી. બલ્કે ઈન્જેક્શનનાં નિશાન હાથની આંગળીઓ પરથી મળ્યાં છે કેમ?

પોલીસે જે શોધવાનું છે તેમાં સૌથી પ્રથમવાત સુનંદાની જે હત્યા થઈ હોય તો તેની પાછળનો હેતુ શુંં? આ કેસ ક્રાઈમ બ્રાંચને સોંપાયો તેના બે જ કલાકમાં આ કેસ સ્થાનિક પોલીસને કેમ સોંપાયો? સુનંદા પુષ્કરના શરીર પર ઈજાઓ કેમ? તા.૨૭મી સપ્ટેમ્બરે રિપોર્ટ આવી ગયો હતો તો તેના વિસેરાના નમૂના તપાસ માટે વિદેશ કેમ ના મોકલાયા? જ્યાંથી સુનંદાનો મૃતદેહ મળ્યો ત્યાંથી એલ્પ્રેક્સ ટેબ્લેટસના પત્તા કેમ મળ્યા?

સુનંદા પુષ્કરની સાથે સંકળાયેલાં (સંડોવાયેલાં નહીં) જે પાત્રો છે તેમાં શશી થરુર, હોટલનો સ્ટાફ કે જેણે કહ્યું કે મેં સુનંદા પુષ્કરને સૂતેલાં જોયા હતા, શશી થરુરનો ડ્રાઈવર બજરંગ કે જેણે શશી થરુરના ઓએસડી અભિનવ કુમારને જાણ કરી અને તે પછી અભિનવ કુમારે પોલીસને જાણ કરી, સુનંદા પુષ્કરની સખી નલિનીસિંઘ કે જેમણે કહ્યું હતું કે, શશી થરુરના પાકિસ્તાની મહિલા પત્રકાર સાથેના કહેવાતા એફેરથી સુનંદા પુષ્કર તનાવમાં રહેતાં હતાં, શશી થરુરનો નોકર નારાયણસિંઘ અને ત્રણ અન્ય વ્યક્તિઓ કે જેઓ શશી થરુર અને સુનંદા પુષ્કરને હોટલમાં મળ્યા હતા અને તે પછી શશી થરુર ચાલ્યા ગયા હતા, તે બધાની પૂછપરછ થઈ શકે છે.

સુનંદા પુષ્કરના મૃત્યુના મામલામાં દિલ્હી પોલીસ હવે એક નવી જ બાબત પર તપાસ કરી રહી છે. ખાસ કરીને સુનંદા પુષ્કરના આઈપીએલ કનેક્શનની બાબતમાં પોલીસ ઊંડી ઉતરી રહી છે. કેટલાંક વર્તુળો માને છે કે સુનંદા પુષ્કર પોતે આઈપીએલની એક ટીમ સાથે સંકળાયેલા હતા અને તે ટીમ અંગે કેટલાક વિવાદો પણ ઊભા થયા હતા. સુનંદા પુષ્કર આઈપીએલમાં કાળા નાણાના ઉપયોગ અંગે કેટલાક રહસ્યો જાણતા હતા. અને તે રહસ્યો સુનંદા પુષ્કર જાહેર કરી દેવા માંગતા હતા. આઈપીએલની નવી ટીમની બાબતમાં તેના સાઉદી કનેક્શન બહાર આવ્યા હતા.

એમ મનાય છે કે, સુનંદાના હત્યારા શાયદ દુબઈથી આવ્યા હતા. પોલીસ સુનંદા પુષ્કરની હત્યાના દિવસે સાઉદી અરબથી આવેલા બે વ્યક્તિઓની પણ તપાસ કરી રહી છે. તે બંને વ્યક્તિઓ એ જ હોટલમાં ઉતર્યા હતા અને સુનંદા પુષ્કરના મૃત્યુ બાદ બેઉ હોટલ છોડી ગયા હતા તેથી એવી શંકા છે કે દુબઈથી આવેલા આ બે માણસોનો હાથ પણ સુનંદાની હત્યામાં હોઈ શકે છે.

એ જ રીતે સુનંદા પુષ્કરના કરીબી દોસ્તોની પણ જાણકારી પોલીસ મેળવી રહી છે એ દિવસે હોટલના જે કર્મચારીઓ ડયૂટી પર હતા તેમની પૂછપરછ થઈ શકે છે. પોલીસને એ વ્યક્તિની પણ તલાશ છે કે જેણે ઘટના બાદ સુનંદા પુષ્કરના રૂમની સાફસૂફી કરી હતી. ઘટના પહેલા સુનંદા પુષ્કરે કોને કોને ફોન કર્યા હતા તે બાબતની પણ કોલ ડિટેઈલ્સ મેળવવામાં આવી રહી છે. એ સંદિગ્ધ મોબાઈલ નંબરોની પણ તપાસ થઈ રહી છે કે સુનંદાની હત્યાના દિવસે હોટલની આસપાસ વધુ સક્રિય હતા.

શશી થરુરના ઘરનો નોકર નારાયણસિંહ શશી થરુરની મુશ્કેલીઓ વધારી શકે છે. તેણે પોલીસમાં આપેલા નિવેદનમાં એવું કહ્યું હોવાનું મનાય છે કે સુનંદા પુષ્કરના મૃત્યુની ઘટના પહેલાં શશી થરુર અને સુનંદા પુષ્કર વચ્ચે ‘કેટી’ નામની કોઈ મહિલાની બાબતમાં વારંવાર ઉગ્ર ઝઘડો થયો હતો. મૃત્યુ પહેલાં સુનંદા પુષ્કર મીડિયાને પણ મળવા માંગતા હતા. તેઓ કદાચ આઈપીએલ મેચ અંગે કોઈક વાત ઉજાગર કરવા માગતા હતા. વળી સુનંદા પુષ્કર બીમાર હતા ત્યારે કાંઈ પણ બોલ્યા વગર શશી થરુર જતાં રહ્યાં તે વાતથી મેડમ ગુસ્સામાં હતા અને એે પછી મેડમ ગુસ્સો કરી બોલ્યા હતા કે, ”સાહબ કો છોડુંગી નહીં. ઉન્હો ને મેહર તરાર (પાકિસ્તાની મહિલા પત્રકાર)કો મેરે પિછલે પતિ કે બારે મેં સબ બતા દીયા હૈ.”

શશી થરુર દુબઈમાં ત્રણ દિવસ સુધી મેહર તરારને મળ્યા હોવાની તસ્વીરો બહાર આવી છે. દિલ્હી પોલીસ પાકિસ્તાની મહિલા પત્રકાર મેહર તરારની પણ પૂછપરછ કરી શકે છે. મેહર તરાર સાશે શશી થરુરના સંબંધોનો પણ આક્ષેપ થયેલો છે. સુનંદા પુષ્કરનું મૃત્યુ નીપજ્યું તે રાત્રે ત્રણ અલગઅલગ લોકો સુનંદાને મળવા અલગઅલગ સમયે હોટલ પર આવ્યા હતા. નિષ્કર્ષ એવો નીકળે છે કે, સુનંદા પુષ્કરના મોતની પાછળ મોટા લોકો (અંડર વર્લ્ડના માણસો સહિત)નો હાથ હોઈ શકે છે. સુનંદા પુષ્કરનું મૃત્યુ થયું ત્યારે યુપીએ-૨ સરકાર અસ્તિત્વમાં હતી. હવે સરકાર બદલાઈ ગઈ છે. એ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. શશી થરુરનું વ્યક્તિત્વ જ એટલું આકર્ષક છે કે કોઈ સ્ત્રી તેમની તરફ ખેંચાઈ શકે છે અને શશી થરુર પણ કોઈ સ્ત્રીના મિત્ર બની શકે છે પરંતુ શશી થરુર તેમના પત્નીની હત્યાની સાજીસ રચે તે માનવું મુશ્કેલ છે.

સુનંદા પુષ્કરનું મૃત્યુ અગાથા ક્રિસ્ટીની રહસ્યમય નવલકથા જેવી ગૂંચવણભરી ઘટના છે. આ હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટરી દિવસે ને દિવસે વધુ ને વધુ ‘મર્કી’ થતી જાય છે. સાચા હત્યારાઓ અને હેતુ સુધી પહોંચવું તે દિલ્હીની પોલીસ માટે એક મોટો પડકાર છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

મહારાજાને ‘૧૩-તોપો’ની સલામી આપવામાં આવતી

જીંદના મહારાજા રણબીરસિંહના જીવનનાં કેટલાંક ઉત્કૃષ્ટ કાર્યો અત્રે પ્રસ્તુત છે.

મહારાજા રણબીરસિંહનો જન્મ તા. ૧૧ ઓક્ટોબર, ૧૮૭૯ના રોજ થયો હતો. એ વખતે જીંદ પંજાબમાં હતું. હવે તે હરિયાણામાં છે. તેમના રાજ્યનો બાકીનો ભાગ પંજાબમાં છે. મહારાજાના પિતાનું નામ ટીક્કા શ્રી બલબીરસિંહ સાહિબ બહાદુર હતું. તેઓ તેમના એકમાત્ર પુત્ર હતા. રણબીરસિંહ ચાર વર્ષની વયના હતા તે વખતે જ તેમના પિતાનું અવસાન થયું. તેમના દાદાનું નામ મહારાજા રઘુબીરસિંહ હતું. ૧૮૮૭માં તેમના દાદાનું અવસાન થયા બાદ રણબીરસિંહ ગાદીએ બેઠા. તેમણે ૧૮૮૭થી ૧૯૪૮ સુધી શાસન કર્યું.

તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટન માટે પોતાના લશ્કરની એક ટુકડી મોકલી હતી. તે પછી ૧૯૧૯માં બીજા વિશ્વયુદ્ધ વખતે પણ જાપાન સામે લડવા તેમના લશ્કરની ટુકડી મોકલી હતી. મહારાજા રણબીરસિંહ પોતે તાલીમ પામેલા યોદ્ધા હતા અને બ્રિટિશ આર્મીમાં બ્રિગેડિયરની રેંક સુધી પહોંચ્યા હતા. તેમણે આર્મીને એક કારકિર્દી તરીકે અપનાવી હતી.

મહારાજા રણબીરસિંહ એક પ્રગતિશીલ શાસક તરીકે જાણીતા બન્યા હતા. તેમણે શાળાઓ, હોસ્પિટલો અને અનાથ આશ્રમો પણ બંધાવ્યાં. વિધવા સ્ત્રીઓ માટે અલગ ચેરિટી ફંડની વ્યવસ્થા કરી હતી. તેમના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત કર્યું હતું.

૧૯૦૯માં ‘કેસીએસઆઈ’ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૧૬માં ‘જીસીઆઈઈ’ અને ૧૯૧૯માં તેમને ‘રાજેન્દ્ર બહાદુર’ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૨૬માં બ્રિટિશ સરકારે ૧૩ તોપોની સલામી અને ૧૫ બંદૂકોની સલામી આપવાનો નિર્ણય કર્યો હતો.

મહારાજા રણબીરસિંહ લગ્ન બાદ પાંચ પુત્રો અને સાત પુત્રીઓના પિતા બન્યા હતા. તેમના રાજ્યાભિષેક વખતે મહારાજા ઓફ પતિયાલા, રાજા ઓફ નાભા અને નવાબ ઓફ કોટલા તથા બ્રિટિશ સરકારના લેફ્ટનન્ટ ગવર્નર પોતે હાજર રહ્યા હતા. તેમની સિયાસતની રાજધાની સંગરૂર ખાતે આવેલા મહેલને તેમણે પુનઃર્નિિમત કરી સુંદર અને આકર્ષક બનાવ્યો હતો. તેમણે સંગરૂરના બજારનું પણ પુનઃ નિર્માણ કર્યું હતું. નવા બગીચાઓ, નવાં મંદિરો, પાણીની ટાંકીઓ, મેટલના રસ્તાઓનું પણ તેમણે નિર્માણ કર્યું હતું.

એક સમયે દાદરી અને તેની આસપાસના વિસ્તારમાં કેટલાક લોકોએ બળવો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહારાજા રણબીરસિંહે જાતે જ તેમની સેનાની આગેવાની લઈ બળવાને દબાવી દીધો હતો. બીજા અફઘાન યુદ્ધ વખતે તેમણે ૭૦૦ ઘોડેસવારો, બીજા સૈનિકો અને આખી આર્ટીલરી યુદ્ધમાં મોકલી હતી.

જીંદની રાજધાની સંગરૂરમાં આજે પણ મહારાજા રણબીરસિંહની યાદો જોડાયેલી છે.

નાની ઉંમરમાં જ તેઓ મોટા અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતા હતા. તેમણે કાનૂની તંત્રમાં સુધારા લાવી અદાલતો જલદી ફેંસલા લે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. જમીનોના તબાદલાના મુકદ્દમા ઓછા થાય તેવી કાનૂની વ્યવસ્થા ગોઠવતાં જીંદ રાજ્યની જમીનોની કિંમતો ઊંચકાઈ અને પ્રજા ખુશ થઈ ગઈ હતી.

સન ૧૮૯૯-૧૯૦૦માં મહારાજા રણબીરસિંહ ગાદી ઉપર બિરાજમાન હતા ત્યારે આ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડયો હતો. મહારાજા રણબીરસિંહે પ્રજાને રાહતો આપવા માટે અસરકારક પગલાં લેતાં રૂ. ૨,૨૬,૭૧૦ની સહાયતા આપી હતી એટલું જ નહીં,પરંતુ ભવિષ્યમાં દુષ્કાળની સ્થિતિ નિર્માણ પામે તો તેનો સામનો કરવા સિંચાઈ માટે ૧૭૨ કૂવા ખોદવામાં આવ્યા હતા.

મહારાજા રણબીરસિંહે સત્તા હાથમાં લીધી ત્યારે અનુભવ્યું કે, અધિકારીઓના વેતન તેમની જવાબદારીઓ કરતાં ઘણાં ઓછા હતા. જેથી મહારાજાએ તુરંત જ વેતન વધારા માટે આદેશ કર્યા હતા. ઉપરાંત નવા વિભાગ પણ બનાવ્યા હતા. મહારાજાએ લોકો માટે આરોગ્ય સેવા તેમ જ સાફસફાઈની સુવિધા પ્રદાન કરવા માટે વિશેષ પગલાં પણ લીધાં હતાં. સમગ્ર રજવાડામાંહોસ્પિટલ તેમ જ દવાખાનાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં.

મહારાજા રણબીરસિંહે પશુઓની તકલીફને સમજી રૂ. ૮૪ હજારના ખર્ચે વેટરનરી હોસ્પિટલની સ્થાપના કરી હતી. જ્યાં ત્રણ પશુ ચિકિત્સક સેંકડો પશુઓની સારવાર કરતા હતા. ઉપરાંત પ્રજાની સુરક્ષાને ગંભીરતાથી લેતાં પોલીસ વિભાગમાં પણ નોંધપાત્ર સુધારા કર્યા હતા. પોલીસ વિભાગમાં થતાં ૩૮ હજારના ખર્ચને વધારી ૫૫ હજાર કર્યો હતો.

વેપાર-વાણિજ્યની વૃદ્ધિ માટે મહારાજાએ પરસ્પર સંકલન વધારવા સાથે માર્ગ સુધારણાની કામગીરીને પ્રાધાન્ય આપ્યું હતું. ઉપરાંત રાજ્યમાંથી પસાર થતી રેલવે લાઈનનું વિસ્તરણ કરવા વધુ રેલવે ટ્રેક બનાવડાવ્યા હતા. ૧૯૦૯માં સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવી હતી. થોડા સમયમાં જ આ મંડળીઓની કુલ સંખ્યા ૬૫ જેટલી થઈ ગઈ હતી અને તેની કુલ મૂડી ૧.૪૦ લાખ રૂપિયા પહોંચી હતી. આ સોસાયટીઓથી ખેડૂતોને ફાયદો થયો અને ગિરવે મૂકેલી જમીનો છોડાવવામાં સફળતા મળી હતી.

મહારાજાએ રાજગાદી સંભાળી તેને ૨૭ ફેબ્રુઆરી, ૧૯૧૩ના રોજ ૨૫ વર્ષ પૂરાં થયાં. શાસનની સિલ્વર જ્યુબિલી નિમિત્તે રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે અધિકારીઓ અને આગેવાનોને ઘણા સરપાવ-જમીન જાગીર આપવામાં આવી હતી. મહારાજાએ ઇમ્પિરિયલ ર્સિવસ રેજિમેન્ટના જવાનોના વેતનમાં વધારો કર્યો હતો અને સંગરૂરમાં એક અનાથ આશ્રમની સ્થાપના કરી હતી. સાથેસાથે લોકોના દેવાં માફ કરવા ઉપરાંત ૫૦ હજાર સુધીની માગણી પણ પૂરી કરી હતી. રાજ્યમાં જૈન દેરાસરોના નિર્માણ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લીધો હતો. સરકારી કર્મચારીઓને માસિક ૧૫ રૂપિયાની આવક હોય તેમને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ઇમ્પિરિયલ ર્સિવસ ઇનફેક્ટ્રીના જવાનોના વેતન વધારામાં એક રૂપિયા સુધીનો વધારો તેમ જ ફૌજી અને પોલીસને એક સપ્તાહનો વધારાનો વેતન વધારો આપવા માટે આદેશ કર્યો હતો.

૧૯૧૭માં તેમણે શાસનની ડાયમન્ડ જ્યુબિલી ઊજવી હતી. તેમને મળેલા ઇલકાબો પણ ઉત્કૃષ્ટ હતા. તેમને હીઝ હાઈનેઝ ફરજંદ-એ-દિલબંદ, રાસિખુલ-એતકદ, દૌલતે ઇંગ્લિશિયા, રાજા-એ-રાજગાન મહારાજા રણબીરસિંહ તરીકે સંબોધવામાં આવતા હતા. ૧૯૦૩માં તેમને દિલ્હી દરબાર ગોલ્ડ મેડલ અને ૧૯૧૧માં ફરી દિલ્હી દરબાર ગોલ્ડ મેડલ એનાયત થયા હતા. ૧૯૧૬માં તેમને’નાઈટ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ ધી ઈન્ડિયન એમ્પાયર’,૧૯૩૫માં કિંગ જ્યોર્જ-પાંચમા સિલ્વર જ્યુબિલી મેડલ, ૧૯૩૭માં કિંગ જ્યોર્જ ૬ઠ્ઠા કોરોનેશન મેડલ, ૧૯૩૭માં નાઈટ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઇન્ડિયા અને ૧૯૪૭માં તેમને ‘ઇન્ડિયા ઈન્ડિપેન્ડન્સ’થી નવાજવામાં આવ્યા હતા.

મહારાજા રણબીરસિંહ એક પ્રગતિશીલ અને પ્રજાવત્સલ રાજા હતા. તા. ૩૧ માર્ચ, ૧૯૪૮ના રોજ તેમનું દુઃખદ અવસાન થયું. આજે પણ લોકોના દિલમાં તેમની યાદો અને તેમના પ્રત્યેનું સન્માન ચિરંજીવ છે. રાજપૂત સમાજ પ્રત્યે સંપૂર્ણ આદર સાથે મહારાજા રણબીરસિંહના જીવનના ઉત્તમ યોગદાનની કથા અહીં પ્રસ્તુત કરાઈ છે.

– દેવેન્દ્ર પટેલ

મારે મધર મેરીની ઉપાસના કરવી છે પણ હું અજ્ઞાાની છું

વિશ્વભરમાં નાતાલની ઉજવણી થઈ રહી છે ત્યારે વિશ્વના મહાન લેખક અને નોબેલ પુરસ્કાર વિજેતા આનાતોલ ફ્રાન્સે લખેલી એક કથા અહીં પ્રસ્તુત છે :

એ વખતે ફ્રાન્સમાં લૂઈનું રાજ્ય હતું. ફ્રાન્સના એક નાનકડા નગરમાં બાર્નેબી નામનો એક નટ કલાકાર રહેતો હતો. શહેરોમાં ફરીને તેની નટકળાના હેરતગંજ નમૂના પેશ કરતો હતો. તાંબાના છ સિક્કા પગેથી ઉચાળી હાથથી પકડી લેતો હતો. એક ડઝન ચાકુ વારાફરતી ઉછાળી બીજા હાથે ઝીલી લેતો હતો. લોકો તેના ખેલ જોઈ મંત્રમુગ્ધ થઈ જતા હતા. શહેરોમાં અને ગામોમાં રખડયા બાદ સાંજ પડયે કોઈ એક સડક પર સાદડી બિછાવી સૂઈ જતો હતો. જીવનની તમામ મુશ્કેલીઓથી તે ટેવાઈ ગયો હતો. કોઈ વાર વરસાદ પડતો, કોઈ વાર બરફ પડતો તો કોઈ વાર વાવાઝોડું આવતું, પણ બાર્નેબી બધું સહન કરી લેતો હતો.

કોઈ વાર ભૂખ્યા જ સૂઈ જવું પડતું. તે સીધો અને સરળ આદમી હોઈ બધાં જ દુઃખોને સહન કરી લેતો હતો. બાર્નેબીએ ધનસંપત્તિ પેદા કરવા કદી વિચાર જ કર્યો નહોતો. એણે કદીયે વિચાર્યું નહોતું કે, મનુષ્ય-મનુષ્યમાં સમાનતા કેમ નથી. બધાંને એકસરખું ભોજન કેમ નથી મળતું એ પણ તેણે વિચાર્યું નહોતું. હા, એને વિશ્વાસ હતો કે, આ જન્મમાં કોઈ મનુષ્યને દુઃખ છે તો ભવિષ્યમાં સ્વર્ગમાં તો સુખ અવશ્ય મળશે. આ આસ્થા પર જ તે દુઃખ સહી લેતો હતો. બાર્નેબીએ ઈશ્વરને કદીયે નિર્દય કહ્યા નહોતા. તેને પત્ની નહોતી છતાંયે કોઈ પણ સ્ત્રી પર તે નજર નાખતો નહોતો. પવિત્ર બાઈબલમાં લખેલી સેમસન એન્ડ ડલાઈલાહની કહાણી તે જાણતો હતો. આ કહાનીએ તેને શીખવ્યું હતું કે, “કોઈ પણ શક્તિશાળી પુરુષની સૌથી મોટી શત્રુ નારી છે.”

બાર્નેબી ધર્મભીરુ હતો. કોઈ વાર ચર્ચ પાસેથી પસાર થતો તો મધર મેરી (ઇસુનાં માતા)ની પ્રતિમા સમક્ષ જઈ ઘૂંટણિયે પડી પ્રાર્થના કરતો : “હે દેવી ! જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તું મારી રક્ષા કરજે. મારા મૃત્યુ પછી હે માતા ! તું મને સ્વર્ગના બધાં જ સુખ આપજે.”

એક દિવસ તે કંઈ બબડતો હતો અને એક પાદરી તેને સાંભળી ગયા. તેમણે પૂછયું “તું કોણ છે?”

બાર્નેબી બોલ્યો : “મારું નામ બાર્નેબી છે. હું લોકોને નટકળાના ખેલ બતાવું છું. જીવનમાં આનાથી વધુ સારું બીજું શું કામ હોઈ શકે જે મને બે વખતની રોટી આપી શકે ?”

સંન્યાસીએ કહ્યું : “જો બાર્નેબી ! સમજી વિચારીને જવાબ આપજે. સંસારમાં ભિક્ષુ-જીવનથી વધુ આનંદદાયક બીજું કોઈ જીવન નથી. ખ્રિસ્તી ભિક્ષુ તરીકેનું જીવન જીવતો માનવી જ હંમેશાં ભગવાનને યાદ કર્યા કરે છે. ભિક્ષુ જ મધર મેરીને સતત પ્રાર્થના કરતો રહે છે.”

બાર્નેબીએ ખ્રિસ્તી સંન્યાસીને કહ્યું : “હે મહારાજ ! આપનાં અને મારાં કર્મોની સરખામણી કેવી રીતે થઈ શકે ? હું લોકોને ખુશ કરવા ચાકુ ઉછાળવાની કળા જાણું છું, પણ મારામાં આપના જેવા કોઈ ર્ધાિમક ગુણ નથી. હા, હું દિવસ-રાત ભગવાનને યાદ કરું છું અને મધર મેરીને પ્રાર્થના કરું છું. તમે કહેતા હો તો તમારા જેવો ભિક્ષુ-સંન્યાસી બનવા મારી નટકળાનો ધંધો છોડવા પણ તૈયાર છું.”

નટ બાર્નેબીની સરળતાથી ખ્રિસ્તી સાધુ પ્રભાવિત થયા. તેઓ બોલ્યા : “બાર્નેબી ! તું ભલો આદમી છે. આજથી તું મારો મિત્ર છે. તું મારી સાથે ચાલ. હું તને એ ધર્મસ્થળે લઈ જઈશ, જેનો હું અધ્યક્ષ છું. હું તારા જીવનની મુક્તિનો પથદર્શક બનવા માગું છું.”

અને તે દિવસે જ બાર્નેબી પણ ખ્રિસ્તી સાધુ બની ગયો. તેને એક વિહારમાં લઈ જવામાં આવ્યો, જ્યાં બધા જ ખ્રિસ્તી સંન્યાસીઓ મધર મેરીની એક યા બીજી રીતે ઉપાસના કરતા હતા. અહીં રહેતા સંન્યાસીઓ અત્યંત બુદ્ધિમાન અને કોઈ ને કોઈ શસ્ત્રવિદ્યામાં પારંગત હતા. વિહારના અધ્યક્ષ મધર મેરીની વંદનામાં કોઈ ને કોઈ ધર્મશાસ્ત્ર લખી ઉપાસના કરતા હતા. બ્રધર મોરિસ નામના સાધુ અધ્યક્ષ લખેલી પ્રતિલિપિને ચામડાના પત્ર પર ઉતારી લેતા હતા. બ્રધર એલેક્ઝાન્ડર નામના સાધુ એ પુસ્તક માટે ર્ધાિમક ચિત્રો દોરી મધર મેરીની ઉપાસના કરતા હતા. એ બધાં જ ચિત્રો તેઓ મધર મેરીના ચરણોમાં અર્પણ કરતા હતા. બ્રધર મારબોડ નામના એક સાધુ પથ્થર પર શિલ્પકામ કરી મધર મેરીની પ્રતિમાઓ અને ર્મૂિતઓ ઘડતા હતા. તેઓ પણ મધર મેરીને આ રીતે રાજી કરવા પ્રયાસ કરતા હતા. એ સિવાય બીજા એક ખ્રિસ્તી સાધુ સાહિત્યકાર હતા. તેઓ લેટિન ભાષામાં મધર મેરીની પ્રાર્થનાઓ અને કવિતાઓ લખતા હતા. બીજા એક સાધુ મધર મેરીનાં યશોગાન કરતાં ગીતો જ ગાઈ મધર મેરીની ઉપાસના કરતા હતા.

આ બધું જોઈ બાર્નેબીએ પોતાની જાત માટે લાંબો નિઃસાસો નાખ્યો. તેને પોતાની અજ્ઞાાનતા માટે બહુ જ અફસોસ થયો. એ વિચારવા લાગ્યો કે, “બીજા સંન્યાસીઓની જેમ હું મધર મેરીની ઉપાસના કરી શકતો નથી. મધર મેરીનાં યશોગાન લખી શકતો નથી. મધર મેરીનાં યશોગાન ગાઈ પણ શકતો નથી. મધર મેરીની ર્મૂિત પણ બનાવી શકતો નથી. હું મૂર્ખ છું. મારામાં કોઈ ગુણ જ નથી.”

આવું વિચારતો બાર્નેબી દુઃખી રહેવા લાગ્યો. એણે જોયું તો એક સાંજે કેટલાક સાધુઓ બીજા એક અજ્ઞાાની સાધુની ચર્ચા કરતા હતા. એક સાધુ પાસે કોઈ જ્ઞાાન નહોતું. તે ઉપેક્ષિત હતો. તે માત્ર ‘મેરી મેરી’ બોલ્યા કરતો હતો. એક દિવસ તેનું મૃત્યુ થયું ત્યારે તે ‘મેરી મેરી’ બોલતો હતો અને જેટલી વાર તે ‘મેરી મેરી’ બોલ્યો એટલી વાર તેના મુખમાંથી ગુલાબના ફૂલ નીકળ્યાં. આ કહાણી સાંભળ્યા બાદ બાર્નેબીના હૃદયમાં મધર ર્વિજન મેરી માટેની શ્રદ્ધા એકદમ વધી ગઈ, પણ પોતાના અજ્ઞાાન માટે ફરી અફસોસ થયો. આમ છતાં એણે મનોમન નક્કી કરી નાખ્યું કે, હું મધર મેરીને ઉપાસના કરી જરૂર રાજી કરી લઈશ.” … પણ કઈ રીતે એ તે નક્કી કરી શકતો નહોતો. એ વધુ ઉદાસ રહેવા લાગ્યો.

એક દિવસ સવારે તે ઊઠયો ત્યારે બહુ જ પ્રસન્ન હતો. તે દોડીને ચર્ચમાં ગયો. એક કલાક સુધી ચર્ચમાં રહ્યો. બપોરનું ભોજન લી તે ફરી ચર્ચમાં ગયો. આ રીતે તે વધુ ને વધુ સમય ચર્ચની અંદર જ સમય પસાર કરવા લાગ્યો. બીજા સાધુઓ જ્યારે પુસ્તક લખતા, પત્ર પર લિપિ ઉતારતા, ર્મૂિતઓ બનાવતા, કવિતાઓ લખતા ત્યારે એકલો બાર્નેબી જ ચર્ચમાં પ્રવેશી જતો. બહારથી બારણું બંધ કરી દેતો અને મોડેથી તે બહાર આવે ત્યારે બહુ જ પ્રસન્ન લાગતો. તેના ચહેરા પરથી ઉદાસી હવે ગાયબ થઈ ગઈ હતી.

ખ્રિસ્તી સંકુલના વડા પાદરી કે જે અધ્યક્ષ હતા તેઓ તેમના તમામ શિષ્ય પર નજર રાખતા હતા. એક દિવસ તેઓ બે વૃદ્ધ સાધુઓ સાથે સંકુલના ચર્ચ તરફ ગયા અને જોયું તો ચર્ચનાં બારણાં બંધ હતાં. તેમણે ચર્ચના જૂના દરવાજાની તિરાડમાંથી જોયું તો મધર મેરીની પ્રતિમાની સમક્ષ બાર્નેબી તાંબાના સિક્કા પગથી ઉછાળી હાથમાં ઝીલી રહ્યો હતો. તે પછી બાર જેટલા ચાકુ હવામાં ઉછાળી વારાફરતી ઝીલી રહ્યો હતો. એક પણ ચાકુ તે નીચે પડવા દેતો નહોતો. જે કળાથી તે પ્રસિદ્ધ હતો તે કળાનું પ્રદર્શન કરી મધર ર્વિજન મેરીને તે પ્રસન્ન કરવા પ્રયાસ કરી રહ્યો હતો.

આ દૃશ્ય બીજા બે વૃદ્ધ સાધુઓએ પણ જોયું. તેમના મોંમાંથી આઘાત સાથે શબ્દો નીકળી પડયા : “ઓહ ગોડ! આ માણસ તો ધર્મ વિરુદ્ધનું આચરણ કરી રહ્યો છે. આ તો પાપ છે.”

પરંતુ ચર્ચ સંકુલના વડા પાદરી- અધ્યક્ષ જાણતા હતા કે, બાર્નેબીનો આત્મા શુદ્ધ છે, પણ અત્યારે તે પાગલ થઈ ગયો છે. તેથી સાવધાનીપૂર્વક તેને મધર મેરીની ર્મૂિત આગળથી હટાવી લેવો જોઈએ. તેઓ ચર્ચના દ્વાર ખોલવાનો વિચાર કરતા હતા ત્યાં જ તેમણે એક અલૌકિક દૃશ્ય નિહાળ્યું. તેમણે જોયું તો ચર્ચની ભીતર એક પવિત્ર પ્રકાશપુંજ રેલાયો. મધર મેરી ખુદ પોતાના આસન પરથી ઊતરી નીચે આવ્યાં અને પોતાના નીલાંચલ વસ્ત્રથી ચાકુ ઉછાળી ઉછાળીને થાકી ગયેલા બાર્નેબીના કપાળ પરથી પસીનો લૂછયો.

આ દૃશ્ય જોઈ ચર્ચના વડા પાદરી બારણાની બહાર જમીન પર ઘૂંટણિયે બેસી ગયા અને બોલ્યા : “સરળ હૃદયના માનવી જ ધન્ય છે, કારણ કે એવા લોકો જ ઈશ્વરનાં દર્શન કરી શકશે.”

બીજા બંને વૃદ્ધ સાધુઓએ પણ પૃથ્વીને ચૂમતાં કહ્યું : “તેમ જ થાય.”

– વિશ્વના મહાન સાહિત્યકાર આનાતોલ ફ્રાન્સની લખેલી કહાણી અહીં પૂરી થાય છે. તેમણે આવી તો અનેક અદ્ભુત વાર્તાઓ લખી છે. આનાતોલ ફ્રાન્સનો જન્મ ઈ.સ. ૧૮૪૪માં ફ્રાન્સમાં પેરિસ ખાતે થયો હતો. એક કવિતાસંગ્રહ બહાર પાડયો. ૧૮૮૧ની સાલમાં તેમણે એક નવલકથા લખી : ‘ધી ક્રાઈમ ઓફ સિલ્વેસ્ટર બોનાર્દ.’ આ કૃતિએ ચાલીસ વર્ષ સુધી સાહિત્યજગતમાં પ્રભાવ જમાવી રાખ્યો અને આનાતોલ ફ્રાન્સ દુનિયાભરમાં મશહૂર થઈ ગયા. એ પછી તેમણે ‘થાયા’ લખી, જેણે આનાતોલ ફ્રાન્સને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. ‘જોન ઓફ આર્ક’ તેમની મહાન રચના સાબિત થઈ. ફ્રાન્સની લાઈબ્રેરીઓ હજુ તેમનાં પુસ્તકોની ઉ
પેક્ષા કરતી હતી, પરંતુ ઈ.સ. ૧૯૨૧માં તેમને સાહિત્યના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો અને લોકોએ હવે તેમને ધ્યાનપૂર્વક વાંચવાનું શરૂ કર્યું. તેઓ સામ્યવાદના વિરોધી હતા. તેઓ યુદ્ધવિરોધી અને શાંતિના ચાહક હતા. આ મહાન કથાકારનું ૧૯૨૪માં અવસાન થયું.

મેરી ક્રિસમસ.

– દેવેન્દ્ર પટેલ

ઇન્ટરનેટ સિન્ડ્રોમ

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

તમારાં બાળકો ચીડિયાં થઈ ગયાં છે, ગભરાય છે?

ઇન્ટરનેટ. આ સદીની અત્યંત મહત્ત્વપૂર્ણ ખોજ છે. કોમ્યુનિકેશન્સ માટે આ ક્રાંતિકારી ખોજ છે. એક જમાનામાં રાજા-મહારાજાઓ કબૂતરો દ્વારા સંદેશા મોકલાવતા હતા. એ પછીના જમાનામાં અમદાવાદથી લખાયેલો પત્ર પંદર દિવસ કે મહિને ઇંગ્લેન્ડ પહોંચતો. આજે પલકવારમાં ઇન્ટરનેટથી દુનિયાના કોઈ પણ છેડે સંદેશો મોકલી શકાય છે. ઇન્ટરનેટે વિશ્વના જ્ઞાાનના દરવાજા ખોલી પણ નાખ્યા છે. ઈ-મેલ, ફેસબુક, માય પેજથી માંડીને ટ્વિટર દ્વારા સોશિયલ મીડિયા નામનું નવું જ ક્ષેત્ર ખૂલી ગયું છે. ઇન્ટરનેટ જેટલા ફાયદા લાવ્યું છે તેટલાં ખતરનાક જોખમો પણ લાવી રહ્યું છે. હવે તો બાળકના હાથમાં મોબાઇલ છે તો તેની પર જ્ઞાાનથી માંડીને વિજ્ઞાાન અને લેટેસ્ટ ફિલ્મથી માંડીને પોર્ન-ફિલ્મો પણ ઉપલબ્ધ છે. તેની પર નિયંત્રણ શક્ય નથી. ઇન્ટરનેટ પર બોમ્બ બનાવવાની ટેક્નિક પણ આસાનીથી ઉપલબ્ધ છે.એથીયે ખતરનાક વાત એ છે કે કિશોર વયનાં બાળકો અને યુવાનો માટે ઇન્ટરનેટ એક ‘વ્યસન’ બનતું જાય છે. તમારું બાળક ટીવી પણ જોતું હોય અને મોબાઇલ પર પણ તે વ્યસ્ત હોય છે. આને ઇન્ટરનેટ એડિક્શન કહે છે.

સારવાર કેન્દ્ર

ઇન્ટરનેટ પર બાળકોની વધી રહેલી લતને દૂર કરવા દિલ્હીમાં એક કેન્દ્ર ખોલવું પડયું છે. નવી દિલ્હીના સર્વોદય અન્ક્લેવ નામના કેન્દ્રને ‘સેન્ટર ફોર ચિલ્ડ્રન ઇન ઇન્ટરનેટ એન્ડ ટેક્નોલોજી ડિસ્ટ્રેસ’ એવું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં ઇલાજ કરવા માટે આવેલાં મોટાભાગનાં બાળકોના વધુ પડતા ઇન્ટરનેટના ઉપયોગના કારણે વ્યવહાર આક્રમક થઈ ગયો હતો. આમાં બાળકો એકાંતમાં રહેવા લાગ્યાં હતાં. કમ્પ્યૂટર વિના તેઓ બેચેની અનુભવતાં હતાં. અત્યાર સુધીમાં ૬૦થી વધુ બાળકો સારવાર લઈ ચૂક્યાં છે. અહીં ઇલાજ માટે આવેલાં બાળકોની ઉંમર ૮થી ૧૯ વર્ષ સુધીની હતી. વીડિયો ગેઇમ, લેપટોપ અથવા ટીવી સામે લાંબો સમય સુધી ચીપકી રહેવાને કારણે તેમની શારીરિક ગતિવિધિઓ ઓછી થતી જતી હોય છે. એના કારણે બાળકોમાં ડાયાબિટીસ, મોટાપો, વજન વધી જવું વગેરેનો ખતરો રહે છે. આવાં કેટલાંય બાળકો આઇપેડ સિન્ડ્રોમનાં શિકાર બની ગયાં હતાં.એટલે કે કોઈ બાળક પાસેથી મોબાઇલ કે આઈપેડ છીનવી લેવામાં આવે તો તે બાળકો નારાજ થઈ જાય છે અથવા તો ગુમસૂમ થઈ જાય છે. કેટલાંક બાળકોને સતત મેસેજ મોકલવાની આદત પડી જાય છે. તેને ‘ટેક્સ્ટ ફોબિયા’ કહે છે.

શું છે લક્ષણો?

આઇપેડ સિન્ડ્રોમની બીમારીનાં લક્ષણો આ રહ્યાં: થ્રીજી નેટવર્ક કે વાઇફાઈ અચાનક બંધ થઈ જાય તો તેના યુઝરનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અથવા તો તે પોતાની જાતને અસહાય અનુભવે છે. આ સિન્ડ્રોમનો શિકાર બનેલાં બાળક કે યુવાન જૂઠું બોલવા માંડે છે અને જૂઠું બોલવાના નવા નવા રસ્તા શોધી કાઢે છે. દિવસની શરૂઆત જ તે ઓનલાઇન થવાથી કરે છે અને પોતાના મેસેજ જોવા લાગે છે. એ બાળક કે યુવાનને એવી અનુભૂતિ થાય છે કે, ચેટિંગ, ગેઇમ, સ્માર્ટ ફોનના વપરાશ વખતે આસપાસના લોકો માતા-પિતા મને લડે છે અને મારા કામમાં દખલ કરે છે. ઓફલાઇન થતાં જ સ્વભાવમાં ઝડપથી બદલાવ આવે છે અને બધું નિરાશાજનક લાગે છે. “ઓનલાઇન પર તું શું કરે છે?” – એવું પૂછતાં જ તે આક્રમક બની જાય છે અને ચીજો છુપાવવા માંડે છે. આ બધાં ઇન્ટરનેટ એડિક્શનનાં લક્ષણો છે. આ એક પ્રકારની માનસિક બીમારી જ છે. તેમાંથી જલદી મુક્તિ જરૂરી છે.

સમાજથી દૂર થાય છે

સેન્ટર ફોર ચિલ્ડ્રન ઇન ઇન્ટરનેટ એન્ડ ટેક્નોલોજી ડિસ્ટ્રેસના નિષ્ણાતોનું કહેવું છે કે, ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગથી બાળકો સમાજ જીવનથી કપાઈ જાય છે. તેઓ નાની-નાની બાબતોની જાણકારી અને જરૂરી માહિતી માટે ફેસબુક, વોટ્સ એપ, જેવાં માધ્યમો પર વધુ પડતો આધાર રાખે છે. આ માધ્યમો દ્વારા કેટલીક વખત બાળકોને ખોટી માહિતી પણ મળે છે અને તે માહિતી બાળકના જ્ઞાાનને ખરાબ કરવાનું કામ પણ કરે છે. ઇન્ટરનેટના એડિક્શનની અસર બાળકોની સ્મરણશક્તિ તથા પરીક્ષાનાં પરિણામો પર પણ પડે છે. અત્યંત હોશિયાર બાળક અચાનક ઓછા માર્ક્સ લાવે છે. સાચી વાત એ છે કે ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગને કારણે બાળક વાસ્તવિક દુનિયાથી કપાઈ જાય છે. તે વર્ચ્યુઅલ દુનિયામાં જ જીવે છે. આવા બાળકની વાણી અને વ્યવહાર બદલાઈ જાય છે. આઇપેડ સામે સતત ચોંટી રહેતું બાળક જોતાં જ સાઇકિક લાગે છે. એના માટે આઇપેડ સિવાય બહાર કોઈ દુનિયા જ નથી. હકીકતમાં તે એક ખતરનાક અંધકારના ગર્તામાં ડૂબેલો માનસિક રીતે બીમાર બાળક બની જાય છે.

મનોરોગી બાળકો

નવી દિલ્હીના સુધાર કેન્દ્ર પર લાવવામાં આવેલાં ૬૦ જેટલાં બાળકો પૈકી મોટાભાગનાં બાળકો ૮થી ૧૯ વર્ષની વયનાં હતાં. તે પૈકી ૧૩થી ૧૭ વર્ષનાં બાળકો પૈકી ૭૩ ટકા બાળકો મનોરોગી બની ચૂક્યાં હતાં. તેમનો વ્યવહાર પણ અસામાન્ય હતો. સ્વસ્થતાપૂર્વક વાત પણ કરી શકતાં નહોતાં.કેટલાંક તો રીઢા ગુનેગારની જેમ ઘણી બધી વાતો છુપાવતાં હતાં. કેટલાંક ટેક્સ્ટ ફોબિયાના શિકાર હતાં. આ કેન્દ્રમાં આવેલા ૧૪ વર્ષના એક બાળકને ઇન્ટરનેટ વગર ગભરાટ થતો હતો. તેને કોઈ પણ વાત માટે ટોકવામાં આવે તો ઉગ્ર પ્રતિક્રિયા આપતું હતું, ગુસ્સે થઈ જતું હતું. તેને ભણવામાં કે પાઠયપુસ્તકોનાં વાંચનમાં રસ નહોતો. ઇન્ટરનેટની સામે સ્કૂલમાં ભણવાની પ્રવૃત્તિને તે બીજા નંબરની પ્રવૃત્તિ સમજતું હતું. આવાં બાળકોનાં માતા-પિતા અને વાલીઓ જાગૃત હોઈ તેમને આ સુધાર કેન્દ્રમાં લાવવામાં આવ્યાં હતાં. તપાસ કરતાં માલૂમ પડયું હતું કે, આ બાળકો ‘ઇન્ટરનેટ સિન્ડ્રોમ’નો શિકાર બની ચૂક્યાં હતાં.

ઉપાય શક્ય છે

ઇન્ટરનેટ સિન્ડ્રોમનો શિકાર માત્ર બાળકો જ નથી બનતાં. યુવાનો અને મોટેરાઓ પણ બને છે. ઘણા અતિ શિક્ષિત અધિકારીઓ અને એક્ઝિક્યુટિવ્સ પણ ચાલુ મિટિંગે આઇપેડ પર વ્યસ્ત રહેતા જણાય છે. ઘણા યુવા નેતાઓ પણ આ સિન્ડ્રોમના શિકાર બનેલા હોય છે. સામે મુલાકાતી બેઠેલા હોય તોપણ તેઓ મોબાઇલ પર આંગળાં ફેરવતાં રહે છે અને સામે મળવા આવેલ ગંભીર પ્રકૃતિનો અતિથિ ખરાબ છાપ લઈને જતો હોય છે. હા, બાળકોને લાગેવળગે છે ત્યાં સુધી મનોચિકિત્સકોની સલાહ છે કે, તેઓ તેમનાં બાળકોને વધુ ને વધુ બહાર મેદાન પર જઈ રમવાની સલાહ આપે. એ શક્ય ન હોય તો ઘરમાં છૂપાછૂપી ખેલવાની સલાહ આપે. એ પણ શક્ય ન હોય તો ‘સ્ટેચ્યુ’ જેવી રમત ખેલવાની સલાહ આપે. વિષ અને અમૃત જેવી રમતો રમવાની સલાહ આપે. મેદાન પર જઈ ખો-ખો ખેલે તો તે સહુથી ઉત્તમ છે. રાજા-મંત્રી, ચોર-સિપાહી, કેરમ, શતરંજ પણ ખેલવાની સલાહ આપે. એક જમાનામાં માતા-પિતા કે દાદા-દાદી બાળકો સાથે ‘અડકો દડકો દહીં દડૂકો’ ખેલતાં હતાં. હવે એ ન આવડતું હોય તો બાળક સાથે અંતકડી રમો. મોટેરાઓને લાગેવળગે છે ત્યાં સુધી ઇન્ટરનેટ એડિક્શનમાંથી બહાર આવવું હોય તો મેસેજ મોકલવાના બદલે કોલ કરો. બાળકો માટે હોમવર્ક ડાઉનલોડ કરતી વખતે સોશિયલ મીડિયા સાઇટ કે ગેઇમિંગ સાઇટ બાળકોને ખોલવા ન દો.

યાદ રાખો કે ઇન્ટનેટ એ બેધારી તલવાર છે.તે જ્ઞાાન લાવે છે અને અજ્ઞાાન તથા ખતરનાક પરિણામો લાવનારાં તમામ દૂષિત જ્ઞાાન પણ લાવે છે. ઇન્ટરનેટ બાળકની સર્જનાત્મક શક્તિને ખતમ કરી દેનારું દૂષણ પણ છે. ઇન્ટરનેટનો ઉપયોગ અપડેટ રહેવા માટે ભલે કરો, પણ તમારી ક્ષમતાઓની પાંખો કાપી નાખે એટલી હદે એનો ઉપયોગ ન કરો.

Page 1 of 3

Powered by WordPress & Theme by Anders Norén