Devendra Patel

Journalist and Author

Month: August 2014 (Page 1 of 2)

સાનિયા મિરઝાની બ્રાન્ડ સામે નેતાની માર્કેટિંગ વેલ્યૂ ઝીરો

દેશના નેતાઓને કશું કામ રહ્યું નથી. આમ પ્રજાના પ્રશ્નો ઉકેલવાના બદલે કયા શહેરનું નામ શું રાખવું, કયા રાજ્યનું નામ શું રાખવું,કઈ યોજનાને કોનું નામ આપવું અને કયા રાજ્યમાં કોને બ્રાન્ડ એમ્બેસેડર ન બનાવવા ? આવા વાહિયાત અને એબ્સર્ડ મુદ્દાઓ પર જ વિવાદ સર્જવામાં રસ છે. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે ટેનિસ સ્ટાર સાનિયા મિરઝાને તેલંગાણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરતાં જ ભાજપના નેતા કે. લક્ષ્મણ મેદાનમાં કૂદી પડયા અને એ વાતનો વિરોધ કરતાં કહ્યું કે, “સાનિયા મિરઝા તો મહારાષ્ટ્રમાં જન્મી હતી, પાછળથી હૈદરાબાદમાં આવીને વસી ગઈ તેથી તે ‘બહારની’ છે અને હવે પાકિસ્તાનની વહુ છે.” કે. લક્ષ્મણના આ નિવેદનનો વિરોધ કરતાં સાનિયાએ કહ્યું કે, “મારું પરિવાર એક સદી કરતાં પણ વધુ વર્ષથી હૈદરાબાદમાં વસે છે. મને’બહારની’ કહેવું તે નીંદનીય છે. મેં પાકિસ્તાનના ખેલાડી શોએબ મલિક સાથે શાદી કરી છે, પરંતુ હું ભારતીય છું અને મૃત્યુપર્યંત ભારતીય રહીશ.”

મોદીએ શરીફને બોલાવ્યા

સાનિયા મિરઝાને તેલંગાણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના વિરોધમાં ભાજપના નેતા કે. લક્ષ્મણે જે વિરોધ કર્યો છે તેની સાથે તેમની પાર્ટીના લોકો પણ ભાગ્યે જ સંમત હશે. પક્ષના દિલ્હીના નેતાઓનાં જે બયાન આવ્યા છે તે જોતાં લાગે છે કે, પક્ષ આ વિવાદમાં બહુ ઊંડો ઊતરવા માગતો નથી. હા, સંઘના કોઈ કટ્ટરવાદી નેતાઓ કે. લક્ષ્મણની વાત સાથે સંમત હોઈ શકે છે, પરંતુ જે પક્ષ આજે કેન્દ્રમાં સત્તા પર છે તે આવું બેજવાબદાર વલણ અખત્યાર કરી શકે નહીં. જે રીતે પાકિસ્તાનમાં એક વર્ગ છે જે હંમેશાં ભારત વિરોધી બયાનો કરીને રાષ્ટ્રપ્રેમી તરીકે ઓળખાવા માગે છે તે રીતે ભારતમાં પણ આવા છૂટાછવાયા નેતાઓ છે જેઓ પાકિસ્તાનના નામ માત્રનો વિરોધ કરી પોતાની જાતને દેશભક્ત કહેવરાવવા માગે છે. એ તો સારી વાત છે કે, ભાજપની જ બનેલી કેન્દ્ર સરકારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૂઝબૂઝ વાપરીને તેમના શપથ ગ્રહણ સમારંભમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને નવી દિલ્હી બોલાવ્યા હતા.

દીકરી એ દીકરી છે

ભાજપના નેતા કે. લક્ષ્મણને સાનિયા મિરઝાના નામ સામે વાંધો એટલા માટે છે કે, તેણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યાં છે અને તે હવે પાકિસ્તાનની વહુ છે. આ વિચારધારા જૂનવાણી અને વામણી છે. સાનિયા પાકિસ્તાનની વહુ થઈ છે તેથી તે ભારતની દીકરી મટી જતી નથી. દીકરી તો દીકરી જ રહે છે. એ પરાયું ધન થાય એટલે તે જન્મ આપનાર માતા-પિતાની દીકરી મટી જતી નથી. એ જ રીતે કોઈપણ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે જે તે સેલિબ્રિટી એ જ રાજ્યની વતની હોય તે જરૃરી નથી. અમિતાભ બચ્ચને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનીને ગુજરાતની ખુશ્બૂનો આખા દેશમાં પ્રચાર કર્યો,પણ અમિતાભ બચ્ચન તો મૂળ અલ્હાબાદના છે અને વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયા છે. તેમ છતાં નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. તેની સામે સાનિયા મિરઝાના તો દાદાઓ જ નહીં, પણ વડદાદાઓ પણ વર્ષો પહેલાં હૈદરાબાદમાં સ્થાયી થયા હતા. સાનિયા મિરઝાની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં છે. જો ભાજપના નેતા કે. લક્ષ્મણ એકલા જ દેશભક્ત છે તો તેમણે જ તેલંગાણાના મફતમાં બ્રાન્ડ એમ્બેસેડર બની જવાની જરૃર હતી. કે. લક્ષ્મણને આજે પણ કોઈ ઓળખતું નથી. તેઓ સાનિયા મિરઝાનો વિરોધ કરીને જ જાણીતા થયા છે. તેઓ દેશભરમાં જાણીતા થયા તે માટે પણ તેમણે સાનિયા મિરઝાનો આભાર માનવો જોઈએ. તેલંગાણામાં ટુરિસ્ટ્સને કે મૂડીરોકાણકારોને ખેંચી લાવવા હોય તો સાનિયા મિરઝા સામે કે. લક્ષ્મણની વેલ્યૂ ઝીરો છે.

રાષ્ટ્રીયતા બદલી નથી

સાનિયા મિરઝા ભારતની સૌથી વધુ સફળ મહિલા ટેનિસ ખેલાડી છે. તેની એટીપી રેંકિંગ જેટલી હતી એટલી આજ સુધી કોઈપણ ભારતીય મહિલા મેળવી શકી નથી. ટેનિસ દ્વારા પોતાની સ્વતંત્ર પહેચાન બનાવનાર સાનિયા મિરઝાએ શાદી પછી નથી તો પોતાનું નામ બદલ્યું કે નથી તો રાષ્ટ્રીયતા. સાનિયા મિરઝાએ હજુ સુધી પાકિસ્તાનની રાષ્ટ્રીયતાનો સ્વીકાર કર્યો નથી. તેનો પાસપોર્ટ પણ ભારતીય છે અને નિઃસંદેહ તે ભારતીય છે. સાનિયાએ કહ્યું છે કે, “હું મૃત્યુપર્યંત ભારતીય રહીશ.” આથી વધુ સાનિયાની ભારતીયતા માટેની બીજી કસોટી શું હોઈ શકે ? આમ પણ બ્રાન્ડ એમ્બેસેડર એ કોઈ બંધારણીય હોદ્દો નથી કે જેના માટે નાગરિકતા સૌથી અહમ મુદ્દો હોય છે. સૌથી મોટી નોંધપાત્ર વાત એ છે કે, ટેનિસ સ્ટાર સાનિયા મિરઝાને તેલંગાણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા સામે રાજ્યના એક પણ ખેલાડીએ કે રમતગમતના મંડળે વિરોધ કર્યો નથી. બલ્કે આવી ટીકા રાજકારણી તરફથી જ આવી છે તેથી મનપસંદગીના યુવક સાથે માત્ર લગ્ન કરવાના કારણે જ તેને પાકિસ્તાની કહી સાનિયાને રડાવી દેવાનું કામ ભારતના આવા ક્ષુલ્લક રાજકારણીઓ કરી રહ્યા છે. આ બેજવાબદાર નેતાઓને એ વાતની ખબર નથી કે તેલંગાણા તાજું જ જન્મેલું રાજ્ય છે. તેને પગભર થવા માટે મૂડીરોકાણકારોની કેન્દ્રની મદદની અને દેશ-દુનિયાના લોકોની જરૃર છે. તેલંગાણા તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સાનિયા મિરઝાથી શ્રેષ્ઠ બ્રાન્ડ એમ્બેસેડર બીજી કોઈ વ્યક્તિ હોઈ શકે નહીં. કારણ કે સાનિયા મિરઝા ખુદ હૈદરાબાદની છે. તેમના જ રાજ્યની દીકરી છે. ભાજપાના કે. લક્ષ્મણ જેવા બેજવાબદાર નેતાના વિરોધના કારણે તો જે ઇન્વેસ્ટર્સ તેલંગાણા જવા માગતા હશે તેઓ પણ વિચાર માંડી વાળશે. ઉદ્યોગકારોને કોમી ઉશ્કેરણી કરનાર નેતાઓના સંવેદનશીલ રાજ્યોમાં વેપારધંધા કે ઉદ્યોગો નાખવામાં કોઈ જ રસ હોતો નથી.

અસલી પ્રશ્નો કયા ?

દેશમાં આવી સંકુચિત વિચારધારાવાળા નેતાઓ અનેક છે. જે પ્રશ્ન જ નથી તેને પ્રશ્ન-સમસ્યા બનાવી રહ્યા છે. તેલંગાણાની સમસ્યા છે ગરીબી, બેકારી, ભૂખમરો અને વિકાસ. દેશના રાજનેતાઓએ આવી ગંભીર સમસ્યાઓ પરત્વે ધ્યાન આપવું જોઈએ. આવો વ્યર્થ વિવાદ કરવાથી તો તેઓ તેમના રાજ્યને જ નુકસાન પહોંચાડી રહ્યા છે. કોઈને મહારાષ્ટ્ર ભવનમાં ખાવાનું સારું મળતું નથી તે સામે વાંધો છે તો કોઈને રાજ્યનો પ્રચાર કરનાર સેલિબ્રિટી સામે વાંધો છે. આ બધા પ્રશ્નો આંધ્ર અને તેલંગાણાની કે મહારાષ્ટ્રની પ્રજાના નથી. નેતાઓએ આંધ્ર અને તેલંગાણાના વિભાજનથી જે સમસ્યાઓ પેદા થઈ છે તેની તરફ ધ્યાન આપવું જોઈએ. દેશનું નામ ઊંચું કરનારી દેશની બેટીને પરાઈ કહેવાવાળા તેમની સંકુચિત માનસિકતા જ દર્શાવે છે. તેલંગાણાને સાનિયા મિરઝાની જરૃર છે, આપણા નેતાઓની નહીં.

રાજ્યોની પ્રજાની અસલી સમસ્યાઓ પર ધ્યાન આપવાના બદલે નેતાઓ નવા પ્રશ્નો ઊભા કરે છે

એની નજર રાજકુમારી પરથી હટીને તેની દીકરી પર હતી

રાજકુમારી અને કોમલ- એ મા- દીકરી હતાં. કાનપુરમાં રહેતા ગુપ્તા પરિવારમાં બે દીકરીઓ જન્મી હતી. મોટી દીકરીનું નામ શિવકુમારી અને નાની દીકરીનું નામ રાજકુમારી. વયસ્ક થતાં મોટી દીકરી શિવકુમારીને ઉમાશંકર ગુપ્તા નામના ડ્રાઈવર સાથે પરણાવી દેવાઈ. પરંતુ એક અકસ્માતમાં શિવકુમારીનું મોત થતાં નાની દીકરી રાજકુમારીને પણ ઉમાશંકર સાથે પરણાવી દેવાઈ.

ઉમાશંકર ટ્રક ચલાવતો હોઈ આખું અઠવાડિયું બહાર રહેતો હતો. તેની પત્ની રાજકુમારી અત્યંત ખૂબસૂરત હતી. તેને સુંદર દેખાવાનો બેહદ શોખ હતો. ફેશનપરસ્ત પણ હતી. તે બહાર નીકળતી તો કેટલાંયે યુવાનો તેની સાથે વાત કરવા પ્રયાસો કરતા. ધીમે ધીમે તે બે દીકરીઓની માતા પણ બની ગઈ.

એક દિવસ નક્કી કરેલા દિવસ કરતાં આગળના દિવસે ઉમાશંકર મોડી રાત્રે ઘેર આવ્યો હતો. રાજકુમારી ઘરના બેડરૃમમાં એક યુવાન સાથે અજુગતી હાલતમાં રાત્રી પોષાકમાં હતી. બંને નાની દીકરીઓ બીજા રૃમમાં સૂતી હતી. એણે એ રાત્રે જ પત્ની રાજકુમારીને બંને પુત્રીઓ સાથે ઘરની બહાર કાઢી મૂકી.

થોડાક સમય માટે રાજકુમારી પિયરમાં રહી પરંતુ તેની ચાલચલગતના કારણે માતા-પિતાએ પણ તેને તેની બે દીકરીઓ સાથે ઘરની બહાર કાઢી મૂકી. હવે તે કાનપુરના એક અંતરિયાળ વિસ્તારમાં ભાડાનું મકાન લઈ દીકરીઓ સાથે રહેવા લાગી. દિવસે તે રેલવે સ્ટશને જઈ ગુટકા વેચતી. અહીં પણ એ યુવાનોને પોતાના હસીન સ્વરૃપથી આકર્ષતી. ગુટકા વેચવાની સાથે સાથે પોતાના શરીરના પ્રદર્શન દ્વારા એણે કેટલાયે યુવાનોને પોતાને દિવાના બનાવી દીધા હતા. તેની દીકરીઓ પણ હવે મોટી થવા લાગી હતી.

પાન-મસાલા વેચતાં વેચતાં તે તેને મનપસંદ યુવકને શિકાર બનાવતી. એ રીતે એનું ઘર ચાલતું. એક દિવસ રેલવે સ્ટેશન પર સંદીપ દીક્ષિત ઉર્ફે નેતા નામના યુવાન સાથે તેનો સંપર્ક થયો. સંદીપ દીક્ષિત તેને જોતાં જ રાજકુમારીના પ્રેમમાં પડી ગયો. સંદીપ દીક્ષિત રોજ રાત્રે તેના ઘેર આવવા લાગ્યો. સંદીપ હૃષ્ટપુષ્ઠ અને દેખાવડો હતો. રાજકુમારીને તે ગમી ગયો હતો. રાજકુમારી પણ બે દીકરીઓની મા હોવા છતાં જબરદસ્ત આકર્ષક લાગતી હતી. બંને વચ્ચે અનૈતિક સંબંધો બંધાયા. હવે સંદીપ દીક્ષિત નિયમિત રીતે રાજકુમારીના ઘરે આવવા લાગ્યો. બંને દીકરીઓ પણ તેને પિતા સમજવા લાગી હતી. સમય વીતતો ગયો.

રાજકુમારીની મોટી દીકરી રીના હવે ૧૬ વર્ષની થઈ ગઈ. તે હવે યુવાનીના ઉંબરે ઊભી હતી. સંદીપ દીક્ષિત ઉર્ફે નેતાની નજર હવે મા પરથી હટીને તેની દીકરી રીના પર સ્થિર થઈ. રોજ કોઈને કોઈ બહાને તે રીનાને સ્પર્શી લેતો. વળી રીના પણ હવે સમજણી થઈ ગઈ હતી. તે પણ માતાના સંદીપ દીક્ષિત સાથેના અવૈદ્ય સંબંધો વિશે જાણતી હતી. એ ચોરી છૂપીથી ઘણું બધું જોઈ ગઈ હતી.

એક દિવસ રાજકુમારી બીમાર હતી. સંદીપ દીક્ષિત તેના માટે દવા લેવા ગયો. સાથે ઊંઘની ગોળીઓ પણ લેતો આવ્યો. તેણે રાજકુમારીને દવાની સાથે ઊંઘની ગોળીઓ પણ ખવરાવી દીધી. રાજકુમારી થોડી જ વારમાં ઊંઘી ગઈ એટલે થોડી જ વારમાં સંદીપ દીક્ષિત બાજુના રૃમમાં સૂતેલી રીના પાસે પહોંચી ગયો. એ રીનાને સ્પર્શ્યો. રીના જાગી ગઈ. તે ચીસ પાડવા જતી હતી ત્યાં જ સંદીપે એનું મોં દબાવી તેને પાશમાં લઈ લીધી. રીનાને એક વિચિત્ર અહેસાસ થયો. રીનાને બધું ગમવા લાગ્યું. એ થોડીક જ ક્ષણોમાં વિહ્વળ થઈ. સંદીપને વળગી રહી. બીજા દિવસે રાતની ઘટનાની કોઈ ફરિયાદ માનેે કે નાની બહેન કોમલને કરી નહીં.

એ રાત પછી સંદીપ દીક્ષિત રોજ રાજકુમારી માટે ઊંઘની ગોળીઓ લઈ આવતો. ચાની સાથે તેને ઊંઘની ગોળીઓ પીવરાવી દેતો. રાજકુમારી ઊંઘી જતી અને તે તેની પુત્રી રીના પાસે પહોંચી જતો. રીના સાથે સંબંધ બંધાયા બાદ તે રાજકુમારીથી દૂર ભાગવા લાગ્યો. રાજકુમારીને હવે શક પણ થવા લાગ્યો હતો. તેને પુત્રી રીનાની ગતિવિધિ પર શક થયો. એક દિવસ ખુદ રીનાએ જ કહ્યુંઃ ”મમ્મી! બે મહિનાથી મને….”! રાજકુમારી સ્તબ્ધ થઈ. રીનાના ઉદરમાં બે માસનો ગર્ભ હતો. રીનાએ કબૂલ કર્યુંઃ ”હા… મમ્મી મારા પેટમાં સંદીપનું બાળક છે.”

આ સાંભળતા જ રાજકુમારીએ માથું પટક્યું. એ પ્રેમી કેવો જે મા અને દીકરી સાથે સંબંધ રાખે? તેને ખ્યાલ આવી ગયો કે ”મેં ઘરમાં સંદીપ નામનો સાપ જ પાળ્યો છે, જેણે મારી દીકરીને પણ ડંસી લીધી.” રોજની જેમ રાત્રે સંદીપ ઘરે આવ્યો ત્યારે રાજકુમારીએ એની સાથે ખૂબ ઝઘડો કર્યો અને બૂમરાણ મચાવી તેને ઘરમાંથી બહાર ચાલ્યા જવા કહ્યું. એ સાંભળ્યા બાદ સંદીપ દીક્ષિતે ઠંડા કંલેજે કહ્યુંઃ ”બૂમો પાડવાનો કોઈ અર્થ નથી. તારી જ આબરૃ જશે.”

રાજકુમારીને લાગ્યું કે, સંદીપની વાત સાચી છે. બૂમરાણ મચાવવાથી દીકરીની જ આબરૃનું લીલામ થશે અને પોતાના સંદીપ સાથેના નાજાયજ સંબંધોની પોલ પણ ખૂલી જશે. છેવટે સંદીપ અને રાજકુમારીએ મળીને એવો રસ્તો શોધી કાઢયો કે, રીનાને ગર્ભપાત કરાવી તેનું લગ્ન ક્યાંક કરાવી દેવું. સંદીપ દીક્ષિત ખુદ એક ગુનેગાર વૃત્તિ ધરાવતો શખ્સ હતો. તેણે એના જ ગોવિંદ દુબે નામના ગુનેગાર મિત્ર સાથે રીનાને પરણાવી દીધી. એ પહેલાં રીનાનો ગર્ભપાત પણ કરાવી દીધો. રીના હવે ગોવિંદ દુબેના ઘરે રહેવા જતી રહી.

રીનાનો પ્રશ્ન હલ થઈ જતાં સંદીપ દીક્ષિત ફરી રાજકુમારી સાથે રહેવા લાગ્યો. રીના જતી રહેતાંં રાજકુમારી હવે નિશ્ચિંત હતી. એ વખતે તેની નાની પુત્રી કોમલ કે જે હવે ૧૬ વર્ષની થઈ ચૂકી હતી તે હવે રામદુલારી સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતી હતી. સંદીપ દીક્ષિતની નજર હવે યુવાનીમાં ડગલાં માંડી રહેલી કોમલ પર પડવા લાગી. એક બે વાર રાજકુમારીની ગેરહાજરીમાં તેણે કોમલને સ્પર્શવા પ્રયાસ કર્યો પરંતુ કોમલે દૂર રહી જઈને સાંજે માંને ફરિયાદ પણ કરી દીધી.

રાજકુમારી તો પહેલાંથી જ સંદીપ પર નારાજ હતી. નાની દીકરી કોમલની ફરિયાદ બાદ તેનું કલેજું કાંપી ઊઠયું. તેણે સખ્ત શબ્દોમાં સંદીપને કહી દીધુંઃ ”મારી નાની દીકરી કોમલથી સો ગજ દૂર રહેજે.” સંદીપ એવી ચેતવણીઓ સાંભળી માત્ર સ્મિત કરતો. અલબત્ત રાજકુમારી હવે સંદીપ પર નજર રાખવા લાગી. તે કોમલને કદી એકલી પડવા દેતી નહીં, તેના બદલામાં સંદીપે રાજકુમારીને ઘર ચલાવવા પૈસા આપવાનું બંધ કરી દીધુંઃ રાજકુમારી ઘર ચલાવવા ફરી પાન-મસાલા વેચવા લાગી. સ્કૂલ છૂટી જાય તે પછી તે કોમલને પણ પોતાની સાથે રેલવે સ્ટેશન પર લઈ જતી.

આ બધી જ સતર્કતાઓ પછી પણ સંદીપ દીક્ષિત કોમલને પોતાની હવસનો શિકાર બનાવવાની તક શોધતો હતો. રાજકુમારી પણ સંદીપ દીક્ષિતથી દૂર રહેવા લાગી. કોઈવાર સંદીપ રાત્રે આવી જતો પણ રાજકુમારી પણ હવે સંદીપને પોતાના શરીરને સ્પર્શવા દેતી નહીં. એક દિવસ તો તેનું અપમાન કરીને રાજકુમારી સંદીપને ઘરની બહાર કાઢી મૂક્યો. સંદીપ સમસમીને ચાલ્યો ગયો.

આ વાતને કેટલાક દિવસો વીત્યા. સંદીપે રાજકુમારીના ઘરે આવવાનું બંધ કરી દીધું.

દિવસો વીતતા રહ્યા.

એક દિવસ નોબસ્તા વિસ્તારના પોલીસ સ્ટેશને કોઈકે માહિતી આપી કે, સિમરા ગામ પાસે એક બંધ બોરી પડી છે. તેમાં લાશ હોય તેમ લાગે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. એ બોરીનું મોં ખોલ્યું તો તેની અંદર એક અર્ધનગ્ન કિશોરીની લાશ હતી. એની વય ૧૬ વર્ષની લાગતી હતી.

એની થોડી વાર જ પછી પોલીસને બીજી માહિતી મળી કે કુંજ બિહાર પાસે ૨૧ નંબરના પુલિયા પાસે એક મહિલાની લાશ પડી છે. પોલીસે એ સ્થળે જઈને જોયું તો પોલિથિલીન બેગમાં એક મહિલાની લાશ પડેલી હતી. તેની બાજુમાં યાત્રી પાન મસાલાની કંપનીની બેગ પડેલી છે. મૃત મહિલાની ઉંમર ૩૫ વર્ષની લાગતી ગતી. બંને લાશો પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી. કાનપુરના દક્ષિણ ઈલાકામાં વાત ફેલાઈ ગઈ કે જે લાશો મળી છે તે મા- દીકરીની જ છે. પોલીસે બાતમીદારોને કામે લગાડયા. તરત જ માહિતી બહાર આવી કે સંદીપ દીક્ષિત ઉર્ફે નેતા નામનો ગુનેગાર રોજ રાત્રે જે ઘરમાં જતો હતો તે ઘર બંધ છે. તેમાં રહેતી રાજકુમારી અને તેની પુત્રી કોમલ ગૂમ છે.

બીજી બાજુ માનું ઘર બંધ જોઈ મોટી દીકરી રીનાને પણ શંકા ગઈ. એ સીધી પોલીસ સ્ટેશને ગઈ. હોસ્પિટલના શબ-રૃમના જઈ એણે મા રાજકુમારી અને બહેન કોમલના મૃતદેહોને ઓળખી કાઢયા. એણે બયાન આપ્યું ઃ ”આ કામ સંદીપ દીક્ષિત ઉર્ફે નેતાનું જ હોવું જોઈએ.”

પોલીસે ભારે જહેમત બાદ સંદીપ દીક્ષિતને પકડી લીધો. સંદીપ દીક્ષિત બોલ્યોઃ ”જે સ્ત્રીઓ મને સરેન્ડર ના થાય તેમની આ જ હાલત હું કરું છું. હું રાજકુમારીથી ધરાઈ ગયો હતો અને કોમલને ભોગવવા માંગતો ગતો. બંનેનો એ સામે વિરોધ હતો તેથી મેં જ એ બંનેને પતાવી દીધી છે.”

પોલીસ સંદીપ દીક્ષિતનું બયાન સાંભળી સ્તબ્ધ થઈ ગઈ.

– દેવેન્દ્ર પટેલ

મને ભજતાં મારા ભક્તોનો વિનાશ હું કદી થવા દેતો નથી

ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા પર બિરાજમાન છે, ત્યાં પૃથ્વી માતા આવીને બે હાથે પ્રણામ કરીને કહે છે : “હે પ્રભુ! હવે હું દુઃખોનો ભાર સહન કરી શકતી નથી. મારી કૂખે પાકેલી પુરુષ અને સ્ત્રીઓની નવી પેઢી પાપાચારમાં ડૂબી ગઈ છે, શાસકો સ્વાર્થી બન્યા છે, સત્તાના મદમાં મારાં સંતાનોને રંજાડે છે, ધર્મને અવગણે છે. પાપાચારી રાજકર્તાઓ બળજબરી અને કપટથી સ્ત્રી-પુરુષોને ભોળવે છે. સંતોને પણ વિડંબના કરે છે. હું તો દુઃખી દુઃખી થઈ ગઈ છું.”

ભગવાન નારાયણે કહ્યું :”પુત્રી! તેં મને જે કહ્યું તે બધું હું જાણું છું, તું નિર્ભય બન. મેં તને જે વચન આપ્યું છે તે વચનને હું બંધાયેલો છું,જ્યારે જ્યારે ધર્મ ગ્લાનિ પામે છે ત્યારે ત્યારે અધર્મનો વિનાશ કરવા હું પૃથ્વી પર અવતાર ધારણ કરું છું. મારા ભક્તોનો વિનાશ કદાપિ શક્ય નથી : હવે હું જરૃર આવીશ! “

એ દ્વાપર યુગનો સમય હતો જ્યારે યાદવો યમુના નદીના ફળદ્રૂપ તટ પર આવીને વસ્યા હતા. એ વિસ્તાર વ્રજભૂમિ તરીકે જાણીતો હતો. એ કાળમાં ભારતમાં મથુરા ખાતે રાજા ઉગ્રસેનનો પુત્ર કંસ એક ઉદ્ધત અને અભિમાની રાજા હતો. એક વાર નારદ મુનિ કંસ પાસે આવ્યા અને પાપના માર્ગથી પાછા વળવા કંસને સમજાવ્યો. એ સાંભળી કંસે કહ્યું : “મુનિવર, મને ઈશ્વરનો ભય નથી, હું કોઈનું બંધન સ્વીકારતો નથી.”

નારદજીએ મંદ સ્મિત સાથે કહ્યું : “વત્સ, ધર્મ અવિચલ છે, એનું ઉલ્લંઘન કરી શકાય નહીં, એટલું યાદ રાખજે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે તેની પુનઃસ્થાપના કરવા માટે ભગવાન પોતે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે.”

કંસે અટ્ટહાસ્ય કર્યું : “મુનિવર, કોઈ પણ દેવ કે માનવીની મારી આડે આવવાની તાકાત નથી.”

કંસની આ ઉદ્ધત વાણી સાંભળી નારદજી બોલ્યા : “તારી શક્તિનો તને આટલોબધો ગર્વ છે પણ ઈશ્વરે તારો વિનાશ નિરમી જ દીધો છે, જા, તારા કાકાની પુત્રી દેવકીનું આઠમું સંતાન તારો સંહાર કરશે.”

એટલું કહી નારદમુનિ અંતર્ધાન થઈ ગયા અને ભગવાન નારાયણે કારાવાસમાં પુરાયેલી દેવકીની કૂખે જન્મ લીધો. તે પછી બાળકને યમુના પાર કરાવી નંદરાજાને ઘેર લઈ જવામાં આવ્યો. નંદની પત્ની યશોદાને લાંબા સમય બાદ પ્રથમ પ્રસૂતિએ તેની સ્થિતિ વિષમ બની ગઇ હતી. સંતાન જન્મ્યું ત્યારે પીડાને કારણે તે બેભાન બની ગઈ હતી. યશોદા સવારે જાગ્રત થઈ ત્યારે વસુદેવની પત્ની રોહિણીએ બાળક તેના હાથમાં મૂક્યું. એ બાળકને છાતીસરસું ચાંપતાં કહ્યું : ” મારા લાલ, મારા લાડકવાયા!”

ઋષિ ગર્ગાચાર્ય અને વસુદેવ ત્યાં આવ્યા. કુળપુરોહિતે બાળકના જન્માક્ષર બનાવ્યા હતા. તદ્નુસાર બાળકનું નામ ક, છ અને ઘ પર પાડવાનું હતું. કોઈ તેને ઘનશ્યામ કહે છે, તે પછી વ્રજમાં ગંર્ગાચાર્યે વિધિપુરઃસર બાળકનું નામ કૃષ્ણ પાડયું.

એ સિવાય પણ કૃષ્ણનાં અનેક નામો છે. તેમનાં અનંત રૃપો હોઈ કૃષ્ણ ‘અનંતરૃપ’ તરીકે ઓળખાય છે. તેમનો કદી પણ ક્ષય થતો ન હોવાથી ‘અચ્યુતા’ તરીકે ઓળખાય છે. વિના પ્રયત્ને દુશ્મનનો નાશ કરવાની ક્ષમતા ધરાવતા હોવાથી ‘અરિસૂદન’ પણ કહેવાય છે. ‘કૃષ્ણ’ એટલે કે કૃષ-એ સત્તાવાચક શબ્દ છે અને ણ-એ આનંદવાચક શબ્દ છે. એ બંને સત્તા અને આનંદની એકતા સૂચક જે પરબ્રહ્મ છે તે ‘કૃષ્ણ’ કહેવાય છે. ક-બ્રહ્મા અને ઈશને(શિવને)વશમાં રાખનાર હોવાથી ‘કેશવ’ કહેવાય છે. ગો-એટલે વેદાંત વાક્યો જેના દ્વારા જાણી શકાય છે તેથી ‘ગોવિન્દ’ પણ કહેવાય છે. દુષ્ટજનોને તેઓ પીડતા હોવાથી ‘જનાર્દન’ કહેવાય છે. દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાથી ‘દેવવર’ કહેવાય છે. ક્ષર અને અક્ષર, એ બંને પુરુષોથી જે ઉત્તમ છે તે કારણે તેઓ ‘પુરુષોત્તમ’ કહેવાય છે. મધુ નામના દૈત્યને હણ્યો હોવાથી મધુસૂદન કહેવાય છે. માયાના-લક્ષ્મીના પતિ હોવાથી ‘માધવ’ કહેવાય છે. યદુ કુળમાં જન્મેલા હોવાથી ‘યાદવ’ કહેવાય છે. વસુદેવના પુત્ર હોવાથી ‘વાસુદેવ’ કહેવાય છે. ઈન્દ્રિયોના ઈશ-સ્વામી હોવાથી ‘ઋષિકેશ’ કહેવાય છે. સંસારરૃપી દુઃખો હરતા હોવાથી ‘હરિ’ કહેવાય છે. આ સિવાય પણ તેઓ દામોદર, કુંજબિહારી, બાંકેબિહારી, મુરલીધર, યોગેશ્વર, વનમાળી, શ્રીનાથજી બાબા, રણછોડરાય, શામળિયો, દ્વારકાધીશ, ગિરિરાજધરણ, લાલજી અને ગોકુલેશનાં નામે પણ ઓળખાય છે.

શ્રીકૃષ્ણનો અર્થ એ પણ છે કે જેનામાં સામેની વ્યક્તિને આકર્ષવાની શક્તિ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવોનું સ્વરૃપ એટલે જ પરબ્રહ્મ શ્રીકૃષ્ણ. સમગ્ર જગતના પરમવંદનીય હોય ‘શ્રી કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ’ કહેવાય છે. શ્રીકૃષ્ણ માત્ર ઉપદેશક જ નથી, પરંતુ ઉમદા માનવીય જીવન જીવીને ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડયો છે. એક સામાન્ય માનવીની જેમ તેમણે પણ સુખ-દુઃખ ભોગવી પરિશ્રમ સાથે કર્મ કર્યાં છે. અલબત્ત, તેઓ ભગવાન હોવાથી તેમને કર્મ સ્પર્શતાં નથી. શ્રીકૃષ્ણનું જીવન બાળપણથી જ દુષ્ટોના સંહારક અને ક્રાંતિકારી બનીને ધર્મરાજ્યની સ્થાપના, સમાનતા, પુરાણી ખોટી માન્યતાઓને તોડીને નવરચના કરવામાં વ્યસ્ત રહ્યું હોવાનું જણાય છે. શ્રીકૃષ્ણ એક રાજનીતિજ્ઞા પણ છે, આદર્શ અર્થશાસ્ત્રી પણ છે, આદર્શ શિક્ષક પણ છે, આદર્શ ઉપદેશક પણ છે, આદર્શ પિતાતુલ્ય રાજા પણ છે. રાજધર્મ રૃપે મહાભારતમાં, પ્રેમપૂજારી તરીકે વ્રજમાં, ક્રાંતિકારી તરીકે ઈન્દ્રની પૂજા છોડીને ગોવર્ધનની પૂજા કરાવવાની ક્રિયામાં તેઓ અનોખા દેખાય છે. તેઓ લોકનાયક પણ છે, નિરાભિમાની પણ છે, નિર્વેર પણ છે, નિરૃપમ પણ છે અને નિષ્કલંક પણ છે.

શ્રીકૃષ્ણનું જીવન પારદર્શક છે. ત્રણ ભુવનના નાથ હોવા છતાં અર્જુનના સારથી બનવાનું પસંદ કરે છે. દ્વારકાધીશ હોવા છતાં સુદામા સાથેની મૈત્રી નિભાવે છે. જગદીશ હોવા છતાં યુધિષ્ઠિરનાં પગરખાં સાચવે છે. રાજવી હોવા છતાં પાંડવોના રાજસૂય યજ્ઞામાં ઘોડાઓને ચારો નાખે છે. સાક્ષાત્ નારાયણ હોવા છતાં બ્રાહ્મણોનાં એંઠાં પતરાળાં ઉપાડે છે અને છેલ્લે તેમના પગમાં તીર મારનાર પારધીને માફી આપતા કૃષ્ણ તેને છાતીએ વળગાડી મોક્ષ બક્ષે છે.

પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છે : “આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના તાપનો નાશ કરનાર પરમાત્મા શ્રીકૃષ્ણનું જે શરણ લે છે તે જીવ ઈશ્વરનો થાય છે અને તે નિર્ભય બને છે. પરમાત્મા શ્રીકૃષ્ણનાં દર્શન કરવાથી માનવજન્મ સફળ થાય છે. ગમે તેવું સુંદર માનવસ્વરૃપ હોય પણ તેને તમે એક વાર જુઓ, બે વાર જુઓ, દશ વાર જુઓ પછી તેના પરથી મન હટી જશે પણ પરમાત્માનું સ્વરૃપ અતિ સુંદર છે, જેનું વર્ણન થઈ શકે તેમ નથી. કરોડો કરોડો કામદેવ કરતાં શ્રીકૃષ્ણ અતિ સુંદર છે. કરોડો કરોડો સૂર્ય કરતાં શ્રીકૃષ્ણ પ્રકાશમાન છે. કરોડો કરોડો ચંદ્ર કરતાં શ્રીકૃષ્ણ અતિ શીતળ છે. પરમાત્માનું વર્ણન કરતાં કરતાં વેદો પણ થાકી ગયા છે. તમે જેટલી વાર તેમનાં દર્શન કરો એટલી વાર નવો આનંદ આવે છે. દર્શન કરવાથી જે ધરાઈ જાય તે વૈષ્ણવ નહીં. પરમાત્માનું સ્વરૃપ નિત્ય નવીન છે.”

ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ગીતાના ૯મા અધ્યાયમાં કહે છે : “ક્રતુ એટલે કે શ્રોતકર્મ હું છું. યજ્ઞા એટલે કે પંચમહાયજ્ઞા વગેરે સ્માર્તકર્મ હું છું. સ્વધા એટલે કે પિતૃઓને તર્પણરૃપે અપાતું અન્ન હું છું. ઔષધ હું છું, મંત્ર હું છું, ઘૃત હું છું, અગ્નિ હું છું અને હવનરૃપી ક્રિયા પણ હું જ છું. આ સકળ જગતને ધારણ કરનાર, કર્મોનાં ફળ આપનાર, માતા-પિતા, દાદા, જે જાણવાયોગ્ય છે તે તત્ત્વ, પવિત્ર ઁકાર તેમજ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ પણ હું છું. સહુનું ભરણપોષણ કરનાર, સહુના સ્વામી, શુભ-અશુભ જોનાર, સહુનું રહેઠાણ, શરણ લેવા યોગ્ય, પ્રત્યુષકાર, ઇચ્છયા વિના હિત કરનાર, સહુની ઉત્પત્તિ અને પ્રલયનો હેતુ પણ હું જ છું. હું જ સૂર્ય રૃપે તપું છું. હું જ વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને વરસાવું છું. હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત્-અસત્ પણ હું જ છું.”

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : “જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામપ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક આપેલું એ પત્ર, પુષ્પ આદિ હું સગુણપણે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. હે કોન્તેય! તું જે કાંઈ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે અને જે તપ કરે છે એ સઘળું મને અર્પણ કર. આ પ્રમાણે જેમાં સમસ્ત કર્માે મુજ ભગવાનને અર્પણ થાય છે એવા સંન્યા
સયોગથી મુક્ત થયેલા ચિત્તનો તું શુભાશુભ ફળરૃપી બંધનમાંથી છૂટી જઈશ અને મને જ પ્રાપ્ત કરીશ.”

શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે : ” જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે પાપીઓનો વિનાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા હું યુગે યુગે જન્મ લઉં છું.” ભગવાન શ્રીકૃષ્ણ ગીતાજીમાં કહે છેઃ ‘મારા જે ભક્તો કામ, ક્રોધ, લોભ, મોહ અને બીજી તમામ આસક્તિઓને છોડીને તથા કર્મના ફળનો ત્યાગ કરીને મને જ પામવા ભજે છે એવા ભક્તોનો હું કદી વિનાશ થવા દેતો નથી.’

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

અમેરિકા આ પ્રશ્નોના જવાબ આપે

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ વોશિંગ્ટન આવવા આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસ (અમેરિકાની સંસદ)ના કેટલાંક સભ્યોએ સેનેટને સંબોધવા ઝુંબેશ ઉપાડી છે. આ આમંત્રણ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના વ્યક્તિગત દૂત દ્વારા વડાપ્રધાનને રૂબરૂમાં પાઠવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ આમંત્રણનો સ્વીકાર પણ કર્યો છે. ચાલો, સારી વાત છે,અમેરિકાને મોડેમોડે ડહાપણની દાઢ ફૂટી તો ખરી.

અમેરિકા વિશ્વનો સહુથી શક્તિશાળી દેશ છે. વિશ્વનો ૩૦૦ વખત નાશ કરી શકાય તેટલાં અણુઆયુધો તેની પાસે છે. અમેરિકાના પ્રેસિડેન્ટને વિશ્વનો ‘જમાદાર’ કહેવાય છે. વિશ્વના બીજા દેશોમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ‘અંકલ સેમ’ તરીકે ઓળખાય છે. અમેરિકા લોકતાંત્રિક પણ વેપારી દેશ છે. રાજનીતિમાં ખંધો અને અત્યંત સ્વાર્થી દેશ છે. માનવ અધિકારની વાતો કરી નરેન્દ્ર મોદીને ૧૦ વર્ષ સુધી વિઝા આપવાનો ઈન્કાર કરનાર અમેરિકાને હિરોશીમા-નાગાસાકીમાં ૧૦ લાખ નિર્દોષ નાગરિકોને એટમ બોમ્બ ફેંકી પળભરમાં રાખ કરી દીધા હતા. વિયેતનામ પર અનેક બોમ્બ ઝીંકી હજારો વિયેતનામી લોકોને મારી નાખ્યા હતા. અમેરિકન સૈનિકોેએ સેંકડો વિયેતનામી સ્ત્રીઓને ગર્ભવતી બનાવી દીધી હતી. ઓઈલના રાજકારણને લીધે અમેરિકાએ ઇરાક પર બે બે વાર આક્રમણ કરી ૧૦ લાખ ઈરાકીઓની હત્યા કરી નાખી હતી. હવે ભારતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સ્થિર સરકારની સ્થાપના થઈ છે એટલે અમેરિકાએ તેનું અગાઉનું વલણ બદલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રેડ કાર્પેટ પાથરી દીધી છે.

મોદી માટે રેડ કાર્પેટનું કારણ?

અમેરિકાને ભારત એક મોટું બજાર દેખાય છે. અમેરિકા તેની ખરાબ આર્િથક મંદીમાંથી ગુજરી રહ્યું છે. અમેરિકન મોટરો કોઈ ખરીદતું નથી. ઈલેક્ટ્રોનિક્સ બજાર જાપાન, કોરિયા અને ચીને સર કર્યું છે. અમેરિકન લોકોનાં ઘરમાં સોની ટીવી કે ટોયોટો કાર જોવા મળે છે. અમેરિકન બાળકો રમકડાં પણ ચાઈનીઝ બનાવટનાં રમે છે. આવા અમેરિકાને ગ્રાહકો જોઇએ છે અને તે ભારતમાં છે. અમેરિકાના પ્રવાસે જતા પહેલાં વડાપ્રધાન એ વાતનો ખ્યાલ જરૂર રાખે કે, અમેરિકા પાકિસ્તાનને

અબજો ડોલરની સહાય કરી રહ્યું છે. એ સહાય પાકિસ્તાન તેના આર્િથક વિકાસના બદલે ભારત વિરુદ્ધ તેના લશ્કરી તંત્રને મજબૂત કરવા કરી રહ્યું છે. અમેરિકા પહેલાં પાકિસ્તાનને લોન પેટે અબજો ડોલર આપે છે અને તે પછી એ જ રકમ માંડવાળ કરી દે છે. ભારત દક્ષિણ એશિયામાં શક્તિશાળી રાષ્ટ્ર ના બને તે માટે તે પાકિસ્તાનનો ભારત સામે ચેક એન્ડ બેેલેન્સ તરીકે ઉપયોગ કરે છે.

એ જ રીતે અમેરિકા પર નાઈન ઈલેવનનો હુમલો કરાવનાર માસ્ટર માઈન્ડ ઓસામા બીન લાદેનને પાકિસ્તાને તેની જ ભૂમિ પર સંતાડયો હતો અને અમેરિકાની નેવી સીલ કમાન્ડોઝની ટીમે રાત્રી ઓપરેશન કરી ઓસામા બીન લાદેનને ખત્મ કરી નાખ્યો. ત્રાસવાદની નિકાસ કરનાર પાકિસ્તાન ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ડોન દાઉદ ઈબ્રાહીમને પણ પનાહ આપી રહ્યું છે. ભારતના વડાપ્રધાન વોશિંગ્ટન જાય ત્યારે તેમણે ખતરનાક ગુનેગાર દાઉદ ઈબ્રાહીમને ભારત લાવવા અમેરિકા દ્વારા પાકિસ્તાન પર દબાણ કરાવવાનો મુદ્દો પણ ઉઠાવવો જોઈશે. અમેરિકા ભારત સાથે મૈત્રી અને વ્યાપારી સંબંધો ઇચ્છતું હોય તો ભારતના દુશ્મનોને મદદ કરવાની બંધ કરવી જોઈશે.

અમેરિકાએ જે રીતે નરેન્દ્ર મોદીને વિઝા આપવા ઈન્કાર કર્યો હતો તે જ રીતે ગુજરાતથી અને દેશના અન્ય ભાગોમાંથી અમેરિકા જવા માંગતા અનેક ભારતીયોના વિઝા ઈન્કારવાનો અભિગમ અપનાવેલો છે. ઘણા ગુજરાતીઓ સાથે મુંબઈ ખાતેની અમેરિકી કોન્સ્યુલેટ કચેરીના ઈમિગ્રેશન અધિકારીઓનો વ્યવહાર રૂક્ષ હોય છે. આ મુદ્દો પણ ઉઠાવવો જોઈશે.

એથીયે વધુ ગંભીર બાબત તો અમેરિકાની ભારત પરની ગેરકાયદે જાસૂસીની છે. તાજેતરમાં જ અમેરિકાના જ અખબાર ‘ધી વોશિંગ્ટન પોસ્ટ’માં છપાયેલા એક અહેવાલ અનુસાર અમેરિકા વિશ્વના અનેક દેશોમાં કોઈનીય જાણ વિના જાસૂસી કરે છે. અમેરિકા પાસે વૈશ્વિક જાસૂસી માટે ‘નેશનલ સિક્યોરિટી સિસ્ટમ’ (એનએસએ)નામનું એક ટેક્નિકલ ડિપાર્ટમેન્ટ છે. આ સંસ્થાના એક પૂર્વ કોન્ટ્રાક્ટર દ્વારા કેટલાંક દસ્તાવેજો લીક કરવામાં આવ્યા હતા. તે દસ્તાવેજો વ્હિસલ બ્લોઅર તરીકે જાણીતા એડવર્ડ સ્નોડને આખા વિશ્વને લીક કરી અમેરિકાના જાસૂસીકાંડને ઉઘાડો પાડી દીધો છે. આ દસ્તાવેજોમાં એવો ઉલ્લેખ છે કે અમેરિકાની ફોરસ કોર્ટે અમેરિકન જાસૂસી સંસ્થા- ‘એનએસએ’ ને ભારતની ભારતીય જનતા પાર્ટી તથા વિશ્વની બીજી રાજકીય પાર્ટીઓ પર જાસૂસી કરવા ૨૦૧૦માં પરવાનગી આપી હતી. અમેરિકાને એવી દહેશત હતી કે, ભારતની મોટી રાષ્ટ્રીય એવી ભારતીય જનતા પાર્ટી કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. આવી શંકાના કારણે આ જાસૂસી કરવામાં આવી હતી. આ ઉપરાંત લેબેનોનની હેઝબોલ્લા કે જે અમોલ તરીકે પણ જાણીતી છે તે પાર્ટીની પણ જાસૂસી કરવામાં આવી હતી. અમેરિકા દેશની એક શક્તિશાળી પાર્ટી પર જાસૂસી કરતી હોવાની વાત બહાર આવ્યા બાદ ભાજપાના નેતાઓ તરફથી જે પ્રતિક્રિયા આવવી જોઈએ તે આવી નથી. ભારતની એ કમનસીબી છે કે આ દેશના લોકોને પહેલેથી જ ગોરી ચામડીના લોકોનું ઓબ્સેશન છે. ભારતના લોકો તીવ્ર બુદ્ધિશાળી હોવા છતાં ગોરા લોકોને પોતાનાથી વધુ ચડિયાતા માને છે. ભારત હજુ ગોરાઓથી પ્રભાવિત છે અને ગોરા લોકોની માનસિક ગુલામીમાંથી ભારતીયો હજુ બહાર આવ્યા નથી. અમેરિકાની પોતાની પ્રજાએ તેમની માનસિકતા બદલી છે અને આજે એક અશ્વેત વ્યક્તિ અમેરિકાના પ્રેસિડેન્ટ છે. ભારતે અમેરિકાથી ડર્યા વિના અમેરિકાને કયાં કારણોસર ભારતીય જનતા પાર્ટીની જાસૂસી કરી એ પ્રશ્નનો વોશિંગ્ટન પાસે જવાબ માંગવો જોઈએ. ભારત એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છે, હવે ગોરાઓનો ગુલામ નથી એ વાતની પ્રતીતિ વોશિંગ્ટનને કરાવવી જોઈએ.

એમ કહેવાય છે કે ૨૦૧૦ પછી અમેરિકાની ‘એનએસએ’ સંસ્થાએ ભાજપના ટોચના નેતાઓને જાસૂસીમાં આવરી લીધા હતા. આ ઘટના આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીનો રીતસરનો ભંગ છે. માત્ર ડિપ્લોમેટિક ધારાધોરણનો જ નહીં, પરંતુ ભારતના સાર્વભૌમત્વનો પણ ભંગ છે. એ વાત યાદ રહે કે અમેરિકન સંસ્થા ‘એનએસએ’ પાસે કોઈનીયે જાસૂસી કરવા તથા કોઈ પણ ટેલિફોન્સ કે ઈ-મેઇલ્સ આંતરવાની જબરદસ્ત ક્ષમતા છે. એનએસએ ૮૦ જેટલાં અમેરિકન કોર્પોરેશન્સ સાથે ગુપ્ત સંબંધો ધરાવે છે. ભારતમાં કામ કરતી અમેરિકી કંપનીઓ પણ અમેરિકાની આ જાસૂસી સંસ્થા માટે કામ કરતી હોઈ શકે છે. આવાં કોર્પોરેશન્સ સામાન્ય રીતે ટેલિકોમ જાયન્ટ્સ છે. આવી કંપનીઓના દરિયા નીચે નાખેલા કેબલ્સનો આ પ્રકારની જાસૂસી માટે ઉપયોગ થાય છે. અને તેઓ ઇચ્છિત વિશ્વ ડેટા હાંસલ કરી શકે છે. આ બધી મલ્ટિનેશનલ કંપનીઓ, સોફટવેર કંપનીઓ, હાર્ડવેર કંપનીઓ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી સાથે સંકળાયેલી કંપનીઓનો અમેરિકા ઉયયોગ કરે છે અને જરૂરી ડેટા મેળવી લે છે. આ એક પ્રકારની અમેરિકાની ભારતમાં અને બીજા દેશોમાં ગેરકાયદે ઘૂસણખોરી જ છે. અમેરિકા ખુદ સાઈબર ક્રાઈમ આચરી રહ્યું છે અને ભારતીય પ્રશાસન મૌન છે. આ પ્રશ્ન પણ ભારતીય વડાપ્રધાને વોશિંગ્ટન સમક્ષ ઉઠાવવો જોઈશે. એટલું જ નહીં પરંતુ અમેરિકા જેવા શક્તિશાળી દેશની સાયબર-જાસૂસી સામે ભારતે પોતાની ડિફેન્સ સિસ્ટમ પણ ઊભી કરવી પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રશ્નો વોશિંગ્ટનમાં ઉઠાવે

www. devendrapatel.in

ફૂલનદેવી સામે શેરસિંહ વેરની લોહિયાળ વસૂલાત

ડા કુરાણી ફૂલનદેવી.

બીહડની ઘાટીમાં જેના નામનો તરખાટ હતો તે પૈકીના બહારવટિયાઓની યાદીમાં તે છેલ્લી દસ્યુ રાની હતી. અનેક લોકોને મોતને ઘાટ ઉતારનાર આ ડાકુરાણીના જીવન પરથી ‘બેન્ડિટ ક્વીન’ નામની ફિલ્મ પણ બની હતી. આ દેશની લોકશાહીની લાક્ષણિકતા એ છે કે, ડાકુરાણી ફૂલનદેવી પ્રજા દ્વારા ચૂંટાઈને દેશની પાર્લામેન્ટમાં પણ પ્રવેશી હતી. ડાકુરાણી બન્યા પહેલાં લોકોએ તેને શાંતિથી જીવવા દીધી નહોતી. તે પછાત જાતિમાંથી આવતી હોઈ ઠાકુરોના અત્યાચારનો ભોગ બનતાં તેણે બંદૂક હાથમાં લીધી હતી. પાર્લામેન્ટમાં ચૂંટાયા બાદ દિલ્હીમાં જ તેની હત્યા થઈ ગઈ હતી. ૧૩ વર્ષ પહેલાં થયેલી આ હત્યા બાદ દિલ્હીની કોર્ટે મુખ્ય આરોપી શેરસિંહ રાણાને ફૂલનદેવીની હત્યા માટે દોષિત ઠેરવ્યો છે. જ્યારે બાકીના ૧૦ આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ છૂટી ગયા છે.

આ બીનાની પશ્ચાદ્ભૂમિકા કાંઈક આવી છે. ફૂલનદેવીનો જન્મ ઉત્તર પ્રદેશના ગુરુકા પૂર્વા ખાતે થયો હતો.૧૧ વર્ષની વયે તેને ૩૫ વર્ષના એક વિધુર સાથે બળજબરીપૂર્વક પરણાવી દેવામાં આવી હતી. પતિ દ્વારા તેને કરવામાં આવેલી પારાવાર જાતીય સતામણી બાદ ૧૯૭૫માં તેણે પતિને તરછોડી દીધો હતો. પિતાની જમીનના વિવાદમાં દરમિયાનગીરી કરતાં ગામના ઠાકુરો દ્વારા તેની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. પાછળથી એ વિવાદના સંદર્ભમાં તેને પકડીને પોલીસે એક મહિના સુધી જેલમાં પૂરી દીધી હતી. તે દરમિયાન તેની પોલીસ દ્વારા પણ બળાત્કાર કરવામાં આવ્યો હતો. અને માર મારવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટયા બાદ ડાકુઓની એક ટોળીએ તેનું અપહરણ કર્યું હતું. પાછળથી તે એ ગેંગની સભ્ય બની ગઈ હતી. ૧૯૮૧માં ફૂલનદેવીએ પોતાની ગેંગ તૈયાર કરી હતી અને બહેમાઈ ગામે જઈ તેની પર સામૂહિક બળાત્કાર કરનાર ૨૦ જેટલા ઠાકુરોને લાઈનમાં ઊભા રાખી ઠાર મારી નાંખ્યા હતા. યુ.પી.ની પોલીસે તેના માથા માટે રૂ. પાંચ લાખનુ ઇનામ જાહેર કર્યું હતું. પાછળથી તેને મૃત્યુદંડ નહીં આપવામાં આવે તે શરતે તે સરેન્ડર થઈ હતી. જિલ્લામાં તે પેરોલ પર છૂટી હતી અને ૧૯૯૬માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર તે લોકસભાની બેઠક જીતી ગઈ હતી.

પછાત વર્ગોના મતના સહારે તે ચૂંટાઈને લોકસભા સુધી પહોંચી હતી. લોકસભામાં સૌના આકર્ષણનું તે કેન્દ્ર બની હતી. તા. ૨૫ જુલાઈ, ૨૦૦૧ના રોજ લોકસભામાં હાજરી આપી બપોરનું ભોજન લેવા તે તેના સુરક્ષા ગાર્ડ સાથે દિલ્હીમાં ૪૪, અશોકા રોડ ખાતે પહોંચી હતી. અશોકા રોડ સૌથી વધુ સલામતી ધરાવતો વિસ્તાર ગણાય છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રઘુરાજ સિંહ શાક્યાએ તેને તેમની કારમાં લિફ્ટ આપી હતી. બપોરે ૧.૩૦ વાગે તે તેના સાંસદ તરીકેના અધિકૃત નિવાસસ્થાને પહોંચી. તે તેના ગેટ્સમાં હજુ માંડ પ્રવેશી જ હતી ત્યાં અચાનક શેરસિંહ રાણા અને ધાન પ્રકાશ ઉર્ફે વિકી તેની તરફ ધસી આવ્યા. ફૂલનદેવી કાંઈ પણ વિચારે તે પહેલાં શેરસિંહ રાણાએ તેની રિવોલ્વરમાંથી છ બુલેટ તેના પર છોડી ફૂલનદેવીને વીંધી નાખી. જ્યારે રાણાના સાથી વિકીએ ફૂલનદેવીના અંગત સિક્યોરિટી ગાર્ડ કોન્સ્ટેબલ બલિન્દર સિંહ પર ગોળી છોડી.

ફૂલનદેવી ત્યાં જ ઢળી પડી. તે સ્થળે લોહીનું ખાબોચિયું થઈ ગયું. ફૂલનદેવી ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામી, પરંતુ ઘવાયેલો કોન્સ્ટેબલ બલિન્દર સિંહ કોર્ટ સમક્ષ આંખ્યે દેખ્યો અહેવાલ અને જુબાની આપવા બચી ગયો.

ફૂલનદેવી અને કોન્સ્ટેબલ બલિન્દર સિંહ પર ગોળીઓ છોડી શેરસિંહ રાણા તેનો સાથી વિકી ભાગી ગયા. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી. ફૂલનદેવીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. બલિન્દર સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પોલીસે તપાસ શરૂ કરી તે બાદ શેરસિંહ રાણા અને સાથીઓને શોધવાનો આરંભ થયો.

તપાસ કરતાં માલૂમ પડયું કે, શેરસિંહ રાણા અને બીજા ૧૧ જણાએ મળીને ૧૯૮૧માં ફૂલનદેવી દ્વારા આચરવામાં આવેલા હત્યાકાંડનો બદલો લેવા શેરસિંહ રાણા અને તેના સાથીઓએ આ કૃત્ય કર્યું હતું. એવું કહેવાય છે કે, ડાકુરાણી ફૂલનદેવીએ બેહમાઈમાં ૧૭ ઠાકુરોની હત્યા કરી નાખી ત્યારે શેરસિંહ રાણા નાનો બાળક હતો અને એ હત્યાકાંડ એણે પોતાની આંખે નિહાળ્યો હતો. ફૂલનદેવીએ ૧૭ ઠાકુરોને એક લાઈનમાં ઊભા રાખી તેમની પર ગોળીઓ છોડી હતી. આ બદલો ફૂલનદેવીએ એટલા માટે લીધો હતો કે, આ જ ગામના ઠાકુરોએ ફૂલનદેવી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેનો બદલો લેવા ફૂલનદેવીએ હાથમાં બંદક ઉઠાવી ૧૭ ઠાકુરોની હત્યા કરી નાખી હતી. બચપણમાં ઠાકુરોની હત્યા નજરે નિહાળનાર બાળક શેરસિંહ એ ઘટના ભૂલ્યો નહોતો અને વયસ્ક થયા બાદ દિલ્હીમાં એણે ઠાકુરોની હત્યાનો બદલો લેવા ધોળા દહાડે ફૂલનદેવીની હત્યા કરી નાખી હતી.

પોલીસે ત્વરિત પગલાં લઈ શેરસિંહ રાણા સહિત કુલ ૧૨ જણાને પકડી લીધા હતા. દિલ્હીની ક્રાઈમબ્રાંચે શેરસિંહ રાણા સહિત ૧૨ વ્યક્તિઓ સામે કોર્ટમાં હત્યાનું કાવતરું ઘડવા માટે ચાર્જશીટ રજૂ કરી હતી. ૧૨ પૈકી ત્રણને જામીન મળ્યા હતા. એક આરોપીનું ટ્રાયલ દરમિયાન જ મૃત્યુ નીપજ્યું હતું.

અલબત્ત, શેરસિંહ રાણાએ અહીં ચાલાકી કરવા પ્રયાસ કર્યો હતો. એણે હરિદ્વારમાં તેની સામેનો એક કેસ જીવંત રાખવા પ્રયાસ કર્યો હતો અને એવું બતાવવા પ્રયાસ કર્યો હતો કે, ફૂલનદેવીની હત્યાના દિવસે તે દિલ્હીમાં નહીં, પરંતુ હરિદ્વારમાં હતો. શેરસિંહ રાણાએ ચાલાકી એવી કરી કે, હરિદ્વારમાં કોઈ એક ગુનો કરી તેના એક નોકરની ધરપકડ કરાવી હતી. એ નોકરે પોલીસને પોતાની ઓળખ શેરસિંહ રાણા તરીકે આપી હતી. તેનો નોકર લગભગ શેરસિંહ રાણા જેવો લાગતો હતો. પોલીસે તેના નોકરને શેરસિંહ રાણાના નામે જ હરિદ્વારની જેલમાં મોકલી દીધો હતો, પરંતુ શેરસિંહ રાણાનો પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ પકડાઈ ગયો હતો. પોલીસે તપાસ કરતાં માલૂમ પડયું કે, ફૂલનદેવીની હત્યાના દિવસે શેરસિંહ રાણા દિલ્હીમાં જ હતો. જ્યારે હરિદ્વારની જેલમાં પૂરાયેલો વ્યક્તિ શેરસિંહ રાણા નહીં, પરંતુ તેનો નોકર હતો.

દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાંચે દિલ્હી કોર્ટ સમક્ષ શેરસિંહ રાણાની વિરુદ્ધ કુલ ૧૭૨ સાક્ષીઓ રજૂ કર્યા હતા, પરંતુ આ કેસમાં મોટી પીછેહઠ ત્યારે થઈ જ્યારે શેરસિંહ રાણા તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ દિલ્હીની તિહાડ જેલમાંથી ભાગી છૂટયો. તપાસ કરતાં માલૂમ પડયું કે, વારાણસી જેલમાં રહેલા કેદી સુભાષ ઠાકુરે શેરસિંહ રાણાને ફરાર થવામાં મદદ કરી હતી. પ્લોટ એવો ગોઠવ્યો કે,કોઈ એક અન્ય કેસમાં શેરસિંહ રાણાને હરિદ્વારની કોર્ટમાં હાજર થવા લઈ જવામાં આવે ત્યારે જ ભાગી જવું. ઉત્તર પ્રદેશનો જ એક પોલીસ કોન્સ્ટેબલ સંદીપ તેમાં ચાવીરૂપ માણસ હતો. કોઈ એક કેસમાં શેરસિંહ રાણાને હરિદ્વારની કોર્ટમાં હાજર કરવા તે શેરસિંહ રાણાને લેવા દિલ્હીની તિહાડ જેલમાં આવ્યો હતો અને શેરસિંહ રાણાનો કાયદેસરનો કબજો લઈ તે હરિદ્વાર લઈ જવા નીકળ્યો હતો. અગાઉની ગોઠવણ પ્રમાણે રસ્તામાંથી જ પોલીસ કોન્સ્ટેબલની મદદથી જ શેરસિંહ રાણા ભાગી ગયો હતો.

પોલીસના હાથમાંથી છટકી ગયા બાદ શેરસિંહ રાણા બાંગલાદેશ જતો રહ્યો હતો અને બાંગલાદેશના ખુલના ખાતે સંજય નામ ધારણ કરી એક મકાનમાં ભાડેથી રહેવા લાગ્યો હતો. કેટલોક સમય ત્યાં રોકાયા બાદ તે દુબઈ જતો રહ્યો. દુબઈથી તે કાબુલ-અફઘાનિસ્તાન ગયો. કાબુલમાં સત્તાવાળાઓને તેણે એમ સમજાવ્યું કે, “હું અમારા પૂર્વ રાજા પૃથ્વીરાજ ચૌહાણની સમાધી શોધવા આવ્યો છું અને તેમનાં અસ્થિ મારે ભારત લઈ જવા છે.” એવી રજૂઆત પછી તે કંદહાર, હેરાત અને ગઝની પણ ગયો હતો. એ વખતે આ વિસ્તારોમાં તાલિબાનોનું શાસન હતું.

અલબત્ત, ભારતના પડોશી દેશોમાં તે ઝાઝું રહી શક્યો નહીં. દિલ્હી પોલીસ તેની શોધ ચલાવી જ રહી હતી. છેવટે સર્વેલન્સના આધારે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટુકડીએ તેને કોલકાતાથી ઝડપી લીધો અને દિલ્હી લાવી ફરી કોર્ટ સમક્ષ રજૂ કરી જેલમાં પૂરી દીધો. પોલીસે તેની પાસેથી જે પાસપોર્ટ જપ્ત કર્યો તે તેણે સંજય ગુપ્તાના નામે લીધો હતો. એની પાસેથી એક સેટેલાઈટ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો જે તેણે ઢાકામાંથી ખરીદ્યો હતો.

આવા શેરસિંહ રાણાને ડાકુરાણી ફૂલનદેવીની હત્યા માટે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. તેને શું અને કેટલી સજા ફરમાવવામાં આવે છે તે કાલે તા. ૧૨મી ઓગસ્ટે જાહેર થશે. વેરની વસૂલાતની આ કથા એક થ્રીલર જેવી છે.

– દેવેન્દ્ર પટેલ

સાચું હિન્દુસ્તાન ૭ લાખ ગામડાંઓમાં વસે છે

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

“હુંમાનું છું અને મેં અસંખ્ય વાર કહ્યું છે કે, હિન્દુસ્તાન એનાં ગણ્યાંગાઠયાં શહેરોનાં નહીં પરંતુ સાત લાખ ગામડાંઓમાં વસે છે. આપણે કદી પૂછતાં પણ નથી કે ગામડાંઓમાં વસતાં ગરીબ લોકોને પૂરતાં અન્નવસ્ત્ર મળે છે કે નહીં. એમનું તડકો અને વરસાદથી રક્ષણ કરવા માથે છાપરું છે કે નહીં. મેં જોયું છે કેે શહેરના લોકોએ ગામડાંના લોકોને લૂંટયા છે. ગામડાંની વસતીનો મોટો ભાગ ભૂખમરા જેવી પરિસ્થિતિ ભોગવે છે. કરોડો લોકોને ચપટી મીઠું,મરચું ને ચાવલ કે સસ્તું ખાઈને સંતોષ માણવો પડે છે. મોટાં શહેરો ઊભાં થવાં તે રોગની નિશાની છે. ગામડાંના લોહીના સિમેન્ટથી જ શહેરોની મોટી મોટી મહોલાતો બંધાઈ છે.”

આ શબ્દો ગાંધીજીના છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ગ્રામ સ્વરાજ’ આજે લગભગ ભુલાઈ ગયેલું પુસ્તક અને ભુલાઈ ગયેલો વિચાર છે. શહેરોને વધુ મોટાં મેગા શહેરો બનાવવાની ઘેલછામાં જ્યાં અસલી ભારત વસે છે તેવાં ગામડાંઓ માટે ગાંધીજીએ છેક આઝાદીની પણ પહેલાં ‘નવજીવન’ અને ‘હરિજનબંધુ’ માટે કેટલાંક લખાણો લખ્યાં હતાં. તેમાંથી પસંદગીના લેખો પર આધારિત ‘ગ્રામ સ્વરાજ’ પુસ્તક તૈયાર કરાયું હતું.

ગાંધીજીએ તા. ૫ાંચ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ પંડિત જવાહરલાલ નહેરુને એક પત્ર લખી જણાવ્યું હતું કે, “હું માનું છું કે હિન્દુસ્તાને અને તેની મારફત દુનિયાએ પણ સાચી સ્વતંત્રતા મેળવવી હશે તો આજે નહીં તો કાલે ગામડાંઓમાં જ રહેવું પડશે,ઝૂંપડીમાં જ રહેવું પડશે, મહેલોમાં નહીં. અબજો માણસો શહેરોમાં અને મહેલોમાં સુખ-શાંતિથી કદી રહી શકશે નહીં.”

ગાંધીજીએ ગ્રામ સ્વરાજની કલ્પના કરતાં લખ્યું છેઃ “સાચી લોકશાહી કેન્દ્રમાં બેઠેબેઠે રાજવહીવટ ચલાવનારા ૨૦ માણસો ચલાવી શકતા નથી. સાચી લોકશાહી તો છેક નીચેથી દરેક ગામના લોકોએ ચલાવવાની રહેશે.”

ગાંધીજી માનતા હતા કે જે ઓછામાં ઓછું શાસન કરે તે સર્વોત્તમ સરકાર. આ માટે તેમણે ‘ગ્રામ સ્વરાજ’ની કલ્પના કરેલી છે. ગાંધીજીની કલ્પનાના ગ્રામ સ્વરાજમાં ‘રાજ્યનું વિલિનીકરણ’ નથી પણ ‘રાજ્યનું વિકેન્દ્રીકરણ’ છે. તેમણે કહ્યું છે કે, “સ્વતંત્રતાની શરૂઆત પાયાથી થાય, એટલે કે હિન્દુસ્તાનનું એકેએક ગામ રાજ્ય અમલની પૂરેપૂરી સત્તા ધરાવતું પ્રજાસત્તાક અથવા પંચાયત બને.”

ગાંધીજીએ તો એથીયે આગળ વધીને કહ્યું હતું કે, “સ્વરાજ્ય એટલે સરકારના અંકુશમાંથી મુક્ત થવાનો સતત પ્રયાસ; પછી તે સરકાર પરદેશી હોય કે દેશની. ગ્રામસ્વરાજ જ્યારે સોળે કળાએ ખીલી ઊઠશે ત્યારે તેની સુવાસ ચોમેર ફેલાશે અને જગતને અનુકરણીય આદર્શ મળશે.”

ગાંધીજી કહે છેઃ “સ્વરાજ એ પવિત્ર શબ્દ છે, વેદકાળ જેટલો પ્રાચીન છે. એનો અર્થ પોતાનું નિયમન, પોતાનો અંકુશ એવો છે.’ઇન્ડિપેન્ડન્સ’ એટલે સંપૂર્ણ નિરંકુશતા આવે તેવો નથી. જેમ દરેક દેશને ખાવા-પીવાનો અને શ્વાસ લેવાનો અધિકાર છે તે જ પ્રમાણે દરેક રાષ્ટ્રને પોતાનો વહીવટ ચલાવવાનો અધિકાર છે, પછી તે ગમે તેટલો ખરાબ વહીવટ ચલાવે.”

તેઓ કહે છેઃ “ગ્રામ સ્વરાજનો મારો ખ્યાલ એવો છે કે દરેક ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક હોવું જોઈએ. પોતાની જરૂરિયાત મુજબનાં અન્ન અને કાપડ માટે કપાસ ઉગાડવાની પહેલી ફરજ રહેશે. પોતાનાં ઢોરને ચારવા માટે, બાળકોને રમતગમત

માટે અને મોટેરાંઓના આનંદપ્રમોદ માટે તે અલગ જમીન રાખશે. તે પછી પણ ગામ પાસે જો ફાજલ જમીન રહે તો તેમાં ઉપયોગી અને બજારમાં વેચી શકાય તેવા પાકો લેવા. ઉપયોગી એટલે તેમાં ગાંજો, અફીણ કે તમાકુ જેવા પાક નહીં. દરેક ગામ એક નાટકઘર, પોતાની નિશાળ અને એક સભાગૃહ નિભાવશે. દરેક ગામને સ્વચ્છ પાણી મળે તેવી જોગવાઈ કરવામાં આવે. કેળવણી ફરજિયાત રહેશે. બની શકે તો દરેક પદ્ધતિ સહકારી પદ્ધતિના સિદ્ધાંત પ્રમાણે ચાલશે. અસ્પૃશ્યતાની ચડતી ઊતરતી શ્રેણીવાળી જ્ઞાાતિવ્યવસ્થા તેમાં નહીં હોય. ગામની ચોકી માટે ફરજિયાત ચોકી બનાવવી અને ચોકી માટે વારા પ્રમાણે ચોકિયાતોની પસંદગી કરવી. નિયમ પ્રમાણે નક્કી કરવામાં આવેલી ઓછામાં ઓછી ચોક્કસ લાયકાતવાળા ગામનાં પુખ્ત ઉંમરનાં સ્ત્રી-પુરુષો દર વર્ષે પાંચ જણની એક પંચાયત ચૂંટી કાઢે અને તે ગામની સરકાર તરીકે ગામનાં બધાં જાહેર કાર્યો કરશે. આ પંચાયતને જરૂરી બધી સત્તાઓ અને અધિકાર આપવામાં આવશે. હાલના માન્ય અર્થમાં શિક્ષાની કોઈ પદ્ધતિનો અમલ નહીં હોય. એટલે કે પંચાયત પોતાના અમલના એક વર્ષ માટે ગામની ધારાસભા, ન્યાયાધીશી અને કાર્યવાહક મંડપ બનશે. આને જ પ્રજાસત્તાક ગામ કહેવાય.”

ગાંધીજીએ આદર્શ ગામની કલ્પના કરતાં લખ્યું છે કે, “ભારતવર્ષના આદર્શ ગામની રચના એવી હશે કે જ્યાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની અનુકૂળતા રહે. તેમાં પૂરતાં હવા-ઉજાસવાળી ઝૂંપડીઓ હશે, જે આસપાસના પાંચ માઈલના ઘેરાવામાંથી મળેલી સાધનસામગ્રીથી બનેલી હશે. ઝૂંપડીઓના વાડા રાખેલા હશે જેથી ત્યાં વસનાર માણસો તેમના ઘર માટે પૂરતાં શાકભાજી ઉગાડી શકે અને ઢોર રાખી શકે. ગામડાંઓમાં રસ્તા અને શેરીઓ ધૂળ વિનાનાં બનાવવાં. ગામની જરૂરિયાત પૂરતાં કૂવા હશે તેનાથી પાણી ભરવાની સહુને છૂટ હશે. સહુ માટે ઉપાસનાનાં સ્થાનો હશે. એક સાર્વજનિક સભાસ્થાન હશે. ઢોરને ચારવા ગૌચર હશે. સહકારી પદ્ધતિએ ચાલતું દુગ્ધાલય હશે. ઝઘડા પતાવવા માટે એની પંચાયતો એ ગામડાંમાં જ હશે. ગામડાં પોતાની જરૂરિયાત મુજબની ખાદી બનાવી લેશે. મારી કલ્પનાના ગામમાં વસતો માણસ જડ નહીં હોય, શુદ્ધ ચૈતન્ય હશે. તે ગંદકીમાં, અંધારા ઓરડામાં જાનવરની જેમ જિંદગી ગુજારતો નહીં હોય.”

ગાંધીજીએ સ્પષ્ટપણે આ પુસ્તકમાં લખ્યું છે કે, “રામરાજ્ય એટલે હિન્દુઓનું રાજ્ય એમ વિચારવાની ભૂલ કોઈએ કરવી નહીં. મારો રામ એ ‘ખુદા’ અથવા ‘ગોડ’નું બીજું નામ છે. મારે તો ખુદાઈ રાજ્ય જોઈએ છે એનો અર્થ એ છે કે પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય હોય. હિન્દુસ્તાનને હું એવું સ્વતંત્ર અને સુદૃઢ જોવા માગું છું કે તે જગતના હિતને ખાતર પોતાનું સ્વેચ્છાપૂર્વક અને શુદ્ધ બલિદાન આપે. શુદ્ધ વ્યક્તિ કુટુંબ માટે બલિદાન આપશે, કુટુંબ ગામ માટે, ગામ જિલ્લા માટે, જિલ્લો પ્રાંત માટે, પ્રાંત રાષ્ટ્ર માટે અને રાષ્ટ્ર સમસ્ત માનવજગત માટે. સ્વરાજ દ્વારા આપણે જગતનું હિત સાધવું છે. રાજ્યે નિર્માણ કરેલી સરહદોની પેલે પારના આપણા પાડોશીઓને આપણી સેવા આપવા માટે કોઈ સીમા નથી. ઈશ્વરે કદી એવી સરહદો સર્જી નથી. સાચા અર્થમાં સ્વતંત્ર હિન્દુસ્તાન આફતમાં આવી પડેલા પોતાના પાડોશીઓની મદદે દોડી જશે. આપણે રાષ્ટ્ર તરીકે દુનિયા માટે સ્વાર્થનો ત્યાગ કરવો પડશે.મહાસાગરમાંના પાણીનું એક ટીપું કશું શુભ કાર્ય કર્યા વિના નાશ પામે છે. પણ તે જ ટીપું મહાસાગરના એક અંગ તરીકે વિરાટકાય મોટાં જહાજોના કાફલાને પોતાની સપાટી પર ચડી જવાના મહાસાગરના ગૌરવનું ભાગીદાર પણ બને છે.”

ગાંધીજીએ તેમના ગ્રામ સ્વરાજની કલ્પનામાં (૧)પૂરતી રોજગારી, (૨) જાત મહેનત, (૩) સમાનતા, (૪) ટ્રસ્ટીપણું, (૫) વિકેન્દ્રીકરણ, (૬) સ્વદેશીની ભાવના, (૭) સ્વાવલંબન, (૮) સહકાર, (૯) સત્યાગ્રહ, (૧૦) સર્વધર્મ સમભાવ, (૧૧) પંચાયતરાજ, (૧૨) પાયાની કેળવણી, (૧૩) વાલીપણું, (૧૪) આદર્શ ગ્રામસેવક, (૧૫) ગ્રામ સંરક્ષણ માટે શાંતિસેના અને (૧૬) ગ્રામોદ્યોગો વગેરેના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.

બાપુના ગ્રામ સ્વરાજ્યની આ છે કલ્પના. આજે દેશ સ્વતંત્ર થયો છે, પરંતુ બાપુની કલ્પના કરતાં ઊંધું જ ચાલે છે. ગ્રામપંચાયતો કરતાં જિલ્લાના તંત્ર પાસે વધુ સત્તા છે. જિલ્લાના તંત્ર કરતાં રાજ્ય સરકારો પાસે વધુ સત્તા છે. સત્તાના વિકેન્દ્રીકરણની વાત તો હવાઈ ગઈ છે. ગામડાંઓમાં ગંદકી અને પંચાયતોમાં વેરઝેર વધ્યાં છે. ગ્રામોદ્યોગ જેવી કોઈ ચીજવસ્તુ રહી જ નથી. રોજગારી માટે ગામડાંનો યુવક ફાંફાં મારે છે. ગામડાં તૂટી રહ્યાં છે. શહેરોનું કદ રાક્ષસી રીતે વિકસી રહ્યું છે. ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત ભાંગીને ભુક્કો થઈ ગયો છે. બાપુના આજનાં ગામડાંઓની હાલત બતાવવા જેવી રહી નથી.

સોરી,બાપુ!

ગાંધીજીની કલ્પનાનું ‘ગ્રામ સ્વરાજ’ કેવું હોય?

www. devendrapatel.in

ભારત વિરોધી ખતરનાક ગ્રાન્ડ ડિઝાઈન

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

અલ બગદાદી અને હાફિઝ સઇદનું ષડ્યંત્ર 

હાફિઝ સઇદ. ઓસામા બીન લાદેન પછી તે સૌથી વધુ ખતરનાક ત્રાસવાદી નેતા છે. પાકિસ્તાનમાં રહીને ભારત વિરોધી ઝેર ઓકે છે. મુંબઈમાં આતંકી હુમલો કરાવનાર અને કસાબને ભારત મોકલનાર હાફિઝ સઇદ હતો. તાજેતરમાં જ દિલ્હીસ્થિત એક પત્રકાર વેદ પ્રતાપ વૈદિકે પાકિસ્તાનમાં તેની મુલાકાત લીધી. તેમના કહેવા પ્રમાણે હાફિઝ સઇદને જે સુરક્ષા પૂરી પાડવામાં આવી છે તે પાકિસ્તાનના વડાપ્રધાનની સુરક્ષા કરતાં પણ વધુ સજ્જડ છે. આ પત્રકાર હાફિઝ સઇદને મળ્યા ત્યારે પણ એ ખંડમાં અને તેની બારીમાં બંદૂકધારી એક માણસ ઊભો હતો. આ સુરક્ષા પાકિસ્તાન સરકારે પૂરી પાડી છે કે પછી તેની પ્રાઇવેટ છે તે સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભારતને ડંખ દેવા માગતા વિષધર કાળા સર્પોને પાકિસ્તાન તેની ભૂમિ પર પનાહ આપે છે. ડોન દાઉદ ઇબ્રાહિમ પછી હાફિઝ સઇદ એ ભારત માટેનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે. ચોંકાવનારી વાત તો એ છે કે જમાત-ઉદ-દાવાનો આ ત્રાસવાદી નેતા હાફિઝ સઇદ તાજેતરમાં જ રાજસ્થાન નજીકની પાકિસ્તાનની સિંધ સીમામાં જોવા મળ્યો હતો. બાડમેર સેક્ટરના પાકિસ્તાન સીમામાં આવેલાં કેટલાંક ગામોની તેણે મુલાકાત લીધી હતી. એ વિસ્તારોનાં નામ ઐરપુર, મીરપુર ખાસ, મીઠી અને ઇસ્લામકોટ છે. આ વિસ્તારો બાડમેરના મુનાવાવ-ગદરારોની સામે આવેલા છે. અહીંથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અઠવાડિયામાં એક ટ્રેન પણ ચાલે છે. ‘થાર એક્સપ્રેસ’ તરીકે જાણીતી આ ટ્રેન ભારતના જોધપુરથી બાડમેર અને મુનાવાવ થઈ પાકિસ્તાનમાં પ્રવેશે છે અને પાકિસ્તાનની સીમામાં આવેલા ખોકરપુર, મીરપુર ખાસ, હૈદરાબાદ થઈ અહેમદપુર(પાકિસ્તાન) પહોંચે છે. આ વિસ્તારોમાં વર્ષોથી ગરીબ અને પછાત વર્ગના હિન્દુઓ વસે છે. આ વિસ્તાર રણ હોવા છતાં તાજેતરમાં તે ભૂમિમાંથી કોલસો અને ગેસ નીકળ્યા હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે.

એક અહેવાલ પ્રમાણે હાફિઝ સઇદ ભારતની સીમા નજીકના પાકિસ્તાનના આ વિસ્તારોમાં ત્રાસવાદીઓને મદદ પૂરી પાડી શકે તેવાં સ્લીપરસેલ અને ત્રાસવાદી છાવણીઓ ઊભી કરવા માગે છે. હાફિઝ સઇદની એ ગ્રાન્ડ ડિઝાઇન છે કે આ વિસ્તારોમાં તાલીમ લઈ ત્રાસવાદીઓને આસાનીથી ભારતની સીમામાં ઘુસાડી દેવા. આ વિસ્તારોનું વ્યૂહાત્મક મહત્ત્વ એ પણ છે કે, તેની સામે ભારતીય સરહદમાં રિલાયન્સની રિફાઇનરીઓ અને બીજાં કેટલાંક આર્થિક કેન્દ્રો આવેલાં છે, એટલે હાફિઝ સઇદ ભારતમાં ત્રાસવાદીઓને ઘુસાડવા એક નવો જ રૃટ તૈયાર કરી રહ્યો છે. હાફિઝ સઇદ હવે માનવ હત્યાની સાથે સાથે ભારતની રિફાઇનરીઓ અને ઔદ્યોગિક એકમોને ધ્વસ્ત કરી ભારતની આર્થિક કમર તોડી નાખવા માગે છે.

હાફિઝ સઇદ આ અગાઉ પણ પૂંચ સેક્ટરની સામે આવેલી લાઇન ઓફ કંટ્રોલની પણ મુલાકાત લઈ ચૂક્યો છે. એ મુલાકાતના થોડા દિવસો બાદ જ પાકિસ્તાનના લશ્કર-એ-તોઈબા નામના ત્રાસવાદી સંગઠનની મદદથી પાકિસ્તાનના લશ્કરના જવાનોએ બે ભારતીય સૈનિકોની કરપીણ હત્યા કરી હતી અને એક ભારતીય જવાનોનું તો માથું કાપીને લઈ ગયા હતા. એમ કહેવાય છે કે સીમા પરની આ ઘૃણાસ્પદ ઘટના પણ હાફિઝ સઇદના ઈશારે જ ઘટી હતી. આ ઘટના પણ હાફિઝ સઇદની ગ્રાન્ડ ડિઝાઇનનો એક ભાગ જ હતી. અત્રે એ વાત નોંધવી જોઈએ કે આ જ સમયગાળામાં બગદાદના એક ખતરનાક ટેરરિસ્ટ અલ બગદાદીએ ઇરાક અને સીરિયાનું બનેલું એક ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કર્યું હતું અને ઇરાકમાં લોહિયાળ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. અબુ બકર બગદાદીએ ઇસ્લામિક ખિલાફતની રચનાની જાહેરાત કરી પોતે તેનો ખલીફા છે તે જાહેરાત પણ કરી દીધી હતી. અલ બગદાદીની આ સંસ્થાISIS તરીકે પણ જાણીતી છે. ISISના પ્રવક્તાએ હવે એવી જાહેરાત પણ કરી છે કે, “અમારું લક્ષ્ય માત્ર ઇરાક-સીરિયા પૂરતું નથી, પરંતુ આખું વિશ્વ છે. વિશ્વભરના મુસ્લિમો અમારા ખલીફાને સમર્થન જાહેર કરે. અમારા ખલીફા હવે ઇરાક અને સીરિયાના જ નહીં, પરંતુ તમામ મુસ્લિમોના રાજકીય અને મિલિટરી નેતા છે.”

એ પછી અલ બગદાદીએ ઇરાક-સીરિયાની ખિલાફતના વડા તરીકે પબ્લિકને સંબોધતાં કહ્યું કે, “દુશ્મનોને ખત્મ કરો. તમને એ જ્યાં મળે ત્યાં તેમને મારી નાખો. તમને બચાવવા તમારા ભાઈઓ તૈયાર છે.”

આ એક ગ્રાન્ડ ડિઝાઇન અર્થાત્ વિશ્વવ્યાપી ષડ્યંત્ર છે. અલ બગદાદીએ જ્યારે આ સંબોધન કર્યું ત્યારે તેણે ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો. અલ બગદાદી ISIS માટે ભારત તેનું મુખ્ય લક્ષ્યાંક છે. ISISની ગ્રાન્ડ ડિઝાઇનમાં તે આખા વિશ્વમાં કટ્ટર ઇસ્લામિક પ્રભુત્વ ઊભું કરવા માગે છે. તેઓ દુનિયાનો નકશો બદલવા માગે છે. એ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેમના પ્રસ્તાવિત ઇસ્લામિક પ્રભુત્વ હેઠળના નકશામાં ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તારો (ગુજરાત સહિત)ને લાવવા માગે છે. આ વિશ્વવ્યાપી ષડ્યંત્રમાં કરાયેલા પ્રસ્તાવિત નકશામાં ખોરસન ખિલાફત હેઠળ ભારતના આ વિસ્તારોને સમાવી લેવા માગે છે. ભારતના કેટલાંક વિસ્તારોને નવા ઇસ્લામિક રાષ્ટ્રનો એક હિસ્સો બનાવી દેવો તે તેમની ISISની ગ્રાન્ડ ડિઝાઇનનો એક ભાગ છે. બસ, આ જ સમયગાળા દરમિયાન હાફિઝ સઇદે પાકિસ્તાનના ISISના પ્રસ્તાવિત નકશામાં દર્શાવેલાં ગામોની મુલાકાત લીધી હતી. આ ઘટના અત્યંત સૂચક છે. શું હાફિઝ સઇદ અને અલ બગદાદી એકબીજાના સંપર્કમાં તો નથીને? હાફિઝ સઇદની ભારતની સરહદ નજીકના પાકિસ્તાનનાં ગામોની મુલાકાત એ ગ્રાન્ડ ડિઝાઇનના ભાગરૃપે તો નહોતીને? આ ષડ્યંત્રનો માસ્ટર માઇન્ડ કોણ છે? એ વાતમાં કોઈ શંકા નથી કે આ ગ્રાન્ડ ડિઝાઇનના કાવતરામાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ જ મહત્ત્વપૂર્ણ રોલ ભજવી રહી છે. હાફિઝ સઇદને પાકિસ્તાનમાં આઈએસઆઈ જ રક્ષણ અને મદદ પૂરી પાડે છે. આઈએસઆઈ ભારત વિરોધી કૃત્યો હાફિઝ સઇદ મારફતે જ કરાવે છે. હાફિઝ સઇદ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર થયો હોવા છતાં પાકિસ્તાન ખુલ્લેઆમ ફરે છે. ખુલ્લેઆમ સભાઓ કરે છે. આઈએસઆઈ માટે તે વ્યૂહાત્મક એસેટ ગણાય છે. તે પાકિસ્તાનની સુપર એજન્સી તરીકે કામ કરે છે અને આઈએસઆઈ પાકિસ્તાનના લશ્કરને પણ નિયંત્રિત કરે છે. પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકારનો લશ્કર અને આઈએસઆઈ પર કોઈ ખાસ કંટ્રોલ નથી. ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિ માટે આઈએસઆઈ કરોડો રૃપિયા ત્રાસવાદી સંગઠનોને આપે છે. આ સંગઠનો ભારત અને અફઘાનિસ્તાનમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરાવે છે. ઇરાકના અલ બગદાદીની ISIS પાસે દરેક રાષ્ટ્ર માટે અલગ યોજના છે. પાકિસ્તાનની આઈએસઆઈ તેની વ્યૂહરચનામાં એક મહત્ત્વપૂર્ણ સાથીદાર છે. ઇરાકની ISIS અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ વચ્ચે ભારત વિરોધી ષડ્યંત્ર માટે કોઈ ગુપ્ત સમજણ ને જોડાણ થયું હોય તો નવાઈ નહીં. એ વાત ચોક્કસ છે કે, ઇરાકના અલ બગદાદીની ભારત વિરોધી ગ્રાન્ડ ડિઝાઇનમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ તેનો ફ્રંટમેન હાફિઝ સઇદ અને ‘સીમી’ તેના પ્લેયર્સ છે.

www. devendrapatel.in

બંદૂકની ગોળીઓ પર કોઈ નામ-સરનામાં હોતાં નથી

રહી રહીને રાજકારણીઓએ તા. ૮મી ઓગસ્ટને યાદ કરી.

કોઈકને વળી ઈન્દુચાચા યાદ આવ્યા તો કોઈને વીર કિનારીવાલા યાદ આવ્યા. આઝાદી માટે કે મહાગુજરાતની ચળવળ માટે શહીદ થનારા લોકોને નવી પેઢી યાદ કરતી નથી. જવાહરલાલ નહેરુ જયારે વડા પ્રધાન હતા ત્યારે મોરારજી દેસાઈ દિલ્હીમાં રહીને પણ ગુજરાતના ‘સર્વેસર્વા’ ગણાતા હતા. મોરારજીભાઈની ઇચ્છા વિના ગુજરાત કોંગ્રેસમાં પાંદડું યે હલી શકતું નહીં. આજની નવી પેઢીને એ વાતની ખબર નથી કે, મોરારજી દેસાઈએ ગુજરાત અને મહારાષ્ટ્ર, એમ બે રાજ્યોનું ભેગું દ્વિભાષી રાજ્ય બનાવવાનો દુરાગ્રહ સેવ્યો હતો. આ મોરારજીભાઈના આ વિચાર સામે ગુજરાતમાં અલગ મહાગુજરાત માટે જબરદસ્ત આંદોલન છેડાયું હતું. દિવસોના દિવસો સુધી હડતાળો પડી હતી. કરફ્યૂ થયો હતો. સરઘસો નીકળ્યાં હતાં. ગોળીબારો થયાં હતાં. અનેક યુવાનો શહીદ થયા હતા. એ વખતે ગુજરાતના કોંગ્રેસી આગેવાન ઠાકોરભાઈ પટેલ મોરારજી દેસાઈના ચુસ્ત સમર્થક પણ દૃઢતાથી પોતાના વિચારોને રજૂ કરવાની હિંમત ધરાવનાર નેતા હતા.

ઈન્દુચાચા કેવા હતા?

મહાગુજરાત ચળવળના અગ્રણી ઈન્દુચાચા, બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવળ, હરિહર ખંભોળજા, જયંતી દલાલ, બુલાખી નવલખા,કરસનદાસ પરમાર, જશવંત સુતરીયા અને અબ્દુલ રઝાક જેવા નેતાઓ હવે રહ્યા નથી. આજે ગુજરાતનું અલગ રાજ્ય છે તો તેનો યશ ઇન્દુલાલ યાાજ્ઞિાક અને તેમના સાથીઓને જાય છે. ઇન્દુચાચા એક ફકીર જેવા હતા. કારંજ પોલીસ સ્ટેશન સામેની ગલીમાં એક મેડા પર તેમની ઓફિસ હતી અને તેઓ એ મેડા પર ઓફિસમાં જ રહેતા હતા. ઓફિસમાં જ બહારથી જમવાનું મગાવી ખાઈ લેતા. તેઓ પત્રકાર પરિષદ બોલાવે તો ચાનો ઓર્ડર આપે અને ચાના પૈસા પત્રકારોએ જ ખુશી ખુશીથી આપવા પડતા. ઇન્દુચાચા મેડા પરથી નીચે ઊતરે એટલે એમને જ્યાં જવું હોય ત્યાં રિક્ષાવાળો મૂકી જતો. એમની પાસેથી કોઈ ભાડું વસૂલતો નહીં. મહાગુજરાતનું આંદોલન પરાકાષ્ઠાએ હતું ત્યારે એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અમદાવાદ આવ્યા હતા અને તેઓ જાહેર સભાને સંબોધવાના હતા. કોંગ્રેસની દ્વિભાષી રાજ્યની યોજનાની વિરુદ્ધ ચાલતા મહાગુજરાતની ચળવળના પ્રણેતા ઇન્દુચાચાની પણ એ જ દિવસે એ જ સમયે અમદાવાદમાં સમાંતર જાહેર સભાનું આયોજન થયું હતું. બંને સભાઓ થઈ હતી. ફરક એટલો હતો કે, ઇન્દુચાચાની સભામાં જવું હોય તો રિક્ષાવાળાઓ લોકોને મફત લઈ જતા હતા. નહેરુની સરખામણીમાં ઇન્દુચાચાની સભા વધુ પ્રભાવશાળી અને સ્વયંભૂ હતી.

ઠાકોરભાઈની વાણી

એ પુરાણા દિવસોને યાદ કરતાં એ જમાનાના યુવા કાર્યકર અને હવે ભાજપના અગ્રણી જયંતીલાલ પરમાર કહે છે : મહાગુજરાતનું આંદોલન શરૂ થઈ ગયું હતું. મારો કોંગ્રેસ સેવાદળના સૈનિક તરીકે પ્રવેશ થયો હતો. પહોળી લાલ ઘેઘૂર આંખોવાળા, માથે અસ્તવ્યસ્ત વાળ પર અર્ધા કપાળને ઢાંકેલી વાંકી ટોપી, અર્ધી વ્યંગમાં અને અર્ધી મિજાજમાં તંગ રહેતી ભમરવાળા, વજ્ર જેવો નિર્ણય કરવાની તાકાતના પ્રતીક જેવા ભીડાયેલા હોઠવાળા અને ખડકમાંથી કોતરી કાઢી હોય એવી ભીનેવાન મુખમુદ્રાવાળું વ્યક્તિત્વ ધરાવનાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તથા પ્રમુખ તરીકે કામ કરતાં ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈને જોયા હતા. દૃઢતાથી અને સ્પષ્ટતાથી પોતાના વિચારોને અસ્ખલિત રીતે વ્યક્ત કરનાર વ્યક્તિ તરીકે મેં તેમને મહાગુજરાત જનતા પરિષદ તરફથી અલગ ગુજરાતની માગણીનું આંદોલન જોર ઉપર હતું ત્યારે તે આંદોલનનો પડકાર ઝીલતાં જોયા છે. તેમના વક્તવ્યોની નોંધ લેવા માટે પત્રકારો હંમેશાં વીંટળાઈ વળતાં. તેમના કેટલાય ઉચ્ચારણો હેડલાઈન બની જતાં અને તેને વારંવાર લોકો ઉચ્ચારતા. સને ૧૯૫૬ની ૮મી ઓગસ્ટના રોજ કોંગ્રેસ ભવન, ભદ્ર ખાતે અલગ ગુજરાતની માગણી કરતા આવી પહોંચેલા યુવાનો ઉપર ગોળીબાર થયો અને વિદ્યાર્થીઓ કૌશિક ઇન્દુલાલ વ્યાસ, સુરેશ જયશંકર ભટ્ટ અને અબ્દુલભાઈ પીરભાઈ શહીદ થયા. ગોળીબારથી ઘવાયેલા પૈકી બીજા બેનું હોસ્પિટલમાં પાછળથી મૃત્યુ થયું. ઘણી મોટી સંખ્યામાં વિદ્યાથીઓ ઘવાયા હતા. ઠાકોરભાઈએ એક જગ્યાએ પ્રવચન કરતાં ગોળીબારની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “ગોળી ઉપર કોઈનાં નામ-સરનામાં નથી હોતાં.” આ વાક્ય હેડલાઈન બની ગયું અને આજે પણ તે વાક્યનો લોકો ઉલ્લેખ કરે છે.

શહીદોની ખાંભી

જૂના સંસ્મરણોને યાદ કરતાં જયંતીલાલ પરમાર કહે છે : કોંગ્રેસ ભવન, ભદ્રની આગળ ટ્રાફિક સર્કલ ઉપર શહીદોની ખાંભી મૂકવાનું આંદોલનકારીઓએ નક્કી કર્યું અને તા. ૮-૮-૧૯૫૮ના રોજ સવારે સરઘસ આકારે આવીને ખાંભી પ્રસ્થાપિત કરવાનું નક્કી કરવામાં આવ્યું. તા. ૭-૮-૧૯૫૮ની રાત્રે કોંગ્રેસના કેટલાક આગેવાનોએ કોંગ્રેસભવનમાં રોકાવાનો નિર્ણય કરવામાં આવ્યો. ઠાકોરભાઈએ પણ તે રાત્રે કોંગ્રેસ ભવનમાં રોકાવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસ સેવાદળના કેટલાક સૈનિકોને પણ રાત્રી રોકાણ માટે રોકાવાનો પણ નિર્ણય લેવાયો. તેમાં તે રાત્રીએ મારે પણ રોકાવાનું થયું. ત્યારે પ્રથમવાર ઠાકોરભાઈ સાથે મેં વાત કરી હતી. રાતભર અમદાવાદ શહેરના વિસ્તારોમાં અને ખાસ કરીને મજૂર વિસ્તારોમાં આ આંદોલનની શી ગતિવિધિ ચાલે છે તેના રાતભર સમાચાર મેળવવામાં આવતાં હતાં. ભદ્રમાં જ આવેલા મજૂર મહાજન સંઘની ઓફિસ પણ રાતભર ધમધમતી રહી. આવા દિવસોમાં મજૂર મહાજન સંઘના ટેલિફોન ઓપરેટર રાતભર મજૂર વિસ્તારમાં આવેલ મિલમાંના પ્રતિનિધિઓનો મિલમાં અને તેમના વિસ્તારમાં સંપર્ક મારફતે આંદોલનની તૈયારીની માહિતી મેળવવામાં આવતી અને તે માહિતી કોંગ્રેસભવનમાં ઠાકોરભાઈને અપાતી અને આ આંદોલનમાં મજૂર વિસ્તારના લોકો આમાં ઓછા જોડાય તેવા પ્રયત્નો રાતભર ચાલ્યા. તા. ૮-૮-૧૯૫૮ના રોજ આંદોલનકારીઓએ વિશાળ સંખ્યામાં આવીને કોંગ્રેસભવનની સામે ટ્રાફિક સર્કલ ઉપર શહીદની ખાંભીને સ્થાપિત કરી. ઠાકોરભાઈ, આગેવાનો અને સેવાદળના સૈનિકો શાંતિથી આ સમગ્ર વિધિ કોંગ્રેસભવનના પહેલા માળની લોબીમાંથી જોઈ રહ્યા હતા. આજે લાલદરવાજા પાસે જૂના કોંગ્રેસ ભવન (સરદાર ભવન) સામે એક શહીદ સ્મારક છે, પણ ભાગ્યે જ કોઈ તેને યાદ કરે છે.

ઠાકોરભાઈનું ચોકઠું

ઠાકોરભાઈ ભાષણ કરતાં હોય તો જાણે સામે બેઠેલા લોકો સાથે વાત કરતા હોય તેમ ભાષણ કરતા. ઊંચા અવાજે કોઈ જોરશોરથી કે હાથ ફેલાવી કે પછાડીને ભાષણ કરતાં નહીં. તેમની વાતમાં રમૂજ અને વ્યંગ દેખાઈ આવતા. ગુજરાત રાજ્યમાં મંત્રી બન્યા પછી એકવાર અમે ઠાકોરભાઈને પૂછયું કે તમને શો ફાયદો થયો ? તેમણે કહ્યું કે, મને ફાયદો નથી થયો, પણ અમારા વેવાઈ બહુ ખુશ છે. ઠાકોરભાઈએ એકવાર કહ્યું કે, વેવાઈને ઘરે ગયો હતો. નહાયા પછી મેં બદલવા ધોતી માગી તો મને તેમણે મિલની ધોતી આપી. મેં બદલી, પણ મને મેં કાંઈ પહેર્યું હોય તેમ લાગતું જ નહીં. ઠાકોરભાઈ હંમેશાં ગળી અને ઈસ્ત્રી વગરનું જાડું ધોતિયું અને ઝભ્ભો પહેરતાં અને માથે અડધું કપાળ ઢંકાય તેમ ગાંધી ટોપી પહેરતાં. કોંગ્રેસભવનમાં તેમના માટે રિલીફ સિનેમા પાસેની ઈમ્પીરિયલ હોટેલમાંથી ચા મગાવવામાં આવતી. ઠાકોરભાઈ વિધાનસભામાં જ્યારે ચર્ચાનો જવાબ આપતા ત્યારે વિધાનસભાના અધ્યક્ષને ઉદ્દેશીને ‘માનનીય અધ્યક્ષશ્રી’ કહેવાને બદલે ‘માનનીય સ્પીકરશ્રી’ કહેતા ત્યારે ઠાકોરભાઈને ટોકતા કોઈએ કહ્યું કે, તમે ગુજરાતીના આગ્રહી છો અને અધ્યક્ષશ્રી કહેવાને બદલે અંગ્રેજી શબ્દ સ્પીકરનો કેમ ઉપયોગ કરો છો ? તેમણે જવાબ પણ રમૂજમાં આપ્યો હતો કે, અધ્યક્ષ શબ્દ બોલું તો તે બોલવામાં મારું દાંતનું ચોકઠું નીકળી જાય તેમ છે તેથી સ્પીકરશ્રી બોલું છું.

ઓગસ્ટ મહિનો ઈન્દુચાચાઠાકોરભાઈ દેસાઈહરિહર ખંભોળજાને યાદ કરવાનો મહિનો છે

ભવ્ય મંદિરો-દહેરાસરો બન્યા પણ ‘મધર ટેરેસા’ ક્યાં છે ?

અમેરિકામાં ૧૫૦ મિલિયન ડોલરના ખર્ચે અક્ષરપુરુષોત્તમ સંસ્થા દ્વારા અતિ ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે. તેની પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપવા અમેરિકા જવા માંગતા લોકોનો ધસારો જોઈ વિમાન કંપનીઓએ ભાડાં બેવડાં કરી દીધાં છે. ભગવાનના મંદિરો બને તે કોઈને પણ ગમે પરંતુ હિન્દુ મંદિરો અને જૈન દહેરાસરો માટે કિંમતી પથ્થરો અને આરસપહાણ પાછળ જે અબજો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે તે આ દેશના સમાજની સાંપ્રત કરુણ પરિસ્થિતિ કરતાં સાવ વિપરીત જ અને ગરીબોની મજાક કરનારી હોય તેમ લાગે છે. દેશની વાત કરીએ તો ૪૦ કરોડ લોકો ભૂખમરાની સ્થિતિમાં જીવે છે. એક માત્ર ગુજરાતમાં જ ૧૪.૭૫ લાખ પરિવારો પાસે રહેવા ઘર નથી. કેટલાંયે ગામડાંઓમાં સ્કૂલો પાસે શૌચાલયો નથી. શૌચાલયોના અભાવે સ્કૂલમાં ભણતી કન્યાઓ પારાવાર પીડા અનુભવે છે. કેટલાંયે સ્થળે ભણવાના ઓરડા જ નથી. લાખ્ખો ગરીબ દર્દીઓ સારવાર વિના જ મૃત્યુ પામે છે. મહેલ જેવાં મંદિરો બાંધનારાઓ અને તે માટે નામના મોહના કારણે દાન આપનારાઓને આ ગરીબ, લૂલા- લંગડા, બીમાર અને ઘર વિહોણા દરિદ્રનારાયણો કેમ દેખાતા નથી ?

મધર ટેરેસા

વિશ્વભરના લોકોમાં અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા કરતાં પૃથ્વી પર આજે કોઈનોય ચહેરો સૌથી વધુ જાણીતો હોય તો તે મધર ટેરેસાનો છે. ઈ.સ. ૧૯૧૦માં અલ્બેનિયા (મેસેડોનિયા)માં જન્મેલી અગ્નેશ નામની એક યુવતીએ ભારતને પોતાનું વતન બનાવ્યું. એ પહેલાં અગ્નેશ શેરીઓમાં જઈ અનાથ બાળકોની સેવા કરતી હતી. આઝાદીમાં જોડાયેલા ભાઈએ તેને પત્ર લખી પૂછયું, “બહેન ! તું આ બધું શું કરે છે ?” ત્યારે અગ્નેશે જવાબ આપ્યો : “તમે એક અફસર તરીકે ૨૦ લાખ લોકોના શાસકની સેવા કરો છો. હું આખા વિશ્વના રાજા-ઇશ્વરની સેવા કરવા માગું છું.” અને તે પછી અગ્નેશે ખ્રિસ્તી સાધ્વી- ‘નન’ બનવા નિર્ણય લીધો. માત્ર ૧૯ વર્ષની વયે તેઓ કોલકાતામાં સિસ્ટર ટેરેસા બન્યાં. ૨૦ વર્ષ સુધી બાળકોને ભણાવ્યાં. ૧૯૪૬માં કોલકાતામાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. રસ્તામાં લોહીલુહાણ લોકોને જોઈ તેમનું હૃદય કંપી ઊઠયું અને દીન-દુખિયાઓની સેવા કરવા થેલીમાં માત્ર પાંચ રૂપિયા લઈ કોન્વેન્ટ છોડી દીધી. એ જ દિવસથી કોલકાતાની શેરીઓમાં જઈ નિઃસહાય, બીમાર અને દીન-દુખિયાઓની સેવા કરવાનું કામ તેમણે શરૂ કર્યું. કોલકાતાની એક શેરીમાં સડક પર એક માણસ પડેલો હતો, તે બીમાર હતો. તેના પગે ઘા હતો. કીડા પડી ગયા હતા. તે અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. તેના ઘા એમણે ધોયા. તેને દવા, પાણી અને ભોજન આપ્યું. શેરીઓમાંથી ઊંચકીને તેમને નિર્મળ હૃદય નામના કેન્દ્રમાં લઈ ગયા અને તેમની સારવાર શરૂ કરી. બીજી શેરીમાં બાળકો ભૂખથી કણસી રહ્યાં હતાં. કોલકાતામાં ૩૦૦૦થી વધુ ઝૂુંપડપટ્ટીઓ હતી. તેઓ બાળકો વચ્ચે ગયાં અને તેમને ભોજન આપવાનું શરૂ કર્યું. બીમાર લોકો શેરીઓમાં જ મૃત્યુ પામતાં હતાં. કોલકાતા યુનિર્વિસટીએ એ પ્રશ્ન હલ કરવાનું કામ ટેરેસાને સોંપી દીધું. હવે તેઓ મધર ટેરેસા હતાં. આજે વિશ્વના ૧૬૪ દેશોમાં મધર ટેરેસાએ સ્થાપેલાં ૭૬૬ જેટલાં માનવ સેવા કેન્દ્રો દ્વારા દુખિયારા, ગરીબ અને બીમાર લોકોની સેવાચાકરી થઈ રહી છે અને હા, તેમના સ્થાપેલા કેન્દ્રમાં કોઈ દર્દીને કે દુખિયારા માણસને લાવવામાં આવે છે ત્યારે એવું પૂછવામાં આવતું નથી કે તે કયા ધર્મનો છે ? માટે જ તેઓ આખા વિશ્વનાં માતા- ‘મધર ટેરેસા’ કહેવાયાં.

સાધુઓને લીલા લહેર

આજે આપણી સમક્ષ દીનદુખિયારા લોકોની સેવા કરનારાં સેવા કેન્દ્રો અને બીમાર માણસોની સેવા કરનાર ખ્રિસ્તી સાધ્વીઓ એક પ્રમાણ છે. બીજી બાજુ અંગત પ્રતિષ્ઠા અને સ્પર્ધા માટે અબજો રૂપિયા ખર્ચીને ઊભાં કરાતાં દેવમંદિરો અને પથ્થરો પાછળ લખલૂંટ ખર્ચ એ બીજું પ્રમાણ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, “હું દરિદ્રનારાયણોમાં જ વસું છું”, પરંતુ ભારતનાં હિન્દુ મંદિરોમાં ઠાકોરજીની ર્મૂિત સમક્ષ ૩૨ ભોજન અને તેત્રીસ શાક પીરસાય છે. અન્નકૂટમાં ૧૦૦ જાતની મીઠાઈ અને ૧૦૦ જાતનો ભાત બનાવાય છે. ઠાકોરજીને જમવાનું પચે એટલે ૧૮ જાતના મુખવાસ ધરાવવામાં આવે છે. દિવસના અંતે ભગવાનની ર્મૂિત તો બિચારી કાંઈ જ આરોગતી નથી, પરંતુ ભગવાનને અન્નકૂટનો થાળ ધરાવનાર પૂજારીઓ અને સાધુઓ અને પરસાદિયા ભક્તો જ એ ૩૨ ભોજન ને ૩૩ પ્રકારનાં શાક આરોગી જાય છે. મંદિરની બહાર ફૂટપાથ પર ઊભેલા કોઈ ગરીબ કે નજીકમાં જ આવેલી ઝૂંપડપટ્ટીનાં નાગા-ભૂખ્યા બાળકો મંદિરના કર્તાહર્તાઓને દેખાતાં નથી. ભારતનાં બડાં બડાં હિન્દુ મંદિરોએ ગરીબ અને આદિવાસી વિસ્તારોના લોકોની કરેલી ઉપેક્ષાના કારણે જ કેરાલાથી માંડીને દેશના અન્ય પ્રદેશોમાં ખ્રિસ્તી મિશનરીઓ સેવાનું કામ કરતી જણાય છે અને આદિવાસી વિસ્તારોમાં હવે ચર્ચ પણ દેખાય છે. કોઈ સાધુને મધર ટેરેસાની જેમ સડક પર બીમાર માણસના ઘા ધોવા નથી. ઘાયલને પાટો બાંધવો નથી. ગરીબ બાળકોને નવરાવવા, ધોવરાવવા કે ભણાવવા નથી. કેટલાક મંદિરો તો લાડુના જમણ ઝાપટતા હટ્ટાકટ્ટા સાધુઓ માટે જ જાણીતાં છે.

મંદિરો બાંધવા સ્પર્ધા

આ બધામાં નોંધપાત્ર વાત એ છે કે, હિન્દુ અને જૈન મંદિરો બાંધવા અંદરોઅંદર જબરદસ્ત સ્પર્ધા ચાલે છે. હિન્દુ ધર્મ વિભાજિત થઈ રહ્યો છે. વૈષ્ણવોનાં અલગ મંદિરો છે, રામાનંદીઓના અલગ, શિવભક્તિઓનાં અલગ અને સ્વામિનારાયણના અલગ સંપ્રદાયો ઊભા થયાં છે. સ્વામિનારાયણ સંપ્રદાય અનેક ફિરકાઓમાં વહેંચાઈ ગયો છે. એક કાલુપુર સ્વામિનારાયણ મંદિર, બીજું શાહીબાગવાળું અક્ષર પુરુષોત્તમ મંદિર, ત્રીજું મણિનગરવાળું સ્વામિનારાયણ મંદિર, ચોથું વાસણાનું સ્વામિનારાયણ મંદિર વગેરે. આ મંદિરના વડાઓ હવે દેશ-વિદેશમાં સૌથી વધુ પૈસા ખર્ચીને વધુ ને વધુ ભવ્ય મંદિરો બાંધવાની માંહોમાંહે સ્પર્ધા કરી રહ્યા છે. કોઈ લંડનમાં મંદિર બાંધે છે તો કોઈ નાઈરોબીમાં, કોઈ ન્યૂજર્સીમાં મંદિર બાંધે છે તો કોઈ કેનેડામાં. મંદિરો બાંધવા એ સારી વાત છે, પણ પથ્થરો પાછળ જે અબજોનું ખર્ચ થાય છે તે આશ્ચર્યજનક છે. થોડા દિવસ પછી ન્યૂજર્સીમાં ૧૬૨ એકરની વિશાળ જગામાં બીએપીએસનું સ્વામિનારાયણ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનું છે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૧૧૦૦ કરતાં વધુ મંદિરો બાંધવામાં આવ્યા છે. અમેરિકામાં બંધાયેલા મંદિરની લંબાઈ ૧૬૪ ફૂટ અને પહોળાઈ ૮૭ ફૂટ છે. ૧૦૮થી વધુ બારીક કોતરણીવાળા સ્તંભો છે. ત્રણ કલાત્મક ગર્ભગૃહ છે. અક્ષરપુરુષોત્તમ સંસ્થા દ્વારા ઇટાલિયન માર્બલથી બનેલા આ મંદિર પાછળ ૧૫૦ મિલિયન ડોલરનું ખર્ચ કરવામાં આવ્યું છે. આ બધું ભવ્યાતિભવ્ય હોવા છતાં એક જ વાત અહીં ખૂટે છે- “દીન-દુખિયાની સેવા કરનાર મધર ટેરેસા જેવા સેવાભાવી સંતો.” આટલું ખર્ચ ગરીબોની સેવા પાછળ કે કોઈ હોસ્પિટલ બાંધવા કરવામાં આવ્યું હોત તો ભગવાન વધુ રાજી થયા હોત. આશ્ચર્યની વાત એ છે કે, આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જનારા લોકોનો ધસારો પણ એટલો બધો વધી ગયો છે કે, સામાન્ય રીતે અમેરિકા જવાની જે ટિકિટ રૂ. ૬૦ કે ૭૦ હજારમાં મળે છે તે ટિકિટના ભાવ અત્યારે રૂ. એકથી દોઢ લાખ થઈ ગયા છે.

શ્રીમંતોના જ ભગવાન
બોલો !

ભગવાનના દર્શન પણ દોઢ લાખની ટિકિટ ખર્ચનારને જ થશે ! અમદાવાદમાં ગુલબાઈના ટેકરા પર કે મલેકસાબાન સ્ટેડિયમ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેનારા ગરીબો પાસે ટિકિટના પૈસા ના હોઈ ભગવાન તેમનાથી દૂર જ રહેશે. મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેનારા ગરીબો તો ભૂખથી કણસતા જ હશે ? અમદાવાદની હોસ્પિટલોમાં પૈસાના અભાવે કિડની ટ્રાન્સપ્લાન્ટ નહીં કરાવી શકતા દર્દીઓ તો મોતને જ ભેટતા હશે ને ? કુપોષણથી ઝૂરતાં લાખો હિન્દુ બાળકો તો માનું મોં જુએ ના જુએ તે પહેલાં જ ભગવાનના પ્યારાં થઈ જતાં હશે ને ? મંદિરો, પથ્થરો અને મહોત્સવો પાછળ અબજોનો ધૂમાડો કરનારા ધર્મના કસ્ટોડિયનોને આ જીવતા દરિદ્રનારાયણો કેમ દેખાતા નથી ?

નામનો મોહ

એ આશ્ચર્યની વાત એ પણ છે કે, ગામડાંઓમાં લોકો પાસે શૌચાલયો નથી ત્યાં પણ કરોડોના ખર્ચે મંદિરો ઊભાં કરવાની સ્પર્ધા ચાલે છે અને કેટલાક ગામોમાં તો ગુનાઈત ઇતિહાસ ધરાવતાં લોકો જ મંદિરો માટે પૈસા ઉઘરાવતા જણાય છે. આવું જ અન્ય ધર્મોના મંદિરોનું અને તેમના દ્વારા ચલાવવામાં આવતી શૈક્ષણિક સંસ્થાઓનું છે. ધર્મોના સીમાડામાં કેદ થયેલા તેના સંચાલકો પોતાના ધર્મ સિવાય અન્ય ધર્મના બાળકને તેમની સંસ્થામાં ખાસ કરીને છાત્રાલયોમાં પ્રવેશ આપતા નથી.આશ્ચર્યની વાત એ છે કે કેટલીક ર્ધાિમક સંસ્થાઓએ હોસ્પિટલો બાંધી છે પરંતુ તેમની હોસ્પિટલમાં તેમની જ્ઞાાતિ સિવાયની જ્ઞાાતિના દર્દીને પ્રવેશ નથી. આ તે કેવી માનવતા? ધર્માંધ ભક્તો મંદિરમાં જઈ ઘંટનાદ કરે છે, ઝાલર વગાડે છે, ભગવાનને ઠંડીમાં સગડી કરી આપે છે, પરંતુ એ જ મંદિરની બહાર ફૂટપાથ પર સૂતેલા,ઠંડીમાં ઠુંઠવાતા,વરસાદમાં પલળતા કે બે દિવસથી ભૂખ્યા-નાગા બાળકના પેટના દર્દનો આર્તનાદ સંભળાતો નથી. નવું મંદિર બાંધવા કરોડોનું દાન કરનારને પોતાના નામની તખ્તીનો મોહ હોઈ ધૂમ પૈસા આપે છે, પણ ગરીબ બાળકના તનને ઢાંકવા એક ચાદર આપવા   તેમની પાસે પૈસા નથી કારણ કે મધર ટેરેસાની જેમ સડક પર જઈ બીમાર દર્દીની સેવા કરવામાં તેમને છોછ છે અને સડકો પર સેવા કરવાથી તેમના નામની તખ્તી લાગવાની નથી. ધર્મને પણ અંગત પ્રતિષ્ઠાનું કેવું દંભી સ્વરૂપ આપણે આપી ચૂક્યા છીએ ? પરંતુ યાદ રાખજો, જે દિવસે ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે એ આગમાંથી તમને ભગવાન પણ બચાવી શકશે નહીં.

અબજોના ખર્ચે ભવ્ય મહેલો જેવાં મંદિરો અને દહેરાસરો બાંધવા હવે માંહો માંહે હોડ જામી છે

સરહદ પારની એ સંવેદના ફ્રોમ પાકિસ્તાન વિથ લવ

ભારતીય ચેનલો દ્વારા પ્રસારિત ‘સાસુ-વહુ’ના ઝઘડા અને કાવતરાંઓની સિરિયલો જોઈને કંટાળ્યા હોવ તો હવે એક નવી જ તાજી હવા પાકિસ્તાન તરફથી આવી છે. એ હવામાં તાજગી છે,નાવિન્ય છે, લાગણીઓ છે, દુઃખ અને દર્દ પણ છે. હા, તેમાં ભારત પ્રત્યે કોઈ નફરતની લાગણી નથી. આ નવી તાજગી છેઃ ‘જિંદગી’ચેનલ પર રજૂ થતી પાકિસ્તાનના કથાકારો દ્વારા લખાયેલી,પાકિસ્તાનના કલાકારો દ્વારા ભજવાયેલી, પાકિસ્તાનની ભૂમિ પર નિર્માણ પામેલી અને ઉર્દૂમાં બનેલી પાકિસ્તાની સિરિયલ્સ. તેમાંની એક છે ”જિંદગી ગુલઝાર હૈં” જે એક મિની સિરિયલ હતી અને ભારતીય દર્શકોને ભીંજવી દઈ હમણાં જ પૂરી થઈ. બીજી છે ”કાશ મેં તેરી બેટી ના હોતી.” આ સિરિયલોએ ભારતના ટીવી દર્શકો પર જાદુ જમાવવા માંડયો છે. પાકિસ્તાની લેખકો દ્વારા લખાયેલ મજબૂત કથાવસ્તુના કારણે ભારતીય ટીવી સિરિયલના નિર્માતાઓ પણ હવે નવેસરથી વિચારવા લાગ્યા છે.

‘જિંદગી’ પર રજૂ થયેલી ‘જિંદગી ગુલઝાર હૈ”- સિરિયલ પાકિસ્તાની લેખિકા ઉમેરા અહેમદની કૃતિ હતી. કશફ નામની યુવતી તેનું મુખ્ય પાત્ર છે, જ્યારે ઝારુન તે સિરિયલનું મુખ્ય પુરુષપાત્ર છે. આ સિરિયલોની કથાઓ જોતાં તો એમ જ લાગે છે કે ભારત અને પાકિસ્તાન ભલે અલગ દેશ છે પરંતુ તેમનો અને આપણો ઈતિહાસ, સમાજનાં ધોરણો, મૂલ્યો, સંઘર્ષ, સંસ્કૃતિ, ખાનપાન- એ બધું તો એક સમાન છે. એક જમાનામાં પાકિસ્તાનમાં બનેલી ‘ધૂપ કિનારે’ જેવી ટીવી સિરિયલ્સ ભારતમાં પણ ખૂબ લોકપ્રિય હતી. તે જ કથા પરથી ભારતીય નિર્માતાએ ટીવી માટે ”કુછ તો લોગ કહેંગે” પણ હમણાં જ બનાવી. ‘ધૂપ કિનારેની લેખિકા પાકિસ્તાનની હસિના મોઈન હતી. તે જ લેખિકાની બીજી એક પાકિસ્તાની સિરિયલ ”તન્હાઈયાં” પર ભારતમાં ”ઈમ્તીહામ”ના નામે બની. ભારતના લેખકોએ વાત કબૂલ કરવી જોઈએ કે પાકિસ્તાનમાં મજબૂત કથાવસ્તુ અને ડ્રામા લખી શકે તેવા શક્તિશાળી લેખકો છે.

”જિંદગી ગુલઝાર હૈ”માં કશફનો રોલ સનમ સઈદ નામની પાકિસ્તાની અભિનેત્રી કરી રહી હતી, જ્યારે ઝારૃનનો રોલ પાકિસ્તાની એક્ટર ફવાદ અફઝલ ખાન કરી રહ્યો હતોે. ફવાદ અફઝલખાન ઘણી ભારતીય યુવતીઓનો ફેવરીટ હીરો છે. હફવાદને ભારતીય ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી છે. પણ કશફનો રોલ કરી રહેલી સનમ સઈદ ‘જિંદગી ગુલઝાર હૈં”માં લાગે છે તેવી ગંભીર અને સ્વમાની યુવતી રિયલ લાઈફમાં પણ છે તે કહે છે?” હું આઈટમ નંબર કે સ્કીન શો કરવા માટે કમ્ફર્ટેબલ નથી.”

કશફની માતાનો રોલ સમીના પીરઝાદા એ કર્યો હતો. ભારતીય એન્ટેરટેઈનમેન્ટ ચેનલો પર સાસુ- વહુ, મા-દીકરી, નણંદ-ભોજાઈના સંબંધોની સિરિયલો માણનાર દર્શકો માટે આ એક નવું નામ છે. ભારતીય ફિલ્મોમાં ઘણી અભિનેત્રીઓએ માનો લાજવાબ રોલ કરેલો છે. દુર્ગા ખોટે, લીલા ચીટનીસ, લીલા મિશ્રા, લલિતા પવાર, અચલા   સચદેવ, સુલોચના જેવી અનેક અભિનેત્રીઓ ‘સેલ્યુલોઈડ મધર’ તરીકે ખ્યાતનામ છે. ખુદ નરગીસે ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં તેમની ભરજુવાનીમાં માનો અદ્ભુત રોલ કરીને એક નવું જ પરિમાણ બક્ષ્યું હતું. પરંતુ સરહદ પારથી ભારતીય એન્ટરટેઈનમેન્ટ ચેનલ પર આવેલી એક પાકિસ્તાનની માતાનું પરદા પરનું નામ છેઃ રાફિયા મુર્તઝા. રાફિયા મુર્તઝાનો રોલ પાકિસ્તાની એક્ટ્રેસ સમીના પીરઝાદા કરી રહી હતી. તેમાં ત્રણ દીકરીઓની એક ખુદ્દાર માતા રાફિયા મુર્તઝાનો રોલ પાકિસ્તાનની સ્ટેજ અને ફિલ્મોની એક્ટ્રેસ સમીના પીરઝાદાએ બડી બેખૂબીથી અદા કર્યો હતોે. રોલ નાનો હોવા છતાં પણ એક્લા હાથે ત્રણ દીકરીઓને ઉછેરતી મા તરીકે તે સંપૂર્ણ મા લાગે છે. રાફિયા મુર્તઝાના પતિએ ત્રણ દીકરીઓે અને પત્ની રાફિયાને ત્યજીને બીજી એક સ્ત્રી સાથે લગ્ન કરી લીધું છે. પરંતુ રાફિયા બહુ જ મુશ્કેલીઓ વેઠી દીકરીઓને ભણાવે છે, મોટી કરે છે, ઉછેરે છે અને તેમને ઠેકાણે પાડવા મથામણ કરતી રહી છે તે આખીયે સિરિયલના મુખ્ય પાત્ર એવી કશફ નામની સ્વાભિમાની પુત્રીની મા પણ છે. આખીય સિરિયલ પાકિસ્તાનમાં શૂટ થયેલી છે. પાકિસ્તાનની સામાજિક સમસ્યાઓ જોઈએ તો પાકિસ્તાનના સમાજ અને ભારતીય સમાજ વચ્ચે કોઈ જ ભેદ લાગતો નથી. બધે જ એક જ પ્રકારના પ્રશ્નો છે. એક જ પ્રકારની માતાઓ, દીકરીઓ, પુત્રો, સમસ્યાઓ છે. બધે જ પુરુષપ્રધાન સમાજ છે.

 કશફની મા બનતી એક્ટ્રેસ સમીના પીરઝાદા પાકિસ્તાનની પ્રતિષ્ઠીત સ્ટેજ અને ફિલ્મ એક્ટ્રેસ છે. એણે વર્ષોથી પાકિસ્તાન ટીવીનો વિકાસ અને સંક્રાંતિકાળ નીહાળ્યો છે. તે એક્ટ્રેસ હોવા ઉપરાંત ડાયરેક્ટર અને પ્રોડયુસર પણ છે. પાકિસ્તાનમાં તે તેની’ઈન્તેહા’ ફિલ્મથી ખૂબ જાણીતી છે. સમીના પીરઝાદા કહે છે ઃ ”પાકિસ્તાનમાં એક માત્ર જ્યારે પીટીવી- ચેનલ’ હતી ત્યારે એ સમય પાકિસ્તાનના ટેલિવિઝન માટે સુવર્ણયુગ હતો. એ વખતે પીટીવી પર માનવીની જિંદગીની નજીકના સંબંધોની કથાઓ દર્શાવવામાં આવતી હતી. એ સમયે ”ધૂપ કિનારે” નામની સિરિયલ પાકિસ્તાનમાં ખૂબ લોકપ્રિય સાબિત થઈ હતી. ‘ધૂપ કિનારે’ એક સાહિત્યકૃતિ પરથી બની હતી.

સમીના પીરઝાદાનો જન્મ લાહોરમાં તા. ૯ એપ્રિલ, ૧૯૫૫ના રોજ થયો હતો. તેના પિતાનું નામ મોઈનુદ્દીન બટ અને માતાનું નામ અલમાસ બટ હતું. તેણે વાણિજ્યના વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું હતું પરંતુ તે પછી અભિનયના ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. ૧૯૭૫માં ઉસ્માન પીરઝાદા સાથે તેનું લગ્ન થયું હતું. તેમના પતિ પણ એક્ટર છે. હાલ તે કરાચી- પાકિસ્તાનમાં રહે છે. સમીનાએ વિશ્વભરનો પ્રવાસ કરેલો છે. લિસ્બન ખાતેના ફિલ્મ ફેસ્ટીવલમાં પણ પરર્ફોમન્સ આપેલું છે. અભિનય માટે બે પ્રેસિડેન્શિયલ એવોર્ડ્સ મળેલા છે. સમીના પીરઝાદા ભારતના બોલિવૂડની ફિલ્મો જોઈને જ મોટી થઈ છે. શાશ્વત સૌંદર્ય ધરાવતી મધુબાલાની એક્ટિંગથી તે પ્રભાવીત છે. નવી ફિલ્મો ”પરિણીતા” અને ”બરફી” પણ તેણે માણી છે. આગામી ઓગસ્ટ માસમાં તે ભારત આવી રહી છે. ભારતની મુલાકાત વખતે તે માધુરી દીક્ષિત અને કોમેડી શોવાળા કપિલને મળવા આતુર છે.   તે નાની હતી ત્યારથી જ અભિનય માટે અભિરુચિ ધરાવતી હતી. એણે થિયેટરનો અભ્યાસ કર્યો. મોડેલિંગ પણ કર્યું. ટીવી શો પણ કર્યા. સ્ટેજ પર અભિનય કર્યા બાદ એમણે ”નજદીકિયાં” નામની પાકિસ્તાની ફિલ્મમાં કામ કર્યું. તે પછી ”બાઝારે હુશ્ન” અને ”ખ્વાહીશ” માટે કામ કર્યું.

પાકિસ્તાનમાં સમીના પીરઝાદાનું નામ આદરપૂર્વક લેવાય છે. એક ધીર અભિનેત્રી તરીકે અને ધીર ગંભીર મહિલા તરીકે પણ લોકો તેમનું સન્માન કરે છે. સમીના પીરઝાદા ‘જિંદગી’ ચેનલ પર ”નુરપુર કી રાની” નામની સિરિયલમાં પણ આવી રહી છે. આ સિરિયલ અંગ્રેજી નવલકથા ‘રેબેકા’ પર આધારિત છે.

સમીના કહે છેઃ ”હું હજુ એક વધુ યોગ્ય સ્ક્રીપ્ટ માટે ઈન્તજાર કરી રહી છું. આવી કથા મને ભારતમાંથી મળશે તો હું ભારતની ચેનલ્સ માટે અભિનય કરવા તૈયાર છું. ભારતની ‘ઉત્તરાન’, ‘બાલિકા બધુ’ અને ‘કોમેડી નાઈટ વીથ કપિલ’ પાકિસ્તાનમાં પણ લોકપ્રિય છે.

સમીના પીરઝાદા એક એક્ટ્રેસ કરતાં પણ કાંઈક વધુ છે, કારણ કે તે થિયેટરમાંથી પેદા થયેલી પ્રતિભા છે. સમાજ, સમસ્યાઓ,સ્ત્રી અને વાસ્તવિકતા એના પ્રિય વિષયો છે અને ફિલ્મ કે સિરિયલ્સ તેના માધ્યમ છે. ‘જિંદગી ગુલઝાર હૈ”માં એક નાનકડા રોલ દ્વારા પણ દર્શકના દિલ પર એક અમીટછાંટ છોડી ગઈ. મધ્યમવર્ગના પરિવારની, પતિથી છૂટાછેડા પામેલી, એકલા હાથે ત્રણ દીકરીઓને ઉછેરતી મા અને તેની દીકરી કશફ પણ કેવી સ્વમાની છે તે જોવું હોય તો ઘડીભર પાકિસ્તાનના સ્વાર્થી રાજનેતાઓ,પાકિસ્તાનની નોટોરિયલ ગુપ્તચર સંસ્થા- આઈએસઆઈ, પાકિસ્તાનના નાપાક લશ્કર અને કટ્ટર ત્રાસવાદને બાજુએ રાખીને પણ પાકિસ્તાનના સમાજની વાસ્તવિકતાની આ સંવેદનશીલ કથાઓ માણજો. ‘કાશ મેં તેરી બેટી ન હોતી’ એ સિરિયલની કથા હચમચાવી દે તેવી છે. એ કથાઓ ભલે સરહદ પારથી આવી છે પરંતુ તમને ભારત અને પાકિસ્તાનના સમાજજીવનમાં કોઈક ફરક નહીં લાગે. સમાજ બધે જ એકસરખો છેે. રાફિયા મુર્તઝાના રોલમાં સમીના પીરઝાદા એક ભારતીય મા જેવી છે અને સનમ સઈદ સ્વમાની ભારતીય યુવતી જેવી જ લાગતી હતી.

ભારતના બિગ સ્ક્રીન માટે બનેલી મોટી ફિલ્મો જે રીતે ”પાકિસ્તાનમાં લોકપ્રિય છે તે જ રીતે પાકિસ્તાનમાં બનતી ટીવી સિરિયલ્સ હવે ભારતમાં લોકપ્રિય થઈ રહી છે. પાકિસ્તાનનો ભારત સાથેનો આ ‘સ્વીટ રિવેન્જ’ છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén