રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

કુદરતનો દરેક પ્રહાર કોઈને કોઈ અસરો છોડી જાય છે. યુદ્ધ પણ કોઈને કોઈ આડઅસરો છોડી જાય છે. કુદરતી આપત્તિ અને ભયાનક યુદ્ધ માનવજાતનો માત્ર વિનાશ જ કરે છે, એવું નથી પરંતુ જે જીવતાં રહી જાય છે તેમને પણ બેબસ બનાવી જાય છે.

નેપાળમાં આવેલા ધરતીકંપ બાદ નેપાળના સમાજજીવનમાં પણ ભયાનક અસર પેદા થઈ છે. એ મહાવિનાશક ધરતીકંપે લાખો નેપાળી લોકોને મજૂર તથા સેક્સવર્કસમાં તબદીલ કરી નાખ્યાં છે. આ ભૂકંપ બાદ નેપાળમાં ઘરબાર વિહોણાં બની ગયેલા પરિવારોની યુવાન સ્ત્રીઓ કે કુંવારિકાઓને સેક્સ ટ્રાફિકિંગનો ભોગ બનવાનો વારો આવ્યો છે.

દિલ્હીથી પ્રગટ થતાં ‘પાયોનિયર’ નામનાં અખબારના પત્રકાર શાલિની સકસેનાએ કરેલા એક અભ્યાસ પ્રમાણે દર ૨૬.૨૮ મિનિટે એક નેપાળી યુવતીને આ ધંધામાં હડસેલાવું પડે છે. નેપાળમાં પહેલેથી જ ગરીબી છે અને કેળવણીનો અભાવ છે, આ કારણે નેપાળના સમાજજીવનની પરિસ્થિતિ વધુ વિષમ બની છે. પેટિયું રળવા લાચાર નેપાળ યુવતીઓ સૈકાઓ જૂના લોહીના વેપારનો ભોગ બની રહી છે. આમાંથી ઘણીબધી નેપાળી યુવતીઓને સેક્સના ધંધામાં પરોવવા ભારતમાં ધકેલી દેવાય છે.

તાજેતરમાં દિલ્હીના ગુડગાંવની પોલીસે બે નેપાળી સ્ત્રીઓની જિંદગી બચાવી, તેમાંની એક ૩૦ વર્ષની હતી, તે બે બાળકોની માતા હતી અને તેના પતિને કેન્સર હતું. બીજી ૫૦ વર્ષની હતી અને ડિવોર્સી હતી. આ બંને સ્ત્રીઓ મોત કરતાં વધુ ખરાબ જિંદગી જીવી રહી હતી. આ બંને નેપાળી સ્ત્રીઓને એક સાઉદી અરેબિયાના ડિપ્લોમેટ દ્વારા ગોંધી રાખવામાં આવી હતી અને તેમને વારંવાર દૂર કરવામાં આવતી હતી તથા તેમના પર વારંવાર બળાત્કાર કરવામાં આવતો હતો. આ બંને નેપાળી યુવતીઓએ સાઉદી અરેબિયાના ડિપ્લોમેટ અને તેમના મિત્રોના ગેંગરેપનો ભોગ બની હોવાનો આરોપ મૂકેલો છે. નેપાળમાં ભૂકંપ બાદ ભારતમાં ઊજળાં ભવિષ્યનું સ્વપ્ન બનાવીને ચાર મહિના પહેલાં ભારત લાવવામાં આવી હતી.

ચોંકાવનારી વાત એ છે કે, આ બંને નેપાળી સ્ત્રીઓને એક માણસે રૂ. ૧-૧ લાખમાં ભારતીય એજન્ટને વેચી હતી. કપલાન નામના ભારતીય દલાલે આ સ્ત્રીઓને રૂ. ૩૦ હજારની ઓફર કરીને સાઉદી ડિપ્લોમેટને વેચી હતી. એ માણસનું નામ મજાદ હોવાનું બહાર આવ્યું તે પછી એ બંને નેપાળી યુવતીઓને સાઉદી અરેબિયા લઈ જવામાં આવી હતી. પંદર દિવસ બાદ તેમને ભારત પાછી લાવવામાં આવી હતી, તે પછી તેમના પર હિંસા અને બળાત્કારનો સિલસિલો શરૂ થયો હતો.

એવો જ બીજો એક કિસ્સો ચમેલીનો છે. ચમેલી માત્ર ૧૩ જ વર્ષની છે, તે નેપાળના છતિવાન નામનાં ગામમાં રહેતી હતી. ભૂકંપ પછી તે પરિવારને મદદ કરવા માગતી હોઈ તેણે સ્કૂલ છોડી દીધી હતી. તેણે કાઠમાંડુની એક કાર્પેટ ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેને રોજ ૧૬ કલાક કામ કરવું પડતું હતું. સવારે ૪ વાગે તે કામે જતી અને રાત સુધી કામ કરતી. રાત્રે કામ કરતી વખતે તેને ઊંઘ આવી જાય તો તેની આંખમાં લાલ રંગનું મરચું નાખવામાં આવતું, જેથી તે આંખો ખુલ્લી રાખી શકે. તે ભારત જવા માગતી હતી પરંતુ બહારના ગાડ્ર્સ તેને છટકવા દેવા માગતા નહોતા. છેવટે એક એનજીઓ(નોન ગવર્મેન્ટલ ઓર્ગેેનાઇઝેશન) તેની સહારે આવી અને બાળમજૂરી તથા વેઠમાંથી તેને મુક્ત કરાવી.

તા. ૨૫ જુલાઈ ૨૦૧૫ના રોજ દિલ્હીનાં ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપક્ડ કરવામાં આવી હતી. આ બંને વ્યક્તિઓની પૂછપરછ બાદ નેપાળથી ભારત આવેલી અને ભારતથી દુબઈ મોકલવામાં આવનાર ૨૧ જેટલી નેપાળી યુવતીઓને બચાવી લેવામાં આવી હતી. આ ૨૧ નેપાળી યુવતીઓને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં રાખવામાં આવી હતી.

યુનિસેફના એક અહેવાલ પ્રમાણે નેપાળમાં ભૂકંપ બાદ અનાથ થઈ ગયેલાં બાળકોને દુબઈ મોકલી દેવાનું કામ શરૂ કર્યું હતું. ગલ્ફના દેશોમાં બાળકો સાથે સેક્સુઅલ દુર્વ્યવહારની વિકૃતિ કેટલાંક લોકો ધરાવે છે, આવાં ૨૫૪ બાળકોને બચાવી લઈ અનાથાશ્રમમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અહેવાલ અનુસાર દર વર્ષે નેપાળમાંથી ૧૨,૦૦૦ જેટલી સ્ત્રીઓ અને બાળકોને સેક્સ ટ્રાફિકિંગ માટે નેપાળની બહાર ધકેલી દેવાય છે.

તેમનું શારીરિક શોષણ જ થાય છે જ્યારે ૩ એન્જલ્સ નેપાળ નામની સંસ્થાના કહેવા પ્રમાણે દર વર્ષે નેપાળમાંથી ૨૦,૦૦૦ છોકરીઓને સેક્સના ધંધા માટે બહાર મોકલી દેવાય છે, એટલે કે દર ૨૬.૨૮ મિનિટ એક નેપાળી યુવતીને બહાર મોકલી દેવાય છે. હ્યુમન રાઇટ્સ કમિશનના આંકડા પ્રમાણે ૨૦૧૧-૧૨ના વર્ષ દરમિયાન ૧૩,૦૦૦ નેપાળી સ્ત્રીઓ અને બાળકોને સેક્સ ટ્રાફિકિંગ માટે નેપાળની બહાર મોકલી દેવાયાં હતાં.

ધી ગ્લોબલ સ્લેવરી ઇન્ડેકસના કહેવા મુજબ વિશ્વમાં ૨,૨૮,૭૦૦ જેટલાં નેપાળી લોકો ગુલામીની દશા ભોગવે છે. યુનિસેફના આંકડા અનુસાર દર વર્ષે ૭,૦૦૦ નેપાળી સ્ત્રીઓ અને બાળકોને એકમાત્ર ભારતમાં જ વેશ્યાગૃહોમાં કામ કરવા મોકલી દેવામાં આવે છે.

બીજા એક આંકડા પ્રમાણે નેપાળમાંથી રોજ ૫૪ જેટલી યુવતીઓને ભારતમાં ધકેલી દેવામાં આવે છે. એ બધાંને દિલ્હી અને દુબઈ જેવાં મોટાં શહેરોમાં કામ અપાવવાનાં સપનાં બતાવવામાં આવે છે પણ છેવટે તેઓ સેક્સના ધંધામાં કે, ગુલામીમાં ફસાઈ જાય છે.

આ બધાનું કારણ નેપાળમાં પ્રવર્તતી ગરીબી છે, એમાંયે ભૂકંપે પરિસ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે. નેપાળમાં ભૂકંપને કારણે ૧૪,૫૪૧ જેટલા કલાસરૂમ ધ્વસ્ત થયા છે. ૯,૧૮૪ ઓરડા ક્ષતિગ્રસ્ત થયા છે, હવે નેપાળનાં બાળકો ભણવા ક્યાં જાય? નેપાળના ૧૪ જિલ્લાઓમાં ૯૦ ટકા ઘર જમીનદોસ્ત થયાં છે. ઘણી દુકાનો બંધ થઈ ગઈ છે. નેપાળ ટૂરિઝમ પર નિર્ભર દેશ છે. ભૂકંપ બાદ પ્રવાસીઓ ઘટયા છે. આ બધાં કારણોસર નેપાળનાં લોકોની આર્િથક હાલત વિષમ બની છે, છેવટે રોજી રળવા નેપાળની યુવતીઓને ભારત અને અખાતના દેશોમાં જવું પડે છે, જ્યાં પહોંચ્યા બાદ તેમની સાથે દગો જ થાય છે.

ભારત અને નેપાળની સરહદ ૧,૦૦૦ માઈલ લાંબી છે, તેના પર માત્ર ૧૪ જ ચેકપોઇન્ટ છે. આ કારણસર નેપાળમાંથી યુવતીઓને નેપાળની બહાર સ્મગલ આઉટ કરવાનું કામ સરળ થઈ ગયું છે. ૧૨થી ૨૫ વર્ષની નેપાળી છોકરીઓને છેવટે મુંબઈ, બેંગ્લોર, દિલ્હી, સિલિગુરી કે કોલકાતા જેવાં શહેરોનાં વેશ્યાગૃહોમાં જ ધકેલી દેવાય છે. ભૂકંપ પછી માત્ર ભારતમાં જ ૬૦,૦૦૦ નેપાળી યુવતીઓ પ્રવેશી ચૂકી છે. એ ઘટના ચોંકાવનારી અને ચિંતાજનક છે.

એ બિચારી નેપાળી છોકરીઓ આ ધંધામાંથી બહાર નીકળવા માગે છે કોણ બચાવશે તેમને?