રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

રાજા વિક્રમાદિત્યનાં નામ સાથે જોડાયેલાં હિંદુઓનાં નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

પાછલું વર્ષ અનેક વિટંબણાઓથી ભરેલું રહ્યું. ગુજરતું પ્રત્યેક વર્ષ નવી આશાઓ અને ઉમંગની આશાઓ લઈને આવે છે. પાછલા વર્ષની રાજકીય, સામાજિક,આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક ઘટનાઓ પર નજર નાખીએ તો એક વાત સ્પષ્ટ ઉપસે છે કે, સાધુ જીવન જીવવું તે કરતાં સાંસારિક જીવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. સમાજમાં અસહિષ્ણુતા વધી છે. ધર્મના સાચા અર્થનો લોપ થઈ રહ્યો છે. ધર્મનાં નામે કોમ કોમ વિભાજિત થઈ રહી છે. ધર્મનો ઉપદેશ આપનારાઓ ધર્મને વધુ સંકટમય બનાવી રહ્યા છે. રાજનીતિનું સ્તર નીચે આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા નબળાં પડયાં છે. દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતમાં બળાત્કારનું પ્રમાણ વધ્યું છે. બે વર્ષની બાળકી પર પણ બળાત્કારની ઘટનાઓ દર્શાવે છે કે, લોકોની માનસિકતામાં વિકૃતિનું પ્રમાણ વધ્યું છે. રાજનીતિ માત્ર કોમ અને જ્ઞાતિ આધારિત બની રહી છે.

શું આ રામરાજ્યની કલ્પના છે ?

ભારતની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર ગાંધીજીએ આવા સ્વરાજની કલ્પના કરી હતી ? નવા વર્ષના પ્રારંભે કડવી વાસ્તવિકતાને ઉજાગર કરતી એક સરસ પંક્તિ યાદ આવે છે : પહલે એક દીપ જલતા થા સારા ગાંવ ચમકતા થા, આજ ચિરાગ ઘર-ઘરમેં હૈ, અંધિયારાં અંગનાઈમે હૈ. ભારત એ ભગવાન શ્રીરામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર તથા ગુરુ ગોવિંન્દસિંહ જેવી પૂજ્ય પ્રતિભાઓની ભૂમિ છે. ભારત એક પ્રકાશ અભીપ્સુ રાષ્ટ્રિયતા છે. અંધકાર અજ્ઞાન છે, પ્રકાશ જ્ઞાનનું ઉપકરણ છે, પ્રકાશ એ સત્યગુણનું પ્રતીક છે. વર્ષોથી શાળામાં ભણતાં બાળકોને પુસ્તકો દ્વારા ભણાવવામાં આવતું રહ્યું છે કે, આ દેશમાં જ્યારે શ્રીરામનું રાજ્ય હતું ત્યારે કોઈને પણ દૈવિક, દૈહિક કે ભૌતિક તોય થતો નહોતો.

સ્વતંત્રતા સંગ્રામ વખતે પણ ગાંધીજીએ ભારતમાં રામરાજ્યની કલ્પના કરી હતી. આજે ઊલટું છે. દેશના, રાજ્યોના, શહેરોના, જિલ્લાઓના અને ગામડાંઓના નેતાઓને જોઈએ છીએ તો પ્રશાસનમાં રામ કરતાં રાવણની સંખ્યા વધુ દેખાય છે. કોઈ ગાયનું માંસ ખાવાનું કહે છે, કોઈ બીજાને કંસ કહે છે, કોઈ કોઈને શેતાન કહે છે કોઈ કોઈને નરભક્ષી કહે છે કોઈ કોઈને પાકિસ્તાન ચાલ્યા જવાનું કહે છે. આ બધું જ અસહિષ્ણુતાનું પરિણામ છે. ભારત આજે કોઈ ધર્મ,એક કોમ કે એક જ જ્ઞાતિનો દેશ નથી પરંતુ તે અનેક ધર્મો, અનેક કોમો, અનેક સંસ્કૃતિઓનો દેશ છે. ભારત એક રાષ્ટ્ર છે, જેણે શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારત જેવા શ્રેષ્ઠ ગ્રંથો વિશ્વને આપેલા છે.

સંકીર્ણતા વધી

દેશનો માનવી પણ રાજકારણીઓની જેમ વિચારધારામાં સંકીર્ણ બન્યો છે, તેનું અંગત જીવન પણ દેખાડાનું અને પ્રદર્શનકારી બન્યું છે. પૈસો કમાવા તે કોઈ પણ હદે જઈ શકે છે. રામાયણ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા હવે પુસ્તકોમાં જ રહી ગયાં છે, આપણાં જીવનમાં તેમને કોઈ સ્થાન નથી. ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, ‘હું તો દરિદ્ર નારાયણોમાં વસું છું કોઈ મને પ્રેમથી એક ફૂલ કે એક પાંદડું પણ આપે તો હું સહર્ષ તેનો સ્વીકાર કરી લઉં છું.’

એક બાજુ છપ્પનભોગ અને…

આપણાં મંદિરોમાં આથી ઊલટાં દૃશ્યો જોવા મળે છે. કેટલાંક મંદિરોમાં બેસતા વર્ષના દિવસે ભગવાનની પ્રતિમા સમક્ષ છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. ભગવાન તો તેમાંથી કાંઈ ખાતા નથી પરંતુ ભગવાનને છપ્પન ભોગનો અન્નકૂટ કરનાર જ સ્વાદિષ્ઠ પકવાનો આરોગી જાય છે એ લોકો એ વાત ભૂલી જાય છે કે ગાંધીજીનાં રામરાજ્યની કલ્પનાવાળા ભારતમાં રોજ ૩૩ કરોડ લોકો માત્ર એક ટંક જ ભોજન લઈ સૂઈ જાય છે. ધર્મનાં નામે આશ્રમો ધરાવતા ગાદીપતિઓ અને આચાર્યો રાત્રે એરકન્ડિશન રૂમમાં સૂઈ જાય છે જ્યારે કરોડો ભારતીયો હજુ ઝૂંપડામાં જ રહે છે. લાખ્ખો ભારતીયો ફૂટપાથ પર સૂઈ જાય છે અને તેમનાં બાળકો ફૂટપાથ પર જ જન્મે છે અને ક્યારેક ધનવાનોની મોટરકારો નીચે કચડાઈ જાય છે.

અબજોના આશ્રમો

સાચી વાત એ છે કે, આ દેશ આજે પણ રામાયણને કે શ્રીમદ્ ભાગદ્ ગીતાને આત્મસાત કરી શક્યો નથી. કેટલાક કથાકારો પણ અબજોના આશ્રમો ધરાવે છે. રામાયણના રચયિતા વાલ્મીકિ તો સાચા અર્થમાં વનમાં નાનકડી પર્ણકૂટીમાં જીવન પસાર કરતા હતા. આજના કેટલાક કથાકારોને વિમાનમાં પણ બિઝનેસકલાસથી ઓછી સીટ ખપતી નથી. કોઈ ‘બાપુ’ બની કનૈયો બની નાચે છે અને કુંવારિકાઓ પર દુષ્કર્મ કરવાના આરોપો ધરાવે છે.

આથી વધુ અધર્મ બીજો શું ?

આજે આ દેશ ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ કે ભગવાન મહાવીરને જ ભૂલી ગયો છે એવું નથી બલકે કૌટિલ્ય અને વિક્રમાદિત્યને પણ ભૂલી ગયો છે. આજનું નવું વર્ષ જેમનાં નામથી શરૂ થઈ રહ્યું છે તે રાજા વિક્રમાદિત્યના સમયનો ભારત પુનઃ પ્રાપ્ત થાય તોયે ઘણું. રાજા વિક્રમાદિત્ય તો સ્વંય રાત્રે છૂપી રીતે પ્રજાની પરિસ્થિતિ જાણવા બહાર નીકળતા. આજે મંત્રીઓ ધોળે દહાડે પણ આગળપાછળ પોલીસની ગાડીઓના કાફલામાં ઘેરાઈને નીકળે છે. લોકો દિવસે લૂંટાય છે પણ નેતાઓને પોતાની જ સુરક્ષા વહાલી છે.

દેશનાં અર્થતંત્ર પર પણ કૌટિલ્યના સિદ્ધાંતોનો કોઈ પ્રભાવ નથી. દરેક બજેટ મોંઘવારી સર્જે છે. દરેક બજેટ સામાન્ય માનવીની વિડંબના વધારે છે, પછી તે કોઈ પણ પક્ષની સરકાર હોય.

ભષ્ટાચાર અને ગોટાળાઓથી દેશ ઘેરાઈ ગયો છે. રાજનીતિમાં અપરાધીકરણે બધી સીમાઓ પાર કરી દીધી છે. સારું છે કે દેશનું ન્યાયતંત્ર હજુ સજાગ છે, જેને કારણે કેટલાક નેતાઓએ જેલમાં જ દિવાળી મનાવવી પડી.

રાજા કેવો હોવો જોઇએ?

રામરાજ્યની અવધારણાની વાત કરતાં પહેલાં રાજાનાં લક્ષણ અને કર્તવ્યની વાત સમજી લેવી જોઈએ. મહર્ષિ વાલ્મીકિજીએ રાજાનાં આ લક્ષણોને યુક્ત માન્યાં છે. ગુણવાન, પરાક્રમી, ધર્મજ્ઞા, ઉપકારી, સત્યવક્તા, સમસ્ત પ્રાણીઓનાં હિતચિંતક, વિદ્વાન, સામર્થ્યવાન, કોઈને જીતાવવાના તથા સંગ્રામમાં અજેય યોદ્ધા આ છે ઉત્તમ રાજ્યની યોગ્યતાનો આધાર. આજે આવા શાસકો ક્યાં છે? ભગવાન શ્રીરામની શાસનપ્રણાલિ અદ્ભુત હતી. તેમના સમયમાં મંત્રીમંડળ બે ભાગોમાં વિભક્ત હતું. અમાત્યમંડળ અને પુરવઃમંડળ. આ બંને મંત્રીમંડળોમાં સર્વ રીતે યોગ્ય વ્યક્તિઓને જ સ્થાન મળતું હતું અને તે વ્યક્તિઓ પણ વિભિન્ન ક્ષેત્રમાંથી આવતી હતી. આજે મંત્રીમંડળમાં કોમ, જ્ઞાતિ, વફાદારીને જ આધાર માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં રામરાજ્યની કલ્પના જ ક્યાં કરવી ?આજે તો દેશમાં પાકિસ્તાનના ઝંડા કેટલાંક લોકો ફરકાવે છે. રાજનૈતિક મહત્ત્વાકાંક્ષા ધરાવતાં લોકો બેફામ વાણી ઉચ્ચારે છે. નેતાઓ એકબીજાના ખૂનના પ્યાસા હોય તેમ વર્તે છે. સામૂહિક હત્યાઓ થઈ રહી છે. દલિતોની હત્યાઓ થઈ રહી છે. બાલિકાઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. આખીને આખી વસ્તીઓ સળગાવી દેવામાં આવે છે. દેશમાં નક્સલવાદ પ્રવેશી ચૂક્યો છે. દેશની એકતા અને અખંડિતતા જોખમમાં છે. સત્ય તો એ છે કે, આ દેશના રાજકારણીઓમાં નહીં પરંતુ સમાજજીવનમાં પણ રાવણ પ્રવેશી ચૂક્યો છે, હવે તો ભગવાન શ્રીરામ જ આ દેશની રક્ષા કરે.

ખેર, નૂતન વર્ષાભિનંદન.