રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

ચીન એક ડ્રેગન જ છે. દુનિયાનો કોઈ દેશ એના પર ભરોંસો કરતો નથી, કરવો પણ ના જોઈએ. સરદાર સાહેબની સલાહ છતાં એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ચીન પર ભરોંસો મૂકી ચીનના વડા ચાઉ એન લાઈનું ભારતમાં ભવ્ય સ્વાગત કર્યું હતું અને ‘હિંદી-ચીની ભાઈ-ભાઈ’નાં સૂત્રો પોકાર્યાં હતાં. આ સ્વાગતના થોડા સમય બાદ જ ચીને ભારત પર હુમલો કર્યો હતો. ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંંગ ગુજરાત આવી ખમણઢોકળાં ખાઈ ગયા અને તેઓ અમદાવાદથી દિલ્હી પહોંચે તે પહેલાં ચીનના સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી. યુનોમાં પણ પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા એક આતંકવાદી અંગે ભારતવિરોધી અને પાકિસ્તાન તરફી વલણ અખત્યાર કર્યું. આજે પણ ચીન ભારતના સરહદી પ્રાંત અરુણાચલને પોતાનો હિસ્સો માને છે.

હવે ચીને ભારત માટે એક નવી મુસીબત વધારી છે. હાઈડ્રોપાવર પ્રોડક્શન માટે ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર એક વિશાળ બંધ બાંધ્યો છે. આ હાઈડ્રોપાવર સ્ટેશનનાં બધાં જ છ યુનિટોએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટથી મધ્ય તિબેટને વીજળી મળશે પરંતુ બીજી બાજુ આ પ્રોજેક્ટથી જળઆપૂર્તિમાં કેટલીક મુશ્કેલીઓ આવે તેવો સંભવ છે.

ચાઈના ગેઝોઉબા ગ્રૂપે આ બંધનું નિર્માણ કર્યું છે. આ બંધ હવે કાર્યરત થયો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ભારતના તમામ નેતાઓ બિહારમાં સત્તા પ્રાપ્ત કરવાની રમતમાં વ્યસ્ત હોઈ ચીનની મેલી રમત અંગે કોઈ કાંઈ બોલ્યા નથી. ભારતના નેતાઓ ચીન ભારતનો મિત્ર હતો નહીં અને થશે નહીં એ વાત બોલવા તૈયાર નથી. ચીનનો નેતા ભારતના નેતાનું કેવું ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને કેટલીકવાર હસ્તધૂનન કરે છે તે પરથી ચીનને આંકી શકાય નહીં.

પહેલાં સમજી લઈએ કે ભારત માટે મુસીબત ઊભી કરી શકે તેવો ચીનનો આ બંધ શું છે? ૯૮ અબજ રૂપિયાના આ બંધ શન્નાન પ્રિફેક્ચરના ગ્યાસા કાઉન્ટીમાં આ બંધ બન્યો છે, તે જમ હાઈડ્રોપાવર સ્ટેશન અને જંગળુ હાઈડ્રોપાવર સ્ટેશન તરીકે પણ ઓળખાય છે. આ સ્ટેશન બ્રહ્મપુત્રા નદી પર છે જેને તિબેટમાં ચારલુંગ જારબો કહે છે. આ બંધ વિશ્વમાં સહુથી ઊંચી જગ્યા પર બનેલા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. વીજળી ઉત્પાદનની બાબતમાં આ સહુથી મોટો પ્રોજેક્ટ છે. એક વર્ષમાં ૨.૫ અબજ કિલોવોટ-કલાક વીજળીનું ઉત્પાદન થશે. આ, ‘રન-ઓફ-રિવર’ પ્રોજેકટ છે જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવશે નહીં.

હવે આ પ્રોજેક્ટથી ભારતે શા માટે ચિંતા કરવાની જરૂર છે તે જોઈએ. બ્રહ્મપુત્રા નદી તિબેટના એ પ્રાંતમાં થઈ ભારતની સીમામાં પ્રવેશે છે, આ બંધ ઘણી ઊંચી જગાએ બન્યો હોઈ નીચલા વિસ્તારોમાં ભયાનક પૂર આવી શકે છે. જિએશુ,નીંગળુ અને જિનાચા બંધ લગભગ ૨૫ કિલોમીટરની રેંજમાં છે, જે ભારતીય સીમાથી લગભગ ૫૫૦ કિલોમીટર દૂર છે, એ જ રીતે બ્રહ્મપુત્રનાં પાણીને એ બંધો અટકાવી દે તો ભારતના અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ અને લોઅર સુહાંર પ્રોજેક્ટ તેનાથી પ્રભાવિત થઈ શકે છે.

વિશ્વમાં સહુથી મોટા પાંચ પ્રોજેક્ટ કયા છે તે પણ જાણી લઈએ.

૧. થ્રી ગોજેંજ ડેમ પણ ચીનમાં જ યાંગત્સે નદી પર બનેલો છે. અહીં ૨૨ હજાર ૫૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. ૨. ઇતાઇયુ ડેમ બ્રાઝિલ અને પેરુગ્વેની વચ્ચે પરાના નદી પર બન્યો છે. આ ડેમથી ૯૮.૬ ટેરાવોર કલાક વીજળીનું ઉત્પાદન થાય છે. ઉ. તુકુરૂઈડેમ ૧૯૮૪માં બ્રાઝિલમાં તોકંતિસ પર નદી પર બન્યો હતો. આ ડેમથી ૮,૭૩૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે.

આ ડેમ જ નહીં પરંતુ ભારતની ચિંતા વધે તેવાં અનેક કદમ ચીન ઉઠાવી રહ્યો છે. ભૂકંપને કારણે બંધ પડી ગયેલા નેપાળ-ચીન વચ્ચેના ચીલુંગ માર્ગને ચીને ખોલી નાખ્યો છે. આ રસ્તો ખૂલવાને કારણે ચીન આસાનીથી નેપાળમાં વ્યૂહાત્મક પ્રવેશ કરી શકશે. આ રસ્તો ખૂલી જવાને કારણે ચીન નેપાળમાં સપ્લાય વધારી શકશે, જોકે ભારતનાં રાજકીય સૂત્રોએ કહ્યું છે કે, પડોશી દેશો સાથે સંબંધો સુધારવાની ભારતની વિદેશનીતિનો એ મતલબ તો નથી કે, ચીન સાથે દોસ્તી કરવા એની ખુશમત કરવામાં આવે, એ જ રીતે નેપાળમાં રાજકીય પરિવર્તનો આવ્યાં છે. નેપાળ હવે હિંદુ રાષ્ટ્ર નથી. નેપાળના આ રાજકીય પરિવર્તન અંગે ભારતે સતર્ક રહેવાની જરૂર છે. ચીન જેવા પડોશી રાષ્ટ્રો સાથે મૈત્રી કરવાની લાલચમાં ભારતે તેનાં હિતોનો ત્યાગ કરવાની જરૂર નથી. ભારત તેનાં હિતોનો ત્યાગ કરશે તો ભારતની દશા ધૃતરાષ્ટ્ર જેવી થશે.

ચીને નેપાળનો બંધ રસ્તો ખોલી દેતાં ભારતમાંથી ચીજવસ્તુઓનો પુરવઠો નેપાળમાં જતો હતો તેના પર અસર થઈ શકે છે. ખુદ ચીને એવો દાવો કર્યો છે કે આ રસ્તો ખૂલી જતાં ચીનના વેપારમાં જબરજસ્ત વૃદ્ધિ થશે. ચીનનાં આ વિધાનનો બીજો અર્થ એ છે કે ચીનના પ્રવેશથી નેપાળમાં ભારતનો વેપાર ઘટશે.

બીજી ચિંતાની વાત એ છે કે ચીને સરહદ પર એક બીજું પોર્ટ ખોલી દીધું છે. આ સરહદી પોર્ટ ભૂકંપના કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું, હવે એ બંદર ફરી કાર્યરત થઈ ગયું છે.

નોંધનીય વાત એ છે કે નેપાળમાં બંધારણ બદલવા માટે ચાલેલાં આંદોલનને કારણે ભારતથી નેપાળમાં જતા માલ-સામાનનો સપ્લાય લગભગ બંધ થયો છે, હવે ચીને નેપાળનો રસ્તો ખોલી એ તકનો લાભ ઝડપી લીધો છે.

બીજી ગંભીર બાબત એ છે કે, નેપાળમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે મોરચાનાની એક બેઠક તાજેતરમાં કાઠમાંડુમાં મળી હતી, જેમાં ભારત-નેપાળ સરહદ પર નાકાબંધી જારી રાખવાનો નિર્ણય કર્યો હતો. નેપાળમાં નવું બંધારણ કાર્યરત કરવામાં આવ્યું છે જેની સામે કેટલીક રાજકીય પાર્ટીઓનું ગઠબંધન એ નિર્ણય સામે આંદોલન ચલાવી રહ્યું છે. ચીન આ બાબતનો પણ રાજકીય ફાયદો ઉઠાવી રહ્યો છે.

ચીન પાકિસ્તાનમાં તેને ફાયદો થાય તેવું ગ્વાદર બંદર બાંધી ચૂક્યો છે. શ્રીલંકામાં પણ તેણે આવા જ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. ચીન વિયેતનામની માલિકીના તેના દરિયામાં આવેલા કેટલાક ટાપુઓ પર વિયેતનામે ભારતને આપેલા ઠેકા અનુસાર તે ટાપુઓ પર તેલ માટે શારકામ કરવા દેતો નથી.

શું ચીનને આપણે મિત્ર સમજી શું ?

ડ્રેગન કદી મિત્ર થઈ શકે ?