રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
  • ગલ્ફ નકારે છે, યુરોપ આવકારે છે

The great exodus અર્થાત્ મહાન હિજરત. ઈસુના પણ જન્મ પહેલાં ઇજિપ્તના ફેરો હેમસેસે-૨ના સમયમાં લાખ્ખો યહૂદીઓને વર્ષોથી ગુલામ રાખવામાં આવ્યા હતા. તે બધાને મોચીસે મુક્ત કરાવ્યા હતા અને લાખોની સંખ્યામાં યહૂદીઓ હિજરત કરીને પોતાના દેશ ઇઝરાયેલ આવવા નીકળ્યા હતા. તે ઘટનાને The great exodusકહે છે. એ ઘટનાનાં ત્રણ હજાર વર્ષ બાદ ફરી એવાં જ દૃશ્યો સીરિયામાં જોવા મળે છે. સીરિયામાં ફાટી નીકળેલા ગૃહયુદ્ધ અને ઇસ્લામિક સ્ટેટના લોહિયાળ આતંકના કારણે અત્યાર સુધીમાં ૪૦ લાખ લોકો નવું આશ્રયસ્થાન શોધી રહ્યા છે. સીરિયાથી આવતા મોટાભાગના શરણાર્થીઓ મુસ્લિમ છે છતાં આશ્ચર્યની વાત એ છે કે, સાઉદી અરેબિયા, મસ્કત, કુવૈત, ઓમાન, બહેરીન, કતાર કે દુબઈ જેવા સમૃદ્ધ ઇસ્લામિક દેશો તેમને સ્વીકારવા તૈયાર નથી. તેની સામે તુર્કી, જોર્ડન અને લેબેનોન જેવા ગરીબ દેશોએ સીરિયાના ૩૦ લાખ હિજરતીઓને આશ્રય આપ્યો છે.

સીરિયામાં ફાટી નીકળેલા ગૃહયુદ્ધના કારણે અત્યાર સુધીમાં ૨.૪૦ લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. ૪૦ લાખ લોકો ડરના માર્યા અન્ય દેશોમાં શરણ શોધી રહ્યા છે. આવું જ શરણ શોધી રહેલા લોકોને દરિયા માર્ગે અન્ય દેશોમાં લઈ જવા કેટલાંક એજન્ટો ફૂટી નીકળ્યા છે. જે બોટમાં માત્ર પંદર માણસો બેસી શકે તેમ છે તે બોટમાં ૪૦થી વધુ લોકોને ઊંચા દામ લઈ અન્યત્ર લઈ જવાની ફિરાકમાં અત્યારે હજારો લોકો દરિયામાં ડૂબી ગયા છે. એમાંયે છેલ્લે છેલ્લે ત્રણ વર્ષના નાનકડા બાળશરણાર્થીની દરિયાકિનારે ખેંચાઈને આવેલી લાશની તસવીર જોઈ વિશ્વ આખું રડી પડયું.

૨૧મી સદી સુખ અને સમૃદ્ધિની સદી મનાય છે, પરંતુ આવો માતમ આજ સુધી કોઈએ જોયો નથી. આજે હિજરતીઓની હાલત જોઈ માનવતા આક્રંદ કરી રહી છે. ઇસ્લામિક સ્ટેટ અને બોકોહરમ જેવાં આતંકી સંગઠનો સીરિયા અને ઇરાકમાં હિંસાનું તાંડવ મચાવી રહ્યાં છે. આ સંગઠનોએ આખી દુનિયામાં ખોફ ફેલાવ્યો છે. આઈએસ નામના સંગઠને ઇરાક અને સીરિયાના કેટલાંક ભાગો પર કબજો જમાવી દીધો છે. બીજા દેશો પર પણ કબજો જમાવવાની તેઓ ફિરાકમાં છે. અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓએ જાહેર કર્યું છે કે આઈએસ હવે અલ કાયદા કરતાં પણ વધુ ખતરનાક સંગઠન બની ગયું છે.

ઇસ્લામિક સ્ટેટ નામના આ સંગઠનના આતંકવાદીઓ ઇરાક અને સીરિયામાં નરસંહાર કરી રહ્યા છે. બાલિકાઓ અને મહિલાઓ પર બળાત્કાર કરે છે. આ ત્રાસથી બચવા લાખો લોકો યુરોપના સમૃદ્ધ દેશોમાં આશ્રય શોધી રહ્યા છે. આ કારણે આખું યુરોપ નિરાશ્રિતોના મુદ્દે સંકટમાં આવી ગયું છે.

શરૂઆતમાં બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોન શરણાર્થીઓને આશ્રય આપવાની વિરુદ્ધમાં હતા, પરંતુ હવે તેમનું હૃદય પરિવર્તન થયું છે. જર્મનીમાં તો મુસ્લિમ શરણાર્થીઓ કાયમી આશ્રય મળતો હોય તો ખ્રિસ્તી ધર્મ સ્વીકાર કરવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે.

જર્મની, ફ્રાન્સ, ગ્રીસ અને ઇટલી ૫૦ વર્ષ બાદ વિસ્થાપનના સંકટથી ઘેરાઈ ગયા છે. ઇરાક, સીરિયા, અફઘાનિસ્તાન, યુક્રેન તથા આફ્રિકાના હજારો લોકો રોજ એ લોહિયાળ વિસ્તારોમાંથી પલાયન થઈ યુરોપમાં પ્રવેશવા મથામણ કરી રહ્યા છે. હજારો લોકો નાની બોટોના સહારે આ હિજરત કરી રહ્યા છે. ગયા અઠવાડિયે જ મેસેડોનિયાએ ગ્રીસ તરફ આવેલી દક્ષિણ સરહદ ખોલી નાખી છે. એ પછી હજારોની સંખ્યામાં સીરિયા, અફઘાનિસ્તાન અને ઇરાકના નાગરિકો રેલવેના પાટા પર ચાલતાં ચાલતાં ગ્રીસથી મેસેડોનિયામાં પ્રવેશ્યા છે. આ બધા શરણાર્થીઓને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવાનો ધંધો કેટલાંક અપરાધી જૂથો કરી રહ્યાં છે અને બદલામાં લાચાર નાગરિકો પાસેથી મોટી રકમ પડાવે છે. હિજરતની આ પ્રક્રિયા જોખમી છે. કેટલીયે બોટો દરિયામાં જ ડૂબી જાય છે. ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાની પાસે હાઈવે પર ઊભેલી એક ટ્રકમાંથી ૭૧ માનવશબ મળી આવ્યાં છે. એ બધા જ શરણાર્થીઓ હતા અને એમને કબૂતરબાજોઓ એક કંટેનરમાં છુપાવી રાખ્યા હતા.

યુરોપીય દેશોનો સંઘ પણ આ લાખો શરણાર્થીઓને ક્યાં સમાવવા તે અંગે ચિંતામાં છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં હજારો વિસ્થાપતો એકત્ર થયેલા છે. હંગેરીએ તો શરણાર્થીઓને રોકવા માટે ટ્રેનો પણ બંધ કરી દીધી છે. બ્રિટન પણ શરૂઆતમાં શરણાર્થીઓને રોકવા માગતું હતું, પરંતુ હવે નરમ પડયું છે. જર્મનીએ શરણાર્થીઓ માટેના આવેદન પત્રને આસાન કરી દીધું છે. ગ્રીસ અને ઇટાલીની આર્થિક હાલત તો પહેલેથી જ ખરાબ છે. તે લાખ્ખો શરણાર્થીઓનો બોજ સહન કરી શકે તેમ નથી. આમ છતાં તુર્કીના દરિયાકિનારેથી મળેલા ત્રણ વર્ષના બાળકના શબે યુરોપને ફરી વિચારતું કરી દીધું છે. મીડિયામાં પ્રકાશિત થયેલી એ તસવીરે શરણાર્થીઓના સંકટને માનવીય બનાવી દીધું છે. અત્રે એ નોંધનીય છે કે આતંકવાદના કારણે મધ્યપૂર્વનાં દોઢ કરોડ બાળકો ખરાબ પરિણામો ભોગવી રહ્યાં છે. શરણાર્થીઓ જે શિબિરોમાં રહે છે તે પણ નરક બની ગઈ છે.

આશ્ચર્યની વાત એ છે કે, જે હિજરતીઓ તેમનું વતન છોડી રહ્યા છે તે હિજરતીઓ મોટેભાગે મુસ્લિમ હોવા છતાં ગલ્ફના દેશો તેમને નકારી રહ્યા છે ત્યારે બીજી બાજુ સંકટમાં ઘેરાયેલા યુરોપિયન દેશો માનવતાના કારણે તેમને આવકારી રહ્યા છે. કોઈ ચાલીને, કોઈ ટ્રેનમાં, તો કોઈ બસમાં બેસીને ઓસ્ટ્રિયાની સીમામાં લોકો પ્રવેશી રહ્યા છે. દક્ષિણ જર્મનીના મ્યુનિક શહેરમાં સ્થાનિક લોકોએ તાળીઓ પાડીને તથા બાળકોને મીઠાઈ આપીને હિજરતીઓનું સ્વાગત કર્યું. અત્યાર સુધીમાં ૭૦૦૦ હિજરતીઓ મ્યુનિક પહોંચી ચૂક્યા છે. તે બધાનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે અને તેમને વસ્ત્રો પણ આપવામાં આવી રહ્યાં છે. બ્રિટને પણ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ દબાણ વધતાં ૧૫૦૦૦ શરણાર્થીઓને સ્વીકારવા તૈયારી દર્શાવી છે. તેની સાથે સાથે માનવ તસ્કરી કરવાવાળાઓ સામે સખત સૈનિક કાર્યવાહી પણ કરવા નિર્ણય કર્યો છે.

આ હિજરતીઓ અંગે અમેરિકા ભલે જાહેરમાં માનવતાની વાત કરતું હોય, પરંતુ સીરિયાની આ કટોકટી માટે ખરેખર તો અમેરિકા જ જવાબદાર છે. અફઘાનિસ્થાનમાં રશિયાને પાઠ ભણાવવા માટે અમેરિકાએ જે રીતે અલ કાયદાને શસ્ત્રોની મદદ કરી ઓસામા બિન લાદેન પેદા કર્યો હતો તે જ રીતે તેણે સીરિયામાં તેના શાસક રાષ્ટ્રપતિ બશર અલ-અસદને પાઠ ભણાવવા માટે એ સરકાર સામે જંગે ચડેલા આતંકવાદીઓને શસ્ત્રોની મદદ કરેલી છે. જો અમેરિકા દ્વારા એ બળવાખોરોને શસ્ત્રની સહાય કરવામાં ન આવી હોત તો સીરિયાના ગૃહયુદ્ધનો ક્યારનોય અંત આવી ગયો હોત. સીરિયાના રાષ્ટ્રપતિ સામે અમેરિકાને વાંધો એ છે કે તે એમ માને છે કે, સીરિયા પાસે રાસાયણિક હથિયાર છે. આ અંગે સીરિયાના રાષ્ટ્રપતિ અમેરિકાને દાદ ના આપતાં હોઈ અમેરિકાએ સીરિયા અને તુર્કીની સરહદો પર બળવાખોરોની શિબિરો ખોલી તેમને રોકેટ લોન્ચરો, રાયફલો તથા એન્ટિ ટેક મિસાઇલો આપેલાં છે, જે હવે સીરિયાની પ્રજા સામે જ આતંકવાદીઓ વાપરે છે.