રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં ભારત માટે ઇઝરાયેલ સાથેના સંબંધો વિકસાવવા એ વ્યૂહાત્મક મહત્ત્વ અને કેટલીક જટિલતા પણ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલ જાય તે પહેલાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ ઇઝરાયેલ જવાના છે. આજના જટિલ સમયમાં ઇઝરાયેલની મુલાકાત ભારત માટે અનેક પ્રકારનાં મહત્ત્વપૂર્ણ કારણો ધરાવે છે. ભારત જેવા દેશે સહુથી પહેલાં ઇઝરાયેલને બરાબર સમજી લેવાની જરૂર છે. ઇઝરાયેલ યહૂદી પ્રજાનો દેશ છે. વિશ્વની તમામ પ્રજાઓમાં યહૂદી એક વિશિષ્ઠ પ્રજા છે. ઇઝરાયેલનો ઉપલબ્ધ ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે. ઇઝરાયેલ બાઇબલની કથાઓની ભૂમિ છે. પહાડીઓ, સફેદ પથ્થરો,ખીણો અને સમુદ્રોથી ઘેરાયેલો આ દેશ નહીંવત્ વરસાદ ધરાવે છે. ચાર હજાર વર્ષ પહેલાં યહૂદીઓ અને આરબોના પૂર્વજ અબ્રાહમ અથવા ઇબ્રાહિમ અહીં જન્મ્યા હતા. વિશ્વને અમર ગીતો આપનાર કિંગ ડેવિડ અને રાજા સોલોમન પણ અહીં જન્મ્યા હતા. ઈશ્વરના દસ આદેશો અર્થાત્ ‘ધ ટેન કમાન્ડમેન્ટ્સ’ આપનાર મોસીસ પણ યહૂદી હતા. વિશ્વને પ્રેમ અને દયાનો સંદેશો આપનાર જિસસ કાઇસ્ટ પણ યહૂદી પરિવારમાં જન્મ્યા હતા. વિશ્વને સામ્યવાદની થિયરી આપનાર કાલ માર્ક્સ પણ યહૂદી હતા. આધુનિક મનોવિજ્ઞાાનના પ્રણેતા ડો. સિગ્મંડ ફ્રોઇડ પણ યહૂદી હતા. જેમની થિયરીના આધારે અણુબોમ્બ બન્યો તે રિલટિવિટીનો સિદ્ધાંત આપનાર વિશ્વવિખ્યાત વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇન પણ યહૂદી હતા. ‘શિન્ડલર્સ લિસ્ટ’ અને ‘જુરાસિક પાર્ક’ જેવી ફિલ્મોના દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગ પણ યહૂદી છે. નોબેલ પ્રાઇઝ આપવાનું શરૂ થયું ત્યાર પછી ભાગ્યે જ કોઈ એવું વર્ષ પસાર થયું હશે જ્યારે કોઈ એકાદ યહૂદીને નોબેલ પ્રાઇઝ મળ્યું ના હોય. અમેરિકામાં આમ તો બહુમતી ખ્રિસ્તીઓની છે, પરંતુ ત્યાં સહુથી વધુ ધનિકો યહૂદીઓ છે.

ઇઝરાયેલનું પાટનગર જેરુસલેમ છે. અહીં વિશ્વભરના મુસ્લિમોની વિખ્યાત ઓમર (ઉમર)ની મસ્જિદ પણ છે, જ્યાં પવિત્ર ખડકોને સાચવી રાખવામાં આવ્યા છે. મુસ્લિમો માટે મક્કા અને મદીના પછી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું આ યાત્રાસ્થળ છે. જેરુસલેમથી નજીક બેથલેહામ આવેલું છે, જ્યાં ઈસુખ્રિસ્ત જન્મ્યા હતા. જેરુસલેમમાં ઈસુને વધસ્તંભ પર ચઢાવાયા હતા તે સ્થળ પણ વિશ્વભરના ખ્રિસ્તીઓનું યાત્રાસ્થળ છે. ઇઝરાયેલ જ એક એવો દેશ છે જ્યાં વિશ્વના ત્રણ મહાન ધર્મો યહૂદી,

ખ્રિસ્તી અને ઇસ્લામનાં પારણાં બંધાયાં.

આવું ઇઝરાયેલ વર્ષોથી મિત્ર નહીં એવા દેશોથી ઘેરાયેલું છે, છતાં તે કોઈથી ડરતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઇઝરાયેલ જવા વિચારી રહ્યા છે ત્યારે એ પૂર્વભૂમિકા પણ જાણી લેવાની જરૂર છે કે ભારતની વિદેશીનીતિ ૯૦ના દાયકા સુધી ઇઝરાયેલ પ્રત્યે ભેદભાવયુક્ત હતી. એ વખતે પેલેસ્ટાઇનનો સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હતો. ભારતે પેલેસ્ટાઇનના મુક્તિ સંગ્રામનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. એમાં કાંઈ ખોટું પણ નહોતું, કારણ કે પેલેસ્ટાઇનના મુક્તિ સંગ્રામના વડા યાસર અરાફત ભારતના મિત્ર હતા અને તેમના દેશની સ્વતંત્રતાની લડત સાચી પણ હતી. એ પછી પેલેસ્ટાઇન અસ્તિત્વમાં આવ્યું. તે પછી વિશ્વની રાજનીતિમાં પણ સમીકરણો બદલાયાં. ઇઝરાયેલે આરબ દેશોની સાથે આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ હેઠળ કેટલીયે વાર શાંતિ સ્થાપવાના પ્રયાસો કર્યા. તેમાં ‘કેમ્પ ડેવિસ’ની સમજૂતી મહત્ત્વપૂર્ણ હતી. બદલાતી સ્થિતિમાં ઇઝરાયેલે પણ પોતાને બદલવા કોશિશ કરી.

એ જ રીતે ૯૦ના દાયકામાં ભારતના તે વખતના વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના શાસનકાળમાં ઇઝરાયેલની સાથે રાજનૈતિક સંબંધોની શરૂઆત થઈ. આજે પણ ઇઝરાયેલ ઉદ્યોગક્ષેત્રનું મહારથી ગણાય છે અને આતંકવાદ વિરોધી લડતમાં પણ તે કાબેલ ગણાય છે. કૃષિવિજ્ઞાાનમાં આ દેશે જબરદસ્ત પ્રગતિ કરી છે. ઇઝરાયેલે વિકસાવેલી એગ્રિકલ્ચરલ ટેક્નોલોજીનો ઉપયોગ અમેરિકા પણ કરે છે. ઇઝરાયેલ, સીરિયા, જોર્ડન, ઇજિપ્ત, લેબેનોન તથા પેલેસ્ટાઇન જેવા આરબ દેશોથી ઘેરાયેલો દેશ છે.

૯૦ના દાયકાથી આજ સુધી ભારત તરફથી રાજનૈતિક યાત્રાઓ થતી રહી, પરંતુ ઉચ્ચ સ્તર પર રાજનૈતિક યાત્રાઓ ના થઈ. વડાપ્રધાન ઇઝરાયેલ જાય તે પહેલાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ઇઝરાયેલ જઈ રહ્યા છે. આ એક આવકારદાયક બાબત છે, કારણ કે પ્રણવદા પાછલા યુગની વિદેશનીતિ અને આજના યુગની વિદેશનીતિ વચ્ચેની મજબૂત કડી છે. ઇઝરાયેલની પ્રથમ ઉચ્ચ રાજનૈતિક યાત્રાથી શરૂઆત કરીને રાષ્ટ્રપતિશ્રી આરબ અને અન્ય મુસ્લિમ દેશોની સાથે પણ રાષ્ટ્રીય હિતોને ઉપર રાખીને પૂરતું સંતુલન પણ કરશે એમાં શંકા નથી. રાષ્ટ્રપતિની યાત્રામાં જોર્ડન પણ સામેલ છે, જે દર્શાવે છે કે મોદી સરકાર આરબ દેશો સાથે પણ તેના સંબંધો જાળવી રાખવા માગે છે.

ઇઝરાયેલની વાત આવે છે ત્યારે એક અગાઉની ઘટના પણ યાદ કરવા જેવી છે. ૧૯૭૭માં કેન્દ્રમાં પહેલી વાર બિનકોંગ્રેસી સરકાર મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળ બની હતી. એ વખતે અટલ બિહારી વાજપેયી વિદેશમંત્રી હતા. એ વખતે ઇઝરાયેલના એ વખતના સંરક્ષણ મંત્રી મોશે દેવાન દિલ્હી એરપોર્ટ પર આવીને પાછા જતા રહ્યા હતા. આ કોઈ ગુપ્ત મુલાકાત હતી અને કૂટનીતિના ભાગરૂપે હતી કે કેમ તે ચર્ચાનો વિષય છે. કદાચ તે વખતના વડાપ્રધાન મોરારજી દેસાઈ ઇઝરાયેલને મિત્ર બનાવી કેટલાંક દેશોને પાઠ ભણાવવા માગતા હતા.

ઇઝરાયેલ સાથેની દોસ્તી અને ઇઝરાયેલ સાથેની સમજૂતીઓ ભારત માટે મહત્ત્વપૂર્ણ હશે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે કેટલીક સમાનતાઓ પણ છે. ઇઝરાયેલની જેમ જ ભારત દુશ્મન દેશોથી ઘેરાયેલો દેશ છે. તેમાં પાકિસ્તાન અને ચીન મુખ્ય દુશ્મન છે. ઇઝરાયેલ નાનકડો દેશ હોવા છતાં ગર્વથી માથું ઊંચું રાખીને તે ઊભો છે અને ડર્યા વગર દુશ્મનો સામે જે રીતે ઝીંક ઝીલી રહ્યો છે તે ભારત માટે એક ઉદાહરણરૂપ છે. ઇઝરાયેલ પાસે યુદ્ધનાં શસ્ત્રોની તથા બીજાં અનેક ક્ષેત્રોની ટેક્નોલોજી પણ હાંસલ કરી શકાય તેમ છે. ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા ‘મોસાદ’ને આતંકવાદ સામેની લડાઈમાં માહિતીની આપ-લે કરવા ભાગીદાર પણ બનાવી શકાય તેમ છે.

ઇઝરાયેલ એક મિત્ર બનાવવા જેવો દેશ છે, પણ આરબ રાજ્યો સાથે સંબંધ બગાડીને નહીં, કારણ કે ભારતે ક્રૂડ પણ આરબ રાજ્યોમાં પાસેથી જ લેવાનું હોય છે.

www.devendrapatel.in